Category Archives: Psychology

सत्यमेव जयते नानृतं

सत्यमेव जयते नानृतं
सत्यमेव जयते नानृतं, આ ત્રણ શબ્દો મંડૂક ઉપનિષદનાં એક શ્લોકનાં છે. આનો અર્થ એ થાય કે સત્યનો વિજય થાય છે, જે સત્ય ના હોય તેનો નહિ. નાનૃતં શબ્દમાં ઋત શબ્દ સમાયેલો છે. ઋત નો અર્થ સત્ય થાય છે. ઋતનો બીજો અર્થ ઋતુ એટલે કે સીઝન પણ થાય છે. ઋતુઓ બદલાઈ જાય છે કાલચક્ર પ્રમાણે તેમ સત્ય પણ બદલાઈ જતું હોય છે. મંડૂક એટલે મસ્તક. આખો શ્લોક વાંચવો છે?
सत्यमेव जयते नानृतं सत्येन पंथा विततो देवयानः।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र सत्सत्यस्य परमं निधानम्॥
અર્થાત સત્યનો વિજય થાય છે, જે સત્ય ના હોય તેનો નહિ. સત્ય વડે દેવયાન માર્ગ પરિપૂર્ણ છે. તેના દ્વારા કામના રહિત ઋષિગણ તે પરમપદને મેળવતા હોય છે, જ્યાં સત્યના શ્રેષ્ઠ ભંડાર રૂપ પરમાત્માનો  નિવાસ છે.
પહેલો સવાલ તો એ છે કે સત્ય કોને માનવું? આ સત્ય જડે તો સમજ પડે કે કોનો વિજય થાય છે. આપણને જે સત્ય લાગતું હોય તે બીજાને ના પણ લાગે. તો પછી સત્ય કોને સમજવું? સત્ય જડ્યા વગર ભારત સરકારે રાષ્ટ્રીય એમ્બ્લમ નીચે આ શ્લોકના પ્રથમ બે શબ્દો મૂકીને લોકોને એક આભાસી દિલાસો આપી દીધો છે કે ચિંતા ના કરો સત્યનો હંમેશા વિજય થાય છે, તે પણ આશરે ૮૦૦ વર્ષની ગુલામી બાદ. સરકાર ચલાવતા નેતાઓ કહ્યે જાય છે કે સત્યનો વિજય થાય છે ચિંતા નાં કરો અમને પૈસા સ્વીસ બેન્કોમાં મૂકવા દો તમતમારે મજૂરી કરે રાખો. આત્મા પરમાત્માની વાતો બાવાઓ, બાપુઓ  અને સંતો મહંતો  માટે બાજુ પર રાખીએ આપણે સત્યમેવ જયતે શો વિષે જોઈએ.
સત્યમેવ જયતે ટીવી શોમાં આમીરખાન કોઈ નવા મુદ્દા લાવ્યો નથી. વર્ષોથી આ બધી બદીઓ ચાલુ જ છે. એમાં કોઈને કશું ખોટું લાગતું નથી. જેને અસર થાય કે પીડા થાય કે સહન કરવાનું આવે તેને અસત્ય લાગે, બાકી બીજાને સત્ય લાગતું હોય છે. શાસ્ત્રોએ શીખવ્યું છે કે દીકરાથી વંશ રહે. શાસ્ત્રો પુરુષોએ લખ્યા છે. એટલે કન્યા ભૃણ હત્યા કરનારાને એમાં કશું ખોટું દેખાતું નથી. દહેજ લેનારને દહેજ લેવામાં સત્ય દેખાતું હોય છે. દહેજ માટે વહુને પરેશાન કરવામાં સાસુમાને એમાં ગૌરવ જણાતું હોય છે, પરેશાન થનારી વહુને ભલે અસત્ય લાગે. ગર્ભ પરીક્ષણ ચાલુ થયા ત્યારે તો હું કદાચ ટીનેજર હતો, આજે ૫૫ થયા છે. ત્યારની કન્યા ભૃણ હત્યાઓ ચાલુ જ છે. જોયાનું ઝેર છે આમીરે આ ઝેર ટીવીના પડદે બતાવ્યું છે. આપણી બીમારીઓ આપણે જોઈ શકતા નથી અને જોવી ગમતી નથી. બીમારીઓ બતાવનારાઓને નેગેટિવ થીંક કરે છે, પોજીટીવ નથી, પોજીટીવ બનવું જોઈએ, સારું ઘણું છે સારી બાબતો બતાવવી જોઈએ, બીજા દેશોમાં પણ આવું ચાલતું હોય છે ત્યારે કેમ કહેતા નથી, બીજા ધર્મોમાં પણ ચાલે છે, બીજા સમાજોમાં પણ ચાલે છે, બીજા સામાજો વિષે લખી જુઓ ટાંટિયા ભાગી નાખશે,  આવા જાતજાતના એક્સક્યુઝ કાઢવામાં આવતા હોય છે. મૂળે રોગીષ્ટ છીએ અને રોગ દુનિયા જાણી જાય છે તેની શરમ આવે છે. સારું છે તેને ગાવાની શું જરૂર છે? સારુ તો આગળ વધતું જ રહેવાનું છે, પહેલું કામ બીમારી જોવાનું કરવું જોઈએ જેથી રોગનો નાશ કરી શકાય. હમણાં એક અંગત સંબંધીને JFK  હોસ્પિટલમાં દાખલ કરેલા. એમને એક જ કીડની છે અને તે બરોબર કામ કરતી નહોતી. આખું બોડી ચેકપ થઈ ગયું. જે અંગો સારા હતા ને બરોબર કામ કરતા હતા તેની ડોકટર્સ કોઈ ચર્ચા કરતા નહોતા. જે અંગ બીમાર જણાયા તેની પાછળ પડી ગયેલા. ચાર પાંચ જુદા જુદા સ્પેશીયાલીસ્ટ રોજ આવતા હતા. છ દિવસે ઘેર જવાની રજા મળી. મેં મારા તે સંબંધીને કહ્યું પણ ખરું કે આ ડોક્ટર્સ નેગેટિવ થીન્કર છે, પોજીટીવ નથી. તમારું હાર્ટ સારું ચાલે છે તેની કોઈ ચર્ચા કરતા નથી. લીવર અને કિડનીની જ ચિંતા કરે છે, બગડેલી વસ્તુની ચિંતા કરે છે. સારી વસ્તુઓ પણ જોવી જોઈએ ને? એ સંબંધીએ હસતા હસતા કહ્યું આ બધા તમારા જેવા છે.
મોટો પ્રશ્ન એ પણ છે કે શો બનાવનારો આમીર ધર્મે મુસલમાન છે. કોઈ અમિતાભ  બચ્ચન , ઋત્વિક રોશને કે અક્ષયકુમારે આ શો બનાવ્યો હોત તો??એટલે હવે નવો નારો શરુ થયો કે બુરખા પર આમીરે શો બનાવવો  જોઈએ. બુરખો પહેરવામાં કોની હત્યા થઈ? કોઈ બુરખો પહેરવાની નાં પાડે અને તેની હત્યા ભારતમાં કરવામાં આવે તો આમીરે ચોક્કસ બતાવવું જોઈએ. બુરખો પહેરવાથી શું એબોર્શન થઈ જાય છે? કે સળગી જવાય છે? બુરખો પહેરાવવા માટે બળજબરી થતી હોય અત્યાચાર થતા હોય તો ચોક્કસ ખોટી વાત છે. સ્ત્રીઓનું બચપણમાં ધાર્મિક બ્રેઈન વોશિંગ કરવામાં આવે તો બુરખો એમના શોખથી પહેરતી હોય છે. હું અહીં મારા યુરોલોજીસ્ટ ડૉક્ટર પાસે જાઉં છું ત્યાં એમની દીકરી આધુનિક જીન્સ અને ટોપ સાથે માથે એક પણ બાલ નાં દેખાય તે રીતે માથું ઢાંકીને ફડફડાટ સ્પેનીશ અને ઇંગ્લીશમાં રિસેપ્શન કાઉન્ટર સંભાળતી હોય છે. હું પહેલીવાર અમેરિકા આવ્યો  ત્યારે પ્લેઇનમાં અમારી સાથે સ્વ. શમ્મીકપૂર, એમના ધર્મપત્ની અને આફતાબ શિવદાસાની હતા. શમ્મીકપુરના શ્રીમતીજી એ સાડી બરોબર માથે કવર કરીને રાખેલી હતી.
ઘણી સ્ત્રીઓની ખૂદની ઇચ્છા હોય છે કે તેમને પેટે દીકરો અવતરે. લગભગ સ્ત્રીને દીકરો જોઇતો હોય છે અને પુરુષને દીકરી વહાલી લાગતી હોય છે. આમ ઘણી બધી ગર્ભવતી માતાઓની પણ કન્યા ભૃણ હત્યામાં સંમતિ હોય છે. એમને પણ દીકરો જોઇતો હોય છે. માતા પણ સીધી સાદી ઓરત  છે એના પણ ગમા અણગમા હોય છે. એવરેજ માતાઓને દીકરો વધારે વહાલો હોય છે અને એવરેજ બાપને દીકરી વધુ વહાલી હોય છે. આવા અનેક  મુદ્દાઓ  આમીર ચાતરી ગયો છે. સમય ઓછો પડતો હશે કે ઘણા બધા મુદ્દા નાહક  વિવાદ જગાવી કોર્ટોના ચક્કર મારતો કરી દે તેવા હોવાથી જાણી જોઇને છોડી દીધા હશે. ભારતમાં ભણવાથી કોઈ એજ્યુકેટેડ બની જતું નથી. ભણવાથી કોઈ નૈતિક બની જતું નથી. માટે ડોક્ટર્સ અને તે પણ મહિલા ડોક્ટર્સમાં મુખેથી જે સંભાળવા મળ્યું તેમાં કોઈ નવું નથી, બીજી આશા પણ શું રાખી શકો? પૈસા માટે આ દેશનો કહેવાતો ઉચ્ચ ગણાતો નાગરિક ગમેતેટલી નીચી કક્ષાએ ઊતરવા તૈયાર છે તે સ્ટીંગ ઓપરેશનમાં જોઈ લીધું ને? અને તે પણ ભણેલા ડોક્ટર્સ અને જેને લોકો ભગવાન માનતા હોય તેવા, એમાં પાછી મહિલા ડોક્ટર્સ.  કહેવાતા ભગવાનોએ આ દેશનું સત્યાનાશ વાળી નાખ્યું છે.
પણ અહીં રિવાજ છે કે બીમારીઓ ગરીબોને માથે નાખી દો. અભણનાં માથે નાખી દો. કોઈ પણ પ્રશ્ન આવે કે પહેલો ઉત્તર એ હોય કે એજ્યુકેશનનો અભાવ છે માટે આવું થાય છે. ગરીબો પાસે કે અભણો પાસે દહેજ આપવા કે માંગવા જેટલી હેસિયત હોય ખરી?? ઑર્થોપેડિક સર્જન જ એના ભણતરનો ખર્ચ  કાઢવા દહેજ માંગે ને? અંધશ્રદ્ધાની વાત આવે કે ગરીબો અને અભણોને સુધારો. સચિનની ધરમ પત્ની પોતે ડૉક્ટર છે. એક હાથ ચાલાકી  કરતા જાદુગરમાં ગાંડો થતા રોકતી  નહિ હોય? નાં રોકે, પોતે પણ માનતી હશે. ભણતર અહીં ટેકનીકલ નૉલેજ છે જે ફક્ત કમાણીનું સાધન માત્ર છે, કોઈ માનસિક ચેતના ઊર્ધ્વ કરવાનો માર્ગ નથી. ઉચ્ચ ડિગ્રી કોઈ નૈતિકતાની ગેરંટી નથી. નાની નાની અંધશ્રદ્ધાઓ દૂર કરવાની કથા કરનારા મોટી અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે. એમને કહેવાતા ભણેલાઓની અંધશ્રદ્ધા દેખાતી હોતી નથી કે આંખ આડા કાન કરતા હોય છે. ગરીબો વળી ક્યાં ગુરુ પૂનમે લાઈન લગાવી ઉભા રહેવાના હતા?
બાળકોનું જાતીય શોષણ ધાર્મિક સંસ્થાઓમાં ખૂબ થતું હોય છે. પણ એ બધું બહાર આવવું મુશ્કેલ. કોણ કહેવાનું? ક્યાંક  કોઈ કિસ્સા બહાર આવે તો ધાર્મિક સંસ્થાઓના આર્થિક રખેવાળો બધી વાત દબાવી દેવા પુષ્કળ પૈસા વાપરી નાખતા હોય છે. નાની ઉંમરના સંન્યાસીઓ જ્યાં રહેતા હોય ત્યાં ૧૦૦ ટકા બાલ સંતો અને સાધ્વીઓનું જાતીય શોષણ મોટા સંતો અને મુનિઓ કરવાના જ તે હકીકત છે. બ્રહ્મચર્યની બકવાસ અવૈજ્ઞાનિક માન્યતાઓએ અને નાની ઉંમરમાં સંન્યાસ આપવાની પ્રથાએ આ દેશના બાળકોને જીવતા દોજખમાં ઝીંકી દીધા છે. નાના બાળકોનું જાતીય શોષણ સગાવહાલાઓ દ્વારા વિશેષ થતું હોય છે. આત્મજ્ઞાનના ભારતને ચડેલા આફરાએ નાના બાળકોને પણ સંડોવી દીધા છે.  જે નાના બાળકોને સામાન્યજ્ઞાનની સમજ ના હોય તેને આત્મજ્ઞાનને રવાડે ચડાવી દેવા મૂર્ખામી નહિ તો બીજું શું? ભલભલાં પંડિતોને આત્મજ્ઞાન શું છે, સમજ નથી પડતી. જે નાના બાળકનું બચપણમાં જાતીય શોષણ થયું હોય તે મોટો થઈને બીજા બાળકનું જાતીય શોષણ કરવા પ્રેરાય પણ ખરો. એવા બાળકો મોટા થઈને ગે બની જવાની પણ શક્યતા છે. બચપણની પીડા જુવાનીમાં આનંદ અર્પતી પણ થઈ જાય. માનસ વિકૃત બની જવાની પૂરી શક્યતાઓ છે. ચાલો આમીરે બતાવેલા યુવાન હરીશે બીજી ચેનલ પર ગે હોવાનું કબૂલ્યું છે, પણ એનાથી બાળકોનું જાતીય શોષણ થાય છે તે મુદ્દો ઉડી થોડો જવાનો છે? બીજી ટીવી ચેનલ પર હરીશે એના પર સાત વર્ષનો હતો ત્યારથી જાતીય શોષણ થતું હતું તે જણાવ્યું જ છે. હરીશ સાત વર્ષનો હતો ત્યારે તો ગે નહિ હોય. એના માસાએ એનું શોષણ કરી એને ગે બનાવી દીધો. એની માતા બોલી ગઈ હતી કે એમની બહેનની જિંદગીનો સવાલ હતો માટે માસાજી સંડોવાયા હતા તેવું અનુમાન કરી શકાય તેમ છે.
બાળકોના જાતીય શોષણ બાબતે સજા કરવાના કોઈ મજબૂત કાયદા ઘણા બધા દેશોમાં નથી હોતા. એમાં ભારત પણ સામેલ છે તે જાણી નવાઈ લાગે તેવું છે. બાળકના મુખમાં જાતીય અંગ નાખવું તેને હાઇકોર્ટનો જજ ગુનો માનતો નથી, પેનીટ્રેશન સાબિત નથી થતું  તે મહાશયના મનમાં. કે પછી બેંક બેલેન્સ ખાનગીમાં વધી ગયું હોઈ શકે. ફરી કહું કે આ દેશમાં પૈસા માટે ગમે તેટલી નીચ કક્ષાએ પહોચી જવા કહેવાતો ઉચ્ચ કક્ષાનો માણસ પહોચી જવા તૈયાર હોય છે. હમણાં એક ડૉક્ટર ગર્ભપાત કરેલા ભૃણની સાબિતી ના રહે માટે એના કૂતરાને ખવડાવી દેતો હતો. પૈસાને પાપ માનતી પ્રજા જ પૈસાની પાછળ પડેલી છે. છતાં કાળા વાદળને એક રૂપેરી કોર જરૂર હોય છે. શોષિતોની સેવા કરનારી ઘણી સંસ્થાઓ હોય છે. એમના માટે લડનારી સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ હોય છે. આવી સંસ્થાઓને કામ કરવા પૈસાનું ભંડોળ જોઈએ તેને આમિરના શો દ્વારા મદદ મળવાની છે. એસ.એમ.એસ દ્વારા મળનારી રકમ  જેટલી બીજી રકમ રિલાયન્સ ફાઉન્ડેશન ઉમેરીને આપશે.
ધરમ, કરમ, પુનર્જન્મ, લોકપરલોક, કરમના ફળ આવી અનેક બાબતોના અફીણ ઘોળીને સુતેલી પ્રજાને જગાડવાનું કામ આજ સુધી અનેક સુધારકો કરતા આવ્યા છે તેમાં એક નામ આમિરનું ઉમેરાઈ જશે બીજું શું??

ભૂકંપની આગાહી કૂતરા દ્વારા

DSC_0016
DSC_0016 (Photo credit: Scott Hammond)
ભૂકંપની આગાહી કૂતરા દ્વારા
કૂતરા અને બીજા પ્રાણીઓ આવનારા ભૂકંપને પારખવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે કે નહીં તે વિષય વૈજ્ઞાનિકો માટે હંમેશા ગરમાગરમ ચર્ચાનો વિષય રહ્યો છે. ભૂકંપ આવે તેની આગાહી કરવામાં કૂતરા અને બીજા પ્રાણીઓ માહેર હોય છે તેવું ઘણાનું માનવું છે. મહદંશે સાચું પણ છે. આવા પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરીને ભૂકંપની આગાહી કરી શકાય છે. કૂતરા પાસે સૂંઘવાની વિશિષ્ટ ક્ષમતા હોય છે તે તો જગજાહેર છે. પણ આવી બીજી કોઈ સાયકિક સેન્સરી એબિલીટી હોય તે ચર્ચાનો વિષય છે. આલ્પ્સ પર્વત ઉપર ફરવા જનારા ટુરિસ્ટને આવનારા હિમપ્રપાત  વિષે કૂતરા દ્વારા ચેતવવાના સેંકડો પુરાવા મળ્યા છે. આવી દુર્ગમ પર્વતમાળામાં ફસાયેલા લોકોને બચાવનારી રેસ્ક્યુ ટીમને આવનારા avalanche સ્થળેથી કૂતરા દ્વારા દૂર લઈ જઈને સેફ રસ્તે લઈ જવાના અનેક દાખલા નોંધાયા છે. ત્યાં સુધી કે ભૂકંપ આવવાનો હોય તેના થોડા કલાકો કે ઘણીવાર દિવસ પહેલા તે બાજુ જવાનો કૂતરા ઇનકાર કરતા હોય તેવું વર્તન કરતા જોવા મળ્યા છે.
કૂતરા દ્વારા આવી ભૂકંપની આગાહીનો દાખલો ઈશા પૂર્વે ૩૭૩મા ગ્રીસમાં નોંધાયેલો છે. ચીન અને જાપાનમાં તો કૂતરા, ઉંદર, સાપ, ચકલી સ્થળાંતર કરવા માંડે તેને  ભયાનક ધરતીકંપ માટેની રાષ્ટ્રીય ચેતવણી ગણવાનો રિવાજ છે. કૂતરા અને આવા બીજા પ્રાણીઓની વિચિત્ર વર્તણૂક દ્વારા ચેતીને ૧૯૭૫મા ચીનના Haicheng શહેરના સત્તાવાળાઓએ ત્યાંના ૯૦,૦૦૦ લોકોને શહેર છોડીને સલામત સ્થળે ખસી જવાના આદેશો આપેલા. થોડા કલાક પછી ત્યાં ૭.૩ મેગ્નીટ્યુડ ભૂકંપે શહેરની ૯૦ ટકા ઈમારતો ધરાશાઈ કરી નાખેલી.
શિયાળામાં ઘણા લોકોને ડિપ્રેશન અને ઍંગ્ઝાયટિનાં હુમલા આવતા હોય છે. કૂતરા પરનાં  આવા Seasonal Affective Disorder વિષે Stanley Coren Ph.D. નામના સાયકોલોજીસ્ટ અભ્યાસ કરી રહ્યા હતા. સપ્ટેમ્બર થી એપ્રિલ  આઠ મહિના માટે ૨૦૦ કૂતરાની વર્તણૂકનાં અહેવાલ  એમના માલિકો દ્વારા એમને નિયમિત મળતા  હતા. રિસર્ચ ચાલુ હતું. એક ખાસ દિવસ ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૧નાં દિવસે કૂતરાઓમાં બેચેની વધી ગઈ. એક જ દિવસમાં ૧૯૩ કૂતરા બેચેન હતા અને એમની બિહેવિયર વિચિત્ર લાગતા રિપોર્ટ આવી ગયા. ૪૭ ટકા કૂતરા તે દિવસે વધારે પડતા વિચિત્ર હરકત કરતા હતા અને ૪૯ ટકા કૂતરામાં સારા એવા પ્રમાણમાં ઍંગ્ઝાયટિ જણાઈ  બીજા દિવસે પેસિફિક નોર્થવેસ્ટમાં ૬.૮ ભૂકંપ આવેલો જેના આંચકા કેનેડા vancouver લાગેલા જ્યાં આ સંશોધન ચાલતું હતું.
એક શક્યતા વૈજ્ઞાનિકોને એવી લાગે છે કે ભૂકંપની આગાહીમાં પ્રાણીઓમાં રહેલી સંભાળવાની ખાસ ક્ષમતા કામ કરતી હશે. ધરતીની અંદર નીચે થતી seismic એક્ટીવીટી આ પ્રાણીઓ સાંભળી શકતા હશે. જે કૂતરાના કાન મોટા લબડી પડેલા હતા તેવા કૂતરામાં આવી એક્ટીવીટી થોડી ઓછી જણાઈ. ધ્વનિ મોજા  પ્રવેશ માર્ગને મોટા લબડી પડેલા કાન ઢાંકી દેતા હતા. આવા ઢંકાયેલા કાન ધરાવતા કૂતરા પર પણ જુદા જુદા હર્ટઝ  અને ડેસીબલ  સાઉન્ડ વાપરીને  સંશોધન થયું. સવાલ હતો હાઈ ફ્રિકવન્સી સાઉન્ડનો. જમીન નીચે ખડકો ખેંચાઈને તૂટતા પેદા થતા ધ્વનિ મોસ્ટ  ક્રીટીકલ ગણાતા હોય છે.
બીજું એવું તારણ પણ છે કે જે પ્રાણીઓ પ્રમાણમાં નાનું મસ્તક ધરાવતા હોય છે તેની હાઈ ફ્રિકવન્સી ધ્વનિ સંભાળવાની ક્ષમતા વધુ હોય છે. આમાં ઈવોલ્યુશનરી અને અનુકૂલન કારણ કામ કરતું હોય તેમ લાગે છે. પ્રાણીઓ અવાજની દિશા અને અંતરની ગણતરી સમયના અનુંશન્ધાનમાં ચોકસાઈપૂર્વક કરતા હોય છે. દાખલા તરીકે મારી જમણી બાજુથી અવાજ આવે તો મારા જમણા કાને પહેલો પડે પછી ડાબા કાને પડે ભલે તેમાં સમયનો તફાવત સાવ નજીવો સેકન્ડના દસમાં ભાગ જેટલો કેમ નાં હોય? આ સમયના તફાવતને ગણતરીમાં લઈને પ્રાણીઓ અવાજની દિશા અને અંતર માપી લેતા હોય છે. બે કાન દ્વારા મળતા અવાજનો સમય ડિફરન્સ જેટલો ઓછો તેટલી ગણતરી ચોક્કસ હોય છે. નાનું મસ્તિક બે કાન વચ્ચે અંતર સ્વાભાવિક ઘટાડી દે છે. અહીં સમય ડિફરન્સ ઓછો થઈ જાય છે. આમ કુદરતે નાનું મસ્તિક આપ્યું તો ધ્વનિ તંત્ર સારું બનાવી દીધું. બહુ ઊંડા નહીં ઊતરીએ તો ચાલશે. એના માટે વૈજ્ઞાનિકો ખૂબ મહેનત કરે છે. આ વૈજ્ઞાનીકે નાની હેડ સાઇઝ અને મોટી હેડ સાઇઝ ધરાવતા કૂતરા જુદા જુદા તારવી પરીક્ષણ કરી લીધા. ભૂકંપના મોજા નાનું મસ્તક ધરાવતા કૂતરા જલદી પારખી લેતા જણાયા.
તારણ એવું હતું કે ભૂકંપના ૨૪ કલાક પહેલા કૂતરાની બિહેવિયર બદલાઈ જવાની શરુ થઈ જતી હતી. જે કૂતરા સાંભળવાની ક્ષમતા ધરાવતા નહોતા કે નજીવી ધરાવતા હતા તેમને કોઈ અસર થતી નહોતી, લબડી પડેલી ચામડી વડે ઢંકાયેલા કાન ધરાવતા કૂતરા પર ઓછી અસર થતી હતી. નાનું મસ્તક ધરાવતા કૂતરા વધારે અસર પામતા હતા. આ કોઈ અંતિમ સત્ય છે તેવું નથી, પણ કૂતરાઓની હાઈ ફ્રિકવન્સી સાઉન્ડ પ્રત્યેની સ્પેશીયલ સેન્સીવીટી સાથેની સાંભળવાની વિશિષ્ટ ક્ષમતા ભૂકંપ અને avalanches પધારી રહ્યા છે તેની આગાહી કરી શકે છે.
 

પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell

પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell

ધૂપદીપ ગુગળની ગંધ ના ગમે તેવો કોઈ હિંદુ હશે નહિ, લોબાનની ગંધ ના ગમે તેવો કોઈ મુસ્લિમ નહિ હોય. આ બે સુગંધ સાથે લોકોનું સાંસ્કૃતિક જોડાણ હોય છે. ગંધનું આપણાં જીવનમાં ખૂબ મહત્વ હોય છે. મનગમતી સુવાસ તણાવ ઓછો કરે છે, સરસ ઊંઘ લાવવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ વધારે છે. ગંધ એટલે સુગંધ અને દુર્ગંધનું ભાવનાઓ સાથે જોડાણ થઈ જતું હોય છે. મંદિરમાં જઈને ઘણાને શાંતિ મળતી હોય તેનું કારણ મંદિરમાં ફેલાવાતી ધૂપદીપની સુગન્ધ સાથે પવિત્ર શાંતિની ભાવનાનું કંડીશનિંગ હોય છે. સ્મેલ અને ઈમોશન્સની ક્ષમતાનાં મૂળિયા બ્રેઈનમાં એક ખાસ માળખામાં હોય છે જેને લીમ્બીક સીસ્ટમ કહેતા હોય છે. હિપોકેમ્પસ એરિયા નવી સ્મૃતિઓ ઘડવાનું કામ કરતું હોય છે. ટૂંકમાં સુગંધ મૅમરી ઘડવામાં અને તેને ફરી રિકોલ કરવામાં મદદરૂપ થતી હોય છે. નાં સમજાયું? સીધું સાદું સમજાવું કે ભણવા બેસો તો દાખલા તરીકે ચમેલીની સુગંધ ધરાવતી અગરબત્તી સળગાવો, અને પરીક્ષા આપવા જાવ ત્યારે ચમેલીની સુગંધવાળું અત્તર કે તેલ લગાવીને જાઓ. અરે ભાઈ પરીક્ષા ખંડમાં કોઈ અગરબત્તી સળગાવવા ના દે. આમ લાગણીઓ સાથે જે તે સુગંધ જોડાયેલી હોય છે. આમ જેની સૂંઘવાની ક્ષમતા ખલાસ થઈ ગઈ હોય તેવા લોકો સ્ટ્રેસથી પીડાતા હોય છે. અને જે લોકો ગંભીર તણાવના માનસિક રોગથી પીડાતા હોય તેવા લોકોની સૂંઘવાની શક્તિ જતી રહી હોય છે. સૂંઘવાની શક્તિ સંપૂર્ણ રીતે નાશ પામે તેને Anosmia કહે છે, ઘ્રાણેન્દ્રિયનો અભાવ. Alzheimer , Parkinson જેવા ન્યુરોલોજીકલ ડીસઓર્ડરનું શરૂઆતના લક્ષણમાં સૂંઘવાની ક્ષમતા ઓછી થઈ જવી હોય છે.

ઓસ્ટ્રેલીયન સાયકોલોજીસ્ટ John Prescott કહે છે માઈન્ડ અને બોડીનાં અર્થપૂર્ણ જોડાણના લીધે આનંદદાયક સુગંધ પીડા સહન કરવામાં મદદરૂપ બને છે. ખાસ તો મીઠી સુગંધ દુખ અને પીડા ઓછી કરે છે. મને યાદ છે અમે નાના હતા ત્યારે કશું વાગે તો મારા ‘બા’ એક ચમચી ખાંડ ખવડાવી દેતા. જો કે એમને આ બધી ખબર નહિ હોય મને પણ આજ સુધી નહોતી. એવું પણ હોય કે ગળ્યું ખાઈને એના સ્વાદમાં પીડા ભૂલી જવાય.

ખાસ સુગંધને ત્વરિત ઇનસ્ટંટ રીલેક્ષ થવા પણ વાપરી શકાય છે. Sensory psychologist Pamela Dalton કહે છે એક ખાસ પ્રકારની સુગંધ પસંદ કરો જે હવામાં ફેલાતી હોય ત્યારે શાંત થવા માટે ધ્યાન કરો. આ પ્રક્રિયાને વારંવાર દોહરાવો. થોડા વખત પછી ભલે તમે ધ્યાનમાં ના બેસો પણ ફક્ત આ સુગંધ તમને તણાવમુક્ત બનાવી શાંત કરી દેશે.

Bryan Raudendush , વેસ્ટ વર્જીનીયાનાં સાયકોલોજીસ્ટનાં રિસર્ચ પ્રમાણે પીપરમીન્ટની સ્મેલ સવારે જાગીએ ત્યારે બ્રેઈનમાં જે એરિયા એક્ટીવ થઈ જતો હોય છે તેને એક્ટીવ કરવામાં ગમે ત્યારે કારણભૂત બનતી હોય છે. આ સ્મેલની અસર તળે કસરતબાજ વધુ પુશ અપ કરતા માલૂમ પડ્યા છે.

સુગંધ વિષે અગાઉ એક લેખ લખી ચૂક્યો છું. દરેક માનવીની એક યુનિક ગંધ હોય છે અને આ ગંધનું કારણ હોય છે જેતે માનવીની યુનિક ઈમ્યુન સીસ્ટમ. અને આ યુનિક ઈમ્યુન સીસ્ટમનું કારણ છે Histocompatibility complex જિન્સનું ઝૂમખું. આમ આપણી odorprint આપણી ફિંગરપ્રિન્ટ જેટલી જ યુનિક હોય છે. એટલે સ્ત્રીને એવા પુરુષની ગંધ પ્રિય લાગશે જેની ગંધ તેની પોતાની ગંધ કરતા સાવ અલગ જ હોય.

એટલે Love At First Sight, નહિ પણ Love At First Smell વધુ સાચું છે. સાયકોલોજીસ્ટ Rachel Herz વિષે અગાઉ હું લખી ચૂક્યો છું. સ્મેલ શાસ્ત્રના આ પ્રકાંડ pundit પાસે એમની ખાસ મિત્ર Estelle Campenni કબૂલ કરે છે કે પહેલી વાર એ એના પતિને મળી અને તેની ગંધ એને એટલી બધી ગમી ગયેલી કે એણે નક્કી કરી દીધેલું કે લગ્ન આની સાથે જ કરીશ. એ કોઈ કોલોન કે લક્સ સાબુની ગંધ નહોતી. Sexual attraction remains one of life’s biggest mysteries. ઘણીવાર એવું લાગતું હોય કે જીવનસાથી ઊંચો હોવો જોઈએ, કે પત્નીને સરસ રસોઈ બનાવતા આવડવી જોઈએ, કે છોકરો પૈસાવાળો જોઈએ, કે પતિદેવ સલમાનખાન જેવી બોડી ધરાવતા હોવા જોઈએ. આવું બધું મળવા છતાં પણ ભંગાણ થઈ જતા હોય છે. કેટલાક સંશોધકોનું માનવું છે કે સેકસુઅલ વિશ્વમાં ગંધ રહસ્યમય પરિબળ છે.

કોઈ પણ જાતની ગંધ નાકની અંદર રહેલા chemoreceptor નામના સેન્સરી સેલને ઉત્તેજિત કરે છે. એનાથી ઉત્પન્ન થતા વિદ્યુત તરંગો બ્રેઈનમાં પહોંચે છે. બ્રેઈન આ તરંગોનું વિશ્લેષણ કરે છે અને સ્પેસિફિક ગંધમાં ભાષાંતર કરે છે, અને આપણને ગંધનો અનુભવ થાય છે. રસપ્રદ વાત એ છે કે સ્મેલ બીજી સેન્સીસ કરતા કંઈક વધુ છે. એનું જોડાણ બ્રેઈનના એવા વિભાગ સાથે છે જ્યાં લાગણીઓ અને શીખવાની પ્રક્રિયાનું પ્રોસેસિંગ થતું હોય છે જેને આપણે લીમ્બીક સીસ્ટમ કહીએ છીએ. લીમ્બીક સિસ્ટમમાં amygdala અને hippocampus સમાયેલા છે જે બિહેવિયર, મૂડ અને સ્મરણ શક્તિ માટે ખૂબ મોટો ભાગ ભજવતા હોય છે. આમ બીજી ઇન્દ્રિયો કરતા ઘાણેન્દ્રિય વધારે સેન્સીટીવ છે.

Melissa એક હેઈર ડ્રેસર છે. બચપણમાં માથામાં વાગ્યું હશે અને એની ઘાણેન્દ્રિય બંધ થઈ ગઈ. એણે કોઈ પણ જાતની ગંધની અનુભૂતિ થતી નથી. રસોઈ બળી જાય તો પણ એને ખ્યાલ આવતો નથી. એના માટે ઘરમાં બીજાની મદદ લેવી પડે છે. ઘરમાં બધે સ્મોક ડીટેકટર લગાવી રાખ્યા છે. સ્મેલ સેન્સ જવાની સાથે ટેસ્ટ સેન્સ પણ જતી રહી છે. મેલીસાની સ્મેલ સેન્સ જતા રહેવાનું કારણ હેડ ઇન્જરી હતું. MRI દ્વારા થયેલા પરીક્ષણો મુજબ બ્રેઈનના olfactory bulb પર થયેલી ઈજાના કારણે ૮૮ % , subfrontal region પર થયેલી ઈજાના કારણે ૬૦% અને temporal lobe પર થયેલી ઈજાને કારણે ૩૨% લોકો anosmia વડે પીડાતા હોય છે.

ઓરેન્જની સ્મેલ બેચેની દૂર કરે છે. Cedar, Lavender અને Vanilla ની સ્મેલ ટૅન્શન ઓછું કરે છે. લેમન અને જાસ્મિનની સુગંધ ચિંતન શક્તિ વધારે છે. ક્રૉસવર્ડ પઝલ્સ ઉકેલવા હોય તો બે ટીપાં લીંબુનો રસ ચાખી લો. કસરત કરતા પીપરમિન્ટ બોડી લોશન લગાવો. જાસ્મિન ઊંઘ સરસ લાવે છે. Rosemary અને ગ્રેપફ્રુટ જોમ જુસ્સો વધારે છે. તજ અને વેનીલાની ગંધ સર્જનાત્મકતા વધારે છે.

ઘણા માણસોને ખૂબ ચિંતા હોય છે કે એમના મુખમાંથી ખરાબ વાસ તો નહિ આવતી હોય ને? વારંવાર હાથ મુખ આગળ લઈ જઈને કોઈ ના જુએ તેમ ચેક કરતા હોય છે. Olfactory Reference Syndrome વડે પીડાતા લોકોને વહેમ હોય છે કે એમની ગંધ ખરાબ છે અને આસપાસના લોકોને ગમતી નહિ હોય. આવા સિન્ડ્રોમથી પીડાતા લોકો વારંવાર સ્નાન કરતા હોય છે, deodorants, માઉથવોશ, પર્ફ્યૂમ, મિંટ યુક્ત ચ્યુંઈંગ ગમ વગેરેનો અતિશય ઉપયોગ કરતા હોય છે. નજીકના અંગત લોકોને એમની ગંધ માટે વારેવારે પૂછતાં હોય છે. એકલાં રહેવાનું પસંદ કરતા હોય છે, સામાજિક સંબંધો ઓછા રાખતા હોય છે. કપડા વારંવાર બદલાતા હોય છે.

પ્યારા મિત્રો આમ ગંધનું, સુગંધનું જીવનમાં ખૂબ મહત્વ છે. પહેલી નજરનો પ્રેમ થવાનું કારણ નજર નહિ પણ એકબીજાની યુનિક ગંધ હોય છે. કારણ રૂપાળા અગણિત ચહેરા આસપાસ રોજ જોતા હોઈએ જ છીએ પણ પ્યાર થઈ જતો નથી.

રેફ:- Rachel Herz is the author of The Scent of Desire and on the faculty at Brown University.

લાગણીઓના ચેપ. Hard Truths About Human Nature.

લાગણીઓના ચેપ. Hard Truths About Human Nature.

લાગણીઓના ચેપ

શું લાગણીઓ ચેપી હોય છે ? કોઈ કન્યા વિદાયની ઘડી હોય. કન્યા માતાપિતા, ભાઈ, બહેન, સગાવહાલાઓને ભેટીને રડતી હોય, કે વિદાય વસમી લાગતી હોય છે. તો ત્યાં ઊભેલા સહુ રડતા હોય છે. અરે કોઈ અજાણ્યો ત્યાંથી પસાર થતો હોય અને બે ઘડી ખાલી જોવા ઊભો રહી ગયો હોય તો તે પણ ભાવુક બની જતો હોય છે. આપણે આપણી લાગણીઓ, ભાવનાઓ વહેંચતા હોઈએ છીએ અને એનાથી અસર પણ પામતા હોઈએ છીએ. આપણી લાગણીઓ સીધેસીધી વાતો દ્વારા, ફોન પર વાતો કરીને, ઇ-મેલ કરીને, ફેસબુક અને ટ્વિટર પર લખીને કે પછી કોઈ પણ શબ્દ વાપર્યા વગર ફેલાવતા હોઈએ છીએ. અને તેનો પ્રભાવ પણ પડતો હોય છે. કોઈ આપણી સામે હસે તો આપણે તરત અનુકરણ કરીને સામું હાસ્ય ફેંકીએ છીએ. કોઈ રડતું હોય તો ભલે રડીએ નહિ પણ થોડી ઉદાસી તો આવી જ જાય છે અને એને મદદરૂપ થવાની ઇચ્છા જાગે છે.

નાના બાળકોમાં આ ચેપ અટકાવી શકાય તેવો હોતો નથી. અમે બે વર્ષથી વધુ ઉંમરના બાળકોનું પ્લે સેન્ટર ચલાવતા હતા ત્યારે મને અનુભવ છે કે એક બાળક રડવા માંડે તો એક પછી એક બધા રડવા લાગે. શું આવો લાગણીઓનો ચેપ લાગવો ફાયદાકારક હોય છે ?

આ લાગણીઓના ચેપનું વલણ મુખ્યત્વે બીજી વ્યક્તિના ભાવ પ્રદર્શન અને ભાવભંગિમાંની અજાણતાં કે અચેતન રૂપે નકલ કરી ભાવનાત્મક રીતે તેની નજીક જવાનું હોય છે. વિકાસના ક્રમ તરીકે મૂલવીએ તો આ ચેપ સર્વાઇવલ માટે જરૂરી હોય છે. દાખલા તરીકે મૅમલ સમૂહમાં રહેવા ટેવાયેલા હોય છે. ત્યાં કોઈ હુમલાખોર આવે તો ભયની લાગણી ફક્ત એક નહિ પણ આખા સમૂહમાં ફેલાઈ જતી હોય છે, અને પછી આખું ટોળું ભાગી જઈને બચી જતું હોય છે. સિંહ એક હરણની પાછળ પડ્યો હોય તો ફક્ત એકને જ ભય લાગે તો તે ભાગી જાય અને બીજામાં આ ભયની લાગણીનો ચેપ ફેલાય નહિ તો બીજા ઉભા રહે તો મર્યા સમજો.

આમ સમૂહમાં એકને ભય લાગે તો એનો ચેપ બધામાં ફેલાઈ જતો હોય છે જે સમૂહના સર્વાઇવલ માટે અત્યંત જરૂરી છે. શિકાગો યુનિવર્સિટીમાં કરેલા રિસર્ચ પ્રમાણે સંશોધકોએ જોયું કે એક ઉંદર તણાવમાં હોય તો એને જોઇને બીજા ઉંદર પણ તણાવમાં આવી જતા હતા. એક ઉંદરને પીડા થતી હોય તે જોઇને બીજા પણ એવી જ પીડા અનુભવતા હતા. જ્યારે કોઈના દુખ કે પીડા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થાય ત્યારે આપણે તેની પીડાનો અનુભવ કરતા હોઈએ છીએ. એના પ્રત્યે તાદાત્મ્ય અનુભવતા હોઈએ છીએ.

આમ લાગણીઓનો ચેપ ખરેખર માનવજાતની સેવા કરતો આવ્યો છે. આપણાં પૂર્વજો ભાષા શીખ્યા હશે તે પહેલા સર્વાઇવલ માટે આ ચેપ એમની ખૂબ મદદ કરતો હશે. મૂળભૂત મૅમલ બ્રેન લિમ્બિક સિસ્ટમનું આ મેકનિઝમ અદ્ભુત છે જેને મનોવૈજ્ઞાનિકો માસ સાઇકૉલોજી કે મોબ સાઇકૉલોજી કે ટોળાની માનસિકતા તરીકે પણ વર્ણવતા હોય છે. આમ હકારાત્મક લાગણીઓનો ચેપ લાગે ત્યાં સુધી તો બરોબર છે. પણ સર્વાઇવલ માટે હાલની પરિસ્થિતિ મુજબ જરૂરી નાં હોય છતાં નકારાત્મક લાગણીઓનો ચેપ જ્યારે આખા સમૂહ કે દેશ કે રાજ્ય કે ગામ કે શહેરોને લાગી જાય છે ત્યારે સામૂહિક હત્યાકાંડો સર્જાય છે અને તેમાં લાખો હજારો નિર્દોષ માર્યા જાય છે.

કુદરતે માનવજાતને બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું મનન ચિંતન કરી શકે તેવું કૉર્ટેક્સ આપ્યું છે. લિમ્બિક સિસ્ટમતો બધા સસ્તન પ્રાણીઓ પાસે છે. પણ કૉર્ટેક્સની સાઇઝમાં ફેર હોય છે. આમ સૌથી મોટું બ્રેન વિકાસના ક્રમમાં આપણને મળ્યું હોય ત્યારે એનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. પણ આપણે કાયમ ભાવનાઓના પૂરમાં તણાઈ જતા હોઈએ છીએ, તાવ ચડી જતો હોય છે. ક્રિકેટ ફીવર, નિર્મળ બાબા ફીવર આવા તો અનેક જાતના તાવ ચડી જતા હોય છે. અમુક લોકો આ તાવ ચડાવી દેવાના નિષ્ણાત હોય છે અને લોકો પાસે એમનું ધાર્યું કરાવી લેતા હોય છે. આમ આ સામૂહિક સર્વાઇવલ માટે વિકસેલું મેકનિઝમ સમૂહના નુકશાનનું કારણ બને છે.

પ્રેમ, કરુણા, મૈત્રી, ખુશી, સહકાર અને સદ્ભાવ જેવી પૉઝિટિવ લાગણીઓનો ચેપ લાગે અને ફેલાય તો સમૂહ કે સમાજ માટે ફાયદાકારક બને છે. દુખ, વેર, ક્રોધ, હતાશા જેવી નેગેટિવ લાગણીઓનો ચેપ સ્વાભાવિક સમાજ માટે નુકશાન કારક જ હોય. આપણે આનંદિત હોઈએ તો આજુબાજુ બધાને આનંદિત કરી મૂકીએ છીએ. દુખીકે ઉદાસ હોઈએ તો આજુબાજુ બધાને દુખી કે ઉદાસ કરી મૂકીએ છીએ.

આમ સુખ વહેંચવાથી, આનંદ વહેંચવાથી સુખ આનંદ વધે છે, અને દુખ વહેંચવાથી દુખ વધે છે. જોકે દુખ વહેંચવાથી આપણાં દુખે દુખી થનારની સહાનુભૂતિ મળી જાય તેટલો દીલાસાજનક ફાયદો જણાતો હોય છે. ચાલો હું એકલો દુખી નથી બીજા પણ મારા જેવા છે. સર્વાવલ માટે આપણું દુખ કે આપણી તકલીફ બીજાને જણાવવામાં કોઈ વાંધો નથી, ફક્ત ખોટી સહાનુભૂતિ મેળવવાની ટેવ ના પડી જાય તેટલી તકેદારી રાખવી જરૂરી છે.

Read more about EMOTIONAL CONTAGION here…

શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

Indians in Elder Park
Indians in Elder Park (Photo credit: mikecogh)

શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

          જ્યારે જ્યારે ભારતમાં રહેતા મિત્રો સાથે વાતો થાય કે સંવાદ થાય કે પછી ફોન પર વાતો થાય કે ઑન લાઇન વાતો થાય ત્યારે એવું ચર્ચાતું હોય છે કે ભારતમાં સોશિઅલ લાઇફ જેવું વધુ હોય છે જ્યારે અમેરિકામાં સોશિઅલ લાઇફ જેવું ઓછું હોય છે. અથવા તો સોશિઅલ લાઇફ જેવું કઈ હોતું નથી. અમેરિકામાં રહેતા ભારતીયો પણ આવું જ માનતા હોય છે. ઍવરિજ ભારતીયના મુખે એવું સંભાળવા મળવાનું કે અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ. કલ્ચર તો આપણું ભારતનું જ. અમેરિકન સમાજ એટલે પશ્ચિમનો સમાજ સમજવો.

               હમણાં એક મિત્ર સાથે ઑન લાઇન વિડિઓ ચૅટિંગ દ્વારા વાતો થયેલી. તેઓ પોતે ડૉક્ટર છે અને એમની દીકરી અમેરિકામાં છે, દીકરો પણ વિદેશ ભણે છે. એમનું અમેરિકામાં કાયમ આવનજાવન હોય છે. તેઓને બંને જગ્યાએ રહેવાનો અનુભવ છે, એમના મુખે સાંભળ્યું કે અમેરિકામાં જીવન મેકૅનિકલ લાગે, જ્યારે ભારતમાં સામાજિક વધુ લાગે. મહદંશે એમનું કહેવું સાચું છે.

અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ તેવું કહેવું વધારે પડતું છે. અહીં પણ કલ્ચર છે, પણ થોડું અલગ છે. આપણાં કલ્ચર સાથે મૅચ થાય તેવું નથી માટે એવું લાગે કે કલ્ચર જેવું કઈ છે નહિ. બાકી એમની રીતે આ લોકો એમના કલ્ચરમાં જીવે જ છે અને ખૂબ મજાથી જીવે છે. કદાચ આ લોકોને આપણાં કલ્ચરમાં કોઈ દમ લાગતો નહિ હોય. આપણાં કલ્ચરના રીતરિવાજો જોઈ જાણી આ લોકોને પણ ઘણું હસવા જેવું અને નવાઈ જેવું લાગતું હોય છે. દરેક કલ્ચરમાં ખામીઓ સાથે ખૂબીઓ પણ હોય જ છે. દરેક કલ્ચરમાં સારું ખોટું હોય જ છે. એવું પણ હોય કે આપણને ખોટું લાગતું હોય તે બીજા કલ્ચર માટે સારું ગણાતું હોય.

પશ્ચિમનું કલ્ચર પ્રાઇવસિમાં માનતું વધારે છે. સામાજિક ગઠબંધન ઓછું હોય તેવું લાગતું હોય છે. એના ઘણા બધા કારણો હોઈ શકે. લગભગ અહીં વસતા કે ભારતમાં વસતા મોટાભાગના ભારતીયોના મુખે સાંભળ્યા પછી કે ભારતમાં લોકો સામાજિક વધુ હોય છે અને અહીં ઓછા ત્યારે વિચાર કરવા મજબૂર થઈ જવાયું.

આમ મોટાભાગે આપણે ભારતના લોકો માનતા હોઈએ છીએ કે આપણે દુનિયાના લોકો કરતા વધુ સામાજિક છીએ. એટલે ઘણીવાર પ્રશ્ન થાય કે સાચે જ ભારતના લોકો વધુ સામાજિક છે ? જો જવાબ ‘હા’ હોય તો, શા માટે આપણે વધુ સામાજિક છીએ ? સામાજિક હોવા પાછળનું મુખ્ય કારણ જે તે પ્રદેશનું ભૌગોલિક કારણ જવાબદાર હોય છે. હવામાન પ્રમાણે રહેણીકરણી કે જીવન પદ્ધતિ બનતી હોય છે. એટલે કે જેવી કાર્યપદ્ધતિ હોય તે પ્રમાણમાં સામાજિક માળખું તૈયાર થાય.

ભારતની ભૌગોલિક પરિસ્થિતિને આધારે જોઈએ તો ભારત કૃષિપ્રધાન દેશ છે. સૌથી પહેલા સમાજની રચના નાના નાના સમૂહો દ્વારા થઈ અને સમૂહના લોકો સાથે મળી ખેતી કરતા. પછીથી તે ખેતી દરેક કુટુંબ પ્રમાણે થવા લાગી. ખેતીની સાથે પશુ પાલન પણ જરૂરી બન્યું. ખેતી તથા પશુપાલન માટે કુટુંબના દરેક સભ્ય હળીમળીને કામ કરતા. તેથી કુટુંબ વ્યવસ્થા વધુ મજબૂત બની. ભારતમાં કુટુંબવ્યવસ્થા પણ વિશાળ છે. એટલે કે સંબંધોની વિશાળતા છે. જેમ કે કાકા, મામા, માસી, ફોઈ, માતાના અને પિતાના સગા તે સાથે નજીકના અને દૂરનાં અને આ બધા સાથે સામાજિક જોડાણ પણ રહે તેવી સામાજિક મેળાવડા અને ઉત્સવોની પરંપરા વધુ વિકસી છે.

ખેતીપ્રધાન સમાજ હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ હોય તે સ્વાભાવિક છે. ખેતીમાં એકબીજાનો સહકાર વધુ જોઈએ. ખેતીપ્રધાન સમાજમાં સંયુક્ત કુટુંબ હોય તો વધુ મદદ મળે. ખેતીકામ જ એવું હોય છે કે એકલાં માણસનું કામ નહિ. જેમ જેમ ભારતમાં ઉદ્યોગ ધંધાઓ વધવા લાગ્યા તેમ તેમ કુટુંબો વિભક્ત થવા લાગ્યા છે. એમાં કશું ખોટું પણ નથી. સંયુક્ત કુટુંબના ઘણા બધા ફાયદા હોય છે, પણ વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી હોય, પ્રાઇવસિ ઓછી મળે. ઘણીવાર નોકરી ધંધા માટે મજબૂરી હોય છે બહાર નીકળવું પડતું હોય છે. આમ સંયુક્ત કુટુંબ ઓછા થતા જવાના.

અમેરિકન સમાજ પ્રાઇવસિમાં ખૂબ માનતો હોવાથી સંયુક્ત કુટુંબ ઓછા હોય છે. પણ હવે આ લોકોને સંયુક્ત કુટુંબ એટલે મલ્ટીજનરેસ્નલ એટલે કે દાદા દાદી સાથેના કુટુંબોની મહત્તા સમજાવા લાગી છે. હાલનાં એક સર્વે પ્રમાણે અમેરિકામાં ૪ મિલ્યન એટલે ૪૦ લાખ ફેમિલી એવા છે જેમાં દાદાદાદી, પુત્ર, પૌત્રાદી સાથે રહે છે.

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુઓ અને તેની પેટા ઋતુઓ પણ ત્રણ એમ છ ઋતુઓનો લાભ મળે છે. આ કારણ પણ થોડે ઘણે અંશે જવાબદાર ગણી શકાય. આવી અલગ અલગ ઋતુઓના કારણે જ ખેતી મુખ્ય વ્યવસાય તરીકે છે. દરેક ઋતુમાં સમાજ કાર્યરત પણ રહે. અને વચ્ચે મળતા સમયમાં ઉત્સવપ્રિય પણ રહી શકે. ભારતની જૂની જીવનપદ્ધતિ જોતા લાગશે કે અમુક સમયગાળો જ ઉત્સવોનો રહેતો જ્યારે ખેતીના કાર્યો ઓછા હોય ત્યારે જ. એટલે આમ જોતા ખૂબ જ મહેનત કર્યાં પછી નવરાશના સમયમાં મેળા, ઉત્સવો, સામાજિક પ્રસંગોના આયોજન થતા. આમ સામાજિક ગઠબંધન મજબૂત થતું.

પશ્ચિમમાં શિયાળો ખૂબ લાંબો છે. મુખ્ય બે જ ઋતુઓ છે, ઉનાળો અને શિયાળો. અહીં વરસાદ ગમે ત્યારે આવી જાય. સ્પેશલ ચોમાસું ફક્ત ભારતીય ઉપમહાખંડમાં જ છે. ઔદ્યોગિક ક્રાંતિ પશ્ચિમમાં પહેલી થઈ. નોકરીઓનું મહત્વ વધવા લાગ્યું તો સંયુક્ત કુટુંબની જરૂર ખાસ રહી નહિ. એકબીજાના સહકારની ખાસ જરૂર રહી નહિ. જેમ જેમ પ્રજા સ્વાવલંબી થતી જાય તેમ તેમ સ્વાર્થી પણ બનતી જવાની. જેમ પ્રજા પરાવલંબી તેમ સામાજિક વધુ રહેવાની. પરસ્પર સહકારની વધુ જરૂર હોય ત્યાં સામાજિક સંબંધો સારા રાખવા જ પડે છૂટકો નથી હોતો. જેમ પ્રજા પરસ્પર અવલંબી તેમ સામાજિક વધુ રહેવાની.

ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જોઈએ તો મૅમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે તે મુજબ માનવ સામાજિક પ્રાણી છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય માનવ વધતે ઓછે અંશે સામાજિક તો રહેવાનો જ છે, ભલે પછી ભારતનો હોય કે પશ્ચિમનો. જો ખેતી કરતો હશે તો તેવા સમાજમાં રહેવાનો, જો નોકરી કરતો હશે તો એવું સર્કલ ઊભું કરશે. ઉદ્યોગપતિ હશે તો એના જેવા બીજા લોકો સાથે હરીફાઈ સાથે સામાજિક સંબંધો તો રાખશે જ. જ્યાં માણસ હશે ત્યાં હરીફાઈ અને સહકાર બંને સાથે રહેવાના.

એક બીજું કારણ એવું પણ છે કે જ્યાં સર્વાવલ માટે પરિસ્થિતિ નાજુક હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ રહેવાનું. એટલે જ્યારે લોકો પાસે પૈસો વધતો જાય છે ત્યારે લોકો વધુ સ્વાર્થી બનતા જતા હોય છે. કે હવે બીજા લોકોનો સહકાર ઓછો હશે તો ચાલશે, પૈસો છે બધું ખરીદી શકાય છે. પહેલા ગામડાઓમાં લગ્ન હોય એટલે બધી વ્યવસ્થા જાતે કરવી પડતી. બધી જરૂરી વસ્તુઓ આજુબાજુથી કે ગામમાંથી ઉઘરાવવી પડતી. મહિનાઓથી તૈયારી કરવી પડતી. એમ સામાજિક સંબંધો જળવાઈ રહેતા. આજે બધી સગવડ વેચાતી મળે છે. ખાલી ખીસા ભરેલા જોઈએ. એમ બીજા કોઈ પર બહુ આધાર રાખવો પડે નહિ.

હવે તમે શહેરમાં રહેતા હો તો ફક્ત બે દિવસમાં લગ્નપ્રસંગ ઊભો કરી શકો છો. મને યાદ છે અને મેં જોએલું છે લગ્ન પ્રસંગ હોય તો મહીના પહેલા દરજી ઘેર બેસાડતા. દરજીભાઈ એમનું મશીન લઈને જ આવી જતા. આખો દિવસ સીવ્યા કરતા. આજની પેઢીના યુવાનો માની પણ નહિ શકે આ વાત. હવે આજે દરજીની જ જરૂર રહી નથી. બધા કપડા રેડીમેડ મળી જાય છે.

આમ જેમ સુખ સગવડ વધતી જવાની, બધું પૈસાથી ખરીદી શકાય તેવું બનવા લાગે તેમ એકબીજાના સહકારની જરૂર બહુ રહે નહિ તેમ લોકો સ્વલક્ષી બનતા જવાના. લોકો એકલપટા થતા જવાના. ગામડાં કરતા શહેરના લોકો વધુ સ્વલક્ષી નથી લાગતા ? અમેરિકન લોકો સ્વકેન્દ્રી વધુ લાગે છે તેનું કારણ આ જ છે. અહીં કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી. અહીંની વ્યવસ્થા જ એવી છે કે કોઈના ઉપર બહુ આધાર રાખવો પડે નહિ. તો પછી સામાજિક સહકારની જ્યાં બહુ જરૂર ના હોય તો આ સમાજ સામાજિક ઓછો લાગે તેમાં નવાઈ શું?

જ્યારે લોકો પાસે સંપદા ઓછી હોય, રિસોઅર્સ ઓછા હોય ત્યારે સર્વાઇવલ માટે પરિસ્થિતિ નાજુક હોય છે. આમ જ્યારે રિસોઅર્સ ઓછા હોય અથવા બીજા કોઈ કારણસર પોતાનું રક્ષણ કરવા પ્રજા અસમર્થ હોય ત્યારે લોકો એમના સામાજિક જોડાણ પ્રત્યે વધુ આધાર રાખતા થઈ જતા હોય છે. ભલે લોહીનો નાતો ના હોય પણ વિશ્વાસ, કરુણા, સહભાવ, સદભાવ, સહાનુભૂતિ દ્વારા વિશિષ્ટ સંબંધો બનાવી એક સામૂહિક સર્વાઇવલની પદ્ધતિ અખત્યાર કરતા હોય છે. આમ જે લોકો પાસે લિમિટેડ રિસોઅર્સિસ હોય છે તે લોકો જુદી સ્ટ્રેટેજી પસંદ કરતા હોય છે, આ લોકો તેમના લિમિટેડ રિસોઅર્સિસ બીજા લોકોને વહેંચતા માલૂમ પડ્યા છે.

આમ ઓછી સંપદા સ્વાર્થ અને લોભને ઓછી કરે છે.જ્યારે પૈસો અને સંપદા ખૂબ વધી જાય ત્યારે તેવા લોકોની નજર બીજા પ્રત્યેથી હટી જાય છે. હવે બીજાની જરૂર ખાસ રહી નથી. આમ એમની બીજા પ્રત્યેથી લાગણી પણ ઓછી થઈ જતી હોય છે. હવે એની પાસે ખૂબ સંપત્તિ છે હવે બીજાનું શું કામ ? આમ આ લોકો સંપત્તિ ઉપર વધુ આધાર રાખતા હોય છે સિવાય લોકો પર.

અમેરિકામાં જુઓ તો દરેક પાસે લગભગ કાર હોય છે. હાલ અહીં મંદી ચાલી રહી છે. ટીવીમાં જાતજાતના સર્વે આવતા હોય છે. ટીવીમાં એવું પણ સાંભળ્યું કે અહીં ગરીબીરેખા નીચે જીવતા લોકો પાસે પણ ફ્રિઝ, ટીવી, કાર જેવા સાધનો હોય છે. લગભગ બધું કામ ઑન લાઇન પતી જતું હોય છે. કોઈ તકલીફ હોય તો ટેલિફોન હાથમાં લો ૯૧૧ દબાવો પાંચ દસ મીનીટમાં પોલીસ હાજર. જરૂર લાગે તો સાથે ઍમ્બ્યુલન્સ પણ આવી જાય. બાજુની દીવાલે રહેતા પાડોશીની પણ જરૂર રહે નહિ, તો પાડોશીને પણ કોણ ઓળખે ? આમ વધુ પડતી સુખ સગવડ માણસને એકલપટો બનાવી દે તેમાં નવાઈ નહિ. આવા એકલવાયા સમાજના ગેરલાભ પણ હોય છે. લોકો મશીન જેવા થઈ જતા હોય છે. પરિસ્થિતિ વિષમ હોય ત્યાં લોકો સામાજિક વધુ હોય.

એટલે પેલાં સંબંધી કહેતા હતા તે સાચું છે કે અહીં જીવન યાંત્રિક વધુ લાગે. યાંત્રિક જીવન હોય ત્યાં તણાવ વધુ હોય. ભારતમાં આ બાબતે તણાવ ઓછો લાગે. ભારતના સમાજિક હોવાના ફાયદા વિષે એક વાત લખું. અમેરિકા રહેતા એક મિત્ર સાથે મેડિસિન બાબતે વાર્તાલાપ થયેલ. એ મિત્ર વર્ષો સુધી ભારતમાં રહેલા. આરામદાયક જિંદગી હતી. પેઢી પર બેસી નોકરો સાથે કામ લેતા. અમેરિકામાં હંમેશાં લોકો પોતાની પાસે પેએન કિલર રાખતા હોય છે નાની મોટી બીમારીમાં પેએન કિલર લઈ લે. તે મિત્ર કહે કે ભારતમાં હતા ત્યારે પોતાના વ્યવસાયમાં ૧૪-૧૫ કલાક કામ કરતા માણસો સાથે કામ લેવાનું હોય તેમાં અને માણસ ના આવે તો જાતે કામ કરવાનું છતાં ક્યારેય સ્ટ્રેસ કે થાક ના લાગતો. કારણ દિવસ દરમ્યાન આસપાસમાં લોકોને મળતા રહેવાનું. એકબીજાની સાથે વાતો કરવાથી મન હળવાશ અનુભવતું. ઘરે  જઈને કુટુંબ સાથે બેસીને વાતો કરતા રાત્રે મિત્રોને મળીએ. આ બધામાં સ્ટ્રેસ રહે નહીં. જ્યારે અમેરિકામાં ૯ થી ૫.૩૦ ની જોબ માં ૪.૩૦ થી ઘડિયાળ જોવાનું ચાલુ થઈ જાય. જો શિફ્ટ જોબ હોય તો પછીની શિફ્ટનો કર્મચારી ના આવે ત્યાં સુધીમાં તો સ્ટ્રેસ શરુ થઈ જાય.

દસ પંદર હજાર વર્ષ પહેલા આખી દુનિયાના તમામ સમાજો હન્ટર-ગેધરર હતા. આવા સમાજો હાલ પણ છે. અહીં પુરુષો શિકાર કરવા જાય અને સ્ત્રીઓ ખોરાક જેવાકે ફળફળાદિ, કંદમૂળ, ખાવાલાયક અને ઔષધ માટે વપરાય તેવા લીલા શાકભાજી એકઠા કરે. આવા સમાજોમાં સ્ત્રી પુરુષનું સ્થાન સરખું હતું અને છે. સ્ત્રી પુરુષ કરતા અહીં કમજોર ગણવામાં નહોતી આવતી. સંશોધકોનું માનવું છે કે ખેતી શરુ થઈ અને શારીરિક બળની જરૂર વધુ પડવા લાગી. આમ પુરુષનું મહત્વ વધવા લાગ્યું. ધીમે ધીમે સ્ત્રી પુરુષ આધારિત વધુ બનવા લાગી. જ્યાં જીવન બીજા પર આધારિત હોય ત્યાં સહકાર સ્વયંભુ સ્થપાઈ જતો હોય છે. પશ્ચિમની સ્ત્રીઓ કમાતીધમાતી થઈ ગઈ છે તો સ્ત્રીઓ પુરુષો પર આધારિત નથી. જરા વાંકું પડ્યું કે છુટા.

આપણે ત્યાં હવે ડિવોર્સનાં પ્રમાણ વધવા માંડ્યા છે તેનું મુખ્ય કારણ સ્ત્રીઓ કમાતી થઈ ગઈ છે તે પણ હોઈ શકે. પશ્ચિમની નકલ કે આંધળું અનુકરણ કરતા હોઈએ એવું સાવ નથી. આપણે ખોટી બુમો પાડતા હોઈએ એવું લાગે છે. મૂળ કારણ છે ભારતમાં સ્ત્રી હવે સ્વતંત્ર બનવા લાગી છે કે કમાણી કરવા લાગી છે. હવે તેને પુરુષ પર સંપૂર્ણ આધાર રાખવો પડતો નથી. હવે એને એનું સ્વમાન યાદ આવવાનું જ છે.

આપણા ગ્રામ્યજીવન અને શહેરીજીવન વિષે ધ્યાનથી જોશો તો પણ ભેદ સમજી જવાશે. જે લોકો ભારતમાં એકબીજા પ્રત્યે ખૂબ સામાજિક લાગતા હોય તે લોકો પણ અહીં આવીને એકબીજા પ્રત્યે જરૂર પૂરતો સંબંધ રાખતા થઈ જતા હોય છે એમાં કોઈનો દોષ કાઢવો નકામો છે. આમ ભારતમાં પ્રેમભાવ, સદભાવ, સહકાર વધુ છે. લોકો સામાજિક વધુ છે. જ્યારે પશ્ચિમનો સમાજ ઓછો સામાજિક લાગે છે તે પણ સ્વાભાવિક છે. અમેરિકામાં કલ્ચર જેવું કશું નથી તેવું કહેવું પણ વધુ પડતું છે.

By:- M.B.Bhojak & B.R.Raol- April 2, 2012.

સ્વતંત્રતા શીખવાની-૪ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની-૪ Hard Truths About Human Nature.

મને લાગે છે ધર્મોના ઉદભવ પછી, ધર્મોનો વ્યાપ વધે તે માટે તેમના નીતિનિયમો, માન્યતાઓ વગેરેનું  શિક્ષણ આપવાનાં પ્રયત્નમાં શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. બાકી લાખો વર્ષ લગી ગુરુકુળ, સ્કૂલ, વિદ્યાપીઠ, કૉલેજ કે યુનિવર્સિટી વગર સમાજ ચાલતો હતો અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરતો જ હતો. નાલંદા આવી જ એક બૌદ્ધ યુનિવર્સિટી હતી, જેમાં બૌદ્ધ ધર્મનું શિક્ષણ મેળવવા લોકો દૂર દૂરથી આવતા હતા. મદરેસાઓ પણ આમ જ શરુ થઈ હોવી જોઈએ. તેમ પશ્ચિમમાં ચર્ચ લોકોને સુધારવા સ્કૂલો શરુ કરવા લાગ્યું હશે. બાકી કળા, કારીગરી, કૌશલ તો લોકો પેઢી દર પેઢી વડીલો પાસેથી સ્કૂલ કૉલેજમાં ગયા વગર શીખી જતા હતા.

મોટામસ ભવ્ય રાજમહેલો, કિલ્લાઓ, મીનાક્ષી મંદિર, ચીનની દીવાલ,  ખાજુરાહો અને અંગકોરવાટ જેવા બેજોડ મંદિરો, પીરામીડો  કયા IIT કે MIT માં ભણેલા એન્જિનિઅરોએ બનાવેલા ? અંગ્રેજો આખી દુનિયામાં ફેલાયા અને આખી દુનિયામાં સ્કૂલો ફેલાઈ ગઈ. હવે તો સ્કૂલ કૉલેજ વગરની દુનિયા કલ્પવી મુશ્કેલ છે.

પરિવર્તન અને પ્રગતિના માર્ગમાં પાછાં ફરવાનો કોઈ રસ્તો હોતો નથી. અને જઈએ તો યોગ્ય પણ ના કહેવાય. ફરી પાછાં આપણે હન્ટર-ગેધરર બની જવાના નથી. સ્કૂલ કૉલેજોનો નાશ પણ કરી શકાય નહિ. હવે દરજીનો દીકરો દરજી જ બને કે લુહારનો દીકરો લુહાર બને તેવું રહ્યું નથી. એક સુથારનો દીકરો દુનિયાની મોટી ગણાતી ટેલીકૉમ કંપનીનો સર્વોચ્ચ વડો પણ બની શકે છે. અને તે ગર્વ લેવા જેવી બાબત છે. આમ સ્કૂલ કૉલેજને ઉવેખી શકીએ તેમ પણ નથી. છતાં આપણે હન્ટર ગેધરર સમાજના ડહાપણ અપનાવી બહેતર સમાજ કે બહેતર  શિક્ષણ વ્યવસ્થા બનાવી શકીએ તેમ છીએ. બાળકો આપણે શીખવીએ તો જ શીખે તે વાત ભૂલી જવી જોઈએ. બાળકો એમના કામનું શીખી જ લેતા હોય છે તેવી કુદરતની લાખો વર્ષ જૂની ડિઝાઇન છે.  છ મહિનાના બાળકથી નિરીક્ષણ ચાલુ કરો, જુઓ તમને શું શું જોવા મળે છે.

થોડા દિવસનું બાળક પણ નવી વસ્તુ તરફ પહેલું જુએ છે. છ મહિનાનું બાળક દરેક આસપાસની વસ્તુને સમજવાનો વૈજ્ઞાનિક અભિગમ રાખતું હોય છે. વસ્તુને દબાવશે, પકડશે, ઉલટસુલટ કરશે, નીચે નાખશે, ઊચકશે, ફરી નીચે નાખશે, ચાખશે, એક વૈજ્ઞાનિકને કામ પર જુઓ અને એક બાળકનું નિરીક્ષણ કરો બંનેમાં સામ્ય દેખાશે. અરે આસપાસના લોકોની બેસિક સાઇકૉલોજી પણ બાળક સમજતું થઈ જતું હોય છે કે આ ડાહ્યાંને કઈ રીતે ખુશ રાખવા. એના પછી ભાષાકીય જ્ઞાન તરફ આગળ વધો તો કોઈ નવી ભાષા શીખવાનો પ્રયત્ન કરતા એક પુખ્ત માણસને આંખે પાણી આવે છે. હજારો શબ્દો, અસંખ્ય વ્યાકરણના નિયમો બાળક રમતમાં શીખી જતું હોય છે. અરે દ્વિભાષી પરિવાર કે વાતાવરણ હોય તો બાળક બે ભાષાઓ પણ શીખી લેતું હોય છે. ચાર વર્ષનું બાળક એની માતૃભાષામાં માહેર હોય છે. બે થી સત્તર વર્ષ સુધીમાં એક બાળક ૬૦,૦૦૦ શબ્દો શીખી લેતું હોય છે.

ફિઝિકલ ગણીએ તો સૌથી પહેલું મહત્વનું કામ બાળક શીખતું હોય તો તે છે બે પગે ઉભા થઈને ચાલવાનું. આપણે ચોપગાં પશુઓમાંથી ઉત્ક્રાંતિ પામ્યા છીએ. માટે બાળક જન્મે તેવું તરત બે પગે ચાલી શકતું નથી. બે પગે ચાલવાનું શીખવા માટે તેને અપાર મહેનત કરવી પડે છે. આશરે ૭૦ લાખ વર્ષો પહેલા આપણાં અને ચિમ્પૅન્ઝીના પૂર્વજો કૉમન હતા. લગભગ ૪૦ લાખ વર્ષ પહેલા આપણાં કોઈ પૂર્વજ ‘કપિનર’ Australopithecus afarensisની ઍન્કલની ડિઝાઇન થોડી બદલાઈ અને બે પગે ચાલવામાં સરળતા આવવા લાગી.આ પવિત્ર ઘટના આફ્રિકાના સવાના પ્રદેશમાં બનેલી. આખી માનવજાત માટે આ પવિત્ર સ્થળ ગણાવું જોઈએ.

ઇવલૂશનનાં ઇતિહાસમાં આ અદ્ભુત પરિવર્તન હતું. આમ બે પગે ચાલવું આપણે હજુ પણ શીખવું પડે છે. બાળક ચાલવાનું પુરજોશમાં શીખતું હોય ત્યારે એવરેજ રોજના છ કલાક ચાલતું હોય છે અને ૯૦૦૦ ડગલા ભરતું હોય છે, જેની લંબાઈ ૨૯ ફૂટબોલના મેદાન જેટલી થાય (Adolph et al., 2003, Child Development, 74, 475 -497).  બાળક ઊભું થાય છે, ચાલે છે, પડે છે, દોડે છે, કુદકા મારે છે, ચડે છે આમ કસરત ચાલુ જ હોય છે.

આજે પણ ઘણા માબાપ બાળકોને સ્કૂલમાં મૂકતાં નથી ઘેર શિક્ષણ આપે છે. હમણાં કોઈ મિત્રે આવા દાખલા ફેસબુક પર મૂક્યા પણ હતા. આવા “non-school schools” વડે શિક્ષણ પામેલા બાળકો સફળતા પામી ચૂકેલાં છે. શિક્ષણ હવે એક કૉર્પરટ બિઝિનસ બની ગયો છે. એક બે વર્ષના બાળકને પણ નર્સરી અને કે.જી. માં અડ્મિશન માટે તૈયાર થવું પડતું હોય છે, એના ઇન્ટરવ્યૂ લેવાય છે, આના જેવી મોટી બીજી કઈ કરુણતા હોય ?  મારા શ્રીમતી વડોદરામાં ઘરમાં આવું પ્લે સેન્ટર ચલાવતા હતા જેમાં બાળકોને તૈયાર કરવામાં આવતા કે જેથી કે.જી.માં લેવાતા ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાય અને અડ્મિશન મળી જાય.  આવા ત્રીસેક બે વર્ષના ભૂલકાઓ જોડે હું ખૂબ મસ્તી કરતો. ત્રણચાર કલાક ઘરમાં ધમાલ મચી જતી.

“Adults do not control children’s education; children educate themselves.”

આ વિચારધારા સાથે શરુ થયેલી છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકાના શૈક્ષણિક જગતનું best-kept secret રહેલી, ૧૦ એકર જમીનમાં Victorian mansion ધરાવતી The Sudbury Valley School, Framingham, Massachusetts , એક સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી બેનમુન સ્કૂલ છે. ચાર વર્ષના બાળકોથી પ્રવેશ શરુ થાય છે. હાઈસ્કૂલ એડ્યુકેશન સાથે અભ્યાસ પૂર્ણ થાય છે. અહી ના કોઈ ટેસ્ટ છે, ના કોઈ પરીક્ષા, ના કોઈ ગોલ્ડ સ્ટાર, પાસનાપાસ થવાની કોઈ ચિંતા નહિ, કોઈ ફરજિયાત કોર્સના બંધન નહિ, કોઈ અપેક્ષા નહિ, કોઈ જબરદસ્તી નહિ, કોઈ અવૉર્ડ નહિ, કોઈ રિવૉર્ડ નહિ, કોઈ ખુશામત પણ નહિ.

અહી ૨૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે ૧૦ જણાનો ફૂલ ટાઈમ સ્ટાફ છે, પણ આ કોઈ શિક્ષક જેવા નથી. આ બધા બાળકો માટે કાકા, કાકી, માસા, માસી જેવા લાગે, એમના ખોળામાં બેસી જવાય, ખભે ચડી મસ્તી કરી શકાય, એમની આગળ રડી પણ શકાય. અહી નાનામોટા દરેક બાળકનો સરખો વોટ છે. બધા બાળકોની સ્વતંત્રતા સચવાય માટે અહી રૂલ્સ છે. અહીંથી બહાર પડેલા બાળકો ડૉક્ટર, એન્જિનિઅર, વૈજ્ઞાનિક, કલાકાર, લૉયર, સંગીતકાર અને ઉદ્યોગપતિ બનેલા છે.

આ સ્કૂલનો કૉન્સેપ્ટ અમેરિકન શિક્ષણવિદો માટે પચાવવો અઘરો છે. એટલે આ લોકો એને ઇગ્નોર કરે છે, પણ હવે એમાંથી બહાર પડેલા વિદ્યાર્થીઓ દ્વારા એનું રહસ્ય બહાર પડવા લાગ્યું છે અને હાલ આખી દુનિયામાં થઈને આવી બે ડઝન સ્કૂલો સ્થપાઈ ચૂકી છે. આગામી ૫૦ વર્ષોમાં આખી દુનિયાના શિક્ષણવિદોને આની નોંધ લેવી પડશે ને આ કૉન્સેપ્ટ અપનાવવો પડશે.

“Children educate themselves; we don’t have to do it for them.”  આ સૂત્ર પર ચાલતી The Sudbury Valley School અજોડ સ્કૂલ છે. 

સ્વતંત્રતા શીખવાની.-૩ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની.-૩ Hard Truths About Human Nature.

સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ.

આ જુનું પુરાણું સૂત્ર ભારતનું લાગે છે ને ? મૂળ આ સૂત્ર ભારતનું નથી. આ સૂત્ર પશ્ચિમથી આયાત થયેલું હતું.  હવે તો જોકે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મારવાનું બંધ થઈ ગયું છે. અંગ્રેજોના જમાનામાં કારકુન પેદા કરવા ભારતમાં મૅકોલે દ્વારા શિક્ષણ પદ્ધતિ દાખલ કરાઈ ત્યાર પછી આ સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ ચાલુ થયેલું. બાકી પ્રાચીન ગુરુકુળ પદ્ધતિમાં શીખવવાની પદ્ધતિ લગભગ હન્ટર-ગેધરર સમાજો જેવી હશે તેવું મને લાગે છે. ગુરુકુળ પદ્ધતિમાં રાજા અને રંક સાથે ભણી શકતા પણ તે બ્રાહ્મણ અને ક્ષત્રિય હોય તો જ..

ગુરુકુળ પદ્ધતિનો ભારતમાં એક મોટો ડ્રૉબેક એ હતો કે તેમાં ઊચ્ચવર્ણનાં બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય બીજા કોઈને ભણવાનો અધિકાર નહોતો. ક્ષત્રિયોમાં પણ ઉચ્ચ રાજઘરાનાનાં સંતાનો સિવાય કોણ ભણવા જતું હશે ? મૅકોલેની શિક્ષણ પદ્ધતિમાં લાખ દોષો હતા, પણ એનો એક ફાયદો એ થયો કે સમાજના તમામ વર્ગને ભણવા જવાનો ચાન્સ મળ્યો. હજુ આપણે જૂનીપુરાણી મૅકોલે પદ્ધતિમાં કોઈ ખાસ ફેરફાર કર્યો હોય તેમ લાગતું નથી. આપણે જૂનીપુરાણી વસ્તુઓના શોખીન છીએ. એને સંગ્રહી રાખવામાં માહેર છીએ. હવે આ સડેલી મૅકોલે પદ્ધતિમાં સુધારો કરવો જોઈએ.

પશ્ચિમનાં શિક્ષણનાં ઇતિહાસમાં એક સમય એવો હતો કે શીખવવું અને મારવું સમાનાર્થી શબ્દો હતા. બાળકો માટે શીખવવું અને મારવું કે સજા કરવી બધું સરખું જ હતું. મતલબ ટીચિંગ સાથે બીટિંગ જોડાયેલું હતું, અને આ પશ્ચિમનું દૂષણ ભારતમાં અંગ્રેજો સાથે પ્રવેશી ચૂક્યું હતું. ધોતિયાધારી હાથમાં સોટી ધરાવતા શિક્ષકો બાળકો માટે યમદૂત જેવા લાગતાં હશે. ચાલો બાઈબલનાં પ્રૉવર્બ્સ શું કહે છે તે જોઈએ :

• “Do not withhold correction from a child, for if you beat him with a rod, he will not die. You shall beat him with a rod and deliver his soul from hell.” (Proverbs 22:13-14)

• “Foolishness is bound up in the heart of a child, but the rod of correction shall drive it far from him.” (Proverbs 22:15)

• “Blows that hurt cleanse away evil, as do stripes the inner depths of the heart.” (Proverbs 20:30)

• “He that spares his rod hates his son, but he that loves him chastens him.” (Proverbs 13:24)

આમ આજ્ઞાપાલન શીખવવું પડે અને સજા એ શીખવવાનો રાજમાર્ગ હતો. ૧૭, ૧૮  અને ૧૯મી સદી સુધી પશ્ચિમમાં ચર્ચ સ્કૂલો ચલાવતું હતું. આ સ્કૂલો શીખવવાને બદલે સુધાર સ્કૂલો વધુ હતી. બાળકો natural sinner છે તેવી માની લીધેલી ધારણાઓ પર આ સુધાર સ્કૂલો ચાલતી. બાળકોને આજ્ઞાંકિત બનાવી એમના આત્માને બચાવી શુદ્ધ સેવકો બનાવવા માટે ભગવાનનો ડર લાગવો જોઈએ. એમ શિક્ષકોનો પણ ડર લાગવો જોઈએ, પિતાનો પણ ડર લગાવો જોઈએ. એમ જે ઉપરી હોય તે બધાનો ડર લાગવો જોઈએ.

આજે પણ સ્કૂલોમાં પહેલું આજ્ઞાપાલન શીખવવામાં આવે છે અને સજા એ શીખવવાનો મુખ્ય રસ્તો હોય છે. સ્કૂલનાં નિયમો પાળવા પડે. હવે મારવાનું લગભગ બંધ થઈ ગયું છે. એક સજા તો ઓછી થઈ પણ માર્ક્સ આપવાની પદ્ધતિ પ્રાથમિક સખ્તાઈ બની ગઈ છે. ખૂબ ઊંચા માર્ક્સ મેળવવા એજ જીવનની સફળતા છે તેવું દરેકના બાળકોના, વાલીઓના અને શિક્ષકોના મનમાં સમાઈ ગયું છે. અમુક હદથી ઓછા ટકા હોય તો સ્કૂલથી અટકી જવું પડતું હોય છે. કૉલેજમાં જવા માટે તો ખૂબ ઊંચી ટકાવારી જોઈએ. અને જે બાળકો આ ઊંચી ટકાવારી ના મેળવી શકે તેમનું તો જીવનજ અસફળ થઈ ગયું. આમ શિક્ષક દ્વારા માર ખાવા કરતા ઓછા માર્ક્સ આવવા બહુ મોટી સજા બની જતું હોય છે.

ચાર્મી કાયમ ઊંચા માર્ક્સ લાવતી વિદ્યાર્થીની હતી. પરીક્ષકને લાગ્યું કે ચોરી કરે છે લાલ શાહી વડે માઈનસ ૩૦ માર્ક્સ પુરવણીમાં લખી નાખ્યા. હવે બચારી સો માર્કસનું સાચે સાચું લખે તો પણ ૭૦ સમજવાના. અને ૭૦ માર્કસનું સાચું લખે તો ૪૦ સમજવાના. બસ જીવન અસફળ થઈ ગયું, આના બદલે શિક્ષકે બે લાફા મારી લીધા હોત કે અંગૂઠા પકડાવી લીધા હોત તો સારું થાત. આત્મહત્યા કરવા કૂદી પડી અને બચી ગઈ પણ પગ ભાંગી બેઠી.

હમણાં મારા દીકરા હરપાલસિંહ સાથે ચર્ચા કરતા જાણ્યું કે અહીં ન્યુ જર્સીમાં સ્કૂલોમાં નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ટીચરે વિધાર્થીની નોટબુક કે પેપરમાં લાલશાહી વડે કોઈ રિમાર્ક કરવું નહિ. બ્લ્યુ કે બ્લેક ઇન્ક વડે જ લખવું. કારણ લાલ રંગ આક્રમક હોવાથી બાળકો લાલ શાહી જોઈ વ્યગ્ર થઈ શકે છે. આપણે બાળકોને મારવા કરતા ઓછા વધતા માર્ક્સ આપીને સંતોષ અનુભવીએ પણ માર્ક્સ પદ્ધતિ depression, anger, cynicism વધારે છે.  Any coercive teaching is an act of aggression.

આપણે બાળકો ઉપર આપણાં અધૂરાં સપના થોપી દેતા હોઈએ છીએ. બાળકોની રુચી, યોગ્યતા, પસંદ અને માનસિકતા મુજબ એમને જે ભણવું હોય તેમાં દાખલ કરવા જોઈએ. પણ બધા માબાપને એમના બાળકોને પહેલા ડૉક્ટર પછી એન્જિનિઅર બનાવવા હોય છે. બાળકોને એમની અણગમતી લાઈનમાં ભણાવવા તેમના આત્મા ઉપર હુમલા સમાન છે.  હવે  આ માર્ક્સ કઈ રીતે આપાય છે તે આપણે સહુ જાણીએ છીએ. શિક્ષકે પીધેલ એક સારી કે ખરાબ ચા કે કૉફિ પણ માર્ક્સ ઉપર અસર કરી શકે છે.

ગ્રેડ સિસ્ટમ, માર્ક્સ સિસ્ટમ કરતા થોડી સારી હશે. માર્ક્સ સિસ્ટમનો હળવો પ્રકાર ગ્રેડ સિસ્ટમ લાગે છે. ૮૦ માર્ક્સ લાવનાર અને ૯૦ માર્ક્સ લાવનાર બંનેની ગ્રેડ ‘B’ હોય એટલો ફેર પડે. ઘણી જગ્યાએ A, A+, A++ વપરાતું હોય છે. આવું જ B ગ્રેડનું સમજવું. છતાં સાવ જૂની ઘરેડ મૅકોલેના જમાનાની પકડી રાખવી તેના કરતા થોડું ઇવલૂશન કરવું તો પડે જ. બળદગાડી પરથી સીધા એરપ્લેન પર તો આવી જવાતું નથી. માર્કસની મૅરથન પડતી મૂકી કશું નવું અપનાવવાનો સમય હવે પાકી ચૂક્યો છે.

સત્તાવાર આંકડા મુજબ અમેરિકામાં ૪ થી ૧૭ વર્ષની આયુ ધરાવતા બાળકોમાં ૮% બાળકો ADHD વડે પીડાતા માલૂમ પડ્યા છે. Attention Deficit Hyperactivity Disorder વડે પીડાતા બાળકોમાં છોકરીઓના પ્રમાણમાં છોકરાઓ ત્રણ ઘણા વધુ હોય છે. ચાલો આંકડા ગમે તે કહેતા હોય આ ADHD છે શું? સીધી સાદી વ્યાખ્યા મુજબ બાળકો સ્કૂલનાં વાતાવરણમાં ગોઠવાઈ જતા નથી કે અનુકૂલન સાધી શકતા નથી. શિક્ષકોના અબ્ઝર્વેશન મુજબ સ્કૂલમાં બાળકની ડોકમાં દુખાવો થતો હોય, ભણવામાં ધ્યાન આપતું નાં હોય, અસાઇન્મન્ટ પુરા કરતું ના હોય, વધારે પડતું હલનચલન કરી આખા વર્ગને ખલેલ પહોચાડતું હોય, વધારે પડતું બોલ્યા કરતું હોય ત્યારે બાળક ADHD વડે પીડાતા હોવાની શક્યતા છે તેમ કહેવાય. મૂળ તો ઇવલૂશનરી મિસમૅચિંગનો દાખલો છે.

લાખો વર્ષ થયા માનવને ઉત્ક્રાંતિ પામે. એમાં લાખો વર્ષ લાગી કોઈ સ્કૂલો હતી નહિ. બાળકો જે જરૂરી હોય તે રમતગમતમાં શીખી લેતા હતા. બધું પ્રેક્ટિકલ શીખવવામાં આવતું, કે શીખી જતા. આવી બંધ ચાર દીવાલો વચ્ચે બેસીને બાળકો લાખો વર્ષ લાગી કશું શીખ્યા નહોતા. શું બાળકો આપણે શીખવીએ તો જ શીખતા હોય છે ? જાતે કશું શીખતા નહિ હોય ??-

  —વધુ આવતા અંકે—–

સ્વતંત્રતા શીખવાની-૨ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની-૨ Hard Truths About Human Nature.

આ હન્ટર-ગેધરર સમાજ વિષે જાણી લેવું અત્યંત જરૂરી છે. ગેરસમજ થવાના ૧૦૦ ટકા ચાન્સ છે. હન્ટર-ગેધરર સમાજ કોઈ યુદ્ધખોર આદિવાસી સમાજ નથી. આવા સમાજ હજુ છે પણ બહુ ઓછા. હન્ટર-ગેધરર સમાજવાદમાં માનતા લોકશાહી સમાજ હોય છે. આપણાં મનમાં હન્ટર-ગેધરર નામ આવે એટલે બિહામણા ચહેરા ઊપસી આવે. માણસને ખાઈ જાય તેવા ક્રૂર લોકો હશે તેવી છબી ઊપસી આવે. પણ એવું નથી જે ક્રૂર આદિવાસી સમાજો છે તે ખેતીપ્રધાન સમાજોના પૂર્વજો છે.

Napoleon Chagnnon નામના લેખકે “The fierce people” નામનું પુસ્તક લખીને દક્ષિણ અમેરિકાના ઍમેઝન વિસ્તારમાં રહેતા Yanomami  નામના ક્રૂર આદિવાસી સમાજને 125_bushmendamaraવિખ્યાત કરી મૂકેલો. આ સમાજ  હન્ટિંગ ગેધરિંગ કરતો હોય છે, પણ એમણે જાતે ઉગાડેલા પાકમાંથી ગેધરિંગ કરતો હોય છે. વળી આ સમાજ બાકીની દુનિયાથી સાવ અલિપ્ત રહી શક્યો નથી. ખરેખર તો આ ક્રૂર આદિવાસી સમાજ ઉપર સ્પૅનિશ, ડચ, અને પોર્ટ્યૂગીઝ લોકો દ્વારા લગભગ નિકંદન કાઢી નાખે તેવા હુમલા થયેલા છે અને આ સમાજની વ્યક્તિઓને ગુલામ તરીકે વેચવામાં પણ આવેલી છે.

રિઅલ હન્ટર-ગેધરર સમાજો ખાલી પેટ ભરવા પૂરતા શિકાર કરે છે. અને એમના જાતિભાઈના શિકાર કદાપી કરતા નથી. ૨૦મી સદીમાં આશરે ડઝન જેટલા આવા સમાજોના અભ્યાસ એમની સાથે રહીને ઍન્થ્રપૉલજિસ્ટ લોકોએ કરેલા છે. ભલે એમની સંસ્કૃતિ જુદી પડતી હોય પણ એમની કૉમન રહેણીકરણી સાવ સરખી હતી. એક તો બાળકો સહિત ૨૦ થી ૫૦ વ્યક્તિઓના સમૂહમાં રહેવાનું. બીજા આવા નજીકના સમૂહ શાંતિપૂર્ણ સંબંધ સાથે મિત્રાચારી, લોહીની સગાઈ અને સહકાર હોવાનો. મોટાભાગના આવા સમાજ યુદ્ધની પરિસ્થિતિથી અજાણ્યા. અને યુદ્ધ જેવું જાણતા હોય તે નજીકમાં યુદ્ધખોર સમાજ રહેતા હોય તો  તેની અસર કે બચાવ માટે નાછૂટકે લડવું પડે. બાકી મૂળ હન્ટર-ગેધરર સમાજો શાંતિપ્રિય સમાજ હોય છે. દરેકને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સમાનતા, સહકાર અને બાળ ઉછેર પદ્ધતિ Non-directive , હન્ટર ગેધરર સમાજની ખૂબી છે. અહીં નિર્ણય લોકશાહી રીતે લેવાતા હોય છે કોઈ નેતા જેવું ખાસ હોતું નથી.

હન્ટર-ગેધરર સમાજ માનતો હોય છે કે કોઈના ઉપર કંટ્રોલ કરવો બૂરી બાબત છે, ભલે તે બાળક હોય. આ લોકો પ્રત્યક્ષ રીતે બાળકોને કશું શીખવતા નથી. પણ એવી પરિસ્થિતિ ઊભી કરે જેથી બાળકોને શીખવામાં હેલ્પ મળે. આ લોકોને એમના બાળકોમાં ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે. એમના બાળકોને કશું શીખવાની ઉત્સુકતા કે પ્રેરણા ના થાય ત્યાં સુધી કશું શીખવતા નથી.

હન્ટર-ગેધરર બાળકો દુનિયાના સૌથી સ્વતંત્ર બાળકો છે. આ લોકો માનતા હોય છે કે બાળકોમાં સેન્સ હોય છે. બાળકો સમજદાર હોય છે ચોવીસે કલાક એમના ઉપર મોટેરાઓએ ધ્યાન રાખવાની જરૂર હોતી નથી. બાળક ચાર વર્ષનું થાય એટલે મુક્ત રીતે એને રમવા દેવાનું શરુ થઈ જાય. અહીં બાળકોને આખો દિવસ બેરોકટોક રમવાની છૂટ હોય છે. એમની જાતે જે શીખવું હોય તે બાળકો જોઇને શીખતા જતા હોય છે. એટલે નિયમિત એમના ઉપર ચોકીદારી બંધ.

અહીં બાળકોને તમામ ટૂલ્સ, સાધનો, અરે! ડેન્જર ગણાતા છરી જેવા હથિયાર રમવાની પણ છૂટ હોય છે. ઝેર પાયેલા તીર વગેરે બાળકોથી સલામત રીતે દૂર રાખવામાં આવે છે. બાળકોને નાના રમી શકાય તેવા તીર કામઠા બનાવી આપવામાં આવતા હોય છે. આ લોકો સમજતા હોય છે કે બાળકો જોઇને, સાંભળીને અને ભાગ લઈને બધું શીખતા હોય છે. માટે અહીં બાળકોને બધી પ્રવૃત્તિમાં સાથે રાખવામાં આવતા હોય છે.

કામ કરવાની જગ્યાએ બાળકો ઘણીવાર અડચણરૂપ બનતા હોય છે અને એના લીધે કામ ખૂબ ધીમું પડી જતું હોવા છતાં આ લોકોની બાળકો પ્રત્યેની ધીરજ અમાપ છે. ક્યારેય બાળકોને ટોકતા નથી કે કાઢી મૂકતા નથી. બાળકો ખભા ઉપર ચડી જાય કે ખોળામાં બેસી જાય કે કામમાં ગમેતેટલી અડચણ કરે કદી ટોકતા નથી. અહીં બાળકોને કશું શીખવું હોય તો આભાર માની ખુશ થઈને શીખવવાની પદ્ધતિ છે. અહીં જે કઈ આવડતું હોય જે કઈ વિશિષ્ટ આવડત હોય તેને વિશિષ્ટ બનાવી રાખવાની પદ્ધતિ નથી. વિદ્યા અહીં ગુપ્ત નથી, કે નથી કીમતી. જેને શીખવું હોય તે મફત શીખી શકે છે.

હન્ટર એટલે પુરુષો શિકાર કરે અને ગેધરર એટલે સ્ત્રીઓ ખાવાનું એકઠું કરે. ફળફળાદી, કંદમૂળ, ખવાય તેવા ભાજીપાલો બધું એકઠું કરવાનું કામ સ્ત્રીઓ કરતી હોય છે. અહીં સ્ત્રી પુરુષની સમાનતા છે તેટલી બીજે ક્યાંય નહિ હોય. આ બધી બાબતો ઘણો અનુભવ અને હોશિયારી માંગી લેતી હોય છે. કયા કંદ ખવાય, કયા છોડા કે ફળ ખાવા લાયક છે કયા નથી બહુ ધ્યાન રાખવા જેવું હોય છે. આ સ્ત્રીઓનું વનસ્પતિ જ્ઞાન અદ્ભુત હોય છે.

Aka કલ્ચરની એક સ્ત્રીએ ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે એની માતા જાતજાતના જંગલી કંદમૂળ અને મશરૂમ લાવીને બધાની વચ્ચે પાથરીને જણાવતી કે કયા ખાવાલાયક છે ને કયા નથી. બાળકોને શીખવવાની અહીં બીજી આડકતરી રીત છે વાર્તાઓ કહેવાની. પુરુષો એમના શિકારની ટ્રિપની વાર્તાઓ કહેતી હોય છે અને સ્ત્રીઓ એમના ગેધરિંગ કામની. કલાહારી રણમાં વસેલી Ju/’hoan હન્ટર-ગેધરર સમાજ વિષે પહેલી વાર અભ્યાસ કરનાર Elizabeth Marshall Thomas નામની મહિલા કહે છે અહીંની ૬૦ વટાવી ચૂકેલી સ્ત્રીઓ ગ્રેટ storytellers હોય છે. વાર્તાઓ બાળકોને અનુલક્ષીને હોતી નથી, પણ વાર્તાઓ બાળકો સંભાળે છે એને પચાવે છે અને એમાંથી શીખે છે.

આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, New Guinea, દક્ષિણ અમેરિકા વસેલા  હન્ટર-ગેધરર સમાજો વિષે ઍન્થ્રપૉલજિસ્ટ વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધન કરેલું છે. Jonathan Ogas અને Peter Gray નામના બે સંશોધકોએ આવા નવ સ્કૉલર ઍન્થ્રપૉલજિસ્ટનો સંપર્ક સાધી એક પ્રશ્નોત્તરી તૈયાર કરી તેના જવાબ મેળવી આવા સમાજોની શિક્ષણ પદ્ધતિનું જબરદસ્ત તારણ કાઢેલું છે. ત્રણ આફ્રિકા, એક મલેશિયા, એક ફિલીપીન્સ અને એક ન્યુ ગીની એમ કુલ છ આવા હન્ટર-ગેધરર સમાજનો અભ્યાસ કરવામાં આવેલો.

આપણને થતું હશે આવા જંગલી લોકોને વળી શીખવાનું શું હોય ? અહીં ક્યા ડૉક્ટર, એન્જિનિઅર કે વકીલ બનવાનું છે? નાં ભાઈ નાં અહીં ખૂબ શીખવાનું હોય છે. કદાચ આપણાં કરતા ઘણું વધારે. છોકરાઓને ત્રણસો ચારસો જાતના મૅમલ્સ અને પક્ષીઓ વિષે ભણવાનું હોય છે. કારણ એમના શિકાર કરતી વખતે એમની જીવન પદ્ધતિઓ વિષે જાણવું જરૂરી હોય છે. એમનો પીછો કરવો દરેકના પગલા ઓળખવા, એમના અવાજ કાઢવા ઘણું બધું શીખવાનું હોય છે. તીર, કામઠા, બ્લોગન્સ, ડાર્ટ, નેટ બધું બનાવવાનું અને વાપરવાનું શીખવાનું હોય છે.

છોકરીઓને પણ હજારો પ્રકારના ફળ, ફૂલ, કંદમૂળ, લીલા ભાજીપાલા, નટ્સ, અનાજ, બધું ઓળખવાનું હોય છે. ઘા પડ્યા હોય ત્યારે દવાદારૂ કરવાના. ત્યાં ક્યા એમ.ડી. હાજર હોય કે ગાઇનિકોલોજીસ્ટ હાજર હોવાના? બધું જાતે જ શીખવાનું અને ક્યારેક તો આ બધું કોઇના શીખવ્યા વગર શીખવાનું. અહીં કોઈ સ્કૂલ હોતી નથી. બધું જાતે જોવાનું, અનુભવવાનું અને શીખવાનું. વળી અહીં કોઈ પુછયા વગર પરાણે કોઈ શીખવે નહિ. અહીં મોટેરાં બાળકોમાં દાખલ કરે નહિ. હા એમની જાતે શીખવાની ઉત્સુકતા બતાવે તો હોશે હોશે શીખવે બાકી નહિ.

અહીં બાળકોને રમવાનો પુષ્કળ સમય છે. લગભગ આખો દિવસ બાળકો રમ્યા કરતા હોય છે. બાળકો મોટેરાંની પ્રવૃત્તિઓ જોતા હોય છે એમની રમતમાં એની નકલ કરતા હોય છે અને એમાંથી ક્યારે એ જ પ્રવૃત્તિમાં કાબેલ બની જતા હોય છે તેની ખબર પણ પડતી નથી હોતી.

મોટેરાઓ તરીકે આપણાં બાળકો પ્રત્યે અને દુનિયાના બાળકો પ્રત્યે આપણી કેટલીક જવાબદારીઓ હોય છે. આપણી ફરજ છે કે આપણે બાળકોને સલામત, તંદુરસ્ત સન્માનનીય વાતાવરણ પૂરું પાડીએ જેથી બાળકો એમનો વિકાસ કરી શકે નહિ કે આત્મહત્યા. બાળકોને તાજી હવા પૂરી પાડવાની આપણી ફરજ છે, યોગ્ય ભોજન પૂરું પાડવાની આપણી ફરજ છે, પ્રદુષણમુક્ત જગ્યા જ્યાં બાળક રમી શકે તે પૂરી પાડવી આપણી ફરજ છે.

બાળકોને સારો ખોરાક, કપડા, રહેઠાણ અને સારું તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડી શકીએ તેમ નાં હોઈએ તો બાળકો પેદા કરવાનો આપણને કોઈ હક નથી. દારુણ ગરીબીમાં જીવતા અને ભીખ માંગી ખાતા લોકોને બાળકો પેદા કરવાનો હક ના હોવો જોઈએ અથવા સમજીને પેદા ના કરવા જોઈએ. અતિશય તણાવ પેદા કરતું, અને અતિશય ભાર સહિતનું ભણતર બાળકોના માથે મારવાની જવાબદારીમાંથી ફક્ત મુક્ત થવા જેવું છે.

–વધુ પછીના અંકમાં—-

સ્વતંત્રતા શીખવાની-૧ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની-૧ Hard Truths About Human Nature.
જ્યારે જ્યારે શિક્ષણ ક્ષેત્રે પરીક્ષા અને પરિણામનો માહોલ સર્જાય છે ત્યારે વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો વધી જતા હોય છે. સમાચાર પત્રોમાં વાંચીને ઘણું દુઃખ સૌને થતું હોય છે. ક્યારેક સામટાં એક કરતા વધુ વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો બનતા આપણે શોકમાં ઘેરાઈ જતા હોઈએ છીએ. હમણાં કોઈ તેજસ્વી વિદ્યાર્થીની ચાર્મીએ આત્મહત્યા કરવા ચાલુ પરીક્ષાએ ભૂસકો મારેલો, કેમકે તે ચોરી કરે છે તેવું માની સુપર્વાઇઝર પુરવણીમાં લાલ અક્ષરથી ૩૦ માર્ક્સ માઈનસ લખી દે છે. તેના સમાચાર ફેસબુક પર કોરિયાથી મિત્ર નરેન્દ્રભાઈએ મૂક્યા ત્યારે એમના શબ્દોમાં વ્યક્ત થતો આજના શિક્ષણ શાસ્ત્રીઓ પ્રત્યેનો રોષ ખરેખર શોચવા જેવો હતો. આજની પુરાણી માર્ક્સ પધ્ધતિ બદલવાનો સમય હવે આવી ચૂક્યો છે.

    એક વ્યક્તિ(વિદ્યાર્થી) કશું શીખે તે માટે મદદરૂપ થવા બીજી વ્યક્તિ(શિક્ષક) કોઈ ખાસ વર્તણૂક કરે, આ થઈ શીખવવાની સાદી વ્યાખ્યા. આમાં મૂળ શીખવાનું તો હોય છે શીખનારે, શીખવનારે શીખવાની પ્રક્રિયામાં ફક્ત મદદ કરવાની હોય છે. હવે ઘરમાં કોઈ તમને પધ્ધતિસર ચા બનાવવાનું શીખવે તો પેલી વ્યાખ્યા મુજબ શીખવ્યું કહેવાય, પણ તમે ઘરમાં કોઈને ચા બનાવતા ફક્ત જોઇને શીખી જાવ તો ચા બનાવનારે તમને કશું શીખવ્યું નથી. તો એને શિક્ષક કઈ રીતે કહેવાય ? વગર શીખવ્યે શીખવનાર આપણો પહેલો શિક્ષક હોય છે આપણી માતા અને પિતા.

શિક્ષણ બે પ્રકારનું હોય છે એક છે સ્કિલ મતલબ કુશળતા, પ્રાવીણ્ય, કળા કારીગરી. અને બીજું છે માહિતીપ્રદ. પ્રાણીઓ પણ એમના બચ્ચાઓને કૌશલ શીખવતા હોય છે. સસ્તન પ્રાણીઓ ખાસ તો શિકારી પ્રાણીઓ એમના Cubs ને સારી એવી માત્રામાં તાલીમ આપતા હોય છે. સર્વાઇવ થવા શિકાર કરવાનું કૌશલ્ય ખાસ શીખવું પડે. એના માટે આ બચ્ચા આખો દિવસ દોડધામ અને રમત એકબીજા સાથે કરતા હોય છે. પણ છતાં એમને શિકાર કરવાની ખાસ તાલીમ આપતા નોંધાયું છે.

Timothy Caro નામના પ્રોફેસરે ચિતા ફેમિલીનાં જીવન કવનને ફિલ્મમાં ઊતારતા ખાસ જોયું કે Cheetah  માતા પહેલા એના કબ આગળ મારેલું નાનું સસલું કે હરણ લાવીને મૂકે છે. કબ આની ઉપર હુમલો કરતા હોય છે અને પછી ખાતા હોય છે. પછી જેમ બચ્ચા મોટા થાય તેમ માતા જીવતા સસલા કે નાના હરણ લાવીને ધરે છે. કબ આતુરતા પૂર્વક  એમની પાછળ પડે છે પકડવા માટે. આમાં ઘણીવાર મોંઘું પડી જતું હોય છે. કબ અનુભવી હોતા નથી અને પેલું જીવતું હરણ દોડીને છટકી પણ જતું હોય છે અને ભૂખ્યા રહેવું પડતું હોય છે. ઘણીવાર શિકાર છટકી જાય તો માતા પોતે દોડીને પકડી લાવે છે અને ફરી કબ આગળ છોડી દે છે.

આમ બચ્ચા શિકારને પકડતા શીખી જતા હોય છે. માતા એમને વારંવાર આ બધી પ્રૅક્ટિસ કરાવતી હોય છે. આમ કબ મોટા થતા જાતે શિકાર કરવાનું શીખી જતા હોય છે. અકસ્માતે પ્રાણીઓની વર્તણૂકને ડૉક્યુમેન્ટરીમાં ઉતારતાં પ્રાણીવિદ છક થઈ ગયા કે ચિતા માતા જાણી જોઇને હેતુપૂર્વક પરિસ્થિતિ ઊભી કરતી હતી. પહેલા મરેલા શિકાર લાવતી હતી, પછી જીવતા શિકાર લાવતી હતી, શિકાર છટકી જાય તો પોતે દોડીને પકડી લાવી ફરી જીવતું કબ આગળ છોડી દેતી. આમ ભરપૂર પ્રૅક્ટિસ કરાવતી હતી. Caro એ નોંધ્યું કે ઘણીવાર શિકાર કબ અને માતા બધા પાસેથી છટકી જતો તો ભૂખે રહેવાનો પણ વારો આવી જતો. પણ વળતરમાં કબ સ્કિલ શીખતા જતા હતા.

આવીજ વર્તણૂક બીજા શિકારી પ્રાણોમાં પણ જોવા મળેલી છે. Meerkats માતા પણ એના pups ને ભયાનક ડંખ મારતા વીંછી ખાવાની કુશળતા શીખવતી હોય છે. પ્રથમ તે મરેલા વીંછી લાવીને બચ્ચા આગળ મૂકતી હોય છે. બચ્ચા એની પર હુમલો કરતા હોય છે પછી ખાતા હોય છે. પછી માતા જીવતા વીંછી લાવતી હોય છે પણ એમના ભયાનક ડંખ પહેલેથી ઊખેડી લેતી હોય છે જેથી બિન અનુભવી બચ્ચાને જોખમ ના રહે. બચ્ચા કુશળ થઈ જાય પછી માતા જીવતા ડંખ સહિત વીંછી લાવવાનું શરુ કરે છે. આમ બચ્ચા ભયાનક વીંછી મારીને ખાતા શીખી જતા હોય છે.

આપણે બાળકોને શીખવવા માટે થઈને પ્રૅક્ટિસ કરવા મોટાભાગે મટિરિયલ ઉપલબ્ધ કરવાનું વિચારતા નથી. પણ આ એક બહુ કીમતી રસ્તો છે બાળકોને શીખવવાનો. ચિતા અને મરકેટ માતાની જેમ આપણે બાળકોને વસ્તુઓ, સાધનો, ટૂલ્સ, રમકડા પૂરું પાડીને શીખવવાની શરૂઆત કરાવી જોઈએ.

આપણ માનવોની કેટલીક મર્યાદાઓ હોય છે. બધું પ્રેક્ટીકલ શીખવી શકતા નથી. આપણે મોટાભાગે બધું જોઇને શીખતા હોઈએ છીએ. આપણાં બાળકો બધું જોઈ જોઇને શીખતા હોય છે. મોટાભાગનું  એમને શીખવવું પડતું હોતું નથી. બાળકો ગુડ ઑબ્ઝર્વર હોય છે. જે વસ્તુ કે વર્તણૂક તમને ગમતી ના હોય તે બાળકોના દેખાતા કરશો નહિ. છતાં ઘણી વસ્તુઓ નિદર્શન કરીને શીખવી શકાતી હોય છે.

માનવ સિવાયના પ્રાણીઓમાં નિદર્શન કરીને કોઈ શીખવતું નથી, પણ ચિમ્પૅન્ઝીમાં માતા એના બચ્ચાને કવચ કોટલાવાળાં ફળો કઈ રીતે તોડવા તેનું નિદર્શન કરીને શીખવતી હોય છે. દા.ત. નાળિયેર જેવા ફળ પથ્થર પર ગોઠવવા એના પર બીજા પથ્થર કે લાકડા વડે તોડવા બધું બચ્ચાને શીખવવામાં આવતું હોય છે. નાના ચિમ્પૅન્ઝીને આ બધું શીખવતા વર્ષો લાગી જતા હોય છે. Cristopher અને Hedwige નામના બે સંશોધકોએ આ બધું દસ્તાવેજી ચિત્રોમાં કંડારેલું છે.

આમ શીખવવાની પ્રક્રિયા એક વ્યક્તિની (The teacher) એવી વર્તણૂક છે જે બીજા વ્યક્તિને (The pupil ) શીખવામાં મદદરૂપ થતી હોય છે. આવી બિહેવ્યર non-human પ્રાણીઓમાં પણ હોય છે. ખેતીની શરૂઆત થયે આશરે ૧૦,૦૦૦ વર્ષ થયા છે. આમ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં આખી દુનિયાના તમામ લોકો  Hunter-Gatherers  હતા. આપણી શીખવાની અને શીખવવાની પ્રક્રિયા હન્ટર ગેધરર જીવન શૈલીની જરૂરિયાતો મુજબ વિકાસ પામેલી છે.

વધુ આવતા અંકે…..

પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ વિષે ખૂબ લખાય છે. પણ પ્રેમ પેદા કરતા રસાયણો વિષે કશું ખાસ લખાતું નથી. પ્રેમ હૃદયથી થાય છે તેવું માનનારા સમજી લે કે હૃદય ખાલી શરીરમાં લોહી ફેરવનારો પંપ માત્ર છે. જેને આપણે પ્રેમની પરિભાષામાં હૃદય તરીકે ઓળખીએ છીએ તે બ્રેનમાં રહેલા લાગણી અને કલ્પના વિભાગ છે. પ્રેમ માટે કારણભૂત અનેક રસાયણો છે. પ્રે

પ્રેમ સાદી ભાષામાં કહીએ તો કેમિકલ લોચા છે. એ ખાલી નારંગીનો રસ નથી, પણ નારંગી, મોસંબી, કેરી, પાઈનેપલ, એમ જુદાજુદા ફળોના રસનું કૉકટેલ છે. પ્રેમ હંમેશા સુખ આપતો નથી. પ્રેમીઓને દુખી દુખી કરી મૂકવાની એની તાસીર સમજી લેવી જોઈએ. આ તાસીર સમજવા મૅમલ બ્રેનની તાસીર સમજી લેવી જરૂરી છે. પ્રેમમાં કાયમ ચડાવ ઉતાર કેમ થતા હશે ? સતત પ્રેમના સુખમાં કેમ જિવાતું નથી ?

Love triggers Dopamine:  Dopamine એક સુંદર લાગણી છે જ્યારે તમને કોઈ ખોવાયેલી ચાવી જડી જાય. બસ આ ખોવાયેલી ચાવી બ્રેન કાયમ શોધ્યા કરતું હોય છે. પ્રાણીઓ કાયમ ખોરાક અને સમાગમની  શોધમાં ફર્યા કરતા હોય છે. અને જ્યારે આ જરૂરિયાત પૂરી થાય કે તરત ન્યુરોકેમિકલ ડોપમીન મોજું ધસી આવે છે. પણ આ કાયમ મૌજા હી મૌજા નાં હોય. આ મોજું આ ફુવારો બહુ નાનો હોય. મોજું ઊંચે જઈને નીચે પછડાય તે એની જૉબ છે. તમારી જરૂરિયાત ફરી પૂરી કરવા માટે એક તક સૂચવે છે. એટલે આપણને જ્યારે કોઈ ચાવી મળી જાય એટલે આપણે સુખનો અનુભવ કરતા હોઈએ છીએ. પણ આ સુખ કાયમ ટકી રહે, મોજું ઊંચે ચડી રહે નીચે આવેજ નહિ તેવું વિચારીએ છીએ. અહીં માર ખાઈ જઈએ છીએ.

આપણને કોઈ પ્રેમી પાત્ર મળી જાય ત્યારે એનું સુખ કાયમ મળતું રહે તેવી ઇચ્છા ધરાવતા હોઈએ છીએ. પણ સુખનું મોજું કાયમ ઊંચે ચડેલું રહે નહિ, ત્યારે આપણે પ્રેમી પાત્રને બ્લેમ કરતા હોઈએ છીએ કે આ બદલાઈ ગયું છે. ભાઈ કોઈ બદલાઈ જતું નથી નાં આપણે નાં આપણું પ્રેમી. અને એનો અર્થ એવો નથી કે ડોપમીન લાગણી મેળવવા કાયમ પ્રેમીજન બદલતા રહીએ. કહેવાનો મતલબ એટલો જ છે કે કાયમ આ મોજું  ઊંચે ચડેલું રહે તે રીતે આપણે ઈવૉલ્વ થયેલા જ નથી.

Love triggers Oxytocin:  ઑક્સિટોસિન ન્યુરોકેમિકલ વિશ્વાસનું જનક છે. Orgasm સમયે તેનો સ્ત્રાવ થતો હોય છે. જ્યારે પ્રેમીજનનો હાથ હાથમાં લઈએ ત્યારે થોડી માત્રામાં તે સ્ત્રવે છે. પ્રાણીઓ તેમના બચ્ચાને ચાટતાં હોય ત્યારે પણ તે સ્ત્રવે છે. માતા બાળકને ધવરાવતી વખતે એના માથે હાથ ફેરવતી હોય ત્યારે પણ એનો સ્ત્રાવ થતો હોય છે જે અદ્ભુત આનંદ અર્પે છે.

આપણી મનપસંદ રાજકીય પાર્ટી જીતે ત્યારે અને ક્રિકેટ મેચ જીતી જઈએ ત્યારે નીકળતી રેલી અને ધમાલ વખતે પણ આનો સ્ત્રાવ થતો હોય છે. મૅમલ પ્રાણીઓ કાયમ ઑક્સિટોસિન રિલીસ કરતા હોય છે. સગાઓ સાથે અને પોતાના સમૂહ સાથે જોડાણ અનુભવે કે તરત આનો સ્ત્રાવ થવાનો. જે વ્યક્તિ સાથે જેટલું વધારે જોડાણ અનુભવો તેટલો આનો સ્ત્રાવ વધુ થવાનો. More touch, more oxytocin, more trust. પણ હ્યુમન બ્રેન માટે ટ્રસ્ટ ખૂબ કૉમ્પ્લિકેટેડ હોય છે.

આપણી અપેક્ષાઓ પ્રમાણે આપણે કોઈના ઉપર વિશ્વાસ કરતા હોઈએ છીએ, અને આપણી અપેક્ષાઓ એટલી બધી ગૂંચવાડા ભરેલી હોય છે તેનો કોઈ અંદાજ આપણને હોતો નથી. કાળક્રમે આપણું પ્રેમીજન આપણી અપેક્ષાઓ પૂરી કરવા માટે નિષ્ફળ જતું હોય છે. તેમ આપણે પણ એની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કાયમ સફળ થતા નથી.

આપણાં મૅમલ બ્રેન માટે વિશ્વાસ ગુમાવવો જીવલેણ કટોકટી હોય છે, લાઇફ થ્રેટનીંગ. એક ઘેટું એના ટોળાથી છૂટું પડી જાય તો એનું ઑક્સિટોસિન નીચું ઊતરી જાય છે, અને cortisol ઊંચે ચડી જાય છે. જે એને ભય પમાડે છે. જેથી ઘેટું મોટીવેટ થાય કે કોઈ જીવતું ચાવી જાય તે પહેલા ટોળામાં પાછું જતું રહે. માનવની કોઈ અપેક્ષા પુરી થાય નહીં તો cortisol મૅમલ બ્રેન માટે ઇમર્જન્સી ઊભી કરી દેતું હોય છે. જે સર્વાઇવલ માટે જરુરી હોય છે.

Love triggers serotonin:  માનસન્માન મળે તો અદ્ભુત આનંદ આવતો હોય છે, તેનું કારણ છે સેરોટોનિનનો સ્ત્રાવ. પ્રાણી જગતમાં સામાજિક સર્વોપરિતા સમાગમની સાથે સાથે વંશ વારસોના સર્વાઇવલની તક વધારી દેતું હોય છે. કોઈ સચેતન રીતે લાંબા સમયના લક્ષ્યને લીધે પ્રાણીઓ એકબીજા ઉપર ધાક જમાવે છે તેવું નથી, તેઓ ધાક જમાવે છે કે સિરોટોનિન આનંદ અર્પે છે. જ્યારે કોઈ આપણાં સ્ટૅટ્સ માન મોભાને સન્માને છે ત્યારે આપણે ખુશી અનુભવીએ છીએ.

હાઈ-સ્ટૅટ્સ, માન મોભો સમાગમની તકો વધારી દે છે તે હકીકત છે. પ્રિયજન આપણને માનસન્માન આપે છે. આપણો મોભો વધારે છે. બીજા લોકો આ રીતે સન્માન આપે તેમાં મદદરૂપ પણ થાય છે. પણ આપણું બ્રેન કાયમ વધારે ને વધારે માન સન્માન મેળવીને વધારે ને વધારે સિરોટોનિન આનંદ ઇચ્છતું હોય છે. જેટલું વધારે માન મળે તેટલું વધારે સુખ મળતું હોય છે આમ માન મેળવાની ઇચ્છા વધતી જતી હોય છે. એટલાં માટે લોકો એમના પ્રિયજન પાસે સતત ડિમાન્ડ કર્યા જ કરતા હોય છે. જેટલી ડિમાન્ડ પૂરી થાય તેટલું વધારે માન મળ્યું તેમ સમજાતું હોય છે. બસ અહીં માર ખાઈ જવાય છે. કાયમ અપેક્ષા કે ડિમાન્ડ પૂરી થાય તેવું બને નહિ.

પ્રાણીઓ સમાગમ માટે સાથીની બાબતે ખાસ પસંદગી ધરાવતા હોય છે. Free love is not the way of nature. એક પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થવું સેક્સ માટે જરૂરી હોય છે. માદા સક્રિય રીતે  ફળદ્રુપ હોય ત્યારે પ્રાણીઓ સમાગમ કરતા હોય છે. ફીમેલ ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે જ સમાગમ કરતી હોય છે. બાકીના સમયમાં તે ગર્ભવતી હોય કે એના બચ્ચાને ઉછેરતી હોય. માદા ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે હીટમાં આવતી હોય છે. ઑવુલ્યેશન વગર નર ચિમ્પૅન્ઝી માદામાં રસ લેતા નથી. પણ  જ્યારે આ તક ઊભી થાય છે ત્યારે તેઓ કોઈ પણ ભોગે તેને ઝડપી લેવા તૈયાર થઈ જતા હોય છે.

વંશ વારસો પેદા કરવા માટે પ્રોત્સાહક બને તે રીતે હૅપી કેમિકલ ઈવૉલ્વ થયેલા હોય છે. લાખો વર્ષ લાગી કુદરતના રાજમાં બચ્ચા બહુ બચતા નહિ. જાતજાતની બીમારીઓ અને અસલામત, નિષ્ઠુર જંગલના કાનૂન હેઠળ જેટલા વધુ બાળકો પેદા થાય તેટલા સારા તેવું હતું. એમાંથી જે બચ્યા તે ખરા. ભલે આજે બર્થ કંટ્રોલના જમાનામાં તમે બાળકો પેદા કરવાનું બહુ વિચારતા ના હોવ પણ તમારું મૅમલ બ્રેન એ રીતે જ ઇવોલ્વ થયેલું છે કે જેટલા વારસો પેદા થાય તેટલા વધુ સારું. Natural selection created a brain that rewards reproductive behavior with happy chemicals.

પ્રેમ પ્રોત્સાહન છે રીપ્રૉડક્શન માટે. એટલાં માટે તે પુષ્કળ હૅપી રસાયણનો સ્ત્રાવ કરે છે. રીપ્રૉડક્ટિવ બિહેવ્યર માટે સેક્સ સમાગમ ફક્ત એક પાસું છે. પ્રેમ ખૂબ મહત્વનું પાસું છે, તે પ્રેરણા આપે છે જેથી આપણે આપણાં પ્રિયજન આડે આવતા મોટા પહાડોને દૂર કરી શકીએ. અને ઉત્ક્રાંતિનો ક્રમ સચવાય તે માટે વંશ વારસનું  બચવું પણ તેટલું જ મહત્વનું છે. એને માટે જરૂરી છે ઉચ્ચ કોટીના સાથીદાર પર વિશ્વાસ અને ભાવનાત્મક અટૅચમન્ટ. બસ આ બધું ભેગું મેળવવા માટે ન્યુરોકેમીકલ્સ એમની જૉબ કરતા હોય છે બીજું કઈ નહિ. હવે આ કેમિકલ્સ કોઈ ભાષાકીય શબ્દો વાપરવાનું જાણતા નથી, અને આપણે પાગલ પ્રોત્સાહક વર્તણૂક માટે શબ્દો શોધીએ છીએ.

હૅપી કેમિકલ આપણને એવી માહિતી અર્પતા હોય છે કે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ હોય છે. માનો કે ટીવી પર મેચ જોતા હોઈએ. સચિન ૧૦૦મિ સદી પૂરી કરવા જઈ રહ્યો હોય. સ્ટેડિઅમમાં  હજારો લોકો ઉત્તેજિત હોય. આપણે પણ અહીં ઘરમાં ઉત્તેજિત બનીને ખુશીના માર્યા ઝૂમતા હોઈએ. આપણે સમજતા હોઈએ કે હજારો લોકો મારા રિઍક્શનને સમજે છે સાથ આપે છે, ત્યારે શ્રીમતીજીને એમાં કોઈ રસ ના હોય તો એવું  ફીલ થાય કે લાખો લોકો મારી સાથે છે તો આ ઘરના માણસને શું થયું છે ? રાજકારણ, ધર્મ, સ્પૉર્ટ્સ અને બીજી સામૂહિક ઍક્ટિવિટિ ઑક્સિટોસિન સ્ત્રાવ માટે કારણભૂત હોય છે. આપણને એક વિશ્વાસ પેદા થતો હોય છે.

આપણને સુખ અર્પતા કેમિકલ્સ કાયમ જોઈતાં હોય છે. થોડા રૉમૅન્સ દ્વારા જોઈતાં હોય છે થોડા જીવનના બીજા પાસા દ્વારા, નો મૅટર ગમે ત્યાંથી. હૅપી રસાયણનો ફુવારો છૂટે છે અને બંધ થઈ જાય છે, પણ શામાટે તે સમજાઈ જાય તો આપણે ન્યુરોકેમિકલ્સ સિગ્નલ વડે કન્ફ્યૂઝ થવાને બદલે આપણી વર્તણૂક મૅનેજ કરી શકીએ તેમ છીએ. ૨૦૦ મિલ્યન્સ વર્ષની લાંબી દડમજલ કરીને આ મૅમલ બ્રેન વિકસેલું છે. એને તમે સમજી શકો પણ જીતી ના શકો.

હા! તો પોતાની જાતને કે પ્રિયજનને બ્લેમ કરવાની જરૂર જ નથી કે કાયમ હૅપી કેમિકલ્સ સ્ત્રાવ થવાનો જ નથી. May be nothing is wrong; you are just living with the operating system that has kept mammals alive for millions of years. 

વહેલી જાતીય પુખ્તતા.( Early Puberty). Hard Truths About Human Nature.

વહેલી જાતીય પુખ્તતા.( Early Puberty). Hard Truths About Human Nature.

 
  પશ્ચિમના જગતમાં છોકરીઓ  જલદી પુખ્ત બની જતી જોવા મળતી હોય છે. જાતીય રીતે ઘણી વહેલી પુખ્ત બની જતી હોય છે. ઘણા સંશોધકો એવું માનતા હોય છે કે એનું કારણ અતિ પૌષ્ટિક ખોરાક છે. શારીરિક વિકાસ જલદી થઈ જાય તેમાં આવું બનતું હશે. પણ છોકરીઓને વહેલા પુખ્ત બનાવી દેવા માટે આ એક કારણ પૂરતું નથી. આ છોકરીઓ સેકસુઅલ મેચ્યોરીટી વહેલી કેમ મેળવી લેતી હશે? એમનો ઋતુચક્ર સમય પણ વહેલો શરુ થઈ જતો હોય છે. ૧૧ વર્ષની છોકરી પીરિયડમાં બેસતી થઈ જતી હોય છે. એનો મતલબ છઠ્ઠાં ધોરણમાં ભણતી છોકરી ગર્ભ ધારણ કરવા સક્ષમ છે. છોકરીઓમાં પીરિયડ શરુ થવાની અહીંની નેશનલ એવરેજ ઉંમર ૧૨ વર્ષ છે. અને ઘણી છોકરીઓ ૮ વર્ષની ઉંમરે પીરિયડમાં બેસતી જોવા મળતી હોય તેવા પણ દાખલા છે. ૧૦-૧૧ વર્ષે પીરિયડમાં બેસતી છોકરીઓનો કોઈ પાર નહિ હોય. એમાં કોઈ શક નથી કે આટલી નાની ઉંમરની છોકરીઓ માનસિક રીતે એક બાળક ઉછેરવા સક્ષમ હોય નહિ. તો શા માટે પ્રજનન ક્ષમતા પૂરતી ફીમેલ બાયોલોજી એમની સાયકોલોજી કરતા આગળ નીકળી જતી હશે?
 
    નવું ઇવોલ્યુશનરી રિસર્ચ કહે છે આના મૂળિયા માબાપની બાળ ઉછેરની કાળજીમાં, પદ્ધતિમાં સમાયેલા છે. એમાં ખાસ તો પિતા મહત્વનું કારણ હોય છે. menarche વિષે ઈવોલ્યુશન થિયરી કહે છે કે માતાપિતાની બાળ ઉછેર પદ્ધતિ અને ભાવનાત્મક જોડાણ ઘણો મોટો ભાગ ભજવી જાય છે. જે બાળકોને માતાપિતા તરફથી સતત કાળજીનો અનુભવ થતો નાં હોય, સાથે સાથે માતાપિતા તરફથી  નકારાત્મક લાગણીઓ અનુભવાતી હોય તો આવા બાળકોનો વિકાસ અસલામતી સાથે મેટિંગ સ્ટ્રેટેજી પ્રત્યે આશાવાદી તરીકે થતો હોય છે.
 
   માતાપિતાએ ડિવોર્સ લઈ લીધા હોય. ખાસ તો પિતાની ગેરહાજરી હોય, ત્યારે Menarche એટલે માસિકચક્ર શરુ થયાનો પ્રથમ દિવસ એના શરીરને Bio-signals તરીકે કહેતો હોય છે કે “This is an unstable environment,” or ” There is a shortage of males in the population .”   આવા સમયે ઈવોલ્યુશનરી બ્રેઈન વિચારતું હોય કે સર્વાઈવલ માટે પરિસ્થિતિ અનુકૂળ છે નહિ. તો જાતીય રીતે પુખ્ત બનવા માટે ઝડપ કરો અને મૃત્યુ પહેલા સાથી શોધી લો અને મોડું થાય તે પહેલા પોતાના જિન્સ નવી પેઢીમાં પાસ કરી દો. બાયોલોજીકલ પિતાની પ્રેમાળ હાજરીમાં, દેખરેખમાં છોકરી સમયસર જાતીય રીતે પુખ્ત થતી હોય છે, વહેલી નહિ. સ્ટેપ ફાધરની હાજરી પણ બાયો સિગ્નલ્સ જણાવી દેતા હોય છે કે લોહીનો સંબંધ છે નહિ ત્યાં ઉલટાની છોકરી વહેલી પુખ્ત બનીને વહેલું ઋતુ ચક્ર શરુ થઈ જતું હોય છે. The presence of an unrelated male should signal a reproductive opportunity , and thus accelerate menarche ( Barkow, 1986 ) .
 
    હવે જ્યારે માતા સાથે પણ જો પુત્રીનું સલામત ભાવનાત્મક જોડાણ હોય નહિ, માતા તરફથી પણ અસલામતી અનુભવાતી  હોય તેવી છોકરીઓ પણ વહેલી પુખ્ત બની જતી હોય છે. માતા જો પુત્રી પ્રત્યે નિષ્ઠુર હોય તો આવું બનવું સ્વભાવિક છે.  This may be reflective of harsher maternal responses in the early environment, which influences future reproductive strategy (Belsky, Steinberg, Houts, & Halpern-Felsher, 2010). Meaning, if Mom is harsh, then it would be in a girl’s evolutionary interest to mature faster. This way, she could find a mate that would take care of her.
 
     આજે ભૂતકાળમાં ક્યારેય નહોતું બનતું એટલી ઝડપે છોકરીઓ વહેલી જાતીય રીતે પુખ્ત (Puberty ) બની જતી જોવા મળે છે. કારણ સામાજિક પરિસ્થિતિ બદલાવા માંડી છે. ડિવોર્સ અને સ્ટેપ ફેમિલી વધવા માંડ્યા છે. ત્યારે  બાળકો સાથે લાગણીભર્યા સહકારની વધારે જરૂર છે એવું નથી લાગતું?
 
 
 
 
 
 
 
 

સૌન્દર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે.Hard Truths About Human Nature.

સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે.Hard Truths About Human Nature.
સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે

માનસિક અને શારીરિક રીતે સ્ત્રી અને પુરુષમાં ઘણો ફરક દેખાતો હોય છે. પુરુષ એ રીતે ઈવૉલ્વ થયેલો હોય છે કે એને યુવાન, ક્લિઅર સ્કિન, સિમેટ્રીકલ ચહેરા સાથે શરીર ધરાવતી સ્ત્રી તરફ જવાનું એને પહેલું પસંદ આવતું હોય છે. સમય માપવાની રેતીવાળી શીશી જોઈ છે ? સુંદર ચહેરો અને hourglass ફિગર ધરાવતી નારી એટલે તંદુરસ્ત અને ફળદ્રુપ જે પુરુષને હંમેશા એના જીન પાસ કરવા મહત્તમ યોગ્ય લાગતી હોય છે. આ સરળ યુનિવર્સલ ગુણવત્તા સરહદો, સંસ્કૃતિઓ અને પેઢીઓ સુધી ફેલાયેલી પહેલી પસંદગી હોય છે.images (14)

સુંદરતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ હોય છે તે પણ એટલું જ સત્ય છે. આજે પશ્ચિમની નારી પાતળી બનવા ખૂબ જહેમત કરતી જોવા મળે છે ત્યાં સત્ય એ છે કે પુરુષના એક દ્ગષ્ટિપાત માટે તમામ સંસ્કૃતિની નારી ખાય છે અથવા નથી ખાતી. ખોરાકની ઉપલબ્ધતા સાથે શરીરની સાઇઝની ગુણવત્તા નક્કી થતી હોય છે. એક ૭-ઇલેવન, મેકડોનાલ્ડ, બર્ગરકિંગ કે તાકોબેલ  વગર પાંચ માઈલ પસાર કરી શકતા નાં હોવ, જ્યાં ખાવાનું અઢળક વેચાતું હોય ત્યાં પાતળી પરમાર મોસ્ટ વેલકમ. સહારન, આફ્રિકન જેવા કલ્ચર કે જ્યાં ખોરાકની અછત હોય ત્યાં ચરબીથી લથપથ સ્ત્રીઓ બ્યૂટિફૂલ ગણાતી હોય છે.

મોટાભાગની સ્ત્રીઓની પહેલી પસંદગી તેમના કરતા વધુ ઊંચાઈ સાથે સિમેટ્રીકલ ફીચર ધરાવતા પુરુષો હોય છે. હેલ્થી અને પૅરસાઇટ વગરના સંભાવિત સાથીની આ નિશાની છે. છતાં સ્ત્રી હાઈ સ્ટૅટ્સ, સત્તા અને ધનવાન વ્યક્તિને પણ પ્રથમ પસંદગી આપતી હોવાથી કોઈ ઓછી ઊંચાઈ ધરાવતા ભાઈ પ્રાઇવેટ જેટ વિમાન ધરાવી એમની હાઇટ વધારતા પગ જોડી શકે છે. બૅંગકોંગ, મલૅશિયામાં ગરીબી ખૂબ છે. ઍવરિજ સામાન્ય આવક ધરાવતો અમેરિકન પુરુષ જે મકાન અને કાર ધરાવતો હોય તે એમને માટે તો સારો એવો પૈસાદાર ગણાય જે અમેરિકન સ્ત્રી માટે ગરીબ ગણાતો હોય. અમેરિકન ડોસલાં આરામથી મલૅશિયન સ્ત્રીઓની પહેલી પસંદ બની જતા હોય છે.

“Beauty is in the eye of the beholder.” આ ઉક્તિ પ્રાચીન ગ્રીસ વખતની આજે પણ ચલણમાં છે. તો શા માટે આપણ દરેકનો ટેસ્ટ જુદો જુદો અને વિવિધ હોય છે ? શારીરિક  આકર્ષણના વૈજ્ઞાનિક અભ્યાસ સારા એવા મદદરૂપ થતા હોય છે કે સુંદરતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ અને યુનિક હોય છે.  હા તો મિત્રો સુંદરતા જોનારની આંખોમાં નહિ, પણ જોનારના orbito –frontal cortex માં હોય છે તેવું neuroscience laboratory University college Londonનું કહેવું છે. આપણાં દરેકનો સુંદરતા વિશેનો એક ઇન્ટરનલ કૉન્સેપ્ટ હોય છે. કોઈ સારું સંગીત સાંભળતા હોય ત્યારે બ્રેનમાં જે ભાગ સક્રિય થતા હોય તેજ ભાગ કોઈ સુંદર દ્ગશ્ય કે ચિત્રો જોતા સક્રિય થતા હોય છે.

images (17)આપણાં અગાઉના અનુભવો મુજબ બ્રેન રિઍક્ટ કરતું હોય છે. જો મને ક્લૅસિકલ સંગીત અદ્ભુત લાગતું હોય અને ધમાલિયું રૉક સંગીત ઓછું પસંદ આવતું હોય તો ક્લૅસિકલ સંગીત સાંભળતી વખતે બ્રેનમાં રહેલા રિવૉર્ડ અને પ્લેઝર વિભાગ વધુ સક્રિય થવાના, રોક મ્યૂઝિક વખતે ઓછા.  Beauty is in the eye of the beholder, or more accurately in their medial orbito-frontal cortex. This part of the brain activates when we experience beauty either as art or as music.

મોટાભાગે એવું મનાતું હોય છે કે સુંદર ચહેરો, સુંદર વાળ અને ઘાટીલું બદન એટલે બ્યૂટિફૂલ કે હૅન્ડસમ. પણ શારીરિક આકર્ષકતા આનાથી કંઈક વધારે હોય છે. બધા કહેવાતા રૂપાળાં લોકો આકર્ષક હોતા નથી. ક્રિયાશીલ જોમવાળી શારીરિક આકર્ષકતા થોડી જુદી હોય છે. આમાં વ્યક્તિની ભાવ વાહકતા, અભિવ્યક્તિ, પ્રમાણબદ્ધ સુંદર શરીરની મોહકતા સાથે બૉડી લૅંગ્વિજ ઉમેરીને જે ડાઇનેમિક ફિઝિકલ અટ્રૅક્ટિવનેસ ઊભી થાય છે તેની સામે કહેવાતી સુંદરતા પણ ઝાંખી પડી જતી હોય છે. ચાલવાની રીત, બોલવાની વાતો કરવાની છટા, ભાવ વ્યક્ત કરવાની અદ્ભુત ક્ષમતા, ખાસ તો હકારાત્મક લાગણીઓ વ્યક્ત કરવાની ક્ષમતા બધું ભેગું મળીને આકર્ષકતામાં વધારો કરી દેતું હોય છે.

બોલીવુડમાં આપણે જોઈએ છીએ કે ઓછા રૂપાળાં લાગતા અભિનેતાઓ મોટાભાગે ચૉકલેટી રૂપાળાં અભિનેતાઓ કરતા એમની આગવી છટાને લીધે વધુ સફળ થયેલા છે. એટલે સુંદરતા એટલે ફક્ત ગોરી ચામડી સમજી લેવું ખોટું છે. મતલબ સુંદર હોવું એટલે આકર્ષક હોવું તેવું સમજી લેવું વધારે પડતું છે. સ્ટૅટિક ફિઝિકલ અટ્રૅક્ટિવનેસ સાથે ડાઇનેમિક એક્સપ્રેસિવ સ્ટાઇલ ભળી જાય ત્યારે વ્યક્તિમાં એક charisma ઊભો થતો હોય છે. આવી charismatic  વ્યક્તિઓમાં ઇમોશનલ અને સોશિઅલ કમ્યુનિકેશન સ્કિલ ખૂબ ડેવલપ થયેલી હોય છે.

સુંદરતાના કોઈ માપતોલ હોતા નથી તેવું પણ કહેવામાં આવતું હોય છે. કારણ ઘણા પુરુષોને સોનેરી વાળ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય તો ઘણાને કાળા વાળ ધરાવતી. ઘણી સ્ત્રીઓને ગોરા પુરુષો ગમતા હોય તો ઘણી સ્ત્રીઓ ઘઉંવર્ણ ધરાવતા પુરુષને પસંદ કરતી હોય. આમ દરેકની પસંદ અલગ હોવાથી કહેવાય કે સુંદરતાનાં કોઈ માપતોલ હોતા નથી. છતાં સુંદરતા વિષે અમુક માન્યતાઓ બધે સામાન્ય સહજ સરખી હોય છે. સિમેટ્રીક ચહેરો દરેક કલ્ચરમાં સરખો સુંદર લાગતો હોય છે. આમાં પણ મૅથ(ગણિત) છે. ચહેરાના બંને બાજુના માપતોલ સરખાં હોય તે ચહેરો વધુ સુંદર લાગતો હોય છે.

ક્લિઅર સ્કિન યુનિવર્સલ પહેલી પસંદ હોય છે. પુરુષત્વ સૂચિત ચોરસ જડબા પુરુષો માટે અને હાઈ ચીક બૉન્સ સ્ત્રીઓ માટે વૈશ્વિક પસંદગી હોય છે. સેન્ટ્રલ આફ્રિકામાં ગોળમટોળ ભારેખમ સ્ત્રીઓ પહેલી પસંદ હોય છે. ઇથિઓપિયામાં સુર્માં અને મૂર્સી સ્ત્રીઓ એમના હોઠ પર બહુ મોટી પ્લેટ પહેરતી હોય છે. મ્યાનમારની kareni અને padaung  સ્ત્રીઓ  ડોકમાં રિંગ્સ પહેરતી હોય છે. ડોક આમ એટલી લાંબી થઈ ગઈ હોય કે પછી રીંગ વગર ચાલે નહિ.Neck_Elongation

Men, on average, tend to be attracted to women who are shorter than they are, have a youthful appearance, and exhibit features such as a symmetrical face, full breasts, full lips, and a low waist-hip ratio. Women, on average, tend to be attracted to men who are taller than they are, display a high-degree of facial symmetry, masculine facial dimorphism, and who have broad shoulders, a relatively narrow waist, and V-shaped torso.images (16)

 

 

 

 

 

અપત્યકામ, અમરત્વની શોધમાં.Hard Truths About Human Nature.

ગાંધી પરિધાન.

દુનિયાના કોઈ પણ ખૂણે કોઈને પણ પૂછો, બાળકો કોણ નહિ ઇચ્છતું હોય? દરેકને એક બાળક હોય તેવું તો ઇચ્છતા જ હોય છે. એકાદ બાળક વગર જીવન અસફળ છે તેવું લાગતું હોય છે. સંતાનો મોટા થતાં આપણે તેમને પરણાવી દેવાની ચિંતામાં પડી જતા હોઈએ છીએ. દાદા દાદી માથુ ખાઈ જતા હોય છે કે ભાઈ ક્યારે પરણીશ? પૌત્રનું મોઢું જોઈને મરવું છે. પૌત્રનાં લગ્ન હોય તો દાદા દાદીનો હરખ માતાપિતા કરતા બમણો હોય છે. બાળકો આપણી મરણશીલતા સામે ઢાલ હોય છે. અપ્ત્યકામ એટલે સંતાનપ્રાપ્તિની ઇચ્છા દરેક સજીવના જિન્સમાં કુદરતે મુકેલી હોય છે.

Arnaud Wisman (The University of Kent)અને Jamie Goldenberg (The University of South Florida) દ્વારા કરાયેલા સંશોધન મુજબ ભાગ લેનારા વ્યક્તિઓને નકારાત્મક વિચારો જેવાકે મૃત્યુ, અસફલતા, પીડા અને દુઃખ વિષે લખવાનું કહેવામાં આવ્યું, સાથે આવા વિચારો સમયે કેટલા બાળકો રીયલ લાઇફમાં હોય અને કેટલા ફેન્ટસીમાં હોય તે વિષે લખવાનું જણાવવામાં આવ્યું. પરિણામ એ આવ્યું કે જેમ મૃત્યુનો વિચાર વધુ તેમ વધુ બાળકો હોય તેવું ઇચ્છવામાં આવેલું. વ્યવસાયિ પુરુષોની ઇચ્છામાં કોઈ ફરક નહોતો, પણ વ્યવસાયિ સ્ત્રીઓ જેમને એમની કારકિર્દી અને પ્રગતિને વધુ ધ્યાનમાં લીધેલી તેઓએ બાળકો ખાસ ઇચ્છેલા નહિ. હ! એમની પ્રગતિ કે કારકિર્દીમાં અડચણરૂપ નાં હોય તો બાળકો હોય એમાં શું વાંધો હોય? આમ બાળક હોવું તે દરેક સ્ત્રી પુરુષની આદિમ ઇચ્છા હોય છે.

આવોજ પ્રયોગ ડચ અને જર્મન નાગરિકો સાથે પણ કરાયેલો.

બે મૂળભૂત સરહદો જન્મ અને મૃત્યુ વચ્ચે માનવીનું જીવન વ્યતીત થતું હોય છે. પોતાની જાતના મૃત્યુની અનિવાર્યતાનો સામનો  કરવો તે માનવી માટે ખૂબ તણાવયુક્ત હોય છે. સાથે સાથે માનવી પાસે એક અદ્ભુત ક્ષમતા પણ છે જે નવું જીવન પેદા કરી શકે છે. માનવી પોતાનો જીવન સમય લંબાવી શકતો નથી, પણ એક બાળક પેદા કરી, એક નવું જીવન પેદા કરી તેને ઉછેરીને પોતાના ભવિષ્યના અમરત્વની ઓળખ મૂકતો જતો હોય છે. આ ચક્ર ચાલતું રહે છે તેને જ અમરતા કહેવાય.

Terror management theory (TMT), થિયરીના જનક Cultural anthropologist Ernest Becker કહે છે કલ્ચર અને ગૃપ રિલેટેડ બિહેવિયરનાં મૂળિયાં self-preservation મોટિવમાં રહેલા છે. મૃત્યુ માનવ અસ્તિત્વ સામે એક મૂળભૂત પડકાર છે. ટૅરર મૅનેજમેન્ટ એક બેસિક સર્વાઈવલ નીડ છે. બાળકો પેદા કરવા તે પણ બેસિક સર્વાઈવલ નીડ બની જાય છે. ભવિષ્યની આગોતર યોજના. બાળકો આપણા ભવિષ્યના અસ્તિત્વના પુરાવા છે. આમ બાળકો થકી આપણે અમર છીએ. કુદરતના કાનૂન સ્ટ્રેઈટ ફૉર્વર્ડ છે, જન્મ થયા પછી પાછાં ફરવાનો કોઈ રસ્તો હોતો નથી. આગે મોત હી હૈ. અને ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે કોઈ જાણી શકતું નથી. એટલે જેવો માનવી સમજણો થાય કે તરત એના મૃત્યુ વિષે વિચાર કરતો થઈ જવાનો અને એની નશ્વરતા સામે કોઈ ઉપાય હોય તેની શોધ કરવામાં લાગી જવાનો. ફીયર ઑફ ડેથ(ટૅરર) માનવને નવું જીવન પેદા કરવા પ્રેરતું હોય છે. આપણા બાળકો પ્રતિકાત્મકરૂપે આપણી અમરતાની નિશાની છે. એક બાળકને જન્મ આપીને અમરતાને જન્મ આપીએ છીએ.

મૃત્યુ વિશેનું ચિંતન આપણાં દેશ જેટલું બીજા કોઈ દેશે કર્યું નહિ હોય. મોક્ષ અને અમૃત વિષે પણ આપણા દેશ જેટલું ચિંતન કોઈએ નહિ કર્યું હોય. આત્માની અમરતા વિશેના શ્લોકો પણ આપણે જ સહુથી વધુ ગાઈએ છીએ. મૃત્યુથી સૌથી વધુ ભય પણ આપણે પામીએ છીએ. અચાનક અને સમજી ના શકાય તેવી આવી પડનારી આફતો સામે કોઈ રક્ષણ કરનાર હોય તેમાંથી ભગવાનની અને ધર્મની કલ્પના આવી હોઈ શકે. સેંકડો વર્ષ લાગી વિદેશીઓના આક્રમણો, મૃત્યુ વિશેનું વધારે પડતું ચિંતન, સામે અમરતા અને મોક્ષનું ચિંતન, કમજોર સજીવ ખૂબ વસ્તી વધારે જેથી સર્વાઈવ થઈ જવાય આ બધું ભેગું થઈને ભારત એક પ્રચંડ વસ્તી વિસ્ફોટ કરી બેઠું છે. અમરતાનો અણુબૉમ્બ ખતરનાક બની ચૂક્યો છે.

લોભ જરૂરી, પણ અતિ નહિ. Hard Truths About Human Nature.

Statue representing Siddhartha Gautama.
Image via Wikipedia
લોભ જરૂરી, પણ અતિ નહિ. Hard Truths About Human Nature.
લોભ આજકાલ ગરમાગરમ ટૉપિક છે. ભારતના લોભીયાઓએ ૧૫૦૦ બિલિયન ડોલર્સ સ્વીસ બેન્કોમાં ખડકી દઈને ભારતને ભિખારી બનાવી દીધું છે. રાજાનું ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ, કલમાડીનાં  કૌભાંડની રમતગમત, આવા તો અનેક કૌભાંડો રોજ બહાર આવે જ જાય છે. ભૌતિકવાદને સતત વખોડનારો મહાન ધાર્મિક દેશ આજે લાલચ અને લોભના મહાસમુદ્રમાં ડૂબી રહ્યો છે.
લોભ સર્વવ્યાપક છે. આવા અતિલોભના કારણે અમેરિકા પણ ડૂબી રહ્યું છે. Bernie Madoff નું પચાસ બિલિયન ડોલર્સનું કૌભાંડ, વોલસ્ટ્રીટનું ભાંગી પડવું, AIG સ્કેન્ડલ, પોતાનું ઘર હોવું તેવા અમેરિકન ડ્રીમ નો ફુગ્ગો ફૂટી જવો, રોજ એક નવી બેંક ડૂબી જવાના સમાચાર, આખી દુનિયાના જમાદાર બની રહેવાની અમેરિકન પ્રમુખોની લાલચ આ બધું ભેગું થઈને અમેરિકા પણ મહામંદીનાં ચક્કરમાં ફસાઈ ગયું છે.  St. Thomas Aquinas કહે છે લોભ ભગવાન સામે કરેલો અપરાધ છે, પાપ છે.
 ગૌતમ બુદ્ધ જેને તૃષ્ણા કહેતા હોય છે તેની સાથે આ લોભ અને અકરાંતિયાપણું સંકળાયેલા લાગે છે. દ્રવ્ય લોભ, અતિતૃષ્ણા, લાલસા, ખાઉધરાપણું આ બધાનો કોઈ અંત હોતો નથી. કદી સંતોષાય નહિ તેવી આ બધી લાગણીઓ છે. અને માનવજાતના બધા દુઃખોનું મૂળ આ અતિતૃષ્ણા છે તેવું બુદ્ધ કહેતા. આ લોભ લાલસા સ્વાર્થીપણા સાથે જોડાયેલા હોય છે. એડીક્શન પણ એક જાતનું લોભનું, લાલસાનું સ્વાર્થી રૂપ જ છે. એડીક્ટ માણસ એના દુખ, બેચેની અને ચિંતા મુક્ત થવા જાત જાતના વ્યસન સ્વીકારી લેતો હોય છે, પછી ભલે તે ડ્રગ્ઝ હોય, સેક્સ હોય, જુગાર હોય, ખોરાક હોય, પોર્નોગ્રાફી, ઇન્ટરનેટ, ટેલિવિઝન, તમાકુ, સિગારેટ, પાવર અને પૈસો પણ હોઈ શકે છે. દરેકને પોતાના એડીક્શન  હોય છે,  workaholism, shopaholism , perfectionism વગેરે વગેરે. ધર્મ પણ એડીક્શન બની જતો હોય છે. આ બધામાંથી માનવ વધારે ને વધારે આનંદ ઇચ્છતો હોય છે. આ બધા વડે આપણે આપણી મનમાં ઊંડે ધરબાયેલી ઇચ્છાઓ  સંતૃપ્ત કરવાના વ્યર્થ પ્રયત્નો કરતા હોઈએ છીએ. આપણને બચપણ અને યુવાનીમાં મળેલા માનસિક આઘાતને ભરી દેવાના અથવા એના પ્રત્યે બહેરાં બની જવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. ભાવનાત્મક ખાલીપણું જે અનુભવતા હોઈએ તેને સંતુષ્ટ કરવાના આ બધા વ્યર્થ પ્રયત્નો હોય છે. આ માનસિક જખમ અને self – defeating બિહેવિયરનાં મૂળિયા છેક બચપણમાં સમાયેલા હોય છે.
   Greed is a type of selfishness. આપણને બચપણથી શીખવવામાં આવે છે કે લોભ પાપનું મૂળ છે. શું લોભ કાયમ માટે ખરાબ, નકારાત્મક, અસામાજિક હોય છે? કોઈ વાર તંદુરસ્ત, જરૂરી, હકારાત્મક હોઈ ના શકે? જે લોકો આત્મકલ્યાણ, મોક્ષ, આત્મ સાક્ષાત્કાર, કૈવલ્ય કે નિર્વાણની શોધમાં સંસાર છોડી જતા રહેતા હોય છે તે લોકો પરમ સ્વાર્થી છે. એમાંથી થોડા લોકો, સાવ ગણ્યા ગાંઠ્યા લોકો પાછાં આવીને બાકીના સમૂહ કે સમાજ માટે નિઃસ્વાર્થ બની કામ કરતા હોય છે. અમુક લોભિયા વળી આવા અધ્યાત્મને ધંધો બનાવી લોકોને લોભિયા ના બનવાની સલાહ આપી આપીને પોતે ધનના ઢગલા પર બેસી જતા હોય છે. એક બિનસત્તાવાર સમાચાર મુજબ મધ્ય ગુજરાતમાં એક બહુ મોટી કથા થઈ હતી. પૈસા ના લેતા કથાકાર ટ્રસ્ટના નામે આશરે ૮૦ લાખ રૂપિયા લઈ ગયા. મંડપનો કૉન્ટ્રેક્ટ એમનો જ હોય છે તેના ૧૮ લાખ ચાર્જ થયો. એક મિત્ર પાસેથી વાત સાંભળી છે, હું કદાચ ખોટો પણ હોઈ શકું. જોકે આ અત્યંત સાદા અને નમ્ર કથાકાર કુંભના મેળામાં વર્ષો પહેલાં કથા કરવા ગયેલા ત્યારે ૧૫ લાખના સિંહાસન પર બેસતા અને ૧ લાખના તંબુમાં રહેતા તે હકીકત છે. જોકે આયોજકો આવી વ્યવસ્થા કરતા હોય તેમાં એમનો શું વાંક?
   તર્ક એવો છે કે લોભ સારો છે જ્યારે સાધનસામગ્રી, પૂંજી, સંપત્તિ અને સહારો ઓછો થઈ ગયો હોય. આ બધાની અછત હોય ત્યારે સર્વાઈવલ માટે લોભ સારો છે. મતલબ જ્યારે સંપત્તિ કે રીસોર્સીસ ઓછા થઈ જાય ત્યાર સ્વાર્થની વૃત્તિ વધતી જાય તેવું હોવું જોઈએ. પણ થાય છે ઊલટું. સરેરાશ જોઈએ તો જેની પાસે ખૂબ સંપદા હોય છે તે વધુ લોભિયો હોય છે અને જે લોકો પાસે ખાસ કશું હોતું નથી તે લોકો ઓછા લોભિયા હોય છે. નવા સંશોધન (Piff, Kraus, Cote, Cheng, and Keltner, 2010 ) મુજબ જાણવામાં આવ્યું કે જે લોકો  પાસે લીમીટેડ રીસોર્સીસ હોય છે તે લોકો જુદી સ્ટ્રેટેજી પસંદ કરતા હોય છે, આ લોકો તેમના લીમીટેડ રીસોર્સીસ બીજા લોકોને વહેંચતા માલૂમ પડ્યા છે. આમ ઓછી સંપદા સ્વાર્થ અને લોભને ઓછી કરે છે તેનું કારણ શું? ખરેખર તો ગરીબ માણસ લોભી અને સ્વાર્થી હોવો જોઈએ, એના બદલે અમીર લોકો વધુ લોભિયા અને સ્વાર્થી હોય છે.
    ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ શું કહે છે જોઈશું? જ્યારે લોકો પાસે બહુ ઓછા રીસોર્સીસ હોય ત્યારે એમની સ્થિતિ સર્વાઈવલ માટે બહુ નાજુક, નિર્બળ હોય છે. આસપાસના વાતાવરણમાં ટકી જવા માટે અસહાય હોય છે. આમ જ્યારે રીસોર્સીસ ઓછા હોવાથી રક્ષણ કરવા માટે અસમર્થ હોય ત્યારે લોકો એમના સામાજિક જોડાણ મજબૂત બનાવવા તરફ વધુ ધ્યાન આપતા હોય છે. ભલે લોહીનો નાતો નાં હોય પણ વિશ્વાસ, કરુણા, સહભાવ, સદભાવ અને સહાનૂભુતિ દ્વારા વિશિષ્ટ સંબંધો બનાવીને એક સામૂહિક સર્વાઈવલની પદ્ધતિ અખત્યાર કરતા હોય છે. જ્યારે પૈસો અને સંપદા ખૂબ વધી જાય ત્યારે તેવા લોકોની નજર બીજા પ્રત્યેથી હટી જાય છે. હવે બીજાની જરૂર ખાસ રહી નથી. આમ એમની બીજા પ્રત્યેથી લાગણી પણ ઓછી થઈ જતી હોય છે. હવે એની પાસે ખૂબ સંપત્તિ છે હવે બીજાનું શું કામ? આમ આ લોકો સંપત્તિ ઉપર વધુ આધાર રાખતા હોય છે સિવાય લોકો પર. આમ વધુ ને વધુ લોભી, સ્વાર્થી અને સંગ્રહખોર બનતા જતા હોય છે. જનરલી આવું જ બનતું હોય છે, આમાં પણ અપવાદ હોય છે ઘણા લોકો ખૂબ પૈસા કમાઈને ખૂબ ચેરિટી પણ કરતા હોય છે.
    લોભ ખાલી પૈસા, ધન કે સંપત્તિ પર આધાર નથી રાખતો. આપણે વધુ ધન ઇચ્છીએ છીએ કે ધન વડે સલામતી અને સ્વતંત્રતા પણ મેળવી શકીએ છીએ. આપણી જરૂરિયાતો માટે કોઈના ઉપર આધાર તો નાં રાખવો પડે? સામાન્ય જરૂરિયાતો સાથે વૈભવી મોજમજા પણ માણી શકાય છે. લોભ એટલે વધારે પડતી ધન કે કોઈ પણ વસ્તુ  માટેની ઇચ્છા કે પ્રેમ કે લાલસા ગણો. લોભી એની વસ્તુ કે પૈસા સાથે વધુ પડતો એટેચ થઈ ગયો હોય છે. એક ધનકુબેર વિષે હું વાંચતો હતો નામ યાદ રહ્યું નથી, એણે એની પત્નીને ડિવોર્સ આપી દીધેલા કે તેના કોસ્મેટીક્સનાં ખર્ચા એને પોસાતા નહોતા, એણે ચાલીસ વર્ષથી એનો કોટ બદલ્યો નહોતો. ઘણા બધા દેશોમાં એની હજારો એકર જમીનો હતી. વોરેન બફેટ બહુ સાદું જીવન વિતાવે છે તેવું વાંચીને આપણે અહોભાવમાં ગદગદિત થઈ જઈએ છીએ એવું તો નથી ને કે ભાઈ લોભિયા છે? સવાલ પૂછ્યો છે ખાલી. વળી કોઈ બફેટના આશકને ખોટું ના લાગી જાય. ચાલો મિત્રો લોભ વિષે થોડા મહાનુભાવો શું કહે છે તે વાંચો પણ પહેલું વાક્ય બફેટના વક્તવ્યથી જ શરુ કરો.
** I will tell you the secret to getting rich on Wall Street. You try to be greedy when others are fearful. And you try to be fearful when others are greedy. – Warren Buffett
**Greed is an imperfection that defiles the mind; hate is an imperfection that defiles the mind; delusion is an imperfection that defiles the mind. – Siddhartha Gautama
**In his love for the world, the greedy is like the silkworm: the more it wraps in its cocoon, the less it has of escaping from it, until it dies of grief. – Imam Muhammad al-Baqir
**Even the most beautiful scenery is no longer assured of our love after we have lived in it for three months, and some distant coast attracts our avarice: possessions are generally diminished by possession. – Friedrich Nietzsche
** Fraud is the daughter of greed.
** We’re all born brave, trusting and greedy, and most of us remain greedy. – Mignon McLaughlin
** Nothing makes us more vulnerable than loneliness, except greed, which does make us more vulnerable than loneliness. – Thomas Harris
** Stealing to eat ain’t criminal-stealing to be rich is. – Andrew Vachss, A Bomb Built in Hell
** There is no fire like passion, there is no shark like hatred, there is no snare like folly, there is no torrent like greed. – Siddhartha Gautama
**Earth provides enough to satisfy every man’s needs, but not every man’s greed. – Mahatma Gandhi
**The greed of gain has no time or limit to its capaciousness. Its one object is to produce and consume. It has pity neither for beautiful nature nor for living human beings. It is ruthlessly ready without a moment’s hesitation to crush beauty and life. – Rabindranath Tagore
**Greed is a bottomless pit which exhausts the person in an endless effort to satisfy the need without ever reaching satisfaction. – Erich Fromm, Escape From Freedom
**There are three gates to self-destructive hell: lust, anger, and greed. -Bhagavad Gita 16:21

ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ. Hard Truths About Human Nature.

Solitude
Solitude (Photo credit: Lady-bug)
ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ. Hard Truths About Human Nature.
    આધુનિક જીવન ખૂબ ઝડપી બની ગયું છે. મુંબઈ અને ન્યુયોર્ક જેવા શહેરોમાં લોકોનું જીવન અતિશય ફાસ્ટ હોય છે. સવારે છોકરા સુતા હોય અને બાપ નોકરી પર જવા નીકળી જતા હોય તે  છેક રાત્રે છોકરા ઊંઘી ગયા હોય ત્યારે પાછાં આવે. વળી રજાને દિવસે બીજા અનેક પેન્ડીંગ કામ બાકી હોય. એક સંબંધી ન્યુયોર્ક જોબ કરવા જતા હતા. એમની દિનચર્યા હું જોતો હતો. રહેતા અહીં એડીસનમાં અને જોબ છેક ન્યુયોર્કમાં. આવા અનેક લોકો હશે, કેમકે ન્યુયોર્કમાં રહેવું ખૂબ મોંઘું પડતું હોય. સવારે પાંચ વાગે જાગી જતા. શ્રીમતી અને બાળકો ઊંઘતા હોય, જાતે ચા ગેસ પર મૂકી ફટાફટ તૈયાર થવા લાગી જતા. એડીસન ટ્રેઇન સ્ટેશને કાર મૂકીને ટ્રેઇન પકડવાની. રાત્રે મોડા આવતા અને ઘણી વાર બહુ મોડું થયું હોય તો કંપનીના ખર્ચે લીમોઝીન મૂકવા આવતી. શનિરવી રજા હોય ત્યારે પણ નવરાં જોયા નહિ. મુંબઈની લાઇફ પણ ખૂબ ફાસ્ટ ગણાય છે.
   અહીં અમેરિકામાં ભારતીય બહેનો પણ ખૂબ વ્યસ્ત લાઇફ જીવતી હોય છે. જોબ કરતી હોય, બાળકોને લેવા મૂકવા જવાનું, ઘરકામ, રસોઈ, શોપિંગ, શનિરવી ઘરની સાફ સફાઈ, એક્સ્ટ્રા ઇન્કમ માટે એક્સ્ટ્રા કામ પણ કરવાના. જેવા કે પેઈંગ ગેસ્ટ ઘરમાં રાખવાના, તેમની ખાવાપીવાની વ્યવસ્થા જાળવવાની, બેબી સીટીંગ, કોઈ વળી ઘરમાં કેશ કર્તન કળાનો પણ ઉપયોગ કરી સસ્તા ભાવે સેવા આપતા હોય, મંદિરે જવાનું, સાસબહુની સીરીયલો જોવાની, ઘેર ઘેર ફરીને પાછાં ધાર્મિક પરિવારોના પ્રચાર પણ કરવાના  આવું તો અનેક.
   એક ઈમેલ સેકન્ડના દસમાં ભાગે આખી દુનિયામાં ફરી વળી હોય તેવા જમાનામાં નવરાં લોકો પણ નવરાં હોતા નથી.
     આવા અતિશય વ્યસ્ત જીવનમાં આપણે ઓવરલોડેડ ફીલ કરતા હોઈએ છીએ, એક  માનસિક પ્રેસર ઊભું થતું હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે ” ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ”. એકાંતનો આનંદ માણવાનું જરૂરી બની જતું હોય છે.
     એકાંત અને એકલતા લગભગ સરખાં લાગતા હોય છે. બહારથી બંને એક સરખાં લાગતા હોય છે. Loneliness એ નકારાત્મક લાગણી છે જે દુનિયાથી વખુટા પડી ગયાની અનુભૂતિ કરાવે છે. લાગે છે કંઈક ખૂટી રહ્યું છે. એકલતાનું  એક કડવું સત્ય એ પણ છે કે લોકોની ભીડ વચ્ચે પણ એકલતા લાગતી હોય છે. એકલતાનું  આ વરવું સ્વરૂપ કહેવાય.
    Solitude, એકલતા અનુભવ્યા વગર એકાંતમાં સ્થિત થવું એક હકારાત્મક સર્જનાત્મક સ્વ સાથે જોડતી અવસ્થા કહેવાય. આવા એકાંતમાં આપણે અંતરમાં ખાંખાંખોળા કરી શકીએ છીએ, આનંદ માણી શકીએ  છીએ, વિકાસ કરી શકીએ છીએ, કશું સર્જનાત્મક વિચારી શકીએ છીએ. પોતાની જાત સાથે નજીક આવી શકીએ છીએ. શાંતિના અનુભવ દ્વારા અંતરની અમીરી પામવા એકાંતમાં રહેવું જરૂરી બની જતું હોય છે. આમ એકાંત આપણને તરોતાજા કરી નાખે, ઉત્સાહ અને એનર્જી વડે ભરી દેતું હોય છે.
   Loneliness એટલે જાણે સજા, લાગણી વગરનું, નિષ્ઠુરતા, વખુટા પડી જવું, સદભાવ કે મિત્રભાવ ગુમાવવો. એકાંત આપણે પસંદ કરીએ છીએ અને એકલતા બીજા લોકોએ આપણી ઉપર લાદી દીધી હોય તેમ લાગે છે. એકાંતમાં રહેવું પોતાની જાતે પસંદ કરેલી એકલતા છે.
  દરેકને એકાંતની પળોની જરૂર હોય છે. ફાસ્ટ લાઇફમાં પાછાં ફરવા રીચાર્જ થવા એકાંતમાં થોડો સમય ગાળવો મહત્વનો છે. Solitude restores body and mind. Loneliness depletes them.
    માનવજાત સામાજિક પ્રાણી સાથે એકાકી પણ છે. આધુક જીવન શૈલીમાં પણ ઘણા બધા કામ એકલાં કરવા પડતા હોય છે. રાતે સૂઈ જઈએ ત્યારે આપણે એકલાં હોઈએ છીએ. આ પૃથ્વી પર માણસ એકલો આવે છે અને મૃત્યુ પામે ત્યારે પણ એકલો મૃત્યુ પામતો હોય છે. પણ આ મૃત્યુનો ભય આપણને કદી એકલાં પાડવા દેતો નથી. માણસને એકલતાનો ખૂબ ભય લાગતો હોય છે. માટે સમૂહના સર્વાઈવલ વિરુદ્ધનું કોઈ કામ કરીએ ત્યારે સમૂહ એકાંતવાસ એટલે જેલની સજા કરતો હોય છે.
     સંબંધોની  સુગંધ પામતું કોણ રોકી રહ્યું છે? કોણ રોકી રહ્યું છે આપણી સર્જનાત્મકતાને? કોણ અટકાવી રહ્યું છે મનની શાંતિ? આ તણાવ યુક્ત જીવન શૈલીમાં આશ્ચર્યજનક ઉત્તર છે, એકાંતનો અકાળ. આજે આપણે એકાંતની ક્ષણનાં દુષ્કાળથી પીડાઈએ છીએ. એકાંત એક જાતનું ટૉનિક છે, જે બીજા લોકો સાથે સમૃદ્ધપણે જોડી શકે છે. સાંપ્રત સમયમાં આપણે ઊંચા  મન સાથે જીવી રહ્યા હોઈએ તેવું નથી લાગતું? ૧૯૫૦માં  હતી તેના કરતા આજે દુનિયાની વસ્તી ડબલ થઈ ગઈ છે. શહેરી વિસ્તાર વધી ગયા છે. શહેરી વિસ્તરમાં પણ ભીડ ખૂબ વધી ગઈ છે. હું ૧૯૭૨મા વડોદરા ભણવા ગયેલો ત્યારે રાત્રે આઠ વાગ્યા પછી શહેર સુમસામ થઈ જતું, આજે આખી રાત ચહલપહલ જોવા મળે છે. નવી ગ્લોબલ ઈકોનોમીનાં કારણે લોકો આખી દુનિયા સાથે જોડાઈ ગયા છે. સેલફોન આજે અનિવાર્ય શારીરિક અંગ જેવા બની ગયા છે. હાથપગ કે કાન વગરનું શરીર તમે કલ્પી શકો?  તેમ સેલફોન વગરનો માણસ કે સેલફોન વગરનું શરીર પણ કલ્પી ના શકો. ઉત્ક્રાન્તિના પરિબળો ભવિષ્યમાં કાન પાસે સેલફોન ડીવાઈસ ઉગાડી નાં દે તો નવાઈ નહિ. સેલફોન નહિ તો સેલફોન મૂકવાની કોથળી પેલાં કાંગારું જેવું જરૂર ઉગાડી દેશે. કાંગારુના પેટે એના અવિકસિત બચ્ચા માટે કોથળી હોય છે.
  કોઈ ધર્મ હવે શાંતિ મળે તેવા સ્થળ પ્રોવાઈડ કરી શકે તેમ નથી. ઉલટાના મંદિરોતો કોલાહલ વધારવાના કારખાના બની ગયા છે. મેગાચર્ચ અને મેગામંદિર સામાજિક મેળાવડાનું સ્થાન અને અમ્યુઝમેન્ટ પાર્ક જેવા બની ગયા છે. સેલફોન,સ્માર્ટફોન, ઈન્ટરનેટ , કોમ્પ્યુટર વગેરે સંપર્ક વધારવાના સાધનો છે, પણ એનાથી સાચો સ્પર્શ આપણે ગુમાવી બેઠાં છીએ. આધારભૂત, અસલ સર્જનાત્મક એકાંતવાસ આપણે ગુમાવી ચૂક્યા છીએ. અમુક સમય પૂરતા એકલાં પડવું કે રહેવું  ખરેખર આપણાં જીવનને એડજસ્ટ કરે છે. આપણને આરામ આપી આપણી શક્તિઓને ફરીથી રીચાર્જ કરે છે. મહાવીર, બુદ્ધ, જીસસ, મહંમદ, લાઓ ત્ઝું જેવા અનેક મહાપુરુષો અમુક સમય માટે સમાજથી દૂર એકાંતવાસમાં જતા રહેલા. એટલાં બધા રીચાર્જ થઈને એક નવી ચેતના સાથે પાછાં ફરેલા કે જેતે સમયના આખા સમાજની જીવનશૈલી બદલી નાખેલી. મહાવીર ૧૨ વર્ષ અને  બુદ્ધ ૬ વર્ષ સમાજથી દૂર એકાંતમાં રહેલા.
  મધર નેચરે રાત્રે ઊંઘવાનું આપીને આપણને સાચું એકાંત પૂરું પાડ્યું છે. સાથે સાથે એનું મહત્વ પણ સમજાવ્યું છે. ઊંઘની ટીકડીઓનું વધેલું વેચાણ દર્શાવે છે કે આ રાત્રી એકાંતવાસ ખતરામાં છે. સાચો એકાંતવાસ ગુમાવીને માનવ આજે એકલો પડી ગયો છે. એકલવાયા અનુભવ કરવો ડીપ્રેશનનું કારણ બની શકે તેમ છે. માનવ સામાજિક પ્રાણી છે, સમૂહમાં રહેવા ટેવાયેલો છે. ૨૦મિ સદીની ત્રણ પ્રસિદ્ધ મહિલાઓ Judy Garland , Marilyn Monroe , અને Princess Diana ત્રણે જાણીતી એકલતા અનુભવતી મહિલાઓ હતી. હજારોની  ભીડ વચ્ચે ઘેરાએલી  રહેતી  આ સ્ત્રીઓ એકલી હતી. Loneliness isn’t  about being alone , it’s about  not feeling connected. સામાજિક જોડાણ અને દબાણપૂર્વક આવું જોડાણ રદ કરવાના પુરાવા ચીમ્પાન્ઝીમાં સમૂહમાં પણ નોંધાયેલા છે. સામાજિક નિયમોનો  ભંગ કરવા બદલ સામાજિક બહિષ્કાર કરવો, નાત બહાર મૂકવા દરેક માનવ સમાજમાં સામાન્ય હતું. ગુજરાતમાં હોકાપાણી બંધ એવું પણ કહેવાતું. જે કેદીઓ ગંભીર ગુનામાં સપડાયેલા હોય તેમને બીજા કેદીઓ સાથે પણ રાખતા નથી, સાવ એકલાં રહેવાનું હોય છે.
    સમૂહના બીજા લોકો સાથે જોડાયેલા રહેવું અગત્યનું હોય છે. લૅબોરેટરીમાં થયેલા સંશોધન જણાવે છે કોઈનો સહકાર બ્રેઈનના રીવોર્ડ એરિયાને સક્રિય કરતો હોય છે. જેવી રીતે ભૂખ લાગી હોય અને ખોરાક મળે ત્યારે બ્રેઈનના જે એરિયા એક્ટીવ થતા હોય છે તેવી જ રીતે અને તેટલા પ્રમાણમાં પેલાં રીવોર્ડ એરિયા સહકાર પામતા સક્રિય થતા હોય છે. આમ ખોરાક મળે તે અગત્યનું છે સાથે  સહકાર પ્રાપ્ત થાય કે સામાજિક સંબંધ વધે તે પણ તેટલું જ અગત્યનું છે. જ્યારે શારીરિક દર્દ થાય ત્યારે બ્રેઈનના જે ભાગ સક્રિય થાય છે તેજ ભાગ સામાજિક બહિષ્કાર થાય ત્યારે અને સહકાર નાં મળે ત્યારે સક્રિય થતા હોય છે. આમ  અસહકાર મળે તેનું દુખ અને શારીરિક પીડા બંનેનું દર્દ બ્રેઈન માટે સરખું જ છે. FMRI વડે થયેલા બ્રેઈન સ્કેનીંગ આ બધું સારી રીતે દર્શાવે છે. અરે પરિચિત વ્યક્તિનો ફોટો જોઇને પણ હ્યુમન બ્રેઈન જુદી રીતે પ્રતિભાવ આપતું હોય છે. ” કોઈ મને પસંદ કરે છે” બહુ સ્પષ્ટ પણે ન્યુરલ વાયરિંગ માટે અગત્યની કૅટેગરી છે. લગ્ન વ્યવસ્થા આમ સામાજિક જોડાણ વધારવાનો ઉપાય માત્ર છે. ભલે દોષપૂર્ણ હોય પણ એકાદ વાર લગ્ન કરેલા હોય અને એકલાં રહેતા હોય તેવા લોકો કરતા કદી લગ્ન કર્યા નાં હોય તેમનો મરણ આંક ૬૫ ટકા વધુ હોય છે. અને જેઓ લગ્ન કરીને સાથે રહેતા હોય તેવા લોકો કરતા કદી લગ્ન કર્યા જ ના હોય તેમનો મરણાંક ૨૨૦ ટકા વધુ હોય છે. યુ.એસ.એ.માં ૩૧મિલિયન લોકો એકલાં રહે છે, ૧૦૦ મિલિયન કરતા વધુ લોકો ડિવોર્સ લઈને કે વિધવા કે વિધુર તરીકે એકલાં રહે છે. એક મીલીયન એટલે દસ લાખ ગણવા.
     આમ સામાજિક જોડાણ અગત્યનું છે તેમ એકાંત પણ અગત્યનું છે. એના વગર આપણે રીચાર્જ થઈ શકીએ નહિ. માટે ઘણા લોકો અમુક સમય માટે મૌન પાળતા હોય છે. મૌન પણ  ભીડ વચાળે એકાંત મેળવવાનો ઉપાય છે. જેને દિવસમાં ખૂબ બોલવાની જરૂર પડતી હોય તેવા લોકોએ અમુક સમય મૌન પાળવું જરૂરી બની રહે જેથી  ફરી બોલવા માટે બેટરી રીચાર્જ થઈ જાય. મોદી સરકાર રોજ બે કલાક મૌન પાળે છે તેવું સંભળાયું હતું. મોરારીબાપુ અઠવાડીએ એક દિવસ મૌન પાળે છે. મેહરબાબા મૌનની મજામાં એટલાં બધા ગર્ત થઈ ગયેલા કે ફરી કદી બોલ્યા જ નહિ. આજે બોલીશ કાલે બોલીશ એવા વચનો  આપીને પણ કદી બોલી શક્યા નહિ. એકલવાયા અનુભવ કરવો જોખમી છે, હતાશા પેદા કરે છે  તો સામે સ્વૈચ્છિક એકાંતવાસ સારો છે તમને રીચાર્જ કરે છે, વધારે જીવંત બનાવે છે, સ્વની વધારે નજીક લઈ જાય છે, તણાવ મુક્ત કરે છે, આ ફાસ્ટ જિંદગીમાં ફરીથી કૂદી પડવાનું બળ આપે છે. તો ચાલો ગણગણીએ
 “ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ.”

व्यसनेषु किम् दरिद्रता ?

व्यसनेषु किम् दरिद्रता ?  

વર્ષો પહેલા ચા પીવી વ્યસન ગણાતું. આજે ચા પીવી કે પીવો એક સહજ જરૂરિયાત ગણાય છે. અમારા એક સંબંધી કહેતા કે વર્ષો પહેલા ચાનું આટલું ચલન નહોતું. સવારે ઊઠીને લોકો imagesશિરામણ કરતા. યાને બ્રેકફાસ્ટમાં બાજરાના રોટલા સાથે દૂધ પિવાતું. ચા અંગ્રેજો લાવ્યા. શરૂમાં કોઈ ચા પીતું નહિ, માટે ચાના પ્રચાર માટે મફત ચા પિવડાવતા. આજે નવી પેઢી જાણે તો નવાઈ લાગે કે રેલવે સ્ટેશને ચા મફત મળતી. એકવાર પ્રચાર થઈ ગયો અને ચા વગર ચાલે નહિ તેવું થઈ ગયું પછી ચાનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. અમે નાના હતા અને ચા પીએ તો મોટેરાંને ગમતું નહિ.

ચા વ્યસન ગણાય અને તેને છોડવું જોઈએ તેવી વાતો થતી. હું છેક ૧૧માં ધોરણમાં બરોડા ભણવા આવ્યો ત્યાર પછી ચા પીતો થયેલો. તમાકુ પણ ભારતમાં અંગ્રેજો લાવ્યા. મુઘલ બાદશાહના દરબારમાં અંગ્રેજોએ તમાકુ પીવાનું પ્રદર્શન કરેલું. ત્યારે  બાદશાહે કહેલું કે તમે મોઢામાંથી ધુમાડા કાઢો છો, અમારા જાદુગરો તો અગ્નિ કાઢે છે. બાકી સિગારેટ, બીડી કે તમાકુ પીવાનું વ્યસન છોડવું સૌથી દુષ્કર મનાય છે.

          વ્યસન એટલે શું? એક એવું બંધન એક એવી વર્તણૂક જેમાંથી છટકવું મુશ્કેલ. જેટલા વ્યસન હળવા એટલાં છોડવા મુશ્કેલ. તમે દારુ પીવાનું છોડી શકો પણ ચા નહિ. છતાં એક હકીકત છે કે કશું પણ કર્યા વગર કોઈ થેરપી લીધા વગર સૌથી વધુ લોકોએ વ્યસન છોડેલા છે. જે નથી છોડી શકતા તેની સરખામણીએ છોડનારા વધુ હોય છે. હા એક કરતા વધુ પ્રયત્નો કરવા પડતા હોય છે, અને છતાં સ્મોકિંગ, ડ્રિન્કિંગ અને ડ્રગ લેવાનું છૂટતું નથી હોતું તેવા લોકોએ પણ વારંવાર પ્રયત્નો કરીને વ્યસન છોડેલા છે.

                  આમ પરિવર્તન કુદરતના નિયમ પ્રમાણે ટેવોમાં અને સ્વભાવમાં પણ આવતું હોય છે. બચપનમાં તોફાની હોય તે મોટો થતા શાંત બની જતો હોય છે. પરિસ્થિતિ પણ ભાગ ભજવતી હોય છે. વિયેટનામ વોર વખતે ૯૦ ટકા અમેરિકન સૈનિકો હેરોઇન ઍડિક્ટ બની ગયેલા હતા. પણ જેવું વોર ખતમ થયું અને પોતાના ઘેર પાછાં ફર્યા પછી મોટાભાગના સૈનિકો આ વ્યસનથી મુક્ત થઈને સામાન્ય પ્રવાહમાં જોડાઈ ગયેલા.

          છૂટવું મુશ્કેલ એવા વ્યસનમાં સ્મોકિંગ સૌથી પહેલા નંબરે છે છતાં કોઈ જાતના નિકોટીન પૅચ, નિકોટીનયુક્ત ચ્યુઇંગ ગમ કે હિપ્નોટિઝ્મ વગેરેની મદદ વગર સ્મોકિંગ છોડનારા સૌથી વધુ છે. હેરોઈનનું ઇન્જેક્શન લઈને બાળકો અને પત્ની સાથે તમે કાકરિયા ગાર્ડનમાં કે ફન રીપબ્લીકમાં ફરવા ના જઈ શકો. કોકેન લઈને તમે બાળકો સાથે ગણપતિ જોવા કે કમાટીબાગમાં ફરવા કે નવરાત્રિમાં ગરબા જોવા કઈ રીતે જવાના ?

     સોશિઅલ સ્મોકર નામ સાંભળ્યું છે ? કોઈ સામાજિક પ્રસંગે કે એવો કોઈ મેળાવડો હોય અને કોઈ મિત્ર જરા બહાર અલગ જઈને સિગારેટનો ટેસડો લેતા હોય અને તમે ત્યાં અચાનક પહોચી જાવ અને નવાઈ સાથે પૂછો કે તમે સિગારેટ પીવો છો ? મને ખબર નહોતી. તો કદાચ જવાબ મળશે કે ના!ના! હું તો આવો કોઈ પ્રસંગ હોય ત્યારે જ પીવું છું રોજ નથી પીતો. અમેરિકન હશે તો કહેશે, “Oh no, I don’t, I’m just social smoker.” આવા સામાજિક ફૂંકણીયા મિત્રોને ખબર નથી કે તેઓ ચેન સ્મોકર જેટલા જ ઍડિક્ટ કહેવાય, ક્યારે લપસણી સીડી પર લપસીને કાયમી ફૂંકવાની આદતમાં સરી પડવાના ખબર પણ નહિ પડે.

સેન્ટર ફૉર ડિઝીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અમેરિકાના ૨૦૦૮ના સર્વે મુજબ અમેરિકામાં દર વર્ષે ૪,૪૩,૦૦૦ લોકો ફક્ત સિગારેટ પીવાથી મૃત્યુ પામે છે. એમાંથી ૧,૨૮૦૦૦ તો ફેફસાંના કેન્સરમાં દેવ થઈ જતા હોય છે. બાકીના બીજા સિગારેટનાં લીધે થતા હ્રદયરોગ, હાઈપરટેન્શન, સ્ટ્રોક, અલ્ઝાઈમર  અને એવા બીજા રોગોનાં કારણે પ્રભુના રાજ્યમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. Dr Joseph DiFranza, medical researcher at the University of Massachusetts Medical School કહે છે સોશિઅલ સ્મોકર એટલે,

૧) દિવસમાં પાંચ કરતા ઓછી સિગારેટ પીતા હોય,

૨) રોજ સિગારેટ પીવાનું જરૂરી સમજતા ના હોય,

૩) એવું સમજતા હોય કે સિગારેટ પીવાની તલપને રોકી શકતા હોય છે.

આવા મિત્રો માનતા હોય છે કે તેઓ સ્મોકિંગ કંટ્રોલ કરી શકે છે કેમકે તેઓ બે ચાર પાંચ કે સાત દિવસ સિગારેટ પીતા નથી હોતા. પણ સત્ય એ હોય છે કે ગમે તેટલા લાંબા સમય સુધી પોતાની જાતને રોકી રાખે એમની નિકોટીન માટેની તલપ, ઇચ્છા અંદર નમ્રતા પૂર્વક ભેગી થતી જતી હોય છે. ધીમે ધીમે આ સુષુપ્તિ સમય ઓછો થતો જતો હોય છે અને ભાઈલો નિયમિત સિગારેટ ફૂંકતો થઈ જતો હોય છે.

          અઠવાડિયે એકાદ સિગારેટથી શરુ કરનાર હેવી સ્મોકર કેમ બની જતો હશે? કારણ કે બ્રેન નિકોટીન પ્રત્યે બહુ ઝડપથી સંવેદનશીલ બની જતું હોય છે. નિકોટીનનાં કારણે  બ્રેનની અંદર રહેલા અડિક્શન માટે જવાબદાર એરિઅની ડેન્સિટીમાં વધારો થતો હોય છે. ફક્ત એક સિગારેટ આ પ્રોસેસ શરુ કરી શકે છે. એક સિગારેટ ફૂંક્યા પછી ફક્ત બે જ દિવસમાં ફરી સિગારેટ પીવાની ઇચ્છા જાગે છે તેવું ડૉ. ડીફ્રાન્ઝાનું કહેવું છે. એમના રિસર્ચ પ્રમાણે અઠવાડીએ ફક્ત બે સિગારેટ ફૂંકતા ટીનેજર બે વર્ષમાં પુખ્ત માણસની જેમ હેવી સ્મોકર બની જતા હોય છે.

અમેરિકન નેશનલ સર્વે પ્રમાણે ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરવા પિક પિરિઅડ ગણાય છે. આ ઉંમરે યુવાનો સૌથી વધુ આવા વ્યસનમાં ફસાતા હોય છે. ૨૨ ટકા અમેરિકન આ ઉંમરના ગાળામાં સૌથી વધુ ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરતા જણાયા છે, એની કમ્પૅરિઝનમાં ૫૫ થી ૫૯ વર્ષના ફક્ત ત્રણ ટકા જ જણાયા હતા. આમ મોટાભાગના લોકો એમના વ્યસનો ઉપર વિજય મેળવી લેતા હોય છે.

   ૪૦-૫૦ વર્ષ પહેલા અમેરિકામાં ઍડિક્ટ લોકોને ખરાબ ગણવામાં આવતા. એમનામાં શિસ્તનો અભાવ અને કોઈ નૈતિકતા વગરના માનવામાં આવતા, ચારિત્રહીન કહેવાતા. ભારતમાં તો હજુ પણ એવું મનાય છે. પછી નવો આઇડિઆ આવ્યો કે અડિક્શન એ રોગ છે જેવા કે ટી.બી. અલ્ઝાઈમર. એનો અર્થ એવો કે આવા ભારે વ્યસની લોકો ખરાબ માણસો નથી, ફક્ત બીમાર છે. આમ લોકો ઍડિક્ટને ઘૃણા મળવી ઓછી થઈ. સાવ અનૈતિક ગણાવું તેના કરતા બીમાર સમજે તે સારું. જોકે આ નવી સમજે વ્યસની પ્રત્યે ભાવુક સહકાર વધ્યો.

    ખરેખર અડિક્શન અને રોગમાં ઘણો ફરક હોય છે. અડિક્શનમાં કોઈ ટી.બી. જેવા ચેપી જંતુ હોતા નથી. ડાયબીટિઝમાં હોય તેવો  કોઈ પથલૉજિકલ કે બાયલૉજિકલ પ્રોસેસ હોતો નથી, કે અલ્ઝાઈમર જેવી બાયલૉજિકલી ડીજેનરેટિવ કંડિશન હોતી નથી. રોગ જેવી એક સ્થિતિ બંનેમાં સરખી હોય છે કે ધ્યાનમાં નાં લો તો જીવલેણ નીવડે. ન્યુરોબાયલૉજિકલ આઇડિઆ પ્રમાણે ક્રૉનિક બ્રેન ડિઝીઝ કહેતા હોય છે. આને રોગ કરતા રોગના ચિન્હ તરીકે વધુ ઓળખવામાં આવે છે. અડિક્શન એ કૉમન સાઇકૉલોજિકલ સિમ્પ્ટમ છે. અડિક્શન કમ્પલ્સિવ બિહેવ્યર સમજો જેવી કે અકારણ ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કરવી, આખો દિવસ ઘર સાફ કર્યા કરવું, રામનામથી નોટબુક ભર્યા કરવી કે આખો દિવસ ફેસબુક ઉપર બેસી રહેવું.

          વ્યસન છોડવા કોણે પ્રયત્ન નહિ કર્યા હોય ? ૮૦ ટકા શરાબી હવે નહિ પીવું કહીને એકવાર બૉટલ ફોડી ચૂક્યા હોય છે, ૬૦-૯૦ ટકા લોકો સિગારેટ છોડીને ફરી પીવાનું  શરુ કરી દેતા હોય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ૪૨  મિલ્યન સિગારેટ ફૂંકનારા લોકો સામે ૪૮ મિલ્યન લોકો સિગારેટ છોડી ચૂક્યા છે. પાકા શરાબીમાંથી  ત્રીજા ભાગના લોકો બીજા વર્ષે ચાલુ રાખતા હોય છે. કોકેનનાં બંધાણીઓમાંથી અર્ધા સારવાર લઈને પાંચ વર્ષમાં એમાંથી બહાર નીકળી ગયા હોય છે.

                વ્યસન છોડીને ફરી શરુ થઈ જવું હવે સારી નિશાની મનાય છે કે ચાન્સ છે એનાથી છૂટવાનો. કદી છોડવાનો વિચાર જ ના કરતા હોય તેના કરતા તો સારું કે એમના મનમાં વ્યસન છોડવાનો વિચાર તો એકવાર આવેલો.  G.Alan Marlatt, professor of psychology and director of the Addictive Behaviors Research Center at the University of Washington કહે છે વ્યસન ફરી શરુ થઈ જવું સાયકલ ચલાવતા શીખવા જેવું છે, સાઇકલ શીખતા લગભગ બધા એકવાર તો ગબડતા જ હોય છે. વ્યસનની જે તલપ લાગે છે તેમાંથી છૂટવા માટે કોઈ નવી ટેક્નિક શોધવી પડશે. કંઈક નવું શીખવા અને જાણવા મળે. આમ વ્યસન ફરી શરુ થઈ જવા કોઈ મોટું ડિઝાસ્ટર નથી.

  ઇન્ટરનેટ અડિક્શન વ્યાપક રોગચાળો છે કે પછી ઘેલછા ? ત્રણમાંથી એક વ્યક્તિ માનતો હોય છે કે ઇન્ટરનેટ રોટી, કપડા, મકાન, હવા અને પાણી જેટલું જ જરૂરનું છે. હ્યુમન સર્વાઇવલ માટે ટેક્નૉલોજિની જરૂરિયાત ફરજિયાત નથી તે હકીકત છે. ઇન્ટરનેટ એક સાધન માત્ર છે. કોરિયામાં ઇન્ટરનેટ અડિક્શન મોસ્ટ સીરિઅસ પ્રૉબ્લેમ બની ચૂક્યો છે. ચાઈના પણ ખૂબ સ્ટ્રગલ કરી રહ્યું છે આના નિવારણ માટે. અઠવાડીયામાં ૩૮ કલાકથી વધુ ઇન્ટરનેટ વાપરવું પ્રોબ્લમટિક ગણાય છે. કોરિયામાં ૨૦૦ હૉસ્પિટલમાં ૧૦૦૦ કાઉન્સેલર ઇન્ટરનેટ ઍડિક્ટ લોકોની સારવાર માટે પ્રયત્નો કરી રહ્યા છે.

 અમેરિકામાં ૮-૧૮ વર્ષના બાળકો રોજ ૮-૧૨  કલાક નેટ, ટીવી, કમ્પ્યૂટર, એમ્પિ-૩ પ્લેયર અને વિડિઓ ગેઈમ પર હોય છે. વધારે પડતા ઇન્ટરનેટ વપરાશ સામે બાળકો માટે કોઈ કાયદા છે નહિ. આમાં તો કાયદા કરતા માબાપની સમજ અને બાળકો પ્રત્યે ધ્યાન રાખવાની તૈયારી જ કામ લાગે.

   અડિક્શન અને અડિક્ટિવ બિહેવ્યર સાઇકૉલોજિકલ પેએન અને બેચેનીમાં ત્વરિત રાહત આપે છે. મન તણાવયુક્ત થઈ જાય તો એકાદ સિગારેટ ફૂંકી લેવાથી રાહત થઈ જાય છે. પણ આ રાહત હંગામી હોય છે, પ્રૉબ્લેમનું  કોઈ કાયમી નિવારણ હોતું નથી. અડિક્ટિવ બિહેવ્યરની સીરિઅસ સાઇડ ઇફેક્ટ એ હોય છે કે તે ઇમોશનલ પેએન અને બેચેની દૂર કરવાની સાથે  લાગણીવિહીન પણ કરી નાખે છે. અડિક્શન ભાવશૂન્ય બનાવી નાખે છે.

  આપણે ખાલી સિગારેટ, ઍલકહૉલ અને નશાકારક ડ્રગ્ઝ વિષયક અડિક્શનને મહત્વ આપતા હોઈએ છીએ. એક સિગારેટ, એક ગ્લાસ વાઈન, એક કપ ચા કે કોફી કે એક વૅલિયમની જરૂર છે, તો સમજી લો કે આ ચીજો આપણે પેએન-કિલર તરીકે વાપરીએ છીએ. ખોરાક પણ ક્યારેક અડિક્શનનું કારણ બનતો હોય છે. ઇટીંગ ડિસૉર્ડર વડે પીડાતા લોકો ઇમોશનલ  પ્રસન્નતા માટે ખૂબ ખાતા હોય છે. આ બહુ વહેલું બચપણથી શરુ થઈ જતું હોય છે. જે બાળકો ખૂબ લાગણી ભૂખ્યા હોય, ધ્યાન દોરવા માંગતા હોય કે સ્પેશલ કાળજી ઇચ્છતા હોય તે ખૂબ ખાતા હોય છે.

ઘરમાં મહેમાન આવે ત્યારે બાળકો ખૂબ ધમાલ કરતા હોય છે અથવા ખાવાનું માંગતા હોય છે. આપણે  વધુ પડતું ખાઈને તૃપ્ત થતા હોઈએ તો એવું કહેવા માંગતા હોઈએ છીએ કે “મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી, હું મારી જાતે પોષણ મેળવી શકું છું.”  ખાવામાં અરુચિ બતાવી ખાવાનું ના પાડનાર પણ આજ કહેતો હોય છે કે મારે કોઈ પાસેથી ખોરાક મેળવવાની જરૂર નથી, મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી. આમ અતિશય ખાનારો અને વધુ પડતો ઉપવાસી બંનેની માનસિકતા સરખી હોય છે. આમ ખોરાક પણ અડિક્ટિવ રસ્તે વપરાતો હોઈ શકે.

          કામ  કરવું સમાજમાં સ્વીકાર્ય હોય છે. ઘણીબધી હરકતો એવી હોય છે કે તેને અડિક્શન માનવું અઘરું હોય છે. વધુ પડતા કામ કરનારા વર્કહૉલિક હોય છે. સતત કામ કર્યા જ કરતા હોય છે. ઘણા ફિટનેશ ફનૅટિક હોય છે. આ બધી પ્રવૃત્તિઓ બ્રેનમાં ડોપામીન રિલીસ કરતી હોય છે અને રિવૉર્ડ સિસ્ટમને ઉત્તેજિત કરે છે, જે સુખાનુબોધ અર્પે છે. આમ એક રીતે ડ્રગ જેવું કામ આપે છે.

               આમ વારંવાર કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ પેએન કિલરનું કામ કરીને આપણને ભાવશૂન્ય બનાવી અડિક્ટિવ બનાવી નાખે છે. વધારે પડતું કામ કરવું, અર્થ વગરની બિનજરૂરી ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કર્યા કરવી, આખો દિવસ ટીવી જોયા કરવું, ઇન્ટરનેટ  પર આખો દિવસ બેસી રહેવું, રીડિંગ, ગેમ્બલિંગ, લિસ્ટ બહુ લાંબું થતું જાય છે. જોઈ લો, વિચારી લો કે કોઈ સામાન્ય પ્રવૃત્તિ રિપેટિટિ, કમ્પલ્સિવ તો નથી બની ચૂકી ને ? એક સંબંધી સન્નારીને આખો દિવસ ઘર સાફ કરવાનું અબ્સેશન મેં જોએલું છે. હું મજાકમાં કહેતો કે નગરપાલિકામાં સફાઈ કામદારની જગ્યા ખાલી પડી છે. એમના  ધર્મપતિદેવ પણ કહેતા કે મારા ઘરમાં કોઈ ગયા જનમની સફાઈ કામદાર આવી ગઈ લાગે છે.

    નાના બાળકોને ગુસ્સે થાય તો પોતાની જાતે પગ પછાડે છે કે હાથ પછાડે છે. આમ ઇમોશનલી હર્ટ થાય ત્યારે બાળકો પોતાની જાતને પ્રહાર કરી મન વાળતા હોય છે. પાછળથી એમને સમજ આવે છે કે પોતાના ગુપ્ત અવયવોને સ્પર્શ કરવામાં આનંદ આવે છે. આમ સાઇકલૉજિકલ પેએનથી દૂર ભગવા માટે હસ્તમૈથુન કરતા થઈ જતા હોય છે. આમ ઇન્સ્ટન્ટ ટૅન્શન રિલીવર તરીકે આના ઍડિક્ટ બનતા વાર લાગતી નથી.  આમ સેક્સ પણ અડિક્શન બની શકે છે. પોર્ન સાહિત્ય વાંચવું, પોર્ન મૂવિ જોયા કરવા અને સમાગમ વખતે ફૅન્ટસીમાં રાચવું આવી કમ્પલ્સિવ સેકસુઅલ ઍક્ટિવિટિ અને પ્રોમિસ્ક્યુઇટી ભાવશૂન્ય બનાવી નાખે છે.

 અમુક વ્યસનો શરીરને હાનિકર્તા  છે. અમુક અડિક્શન મનને હાનિકર્તા છે. વ્યસનો અપાર છે. કોઈ પણ વસ્તુ કે ક્રિયાને વ્યસન બનાવી શકાય છે. કોઈ પણ વસ્તુના ઍડિક્ટ બની શકાય છે.

 

 

રાસાયણિક તત્વજ્ઞાન-૬, સુખની જૈવિક પરિભાષા. ( Hard Truths About Human Nature)

રાસાયણિક તત્વજ્ઞાન-૬, સુખની જૈવિક પરિભાષા ( Hard Truths About Human Nature)

સુખની જૈવિક પરિભાષા

આપણા મેમલિઅન પૂર્વજોનાં જીવનમૃત્યુ વિશેના ભયાનક અનુભવો થકી આપણું બ્રેન સુખદુઃખ અર્પતા રસાયણો મુક્ત કરે છે અને તેના વડે સુખની, આનંદની કે દુઃખની અનુભૂતિ થાય છે તે હકીકત છે. આ હકીકત માનવીય લાગણીઓ માટે ધ્રુજાવે તેવું સત્ય છે. સુખ અર્પતા દરેક કેમિકલનો હેતુ સર્વાઇવલ માટેનો હોય છે. બ્રેન જ્યારે કોઈ ખાસ ફરજ બજાવવાની હોય ત્યારે જ હૅપી કેમિકલનો એક નાનો ડૉસ રિલીસ  કરતું હોય છે. આમ આપણને તો સદા સુખનો અનુભવ કરવો હોય છે, પણ તે શક્ય બનતું નથી. જો આ કેમિકલ્સ વિષે સામાન્ય સમાજ આવી જાય તો કોઈ ફિલૉસફી ના કરી શકે તે કામ આ સમજ કરી શકે તેમ છે.

બીજા પ્રત્યે શુભ ભાવના પેદા થવી તે માટે મૅમલ બ્રેન ઈવૉલ્વ થયેલું છે. આપણાં સરીસર્પ પૂર્વજો બીજા માટે સારું ફિલ કરતા નથી. સર્વાઇવલ માટે કામ લાગે તે માટે થઈને મૅમલ બ્રેને  હકારાત્મક ન્યુરો કેમિસ્ટ્રી વિકસાવેલી છે. છતાં કાયમ માટે બીજા મૅમલ ભાઈઓ માટે સદા હૂંફાળી અને પ્રેમાળ લાગણી પેદા થાય નહિ તે પણ હકીકત છે. આમ સર્વાઇવલ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખતું  હોવાથી મૅમલ બ્રેન કાયમ નિર્ણય લેવા ટેવાયેલું હોય છે કે એના માટે સારું કોણ છે કે જેના વડે સર્વાઇવલ માટે સહાય બને.

નાનું બ્રેન ધરાવતા મૅમલ ખોરાક, સાથીદાર (Mates), અને પ્રિડેટર એટલે કે હુમલાખોર વિષે ત્વરિત નિર્ણય લઈ લેતા હોય છે. પ્રાણીઓ ખોરાકની શોધમાં નીકળે તો હુમલાખોરની શક્યતા પણ વધી જાય. છતાં ખોરાકની શોધમાં નીકળવું તો પડે જ. હવે કયું અગત્યનું તે નિર્ણય લેવાનું કામ બ્રેને કરવું પડે. જેમ બ્રેન વધુ મોટું તેમ સામાજિક જોડાણ વધતું જાય છે. સામાજિક જોડાણ સંભવિત પ્રિડેટર થી બચાવે છે, અને સાથે સાથે ખોરાક અને સાથીદાર માટે હરીફાઈ પણ વધારે છે. આમ બ્રેન દરેક ખૂણો તપાસીને નિર્ણય લેતું હોય છે. બ્રેન નિર્ણય કઈ રીતે લેતું હશે ?

આપણે ઘરમાં જરૂર પડે લાઈટ ઑન ઑવ કરીએ છીએ તેમ ન્યુરો કેમિકલ્સનો સ્ત્રાવ ઑન ઑવ કરીને બ્રેન નિર્ણય લેવા ટેવાયેલું હોય છે. હૅપી કેમિકલ્સ એક રસ્તો છે શરીર માટે જણાવવાનો કે આ વસ્તુ સારી છે હજુ વધુ મેળવો. આપણે જન્મ લઈએ ત્યારથી ન્યુરૉન્સ વિદ્યુત સંદેશા મોકલવાનું શીખી ગયા હોય છે. જેના વડે હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવ થતા હોય છે. આમ એક ન્યુઅરલ સર્કિટ તૈયાર થતી હોય છે જે ભવિષ્યમાં ફરજ બજાવવા તૈયાર હોય છે.

માનવોની સુખની પરિભાષા બીજા મૅમલ પ્રાણીઓ કરતા અલગ હોય છે. માનવીની સુખ પામવાની રીત પણ બીજા પ્રાણીઓ કરતા અલગ હોય છે. પ્રાણીઓ એમના ભૂતકાળના  અનુભવ પ્રમાણે પુનરાવર્તન કરતા હોય છે. જ્યારે મનુષ્ય નવા નવા રસ્તા શોધી કાઢવા ટેવાયેલો હોય છે. ભૂતકાળના અનુભવોમાં માનસિક રીતે તડજોડ કરીને મનુષ્ય નવા રસ્તા શોધી કાઢતો હોય છે. આમ ટૂંક સમયના સુખના બદલે લાંબા સમયનું સુખ મેળવવાની એની ખેવના વધતી જાય છે. કારણ એની પાસે બીજા પ્રાણીઓ કરતા વધુ મોટું બ્રેન અને વધુ ન્યુરૉન્સ છે.

પ્રાણીઓ સુખની કોઈ વ્યાખ્યા કરતા નથી. તેઓ સુખી નાં હોય તો વિચારતા નથી કે શું ખોટું થયું છે ? કે આ દુનિયાને શું થયું છે ? તેમને કોઈ આશ્ચર્ય થતું નથી. પણ મનુષ્ય પાસે ભૂતકાળના  અનુભવ, વર્તમાન સ્થિતિ અને કાલ્પનિક ભવિષ્ય સાથે ટકરાઈ જવા માટે પુષ્કળ ન્યુરૉન્સ છે. જેથી મનુષ્ય નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. આમ સુખની માત્રા ઓછી થઈ જાય ત્યારે કુદરતી એની રાહ જોવાને બદલે આપણે કશું કરવા માંગતા હોય છીએ. થોભો અને રાહ જુઓ, ગીતાકારે આને જ અનાસક્ત યોગ કહ્યો લાગે છે શું માનવું છે મિત્રો ?

હ્યુમન બ્રેન એક પૅટર્ન શોધી કાઢતું હોય છે. આ પૅટર્ન પ્રમાણે સુખનાં ફુવારા મેળવવાની કાયમ ઇચ્છા રાખતું હોય છે. ઘણીવાર આ પ્રમાણે બનતું પણ હોય છે, પણ ઘણીવાર આપણે ખોટા પડતા હોઈએ છીએ અને એનો અંત દુઃખ સાથે પરિણમતો હોય છે. નીકળીએ છીએ સુખની શોધમાં અને મળે છે દુઃખ. આપણું કૉર્ટેક્સ હૅપી કેમિકલ્સ ઉપર કોઈ પણ જાતનો કાબુ ધરાવતું નથી. તે ખાલી સંકેતો મેળવી શકે છે. આ પૅટર્ન ક્યારેક ગૂંચવાડા વાળી હોય છે, કારણ તે એક જુદી દુનિયામાં ઉત્ક્રાંતિ પામેલી હોય છે.

આપણાં ન્યુરો કેમિકલ્સનાં સુર તાલ આપણાં DNA માટે શું સારું છે તેની સાથે જોડાયેલ હોય છે.   આપણાં પોતાના ઊંચા ખયાલ સાથે એને કોઈ લેવાદેવા નથી. એટલે સુખની શોધ દુઃખમાં પરિણમતી હોય છે. મૅમલ બ્રેન એવા નિર્ણય લેતું હોય છે જે કૉર્ટેક્સને ગલત લાગતા હોય છે, પણ લાંબા અંતરે જોઈએ તો DNA માટે સારા પણ હોઈ શકે. કોઈ સારા ઘરની દીકરી કોઈ મવાલી સાથે ભાગી જાય ત્યારે કૉર્ટેક્સને બહુ તકલીફ થતી હોય છે. પણ મોટાભાગે મૅમલ બ્રેઈન જીતી જતું હોય છે કેમકે તે હૅપી કેમિકલ્સ ઉપર કંટ્રોલ ધરાવતું હોય છે.

હા ! તો મિત્રો કેવી લાગી આ રાસાયણીક ગીતા ?

 

રાસાયણિક તત્વજ્ઞાન-૫ Good and Evil. ( Hard Truths About human Nature).

A section of DNA; the sequence of the plate-li...
Image via Wikipedia

રાસાયણિક તત્વજ્ઞાન-૫ ( Hard Truths About human Nature).

સાચું ખોટું, સારું નરસું, યોગ્ય અને અયોગ્ય. Good and Evil .

આપણું શરીર રસાયણોનું એક બહુ મોટું કોમ્બિનેશન છે. મૅમલ બ્રેન રસાયણની ભાષા જાણે છે. શબ્દો પછી આવ્યા. બ્રેનની ભાષા છે ન્યુરોકેમિકલ્સ. માટે આ લેખમાળાને મેં બ્લૉગમાં રાસાયણિક તત્વજ્ઞાન નામ અર્પ્યું છે. જ્યારે કોઈ માણસ આપણા સ્ટૅટ્સને મદદકર્તા થાય કે એને આગળ વધારવા કઈ પણ કરે તો આપણે એને સારું કહીશું. કે ભાઈ સારો માણસ છે. આપણાં મોભાને હેલ્પ મળે તો આપણું વલણ તે બનાવ કે માણસ સારો છે તેવું રહેવાનું. પણ કોઈ આપણા સ્ટૅટસને પડકારે કે જોખમરૂપ થાય તો આપણું વલણ બદલાઈ જશે કે આ તો  ખરાબ છે.

બ્રેન કોઈ તટસ્થ, સ્થૂળ, વસ્તુલક્ષી મશીન નથી. તે પોતાનું ભલું જોવા ઉત્ક્રાંતિ પામેલું છે. આ બાયસ દરેકમાં હોવાનો. આ પક્ષપાત આપણને પોતાનામાં  દેખાતો નથી. મૅમલ બ્રેનને પોતાના ભલામાં રસ હોય છે. ક્યારેક આ રસ અતિ સાંકડો સ્વકેન્દ્રી બની જતો હોય છે. આપણો મેમલિઅન bias રિઅલ હોય છે. એટલે વ્યક્તિગત રસ આપણને વધારે પક્ષપાતી બનાવે છે. આપણા મોભાને રંગ અર્પે તે આપણો ન્યાય હોય છે. એથિક્સ અને મૉરલ્સ ખાલી શબ્દો જ બની રહેતા હોય છે, જો મૅમલ બ્રેન એને ક્રિયામાં નાં ઢાળે તો. આમ સાચા અને ખોટા વચ્ચે ભેદ જરૂર હોય છે પણ કોઈ વ્યક્તિગત ન્યાય કરી શકે નહિ.

આપણાં સ્ટૅટસને આપણાં રસ, કે ફાયદાને પડકારનાર કોઈ પણ વસ્તુ ખરાબ કે ખોટી બની શકે છે, ભલે તે બીજાની દ્રષ્ટીએ સારી હોય. આપણે જોઈ શકતા નથી કે કઈ રીતે ન્યુરોકેમિકલ્સ આપણાં નૈતિકતાનાં ધોરણોને ભીંજવી દેતા હોય છે. દરેક બ્રેન દુનિયાને પોતાના રસ અને ફાયદાની દ્રષ્ટીએ જોતું હોય છે. એટલે આપણને બીજાનો પક્ષપાત દેખાય છે પોતાનો નહિ. એટલે એથિક્સ અને મૉરલ્સની ચર્ચાઓ બીજા ઉપર કેન્દ્રિત હોય છે. બીજા એ શું કરવું તે ઉપર એનો આધાર છે. બીજા લોકોએ આપણી સામાજિક સર્વોપરિતા કઈ રીતે તૃપ્ત કરવી તે આપણું નીતિશાસ્ત્ર હોય છે.

મૅમલ બ્રેન સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલું છે. સમૂહ સાથે મજબૂત સંબંધો હંમેશા હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવને વધારે છે. આ સમૂહ સાથેના સંબંધોમાં તણાવ પેદા થાય કે તરત અનહૅપી કેમિકલ્સ આપણને ચેતવતા હોય છે. દરેક મૅમલ સમૂહ જાણતું હોય છે કે કયું વર્તન સહન કરવા જેવું છે અને કયું નહિ. પશુઓ શબ્દો વગર નિર્ણય લેતા હોય છે, કોની સામે જવું અને કોનાથી ભાગવું. આ નિર્ણય એમના પાછલાં અનુભવોની શ્રુંખલા યાદ કરીને લેવાતા હોય છે. માનવપ્રાણી પણ અમૂર્ત વિચારણા હેઠળ આમ જ કરતું હોય છે.

ઘણી મોટી જાહેર સંસ્થા હોય કે નાનું મિત્રોનું ગૃપ હોય માનવ સમૂહ અમુક વર્તનને સરાહે છે અને અમુકને વખોડે છે. સમૂહના પ્રતિભાવ વડે દરેક માણસ વ્યક્તિગત સર્વાઇવલ સ્ટ્રેટેજી નક્કી કરી લેતો હોય છે. આપણાં જીવના અનુભવો આધારિત ન્યુઅરલ રસ્તો આપણે બનાવ્યો હોય તે રીતે ન્યુરોકેમિકલ્સ આપણને દોરતા હોય છે. આમ દરેક મૅમલ પ્રાણી સતત સહકાર અને સ્પર્ધા વચ્ચે ઝોલા ખાયા કરતું હોય છે. એટલે કયા સંજોગમાં કઈ શ્રેષ્ઠ યોજના વડે  આપણી મહત્તમ જરૂરિયાત પૂરી થાય તે મૅમલ બ્રેન સ્પષ્ટ પણે જોઈ શકતું હોય છે.

આમ સર્વાઇવલ માટે ફાયદાકારક હોય તે રીતે ક્યારે ધાક જમાવવી અને ક્યારે શરણે થઈ જવું તે મૅમલ બ્રેન નક્કી કરી લેતું હોય છે. આમ સર્વોપરી બનવાની અંતઃપ્રેરણા માટે બધું ખરાબ નથી અને બધું સારું પણ નથી હોતું. એનો સારા અને ખોટા માટે ઉપયોગ કરી શકો તે વાત જુદી છે. આ પ્રેરણા વડે તમે દુનિયાને દોરી શકો છો, દુનિયા માટે કોઈ ફાયદાકારક મહાન ભાગ ભજવી શકો છો, તમારા બાળકોનું રક્ષણ કરી શકો છો અને સાથે સાથે તમે ખતરનાક રાક્ષસ પણ બની શકો છો.

આપણા આસપાસના વાતાવરણની પ્રતિક્રિયા મુજબ આપણે સારા ખોટાંની સમજ કેળવતા હોઈએ છીએ. જે વર્તન આપણને લાડુ  ખવડાવે તે સારું અને નાં ખવડાવે તે ખોટું. આમ દરેક વખતે સ્વાર્થ વડે લાડવા ખવાતા નથી. ક્યારેક કોઈનો વિશ્વાસ જીતીને કોઈનું કામ કરીને લાડવા મેળવાય છે. અનુભવ શીખવે છે ક્યારે ટ્રસ્ટ કરવો અને ક્યારે નહિ. લાડવા એટલે રિવૉર્ડ સમજવો, આમ મળેલા રિવૉર્ડ આધારે દરેક બ્રેન પાછલાં અનુભવો દ્વારા શીખતું હોય છે.

આમ આપણાં સર્વાઇવલ માટે આપણે જે નક્કી કર્યું હોય તેમ બીજાએ પણ કરેલું હોય. આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય તેમ બીજાએ પણ કરેલું હોય. આપણે દુકાન કરવાનું વિચાર્યું હોય તેમ બીજાએ પણ કર્યું હોય. વળી આપણી બાજુમાં જ આવીને બેસી જાય ત્યારે તકલીફ થતી હોય છે. એકબીજાની વિકનેસ અને સ્ટ્રેન્થ જોવાનું શરુ થઈ જતું હોય છે.

ડૉમિનેટ થવાની urge મૅમલને રિસ્ક લેવા પ્રેરતી હોય છે. નબળા લોકોનું રક્ષણ કરવા જેવા સારા કામ પણ થતા હોય છે, આમાં કોઈવાર જીવ પણ જતો રહેતો હોય છે. તમે ભલે તમારા વારસદારની ફિકર ના કરો અને જોખમ ખેડો પણ મૅમલ બ્રેન સતત તોલમાપ કરતું હોય છે કે ક્યારે જોખમ લેવું અને ક્યારે નાં લેવું. શબ્દો વગર મૅમલ બ્રેન પાછળ વારસો મૂક્યા વગર મરી જઈએ તેવું રિસ્ક લેવાનું અવૉઇડ કરતું હોય છે. પણ તમારા પાછલાં અનુભવો કહેતા હોય કે વારસો  માટે લાભદાયી છે રિસ્ક લેવાનું તો મૅમલ બ્રેન જોખમ ખેડતું પણ હોય છે.

મેમલીઅન ડૉમિનંસ હાઇઆરાર્કી આપણને જીવનમાં ઘણીવાર નિરાશ કરી નાખતી હોય છે. કારણ આ ચડતા ઊતરતા દરજ્જાની વ્યવસ્થા જીન પાસ કરવાની શક્યતા ઓછી કરી નાખતી હતી. એટલે અનહૅપી કેમિકલ્સ ઉત્તેજિત થતા હોય છે. અને હવે આનો વિરોધ કરવો પડશે તેવું જરૂરી લાગે. પણ ડૉમિનન્ટનો વિરોધ કરવાથી હેપીનેસ મળશે તે નક્કી હોતું નથી. હા વિરોધ કરવાથી એક નાનો ડૉસ હૅપી કેમિકલનો જરૂર મળી જાય. પણ તરત પાછાં પછડાવાનું થાય, આમ નિરાશા ફરી વધારે જોરથી આવે. હવે ફરી પેલાં હૅપી કેમિકલ્સનાં  નાના ડૉસ માટે ફરી વિરોધ કરવાનો. છેવટે મોટા પ્રયત્નો પણ નિષ્ફળ જતા હોય છે.

સ્ટૅટ્સ ફ્રસ્ટ્રેશન માંથી મૂક્ત થવાનો  સાચો રસ્તો છે બ્રેનને સમજવાનો. સ્ટૅટ્સ ડિસપૉઇન્ટમન્ટ મૅમલ બ્રેન માટે જીવ જોખમમાં છે તેવું છે. પ્રાણીઓની દુનિયામાં તેવું જ છે. DNA કાયમ માટે નાશ પામી જતા. હાયર રૅન્ક હોય તે સાથી મેળવી શકતો અને DNA પાસ કરી શકતો, અને આ રીપ્રડક્શન ગેમના માહેર અને સફળ ખેલાડીઓ એવા આપણાં પૂર્વજોના આપણે વારસો છીએ, તો એ અનુભવ આપણાં જીનમાં હોય કે નહિ?

આપણું મૅમલ બ્રેન આપણું ભલું જોતું હોય તેમ બીજાનું તેનું જોતું હોય. દરેકના બ્રેનનો જોવાનો અંદાજ અલગ હોય છે. કારણ દરેક બ્રેન તેના યુનિક અનુભવો વડે ઘડાયેલું હોય છે. હા કેટલાક અનુભવો સરખાં હોઈ શકે. આપણે નિર્બળ બાળક તરીકે જન્મ્યા હોઈએ છીએ. આપણી નિર્બળતા પુખ્ત થઈએ ત્યારે પણ જાણતા હોઈએ છીએ. આપણે જે ઇચ્છીએ તે મળતું હોતું નથી, આપણને જે મળવું જોઈએ તે બીજા મેળવી જતા હોય છે. પરિણામ સ્વરૂપ મળે છે નિષ્ફળતા અને વિચારીએ છીએ કે આ દુનિયાને શું થયું છે? દુનિયા બડી બૂરી ચીજ છે.

Each bull’s legacy is threatened by the other bulls. કોઈ આખલો આમ સચેતન વિચારતો નથી, પણ હરીફ આવીને ઊભો રહે એટલે ન્યુરોકેમીકલ્સનું મોજું  ઊછળવાનું.

જીન ફેલાવીને આપણે સફળતા કદી માપતા નથી. પણ રીપ્રૉડક્ટિવ સફળતા બાબતે  જ્યારે પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણી અને તેમની વચ્ચે કેટલું બધું સામ્ય છે તે જણાઈ આવે છે. પ્રાણીઓ સતત એકબીજાના ફર્ટિલિટિ ઇન્ડિકેટર ચેક કર્યા કરતા હોય છે, જે માનવોથી ખાસ જુદું હોતું નથી, (દા.ત. કોઈ મોટા ગુરુજીનો અધિકૃત ચેલો ગુરુજીની કોઈ ભક્ત હોય એવી સુંદર સ્ત્રીને કહેતો હોય આજે સ્વામીજીએ તને સેવા માટે પસંદ કરી છે). પ્રાણીઓ એમના સંતાનોને આગળ રાખતાં હોય છે, જેમ આપણે રાખતાં હોઈએ છીએ. પ્રાણીઓ એમનું સ્ટૅટ્સ વધારીને સંસર્ગની શક્યતા વધારતા હોય છે તેમ માનવો પણ. જે બાબતો રીપ્રૉડક્ટિવ સફળતા માટે કામ લાગે તેવી હોય તે તરફ આપણું મૅમલ બ્રેન તરત દોરવાતું હોય છે ભલે બ્રહ્મચર્યના વ્રત લઈને મઠમાં બેઠાં હોય કે ઘણા બધા પુત્ર પૌત્રાદી જ કેમ નાં હોય.

રીપ્રૉક્ટિસફળતા માટે કામ લાગે તેવા ફૅક્ટર, સારી તંદુરસ્તી, દેખાવ, હાઈસ્ટૅટ્સ, સલામતી, બાળકોની સલામતી વગેરે તરફ મૅમલ બ્રેન પહેલું ફોકસ કરવાનું. કારણ ભલે તમે સચેતન ધ્યાન આપો નહિ પણ મૅમલ બ્રેન તમારી ઇમોશનલ કેમિસ્ટ્રી ઉપર કાબુ ધરાવે છે. એનો મતલબ એ નથી કે પુષ્કળ બાળકો પેદા કરો તો જ સુખ મળે, કારણ આપણું કૉર્ટેક્સ ઘણી બધી વધારાની માહિતી ભેગી કરીને બેઠું હોય છે. પણ જો તમે ખાલી કૉર્ટેક્સને મહત્વ આપશો અને મૅમલ બ્રેનને ઇગ્નોર કરશો તો વાત બનશે નહિ, ભલે જીવનમાં ગમે તેટલા સફળ હશો. હું મૅમલ બ્રેનને  અનુસરવાને ઓછું સમજવાનું વધુ કહું છું. 

કુદરતના રાજમાં નર અને માદા બંનેની રીપ્રૉડક્ટિવ સફળતાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે. નરની ક્વૉન્ટિટી આધારિત અને માદાની ક્વૉલિટી આધારિત હોય છે. માદાને બાળક પાછળ પુષ્કળ સમય વિતાવવો પડતો હોય છે, અને એક જિંદગીમાં મર્યાદિત બાળકો પેદા કરી શકે. એની સફળતા બાળક મોટું થઈ જાય તેમાં હોય છે. એના માટે ઉત્તમ ન્યુટ્રિશન, ઉત્તમ સંરક્ષણ અને ઉત્તમ પૈતૃક જીન જરૂરી છે. હાઈ-સ્ટૅટ્સ આમાં મદદરૂપ થાય.

નર માટે વધારેમાં વધારે  સંસર્ગ તક મળે તો વધુ સફળતા. એમાં અડચણ હોય બીજા નર. તો મજબૂત બનીને ડરાવીને ભગાડી મૂકો. અથવા શક્ય તેટલી માદાનો વિશ્વાસ જીતીને સફળતા મેળવો. બીજા નર સાથે સામાજિક સહકાર સંસર્ગની તક વધારો. The mammal brain never stops seeking reproductive success.

જેવી સામાન્ય જરૂરિયાતો પૂરી થઈ જાય કે તરત સ્ટૅટ્સ વધારવાનું શરુ થઈ જાય. મૅમલ બ્રેન માટે સર્વાઇવલ અને સ્ટૅટ્સ બંને એક જ છે. સફળતાના માપદંડ માટે હવે કોઈ વસ્તી વધારવાની જરૂર છે નહિ. જરૂર છે મૅમલ બ્રેનને સમજવાની. હવે આપણે ફરી છીએ બાળકો પેદા કર્યા વગર સેક્સ માણી શકીએ છીએ. આપણે અનેક જાતનો ભવ્ય વારસો પેદા કરી શકીએ છીએ.