Tag Archives: Marilyn Monroe

ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ. Hard Truths About Human Nature.

Solitude
Solitude (Photo credit: Lady-bug)
ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ. Hard Truths About Human Nature.
    આધુનિક જીવન ખૂબ ઝડપી બની ગયું છે. મુંબઈ અને ન્યુયોર્ક જેવા શહેરોમાં લોકોનું જીવન અતિશય ફાસ્ટ હોય છે. સવારે છોકરા સુતા હોય અને બાપ નોકરી પર જવા નીકળી જતા હોય તે  છેક રાત્રે છોકરા ઊંઘી ગયા હોય ત્યારે પાછાં આવે. વળી રજાને દિવસે બીજા અનેક પેન્ડીંગ કામ બાકી હોય. એક સંબંધી ન્યુયોર્ક જોબ કરવા જતા હતા. એમની દિનચર્યા હું જોતો હતો. રહેતા અહીં એડીસનમાં અને જોબ છેક ન્યુયોર્કમાં. આવા અનેક લોકો હશે, કેમકે ન્યુયોર્કમાં રહેવું ખૂબ મોંઘું પડતું હોય. સવારે પાંચ વાગે જાગી જતા. શ્રીમતી અને બાળકો ઊંઘતા હોય, જાતે ચા ગેસ પર મૂકી ફટાફટ તૈયાર થવા લાગી જતા. એડીસન ટ્રેઇન સ્ટેશને કાર મૂકીને ટ્રેઇન પકડવાની. રાત્રે મોડા આવતા અને ઘણી વાર બહુ મોડું થયું હોય તો કંપનીના ખર્ચે લીમોઝીન મૂકવા આવતી. શનિરવી રજા હોય ત્યારે પણ નવરાં જોયા નહિ. મુંબઈની લાઇફ પણ ખૂબ ફાસ્ટ ગણાય છે.
   અહીં અમેરિકામાં ભારતીય બહેનો પણ ખૂબ વ્યસ્ત લાઇફ જીવતી હોય છે. જોબ કરતી હોય, બાળકોને લેવા મૂકવા જવાનું, ઘરકામ, રસોઈ, શોપિંગ, શનિરવી ઘરની સાફ સફાઈ, એક્સ્ટ્રા ઇન્કમ માટે એક્સ્ટ્રા કામ પણ કરવાના. જેવા કે પેઈંગ ગેસ્ટ ઘરમાં રાખવાના, તેમની ખાવાપીવાની વ્યવસ્થા જાળવવાની, બેબી સીટીંગ, કોઈ વળી ઘરમાં કેશ કર્તન કળાનો પણ ઉપયોગ કરી સસ્તા ભાવે સેવા આપતા હોય, મંદિરે જવાનું, સાસબહુની સીરીયલો જોવાની, ઘેર ઘેર ફરીને પાછાં ધાર્મિક પરિવારોના પ્રચાર પણ કરવાના  આવું તો અનેક.
   એક ઈમેલ સેકન્ડના દસમાં ભાગે આખી દુનિયામાં ફરી વળી હોય તેવા જમાનામાં નવરાં લોકો પણ નવરાં હોતા નથી.
     આવા અતિશય વ્યસ્ત જીવનમાં આપણે ઓવરલોડેડ ફીલ કરતા હોઈએ છીએ, એક  માનસિક પ્રેસર ઊભું થતું હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે ” ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ”. એકાંતનો આનંદ માણવાનું જરૂરી બની જતું હોય છે.
     એકાંત અને એકલતા લગભગ સરખાં લાગતા હોય છે. બહારથી બંને એક સરખાં લાગતા હોય છે. Loneliness એ નકારાત્મક લાગણી છે જે દુનિયાથી વખુટા પડી ગયાની અનુભૂતિ કરાવે છે. લાગે છે કંઈક ખૂટી રહ્યું છે. એકલતાનું  એક કડવું સત્ય એ પણ છે કે લોકોની ભીડ વચ્ચે પણ એકલતા લાગતી હોય છે. એકલતાનું  આ વરવું સ્વરૂપ કહેવાય.
    Solitude, એકલતા અનુભવ્યા વગર એકાંતમાં સ્થિત થવું એક હકારાત્મક સર્જનાત્મક સ્વ સાથે જોડતી અવસ્થા કહેવાય. આવા એકાંતમાં આપણે અંતરમાં ખાંખાંખોળા કરી શકીએ છીએ, આનંદ માણી શકીએ  છીએ, વિકાસ કરી શકીએ છીએ, કશું સર્જનાત્મક વિચારી શકીએ છીએ. પોતાની જાત સાથે નજીક આવી શકીએ છીએ. શાંતિના અનુભવ દ્વારા અંતરની અમીરી પામવા એકાંતમાં રહેવું જરૂરી બની જતું હોય છે. આમ એકાંત આપણને તરોતાજા કરી નાખે, ઉત્સાહ અને એનર્જી વડે ભરી દેતું હોય છે.
   Loneliness એટલે જાણે સજા, લાગણી વગરનું, નિષ્ઠુરતા, વખુટા પડી જવું, સદભાવ કે મિત્રભાવ ગુમાવવો. એકાંત આપણે પસંદ કરીએ છીએ અને એકલતા બીજા લોકોએ આપણી ઉપર લાદી દીધી હોય તેમ લાગે છે. એકાંતમાં રહેવું પોતાની જાતે પસંદ કરેલી એકલતા છે.
  દરેકને એકાંતની પળોની જરૂર હોય છે. ફાસ્ટ લાઇફમાં પાછાં ફરવા રીચાર્જ થવા એકાંતમાં થોડો સમય ગાળવો મહત્વનો છે. Solitude restores body and mind. Loneliness depletes them.
    માનવજાત સામાજિક પ્રાણી સાથે એકાકી પણ છે. આધુક જીવન શૈલીમાં પણ ઘણા બધા કામ એકલાં કરવા પડતા હોય છે. રાતે સૂઈ જઈએ ત્યારે આપણે એકલાં હોઈએ છીએ. આ પૃથ્વી પર માણસ એકલો આવે છે અને મૃત્યુ પામે ત્યારે પણ એકલો મૃત્યુ પામતો હોય છે. પણ આ મૃત્યુનો ભય આપણને કદી એકલાં પાડવા દેતો નથી. માણસને એકલતાનો ખૂબ ભય લાગતો હોય છે. માટે સમૂહના સર્વાઈવલ વિરુદ્ધનું કોઈ કામ કરીએ ત્યારે સમૂહ એકાંતવાસ એટલે જેલની સજા કરતો હોય છે.
     સંબંધોની  સુગંધ પામતું કોણ રોકી રહ્યું છે? કોણ રોકી રહ્યું છે આપણી સર્જનાત્મકતાને? કોણ અટકાવી રહ્યું છે મનની શાંતિ? આ તણાવ યુક્ત જીવન શૈલીમાં આશ્ચર્યજનક ઉત્તર છે, એકાંતનો અકાળ. આજે આપણે એકાંતની ક્ષણનાં દુષ્કાળથી પીડાઈએ છીએ. એકાંત એક જાતનું ટૉનિક છે, જે બીજા લોકો સાથે સમૃદ્ધપણે જોડી શકે છે. સાંપ્રત સમયમાં આપણે ઊંચા  મન સાથે જીવી રહ્યા હોઈએ તેવું નથી લાગતું? ૧૯૫૦માં  હતી તેના કરતા આજે દુનિયાની વસ્તી ડબલ થઈ ગઈ છે. શહેરી વિસ્તાર વધી ગયા છે. શહેરી વિસ્તરમાં પણ ભીડ ખૂબ વધી ગઈ છે. હું ૧૯૭૨મા વડોદરા ભણવા ગયેલો ત્યારે રાત્રે આઠ વાગ્યા પછી શહેર સુમસામ થઈ જતું, આજે આખી રાત ચહલપહલ જોવા મળે છે. નવી ગ્લોબલ ઈકોનોમીનાં કારણે લોકો આખી દુનિયા સાથે જોડાઈ ગયા છે. સેલફોન આજે અનિવાર્ય શારીરિક અંગ જેવા બની ગયા છે. હાથપગ કે કાન વગરનું શરીર તમે કલ્પી શકો?  તેમ સેલફોન વગરનો માણસ કે સેલફોન વગરનું શરીર પણ કલ્પી ના શકો. ઉત્ક્રાન્તિના પરિબળો ભવિષ્યમાં કાન પાસે સેલફોન ડીવાઈસ ઉગાડી નાં દે તો નવાઈ નહિ. સેલફોન નહિ તો સેલફોન મૂકવાની કોથળી પેલાં કાંગારું જેવું જરૂર ઉગાડી દેશે. કાંગારુના પેટે એના અવિકસિત બચ્ચા માટે કોથળી હોય છે.
  કોઈ ધર્મ હવે શાંતિ મળે તેવા સ્થળ પ્રોવાઈડ કરી શકે તેમ નથી. ઉલટાના મંદિરોતો કોલાહલ વધારવાના કારખાના બની ગયા છે. મેગાચર્ચ અને મેગામંદિર સામાજિક મેળાવડાનું સ્થાન અને અમ્યુઝમેન્ટ પાર્ક જેવા બની ગયા છે. સેલફોન,સ્માર્ટફોન, ઈન્ટરનેટ , કોમ્પ્યુટર વગેરે સંપર્ક વધારવાના સાધનો છે, પણ એનાથી સાચો સ્પર્શ આપણે ગુમાવી બેઠાં છીએ. આધારભૂત, અસલ સર્જનાત્મક એકાંતવાસ આપણે ગુમાવી ચૂક્યા છીએ. અમુક સમય પૂરતા એકલાં પડવું કે રહેવું  ખરેખર આપણાં જીવનને એડજસ્ટ કરે છે. આપણને આરામ આપી આપણી શક્તિઓને ફરીથી રીચાર્જ કરે છે. મહાવીર, બુદ્ધ, જીસસ, મહંમદ, લાઓ ત્ઝું જેવા અનેક મહાપુરુષો અમુક સમય માટે સમાજથી દૂર એકાંતવાસમાં જતા રહેલા. એટલાં બધા રીચાર્જ થઈને એક નવી ચેતના સાથે પાછાં ફરેલા કે જેતે સમયના આખા સમાજની જીવનશૈલી બદલી નાખેલી. મહાવીર ૧૨ વર્ષ અને  બુદ્ધ ૬ વર્ષ સમાજથી દૂર એકાંતમાં રહેલા.
  મધર નેચરે રાત્રે ઊંઘવાનું આપીને આપણને સાચું એકાંત પૂરું પાડ્યું છે. સાથે સાથે એનું મહત્વ પણ સમજાવ્યું છે. ઊંઘની ટીકડીઓનું વધેલું વેચાણ દર્શાવે છે કે આ રાત્રી એકાંતવાસ ખતરામાં છે. સાચો એકાંતવાસ ગુમાવીને માનવ આજે એકલો પડી ગયો છે. એકલવાયા અનુભવ કરવો ડીપ્રેશનનું કારણ બની શકે તેમ છે. માનવ સામાજિક પ્રાણી છે, સમૂહમાં રહેવા ટેવાયેલો છે. ૨૦મિ સદીની ત્રણ પ્રસિદ્ધ મહિલાઓ Judy Garland , Marilyn Monroe , અને Princess Diana ત્રણે જાણીતી એકલતા અનુભવતી મહિલાઓ હતી. હજારોની  ભીડ વચ્ચે ઘેરાએલી  રહેતી  આ સ્ત્રીઓ એકલી હતી. Loneliness isn’t  about being alone , it’s about  not feeling connected. સામાજિક જોડાણ અને દબાણપૂર્વક આવું જોડાણ રદ કરવાના પુરાવા ચીમ્પાન્ઝીમાં સમૂહમાં પણ નોંધાયેલા છે. સામાજિક નિયમોનો  ભંગ કરવા બદલ સામાજિક બહિષ્કાર કરવો, નાત બહાર મૂકવા દરેક માનવ સમાજમાં સામાન્ય હતું. ગુજરાતમાં હોકાપાણી બંધ એવું પણ કહેવાતું. જે કેદીઓ ગંભીર ગુનામાં સપડાયેલા હોય તેમને બીજા કેદીઓ સાથે પણ રાખતા નથી, સાવ એકલાં રહેવાનું હોય છે.
    સમૂહના બીજા લોકો સાથે જોડાયેલા રહેવું અગત્યનું હોય છે. લૅબોરેટરીમાં થયેલા સંશોધન જણાવે છે કોઈનો સહકાર બ્રેઈનના રીવોર્ડ એરિયાને સક્રિય કરતો હોય છે. જેવી રીતે ભૂખ લાગી હોય અને ખોરાક મળે ત્યારે બ્રેઈનના જે એરિયા એક્ટીવ થતા હોય છે તેવી જ રીતે અને તેટલા પ્રમાણમાં પેલાં રીવોર્ડ એરિયા સહકાર પામતા સક્રિય થતા હોય છે. આમ ખોરાક મળે તે અગત્યનું છે સાથે  સહકાર પ્રાપ્ત થાય કે સામાજિક સંબંધ વધે તે પણ તેટલું જ અગત્યનું છે. જ્યારે શારીરિક દર્દ થાય ત્યારે બ્રેઈનના જે ભાગ સક્રિય થાય છે તેજ ભાગ સામાજિક બહિષ્કાર થાય ત્યારે અને સહકાર નાં મળે ત્યારે સક્રિય થતા હોય છે. આમ  અસહકાર મળે તેનું દુખ અને શારીરિક પીડા બંનેનું દર્દ બ્રેઈન માટે સરખું જ છે. FMRI વડે થયેલા બ્રેઈન સ્કેનીંગ આ બધું સારી રીતે દર્શાવે છે. અરે પરિચિત વ્યક્તિનો ફોટો જોઇને પણ હ્યુમન બ્રેઈન જુદી રીતે પ્રતિભાવ આપતું હોય છે. ” કોઈ મને પસંદ કરે છે” બહુ સ્પષ્ટ પણે ન્યુરલ વાયરિંગ માટે અગત્યની કૅટેગરી છે. લગ્ન વ્યવસ્થા આમ સામાજિક જોડાણ વધારવાનો ઉપાય માત્ર છે. ભલે દોષપૂર્ણ હોય પણ એકાદ વાર લગ્ન કરેલા હોય અને એકલાં રહેતા હોય તેવા લોકો કરતા કદી લગ્ન કર્યા નાં હોય તેમનો મરણ આંક ૬૫ ટકા વધુ હોય છે. અને જેઓ લગ્ન કરીને સાથે રહેતા હોય તેવા લોકો કરતા કદી લગ્ન કર્યા જ ના હોય તેમનો મરણાંક ૨૨૦ ટકા વધુ હોય છે. યુ.એસ.એ.માં ૩૧મિલિયન લોકો એકલાં રહે છે, ૧૦૦ મિલિયન કરતા વધુ લોકો ડિવોર્સ લઈને કે વિધવા કે વિધુર તરીકે એકલાં રહે છે. એક મીલીયન એટલે દસ લાખ ગણવા.
     આમ સામાજિક જોડાણ અગત્યનું છે તેમ એકાંત પણ અગત્યનું છે. એના વગર આપણે રીચાર્જ થઈ શકીએ નહિ. માટે ઘણા લોકો અમુક સમય માટે મૌન પાળતા હોય છે. મૌન પણ  ભીડ વચાળે એકાંત મેળવવાનો ઉપાય છે. જેને દિવસમાં ખૂબ બોલવાની જરૂર પડતી હોય તેવા લોકોએ અમુક સમય મૌન પાળવું જરૂરી બની રહે જેથી  ફરી બોલવા માટે બેટરી રીચાર્જ થઈ જાય. મોદી સરકાર રોજ બે કલાક મૌન પાળે છે તેવું સંભળાયું હતું. મોરારીબાપુ અઠવાડીએ એક દિવસ મૌન પાળે છે. મેહરબાબા મૌનની મજામાં એટલાં બધા ગર્ત થઈ ગયેલા કે ફરી કદી બોલ્યા જ નહિ. આજે બોલીશ કાલે બોલીશ એવા વચનો  આપીને પણ કદી બોલી શક્યા નહિ. એકલવાયા અનુભવ કરવો જોખમી છે, હતાશા પેદા કરે છે  તો સામે સ્વૈચ્છિક એકાંતવાસ સારો છે તમને રીચાર્જ કરે છે, વધારે જીવંત બનાવે છે, સ્વની વધારે નજીક લઈ જાય છે, તણાવ મુક્ત કરે છે, આ ફાસ્ટ જિંદગીમાં ફરીથી કૂદી પડવાનું બળ આપે છે. તો ચાલો ગણગણીએ
 “ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ.”

રંગ બદલે કાચિંડા રંગ બદલે, કોઈ વાર કપડાં પણ. (Hard Truths About Human Nature).

 

 

 

Cover of "Some Like It Hot"
Cover of Some Like It Hot

રંગ બદલે કાચિંડા રંગ બદલે, કોઈ વાર કપડાં પણ. (Hard Truths About Human Nature).

     “Some Like It Hot” નામનું એક મુવી ૧૯૫૯માં આવેલું.  Marilyn Monroe, Tony Curtis, and Jack Lemmon. અભિનીત આ ફિલ્મ અમેરિકન ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ દ્વારા “greatest American comedy film of all time” ગણવામાં આવે છે. બે પુરુષ અભિનેતાઓ એમનું જીવન બચાવવા માટે સ્ત્રીના કપડા પહેરીને મહિલાઓ દ્વારા ચલાવાતા મ્યુઝીક બેન્ડમાં જોડાઈ જતા હોય છે.પ્રેમ અને છેતરપીંડી ધરાવતી આ ફિલ્મમાં પુરુષો નિર્દોષ મહિલાનું પાત્ર ભજવે છે. સ્ત્રીના પોષક, સેક્સ અને ગરમાગરમ અભિનેત્રી મેરિલીન મનરોની હાજરી આ ફિલ્મને ખુબ મનોરંજક બનાવે છે. આપણી બોલીવુડની ઘણી બધી મનોરંજક ફિલ્મોમાં પુરુષ અભિનેતાઓ  સ્ત્રીઓના કપડા પહેરી સ્ત્રી તરીકે પાત્ર ભજવીને હાસ્યની છોળો ઉડાડતા જોવા મળે છે. ઘણા બધા અભિનેતાઓ ક્યારેક ને ક્યારેક સ્ત્રીના કપડા પહેરેલા ભારતીય ફિલ્મોમાં જોવા મળેલા જ છે. ગોવિંદા, કમલ હાસન, વગેરેની આવા પાત્રો ભજવેલી ફિલ્મો ખૂબ પ્રખ્યાત થયેલી.
     Transvestism  ટ્રૅન્સ્વેસ્ટિઝમ, Cross-dressing  , Transvestic fetishism , એક રહસ્યમય જીવન, શું માનવજાત સિવાય બીજે અસ્તિત્વ ધરાવે છે ખરું? શું આવી છેતરપીંડી માનવ જીવન સિવાય બીજે કશે જોવા મળે ખરી?

Transvestism એટલે સાદો અર્થ એ થાય કે પુરુષો સ્ત્રીઓના કપડા પહેરે. ક્રોસ ડ્રેસિંગ પ્રેકટીશ પણ કહી શકો. માનસિક રીતે આમાં ઘણા બધા ભાગ પાડી શકાતા હોય છે. ઘણા લોકો પુરુષ દેહમાં સ્ત્રૈણ આત્મા ધરાવતા હોય છે. ઘણા જીનેટીકલી ડિફેક્ટ કારણે પણ આવા હોય છે. આપણે ત્યાં માસીબા કહીને સન્માન કરીએ છીએ તેવા લોકો સ્ત્રીઓના કપડા પહેરીને ફરતા હોય છે.

ફિલ્મોમાં અને ઘણી જગ્યાએ મનોરંજન માટે પુરુષો સ્ત્રીઓના કપડા પહેરી જોનારને હસાવતા હોય છે. એમાં કોઈ માનસિક ક્ષતિ જેવું હોતું નથી. Transvestic fetishism માં સ્ત્રીના કપડા કામોત્તેજક તરીકે પહેરતા હોય છે. સ્ત્રીઓ જે જે વસ્તુઓ વાપરતી હોય તેનો સંગ્રહ પણ કરતા હોય છે. ઘણા આવા પરિવેશમાં જાતે જાતે ફોટા પણ પાડતા હોય છે, અને રહસ્યમય ગુપ્ત કાલ્પનિક જીવન જીવતા હોય છે. જોકે આ બહુ ઊંડો વિષય છે. મનોવૈજ્ઞાનિકો માટે પણ ઘણો માથાના દુખાવા જેવો વિષય છે.

     Augrabies flat lizards, સાઉથ આફ્રિકામાં આવેલા Augrabies Falls National Park થઈને વહેતી ઓરેન્જ નદીના કિનારે આવેલા ખડકોમાં રહેતા આ અપૂર્વ રેપ્ટાઈલ આવી જીવન શૈલી ધરાવતા હોય છે. કુદરતનું આ અદ્ભુત સર્જન નાના જીવ જંતુની  શોધમાં સીધું નીચે માથે સડસડાટ ૧૦૦ મીટર નીચું ઉતરી શકે છે. ખડકોની તિરાડમાં જીવવા માટે ટેવાયેલું આ સર્જન એની પુંછડી પોતાના શરીરે વીંટાળીને ઠંડી અને પ્રીડેટરથી પોતાને બચાવે છે. માદા બે વર્ષે એના ઈંડા ખડકની તિરાડમાં મુકાતી હોય છે.

  આ લિઝાર્ડનો ખોરાક છે black fly. નદીના કિનારે ખાસ જગ્યાએ આ માંખીઓનો બહુ મોટો સમુદાય ઉડતો  રહેતો હોય છે. આ કાચિંડા પોતાનો એરિયા કબજે કરતા હોય છે. બીજા નર કાચિંડાને ખદેડી મૂકી કદમાં મોટો અને બળવાન કાચિંડો પોતાની રીયલ એસ્ટેટનું રક્ષણ કરતો હોય છે. એનાથી એક તો બ્લેક ફ્લાયનો મોટો જથ્થો ખાવા મળે અને માદાઓ સાથે રાસ રમવા મળે. અહી વિપુલ  ખોરાકની સંભાવના એટલે સારો એરિયા, અને શક્તિશાળી નરને મળે સારો એરિયા અને માદાઓ સારો એરિયા પસંદ કરે જ્યાં સારો ખોરાક મળે જે પેલા બાહુબળીયા નરના કબજામાં હોય. આતો સામાન્ય સામાજિક ગોઠવણ થઈ, એમાં નવાઈ જેવું ખાસ નથી. કુદરતનો ક્રમ છે.
          પણ અહી નર કાચિંડો સંપૂર્ણ પુખ્ત બને એના શરીર ઉપર સરસ મજાના પીળા, ઓરેન્જ, લીલા અને જુદાજુદા વાદળી રંગ ઉપસી આવે છે. પુખ્ત નર માદા કરતા ખૂબ મોટો હોય છે. આ રંગ એટલે એક જાતનું Visual communication સમજવું. જેટલો નર પાવરફુલ, મજબુત, આક્રમક અને કદમાં મોટો તેટલા રંગ ખૂબ ભડકીલા અને ખીલેલા સમજવા. એક જાતનો સંદેશો કે જુઓ એક બળવાન નર અહી ઉભો છે, સરસ મજાના વિપુલ ખોરાકના બંદોબસ્ત સાથે. એક જાહેરાત જેવું. કલર ઉપરથી ખબર પડી જાય કે નર કેટલો બળવાન છે, બ્રાઈટ કલર કામ વગરની લડાઈ રોકાવાનું સાધન પણ બની જાય. ઓછા બ્રાઈટ કલર ધરાવતા નર એની સાથે લડાઈ કરવાનું માંડી વાળે. બ્રાઈટ કલર શક્તિ પ્રદર્શન કરતા હોય છે. એનાથી બે કામ થાય એકતો માદા આકર્ષાય અને કામ વગરની લડાઈ ટળી જાય. ખાસ તો પેટની નીચેનો abdomen  ભાગમાં ઓરેન્જ અને પીળા રંગના પટ્ટા નરની રેન્ક બતાવતા હોય છે. બે નર સામસામે તે રંગનો એરિયા ઝાબકાવે અને જેનો રંગ ઢીલો પડે તે નીચી મૂંડીએ લડ્યા વગર રવાના થઈ જાય. આ થયું એક પ્રમાણિક કોમ્યુનીકેશન. પણ એની બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે.
         Kestrel નામનું પક્ષી આ સરીસર્પ ગણાતા પ્રાણીને ખોરાક બનાવે છે, તે પસંદ કરે છે સરસ તગડા ભોજનને. નેચરલ સિલેકશન કાચિંડાને લગભગ ખડકની તિરાડ જેવો રંગ આર્પે છે જેથી ખડક સાથે એનો રંગ ભળી જાય અને સહેલાઈથી કોઈનું ભોજન બનતા અટકી જવાય. માદા અને પુખ્ત બન્યો ના હોય તેવો નર આછો બદામી અને થોડા ડાર્ક અને લાઈટ રંગના પટ્ટા ધરાવે જેથી ખડકની તિરાડમાં ભળી જાય. પણ ભડકીલા બ્રાઈટ રંગ ધરાવનારા કાચીંડાને એના પ્રમાણિક કલર સંદેશાની બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. તે સહેલાઈથી પેલા પક્ષીનું ભોજન બની જતો હોય છે.
          કિશોરાવસ્થા સુધી બંને નર માદા સરખો રંગ ખડક જેવો ધરાવતા હોય છે. પણ નર જેમ મોટો થતો જાય તેમ એનો રંગ બદલાતો જતો હોય છે. પણ જે યંગ નર સક્ષમ ના બની શકે અને  એનો આત્મવિશ્વાસ ઓછો હોય અને  તે સંપૂર્ણ પુખ્ત નરનાં આક્રમણનો ભોગ બની શકે તેમ હોય અને માદાને આકર્ષી શકે તેમ ના હોય, છતાં સેક્સુઅલી મેચ્યોર બની ગયો હોય અને ફૂલ કલર ધારણ કરે તે પહેલાના સમય પુરતો તે હજુ એનો માદા જેવો રંગ જાળવી રાખતો હોય છે. આને વૈજ્ઞાનિકો મેલ ડ્રેસ્ડ ઈન ફીમેલ ક્લોથ કહેતા હોય છે. એના પોતાના ફાયદા પણ છે.
          મોટો, બ્રીલીયન્ટ, શક્તિશાળી નર એની રીયલ એસ્ટેટ વચ્ચે ઊભો ઊભો કાળી માંખીઓના વિશાલ સમુદાયને ભોજન તરીકે જોતો જોતો ગર્વથી અસંખ્ય માદાઓ તરફ નજરું મેળવતો હોય છે, સાથે સાથે કોઈ બીજો નર એના રાજ્યમાં ઘુસી તો ગયો નથીને તેની પણ ખાતરી કરતો હોય છે. અને કોઈ એવો દેખાય તો એની પાછળ પડી નસાડી મુકાતો હોય છે, પણ પેલા માદા જેવા દેખાતા નર બચી જતા હોય છે અને પ્રમાણિક છેતરપીંડીનો લાભ લીધે રાખતા હોય છે, માદા જેવા દેખાઈને હવે સાથે રહેલી માદાઓ સાથે યથેચ્છ ભોગ ભોગવવાની અગણિત તક મળતી હોય છે. પણ વળી મુશ્કેલી નેચરલ સિલેકશન કરતુ હોય છે. માદાના pheromones અલગ હોય છે અને નરના અલગ. માળાની ગંધ અલગ હોય છે અને નરની ગંધ અલગ હોય છે.  એટલે પેલા સરદાર મહાશય કાયમ બધાને સુંઘ્યા કરતા હોય છે અને જીભ કાઢી ચાટીને ખાતરી કરતા હોય છે. યંગ નર ભલે એમની રહસ્યમય જિંદગી માદા જેવા દેખાઈને વિતાવતા હોય પણ એમની ગંધ તો નરની હોય છે. ચોરી તો પકડાઈ જ જાય. હવે શું કરવું. એટલે પછી સરદાર નજીક આવે તો ત્યાંથી રવાના થઈ જવું સારું. ખરુંને??
  આ odd  સ્ટોરી માનવજાતના અનુભવને મળતી નથી આવતી??