untitled

 

સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું

 

સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ ક્ષેત્રમાં વસેલું સોમનાથ મંદિર કદાચ દુનિયાનું પહેલું એવું મંદિર હશે જે સૌથી વધુ વખત તોડાયું છે અને ફરીફરી બંધાયેલું છે. આશરે સોળેક વખત તોડાયું હશે. છેલ્લે ૧૯૪૭મા સરદાર વલ્લભભાઈ પટેલે એને ફરી બાંધવાનો નિર્ણય લીધો, એમના મૃત્યુ પછી ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ ચાલુ રહ્યું.

આમ તો શિવલિંગ સૃજનનું પ્રતીક છે. આ સર્જન અને વિસર્જન પ્રક્રિયાનો કોઈ આરંભ કે અંત હોય નહિ. પુરાણોની વાર્તાઓ પ્રતીકાત્મક હોય છે. સોમનાથ સાથે એવા ૧૨ જ્યોતિર્લિંગ ભારતમાં છે. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે પ્રકાશનો એક સ્તંભ ઊભો થઈ ગયેલો અને એના આદિ અને અંત પામવા બંને નીકળી પડેલા એવી પ્રતીકાત્મક વાર્તા છે. સોમનાથ વિષે એક બીજી વાર્તા ચંદ્રની છે. ચંદ્ર દક્ષ પ્રજાપિતાની ૨૭ દીકરીઓ સાથે પરણેલો હોય છે, પણ ફક્ત રોહિણીને મહત્વ આપતો હોય છે. દક્ષ એને શ્રાપ આપે છે તેનું નિવારણ કરવા પ્રભાસ ખાતે શિવલિંગની સ્થાપના કરી શિવની ભક્તિ કરી શ્રાપમુક્તિ મેળવે છે. ચંદ્ર સોમનાથનું સોનાનું મંદિર બનાવે છે. ત્યાર પછી રાવણ ચાંદીનું મંદિર બનાવે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ સુખડના લાકડાનું બનાવે છે. મતલબ સોમનાથ મંદિર વારંવાર બનાવવાનો સિલસિલો બહુ પ્રાચીન લાગે છે. જોકે એટલાં જુના પુરાવા મળવા મુશ્કેલ છે.

 

કૉમન એરા શરુ થાય તે પહેલા અહીં મંદિર હતું તેવું કહેવાય છે. જુના મંદિરને સ્થાને વલ્લભીના યાદવ રાજા સન ૬૪૯મા બીજું મંદિર બંધાવે છે. સન ૭૨૫માં સિંધના આરબ ગવર્નર જુન્નેદ એનું લશ્કર મોકલીને તોડાવી નાખે છે. અહીં એના તોડવાની શરૂઆત થઈ હોય તેવું માનવું યોગ્ય છે. તે પહેલા મંદિર જર્જરિત થઈ જતા નવા બનાવવા પડ્યા હશે. સન ૮૧૫મા ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજા લાલ પથ્થરનું મોટું ભવ્ય મંદિર બનાવે છે. આશરે ૧૦૨૪ની સાલ હશે. મહમદ ગઝની સોમનાથ મંદિર ઉપર ચડી આવેલો. પાટણના સોલંકી રાજા ભીમદેવ ક્યાંક કચ્છમાં ભાગી ગયેલા. લાઠીના કુંવર હમીરજી ગોહિલ આશરે ત્રણસો કે ચારસો રાજપૂતો લઈને ગઝની સામે લડવા ગયેલા. સ્વાભાવિક છે કે એમને ખબર જ હોય કે આટલાં મોટા લશ્કર સામે લડવું એટલે મોત જ મળવાનું છે, બધા કપાઈ મર્યા. આ હમીરજી એટલે પ્રખ્યાત કવિ કલાપીના પૂર્વજ. આઝાદીના ૬૦ વર્ષ બાદ સરકારે હમીરજીનું સ્મારક બનાવ્યું છે. અલ્લાઉદ્દીન ખીલજી ચિતોડ ઉપર ચડી આવેલો ત્યારે પણ રજપૂતોએ કેસરિયા કરેલા. થરનું રણ પાર કરીને આવેલો મહંમદ ગઝની ૧૦૨૪મા એને તોડી નાખે છે. ગઝનીએ મંદિર એક જ વાર તોડ્યું છે તેવું ઈતિહાસકારો માને છે. ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે પણ ફક્ત બેવાર લડાઈ થઈ હતી. એકવાર ઘોરી હારીને ભાગી ગયેલો બીજી વાર પૃથ્વીરાજ હારેલો. ૧૦૨૬ અને ૧૦૪૨ વચ્ચે મળવાના રાજા ભોજ અને ગુજરાતના ભીમદેવ સોમનાથને ફરી બંધાવે છે. સિદ્ધરાજ જયસિંહ પછી આવેલા રાજા કુમારપાળ પણ એનો જીર્ણોદ્ધાર કરાવે છે. ૧૨૯૬મા સુલતાન અલ્લાઉદ્દીન ખીલજી એને ફરી તોડી નાખે છે. ૫૦ હજાર હિન્દુઓની હત્યા થાય છે. ૨૦ હજાર ગુલામો તરીકે લઈ જવાય છે. કાળોકેર વર્તાવાય છે. ૧૩૦૮મા સૌરાષ્ટ્રના રાજા મહીપાલદેવ ચૂડાસમા એને ફરી બંધાવે છે અને એમનો દીકરો ખેંગાર આશરે ૧૩૨૬મા એમાં લિંગની પ્રતિષ્ઠા કરે છે. ફક્ત ૨૫-૫૦ વર્ષ પછી ગુજરાતનો સુલતાન મુઝફ્ફર શાહ ૧૩૭૫માં ફરી એને તોડી નાખે છે. ૧૪૫૧મા વળી પાછો મહંમદ બેગડો એને ફરી તોડી નાખે છે. ૧૭૦૧માં પાછું ઔરંગઝેબ એને તોડી નાખે છે, અને તે મંદિરના સ્તંભ વાપરી ત્યાં મસ્જિદ બનાવી નાખે છે. નાગપુરના રાજા ભોંસલે, પુનાના પેશ્વા, ગ્વાલિયરના શ્રીમંત પાટીલબુવા અને ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરના સંયુક્ત પ્રયાસ વડે ૧૭૮૩મા આ સોમનાથનું મંદિર ફરી બંધાવાય છે.

 

૧૯૪૭મા સરદાર, મુનશી અને બીજા કોંગ્રેસીઓ ગાંધીજીને મળે છે અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે પ્રપોઝલ મૂકે છે. ગાંધીજી આગળ વધવાના આશીર્વાદ આપતા સૂચન કરે છે કે મંદિર બાંધવામાં થતા ખર્ચની જોગવાઈ પબ્લિક ફંડમાંથી કરવી, સરકાર પૈસા વાપરે તે યોગ્ય નથી. ગાંધી અને સરદાર તો બાંધકામ પૂરું થાય તે પહેલા મૃત્યુ પામે છે. નહેરુ સરકારના ફૂડ અને સિવિલ સપ્લાય મિનિસ્ટર એવા ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ પૂરું થાય છે. હિંદુ ધાર્મિક પુનરુજ્જીવનનાં પ્રયત્ન રૂપે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને ઓળખ આપવાનાં મુનશી અને રાજેન્દ્રબાબુનાં પ્રચાર પ્રત્યે નહેરુ પોતાની નારાજગી દર્શાવતા. હાલનું મંદિર ચૌલુક્ય સ્ટાઇલ કે મહામેરુ પ્રસાદ સ્ટાઇલનું ગણાય છે જે સોમપુરા ફૅમિલીની કમાલ ગણાય છે. આ મંદિરની એક ખૂબી એ છે કે આ મંદિર અને એન્ટાર્કટિકા વચ્ચે કોઈ જમીન કે ટાપુ છે નહિ..અહીં જે બાણસ્તંભ છે તેનો એરો દર્શાવે છે કે દક્ષિણ ધ્રુવથી શરુ કરો તો આ પહેલો લેન્ડમાર્ક છે. અને અહીંથી સીધા જાવ તો દક્ષિણ ધ્રુવ પહોચી જાવ. ૧૮૪૨મા અફઘાન વિજય મેળવીને અંગ્રેજો દ્વારા ગઝનીની કબર પરથી લવાયેલા મૂળ સોમનાથ મંદિરના ગણાતા સુખડના દરવાજા હજુ આગ્રા ફૉર્ટમાં ક્યાંક પડ્યા હશે. ઇતિહાસકાર રોમીલા થાપર આને હિંદુ મુસ્લિમ વૈમનસ્ય વધારવાની અંગ્રેજોની ચાલબાજી ગણે છે.

 

અંગ્રેજો ચાલબાજ હતા એમાં કોઈ શક નથી. અંગ્રેજો પહેલા પણ એને તોડવાની વિનંતી અકબરના સેનાપતિ મિરઝા પાસે પ્રભાસ શહેરના કાજી દ્વારા કરાઈ હતી. આમ બે કોમ વચ્ચે વૈમનસ્ય તો હતું જ અને તે પણ અંગ્રેજોનાં આગમન પહેલા..થાપરની થિયરીમાં અનેક છીંડા છે. ઇસ્લામ પહેલા આરબો કોઈ માતાને માનતા હતા. દેવીપૂજક હતા. તે દેવીની મૂર્તિઓ કોઈ કારણસર ભારત આવી ગઈ અને સોમનાથમાં સ્થપાઈ ગઈ મહાદેવ તરીકે? એને તોડવા ગઝની આવેલો? ચાલો માની લીધું પણ ગઝની તોડી ગયા પછી અનેકવાર શું કામ તોડવું પડે? પેલી માતાની મૂર્તિઓ ક્યાં એમાં હતી? મૂળે મૂર્તિભંજન દરેક આક્રમણકારીની ફરજ હતી. વૈમનસ્ય વધારવા તો મંદિર તોડતા હતા. નબળી કોમ શાંતિમંત્રણાઓ કે વૈમનસ્ય ના વધે તેવી વાતો કરતી હોય છે. જબરી કોમને ભાઈચારાની પડી હોતી નથી.

 

ગઝનીના સૈન્યમાં હિંદુઓ હશે તેમાં નવાઈ નહિ. મહારાજા રણજીતસિંહ અને ગુરુ ગોવિંદસિંહનાં લશ્કરમાં પણ મુસ્લિમ સૈનિકો કામ કરતા જ હતા. એમની વફાદારી જેતે રાજા પ્રત્યે હોય છે. અકબરના સેનાપતિ તરીકે ઘણીવાર હિંદુ રાજાઓ જતા. અંગ્રેજોના લશ્કરમાં બધા અંગ્રેજો હતા? હિંદુ અને મુસ્લિમ સૈનિકો વડે જ અંગ્રેજોના લશ્કર શોભતા હતા. જામનગરના પ્રિન્સ રાજેન્દ્રસિંહજી જર્મન મોરચે લડેલા હતા. અંગ્રેજો ગયા પછી એમણે ભારતીય લશ્કરમાં ઘણો ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરેલો. બીજા વિશ્વયુદ્ધમાં ખભેખભા મિલાવીને જે લોકો લડેલા તે જ લોકો આઝાદી પછી સામસામે લડેલા.. મરાઠાઓના લશ્કરમાં પણ મુસ્લિમ સૈનિકો અને અફસરો હતા. અંગ્રેજોએ જે લોકોનો વિનાશ કર્યો કહેવાય છે તે પીન્ઢારા મોટાભાગે મુસ્લિમ પઠાણો હતા અને આ પીન્ઢારા હિંદુ રાજાઓ માટે પણ કામ કરતા હતા. એમનું કામ યુદ્ધ પછીનું રહેતું, આ વધારાનું સૈન્ય હતું જે કામકાજના વળતર તરીકે જીતેલા પ્રદેશોમાં લૂંટ ચલાવી લેતા એમને કોઈ પગાર મળતો નહિ. રાજાઓ નબળા પડતા પીન્ઢારા વકરી ગયા હતા.

 

આ સોમનાથ મંદિર ગઝની સિવાય અનેક લોકોએ તોડ્યું છે. ગઝની પછી પણ કેટલા બધાં મુસ્લિમ સુલતાનોએ એને તોડ્યું છે? ખુદ ગુજરાતના સુલતાન મહમ્મદ બેગડાએ પણ એને તોડ્યું છે. છેલ્લે ઔરંગઝેબે પણ તોડેલું. જેમ જેમ આ મંદિર તોડાતું જતું હતું તેમ તેમ હિન્દુઓ માટે તે વધારે મહત્વનું બનતું જતું હતું તેમ લાગે છે અને તેથી એને વારંવાર તોડીને હિન્દુઓને નાલેશીના દરિયામાં નાખવાના કાયમ પ્રયત્નો થતા હશે. સોમનાથ મંદિર તોડવાની જાણે એક હરીફાઈ કે ફૅશન થઈ પડી હતી. બીજા અનેક મંદિરો ભારતમાં હતા અને છે. પણ બીજા મંદિરો બાબતે આવું કેમ નહોતું બનતું તે પણ વિચારવા જેવું છે. ગઝની ખાલી લૂંટારો હતો માટે મંદિર તોડેલું માનવું વધુ પડતું છે. ઇસ્લામનો ફેલાવો અને મૂર્તિભંજન મુસ્લિમ આક્રમણકારો માટે એમની ફરજમાં ગણાતું. ક્રીશ્ચિયાનીટી અને મુસ્લિમ ધર્મપરિવર્તનમાં માને છે. હિંદુ ધર્મ ધર્મપરિવર્તનમાં માનતો નથી. જૈન અને શીખ પણ ધર્મપરિવર્તનમાં માનતા નથી. ધર્મપરિવર્તન મોટાભાગે પરાણે જ થતું હોય છે. ધર્મ તમારા અનકોન્શીયસમાં સમાયેલો હોય છે. એટલે તલવારની ધાર નીચે એને મજબૂરીમાં બદલવો પડતો હોય છે. અથવા કોઈ લોભ કે લાલચ કામ કરી જતી હોય તેવું પણ બને. હિંદુ ધર્મની સખત વર્ણવ્યવસ્થાને લઈને નીચલાં વર્ગનું ખૂબ શોષણ થયું હોય છે અને ધર્મ બદલવા મજબૂર થઈ જવું પડ્યું હોય છે. આક્રમણકારી મુસ્લિમો માટે સમજાવટ કે શિક્ષણ આપવાનો સમય નહોતો, એમને માટે તલવારની ધાર જ ધર્મ પરિવર્તન કરાવવા માટે સીધો ટૂંકો ટચ રસ્તો હતો.

 

એક વહોરાજી મને બરોડામાં હતો ત્યારે મળેલા. એમની વાતમાં અતિશયોક્તિ જરૂર હશે. એમના કહેવા પ્રમાણે વહોરા બધાં બ્રાહ્મણો હતા. કોઈ મુલ્લાંજી પરદેશથી આવ્યા, બધાને સમજાવ્યા અને હિંદુ બ્રાહ્મણોએ ધર્મ બદલ્યો તે દિવસે જે જનોઈઓ ઉતારેલી તેનું વજન હજાર મણ થયેલું. હજાર મણ વજન જનોઈનું થાય તે માટે કેટલાં બ્રાહ્મણોએ જનોઈ ઉતારી હશે? મને મનમાં હસવું આવતું હતું કે સમજાવટથી બ્રાહ્મણો માન્યા હશે? કે માથાં ઉપર તલવારની ધાર દેખાતી હશે? હું છોડું ખરો? મેં સામો સવાલ પણ કરેલો પણ વહોરાજી કહે ના રે ના કોઈ બળજબરી નહોતી. મેં એવા લગ્નો જોયા છે જ્યાં હિંદુ અને મુસ્લિમ બંને વિધિઓ થતી હોય. ગણેશ પણ બેસાડે અને નિકાહ પણ પઢે. ધર્મ તમારા સબ કોન્શિયસમાં સમાઈ જતો હોય છે જે તમે વટલાવ તો પણ સદીઓ સુધી ક્યારેક નીકળતો નથી. માટે જ હિંદુ, જૈન, શીખ ધર્મપરિવર્તનમાં માનતા નથી. મંદિરો તો ઘણાં બધા તોડાયા હતા પણ એકનું એક મંદિર વારંવાર તોડાયું હોય તેવું સોમનાથ એકલું જ છે. અને વારંવાર તોડાયું હોય અને બંધાયું હોય તે મંદિર માટે સમસ્ત હિન્દુઓને વિશેષ પ્રેમ હોય તે પણ સ્વાભાવિક જ છે ને? હાલનું સોમનાથ મંદિર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. પુરુષ અને સ્ત્રીના જનન અવયવોને સર્જનનાં પ્રતીક તરીકે મૂકેલા શિવલિંગને જોઈ સેક્સનું બહુમાન કરનારા પ્રાચીન ભારતીય મનીષીઓની બુદ્ધિ અને કલ્પનાશક્તિને નમન કરવા હાથ જોડાઈ જાય તેમાં શું નવાઈ?

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail – brsinh@live.com

ફોન +1 732 406 6937

Scranton, PA, USA.

 

 

Advertisements

લગ્નેતર સંબંધો વિજ્ઞાનની દ્રષ્ટીએ.  

એક સર્વે મુજબ અમેરિકામાં ૨૦ થી ૪૦% પુરુષો અને ૨૦ થી ૨૫% સ્ત્રીઓ લગ્નેતર સંબંધો ધરાવે છે. ૪૨ બીજા એવા સમાજોમાં સર્વે કરતા આવા સંબંધો સામાન્ય જણાયા હતા. અરે! જ્યાં લગ્ન બહારના સંબંધો ને કારણે પથ્થર મારી મોતની સજા ફટકારવામાં આવે છે ત્યાં પણ લગ્ન સિવાયના સંબંધો મોતની પરવા કર્યા વગર સ્ત્રીઓ પણ બાંધે છે. આવા સમાજોમાં પુરુષોને છૂટ હોય છે. મનોગમસ ગણાતા પક્ષીઓ પણ વંશવેલા માટે ખાનગીમાં એક્સ્ટ્રા પેર બનાવતા હોય છે. લગભગ મોટાભાગના સ્તનધારી પ્રાણીઓ પોલીગમસ છે. Sexual betrayal is wide spread in nature. માટે હવે મનોગમી એક સામાજિક વ્યવસ્થા ગણવામાં આવે છે.

 

એન્થ્રોપોલોજીકલ અને અર્કીયોલોજીકલ પુરાવા બતાવે છે કે ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં માનવજાત પોલીગમસ રહી છે. હવા, પાણી અને ખોરાકની જેમ વંશ આગળ વધારવો તે કુદરતે જિન્સમાં મૂકેલી વૃત્તિ છે. વંશ કઈ રીતે આગળ વધારવો તે માટે માનવ જાતને લાખો વર્ષના વિકાસના ક્રમમાં પોલીગમી મળી છે. પોલીગમીમાં બહુપત્ની, અને બહુપતિ બંને આવી જાય તે ભૂલતા નહિ. તિબેટ, લડાખ, નેપાળ, ભારતના અમુક વિસ્તારની ખાસ જાતિઓ, આફ્રિકાના મસાઈ વગેરેમાં બહુ પતિત્વ ચાલે છે. એક સ્ત્રી અનેક પતિ. ત્યાં તેવી બહુપતિ ધરાવતી સ્ત્રીઓને કોઈ વૈશ્યા સમજતું નથી. દ્રૌપદીને પાંચ પતિ હોવા છતાં સતી કહેવામાં આવે છે. ભારતમાં મોટાભાગે પોલીગમી સમાજ હતા. હમણાં ૧૦૦ કે ૫૦ વર્ષોથી મનોગમી પ્રચલિત થઈ છે. એકને પાલવવાનાં  ફાંફાં હોય ત્યાં બેને કઈ રીતે પાલવવાની? મુખ્ય કારણ આ છે અને બીજું કારણ કાયદા. લગ્ન, ડિવોર્સ, પુનર્લગ્ન એ રીતે પોલીગમી ચાલુ જ છે. એક્સ્ટ્રા મેરીટલ પણ એકજાતની પોલીગમી જ થઈ.

 

વંશવેલો આગળ વધારવો, પણ મજબૂત વધારવો તે કુદરત ઇચ્છતી હોય છે. અને વંશ પેદા કર્યા પછી તેને જીવતો રાખવો પડે તો જ હેતુ સફળ થાય. માટે આખાયે પ્રાણી અથવા સજીવ જગતમાં બે નર એક માદા માટે હરીફાઈ કરતા હોય છે જે જીતે તે ભોગવે. માદા પણ જીતનારની રાહ જોતી હોય છે. જેની ઈમ્યુન(રોગ પ્રતિકાર શક્તિ) સિસ્ટિમ સારી હોય તેના દ્વારા આગળ વધેલો વંશ સારો હોય તે સ્વાભાવિક છે. ઈમ્યુન સિસ્ટમનાં જિન્સનું જૂથ દરેકમાં યુનિક હોય છે. તેવી રીતે તેની ગંધ પણ યુનિક હોય છે. જેમ ફિંગર પ્રિન્ટ લગભગ બધાની સરખી દેખાય છે પણ હોતી નથી. નિષ્ણાત તેને પકડી પાડે છે. અરે એક જ માનવીના બે અંગૂઠાની છાપ પણ સરખી હોતી નથી. કુદરતે દરેક માનવીને યુનિક બનાવ્યો છે. તેવી રીતે દરેક માનવની ગંધ સરખી લાગતી હોય, પણ સરખી હોતી નથી. સરખાપણું હોય સરખી ના હોય. જેટલી વિરુદ્ધ પ્રકારની ગંધ હોય, જેટલી ગંધ ડીફરન્ટ હોય તેટલી ઈમ્યુન સીસ્ટમ પણ ડીફરન્ટ હોય. બે ડીફરન્ટ ઈમ્યુન સીસ્ટમ ભેગી થઈને મેટિંગ કરીને વંશ પેદા કરે તેટલો ચાન્સ વંશને બચવાનો વધારે. નવા વંશ પાસે પણ જોરદાર ઈમ્યુન સીસ્ટમ ઊભી થવાની. નવી ગંધ પેદા થવાની. ગંધ એટલે ગંધ,ના સુગંધ ના દુર્ગંધ. આમ ચક્ર ચાલુ રહે તેવું કુદરત ઇચ્છતી હોય છે. બસ વિરુદ્ધ પ્રકારની ડીફરન્ટ ગંધ ક્યાંક સંપર્કમાં મળી જાય ઇવલૂશનરી ફોર્સમાં ખેંચાઈ જાઓ અને હાલની લગ્ન વ્યવસ્થા દ્વારા મનોગમી અસ્તિત્વમાં છે માટે કહેવાય બેવફાઈ. તે થયો લગ્નેતર સંબંધ. જે સ્ત્રીઓ પહેલા ટેવાયેલી હતી પોલીગમીથી તેમને એમના પતિ બેવફા લગતા નહોતા. બહુપતિત્વ ધરાવતા સમાજોમાં પતિદેવોને એમની પત્નીઓ બેવફા લાગતી નથી.

 

સ્ત્રીઓની પહેલી પસંદગી હાઈ સ્ટેટસ અને પુષ્કળ રીસોર્સીસ હોય છે, કારણ વંશને સારી રીતે ઉછેરી શકાય. સાથે સાથે સ્ટ્રોંગ જિન્સ પણ એટલાજ જરૂરી છે. એક બીજો ટીશર્ટ સર્વે પણ એવો છે કે કેટલાક પુરુષોને એકના એક ટીશર્ટ ત્રણ દિવસ પહેરી રાખવાનું જણાવેલું. પછી જુદી જુદી સ્ત્રીઓને આ બધા ટીશર્ટ સૂંઘીને મેટિંગ માટે કયો પુરુષ યોગ્ય છે તે જણાવવાનું સૂચવેલું. કોઈ સ્ત્રી એકબીજાને જાણતી નહોતી કે પુરુષોને પણ જાણતી નહોતી. છતાં દરેક સ્ત્રીએ હાઈ લેવલ ટેસ્ટાસ્ટેરોન મેલ હાર્મોન્સ ધરાવતા પુરુષને પસંદગી આપેલી. એટલે જ્યારે કોઈ સ્ત્રીને આવી હાઈ લેવલ ટેસ્ટાસ્ટેરોન ધરાવતા પુરુષની ગંધ આવી જાય અને ઈવલૂશનરી ફોર્સ આગળ લાચાર બની જાય તો થયો હાલનો કહેવાતો લગ્નેતર સંબંધ. તો આ થયું ગંધ સુગંધનું મહત્વ એક્સ્ટ્રા મેરીટલ સંબંધોમાં. પથ્થર મારી મારીને મોત મળવાનું છે તેવું જાણતી હોવા છતાં સ્ત્રીઓ ઇવલૂશનરી ફોર્સ આગળ લાચાર બની જતી હોય છે.

 

બીજા કારણોમાં અસલામતી અનુભવવી, અવહેલના, એડીક્સન, વાસ્તવિકતાથી દૂર ભાગવું અને સમાજથી ગૃપથી વખુટા પડી જવું એવા અનેક માનસિક કારણો લગ્નેતર સંબંધો તરફ દોરી જતા હોય છે. મૈ તુલસી તેરે આંગનકી પણ એક પ્રકારનો એક્સ્ટ્રા મેરીટલ સંબંધ જ કહેવાય. બીજો એક વરવો પ્રકાર પણ જોવા મળતો હોય છે, સમાજમાં બદનામ થઈ જવાનો ડર હોય ત્યારે લોકો ધર્મના ભાઈ બહેન બની એક્સ્ટ્રા મેરીટલ સંબંધો ચલાવતા હોય છે તેવું પણ જોયું છે, બધા આવું ના કરતા હોય તે પણ સાચું છે.

 

એક મહત્વનું કારણ બરોડા હાઈસ્કૂલ અલકાપુરીનાં એક શિક્ષક મિત્રે એમના સ્ટાફ રૂમમાં થયેલી ચર્ચા મુજબ જણાવેલું. કે પુરુષ એની જાતીયતાનો આવેગ સહન કરી શકતો નથી. અને એમની પત્નીઓને આ ખબર હોય છે. એટલે સ્ત્રીઓ એમના પતિદેવોને કોઈ કારણવશ સજા આપવી હોય તો રૂટિન સંસર્ગ એક યા બીજા બહાને કરવા દેતી નથી. સ્ત્રી પુરુષને મારી શકતી નથી, કે ઊઠબેસ કરાવી શકતી નથી. માટે એની પાસે આ મોટું શસ્ત્ર છે, સજા કરવાનું. સંસર્ગ કરવા દેવો નહિ, ક્યાં જવાના હતા? એમના કહેવા મુજબ આ યુનિવર્સલ રોગ છે. બહુ ખાનગી છે, નિતંબ દાઝ્યો કોને કહે?  હવે ભૂખ્યો માણસ ઘેર ડબા ફંફોસે પણ કશું ના મળે તો બહાર ભજિયા ખાઈ આવે તેવું થયું.

વળી સુંદરતા, બુદ્ધિ અને બેવફાઈને અંદરોઅંદર સંબંધ હોય છે. શારીરિક આકર્ષક લોકો બુદ્ધિશાળી હોય છે. જીનેટીકલી હેલ્ધી લોકો એક તો વધારે સુંદર અને આકર્ષક હોય છે. વધારે બુદ્ધિશાળી હોય એટલે ધંધો પાણી નોકરી વગેરે વધુ સારી રીતે કરીને વધારે ધન કમાતા હોય. એમની પાસે વિપુલ ભંડારો હોય. જેની પાસે વિપુલ ભંડાર હોય તેની તરફ સુંદર સ્ત્રીઓ વધારે આકર્ષિત થવાની. આમ બંને જોડી વધારે સુંદર , વધારે આકર્ષક અને બુદ્ધિશાળી હોય તો સંતાનો વધારે સુંદર અને આકર્ષક અને બુદ્ધિશાળી પેદા થવાના જે વારસાગત છે. આ ચક્ર આગળ વધતું જાય તેમ ફીજીકલ આકર્ષકતા, બુદ્ધિ અને સુંદરતાનો સરવાળો નવી પેઢીમાં ગુણાકાર સાથે થાય.

 

ધ નેશનલ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્ટડી(NCDS) ઇંગ્લૅન્ડ, વેલ્સ, સ્કોટલેંડમાં એક સર્વે કરવામાં આવેલો. ૭ થી ૧૧ વર્ષની વયના બાળકોને એમાં સમાવી લેવામાં આવેલા. એમાં માલૂમ પડ્યું હતું કે આકર્ષક બાળકો વધારે બુદ્ધિશાળી માલૂમ પડેલા હતા. આકર્ષક બાળકોનો IQ -૧૦૪.૨૩ અને અનાકર્ષક બાળકોનો IQ -૯૧.૮૧, તફાવત ૧૨.૪૨ હતો. જેમ શિક્ષણ સાથે બુદ્ધિનો સંબંધ હોય છે તેમ આકર્ષકતા સાથે પણ બુદ્ધિનો સંબંધ હોય છે. આવો જ પ્રાયોગિક સર્વે સ્ત્રી અને પુરુષોમાં પણ કરવામાં આવેલો. આકર્ષક સ્ત્રીઓનો IQ -૧૦૩.૬૪ અને અનાકર્ષક સ્ત્રીઓનો IQ -૯૨.૨૫. તફાવત ૧૧.૩૯. આકર્ષક પુરુષોનો IQ-૧૦૫.૦૦ અને અનાકર્ષક પુરુષોનો IQ-૯૧.૩૯ તફાવત ૧૩.૬૧.

જોકે આ બધી ઇવલૂશનરી સાયકોલોજીની થિયરી છે, એમાં તથ્ય જરૂર હોય છે. બીજું સુંદરતા અને આકર્ષકતાના માપદંડ જુદા જુદા હોય છે. ધોળી ચામડી એટલે સુંદર એવું માની ના લેવાય. જોકે ઉપરના સર્વેમાં ચામડીનો રંગ ગણવામાં આવ્યો ના હોય તે સ્વાભાવિક છે. ભારતમાં હજુ ધોળું એટલે સુંદર એવું મનાતું હોય છે પરદેશોમાં હવે ચામડીના રંગને કોઈ ગણતું નથી. રૂપની વ્યાખ્યા પણ દરેક જગ્યાએ જુદી જુદી હોય છે. સ્થળ અને કાળ પ્રમાણે બદલાતી જતી હોય છે. દક્ષિણ ભારતમાં અભિનેત્રીઓ તગડી હોય છે જ્યારે બોલીવુડની ૦ ફિગર.

હવે રૂપાળાં, આકર્ષક અને બુદ્ધિશાળી પુરુષ હોય એટલે કુદરતી રીતે સ્ત્રીઓ એમની પ્રત્યે વધારે આકર્ષિત થવાની. એટલે આ પુરુષો કહેવાતી વફાદારી આચરી શકતા નથી, એને ચીટીંગ કહી શકાય. એમની પત્નીના માપદંડ પ્રમાણે બેવફા અને ચીટીંગ કરતા જણાતાં હોય છે. કુદરતના નિયમ અને આપણે ઘડેલા નીતિનિયમો અલગ અલગ છે. ઇવલૂશનરી ફોર્સ નીતિ નિયમોને ગણતો નથી. જેમ કે ૯૦% પક્ષીઓ એકજ જોડી બનાવી સંતાનો પેદા હોય છે. પક્ષીઓ ખાસ પોલીગમસ હોતા નથી, મનોગમસ હોય છે. છતાં ૪૦% પક્ષીઓના બચ્ચાના પિતા જુદા હતા. એમની માતાએ કાયમ જે નર સાથે જોડી બનાવી હોય તે નરનાં નહોતા. જોકે આ નર હોશે હોશે પિતા તરીકેની ફરજ બજાવતો હોય છે. જીનેટીકલી આવું પુરવાર થયેલું છે. જ્યારે માનવજાત તો કુદરતી બહુગામી છે.

સ્ત્રીઓની સુંદરતા અને આકર્ષકતા સાથે બ્રેસ્ટ કપ સાઇઝ સંબંધ ધરાવતી હોય છે. એમાં પણ ઇવલૂશનરી ફોર્સ કામ કરી જાય છે. આવનાર બાળક માટે ખોરાકની વિપુલ સંભાવના અચેતન રૂપે જણાઈ આવે છે. એક સર્વે માટે જુદી જુદી કપ સાઈઝ સ્ત્રીઓ હાઈવે પર ઊભી રાખી લિફ્ટ માંગવા ઊભી રખાયેલી.

પુરુષવાહનચાલક- ૪૦ ઊભા રહ્યા ૨૬૮માંથી (Cup Size-A જોઈને)-૧૪.૯૨%થયા.       ૪૬ ઊભા રહ્યાં ૨૫૬માંથી (Cup  Size -B-જોઇને) -૧૭.૭૯% થયા. ૬0 ઊભા રહ્યાં ૨૫૦માંથી (Cup  Size -C જોઇને)૨૪% થયા.

સ્ત્રીવાહનચાલક – ૧૨ ઊભા રહ્યા ૧૩૨માંથી(Cup Size-A જોઇને)-૯.૦૯% થયા. ૧૧ ઊભા રહ્યાં ૧૪૪માંથી (Cup  Size -B જોઇને)-૭.૬૪% થયા. ૧૪ ઊભા રહ્યાં ૧૫૦માંથી (Cup  Size -C જોઇને)-૯.૩૩% થયા.

ઉપરનો સર્વે શું જણાવે છે??? જેમ કપ સાઈઝ મોટી તેમ સ્ત્રી વધુ આકર્ષિત…

Dad or Cad?

પુરુષની પસંદગી વખતે સ્ત્રીઓ એનામાં શું ઇચ્છતી હશે? એનો જવાબ આશ્ચર્યજનક હોઈ શકે કોઈ સીધો ઉત્તર મળવો મુશ્કેલ છે. સામાન્યતઃ એવું કહેવાય છે કે પુરુષો સ્ત્રીની સુંદરતા પ્રત્યે વધુ ધ્યાન આપતા હોય છે અને સ્ત્રીઓ પુરુષના સામાજિક મોભા અને એની આર્થિક સ્થિતિ પ્રત્યે વધુ ધ્યાન આપતી હોય છે. મતલબ પૈસાવાળો અને સામાજિક રીતે મોભો ધરાવતો હોય તેવો પુરુષ પસંદ કરતી હોય છે. અને એમાં તથ્ય પણ છે. છતાં આ બાબત ગુંચવાડાભરી પણ એટલી જ છે. સંશોધકોને સ્ત્રી સેક્સુઅલ પાર્ટનર પસંદ કરે તે વખતે બે બાબતો મુખ્ય લક્ષમાં લેતી હોય છે તે ધ્યાનમાં આવી છે. એક તો આ રિલેશનશિપ શૉર્ટ-ટર્મ છે કે લૉન્ગ-ટર્મ અને બીજુ સ્ત્રી ગર્ભવતી થવા ઇચ્છે છે કે નહિ?

Parental Investment Theory મુજબ રિપ્રોડક્શન મતલબ સંતાન પેદા કરવા પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ માટે બહુ મોટી કિંમત માંગી લેતો પ્રોસેસ છે. એક તો નવ મહિના બાળકને પેટમાં રાખવું બહુ મોટી વાત છે. પુરુષને તો શું ? બેચાર મિનિટનો ખેલ છે પિતા બનવા માટે. બીજું પુરુષ પાસે અબજો સ્પર્મ હોય છે જ્યારે સ્ત્રી પાસે લિમિટેડ એગ્સ હોય છે, દર મહિને ફક્ત એક જ.. એટલે પાર્ટનર પસંદ કરવાનો આવે ત્યારે સ્ત્રી બહુ સિલેક્ટીવ બની જતી હોય છે. ભારતીય પારંપરિક લગ્નવ્યવસ્થા મુજબ પાર્ટનર પસંદ કરવાનું એના માથે હોતું નથી ત્યાં આ બધા રિસર્ચ કામના નથી. આપણા પૂર્વજો બહુ કઠોર પરિસ્થિતિમાં જીવતા હતા, ત્યારે સર્વાઇવલ અને રિપ્રોડક્શન બે મહત્વના ધ્યેય રહેતા. જીવતા રહો અને બાળકો પેદા કરો બે ધ્યેય મહત્વના.

સંખ્યાબંધ અભ્યાસ બતાવે છે menstrual cycle પ્રમાણે સ્ત્રીઓની પસંદ બદલાતી હોય છે. ફલદ્રુપતાની ટોચ પર હોય ત્યારે સ્ત્રી masculine અને સામાજિક રીતે આપખુદ પુરુષ પસંદ કરતી હોય છે જેને સાહિત્યની ભાષામાં “cads” કહેતા હોય છે, જેઓ ઝીણી આંખો, મજબૂત જડબા, પાતળા હોઠ ધરાવતા સેક્સી જણાતા પુરુષો હોય છે. આવા પુરુષો શોષણ પણ કરી શકે. Machiavellianism, psychopathy, and narcissism જેવા નક્ષત્રોના ઝૂમખા જેવા આ પુરુષો હોય છે. પણ આવા પુરુષો શૉર્ટ-ટર્મ રિલેશનશિપ માટે જ પસંદગી મેળવાતા જોવા મળ્યા હોય છે. જ્યારે less fertile phases વખતે સ્ત્રીઓ થોડા દયાળુ, થોડા સહ્રદયી જેને સાહિત્યની ભાષામાં “dads” કહેવાય તેવા હુંફાળા, વિશ્વાસુ પુરુષો પસંદ કરતી હોય છે. આવા પુરુષો લૉન્ગ-ટર્મ રિલેશનશિપ માટે વધુ યોગ્ય ગણાતા હોય છે.

Debra Zeifman અને Jennifer Ma નામની બે મનોવૈજ્ઞાનિકોએ એક રસપ્રદ અભ્યાસ કરેલો. આધુનિક જમાનામાં સ્ત્રીને બાળક મેળવવું હોય તો પુરુષ સાથે સંભોગ કરવો જ પડે તેવું ફરજિયાત નથી. Artificial insemination કૃત્રિમ શુક્રઆરોપણ દ્વારા પણ બાળક મેળવી શકાય છે. પશુપાલન કરતા મિત્રોને તો ખબર જ હશે કે આ પદ્ધતિ પશુઓ માટે જુની વાત થઈ ગઈ છે. પણ હવે સ્પર્મ ડૉનર દ્વારા સ્ત્રીઓ પણ બાળક મેળવી શકે છે. આમાં કોઈ પુરુષ સાથે રિલેશનશિપ રાખવાનો પણ સવાલ ઊભો થતો નથી. કે એ માટે કોઈ મહેનત કરવી પડે, કે કોઈ લાગણીભર્યા સંબંધો વિકસાવવા પડે. તો એવા સમયે સ્ત્રી કેવાં પુરુષને સ્પર્મ ડૉનર તરીકે પસંદ કરશે તે માટે ઉપરોક્ત બે મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કરેલો.

પ્રથમ તો ભાગ લેનારી સ્ત્રીઓને પોતાનો એક “ideal man” નક્કી કરી લેવાનો હતો, જે એની હાઈટ, બૉડી ટાઇપ, વાળનો કલર, સ્કીન કલર, આકર્ષકતા, ઉંમર, ભણતર, એની આવક, જાતિ, ધર્મ, પોલિટિકલ વ્યુપોઈન્ટ વગેરે વગેરે દર્શાવતો હોય. બૉડી ટાઈપમાં એકવડા બાંધાનો(સ્લેન્ડર), ઍથ્લેટિક, સરેરાશ, થોડા જાડિયા એવું વર્ગીકરણ રાખવામાં આવેલું. ફિઝિકલ અપીલમાં બિલો ઍવરિજ, ઍવરિજ, અબવ ઍવરિજ, અને વેલ અબવ ઍવરિજ એવી કૅટિગરિ રાખવામાં આવેલી. બીજા ભાગમાં ૨૦ પ્રશ્નોના જવાબ આપવાનાં હતા. જેનાથી જવાબ આપનારી સ્ત્રીઓના મનમાં પુરુષની પસંદ બાબતે આકર્ષકતા વિષેના ખ્યાલના અંદાજ આવી જાય. આમાં નિષ્કર્ષ પર પહોચવાને માટે ચાર કૅટિગરિ હતી, ૧) good gene જે મજબૂત, ફિઝિકલ ફિટ, સેક્સી, અને ઇન્ટેલિજન્ટ પુરુષ સૂચવતા હોય, ૨) good resource જેમાં આવક સારી હોય, ભણેલા સ્નાતક, મહત્વાકાંક્ષી, સામાજિક મોભો, અને ઉંમરમાં મોટા હોય, ૩) good parenting જેમાં ઘર અને બાળકો પ્રત્યે ચાહના, બાળ ઉછેરમાં રસ ધરાવતા, સમજદાર, ઇમોશનલી સ્ટેબલ અને મેચ્યોર પુરુષો આવી જતા હોય, ૪) good partnering  આમાં ખૂબ પ્રેમાળ, લૉયલ(વફાદાર), સંનિષ્ઠ, રોમૅન્ટિક, સમાધાનકારી સ્વભાવ ધરવતા પુરુષો આવી જાય.

તારણ એ નીકળ્યું કે સ્પર્મદાન લેવાનું હતું કોઈ લૉન્ગ-ટર્મ રિલેશન તો રાખવાના હતા નહિ તો સ્ત્રીઓએ good gene ઇન્ડિકેટ કરતા પુરુષ તરફ પહેલી પસંદગી ધરાવેલી. મતલબ ફ્યૂચર ચાઇલ્ડ માટે ફક્ત જિનેટિક કૉન્ટ્રિબ્યૂશન તરફ જ ધ્યાન રાખવાનું હોય તો સ્ત્રી પુરુષના ચારિત્ર્ય કરતા એની શારીરિક આકર્ષકતા તરફ વધુ ઢળતી હોય છે.

મારું સીમિત નિરીક્ષણ એવું કહે છે કે અમેરિકામાં સ્ત્રીઓ કાં તો બહુ નાની ઉંમરમાં માતા બની જતી હોય છે, કાં તો પછી બહુ મોટી ઉંમરે માતા બનવાનું પસંદ કરતી હોય છે. નાની ટીનેજર ઉંમરમાં વિચારશીલ બ્રેન બહુ કામમાં લેવાતું હોય નહિ ત્યારે બેસિક ઇવલૂશનરી ફોર્સ વડે પ્રેરાઈને નિર્ણય લેવાતા હોય ત્યારે બહુ નાની ઉંમરમાં માતા બનવાનું મન થાય ત્યારે Dad ને બદલે Cad હાથમાં આવી જવાની સંભાવના વધી જાય. જે ફિઝિકલી મજબૂત હોય, સેક્સી હોય, આપખુદ હોય. થોડા બેજવાબદાર પણ હોય. પછી રોજ જોડે રહેવાનું આવે ત્યારે કલેશ-કંકાસ વધી જાય. બીજું અહીં સ્ત્રી કમાતી ધમાતી છે પછી શું કામ વેઠે? પછી બ્રેક-અપ થઈ જવાનું. એમ અહીં સિન્ગલ મધર વધતી જાય છે. અથવા સ્ત્રીઓ એમની કારકિર્દી બનાવવા પાછળ મચી પડતી હોય ત્યારે સંતાન પેદા કરવા પોસાય નહિ. એમાં સ્થિર થાય પછી બાળકો પેદા કરવાનું વિચારાય.

ભારતમાં પણ બહુ નાની ઉંમરે પ્રેમમાં પડીને ભાગી જતી છોકરીઓના હાથમાં Dad ને બદલે Cad આવી જવાની સંભાવનાઓ વધી જાય તે સ્વાભાવિક છે. અરેન્જ મેરેજમાં સ્ત્રીઓને એમના લિમિટેડ એગ્સ માટે સારા જીન પસંદ કરવાની તક મળતી નથી તે પણ એટલું જ સત્ય છે.

લગ્નેતર સંબંધોનું વિજ્ઞાન સમજી શકાય તો એનાથી બચી પણ શકાય અને લગ્નજીવન બચાવી પણ શકાય.

 

 

 

સુખ વહેંચો દુખ નહિ (વિષાક્ત વ્યક્તિઓ)

હું એક કંપનીમાં જોબ કરતો હતો. ત્યાં એક સહ કર્મચારી હતા જે મારી સાથે કામ કરતા હતા. અમારી જોબ રાતના સાત વાગ્યાથી શરુ થતી તે સવારે સાત વાગે પૂરી થતી. સાંજે લગભગ પોણા સાતે અમે બધા હાજર થઈ જતાં અને અમારા સુપરવાઈઝર કોને કયા મશીન પર કે કયું કામ કરવાનું છે તે ફાળવી દેતાં. અમારા આ મિત્ર સાંજે સાત વાગ્યાથી જ ફરિયાદ કરવાનું શરુ કરી દેતા. એમને એકેય મશીન કે એકેય કામ કદી સારું લાગતું જ નહિ. કામ કરવામાં પણ ચોરી અને ફરિયાદ આખી રાત કરતા. અમારે એકવાર જમવાનો બ્રેક મળતો અને એકવાર કોફી બ્રેક મળતો. પિસ્તાલીસ પિસ્તાલીસ બંને બ્રેકમાં પાંચ વર્ષમાં એક પણ બ્રેક એવો નહિ ગયો હોય કે એમણે કોઈને કોઈ વિષે ફરિયાદ ના કરી હોય. એમની ફરિયાદોના વિષયો અને વ્યક્તિઓ વિવિધ રહેતાં. વેધર હોય, દેશ હોય, વ્યક્તિઓ હોય, એમના મિત્રો હોય કે સગા સંબંધીઓ હોય કે ખુદ એમની પત્ની કે બાળકો હોય દરેક વિષે એમને ફરિયાદ જ હોય. એમના બાળકો, પત્ની કે ભાઈઓ વિષે ફરિયાદ એવી કરુણતાથી કરે કે તમે સાંભળનાર એમના દુઃખે દુઃખી થઈ જાઓ. આપણે પોતે એમના દુખડા સાંભળી ઉદાસીની ગર્તામાં ફેંકાઈ જઈએ કે જલદી એમાંથી બહાર પણ આવી ના શકીએ.

દરેકને આવા વિષાક્ત વ્યક્તિઓનો, વર્કપ્લેસ કે પોતાના સમાજમાં કે સગા સંબંધીઓમાં અનુભવ હશે જ. નકારાત્મકતા ક્યારેક જરૂરી હોય છે પણ સતત આવા નેગેટીવ વ્યક્તિઓ આપણું જીવવું હરામ કરી નાખે તે આપણને સમજ પણ પડે નહિ. હું હમણાં બે મહિના ભારતમાં રહ્યો. એક સંબંધી નિયમિત સવારે ઘેર આવે એમના દીકરા અને વહુ વિષે ફરિયાદ કરી એને ગાળો દઈ બે કલાક બેસી પછી જાય. જાય ત્યારે એમના મુખ પર કોઈ ઉદાસી હોય નહિ, આનંદિત લાગે. આપણે દુઃખી થઈ જઈએ કે કેટલાં દુઃખ આ લોકો વેઠી રહ્યા છે? બીજા એક સંબંધી આવે તેમનું પણ એવું, તેમની પત્ની આગળ એમનું ચાલે નહિ. પત્ની માબાપ જોડે સંબંધ રાખવા દે નહિ. એમાં મોટો વાંક એમનાં અણઘડ માબાપનો વધુ હતો. આ ભાઈ પણ જ્યારે આવે ત્યારે આંસુડા વહાવે. આપણે દુઃખી થઈ જઈએ પણ તે ભાઈ થોડીવાર પછી એકદમ ખુશખુશાલ હોય. હું અને મારા ભાઈ પ્રદીપસિંહ બંને હ્યુમન બિહેવ્યર વિષે સારો એવો અભ્યાસ કરવામાં રસ ધરાવીએ. મેં તો ઇવલૂશનરી સાયકોલોજી પર એક પુસ્તક પણ લખ્યું છે. આ લોકોના ગયા પછી મારા ભાઈ કહે ભાઈ દુઃખી ના થઈ જતા આ લોકો ટોક્સિક પીપલ છે. એમના તમામ(sorrow-સોરો) દુઃખ, હતાશાઓ, ઉદાસીનતા, નકારાત્મક લાગણીઓ બધું આપણે માથે નાખી જુઓ કેવા ખુશ થઈને ચાલ્યા જાય છે?

ટોક્સિક લોકોની એક ખૂબી એ હોય છે કે તેઓ આપણને અપસેટ કરી પોતે ખુશખુશાલ થઈ ચાલ્યા જતા હોય છે. આવા વિષાક્ત લોકો હમેશાં ફરિયાદ જ કરતાં હોય છે. પોતાને એટલા બધા દુઃખી બતાવે કે એમને હર્ષાન્વિત કરવામાં આપણી તમામ શક્તિ વપરાઈ જાય. ટૂંકમાં એમને રાહત આપવામાં આપણે પોતે દુઃખી જઈએ. મેજર ડીપ્રેશન અને બાયપોલર ડીસઓર્ડર જેવી માનસિક બીમારી ધરાવતા લોકો આવા ટોક્સિક હોવાની સંભાવના વધુ હોય છે. પોતાના દુખડા વધુ પડતા ગાનારથી ચેતતા રહેવું.

એક તો કાયમ ફરિયાદ કરતા, એમની સાથે તમામ ખોટું થઈ રહ્યું છે તેવું કહેતા, અને તમને છોડીને જતી વખતે આનંદિત જણાતા હોય તેવા વ્યક્તિઓ આસપાસ હોય તો સમજી લેવું ટોક્સિક પીપલ છે. આમ તો તમે ઓળખી જાઓ તો એમનાથી દૂર થઈ જાઓ પણ આવા લોકો તમારી સાથે જ કામ કરતા હોય કે કોઈ સગા સંબંધી જ હોય તો એમનાથી દૂર થવું મૂશ્કેલ તો ઠીક નામુમકીન છે. દાખલા તરીકે અંગત મિત્ર કે પત્ની કે પતિ કે ભાઈ બહેન જ આવી ટોક્સિક હોય તો? શક્ય હોય તો એમની માનસિક સારવાર કરાવો અથવા તમે પોતે જ ટ્રેઈન થઈ જાવ કે તેમની વાતો ઇગ્નોર કરો.

તમે બીજાની વર્તણુક બદલી ના શકો, પણ તમારી તો બદલી શકો. તમે આવા વિષાક્ત લોકોને સુધારી ના શકો તો પોતે જ એમના પ્રત્યે સુધરી જાઓ તે બહેતર છે.

ભારતમાં દુઃખનું બહુ મહત્વ છે. કુંતીએ દુખ માંગેલું કારણ દુખમાં પ્રભુ સાંભરે. દુખમાં કોણ યાદ આવે? પ્રભુને યાદ કરવા, વારંવાર યાદ કરો માટે દુખ માંગેલું? મતલબ તો સ્વાર્થ જ થયો ને? સુખમાં પ્રભુ યાદ આવતો નથી એટલાં કમજોર ને સ્વાર્થી છીએ? સુખ-દુખ બાબતે મારું મંતવ્ય જરા જુદું છે. દુઃખમાં તો સહુ ભગવાનનું સ્મરણ કરે, એમાંથી છૂટવા માટે એક સ્વાર્થ છે, પણ સુખમાં પ્રભુને સ્મરે તેને વીરલો કહેવાય. બીજું એ કે સુખ વહેંચવાથી વધે છે. એમ દુઃખ પણ વહેંચવાથી વધે. નિયમ તો સરખો જ હોય ને? એકમાં એક વત્તા એક બે થાય તો બીજામાં એક વત્તા એક શૂન્ય કઈ રીતે થાય? લોકો ખોટું સમજે છે કે દુઃખ વહેંચવાથી ઘટે. એક દુઃખી માણસ એનું દુઃખ બીજાને કહે કે વહેંચે તો પેલો પણ દુઃખી થવાનો. પોતે તો દુઃખી છે જ, બીજાને પણ એનું દુઃખ વહેંચીને દુઃખી કરવાનો. તમે સુખી થયા કે આનંદિત થયા તો એ આનંદ કે સુખ વહેંચો તો બીજા પણ તમારા આનંદમાં ભાગીદાર થઈને સુખી થવાના. માટે સુખ વહેંચો અને દુઃખ પોતે એકલાં જ વેઠી લેવું સારું. સુખમાં ભાગીદાર શોધો, દુઃખમાં નહિ. આપણા દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા? માટે હું ક્યારેય મારા દુખડા કોઈની આગળ શેઅર કરતો નથી. મારા દુઃખોથી બીજાને શું મતલબ? એ તેના ગાવા માંડશે. તમારી સુખની ક્ષણો વહેચો દુખની નહિ.

સુખ વહેંચો તો તમારી સાથે બીજા પણ આનંદિત થશે. પણ દુઃખ વહેચશો તો તમને રાહત થઈ જશે પણ સામેવાળો નાહક દુઃખી થઈ જશે. દુખ વહેંચી રાહત મેળવી સામેવાળાને દુઃખી કરશો તો તમે ટોક્સિક પીપલ છો યાદ રાખજો. તકલીફમાં મદદ મેળવવા કોઈને કહેવું અને દુખમાં રાહત મેળવવા તેના ગીતો ગાવા તે અલગ વસ્તુ છે.

વાનરોથી ગયેલા માનવો

હમણાં થોડા દિવસ ઉપર નારદજી વિષ્ણુલોકમાં તંબુરો વગાડતા વગાડતા નારાયણ નારાયણ બોલતા બોલતા ગયા.

નારદજીને જોઈ ભગવાન વિષ્ણુએ પૂછ્યું, કહો નારદજી શું સમાચાર છે?

નારદજી બોલ્યા, ‘પ્રભુ હમણાં ભૂલોક પર આંટો મારીને અહિ આવી રહ્યો છું. આમ તો બધું બરોબર છે પણ આફ્રિકા ગયેલો ત્યાં જરા કૌતુકભરી વાત જાણવા મળી, થોડી દુખદ છે પણ આપ રજા આપો તો કહું.’

વિષ્ણુજી બોલ્યા કહો કહો, નહિ કહો તો તમને પેટમાં દુખશે.

નારદજી બોલ્યા, ‘પ્રભુ વાત એમ છે કે હું આફ્રિકા ગયેલો, ત્યાં જંગલોમાં ભ્રમણ કરવા નીકળેલો, એમાં જાણ્યું કે એક ચિમ્પેન્ઝી જેને આપણે કપિમાનવ કહીએ છીએ એણે આત્મહત્યા કરેલી.’

ભગવાન વિષ્ણુ બોલ્યા જરા માંડીને વાત કરો તો સારું.

નારદજી બોલ્યા, ‘પ્રભુ વાત એમ છે કે આ ચિમ્પેન્ઝી એટલે કે કપિમાનવના ટોળામાં એક પુખ્ત વયના માનવ કપિએ માદા બાળ ચિમ્પેન્ઝીની છેડતી કરેલી. એમાં ગુસ્સે ભરાઈને બધા ચિમ્પેન્ઝીએ એને સાલા માનવ સાલા માનવ કહી ખૂબ ગાળો દીધી અને ખૂબ મારીને કાઢી મુક્યો. એમાં પેલાને એવું થયું કે મેં તો ખાલી છેડતી કરી છે માનવોની જેમ આગળ તો વધ્યો નથી અને મને માનવ કહીને ભયંકર ગાળ કેમ દીધી? મને માર્યો એમાં જરાય વાંધો નથી પણ માનવ કેમ કીધો? એમાં એને એટલું ખરાબ લાગ્યું કે તેણે આત્મહત્યા કરી લીધી. તો હે પ્રભુ આ ચિમ્પેન્ઝીને કોઈ માનવ કહે તો ભયાનક ગાળ કેમ સમજતા હશે?’

ભગવાન વિષ્ણુ બોલ્યા, ‘હે નારદ ! હું તને જે રહસ્ય કહેવા જઈ રહ્યો છું તે મેં આજસુધી કોઈને કહ્યું નથી એવું જાણ, આ જ્ઞાન હું તને પહેલીવાર આપું છું તેવું તું જાણ. હે નારદ ! આ માનવો જ્યારે કોઈને પશુ કહીને ગાળ દેતા હોય છે ત્યારે મને તેમના પ્રત્યે દયા આવે છે અને ઘૃણા પણ થાય છે. કારણ પશુઓ એટલા ખરાબ નીચ બુદ્ધિના હોતા નથી જેટલા માનવો હોય છે. હવે તને હું રહસ્યમય વાત કહું. આ ચિમ્પેન્ઝીના ટોળામાં જેટલા પુખ્ત વયના નર અને માદા હોય છે તે નજીકના લોહીના સંબંધી જેવા કે માતા-પુત્ર, કાકા ભત્રીજી, ભાઈ-બહેન, પિતા-પુત્રી હોતા નથી. બાળ નર-માદા ચિમ્પેન્ઝી જ પુખ્ત વયના ચિમ્પેન્ઝીના લોહીના સંબધી હોય છે. એનું મુખ્ય રહસ્ય એ હોય છે કે બાળ માદા ચિમ્પેન્ઝી પુખ્ત થાય એટલે એને ટોળામાંથી તગેડી મુકવામાં આવે છે. ખાલી બાળ નર પુખ્ત થાય એને જ ટોળામાં રાખવામાં આવે છે. એટલે પુખ્ત નર નર લોહીના સંબંધી હોઈ શકે, પણ પુખ્ત નર અને માદા નહિ. એનું બીજું કારણ એ છે કે ચિમ્પેન્ઝી પુરુષ પ્રધાન સમાજ છે, એટલે બાળ માદાઓને પુખ્ત થતાં તગેડી મૂકે છે. માનવો પણ લગ્ન અને કન્યાદાન, કન્યાવિદાય જેવા સુસંસ્કૃત શબ્દો વાપરી એમની બાળ માદાઓ એટલે કે દીકરીઓને તગેડી મૂકે છે. એવી રીતે ચિમ્પેન્ઝીનાં પિતરાઈ બોનોબો માતૃપ્રધાન સમાજ હોવાથી એમના ટોળામાંથી બાળ નર પુખ્ત થતા એને ટોળામાંથી તગેડી મુકવામાં આવે છે. એટલે ચિમ્પેન્ઝી અને બોનોબો જેવા કપિમાનવોમાં નજીકના લોહીમાં સંભોગ કરવાનો રીવાજ છે જ નહિ, માનવો આવું કરતા હોવાથી આ કપિમાનવોને માનવ કહો તો ગાળ સમાન લાગે તે સ્વાભાવિક છે.’

હવે નારદજીનો વારો આવ્યો.

નારદ બોલ્યા, ‘પ્રભુ હવે લીંક બેઠી, મારા સ્માર્ટફોનમાં બેત્રણ દિવસ પહેલા વાઈફાઈ દ્વારા ભુલોકની એક ચેનલ પકડાઈ ગઈ તો એમાં પેલા લંબુશ બચ્ચન સાહેબનો કોઈ પ્રોગ્રામ કૌન બનેગા કરોડપતિ જોવા મળી ગયેલો, એમાં કોઈ ગેસ્ટ તરીકે કૈલાશ સત્યાર્થી આવેલા. એ બહુ દુઃખી હ્રદયે બોલતા હતા કે ભારતવર્ષમાં દર છ મીનીટે એક બાળકની ચોરી થાય છે, એમના અંગો વેચાય છે, એમની ચામડી પણ વેચાય છે, એમને ભીખ માંગવા અને બીજા બાળ મજુરીના કામે ધકેલી દેવાય છે અને દર બેમાંથી એક બાળકનું જાતીય શોષણ થાય છે અને એમાં ૭૦/૮૦ ટકા નજીકના લોહીના સંબંધી જ છેડતી બળાત્કાર વગેરે કરતા હોય છે. એમાં એક દાખલો એમણે એવો કહ્યો કે પિતા પોતે જ પુત્રી પર રોજ બળાત્કાર કરતો હતો. પેલી બાળકી બીમાર હતી તો એણે કહ્યું પાપા આજે રહેવા દો પણ પિતાએ એને છોડી નહિ અને પુત્રી મજબુરીમાં પોલીસ પાસે ગઈ.’

ભગવાન વિષ્ણુની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા આ વાત સાંભળી. ભગવાન બોલ્યા જોયું નારદ? એટલે જ પેલા ચિમ્પેન્ઝીને એના ભાઈઓએ માનવ કીધો તો એણે આપઘાત કરી લીધો. એટલે જ હે નારદ જ્યારે કોઈ મનુષ્ય એના જાતિભાઈને પશુ તરીકે સંબોધે તો મને ગાળ દેવાનું મન થાય કે સાલો પશુઓનું અપમાન કરશો નહિ પશુઓ તો તમારા માનવો કરતા લાખ દરજ્જે સારા છે.

નારદજી બોલ્યા પ્રભુ હવે તો ભૂલોક પર આંટો મારવાનું જ મન થતું નથી. પછી બંને જણા બીજી વાતોએ વળગી ગયા.

હે! ‘ભગ’વાન

ऐश्वर्यस्य समग्रस्य धर्मस्य यशसः श्रियः|

ज्ञान वैराग्योश्चैव षण्णां भग इतिङ्ग्ना||

સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, જ્ઞાન તથા વૈરાગ્ય– આ છનું નામ ‘ભગ’ કહેવાય; આ છ જેમાં હોય તેને ‘ભગવાન’ કહેવાય. ઉપરનો શ્લોક વિષ્ણુ પુરાણનો છે.

એક તો સંપૂર્ણ ઐશ્વર્યવાન હોય. મતલબ પુષ્કળ રીસોર્સીસ હોય. ખૂબ સંપત્તિ હોય કોઈ કમી ના હોય. ઐશ્વર્ય શબ્દ ઉપરથી જ ઈશ્વર શબ્દ આવ્યો છે. મતલબ ભગવાન ગરીબ ના હોય. ધર્મ એટલે જે ફરજ પૂરી રીતે બજાવતો હોય. યશ એટલે આબરુવાન હોય. આબરૂ સારી ક્યારે હોય? સારો સ્વભાવ અને લોકોને મદદગાર થતો હોય ત્યારે યશ પ્રાપ્ત થાય. જ્ઞાની હોય. આટલું બધું હોય છતાં અભિમાન કે આસક્તિ ના  હોય તેને ભગવાન કહેવાય.

ઓશો કહેતા કે ‘ભગ’એટલે યોની, જે યોની દ્વારા જગતમાં પ્રવેશ મેળવતા હોય તે બધા ભગવાન. મતલબ બધા મેમલીયન પ્રાણીઓ ભગવાન? ઈંડા દ્વારા જન્મ લેતા પ્રાણીઓએ શું ગુનો કર્યો? ઉપરનો શ્લોક વિષ્ણુ પુરાણનો છે. મતલબ ભગવાનની આ માનવીય વ્યાખ્યા છે. આપણે શું ભગવાનને અદ્રશ્ય તો નથી બનાવી દીધો ને? આપણને જે શક્તિ સમજાતી નથી તેને ભગવાન માનીએ છીએ. જે નિયમો કુદરતના સમજાતા નથી તેને ભગવાન માનીને ડરતા રહીએ છીએ. ડરમાંથી ભગવાન પેદા કરીએ છીએ. અજ્ઞાત ભવિષ્યનો ડર આપણને ખૂબ સતાવતો હોય છે. સર્વાઈવ થવા માટે અજ્ઞાત ભવિષ્ય હંમેશા ચિંતાતુર કરતું હોય છે. એટલાં માટે કોઈ અદ્રશ્ય શક્તિ હંમેશા સહાય કરે તેવી અભ્યર્થના રાખતા હોઈએ છીએ.

દોરડાને સાપ સમજી કૂદી જવું તે ફોલ્સ પોજીટીવ એરર છે. એવી ભૂલ વારંવાર થાય તો ચાલે પણ સાપને દોરડું સમજી પકડી લેવાની ભૂલ ફોલ્સ નેગેટિવ એરર કરવાની ભૂલ એકવાર કરી તો ગયા જીવથી. નિર્જીવ દોરડાને જીવંત સાપ સમજી લેવાની વૃત્તિ અને માનસિકતાએ ભગવાનને જન્મ આપ્યો છે. એટલે જે લોકો વધારે પડતા જ્ઞાની છે, દોરડામાં દોરડું અને સાપમાં સાપ દેખાય તેવા સક્ષમ એવા અતિજ્ઞાની પુરુષોએ જ નિર્ભયતાનાં વચનો આપ્યા છે. અભય શીખવવા મહેનત કરી છે. પણ આવા અતિ સક્ષમ પુરુષો કેટલા? બસ તો માનવ સહજ ડરનો ઉપયોગ કરી ફોલ્સ પોજીટીવ એરર કરતા સામાન્ય જનમાનસને ડરાવી વધારે ને વધારે ડરાવી કેટલાં આળસુ ઠગ એમનો વગર મહેનતનો ધંધો ચલાવે રાખે તેનું નામ  કહેવાતો ભારતીય સાધુ સમાજ, જીવતા પ્રગટ બ્રહ્મો, દાદાઓ, બાપુઓ, સંતો મહારાજ્શ્રીઓ, બાવાશ્રીઓ અને મહંતો.

કૃષ્ણ કદાચ ઉપરની માનવીય વ્યાખ્યામાં આવરી લેવાય તેવા ભગવાન હતા. પણ આપણે એમને અદ્રશ્ય ભગવાન બનાવી ચમત્કારની મદદની આશા રાખીએ છીએ હજુ પણ. હવે જે એક ભૂતકાળ બની ગયા છે. એટલે સામાન્ય જન ભગવાનને માનતો રહેવાનો તે સ્વાભાવિક છે અને ઠગોનો ધંધો ચાલતો રહેવાનો તે પણ એટલુજ સ્વાભાવિક છે. એટલે જે ઐશ્વર્યવાન હોય, સંપત્તિવાન હોય જે બીજાને મદદ કરી સર્વાઈવ થવામાં સાથ આપતો હોય તેને લોકો સ્વાભાવિક ભગવાન સમજી લેતા હોય છે. માટે આ દેશમાં રાજાઓને ભગવાન માનવાનું સહજ હતું. કારણ રાજાઓ પ્રજા માટે તકલીફમાં ભગવાન જેવા હતા. પ્રાચીન સમયમાં રાજા પ્રજા માટે બધું હતી. પ્રજાના સુખ દુખ રાજાના સુખ દુખ હતા. કૃષ્ણ આવા જ એક રાજા હતા. રામ પણ આવાજ એક રાજા હતા. રામ જુઓ દ્વંદ્વથી ભરેલા હતા. માનવીય ગુણોથી પણ ભરેલા હતા. એક બાજુ શબરીના બોર ખાધા અને બીજી બાજુ બ્રાહ્મણોના કહેવાથી શૂદ્ર શમ્બુકને મારી નાખ્યો. એક બાજુ પત્નીને પારાવાર પ્રેમ કરતા હતા અને ધોબીના કહેવાથી ત્યાગ કરી નાખ્યો. રામને બહુ પ્રચલિત અને ભગવાન બનાવી દેવામાં પિતાશ્રીઓનો બહુ મોટો હાથ છે. જેથી સંતાનો ઉપર મનમાંની કરી શકાય. રામને ભગવાન બનાવી દેવામાં પતિદેવોનો પણ બહુ મોટો હાથ છે જેથી પત્નીઓ ઉપર મનમાંની કરી શકાય.

ચીનમાં પણ રાજાઓ પવિત્ર અને ભગવાન ગણાતા હતા. હજુ આજે પણ જુઓને બ્રિટન હજુ પણ રાજવંશને ક્યાં છોડે છે? લગભગ દરેક જગ્યાએ રાજાઓ કે લીડર્સ ભગવાન જેવા ગણાતા હોય છે. કારણ ફોલ્સ પોજીટીવ એરર કરતા રહેનારી, દોરડાને સાપ સમજતા રહેનારી સામાન્ય પ્રજા માટે આવા નેતાઓ, રાજાઓ અને હવે ગુરુઓ ભગવાન હોય છે. જે એમને સધિયારો આપતા હોય છે. એટલે જ્યારે કેટલાં મહાપુરુષો જેઓ રજ્જુને રજ્જુ અને સાપને સાપ તરીકે ઓળખી લેવામાં સક્ષમ થઈ જતા હોય છે તેઓ ભગવાનનો ઇનકાર કરી દેતા હોય છે. તેઓને ફોલ્સ પોજીટીવ એરર કરવાની હવે જરૂર રહી નથી. હવે તેઓને ડરવાનું કોઈ કારણ નથી. જેઓ અભયના વરદાન પામી ચૂક્યા છે તેવા કોઈ બુદ્ધ અને મહાવીર ઈશ્વરને નકારી કાઢતા હોય છે. કોઈ ઉપનિષદના ઋષિને ખબર છે આ મનોવિજ્ઞાન, તેઓ અભયની વાતો કરતા હોય છે. એવા કોઈ રાજા શ્રી કૃષ્ણ જેવા જાતે જ કહી દેતા હોય છે કે હું જ ભગવાન છું.

જાતે પોતાને ભગવાન કહી દેવું એના જેવો બીજો કયો મોટો ઈશ્વરનો ઇનકાર હોય? અહમ્ બ્રહ્માસ્મિ કહેનારા બીજા તમામ ભગવાનોનો ઇનકાર કરી દેતા હોય છે. મહાવીર આત્મા એજ પરમાત્મા કહેતા.

ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનિક પેદાશ છે મક્કમ મનવાળા યોગીઓની નહિ. યોગમાં તો પોતાના અહંકારને એટલો ઊંચે લઈ જતા હોય છે અને એક કક્ષાએ પોતાને જ બ્રહ્મ જાહેર કરી દેતા હોય છે. એટલે જે પ્રજા કમજોર અને નિર્બળ હોય તેને ભગવાનની જરૂર વધારે પડવાની. જુઓ ભારત જેટલા ભગવાનો બીજે ક્યાંય છે ખરા? એકાદ ભગવાન સહુ રાખતા હોય છે બાકી પોતાના બળ ઉપર મુસ્તાક. જેમ જેમ પ્રજા કમજોર પડતી જાય છે તેમ તેમ ભગવાનોની સંખ્યા વધતી જતી હોય છે. લેભાગુઓ જાતે ભગવાન બની બેસતા હોય છે અને કમજોર લોક એમને ભગવાન માની પણ લેતી હોય છે. વિચારો ભારતમાં પણ જે કોમ પ્રમાણમાં સ્વભાવથી ડરપોક છે તેમના ગુરુઓ તેમનું ખૂબ શોષણ કરતા હોય છે તેમની સ્ત્રીઓનું પણ જાતીય શોષણ વધારે થતું હોય છે ગુરુઓ દ્વારા. અને જે કોમો જરા આક્રમક છે તેમનું શોષણ એમના ગુરુઓ દ્વારા ઓછું થતું હોય છે, એમાં પણ એમની સ્ત્રીઓનું જાતીય શોષણ કરવાની હિંમત ગુરુ પણ ના કરે. વ્રજવાસીઓ અહીં ગુજરાત આવે છે શોષણ કરવા. અને એવી કોમને પકડે છે જે સ્વભાવથીજ ડરપોક છે. આ ડરપોકો એમની સ્ત્રીઓ પણ ધરી દેતા હોય છે.

સૌથી વધુ સંતો અને ભક્તો મોગલોના સમયમાં થયા. આર્તનાદો કરતા હે ભગવાન હવે બચાવો. લડવાની તાકાત ગુમાવી બેઠેલી પ્રજા બીજું કરે પણ શું? પણ ભગવાન કોઈ વ્યક્તિ તો છે નહિ તે આવે અને બચાવે. પછી સ્વાભાવિક શું થવાનું? એક ભગવાન તો આવતા નથી તો બીજાને બોલાવો. બીજો આવતો નથી તો ત્રીજાને બોલાવો. એમ ભગવાનો બદલાયે જવાના. સમયે સમયે ભગવાન બદલાઈ જતા હોય છે. એકની આસ્થા બીજા ઉપર ઢાળી દેવાતી હોય છે. રામ નથી આવતા તો કૃષ્ણને બોલાવો. પછી નવા ફૂટી નીકળેલા ભગવાનને બોલાવો. સંતોષી માતા હવે નથી આવતા તો હવે દશામાને બોલાવો. ૨૫ કે ૩૦ વર્ષ પહેલા અમેરિકા આવેલાને દશામાં કોણ છે,ખબર નથી. ગણપતિ કાયમ હાજર જ છે. પહેલા ખાલી મહારાષ્ટ્રમાં જ ગણપતિનાં જાહેર ઉત્સવ થતા અને ગુજરાતમાં વડોદરામાં. હવે બધે થવા લાગ્યા છે. પહેલા રથયાત્રા અમદાવાદમાં જ નીકળતી હવે ઘણી બધી જગ્યા નીકળે છે.

હનુમાનજીના સરઘસ એમની જયંતી વખતે ક્યારેય જોયા નહોતા હવે તે પણ શરુ થઈ ગયું. પ્રજા જેમ જેમ કમજોર પડતી જાય છે તેમ તેમ બધું વધતું જવાનું. હવે દરેકની આસ્થા સાંઈબાબા ઉપર ઢળી ગઈ છે. પહેલા સાઈબાબાને આટલું બધું કોઈ પૂછતું નહોતું. એક મુસ્લિમ ફકીર એમને તો મંદિર હોય કે મસ્જિદ જ્યાં જગ્યા મળી ત્યાં રહી પડ્યા. તે સમયના હિંદુ સંતો એમને માનતા પણ નહોતા. હિન્દુઓનો દંભ જુઓ સાંઈબાબા માંસ ખાતા હતા તે એક વિવાદ છે જ, આજે માંસાહાર વિરુદ્ધ જીવ કાઢી નાખનારા દમ્ભીઓની આસ્થા સાંઈબાબા બની ચૂક્યા છે. એક વકીલ મિત્ર જેસલમેર ગયા હતા. ત્યાં જૈન મંદિરમાં વિદેશી લોકોને પ્રવેશ નથી. કેમ કે વિદેશીઓ માંસાહારી હોય છે, જૈનોનો દંભ જુઓ પાલીતાણામાં માંસાહારી દલાઈ લામાને બોલાવેલા. ધીમે ધીમે સાઈબાબાનું પુર ઓસરતા જવાનું છે તે નક્કી છે, એમની જગ્યા બીજો કોઈ ભગવાન લેશે. માનસિકતા તો એની જે રહેવાની ને?

જેમ જેમ ઉંમર વધતી જાય તેમ માનવ કમજોર પડતો જતો હોય છે તેમ તેમ એને ભગવાનની જરૂર વધારે પડતી જતી હોય છે. યુવાનીમાં ભગવાન બહુ જામતો નથી. જે પ્રજાના યુવાનો ભગવાનમાં બહુ માનતા થઈ જાય અને ટીલા ટપકાં કરી ફરતા થઈ જાય તો સમજવું યુવાનોમાં બહુ દમ રહ્યો નથી. યુવાની મરવા પડી છે. યુવાની કમજોર પડી ગઈ છે. તે દેશનું ભવિષ્ય ધૂંધળું રહેવાનું. આવા યુવાનો કોઈ ક્રાંતિ કરી શકે નહિ. મેં વર્ષોથી લેખકોને વાંચ્યા છે, જે લેખકો યુવાનીમાં દમદાર લખતા કોઈની સાડીબાર ના રાખતા હવે એમનામાં બાપુઓનો આત્મા પ્રવેશતો જતો હોય છે. વૃદ્ધોને ભગવાન વધારે દેખાવાનો. કારણ હવે બીજું કરવા જેવું પણ બચ્યું નથી. નિર્બળ બની ચૂક્યા હોય છે, શારીરિક તાકાત પણ ઓછી થઈ ગઈ હોય છે. તો પછી બોલાવો ભગવાનને.

ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાને જુઓ અણ્ણા હજારેમાં કેવો ભગવાન દેખાઈ ગયો? આજે અણ્ણા હજારે પાસે બહુ મોટો ચાન્સ છે ભગવાન બની જવાનો. ચીન અને ભારત સૌથી જૂની સંસ્કૃતિઓ. બંનેની માનસિકતા લગભગ એક જેવી. બંને સાવ આળસુ પ્રજા ધરાવતા દેશો. ચીન તો સાવ અફીણી કહેવાતું. બંને માટે રાજાઓ ભગવાન, બંને માટે વસ્તી વધારો મોટો જીવલેણ પ્રશ્ન. પણ ચીનમાં માઓ આવ્યા. રીલીજન ઈઝ પોઈઝનનું સૂત્ર આપ્યું. ઊંઘતી પ્રજાને બેઠી કરી દીધી. ભલે એમનો સામ્યવાદ સફળ ના થયો પણ પ્રજાની બદલાયેલી માનસિકતા અને ખંખેરી નાખેલી આળસ આજે એની પ્રગતિનું કારણ બની ગઈ છે. આટલી બધી વસ્તી છતાં જુઓ એની પ્રગતિથી અમેરિકાને પણ મહાત કરી રહ્યું છે. જ્યારે ભારતમાં હંમેશા વૃદ્ધ નેતાગીરી જ આવે છે જે ભગવાનની આશા રાખતી રહેવાની.

એક તો ભગવાન ખૂબ સંપત્તિવાન હોવો જોઈએ, જેથી બીજાને મદદ કરી શકે. વૈરાગ્યની ભાવનાવાળો હોવો જોઈએ જેથી મદદ કરતા હિસાબ ના ગણે. પછી યશ તો એને મળવાનો જ છે. ખાસ તો ભગવાન માનવ હોય તે જરૂરનું છે. કારણ કાલ્પનિક ભગવાન કોઈ રીયલ મદદ કરવાનો નથી. અને આવો કોઈ ભગવાન ના મળે તો જાતે જ ભગવાન બની બેસો ને? અહમ્ બ્રહ્માસ્મિ. ભગવાન કદી કોઈનું શોષણ કરે ખરો??

માન્યતાઓ, જેમણે ભારતને પછાડ્યું

ઉત્તરમાં હિમાલય, પૂર્વમાં પણ હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, પશ્ચિમમાં થર અને કચ્છનું રણ પછી છેક પશ્ચિમથી માંડી દક્ષિણમાં થઈને પાછા ઉત્તર પૂર્વમાં જાઓ ત્યાં સુધી હિન્દ મહાસાગર વડે કુદરતી રીતે જ રક્ષાયેલો ભારત વર્ષ સદીઓ સુધી બાકીની દુનિયા માટે અજેય રહ્યો. હજારો વર્ષ અજેય રહેલો ભારત વર્ષ ત્યાર પછી લગભગ આઠસો વર્ષ ગુલામ રહ્યો. આક્રમણકારીઓ નિયમિત આવતા રહ્યા અને ભારત હમેશાં હારતું જ રહ્યું. શક, હુણ, કુશાન બધા પરદેશીઓ જ હતા. પણ ભારતમાં ભળી ગયા એટલે ધ્યાનમાં આવતું નથી. એલેકઝાન્ડર સિકંદર આવ્યો પછી બધું ધ્યાનમાં આવવા લાગ્યું. મહાન ગુપ્ત રાજાઓએ ૭૦૦ વર્ષ સિમાડા-સરહદો એવી સજ્જડ સાચવી કે બાકીના ભારતવર્ષને બખ્ખા થઇ ગયા. જાણે ભારત સિવાય બાકીની દુનિયા છે જ નહિ. હજુ આજે પણ એજ માનસિકતા છે. મેરા ભારત મહાનનું અફીણ પીને ઘોરતી પ્રજા હજુ આજે પણ અંગ્રેજોની ગુલામ જ છે. આપણી બોગસ માન્યતાઓએ આપણને પછાડ્યા છે. આપણી અવૈજ્ઞાનિક અવાસ્તવિક માન્યતાઓએ આપણી ૮૦૦ વર્ષ લાંબી ગુલામી માટે ભૂમિ તૈયાર રાખી હતી. બસ કોઈ આક્રમણ કરે અને એક ભવ્ય સાંસ્કૃતિક ઈમારત ભાંગીને ધ્વસ્ત થઇ જવાની જ હતી ફક્ત સમયનો સવાલ હતો. અને એ ચાન્સ ચૌહાણ પૃથ્વીરાજે આપી દીધો. પૃથ્વીરાજનો એમાં કોઈ વાંક નથી, તે નાં હારત તો એનો કોઈ વંશજ હારત. ભારત ગુલામ બનવાનું જ હતું સમયનો તકાજો હતો. ચાલો જે માન્યાતાઓ ને આપણે મહાન ગણીએ છીએ તેમણે આપણને કઈ રીતે પછાડ્યા તે એક પછી એક જોઈએ.

 

 

૧) પૈસો પાપ છે
પૈસો પાપ છે. અતિશય ધન સારું નહિ. ધનિકને ઘણા દુખ હોય. પૈસા પાછળ ખરાબી આવે. ગરીબી મહાન. તુલસી હાય ગરીબ કી લોહ ભસ્મ હો જાય. ગરીબની હાય લાગી જાય. ગરીબ માણસ ચારિત્રવાન. ધનિક પાપી, ચરિત્રહીન. આવી તો ઘણી ઘણી વાતો ભારતના મનમાં સમાયેલી છે. ગરીબીની મહાનતાની વાતો કરી કરીને એને ભારતના અચેતન મનમાં ઘુસાડી દીધી છે. ધન સારું છે. ધન વગર કોને ચાલે છે? ગરીબી પાપ છે. ગરીબી પાછળ ઘણા દુખ હોય છે, પણ અહીં તો દુઃખમાં પ્રભુ સાંભરે. દુઃખમાં બીજું યાદ પણ શું આવે? બચાવો બચાવોના નારા લગાવવાની આદત પડી ગઈ છે. તમામ પ્રાર્થના અને ભજનોમાં ભગવાન બચાવે તેવું જ હોય છે. ભગવાન દુઃખ દૂર કરે. માટે જ મને ભજનો  ગમતા નથી. એમાં ભીખ માંગવા સિવાય હોય છે શું? કાં તો કાલ્પનિક ભગવાનના રંગ અને રૂપના વર્ણન હોય છે, બીજું હોય છે શું??

ભજગોવિંદમમાં શંકરાચાર્ય એવું જ કહે છે કે ધનને હંમેશા ખરાબ ગણો, પાપ ગણો, એનાથી તસુભાર પણ સુખ ના મળે, આ વાત બધે અને કાયમની છે. હવે શંકરાચાર્યની વાત કોણ નહિ માને? આપણાં પોતાના અને પોતાના કુટુંબ માટે ધન  જરૂરી જ છે. ધન વગર ચાલતું નથી, છતાં ગરીબીથી છૂટવાનું મન થાય નહિ, કારણ ગરીબીની મહાનતા અચેતન મનમાં સદીઓથી ઘુસાડી દીધી છે. એના લીધે કમાવાનું મન જ થાય નહિ. કોઈ મોટિવેશન જ મળે નહિ. હંમેશા ધાર્મિક મહાપુરુષો મહત્વાકાંક્ષાને વખોડતા હોય છે. એનાથી દુઃખ વધે. ધ્યાન લાગે નહિ. મેડીટેશનમાં તકલીફ થાય. હવે એજ ગુરુઓ ધનમાં આળોટતા હોય છે. એક પરિવારના કહેવાતા મહાપુરુષ સાવ નાનકડા બગીચામાંથી કથા કરતા કરતા ૪૦૦ કરોડ કરતા પણ વધુ મિલકતના સ્વામી બની ગયા હતા. અને એમણે એમના ધાર્મિક પરિવારને સરસ સૂત્ર આપેલું, “ચાલશે, ફાવશે, દોડશે.”  મૂરખ લોકો ઘરના શિંગચણા ખાઈને એમના પરિવારને ઉંચો લાવવા મથીને પાપ દૂર કરતા હતા.  મારા એક મિત્ર વડોદરાના પ્રદીપ પટેલ વર્ષો પહેલા આ પરિવારના કોઈ ધાર્મિક ફંકશનમાં ચાણોદ ગયેલા. ત્યાં એક હવનકુંડ હતો. વ્યર્થ લાકડા અંદર સળગતા હતા. આજે જ્યારે ભારતમાં જંગલો રહ્યા નથી, એના ખરાબ પરિણામ ભોગવી રહ્યા છીએ ત્યાં આ યજ્ઞોની શું જરૂર છે? વાત એવી હતીકે પેલાં યજ્ઞ કુંડમાં બધા કાગળ  હોમતા હતા. વળી પાછો એક વૃક્ષનો નાશ કાગળ રૂપે. મારા મિત્રે તપાસ કરી કે આમાં કોઈ હવન સામગ્રી હોમતા નથી ને લખેલા કાગળિયા કેમ હોમતા હશે?? જાણવા મળ્યું કે પોતે કરેલા પાપ લખીને આ યજ્ઞકુંડમાં હોમી દેવાથી પાપનો નાશ થઈ જાય છે. કર્મનો નિયમ ગયો ભાડમાં, મારા મિત્રને થયું ચાલ આજે સારો ચાન્સ મળ્યો છે ભૂલમાં કરેલા પાપ બળી જશે. મૂળ તો ખેતી કરતા, કોઈ કહેવાતું પાપ કરે તેવા નથી, પણ ભૂલમાં થયું હોય તો આજે બાળી નાખીએ, સમજી કાગળમાં લખીને નાખવા ગયા તો રોકવામાં આવ્યા કે તમે આ પરિવારના રજિસ્ટર્ડ સભ્ય નથી માટે અહીં પાપ બાળી નહિ શકો. બોલો હવે શું કહીશું? હંમેશા ગીતા, ઉપનિષદ ઉપર પ્રવચનો આપતા મહાપંડિત ગણાતા આ ક્ષુદ્ર ગુરુને પણ ધન વગરતો ચાલ્યું જ નથી. સાદગીનો મહાન સંદેશ “ચાલશે, ફાવશે, દોડશે” આપનારા ગુરુઓના રાજમાં ધનના ઢગલા થતા હોય છે.

ગાંધીજીએ પણ એક મહાન ભૂલભરેલો શબ્દ ઠોકી બેસાડ્યો  ‘દરિદ્ર નારાયણ’.. દરિદ્રતા દૂર કરવાનું મન જ ના થાય. સાથે નારાયણ પણ દૂર થઈ જાય ને? મૂળ હિંદુ ધર્મમાં  જુઓ નારાયણ તો કેટલા બધા પૈસાવાળા દેખાય છે? ધનની દેવી લક્ષ્મી એમના પગ દબાવે છે કે નહિ? ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઐશ્વર્યવાન..દરિદ્ર  કદી નારાયણ ના બની શકે. પછી કુંવરબાઈનું મામેરું કેમનું ભરાશે? હૂંડી કોણ સ્વીકારશે જો નારાયણ દરિદ્ર હશે તો? માટે નારાયણ તો ધનિક જ સારો. તમતમારે દરિદ્ર રહો નારાયણને શું કામ દરિદ્ર બનાવો છો? દરિદ્રતા પાપ છે. પાપનું મૂળ છે. દુઃખનું કારણ છે.

આ ધને વખોડવાની નીતિને લીધે આપણે  દેશને  poorest દેશોની હરોળમાં બેસાડી દીધો છે. આ નીતિને લીધે ધન કમાવાની ઇચ્છા જ મારી નાખી છે. અને જે માણસ પુષ્કળ ધન કમાઈ લે તે પણ અંદરથી પોતાની જાતને ગિલ્ટી ગણતો થઈ જતો હોય છે. પછી ગુરુઓની પાછળ દોટો મૂકતો થઈ જાય છે. એકવાર ધન કમાઈ લીધું પછી એમાંથી મળેલા પાપને ભૂસવા ગુરુઓ  પાછળ ફરતો કરી દે છે. એ કોઈ રિસર્ચ કરવા પૈસા નહિ વાપરે પણ ગુરુને મંદિર બનાવવા બ્લેન્ક ચેક આપશે. વડોદરાની ગલીઓમાં કથા કરી ખાતા એક હાલના નવા ઊંચે ચડી રહેલા કથાકારને મેં ઓચિંતાં ધીરુભાઈ અંબાણીના મ્રત્યુ પ્રસંગે ટીવીમાં એમના ઘરમાં જોયા ત્યારે નવાઈ લાગેલી. આજે તો પત્નીને પૈસા આપી તગેડી(ડિવોર્સ) મૂકી, સૌરાષ્ટ્રમાં  કોઈ મોટું ગુરુકુળ બનાવી બેઠાં છે. નીતા અંબાણી પણ ધંધામાં કરેલા પાપોમાંથી મુક્તિ મેળવવા શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટી બન્યા છે.

હા! પૈસા થી સગવડ ખરીદી શકાય છે, સુખ નહિ. પણ ગરીબીમાં શું ખરીદી શકશો? ના સુખ, ના સગવડ.. સુખતો મનમાં હોય છે, પણ જ્યારે પૈસો નથી હોતો ત્યારે મનમાંથી સુખ પણ જતું રહે છે. ધર્મોએ હંમેશા ગરીબી વખાણી છે. શ્રદ્ધાના પાયા પર રચાયેલી ભારતની ગરીબી દૂર કરવી ભગીરથ કાર્ય છે. પણ ભૂખે ભજન ના થાય ગોપાલા.

૨) ગુરુ ભગવાન છે?

મિત્રો આમ તો બધાને ખબર હશે ધોબી પછાડનો  અર્થ. કુસ્તીના અખાડામાં આ દાવ ખેલાતો હોય છે. ધોબી કપડાને ધોતી વખતે બે હાથમાં પકડીને જે પછાડતો હોય છે તે રીતે અખાડામાં હરીફનો હાથ પકડમાં આવી જાય તો એને પછાડી નાખવાનો હોય છે. મેં પણ ધોબી પછાડનો  સ્વાદ ચાખેલો છે.  અખાડામાં તો ચાલી જાય બહુ વાગે નહિ. બાકી કરોડનાં મણકા છુટા પડી જાય. હવે અગાઉના લેખમાં લખ્યું કે શંકરાચાર્ય કહેતા કે ધન પાપ છે. એક મહાન ગુરુએ કહી દીધું. હવે મારા જેવો એનો વિરોધ કરશે તો પ્રજા શું કરશે? ગુરુએ કહેલાની જાતજાતની વ્યાખ્યાઓ કરશે, મોડીફાઈ કરશે, બહાના ખોળી કાઢશે પણ મહાન ગુરુએ કહ્યું એટલે બ્રહ્મ વાક્ય થઈ ગયું. એને શંકરની વાત જ યોગ્ય લાગશે. ખરાબ રસ્તે નહિ કમાવાનું, અતિશય નહિ કમાવાનું, આવા જાતજાતના અર્થ એમાંથી શોધાઈ જવાના. પણ કોઈ એવું નહિ કહે કે આ ખોટું છે, કે ધનની જરૂર તો એને ખરાબ કહેવાવાળાને પણ પડે છે. તો આ થયું માઈન્ડ કંડીશનિંગ. સદીઓથી ગુરુઓએ જ પ્રજાના મનમાં ભરાવી દીધું છે કે ગુરુ ભગવાન છે. કોઈ પ્રશ્ન પૂછવાનો નહિ. જે કહે તે બરોબર, એને અનુસરો. પણ કોઈ આના પર વિચાર નહિ કરે, કોઈ ચર્ચા નહિ કરે. કોઈ વિવાદ જ નહિ કરે. અર્થ કરો જેટલા કરવા હોય તેટલા ડાઉટ નહિ કરવાનો.

ગુરુ એટલે કે ટીચર કે શિક્ષક, એનું માન જાળવવું જોઈએ, પણ આદર એ કોઈ કરાર નથી કે આંધળું અનુસરણ કરવું. આદર કમાવો પડે છે. જેમ સારા ડૉક્ટર હોય છે તેમ ખરાબ ડોક્ટર્સ પણ હોય છે. એમ સારા વકીલ હોય તેમ બુરા વકીલ પણ હોય. એમાંય વારસાગત ગુરુપ્રથામાં જરૂરી નથી કે બાપ ગુરુ વિદ્વાન કે સદાચારી હોય તેમ દીકરા ગુરુ પણ હોય. ઘણા સારા રાજવીઓના દીકરાઓ ખરાબ પાક્યા જ છે. સારા ગુરુ હોય પણ એમના બધા વિચારોનું આંધળું અનુકરણ કે એમનામાં અંધ વિશ્વાસ રાખવો? પાવલોવ રશિયન વૈજ્ઞાનિક એણે એક પ્રયોગ કરેલો. એક કૂતરાને ખાવાનું આપે ત્યારે ઘંટડી વગાડે. રોજ આવું કરે. પછી એક દિવસ ખાવાનું આપ્યું નહિ અને ખાલી ઘંટડી વગાડી. કૂતરાના મોમાંથી લાળ ટપકવા લાગી, કૂતરો ભોજન શોધવા ફાંફાં મારવા લાગ્યો. આ થયું માઈન્ડ કંડીશનિંગ. શરૂમાં સિગારેટ કે બીડી પીવાવાળા સંડાસ  જાય ત્યારે નવરા હોય કે  તે સમયે આરામમાં હોય કોઈ પ્રવૃત્તિ જોઈએ, એમ સંડાસમાં  બીડી સળગાવતા હોય છે. પછી કંડીશનિંગ થઈ જાય. બીડી કે સિગારેટ વગર પેટ સાફ ના આવે. પ્રેશર ના આવે. હું ભરૂચ બાજુના સગા સંબંધીઓને ત્યાં જાઉં ત્યારે ખૂબ આગ્રહ કરીને ખવડાવે. પોતે પણ સાથે બેઠાં હોય એટલે ધરાઈને જમ્યા હોય. પેટ ફાટી જાય તેટલું ખાધું હોય. છતાં જમ્યા પછી મૂઠી ભરીને  શિંગચણા ફાક્યા વગર ના ચાલે. મારું તો પેટ ના પાડે કે હવે તસુભાર પણ જગ્યા નથી. પણ પેલાં બધા આરામથી શીંગચણા ફાકતા હોય. માઈન્ડ કંડીશનિંગ!!! સ્વાભાવિક છે કે શિક્ષક પ્રત્યે શીખવા માટે વિશ્વાસ રાખવો પડે, પણ એક બાળકને આખી જીંદગી એવો વિશ્વાસ રખાવવો  જરૂરી નથી. પ્રશ્ન તો પૂછી શકાય. આપણે શિક્ષકને પ્રશ્ન પૂછી શકીએ છીએ, પણ ગુરુને કદી પૂછી શકતા નથી. રીતિ રિવાજ કે ખાલી ગુરુ  એટલે  આદર આપવો, પણ એનામાં અંધ વિશ્વાસ રાખવો યોગ્ય નથી. એનામાં કોઈ બુદ્ધિ, જ્ઞાન અને એના સંદેશમાં કોઈ ઉપયોગી મૅસેજ તો હોવો જોઈએ કે નહિ? જો તમે અંધ વિશ્વાસ અને આંધળું અનુકરણ કરશો તો તમારું મન એક જ ટ્રૅક પર ચાલવાનું જે સદીઓથી થતું આવ્યું છે. કોઈ નવો  આયામ વિચારમાં આવશે જ નહિ.

ગુરુ કે માતાપિતા કે શિક્ષક પ્રત્યે  આદરથી અસહમતી દર્શાવી શકાય છે. આદરના નામે જ્યાં ગુરુ અને માતાપિતા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ શીખવાય છે, ત્યાં સ્વતંત્રતાનો અહેસાસ અનુભવાતો નથી કે ત્યાં અસ્મિતા દેખાતી નથી. માટે વર્ષા પાઠકનો લેખ સહુએ વાંચવા જેવો છે  ‘મારે મારા દીકરાને શ્રવણ બનાવવો નથી’.  “સંશયાત્મા વિનશ્યતિ” એવું કહીને ભારત સિવાય દુનિયાના કોઈ સમાજમાં વિચારવા ઉપર પ્રતિબંધ મૂકાયો નથી. હવે મિત્રો આ વાક્ય ઉપર જાત જાતના અર્થ કરશે. પહેલા પણ થઈ ચૂક્યા છે. સારી વાત છે. કરવા જોઈએ. પણ લોકો શું માને છે? સામાન્ય જન શું માને છે? કોઈ કહેશે જાત ઉપર વિશ્વાસ રાખવાનું કહ્યું છે. હું કહેતો હતો દુવિધામાં ના રહેવું, કોઈ ઠોસ નિર્ણય લેવો. પણ સામાન્ય જન શું માનશે? કે ગુરુ, ટીચરમાં શંકા કરવી  નહિ. વાર્તા પૂરી. બાળકોએ તો ખાસ શંકા કરવી જોઈએ તો જ જ્ઞાન વધે, નહિ તો ખાક શીખવાના?

એક ઋષીએ કહ્યું કે દરિયો ઓળંગાય નહિ. યુરોપીયંસ આખી દુનિયામાં ફરી વળ્યા પણ આપણે કશે ગયા નહિ. અંગ્રેજો અહીં આવી ગયા, આપણે ઇંગ્લેન્ડ કેમ પહોચ્યા નહિ? થોડામાં ઘણું! થોડામાં સંતોષ, ધન બહુ સારું નહિ જે પહેલા બહાર ગયા હશે ઇન્ડોનેશિયા કે બીજે તે આવા કોઈ ગુરુના કહેતા પહેલા ગયા હોવા જોઈએ. થોડા કચ્છના ગુજરાતી ભાટિયા આફ્રિકા વેપાર કરવા જતા. એમાંના કોઈએ વાસ્કોડી ગામાને રસ્તો ભારતનો બતાવેલો. યુરોપના કેટલા બધા નામચીન મહાન નાવિકો પાક્યા, આપણો કોઈ છે? બસ ગુરુજીએ કહી દીધું દરિયો ઓળંગાય નહિ. એક સંબંધીના છોકરાના  લગ્ન લેવાના  હતા. અમેરિકાથી ટૂંકી રજાઓ લઈને આવેલા. છોકરી શોધાય, સગાઈ વગેરે થાય ત્યાં સુધીમાં તો લગ્નોના મુરત જતા રહ્યા. દેવપોઢી ગયા. વરસાદ શરુ થઈ ગયેલો. હવે બધા પાછાં જાય અને દેવ ઊઠી  અગિયારસ પછી લગ્ન કરવા પાછાં આવે તો ખર્ચો અને સમયનો વ્યય થાય. દુવિધામાં પડી ગયા. ગુરુઓએ કહ્યું છે દેવ પોઢી જાય પછી લગ્નો થાય નહિ. શાસ્ત્રોમાં કહ્યું છે. હું ગુસ્સે થયો કે પહેલા રસ્તા સારા હતા નહિ. વાહન આજના જેવા હતા નહિ. બળદગાડા જોડી જાન જતી. ચોમાસામાં નદીનાળાં ઊભરાતાં હોય, ઘણી બધી તકલીફ પડે માટે આવું કહ્યું હશે. ખાસ તો દેવ કદી પોઢી જાય નહિ. દેવ સતત જાગૃત છે બાકી દુનિયા ચાલે જ નહિ. કમને લગ્ન પતાવી ને ગયા. અમેરિકા જવાનું હતું, રજાઓ ફરી મળે નહિ, સમય હતો નહિ બાકી ભારતમાં હોત તો લગ્ન પાછું ઠેલાત.

નવા વર્ષે પણ એક બહુ વગોવાયેલા બાપુના આશ્રમમાં પુષ્કળ ભીડ હતી. બાળકોના બલિદાન, તાંત્રિક વિદ્યા, ગેરકાયદે જમીન દબાવવી, ગ્રામ્ય લોકો પર દહેશત ફેલાવવી, ભક્ત સ્ત્રીઓ સાથે સેક્સ વગેરે વગેરેમાં બહુ ગવાયેલા આ બાપુના આશ્રમમાં ખૂબ ભીડ હતી. આ બાપુના ભક્તોએ  પોલીસ ઉપર પણ મારઝૂડ કરી અત્યાચાર કરેલો છે. પ્રજાના મનમાં આની કોઈ અસર નથી. પ્રજા હજુ પણ તેમને ભગવાન માને છે. માઈન્ડ કંડીશનિંગ. ગુરુ ગોવિંદ દોનો ખડે વાળું લખ્યું અને ગોવિંદ કરતા ગુરુનો મહિમા વધારી દીધો. સામાન્ય જન સીધા સપાટ અર્થ કરે છે તે ભૂલતા નહિ.

ગુરુ ભગવાન છે. કોણે કહ્યું? સ્વયમ ગુરુજીએ.

૩) જ્યાં ધર્મ અને સદાચાર ત્યાં વિજય!!

હિંદુ ધર્મમાં એક માન્યતા છે કે જ્યાં ધર્મ હોય ત્યાં વિજય હોય. હવે આ ધર્મના વિવિધ અર્થ તમે કરી શકો છો. ડ્યુટી અર્થ પણ કરી શકો,  આ માન્યતા નીતિમત્તા માટે ખૂબજ સારી છે. સદાચરણ શીખવવા માટે સારી. કે ભાઈ સદાચરણ જીવનમાં લાવશો તો તમારો વિજય થશે અને નવો જન્મ સારો હશે. નીતિમત્તા મૂલ્યો આધારિત હોય છે, પણ પ્રેક્ટીકલ લાઇફમાં જ્યાં હરીફાઈ અને સફળ થવાનું હોય ત્યાં નીતિમતા કામ લગતી નથી. રોજબરોજના જીવનમાં સદાચાર જરૂરી છે. નહિ તો પછી સમાજ વ્યવસ્થામાં બાધારૂપ બની જાય. જોકે સદાચારની વ્યાખ્યા જુદા જુદા સમાજો પ્રમાણે બદલાતી જતી હોય છે. વેસ્ટર્ન કન્ટ્રીસમાં જે વાણી વર્તન ચાલતું હોય તે અહીં ભારતમાં દુરાચાર બની જાય. કોઈ એકબીજા ને તકલીફ ના આપે એકબીજાના દુખ દર્દ નું કારણ ના બને તે સામાન્ય સદાચાર કહેવાય. સમાજે ઘડેલા કાયદા કાનૂન બધા પાળે તે તો જરૂરી જ છે. નહી તો આખી વ્યવસ્થાજ ખોરવાઈ જાય. બધા એકબીજાની કાપાકાપી કરે તો પછી સમાજ જેવું કશું રહે જ નહિ. કોઈ વાર એવું પણ બનતું જ હોય છે. ભારતના ભાગલા પડ્યા ત્યારે બધો સદાચાર અને સદભાવના હવાઈ ગયેલી. આશરે બંને કોમના થઈને ૧૦ લાખ માણસોની સામૂહિક હત્યા થઈ ગયેલી. આજે પણ કોમી તોફાનો થાય છે ત્યારે સદાચાર ચૂલામાં જતો રહે છે.

નીતિમત્તા સારી છે, પણ નીતિમત્તા  અને ઉચ્ચ આદર્શ જ બધું નથી. સફળતા પણ સર્વાઈવલનાં યુદ્ધમાં એટલી જ મહત્વની છે. તમે એક સારા સ્વચ્છ, નીતિવાન, સદાચારી માનવ છો એટલે જરૂરી નથી કે તમે મજબૂત અને સફળ છો. બસ અહીં જ ચૂક થઈ ગઈ. આપણે સતત મૂલ્યો અને સદાચારની ચિંતા કરે રાખી. બળ અને અસ્તિત્વની કદી ફિકર ના કરી. સર્વાઇવલનું યુદ્ધ હમેશા બળવાન જીતે છે, નહિ કે નીતિવાન અને સદાચારી. હા નીતિમાન અને સદાચારી જો બળવાન હોય તો અવશ્ય જીતી શકે. જ્યાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સખત હરીફાઈ હોય અને જ્યાં બળવાન હોય તે જ જીતતો હોય ત્યાં કાયમ સારા સદાચારી માનવો જીતે કે ટકી જાય તે શક્ય નથી. આપણે માનીએ  છીએ કે સદાચારી અને ધાર્મિક સદા જીતવો જોઈએ આજે નહિ તો કાલે આ જન્મે નહિ તો બીજા જન્મે, પણ આજનું શું?

ઉત્ક્રાંતિ તમે આગળ છો તેની ચિંતા કરશે, તમે બળવાન છો તેની ચિંતા કરશે. તમે સદાચારી છો તેની ચિંતા નહિ કરે. આપણે ખૂબ ધાર્મિક હતા પણ હંમેશા વિજયી ના બની શક્યા. આપણે ખૂબ સદાચારના અને નીતિમાન હોવાના બણગાં ફૂંક્યા પણ હારતા રહ્યા, માર ખાતા જ રહ્યા. હમણાં બક્ષીબાબુને એક વિડીયો ક્લીપીંગ્સમાં સાંભળેલા કે અમુક હદ સુધી ક્રૂરતા જરૂરી છે. ક્રૂર શાસકોએ  જ રાજ્ય લાંબા સમય સુધી કર્યા છે. ચંગીઝખાન એક મોંગોલિયન ક્રૂર શાસક હતો. આપણી હિન્દુસ્તાની ભાષામાં કહીએ તો એક રાક્ષસ જ હતો. જેનેસીસ્ટ વૈજ્ઞાનિકો કહે છે કે ૧૬ મિલિયન પુરુષોમાં આ દૈત્યના જિન્સ હાલ છે. નેપોલિયનને હરાવનાર ડ્યુક ઑફ વેલિંગ્ટન બ્રિટીશ ઇતિહાસનો એક હીરો દારૂડીયો, જુગારીઓ અને સ્ત્રીઓ પાછળ પાગલ રહેતો. બીજો એવો એમનો હીરો ચર્ચિલ હેવી સ્મોકર અને દારૂડીયો જ હતો. નીતિવાન અને સદાચારી વેદોના અભ્યાસી એવા દારા શિકોહને એના ધર્મ ઝનૂની ભાઈ ઔરંગઝેબે મારી નાખેલો. બીફ ખાવાવાળા પશ્ચિમના લોકો દારૂડિયા, કોઈ પણ ફેમિલી વેલ્યૂ વગરના આજે લાગે છે પણ એ લોકો એમની રીતે  સુખી છે. આ લોકો નરકમાં જવાના એવું માનીએ છીએ, પણ કયું નરક ? કોઈએ જોયું છે? અને આપણે નરકથી ક્યાં દૂર છીએ? વસ્તીનો બેહદ વધારો, ભૂખ, ગરીબી, રોગ અને અસ્વચ્છતા આ બધું નરક નથી તો શું છે?  હું કોઈ વકીલાત નથી કરતો કે બધા દુરાચારી બની જાઓ. ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે ધર્મ, ધાર્મિક, સદાચારી, નીતિવાન જ જીતે તેવું હમેશા ના બને. નમ્રતા અને પવિત્રતા માટે મરવું જરૂરી નથી. શ્રી કૃષ્ણે અને રામે પણ ઘણીવાર કોમ્પ્રોમાઈઝ કરેલું જ છે. મહાભારતમાં કૃષ્ણ મોટાભાગે કપટ રમ્યા છે. રામે પણ વાલીનો વધ કપટથી જ કરેલો.

અસંસ્કૃત,બર્બર અને જંગલી સમાજો આગળ તમે અહિંસા નો ઝંડો લઈ આગળ વધો તો નક્કી હારવાના, મારી નાખશે આ લોકો તમને. આજે તાલીબાનો અને ત્રાસવાદીઓ આ કરી જ રહ્યા છે. સદાચરણ આવકાર્ય છે, પણ વાસ્તવિકતા કઇક  જુદી હોય છે. સર્વાઈવલના યુદ્ધમાં અહિંસા જરાય ના ચાલે નીતિમત્તા  માટે તમારે બલિદાન આપવું હોય તો આપી શકાય છે, પણ પછી એ તમારી જીવવાની પોતાની પસંદગી છે. એના પરિણામો ભોગવવા જોઈએ ફરિયાદ કરવાનું કોઈ કારણ નથી. આપણે ગુલામ રહ્યા આપણી ભૂલોને કારણે પણ આજે દોષ દઈએ છીએ મુસલમાનોને અને અંગ્રેજોને. આ લોકો ખરાબ હતા. જંગલી હતા. હતા !! શું કરશો? રાજ તો કરી ગયાને? એમને દુરાચારી, ખરાબ, રાક્ષસો, લૂંટારા એવા તમારા સર્ટીફિકેટોની  જરૂર છે ખરી? આવા સર્ટીફિકેટ એમણે માંગ્યા ખરા?  કે એમને કોઈ ફેર પડવાનો ખરો? બીજો દોષ દઈએ છીએ રાજાઓને. આ રાજાઓ કોણ હતા? બહારના કોઈ હતા? કે તમારામાંથી જ હતા? હિન્દુ જ હતા ને? તમારી સમાજ વ્યવસ્થાના એક ભાગ જ હતા ને? મૂલ્યો તો બધાના એકજ હતાને? ક્ષમા વીરસ્ય ભૂષણમ કહી આજે ફૂલાઈયે છીએ. કોઈ કહેશે ક્ષમા વીરોનું ભૂષણ છે કાયરોનું નહિ. ચાલો બરોબર છે. શું મળ્યું? પૃથ્વીરાજે ઘોરીને ક્ષમા આપી,પછી હાર્યો, એ મૂરખને આવા મૂલ્યો કોણે શીખવ્યા?

ચાલો જ્યાં કૃષ્ણ હોય અને સાથે અર્જુન હોય ત્યાં વિજય હોય. સાચી વાત છે. કૃષ્ણ એકલા પોતે સક્ષમ હતા. પણ બીજી રીતે જોઈએ. ધર્મરાજા યુધિષ્ઠિર અને અર્જુન બંને સાથે હોય ત્યાં વિજય હોય. પણ એકલા હોય તો? યુધિષ્ઠિર એકલાં અર્જુન વગર જીતી શકે? અર્જુનને તો ચાલી જશે યુધિષ્ઠિર નહિ હોય તો. એ તો જીતી જવાનો કારણ એ તો ખુદ બળવાન છે. અને ઘણી વાર યુધિષ્ઠિર વગર જીત્યો પણ છે.

મોહમદ ગઝની આવ્યો એનો મીલીટરી પાવર જીત્યો. અને મારો મહાદેવ, મારો ગ્રેટ ભગવાન એના મહેલના ત્રણ પગથીયે ચણાઈ ગયો. મારા નબળા અને કાયર સદાચારી, નીતિવાન, ધાર્મિક ભાઈઓ ગીઝનીના બઝારમાં ગુલામ તરીકે વેચાઈ ગયા. મારી માતાઓ, બહેનો ગુલામ અને રખાત બની. વિજયી લોકો ઇતિહાસ રચે છે. દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે મારા ભાઈઓ. સમજો, વિચારો વાસ્તવિકતા સ્વીકારો….પાવર છે, શક્તિ છે તે વિજયી છે. ત્રાસવાદ ખરાબ છે પણ એને સજા કોણ કરી શકે? અમેરિકા જોડે શક્તિ છે તે સજા કરી રહ્યું છે, નબળું ભારત ટૅરર સામે જુકી જાય છે કે નહિ? પડોશીનો વિશ્વાસ જરૂર રાખો પણ મજબૂત તારની વાડ બનાવ્યા પછી રોનાલ્ડ રીગને આવું કહ્યું છે. નમ્રતાથી બોલો પણ હાથમાં દંડો મોટો રાખો આવું રુઝવેલ્ટ કહેતા. આદર્શવાદી નીતિમત્તા ક્યારે કામ લાગે જ્યારે શાંતિ અને કાયદા કાનૂન પૂરા સક્ષમ હોય ત્યારે.

સદાચારના અને નીતિમત્તાના  ધોરણો બધે જુદા જુદા હોય છે. આપણે ત્યાં ઓછું કામ કરવું કે લગભગ નહિ કરવું તે સદાચાર કહેવાય છે. એને કોઈ પાપ ગણાતું નથી ઊલટાનું હોશિયારી ગણાય છે. ૫૦ લાખ સાધુઓ જુઓ કેવું સદાચારી જીવન વિતાવી રહ્યા છે??? “અકર્મણ્યે વાધીકા રસ્તે, અને ફળની ચિંતા હંમેશા પહેલી!!!!” જરા પશ્ચિમના જગતના કોઈ મિત્રને કહી જુઓતો આ વાત કે ભારતમાં ૫૦ લાખ સાધુઓ કશું કર્યા વગર બેસી રહ્યા છે તો કહેશે ડેમ્મ !! નો વર્ક?? સીક પીપલ!!! પણ અહી સદાચારી જીવન,પવિત્ર જીવન કહેવાય.

જાપાની પ્રજાને માંસ કે કોઈ પણ જીવજંતુ ખાવામાં દુરાચાર દેખાતો નથી, પણ અપ્રમાણિકતામાં દુરાચાર દેખાય છે. જ્યારે આપણે છેતરીને પૈસા કમાઈ લઈએ તો એમાં દુરાચાર દેખાતો નથી, કે પાપ લાગતું નથી. મારો જોયેલો દાખલો એક ભારતીય ભાઈ અહીં એમના સ્ટોરમાં ચેક કેશીંગનો બિઝનેસ પણ કરતા હતા. ભોળી સ્પેનીશ પ્રજા આવે પગારનાં ચેક લઈને તરત કેશ જોઈતી હોય. તો આ ભાઈ એને દોઢ ટકો વટાવ કાપીશ એવું કહે, ગણતરી યંત્રમાં બે ટકા કાપીને બતાવે, અને પૈસા હાથમાં આપે ત્યારે ત્રણ ટકા કાપીને આપે. પેલો તો વિશ્વાસ રાખી ગણ્યા વગર જતો રહે. કોઈ વાર પાંચ કે દસ ડોલરની નોટ  જ ઓછી આપી દે. જો પેલો ગણે અને કહે કે ઓછા છે તો સોરી કહીને પાછાં આપી દે, અને ગણ્યા વગર જતો રહે તો વાર્તા પૂરી. પછી મને કહે કે જોયું આમ ધંધો થાય. મને થાય કે આ તો ચોરી કહેવાય. વર્ષમાં બે હજાર ડોલર કોઈ બ્રાહ્મણને આપી દેવાના પુણ્ય થાય, પાપ બધા ધોવાઈ જાય એવું મને કહેતા. બોલો સદાચારનું જીવંત ઉદાહરણ મેં જાતે બે વર્ષ માણ્યું છે.

બે જુગારિયા રમતા હતા. એક કહે હવે હું જીતી ગયો મારી પાસે ત્રણ એક્કા છે. બીજો કહે ના તું જીત્યો નથી મારી પાસે બે ગુલામ અને એક ગન(પિસ્તોલ)છે. હા ! હા ! હા !!

૪) પરલોક અને પુનર્જન્મ

આત્મા, પરમાત્મા, પરલોક અને પુનર્જન્મ આ બધી માન્યતાઓ ખૂબ ચર્ચાસ્પદ છે. આજે વિજ્ઞાન આ બધી બાબતો માનતું નથી. કોઈને ખબર નથી કે આ બધી માન્યતાઓ સાચી છે કે ખોટી. વિજ્ઞાનને પણ ખાસ ખબર નથી. પુનર્જન્મની માન્યતા ખાલી એક હિંદુ ધર્મમાં જ છે. તે બાબતે આપણે બીજા ધર્મો થી જુદા પડીએ છીએ. જૈન અને બૌદ્ધ ધર્મ પણ હિંદુ ધર્મની માન્યતાઓ સાથે જીવતા હોય છે. એટલે મૂળ ભારતીય ઉપ મહાખંડના ધર્મ પુનર્જન્મમાં માનતા હોય છે. સેંકડો વર્ષ પૂર્વે ઋષિ ચાર્વાકે આ બધી માન્યતાઓ ખોટી છે તેવું કહેલું. એમની સ્કૂલ પણ હતી, આઈ મીન એમનો પંથ પણ હતો. આપણે એક મહાન ઋષિ વૈજ્ઞાનિકને અવગણ્યો. ભારતની ધાર્મિક પરમ્પરાએ એને ભુલાવી દીધો. આજે વિજ્ઞાન કહે છે આત્મા જેવું કશું હોતું નથી, બ્રેન જ આત્મા છે. ખેર એ બધી વાતો પછી કરીશું. મૂળ વાત એ કરવાની છે કે આપણી આ માન્યતાઓએ આપણને કેવી પછાડ આપી, સાચી હોય તો પણ અને ખોટી હોય તો પણ.

નવો જન્મ સારો મળે માટે ધર્મ આચરો, સદાચારી બનો. પણ આ પરલોક અને પુનર્જન્મની વાતો એ આપણને સદાય આધ્યાત્મિકતામાં રમમાણ કરી દીધા. આખો દિવસ કથા વાર્તા, સેવા, પૂજા, મંદિર અને પ્રાર્થનામય બનાવી દીધા. કે ભાઈ ભવિષ્યમાં સારો જન્મ મળશે અને પરલોકમાં સારી જગ્યા મળશે. કોઈને ગોલોકમાં જવું છે, કોઈને વૈકુંઠમાં, કોઈને અક્ષરધામમાં જવું છે. સતત આધ્યાત્મિકતાના ઓબ્સેસનથી આપણે તત્વજ્ઞાની બની ગયા. તત્વજ્ઞાનમાં માહેર થઈ ગયા. પણ ભૌતિક અને સૈનિક શક્તિમાં નપુંસક બની ગયા. આપણે મંદિરો અને પથ્થરોમાં આજ સુધી આપણા વિપુલ  ભંડાર  વાપર્યા. આજે પણ સ્કૂલ, હોસ્પિટલ, રોડ રસ્તા બિચારાં ભૂખ્યાં છે અને મંદિરો?? મંદિરોની સમૃદ્ધિ વિષે મારા કરતા શ્રી અરવિંદભાઈ અડાલજા વધારે જાણે છે. કોઈ આફ્રિકાનો નાનો દેશ પોષી શકાય તેટલો પૈસો મંદિરો પાસે છે. આ સમૃદ્ધિ બચાવવા ખૂની ખેલ ખેલતા આપણે જોયા છે. પંકજ ત્રિવેદી આવા એક શિકાર બનેલા. પહેલા પણ આપણાં મંદિરો ખૂબ સમૃદ્ધ હતા. એનાથી આકર્ષાઈને ગઝની આવેલો. સૈનિક શક્તિએ નપુંસક લોકો હારી ગયા. એમના ભગવાને ના બચાવ્યા. કારણ ભગવાન બળવાનનો  છે, નબળાનો નહિં તેવો ઈવોલ્યુશનનો સાદો નિયમ આપણી સમજ બહાર હતો. કુદરત આગળ બધા સરખા જ હોય. કોઈ ભેદભાવ ના હોય.

બસ આ પરલોકની અને પુનર્જન્મની  માન્યતાઓએ ભારતને જાણે કે આધ્યાત્મિકતાનો આફરો ચડાવી દીધો. આફરો ચડે ત્યારે ગાય મરી જતી હોય છે. જો સમયસર ડૉક્ટર આવીને એના પેટમાં કાણું પાડીને આફરો એટલે ગેસ કાઢી નાખે તો બચી જાય. જ્યારે અમેરિકા સ્પેસ વિષે પુષ્કળ પૈસા વાપરે છે તો ચંદ્ર પર પહોચી જાય છે. સોની કંપની રિસર્ચમાં ખૂબ પૈસા વાપરે તો આપણ ને સારા કૅમેરા, મ્યુઝિક સીસ્ટમ, કોમ્પ્યુટર અને બીજી ઘણી બધી સારી વસ્તુઓ મળે છે. પણ જે પરલોક કદી કોઈએ જોયો નથી. એનો દાવો કરવાવાળા પોતે જ અજ્ઞાની અને મૂરખ છે. અને આપણે એમાં જ પૈસા નાખીએ છીએ, તો કશું ઉપલબ્ધ થતું નથી, ઉલટાના ભિખારી થઈએ છીએ. હાલની દુનિયામાં ઍડવાન્સ થવું હોય તો હાલની દુનિયા પર ફોકસ કરો ભાઈ. મરણ પછીની દુનિયા કોઈએ જોઈ નથી. આ ધર્મ અને રહસ્યવાદના રવાડે આપણે જીનીયસ વ્યક્તિઓના શંકારહિત જ્ઞાન અને પ્રતિભાનો લાભ ખોયો છે. અરવિંદ અને વિવેકાનંદ એનું ઉદાહરણ છે. વિવેકાનંદનો મૅમરી પાવર અસીમ હતો. તમારી સાથે વાતો કરતા કરતા કોઈ પણ પુસ્તકના પાના પર નજર ફેરવીને મૂકી દીધું હોય તેમ લાગે. પણ આખું પુસ્તક એમના  મોઢે હોય. કયા પાનાં પર કયો શબ્દ છે તે પણ કહી દેતા. મને નામ યાદ નથી રહ્યું પણ જર્મન કવિ ગેટે જ હશે એને વિવેકાનંદનો આવો અનુભવ થયેલો. એમની મુલાકાત દરમ્યાન આવું બનેલું. પેલાં કવિને એમ કે આતો પાનાં ફેરવીને મૂકી દીધા. પણ વાતચીતમાં એમના પુસ્તકના સંદર્ભ આવવા લાગ્યા. એમને  શંકા પડી અને ચકાસણી કરી જોઈ. એનું કહેવું હતું કે  મેં ખ્યાતનામ યુનીવર્સીટીના મેથ્સના ખૂબ મૅમરી પાવરવાળા વિદ્યાર્થીઓ જોયા છે, પણ વિવેકાનંદની તુલનામાં કોઈ ના આવે. આપણે આધ્યાત્મિકતાના રવાડે એક આઈનસ્ટાઇન જેવો વૈજ્ઞાનિક ખોયો. વિવેકાનંદ ભારત નહિં ને યુરોપ કે અમેરિકામાં જન્મ્યા હોત તો અવશ્ય મહાન વૈજ્ઞાનિક બન્યા હોત. ખબર નહિ સુભાષ બોઝ કઈ રીતે બચી ગયા? આપણને વર્લ્ડ વોર વખતે એક સારો નેતા મળ્યો હતો, પણ એની કદર થાય?? ના થાય!!! અરવિંદ પણ વડોદરામાં ફ્રેંચ ભાષાના પ્રોફેસર હતા, સ્વતંત્રતાના લડવૈયા હતા. એમની સાવિત્રી કવિતા નોબલ જીતી લાવે તેવી હતી. આશ્રમમાં બેસી ગયા.

આપણાં વિપુલ ભંડારો કોઈ છીનવી લે તે માટે આપણે બીજા કોઈની રાહ જોવાની જરૂર નથી, ગુરુઓ તે કામ કરી જ રહ્યા છે. આપણું બુદ્ધિધન કેમ બિનઉત્પાદક  છે? એક તો ગરીબી અને આધ્યાત્મિકતા અકારણ માનસિક વૃદ્ધ બનાવી દે છે. આજે જ વાંચતો હતો કે ગરીબ બાળકોમાં શૉર્ટ ટર્મ મૅમરી ખૂબ ઓછી હોય છે. જે રોજબરોજના અભ્યાસમાં જરૂરી છે. આપણાં વડીલો જાત્રા, કથાઓ,આધ્યાત્મિક ભાષણોમાંથી ઊંચા જ આવતા નથી. બધા નવા જન્મની તૈયારીઓમાં લાગી ગયા છે, અને આ જન્મ ગુમાવી રહ્યા છે. મોજશોખ આનંદ!! ના કરાય. ભૌતિકવાદી કહેવાય. સાવ નવરા ધૂપ, ઓટલા તોડવાના. કોઈ પણ ઉંમર હોય એમની પાસે સમાજ  માટે કોઈ મોટીવેશન કે બુદ્ધિશાળી યોગદાન માટે સમય ખાસ હોતો જ નથી. પ્રવૃત્તિની સાથે આનંદમય રહેવું પણ જરૂરી છે. પણ નિવૃત્તિની કોઈ પ્રવૃત્તિ હોય??

સ્વર્ગ કાલ્પનિક છે, વૈકુંઠ, ગોલોક, બધું કાલ્પનિક છે. સત્ય તો આ પૃથ્વી છે જ્યાં તમે હાલ છો. આત્મસંમોહન છે આ બધું. જેના માટે આપણે હાલની જિંદગીનું બલિદાન આપી દઈએ  છીએ. ભવિષ્યમાં સુખ મળશે એના માટે હાલ જીવનમાં દુઃખ વેઠી રહ્યા છીએ. મૃત્યુ પછીના જીવનની શોધ કદી પૂરી થતી નથી, અને હાલના જીવનના પ્રશ્નોના ઉપાયની શોધ કદી શરૂ થતી નથી.

ભણેલા સ્કોલર સંતો સતત અવિરત ઉપદેશો આપ્યા જ કરે છે. મંદિરો, ટાઉન હોલ, ઓપન ગ્રાઉન્ડ કોઈ જગ્યા બાકી નથી. હવામાં એરોપ્લેનમાં આયોજન થાય છે, પાણીમાં લકઝરીયસ ક્રુઝમાં આયોજન થાય છે. માનસરોવર, કૈલાસ કશું બાકી નહિં રાખવાનું. આધ્યાત્મિકતા એક  બહુ મોટી ઇન્ડસ્ટ્રી  બની ચૂકી છે. બસ એમાં કશું ઉત્પાદન તો કરવાનું નથી. આત્મસંમોહનના પાઠ જ ભણાવવાના છે ને? હવે તો ગણવાનું પણ અઘરું છે કે કેટલા મહાત્મા, મહારાજ, મહંત, બાપુ, દાદા, ભાઈ, દીદી, માઈ, સ્વામી, સ્વામીની ભારતમાં અને અમેરિકામાં પણ એમના ઉપદેશો આપી રહ્યા છે. સંતો અને બાપુઓની એક મોટી સેના દર ઉનાળે અમેરિકા પર ચડાઈ કરે છે. જે વહેલો તે પહેલોના ધોરણે રૂપિયા કમાઈ પાછાં ફરે છે. લોકો પણ થાકી ગયા હોય મોડો પડે તેના ભાગમાં ખાસ કશું ના આવે તેનું દુઃખ પત્ર દ્વારા વ્યક્ત કરાય છે. આ બધા શાંતિ છે તેવા અમેરિકામાં કેમ આવતા હશે? શાંતિના સંદેશની વધારે જરૂર તો કાશ્મીર અને પેલેસ્ટાઇનમાં છે. સૌથી મોટું ગણેશનું મંદિર કેલીફોર્નીયામાં બની રહ્યું છે, ભારતમાં નહિં. હવે ભગવાન પણ ગરીબ ભારત છોડવા માંડ્યા.

આપણો આધ્યાત્મિકતાનો આફરો બધે જ પહોચી ગયો છે. કવિતા, નૃત્ય, નાટક, કળા, સ્થાપત્ય લગભગ બધે જ. અગણિત કથાકારો અને સંતો રોજ પરલોક અને નવા જન્મ વિષે કથાઓ કરે જ રાખે છે. પરલોક જ સર્વસ્વ બની ગયો છે, આ જગતનું કોઈ મહત્વ જ રહ્યું નહિં. માટે આ જગત ગુમાવ્યું. માટે જ કાર્લ માર્ક્સ કહેતો કે ધર્મ એક અફીણ  છે. અફીણનાં નશામાં પડી રહો તેમ ધર્મના નશામાં પડી રહો. અફીણીયાને કોઈ કામ સૂઝે નહિં. એટલે અકર્મણ્યતા એક રોગ બની ગઈ. ટોમ ફ્રીડમેન કહેતો કે ધર્મ સાથે બે પ્રોબ્લેમ છે, એક તો હાર્ટ અને માઈન્ડ. આપણે હૃદય આપી દીધું અને વિચારશીલ મન ગુમાવ્યું, વિચારશીલ બુદ્ધિ ગુમાવી. આપણને  હૃદયની વાતો હજુ પણ આજે પણ ગમતી હોય છે, મન એટલે બુદ્ધિની વાતો હજુ પણ ગમતી નથી. કોઈ બુદ્ધિની વાત કરશે તો આપણે એને વખોડી નાખીશું કે આ તો તર્ક કરે છે, નાસ્તિક છે, પ્રેમભાવ નથી, હૃદય જ નથી. પરલોક પર એક્સક્લુસિવ ફોકસ થવાથી આ લોકનું કોઈ મહત્વ રહ્યું નહિ. આ લોકને ધિક્કારવા લાગ્યા કે આ જગત નાશવંત છે. આત્મા અમર છે, શરીર નાશવંત છે. આત્મા સર્વોપરી બન્યો તો દેહની મહત્તા ભૂલ્યા. દેહની મહત્તા ના રહી તો શરીરની સ્વચ્છતાનું ભાન ખાસ  ના રહ્યું. હાઈજીન, સૅનિટેશન એ શું બલા છે વળી?? બિનજરૂરી ઉપવાસ વધ્યા, અવપોષણથી નિસ્તેજ બનેલા કમજોર બન્યા. કમજોરમાં કોઈ હિંમત હોય ખરી?? મધર ટેરેશા અને બાબા આમ્ટે રક્તપીતિયા લોકોના ગતભવનાં પાપ ધોવા લાગી ગયા. અલ્યા ભાઈ આ પાપ ધોવા એના કરતા સાબુ વડે બે હાથ બરોબર ધોવાનું શીખવો.

આધ્યાત્મિકતા સંતો અને કથાકારો દ્વારા ફેલાતો એક ચેપી રોગ બની ગયો. ઇચ્છાઓ ખરાબ છે. ઇચ્છાઓ કદી તૃપ્ત થતી નથી. કોઈ ઇચ્છા જ ના રહી. વિલ Will પાવર જ રહ્યો નહિ. વિલ પાવર વગરની પ્રજા શું કરવાની?? આધ્યાત્મિકતા મોક્ષની, બીજા જન્મમાંથી મુક્તિની દવા  બની ગઈ. આત્માના પ્રકાશમાં દ્રશ્યમાન જગતમાં રહેલા વાસ્તવિકતાના અટલ અસીમ અંધકાર ને પારખવામાં નિષ્ફળ બન્યા. આત્માની અમરતાની વાતોમાં ભૂખ્યા બાળકોના મોત દેખાતા નથી. આત્મકલ્યાણ, આત્મસાક્ષાત્કાર, મુક્તિ, મોક્ષ અને નિર્વાણની વાતોએ  સ્વકેન્દ્રી બન્યા. એક આધ્યાત્મિક સ્વાર્થ પરાયણ સમાજની રચના થઈ ગઈ. એ આપણે રાજકારણ, સત્તા, સમાજમાં હાલ જોઈ શકીએ છીએ. દેશની કોઈને પડી છે? પ્રજાની કોઈને પડી છે? પોતાનું કલ્યાણ બીજાની કોઈ ફિકર નહિં. દરેક નેતા, વડાપ્રધાન કે ધર્મગુરુ આ જ કરી રહ્યો છે. ધર્મ એક ધંધો બની ગયો.

હવે જો તમે વિચારો તો આ ધંધો ચાલે નહિં .માટે સતત શંકા કરવી નહિં તેવા ઉપદેશો આપી શંકા કરવા પર પ્રતિબંધ મુકાઈ ગયો. જમાનો બદલાયો તો ધંધાનું આધુનીકરણ કરવામાં આવ્યું. હવે વિડીયો, સીડી કેસેટસ એજ જુના વિચારો નવા પરિવેશમાં. વૃદ્ધાવસ્થામાં કઈ કથા જીવવા માટે પૂરતા રૂપિયા આપશે?? મરતાં બાળકોને કયા મંદિરનો ઘંટ જગાડશે??

આપણે ૧૯૭૧નું યુદ્ધ જીત્યા, ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકો પાછાં સોંપી દીધા, પણ આપણાં ૫૫ આર્મી અફસરોને પાછાં લાવી ના શક્યા. એમના કુટુંબોએ ૪૦ વર્ષ લાંબી લડાઈ લડી પણ નિર્માલ્ય ભારત સરકાર કશું કરી ના શકી. અરે નિર્માલ્ય પ્રજાએ પણ કોઈ ટેકો આપ્યો નહિં. ના કોઈ સરઘસ કે ના કોઈ વિરોધ. સ્વ કલ્યાણમાં મસ્ત પ્રજા!! એમના કરમ આપણે શું?? અરે આજ પ્રજા રસ્તા પરથી કોઈ દેરી હટાવી જુઓ, મરવા મારવા પર ઊતરી જશે. સીમલા કરાર, તાશ્કંદ કરાર ટેબલ જીતેલા યુદ્ધો હારવાની નિર્માલ્ય નેતાઓને ટેવ પડી ગઈ છે. એક કસાબ હજારો હિંદુઓને ઊભી પુછ્ડીયે  ભગાવે છે. આત્મા તો અમર છે ને ભાઈ??? સામાજિક અર્થવ્યવસ્થા અને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય બાબતોમાં ભયજનક અસફળતા એ  આધ્યાત્મિકતાના આફરાનું પરિણામ છે.

 

૫) નસીબમાં હશે તે થશે?

પ્રારબ્ધવાદ અને પુનર્જન્મ બંને સાથે સાથે ચાલે છે. નસીબમાં હશે તે થશે, ગયા ભવમાં જેવા કર્મો કર્યા હશે તે રીતે આ જન્મમાં સુખ, વૈભવ, દુખ, ધન બધું મળશે. ઈશ્વરની મરજી વગર પાંદડું પણ હલતું નથી. બસ આ નસીબમાં હશે તે થશે વાક્ય તો ભારતની રગરગમાં સમાઈ ગયું છે. જેવું નસીબ આપણે શું કરી શકીએ?? જુઓ આ બધા વાક્યો કેવાં નિરાશા જનક છે. બસ રહ્યું સહ્યું આ પ્રારબ્ધવાદે પૂરું કરી નાખ્યું. આમેય ધોબી પછાડ વારંવાર મળે તેવી માનસિકતા ઘડાયા જતી હતી, એમાં આ પ્રારબ્ધવાદની ધોબી પછાડે તો ભારતની કમરનાં મણકા સાવ છુટા પાડી દીધા. બહુ મોટો ફટકો માર્યો, ભારત કદી બેઠું જ ના થાય. કમર જ ભાગી નાખી. આજે પણ ભારત બેઠું થાય તેવું શક્યતા લાગતી નથી. જ્યાં જુઓ ત્યાં નસીબ નસીબ અને નસીબ. આનો મોટો ગેરફાયદો એ થયો કે લોકોમાં કામ કરવાનો ઉત્સાહ જેવો જોઈએ તે પેદા થતો જ નથી. નસીબમાં હશે તેજ થવાનું છે તો મહેનત કરીને શું ફાયદો? આનાથી જે આક્રમકતા કામ કરવામાં આવવી જોઈએ તે આવતી નથી. લોકો મરે મરે ના છુટકે કામ કરતા હોય તેમ લાગે. કોઈ ઉત્સાહ જોવા ના મળે. એટલે કામ પણ સારું થાય નહિ. એમાંથી કામચોરી પણ આવી ગઈ. ગમે તેટલું કરીશું નસીબમાં નહિ હોય તો નહિ મળે એવી માન્યતાએ કામ ચોરી વધી અને સાથે પછી એનું પરિણામ આવ્યું અકર્મણ્યતા, જે ભારતનું મોટામાં મોટું દૂષણ, એક મહારોગ..

લાખો લોકો ફક્ત પરભવને સુધારવામાં પડી ગયા. કે ભાઈ ભજન કરો ભક્તિ કરો પરભવને સુધારો જેથી નવા જન્મે સારો અવતાર માળે, સારા ઘેર જન્મ થાય નસીબ સારું મળે, ભાગ્ય ખૂલે. ભાગ્યના ગ્રહો કુંડળીમાં બળવાન જોઈએ નહિ તો ગમે તેટલું કામ કરશો, મહેનત કરીને મરી જશો પણ કશું હાથ નહિ લાગે. નવા જન્મે ભાગ્યનું નવમું સ્થાન કુંડળીમાં બળવાન બનાવવા માટે આ જન્મે બેઠાં બેઠાં ભજન કર્યા કરો. જ્યોતિષનું મહત્વ વધ્યું. લોકો જ્યોતિષ પર વિશ્વાસ રાખતા થઈ ગયા. બસ નવરાં લોકોને કામ મળી ગયું. લાવો તમારી કુંડળી જોઈએ અંદર શું છે? ભાગ્યનો કારક ગ્રહ ગુરુ નબળો છે ગુરુની વીંટી પહેરવી પડશે. પીળા કલરનો કાચ સોનામાં મઢીને લોકો પહેરતા થઈ ગયા. એક કાચની નાનકડી લખોટી પહેરીને લોકોને રૂપિયા રળી લેવા છે, કામ કરવું નથી. શનિ મહારાજની સાડા સાતી ચાલી રહી છે ગમે તેટલી મહેનત કરો કોઈ ફળ મળવાનું નથી. તો પછી શું કરવાનું?? બેસી રહો પલાંઠી વાળીને ખાલી ઉદ્યમ કરવો?? સાડાસાતી ઊતરવા દો ઓટોમેટીક બધું સારું થઈ જશે. કોઈ પણ સ્ત્રીની કુંડળી જોઇને કે હાથ જોઇને કહો કે બેન તારા નસીબમાં જશ નથી, તું તારા કુટુંબ માટે ઘણું બધું કરીશ પણ તને કોઈ જશ નહિ આપે. ખલાસ સાચી વાત છે બહેન પ્રભાવમાં આવી જવાના. થોડી સાયકોલોજી વાપરો, થોડું અનુમાન શાસ્ત્ર અપનાવો સારા જ્યોતિષ બની શકાય છે. આઠમે મંગળ બેઠો છે, અકસ્માત થવાનો છે, કદાચ મોત પણ થઈ જાય. હવે શું કરીશું?? મંગળની વીંટી અને દાન પુણ્ય કરો. એક ભાઈએ એક જાણીતા જ્યોતિષીને એક કુંડલી  બતાવી, અને કશું કહેવા કહ્યું. પેલાં જ્યોતિષી કહે આ કોઈ દરિદ્ર, ભાગ્યવિહીન ભિખારી જેવા માણસની કુંડળી લાગે છે, જેનું કોઈ ભવિષ્ય જ નથી. એ કુંડળી હતી સ્વામી વિવેકાનંદની. આ પ્રારબ્ધવાદને લઈને ભારતમાં એક ખૂબ મોટો લોકોને છેતરવાનો ધંધો ચાલી ગયો અને ચાલી રહ્યો છે તે જ્યોતિષ શાસ્ત્ર છે.

સાચી વાત છે કે કુદરતના બધા નિયમો આપણને સમજાતા નથી. કુદરતની ઘણી બધી યોજનાઓ ઉપર આપણો કાબુ નથી. વાવાઝોડા, પુર, વરસાદ, નેચરલ ડીઝાસ્ટર પર આપણો કાબુ ના હોય તે સ્વાભાવિક છે. એના લીધે આપણે કુદરત પર આધારિત હોઈએ છીએ. બધું આપણું ધાર્યું થતું પણ નથી. મોટા ભાગે કુદરતનું ધાર્યું થતું હોય છે. એમાંથી કલ્પના આવી કે આપણું ધાર્યું તો થતું નથી. તો પછી નસીબ જેવું કંઈક હશે. એમાંથી નબળા મનના લોકોને થયું કે હવે ધાર્યું તો ધણીનું થાય છે તો આપણે શું કામ મહેનત કરવી?? કુદરતની જટિલ વિશ્વ વ્યવસ્થા સમજી શકવા માટે આપણે પૂરતા સક્ષમ નથી. એટલાં માટે ઘણી વાર ખૂબ મહેનત કર્યા પછી પણ ધાર્યું ફળ મળતું નથી. એનો મતલબ એ નથી કે મહેનત જ ના કરવી. માટે શ્રીકૃષ્ણ જેવા મહાપુરુષે કહ્યું કે  कर्मण्ये वाधिकारस्ते माफ़लेशु कदाचन: કે ભાઈ કુદરતના નિયમો તમને નહિ સમજાય, જેથી ફળની ચિંતા ના કરો પણ કર્મ કરવાનું ચાલુ રાખો બેસી ના રહેશો.

એમણે આખી જીંદગી દોડધામ કરી છે. ગોકુલ, મથુરા, દ્વારિકા બધે દોડતા જ રહ્યા છે. ઘણીવાર સતવાદી પુરુષો જિંદગીમાં દુખ વેઠતાં નજરે ચડે છે અને કહેવાતા પાપીઓ જલસા કરતા નજરે ચડે છે. કુદરતના નિયમો જટિલ છે. આજે ન્યુટન કહે છે તે આઈનસ્ટૈન ખોટું પાડે છે. જગત જે દેખાય છે તેવું નથી. આપણાં કરતા પક્ષીઓને જગત વધારે કલરફૂલ દેખાય છે. જ્યારે સાપ માટે જગત ખાલી બ્લેક એન્ડ વ્હાઈટ જ છે. આપણી પણ કલર જોવાની ક્ષમતા ઉંમર થતી જાય તેમ ઓછી થતી જાય છે. એક ફ્રેંચ ચિત્રકાર દર વર્ષે એકના એક લેન્ડ સ્કેપના ચિત્રો બનાવતો હતો. છેક વૃદ્ધ થયો ત્યાં સુધી એણે એક જ જગ્યાના ચિત્રો બનાવેલા અને સંગ્રહ કરી રાખેલા. જેમ એની ઉંમર થતી જતી હતી તેમ ચિત્રના કલર ડલ થતા જતા હતા. એના પરથી વૈજ્ઞાનિકો ને ખયાલ આવ્યો કે ઉંમર થતા કલર જોવાની ક્ષમતા ઓછી થતી જાય છે. કુદરત ઉપર આપણો કાબુ સાવ સામાન્ય નજીવો હોય. અહીં તક અને અકસ્માત મોટાભાગે  કામ લાગી જતા હોય છે. ઉદ્યમ અને હકારાત્મકતા વડે એનો ઉપાય કરી શકીએ. નસીબ ઉપર આધાર રાખવાની જરૂર જ ક્યાં છે? સમગ્ર ઉપર કાબુ ના હોય માટે એવું થોડું છે કે કશા ઉપર કાબુ જ નથી?? આપણે ઇચ્છા શક્તિ થી ઘણું બધું કરી શકીએ છીએ.

બસ આપણે તો કામ કરવાનું છોડી દીધું કે આપણાં હાથમાં છે જ નહિ તો શું કરવાનું?? છતા થોડું કામ તો કરવું જ પડે છે. ભિક્ષા માંગવા તો જવું જ પડે છે. અને મળેલી ભિક્ષા મુખમાં પધરાવવા હાથનો ઉદ્યમ તો જોઈએ જ છે. એટલે આવ્યું કે પ્રારબ્ધ અને પુરુષાર્થ જોડે ચાલે છે. પણ મૂળ પ્રારબ્ધનું મહત્વ કાયમ ઉપર જ રહ્યું. પુરુષાર્થ તો નામનો જ રહ્યો. ખાલી મફતમાં મહેનત કર્યા વગરની ભિક્ષા મુખમાં ઓરવા પૂરતો. ગમે તેટલી પુરુષાર્થની બુમો પાડો ભારતમાં તેનો હાથ નીચે છે, ફક્ત મફતમાં મળેલું ઉપયોગ કરવા પૂરતો. મુસલમાનોની આક્રમકતા અને ખ્રિસ્તીઓની મહેચ્છાઓ અને મહત્વાકાન્ક્ષાથી આપણે ચૂકી ગયા આ પ્રારબ્ધવાદને લીધે. આ બે વસ્તુઓથી આપણે દૂર રહ્યા. જે વિકાસના ક્રમમાં જરૂરી હતું, એનાથી જ દૂર રહી ગયા. પ્રારબ્ધવાદ તો આળસ કરતા પણ વધારે ખતરનાક છે. એટલે પ્રારબ્ધમાં માનવાવાળા આપણે આલસ્ય શિરોમણિ બની બેઠાં. એક મહાન કહેવાતી સંસ્કૃતિની ગતિ, પ્રગતિ અને વિજય પ્રયાસ વગર અટકી ગયું.

પ્રારબ્ધવાદને લીધે ઊંડું વિચારો તો નીતિમત્તા અને મહત્વાકાન્ક્ષાનું કોઈ મહત્વ રહ્યું નહિ, ખાલી ઈશ્વરેચ્છા બલીયસી થઈ ગયું. માટે આપણે હંમેશા નીતિ અને સદાચારની વાતો કરીએ છીએ, પ્રમાણિકતાની બડાશો મારીએ છીએ, પણ હોતા નથી. આપણી માનસિકતામાં કોઈ મોરાલીટી જેવું છે નહિ. ફક્ત વાતો કરીએ છીએ પણ સૌથી અપ્રમાણિક આપણે ભારતીયો છીએ. માટે જુઓ રોજ કેટલા બધા કૌભાંડો પ્રકાશમાં આવે છે? જાતજાતના સ્કેન્ડલ રોજ બહાર આવે છે. જેટલા આર્થિક તેનાથી બમણા સેક્સ સ્કેન્ડલ બહાર આવે. આપણ ને કોઈ ગિલ્ટી ફીલ થતું જ નથી. આપણે હાર્ડ વર્કિંગ થી દૂર અને સહેલાઈથી પૈસા રળી લેવાની વૃત્તિ ધરાવતા સ્કેન્ડલ પ્રધાન દેશમાં રહીએ છીએ. શું કહીશું?? મહાન સંસ્કૃતિ કે કૌભાંડ પ્રિય ??? સાધુ સંતો, દાદા, બાપુઓ, દીદી અને માઈ પણ કૌભાંડ કરતા ખચકાતા નથી. કોઈ શરમ નહિ. એક પક્ષની સરકાર હશે તો બીજો પક્ષ બુમો પાડશે જુઓ આ પક્ષ ભ્રષ્ટાચારી છે કેટલા બધા કૌભાંડ બહાર આવ્યા!! હવે અમને જિતાડો. અંદર થી જીવ બળતો હશે કે અમે સત્તા પર નથી અને આ મહા કૌભાંડો કરવાનો ચાન્સ ગુમાવી બેઠાં. હવે જલ્દી અમારી સરકાર લાવો જેથી આવો મહામુલો ચાન્સ ગુમાવીએ નહિ, કૌભાંડો કરવાનો યાર!!!

દેશનું ભવિષ્ય?? જેવી પ્રભુની મરજી !! હા ! હા ! હા !. ઈશ્વર ઇચ્છા બળવાન ! ! હા ! હા ! હા ! હા ! હા ! હાઆઆઅ !

 

૬) સંસાર દુઃખ છે.

દુઃખ મુક્તિનો ઉપાય છે. શું? નિર્વાણ.. રાજ કુંવર હતા. જન્મ પછી કોઈ જ્યોતિષ આવ્યા. કહે આ બાળક ચક્રવર્તી રાજા બનશે અથવા ચક્રવર્તી સન્યાસી. બે શક્યતાઓ કહી દીધી એટલે ખોટા પડાય નહિં તેવી ચાલાકી કરી નાખી. ખેર રાજા ગભરાઈ ગયા. નાના સિદ્ધાર્થને જગતની તમામ વાસ્તવિકતાથી દૂર કરી દીધો. કોઈ દુઃખ, બીમારી કે એવા માણસો નજરે ચડવા ના જોઈએ. તમામ સુખ મળે તેવી વ્યવસ્થા કરી દીધી અને અહીં જ ચૂક થઈ ગઈ. યુવાન થાય તે પહેલા સુંદર નારી જોડે વિવાહ પણ થઈ ગયો. કદી દુઃખ જોયું જ નહિં. મનોવૈજ્ઞાનિક ભૂલ પિતા કરી બેઠાં. જો પહેલાથી જગતની વાસ્તવિકતાઓથી દૂર રાખ્યા ના હોત તો ટેવાઈ જાત. દુઃખી, બીમાર, ગરીબ, વૃદ્ધ અને મરેલા માણસો જોઈ જોઇને ટેવાઈ જાત કે આવું તો ચાલ્યા કરે. તો ચક્રવર્તી રાજા બન્યા હોત. પણ એવું થયું નહિં. અચાનક એક દિવસ પહેલીવાર વૃદ્ધ, બીમાર અને મૃત્યુ પામેલો માણસ જોઈ સદમો લાગી ગયો. એક આઘાત લાગી ગયો. અડધી રાતે ઘર છોડી દુઃખ મુક્તિનો ઉપાય શોધવા ચાલી નીકળ્યા.

સંસાર દુઃખ છે, દુઃખમાં પ્રભુ સાંભરે. સુખી થવાના ઉપાયો કોણ કરે? સુખમાં તો છકી જવાય. પ્રભુ ભુલાઈ જાય. આવાગમનથી મુક્ત થઈ જવાના ઉપાયો શોધવા. જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું મતલબ પુનર્જન્મ, પરલોક બધું સાચું. આ જન્મે નહિં આવતે જન્મે સુખી થાશું. માતા કુંતીએ દુઃખ માંગ્યું કે ઈશ્વર સ્મરણ રહે. બે વસ્તુ છે સુખ વહેંચો તો સુખ વધે, તેમ દુઃખ વહેંચો તો દુઃખ વધે. અથવા સુખ વહેંચવાથી સુખ ઘટી જાય તો દુઃખ વહેંચવાથી દુઃખ પણ ઘટે. આપણે ઊલટું કરીએ છીએ. સુખ ઘટી જાય માટે સુખ વહેંચતા નથી. અને દુઃખ ઘટાડવા માટે દુઃખ વહેચીયે છીએ. સંસાર તરફ જોવાનો દ્રષ્ટિબિંદુ નકારાત્મક થઈ ગયો છે ભારતમાં.

વારંવાર આપણે હાર્યા છીએ. આપણી માન્યતાઓએ વારંવાર ધોબી પછાડ આપી. ભવિષ્ય હંમેશા અજ્ઞાત હોય છે. અજ્ઞાત ભવિષ્યનો ડર, હારનો ભય અને પછી પેદા થાય તણાવ.ભય અને આપત્તિ સમયે નર્વસ સીસ્ટમ લડો અથવા ભાગી જાઓ નીતિ અપનાવે છે. કોઈ પણ તણાવ સહન કરવાનો સરળ ઉપાય છે એને સ્વીકારી લો. બસ હવે આપણી નિયતિ આ જ છે સ્વીકારી લો. તનાવ સ્વીકારી લો, હાર સ્વીકારી લો, દુખ અને આપત્તિ સ્વીકારી લો એવી માનસિકતા ઘડાઈ ગઈ. લોકોએ સ્વીકારી લીધું અને એનો સામનો કરવાનું બળ ગુમાવી બેઠા. Fight ને બદલે flight કરી તો લીધું પણ એને જ નિયતિ સમજી બેઠા. બસ અહી માર ખાવાનું શીખી ગયા. એટલે બહાદુરી ગુમાવી બેઠા. લડીને જીતીને સર્વાઈવ થવાના બદલે ભાગીને સર્વાઈવ થઇ ગયા. આપણે દુખવાદી થઇ ગયા, અને સુખવાદી ને ભૌતિકવાદી છે કહીને વખોડવા લાગ્યા. કોઈ મોજ મજા કરે તો પાપી થઇ જાય છે. એક પગે ઉભો રહી જાય તો મહાન ભક્ત થઇ જાય છે. એક ખડેશ્વરી બાબા ને જોયેલા છે. પગ સુજીને થાંભલો થઇ ગયેલા. મૂરખ દુખ વેઠતો હતો અને લોકો પગે લાગતાં હતા. પશ્ચિમનાં લોકો સુખવાદી છે તેમને આપણે ગાળો દિયે છીએ. એક વિધવા બાઈ મળેલી. સ્ટોરમાં આવતી હતી. લોકોના ઘર ક્લીનીગનું કામ કરીને સારા એવા ડોલર્સ કમાતી હતી. મને કહે મારા પતિને મરી ગયે છ મહિના વીતી ગયા. I can’t cry whole life after him. એને મોટો એક યુવાન દીકરો અને દીકરી પણ હતા. મસ્તી થી જીવતી હતી. આને આપણે તો પાપ કરી નાખ્યું હોય તેમ જોઈશું. અથવા ભૌતિકવાદી કહીશું. સંસાર માત્ર દુખ છે ભારત માટે. બીજા દેશો માટે નહિ. આશરે ૯૦૦ વર્ષ એક પ્રજા ગુલામ રહે?? સ્વીકારી લીધું કે આપણી નિયતિ આજ છે. દુઃખ સ્વીકારી લો, ગુરુજીએ કહ્યું છે એમાં તો પ્રભુનું સ્મરણ રહે. ઊલટાનું દુઃખ ના હોય તો શોધી લાવો. એના વગર પ્રભુ ભુલાઈ જાય તે ના ચાલે. દુઃખ ના હોય તો ડોબું વહોરવું એવી ઉત્તર ગુજરાતમાં કહેવત છે. ડોબું એટલે ભેંસ. બીજે પણ આ કહેવત વપરાતી હશે.

વાસ્તવિક જગત તરફ જોવાની દ્રષ્ટી જ બદલાઈ ગઈ કે અહિં તો દુઃખ જ છે. તો પછી ચાલો પરલોકની શોધ કરીએ. પ્રારબ્ધવાદ, નિરાશાવાદ, પલાયનવાદ જુઓ કેટલા બધા વાદ અહીં ભેગાં થયા છે. પછી આવી ક્ષમા. ખેતરમાં હળ ફરતું હોય અને કીડો કપાઈ જાય અને હળને ક્ષમા આપી દે તેવું થયું. પછી આવ્યો સંતોષ, સંતોષી નર સદા સુખી. સંતોષથી કદી પ્રગતિ ના થાય, વિકાસ ના થાય.

આગલાં જન્મો જોવાનો કોઈ ઉપાય છે ખરો? ભવિષ્યમાં કયો જન્મ મળશે તે જાણી શકવાનો ઉપાય છે ખરો? આ બધું સત્ય છે તે માનવા માટે વિપુલ શ્રદ્ધા જોઈએ. જ્યારે કોઈ ઉપાય નથી તો અંધ બનીને માની લો. અમારા એક વૃદ્ધ સંબંધી ને કહેલું કે અમેરિકનો ચંદ્ર પર પહોચી ગયા તો માને જ નહિં. અમેરિકામાં ૧૦૦ માળનું મકાન છે તો માને જ નહિં. પણ સાત સ્વર્ગ અને સાત નરક નામ સાથે કહી બતાવે. આ અંધશ્રદ્ધા ભારતની નસનસમાં સમાઈ ગયેલી છે. સંતાનોને વારસામાં આપતા જઈએ છીએ. લાખો લોકો સુંદર ગૃહસ્થ જીવન છોડી નીકળી પડ્યા છે. દુઃખ મુક્તિનો ઉપાય શોધવા. હજારો માન્યતાઓએ સામૂહિક પ્રયત્નો કર્યા છે ભારતને પછાડી નાખવા. જેમ જેમ ભારત પછડાતું જાય છે તેમ તેમ આ માન્યતાઓ દ્રઢ બનતી જાય છે. હજારો કવિઓ કવિતાઓ કરી રહ્યા છે. હજારો લેખકો નવલકથાઓ લખી રહ્યા છે. હજારો ભજનિકો ગાઈ રહ્યા છે. સેંકડો ફિલ્મો બની રહી છે, ટીવી સીરીયલો બની રહી છે. બસ આજ ગીતો ગવાઈ રહ્યા છે. અગલે જનમમે બિટિયા બનાઈઓ, દુઃખ અને દર્દ સિવાયની વાર્તાઓ સફળ થતી નથી, ફિલ્મો સફળ થતી નથી. કરુણ અંત જોઈએ. સૌથી વધુ દર્દીલા, ઉદાસ ગીતો હિન્દી ફિલ્મમાં હશે. જેટલા ઊંચા ગજાના લેખકો, કવિઓ એટલી જ ઊંચા ગજાની દર્દ અને દુઃખની વાતો. રામાયણ સીરીયલ ખૂબ સફળ રહી. સીતાજી આખી સીરીયલમાં આંસુ સારતાં રહ્યા. ‘સાસ કભી બહુ થી’ તુલસી કાયમ રોતી જ રહી. દુઃખ દર્દમાં મજા છે. મુકેશ કે રફી સાહેબનું કોઈ દર્દીલું ગીત વાગતું હતું તો મારો દીકરો હરપાલસિંહ કહે પપ્પા નાનપણથી આવું સંભાળીને રોવાનું જ શીખ્યા હોય તો બીજું શું સૂઝે?

૭) ઓલ્ડ ઇજ ગોલ્ડ???

સજીવ જગતમાં વિવિધતા આવે છે એના જિન્સ માં ફેરફાર થવાથી. એને મ્યુટેશન કહેવાય છે. આ વિવિધતામાંથી પછી પ્રગતિ થાય છે. એવી રીતે માનવ જાત પ્રગતિશીલ બને છે વિવિધ જાતના પ્રયોગો થકી, નવું નવું  શોધવાથી. સૃજનાત્મકતા થકી. કંઈક નવું અમલમાં મૂકવાથી. કશું ઈન્નોવેટીવ વિચારવાથી. અંધારિયો યુગ પૂરો થયો અને બ્રિટન પાસે વિજ્ઞાન જગતમાં ન્યુટન આવ્યો, ડાર્વિન આવ્યો. રાજકારણમાં મેગ્ના કાર્ટા, તત્વજ્ઞાન ખાતે જે.એસ.મિલ, સાહિત્ય ખાતે શેક્સપિયર. છેક તેરમી સદીથી બ્રિટન વિકાસના માર્ગે આગળ વધતું ગયું અને ૧૮ મી અને ૧૯ મી સદીમાં આખી દુનિયા પર ચડી બેઠું. આપણે સુધારાવાદી બની નથી શકતા. આપણે જુનું એટલું સોનું એમાજ રાચીએ છીએ. ‘નવું નવ દહાડા’, આપણી માનસિકતા થઈ ગઈ છે. નવી વસ્તુ કોઈ વાર સફળ થતી નથી. પણ રિસ્ક તો લેવું જ પડે. ભારત ગનપાવડર ઉત્પન્ન  કેમ કરી ના શક્યું?? વરાળ એન્જિન કેમ આપણે ઉભા ના કર્યા? આપણી હાથસાળ ટેક્નોલૉજી અપનાવી અને અંગ્રેજોએ યંત્રોમાં જોડી દીધી અને કાપડની મિલો બનાવી. કોઈ ગેલેલિયો આપણે કેમ પેદા ના કરી શક્યા? અત્યારે પણ આધુનિક  જમાનામાં પણ આપણે વોલમાર્ટ કે પિકાસો પેદા કરી શકતા નથી. બધું ઉછીનું વાપરીએ છીએ. કોઈ ક્રિયેટીવીટી નહિ. હા! નકલ કરવામાં ઉસ્તાદ છીએ એની ના નહિ. ૨૦૦૦ વર્ષ થી ખેતી પણ એની એજ જૂની પદ્ધતિ, નવી ખેતી શીખવા કચ્છ જેવડા ઇઝરાયલ પાસે જઈએ છીએ. ગરીબી આવે છે અનેં એક કારણ  બિન ઉત્પાદકતા સુધારાવગર, માર્કેટિંગના અભાવ વગર. અંગોલા પાસે વિપુલ કુદરતી ભંડાર છે એટલાં જાપાન પાસે નથી. પણ જુઓ જાપાન ક્યાં છે અને અંગોલા ક્યાં છે? જાપાન રોજ નવું શોધે છે. મેટલ નથી એની પાસે તો, પ્લાસ્ટિક, ફાઇબર અને સિરામિક વાપરશે. ટેક્નોલૉજીમાં પછાત તો બુદ્ધિમાં પણ પછાત. હા!  ફિલોસોફી ઠોકવાની હોય તો બુદ્ધિ ગણી છે. પણ કશું નવું શોધવું હોય તો? સ્વતંત્ર વિચારસરણી વગર સુધારા શક્ય નથી અને બંને વગર નવું સૃજન શક્ય નથી, નવી ટેકનોલોજી શક્ય નથી. આપણે વિચારવાનું છોડી દીધું છે. એમાં પણ સ્વતંત્ર વિચારસરણી તો જરાય નહિ. આપણ બાળકોને પણ સ્વતંત્રતાથી વિચારવા  દેતા નથી. આપણાં બાળકો દુનિયાના સૌથી આધારિત બાળકો છે, માબાપના આધારિત, સમાજના આધારિત, ગુરુઓના આધારિત. બાળકોને નાનપણથી જ ગુરુઓના ચરણે પડતા કરી દેવાય છે. ભણવાથી માંડીને નોકરી કે દરેક બાબતે નિર્ણય લેવામાં એમની કોઈ સ્વતંત્રતા નથી. અરે એના લગ્ન બાબતે પણ આપણે છોકરી ગોતી દઈએ છીએ. અને પ્રેમમાં પડે તો આવી બને, સંસ્કૃતિનો નાશ થઈ જાય છે. માનવ કપડામાં હરતા ફરતા ઘેટા છીએ આપણે. કોઈ સ્વતંત્ર વિચારસરણી નહિ. અમેરિકન બાળકો જુદી રૂમમાં સુએ છે, યુવાન થયા પછી, ૧૮ના થયા પછી સ્વતંત્ર છે. એક કૉલેજનો(હાવર્ડ) ડ્રૉપ આઉટ છોકરો હજુ તો મુછો પણ નહિ ફૂટી હોય, હોસ્ટેલની રૂમમાં બેઠાં બેઠાં ૩૭ ડોલર્સની વેબ્સાઈટ બનાવી અને આજે સૌથી નાનો બિલીઓનર બની ચૂક્યો છે. એની ફેસબુક આજે સૌથી વધારે વપરાતી સોશિયલ વેબ્સાઈટ છે. અમેરિકન બાળકો ક્રિયેટીવ વધારે છે. આપણાં બાળકો હોશિયાર વધારે છે, ક્રિયેટીવ નહિ. આપણે બાળકોને મોટા કરીએ છીએ, ઉછેરતા નથી. આપણો સમાજ આપણી મોરાલીટી આપણી સામાજિક વ્યવસ્થા જુઓ કશું પણ નવું ઈન્નોવેટીવ કરતા રોકે છે. એક બીબા ઢાળ પ્રજા છીએ. સંસ્કૃતિ, નાતજાત, કપડા સુદ્ધાં જુઓ બીબા ઢાળ..ડ્રેસ કોડ જુઓ, આપણા ખેડૂતો જુઓ, એક સરખાં કપડા. આપણી ગ્રામ્ય જાતિઓ જુઓ,  કપડા પરથી જાતી ઓળખાઈ જાય. એક જ જાતનું કામ કોઈ ક્રિયેટીવીટી નહિ. કોઈ બુદ્ધિ નહિ. કોઈ સૃજનાત્મકતા નહિ.  ૫૦૦૦ વર્ષે પહેલી વાર શૂદ્ર ભણ્યો અને કલેકટર બન્યો, બાબા સાહેબ આંબેડકર. ભારતનું બંધારણ ઘડ્યું. વ્યક્તિ ને વિચારવાની સ્વતંત્રતા હોવી જોઈએ. હિંદુ સમાજ જુઓ, મુસ્લિમ સમાજ જુઓ અને સરખાવો ખ્રિસ્તી સમાજ સાથે. જ્યાં વિચારવા ઉપર પ્રતિબંધ છે ત્યાં જુઓ. સૃજનાત્મકતા અને સુધારા ત્યાં આવે જ્યાં વ્યક્તિ જોખમ  લેતા ગભરાય નહિ. એક જ સત્ય, એકજ રસ્તો, એકજ નેતા સમાજ આગળ ક્યાં જવાનો એતો પાછળ ધકેલાઈ જવાનો.

ઉપસંહાર : તો મિત્રો આપણી આવી માન્યતાઓએ એક ભવ્ય સંસ્કૃતિની ઈમારતને અંદર થી ખોખલી કરી નાખેલી હતી. ઉધઈ આવે ત્યારે લાકડું ઉપરથી સારું દેખાય પણ અંદરથી ઉધઇએ એને ખોતરી નાખેલું હોય. સહેજ ઠપકારો એટલે લાકડું વેરણ છેરણ થઈ જાય. તેમ આપણી માન્યતાઓની ઉધઇએ આપણી સંસ્કૃતિના સ્તંભ ને અંદરથી ખોતરી કાઢેલો હતો. ઉઅપરથી સરસ દેખાતો આ સ્તંભ કોઈ આવીને સહેજ ધક્કો મારે એટલે પડી જવાની રાહ જોતો હતો. મુસલમાન આક્રમણકારીઓ આવ્યા અને ધ્વસ્ત થઇ ગયો બાકીનું અંગ્રેજોએ પૂરું કર્યું. મેરા ભારત મહાન હતું આજે નથી. તે વાત પહેલા સ્વીકારવી પડશે. આ અવાસ્તવિક માન્યતાઓ થી દૂર જવું પડશે એમને ધરમૂળ થી ઉખેડીને ફેંકી દેવી પડશે, જે દીવાલોએ આપણી પ્રગતિ રોકી છે તેને ઉખેડીને ફેંકી દેવી પડશે. તો જ એક ભવ્ય અને મહાન ભારતનું નિર્માણ શક્ય બનશે.

 

 

 

બૌદ્ધિક બદમાશી

હમણાં એક વિકૃત કરેલો વિડીઓ જોયો. એમાં રાહુલ ગાંધી એવું બોલે છે કે ગુજરાતમાં ભાજપ જીતવાનું છે. મને થયું રાહુલ કોંગ્રેસના પ્રમુખ થઈને આવું બોલે નહિ, નક્કી કોઈ લોચો છે. પછી મેં તેનો અસલી વિડીઓ જોયો એમાં રાહુલ ગાંધી એવું બોલ્યા જ નહોતા. એટલે આવા ખોટા સમાચારો છાપવા, ઓનલાઈન મુકવા, વોટ્સપ અને ફેસબુક જેવી વેબ્સાઈટ પર અફવાઓ ફેલાવવી હવે સામાન્ય થઈ ગયું છે. એમાં ઘણાના મોત પણ થયા છે. રાજકારણમાં કોઈ પક્ષ દૂધે ધોયેલો નથી. બધા પક્ષોના કારીગરો ઘણા પગારથી અને ઘણા પગાર વગર આવી સેવા કરતા હોય છે. એવા ચેડા કોઈ પ્રખ્યાત મહાનુભાવોના જીવન બાબતે પણ થતાં હોય છે. દાખલા તરીકે નહેરુ ફેમિલીના પૂર્વજો મુસ્લિમ હતા. ફિરોજ ગાંધી મુસ્લિમ હતા વગેરે વગેરે. અને લોકો આવું વાંચી સાચું માની પણ લેતા હોય છે. હિંદુઓ મુસ્લિમ બન્યા છે પણ મુસ્લિમો હિંદુ બન્યાના કોઈ દાખલા હોય ખરા? માનો કે મહમંદ અલી જિન્નાહના દાદા હિંદુ લોહાણા હતા અને ખોજા મુસ્લિમ બન્યા હતા પણ મુસ્લિમો હિંદુ બને તો હિંદુ એમને સ્વીકારે એવું બને ખરું? ન ભૂતો ન ભવિષ્યતિ. જિન્નાહના દાદાએ ખાલી માછલીઓ વેચી હતી ખાધી નહોતી છતાં સમગ્ર લોહાણા સમાજે એમનો બહિષ્કાર કર્યો અને નાછૂટકે એમને મુસ્લિમ બનવું પડેલું; એવા રૂઢીચુસ્ત હિંદુઓ નહેરુના મુસ્લિમ પૂર્વજોને હિંદુ બનવા દે ખરા? એમાંય પંડિત જેવી ઉચ્ચ બ્રાહ્મણ કોમમાં ઘૂસવા દે ખરા? સામાન્ય તર્કની વાત છે. છતાં આવું સાદું પણ લાંબુ વિચાર્યા વગર નહેરુના પૂર્વજો મુસ્લિમ હતા તેવી તદ્દન ખોટી વાતો લોકો માની લેતા હોય છે. ઓમર અબ્દુલા, ફારુખ અબ્દુલાનાં પૂર્વજો હિંદુ પંડિત હતા અને મુસ્લિમ બનેલા તે હકીકત છે.

ટૂંકમાં સાચી હકીકતોને વિકૃત રૂપ આપી તેના પર જુઠનાં રંગ ચડાવવાને આપણે સર્જનાત્મકતા કહીએ છીએ. મેં પોતે ઘણીવાર ના લખ્યું હોય એવું લોકો મારે નામે ઘસડી નાખે છે. મારે કહેવું પડે કે ભાઈ મેં આવું લખ્યું જ નથી. અથવા મારું લખેલું એમના નામે ઘસડી મારે એટલે મારે કહેવું પડે કે ભાઈ આ મારું લખેલું છે. જાણીતા ટીવી પત્રકાર રવીશકુમારનાં નામે ટ્વીટર પર એવી ટ્વીટ મૂકાણી કે રવીશકુમારે પ્રધાનમંત્રીને ગુંડા કહ્યા, તે પણ જાણીતા દિગ્વિજયસિંહ દ્વારા. હવે રવીશકુમાર તો હયાત અને સક્રિય છે એટલે તરત એના અસલી વિડીઓ મૂક્યાં કે ભાઈ મેં આવું કહ્યું જ નથી. પછી દિગ્વિજયસિંહે માફી માંગી. હવે નહેરુ તો હયાત નથી એટલે શું ચોખવટ કરવાના હતા? છતાં ચાલો એમના વારસદારો હયાત છે એટલે કોઈ ચોખવટ કરે પણ ખરું. પણ કોઈના વારસદારો ના હોય અથવા વાત બહુ જૂની પેઢીની હોય તો કોણ ચોખવટ કરવાનું? આપણી ચારપાંચ પેઢીના જુના પૂર્વજોના નામ પણ ભાગ્યેજ કોઈને યાદ હોય છે; બારોટોના કે વહીવન્ચાઓના ચોપડા ફેંદવા પડે. પછી તો પુરાણ ઉપર જ આધાર રાખવો પડે.

ઈન્દિરાજી અને ફિરોજ ગાંધી રાજકારણમાં બહુ વ્યસ્ત હતા. એમની અંગત લાઈફ બહુ રહી નહિ હોય. હવે ગુજરાત સમાચાર જેવા માતબર દૈનિકમાં એક લેખક મહાશયે લખી નાખ્યું કે ઇન્દિરા ફિરોજ છુટા પડ્યા એનું કારણ ઇન્દિરાના માતા કમલા નહેરુ અને ફિરોજ ગાંધી વચ્ચે અફેર હતો અને ઇન્દિરા તે જોઈ ગયેલા. ઈન્દિરાજી તો બહુ જુનો ભૂતકાળ નથી. મેં પોતે એમને જોયા છે અને વડોદરામાં એમનું ભાષણ પણ સાંભળ્યું છે. એમના માતા કમલા નહેરુ ૧૯૩૬માં મૃત્યુ પામ્યા પછી ૧૯૪૨માં ઇન્દિરા ફિરોજના લગ્ન થયેલા. ૧૯૫૨ની ચૂટણીમાં ફિરોજ ગાંધી ઉભા રહેલાં તેનો તમામ વહીવટ ઇન્દિરાજીએ કરેલો. રાજીવ ગાંધીનો જન્મ ૧૯૪૪મા. અને સંજય ગાંધીનો જન્મ ૧૯૪૬માં. લેખકે એવું ગપ્પું મારેલું કે રાજીવના જન્મ પછી ઇન્દિરા ફિરોજ છુટા પડી ગયેલાં તો સંજયનો બાપ કોણ? ૧૯૫૨મા ફિરોજ ગાંધી ઉમેદવાર તરીકે ઉભા રહેલા ત્યારે ઇન્દિરાએ જ બધો વહીવટ કરેલો તે વાત લેખક ખાઈ ગયેલાં એમનું જુઠ લખવા માટે. ઇન્દિરા એમના પિતા સાથે તીન મૂર્તિમાં રહેતા હતા કારણ તેમના પિતા એકલા હતા. ૧૯૫૮મા ફિરોજ ગાંધીને હાર્ટએટેક આવેલો ત્યારે પિતા સાથે તે ભૂટાનની સરકારી યાત્રા પર હતા અને સમાચાર જાણી તરત ફીરોજની સંભાળ લેવા પાછા આવેલા. ૧૯૬૦મા બીજા હાર્ટએટેકમાં ફિરોજ ગાંધી ગુજરી ગયા દિલ્હીની વિલિંગડન હોસ્પિટલમાં. આ હકીકત છે. હવે લેખકે મારેલી ગપ્પાબાજીને એમની ફેન્ટસી કહીશું? ક્રિયેટિવીટી કહીશું? કે બૌદ્ધિક બદમાશી કહીશું?

માનો કે મેં કોઈ વાર્તા લખી કે લાંબી વાર્તા નવલકથા લખી. એટલે એ મારું બાળક કે સર્જન કહેવાય. ભલે કાલ્પનિક હોય પણ હવે એ ચોક્કસ માળખામાં ગોઠવાઈ ગઈ. હવે ભવિષ્યમાં એ વાર્તા સાથે કોઈ ચેડા કરે તો શું માનવું? કોઈના જીવનની હકીકતોને મરોડી નાખી જેમ નહેરુ-ઇન્દિરા વિષે જુઠ ફેલાવાય છે તેવું માની લેવાય કે નહિ? તમારે મૂળ વાર્તામાં ફેરફાર કરવા હોય તો નવી વાર્તા જ લખો ને ભાઈ! ભલે કાલ્પનિક હોય પણ હવે કાલ્પનિક હોવાથી તેમાં ચેડા કરવાનો હક તમને કઈ રીતે મળી જાય તે પણ સર્જનાત્મકતાને બહાને? તમે જ કલ્પના કરી નવું સર્જન કરો અમને શું વાંધો? બસ આવું જ સરસ્વતીચંદ્રની નવલકથા ઉપર સિરીયલ બનાવતા સંજયલીલા ભણશાળીએ કરેલું. એકલા સંજયની વાત નથી હોલીવુડમાં પણ આવું કરતા હોય છે. બાજીરાવ મસ્તાનીમાં સંજયે મૂળ ઈતિહાસને તકલીફ ના થાય એ રીતે નજીવા ફેરફાર સાથે બહુ સરસ ફિલ્મ બનાવેલી તે હકીકત છે.

ગ્લેડીયેટર નામનું બ્લોક બસ્ટર હોલીવુડનું મૂવી બધાયે જોયું હશે. રશેલ ક્રોવનો અદ્ભુત અભિનય હતો એમાં. હવે ઐતિહાસિક દ્રષ્ટીએ જોઈએ તો રશેલ ક્રોવનું પાત્ર કાલ્પનિક છે. એમાં મૂળ ઈતિહાસ સાથે ચેડા ભયંકર કરેલા, એ છે કે રોમન સમ્રાટને એના પુત્ર સાથે ખૂબ સારું બનતું હતું અને બંનેએ ભાગીદારીમાં વર્ષો સુધી સુપેરે રાજ કરેલું. સમ્રાટ પોતે બીમાર પડીને મરી ગયેલા. જ્યારે ફિલ્મમાં સમ્રાટની હત્યા પુત્ર કરતો હોય એવું બતાવેલું. હવે મૂવી જોનારને તો સમ્રાટનો પુત્ર બાપનો હત્યારો જ લાગવાનો. એના લીધે ફિલ્મ બનતી હતી ત્યારે એમાં સંલગ્ન બે ઈતિહાસકારો આવા ચેડા ના કરવા જોઈએ એ હિસાબે ફિલ્મ નિર્માણ વખતે એમાંથી બહાર નીકળી ગયેલા.

૩૦૦ મૂવીમાં પણ ઈતિહાસ સાથે ચેડાં કરવામાં આવેલા છે એવું કહેવાય છે. ખેર હવે બહુ જુનો ઈતિહાસ પોતે જ આધારભૂત હોય નહિ શું કરવાનું? પુરાણકથાઓ પોતે જ આધારભૂત હોતી નથી એટલે એમાં લેખકો કવિઓ મનફાવે તેમ ચેડાં કરતા હોય છે. રામાયણની ૧૪ જાતની જુદી જુદી કથાઓ છે. મતલબ ચૌદ રામાયણ છે. એમાં પોતાની રીતે સિરીયલ બનાવી ૧૫મી રામાનંદ સાગરે ઊભી કરેલી. કઈ સાચી માનવી? છતાંય વાલ્મિકી રામાયણ આધારભૂત ગણીએ તો તુલસીદાસે એમાં બહુ ઉમેરેલું અને મરોડેલું છે. એવું જ મહાભારતનું છે. મનફાવે તેમ કવિઓએ એમાં શ્લોકો ઉમેરેલા છે. કે.કા.શાસ્ત્રીને સરકારે છટણી કરવાનું સોપેલું. છતાંય આખા મહાભારતમાં રાધાનું ક્યાંય નામ જ નથી. વેદવ્યાસને લાગ્યું હશે કે મહાભારતમાં કૃષ્ણને બરોબર ન્યાય આપી શકાયો નથી માટે હરિવંશ લખ્યું.

આખાય હરિવંશમાં ક્યાંય રાધાનું નામ નથી. શ્રીમદ ભાગવતમાં પણ રાધાનું નામ નથી. તો આ રાધા આવી ક્યાંથી? બ્રહ્મવૈવર્ત પુરાણને વિદ્વાનો ઓથેન્ટિક ગણતાં નથી એમાં રાધા કૃષ્ણની મામી એટલે જશોદાના ભાઈની પત્ની છે. બાલકૃષ્ણને રડતાં હોય તો રમાડવા લઇ જતી હોય છે. પણ બ્રહ્મવૈવર્ત પુરાણના જે હોય તે પણ વિકૃત માનસના લેખકે રાધા એની માયા વડે બાલકૃષ્ણને યુવાન બનાવી તેની સાથે સંભોગ વગેરે કરી ફરી માયા વડે નાના બાળ બનાવી દે છે તેવા વર્ણન કર્યા છે. વેદવ્યાસને આવું લખવું હોત તો મહાભારત કે હરિવંશમાં જ લખત પણ એ બંને ગ્રંથમાં રાધાનું નામોનિશાન નથી. બ્રહ્મવૈવર્ત પ્રમાણે ગણીએ તો મામી રાધા વિકૃત મગજની કહેવાય કે નહિ? બસ પછી તો પૂછવું જ શું? એનો આધારે મહાન ચેડાબાજ વિદ્વાન જયદેવે ગીતગોવિંદ લખ્યું ને રાધાકૃષ્ણનો પ્રેમ અમર થઈ ગયો. અગિયાર વર્ષનો બાળક એક વાર ગોકુલ છોડી મથુરા ગયો પછી કદી પાછો ગોકુલ ગયો જ નથી. એ પહેલાના એના ગોકુળમાં વીતેલા સમયે એના નામે કેટકેટલી કામાતુર વાતો ચડાવી દીધી? મામી ભાણીયો સરખી ઉંમરના હોય અને પ્રેમમાં પડે તો વાજબી છે આવું બધું. હવે પ્રકાશ પંડ્યા નામના બરોડાના લેખક તો જયદેવને ટક્કર મારે એવા. ‘હવે તો ઊત્તર આપો કૃષ્ણ’ નામની નોવેલમાં એમણે તો રાધા અને કૃષ્ણ વડે એક દીકરી પણ પેદા કરી લીધી. નામ પણ ઉષા આપી દીધું. રાધાનો પતિ આયન પણ આ બધું છતી આંખે છપ્પનની છાતી રાખી જોઈ રહે છે. અગિયાર વર્ષનો બાળક પરણેલી રાધાને મથુરા જતાં પહેલા સંભોગ કરીને એક બાળકીની ભેટ પણ આપી દે, હહાહાહાહા! બે આંખની શરમેય ના નડી?

બીજી એક હોડ જામી છે લેખકોમાં કૃષ્ણને દ્રૌપદી જોડે સુવડાવવાની. મેં એના માટે ખાસ મહાભારતમાં દ્રૌપદી સ્વયંવર વિશેના પ્રકરણો વાંચ્યા. દ્રૌપદીના લગ્ન પછી મોસાળું કૃષ્ણે કર્યું, હાથી ઘોડા આપ્યા વગેરે વગેરે. પણ ક્યાંય દ્રૌપદીને કૃષ્ણ ઉપર રોમેન્ટિક પ્રેમ ઉપજ્યો હોય એવું લખાણ નથી. પ્રકાશ પંડ્યાજી તો લગ્નની આગલી રાતે દ્રૌપદીને કૃષ્ણ જોડે સુવડાવીને જ જંપ્યા.. કૃષ્ણ પાછા દ્રૌપદીના દાદા જેવડા, સ્વયંવરમાં પૌત્ર અનિરુદ્ધને પણ લઈને ગયેલા. ગ્રાન્ડપાનું ટીનેજર પૌત્રી જોડે પોર્ન ચાલતું હોય એવું લાગ્યું. આ છે આપણા લેખકોની કવિઓની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી. કે પછી સર્જકો એમની અતૃપ્ત વાસનાઓ આવી રીતે સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી કરીને સંતોષતા હોય.

ખેર મૂળ કથાનકને નુકશાન ના થાય એ રીતે પણ ઘણા સર્જકો સર્જન કરતા એમની કલ્પનાઓ ઉમેરતા હોય છે તે વાજબી છે. જ્ઞાનપીઠ વિજેતા પ્રતિભા રાયે યજ્ઞસેની નામે દ્રૌપદી વિષે સરસ નવલકથા લખી છે. એનું ગુજરાતી ભાષાંતર દ્રૌપદી નામે પ્રોફેસર જયા મહેતાએ કર્યું છે, તે મેં વાંચેલી. મૂળ કથાનકને વફાદાર રહીને એમણે એમની સર્જનાત્મકતા બતાવી છે.

નીગ્લીજીબલ ચેન્જ તો કુદરત પણ માફ કરતી હોય છે.

 

સ્ત્રી, સમજવી અઘરી.

સ્ત્રી કોઈને સમજાતી નથી. કેમ? સ્ત્રી એક ઉકેલી ના શકાય તેવા કોયડા જેવી હોય છે. એનું મુખ્ય કારણ છે. સ્ત્રીનું બ્રેન જુદી રીતે કામ કરે છે અને પુરુષનું બ્રેન જુદી રીતે કામ કરે છે માટે પુરુષને સ્ત્રી જલદી સમજાતી નથી. સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય બહુ સારી હોય છે. સામા માણસના ભાવ તરત પારખી જતી હોય છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ બીજા લોકોના મનના ભાવ જલદી પામી જતી હોય છે, અને મિત્રતા પણ જલદી કરી શકતી હોય છે. એનું એક મહત્વનું કારણ સ્ત્રીઓના બ્રેઈનના બંને ભાગમાં શરીરની સંવેદનાઓ અને લાગણીઓનું પ્રોસેસિંગ કરતા ન્યુરોન્સ વધુ હોય છે. સ્ત્રી કોઈની બાજુમાં બેસે એટલે તરત જ એનું નિરીક્ષણ ચાલુ થઈ જાય. અચેતનરૂપે આસપાસ બેઠેલાંનું પ્રતિબિંબ ઝીલવાનું શરુ થઈ જાય. એની શ્વાસોશ્વાસની રીધમ, મસલ્સ ટૅન્શન, અને બ્રેઈન સર્કિટનું પૃથ્થકરણ શરુ થઈ જાય. સામા માનવીના ભાવમાં થતા ફેરફારો સ્ત્રી જલદી પારખી પોતાની સ્મૃતિમાં રહેલા અનુભવમાંથી સામો માણસ શું ધારી રહ્યો છે, તેનું વિશ્લેષણ એનું બ્રેન કરવા માંડે છે. અને આ રીતે સ્ત્રી સામા માણસની હકારાત્મક અને નકારાત્મક લાગણીઓની પ્રતિક્રિયા પ્રત્યે સભાન બની એની સાથે જોડાઈ શકે છે, ભાગ લઈ શકે છે અને પારખી પણ શકે છે. આમ સ્ત્રી સામી વ્યક્તિનું દુખ પુરુષોની સરખાણીએ વધુ સારી રીતે સમજી શકે છે અને અનુભવી શકે છે.

સ્ત્રીઓના હાર્મોન્સ આમાં બહુ મોટો ભાગ ભજવે છે. સ્ત્રીઓ પાસે estrogen અને oxytocin હર્મોન્સનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. એકબીજાને સ્પર્શ કરી ભાવનાત્મક જોડાણ કરવામાં oxytocin બહુ મોટો ભાગ ભજવે છે. આમ સ્ત્રીઓ શારીરિક સ્પર્શ કરીને દુખ, આનંદ અને બીજી લાગણીઓ વધુ અનુભવી શકે છે.

પ્રિહિસ્ટોરીક કાળમાં જુઓ બાળકોને સાચવવાની જવાબદારી સ્ત્રીઓની વધુ હતી. અને આજે પણ આધુનિક સ્ત્રીઓ તે ફરજ અદા કરતી હોય છે. પણ પ્રિહિસ્ટોરીક સમયે ભયજનક પ્રાણીઓ, અને બીજા ગ્રૂપના માનવોથી તથા બીજી ભયજનક મુશ્કેલીઓમાંથી બાળકોને બચાવવા સ્ત્રીને બીજી સ્ત્રીઓ અને પુરુષોની મદદની જરૂર હંમેશા રહેતી. આમ સ્ત્રી જલદી મિત્રો બનાવવા માટે ઇવોલ્વ થયેલી.

સ્ત્રીઓ ખાલી દ્ગષ્ટિ વડે સામી વ્યક્તિના ભાવ સમજી જાય, સાથે સાથે સ્ત્રીઓની સૂંઘવાની શક્તિ પણ પુરુષો કરતા વધુ હોય છે. એનું કારણ છે estrogen હાર્મોન્સ. આમ menstrual pheromones ની સ્મેલનાં કારણે સાથે રહેતી સ્ત્રીઓને જેવી કે હોસ્ટેલમાં સાથે રહેતી છોકરીઓ હોય કે અરબ શેખો કે રાજાઓની એક કરતા વધુ રાણીઓ એક જ સમયે પીરિયડમાં આવતી જોવા મળે છે.

સ્ત્રીઓ એકબીજા સાથે ખૂબ મૈત્રી કરી જાણતી હોય છે. સ્ત્રીઓ જલદી એકબીજાની મિત્ર બની જતી હોય છે. એક સ્ત્રી બીજી સ્ત્રીની તકલીફો વધુ સારી રીતે સમજી શકતી હોય છે પુરુષો કરતા. પણ એના પોતાના પુરુષમાં કોઈ બીજી સ્ત્રી ભાગ પડાવવા આવે તો સ્ત્રી પેલી સ્ત્રીની ખતરનાક દુશ્મન બનતા વાર કરતી નથી. કારણ પછી એના સર્વાઇવલનું શું?

દરેક પુરુષને લાગતું હોય છે કે સ્ત્રી એને સમજાતી નથી. આવી રીતે દરેક સ્ત્રીને લાગતું હોય છે કે પુરુષ તેને સમજી શકતો નથી. પુરુષનું બ્રેઈન અને સ્ત્રીનું બ્રેન જુદી જુદી રીતે વિચારતું હોય છે. પુરુષ તર્ક અને ગણિતને લક્ષ્યમાં લેતો હોય છે. બધું વ્યવસ્થિત જોઈએ. બધું પધ્ધતિસર જોઈએ. એમાં નવી પધ્ધતિ શોધવામાં મદદરૂપ થાય. જ્યારે સ્ત્રીનું બ્રેન લાગણી, સહવાસ, સાંનિધ્ય, ભાવના સાથે સંબંધ ધરાવતું હોય છે. બીજાની લાગણીઓ વિષે વિચારવું અને તે રીતે સામો પ્રત્યુત્તર આપવો.

પુરુષના બ્રેનને “Systemizing”, mechanistic શ્રેણીમાં મૂકી શકો. જ્યારે સ્ત્રીના બ્રેનને “Empathizing” શ્રેણીમાં મૂકી શકો. આમાં અપવાદ બહુ હોય. પુરુષ પણ કાયમ યંત્રવત વિચારતો હોય તેવું ના બને તેમ સ્ત્રી પણ કાયમ લાગણીશીલ વિચારતી હોય તેવું ના બને. પુરુષો મોટાભાગે ઊંચા હોય છે સ્ત્રીની સરખામણીએ. છતાં ઘણી સ્ત્રીઓ ખૂબ ઊંચી હોય છે અને ઘણા પુરુષો સરેરાશ પુરુષો કરતા નીચા વામનજી હોય છે. પણ મોટાભાગે પુરુષ હાઈટમાં ઉંચો અને સ્ત્રી હાઈટમાં નીચી હોય છે. હાઈટ શબ્દ ઇરાદાપૂર્વક લખ્યો છે. બસ એવી રીતે બધા પુરુષો સ્ટ્રોંગ પુરુષ બ્રેન ધરાવતા હોતા નથી, તેમ બધી સ્ત્રીઓ સ્ટ્રોંગ ફીમેલ બ્રેન ધરાવતી હોતી નથી. એટલે આપણે કહીએ છીએ સ્ત્રીઓ દિલથી વધુ વિચારતી હોય છે. વાસ્તવમાં દિલ એટલે હૃદય નહિ પણ બ્રેનનો લાગણીશીલ વિભાગ. બાકી હૃદય તો શરીરમાં લોહી ફેરવવાનો પંપ માત્ર છે.

ઉત્ક્રાન્તિના ક્રમમાં આ રહસ્ય છુપાયું છે. પુરુષ શિકાર કરવા જતો. ટુલ્સ-સાધનો અને હથિયાર બનાવતો. શિકાર કરવા જાય તો આખો દિવસ વિતાવવો પડે. ખૂબ ચાલવું પડે, ધીરજ જોઈએ, બધું આયોજન કરવું પડે. આ બધા માટે લાગણીશીલતા ઓછી હોય તો કામ લાગે. બાકી ધીરજ રહે નહિ. ગણિત અને તર્ક જોઈએ, આયોજન કરવા માટે. હરીફાઈ હતી, ખોરાક શોધવા અને સ્ત્રી મેળવવા માટે પણ. લડવું પડતું. આક્રમક બનવું પડતું. તમે કોઈને મારી શકો નહિ, એની હત્યા કરી શકો નહિ જો તેના માટે ફીલિંગ્સ ધરાવતા હો તો.

હવે સમજ્યા? અર્જુનના ગાત્રો કેમ ગળી ગયા હતા? કૃષ્ણે આખી ગીતા આ ફીલિંગ્સ દૂર કરવા કહી હતી. જ્યારે પ્રકૃતિએ સ્ત્રીને માતા બનાવી તો બાળક જે હજુ બોલી શકતું નથી તેની લાગણીઓ, જરૂરિયાતો સમજવી પડે છે. એના માટે જરૂર છે, તાદાત્મ્ય અને મનોવૈજ્ઞાનિક આવડતની. માતા તરીકેની જવાબદારીએ સ્ત્રીની વિચારવાની દિશા બદલી નાખી. બીજું લગ્ન કરી બીજા સમૂહમાં જવાનું થાય તો અજાણ્યા લોકો અને સમૂહને પોતાનો કરવો એમાં ભળી જવું તે માટે નવા લોકો સાથે મૈત્રી રાખવાની આવડત પણ કેળવાઈ ગઈ. ટૂંકમાં પુરુષનો સ્વભાવ વસ્તુગત કે વસ્તુલક્ષી ને સ્ત્રીનો સ્વભાવ માનવીય વધારે સમજવો.

એટલાં માટે પુરુષો ગણિત, ફીજીક્સ અને એન્જીનીયરીન્ગમાં વધારે હોશિયાર હોય છે. અને સ્ત્રીઓ કળા, નૃત્ય, ભાષા, માતૃત્વની જવાબદારીઓ અને ખાસ જેની સાથે ભાષાકીય વહેવાર ના હોય છતાં એનું મન વાંચી લેવું વગેરેમાં હોશિયાર હોય છે. ગરબડ ત્યાં થાય છે કે સ્ત્રી કે પત્ની સાથે પુરુષ તર્ક અને મશીન સાથે કરતો તેમ વાત કરતો હોય છે જે સંબંધોમાં અસંગત લાગે. અને સ્ત્રી કાર કે કોઈ મશીન સાથે એવી રીતે વાત કરતી હોય જાણે એની પાસે હૃદય કે બ્રેન હોય. કિન્તુ પરંતુ કોઈ પુરુષ પાસે અતિશય(Extreme) પુરુષ બ્રેન હોય કે સ્ત્રી પાસે અતિશય સ્ત્રી બ્રેન હોય ત્યારે શું થાય?

એક ક્રાંતિકારી સંશોધન Simon Baron-Cohen નામના વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસ મુજબ ઓટીઝમ એટલે extreme પુરુષ બ્રેન. પુરુષનું સિસ્ટમાઇઝીંગ અને મીકેનીસ્ટીક થીંકીંગ બીજા લોકો તરફ જાણે તે કોઈ મશીન કે તાર્કિક સીસ્ટમ હોય તે રીતે અતિ કરવા લાગે જાણે સામી વ્યક્તિ પાસે માઈન્ડ કે ફીલિંગ્સ હોય જ નહિ તે માણસો ઓટીઝમના શિકાર હોય છે. વૈજ્ઞાનિકો માઈન્ડબ્લાઈંડનેસ કહેતા હોય છે. આ લોકો બીજા લોકોની લાગણીઓ અને મન વિષે અંધ હોય છે. ઓટીસ્ટીક સ્ત્રીઓ ભાગ્યેજ જોવા મળે. કેમ તે હવે સમજાવવું નહિ પડે. જ્યારે સ્ત્રીઓનું વલણ empathizing અને mentalizing થીંકીંગ તરફ વધુ હોય છે. જ્યારે સ્ત્રીઓ જડ વસ્તુ જેવા મશીન કે કાર કે માણસોને પણ એમના extreme ફીમેલ બ્રેન વડે વિચારતી હોય ત્યારે થાય છે પેરનાઈડ Schizophrenia. આને હાઈપર મેન્ટાલીસ્ટીક કહે છે, મતલબ લોજિક બ્લાઈંડ. આવા લોકો કોઈ પણ અસ્તિત્વ ના હોય તેવા અવાજો સાંભળી શકતા હોય છે, કોઈ પણ અસ્તિત્વ ના હોય તેવી વ્યક્તિઓને દેખી શકે છે, તેવા દ્ગશ્યો દેખી શકે છે. અને બીજા લોકો તેને નુકશાન પહોચાડવા કાવતરા કરી રહ્યા હોય છે તેવું વિચારતા હોય છે.

વધારે પડતું પુરુષ બ્રેન ઓટીસ્ટીક માઈન્ડ બ્લાઈંડ બનાવે છે, જ્યારે વધારે પડતું સ્ત્રી બ્રેન paranoid schizophrenic લોજિક બ્લાઈંડ બનાવે છે. ઓટીજમ પિતા તરફથી વારસામાં મળેલા જિન્સના લીધે કારણભૂત છે જ્યારે paranoid schizophrenia માટે કારણભૂત માતા તરફથી મળેલા જિન્સ છે. બીજા પણ કારણો આના વિષે હશે અને છે જ પણ ઇવલૂશનરી સાયકોલોજીસ્ટ આવું વિચારતા હોય છે. માટે હું કોઈને ૫૦૦૦ વર્ષ પહેલા રમાયેલી રાસલીલા અત્યારે દેખાય તેમને સ્કીજોફ્રેનીક કહું તો ખોટું લગાડવું નહિ. જે પુરુષો વધુ પડતું ફીમેલ બ્રેન ધરાવતા હોય તેઓ વધુ પડતાં ઇમોશનલ હોય છે. તર્કયુક્ત વાતોમાં રસ ધરાવતા હોતા નથી. તેઓ પણ અસ્તિત્વ ધરાવતા ના હોય તેવા અવાજો, દ્રશ્યો અનુભવી શકતા હોય છે. આપણા ભક્તો બધા આ શ્રેણીમાં આવી જાય. ભગવાન આવીને એમના હાથે દૂધ પી જાય, રમી જાય, વાતો કરી જાય. ભગવાન કોઈ વ્યક્તિ નથી કે નવરો પણ નથી આવું બધું કરવા.

સ્ત્રીની જીંદગી દુવિધા જનક હોય છે. જે પુરુષને ખબર પડે નહિ. અથવા સ્ત્રી પુરુષને ખબર પડવા ના દે. પ્રથમ તમામ પૂર્વ ધારણાઓ અને પૂર્વગ્રહ દૂર રાખીને આ ઈવલૂશનરી સાયન્સ, સાયકોલોજી અને બાયોલોજી વિષે વાંચવું યોગ્ય રહેશે. આ બધી થિયરી એવરેજ માનવી માટે છે, કોઈ અપવાદરૂપ માટે નથી.

માનવીની ઉત્પત્તિ થયે આશરે ૨૫ લાખ વર્ષ થયા છે. લગ્ન વ્યવસ્થા વગર માનવી લાખો વર્ષ સર્વાઈવ થયો જ છે. લગ્ન વ્યવસ્થા બહુ જૂની નથી. બહુ બહુ તો ૫૦૦૦ વર્ષ જૂની હશે. તે પણ હાલના સ્વરૂપે ૫૦૦૦ વર્ષ પહેલા નહિ જ હોય. ભારતમાં આંતરજ્ઞાતીય લગ્નો વધવા માંડ્યા છે, તે પુરાવો છે કે હવે તેના પાયા ડગમગવા લાગ્યા છે. અહીં અમેરિકામાં તો લગ્ન વ્યવસ્થા કકડભૂસ થઇ ચૂકી છે.

લગ્ન વ્યવસ્થાની મજબૂરી ના હોય તો ???

સ્ત્રી હમેશા બુદ્ધિશાળી, સુંદર અને આકર્ષક પુરુષને પસંદ કરશે. સ્ત્રી હમેશાં ઊંચા પુરુષને પસંદ કરશે. બાયોલોજીસ્ટ વૈજ્ઞાનિકો જાણે છે કે માદા ચિમ્પાન્ઝી ઋતુચક્રમાં આવે ત્યારે એનું જનીન અંગ સૂજીને મોટું થઈ જાય છે અને નાટકીય રીતે ગુલાબી રંગનું થઈ જાય છે. પૃથ્વી પરના તમામ સ્તનધારી પ્રાણીઓની ખાસિયત છે કે ઋતુચક્રમાં આવે ત્યારે એમની ફલદ્રુપતાની જાણ અને જાહેરાત એમના જનીન અંગો વિશિષ્ટ રીતે કરતા હોય છે. જ્યારે ઉત્ક્રાંતિના વિકાસના ક્રમના વાંકાચૂંકા વહેણમાં માનવીની માદા આવી જાહેરાત ખોઈ બેઠી છે તેવું માનવામાં આવતું હતું. કૈંક અંશે સત્ય પણ છે. પણ સાવ જાહેરાત નથી એવું પણ નથી. ઇવલૂશનરી બાયોલોજીસ્ટ અને સાયકોલોજીસ્ટ વૈજ્ઞાનિકોએ વિપુલ પુરાવા મેળવ્યા છે.

ઘણી સ્ત્રીઓ અમુક સમયે ખૂબ ધ્યાનાકર્ષક લગતી હોય છે. પાર્ટી કે મેળાવડામાં બધાની નજરનું સેન્ટર બનતી હોય છે. મતલબ છવાઈ જતી હોય છે. ઑવ્યુલેશન એટલે કે અંડમોચન સમયે સ્ત્રીના રંગરૂપ અને સુગંધ બદલાઈ જતી હોય છે. સ્ત્રીના અંડ છુટા પડી ફળીભૂત થવા તૈયાર છે તેની જાણ અને જાહેરાત અચેતન રૂપે થઈ જતી હોય છે. એના વાણી વર્તનમાં ખૂબ ફેરફાર થતા હોય છે. અરે બીજા લોકોનું એના પ્રત્યેનું વર્તન પણ બદલાઈ જતું હોય છે. તે સમયે એની સુગંધ પણ બદલાઈ જતી હોય છે અને તે સુગંધ એના સાથીદારના ટેસ્ટાસ્ટેરોન હાર્મોનનું લેવલ વધારી દે છે. માનવીમાં માદાઓનું ઑવ્યુલેશન કોઈને દેખાય તેવું હોતું નથી, કન્સિલ્ડ હોય છે. પણ સ્ત્રી અને પુરુષ બંનેની રોજંદા વર્તણુંકમાં ફેરફાર જરૂર કરી દેતું હોય છે. આપણે માનીએ છીએ કે સ્ત્રીઓની પસંદ હમેશાં એક સરખી હોય છે, તે લગ્નજીવનની મજબૂરી છે. બાકી જ્યારે સ્ત્રી ગર્ભવતી થવા આતુર અને તૈયાર હોય ત્યારે તે કોની તરફ ખેંચાશે? સ્નાયુબદ્ધ, વી શેપ્ડ, ગાઢ ભ્રમર, ચોરસ અને મજબૂત જડબાં, પાતળા હોઠ, પાતળો તીક્ષ્ણ અવાજ, આક્રમક અને ડૉમીનન્ટ પુરુષ પસંદ કરશે. જ્યારે ઋતુચક્ર પૂરું થઈ ગયું હશે અને ગર્ભવતી થવાના કોઈ ચાન્સ નહિ હોય ત્યારે એની પસંદ બદલાઈ જવાની હવે તેને નમ્ર વર્તન, મોટો અવાજ અને જેન્ટલમેન પુરુષ પસંદ પડશે.

આમ સ્ત્રીનું લાઇફ દ્વિધાત્મક હોય છે. બે પ્રકારની સેક્સ્યુઆલિટી સ્ત્રીઓ ધરાવતી હોય છે. ઑવ્યુલેશન વખતે જુદી અને બાકીના આરામના દિવસોમાં જુદી. ગર્ભવતી થવા આતુર સ્ત્રી એના આવનાર બાળક માટે હાઈએસ્ટ ક્વોલોટી જિન્સ પસંદ કરતી હોય છે. જે પુરુષનો ચહેરો અને શારીરિક બાંધો અને વર્તણુંક એનામાં રહેલા હાઈએસ્ટ ટેસ્ટાસ્ટેરોન મેલ હાર્મોનની ચાડી ખાતો હોય તેને પ્રથમ પસંદ કરશે. પણ એકવાર તે ગર્ભવતી થઈ ગઈ અથવા કોઈ ચાન્સ ના હોય તો એની પસંદ બદલાઈ જવાની. હવે તેના આવનાર બાળક માટે સારો ખોરાક, સારા રીસોર્સીસ પુરા પાડનાર, સહકાર આપનાર, સારી નમ્ર વર્તણુંક કરનાર તેની સલામતી અને સાચવનાર લાગે તેવો પુરુષ પસંદ પડશે. લગ્ન વ્યવસ્થામાં કોઈ ચોઈસ હોતી નથી. પણ એમની વર્તણુંકમાં અવશ્ય ફેર થતો હોય છે કારણ લાખોવર્ષનો ઉત્ક્રાંતિનો ક્રમ જિન્સમાં સમાયેલો હોય છે.

ઇવલૂશનના ઇતિહાસમાં માનવ કબીલાના આગેવાન પ્રભાવક અને વિપુલ રીસોર્સીસ ધરાવતા પુરુષોએ ટીનેજર છોકરીઓને પોતાની ત્રીજી ચોથી પત્ની તરીકે હમેશાં રાખી છે. આ મોટો ઉંમરના પુરુષો પાસે આવનાર બાળકો માટે વિપુલ ભંડાર અને સલામતી હોય છે. સ્ત્રીને એના બાળકની સલામતી પહેલી જોઈએ. સ્ત્રીની પહેલી પસંદ મજબૂત જિન્સની હોય છે, પણ તે ટ્રાન્સ્ફર થયેલા જિન્સ, આવનાર બાળક બચે નહિ તો ફેઇલ જાય. માટે બીજી પસંદ વિપુલ ભંડાર અને સલામતી જોઈએ. માટે આજે જે ટીનેજર છોકરીઓને માતાપિતા તરફથી સંપૂર્ણ સલામતી અને વિપુલ ભંડારની ખાતરી હોય તે છોકરી સ્ટ્રોંગ જિન્સ ધરાવતા દિલફેંક એમની ઉંમરના ટીનેજર પ્રત્યે આકર્ષણ ધરાવશે અથવા તેના પ્રેમમાં પડશે. પણ જે ટીનેજર છોકરીઓને કોઈ સોર્સ ના હોય માતાપિતા પોતે જ રીસોર્સીસ ધરાવતા ના હોય કે એમનો સાથ સહકાર ના હોય તેવી ટીનેજર છોકરીઓ મોટી ઉંમરના પણ પૈસાદાર ધનપતિ કે વિપુલ ભંડાર ધરાવતા પુરુષોના પ્રેમમાં પડવાની. હવે તેને સ્ટ્રોંગ જિન્સ નહિ પણ સલામતી આવનાર બાળક માટે જોઈએ છે.

હું વિજાપુરમાં નાનપણમાં રહેતો હતો ત્યારે એક પૈસાપાત્ર નવ વાર પરણેલા હતા. મેં તો એમને જોએલા નહિ. એમના નવમાં પત્નીને જોએલા. એમના ઓરમાન દીકરાની વહુ તેમનાથી મોટા હતા. ઇવલૂશનનાં ઇતિહાસમાં સ્ત્રી હમેશાં કોયડા જેવી રહી છે. એટલે આપણે કહેતા હોઈએ છીએ કે સ્ત્રીને સમજવી મુશ્કેલ છે. મૂળ એનું શરીર તંત્ર જરા જુદું છે. એના હાર્મોન્સ જરા જુદા છે. એના માથે બાળક ઉછેરવાની મહત્તમ જવાબદારી કુદરતે મારેલી છે. માટે એને જરા જુદી રીતે વિચારવું પડે છે પુરુષ કરતા. આજ સ્ત્રી મજબૂત પાવરફુલ genes ની શોધમાં કોઈ કહેવાતા મવાલી સાથે ભાગી જતી હોય છે. આજ સ્ત્રી કોઈ પૈસાવાળા વૃદ્ધ સાથે લગ્ન કરી લેતી હોય છે. સ્વાભાવિક છે સર્જનશીલ વ્યક્તિઓ જેવા કે કલાકારો, લેખકો, કવિઓ, સંગીતકાર, કે એવા કોઈ પણ વ્યક્તિઓ બીજા સામાન્ય લોકો કરતા થોડી વિશિષ્ટતા વધુ ધરાવતા હોય તે એમના પાવરફુલ genes નું પ્રમાણ હોય છે. તો સ્ત્રીઓ એમના પ્રત્યે વધુ આકર્ષાય છે તેનું કારણ તેવા પુરુષોના પાવરફુલ genes છે.

ટૂંકમાં સ્ત્રીને સમજવા એની બાયોલોજી ખાસ સમજવી પડે. છતાં સ્ત્રી પુરુષ માટે હમેશાં રહસ્યમય રહી છે અને કાયમ રહેવાની પણ છે.

Raja_Ravi_Varma,_Pleasing

માટીની મહેંક

માટીની મહેંક

“અહીં આવ્યા પછી આપણા દેશના લોકોને મળીને અનુભવ્યું કે પેટ્રીઓટીઝમ-દેશભક્તિ અહીંના લોકોમાં આપણા દેશમાં રહેનારા લોકો કરતા વધુ જણાય છે,” આવા મતલબનું ૪૦ વર્ષથી ગુજરાત સમાચારમાં ‘બુધવારની બપોર’ લખતા અશોકભાઈ દવે એકવાર અહિ અમેરિકા આવ્યા ત્યારે કહેતા હતા. મને પોતાને પણ એ હમેશાં સાચું લાગ્યું છે.

સર્વાઈવલ માટે જે દેશની ધરતીમાં થી જીવન રસના ધાવણ ધાવ્યા હોઇએ  તે દેશના મુળિયા એકદમ કઈ રીતે ભૂલવા ? મેમલ પ્રાણીનો એક ગુણ હોય છે એનો વિસ્તાર બદલાય તો ભાગ્યે જ એડજસ્ટ થાય, ખલાસ થઈ જાય. પણ માનવી એવું મેમલ છે જે વિસ્તાર બદલાય તો પણ ગમે તે રીતે એડજસ્ટ થઈ જતું હોય છે. ઊલટાનું સર્વાઈવલ માટે વિસ્તાર પ્રદેશ બધું બદલી નાખે છે. એવું ના હોત તો હજુ આપણે આફ્રિકામાં વૃક્ષો ઉપર હૂપાહૂપ કરતા હોત. આવું એટલા માટે કહું છું કે માનવીની ઉત્ક્રાંતિ આફ્રિકાથી થઈ છે પછી ધીમે ધીમે દર વર્ષે એક માઈલ આગળ વધતો વધતો આખી દુનિયામાં ફેલાઈ ગયો છે એવું વૈજ્ઞાનિકો કહે છે.

પણ આ મુળિયાની જમીન બદલવી બહુ પીડા દાયક હોય છે. છોડને એક કુંડામાંથી ઉખેડી બીજા કુંડામાં નાખો ત્યારે અમુક મૂળ તૂટીને જુના કુંડામાં રહી જતા હોય છે તેની યાદ બહુ વસમી હોય છે. એટલે આજે પણ માંડવીની પોલ અમદાવાદના એક બહેન ન્યુ જર્સીમાં ગ્રોસરી ભેગું ગુજરાત સમાચાર ખરીદી લઈ જતા હોય છે અને પોતે વાતોડિયણ હોવાના લીધે ઘેર જતા મોડું થયું હોય છે માટે પતિદેવ પૂછે કે કેમ મોડું થયું તે પહેલા બુધવારની બપોર ખોલી કોફી ટેબલ પર મુકીને ચુપચાપ ફ્રીજમાં શાકભાજી ગોઠવવા લાગે છે જેથી પતિદેવ સીધા પેલી બપોર વાંચવા બેસી જાય ને કોઈ સવાલ કરે જ નહિ. આ છે પેલી મૂળ ઉખડ્યાની પીડા. એમની પીડા મારી પીડા છે, બલકે દરેક વિદેશમાં રહેતા ભારતીય ની પણ એજ પીડા છે.

મને છ મહિના લેઓફ મળેલો અમેરિકાની મંદીમાં ત્યારે હું પણ ઓનલાઈન બેઠો બેઠો ગુજરાતી છાપાઓ વાંચતો. ટીવી પર હજુય ભારતના ન્યુઝ કે ચેનલ્સ વધુ જોવા ગમે આજે ૧૩ વર્ષ પછી પણ..એમાં દિવ્યભાસ્કર ઉપર પ્રતિભાવો લખતાં લખતાં ક્યારે લેખક તરીકે મિત્રો મને ઓળખવા માંડ્યા ખબર ના પડી. આ મૂળ ઉખડ્યાની પીડાએ મને લખતો કરી દીધો તે હકીકત છે. એમાં ગુજરાતના સારા સારા ખ્યાતનામ લેખકો મિત્રો તરીકે મળ્યા. મારા બે પુસ્તકો થયા, હજુ બીજા થશે. આમ મૂળ ઉખડ્યાની પીડા ફળદાયી પણ બની છે. બાકી હું દેશમાં રહેતો હોત તો આ બધું ના બનત તે પણ નક્કી જ છે.

ઉનાળો આવે એટલે અહીં બોલીવુડના ગાયકો પણ ઉમટી પડતા હોય છે. ધર્મગુરુઓ અને સંપ્રદાયોના વડાઓ પણ તૂટી પડતા હોય છે. કવિઓ, લેખકો સાહિત્યકારો પણ ઉમટી પડતા હોય છે. ફરક એટલો છે કે પેલા ઊખડેલ મૂળિયાની પીડા જે ભારતીયો અનુભવતાં હોય છે એની ધર્મગુરુઓ અને ફિલ્મી ગાયકો રોકડી કરી લેતા હોય છે જ્યારે સાહિત્યકારો અને કલાકારો એના પર મલમ લગાવી  જતા હોય છે. એમાં જવા આવવાનો ખર્ચ કાઢે એમાં કશું ખોટું પણ નથી..

અહિ દર બે વર્ષે નોર્થ અમેરિકાની સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્ય સંમેલન ભરાય છે. એમાં નામી સાહિત્યકારો અને વક્તાઓ બોલાવવામાં આવે છે. હું પણ આ ત્રણ દિવસના સંમેલનમાં ભાગ લેતો હોઉં છું. આમાં પણ જો તમે પાછળ બેસી સંમેલનનો આનંદ માણતાં હોવ તો આગળ તમને મોટાભાગે પૂર્ણચંદ્રની છબી વધુમાં વધુ જોવા મળશે. ના સમજ્યા? ટૂંકમાં આગળ બેઠેલાઓમાં વડીલો જ વડીલો હોય છે જથ્થાબંધ વાળ ધરાવતા યુવાન મિત્રો ભાગ્યેજ દેખાશે. આ છે પોતાની મૂળ ઉખડ્યાની પીડા પર મલમ લગાવી એને હળવી કરવા મથતા વડીલો. પોતાનો ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથેનો જે નાતો છૂટ્યો છે તેને ફરી જોડવા મથતા વડીલો. નવી પેઢી અહિ જન્મી હોય મોટી થઈ હોય એને આ પીડા વર્તાય નહિ એટલે આવા મૂળ વતનને જોડી રાખતા સમારંભોમાં હાજરી ખાસ આપે નહિ સિવાય કે કોઈ સ્પેશલ રસ હોય.

૨૦૧૬માં ભરાયેલા ત્રણ દિવસનું ગુજરાતી સાહિત્ય સંમેલન પૂરું થયું પછી હું અને મિત્ર જય વસાવડા સાથે બહાર નીકળ્યા. મારે એમને ટીવી એશિયાના સ્ટુડીઓ ઉપર છોડવાના હતા, ત્યારે જયભાઇએ મને કહ્યું, ‘ અહિ નકરા વડીલો જ દેખાતા હતા; કોઈ યંગસ્ટર્સ ખાસ જોયા નહિ, અમુક વર્ષો પછી આવા સંમેલન ભરાશે કે કેમ એ એક પ્રશ્ન છે.’

મેં એમને કહ્યું, ‘દર મહીને બહાર પડતા માસિક ‘ગુજરાત દર્પણ’ ની ઓફિસે ઉનાળામાં મહીને એક વાર આવા અહિ વસેલા લેખક મિત્રોની એક સામાન્ય સભા ભરાય છે એમાં પણ હું સાઈઠ વર્ષનો યંગ ગણાતો. જ્યાં સુધી મોટી ઉંમરે અમેરિકા લોકો આવતા રહેશે ત્યાં સુધી આવા સમારંભો થયા કરશે.’

તમે જે માટીમાં જન્મ્યા હોવ તે માટીની મહેંક તમારા અચેતન મનમાં જેને વૈજ્ઞાનિકો સબકોન્શ્યસ માઈન્ડ કહે છે તેમાં કાયમી ઘૂસી જતી હોય છે. એ કદી ભૂલાય નહિ. સપનાં આવવા તે સબ કોન્શ્યસ માઈન્ડની રમત છે. ૧૩ વર્ષ થયા મને અમેરિકામાં આવ્યે પણ હજુ મને સપનાં મારા ગામ માણસા, હું ઉછરેલો તે ગામ વિજાપુર અને પછી મોટાભાગે જ્યાં રહેલો તે વડોદરાના જ આવે છે. ટૂંકમાં આ બધી જગ્યાએ મેં જે વર્ષો ગાળેલા તે માટીની માહેંક મારા સબ કોન્શ્યસમાં સમાઈ ગયેલી હોય તે સ્વાભાવિક છે માટે મને આ બધી જગ્યાએ ગાળેલા વર્ષોની સ્મૃતિઓ સહિતના સપનાં જ આવે છે. આ છે મૂળ માટીની મહેંકનો ચમત્કાર. વતન ગમે તેટલું ગંદુ ગોબરું હોય તો પણ તે અતિશય વહાલું દરેકને હોય જ છે.

મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મારો જન્મ. બેત્રણ વર્ષ નડીયાદ ગાળ્યા હશે. પછી પાછા વિજાપુરમાં સ્થાયી થયેલા. એ દેવાણીવાસ, હનુમાનજીના મંદિરનો ચોક, લક્ષ્મીનારાયણનું મંદિર જ્યાં સાંજે આરતી સમયે ઢોલ વગાડવા જવાનું, રણછોડજીના મંદિરમાં પ્રસાદ ખાવા જવાનું આ બધું હજુ સ્મૃતિમાં અકબંધ છે. તે સમયનો બાળ ગોઠીયો રાજેન્દ્ર બારોટ તો હજુ પણ મારો મિત્ર છે, એના મધર શારદાબેનનાં હાથની બનેલી રીંગણની કઢી અને બાજરીના રોટલાનો સ્વાદ તો ફરી કદી જાણ્યો નથી. દેવાણીવાસમાં જ રહેતા કંચનલાલ શાહ ગણિતના શિક્ષક મને ગણિત સાથે બહાર ઓટલા પર બેસી ચેસ પણ શીખવતા. મને ચેસમાં હરાવવો મૂશ્કેલ એમના કારણે જ.

પિતાશ્રી વકીલ હતા. વિજાપુરની સાર્વજનિક લાયબ્રેરીના ટ્રસ્ટનાં પ્રમુખ પણ હતા. હું જાઉં એટલે ગ્રંથપાલ જનુભાઈ કહેતા, ‘ આ માથાની દવા આવી, લે ભાઈ લે બધી ચાવીઓ લઇ જા, જે પુસ્તક જોઈતું હોય તે કાઢી લે, મારું માથું ના ખાઈશ.’

આશ સેકન્ડરી હાઈસ્કૂલમાં ભણેલો. ગાંધીવાદી ગોપાલભાઈ પટેલ પિતાશ્રીના મિત્ર. એટલે આજની જેમ કોઈ રોફ ના થાય. ઉલટાનું મિત્રના પુત્રને વધુ શિસ્તમાં રાખવાનો એટલે બે ધોકા વધુ પડે. અંગ્રેજીના શિક્ષક જયંતીભાઈ પટેલ કાયમ એક જ ટાઈપની મોજડી પહેરી લાવતાં, નવી લેતા હશે પણ એની ટાઈપ કદી ના બદલાય એટલે અમને મિત્રોને થતું એકની એક જૂની વર્ષો સુધી ચલાવતા હશે. હું જરા અળવીતરો એટલે સ્કૂલમાં એક પ્રશ્ન પેટી હતી એમાં પ્રશ્ન લખીને પૂછનારનું નામ લખ્યા વગર નાખી દીધો કે જયંતીભાઈ સાહેબની મોજડીની જન્મ તારીખ કઈ? સાહેબે ધુવાફૂવા થઈને જવાબ આપેલો પણ તે સમયે કહેવાની હિંમત ચાલેલી નહિ કે પ્રશ્ન મેં લખ્યો છે.

દસમાં ધોરણ પછી વડોદરા ભણવા ગયેલો. ત્યાં પહેલીવાર ગણેશોત્સવ જોઈ ખૂબ આશ્ચર્ય થયેલું. વતન માણસા આઠેક વર્ષ ખેતી કરી પાછો પત્ની બાળકો સાથે વડોદરા સ્થાયી થયો અને ત્યાંથી અમેરિકા આવી ગયો. ન્યુ જર્સીના એડિશનમાં દસેક વર્ષ રહ્યો હવે પેન્સીલવેનિયાના સ્ક્રેન્ટનમાં રહું છું. દીકરાઓ સાહસ કરે છે બીજનેસમાં અને હું તેમને મદદ કરું છું. ફેસબુક જેવી સોશિઅલ વેબ્સાઈટ ફરી પાછો દેશ સાથે નાતો જોડે છે. જુના મિત્રો પાછા મળે છે, નવા મિત્રો બનાવીએ છીએ, લડીએ છીએ, ઝઘડીએ છીએ પાછાં ભેગાં મળીએ છીએ. આમ દેશ સાથે તંતુ જોડી રાખીએ છીએ.

ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં બહુ સરસ મંત્ર-ગીત છે.

ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम।

पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥

पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः।

शेरेऽस्य सवेर् पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥

आस्ते भग आसीनस्य, ऊध्वर्स्तिष्ठति तिष्ठतः।

शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥

कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः।

उत्तिष्ठँस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥

चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्।

सूयर्स्य पश्य श्रेमाणं, यो न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥

(ऐतरेय ब्राह्मण ७.१५)

મૂળ તો આ પાંચ શ્લોકના ગીતનો આ ત્રીજો શ્લોક જ વધુ પ્રખ્યાત છે. બેસી રહેનારનું ભાગ્ય બેસી રહે છે. ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂઈ રહે છે અને ચાલનારનું ભાગ્ય ચાલે છે.

વૈજ્ઞાનિકો માને છે, અને એમને અમુક પુરાવા મળ્યા છે તે પ્રમાણે માનવી, કોઈ કૉમન પૂર્વજોમાં કોઈ જિનેટિક ફેરફાર થવાથી લાખો વર્ષ પહેલા ચિમ્પેન્ઝી જેવા કપિમાનવ કરતા થોડો જુદો ઉત્ક્રાંતિ પામ્યો. શરૂમાં લાખો વર્ષ વૃક્ષો ઉપર જ રહ્યો. આમ તો વૃક્ષ ઉપરથી નીચે ઊતરી પાછો ઉપર ચડી જતો હશે. આવું અર્ધ વાનર અર્ધ માનવ જેવું લગભગ ૩૦ લાખ વર્ષ જૂનું ફોસિલ આફ્રિકામાંથી મળેલું જ છે. પણ આવા આપણા પૂર્વજોનાં એકાદ જુથે પાછું વૃક્ષ પર રહેવા જવાના બદલે જમીન પર રહેવાનું નક્કી કર્યું હશે. પછી ખોરાક અને સલામત રહેઠાણની શોધમાં આગળ વધવાનું ચાલુ કર્યું હશે. ત્યારથી આ ચરૈવેતિ ચાલુ થયું છે. માનવી વૃક્ષ પરથી હેઠે ઊતર્યા પછી સતત ચાલતો જ રહેલો છે. ચાલતા રહેવું આપણા DNA માં જ છે. આજે પણ જ્યારે કોઈ મૂરખ એવું કહે કે તમે પરદેશ કેમ ગયા છો? ત્યારે મને તેના અજ્ઞાન ઉપર દયા આવે છે. અરે મૂરખ તારા બાપદાદાએ ચાલતા રહેવાનું રાખ્યું જ નાં હોત તો તું હજુ આફ્રિકામાં કોઈ ઝાડ પર હુપાહુપ કરતો હોત.

બસ આ ચરૈવેતિ ચરૈવેતિ ન્યાયે અમેરિકામાં આવીને વસ્યા છે બહેતર જીવન માટે પણ વતનની માટીની મહેંક અમારાં અણુએ અણુમાં શરીરના કણ કણમાં સમાયેલી છે તે તો હવે મરે જ જવાની.

લખનાર: ભૂપેન્દ્રસિંહ રતનસિંહ રાઓલ. મૂળ વતન: માણસા જિલ્લો ગાંધીનગર ગુજરાત.

: હાલ- સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા. યુએસએ. ફોન: +૧ ૭૩૨-૪૦૬-૬૯૩૭

 

ગાંધીથી આઝાદી અશક્ય 

ગાંધીથી આઝાદી અશક્ય

 

ઉતરાણ આવે એટલે લોકો પતંગ ચગાવે ને પેચ લડાવે એમ આઝાદી દિવસ આવે એટલે અમુક મિત્રો ગાંધીજીને યાદ કરે તો બીજા ગોડસેને યાદ કરે ને પછી કાપંકાપી શરું. ૫૫ કરોડ રૂપિયા પાકીસતાનને ભાઈએ ભાગની જેમ આપવાના હતાં કોઈ દાન નહિ તે પ્રકરણ પાછું ચાલુ થાય.

૫૫ કરોડ હવે તો સાવ મામૂલી રકમ ગણાય. હવે તો નેતાઓ ૫૫ લાખ કરોડના કૌભાંડ કરતા થઇ ગયા છે.

ગાંધીજીએ ૫૫ કરોડ આપવા દબાણ કર્યું એટલે ગોડસે ભાઈ બગાડ્યાને ગાંધીજીને ઢીસુમ ઢીસુમ કરી નાખ્યા. પણ સાવ એવું નથી મૂળ તો અગ્નિ અંદર ભારેલો હતો, પ્રજ્વલિત જ હતો પણ રાખ વાળેલી હતી તે ૫૫ કરોડે ફૂંકી નાખી. ગાંધી રેશનલ નહોતા ધાર્મિક હતા પણ સાથે સાથે માનવ હતા.

ધર્મ, પરમ્પરા, રીતિરીવાજો, વ્યવસ્થા નામની લોખન્ડી એડી નીચે જે સમાજને સદીઓથી કચડી રાખેલો તેના ઉદ્ધારની વાતો કરી, એમના ઘરોમાં જવા લાગ્યા, એમની સાથે રહેતા, એમના ભેગા બેસી ભજન ગાવા મંડયા. સદીઓથી ચાલતી એક અમાનુષી વ્યવસ્થાના પાયા એમણે હચમચાવી નાખ્યા.

હજારો વર્ષ જૂની વ્યવસ્થાની સડેલી શેતરંજી પર ધર્મની ધાબળી ઓઢી સૂતી પ્રજા ગભરાઈ ગઈ આતો બધુ સાવ અભડાવી મારશે. અમારા કૂવા, વાવ, મંદિરો બધુ જ. ઘરમાં છોકરું રોજ બહુ તોફાન કરે તો આપણે મારતા નથી. ગુસ્સો રોજ ભેગો થાયને એક દિવસ નગણ્ય કારણોસર ઝૂડી નાખીએ છીએ. ૫૫ કરોડ તો બહાનું હતું ગુસ્સોઅનેક અનેક કારણોસર ભેગો થયેલો હતો ગાંધીની રોજ રોજની મસ્તીથી. એક દિવસ ઠોકી પાડ્યાં.

કરુણતા એ છે કે જેના ઉદ્ધારની વાતો કરેલી તે પણ ગાંધીથી નારાજ છે. કરુણતા એ છે કે જે નેતા લાલ કિલ્લા પર ગાંધીને યાદ કરે છે તેના જ અમુક ચુસ્ત ઝનૂની સમર્થકો ગોડસે સિન્ડ્રોમ વડે પીડાય છે. અમેરિકામાં ટીવી પર ચાલતી ચર્ચાઓમાં ગાંધીના ક્વોટ આદરપૂર્વક બોલાય છે, હોલીવુડની ફિલ્મોમાં ગાંધીના ક્વોટ આદરપૂર્વક વપરાય છે ત્યારે ગર્વની લાગણી અનુભવાય છે. કેટલાક મુરખોને ભારતને ગાંધીથી આઝાદ કરવાની ખંજવાળ ઉપડી છે પણ કરોડો ગાંધી પ્રેમીઓના હૃદયમાં એ વસેલો છે માટે એ અશક્ય વાત છે.

Bhupendrasinh Raol

main-qimg-734e40d742fb9be931f072811d6355b9-c

 

જરાસંધ (ભારતવર્ષના રાજાઓ)

આપણે પુરાણો લખ્યા ઇતિહાસ નહિ. પુરાણોમાં ક્યાંક તો ઇતિહાસ છુપાયેલો હોવો જોઈએ. જરાસંધ મગધનો મહાન રાજા હતો. મગધનો ઇતિહાસ આપણે નંદ સામ્રાજ્યથી જાણીએ છીએ. જરાસંધને semi-mythical king of Magadha સમજો.. ભગવાન શિવના મહાન ભક્ત બૃહદ્રથ રાજવંશ(Dynasty-ડિનસ્ટી) શરુ કરનાર રાજા બૃહદ્રથનો પુત્ર જરાસંધ હતો. જરાસંધ પણ શિવનો મહાન ભક્ત હતો પણ યાદવ વંશનો દુશ્મન હોવાથી તેને હંમેશા નકારાત્મક પ્રસિદ્ધિ જ મળી.

જરાસંધ બે શબ્દોનું જોડાણ છે. જરા નામની રાક્ષસી હતી જેણે બે ભાગમાં મળેલાં એક બાળકના બે ટુકડા ભેગાં કરેલા. સંધિ એટલે જોડાણ. બૃહદ્રથ મગધનો રાજા હતો. તેને બે રાણીઓ હતી અને બંને વારાણસીના રાજાની જોડિયા બહેનો હતી. બંને સંતાન પેદા કરવા અસમર્થ હતી. ચંડકૌશિક નામના ઋષિએ એમની સેવાના બદલામાં રાજાને એક ફળ આપ્યું કે રાણીને ખવડાવશો ગર્ભવતી થઈ જશે. ઋષિને ખબર નહોતી રાજાને બે પત્નીઓ છે. બૃહદ્રથે ફળના બે ભાગ કરી બંને રાણીઓને ખવડાવી દીધાં. આવી પૌરાણિક વાર્તાઓને કોઈ વૈજ્ઞાનિક સમર્થન હોય નહિ. પણ આપણે વાંચીને ખુશ થવાનું. બંને રાણીઓ ગર્ભવતી થઇ અને બંને રાણીઓએ પુરા મહીને અડધા અડધા ભાગમાં બાળકોને જન્મ આપ્યો. આવા ભયંકર અડધાં અડધાં જન્મેલાં બાળકોના ફાડિયા જોઈ રાજા ગભરાઈ ગયો ને બંને ફાડીયા જંગલમાં ફેંકવાનો આદેશ આપી દીધો. જરા નામની રાક્ષસીને બંને ફાડીયા જડ્યા. જરાએ બંને હાથમાં બંને ફાડિયા લીધાં પણ અકસ્માતે બંને હાથ નજીક લાવતાં બંને ફાડિયા જોડાઈ ગયાને એક આખું બાળક બની ગયું. બાળક જોર શોરથી રડવા લાગ્યું. જીવંત બાળકને ખાઈ જવાનું હ્રદય આ રાક્ષસી ધરાવતી નહોતી. છવટે તે એક સ્ત્રી હતી. એણે બાળક રાજાને આપી શું બન્યું બધો ઇતિહાસ જણાવી દીધો. રાજા ખુશ થયા. ચંડકૌશિક ઋષિ પણ આવ્યા અને રાજાને કહ્યું આ પુત્ર વિશિષ્ટ થશે અને ભગવાન શિવનો પરમ ભક્ત થશે.

જરાસંધ ખુબ પ્રસિદ્ધ ને શક્તિશાળી રાજા હતો. મગધનો આ મહાન સમ્રાટ મહારથી હતો અને નરકાસુર, પુન્દ્ર વાસુદેવ, ચેદી રાજા શિશુપાલ સાથે રાજકીય સંબંધ ધરાવતો હતો. આ બધા એના મિત્ર રાજાઓ હતા. મથુરાના રાજા કંસ જોડે પોતાની બે પુત્રીઓ પરણાવી એક વધુ રાજાને પોતાનો મિત્ર બનાવ્યો હતો. કૃષ્ણે કંસને મારી નાખ્યો ત્યારે ક્રોધે ભરાયેલા જરાસંધે ૧૭ વખત મથુરા પર ચડાઈ કરેલી અને દરેક વખતે કૃષ્ણ-બલરામને ભાગવું પડેલું. એમાં તો કૃષ્ણનું નામ રણછોડ પડી ગયેલું. છેવટે કૃષ્ણને દ્વારકા નામના બેટ ઉપર રાજ્ય સ્થાપવું પડ્યું જ્યાં જરાસંધ જઈ શકે તેમ નહોતો. કૃષ્ણ-બલરામને ૧૭ વખત ભગાડનાર જરાસંધ કેટલો જબરો હશે? કૃષ્ણે જરાસંધનો પાવર ઓછો કરવા એના મિત્ર રાજાઓને એક પછી એક ઓછા કરવા માંડ્યા. કાલયવન, નરકાસુર, હંસ, ડિંબક, અને યુધિષ્ઠિરનાં રાજસૂય યજ્ઞ સમયે શિશુપાલને હણી નાખ્યો. જરાસંધે દ્રૌપદી સ્વયંવરમાં પણ ભાગ લીધેલો. જરાસંધે હસ્તિનાપુરના દુર્યોધન ઉપર પણ હુમલો કરેલો. એની જીંદગીમાં પહેલીવાર જરાસંધ દુર્યોધન મિત્ર કર્ણ સામે હારેલો. કર્ણની યુદ્ધ કાબેલિયત જોઈ એની સરાહના કરી કર્ણને એણે માલિની નામનું શહેર ભેટ આપેલું.

જરાસંધે ભગવાન શિવને ખુશ કરવા ૧૦૦ રાજાઓનો બલી ચડાવવાનું નક્કી કરેલું. એમાં ૯૫ રાજાઓ તો એણે હરાવીને કેદ કરી રાખેલા હતા ફક્ત પાંચ રાજાઓ ખૂટતા હતા. કૃષ્ણ માટે રાજસૂય યજ્ઞ કરાવીને યુધિષ્ઠિરને ચક્રવર્તી રાજા બનાવવામાં જરાસંધ એકલો આડે આવતો હતો. એટલે ભીમ અને અર્જુનને લઇ બ્રાહ્મણ વેશે કૃષ્ણ મગધ પહોચ્યા. કર્ણની જેમ જરાસંધ પણ દાનેશ્વરી હતો. શિવ પૂજા પછી બ્રાહ્મણો જે માંગે તે આપી દેવા તે પ્રખ્યાત હતો. એમાં કૃષ્ણે ભીમ અથવા અર્જુન બેમાંથી એક સાથે યુદ્ધ માટે જરાસંધ સાથે માંગણી કરી લીધી. સૈન્ય અને મિત્ર રાજાઓ સાથે જરાસંધને હરાવવો મૂશ્કેલ હતો. જરાસંધે પણ બાહુબલી ભીમ સાથે યુદ્ધ કરવાનું સ્વીકારી લીધું. જરાસંધ પણ પોતે મલ્લયુદ્ધમાં નિષ્ણાંત હતો. ભીમ અને જરાસંધ વચ્ચે ૧૪ દિવસ મલ્લયુદ્ધ ચાલ્યું. જરાસંધ હારતો નહોતો. છેવટે જરાસંધના જન્મ સમયે હતા તેમ શરીરના બે ભાગ કરી નાખ્યા ત્યારે તે મરાયો.

તેના મૃત્યુ પછી પાંડવોએ પેલા બંદી ૯૫ રાજાઓ મુક્ત કર્યા. જરાસંધના પુત્ર સહદેવને ગાદી પર બેસાડ્યો. મુક્ત કરાયેલા ૯૫ રાજાઓ સહીત મગધ સમ્રાટ સહદેવ પાંડવોના મિત્ર રાજાઓ બન્યા અને મહાભારતના યુદ્ધ સમયે બધા સંયુકતપણે પાંડવોના પક્ષે રહીને કૌરવો સામે લડેલા. જરાસંધ પુત્ર સહદેવનો સંહાર ગુરુ દ્રોણે કરેલો.

જૈન સાહિત્ય પ્રમાણે જરાસંધ નવમો અને છેલ્લો પ્રતિ-વાસુદેવ કહેવાય છે. જૈન સાહિત્ય પ્રમાણે આ નવમાં અને છેલ્લા પ્રતિ-વાસુદેવનું મૃત્યુ નવમાં અને છેલ્લા વાસુદેવ કૃષ્ણને હાથે થાય છે. જૈન સાહિત્ય પ્રમાણે જરાસંધ કૃષ્ણ ઉપર તેના ભયંકર હથિયાર સુદર્શન ચક્ર વડે હુમલો કરે છે. મતલબ સુદર્શન ચક્ર જરાસંધ પાસે હતું. પણ સુદર્શન ચક્ર પોતે કૃષ્ણની આણ સ્વીકારી કૃષ્ણને બદલે જરાસંધની હત્યા કરે છે તેવું જૈન સાહિત્ય કહે છે. જૈન  સાહિત્ય પ્રમાણે મહાભારતની લડાઈ કૃષ્ણ અને જરાસંધ વચ્ચે છે કૌરવ પાંડવો ફક્ત એમાં ભાગ લેનારા મહારથીઓ છે.

મહાભારત અને પુરાણો પ્રમાણે જરાસંધના પિતા બૃહદ્રથ ચેદીનાં કુરુ વંશના રાજા વસુના સૌથી મોટા પુત્ર હતા. એમની માતાનું નામ ગીરીકા હતું. બૃહદ્રથનું નામ ઋગ્વેદમાં પણ છે. આધુનિક ઇતિહાસકારોના મતે જરાસંધનો સમયકાળ 1760 BCE થી 1718 BCE હોવો જોઈએ. અને તેના પુત્ર સહદેવનો સમયકાળ 1718 BCE થી 1676 BCE હોવો જોઈએ. સહદેવના પુત્ર અને જરાસંધના પૌત્ર સોમપીનો સમય કાલ આધુનિક ઇતિહાસકારોના મતે 1676 BCE થી 1618 BCE હોવો જોઈએ, અહીં આપણા મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ જુદા પડે છે. એમના હિસાબે સોમપીનો સમયકાળ ૩૦૦૯ BCE થી ૨૯૫૧ BCE હોવો જોઈએ. મને આધુનિક ઇતિહાસકારો કરતા આર્યભટ્ટ વધુ સાચા લાગે છે તેનું એક કારણ છે. મહાભારત અને હરિવંશ પુરાણમાં કૃષ્ણના જન્મ સમયના આકાશી ગ્રહોની સ્થિતિનું અને મહાભારતના યુદ્ધ સમયના ગ્રહોની આકાશી સ્થિતીનું વર્ણન છે. હવે આ આકાશી ગ્રહોની સ્થિતિ ડૉ નરહરિ આચર( પ્રોફેસર ઓફ ફિજીક્સ, યુનિવર્સિટી ઓફ મેમ્ફિસ, ટેનેસી) આધુનિક પ્લેનેટોરીયમ સોફ્ટવેરમાં નાખી ચકાસીને રિસર્ચ કરીને કૃષ્ણના જન્મની સાલ ૩૧૧૨ BCE અને મહાભારતના યુદ્ધની સાલ ૩૦૭૬ BCE કાઢે છે. તે પ્રમાણે મહાભારતના યુદ્ધ સમયે કૃષ્ણ ૪૬ વર્ષના હોવા જોઈએ. આધુનિક સોફ્ટવેર પ્રમાણે ૩૦૭૬ BCE વખતે થયેલા મહાભારતના યુદ્ધમાં સહદેવ મરાયો હોય તો એના પુત્રનો સમયકાળ ૩૦૦૯ BCE થી ૨૯૫૧ BCE વધુ બંધ બેસતો થાય છે. સોમપી પછી શ્રુતસર્વ, અપ્રતીપ, નીર્મિત્ર, સુક્ષત્ર, બ્રુહત્સેન, સેનાજીત, શ્રુતંજય, વિધુ, સૂચી, ક્ષેમ્ય, સુબ્રત, સુનેત્ર, નિવૃત્તિ, ત્રિનેત્ર, મહત્સેન, નેત્ર, અબલા અને રીપુન્જય નામના રાજવીઓ મત્સ્યપુરાણ પ્રમાણે થયા એવું મનાય છે. એમનો સમય કાલ સંયુકતપણે આધુનિક ઈતિહાસકારો પ્રમાણે ૧૪૯૭ BCE થી ૮૩૨ BCE ગણાય અને આર્યભટ્ટ પ્રમાણે ૨૯૫૧ BCE થી ૨૧૨૨ BCE ગણાય છે.

ત્યાર પછી આ મહાન બૃહદ્રથ મગધ રાજવંશનો નાશ થયો અને પ્રદ્યોત રાજવંશ ચાલુ થયો પણ એમનું મુખ્ય મથક મધ્યપ્રદેશનું અવંતી હતું. અવંતી, કૌશમ્બી અને મગધ ત્રણે ઉપર આ સમ્રાટો રાજ કરતા હતા. પ્રદ્યોત, પાલક, વિસખાયુપ, સુર્યક, અને છેલ્લે નન્દીવર્ધન રાજા સાથે પ્રદ્યોત રાજવંશ સમાપ્ત થયો. તેમનો સમયકાળ આધુનિક ઈતિહાસકારો પ્રમાણે ૬૬૭ BCEમાં અને આર્યભટ્ટ પ્રમાણે ૨૦૦૦ BCEમાં સમાપ્ત થયો.

આમ જરાસંધ એક મહાન રાજા હતો, મહારથી હતો, મલ્લયુદ્ધ અને ગદાયુદ્ધમાં નિપુણ હતો. એ જમાનામાં શારીરિક રીતે બળવાન બાહુબલી હોય તે રાજા બની શકતા આજના જમાનાની જેમ વોટ મેળવી કોઈ માયકાંગલો રાજા બની જાય નેતા બની જાય તેવું નહોતું.

ચિરવિદાય

IMG_6548ચિરવિદાય

લગભગ એકાદ વરસથી નિયમિત બ્લોગ લખાતો નહોતો. એમાં મારા ઉપર ખુબ પ્રેમ રાખનારા ઘણા મિત્રો થોડા નારાજ પણ હતા. એમાં ઘણી બધી બાબતો ભાગ ભજવતી હતી. ન્યુ જર્સીથી પેન્સિલ્વેનિયા સ્થળાંતર કરવું. મારા શ્રીમતીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ અને તેના પછી લેવાની કાળજી, ઘરમાં નાના પૌત્ર પૌત્રીનું આગમન, અને ફેસબુક પર મંત્ર્યા કરવાની આદત પણ સામેલ હતી. જોકે ફેસબુકે પ્રસિદ્ધિ પણ ખુબ આપી છે તેનો આભાર પણ માનવો પડે. એની સાબિતી હતી ગઈ સાલ દેશમાં ગયો ત્યારે ફેસબુક દ્વારા બનેલા મિત્રોએ ખુબ માનપાન આપ્યું હતું.

સોસિઅલ વેબસાઈટો ભલે આભાસી લાગતી હોય પણ એમાંથી એટલા બધા સહ્રદયી મિત્રો મળ્યા છે કે એને આભાસી કહેવાનું મન થતું નથી. અને એ મિત્રોએ અંગત સગાઓ કરતા પણ વધારે મારા શ્રીમતીની અણધારી ચિરવિદાય જેવા કપરા કાળમાં મને ફોન કરીને, મેસેજ કરીને, રૂબરૂ મળવા આવીને મને સાચવ્યો છે. લગભગ જાન્યુઆરીના બીજા અઠવાડીયાથી મારા વાઈફને ઉલટીઓ શરુ થઈ, ખાવાનું ટકે નહિ. એમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું એટલે જ્યાં કરાવેલું તે હોસ્પિટલમાં જ દાખલ કરેલા. કિડની તો સરસ કામ કરતી હતી પણ એમને Carcinomatosis sarcoma નામનું કેન્સર થયેલું જેની કોઈને જલદી ખબર જ ના પડી. આ કેન્સર ધીમે ધીમે બધે ફેલાતું જાય છે. પેટના બધા અવયવો લીવર અને પછી ફેફસામાં આવે એટલે વાર્તા પૂરી.

ફાયનલ ખબર પડ્યા પછી ફક્ત ત્રણ અઠવાડિયામાં તો એમણે દમ તોડી દીધો. મૂળ સૌરાષ્ટ્રના જામનગરના પણ ન્યુયોર્કમાં જન્મેલા અને મોટા થયેલા ડૉ મિરલ ગ્રાધી પેટના કેન્સરના મુખ્ય સર્જન હતા તેમણે કહી દીધેલું કે ત્રણચાર અઠવાડિયા તો બહુ છે. આ રૂપાળી ડોક્ટર દીકરીને ગુજરાતી બોલતા બહુ ફાવે નહિ પણ એના મીઠા કાઠીયાવાડી લહેકામાં પૂછે ઈ તમે હમજ્યા? ત્યારે મનને શાંતિ પમાડતું. એમનો પ્રોફાઈલ જોતા એવા ડોક્ટર ભારતમાં હોય તો દર્શન દુર્લભ એવું ભારતના ડોકટર  મિત્રોનું કહેવું છે. ડૉ મિરલે ખાસ અંગત મીટીંગ કરી પછી ખાસ તો મારા વાઈફની અને હું તથા મારા ત્રણે દીકરાની સંમતિથી લાઈફ સપોર્ટ મેડિકેશન, ન્યુટ્રીશન વગેરે પહોચાડતા તમામ સોર્સ હટાવી લીધેલા. એના માટે જરૂરી પેપર્સ પર મારે સહી કરવાની હતી તે સમયે ભારતમાં ૧૨ માર્ચ, ૨૦૧૭નો સૂર્ય ઉગી નીકળ્યો હતો, બરાબર એજ ૧૨ માર્ચે ૧૯૮૨મા જેની સાથે વાજતે ગાજતે હસ્તમેળાપ કરીને જે હાથે પકડીને મારા જીવનમાં મારા ઘરમાં પ્રવેશ કરાવેલો એજ હાથે એજ તારીખે મેં એની અંતિમ વિદાય સહેલી બની શકે તે માટેના દસ્તાવેજ પર સહી કરી.

હવે આ દર્દી હોસ્પિસ સર્વિસ હેઠળ ગણાય એટલે ડાઈંગ પેશન્ટ. હવે ફક્ત પેઈન કીલર મોર્ફીન અને એક સિમ્પલ ગ્લુકોઝનો બાટલો ચડાવી રાખેલો. છેલ્લી લગ્નતિથિ કેક કાપીને હોસ્પિટલમાં ઉજવી. અમારી જીવન ઝરમર દર્શાવતો વિડીઓ મારા ભત્રીજી નિશાએ બનાવેલો મેં ફેસબુક પર મૂક્યો. અમારા લગ્નતિથિની એ પહેલી પોસ્ટ હતી એટલે મિત્રો અભિનંદનનો વરસાદ વરસાવે જતા હતા પણ એમને ખબર નહોતી કે આ છેલ્લી લગ્નતિથિ છે અને પોસ્ટ પણ તે બાબતની છેલ્લી છે. હું કદી એનિવર્સરીની પોસ્ટ મુકતો જ નહોતો. અંતિમ વિદાયની તૈયારી રૂપે મારા શ્રીમતી ભારતમાં રહેલા સગાવહાલા જોડે શક્ય વાતો કરી લેવા આતુર રહેતા. એમને ખબર હતી કે હવે બહુ દિવસ નથી છતાં જે મક્કમતા એમણે બતાવી તેના માટે મારી પાસે કોઈ શબ્દો નથી.

ડૉ મિરલ એમના ચાર્જમાં નહોતું છતાં રોજ એકવાર ખબર કાઢવા આવતા મારે ખભે હાથ ફેરવીને આશ્વાસન આપતા તમારા માટે શું કરી શકું તેમ રોજ પૂછતા. એમની કોઈ ફરજ નહોતી કે જરૂરી નહોતું છતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ટીમના બધા ડોક્ટર્સ અવારનવાર આવી ખબર કાઢી જતા. તમામ નર્સોની સેવા અદ્ભુત હતી. ૨૦૧૨થી વાઈફની કિડની કામ કરતી બંધ થઈ. પછી સેંકડો વાર હોસ્પીટલમાં દાખલ થયા હશે. નાનામોટા ઓપરેશન સાથે મોટું ઓપરેશન કિડની ટ્રાન્સપ્લાન્ટનું થયું પણ મેં કદી ICU જોયું નહિ. કોમન રૂમ જ ICU ની ગરજ સારે અને મળવા જવામાં કોઈ બંધન નહિ. કિડની ટ્રાન્સપ્લાન્ટ વખતે બીમાર માણસોને જવાની મનાઈ હતી અને સારા માણસોને માસ્ક લગાવીને જવાનું.

મરણપથારીએ પડેલા દર્દી માટે ગમે તેટલા સગા વહાલા ગમે તે સમયે ગમે તેટલી વખત આવી શકે છે કોઈ બંધન નહિ. હા ખાલી ગેસ્ટ પાસ લેવો પડે. છેલ્લા શ્વાસ લેતા દર્દીને હોસ્પિસ સર્વિસમાં મૂકી દે અને તે પેપર્સ ઉપર સહી થઈ જાય પછી કોઈ બિલ પણ નહિ. ઈમોશનલ અને સ્પિરિચ્યુઅલ સપોર્ટ માટે પાદરી મહારાજ જોઈતા હોય તો પણ મળે. સોસિઅલ વર્કર પણ રોજ આવે કોઈ તકલીફ તો નથી ને? આવી તમામ સગવડ હોસ્પિસ દર્દીને ઘેર પણ મળે. હોસ્પિટલ જેવો જ પલંગ અને નર્સ પણ ઘેર મળે. ઘરેલું વાતાવરણમાં દર્દી સગાવહાલા વચ્ચે છેલ્લા શ્વાસ લે તેવો આ પાપી પશ્ચિમના લોકોનો માનવતાવાદી અભિગમ છે. પણ અમે હોસ્પીટલથી ૧૧૦ માઈલ દૂર Scranton PA રહેતા હોવાથી અને મોટાભાગના સગાં ન્યુ જર્સીમાં જ હોવાથી હોસ્પીટલમાં જ રહેવાનું રાખેલું.

મને લાગતું હતું કે તે ખુબ થાકી ગયા છે. અંદર કેન્સર ઝડપથી ફેલાયે જતું હતું. એની પારાવાર પીડામાંથી તે મુક્તિ ચાહતા હતા.

Miss me but let me go

ભલે યાદ કરજો ખોટ પડશે મારી,

પણ હવે મને જવાદો હવે મને જવાદો.

થયો મારગ પૂરો મારો સૂરજ ગયો આથમી,

ને હું પણ થાકી છું ચાલી ચાલી તમારી સાથે.

ભલે યાદ કરજો ખોટ પડશે મારી,

પણ હવે મને જવાદો હવે મને જવાદો.

આંસુ વહાવતા નહિ થાઉં છું મુક્ત હવે,

કરશો ના વિલાપ થાઉં છું વિમુક્ત હવે.

ભલે યાદ કરજો ખોટ પડશે મારી,

પણ હવે મને જવાદો હવે મને જવાદો.

બહુ થાય વેદના તો જજો દોસ્તોને મુકામે,

ખુબ હસજો ને કરજો વાતો ઝાઝી.

ભલે યાદ કરજો ખોટ પડશે મારી,

પણ હવે મને જવાદો હવે મને જવાદો.

 

છેવટે ૨૭ માર્ચની રાતે લગભગ સાડા અગિયાર વાગે દીકરાઓના હાથ હાથમાં હતા અને હું બહાવરો બની ઘડીકમાં માથે હાથ મૂકતો ઘડીકમાં હૃદય પર તો ઘડીકમાં કાંડાની નસ ચેક કરતો હતો ને છેલ્લા શ્વાસ લીધા.

ये कौन अंधेरा छा गया की मेरा चाँद मुझसे बिछड गया ।

૩૫ વર્ષના સહજીવનનો આમ અચાનક બેત્રણ મહિનામાં અંત આવી જશે તે પારાવાર દર્દ આપનારું હતું. તે પણ ફાયનલ ખબર તો ત્રણ અઠવાડિયા પહેલા જ પડી કે હવે અંત નક્કી જ છે. એ ત્રણ અઠવાડિયા જે માનસિક પીડા સહન કરી છે તેનું શબ્દોમાં કોઈ વર્ણન નથી. ભલે સહજીવન ૩૫ વર્ષનું હતું પણ ઓળખાણ તો બહુ જૂની હતી. મારી વહાલસોઈ મારા મોટા ભાભી સાહેબના ભત્રીજી થાય એટલે એમની આંગળી પકડી તે સાવ નાના હતા ત્યારથી મારે ઘેર આવતા.

મિત્રોના મેસેજ રોજ ખબર પુછવા આવતા. પહેલો મેસેજ ફક્ત એક શબ્દ “ચિરવિદાય” નો મુકેશ રાવલને મોકલ્યો. મારા રેશનલ, ધાર્મિક, સામાજિક પાખંડોને ચીરતા લખાણોને લીધે મારા વૈચારિક અને અંગત વિરોધીઓ બહુ હોય એવું હું સમજતો હતો પણ હું ખોટો હતો, મને ચાહનારા મિત્રો અતિશય હતા તેની સાબિતી અઢળક મિત્રોએ આપેલી અંજલિ હતી. ખુબ મિત્રોએ વ્યક્તિગત પોસ્ટો મૂકી મૂકીને એમની આદરાંજલિ વ્યક્ત કરી હતી. મુકેશ રાવલ, નીવાબેન, અજયકુમાર પંચાલ, મનીષ દેસાઈ, લવજીભાઈ, સ્પન્દનબેન, ઐશ્વરી, ડૉ પ્રવીણ ભાટિયા જેવા અનેક મિત્રો વ્યક્તિગત સંદેશા મૂકી એમનો આદર વ્યક્ત કરેલો. ડૉ પ્રવીણનો મુંબઈથી અડધી રાતે ફોન આવ્યો કે બાપુ એકવાર બોલો આ સમાચાર ખોટા છે. કઈ રીતે કહું ખોટા છે? અનિલકુમાર ચૌહાણ, મહેન્દ્રસિંહ વાઘેલા, જયરાજસિંહ પરમાર, અશ્વિનસિંહ તાપરિયા જેવા મિત્રોએ પણ આગવી પોસ્ટ મૂકી ને શોક સંદેશા પાઠવ્યા. જયેન્દ્ર આશારાજી ફોન પર વાત કરી ચુકેલા હતા, એમણે એમની આગવી સ્ટાઈલમાં લખીને મારા ઘાવ પર મલમ લગાવવાનો પ્રયત્ન કર્યો તો ડૉ ઈરફાન સાથીયાએ મારા ફોટોગ્રાફ્સ ભેગા કરી સ્પેશલ વિડીઓ તો બનાવ્યો પણ અમારી સહજીવનની યાત્રાની કથની લખવામાં એમનું લાગણીશીલ હૃદય સાવ નીચોવી દીધેલું. હું તે પૂરું વાંચી શક્યો નહિ. એ વાંચીને ધ્રુસકે ધ્રુસકે રડનારા અનેક મિત્રો હતા.

મૌલિક જોશી અને મિલન સિંધવની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ હતી તો ડૉ ભાનુભાઈ મિત્ર તો ફોન પર જ મારું દુખ હળવું કરી નાખનાર હતા. રીટાબેને એમની લાગણીશીલ શૈલીમાં વર્ણન સાથે લખ્યું

અજબ છે તારી સાદગીનો ફરેબ,

તને ‘બેવફા’ પણ નથી કહી શકતો,

ગજબ છે તારા પ્રેમનો ફરેબ,

તને ‘અલવિદા’ પણ નથી કહી શકતો.

દિલમાં સદાય રહેનારને પલભરમાં ભૂલી જવાનું,

યાર, જતા જતા આ ‘હુન્નર’ શીખવતી તો જા મને.

બસ આંખોમાં દરિયા ઉભરાતા હતા છેલ્લે આવ્યા જય વસાવડા. એ તો મારા શ્રીમતીને મળેલા વાતો પણ કરેલી. જયભાઈ એમના અતિશય વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે મને નવસારી જતા જતા ફોન પર લાંબી વાત કરે છે. એમણે પણ વ્યક્તિગત પોસ્ટ મૂકી એમની આદરાંજલિ રજુ કરી.

અજય પંચાલ, માલતીબેન, દિલીપ ભટ્ટ, ગીતાબેન, વિજય ઠક્કર, મેધાવીબેન એમના પતિદેવ, નિકેતા વ્યાસ, હિતેશ વ્યાસ આ બધા તો હોસ્પિટલમાં જ મળી ગયેલા. નિકેતા એ નાનીબેનની જેમ ખૂબ માનસિક સહારો આપ્યો તે આ હોસ્પીટલમાં જ કામ કરે છે. ધૃતિ સંજીવનો તો ઠપકો સાંભળવો પડ્યો કે સાવ નજીક રહું છું કીધું કેમ નહિ? આમાંના મોટાભાગના મિત્રો ફ્યુનરલમાં પણ હાજર રહ્યાં હતા. માંડ બેચાર શબ્દો બોલતા શીખેલો મારો નાનકો પૌત્ર અંશ એની લાડકી ‘બા’ ને કોફીનમાં સુતેલી જોઈ વારેઘડીએ બા બા બુમો પાડતો. એને થતું હશે બા આમ સૂઈ કેમ ગઈ હશે. હું બુમ પાડું છું ને ઉઠતી કેમ નથી? હોસ્પીટલમાં પણ બાના પલંગ પર ચડી જવાનું ને એની સાથે થોડીવાર સૂઈ જવાનું. બધા ફૂલો ચડાવે એટલે તે પણ ચડાવે રાખે. એનું ‘બા’ સાંભળી મારી આંખોમાં દરિયા ઉમટી આવતા પણ મારે એને જાહેરમાં વહાવી વહાલસોઈની આજ્ઞા ભંગ નહોતી કરવી એના માટે પારાવાર પ્રયત્નો કરવા પડતા હતા.

ક્રીમેશન ઉજવાઈ ગયું. શોકસભા પતી ગઈ. વતન માણસામાં પણ નાનાભાઈએ શોકસભા રાખી હતી. એમની કામ કરવાની ઝડપ, બોલવાની ઝડપ, આપણે એક વાક્ય બોલીએ તે ચાર બોલી નાખે, શ્વાસ લેવાની ઝડપ, હું એક શ્વાસ લઉં તે બે ખેંચી નાખે. સોળ વર્ષે લગ્ન, બાવીસ વર્ષ સુધીમાં ત્રણ દીકરા, છવ્વીસ વર્ષે એક કિડની ગુમાવી, છેતાલીસે બીજી કિડની પણ સત્યાગ્રહ ઉપર, અડતાલીસ વર્ષે પછી નવી મળી, આમ કાઈ તાવ શરદીમાં થોડું જવાય, એકાવનમાં તો નીકળ્યું કેન્સર ને મારી કહાની અધુરી મૂકી ઝડપથી ચાલી નીકળી કાયમ માટે. પણ કોઈ અજાણી આંખોમાં એની આંખોનો દીવડો હજુ ટમટમી રહ્યો છે. બસ મારે માટે હવે વેઠવાનો રહ્યો ભયાનક ખાલીપો..

 

મારા પ્રિય પત્નીની બીમારી અને અવસાન વખતે અઢળક મિત્રોએ આશ્વાસન આપ્યું છે, પ્રાર્થનાઓ કરી છે, દુઃખમાં સહભાગી બન્યા છે. તે દરેકને વ્યક્તિગત ઉત્તર આપવા આભાર માનવા સક્ષમ રહ્યો નથી.. તમામનો હ્રદયપૂર્વક ખુબ ખુબ આભાર માનું છું.

 

 

 

 

 

જલીકટ્ટુનું મહાભારત

આ એક બહુ જૂની હરપ્પન પરમ્પરા છે તેને કોઈ ખાસ ધર્મ સાથે સાંકળવી નહિ જોઈએ. કારણ ઉત્તર ભારતના કે મધ્ય ભારતના હિંદુઓ આ પરંપરા પાળતા નથી. પરંપરા, સંસ્કૃતિ અને ધર્મ ત્રણે અલગ અલગ હોય છે. જેમ કે એક ફ્રેંચ અને બ્રિટિશનો ધર્મ ભલે એક જ ક્રિશ્ચિયન હોય પણ પરમ્પરાઓ અને સંસ્કૃતિ અલગ અલગ છે. આપણે બુદ્ધિના સાગરો ત્રણે ને સખત રીતે સાંકળી ખોટા ખોટા લાગણીઓના પ્રવાહમાં તણાઈ મરીએ છીએ. સ્વર્ગને ભુલાવે એવું આતિથ્ય કરવું સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે, તો ગુજરાતમાં મહેમાનોને કોઈ કાઢી નથી મૂકતું પણ પેલી સ્વર્ગને ભુલાવે તે સુગંધ બહુ ઓછી જગ્યાએ મળે. અમદાવાદમાં તો ચાના કપ હવે અંગુઠાના વેઢા જેવડા પ્લાસ્ટીકનાં થઈ ગયા છે. હોઠે કેમના લગાવવા? એના કરતા તો પ્રિયતમાના હોઠ મોટા હોય.

મકરસંક્રાંતિ પર ઉત્તર ભારતમાં પતંગ ચગાવવાની પરમ્પરા છે તેવી દક્ષિણમાં નથી. ત્યાં પોંગલ કહેવાય છે. પતંગ તો ચીને શોધેલા ને પાકિસ્તાનીઓ પણ ખુબ ચગાવે છે. તહેવારો ઉજવો, ઉત્સવો મનાવો પણ કોઈ ખાસ ધર્મના લેબલ મારવાની જરૂર નહિ. આ પોંગલ પર તામિલનાડુમાં એક દિવસ જલીકટ્ટુની રમત રમાય છે. એમાં આખલાને પુખ્ત થાય એટલે આ રમત માટે તૈયાર કરેલો હોય છે. તેને મેદાનમાં લાવવામાં આવે. એની ખૂંધ પકડીને એને નીચો બેસાડવાનો પ્રયત્ન કરવાનો હોય છે. ગામના યુવાનો મચી પડે. આખલો ભાગે, ઉછળે, ઉછાળે પણ ખરો.. આમાં કૈક ઘાયલ થાય. રમતમાં રોમાંચ આણવા આખલાને દારુ પીવડાવાય, આંખમાં મરચું નખાય, પૂછડું પકડીને ખુબ જોરથી આમળવામાં, પૂંછડે અણીદાર વસ્તુઓ ઘોંચાય. ટૂંકમાં સાંઢ ઉપર શક્ય ત્રાસ ગુજારાય તો તે વધુ ભાગે ને હરીફાઈ વધુ જોર પકડે. એના શીંગડે પૈસા ને સોનું લટકાવાય જેથી તે મેળવવા યુવાનોને પ્રોત્સાહન મળે.

બે પાંચ હજાર વર્ષ પહેલા પરંપરા શરુ કરનારા આદિમ હતા તેમને સારી લાગી હશે પણ આજના જમાનામાં એને ચાલુ રાખવામાં કોઈ તર્ક જણાતો નથી. એક તર્ક એવો છે કે જે મજબૂત સાંઢ હોય કાબુમાં ના આવે તેવો, તેને આગળ બ્રીડીંગ માટે રાખવામાં આવે છે. જેથી મજબૂત વારસો આગળ વધે. તે જમાનામાં મજબૂતાઈ પારખવાના વૈજ્ઞાનિક સાધનો નહિ હોય એટલે આવી જંગલી પ્રથા અપનાવી હશે. હવે આધુનિક જમાનામાં એવી કોઈ જરૂર નથી. ગાયો માટે સૌથી વધુ દૂધ આપે તેવી બ્રીડની જરૂર હોય છે. તેના માટે સૌથી વધુ દૂધ આપતી ગાયો દ્વારા પેદા થયેલા સાંઢ આગળ બ્રીડ સુધારવા કામ લાગે. બની શકે કે તોફાની મજબૂત ગણાતો સાંઢ વધુ દૂધ આપે તેવી ગાયો પેદા કરવા અક્ષમ પણ હોય. માણસા ગૌશાળાના મેનેજર ધીરુભાઈ ગોહિલે સૌથી વધુ દૂધ આપતી ગાયો જુદી તારવી એના સાંઢ મોટા કરી આગળ પેઢી વધારતા વધારતા જઈને કાંકરેજ ઓલાદની શુદ્ધ દેશી ગાયમાં દિવસનું ૩૦ લીટર દૂધ મેળવી હરિફાઈમાં કેટલાય મેડલ જીતેલા છે. તે પણ કોઈ જાતની  જલીકટ્ટુ વગર…

હવે બ્રીડ સુધારવાના હજાર વૈજ્ઞાનિક નુસ્ખાઓ આવી ગયા છે ત્યાં આવી દલીલો કરાવી નકામી છે. બીજી દલીલ એવી છે કે યુવાનોમાં સાહસ અને શારીરિક ક્ષમતા વધે. એના માટે ય હજાર ટેકનીકો વિકસી છે. હજારો રમતો છે. ઓલોમ્પિકમાં એક ગોલ્ડ મેળવવાના ફાંફા હોય ને આવી બકવાસ દલીલો કરવાની.. સાહસ વૃત્તિ વધારવા અને શારીરિક ક્ષમતા મેળવવા મૂંગા પશુઓ પર અત્યાચાર કરવાનો? તે પણ આજના આધુનિક જમાનામાં?

ત્રીજી દલીલ હજારો વર્ષ જૂની પરંપરા છે. હજારો વર્ષ જૂની પરંપરા હોય એટલે એને વહેલી તકે ફેંકી દેવી જોઈએ. કારણ અત્યારના સંજોગોમાં તે સાવ અસંગત હોય. કપડાં જુના થાય એટલે રાખો છો? ફર્નિચર જૂનું થાય એટલે રાખો છો? ઘર સાવ ખંડેર થઈ ગયું હોય તો નવું બનાવો છો કે નહિ? એન્ટીક પીસ પણ શોભાના પૂતળાની જેમ મૂકી રાખીએ છીએ વાપરવાના કામ આવતા નથી. વધેલું ખાવાનું ય બીજા દિવસે ફેંકી દઈએ છીએ. તો પરંપરા કે રિવાજ જેટલા જુના હોય વહેલી તકે એમને તિલાંજલિ આપી દેવી જોઈએ. હજારો વર્ષ જૂની પરંપરા જેતે દાયકા માટે કામની હોય અત્યારે નહિ. લાખો લોકો પાળે અને હજારો વર્ષ જૂની હોય એટલે તે હાલ સારી થઈ જાય નહિ.

છેલ્લે એવી દલીલ આવે કે બીજા લોકો આવું ઘણું બધું કરતા હોય છે. સ્પેનમાં અને દક્ષિણ અમેરિકાના હિસ્પાનીક દેશોમાં આવી રમત રમાય છે, એમાં બુલની ખૂંધ પર તલવાર ઘોંચી ઘોંચીને રીતસર મારી જ નખાય છે. આ રમતવીરને મેટાડોર કહેવામાં આવે છે. જલીકટ્ટુ તેના પ્રમાણમાં ઓછી હિંસક કહેવાય, આમાં સાંઢને મારી નાખવાનો હોતો નથી. ચાલો આપણે કોઈના વાદ લેવાના, સારા કે ખોટા? એટલે કોઈના વાદ લેવા હોય તો સારા લો ખોટા શું કામ લેવા?

જલીકટ્ટુ ઉપર કોર્ટે પ્રતિબંધ મુક્યો કે એમાં માણસો ઘવાતા, અમુક મરી પણ જાય, સાંઢ પણ ઘવાય. તમિલનાડુ સરકારે આવા લોકોની સારવાર માટે હરીફાઈ આયોજક સંસ્થાએ બે લાખ રૂપિયા જુદા ફાળવવા તેવો નિયમ બનાવ્યો. ૨૦૧૪મા The Prevention of Cruelty to Animals Act, 1960.  અન્વયે સુપ્રીમ કોર્ટે જલીકટ્ટુ ઉપર પ્રતિબંધ મૂકી દીધો. હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવા લાખોનું ટોળું પરમ્પરાને નામે ભેગું થઈ ગયું છે. તો એને ટેકો આપવા જિંદગીમાં મદ્રાસ ના ગયો હોય તે પણ સોસિઅલ મિડિયા પર દેકારા કરવા માંડ્યા છે.

મેમલિયન બ્રેન સર્વાઈવલ માટે વિકસેલું છે. સર્વાઈવલની વાત આવે એટલે બધી હોશિયારી હવા થઈ જાય. કોઈક જ વીરલો સામે પ્રવાહે ચાલી નીકળે. ચાલો મસ્ત મજાના દાખલા આપું. પોતાને Atheist રેશનલ કહેવડાવતો કમલહાસન બર્બર જલીકટ્ટુને ટેકો આપતો થઈ ગયો. કેમ કે એને એની ફિલ્મો વેચવાની છે. કારણ હવે ટોળું ભેગું થઈ ગયું છે. સૂફીવાદનું ભક્તિ સંગીત ગાતો એ. આર. રહેમાન સાંઢો પર ત્રાસ વર્તાવતી રમતને ટેકો આપતો થઈ ગયો કેમકે એને એનું સંગીત વેચવાનું છે. રજનીકાંત તો આમેય ડ્રામેબાજ છે. ટેકો આપવાનો ડ્રામા કરવા દો નહિ તો ટોળું વિરોધ કરશે તો ફિલ્મો નહિ વેચાય. પ્રેમ, યોગ, ભક્તિ ને આત્મકલ્યાણની વાતો કરનારા સદગુરુ જગ્ગી ને સાંઢોના આત્મ કલ્યાણની પડી નથી. એમને પડતા ત્રાસને વાજબી ગણાવવા બાલીશ દલીલો કરવા લાગ્યા. માનવોને આર્ટ ઓફ લીવીંગ શીખવાડનારા બેવાર શ્રી રવિશંકર પશુઓ પર ત્રાસ વર્તાવવાની આર્ટને ટેકો આપે છે. કેમ કે એમને ચેલા મૂંડવાના છે. મિત્રો વિચારો, મેમલિયન બ્રેન આગળ આ કહેવાતા મહાપુરુષો કેવા નમી પડ્યા? કોઈને ફિલ્મો વેચી સર્વાઈવ થવાનું છે, કોઈને સંગીત, તો કોઈને અધ્યાત્મ વેચવાનું છે. અધ્યાત્મ જગતની કહેવાતી બે મહાન પૂંછડીઓ પણ મેમલ બ્રેન આગળ કેવી પૂછડી પટપટાવે છે તે જોવા જેવું છે.

પશુઓ, નારીઓ અને નબળાઓને વશમાં રાખવા એમના પર કાબૂ મેળવવા માનવોએ જાતજાતની રમતો શોધી કાઢી છે. અમુક ક્રૂર છે, તો અમુક સુફિયાણી, અમુક આભાસી છે તો અમુક પવિત્ર સંસ્કારી સુસંસ્કૃત. અમુક રિવાજના નામે, પ્રથા કે પરંપરાને નામે ચાલે છે તો અમુક ધર્મના નામે. જલીકટ્ટુ આવી જ એક રમત છે, બીજી રમતોનાં નામ અહીં નથી લખવા, નહિ તો પાછું બીજું મહાભારત અહીં શરુ થઈ જશે.

jallikattu-2

રમવાથી ભલું નહિ થાય ભણવા બેસ

ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ નથી મળતા એના અનેક કારણોમાનું મુખ્ય કારણ માબાપ દ્વારા બોલાતું ઉપરનું વાક્ય છે. બચપણથી જ તમારા બ્રેનની હાર્ડડિસ્કમાં કોતરાઈ ગયું હોય, હાર્ડ વાયરીંગ થઈ ગયું હોય કે રમવાથી ભલું થવાનું નથી. પછી રમતગમતમાં કોણ રસ લેવાનું?

હમણાં જે બ્રાઝીલનાં રીઓમાં ઓલોમ્પિક ચાલે છે તેમાં સૌ પ્રથમ વાર જીમ્નાસ્ટીકમાં ભારતની દીપા કરમાકર ક્વોલીફાઈ થઈ છે. બહુ સારી વાત કહેવાય. મેં મારા દીકરાને કહ્યું દીપા કરમાકર આ વખતે કદાચ એકાદ મેડલ ભારતને અપાવે. મારા દીકરાએ સ્પષ્ટ કહી દીધું નો મળે. મેં કહ્યું કેમ નો મળે? તો કહે પાપા એ બાવીસ વર્ષની છે, જીમ્નાસ્ટીકમાં ૧૫ વર્ષની આસપાસની છોકરીઓ જ જીતતી હોય છે. છોકરું પાંચ વર્ષનું હોય ને જીમ્નાસ્ટીકની ટ્રેનિંગ શરુ થઈ જાય.

આપણને છોકરાં એકદમ કહ્યાગરાં, જરાય મસ્તી ના કરે તેવા, શાંતિથી બેસી રહે તેવા અને આજ્ઞાકારી કશી હઠ ના કરે તેવા ગમતાં હોય છે. અને એવું છોકરું ઘરમાં હોય તો મહાસુખ મળ્યું હોય તેવી વાતો ગર્વથી કરીએ છીએ.

બીજાની શું કામ મારી જ વાત કરું. મને પતંગ ચગાવતા આવડતી નથી. કેમ? કેમકે અમારા બચપણના સમયમાં મકાનો અગાસીવાળા બહુ ઓછા હતા, પતરા વાળા જ મોટાભાગે હોય. પતરાં પાછાં ઢાળવાળાં હોય. પતંગ ચગાવતા ધ્યાન રહે નહિ અને પતરાં પરથી ગબડી જવાય તો હાથપગ તૂટી જાય કે મોત પણ આવી જાય. એવા અકસ્માત બનેલા પણ ખરા. એટલે પિતાશ્રી કદી પતંગ લાવી આપે નહિ. ઉતરાણ કરવા જ ના દે. તે સમયે અમે વિજાપુરમાં રહેતા. આખું ગામ ધાબે અને પતરે ચડેલું હોય અમે મો વકાસી ઉદાસ જોયા કરતા.

અમે રહેતા તે દેવાણીવાસ આગળ એક મોટો ચોક હતો ત્યાં હનુમાનજીનું મંદિર હતું. તે ચોક અમારા રમવાનું સ્થળ. અમે રમતા હોઈએ પણ દૂરથી પિતાશ્રી આવતા હોય સાંજે એટલે ભાગીને ઘરમાં હાથપગ ધોઈ બેસી જવાનું. રમવા જઈએ ને વાગી જાય તો? લગભગ બધાને આવો અનુભવ હશે. આપણા માબાપ ઓવર પ્રોટેકટીંગ હોય છે. પડકારોનો સામનો કરવાનું શીખવતા જ નથી. બચપણથી જ રમવા પ્રત્યેનો વિરોધ મનમાં ગંઠાઈ જાય છે.

મારી સ્કૂલની વાત કરું. હું ભણેલો વિજાપુરમાં તે સ્કૂલ પાસે સારું મેદાન હતું નહિ. પી.ટી. નો પિરીયડ લેવા આખી સ્કૂલમાં ૫ થી ૧૧ ધોરણ સુધી એક જ શિક્ષક હતા. અઠવાડીએ એક જ વાર પી.ટી. નો પિરીયડ આવતો. એમાં અડધો પિરીયડ તો હાથ ઊંચા કરો, નીચા કરો, સાઈડમાં કરો, સાવધાન અને વિશ્રામમાં જ જતો. સ્કૂલમાં જિમ હતું જ નહિ. પછી એક ટીચર નવા એપોઇન્ટ કર્યા માધ્યમિક વિભાગ માટે. અમે સ્કૂલમાં કોઈ સારી રમત ગમત શીખ્યા જ નહોતા. અગિયારમાં ધોરણમાં હું બરોડા ભણવા આવ્યો. એચ. જે. પરીખ હાઈસ્કૂલ નવરંગ ટોકીઝની બાજુમાં હતી. સ્કૂલ શહેર વચ્ચે હતી. સ્કૂલ પાસે કોઈ મેદાન તો શું નાનો સરખો ચોક પણ નહોતો. અમે રમીએ શું? બાજુમાં નવરંગ ટોકીઝમાં સિનેમા જોવા ઘૂસી જતા.

ભારતની શહેરોમાં એવી હજારો લાખો સ્કૂલો હશે જેમની પાસે નામ માત્રનું રમવાનું મેદાન પણ નહિ હોય. સ્કૂલોમાં રમતગમતના નામ માત્રના પિરીયડ હોય છે. એક પિરીયડ અને એક પીટી ટીચર રાખવો પડે એટલે રાખતા હોય છે. માબાપનો જ અભિગમ રમત વિરોધી હોય છે. ભણવા બેસ રમવાથી ભલું નહિ થાય.

આંતરરાષ્ટ્રીય રમતગમતોમાં જે ભાગ ભારતના ખેલાડીઓ લે છે તેમાં મોટાભાગે આર્મીના અને રેલ્વેના હોય છે. જે રમતો પર્સનલ ઇવેન્ટ કહેવાય, વ્યક્તિગત કાબેલિયત ધરાવતી રમતોમાં ભારતીયો કાયમ નબળા પડ્યા છે. હોકીમાં ભારતનો સુવર્ણકાળ હતો. તે યુગ પણ જાણે પૂરો થઈ ગયો છે. હોકી ટીમ રમત કહેવાય. ભારતીય હોકી ટીમમાં પણ આર્મીના માણસો જ ખાસ હતા. સળંગ છ ગોલ્ડ એટલે ૨૪ વર્ષ ભારતનો હોકીમાં દબદબો રહ્યો. કૂલ આઠ ગોલ્ડ મેડલ જીતેલી ભારતીય હોકી આજે ખોવાઈ ગઈ છે. પર્સનલ ઇવેન્ટ એવી શુટિંગમાં પહેલી વાર સિલ્વર મેડલ આર્મીના રાજયવર્ધનસિંહ રાઠોર લઈ આવેલા. તેમની પાસે સારી રાઈફલ ખરીદવાના પૈસા નહોતા. ત્યાર પછી અભિનવ બિન્દ્રા શુટીંગમાં પહેલીવાર ગોલ્ડ લઈ આવ્યા. અભિનવ પૈસાદાર માબાપનું સંતાન, મોઘી રાયફલ અને મોંઘી ટ્રેનિંગ ખુદના પૈસે લીધેલી. આ વખતે અભિનવને કશું ના મળ્યું. ઓલોમ્પીકના ઇતિહાસમાં ભારતના નામે વ્યક્તિગત રમતમાં ફક્ત એક જ ગોલ્ડ બોલે છે. એનાથી ખુશ થવું કે રડવું?

૧૨૫ કરોડના દેશમાં ટેલેન્ટની કોઈ ખામી નથી. એ ટેલેન્ટને ઓળખી, એને ધક્કો મારી આગળ ધકેલી, એને પૂરતી સગવડ આપી ટ્રેનિંગ આપવી અને એની પાછળ ફાળવાતા પૈસા યોગ્ય રીતે વાપરવાની આખી સિસ્ટમમાં ખામી છે. ક્રિકેટ સિવાય એક પણ રમતગમતનું ફેડરેશન યોગ્ય રીતે કામ કરતુ નહિ હોય. આવા ફેડરેશનમાં સ્પોર્ટ્સ પર્સનને બદલે નેતાઓ અને બીજા જેતે રમત કદી રમ્યા જ નાં હોય તેવા લોકો પ્રમુખ બની બેસી જતા હોય છે. કદી હોકી સ્ટીક હાથમાં પકડી ના હોય તે હોકી ફેડરેશનનો પ્રમુખ હોય તેવું પણ બને. આ તો દાખલો આપું છું.

હમણાં એક મિત્રે લખ્યું કે આ ઓલોમ્પિક માટે ૧૮૦ કરોડ વપરાયા. ચોક્કસ વપરાયા હશે. સરકારે તો ફાળવ્યા જ હશે પણ છતાંય ખેલાડીઓ પાછળ કેટલા વાપર્યા હશે તે ભ્રષ્ટ અધિકારીઓ જ જાણે. દીપા કરમાકરનું પ્રાથમિક ટ્રેનિંગ સેન્ટર કોઈએ મૂકેલા વિડીઓમાં જોયું. એ હિસાબે આ દીકરી બહાદુર કહેવાય કે ઓલોમ્પીકમાં ક્વોલિફાય થઈ એજ મેડલ જીત્યા બરોબર છે. એશિયન ગેઈમ્સ વખતે કલમાંડી કેટલા પૈસા ખાઈ ગયા ને જેલમાં ગયેલા તે સહુ જાણે જ છે. એટલે રમતગમતો પાછળ પૈસા વપરાય છે જરૂર પણ સાચા ઠેકાણે નથી વપરાતા તે પણ એટલું જ સત્ય છે.

મૂળે આપણે રમત પ્રિય, કસરત પ્રિય પ્રજા છીએ નહિ. આપણે ખેલ(ડ્રામા, તાયફા) પ્રિય પ્રજા છીએ. તમે ખેલ મહાકુંભ અને ખેલોત્સવ પાછળ કરોડો વાપરો તેના બદલે તે પૈસામાંથી રમતગમત માટે એક જરૂરી ઇન્ફાસ્ટ્રકચર ઊભું કરો. બાકી આ ઉત્સવ પાછળ વાપરેલા પૈસા નકામા જ જવાના. લોકો ઉત્સવ મનાવી ઘર ભેગા, અને ઘેર જઈ છોકરાને કહેશે ભણવા બેસ રમવાથી ભલું નહિ થાય. વિદેશોમાં રોજ ભણવાના પિરીયડ પત્યા પછી દોઢ બે કલાકનાં સ્પોર્ટ્સ પિરીયડ ફરજીયાત છે. દરેક વિદ્યાર્થીએ સ્પોર્ટ્સનો એક સબ્જેક્ટ મતલબ એક રમત વિષય તરીકે લેવી ફરજીયાત છે. અને આ બધું સ્કૂલ પાસે સારું મેદાન હોય તો જ શક્ય બને.

વર્ષો પહેલા અહિ એટલાન્ટામાં ઓલોમ્પિક રમાયેલી. તે ઓલોમ્પીકમાં ચારેક ગોલ્ડ મેડલ જીતેલા આફ્રિકન અમેરિકન ખેલાડી તે પછી ભારત આવેલા. તેમણે બધે ફર્યા પછી કોઈ પત્રકારના સવાલના જવાબમાં કહેલું કે ભારત પાસે ઉત્તમ ખેલાડીઓ છે. પ્રતિભાની કોઈ ખામી નથી. જબરદસ્ત ટેલેન્ટ છે. ખામી છે કિલર એટીટ્યુડની. ભારતના ખેલાડીઓ અગ્રેસિવ નથી, આક્રમક નથી. આપણે ત્યાં કહેવત છે એક મરણીયો સો ને ભારી. આપણા ખેલાડીઓ મરણીયા નહિ બની શકતા હોય.

વર્ષો પહેલાની વાત છે. હું ત્યારે માણસામાં વડોદરાથી ભણીને નવોસવો આવેલો. અમારા લગભગ ડઝનેક મિત્રોએ પીએસઆઈ ની ભરતી માટે પરીક્ષા આપેલી. રિજલ્ટ આવેલું નહિ. પણ ફીજીકલ ફિટનેસ માટેના તેના ધારાધોરણ મુજબ બધા તૈયારીઓ કરતા. અને તે માટે માણસા કોલેજના મેદાનમાં દોડવા જતા. હું પણ અમસ્તો ભેગો જતો. લેખિત પરીક્ષાનું રિજલ્ટ આવેલું નહિ માટે કદાચ એમાં ફેઈલ થઈએ તો અત્યારે દોડેલું નકામું જાય તેમ માની અમુક મિત્રો દોડતા જ નહિ અને ઝાડ પર ચડી આંબલીપીંપળી રમતા. અમુક દોડતા અને મહેનત કરતા. એક મિત્ર હતા જે માણસા કૉલેજની બાસ્કેટબોલની ટીમના બહુ સારા ખેલાડી હતા અને રજાઓમાં પાર્ટ ટાઈમ જોબ કરતા હશે, માટે સાંજે મોડા કોલેજના મેદાનમાં આવી એકલા એકલા પ્રેક્ટીશ કરતા. બીજા બધા ઘેર જતા ત્યારે તે આવતા અને મોડે સુધી દોડતા ને મહેનત કરતા. લેખિત પરીક્ષાનું રિજલ્ટ આવ્યું એમાં જે ખરેખર શારીરિક ફીટ હતા તે નાપાસ થયા અને જે અદોદળા હતા તે પાસ થયા. પણ હવે તેમની પાસે પ્રેક્ટીશ કરવાનો સમય નહોતો. જે ભાઈ બાસ્કેટબોલની ટીમના ખેલાડી હતા અને મોડી સાંજે પ્રેક્ટીશ કરતા તે લેખિતમાં પણ પાસ થયેલા. કહેવાની જરૂર નથી ડઝનબંધ મિત્રોમાંથી તે એકલા જ પીએસઆઈ બનેલા. બાકી બધા ફીજીકલ ફિટનેસની પરીક્ષામાં નાપાસ થયેલા. આજે તો એ ભાઈ સુરતમાં DYSP છે.

ભારતની ફૂટબોલ કે બાસ્કેટબોલ કે વોલીબોલ જેવી રમતોની ટીમો ક્વોલીફાઈ પણ થતી નથી. આ રમતોના યુનિવર્સિટી અને સ્ટેટ લેવલના ખેલાડીઓને પૂછી જોશો કેટલા કડવા અનુભવો અધિકારીઓ તરફથી થતા હોય છે. ખેલાડીઓ દેશને નામના અપાવે છે તે સીધુંસાદું સત્ય છે. પણ ઉપલા સ્તરે દેશને નામ મળે એના બદલે એમના ખીસા ભરાય તેમાં રસ વધુ હોય છે.

જયભાઈ દંભીસ્તાન કહેતા હોય છે, આખું નહિ પણ ભારતની અંદર એક નાનકડું દંભીસ્તાન વસેલું છે. એ દંભીસ્તાનનાં દંભીઓ અને દંભીણીઓનાં દંભની વાત કરું તો એમને એવું છે કે ભારત વિષે લખવાનો અધિકાર ફક્ત એ લોકોને જ પ્રાપ્ત થયેલો છે. એમને ખબર નથી અમને વિદેશમાં રહેતા ભારતીયોને ભારત માટે વિશેષ પ્રેમ હોય છે. મેં બ્રોન્ઝ વિજેતા સાક્ષીને શાબાશી આપતી ત્રણચાર પોસ્ટ ખુશીમાં ને ખુશીમાં મૂકી દીધી. એની માતા જે હર્ષોલ્લાસથી નાચી ઉઠેલી તે જોઈ મારી આંખો સજળ બનેલી. સિંધુ માટે સિલ્વર મેડલ તો પાકો જ છે. કાલે જીતશે તો ભારતને ઓલોમ્પીકના ઇતિહાસમાં પર્સનલ ઇવેન્ટ રમતમાં બીજો ગોલ્ડ મળશે. સિંધુની જીતને વધાવતી પોસ્ટ પણ તરત મૂકેલી. આ બધું મુકીએ ત્યારે આ દંભીઓ અને દંભીણીઓ ડોકાતા સુદ્ધા નથી. બેવડાં કાટલાંની વાત કરું તો આવા દંભીઓ પોતે ભારતને કેમ ગોલ્ડ મેડલ મળતા નથી તે વિષે લખતા જ હોય છે પણ આપણે એકાદ વાક્ય લખીએ તો ભારત વિરોધી લાગે છે. ટૂંકમાં ભારત વિષે લખવાનો ફક્ત એમને જ અધિકાર છે તેવું એ લોકો મનોમન માની બેઠા છે. એમની પાસે એકની એક ચવાઈ ગયેલી દલીલ હોય છે કે દેશ છોડી વિદેશમાં કેમ વસ્યા? હહાહાહાહાહા ચરૈવેતિ ચરૈવેતિ. આ બુદ્ધિના સાગરો અને નદીઓને ખબર નથી કે લાખો વર્ષ પૂર્વે એમના બાપદાદા અને દાદીઓ આફ્રિકાના ઝાડ પરથી હેઠા ના ઉતાર્યા હોત તો આજે આ લોકો ભારતમાં નહિ આફ્રિકાના કોઈ વૃક્ષ પર હુપ હુપ કરતા હોત.

 

કોઈ પણ રમતમાં આગળ વધવું હોય તો એક ડેડીકેશન, સ્વયં શિસ્ત અને વર્ષોની મહેનત માંગે છે. આ કોઈ તહેવાર કે ઉત્સવ નથી કે બેચાર દિવસ ધમાધમ કરીને ઓલોમ્પીકમાં પ્રવેશ મળી જાય. પણ આપણે તાયફા પ્રિય પ્રજા હોવાથી ચાર દિવસના તાયફા યોજી મન માનવીએ છીએ. ખેલોત્સવ પાછળ લાખો કરોડો રૂપિયા વાપર્યા ગુજરાતનો એકેય ખેલાડી ઓલોમ્પિક ટીમમાં કેમ નથી? છે ને વિચારવા જેવું? કડવું લાગશે. જ્વાલા મરચી પૂંઠમાં ઘુસી જશે પણ હકીકત છે. અરે પહેલા સ્કૂલોને સારા મેદાન તો પુરા પાડો? રમતગમતને વિષય તરીકે ફરજીયાત તો કરો? રોજ સ્કૂલમાં દરેક છોકરાને બે કલાક રમવાનું તો ફરજીયાત કરો? પછી જુઓ ભારતનું ટેલેન્ટ મેડલના ઢગલા કરી દેશે.

મહિલા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ માટે સસ્ખીને ફરીથી લાખ લાખ વધાઈઓ. પી.વી સિંધુને બેડમિન્ટનમાં સિલ્વર તો મળી જ ચૂક્યો છે માની લો અને આવતી કાલની ફાયનલમાં જીતી જાયને ગોલ્ડ મળે તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ.    14088408_10154419044569042_6617168127620188844_n

imagesશિવG

શ્રાવણ મહિનો આવે એટલે થોડા બુદ્ધીવાદીઓ તરફથી સોસિઅલ મિડિયા પર એવા મતલબના મેસેજ ફરતા હશે કે શિવજી પર દૂધ વેડફશો નહિ ગરીબોના પેટમાં જાય તેવું કરો. જો કે મારા પર તો આવો કોઈ મેસેજ આવ્યો નથી. મેં પોતે વર્ષો પહેલા બરોડામાં કોઈ મહાદેવના મંદિરે આવી રીતે થોડા લોકોને ઉભેલા જોએલા, તેઓ ભક્તોને સમજાવી એક મોટા વાસણમાં દૂધ એકઠું કરતા હતા.

હું પોતે અંગત રીતે ભીખ આપવામાં માનતો નથી. જે ભીખારીઓ કાયમ ભીખ માંગતા હોય છે તેઓને ટેવ પડી ગઈ હોય છે ભીખ માંગવાની. એમને તમે કહેશો ચાલ આટલું કામ કરી આપ તને પૈસા આપીશ તો ઊભો નહિ રહે ભાગી જશે. મેં એવા અખતરા કરેલા છે. જ્યારે એક આદિવાસી દંપતીને પૈસાની જરૂર હશે તો મને કહે કોઈ કામ બતાવો તે કામનાં બદલામાં મને ૫૦ રૂપિયા આપજો.

હું એને ઓળખતો હતો અને તે અમારા બરોડાના મકાનનું કામ ચાલતું હતું ત્યારે સ્થળ ઉપર રહીને જ બંને જણા ત્યાં મજુરી કામ કરતા હતા. મેં કહ્યું મારી પાસે હાલ કોઈ કામ નથી તું તારે ૫૦ રૂપિયા લઈ જા. પણ કહે ના કોઈપણ કામ બતાવો તે કરીને પછી જ પૈસા લઈશ. મારે ના છુટકે મારા ભાઈના ઘરનું સફાઈ કામ કરવાનું બતાવવું પડ્યું. આવા જરૂરિયાત વાળા માનવોને ભીખ રૂપે નહિ મદદ રૂપે કશું પણ આપી શકાય. એમ શંકરના મંદિરમાં દૂધ ગટરમાં જ જશે તો શંકર કઈ રાજી થવાના નથી તે દૂધ આવા ભિખારી નહિ પણ જરૂરિયાત વાળા બાળકોના પેટમાં જશે તો શંકર અવશ્ય પ્રસન્ન થશે.

પરંપરાને સુધારી ચોક્કસ શકાય. પરંપરાને બહાને આપણે કેટલીય બીમારીઓ રીતી રીવાજને નામે સજાવી ધજાવીને રાખી છે. પણ જ્યારે કોઈ તર્ક બુદ્ધિની વાત કરે તો આવી બોદી પરમ્પરાઓ ઊભી કરનારાઓના પેટમાં તરત તેલ રેડાઈ જતું હોય છે, કે હજારો વર્ષ લગી આ પ્રજાને ઉલ્લુ બનાવી રાખી છે તે બંધ થઈ જશે. ગાંડા જેવી દલીલો કરી એમની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે. આખો શ્રાવણ મહિનો શંકરના લિંગ પર દૂધ વેડફવાને આ બુદ્ધુઓ તહેવાર કહેતા હોય છે. અલ્યા ભાઈ આ તહેવાર નથી બોગસ કર્મકાંડ છે. તહેવાર તો શિવરાત્રી છે જે કોણ નથી ઉજવતું? દિવાળી ધામધૂમથી આપણે ઉજવીએ જ છીએ. કોણ નથી ઉજવતું? અહિ અમે ઉજવીએ છીએ ને તમે બાકી રહેતા હશો? ફટાકડા તો ચીનાઓએ શોધ્યા છે ફટાકડા ફોડીએ તો જ ધરમ કર્યો કહેવાય? દિવાળી તહેવાર છે, સાવચેતી પૂર્વક કોઈને નુકશાન ના થાય તેમ ફટાકડા ફોડી ઉજવો પણ કોઈની ઘાઘરીમાં કે પેન્ટ કે લેંઘામાં ઘુસી જાય તેમ ફોડી એને લજવો નહિ. વર્ષમાં એકાદ દિવસ ભંગ પીવામાં પણ મજા છે. ભાંગના ભજીયા પણ મસ્ત બને. ના આવડે તો આમારા મુકેશ રાવલને પૂછી લેવું.

કૃષ્ણ તો જુગાર રમતા નહોતા. યુધિષ્ઠિર રમેલા તેના પણ વિરોધી હતા. એ જુગારના લીધે એમને અડધી રાત્રે દ્રૌપદીને વસ્ત્ર ઓઢાડવા દોડવું પડેલું. એ કૃષ્ણના જનમ દિવસે જુગાર રમવામાં જો કોઈને ધરમ દેખાતો હોય તો તે મહામુર્ખ છે. જુગાર તમારા જોખમે બારેમાસ રમો કોણ ના પડે છે?

અમારા સમિત પોઈન્ટમાં રહેતા વિષ્ણુભાઈ પટેલને મેં કહ્યું, “ વિષ્ણુકાકા આ શ્રાવણ મહિનામાં શિવજી પર દૂધ ચડાવી વેડફવાને બદલે જરૂરિયાતવાળાને આપો એવી એક ઝુંબેશનો ધર્મના જાતે બની બેઠેલા રખેવાળો તરફથી વિરોધ થાય છે. તમારું આ બાબતમાં શું કહેવું છે?”

કાકા તો એકદમ ઉકળ્યા, “ અલ્યા મારા દિયોર આખા સંસારનું નેટવર્ક જે ચલાવ સ ઇનઅ તમાર દૂધની એક થેલીની લોચ આલો સો? આ શ્વાસ જ ઈને આલ્યા સ ઇનઅ તમારી ટોયલી દૂધની હું જરૂર? મારા દિયોર અમૂલની એક કોથરીમાં તમારો ધરમ હમઈ જતો હોય તો અમૂલ ડેરીની દૂધની બધી પાઈપો માદેવજી પર વારી દ્યો. માદેવ બૌ ખુશ થઇ જસી. પણ રાઓલભઈ અતારે કોઈ ન સલા(સલાહ) આલવા જેવી નહિ નકોમું ગારો દે એવી પરજા સ.”

સાચી વાત છે કહી હું હસતા હસતા સ્ટોર પર આવવા ભાગ્યો.

આસ્થાનો સવાલ હોય તો તે આસ્થાનો પ્રવાહ છેવટે ગટરમાં સમાપ્ત થતો હોય, તો તેના બદલે કોઈના મુખમાં થઇ ભૂખ્યા જઠરમાં સમાપ્ત થાય તે વધુ સારું. આસ્થાઓ બદલી શકાય છે. આમેય બદલીએ જ છીએ. ક્યા નથી બદલાતા? ભગવાન આખા બદલી નાખો છો તો એક આસ્થા ના બદલાય? શંકરની આસ્થા સાઈબાબામાં ક્યા નથી બદલી? એ વખતે તો હિંદુ ધર્મનો નાશ થઈ જતો નથી.

ભગવાન શંકર શું છે? સકલ સૃષ્ટિના સર્જનાત્મક અને વિસર્જનાત્મક કુદરતી પરિબળો એટલે શંકર. શંકરનું મહત્વ હિન્દુઓને જ ખબર નથી. આખી દુનિયા આજે યોગા અને ધ્યાન પાછળ ગાંડી થઈ છે અને જે ધ્યાન દુનિયામાં બુદ્ધને નામે ચડ્યું છે તે ધ્યાનની ૧૦૮ પદ્ધતિઓ દુનિયામાં સર્વ પ્રથમ ભગવાન શંકરે પાર્વતીના એક સવાલના જવાબ રૂપે કહી છે તે રીતે ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં સચવાયેલ છે. અત્યારે રોજ નવી માતાઓ ફૂટી નીકળે છે ત્યારે પ્રાચીન ભારતમાં જે દસ મહાદેવીઓની પૂજા થતી તે તમામ માતા પાર્વતીના રૂપો છે. શંકર તાંડવ કરે ત્યારે જ્વાળામુખી ફાટે, ધરતીકંપ થાય, હરિકેન આવે, સુનામી આવે. દરિયો ખસી જાય ને તેની જગ્યાએ ઉત્તુંગ હિમાલય ઊભો થઈ જાય.

બાંધતા બાંધતા જ તૂટી જાય એવા પુલ બનાવી, પહેલા વરસાદે જ ઉખડી જાય એવા રોડ બનાવી શંકરનું અપમાન કરશો નહિ, નહી તો એ તમારો સંહાર કરી નાખશે.

 

લવ મેરેજ, અરેન્જ મેરેજનું કમઠાણ

લગ્ન નિતાંતલવ મેરેજ, અરેન્જ મેરેજનું કમઠાણ

અમારી સમિત પોઈન્ટની ગામ-ગપાટા મંડળી હવે પાછી પાર્કમાં ભેગી થવા લાગી છે. શિયાળો હવે લગભગ પૂરો થવા આવ્યો છે. એટલે તડકો નીકળે તો તડકો ખાવા ભેગા થવાનું શરુ થયું છે. આજે મેં મંડળી વચ્ચે સવાલ ફેંક્યો કે આ લવ મેરેજ અને અરેન્જ મેરેજ બેમાં શું ફરક?

વિનુકાકા કહે માબાપ અને સગાઓ દ્વારા ગોઠવાયેલ લગ્ન એટલે અરેન્જ મેરેજ અને છોકરો છોકરી એકબીજાના પ્રેમમાં પડી જાતે લગ્ન કરી લે તે લવ મેરેજ.

વિષ્ણુકાકા અમારા પૂરા મૅહૉણી એટલે કે મહેસાણાનાં. તે કહે, ‘ દિયોર બધું એકનું એક જ કેવાય. અરેન્જ તો બધા જ કરતાં હોય સ. એકમાં માબાપ કરતૉ હોય સી, બીજામાં જાતે પણ અરેન્જ તો કરવું જ પડસ ક નૈ?’ અમે બધા હસી પડ્યા. શાબ્દિક અર્થમાં એમની વાત સાચી હતી.

મેં કહ્યું, ‘ શાબ્દિક અર્થમાં તમારી વાત સાચી પણ ભાવનાત્મક અર્થમાં અમે પૂછીએ છીએ.’

વિષ્ણુકાકા કહે, ‘એ તો મું ય હમજું સુ આ તો જરા ગમ્મત કરી, મૂળ વાત દિયોર ઈમ સ ક અરેન્જ મેરેજમાં સોકરો સોકરી એકબીજાન ઓરખતૉ નહિ અ ન માબાપ ન બીજાં હગલૉ ચોખટુ ગોઠવી કાઢી સી.. જાણ લવ મેરેજમાં સોકરો સોકરી જ એકબીજા ન ઓરખતૉ હોય સિ માબાપ ન ખબર ઑતી નહિ ન જાતે જ લગન ગોઠવી કાઢતૉ હોય સિ.’

મેં કહ્યું આતો બધી સીધી સાદી વ્યાખ્યાઓ થઈ પણ એના ફાયદા ગેરફાયદા શું?

વિષ્ણુકાકા કહે, ‘લવ મેરેજ ભાગ્યેજ સક્સેસ જૉય, માબાપ ગોઠવઅ એજ હાચું.’

વયોવૃદ્ધ રમણકાકા કહે, ‘અમારા જમાનામાં તો છોકરી જોઈ જ ના હોય અને માબાપે ગોઠવી કાઢ્યું હોય એમાં કશું બોલાય જ નહિ. મૉયરામાં પણ છોકરી લાજ કાઢીને બેઠી હોય એટલે મોઢું જોવા ના મળે. પહેલી રાતે ઘરમાં ઉપર માળીયામાં સુહાગરાત થાય. એમાંય માળીયામાં પાછા એક બાજુ બાજરી કે જારના પૂળા ભરેલા હોય. એની ફૂગ મિશ્રિત સુગંધ લેતા લેતા ઘરવાળીનું લાજ કાઢેલું મોઢું ખોલીએ અને પહેલીવાર જોઈએ ત્યારે કાંતો કપાળ ફૂટવાનું મન થાય કાંતો ખુશ ખુશ થઈ જવાય.’

અમે બધા હસી પડ્યા. મેં કહ્યું, ‘ રૂપાળી નીકળે તો આનંદ આનંદ થઈ જાય અને કદરૂપી કે ધાર્યા પ્રમાણે ના નીકળે તો કપાળ ફૂટો કે આખી જીંદગી હવે આજ ચહેરો રોજ જોવાનો છે. કેમ?’ ફરી બધા હસી પડ્યા.

તો વિષ્ણુકાકા કહે, ‘ પણ એવું તો દિયોર ઘરવાળી ને ય થાય કે નૈ? ઈનો વર ધાર્યા પરમૉણે રૂપાળો ધોળી બખ્ખ જારનાં દૉણા જેવો હોય તો ઇન ય આનંદ આનંદ થાય અ ન બાજરી જેવો બાવળિયાના ઠુંઠા જેવો નેકળઅ અન પોતે રૂપાળી હોય તો એય મૉથું પસાડ ક નૈ?’

ફરી બધા હસી પડ્યા. વાત તો સાચી હતી. ગુણ-બુણ તો પછી ખબર પડે જોડે રહો ત્યારે પણ સૌથી પહેલું રૂપ જ જોવાના અને ખુશ કે નિરાશ થવાના. જોકે રૂપની સૌન્દર્યની વ્યાખ્યા દરેકની પોતાની આગવી અને યુનિક હોય છે. મને રૂપાળું લાગતું હોય તે તમને ના લાગે તેવું પણ બને.

મને ગમ્મત કરવાનું મન થયું. મેં રમણકાકાને પૂછ્યું કાકા તમે ખુશ થયેલા કે નિરાશ કાકીનું મોઢું જોઈ?

કાકા કહે આજે તમારી કાકી નથી એટલે કહું છું, ‘હું એટલો બધો ખુશ નહોતો થયો, પણ એ ખુશ થયેલી એવું અનુમાન કરું છું. પણ જોડે રહ્યા પછી કહું તો એનો સ્વભાવ અને કુટુંબ પ્રત્યેની લાગણી, બધાંય ને સાચવી લેવાની આવડત, દરેક કામમાં ચીવટ અને ચોખવટ જોઈ મારી થોડી ઘણી નારાજગી ક્યારે હવા થઈ ગયેલી તે ખબર જ નહોતી પડી અને એક દિવસ માટે એના પિયર જાય તો પણ ગમતું નહિ આજે એને ગુજરી ગયે બે વર્ષ વીતી ગયા છે પણ હાલ મારી સામે ઊભી હોય એવું જ લાગ્યા કરે છે.’

વાતાવરણ થોડું ભારેખમ થઈ ગયું. રમણકાકાની આંખના ખૂણા સહેજ ભીના લાગતા હતા. પણ વાતાવરણ વધુ ભારે થાય તે પહેલા વયોવૃદ્ધ કમળાકાકી બોલી ઉઠ્યા, ‘મેં તો પહેલી રાતે એમને જોઇ કપાળ જ ફૂટેલું. આખા ગામમાં મારા રૂપના વખાણ થતાં અને અમારા એ સાવ બાવળિયાના ઠુંઠા જેવા અને વધુમાં સ્વભાવ પણ બાવળિયાના કાંટા જેવો. વાતે વાતે હાથ ઉપાડે. બહાર કશું ચાલે નહિ એટલે ઘરમાં દાદાગીરી. કેટલીય વાર હું પિયર જતી રહેલી. પણ માબાપ કહે હવે એજ તારું ઘર. આમને ય કોઈ પૂછવાનું હોય નહિ એટલે કરગરીને પાછા તેડી લાવે. થોડા દિવસ પછી પાછો એનો એજ. એમ ને એમ આખી જીંદગી કાઢી. આ તો છોકરાં સારા પાક્યા અને ભણ્યા ગણ્યા એટલે અમેરિકા ભેગા થઈ ગયા. એમના ગુજરી ગયે ચાર વરસ વીતી ગયા મને તો એક દાડોય યાદ આવતા નથી.’ કાકીની કહેવાની સ્ટાઈલ જોઈ બધા હસી પડ્યા.

મેં કહ્યું મારા એક મિત્રનો દાખલો કહું. મારા મિત્ર સામાન્ય શિક્ષક હતા શરૂમાં બહુ પગાર નહોતો. એમના લગ્ન આમ તો અરેન્જ મેરેજ હતા. છોકરી જોવા ગયા ત્યારે ઈન્ટરવ્યું વગેરે ચાલ્યું. છોકરીને એમને સ્પષ્ટ કહેલું મારો પગાર સાવ નજીવો છે. તો છોકરી કહે મારે તમારી સાથે પરણવાનું છે તમારા પગાર સાથે નહિ. આ મિત્ર આ જવાબ સાંભળી એટલા ખુશ થઈ ગયેલા કે આગળ કશું પૂછવાનું માંડી વાળી તરત હા પાડી દીધેલી. લગ્ન પછી ટૂંકા પગારમાં ઘર ચલાવવાનું મૂશ્કેલ લાગવા માંડ્યું તો પછી એટલા ઝગડા થવા લાગ્યા કે ના પૂછો વાત. કારણ છોકરી સુખી ઘરની હતી. મારામારી સુધી વાત આવી ગયેલી. પછી પિયર જતી રહેલી. ખાસી બધી સમજાવટ પછી મહિનાઓ પછી પાછી આવી. અને ઝગડા તો કાયમ ચાલુ જ રહેલા.

રમણકાકાએ અનુભવ વાણી ઉચ્ચારી લગ્ન, પ્રેમ લગ્ન હોય કે ગોઠવેલા લગ્ન જોડે રહેવાનું આવે ત્યારે જ ખરી ખબર પડે.

બધા સામટા બોલી ઉઠ્યા તદ્દન સાચી વાત. જોડે રહેવાનું આવે ત્યારે જ ખરી ખબર પડે. વિનુકાકા ક્યારના ચૂપચાપ સાંભળે રાખતા હતા. મેં કહ્યું હવે જરા આપશ્રી થોડો પરકાશ પાડો. પાપ તારું પરકાશ…. તો વિનુભાઈ હસી પડ્યા કહે મને ચાન્સ આપો તો બોલું ને? પણ મારું ભાષણીયું લાંબુ ચાલશે કંટાળતા નહિ.

મેં કહ્યું તમારા ભાષણ બાબતે ટૂંકું ચાલે તો કંટાળો આવે.

વિનુકાકાએ શરુ કર્યું બધા એક ધ્યાન થઈ ગયા.

દરેક પ્રાણી એમાં માણસ પણ આવી ગયો, બે મુખ્ય વાત એના DNA માં હોય છે, એક તો ગમે તે ભોગે જીવવું અને એક પોતાની ઝેરોક્સ કોપી પાછળ મૂકતા જવું. આ કોપી પાછળ મૂકતાં જવામાં નરને માદાની અને માદાને નરની જરૂર પડવાની. અને માદા મેળવવા બીજા નર સાથે લડી પોતે બળવાન છે તે સાબિત કરવું પડતું. સર્વાઈવલ માટે પરિવારમાં જીવતા હોય તો એકલા જીવનાર કરતા સર્વાઈવલ રેટ ઊંચો રહે. હવે સ્ત્રી માટે રોજ રોજના ઝગડા પોસાય નહિ તો આવી લગ્ન વ્યવસ્થા. એટલે મજબૂત અને બળવાન પુરુષ પાસે પ્રેમથી જતી સ્ત્રી લગ્ન નામના રિવાજની સાંકળ વડે બંધાઈને જવા લાગી. અહિ સમજો પરિવારનો જન્મ પ્રેમ રોકવાથી થયો. એટલે જુના તમામ સમાજો આગ્રહ રાખતા વિવાહ-લગ્ન પહેલાં પ્રેમ તો પાછળથી આવશે. હવે નવા જમાનામાં પ્રેમ પહેલાં, લગ્ન પછી ત્યાં પરિવારના પાયા ડગમગવા માંડ્યા છે.

બે વ્યક્તિઓને સાથે રહેવા મજબૂર કરી દઈએ તો તેમનામાં પણ એક જાતની પસંદ પેદા થતી હોય છે. ગમવું અને પ્રેમ બંનેમાં તફાવત છે. જ્યાં સુધી સ્ત્રીનો કોઈ આત્મા નહતો, સ્ત્રી વસ્તુ હતી ત્યાં સુધી બહુ ઉપદ્રવ નહોતો. હવે જ્યારે સ્ત્રી-પુરુષ સમાન થવા લાગ્યા ત્યાં પ્રેમ અને કલહ બંને વધવાના. અંતર વધુ હોય ત્યાં પ્રેમ અને કલહ બંનેની સંભાવના ઓછી હોય. સ્ત્રી-પુરુષ સમાન હોય ત્યાં પ્રેમ પેદા થવાનો. પ્રેમનો પ્રોબ્લેમ એ છે કે પ્રેમ ખતરનાક છે. પ્રેમ એક આગ છે. પ્રેમ જરૂરી નથી આજે છે તો કાલે પણ રહેશે. પ્રેમનો મતલબ પલ પલ જીવવું. કાલનો કોઈ ભરોસો નહિ. એટલે પ્રેયસીને પત્ની બનાવી કે આકર્ષણ ગયું. પશ્ચિમમાં પ્રેમવિવાહ તૂટવા માંડ્યા છે. તો ત્યાં બહુ જૂની પુરાણી લગ્ન કર્યા વગર સાથે રહેવાની લીવ ઇન રીલેશનશીપ ચાલુ થઈ ગઈ છે. હવે ત્યાં અરેન્જ કે લવ મેરેજમાં પણ વિશ્વાસ રહ્યો નથી.

અરેન્જ મેરેજના પોતાના ફાયદા છે. પરિવાર સુનિયોજિત રાખી શકો છો. બાળકો માટે મોટો ફાયદો કે માતાપિતા બંનેનો પ્રેમ અને સાથ કાયમ મળી રહે. પ્રેમ લગ્ન તૂટે નહિ તો આજ ફાયદા એમાં પણ મળે છે પણ પ્રેમલગ્ન તૂટવાની સંભાવનાઓ જરા વધુ હોય છે. ટૂંકમાં અરેન્જ હોય કે પ્રેમ, લગ્ન તૂટે નહિ તો પરિવાર અને બાળકો માટે ફાયદાકારક.

જુના જમાનાના લોકોએ બાળવિવાહની શોધ કરેલી. અમુક સંબંધો જન્મ સાથે મળે છે. જન્મ સાથે માતાપિતા, ભાઈબહેન, કાકા-કાકી, મામા-મામી વગેરે સંબંધો મળે છે. એને બદલી શકાતા નથી. ફાવે કે નાં ફાવે ભાઈ બહેન બદલી શકાતા નથી. આજ થીયરી બાળ વિવાહમાં હતી. જન્મથી જ લગ્ન કરાવી નાંખવામાં આવે અથવા ઘણાના તો જન્મ પહેલા પણ નક્કી થઈ જતું. એટલે જેમ મા બદલી ના શકાય તેમ પતિ કે પત્ની પણ બદલી ના શકાય. ટૂંકમાં અરેન્જ મેરેજ સારા લવ મેરેજ ખોટા અને લવ મેરેજ સારા અરેન્જ મેરેજ ખોટા એવું કશું છે નહિ. છેવટે તો વ્યક્તિઓની સમજદારી પર બધું આધાર રાખતું હોય છે. મારું પ્રવચન પૂરું.

વિનુકાકાએ લાંબુ પ્રવચન પૂરું કર્યું. બધા ધ્યાનથી સાંભળી રહેલા. મેં પૂછ્યું વિનુભાઈ તમારું કેવું છે લવ કે અરેન્જ?

વિનુભાઈ કહે બંને ભેગું, મારા ભાભીની ભત્રીજી મારે ઘેર આવતી તો એની સાથે લવ થયો ને બંને પક્ષના સગાઓએ એને અરેન્જ કરી નાખ્યું. હહાહાહાહાહાહા

વિનુભાઈ સાથે અમે બધાં જોરથી હસી પડ્યા અને હસતા હસતા છુટા પડ્યા.

યાદે વતન-૨12573741_10206514587436133_5624182383322336915_n

૨૬મી જાન્યુઆરીએ એક સ્થાનિક સ્કૂલમાં ધ્વજવંદન કરી સાંજે અમે બરોડા પહોચી ગયા. બરોડા મારું પ્રિય શહેર છે. હું ત્યાં અગિયારમાં ધોરણથી ભણવા ગયેલો. ત્યારે સૌથી પહેલા ત્યાં ગણેશોત્સવ જોયા. બાકી ઉત્તર ગુજરાતમાં ગણપતિ ચોથ ક્યારે આવીને જતી રહે કોઈને ખબર પણ પડતી નહોતી. અને ગણેશ વિસર્જનની આનંદ ચૌદશ કોને કહેવાય તે પણ કોઈને ખબર નહોતી. ચોથ થી ચૌદશ સુધી બરોડામાં પુષ્કળ ધમાધમ ચાલતી હોય છે. રાત પડે લોકોના ટોળે ટોળા ઠેર ઠેર સ્થાપેલા ગણપતિ જોવા તૂટી પડે. પછી તો હું થોડા વર્ષ ખેતી કરી ફરી પાછો બરોડા સ્થાયી થઈ ગયેલો. વડોદરા મારા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યું છે.

૨૮મીએ મારું લેક્ચર સુરત ગોઠવેલું હતું. સુરતની સત્યશોધક સભા દ્વારા પ્રેમ સુમેસરા ભાઈએ આ બધી ગોઠવણ કરી હતી. સુરત એટલે ગુજરાત ખાતે રેશનાલીસ્ટ લોકોનો ગઢ ગણીએ તો કશું ખોટું નથી. પ્રખર રેશનાલીસ્ટ દાદા રમણ પાઠકનો અહિ સુરજ તપતો હતો. રમણ દાદાને સદેહે નહિ મળી શકવા બદલનો અફસોસ તો જીંદગીભર રહેવાનો છે. રમણદાદાની સોટીના ચમકારા જેવી તીખી કોલમ રમણભ્રમણ લોકોએ માણી જ હશે. તેઓશ્રી અને તેમના પત્ની બંને સારા સાહિત્યકાર પણ રેશનાલીસ્ટ હોવાને લીધે ગુજરાતી સાહિત્યકારો અને સાહિત્યને લગતી સંસ્થાઓ દ્વારા અળખામણા રહેલા. પણ એવી બધી ફિકર કરે તેવા રમણ દાદા નહોતા. મુરબ્બી નાનુભાઈ નાયક તથા બાબુભાઈ દેસાઈ અને યુવાન મિત્રો એવા પ્રેમ સુમેસરા અને જીગ્નેશ પાઠક જેવા અનેક રેશનાલીસ્ટ મિત્રો સત્યશોધક સભા દ્વારા ખુબ ઉમદા કામ કરી રહ્યા છે.

જે મિત્રોને હૃદયથી મારી સાથે થોડો પણ સમય પસાર કરવો હતો તેમણે ગમે તે રીતે તેનું બહાનું શોધી કાઢેલું. આવા મને મળવાની પ્રબળ ઈચ્છા ધરાવતા મિત્ર જીગ્નેશ પાઠક હતા. તેમણે મને બરોડા લેવા આવવાનું સ્વેચ્છાએ સ્વીકારી લીધેલું જેથી મારી સાથે વાતો કરી શકાય. છેક નવસારીથી કાર લઈ જીગ્નેશભાઈ બરોડા આવી ગયેલા. પણ શહેરના ગીચ ટ્રાફિકમાં સમય ખુબ વીતી જાય અને સુરત પહોચવામાં મોડું થઈ જાય તે પરિસ્થિતિ ટાળવા અમે હાઈવે સુધી સામે જાતે જ પહોચી ગયા. મને ખ્યાલ છે. અમદાવાદથી માણસા જવું હોય તો અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ થી સાબરમતી પહોચતા જ કલાક નીકળી જાય. પછી ત્યાંથી માણસા અંતરમાં ભલે વધુ હોય પણ બહુ વાર લાગે નહિ. ટૂંકમાં અમદાવાદથી જ અમદાવાદની ભાગોળે પહોચતા જ બહુ વાર લાગે. આવું હવે બરોડામાં પણ બનવા લાગ્યું છે.

જીગાભાઈ જોડે ખુબ વાતો કરી. અમારી વાતોમાં  તત્વજ્ઞાન, રેશનાલીઝમ, મનોવિજ્ઞાન, હ્યુમન બિહેવ્યર અને તેની પાછળના ઉત્ક્રાંતિ જન્ય કારણો, ભારતીય સંસ્કૃતિ, એને વળગેલી બીમારીઓ વગેરે વગેરે વિષયો વણાયેલા હતા. સુરત પણ હવે ગીચ છે. બરોડા કરતા મોટું અને વસ્તીમાં પણ વધુ છે. કોઈ ચોકલેટી મુવી સ્ટાર જેવા પ્રેમભાઈએ ઉમળકાભેર એમના ઘેર અમારું સ્વાગત કર્યું. ત્યાં પણ થોડો ચર્ચાનો દોર ચાલ્યો. ચાપાણી કરી ફ્રેશ થઈ સાહિત્ય સંગમનાં નાનુભાઈ નાયક હોલ તરફ પ્રયાણ કર્યું. વયોવૃદ્ધ નાનુભાઈ નાયક તથા બાબુભાઈ દેસાઈ સાહેબને મળીને ખુબ આનંદ થયો. તો અમારા સંબંધી પ્રદીપસિંહ વાંસદિયા એમના શ્રીમતી સાથે મને સાંભળવા અને ખાસ તો મળવા આવેલા હતા.

પ્રેમભાઈએ સ્વાગત પ્રવચનમાં મારી ઓળખાણ આપી અને વધુમાં મને ફેસબુકનાં રમણ પાઠક તરીકે ઓળખાવ્યો તો મારો કોલર એની જાતે જ ઉંચો થઈ ગયો. રમણદાદાનાં તોલે તો હું કદાપિ આવી ના શકું. એ તો રેશનાલીઝમનાં આજીવન ભેખધારી હતા. હાથ અને મગજ ચાલ્યું ત્યાં સુધી એમણે રેશનાલીઝમ માટે લખે રાખ્યું હતું. મારી સામે લગભગ બધા રેશનાલીસ્ટ મિત્રો જ બેઠેલા હતા એટલે રેશનાલીઝમ વિષે ટીપીકલ વાતો કરી એમને બોર કરવા નહોતા. વૈજ્ઞાનિક સમજ અને અભિગમ વધે તો ઓટ્મેટિક ધર્મના ઇરેશનલ ચોચલા પ્રત્યેથી મન દૂર થવાનું જ છે. વિજ્ઞાન ભણવું અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવો બંને ભિન્ન છે. વિજ્ઞાન ભણીને પણ વૈજ્ઞાનિક અભિગમ નહિ કેળવો તો તમે અંધશ્રદ્ધાળુ રહેવાના જ છો. અને દરેક હ્યુમન બિહેવ્યર પાછળ ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન રહેલું છે. અને તે પ્રમાણે બ્રેન કેમિસ્ટ્રી ઘડાતી હોય છે. માટે મેં બ્રેન અને તેમાં છૂટતા સુખ અને દુઃખનો અહેસાસ અનુભૂતિ કરાવતા ન્યુરોકેમિકલ્સ વિષે માહિતી આપી. સર્વાઈવલની સ્ટ્રેટેજી પ્રમાણે આપણા બ્રેનમાં સુખ અને દુઃખ આપતા રસાયણો સ્ત્રવે છે એમાં કોઈ ભગવાન કે પૂર્વજન્મના કર્મો કે બીજું કોઈ જવાબદાર નથી. આખું પ્રવચન અહિ લખતો નથી પણ મારા આપેલા પ્રવચનની લીંક અહિ મૂકીશ એટલે જેને રહી ગયું હોય તે સાંભળી શકશે. પ્રવચન પૂરું થયું ત્યાં ધર્મેન્દ્રસિંહ બાપુ એમની ટીમ સાથે હાજર હતા. એમનો આગ્રહ હતો હું રોકાઈ જાઉં અને કીમમાં પ્રોગ્રામ ગોઠવવો હતો. પણ મારી પાસે સમય નહોતો. શ્રી. પ્રદીપસિંહ અને એમના શ્રીમતી વૈષ્ણવીદેવીનો એમના ઘેર લઈ જવાનો ખાસ આગ્રહ હતો, પણ બધું ટાળવું પડ્યું. છેવટે બધાએ સાથે ફોટા પડાવી ફરી આવું ત્યારે સમય આપવાનું વચન લઈ મન મનાવ્યું.  12573219_10206514586636113_2932913538209003466_n

પ્રેમભાઈનાં આગ્રહવશ સરસ મજાનુ સ્વાદિષ્ટ રાત્રીભોજ માણવાનું પણ મળ્યું. તે સમયે હાજર મિત્રો સાથે ખુબ મજાની જાતજાતનાં વિષયો પર ચર્ચા પણ થઈ. રાત્રે રોકાઈ જવાનો આગ્રહ હતો પણ બરોડા પહોચી શાંતિ થી નીંદર લઈએ મોડા ઉઠીએ તો પણ ચાલે એવો સ્વાર્થી વિચાર કરીને રાત્રે જ બસમાં બેસી ગયા. પ્રેમભાઈ અને જીજ્ઞેશભાઈએ બસમાં બેસાડવા સુધીની જવાબદારી નિભાવી હતી. ક્યારેય મળ્યા નહોતા પણ આ ફેસબુકે ખરેખર એવા એવા સરસ મિત્રો મેળવી આપ્યા છે કે ના પૂછો વાત. વર્ચ્યુઅલ મિત્રતા હવે ખરેખરી મિત્રતામાં પલટાઈ રહી હતી. સુરતની મુલાકાત અવિસ્મરણીય સંભારણું.

હું જ્યાં જવાનો હોઉં તે માહિતી ફેસબુક પર ફોન નંબર સાથે મૂકી દેતો. એટલે મળવા આવનારા મિત્રોના ફોન આવી જતા. અને મુલાકાત ગોઠવાઈ જતી. બરોડા હું ઘણા વર્ષો રહેલો માટે મિત્રો તો હતા પણ સંબંધીઓ પણ ઘણા હતા. બધાને મળવાનું હતું. ક્યાંક મારે સામે જવું પડે તેમ હતું તો અમુક મને મળવા આવે તેમ હતા. વડોદરામાં મેં જિંદગીના સૌથી વધુ અને સૌથી મહત્વના વર્ષો વિતાવેલા છે. એટલે વડોદરા તો હું બેત્રણ મહિના રહું તો પણ ઓછા જ પડે. સૌથી પહેલી ફાલ્ગુની મળવા આવી ગઈ. સાહિત્યરસિક ફાલ્ગુનીની બુદ્ધિના ચમકારા એની વાતોમાં દેખાઈ આવે. એની વાતો ખૂટતી નહોતી. કમાતી ધમાતી ઘરરખું પ્રેમાળ ગૃહિણીનું ઉત્તમ ઉદાહરણ એટલે ફાલ્ગુની. હું એને ફાગુ તરીકે સંબોધતો હોઉં છું તે મને પાપાજી. સાંજે અમારા જુના મિત્ર એક બહુ સારા વાર્તાકાર તો ખરા જ પણ બહુ સારા હાસ્યરસથી ભરપુર વાર્તાઓ સાથે લેખો લખનાર યશવંત ઠક્કર મળવા આવ્યા. તો તુષાર ભટ્ટ પણ આવી પહોચ્યાં. સમરસિયા ભેગા થાય પછી વાતો ખૂટે ખરી? ફોન પર વાત થયા મુજબ આણંદથી રીટાબેન અને પ્રદીપભાઈ ઠક્કર પણ મળવા આવી પહોચ્યા. યશવંતભાઈ સિવાય બધા પહેલીવાર મળતા હતા પણ જાણે વર્ષો જુના મિત્રો હોય એમ લાગતું હતું. રોજ ગામના ચોરે મળતા હોઈએ એમ જરાય અજાણ્યું લાગતું નહોતું. જો કે આમેય ફેસબુક વિશ્વગ્રામ જ કહેવાય એના ચોરે બેસી અમે બધા રોજ ગામની પટલાઈ કરતા હોઈએ પછી શેનું અજાણ્યું લાગે? મારા ભાઈ પ્રદીપસિંહ સાથે મારા દૂરના સાળાશ્રીનો દીકરો હેમરાજસિંહ બધાની ચાપાણી નાસ્તાની વ્યવસ્થામાં ખડે પગે ઉભા હતા. કોઈને છુટા પડવાનું મન થતું નહોતું પણ સમય કોને કીધો? મોડે મોડે બધા છુટા પડ્યા પછી દિલીપકુમાર મહેતા એમના દીકરા સાથે આવી પહોચ્યા. એમની સાથે પણ ખુબ વાતો થઈ.

બીજા દિવસે સવારે દસેક વાગે આણંદથી જયશ્રીબેન જોશીની પધરામણી થઈ. ગુજરાતીના આ પ્રાધ્યાપિકા અત્યંત બુદ્ધિશાળી અને તેજસ્વી. એમની સાથે વાતો કરવાની, સાહિત્યની ચર્ચા કરવાની ખુબ મજા પડે. એમની સાથે ત્રણચાર કલાક ક્યા વહી જાય તેનો કોઈ અણસાર જ ના આવે. બપોરનું ભોજન પણ અમે સાથે જ લીધું. તેમના ગયા પછી અમે પણ માણસા જવા રવાના થઈ ગયા. મારું શેડ્યુલ અત્યંત વ્યસ્ત બનતું જતું હતું મને તેનો અંદાઝ નહોતો. માણસાથી બીજા દિવસે અમારે અમદાવાદ થઈ સૌરાષ્ટ્રની લાંબી ટ્રીપ પર જવાનું હતું.

વધુ આગલા અંકે.  https://www.youtube.com/watch?v=80ANnzfBdnU

SatyaSodhak Sabha – Dt. 28-1-2016
‘સત્ય શોધક સભા’ અને ‘સાહિત્ય સંગમ’ના ઉપક્રમે અમેરિકા સ્થિત જાણીતા લેખક વિચારક અને પ઼ખર રેશનાલિસ્ટ શ્રી ભૂપેન્દ઼સિંહ રાઓલે સરસ મનનીય અને વિચારપ઼ેરક વકતવ્ય આપેલ તે ઉપર લીંક ઉપર ક્લિક કરું યુ ટ્યુબ પર સાંભળો..
youtube.com

 

યાદે વતન-૧

પરદેશમાં રહેતા હોય એને વતનની યાદ વધુ સતાવતી હોય તે દેશમાં વતનમાં રહેનારને સમજાય નહિ. વતનમાં કશું ખોટું થતું હોય, કોઈ સિસ્ટમમાં ખામી હોય તે વતનમાં રહેનારને જલદી જણાય નહિ કારણ તેઓ એનાથી ટેવાઈ ગયા હોય છે. ઘણીવાર તો આ બાબત ખોટી છે તેવી માહિતી જ હોતી નથી એમના બ્રેનમાં. કારણ બચપણથી એવું જોએલું હોય એટલે બ્રેનમાં એવી જ સર્કીટ બનેલી હોય કે આ તો નોર્મલ કહેવાય. જ્યાં ત્યાં થૂકી નાખવું આપણે ત્યાં બ્રેનમાં બનેલી સર્કીટ પ્રમાણે નોર્મલ કહેવાય. જોરશોર થી વાતો કરવી કે આખું ગામ સાંભળે તેમ ફોન પર વાત કરવી નોર્મલ કહેવાય. સ્વચ્છતા નહિ જાળવવી તે પણ નોર્મલ કહેવાય. તમાકુ સાથે ચૂનો  જાણે પ્રેમિકાને આક્રમકતા સહ પંપાળતા હોય તેમ હથેળીમાં તર્જની વડે મસળી, એક હથેળીમાંથી બીજી હથેળીમાં આલ્હાદક રીતે પ્રેમિકાને સહેલાવતા હોય તેમ ખંખેરી, ફરી પાછું બીજી હથેળીમાં એનું પુનરાવર્તન કરી, સારી સારી મસળાયેલી તમાકુ પાછી એક હથેળીમાં ભેગી કરી તેને સડેલા દાંત, સુજેલા પેઢા અને ગંદા હોઠ વચાળે આસનસ્થ કરાવી, એક હથેળીમાં તમાકુનો વધેલો ઝીણો ભૂકો આજુબાજુ જોઈ જ્યાં બેઠા હોય ત્યાં ભલે નીચે મોંઘા ભાવની ચમકતી ટાઈલ્સ વીજળી સરીખા ઝબકારા મારતી હોય તેના પર પધરાવી દેવાનું નોર્મલ ગણાય. ૫૦ વર્ષની જિંદગીમાં આવી આવી તો હજારો બાબતો મને પણ નોર્મલ જ લાગતી હતી. આવી તો હજારો બીમારીઓ મને પણ નોર્મલ નહિ ભવ્યાતિભવ્ય સંસ્કૃતિનો એક ભાગ જ લાગતી હતી અને એનું મને ગૌરવ પણ હતું.

મારા એક મિત્ર ભારતથી આવેલા દસ વર્ષના વિસા ઉપર. આવા વિસા પર છ મહિનાથી વધુ રહેવા ના દે. પછી ભારત જઈ અમુક સમય પછી ફરી આવવાનું. એમનો ઈરાદો આવી રીતે વારંવાર આવી અહીં ગેરકાયદે નોકરી કરી પૈસા કમાવાનો હતો. જુના મિત્ર દાવે હું થોડા દિવસ મારે ઘેર લઈ આવ્યો. અહીં અમે બધાં આખો દિવસ જોબ કરી અમે કંટાળ્યા હોઈએ રાત્રે સરખી ઊંઘ તો જોઈએ ને? આમને રાત પડે ભારત પત્નીને ફોન કરવાનું મન થાય કારણ ત્યાં દિવસ હોય. વાતચીત કરે ફોન કરે એનો પણ કોઈ વાંધો નહિ, પણ આમને તો આજુબાજુના ચાર ઘર સાંભળે તેમ મોટેથી વાતો કરવા જોઈએ અને હસે તો આખી સ્ટ્રીટ જાગી જાય. ઘરમાં છોકરા બિચારા જાગી જાય પણ મારી શરમના માર્યા બોલે નહિ. પછી મારે તેમને કહેવું પડ્યું કે વાતો કરો પણ ધીમેથી કરો અહીં બધા આખો દિવસ કામ કરે છે રાત્રે ઊંઘવા તો જોઈએ કે નહીં? એમને ખોટું લાગ્યું. ફોન પર ધીમેથી વાતો કરવાનું આપણે જૂની પેઢીના માણસોએ નવી પેઢી પાસેથી શીખવું જોઈએ. આવી આવી તો અનેક વાતો છે જે આપણને નોર્મલ લાગતી હોય છે.

ખેર, માણસા કોલેજમાં અકસ્માતે પ્રવચન ઠોકવું પડ્યું તેના ફોટા ફેસબુક પર શેઅર કર્યા. પછી શંખેશ્વરથી ફેસબુક મિત્ર કે.ડી. રાઠોડ એમના બીજા બે મિત્રો સાથે અગાઉથી ફોન પર વાત કરી મુલાકાત ગોઠવી છેક માણસા આવી પહોચ્યા. સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોનો કોઈ પ્રોગ્રામ હતો એમાં મારે પોણો કલાક બોલવું તેવો એમનો આગ્રહ હતો. અને તે માટે ઇન્વાઇટ કરવા તેઓ ખાસ રૂબરૂ આવેલા. કે.ડી. રાઠોડ મારા જુના વાચક અને ચાહક છે. ખુબ વાતો કર્યા પછી પણ એમને જવાનું મન નહોતું થતું પણ સમય રોકાતો નથી. મારું પુસ્તક મેં એમને ભેટ આપ્યું. એમની સાથે આવેલા બાપુ નવઘણસિંહ વાઘેલા શિક્ષક વત્તા લોકગાયક છે. એમણે એક સરસ દુહો હિંદની રાજપુતાણીઓ વિષે આમ રૂવાંડા ઉભા થઈ જાય તેવો લલકાર્યો.

શંખેશ્વર જતાં પહેલા મારા મોટા બહેનનાં ઘેર ઈડર બાજુ જઈ આવ્યાં. બહેનના ઘેર નાનું સરખું રજવાડું જ છે. મૂળે રોયલ ફેમિલી એમાંય રાજસ્થાનના રાઠોર વંશજો. ખાણીપીણીનાં દોર ચાલુ જ હોય. નાના બાળકને પણ માન દઈને બોલાવવાના રિવાજો. ખુબ મેનર જાળવવી પડે. ચાર ભાઈઓ વચ્ચે એક જ બહેન. પિતાશ્રીએ બહેનને ક્યારેય ટપલી પણ મારી નહિ હોય. અમારા રાજપૂતોમાં દીકરીઓને ટપલી મારવાનો ય રીવાજ છે જ નહિ. બહેનનાં ઘેર મોજમસ્તીમાં મશગૂલ હતાને એક દિવસ લેપટોપ ચાલુ કર્યું ને એક ગ્રુપ તરફથી મેસેજ મળ્યા કે તમારી પાછળ ષડયંત્ર તમને બદનામ કરવાનું ચાલુ થયું છે, સોશિયલ મિડિયા ઉપર. મારી ભૂલ કે મેં સુંદર ના હોય પણ નાજુક હોય એવી કમઅક્કલ લેખિકા વિષે કોઈ જગ્યાએ કમનીય શબ્દ વાપરેલો. કમનીયનો પ્રચલિત અર્થ નાજુક થાય અને બીજો અર્થ સુંદર થાય. આ મહિષી એને સેક્સી સમજી બેઠી. આવી મહિષી સાદા ગુજરાતી શબ્દોના અર્થ ના સમજતી લેખિકાઓ બની જતી હોય એમાં કોઈ વાંધો નહિ પણ ચિત્રલેખા જેવા માતબર સાપ્તાહિકમાં લખતી હોય તે બાબતે ગુજરાત સમાચારના એક જાણીતા લેખક, પત્રકાર, સ્તંભ લેખક, અને નવલકથાકારે એમની સાથેની અંગત મુલાકાતમાં આશ્ચર્ય વ્યક્ત કરેલું. મારા ચાહક મિત્રો એને મુહતોડ જવાબ આપવા મારી રાહ જોતા હતા કે બાપુ કેમ હજુ મેદાનમાં આવ્યા નથી? અને હું અણજાણ ઈડર બાજુ મોજમસ્તીમાં રમમાણ હતો. ખેર મારી ભૂલ હોય તો હું નાના બાળકની પણ માફી માંગી લઉં, બાકી ભગવાનની પણ માફી નો માંગુ. ખેર એ પ્રકરણ તો પૂરું થઈ ગયું પણ એની ચર્ચા તો મુંબઈની પાર્ટીઓમાં પણ થઇ ગઈ. શંખેશ્વર પહોચતાં થોડા મોડા પડ્યા પણ ૪૦૦ શિક્ષકો સામે પ્રવચન આપવામાં બહુ મજા પડી ગઈ. કે.ડી. રાઠોડ બહુ સારા આયોજનકાર તેમાં કોઈ શક નહિ. પાટણની જગવિખ્યાત રાણકી વાવનું ચિત્ર મને યાદગીરી તરીકે ભેંટ આપ્યું. શાલ પણ આપી. મારા ભાઈએ પણ ગ્લોબલ વોર્મિંગ વિષે સરસ માહિતી આપી. ભાઈ વિક્રમસિંહ પણ પડછાયાની જેમ એમની કાર સાથે હાજર જ હતા. આ વિક્રમસિંહ વિષે વાત નહિ કરું તો મને ચેન નહિ પડે. એમના દાદા જગતસિંહ અને મારા પિતાશ્રી મિત્ર હતા. અમે એમના ઘરની બાજુમાં બનાવેલ ગાર્ડનમાં બેડમિન્ટન ખૂબ રમતા. એમની છાપ બહુ માથાભારેની. પણ મારા માટે નાનાભાઈ જેવા. મને કહે બે મહિના હક રજાઓ નોકરી ઉપર મૂકી દઉં અને તમારા માટે કાર સાથે હાજર રહું. મેં માંડ માંડ સમજાવ્યા કે જરૂર પડશે બોલાવી લઈશ. આ વિક્રમસિંહ મારા માટે જીવ આપી દે તેવા ભાઈબંધને ભાઈ કહેવો વધુ સારો.

શંખેશ્વરમાં પ્રવચન આપતાં સામે શિક્ષકો જ હતા તો મેં એક સામાન્ય દાખલો ગણવા આપ્યો કે રોજ આ મોંઘવારીમાં એક માણસનો ખાવાપીવાનો અને બીજી જરૂરિયાતનો કેટલો ખરચ થાય? કોઈ કહે ૧૦૦ રૂપિયા થાય તો કોઈ કહે ૨૦૦ થાય. કારણ બહાર ખાવા જઈએ તો એક ટાઈમના ૧૦૦ રૂપિયા તો ઓછામાં ઓછા થાય છે. મેં કહ્યું થોડું વાજબી રાખો ૫૦ રૂપિયા રાખો. અમારા માણસામાં ગાયત્રી મંદિર વાળા રોજના એક ટાઈમના ૫૦ રૂપિયા ખાવાના લે છે. તો પણ બે ટાઈમના ૧૦૦ રૂપિયા તો થાય જ. બીજા કપડાલત્તાનાં ખર્ચા જવાદો. રોજના ૧૦૦ એક માણસ પાછળ ગણો તો ૫૦ લાખ માણસો પાછળ કેટલા થાય? ૫૦૦૦ લાખ થયા કે નહિ? શિક્ષકો બધા અચંબામાં હતા કે આ મહાનુભવ શું કહેવા માંગે છે? પછી મેં ધડાકો કર્યો કે ભારતમાં ૫૦ લાખ સાધુઓ છે જે કશું પણ કરતા નથી અને એમનો રોજના ૧૦૦ રૂપિયા લેખે રોજના ૫૦૦૦ લાખ રૂપિયા ખર્ચો થાય છે તે ભારતની બાકીની જનતાને માથે છે. તમે બધા તે ખર્ચો ભોગવો છો મારે એમાં ભાગ આપવો ના પડે માટે હું અમેરિકા ભાગી ગયો. બધા તરત હસી પડ્યા પણ એમના દિમાગમાં વાત ઉતરી ગઈ કે બિનઉત્પાદક સાધુઓ પાછળ આપણે નાહકનો ખર્ચો વેઠીએ છીએ. કારણ આ સાધુઓ કશું કમાતા નથી. મેં કહ્યું એમને મોક્ષ મેળવવો હોય તો મેળવે આપણને કશો વાંધો નથી પણ એમના મોક્ષના બિલ આપણે શું કામ ચૂકવીએ? બધા શિક્ષકો તાળીઓ પાડી ઉઠ્યા. શિક્ષણ અધિકારી તો વારંવાર કહેતા કે બાપુ બહુ મજા આવી ગઈ તમે સરસ કહ્યું. સરસ હોટેલમાં જમાડ્યા પછી કે.ડી. અમને શંખેશ્વરના પ્રખ્યાત જૈન મંદિર જોવા લઇ ગયા પછી એમના ઘેર પણ લઇ ગયા, ત્યાં ચા પી પછી અમે માણસા જવા રવાના થયા.

અમદાવાદ મારા ભાઈના દીકરી રહે છે. એટલે એક આંટો ત્યાં પણ માર્યો. તે દરમ્યાન ધૈવત ત્રિવેદીને એમની ઓફિસમાં જ મળી આવ્યા. લિટરેચર ફેસ્ટીવલમાં મળ્યા ત્યારે એમનો ખાસ આગ્રહ હતો કે મારે એમની ઓફિસમાં એમની સાથે એક બે કલાક ગાળવા. ધૈવતભાઈની ઓળખાણ આપવાની નો હોય. છતાં એક વાત કહું કે આ મેક્નીકલ એન્જીનીયર ફક્ત લખવાના પેશનને લીધે છ આંકડાનો પગાર છોડી સામાન્ય પગારે ગુજરાત સમાચારમાં જોડાય છે તે જાણી મને તો થયેલું જ તમને બધાને પણ આશ્ચર્ય થશે. એમણે કબૂલ કર્યું કે એમને પણ શરૂમાં મારા લેખો કે લખાણો નેગેટીવ લાગતા હતા. પણ પછી લાગ્યું કે મારો ઈરાદો સંસ્કૃતિ  સમજીને પાળી રાખેલી બીમારીઓ ઈંગિત કરવાનો જ હોય છે. એમની સાથે ચર્ચામાં લલિત ખંભાયતા પણ જોડાયેલા. વાંચવા ગમે એવા બહુ ઓછા પત્રકાર લેખકોમાં ધૈવતભાઈ આવી જાય છે. ધૈવતભાઈ સાથે અવિસ્મરણીય મૂલાકાત લઇ અમે કાપડિયા સાહેબને ઘેર જવાનું હોવાથી સત્યાગ્રહ છાવણીમાં એમના નિવાસ્થાને ગયા. નામ કેવું છે? ખરેખર અમદાવાદના સૌથી વધુ વૈભવી બંગલા અહી સત્યાગ્રહ છાવણીમાં છે. ખાદીધારી સત્યાગ્રહીઓને બહુ સસ્તામાં સરકારે મકાનના પ્લોટ ફાળવેલા. હવે થોડા પૈસા ચોરસવારે વધ્યા હશે તો સત્યાગ્રહીઓ અધધ કહીને પ્લોટ વેચી ભાગી ગયા.  સત્યાગ્રહ છાવણીમાં અડધા મકાનો બંધ હશે કારણ તેના માલિકો વિદેશોમાં વસતા હશે. કાપડિયા સાહેબ ખુદ પાંચ મહિના અમદાવાદમાં અને બાકીના મહિના ન્યુ જર્સીમાં રહે છે. જો કે એમનું અમદાવાદનું વૈભવશાળી ભવ્ય મકાન સાચવનારા કર્મચારીઓ બારેમાસ જોબ કરે છે. કાપડિયા સાહેબ જેટલો નમ્ર માનવી મેં કદી જોયો નથી. તે મારા લખાણોનાં બહુ મોટા આશિક છે. મારું લખેલું એક વાક્ય હોય તો પણ એમના ૫૦૦ મિત્રોને ઈમેલ દ્વારા મોકલી દેતા હોય છે.

અમદાવાદનાં રોકાણ દરમ્યાન જાયન્ટ દેહયષ્ટિ ધરાવતો મિત્ર કૃણાલ મળવા આવ્યો. ખુબ વાતો કરી. કૃણાલ બહુ સારો હાસ્યલેખક બની શકે તેમ છે. મેં એનો એક લેખ એને પ્રોત્સાહિત કરવા મારા બ્લોગમાં પણ મૂકેલો. મેં તો એને બહુ વાર કહ્યું હશે લખવા માંડો. ખેર હવે તે માતૃભારતીમાં લખતો થઈ ગયો છે તેનો મને ખુબ આનંદ છે. કાજલ શાહ, કાજલને હું ટોમબોય કહું છું. તે પણ મળવા આવી. કાઠીની કટાર જેવી અણીયાળી કાજલ શાહ મને ફેસબુક મહાકુભમાંથી મળેલી ખોવાયેલી દીકરી જેવી લાગી. તો વળી એજ દિવસે એવી જ બીજી દીકરી ઝીલીમિલ ઝીલ્લી પણ મળવા આવી. મળવા શું એના લગ્નમાં હાજરી આપવા આમંત્રણ આપવા જ આવેલી. ઝીલ્લી એટલે મારી માથાભારે દીકરી. સેન્ટ ઝેવીયરમાં ભણેલી ઝીલ્લીને કોઈ પહોચે નહિ. મને કાજલ અને ઝીલ્લી જેવી જાબાંઝ દીકરીઓ હમેશા વહાલી લાગે. એમની સામે બુરી નજરથી દેખનારની આંખો ખેંચી નાખે એવી આ દીકરીઓ બંને સાથે જ ભેગી થઈ ગયેલી. બોલવામાં અને બુદ્ધિમાં બંને શાર્પ. ફેસબુકે મને ખુબજ સારા મિત્રો સાથે આવી હોશિયાર દીકરીઓ પણ આપી છે. ઝીલ્લીના લગ્નમાં મેં હાજરી આપી હતી અને કાયમ સુખી રહે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. એક વાત તો નક્કી જ છે કે મને મળવાનું પેશન ધરાવતા મિત્રો તો ગમે તેવી પરિસ્થિતિ હોય મળી જ ગયા છે. ઝીલ્લીનું પોતાનું લગન હતું, પોતે બહુ બીઝી હતી પણ ગમે તેમ કરીને મળી જ ગઈ. હું તો આશરે ૧૩૫૦૦ કિ.મી. દૂરથી આવ્યો જ હતો. મારે પણ બહુ બધાને મળવું હતું પણ મારી પાસે ફક્ત બે મહિના હતા, એમાંય મારે મારા ૯૪ વર્ષના માતુશ્રીને મળવા બેંગલોર જવાનું હતું અને દસેક દિવસ ત્યાં ગાળવાના હતા. એટલે મારી મજબૂરી હતી કે દરેક મિત્રોને મળવા એમના બારણે જઈ ના શકું. તો કોઈ કોઈ મિત્રોએ તો મારા પર દયા કરી મારે બારણે આવવું જોઈએ કે નહિ? ૧૩૫૦૦ કી.મી. સામે ૨૫,૫૦ કે ૧૦૦ કી.મી. આવી ના શકો? ખેર સાચા આશિક હતા તે તો ગમે તે કરીને મળી જ ગયા હતા. મને ઘણીવાર દુખ થાય કે અમુક મિત્રને કે સગાને મળી શકાયું નહિ, ટાઈમનો અભાવ નડ્યો. મેં નક્કી કર્યું હોય કે એમને મળવા જઈશ પણ જવાયું ના હોય તો હું અફસોસ કરતો હોઉં ત્યારે મારા ભાઈ સમજાવે કે “ભાઈ નાહક દુખી ના થશો એમની ફરજ નથી કે તમે આટલે દુરથી આવ્યા છો વ્યસ્ત હશો તો તમને ફોન કરી સામે મળવા આવે? તમે અમેરિકા જઈને આપણા દંભી લોકોને ઓળખવાનું ભૂલી ગયા છો.” ખેર એમની વાત પણ સાચી હતી.

૨૬મી જાન્યુઆરીએ માણસાની એક સ્કૂલમાં મને ધ્વજવંદન કરવા માટે ખાસ આમંત્રણ આવ્યું. મારા માટે મારા જીવનનો એ મહત્વનો દિવસ હતો. મારે મારા દેશ મારી માતૃભૂમિનો ધ્વજ ફરકાવવાનો હતો. એ તક આપવા બદલ તે શાળા અને તેના સંચાલકોનો ખૂબ ખૂબ આભાર. નાના બાળકોએ સરસ નૃત્ય કર્યું. મેં અને મારા ભાઈએ થોડું ભાષણ પણ આપ્યું. નાની બાળકીઓ જોડે ફોટા પડાવ્યા અને તેઓને અમેરિકાથી લાવેલ ચોકલેટો પણ આપી. બપોર પછી પ્રસ્થાન કર્યું વડોદરા જવા માટે. ભારત આવી મેં કોઈ મોજશોખ કર્યા નથી કે નથી મોંઘી ગાડીઓમાં ફર્યો. એજ બસમે હમારી શાનસે સવારી. હું લગભગ બધે બસમાં જ ફર્યો છું. વોલ્વો પણ મેં જોઈ નથી. ક્યાંક શટલિયા તરીકે ઓળખાતી જીપોમાં કે પાંચની જગ્યાએ દસ ભરેલી ખખડધજ કારોમાં ફર્યો છું. મારા ભાઈ જીપ વાળાને પૂછે અહી આ સીટમાં કેટલાને બેસાડીશ? પેલો કહે ચાર જણને. તો ભાઈ કહે એક કામ કર ત્રણ જણને જ બેસાડ એક જણનું ભાડું એક્સ્ટ્રા અમે આપી દઈશું. આમ અમે બેની જગ્યાએ ત્રણ જણનું ભાડું આપી મુસાફરી કરી છે જેથી બેસવામાં થોડી રાહત રહે. જે ડોબાઓ એમ કહે કે આ એનઆરઆઈ અહી મોજશોખ કરીને ગયોને પછી ભારતની બદબોઈ કરે છે, તો એવા દેશીઓ પણ તકલીફ વેઠવા તૈયાર ના હોય એવી તકલીફો વેઠીને માભોમમાં રહેવાનું મને હમેશા પ્રિય જ લાગ્યું છે. અમે તો બસમાં ક્યારે બેઠા હોઈશું યાદ નથી કહેનારા કેટલાય મિત્રો મને મળ્યા છે. ચાર શહેરોના ચાર બસ સ્ટેન્ડ અપટુડેટ બનાવી ગામડાઓના હજારો બસ સ્ટેન્ડ બિસમાર હાલતમા રાખવાને વિકાસ નો કહેવાય. ચાર ઉદ્યોગપતિઓને જીવાડી હજારો ખેડૂતોને આત્મહત્યા કરવાને મજબૂર કરવા વિકાસ નો કહેવાય. મેં તો જાતે ખેતી કરી છે. ખભે ૧૫ લીટરના પંપ ભરાવી કપાસ અને કોબીજમાં દવાઓ છાંટી છે. અને એ કોબીજ ૪ રૂપિયે મણનાં ભાવે નડિયાદના બજારમાં વેચીને આવેલો છું ત્યારે તે કોબીજ ભરવાના કોથળાની કિંમત પણ નહોતી નીકળી. મુંબઈ રહેતો મેન્ગેઝીન ચાલુ કરીશ કહી વાચકોના લાખોના લવાજમ ખાઈને ભાગી ગયેલો કોઈ ગદર્ભ લેખક જ્યારે કહે કે ખેડૂતો આળસુ છે, તો મને એની પૂંઠ પર અખાના મીઠું પાએલા ચામડાના ચાબખા મારવાનું મન થાય છે. ખેડૂતો આત્મહત્યા શોખથી કરતા હશે? ગધેડાઓ જીંદગીમાં ખેતર જોયું નાં હોય અને શું કામ ખેડૂતો વિષે લખતા હશે?

ખેર ૨૬મી જાન્યુઆરીએ સાંજે અમે વડોદરા પહોચી ગયા. વડોદરા મારી માણસા પછીની કર્મભૂમિ. હું અગિયારમાં ધોરણથી વડોદરા જતો રહેલો ભણવા. વડોદરા મારું પ્રિય અને પોતીકું શહેર. કોમર્સ ફેકલ્ટીમાં ભણીને પાછો માણસા આવી ગયેલો. માણસા ખેતીવાડી પશુપાલન કરી ફરી પાછો બરોડા ધંધાપાણી અર્થે આવી ગયેલો. મેં ખેતી કરી છે તો ગાયો પણ રાખી છે. મને ગાય દોહતા પણ આવડે છે. ક્રોસબ્રીડ ગાયોમાં મને સારી એવી સમજ હતી. હું એવી ગાય જોઇને કહી દેતો કે એનામાં કેટલા ટકા પરદેશી લોહી છે, અને કેટલું દૂધ આપતી હશે. મેં અડધી રાતે ખેતરોમાં પાણી પાયા છે. તો અડધી રાતે ગાયોની સુવાવડ પણ કરી છે. હું તો આકાશમાં તાકી રહેલો માટીનો માણસ છું. મારી નજર આકાશમાં પણ મારા પગ માટીમાં છે. ભલે હાલ હું અમેરિકામાં રહેતો હોઉં, પણ મારી નજર ભવ્ય મોલો અને મહેલાતોને બદલે વૃક્ષો અને જંગલો પ્રત્યે વધુ હોય છે. આદરણીય રઘુવીર ચૌધરી જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ખેડૂત કમ સાહિત્યકાર ખેડૂતોને ઠપકો આપતો લેખ લખે તો આપણે હજાર વાર માથે ચડાવીએ. પણ મુંબઈમાં રહેતો ને વાચકોનો દ્રોહ કરીને વાચકોના પૈસા ખાઈ ભાગેલો કે જેણે જિંદગીમાં ખેતર જોયું નાં હોય અને ખેડૂતો વિષે લખે તો ગમે તેટલો હુશિયાર હોય એને કદાપિ માફ નો કરાય. વડોદરામાં હું અતિશય સંવેદનશીલ વાડી વિસ્તારમાં જ રહેતો હતો. એટલે કોમી રમખાણોના સ્વાદ મેં બહુ ચાખ્યા છે.

સુરતમાં સત્ય શોધક સભાએ મારું પ્રવચન રાખેલું. એની વાત હવે આગળના અંકમાં..

DSCN1929