Tag Archives: Education

શા માટે છોકરાઓ એમના યૌન શોષણની વાત છુપાવતા હશે?

શા માટે છોકરાઓ એમના યૌન શોષણની વાત છુપાવતા હશે?Hard Truths About Human Nature.

જાતીય શોષણ કોઈનું પણ થાય છોકરો હોય કે છોકરી બાળક હોય કે યુવાન, તેઓ મોટાભાગે આ વાત છુપાવતા હોય છે. અનિચ્છાએ સર્જાતા કોઈ પણ વચ્ચેના જાતીય સંબંધને શોષણ જ કહેવાય. નાના બાળકોનું જાતીય શોષણ થાય ત્યારે તેઓ કશું બોલી શકતા નથી, કોઈને કહી શકતા નથી. મોટેરાં એમની વાત સાચી નહીં માને તેવો ડર હોય છે અને સાથે સાથે યૌન શોષણ કરનાર વ્યક્તિની આપેલી ધમકી પણ કામ કરી જતી હોય છે. છતાં એવું જાણવામાં આવ્યું છે કે છોકરીઓના થયેલા જાતીય શોષણ વધુ બહાર આવી જાય છે છોકરાઓના ઓછા બહાર આવે છે.
Penn State sex abuse scandal હમણાં બહુ ચગ્યું હતું. ફૂટબોલ કોચ Jerry Sandusky પંદર વર્ષમાં આશરે દસ છોકરાઓનું યૌન શોષણ કરી ચૂક્યા હતા. યૌન શોષણ ખાલી છોકરીઓનું જ થાય તેવું નથી હોતું. છોકરાઓનું પણ યૌન શોષણ થતું હોય છે પણ જલદી બહાર નથી આવતું. Karyl Mcbride , Ph.D. કહે છે એમને છોકરાઓ પાસેથી એમના થયેલા યૌન શોષણ વિશેની માહિતી કઢાવતા તકલીફ પડતી હોય છે. એક તો લોકો માનવા તૈયાર હોતા નથી કે જાતીય શોષણ થયું છે, બીજું સમજવું મુશ્કેલ કે અજુગતું લાગતું હોય છે કે પુખ્ત વયના લોકો નાના બાળકો પ્રત્યે જાતીય આકર્ષણ અનુભવી શકે છે. અમેરિકાની જેલોમાં યૌન શોષણના ગુનામાં સંડોવાયેલા કેદીઓના થયેલા અભ્યાસ મુજબ છોકરા છોકરીઓના યૌન શોષણમાં વધારો નોંધાયો છે અને એમાં પણ છોકરાઓના શોષણ થયા હોવા છતાં એમના રિપોર્ટ બહુ નોંધાતાં નથી તેવી હકીકત પણ સામે આવી છે.
એક તો એક નાનું બાળક એના પર થયેલા યૌન શોષણ વિષે વાત કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવતું હોય છે. એક તો પોતે ગિલ્ટી ફીલ કરતું હોય છે, બીજું શોષણ કરનારાની ધમકી સામે ઊભી હોય છે, અને બીજો ડર હોય છે કે કોઈ એમની વાત માનશે નહિ. વધારામાં એમના કુટુંબમાં કોઈ પ્રૉબ્લેમ ઊભો થાય તે ઇચ્છતાં હોતા નથી. આ કારણો સામાન્ય છે, પણ ભોગ બનનાર છોકરાઓ માટે થોડા વધારાના કારણો જોઈએ કે કેમ છોકરાઓ જલદી જણાવતા નથી.
૧) આપણાં કલ્ચરમાં પુરુષો શોષિત થવા માટે સર્જાયા નથી તે વાત માનસિકતામાં ઘૂસેલી હોય છે. એટલે પહેલું તો identity of manhood પર ખતરો લાગી જાય છે. જો હું શોષિત હોઉં તો પુરુષ હોઈ શકું ખરો?
૨) પુરુષપ્રધાન સમાજમાં પુરુષ માટે મદદ માંગવી નબળાઈની નિશાની ગણાય. મુશ્કેલ પરિસ્થિતિમાંથી લડીને બહાર આવવાનું  હોય મદદ માંગવાની ના હોય. ફેમિલી થેરાપીસ્ટ Terry Real  મેલ ડિપ્રેશન પર લખતા આ માનસિકતા વિષે એમના પુસ્તકમાં (I Don’t Want To Talk About It) સારી એવી ચર્ચા કરે છે.
૩) જેમ કેટલાક લોકોને Hemophobia હોય છે, તેમ આપણી સંસ્કૃતિને Homophobia લાગેલો  છે. આપણો સમાજ મહદંશે હોમોફોબીક છે. એટલે જ્યારે કોઈ છોકરાનું યૌન શોષણ થાય છે ત્યારે એની sexual idenity પર સવાલ ઊભો થઈ જતો હોય છે. છોકરાઓને સવાલ સતાવતો હોય છે કે જો તે પુરુષ હોવા છતાં બીજા પુરુષ દ્વારા યૌન શોષણ ભોગ બને તો એનો અર્થ  શું તે gay છે ? અમેરિકામાં ૮-૧૦ વર્ષના શોષિત છોકરાઓ દ્વારા આવા સવાલ એમની સારવાર કરનારને પૂછવામાં આવેલા છે. લોકો મને ‘ગે’ તો સમજી નહિ લે ને? આવો સવાલ ઊઠતા નાના છોકરાઓ ચુપ રહીને સહન કરવાનું શીખી લે છે નહિ કે ફરિયાદ કરવાનું. gay નું લેબલ લગાવતા આપણાં સમાજને જરાય વાર લાગતી નથી.  બસ આ લેબલના ડરે છોકરાઓ છોકરીઓના પ્રમાણમાં વધુ ચુપ રહેતા જોવા મળ્યા છે. હેમોફોબિયા એટલે લોહી જોઇને ચક્કર આવી જાય, ગભરાઈ  જવાય અને હોમોફોબિઆ એટલે gay અને લેસ્બીયન લોકો પ્રત્યે નેગેટિવ નફરતની લાગણી.
૪)જ્યારે યંગ છોકરાના genital એરિયાને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે erection થતું હોય છે જે દેખાતું હોય છે, આવું ફીમેલ વીકટીમમાં  થતું નથી, એટલે કે દેખાતું નથી.  સ્પર્શ બંનેને છોકરો હોય કે છોકરી આનંદ અર્પતો હોય છે, અને કારણમાં ગ્રેટ કન્ફ્યૂજન પેદા થતું હોય છે. ” Did I want this?” ” If it feels good, is it my fault?” ” If there is pleasure, I must be the one in the wrong.”
૫) સ્ત્રીઓ દ્વારા પણ છોકરાઓનું યૌન શોષણ થતું હોય છે. કોઈ ઉંમરલાયક સ્ત્રી દ્વારા કોઈ છોકરાનું જાતીય  શોષણ થાય તો એને લકી માનવામાં આવતો હોય છે. અને એમાં શોષણ કરનાર પોતે બાળકની માતા હોય તો તમે કલ્પના કરી શકો કે રિપોર્ટ કરવો કેટલો મુશ્કેલ, પેલાં નાના બાળક માટે તારાજી ઊભી કરવાની? આવા દાખલા ભારતમાં બહાર આવવું મુશ્કેલ છે. અમેરિકામાં સ્ત્રી દ્વારા છોકરાઓના યૌન શોષણનાં દાખલા બહાર આવી જાય છે. એમાં મોટાભાગે છોકરાઓ મોટા થઈ ગયા પછી કેસ કરતા હોય છે. એમાં પૈસા પડાવવાની દાનત પણ હોય છે. છતાં એમની નાની ઉમરમાં પુખ્ત સ્ત્રી દ્વારા યૌન શોષણ થયું હોય છે તે હકીકત ભૂંસાઈ નથી જવાની. ન્યુયોર્કમાં એક પંજાબી મહિલા શિક્ષિકાએ સ્કૂલમાં ભણતા નાના છોકરાઓનું યૌન શોષણ કરેલું. વર્ષો વીતી ગયા. છોકરાઓ યુવાન થઈ ગયા અને પોલીસમાં ભરતી પણ થઈ ગયેલા. ત્યાર પછી પેલી મહિલા ટીચર પર કેસ કરેલો. એને જેલમાં જવું પડેલું.
૬) અસહાયતા અને અગાઉ જણાવ્યું તેવા કન્ફયુઝન ફીલિંગ્સનો પ્રભાવ ઓછો કરવા છોકરાઓ એમનું શોષણ થયું છે તે કહેવા કે માનવા તૈયાર થતા નથી.
જો હું બીગ ટફ guy હોઉં તો મારી સાથે આવું બન્યું નથી, આ લાગણી છોકરાઓની હોય છે. અસહાયતાની લાગણીને જીતવા વધુ અગ્રેસીવ બનતા હોય છે. અથવા તો ડ્રગ કે આલ્કોહોલ લઈને લાગણીઓ પ્રત્યે numb બનતા હોય છે. છેવટે ડીપ્રેશનમાં ફસાઈ જતા હોય છે. છોકરાઓને વધુને વધુ realistic બને તેવું શિક્ષણ આપવું જોઈએ. તેમની સાથે પણ યૌન શોષણ થઈ શકે છે તેને બહાર લાવવું જોઈએ તેવું ઠસાવવું પડે. યૌન શોષણ વિષે એજ્યુકેશન બાળકો તથા એમના વાલીઓને આપવું જોઈએ. સેક્સ ઓફેન્ડર આપણાં કલ્ચરમાં નાર્સિસ્ટિક આત્મશ્લાઘાની વિકૃતિ વળગેલા લોકો હોય છે. એમનામાં સહાનુભૂતિ, તાદાત્મ્યનો અભાવ જોઈ શકાય તેવો હોય છે.

સ્વતંત્રતા શીખવાની-૪ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની-૪ Hard Truths About Human Nature.

મને લાગે છે ધર્મોના ઉદભવ પછી, ધર્મોનો વ્યાપ વધે તે માટે તેમના નીતિનિયમો, માન્યતાઓ વગેરેનું  શિક્ષણ આપવાનાં પ્રયત્નમાં શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. બાકી લાખો વર્ષ લગી ગુરુકુળ, સ્કૂલ, વિદ્યાપીઠ, કૉલેજ કે યુનિવર્સિટી વગર સમાજ ચાલતો હતો અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરતો જ હતો. નાલંદા આવી જ એક બૌદ્ધ યુનિવર્સિટી હતી, જેમાં બૌદ્ધ ધર્મનું શિક્ષણ મેળવવા લોકો દૂર દૂરથી આવતા હતા. મદરેસાઓ પણ આમ જ શરુ થઈ હોવી જોઈએ. તેમ પશ્ચિમમાં ચર્ચ લોકોને સુધારવા સ્કૂલો શરુ કરવા લાગ્યું હશે. બાકી કળા, કારીગરી, કૌશલ તો લોકો પેઢી દર પેઢી વડીલો પાસેથી સ્કૂલ કૉલેજમાં ગયા વગર શીખી જતા હતા.

મોટામસ ભવ્ય રાજમહેલો, કિલ્લાઓ, મીનાક્ષી મંદિર, ચીનની દીવાલ,  ખાજુરાહો અને અંગકોરવાટ જેવા બેજોડ મંદિરો, પીરામીડો  કયા IIT કે MIT માં ભણેલા એન્જિનિઅરોએ બનાવેલા ? અંગ્રેજો આખી દુનિયામાં ફેલાયા અને આખી દુનિયામાં સ્કૂલો ફેલાઈ ગઈ. હવે તો સ્કૂલ કૉલેજ વગરની દુનિયા કલ્પવી મુશ્કેલ છે.

પરિવર્તન અને પ્રગતિના માર્ગમાં પાછાં ફરવાનો કોઈ રસ્તો હોતો નથી. અને જઈએ તો યોગ્ય પણ ના કહેવાય. ફરી પાછાં આપણે હન્ટર-ગેધરર બની જવાના નથી. સ્કૂલ કૉલેજોનો નાશ પણ કરી શકાય નહિ. હવે દરજીનો દીકરો દરજી જ બને કે લુહારનો દીકરો લુહાર બને તેવું રહ્યું નથી. એક સુથારનો દીકરો દુનિયાની મોટી ગણાતી ટેલીકૉમ કંપનીનો સર્વોચ્ચ વડો પણ બની શકે છે. અને તે ગર્વ લેવા જેવી બાબત છે. આમ સ્કૂલ કૉલેજને ઉવેખી શકીએ તેમ પણ નથી. છતાં આપણે હન્ટર ગેધરર સમાજના ડહાપણ અપનાવી બહેતર સમાજ કે બહેતર  શિક્ષણ વ્યવસ્થા બનાવી શકીએ તેમ છીએ. બાળકો આપણે શીખવીએ તો જ શીખે તે વાત ભૂલી જવી જોઈએ. બાળકો એમના કામનું શીખી જ લેતા હોય છે તેવી કુદરતની લાખો વર્ષ જૂની ડિઝાઇન છે.  છ મહિનાના બાળકથી નિરીક્ષણ ચાલુ કરો, જુઓ તમને શું શું જોવા મળે છે.

થોડા દિવસનું બાળક પણ નવી વસ્તુ તરફ પહેલું જુએ છે. છ મહિનાનું બાળક દરેક આસપાસની વસ્તુને સમજવાનો વૈજ્ઞાનિક અભિગમ રાખતું હોય છે. વસ્તુને દબાવશે, પકડશે, ઉલટસુલટ કરશે, નીચે નાખશે, ઊચકશે, ફરી નીચે નાખશે, ચાખશે, એક વૈજ્ઞાનિકને કામ પર જુઓ અને એક બાળકનું નિરીક્ષણ કરો બંનેમાં સામ્ય દેખાશે. અરે આસપાસના લોકોની બેસિક સાઇકૉલોજી પણ બાળક સમજતું થઈ જતું હોય છે કે આ ડાહ્યાંને કઈ રીતે ખુશ રાખવા. એના પછી ભાષાકીય જ્ઞાન તરફ આગળ વધો તો કોઈ નવી ભાષા શીખવાનો પ્રયત્ન કરતા એક પુખ્ત માણસને આંખે પાણી આવે છે. હજારો શબ્દો, અસંખ્ય વ્યાકરણના નિયમો બાળક રમતમાં શીખી જતું હોય છે. અરે દ્વિભાષી પરિવાર કે વાતાવરણ હોય તો બાળક બે ભાષાઓ પણ શીખી લેતું હોય છે. ચાર વર્ષનું બાળક એની માતૃભાષામાં માહેર હોય છે. બે થી સત્તર વર્ષ સુધીમાં એક બાળક ૬૦,૦૦૦ શબ્દો શીખી લેતું હોય છે.

ફિઝિકલ ગણીએ તો સૌથી પહેલું મહત્વનું કામ બાળક શીખતું હોય તો તે છે બે પગે ઉભા થઈને ચાલવાનું. આપણે ચોપગાં પશુઓમાંથી ઉત્ક્રાંતિ પામ્યા છીએ. માટે બાળક જન્મે તેવું તરત બે પગે ચાલી શકતું નથી. બે પગે ચાલવાનું શીખવા માટે તેને અપાર મહેનત કરવી પડે છે. આશરે ૭૦ લાખ વર્ષો પહેલા આપણાં અને ચિમ્પૅન્ઝીના પૂર્વજો કૉમન હતા. લગભગ ૪૦ લાખ વર્ષ પહેલા આપણાં કોઈ પૂર્વજ ‘કપિનર’ Australopithecus afarensisની ઍન્કલની ડિઝાઇન થોડી બદલાઈ અને બે પગે ચાલવામાં સરળતા આવવા લાગી.આ પવિત્ર ઘટના આફ્રિકાના સવાના પ્રદેશમાં બનેલી. આખી માનવજાત માટે આ પવિત્ર સ્થળ ગણાવું જોઈએ.

ઇવલૂશનનાં ઇતિહાસમાં આ અદ્ભુત પરિવર્તન હતું. આમ બે પગે ચાલવું આપણે હજુ પણ શીખવું પડે છે. બાળક ચાલવાનું પુરજોશમાં શીખતું હોય ત્યારે એવરેજ રોજના છ કલાક ચાલતું હોય છે અને ૯૦૦૦ ડગલા ભરતું હોય છે, જેની લંબાઈ ૨૯ ફૂટબોલના મેદાન જેટલી થાય (Adolph et al., 2003, Child Development, 74, 475 -497).  બાળક ઊભું થાય છે, ચાલે છે, પડે છે, દોડે છે, કુદકા મારે છે, ચડે છે આમ કસરત ચાલુ જ હોય છે.

આજે પણ ઘણા માબાપ બાળકોને સ્કૂલમાં મૂકતાં નથી ઘેર શિક્ષણ આપે છે. હમણાં કોઈ મિત્રે આવા દાખલા ફેસબુક પર મૂક્યા પણ હતા. આવા “non-school schools” વડે શિક્ષણ પામેલા બાળકો સફળતા પામી ચૂકેલાં છે. શિક્ષણ હવે એક કૉર્પરટ બિઝિનસ બની ગયો છે. એક બે વર્ષના બાળકને પણ નર્સરી અને કે.જી. માં અડ્મિશન માટે તૈયાર થવું પડતું હોય છે, એના ઇન્ટરવ્યૂ લેવાય છે, આના જેવી મોટી બીજી કઈ કરુણતા હોય ?  મારા શ્રીમતી વડોદરામાં ઘરમાં આવું પ્લે સેન્ટર ચલાવતા હતા જેમાં બાળકોને તૈયાર કરવામાં આવતા કે જેથી કે.જી.માં લેવાતા ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાય અને અડ્મિશન મળી જાય.  આવા ત્રીસેક બે વર્ષના ભૂલકાઓ જોડે હું ખૂબ મસ્તી કરતો. ત્રણચાર કલાક ઘરમાં ધમાલ મચી જતી.

“Adults do not control children’s education; children educate themselves.”

આ વિચારધારા સાથે શરુ થયેલી છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકાના શૈક્ષણિક જગતનું best-kept secret રહેલી, ૧૦ એકર જમીનમાં Victorian mansion ધરાવતી The Sudbury Valley School, Framingham, Massachusetts , એક સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી બેનમુન સ્કૂલ છે. ચાર વર્ષના બાળકોથી પ્રવેશ શરુ થાય છે. હાઈસ્કૂલ એડ્યુકેશન સાથે અભ્યાસ પૂર્ણ થાય છે. અહી ના કોઈ ટેસ્ટ છે, ના કોઈ પરીક્ષા, ના કોઈ ગોલ્ડ સ્ટાર, પાસનાપાસ થવાની કોઈ ચિંતા નહિ, કોઈ ફરજિયાત કોર્સના બંધન નહિ, કોઈ અપેક્ષા નહિ, કોઈ જબરદસ્તી નહિ, કોઈ અવૉર્ડ નહિ, કોઈ રિવૉર્ડ નહિ, કોઈ ખુશામત પણ નહિ.

અહી ૨૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે ૧૦ જણાનો ફૂલ ટાઈમ સ્ટાફ છે, પણ આ કોઈ શિક્ષક જેવા નથી. આ બધા બાળકો માટે કાકા, કાકી, માસા, માસી જેવા લાગે, એમના ખોળામાં બેસી જવાય, ખભે ચડી મસ્તી કરી શકાય, એમની આગળ રડી પણ શકાય. અહી નાનામોટા દરેક બાળકનો સરખો વોટ છે. બધા બાળકોની સ્વતંત્રતા સચવાય માટે અહી રૂલ્સ છે. અહીંથી બહાર પડેલા બાળકો ડૉક્ટર, એન્જિનિઅર, વૈજ્ઞાનિક, કલાકાર, લૉયર, સંગીતકાર અને ઉદ્યોગપતિ બનેલા છે.

આ સ્કૂલનો કૉન્સેપ્ટ અમેરિકન શિક્ષણવિદો માટે પચાવવો અઘરો છે. એટલે આ લોકો એને ઇગ્નોર કરે છે, પણ હવે એમાંથી બહાર પડેલા વિદ્યાર્થીઓ દ્વારા એનું રહસ્ય બહાર પડવા લાગ્યું છે અને હાલ આખી દુનિયામાં થઈને આવી બે ડઝન સ્કૂલો સ્થપાઈ ચૂકી છે. આગામી ૫૦ વર્ષોમાં આખી દુનિયાના શિક્ષણવિદોને આની નોંધ લેવી પડશે ને આ કૉન્સેપ્ટ અપનાવવો પડશે.

“Children educate themselves; we don’t have to do it for them.”  આ સૂત્ર પર ચાલતી The Sudbury Valley School અજોડ સ્કૂલ છે. 

व्यसनेषु किम् दरिद्रता ?

व्यसनेषु किम् दरिद्रता ?  

વર્ષો પહેલા ચા પીવી વ્યસન ગણાતું. આજે ચા પીવી કે પીવો એક સહજ જરૂરિયાત ગણાય છે. અમારા એક સંબંધી કહેતા કે વર્ષો પહેલા ચાનું આટલું ચલન નહોતું. સવારે ઊઠીને લોકો imagesશિરામણ કરતા. યાને બ્રેકફાસ્ટમાં બાજરાના રોટલા સાથે દૂધ પિવાતું. ચા અંગ્રેજો લાવ્યા. શરૂમાં કોઈ ચા પીતું નહિ, માટે ચાના પ્રચાર માટે મફત ચા પિવડાવતા. આજે નવી પેઢી જાણે તો નવાઈ લાગે કે રેલવે સ્ટેશને ચા મફત મળતી. એકવાર પ્રચાર થઈ ગયો અને ચા વગર ચાલે નહિ તેવું થઈ ગયું પછી ચાનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. અમે નાના હતા અને ચા પીએ તો મોટેરાંને ગમતું નહિ.

ચા વ્યસન ગણાય અને તેને છોડવું જોઈએ તેવી વાતો થતી. હું છેક ૧૧માં ધોરણમાં બરોડા ભણવા આવ્યો ત્યાર પછી ચા પીતો થયેલો. તમાકુ પણ ભારતમાં અંગ્રેજો લાવ્યા. મુઘલ બાદશાહના દરબારમાં અંગ્રેજોએ તમાકુ પીવાનું પ્રદર્શન કરેલું. ત્યારે  બાદશાહે કહેલું કે તમે મોઢામાંથી ધુમાડા કાઢો છો, અમારા જાદુગરો તો અગ્નિ કાઢે છે. બાકી સિગારેટ, બીડી કે તમાકુ પીવાનું વ્યસન છોડવું સૌથી દુષ્કર મનાય છે.

          વ્યસન એટલે શું? એક એવું બંધન એક એવી વર્તણૂક જેમાંથી છટકવું મુશ્કેલ. જેટલા વ્યસન હળવા એટલાં છોડવા મુશ્કેલ. તમે દારુ પીવાનું છોડી શકો પણ ચા નહિ. છતાં એક હકીકત છે કે કશું પણ કર્યા વગર કોઈ થેરપી લીધા વગર સૌથી વધુ લોકોએ વ્યસન છોડેલા છે. જે નથી છોડી શકતા તેની સરખામણીએ છોડનારા વધુ હોય છે. હા એક કરતા વધુ પ્રયત્નો કરવા પડતા હોય છે, અને છતાં સ્મોકિંગ, ડ્રિન્કિંગ અને ડ્રગ લેવાનું છૂટતું નથી હોતું તેવા લોકોએ પણ વારંવાર પ્રયત્નો કરીને વ્યસન છોડેલા છે.

                  આમ પરિવર્તન કુદરતના નિયમ પ્રમાણે ટેવોમાં અને સ્વભાવમાં પણ આવતું હોય છે. બચપનમાં તોફાની હોય તે મોટો થતા શાંત બની જતો હોય છે. પરિસ્થિતિ પણ ભાગ ભજવતી હોય છે. વિયેટનામ વોર વખતે ૯૦ ટકા અમેરિકન સૈનિકો હેરોઇન ઍડિક્ટ બની ગયેલા હતા. પણ જેવું વોર ખતમ થયું અને પોતાના ઘેર પાછાં ફર્યા પછી મોટાભાગના સૈનિકો આ વ્યસનથી મુક્ત થઈને સામાન્ય પ્રવાહમાં જોડાઈ ગયેલા.

          છૂટવું મુશ્કેલ એવા વ્યસનમાં સ્મોકિંગ સૌથી પહેલા નંબરે છે છતાં કોઈ જાતના નિકોટીન પૅચ, નિકોટીનયુક્ત ચ્યુઇંગ ગમ કે હિપ્નોટિઝ્મ વગેરેની મદદ વગર સ્મોકિંગ છોડનારા સૌથી વધુ છે. હેરોઈનનું ઇન્જેક્શન લઈને બાળકો અને પત્ની સાથે તમે કાકરિયા ગાર્ડનમાં કે ફન રીપબ્લીકમાં ફરવા ના જઈ શકો. કોકેન લઈને તમે બાળકો સાથે ગણપતિ જોવા કે કમાટીબાગમાં ફરવા કે નવરાત્રિમાં ગરબા જોવા કઈ રીતે જવાના ?

     સોશિઅલ સ્મોકર નામ સાંભળ્યું છે ? કોઈ સામાજિક પ્રસંગે કે એવો કોઈ મેળાવડો હોય અને કોઈ મિત્ર જરા બહાર અલગ જઈને સિગારેટનો ટેસડો લેતા હોય અને તમે ત્યાં અચાનક પહોચી જાવ અને નવાઈ સાથે પૂછો કે તમે સિગારેટ પીવો છો ? મને ખબર નહોતી. તો કદાચ જવાબ મળશે કે ના!ના! હું તો આવો કોઈ પ્રસંગ હોય ત્યારે જ પીવું છું રોજ નથી પીતો. અમેરિકન હશે તો કહેશે, “Oh no, I don’t, I’m just social smoker.” આવા સામાજિક ફૂંકણીયા મિત્રોને ખબર નથી કે તેઓ ચેન સ્મોકર જેટલા જ ઍડિક્ટ કહેવાય, ક્યારે લપસણી સીડી પર લપસીને કાયમી ફૂંકવાની આદતમાં સરી પડવાના ખબર પણ નહિ પડે.

સેન્ટર ફૉર ડિઝીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અમેરિકાના ૨૦૦૮ના સર્વે મુજબ અમેરિકામાં દર વર્ષે ૪,૪૩,૦૦૦ લોકો ફક્ત સિગારેટ પીવાથી મૃત્યુ પામે છે. એમાંથી ૧,૨૮૦૦૦ તો ફેફસાંના કેન્સરમાં દેવ થઈ જતા હોય છે. બાકીના બીજા સિગારેટનાં લીધે થતા હ્રદયરોગ, હાઈપરટેન્શન, સ્ટ્રોક, અલ્ઝાઈમર  અને એવા બીજા રોગોનાં કારણે પ્રભુના રાજ્યમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. Dr Joseph DiFranza, medical researcher at the University of Massachusetts Medical School કહે છે સોશિઅલ સ્મોકર એટલે,

૧) દિવસમાં પાંચ કરતા ઓછી સિગારેટ પીતા હોય,

૨) રોજ સિગારેટ પીવાનું જરૂરી સમજતા ના હોય,

૩) એવું સમજતા હોય કે સિગારેટ પીવાની તલપને રોકી શકતા હોય છે.

આવા મિત્રો માનતા હોય છે કે તેઓ સ્મોકિંગ કંટ્રોલ કરી શકે છે કેમકે તેઓ બે ચાર પાંચ કે સાત દિવસ સિગારેટ પીતા નથી હોતા. પણ સત્ય એ હોય છે કે ગમે તેટલા લાંબા સમય સુધી પોતાની જાતને રોકી રાખે એમની નિકોટીન માટેની તલપ, ઇચ્છા અંદર નમ્રતા પૂર્વક ભેગી થતી જતી હોય છે. ધીમે ધીમે આ સુષુપ્તિ સમય ઓછો થતો જતો હોય છે અને ભાઈલો નિયમિત સિગારેટ ફૂંકતો થઈ જતો હોય છે.

          અઠવાડિયે એકાદ સિગારેટથી શરુ કરનાર હેવી સ્મોકર કેમ બની જતો હશે? કારણ કે બ્રેન નિકોટીન પ્રત્યે બહુ ઝડપથી સંવેદનશીલ બની જતું હોય છે. નિકોટીનનાં કારણે  બ્રેનની અંદર રહેલા અડિક્શન માટે જવાબદાર એરિઅની ડેન્સિટીમાં વધારો થતો હોય છે. ફક્ત એક સિગારેટ આ પ્રોસેસ શરુ કરી શકે છે. એક સિગારેટ ફૂંક્યા પછી ફક્ત બે જ દિવસમાં ફરી સિગારેટ પીવાની ઇચ્છા જાગે છે તેવું ડૉ. ડીફ્રાન્ઝાનું કહેવું છે. એમના રિસર્ચ પ્રમાણે અઠવાડીએ ફક્ત બે સિગારેટ ફૂંકતા ટીનેજર બે વર્ષમાં પુખ્ત માણસની જેમ હેવી સ્મોકર બની જતા હોય છે.

અમેરિકન નેશનલ સર્વે પ્રમાણે ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરવા પિક પિરિઅડ ગણાય છે. આ ઉંમરે યુવાનો સૌથી વધુ આવા વ્યસનમાં ફસાતા હોય છે. ૨૨ ટકા અમેરિકન આ ઉંમરના ગાળામાં સૌથી વધુ ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરતા જણાયા છે, એની કમ્પૅરિઝનમાં ૫૫ થી ૫૯ વર્ષના ફક્ત ત્રણ ટકા જ જણાયા હતા. આમ મોટાભાગના લોકો એમના વ્યસનો ઉપર વિજય મેળવી લેતા હોય છે.

   ૪૦-૫૦ વર્ષ પહેલા અમેરિકામાં ઍડિક્ટ લોકોને ખરાબ ગણવામાં આવતા. એમનામાં શિસ્તનો અભાવ અને કોઈ નૈતિકતા વગરના માનવામાં આવતા, ચારિત્રહીન કહેવાતા. ભારતમાં તો હજુ પણ એવું મનાય છે. પછી નવો આઇડિઆ આવ્યો કે અડિક્શન એ રોગ છે જેવા કે ટી.બી. અલ્ઝાઈમર. એનો અર્થ એવો કે આવા ભારે વ્યસની લોકો ખરાબ માણસો નથી, ફક્ત બીમાર છે. આમ લોકો ઍડિક્ટને ઘૃણા મળવી ઓછી થઈ. સાવ અનૈતિક ગણાવું તેના કરતા બીમાર સમજે તે સારું. જોકે આ નવી સમજે વ્યસની પ્રત્યે ભાવુક સહકાર વધ્યો.

    ખરેખર અડિક્શન અને રોગમાં ઘણો ફરક હોય છે. અડિક્શનમાં કોઈ ટી.બી. જેવા ચેપી જંતુ હોતા નથી. ડાયબીટિઝમાં હોય તેવો  કોઈ પથલૉજિકલ કે બાયલૉજિકલ પ્રોસેસ હોતો નથી, કે અલ્ઝાઈમર જેવી બાયલૉજિકલી ડીજેનરેટિવ કંડિશન હોતી નથી. રોગ જેવી એક સ્થિતિ બંનેમાં સરખી હોય છે કે ધ્યાનમાં નાં લો તો જીવલેણ નીવડે. ન્યુરોબાયલૉજિકલ આઇડિઆ પ્રમાણે ક્રૉનિક બ્રેન ડિઝીઝ કહેતા હોય છે. આને રોગ કરતા રોગના ચિન્હ તરીકે વધુ ઓળખવામાં આવે છે. અડિક્શન એ કૉમન સાઇકૉલોજિકલ સિમ્પ્ટમ છે. અડિક્શન કમ્પલ્સિવ બિહેવ્યર સમજો જેવી કે અકારણ ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કરવી, આખો દિવસ ઘર સાફ કર્યા કરવું, રામનામથી નોટબુક ભર્યા કરવી કે આખો દિવસ ફેસબુક ઉપર બેસી રહેવું.

          વ્યસન છોડવા કોણે પ્રયત્ન નહિ કર્યા હોય ? ૮૦ ટકા શરાબી હવે નહિ પીવું કહીને એકવાર બૉટલ ફોડી ચૂક્યા હોય છે, ૬૦-૯૦ ટકા લોકો સિગારેટ છોડીને ફરી પીવાનું  શરુ કરી દેતા હોય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ૪૨  મિલ્યન સિગારેટ ફૂંકનારા લોકો સામે ૪૮ મિલ્યન લોકો સિગારેટ છોડી ચૂક્યા છે. પાકા શરાબીમાંથી  ત્રીજા ભાગના લોકો બીજા વર્ષે ચાલુ રાખતા હોય છે. કોકેનનાં બંધાણીઓમાંથી અર્ધા સારવાર લઈને પાંચ વર્ષમાં એમાંથી બહાર નીકળી ગયા હોય છે.

                વ્યસન છોડીને ફરી શરુ થઈ જવું હવે સારી નિશાની મનાય છે કે ચાન્સ છે એનાથી છૂટવાનો. કદી છોડવાનો વિચાર જ ના કરતા હોય તેના કરતા તો સારું કે એમના મનમાં વ્યસન છોડવાનો વિચાર તો એકવાર આવેલો.  G.Alan Marlatt, professor of psychology and director of the Addictive Behaviors Research Center at the University of Washington કહે છે વ્યસન ફરી શરુ થઈ જવું સાયકલ ચલાવતા શીખવા જેવું છે, સાઇકલ શીખતા લગભગ બધા એકવાર તો ગબડતા જ હોય છે. વ્યસનની જે તલપ લાગે છે તેમાંથી છૂટવા માટે કોઈ નવી ટેક્નિક શોધવી પડશે. કંઈક નવું શીખવા અને જાણવા મળે. આમ વ્યસન ફરી શરુ થઈ જવા કોઈ મોટું ડિઝાસ્ટર નથી.

  ઇન્ટરનેટ અડિક્શન વ્યાપક રોગચાળો છે કે પછી ઘેલછા ? ત્રણમાંથી એક વ્યક્તિ માનતો હોય છે કે ઇન્ટરનેટ રોટી, કપડા, મકાન, હવા અને પાણી જેટલું જ જરૂરનું છે. હ્યુમન સર્વાઇવલ માટે ટેક્નૉલોજિની જરૂરિયાત ફરજિયાત નથી તે હકીકત છે. ઇન્ટરનેટ એક સાધન માત્ર છે. કોરિયામાં ઇન્ટરનેટ અડિક્શન મોસ્ટ સીરિઅસ પ્રૉબ્લેમ બની ચૂક્યો છે. ચાઈના પણ ખૂબ સ્ટ્રગલ કરી રહ્યું છે આના નિવારણ માટે. અઠવાડીયામાં ૩૮ કલાકથી વધુ ઇન્ટરનેટ વાપરવું પ્રોબ્લમટિક ગણાય છે. કોરિયામાં ૨૦૦ હૉસ્પિટલમાં ૧૦૦૦ કાઉન્સેલર ઇન્ટરનેટ ઍડિક્ટ લોકોની સારવાર માટે પ્રયત્નો કરી રહ્યા છે.

 અમેરિકામાં ૮-૧૮ વર્ષના બાળકો રોજ ૮-૧૨  કલાક નેટ, ટીવી, કમ્પ્યૂટર, એમ્પિ-૩ પ્લેયર અને વિડિઓ ગેઈમ પર હોય છે. વધારે પડતા ઇન્ટરનેટ વપરાશ સામે બાળકો માટે કોઈ કાયદા છે નહિ. આમાં તો કાયદા કરતા માબાપની સમજ અને બાળકો પ્રત્યે ધ્યાન રાખવાની તૈયારી જ કામ લાગે.

   અડિક્શન અને અડિક્ટિવ બિહેવ્યર સાઇકૉલોજિકલ પેએન અને બેચેનીમાં ત્વરિત રાહત આપે છે. મન તણાવયુક્ત થઈ જાય તો એકાદ સિગારેટ ફૂંકી લેવાથી રાહત થઈ જાય છે. પણ આ રાહત હંગામી હોય છે, પ્રૉબ્લેમનું  કોઈ કાયમી નિવારણ હોતું નથી. અડિક્ટિવ બિહેવ્યરની સીરિઅસ સાઇડ ઇફેક્ટ એ હોય છે કે તે ઇમોશનલ પેએન અને બેચેની દૂર કરવાની સાથે  લાગણીવિહીન પણ કરી નાખે છે. અડિક્શન ભાવશૂન્ય બનાવી નાખે છે.

  આપણે ખાલી સિગારેટ, ઍલકહૉલ અને નશાકારક ડ્રગ્ઝ વિષયક અડિક્શનને મહત્વ આપતા હોઈએ છીએ. એક સિગારેટ, એક ગ્લાસ વાઈન, એક કપ ચા કે કોફી કે એક વૅલિયમની જરૂર છે, તો સમજી લો કે આ ચીજો આપણે પેએન-કિલર તરીકે વાપરીએ છીએ. ખોરાક પણ ક્યારેક અડિક્શનનું કારણ બનતો હોય છે. ઇટીંગ ડિસૉર્ડર વડે પીડાતા લોકો ઇમોશનલ  પ્રસન્નતા માટે ખૂબ ખાતા હોય છે. આ બહુ વહેલું બચપણથી શરુ થઈ જતું હોય છે. જે બાળકો ખૂબ લાગણી ભૂખ્યા હોય, ધ્યાન દોરવા માંગતા હોય કે સ્પેશલ કાળજી ઇચ્છતા હોય તે ખૂબ ખાતા હોય છે.

ઘરમાં મહેમાન આવે ત્યારે બાળકો ખૂબ ધમાલ કરતા હોય છે અથવા ખાવાનું માંગતા હોય છે. આપણે  વધુ પડતું ખાઈને તૃપ્ત થતા હોઈએ તો એવું કહેવા માંગતા હોઈએ છીએ કે “મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી, હું મારી જાતે પોષણ મેળવી શકું છું.”  ખાવામાં અરુચિ બતાવી ખાવાનું ના પાડનાર પણ આજ કહેતો હોય છે કે મારે કોઈ પાસેથી ખોરાક મેળવવાની જરૂર નથી, મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી. આમ અતિશય ખાનારો અને વધુ પડતો ઉપવાસી બંનેની માનસિકતા સરખી હોય છે. આમ ખોરાક પણ અડિક્ટિવ રસ્તે વપરાતો હોઈ શકે.

          કામ  કરવું સમાજમાં સ્વીકાર્ય હોય છે. ઘણીબધી હરકતો એવી હોય છે કે તેને અડિક્શન માનવું અઘરું હોય છે. વધુ પડતા કામ કરનારા વર્કહૉલિક હોય છે. સતત કામ કર્યા જ કરતા હોય છે. ઘણા ફિટનેશ ફનૅટિક હોય છે. આ બધી પ્રવૃત્તિઓ બ્રેનમાં ડોપામીન રિલીસ કરતી હોય છે અને રિવૉર્ડ સિસ્ટમને ઉત્તેજિત કરે છે, જે સુખાનુબોધ અર્પે છે. આમ એક રીતે ડ્રગ જેવું કામ આપે છે.

               આમ વારંવાર કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ પેએન કિલરનું કામ કરીને આપણને ભાવશૂન્ય બનાવી અડિક્ટિવ બનાવી નાખે છે. વધારે પડતું કામ કરવું, અર્થ વગરની બિનજરૂરી ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કર્યા કરવી, આખો દિવસ ટીવી જોયા કરવું, ઇન્ટરનેટ  પર આખો દિવસ બેસી રહેવું, રીડિંગ, ગેમ્બલિંગ, લિસ્ટ બહુ લાંબું થતું જાય છે. જોઈ લો, વિચારી લો કે કોઈ સામાન્ય પ્રવૃત્તિ રિપેટિટિ, કમ્પલ્સિવ તો નથી બની ચૂકી ને ? એક સંબંધી સન્નારીને આખો દિવસ ઘર સાફ કરવાનું અબ્સેશન મેં જોએલું છે. હું મજાકમાં કહેતો કે નગરપાલિકામાં સફાઈ કામદારની જગ્યા ખાલી પડી છે. એમના  ધર્મપતિદેવ પણ કહેતા કે મારા ઘરમાં કોઈ ગયા જનમની સફાઈ કામદાર આવી ગઈ લાગે છે.

    નાના બાળકોને ગુસ્સે થાય તો પોતાની જાતે પગ પછાડે છે કે હાથ પછાડે છે. આમ ઇમોશનલી હર્ટ થાય ત્યારે બાળકો પોતાની જાતને પ્રહાર કરી મન વાળતા હોય છે. પાછળથી એમને સમજ આવે છે કે પોતાના ગુપ્ત અવયવોને સ્પર્શ કરવામાં આનંદ આવે છે. આમ સાઇકલૉજિકલ પેએનથી દૂર ભગવા માટે હસ્તમૈથુન કરતા થઈ જતા હોય છે. આમ ઇન્સ્ટન્ટ ટૅન્શન રિલીવર તરીકે આના ઍડિક્ટ બનતા વાર લાગતી નથી.  આમ સેક્સ પણ અડિક્શન બની શકે છે. પોર્ન સાહિત્ય વાંચવું, પોર્ન મૂવિ જોયા કરવા અને સમાગમ વખતે ફૅન્ટસીમાં રાચવું આવી કમ્પલ્સિવ સેકસુઅલ ઍક્ટિવિટિ અને પ્રોમિસ્ક્યુઇટી ભાવશૂન્ય બનાવી નાખે છે.

 અમુક વ્યસનો શરીરને હાનિકર્તા  છે. અમુક અડિક્શન મનને હાનિકર્તા છે. વ્યસનો અપાર છે. કોઈ પણ વસ્તુ કે ક્રિયાને વ્યસન બનાવી શકાય છે. કોઈ પણ વસ્તુના ઍડિક્ટ બની શકાય છે.