Category Archives: Evolutionary Psycology

ચાર આદ્ય સત્યો.

ચાર આદ્ય સત્યો.

બુદ્ધે ચાર આર્ય સત્યો કહેલાં. ૧) દુઃખ, ૨) સમુદય ૩) નિરોધ ૪) માર્ગ. દુઃખ છે તો દુઃખનું કારણ છે, કારણ છે તો નિવારણ છે અને નિવારણ માટે માર્ગ છે.

હવે મારા બહુ બધા અગણિત શિક્ષકોના કારણે અને મારા સતત ચાલતા દોડતા રહેતા બ્રેન ન્યુરોન્સના પ્રતાપે મને પણ અલગ અલગ ચાર આદ્ય સત્યો ધ્યાનમાં આવ્યા છે.

૧) સમૂહ : Group માનવી સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલો છે, અને સમૂહનો એક વડો હોય.

૨) માન મોભો : States માનવી સ્ટેટસ સિકીંગ એનિમલ એટલે માન મોભો ઇચ્છતું પ્રાણી છે.

૩) જીવન : Survival માનવીને કોઈ પણ ભોગે જીવવું હોય છે એટલે કે બચવું હોય છે.

૪) વારસો : Sexual reproduction માનવીમાં પોતાની એક પ્રતિકૃતિ પાછળ મૂકતા જવાની પ્રબળ ભાવના હોય છે. વારસદાર મૂકતાં જવાની પ્રબળ કુદરતી ભાવના હોય છે.

બુદ્ધે આર્ય સત્યો કહ્યા હું તમને આદ્ય સત્યો કહું છું, જોકે મેં શોધ્યા નથી પણ ધ્યાનમાં આવ્યા છે. આ ચાર આદ્ય સત્યો પાછળ એની આખી જીંદગી દોડ્યા કરતી હોય છે. એમાં પાછી હરીફાઈ ખૂબ છે એટલે દુઃખ પામે છે, એના કારણો શોધે છે, એના નિવારણ માટે માર્ગ શોધે છે.

સમૂહમાં રહેવાથી સર્વાઇવ થવાની તકો વધી જાય એટલે મોટાભાગે બધા સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહે છે. સમૂહ હોય એટલે સમૂહનો એક વડો હોય જે આખા ટોળા પર નજર રાખે એની કાળજી લે એનું રક્ષણ કરે. એકલા બધુ થાય નહિ એટલે એમ કરવામાં બીજા નંબરની હરોળ તૈયાર હોય કે કરવી પડે. માન મોભો ઈચ્છતું પ્રાણી છે એટલે નંબર વન બનવાના પ્રયત્ન સતત ચાલતા હોય એટલે ચાન્સ મળે બે નંબર પરથી પહેલા નંબરે કૂદકો મારવાના ચાન્સ શોધતા જ રહેવાના. એટલે સમૂહનાં વડાને સૌથી મોટું જોખમ એના ખાસમખાસ મદદગાર બે નંબરના લોકો તરફથી જ હોય છે.

બીજા સસ્તન પ્રાણીઓ પાસે લાર્જ કોર્ટેક્સ જે ચિન્તન મનન અને ભાષા માટે જવાબદાર છે તે ખૂદ નાનું છે એટલે એમની સામાજિક વ્યવસ્થા બહુ જટિલ નથી. ટોળામાં રહેવાનું અને ટોળા બહાર એકલા પડી જવાય તો રડવાનું. માનવી પાસે સૌથી વધુ મોટું લાર્જ કોર્ટેક્સ છે એટલે એની સોશિઅલ હાઈઆરાર્કી જટિલ છે કોમ્પ્લેક્સ છે, એને ઊંચા નીચાની સામાજિક સમજણ કહી શકાય. બે માનવ મળે એટલે કમ્પેરીજન શરુ થઈ જ જાય કોણ મોટો કે ઉંચો છે કોણ નીચો. મેરી શર્ટ સફેદ હૈ કી તુમ્હારી? આ બધું આપણા ડીએનએમાં છે. પ્રશ્ન એ હતો કે માન મોભો ના હોય, પ્રથમ સ્થાન ના હોય તો સ્ત્રી મળતી નહિ, ખોરાક મળતો નહિ માટે માન મોભો ઈચ્છતું પ્રાણી બન્યું.

કોઈ પણ ભોગે બચવું એ કુદરતી ભાવના છે. બચો નહિ તો જીવનચક્ર ચાલે નહિ. વારસો મૂકતાં જવાનું પણ કુદરતી ભાવના છે એના વગર સંસારનું ચક્ર ચાલે નહિ. એટલે પહેલા બે આદ્ય સત્યો લાખો કરોડો વર્ષોના અનુભવ વડે અપનાવેલા છે બાકીના બે આદ્ય સત્યો કુદરતી રીતે મળેલા છે.

બસ આ ચાર આદ્ય સત્યોની આસપાસ માનવી આખી જીંદગી રમ્યા કરતો હોય છે. એના વેપાર ધંધા, ઉદ્યોગ, રાજકારણ, સામાજિક જીવન હોય કે ધર્મ હોય કે અધ્યાત્મ તમામ આ ચાર આદ્ય સત્યોની પૂર્તિ કરવા વિકસેલા હોય છે. આ ચારે આદ્ય સત્યો એકબીજામાં અદ્ભુત રીતે ગૂંથાયેલા હોય છે. આમાંથી એકેયને ઉપરનીચે ગોઠવાય તેમ નથી. ચારેચાર સમાંતર ગોઠવવા પડે. તમામને પ્રથમ નંબરે રાખવાં પડે તેવાં છે.

આપણે સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ અને સમૂહનો એક વડો હોય એ હકીકત છે. પણ માનવી બીજા પ્રાણીઓ જેવો નથી. એ બુદ્ધિશાળી પ્રાણી છે માટે એક સાથે અનેક સમૂહોમાં જીવતો હોય છે. પહેલો સમૂહ એનું કુટુંબ, પછી એની કોમ, ગામ, વ્યવસાય, પ્રદેશ, એની ભાષા, એની રહેણીકરણી, એનો ધર્મ, દેશ, એના શોખ, એની વિચારધારા વગેરે વગેરે એવા તો અનેક સમૂહોમાં એક સાથે જીવતો હોય છે. પાછા આવા અનેક સમૂહોના વડા હોય, એવા અનેક સમૂહોમાં એની પણ પ્રથમ આવવાની ભાવના હોય, એવા તો અનેક સમૂહોમાં એને પોતાની ઓળખ પ્રાપ્ત કરવાની હોય. એવા તો અનેક સમૂહો દ્વારા એને લાભ પણ જોઈતા હોય, રક્ષણ જોઈતું હોય. એવા તો અનેક સમૂહોમાં એને વડા બનવું હોય. ભલે માધ્યમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોય પણ ઘરમાં એનું કશું ચાલતું ના પણ હોય. કંપનીનો માલિક હોય પણ એનો નાનો ભાઈ એનું કહ્યું માનતો ના હોય.

એક ભરવાડ ઘેંટાઓનું ટોળું લઈને જતો હોય તો આપણે માનીએ કે ભરવાડ ઘેંટાઓને દોરતો હશે. મોટાભાગે તો એવું જ હોય છે કે ભરવાડ ઘેટાઓને દોરતા હોય છે. મનફાવે તેમ વાળી શકતાં હોય છે. મનફાવે તે રસ્તે લઇ જતાં હોય છે. પણ પણ અને પણ ઘણીવાર એવું બને કે ઘેટાં ભરવાડને દોરતાં હોય. ઘેટાંઓને જ્યાં જવું હોય ત્યાં ભરવાડ એમને દોરતો હોય. કારણ ભરવાડને પ્રથમ નંબરે રહેવું છે. એને સમૂહનાં વડા બનવું છે તો ઘેટાં દોરે તેમ ચાલો નહી તો ઘેટાં એને ઉથલાવી બીજાને ભરવાડ તરીકે નિયુક્ત કરી દેશે. આપણે સમજીએ છીએ ભરવાડ હોશિયાર છે, ચાલક છે ધૂર્ત છે નિર્દોષ ઘેટાંઓને એની મરજી મુજબ દોરે છે પણ હકીકતમાં આ ઘેટાં પણ બહુ ધૂર્ત ખેલાડી હોય છે. એ એમની મરજી મુજબ ભરવાડ પસંદ કરતાં હોય છે. એમની મરજી મુજબ ભરવાડ એમને દોરે નહિ, ચાલે નહિ, તો એને શિંગડે ચડાવી ઉલાળી મૂકતાં જરાય વાર ના કરે. ભરવાડને લાગે કે હું ઘેટાંને દોરી રહ્યો છું પણ એ વહેમમાં હોય છે. ઘેટાં એને દોરતાં હોય એવું પણ બને. ઘેટાંના આગવા લાભ હોય છે. એમને એક મોટા સમૂહની ઓળખ જેને આપણે આઇડેન્ટિટી કહીએ છીએ તે જોઈતી હોય છે.

પરસ્સ્પર છે ઘેટાં અને ભરવાડના લાભાલાભ. પરસ્પર છે સ્વાર્થ ઘેટાં અને ભરવાડના. ભરવાડ અને ઘેટાઓ એકબીજાને રમાડતા હોય છે. મારા રેશનલ મિત્રો અકળાઈ જતાં હોય છે ભરવાડોની ધૂર્તતા જોઈ પણ એમને ઘેટાઓની ચાલાકી દેખાતી નથી. એમનો જીવ બળતો હોય છે કે ઘેટાઓ નાહકના રહેસાઈ જતાં હોય છે એટલે અને એવું બનતું પણ હોય છે, પણ બધા ઘેંટા મૂર્ખ નથી હોતાં. અમુક તો ભરવાડને મૂર્ખ બનાવી જતાં હોય છે.

દાખલા તરીકે કોઈ સંપ્રદાય હોય કે કોઈ રાજકીય પક્ષ જ કેમ ના હોય, એના સ્થાપનાર કે વડાને એનો સમૂહ મોટો ને મોટો કરવો હોય છે. કારણ જેટલું મોટું એટલી સર્વાઈવ થવા માટે સેફ્ટી વધારે. મોટા સમૂહને નાનો સમૂહ પહોંચી ના શકે તે સ્વાભાવિક છે. ૨૦૦ કિલોના છ ફૂટીયાને ૬૦ કિલોનો પાતળિયો પહોંચી ના શકે. ૧૦૦૦ કરોડના અબજ સભ્યો ધરાવતાંને કોઈ હાલી મવાલી પક્ષ કઈ રીતે પહોંચી શકે? મારા કુટુંબના મારા સંપ્રદાયના કે પક્ષના કે માનનારાઓની સંખ્યા વધુ ને વધુ જોઈએ તો સર્વાઈવ થવા માટે બહુ વાંધો આવે નહિ. અચ્છા એમાં જોડાનારાઓ કેમ જોડાતાં હોય છે? એમને પણ મોટા વધુને વધુ મોટા સમૂહના સભ્ય હોવાથી વધુને વધુ સલામતી લાગતી હોય છે. સમૂહની ઓળખ પોતાની ઓળખ તરીકે વાપરી શકતા હોય છે. હું ફલાણા પક્ષનો કાર્યકર છું કે ફલાણા સંપ્રદાય કે ધર્મનો છું, એ બહાને આઇડેન્ટિટી મળે સાથે સાથે સલામતી પણ મળે. આ બધો એનિમલ બ્રેનનો ખેલ છે.

દાખલા તરીકે કોઈ સંપ્રદાય કે રાજકીય પક્ષ ધનાધન પ્રગતિ કરતો હોય કે કોઈ સ્પેશલ વિચારધારા હોય પૂર જોશમાં ફેલાતી હોય કે ઉત્થાન પામતી હોય ત્યારે લોકોનો ધસારો એના તરફ વધી જતો હોય છે. ઉગતા સૂર્યને સહુ પૂજતાં હોય છે. કારણ એમને ખબર હોય છે કે આ સમૂહ વધુને વધુ મોટો થઈ રહ્યો છે ત્યાં સલામતી વધુ છે, માટે છોડો નાની ટોળી ને જોડાઈ જાઓ મોટી ટોળીમાં. ત્યાં વધુ સલામતી છે ત્યાં મોટી આઇડેન્ટિટી છે. મેં આ બધું જોયું છે, અનુભવ્યું છે, વિશ્લેષણ કર્યું છે. હજારો મરઘાં ઝાપટી જનારા આજે ડુંગળી લસણ ખાનારાઓને ધિક્કારતા થઈ ગયા છે. એમને અધ્યાત્મ સાથે કોઈ નિસ્બત નથી. અરે અધ્યાત્મ એટલે શું એજ એમને ખબર નથી. એમનું અધ્યાત્મ ખાલી ડુંગળી ના ખવાય એટલામાં જ સમાઈ ગયેલું છે. અધ્યાત્મ સાથે એમને કોઈ લેવા દેવા જ નથી. કાલે કોઈ ડુંગળી લસણ, મરઘાં ખાનારાં સંપ્રદાયનું જોર વધી જાય કે એવા સંપ્રદાયનો સમૂહ અતિ વિશાળ થઈ જાય કે એમને લાગે કે અહિ આપણી વધુ સલામતી છે કે અહિ આપણને વધારે ઓળખ મળે તેમ છે તો આ લોકો એમાં જોડાઈ જશે એ નક્કી. એમને ના પક્ષની પડી છે, ના ધર્મની પડી છે, સિદ્ધાંત નામની કોઈ ચીજ હોય છે એ તેમને ખબર નથી, આદર્શનો અર્થ તે લોકો કદાપી જાણતા નથી, નૈતિકતા શું કહેવાય તે અમને ખબર નથી, ધ્યાન શું, ધારણા શું એમને ખબર નથી, ધર્મ અને સંપ્રદાય એમના માટે તમામ અનૈતિકતા આચરવાના લાયસન્સ માત્ર છે. They are simply mammal animals. આપણને એમના પ્રત્યે કોઈ રોષ નથી, એમને આપણી પ્રત્યે રોષ રાખવાની છૂટ છે. હહાહાહા.

અરે ! આજે તમે કોઈ પક્ષ, ધર્મ, સંપ્રદાય કે વિચારધારા નવી ઉભી કરશો તો તમારી હયાતી સુધી ઠીક ચાલશે પણ પછી આ ઘેટાં જે તમે ભેગાં કરેલાં એ એને એમની રીતે ઢાળી દેશે. મહાવીર સાથે એજ થયું, બુદ્ધ સાથે એજ થયું છે, મહંમદ સાથે પણ એજ થયેલું છે, જિસસ સાથે પણ એમજ સમજવું. મહાવીરે એમની જીંદગીમાં કદી કોઈની પૂજા નથી કરી, પ્રાર્થના નથી કરી, ના દેરાસર બનાવ્યાં, ના મંદિર બનાવ્યાં અને આજે એમનાં જૈન ઘેટાં જુઓ? આજે ના બુદ્ધનો બૌદ્ધ ધર્મ રહ્યો છે ના મહાવીરનો જૈન, ના મહમંદનો ઇસ્લામ, ના જિસસનો ક્રિશ્ચિયન, ના વેદોનો હિંદુ, ના નાનકનો શીખ, ઘેટાં એમની રીતે બધું બદલી નાખતાં હોય છે.

હા તો મિત્રો બુદ્ધે ચાર આર્ય સત્યો કહેલાં, દુઃખ, સમુદય, નિરોધ અને માર્ગ. હું તમને ચાર આદ્ય સત્યો કહું છું, સમૂહ, માન-મોભો, જીવન અને વારસો. આ ચાર આદ્ય સત્યોની પાછળ દોડતો માનવી છેવટે ચાર આદ્ય સત્યોને ઓળખી, ચાર બુદ્ધના આર્ય સત્યોની સમજ કેળવી છેલ્લા આર્ય સત્ય માર્ગને મેળવવા પોતાનો દીવો પોતે બને, “અપ્પ દીપ્પ ભવઃ” એજ એના શાંતિ અને કલ્યાણનો માર્ગ બનશે. :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિંગન્ટન, પેન્સિલવેનિયા, યુએસએ. ૨૪ ઓગષ્ટ, ૨૦૧૯…

 

દૂધપાકની બૉન

દૂધપાકની બૉન

અમારા સમિતપોઈન્ટનાં ચર્ચા ચોરે આખા ગામની પંચાત થાય. રિટાયર્ડ માણસો બીજું કરે પણ શું? હું સવારે કામ પર જાઉં તો સાંજે ચોરે જઈ બેસું અને સાંજે કામ પર જાઉં તો સવારે કુમળો તડકો ખાતા મિત્રો જોડે જઈ ગપાટા મારું. મિત્રો લખ્યું એટલે યાદ આવ્યું. અમારા એક મિત્ર ડૉ ભાનુભાઈ કહે આ વખતનું ફિજીક્સનું નોબેલ પ્રાઈઝ નરેનબાબુને મળશે, કારણ એમણે ગૉડ પાર્ટીકલ BOSON જેવો, એનો ભાઈ કહો તો ચાલે તેવો પાર્ટીકલ શોધી કાઢ્યો છે, મિત્રોન…. આ વાત ચર્ચા ચોરે કરતાં બધા ખુબ હસ્યા. નરેનબાબુને વાતે વાતે મિત્રો, ભાઈઓ ઔર બહેનો કહેવાની આદત છે. એમની સામે ફક્ત બેચાર જણા બેઠા હોય તો પણ ભાઈઓ ઔર બહેનો શબ્દ ટેવ મુજબ બોલાઈ જાય છે. પણ એક વાતની કદર કરવી પડે કે નરેનબાબુની બોલવામાં માસ્ટરી છે.

વિનુકાકા કહે, ‘આ વખતની બિહારની ચુંટણીમાં નેતાઓ એકબીજાને ભાંડવામાં સાવ નીચલા સ્તરે ઉતરી ગયા છે. અમિત શાહે લાલુને ચારા ચોર કહ્યા, તો લાલુએ અમિત શાહને હત્યારા કહ્યા.’

રમાબેન કહે, ‘પેલી દૂધપાકની બૉન ગાડીમાં બેઠી બેઠી કહે અમિત શાહે ગુજરાતમાં લાખો કરોડોની હત્યા કરાવી નાખી, અલી બૉન જરા માપમાં બોલતી હોય તો સારું લાગે. પછી એને જાતે જ લાગ્યું કે લાખો કરોડો વધારે કહેવાય પછી કહે હજારોની હત્યા.’

વિષ્ણુભાઈ કહે આ દૂધપાકની બૉન કોણ?

રમાબેન ઉવાચ, ‘અરે દૂધપાક અને રબડી ભાઈ બહેન કહેવાય કે નહિ?’

રબડી અને દૂધપાક બંને દૂધમાંથી જ પેદા થાય છે. રબડીદેવી એવું બોલેલા પણ ખરા કે લાખો કરોડોની હત્યા કરી નાખી. પછી સુધારેલું બીજા વાક્યમાં કે હજારોની હત્યા કરાવેલી. રબડી દેવી માટે દૂધપાકની બોન સંબોધન સાંભળી બધા એટલું હસ્યા કે વિનુકાકાને ઉધરસ ચડી ગઈ. આ તમાકુ-મસાલા મોઢામાં ભરી રાખતા હોય તેમણે હસવામાં કંટ્રોલ રાખવો પડે. તરત ઉધરસ ચડી જાય.

મેં કહ્યું, ‘મોદીએ લાલુને શેતાન કહ્યા તો એમણે મોદીને બ્રહ્મ-પિશાચ કહ્યા. આમ આ વખતે શબ્દયુદ્ધ બરાબર જામ્યું છે.’

વિષ્ણુભાઈ જરા સેન્સિટિવ માણસ છે. એમને આવું બધું દેશમાં ચાલે છે તે જોઈ બહુ દુઃખ થાય. તેઓ રિટાયર્ડ થઈને જ અમેરિકા આવ્યા છે. એમના દીકરા દીકરીઓ બધા અહિ છે. બહુ મોટી ઉંમરે આવેલાને દેશ બહુ યાદ આવે. આખો દિવસ ભારતીય ચેનલ્સ જ જોયા કરવી, ગુજરાતી ન્યુઝ પેપર્સ ઓનલાઈન જે મળે તે વાંચે રાખવા એવી આદત પડી જતી હોય છે. મોટી ઉંમરે અમેરિકા આવીને મનથી સેટ થવું અઘરું લાગે.

વિષ્ણુભાઈ કહે, ‘આ બીફ પ્રકરણ મારું દિયોર બહુ ચાલ્યું સઅઅ. બીફ ખાધું સ ક ઘરમાં રાખ્યું સઅ એવી અફવા ફેલઇ એક મૉણસની હત્યા કરી નૉખવામાં આયી; આ તો કૉય રીત સ? આ દેશ ચૉ જઈ રયૉ સ ખબર નઇ પડતી. અનઅ આ જોગટા મારા દિયોર સંસાર સોડી નાઠેલાનું સંસદમાં હું કૉમ સઅ? દીયોરો જીભડી કાબુમૉ રાખતા નહિ. હિંદુ અન મિયૉન લડઈ મારવાના ધંધા હોધી કાઢ્યા સ.’ વિષ્ણુભાઈ એમની મેહોણી તળપદીમાં બરોબર બગડ્યા.

વિનુકાકા કહે, ‘આ બાવાઓને ના તો વેદોનું જ્ઞાન છે, ના હિંદુ ધર્મનું. વગર વેદ વાંચે ઠોકે રાખે છે. વગર વેદ વાંચે વેદોના સંદર્ભ આપતા હોય છે. અજ્ઞાની પ્રજા એમનું કહ્યું સાચું માની લેતી હોય છે. સ્વામી વિવેકાનંદે એમના એક પુસ્તકમાં કબૂલ કરેલું છે કે પ્રાચીન હિંદુઓમાં બીફ નાં ખાય તે સાચો હિંદુ ના કહેવાય તેવું મનાતું હતું અને આ વાતનું આશ્ચર્ય ખુદ સ્વામી વિવેકાનંદને પણ હતું. ભલે તમે માંસ ખાઓ કે ના ખાઓ, બીફ ખાઓ કે ના ખાઓ આ બધી વાતો મહત્વની નથી. શું ખાવું તે દરેકની અંગત ચોઈસ છે. આપણે કોઈના ઉપર કઈ રીતે બળજબરી કરી શકીએ કે આ જ ખાઓ અને આ ના ખાઓ? આખી દુનિયા બીફ ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? આખી દુનિયા પોર્ક ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? હિંદુ-મુસલમાન બંને આ રીતે ખોટા છે. ધર્મ પણ અંગત બાબત હોવી જોઈએ, ધર્મ કોઈ જાહેર પ્રદર્શનની બાબત ના હોવી જોઈએ.’

આ વિનુકાકાએ ક્યારેય જીંદગીમાં ય ઈંડું પણ ખાધું નથી. પ્યોર શાકાહારી અને તમાકુ નામના પર્ણ આહારી. પણ એમના ઉમદા વિચારો જુઓ.

વિષ્ણુભાઈ કહે, ‘સાચી વાત છે. જેને જે ખાવું હોય તે ખાય. અને જેને જે માનવું હોય તે માને. આ રાઓલબાપુ ભગવાનમાં નથી માનતા આપણે કદી બળજબરી કરી કે ના ભગવાનમાં માનો જ?’

એમણે હસતાં હસતાં કહેલું તો મેં પણ હસતાં હસતાં જવાબ આપ્યો કે હું એમ કોઈનું કહ્યું માનું એવો છું ખરો? અને હું પણ ક્યાં તમારા પર બળજબરી કરું છું કે ભગવાનમાં માનશો નહિ. અરે મારા ઘરમાં જ નાનકડું મંદિર મારા વાઈફ લાવ્યા છે અને તે પણ મંદિર વેચવાનો બિઝનેસ કરતા બાપ્સની સંસ્થામાંથી. હવે મારા વાઈફ પોતે કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભક્ત નથી પણ એમના મંદિરમાં સ્વામીનારાયણનાં ફોટા વગેરે છે જે તેમણે ગાર્બેજ નથી કર્યા. મેં તો એના ફોટા જગજાહેર હું નાસ્તિક હોવા છતાં અને સ્વામીનારાયણ સંપ્રદાયનો સખત ટીકાકાર હોવા છતાં ફેસબુકમાં મુક્યા છે. મારો તો એક જ જગજાહેર સંદેશ છે કે મારી વાત સાંભળો પછી એના ઉપર વિચાર કરો પછી સમજો, સાચી લાગે તો માનો અથવા ફેંકી દો, જસ્ટ સ્ટાર્ટ થીંકીંગ. અરે વિચારવાની બારીઓ ખોલો તો પણ મારા માટે બહુ છે.’

વિષ્ણુભાઈ મૂળ રીટાયર માણસ આખો દિવસ કોમ્પ્યુટર અને ટીવી પર બેસી રહે. તો કહે, ‘આજે NDTV પર બરખા દત્તનો પ્રોગ્રામ જોયો. એમાં એ ચાપલીએ ભાજપનાં, સમાજવાદી પક્ષના, કોંગ્રેસનાં નેતાઓ અને થોડા પત્રકારો ભેગા કરેલા. મુર્ખીએ એમાં જસ્ટીસ કાત્જુને પણ બોલાવેલ. હવે મજા એ આવી કે બધા નેતાઓ એકબીજાને ટપલીદાવ મારતા હતાં પણ જેવા જસ્ટિસ કાત્જુએ કહ્યું કે આ બધા નેતાઓ રાસ્કલ છે અને આ બધાને બહુ પહેલા લટકાવી દેવા જોઈએ અને આ લોકોમાં દેશ માટે કોઈ પ્રેમ નથી તો બધા હરામખોરો જે એકબીજાના દુશ્મન હતા તે એક થઇ ગયા ને જસ્ટિસ કાત્જુ પર તૂટી પડ્યા.’

મેં કહ્યું, ‘જસ્ટિસ કાત્જુની અમુક બાબતોમાં ભલે આપણે સહમત હોઈએ કે ના હોઈએ, લોકો એમને ગાંડા ગણે કે ના ગણે પણ એમની વાતોમાં દમ હોય છે. અરે એક તો માણસ છે કે જે બેફામ બોલી શકે છે. સુપ્રીમ કોર્ટનો જસ્ટિસ અમસ્તો તો નહિ જ રહ્યો હોય ને?

રમાબેન બહુ સમય પછી બોલ્યા, ‘પેલા સમાચાર જોયા? એક દંપતી લગભગ નગ્ન હાલતમાં પોલીસ સાથે જપાજપી કરતુ હતું, એ શું હતું?’

વિનુકાકા કહે,, ‘દલિત દંપતી ફરિયાદ કરવા ગયેલું પણ પોલીસ ફરિયાદ લેતી નહોતી એટલે પછી તે લોકોએ જાતે જ નગ્ન થઈને પ્રોટેસ્ટ કરવાનો નવો રસ્તો અપનાવેલો. એમાં પછી એમનો બીજો પરિવાર પણ જોડાઈ ગયેલો. જો કે પેલી ફૂલનદેવીને ફેરવેલી એવું હજુ ય ઘણી જગ્યાએ બનતું જ હશે. હજુ આપણે મહાભારતના સમયથી આગળ ક્યા વધ્યા છીએ?

આમ અમારી ચર્ચાસભા કાયમ હસતી હસતી છૂટી પડતી પણ આજે બધાના મનમાં થોડો વિષાદ પણ હતો.

જ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

800px-Bhujangasana_Yoga-Asana_Nina-Melજ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

The US Patent and Trademark office has reportedly issued 150 yoga-related copyrights, 134 trademarks on yoga accessories and 2,315 yoga trademarks.

સૌથી વધુ યોગની પ્રેક્ટીશ કરતા હોય તો તે અમેરિકનો છે એવું મારું માનવું છે. એમને તે વાત જરાય નડતી નથી કે યોગની વ્યવસ્થિતપણે શોધ ભારતીયોએ કરેલી છે, અને તે ભારતીયો હિંદુ વિચારધારાને વરેલા હતાં. યોગ હિંદુ ફીલોસફીની છ મુખ્ય સ્કૂલ્સ માની એક સ્કૂલ છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા આમ છ હિંદુ તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ છે. સમજી લો કે ઉત્તર મિમાંસાથી ઈશ્વરભાઈ નામનો કોન્સેપ્ટ ઘૂસેલો છે. સાંખ્ય તદ્દન નિરીશ્વરવાદી હતું અને યોગ એની સાથે બહુ નજદીક હતો. એમાં જે પણ ઈશ્વર ઘુસ્યો હશે તે બહુ પાછળથી. મુર્ખ મુસલમાનો સાથે અજ્ઞાન હિન્દુઓને પણ ખબર નથી કે ભારતીય ફીલોસફીની છ સ્કૂલ્સમાં ઈશ્વર છેલ્લે ઘૂસેલો છે. યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે. યોગ મતલબ જોડવું. શરીર અને મન સાથે અદભુત જોડાણ કરવું અથવા તે જોડાણને સમજવું અને અમુક ક્રિયાઓ કરીને તે જોડાણ ને અદ્ભુત બનાવવું જેથી સર્વાઈવલ ઓફ ફીટેસ્ટનાં જમાનામાં સર્વાઈવ વધુ સારી રીતે થઈ જવાય તે પ્રક્રિયાને યોગ કહેવાય છે.

આધુનિક મેડીકલ સાયન્સની જેમ યોગ એક શુદ્ધ જ્ઞાન છે તેને ધર્મોના લેબલની જરાય જરૂર નથી તે પાપી પશ્ચિમના ક્રિશ્ચિયન લોકો ફનેટીક મુસલમાનો કરતા વધુ સારી રીતે જાણે છે, માટે આજે યોગ વિષય ૧૫૦ પેટન્ટ અમેરિકનો ધરાવે છે.

કેટલા હિન્દુઓને ખબર હશે કે યોગના આઠ અંગ છે? કે આઠ પ્રકરણ છે? કે યોગ નામની સીડીને આઠ પગથિયાં છે? હરિયાણાની ભાજપા સરકારના યોગના બ્રાંડ એમ્બેસેડર, યોગના વેપારી ગુરુ બાબા રામદેવ યોગની આઠ પગથીયાની સીડીના ફક્ત બે પગથિયાં આસન અને પ્રાણાયામ વિષે તમને માહિતી આપે છે. ફક્ત બે પગથિયાં જો આટલા લાભદાયી હોય તો આઠ પગથિયાં ચડીને ક્યાં પહોંચી જવાય?

યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

બાબા રામદેવ પ્રાણાયામ અને આસનો જ શીખવાડે છે બાકી બીજા તેઓ અંગો વિષે તેઓ જાણતા જ હોય પણ સામાન્યજનને શીખવવાનું મુનાસીબ નહિ સમજતા હોય. કે એમાંથી અર્થોપાજન થાય તેવું લાગતું નહિ હોય.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા મદદ મળતા ધારણા, ધ્યાન અને સમાધિના પગથિયાં આસાનીથી ચડી શકાય.

પ્રાણાયામ શ્વાસોચ્છવાસની અદ્ભુત ટેકનીક છે. ઓક્સિજન વગર તો મુસલમાન પણ નહિ જીવી શકે અને પ્રાણાયામ ટેક્નિક ઓક્સિજન વધુમાં વધુ લેવાની ટેક્નિક છે. માછલી, કાચબો, ગાય, ભેંસ, ડુક્કર, હાથી કે માનવી, મુસલમાન કે હિંદુ, ખ્રિસ્તી કે પારસી, બૌદ્ધ કે જૈન, કે કોઈપણ હોય પાણીમાં તરતી વખતે ઓટ્મેટિક પ્લાવની પ્રાણાયામ કરે જ છે. તેમ જ લાંબુ દોડવાથી ઓટ્મેટિક ભસ્ત્રિકા પ્રાણાયામ થઈ જાય છે, ત્યારે કોઈ મુસલમાન એમ કહી નહિ શકે કે હું ભસ્ત્રિકા નહિ કરું કે સ્વિમિંગ પુલમાં પ્લાવની નહિ કરું, કારણ કોઈ હિન્દુએ પ્રાણાયામનાં વિવિધ નામ આપ્યા છે. ન્યુટને ગુરુત્વાકર્ષણ વિષે સમજ આપી તે પહેલા શું ગુરુત્વાકર્ષણ નહોતું? પતંજલિએ યોગ સુત્રો રચ્યા તે પહેલા શું યોગા નહોતો? અરે યોગા તો પ્રાણીઓ પણ કરે જ છે. સાપ કરે છે સ્ટાઈલને તો ભુજંગાસન નામ આપ્યું છે. એટલું કે એમને એના વિષે કોઈ વ્યવસ્થિત સમજ નથી.

આસનો સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે. હવે એને પશ્ચિમની સ્ટાઈલથી કરો કે ભારતીય સ્ટાઈલ કે ચાઇનીઝ સ્ટાઈલથી કરો શું ફરક પડે છે?

ચાઇનીઝ શાઓલીન, કુંગ ફૂ, કે જાપાનીઝ કરાટે હોય કે બીજા કોઈ પણ દેશની માર્શલ આર્ટ હોય યોગના આઠે આઠ અંગનું આક્રમક રૂપ છે. એમાં યમ છે નિયમ છે આસન છે પ્રાણાયામ છે અને ધ્યાન પણ છે સાથે સાથે સ્વબચાવ માટે આક્રમક રવૈયો એ લોકોએ ઉમેરેલો છે. અહિ આપણે ભારતીયોની ચૂક થઇ ગઈ આપણે સ્વબચાવ માટેનો આક્રમક રવૈયો યોગમાં ઉમેર્યો નહિ અને હશે તો  કાઢી નાખ્યો અને હજારો વર્ષ ગુલામ રહ્યા. આપણે યોગ સાથે ભક્તિ(સબમીશન) અપનાવી, ભક્તિ પાછળથી આવી, અને જે પણ આક્રમણકારીઓ આવ્યા શરણે થઇ ગયા. હજુ પણ શરણે થઇ જવાની ભાવના અકબંધ જ છે. ભક્તિ નબળા લોકોની માનસિકતા છે.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે.

યોગા પ્રાચીન ભારતે દુનિયાને આપેલી મહામૂલી ભેંટ છે. જેમ આધુનિક મેડીકલ સાયન્સનો વિકાસ ભલે યુરોપ અને ક્રિશ્ચિયાનિટીને હસ્તે થયો પણ આજે આખી દુનિયા એને કોઈ ધર્મના લેબલ લગાવ્યા વગર વાપરે છે અને ક્રીશ્ચિયાનિટી વાપરવા દે છે તેમ યોગા પણ વાપરવો જોઈએ. બાકીની દુનિયાના લોકો તો યેનકેન પ્રકારે વાપરે જ છે.

હવે જેમ તાવ આવે ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈએ, વૈદ્ય જોડે જઈએ કે હકીમ જોડે જઈએ તે આપણી ઈચ્છાનુસાર હોય છે તેવું યોગા વિષે પણ હોવું જોઈએ કોઈને ફરજ પાડી શકાય નહિ કે વૈદ્ય જોડે જ જાઓ કે હકીમ જોડે જાઓ કે ડોક્ટર જોડે જ જાઓ. Janusirsasana_Yoga-Asana_Nina-Mel

ક્ષમાપંથે

ક્ષમાપંથેimagesI3MWPAJ1

હું નાનો હતો ત્યારે વિજાપુરમાં અમારા ભાટવાડામાં એક કથાકાર આવતા. ઊંચા, ગોરા, મોટું કપાળ, વાંકડિયા ઝુલ્ફા, પ્રભાવશાળી હતા. મારા ફાધર થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયેલા હતા. અને આ કથાકાર થિયોસોફિકલ સોસાયટીના વિચારોને વરેલા અને એના આમંત્રણથી જ આવતા, કોઈ ચીલાચાલુ ધાર્મિક ખાલી પૈસા કમાવાના હેતુ વડે કથા કરતા હોય એવું નહોતું. પ્રેરણાત્મક કથાઓ કહેવાનો એમનો હેતુ ઉમદા હતો. ‘વેર વેરથી શમતું નથી’ એવા શીર્ષક હેઠળ એક જોરદાર લોકકથા તેમના ભવ્ય કંઠે તેઓ કહેતા ત્યારે શ્રોતાઓ એક ટ્રાન્સમાં ચાલ્યા જતા. કથા હતી પીઠાસની..

પીઠાસ એક નાનો બાળક હતો એની પાસે એનો એક પાળેલો સસલો હતો. એકવાર પીઠાસ એના પિતા સાથે એના ફોઈના ઘેર જાય છે ત્યાં એનો સસલો જોડે જ હોય છે. પીઠાસનાં ફૂવા સસલાને મારી ભોજન રૂપે આરોગી જાય છે. આ વાતે પીઠાસનાં પિતા અને એમના બનેવી જે પીઠાસના ફૂવા થાય બંને વચ્ચે ઝગડો થાય છે. એમાં પીઠાસનાં પિતા બનેવીના હાથે મરાય છે. પીઠાસના મનમાં વેર ભાવના ઘર કરી જાય છે. પીઠાસ મોટો થતા એની ફોઈ પોતે જ પીઠાસને પોતાના ભાઈના મારતલ પોતાના પતિની હત્યા કરી આપવા સગવડ આપે છે. પીઠાસ ફુવાની હત્યા કરી વેરનો બદલો લે છે. હવે ફૂવાના દીકરા પીઠાસ પાછળ પડે છે. આમ વેરનો અંત આવે નહિ. પીઠાસની નવોઢાની રાત્રે મસ્તીભર્યા માહોલમાં બંગડીઓ તૂટી જાય છે. નવોઢા હઠ પકડે છે કે સૌભાગ્ય સૂચક બંગડીઓ વગરના હાથ નહિ રાખું હાલ જ બંગડીઓ લઈ આવો. પીઠાસ સમજાવે છે કે ફોઈના દીકરા ગમે ત્યારે મારી હત્યા કરી નાખશે આમ અરધી રાત્રે મણિયારની દુકાન ખોલાવી લેવા જવું હિતાવહ નથી પણ પત્ની માનતી નથી. પીઠાસ જાય છે ફૂઈના દીકરાઓ એને પકડી પાડે છે. પીઠાસ વચન આપે છે કે આ બંગડીઓ પત્નીને આપી ને પાછો આવું. પીઠાસ વચન પાળે છે અને ફૂવાના દીકરાઓનું હ્રદય પરિવર્તન થાય છે. પીઠાસને મારતા નથી. વેર વેરથી શમે નહિ અવેરથી શમે એવો ઉપદેશ આ કથામાં હોય છે.

આ કથા ગદ્ય અને પદ્યમાં મઢીને એવી સરસ રીતે કહેવાતી કે લોકોની આંખમાં આંસુ આવી જતા. હું બહુ નાનો હતો તે સમયે પણ એનો ટૂંકસાર હજુ મને યાદ છે તે કથાકારની કાબેલિયતનું પ્રમાણ છે.

કોઈના પ્રત્યે વેર, દ્વેષભાવ, રોષ મનમાં ભરી રાખવો જરાય હિતાવહ નથી. આપણને કોઈ દગો દે કે આપણી લાગણીઓ ઘવાય ત્યારે આપણું લોહી ઊકળી ઊઠે છે. ગુસ્સો અને બદલો લેવાની ભાવના જાગે છે. અને આવી ભાવના આપણી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમનો ફાઈટ ઓર ફ્લાઇટ સ્ટ્રેસ રિસ્પૉન્સ ઍક્ટિવ કરે છે, જે આપણા સ્ટ્રેસ હાર્મોન્સ કોર્ટીસોલનું લેવલ વધારી નાખે છે. કડવાશ અને ક્રોધાવેશ દ્વારા ઊભો થતો સ્ટ્રેસ રિસ્પૉન્સ બ્લડપ્રેશર વધારે છે. કોઈ આપણા પ્રત્યે રોષ કે વેરભાવ મનમાં ભરી રાખે કે આપણે કોઈના પ્રત્યે ભરી રાખીએ તો તે લાંબા ગાળે ટૉક્સિક (વિષમય) બની બદલો લેવાની ભાવના ભેગી થતા ટ્રૅન્સ્ગ્રેશન તરફ દોરી જાય છે. આ વિષાક્ત રોષને શાંત પડવાની કોઈ પ્રક્રિયા હાથ ધરીએ નહિ અને મનમાં વેર ભરી રાખીએ તો શરીર માટે વિનાશકારી સાબિત થાય છે. એક રીતે કહીએ તો મનમાં રોષ ભરી રાખવો આત્મહત્યા જેવું કહેવાય.

માયામી યુનિના મનોવિજ્ઞાનનાં પ્રોફેસર Michael McCullough અને કેલિફોર્નિયા યુનિનાં મનોવિજ્ઞાની બેન્જામીન દ્વારા થયેલા એક અભ્યાસ મુજબ તમને જેના પ્રત્યે રોષ હોય તેના તરફ ખાલી પ્રસન્ન મુખમુદ્રા(conciliatory gestures) રાખી આગળ વધો તો પણ તમારા સ્ટ્રેસ હાર્મોન કોર્ટીસોલમાં ઘટાડો થાય છે. મૂળભૂત કોઈના પ્રત્યે વેરભાવ કે ગુસ્સો સિમ્પથેટિક નર્વસ સિસ્ટમનો ફાઈટ ઓર ફ્લાઇટ સ્ટ્રેસ રિસ્પૉન્સ ઍક્ટિવ થતા “stress hormone” cortisol વધારે જે સર્વાઈવલ માટે જરૂરી હોય છે, તેવી જ રીતે કોઈના પ્રત્યેનો રોષ કે ગુસ્સાનું શમન થાય તેવા મૈત્રી ભર્યા પ્રયત્નો  parasympathetic nervous system દ્વારા “love hormone” oxytocin નું લેવલ વધારે જે પણ સર્વાઈવલ માટે જરૂરી જ છે. હવે લાંબા ગાળે આપણા શરીર માટે કયું સારું? તમે જ નક્કી કરો. આ બંને નર્વસ સિસ્ટમ દ્વારા રિલીજ થતા બંને હાર્મોન્સ જરૂરી છે. હવે તો લગભગ બધા મિત્રો કાર ચલાવતા જ હશે તો સમજો એક ગેસ પેડલ છે અને બીજું બ્રેક પેડલ. ક્યારે ગેસ પેડલ દબાવવું અને ક્યારે બ્રેક તે આપણે કાર ચલાવતા જાણતા જ હોઈએ છીએ તો જીવનરથ ચલાવતા કેમ જાણી નાં લેવું કે ક્યારે cortisol ઘોડાને દોડાવવો અને ક્યારે oxytocin લગામ ખેંચવી? એક મહત્વની વાત એ છે કે cortisol and oxytocin બંનેનું સરસ બેલેન્સ સારા સ્ટ્રેસમાં પરિણામે છે જેને આપણે  પૅશન કહી શકીએ કોઈ કામ કે હેતુ પ્રત્યે જુસ્સો કે લગન વધારે છે અને તે ખરાબ સ્ટ્રેસ જે રોગોનું કારણ છે તેને ઘટાડે છે.

સતત વેરભાવ મનમાં ભરી રાખવો આપણને માનસિક રીતે એકલાં પાડી દે તેમાં નવાઈ નહિ. સમૂહમાં રહેવાથી સર્વાઈવલનાં ચાન્સ ખુબજ વધી જાય તે આપણે વિકાસના ક્રમમાં શીખી ચૂક્યાં છીએ. અને સમૂહમાં રહેવા સામાજિક જોડાણ અગત્યનું છે અને તે જોડાણ વધારવા એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ જરૂરી છે, તો પ્રેમ અને વિશ્વાસનું જનક ન્યુરોકેમિકલ ઓક્સિટોસીન લેવલ સચવાય તે ખાસ જરૂરી છે. એમેઝોનનાં જંગલોમાં રહેતા હન્ટર ગેધરર ઉપર કરેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે પુરુષો બહાર શિકાર કરવા જાય અને પાછાં ઘેર આવે ત્યારે એમના ઓક્સિટોસીન લેવલ વધી જતા અને તેનો આધાર તે કેટલો સમય બાકીના સમૂહથી દૂર રહ્યા છે તેના પર રાખતું. મતલબ વધુ સમય ફેમિલી કે સમૂહથી દૂર રહ્યા હોય અને ઘેર પાછાં આવે તો ઓક્સિટોસીન લેવલ ખૂબ વધી જાય. ઘણા દિવસે કોઈ પ્રિયજન મળે તો સ્વાભાવિક ખૂબ આનંદ પમાડતું હોય છે તેનું રહસ્ય ઓક્સિટોસીન લેવલ ખૂબ વધી જાય તેમાં છુપાયેલું હોય છે. ટૂંકમાં જેટલો વિરહ લાંબો મિલનની મજા એટલી વધારે.

કાયમ માફ કરવું અને ભૂલી જવું પણ યોગ્ય નથી, ખાસ તો જ્યારે તમે પરણેલા હો. હહાહાહાહાહહાહાહ.

કોઈ સંપૂર્ણ હોતું નથી માટે કાયમ બધા ભૂલો તો કરતા જ હોય છે ત્યારે ટૂંકા સમયનો ગુસ્સો જરૂરી છે. જેથી લાંબો સમય રોષ મનમાં ભરેલો રહે નહિ. હું પોતે શૉર્ટ ટૅમ્પર છું. શૉર્ટ ટૅમ્પર લોકોની એક જબરદસ્ત ખૂબી એ હોય છે કે તેઓ લાંબો સમય કોઈના પ્રત્યે વેરભાવ રોષ રાખી શકે નહિ. એમના ગુસ્સાનું સમાપન જલદી થઈ જતું હોય છે. થોડીવાર પછી તેઓ ભૂલી જતા હોય છે. કદી ગુસ્સે નહિ થનારા લોકોથી હમેશાં ચેતવા જેવું છે. તેઓ કોઈ મહાત્માઓ તો હોતા નથી ગુસ્સે તો થતા જ હોય છે પણ તેઓ એમનો ગુસ્સો મનમાં જમા કરી રાખતા હોય છે. અને કાયર હોવાથી આડકતરી રીતે એવું વેર વાળે કે જેનો કોઈ હિસાબ નો થાય. શૉર્ટ ટેમ્પરનો એક ગેરફાયદો એ છે કે સામેવાળો તરત હર્ટ થઈ જાય. અને સામાવાળાએ એના પ્રત્યે મનમાં રોષ ભરી રાખ્યો હોય છે તે શૉર્ટ ટેમ્પરને ખબર હોતી નથી. તે તરત ભૂલી ગયો હોય છે. સામેવાળો બદલો લેશે તે વાત પણ તેના મનમાં આવતી નથી. શૉર્ટ ટૅમ્પર લોકો દુનિયાના સૌથી વધુ દગાબાજીનો ભોગ બનનારા કમનસીબ લોકો છે.

બીજાને માફ કરવું તેના કરતા વધુ અઘરું પોતાની જાતને માફ કરવું છે.

બીજા પ્રત્યે રોષ ભરી રાખવો માફ નહિ કરવું જે રીતે કોર્ટીસોલ લેવલ વધારે અને ઓક્સિટોસીન લેવલ ઘટાડે તે જ રીતે પોતાના પ્રત્યે રોષ ભરી રાખવો કે પોતાની જાતને માફ નહિ કરવી કે પોતાની જાત પ્રત્યે શરમ અનુભવવી આપણું કોર્ટીસોલ વધારે છે અને ઓક્સિટોસીન ઘટાડે છે. Self-forgiveness is just as important as forgiving others.

આપણે કોઈ બીજાને ફોર્સ ના કરી શકીએ કે તે આપણને માફ કરી દે. ક્ષમા આપવાની પ્રક્રિયામાંથી પસાર થવાની દરેકની પોતપોતાની અલગ સ્પિડ હોય છે. પોતાની ભૂલની માફી માંગી લેવી ઉત્તમ છે. એના માટે LKM (loving-kindness meditation ) સરસ ઉપાય છે. આંખો બંધ કરી મનમાં પ્રેમ, કરુણા અને ક્ષમાનાં વિચારો સાથે પ્રસન્ન મુદ્રામાં ચાર ડગલાં આગળ વધવું જાણે સામે ૧) કોઈ પ્રિયજન ઊભું છે, ૨) જેના પ્રત્યે મનમાં રોષ છે તે ઊભું છે, ૩) કોઈ અજાણ્યું ઊભું છે, ૪) અથવા તો સામે પોતે જ ઉભા છીએ. બસ આટલું કરવામાં ફક્ત થોડી મીનીટોનો જ સવાલ છે.summer_love_wallpaper_rjtz3

 

 

 

 

 

 

 

શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ

શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ.images2QB2A0IP

અલ્યા હવે વૃક્ષ બહુ રહ્યા નથી, એમાય બીલીના વૃક્ષ ભાગ્યેજ દેખાય છે. બીલ્વાદીચુર્ણ બનાવવા માટે પણ હવે આ વૃક્ષો ઝાઝા વધ્યા નથી. શંકરનાં કોન્સેપ્ટને સમજવાનું તો બાજુ પર રહ્યું પણ એના પ્રતિક એવા શિવલિંગ ઉપર લાખો બિલીપત્ર ચડાવીને બીલીના વૃક્ષનો ખોડો કાઢી નાખવાનું પાપ તે પાછું શ્રદ્ધાના નામે કરવાનું શરુ થઈ જવાનું. લાખો લીટર દૂધ ગટરમાં વાયા શિવલિંગ વહાવી દેવાનું શરુ. અને જો તમે આવી અક્કલહીન વાતોને વખોડો તો પોતાને મુર્ખ તરીકે ઓળખાવામાં ગર્વ સમજતી પ્રજાતિનાં સભ્યો તરત તૂટી પડશે તમારા ઉપર. બુદ્ધિશાળીઓને ગાળો દઈને પોતાને દેશભક્ત અને ધાર્મિક ગણાવતી પ્રજાતિનાં સભ્યો તમારા ઉપર તૂટી પડશે. તર્ક અને બુદ્ધિગમ્ય વાત કરનારને ગાળો દેવાની નવી ફેશન છે. બુદ્ધિજીવીને સરાહનારી બાકીની દુનિયા સામે આ એક જ એવો અજીબોગરીબ દેશ છે જ્યાં બુદ્ધિજીવીને ગાળ દેવામાં લોકો ગર્વ અનુભવી પોતે મહાન છે તેવા મુર્ખ સપનામાં રાચે છે. એમાય જો તમે NRI હોવ તો ખલાસ, તમારું આવી જ બને. તમને કોઈ હક નહિ તમારા મૂળ દેશ વિષે બોલવાનો જ્યાં હજુ તમારા મુળિયા દટાયેલા છે, જ્યાં હજુ તમારા માબાપ ભાઈ-ભાંડુ અને મિત્રો રહે છે, હજુ તે દેશની વિચારધારા અને સંસ્કૃતિ ખૂન બનીને તમારી નસોમાં વહે છે. કારણ તમે તમારા પૂર્વજોની જેમ કમાવા માટે આગળ ધપતા રહીને સર્વાઈવ થવાની બેસિક ઇન્સ્ટીન્કટ ને અનુસર્યા છો.

મુરખોને ખબર નથી કે આખી દુનિયામાં માનવી આફ્રિકાથી ફેલાયો છે તે હવે સાબિત થઈ ચુક્યું છે. સમયની બાબતમાં ભલે મતભેદ હશે પણ માનવ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામ્યો અને ત્યાંથી જ આખા વિશ્વમાં ફેલાયો છે તે હકીકત છે. આશરે ૨૫ લાખ વર્ષ થયા માનવીનાં બહુ જુના મોડેલને ઉત્ક્રાંતિ પામે. ચિમ્પેન્ઝી અને બોનોબોના કાકા કે મોટાબાપા આપણા પૂર્વજ હતા ચિમ્પેન્ઝી નહિ. ચિમ્પેન્ઝી થી ભલે જુદા પડ્યા પણ આશરે ૫ લાખ વર્ષ તો વૃક્ષો ઉપર હુપાહુપ જ કરેલું. પછી ધીમે રહીને નીચે ઉતર્યા. આમ પહેલો દ્રોહ તો આપણને પોષનારા વૃક્ષો છોડી વૃક્ષદ્રોહ કર્યો. જમીન પર નીચે ઉતરીને વિકસતા વિકસતા આગળ પણ વધતા જ રહ્યા. આમ આફ્રિકા છોડી દેશદ્રોહ અને આફ્રિકા નામધારી ખંડનો દ્રોહ પણ કરી નાખ્યો. માનવનૃવંશ શાસ્ત્રીઓ કહે છે માનવ દર વર્ષે એક માઈલ આગળ ધપ્યો છે. અને આમ આગળ ધપતા ધપતા આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. આમ જે તે જગ્યા છોડી એનો દ્રોહ કરવો આપણા લોહીમાં જિન્સમાં છે અને એમ નાં કરો તો વિકાસ પામો નહિ. કહેવાતું વતન છોડી આગળ ધપતા રહેવું તેને દ્રોહ કહેનારાઓએ આફ્રિકા પાછા જઈને વૃક્ષો પર હુપાહુપ કરવાનું શરુ કરી દેવું જોઈએ.

પહેલા મુંબઈ કમાવા જવાનું પણ પરદેશ ગયા હોઈએ તેવું લાગતું. અને મુંબઈ થી ગુજરાત આવાનું હોય તો મિત્રોને કહીએ કે દેશમાં જાઉં છું. આમ આપણે કુટુંબદ્રોહ, ફળિયાદ્રોહ, ગામદ્રોહ, તાલુકાદ્રોહ, જીલ્લાદ્રોહ, રાજ્યદ્રોહ, અને છેવટે દેશદ્રોહ સાથે ખંડદ્રોહ વગરે વખતોવખત કરતા જ આવ્યા છે.

ધર્મ શું છે? દુધ કે તેલનો બગાડ કરવામાં જ આ લોકોનો ધર્મ સમાઈ ગયો છે. હહાહાહાહા ટંકારા નો એક બામણ શિવના મંદિરમાં બેઠો બેઠો વિચારતો હતો કે આ કેવો શિવ? પોતાના ઉપર ફરતા ઉંદરને હટાવી શકતો નથી? અને એણે ના વિચારવાની બહુમત વસ્તીમાં વિચારવાનું શરુ કર્યું, ને બન્યો સ્વામી દયાનંદ પણ પ્રજાના મનમાં બેવકુફીઓ અને અક્કલ વગરની વાતોને ધર્મ તરીકે ખપાવી દઈને એમાં શ્રદ્ધાના વાવેતર કરી મફતમાં વગર મહેનતે રોટલા રળતા બિજનેસ મેનોએ એને લાડવામાં ઝેર આપી મારી નાખ્યો. કેમકે તે આવી મુર્ખ વાતોને વખોડતો હતો.. એક દાખલો આપું. સોમનાથના બ્રાહ્મણો વર્ષો થી લાખો બીલીપત્રોને હજારો લીટર દૂધ શિવજી પર વેડફતા હતા પણ જ્યારે ગઝની ચડી આવ્યો ત્યારે બ્રાહ્મણો શિવજી ત્રીજું નેત્ર ખોલે તેની રાહ જોતા રહ્યા પણ શિવે જરાય મદદ કરી નહિ અને ઉલટાના ગઝનીના મહેલના પગથીયે ચણાઈ જવાનું પસંદ કર્યું.. ક્યા ગઈ અખૂટ શ્રદ્ધા? કરોડો જ કેમ નથી કરતા? મૂર્ખાઈ તો મૂર્ખાઈ જ છે.

 

યજ્ઞોમાં બલિદાન આપનારા, નાળીયેર વધેરનારા, કોળા વધેરનારા, બકરા-ઘેટાની કુરબાની આપનારા, નાના બાળકોની બલી ચડાવનારા, બધાની બ્રેન સર્કીટ સરખી જ કામ કરતી હોય છે. માનવ સમુહમાં રહેવા ઇવોલ્વ થયેલો છે અને સમૂહનો એક લીડર હોય અને તે લીડરને ખુશ રાખવો જરૂરી હોય છે. એને ગીફ્ટ આપવી પડે, બહુ ખુશ કરવો હોય તો પોતાની વહાલી વસ્તુ આપો એટલે તે પ્રભાવિત થઇ જાય. મુશ્કેલ સમયમાં લીડર સમુહને દોરવણી આપતો હોય બચાવતો હોય. એની પૂરી કિંમત વસૂલતો પણ હોય છે. ઘણીવાર નહિ બલકે મોટાભાગે વધુ પડતી વસુલાત કરી લેતો હોય છે જેને શોષણ કહેવાય. બસ આ જ બ્રેન સર્કીટ ભગવાનની કલ્પનામાં કામ કરતી હોય છે. વાતો ભલે ઈશ્વર અલ્લાહ એક જ છે તેની કરીએ પણ મેમલ બ્રેન માટે લીડર જુદા જુદા હોય તેમ ભગવાન પણ જુદા જુદા અને માનવ લીડર જેવા જ રહેવાના. તેઓને ખુશ કરવા પ્રસાદ ચડાવો, ગીફ્ટ આપો બાધા રાખો, કુરબાની આપો, બલિદાન આપો. બાકી જેણે જગત રચ્યું છે તેને તમારા ફેઈથ, શ્રદ્ધા, ભક્તિ વગેરેના પ્રમાણ કે સાબિતી, બલિદાન કે કુરબાની કે પ્રસાદની શું જરૂર? તમે આ બધુ નહિ કરો તો પણ એ તો એનું કામ કરવાનો જ છે. ભગવાન કે અલ્લાહને આપણે એના ખરા અર્થમાં માનતા જ નથી. એ આપણા માટે એક ગ્રીડી નેતા જેવો જ છે. એટલે કહું છું બધા આપણા બ્રેનના જ ગતકડા છે.

પેલી દલા તરવાડીની વાર્તા યાદ છે ને? નવી પેઢીના યુવાનોને નહિ ખબર હોય ચાલો ટૂંકમાં કહી દઉં. દલા તરવાડી રીંગણનાં ખેતરમાં ગયેલા. ખેતર માલિક હાજર હતો નહિ એટલે માલિકને પૂછ્યા વગર રીંગણા તોડવા મોરાલીટી વગરનું કહેવાય. હવે માલિક હતો નહિ તો પૂછવું કોને ? એટલે એમણે તોડ કાઢ્યો અને બુમ પાડી કે રીંગણા લઉં બેચાર? અને જાતે જ જવાબ આપ્યો બેચાર શું કામ લઈ લે દસબાર. પૂછવાની નૈતિકતા આમ સચવાઈ ગઈ ને કામ થઈ ગયું. આપણે બધા દલા તરવાડીઓ છીએ. જાતે જ ભયના માર્યા રડીએ છીએ અને જાતેજ આકાશવાણી કરીને ઉપાય શોધી કાઢીએ છીએ. આપણું જ બ્રેન આપણા સવાલોના જવાબ આપતું હોય છે. બાકી કોઈ નવરું નથી કુરબાની કે બલિદાન માંગવા. વેજીટેરીયન હોય તે નાળીયેર વધેરે કોળું કાપે અને નોન-વેજી બકરું કાપે શું ફરક પડ્યો? નાળીયેરની ચોટલી શું કામ રાખીએ છીએ? નાક જેવું લાગે ઉપર બે આંખો, માથાં જેવું લાગવું જોઈએ ને? હવે તલવારથી વધેરવું હોય તો નાળીયેર જરા કાઠુ પડે તો મુકો કોળું ફસ દઈને જુદું..

અલ્યા મુરખો શંકર આખો દિવસ ધ્યાનમગ્ન રહેતા હતા. ૨૪/૭ મેડીટેશન કરતા હતા. એમાં એમનું આજ્ઞાચક્ર ખૂલેલું હતું તેને ત્રીજું નેત્ર કહેવાય. આપણને નાં સમજાય તે તેને સમજાતું હતું, દેખાતું હતું. બીજો અર્થ એવો પણ નીકળે કે કુદરતના સર્જનાત્મક અને વિસર્જનાત્મક પરિબળો ને શંકર કહેવાય, એ કોઈ હિમાલયમાં વાઘનું ચામડું પહેરીને ફરતો નથી. આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પેન્ઝી છીએ. વાર્તાઓ ઘડીને કહીને કશું શીખવનારા. ગ્રીક માઇથોલજિ હોય કે હિંદુ કે બાયબલની વાર્તાઓ બધે આપણે વાર્તાઓ માંડી છે. એમાં ઐતિહાસિક તથ્યો હોય પણ ખરા અને નાં પણ હોય.

એક હરણ યુગલ સંભોગ જેવા પવિત્રતમ કાર્યમાં રત હતું, અને પાંડુ રાજાએ તીર મારી શિકાર કરી નાખ્યો. મરતા યુગલે શ્રાપ આપ્યો કે તું હવે સંભોગમાં રત થઈશ તે ક્ષણે તારું મોત થશે. વાર્તા સાચી છે કે નહિ તે બાજુ પર મુકો મેસેજ સરસ છે. કોઈ પ્રેમી યુગલ પ્રેમ કરતુ હોય ત્યાં ભંગ પડાવવા નાં જવાય. ટીકી ટીકી ને જોઈ નાં રહેવાય. જ્યાં એક નવા જીવના અવતરણ માટે કામ થઈ રહ્યું હોય ત્યાં ભંગ પાડવો પાપ કહેવાય. પાંડુ ને વળી બે પત્નીઓ હતી. રિસ્ક વધારે હતું, ડબલ રિસ્ક. કુંતી તો દૂર જ ભાગતી હતી. પણ માદ્રી યુવાન હશે પાંડુ તો કાબુ રાખી શક્યો નહિ માદ્રી પણ રાખી શકી નહિ હોય. સંભોગમાં રત થઈ ગયા ને પાંડુનું મૃત્યુ થયું. પાંચ પાંડવોનાં ફાધરની વાત કરું છું. ઘણા ને ખબર હોતી નથી એટલે ચોખવટ કરી. શિવલિંગ અને જલાધારી તે શંકર પાર્વતીના (સ્ત્રી-પુરુષના) જાતીય અંગો છે. સર્જનમાં વ્યસ્ત છે એના પર દૂધ રેડવા જઈને ભંગ પડાવશો નહિ. કુદરતના રાજમાં ક્યાંક ને ક્યાંક સતત સર્જન અને સતત વિસર્જન ચાલતું જ હોય છે. એમાં આડે આવવું નહિ. શંકરની જેમ મેડીટેશન કરો તો બ્રેનમાં ગ્રે મેટર વધશે. લાગણીઓ પર તર્ક અને બુદ્ધિનો કાબુ વધશે તો પોજીટીવ લાગણીઓ વધશે, નેગેટીવ લાગણીઓ ઓછી થશે, ભય ઓછો થશે, તો ભગવાન અને ભૂત બંને ભાગી જશે. તમને ખબર નહિ હોય મેડીટેશન કરવાની ૧૦૮ પદ્ધતિઓની શોધ આ શંકરના નામે બોલે છે.

સમુહવાદ-જાતિવાદ

સમુહવાદ-જાતિવાદ untitled

હમણા એક રશિયન ટેનિસ પ્લેયર શારાપોવાએ કહ્યું કે હું સચિનને ઓળખતી નથી એમાં બહુ મોટી ધાંધલ થઈ ગઈ, સચિનભક્તો ઉકળી પડ્યા ગાળાગાળી પર ઉતરી પડ્યા. સ્વાભાવિક છે કે એક રશિયન ક્રિકેટ કે ક્રિકેટ પ્લેયર વિષે બહુ જાણતી નાં હોય કે બિલકુલ જાણતી નાં હોય.

હમણા કહેવાતા શંકરાચાર્યે સાઈબાબા કોઈ ભગવાન નથી એમની પૂજા કરવી નકામું છે આવા મતલબનું કશું કહ્યું હશે તો સાઈબાબાના ભક્તો તૂટી પડ્યા એમની ઉપર. શંકરાચાર્ય વળી મોદી વિરોધી છે એ મુદ્દો પાછો આમાં બહુ મોટો ભાગ ભજવી જાય છે. મતલબ મોદી ભક્તો ઓર જોરથી એમની ઉપર એટેક કરવાના. હમણા એક નેતાએ નિવેદન કર્યું કે સેક્સ એજ્યુકેશનને બદલે યોગા શીખવવો જોઈએ તો સેક્સ એજ્યુકેશનની તરફેણ કરનારા એમની ઉપર તૂટી પડ્યા મારા સહીત. તો સેક્સ એજ્યુકેશનનો વિરોધ કરનારા વળી કાઉન્ટર ગોળીબાર કરતા તરફેણ કરનારા ઉપર તૂટી પડ્યા.

હમણા ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા ચાલી રહી છે. જે તે દેશની તરફેણમાં હોય તેવા લોકો તે દેશની ટીમ હારતી હોય તો એમના મોતિયા મરી જાય છે. એક જબરદસ્ત ફૂટબોલ મેનીયા હાલ ચાલી રહ્યો છે. આવો ક્રિકેટ મેનીયા ભારતમાં IPL વખતે ચાલતો હોય છે. કેળાની અમુક ખાસ જાતમાં બીટા કેરોટીન(વિટામીન A) હોય છે. હવે કેળાની આ જાત બધે પ્રચલિત હોય નહિ માટે આખી દુનિયામાં કેળાની જે જાત પ્રચલિત હોય અને સૌથી વધુ ખવાતી હોય તેવી જાતમાં જિનેટિક એન્જિયરિંગ વડે પેલી બીટા કેરોટીન ધરાવતી જાતના જિન ઉમેરી દઈએ તો લાખો લોકોને અંધત્વ થી નિવારી શકાય અને જે લોકો વિટામીન A ની ખામીને લીધે મરતા હોય તેમને બચાવી શકાય યુગાન્ડા જેવા દેશોમાં જિનેટિક એન્જિનિયરિંગ વડે વિકસાવેલા ફૂડ પર પ્રતિબંધ છે. પણ આવા સુપર બનાના જેવા મુદ્દા સોકર મેનીયામાં કોઈને જણાય નહિ.

આપણે ત્યાં ક્રિકેટ મેનીયા કે ઈલેક્શન મેનીયા ચાલતો હોય ત્યારે ઘણા બધા જરૂરી મુદ્દા ભુલાઈ જતા હોય છે. આ દર્શાવે છે કે માનવજાતની કોગ્નીટીવ સિસ્ટમ સબકોન્શિયસ ઈમોશન્સ વડે વધુ દોરાતી હોય છે. જાગૃત વાસ્તવિક હકીકતોનું એનાલીસીસ બાજુ પર રહી જતું હોય છે. એનું કારણ એ હોય છે કે સબકોન્શિયસ ઇન્સ્ટીન્કટ સર્વાઈવલ સાથે જોડાયેલ હોય છે, અને સર્વાઈવલ તો બહુ મહતવની વાત છે. કારણ એ છે કે આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણે મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છીએ. એટલે આપણી સબકોન્શિયસ ઇન્સ્ટીન્કટ સમૂહના સર્વાઈવલ સાથે જોડાયેલ હોય છે કારણ જે સમૂહ સાથે આપણે જોડાયેલ હોઈએ તે સર્વાઈવ થાય તો આપણે સર્વાઈવ થઈએ.

આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણા સમૂહ, ટ્રાઈબ ઉપર આપણી સલામતી માટે આધારિત રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ કારણ દર વખતે આપણે એકલા એક વ્યક્તિ તરીકે આપણી જાતનું રક્ષણ કરી શકીએ નહિ. આપણો સમૂહ જે કરતો હોય તેમાં આપણે વધારે સલામતી અનુભવી શકીએ. હવે આ જેની સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ તે સમૂહ જુદા જુદા સમયે જુદા જુદા પણ હોઈ શકે. એકસાથે આપણે માનસિક રીતે અનેક સમૂહો સાથે જોડાયેલા પણ હોઈ શકીએ. ફીજીકલી આપણે એક સમૂહ સાથે જોડાયેલા હોઈએ પણ માનસિક રીતે બીજા સમૂહ ઉપર આધારિત હોઈ શકીએ. દાખલા તરીકે મારા કુટુંબ સાથે હું લોહીના સંબંધ વડે જોડાયેલો અને આધારિત હોઉં અને એક ઘરમાં ભેગો રહેતો હોઉં પણ અમુક મારા સંબંધીઓ કોઈ ધાર્મિક પંથમાં ખાસ વધુ માનતા હોય તો મારા નાસ્તિક હોવાના લીધે તેઓ તે બાબતે મારી સાથે અને હું એમની સાથે જોડાયેલ નાં હોઉં. હવે મારો જન્મ કહેવાતી રાજપૂત કોમમાં થયેલો હોય પણ અમુક સંબંધીઓ વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હોય તો તેઓ જુદી જુદી કોમોમાં જન્મેલા હોય છતાં વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા લોકોનાં સમૂહ સાથે ધાર્મિક રીતે વધુ જોડાયેલ અને આધારિત હોય.

આપણે એક સાથે અનેક ટ્રાઈબ સાથે જોડાયેલા અને આધારિત હોઈએ છીએ. હું તો મારો જ દાખલો આપું બીજાનો શું કામ? હું જન્મ્યો રાઓલ ચાવડામાં એટલે મારી એક ટ્રાઈબ તે થઈ, અને માણસાનાં અભેસિંહના માઢમાં આવેલા રાઓલ્સ મારા કુટુંબીઓ એટલે તે મારી પોતાની ક્લોઝ ટ્રાઈબ થઈ, મારા ગામના નાગરીકો ભલે ગમે તે કોમના હોય પણ મારું ગામ મારી એક ઓર ટ્રાઈબ થઈ, મારા વિચારો રેશનલ એટલે રેશનાલીઝમમાં વિશ્વાસ ધરાવતા લોકોનો સમૂહ મારી અલગ ટ્રાઈબ થઈ. આવું આવું ગણો તો એક સાથે અનેક ટ્રાઈબ જેવી કે ગુજરાતી, ગુજરાતી રાજપૂત, ભારતીય, હિંદુ-નાસ્તિક, ક્રિકેટનો ફેન હોઉં તો ક્રિકેટ, સચિન ફેન હોઉં તો તે, બચ્ચન ફેન હોઉં તો તે, આમ વિધવિધ ટ્રાઈબ સાથે હું જોડાયેલ હોઈ શકું. એટલે ક્રિકેટ વિરુદ્ધ કોઈ બોલે તો તરત મને લાગે કે મારી ટ્રાઈબ પર ખતરો છે. રાજપૂત કોમ વિરુદ્ધ કોઈ બોલે તો તરત મને લાગે મારી ટ્રાઈબ પર ખતરો છે. અને મારી ટ્રાઈબનાં સર્વાઈવલ ઉપર મારું સર્વાઈવલ આધારિત છે.

ભલે મેં જીંદગીમાં હોકી સ્ટીક પકડી નાં હોય કે ક્રિકેટનું બેટ પકડ્યું નાં હોય પણ મારા ભારતની હોકી ટીમ કે ક્રિકેટ ટીમની જીતમાં મારી જીત અને હારમાં મારી હાર હોય છે. મારી પસંદની ટીમ જીતે તો એમાં મારું સર્વાઈવલ હોય છે અને હારે તો થ્રેટ.. મારી ટીમ જીતે તો ભલે મેં એમાં રતીભાર પ્રયત્ન કર્યો નાં હોય પણ હેપી ન્યુરોકેમિકલ્સનો સ્રાવ અતિશય આનંદ આપતો હોય છે અને હારે તો કોર્ટીસોલ સ્ત્રવીને ભારોભાર દુઃખ આપતું હોય છે.

  આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.  Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. અને ફિલ ગુડ ક્યારે આવે? સર્વાઈવલને સપોર્ટ કરતી કોઈ પણ વસ્તુ બને ત્યારે ફિલ ગુડ આવે. એટલે મારી ટીમ જીતે, ગુજરાતી તરીકે મોદી વડાપ્રધાન બને, મારા ભાઈને રાષ્ટ્રપતિ ચંદ્રક મળે, સાઈના નેહવાલ બેડમિન્ટન કપ જીતી જાય, શ્રેયા ઘોષાલ કે ઐશ્વર્યા મજુમદારને ફિલ્મફેર એવોર્ડ મળે, આવું તો ઘણું બધું થાય ત્યારે મને ફિલ ગુડ અનુભવાય.    imagesFSE90FQN

આપણે જાતિવાદને વખોડીએ છીએ. જાતિ કે કોમ શું છે? તમારો પોતાનો નજદીકનો સમૂહ છે. વેરી ક્લોઝ સમૂહ છે. વેરી કોલોઝ ટ્રાઈબ. એના કરતા પણ વેરી ક્લોઝ સમૂહ આપણું કુટુંબ હોય છે. તમારા વ્યક્તિગત અંગત કામ માટે કશું કરો તો સ્વાર્થ કહેવાય છે. કુટુંબ માટે કશું કરો તો કુટુંબ માટે બલિદાન આપ્યું કહેવાય. કુટુંબ કરતા કોમ અને કોમ કરતા ગામ મોટી જાતિ જ થઇ એક રીતે. રાજપૂત, પટેલ, ઠક્કર જેવી અનેક જાતિઓ કરતા મહેસાણી, કાઠીયાવાડી, સુરતી, બનાસકાંઠીયા, પંચમહાલિયા, બરોડીયન, અમદાવાદી વગેરે જાતીઓનું ફલક જરા મોટું થઈ ગયું. જાતિવાદ તો આમાં છે જ પણ ફલક મોટું થતું જાય છે. આ બધું ભેગું કરો એટલે મહાજાતી ગુજરાતી થઈ જાય. આમ ગુજરાતી, રાજસ્થાની, કર્ણાટકી, કેરાલીયન આવા બીજા પણ ગણીએ તો આમાં જાતિવાદ વળી બહુ મોટા ફલક પર વિસ્તરી જાય. છવટે ભારતીય તરીકે રાષ્ટ્રવાદી કહેવાઈએ પણ આમાં જાતિવાદનું ફલક અતિવિશાળ થઇ જતું હોય છે. જેમ જેમ નાના ફલક ઉપર કામ કરતા જાવ તેમ તેમ સ્વાર્થી કહેવાઓ અને જેમ જેમ મોટા જાતીવાદી ફલક ઉપર કામ કરતા જાવ તેમ તેમ પરોપકારી વધુ કહેવાતા જવાના. છેવટે રાષ્ટ્રવાદી કે પછી માનવતાવાદી કહેવાઈ શકો. ઉમાશંકર જોશી પાછલી ઉંમરમાં પોતાને વિશ્વમાનવ તરીકે માનતા થઈ ગયેલા.

જાતિવાદ એટલે સમૂહવાદ પછી તે નાના ફલક ઉપર હોય કે વિશાલ. અને સમૂહવાદ એટલે મેમલ બ્રેન જે કરોડો કરોડો વર્ષથી સર્વાઈવલ માટે વિકસેલું છે. જાતિવાદ કદી નાશ પામવાનો નથી, તમે નવી નવી જાતિઓ ઉભી કરો અથવા મોટા ફલક પર કામ કરી પરમાર્થી બનો. તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જેવી જ્ઞાતિઓ ભૂંસી નાખો બદલામાં શિક્ષક, એન્જીનીયર, વૈષ્ણવ, ક્લોથ મરચંટ, લેખક, કવિ, બચ્ચન ફેન કે સચિન ફેન જેવી બીજી હજારો જાતિઓ ઉભી કરો. તમારો જાતિવાદ નાના ફલક ઉપર ચુસ્ત હશે તો મોટા ફલક ઉપર એની પકડ ઓછી હશે. એટલે મેં લખેલું કે આપણે ત્યાં કોમવાદ ચુસ્ત છે માટે રાષ્ટ્રવાદ કમજોર છે. રાષ્ટ્રવાદ ચુસ્ત હશે તો કોમવાદ કમજોર હશે. એટલું કરી શકાય કે કોઈ જાતિને નાની મોટી હલકી કે ભારે નાં સમજીએ.

હવે આ જાતિવાદ, સમુહવાદનું ફલક વિસ્તરતું વિસ્તરતું બીજા મેમલ પ્રાણીઓ અને જીવ જંતુ સુધી વિસ્તરી જાય તો દુનિયા તેને ભગવાન મહાવીર તરીકે ઓળખે છે, ભગવાન બુદ્ધ તરીકે ઓળખે છે.

જાતીય શિક્ષણ (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૭)

જાતીય શિક્ષણ (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૭)images09-87

અમારી ગપાટા મંડળીના સભ્ય શાંતિભાઈ આજે જરા ઉગ્ર મિજાજમાં હતા. કેબીનેટ મીનીસ્ટર ડૉ હર્ષવર્ધન ઉપર ગુસ્સામાં હતા. આવતાવેંત કહે, ‘આ ડૉ ગાંડો થયો લાગે છે. કહે છે જાતીય શિક્ષણ બંધ કરી દેવું જોઈએ અને યોગ શીખવવો જોઈએ.’

‘ આમાં અડધું સજેશન ખોટું છે અને અડધું સારું’, મેં કહ્યું.

‘એટલે સમજ્યો નહિ.’

‘જાતીય શિક્ષણ બંધ કરી દેવું જોઈએ તે ખોટું અને યોગ શીખવવો જોઈએ એમાં એક સુધારા સાથે કહું તો મેડીટેશન ખાસ શીખવવું જોઈએ તે સારું’.

‘આ જાતીય શિક્ષણ ની જરૂર શું કામ પડે? આ પ્રાણીઓને તો જરૂર પડતી નથી ?’ અંબુકાકા બોલ્યા.

મને થયું આ મનોવિજ્ઞાનનાં માજી શિક્ષક શાંતિભાઈ, અંબુકાકા ઉપર પણ ગુસ્સે થવાના છે. એટલે મેં વાત વાળી લેતા કહ્યું કાકા પ્રાણીઓ સહજ હોય છે, સેક્સ એમના માટે બેસિક નીડ અને બેસિક ઇન્સ્ટીન્કટ છે અને તે રીતે તેનો સહજ ઉપયોગ કરે છે. જ્યારે આપણે પ્રાણીઓ કરતા વધુ બુદ્ધિશાળી એટલે આપણે સેક્સને સહજ રહેવા દીધો નથી માટે આપણે સેક્સ એડ્યુકેશનની જરૂર પડે.

‘વધારે ડાહ્યા વધારે ખરડાય’, કમુબેન બોલ્યા.

શાંતિભાઈ હસી પડ્યા. હસતા હસતા ઉમેર્યું, ‘ પ્રાણીઓ કરતા આપણી પાસે કોર્ટેક્સ બહુ મોટું છે મતલબ વિચાર કરવાવાળું બ્રેન બહુ મોટું છે માટે આપણે સેક્સને સુસંસ્કૃત અને વિકૃત બંને બનાવી શકીએ છીએ, એટલે સંસ્કૃત બનાવવા અને વિકૃત નાં બને તે માટે સેક્સ એડ્યુકેશનની જરૂર પડે એવું મારું માનવું છે.’

મેં કહ્યું બધા આ વાત પર ઠોકો તાલી.

મંજુબેન જરા જુનવાણી વિચારો ધરાવતા તે બોલ્યા આ જાતીય શિક્ષણ આપવાથી પછી કામાચાર વધી નહિ જાય? લોકો લગ્ન કર્યા વગર પણ સેક્સ ભોગવવા લાગશે.

મેં કહ્યું આમેય કોણ બાકી રહે છે કામાચાર વગર? ચાલો આજ સુધી ભારતમાં જાતીય શિક્ષણ ક્યા અપાતું હતું છતાં ૧૨૫ કરોડનો દેશ અમસ્તો થોડો બની ગયો હશે? અને જે સાધુ મહાત્માઓ સેક્સને કાયમ વખોડતા હોય છે તે લોકો પણ ખાનગીમાં સેક્સ વગર રહેતા નથી. જે સાધુઓ સ્ત્રીઓના મુખ પણ જોતા નથી તેવા લોકો નાના છોકરાઓનો દુરુપયોગ કરે જ છે. ઉલટાનો આવા લોકો સેક્સનો વધુ ઉપયોગ અને તે પણ વિકૃત રૂપે કરે છે. એક ખોટી માન્યતા છે કે સેક્સ શિક્ષણ આપવાથી લોકો પછી ચોરે ને ચૌટે સેક્સ માણ્યા કરશે.

હવે વારો શાન્તીભાઈનો હતો. ‘ઘણા બુદ્ધુઓ માને છે કે સેક્સ એડ્યુકેશન એટલે નિરોધ વાપરવાનું કહેવું અને પહેરાવવાનું શીખખવું બસ આટલામાં જ બધું આવી ગયું. ઘણા મુરખો એવી દલીલ પણ કરે છે કે સેક્સ એડ્યુકેશન મેળવવા તમારા સંતાનોને કોઈ પારકી વ્યક્તિ પાસે મોકલવા રાજી છો? ભાઈ તમે ગુરુત્વાકર્ષણનો નિયમ સમજવા કે થિઅરી ઓફ રીલેટીવીટી શીખવા ન્યુટન કે આઇન્સ્ટાઇન પાસે ગયેલા ખરા? ગણિત, વિજ્ઞાન, ભૂગોળ બધું એક જ કલાસરૂમમાં ૫૦-૧૦૦ વિધાર્થીઓ સાથે બેસી ને જ શીખેલા કે નહિ? બધી વસ્તુઓ પ્રેક્ટીકલ શીખવી જરૂરી છે ખરી? મુલે સેક્સ ને પાપ ગણનારા જાતજાતની દલીલો કરશે. ઘણા બુદ્ધુઓ કહેશે સાચું સેક્સ શિક્ષણ દીકરીને માતા જ આપી શકે. તો દીકરાઓને કોણ આપશે? ચાલો પશ્ચિમનો સમાજ તો ઓપનનેસ ધરાવે છે ત્યાં માતા આપશે પણ ભારતની માતા કઈ રીતે આપશે? શરમ નહિ આવે? એના કરતા આનો નિષ્ણાંત શિક્ષક વર્ગ ખંડમાં આપે તે શું ખોટું? ઘણા બુદ્ધુઓને છાપાઓમાં પીરસાતા નગ્ન અર્ધનગ્ન ફોટાઓ, ગ્લેમરસ જાહેરાતો અને ડૉ મુકુલ ચોકસી કે ડૉ મૃગેશ વૈષ્ણવ કે ડૉ હંસલ ભચેચ જેવા નિષ્ણાંતો વડે પીરસાયેલા જ્ઞાન વચ્ચે કોઈ ફરક દેખાતો નથી. મારી તો બચપણની ઘણી બધી સેક્સ વિશેની ખોટી માન્યતાઓ અને ગીલ્ટ ફક્ત ડૉ મૃગેશ વૈષ્ણવનાં પુસ્તકો વાંચીને જ દૂર થઈ ગયા હતા, નાં તો મારે કોઈની જોડે પ્રેક્ટીકલ શીખવા જવું પડેલું કે નાં કોઈ ડોક્ટરની મુલાકાત લેવી પડેલી.’

મેં કહ્યું ઘણા મિત્રો એવી પણ દલીલ કરતા હોય છે કે આજ સુધી ક્યાં તમે સ્કૂલમાં જાતીય શિક્ષણ લેવા ગયેલા? ભાઈ પહેલા ભણવા જ કોણ જતું હતું તો હવે સ્કૂલ કૉલેજો બંધ કરી દઈશું? લાખો વર્ષ લગી ડોક્ટર્સ હતા જ નહિ લોકો એમ જ બીમાર પડતા ને મરતા પણ ખરા તો શું હવે તમામ ડોક્ટર્સ ને ગોળી મારી દઈશું?

કમુબેન બોલ્યા આ લોકો સેક્સ એડ્યુકેશનનો વિરોધ કેમ કરે છે તેનું મૂળ કારણ શું છે ખબર છે?

મેં કહ્યું નાં તમે કહો.

અરે ! આ મુર્ખાઓ એવું સમજે છે કે સેક્સ એડ્યુકેશન એટલે સેક્સ કરતા શીખવવું? એની જ આ બધી મોકાણ છે. અલ્યા સેક્સ કરતા કોઈને શીખવવું નાં પડે એ તો બધાને સમય થાય આવડી જ જાય. હહાહાહાહાહાહાહા.. સેક્સ એડ્યુકેશનમાં સેક્સ વિષે સાચી સમજ, એના અતિરેક અને એના આત્યંતિક વિરોધ બધાથી કઈ રીતે બચવું, એમાંથી કઈ રીતે શક્ય આનંદ મેળવવો, એની વિકૃતીઓથી બચવું આવું  બધું શીખવાનું હોય. એને કરતા શીખવાનું તો બધાને જન્મજાત આવડતું જ હોય, પ્રાણીઓ પણ વગર શીખે કરતા જ હોય છે.

મેં કહ્યું ખરેખર તો સેક્સ એડ્યુકેશન સેક્સ વિકૃતિઓ થી બચી શકવામાં બહુ કામ લાગે. ખોટી માન્યતાઓને લીધે થતા અપરાધબોધનું નિવારણ થાય અને તેના લીધે થતી માનસિક બીમારીઓ માટે પણ બહુ કામ લાગે. ઉલટાનું સેક્સ એડ્યુકેશન વડે સેક્સના અતિરેકથી પણ બચી શકાય.

શાંતિભાઈ બોલ્યા આપણા લોકોનો દંભ જુઓ એક મામી અને ભાણેજના સેક્સ સંબંધો માન્ય, એમના મંદિરો બનાવશે, એમની પૂજા કરશે પણ કોઈ કૉલેજના છોકરાએ બિચારાએ ભૂલ કરી હશે કોલેજની અગાસીમાં તો સજા કરશે.

અરે ! કાઈ સમજાય તેવું બોલો.

આખા ભારતમાં રાધાકૃષ્ણનાં મંદિરો છે કે નહિ? લોકો એમની પૂજા કરે છે કે નહિ?

હા કરે છે.

રાધા યશોદાના ભાઈની વહુ હતી, કૃષ્ણની મામી થઈ કે નહિ? બાલકૃષ્ણને પટાવનારી પીડોફેલીક થઈ કે નહિ? આ દેશમાં સ્ત્રીઓના મોઢા નાં જોનારા મહાન પુણ્યશાળી બાવાઓ નાના છોકરાઓના ગુદાદ્વાર એમની જાતીય વૃત્તિ સંતોષવા ફાડી નાખે તે ચાલે, આ દેશમાં અમે જ કૃષ્ણ છીએ અમને બધું અર્પણ કરો કહી ગુરુઓ ભક્તોની નાજુક કન્યાઓની યોનીઓ ચીરી નાખે તો ચાલે પણ સેક્સ એડ્યુકેશનની વાત કરો તો નાં ચાલે.

મેં કહ્યું બસ બસ શાંતિભાઈ વધુ કહેશો નહિ લોકો મારવા આવશે.. આ શાંતિભાઈ માર ખવડાવશે ચાલો  ભાગીએ અહીંથી કહી અમારી મંડળી છૂટી પડી..

જય પિતાજી….

જય પિતાજી1554534_10202350258650516_2907119415585977144_n

એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક નર માછલી અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. પછી આ ઈંડામાંથી બચ્ચા બહાર આવશે અને જીવશે કે નહિ એમાં તેમને કોઈ રસ હોતો નથી. કોઈ કોઈ જાતિમાં નરપક્ષી એના બચ્ચાને ખવડાવે છે,પણ ઊડવાનું શીખ્યા પછી બચ્ચાને ભૂલી જાય છે. સસ્તન પ્રાણીઓ એના નાના બચ્ચાને પ્રીડેટરથી બચાવે છે,પણ પોતાની જાતને પહેલો પ્રેફરન્સ આપે છે. સિંહ સિંહણે કરેલા શિકારને છીનવી લે છે,બચ્ચાનાં મુખમાંથી ખાવાનું છીનવી લે છે. વાનરો અને એપ્સ એમના બચ્ચા સાથે રમે છે,પણ કોઈ વાર એમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. ફક્ત માનવ નર એના બાળકોના રસમાં રસ લે છે,એની સાથે રમે છે,પોતાના રસ એનામાં રેડે છે. આ એક બહુ મોટું વિશાળ ઇવલૂશનરી સ્ટેપ છે.

The act of fathering is the foundation of human civilization.

પિતૃત્વ ને માન આપવા, પિતા સાથેના માનસિક જોડાણને સરાહવા અને પિતાની સમાજ પર પડતી અસર કેટલી પ્રભાવશાળી છે તે જતાવવા ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. મોટાભાગના દેશોમાં જુન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવાય છે. ફાધર્સ ડે પહેલા મધર્સ ડે ઉજવવાનું શરુ થઈ ચુક્યું હતું. એટલે ઘણાને તેમાં કશું ખૂટતું હોય તેવું લાગતું હતું. કારણ માનવસમાજના પાયામાં પિતા અને માતા બંનેનું સરખું પ્રદાન હોય છે એટલે મધર્સ ડે ઉજવાય અને ફાધર્સ ડે જેવો કોઈ કોન્સેપ્ટ જ નાં હોય તે ચાલે ખરું?

Anna Jarvis નામની એના માતાપિતાના તેર સંતાનોમાની દસમું સંતાન, એણે માતૃત્વનાં મહિમાને વધુ મહિમાવંત બનાવવા એની માતાનાં અવસાનના ત્રણ વર્ષ બાદ ૧૦ મેં. ૧૯૦૮ના દિવસથી મધર્સ ડે ઉજવવાનું અમેરિકામાં શરુ કરેલું. મધર્સ ડે સામે પિતાને પણ મહત્વ આપવું જોઈએ અને ફાધર્સ ડે જેવો કોઈ દિવસ ઉજવવો જોઈએ તેવું ઘણા બધાના મનમાં થતું હતું પણ ક્રેડીટ ગોઝ ટુ Sonora Smart Dodd ( Spokane, Washington). આ મહિલાના પિતા અમેરિકન સિવિલ વોર વેટરન હતા. એમની પત્નીના અવસાન બાદ એકલા હાથે છ સંતાનો એમણે ઉછેરેલા. Sonora ને એના પિતા પ્રત્યે ખુબ માન હતું એણે ૧૯ જુન ૧૯૧૦ના દિવસે પહેલીવાર ફાધર્સ ડે ઉજવી નાખ્યો. શરૂમાં એને ખાસ પ્રતિસાદ મળ્યો નહિ. પણ આમાં થોડા વેપારી જૂથો સામેલ થયા. કારણ એમને તો આમાં બિજનેસ દેખાતો હતો. તંબાકુ પીવાની પાઈપ, ટાઈ અને એવી બીજી વસ્તુઓ આ બહાને લોકો પિતાને ગીફ્ટ તરીકે આપે તો ધંધો વધવાનો જ હતો. શરૂમાં લોકો આનો વિરોધ કરતા અને સમાચાર પત્રો ફાધર્સ ડે ની મજાક ઉડાડતા અને મજાક ઉડાડતા જોક્સ મુકતા. પણ ધંધાદારીઓ એમ નિરાશ થાય તેવા નહોતા. ઉલટાના સમાચાર પત્રોએ મુકેલા જોક્સનો જ પ્રચાર તરીકે ઉપયોગ કરીને ફાધર્સ ડે ને વધારે પ્રચલિત બનાવી દીધો.

૧૯૧૬માં પ્રેસિડેન્ટ વુડ્રો વિલ્સન ફાધર્સ ડે ની ઉજવણીમાં બોલવા Spokane પધાર્યા અને એને ઓફિસિયલ બનાવી દેવા ઈચ્છા વ્યક્ત કરી. પણ એનું વ્યાપારીકરણ થઈ જશે એવો ભય વ્યક્ત કરી કોંગ્રેસે વિરોધ કર્યો. ૧૯૬૬માં પિતાશ્રીઓને સન્માનવા જુન મહિનાના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે સત્તાવાર જાહેર કરનાર હતા પ્રમુખ Lyndon B. Johnson . એના છ વર્ષ પછી ૧૯૭૨માં પ્રમુખ નિક્સને સહી કરીને આ દિવસને પરમેનન્ટ નેશનલ હોલીડે તરીકે જાહેર કરી દીધો જો કે રવિવારે તો આમેય હોલીડે જ હોય છે.

 Randall Flanery, (a pediatric psychologist at Saint LouisBehavioral Medicine Institute) કહે છે પિતાની હાજરીનો કોઈ વિકલ્પ નથી. બાળકોને લકઝરી સુખ સગવડ અને વૈભવ કરતા પિતાની કંપની વધારે પ્યારી અને મહત્વની હોય છે. સંતાનોને બે વસ્તુ ઓછી આપશો તો ચાલશે,એના તે ભૂખ્યા નથી,પણ પિતાના સમયના ભૂખ્યા હોય છે. બાલ્યાવસ્થા અને પૂખ્તઅવસ્થા વચ્ચેનો ગાળો બાળકો માટે બહુ સંવેદનશીલ હોય છે. આ અવસ્થામાં આવેલા બાળકોને આપણે હવે ટીનેજર કહીએ છીએ. અહી છોકરા સાથે પિતાનું લાગણીભર્યું વર્તન એને નિરાશામાંથી બચાવે છે. આ અવસ્થા સમયે મોટાભાગે બાળકો કંટ્રોલ ગુમાવી બેસતા હોય છે દ્વિધામાં સપડાયેલા હોય છે. એમને શું કરવું સમજ હોતી નથી. નિરંકુશ બની જતા હોય છે.

છોકરીઓ વળી પુખ્ત બનવા સમયે કે પ્રજનન સક્ષમ બનવા સમયે વળી બમણી ડીપ્રેશનમાં હોય છે. ત્યારે પિતાની હાજરી એને બચાવી લેતી હોય છે. અહી પિતાનું મહત્વ વળી ખૂબ વધી જતું હોય છે. એના પાર્ટનર તરીકે પુરુષની પસંદગી વખતે તે પિતાને નજર સમક્ષ રાખતી હોય છે. પણ પિતા વગર ઉછરી હોય તો કોને નજર સમક્ષ રાખે? ભવિષ્યમાં એના પતિ સાથેના સંબંધો માટે પિતા સાથેના સંબંધો આયનો બની જતા હોય છે. ટીનેજર દીકરીઓને પિતાશ્રીઓએ ખૂબ પ્રેમભાવ અને સમય આપવો જોઈએ.

જે છોકરી બાયોલોજીકલ પિતાનાં સાંનિધ્ય વગરની હોય છે તે જલદી પુખ્ત બની જતી હોય છે. પીરિયડમાં યોગ્ય સમય કરતા વહેલી આવતી થઈ જતી હોય છે અને  પ્રૅગ્નન્ટ પણ વહેલી બની જતી હોય છે. જોકે ભારતમાં સામાજિક નિયંત્રણને લીધે પ્રૅગ્નન્ટ બનવું સંભવ ના બને. પણ સેક્સ તરફ જલદી વળી જતી હોય છે. માતા પિતા વચ્ચેના ઝગડા,અથડામણ,સંઘર્ષ, ડિવોર્સ અને અલગ અલગ રહેવું આ બધાને લીધે જે માનસિક તણાવ પેદા થાય છે તે ટીનેજર છોકરીઓને વહેલા પુખ્ત બનાવી દે છે.  Menarche એટલે માસિકચક્ર શરુ થયાનો પ્રથમ દિવસ એના શરીરને Bio-signals તરીકે કહેતો હોય છે કે “This is an unstable environment,” or ” There is a shortage of males in the population .”   આવા સમયે ઇવલૂશનરી બ્રેઈન વિચારતું હોય કે સર્વાઈવલ માટે પરિસ્થિતિ અનુકૂળ છે નહિ. તો જાતીય રીતે પુખ્ત બનવા માટે ઝડપ કરો અને મૃત્યુ પહેલા સાથી શોધી લો અને મોડું થાય તે પહેલા પોતાના જિન્સ નવી પેઢીમાં પાસ કરી દો.

માતા ફરી લગ્ન કરે કે લીવ ઇન રિલેશનશિપ વડે બીજા પુરુષ સાથે રહેતી હોય ત્યારે છોકરીનું બ્રેઈન જીનેટીકલી સંબંધ ના હોય,લોહીનો સંબંધ ના હોય તેવા અજાણ્યા પુરુષની હાજરીની ભાળ લેતું હોય છે. સ્ટેપ ફાધરની હાજરી પણ બાયો સિગ્નલ્સ જણાવી દેતા હોય છે કે લોહીનો સંબંધ છે નહિ ત્યાં ઉલટાની છોકરી વહેલી પુખ્ત બનીને વહેલું ઋતુ ચક્ર શરુ થઈ જતું હોય છે. The presence of an unrelated male should signal a reproductive opportunity, and thus accelerate menarche ( Barkow, 1986). આવા અનરીલેટેડ પુરુષનું  આસપાસ રહેવું સેકસુઅલ સજ્જતા,શીઘ્રતા,તૈયારી અને સાબદાઈમાં પરિણમતું હોય છે. ઘરમાં સ્ટેપ ફાધર કે લોહીના સંબંધ વગરના પુરુષનું સાહચર્ય જેટલું વધારે તેટલી એની ઇફેક્ટ વધુ. સાયકોલોજીસ્ટ Bruce Ellis નું ગ્રાઉન્ડ બ્રેકીંગ સંશોધન પણ આમ કહે છે. તે એવું પણ જણાવે છે કે જેટલી બાયોલોજીકલ પિતાની હાજરી ઘરમાં વધારે અને દીકરી સાથેના તેમના સંબંધો વધુ પ્રેમાળ અને લાગણીભર્યા હોય તેટલો છોકરીનો પુખ્ત બનાવાનો સમય વધુ અથવા નોર્મલ હોય છે.

આમ બાયોલોજીકલ પિતાની ગેરહાજરી છોકરીને વહેલી જાતીય પુખ્ત બનાવી દે તે નુકશાનકારક બની શકે છે. કારણ માનસિક રીતે છોકરી પુખ્ત બની હોય નહિ અને માનસિક પુખ્તતા સલામત Sexuality માટે જરૂરી હોય છે. વળી ઘરમાં બાયોલોજીકલ નાં હોય તેવા પિતા કે પુરુષની હાજરી પણ છોકરીને વહેલા જાતીય પુખ્ત બનાવી દેવા કારણભૂત બનતી હોય છે. અને પરિણામે સતત અને સહેલાઈથી મળતું આવું સાંનિધ્ય જાતીય સંબંધોમાં પરિણમતું હોય છે. માતા બાજુ પર રહી જતી હોય છે અને યુવાન છોકરી સાથે સ્ટેપ ફાધર કે કહેવાતો માતાનો બોય ફ્રેન્ડ જાતીય સંબંધ બાંધી લેતો હોય છે. વાતે વાતે ડિવોર્સ લેતા અને વારંવાર પાર્ટનર બદલતા પશ્ચિમના સમાજનું આ બહુ મોટું કલંક છે.

  સીંગમંડ ફ્રોઈડ અને કાર્લ જુંગ કહે છે કે પિતા એક દીકરા માટે એની ઓળખના વિકાસનું (Development of identity) ખુબ મહત્વનું પરિબળ છે. એક નાના પુત્ર માટે પિતા એક idol છે. ડેડી બધું જ કરી શકે છે. પરમપિતા પરમાત્મા છે. પિતાની ચાલ ઢાલ,ઉઠવું બેસવું બધાની નકલ કરશે. પિતાની સામાજિક સ્વીકૃતિ જોઈએ છે. કિશોરાવસ્થામાં થોડો પ્રોબ્લેમ પિતાની દલીલો ગમતી નથી. એમનું ગાઇડન્સ વધારે પડતું લાગે છે. પણ યુવાન થતા આ સબંધો એક વિકાસના તબક્કામાં આવે છે. એક બીજાને  ઇગ્નોર કરે છે. પણ માનસિક રીતે જોડાતાં જાય છે. ત્રીસી ને ચાલીસીના વચ્ચે સમજ આવે છે કે પિતાએ ઘણું કર્યું છે. ઘણા બલિદાનો આપ્યા છે. અને પિતા અને પુત્ર વચ્ચે મિત્રતાના સબંધો બની જાય છે. બસ પછીના વર્ષોમાં વૃદ્ધ પિતાની સેવા કરવાનું મન ના થાય તો સમજવું કે આ વિકાસના બધા તબક્કાઓમાં ક્યાંક ચૂક થઇ ગઈ છે.

એક દીકરી માટે  પિતા સાથેના સબંધો એ એના જન્મ પછીના સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષ વચ્ચેના સબંધો છે. એક નાની બાળકી પોતાના પિતા તરફ થી મળતા  પ્રેમ ભાવના પ્રતિબિંબો વડે પોતાના સ્ત્રૈણ તત્વની ઓળખ પ્રાપ્ત કરે છે. એ એકલી નથી,કોઈ એને સમજી રહ્યું છે,ગણી રહ્યું છે,એક સેન્સ ઓફ સિક્યુરીટીની સમજ આવે છે. પિતા વગરની દીકરી કે પિતાના પ્રેમ વગરની દીકરી half done છે. એ હમેશા ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરે છે. પિતાનું હાસ્ય એના વિકાસનું સાધન છે. પિતાની શિસ્ત એનું માર્ગદર્શન છે. પિતા વગરની દીકરી એકલી અટૂલી છે. તો દીકરી વગરનો પિતા પણ અધુરો છે તેવું મારું પર્સનલ મંતવ્ય છે.

માતાને દીકરો વધુ વહાલો હોય છે જ્યારે પિતાને દીકરી વધુ વહાલી હોય છે.

૨૦૧૪ના ફાધર્સ ડે માટે આટલું પુરતું છે ને?

પ્રકૃતિમાતા દસ મહાદેવીઓ રૂપે

 પ્રકૃતિમાતા દસ મહાદેવીઓ રૂપે.

આજે માતૃદિન મધર્સ ડે છે. ભારતમાં મધર્સ ડે ઉજવવાનો ખાસ રીવાજ નથી. હવે પશ્ચિમની દેખાદેખી ઉજવવા લાગ્યા હોઈએ તો બરોબર છે. અમેરિકામાં ક્રિસમસ પછી સૌથી વધુuntitled-0=9 ઉજવાતો દિવસ મધર્સ ડે છે. મતલબ આપણે ભલે જે માનતા હોઈએ પણ પશ્ચિમના લોકોમાં પણ માતાનું મહત્વ છે. માતા, માતૃત્વ, માતા સાથેનું સામાજિક જોડાણ, અને માતાની સમાજ ઉપર પડતી અસરો વગેરેનું બહુમાન કરવા માટે મધર્સ ડે ઉજવાય છે. અમેરિકનો મધર્સ ડે નિમિત્તે ૨.૬ બિલ્યન ડોલર્સ ફૂલો પાછળ, ૧.૫૩ બિલ્યન ડોલર્સ ગિફ્ટ પાછળ અને ૬૮ મિલયન ડોલર્સ ગ્રેટીંગ કાર્ડ્સ પાછળ વાપરે છે. મધર્સ ડે દિવસે અહી સૌથી મોટો તડાકો રેસ્ટોરન્ટ અને ઝવેરાતની દુકાનોમાં પડતો હોય છે. આ દિવસે રેસ્ટોરન્ટમાં જગ્યા મળવી મુશ્કેલ. હવે આ ઉપર લખ્યા તે ડોલર્સ ને રૂપિયામાં કન્વર્ટ કરો પછી જુઓ અમેરિકનો માતૃદિન પાછળ કેટલા બધા રૂપિયા વાપરે છે?

કુદરતને પણ આપણે માતા જ કહીએ છીએ. મધર નેચર કહીએ છીએ, ફાધર નેચર નથી કહેતા. એક બાળકના સર્જન પાછળ માતાનો રોલ બહુ મોટો અને મહત્વનો છે. આમ જોઈએ તો કુદરત પણ એક મોટા પાયા ઉપર માતા જ છે, એને મહામાતા પણ કહી શકીએ. આફ્રિકાની બોશોન્ગો જાતિમાં યુનિવર્સની ઉત્પત્તિ વિષે એક વાર્તા છે. શરૂઆતમાં ખાલી ગહન અંધકાર, પાણી અને મહાન ભગવાન બમ્બા(BUMBA)જ હતાં. બમ્બાનાં પેટમાં દુખાવો થયો. એમણે ઊલટી કરી. ઊલટીમાં પ્રથમ નીકળ્યો સૂર્ય, એણે થોડું પાણી સૂકવીને રહેવાય તેવી જમીન ખાલી કરી આપી. હજુ દુખાવો ચાલુ હતો. ફરી વોમિટ કરતા ચંદ્ર પેટમાંથી બહાર નીકળ્યો, પછી થોડા પ્રાણીઓ જેવાકે દીપડા, મગર, કાચબા અને ફાઈનલી માણસ બહાર નીકળ્યા. મુલે માણસ આફ્રિકાથી આખી દુનિયામાં ફેલાયો છે તે હકીકત છે અને જ્યાં જાય ત્યાં પોતાની સ્મૃતિઓ જોડે લઈને જ જતો હોય તે સ્વાભાવિક છે. માટે મને થયું અ એમનો બમ્બા આપણો બ્રહ્મા કે અંબા તો નહિ હોય? બમ્બા જોડે અંબાનો અને બ્રહ્મા નો પ્રાસ પણ કેવો સરસ મળે છે? શરૂમાં બધા સમાજો માતૃપ્રધાન હતા. આમ અંબાનું સ્થાન બ્રહ્માએ પચાવી પાડ્યું હોય તેમ પણ બને.

ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પ છીએ. વાર્તાઓ કહેવી અને એ રીતે ઘટનાઓ ને વિવિધતામાં ઢાળવી અને આગળની પેઢીને આમ શિક્ષણ આપવું તે માનવજાતનો એક મહત્વનો ગુણ છે. બચપણમાં અમને રોજ રાત્રે અમારા માતુશ્રી એક વાર્તા કહેતા. રાજા-રાણીની વાર્તાઓ, રાજાનો જીવ પોપટમાં હોય ને પોપટ મરી જાય તો રાજા પણ મરી જાય ને આવી જાતજાતની વાર્તાઓ કહેતા. વાર્તાઓ કહેવી હોય એટલે પાત્રો પણ ઉભા કરવા પડે. વાર્તાઓ કહીને કોઈ વિચાર કે વિચારધારા કે તત્વજ્ઞાનનું શિક્ષણ આપવું હોય ત્યારે એમાં જાતજાતના પાત્રો ઉમેરવા પડે પ્રતીકો ઉભા કરવા પડે, એનું નામ તો ક્રિયેટીવીટી કહેવાય ને? માતૃપ્રધાન બુદ્ધિશાળી સમાજે ભાષાનું બહુ વૈવિધ્ય નહિ હોય કે ભાષા વૈભવ હજુ ઉત્ક્રાંતિ પામ્યો નાં હોય માટે સરસ મજાના પ્રતીકો રચીને એમનું જ્ઞાન આગળ ધપાવવા ટ્રાય કર્યો હોય. આપણા પુરાણો એમાં જ સર્જાયા હોવા જોઈએ. ગ્રીક માયથોલોજી જુઓ એમાં પણ આપણા પુરાણો જેવા પાત્રો છે. મહાન મનોવૈજ્ઞાનિક ફ્રોઈડે એ પાત્રોનો બાખૂબી ઉપયોગ કરેલો છે. અને એ પાત્રો ઉપરથી તેણે આજની મનોવૈજ્ઞાનિક ગ્રંથીઓ, કોમ્પ્લેક્સ, બીમારીઓ કે સ્થિતિઓને નામ પણ આપેલા છે. નાર્સીસ્ટ એનું ઉત્તમ ઉદાહરણ છે.

આમ માતૃપ્રધાન પ્રાચીન ભારતીય સમાજોએ કુદરતને જ એક મહાન માતા સમજી એના વિવિધરૂપ વર્ણવતા પ્રતીકો રચેલા છે જેને ભારતીય વિચારધારામાં દસ મહાદેવીઓ કહી છે. મોટાભાગે લોકો અંબા, દુર્ગા, મહાકાલી, ભવાની જેવી અમુક માતાઓને જ જાણતા હોય છે. નવી નવી માતાઓ પેદા કરતા હોઈએ છીએ. આપણે પ્રતીકો પકડીને બેસી જઈએ છીએ. રોડ રસ્તા ખૂણે ખાંચરે બધે પ્રતીકો સ્થાપીને ભજનિયા ગાવા બેસી જઈએ છીએ. એ પ્રાચીન સમયમાં ગણિતના ભારેખમ સમીકરણો હતા નહિ. આર્યભટ્ટ અને વરાહમિહિર બહુ પાછળથી થયા. માતૃપ્રધાન સમાજોએ સુંદર અને ભયાનક વાસ્તવિકતા દર્શાવતા પ્રતીકો રચ્યા હતા. દસ મહાદેવીઓ કઈ છે તે આજે કહું અને ઘણાને એમના નામ પણ નવા લાગશે. દસે મહાદેવીઓ પાર્વતીના રૂપ છે તે યાદ્ક રાખજો. માતા એક છે મધર નેચર એક જ છે પણ એના રૂપ વિવિધ છે. આ દસ મહાદેવીઓ છે,

૧)કાલી–અનંત રાત્રી ૨)તારા-દયાની દેવી ૩)ષોડશી-૧૬ વર્ષની સુંદર માતા ૪)ભુવનેશ્વરી-જગત રચયિતા ૫)છિન્નમસ્તા(છિન્નમસ્તીકા)-પોતાનું મસ્તક ઉતારનાર ૬)ભૈરવી-રીસાયકલ ૭)ધુમાવતી-વિધવા ૮)બગલામુખી-મૌનનું મહત્વ ૯)માતંગી-નિમ્ન વર્ગ અને વસ્તુમાં પણ બ્રહ્મ છે. ૧૦)કમલા-પાલનહાર.

૧) કાલી એ અનંત રાત્રી છે. રાત્રી ના હોય તો??  પશુ, પક્ષી, જીવ જંતુ અને માનવ બધા રાત્રે પોતાના માળામાં પાછાં ફરી તરોતાજા  થઈ સવારે સર્વાઈવલનાં યુધ્ધે ચડવા તૈયાર. રાત્રી સુખદાયી છે, ફળદાયી છે.  રાત્રે શરીરના ઘસાયેલા કોષ નવું સ્વરૂપ ધારણ કરે છે. અંધકાર શાશ્વત છે, પ્રકાશ નહિ.

૨) તારા દયાળુ છે. શિવજીએ ઝેર પીધું તો પોતાનું દૂધ પિવડાવી બચાવી લીધા એવી વાર્તા છે. ભગવાનને પણ માતૃશક્તિ જોઈએ. બાળક જન્મે ત્યારે માતાનું પહેલું કામ એને દૂધ પીવડાવી ઊર્જા આપવાનું હોય છે. પ્રાચીન સમાજો થી માંડીને હમણા મારી પેઢી સુધી બાળકને ચારપાંચ વર્ષ સુધી ધવડાવતા. માનું દૂધ ખાલી દૂધ નથી હોતું એમાં કુદરતી એન્ટાયબાયોટીક્સ પણ હોય છે. બાળક હજુ હમણા જન્મ્યું છે એના શરીરમાં હજુ ઈમ્યુન સિસ્ટમ વિકસતા થોડી વાર લાગશે. રોગપ્રતિકારક શક્તિ વિકસતા થોડીવાર લાગશે. માટે ઝેરી જીવાણું સામે લડવા તારા માતૃશક્તિ દૂધ પીવડાવી વહારે ધાશે.

૩) ષોડશી ૧૬ વર્ષની સુંદર માતા છે.  સોળ વર્ષે સ્ત્રી સંપૂર્ણ સુંદર હોય. અમાસથી સોળ દીવસે ચન્દ્ર્મા પૂર્ણ રૂપ ધારણ કરે છે. The age of consent કેનેડામાં ૧૬ વર્ષ છે, અમેરિકામાં જુદા જુદા રાજ્યોમાં ૧૬ થી ૧૮ વર્ષ વચ્ચે નક્કી કરેલી છે, ભારતમાં ૨૦૧૨ સુધી ૧૬ વર્ષ હતી હવે ૧૮ વર્ષ છે. ષોડશી ત્રણે ભૂવનમા સૌથી સુંદર ત્રિપુરા સુંદરી છે. ષોડશીની ક્રુપા અને શક્તિ વડે સુર્યે ત્રણ ભુવન રચ્યા. દુનિયાની રચના કરી એ બની ભુવનેશ્વરી.

૪) ત્રણ ભુવન રચનારી ભુવનેશ્વરીનું સ્થાન પુરુષપ્રધાન સમાજ આવતા બ્રહ્માએ પડાવી લીધું ને ભુવન રચયિતા તરીકે જાણીતા થઈ ગયા. ભુવનેશ્વરી જગતની સુંદરતમ માતા છે.

૫) માતા પાર્વતી એકવાર સ્નાન કરવા જતા હોય છે. એમની બે દાસીઓ જયા અને વિજયા ભૂખી થાય છે. માતા પોતાનું જ મસ્તક ઉતારી ને હાથમાં લઈ લે છે. ધડમાંથી ત્રણ ધારા લોહીની થાય છે. એક જયાના, બીજી વિજયના અને ત્રીજી માતાના પોતાના હાથમાં પકડી રાખેલા મુખમાં પડે છે. આ થઈ માતા છિન્નમસ્તા(છિન્નમસ્તીકા). કમળ ઉપર એક યુવાન સ્ત્રી અને પુરુષની જોડી મૈથુનમાં રત છે, એની ઉપર માતા છિન્નમસ્તા બેઠી છે. કામ(સેક્સ) ઊર્જા છે. કામ શક્તિ છે. નવજીવન અને નવસર્જન, એકનું મ્રુત્યુ બીજાનું જીવન છે. એકની ખતમ થઈ રહેલી જીવન  ઊર્જા બીજાનું જીવન બની શકે છે. છિન્નમસ્તાનું પ્રતીક ભયાનક છે, પણ ખૂબ સમજ માગી લે તેવું છે. છિન્નમસ્તા વાસ્તવીકતાની મૂર્તિ છે.કામ(સેક્સ), મૃત્યુ, સર્જન, વિસર્જન, નવસર્જનનુ પ્રતીક છિન્નમસ્તા છે.imagesFDNYF7S6

૬) માતા કાલીનું વિધ્વંસાત્મક રૂપ ભૈરવી, નકરાત્મક લાગણીઓનું પ્રતીક છે. ક્રોધ, ઈર્ષ્યા, નપુંસકતા, સ્વાર્થ બધે ભૈરવી હાજર છે. સર્જન અને વિસર્જન બન્ને એકબીજા પર આધારિત છે. ભૈરવી સર્વવ્યાપી છે. પ્રલયની દેવી ભૈરવી મૃત્યુ તરફ ધસી રહેલા જીવનમાં સદા હાજર છે.

૭) ધુમાવતી કદ્રૂપી, ક્રોધન્વિત, અસ્વચ્છ, ગંદા વસ્રોમાં સજ્જ છે. શીવ પત્ની સતી એક્વાર ખૂબ ભુખ્યા થયા. શીવ પાસે ભોજન માગ્યું. શીવે ઇન્કાર કર્યો તો સતી પોતે પતીને જ ગળી ગયા ને જાતેજ વિધવા બન્યા. સદાય તરસ્યા અને ભુખ્યા ધુમાવતી કદી ત્રુપ્ત ના થતી ઇચ્છાઓનું પ્રતીક છે.

૮) વાક્સિદ્ધિ મેળવેલ દાનવની જીભને પકડી રાખનાર બગલામુખી જે સ્વાદ અને બોલવાની શકિત ધરાવનાર જીભ પર કાબૂ રાખવાનું પ્રતીક માત્ર છે.

૯) ચાંડાલની પુત્રી રુપે ભગવાન શિવ સાથે પ્રેમમાં ઊતરનાર પાર્વતીને નામ મળ્યું ઉચ્છિષ્ઠા માતંગી. દેવીએ વધેલો એંઠો ઉચ્છીષ્ઠ ખોરાક ગ્રહણ કરેલો. કોઈનું એઠું કોઈનો ખોરાક બને છે. પછાત કોમો રોજ સાંજે માંગી ને ખાતી હતી. ચાંડાલ એટલે સાવ છેવાડાની જાતી. દેવી એના પુત્રી બન્યા, એવું રૂપ ધારણ કર્યું. પરમેશ્વરી માટે કોઈ નીચું નથી, કોઈ ઉન્ચુ નથી. કોઈ શૂદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી. કોઈ જાતી જ નથી. ખાલી બધા માનવો છે. પરમેશ્વરી માટે એક જંતુ અને માનવ પણ સરખાં મહત્વના છે.

૧૦) કમલા એ લક્ષ્મીનું રૂપ છે. વૈભવ, ફળદ્રુપતા અને ભાગ્યની આ દેવી સૌથી વધારે પ્રચલિત છે. પણ પાછળથી આ દેવીને વિષ્ણુની પત્ની બનાવી દીધી લાગે છે. સર્વાઈવલ થવા માટે આ દુનિયામાં ધન-વૈભવની બહુ મોટી જરૂર પડતી હોય છે. નવું વર્ષ એટલે દિવાળી લક્ષ્મીનો તહેવાર છે, કમલાનો તહેવાર. પણ આપણે શું કર્યું? પ્રદૂષણનો તહેવાર બનાવી બેઠાં છીએ. દરેક દેવી પાસેથી લગભગ સર્જન, પાલન અને વિસર્જનનો સંદેશ મળે છે. મોટાભાગની દેવી પુરુષ પર વિરાજમાન છે. અમુક દેવીઓ મૈથુન મગ્ન જોડી ઉપર વિરાજમાન છે.

આ બધા પ્રકૃતિમાતાના વિવિધ રૂપ છે, વિવિધ સ્વભાવ છે. પ્રકૃતિ ક્યારેક દયાળુ લાગે છે અને ક્યારેક ડીઝાસ્ટર આવે ત્યારે ક્રૂર લાગે છે પણ પ્રકૃતિ નાં તો દયાળુ છે નાં તો ક્રૂર, એ એનું કામ કરે જાય છે. આ સુંદર પ્રતીકોને સમજવાના છે. એમની પાછળ અંધ બની એમને પકડી રાખી એમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી. મહાકાલીનાં ભક્ત ઠગોએ ભારતમાં એક સમયે આતંક ફેલાવી દીધેલો. પીળા રૂમાલની રેશમી ગાંઠે અસંખ્ય લોકોના પ્રાણ  હરી લીધા. તમામ હત્યાઓ મહાકાલીને અર્પણ ગણાતી. અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં. એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખાય છે.  આ બધી ચિત્ર ભાષા છે. યુગે યુગે ભગવાન બદલાઈ જતા હોય છે. પહેલા આ દેવીઓની પૂંજા થતી હતી. પછી વૈદિક ધર્મ આવ્યો. વાવાઝોડા અને નેચરલ ડીઝાસ્ટરનાં દેવો આવ્યા, જેવાકે ઇન્દ્ર, વરુણ. હવે બ્રહ્માને કોઈ પુછતુ નથી. પુષ્કરમાં એકજ મંદિર છે. સૂર્યના મંદિર પણ ખાસ હોતા નથી. મોઢેરામાં અને વડોદરામાં સુર્યનારાયણ બાગમાં સૂર્ય મંદિર છે.

જો તમે સમજતા હો કે મહાકાલી કોઈ જગ્યાએ ગાળામાં નરમુંડ ની માળા લટકાવીને ફરતી હશે તો ભૂલમાં છો. જો તમે સમજતા હો કે બગલામુખીના કોઈ ઠગ ભક્તે રચેલા મંત્રો બોલી બોલીને હું સિદ્ધિઓ મેળવી લઈશ તો તમે ભૂલમાં છો.

આજે માતૃદીને પ્રકૃતિના માતા તરીકેના વિવિધ રૂપને માણો, પોતાની માતામાં સમગ્ર પ્રકૃતિની અનુભૂતિ કરો. અને છેવટે પોતાની માતાને લઈને મસ્ત મજાનું ભોજન કરાવી આવો. એક દિવસ તો એને રસોડામાંથી મુક્તિ આપો.

બિનસાંપ્રદાયિક માનવતાવાદનાં બુદ્ધિગમ્ય મૂળિયાં,. ચાર્વાક થી……….

George Jacob Holyoake
George Jacob Holyoake

બિનસાંપ્રદાયિક માનવતાવાદનાં બુદ્ધિગમ્ય મૂળિયાં, ચાર્વાક થી………..

શરુ કરીએ રેશનાલીઝમ થી.. રેશનાલીઝમ ને આપણે વીવેકપંથ કહીએ છીએ. રેશનલ વિચારધારા મતલબ કોઈ વાત કે વાદ ને એમજ માની લેવું અયોગ્ય  છે. કાર્ય અને કારણનો કોઈ સંબંધ હોવો જોઈએ. જ્ઞાન બુદ્ધિગમ્ય હોવું જોઈએ.  એની પાછળ કોઈ રીજન કોઈ કારણ હોવું જોઈએ એને બુદ્ધિ અને તર્ક વડે ચકાસવું જોઈએ. પછી યોગ્ય લાગે તો માનવું બાકી માનવું નહિ આવો સાદો અર્થ વિવેકવાદનો કરી શકાય. જોકે આમ  જોઈએ તો કોઈ વાદ કે વિચારધારા કે દર્શન પોતાનામાં પરિપૂર્ણ હોતા નથી. એમાંથી પછી નવી વિચારધારા પેદા થતી હોય છે.  In philosophy , rationality is the exercise of reason.

 ઍથિઈઝમ એક માન્યતા છે કે ભાઈ ઈશ્વર છે જ નહિ. જ્યારે રેશનાલીઝમ સબ્જેક્ટિવ છે. કાલે કોઈ સોલીડ પુરાવા આપે તો માની પણ લેવાય કે ઈશ્વરભાઈ ભગવાનભાઈ છે. સમયે સમયે વ્યાખ્યાઓ બદલાતી જતી હોય છે, જેમ કે આજે નાસ્તિક આસ્તિકની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જોકે આવા બીજા અનેક વાદ કે વિચારધારાઓ છે જે લગભગ એકબીજા સાથે નજીવા ભેદે પણ સાથે સાથે ચાલતા હોય છે. શક્ય છે કે જુના રેશનાલીસ્ટો ભગવાનમાં અને ધર્મોમાં માનતા પણ હોઈ શકે.  રેશનાલીઝમ તર્ક અને ગણિત સાથે જોડાયેલું હતું.

Rene Descartes ( ૧૫૯૬-૧૬૫૦) કહેતો કે સપના આવે છે તે સત્ય લાગતા હોય છે અને ઘણી વાર ચિતભ્રમ દશામાં ઘણાને આભાસી દ્રશ્યો પણ સત્ય દેખાતા હોય છે. આમ ઇન્દ્રિયો વડે થતી અનુભૂતિ પણ શંકાજનક હોય છે. Baruch Spinoza (૧૬૩૨-૧૬૭૭),Gottfried Leibniz (૧૬૪૬-૧૭૧૬૦) આ ત્રણે મહાન રેશનાલીસ્ટ ગણિતશાસ્ત્રી હતા. Immanuel Kant ( ૧૭૨૪-૧૮૦૪) ટ્રેડિશનલ રેશનાલીઝમની શરૂઆત કરનારા હતા.

રેશનાલીઝમની સાથે સાથે મુસાફરી કરનારો એક વાદ છે Empiricism. અહીં અનુભવજન્ય જ્ઞાનને મહત્વ આપવામાં આવે છે. અવલોકન, પ્રયોગો, વૈજ્ઞાનિક મેથડ, પુરાવા બધું સોલીડ હોવું જોઈએ. રેશનાલીઝમની જેમ ખાલી રીજન શોધીને બેસી રહેવાનું નથી, પ્રત્યક્ષ પ્રમાણ જોઈએ. John Locke બ્રિટીશ એમ્પીરીસિઝમના મહાન તત્વજ્ઞાની હતા. જ્ઞાન ફક્ત સિદ્ધાંતો પર આધારિત નહિ પણ પ્રયોગમૂલક હોવું જોઈએ તે એમ્પિરિસિઝમનો મહત્વનો સિદ્ધાંત છે. સંશયવાદ Skepticism પણ આ બધા વાદ સાથે ચાલનારો વાદ છે. રેશનાલીઝમમાં ૧૦૦ માંથી ૩૫ માર્ક્સ આવે તો પાસ થઈ જવાય પણ સ્કેપ્ટીસિસમમાં ૧૦૦ માંથી ૧૦૦ જ લાવવા પડે. એક પણ માર્ક ઓછો પડે તો નાપાસ. David Hume (૧૭૧૧-૧૭૭૬)  એમના empiricism અને skepticism માટે ખૂબ જાણીતા હતા. આમ skepticism વિજ્ઞાન પર બહુ મોટો આધાર રાખે છે. અરે વિજ્ઞાન ઉપર પણ સંશય કરવો એમાંથી પણ નકલી વિજ્ઞાન જુદું પાડવું જેને સ્યુડો સાયન્સ કહેવાય. આમ કહેવાતી વૈજ્ઞાનિક વાતો પર પણ સંશય કરે તેવો આ વાદ છે. Skepticism નાં મૂળિયા ચાર્વાક સ્કૂલમાં રહેલા છે. અનેકાંતવાદ પણ આવો જ એક જબરદસ્ત વૈજ્ઞાનિકવાદ હતો કે એક સત્ય જુદા જુદા અનેક પોઇન્ટ ઑફ વ્યુથી જોઈ શકાય છે. દરેકના સત્ય જુદા જુદા હોય છે. એબ્સોલ્યુટ ટ્રુથ જેવું કશું હોતું નથી, non-absolutism.

Innatism ઇન્નેટીસમ  વળી માને છે કે જન્મ સમયે આપણું મન કોઈ કોરી સ્લેટ નથી. આને સહજવાદ કે સહજ પ્રત્યયવાદ પણ કહેવાય છે. આ વાદનું આધુનિક રૂપ છે Nativism નેટિવિઝમ. આને પ્રકૃતિવાદ પણ કહી શકાય. હું જે હ્યુમન નેચર વિષે અને ઈવોલ્યુશનરી સાયકોલોજી વિષે લખું છે તે બધું આ પ્રકૃતિવાદમાં આવી જાય કે આપણાં જિન્સમાં આપણે ઘણું બધું જ્ઞાન જન્મ સાથે લેતા આવીએ છીએ. હમણાં હું કાંગારું વિષે પ્રોગ્રામ જોતો હતો. કાંગારું અવિકસિત બચ્ચાને જન્મ આપે છે એકાદ વેંતનું પણ નાં હોય તેવું આ બચ્ચું જન્મી ને તરત કાંગારુંનાં પેટે રહેલી કોથળી તરફ પ્રયાણ કરે છે. એને કોણે શિખવાડ્યું કે કોણે બતાવ્યું કે ત્યાં કોથળી છે?

આમ લગભગ બધા વાદ કે વિચારધારાઓ કે દર્શન સંપૂર્ણ લાગતા નથી. ક્યાંક ને ક્યાંક ત્રૂટીઓ જણાય છે. Atheism માને છે કે કોઈ ભગવાન કે દેવ કે સુપર નેચરલ પાવર જેવું હોતું નથી. તો Agnosticism માને કે અમુક વસ્તુઓના જવાબ હોતા નથી, નરો વા કુંજ રો વા જેવું.

untitled-=-Richard Dawkins જેવા હાલના ગ્રેટ ડાર્વિનવાદી હવે Secular Humanism ની તરફેણ કરવા લાગ્યા છે, તો ચાલો હવે સેક્યુલરિઝમ વિષે થોડું જાણીએ. સેક્યુલર કે સેક્યુલરિઝમ નો સીધો સાદો અર્થ એવો કરી શકાય કે ગવર્નમેન્ટ કે સંસ્થાઓ કે એના દ્વારા અપાતા અધિકૃત આદેશોને ધાર્મિક સંસ્થાઓ કે ધર્માધિકારીઓ થી અલગ રાખવા. ટૂંકમાં કહીએ તો સરકાર કે સંસ્થાઓનાં વહીવટમાં ધર્મો અને ધર્માધિકારીઓની દખલ જોઈએ નહિ. આને ગુજરાતીમાં બિનસાંપ્રદાયિક કહેતા હોઈએ છીએ. એક એવો અર્થ પણ થાય કે ધર્મો કે ધાર્મિક માન્યતાઓ કે આદેશો થી મુક્ત. એવું પણ કહી શકાય કે જાહેર પ્રવૃત્તિઓ અને નિર્ણયો ખાસ તો રાજકીય, આ બધું ધાર્મિક માન્યતાઓ અને પ્રેકટીશ ની અસર કે પ્રભાવ વગરનું હોય.

સેક્યુલરિઝમનાં બુદ્ધિગમ્ય મુળિયા   Marcus Aureliusઅને  Epicurus જેવા ગ્રીક અને રોમન ફિલોસોફર Denis Diderot, Voltaire, Baruch Spinoza, John Locke, James Madison, Thomas Jefferson, અને  Thomas Paine જેવા વિચારકોમાં અને આધુનિક  freethinkersઅને  atheists એવા  Robert Ingersollઅને  Bertrand Russell વગેરેમાં જોવા મળે છે. સેક્યુલરિઝમ ને ટ્રેડીશનલ ધાર્મિક મૂલ્યો થી દૂર આધુનિકતા તરફ ગતિ કરતી એક ચળવળ પણ ગણવામાં આવે છે. બ્રિટીશ રાઈટર George Jacob Holyoake એ પહેલીવાર ૧૮૫૧મા સેક્યુલરિઝમ શબ્દ ઉછાળ્યો હતો. પોતે agnostic હતો અને ધાર્મિક માન્યતાઓનું ખંડન કર્યા વગર સામાજિક નિર્દેશો ધર્મોયુક્ત નાં હોવા જોઈએ તેવું માનતો હતો. એ કહેતો કે સેક્યુલરિઝમ એ સ્વતંત્ર વિચારધારા છે, કોઈ ક્રીશ્ચિયાનીટી વિરુદ્ધની ગરમગરમ ચર્ચા નથી.

સેક્યુલર સ્ટેટ(રાજ્ય, દેશ) મતલબ ધર્મ અને ચર્ચ થી મુક્તિ. આપણે ધર્મ કે મંદિર થી મુક્ત કહી શકીએ. ચર્ચ કે મંદિર કે મસ્જિદ શબ્દને ધાર્મિક માન્યતાઓ કે આદેશો તરીકે સમજવો. ધાર્મિક પવિત્ર ગ્રંથોમાં જે કાનૂન દર્શાવ્યા હોય જેવા કે Torah અને Sharia તેનાથી અલગ, સરકાર પોતાના કાનૂન ઘડે. ગરબડ એ છે કે દરેકની પોતાની વ્યાખ્યાઓ આવા શબ્દોમાં ઉમેરાતી હોય છે. લોકશાહીમાં ધાર્મિક લઘુમતીઓના હકોનું રક્ષણ કરવું જોઈએ તેવો પણ એક મત હોય છે.

અહી સેક્યુલરિઝમ ગૂંચવાઈ જાય છે. ધાર્મિક લઘુમતીઓને એમના સ્ક્રિપ્ચર પ્રમાણે કાનૂન અને ફાયદા જોઈતા હોય છે. હવે લોકશાહી તરીકે એમને સંતોષ આપવા જાવ તો બીજા લોકોને મનદુઃખ થવાનું જ છે. ભારતમાં એવું જ થાય છે. ભારતના મુસ્લિમોનો દંભ જુઓ એમને ફાયદા શરિયત મુજબ જોઈએ છે પણ સજાઓ ભારતીય કાયદા મુજબ જોઈતી હોય છે. મુસલમાન ચોરી કરે તો શરીયત મુજબ હાથ કાપી નાખો કે વ્યભિચાર કરે તો મારી નાખો અને બીજા ભારતીયોને આ લાગુ પડે નહિ. તો હાલ મુસલમાન શરીયત મુજબ ચાલવાનું ના પાડી દેશે. એમને ફાયદા શરિઆ મુજબ જોઈએ છે સજાઓ નહિ.

સેક્યુલરિઝમમાં ધર્મોનું અપમાન કરવાનો ઈરાદો હોતો નથી, એમાં ફક્ત ધર્મોની ઉપેક્ષા છે. કારણ તમે બધા ધર્મોના પવિત્ર પુસ્તકોમાં લખેલા કાયદા કાનૂન પાળી સરકારો ચલાવી શકો નહિ. કારણ દરેક ધર્મની માન્યતાઓ અને એમાં લખેલા કાયદા કાનૂન અલગ અલગ હોય છે. અમેરિકામાં વસાહતીઓ આવેલા એનું એક ફન્ડામેન્ટલ કારણ દરેક ને જે તે ધર્મ પાળવાની છૂટ મળે તે હતું. અમેરિકન બંધારણમાં કોઈ પણ ધર્મ પાળવાની અને કોઈ પણ ધર્મ નાં પાળવો હોય તો તેમ કરવાનો મૂળભૂત હક છે. પણ ત્યાં કાયદો અમેરિકન સરકારનો પાળવો પડે છે ધર્મ ગ્રંથોમાં લખેલા કાયદા નહિ. અહી તો ફોર્મ ભરો તેમાં હિંદુ ધર્મ કે મુસ્લિમ ધર્મ લખવાની પણ છૂટ છે. ન્યુ જર્સીના પાર્લિનમાં વોશિંગટન રોડ પર આવેલા દ્વારકાધિશ મંદિરમાં કોઈ ઉત્સવ હોય ત્યારે પોલીસ ખડેપગે ટ્રાફિક અને જનતાની સલામતીની જવાબદારી સંભાળે છે. છતાં ધર્મેન્દ્ર અને હેમા મુસ્લિમ બની અહી ફરી લગ્ન કરી શકે નહિ, એ પહેલા ધર્મેન્દ્ર એ ડિવોર્સ લેવા પડે. આમ જોઈએ તો ભારતદેશ  લોકશાહી ખરો પણ સેક્યુલર ના કહેવાય

ઉપર વર્ણવ્યા તે બધા વાદ વિષે જુદા જુદા કલ્ચરમાં ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ થતી હોય છે. દરેકનું પાછું પોતાનું રેશનાલીઝમ અને સેક્યુલરિઝમ હોય છે. ગુજરાતી રેશનાલીસ્ટ ને માંસાહાર કરવામાં કોઈ રેશનાલીઝમ નહિ દેખાય. પણ અમેરિકન રેશનાલીસ્ટ આરામથી ગાયનું માંસ શુધ્ધા ખાશે. આમ તો ખાવાપીવાનું સેક્યુલર કહેવાય એમાં ધર્મોના આદેશની જરૂર નથી હોતી. પણ આજે અગિયારસ છે, ઉપવાસ છે પણ બટેટાનું શાક ખવાય કારણ ધાર્મિક નિર્દેશ છે તો પછી ખાવાનું સેક્યુલર રહ્યું નહિ. હવે આ જ બટેટા જૈન ધર્મમાં ઉપવાસ તો ઠીક રોજીંદા ખોરાકમાં પણ વર્જ્ય છે. બટેટા ખાવા સેક્યુલર ગતિવિધિ છે પણ ઉપવાસ હોય તો પણ ખવાય અથવા તો કદી ખવાય જ  નહિ તેવા ધાર્મિક નિર્દેશ તેને સેક્યુલર રહેવા દેતા નથી. ટૂંકમાં ધર્મના દિવેલ વડે જ દીવા બાળી એના પ્રકાશ વડે પગદંડીઓ શોધવાની જરૂર નથી. બીજા તેલ પણ બજારમાં મળે છે અને હવે તો સરસ બેટરીઓ પણ મળે છે.

ફ્રેંચ રેવલૂશન દરમ્યાન અને ત્યાર પછી તરત જર્મનીમાં સુપરનેચરલ અને કોઈ અદ્રશ્ય સત્તાને ધ્યાનમાં લીધા વગર ફક્ત માનવજાતને ધ્યાનમાં રાખી નૈતિકતાની ફિલોસફીનાં સંદર્ભમાં Humanism (માનવતાવાદ) શબ્દ વપરાવા લાગ્યો હતો. આની સીધીસાદી વ્યાખ્યા જોઈએ તો ઇશ્વર કે કુદરત નહિ, પણે માનવ(નું હિત) જ સર્વોપરી છે એમ માનનાર વિચારસરણી, માનવતાવાદ, સાહિત્ય અને સંસ્કૃતિનું પુનર્જીવન, માણસની જરૂરિયાતો પર ભાર મૂકીને માણસને લગતા સવાલો બૌદ્ધિક માર્ગે ઉકેલવાનો સિદ્ધાન્ત એટલે માનવતાવાદ. ધાર્મિક માનવતાવાદમાં કોઈ ધાર્મિક ગ્રુપ માનવોની જરૂરિયાતો તરફ વધુ ધ્યાન આપે, તકલીફોમાં એમની સેવા પહેલી કરે. ઘણા ધાર્મિક સમૂહો કે સંસ્થાઓ ડીઝાસ્ટર વખતે સેવા કરવા દોડી જતા હોય છે. ખ્રિસ્તી મિશનરી પ્રવુત્તિ નો મુખ્ય હેતુ માનવસેવા હોય છે. પછી એની પાછળ પોતાના ધર્મને ફેલાવવાનો હેતુ છુપાયેલો હોય છે. કારણ એકવાર તમને તકલીફમાંથી બચાવ્યા હોય એટલે તમે એમના ઉપકાર હેઠળ દબાઈ જવાના અને ધીમે ધીમે તે ધાર્મિક સંસ્થામાં જોડાઈ જવા મનેકમને મજબૂર થઈ જાવ તેવું પણ બને. ધાર્મિક સંસ્થાઓના સેવા કાર્યો જેવા કે એમની હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, મફત ભોજન પુરા પાડવા બધું આડકતરી રીતે એમના ધર્મના ફેલાવવા માટે વધુ હોય છે. ઘેટાને વાડામાં પુરવા થોડો ચારો નાખી લલચાવવું પડે. એક હાથે આપો પછી ચાર હાથે લુંટવાનું મળવાનું જ છે. જો કે બધી સંસ્થાઓ આવું કરે તેવું પણ નથી. ઘણી ધાર્મિક સંસ્થાઓ નિસ્વાર્થભાવે માનવસેવા કરતી હોય છે.

માનવને કેન્દ્રમાં રાખી સુપરનેચરલ સત્તાને અવગણી અંગ્રેજીમાં જેને   Human-centered philosophy કહીએ તેના સૌથી જુના ઉલ્લેખ ચાર્વાક અથવા લોકાયત સિસ્ટમમાં છે. આસ્તિકો માનતા હોય છે કે ધર્મ, પાપ-પુણ્ય, સ્વર્ગ-નરક જેવી માન્યતાઓ, ભગવાન કે ભગવાનનો ડર વગેરે વગેરે માનવજાતને નૈતિક બનાવી રાખતો હોય છે. ઘણા કહેતા હોય છે ધર્મ નાં હોય તો પૃથ્વી રસાતાળ જાય. આમ માનવજાતને નૈતિક બનાવી રાખવા ધર્મના સહારે તમામ અનૈતિકતાઓ આચરતા હોય છે. એટલે બધા ધર્મોમાં આદર્શોની મહાન વાતો હોય છે ખરી પણ અમારો ધર્મ પાળો તો જ નૈતિક બની શકો તે હઠાગ્રહને લીધે સૌથી વધુ હત્યાઓ ધર્મના નામે થઈ છે.imagesKHLY2AAI

બીજું ધર્મોમાં નાં માનતા નાસ્તિકો પણ ક્રૂર બની શકતા હોય છે. એમની નાસ્તિકતા એમનો ધર્મ બની જતી હોય છે અને તે નાસ્તિકતા નામનો નવો ધર્મ ફેલાવવાની લાહ્યમાં માનવજાતનું નિકંદન કાઢી નાખવા તત્પર બની જતા હોય છે. એના ઉત્તમ ઉદાહરણ માઓ, માઓવાદી અને રશિયન સામ્યવાદ અને તેમનો militant ઍથિઈઝમ છે. ચીન અને રશિયન નાસ્તિક સરકારોએ પાયાના હ્યુમન રાઈટ્સનું હનન કરેલું છે તેવું ઘણા માને છે. માટે અહી સેક્યુલર માનવતાવાદ આ બધાથી જુદો પડે છે. સુપરનેચરલીઝમ, સુપરસ્ટીશન, સ્યુડોસાયન્સ બધાને દૂર રાખી ને પણ માનવ જાતની સેવા કરી માનવને નૈતિક બનાવી શકાય છે. માનવ ધર્મ અને ભગવાનની સહાય વગર નૈતિક બનવા કેપેબલ છે તેવું આ સેક્યુલર માનવતાવાદીઓ માનતા હોય છે. એથિઈસ્ટ કે અગ્નૉસ્ટિક માનવતાવાદી હોય તે સારી વાત છે પણ માનવતાવાદી હોય જ તે જરૂરી નથી. અને ધાર્મિક સંગઠનો પણ માનવતાવાદી કામો કરતી હોય છે, પણ એમાં ધર્મના બહાને શોષણ થવાનો ભય હોય છે, માટે સેક્યુલર માનવતાવાદ ઉભો થયો છે જેમાં ઍથિઈઝમ ની સંભવિત ક્રૂરતા અને ધર્મના સંભવિત શોષણ વગેરે થી દૂર રહી શકાય.   

આ પુસ્તક “માનવ મન એક ચક્રવ્યૂહ” કેમ વાંચવું જોઈએ?

scan0001bookઆ પુસ્તક “માનવ મન એક ચક્રવ્યૂહ” કેમ વાંચવું જોઈએ?

પ્યારા મિત્રો,

તમે ગીતા વાંચી છે? સુખદુઃખ માં સમભાવ રાખવો તેવું એમાં લખ્યું છે પણ આપણે રાખી શકતા નથી. નરસૈયો કહે છે સુખદુઃખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા. આના વિષે જાત જાતની ફીલોસફી આપણા તત્વજ્ઞાનીઓ સમજાવે છે પણ કોઈ ફરક પડતો નથી. સુખદુઃખ પાછળ કોઈ ફીલોસફીને બદલે એની પાછળ બાયોલોજી હોય તેવું તમે માની શકો છો? એની પાછળ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે તેવું તમે માની શકો છો? અરે એની પાછળ ન્યુઅરોસાયંસ છે તેવું તમે માની શકો છો? નથી માની શકતા ને? તો આ પુસ્તક તમારે જરૂર વાંચવું જોઈએ. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવીએ એટલે દુઃખની લાગણી પેદા થાય અને સર્વાઈવલને સપોર્ટ કરતુ કશું પણ બને તરત હર્ષની લાગણી ઉદભવે અને તેના માટે મગજમાંથી સ્ત્રવતા રસાયણો જવાબદાર હોય છે તેની સરળ વિગત અને સમજુતી વાંચવી હોય તો આ પુસ્તકના પાનાં ઉકેલવા પડે.

બિલ ક્લિન્ટન આટલો બધો પ્રતિષ્ઠિત માણસ એક મહાન દેશનો સર્વોચ્ચ વડો એની એક કારકુન સાથે મળીને એની તમામ પ્રતિષ્ઠા ધૂળમાં મેળવવા શા માટે મજબૂર બન્યો? અર્નોલ્ડ કેલીફોર્નીયા જેવા માતબર સ્ટેટના ગવર્નર હોલીવુડના આકાશમાં સદૈવ ઝગમગતા તેજ સિતારા લાંબુ લગ્નજીવન ભાગી પડે તેટલી હદે ઘરમાં કામ કરતી મહિલામાં કેમ ફસાયા? કોઈ પ્રતિષ્ઠિત કરોડપતિની દીકરી કહેવાતા મવાલી જોડે ભાગી જાય છે ત્યારે આખા સમાજને આંચકો લાગે છે. કોઈ મહારાજાની દીકરી એના ડ્રાઈવર જોડે લગ્ન કરી લે છે ત્યારે લોકોને બહુ મોટો આઘાત લાગતો હોય છે. આવું તો ઘણું બધું આપણને સમજાતું નથી. તે સમજવા અને ઉત્ક્રાન્તિના ફોર્સ તમને કેવી રીતે ખેંચી જાય છે તે સમજવું હોય તો આ પુસ્તક ખોલવું પડે.

 માનવસમાજ પૉલીગમસ હતો, બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનૉગમસ બની ચૂક્યો છે,  ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય. લગ્નવ્યવસ્થાને લીધે સ્ત્રી પાસે કોઈ ચૉઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઇવલૂશનરી ફૉર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ દબાણ કરી રહ્યો છે. ચેતો ભાઈ, બચો !! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કૉપિ પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જેનિસમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે, હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા  આકર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઇવલૂશનની હિસ્ટરીમાં સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ અવિશ્વાસ રાખવાનું હવે મનૉગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રામિસ્ક્યૂઅસ છે, સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ બધા ઇવલૂશનરી ફૉર્સ સમજી લેવાય તો કજિયાકંકાસ,  મારઝૂડ અને ઝગડાથી બચી શકાય. જે પુરુષોમાં ટૅસ્ટાસ્ટરોન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય.

કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા, સુખ, દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફૉર્સ સમજીએ તો એના દુષ્પરિણામો નિવારી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે. એના ચડાવ ઉતાર સમજી શકીએ તો ડિપ્રેશન દુર ભાગે. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું છે ભલે તેઓ આધુનિક ન્યુઅરો સાયન્સ અને બાયોલોજિથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને એક રીતે રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો.. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાંન્તિના ક્રમમાં જીનમાં મળ્યા છે તે હાલની સમાજ વ્યવસ્થા માટે કોઈ વાર જોખમી બની જતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય.

હ્યુમન બિહેવ્યર પાછળની સાયકોલોજી વિષે તો આધુનિક મનોવૈજ્ઞાનિકો અને સાયકાયટ્રીસ્ટ લખતા જ હોય છે પણ આ બધાની પાછળની બાયોલોજી વિષે આ પુસ્તકમાં ઘણું લખાયું છે તે ઘેર બેઠા મેળવીને વાંચવું હોય તો અહી ક્લિક કરો.. ધૂમખરીદી.કોમ

લગ્નસંસ્થા વગરની સંસ્કૃતિ

 mosuoલગ્નસંસ્થા વગરની સંસ્કૃતિ.

હમણાં એક મિત્રે સરસ જોક જેવી પોસ્ટ મૂકેલી, એનો ભાવાર્થ એવો હતો કે અમુક સંતાન ભવિષ્યમાં એના માબાપને કહેશે કે મારે સ્કૂલમાં એડમીશન જોઈએ છે તો લગ્ન કરી લો સ્કૂલમાં તમારા લગ્ન સર્ટીફીકેટ માંગે છે. એમના જોક પાછળ લીવ ઇન રિલેશનશીપ કોન્સેપ્ટની મજાક અને એની પાછળ સંતાનો માટેની થોડી વ્યથા પણ દેખાઈ. લગ્નસંસ્થા તૂટી જશે તો બાળકોનું કોણ એવો પ્રશ્ન સતાવતો હશે. લગ્નસંસ્થા ધીમે ધીમે ઉદય પામી છે તે હકીકત છે. માનવ પેદા થયો સાથે લગ્નસંસ્થા લઈને પેદા નથી થયો. પ્રાણીઓ આજે પણ આવી કોઈ વ્યવસ્થા વગર જીવે છે, બાળકો પેદા કરે જ છે. પણ પશુઓ કરતા આપણે મોટું બ્રેન ધરાવીએ છીએ એટલા પૂરતા પશુઓ કરતા થોડા જુદા તો છીએ જ. લાખો વર્ષ માનવોએ પણ લગ્નસંસ્થા વગર ચલાવ્યું જ છે. એના પુરાવા આજે પણ જીવતા છે જ. તો થોડા હજારો વર્ષ જૂની લગ્નસંસ્થા તૂટી પડશે તો સંસ્કૃતિ માથે કે લાખો વર્ષથી સર્વાઇવ થતા માનવો માથે કોઈ આભ તૂટી પડવાનું નથી. કોઈપણ વિચારધારા, કોન્સેપ્ટ કે વ્યવસ્થાને બ્લેક એન્ડ વ્હાઈટમાં જોઈએ તે મારા મતે મુર્ખામી છે. લગ્નસંસ્થા અસ્તિત્વમાં આવેલી જ છે તો એનાય ફાયદા તો હોય જ. એમ જ ઉપરથી ટપકેલ તો છે નહિ. અને વિલુપ્ત થઈ જશે તો એનાય કોઈ ગેરફાયદા હશે કારણ ઉપરથી ટપકેલ તો છે નહિ. શ્વાસ લઈએ છીએ તે ઉપરથી ટપકેલ છે, એ ના લઈએ તો ઉપર પહોચી જવાય.

કોઈપણ સજીવ હોય સર્વાઈવલ એનો મુખ્ય ધર્મ હોય. અને આગળના સર્વાઈવલ માટે એના જિન્સ જીવતા રાખવા તે જિન્સ નવી પેઢી માં ટ્રાન્સફર કરવા પડે. મતલબ સંતાન પેદા કરો તો જ તમારી જિનેટિક સાઇકલ આગળ વધે. એટલે હવા, પાણી અને ખોરાક જેવી બેસિક નીડ વગર ચાલે નહિ તેમ સ્ત્રી-પુરુષ ને ભેગા મળીને સંતાન પેદા કરવાની તીવ્ર ઝંખના જન્મજાત હોય છે. વળી સંતાન પેદા કર્યા પછી જીવે નહિ તો ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ. અને માનવ બાળ બીજા પ્રાણીઓના બચ્ચા ની જેમ બે ચાર કલાકમાં ઊભું થઈ દોડવા માંડતું નથી, તે સાવ કમજોર હોય છે. એને ઘણા વર્ષો સાચવવું પડતું હોય છે. હવે એમાં સ્ત્રી અને પુરુષ બંનેના જિન્સ ભેગા હોય છે માટે તે સાચવવા ની જવાબદારી બંનેની થઈ જતી હોય છે. માટે બંનેને સાથે વર્ષો લગી તે જવાબદારી નિભાવવા જોડે રહેવું જરૂરી થઈ પડતું હોય છે. આ જરૂરિયાતે ધીમે ધીમે લગ્ન સંસ્થા વિકસિત થઈ છે. લગ્ન સંસ્થા કોઈ લાખો વર્ષ જૂની છે નહિ. થોડાક હજારો વર્ષ જૂની છે. માનવ લગભગ ૨૫-૩૦ લાખ વર્ષથી ઉત્ક્રાંતિ પામ્યો છે. ૧૦-૧૫ હજાર વર્ષ પહેલા આખી દુનિયાના સમાજ હન્ટર-ગેધરર હતા. ગૃપમાં કે બેન્ડમાં રહેતા લોકોને બાળકો પેદા થાય તે આખા સમૂહની જવાબદારી ગણાતી. આમ માબાપ અકસ્માતે મૃત્યુ પામે તો પણ કોઈ વાંધો આવે નહિ બાળકને સમૂહ મોટું કરી જ લે. એક જાતનો 450px-Mosuo_woman_near_Lugu_Lakeસમાજવાદ જ થયો ને?

પતિ કે પત્ની બે માંથી એક પાત્ર બાળકને મોટું કરવાની જવાબદારી માંથી છટકી ને કોઈ બીજા પાત્ર સાથે ગોઠવાઈ નાં જાય ખાસ તો સ્ત્રીઓ માટે લગ્નવિધિ આવી. કે ભાઈ વિધિવત કરાર થયો છે હવે કોઈ છટકે નહિ આખી જીંદગી ભેગા રહેવાનું અને બાળકો મોટા કરવાના. એટલે પહેલા જ્યારે બર્થ કંટ્રોલ હતા નહિ અને દર બે ચાર વર્ષે બાળકો જોડે રહેવા થી સ્વાભાવિક પેદા થયે જતા ત્યાં વધુ ને વધુ વર્ષો જોડે રહેવાનું જરૂરી બની જતું ત્યારે ડિવોર્સના પ્રમાણ બહુ ઓછા હતા કે લગભગ હતા જ નહિ. બીજા ધર્મો માં લગ્ન એક કરાર છે તેવું કહીએ છીએ પણ આપણા ત્યાં આવા કરારને સપ્તપદીના વચનો જેવું રૂપાળું નામ આપી દીધું છે. વચનો મૌખિક કરાર તરીકે આપી એ અને કરારમાં લેખિત વચન આપી એ લઇએ બધું સરખું છે.

લીવ ઇન રિલેશનશિપ નવી તરાહના લગ્ન જ કહેવાય. થોડો મુક્ત શ્વાસ લઇ શકાય તેવા પ્રકારના પણ લગ્ન જ કહેવાય. એમાંય જોડે તો રહેવાનું જ છે, પણ નાં ફાવે તો બહુ કોઈ મોટી કાયદાકિય લડાઈ ની માથાકૂટ માં પડ્યા વગર છુટા થઈ શકાય. આપણે ત્યાં પણ સમર્થ લોકો એક કરતા વધારે સ્ત્રીઓ રાખતા ત્યારે પહેલી સ્ત્રી જોડે વિધિ વગેરે કરતા બાકી તો એમ જ વિધિ કર્યા વગર ઘરમાં ઘાલી દેતાં.. આ એક જાતનું લીવ ઇન રિલેશનશિપ જ હતું. ઘણી જગ્યાએ સ્ત્રી પાણી ભરેલું બેડું લઈને પેલા પુરુષના ઘેર આવતી તે પુરુષ બેડું ઉતારી તે સ્ત્રીને ઘરમાં લઈ લેતો, જોડે રહેવાનું શરુ. એક પુરુષ લગ્નવિધિ કરીને કે કર્યા વગર એક કરતા વધુ સ્ત્રીઓ ઘરમાં રાખતો તે પોલીગમી જ કહેવાય. આપણા દેશમાં હાલની આદર્શ ગણાતી મનોગમસ એક જ પતિ કે પત્ની હોય એવી લગ્ન સંસ્થા કાયદા વડે હમણાં આઝાદી વખતે જ અસ્તિત્વમાં આવી છે. બાકી આપણે ત્યાં પુરુષો ને લાભદાયી એક તરફી પોલીગમસ લગ્ન સંસ્થા જ ચાલતી હતી હવે તેને પવિત્ર કે મહાન ગણવી તે આપણા હાથની વાત છે. જો કે હાલના ઝાર ખંડ જેવા વિસ્તારોમાં બહુ પતિ રાખી શકાય તેવી કોમો હતી અને હજુ આજે પણ છે. એક જ પતિ કે પત્ની હોય તેવી મનોગમસ લગ્ન સંસ્થા ગ્રીક લોકોની દેન છે. બાકી મજબૂરીમાં પોસવાની તાકાત નાં હોય અને એક જ સ્ત્રી રાખો તે અલગ વાત છે.

પશ્ચિમમાં લીવ ઇન રિલેશનશિપ છે તો બાળકો પોસવાની પણ જવાબદારી કાયદાકિય રીતે બંનેની હોય છે, એમાં કોઈ બાંધછોડ ચાલે નહિ. ભલે છુટા થઈ ગયા હોય પણ પુરૂષે કમાઈ કમાઈને કોર્ટમાં બાળકનું ભરણપોષણ ભરવું પડતું હોય છે. એક દિવસ મોડું થાય તો સીધો જેલમાં. એટલે જેમ લગ્ન સંસ્થા ધીમે ધીમે ઉત્ક્રાંતિ પામી છે તેમ એમાં ધીમે ધીમે બદલાવ પણ આવવાનો છે. પરિવર્તન સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. બંધિયાર પાણી ગંધાય તેમ પરિવર્તનની શક્યતા ઓ વગરની કોઈ પણ સંસ્થા લાંબે ગાળે ગંધાય તેમાં કોઈ શક નહિ. લગ્નવ્યવસ્થાને બહાને આપણે સદીઓથી સ્ત્રીનું શોષણ જ કરે રાખ્યું છે. લગ્ન વ્યવસ્થા નાં હોય તો સ્ત્રી પામવા રોજ રોજ તાકતવર છીએ તેવી પરીક્ષા આપવાનું પોસાય નહિ. લગ્નવ્યવસ્થાને બહાને એકવાર સ્ત્રી મળી ગઈ પછી રોજ રોજ પરીક્ષા આપવાની ઝંઝટ મટી ગઈ મન ફાવે ત્યારે સેક્સ સેક્સ રમી શકાય. હવે જ્યારે સ્ત્રી કમાતી થઈ છે પુરુષ ની જોહુકમી સહન કરે તેવી રહી નથી અને છૂટી થવા માંડી છે એટલે હજારો વર્ષથી સ્ત્રીનું શોષણ કરતા પુરુષો ને ધ્રાસકો પડ્યો છે.

images-=-=0લગ્નવ્યવસ્થાને લીધે સૌથી મોટો ફાયદો બાળકોને છે. રોજ રોજ તુટતા અને બંધાતા આધુનિક લગ્નોને લીધે સૌથી મોટો ગેરફાયદો બાળકોને એમાં પણ ખાસ પુત્રીઓને થતો હોય છે. લોહીનો સંબંધ નાં હોય તેવા પર પુરુષ જેવા કે ઓરમાન પિતા કે માતાના બોય ફ્રેન્ડની ઘરમાં સતત હાજરીને નાની છોકરીનું બ્રેન નોટીસ કરતું હોય છે અને એના લીધે તે બિન જરૂરી વહેલી પુખ્ત બની જતી હોય છે. સ્ટેપ ફાધરના જાતીય શોષણ નો ભોગ પણ બની જતી હોય છે. પશ્ચિમમાં સ્ત્રીને સ્વતંત્રતાની કિંમત સિંગલ મધર બનીને ચૂકવવી પડતી હોય છે. લગ્ન કરીને, લગ્ન વિચ્છેદ કરીને, બહુપત્નીઓમાની એક પત્ની બનીને કે બહુપતિઓની એક પત્ની બનીને છેવટે સ્ત્રીને જ શોષાવું પડતું હોય છે.

ચાલો એક એવી સંસ્કૃતિના દર્શન કરાવું જ્યાં લગ્ન વ્યવસ્થા છે નહિ છતાં પરિવાર છે અને બાળકો આરામથી મોટા થાય છે. વળી આ સંસ્કૃતિ કોઈ જંગલમાં રહેતી નથી. સાઉથ વેસ્ટ ચીનના યુનાન અને સિચુઆન પ્રાંત માં વસતા મોસુઓ(Mosuo)અથવા મોસો લોકો એક વિશિષ્ટ માનવ વંશ છે. વસ્તીમાં સાવ ઓછા લગભગ આશરે ૪૦,૦૦૦ જેટલા મોસુઓ હિમાલયમાં સારી એવી ઊંચાઈએ આવેલા Yongning વિસ્તારમાં Lugu Lake ની આસપાસ રહે છે. આ સમાજ માતૃ પ્રધાન સમાજ છે. અહીં કોઈ લગ્ન કરતું નથી. અહીં બાળક પેદા કરનાર પિતા ભેગો રહેતો નથી કે નથી બાળકને મોટું કરવામાં સહકાર આપતો. અહીં સ્ત્રી પુરુષ ભલે ભેગા સૂઈ જાય પણ બંને જોડે રહેતા નથી. પશ્ચિમના લોકો આને ‘walking marriage’ કહે છે. અહીં છોકરી જાતીય રીતે પુખ્ત થાય એટલે એને અલગ બેડ રૂમ મળે છે. તે છોકરી એને ગમતા પુરુષ ને આમંત્રણ આપે છે જે રાત્રે આવીને એના બેડરુમમાં રાત ગાળે છે. સવાર પડતા પોતાના ઘેર જતો રહે છે. એના લીધે બાળક પેદા થાય તો એની કોઈ જવાબદારી નથી હોતી. બાળકને માતા અને તેના ભાઈઓ-બહેનો દ્વારા મોટું કરવામાં આવે છે. બસ એવી જ રીતે કહેવાતો પિતા પણ એના પોતાના ઘરમાં એની ઘરની સ્ત્રીઓના બાળકો મોટા કરવામાં સહકાર આપતો જ હોય છે. બાળકનો પિતા કોણ છે તેની ઘરમાં મોટા હોય તે બધાને ખબર હોય છે. બાળકોને ખબર નાં પણ હોય. વારે તહેવારે બાળકના પિતાને ઉત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. પિતા બાળકો માટે ગીફ્ટ પણ લાવતો હોય છે.

આમ મોસુઓ પુરુષ પોતાના બાળકના ઉછેરમાં સહકાર ભલે નાં આપે પણ સામે પોતાની બહેનના બાળકો ઉછેરતો જ હોય છે. અહીં જુદા જુદા પુરુષો ને રાત્રે આમંત્રણ આપવાની છૂટ હોય છે પણ મોટા ભાગે મોસુઓ સ્ત્રીઓ આખી જીંદગી એક જ પાર્ટનર ને પકડી રાખતી હોય છે. ચાલો કોઈ સ્ત્રી નવો પુરુષ પસંદ કરે, પાર્ટનર ભલે બદલે પણ એની હાજરી સતત ઘરમાં દિવસે તો હોય જ નહિ. એટલે લોહીનો સંબંધ નાં હોય તેવા પુરુષ ની હાજરી ઘરમાં હોય જ નહિ. એટલે લોહીનો સંબંધ નાં હોય તેવા પુરુષ જેવા કે સ્ટેપ ફાધર કે માતાના બોય ફ્રેન્ડની સતત હાજરીને લીધે જે નાની દીકરીઓ પશ્ચિમના સમાજમાં જલદી પુખ્ત બની જતી હોય છે તેવું અહીં બનતું નથી. અહીં ઘરમાં જે પુરુષ હાજર હોય છે તે માતાનો ભાઈ જ હોય છે. એટલે એની હાજરીની કોઈ અવળી મનોવૈજ્ઞાનિક અસર પડતી નથી. મોસુઓ બહુ મોટા બહોળા ફેમિલીમાં રહેતા હોય છે. કોઈના પ્રાઇવેટ બેડ રૂમ હોતા નથી. છોકરી પુખ્ત થાય એટલે એને અલગ બેડ રૂમ આપવામાં આવે છે. મોટા ભાગની મોસુઓ સ્ત્રીઓ એક પુરુષ ને આખી જીંદગી પકડી રાખતી હોય છે છતાં તેને સ્ત્રીના ઘરમાં રહેવાની છૂટ હોતી નથી કે સ્ત્રીના ફેમિલીનો હિસ્સો પણ ગણાતો નથી. દીકરીઓ ને વળાવતી વખતે આપણા સમાજમાં જે વેદના માતાઓ વેઠતી હોય છે તે અહીં મોસુઓ માતાને વેઠવી પડતી નથી.images089

પતિ-પત્ની જેવો સંબંધ જ અહીં નથી એટલે એવા જોડલાએ સાથે રહેવાનું પણ નથી હોતું એટલે અહીં સિંગલ ફેમિલી કે વિભક્ત કુટુંબ જેવો કોન્સેપ્ટ જ નથી અહીં તો સંયુક્ત સંયુક્ત કુટુંબો જ છે તે પણ બહુ મોટી સંખ્યા ધરાવતા. લગ્ન વ્યવસ્થા વગર પણ બહુ મોટા બહોળા પરિવાર જોવા હોય તો ચાલો ચીન Yongning region Lugu Lake high in the Himalayas…

બળ્યું આ અંગ્રેજી સિનેમામાં ગાળો બહુ આવે. (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૬)

imagesZ4CSOFMQબળ્યું આ અંગ્રેજી સિનેમામાં ગાળો બહુ આવે. (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૬)

અમારી રેડબડ ગામગપાટા મંડળી ના નવોદિત અને હંગામી સભ્ય સુરેશ ભાઈને ટાઈમ પાસ કરવો અઘરો થઈ પડે છે. એમના દીકરાએ નેટફ્લીક્સ ની સુવિધા લીધેલ છે અંગ્રેજી ફિલ્મો ઑનલાઈન જોઈ શકાય તે માટે. એમાં અમુક હિન્દી ફિલ્મો પણ જોવા મળી જાય છે. મહામંદીના મોજામાં સપડાયેલા અમેરિકામાં Netflix નો ધંધો ઊલટાનો વધેલો.. કારણ જોબ વગરના લોકો ઘેર બેઠા ફિલ્મો વધુ જુએ. સુરેશભાઈ પણ ડેસ્કટોપ પર બેઠા બેઠા મનપસંદ અંગ્રેજી હિન્દી ફિલ્મો ટાઈમ પાસ કરવા જોતા. આજે ફિલ્મોની વાત કરતા કહે સાલું આ અંગ્રેજી ફિલ્મો એકલા જ જોવી પડે એમાં વાતે વાતે લોકો ગાળો બોલતાં હોય છે. હવે તો અમુક હિન્દી ફિલ્મોમાં પણ ગાળો બોલતાં હોય છે. ખાસ તો બેન્ડીટ ક્વીન ફિલ્મમાં ગાળો વધુ આવી ત્યાર પછી તે ટ્રેન્ડ વધતો જાય છે. અંગ્રેજી ફિલ્મોમાં સુરતી જેવું છે ગાળ બોલે પણ બોલનાર ને જ ખબર નાં હોય કે ગાળ બોલાઈ ગઈ છે. પાર્ટ ઓફ ભાષા જેવું..

અંબુકાકા કહે સાચી વાત છે ઘરમાં નાના હોય કે પુખ્ત પણ આપણા સંતાનો બેઠા હોય અને આવી ગાળો ફિલ્મો જોતા આવે તો ભારતીય માનસિકતા મુજબ સંકોચ પેદા થતો હોય છે. જો કે તેવો સંકોચ અહીં ઊછરેલી કે અહીંની મૂળ પ્રજાને થાય નહિ.

મેં કહ્યું સાચી વાત છે કાલે માઈકલ ડગ્લાસનું એક ડ્રગ સામે વૉર વિશેનું એક મુવી જોતો હતો તેમાં માઈકલ ડગ્લાસ પોતે સેનેટર હોય છે અને ડ્રગ સેવન અમેરિકામાં વધતું જાય છે તે સામે લડાઈ લડતો હોય છે પણ એની પોતાની દીકરી જ ડ્રગના રવાડે ચડી ગઈ હોય છે. આ એની દીકરી એક સંવાદમાં નશાની હાલત માં એના પિતાને જ fu_k you કહેતી હોય છે. મતલબ તમે કહ્યું તેમ સુરતી જેવું ગાળ બોલાવી સામાન્ય ગણાય. એનો કોઈ છોછ જ નાં હોય. હમણાં અમારા એક મિત્રનાં નાના દીકરાએ નિર્દોષ ભાવે એમને fu_k શબ્દનો અર્થ પૂછેલો, હવે આપણે સમજી શકીએ છીએ કે કેવા ક્ષોભ માં મુકાય ગયા હશે?

એટલા માં શાંતિ ભાઈ આવી પહોંચ્યા, તે કહે કેમ આજે શું વાત છે ગાળ પુરાણ માંડ્યું છે કે શું? બધા હસી પડ્યા. કમુબેન કહે અમારા જમાનામાં બૈરા ઉઘાડી ગાળો ક્યારેય બોલતાં નહિ. ઝઘડો થાય કોઈ બીજા બૈરા જોડે તો મારી હૉચ(શોક્ય નું અપભ્રંશ) શબ્દ ગાળનાં પર્યાય રૂપે વપરાતો. નિકિતા કહે વડીલો હવે તો ઇન્ડિયા માં પણ કૉલેજમાં છોકરીઓ ગાળો બોલતાં શીખી ગઈ છે. જોકે છોકરાઓ કરતા એનું પ્રમાણ ઓછું હોય અને છોકરાઓની હાજરીમાં ઓછું હોય.

મેં કહ્યું મહિલા મિત્રો એમના સમૂહમાં પુરુષોની ગેરહાજરીમાં ગાળો અને કહેવાતી વલ્ગર વાતોની મજા અવશ્ય માણતી હોય છે, પણ પુરુષોની હાજરી હોય તો ચુપ.. પછી શાંતિ ભાઈને સંબોધીને કહ્યું કે ભઈલા તમારું આ ગાળો પાછળનું વિજ્ઞાન શું કહે છે?

શાંતિ ભાઈ એ ‘ગાળ પુરાણ’ શરુ કર્યું, “ ગાળો તમે જુઓ ગુજરાતી હોય હિન્દી હોય કે અંગ્રેજી હોય એમાં એક તો સ્ત્રી પુરુષના ગુપ્ત અંગો સૂચક હોય છે. બીજી ગાળો માં કોઈ વ્યક્તિ પ્રત્યે કે તેની સાથે કામ ક્રિયા દર્શાવતા શબ્દો રૂપે હોય છે. સેક્સને એક તો ખરાબ ગણવાનું શરુ થયું એટલે તે દર્શાવતા શબ્દો બેડ વર્ડ તરીકે ગણાવા લાગ્યા. સેક્સ એક તો જાહેરમાં કરવાની વસ્તુ છે નહિ તે એકાંતમાં ગુપ્ત રૂપે કરવાની વસ્તુ છે એટલે તે ક્રિયા સૂચક શબ્દો જાહેરમાં બોલવા અસભ્ય ગણાવા લાગ્યું અને છેલ્લે કોઈને સંબોધીને એની સાથેની સેક્સ ક્રિયા સૂચક શબ્દમાં એના ઉપર આધિપત્ય જમાવવાની ભાવના પણ ભેગી ભળેલી છે. આધિપત્ય જમાવી સેક્સ જેવું કહેવાતું ખરાબ કર્મ કરીશ એવો અર્થ એમાં હોય છે. દાખલા તરીકે કોઈને માબેન સમાણ ગાળ દઈએ એનો મતલબ તારા પ્રિય અને સન્માન જનક પાત્ર(માં અને બહેન) ઉપર આધિપત્ય જમાવીને એમની સાથે સેક્સ જેવું હીન કામ કરીશ.”

મેં કહ્યું વાતો તમારી સાચી છે. અંગ્રેજીમાં તો આવું હીન કામ તારી જાત ઉપર કે જાત સાથે જ કર એવી ગાળ પણ બોલાય છે( fu_k યોર સેલ્ફ)..

શાંતિ ભાઈ કહે અંગ્રેજીમાં બેડ વર્ડ્ઝ ની સ્ટોરી Angles અને Saxons જાતો સાથે શરુ થયેલી પાછળથી એમાં Vikings ભળ્યા. જર્મેનિક અને સ્કેન્ડીન્વિયન ટ્રાઈબ્સ વેલ્સ અને આયરલેન્ડ પર ચડી આવેલા(ઈ. સ. ૪૫૦-૧૦૫૦). ગ્રેટ બ્રિટન પહેલા Angle-Land તરીકે અને પછી અપભ્રંશ થઈને England તરીકે ઓળખાવા લાગ્યું. Angles અને Saxons જૂની જર્મન ભાષા બોલતાં. હાલના કહેવાતા ગંદા શબ્દો તેઓ રોજીંદી ભાષામાં વાપરતાં અને તેને વલ્ગર મનાતું જ નહિ. સન. ૧૦૬૬ પછી નોર્મન ફ્રેંચ લોકોએ Anglo-Saxon ઈંગ્લેન્ડ પર કબજો જમાવ્યો. નોર્મન ફ્રેંચ લોકોએ એમની જૂની ફ્રેંચ ભાષાને રાજ દરબારની અને ઉચ્ચ લોકો ભાષા તરીકે પ્રસ્થાપિત કરેલી. ફ્રેંચ ભાષા વોવેલ એટલે કે સ્વર વડે વધુ શણગારેલી કાવ્યાત્મક જાણે ગીત ગાતા હોઇએ તેવી મધુર હોય છે. જૂની રાજકુમાર ની હીર-રાંઝા ફિલ્મ જોઈ હોય તેને ખ્યાલ હશે તેમાં કાવ્યાત્મક ગાતા હોઈ એ તેવા સંવાદ હતા. એટલે ફ્રેંચ લોકોના આવા કાવ્યાત્મક ભાષા સાંભળી ટેવાયેલા કર્ણપટલ ઉપર જૂની જર્મન બોલતાં Anglo-Saxon લોકોની ભાષા અથડાતી ત્યારે તે સખત અને વલ્ગર લાગતી. નોર્મન લોકો જર્મેનિક પ્રોટો ઇંગ્લિશ સાથે ૩૦૦ વર્ષ બાખડ્યા. નોર્મન લોહી ધરાવતા ઈંગ્લેન્ડ ના રાજા ૧૪ મી સદી સુધી ઇંગ્લિશ(મિડલ ઈંગ્લીસ) બોલતાં નહિ. નવી ધરતી ઉપર એમની Melodic French સ્થાપિત કરવા નોર્મન લોકોએ બહુ પ્રયત્નો કરેલા પણ બહુ થોડા એંગ્લો-સેક્સોન લોકો તે શીખી શકે લા. એમણે એમની પ્રોટો ઇંગ્લિશ બોલવા નું ચાલુ જ રાખેલું જે સખત અને સીધી હતી. ફ્રેંચ લોકો ઈંગ્લેન્ડ માં ભાષા યુદ્ધ છેવટે હાર્યા, અંગ્રેજીમાં ઘણા બધા શબ્દો ફ્રેંચ માંથી આવેલા જ છે પણ મોટા ભાગે તે જર્મેનિક ભાષા છે. પણ ફ્રેંચ લોકો રોજીંદી ભાષા માંથી સેક્સને લગતા શબ્દો ને ખરાબ ગણવામાં અને નદારદ કરવામાં સફળ થયા, ૨૦મી સદી સુધી ડીક્ષનેરીમાંથી પણ નદારદ કરવામાં આવેલા. ગુપ્ત અંગ અને કામક્રીડા દર્શાવતા શબ્દો ગ્રાસ રૂટ લેવલે જોડાયેલા હોય છે માટે હજુ આપણી સાથે છે.”

શાંતિ ભાઈનું ગાળ પુરાણ શરુ થાય તે પહેલા જ કમુબેન ચાલ્યા ગયેલા. જોડે પરાણે નિકીતાને પણ ખેંચી ગયેલા. જો કે અમે સ્વસ્થ ચર્ચા કરતા હતા. છતાં થોડી ઘણી માનમર્યાદા જરૂરી પણ હોય છે. મેં શાંતિ ભાઈને પૂછ્યું આ બધી ગાળો નાં ગ્રાંડ ડેડી જેવો Fu_k શબ્દ શે માંથી આવ્યો હશે? અને એવા બીજા શબ્દો વિષે કશું નવું જાણતા હો તો કહો ને?

શાંતિ ભાઈ કહે, ‘ઓલ્ડ જર્મન ભાષામાં ‘fokken’ શબ્દ હતો તેનો અર્થ thurst, strike થતો અને એનું વિસ્તૃત થઈને copulate  માં પરિણમ્યો.. આશરે ૧૫૦૩માં પ્રિન્ટ માં આવ્યો તે પહેલા કોઈ લખવામાં નહોતું વાપરતું. Dunbar નામના કોઈ કવિ એ એની કવિતા માં copulation માટે fukkit શબ્દ વાપરે લો.’

મેં કહ્યું એવા બીજા કોઈ શબ્દો વિષે માહિતી આજે આપી જ દો.

શાંતિ ભાઈએ આગળ ચલાવ્યું, ‘CU_T શબ્દ Old Norse “Kunta” પરથી આવ્યો છે, એનો અર્થ સ્ત્રીનું ગુપ્તાંગ થાય. CU_T શબ્દ પ્રિન્ટ મીડિયામાં જુનો છે, FU_K  શબ્દ કરતા પણ ૩૦૦ વર્ષ પહેલાથી  ડર્ટી શબ્દ તરીકે સન ૧૨૩૦ થી લખાય છે. જો કે હાલ cu_t શબ્દ બહુ ઓછો વપરાય છે. તેવી રીતે CO_K શબ્દ જૂની જર્મન ભાષાના kok અથવા kukko પરથી આવ્યો છે. લેટીનમાં COCO શબ્દ પણ છે, તમામ નો અર્થ કૂકડો થાય. ફ્રેન્ચમાં પણ કુકડા માટે Coq અને જૂની ઈંગ્લીશમાં Cok શબ્દ છે જે મરઘા માટે વપરાય છે. વહેલી સવારે ઉન્નત થઇ ચુકેલા રમતિયાળ અંગ સાથે જગાડવાની આલબેલ પોકારતા મોજીલા પક્ષી ના નામ સાથે ઉત્ક્રાંતિ પામતા CO_K શબ્દને બહુ વાર લાગી હોય તેમ લાગતું નથી. જેમ પુરુષ જનનાંગ ને કુકડા સાથે સરખાવ્યું છે તેમ સ્ત્રીના જનનાંગ ને બિલાડી સાથે સરખાવવામાં આવેલું છે. Old Norse-Old German ભાષામાં Puss નો અર્થ બિલાડી Cat થાય છે. અને Pusa નો અર્થ પાઉચ થાય છે. આજે પણ કેથરીન માટે નીક નેમ તરીકે kat અને kitty વપરાય છે. આમ soft furry little pets માટે વપરાતો શબ્દ puss અને પાઉચ માટે વપરાતો pusa સ્ત્રીના બે પગ વચ્ચે રહેલી  soft furry પાઉચ જેવી જગ્યા માટે PUS_Y બની ગયો..

અંબુકાકા હસતા હસતા કહે ગાળો આગ માં ઘી હોમવાનું કામ પણ કરે છે અને દીવામાં થી તેલ કાઢી લેવા નું પણ કામ કરતી હોય છે. મેં કહ્યું કાકા કાઈ સમજાય તેવું બોલો. તો અંબુકાકા કહે કોઈની સાથે ઝઘડો થાય ત્યારે એકબીજાની હાજરીમાં ગાળો દઈએ તો આગ માં ઘી હોમવાનું કામ થાય ઝઘડો વધી પડે. ઘણીવાર ગાળ જ ઝઘડાનું મુખ્ય કારણ બની જતું હોય છે.

મેં કહ્યું અને દીવામાં થી તેલ કાઢી લેવા નું કામ કઈ રીતે થાય?

અંબુકાકા ઉવાચ- જુઓ કોઈના પર ગુસ્સો ભરાયો હોય અને તે હાજર હોય નહિ કે સંબંધ એવો હોય કે ઝઘડો કરી શકાય તેવું હોય નહિ તો એની ગેરહાજરીમાં એને ગાળો દઈ દેવાની કેથાર્સીસ થઈ જાય ગુસ્સો બહાર નીકળી જાય દીવામાં થી તેલ નીકળી જાય એટલે દીવો ઓલવાઈ જાય. ગુસ્સો શાંત પડી જાય..

imagesFCY31G0Sઅમે બધા હસી પડ્યા.. મેં કહ્યું ઉપાય સારો છે. આમ આજે ગાળ પુરાણ વાંચી બધા છુટા પડ્યા.

એક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

imagesLN4U7TBBએક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

 આજે ગામગપાટા મંડળીમાં શાંતિભાઈ આવે તો ગહન ચર્ચા કરવી હતી, પણ શાંતિભાઈ જરા મોડા પડ્યા હતા. શાંતિભાઈ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના અને ત્યાં કોઈ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં મનોવિજ્ઞાન ભણાવતા હતા. શાંતિભાઈ આવ્યા એટલે મેં તરત સવાલ કર્યો.

શાંતિભાઈ,  ‘એક ઘરમાં બે દીકરા હોય એક સારું ભણે સારી જૉબ લાગી જાય અને બીજો હોશિયાર હોવા છતાં ભણવામાં થોડો પાછળ પડે એટલે માબાપને ચિંતા થાય, એમની ઉછેરમાં ક્યાં ભૂલ થઈ તેવું વિચારતા હોય છે. પણ આમ થવાનું શું કારણ?’

પાંચ આંગળીઓ સરખી હોય ખરી? શાંતિભાઈ ધડામ દઈને બોલ્યા.

મેં કહ્યું શાંતિભાઈ શાંતિથી ઉત્તર આપો યાર મારે જરા વિગતથી જાણવું છે.

શાંતિભાઈ હસી પડ્યા, કહે શાંતિભાઈને શાંતિ રાખવાનું કહેવું પડે છે કેવો જમાનો આવ્યો છે નહિ?

મૂળ શાંતિભાઈ નામ પ્રમાણે શાંતિ રાખવાવાળા જ છે પણ મને એમને ચીડવવાનું ગમે એટલે કાયમ વાતે વાતે શાંતિ રાખો શાંતિ રાખો એવું કહ્યાં કરું. ઘણીવાર મને કહે મેં સવિતા રાખી છે હવે શાંતિ માટે જગ્યા નથી અને બે રાખું તો મારે જવું ક્યાં?

મેં હસતા હસતા કહ્યું શાંતિભાઈ એક ઓળખીતા બહેનની ફરિયાદ છે, એમને બે દીકરા છે. મોટો ભણીને કમ્પ્યુટર એન્જીનીયર બની યુ.કે.માં સારી જૉબ કરે છે. બીજો દીકરો આમ હોશિયાર હોવા છતાં ભણવામાં દસમાં ધોરણ પછી અચાનક પાછળ પડી ગયો છે. એને એન્જીનીયર બની પરદેશ જવું છે યુ.કે. અથવા અમેરિકા. માબાપ પૈસા ખર્ચવા સક્ષમ છે પણ એનું ભણવાનું દિવસે દિવસે કથળતું જાય છે. હવે આવા નબળા પર્ફૉર્મન્સ સાથે પરદેશ કઈ રીતે મોકલવો? પૈસા હોય પણ નાહક બરબાદ કરવા માટે થોડા હોય?

શાંતિભાઈ મૂળ શિક્ષક જીવ એકવાર કેસેટ શરુ થાય પછી બંધ કરવી મુશ્કેલ, પણ એમાંથી જાણવાનું ખૂબ મળે ઘણીવાર કેસેટ બંધ નાં થાય તેવું ઇચ્છીએ પણ ખરા.

શાંતિભાઈએ શરુ કર્યું, ‘ ઘણા દાખલામાં એવું બને છે કે સ્કૂલ લેવલ સુધી છોકરાં બહુ હોશિયાર હોય છે. પણ કૉલેજમાં આવ્યા પછી ડલ પડી જતા હોય છે. ઘણાને એની શરૂઆત દસમાં ધોરણ પછી પણ થઈ જતી હોય છે. મતલબ છોકરાં હોશિયાર તો છે જ પણ કૉલેજમાં કશું એવું થાય છે કે છોકરાં ભણવામાં પાછળ પડી જાય છે. ઘણા બધા કારણો હોઈ શકે. એક તો બાળકો યુવાનીના દ્વારે આ સમયે ટકોરા મારતા હોય છે તે સમયે શરીરમાં થતા હાર્મોનલ ફેરફાર બાળકોની માનસિકતા અસ્થિર કરી નાખતા હોઈ શકે. આ ફેરફાર ખાસ તો જાતીય આવેગો અને એના વિશેની અણસમજ બાળકોને સ્વાભાવિક અસ્થિર બનાવી દેતી હોય છે. જો કે ઘણા બાળકો આ બધું સહન કરી લેતા હોય છે અને ડગતા નથી તે લોકોના રિઝલ્ટમાં બહુ ફેરફાર જોવા મળે નહિ. આ બધું બાળકની માનસિકતા પર આધાર રાખતું હોઈ શકે છે. એટલે સ્કૂલમાં બહુ હોશિયાર ગણાતું બાળક કૉલેજમાં અસફળ રહેતું પણ જોવા મળતું હોય છે. બીજું સ્કૂલ અને કૉલેજનું આખું વાતાવરણ જુદું હોય છે, કૉલેજમાં સ્વતંત્રતા વધુ હોય છે. આમાં પણ બાળક સ્થિર મગજ ધરાવતું નાં હોય તો મિત્રોને રવાડે ચડી જવાનો ભય પણ રહેતો હોય છે. મિત્રો બહુ મોટો ભાગ ભજવતા હોય છે. એક વિદ્યાર્થી માટે સ્કૂલના સહાધ્યાયીઓ એમનો સમૂહ છે. અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. સમૂહ બહાર કોઈ ધકેલી દે તો એમનું મેમલ બ્રેન થ્રેટ અનુભવતું હોય છે. માટે સામાજિક સ્વીકાર મેળવવા માટે છોકારાઓ એમના ગ્રૂપના લીડરને અનુસરતા હોય છે અથવા એમના પ્રભાવમાં જીવતા હોય છે. હવે આ ગ્રૂપ લીડર જો સારો હોય તો બરોબર એના મિત્રોને વધુ સારું ભણવા પ્રેરી શકે અથવા પોતે રખડેલ હોય તો અવળે રસ્તે પણ ચડાવી શકે. માબાપે એમના સંતાનના મિત્રો કેવાં છે તેનું બહુ મોટું ધ્યાન રાખવું જરૂરી છે. ડોમિનન્ટ બગડેલા મિત્રો ભલભલાં હોશિયાર છોકરાને રિઝલ્ટમાં ધબડકો વાળવા કારણભૂત અવશ્ય બનતા હોય છે.’

મેં કહ્યું એ વાત સાચી મારો એક મિત્ર સ્કૂલમાં બે ધોરણ તે સમયની સગવડ મુજબ એક વર્ષમાં પતાવતો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એમ ચાર ધોરણ એણે ફક્ત બે વર્ષમાં પતાવી દીધેલા પણ શહેરમાં ભણવા મૂક્યો ને મિત્રોને સંગે ફિલ્મો જોવાના રવાડે ચડી ગયો તે અગિયારમાં ધોરણમાં નાપાસ થયેલો.

હવે અંબુકાકાનો બોલવાનો વારો આવ્યો. અંબુકાકા કહે,  ‘સાચી વાત કહું તો બધા છોકરાં સાહેબ બની જશે તો પટાવાળી કોણ કરશે? પછી કહે મજાક કરું છું બાકી કોઈ માબાપ એવું નાં ઇચ્છે કે તેના સંતાન સાવ નિમ્ન કક્ષાની જૉબ કરે. પણ બધા છોકરાનું બુદ્ધિનું તત્વ સરખું ના હોય. બુદ્ધિ ના હોય તેવું નથી કહેતો પણ એનો માર્ગ જુદો હોય, એના રસના વિષય જુદા હોય પણ એને સમજ પડી નાં હોય કે એના રસના સબ્જેક્ટ કયા છે અને બીજી કોઈ લાઈનમાં જતો રહે તો ધબડકો વળી જાય.’

મેં કહ્યું કાકા એ વાત સાચી ઘણીવાર સમજ પડતી નથી તે સમયે કે આપણા રસના મનગમતાં વિષય કયા છે, આજે મને લાગે છે કે હું તે સમયે કૉમર્સના બદલે બાયોલોજીમાં ગયો હોત તો વધુ સારું ભણી શક્યો હોત. પણ તે વાત મને આજે ૫૫ વર્ષે ખબર પડે તો શું કામની? બીજું આજે હું ત્રણેક વર્ષથી આર્ટિકલ આખું છું જો મને ૧૫-૨૦ વર્ષ પહેલા ખબર પડી હોત કે મારામાં લેખક બનવાની ક્ષમતા છે તો ??

અંબુકાકા કહે એક તો ઘરમાં બધા છોકરાં બહુ ઊંચું ભણી નાખે તે જરૂરી નથી એકાદ સરખું નાં ભણે તો તે હોશિયાર નથી તેવું માની લેવું નહિ અને તે બાબતે માબાપે ગિલ્ટી ફિલ કરવાની જરૂર નહિ અને ખાસ તો તે છોકરાને એવું નાં લાગવું જોઈએ કે માબાપ તેના સારા રિઝલ્ટ નાં આવવાથી તેને નફરત કરે છે. આમ તો માબાપ બાળકને નફરત કરે નહિ પણ ઇન્ગોર કરે અથવા નારાજગી બતાવે પણ બાળકને અચેતન રૂપે લાગે કે માબાપ તેનાથી નારાજ છે.

યસ ! આ વાત બહુ મહત્વની કરી કે સંતાનને એવું ના લાગવું જોઈએ કે માબાપ તેને નફરત કરે છે અથવા નારાજ છે.

હવે શાંતિભાઈ પાછાં થાક ખાઈને તૈયાર થઈ ગયા હતા. એમણે કહ્યું, ‘ મારા એક મિત્ર હતા તેમનો સૌથી મોટો દીકરો મેટ્રિકમાં દસેક વાર પરીક્ષા આપી પણ પાસ થયો નહોતો. જ્યારે બીજો દીકરો પીએચડી સુધી ભણેલો. હતા બંને હોશિયાર પણ આવું કેમ બન્યું તે એક કોયડો છે. અને આ મેટ્રિકમાં દસ વાર નાપાસ થયેલા દીકરાનો દીકરો આજે વૈજ્ઞાનિક છે બોલો કહેવું છે કાઈ?

મેં કહ્યું ચાલો રવીન્દ્રનાથ ટાગોર ની સ્ટોરી કહું જે બહુ લોકોના ધ્યાનમાં નથી. રવીન્દ્રનાથ ટાગોર બહુ મોટા જમીનદાર ફૅમિલીના હતા. ટાગોરના કાકા-બાપા બધા ભાઈઓનું બહુ મોટું બહોળું કુટુંબ સંયુકતપણે રહેતું હતું. ઘરમાં ઘણા બધા બાળકો એકસાથે ઊછરતા હતા. હવે આ નાના બાળકો મોટા થઈને શું બનશે શું ભણશે તે વિષે અંદાજ મારીને ઘરના દરેક મોટા સભ્યોએ એક ડાયરીમાં લખવાનું તેવો નિયમ ટાગોરના પિતાશ્રીએ બનાવેલો. ઘણા બધા બાળકો હતા બધા તેજસ્વી હતા ભણવામાં. કોઈ લખતું કે આ બાળક જજ બનશે કે આ વકીલ બનશે, પણ રવીન્દ્રનાથ વિષે લખવું મુશ્કેલ હતું. રવીન્દ્રનાથ આખો દિવસ ખેતરો અને નદી કિનારે રખડી ખાતા અને રમ્યા કરતા. ભણવામાં એમનું ચિત્ત ચોટતું નહોતું. બાળક ગમે તેવું હોય પણ એની માતા એના વિષે હમેશાં ઉચો ખ્યાલ રાખતી હોય ભલે બીજાને ડફોળ લાગે. માતાને એનું બાળક ખૂબ વહાલું હોય છે. વિડમ્બના એ હતી કે રવીન્દ્રનાથનાં માતા પણ એમના વિષે બહુ સારો ખ્યાલ ધરાવતા નહોતા. એમણે પેલી ડાયરીમાં લખેલું કે રવીન્દ્રનાથ માટે મને કોઈ આશા નથી. એક માતા જ્યારે આવું લખે તો વાત પતી ગઈ. હવે આજે આપણે જાણીએ છીએ કે આવડા મોટા ફૅમિલીના ખાલી રવીન્દ્રનાથને આપણે ઓળખીએ છીએ બીજા તેજસ્વીઓને કોઈ જાણતું પણ નથી. એમના મોટાભાઈ તો જજ હતા ને અમદાવાદમાં જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા પણ ખરા.

હવે અત્યાર સુધી ચુપચાપ વાતો સાંભળતાં કમળાબેન બોલ્યા કે ભાઈઓ ગમેતેટલી ફિલોસોફી ફાડો પણ માતાને તો દુઃખ થાય થાય ને થાય અને ચિંતા પણ થાય જો એક દીકરો સારું ભણે અને બીજો નાં ભણે તો. મેં કહ્યું એની કોણ નાં પાડે છે? ચિંતા કરવી અને અપરાધભાવ અનુભવવો એ બેમાં ફેર ખરો કે નહિ?

શાંતિભાઈ બોલ્યા હમણાં વરસ પહેલા હું ભારત ગયેલો ત્યારે એક મિત્રની દીકરો કહે કાકા મને અમેરિકા લઈ જાવ ગમે તેવી જૉબ કરીશ પણ પૈસા કમાવા છે વેઇટર બનીશ પણ ડોલર જોઈએ. તો મેં જવાબ આપ્યો ડફોળ વેઇટર બનીને કમાઇશ એના કરતા કમ્પ્યુટર એન્જીનીયર બનીને વધુ કમાઈ શકીશ સારું ભણી લે અને એચ-વન વિઝા પર ત્યાં આવી જા, પણ પહેલા સારું ભણી લે.

મેં કહ્યું વાત મુદ્દાની કરી. ચાલો હવે ભાગીએ આજે તો વાતોમાં બહુ મોડું થઈ ગયું, કાલે મળીશું.    imagesWBT4EBPE

સ્વાર્થી જિન્સ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી-૪)

સ્વાર્થી જિન્સ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી-૪)

અમારી ગામ ગપાટા મંડળીનાં સભ્ય મંજુબેનની પૌત્રીને દૂધ છોડાવવાની બાબતમાં જે ચર્ચા થયેલી તે પ્રમાણે શાંતિભાઈએ માતાનું દૂધ કેટલું મહત્વનું છે તાજાં જન્મેલાswami-vivekananda-DM70_l બાળક માટે તે વિષયક માહિતીની અમુક લિંક ઈ-મેલ દ્વારા મંજુબેનને મોકલી આપી હતી. તે બધી લિંક એમણે એમની પુત્રવધૂ ને ફૉર્વર્ડ કરેલી. એની ધારી અસર ઊપજી હતી. આજની પેઢી ખુલ્લા મનની છે તેના ગળે વાત ઊતરે તો પછી પ્રમાણિકપણે એનો અમલ કરે જ. પણ આ પેઢીને હવે હમ્બગ વાતોમાં રસ પડતો નથી, નક્કર વૈજ્ઞાનિક સંશોધન આધારિત વાત હોવી જોઈએ. આમ આજની પેઢી મોટાભાગે રેશનલ બનતી જાય છે.

આજના નાના છોકરાને કહીએ કે હનુમાનજી સૂર્યને નારંગી સમજી તોડવા માટે આકાશમાં કૂદેલા અને પડી ગયા તો હડપચી ભાગી ગઈ એટલે હનુમાન કહેવાયા તો હસવાનો જ છે. કહેશે બાપા શું ગપ્પા મારો છો?

મંજુબેને આવતાવેત ખુશ થઈ ને સમાચાર આપ્યા કે એમની પુત્રવધૂ  એ હમણાં દૂધ છોડાવી દેવાનું મુલતવી રાખ્યું છે. શાંતિભાઈ કહે આપણે સીધેસીધું ગમે તેટલું કહીએ દાખલા દલીલો કે સંશોધનના હવાલા આપીએ પણ માનત નહિ અને આ લિંક વાંચી કેવું માની લીધું? મેં કહ્યું સાચી વાત છે આ બધું મન ઉપર જાય છે. હમણાં કોઈ ગુરુજી કહે તો આપણે કેવાં અંધ બની માની લઈએ છીએ? માણસના મનનો તાગ મેળવવો અઘરો છે. જેટલા માણસ એટલાં મન અને જેટલા મન એટલી સાયકોલોજી.

આજે નિકિતા સમાચાર લાવી હતી કે આશારામ બાપુના આશ્રમમાં દરોડા પાડતા ૪૨ પોટલાં મળ્યા એમાં ૧૦,૦૦૦ કરોડની સંપત્તિ ને લગતા દસ્તાવેજો હાથ લાગ્યા છે.

મેં કહ્યું, ‘ આ તો થવાનું જ હતું, આ બાવાઓ તમને ભૌતિકવાદી બનશો નહિ તેવી શિખામણો આપશે પણ તેઓ ધનના ઢગલા ભેગાં કરતા રહેવાના. આટલી સંપત્તિ ના મળી હોય તો નવાઈ લાગે. મૂળ આની પાછળ આપણું એનિમલ બ્રેન જવાબદાર છે. એનિમલ બ્રેન આગળ બધી ફિલોસોફી અને આદર્શોની ગળી ગળી વાતો હવાઈ જતી હોય છે.’ નિકીતા બોલી આમાં એનિમલ બ્રેન ક્યાં આવ્યું?

મેં કહ્યું, ‘ એનિમલ બ્રેન હમેશાં સર્વાઈવલ અને રીપ્રોડક્શન વિષે શોચતું હોય છે. માનવો પાસે એનિમલ બ્રેન સાથે મોટું વિચારશીલ બ્રેન પણ છે માટે રીપ્રોડક્શનને પ્રમોટ કરતી તમામ બાબતોની પાછળ મોટા બ્રેનનો સહારો લઈને માનવ મગજ જાતજાતના નુસખા શોધી પડેલું રહેતું  હોય છે. એક તો સમાજમાં પ્રથમ હોય, આલ્ફા હોય તેને જ રીપ્રોડક્શન માટે ફિમેલ મળે અને ફિમેલ પણ બળવાન જિન્સ સાથે વિપુલ રીસોર્સીસ જેની પાસે હોય તેને જ પસંદ કરે. બસ ધર્મ પણ આ બાવાઓ માટે પ્રથમ બનવાનું એક સાધન માત્ર હોય છે. ધર્મના બહાને સમાજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું પછી વારો આવે રીસોર્સીસ ભેગાં કરવાનો અને એના માટે ધન કમાઓ. ધનના ઢગલા કરો પછી પાછળ પડો અંતિમ મંજિલ એવી સ્ત્રીઓ પાછળ. ઉચ્ચ આદર્શો ભરેલી ધાર્મિક વાતો પણ સમાજમાં પ્રથમ સ્થાને પહોચવાની નિસરણી માત્ર હોય છે. કારણ એવી વાતો કર્યા વગર કોઈ માનસન્માન આપે નહિ. વિવેકાનંદ જેવા બહુ ઓછા સાધુઓ હોય છે કે જેઓને આખા સમાજના ઉત્થાનની ફિકર હોય છે.’

મેં કહ્યું નિકીતા ‘એક વાક્યમાં કહું તો સામાન્ય માનવીને ફક્ત પોતાના જિન્સની(Genes) ફિકર હોય છે, નેતાઓ અને ટીપીકલ ધાર્મિક નેતાઓ આખા સમાજના જિન્સની ફિકર કરતા હોય તેવો દેખાડો કરીને ફક્ત પોતાના જિન્સની ફિકર કરતા હોય છે અને વિવેકાનંદ જેવા સંતો પોતાના જિન્સની ફિકર કર્યા વગર આખા સમાજના જિન્સની ફિકર કરતા હોય છે.’

શાંતિભાઈ બોલી ઊઠ્યા, ‘તમે તો સેલ્ફીશ જિન્સની થિયરીનો સારાંશ એક જ વાક્યમાં કહી નાખ્યો.’

મેં કહ્યું એ વાત પર ઠોકો તાલી અને કાલે ફરી મળીશું કહી અમે છુટા પડ્યા.

‘માનવ મન એક ચક્રવ્યૂહ’, મારું વધુ એક પુસ્તક.

વધુ એક પુસ્તક વાચકના માથે પ્રેમથી ફટકારું છું. મારા વાચકો પ્રેમપૂર્વક સહન કરી લેશે તેવી આશા છે જ.    scan0001book

પ્રસ્તાવના (માંથી થોડા અંશ)

ટોળાના ઘેંટા ઉભો રે’ જે, સાવજ ગરજે…..!

ફેસબુક ફ્રૅન્ડ દર્શિત ગોસ્વામીની વૉલ પર એક લેખ અનાયાસે જડી ગયો. ભાષા તેજાબી વિષય જવાબી. વર્ષો જૂના સવાલોના ધૂમધડાકેદાર ઉત્તર આપતો, અંધશ્રદ્ધાને ચીરતો સાયન્ટિફિક કન્ટેન્ટ. બચપણથી ફૉરિનના સાયન્સ મૅગઝીન્સ વાંચવાનો શોખ. બહુ ઓછા પ્રોફેશનલ ગુજરાતી પત્રકારો પણ આવા લેખો વાંચતા હોય છે. એવું જ ડિસ્કવરી, હિસ્ટ્રી, નેશનલ જિઅગ્રૅફિક જેવી ચેનલો પરની ડૉક્યુમેન્ટરીઝનું. એટલે નવાઈ લાગી કે આવું બધું વાંચી-જોઈને પછી એ ગુજરાતીમાં મૂકનારો સમરસિયો વળી કોણ હશે? નામ વાંચ્યું, ભૂપેન્દ્રસિંહ રાઓલ. જાણીતું ના લાગ્યું. લેખમાં લેખકો માટે તડાફડીની ભાષા એટલે કોઈ સાહિત્ય વિરોધી ‘કૅમ્પ’ના સદસ્ય હોવાની પણ શંકા ગઈ. આવું ઘણું વંચાઈને ભૂલાઈ જતું હોય છે, પણ આ ‘કુરુક્ષેત્ર’ (રાઓલ સાહેબના બ્લોગનું નામ)ના મહારથીના લખાણમાં જે જનોઈવઢ ઘાની રોકડી નિખાલસતા હતી, એ ભૂલાઈ જાય તેમ નહોતી.

ભારતને અને ગુજરાતને ભૂપેન્દ્રસિંહ રાઓલ જેવા ખુલ્લા મનના અભ્યાસુ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આધુનિક લેખકની જરૂર છે. કમ્પ્યુટર સ્ક્રીનથી બુકના પેજીઝ સુધીની આ સફર વાચકને પુસ્તક પુરુ કરે ત્યાં સુધીમાં વધુ બુદ્ધિમાન બનાવવા સક્ષમ છે. રાઓલસાહેબ ગોળ ગોળ જલેબી તળવામાં માનતા નથી. પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી વાસ્તવિક વિચારોનો ધાણીફૂટ ગોળીબાર કરે છે. એમની આ આગવી સ્ટાઇલ અપીલિંગ બની ગઈ છે. ભૂપેન્દ્રસિંહ રાઓલને આવા કેસરિયા કરવા માટે ઝાઝેરા જુહાર. રંગ છે આ બુદ્ધિજીવી બાપુને. આવા પ્રકારના પુસ્તકના આતુર વાચક અને વિસ્મયવાદી લેખક તરીકે મને ઓવારણા લેવાનું મન થાય છે, ઘણી ખમ્મા વિજ્ઞાનવિચારક્રાંતિને !  :-જય વસાવડા, બ્લોક નં.-૯ અક્ષરધામ સોસાયટી , ગોંડલ: ૩૬૦ ૩૧૧,  ફોન નં.(૨૮૨૫)૨૨૩૭૭૬ મોબાઈલ- ૯૮૨૫૪૩૭૩૭૩  jayvaz@gmail.com    http://planetjv.wordpress.com/

નિવેદન (માંથી થોડા અંશ)

પ્યારા મિત્રો, મનોવિજ્ઞાન મારો પ્રિય વિષય રહ્યો છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ, બાયોલોજિ અને મનોવિજ્ઞાનનો સહિયારો અભ્યાસ કરીને વિકસાવેલા ઇવલૂશનરી સાઇકૉલોજી(Evolutionary psychology) વિષયને લક્ષમાં લઈને માનવ સ્વભાવના જટિલ રહસ્યો શોધવાનો પ્રયત્ન ઇવલૂશનરી સાઇકૉલાજિસ્ટ કરતા હોય છે. મેં પણ મારી અલ્પમતિ મુજબ આ બધાં વૈજ્ઞાનિકોને વાંચી, મનન ચિંતન કરી ભારતીય સંસ્કૃતિનાં સંદર્ભમાં લખવાનો પ્રયત્ન કરેલો છે. હ્યુમન સાઇકૉલોજી અને હ્યુમન બિહેવ્યર પાછળની સાઇકૉલોજી વિષે આપણાં સાઇકૉલાજિસ્ટ લખતા જ હોય છે, પણ મેં અહીં હ્યુમન સાઇકૉલોજી અને હ્યુમન બિહેવ્યર પાછળની બાયોલોજિ વિષે લખ્યું છે, જે ગુજરાતી લેખન જગતમાં આ રીતે લખવાનો કદાચ પહેલો પ્રયાસ હશે.

scan0002bookઅતિવ્યસ્ત હોવા છતાં જાણીતા અખબાર ગુજરાત સમાચારમાં ‘અનાવૃત’ અને ‘સ્પૅક્ટ્રોમિટર’ કૉલમ લખતા સૌથી વધુ વંચાતા, હાલના સૌથી વધુ લોકપ્રિય લેખક, લોકપ્રિય મોટિવેશનલ પબ્લિક સ્પીકર અને પરમમિત્ર એવા શ્રી જય વસાવડાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું સ્વીકાર્યું તે મારા માટે સૌભાગ્યની વાત છે. અમારી દોસ્તી વૈચારીક અખાડામાં કુસ્તી કરતા શરૂ થઈ હતી. એમનો જેટલો આભાર માનું તેટલો ઓછો પડે.

ડૉ શ્રી. અમૃત હઝારી અને શ્રી. દીપક ધોળકિયા સાહેબ જેવા મિત્રોએ આ પુસ્તક વિષે એમનો બહુમૂલ્ય અભિપ્રાય આપ્યો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું. ડૉક્ટર દિનેશભાઈ પટેલ અને ડૉક્ટર કેતન પટેલ જેવા મિત્રો નિયમિત પ્રોત્સાહન આપતા રહેતા. મારા લેખો પુસ્તકરૂપે પ્રકાશિત થાય તેવો એમનો ખૂબ આગ્રહ રહેતો. બંને મિત્રોએ આ પુસ્તક પ્રકાશન બાબતે આપેલો નૈતિક અને આર્થિક ફાળો પણ મારા માટે અમૂલ્ય છે. બંને મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

મારા નાના ભાઈશ્રી પ્રદીપસિંહ રાઓલ(લેખક-અંતહીન યાત્રા) જેમણે આ પુસ્તક પ્રકાશન બાબતે તમામ જવાબદારી સંભાળી તે માટે એમનો જેટલો આભાર માનું તેટલો ઓછો પડે. ગુજરાતી બ્લૉગ જગતના મિત્રોએ અવાનવાર પ્રતિભાવ આપી મને કાયમ પ્રોત્સાહિત કર્યો છે તે માટે તમામ બ્લૉગર મિત્રોનો પણ આભાર માનું છુ. ફેસબુક વિશ્વના મિત્રોએ કાયમ કૉમેન્ટ્સ-લાઈક આપી મારો લખવાનો ઉત્સાહ વધાર્યો છે. ફેસબુક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વૈજ્ઞાનિક રિસર્ચ અને માહિતીનાં મોતી મારા આગવા ચિંતમનન રૂપી દોરામાં પરોવીને મૂકેલી આ માળા એટલે આ પુસ્તક ‘માનવ મન એક ચક્રવ્યૂહ’. એકવાર જપશો તો વારંવાર આ માળા જપવાનું મન અવશ્ય થશે તેવી મને આશા છે.  :- Bhupendrasinh Raol , Edison, NJ 08817 U.S.A. Mobile No. +1 7324066937

e-mail : brsinh@live.com

પ્રાપ્તિસ્થાન :

૧) અશોક પ્રકાશન મંદિર, પહેલો માળ, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે ગાંધી રોડ, અમદાવાદ. ફોન- ૦૭૯-૨૨૧૪-૦૭૭૦ Email: scan0003bookhareshshah@yahoo.co.in

૨) નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪ પ્રિન્સેસ સ્ટ્રીટ, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૨, ફોન- ૨૨૦૧ ૭૨૧૩ , ૨૨૦૮ ૫૫૯૩ Email: nsmmum@yahoo.co.in

૩) નવભારત સાહિત્ય મંદિર, ૨૦૨ પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ અને જૈન દેરાસર પાસે ગાંધી રોડ અમદાવાદ.

૪) બુક શેલ્ફ, ૧૬ સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, અમદાવાદ.

૫) રાઓલ પ્રદીપસિંહ રતનસિંહ , ૨૦૧ રાજમંદિર એપાર્ટમેન્ટ, ૫/૨ પટેલ કૉલોની જામનગર. ફોન- ૯૯૯૮૯૯૩૫૧૫ Email: praol1810@gmail.com

૬) http://www.gujaratibooks.com/ ટૂંક સમયમાં આ વેબસાઈટ પર ઓનલાઈન મળી શકશે.

ધાવણ અને બ્રેન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨

 ધાવણ અને બ્રેન  (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨
અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય તેવું બનતું નહિ. કોઈ ને કોઈ તો ગેરહાજર હોય જ. આતો કામગરો દેશ છે કોઈને અહીં ગપાટા મારવાની નવરાશ હોય નહિ. એટલે જે કામ પતાવીને આવ્યા હોય કે રિટાયર હોય તેવા મિત્રો ભેગાં થઈ જતા. images9ZS5HX7Y

કમુબેન અને મંજુબેન એમના દીકરાઓને હેલ્પ થાય તે માટે ભારતથી અહીં રહેવા આવી ગયેલા હતા. આ દેશમાં પતિપત્ની બંને જૉબ કરતા હોય એટલે નાના બાળકોને સાચવવા બેબીસીટર રાખવી પડે. સરવાળે તે મોંઘું પણ પડે. વધુમાં દાદી સાથે લોહીનો નાતો હોય એટલે બાળકો સાથે લાગણીનાં તંતુ વડે જોડાયેલ દાદીની દેખભાળમાં આભ જમીનનો ફેર પડી જાય. માબાપ પણ ઇન્ડિયામાં એકલાં રહેતા હોય તો એમની ચિંતા કાયમ કરવી એના કરતા અહીં જોડે રહે તેમાં શું વાંધો? અરસપરસ બધાનું હિત જળવાઈ જાય. આમ તમને ભારતમાં સંયુક્ત કુટુંબ જોવા કદાચ ઓછા મળે પણ અહીં રહેતા ભારતીયોમાં સંયુક્ત કુટુંબ વધુ જોવા મળે તેવું પણ બને.

શાંતિભાઈ સાંજે ચાર વાગે જૉબ પરથી છૂટી જાય એટલે ઘેર આવી ચાપાણી પતાવી ફરવા નીકળી પડે. એમનો અભ્યાસ અને વાંચન પણ બહોળું છે. અંબુકાકા પોતે ભરૂચમાં એક સ્કૂલમાં હેડમાસ્તર હતા. નાના દીકરાને ઘેર તે અને તેમના શ્રીમતી રહે છે. એક દીકરો એના બાલબચ્ચાં સાથે બીજે રહે છે. દીકરી જમાઈ પણ બીજે રહે છે. શનિ-રવિ એકબીજાના ઘેર ભેગાં થઈ એમનું કુટુંબ કિલ્લોલ કરતું હોય છે. કાલની જેમ આજે પાછાં અમે ચાર જણા ભેગાં થઈ ગયા.

થોડી ગપસપ પછી કાલની વાત આગળ વધારતા શાંતિભાઈ બોલ્યા, ‘ માતા જ્યારે બાળકને ધવડાવતી હોય ત્યારે માતા અને બાળક બંનેના બ્રેનમાં ઓક્સીટોસીન નામનું ન્યુરોકેમિકલ પુષ્કળ પ્રમાણમાં સ્ત્રવતું હોય છે જે માતા અને બાળક વચ્ચે સામાજિક જોડાણ પાકું કરે છે. બીજું માતાનું ધાવણ બાળકના બ્રેન વિકાસ માટે મહત્વનું છે. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. ઓક્સીટોસીન પ્રેમ અને વિશ્વાસ માટે કારણભૂત કેમિકલ કહેવાય છે.’

મેં કહ્યું મતલબ તમે બાળકને પૂરતું ધવડાવ્યું નાં હોય તો માતા અને બાળક વચ્ચે સામાજિક બૉન્ડ જોઈએ તેવું સખત બને નહિ તેવું કહી શકાય.

શાંતિભાઈ કહે, ‘અપવાદ રૂપ કિસ્સા હોય બાકી સરેરાશ જુઓ તો જે બાળકો માતાને વધુ સમય ધાવ્યા હોય અને જે બાળકો ઓછો સમય ધાવ્યા હોય તેમના એમની માતા સાથેના સામાજિક સંબંધોમાં ફેર તો રહેવાનો જ. Bryan Rodgers નામના મેડિકલ સંશોધકે ૮ થી ૧૫ વર્ષના ૨૦૦૦ બાળકોના જ્ઞાનભંડોળ વિષે ચકાસણી કરી એક અભ્યાસ કરેલો. જે બાળકો સમગ્રતયા બોટલ ફીડીંગ પર ઊછરેલા તેમનો જ્ઞાનભંડોળનો સ્કોર માતાના દૂધ સાથે ઊછરેલા બાળકો કરતા થોડો ઓછો હતો. માતાનાં દૂધ પર ઊછરતા ૬ મહિના થી ૨ વર્ષની ઉંમર સુધીના બાળકોનાં મેન્ટલ ફંક્શન પણ બોટલ-દૂધ પર ઊછરતા બાળકો કરતા વધુ નોંધાયા છે.’

વધુમાં શાંતિભાઈએ ઉમેર્યું, “ઘણી માતાઓ ચાર-છ  મહિના ધવડાવી બાળકોને બોટલ પર ચડાવી દેતી હોય છે. માનવવંશ શાસ્ત્ર અને પુરાતત્ત્વવિદ્યા જેવી અભ્યાસની શાખાઓ તરફથી મળેલા પુરાવા જતાવે છે કે ૧૦,૦૦૦ વર્ષ પૂર્વે દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર હતા તે આપણા પૂર્વજો મિનિમમ ૩ વર્ષ તો બાળકોને ધવડાવતા જ હતા. એટલે અભ્યાસમાં બેચાર મહિના ધાવેલા બાળકો અને બેત્રણ વર્ષ ધાવેલા બાળકો વચ્ચેનો તફાવત ધ્યાનમાં લેવો જોઈએ. ૧૯૯૩માં Walter Rogan અને Beth Gladen નામના જીવ વૈજ્ઞાનિકોએ ૬ મહિનાથી માંડી ૫ વર્ષ ઉંમર સુધીના બાળકોનો અભ્યાસ કરેલો. એમનું તારણ એ હતું કે જેમ વધારે મહિના કે વર્ષો બાળક ધાવ્યું હોય તેમ તેમનો માનસિક વિકાસનો સ્કોર વધુ હોય છે. ઘણાબધા અભ્યાસ આ બાબતે થયા છે. મૂળ વાત એ છે કે સ્ત્રીઓ ધવડાવવા અને બાળકો ધાવવા માટે ઓછામાં ઓછું ત્રણ વર્ષ તો ઉત્ક્રાન્તિના ક્રમમાં ઇવોલ્વ થયેલા જ છે, અને વધુમાં વધુ પાંચ વર્ષ. કારણ પાંચ વર્ષ પછી દૂધમાં રહેલું લેક્ટોસ પચાવતું એન્ઝાઈમ બનતું બંધ થઈ જતું હોય છે. એટલે જેટલું વધારે સમય બાળક ધાવ્યું હોય તેમ તેનો માનસિક વિકાસ વધુ નોંધાયો છે. એટલે જે માતાઓએ બાળકને બિલકુલ નાં ધવડાવ્યું હોય તે અને ફક્ત થોડા મહિના બાળકને ધવડાવ્યું હોય તે માતાઓ એક જ નાવમાં સવાર છે, એમના બાળકોનો લાંબાગાળે માનસિક વિકાસ લગભગ સરખો જ હોય છે.”

લાંબું ભાષણ આપી શાંતિભાઈ ઊંડા શ્વાસ લેવા લાગ્યા. તો મંજુબેન એક ચિત્તે બધું સાંભળીને એમના દીકરાની વહુ જે ફક્ત છ મહિનામાં જ ધાવણ છોડાવી દેવાનું વિચારતી હતી એને કઈ રીતે સમજાવવી તે વિચારી રહ્યા હતા. આજકાલની જનરેશનને એમ સીધું કહી દેવાથી માની જાય તેવી હોતી નથી. હું એમની સમસ્યા સમજી ગયો હતો. મેં શાંતિભાઈને કહ્યું આ મંજુબેન હવે અહીં આવીને ઈ-મેલ વગેરે વાપરતા થઈ ગયા છે. નવરાં હોય ત્યારે કોમ્પ્યુટર પર બેસે પણ છે તો એમને તમે કરેલા અભ્યાસની લિંક જે હોય તે ઈ-મેલમાં મોકલી આપો. મંજુબેન તે બધી લિંક એમની વહુને ફૉર્વર્ડ કરી દે. વહુ જાતે જ વાંચી અભ્યાસ કરી નિર્ણય લે તે યોગ્ય છે.

મંજુબેન ખુશ થઈ ગયા, કહે રાઓલભાઈ તમે સરસ ઉપાય બતાવ્યો એમ જ કરવું પડશે. જોઈએ અમારો પ્લાન સફળ થાય છે કે કેમ? હાલ તો આટલું વિચારી અમે છુટા પડ્યા.

ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી)

ઈંડા મૂકતાં સસ્તન
ઈંડા મૂકતાં સસ્તન

૧- ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૧
અમારી રેડબડ સ્ટ્રીટમાં મોટાભાગે ગુજરાતીઓ રહે છે, જે રેડબડ રોડ તરીકે ઓળખાય છે. થોડા શ્વેતાશ્વેત અને થોડા ચાઇનીઝ મૂળના લોકો પણ રહે છે. આખી સ્ટ્રીટ અર્ધગોળાકાર રૂપે ફેલાયેલી છે. સામસામે મકાનો વચમાં રોડ, એક બાજુથી પ્રવેશ મેળવો અર્ધવર્તુળ ફરી બીજી બાજુથી બહાર નીકળી જવાય. એક મોટા એરીયામાં નાનું પાર્ક જેવું છે. એમાં વૉલીબોલ રમવાનું નાનકડું પાકું મેદાન, થોડા નાના બાળકોને રમવાના લપસણી જેવા સાધનો, થોડી લાકડાની પાટલીઓ પણ મૂકેલી છે. અર્ધગોળાકાર ફેલાયેલી મકાનોની સામસામેની લાઈન આગળ ચાલવા માટેના પાકા વૉક વે પણ ખરા. દરેક મકાન આગળ કાર મૂકવાના ડ્રાઈવ વે તો ખરા જ. સાંજ પડે વૉક વે પર સ્ટ્રીટનાં રહીશો ચાલવા નીકળી પડે. થાકે એટલે પાર્કમાં મૂકેલી બેંચ પર બેસી ગામ ગપાટા મારે.

સ્ટ્રીટમાં ચારપાંચ ચક્કર મારી અંબુકાકા થાક્યા એટલે પાર્કમાં મૂકેલી બેંચ પર આવીને બેઠાં, ત્યાં થોડીવારમાં શાંતિભાઈ પણ આવી પહોચ્યા. કમલાબેન અને મંજુલાબેન ચાલી ચાલી થાક્યા તો એ પણ રોજ સાંજે ભરાતી મિટીંગમાં જોઈન થઈ ગયા. ૨૫-૩૦ વર્ષ પહેલા અમેરિકામાં આવીને વસેલી ગુજરાતી મહિલાઓમાં દર બે પાંચ મહિલાએ એકનું નામ મંજુલા નીકળે જ. આ બધાને જોઇને હું પણ ચલાવાનું મુલતવી રાખી આવીને બેસી ગયો. શાંતિભાઈ હાલ તો એક ડે કેઅર સેન્ટરમાં નોકરી કરે છે પણ મૂળ સૌરાષ્ટ્રનાં અને ભારતમાં હતા ત્યારે મનોવિજ્ઞાનનાં શિક્ષક હતા. ધોરણ અગિયાર અને બારમાં મનોવિજ્ઞાન ભણાવતા. એટલે એમની વાતોમાં મનોવિજ્ઞાન આવી જાય. અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય નહિ. પણ જે હાજર હોય તેમની વચ્ચે ગપાટા મારવાનું શરુ થઈ જાય.

મંજુલાબેન છએક મહિના પહેલા દાદી બન્યા હતા. એમની પૌત્રીને ધાવતી બંધ કરવાના ઉપાયો ઘરમાં શોચવાનું શરુ થઈ ગયું હતું. મંજુબેનને તે ગળે ઊતરતું નહોતું. કારણ એમના સંતાનો ઓછામાં ઓછું બે વર્ષ તો માતાના ધાવણ પર રહેલા જ હતા. એમનો બળાપો હતો કે “નૉની અમથી સોડી..નઅ. અતારથી દૂધ સોડાઈ દેવાનું? બચારી અજુ પૂરું ખાવાનું ય શીખી નહિ.”

મને કહે અલ્યા રાઓલભઈ તમે બઉ વૉચો સૉ અન શૉન્તીભાઈ તમેય બઉ ઉશીયાર સૉ તો કૉક આ ધાવણ વિષે કૉ ને? અતારથી ધાવણ સોડાઈ દેવાનું હારું કેવાય?

આપણ ને તો ચાન્સ મળવો જોઈએ ડહાપણ ડહોળવાની એક પણ તક જવા દઈએ નહિ. મેં શરુ કર્યું, “સસ્તન પ્રાણીઓમાં બે વસ્તુ મુખ્ય હોય છે, એક તો વાળ હોવા અને બીજું  મૅમલ એટલે સસ્તન પ્રાણીના બચ્ચાનું માતાને ધાવવાનું. આ બે ગુણધર્મ ઉત્ક્રાન્તિના ક્રમમાં બહુ વહેલા મળેલા છે. માતાના ગર્ભમાં બચ્ચું ઊછરવાનું અને પછી જીવિત જન્મ આપવાનું પણ વિકાસના ક્રમમાં પછી મળેલું, તે પહેલા વાળ અને ધાવવાનું વિકસી ચૂક્યું હતું.”

કીડી ખાઉં
કીડી ખાઉં

મંજુબેન બોલ્યા “ઉભા રો ઉભા રો, જરા ધીરે થી હમજાવો. અમુક સજીવો પહેલા ઈંડા મૂકે છે એમાંથી બચ્ચા જન્મે છે. પછી એવા જીવો વિકસ્યા જેમના પેટમાં મતલબ ગર્ભમાં બચ્ચા ઊછરતા અને પુરા મહીને જન્મ લેતા. એના ય પહેલા આ વાળ અને ધાવવાનું વિકસી ચૂક્યું હતું તેવું કહેવા માંગો છો?” મંજુબેન મહેસાણામાં હતા ત્યારે શિક્ષકા હતા એટલે સમજાય નહિ ત્યાં સુધી પીછો છોડે નહિ.

મેં કહ્યું બરોબર હું એજ કહેવા માંગુ છું, “વાળ અને ધાવવાનું પહેલું વિકસેલું ગર્ભમાં બચ્ચાં ઊછરવાનું પછી, વધુમાં ફોસિલ રૂપે મળેલા સીધા પુરાવા જતાવે છે કે મૅમલ ૧૭૦ મિલ્યન વર્ષ પહેલા ચામડી પર ફરકોટ વિકસાવી ચૂક્યાં હતાં. ઇન્ડિરેક્ટ પૂરાવા તો વળી એવું દર્શાવે છે કે મૅમલ ૨૦૦ મિલ્યન વર્ષ કરતાં પણ પહેલાથી વાળ વિકસાવી ચૂક્યા છે. ફોસિલ રિકૉર્ડ પ્રમાણે પ્રથમ મૅમલ ઉદ્ભવ પામ્યા તે પહેલાનાં મૅમલ જેવાં જણાતાં ઍડ્વાન્સ સરિસર્પના લાંબાં સૂંઢ જેવા નાક પર જ્યાંથી વાળ ઊગી શકે તેવા બારીક ખાડા જણાયા છે જ્યાથી મૂછ જેવું ઊગી શકે. ડૉલ્ફિન જેવાં અક્વૅટિક મૅમલ એમના વાળ ગુમાવી ચૂક્યાં છે તે પણ હકીકત છે. માનવ પણ બીજાં મૅમલની જેમ વાળનું તગડુ પડ ધરાવતો નથી.”

“પણ આ ધાવણની વાતોમાં વાળ વચમાં ક્યાંથી આવી ગયા?” અંબુકાકા બોલ્યા. મેં કહ્યું,

“ધાવવાનું તો અપવાદ વગર દરેક મૅમલમાં સામાન્ય હોય છે. પ્લૅટિપસ મૅમલ જે બતક જેવી ચાંચ ધરવતા હોય છે અને ઍન્ટઇટર(કીડી ખાઉ) બંને ઈંડા મૂકતા હોય છે પણ બન્ને વાળ અને આંચળ ધરાવતા હોય છે. ત્યાર પછી વિકસ્યા કાંગારું જેવાં માર્સૂપિઅલ મૅમલ જે અવિકસિત જીવિત બચ્ચાંને જન્મ આપે અને પેટ ઉપર રહેલી કોથળીમાં બચ્ચાને ઉછેરે. વાળની સાથે ચામડી નીચે પરસેવો ઉત્પન્ન કરતી, ગંધ પેદા કરતી અને ઓઇલ પેદા કરતી ગ્રંથિઓ વિકસી. આ તૈલી ગ્રંથિ sebaceous ગ્રંથિમાંથી જ દૂધ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ વિકસી છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ દૂધમાં બાળક માટે ફક્ત પોષક તત્વો જ હોતા નથી, એમાં ઍન્ટિબાયૉટિક પણ હોય છે.”
કમળાબેન કહે, “આ મારા દીકરાને તો દૂધ પીવે તરત ઝાડા થઈ જતા હોય છે માટે કદી દૂધ પીતો નથી.”

મેં કહ્યું, “લગભગ પાંચ વર્ષની ઉંમરે બાળક લૅક્ટોસ પચાવે તેવું લૅક્ટેસ નામનું એન્ઝાઇમ પેદા કરવાનું બંધ કરી દેતું હોય છે. એટલે મોટાભાગના પુખ્ત લોકો લૅક્ટોસ પચાવી શકતા નથી. છતાં અમુક સમાજોમાં ડેરી પ્રોડક્ટ લેવાનું સામાન્ય અને નિયમિત હોય છે તે લોકોમાં ગૌણ અનુકૂલન તરીકે લૅક્ટોસ ટૉલરન્સ જિનેટીક સિસ્ટમ વિકસી જતી હોય છે. એશિયન લોકો કરતાં યુરોપિયન લોકોમાં લૅક્ટોસ ઇનટૉલરન્સ રેટ ઓછો જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉત્તર આફ્રિકા અને સેન્ટ્રલ યુરોપના પશુપાલન કરતા સમાજોમાં આશરે ૭૫૦૦ વર્ષ પહેલાં આવું લૅક્ટોસ પચાવે તેવું જિનેટીક મૉડિફિકેશન થયું હોવું જોઇએ. એટલે બધાને દૂધ પચે નહિ તે હકીકત છે. પહેલા તો એવું કહેવાતું કે કોકેશિયન મૂળના લોકો સિવાય બીજા લોકોને દૂધ પચે જ નહિ.”

કમળાબેન કહે એનો મતલબ બાળક પાંચ વર્ષ સુધી ધાવે તેવી વ્યવસ્થા કુદરતે જ મૂકેલી છે.

મેં કહ્યું સાચી વાત છે. આપણા હન્ટર-ગેધરર પૂર્વજો બાળકોને પાંચ વર્ષ સુધી ધવડાવતા જ હતા. ધાવણ વિષે થોડી મનોવૈજ્ઞાનિક વાતો આ શાંતિભાઈ કરે તો ઓર જાણવા મળે.

શાંતિભાઈ કહે હવે આજે તો હવે મોડું થઈ ગયું છે. જમવાનો સમય પણ થઈ ગયો છે, કાલે મળીશું તો જે જાણું છું તે કહીશ. images-=
આમ અમારી રેડબડ ગામ ગપાટા મંડળી છૂટી પડી..