
મૅમલમાં pair-bonding બહુ ઓછું જોવા મળે, લગભગ ના બરોબર. ગ્રેટ એપ્સમાં ચિમ્પૅન્ઝી, ગરિલા, બોનોબો વગેરેમાં પેઅર બૉન્ડિંગ હોતું નથી. ગૃપના નેતાજી બધી માદાઓને ભોગવતા હોય છે. બોનોબોમાં ગૃપ નેતા માતાજી હોય છે તે વાત જુદી છે. ગિબનમાં પેઅર બૉન્ડિંગ હોય છે. પણ એમાં માદા ગિબન ઇમર્જન્સીમાં બૂમ પાડે અને નર ગિબન જલદી આવે નહિ તો ખલાસ, માદા એને ઊભો મેલીને બીજો ભાયડો પસંદ કરી લેતી હોય છે.
પોતાના જેનિસ સહેલાઈથી મોટા કરવા હોય તો પેઅર બૉન્ડિંગ જરૂરી બની જાય છે. નાના નાના કારણોસર પેઅર બૉન્ડિંગ છૂટું પડી ના જાય, પેર અલગ પડી ના જાય માટે ધીમે ધીમે પેઅર બૉન્ડિંગને એક વિધિ આપવાનું શરુ થયું, કે તમારા સહજીવન શરુ થયા સમયે આ વિધિ કરેલી છે, માટે નજીવા કારણોસર આવેશમાં આવીને છુટા પડાય નહિ. આવું ગોઠવીને સમૂહના બુદ્ધિશાળી આગેવાનોએ એક નવો કૉન્સેપ્ટ ઊભો કર્યો તેનું નામ લગ્નવિધિ, અને આ કર્મકાંડને આધારે સહજીવન શરુ થયા તેને કહેવાય લગ્નવ્યવસ્થા.
પેઅર બૉન્ડિંગ શરુ નહોતું થયું ત્યાં સુધી સંતાનો આખા સમૂહના કહેવાતા, ત્યાં આખો સમાજ ભેગાં થઈને બાળકોને ઉછેરતો હોય. પેઅર બૉન્ડિંગ શરુ થયા, એટલે સંતાનોની ઉછેરવાની જવાબદારી માતાપિતાની આવી ગઈ. હવે આ પેઅરમાંથી એક જુદું પડી જાય તો એકલાં પિતા કે એકલી માતાએ સંતાનને ઉછેરવું પડે. અમેરિકામાં હાલ એજ થઈ રહ્યું છે. સૌથી વધુ સિંગલ પૅરન્ટ અમેરિકામાં છે. બાળકોના ઉછેર બાબતે લગ્નવ્યવસ્થા ખૂબ ઉત્તમ પુરવાર થાય છે. સિંગલ પૅરન્ટ દ્વારા ઉછેરાયેલા બાળકોની માનસિકતા અલગ રહેવાની તે નક્કી છે. માતાના સ્નેહ અને પિતાના રક્ષણ અને હૂંફ વચ્ચે ઊછરેલા બાળકોની માનસિકતા અલગ હોય તે સ્વાભાવિક છે.
મોટાભાગના મૅમલ પૉલીગમસ(બહુગામી) હોય છે, તેમ માનવજાત બહુગમન કરતું મૅમલ છે. લગ્નવ્યવસ્થા હતી છતાં પૉલીગમી ચાલુ જ હતી, પણ લગ્નવ્યવસ્થા એ મનૉગમી તરફનું પહેલું ચરણ હતું એવું મને લાગે છે. અમુક જગ્યાએ પુરુષો ઘણીબધી સ્ત્રીઓ સાથે લગ્ન કરી પૉલીગમી આચરતા તો ઘણા સમાજોમાં સ્ત્રીઓ બહુ પતિઓ રાખતી. ભારતમાં પણ ઘણા સમાજોમાં બહુપતિત્વ(પૉલીઍન્ડ્રી) ચાલુ હતું. તિબેટ બહુપતિત્વનું ઉત્તમ ઉદાહરણ છે.
પૉલીગમી જીનમાં હોય છે અને મનૉગમી સામાજિક વ્યવસ્થા છે. બંનેના ટકરાવમાં માનવજાત ફસાઈ ગઈ છે. મનૉગમીમાં એક સ્ત્રી અને એક પુરુષ સંસર્ગ કરતા હોય છે. લગ્ન વ્યવસ્થા દ્વારા હાલ મોટાભાગના દેશોમાં આ પ્રથા કાયદાથી અપનાવાય છે. એક પત્ની કે એક પતિ હોવો તે મનૉગમી.
માનવજાતે હમણાં સુધી પૉલીગમી આચરી છે. મનૉગમી બહુ જૂની વાત નથી. આમ ઐતિહાસિક રીતે જોઈએ તો માનવજાત પૉલીગમસ બહુ લાંબો સમય રહી છે. મજબૂત, વિપુલ રિસોઅર્સ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષો અસંખ્ય સ્ત્રીઓ રાખતા. એક પુરુષ ચાર સ્ત્રીઓ રાખે મતલબ બાકીના ત્રણ સ્ત્રી વગર રહી જવાના. હમણાં બ્રિટનમાં એક પુરુષ એની સાથે સાત સ્ત્રીઓ રાખે છે તે જોયું, મતલબ બીજા છ પુરુષોનો ચાન્સ ગયો. આમ ઇવલૂશનની હિસ્ટરીમાં ત્રીજા ભાગના પુરુષો એમના જેનિસ ટ્રાન્સ્ફર કર્યા વગર જ દેવ થઈ ગયા છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. છતાં મનૉગમી બહુ ઝડપથી ફેલાઈ ગઈ.
જ્યારે આપણે લગ્ન કરીએ ત્યારે વિચારીએ છીએ કે આપણું એક વ્યક્તિ સાથેનું પેઅર બૉન્ડિંગ કાયમ માટે છે. મેરેજ કૉનસેપ્ટની અંદર મનૉગમી ખૂબ ઊંડે ધરબાયેલી છે. છતાં મનૉગમીનો ઇતિહાસ સાવ નવો છે. નેપાળમાં ૧૯૬૩માં મનૉગમી કાયદેસર થઈ. પુરુષોને સેક્સ્યૂઅલ વેરાયટિ અને શૉર્ટ ટર્મ યુનિયનમાં રસ હોય છે, જ્યારે સ્ત્રીઓને એમના બાળકોના ઉછેરમાં ઍક્ટિવ ભાગ ભજવે તેવા હેલ્થી, વેલ્થિ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષમાં રસ હોય છે. છતાં આજે મનૉગમી સમાજ પર હાવી થઈ ગઈ છે.
બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીના Joseph Henrich નામના એક વૈજ્ઞાનિકે એક રસપ્રદ સ્ટડી બહાર પાડ્યો છે. હાઈ-સ્ટૅટ્સ ધરાવતા પુરુષો એક્સ્ટ્રા પત્નીઓ મેળવી જતા ક્યારેક ત્રણ કે ચાર. આમ બાકીના લો-સ્ટૅટ્સ પુરુષો માટે સ્ત્રીઓનો દુકાળ વર્તાય. આમ લો-સ્ટૅટ્સ પુરુષો સ્ત્રીઓ માટે બેબાકળા બની જવાના, સાથે સ્ત્રી મેળવવા હિંસક બનતા વાર લાગે નહિ. હેનરીક અને તેના સાથીઓના અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું કે પૉલીગમસ સમાજોમાં ક્રાઇમ રેટ વધારે હોય છે. જ્યાં દરેકને સ્ત્રી ઉપલબ્ધ હોય છે ત્યાં પુરુષો એમના કુટુંબ અને સમાજ માટે કામ કરવામાં વ્યસ્ત વધુ જોવા મળે છે. મનૉગમી સમાજ માટે ફાયદાકારક છે. પૉલીગમી નેચરલ સિલેક્શન છે, મનૉગમી ગૃપ સિલેક્શન છે.
૧) મનૉગમીનો પહેલો ફાયદો એ છે કે તે ક્રાઇમ રેટ ઓછો કરે છે. એક પુરુષ ત્રણ કે ચાર સ્ત્રીઓ રાખીને બેઠો હોય તો બાકીના રહી ગયેલા સ્ત્રી પામવા માટે કોઈ પણ જોખમ ખેડવા તૈયાર રહેવાના. અભ્યાસ જણાવે છે કે કુંવારા પુરુષો પોતાનું એક ગૃપ બનાવતા હોય છે અને તે ખૂબ જોખમી અને ગંભીર ક્રાઇમ જેવા કે મર્ડર, રૅપ, સ્ત્રીઓનું કિડનેપિંગ કરતા વિચારતા નથી. પરણેલા પુરુષો આવું ઓછું કરતા હોય છે. મનૉગમીનાં કારણે દરેકને સ્ત્રી મળી રહેતી હોવાથી સિંગલ પુરુષોની સંખ્યા ઓછી થતી હોવાથી ક્રાઇમ રેટ નીચો જાય છે.
૨) મનૉગમીનો બીજો ફાયદો સ્ત્રીઓ અને છોકરીઓ માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં એક પુરુષ અનેકવાર લગ્ન કરતો હોય છે. આમ અનેક સ્ત્રીઓ સાથે લગ્નો એક સાથે તો ના થઈ જાય. પહેલી પત્ની અને છેલ્લી પત્ની વચ્ચે ઉમરનો ખાસો તફાવત રહેવાનો. અનમેરીડ સ્ત્રીઓનો સપ્લાય ઓછો હોય ત્યાં ગમે તે ઉંમરનો પુરુષ હોય નવું લગ્ન યંગ એજની સ્ત્રી સાથે જ કરવાનો. આમ પતિ પત્ની વચ્ચે ઉમરનો તફાવત મોટો થતો જવાનો. જુવાન પત્નીને સાચવવી પણ વધારે પડે. લોખંડી પંજો તેની ઉપર ધરી રાખવો પડે. નહી તો કાગડા અને કોયલ જેવું થાય.
મને એક દાખલો યાદ છે. મારું બચપણ વિજાપુરમાં ગુજરેલું. ત્યાં એક હાઈ-સ્ટૅટ્સ ધરાવતા વ્યક્તિ હતા તેમણે નવ વાર લગ્ન કરેલા. તેમની નવમી પત્ની ખૂબ નાની હતી. આ નવમી પત્નીના ઑરમાન દીકરાઓ એમના કરતા મોટા હતા. અરે એમની ઑરમાન પુત્રવધુઓ પણ એમનાથી મોટી હતી. આમ બહુ મોટી એજ ગેપ અવિશ્વાસમાં પરિણમતી હોય છે ત્યાં ડોમેસ્ટિક વાયલન્સ ખૂબ વધી જતું હોય છે.
સામે છેડે મનૉગમીમાં age ગેપ ઓછી થઈ જતી હોય છે. યુવાન સ્ત્રીઓ પર પ્રેશર ઓછું થતું હોય છે. ઓછી થતી જતી એજ ગેપ લોકશાહી અને સ્ત્રી પુરુષ સમાન છે તે મુદ્દા તરફ લઈ જતી હોય છે.
૩) મનૉગમી ઘરેલું શાંતિ લાવે છે. પૉલીગમસ ઘરમાં અનેક સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હોય છે. એકબીજા સાથે લોહીના સંબંધ ભાગ્યે જ હોય. આમ આ સ્ત્રીઓ વચ્ચે વિખવાદ કાયમ રહેવાના. હિંસા, મર્ડર, કુડકપટથી ભરેલો રજવાડાઓનો ઇતિહાસ આપણે ક્યાં નથી જાણતા? એમાં રાણીઓ વચ્ચેની હરીફાઈઓ જ મુખ્ય હતી. મનૉગમસ મેરેજમાં આવું બધું સાવ ઓછું થઈ જાય તે સ્વાભાવિક છે.
૪) મનૉગમી પિતા અને બાળક વચ્ચેના સંબંધો માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં પુરુષનું ધ્યાન વધારે ને વધારે સ્ત્રીઓ મેળવવા તરફ વધુ હોય છે. મલ્ટિપલ વાઇવ્સના મલ્ટિપલ ચિલ્ડ્રન્સ પ્રત્યે પિતા પૂરતું ધ્યાન આપી શકતો નથી. મનૉગમીમાં પિતા બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકે છે.
આમ મનૉગમીમાં પુરુષ એક જવાબદાર પિતા અને પતિ બનવા તરફ વધુ ધ્યાન આપી રહ્યો હોય છે. મનૉગમીનો મુખ્ય ગેરફાયદો એ છે કે એના વડે નવી પેઢીમાં મજબૂત જેનિસ પાસ કરવાનો ઉત્ક્રાંન્તિનો મુખ્ય હેતુ સરતો નથી. મનૉગમી અને લગ્નવ્યવસ્થાને લીધે બીમાર, કમજોર, વિકલાંગ, માનસિક વિકલાંગ, માનસિક બીમારીઓથી પીડાતા, ભયાનક રોગો વડે પીડાતા અને દરિદ્ર જે પોતાના સંતાનોનું પોષણ સરખું કરી શકે તેમ ના હોય તેવાં દરેકને સ્ત્રી મળી જતી હોવાથી પ્રજા ધીમે ધીમે એવી બીમાર જેનિસ ધરાવતી વધતી જ જાય છે.