જોડે રેજો રાજ. Hard Truths About Human Nature.ઉત્ક્રાંતિનું મહત્વનું પરિબળ છે કામ(સેક્સ). એના રૂપ ભલે વિવિધ હોય, જેવા કે વનસ્પતિ જગતમાં પરાગનયન કહેવાય છે પણ સેક્સ વગર ઉત્ક્રાંતિ શક્ય નથી. ઘણા સજીવો પ્રત્યક્ષ સમાગમ કરતા નથી હોતા. દા.ત. માછલીઓમાં એગ્સ ઉપર સ્પર્મ છાંટીને નર રવાના થઈ જતો હોય છે. આમ ઉત્ક્રાંતિનું ચક્કર આગળ ચાલુ રાખવા નર માદાનું સાહચર્ય જરૂરી છે. કુદરતને આ ચક્કર ખૂબ મજબૂતીથી આગળ વધારવું છે. આમ હવા, પાણી અને ખોરાકની જેમ sex drive બેસિક છે. કુદરતને નબળા જેનિસ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર થાય તેમાં રસ નથી હોતો. કરોડો વર્ષોથી પ્રાણીઓ નાર માદાના સંબંધોને કોઈ નામ આપ્યા વગર ઉત્ક્રાંતિ કરતા આવ્યા છે.
પુરાણોની પ્રતીકાત્મક વાર્તાઓ સમજવા જેવી હોય છે. એમાંથી ઇવલૂશનનો ઇતિહાસ મેળવી શકાય છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ શરૂમાં બ્રહ્માજીએ સ્ત્રી ઉત્પન્ન કરી, જે હાલની દ્રષ્ટીએ એમની પુત્રી કહેવાય. પુત્રી સાથે મૈથુનમાં રત થઈને બ્રહ્માજીએ સંખ્યા વધારવાનું શરુ કર્યું. વાર્તા તો એવી છે કે એમની પુત્રી ભાગી અને બ્રહ્માજી પાછળ પડ્યા. અહીં જુઓ મજબૂત નરનાં પરીક્ષણ માટે લગભગ તમામ સજીવ માદાઓ ભાગતી હોય છે, નરને પોતાની પાછળ દોડાવતી હોય છે પછી સમાગમ કરવા દેતી હોય છે.
આ પુત્રી ભાગીને ગાય બની ગઈ તો બ્રહ્માજી આખલો બની ગયા, ઘોડી બની ગઈ તો બ્રહ્માજી ઘોડો બની ગયા. આમ સ્વરૂપ બદલાતા ગયા અને જાત જાતના સજીવો પેદા થતા ગયા. કુદરત ફળદ્રુપ સ્ત્રી અને પુરુષ એવા સંબંધને જાણતી હોય છે. ધીમે ધીમે ઇવલૂશન થતું ગયું. સંબંધોને નામ મળતા ગયા. પુત્રી સાથેના સેક્સ સંબંધો પ્રાચીન ઈજીપ્તમાં માન્ય હતા.
જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવ જેઓ આદિનાથ તરીકે પણ ઓળખાય છે. નાથ શબ્દ સમૂહના વડાને સૂચવે છે. આદિનાથ સુધી બહેન સાથે જ જોડી બનાવીને પ્રજોત્પત્તિ કરવામાં આવતી હતી. લગ્નવ્યવસ્થા જેવું કશું હતું નહિ. ઋષભદેવનો ઉલ્લેખ તો ઋગ્વેદમાં પણ છે. વાર્તા એવી છે કે દરેક જોડીને એક પુત્ર અને પુત્રી પેદા થતા મોટા થઈને આ જ કહેવાતા ભાઈ બહેન જોડી બનાવીને આગળ સંતાન પેદા કરતા. અકસ્માતે આવી એક જોડી ખંડિત થઈ, આ જોડીમાંનો પુરુષ મૃત્યુ પામ્યો. પેલી સ્ત્રી એકલી પડી, તો ઋષભદેવે એમની સાથે સ્ત્રી હોવા છતાં પેલી એકલી પડેલી સ્ત્રી સાથે જોડી બનાવી. અહીં શરૂઆત થઈ ભાઈ બહેન સિવાય જોડી બનાવવાની. આ વાર્તા સત્ય હોય કે નાં પણ હોય. છતાં સમજવા જેવી વાત એ છે કે ભાઈ બહેનનાં સેક્સ સંબંધો સિવાયના સેક્સ સંબંધોની શરૂઆત થઈ. ચાલો યમ અને યમીનો દાખલો જોઈએ.
યમરાજાને ધર્મરાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. યમરાજાને એક બહેન હતી યમી. આ યમીએ ભાઈ યમને સમાગમ કરીને સંતાન માટેની ઇચ્છા પૂરી કરવાનું કહ્યું. યમરાજાએ આ ઑફર નકારી. ત્યારે યમી ગુસ્સે થાય છે, ભાઈ શું કામનો જે એની ઇચ્છા પૂરી ના કરે અને અનાથ છોડી દે? भ्राता, भर्तृ બંનેનું મૂળ भ्रમાં સમાયેલું છે, અને એનો અર્થ ભરવું કે સંતોષવું થાય. યમી કહે છે ”किंभ्रातासद्यद्अनाथंभवति? किमुस्वसायत्निरऋतिःनगच्छात्”.
પ્રાચીન ઈજીપ્તમાં રાજા એની બહેન જોડે જ લગ્ન કરતો બ્લડ લાઈન શુદ્ધ રાખવા માટે અને ક્વચિત્ પુત્રી જોડે લગ્ન કરતો. અહીં યમ દ્વારા યમીને નાં પાડવાથી એક કુખે અવતરેલા વચ્ચે જોડી બનાવવાના સંબંધો પૂર્ણ થયા અને ભાઈ બહેનના સંબંધો ઊભર્યા જ્યાં સેક્સ અસ્વીકાર્ય બન્યો. અનુભવો દ્વારા માનવ શીખ્યો હોય કે નજીકના લોહીના સંબંધોમાં પ્રજા પેદા કરવામાં વારસાગત રોગો ઊતરવાનું જોખમ વધી જાય છે. આ સમજ કેળવાઈ હોય અને યમ દ્વારા યમીને સંતાન પ્રાપ્ત કરવાની ઇચ્છા પૂર્ણ કરવા બાબતે ના પડાઈ હોય.
મોટાભાગના મૅમલ સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલા છે. માંસાહારી મૅમલ વચ્ચે સર્વાઇવ થવાનું હોય તેવા મૅમલ તો ખાસ સમૂહમાં રહે તો જલદી સર્વાઇવ થવાય તેવું શીખીને સમૂહમાં રહેવા ઈવૉલ્વ થઈ જતા હોય છે. કાર્નિવોરસ મૅમલ પણ એકલાં હોય તો શિકાર મળવો મુશ્કેલ હોય છે. દિવસો સુધી ભૂખ્યા રહેવું પડતું હોય છે.
માણસજાત સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલી છે. એટલે ધીમે ધીમે પ્રથમ માતૃપ્રધાન સમાજ વિકાસ પામ્યા હશે. સંતાનો પણ માતાથી ઓળખાતા પિતા વડે નહિ. પિતા સમૂહમાંથી કોઈ પણ હોઈ શકે. મામા શબ્દ પિતા કરતા જુનો લાગે છે. બાળકો પણ સમૂહના બાળકો ગણાતા. વંશ પણ શરૂમાં માતાથી ઓળખાયા છે. અદિતિના આદિત્ય, દિતિના દૈત્ય, દનુના દાનવ આમ વંશ પણ માતા વડે ઓળખ પામેલા છે.
આપણાં હોમોસેપિનનાં કઝન ગણાતા ચિમ્પેન્ઝી male dominant સમાજ ધરાવે છે, અને એવા જ બીજા કઝન બોનોબો female dominant સમાજ ધરાવે છે. હાથી માતૃપ્રધાન સમાજ છે. મોટાભાગના મૅમલમાં pair-bonding હોતું નથી. માનવમાં પણ નહોતું. લગ્નવ્યવસ્થા હજુ દૂરની વાત હતી. ધીમે ધીમે વિકાસના ક્રમમાં આગળ વધતા વધતા, સમૂહની પ્રધાન સ્ત્રી પોતાના સમૂહના જુદા જુદા પુરુષો સાથે સમાગમ સંબંધો રાખતી હશે, સમૂહનો મુખ્ય પુરુષ સમૂહની તમામ સ્ત્રીઓ પ્રત્યે આધિપત્ય રાખતો હશે, સમૂહના અનેક પુરુષો અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખતા હશે. એક સમૂહના સ્ત્રી અથવા પુરુષો બીજા સમૂહના સ્ત્રી પુરુષો સાથે સંબંધ રાખતા હશે. આમ એક સમૂહ એટલે એક વંશ આવા સમૂહો ધીમે ધીમે ગોત્રમાં પરિવર્તન પામ્યા હશે તે નક્કી છે. હવે સ્ત્રીની પહેલી પસંદ મજબૂત જીન અને વિપુલ સંપદા હોય તે સ્વાભાવિક છે.
ઘણાને સ્ત્રી મળતી નહિ હોય જેનિસ ટ્રાન્સ્ફર કરવા માટે. આવા લોકોને સ્વેચ્છાએ કે અનિચ્છાએ સ્ત્રીઓ માટે પોતાનો દાવો જતો કરવો પડતો હશે. આવા લોકોને માન સન્માન આપી દેવું સારું એ બહાને નડતા બચે. આવા લોકો બ્રહ્મચારી ઋષિઓ કહેવાયા. ચાલો આ જન્મે નહિ આવતા જન્મે કે સ્વર્ગમાં સોળ વરસની સુંદર અપ્સરાઓ ભોગવવા મળશે, હાલ ભાગો અહીંથી તપ કરો જંગલમાં જઈ. સનકાદી ઋષિઓ આવા દાખલા છે. એમાં તપ કરતા કોઈવાર ભૂલમાં કન્યા મળી પણ જાય જેમ ચ્યવન ઋષિને મળી ગયેલી. એ બહાને આજે આપણને ચ્યવનપ્રાશ ખાવા મળે છે.
પુરાણોમાં મુક્તાચાર, ભાઈ બહેનના સમાગમ સંબંધો, પોતાની સ્ત્રી મિત્ર કે મહેમાનને અર્પણ કરવી, ગુરુપત્ની સાથે સમાગમ, બહુ પુરુષ ગમન, બહુ સ્ત્રી ગમન, પ્રાણીઓ સાથે સમાગમ, હંગામી સંબંધો, કન્ટ્રેક્ટ મૅરેજ જેવા અનેક દાખલા જોવા મળશે. વસિષ્ઠ અને અગત્સ્ય ઋષિ બંને એક જ માતાના જુદા જુદા પિતા દ્વારા પેદા થયેલા ભાઈઓ હતા. એ સમાજ આજના જેટલો દુષ્ટ ઑર્થોડૉક્સ સમાજ નહોતો. એ સમાજ આજના જેટલો પ્રેમીઓનો દુશ્મન નહોતો.





















