Tag Archives: Mirror neuron

ફેસબુક વળગણ ( Hard Truths About Human Nature)

ફેસબુક વળગણ  ( Hard Truths About Human Nature)

 

 

કોઈ સાયકીયાટ્રીસ્ટને પૂછવાની જરૂર નથી કે આજે  દુનિયા ફેસબુક પાછળ  પાગલ  થઈ ગઈ છે. આશ્ચર્યજનક  આંકડા જણાવે છે કે આશરે ૮૦૦  મિલિયન લોકો દર મહીને ફેસબુક વાપરે છે. યુ.એસ.એ. સ્થિત  આશરે ૧૫ કરોડ ૬૮ લાખ લોકો, બ્રાઝીલના ૪ કરોડ ૮૦ લાખ, ભારતના ૪ કરોડ ૬૩ લાખ, ઈન્ડોનેશિયાના ૪ કરોડ ૨૫ લાખ  લોકો નિયમિત ફેસબુક નો ઉપયોગ  કરે છે. આપણાં પાડોશી દેશ પાકિસ્તાનના ૬૪ લાખ લોકો ફેસબુક  યુઝર છે. ચીન  વસ્તીમાં નંબર વન ભલે હોય  પણ આશરે ૫ લાખ ૫૦૦૦ ચીનાઓ  જ ફેસબુકમાં માને છે. એના કરતા ગરીબ  અને ભૂખે મરતાં દેશ  જણાતા ઇથિયોપિયામાં ૫ લાખ ૩૭૦૦૦ લોકો ફેસબુકના દીવાના છે. સૌથી ઓછા ફેસબુક પાગલો વેટિકન સિટીમાં રહે છે, ફક્ત ૨૦ જણા, બાકીના વેટિકન  લોકોને અતિપાગલ  માનવા હોય તો માની શકાય. આમ લગભગ આખી દુનિયા ફેસબુક પાછળ દીવાની છે એની પાછળનું વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક , રાસાયણિક  રહસ્ય  સમજવા જેવું છે.

 

 

ફેસબુક  ઘેનની પાછળ  જવાબદાર  રહસ્યમય  પ્રવાહીનું નામ  છે, dopamine. ડોપામીન  એક  બ્રેઈન  કેમિકલ  છે જે આનંદદાયક ભાવનાઓ  સાથે  જોડાયેલું છે.  આપણે સ્વાદિષ્ટ ભોજન કરીએ, પૈસા બનાવીએ, સેક્સમાં ઊતરીએ કે પછી કોકેન, ભાંગ  કે ગાંજાનો નશો કરીએ  ડોપામીનનાં આનંદદાયક  નાનકડા ફુવારા બ્રેઈનમાં છૂટીને ખુશી અર્પતા હોય છે, બરાબર તે જ રીતે બ્રેઇનમા રહેલા રીવોર્ડ  રસ્તે ડોપામીન  રીલીઝ  થાય છે જ્યારે આપણે ફેસબુક ઉપર  ખાસ પસંદ કરીને ફોટો મૂકીએ છીએ કે સરસ મજાનું પ્રોફાઈલ પિક્ચર મૂકીને મિત્રોનું સ્વાગત કરીએ છીએ. વર્ચ્યુઅલ  ફ્રેન્ડશીપ પણ રીયલ ફ્રેન્ડશીપની જેમ ડોપામીન હેપીનેસ આપે છે.

 

 

 કરુણ વાતો અને દુઃખદ  ઘટનાઓ પણ  મિત્રો સાથે શેર કરીએ છીએ  એની પાછળ મળે છે મિત્રોનો વિશ્વાસ  અને સહાનૂભુતિ જે oxytocin  હેપીનેસ  આપે છે જે love hormone  તરીકે ઓળખાય છે. સંકટ સમયે  stress hormone cortisol  જે પીડા આપે છે તેનું  શમન  કરવાનું કામ મિત્રોના લાગણીશીલ  પ્રત્યુત્તર કરતા હોય છે. મિત્રોના સારા પ્રતિભાવ બ્રેઈનના રીવોર્ડ વિભાગને ઉત્તેજિત કરતા હોય છે. આમ તો ફેસબુક આપણાં બ્રેઈનને એપ્રિલફૂલ બનાવે છે કે આપણાં ચાહતા આસપાસ છે, જે સર્વાઈવલ માટે જરૂરી છે. આપણાં શુભેચ્છકો આસપાસ હોય તો સર્વાઇવલના ચાન્સ વધી જાય. ફોટોગ્રાફી હમણાં શરુ થઈ, બહુ બહુ તો ૨૦૦ વર્ષ થયા હશે, ફોટોગ્રાફી પહેલા લાખો વર્ષ થયા હ્યુમન બ્રેઈન ઇવોલ્વ થયે. ફોટા જોઇને માનવી  પ્રત્યક્ષ છે તેવું અચેતન રૂપે ફિલ થતું હોય છે. સિનેમાની શોધ પણ હમણાં થઈ કહેવાય. હ્યુમન ઈવોલ્યુશનની સરખામણીએ આ બધી શોધોનો આજે જન્મ થયો હોય તવું કહેવાય. મુવી જોવા બેઠાં હોઈએ ત્યારે સામે પડદો છે તે બધું ભુલાઈ જાય છે. બધું રીયલ હોય તેવું જ લાગતું હોય છે.  મુવી જોતા જોતા કરુણ ઘટના દર્શાવતા દ્ગશ્યો આવે તો લોકો ચોધાર આંશુડે રડતા હોય છે. અમુક લેવલે પિક્ચર અને પીપલ વચ્ચે તફાવત છે તે યાદ રાખવામાં બ્રેઈન અસફળ થતું હોય છે. ફેસબુક પર ચેટિંગ કરીએ ત્યારે રૂબરૂ વાતો કરતા હોઈએ તેવું જ ફિલ થતું હોય છે.

 

 

૨૦૦૪ સુધીમાં ફેસબુક ઉપર  ૧૨૫ બિલિયન ફ્રેન્ડશીપ કનેક્શન થયા હતા, બે બિલિયન લાઈક્સ અને એક બિલિયન કોમેન્ટ્સ આવી ગઈ હતી. ડોપામીન લોડ  રીલીઝ થવા માટે ફેસબુક ઉત્તેજક માધ્યમ બનતું હોય છે, જે એકલતાની સફળ દવા બની જાય છે. આજે હજારોની ભીડ વચ્ચે માનવી જ્યારે સાવ એકલો પડી ગયો છે ત્યારે ફેસબુક રાહત આપે છે. જોકે બધા માણસો એકલતા અનુભવતા હોય તેવું પણ નથી. અહીં ફેસબુક જુદી રીતે કામ કરે છે. નૉવેલ્ટી, નવીનતા પણ બ્રેઇનમા હેપી કેમિકલ્સ રીલીઝ કરવા જવાબદાર બનતી હોય છે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીએ, કોઈ નવું કપડું, નવા ઘરેણા, ફર્નિચર ત્યારે જે સુખ મળતું હોય છે થોડા દિવસ તે ન્યુરોકેમિસ્ટ્રીને આધારે છે. ઘરમાં નવું ફર્નિચર આવે અને કોઈ બીજું જુએ નહિ તો પણ મજા આવે નહિ. બે વખાણના શબ્દોની આશા બ્રેઈન રાખતું હોય છે. ભારતમાં તો અતિથિ દેવો ભવઃ હિસાબે કોઈ ને કોઈ ઘરમાં આવી જતું હોય છે એટલે કામ પતી જાય. પણ અહીં અમેરિકા અતિથિ દેવો ભવઃ મૅનર વગરનું લાગે. આપણાં ગુજરાતીઓ ઘરમાં કશું નવું લાવે તો કોને બતાવે? અ સત્યનારાયણની કથા રાખી દો, કામ પૂરું. અમારા શ્રીમતીજીના એક મહિલા સંબંધી  ક્યારેક ખૂબ આગ્રહ કરીને ઘરે બોલાવે, તો હું શ્રીમતીને કહું કે નક્કી આ તમારા સંબંધી કોઈ નવા ડ્રેસ કે જ્વેલરી ખરીદી લાવ્યા હશે. અને હું કાયમ સાચો પડતો હોઉં છું.

 

 

ઘણા લોકોને વ્યર્થ ખરીદી કરવાનો રોગ લાગેલો હોય છે. જોકે જ્યાં જરૂરી વસ્તુ ખરીદવાના ફાંફાં હોય ત્યાં વ્યર્થ ખરીદીની વાત ક્યાંથી હોય? પણ મેં અહીં એવી સંબંધી મહિલાઓ જોઈ છે જે આખો દિવસ Macy’s અને kohls જેવા સ્ટોરોમાં ફર્યા કરતી હોય અને કામ વગરના ડ્રેસીસ ખરીદ્યા કરતી હોય છે. એમના ઘરમાં એક દુકાન બનાવી શકાય તેટલા કપડા મેં પોતે જોયા છે એમાંથી ઘણાના તો પહેરવાનો વારો પણ આવતો નથી. આમ નવીનતા પણ સુખાનુબોધ અર્પે છે. આ હેપી કેમિકલ ઉપર ફેસબુકે બહુ મોટું માર્કેટ કવર કર્યું છે, અહીં રોજ આશરે ૩૦૦ મિલિયન નવી પોસ્ટ મુકાય છે. વળી ફેસબુકે એમાં ગેઈમ એડ કરી છે, જેને રમીને ૧૦૦ મિલિયન યુઝર્સ ડોપામીન ડોઝ મેળવે છે. અને આમાનું ઇન્વિટેશન ફીચર ડોપામીન સાથે ઓક્સીટોસીન સુખાનુંબોધ પણ આપે છે જે આપણે મિત્રો સાથે ગપ્પા મારીને મેળવતા હોઈએ છીએ.

 

 

ચાલો થોડું વધુ ખોતરીયે. બ્રેઇનમા mirror neuron હોય છે. જ્યારે કોઈ લાગણી દર્શાવે છે ત્યારે આ મિરર  ન્યુરોન્સ કામ કરતા હોય છે. આ ન્યુરોન્સ સહાનૂભુતિ સાથે તાદાત્મ્યની અનુભૂતિ કરાવતા અનુકરણશીલ હોય છે. જ્યારે કોઈ આપણને સ્માઈલ આપે છે ત્યારે આપણે કોઈ કારણ   જાણ્યા વગર સામે સ્માઈલ આપીએ છીએ. એ કરામત મિરર ન્યુરોનની છે. લાગણીઓ ચેપી હોય છે. બધા ચેપ ખરાબ હોતા નથી. ફેસબુક પોજીટીવ લાગણીઓનો શીતલ જળનો ફુવારો છે. યે દિલ માંગે more. Dopamine અને oxytocin ખૂબ પાવરફુલ સ્ટફ છે.

 

 

Nadkarni અને Hofmann (૨૦૧૨) નામના મનોવૈજ્ઞાનિકો  દ્વારા એક સ્ટડી થયેલો કે કયા મનોવૈજ્ઞાનિક  કારણો  ફેસબુક યુઝ  કરવા માટે કારણભૂત હોય છે. માનવની બે મૂળભૂત સામાજિક જરૂરિયાતો હોય છે. માનવ બીજા સાથે સામાજિક રીતે જોડાવા અને બીજા દ્વારા સ્વીકાર્ય બને તે રીતે  ડીઝાઈન થયો છે. જેટલું ફેસબુક યુઝ વધુ કરો તેટલા વધુ કનેક્ટેડ રહી શકાય છે. વધુને વધુ ફ્રૅન્ડ રીક્વેસ્ટ મળતી જતી હોય છે. બીજી મહત્વની મૂળભૂત જરૂરિયાત સેલ્ફ પ્રેઝન્ટેશન છે. જે ફેસબુક દ્વારા વ્યક્ત કરી શકાય છે. ફેસબુક ઉપર વ્યક્તિ પોતાને સામાજિક રીતે વધારે appealing સાબિત કરી શકતો હોય છે. આજે જ્યારે અત્યાધુનિક  જમાનામાં  રિશ્તો નાતે સારી રીતે જાળવી રાખવા મુશ્કેલ બનતું જાય છે, કહેવાતા સમાજ ધીમે ધીમે ઓગળી રહ્યા છે અને વધારે ને વધારે લોકો એકલતા અનુભવી રહ્યા છે ત્યારે આ આધુનિક ટેક્નોલૉજી મદદમાં આવી રહી છે. ભારતીય સમાજ માટે એકલતા આવવાની હજુ વાર છે, પણ અમેરિકન સમાજ માટે એકલતા અનિવાર્ય અંગ બની ચૂકી છે.

 

 

ફેસબુક ઉપર ઘણા લોકોના હજારો મિત્રો હોય છે અને કેટલાંના બહુ ઓછા. કોઈ માનશે? આ બ્રેઈનની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. એક તાજો સ્ટડી બતાવે છે કે જે લોકોના ખૂબ મિત્રો હોય તેમની આંખની ઉપરના ભાગે કપાળની અંદર આવેલો બ્રેઈનનો orbital prefrontal cortex વિભાગ જરા મોટો હોય છે. આ  વિભાગ ખૂબ જટિલ  ચિંતન મનન  કરતો હોય છે પોતાના વિષે અને બીજા શું વિચારતા હશે તેના વિષે. નવા તાજાં અભ્યાસ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો ખૂબ મોટા સામાજિક નેટવર્ક દ્વારા જોડાયેલા હોય છે જેમાં ફેસબુક પણ સામેલ કરી શકાય છે તેવા લોકોના બ્રેઈનમાં  આવેલું કલ્પના અને લાગણીઓનું  નિયમન કરતું તંત્ર amygdala પણ મોટું હોય છે. મોટા પ્રમાણમાં સામાજિક સંબંધો જાળવી રાખવા માટે સારો એવો બ્રેઈનપાવર જોઈએ. વિપુલ પ્રમાણમાં સામાજિક સંબંધો સાચવી રાખવા સરળ હોતું નથી. મેમરીમાં બહુ બધું ભરી રાખવું પડતું હોય છે. ઘણા બધા નામ, ઘણા બધા ચહેરા, એમની સાથે થયેલા વ્યવહારના ડેટા, હજુ આ લોકો મિત્રો છે કે દુશ્મન બની ગયા છે, મિત્રોની તકલીફો , એમની સુખદ  દુઃખદ  ઘટનાઓ, એમના ભૂતકાળ, વર્તમાન,   આવું ઘણું બધું પુષ્કળ  પ્રમાણમાં યાદ રાખવું પડતું હોય છે. કોણ કોની સાથે કેવાં સંબંધો રાખે છે, કેવાં જોડાણો કરે છે, આજે મિત્ર કાલે દુશ્મન પણ બની શકે છે આવું ઘણું બધું વિચારવું પડતું હોય છે. આપણે કૉમ્પ્લેક્સ હાઈલી કમ્પેટિટિવ સોસાયટીમાં જીવીએ છીએ, જ્યાં સારી સામાજિક સ્કીલ જરૂરી છે.

 

 

તો મિત્રો કોકેન  લેનારાની, અતિશય ખરીદી કરનારાની અને ફેસબુક પર પુષ્કળ સમય ગાળનારા મિત્રોની બ્રેઈન કેમિસ્ટ્રી લગભગ લગભગ સરખું કામ કરતી હોય છે. પણ કોકેન લેવું હાનિકારક છે, વ્યર્થ ખરીદી કરવી પણ નકામું છે અને ફેસબુક પર કેટલો સમય ગાળવો તે આપણે નક્કી કરવાનું છે.

 

 

Ref :-

 

** Powell J., Lewis P.A., Roberts, N., García-Fiñana, M, & Dunbar, R.I.M. 2012. Orbital prefrontal cortex volume predicts social network size: an imaging study of individual differences in humans. Proceedings of the Royal Society of London B, in press.

 

 

**Nadkarni, A. & Hofmann, S. G. (2012). Why do people use Facebook?Personality and Individual Differences, Vol.52(3), Feb 2012, pp. 243-249.