Category Archives: Psychology

નિષિદ્ધ સંભોગ No Incest

નિષિદ્ધ સંભોગ

લગભગ દરેક ધર્મ હોય દેશ હોય કે જાતિ-પ્રજાતિ કે સમાજ હોય એમાં એક સામાન્ય નિયમ છે કે “Don’t have sex with first degree relatives.” ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ એટલે ૫૦ ટકા જિન્સ સરખાં હોય એવા વ્યક્તિઓ. આમાં માબાપ, સંતાનો, ભાઈબહેનો આવી જાય. મુસ્લિમોમાં પણ એક પેટે અવતરેલા ભાઈ બહેનો વચ્ચે સેક્સ નિષિદ્ધ છે. નોન-હ્યુમન એટલે પ્રાણીઓ પણ આવા અગમ્યગમન રોકવાની યોજના ઇવોલ્વ કરી ચૂક્યા હોય છે તેની સાબિતી વૈજ્ઞાનિકોને મળી ચૂકી છે. અરે વનસ્પતિ પણ anti-incest મીકેનીઝમ ધરાવતી હોય છે.

માનવજાત સામાજિક અને મનોવૈજ્ઞાનિક સ્તરે આવા સંભોગ પ્રત્યે વિરોધનું મીકેનીઝમ ધરાવે છે( Miami psychologists Debra Lieberman and Adam Smith). થોડા અપવાદો બાદ કરતા ભાઈ બહેનો અને માતાપિતાના એમના સંતાનો સાથેના લગ્નો માનવ સંસ્કૃતિમાં હંમેશા નિંદાને પાત્ર રહ્યા છે. ક્યારેક પિતા અને દીકરીના અને ભાઈ બહેન વચ્ચેના સેક્સ સંબંધની વાત સાંભળી મોટાભાગના લોકો અપસેટ થઈ જતા હોય છે. Jonathan Haidt નામના મનોવૈજ્ઞાનિકે એક અભ્યાસ કરેલો. એક સ્ટોરી બનાવેલી કે એક ભાઈબહેન ગર્ભધારણ રોકી શકાય તેવા તમામ ઉપાયો કરીને સેક્સ કરે છે તો તમારું શું માનવું છે? ભલેને પ્રેગનન્સી રોકી શકાય તેવા ઉપાય કરેલા હોય પણ સર્વેમાં ભાગ લેનારા તમામે આવા સેક્સને ગેરવાજબી ગણાવેલો.

વંદા અને ચિમ્પાન્ઝી anti-incest મીકેનીઝમ ધરાવે છે તેનો અભ્યાસ થઈ ચૂક્યો છે. શા માટે incest એવોઈડ કરવાનું મીકેનીઝમ કુદરત અને માનવમાં વિકસ્યું હશે? ઉત્તર સાવ સહેલો છે, કે નજીકના લોહીના સગા સાથે સમાગમ વડે જન્મ પામતા બાળકો સીરીયસ ખામીઓ લઈને પેદા થતા હોય છે. ચેકોસ્લોવાકિયામાં એક અભ્યાસ કરવામાં આવેલો. આમાં એવા બાળકો સામેલ કરાયેલા જેમના પિતા એમના ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ હતા. બધા માબાપ ખૂબ હેલ્ધી હતા. ૪૨ ટકા બાળકો જન્મથી કોઈ ને કોઈ સીરીયસ ખામી લઈને પેદા થયા હતા. એમના ઘણા વહેલા મૃત્યુ પામેલા અને ૧૧ ટકા બાળકો માનસિક ક્ષતિગ્રસ્ત હતા. આવા ચાર અભ્યાસ થયેલા એમાં સરેરાશ ૪૦ ટકા બાળકો autosomal recessive disorders, congenital physical malformations, or severe intellectual deficits ધરાવતા હતા. અને ૧૪ ટકા બાળકો mild mental disabilities ધરાવતા હતા. સગા ભાઈ બહેન દ્વારા અને પિતા અને દીકરી દ્વારા પેદા થયેલા બાળકોમાં ૫૦ ટકા માનસિક ક્ષતિગ્રસ્ત હતા અને વહેલા મૃત્યુ પામેલા હતા.

ટૂંકમાં ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ વચ્ચે સંભોગ એટલાં માટે દરેક સંસ્કૃતિમાં અક્ષમ્ય ગણવામાં આવેલો છે.

બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

ભારતના પૌરાણિક કાલના બે મહાન ઋષિઓ કયા? દરેકના મનમાં પહેલું નામ વસિષ્ઠ તો આવી જ જવાનું. બીજામાં કોઈ વિશ્વામિત્ર, કણ્વ, ગૌતમ, કપિલ કે યાજ્ઞવલ્ક્યનું નામ લઈ શકે. પણ એક ઋષિ છે જેમણે પહેલીવાર વિંધ્યાચલ ઓળંગ્યો હતો તે હતા અગત્સ્ય ઋષિ. આ વસિષ્ઠ અને અગત્સ્ય બંને ભાઈઓ હતા. એક જ માની કુખે અવતરેલા, પણ બંનેના પિતા જુદા જુદા હતા. આવા મહાન ગણાતા જ્ઞાની ઋષિઓની માતાને આજના ભારતની માન્યતાઓ મુજબ ચારિત્રહીન કહેવાય ખરી?

ભારતમાં ચારિત્રની પરિભાષા બે પગ વચ્ચે અટકી ગઈ છે, બે પગ વચ્ચેના થોડા સ્નાયુઓમાં સમાઈ ગઈ છે.

સત્ય બોલવું, સમાજે ઘડેલા નીતિનિયમો મુજબ નૈતિક જીવન જીવવું, ભ્રષ્ટાચાર ના કરવો, ચોરી ના કરવી, વણ જોઇતી હિંસા ના કરવી આવું અને બીજું ઘણુબધું ચારિત્ર્યની પરિભાષામાં આવી જાય. પણ આ બધું આપણે ખૂબ કરતા હોઈએ છીએ. આપણી ચારિત્ર્યની વ્યાખ્યા ખૂબ સાંકડી બની ગઈ છે કે બનાવવામાં આવી છે. એક તો લગ્ન કર્યા ના હોય તો સેક્સ ના કરી શકો. અને લગ્ન કર્યા હોય તો પતિપત્ની સિવાયના બીજા પાત્ર સાથે સેક્સ ના કરી શકો. બસ આ બેમાં આપણી ચારિત્ર્યની પરિભાષા સમાઈ ગઈ છે. અને એમાય જો પતિપત્ની બ્રહ્મચર્યના વ્રત લઈલે તો ખલાસ મહાન ચારિત્રવાન ગણાવાના. ગાંધીજીએ આવા વ્રત પતિપત્નીને લેવડાવી કેટલાયના જીવન રોળી નાખેલા. અજ્ઞાનતાની હદ તો એ સુધી કે સેક્સ નહિ કરવાનું વ્રત લેવડાવીને પણ અમુકના લગ્ન કરાવેલા. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો અને ચારિત્ર્ય એટલે પતિપત્ની સિવાય સેક્સ ના કરવો આવી પરિભાષા ધીમે ધીમે અસ્તિત્વમાં આવી હશે.

જિનેટીકલી માનવજાત પોલીગમસ છે. બહુગામી છે. એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે અને એક સ્ત્રી અનેક પુરુષો સાથે. પોતાની કોપી પાછળ મૂકતાં જવાની ભાવના જિન્સમાં હોય છે. સર્વાઈવલ અને રીપ્રોડક્શન સક્સેસ મહત્વની ઉત્ક્રાંતિ માટે બાબતો છે. પુરુષ એના જિન્સ જેટલા દૂર દૂર ફેલાય તે માટે પ્રયત્નશીલ હોય છે. અને મધર નેચરને બળવાન જિન્સ ફેલાય તેની ખેવના હોય છે. પુરુષ પાસે અબજો સ્પર્મ હોય છે, સ્ત્રી પાસે લીમીટેડ અંડ જથ્થો હોય છે. સ્ત્રીના માથે જિન્સ ઉછેરવાની મહત્તમ જવાબદારી મધર નેચરે નાખેલી છે. લગભગ દરેક મેમલ્સમાં સ્ત્રી જ બાળકને ઉછેરવાની જવાબદારી સંભાળે છે. નર એના સ્પર્મદાન કરીને રવાના થઈ જતો હોય છે. બહુ થોડા, આંગળીને વેંઢે ગણી શકાય તેટલા મેમલ્સમાં નર એમાં મદદ કરતો હોય છે. જિન્સ ઉછેરવામાં નર મદદ કરતો હોય માદાને એમાં Owl monkey અને માનવજાત શ્રેષ્ઠ ઉદાહરણ છે. માટે સ્ત્રીને એક તો બળવાન જિન્સ જોઈએ અને તે જિન્સ ઉછેરવા હેલ્પફુલ થાય તેવો પુષ્કળ રીસોર્સીસ ધરાવતો હાઈ સ્ટેટ્સ ધરાવતો પુરુષ જોઈએ. બળવાન હાઈ સ્ટેટ્સ ધરાવતા પુરુષો અનેક સ્ત્રીઓ રાખતા અને સ્ત્રીઓ પણ એમના હરમમાં સામેલ થવામાં ગૌરવ સમજતી.

આમ બધાને સ્ત્રી મળે નહિ. તો થોડા ડાહ્યાં અને મજબૂર ગણો તો મજબૂર કે સમજદાર ગણો એવા પુરુષોએ સ્વેચ્છાએ રીપ્રોડક્શન સક્સેસ પરથી પોતાનો દાવો ઉઠાવી લીધો. જેથી સમાજમાં કે સમૂહમાં સ્ત્રી માટેની હરીફાઈમાં થતી ગરબડો ઓછી થઈ જાય અને સમૂહ શાંતિ અનુભવી શકે. સનતકુમાર જેવા ઋષિ સમૂહ સ્વેચ્છાએ હરીફાઈમાંથી બહાર નીકળી ગયા. સમાજે પણ આવા પુરુષોને ખૂબ માન આપ્યું. આવા નાનકડા સમૂહો અભ્યાસમાં લાગી ગયા. આ વિશ્વ અને બ્રહ્માંડનાં મૂળિયા ક્યાં છે તે શોધવા સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સતત બ્રહ્મમાં કે બ્રહ્મના ભ્રમમાં વિચરવા લાગ્યા તો કહેવાયા બ્રહ્મચારી. ઘણા પરણેલા અભ્યાસીઓ(ઋષિઓ) પણ સતત બ્રહ્મને વિચારતા તો આ લોકો પણ બ્રહ્મચારી જ કહેવાતા. બ્રહ્મચર્યનો અર્થ સેક્સ ના કરવો તેવો હતો જ નહિ. કૃષ્ણ પણ બ્રહ્મચારી જ કહેવાતા હતા. બ્રહ્મ અને બ્રહ્માંડનો વિચાર કરવાવાળા આઈનસ્ટાઈનોમાં પરણેલા ભેગાં મજબૂર મહાત્મા જેવા કુંવારાના સંખ્યા વધવા લાગી એમાં ધીમે ધીમે બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો આવી પરિભાષા ઘડાવા લાગી. ધીમે ધીમે સાચા અભ્યાસુ આઈનસ્ટાઈનો ઘટવા લાગ્યા અને સ્ત્રી મળવાની શક્યતા ના હોય તેવા ચાલો જંગલમાં તપ કરીશું સ્વર્ગમાં સોળ વરસથી કદી મોટી ના થતી અપ્સરાઓ ભોગવીશું વિચારીને ભાગવા લાગ્યા, એમાં થોડા આલસ્ય શિરોમણીઓ પણ ઉમેરાયા. સેક્સ કરવા ના મળે તેવી ટોળકી આમાં વધવા લાગી એટલે બ્રહ્મચર્યની આખી સમજ જ બદલાઈ ગઈ. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવું પ્રસ્થાપિત થઈ ગયું. આજના લગભગ તમામ ધાર્મિક સંપ્રદાયો અને મહાત્માઓ આવી સુફીયાણી અવૈજ્ઞાનિક સલાહો આપતા હોય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, એમાં મહાત્મા ગાંધીજી પણ આવી ગયા. બ્રહ્માકુમારીવાળા વળી પતિપત્નીને ભાઈબહેનની જેમ જીવવાની સલાહ આપતા હોય છે. આવી અવૈજ્ઞાનિક વાતો માનવાવાળા હજારો કપલ માનસિક સ્ટ્રેસ વેઠતા હોય છે.

પુરુષને પોતાના જિન્સ ઉછેરવાની ફિકર હોય છે જ્યારે સ્ત્રીને પોતાના સાથે બળવાન મજબૂત પુરુષના જિન્સ ઉછેરવાની પડી હોય છે જે એક કુદરતી પ્રેરણા ગણો કે ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ ગણો. આમાં સ્ત્રી લગ્નવ્યવસ્થા નહોતી ત્યારે મજબૂત પુરુષ જોડે જોડી બનાવી લેતી. અને જ્યારે ફરી હાજર હોય તેના કરતા મજબૂત જિન્સ દેખાય તો જુના પુરુષને છોડતા વિચાર ના કરતી. બસ આમાં જ ઋષિ વસિષ્ઠની માતાએ બે જુદા જુદા મજબૂત જિન્સ ધરાવતા પુરુષો પાસેથી બે મહાન ઋષિ થઈ શક્યા તેવા બાળકો મેળવ્યા, એક હતા વસિષ્ઠ અને બીજા હતા અગત્સ્ય. માતા કુંતીના પતિદેવ પાંડુ રાજા પાંડુ મતલબ એનીમિયા વડે પીડાતા હતા. યુધીષ્ઠીર, ભીમ અને અર્જુન પાંડુના પુત્રો નહોતા. તેવી રીતે પાંડુની બીજી રાની માદ્રીના પુત્રો સહદેવ અને નકુલ પણ બાયોલોજીકલી  પાંડુના પુત્રો નહોતા. પણ આમાં કશું ખરાબ ગણાતું નહોતું. તે સમયે ચરિત્રની સમજ જુદી હતી. લગ્નવ્યવસ્થા આવી ચૂકી હતી પણ જૂની સમજ ચાલુ હતી કે મજબૂત જિન્સ પતિ સિવાય બીજેથી મળે તો પણ ઉછેરી શકાય તેમાં કશું ખોટું નથી. છતાં પુરુષને ફક્ત પોતાના જિન્સ ઉછેરવાની વધારે પડી હોય છે પારકા નહિ.

સિંહના એક પરિવારનો કબજો તે પરિવારના જુના નેતા સાથે ભારે યુદ્ધ પછી નવો બળવાન સિંહ લઈ લે, તો પહેલું કામ તે પરિવારમાં રહેલા તમામ નાના બચ્ચાઓને મારી નાખવાનું કરશે. લગ્નવ્યવસ્થા પાકે પાયે ઘૂસી ચૂકી હતી. ધીમે ધીમે મનોગમી પ્રસરવા લાગી તેમ તેમ દરેકને સ્ત્રી ઉપલબ્ધ થવા લાગી. કમજોરને પણ પોતાના જિન્સ ઉછેરવાની તક મળવા લાગી. આપણે ત્યાં તો ગાંડાને પણ સ્ત્રી ઉપલબ્ધ મેં જોઈ છે. હવે આ સ્ત્રી મજબૂત જિન્સ શોધવા બીજે દ્ગષ્ટિ દોડાવે તેવી શક્યતાઓ પણ વધવા લાગી. કમજોરને હંમેશા ફિકર રહેવાની કે મારી સ્ત્રી મજબૂત જિન્સની શોધમાં બીજા પુરુષ પાસે તો જતી નહિ હોય ને? આ બધું અનકોન્શિયસલી થતું હોય છે. એક કરતા વધુ પત્નીઓ રાખતા હોય તેમને પણ આવી શંકા જતી જ હોય. તો પરણેલી સ્ત્રી બીજા પુરુષ પાસે મજબૂત જિન્સ  શોધવા જાય તે ખરાબ ગણવાનું પુરુષોએ શરુ કર્યું. પારકા જિન્સ હું શું કામ ઉછેરું?

આમ પતિ સિવાય બીજા પુરુષ સાથે સંસર્ગ કરતી સ્ત્રીને ચારિત્રહીન ગણવાનું શરુ થઈ ગયું. પુરુષોએ સ્ત્રીઓનું પણ બ્રેઈન વોશિંગ કરી નાખ્યું કે બીજા પુરુષ પાસે જવું ચારિત્ર્યહીનતા ગણાય. જેમ જેમ કમજોર લોકો વધતા ગયા તેમ તેમ તેમની સ્ત્રી બીજે જશે તો એવી ફિકર વધવા લાગી, તેમ તેમ ચારિત્ર્ય સેક્સ પૂરતું સીમિત થવા લાગ્યું. કમજોર પ્રાણીઓ તેમની વસ્તી ખૂબ વધારતા હોય છે જેથી સર્વાઈવ થઈ જવાય. તેમ ચારિત્ર્યની વ્યાખ્યા બે પગ વચ્ચે વધુને વધુ સીમિત થતી જાય છે. પરદેશોમાં પણ પરણેલી સ્ત્રી બીજા પુરુષ સાથે જાય તો વ્યભિચાર ગણાય જ છે. તો પછી સ્ત્રીઓ પણ પુરુષોને શું કામ ક્ષમા કરે? પુરુષો બીજી સ્ત્રી પાસે જાય તો તેઓને પણ બેવફા ગણવાનું શરુ થઈ ગયું. સ્ત્રીઓ તો ઘણીવાર ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ સહન કરી લેતી હોય છે પણ પુરુષો સહન કરી શકતા નથી. બીલ ક્લીન્ટન કે અર્નોલ્ડ જેવા પકડાઈ જાય છે. વ્યભિચારી ગણાઈ જાય છે.

ચારિત્ર્ય દિમાગમાં હોવું જોઈએ પણ રહ્યું નહિ બે પગ વચ્ચે સ્થિત થઈ ગયું.

હાઈસ્કૂલ કે દિન ભૂલા ના દેના…Hard Truths About Human nature.

હાઈસ્કૂલ કે દિન ભૂલા ના દેના…Hard Truths About Human nature.

સ્કૂલ કે હાઈસ્કૂલમાં પસાર કરેલા દિવસો આપણે ક્યારેય ભૂલી શકતા નથી. કૉલેજમાં પસાર કરેલા દિવસો પણ ભુલાતા નથી. કદાચ કૉલેજમાં પસાર કરેલા દિવસો ભૂલી જવાય, જો કે તદ્દન ભૂલી જવા તો નામુમકીન છે પણ હાઈસ્કૂલ તો આપણાં બ્રેઇનમા વસેલી હોય છે. સ્કૂલમાં ભણતા હોઈએ તે દિવસોમાં આપણું બ્રેઈન પુખ્ત હોતું નથી. એમાં કોઈ સખત ન્યુરલ વાયરિંગ થયેલું હોતું નથી. સામાજિક સંબંધો ઘડવાની હજુ શરૂઆત છે. કિશોરાવસ્થામાં વધી રહેલો માનવ છોડ, સમાજના વૃક્ષને વળગીને ઉપર ચઢવાનું હજુ શીખતો હોય છે. ક્યાં ટેકો લેવો અને ક્યાં છોડી દઈને આગળ વધવાનું હજુ શીખતો હોય છે..

મેમલ સ્ટેટસ માટે પોતાના ગ્રૂપ, ટ્રૂપ પેક કે હર્ડમાં હંમેશા હરીફાઈમાં ઊતરતા હોય છે. કારણ એમ કરવું રીપ્રોડક્ટીવ સક્સેસને પ્રમોટ કરતું હોય છે. હ્યુમન પણ એમ જ કરતા હોય છે, અને કોઈ બાહ્યાડંબર કે સભ્યતા વગર એડલેસન્ટ (adolescent) પણ એમજ કરતા હોય છે. સ્કૂલમાં જબરાં છોકરા ધાક જમાવીને પોતાનું ગ્રૂપ ઊભું કરી લેતા હોય છે. સ્કૂલનાં અનુભવો કાયમ આપણી સાથે રહેતા હોય છે. તરુણાવસ્થાનાં વર્ષો એક મેન્ટલ મોડલ બાંધતા હોય છે કે દુનિયા કઈ રીતે કામ કરે છે-how the world works. કદાચ આપણે આપણાં મનમાં રહેલી તરુણાવસ્થાથી એક અંતર ભલે રાખવા માંગતા હોઈએ પણ આપણાં બનાવેલા ન્યુરલ પાથવે સત્ય હોય છે.

There is no free love in nature . દરેક જાતી-પ્રજાતિમાં સેક્સ માટે પ્રાથમિક ક્વોલીફાઈંગ રમતોમાંથી પાસ થવું પડતું હોય છે. ઓલોમ્પીકમાં પ્રવેશ મળે તે માટે પણ પહેલા પ્રિ-ક્વોલીફાઈંગ મેચો રમવી પડતી હોય છે. એના માટે વર્ષો જહેમત કરવી પડતી હોય છે. પ્રાણીઓ પણ આ આવડત કેળવવા વર્ષો વિતાવી નાખતા હોય છે. જે ખાસિયતો વડે હાઈસ્કૂલમાં પૉપ્યુલર બનાય છે તેમાં અને આપણાં પૂર્વજ મેમલ્સને રીપ્રોડક્ટીવ સક્સેસ પ્રમોટ કરતી ખાસિયતોમાં કોઈ ફરક હોતો નથી. ફીજીકલ સ્ટ્રેન્થ, આકર્ષકતા, સામાજિક જોડાણ અને જોખમ લેવાનું સાહસ આ બધી લાક્ષણિકતાઓ જરૂરી હોય છે. નેચરલ સિલેકશને બ્રેઈન એવું બનાવ્યું છે કે જે આ લાક્ષણિકતાઓની ચિંતા કરતું હોય છે કેમકે તે સર્વાઈવલ માટે જરૂરી છે. માનવોમાં શાર્પ બુદ્ધિ, અભ્યાસમાં તેજસ્વિતા, વિવિધ કળાઓમાં મહારત (ગાયન, વાદન, ચિત્રકલા, લેખન, કવિતા) બધી વધારાના ખાસિયતો ગણાય.

હાઈસ્કૂલમાં કરેલી મેમલીયન સ્ટ્રગલ બ્રેઈનમાં ગૂંથાઈ જતી હોય છે. તરુણોમાં કાયમી ન્યુરલ સર્કિટ એક સારા કારણ માટે સેટ થઈ જતી હોય છે. સેક્સ માટે સાથીદાર મળે તે પહેલા મેમલ પોતાના ગ્રૂપને છોડી બીજા ગ્રૂપમાં જતા રહેતા હોય છે. નવા વાતાવરણમાં સર્વાઈવ માટે એમને ઘણુબધું શીખવું પડતું હોય છે. આપણ માનવોમાં પણ લગ્ન કરીને બીજા ગામ અને બીજા સમૂહમાં રહેવા જવું પડતું હોય છે. નવી ભાષા, નવા રીવાજો નવી ભૂગોળ શીખવી પડતી હોય છે.Puberty દરમ્યાન  રીવાયરીંગ થઈ શકે તેવું બ્રેઈન નેચરલ સિલેકશનની દેન છે. આ બધું જાણબહાર થતું હોય છે. પ્રાણીઓ કોન્શિયસ અવેરનેસ વગર ઇન-બ્રીડિંગ રોકતાં હોય છે. ચિમ્પાન્ઝી મેલ ડોમિનન્ટ સમાજ છે, ત્યાં માદા ચીમ્પે મેટિંગ પાર્ટનર મળે તે પહેલા ગ્રૂપ છોડવું પડે છે. બોનોબો ફીમેલ ડોમિનન્ટ સમાજ છે ત્યાં નરે ગ્રૂપ છોડવું પડતું હોય છે. આપણાં પુરુષપ્રધાન સમાજમાં છોકરીઓને ડોલીમાં બેસાડી સભ્ય રીતે વળાવી દેવાય છે. કન્યાવિદાય એ દીકરીઓને કાઢી મૂકવાનો અતીસભ્ય પ્રકાર ગણાય. હાઈસ્કૂલ સ્ટુડન્ટ આમ અજાગૃતપણે  સુખદાયી અને દુઃખદાયી ન્યુરોકેમિકલ સાથે ન્યુરોન્સને સંલગ્ન કરતા હોય છે.

આ નાટકમાં સેરોટોનીન મહત્વનો ચાવીરૂપ ભાગ ભજવતું હોય છે. સેરોટોનીન સુખદાયી ન્યુરોકેમીકલ છે. સામાજિક રીતે પ્રભુત્વ ધરાવતા વાનરમાં સેરોટોનીન લેવલ ઊંચું જતું હોય છે. વધારે પડતા અગ્રેસિવ વાંદરાને નાતબહાર મૂકવામાં આવે છે જંગલમાં એકલો પછી મરી જતો હોય છે. પણ જે વાનર કાયમ શરણે જ થઈ જતો હોય તેનું સેરોટોનીન લેવલ ખૂબ નીચે જતું રહેતું હોય છે. તરુણાવસ્થામાં આપણે બીજા લોકો વચ્ચે આપણી જાતને જાળવવાનું અને એક મુકામ આપવાનું શીખવું પડતું હોય છે. આપણે બીજા લોકો વડે ઘેરાયેલા હોઈએ છીએ. આ સમય હતાશાજનક હોય છે પણ જીવન જીવવાની કળા ભેટમાં આપતો આ સમય હોય છે.

આપણું બ્રેઈન સતત નક્કી કરતું હોય છે કે ક્યારે શરણે થવું અને ક્યારે પ્રભુત્વ મેળવવું. ક્યારે દાદાગીરી કરવી અને ક્યારે હથિયાર હેઠાં મેલી દેવા તે બ્રેઈન સતત નક્કી કર્યા કરતું હોય છે. આપણે કહેતા હોઈએ કે મને તો બીજાની કાઈ પડી નથી, પણ આદર કે માન મળતા સેરોટોનીન સ્ત્રવતું હોય છે જે સારું લાગતું હોય છે. અને જેમ સારું લાગે તેમ વધુ ને વધુ મેળવવાની ઇચ્છા થતી હોય છે. દરેક તક એની સાથે રીસ્ક અને રીવોર્ડ લેતી આવતી હોય છે. સમય જતા આપણે સેરોટોનીન સ્ત્રવે અને કોર્ટિસોલ દૂર રહે તેવી વર્તણુંક શીખી જતા હોઈએ છીએ. મોટાભાગનું બ્રેઈન વાયરિંગ કિશોરાવસ્થામાં થતું હોય છે કારણ તે સમયે બ્રેઈન લચીલું હોય છે. શીખવા માટે તત્પર હોય છે.

અસલામતીની ભાવના કુદરતી હોય છે. પ્રાણી જગતમાં તો બચ્ચાઓને પુખ્ત થતા મોટા પ્રાણીઓ વચ્ચે પોતાની જગ્યા બનાવી પડતી હોય છે. આપણ માનવોમાં હાઈસ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે પણ માતાપિતાનો ખૂબ સપોર્ટ મળતો જ હોય છે. પણ સ્કૂલમાં બીજા સહાધ્યાયીઓ ઉપર પ્રભુત્વ મેળવવાની હરીફાઈમાં માતાપિતા બહુ મદદ કરી શકતા નથી. ઉલટાના વધુ પડતા ચોખલિયા અને નૈતિકતા ધરાવતા માતાપિતા બાળકોને ધમકાવી સીધી લીટીના બનાવવાની ઘેલછા ધરાવતા હોય છે. આમેય સ્કૂલમાં બાળકો અસહાયતા અને અસલામતી અનુભવતા જ હોય છે એમાં આવા માતાપિતા ધરાવતા બાળકો વધુ અસહાયતા અનુભવતા હોય છે. સ્કૂલમાં માનમરતબો તો તમારે જાતે જ મેળવવો પડતો હોય છે.

પર્સનલ પાવરની સમજ પુખ્ત બનતા આવતી જતી હોય છે. પોતાની જાતને પાવરલેસ અનુભવવા લાગો તેમ હતાશા વધતી જવાની, ડિપ્રેશન વધતું જવાનું. ડિપ્રેશન એટલે ડીસઓર્ડર ઑફ પાવર.. આત્મિક શક્તિની આંતરિક સૂઝ ઊભી કરવી તે જ ઉપાય છે. આ શક્તિ કોઈ આપી શકે નહિ. કે કોઈની પાસેથી ઉછીની લઈ શકો નહિ. જીવનના અનુભવો લઈને જેમ વિકાસ પામતા જઈએ તેમ આસપાસના લોકો સાથે તડજોડ કરવાનું, વાટાઘાટો કરવાનું અને સહકાર આપવાનું શીખી જવાતું હોય છે. તરુણો આવી તડજોડ અણઘડ રીતે કરતા હોય છે કેમકે તેઓ હજુ શીખી રહ્યાં છે.સમય જતા બધી આવડત આવી જતી હોય છે. અને આત્મશ્રદ્ધા પણ વધતી જતી હોય છે.

આપણને જે બ્રેઈન વારસામાં મળેલું છે તે સતત ઇચ્છતું હોય છે કે કોઈ ને કોઈ તેને નોટિસ કર્યા કરે. કોઈ ધ્યાનમાં લે જાણે એના વગર જીવન થંભી ના જવાનું હોય? દરેક મેમલીયન સમૂહમાં કેટલાક એવા હોય કે બીજાનું ધ્યાન વધુ ખેંચતા હોય છે. તમારા પાછલાં મેળવેલા અનુભવો દ્વારા ધ્યાન ખેંચવાના જુદા જુદા તરીકા તમે અપનાવતા હોવ છો. ધ્યાન ખેંચવાના તરીકા રૂપે ન્યુરલ સર્કિટ તરુણાવસ્થામાં બનાવી ચૂક્યા હોઈએ છીએ જે પુખ્તવયે સેવા કરવા હાજર જ હોય છે. કોઈ રમતગમતમાં આગળ વધી ધ્યાન ખેંચતા હોય છે કોઈ અભ્યાસમાં તેજસ્વી બનીને ધ્યાન ખેંચતા હોય છે. કોઈ અદ્ભુત ચિત્ર દોરીને કોઈ કવિતા લખીને ધ્યાન ખેંચતા હોય છે. જેમ પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ ઓછામાં ઓછી વાંકાચૂકા રસ્તે બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. તરુણાવસ્થામાં ન્યુરોપ્લાસ્ટીસીટી પીક પર હોય છે. જ્યારે જ્યારે ન્યુરો કેમિકલ સ્ત્રવે ન્યુરોન્સ કનેક્ટ થતા હોય છે. આમ સુખ અર્પતી વસ્તુઓની સર્કિટ જે તરુણાવસ્થામાં બની હોય છે તે ભવિષ્યમાં પણ આજ રીતે કામ આપે છે. જ્યારે દુખ અનુભવો ત્યારે પેલાં ન્યુરલ પાથવે પર અનહેપી કેમિકલ છવાઈ જતા હોય છે. આમ ભવિષ્યમાં એનાથી દૂર રહેવાની આવડત પણ કેળવાઈ જતી હોય છે. આમ પુખ્ત બનતા ભળે તમે રીવાયરીંગ કરી, નવા પોલીશ્ડ રસ્તા બનાવો પણ એના કોરમાં મધ્યમાં તરુણ અવસ્થાએ બનાવેલ ન્યુરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ કામ કરતું હોય છે. આમ પુખ્તવયે કિશોર બનવાની કે તે સમયની લાગણીઓને ફરી અનુભવી તાબે થઈ બાલીશ હરકતો કરવાની જરૂર નથી હોતી, જરૂર છે તેની પ્રમાણિતતા સ્વીકારવાની નહીં કે વખોડવાની……

જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

images[2] (7)જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

આપણને ઘણીવાર અનુભવ થતા હોય છે કે જેને આપણે ખૂબ પ્રિય ગણાતા હોઈએ છીએ તે જ દુઃખનું કારણ બનતા હોય છે. આપણી લાગણીઓ એમના દ્વારા ઘવાતી હોય છે. કોઈ સ્વજનનું ઓચિંતું મૃત્યુ અથવા પ્રિયજનની બેવફાઈ કે જુદાઈ આપણને વિશ્વાસઘાતની લાગણીમાં ફેંકી દે છે. આવું અનેક વાર બનતા આપણે લોકોમાં વિશ્વાસ મૂકતા બંધ પણ થઈ જઈએ છીએ. મેં ઘણા સંબંધીઓ જોયા છે જેઓ પોતાના અંગત લોકો પર અને ઘણીવાર તો પોતાના પેટના જણ્યા પર પણ વિશ્વાસ મૂકી શકતા નથી. લગભગ અવિશ્વાસુ પ્રકૃતિના અનેક માણસો આપણને લાઇફમાં જોવા મળતા હોય છે. આ વિશ્વાસ સાથેના સ્ટ્રગલ અને દુઃખની પાછળનું એક મૂળ કારણ તાદાત્મ્ય-અટૅચમન્ટ છે.

Don’t Fight Life, Flow with it.

જીવન એક વહેતી  નદી છે, કલકલ કરતું વહેતું ઝરણું છે. મોટાભાગે તો આપણે આ નદીના પ્રવાહમાં તરતા હોઈએ છીએ, વહેતા હોઈએ છીએ. અને વહેવાની મજા માણતાં હોઈએ છીએ. પણ ક્યારેક આ મુસાફરીમાં કોઈ ચોક્કસ પૉઇન્ટ પર તાદાત્મ્ય સાધીને ઉભા થઈ જઈએ છીએ અને જરા પણ ખસવાનો ઇનકાર કરી દઈએ છીએ. કુદરતી પ્રવાહમાં વહેવાનો ઇનકાર કરીને લડાઈ શરુ કરી દઈએ છીએ. અહીં દુઃખની શરૂઆત થઈ જાય છે. જીવન લડવા કરતા એની સાથે વહેવામાં દુઃખની માત્રા ઓછી થતી જાય છે આવું મહત્વનું લેસન શીખવે છે મેડિટેશન.

જ્યારે તમારી આંખો બંધ હોય, કુદરતી શ્વાસ ઉચ્છવાસ ચાલતા હોય, કોઈ આસ્તિક હોય તો મંત્ર બોલતા હોય કે પ્રાર્થના કરતા હોય, બુદ્ધ જેવા કોઈ કહેવાતા નાસ્તિક હોય તો ફક્ત આ પ્રક્રિયાને જોતા હોય, વિચારો આવતા અને જતા હોય છે….સહેલું લાગે છે પણ અઘરું છે. ઘણીવાર આપણે આવેલા વિચારોની વેબમાં ગૂંથાઈ જઈએ છીએ. વિચારોની વેબસાઇટ ગજબની માયા છે. ક્યારે અંદર સામેલ થઈ જઈએ યાદ પણ ના રહે. અને ઘણીવાર પાછાં સચેત થઈને નિરીક્ષણ કરવા લાગતા હોઈએ છીએ. પણ બંને વખતે આપણે શ્વાસોચ્છ્શ્વાસ  પર પાછાં આવી જતા હોઈએ ત્યારે લાંબા સમયે ભાન થાય છે વર્તમાન ક્ષણનું, ઑલ ઇઝ વેલ..

જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વિચાર, કે પછી વસ્તુ સાથે મજબૂત રીતે જોડાઈ જઈએ છીએ ત્યારે આપણે ઇચ્છાઓ વધી જાય છે, આપણે તે ક્ષણને વધુ લંબાવા માંગતા હોઈએ છીએ કે પછી ડરવા લાગીએ છીએ. આ ઇચ્છા અને ભય દુઃખનું કારણ બનતી  હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પ્રિયજન સાથે બેઠાં હોઈએ કે જેની સાથે આપણે પ્રેમમાં હોઈએ, અને એકબીજાનું સાંનિધ્ય માનતા હોઈએ ત્યારે ઇચ્છા જાગે કે આનો અંત આવે જ નહિ.  કઈ રીતે આ ક્ષણોને લંબાવી દઉં? મેડિટેશન વર્તમાનની ક્ષણોમાં ગૂંથાઈ જવા મદદ કરે છે. આપણે પ્રિયજન બાજુમાં હોય છતાં ભૂત કે ભવિષ્યમાં ઊતરી જતા હોઈએ છીએ. આપણે જાણતા હોઈએ છીએ કે આ ક્ષણો કાયમ ટકવાની નથી છતાં એમાંથી સંપૂર્ણ વર્તમાનનો આનંદ માનવાનું મેડિટેશન શીખવે છે. જીવન સદાય વહેતું છે.

હવે જ્યારે કોઈ દુઃખ પહોચાડે ત્યારે પણ દુઃખની લાગણીઓ પણ વહેતા ઝરણામાં વહી જવાની છે, પણ આપણે એની સાથે તાદાત્મ્ય બાંધી લઈએ જોડાઈ જઈએ તો આ દુઃખની ઘડીઓ  લંબાવી દઈએ છીએ.  બસ આ દુઃખની ક્ષણો સાથે મજબૂતાઈથી ના જોડાઈ જઈએ તો દુઃખની લાગણી પણ ઓછી થતી જવાની. પણ જે બન્યું છે એની સાથે જોડાયેલા રહીએ તો દુઃખ વધતું જવાનું અને આપણે ડરના માર્યા જેતે વ્યક્તિ વિષે અવિશ્વાસ વધારતા જવાના. લાંબા ગાળે આપણે કોઈના પર વિશ્વાસ રાખી શકતા નથી.

જો આપણે નિયમિત આ શ્વાસ ઉચ્છવાસ પ્રત્યે જાગૃત રહેવાનું ધ્યાન નિયમિત કરીએ તો આપણે જોઈ શકીએ કે વિચારો સતત આવતાજતા હોય છે. કોઈવાર ગ્રેટ અનુભવ થતો હોય અને કોઈવાર ઉદાસ. આમ શીખવા મળે કે લોકો પણ કોઈવાર પ્રેમ કરતા હોય છે અને કોઈવાર નફરત. જે પણ સારી કે ખરાબ ક્ષણો છે તે ઊભી રહેવાની નથી. જો સારી કે ખરાબ પળો  ટકવાની નથી તો પેલો ભય પણ શું કામ રાખવાનો? કોઈ ચોક્કસ અનુભવ પ્રત્યે તાદાત્મ્ય સાધ્યા વગર  જીવનમાં ખુલ્લાપણું રાખવાનું મેડિટેશન શીખવે છે. ધારોકે કોઈએ આપણને ઈજા કરી કે ઇમોશનલ હર્ટ કર્યું, તો આપણે તે દુઃખદાયી યાદોમાં રત રહેવાને બદલે એમાંથી શીખી શકીએ કે આમ કેમ બન્યું? આપણા ખુલ્લાપણા કે અવેરનેસ વડે આપણી જાતને પૂછી શકીએ કે આ વ્યક્તિ આપણને હર્ટ  કરે તે પહેલા એનો કોઈ સંકેત મળેલો ખરો?

અવેરનેસ વડે આપણે આપના ભૂતકાળના અનુભવો વડે શીખી શકીએ અને દુઃખ નિવારણ તરફ પણ વધી શકીએ. અવેરનેસ વડે ભય વગર હિંમતથી આપણે જે બનવાનું છે તેનો સામનો કરી શકીએ. જીવનમાં કંઈક નવું આવે તો સાથે એના રિસ્ક પણ લેતું આવે. એનો સ્વીકાર કરવાની અવેરનેસ જોઈએ જ.

મેડિટેશન કોઈ દુઃખ નહિ આપે તેવી વેક્સિન તો છે નહિ. દુઃખદાયી અનુભવો પણ જીવનનો એક ભાગ જ છે. મેડિટેશન વડે આપણે પોતાની જાતની કેર કરતા અને પોતાની જાતને ચાહતા શીખી જઈએ છીએ. આપણે જેવા છીએ તેવા આપણી જાતને ચાહતા થઈએ તો બીજાને પણ પ્રેમ કરતા વધુ સારી રીતે થઈ શકીએ.

મેડીટેશન શીખવે છે કે સુખી થવાની તમામ શક્યતાઓ આપણી અંદર જ મોજૂદ છે. જ્યારે અપને વર્તમાનમાં જીવતા હોઈએ ત્યારે ઑલ ઇઝ વેલનો બેલ વાગતો હોય છે. આમ આપણે ભય અને ઇચ્છાઓ સાથે તાદાત્મ્ય વધારવાનું ઓછું કરવાનું  ધ્યાન વડે શીખી શકીએ છીએ.

એક નદીમાં તમે બીજી વાર પગ મૂકી શકતા નથી. જીવન પણ એક વહેતી નદી જેવું છે જે સતત બદલાયા કરતું હોય છે. મેડીટેશન આ નદીમાં વચ્ચે આવતી તમામ વસ્તુઓનો સ્વીકાર શીખવે છે. આપણે વિશ્વાસ મૂકતા શીખી જઈએ છીએ કે કાયમ બધું સારું થાય તેવું જરૂરી નથી, પણ ગમે તે થાય હું તો હંમેશા ખુશીમાં જ રહીશ. મેડીટેશન જીવન ઝરણામાં વહેતા શીખવે છે, એમાંથી આનંદ મેળવતા શીખવે છે. અને વર્તમાનમાં શ્વાસ સાથે જીવતા શીખવે છે.

 

 

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

Vicia faba: Broad Beans
Vicia faba: Broad Beans (Photo credit: pamsai)

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

જો તમને ડાયાબિટીસ હોય તો તમે એકલાં નથી, આશરે ૧૭૧ મિલિયન લોકો ડાયાબિટીસ વડે પીડાય છે. અલ્ઝાઈમર, હાઈ કોલેસ્ટેરોલ આવા મારી નાખે તેવા રોગો કેમ થતા હશે? આવા રોગો પેદા કરતા જિન્સ genes શું કામ ઇવોલ્વ થયા હશે? એક નાની પ્લેટ fava beans ખાવાથી કોઈ મરી જાય ખરું? ભૂમધ્ય સમુદ્ર કાંઠે આવેલા દેશોમાં તો વટાણા(Fava beans )  રોજનો ખોરાક છે. Favism કોઈ એન્ઝાઈમ ( Glucose-6-phosphate dehydrogenase deficiency ) ની ઊણપથી થતો રોગ છે. fava ખાવાથી રીએક્શન આવતું હોય છે. કોઈ એવું ના સમજી કે લે fava ખાવાથી જ આ રોગ થાય છે. આ રોગ વારસાગત હોય છે. અને આ રોગ હોય તે બધાને fava ખાવાથી રીએક્શન આવે તેવું પણ નથી. આ રોગની સાઇડ ઇફેક્ટ એ છે કે મેલેરિયા સામે રક્ષણાત્મક કામ કરતો હોય છે. આપણે મેડિકલ સાયન્સના ઊંડાણમાં જવું નથી તે આપણો વિષય પણ નથી, પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે મલેરિયા સામે લડવા માટે કદાચ આ પ્રકારનું ઈવોલ્યુશન થયું હોવું જોઈએ.

ફાયદો થાય એવું હોય તેમ વિકાસ થતો હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમમાં બિનજરૂરી વસ્તુઓ વિકસે નહિ. Sharon Moalem નામના ઇવોલ્યુશનરી ફીજીયોલોજીસ્ટ અને તેના પત્રકાર સાથીદારે Survival of the Sickest નામની એક જબરદસ્ત બુક લખી છે. આમાં આવી અકલ્પનીય અસંખ્ય વાતો લખી છે કે રોગો પણ કેમ ઇવોલ્વ થયા હશે?  ઘણા રોગો બાય પ્રોડક્ટની જેમ વળગ્યા છે. ઓચિંતી પડતી અતિશય ઠંડી કે હિમયુગમાંથી બચવા ઉત્તર યુરોપીયંસનાં પૂર્વજોના શરીરમાં કોઈ જીનેટીકલી ફેરફાર થયા હોય જેની બાય પ્રોડક્ટ તરીકે આજે ડાયાબિટીસ વળગ્યો છે. tree frogs પર જણાવતા આ લોકો કહે છે કે બરફની જેમ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં આ દેડકા આરામથી બચી જાય છે, ડાયાબિટીક મેટાબોલીઝમ વાપરીને આ દેડકા સર્વાઈવ થઈ જાય છે. મેલેરિયા સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવાની બાયપ્રોડક્ટ એટલે favism એવું આ વૈજ્ઞાનિકોનું કહેવું છે. Bubonic પ્લેગમાથી બચવા માટે જે જિનેટિક ફેરફાર થયા તેની બાયપ્રોડક્ટ અલ્ઝાઈમર તરીકે મળી છે.

આમ ફાયદા સાથે ક્યાંક નુકશાન પણ થયું છે. સાદો દાખલો જોઈએ તો તાવ આવે શરીરનું ટેમ્પરેચર વધી જાય તે રોગ નથી પણ શરીરમાં ઘૂસેલા હાનિકારક બેક્ટ્રિયાને મારવાની જહેમતનું પરિણામ છે. ચાલો બીજો આવો સિમ્પલ દાખલો જોઈએ. વિષુવવૃત અને તેની આસપાસ પુષ્કળ ગરમી પડતી હોય ત્યાં રહેનારા લોકોની ચામડી કાળી હોય છે. કાળી ત્વચા મતલબ કલર પીગમેન્ટ પુષ્કળ. આ કાળી ત્વચામાં સૂર્યના હાનિકારક કિરણોને અંદર પ્રવેશ કરતા તકલીફ પડવાની. જેથી ત્વચાના કેન્સર વગેરેથી બચી જવાય. હવે જ્યાં પુષ્કળ ઠંડી પડતી હોય છે તેવા ઉત્તર યુરોપના લોકો ખૂબ ગોરા હોય મતલબ કલર પીગમેન્ટ ઓછા. આવું ઈવોલ્યુશન એટલાં માટે થયું કે અહી સૂર્યના કિરણો ત્વચા પર સીધા પડે તેવી સ્થિતિનો અભાવ હોય છે, જેથી કલર પીગમેન્ટ ઓછા હોય તો સૂર્યના કિરણો જે વિટામિન ડી માટે જરૂરી છે તે પ્રવેશી શકે. અહી સહેજ તડકો પડે લોકો ખુશ થઈ જાય, આજે વેધર સારું છે. કપડા કાઢી ફરવા લાગે. બને એટલાં ઓછા કપડા પહેરે જેથી શક્ય વધુ સૂર્યના કિરણો મેળવી શકાય. હું ભારતમાં તડકાથી ત્રાસેલો, અહી મને શાંતિ લાગે. હવે આ ગોરા લોકો આફ્રિકા પહોચી જાય અને ઉઘાડા ફરવા લાગે તો સ્કીન કેન્સર થવાનો ભય વધી જાય અને કાળી ત્વચા ધરાવતા લોકોને યુરોપમાં વિટામિન ડી ની ઊણપ સતાવે, કારણ કાળી ત્વચામાં સૂર્યના કિરણો જલદી પ્રવેશે નહિ.

આપણાં પૂર્વજો જુદા વાતાવરણમાં ઇવોલ્વ થયેલા અને અત્યારે જુદું વાતાવરણ જીવવા માટે ઉપલબ્ધ છે. આ બધા ઈવોલ્યુશનરી મિસમેચનાં દાખલા છે. ઓબેસિટી પણ આવો હ્યુમન નેચર અને મૉર્ડન જમાનાનો મિસમેચ દાખલો છે. આપણાં પૂર્વજો હન્ટર ગેધરર હતા. એમને શિકાર કરીને ખોરાક મેળવવા ખુબ મહેનત કરવી પડતી. એટલે તે લોકો પુષ્કળ પોષણ ધરાવતો ખોરાક વિપુલ પ્રમાણમાં ખાઈ લેતા. ફરી ખોરાક ના મળે ત્યાં સુધી ચાલી જાય. હવે આપણી ફીજીકલ એક્ટીવીટી ઘટી ગઈ છે અને ખોરાક જૂની ટેવ મુજબ ચાલુ રહ્યો છે. ઘણા ફીજીકલ એક્ટીવીટી  વધારે તો સાથે ખોરાક પણ વધારતા જતા હોય છે.

Hadza hunter-gatherer પર થયેલા એક રિસર્ચ મુજબ આ લોકો પશ્ચિમના લોકો કરતા જરાય વધુ કેલેરી એક દિવસમાં બાળતા  નથી. આ લોકો આખો દિવસ ખુબ ફીજીકલ એક્ટીવીટી  કરતા હોય છે અને એમનું મેટાબોલીઝમ પણ ધીમું હોતું નથી. છતાં અમેરિકન્સ અને યુરોપીયંસ ખુબ જાડિયા કેમ હોય છે? મતલબ આ જાડિયા પુષ્કળ ખાતા હોય છે. મતલબ અહી હ્યુમન બોડી જેટલું ખાવા માટે ડીઝાઈન થઈ હોય તેના કરતા ખુબ ખવાઈ જાય છે. આપણી ખુબ ખાવાની તેવો બાળકોને પણ આપતા હોઈએ છીએ. અમેરિકન બાળકો ખુબ જાડા હોય છે. ઘણીવાર તો પુખ્ત માનસ કરતા પણ વધુ વજન ધરાવતા હોય છે. જાડિયા બાળકો પર થયેલા અભ્યાસ મુજબ તેઓ એમના મિત્રો સાથે હોય તો વધુ ખાતા હોય છે. એકલાં હોય તો ઓછું ખાતા હોય છે. અને મિત્રો જો પાતળા થીન હોય તો આ જાડિયા ૩૦૦ કેલેરી વધારાની ખાઈ જતા હોય છે.

હાં તો મિત્રો જે પોષતું તે મારતું અને જે મારતું તે…………

 

વેદનાનું સોહામણું સત્ય-૩

Amygdala
Amygdala (Photo credit: JSlattum)

વેદનાનું સોહામણું સત્ય-૩

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રૉનિક પેએનના બતાવી ગયા છે તે જોઈએ.

ક્રૉનિક બૅક પેએન વિષે મારો પોતાનો અનુભવ છે કે સારા ફિઝિઅથેરપિસ્ટ પાસેથી નિયમિત કરવાની સાદી અને સરળ કસરતો શીખી લેવી જોઈએ. અને તે કસરતો નિયમિત કરવાથી ઘણો ફાયદો થાય છે. કરોડના મણકાની ગાદીઓમાં સોજા આવ્યા હોય ત્યારે આવો દુખાવો થતો હોય છે. મણકા કોઈ કારણસર સાવ નજીવા આઘાપાછી થઈ ગયા હોય અને એના લીધે નર્વ દબાતી પણ હોઈ શકે. સ્પાઇનલ કૉર્ડને લગતી કસરતો કરવાથી આમાં ફાયદો થતો હોય છે. સ્પાઇનલ કૉર્ડને બંને બાજુ સ્નાયુઓનો એક ઊભો પટ્ટો હોય છે. એને મજબૂત કરવાની કસરત કરવાથી જ્યારે કશું કામ કરીએ તો સ્પાઇનલ કૉર્ડ પર ઓછો બોજો પડે અને પેલાં સ્નાયુઓ વજન ઝીલી લે. આ બધી કસરતો કરવાથી સ્પાઇનલ કૉર્ડ મૂળ સ્થિતિમાં  આવી જવાથી દુખાવો બંધ થઈ જતો હોય છે.

આપણે આખો દિવસ આરામદાયક સોફામાં બેસતા હોઈએ, કમ્પ્યુટર પર બેસતા હોઈએ અને બીજા એવા ઘણી પોઝિશનમા કામ કરતા હોઈએ છીએ, જે સ્પાઇનલ કૉર્ડ માટે નુકસાનકારક હોય છે. માટે દુખાવો બંધ થઈ ગયા પછી પણ સ્પાઇનલ કૉર્ડને એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા આ બધી કસરતો નિયમિત કરવી જોઈએ. ગરમ પાણીથી બૅકને બરોબર શેક આપવાથી સખત થઈ ગયેલા સ્નાયુઓ ઢીલાં પડે પછી કસરત કરવી જોઈએ. સ્નાયુ અકડાઈ ગયા હોય અને કસરત કરીએ તો વધારે અકડાઈ જવાનો ભય રહે છે. જો દુખાવો વધુ થતો હોય તો આવી કસરત પછી બૅક ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ખૂબ ફાયદો થતો હોય છે.

ભારતમાં શેક કરવાનું મહાત્મ્ય વધુ છે પણ કોલ્ડ-પૅક મૂકવાનું મહત્વ લોકો સમજતા નથી. કોલ્ડ-પૅક વિષે ઘણી ગેરસમજ હોય છે. જેતે ભાગ ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ત્યાંથી લોહી હઠી જાય છે, ૧૫ મિનિટ પછી કોલ્ડ-પૅક હટાવી લેવાથી તે જગ્યાએ લોહીનો ધસારો પુષ્કળ વધી જાય છે જે હિલીંગ માટે ખૂબ ફાયદાકારક છે. બીજું કોલ્ડ-પૅક મૂકવાથી જેતે ભાગ તાત્કાલિક બહેરો બની જવાથી દુખાવાની અનુભૂતિ હંગામી રીતે ઓછી થઈ જાય છે.

મન શરીરને કંટ્રોલ કરી શકે છે. ક્રૉનિક પેએન માટે ઘણીબધી સારવાર કરાવ્યા પછી કંટાળેલા લોકો માટે માઈન્ડ કંટ્રોલ રીત અપનાવવા જેવી છે. જ્યારે આપણને કોઈ ઈજા થાય કે કોઈ આપણું અપમાન કે અવહેલના કરે ત્યારે દુઃખના સિગ્નલ સેન્સરી પાથ-વે અને ઇમોશનલ પાથવે દ્વારા બ્રેનમાં પહોચતાં હોય છે. આ દુઃખના અનુભવનું લાગણીશીલ પાસું બ્રેનના amygdale અને anterior cingulated cortex માં જતુ હોય છે. આમ માઈન્ડબૉડી ટ્રીટમન્ટ જેવી કે મેડિટેશન, યોગા આ ઇમોશનલ નેટવર્કને ઉપયોગમાં લેતી હોય છે. ચાલો સાવ મફતમાં અતિ કીમતી સરળ રીતો જોઈએ.

૧) આંખો બંધ કરી અંધારા રૂમમાં એકદમ રિલૅક્સ થઈને બેસો.

૨) ઊંડા શ્વાસ લેવાનું શરુ કરો. શરૂમાં થોડા ઝડપથી શ્વાસ લેવાના પછી ધીમે ધીમે નૉર્મલ શ્વાસ લેવા જોઈએ. કોઈ પણ જાતના પ્રયત્ન વગર નૉર્મલ શ્વાસોચ્છ્વાસ પર આવી જવાનું.

હવે થોડી કાલ્પનિક ટેક્નિક જોઈએ. એમાંથી કોઈ પણ એક અપનાવો અને નિયમિત આચરવાનું શરુ કરીએ.

૧) શરીરના દુખાવા વગરના કોઈ ભાગને પસંદ કરીને એના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને જુઓ કે તમારું મન દુખાવા તરફથી બીજે તરફ ડાયવર્ટ થાય છે કે કેમ? મન આતા માજી સટકેલ જેવું હોય છે, છટકેલ હોય છે, સીધું ઠરીને બેસે નહિ.

૨) માનસિક રીતે શરીરના દુખાવાયુક્ત ભાગને બાકીના શરીરથી જુદો સમજો, અલગ પાડો. આ ભાગ મારા શરીરનો હિસ્સો નથી તેવી કલ્પના કરો.

૩) કલ્પના કરો કે દુખ દેતા ભાગને બહેરાશનું ઇન્જેક્શન મારીને કે કોઈ જાદુઈ દવા વડે બહેરો બનાવી દીધો છે.

૪) ભૂતકાળમાં મુસાફરી કરો જ્યારે કોઈ દુખાવો હતો નહિ. સાજાસમા હતા તેવો ભૂતકાળમાં જતા રહેવું.

૫) ક્રૉનિક પેએનને એક પ્રતીક આપો, દાખલા તરીકે લાઉડ મ્યૂઝિકનું અને તેનું વૉલ્યૂમ ધીરે ધીરે ઓછું કરો.

૬) કોઈ હકારાત્મક આનંદદાયક કલ્પના કરો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

૭) દુખાવા તરફથી ધ્યાન બીજે વળવા મનમાં ધીમે ધીમે ગણવાનું(કાઉન્ટ) શરુ કરો.

આમ તો આ બધું કદાચ મૂર્ખા જેવું લાગે પણ ઘણાબધાને ફાયદાકારક બનેલું છે. ખાસ તો આ પ્રૅક્ટિસ દિવસમાં ત્રણવાર ૩૦ મિનિટ કરવી જોઈએ. ઉપરની કોઈ પણ એક પ્રકારની પદ્ધતિને પકડી રાખવી. બધી પદ્ધતિઓ સાથે અપનાવવી નહિ. એકવાર આમાં માસ્ટરી આવી જશે પછી એનો ફાયદો લેતા વાર નહિ લાગે.

ઓશોએ એક દાખલો નોંધ્યો હતો- અંગ્રેજોના જમાનામાં કાશી નરેશને… બનારસ-કાશીના રાજાને એપેન્ડીક્સ થયેલું. અંગ્રેજ ડૉક્ટર ઑપરેશન કરવાના હતા.ઑપરેશન પહેલા અનિસ્થટાઇઝ તો આપવો પડે ને? કાશી નરેશે કહ્યું કે હું જાગૃત રહેવાની સાધના કરું છું માટે મારે અનિસ્થટાઇઝ લઈને બેભાન બનવું નથી. ડૉક્ટરોએ ઘણું સમજાવ્યા પણ રાજહઠ સબળ હતી. કાશી નરેશે કહ્યું મને ગીતાનું પુસ્તક આપો હું વાંચીશ અને તમે ઑપરેશન કરજો. સાચું ખોટું મને ખબર નથી કેમકે હું ત્યારે હાજર નહોતો પણ કહેવાય છે કે દુનિયાનું પહેલું અને છેલ્લું ઑપરેશન હતું જે અનિસ્થટાઇઝ આપ્યા વગર કરાયેલું. કાશી નરેશે શરીરના જે તે ભાગ પ્રત્યેથી તેમનું ધ્યાન હટાવી લીધું હશે. અઘરું છે પણ અશક્ય નથી.

એક જાત અનુભવ લખું, હસવાનું નહિ. અમે ત્રણ પિતરાઈ ભાઈઓએ ચાલતા અંબાજી સંઘમાં માણસાથી અંબાજી જવા નીકળેલા. આસો મહિનાની પૂનમે પહોચવાનું હતું. સંઘ તો બહુ મોટો હતો. છ દિવસની ચાલતી મુસાફરી હતી. બપોર સુધી ચાલવાનું પછી રસ્તામાં આવતા વડનગર, તારંગા, દાંતા જેવા સ્થળોએ રાતવાસો કોઈ ધરમશાળામાં કરવાનો. દાંતા છેલ્લું સ્ટૉપિજ હતું. ત્યાં સુધીમાં તો અમારા બધાના પગમાં ભારે દુખાવો શરુ થઈ ચૂક્યો હતો. પગમાં ફોલ્લા પડવાથી ઘણાબધા તો બસમાં બેસીને ભાગી પણ ગયેલા.

સંઘના આયોજકો તરફથી એકવાર સાંજે પાકું ભોજન મળતું. અમે તો બપોરના પહોચી ગયેલા. બપોરે રાજસ્થાની દાલબાટીની મજા માણી લીધેલી. મારા એક કઝન જરા વધુ પડતી દાલબાટી ખાઈ ગયેલા. સાંજે પાછું ચૂરમાના લાડુનું પાકું જમણ કર્યું. દાંતાથી અંબાજી નજીક હોવાથી સંઘમાંથી કેટલાક લોકો રાત્રેજ અંબાજી જવા નીકળી ગયા. અમે ત્રણ જણા પણ  રાતે નીકળી ગયા. મારા પગ ખૂબ દુખતા હતા. ઢીંચણ કામ કરતા નહોતા. બીજા કઝનની પણ એવી જ હાલત હતી અને ત્રીજા ભાઈને ખૂબ ખાધેલું તે પેટમાં ભયાનક ચૂંક આવવાની શરુ થઈ ગયેલી. છતાં અમે ચાલે રાખતા હતા.

મારા આ પિતરાઈ ભાઈ મિલિટરીમાં હતા. અંબાજીના જંગલોમાં રીંછ ફરતા હોય છે. અમે ત્રણ જણા એકલાં જતા હતા, બાકીના રાત્રે નીકળી ગયેલા સંઘના મિત્રો ખૂબ આગળ જતા રહેલા. અચાનક રસ્તાની એકબાજુ દૂર અમે રીંછ ફરતા જોયા. અમને જલદી ખ્યાલ આવ્યો નહિ પણ આર્મિમાં  જોબ કરેલી તે ભાઈ ઓળખી ગયા કે આ ટોળું રીંછનું છે. બસ અમે ત્રણ જણા જે ભગવા માંડ્યા કે આવ અંબાજી ઢૂંકડું દોઢેક કલાક ખૂબ ભાગ્યા હોઈશું. અંબાજી પહોચ્યા પછી ખયાલ આવ્યો કે મારો પગનો અતિશય દુખાવો ભાગતી વખતે ગાયબ હતો. જે ભાઈ પેટમાં દુખાવાને લીધે રોડ પર આળોટતા હતા તે પણ દોઢ કલાક માટે ઑલિમ્પિક ગોલ્ડ જીતવા જતા હોય તેમ ભાગેલા. અંબાજી આવી ગયા પછી પાછો દુખાવો શરુ થયો.

ઉપર લખેલી માઈન્ડ કંટ્રોલ પદ્ધતિઓ અપનાવી જુઓ, અઘરી છે પણ અશક્ય નથી…

વેદનાનું સોહામણું સત્ય-૨

વેદનાનું સોહામણું સત્ય-૨

ક્રૉનિક પેએન કઈ રીતે શરુ થઈ જતા હોય છે તે અંકમાં જોયું.

કમરનો દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે વગેરે ને ક્રૉનિક પેએનમાં બદલવાનું લગભગ આપણાં હાથમાં છે. આવા દુખાવા કવચિત દરેકને થતા હોય છે. જંગલમાં અમુક રસ્તા વપરાયા વગરના પડી રહ્યા હોય છે. પછી કાલક્રમે રસ્તા જેવું રહે જ નહિ. પણ આજ રસ્તા પાછાં વારંવાર વાપરવાનું શરુ કરી દઈએ તો સરસ મજાની પગદંડી ફરી તૈયાર થઈ જતી હોય છે. બસ આમજ વારંવાર દુખાવાની અનુભૂતિ કરવાની ટેવ પડી જાય તો દુખાવાનું ક્રૉનિક પેએનમાં રૂપાંતરણ થતા વાર લાગતી નથી.

મને પોતાને પાંચેક વર્ષ પહેલા બૅક પેએન થયેલું. સ્ટોઅરમાં મારી ઊભા રહેવાની પદ્ધતિ ખોટી હોવાથી કમરમાં દુખાવો શરુ થઈ ગયેલો. બેસવાના પણ ફાંફાં થઈ ગયેલા. ભયાનક દુખાવો થાય. ડૉકટરે રાબેતામુજબ પેએન-કિલર લખી આપી અને ફિઝિઅથેરપિસ્ટ જોડે જવાનું સૂચવી દીધું. ક્રૉનિક પેએનમાં ડૉક્ટર્સ,

૧)Opiate મેડિકેશન જેવા કે ઑક્સિકોડીન,

૨) nonsteroidal anti-inflammatory મેડિકેશન જેવા કે બૃફેન, નેપ્રોક્સિન,

 ૩) કસરત,

૪) tricyclic antidepressants,

૫) ઍક્યુપંચર

૬) ઈલેક્ટ્રિકલ સ્ટિમ્યૂલેશન વગેરે ઉપાય તરીકે સૂચવતા હોય છે. મને બૃફેન જેવી દવાની અસર ઓછી થતી હોવાથી અફીણમાંથી બનતી ઑક્સિકોડીન જે નાર્કો-પેએન કિલર તરીકે ઓળખાય છે તેવી દવા લખી આપેલી. આ દવાથી સરસ મજાનું ઘેન ચડતું. આનંદ આનંદ થઈ જાય લેવાથી. ૩૦ ટકા અમેરિકાનો ક્રૉનિક પેએન વડે પીડાતા હોય છે. અહી ડૉક્ટર્સ છૂટથી ડ્રગ જેવી દવાઓ લખી આપતા હોય છે. અને અમુક લોકો જાતેજ હેરોઇન જેવા અફીણમાંથી  બનતા ડ્રગ લેવાનું શરુ કરી દેતા હોય છે. અમુક રાજ્યોમાં મેડિકલ મૅરિહ્વાન એટલે ગાંજો, લાઇસન્સ ધરાવતી દુકાનોમાં મળતો થઈ ગયો છે.

ઑક્સિકોડીન જેવી દવાઓનો  પ્રૉબ્લેમ એ થાય કે તેની ટેવ પાડવા માંડે પછી દુખાવો બંધ કરવા મોટો ડૉસ લેવો પડે અને તમે ડ્રગ ઍડિક્ટ બની જાવ. માઈકલ જેક્શન અને વ્હીટની આમાં જ દેવ થઈ ગયા. તે સમયે મારા ફિઝિઅથેરપિસ્ટ બહેન નિરાલી પટેલ હતા. તેમણે મને સરસ કસરત બતાવેલી. કમરનો ક્રૉનિક દુખાવો રોજની ફક્ત દસ મીનીટની કસરત વડે મટાડી શકાય છે. કમરના ભાગે સ્નાન કરતી વખતે ગરમ પાણી વધારે પડવા દઈ, સ્નાન કર્યા બાદ ફક્ત દસ મિનિટ કસરત કરી લઈએ તો કદી કમરના દુખાવા માટે દવા લેવી નો પડે તે મારો જાત અનુભવ છે. શારીરિક દુખાવાને નાબૂદ કરવો સહેલો છે, પણ માનસિક રીતે ક્રૉનિક પેએનમાં તબદીલ થયા પછી એનો ઉપાય અઘરો થઈ પડે છે.

શરીરમાં જ્યાં ઈજા થઈ હોય તે અસર પામેલા ભાગની અંદર રહેલા નર્વ સેલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ બ્રેનને મોકલવાના શરુ કરી દેતા હોય છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું નિયમન ખાસ પ્રકારના gene દ્વારા થતું હોય છે. આ જીનને બ્લૉક કરી દેવાથી નર્વ સેલ દ્વારા થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલના ઝબકારાનું પ્રમાણ ઓછું કરી શકાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો આના ઉપર પ્રયોગ કરી રહ્યા છે. જિનેટિકલી એન્જિનિઅર્ડ ઉંદરોમાં પેએન સેન્સિટિવ ન્યુરૉન્સમાં HCN2 જીન નાબૂદ કરી નાખેલો. નૉર્મલ ઉંદરો ઠંડી, ગરમ વસ્તુ અડતા ત્વરિત પ્રતિક્રિયા કરતા પણ HCN2 gene વગરના ઉંદરો બધું લાંબા સમય સહન કરી લેતા. HCN2 બ્લૉકર માર્કેટમાં આવતા બીજા દસ વર્ષ લાગશે.

વધુ પડતું વજન ક્રૉનિક પેએનમાં વધારો કરતું હોય છે. કસરત કરો, વજન ઘટાડો.  મજબૂત સ્નાયુ દર્દ આપતા સાંધાઓને વધુ સારી રીતે સહી શકે છે. જરૂર જણાય ત્યાં પેએન કિલર લેવી પડતી હોય છે. સરસ મજાની ઊંઘ દુખાવામાં રાહત પમાડે છે. ક્રોનિક પેઇન વડે પીડાતા લોકો પોતાને એકલાં પડી ગયા હોય તેવું  અનુભવતા હોય છે. મનની અસર શરીર ઉપર પડતી હોય છે અને શરીરની મન ઉપર. ડિપ્રેશનનાં લીધે  ક્રૉનિક પેએન, ડાયબીટિઝ, ઓબેસિટી, હાર્ટ ડિઝીઝ, અડિક્શન વગેરે થવાની શક્યતા વધતી હોય છે. ક્રૉનિક મેન્ટલ સ્ટ્રેસ, મસલ પેએનમાં વધારો કરે છે.

Fibromyalgia અને rheumatoid arthritis વગેરેમાં ચેરિ, સોયાબીન, ઑરિન્જ, ક્રૅન્બરિ, કૉલિફ્લાઉઅર, કિવિ બધા ફાયદાકારક છે. જ્યારે ચૉકોલટ, ઈંડા, માંસ, ઘઉં, મકાઈ, વગેરે સોજા વધારી દુખાવો વધારી મૂકે છે. ચેરિમાં anti-oxidants હોય છે જે સોજાને ઉતારે છે. બીજું એમાં melatonin નામનું હૉર્મોન હોય છે જે માનવ શરીરમાં pineal gland માં બનતું હોય છે. જે સારી ઊંઘ લાવતું હોય છે. સારી ઊંઘ મતલબ ઓછું પેએન.

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રોનિક પેઈનના બતાવી ગયા છે તે પછી બીજા અંકમાં જોઈશું.

વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય

તન અને મનની પીડા, દર્દ, વેદનાનો અનુભવ દરેકને થતો હોય છે. શરીરના કોઈ ભાગને ઈજા થાય ત્યારે દર્દ થતું હોય છે, પીડા થતી હોય છે.આ પીડા હંગામી હોય છે અને ઘણાને કાયમી થઈ જતી હોય છે. માથાનો દુખાવો, કમરનો દુખાવો જેવા દુખાવા હઠીલાં હનુમાનની જેમ કાયમી સ્વરૂપ ધારણ કરી લે ત્યારે એને આપણે Chronic pain કહીએ છીએ. લગભગ ૩ કરોડ અમેરિકાનો આવા કાયમી હઠીલાં દુખાવાથી પીડાતા હોય છે. ઉપાય મુશ્કેલ છે, છતાં લાગણીઓ, સહાનૂભુતિ અને ક્યારેક સેક્સ એની તીવ્રતાને ઓછી કરવામાં સહાયભૂત બને છે.

દર્દ, પીડા કે વેદના આપણને જીવતા રાખે છે. સર્વાઇવલ માટે અત્યંત જરૂરી પરિબળ છે. પીડા થવી મહત્વપૂર્ણ વૉર્નિંગ સિગ્નલ છે, જેને અવગણી શકાય તેવું હોતું નથી. ગરમ સ્ટવને અડી જવાય કે કશું અજાણતાં વાગી જાય દર્દ એની ફરજ ત્વરિત બજાવે છે. પીડા થવી એકજાતની અલર્ટ સિસ્ટમ છે, પણ આ અલર્ટ સિસ્ટમ વાંકાચૂંકા રસ્તે ચાલવા માંડે ત્યારે ક્રૉનિક પેએનમાં સ્થિત થઈ જાય છે. કંઈક રહસ્યમય રીતે અસાધારણ દુખાવો થયા જ કરતો હોય છે જેને મટાડવો મુશ્કેલ થઈ જાય છે. દુખાવો ક્યાંથી શરુ થાય છે તે સમજવું જ મુશ્કેલ બની જતું હોય છે. ભાવનાઓ, અપેક્ષાઓ અને મેમરી બધું ભેગું થઈને ક્રૉનિક પેએન થવા માટે સહાયભૂત બનતું હોય છે.

હાર્ટબ્રેઇક સાથે હાર્ટબર્ન જોડાઈ જતું હોય છે. બધા દુખાવા માથામાંથી આવતા હોય છે. pain matrix નામે જાણીતા બ્રેનના વિભાગમાં દર્દનું કારણ, દર્દનું વર્ગીકરણ બધું થતું હોય છે. દુખાવા વિવિધ પ્રકારના હોય છે. કોઈ શૂળની જેમ ભોંકાતા હોય છે, કોઈ સણકા સ્વરૂપે ફરજ બજાવતા હોય છે. ‘ભોગવે તે જાણે’ એવું હોય છે.

બ્રેનનો anterior cingulate cortex વિભાગ દુખાવા નોંધણી દફતર તરીકે કામ કરતો હોય છે, જે શારીરિક પીડાને માનસિક પીડામાં ફેરવી ચિંતિત કરવામાં ભાગ ભજવતો હોય છે. આ વિભાગ માનસિક પીડા અને શારીરિક ઈજામાં ભેદભાવ કરવાનું મુનાસિબ સમજતો નથી કે એને આવડતું નથી. પેટમાં દુખે તો પણ આ ભાગ સક્રિય બની જતો હોય છે અને કોઈ અવહેલના કરે કે પત્ની રિસાઈને પિયર જતી રહે તો પણ આ ભાગ સક્રિયતા જતાવતો હોય છે. M. Catherine Bushnell , Director of the Mc Gill University Centre for Research on Pain કહે છે ” Change the mood , and it changes the Pain.” આ કે

કૅથરીનનો એક પેશન્ટ હતો જેનું બ્રેન ડૅમિજ થઈને sensory વિભાગ ખલાસ થઈ ગયેલો, બાકીનું cingulate સારું હતું. એની આંખો બંધ કરાવીને આ લોકો એના હાથે કશું તીક્ષ્ણ પદાર્થ વડે ભોંકતા તો એને કશી અસર થતી નહિ. કયા હાથે આ લોકો પ્રયોગ કરે છે તે પણ કહી શકતો નહિ. ફક્ત એને ગમતું નથી એટલું જ લાગતું. ઈજાની દુખ દર્દની અનુભૂતિ થતી નહિ. બ્રેનનો આ વિભાગ સહાનૂભુતિ વડે પણ સક્રિય બની જતો હોય છે.

પતિપત્ની કે પ્રેમીઓ વચ્ચે ખૂબ તાદાત્મ્ય હોય તો એક જણને પીડા થતી હોય અને બીજું પાત્ર જોતું હોય તો એનું સિન્ગ્યુંલેટ તરત રિસ્પૉન્સ આપતું હોય છે. જેટલું તાદાત્મ્ય વધારે તેટલો રિસ્પૉન્સ વધુ. મતલબ તમારું સ્નેહીજન પીડા ભોગવતું હોય તો તે પીડા તમને પણ થવાની છે. દાખલા તરીકે તમારી પત્ની પ્રસૂતિની પીડા ભોગવતી હોય તો તમને તે સમયે પેટમાં દુખાવો થવાની શક્યતા છે જો તમે અતિશય સ્નેહગાંઠ વડે જોડાયેલા હોવ તો…અને એવા દાખલા નોંધાયેલા પણ છે. જો તમે વધુ પડતા લાગણીશીલ હોવ ભાવુક હોવ તો તમને તમારા પોતાના દર્દનો અહેસાસ પણ વધુ થવાનો.

ક્રૉનિક પેએન વડે પીડાતા લોકોને ઘણા neurotic કહેતા હોય છે. “Pain-prone personality” આઇડિઆને સંશોધકો બહુ માનતા નથી. માનવ સર્જિત બળાત્કાર કે હત્યાકાંડ કે પછી કુદરતી હોનારતો જેવી કે ભૂકંપ કે સુનામી જેણે અનુભવ્યા હોય તે લોકો એક ટ્રૉમૅમાં જીવતા હોય છે. એમનો Pain matrix વિભાગ ખૂબ ઍક્ટિવ બની ગયેલો જોવા મળ્યો છે. બિહેવ્યર ટેક્નિક વડે આવા દુખ દરદનો ઉપાય કરવો પડતો હોય છે.

મસલ્સની જેમ જે તે બ્રેન સર્કિટનો જેમ વધુ ઉપયોગ થાય તેમ તે બ્રેન સર્કિટ મજબૂત બનતી જતી હોય છે. જેમ કે તમારે હાર્મોનિયમ વગાડતા શીખવું હોય તો વારંવાર વગાડવું પડે તેમ તેમ એમાં ઉપયોગમાં આવતી બ્રેન સર્કિટ વધુને વધુ મજબૂત, પાવરફુલ અને એ

ઍક્ટિવ બનતી હોય છે જે હાર્મોનિયમ શીખવામાં મદદરૂપ થાય. પણ વારંવાર જૉઇન્ટ પેએન અનુભવતા આ કરામત ક્રૉનિક પેએન બની જતા વાર નથી લગાડતી. Gavril Pasternak , Director ઑફ molecular neuropharmacology at Memorial Sloan -Kettering Cancer Center in New York City કહે છે ” Pain pathways are like a trail in the forest , if you have a path that is already worn , it is easier to follow and it becomes strengthened .” દુખ દર્દનાં રસ્તા જંગલની કેડીઓ જેવા હોય છે. આ કેડીઓ પર કોઈ અવરજવર ના હોય તો જીર્ણશીર્ણ થઈ ગઈ હોય છે. પણ એકવાર રોજ અવરજવર ચાલુ થઈ જાય તો રૂડા રૂપાળાં સરસ મજાના રસ્તા ઉભા થઈ જતા હોય છે.

ન્યુઅરૉલજિકલ પ્રોસેસ છે જ એવો કે જેમ સંગીતમાં પ્રવીણ બની શકાય છે તેમ દર્દ વધુ અનુભવવાનું પણ શીખી શકાય છે. મતલબ દર્દ કે પીડા તમારે વધુ અનુભવવી હોય તો તમારા હાથમાં છે. fibromyalgia જેવા ક્રૉનિક સંધિવા જેવા રોગોમાં સામાન્ય સ્પર્શ પણ ઘણાને ખૂબ વેદના આપતો હોય છે જેટલો કમરના અસહ્ય દુખાવા સમયે આપતો હોય. એવા પણ દાખલા નોંધાયા છે કે કોઈ અસાધારણ અને અસાધ્ય ઈજા થઈ હોય અને પગ કાપી નાખવો પડ્યો હોય અને તે પગ ના હોવા છતાં તે પગમાં દર્દનો અહેસાસ થતો હોય છે.

ભયાનક ટૉર્ચર થયું હોય તેવા લોકોમાં જે તે અંગ સારા થઈ ગયા હોવા છતાં તે અંગોમાં પીડા થતી હોય તેવું અનુભવાતું હોય છે. બ્રેન સર્કિટમાં દર્દ એક ડામની જેમ અંકિત થઈ ગયું હોય છે. આમ દર્દ હોય તેના કરતા એનો અહેસાસ વધુ કરવાનું શીખવું હોય તો શીખી શકાય છે તેમ દર્દ હોય તેના કરતા ઓછો અહેસાસ કરવાનું પણ શીખી શકાય છે.

વધુ પછી….

મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં?

મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં?

હમણાં એક સમાચાર વાંચ્યા કે એક છોકરીની સરેઆમ છેડતી થઈ, એના કપડાં ખેંચવામાં આવ્યા. એનો વીડીઓ કોઈએ ઉતારી લીધેલો. ખેર એમાં જેનો વાંક હોય તે કોર્ટ અને પોલીસ શોધી કાઢશે. પણ મધ્યપ્રદેશના ઉદ્યોગ પ્રધાને સ્ટેટમેન્ટ આપ્યું કે મહિલાઓ ઉશ્કેરણીજનક કપડાં પહેરતી હોવાથી આવું થાય છે. સમાજ વિચલિત થાય છે. બોલો આ મહાશયને શું કહેવું?? આ પહેલા પણ છોકરીઓના કપડાં બાબતે આવા મારઝૂડના બનાવો બનેલા છે, સંસ્કૃતિ રક્ષકોએ છોકરીઓના ચોટલા ઝાલી ખૂબ મારેલી છે.

એક વસ્તુતો છે જ કે ભારતની મહિલાઓ સાવ યુરોપિયન કે અમેરિકન જેવા ટૂંકા કે સેક્સી કપડાં પહેરતી નથી. ગુજરાતમાં સાડી માન્ય પહેરવેશ હતો અને આજે પણ છે જ. ઉત્તર ભારતમાં પંજાબ બાજુ સલવાર કુર્તા પહેરાય છે. હવે તમે કહો કે સાડી સેક્સી લાગે કે સલવાર કુર્તા?? બેશક સાડી જ. સાડી-બ્લાઉઝ તો વેસ્ટર્ન લોકોને પણ સેક્સી લાગે છે. સલવાર કુર્તા ખૂબ કમ્ફર્ટેબલ ડ્રેસ છે. શરૂમાં ગુજરાતમાં સલવાર કુર્તા માટે પણ વિરોધ નોંધાએલો છે. આજે વેરી લો કટ ચોલી પહેરીને યુવાન સ્ત્રીઓ ગરબા ગાવા જાય છે ત્યારે સંસ્કૃતિ રક્ષકોના ભવા ચડી જાય તેમને ખબર નહિ હોય કે આપણી દાદીમાઓ કાપડા પહેરતી તેમાં બરડા પાછળ ખાલી દોરી જ બાંધવામાં આવતી હતી. આજે પણ રાજસ્થાન, બનાસકાંઠા, સૌરાષ્ટ્રનાં  ગ્રામ્ય વિસ્તારમાં આવા પાછળ ફક્ત કાપડની બનાવેલી દોરી(કસ) જ હોય તેવા બ્લાઉઝ પહેરેલી મહિલાઓ જોવા મળશે. એ મહિલાઓને સેક્સી કપડાં શું કહેવાય તેનો જરાય અણસાર નહિ હોય.

આપણાં દેશમાં પણ સ્ત્રી પાસે વ્યક્તિવ ના હતું ત્યાં સુધી પરિવાર સુવ્યવસ્થિત ચાલતા હતા. સંત્રી બંદૂકો લઈ ઉભા હોય તો જેલમાં પણ વ્યવસ્થા સારી દેખાય છે. સ્ત્રી પુરુષ સમાન હોય તો પ્રેમ પેદા થાય, પ્રેમ પહેલા થાય તો પરિવાર એટલો સુનિયોજિત બની નથી શકતો, જેટલો વિવાહવાળો મતલબ એરેન્જ મૅરેજ વાળો. વિવાહ જીવનભરની વ્યવસ્થા છે. એટલે એને એકદમ સુરક્ષિત રાખવા હજાર જાતની અનૈતિકતાઓ પેદા કરવી પડી. એક પુરુષને પ્રેમ વગર એક સ્ત્રી સાથે વિવાહ દ્વારા સાથે જીવવા મજબૂર કરી દઈએ, તો યૌન સંબંધ તો થઈ શકે, પણ હ્રદયનો સંબંધ શોધવા નવા રસ્તા શોધવાનો. અને આ ભાઈલો પાડોશીની પત્નીમાં પ્રેમ શોધવા નીકળે તો? પાડોશીની પત્ની ટૂંકા સ્કર્ટમાં સારી લાગે પોતાની પત્ની નહિ. પાડોશી પુરુષો ભયભીત થવાના. એટલે બધા પુરુષો ભેગાં થઈ નક્કી કરવાના કે બધી સ્ત્રીઓ નહિ પણ કેટલીક સ્ત્રીઓ છોડી શકાય. જે સ્ત્રીઓની માલિકી કોઈની નહિ, અને તેમની સાથે કોઈ પણ ગમેતેવો સંબંધ રાખી શકે. આ સ્પેશિયલ અલાયદી રાખેલી સ્ત્રીઓ એટલે વૈશ્યાઓ. લંકા વિજય પછી શ્રી રામની સેનાનું સ્વાગત કરવા ભરતજી સામે ગયેલા. ત્યારે રામની સેનાનો થાક ઉતારવા ભરતજી વૈશ્યાઓને સાથે લઈ ગયેલા.

હિન્દુસ્તાનમાં બુદ્ધ અને મહાવીરના સમયમાં દરેક ગામમાં નગરવધુ હતી. ગામની જે સુંદરતમ સ્ત્રી હોય એને નગરવધુ ગામના લોકો બનાવી દેતા. તેનો કોઈ એક પતિ ના હોય આખા ગામની પત્ની, વધૂ, વહુ. કારણ સુંદરતમ સ્ત્રીને વરવા માટે પછી પુરુષો વચ્ચે હરીફાઈ પેદા થાય. ઝંઝટ પેદા થાય. એટલે આખું ગામ જ પતિ બની જતું. આખું ગામ ઉપયોગ કરી શકે. વૈશ્યા શબ્દ કરતા નગરવધુ સુંદર શબ્દ છે. અને એમાં પાછું એને બહુ માન મળ્યું હોય નગરવધુ બનાવી એવું ઠસાવી દેવાનું. એ કોઈ એક માણસને પ્રેમ પણ ના કરી શકે દેશદ્રોહ કહેવાય. આમ્રપાલી અને અજાતશત્રુની કથા લોકો જાણે છે. મંદિરોમાં દેવદાસીની પ્રથા આવી. પૂજારીઓ શું કામ બાકી રહે? પથ્થર કે આરસની મૂર્તિને વાઈફની જરૂર પડે તેવું તો અહી જ બને. હિન્દુસ્થાનની સાથે સાથે ગ્રીક મંદિરોની આસપાસ પણ સ્ત્રીઓના સમૂહ ઉભાથયેલા.

મર્યાદા પુરુષના મનમાં હોવી જોઈએ, સ્ત્રીના કપડાં તો ગૌણ બાબત છે. વિક્ટોરિયન જમાનામાં બ્રિટનમાં સ્ત્રીઓ પગની પાની પણ દેખાવા દેતી નહોતી. ત્યારે તે જમાનાના પુરુષોને ભૂલમાં સ્ત્રીના પગની પાની કે અંગૂઠો દેખાઈ જાય તો પણ ઉત્તેજિત થઈ જતા હતા. શું બુરખા પહેરેલી સ્ત્રીઓ પર બળાત્કાર નથી થતા? મિત્ર ધ્રુવ ત્રિવેદીએ એક દાખલો નોંધ્યો છે-સાલ અને રાજ્ય ની ખબર નથી,  ચાર/પાંચ લોકોએ એક વેશ્યા પર બળાત્કાર કર્યો આખો મામલો કોર્ટમાં ગયો આરોપીઓ એ એવી દલીલ આપી કે પીડિત મહિલા વેશ્યા/ચારિત્રહીન છે માટે કોઈ કેસ ના બને અમને નિર્દોષ છોડી દેવા જોઈએ. કોર્ટનો ચુકાદો એવો હતો કે  કોઈ પણ સ્ત્રી વેશ્યા/ચારિત્રહીન હોય તો તેના પર બળાત્કાર કરવાનો પરવાનો નથી મળતો. અહી બીચ ઉપર બીકીની પહેરેલી સ્ત્રીઓ સામે કોઈ જોતું પણ નથી. છતાં અહી મહિલાઓએ ડ્રેસકોડ પ્રમાણે ઑફિસમાં કપડાં પહેરીને જવાનું હોય છે. અહી પણ બળાત્કાર થતા હોય છે પણ તેનું કારણ ટૂંકા કપડાં નથી હોતા. અહી સ્ત્રીને સેક્સી કે સુંદર લાગે છે તેવું મોઢે કહેનારો બસમાં કે ટ્રેનમાં સીટ પાછળ હાથ લંબાવીને કોઈ જુવે ના રીતે અભદ્ર અડપલાં કરતો નથી. મર્યાદા ઉભય પક્ષે હોવી જોઈએ. પણ હરદમ સ્ત્રીઓનો જ વાંક કાઢવો તે તો બેશરમી જ કહેવાય.

પાંચ પાંચ પતિઓ બેઠાં હોય અને વૃદ્ધ વડીલોની હાજરીમાં જ્યાં સ્ત્રીના કપડાં ખેંચાતા હોય ત્યાં કહેવાતા ચોખલિયા વૃદ્ધો અને યુવાનો પાસેથી ઊલટા ચોર કોટવાલ કો ડાટે સિવાય શું અપેક્ષા રાખી શકો??

વૈશ્યા એ કોઈ સ્ત્રીઓનો શોધેલો કૉન્સેપ્ટ નથી. સન્ની લિયોન(મૂળ ભારતીય પોર્ન સ્ટાર) એ કોઈ સ્ત્રીનું સર્જન નથી, સન્ની લિયોન પુરુષોની બીમાર માનસિકતાનું સર્જન છે. સ્ત્રીનું અદભૂત સર્જન તો એનું બાલક હોય છે.

લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .

લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .
લાલ રંગ લવ, રોમાન્સ અને સેક્સનું પ્રતીક ગણાય છે. એના મૂળિયા ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં પડેલા છે. આપણાં પ્રાઈમેટ પૂર્વજો માંકડા, ચિમ્પાન્ઝી જેવા બીજા એપ્સમાં જુઓ તો માદા હીટમાં આવે ત્યારે એમના જનીન અંગો ફૂલીને લાલચોળ ગુલાબી જેવો રંગ પકડી લેતા હોય છે. આ નર માટે સિગ્નલ હોય છે. માનવજાતમાં પણ સ્ત્રી એની ફલદ્રુપતાની ચરમસીમાએ હોય છે ત્યારે એના મુખ પર પણ કોઈ ગજબની લાલી છવાઈ જતી હોય છે. આમ લાલ રંગ લવ અને રોમાન્સ સાથે જોડાઈ ગયો.
આમ છતાં લાલ રંગ ખતરાની નિશાની તરીકે પણ જોવાય છે. એના બે ત્રણ  કારણો છે.  એક કારણ ઈવોલ્યુશન સાથે જોડાયેલું છે. સર્વાઈવલ માટે દરેક પ્રાણીને બે વસ્તુ મુખ્ય જરૂરિયાતની હોય છે. એક તો ખોરાક અને બીજું પોતાના જિન્સ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર કરવા. આ બંને માટે પ્રાણી જગતમાં ખૂબ હરીફાઈ હોય છે. ચાલો ખોરાક તો મળી જાય પણ પોતાના જિન્સ ટ્રાન્સ્ફર કરવા માટે માદા મેળવવા ખૂબ લડાઈ લડવી પડતી હોય છે. આલ્ફા નરને પણ ખૂબ લડાઈ લડ્યા પછી આલ્ફા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય છે અને પછી માદાઓ ભોગવવા મળતી હોય છે. માદા પણ નબળા નરને જલદી હાથ મૂકવા દેતી નથી. બીજું આલ્ફા પદ સાચવી રાખવાનું પણ સાવ સહેલું નથી. આ પદ સાચવી રાખવા માટે પણ કાયમ લડાઈઓ લડવી પડતી હોય જ છે. અને જ્યારે લડાઈ થાય ત્યારે સૌથી પહેલું શું વહે છે? સૌથી પહેલું લાલ રંગનું લોહી વહે છે. આ લોહી જો વધુ વહી જાય તો મોત મળે છે. એટલે લોહીનો લાલ રંગ બહુ વહી જાય તો જીવન સમાપ્ત. આમ આપણાં જિન્સમાં પ્રોગ્રામિંગ થયેલું હોય કે જેમ લાલ રંગ રોમાન્સનો છે તેમ જોખમનો પણ છે. કારણ લવ અને રોમાન્સ પામવા જતા પણ પહેલા તો લાલ રંગનું લોહી વહાવવાનું જોખમ તો ઊભું જ હોય છે. ભલે અત્યારે સામાજિક વ્યવસ્થાઓને લીધે માનવજાતને સ્ત્રી મેળવવા લોહી ભલે ના વહાવવું પડતું હોય પણ મેમલ બ્રેઈનમાં થયેલા પ્રોગ્રામિંગ ભૂસવા સરળ નથી.
એક કારણ એવું પણ છે કે જ્યારે કોઈ વસ્તુ હદ બહાર ગરમ થાય કે સળગે ત્યારે લાલ રંગ પકડી લે છે. લાકડા, કોલસો સળગે ત્યારે લાલ રંગ પકડી લેતા હોય છે. જ્વાળામુખી ફાટે ત્યારે લાવા લાલ રંગનો હોય છે. અગ્નિનો રંગ લાલ છે. હવે આવી તપેલી લાલ વસ્તુને પકડીએ તો શું થાય? આ રીતે પણ લાલ રંગ જોખમના પ્રતીક તરીકે માનસિકતામાં ઘૂસી જાય તેમાં શું નવાઈ?
લાલ રંગ ભયના સિગ્નલ તરીકે વપરાય છે. ટ્રાફિક સિગ્નલ પર થોભવા માટે લાલ રંગ વપરાય છે. બીજે પણ જ્યાં જીવનું જોખમ હોય ત્યાં લાલ રંગ ચેતવણી માટે વપરાય છે. તેનું કારણ ભૌતિકવિજ્ઞાનમાં છે. લાલ રંગના કિરણોની વેવલેન્થ હાઈએસ્ટ હોય છે. બીજા રંગના કિરણો  air molecule વડે વેરવિખેર થઈ જતા હોય છે ત્યાં લાલ રંગના કિરણો બહુ ઓછા વેરવિખેર થતા હોય છે તેનું કારણ એની હાઈએસ્ટ વેવલેન્થ છે. આમ લાલરંગના કિરણો બહુ લાંબે સુધી જઈ શકતા હોય છે. એટલે ઘણા દૂરના અંતરેથી પણ લાલ રંગ જલદી દેખાઈ જાય છે.  જોખમ તો વહેલું દેખાઈ જાય તો જ સારું ને?
દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે. 
 

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. Hard Truths About Human Nature.

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. Hard Truths About Human Nature.

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

પ્રેમના પુષ્પો કોઈના દિલમાં ખીલે તો પ્રથમ કયો રંગ યાદ આવે? વૅલેન્ટાઇન દિવસે કાર્ડ ઉપર દોરેલા લાલ રંગના હૃદય પર કોણ ઓળઘોળ નહિ થતું હોય? લાલરંગ લવ અને સેક્સનું પ્રતીક છે.  સ્ત્રી જ્યારે scarlet રંગછટામાં નીખરીને સામે ઊભી હોય ત્યારે પુરુષને ખૂબ appealing લાગતી હોય છે.

કસુંબી=scarlet – સ્કારલિટ,  કિરમજી, લાલચોળ, નારંગી ઝાંયવાળો રાતો રંગ.

દંતકથા હોય કે સંસ્કૃતિને લક્ષ્યમાં લો, લાલ રંગ રૉમૅન્સ સખત રીતે સાથે જોડાયેલો છે. ‘ એ લાલ રંગ કબ મુઝે છોડેગા?’ કાકાનું( રાજેશખન્ના) ફિલ્મમાં ગાયેલું આ ગીત સારું એવું પ્રખ્યાત હતું.  પુરુષોને સ્ત્રી ઉપર લાલ રંગ ગમે છે તેના મૂળિયા ઇવલૂશનરી ભૂતકાળમાં છુપાએલા છે. બબુન, માંકડા, ચિમ્પૅન્ઝી જેવા આપણાં ફીમેલ પ્રાઇમેટ સંબંધીઓ જ્યારે એમની ફલદ્રુપતાની ટોચે હોય, મતલબ અંડમોચન, ઑવુલ્યેશન સમયમાં હોય ત્યારે એમના ગુપ્તાંગ લાલચોળ બની જતા હોય છે, જે નર માટે સિગ્નલ હોય છે. નર આ જોઈ સમજી જાય કે સમાગમ માટે આ મહત્વનો સમય છે. આમ આ લાલ રંગ નરને આકર્ષતો હોય છે. આવી જ રીતે માનવજાતમાં પણ સ્ત્રી જ્યારે ovulation સમયમાંથી પસાર થતી હોય ત્યારે બ્લડ વેસલ ઍક્ટિવિટિ વધી જવાથી એના ચહેરા લાલ ગુલાબી રંગ પકડી લેતા હોય છે.

આમ સામાજિક અને બાયલૉજિકલ લાલ રંગ રૉમૅન્સ સાથે જોડાઈ ગયો છે. આપણે ત્યાં પણ લગ્નસમયે કન્યા લાલ શેડ આધારિત કપડાંમાં શોભતી હોય છે. લાલ રંગની બંગડીઓ, લાલ રંગની સાડીઓ સ્ત્રીની પહેલી પસંદ હોય છે. આધુનિક યુવતીઓમાં પણ લાલ રંગની ટી-શર્ટ વધુ પ્રચલિત હોય છે. ટૂંકમાં સ્ત્રી જ્યારે લાલ રંગે સજધજ  હોય તો પુરુષ એના પ્રત્યે વધુ આકર્ષાય તે હકીકત છે. સ્ત્રી ઉપરનો લાલ રંગ શબ્દો વગરનું એક આમંત્રણ છે. પરંતુ તમારે વિવેક રાખવો.  

વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કરેલો. ઑન-લાઈન ડેટિંગ સાઇટ્સ ઉપર કેટલી સ્ત્રીઓ રૅજિસ્ટર કરવામાં આવી. આ બધી યુવતીઓ ૨૦ થી ૩૦ વર્ષ ઉંમર ધરાવતી હતી. આ સ્ત્રીઓએ એમના પ્રોફાઇલમાં કલર ફોટા મૂકવાના હતા. ફોટા ચેસ્ટ સુધીના રાખવાના હતા. એકલો  ફેસ હોય તો કયા રંગના કપડાંમાં સજ્જ છે તે દેખાય નહિ. નવેક મહિના સુધી પ્રયોગ ચાલવાનો હતો. હવે આ સ્ત્રીઓને મળવા ઉત્સુક પુરુષોના આવતા ઈ-મેલ  ડેટા(ડૅટૅ) કલેક્ટ કરવામાં આવતા હતા. ફોટોશૉપની મદદ વડે આ સ્ત્રીઓના ચેસ્ટ એરિઅમાં દેખાતા કપડાઓનો રંગ ચોક્કસ સમયાંતરે બદલવામાં આવતો હતો. કપડાના બદલાતા રંગ, બ્લેક, વાઇટ, યેલો, બ્લૂ, ગ્રીન અને રૅડ હતા. અભ્યાસ પૂરો થયા પછી ૨૬ સ્ત્રીઓના ડેટા તૈયાર હતા. ૨૦૬૩ પુરુષોએ ઈ-મેલ કર્યા હતા.

જ્યારે આ સ્ત્રીઓના કપડા લાલ રંગના પ્રોફાઇલમાં બતાવ્યા હતા તે સમયમાં સૌથી વધારે ડેટિંગ ઑફર પુરુષો દ્વારા ઈ-મેલ વડે  આવી હતી. અને સૌથી ઓછી બ્લેક કપડા સમયે. આ પ્રયોગ Gueguen and Jacob નામના વૈજ્ઞાનિકોએ કરેલો.

” બિંદીયા ચમકેગી, ચૂડી ખનકેગી, ગજરા મહેકેગા.”—- ભારતીય સ્ત્રીઓના કપાળમાં લાલ રંગનો ચાંદલો અને હાથમાં પહેરેલી લાલ ચૂડીઓ શું સૂચવે છે?? લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .

લાલ રંગ લવ, રૉમૅન્સ અને સેક્સનું પ્રતીક ગણાય છે. એના મૂળિયા ઉત્ક્રાંન્તિના ઇતિહાસમાં પડેલા છે. આપણાં પ્રાઇમેટ પૂર્વજો માંકડા, ચિમ્પૅન્ઝી જેવા બીજા એપ્સમાં જુઓ તો માદા હીટમાં આવે ત્યારે એમના જેનિટલ અંગો ફૂલીને લાલચોળ ગુલાબી જેવો રંગ પકડી લેતા હોય છે. આ નર માટે સિગ્નલ હોય છે. માનવજાતમાં પણ સ્ત્રી એની ફલદ્રુપતાની ચરમસીમાએ હોય છે ત્યારે એના મુખ પર પણ કોઈ ગજબની લાલી છવાઈ જતી હોય છે. આમ લાલ રંગ લવ અને રૉમૅન્સ સાથે જોડાઈ ગયો.

આમ છતાં લાલ રંગ ખતરાની નિશાની તરીકે પણ જોવાય છે. એના બે ત્રણ  કારણો છે.  એક કારણ ઇવલૂશન સાથે જોડાયેલું છે. સર્વાઇવલ માટે દરેક પ્રાણીને બે વસ્તુ મુખ્ય જરૂરિયાતની હોય છે. એક તો ખોરાક અને બીજું પોતાના જેનિસ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર કરવા. આ બંને માટે પ્રાણી જગતમાં ખૂબ હરીફાઈ હોય છે. ચાલો ખોરાક તો મળી જાય પણ પોતાના જેનિસ ટ્રાન્સ્ફર કરવા માટે માદા મેળવવા ખૂબ લડાઈ લડવી પડતી હોય છે.

ઍલ્ફા નરને પણ ખૂબ લડાઈ લડ્યા પછી ઍલ્ફા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય છે અને પછી માદાઓ ભોગવવા મળતી હોય છે. માદા પણ નબળા નરને જલદી હાથ મૂકવા દેતી નથી. બીજું ઍલ્ફા પદ સાચવી રાખવાનું પણ સાવ સહેલું નથી. આ પદ સાચવી રાખવા માટે પણ કાયમ લડાઈઓ લડવી પડતી હોય જ છે. અને જ્યારે લડાઈ થાય ત્યારે સૌથી પહેલું શું વહે છે? સૌથી પહેલું લાલ રંગનું લોહી વહે છે. આ લોહી જો વધુ વહી જાય તો મોત મળે છે. એટલે લોહીનો લાલ રંગ બહુ વહી જાય તો જીવન સમાપ્ત. આમ આપણાં જીનમાં પ્રોગ્રામિંગ થયેલું હોય કે જેમ લાલ રંગ રૉમૅન્સનો છે તેમ જોખમનો પણ છે. કારણ લવ અને રૉમૅન્સ પામવા જતા પણ પહેલા તો લાલ રંગનું લોહી વહાવવાનું જોખમ તો ઊભું જ હોય છે. ભલે અત્યારે સામાજિક વ્યવસ્થાઓને લીધે માનવજાતને સ્ત્રી મેળવવા લોહી ભલે ના વહાવવું પડતું હોય પણ મૅમલ બ્રેનમાં થયેલા પ્રોગ્રામિંગ ભૂસવા સરળ નથી.

એક કારણ એવું પણ છે કે જ્યારે કોઈ વસ્તુ હદ બહાર ગરમ થાય કે સળગે ત્યારે લાલ રંગ પકડી લે છે. લાકડા, કોલસો સળગે ત્યારે લાલ રંગ પકડી લેતા હોય છે. જ્વાળામુખી ફાટે ત્યારે લાવા લાલ રંગનો હોય છે. અગ્નિનો રંગ લાલ છે. હવે આવી તપેલી લાલ વસ્તુને પકડીએ તો શું થાય? આ રીતે પણ લાલ રંગ જોખમના પ્રતીક તરીકે માનસિકતામાં ઘૂસી જાય તેમાં શું નવાઈ?

લાલ રંગ ભયના સિગ્નલ તરીકે વપરાય છે. ટ્રૅફિક સિગ્નલ પર થોભવા માટે લાલ રંગ વપરાય છે. બીજે પણ જ્યાં જીવનું જોખમ હોય ત્યાં લાલ રંગ ચેતવણી માટે વપરાય છે. તેનું કારણ ભૌતિકવિજ્ઞાનમાં છે. લાલ રંગના કિરણોની વેવ-લેન્થ હાયેસ્ટ હોય છે. બીજા રંગના કિરણો  air molecule વડે વેરવિખેર થઈ જતા હોય છે ત્યાં લાલ રંગના કિરણો બહુ ઓછા વેરવિખેર થતા હોય છે તેનું કારણ એની હાયેસ્ટ વેવ-લેન્થ છે. આમ લાલરંગના કિરણો બહુ લાંબે સુધી જઈ શકતા હોય છે. એટલે ઘણા દૂરના અંતરેથી પણ લાલ રંગ જલદી દેખાઈ જાય છે.  જોખમ તો વહેલું દેખાઈ જાય તો જ સારું ને?

દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે.download

 

જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

મૅમલમાં pair-bonding બહુ ઓછું જોવા મળે, લગભગ ના બરોબર. ગ્રેટ એપ્સમાં ચિમ્પૅન્ઝી, ગરિલા, બોનોબો વગેરેમાં પેઅર બૉન્ડિંગ હોતું નથી. ગૃપના નેતાજી બધી માદાઓને ભોગવતા હોય છે. બોનોબોમાં ગૃપ નેતા માતાજી હોય છે તે વાત જુદી છે. ગિબનમાં પેઅર બૉન્ડિંગ હોય છે. પણ એમાં માદા ગિબન ઇમર્જન્સીમાં બૂમ પાડે અને નર ગિબન જલદી આવે નહિ તો ખલાસ, માદા એને ઊભો મેલીને બીજો ભાયડો પસંદ કરી લેતી હોય છે.

પોતાના જેનિસ સહેલાઈથી મોટા કરવા હોય તો પેઅર બૉન્ડિંગ જરૂરી બની જાય છે. નાના નાના કારણોસર પેઅર બૉન્ડિંગ છૂટું પડી ના જાય, પેર અલગ પડી ના જાય માટે ધીમે ધીમે પેઅર બૉન્ડિંગને એક વિધિ આપવાનું શરુ થયું, કે તમારા સહજીવન શરુ થયા  સમયે આ વિધિ કરેલી છે, માટે નજીવા કારણોસર આવેશમાં આવીને છુટા પડાય નહિ. આવું ગોઠવીને સમૂહના બુદ્ધિશાળી આગેવાનોએ એક નવો કૉન્સેપ્ટ ઊભો કર્યો તેનું નામ લગ્નવિધિ, અને આ કર્મકાંડને આધારે સહજીવન શરુ થયા તેને કહેવાય લગ્નવ્યવસ્થા.

પેઅર બૉન્ડિંગ શરુ નહોતું થયું ત્યાં સુધી સંતાનો આખા સમૂહના કહેવાતા, ત્યાં આખો સમાજ ભેગાં થઈને બાળકોને ઉછેરતો હોય. પેઅર બૉન્ડિંગ શરુ થયા, એટલે સંતાનોની ઉછેરવાની જવાબદારી માતાપિતાની આવી ગઈ. હવે આ પેઅરમાંથી એક જુદું પડી જાય તો એકલાં પિતા કે એકલી માતાએ સંતાનને ઉછેરવું પડે. અમેરિકામાં હાલ એજ થઈ રહ્યું છે. સૌથી વધુ સિંગલ પૅરન્ટ અમેરિકામાં છે. બાળકોના ઉછેર બાબતે લગ્નવ્યવસ્થા  ખૂબ ઉત્તમ પુરવાર થાય છે. સિંગલ પૅરન્ટ દ્વારા ઉછેરાયેલા બાળકોની માનસિકતા અલગ રહેવાની તે નક્કી છે. માતાના સ્નેહ અને પિતાના રક્ષણ અને હૂંફ વચ્ચે ઊછરેલા બાળકોની માનસિકતા અલગ હોય તે સ્વાભાવિક છે.

મોટાભાગના મૅમલ પૉલીગમસ(બહુગામી) હોય છે, તેમ માનવજાત બહુગમન કરતું મૅમલ છે. લગ્નવ્યવસ્થા હતી છતાં પૉલીગમી ચાલુ જ હતી, પણ લગ્નવ્યવસ્થા એ મનૉગમી તરફનું પહેલું ચરણ હતું એવું મને લાગે છે. અમુક જગ્યાએ પુરુષો ઘણીબધી સ્ત્રીઓ સાથે લગ્ન કરી પૉલીગમી આચરતા તો ઘણા સમાજોમાં સ્ત્રીઓ બહુ પતિઓ રાખતી. ભારતમાં પણ ઘણા સમાજોમાં બહુપતિત્વ(પૉલીઍન્ડ્રી) ચાલુ હતું. તિબેટ બહુપતિત્વનું  ઉત્તમ ઉદાહરણ છે.

પૉલીગમી જીનમાં હોય છે અને મનૉગમી સામાજિક વ્યવસ્થા છે. બંનેના ટકરાવમાં માનવજાત ફસાઈ ગઈ છે. મનૉગમીમાં એક સ્ત્રી અને એક પુરુષ સંસર્ગ કરતા હોય છે. લગ્ન વ્યવસ્થા દ્વારા હાલ મોટાભાગના દેશોમાં આ પ્રથા કાયદાથી અપનાવાય છે. એક પત્ની કે એક પતિ હોવો તે મનૉગમી.

માનવજાતે હમણાં સુધી પૉલીગમી આચરી છે. મનૉગમી બહુ જૂની વાત નથી. આમ ઐતિહાસિક રીતે જોઈએ તો માનવજાત પૉલીગમસ બહુ લાંબો સમય રહી છે. મજબૂત, વિપુલ રિસોઅર્સ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષો અસંખ્ય સ્ત્રીઓ રાખતા. એક પુરુષ ચાર સ્ત્રીઓ રાખે મતલબ બાકીના ત્રણ સ્ત્રી વગર રહી જવાના. હમણાં બ્રિટનમાં એક પુરુષ એની સાથે સાત સ્ત્રીઓ રાખે છે તે જોયું, મતલબ બીજા છ પુરુષોનો ચાન્સ ગયો. આમ ઇવલૂશનની હિસ્ટરીમાં ત્રીજા ભાગના પુરુષો એમના જેનિસ ટ્રાન્સ્ફર કર્યા વગર જ દેવ થઈ ગયા છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. છતાં મનૉગમી બહુ ઝડપથી ફેલાઈ ગઈ.

જ્યારે આપણે લગ્ન કરીએ ત્યારે વિચારીએ છીએ કે આપણું એક વ્યક્તિ સાથેનું પેઅર બૉન્ડિંગ કાયમ માટે છે. મેરેજ કૉનસેપ્ટની અંદર મનૉગમી ખૂબ ઊંડે ધરબાયેલી છે. છતાં મનૉગમીનો ઇતિહાસ સાવ નવો છે. નેપાળમાં ૧૯૬૩માં મનૉગમી કાયદેસર થઈ. પુરુષોને સેક્સ્યૂઅલ વેરાયટિ અને શૉર્ટ ટર્મ યુનિયનમાં રસ હોય છે, જ્યારે સ્ત્રીઓને એમના બાળકોના ઉછેરમાં ઍક્ટિવ ભાગ ભજવે તેવા હેલ્થી, વેલ્થિ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષમાં રસ હોય છે. છતાં આજે મનૉગમી સમાજ પર હાવી થઈ ગઈ છે.

બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીના Joseph Henrich નામના એક વૈજ્ઞાનિકે એક રસપ્રદ સ્ટડી બહાર પાડ્યો છે. હાઈ-સ્ટૅટ્સ ધરાવતા પુરુષો એક્સ્ટ્રા પત્નીઓ મેળવી જતા ક્યારેક ત્રણ કે ચાર. આમ બાકીના લો-સ્ટૅટ્સ પુરુષો માટે સ્ત્રીઓનો દુકાળ વર્તાય. આમ લો-સ્ટૅટ્સ પુરુષો સ્ત્રીઓ માટે બેબાકળા બની જવાના, સાથે સ્ત્રી મેળવવા હિંસક બનતા વાર લાગે નહિ. હેનરીક અને તેના સાથીઓના અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું કે પૉલીગમસ સમાજોમાં ક્રાઇમ રેટ વધારે હોય છે. જ્યાં દરેકને સ્ત્રી ઉપલબ્ધ હોય છે ત્યાં પુરુષો એમના કુટુંબ અને સમાજ માટે કામ કરવામાં વ્યસ્ત વધુ જોવા મળે છે. મનૉગમી સમાજ માટે ફાયદાકારક છે. પૉલીગમી નેચરલ સિલેક્શન છે, મનૉગમી ગૃપ સિલેક્શન છે.

૧) મનૉગમીનો પહેલો ફાયદો એ છે કે તે ક્રાઇમ રેટ ઓછો કરે છે. એક પુરુષ ત્રણ કે ચાર સ્ત્રીઓ રાખીને બેઠો હોય તો બાકીના રહી ગયેલા સ્ત્રી પામવા માટે કોઈ પણ જોખમ ખેડવા તૈયાર રહેવાના. અભ્યાસ જણાવે છે કે કુંવારા પુરુષો પોતાનું એક ગૃપ બનાવતા હોય છે અને તે ખૂબ જોખમી અને ગંભીર ક્રાઇમ જેવા કે મર્ડર, રૅપ, સ્ત્રીઓનું કિડનેપિંગ કરતા વિચારતા નથી. પરણેલા પુરુષો આવું ઓછું કરતા હોય છે. મનૉગમીનાં કારણે દરેકને સ્ત્રી મળી રહેતી હોવાથી સિંગલ પુરુષોની સંખ્યા ઓછી થતી હોવાથી ક્રાઇમ રેટ નીચો જાય છે.

૨) મનૉગમીનો બીજો ફાયદો સ્ત્રીઓ અને છોકરીઓ માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં એક પુરુષ અનેકવાર લગ્ન કરતો હોય છે. આમ અનેક સ્ત્રીઓ સાથે લગ્નો એક સાથે તો ના થઈ જાય. પહેલી પત્ની અને છેલ્લી પત્ની વચ્ચે ઉમરનો ખાસો તફાવત રહેવાનો. અનમેરીડ સ્ત્રીઓનો સપ્લાય ઓછો હોય ત્યાં ગમે તે ઉંમરનો પુરુષ હોય નવું લગ્ન યંગ એજની સ્ત્રી સાથે જ કરવાનો. આમ પતિ પત્ની વચ્ચે ઉમરનો તફાવત મોટો થતો જવાનો. જુવાન પત્નીને સાચવવી પણ વધારે પડે. લોખંડી પંજો તેની ઉપર ધરી રાખવો પડે. નહી તો કાગડા અને કોયલ જેવું થાય.

મને એક દાખલો યાદ છે. મારું બચપણ વિજાપુરમાં ગુજરેલું. ત્યાં એક હાઈ-સ્ટૅટ્સ ધરાવતા વ્યક્તિ હતા તેમણે નવ વાર લગ્ન કરેલા. તેમની નવમી પત્ની ખૂબ નાની હતી. આ નવમી પત્નીના ઑરમાન દીકરાઓ એમના કરતા મોટા હતા. અરે એમની ઑરમાન પુત્રવધુઓ પણ એમનાથી મોટી હતી. આમ બહુ મોટી એજ ગેપ અવિશ્વાસમાં પરિણમતી હોય છે ત્યાં ડોમેસ્ટિક વાયલન્સ ખૂબ વધી જતું હોય છે.

સામે છેડે મનૉગમીમાં age ગેપ ઓછી થઈ જતી હોય છે. યુવાન સ્ત્રીઓ પર પ્રેશર ઓછું થતું હોય છે. ઓછી થતી જતી એજ ગેપ લોકશાહી અને સ્ત્રી પુરુષ સમાન છે તે મુદ્દા તરફ લઈ જતી હોય છે.

૩) મનૉગમી ઘરેલું શાંતિ લાવે છે. પૉલીગમસ ઘરમાં અનેક સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હોય છે. એકબીજા સાથે લોહીના સંબંધ ભાગ્યે જ હોય. આમ આ સ્ત્રીઓ વચ્ચે વિખવાદ કાયમ રહેવાના. હિંસા, મર્ડર, કુડકપટથી ભરેલો રજવાડાઓનો ઇતિહાસ આપણે ક્યાં નથી જાણતા? એમાં રાણીઓ વચ્ચેની હરીફાઈઓ જ મુખ્ય હતી. મનૉગમસ મેરેજમાં આવું બધું સાવ ઓછું થઈ જાય તે સ્વાભાવિક છે.

૪) મનૉગમી  પિતા અને બાળક વચ્ચેના સંબંધો માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં પુરુષનું ધ્યાન વધારે ને વધારે સ્ત્રીઓ મેળવવા તરફ વધુ હોય છે. મલ્ટિપલ વાઇવ્સના મલ્ટિપલ ચિલ્ડ્રન્સ પ્રત્યે પિતા પૂરતું ધ્યાન આપી શકતો નથી. મનૉગમીમાં પિતા બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકે છે.

આમ મનૉગમીમાં પુરુષ એક જવાબદાર પિતા અને પતિ બનવા તરફ વધુ ધ્યાન આપી રહ્યો હોય છે. મનૉગમીનો મુખ્ય ગેરફાયદો એ છે કે એના વડે નવી પેઢીમાં મજબૂત જેનિસ પાસ કરવાનો ઉત્ક્રાંન્તિનો મુખ્ય હેતુ સરતો નથી. મનૉગમી અને લગ્નવ્યવસ્થાને લીધે બીમાર, કમજોર, વિકલાંગ, માનસિક વિકલાંગ, માનસિક બીમારીઓથી પીડાતા, ભયાનક રોગો વડે પીડાતા અને દરિદ્ર જે પોતાના સંતાનોનું પોષણ સરખું કરી શકે તેમ ના હોય તેવાં દરેકને સ્ત્રી મળી જતી હોવાથી પ્રજા ધીમે ધીમે એવી બીમાર જેનિસ ધરાવતી વધતી જ જાય છે.

 

 

 

 


 

જોડે રેજો રાજ-૩ Hard Truths About Human Nature

જોડે રેજો રાજ-૩ Hard Truths About Human Nature.300px-Socrates-Alcibiades[1]

એક નાના બાળકને છોડી માતા જતી રહે તો એને મોટા કરવાની જવાબદારી પિતાના માથે આવી પડે અને પિતા છોડીને જતો રહે તો માતાના માથે તમામ જવાબદારી આવી પડે. આ બધું એકલાં એકલાં કરવું ખૂબ તકલીફ આપે તેવું હોય છે. અને બાળક  મોટું ના થાય તો ઉત્ક્રાંતિનો હેતુ સરે પણ નહિ. બંને જણા એ બાળકમાં ટ્રાન્સ્ફર કરેલા જેનિસ અવર્થે જાય. બેમાંથી એક જણાએ પણ જવાબદારી નિભાવી બાળકને મોટું તો કરવું જ પડે. પણ એમાં બાળકના સર્વાઇવલનો રેટ બહુ ઓછો થઈ જાય. એમાં વળી માનવ બાળક ખૂબ નબળું બીજા પ્રાણીઓના બચ્ચાની સરખામણીએ. આમ ધીમે ધીમે જોડે રહેવાનો સમય વધતો ચાલ્યો. એમાં પાછું બીજું બાળક આવી જાય એટલે પાછું જોડે રહેજો રાજ વધી જવાનું. આમ ધીમે ધીમે લગ્ન વ્યવસ્થાનું સ્વરૂપ ઘડાતું ગયું.

પ્રાચીન ભારતમાં લગ્નવિધિમાં ૧) શિલા અરોહાણમ, ૨) લજ્જા હોમમ્મ, ૩) સપ્તપદી વગેરે મહત્વની વિધિ હતી. તે સમયે પણ દેવતાઓનો ત્રાસ ઓછો નહોતો. આ દેવતાઓ કદાચ સમાજના બહુ મોટા આગેવાનો હોવા જોઈએ. છોકરી જન્મી તો મોટી થાય ત્યારે પહેલો ટેસ્ટ કરવાનો અધિકાર આ ત્રણ દેવતાઓનો રહેતો. આ આર્યમાન, વરુણ અને પુષણ દેવતાઓ બહુ પાવરફુલ હતા. છોકરી ગર્ભ ધારણ કરવા સક્ષમ થાય ત્યાં સુધી આ ત્રણ દેવતાઓની કેદમાં ગણાતી. સમૂહની તમામ માદાઓને ભોગવવાનો પહેલો હક ઍલ્ફા નરનો હોય છે. ઘણા  રાજામહારાજાઓ એમના હરમમાં પુષ્કળ સ્ત્રીઓ ભેગી કરતા.

ચીનમાં રાજા પહેલીવાર એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણે એવો રિવાજ હતો. એટલે જ્યારે વર કન્યાનો હાથ એના પિતા આગળ માંગે તો પિતા કન્યાનો હાથ આપવા તૈયાર તો થઈ જાય પણ પેલાં દેવતાઓ સહેલાઈથી છોડે નહિ. કન્યા ઉપરનો દાવો જતો કરે નહિ. દેવતાઓના પાશમાંથી કન્યાને મુક્ત કરવા એવો ચોક્કસ સમય મુહૂર્ત પસંદ કરવાનું કે દેવતાઓના ચોકીદાર ઊંઘતા  હોય. કન્યા ફૂલનો હાર એકબીજાને પહેરાવીને કે એક્સ્ચેન્જ કરીને વરને સંમતિ આપે કે દેવતાઓના પાશમાંથી મુક્ત કરો. દેવતાઓ મારા વાલા એકદમ છોડે નહિ, ગુસ્સે થાય અટૅક પણ કરે.

એક ઊંચી ખસે નહિ તેવી શિલા ઉપર આરોહણમ કરી લેવાનું. વરુણ પાછો પાણીનો દેવ ઊંચી ખસે નહિ તેવી શિલા યોગ ગણાય. હવે વરકન્યાની મદદમાં કન્યાનો ભાઈ દોડતો આવે. દેવતાઓને ઘીમાં લથબથ ચોખા આપો લજ્જા હોમમ્મ, છોડો મારી બહેનને હું તમને ચોખા મમરા ઘી બધું આપું છું. એકવાર નહિ ત્રણ વાર ઘણી જગ્યાએ ચાર વાર. વરકન્યાના હાથ પકડાવી  અગ્નિની આજુબાજુ ફરીને દેવતાઓને પાછાં કન્ફ્યુજ કરવા પડે. આટલી લાંચ આપ્યા પછી પણ વરુણ કન્યાના વાળ પકડી રાખે, તો વર સેંથામાં સિંદૂર પૂરીને મુક્ત કરાવે. અને પછી સપ્તપદી દ્વારા એકબીજાને સાથ સહકારના વચન અપાય. સમાજના ઍલ્ફા નેતાની પકડમાંથી કન્યાને છોડાવવાની વિધિ સિમ્બૉલિક રીતે લગ્નવિધિમાં પ્રવેશી હોવી જોઈએ.

સમજો લગ્નવ્યવસ્થા એ મનૉગમીની શરૂઆતનું પ્રાથમિક ચરણ છે. મૂળભૂત મોટાભાગના મૅમલ પૉલીગમસ હોય છે. વધારે સ્ત્રીઓ સાથે લગ્નો કરીને પણ પુરુષો પૉલીગમી આચરતા હોય છે. એક સ્ત્રી સાથે ડિવોર્સ  લઈને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા પણ એકજાતની પૉલીગમી જ થઈ.છતાં એક સ્ત્રી સાથે હોય ત્યારે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો નહિ કે રાખી શકાય નહિ તેવા કાયદા મનૉગમીની તરફેણ કરતા હોય છે.

ત્રેતાયુગમાં પેઅર-બૉન્ડિંગ શરુ થયું નહોતું એટલે સંતાનો આખા સમાજના સંતાનો કહેવાતા. દ્વાપરયુગમાં જોડલા બનાવીને રહેવાનું શરુ થયું એટલે સંતાનો માબાપ વડે ઓળખવાની શરૂઆત થઈ ચૂકી હતી. અને કળિયુગમાં લગ્નવ્યવસ્થા સરસ રીતે આકાર પામી ચૂકી હતી તો સંતાનો માતાપિતા વડે ઓળખાતા તો થઈ ગયા સાથે સાથે કાકા, મામા, કાકી, મામી માસામાસી સંબંધો શરુ થઈ ગયા. ભીષ્મ આ બધું જ્ઞાન આપે છે તે દ્વાપરયુગ હજુ ચાલુ હતો અને ભીષ્મ કળિયુગની વાતો પણ કરતા હોય છે. રામ ત્રેતાયુગમાં થયા પણ એમના સીતા સાથે લગ્ન થયા અને એકબીજા પ્રત્યે કમિટમન્ટ પણ દર્શાવે છે. હવે ભીષ્મના કહ્યા પ્રમાણે ત્રેતાયુગમાં પેઅર-બૉન્ડિંગ હતું નથી તો સમજો આ બધી વાતો અને યુગના ઉલ્લેખો એક વર્તુળમાં  સિમ્બૉલિક છે. સમાજનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ કૉમ્પ્લેક્સિટિ વધતી જાય છે.

પશ્ચિમમાં લગ્નવ્યવસ્થા તૂટતી જાય છે. એક રીતે એવું પણ કહી શકાય કે તે સમાજમાં ખુલ્લાપણું વધતું જાય છે, ઑપન્નેસ વધતી જાય છે. હવે તે સમાજ કલિયુગ તરફથી દ્વાપરયુગ તરફ કદાચ ત્રેતાયુગ તરફ પ્રયાણ કરી રહ્યો તેમ લાગે છે. ભારતમાં લીવ ઇન રિલેશનશિપને માન્યતા કાયદા દ્વારા આપી દેવાઈ છે. શહેરોમાં એનું પ્રમાણ વધતું જાય છે. અત્યંત ધીમી ગતિએ ભારતીય સમાજ પણ દ્વાપરયુગ તરફ વધી રહ્યો છે. ભીષ્મ પિતામહે બેચાર શ્લોકમાં ઇવલૂશન ઑવ હ્યુમન પેઅર બૉન્ડિંગનું વર્ણન કરી નાખ્યું. પણ જેમ જેમ પેઅર-બૉન્ડિંગ વિકાસ થતો ગયો તેમ એમાં બીજી વ્યક્તિઓની દખલનો વિકાસ કે ઇવલૂશન ઘટતું ગયું. pair-bonding મજબૂત થતું ગયું તેમ માલિકી ભાવના પણ વધતી ચાલી. માલિકી ભાવના વધતી ચાલી તેમ બીજાઓની દખલ ગમે નહિ તે સ્વાભાવિક છે. આ બીજાઓ એટલે જુના મિત્રો અને મહેમાનો પણ હોઈ શકે. આજે પણ કોઈ મિત્ર પરણી જાય તો જુના મિત્રો સાથે સંબંધ ઓછા કરી નાખતો હોય છે, અને જુના મિત્રો કહેતા પણ હોય છે કે સાલો પરણ્યા પછી બદલાઈ ગયો છે.

સૉક્રેટિસ એની પત્ની ઝેન્થીપીને એના ખાસ મિત્ર Alcibiades ને સોંપી દેવા માટે જાણીતો છે. ગ્રીક અને રોમન કલ્ચરમાં આવા અનેક દાખલાઓ છે.   “इष्टान्मित्रान्विभवान्स्वास्चदारान्” જરૂરિયાત સમયે સાચો મિત્ર એને કહેવાય જે પોતાની સ્ત્રી પણ સોંપી દે, આવું ફેમસ ઋષિ સનત્કુમાર ઉદ્યોગપર્વમાં કહે છે. સાચા મિત્રની છ ક્વૉલિટી યુધિષ્ઠીર વર્ણવે છે, જેમાંની છઠ્ઠી ઉપર કહી તે છે. સ્ત્રીને મિત્રોમાં શેઅર કરવી સહજ હતું જેમ આજે ફેસબુક પર ફોટા શેઅર કરીએ છીએ.

પાણિની વ્યાકરણ માટે પ્રખ્યાત છે.  द्वयोर्मित्रयोरंपत्यम्द्वैमित्री અહીં પાણિની કહે છે ગ્રામ-ધર્મ મુજબ એક મિત્ર બીજા મિત્રને એની સ્ત્રી સોંપે અને તે સ્ત્રી ગર્ભવતી થાય અને જે સંતાન થાય તેને द्वैमित्री કહેવાય અને તેની પાલન પોષણની જવાબદારી બંને મિત્રોની ગણાય. ૧૯મી સદી સુધી મિત્ર અથવા મહેમાનની સેવામાં પત્ની મોકલવી આમ વાત હતી. આમાં મહેમાનોની સેવામાં દાસીઓ, નોકરાણીઓ મોકલવાનું પણ સામાન્ય હતું.

imagesCA5GJDC8મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ સુદર્શન એમની પતિને કહે છે ગૃહસ્થ ધર્મ મુજબ મહેમાનને ક્યારેય અસુખ પેદા થવું ના જોઈએ, મહેમાનની ઇચ્છા સમાગમ કરવાની થાય તો મહેમાનને આનંદિત રાખવાના તારા અને મારા ધર્મ મુજબ સમાગમની ના પાડવી નહિ. હવે સુદર્શન ઘરમાં હતા નહિ અને કોઈ મહેમાન આવ્યા હશે તેમની ઇચ્છા સમાગમની પૂરી કરવામાં આવેલી જાણી ઋષિ સુદર્શન એમની પત્નીના આભારી થયેલા કે તે ગૃહસ્થ ધર્મ સારી રીતે બજાવ્યો છે.

ભીષ્મે કહેલી બીજી સ્ટોરી જુઓ- ગૌતમ ઋષિ બહાર ગયેલા હતા. એમની પત્ની સાથે ઇન્દ્ર આવીને સમાગમ કરી ગયો. ઋષિ ગુસ્સે થયા અને એમના પુત્રને એની માતાને મારી નાખવા આજ્ઞા કરી ગુસ્સામાં આશ્રમ છોડી તપસ્યા કરવા વનમાં ગયા. ગુસ્સો શમતા પાછાં આવ્યા તો પુત્રે માતાને મારી નહોતી અને પિતાને સમજાવ્યા કે વિવેકબુદ્ધિ રાખી વિચારો કે માતાએ ફક્ત આતિથ્ય ધર્મનું પાલન કર્યું છે. ઋષિ શાંત પડી ગયા.

ત્રીજી સ્ટોરી રામાયણના ગૌતમ ઋષિની જુઓ એમને એમની પત્નીને અહલ્યાને શિલા પથ્થર બનાવી દીધેલી. ચોથી સ્ટોરી જુઓ જમદગ્નિ ઋષિની પત્ની રેણુકાએ તો કોઈ સમાગમ પણ નહોતો કર્યો ખાલી ચિત્રરથ ગંધર્વ સામે કામાંધ નજરે ફક્ત જોએલું જ. પણ ઋષિ ગુસ્સે થયા અને પુત્ર પરશુરામને આજ્ઞા કરીને રેણુકાનું મસ્તક હણાવી નાખ્યું. આ બધી વાર્તાઓ હકીકતમાં બની કે નહિ તે જવાદો, મૂળ વાત છે જેમ પેર-બોન્ડીંગ વધતું ગયું તેમ વિશ્વાસઘાત શબ્દનું મહત્વ વધતું ચાલ્યું. બેવફાઈ પતિ તો ઠીક પુત્ર દ્વારા પણ સહન કરવામાં આવતી નહિ. પાચમી વાર્તા રામની જુઓ રામને ખબર હતી કે સીતા પવિત્ર છે છતાં અગ્નિપરીક્ષા લીધી હતી.

આમ જોઈએ તો બધા યુગો સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ બધા ઘણીવાર સંગાથે ચાલતા હોય છે.

વધુ પછી—

શા માટે છોકરાઓ એમના યૌન શોષણની વાત છુપાવતા હશે?

શા માટે છોકરાઓ એમના યૌન શોષણની વાત છુપાવતા હશે?Hard Truths About Human Nature.

જાતીય શોષણ કોઈનું પણ થાય છોકરો હોય કે છોકરી બાળક હોય કે યુવાન, તેઓ મોટાભાગે આ વાત છુપાવતા હોય છે. અનિચ્છાએ સર્જાતા કોઈ પણ વચ્ચેના જાતીય સંબંધને શોષણ જ કહેવાય. નાના બાળકોનું જાતીય શોષણ થાય ત્યારે તેઓ કશું બોલી શકતા નથી, કોઈને કહી શકતા નથી. મોટેરાં એમની વાત સાચી નહીં માને તેવો ડર હોય છે અને સાથે સાથે યૌન શોષણ કરનાર વ્યક્તિની આપેલી ધમકી પણ કામ કરી જતી હોય છે. છતાં એવું જાણવામાં આવ્યું છે કે છોકરીઓના થયેલા જાતીય શોષણ વધુ બહાર આવી જાય છે છોકરાઓના ઓછા બહાર આવે છે.
Penn State sex abuse scandal હમણાં બહુ ચગ્યું હતું. ફૂટબોલ કોચ Jerry Sandusky પંદર વર્ષમાં આશરે દસ છોકરાઓનું યૌન શોષણ કરી ચૂક્યા હતા. યૌન શોષણ ખાલી છોકરીઓનું જ થાય તેવું નથી હોતું. છોકરાઓનું પણ યૌન શોષણ થતું હોય છે પણ જલદી બહાર નથી આવતું. Karyl Mcbride , Ph.D. કહે છે એમને છોકરાઓ પાસેથી એમના થયેલા યૌન શોષણ વિશેની માહિતી કઢાવતા તકલીફ પડતી હોય છે. એક તો લોકો માનવા તૈયાર હોતા નથી કે જાતીય શોષણ થયું છે, બીજું સમજવું મુશ્કેલ કે અજુગતું લાગતું હોય છે કે પુખ્ત વયના લોકો નાના બાળકો પ્રત્યે જાતીય આકર્ષણ અનુભવી શકે છે. અમેરિકાની જેલોમાં યૌન શોષણના ગુનામાં સંડોવાયેલા કેદીઓના થયેલા અભ્યાસ મુજબ છોકરા છોકરીઓના યૌન શોષણમાં વધારો નોંધાયો છે અને એમાં પણ છોકરાઓના શોષણ થયા હોવા છતાં એમના રિપોર્ટ બહુ નોંધાતાં નથી તેવી હકીકત પણ સામે આવી છે.
એક તો એક નાનું બાળક એના પર થયેલા યૌન શોષણ વિષે વાત કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવતું હોય છે. એક તો પોતે ગિલ્ટી ફીલ કરતું હોય છે, બીજું શોષણ કરનારાની ધમકી સામે ઊભી હોય છે, અને બીજો ડર હોય છે કે કોઈ એમની વાત માનશે નહિ. વધારામાં એમના કુટુંબમાં કોઈ પ્રૉબ્લેમ ઊભો થાય તે ઇચ્છતાં હોતા નથી. આ કારણો સામાન્ય છે, પણ ભોગ બનનાર છોકરાઓ માટે થોડા વધારાના કારણો જોઈએ કે કેમ છોકરાઓ જલદી જણાવતા નથી.
૧) આપણાં કલ્ચરમાં પુરુષો શોષિત થવા માટે સર્જાયા નથી તે વાત માનસિકતામાં ઘૂસેલી હોય છે. એટલે પહેલું તો identity of manhood પર ખતરો લાગી જાય છે. જો હું શોષિત હોઉં તો પુરુષ હોઈ શકું ખરો?
૨) પુરુષપ્રધાન સમાજમાં પુરુષ માટે મદદ માંગવી નબળાઈની નિશાની ગણાય. મુશ્કેલ પરિસ્થિતિમાંથી લડીને બહાર આવવાનું  હોય મદદ માંગવાની ના હોય. ફેમિલી થેરાપીસ્ટ Terry Real  મેલ ડિપ્રેશન પર લખતા આ માનસિકતા વિષે એમના પુસ્તકમાં (I Don’t Want To Talk About It) સારી એવી ચર્ચા કરે છે.
૩) જેમ કેટલાક લોકોને Hemophobia હોય છે, તેમ આપણી સંસ્કૃતિને Homophobia લાગેલો  છે. આપણો સમાજ મહદંશે હોમોફોબીક છે. એટલે જ્યારે કોઈ છોકરાનું યૌન શોષણ થાય છે ત્યારે એની sexual idenity પર સવાલ ઊભો થઈ જતો હોય છે. છોકરાઓને સવાલ સતાવતો હોય છે કે જો તે પુરુષ હોવા છતાં બીજા પુરુષ દ્વારા યૌન શોષણ ભોગ બને તો એનો અર્થ  શું તે gay છે ? અમેરિકામાં ૮-૧૦ વર્ષના શોષિત છોકરાઓ દ્વારા આવા સવાલ એમની સારવાર કરનારને પૂછવામાં આવેલા છે. લોકો મને ‘ગે’ તો સમજી નહિ લે ને? આવો સવાલ ઊઠતા નાના છોકરાઓ ચુપ રહીને સહન કરવાનું શીખી લે છે નહિ કે ફરિયાદ કરવાનું. gay નું લેબલ લગાવતા આપણાં સમાજને જરાય વાર લાગતી નથી.  બસ આ લેબલના ડરે છોકરાઓ છોકરીઓના પ્રમાણમાં વધુ ચુપ રહેતા જોવા મળ્યા છે. હેમોફોબિયા એટલે લોહી જોઇને ચક્કર આવી જાય, ગભરાઈ  જવાય અને હોમોફોબિઆ એટલે gay અને લેસ્બીયન લોકો પ્રત્યે નેગેટિવ નફરતની લાગણી.
૪)જ્યારે યંગ છોકરાના genital એરિયાને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે erection થતું હોય છે જે દેખાતું હોય છે, આવું ફીમેલ વીકટીમમાં  થતું નથી, એટલે કે દેખાતું નથી.  સ્પર્શ બંનેને છોકરો હોય કે છોકરી આનંદ અર્પતો હોય છે, અને કારણમાં ગ્રેટ કન્ફ્યૂજન પેદા થતું હોય છે. ” Did I want this?” ” If it feels good, is it my fault?” ” If there is pleasure, I must be the one in the wrong.”
૫) સ્ત્રીઓ દ્વારા પણ છોકરાઓનું યૌન શોષણ થતું હોય છે. કોઈ ઉંમરલાયક સ્ત્રી દ્વારા કોઈ છોકરાનું જાતીય  શોષણ થાય તો એને લકી માનવામાં આવતો હોય છે. અને એમાં શોષણ કરનાર પોતે બાળકની માતા હોય તો તમે કલ્પના કરી શકો કે રિપોર્ટ કરવો કેટલો મુશ્કેલ, પેલાં નાના બાળક માટે તારાજી ઊભી કરવાની? આવા દાખલા ભારતમાં બહાર આવવું મુશ્કેલ છે. અમેરિકામાં સ્ત્રી દ્વારા છોકરાઓના યૌન શોષણનાં દાખલા બહાર આવી જાય છે. એમાં મોટાભાગે છોકરાઓ મોટા થઈ ગયા પછી કેસ કરતા હોય છે. એમાં પૈસા પડાવવાની દાનત પણ હોય છે. છતાં એમની નાની ઉમરમાં પુખ્ત સ્ત્રી દ્વારા યૌન શોષણ થયું હોય છે તે હકીકત ભૂંસાઈ નથી જવાની. ન્યુયોર્કમાં એક પંજાબી મહિલા શિક્ષિકાએ સ્કૂલમાં ભણતા નાના છોકરાઓનું યૌન શોષણ કરેલું. વર્ષો વીતી ગયા. છોકરાઓ યુવાન થઈ ગયા અને પોલીસમાં ભરતી પણ થઈ ગયેલા. ત્યાર પછી પેલી મહિલા ટીચર પર કેસ કરેલો. એને જેલમાં જવું પડેલું.
૬) અસહાયતા અને અગાઉ જણાવ્યું તેવા કન્ફયુઝન ફીલિંગ્સનો પ્રભાવ ઓછો કરવા છોકરાઓ એમનું શોષણ થયું છે તે કહેવા કે માનવા તૈયાર થતા નથી.
જો હું બીગ ટફ guy હોઉં તો મારી સાથે આવું બન્યું નથી, આ લાગણી છોકરાઓની હોય છે. અસહાયતાની લાગણીને જીતવા વધુ અગ્રેસીવ બનતા હોય છે. અથવા તો ડ્રગ કે આલ્કોહોલ લઈને લાગણીઓ પ્રત્યે numb બનતા હોય છે. છેવટે ડીપ્રેશનમાં ફસાઈ જતા હોય છે. છોકરાઓને વધુને વધુ realistic બને તેવું શિક્ષણ આપવું જોઈએ. તેમની સાથે પણ યૌન શોષણ થઈ શકે છે તેને બહાર લાવવું જોઈએ તેવું ઠસાવવું પડે. યૌન શોષણ વિષે એજ્યુકેશન બાળકો તથા એમના વાલીઓને આપવું જોઈએ. સેક્સ ઓફેન્ડર આપણાં કલ્ચરમાં નાર્સિસ્ટિક આત્મશ્લાઘાની વિકૃતિ વળગેલા લોકો હોય છે. એમનામાં સહાનુભૂતિ, તાદાત્મ્યનો અભાવ જોઈ શકાય તેવો હોય છે.

મૃત્યુને પેલે પાર

મૃત્યુને પેલે પાર
  મૃત્યુ પછીના જીવનમાં માનવું ભારત માટે નવું નથી. આપણે ભારતીયો સતત પરલોકની ચિંતા કરતા હોઈએ છીએ. પુનર્જન્મ થવાનો જ છે એવી માન્યતાએ ભારતને સાવ  ધીમું પાડી દીધું છે. આજે નહિ તો કાલે અને આ જન્મે નહિ તો આવતે જન્મે કામ પૂરું કરીશું. નવા જન્મે સુખી થવા માટેની ચિંતા અને પળોજણમાં લગભગ હાલનો જન્મ બગાડીએ છીએ. ક્યારેક કોઈને એક્સીડેન્ટ થાય તો મોતના અનુભવ લઈને પાછાં આવ્યાના દાખલા પણ ચર્ચાતા હોય છે. શરીરમાંથી જીવ બહાર નીકળી ગયાનો અનુભવ પણ ઘણાને થતો હોય છે, અને જીવ પાછો શરીરમાં આવી જતો હોય છે. જીવ ક્યાંક મુસાફરી કરીને પાછો આવ્યાની અનુભૂતિ ઘણા વર્ણવતા હોય છે. આવા અનુભવને near-death experience (NDE)કહેવાય છે. આવા પારલૌકિક અનુભવ ખાલી ભારતમાં થાય છે તેવું પણ નથી. ૧૮ મિલિયન અમેરિકનો આવો અનુભવ થયાનું કબૂલે છે. હવે અમેરિકાના એક કરોડ કરતા વધુ અને ભારતના એક અબજ કરતા વધુ લોકો માનતા હોય કે આત્મા શરીર છોડી જાય છે અને ભગવાનને મળવા જાય છે કે મળે છે કે એવા બીજા અનેક  પૂરાવા રજૂ કરવાથી આ બધી બાબતો સત્ય બની જતી નથી. લોકો એમને થયેલા અનુભવો વિષે ખોટો અર્થ કરી લેતા હોય છે, વિપર્યાસ કરતા હોય છે. optical illusion આનું બહેતર ઉદાહરણ છે. બ્રેઈનમાં મૅમરી સ્ટોર થયેલી હોય છે તે જેવી માહિતી બહાર મોકલે તેવું ઘણીવાર દેખાતું હોય છે. એટલે કહેવત છે કે ઘણીવાર આંખે જોયેલું પણ સાચું હોતું નથી. હમણાં હું મારા શ્વશુરને ઘેર ગયેલો. બારણું ખોલતા અંદર જરા અંધારાં જેવું હોય તે સ્વાભાવિક હતું. અંદર દૂર મારા શ્વસુરજી ઉભા હતા પણ મને ક્ષણવાર માટે એમના બદલે મારા સાળાશ્રી જણાયા. બ્રેઇને  આંખો દ્વારા મળેલી માહિતીનું ખોટું પ્રોસેસિંગ ક્ષણવાર માટે કરી નાખ્યું. આખો દિવસ મંદિરમાં મૂર્તિઓ આગળ કાલાવાલા કર્યા હોય તો ભગવાન દેખાઈ જાય તે સ્વાભાવિક છે. રામકૃષ્ણ પરમહંસને મહાકાલી સાથે વાતો કરવાના ભ્રમમાંથી મુક્ત કરવા માટે યોગીરાજ તોતાપુરી સ્વામીને સારી એવી તકલીફ પડેલી.
     Kevin Nelson (The Spiritual Doorway in the Brain) નોંધે છે કે હ્રદયમાંથી ધકેલાતું ૨૦ ટકા બ્લડ સીધું બ્રેઈન તરફ જાય છે. બેભાન થતા પહેલા ઘણીવાર આ બ્લડ ફ્લો ૬ % સુધી ઘટી શકે છે. જ્યારે બ્લડ પ્રેશર ખૂબ નીચું જતું રહે અને નબળાઈને કારણે મૂર્છા આવે ત્યારે હૃદય સાથે સીધું જોડાણ ધરાવતી મોટી vagus nerve સભાન અવસ્થાને REM sleep તરફ વાળી મૂકે છે. જોકે બધા લોકોને આવું સીધી રીતે REM sleep તરફ વળવાનું શક્ય નથી બનતું, પણ ઘણા બધા ઝટ અસર થાય તેવા વિવિધ  આભાસ થતા હોય છે, આને REM intrusion કહે છે. જાગૃત અને ઊંઘ વચ્ચેની અવસ્થા દરમ્યાન આવું ખાસ થતું હોય છે. રેમ અવસ્થા એટલે આપણે ઊંઘમાં સ્વપ્ના જોતા હોઈએ તે અવસ્થા કહેવાય અને આ અવસ્થા સમયે શરીર સાવ શીથીલ થઈ જતું હોય છે. આ સ્વપ્નાવસ્થા અને જાગૃત અવસ્થા વચ્ચે ઝોલા ખવડાવતું મીકેનીઝમ NDEs  અનુભવની વાતો કરનારા લોકોમાં પણ કામ કરતું હોય છે.  rem intrusion દરમ્યાન લકવો (sleep paralysis )થઈ ગયો હોય તેવો અનુભવ થતો હોય છે. આમાં સંપૂર્ણ જાગૃત હોઈએ તેવા અનુભવ સાથે ભારવિહીન હોઈએ તેવું લાગે, શરીરની બહાર હોઈએ તેવા અનુભવ સાથે દિગ્મૂઢ થઈ જવાય. રેમ સ્લિપ દરમ્યાન બ્રેઈનના પ્લેઝર સેન્ટર ઉત્તેજિત થતા હોય છે, એના લીધે  એક પરમ શાંતિ અને એકતાનો અનુભવ પણ થતો હોય છે જે NDEs દરમ્યાન પણ નોંધાયો છે. ઊંઘના ચાર તબક્કાઓ હોય છે. પહેલા ત્રણ ભાગને NREM- Non Rapid eye movement  સ્લિપ કહેવામાં આવે છે, અને ચોથા તબક્કાને REM એટલે કે Rapid eye movement કહેવામાં આવે છે. NREM નો ત્રીજો તબક્કો ઊંડી ઊંઘનો છે. ત્યાર પછી રેમ આવે તેમાં આંખો કશું જોઈ રહી હોય તેમ પોપચાં પાછળ ઝડપથી ફરતી હોય છે, સપના જોવાના શરૂ થઈ ચૂક્યા હોય છે.  ઊંઘવા માંગતો વ્યક્તિ ધીમે ધીમે ચોથા રેમ તબક્કામાં  પ્રવેશ કરે અને તરત જાગી જાય ત્યારે પણ  ઉપર મુજબનો અનુભવ થતો હોય છે.
Near-Death experiences વખતે કોઈ ટનલ, બોગદામાંથી પસાર થતા હોય તેવા લાખો અનુભવ પણ નોંધાયા છે. મૂર્છા પામતા પહેલા “tunnel vision ” અનુભવમાંથી પસાર થયાના દાખલા ખૂબ જાણીતા છે. નેત્રપટલનાં કેન્દ્ર કરતા એના પરિઘ તરફ બ્લડ ફ્લો વધારે ઓછો થતા દ્ગષ્ટિ ફલક કોમ્પ્રેસ્ડ થાય છે, અને તેના લીધે ટનલ વિઝન ઇફેક્ટ પેદા થતી હોય છે એવું  Neurophysiology નું માનવું છે. મૂળ આંખો તરફ લોહી ઓછું વહે તેમાં આવી ઇફેક્ટ પેદા થતી હોય છે.
     બીજો NDEs વિશેનો અનુભવ  શરીરની બહાર હોઈએ તે છે. આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવો અનુભવ થતો હોય છે. આ પણ એક જાતનું ઇલ્યુઝન છે. અચાનક જાગી જવાથી, એનિસ્થીઝયામાંથી બહાર આવતા, આંચકી કે તાણ આવે ત્યારે, માઇગ્રેન  થાય  ત્યારે ઘણાને આત્મા શરીરમાંથી બહાર નીકળી ગયો હોય તેવા અનુભવ થતા હોય છે. હવે આ બધા કારણો વખતે આત્મા શરીર બહાર નીકળી જાય તેવું માનવાને કોઈ કારણ નથી. ૧૯૫૦મા Penfield નામના ન્યુરોસર્જન seizures ઉપર સંશોધન કરી રહ્યા હતા. બ્રેઇનમા ટ્યુમર હોય કે કોઈ જખમ થયો હોય તે seizure માટે કારણભૂત છે કે નહિ તે વિષે સંશોધન કરતા હતા. બ્રેઈનના cerebral cortex નો તાગ મેળવવા એમણે સેંકડો જાગૃત દર્દીઓના બ્રેઈનને stimulate કરેલા. બ્રેઈનમાં આપણું ફીજીકલ બોડી ક્યાં છે તેનો તાગ મેળવવો હતો.
  એક પેશન્ટ temporal lobe seizures વડે પીડાતો હતો. Penfield વિદ્યુત કરંટ વડે દર્દીના બ્રેઈનને ઉત્તેજિત કરતા હતા. આ દર્દીના temporoparietal region stimulate કરતા દર્દીને લાગ્યું એનો આત્મા શરીર બહાર આવી ગયો છે. અને stimulation બંધ કરતા આત્મા પાછો શરીરમાં આવી ગયો છે તેવો  અનુભવ થયો. હવે ન્યુરોલોજીસ્ટ જાણી ચૂક્યા છે કે બ્રેઈનનો temporoparietal region  શરીરની રૂપરેખા કે નકશાને સંભાળવાનું કામ કરે છે. જ્યારે બહારથી આ વિભાગને કરંટ આપવામાં આવે છે ત્યારે તે કામ કરવાનું બંધ કરતા શરીરનો નકશો મન કે દ્ગષ્ટિ આગળ તરવા લાગે છે.  બ્રેઈનમાં  temporoparietal region આપણાં શરીરની રૂપરેખાનું પ્રતિનિધિત્વ કરે છે. આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો. જન્મથી દસ વર્ષ સુધી એને મેન્ટલી  રીટારડેડ સમજવામાં આવ્યો હતો. એ બોલી પણ ના શકતો. એનું બ્રેઈન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું. ચાલી પણ ના શકતો. એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા, જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો. સેરેબ્રલ પાલ્સીનો એ શિકાર હતો. બ્રેઈનનો આ  વિભાગ શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. બાળકને જન્મ સમયે ઓક્સિજન  એટલે કે શ્વાસ   લેવામાં કોઈ ગરબડ ઊભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ  વિભાગમાં ગરબડ થાય છે. આમ બ્રેઈન ચાલતું હોવા છતાં શરીરને સેરેબ્રલ વિભાગમાં ખામી હોવાથી કોઈ આદેશ આપી શકતું નહોતું. stephen hawking પણ હાલ એવી હાલતમાં છે. એમનું શરીર બ્રેઈનનાં કોઈ મેસેજ લઈ શકતું નથી. આમ જુઓ તો એમનો આત્મા શરીર બહાર કાયમ સ્થિત હોય તેવું જ છે ને?  temporoparietal region માં કશી ગરબડ થતા કે ઈજા થતા આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવું લાગતું હશે. એક તો આપણે આત્મા, પરમાત્મા અને પુનર્જન્મ જેવી માન્યતાઓમાં અગાઉથી સંપૂર્ણ રત હોઈએ અને આવી કોઈ ઈજા થાય અને શરીર હલનચલન કરવા હંગામી અસમર્થ બની જાય ત્યારે પેલી પૂર્વગ્રહિત ધારણાઓ પણ આત્મા બહાર નીકળી ગયો છે તેવું માનવા પ્રેરતી હોઈ શકે.
સપના પણ આવી બાબતોમાં ખૂબ મહત્વનું કામ કરતા હોય છે. ઘણા લોકો સપનાને સત્ય સમજતા હોય છે. અથવા એ બહાને લોકોને લલ્લુ બનાવતા હોય છે. અમારા એક વૃદ્ધ સંબંધી મહિલા ઘણીવાર લોકોને લલ્લુ બનાવતા કહેતા કે આજે કાનુડો મને મળવા આવેલો. પછી ખબર પડી કે સપનામાં કાનુડો આવેલો. ખરેખર કાનુડાનું સપનું પણ આવ્યું હશે કે કેમ? પણ લોકો એમની પાસે કશી શક્તિ છે સમજી પુછવા આવતા. ઘણીવાર મૃત સગા સપનામાં આવે તો ભૂત થયા છે તેવું પણ લોકો માનતા હોય છે. સપનામાં આવતી મૃત વ્યક્તિઓના લીધે પણ પુનર્જન્મ છે તેવી ધારણા બંધાઈ જતી હોય છે. ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને  Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે.
ભગવાન, એન્જલસ, ભૂત, મૃત્યુ પામેલા પૂર્વજો આવી અદ્રશ્ય ગણાતી વ્યક્તિઓ  શા માટે દેખાતી હશે? આવી બધી બાબતોમાં માનવું ઉત્ક્રાન્તિના વારસામાં જન્મજાત મળેલું હોય છે. The Oxford psychologist Justin Barrett has suggested that the prevalence of beliefs of this kind may in part be explained by our possessing a Hyper-sensitive Agent Detection Device, or H.A.D.D. આપણે આસપાસની દુનિયાનું બે રીતે પૃથક્કરણ કરતા હોઈએ છીએ એક તો કુદરતી કારણો વિચારીને  અને બીજું વ્યક્તિને અનુલક્ષીને વિચારતા હોઈએ છીએ. દાખલા તરીકે વૃક્ષ ઉપરથી કેરી નીચે પડી તો એક કારણ એવું હોય કે પવન આવ્યો અને કેરી નીચે પડી ગઈ બીજું કારણ એવું હોય કે મગનભાઈને કેરી ખાવાનું મન થયેલું એમણે વૃક્ષ હલાવ્યું અને કેરી નીચે પડી. આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ ત્યાં આસપાસ અસરકર્તા બહુબધા વ્યક્તિઓ રહેતા હોય છે. ફેમિલી મેમ્બર્સ, મિત્રો, દુશ્મનો, હરીફો, હુમલાખોરો, શિકાર અને શિકારી આવા અનેક આસપાસ હોય છે. આપણે આવા પ્રતિનિધિઓ બાબતે વધારે પડતા સેન્સીટીવ, ઓવર સેન્સીટીવ બનવા ઇવોલ્વ થયેલા છીએ. એમને જાણવા અને ઓળખવા સર્વાઈવલ અને રીપ્રોડક્શન માટે મદદરૂપ થતું હોય છે. એટલે પાછળ કોઈ સુસવાટા મારે કે પવન જોરથી આવે તો આપણે તત્ક્ષણ પાછાં ફરીને કોઈ છે કે નહિ તે જોવાનો પહેલો પ્રયાસ કરીશું. પહેલો વિચાર એવો નહિ આવે કે ખાલી પવન છે. આમ કાલ્પનિક અસંખ્ય પ્રીડેટર વિષે વિચારવું બહેતર બની જાય એક રીયલ પ્રીડેટરનાં મુખમાં સ્વાહા થઈ જવા કરતા. Thus evolution will select for an inheritable tendency to not just detect – but over detect – agency. We have evolved to possess (or, perhaps more plausibly, to be) hyper-active agency detectors. એટલે ભલે કોઈ ના દેખાય પણ કોઈ છે  તેવું વિચારવા આપણે ઇવોલ્વ થયેલા છીએ. આ વલણનાં લીધે સ્પીરીટ, ઘોસ્ટ, એન્જલસ, ભગવાન, રાધાકૃષ્ણના રાસ બધું દેખાતું હોય છે. કેટલાક સ્માર્ટ લોકો આ ખૂબીનો દુરુપયોગ કરીને ખૂબ રૂપિયા કમાય છે જેને આપણે ધર્મગુરુ કે કથાકાર કહીએ છીએ.

જોડે રેજો રાજ-૧ Hard Truths About Human Nature

જોડે રેજો રાજ. Hard Truths About Human Nature.

ઉત્ક્રાંતિનું મહત્વનું પરિબળ છે કામ(સેક્સ). એના રૂપ ભલે વિવિધ હોય, જેવા કે વનસ્પતિ જગતમાં પરાગનયન કહેવાય છે પણ સેક્સ વગર ઉત્ક્રાંતિ શક્ય નથી. ઘણા સજીવો પ્રત્યક્ષ સમાગમ કરતા નથી હોતા. દા.ત. માછલીઓમાં એગ્સ ઉપર સ્પર્મ છાંટીને નર રવાના થઈ જતો હોય છે. આમ ઉત્ક્રાંતિનું ચક્કર આગળ ચાલુ રાખવા નર માદાનું સાહચર્ય જરૂરી છે. કુદરતને આ ચક્કર ખૂબ મજબૂતીથી આગળ વધારવું છે. આમ હવા, પાણી અને ખોરાકની જેમ sex drive બેસિક છે. કુદરતને નબળા જેનિસ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર થાય તેમાં રસ નથી હોતો. કરોડો વર્ષોથી પ્રાણીઓ નાર માદાના સંબંધોને કોઈ નામ આપ્યા વગર ઉત્ક્રાંતિ કરતા આવ્યા છે.

પુરાણોની પ્રતીકાત્મક વાર્તાઓ સમજવા જેવી હોય છે. એમાંથી ઇવલૂશનનો ઇતિહાસ મેળવી શકાય છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ  શરૂમાં બ્રહ્માજીએ સ્ત્રી ઉત્પન્ન કરી, જે હાલની દ્રષ્ટીએ એમની પુત્રી કહેવાય. પુત્રી સાથે મૈથુનમાં રત થઈને બ્રહ્માજીએ સંખ્યા વધારવાનું શરુ કર્યું. વાર્તા તો એવી છે કે એમની પુત્રી ભાગી અને બ્રહ્માજી પાછળ પડ્યા. અહીં જુઓ મજબૂત નરનાં પરીક્ષણ માટે લગભગ તમામ સજીવ માદાઓ ભાગતી હોય છે, નરને પોતાની પાછળ દોડાવતી હોય છે પછી સમાગમ કરવા દેતી હોય છે.

આ પુત્રી ભાગીને ગાય બની ગઈ તો બ્રહ્માજી આખલો બની ગયા, ઘોડી બની ગઈ તો બ્રહ્માજી ઘોડો બની ગયા. આમ સ્વરૂપ બદલાતા ગયા અને જાત જાતના સજીવો પેદા થતા ગયા. કુદરત ફળદ્રુપ સ્ત્રી અને પુરુષ એવા સંબંધને જાણતી હોય છે. ધીમે ધીમે ઇવલૂશન થતું ગયું. સંબંધોને નામ મળતા ગયા. પુત્રી સાથેના સેક્સ સંબંધો પ્રાચીન ઈજીપ્તમાં માન્ય હતા.

જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવ જેઓ આદિનાથ તરીકે પણ ઓળખાય છે. નાથ શબ્દ સમૂહના વડાને સૂચવે છે. આદિનાથ સુધી બહેન સાથે જ  જોડી બનાવીને પ્રજોત્પત્તિ કરવામાં આવતી હતી. લગ્નવ્યવસ્થા જેવું કશું હતું નહિ. ઋષભદેવનો ઉલ્લેખ તો ઋગ્વેદમાં પણ છે. વાર્તા એવી છે કે દરેક જોડીને એક પુત્ર અને પુત્રી પેદા થતા મોટા થઈને આ જ કહેવાતા ભાઈ બહેન જોડી બનાવીને આગળ સંતાન પેદા કરતા. અકસ્માતે આવી એક જોડી ખંડિત થઈ, આ જોડીમાંનો પુરુષ મૃત્યુ પામ્યો. પેલી સ્ત્રી એકલી પડી, તો ઋષભદેવે એમની સાથે સ્ત્રી હોવા છતાં પેલી એકલી પડેલી સ્ત્રી સાથે જોડી બનાવી. અહીં શરૂઆત થઈ ભાઈ બહેન સિવાય જોડી બનાવવાની. આ વાર્તા સત્ય હોય કે નાં પણ હોય. છતાં સમજવા જેવી વાત એ છે કે ભાઈ બહેનનાં સેક્સ સંબંધો સિવાયના સેક્સ સંબંધોની શરૂઆત થઈ. ચાલો યમ અને યમીનો દાખલો જોઈએ.

યમરાજાને ધર્મરાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. યમરાજાને એક બહેન હતી યમી. આ યમીએ ભાઈ યમને સમાગમ કરીને સંતાન માટેની ઇચ્છા પૂરી કરવાનું કહ્યું. યમરાજાએ આ ઑફર નકારી. ત્યારે યમી ગુસ્સે થાય છે, ભાઈ શું કામનો જે એની ઇચ્છા પૂરી ના કરે અને અનાથ છોડી દે?  भ्राता, भर्तृ બંનેનું મૂળ भ्रમાં સમાયેલું છે, અને એનો અર્થ ભરવું કે સંતોષવું થાય. યમી કહે છે  ”किंभ्रातासद्यद्अनाथंभवति? किमुस्वसायत्निरऋतिःनगच्छात्”.

પ્રાચીન ઈજીપ્તમાં રાજા એની બહેન જોડે જ લગ્ન કરતો બ્લડ લાઈન શુદ્ધ રાખવા માટે અને ક્વચિત્ પુત્રી જોડે લગ્ન કરતો. અહીં યમ દ્વારા યમીને નાં પાડવાથી એક કુખે અવતરેલા વચ્ચે જોડી બનાવવાના સંબંધો પૂર્ણ થયા અને ભાઈ બહેનના સંબંધો ઊભર્યા જ્યાં સેક્સ અસ્વીકાર્ય બન્યો. અનુભવો દ્વારા માનવ શીખ્યો હોય કે નજીકના લોહીના સંબંધોમાં પ્રજા પેદા કરવામાં વારસાગત રોગો ઊતરવાનું જોખમ વધી જાય છે. આ સમજ કેળવાઈ હોય અને યમ દ્વારા યમીને સંતાન પ્રાપ્ત કરવાની ઇચ્છા પૂર્ણ કરવા બાબતે ના પડાઈ હોય.

મોટાભાગના મૅમલ સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલા છે. માંસાહારી મૅમલ વચ્ચે સર્વાઇવ થવાનું હોય તેવા મૅમલ તો ખાસ સમૂહમાં રહે તો જલદી સર્વાઇવ થવાય તેવું શીખીને સમૂહમાં રહેવા ઈવૉલ્વ થઈ જતા હોય છે. કાર્નિવોરસ મૅમલ પણ એકલાં હોય તો શિકાર મળવો મુશ્કેલ હોય છે. દિવસો સુધી ભૂખ્યા રહેવું પડતું હોય છે.

માણસજાત સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલી છે. એટલે ધીમે ધીમે પ્રથમ  માતૃપ્રધાન સમાજ વિકાસ પામ્યા હશે. સંતાનો પણ માતાથી ઓળખાતા પિતા વડે નહિ. પિતા સમૂહમાંથી કોઈ પણ હોઈ શકે. મામા શબ્દ પિતા કરતા જુનો લાગે છે. બાળકો પણ સમૂહના બાળકો ગણાતા. વંશ પણ શરૂમાં માતાથી ઓળખાયા છે. અદિતિના આદિત્ય, દિતિના દૈત્ય, દનુના દાનવ આમ વંશ પણ માતા વડે ઓળખ પામેલા છે.

આપણાં હોમોસેપિનનાં કઝન ગણાતા ચિમ્પેન્ઝી male dominant સમાજ ધરાવે છે, અને એવા જ બીજા કઝન બોનોબો female dominant સમાજ ધરાવે છે. હાથી માતૃપ્રધાન સમાજ છે. મોટાભાગના મૅમલમાં pair-bonding હોતું નથી. માનવમાં પણ નહોતું. લગ્નવ્યવસ્થા હજુ દૂરની વાત હતી. ધીમે ધીમે વિકાસના ક્રમમાં આગળ વધતા  વધતા, સમૂહની પ્રધાન  સ્ત્રી પોતાના સમૂહના જુદા જુદા પુરુષો સાથે  સમાગમ સંબંધો રાખતી હશે, સમૂહનો મુખ્ય પુરુષ સમૂહની તમામ સ્ત્રીઓ પ્રત્યે આધિપત્ય રાખતો હશે, સમૂહના અનેક પુરુષો અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખતા હશે. એક સમૂહના સ્ત્રી અથવા પુરુષો બીજા સમૂહના સ્ત્રી પુરુષો સાથે સંબંધ રાખતા હશે. આમ એક સમૂહ એટલે એક વંશ આવા સમૂહો ધીમે ધીમે ગોત્રમાં પરિવર્તન પામ્યા હશે તે નક્કી છે. હવે સ્ત્રીની પહેલી પસંદ મજબૂત જીન અને વિપુલ સંપદા હોય તે સ્વાભાવિક છે.

ઘણાને સ્ત્રી મળતી નહિ હોય જેનિસ ટ્રાન્સ્ફર કરવા માટે. આવા લોકોને સ્વેચ્છાએ કે અનિચ્છાએ સ્ત્રીઓ માટે પોતાનો દાવો જતો કરવો પડતો હશે. આવા લોકોને માન સન્માન આપી દેવું સારું એ બહાને નડતા બચે. આવા લોકો બ્રહ્મચારી ઋષિઓ કહેવાયા. ચાલો આ જન્મે નહિ આવતા જન્મે કે સ્વર્ગમાં સોળ વરસની સુંદર અપ્સરાઓ ભોગવવા મળશે,  હાલ ભાગો અહીંથી તપ કરો જંગલમાં જઈ. સનકાદી ઋષિઓ આવા દાખલા છે. એમાં તપ કરતા કોઈવાર ભૂલમાં કન્યા મળી પણ જાય જેમ ચ્યવન ઋષિને મળી ગયેલી. એ બહાને આજે આપણને ચ્યવનપ્રાશ ખાવા મળે છે.

પુરાણોમાં મુક્તાચાર, ભાઈ બહેનના સમાગમ સંબંધો, પોતાની સ્ત્રી મિત્ર કે મહેમાનને અર્પણ કરવી, ગુરુપત્ની સાથે સમાગમ, બહુ પુરુષ ગમન, બહુ સ્ત્રી ગમન, પ્રાણીઓ સાથે સમાગમ, હંગામી સંબંધો, કન્ટ્રેક્ટ મૅરેજ જેવા અનેક દાખલા જોવા મળશે. વસિષ્ઠ અને અગત્સ્ય ઋષિ બંને એક જ માતાના જુદા જુદા પિતા દ્વારા પેદા થયેલા ભાઈઓ હતા. એ સમાજ આજના જેટલો દુષ્ટ ઑર્થોડૉક્સ સમાજ નહોતો. એ સમાજ આજના જેટલો પ્રેમીઓનો દુશ્મન નહોતો.

વધુ પછી—-

ટેવ મુક્તિ

English: An ashtray with a rose, Logo of the W...
English: An ashtray with a rose, Logo of the World No Tobacco Day of the WHO Deutsch: Ein Aschenbecher mit Rose, Logo des Nichtrauchertages der WHO (Photo credit: Wikipedia)
ટેવ મુક્તિ
    દરેક માણસને સારી ખોટી ટેવો વળગેલી હોય છે. અમુક ટેવો ખૂબ ખતરનાક હોય છે. સીધી આરોગ્યને નુકસાનકારક હોય છે. આજે વિશ્વ  તંબાકુ દિન નહિ, પણ “World No Tobacco Day ”  છે. વર્ષે દહાડે આશરે ૫૪ લાખ લોકો તમ્બાકુના વિવિધ પ્રકારે અતિસેવન કરવાથી દેવ થઈ જતા હોય છે. દર વર્ષની ૩૧ મેં નાં દિવસે ગણાતો આ વિશ્વ તંબાકુ નિષેધ દિન ૧૯૮૭મા WHO દ્વારા નક્કી કરવામાં આવેલો. Ash tray, રાખદાનીમાં ગુલાબનું તાજું ફૂલ વિશ્વ તંબાકુ નિષેધ દિવસનું પ્રતીક છે.
ચાલો તંબાકુ અને એવી અનેક ટેવો સીધી નુકશાન કારક હોય છે પણ ઘણાંને દેખીતી નજરે આમ ખોટી ના કહેવાય છતાં નુકશાન કરે તેવી ટેવો હોય છે. કોઈને કાયમ વધુ પડતું ઘી ખાવાની ટેવ હોય છે. ઘણા સંબંધીઓ મેં જોયા છે હાર્ટની, હાઈ બીપીની તકલીફ હોય ડોકટરે નાં પાડી હોય કે કોલેસ્ટેરોલ વધુ છે ઘી વગેરે ખાવું નહિ, પણ ઘી ખાધા વગર ચાલે નહિ. ભલે યુવાનીમાં ઘી ખાવું જરૂરી લાગતું  હોય પણ અમુક ઉંમર પછી ઘી ખાવું જરૂરી હોતું નથી. ઘણાંને ગળપણ ખાવાની ખૂબ આદત હોય છે. મીઠાઈ ખાધા વગર ચાલે નહિ, ભલે વધુ પડતી શુગર નુકસાનકારક જ કેમ ના હોય? ચાલો આ બધી તો ખાવાની આદતો થઈ.
ઘણા છોકરાઓને સ્કૂલમાં બંક મારવાની આદત હોય છે. તો કોઈને ભણવાનું ગમતું નથી, મિત્રો સાથે પાર્ટી માણવાનું કે પછી ફિલ્મો જોવાની આદત હોય છે. ભણવાને બદલે મિત્રો સાથે રખડવાની ટેવે કેટલાય હોશિયાર છોકરાઓને અભ્યાસ બગાડતા મે જોયા છે. અને પછી સારી ડિગ્રી મળી ના હોય ત્યારે જોઈએ તેવી જોબ મળે નહિ ત્યારે પસ્તાવો કરતા પણ જોયા છે. માબાપ ઘણું કહે, ટોકે પણ માનતા હોતા નથી. મિત્રો સાથે રખડી ખાતા હોય છે. મિત્રો હોવા ખૂબ સારી બાબત છે. પણ એ મિત્રોના રવાડે ચડી ભણતર નો બગાડાય.
આવી તો અનેક ખરાબ આદતો આપણને હોય છે, કારણ? કારણકે આપણું બ્રેઈન સમજતું હોય છે કે  આ બધી આદતો સર્વાઈવલ માટે સારી છે. મૂડના હોય કે સારી લાગણી અનુભવાતી ના હોય ત્યારે ચા પીએ, કોફી પી લઈએ, મીઠાઈનો એક ટુકડો ખાઈએ   કે બુધાલાલ તંબાકુ ચુના સાથે મસળીને મુખમાં ભરીએ કે મિત્રો સાથે ભમવા નીકળી પડીએ  ત્યારે સારું લાગતું હોય છે. આમ બ્રેઈનને અનુભવ મળતો હોય છે કે મીઠાઈના ટુકડામાં, એક ચોકલેટમાં, એક કપ ચામાં, ચપટી તમ્બાકુમાં કે મિત્રોના સંગમાં બેડ ફીલિંગ્સ ને ગુડ ફીલિંગ્સમાં બદલી નાખવાની ક્ષમતા છે. મેમલ બ્રેઈન પ્રમાણે બેડ ફીલિંગ્સ બરાબર સર્વાઈવલ થ્રેટ્સ અનિષ્ટનું સૂચન. મેમલ બ્રેઈન માટે જે કઈ પણ બેડ ફીલિંગ્સની પાછળ પડી ભગાડે તે સર્વાઈવલ માટે સારું ગણાય.
એકાદ દિવસ કોઈ કારણવશ આપણે પોતાને ઉપેક્ષિત સમજીએ ત્યારે એકાદ મીઠાઈનો ટુકડો સારું અનુભવ કરાવે કે કોઈ છોકરો પોતાને ઉપેક્ષિત અનુભવ કરે અને મિત્રો સાથે ફરવા નીકળી પડે ત્યારે સારું લાગતું હોય છે, ત્યારે આ અનુભવ બ્રેઈનમાં એક કનેક્શન ઊભું કરે છે. ઉપેક્ષાની લાગણીનો અનુભવ કુદરતના રાજમાં સર્વાઈવલ માટે ભયજનક ગણાય. એકલાં પડેલા મેમલ પ્રિડેટર દ્વારા હંમેશા ચવાઈ જતા હોય છે. મીઠાઈનો એક ટુકડો, ચપટી તમાકુ, એક કપ ચા સિંહના જડબામાંથી બચાવે છે. આમ મીઠાઈના ટુકડાનો કે ચપટી તંબાકુનો વિરોધ બ્રેઈનને એવું લાગે કે તમે અર્જન્ટ ભયજનક પરિસ્થિતિમાં આવી ગયા છે, બ્રેઈન ચીસ પાડશે કે કશું કરો. અને આ સિગ્નલ એટલાં સખત હોય છે કે બુધાલાલ મુખમાં અંદર.
ખોટી ટેવોને બદલવી પડતી હોય છે. પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. પાણી પણ સરળતાથી વહી શકાય તે તરફ જતું હોય છે. બ્રેઈનમાં કોઈ મોટી ચેનલ આપણે બનાવીએ તો ઈલેક્ટ્રીસીટી તે તરફ વહી જતી હોય છે. સુખાનુબોધ માટેના રસ્તા આપણે બ્રેઈનમાં બનાવી ચૂક્યા હોઈએ છીએ. આમ કંઈક નવું કરવા માટે પહેલા નવો neural pathway બનાવવો પડે છે. એટલે ખોટી ટેવનો ન્યુરલ પાથ બદલવા નવો  ન્યુરલ પાથવે બનાવવો પડે છે.  બહુ કઠિન છે આ કામ કારણ જ્યારે બેડ ફિલ કરતા હોઈએ ત્યારે પેલો જૂની જાણીતો હાઈવે સેવા કરવા તૈયાર જ ઊભો હોય છે.  આખી જીંદગી લોકો નવો રાજમાર્ગ બનાવી શકતા નથી. મરી જવાય તો કઈ નહિ પણ નવો માર્ગ બનાવી શકતા નથી. નામ યાદ રહ્યું નથી પણ જે અમેરિકન  વિખ્યાત કેન્સર સર્જને આખી જીંદગી કેન્સર યુક્ત  ફેંફસાના ઓપરેશન કરેલા તે પોતે સિગારેટ છોડી નહિ શકવાના કારણે ફેંફસાના કેન્સરના કારણે દેવ થઈ ગયેલા.
ધારો કે તમે ઉપેક્ષા અનુભવો તો ગાજર ખાવાના ખરા? હાસ્યાસ્પદ લાગશે. ગાજર કોઈ સંતોષ નહિ અર્પે. મીઠાઈનો ટુકડો જરૂર સંતોષ આપશે. કારણ ફેટ અને શુગર કુદરતના રાજમાં સર્વાઈવલ માટે મુખ્ય ગણાતા હોય છે. તંબાકુ નકલી ડોપામીન છે, ચામાં પણ શુગર અને ડોપામીન ઇફેક્ટ મળતી હોય છે, કોફીનું કેફીન તો ઓર ઉત્તેજિત કરી મૂકે. અને મિત્રો સાથે મુવી જોવા જવું તો ઓર મજાનું, એમાં તો સામાજિક સ્વીકાર છે. આ બધા હેપી કેમિકલ રીલીઝ કરતા ન્યુરલ હાઈવે બનાવતા હોય છે. આમાં ગાજર બિચારું સાવ નકામું લાગે. હેપી કેમિકલ રીલીઝ કરે નહિ તેવી ગાજરની પીપુડી અહીં વાગે નહિ. પણ રિપીટેશન પુનરાવર્તન ન્યુરલ પાથવે બનાવી શકે છે. જ્યારે ખરાબ અનુભવીએ ત્યારે ગાજર ખાઈએ તો નવો રસ્તો બનતો જતો હોય છે. અને તમે જો ૪૫ દિવસ આનું રિપીટેશન કરો તો એક પૂરતી મોટી ચેનલ બ્રેઈનમાં  બની શકે છે. બુધાલાલની જગ્યા ગાજર લઈ શકે છે. જસ્ટ આતો દાખલો આપ્યો કે ખરાબ ટેવો  બદલવા ગાજર ખાવા જેવી નિર્દોષ ટેવ પાડી શકાય છે. જો કે ઉંદર કાઢતા સાપ ના ઘૂસી જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. મેમલ બ્રેઈન એટલું બધું જોરદાર હોય છે કે તમે જોખમ અનુભવો તે પહેલા મીઠાઈનો ટુકડો મોઢામાં મુકાવી દેતું હોય છે. ૨૦૦ મિલયન વર્ષનો ઉત્ક્રાંતિનો અનુભવ છે એની પાસે.
માનો કે એક છોકરાના સાયન્સમાં કે ગણિતમાં માર્ક્સ ઓછા આવ્યા, દુખી થઈ ગયો અને મિત્રો સાથે ફરવા કે મુવી જોવા ગયો. અચાનક એની બેડ ફીલિંગ્સ ગુડ ફીલિંગ્સમાં બદલાઈ ગઈ. મેમલ બ્રેઈન માટે શું થયું સમજો. શૈક્ષણિક અસફલતાની વિપદા(થ્રેટ) મિત્ર સાથે પાર્ટીમાં કે ફિલમ જોવા જવાથી દૂર થઈ ગઈ. મિત્રો સાથે જવાથી સામાજિક સ્વીકાર મળે જે હેપી કેમિકલ રીલીઝ કરે. એનાથી આનંદ મળે સુખ મળે. એક નવો ન્યુરલ રાજમાર્ગ બનવાનું શરુ  થઈ ગયું. જ્યારે જ્યારે સ્કૂલ કે કૉલેજ બાબતે કશું પણ ખરાબ  ફિલ થાય કે મિત્રો સાથે ઊપડી જવાનું નક્કી થઈ ગયું. બસ આમ ને આમ નવો ન્યુરલ રાજમાર્ગ રેતી, સિમેન્ટ,  કપચી નંખાઈ જઈને મજબૂત બની જવાનો. હવે આ છોકરો વિચારતો પણ હશે કે એણે ભવિષ્ય માટે એકેડેમિક સ્કીલ મેળવવી પણ જરૂરી છે. પણ જ્યારે તે મિત્રો સાથે પાર્ટીમાં જવાને બદલે લાઇબ્રેરીમાં જતો હશે ત્યારે કોઈ સિંહ વડે ખવાઈ જતો હોય તેવું લાગતું હશે. એને સમજ નહિ પડતી હોય કે શું થઈ રહ્યું છે. લાઇબ્રેરી છોડીને મિત્રો સાથે જતા રહેવામાં શાંતિ મળતી હશે. આમ ને આમ અભ્યાસ બગડતો જવાનો.
હવે આ રખડી ખાવાની ટેવ છોડવા શું કરવું પડે? નવો રાજમાર્ગ બનાવવો પડે. એવા મિત્રોની દોસ્તી કરાવી પડે જે રખડવામાં નહિ પણ ઠરીને બેસીને અભ્યાસ કરવામાં માનતા હોય. અને એવા મિત્રોના સહવાસમાં સામાજિક સ્વીકારનું સુખ અને આનંદ મળે. શરૂમાં તો અઘરું લાગે. પણ ૪૫ દિવસ ઠરીને બેસી રહે અને અભ્યાસ કરે તો નવો ન્યુરલ રાજમાર્ગ તૈયાર થઈ જાય. કોઈ પણ હિસાબે મન મક્કમ કરીને જૂની ટેવને તાબે નાં થાવ તો પણ બ્રેઈન તે ટેવ વગર જીવવાનું શીખી લેતું હોય છે. અથવા આપણે નવી નિર્દોષ ટેવ પાડવી પડે.
એક મનોવૈજ્ઞાનિકનો નોંધેલો દાખલો લખું. જેન નામની એક છોકરી કોઈ છોકરા સાથે ડેટ પર જવાની હતી. તે નર્વસ હતી, પણ ડેટ પર જવાનું હોવાથી નવો ડ્રેસ ખરીદવા ગઈ તો એની બેચેની દૂર થઈ ગઈ. હવે પેલી ગ્રેટ ડેટ પતી ગઈ ને નર્વસનેસ પાછી આવી. જેનનું બ્રેઈન સામાજિક સ્વીકાર ઝંખતું હતું. સામાજિક જોડાણ વગર મેમલ બ્રેઈન આપત્તિ સમજતું હોય છે. જેન નવી ડેટ પર જવાની કલ્પના કરી ડ્રેસ ખરીદવા ચાલી જતી. ધીમે ધીમે શોપિંગ કરવા જવાનો ન્યુરલ પાથવે એણે ઊભો કરી લીધો. આ વ્યર્થ ખરીદી કરવાના રોગે પરિસ્થિતિ બગડવા લાગી. એની પાસે પૈસા રહ્યા નહિ. એની કાર રિપેર કરવાના પણ પૈસા રહ્યા નહિ. એક મિત્રને મોલમાં લઈ જવા વિનંતી કરી પણ એણે ના પાડી દીધી. બધા એનો રોગ જાણતા હતા. બીજા દિવસે તે બીમાર પડી ગઈ. એક અઠવાડિયું શોપિંગ કર્યા વગરનું ગયું. એને લાગતું હતું કે શોપિંગ કર્યા વગર મરી જવાની છે. પણ તે મરી નહિ. એના બ્રેઈનને પણ લાગવા લાગ્યું કે શોપિંગ કર્યા વગર આમ કઈ મરી નથી જવાતું. ઘણા દિવસ વીતી ગયા. સાજી થયા પછી એની શોપિંગ કરવાની ઇચ્છા ઉછાળો મારતી પણ વધુ એક દિવસ રાહ જોઉં તેમ કહી મન મનાવી લેતી. ૪૫ દિવસ પછી એને લાગ્યું કે શોપિંગ કર્યા વગર ચાલે.
તમે નવો ન્યુરલ પાથવે ૪૫ દિવસમાં બનાવી શકો છો, શરત એટલી છે કે ૪૪ દિવસ સિંહ તમને ખાઈ રહ્યો છે તે દુઃખદ  લાગણી સહન કરવી પડશે. હહાહાહાહા!!!!આવું મારી મોટી બહેન  Loretta Graziano Breuning, Ph.D. કહે છે.

ફેસબુક વળગણ ( Hard Truths About Human Nature)

ફેસબુક વળગણ  ( Hard Truths About Human Nature)

 

 

કોઈ સાયકીયાટ્રીસ્ટને પૂછવાની જરૂર નથી કે આજે  દુનિયા ફેસબુક પાછળ  પાગલ  થઈ ગઈ છે. આશ્ચર્યજનક  આંકડા જણાવે છે કે આશરે ૮૦૦  મિલિયન લોકો દર મહીને ફેસબુક વાપરે છે. યુ.એસ.એ. સ્થિત  આશરે ૧૫ કરોડ ૬૮ લાખ લોકો, બ્રાઝીલના ૪ કરોડ ૮૦ લાખ, ભારતના ૪ કરોડ ૬૩ લાખ, ઈન્ડોનેશિયાના ૪ કરોડ ૨૫ લાખ  લોકો નિયમિત ફેસબુક નો ઉપયોગ  કરે છે. આપણાં પાડોશી દેશ પાકિસ્તાનના ૬૪ લાખ લોકો ફેસબુક  યુઝર છે. ચીન  વસ્તીમાં નંબર વન ભલે હોય  પણ આશરે ૫ લાખ ૫૦૦૦ ચીનાઓ  જ ફેસબુકમાં માને છે. એના કરતા ગરીબ  અને ભૂખે મરતાં દેશ  જણાતા ઇથિયોપિયામાં ૫ લાખ ૩૭૦૦૦ લોકો ફેસબુકના દીવાના છે. સૌથી ઓછા ફેસબુક પાગલો વેટિકન સિટીમાં રહે છે, ફક્ત ૨૦ જણા, બાકીના વેટિકન  લોકોને અતિપાગલ  માનવા હોય તો માની શકાય. આમ લગભગ આખી દુનિયા ફેસબુક પાછળ દીવાની છે એની પાછળનું વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક , રાસાયણિક  રહસ્ય  સમજવા જેવું છે.

 

 

ફેસબુક  ઘેનની પાછળ  જવાબદાર  રહસ્યમય  પ્રવાહીનું નામ  છે, dopamine. ડોપામીન  એક  બ્રેઈન  કેમિકલ  છે જે આનંદદાયક ભાવનાઓ  સાથે  જોડાયેલું છે.  આપણે સ્વાદિષ્ટ ભોજન કરીએ, પૈસા બનાવીએ, સેક્સમાં ઊતરીએ કે પછી કોકેન, ભાંગ  કે ગાંજાનો નશો કરીએ  ડોપામીનનાં આનંદદાયક  નાનકડા ફુવારા બ્રેઈનમાં છૂટીને ખુશી અર્પતા હોય છે, બરાબર તે જ રીતે બ્રેઇનમા રહેલા રીવોર્ડ  રસ્તે ડોપામીન  રીલીઝ  થાય છે જ્યારે આપણે ફેસબુક ઉપર  ખાસ પસંદ કરીને ફોટો મૂકીએ છીએ કે સરસ મજાનું પ્રોફાઈલ પિક્ચર મૂકીને મિત્રોનું સ્વાગત કરીએ છીએ. વર્ચ્યુઅલ  ફ્રેન્ડશીપ પણ રીયલ ફ્રેન્ડશીપની જેમ ડોપામીન હેપીનેસ આપે છે.

 

 

 કરુણ વાતો અને દુઃખદ  ઘટનાઓ પણ  મિત્રો સાથે શેર કરીએ છીએ  એની પાછળ મળે છે મિત્રોનો વિશ્વાસ  અને સહાનૂભુતિ જે oxytocin  હેપીનેસ  આપે છે જે love hormone  તરીકે ઓળખાય છે. સંકટ સમયે  stress hormone cortisol  જે પીડા આપે છે તેનું  શમન  કરવાનું કામ મિત્રોના લાગણીશીલ  પ્રત્યુત્તર કરતા હોય છે. મિત્રોના સારા પ્રતિભાવ બ્રેઈનના રીવોર્ડ વિભાગને ઉત્તેજિત કરતા હોય છે. આમ તો ફેસબુક આપણાં બ્રેઈનને એપ્રિલફૂલ બનાવે છે કે આપણાં ચાહતા આસપાસ છે, જે સર્વાઈવલ માટે જરૂરી છે. આપણાં શુભેચ્છકો આસપાસ હોય તો સર્વાઇવલના ચાન્સ વધી જાય. ફોટોગ્રાફી હમણાં શરુ થઈ, બહુ બહુ તો ૨૦૦ વર્ષ થયા હશે, ફોટોગ્રાફી પહેલા લાખો વર્ષ થયા હ્યુમન બ્રેઈન ઇવોલ્વ થયે. ફોટા જોઇને માનવી  પ્રત્યક્ષ છે તેવું અચેતન રૂપે ફિલ થતું હોય છે. સિનેમાની શોધ પણ હમણાં થઈ કહેવાય. હ્યુમન ઈવોલ્યુશનની સરખામણીએ આ બધી શોધોનો આજે જન્મ થયો હોય તવું કહેવાય. મુવી જોવા બેઠાં હોઈએ ત્યારે સામે પડદો છે તે બધું ભુલાઈ જાય છે. બધું રીયલ હોય તેવું જ લાગતું હોય છે.  મુવી જોતા જોતા કરુણ ઘટના દર્શાવતા દ્ગશ્યો આવે તો લોકો ચોધાર આંશુડે રડતા હોય છે. અમુક લેવલે પિક્ચર અને પીપલ વચ્ચે તફાવત છે તે યાદ રાખવામાં બ્રેઈન અસફળ થતું હોય છે. ફેસબુક પર ચેટિંગ કરીએ ત્યારે રૂબરૂ વાતો કરતા હોઈએ તેવું જ ફિલ થતું હોય છે.

 

 

૨૦૦૪ સુધીમાં ફેસબુક ઉપર  ૧૨૫ બિલિયન ફ્રેન્ડશીપ કનેક્શન થયા હતા, બે બિલિયન લાઈક્સ અને એક બિલિયન કોમેન્ટ્સ આવી ગઈ હતી. ડોપામીન લોડ  રીલીઝ થવા માટે ફેસબુક ઉત્તેજક માધ્યમ બનતું હોય છે, જે એકલતાની સફળ દવા બની જાય છે. આજે હજારોની ભીડ વચ્ચે માનવી જ્યારે સાવ એકલો પડી ગયો છે ત્યારે ફેસબુક રાહત આપે છે. જોકે બધા માણસો એકલતા અનુભવતા હોય તેવું પણ નથી. અહીં ફેસબુક જુદી રીતે કામ કરે છે. નૉવેલ્ટી, નવીનતા પણ બ્રેઇનમા હેપી કેમિકલ્સ રીલીઝ કરવા જવાબદાર બનતી હોય છે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીએ, કોઈ નવું કપડું, નવા ઘરેણા, ફર્નિચર ત્યારે જે સુખ મળતું હોય છે થોડા દિવસ તે ન્યુરોકેમિસ્ટ્રીને આધારે છે. ઘરમાં નવું ફર્નિચર આવે અને કોઈ બીજું જુએ નહિ તો પણ મજા આવે નહિ. બે વખાણના શબ્દોની આશા બ્રેઈન રાખતું હોય છે. ભારતમાં તો અતિથિ દેવો ભવઃ હિસાબે કોઈ ને કોઈ ઘરમાં આવી જતું હોય છે એટલે કામ પતી જાય. પણ અહીં અમેરિકા અતિથિ દેવો ભવઃ મૅનર વગરનું લાગે. આપણાં ગુજરાતીઓ ઘરમાં કશું નવું લાવે તો કોને બતાવે? અ સત્યનારાયણની કથા રાખી દો, કામ પૂરું. અમારા શ્રીમતીજીના એક મહિલા સંબંધી  ક્યારેક ખૂબ આગ્રહ કરીને ઘરે બોલાવે, તો હું શ્રીમતીને કહું કે નક્કી આ તમારા સંબંધી કોઈ નવા ડ્રેસ કે જ્વેલરી ખરીદી લાવ્યા હશે. અને હું કાયમ સાચો પડતો હોઉં છું.

 

 

ઘણા લોકોને વ્યર્થ ખરીદી કરવાનો રોગ લાગેલો હોય છે. જોકે જ્યાં જરૂરી વસ્તુ ખરીદવાના ફાંફાં હોય ત્યાં વ્યર્થ ખરીદીની વાત ક્યાંથી હોય? પણ મેં અહીં એવી સંબંધી મહિલાઓ જોઈ છે જે આખો દિવસ Macy’s અને kohls જેવા સ્ટોરોમાં ફર્યા કરતી હોય અને કામ વગરના ડ્રેસીસ ખરીદ્યા કરતી હોય છે. એમના ઘરમાં એક દુકાન બનાવી શકાય તેટલા કપડા મેં પોતે જોયા છે એમાંથી ઘણાના તો પહેરવાનો વારો પણ આવતો નથી. આમ નવીનતા પણ સુખાનુબોધ અર્પે છે. આ હેપી કેમિકલ ઉપર ફેસબુકે બહુ મોટું માર્કેટ કવર કર્યું છે, અહીં રોજ આશરે ૩૦૦ મિલિયન નવી પોસ્ટ મુકાય છે. વળી ફેસબુકે એમાં ગેઈમ એડ કરી છે, જેને રમીને ૧૦૦ મિલિયન યુઝર્સ ડોપામીન ડોઝ મેળવે છે. અને આમાનું ઇન્વિટેશન ફીચર ડોપામીન સાથે ઓક્સીટોસીન સુખાનુંબોધ પણ આપે છે જે આપણે મિત્રો સાથે ગપ્પા મારીને મેળવતા હોઈએ છીએ.

 

 

ચાલો થોડું વધુ ખોતરીયે. બ્રેઇનમા mirror neuron હોય છે. જ્યારે કોઈ લાગણી દર્શાવે છે ત્યારે આ મિરર  ન્યુરોન્સ કામ કરતા હોય છે. આ ન્યુરોન્સ સહાનૂભુતિ સાથે તાદાત્મ્યની અનુભૂતિ કરાવતા અનુકરણશીલ હોય છે. જ્યારે કોઈ આપણને સ્માઈલ આપે છે ત્યારે આપણે કોઈ કારણ   જાણ્યા વગર સામે સ્માઈલ આપીએ છીએ. એ કરામત મિરર ન્યુરોનની છે. લાગણીઓ ચેપી હોય છે. બધા ચેપ ખરાબ હોતા નથી. ફેસબુક પોજીટીવ લાગણીઓનો શીતલ જળનો ફુવારો છે. યે દિલ માંગે more. Dopamine અને oxytocin ખૂબ પાવરફુલ સ્ટફ છે.

 

 

Nadkarni અને Hofmann (૨૦૧૨) નામના મનોવૈજ્ઞાનિકો  દ્વારા એક સ્ટડી થયેલો કે કયા મનોવૈજ્ઞાનિક  કારણો  ફેસબુક યુઝ  કરવા માટે કારણભૂત હોય છે. માનવની બે મૂળભૂત સામાજિક જરૂરિયાતો હોય છે. માનવ બીજા સાથે સામાજિક રીતે જોડાવા અને બીજા દ્વારા સ્વીકાર્ય બને તે રીતે  ડીઝાઈન થયો છે. જેટલું ફેસબુક યુઝ વધુ કરો તેટલા વધુ કનેક્ટેડ રહી શકાય છે. વધુને વધુ ફ્રૅન્ડ રીક્વેસ્ટ મળતી જતી હોય છે. બીજી મહત્વની મૂળભૂત જરૂરિયાત સેલ્ફ પ્રેઝન્ટેશન છે. જે ફેસબુક દ્વારા વ્યક્ત કરી શકાય છે. ફેસબુક ઉપર વ્યક્તિ પોતાને સામાજિક રીતે વધારે appealing સાબિત કરી શકતો હોય છે. આજે જ્યારે અત્યાધુનિક  જમાનામાં  રિશ્તો નાતે સારી રીતે જાળવી રાખવા મુશ્કેલ બનતું જાય છે, કહેવાતા સમાજ ધીમે ધીમે ઓગળી રહ્યા છે અને વધારે ને વધારે લોકો એકલતા અનુભવી રહ્યા છે ત્યારે આ આધુનિક ટેક્નોલૉજી મદદમાં આવી રહી છે. ભારતીય સમાજ માટે એકલતા આવવાની હજુ વાર છે, પણ અમેરિકન સમાજ માટે એકલતા અનિવાર્ય અંગ બની ચૂકી છે.

 

 

ફેસબુક ઉપર ઘણા લોકોના હજારો મિત્રો હોય છે અને કેટલાંના બહુ ઓછા. કોઈ માનશે? આ બ્રેઈનની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. એક તાજો સ્ટડી બતાવે છે કે જે લોકોના ખૂબ મિત્રો હોય તેમની આંખની ઉપરના ભાગે કપાળની અંદર આવેલો બ્રેઈનનો orbital prefrontal cortex વિભાગ જરા મોટો હોય છે. આ  વિભાગ ખૂબ જટિલ  ચિંતન મનન  કરતો હોય છે પોતાના વિષે અને બીજા શું વિચારતા હશે તેના વિષે. નવા તાજાં અભ્યાસ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો ખૂબ મોટા સામાજિક નેટવર્ક દ્વારા જોડાયેલા હોય છે જેમાં ફેસબુક પણ સામેલ કરી શકાય છે તેવા લોકોના બ્રેઈનમાં  આવેલું કલ્પના અને લાગણીઓનું  નિયમન કરતું તંત્ર amygdala પણ મોટું હોય છે. મોટા પ્રમાણમાં સામાજિક સંબંધો જાળવી રાખવા માટે સારો એવો બ્રેઈનપાવર જોઈએ. વિપુલ પ્રમાણમાં સામાજિક સંબંધો સાચવી રાખવા સરળ હોતું નથી. મેમરીમાં બહુ બધું ભરી રાખવું પડતું હોય છે. ઘણા બધા નામ, ઘણા બધા ચહેરા, એમની સાથે થયેલા વ્યવહારના ડેટા, હજુ આ લોકો મિત્રો છે કે દુશ્મન બની ગયા છે, મિત્રોની તકલીફો , એમની સુખદ  દુઃખદ  ઘટનાઓ, એમના ભૂતકાળ, વર્તમાન,   આવું ઘણું બધું પુષ્કળ  પ્રમાણમાં યાદ રાખવું પડતું હોય છે. કોણ કોની સાથે કેવાં સંબંધો રાખે છે, કેવાં જોડાણો કરે છે, આજે મિત્ર કાલે દુશ્મન પણ બની શકે છે આવું ઘણું બધું વિચારવું પડતું હોય છે. આપણે કૉમ્પ્લેક્સ હાઈલી કમ્પેટિટિવ સોસાયટીમાં જીવીએ છીએ, જ્યાં સારી સામાજિક સ્કીલ જરૂરી છે.

 

 

તો મિત્રો કોકેન  લેનારાની, અતિશય ખરીદી કરનારાની અને ફેસબુક પર પુષ્કળ સમય ગાળનારા મિત્રોની બ્રેઈન કેમિસ્ટ્રી લગભગ લગભગ સરખું કામ કરતી હોય છે. પણ કોકેન લેવું હાનિકારક છે, વ્યર્થ ખરીદી કરવી પણ નકામું છે અને ફેસબુક પર કેટલો સમય ગાળવો તે આપણે નક્કી કરવાનું છે.

 

 

Ref :-

 

** Powell J., Lewis P.A., Roberts, N., García-Fiñana, M, & Dunbar, R.I.M. 2012. Orbital prefrontal cortex volume predicts social network size: an imaging study of individual differences in humans. Proceedings of the Royal Society of London B, in press.

 

 

**Nadkarni, A. & Hofmann, S. G. (2012). Why do people use Facebook?Personality and Individual Differences, Vol.52(3), Feb 2012, pp. 243-249.