Tag Archives: Flow

જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

images[2] (7)જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

આપણને ઘણીવાર અનુભવ થતા હોય છે કે જેને આપણે ખૂબ પ્રિય ગણાતા હોઈએ છીએ તે જ દુઃખનું કારણ બનતા હોય છે. આપણી લાગણીઓ એમના દ્વારા ઘવાતી હોય છે. કોઈ સ્વજનનું ઓચિંતું મૃત્યુ અથવા પ્રિયજનની બેવફાઈ કે જુદાઈ આપણને વિશ્વાસઘાતની લાગણીમાં ફેંકી દે છે. આવું અનેક વાર બનતા આપણે લોકોમાં વિશ્વાસ મૂકતા બંધ પણ થઈ જઈએ છીએ. મેં ઘણા સંબંધીઓ જોયા છે જેઓ પોતાના અંગત લોકો પર અને ઘણીવાર તો પોતાના પેટના જણ્યા પર પણ વિશ્વાસ મૂકી શકતા નથી. લગભગ અવિશ્વાસુ પ્રકૃતિના અનેક માણસો આપણને લાઇફમાં જોવા મળતા હોય છે. આ વિશ્વાસ સાથેના સ્ટ્રગલ અને દુઃખની પાછળનું એક મૂળ કારણ તાદાત્મ્ય-અટૅચમન્ટ છે.

Don’t Fight Life, Flow with it.

જીવન એક વહેતી  નદી છે, કલકલ કરતું વહેતું ઝરણું છે. મોટાભાગે તો આપણે આ નદીના પ્રવાહમાં તરતા હોઈએ છીએ, વહેતા હોઈએ છીએ. અને વહેવાની મજા માણતાં હોઈએ છીએ. પણ ક્યારેક આ મુસાફરીમાં કોઈ ચોક્કસ પૉઇન્ટ પર તાદાત્મ્ય સાધીને ઉભા થઈ જઈએ છીએ અને જરા પણ ખસવાનો ઇનકાર કરી દઈએ છીએ. કુદરતી પ્રવાહમાં વહેવાનો ઇનકાર કરીને લડાઈ શરુ કરી દઈએ છીએ. અહીં દુઃખની શરૂઆત થઈ જાય છે. જીવન લડવા કરતા એની સાથે વહેવામાં દુઃખની માત્રા ઓછી થતી જાય છે આવું મહત્વનું લેસન શીખવે છે મેડિટેશન.

જ્યારે તમારી આંખો બંધ હોય, કુદરતી શ્વાસ ઉચ્છવાસ ચાલતા હોય, કોઈ આસ્તિક હોય તો મંત્ર બોલતા હોય કે પ્રાર્થના કરતા હોય, બુદ્ધ જેવા કોઈ કહેવાતા નાસ્તિક હોય તો ફક્ત આ પ્રક્રિયાને જોતા હોય, વિચારો આવતા અને જતા હોય છે….સહેલું લાગે છે પણ અઘરું છે. ઘણીવાર આપણે આવેલા વિચારોની વેબમાં ગૂંથાઈ જઈએ છીએ. વિચારોની વેબસાઇટ ગજબની માયા છે. ક્યારે અંદર સામેલ થઈ જઈએ યાદ પણ ના રહે. અને ઘણીવાર પાછાં સચેત થઈને નિરીક્ષણ કરવા લાગતા હોઈએ છીએ. પણ બંને વખતે આપણે શ્વાસોચ્છ્શ્વાસ  પર પાછાં આવી જતા હોઈએ ત્યારે લાંબા સમયે ભાન થાય છે વર્તમાન ક્ષણનું, ઑલ ઇઝ વેલ..

જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વિચાર, કે પછી વસ્તુ સાથે મજબૂત રીતે જોડાઈ જઈએ છીએ ત્યારે આપણે ઇચ્છાઓ વધી જાય છે, આપણે તે ક્ષણને વધુ લંબાવા માંગતા હોઈએ છીએ કે પછી ડરવા લાગીએ છીએ. આ ઇચ્છા અને ભય દુઃખનું કારણ બનતી  હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પ્રિયજન સાથે બેઠાં હોઈએ કે જેની સાથે આપણે પ્રેમમાં હોઈએ, અને એકબીજાનું સાંનિધ્ય માનતા હોઈએ ત્યારે ઇચ્છા જાગે કે આનો અંત આવે જ નહિ.  કઈ રીતે આ ક્ષણોને લંબાવી દઉં? મેડિટેશન વર્તમાનની ક્ષણોમાં ગૂંથાઈ જવા મદદ કરે છે. આપણે પ્રિયજન બાજુમાં હોય છતાં ભૂત કે ભવિષ્યમાં ઊતરી જતા હોઈએ છીએ. આપણે જાણતા હોઈએ છીએ કે આ ક્ષણો કાયમ ટકવાની નથી છતાં એમાંથી સંપૂર્ણ વર્તમાનનો આનંદ માનવાનું મેડિટેશન શીખવે છે. જીવન સદાય વહેતું છે.

હવે જ્યારે કોઈ દુઃખ પહોચાડે ત્યારે પણ દુઃખની લાગણીઓ પણ વહેતા ઝરણામાં વહી જવાની છે, પણ આપણે એની સાથે તાદાત્મ્ય બાંધી લઈએ જોડાઈ જઈએ તો આ દુઃખની ઘડીઓ  લંબાવી દઈએ છીએ.  બસ આ દુઃખની ક્ષણો સાથે મજબૂતાઈથી ના જોડાઈ જઈએ તો દુઃખની લાગણી પણ ઓછી થતી જવાની. પણ જે બન્યું છે એની સાથે જોડાયેલા રહીએ તો દુઃખ વધતું જવાનું અને આપણે ડરના માર્યા જેતે વ્યક્તિ વિષે અવિશ્વાસ વધારતા જવાના. લાંબા ગાળે આપણે કોઈના પર વિશ્વાસ રાખી શકતા નથી.

જો આપણે નિયમિત આ શ્વાસ ઉચ્છવાસ પ્રત્યે જાગૃત રહેવાનું ધ્યાન નિયમિત કરીએ તો આપણે જોઈ શકીએ કે વિચારો સતત આવતાજતા હોય છે. કોઈવાર ગ્રેટ અનુભવ થતો હોય અને કોઈવાર ઉદાસ. આમ શીખવા મળે કે લોકો પણ કોઈવાર પ્રેમ કરતા હોય છે અને કોઈવાર નફરત. જે પણ સારી કે ખરાબ ક્ષણો છે તે ઊભી રહેવાની નથી. જો સારી કે ખરાબ પળો  ટકવાની નથી તો પેલો ભય પણ શું કામ રાખવાનો? કોઈ ચોક્કસ અનુભવ પ્રત્યે તાદાત્મ્ય સાધ્યા વગર  જીવનમાં ખુલ્લાપણું રાખવાનું મેડિટેશન શીખવે છે. ધારોકે કોઈએ આપણને ઈજા કરી કે ઇમોશનલ હર્ટ કર્યું, તો આપણે તે દુઃખદાયી યાદોમાં રત રહેવાને બદલે એમાંથી શીખી શકીએ કે આમ કેમ બન્યું? આપણા ખુલ્લાપણા કે અવેરનેસ વડે આપણી જાતને પૂછી શકીએ કે આ વ્યક્તિ આપણને હર્ટ  કરે તે પહેલા એનો કોઈ સંકેત મળેલો ખરો?

અવેરનેસ વડે આપણે આપના ભૂતકાળના અનુભવો વડે શીખી શકીએ અને દુઃખ નિવારણ તરફ પણ વધી શકીએ. અવેરનેસ વડે ભય વગર હિંમતથી આપણે જે બનવાનું છે તેનો સામનો કરી શકીએ. જીવનમાં કંઈક નવું આવે તો સાથે એના રિસ્ક પણ લેતું આવે. એનો સ્વીકાર કરવાની અવેરનેસ જોઈએ જ.

મેડિટેશન કોઈ દુઃખ નહિ આપે તેવી વેક્સિન તો છે નહિ. દુઃખદાયી અનુભવો પણ જીવનનો એક ભાગ જ છે. મેડિટેશન વડે આપણે પોતાની જાતની કેર કરતા અને પોતાની જાતને ચાહતા શીખી જઈએ છીએ. આપણે જેવા છીએ તેવા આપણી જાતને ચાહતા થઈએ તો બીજાને પણ પ્રેમ કરતા વધુ સારી રીતે થઈ શકીએ.

મેડીટેશન શીખવે છે કે સુખી થવાની તમામ શક્યતાઓ આપણી અંદર જ મોજૂદ છે. જ્યારે અપને વર્તમાનમાં જીવતા હોઈએ ત્યારે ઑલ ઇઝ વેલનો બેલ વાગતો હોય છે. આમ આપણે ભય અને ઇચ્છાઓ સાથે તાદાત્મ્ય વધારવાનું ઓછું કરવાનું  ધ્યાન વડે શીખી શકીએ છીએ.

એક નદીમાં તમે બીજી વાર પગ મૂકી શકતા નથી. જીવન પણ એક વહેતી નદી જેવું છે જે સતત બદલાયા કરતું હોય છે. મેડીટેશન આ નદીમાં વચ્ચે આવતી તમામ વસ્તુઓનો સ્વીકાર શીખવે છે. આપણે વિશ્વાસ મૂકતા શીખી જઈએ છીએ કે કાયમ બધું સારું થાય તેવું જરૂરી નથી, પણ ગમે તે થાય હું તો હંમેશા ખુશીમાં જ રહીશ. મેડીટેશન જીવન ઝરણામાં વહેતા શીખવે છે, એમાંથી આનંદ મેળવતા શીખવે છે. અને વર્તમાનમાં શ્વાસ સાથે જીવતા શીખવે છે.