Tag Archives: Tricyclic antidepressant

વેદનાનું સોહામણું સત્ય-૨

વેદનાનું સોહામણું સત્ય-૨

ક્રૉનિક પેએન કઈ રીતે શરુ થઈ જતા હોય છે તે અંકમાં જોયું.

કમરનો દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે વગેરે ને ક્રૉનિક પેએનમાં બદલવાનું લગભગ આપણાં હાથમાં છે. આવા દુખાવા કવચિત દરેકને થતા હોય છે. જંગલમાં અમુક રસ્તા વપરાયા વગરના પડી રહ્યા હોય છે. પછી કાલક્રમે રસ્તા જેવું રહે જ નહિ. પણ આજ રસ્તા પાછાં વારંવાર વાપરવાનું શરુ કરી દઈએ તો સરસ મજાની પગદંડી ફરી તૈયાર થઈ જતી હોય છે. બસ આમજ વારંવાર દુખાવાની અનુભૂતિ કરવાની ટેવ પડી જાય તો દુખાવાનું ક્રૉનિક પેએનમાં રૂપાંતરણ થતા વાર લાગતી નથી.

મને પોતાને પાંચેક વર્ષ પહેલા બૅક પેએન થયેલું. સ્ટોઅરમાં મારી ઊભા રહેવાની પદ્ધતિ ખોટી હોવાથી કમરમાં દુખાવો શરુ થઈ ગયેલો. બેસવાના પણ ફાંફાં થઈ ગયેલા. ભયાનક દુખાવો થાય. ડૉકટરે રાબેતામુજબ પેએન-કિલર લખી આપી અને ફિઝિઅથેરપિસ્ટ જોડે જવાનું સૂચવી દીધું. ક્રૉનિક પેએનમાં ડૉક્ટર્સ,

૧)Opiate મેડિકેશન જેવા કે ઑક્સિકોડીન,

૨) nonsteroidal anti-inflammatory મેડિકેશન જેવા કે બૃફેન, નેપ્રોક્સિન,

 ૩) કસરત,

૪) tricyclic antidepressants,

૫) ઍક્યુપંચર

૬) ઈલેક્ટ્રિકલ સ્ટિમ્યૂલેશન વગેરે ઉપાય તરીકે સૂચવતા હોય છે. મને બૃફેન જેવી દવાની અસર ઓછી થતી હોવાથી અફીણમાંથી બનતી ઑક્સિકોડીન જે નાર્કો-પેએન કિલર તરીકે ઓળખાય છે તેવી દવા લખી આપેલી. આ દવાથી સરસ મજાનું ઘેન ચડતું. આનંદ આનંદ થઈ જાય લેવાથી. ૩૦ ટકા અમેરિકાનો ક્રૉનિક પેએન વડે પીડાતા હોય છે. અહી ડૉક્ટર્સ છૂટથી ડ્રગ જેવી દવાઓ લખી આપતા હોય છે. અને અમુક લોકો જાતેજ હેરોઇન જેવા અફીણમાંથી  બનતા ડ્રગ લેવાનું શરુ કરી દેતા હોય છે. અમુક રાજ્યોમાં મેડિકલ મૅરિહ્વાન એટલે ગાંજો, લાઇસન્સ ધરાવતી દુકાનોમાં મળતો થઈ ગયો છે.

ઑક્સિકોડીન જેવી દવાઓનો  પ્રૉબ્લેમ એ થાય કે તેની ટેવ પાડવા માંડે પછી દુખાવો બંધ કરવા મોટો ડૉસ લેવો પડે અને તમે ડ્રગ ઍડિક્ટ બની જાવ. માઈકલ જેક્શન અને વ્હીટની આમાં જ દેવ થઈ ગયા. તે સમયે મારા ફિઝિઅથેરપિસ્ટ બહેન નિરાલી પટેલ હતા. તેમણે મને સરસ કસરત બતાવેલી. કમરનો ક્રૉનિક દુખાવો રોજની ફક્ત દસ મીનીટની કસરત વડે મટાડી શકાય છે. કમરના ભાગે સ્નાન કરતી વખતે ગરમ પાણી વધારે પડવા દઈ, સ્નાન કર્યા બાદ ફક્ત દસ મિનિટ કસરત કરી લઈએ તો કદી કમરના દુખાવા માટે દવા લેવી નો પડે તે મારો જાત અનુભવ છે. શારીરિક દુખાવાને નાબૂદ કરવો સહેલો છે, પણ માનસિક રીતે ક્રૉનિક પેએનમાં તબદીલ થયા પછી એનો ઉપાય અઘરો થઈ પડે છે.

શરીરમાં જ્યાં ઈજા થઈ હોય તે અસર પામેલા ભાગની અંદર રહેલા નર્વ સેલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ બ્રેનને મોકલવાના શરુ કરી દેતા હોય છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું નિયમન ખાસ પ્રકારના gene દ્વારા થતું હોય છે. આ જીનને બ્લૉક કરી દેવાથી નર્વ સેલ દ્વારા થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલના ઝબકારાનું પ્રમાણ ઓછું કરી શકાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો આના ઉપર પ્રયોગ કરી રહ્યા છે. જિનેટિકલી એન્જિનિઅર્ડ ઉંદરોમાં પેએન સેન્સિટિવ ન્યુરૉન્સમાં HCN2 જીન નાબૂદ કરી નાખેલો. નૉર્મલ ઉંદરો ઠંડી, ગરમ વસ્તુ અડતા ત્વરિત પ્રતિક્રિયા કરતા પણ HCN2 gene વગરના ઉંદરો બધું લાંબા સમય સહન કરી લેતા. HCN2 બ્લૉકર માર્કેટમાં આવતા બીજા દસ વર્ષ લાગશે.

વધુ પડતું વજન ક્રૉનિક પેએનમાં વધારો કરતું હોય છે. કસરત કરો, વજન ઘટાડો.  મજબૂત સ્નાયુ દર્દ આપતા સાંધાઓને વધુ સારી રીતે સહી શકે છે. જરૂર જણાય ત્યાં પેએન કિલર લેવી પડતી હોય છે. સરસ મજાની ઊંઘ દુખાવામાં રાહત પમાડે છે. ક્રોનિક પેઇન વડે પીડાતા લોકો પોતાને એકલાં પડી ગયા હોય તેવું  અનુભવતા હોય છે. મનની અસર શરીર ઉપર પડતી હોય છે અને શરીરની મન ઉપર. ડિપ્રેશનનાં લીધે  ક્રૉનિક પેએન, ડાયબીટિઝ, ઓબેસિટી, હાર્ટ ડિઝીઝ, અડિક્શન વગેરે થવાની શક્યતા વધતી હોય છે. ક્રૉનિક મેન્ટલ સ્ટ્રેસ, મસલ પેએનમાં વધારો કરે છે.

Fibromyalgia અને rheumatoid arthritis વગેરેમાં ચેરિ, સોયાબીન, ઑરિન્જ, ક્રૅન્બરિ, કૉલિફ્લાઉઅર, કિવિ બધા ફાયદાકારક છે. જ્યારે ચૉકોલટ, ઈંડા, માંસ, ઘઉં, મકાઈ, વગેરે સોજા વધારી દુખાવો વધારી મૂકે છે. ચેરિમાં anti-oxidants હોય છે જે સોજાને ઉતારે છે. બીજું એમાં melatonin નામનું હૉર્મોન હોય છે જે માનવ શરીરમાં pineal gland માં બનતું હોય છે. જે સારી ઊંઘ લાવતું હોય છે. સારી ઊંઘ મતલબ ઓછું પેએન.

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રોનિક પેઈનના બતાવી ગયા છે તે પછી બીજા અંકમાં જોઈશું.