સંભવિત ગૂનેગારોને સમર્થન કેમ આપતાં હશે?

એક ધર્મગુરુ કોઈ ગૂના હેઠળ જેલમાં પુરાય એટલે બીજા ધર્મગુરુઓને ડર લાગે કે કાલે અમારો વારો ના આવી જાય એટલે બધા ધર્મગુરુઓ ભેગા થઈ જાય. રાડારાડ કરી મૂકે કાયદાનો દુરુપયોગ થાય છે, ધર્મગુરુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, વગેરે વગેરે. ઓલા શંકરાચાર્યને જયલલિતાએ જેલમાં પુરેલા ત્યારે ધર્મગુરુઓનું સંમેલન ભરાયેલું. એમાં બધા બૂમો પાડતા હતા. કેમ ધર્મગુરુ હોય એટલે સંવિધાન ઉપર થોડો હોય? એ સંમેલનમાં આશારામે પણ બહુ બૂમો પાડેલી કે ધર્મનો નાશ થઈ રહ્યો છે, વગેરે વગેરે. સારા હોય એમની અંદર પણ એક છૂપો ડર હોય છે કે કાલે અમારી ભૂલ થઈ તો કાયદો જેલમાં ઘાલી દેશે. એટલે અગોતરી વ્યવસ્થા કરો, આંદોલન કરો, એટલીસ્ટ પ્રોટેસ્ટ તો કરો જ કાલે ક્યાંક અમારો પણ વારો આવી ના જાય. આશારામ જેવા જૂના રીઢા ગૂનેગાર તો ખબર જ હોય કે પોતે કેવા કૃત્યો ખાનગીમાં કરે છે એટલે એ બહુ બૂમો પાડતો હતો. આપણા એક બહુ મોટા કથાકાર પણ એ સંમેલનમાં હતા એમનું કહેવું હતું કાયદો કાયદાનું કામ કરે પણ ધર્મગુરુ હોય એના પર જૂલમ ના થવો જોઈએ. અંદર ડર લાગતો હોય છે ભલે કોઈ ગૂનામાં સંડોવાયા ના હોય કે સંડોવાના પણ ના હોય પણ કાલે કદાચ સંડોવાઈ જઈએ તો?

એવું દરેક પ્રોફેશનના માનવીને થતું હોય છે. એટલે એક ડોક્ટરને કોઈ ગૂના હેઠળ પૂરો તો બધા ડોક્ટર્સ ભેગા થઈ પ્રોટેસ્ટ કરશે. કોઈ પત્રકાર જેલમાં પુરાય એટલે પત્રકારો ભેગા થઈ જશે પ્રોટેસ્ટ કરશે. લેખો લખશે, સોશિઅલ મિડીયા ઉપર પોસ્ટુ મુકાશે, એમાં બે બાજુ ઢોલ પીટશે, એક બાજુ કાનૂનની તરફદારી કરશે બીજી બાજુ સરકારની કિન્નાખોરીના દાખલા આપશે, એક બાજુ સંવિધાનની વાતો કરશે બીજી બાજુ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે એવી વાત કરશે. ઢોલ બે બાજુ પીટવો પડે તો સૂર સરખો નીકળે ને? અભિવ્યક્તિની સ્વતંત્રતાની દુહાઈ દેશે પણ જોશે નહિ કે ભાઈ આને કોઈના મર્ડર સબબ જેલમાં પુર્યો છે નહિ કે સરકાર વિરુદ્ધ અભિવ્યક્તિની સ્વતંત્રતા આચરવા બદલ.

મૂળ વાત અંદર ડર હોય છે કે આજે આનો વારો આવ્યો છે કાલે મારો ના આવી જાય. એટલે ખબર હોય કે આ સાલો હરામી છે, ગૂનેગાર છે પણ આજે હવે એના ટેકામાં પ્રોટેસ્ટ થઈ રહ્યું છે તો એમાં સાથ આપો, ટોળામાં જોઈન થઈ જાઓ તો કાલે આપણો વારો આવી જાય કદાચ તો આપણા ટેકામાં ટોળુ ભેગું તો થાય. સર્વાઈવલની આ બધી બેસિક ટેકનિક હોય છે પણ ત્યાં પછી માનવીય સંવેદનાઓનું હનન થઈ જાય છે, માનવીય સંવેદનાઓની હત્યા થઈ જાય છે. ધર્મગુરુ કે પત્રકારે કરેલી હત્યાને સમર્થન અપાઈ જાય છે, એવાં કૃત્યો જાણે અજાણે વાજબી ગણાઈ જાય છે. એક હત્યારા પત્રકારને સમર્થન આપો મતલબ એણે કરેલી હત્યા વાજબી છે. એક રેપિસ્ટ ધર્મગુરુને સમર્થન આપો મતલબ એણે કરેલો રેપ વાજબી છે.

ટૂંકામાં કાયદો કાયદાનું કામ કરે ત્યાં સુધી કોઈને ના સમર્થન અપાય ના એનો વિરોધ કરાય. મૌન રાખવું જોઈએ. જો કે કાયદા કાનૂન પાળતી પળાવતી સંસ્થાઓમાં ઘણા છીદ્રો હોય છે એટલે ગૂનેગારો છૂટી જતા હોય છે અને નિર્દોષો માર્યા જતા હોય છે એવું પણ બને છે. : ભૂપેન્દ્રસિંહ રાઓલ, યુએસએ.

2 thoughts on “સંભવિત ગૂનેગારોને સમર્થન કેમ આપતાં હશે?”

  1. બાપુ આ વિષય જ એવો છે કે, પોતાનો તો જાતે ખંજવાળાઈ ( વાસો ) નહી. એટલે તું મારો ખંજવાળે તો હું તારો ખંજવાળું. પરસ્પર દેવો ( કહેવાતા ) ભવો.

    Like

Leave a comment