મારું નામ ભૂપેન્દ્રસિંહ છે તો રેશનલ સમાજ મને માફ કરશે? 😂😂😂

મારું નામ ભૂપેન્દ્રસિંહ છે તો રેશનલ સમાજ મને માફ કરશે? 😂😂😂

નામ રાખવા, નામની પાછળ વિશેષ શબ્દો લગાડવા આ બધી પરંપરા છે. વ્યક્તિગત ઓળખ માટે નામ તો રાખવું જ પડે છે. અને તમારા કુટુંબની કે તમારા સમૂહની ઓળખ તરીકે ફેમિલી નેમ એટલે કે અટક લગાડવી પડે છે, આખી દુનિયા લગાવે જ છે. નામ પ્રમાણે કોઈ હતું નથી. એની પાછળ વિશેષ શબ્દો લગાડવાનું કારણ એક સમૂહની ઓળખ સમાન હોય છે કે એક આદરભાવ પણ હોય છે.

નામની પાછળ કુમાર, લાલ, દાસ, ભાઈ, રાય, રામ, સિંહ, જી, સિંઘ, પ્રતાપ, નાથ, પ્રસાદ વગેરે વગેરે લગાવતા હોય છે. માનવી સમૂહમાં જીવવા ઇવોલ્વ થયેલો છે એટલે જાતિ તમારો સમૂહ છે. જેમ જેમ તમે મોટા સમૂહમાં જોડાઓ તેમ તેમ તમારા નાના સમૂહનું મહત્વ ઓછું થાય. ગુજરાતી તરીકે ગુજરાતી તમારો મોટો સમૂહ છે ત્યાં પટેલ, બ્રાહ્મણ, વણિક કે રાજપૂત સમૂહનું મહત્વ ઘટવાનું. એટલે ગુજરાતી તરીકે મહારાષ્ટ્રીયન જોડે બાખડી પડો ત્યારે તમારી અંગત જાતિ ભૂલી જવાના એવી રીતે ભારતીય તરીકે પાકીસ્તાની જોડે લડી પડો ત્યારે ગુજરાતી મરાઠી ભૂલાઈ જાય.

સમૂહવાદ આપણા ડીએનએમાં છે. આપણે અહીં વ્યક્તિગત ઓળખ માટે નામ રાખવા જ પડતાં હોય છે એમ કુટુંબ કે સમૂહની ઓળખ તરીકે જાતિનું નામ રાખવું પડતું હોય છે. ક્યારેક નામની પાછળ લાગેલા પ્રત્યય વડે કુટુંબ કે જાતિની ઓળખ થતી હોય છે. જ્હોની વોકર વ્હિસ્કી વિષે સહુ જાણતા જ હશો, એ ફેમિલી નેમ છે. જ્હોની વોકર ફેમિલી વરસોથી એ બનાવે છે. ફેમિલી નેમ એટલે તમારી અટક. લોકશાહીમાં બધા બધી અટકો લખાવી શકતા હોય છે. કોઈને રોકી શકાય નહિ. આપણે ત્યાં નાના અંગત સમૂહ પ્રત્યે લોકોને વધારે ભાવ છે માટે જાતિવાદ વધુ જણાય છે. બીજી તકલીફ એ છે કે આપણે ત્યાં વર્ગભેદને બદલે વર્ણભેદ છે. અમુક સમૂહ ઊંચા અમૂક નીચા વગેરે વગેરે. હવે તમારા સમૂહની ઓળખ માટે નામ અટક, નામની પાછળ લટકણીયા લગાવો ત્યાં સુધી બરોબર છે પણ બીજા ઊંચા નીચા એ બધુ બાકીની દુનિયાની જેમ ના હોવું જોઈએ.

આપણે ત્યાં વ્યવસાય ઉપરથી પણ દરજી, લુહાર, સુતાર જેવી અટકો આવતી હોય છે. નામ રાખવા પડતાં હોય છે પણ એ પ્રમાણે વ્યક્તિ ના હોય. મારુ નામ ભૂપેન્દ્રસિંહ છે એનો અર્થ રાજાઓમાં ઈન્દ્ર હવે ક્યાંય મારુ રજવાડુ નથી કે રાજા જ નથી, તો એમાંય પાછા ઈન્દ્ર તો ભૂલી જ જવાના. 😄😄😄😄.. રોહિતના કેટલા બધા અર્થ છે? રોહિતભાઈ નથી હોતા રાજા હરિશ્ચંદ્રના દિકરા કે નથી લોંકડી કે નથી લાલ રંગના હોતા. 😄😄😄😄 રાજેન્દ્ર રાજાઓમાં ઈન્દ્ર સ્કૂલમાં ક્લાર્ક છે મારો મિત્ર છે.

સ્ત્રીઓમાં પણ નામની પાછળ બહેન, કુમારી, કુંવર, બાઈ, બાઈજી, સિંઘ, સિંહ, ગૌરી, બા વગેરે વગેરે લગાવતા હોય છે.

અમુક તમુક મિત્રોનું માનવું છે કે નામની પાછળ સિંહ લગાવવું વર્ણાશ્રમને પોષતું છે. તો નામની પાછળ દાસ લાગે છે તે દાસત્વ ગુલામીને પોષતું નથી લાગતું?

ગુરુ ગોવિંદસિંહનું ખરુ નામ ગોવિંદરાય હતું. શિખ પ્રજા આખી વૈશ્ય હતી, વણિક હતી, વેપારી હતી. ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરી નામ પાછળ સિંહ લગાવવાની શરુઆત કરી. સિંહ બહુ ઉમદા પ્રાણી છે. શીખો સિંહ જેવા બહાદૂર છે એવી એક વિભાવના હતી. ઉત્તર ભારતમાં નામ પાછળ સિંહ કે સિંઘ લગભગ તમામ કહેવાતા વર્ણ લગાવે જ છે. સ્ત્રીઓના નામ પાછળ પણ સિંહ લગાવતા હોય છે. એમાં કોઈ એક શીખ પ્રજાનો કે ક્ષત્રિયોનો અબાધિત અધિકાર રહ્યો જ નથી. મારા એક મિત્ર હિમાચલ પ્રદેશના છે, વ્યવસાય એમનો ફર્નિચર બનાવવાનો છે નામ છે જસબિરસિંઘ.

ગુજરાતમાં કહેવાતા ઉચ્ચ વર્ણના ક્ષત્રિયો સાથે કહેવાતી ઓબીસી શ્રેણીમાં આવતા ક્ષત્રિયોનો વિશાળ સમૂહ નામ પાછળ સિંહ લગાવે છે. શિડ્યુલ ટ્રાઈબમાં આવતો સમૂહ પણ નામ પાછળ સિંહ લગાવે છે. કોઈ પણ નામ એનાં લટકણીયાં, અટકો લગાવવાની છૂટ જ છે તો સિંહ લટકણીયું એકલું વર્ણાશ્રમને પોષતું કઈ રીતે થઈ જાય?

પહેલાં અટક પરથી વર્ણની ખબર પડી જતી એવી વર્ણવાદી સમાજની વ્યવસ્થા હતી. હવે એવું રહ્યું જ નથી. હવે ગમે તે ગમે તે અટક લખાવી જ શકે છે તો અટકો પણ વર્ણાશ્રમને પોષતી રહી નથી. છતાં અમુક રેશનાલિઝમને રેશનાલિઝમ નહિ રહેવા દઈ એને ધર્મ બનાવીને બેઠેલાં મિત્રોને શાંત પાણીમાં પથરા નાખી વમળો ફેલાવવાનો બહુ શોખ હોય છે.

સાચો તર્ક એ છે કે તમને સિંહ પ્રત્યય માટે વાંધો હોય તો રાય, કુમાર, લાલ, ભાઈ, બેન, દાસ માટે પણ હોવો જોઈએ. મધુરાય કદી વેપાર કરતા નથી વાર્તાઓ લખે છે. સુબોધકુમાર હવે ૮૦ વરસના થયા, કુમાર રહ્યાં નથી. મગનભાઈને કોઈ ભાઈ ના હોય એવું પણ બને, કમળાબેન એમના પતિદેવના બેન નથી. રામદાસ કોઈના દાસ નથી ઉલટાના સ્વામિ છે. બાબા રામદેવ દેવ નહિ મનુષ્ય છે. વાંધો સિંહ માટે હોય તો દાસ માટે પણ હોવો છે. દાસ પણ ગુલામીનું પ્રતિનિધીત્વ કરતો શબ્દ છે. શાહ અટક પણ સામ્રાજ્યવાદી છે.

મને સિંહ માટે વાંધો હોય અને દાસ માટે ના હોય તો રેશનલ શાનો?

“સમૂહવાદ આપણા ડીએનએમાં છે માટે એટલું કરી શકાય કે કોઈ સમૂહ ઊંચો નથી કોઈ સમૂહ નીચો નથી એમ સમજી હળીમળીને રહેવાનું જીવવાનું.”

ભારતમાં નાના નાના સમૂહ પ્રત્યે લોકો વધારે સભાન છે એટલે જાતિવાદ વધારે દેખાય છે. આપણે લોકોને માનવવાદ તરફ દોરવાના છે તો એ સમજાવીને થઈ શકે, ગાળંગાળી કરીને મહેણાંટોણાં મારીને નહિ. કૃષ્ણ કે રામને ગાળો દેવી એ રેશનાલિઝમ હરગીઝ નથી. ઈશ્વરની વિભાવના ધરાવતા કલ્પનાશીલ વ્યક્તિઓને ગાળો દેવામાં વિવેકબુદ્ધિ મને નથી દેખાતી. એમને સમજાવી શકાય. વૈજ્ઞાનિક અભિગમ વધે એવી તાલીમ મળશે તો ઓટોમેટિક રેશનાલિઝમ તરફ વળશે.

કોઈનું આખું ઘર કે કુટુંબના તમામ સભ્યો રેશનલ હોય કે અનિશ્વરવાદી હોય એવું ભાગ્યેજ બને. પતિ રેશનલ હોય તો પત્ની ના હોય. પતિપત્ની બંને રેશનલ હોય એ તો ભાગ્યશાળી કહેવાય. કદાચ તમારા ઘરના સભ્યો રેશનલ હોય તો કાકાબાપા, મામામાસી રેશનલ ના હોય. તો તમારા અંગત કુટુંબીઓને તમે તેઓ ઈરેશનલ હોવા છતાં ભાંડી શકો છો? એમને એમના આસ્તિક કે ઈરેશનલ હોવા વિષે મહેણાં ટોણા મારો છો? એમને છોડીને ભાગી શકો છો? ના, તો પછી મેરા ખૂન ખૂન ઔર તેરા ખૂન પાની? હાહાહા ..

હવે મારા અને મારા એક મોટાભાઈના નામની પાછળ પિતાશ્રીએ સિંહ લગાવેલું, બીજા મોટાભાઈ જે વૈજ્ઞાનિક હતાં એમણે નામ પાછળ કશું લગાવ્યું નથી, તો નાનાભાઈના નામ પાછળ કુમાર લાગેલું છે.

હવે મારા નામ પાછળ સિંહ લાગેલું છે તો રેશનલ સમાજ મને માફ કરશે? 😂😂😂

મારા પૌત્રોના નામ ના રાશી પરથી છે ના એમના નામ પાછળ સિંહ લગાવ્યું છે. મારું ૧૩ અક્ષરના સ્પેલિંગ વાળુ નામ અહીં કશે પુરુ સમાતું જ નથી, ના ક્રેડીટ કાર્ડમાં, ના ઈન્સ્યોરન્સ કાર્ડમાં કશે પણ પુરુ સમાતું નથી. ભારતમાં પણ હવે નામ રાખવા બાબત ઘણો બધો સુધારો જણાય છે

ખેર! કહેવાતા રેશનલો રેશનલ જ્વર વડે પીડાતાં અતિ ઉત્સાહમાં માર ખાઈ જાય છે. એમને સમાજને માનવવાદ તરફ દોરવાને બદલે પોતાને અતિ બુદ્ધિશાળી રેશનલ છીએ એવું સાબિત કરવાની ચળ વધારે હોય છે એટલે પછી મહેણાં ટોણા ને ભાંડવાનું વધારે અમલમાં મૂકતા જણાય છે, એટલે કહેવાતા આસ્તિકોના ઈરેશનલ સમૂહ થ્રેટ અનુભવે છે અને થ્રેટ અનુભવતો સમૂહ સર્વાઈવલ માટે કોઈપણ હદે ઊતરી જવાનો એ નક્કી. કારણ કોઈપણ ભોગે સર્વાઈવ થવું પણ પાછું આપણા ડીએનએમાં જ છે. 😂😂😂

પ્રેમથી તો સિંહ પણ વશ થઈ જાય ધિક્કારથી નહિ

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ. યુએસએ.

4 thoughts on “મારું નામ ભૂપેન્દ્રસિંહ છે તો રેશનલ સમાજ મને માફ કરશે? 😂😂😂”

  1. बापू सरश लेख मुक्यो आपणी संस्कृतिविशे वातो करवा वाळा कर्म विसे वातो करषे पण पोतानी अटक पोतानु जे काम होय ते लखो एम नही के मारा वाचवा मा आवेल के केरल ना विद्यार्थियों ए अटक लखवा नि जे फरजियात छे ते काढ़ि नाखवी जोइये माटे विरोध प्रदर्शन कर्यु हतु साचु के खोटु ते खात्रि 100%नथी

    Like

  2. આ સમશ્યાનો એક જ ઉપાય છે.  બધા માનવોને તેમના આધારકાર્ડ નંબર કે સોશિયલ સિક્યોરિટી નંબરથી જ ઓળખવા.  પછી તો તે વ્યક્તિ પુરુષ છે, સ્ત્રી છે કે ત્રીજા કોઈ પ્રકારની તે જાણવાની પણ જરૂર ના રહે.

    Like

  3. ખુબજ સરસ રાઓલ સાહેબ જી.

    ખૂબ સુંદર રીતે વિવરણ કર્યું.

    અત્યાર ના આં યુગ મા એક ટ્રેન્ડ બહુજ સારો ચાલી રહ્યો છે. લોકો આજકાલ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા થયા છે.લોકો તાર્કિક રીતે વિચારીને પછી જ કોઈ વાત નું અનુકરણ કરે છે.એક રેશનલ વ્યક્તિઓ નું ગ્રૂપ થઈ રહ્યું છે.આં ખુબજ સારી વાત છે.

    Like

Leave a comment