Category Archives: 1

વોટ્સપ કે ફેસબુક ગૃપથી હવે કંટાળો આવે છે?

ફેસબુક કે વોટ્સપ ગૃપથી કંટાળો આવે છે?

એક મિત્રે રૂબરૂ મુલાકાત દરમ્યાન કહેલું કે આ બધા ગૃપ્સથી કંટાળો આવે છે. તો જવાબમાં.

મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે અને સમૂહ એટલે ગૃપનો એક લીડર હોય, આ આદ્ય સત્ય છે. કુટુંબ, ગામ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયની જેમ બીજા રીયલ સમૂહો હોય છે એમ વોટ્સપ કે ફેસબુક ગૃપ વર્ચ્યુઅલ સમૂહ છે. રીયલ સમૂહમાં એટલે કુટુંબ કબીલામાં જે રીતે ચાલતું હોય એવું જ આ વર્ચ્યુઅલ સમૂહમાં ચાલતું હોય. મેમલ બ્રેન રીયલ અને વર્ચ્યુઅલ સમૂહ બંનેમાં સરખી રીતે જ બિહેવ કરતું હોય છે. રીયલ સમૂહમાં એક નેતા હોય એલ્ફા હોય એમ વર્ચ્યુઅલ સમૂહના નેતા જેને એડમિન કહીએ છીએ, એને મદદ કરનારા બેચાર બીટા મેમલ્સ એટલે કો-એડમિન્સ હોય. એલ્ફા એકલો બધે પહોંચી ના વળે એટલે એણે બેચારપાંચપંદર બીટા રાખવા પડે જે આખાય ગૃપને કંટ્રોલ કરે દબડાવે. એલ્ફાની નજીક રહેવા આ પાછા અંદરોઅંદર દમદાટી કરે.

સમૂહ, સ્ટેટસ, સર્વાઈવલ અને સેક્સુઅલ રીપ્રોડક્શન આ ચાર અલ્ટિમેટ ટ્રુથ્સ છે. આ કોઈ મારી મનઘડંત થિયરી નથી. દુનિયાભરના બાયોલોજિસ્ટોએ આખી દુનિયાના માનવસમૂહો સાથે તમામ પ્રાણી જગતના સમૂહોના બ્રેનના અને બિહેવ્યરના અભ્યાસ પછી બહાર પાડેલી થિયરી છે. જેમ કુટુંબ, ગામ, પક્ષ, રાજ્ય, દેશ, ધર્મ આ બધા સમૂહો છે એમ ફેસબુક ગૃપ કે વોટ્સપગૃપ બધા સમૂહો જ છે. જેમ રિયલ સમૂહમાં પક્ષાપક્ષી, જોહુકમી, દાદાગીરી, નબળાનું શોષણ, ઢીલાંનું મૌન જેવા દુષણો હોય છે એવાં જ દુષણો વર્ચ્યુઅલ ગૃપોમાં પણ હોય જ છે. આ તમામ ગૃપો એના સ્થાપકનું એક રજવાડું જ હોય છે. રીયલ સમાજમાં વડા ના બન્યા, એલ્ફા ના બન્યા તો વર્ચ્યુઅલ સમાજમાં બનો. માનવી સ્ટેટ્સ સિકીંગ એનિમલ છે, એટલે એડમિન એક જાતનું સ્ટેટ્સ છે. ઘરમાં બા કે બાપુજી અમથા અમથા છોકરાંને ધમકાવે એમ ગૃપના એડમિન્સ પણ એવું જ કરતા હોય છે. લેશન કર્યું નથી? ખાવા નહિ મળે. લેશન કર્યું હોય તો કહેશે અક્ષર સારા નથી કાઢ્યા. તોફાન કર્યું? બે કલાક ઘરના બહાર ઊભો રહે. એવું વર્ચ્યુઅલ ગૃપમાં પણ ચાલતું હોય છે, આઠ દિવસ માટે સ્નૂઝ કરવામાં આવશે, ૩૦ દિવસ માટે મ્યૂટ કરવામાં આવશે. ઘરમાં કે સમાજમાં પાંચીયુ ય આવતું ના હોય પણ ગૃપમાં એમની દાદાગીરી જબરી હોય છે. રીયલ સમાજમાં પહેલાં ના ગમતા માણસોને નાતબહાર મુકવામાં આવતા એમ વર્ચ્યુઅલ ગૃપમાં બ્લોક કરવામાં આવે છે.

રીઅલ ગૃપનો એલ્ફા નબળો હોય તો બીટા એટલે બીજા નંબરની દાદાગીરી વધી જતી હોય છે ને એલ્ફા બીટા આગળ બોલી શકતો નથી. દા.ત. શિવાજીના એલ્ફા વારસદારો નબળા હતા તો બીટા પેશ્વાનું જ રાજ ચાલતું હતું. પેશ્વા એલ્ફા બન્યા પછી નબળા પડ્યા તો એમના બીટા જે સેનાપતિઓ હતા, ગાયકવાડ, સિંધિયા, હોલકર પોતે જ રાજાઓ બની બેઠા. કેશુભાઈ એલ્ફા નબળા પડ્યા તો એમના સહિત બીજા તમામ બીટાને હટાવી મોદી ગુજરાતના એલ્ફા બની ગયા. એલ્ફા ધ્યાન રાખતો હોય છે કે કોઈ બીટા વધારે સક્ષમ બની જાય નહિ, બાકી એની ગાદી જોખમમાં. એટલે સમયે સમયે બીટાની પાંખો કાપતો રહેતો હોય છે. નવો કોઈ બીટા પાવરફૂલ બનવા લાગે તો એને સમાપ્ત કરી નાખવામાં આવે છે. ઍલ્ફા તમારો ઉપયોગ કરવા માંગતો હોય છે, એના સમર્થક ના રહો તો તે તમારું સર્વસ્વ છીનવી લેતો હોય છે. જેના માટે અને જેના વિકાસ માટે તથા તેના ટોચ પર બની રહે તે માટે સખત મહેનત કરી હોય તે તમારું સામાજિક જીવન બરબાદ કરી શકે છે. ઍલ્ફાને હંમેશા ડર લાગતો હોય છે કે નંબર ટુ એનું સ્થાન પડાવી લેશે.

બીટા હંમેશા નંબર વન ઉપર દ્રષ્ટિ રાખતો હોય છે, ઍલ્ફા નબળો પડે તેની રાહ જોવાતી હોય છે. સતત ઍલ્ફાની નજીક રહેવામાં ભવિષ્યમાં લાભ હોય છે. જેથી ઍલ્ફા કોઈ કારણવસ ખસી જાય તો ઍલ્ફા બનવાનો મોકો બીટા પ્રાપ્ત કરી શકે. આમ ઍલ્ફાની સતત નજીક રહેવા માટે ત્રીજા ચોથા નંબર ઉપર ક્રૂરતા રાખવી પડતી હોય છે, એમને સતત દબાવવા પડતા હોય છે. આમ નંબર બે એની નીચેની વ્યક્તિઓ તરફ રુક્ષ હોય છે, એમની સતત અવહેલના કરતો હોય છે. નંબર બે એના પછીની હરોળમાંથી કોઈ પ્રતિભાશાળી હોય તો એને વહેલો નાશ કરી દેવા જાતજાતના નુસખા અપનાવે છે. આ સ્ટ્રેટેજી કાયમ રહેતી હોય છે. બીજેપીમાં બાજપેઈ પછી બીટા અડવાણીએ બે નંબરની તમામ હરોળ યેનકેનપ્રકારેણ પતાવી દીધેલી જેથી અટલજી પછી એલ્ફા બનવામાં કોઈ નડે નહિ. મોદી એમની નજરમાં આજ્ઞાકારી કોઈ નંબર વગરના હતા બાકી એમની કારકીર્દી ક્યારની ખતમ કરી નાખી હોત. વર્ચ્યુલ ગૃપ્સમાં પણ બીટા એડમિન એના માની લીધેલા નીચા નંબરના એડમિન્સ પ્રત્યે રૂક્ષ કઠોર વલણ અપનાવતા હોય છે.

રીયલ અને વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ મેમલ બ્રેન સરખી રીતે જ બિહેવ કરતું હોય છે. એ રીયલ અને વર્ચ્યુઅલનો તફાવત પારખતું નથી. જેમ રીયલ સમૂહમાં કાવાદાવા જૂઠનો ગોબેલ્સ પ્રચારનો ઉપયોગ થતો હોય છે એમ વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ જૂઠ અને કાવાદાવાનો ઉપયોગ થતો હોય છે. દા.ત. કોઈ છોકરા કે છોકરીના સંબંધની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય અને એના કોઈ સગાને એ વાત પસંદ ના આવતી હોય તો સંબંધ ના થાય એ માટે છોકરા કે છોકરીના નજીકના સંબંધીને ખાનગીમાં કહી આવશે કે આને તો ફલાણા જોડે લફરું છે. પેલા લોકો ચોખવટ કે વાતની સચ્ચાઈની ખાતરી કર્યા વગર સંબંધ નહિ કરે ને પેલા વિઘ્નસંતોષીનું કામ થઈ જશે.

વર્ચ્યુઅલ ગૃપમાં પણ જૂઠનો સહારો લેતા હોય છે. આવી એક જગ્યાએ કેટલાક લોકો મારી પાછળ પડેલાં ને ટ્રોલ કરતાં હતાં. મે એમની ટ્રોલ કરતી કોમેન્ટ્સ નીચે ચર્ચા જ નહોતી કરી. મારી કોમેન્ટ કે પોસ્ટ જ ડિલીટ કરેલી જેથી વાત આગળ વધે નહિ, છતાં એવો આક્ષેપ કરવામાં આવ્યો કે સભ્યતાથી વર્તતા નથી. હાહાહા એલા ભાઈ ચર્ચા જ કરી નથી તો ચર્ચામાં અસભ્યતા આવી ક્યાંથી? રાહૂલનો તાજો દાખલો જુઓ. એના વિડીયો મે જોયા એ કહે છે આ અંદરનો મામલો છે સોલ્યુશન પણ અંદરથી આવશે. હા! ભારતમાં બોલવા દેતા નથી, લોકશાહી જોખમમાં છે પણ વિદેશોએ ઇન્ટરફિયર થવું જોઈએ એવું તો એણે કહ્યું જ નથી, છતાં માફી મંગાવવા કેટલો હોબાળો કર્યો?

રીઅલ સમાજમાં અધૂરી વાતો અને અર્થના અનર્થ કરવામાં આવે છે એમ ફેસબુક વોટ્સપ ગૃપ્સમાં પણ કરવામાં આવે છે. દા.ત. તમે મારા મિત્ર કે મિત્રાણી છો. ઇનબોક્સમાં જ્હોનીવોકરની કોઈ બોટલનો ફોટો મુકો અને લખો કે મારો આજનો બંદોબસ્ત. હું જવાબમાં મારા બારનો ફોટો મુકીશ કે મારે તો ઘરમાં જ બાર બનાવ્યો છે. મને વર્કઆઉટ કરવાનો શોખ છે તો થોડા એના ફોટા પણ મુકુ. આ એક નિર્દોષ વાતચીત કે ફોટાની આપલે છે. હવે કાલે સંબંધ બગડે તો તમે બીજા લોકો આગળ શું કહેશો? અધુરી વાત કરશો કે આમણે મને બારના અને જિમના ફોટા મોકલ્યા પણ તમે મને જ્હોનીવોકરનો ફોટો પહેલા મોકલેલો એ નહિ કહો. આતો જસ્ટ દાખલો આપ્યો છે.

રીયલ સમાજમાં સીધા ફટાફટ દિલફેંકનારા સ્ત્રીપુરુષો હોય છે એમ વર્ચ્યુઅલ ગૃપમાં પણ હોય છે. રીયલ સમાજમાં ધીમે ધીમે દિલ ઉઘાડું કરનારા સ્ત્રીપુરુષો હોય છે એમ વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ ધીમે ધીમે હળવે હળવે દાણા નાખનારા સ્ત્રીપુરુષો પણ હોય છે. આ બધી બાબતોમાં મેમલ બ્રેન ડિસ્ક્રીમિનેશન કરતું નથી, સ્ત્રીઓ પણ પુરુષોની જેમ જ બરોબર ભાગ લેતી હોય છે. કાવાદાવા, જોહુકમી, પ્રપંચ, ટ્રોલિંગ, આઘીપાછી, ચાડીચૂગલી, જૂઠનો સહારો લેવો બધી વાત સ્ત્રીપુરુષો સમાન ભાગ ભજવતા હોય છે સરખો રસ લેતાં હોય છે।

રીયલ સમૂહમાં એલ્ફા થોડો સીધો કે નબળો હોય તો બીટા સમૂહ ઉપર બહુ ધોંસ જમાવતા હોય છે, ઘરમાં બાપુજી ઢીલા હોય તો બા બહુ જોર કરતાં હોય. એ બંને નરમ હોય તો મોટાભઈ કે મોટીબેનનું રાજ ચાલતું હોય છે, જેને આપણે ચા કરતાં કીટલી ગરમ કહીએ છીએ. ઘરમાં મા કે ભાઈ કે બહેનની ચડવણીથી ગુસ્સે થઈ બાપુજી નાનકા ને કે મોટાને ધીબેડી નાખે બરોબર એવું વર્ચ્યુઅલ ગૃપમાં પણ હોય છે, સામાન્ય સભ્યો ધીબેડાઈ જાય છે. મુખ્ય એડમિન ક્યાંય પડ્યા હોય ને કો-એડમિન ચા કરતાં કીટલી ગરમ. એમાંય પોતે કશું હાંસિલ કર્યું ના હોય એવાં બાપના પૈસે રખડી ખાતાં લોકો એડમિન બને તો પછી એમનો પારો સાતમા આસમાને ચડી જતો હોય છે. એ પોતાને વોડાફોનના સીઈઓ કે દીવ-દમણના ગવર્નર સમજતા હોય છે.

ટૂંકામાં રીઅલ સમૂહમાં સમાજમાં જે ચાલતું હોય છે એજ વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ ચાલતું હોય છે. એટલે ક્યારેક સમાજના કાવાદાવાથી તમને કંટાળો આવે છે ને દૂર હિમાલય જતાં રહેવાનું તમને મન થાય છે એમ વર્ચ્યુઅલ ગૃપ્સથી પણ તમને ભાગવાનું મન થાય છે.😄
Bhupendrasinh R Raol

ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ, ખોટી વાત છે.

નવી પેઢીને કદાચ ખબર હોય કે ના હોય. અમે નાના હતાં ત્યારે કોઈ જમણવારમાં જઈએ તો પતરાળાં અને પડીયા પહેલાં આવે પછી એમાં પીરસણીયા વારાફરતી બધું પીરસે આપણે જમવાનું. બધાને ખાવું હોય એટલું સરખું જ પીરસાય. ઘણા વધુ લઈ લે અથવા વધારે પીરસાઈ પણ જાય. બગાડ પણ થાય, પણ કોઈ ભૂખ્યું ના રહી જાય. ઘણી જગ્યાએ પોતાની થાળીઓ લઈને જવાનો પણ રીવાજ હતો. સુખી ઘરના ત્યાં જમણવાર હોય કે જાનમાં મોંઘેરા મહેમાન તરીકે જઈએ તો પાટલા મંડાય ને ચકચકીત થાળીઓમાં જમવાનું પીરસાય. પતરાળાં પછી સ્ટીલની થાળી વાટકા આવ્યાં, ત્યાર પછી મેલામાઈનની ડીસો આવી, જમીન પર બેસવાનું બંધ થયું ટેબલ ખુરશી આવી ગયા પણ પીરસવાનું ચાલું હતું.

હવે બુફે સિસ્ટમ આવી ગઈ છે. ટેબલ પર બધું મૂકેલું હોય એમાંથી જાતે લઈ લેવાનું. જો કે આપણને મદદ કરવા ટેબલ પર મૂકેલું હોવા છતાં, જાતે લેવાનું હોવા છતાં જૂની આદતો જલ્દી જાય નહિ એટલે પાછા ત્યાં પણ પીરસણીયા ઊભા રાખતા હોઈએ છીએ તે અલગ વાત છે.

આ ૧૫૩ શબ્દોની પ્રસ્તાવના ઉપર મુજબ એટલે ઠોકી કે આપણે એવું માની બેઠાં છીએ કે કુદરતના જમણવારમાં બધાને જોઈએ તેટલું મળી રહે છે. કુદરત જાણે જૂના જમાનાના જમણવાર જેવી હોય, આપણે આરામથી બેસવાનું અને કુદરત નવરી હોવાથી દરેકને એના પેટ પ્રમાણે આપણ બાદશાહોને પીરસવા આવે. એટલે આપણા તત્વજ્ઞાનીઓ પણ તત્વજ્ઞાન ઠોકતાં હોય છે કીડીને કણ હાથીને મણ, તને પણ, મને પણ. બધાને જરૂર પૂરતું મળી જ રહે છે. દાંત આપ્યા હોય તો ચાવણું આપે જ છે. ભૂખ્યાં ઊઠાડે પણ ભૂખ્યાં સુવાડે નહિ. વગેરે વગેરે અવાસ્તવિક વારતાઓ માંડતા હોય છે. વાસ્તવમાં એવું હોતું નથી કારણ ભૂખ્યાં સૂનારા કદી તત્વજ્ઞાન પીરસવા આવતા નથી. ભર્યાપેટ વાળા બધાં જ્ઞાન પીરસતાં હોય છે.

ખરેખર કુદરતનું રાજ બુફે ડીનર જેવું છે. એ તમને પીરસવા નવરી નથી, એ ના તમારી થાળીમાં પીરસવા આવે ના થાળીમાંથી છીનવી લેવાં. એના ટેબલ પર બધાને બધુ જ મળી રહે તેટલું બીછાવેલું જ છે. હવે તમારે તમારી રીતે જાતે લેવાનું છે. જરૂર કરતાં વધારે ના લઈને બીજાના ભાગમાં આવવા દેવાની સમજ તમારે જ કેળવવાની છે. પણ આપણે એવું કરતા નથી. કુદરતના ટેબલ પર લૂંટાલૂંટ ચાલી રહી છે. એટલે જે જબરા છે એ જરૂર કરતાં વધારે મેળવી જાય છે ને નબળા ભૂખે મરે છે, ટાઢે મરે છે, તડકે તપે છે. એમાંથી પછી નક્સલ જેવા હિંસક વાદ પેદા થાય છે.

વાસ્તવિકતા એ છે કે ભારતમાં ૧૪૦ કરોડમાંથી ૮૩ કરોડ લોકો રોજના ૨૦ થી ૩૫ રૂપિયામાં જીવન ચલાવે છે ને લગભગ ૨૦ કરોડ લોકો રાતે ભૂખ્યાં સૂઈ જાય છે. ભૂખમરા સૂચકાંકની યાદીના ૧૧૯ દેશોમાં ૧૦૩ નંબર ઉપર આવી ગયાં છીએ, જ્યાં ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ તેવી ફિલોસફી સૌથી વધુ ચાલે છે. આવી બકવાસ ફિલોસોફી માથે મારનારા કદાચ પેલા જબરા આડેધડ લૂંટણીયાઓના પ્રતિનિધી પણ હોઈ શકે અથવા એમાંના જ એક હોવાની સંભાવનાઓ વધુ હોઈ શકે, 😂😂😂: ભૂપેન્દ્રસિંહ રાઓલ. સાઉથ એબિન્ગટન, પેન્સિલવેનિયા..

શબવાહિની ગંગા

સર્જક જો સંવેદનશીલ ના હોય તો સર્જક શાનો? ગુજરાતનાં એક જાણીતાં કવયિત્રી પારુલ ખખ્ખરે એક જબરજસ્ત કવિતા લખી છે.

એક અવાજે મડદાં બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

  • Parul Khakhar 🙏🙏🙏🙏🙏💐💐💐

મંદિર જોઈએ કે હોસ્પિટલ?

તમારુ આસ્તિક હોવું કે અનિશ્વરવાદી તમારી ચોઈસની વાત છે. પરંતુ ધર્માંધ મુરખો હોસ્પિટલોની સંખ્યા સામે ગાંડા જેવી દલીલો લઈને આવે છે કે ઘરમાં દસ જણા હોય તો દસ સંડાસ બનાવીએ? એવા ડોબાશંકરોને કહેવાનું કે દસ જણાં સામે દસ નહિ બેત્રણ તો બનાવો. જેથી કોઈ બે જણાંને સાથે પ્રેશર આવે તો હળવા થઈ જવાય.😃

આખા ભારતની ૧૩૮ કરોડની વસ્તી છે એમાં મંદિરો ૨૦ લાખ, એક્ટિવ મસ્જિદો ૩ લાખ અને ડાયસિસ ૧૭૪ એમાં ૧૩૨ લેટિન કેથોલિક, ૩૧ સાયરો મલબાર અને ૧૧ મલંકારા સિરિયન કેથોલિક ડાયસિસ છે. એની સામે હોસ્પિટલો છે ૨૦૧૯ના આંક મુજબ ફક્ત ૬૯ હજાર એમાં પબ્લિક પ્રાયવેટ બધી આવી જાય.

હવે ભારતમાં રજીસ્ટર્ડ ડોક્ટર્સ ૨૦૧૮ના આંક મુજબ છે ૧૦ લાખ એમાં ૪૧ હજાર તો ૨૦૧૮માં રજીસ્ટર્ડ થયેલા. સૌથી વધારે ડોક્ટર્સ રજીસ્ટર્ડ થતા હોય તો મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાંથી. તો ૧૦ લાખ ડોક્ટર્સની સામે સાધુઓ છે ૨૦૧૦ના આંક મુજબ ૪૦/૫૦ લાખ.

આપણને મંદિરોનો વિરોધ નથી પણ હવે અતિશય અતિશય થઈ ગયા છે. તમારે હજુય મંદિરો જોઈએ છે કે હોસ્પિટલ્સ? તમારે તમને સંકટની ઘડીએ બચાવે એવા ડોક્ટર્સ જોઈએ છે કે મફતના રોટલા તોડતા સાધુઓ? ચોઈસ તમારી છે. તમારી ચોઈસ પ્રમાણે લોકશાહીમાં સરકારો તમને આપશે. પછી બુમો ના પાડતા કે હોસ્પિટલ્સ નથી, વેન્ટિલેટરવાળા કે વગરના બેડ નથી, શ્વાસ લેવા ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, સ્મશાનમાં જગ્યા નથી. સરકાર ચૂંટણીમાં મસ્ત છે, ચૂંટણીમાં જ મસ્ત રહે કારણ એ પણ તમારી ચોઈસ છે. સરકારને ખબર છે તમારે ચૂંટણીઓની મસ્તી જોઈએ છે, રેલીઓની મસ્તી જોઈએ છે, કુંભ અને ક્રિકેટની મસ્તી જોઈએ છે. તમે જે માંગશો એજ મળશે. :ભૂપેન્દ્રસિંહ રાઓલ, પીએ. યુએસએ.

કોવિશિલ્ડની કરમ કુંડળી અને કોવાક્સીન

કોવિશિલ્ડની કરમ કુંડળી અને કોવાક્સીન : ભૂપેન્દ્રસિંહ રાઓલ, યુએસએ.

The Oxford–AstraZeneca COVID-19 vaccine, જેનું કોડનેમ AZD1222, છે અને બે બ્રાંડ નામ Covishield and Vaxzevria સાથે ઉપલબ્ધ છે. એના સંશોધન કર્તા Oxford University and AstraZeneca કંપની છે. મૂળ આ વેક્સિન ઉપર સંશોધન કરવાનું ઓક્સફોર્ડ યુનિવર્સીટીની જેનર ઇન્સ્ટીટયુટે Vaccitech Limited નામની બાયોટેકનોલોજી કંપનીના સહયોગમાં શરુ કરેલું. એને આર્થિક સહાય ગુગલ વેન્ચર, ઓક્સફોર્ડ સાયન્સ ઇનોવેશન અને Sequoia Capital વગેરે આપતા હતા. એની પહેલી બેચ ક્લિનીકલ ટેસ્ટીંગ માટે જેનર ઇન્સ્ટીટયુટ અને ઓક્સફોર્ડ વેક્સિન ગ્રુપે ઇટાલિયન મેન્યુફેક્ચરર Advent Sri પાસે તૈયાર કરાવેલી. આ ઇટાલિયન કંપની સાથે ફેબ્રુઆરી ૨૦૨૦માં જેનર ઇન્સ્ટીટયુટે ક્લિનીકલ ટ્રાયલ માટે ૧૦૦૦ ડોઝ તૈયાર કરવાના એગ્રિમેન્ટ કરેલા.

ઓક્સફોર્ડ યુનિ આ વેક્સિનનાં ઉત્પાદન માટે કોઈને પણ એના રાઈટ્સ આપવા તૈયાર હતી પરંતુ બીલ ગેટ્સ ફાઉન્ડેશને વિનંતી કરી કે કોઈ મોટી કંપનીને રાઈટ્સ આપો જેથી મોટી માંગને પહોંચી વળે. એટલે પેલી ઇટાલિયન કંપનીનું પત્તુ કપાઈ ગયું અને બ્રિટીશ સરકારે ઓક્સફોર્ડ યુનિને યુએસ બેઝ મર્ક કંપનીના બદલે યુરોપ બેઝ એસ્ટ્રાજેનેકા કંપની સાથે સહયોગ કરવાનું સજેશન આપ્યું. આ વેક્સિન ફ્રીજ ટેમ્પરેચરમાં સ્ટેબલ છે અને એક ડોઝના ૩ થી ૪ ડોલર્સમાં પડે છે.

માર્ચ ૨૦૨૧ પ્રમાણે વર્લ્ડવાઈડ ઘણી બધી જગ્યાએ એનું ઉત્પાદન શરુ થઈ ગયેલું, એસ્ટ્રાજેનેકાના કહેવા પ્રમાણે ૧૫ દેશોમાં ૨૫ જગ્યાએ આના એક્ટીવ સબસ્ટન્સનું ઉત્પાદન થાય છે. યુકેમાં ઓક્સફોર્ડ અને Keeleમાં જયારે એની બીજી સાઈટ Serum Institute of India pune માં એનું ઉત્પાદન થાય છે. પુનામાં બને એનું બ્રાંડ નેમ કોવિશિલ્ડ છે. જ્યારે યુરોપમાં બને એનું નામ Vaxzevria છે. આ વેક્સિન મેળવવા જુદા જુદા દેશોએ આ કંપની સાથે કરાર કરેલા છે. પરંતુ પહેલા ૧૦૦ મિલિયન ડોઝ યુકેને આપવા પડે. એક મિલિયન એટલે ૧૦ લાખ સમજવું. અમેરીકાના ટ્રમ્પ શાસને ૨૧ મેં 2020માં આ કંપની સાથે ૩૦૦ મિલિયન ડોઝ માટે ૧.૨ બિલિયન ડોલર્સમાં કરાર કરેલો. ટ્રમ્પ શાસને આવી બીજી સાત કંપનીઓને અબજો ડોલર્સ આપીને કરાર કરેલા. યુકે, યુએસ, WHO, યુરોપિયન યુનિયન, ઈજીપ્ત, જાપાન, ઓસ્ટ્રેલીયા, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, ફિલીપીન્સ, સાઉથ કોરિયા, સાઉથ આફ્રિકા જેવા અનેક દેશોએ આ વેક્સિન મેળવવા કરાર કરેલા છે. એના બદલામાં અબજો રૂપિયા જેતે દેશોએ એમની કરન્સી પ્રમાણે ચૂકવ્યા હશે. ગરીબા દેશો માટે WHO પોતે ૩૦૦ મિલિયન ડોઝ ખરીદે છે, જેથી એના COVAX પ્રોગ્રામ હેઠળ ગરીબ દેશોમાં વિતરણ કરી શકાય.

એ સિવાય એક અબજ ડોઝ ભારત સહીત બીજા ગરીબ દેશોમાં સ્વતંત્રપણે પહોચાડવા માટેનું સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા અને એસ્ટ્રાઝેનેકા બંને લાયસન્સીંગ એગ્રિમેન્ટ કરતા હોય છે.

અહિ પાછા બીલ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન ૩ ડોલરના ભાવે ૧૦૦ મિલિયન ડોઝ લઈને WHOને દાન કરે છે જેથી ગરીબ દેશોમાં વિતરણ કરી શકાય. બંગલાદેશની સરકાર બંગલાદેશની બેક્સીમ્કો ફાર્મા દ્વારા સીરમ જોડે એક શોટનાં ચાર ડોલર્સનાં ભાવે ૩ કરોડ ડોઝ ખરીદવાનો કરાર નવેમ્બર 2020માં કરે છે. ઘણા દેશોએ ૪ ડોલર્સના ભાવે ખરીદી છે તો કોઈએ ૫ ડોલર્સના ભાવે તો ફિલીપીન્સ, થાઈલેન્ડ અને સાઉથ કોરીયાએ ૫.૬૦ ડોલર્સના ભાવે ખરીદી છે.

બ્રાઝીલ સિવાય કોઈ દેશે આ વેક્સીનને ફૂલ ઓથરાઈઝેશન આપેલું નથી. ભારત, કેનેડા, ઓસ્ટ્રેલીયા, મેક્સિકો, જેવા અનેક દેશોએ ઈમરજન્સી ઓથારાઈઝેશન આપેલું છે. અમેરિકા, રશિયા જેવા અનેક દેશોએ હજુ આપ્યું નથી.

આ વેક્સિન મૂળ બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સીટી શોધ અને એસ્ટ્રાજેનેકા કંપનીની ગણાય. એનું ઉત્પાદન કરવાની લેબર જોબ પુનાની સીરમ કંપની કરે છે. એસ્ટ્રાજેનેકા સાથે કેનેડા સહીત અનેક દેશો આ વેક્સિન પ્રાપ્ત કરવા કરાર કરે છે. ગરીબ દેશોને મફત પહોચાડવા WHO પોતે કરાર કરે છે એને બીલ મિરીન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ૩૦૦ મીલીયંસ ડોલર્સની હેલ્પ કરે છે. એટલે મોદીજીનો આભાર મારતા હોર્ડિંગ્સ કેનેડામાં કેટલાક બેવકૂફ બળદોએ મારેલા એ ત્યાની સરકારે તરત ઉતરાવી લીધેલા.

આભાર માનવો હોય તો પુનાની સીરમ કંપનીનો માનો એસ્ટ્રાઝેનેકાનો માનો પણ કંપની બાજુ ઉપર રહી ગઈ નામ ખાટી ગયું બીજું કોઈ. હાહાહા!

તો શું ભારતનું કશું છે નહિ કોવીડ-૧૯ વાયસ નાથવા બાબતે?
કેમ નહિ? ભારતની સ્વતંત્રપણે વિકસાવેલી વેક્સિન છે BBV152 COVAXIN… Indian Council of Medical Research અને Bharat Biotech બંનેએ સાથે મળીને ઇનએક્ટીવેટેડ વાયરસ બેઝ કોવાક્સીન વેક્સિન વિકસાવી છે. એના માટે તમામ ભારતીયોએ ગૌરવ અનુભવવું જોઈએ. એના ત્રણ ટ્રાયલ પતી ગયા છે માર્ચ ૨૦૨૧ પ્રમાણે ૮૧% ઈફેક્ટીવ છે. નવા યુકે વેરીએન્ટને નાથવા પણ કાબેલ છે. યુએસ અને બ્રાઝીલનું માર્કેટ કવર કરવા યુએસ અને બ્રાઝીલની કંપનીઓ પણ ભારત બાયોટેક સાથે જોડાણી છે. આ વેક્સિનને ઈમરજન્સી ઓથારાઈઝેષન આપનારા દેશો ભારત, મેક્સિકો, ઈરાન, પેરુ અને ઝીમ્બાબ્વે છે. આના માટે તમારે આદરણીય વડાપ્રધાન મોદીજી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ અને ભારત બાયોટેકનો આભાર માનવો હોય તો થાળી વગાડીને માની શકો છો. હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચનું જુનું નામ છે Indian Research Fund Association જેની સ્થાપના થયેલી ૧૯૧૧માં. આઝાદી પછી ૧૯૪૯માં એનું નામ બદલીને Indian Council of Medical Research (ICMR) કરવામાં આવેલું એના માટે લુચ્ચા અંગ્રેજોનો રહેવા દો પણ નહેરુનો આભાર જરૂર માનો. : ભૂપેન્દ્રસિંહ રાઓલ, યુએસએ.

દયાનંદ સરસ્વતી

દયાનંદ સરસ્વતી મૂળ મોરબીના ટંકારા ગામના પણ એમનો પ્રભાવ પંજાબ હરિયાણામાં બહુ મોટો. આઝાદી પહેલાના સમયના મોટાભાગના હરિયાણા પંજાબના સ્વાતંત્ર્ય સેનાનીઓ આર્યસમાજી અને દયાનંદ સરસ્વતીની વિચારધારાને માનવાવાળા હતા એમાં લાલા લજપતરાય પણ હતા.

શહીદ ભગતસિંહના દાદા અર્જુનસિંહ દયાનંદ સરસ્વતીના ફોલોઅર હતા, અને એની અસર ભગતસિંહ ઉપર ચોક્કસ હતી, જોકે ભગતસિંહ પોતે નાસ્તિક હતા, અનિશ્વરવાદી હતાં. દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશમાં સ્વામિનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયો સાથે બીજા ધર્મો સંપ્રદાયોની બરોબર ઝાટકણી કાઢેલી.

ગુજરાતમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનું બહુ મોટું જોર એટલે ગુજરાત લગભગ પોતાના પનોતા પુત્ર દયાનંદ સસ્વતીને ઇરાદાપૂર્વક ઇગ્નોર કરે તે સ્વાભાવિક છે પણ પંજાબ હરિયાણાએ એમની સારી કદર કરી છે. આમેય ઘેલા ગુજરાતીઓને યુપી બિહારના બાવાઓ હાથે લૂંટાવામાં બહુ આનંદ આવતો હોય છે. કોઈ કોઈ મરાઠી પણ લૂંટી જાય સ્વાધ્યાયના બહાને.

હરિયાણાના રોહતકમાં હરિયાણા સરકારની મહર્ષિ દયાનંદ યુનિવર્સીટી આવેલી છે. ગુજરાતમાં દયાનંદનું કશું ના મળે છો ગુજરાતમાં જન્મેલા.

રાજા મહારાજાઓ સ્વામીજીના ભક્ત હતા. જોધપુર મહારાજાને ત્યાં સ્વામીજી મહેમાન હતાને એમના રસોયાને ફોડી દૂધમાં ઝેર આપવામાં આવેલું. એમાં સ્વામીજી ભયકંર બીમાર પડ્યા. રસોયા જગન્નાથથી રહેવાયું નહિ એણે સ્વામીજી આગળ કબૂલાત કરી લીધી. સ્વામીજીએ એને પૈસાની કોથળી આપી કહ્યું બને એટલો દૂર જતો રહેજે નહિ તો મારો ભક્ત રાજા તને સુળીએ ચડાવી દેશે. જોધપુર મહારાજાએ એમની ખુબ સારવાર કરાવી છેવટે અજમેર આરામ કરવા મોકલ્યા ત્યાં એમનો દેહાંત થયો. : ભૂપેન્દ્રસિંહ રાઓલ, યુએસએ.

સ્વૈચ્છિક સામાજીક એકલતા

સ્વૈચ્છિક સામાજીક એકલતા

Acute Social Withdrawal

Hikikomori

સ્વૈચ્છિક સામાજીક એકલતામાં સરી પડનારા બધા પાગલ નથી હોતા પણ વધતે ઓછે અંશે નાની મોટી માનસિક તકલીફો જરૂર હોય છે. રાજકોટમાં નવિન મહેતાના બે દિકરા અને એક દિકરી ૧૦ વરસ એક રૂમમાં કે એક ઘરમાં બંધ હાલતમાં રહ્યા એ કિસ્સો બહાર આવ્યો એટલે ઘણા બધા મિત્રોને એ વિષે જાણવાનું મન થાય કે કેમ આવું થતું હશે?

ઘણા બધા લોકો પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયા, બાયપોલર, ડિપ્રેશન, એંગ્ઝાઇટી, ફોબિયા, જેવી જાતજાતની માનસિક બિમારીઓથી પીડાતા હોય એટલે એમને આવી રીતે એક ઘરમાં બંધ કરી દેવાતા હોય છે કે જાતે પુરાઈ જતા હોય છે. પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ હિંસક તોફાન કરતા હોય તો એમના માબાપ સગવહાલા એમને ઘરમાં બંધ કરી પણ દે.

પરંતુ આવી રીતે સ્વૈચ્છિક સામાજીક એકલતમાં સરી પડનારાઓમાં મુખ્ય ભય એમને સમાજ નહિ સ્વીકારે એ હોય છે. અથવા સમાજ સ્વીકારતો નથી, ધુત્કારે છે, તો હવે આપણે સમાજમાં તદ્દન જવું જ નથી એવો આક્રોશ પણ હોય છે. સમાજ પ્રત્યે એક રીતે નારાજ છે આ લોકો એટલે પોતાની જાતને ઘરમાં બંધ કરી દે છે. જાપાનમાં આવા લોકોને હીકીકોમોરી કહે છે. જાપાનમાં આશરે એવરેજ ૩૧ વરસના ૭ લાખ હીકીકોમોરી છે જેઓએ પોતાની જાતને ઘરોમાં બંધ કરી દીધી છે. પણ આમાના બધા સાવ પાગલ હોતા નથી કે રાજકોટના કેસની જેમ ગંદા ગોબરા રહેતા નથી. આવા લોકો દિવસે લગભગ ઊંઘે છે આખી રાત જાગે છે, ટીવી જુએ છે, વિડીયો ગેમ રમે છે, નેટ ઉપર સર્ફિંગ કરે છે, લખે છે અને પુષ્કળ વાંચે છે. જાપાનમાં કે દુનિયામાં આવા હીકીકોમોરીમાં યુવાન લોકોનું પ્રમાણ વધારે હોય છે. એમાં સંતાનો પ્રત્યે માબાપની વધારે પડતી અપેક્ષાઓ અને એ પૂર્ણ ના થતાં યુવાનો પોતાને ગૂનેગાર સમજી પોતાને આવી રીતે ઘરમાં બંધ કરી દેતા હોય છે એવું વધારે જોવા મળ્યું. મોટાભાગના આવા યુવાનો બદલામાં માબાપ પ્રત્યે વધારે હિંસક જોવા મળ્યા છે.

હવે થોડુ રાસાયણિક તત્વજ્ઞાન જોઈએ આ બાબતે.

પહેલું તો સવારે આપણે જાગીએ એટલે સૂર્યપ્રકાશ અથવા ડે લાઈટ આંખ ઉપર પડે એટલે બ્રેનને ટ્રીગર કરે, મેસેજ મળે કે હવે મેલાટોનિન હાર્મોન ઉત્પન્ન કરવાનું બંધ કરો. આપણી શરીરની એક Circadian Rhythm હોય છે એ પ્રમાણે નિંદ્રાચક્ર ચાલતું હોય છે એને મેલાટોનિન રેગ્યુલેટ કરતું હોય છે. તમે સતત બંધ ઘરમાં રહો એટલે સૂર્યપ્રકાશ વગર મેલાટોનિન ઉત્પન્ન થયા કરે જે તમને ઊંઘવા પ્રેર્યા કરે એટલે તમે થાક અનુભવો.

બીજુ સૂર્યપ્રકાશ સિરોટોનિન જે હેપી કેમિકલ કહેવાય છે જે મૂડને રેગ્યુલેટ કરતું હોય છે એને પણ ટ્રીગર કરે છે. એટલે શું થાય? સતત સૂર્યપ્રકાશ વગર તમે રહો એટલે મેલાટોનિન વધે અને સિરોચોનિન ઘટે એટલે પરિણામમાં અજંપો પેદા થાય, માનસિક તકલીફો વધે.

ત્રીજુ ઘરમાં અજવાળુ તો હોય છે પણ આ ઇનડોર લાઈટનું પ્રમાણ 300-500 Lux હોય છે જ્યારે બાયોલોજિકલ રિધમ રેગ્યુલેટ કરવા લાઈટ જોઈએ 1000 Lux એ તમને મળે ઘરની બહાર સૂર્યપ્રકાશમાં.

ચોથું, આપણે રોજ ૪૦૦૦ ગેલન હવા શ્વાસમાં લઈએ છીએ. તમે સતત ઘરમાં રહો તો સમજો એ હવા રીસાયકલ હવા છે જે વારંવાર તમારા શ્વાસમાં જઈને બહાર આવે છે. એટલે ઘરબહારની ખુલ્લા મેદાનની હવા કરતાં ઘરની અંદરની હવા પાંચ ગણી પ્રદૂષિત હોય છે.

પાંચમું સૂર્યપ્રકાશ શરીરમાં વિટામિન ડી બનાવે છે. આ વિટામિન ડી હાડકાં મજબૂત બનાવે છે સાથે સાથે મસલ્સ રેગ્યુલેશન અને ઇમ્યુન સિસ્ટમ પણ વધારે. હવે એ ના મળે તો શું થાય ?

છઠ્ઠું સતત ઘરમાં રહો એટલે ગટ્સ(આંતરડા) માટે ફાયદાકારક બેક્ટેરિયા જે બહારથી મળતા હોય એનો પણ અભાવ સર્જાય.

હવે સમજાય છે ને કે મારા મિત્ર અજય પંચાલ કોવિડ યુગમાં સતત ઘરેથી કામ કરીને કેમ અજંપો અનુભવે છે? લોકડાઉનમાં ઘરમાં પુરાયેલા તમામ લોકોએ બેચેની અનુભવી હશે જ, સવાલ જ નથી.

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, પેન્સિલવેનિયા, યુએસએ.

સંભવિત ગૂનેગારોને સમર્થન કેમ આપતાં હશે?

એક ધર્મગુરુ કોઈ ગૂના હેઠળ જેલમાં પુરાય એટલે બીજા ધર્મગુરુઓને ડર લાગે કે કાલે અમારો વારો ના આવી જાય એટલે બધા ધર્મગુરુઓ ભેગા થઈ જાય. રાડારાડ કરી મૂકે કાયદાનો દુરુપયોગ થાય છે, ધર્મગુરુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, વગેરે વગેરે. ઓલા શંકરાચાર્યને જયલલિતાએ જેલમાં પુરેલા ત્યારે ધર્મગુરુઓનું સંમેલન ભરાયેલું. એમાં બધા બૂમો પાડતા હતા. કેમ ધર્મગુરુ હોય એટલે સંવિધાન ઉપર થોડો હોય? એ સંમેલનમાં આશારામે પણ બહુ બૂમો પાડેલી કે ધર્મનો નાશ થઈ રહ્યો છે, વગેરે વગેરે. સારા હોય એમની અંદર પણ એક છૂપો ડર હોય છે કે કાલે અમારી ભૂલ થઈ તો કાયદો જેલમાં ઘાલી દેશે. એટલે અગોતરી વ્યવસ્થા કરો, આંદોલન કરો, એટલીસ્ટ પ્રોટેસ્ટ તો કરો જ કાલે ક્યાંક અમારો પણ વારો આવી ના જાય. આશારામ જેવા જૂના રીઢા ગૂનેગાર તો ખબર જ હોય કે પોતે કેવા કૃત્યો ખાનગીમાં કરે છે એટલે એ બહુ બૂમો પાડતો હતો. આપણા એક બહુ મોટા કથાકાર પણ એ સંમેલનમાં હતા એમનું કહેવું હતું કાયદો કાયદાનું કામ કરે પણ ધર્મગુરુ હોય એના પર જૂલમ ના થવો જોઈએ. અંદર ડર લાગતો હોય છે ભલે કોઈ ગૂનામાં સંડોવાયા ના હોય કે સંડોવાના પણ ના હોય પણ કાલે કદાચ સંડોવાઈ જઈએ તો?

એવું દરેક પ્રોફેશનના માનવીને થતું હોય છે. એટલે એક ડોક્ટરને કોઈ ગૂના હેઠળ પૂરો તો બધા ડોક્ટર્સ ભેગા થઈ પ્રોટેસ્ટ કરશે. કોઈ પત્રકાર જેલમાં પુરાય એટલે પત્રકારો ભેગા થઈ જશે પ્રોટેસ્ટ કરશે. લેખો લખશે, સોશિઅલ મિડીયા ઉપર પોસ્ટુ મુકાશે, એમાં બે બાજુ ઢોલ પીટશે, એક બાજુ કાનૂનની તરફદારી કરશે બીજી બાજુ સરકારની કિન્નાખોરીના દાખલા આપશે, એક બાજુ સંવિધાનની વાતો કરશે બીજી બાજુ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે એવી વાત કરશે. ઢોલ બે બાજુ પીટવો પડે તો સૂર સરખો નીકળે ને? અભિવ્યક્તિની સ્વતંત્રતાની દુહાઈ દેશે પણ જોશે નહિ કે ભાઈ આને કોઈના મર્ડર સબબ જેલમાં પુર્યો છે નહિ કે સરકાર વિરુદ્ધ અભિવ્યક્તિની સ્વતંત્રતા આચરવા બદલ.

મૂળ વાત અંદર ડર હોય છે કે આજે આનો વારો આવ્યો છે કાલે મારો ના આવી જાય. એટલે ખબર હોય કે આ સાલો હરામી છે, ગૂનેગાર છે પણ આજે હવે એના ટેકામાં પ્રોટેસ્ટ થઈ રહ્યું છે તો એમાં સાથ આપો, ટોળામાં જોઈન થઈ જાઓ તો કાલે આપણો વારો આવી જાય કદાચ તો આપણા ટેકામાં ટોળુ ભેગું તો થાય. સર્વાઈવલની આ બધી બેસિક ટેકનિક હોય છે પણ ત્યાં પછી માનવીય સંવેદનાઓનું હનન થઈ જાય છે, માનવીય સંવેદનાઓની હત્યા થઈ જાય છે. ધર્મગુરુ કે પત્રકારે કરેલી હત્યાને સમર્થન અપાઈ જાય છે, એવાં કૃત્યો જાણે અજાણે વાજબી ગણાઈ જાય છે. એક હત્યારા પત્રકારને સમર્થન આપો મતલબ એણે કરેલી હત્યા વાજબી છે. એક રેપિસ્ટ ધર્મગુરુને સમર્થન આપો મતલબ એણે કરેલો રેપ વાજબી છે.

ટૂંકામાં કાયદો કાયદાનું કામ કરે ત્યાં સુધી કોઈને ના સમર્થન અપાય ના એનો વિરોધ કરાય. મૌન રાખવું જોઈએ. જો કે કાયદા કાનૂન પાળતી પળાવતી સંસ્થાઓમાં ઘણા છીદ્રો હોય છે એટલે ગૂનેગારો છૂટી જતા હોય છે અને નિર્દોષો માર્યા જતા હોય છે એવું પણ બને છે. : ભૂપેન્દ્રસિંહ રાઓલ, યુએસએ.

વિજ્ઞાનને ધર્મની શું જરૂર?અંધશ્રદ્ધા અને શ્રદ્ઘા એકજ છે.

વિજ્ઞાનને ધર્મની શું જરૂર?
અંધશ્રદ્ધા અને શ્રદ્ઘા એકજ છે.

જીગ્નેશ દેસાઈ નામના મિત્રના કહેવા મુજબ થર્ડ યર બીએસસી ફિઝીક્સની રીલેટીવીટીવાળી બુકના પાછલા મુખપૃષ્ઠ પર ગાંધીજી અને ટાગોરનો સંવાદ છપાયેલો છે કે ધર્મ વગર વિજ્ઞાન અંધ છે અને વિજ્ઞાન વગર ધર્મ પાંગળો. આ એક ધર્મને વિજ્ઞાનથી ઊંચો દેખાડવાની કાયમની પાંગળી દલીલ રહી છે. પછી વિજ્ઞાનને સારુ લગાડવા વિજ્ઞાન વગર ધર્મ પાંગળો છે એવી ચાપલૂશી કરવી પડે છે. મૂળ તો ગાંધી અને ટાગોર બંને ધાર્મિક હતાં વિજ્ઞાન એમનું ક્ષેત્ર જ નહોતું એટલે એવા મહાનુભવોના ડિસ્કશન થર્ડ યર બીએસસીની ફિઝીક્સની રીલેટીવીટીવાળી બુક પાછળ છપાય જ નહિ. છાપ્યા એ બહુ મોટી ભૂલ કહેવાય સાયન્સના સ્ટુડન્ટ્સને ગેરમારગે દોરનારુ બને. ઇતિહાસના પ્રોફેસરને રીજર્વ બેન્કના ગવર્નર બનાવવા જેવું થાય પછી રીજર્વ બેન્ક ઇતિહાસ બની જાય.😃😃

વિજ્ઞાનને ધર્મની કોઈ જરૂર પડતી નથી. વિજ્ઞાનના નિયમો સર્વત્ર એક જ હોય છે. અમેરિકામાં ફિઝીક્સના નિયમ ભારતના ફિઝીક્સના નિયમથી જુદા ના હોય. હવે ધર્મો દરેક જગ્યાએ જુદા જુદા એમના નિયમ જુદા, માન્યતાઓ જુદી તો વિજ્ઞાનને તો એવા જુદા જુદા નિયમોના આધારની જરૂર જ ક્યાં પડે? વિજ્ઞાન પોતો પોતાનામાં નવી નવી શોધો વડે અપડેટ થતું રહેતું હોય છે એને કયા ધરમના નિયમની જરૂર પડે? એકેય નહિ. એને નમાઝ પઢવાની જરૂર ના પડે, કેન્ડલ સળગાવવાની જરૂર ના પડે, ના મંદિરમાં ઘંટડી વગાડવાની જરૂર પડે. એને ફક્ત સરસ લેબ જોઈએ. કોઈપણ ધર્મના એક પણ વિધીવિધાનની વિજ્ઞાનને જરૂર પડે નહિ. ધર્મ વગર વિજ્ઞાન અંધ છે જ નહિ. હા વિજ્ઞાન વગર ધર્મ જરૂર પાંગળો બની જાય છે. વિજ્ઞાનની અઢળક શોધો ધર્મગુરુઓ ધર્મના પ્રચાર માટે વાપરે છે એ હકીકત છે. આઝાન પોકારવા માઈક વાપરે છે, ધર્મગુરુઓ એમના પ્રચાર માટે માઈક વાપરે છે, ગાડીઓમાં ફરે છે, પ્લેનમાં ફરે છે. વિજ્ઞાનને ગાળો દેવા પણ વિજ્ઞાને શોધેલા માધ્યમો જ વાપરે છે. એટલે ધર્મ વિજ્ઞાન વગર પાંગળો છે જ. ધર્મ વગર વિજ્ઞાન અંધ કદાપી હતું નહિ, છે પણ નહિ, રહેવાનું પણ નથી.

અંધશ્રદ્ધા બહુ મોટી સમસ્યા છે એનું મારણ નિરીશ્વરવાદ, રેશનાલિજમ જ છે. સાચી શ્રદ્ધા કે શ્રદ્ધા બહુ મોટો ફેક શબ્દ છે. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે ખાલી થોડી ડિગ્રી્સ નો ફરક છે, અમિર ગરીબનો ફરક છે બાકી બધુ એકનું એક જ છે. ગરીબની શ્રદ્ધાને તમે અંધશ્રદ્ધા કહો છો અમિરની અંધશ્રદ્ધાને શ્રદ્ધા કહો છો. બીજા ધર્મની કે પંથની શ્રદ્ધાને તમે અંધશ્રદ્ધા કહો છો તમારા ધરમની પંથની અંધશ્રદ્ધાને તમે શ્રદ્ધા કહો છો આ બહુ મોટો દંભ છે. મુસલમાન બકરું વધેરે તમે અંધશ્રદ્ધા કહો છો, તમે નાળિયેર વધરો ચાર રસ્તે કોળાં વધેરો એને શ્રદ્ધા કહો છો. કોળુ વધેરનાર એને બકરુ વધેરનાર બંનેની બ્રેન સર્કિટ વધેરતી વખતે સરખીજ લપકારા મારે છે. તમે ય ચાર રસ્તે પહેલાં બકરુ જ વધેરતા હતા હવે જરા સુધરી ગયા છો એટલે કોળાં વધેરો છો.

શ્રદ્ધા થોપવામાં આવે છે. પરાપૂર્વથી ચાલે છે, સવાલ ના જોઈએ, કહીએ તેમ કરો. કુરાનમાં લખ્યું છે, ગીતામાં, બાયબલમાં લખ્યું છે માટે કરવું પડે કોઈ સવાલ ના જોઈએ. વિશ્વાસ કેળવવો પડે છે, લોંગ પ્રોસેસ છે. સવાલ પુછાય છે, સચોટ જવાબ આપવા પડે છે, ખાસ પ્રવૃત્તિ કરવી પડે છે પછી વિશ્વાસનું બોન્ડિંગ થાય છે. બાળકને ભૂખ લાગે છે, માતા તરત ધવડાવે છે, એને તૃપ્ત કરે છે, બંનેના બ્રેનમાં ઓક્સિટોસિન સ્ત્રવે છે પ્રેમ અને વિશ્વાસનું જનક એ ન્યુરોકેમિકલ સોશિઅલ ફેવિકોલ બોન્ડિંગ પેદા કરે છે. પિતા બાળકને ખભે બેસાડી ફેરવે છે, સાયકલ શીખવે છે, તરતાં શીખવે છે, બંનેના બ્રેનમાં ઓક્સિટોસિન સ્ત્રવે છે વિશ્વાસ પેદા થાય છે. તમારી શ્રદ્ધા કે અંધશ્રદ્ધામાં કોઈ લોંગ પ્રોસેસ છે જ નહિ કોઈ ન્યુરોકેમિકલ બોન્ડિંગ પેદા કરતાં નથી, બસ પુસ્તકમાં લખ્યું છે માની લો, ગુરુજીએ કહ્યું છે માની લો, પરાપૂર્વથી ચાલે છે માની લો, નો અપિલ નો દલીલ. તમારી શ્રદ્ઘા અંધશ્રદ્ધા એક જ છે. એટલે અંધશ્રદ્ધાનું મારણ વૈજ્ઞાનિક અભિગમ રેશનાલિજમ છે પોકળ શ્રદ્ધા નહિ.
:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિન્ગટન, પીએ, યુએસએ.

મંગલ મંદિર ના ખોલો

મંગલ મંદિર ના ખોલો

લગભગ બે મહિનાથી મંદિરો ખુલ્યા નથી તો એના વગર લોકો શું મરી ગયા? અને દરેક હિંદુના ઘરમાં લાકડાનું કે ઓક્સોડાઈઝનું મંદિર તો હોવાનું જ, અને ના હોય તો છેવટે ઘરના એકાદ ગોખલામાં ભગવાન તો બેસાડેલા હોય જ. મંદિરો, મસ્જિદો, ચર્ચોમાં જ ભગવાન રહેતો હોય એ વાત આમેય ખોટી જ છે અને કોરોનાયુગમાં સદંતર ખોટી જ પડી છે.

કવિ ચંદ્રેશ નારાજની એક કવિતાની પંક્તિઓ,
“ગંભીર ઘાવ પડ્યો છે જલદી ઈલાજ કરજે,
અંધાર આભડ્યો છે જલદી ઈલાજ કરજે”, વાંચતા મોરારીબાપુ કહે છે હે પરમાત્મા બહુ મોટી મહામારી ફેલાણી છે જલદી ઈલાજ કરજે. કોરોનાનો ઈલાજ પરમાત્મા કરજે. હાહાહા અરે રુગ્ણ માનસિકતા ધરાવનાર માનવીનો ઈલાજ કરવા તો તમારા પરમાત્માએ કોરોના મોકલ્યો છે. ખરેખર બાપુએ પરમાત્મા જો એમનું સાંભળતા હોય તો કહેવું જોઈએ કે હે પરમાત્મા આ બિમાર માનવીનો ઈલાજ કરજે જેને એકેય જીવડું ખાવામાં બાકી રાખવું નથી. આ બિમાર માનવીનો ઈલાજ કરજે જેને એના જ ગરીબ, મજદૂર અને મજબૂર ભાઈઓ પ્રત્યે જરાય સંવેદના રહી નથી. આ બિમાર માનવીનો ઈલાજ કરજે જે હર યુગમાં બદલાતા અસ્થાયી ધર્મોના નામે મહત્તમ હત્યાઓ એના જ ભાઈઓની કરે છે. હે પરમાત્મા હજુ બીજા બેચાર કોરોના જેવા ચાબુક ફટકારજે જેથી કુદરતના અણમોલ સર્જન જેવા બીજા જીવજંતુઓ અને પ્રાણીઓનું સમુળગું નિકંદન થતું અટકે અને એની શાન ઠેકાણે આવે. મોરારીબાપુ પણ ખોટી પ્રાર્થના કરે છે માનવીનો ઈલાજ કરવાને બદલે કોરોનાનો ઈલાજ કરવાનું કહે છે.

હવે તમને ખબર પડી ગઈને કે તમારી આસ્થા ટકાવવા એકેય મુલ્લા, પાદરી કે પુજારી જેવા વચેટીયાની જરૂર નથી? તમારી આસ્થા તમારી છે એને ટકાવવા બીજા કોઈને પૈસા આપવાની જરૂર નથી? મંદિર, મસ્જિદ અને ચર્ચોમાં દોટો મૂક્યા વગર પણ તમારી આસ્થા ટકી રહી છે એ ખબર પડી ગઈ ને? અને આ બધા પાછળ લખલૂટ પૈસા વાપર્યા વગર પણ ચાલ્યું જ ને? 😃😃😃

ખરેખર તો તમામ ધર્મોના ધર્મસ્થાનો ફરી ખોલવાની જરૂર નથી સરકારે એના હસ્તક કરી લેવાં જોઈએ, અને આ લોકો પાસે લખલૂટ સંપત્તિ છે એમાંથી એ જગ્યાઓ ઉપર ખોલેલા શૈક્ષણિક સંકુલો વિનામૂલ્યે વિદ્યા આપી શકશે. આ ધર્મસ્થાનો ઉપર જીવતી તમામ પ્રજાને સફાઈ કામદારો તરીકે નોકરી આપી દેવી જોઈએ જેથી સ્વચ્છતા અભિયાનને સફળતા મળવામાં ઝડપ આવે.
શું કહેવું છે મિત્રો? – ભૂપેન્દ્રસિંહ રાઓલ

મારું નામ ભૂપેન્દ્રસિંહ છે તો રેશનલ સમાજ મને માફ કરશે? 😂😂😂

મારું નામ ભૂપેન્દ્રસિંહ છે તો રેશનલ સમાજ મને માફ કરશે? 😂😂😂

નામ રાખવા, નામની પાછળ વિશેષ શબ્દો લગાડવા આ બધી પરંપરા છે. વ્યક્તિગત ઓળખ માટે નામ તો રાખવું જ પડે છે. અને તમારા કુટુંબની કે તમારા સમૂહની ઓળખ તરીકે ફેમિલી નેમ એટલે કે અટક લગાડવી પડે છે, આખી દુનિયા લગાવે જ છે. નામ પ્રમાણે કોઈ હતું નથી. એની પાછળ વિશેષ શબ્દો લગાડવાનું કારણ એક સમૂહની ઓળખ સમાન હોય છે કે એક આદરભાવ પણ હોય છે.

નામની પાછળ કુમાર, લાલ, દાસ, ભાઈ, રાય, રામ, સિંહ, જી, સિંઘ, પ્રતાપ, નાથ, પ્રસાદ વગેરે વગેરે લગાવતા હોય છે. માનવી સમૂહમાં જીવવા ઇવોલ્વ થયેલો છે એટલે જાતિ તમારો સમૂહ છે. જેમ જેમ તમે મોટા સમૂહમાં જોડાઓ તેમ તેમ તમારા નાના સમૂહનું મહત્વ ઓછું થાય. ગુજરાતી તરીકે ગુજરાતી તમારો મોટો સમૂહ છે ત્યાં પટેલ, બ્રાહ્મણ, વણિક કે રાજપૂત સમૂહનું મહત્વ ઘટવાનું. એટલે ગુજરાતી તરીકે મહારાષ્ટ્રીયન જોડે બાખડી પડો ત્યારે તમારી અંગત જાતિ ભૂલી જવાના એવી રીતે ભારતીય તરીકે પાકીસ્તાની જોડે લડી પડો ત્યારે ગુજરાતી મરાઠી ભૂલાઈ જાય.

સમૂહવાદ આપણા ડીએનએમાં છે. આપણે અહીં વ્યક્તિગત ઓળખ માટે નામ રાખવા જ પડતાં હોય છે એમ કુટુંબ કે સમૂહની ઓળખ તરીકે જાતિનું નામ રાખવું પડતું હોય છે. ક્યારેક નામની પાછળ લાગેલા પ્રત્યય વડે કુટુંબ કે જાતિની ઓળખ થતી હોય છે. જ્હોની વોકર વ્હિસ્કી વિષે સહુ જાણતા જ હશો, એ ફેમિલી નેમ છે. જ્હોની વોકર ફેમિલી વરસોથી એ બનાવે છે. ફેમિલી નેમ એટલે તમારી અટક. લોકશાહીમાં બધા બધી અટકો લખાવી શકતા હોય છે. કોઈને રોકી શકાય નહિ. આપણે ત્યાં નાના અંગત સમૂહ પ્રત્યે લોકોને વધારે ભાવ છે માટે જાતિવાદ વધુ જણાય છે. બીજી તકલીફ એ છે કે આપણે ત્યાં વર્ગભેદને બદલે વર્ણભેદ છે. અમુક સમૂહ ઊંચા અમૂક નીચા વગેરે વગેરે. હવે તમારા સમૂહની ઓળખ માટે નામ અટક, નામની પાછળ લટકણીયા લગાવો ત્યાં સુધી બરોબર છે પણ બીજા ઊંચા નીચા એ બધુ બાકીની દુનિયાની જેમ ના હોવું જોઈએ.

આપણે ત્યાં વ્યવસાય ઉપરથી પણ દરજી, લુહાર, સુતાર જેવી અટકો આવતી હોય છે. નામ રાખવા પડતાં હોય છે પણ એ પ્રમાણે વ્યક્તિ ના હોય. મારુ નામ ભૂપેન્દ્રસિંહ છે એનો અર્થ રાજાઓમાં ઈન્દ્ર હવે ક્યાંય મારુ રજવાડુ નથી કે રાજા જ નથી, તો એમાંય પાછા ઈન્દ્ર તો ભૂલી જ જવાના. 😄😄😄😄.. રોહિતના કેટલા બધા અર્થ છે? રોહિતભાઈ નથી હોતા રાજા હરિશ્ચંદ્રના દિકરા કે નથી લોંકડી કે નથી લાલ રંગના હોતા. 😄😄😄😄 રાજેન્દ્ર રાજાઓમાં ઈન્દ્ર સ્કૂલમાં ક્લાર્ક છે મારો મિત્ર છે.

સ્ત્રીઓમાં પણ નામની પાછળ બહેન, કુમારી, કુંવર, બાઈ, બાઈજી, સિંઘ, સિંહ, ગૌરી, બા વગેરે વગેરે લગાવતા હોય છે.

અમુક તમુક મિત્રોનું માનવું છે કે નામની પાછળ સિંહ લગાવવું વર્ણાશ્રમને પોષતું છે. તો નામની પાછળ દાસ લાગે છે તે દાસત્વ ગુલામીને પોષતું નથી લાગતું?

ગુરુ ગોવિંદસિંહનું ખરુ નામ ગોવિંદરાય હતું. શિખ પ્રજા આખી વૈશ્ય હતી, વણિક હતી, વેપારી હતી. ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરી નામ પાછળ સિંહ લગાવવાની શરુઆત કરી. સિંહ બહુ ઉમદા પ્રાણી છે. શીખો સિંહ જેવા બહાદૂર છે એવી એક વિભાવના હતી. ઉત્તર ભારતમાં નામ પાછળ સિંહ કે સિંઘ લગભગ તમામ કહેવાતા વર્ણ લગાવે જ છે. સ્ત્રીઓના નામ પાછળ પણ સિંહ લગાવતા હોય છે. એમાં કોઈ એક શીખ પ્રજાનો કે ક્ષત્રિયોનો અબાધિત અધિકાર રહ્યો જ નથી. મારા એક મિત્ર હિમાચલ પ્રદેશના છે, વ્યવસાય એમનો ફર્નિચર બનાવવાનો છે નામ છે જસબિરસિંઘ.

ગુજરાતમાં કહેવાતા ઉચ્ચ વર્ણના ક્ષત્રિયો સાથે કહેવાતી ઓબીસી શ્રેણીમાં આવતા ક્ષત્રિયોનો વિશાળ સમૂહ નામ પાછળ સિંહ લગાવે છે. શિડ્યુલ ટ્રાઈબમાં આવતો સમૂહ પણ નામ પાછળ સિંહ લગાવે છે. કોઈ પણ નામ એનાં લટકણીયાં, અટકો લગાવવાની છૂટ જ છે તો સિંહ લટકણીયું એકલું વર્ણાશ્રમને પોષતું કઈ રીતે થઈ જાય?

પહેલાં અટક પરથી વર્ણની ખબર પડી જતી એવી વર્ણવાદી સમાજની વ્યવસ્થા હતી. હવે એવું રહ્યું જ નથી. હવે ગમે તે ગમે તે અટક લખાવી જ શકે છે તો અટકો પણ વર્ણાશ્રમને પોષતી રહી નથી. છતાં અમુક રેશનાલિઝમને રેશનાલિઝમ નહિ રહેવા દઈ એને ધર્મ બનાવીને બેઠેલાં મિત્રોને શાંત પાણીમાં પથરા નાખી વમળો ફેલાવવાનો બહુ શોખ હોય છે.

સાચો તર્ક એ છે કે તમને સિંહ પ્રત્યય માટે વાંધો હોય તો રાય, કુમાર, લાલ, ભાઈ, બેન, દાસ માટે પણ હોવો જોઈએ. મધુરાય કદી વેપાર કરતા નથી વાર્તાઓ લખે છે. સુબોધકુમાર હવે ૮૦ વરસના થયા, કુમાર રહ્યાં નથી. મગનભાઈને કોઈ ભાઈ ના હોય એવું પણ બને, કમળાબેન એમના પતિદેવના બેન નથી. રામદાસ કોઈના દાસ નથી ઉલટાના સ્વામિ છે. બાબા રામદેવ દેવ નહિ મનુષ્ય છે. વાંધો સિંહ માટે હોય તો દાસ માટે પણ હોવો છે. દાસ પણ ગુલામીનું પ્રતિનિધીત્વ કરતો શબ્દ છે. શાહ અટક પણ સામ્રાજ્યવાદી છે.

મને સિંહ માટે વાંધો હોય અને દાસ માટે ના હોય તો રેશનલ શાનો?

“સમૂહવાદ આપણા ડીએનએમાં છે માટે એટલું કરી શકાય કે કોઈ સમૂહ ઊંચો નથી કોઈ સમૂહ નીચો નથી એમ સમજી હળીમળીને રહેવાનું જીવવાનું.”

ભારતમાં નાના નાના સમૂહ પ્રત્યે લોકો વધારે સભાન છે એટલે જાતિવાદ વધારે દેખાય છે. આપણે લોકોને માનવવાદ તરફ દોરવાના છે તો એ સમજાવીને થઈ શકે, ગાળંગાળી કરીને મહેણાંટોણાં મારીને નહિ. કૃષ્ણ કે રામને ગાળો દેવી એ રેશનાલિઝમ હરગીઝ નથી. ઈશ્વરની વિભાવના ધરાવતા કલ્પનાશીલ વ્યક્તિઓને ગાળો દેવામાં વિવેકબુદ્ધિ મને નથી દેખાતી. એમને સમજાવી શકાય. વૈજ્ઞાનિક અભિગમ વધે એવી તાલીમ મળશે તો ઓટોમેટિક રેશનાલિઝમ તરફ વળશે.

કોઈનું આખું ઘર કે કુટુંબના તમામ સભ્યો રેશનલ હોય કે અનિશ્વરવાદી હોય એવું ભાગ્યેજ બને. પતિ રેશનલ હોય તો પત્ની ના હોય. પતિપત્ની બંને રેશનલ હોય એ તો ભાગ્યશાળી કહેવાય. કદાચ તમારા ઘરના સભ્યો રેશનલ હોય તો કાકાબાપા, મામામાસી રેશનલ ના હોય. તો તમારા અંગત કુટુંબીઓને તમે તેઓ ઈરેશનલ હોવા છતાં ભાંડી શકો છો? એમને એમના આસ્તિક કે ઈરેશનલ હોવા વિષે મહેણાં ટોણા મારો છો? એમને છોડીને ભાગી શકો છો? ના, તો પછી મેરા ખૂન ખૂન ઔર તેરા ખૂન પાની? હાહાહા ..

હવે મારા અને મારા એક મોટાભાઈના નામની પાછળ પિતાશ્રીએ સિંહ લગાવેલું, બીજા મોટાભાઈ જે વૈજ્ઞાનિક હતાં એમણે નામ પાછળ કશું લગાવ્યું નથી, તો નાનાભાઈના નામ પાછળ કુમાર લાગેલું છે.

હવે મારા નામ પાછળ સિંહ લાગેલું છે તો રેશનલ સમાજ મને માફ કરશે? 😂😂😂

મારા પૌત્રોના નામ ના રાશી પરથી છે ના એમના નામ પાછળ સિંહ લગાવ્યું છે. મારું ૧૩ અક્ષરના સ્પેલિંગ વાળુ નામ અહીં કશે પુરુ સમાતું જ નથી, ના ક્રેડીટ કાર્ડમાં, ના ઈન્સ્યોરન્સ કાર્ડમાં કશે પણ પુરુ સમાતું નથી. ભારતમાં પણ હવે નામ રાખવા બાબત ઘણો બધો સુધારો જણાય છે

ખેર! કહેવાતા રેશનલો રેશનલ જ્વર વડે પીડાતાં અતિ ઉત્સાહમાં માર ખાઈ જાય છે. એમને સમાજને માનવવાદ તરફ દોરવાને બદલે પોતાને અતિ બુદ્ધિશાળી રેશનલ છીએ એવું સાબિત કરવાની ચળ વધારે હોય છે એટલે પછી મહેણાં ટોણા ને ભાંડવાનું વધારે અમલમાં મૂકતા જણાય છે, એટલે કહેવાતા આસ્તિકોના ઈરેશનલ સમૂહ થ્રેટ અનુભવે છે અને થ્રેટ અનુભવતો સમૂહ સર્વાઈવલ માટે કોઈપણ હદે ઊતરી જવાનો એ નક્કી. કારણ કોઈપણ ભોગે સર્વાઈવ થવું પણ પાછું આપણા ડીએનએમાં જ છે. 😂😂😂

પ્રેમથી તો સિંહ પણ વશ થઈ જાય ધિક્કારથી નહિ

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ. યુએસએ.

શ્રદ્ધા અંધશ્રદ્ધા એક જ.

શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે કોઈ પાતળી ભેદરેખા હોતી નથી પણ વર્ણભેદ ને વર્ગભેદ જેવું હોય છે. 😄😄😄😄આમાંય અમીર ગરીબના ભેદભાવ જેવું હોય છે. અમીરની શ્રદ્ધા કહેવાય એજ વસ્તુ ગરીબની અંધશ્રદ્ધા બની જાય. અમીર હનુમાન ચાલીસા ગાય તો શ્રદ્ધા કહેવાય ને ગરીબ વરેડી ગાય તો અંધશ્રદ્ધા કહેવાય. હાહાહા.. આમાંય પાછો જાતિવાદ હોય છે. ઉચ્ચ વર્ણના લોકો ઢોલકા મંજીરા લઈ ગાંડાની જેમ નાચે ભજન ગાય તો શ્રદ્ધા કહેવાય ભક્તિ કહેવાય ને પછાત જાતિના લોકો ડાકલા વગાડી માતાજીની વરેડી ગાય ને ધૂણે તો અંધશ્રદ્ધા કહેવાય. કોળું કાપો, નાળિયેર વધેરો કે કુકડું વધેરો કે બકરા શ્રદ્ધા એ અંધશ્રદ્ધા જ છે. શ્રદ્ધાનું વિરુધ તો અશ્રદ્ધા થાય અંધશ્રદ્ધા નહિ કારણ જેને તમે અંધશ્રદ્ધા કહો છો એમાં પાછી શ્રદ્ધા તો રહેલી જ છે. આપણે દ્રશ્યમાન લોકો કે વસ્તુઓ પ્રત્યે વિશ્વાસ રાખીએ જેવા કે માતાપિતા કે શિક્ષક તે અલગ વાત છે પણ શ્રદ્ધા અંધશ્રદ્ધા મોટાભાગે અદ્રશ્યમાન કે કાલ્પનિક લોકો કે વસ્તુઓ પર કેન્દ્રિત હોય છે જે સર્વથા ત્યજવા યોગ્ય છે વત્સ મારા.. :- રાઓલજી ઉવાચ.. 😂😂😂

તમારી સ્વતંત્રતા કેટલી?

#વ્યક્તિ_સ્વાતંત્ર્ય#

વ્યક્તિની સ્વતંત્રતા એક પગ ઊંચો કરવા જેટલી હોય છે. તમે બે પગ સાથે ઊંચા કરી ઊભા ના રહી શકો ગબડી પડો. એક પગ જમીન સાથે જોડેલો રાખી એક પગ ઊંચો કરવાની સ્વતંત્રતા ભોગવી શકો અન્યથા નહિ.. માણસ મેમલ એનિમલ છે અને મેમલ સમૂહમાં રહેવા ઈવોલ્વ થયેલા છે એટલે તમારા એક પગ ઊંચો કરવાની સ્વતંત્રતા સાથે તમારો બીજો પગ તમારા સમૂહની સર્વાઈવલ સ્ટ્રેટેજી સાથે જોડાયેલો રહે છે. એટલે તમે મનફાવે તેમ કોઈનું મર્ડર ના કરી શકો, ચોરી ના કરી શકો.

પ્રાણીઓની સોશિઅલ હાઈઆરાર્કી સીધી સાદી હોય છે પણ માનવ પાસે મોટુ ફ્રન્ટલ લોબ હોવાથી વિચારશીલ છે એટલે એની સોશિઅલ હાઈઆરાર્કી બહુ જટીલ હોય છે, કોમ્પ્લેક્ષ હોય છે. પ્રાણીઓનો એક જ સમૂહ હોય છે જ્યારે માનવી એક સાથે અનેક સમૂહમાં જીવતો હોય છે. એટલે વ્યક્તિ સ્વતંત્રતાનો એક પગ ઊંચો કરે ત્યારે એનો બીજો પગ એક સાથે અનેક સમૂહોની સર્વાઈવલ સ્ટ્રેટેજીની જમીન સાથે જોડાયેલો હોય છે અને એટલે જોતે તર્ક ના વાપરે વિચારે નહિ તો ડીસીસન લેવામાં માર ખાઈ જાય છે.

મારો પહેલો સમૂહ મારુ કુટુંબ હોય, પછી જે કહેવાતી કોમમાં જનમ લીધો હોય એ હોય, પછી જે કહેવાતા ધરમમાં માનતો હોઉ તો એ ધરમમાં માનનારા બધી કોમોના સમૂહ સાથે એ ધર્મ મારો સમૂહ બને. હું રેશનલ હોઉ તો એ સમૂહ પાછો અલગ, શિક્ષક હોઉ તો શિક્ષક સંઘ પાછો અલગ સમૂહ. એમાંય પાછા પેટા વિભાગ પડે માધ્યમિક પ્રાથમિક જેવા. ગુજરાત રાજ્ય ને ગુજરાતી તરીકે પાછો અલગ વિશાળ સમૂહ તો ભારતીય તરીકે બહુ મોટા વિશાળ સમૂહમાં આવી જવાય. દરેક સમૂહની સર્વાઈવલ સ્ટ્રેટેજીને માન આપતા જવાનું ને એક પગ ઊંચો કરવાની સ્વતંત્રતા ભોગવતા જવાની. આ દરેક સમૂહની સર્વાઈવલ સ્ટ્રેટેજી સારી કે ખોટી તે બાજુ પર રહેવા દો. એ વખતો વખત બદલાતી જતી હતી હોય છે. સમયની માંગ અનુસરી પોતે પોતાના સમૂહની કે બીજા સમૂહે આપેલી સજા ભોગવીને સમૂહના ભવિષ્યના લાભ સુખાકારી માટે કેટલાક લોકો આવી સ્ટ્રેટેજી બદલતા હોય છે એના માટે બલિદાન આપતા હોય છે એને આપણે બુદ્ધ કે ગાંધી કે રાજા રામમોહનરાય કે આંબેડકર કે બીજા એવા અનેક તરીકે ઓળખતા હોઈએ છીએ.

માણસ પોતાની કોમના સમૂહની સર્વાઈલ સ્ટ્રેટેજી સાથે જોડાયેલો હોય એ જુદી હોય અને ભારત દેશ નામના હ્યૂજ સમૂહ સાથે જોડાયેલો હોય એટલે એના કાનૂન(સર્વાઈવલ સ્ટ્રેટેજી) અલગ હોય અહીં ડિસીસન લેવામાં માર ખાઈ જાય કે કઈ સ્ટ્રેટેજીને પ્રાધાન્ય આપવું. અહીં પોતાની એક પગ ઊંચો કરવાની સ્વતંત્રતા ભોગવવા જતાં એનો બીજો પગ ભારત નામના મોટા સમૂહના કાયદાકાનૂન સાથે જોડાયેલો છે એ ભૂલી જાય ત્યારે પછી જેલમાં જવાનો વારો આવે છે.

ક્યારેક ઘર્મ નામના મોટા સમૂહની સ્ટ્રેટેજી પ્રત્યે દેશ નામનો સમૂહ આંખ આડા કાન કરતો હોય છે. મોટા માથાં પણ આવી સ્વતંત્રતા ભોગવી કાનૂનથી બચી જતાં હોય છે, નાનો માણસ સજા ભોગવતો હોય છે.

ટૂંકામાં માણસની વ્યક્તિગત સ્વતંત્રતા એક પગ ઊંચો કરવા જેટલી છે બે પગ ઊંચા કરવા જેટલી નહિ. :- Bhupendrasinh Raol, S Abington PA, July 15, 2019..

તને ખબર છે?


તને ખબર છે?
આપણે ઝડપથી જતી રેલગાડીના ડબામાંથી બહાર જોઈએ તો સ્થિર(વૃક્ષો) દોડતા લાગે અને રેલગાડી સ્થિર? 
પણ હોય ઊંધું.
બસ તારા ગયા પછી,
દોડતું જીવન અને સ્થંભિત છું હું પેલા વૃક્ષોની જેમ.. 
બસ હંમેશા યાદ આવે છે,
જીવનની પેલી ક્રૂર વાસ્તવિકતા,
કે આજની તારીખે જે હાથે તારો હાથ પકડીને પહેલીવાર ઘરમાં લઈ આવેલો(લગ્નતિથિ)એજ તારીખે,
ચિકિત્સકને તને વહેલી જીવનમુક્ત કરવાના દસ્તાવેજ પર કંપતા હાથે દસ્તખત કરી આપેલા. 
બસ હવે આંખોમાં ઉભરાતા અરબ સમુદ્રને,
ખાલી કરવાનું સ્નાનગૃહમાં વધુ બનતું જાય છે. 
જોને પેલા સૂચક સાહેબે કેવું રાજા રવિ વર્માની યાદ અપાવે તેવું તારું યાદગાર તૈલચિત્ર બનાવ્યું છે? 
ચક્ષુ તો તારા હયાત છે, પણ ખબર નથી કોના તનગોખલે જડેલા છે, બાકી હું તેને ચોક્કસ ચિત્ર બતાવી આવત. 
બસ શું કહું ?
જીવન આગળ ધપતું જાય છે પેલી સ્થિર જણાતી રેલગાડીની જેમ ને,
હું છું પેલા દોડતા દેખાતા વૃક્ષોની જેમ સ્થિર. 
:- ભૂપેન્દ્રસિંહ રાઓલ

તારા વગર

‘તારા વગર’

ક્યાંક હોઠ હસે ને ક્યાંક આંખલડી હસે,

ક્યાંક ઝુકે પાંપણો પ્યારથી,

એ જોઈ હૈયું હરખાતું.

પણ હવે?

આમ વિજળીની જેમ ઝબકીને ચાલ્યા જવાનું?

હે રી સખી તારા વિણ કેમ મનાવું આ હોળી? ને વસંત લાગે મટમેલી.

તારા આયખાની વાટમાં તેલ ખૂટ્યું ને હવે કેમ પ્રગટાવું દીપાવલી?

તારી અવિરત વાતોની તોડી તૂટી ને હવે કેમ કરી ગાઉ દીપાવતી?

દિવસે ભલે છૂટ્યો પણ ઊંઘમાં નથી છૂટ્યો સાથ તારો.

સ્વપ્નોમાં હમેશાં ક્યાંકને ક્યાંક સાથે ને સાથે જ ફરતા હોઈએ છીયે.

બસ એ સાંનિધ્ય માણવા સદા આતુર એટલે જ સતત ઊંઘવાનું મન થાય છે,

ભલે લોકો એને ચિરનિંદ્રા કહે..

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ. 4346356B-D608-4DDE-9FA7-6032E9149804

વો કાગજ કી કસ્તી, વો બારીસ કા પાની…

IMG_3191-1IMG_3148મગર મુજ કો લૌટા દો બચપન કા સાવન

વો કાગજ કી કસ્તી, વો બારીસ કા પાની.. પહેલી માર્ચે રાત્રે માણસાથી રાજુને ગાંધીનગર ફોન લગાવ્યો. રાજુ એટલે રાજેન્દ્ર ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટ, દેવાણીવાસ ભાટવાડા વિજાપુરમાં રહેતો અમારો બચપણનો બાળગોઠીયો.

મેં કહ્યું, રાજુ ગમે તે કર કાલે તો વિજાપુર જવું છે. આ શરીરનો શું ભરોસો? જ્યાં બચપણ ગાળ્યું છે તે વિજાપુર, એ ભાટવાડામાં આવેલો દેવાણીવાસ, એ ટાવર ચોક, મારી જૂની આશ સેકન્ડરી હાઇસ્કુલ, બધું મનભરીને જોઈ લેવું છે. રાજુ પણ એને કોઈ લગ્નમાં જવાનું હતું તે રદ કરીને બીજા દિવસે સવારે બાઈક લઈને આવી ગયો. અમારી સવારી ઉપડી વિજાપુર જ્યાં મારું બચપણ પસાર થયેલું.

ટીબી હોસ્પિટલવાળા રસ્તે થઈને ભાટવાડા તરફ જતાં પહેલી તો અમે ભણેલા તે પ્રથીક શાળા કુમારશાળા આવી. અરે વાહ મેં કહ્યું, આ તો નવી બની ગઈ છે. વિજાપુરનો આ ભાટવાડો નાનીમોટી અનેક શેરીઓનો બનેલો છે. ચોકમાં છબીલા હનુમાનજીનું મંદિર જે સાવ જુનું હતું તે હવે રહ્યું નહોતું એની જગ્યાએ સુંદર નવું મંદિર બની ગયેલું. આ મંદિરમાં અમે રમવા જતાં. કોઈ નાળીયેર વધેરીને જાય એટલે પાંચ કટકા પ્રસાદ ધરાવવાનો રિવાજ, એ જાય એટલે અમે દોડીને પેલા પાંચ કટકા લઇ લઈએ ને વહેચીને ખાઈએ. મંદિરની પાછળની દીવાલે કોલસાથી સ્ટમ્પલા ચીતરીને ક્રિકેટ પણ ખૂબ રમતા. એ હનુમાનજીના ચોકમાં સાતોડીયું રોજ રમતા. સાત પથરા ઉપર ઉપરી ગોઠવી દડા વડે મારીને પછી ભાગમભાગ. એને પાછા ગોઠવવાના. હવે તો ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બની ગયો છે. સાતોડીયું રમવા જઈએ ને પડીએ તો ઢીંચણ છોલાઈ જાય. આ હનુમાનજીના મંદિર સામે રણછોડજીનું મંદિર પણ હતું. ત્યાં વળી પૂજારી બાવો હિન્દીભાષી રહેતો. આખું માથું બોડું પણ એની ભારેખમ ચોટલી ગાંઠ વાળેલી હજુ ય યાદ છે. ત્યાં ચણાના લોટની બનેલી મગજની લાડુડીનો પ્રસાદ મળતો. વળી રણછોડજીના મંદિર થી થોડે દૂર લક્ષ્મીનારાયણનું કોતરણીવાળું સરસ મંદિર હતું. ત્યાં સાંજે આરતીના સમયે જઈએ એટલે પૂજારી બેત્રણ શંખ મૂકે, મોટું નગારું વગાડવા બે દંડા મૂકે. આ બધું લેવા અમારે પડાપડી થાય. ચાલું આરતીમાં શંખ ફૂંકવાની મજા આવે.

આ બધું નજર સમક્ષ આવી ગયું. રાજુ અને હું બંને ભૂતકાળમાં સરી પડેલા હતાં ક્યારે દેવાણીવાસમાં પ્રવેશી ગયા ખબર ના પડી. રાજુના માતાશ્રી શારદાબા મને જોઈ ભાવવિભોર થઈ ગયેલાં, એમની જલમિશ્રિત આંખો ચાડી ખાતી હતી. બહુ વરસે મળ્યા એટલે એવું તો થવાનું જ હતું. દેવાણીવાસ બહુ મોટો નથી. અમે એક જ વાસમાં ઘણા ઘર બદલેલા. મૂળ માણસાથી અહિ વસવાટનું કારણ પિતાશ્રી વકીલ હતા અને કોર્ટ, વિજાપુર તાલુકો હોવાથી વિજાપુરમાં હતી અને અમે અહિ ભાડેથી ઘર રાખી રહેતા હતા. મારો જન્મ વિજાપુરના વહેરવાસમાં થયેલો. પણ એકવાર દેવાણીવાસમાં આવ્યા પછી અહીંથી બહાર જવાનું કોઈને મન થતું નહોતું. એટલે વાસ બહુ નાનો હોવાથી ગમે તેટલા ઘર બદલીએ રાજુના ઘરનો સાથ તો કાયમ રહેવાનો જ હતો.

શારદાબાનાં હાથની રીંગણની કઢીનો સ્વાદ હજુય મને યાદ છે. ગામડામાં વાટકી વહેવાર ચાલું જ હોય. એકબીજાના ઘેરથી ખાવાનું આપલે થતું જ હોય. ભાવતું ખાવાનું બન્યું હોય તો માંગીને ખાઈ લેવામાં કોઈ શરમ સંકોચ થાય નહિ; એવા શબ્દો જ ભેજામાં ઉદ્ભવે નહિ. હવે શારદાબાની ઉંમર થઈ છે. સરખું ચાલી શકતા નથી પણ આમારા માટે દાળભાત, શાક, શીરો અને પુરીઓ પણ તળી નાખેલી. બહુ વર્ષે સામસામે બેસીને અમે બે મિત્રો ધરાઈને જમ્યા. આગાસીમાં ઉભા રહી મહોલ્લાના ફોટા પાડ્યા.

આ ઘરમાં રહેતા હતા? અરે જો પેલા ઘરમાં પણ રહેલાં. અરે આતો પડી ગયું છે, ખંડેર થઈ ગયું છે, આ નવું બની ગયું છે. આ જગ્યાએ ખંડેર હતું એમાં કુતરી વિયાતી તો એના બચ્ચા રમાડતા, વગેરે વગેરે ઉદગારો નીકળે જતાં હતા. કાશીબા, જીજીબા, દિવાળીબા, નવીમા, લીલાકાકા, નાથાકાકા, મગનકાકા, ડાહ્યાકાકા, જસુકાકા, વનાકાકા કઈ કેટલાયને એક સામટા યાદ કરી લીધા. બધાને યાદ કરી લઉં કોઈ રહી ના જાય, બધા સાથે ગાળેલા સંસ્મરણો સામટા વાગોળી લઉં એવું થયા કરતુ હતું.

લંગડી રમતા, બંગડીઓના કાચ ભેગા કરી રમતા અને દીવાસળીની પેટીઓની ઉપરના કવરની છાપો બનાવી રમતા, કોલસાથી ગુપ્ત જગ્યાઓએ લીટા દોરી લોકોની દીવાલો બગાડવાની રમતો રમતા. ભમરડા, લખોટીઓ વગરે તો હોય જ. આરસની લખોટી જેની પાસે હોય તે માલદાર ગણાતો. આરસની મોટી સાઈઝની લખોટી અંટો કહેવાતી. એના વડે નિશાન તાકી કાચની લખોટીઓ તોડી પાડવામાં કોઈ દેશ જીતી લીધો હોય એવો આનંદ આવતો. ગમે તેટલા દૂરથી નિશાન તાકાનારા ને તાકોડી કહેતા. ગોવિંદભાઈ જબરા તાકોડી હતા. ઉંમરમાં થોડા મોટા એટલે ગોવિંદભાઈ કહેવાતાં. મને યાદ છે હું અને રાજુ આ બધી રમતોમાં નબળા.

વરસાદ પડે એટલે વાસ વચ્ચેથી જાણે નાનકડી નદી વહેતી હોય એમાં કાગળની નાવડીઓ તરતી મૂકવાની, પતંગિયા પકડવા દોડાદોડી કરવાની. રાત પડે ડબલાં ભરી સાથે હળવા થવા જવાનું અને હળવા થતાં થતાં અલકમલકની વાતો કરવાની.

જમતા પહેલા રાજુ કહે ચાલ બહાર આંટો મારી આવીએ. હું એની પાછળ બાઈક પર બેઠો ને જ્યાં જ્યાં હરતા ફરતા રમતા બધું જોઈ લઈને બધું પાછું ફરી મનમાં ભરી લેવું હતું. રાજુના પ્રિય ચામુંડા માતાના મંદિરે ગયા, ત્યાં થોડીવાર બેસી મકરાણી દરવાજે થઈ ગામમાં પ્રવેશ્યા. મારી જૂની સાર્વજનિક લાઈબ્રેરી જોઈ જનુભાઈ યાદ આવી ગયા. જનુભાઈ તે સમયે ગ્રંથપાલ, અને મારા પિતા લાઈબ્રેરી ચલાવતા ટ્રસ્ટના પ્રમુખ. એ હિસાબે કોઈને કબાટની ચાવી ના આપે મને આપી દેતા કે માથું ના ખાઈશ જે જોઈએ તે પુસ્તક લઇ લે. બસ આજ લાઈબ્રેરીમાંથી અઢળક પુસ્તકો મેં વાંચેલા. મુનશી, ધૂમકેતુ, મેઘાણી, ર. વ. દેસાઈ, ગુણવંતરાય આચાર્ય, નવનીત સેવક, ચુનીલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર, પન્નાલાલ, પિતામ્બર, પેટલીકર, વિજાપુરના જ સારંગ બારોટ જેવા કેટકેટલા સાહિત્યકારોને વાંચી નાખેલા, આ બધું પાછું દસ ધોરણ સુધીમાં. આજે કોઈને વાંચું તો આ ધુરંધરો આગળ સાવ ફીકા લાગે છે. અજાણતા જ સરખામણી થઈ જાય છે.

ટાવરચોક તો વળી સાવ સૂમસામ થઈ ગયો છે. ટાવર સામે એક મકાનમાં બીજે માળે મારા પિતાશ્રીની ઓફીસ હતી. પિતાશ્રી જોડે બેસતા મોહનકાકાનો દીકરો હવે વકીલ છે તે એ ઓફીસ સંભાળે છે. રવિવાર હોવાથી ઓફિસ બંધ હોવાથી ઉપર જવાનું બન્યું નહિ. બઝારમાં થઈ ચક્કરે થઈને અમારી આશ સેકન્ડરી હાઈસ્કૂલ જોવા ગયા. હવે ત્યાં ગર્લ્સ સ્કૂલ ચાલે છે. નાનપણમાં જે બધું મોટું મોટું લાગતું તે હવે સાવ નાનું નાનું લાગે છે. આવડી અમથી બઝારમાં ફરતા? સાવ નાની સાંકડી ગલીઓ ભાસે છે જે એક સમયે વિશાળ લાગતી. સ્કૂલ પણ સાવ નાની લાગી. રવિવારની રજા એટલે એનો તોતિંગ દરવાજો બંધ હતો. અમે ભણતા ત્યારે ખુલ્લા મેદાનમાં સ્કૂલ હતી. દરવાજામાંથી હાથ નાખી મોબાઈલ વડે ફોટા પાડ્યા. પાછા ફરતા એક ચક્કર વહેરાવાસમાં પણ મારી લીધું. મારા સ્કૂલ સમયના મિત્રોને યાદ કર્યા. મુકુન્દરાયનો ઉપેન્દ્ર અને રીખવદાસનો પ્રકાશ યાદ આવી ગયો. દસમાં ધોરણ સુધી એક થી પાંચમા નંબરે પાસ થવામાં અમારી ટુકડી જ હોય. ગુજરાતી અને ઇતિહાસમાં હાઇએસ્ટ માર્ક્સ તો રાઓલનાં જ હોય મતલબ મારા જ હોય.

પાછા ઘેર આવી જમીને મહેશભાઈને મળવા ગયા. મહેશભાઈ ઝવેરી હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને મોટાભાઈના ભાઈબંધ હતા. એમના વાઈફ આટલા વરસે પણ મને ઓળખી ગયા તે નવાઈ લાગી અને એમની સ્મરણ શક્તિ પ્રત્યે ખૂબ માન પણ ઉપજ્યું. મહેશભાઈ હવે પથારીવશ છે. એક સમયના ગોરા ચીકણા મહેશભાઈને જોઈ મન ગ્લાની વડે ભરાઈ ગયું. એમને પણ જૂની વાતો બહુ સરસ રીતે યાદ હતી.

મારા બા તો હવે બેંગલોર મોટાભાઈ પાસે રહે છે. શારદાબા અને મારા બા એ બહુ સમય સાથે ગુજારેલો. સુખદુઃખના સાથી જેવા, એટલે મેં બેંગલોર વિડીઓ કોલ લગાવી બંને જૂની સખીઓનો મેળાપ ઓનલાઈન કરાવી દીધો. એમની રજા લેતા આંખોમાં ઉમટતા સમુન્દરને નાથવો અઘરો થઈ પડેલો. રાજુ સાથે બાઈક પર પાછો માણસા આવતા સુધીમાં પાના ને પાના ભરાય એટલી વાતો કરી.

બચપણમાં જ્યાં જ્યાં રહ્યા હોઈએ તે આપણા બ્રેનની તે સમયની કોરી ધાકોર હાર્ડ ડિસ્કમાં સખત રીતે કોતરાઈ જતું હોય છે પછી તે કદાપિ ભૂસાય નહિ. કદાચ ધૂંધળું થાય પણ ભૂસાય તો બિલકુલ નહિ. હજુ ય મને સપનાં વિજાપુર, માણસા અને બરોડાના જ આવે છે. ૧૪ વર્ષથી અમેરિકાની ભૂમિ પર છું પણ મને સપનામાં અમેરિકા કદી દેખાતું નથી. ખરેખર તો માણસા પણ બહુ પાછળથી રહેવા આવેલો. વિજાપુરથી હું અગિયારમાં ધોરણથી બરોડા ભણવા જતો રહેલો. ત્યાર પછી વિજાપુર સાથે પ્રત્યક્ષ બહુ નાતો રહેલો નહિ પણ બ્રેનમાં વસેલું, મજજાતંતુઓમાં ઘૂસેલું વિજાપુર, એ ભાટવાડો, એ દેવાણીવાસ, એ શારદાબા, એમની બનાવેલી રીંગણની કઢીનો સ્વાદ એ બધું એમ થોડું નાબૂદ થાય? ત્યાં ગાળેલું બચપણ થોડું ભૂલાય? આ લખતાંય મારી આંખોમાં પાણી તગતગે છે.

એટલે જ પેલા જગજીતસિંઘ કાયમ ગાતા,

એ દોલત ભી લે લો, એ શોહરત ભી લે લો,

ભલે છીન લો મુજસે મેરી જવાની.

મગર મુજકો લૌટા દો બચપનકા સાવન,

વો કાગઝકી કી કસ્તી વો બારીસકા પાની,

વો કાગઝકી કસ્તી વો બારીસક પાની…

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા..

 

ગાંધી કદી મરે નહિ

b15d7c7d-946e-46dc-9754-cbbfe172aa3aગાંધી કદી મરે નહિ

ભારતના બે મહાપુરુષો એવા છે જેને સારી દુનિયા ઓળખે છે. અભ્યાસુઓ ઓળખે તે વાત જુદી છે પણ દુનિયાભરમાં સામાન્ય અભણ પ્રજા પણ ઓળખતી હોય એવા મૂળ ભારતના બે મહાપુરુષોમાં એક તો ગૌતમ બુદ્ધ અને બીજા છે ગાંધીજી. ગૌતમ બુદ્ધ માટે વિડમ્બના એ છે કે વિદેશોમાં ઘણા લોકો એમને ચાઇનીઝ સમજે છે, મને એનો જાત અનુભવ છે જ્યારે ગાંધીજી સાથે એ પ્રશ્ન ઊભો થતો નથી.

તમે સતત અહિંસક બની શકો પણ સતત હિંસક રહી ના શકો. તમે સતત પ્રેમ અને કરુણાસભર રહી શકો પણ સતત ક્રોધ અને નફરત ગ્રસ્ત રહી ના શકો. એનું કારણ બ્રેન કેમિસ્ટ્રીમાં છે. હિંસા, ક્રોધ, નફરત વગેરે નકારાત્મક લાગણીઓ આપણા બ્રેનમાં સર્વાઈવલ માટે ચેતવણી હંગામી ચેતવણી રૂપ રસાયણો છોડતા હોય છે પણ તે રસાયણો લાંબાગાળે શરીરને હાનીકારક હોય છે. ગાંધીજી કોઈ બુદ્ધ તો હતા નહિ એમણે ક્યારેક હિંસાનો પણ પક્ષ લીધો હશે, એમાં વાંધો શું?

આજે એમને જન્મે દોઢસોમું વર્ષ ચાલે છે ત્યારે બે જગ્યાએ મને એમના વિષે બોલવાનો મોકો મળ્યો. ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલ બરોડામાં મિત્ર જય વસાવડાએ તક આપેલી તો માણસા કોલેજમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે ગાંધી વિષે બોલવાનો મોકો મળેલો.

વિદેશોમાં આપણા કોઈ આવા એવરેસ્ટ કદના નેતાની પ્રતીમાઓ હોય તો તે ગાંધીજી છે. લગભગ ગાંધીજીની દસેક પ્રતીમાઓ વિદેશોમાં સ્થિત છે.

૧) લેક શ્રીન કેલિફોર્નિયામાં ગાંધી વર્લ્ડપીસ મેમોરીયલ છે ત્યાં એમની પ્રતિમા છે. ૨) ટેવીસ્ટોક સ્ક્વેર લંડનમાં એમની એક પ્રતિમા છે જેનું અનાવરણ ૧૯૬૮મા હેરોલ્ડ વિલ્સન નામના બ્રિટીશ વડાપ્રધાને કરેલું. ૩) કોપનહેગન ડેન્માર્કમાં એક પ્રતિમા છે જે ૧૯૮૪મા ઇન્દિરાજીએ ભેટ આપેલી. ૪) ચર્ચ સ્ટ્રીટ, પીટ્સમારીટ્ઝબર્ગ સાઉથ આફ્રિકામાં ગાંધીજીની એક પ્રતિમા છે જેનું અનાવરણ આર્કબીશપ ડેસમોન્ડે કરેલું. ૫) પ્લાઝા સિસિલિયા બુએનોસએરીસ, આર્જેન્ટીનામાં પણ એક પ્રતિમા છે. ૬) ગ્લેબે પાર્ક કેનબરા ઓસ્ટ્રેલીયામાં એમની એક પ્રતિમા બ્રોન્ઝની છે. ત્યાં લખેલું છે નો પોલિટિક્સ વિધાઉટ પ્રિન્સિપલ, નો કોમર્સ વિધાઉટ મોરાલિટી, નો સાયન્સ વિધાઉટ હ્યુમેનીટી. ૭) મેમોરીયલ ગાર્ડન જીંગા યુગાન્ડામાં પણ એક ગાંધી બેઠા છે, ૧૯૪૮મા ગાંધીજીના ભસ્મીભૂત દેહની ભભૂત નાઇલ નદીમાં પધરાવવામાં આવેલી. ૮) ગાર્ડન of પીસ વિયેના ઓસ્ટ્રિયામાં પણ ગાંધી બિરાજમાન છે. ૯) એરિયાના પાર્ક જીનીવા સ્વીત્ઝરલૅન્ડમાં પણ ગાંધી વિરાજમાન છે. ૧૦) પાર્લામેન્ટ સ્ક્વેર લંડનમાં ૧૪ માર્ચ ૨૦૧૫મા ગાંધીને વિરાજમાન કરવામાં આવેલા ત્યારે વડાપ્રધાન ડેવિડ કેમરોન સાથે હાલના નાણાપ્રધાન અરુણ જેટલી, ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી અને બોલપટના મહાનાયક લોક લાડીલા અમિતાભ બચ્ચન પણ હાજર હતા.

ગાંધી બીજા દેશોના અનેક મહાપુરુષોના નેતાઓના આદર્શ પ્રીતિપાત્ર રહેલાં છે. ગાંધીજીને માર્ગે એમણે શોષિતો અને પીડિતોના અધિકારો માટે લડતો પણ ચલાવેલી છે. બરાક ઓબામા તો ગાંધીનાં જબરા ફેન હતા. બર્માના નોબેલ પ્રાઈઝ વિજેતા શાન સુ કી ગાંધીના ફોલોઅર હતા. નેલ્સન મંડેલા વિષે બધા જાણે છે. દલાઈ લામા પણ ગાંધીના બહુ મોટા ચાહક છે. જોન લેનોન નામનો બ્રિટીશ સંગીતકાર જેણે વિયેટનામ વોર સમાપ્ત કરવા બહુ મોટી ચળવળ ચલાવેલી તે ગાંધીના ફોલોઅર હતા. માર્ટીન લ્યુથર કિંગ અમેરિકાના જેમણે અશ્વેતોના અધિકાર માટે ગાંધી માર્ગે બહુ મોટી લડત ચલાવેલી. આઇન્સ્ટાઇન, અલ ગોર, એપલ ફેમ સ્ટીવ જોબ, એટનબરો જેવા અનેક દેશ વિદેશના મહાનુભવો ગાંધજીને આદર્શ માનતા હતા.

અમેરીકામા મને ઇન્ડોનેશિયન અને મેક્સિકન લોકો ગાંધીજી વિષે વાતો કરતા મળેલા છે. અમેરિકન ટીવી પર ડીબેટ ચાલતી હોય ત્યારે ગાંધીના ક્વોટ બોલતા લોકોને સાંભળ્યા છે. હોલીવુડણી ફિલ્મોમાં પણ ગાંધીના ક્વોટ વપરાયેલા સાંભળી છાતી ૫૬ ઈંચની થોડીવાર થઈ જાય.

આઝાદી માટે કહેવાતી બે ચળવળો થઈ એક ૧૮૫૭મા વિપ્લવ થયો જેના નેતા નાનાસાહેબ પેશ્વા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે જેવા બહાદુરો હતા બીજી ૧૯૪૨મા થઈ. ૧૮૫૭ના બળવો એ જેમના રાજ ખાલસા થયેલા તે અંગ્રેજોથી નારાજ રાજામહારાજાઓની લડાઈ હતી. એમાં પ્રજા સક્રિય નહોતી. પ્રજાને રાજા રાજ કરે, મોઘલ કરે કે અંગ્રેજ કરે કોઈ ફરક પડતો નહોતો. જ્યારે ૧૯૪૨ કરતા ય ઘણા સમય પહેલા ચાલું થયેલી આઝાદીની ચળવળ પ્રજાની હતી એમાં રાજાઓ સક્રિય નહોતા. કોઈ કોઈ ગોંડલનાં રાજવી ભગવતસિંહ જેવા ખાનગીમાં મદદ કરતા તે જુદી વાત છે. આ આખી ય ચળવળને વેલ પ્લાન્ડ બનાવવાનું શ્રેય તો ગાંધીજીને ચોક્કસ આપવું પડે ભલે પાછળથી જોડાયા.

આઝાદીની ચળવળ તો ગાંધી આફ્રિકાથી આવે તે પહેલા ઘણા સમયથી શરુ થઈ ચુકી હતી. લાલ, બાલ, પાલ, લોકમાન્ય તિલક, જિન્નાહ જેવા અસંખ્ય નેતાઓ એમાં સક્રિય હતા. સરદાર નહેરુ જેવી નવી પેઢી એમાં ઉમેરાતી જતી હતી. એલ્ફાનો એક અલગ ઈગો હોય છે. આખરે તો બધા મેમલ એનિમલ જ છે એટલે ગાંધી આ બધાને જોડી રાખતું જબરું ફેવિકોલ હતા..

ગાંધી પોતે કહેતા કે ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ નથી, ગાંધી વિચાર હું જાણતો નથી. કોઈ એમ ના કહે કે હું ગાંધીનો અનુયાયી છું. જયભાઈએ(જય વસાવડા) GLF માં બહુ સરસ વાત કરીકે ત્રણ ત્રણ જન્મે મુસલમાનો ભારતના રાષ્ટ્રપતિ બન્યા ગાંધી અહીં દેખાય છે, અમેરિકા જેવી મહાન લોકશાહીમાં હજુ સ્ત્રીને પ્રમુખ બનવાનાં ફાંકા મારવા પડે ત્યાં ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ તરીકે મહિલા વિરાજમાન રહી ચૂકયા છે. બાલાસાહેબ ઠાકરેના જીવનકવન પર ફિલ્મ બને છે અને બાલાસાહેબનું પાત્ર નાવાઝુદ્દીન સિદીકી ભજવે છે ત્યાં ગાંધી દેખાય છે અદ્રશ્યરૂપે.

હું કહું છું એવરીજ ભારતીય હિંસક નથી જ, એ કોઈ પણ કોમનો હોય. એને તોફાનોમાં જરાય રસ નથી. એને મારકાપમાં રસ નથી. એનામાં હિંસા પેદા કરવી પડે છે. એનામાં ભય ઊભો કરવો પડે છે કે ઉભા થાવ નહીતો આ લોકો મારી નાખશે. એના બ્રેન વોશ કરવા પડે છે, એના દિલમાં ભય અને ડરના વાવેતર કરવા પડે છે. બાકી તો વિક્રમ અને વસીમ રોજ જોડે બેસીને જ ચા પીતા હોય છે. અકરમ અને અરવિંદ એક જ બાઈક પર કૉલેજ જતાં હોય છે. ઓસ્માન અને કીર્તીદાન એક જ મંચ પર સાથે ગાતા હોય છે.

ગાંધી પરિવર્તનનો માણસ હતો. હશે એમના સેક્સ અને બ્રહ્મચર્ય વિશેના વિચારો અવૈજ્ઞાનિક હતા. ઘણી બધી કહેવાતી ભૂલો પણ કરી હશે એ જ તો સાબિતી છે કે તે ભગવાન નહિ માનવ હતા. આજે ગાંધી હોત તો એમના ઘણાબધા વિચારો અને માન્યતાઓમાં આમૂલ પરિવર્તન આવ્યું હોત તે નક્કી વાત છે.

ખેર ગાંધી વિષે બધા એટલું બધું જાણે છે કે ખૂદ ગાંધી એટલું નહિ જાણતા હોય. પણ એટલું કહીશ કે ગમે તેટલા ગોડસે પેદા કરો ગાંધી મરનેવાલા નહિ, કારણ ગાંધી તો લાખો લોકોના ર્હદયમાં સલામત છે, કારણ તમે સતત હિંસક બની જીવી ના શકો, તમે સતત ક્રોધ અને નફરત ગ્રસ્ત રહી ના શકો. ……… :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, માણસા, ગુજરાત.