સપ્પન્ની સાતી (૫૬ની છાતી)

સપ્પન્ની સાતી (૫૬ની છાતી) Isaac-Nesser-interview1

‘હમણાં ૫૬ ઈંચની છાતી વિષે બહુ ચગ્યું છે.’ વિષ્ણુભાઈ અમારી સમિત પોઈન્ટની ગપાટા મંડળીમાં આવતાવેંત બોલ્યા. આમ તો હાલ લગભગ માઈનસમાં તાપમાનનો પારો ગગડી ગયો છે એટલે ગપાટા મંડળી બહુ ઓછી ભરાય છે. પણ થોડું ચાલવું અને વિટામીન ડી માટે તડકી ખાવી પણ જરૂરી હોય છે.

વિષ્ણુભાઈ બોલ્યા એના જવાબમાં વિદ્વાન વિનુકાકા કહે, ‘માઈક ટાયસન જેવા બહાદુરની છાતી ૪૩ હતી. હોલીવુડના મશહૂર તારલા અને કેલિફોર્નીયાના માજી ગવર્નર અર્નોલ્ડ સાહેબની છાતી ૫૭ ઇંચ હતી. તો ડૉ ઇસ્સાક નાસિરની છાતી ૭૩ ઇંચ છે. પણ આ બધાં કસરતબાજો છે. જ્યારે એવરેજ પુરુષની છાતી ૩૨-૩૬ હોય તો બહુ થઇ ગયું.’

વિષ્ણુભાઈ એમની મૅહાંણી તળપદીમાં કહે, ‘સરેરાશ બૈરૉની સાતી ય સપ્પન્ની ઑતી નહિ, તાણઅ આ મોદી ચમ દિયોર સપ્પન્ની સાતી સપ્પન્ની સાતી બોલ્યા કરસઅ, અમારા પટેલીયૉના ઢેકા પોલીસવાળો જોડે ભગાઈ નૉસ્યા ન અવ દિયોર ઑન્તકવાદી રોજ ઉમલો કરીસી તાણ ચમ કૉય પગલાં લેતો નહીં, ન પાકીસ્તૉન જઈ શરીફની માનઅ પગે લાગવા ઉન્ધો પડી જાયસઅ. ચૉ જઈ સપ્પન્ની સાતી?

હહાહાહાહાહા વિનુભાઈ અને હું જોરથી હસી પડ્યા. પણ વિષ્ણુભાઈને આજે શૂર ચઢ્યું હતું. વિષ્ણુભાઈ મહેસાણી પટેલ હતા તો વિનુકાકા ચરોતરના પટેલ હતા. અહિ અમારે પટેલોની બહુમતી છે. આખાબોલો પટેલ દિલનો ભોળો ને ભલો હોય છે તેવું મારું અંગત માનવું છે. ગુજરાતમાં હાર્દિક પટેલનું આંદોલન થયું ત્યારના વિષ્ણુભાઈ નરેનબાબુ ઉપર બહુ ગરમ હોય છે, પણ એમના મનમાં જે હોય તે ચોખ્ખે ચોખ્ખું કહી દેતા હોય છે.

chest-main_Fullવિષ્ણુભાઈ આગળ વદ્યા, ‘અલ્યા રાઓલભાઈ હાચું કે જો, તમે મારી તમાકુ ખાતા હોય ક મું તમારી બીડી પીતો હઉ ક આપણા બે ઘર વચે વાટકીવેવાર હોય અનઅ આપણા સોકરાં લડી એકબીજાન મારી તો કોય આપણઅ બે જણા લડવાના સિયે? નહિ લડવાના. આપણા બે વચાળે લાગણીના સંબંધ હોય તો આપણે નહિ લડવાના. ભૈબંધી આડઅ આઈ જ જાય. રોજ ભેગા બેહી ન ભજિયૉ ખાતા હૈયે તો નહિ લડવાના. પણ રોજ તમારા સોકરાં મારા સોકરૉન મારી જતા હોય ન મારઅ તમારી જોડ બાજવુ હોય તો પેલ્લું તો મારઅ તમારી બીડી પીવાનું બંદ કરવું પડઅ, ભેગા બેહીન ભજીયૉ ઝાપટવાનું બંદ કરવું પડઅ. પસી લડી હકાય. આટલી સીધીસટ વાત સઅ.’

મેં કહ્યું સાચી વાત છે પણ હું ક્યા બીડી પીવું છું કે તમાકુ ખાઉં છું? મેં હસતા હસતા પૂછ્યું.

‘અલ્યા ભઈ મું તો એક દાખલો આલું સુ.’ વિષ્ણુભાઈ પણ હસી પડ્યા. હસતા હસતા આગળ કહે, ‘રોજ હાડીઓ આલી હોય ન લીધી હોય તો હેનું બાઝવાનું મન થાય? મું તો ઈને શાલ આલી અનઅ હાડી લીધી તાણનો હમજી જ્યો તો આ ભઈ પાકિસ્તાન હૉમું કોય પગલૉ લેવાનો નહિ. ગમે એટલા ઑન્તકવાદી ઉમલા કરસી આ સૈનિકો ન નાગરીકો મરસી આ ભઈલો હહડવાનો નહિ. સપ્પન્ની સાતી હાતની(૭) કરીનઅ બેહી જવાનો સ..

વિનુકાકા કહે, ‘સાચી વાત છે, લાગણીના સંબંધ બંધાય ત્યાં લડી ના શકો. પણ આ વેપારી છે. એને એના ભૈબંધોનો વેપાર વધે એમાં રસ છે. બીજું દુનિયામાં સારા કહેવડાવવા આપણા નેતાઓ જીતેલા યુદ્ધ ટેબલ પર આજ સુધી હાર્યા છે. પાકિસ્તાનમાં નેતાઓનું કશું ચાલતું નથી ત્યાં ખરું રાજ મિલિટરી જનરલો કરે છે. મહાસત્તાઓના દબાણને લીધે એમને થોડો સમય શરીફ જેવા પ્યાદાંને વડાપ્રધાન બનાવવા પડે છે પણ ખરું રાજ એમનું ચાલતું હોય છે. તમે શરીફ આગળ ગમે તેટલા શરીફ થાઓ એનું કશું ચાલતું જ ના હોય તો શું કામનું? આ લોકો કુરતા-પાયજામાં પહેરાવી પાક લશ્કરના માણસોને ભારતમાં ધકેલી નિર્દોષ નાગરિકોને મરાવે પણ ભારતીય સૈન્ય સામે ખરું વોર થાય તરત હથિયાર હેઠા. એ વખતે એમની ફાટી જાય છે. પછી મહાસત્તાઓને વચમાં રાખી તરત સમાધાન ઉપર આવી જતા હોય છે ત્યાં આપણા નેતાઓ માર ખાય છે. આપણા સૈનિકો યુદ્ધના મેદાનમાં લોહી વહાવે છે, નેતાઓ તે લોહીનું કરારના ટેબલ પર પાણી કરી મુકે છે.’

વિષ્ણુભાઈ કહે, ‘શાબાશ વિનુભઈ હાચી વાત કરી. પણ રાઓલભઈ આ સપ્પ્નની સાતીનું કાંક રહસ્ય મનઅ લાગસઅ, તમે જૉણતા હોય તો ક્યો.

મેં કહ્યું, ‘આપણે મર્દાનગી બતાવવી હોય તો છત્રીસની છાતી એમ કહીએ છીએ. છપ્પનની છાતી પાછળ બહુ મોટું દુઃખ, હાડમારી અને સ્ટ્રગલ રહેલી છે. ભારતમાં ૧૮૯૬માં ખુબ ઓછો વરસાદ પડેલો. તે વર્ષ અલ નીનો વર્ષ હતું. ૯૭-૯૮મા એની પૂર્તિ થાય ત્યાં પાછું અલ નીનો વર્ષ ૧૮૯૯ આવ્યું. અલ નીનો એટલે મહાસાગરોમાં એવી ઈફેક્ટ પેદા થાય એના લીધે ભારતીય ઉપમહાખંડમાં વરસાદ બહુ જ ઓછો પડે. ૧૮૯૭માં આગ્રા, અવધ બંગાળ અને મધ્ય ભારતમાં ત્રણલાખ ચોરસ માઈલમાં રહેતી પ્રજાને દુષ્કાળની ભયંકર અસર થઈ. તો ૧૯૦૦માં મુંબઈ પ્રેસિડેન્સી, મધ્યભારત, રાજસ્થાન ગુજરાત ઝપટમાં આવી ગયા. લગભગ એક કરોડ લોકોને એની અસર થયેલી. લાખો લોકો ભૂખે મરી ગયેલા. સોનું આપો તો સામે મૂઠી જાર કે બાજરી નો મળે તેવું થઈ ગયેલું. લાખો લોકો મરણશરણ થઈ ગયેલા. માણસ માણસને ખાય તેવી કારમી પરિસ્થિતિ ઊભી થયેલી. આ બધું બનેલું ત્યારે વિક્રમ સંવત ૧૯૫૬નું વરસ ચાલતું હતું માટે છપ્પનીયો દુષ્કાળ કે કાળ પડેલો એમ કહેવાય છે. ત્યાર પછીના વર્ષે વરસાદ વધારે પડ્યો તો કૉલેરા, મલેરિયા, પ્લેગ જેવી મહામારીઓ ફેલાણી એમાં બીજા હજારો મરી ગયા. હવે આવા કપરા, દારુણ કાળમાં હદ બહારની પીડા, મહાદુઃખ વેઠી જે જીવી ગયો તે છપ્પનીયો કહેવાતો કે ભાઈ મજબૂત કહેવાય. છપ્પનની છાતી મતલબ ઈંચમાં નહિ પણ છપ્પનનો દુષ્કાળ ખમી ચૂકેલો મર્દ માણસ. ખરેખર છાતીની દ્રષ્ટીએ મર્દ માણસ માટે છત્રીસની છાતી જેવો મહાવરો છે. છપ્પનની છાતી તો સ્પેશલ કસરત-મહેનત કરીને બનાવેલ પહેલવાનો અને કસરતબાજોની જ હોય સરેરાશ માનવીની હોય નહિ.’

‘લ્યૉ તાણ મોદી વરી ચ્યાં સપ્પ્નીયા કાળમાં જન્મેલા સ..અ.. એતો આઝાદી પસી પેદા થ્યા સી. મારી દાદી સપ્પનીયા કાળની વાતો કરતાં, તાણ ઈમની ઉંમરેય બૌ નૉની અતી.’ વિષ્ણુભાઈ બોલ્યા.

વિનુકાકા કહે મોદીએ કોઈનાં સ્ટેટમેન્ટનાં જવાબમાં છપ્પનની છાતી જેવું કશું કહેલું, મતલબ એવો થાય કે છપ્પનના દુષ્કાળ જેવા લોકોના દુઃખ જોયા હોય જાતે વેઠ્યા હોય તે બીજાના અનુભવી શકે ને દૂર પણ કરી શકે. હવે મોદીએ કયા અર્થમાં કહેલું તે મોદી જાણે.

વિષ્ણુભાઈ પાછા ઉકળ્યા, ‘ દિયોર એ હું જૉણઅ, ડંફાસો મારવામૉથી ઊંચો નહિ આવતો. આ દિયોર પઠૉણકોટમાં મૉય ઘરમાં પેહી જઈ ન મારી જ્યાં, આપણા લશ્કરના મૉણહો બિચારા અમથા અમથા કુટઈ જૉયસી. દીયોડો ન પૂરી ખબરેય ઑ   ય  નઇ, કી સી ઓપરેશન ઓવર. તંબુરો ઓવર અમણૉ મારા મૂઢાની કૉક હૉભળસે. દિયોર ગૃહ પ્રધૉન સ ક પટાવાળો? બદલો લેવો જોઈ અ ક નૈ?

મેં કહ્યું, ‘બદલો લઈએ એ વાત જુદી છે. પઠાણકોટ ટ્રેજેડી સરકાર અને દેશની તમામ સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતાનું પરિણામ. સુરક્ષા એજન્સીઓનો એકબીજા સાથે કોઈ તાલમેલ જણાતો નથી કે નથી સરકારનો એમના ઉપર કોઈ કાબૂ. ૪૮ કલાક પહેલા ખબર હતી કે આતંકવાદીઓ આવી ચુક્યા છે ને ખુલેઆમ ફરી રહ્યા છે. દેશની આંતરિક સુરક્ષા પોલીસ અને ગૃહપ્રધાનની ફરજ છે. ગૃહપ્રધાન રાજનાથસિંહ ભાઈએ એમની નિષ્ફળતા કબૂલી જો એક છાંટો શરમ બચી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. શું કહો છો?

વિનુભાઈ કહે, ‘સાચી વાત છે. મારો પોઈન્ટ એ છે કે પહેલા તો ઘુસ્યા એજ આપણી નિષ્ફળતા. પોલીસ અધિકારીનું અપહરણ બીજી નિષ્ફળતા. એણે સમાચાર આપ્યા પછી તમામ તંત્રો ઊંઘતા રહ્યા. ૪૮ કલાક પછી હુમલો. ટૂંકમાં પોતાની જૉબ કોઈ સરખું કરતુ જ નથી. તમામ જવાબદાર પોલીસ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ઉપર કડક પગલા લેવા જોઈએ. એમને જૉબ પરથી કાઢી મુકવા જોઈએ. એ તમામને સો કોલ્ડ મર્ડરર ઓફ આર્મી ઓફિસર્સ ગણી કેસ ચલાવવો જોઈએ તે પહેલા ગૃહ પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ.’

મેં કહ્યું, ‘દેશની સુરક્ષા એજન્સીઓ અને ગૃહ પ્રધાનની નિષ્ફળતાને હાથે હણાયેલા દેશના વીર જવાનોને એમની કમોત શહીદી બદલ આદરાંજલિ આપી છુટા પડીએ.’

વિષ્ણુભાઈ પાછા બગડ્યા, ‘દિયોર આ બધાં પરધૉનૉ ન અંજલી હૉમટી આલી દેવા જેવી સ.

તાપમાન ધીમે ધીમે ગગડતું જતું હતું શૂન્ય થી નીચે એક-બે-ત્રણ. રાત્રે તો શૂન્યથી નીચે ૧૫ થવાનું હતું. મેં કહ્યું હવે ભાગીએ ઘેર કાલે વેધર સારું હશે તો મળીશું કહી બધા છુટા પડ્યા.            pathankot

Advertisements

બાજીરાવ મસ્તાની

બાજીરાવ પહેલાં,bajirao-peshwa-in-pune

એટલે શિવાજીના વારસદાર મરાઠા છત્રપતિ શાહુ મહારાજના પેશ્વા (પંત પ્રધાન). એમના પિતા બાલાજી વિશ્વનાથનાં હાથે તાલીમ પામેલા, પિતાના મૃત્યુ પછી ફક્ત ૨૦ વર્ષની ઉંમરે પેશ્વા બન્યા. દુશ્મનને અંદાઝ ના હોય એટલી ચીલ ઝડપે ઓચિંતો હુમલો કરનાર ૧૯ વર્ષની કારકિર્દીમાં ૪૧ યુદ્ધ લડનાર અને તમામ જીતનાર ૩૯ વર્ષની યુવાન વયે તાવમાં મૃત્યુ ના પામ્યા હોત તો દિલ્હીના તખ્ત પર વિરાજમાન હોત એમાં કોઈ શક નહિ. મધ્ય ભારતના નામાંકિત બુંદેલખંડનાં મહારાજા છાત્રશાલને મોગલો સામેના યુદ્ધમાં મદદ કરનાર બાજીરાવ પર મહારાજા છત્રશાલ ઓવારી જાય એમાં કોઈ નવાઈ નહિ. બાજીરાવને એમણે ઝાંસી, સાગર અને કાલ્પીની જાગીર સાથે ૩૩લાખ સોનાના સિક્કા અને એક હીરાની ખાણ સાથે એમની પર્શિયન મુસ્લિમ પત્ની વડે થયેલી મસ્તાની નામની દીકરી સાથે લગ્ન પણ કરાવી આપેલા. મસ્તાની પોતે સારી ઘોડેસવાર, ભાલા અને તલવાર ચલાવવામાં ઘણી કાબેલ હતી. યુદ્ધમાં તે બાજીરાવ સાથે કંપની આપતી તેવું પણ કહેવાય છે. આ લગ્ન રૂઢીચુસ્ત ચિતપાવન બ્રાહ્મણ કુંટુંબના બાજીરાવના માતા, ભાઈ અને એમની પ્રથમ પત્ની કાશીને મંજુર નહોતા. મસ્તાની બાજીરાવના સત્તાવાર નિવાસસ્થાન શનિવારવાડામાં થોડો સમય રહેલી પછી એના માટે બાજીરાવે મસ્તાની મહેલ બનાવેલો. મસ્તાની બાજીરાવના કોર્ટ કચેરીના કામોમાં પણ સહભાગી થતી અને એક્ટિવ ભાગ ભજવતી.

બાજીરાવ મસ્તાનીનો પુત્ર શમશેર બહાદુર બાજીરાવના મૃત્યુ સમયે ફક્ત છ વર્ષનો હતો પાછળથી તે બાંદાની જાગીર સંભાળતો અને મરાઠાઓના પક્ષે ૧૭૬૧મા અહમદશાહ અબ્દાલી સામેની પાણીપતની લડાઈમાં લડેલો અને મૃત્યુ પામેલો. શમશેર બહાદુર(કૃષ્ણરાવ)નો વારસદાર અલી બહાદુર(કૃષ્ણસિંહ) બાંદાના નવાબ કાયમ મરાઠા તરફે રહેલા, અને એમનો પૌત્ર શમશેર બહાદુર બીજો ૧૮૦૩મા એંગ્લો-મરાઠા વોર સમયે મરાઠા પક્ષે અંગ્રેજો સામે લડેલો.  બાંદાના આ નવાબોએ હમેશાં મરાઠાઓ ને યુદ્ધોમાં સાથ આપેલો. એપ્રિલ ૧૭૪૦મા બાજીરાવ ઓચિંતા તાવમાં પટકાયા અને મૃત્યુ પામ્યા ત્યારે કાશીબાઈ, ભાઈ ચીમનાજી, પુત્ર બાલાજી સાથે મસ્તાની પણ આવેલી. મસ્તાની પછી બહુ લાંબું જીવી નહોતી પણ એના મૃત્યુ વિષે જાત જાતની કથાઓ છે. એક કથા પ્રમાણે સતી થયેલી તો કોઈ કહે છે ઝેર ખાઈને જીવન ટૂંકાવેલું. પણ તેના મૃત્યુ સમયે ફક્ત છ વર્ષના એના પુત્ર શમશેર બહાદુરને કાશીબાઈએ પોતાના પુત્રની જેમ ઉછેરેલો તેવું કહેવાય છે. બાજીરાવના હાલના વારસદાર ઉદયસિંહ પેશ્વા સાથે બાજીરાવ-મસ્તાનીના હાલના વારસદારો ઓવૈસ બહાદુર નવાબ સાહેબ, નવાબ ઝુલ્ફીકાર બહાદુર IV, શાહીન બહાદુર, નવાબ ઉસ્માન બહાદુર (નવમી પેઢી), આ બધા એક યાં બીજા કારણોસર બાજીરાવ-મસ્તાની ફિલ્મના નિર્માતા, દીર્ગદર્શક અને સંગીતકાર એવા સંજયલીલા ભણશાળી થી નારાજ છે.

ખેર હવે ફિલ્મની વાત કરું તો ઐતિહાસિક દ્રષ્ટીએ સંજયલીલા ભણશાલીએ થોડા નજીવા ફેરફાર સિવાય કોઈ ખાસ ફેરફાર કર્યો હોય એવું લાગતું નથી. મસ્તાની નૃત્ય કલામાં માહેર હતી તેના કરતા વોરિયર વધુ હતી. એનું અડધું લોહી તો હિંદુ હતું પણ રૂઢીચુસ્ત બાજીરાવના કુટુંબ તરફથી અવહેલના સાથે તકલીફો પણ પામેલી તે અહિ બરોબર બતાવ્યું છે. રાજપૂત રાજાઓ તો અનેક પત્નીઓ રાખવા ટેવાયેલા હતા તેમ એમની પત્નીઓ પણ પતિની અનેક પત્નીઓ હોય એમાં ખાસ વાંધો નો લેતી. ઉલટાની રાજા નવી પત્ની લઈ ને ઘરમાં આવે ત્યારે જૂની પત્ની જ એને પોંખી ઘરમાં આવકાર આપતી. પણ આ બાજીરાવ તો મરાઠી ચિતપાવન બ્રાહ્મણ હતાં. અહીં પત્નીઓ આવી રીતે ટેવાયેલી ના હોય કે બ્રાહ્મણ સમાજ પણ ટેવાયેલો ના હોય એમાંય મસ્તાનીનું અડધું લોહી મુસ્લિમ હતું. બાજીરાવના ટૂંકા જીવનકાળમાં યુદ્ધોમાં અતિશય વ્યસ્ત રહેવું, લગભગ દર છ મહીને એક યુદ્ધ એવા ૪૧ યુદ્ધની કથા તો અહિ ત્રણ કલાકમાં એક આખી વોર ફિલ્મ બનાવીએ તો પણ બતાવી નો શકાય. સંજયલીલા ભણશાલીએ કોઈ વોર ફિલ્મ નહિ લવસ્ટોરી બનાવી છે. છતાંય આ પ્રેમકહાનીને ઘડનારા યુદ્ધને બરોબર બતાવ્યું છે.

એક મહત્વની બીજી બાબત સંજયલીલા એ યુદ્ધ સમયે બતાવી છે તેના માટે હું એમને ખાસ દાદ આપવા માંગુ છું. નવી પેઢીને જુના સમયે યુદ્ધમાં વપરાતાં શસ્ત્રો વિષે ખાસ માહિતી હોય નહિ તે સ્વાભાવિક છે. એમને ખાલી તલવાર, તીર કે ભાલા વિષે માહિતી હોય. તલવાર ટૂંકી અને એની બ્લેડ કડક હોય છે. સરખી વાપરતાં નો આવડે તો તલવારના બે ટુકડા પણ થઈ જાય. અહિ ફિલ્મમાં બાજીરાવ બનેલા રણવીરસિંહનાં હાથમાં સંજયે પટાબાજીમાં વપરાતો પટો બતાવ્યો છે. પટો તલવાર કરતાં બહુ લાંબો હોય છે. બીજું એની બ્લેડ તદ્દન વળી જાય તેવી ફ્લેક્સીબલ હોય છે. એની મૂઠ તલવાર કરતા અલગ હોય છે પણ લાંબા પટાની અણી એની મૂઠને વાળીને અડાડી શકો પણ બટકાય નહિ. તલવારબાજી કરતાં પટાબાજી કરવામાં બહુ વધારે કાબેલિયત જોઈએ. આવડત નો હોય તો પટો તમને પોતાને જ કાપી નાખે. પટો બહુ લાંબો હોવાથી દુશ્મન ખાસો દૂર હોય તો પણ એને ચીરી શકાય છે.તલવાર અને પટો

ફિલ્મમાં રણવીરસિંહ અદભુત કૌશલ્યથી પટો ફેરવતો બતાવ્યો છે. તો બીજા યુદ્ધમાં તો બંને હાથે બે પટા હાથમાં લઈને પટાબાજી કરતો બતાવ્યો છે તે અદ્ભુત હતું. તલવાર કરતા દસગણું જીવલેણ આ હથિયાર વાપરતા નો આવડે તો પોતાને જ મારી નાખે. અહિ હોલીવુડની નકલ કરવાની કોઈ ગુંજાશ જ નહોતી. અહિ તો હોલીવુડે આ ભારતીય મરાઠા યોદ્ધાની પટાબાજીની નકલ કરવી પડશે. બંને યુદ્ધોમાં રણવીરસિંહ પટાબાજી કરે છે હું માનું છું દુનિયાના તમામ ફિલ્મી યુદ્ધ દ્રશ્યોમાં યુનિક છે. જ્યારે આપણો ફિલ્મ ઉદ્યોગ કાયમ હોલીવુડની નકલ કરવા વર્ષોથી ટેવાયેલો હોય ત્યારે ખાસ ક્રેડીટ ગોઝ ટુ સંજયલીલા ભણશાળી.

રણવીરસિંહ, બન્દેમે દમ તો પહેલેસએ હી બહોત થા. ફક્ત ૨૦ વર્ષની યુવાન વયે પેશ્વા બની બીજા ૧૯ વર્ષમાં ૪૧ યુદ્ધ લડી જીતી ૩૯ વર્ષે મૃત્યુ પામવું એટલે આવા ડેશિંગ પાત્ર માટે પચાસ પચાસ વર્ષ વટાવી ચુકેલી ખાન ત્રિપુટીની વરણી તો નકામી જ હતી. બીજું ત્રણે ય ખાનની એક સ્પેશલ ઈમેજ ઉભી થઇ ગઈ છે. એમાં તે બાજીરાવ ને બદલે વધારે સલમાન, શાહરૂખ કે આમીર લાગે. રણવીર હજુ નવો છે અને ભલે ઘણીબધી ફિલ્મો આવી હશે એની, પણ સફળ ફિલ્મોમાં આ એની બીજી ફિલ્મ છે. પ્રિયંકા, દીપિકા જેવી સક્ષમ અભિનેત્રીઓએ સૌ સૌના પાત્ર બરોબર નિભાવ્યા જ છે.

હવે હિન્દી ફિલમ હોય એટલે નાચગાન તો રહેવાના જ. એમાં કાઈ બહુ વાંધો કાઢવા જેવું છે નહિ. ભવ્યાતિભવ્ય સેટ માટે તો સંજયલીલાને કશું કહેવું જ નો પડે. અસલ શનિવાર વાડો કે મસ્તાની મહેલ પણ આટલો ભવ્ય નહિ હોય.

બાજીરાવ એક વોર હીરો મુખ્ય હતા, અને વીર યોદ્ધાનાં ચરણોમાં સૌંદર્ય ઢળી ના પડે તો તે વીર શાનો? વીરો એક જ સ્ત્રીના મોહપાશમાં બંધાયેલા રહે તે માન્યતા જ ખોટી છે અને એ માન્યતા ખોટી હોવામાં એમના પ્રેમમાં પડી જતી અનેક સ્ત્રીઓનો બહુ મોટો હાથ છે. રણમેદાનમાં ઘોડા પર મારમાર કરતી સબોસબ તલવાર વિંઝતી રૂપાળી રમણી જોઈ કયો વીર પુરુષ એના પર મોહિત ના થાય? સૌંદર્ય અને વીરતા હમેશાં એકબીજાના પ્રેમમાં પડી જતાં હોય છે. સૌંદર્ય વીરતાની કમજોરી છે તો વીરતા સૌંદર્યની.

બાજીરાવે દખ્ખણમાં નિઝામ, ઉત્તરમાં મુઘલો સાથે માળવા, ગુજરાત, રાજસ્થાન બધા સર કર્યા હતા અને અનેક રાજાઓ સાથે સંધિઓ કરી ચોથ ઉઘરાવી લેવાના કરાર કર્યા હતા. બાજીરાવ એકલા યોદ્ધા નહોતા કુશળ રાજકર્તા અને મિત્ર રાજાઓ સાથે સારા સંબંધ રાખનાર અણીના સમયે મદદ કરનાર પણ હતા. યુદ્ધમાં હિંસા તો કરવી પડતી હોય છે, પણ ચંઘેઝ, તૈમુર, નાદિર અને હિટલર જેવા અનેક શાસકો ક્રૂર હત્યારા સાબિત થયા છે જ્યારે સિકંદર, નેપોલિયન અને બાજીરાવ જેવા વીરોને હજુ ય લોકો યાદ કરે છે. બાજીરાવની જેમ ગુરુ ગોવિંદસિંહ પણ વીર યોદ્ધા હતાં. એમના ટોટલ ચાલીસ વર્ષના જીવનકાળમાં ૨૦ વર્ષ કારકિર્દીના ગણીએ તો તેઓ પણ ૨૦ મોટા બેટલ લડેલા. સરેરાશ દર વર્ષે એક યુદ્ધ. બાજીરાવ દર છ મહીને એક યુદ્ધ લડેલા. બંનેનો જીવનકાળ આશરે ફક્ત ૪૦ વર્ષનો. મને લાગે છે યુદ્ધનો અતિશય સ્ટ્રેસ એમના ઓછા આયુષ્ય માટે કારણભૂત હોઈ શકે. જો કે ગુરુ ગોવિંદસિંહ ઉપર તો બે પઠાનોએ જીવલેણ હુમલો તેઓ આરામ કરતા હતા ને કરેલો. બાબુ મોશાય જીંદગી લંબી નહિ બડી હોની ચાહીએ. બાજીરાવ લાંબું જીવ્યા હોત તો અંગ્રેજોનો ગજ કદાચ વાગ્યો ના હોત. બાજીરાવે પોર્ટુગીઝોને પણ ભગાડેલા.

એક દૂરંદેશી સફળતમ યોદ્ધાનો જીવનકાળ ટૂંકો રહ્યો તે ભારત માટે અને ભારતની પ્રજા માટે બહુ મોટી કમનસીબી હતી, અને આ વિચાર સાથે બાજીરાવના મૃત્યુના દ્રશ્યો ફિલ્મમાં જોતા મારું હૃદય દ્રવી ઉઠેલું. તો ફિલ્મ પૂરી થઈ જાય અને ઘણીવાર તો પૂરી પણ ના થઈ હોય ને લોકો ઊભા થઈને ભાગવા માંડતા હોય છે. અહિ ફિલ્મ પૂરી થઈ ગઈ હતી પણ આખું થિયેટર સ્તબ્ધ હતું કોઈ ઉભું થવાનું નામ નહોતું લેતું જાણે હજુ કશું બાકી છે સંજયલીલા ભણશાળી હજુ વધુ બતાવો. આપણે યુદ્ધ પ્રિય પ્રજા નથી બાકી હું સંજયલીલાને કહેત કે બાજીરાવ ઉપર એક ટોટલ વોર મુવી બનાવો અને દુનિયાનાં ફિલ્મ ઉદ્યોગ પર છવાઈ જાઓ તમારામાં એ ક્ષમતા છે. છેવટે સખત કોમવાદમાં અને નબળા રાષ્ટ્રવાદમાં જીવતી પ્રજાની કમનસીબી પર ભારતના અજેય યોદ્ધા બાજીરાવના અકાલ મોતનાં દ્રશ્યો જોતા આંખો ભીની હતી અને હું સૌ પ્રથમ ઊભો થયો થિયેટર બહાર જવા માટે.baji-rao-video-647_121015095832

 

 

દાદરો બનીને ઊભા દુનિયામાં

દાદરો બનીને ઊભા દુનિયામાં

‘અમે દાદરો બનીને ઊભા દુનિયામાં ચડનારા કોઈ નો રે મળ્યા.’IMG_6290

દુલા ભાયા કાગ બાપુની આ પંક્તિ છે. આખું ગીત તમે કોઈ પહાડી અવાજ ધરાવતા અને ગાળામાં ચારણી હલક ધરાવતા ગાયકના મુખે સાંભળો તો બહુ મજા આવે. થોડા દિવસ પહેલા ન્યુ જર્સી ગયેલો ત્યારે મને આ સાંભળવાનો લહાવો મળ્યો હતો, અને તે પણ ગુજરાતી લિટરરી અકાદમી નોર્થ અમેરિકાના પ્રમુખ શ્રી. રામભાઈ ગઢવીનાં મુખે થી..

અકાદમીના ઉપક્રમે પ્રોગ્રામ હતો દુહાઓ વિષે રસપ્રદ માહિતી પીરસવાનો. વક્તા હતા ડૉ. બળવંત જાની. અને દુહા ગાઈને સંભળાવવાનું કામ અકાદમીના પ્રમુખ રામભાઈ કરવાના હતા તો થોડા દુહા પાર્થ નામના યુવાને પણ બહુ સરસ રીતે સંભળાવ્યા. દુહા, દુહો, દોહરો કહીએ તેનો ઇતિહાસ ૮૦૦-૯૦૦ વર્ષ જુનો છે. બલવંત ભાઈએ ચારણી સાહિત્ય, લોકસાહિત્ય ઉપર ખુબ કામ કર્યું છે. એમણે સંત સાહિત્ય સાથે ખોજા સાહિત્ય ઉપર પણ ખુબ કામ કર્યું છે. સંતોએ રચેલા ભજનોને તો આપણે સાહિત્યમાં ગણતા નથી. એમના કહેવા મુજબ એમણે દસ હજાર ભજનોનું સંકલન કર્યું છે. અને દુહાઓ તો ૫૦,૦૦૦ હશે. લગભગ ૧૫૦ વિદ્વાનોએ લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને દુહાઓ વિષે સંશોધનાત્મક કામ કરેલું છે. દુહા પહેલા પ્રાકૃત ભાષામાં લખાતા હતા. દુહા એટલા જુના છે. દુહા એટલે બે લીટીની કવિતા કહીએ તો પણ ચાલે. કોઈ ગદ્યકારને એની વાત કહેવા ૨-૩હજાર શબ્દોની જરૂર પડે ત્યાં કવિ એજ વાત થોડીક પંક્તિઓમાં કવિતા રૂપે કહી દેતો હોય છે, ત્યાં દુહો રચનાર ફક્ત બે લીટીમાં તે વાત કહી દેતો હોય છે. આ બે લીટીની કવિતા જનોઈવઢ ઘા જેવી હોય છે, સમજ પડે ત્યાં તો દિમાગ અને દિલના ફુરચા નીકળી ગયા હોય.

હજારો દુહાઓના રચયિતાનાં નામ જ જડતા નથી. લોકમુખે પેઢી દર પેઢી આવા અનામી રચનાકારનાં દુહાઓ હજુ જીવંત છે. તો બારમી સદીના ઇસરદાન નામના કવિએ હજારો દુહાઓ રચ્યા છે જે કદી ભેટ સોગાદ લેતા નહોતા. ગુજરાતીમાં મેઘાણી સાહેબે ચારણી સાહિત્ય, લોકવાર્તાઓ, લોકગીતો અને દુહાઓ વિષે અદ્ભુત કામ કરેલું છે. એમને કોઈ લેખ સંદર્ભે દુહાઓની જરૂર પડતાં કાગબાપુને કહ્યું હશે. દુલા ભાયા કાગે થોડા દુહા મોકલી આપ્યા શોધીને.. પણ મેઘાણી સાહેબને વધુ દુહા તે લેખ બાબતે જોઈતા હશે. તેમણે ફરમાયશ કરી હજુ વધુ દુહા મોકલી આપો. કાગબાપુએ જે યોગ્ય હતા તે મોકલી આપેલા બીજા લાવવા ક્યાંથી. એટલે એમણે જાતે રચીને મોકલી આપ્યા. પણ આ તો મેઘાણી હતા. એમણે વળતો જવાબ લખ્યો દુહા સારા રચાયા છે હજુ બીજા વધારે રચાય તો મોકલી આપશો.. દુહાની શૈલી પરથી મેઘાણી સાહેબને ખબર પડી ગઈ કે આ એમણે જાતે રચેલા છે. આવા કવિઓ હતા અને આવા એમના પારખુઓ પણ હતા.

IMG_6291દુહાઓમાં લાઘવ છે, તો મુલ્ય બોધ અને શૃંગાર સાથે સૌન્દર્યબોધ પણ છે. દુહાઓમાં કરુણ રસ પણ ભારોભાર ભરેલો હોય છે. એવા કરુણરસથી ભરેલા દુહા કોઈ પહાડી ગળું ધરાવતા ચારણ-ગઢવીના મુખેથી એક પછી એક સાંભળીએ તો લાગે જાણે હિમાલય રડી રહ્યો છે, અને એના આંસુની ધારા જાણે ગંગા જમુના બનીને વહી રહી છે. ચારણના ગાળાની હલક કોઈ સ્પેશલ જિનેટિક મ્યુટેશન હોય એવું લાગે છે. અને એવી હલક કોઈ વેલજીભાઈ ગજ્જર અને પ્રફુલ્લ દવે જેવાના ગાળામાં કુદરતી આવી જાય ત્યારે ઓર રંગ જમાવતી હોય છે.

દુહામાં રામાયણ રચાણી છે તો દુહામાં મહાભારત પણ રચાયેલું છે. અરે દુહામાં વ્યાકરણ પણ રચેલું છે. દુહા કઈ રીતે રચવા, એનું બંધારણ કેવું હોવું જોઈએ તે પણ દુહામાં જ રચીને સમજાવેલું છે. દુહા સામસામે સવાલ જવાબ રૂપે પણ રચાતા. રાજદરબારમાં ડાયરો જામ્યો હોય ત્યારે સામસામે દુહાની રમઝટ બોલાતી અને એમાં ત્રણ ત્રણ દિવસ વીતી ગયા હોય તેવું પણ બનેલું છે. દુહાઓ વિષે અદ્ભુત માહિતી બળવંતભાઈ આપે જતા હતા અને વચમાં વચમાં રામભાઈ દુહા ગાઈ સંભળાવતા હતા. તો થોડા દુહા પાર્થ નામના યુવાને પણ ગાઈ સંભળાવ્યા. રામભાઈએ એક ગીત બહુ સરસ સંભળાવ્યું. ભાવાર્થ એવો હતો કે દાદા એમની ભરયુવાન પૌત્રીને વર કેવો જોઈએ તે વિષે પૂછે છે. એમાં થોડી રમૂજ પણ હતી. દીકરી કહે છે દાદા ઉંચો વર નો જોતા નિત નેવાં ભાંગશે. જુના જમાનામાં નળિયાવાળા ઘર એટલે એવું કહેવાયું અને નીચો વર પણ નો જોતા નિત ઠેબે ચડશે. વર જોવો હોય તો કેડે પાતળિયો ને મારી સખીઓ વખાણે તેવો જોજો. મતલબ તે વખતે પણ સિક્સ પેક નું મહત્વ હતું. મેં પણ વર્ષો સુધી કસરત કરીને સિક્સ પેક સાચવી કમર ૨૮-૨૯ થી કદી વધવા નહોતી દીધી. પણ હવે હર્નિયાનું ઓપરેશન થયા પછી કસરત થતી નથી એમાં સીધી ૩૪ થઇ ગઈ છે.

કાગબાપુનું અમે દાદરો બની ઉભા ગીત પણ રામભાઈએ સરસ ગાયું. દાદરો બની દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ નો મળ્યા. પછી એમાં રોટલાની વાત છે કે ખેતરમાં ડુન્ડું હોય તે કપાય, ખળામાં પહેલાં બળદના પગ નીચે કચરાતું, હવે થ્રેસરમાં કચરાય છે. પછી ઘંટીમાં વળી પાછું પીસાય, પછી રોટલા ઘડાનારીના હાથે મસળાય, પછી કલેડીમાં નીચે અગ્નિ હોય ને શેકાય પછી થાળીમાં પીરસાય પણ જમનારા કોઈ નો મળે તો? દાદરો બનવું પણ સહેલું નથી. કપાય, સુકાય અને ખુબ ખુબ છોલાય ખીલા ઠોકાય પછી દાદરો બને છે. ગુજરાતી સાહિત્યમાં ડૉ બળવંત જાની અને રામભાઈ જેવા દાદરો બનીને ઉભા છે, એક ગુજરાતમાં અને એક અમેરિકામાં..

શ્રી. રામભાઈને ૭૫ વર્ષ થયા, એની ખુશીમાં સ્ટેજ ઉપર કેક કાપીને નાનકડો ઉત્સવ ઉજવવામાં આવ્યો. મારે પણ એવી જ એક બર્થડે પાર્ટીમાં જવાનું હતું એટલે બાકીનો ગાયનવાદન પ્રોગ્રામ પડતો મુકીને પરમ મિત્ર દિલીપ ભટ્ટની સરસ આદુવાળી ચા પી હું પણ ભાગ્યો..  IMG_6296

દાળ શું દાળના ભાવ સાંભળી દા’ ડો બગડે

દાળ શું દાળના ભાવ સાંભળી દા’ ડો બગડેP123%20Special%20Laxmi%20Toor%20Dal%20Oily

અમારે સ્ક્રેન્ટનમાં તો બિનસત્તાવાર રીતે ઠંડી ચાલુ થઈ ગઈ છે. એકવાર થોડો બરફ પણ પડી ચૂક્યો છે. અમારા સમિત પોઇન્ટનાં ચર્ચા ચોરે(પાર્ક) જતાં પહેલાં વેધર જોઈ લેવું પડે. બહુ ઠંડી હોય કે વાદળિયું વાતાવરણ હોય તો કોઈ દેખાય નહિ. તડકો નીકળ્યો હોય તો બધાં દેખાય. મારે તો બારીમાંથી જ ચોરો દેખાય છે. એટલે અમારી મંડળીના સભ્યો દેખાય અને હું નવરો હોઉં તો ગામગપાટા મારવા પહોચી જાઉં.

મને જોઇને વિષ્ણુભાઈ તરત બોલ્યા, ‘અલ્યા રાઓલભઈ મારું દિયોર આ બહો રૂપિયે દાળ ચૉય હૉભળી તી?’

મેં કહ્યું, ‘ઑના કરતૉ તો બળ્યું મરઘું સસ્તું થઈ જ્યુ સઅ.’

‘દાળ બગડે એનો દહાડો બગડે એવી કહેવત છે, પણ હવે તો દાળના ભાવ સાંભળી દહાડો બગડી જાય છે,’ રમાબેન બોલ્યા..

વિનુકાકા કહે, ‘સરકારે દરોડા પાડી ૫૦,૦૦૦ ટન જેટલી દાળ સંગ્રહખોરો પાસેથી પકડી છે.’

મેં કહ્યું, ‘ભાઈઓ હું તો કાયમ કહું છું કે આપણે ધાર્મિક છીએ નૈતિક નહિ. એક ઐતિહાસિક દાખલો આપું. મહમદ બેગડાના સમયમાં ગુજરાતમાં દુકાળ પડ્યો. એનો લાભ લેવા વેપારીઓએ ગોદામોમાં અનાજ સંગ્રહી લીધું. લોકો ભૂખે મરવા લાગ્યા. બેગડાએ આદેશ આપ્યો કે કોઈએ અનાજ સંગ્રહ કરવો નહિ. પણ વેપારીઓ એકદમ માને ખરા? મહમદ બેગડાનો પિત્તો હટ્યો એને થયું મારી પ્રજા ભૂખે મરે છે અને આ વેપારીઓ કોઈને ગાંઠતા નથી, રાજના હુકમનો અનાદર? અમદાવાદના બેચાર સંગ્રહખોર વેપારીઓને પકડી મંગાવ્યા અને ભદ્ર આગળ ભર બજારમાં સૂળીએ લટકાવી દીધા. બીજા વેપારીઓ ગભરાઈ ગયા તરત અનાજના ગોદામો ખુલ્લા મૂકી દીધા.’

વિનુકાકા કહે, ‘સાચું છે, રાજકર્તા કડક ના હોય તો નકામું છે. દાળ ઓછી પાકી છે જાણી અમુક વેપારીઓએ લાભ લેવા સંગ્રહ કરી લીધો એટલે દાળના ભાવ આસમાને પહોચી ગયા.’

રમાબેન કહે, ‘પહેલા એક એડ આવતી હતી કે ગુણીયલ નારી ઘરમાં લાવે અંગુર તુવેર દાળ. હવે એના બદલે ગુણીયલ અને કરકસરિયણ નારી ઘરમાં ના લાવે તુવેર દાળ.’

બધા હસી પડ્યા, વિનુકાકા કહે ખરું જોડી કાઢો છો તમે.

વિષ્ણુભાઈ કહે, ‘અમી તો દિયોર ખેતી કરેલી સઅ. અનાજ ક કઠોળ ક શાકભાજી વધાર પા..કઅ ક ઓસુ પા..કઅ, સેડૂના (ખેડૂતના) હાથમાં તો જે આવતું હોય એજ આવઅઅ.

મેં કહ્યું, ‘ સાચી વાત છે. મેં પણ ખેતી કરેલી છે. વધુ પાકે તો મફતના ભાવે વેચવું પડે છે. મેં એકવાર કોબીજની ખેતી કરેલી. ટ્રક ભરીને અમદાવાદ ગયો. ભાવ સાવ ઓછા તો નડિયાદ ગયો. ૪ રૂપિયે મણ એટલે ૪ રૂપિયે ૨૦ કિલોના ભાવે વેચીને આવેલો. કોબી ભરવા જે કોથળા લાવેલો તેના પૈસા ય નહોતા નીકળ્યા. પછી ખેતરમાં જે કોબીજ હતી તેમાં રબારી ભાઈઓને છૂટ આપી દીધી ગાયો મૂકી દીધી. કોબીજનું ખેતર સફાચટ.’

વિષ્ણુભાઈ બોલ્યા, ‘આ કુબી ન વરિયાળી ની શેતી તો મિ યે કરેલી સઅ. કુબી ભેગી જ વરિયાળી વાઇ દેવાની. બૌ પાક તો ભાવ ઓસા થૈ જૉય અને ઓસુ પાક તો ભાવ થોડા વધુ મલી પણ બધું હરખુ જ.

રમાબેન બહુ સમયે ઓચિંતાં બોલ્યા, ‘એક ચપટી દાળ કી કિંમત તુમ ક્યા જાનો નરેનબાબુ?’

વિનુકાકા કહે, ‘નરેનબાબુને ગુજરાતી દાળ બહુ પ્રિય છે અને હવે એમણે સૂત્ર બદલ્યું છે, દાળ હું એકલો જ ખાઇશ કોઇને ખાવા નહિ દઉ.’

રમાબેન કહે, ‘ઇન્ડિયાથી મારી બેનપણીનો ફોન આવેલો તે કહેતી હતી કે આ વખતે અમે દિવાળી પર સગાવહાલાને ગિફ્ટમાં મીઠાઈના પૅકેટને બદલે અંગુર તુવર દાળના પેકેટ આપવાનાં છીએ.’

અમે બધા ખુબ હસ્યા આ સાંભળી.

હવે વાતનો દોર જરા બદલાયો. અમેરિકામાં ગુજરાતીઓમાં પટેલોની બહુમતી છે. અમેરિકનો માટે ઇન્ડિયન એટલે પંજાબી અને પટેલ બે જ હોય. મારી અટક રાઓલ, પણ ઘણી જગ્યાએ પૂછ્યા વગર પટેલ લખી નાખે. આપણે રાઓલ કહીએ તો પણ સામેવાળા ધોળીયાને પટેલ જ સંભળાય. અમારા ચર્ચા ચોરે પટેલોની બહુમતી છે.

મેં વિષ્ણુભાઈને કહ્યું, ‘આપણે કોઈને અટક વિષે પૂછીએ અને પટેલ કહે તો જાણકાર હોય તો બીજો સવાલ આવે. કડવા કે લેઉઆ?’

વિષ્ણુભાઈ કહે, ‘સાચી વાત છે. અમારા પટેલોમાં બે મુખ્ય શાખા છે.’

મેં કહ્યું, ‘હવે કોઈ પટેલ કહે તો પહેલું પૂછવું પડશે બૌદ્ધ પટેલ કે હિંદુ પટેલ? પછી કડવા કે લેઉઆ?’

વિનુકાકા લેઉઆ પટેલ છે; કહે, ‘પછી પૂછવાનું બૌદ્ધ કડવા પટેલ કે બૌદ્ધ લેઉઆ? હિંદુ કડવા પટેલ કે હિંદુ લેઉઆ?’

વિષ્ણુભાઈ કહે, ‘અલ્યા હું કો સો કોય હમજ ના પડી, આ બુદ્ધ પટેલ ચો થી આયા?’

અમે બધા હસી પડ્યા. વિનુકાકાએ ફોડ પાડ્યો કે અનામત આંદોલન કરનારા પટેલોએ ધમકી આપી છે સરકારને કે અમે સાગમટે બૌદ્ધ ધર્મ અપનાવીશું. હજુ અપનાવ્યો નથી માટે વિષ્ણુભાઈ ચિંતા કરશો નહિ.

વિષ્ણુભાઈ જરા ઉગ્ર થઈ ગયા કહે, ‘તેલ લેવા જ્યું અનામત, દિયોર અનામત માટ ધરમ બદલવાનો? આય અમેરિકામાં હાથેપગે આઈ ન ઈની બુન ન વગર અનામતે દહ દહ સ્ટોરો, ન બસે બસે રૂમની મોટેલોનાં માલિક નહિ બન્યા?’

મેં કહ્યું, ‘સાચી વાત છે. આમાં ભણતરનું પણ બહુ મહત્વ નથી, ભણેલા હોય તો ફેર પડે પણ ધંધો કરવામાં ભણતર કરતા ગણતર વધુ મહત્વનું હોય છે. ન્યુ જર્સીમાં એક પંજાબી કાકાના ભારતીય ગ્રોસરીના સ્ટોરોની લાંબી ચેઇન છે. હવે એ કાકા બહુ ભણેલા નથી, અંગ્રેજી બોલતા પણ આવડતું નથી માટે એક અંગ્રેજી જાણકાર માણસ જોડે રાખે છે. એમના બહુ બધાં મોટા મોટા જાયન્ટ કહી શકાય એવા સ્ટોર્સ છે.’

વિનુકાકા કહે, ‘ધર્મ દરેકની પર્સનલ મૅટર હોવી જોઈએ. આપણે ભારતમાં ધર્મ બજારમાં લઈને ફરીએ છીએ. પછી એની હાટડીઓ માંડીએ છીએ. પછી એના નામે રાજકારણ રમીએ છીએ. બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મ ખોટો નથી, પણ તમે એની ફિલોસોફી સમજીને પાળો તો બરોબર છે. બાકી બધા તૂતેતૂત.’

મેં કહ્યું, ‘સાચી વાત છે તમારી. કોણે શું ખાવું તે જેમ અંગત બાબત છે તેમ ધરમ કયો પાળવો તે પણ અંગત બાબત હોવી જોઈએ.’

વધુમાં મેં કહ્યું, ‘ચાલો આ ધરમની વાત નીકળી છે તો એક જરા રમૂજી બનાવ કહું. હું સિટીઝન માટેની પરીક્ષા આપવા ગયેલો. તો એક ધોળી બહેન મારો નંબર આવતા બોલાવવા આવી. હું ગયો એની કેબીનમાં. આ લોકો દસ સવાલો પૂછે અમેરિકાના નાગરિકશાસ્ત્ર અને ઇતિહાસ વિષે. એમાંથી છ સાચા પડવા જોઈએ. પહેલા છ સાચા પડી જાય તો સાતમો સવાલ પૂછે જ નહિ. એમાં એવું થયું કે બે જુદા જુદા સવાલનો મેં એક જ જવાબ આપેલો તો પેલી બાઈ પોતે જ કન્ફ્યુઝ થઈ ગયેલી. એક સવાલ એણે પૂછ્યો કે અમેરિકામાં વસાહતીઓ કેમ આવ્યા? કેમ જવાબ આપ્યો કે ગમે તે ધર્મ પાળવાની છૂટ મળે માટે. કહે સાચું છે. પછી બીજો સવાલ કે અમેરિકામાં ફન્ડામેન્ટલ રાઈટ્સ બંધારણ દ્વારા મળે છે તેમાંનો એક કહો. મેં કહ્યું ગમે તે ધર્મ પાળવાની છૂટ અને કોઈ ધર્મ નાં પાળવો હોય તો તેની પણ છૂટ. પેલી બાઈ કહે બે સવાલના એક જ જવાબ? પણ એણે સ્વીકાર્યું કે તે પોતે કન્ફ્યુઝ થઈ ગઈ છે માટે કમ્પ્યુટરમાં જવાબ જોવો પડશે. મેં હસતાં હસતાં કહ્યું નો પ્રૉબ્લેમ ચેક ઈંટ.. પછી કમ્પ્યુટરમાં ફેંદીને કહે તું સાચો છે. પછી સારું એવું હસી. મને સાતમો સવાલ પૂછ્યો જ નહિ.’

ઠંડો પવન વધ્યો હતો એટલે અમે બધા ઉભા થયા અને ઘર તરફ ગચ્છન્તી કર્યું.

 

દૂધપાકની બૉન

દૂધપાકની બૉન

અમારા સમિતપોઈન્ટનાં ચર્ચા ચોરે આખા ગામની પંચાત થાય. રિટાયર્ડ માણસો બીજું કરે પણ શું? હું સવારે કામ પર જાઉં તો સાંજે ચોરે જઈ બેસું અને સાંજે કામ પર જાઉં તો સવારે કુમળો તડકો ખાતા મિત્રો જોડે જઈ ગપાટા મારું. મિત્રો લખ્યું એટલે યાદ આવ્યું. અમારા એક મિત્ર ડૉ ભાનુભાઈ કહે આ વખતનું ફિજીક્સનું નોબેલ પ્રાઈઝ નરેનબાબુને મળશે, કારણ એમણે ગૉડ પાર્ટીકલ BOSON જેવો, એનો ભાઈ કહો તો ચાલે તેવો પાર્ટીકલ શોધી કાઢ્યો છે, મિત્રોન…. આ વાત ચર્ચા ચોરે કરતાં બધા ખુબ હસ્યા. નરેનબાબુને વાતે વાતે મિત્રો, ભાઈઓ ઔર બહેનો કહેવાની આદત છે. એમની સામે ફક્ત બેચાર જણા બેઠા હોય તો પણ ભાઈઓ ઔર બહેનો શબ્દ ટેવ મુજબ બોલાઈ જાય છે. પણ એક વાતની કદર કરવી પડે કે નરેનબાબુની બોલવામાં માસ્ટરી છે.

વિનુકાકા કહે, ‘આ વખતની બિહારની ચુંટણીમાં નેતાઓ એકબીજાને ભાંડવામાં સાવ નીચલા સ્તરે ઉતરી ગયા છે. અમિત શાહે લાલુને ચારા ચોર કહ્યા, તો લાલુએ અમિત શાહને હત્યારા કહ્યા.’

રમાબેન કહે, ‘પેલી દૂધપાકની બૉન ગાડીમાં બેઠી બેઠી કહે અમિત શાહે ગુજરાતમાં લાખો કરોડોની હત્યા કરાવી નાખી, અલી બૉન જરા માપમાં બોલતી હોય તો સારું લાગે. પછી એને જાતે જ લાગ્યું કે લાખો કરોડો વધારે કહેવાય પછી કહે હજારોની હત્યા.’

વિષ્ણુભાઈ કહે આ દૂધપાકની બૉન કોણ?

રમાબેન ઉવાચ, ‘અરે દૂધપાક અને રબડી ભાઈ બહેન કહેવાય કે નહિ?’

રબડી અને દૂધપાક બંને દૂધમાંથી જ પેદા થાય છે. રબડીદેવી એવું બોલેલા પણ ખરા કે લાખો કરોડોની હત્યા કરી નાખી. પછી સુધારેલું બીજા વાક્યમાં કે હજારોની હત્યા કરાવેલી. રબડી દેવી માટે દૂધપાકની બોન સંબોધન સાંભળી બધા એટલું હસ્યા કે વિનુકાકાને ઉધરસ ચડી ગઈ. આ તમાકુ-મસાલા મોઢામાં ભરી રાખતા હોય તેમણે હસવામાં કંટ્રોલ રાખવો પડે. તરત ઉધરસ ચડી જાય.

મેં કહ્યું, ‘મોદીએ લાલુને શેતાન કહ્યા તો એમણે મોદીને બ્રહ્મ-પિશાચ કહ્યા. આમ આ વખતે શબ્દયુદ્ધ બરાબર જામ્યું છે.’

વિષ્ણુભાઈ જરા સેન્સિટિવ માણસ છે. એમને આવું બધું દેશમાં ચાલે છે તે જોઈ બહુ દુઃખ થાય. તેઓ રિટાયર્ડ થઈને જ અમેરિકા આવ્યા છે. એમના દીકરા દીકરીઓ બધા અહિ છે. બહુ મોટી ઉંમરે આવેલાને દેશ બહુ યાદ આવે. આખો દિવસ ભારતીય ચેનલ્સ જ જોયા કરવી, ગુજરાતી ન્યુઝ પેપર્સ ઓનલાઈન જે મળે તે વાંચે રાખવા એવી આદત પડી જતી હોય છે. મોટી ઉંમરે અમેરિકા આવીને મનથી સેટ થવું અઘરું લાગે.

વિષ્ણુભાઈ કહે, ‘આ બીફ પ્રકરણ મારું દિયોર બહુ ચાલ્યું સઅઅ. બીફ ખાધું સ ક ઘરમાં રાખ્યું સઅ એવી અફવા ફેલઇ એક મૉણસની હત્યા કરી નૉખવામાં આયી; આ તો કૉય રીત સ? આ દેશ ચૉ જઈ રયૉ સ ખબર નઇ પડતી. અનઅ આ જોગટા મારા દિયોર સંસાર સોડી નાઠેલાનું સંસદમાં હું કૉમ સઅ? દીયોરો જીભડી કાબુમૉ રાખતા નહિ. હિંદુ અન મિયૉન લડઈ મારવાના ધંધા હોધી કાઢ્યા સ.’ વિષ્ણુભાઈ એમની મેહોણી તળપદીમાં બરોબર બગડ્યા.

વિનુકાકા કહે, ‘આ બાવાઓને ના તો વેદોનું જ્ઞાન છે, ના હિંદુ ધર્મનું. વગર વેદ વાંચે ઠોકે રાખે છે. વગર વેદ વાંચે વેદોના સંદર્ભ આપતા હોય છે. અજ્ઞાની પ્રજા એમનું કહ્યું સાચું માની લેતી હોય છે. સ્વામી વિવેકાનંદે એમના એક પુસ્તકમાં કબૂલ કરેલું છે કે પ્રાચીન હિંદુઓમાં બીફ નાં ખાય તે સાચો હિંદુ ના કહેવાય તેવું મનાતું હતું અને આ વાતનું આશ્ચર્ય ખુદ સ્વામી વિવેકાનંદને પણ હતું. ભલે તમે માંસ ખાઓ કે ના ખાઓ, બીફ ખાઓ કે ના ખાઓ આ બધી વાતો મહત્વની નથી. શું ખાવું તે દરેકની અંગત ચોઈસ છે. આપણે કોઈના ઉપર કઈ રીતે બળજબરી કરી શકીએ કે આ જ ખાઓ અને આ ના ખાઓ? આખી દુનિયા બીફ ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? આખી દુનિયા પોર્ક ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? હિંદુ-મુસલમાન બંને આ રીતે ખોટા છે. ધર્મ પણ અંગત બાબત હોવી જોઈએ, ધર્મ કોઈ જાહેર પ્રદર્શનની બાબત ના હોવી જોઈએ.’

આ વિનુકાકાએ ક્યારેય જીંદગીમાં ય ઈંડું પણ ખાધું નથી. પ્યોર શાકાહારી અને તમાકુ નામના પર્ણ આહારી. પણ એમના ઉમદા વિચારો જુઓ.

વિષ્ણુભાઈ કહે, ‘સાચી વાત છે. જેને જે ખાવું હોય તે ખાય. અને જેને જે માનવું હોય તે માને. આ રાઓલબાપુ ભગવાનમાં નથી માનતા આપણે કદી બળજબરી કરી કે ના ભગવાનમાં માનો જ?’

એમણે હસતાં હસતાં કહેલું તો મેં પણ હસતાં હસતાં જવાબ આપ્યો કે હું એમ કોઈનું કહ્યું માનું એવો છું ખરો? અને હું પણ ક્યાં તમારા પર બળજબરી કરું છું કે ભગવાનમાં માનશો નહિ. અરે મારા ઘરમાં જ નાનકડું મંદિર મારા વાઈફ લાવ્યા છે અને તે પણ મંદિર વેચવાનો બિઝનેસ કરતા બાપ્સની સંસ્થામાંથી. હવે મારા વાઈફ પોતે કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભક્ત નથી પણ એમના મંદિરમાં સ્વામીનારાયણનાં ફોટા વગેરે છે જે તેમણે ગાર્બેજ નથી કર્યા. મેં તો એના ફોટા જગજાહેર હું નાસ્તિક હોવા છતાં અને સ્વામીનારાયણ સંપ્રદાયનો સખત ટીકાકાર હોવા છતાં ફેસબુકમાં મુક્યા છે. મારો તો એક જ જગજાહેર સંદેશ છે કે મારી વાત સાંભળો પછી એના ઉપર વિચાર કરો પછી સમજો, સાચી લાગે તો માનો અથવા ફેંકી દો, જસ્ટ સ્ટાર્ટ થીંકીંગ. અરે વિચારવાની બારીઓ ખોલો તો પણ મારા માટે બહુ છે.’

વિષ્ણુભાઈ મૂળ રીટાયર માણસ આખો દિવસ કોમ્પ્યુટર અને ટીવી પર બેસી રહે. તો કહે, ‘આજે NDTV પર બરખા દત્તનો પ્રોગ્રામ જોયો. એમાં એ ચાપલીએ ભાજપનાં, સમાજવાદી પક્ષના, કોંગ્રેસનાં નેતાઓ અને થોડા પત્રકારો ભેગા કરેલા. મુર્ખીએ એમાં જસ્ટીસ કાત્જુને પણ બોલાવેલ. હવે મજા એ આવી કે બધા નેતાઓ એકબીજાને ટપલીદાવ મારતા હતાં પણ જેવા જસ્ટિસ કાત્જુએ કહ્યું કે આ બધા નેતાઓ રાસ્કલ છે અને આ બધાને બહુ પહેલા લટકાવી દેવા જોઈએ અને આ લોકોમાં દેશ માટે કોઈ પ્રેમ નથી તો બધા હરામખોરો જે એકબીજાના દુશ્મન હતા તે એક થઇ ગયા ને જસ્ટિસ કાત્જુ પર તૂટી પડ્યા.’

મેં કહ્યું, ‘જસ્ટિસ કાત્જુની અમુક બાબતોમાં ભલે આપણે સહમત હોઈએ કે ના હોઈએ, લોકો એમને ગાંડા ગણે કે ના ગણે પણ એમની વાતોમાં દમ હોય છે. અરે એક તો માણસ છે કે જે બેફામ બોલી શકે છે. સુપ્રીમ કોર્ટનો જસ્ટિસ અમસ્તો તો નહિ જ રહ્યો હોય ને?

રમાબેન બહુ સમય પછી બોલ્યા, ‘પેલા સમાચાર જોયા? એક દંપતી લગભગ નગ્ન હાલતમાં પોલીસ સાથે જપાજપી કરતુ હતું, એ શું હતું?’

વિનુકાકા કહે,, ‘દલિત દંપતી ફરિયાદ કરવા ગયેલું પણ પોલીસ ફરિયાદ લેતી નહોતી એટલે પછી તે લોકોએ જાતે જ નગ્ન થઈને પ્રોટેસ્ટ કરવાનો નવો રસ્તો અપનાવેલો. એમાં પછી એમનો બીજો પરિવાર પણ જોડાઈ ગયેલો. જો કે પેલી ફૂલનદેવીને ફેરવેલી એવું હજુ ય ઘણી જગ્યાએ બનતું જ હશે. હજુ આપણે મહાભારતના સમયથી આગળ ક્યા વધ્યા છીએ?

આમ અમારી ચર્ચાસભા કાયમ હસતી હસતી છૂટી પડતી પણ આજે બધાના મનમાં થોડો વિષાદ પણ હતો.

વરસાદ, વહુ અને જશોદાપતિ ને જશ નહિ

Indian women walk in the rain during a sudden downpour in Hyderabad, India, Wednesday, June 13, 2007. Severe monsoon weather which devastated Bangladesh extended its grip over South Asia on Wednesday, killing a dozen people and disrupting transport in eastern India, according to a news report. (AP Photo/Mahesh Kumar A)

ગામડામાં એક કહેવત હોય છે કે વરસાદ અને વહુ ને જશ નહિ. વરસાદ ચોમાસામાં ના આવે સમયસર; તો લોકો ગાળો દે, કે કેટલી બધી ગરમી છે પણ વરસાદ આવતો નથી. વહેલો આવી જાય તો પણ લોકો ગાળો દેવાના, કે ઉનાળુ બાજરીનો પાક ઊભો છે તે બગડશે. જોરદાર ઝાપટા પડે તો પણ નકામો છે, પુર આવી જાય. ધીમે ધીમે ઝરમર ઝરમર પડે તો પણ કહેશે કાદવ થાય છે. ખેંચાઈ જાય તો કહેશે પાક સુકાઈ ચાલ્યો ક્યારે આવશે? શિયાળામાં આવે તો ખલાસ બહુ ગાળો ખાવાનો. અમારે અહીં તો બારેમાસ આવતો હોય છે. અહીં ચોમાસા જેવી કોઈ સ્પેશલ ઋતુ નથી. સહેજ વાતાવરણ ગરમ થયું કે વરસાદની પધરામણી થઈ જાય. જોકે આપણે ત્યાં દેશમાં વરસાદમાં નહાઈએ છીએ એવું અહિ ના કરાય કારણ અહિ વરસાદી પાણી બહુ ઠંડું હોય છે.

વહુને પણ એવું જ હોય છે, ગમે તેટલું કામ કરે કોઈ જશ મળે નહિ. અહિ વાતે વાતે થેંક યુ કહેવાનો અને એપ્રિસિયેટ કરવાનો રિવાજ છે તેવો આપણે ત્યાં નથી. થેન્ક્સ તો નૉર્મલ થઈ ગયું છે કહેવાનું પણ જરાક વધુ કશું કરી આપો તરત એપ્રિસિયેટેડ બોલ્યા વગર ના રહે. આપણે ત્યાં તો જશને માથે જૂતિયાં તો નહિ મારે ને એની ચિંતા પહેલી હોય છે, એટલે એવા જૂતા ના મારે તેનો જ ઉપકાર કે આભાર માનવો વધુ સારો. સાસબહુ વિષે બહુ લખવું નથી. કારણ સાસ ભી કભી બહુ થી સસરાજીકે સાથ ઘૂમને જાતી થી.

એવું અમારા નરેનબાબુનું પણ છે. એમના નસીબમાં પણ જશ નથી. ગમે તેટલું કામ કરે કોઈ જશ આપે નહિ. સાચા અર્થમાં ‘ચરૈવેતિ ચરૈવેતિ’ મંત્રનું પાલન કરતા હોય તો આપણા નરેનબાબુ જ છે. ચાલતા રહો, ચાલતા રહો, ચાલે તેનું નસીબ ચાલે, ચાલે તેને મધ મળે, મધ મળે તો સ્ત્રી મળે. જો કે ચાલતા રહેવા માટે એમણે સ્ત્રી છોડી દીધી તે વાત અલગ છે. બચાડીને નાહક ક્યાં તકલીફ આપવી? અને પાછું બાજુમાં ચાલતી હોય ને આજુબાજુ જોવાઈ જાય તો તરત બૂમ પાડે કે ક્યાં ડાફોળિયાં મારો છો? સ્વાનુભવ છે. ચા બનાવતા, વેચતા અને વહેંચતા લાખો કરોડો ભારતીયોમાં વડાપ્રધાન બનવાની આશા જગાવનાર જો કોઈ વિરલ મહાપુરુષ હોય તો તે આપણા નરેનબાબુ છે. એમાં કશું ખોટું પણ નથી.

અમેરિકામાં રોજ રાત્રે ત્રણ ટીવી ચેનલ્સ પર પ્રમુખની કલાઈ કરાતી હોય છે. કલાઈ એટલે પિત્તળના વાસણોને કરાતી કલાઈ નહિ પણ ઠેકડી ઉડાવવાનાં સંદર્ભમાં સમજવું. અને એવી ઠેકડી ઉડાવનારા કોઈ પ્રમુખના વિરોધી હોય એવું જરાય નથી હોતું. ઉલટાના પ્રસંશકો પણ હોઈ શકે. જો કે આપણી પ્રજા જરા હ્યુમરની ઔરંગઝેબ વધુ છે. એટલે આપણે કોઈની ઉડાવીએ તો તરત એના વિરોધી સમજી લેવાની શક્યતા વધુ હોય છે. અને ઘણીવાર પોતે મજાક કરે તો ચાલે પણ બીજો કોઈ કરે તો ખલાસ એવું પણ જોવા મળતું હોય છે.

હું રહું છું તે સમિત પોઇન્ટ અપાટર્મન્ટ બહુ મોટું સંકુલ છે. આપણા બહુ બધા ગુજરાતીઓ અહિ વસે છે. ડુંગરની ધાર ઉપર સરસ મજાના અપાટર્મન્ટ બાંધેલા છે. ધોળિયા તો એના પાર્કમાં બેસવા બહુ નવરા હોતા નથી પણ અમે બધા ત્યાં બેસતા હોઈએ છીએ. ધોળીયા કાનમાં વાયરો લબડાવી દોડવામાં વધારે મશગૂલ હોય છે જ્યારે આપણ ગુજરાતીઓ ચોરે બેસી મતલબ પાર્કમાં બેસી આખી દુનિયાની, ખાસ તો ભારતની ફિકર ચિંતા કરવામાં મશગૂલ હોઈએ છીએ.

ચર્ચા ચોરે આવતાં રમાબેન બહુ બોલકા છે. ચુટણી ટાણે નરેનબાબુની ધર્મપત્નીનું પ્રકરણ ચગ્યું ત્યારે સ્વાભાવિક સ્ત્રી સ્ત્રીનો જ પક્ષ ખેંચે. ત્યારે રમાબેન મજાકમાં બોલતાં કે એક મૂઠી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો નરેનબાબુઉઉઉ. હુ ત્યારે સુધારતો કે મૂઠી નહિ ચપટી કહો, મૂઠી ભરીને સિંદૂર તો આખું માથુ બગાડશે. રમાબેનનો પ્રૉબ્લેમ એ કે એમને ઓછુ ગમે નહિ, દરેક વાત વધારી અને વઘારીને કહેવાની આદત. વૉલ્માર્ટ્માંથી પાંચ ડોલરની વસ્તુ લાવ્યા હોય પણ કહેવાનાં મેસિઝ્માંથી પચાસની લાવ્યાં છે. ઘણીવાર તો એમના ઘેર શનિવારે સત્યનારાયણની કથા રાખી હોય તો શુક્રવારે મોંઘા સ્ટોરમાંથી કપડાં વગેરે લઈ આવે, ઘેર કથા નિમિત્તે આવેલા મહેમાનોને ગર્વથી બધું બતાવે વાહ વાહી મળેવી રવિવારે પાછું સ્ટોરમાં પરત. ઘણીવાર તો લેબલ સંતાડી મોંઘો ડ્રેસ પહેરીને કોઈ પ્રસંગ માણી પણ આવે અને હવે પ્રસંગ તો પતી ગયો રાખીને શું કરવાનું કહી પાછું આપી આવે. એટલે એમની વધારી વધારીને કહેવાની આદત ચપટીને બદલે મુઠ્ઠી સિંદૂર બોલાવડાવી દે. પાછું હિન્દીમાં પણ ચપટી જ બોલે મેં કહ્યું હિન્દીમાં બોલો તો ચુટકી બોલો તો કહે તમને વાંધા પાડવાની આદત છે ભૂપેનબાબુઊઊઊ..

આજે એમને નરેનબાબુ પર પ્રેમ ઉભરાઈ આવ્યો તો કહે, ‘નરેનબાબુ ચાર વાર કપડાં બદલે એમાં તમને શું વાંધો પડ્યો? અમે સ્ત્રીઓ લગ્નમાં પ્રસંગે પ્રસંગે કપડાં નથી બદલાતી?’

મેં કહ્યું, ‘મને કોઈ વાંધો નથી, હું તો મજાક કરતો હોઉં છું, પણ નરેનબાબુ કોઈ સ્ત્રી નથી. ખરેખર તો આજ સુધી આવતા ધોતિયા દાસો મને ગમતા નહોતા. ચાર ચાર નંબર વન કંપનીઓમાં જવાનું હોય તો કપડાં તો સારા પહેરવા જ પડે ને?’

ચર્ચા ચોરે આવતા વિષ્ણુભાઈ કહે, ‘નરેનબાબુ એમની માતાને યાદ કરી જરા રડ્યા એમાં રાજકારણ ચાલુ થઈ ગયું છે, કોઈ કહે છે ડ્રામા કરે છે, કોઈ કહે છે અભિનય કરે છે, તો વળી કોઈ ભવાયો પણ કહે છે.’

તો વિનુકાકા કહે, ‘અભિનય રાજકારણનું અભિન્ન અંગ છે, નેતાઓ બહુ સારા અભિનેતાઓ હોય છે એમાં કોઈ શક નહિ, અભિનય કર્યા વગર રાજકારણમાં ચાલે નહિ. અને નરેનબાબુ મહાન અભિનેતા છે તે હકીકત છે.’

અમારા ચર્ચા ચોરામાં એકબીજાના મત વિરુદ્ધ મત આપવાની છૂટ છે. કોઈ એને અંગત લે નહિ. બીજા દિવસે બધાં ફરી આનંદથી મળે અને વાતો કરે.

વિષ્ણુભાઈ કહે, ‘માતાને યાદ કરીને કોણ નહિ રડતું હોય? એમાં તો પટાબાજી ખેલાવા માંડી.’

રમાબેન ઉવાચ, ‘પટાબાજી કે પાટાબાજી?’

વાસ્તવમાં એમને પટાબાજીની ખબર જ નહોતી. મેં કહ્યું. ‘પાટા નહિ પટાબાજી, એનો મતલબ એ થાય કે યુદ્ધમાં તલવાર વપરાય છે તેમ પટા નામનું તલવાર જેવું શસ્ત્ર પણ તલવાર કરતા લાંબુ હોય, પહેલાના જમાનામાં વપરાતું. તલવાર કડક હોય જ્યારે પટા લચીલું, નરમ ગમેતેમ વળી જાય તેવું અને એની ટોચ પકડીને એની મૂઠ સાથે વાળીને અડાડી શકાય અને છોડો એટલે પાછું હતું તેવું ને તેવું. ટૂંકમાં એની બ્લેડ જેમ વાળો તેમ વળી જાય માટે એને ચલાવવામાં બહુ સારું કૌશલ્ય જોઈએ જેમ રાજકારણમાં જોઈએ છે તેમ.’

વિષ્ણુભાઈ ઉવાચ, ‘એમાં તો બાપુને બગડવું પડ્યું.’

રમાબેન ઉવાચ, ‘બાપુ? કોણ બાપુ? અને બગડ્યા એટલે?’

મેં કહ્યું, ‘બાપુ બગડ્યા એટલે અથાણું બગડે તેનું વરસ બગડે તેમ નહિ કે દાળ બગડે તેનો દાડો બગડે તેમ નહિ, પણ બાપુ બગડ્યા એટલે ગુસ્સે થયા અને બાપુ એટલે મુરારીબાપુની વાત છે. મોરારીબાપુએ વિરોધ પક્ષોની ઝાટકણી કાઢી. કે કોઈ એની માતાને યાદ કરીને રડે એમાં શું રાજકારણ રમવાનું? આપણે બધા સંવેદનહીન થઈ ગયા છીએ. વધુમાં બાપુએ કેમેરા સામે જોઇને કહી દીધું કે મારું આ રેકોર્ડીંગ સાંભળજો બધા.

વિનુકાકા વદતિ, ‘એવું કહીને કે મારું રેકોર્ડીંગ બધા સાંભળજો મતલબ ટીવી પર આ સમાચાર આવવા જોઈએ રાષ્ટ્રીય ચેનલો પર, એવું બાપુએ પાકું કરી લીધું.’

રાજુભાઈ બહુ ઓછું બોલતા હોય પણ બોલે ત્યારે જબરું બોલી નાખે. રાજુભાઈ કહે, ‘મેં આખી વાર્તા ટીવી પર જોઈ હતી. પરીક્ષાનું પેપર અગાઉથી સેટ હોય તેમ માતા વિષે સવાલ પૂછવામાં આવ્યો હોય એવું લાગ્યું. અને નરેનબાબુ જવાબ આપતા અટકી ગયા તો મને લાગ્યું કે આ કોઈ નવી સ્ટાઈલ હશે, પણ અટકવાનું જરા લાંબુ ખેંચાઈ ગયું હોય એવું લાગ્યું, જાણે ઓવર એક્ટિંગ, પછી સમાચારપત્રો દ્વારા જાણ્યું કે ડૂમો ભરાઈ ગયેલો, પછી જાણે સંગીતના જાણકાર હોય તેમ નીચા સૂર પછી મધ્યમ અને પછી નોર્મલ. ડૂમો ક્યારે ભરવો અને ક્યારે ખાલી કરવો એમાં મહારત લાગી.’

મેં કહ્યું, ‘તમે પણ એક માતૃપ્રેમીની અવહેલના કરો છો. મોરારીબાપુ અમસ્તા ગુસ્સે નથી થતા.’

રાજુભાઈ કહે, ‘માતા પારકા ઘેર કામ કરવા જતી હતી તો પુત્ર તરીકે કમાઈને તે કામ છોડાવી કેમ ના દીધા? માતાની સેવા કરવાનું બીજા ભાઈઓને માથે નાખી ઘર છોડી ભાગ્યા શું કામ?

વિષ્ણુભાઈ કહે, ‘ભારતમાતાની સેવા કાજે માતા છોડવી પડી, ઘર છોડ્યું એ કાઈ નાનીસુની વાત નથી.’

મેં કહ્યું, ‘ઘર તો ઠીક ગુજરાત પણ છોડ્યું.’

બધા હસી પડ્યા અને ઊભા થઈ એકબીજાને ‘સી યા મોરો’ કહી છુટા પડ્યા. અલ્યા તમને બધું સમજાવવું પડે? સી યા મોરો એટલે see you tomorrow.

ખરેખર વરસાદ, વહુ અને જશોદાપતિ ને જશ મળવો મૂશ્કેલ જ છે.

પાંદડું હોય કે માનવી ખરે પછી જ સડે

11267706_10205074809042573_1309709803_n

મિત્રો આપણે સ્કૂલમાં ભણતા ત્યારે ગુજરાતી વિષયમાં કોઈ પ્રખ્યાત લેખકની નવલકથાનું એકાદ પ્રકરણ હોય, કોઈ ટૂંકી વાર્તા કે કવિતા પાઠ રૂપે હોય. તે આપણે બધા ભણતા. લેખક તો જે કહેવા માગતાં હોય તે વાત જુદી છે પણ શિક્ષકશ્રી પોતાની માનસિકતા મુજબ એના અર્થ સમજાવતા. એનો એકાદ ફકરો કે અમુક પંક્તિઓ મુકીને પૂર્વાપર સંબંધ આપી સમજાવો તેવા પ્રશ્નો પરિક્ષામાં પુછાતાં.. સ્કૂલમાં હતો ત્યાં સુધી ગુજરાતીના વિષયમાં મારા સૌથી વધુ માર્ક્સ વર્ગમાં આવતા. પરીક્ષાના પરિણામો લઈ ક્લાસ ટીચર આવે અને કયા વિષયમાં કયા વિધાર્થીના હાઈએસ્ટ માર્ક્સ આવ્યા તે સૌથી પહેલા જણાવતા. ગુજરાતી અને ઈતિહાસ વિષય આવે એટલે શિક્ષક બોલે તે પહેલા બીજા મિત્રો રાઓલ રાઓલ એમ બોલી ઉઠતા.

 

 

આજે ફરી તે દિવસો યાદ આવ્યા છે. ચાલો આપણે સહુ સ્કૂલનાં દિવસો ફરી પાછા માણીએ.

ઉપર આપણા ગુજરાતના બહુ સારા ચિંતક ગણાતા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર લેખક શ્રી ગુણવંત શાહની રચના છે. એના ઉપર વિથ રીસ્પેક્ટ ટિપ્પણી કરવી છે. ટિપ્પણી એટલે નકારાત્મક ટીકાનાં અર્થમાં લેવું નહિ. કારણ ટીકા એટલે આપણે નકારાત્મક જે તે વિષયનો વિરોધ જ સમજી બેઠાં છીએ. ટીકા કે ટીપ્પણી નો અર્થ એવો થાય કે લેખક જે સમજતા હોય, મારી સમજ પ્રમાણે અર્થ આવો છે. એમાં લેખકનાં અર્થ સાથે સહમતી પણ હોય અને અસહમતી પણ હોઈ શકે. લેખકના અમુક અર્થ સાથે સહમતી સાથે અમુક અર્થ સાથે અસહમતી પણ હોઈ શકે. ચાલો હવે ઉપરની રચના માટે મારી ટીપ્પણી.

“પાંદડું ખરી પડે પછી સડે છે,

પુષ્પ ખરી પડે પછી સડે છે.”

બરોબર છે. ખરી પડવું મતલબ મૃત્યુ. પાંદડું અને પુષ્પ ખરી પડે મતલબ એના મૂળિયાથી જુદા પડ્યા અને ખરી પડ્યા મતલબ હવે એમનો જીવનકાળ પૂરો થયો પછી કુદરતના રીવાજ મુજબ સડી જઈને રિસાયકલ થઈ જવાનું મતલબ પંચમહાભૂતમાં મળી જવાનું. દરેક વસ્તુ રિસાયકલ થઈ જાય તે કુદરતની મહત્વની પ્રક્રિયા છે. કોઈ વહેલી થાય કોઈ મોડી પણ રિસાયકલ તો થઈ જ જાય. ફન્ગાઈ જેને આપણે ફૂગ કહીએ છીએ તે ઝાડપાન, લાકડાનું રિસાયકલ કરી નાખે છે. જીવજંતુ, પ્રાણીઓ એમાં મનુષ્યો પણ આવી જાય તેમના મૃતદેહમાં કીડા પડી સડી જાય છે અને તેનું રિસાયકલ થઇ જાય છે. મતલબ મૃત્યુ પછીની પ્રક્રિયા છે સડવાનું. આપણે મનુષ્યોએ આપણા મૃતદેહોની નિકાલ વ્યવસ્થા શોધી કાઢી છે. માટે સડવાની પ્રક્રિયા દેખાતી નથી. છતાં કોઈ કારણસર લાશ પડી રહે તો એમાં કીડા પડી જાય છે તે હકીકત છે.

“માણસ સડી જાય પછી ખરે છે આવું શા માટે?”

આમ તો ખોટી વાત છે. માણસ પણ ખરી જાય, મૃત્યુ પામે પછી જ સડે છે, જો તમે બાળો કે દાટો નહિ તો. જો કે દાટો ત્યારે સડે જ છે પણ જમીનની અંદર હોવાથી દેખાય નહિ તે વાત જુદી છે. કદાચ શાહ સાહેબે ભાવનાત્મક રીતે લખ્યું હશે કે માણસ મનથી સડી જાય પછી ખરે છે. બાકી પુષ્પ, પાંદડું અને માનવી બધા પહેલા કમજોર પડે છે, કરમાઈ જાય છે. માનવી વૃદ્ધ બને છે તે પણ કરમાઈ જાય છે. પછી બધા ખરી પડે છે અને પછી સડી જઈને રિસાયકલ થઇ જાય છે. માનવી વૃદ્ધ બનતા મનથી કમજોર પડી જાય, શરીરથી કમજોર પડી જાય તેમ પુષ્પ અને પાંદડું પણ કમજોર પડે જ છે. રમણ પાઠક જેવા માનવીઓ મનથી પણ કદી કમજોર પડતા નથી. ઘણીવાર સારા વિદ્વાન લેખકો સારા Quote કોટ લખવાની લ્હાયમાં અવાસ્તવિક વાતો લખી નાખતા હોઈ શકે છે. માનસિક રીતે સડેલો માનવી તો જુવાનીથી જ સડેલો હોય છે. ઘરડો થાય પછી સડે તે વાતમાં માલ નથી. અને શારીરિક રીતે માનવી ઘરડો થાય એટલે કમજોર પડે પણ સડવાની પ્રક્રિયા તો મૃત્યુ પછી જ જૈવિક રીતે થાય. એટલે માણસ સડી જાય પછી ખરે છે તેવું નથી હોતું માણસ પણ પાંદડાંની જેમ ખરી પડે પછી જ સડતો હોય છે.

“હે પ્રભુ !

સ્વજનો મારી દયા ખાય તે પહેલાં તું મારી એક દયા કરજે. જીવનને સમજવામાં હું ભલે મોડો પડ્યો પરંતુ મૃત્યુને પામવામાં મોડો ન પડું એટલી કૃપા કરજે.”

સ્વજનોનું એક કામ તો મુખ્ય જ હોય છે કે આપણી દયા ખાવી. એટલે એ બધી ચિંતા કરી શું કામ દુબળા થવું? જીવન બહુ જટિલ વસ્તુ છે. આપણા બ્રેન બહારની અમુક બાબતો હોય છે. એટલે જીવનને સમજવામાં મોડા પડવું તે સ્વાભાવિક છે. ભલા ભલા કહેવાતા જ્ઞાનીઓ જીવનના ચક્કરને સમજી શકતા નથી. ભલે મોડા પડ્યા, સમજ્યા છો એવું લાગતું હોય તો પણ બહુ કહેવાય. અને મૃત્યુ તો એના સમયે જ આવશે. એક બહુ મહત્વની વાત છે હું તો નાસ્તિક છું પ્રભુ વગેરેમાં માનતો નથી પણ તમે માનતા હો તો પ્રભુ જો ખરેખર એના ગુણોમાં અસ્તિત્વ ધરાવતો હોય તો તે કદી કોઈના ઉપર કૃપા કરે નહિ, ક્રુરતા પણ કરે નહિ. પ્રભુ નાં તો દયાળુ છે નાં ક્રૂર છે. પ્રભુ મારી ફેવર કરે અને મારી ફેવર કરવા જતા તમારી ફેવર નાં કરે તો તે પ્રભુની વ્યાખ્યામાં આવે જ નહિ. આવો પ્રભુ મને તો માન્ય નથી. એટલે શાહ સાહેબ તમારો પ્રભુ તમારી મદદમાં આવવાનો નથી કે કૃપા કરવાનો નથી.

જેમ ઉંમર થવા લાગે તેમ મોત પ્રત્યે જાગૃતિ વધતી જતી હોય છે. બક્ષીબાબુ પણ પાછલી અવસ્થામાં મોત વિષે ખૂબ લખ્યા કરતા હતા. કારણ હવે આગળ કોઈ ભવિષ્ય બચ્યું નથી, સિવાય મોત. તો લખો પછી મોત વિષે. ઘણા આખી જીંદગી નાસ્તિક રહેલા મિત્રો પણ વૃદ્ધાવસ્થામાં આગળ મોત દેખાય એટલે આસ્તિક બની જતા હોય છે. ગરુડે ચડેલો ભગવાન દેખાતો હોય છે. ભક્તિભાવ, ધ્યાન, યોગ સાધનામાં પડી જતા હોય છે.

સૌથી મોટો જો કોઈ ભય હોય તો તે મોતનો છે. એ ભય દૂર કરવા અથવા મોતને જસ્ટીફાઈ કરવા ગીતા વાંચવાનું શરુ થાય છે. नैनं छिन्दन्ति शस्त्राणि રટવાનું શરુ થાય છે. એક આશ્વાસન કે મારો આત્મા તો મરવાનો નથી, ખાલી વસ્ત્રોની જેમ શરીર બદલવાનું છે. મર્યા પછી શું થાય છે કોઈને ખબર નથી.

“સાંજ પડે સૂરજ આથમી જાય તેમ આથમી જવા ઈચ્છું છું. હું સડી જાઉં તે પહેલાં ખરી પડવા ઈચ્છું છું.”

આમાં કાઈ નવું નથી. સૂરજ આથમે છે તેમ બધાં આથમે જ છે. કહીએ કે ના કહીએ. સડવાને જો કમજોર પડવું કહેતા હોવ તો તે તમે પડી ચૂક્યા છો કારણ મોતની વાતો કરવા માંડ્યા છો.

મિત્રો પદ્મશ્રી ગુણવંત શાહને મેં ખૂબ વાંચ્યા છે. એમની ‘વિચારોના વૃન્દાવનમાં’ મારી પ્રિય કોલમ હતી. હવે તો એમનો ઉલ્લેખ નાં હોય છતાં એમનું લખાણ વાંચું એટલે ખબર પડી જાય કે આ શાહ સાહેબે જ લખેલું છે. ઘણા એમને સાહિત્યકાર માનવા તૈયાર નથી. કોલમિસ્ટ કે સ્તંભ લેખક તરીકે જ માને છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. મને એમની આત્મકથા ‘બિલ્લો ટિલ્લો ટચ’ બહુ ગમી હતી. જોકે બહું વહેલી લખી નાખી હોય તેવું લાગ્યું હતું.  A1U1E7WLk8L

 

 

અનામતરાય સરકારચંદ હિન્દુસ્તાની  untitled

અનામતનું ભૂત ફરી ધણધણવા માંડ્યું છે. આમ તો આ ભૂત થોડા થોડા સમયગાળે ક્યાંક તરફેણમાં ક્યાંક વિરોધમાં, ક્યાંક અનામત માંગવામાં ક્યારેક અનામત માગણીના વિરોધમાં ધણધણતું હોય છે. પણ આ વખતે અનામત માંગીને અનામતનો વિરોધ કરવાની ટ્રિક તરીકે પહેલીવાર ધણધણ્યું છે.

હજારો વર્ષ લગી કોઈ એક જ વર્ગનું શોષણ કરે રાખ્યું હોય તેવું આ દેશમાં જ બન્યું છે, મેરા ભારત મહાન. એ મહાપાપના પ્રાયશ્ચિત રૂપે બાબા સાહેબ આંબેડકરે ૧૦ વર્ષ અનામતની જોગવાઈ રાખવાનું સૂચવ્યું હતું. એમના મનમાં એમ કે એકવાર આગળ ચાલવાનો માર્ગ મોકળો થશે પછી તો શોષિત વર્ગ એના બાવડાના બળે આગળ નીકળશે. અને એજ સાચું હતું. એકવાર માર્ગ આપવો જરૂરી પણ હતો. એમાં કશું ખોટું નહોતું. અને એજ વખતે અથવા દસ વર્ષની જોગવાઈ પૂરી થયે, મૂર્ખ નેતાઓએ અનામત આર્થિક સ્થિતિ આધારિત દાખલ કરી દેવાની જરૂર હતી. એનાથી કચડાયેલા જે પણ વર્ગ આર્થિક રીતે નબળા હોય તેમને તો લાભ મળવાના જ હતા. એનાં  લીધે આવા SC, ST, OBC જેવા વર્ગીકરણ જ કરવા પડ્યા નાં હોત. પણ ભારતના જાતિવાદી ભ્રષ્ટ નેતાઓ એમના ચુંટણીલક્ષી લાભાર્થે એવું કરે તેમ નહોતા.

વર્ણ વ્યવસ્થાએ આ દેશમાં જાતિવાદનો રાક્ષસ હજારો વર્ષથી ઊભો કરેલો છે તે એમ જલદી ક્યાંથી નાશ પામવાનો હતો? આ દેશની પડતીનું સૌથી મોટું કારણ જ એ હતું. આઝાદી વખતે સરસ ચાન્સ હતો આ દેશમાં સર્વને સમાન ગણી સર્વ માટે સમાન કાયદો રચીને, કૉમન સિવિલ કોડ રચીને જાતિવાદના રાક્ષસને નાથવાનો. પણ જાતિવાદમાં રાચતા મૂર્ખ ટૂંકી દ્ગષ્ટિના નેતાઓ આ દેશની બહુ મોટી કમનસીબી છે. એજ વખતે કૉમન સિવિલ કોડ દાખલ કરી દીધો હોત તો ધર્મ આધારિત કે જ્ઞાતિ આધારિત ભેદભાવ વહીવટીય દ્રષ્ટીએ રહ્યા જ નાં હોત. દેશના તમામ નાગરિકોને માથે સરખાં જ હક અને ફરજો ભાગમાં આવે તો કોણ નીચ અને કોણ ઊંચ? કોણ મુસ્લિમ કે કોણ હિંદુ? કોણ પારસી કે કોણ ક્રિશ્ચન? અરે બધા માનવો અને બધા ભારતીયો જ હોય એમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે દલિત, સવર્ણ જેવા ભાગલા હોય જ ક્યાંથી? દલિત એવો શબ્દ જ શું કામ વાપરવો પડે? આપણા નાના કે મોટા ભાઈ માટે દલિત શબ્દ વાપરી શકીએ ખરા? જ્યારે સાહિત્યમાં દલિત સાહિત્ય શબ્દ વપરાય છે ત્યારે મને બહુ ગુસ્સો આવે છે? સાહિત્ય તો સાહિત્ય છે એમાં દલિત સાહિત્ય, ક્યાંથી આવી ગયું? દલિત શબ્દ જ શબ્દકોષમાંથી કાઢી નાખવા વિનંતી કરું છું. આપણા DNA સરખાજ છે, વી ઓલ આર હોમોસેપિયન.

હવે જ્યારે કહેવાતા સવર્ણોને ખબર પડી જ ગઈ છે કે અનામત પ્રથા નાબૂદ થવાની નથી તો આપણે પણ અનામત માંગો. અને એમની પાસે વાજબી કારણો પણ હશે જ. પાટીદારોએ અનામત માંગવા ગુજરાતમાં આંદોલન શરુ કર્યું છે. હવે બ્રાહ્મણો અને ક્ષત્રિયો પણ માંગશે. એના સમર્થન અને વિરોધમાં ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે. જાણીતા શાહ અટક લખાવતા કડવા પાટીદાર એવા પદમશ્રી લેખકે લખ્યું કે પાટીદારો અનામત માંગે છે એમાં મારું મસ્તક શરમથી ઝૂકી જાય છે. અમુક માથા ગમે ત્યારે ઝૂકી જતા હોય છે તમને ખબર પડે નહિ. એમણે વળી તુકારામ જેવા બીજા મહાનુભાવોના દાખલા ટાંકી લાકડે માંકડું વળગાડ્યું છે. એમણે જે દાખલા આપ્યા તે પટેલ મહાનુભાવોને અનામત શબ્દની જ જાણ નહોતી, સરદાર સિવાય.

શાહ સાહેબ આ પાટીદારો પથ્થર ફોડીને એમાં જીવન રોપે એવા છે.

ખેતી એમના લોહીમાં છે તે આપને કહેવું પડે તેમ નથી. એમને અનામત જોઈતું નથી અનામત નાબૂદ થાય તેવી આશા તેમણે છોડી દીધી છે માટે અનામત નાબૂદ થાય તે માટે અનામત માંગી રહ્યા છે. આ દેશ માટે સૌથી વધુ પોતાના લોહી વહાવ્યા હોય તેવા ક્ષત્રિયોનું પણ એવું જ છે. પુર અને હોનારત વખતે ધર્માદાનું નો ખપે એવા વટ સાથે સરકારી રાહતો ઠુકરાવતા ક્ષત્રિયોને પણ અનામત જોઈતું નથી પણ અનામત બંધ થાય તે જોઈએ છે.

આપણા ટૂંકી દ્ગષ્ટિના નેતાઓએ એડ્યુકેશન સિસ્ટમમાં અનામત દાખલ કરીને એમની મૂર્ખતાનું પ્રદર્શન કર્યું છે. જ્યાં મેરિટની જરૂર હોય ત્યાં બાંધછોડ કરી જ કઈ રીતે શકાય? આર્થિક પછાત વિદ્યાર્થીને ફીમાં રાહત આપો. રાહત શું મફત ભણાવો પણ મેરીટમાં બાંધછોડ કઈ રીતે કરાય? એણે જે તે પ્રવાહમાં દાખલ થવું હોય એની યોગ્યતા તો સાબિત કરવી જ પડે ને? આજે એક ૯૫ ટકા મેળવી મેડિકલમાં એડમીશન મેળવેલ અને એક ૪૯ ટકા મેળવી મેડિકલમાં એડમીશન મેળવેલ વિદ્યાર્થીમાં ફેર તો પડવાનો જ ને? જ્યાં લાઇફનો સવાલ હોય એવા મેડિકલ સાયન્સમાં તમે સાવ ડફોળ હોય એવા વિદ્યાર્થીને એડમીશન જ કઈ રીતે આપી શકો? એમાં બાંધછોડ કઈ રીતે કરાય? આવું તો ફક્ત મેરા ભારત મહાનમાં જ બને. અમેરિકામાં ડૉક્ટર બનતા દસ વર્ષ લાગે છે. ભારતમાં ફક્ત પાંચ વર્ષ. એમાંય તમે કોઈ ડૉક્ટરના કંપાઉંડર તરીકે જૉબ કરી હોય RMP નું સર્ટિ મેળવી લો, કદી મેડિકલ કૉલેજનું પગથિયું સુધ્ધા ભાળ્યું નાં હોય, ડૉક્ટર બની ગયા. એક દાખલો આપું. હાવર્ડ યુનિમાં તમે અમુક દાન આપ્યું હોય તો તમારા નામે એક બે સીટ અનામત હોય છે. આપણા ફેમસ ઉદ્યોગપતિ હિન્દુજા ભાઈઓએ હાવર્ડમાં દાન આપેલું છે. એમના નામે અનામત સીટ ઉપર રાહુલ ગાંધીને એડમીશન મળી ગયેલું. પણ હાવર્ડનાં નિયમ મુજબ છ મહિનામાં એના મેરીટનું જે પણ ધારાધોરણ હોય તે પાસ કરવું પડે. ભાઈ રાહુલ તે પાસ કરી શક્યા નહિ તો એમને પાણીચું મળી ગયેલું છે.

હાવર્ડમાં ભણવા નહિ મળેલા એક યુવાને પાછળથી ખૂબ કમાતા હાવર્ડને લાખો ડોલર્સનું દાન કરેલું છે. આર્થિક નબળા હોય પણ બ્રિલિયન્ટ છોકરાઓની ફી પેલાં દાનમાંથી ભરાય છે. અમેરિકામાં સ્કૂલ સુધી ભણવાનું મફત જ છે. કૉલેજમાં ભણવાનું બહુ મોંઘું છે, પણ જો તમે ભણવામાં હોશિયાર હો તો સરકાર તરફથી ફાયનાન્સીયલ એઇડ મળે છે. તમે ભરેલી ફી પછી મળે છે, શરત છે તમે આર્થિક રીતે નબળા હોવા જોઈએ. પણ મેરીટમાં કોઈ બાંધછોડ ચાલે નહિ.

એડ્યુકેશન સિસ્ટમમાં મેરીટમાં બાંધછોડ અને અનામત મારા દિમાગમાં કદી ઊતરતું નથી અને ઊતરવાનું નથી. મેકોલેને ભલે બધા ગાળો દેતા હોય. મને ખબર છે મેકોલે એ અંગ્રેજો માટે કારકુન પેદા કરવા શિક્ષણ પદ્ધતિ દાખલ કરેલી પણ મને એનો ઉપકાર દેખાય છે કે મેકોલે પહેલા ભારતમાં કોઈ શૂદ્ર ભણી શકતો હતો ખરો? બ્રાહ્મણો સિવાય ભણવાનો કોઈને હક જ નહોતો. રાજકુમારો સિવાય કોઈ ક્ષત્રિય પણ ભણી શકતો નહોતો. કોઈ શૂદ્ર, કોઈ OBC ભણી શકતો જ નહોતો. કોઈ સ્ત્રીને પણ ભણવાનો હક નહોતો. થેન્ક્સ અંગ્રેજો કે ભારતના તમામ વર્ગોને તમે ભણવાનો હક આપ્યો. પણ આ અંગ્રેજો મેરીટમાં કોઈ બાંધછોડ ક્યારેય કરે નહિ. કોઈ શૂદ્રના કાનમાં વેદના મંત્રો પડી ગયા હશે મતલબ ભૂલથી સંભળાઈ ગયા હશે તો કહેવાતા ભગવાન રામે એના કાનમાં શિશુ ઓગાળીને રેડી દીધેલું એ રામ ક્યારેય મારા માટે આદરણીય નથી હોતા. રામરાજ્યની વાતો કરનારા પછી ગમે તે હોય ગાંધી હોય, ગુણવંત શાહ હોય કે કોઈ મોટા બાપુ હોય મને એમના માટે એટલાં પૂરતો જરાય આદર જાગતો નથી.

Distribution of Population of each Religion by Caste Categories
Religion/Caste SCs STs OBCs Forward Caste/Others
Hinduism 22.2% 9% 42.8% 26%
Islam 0.8% 0.5% 39.2% 59.5%
Christianity 9.0% 32.8% 24.8% 33.3%
Sikhism 30.7% 0.9% 22.4% 46.1%
Jainism 0.0% 2.6% 3.0% 94.3%
Buddhism 89.5% 7.4% 0.4% 2.7%
Zoroastrianism 0.0% 15.9% 13.7% 70.4%
Others 2.6% 82.5% 6.25 8.7%
Total 19.7% 8.5% 41.1% 30.8%

ઉપરના આંકડા જુઓ. આમાં ૭૦% લોકોને અનામતના લાભ મળે છે. અને ૩૦ ટકા જેને અનામતના લાભ મળતા નથી તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય સાથે પટેલો પણ આવી જાય. માંડલ પંચ પ્રમાણે OBC ૫૨(બાવન) ટકા છે. કહેવાતા ફૉર્વર્ડ કાસ્ટ ભલે પૈસે ટકે ગરીબ હોય એમને કોઈ લાભ મળે જ નહિ. ૩૦ ટકા ફૉર્વર્ડ કાસ્ટમાં બ્રાહ્મણ, વાણિયા, રાજપૂત અને પટેલો આવી જાય. આમાં પણ સૌથી ઓછી વસ્તી રાજપૂતોની હશે. કારણ આશરે ૫૦૦૦ વર્ષથી મારવાની સાથે મરવાનો ઠેકો રાજપૂતોને જ આપેલો હતો. બીજી કોઈ કોમ લડવા જતી જ નહોતી. મરી મરીને ઓછા થવાનું લાઈસન્સ આ એક જ કોમને આપેલું હતું. છતાં એ બધી ગણતરી જવા દો ૩૦ ટકા ફૉર્વર્ડ કાસ્ટમાં બ્રાહ્મણ, વાણિયા, રાજપૂત અને પટેલોને સરખાં જ ગણીએ વસ્તી પ્રમાણે તો આશરે ૭ ટકા જ હોય દરેક.. ખરા લઘુમતી તો આ લોકો છે જે એમના બાપદાદાઓએ કરેલા પાપની સજા આજે ભોગવી રહ્યા છે જેની નવી પેઢીને તો આ બધી ખબર જ નથી. આ તો મારા દાદાએ કોકનું ખૂન કર્યું હોય ને મને જેલમાં પૂરી દે અને જનમટીપ મળે તેવું થયું છે.

પહેલું તો કહેવાતા દલિતને દલિત નામ આપીને જ આપણે બહુ મોટો ગુનો કરીએ છીએ. દલિત નામ આપીને તે આપણાથી ભિન્ન છે તે સાબિત કરીએ છીએ. બધા ભારતીય જ હોવા જોઈએ. વહીવટીય ક્ષેત્રે કોઈ નાતજાત અને ધર્મના નામે ભેદભાવ જોઈએ જ નહિ. કૉમન સિવિલ કોડ વગર આ દેશનો ઉદ્ધાર નથી. પણ એવું કરવામાં ભ્રષ્ટ નેતાઓને એમનો ઉદ્ધાર દેખાતો નથી.

જાતિવાદનાં ભોરિંગને નાથવાનો એક ઉપાય કૉમન સિવિલ કોડ છે.

Indian Sadhu smoking weed“ચલમનો ભડકો”

રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી. ઊભી ચલમ મુખના એક ખૂણે લગાવીને સતત ગાંજાના કસ ખેંચતા રહેતા, હોઠના ખૂણે થી ધુમાડાના ગોટે ગોટ નીકળતા રહેતા.એક શ્વાસે કસ ખેંચતા  ખેંચતા ચલમ ઉપર ભડકો થઈ જાય ત્યારે કસ ખેંચવાનું બંધ કરી, મીનીટો સુધી મુખમાંથી ધુમાડા કાઢે જતા. જોઇને આજુબાજુ બેઠેલા ભાવિક ભક્તો અહોભાવથી મંત્ર મુગ્ધ થઈ જતા. ઈડર પાસેના એક અંતરિયાળ ગામની સીમમાં જશુભાઈનું બાપીકું ખેતર હતું. ખેતરમાં એક કૂવો હતો. એમાંથી પાણી ખેંચવા એક ઇલેક્ટ્રિક મોટર મૂકેલી તેને સાચવવા ઓરડી બનાવેલી હતી. બાજુમાં એક નાનું  લીમડાનું વૃક્ષ હતું. રામખિલાવન મહારાજ આ લીમડા નીચે ક્યારે અવતર્યા કોઈને ખાસ ખબર નહોતી. આ વિસ્તારમાં ચોમાસામાં ખેતી થતી. શિયાળામાં ક્યારેક કૂવામાં પાણી સારું હોય તો થોડા ખાવા જેટલા ઘઉં પકવી લેવાતા. ઉનાળો સાવ સુક્કો ભંઠ પસાર થતો. કાળી પણ કાંકરાવાળી જમીનમાં કપાસ સારો થતો. ચોમાસામાં કઠોળ પણ સારું થતું. ઉનાળામાં કશું કામ નહિ હોય તો જશુભાઈ એકાદ અઠવાડિયું ખેતરમાં આવેલા નહિ. જ્યારે આવ્યા ત્યારે રામખિલાવન અહી લીમડા નીચે  બેઠાં બેઠાં ચલમના કસ ખેંચતા હતા. આધેડ ઉંમર, પાતળી ઊંચી દેહયષ્ટિ, કાબરચીતરી દાઢી, માથે એવી જ અંબોડી વાળેલી જટા, કાળો વાન. પહેલી નજરે બાવો આંખોને ગમે તેવો હતો નહિ. જશુભાઈ પણ વિચારતા હતા કે આ લપ અહી ક્યાં પેઠું? પણ મૂળ ધાર્મિક માણસ અને પહેરવેશનું માન જાળવવા રામ રામ બાપજી કર્યા. સામેથી પણ જવાબ મળ્યો જય રામજીકી.

‘બાપજી ક્યાંથી પધારવાનું થયું?’

‘સબ ભૂમિ ગોપાલકી,હમારે લિયે સબ જગા ભગવાનકી હૈ.’

‘બાપજી, હું તો ચાર દિવસથી આવ્યો નહોતો, આજે જ આવ્યો છું, ભોજન વગેરેનું શું કર્યું?’

‘રામ ખિલાવે તો ખાના વરનાં ઉપવાસ સમજી લેવાના. મેરા તો નામ હી રામખિલાવન હૈ.’

 

બાપજી હિન્દી મિશ્રિત ગુજરાતી બોલતા હતા. જશુભાઈને દયા આવી કે બાપજી મારા ખેતરમાં ભૂખ્યા બેઠાં છે, સારું ના કહેવાય. જો કે ગામ થી ખેતર ઘણું દૂર હતું પણ થાય શું? જશુભાઈ મારતે ઘોડે ઘેર ગયા. ભોજન લઈને પાછાં આવ્યા. ભોજન પતાવી આશીર્વાદ આપી મહારાજે ચલમ ભરી થોડા કસ ખેંચીને જશુભાઈને ધરી દીધી. જશુભાઈ આમેય બીડીના કસ તો ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય ગણાતા વ્યસનથી ટેવાયેલા હોઈ ખેંચતાં રહેતા. મહારાજની ચલમમાં કઈ જુદોજ આનંદ હતો. બસ લાગ જોઇને મહારાજે કહી દીધું કે બચ્ચા થોડે દિન યહી રહેના હૈ, બાદમે ચલા જાઉંગા. જશુભાઈએ સંમતિ આપી દીધી કે અપાઈ ગઈ કશું એમને જ સમજાયું નહિ. રાત્રે ઓરડીમાં સુવાની વ્યવસ્થા થઈ ગઈ. આખો દિવસ મહારાજ રામચરિતમાનસની ચોપાઈ ગાયા  કરતા, અને ચલમ ખેંચે રાખતા. જશુભાઈ પણ હવે નિયમિત આવતા થઈ ગયેલા. ભોજન પણ લેતા આવતા. આમેય હવે ઉનાળો પૂરો થવા આવેલો. કપાસ વાવવાની તૈયારી કરવાની હતી. દર ઉનાળે બોરડીના જાળાં આખા ખેતરમાં વધી જતાં. તેમને ખોદીને દુર કરવા પડતા. ખેતરમાં કામ હતું એટલે નિયમિત સવાર સાંજ આવવું પડતું. ઘણી વાર ગામથી ખેતર દૂર હોવાના કારણે સવારે આવતા તો સાંજે જ જતાં. કોઈ વાર અંધારું  પણ થઈ જતું. એવે ટાણે બપોરે જશુભાઈની દીકરી મંજુલા બપોરનું ભાતું લઈ આવતી.

 

સોળ વરસની મંજુલા ભણવામાં કઈ ઉકાળી શકેલી નહિ. એસ.એસ.સી.માં નાપાસ થવાથી સ્કૂલમાંથી ઉઠાડી  મૂકેલી. ખેતરમાં અને ઘરકામમાં મદદ કરતી. કોઈ સારો વર મળી જાય તો પરણાવી ઠેકાણે પાડી દેવી એવું વિચારતા હતા. મંજુલા બહુ દેખાવડી તો નહોતી શરીરે પણ દૂબળી પાતળી હતી.
રામખિલાવન મહારાજ ધીમે ધીમે અહીં જામી પડ્યા હતા. જશુભાઈ એમના ભક્ત બની ગયેલા. હવે બાપજીની ચલમ વગર ચાલતું નહોતું. એક અલગ ઓરડી પણ એમની બની ગઈ હતી. એના ઉપર ધજા પણ લાગી ગયેલી. ભક્તો પણ વધવા લાગેલા. મહારાજ સુંદર રીતે ચોપાઈ ગાતા, ધર્મ ધ્યાનની વાતો કરતા. કોઈના દુખ નિવારણ માટે પ્રયત્નો પણ કરતા. નાના મોટા આશીર્વાદ આપવાનું સામાન્ય હતું. એમાં અકસ્માતે કોઈનું કામ થઈ જતું તો એને બહેલાવી બહેલાવીને કહેવામાં આવતું. ભક્તોને ખાસ તો બાપુની ચલમ ફરતી ફરતી એમની પાસે ક્યારે આવે તેનું ખાસ ધ્યાન રહેતું. ઓરડી નાની પડતા બીજી મોટી ઓરડી પણ ચણાઈ ગઈ અને એની ઉપર “રામખિલાવન આશ્રમ” પણ લખાઈ ગયું. નવી ઓરડી વળી ભોંયરાની  સગવડવાળી બની ગઈ હતી. બાપજી સવારે ભોંયરામાં સાધના કરતા. ભોંયરામાં કોઈને પ્રવેશ નહોતો, ખાલી જશુભાઈ જઈ શકતા અને દીકરી મંજુલા સાફસફાઈ કરવા જતી. કોઈવાર આ લોકોના દેખાતા ઉટપટાંગ આસનો કરતા. જશુભાઈ પૂછે કુતૂહલ વશ થઈને તો કહેતા કે યોગ કરતા હું, ધ્યાન કરતા હું, સાધના કરતા હું. ભગવાન કે સાથ તાર જોડા રહા હું.
જશુભાઈને ઓણસાલ વરસાદ સારો થવાથી કપાસ તો સારો થયેલો, પણ શિયાળામાં કૂવામાં પાણી પણ સારું ચાલ્યું. એના કારણે ઘઉં અને થોડી વરિયાળી પણ સારી થઈ. બધું બાપજીની સેવાને કારણે થયું એવું મન માનવા લાગેલું. બાપજીની ચલમ પીવાની અદ્ભુત આવડતથી  જશુભાઈ સંમોહિત હતા. એમના જેવો ચલમ ઉપર  ભડકો કોઈ કરી શકતું નહિ. જો કે તમાકુમાં ચરસ અને ગાંજો ઉમેરાતો તેનાથી બધાને એમની ચલમનું   વ્યસન થઈ ગયેલું. હવે બાપજીની ચલમ મફત ના પિવાય તેથી પૈસા પણ લોકો દાન તરીકે આપતા. રાત્રે શંકાસ્પદ માણસો આવતા. અને બાપજી જોડે ભોંયરામાં મંત્રણાઓ કરી ચાલ્યા જતાં. કોઈવાર રાતવાસો કરવા આવતા જશુભાઈને બાપજી ખુલાસો કરી લેતા કે મેરે ભક્તજન હૈ, દૂરસે આતે હૈ. ધીમે ધીમે જશુભાઈએ પણ રાતવાસો  કાયમનો કરી નાખેલો, એનું મૂળ પેલી ચલમ હતી. જશુભાઈને પણ ખબર તો પડી ગયેલી કે ચલમમાં ગાંજો હોય છે પણ હવે એનાથી છૂટવું નહોતું. આખો દિવસ ચમત્કારની વાતોમાં જશુભાઈ રમમાણ રહેતા, અનાયાસે બાપજીના એજન્ટ બની ચૂક્યા હતા.
બાપજી કહેતા કે દેખ જશું થોડે દિનમેં યહાં તેરે ખેતમે પ્લેન ઉતરેંગે. બહોત બડે નેતા લોગ આયેંગે. જશુભાઈ અહોભાવથી જોઈ રહેતા. બાપજી ફેંકવામાં નંબર એક હતા. જશુભાઈ અહોભાવથી મોહિત બની રહેવામાં નંબર એક હતા. એકવાર બાપજીએ જશુભાઈને કહ્યું અબ મંજુલા બેટીકો હમ યોગ શીખાના માંગતા હૈ. દેખના લોગ તેરી બેટીકે પાવ પડેંગે. મુજે ઉસકા ભવિષ્ય બહોત ઉજ્જવળ દેખાઈ દેતા હૈ. લોગ ઉસે ગુરુમાઈ કહેકર પુકારેંગે. જશુભાઈ તો ખુશ થઈ ગયા. મારા અહોભાગ્ય કે મારા ઘેર આવી દીકરી અવતરી. પહેલા તો અભાગણી  કહેતા હતા. મંજુલાએ શરૂમાં તો કઈ શીખવું નથી કહી ના પાડી. પિતાનો આદેશ અને મંજુલા ભોયરામાં યોગના આસનો શીખવા લાગી. દીકરી વહેલી સવારે આઠ વાગે ખેતરમાં હાજર થઈ જતી. શરૂમાં પિતાના દેખાતા બાપજી આસનો શીખવતા. પછી ધીમે ધીમે જશુભાઈને બંધ કર્યા કે હવે આગળની સાધનામાં કોઈની હાજરીથી વિક્ષેપ પડે. કલાક પછી બાપજી ઉપર આવી જતાં અને જશુભાઈને કહેતા જાવ બેટીકા દર્શન કરકે આવ કૈસા ધ્યાન લગ ગયા હૈ? ભગવાનકે સાથ તાર જૂડ ગયા હૈ. અવાજ મત કરના. જશુભાઈ નીચે જઈ આંખો બંધ કરી પદ્માસનમાં બેઠેલી બાપજીએ બુઝાવેલી આગ અને પ્રાપ્ત ચરમસીમાને લીધે એકદમ શાંત સમાધિસ્થ બેટીને પગે લાગી આવી જતાં. અહોભાવમાં વધારો થઈ જતો.
જેમ જેમ મંજુલાની સાધના આગળ વધતી જતી હતી તેમ એનું રૂપ ખીલવા માંડ્યું હતું. શરીર પણ ભરાવા માંડ્યું હતું. મંજુલા હવે શરીરનું ધ્યાન વધારે રાખતી થઈ ગઈ હતી. હોઠ પર લાલી પણ લગાવતી થઈ ગઈ હતી. જશુભાઈ વિરોધ કરતા તો બાપજી રોકતાં બચ્ચીકો મત દાટો સાક્ષાત્ જોગમાયા દીખતી હૈ. બાપજી આગળ જશુભાઈનું  કશું ના ચાલતું. પાછું સવારે સાધના પછી જશુભાઈ ધ્યાન મગ્ન દીકરીને પગે લાગી આવતા એટલે તે જે કરે બધું યોગ્ય લાગતું. સવારે હવે સાધનાનો દોર ભોંયરામાં લંબાએ જતો હતો.. ઉપર આવીને બાપજી ચા પાણી કરતા. જશુભાઈ બધું તૈયાર રાખતા હતા. બાપજીની કાબરચીતરી મૂછોને લાગેલો લાલ લીપ્સ્ટીકનો રંગ ચામાં ઓગળવા પ્રયત્ન કરતો, રકાબીમાં રેડેલી ચામાં આડા અવળા રેલાઈ જતા લાલ રંગના દોરા જોઈ બાપજી ફરી ઉત્તેજિત થઈ જતા પણ જશુભાઈને એ રંગ ક્યાંથી દેખાય? સીધા દોટ મૂકીને ધ્યાનસ્થ દીકરીને પગે લાગવા દોડી જતાં.
વરસ પછી આજે આશ્રમ ઉજ્જડ છે. રાજયોગ કે કામયોગ? એવું વિચારતું સાક્ષી એવું ભોંયરું ખાલી પડી રહ્યું છે. ”રામખિલાવન આશ્રમ” લખેલા પર કાળો કૂચડો ફેરવાય ગયો છે. જશુભાઈ વિલા મોઢે, આંખના ખૂણે એક અશ્રુ બિંદુ જાળવી એકલાં લીમડા નીચે બેઠાં હોય છે, જ્યાં પહેલીવાર બાપજી અવતરેલા. વહાલસોઈ દીકરી માટે હવે વર શોધવાની પળોજણ રહી નહોતી, બંને અદ્રશ્ય થઈ ચુક્યા હતા.

 

બાપજી એક શ્વાસે જે ચલમ ખેંચતાં ઉપર ભડકો થઈ જતો તે જોઈ જશુભાઈ સહીત અનેક ભક્તોની આંખોમાં અહોભાવ છલકાઈ જતો.

 

રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી.
નોંધ:-મિત્રો સત્યઘટના ઉપર આધારિત વાર્તા છે.

 

રાઓલ ભૂપેન્દ્રસિંહ આર.

એડીસન…

105228Image1

વિજ્ઞાન ભણવું અને વૈજ્ઞાનિક અભિગમ રાખવો બંને ભિન્ન છે. આપણા વૈજ્ઞાનિકોમાં પણ વૈજ્ઞાનિક અભિગમ હોતો નથી. એટલે એજ્યુકેશન અને વૈજ્ઞાનિક અભિગમ અને રેશનલ અભિગમને કશું લાગેવળગે નહિ. પણ જે દેશોમાં એજ્યુકેશન સાથે વૈજ્ઞાનિક અને રેશનલ અભિગમ છે ત્યાં ધર્મ ચોક્કસ નબળો પડ્યો છે જેવા કે સ્કેન્ડીવિયન દેશો. હિન્દુત્વ જીવન જીવવાની એક રીત એક તરીકો છે તેના બદલે આપણે ધર્મ માની બેઠાં છીએ. મને હિંદુ નિરીશ્વરવાદી કે હિંદુ નાસ્તિક તરીકે ઓળખાવતા જરાય શરમ આવતી નથી. કારણ મારા પૂર્વજ હિંદુ મનીષીઓએ જ દુનિયાને નિરીશ્વરવાદ અને રેશનાલીઝમ શીખવ્યું છે. આપણે ત્યાં લગભગ એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમ ચાલે છે, પ્રતિબુદ્ધિવાદ. બુદ્ધિવાદી હોવું આજના ભારતમાં ગાળ સમાન છે. આપણા લેખકો, કવિઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, શિક્ષકો, શિક્ષણશાસ્ત્રીઓ એવા અનેક કહેવાતા ઈન્ટેલેકચ્યુઅલ ખરેખર એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમમાં માનતા છે. એ આ દેશની બહુ મોટી કમનસીબી છે. આપણે ત્યાં વેદો માન્ય દર્શન શાસ્ત્રોની છ સ્કૂલ હતી. સાંખ્ય જે નિરીશ્વરવાદી હતું, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસાથી ઈશ્વરભાઈ ઘૂસ્યા છે. કેટલા બુદ્ધિશાળી હતા એ લોકો? ઈશ્વરમાં નાં માનવું, ઈશ્વરનો ઇનકાર પણ વેદો માન્ય હોવાથી આસ્તિક કહેવાતા. કેટલી ઓપનનેસ હતી એ લોકોમાં?

અને આજે? તમે ઈશ્વરની કલ્પનામાં નાં માનતા હો તો તમને નાલાયક સમજવામાં આવે છે ભલે તમે નૈતિક હો. અને તમામ અનૈતિકતાઓ આચરતા હો પગની પાનીથી માથાની ચોટલી સુધી ભ્રષ્ટાચારી હો પણ કૃષ્ણને ભગવાન માનો તો તમે સારા છો. કૃષ્ણ મારે માટે એક મહા માનવ છે, ઈશ્વર થઈને જીવેલો માનવી છે. ભલે કૃષ્ણ માટે મને ખૂબ પ્રેમ હોય પણ જો હું કૃષ્ણને ભગવાન નાં માનું તો મૂર્ખાઓ મને પથ્થર લઈ મારવા દોડશે અને એવા લોકો જે કૃષ્ણ વિષે કશું જાણતા જ નથી.

મુસ્લિમ દેશોની તો વાત જ નાં કરશો. મુસ્લિમ દેશો તો લગભગ સંપૂર્ણપણે પ્રતિબુદ્ધિવાદ (એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમ) તરફ ખેંચાયેલા જ છે. કાશ્મીરના અલગતાવાદી જુઓ. તાલીબાનો જુઓ. પેશાવરની સ્કૂલમાં હુમલો કરી નાના બાળકોને રહેંસી નાખ્યા. ISIS જુઓ, હવે તો આ લોકોએ નાના બાળકોની ત્રાસવાદી સેના બનાવી છે. એમના બ્રેનમાં બુદ્ધિ નામનું કોઈ તત્ત્વ બચપણ થી જ રહેવા દેવાનું નહિ. આ બાળકો પકડાયેલા સૈનિકનું માથું કાપતા જરાય કંપતા નથી. એકલાં ભારતમાં નહિ પણ અમેરિકામાં પણ આવું જ છે. અમેરિકાનો કોંગ્રેસમેન Congressman Paul Broun (R-Ga.)જે પોતે ડૉક્ટર છે, એમ. ડી. છે, વર્ષોથી ડૉક્ટર તરીકે પ્રેક્ટીશ કરે છે તે કહે છે, ‘ઉત્ક્રાંતિ, બીગ બેંગ બધું નરકના ખાડામાંથી આવેલુ જૂઠ છે.’ એના શબ્દોમાં “God’s word is true. I’ve come to understand that. All that stuff I was taught about evolution and embryology and the big bang theory, all that is lies straight from the pit of Hell.” આ ડૉક્ટરનું કહેવું છે બાયબલે કહ્યા પ્રમાણે છ દિવસમાં પૃથ્વીની રચના કરી છે. બીજા એક સેનેટ ઇન્વાયરમેન્ટલ પૅનલના ચેરમેન હાથમાં સ્નોબોલ લઈને ચેમ્બરમાં આવેલા અને કહે ક્લાઈમેટ ચેઇન્જ હોક્સ છે, મજાકમાં કરેલી છેતરપિંડી. આવા ભણેલા પણ ગણેલા નહિ એવા મોટા માથા અમેરિકામાં એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમનાં પ્રણેતા છે. ત્રણમાંથી એક અમેરિકનને તેના વાઈસ પ્રેસિડન્ટનું નામ ખબર નથી.

આપણે જરા વિચારીએ તો કોમવાદ, ભડકાવનારી ધાર્મિકતા બધું નિરર્થક છે. પણ વિચારીએ તો ને? વિચારીએ જ નહિ તો પછી? એટલે જે લોકોને સામાન્ય પ્રજા ઉપર રાજ કરવા છે તે લોકો પહેલું તો પ્રજા વિચારે તે બંધ કરાવશે. કારણ તમે વિચારશો તો એમનું કહ્યું નહિ માનો. તમે દલીલો કરશો. તમે કારણ શોધશો. કાર્યકારણનો સંબંધ શોધશો. અને કોઈ કારણ જડે નહિ તો તમે એમની વાત કે આજ્ઞા માનવા ઇન્કાર કરશો. તો પછી એમના ધંધાનું શું? પણ આ પ્રતિબુદ્ધિવાદ એકંદરે સમગ્ર પ્રજાનો વિકાસ અટકાવશે. તે મૂરખ પ્રજાને ખબર હોતી નથી. જર્મનીમાં હિટલરે તે જ કરેલું. પ્રજાને hyper-patriotism નું અફીણ પિવડાવી દીધું. નાના બાળકો સહિત કાળજું કંપાવી દે, એક બે નહિ ૬૦ લાખ યહૂદીઓને જીવતા શેકી નાંખ્યાં. જો જરા એક બ્રેન ન્યુરોન્સ વાપરી વિચારો તો એક પણ માણસની હત્યા તમે કરી શકો નહિ.

જો તમે તમારા બ્રેન ન્યુરોન્સ વાપરી વિચારો તો એક કીડીને મારવામાં પણ તમને કોઈ તર્ક નહિ દેખાય. અને એવું વિચારવાની ક્ષમતા ધરાવનારને આપણે મહાવીર કહ્યા છે, બુદ્ધ કહ્યા છે. આપણે બધા Anti-intellectualism અને Iintellectualism વચ્ચે ઝોલા ખાતા હોઈએ છીએ. કારણ આપણું એનિમલ બ્રેન સર્વાઈવલ સિવાય બીજી કોઈ ભાષા જાણતું નથી. માટે તે પોતાના સર્વાઈવલ માટે કોઈની પણ હત્યા કરી શકે છે. તમે માની શકો એક માતા પોતાના સંતાનને મારી શકે? લાર્જ કોર્ટેક્સ, મોટા મગજ, વિચારશીલ બ્રેનમાં આ વાત ઊતરે નહિ. પણ બરોડાની પાસેના ગામમાં આવો બનાવ બનેલો જે સંદેશ છાપામાં આવેલો. એક માતાની એના પતિથી છાની એના પ્રેમી સાથેની કામલીલા એના સંતાન વડે અકસ્માતે જોવાઈ ગઈ. પકડાઈ જવાની બીકમાં માતાએ એના છોકરાના પગ પકડી રાખ્યા અને એના પ્રેમીએ પેલાં નાના છોકરાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ હતું એનિમલ બ્રેન, નાનું મગજ, લિમ્બિક સિસ્ટિમ અથવા મેમલ બ્રેન, જે પોતાના સર્વાઈવલ માટે માતા-પિતા, ભાઈઓ-બહેનો કે સંતાનોની પણ હત્યા કરાવી શકે. મુગલ આજ કરતા હતા. જે બાપે જનમ આપ્યો હોય જે ભાઈઓ સાથે રમ્યા હોય તેની જ હત્યા કરતા. ઔરંગઝેબ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અર્જુન શું હતો? Anti-intellectualism અને intellectualism વચ્ચે ઝોલા ખાતો હતો. સામે ભાઈઓ, ગુરુ, અને દાદા સહિત સગાઓ જ ઊભા હતા એમની સામે સર્વાઈવલ માટે લડવાનું હતું. એનું લાર્જ કોર્ટેક્સ નાં પાડતું હતું અને એનિમલ બ્રેન લડવા માટે ઉશ્કેરતું હતું. પણ એ વિચારશીલ વધુ હતો માટે કૃષ્ણ સામે દલીલો ઉપર દલીલો કરે રાખતો હતો. એક સમયે સગાઓને મારીને સર્વાઇવ થવા કરતા મોત પસંદ હતું એને. છેવટે રાબેતામુજબ કૃષ્ણે કહી દીધું મામેકં શરણં વ્રજ હું કહું તેમ કર, મારી શરણમાં આવી જા, શંકા કરીશ નહિ, નહિ તો તારો નાશ નક્કી છે. આજે પણ માબાપ સંતાનોને કહી દેતા હોય છે કહીએ તેમ કર બહુ ડાહ્યો થયા વગર. જે દાદાએ ખોળામાં રમાડ્યો હતો તેમની, જે ગુરુએ ભણાવ્યો હતો તેમની એવા તો બહુ બધાની હત્યા એણે કરી. એટલે તો મહાવીર જેવા intellectual ની સમજમાં આ વાત કદી ઊતરે નહિ. અર્જુનની જગ્યાએ મહાવીર હોત તો સામેથી કહી દેત મારે તસુભાર જમીન જોઈતી નથી હું તો આ ચાલ્યો વનમાં. અર્જુનને બુદ્ધિવાદ તરફથી પ્રતિબુદ્ધિવાદ તરફ ઘસડી જનારા કૃષ્ણ ભગવાન કહેવાયા. સર્વાઈવલ માટે ભલે જરૂરી હતું પણ ત્યારથી ભારત બુદ્ધિવાદનું પાકું વિરોધી બની ગયું હોય એવું લાગે છે.

જૂન ૧૭, ૨૦૧૫, Charleston, સાઉથ કેરોલીનામાં એક ચર્ચમાં આવા જ એક કોમવાદી અને રંગભેદીએ નવ લોકોને મારી નાખ્યા. રંગભેદ, કોમવાદ બુદ્ધિહીનતાનું પરિણામ છે. કહેવાતા ભણેલા ગણેલા લોકો પણ પ્રતિબુદ્ધિવાદી હોઈ શકે છે. દેશભક્તિ વખાણવા જેવી છે, પણ અંધ-દેશભક્તિ (hyper-patriotism) હું નથી માનતો કે વખાણવા લાયક હોય. કેટલાક અમેરિકનો અને મોટાભાગના કમજોર ભારતીયો બંને Hyper-patriotism થી પીડાય છે. જિંદગીમાં બંદુક પકડી નાં હોય એક સસલું એ માર્યું નાં હોય એવા ભારતીયો ખાસ દેશભક્તિ અને મારી નાખો કાપી નાખો ની વાતો કરતા હોય છે. ત્યારે મને હસવું આવે છે. મૂરખો લોહીની પિચકારી ઊડશે તો બેભાન થઈને ગબડી પડશો.. હહાહાહાહાહાહ

એક થડા(ગલ્લા) પર બેઠેલા વાણિયાની અહિંસા અને મહાવીરની અહિંસા વચ્ચે આભજમીનનો ફરક છે.

ટ્રેડિશનલ વેલ્યુસનાં વિરોધમાં ફૅક્ટ બેઝ સેક્સ એજ્યુકેશન આપવાનું ચૂકવાથી અમેરિકામાં ટીનેજરમાં પ્રેગનન્સીનું જોર ખૂબ વધ્યું છે. હું પહેલા પણ લખી ચૂક્યો છું. દુનિયાની બે સૌથી મોટી લોકશાહીઓ અમેરિકા અને ભારત બહુ ધાર્મિક છે. અને ધાર્મિક માન્યતાઓ ૯૦ થી ૯૯ ટકા ઇરેશનલ હોય છે, એમાં કોઈ બુદ્ધિ વાપરવાની હોતી નથી. ભણતર અને વૈજ્ઞાનિક સાક્ષરતાનો અંક અમેરિકામાં શરમજનક નીચો છે. તો ભારત અને મુસ્લિમ દેશોમાં તો વૈજ્ઞાનિક સાક્ષરતાનો અંક લગભગ ઝીરો છે. આપણા તો મિસાઇલ મેન તરીકે પ્રખ્યાત વૈજ્ઞાનિક આઠ ચોપડી ભણેલા પરમ મૂરખ સ્વામી પાછળ ગાંડા હોય. એવા વૈજ્ઞાનિકો દેશની યુવાન પેઢીને કયા આદર્શ શીખવશે? એમનું વર્તન યુવાનોને એવું જ અચેતનરૂપે શીખવશે કે ગમે તેટલા મહાન વૈજ્ઞાનિક બનો દેશના પ્રૅસિડેન્ટ બનો પણ એક અભણ મૂરખ અવૈજ્ઞાનિક ખ્યાલો ધરાવતા બાવાના પગમાં પડો. માબાપનું વર્તન જોઇને સંતાનો અચેતનરૂપે બધું શીખતા હોય છે. આવા સેલીબ્રીટીનું વર્તન જોઇને સમાજ શીખતો હોય છે. સમાજ શીખશે, સમાજના યુવાનો શીખશે કે કહેવાતા સ્કીલ્ડ લેબરની જેમ વૈજ્ઞાનિક બનો અને આઠ ચોપડી ભણેલા સમાજને બીમાર બનાવતી માન્યતાઓ ફેલાવતા બાવાના પગમાં પડો.

આપણા તો પીએમ શુદ્ધા બહુ સારા લીડર હોવા છતાં એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમને સપોર્ટ કરતું વર્તન કરશે. પ્રતિબુદ્ધિવાદને અનુસરીને સુખડ-ઘીના દાન કરશે. જાણતા હોય પણ મોટાભાગની પ્રજા જ એન્ટી-ઈન્ટેલેકચ્યુઅલ હોય ત્યાં એને ખુશ રાખવા એશોઆરામ જેવા હરામખોરના પડખે ચડશે. પછી માઇક પકડી એશોઆરામ કહેશે કેવો સરસ મેળ પડ્યો. ધર્મસત્તા અને રાજસત્તા ભેગાં મળે એટલે પ્રજાનો બેડો પાર થઈ જાય. અલ્યા મૂરખ ધર્મસત્તા અને રાજસત્તા ભેગાં મળે તો પ્રજાનું સત્યાનાશ વળી જાય તેની તને ક્યાં ખબર છે? ‘હું તો કેદુ નો કેતો તો મારો શિવો મને મળી ગયો.. શિવો આજે દિલ્હીનાં દરબારમાં છે અને પોતાને સમર્થ સ્વામી રામદાસ જોડે સરખાવનાર જેલમાં. હહાહાહાહાહા

મૂળ તકલીફ છે પ્રજા એના બ્રેન ન્યુરોન્સ વાપરતી નથી, વિચારતી નથી, વિચારવાની પ્રક્રિયા એની સમજમાં જ આવતી નથી. કારણ વિચારવાની બારીઓ જ બંધ કરાવી દીધી હોય. કારણ જો પ્રજા વિચારે તો નેતા અને ધર્મનેતાઓનો ધંધો ચાલે જ નહિ.

કોમવાદ કે રેસિઝમ પ્રતિબુદ્ધિવાદ જ છે. કહેવાતા બુદ્ધિશાળી અને એડ્યુકેટેડ લોકો પણ કોમવાદી હોઈ શકે છે. એનિમલ બ્રેન હમેશાં કોમવાદી જ હોય. કોમવાદ બીજું કશું નહિ એક નાના પાયે સમૂહવાદ જ છે. કારણ મેમલ સમૂહમાં રહેવા જિનેટિકલી ઇવોલ્વ થયેલા છે. અને વસુધૈવ કુટુમ્બક એ લાર્જ-કોર્ટેક્સનો કૉન્સેપ્ટ છે કે આખી દુનિયા આપણો સમૂહ છે અને સર્વ સમાન છે. સામ્યવાદ, સમાજવાદ, આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good પૂરતી હોય છે. જ્યાં જ્યાં સર્વાઈવલ દેખાય ત્યાં તે feel good કરતું હોય છે.

જેમ જેમ માનવી ઈન્ટેલેકચ્યુઅલ થતો જાય તેમ તેમ પોતાને વિશ્વમાનવ અને વસુધૈવ કુટુમ્બકમમાં માનતો થઈ જતો હોય છે. ઉમાશંકર જોશી પાછલી અવસ્થામાં પોતાને વિશ્વમાનવ તરીકે ઓળખાવતા. અને મહાવીર જેવા ઍક્સ્ટ્રીમ ઇન્ટેલિજન્ટ તો નાના જીવજંતુમાં પણ પોતાનો અહેસાસ કરતા હોય છે. મેમલ બ્રેન પર અભૂતપૂર્વ કાબૂ મેળવી લે તેને જ જીન કહેવાય અને એવો કાબૂ જેણે મેળવી લીધો હોય તેને જૈન કહેવાય. Mahavira was given the title Jīnā, or “Conqueror” (conqueror of inner enemies such as attachment, pride and greed). બુદ્ધનું પણ એવું જ હતું. તમામ જીવો પ્રત્યે કરુણા એમનો મંત્ર હતો. પણ આ બધું એનિમલ બ્રેન ધરાવતા માનવ જંગલમાં કામનું નહિ જો જીવવું હોય તો. ત્યાં પછી કૃષ્ણ કામ લાગે. પછી તે કહેશે નૈન્મ છીન્દંતી શસ્ત્રાણમ, નૈન્મ દહતી પાવકઃ તો મારો પછી જીવવું હોય તો. અને DNA જીવતા રાખવા હોય તો………

 

 

પ્યારા મિત્રો,

પ્રતિલીપી નામની વેબ સાઈટ ગુજરાતી તેમજ ભાષાઓનાં સાહિત્યની ખુબ સારી સેવા કરી રહી છે. ફાધર્સ ડે નિમિત્તે એના પર લેખન સ્પર્ધા રાખવામાં આવેલી છે. પિતા વિષે જે પણ લખવું હોય તે લખીને મોકલી શકાય. મેં પણ એમાં ઝુકાવેલું અને ‘જય પિતાશ્રી’ નામનો લેખ મૂક્યો છે. ફિલોસોફીના ફડાકાને બદલે સીધા ફેક્ટ આપેલા છે. મારા તમામ વાચક મિત્રોને અહી આપેલી લીંક પર જઈ તે લેખ વાંચવા નમ્ર વિનંતી.. .   જય પિતાશ્રી  આ લીંક ખુલે એટલે Read For Free ઉપર ક્લિક કરવાથી આખો લેખ વાંચવા મળશે. 11657335_10205224016012654_1346490501_n

800px-Bhujangasana_Yoga-Asana_Nina-Melજ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

The US Patent and Trademark office has reportedly issued 150 yoga-related copyrights, 134 trademarks on yoga accessories and 2,315 yoga trademarks.

સૌથી વધુ યોગની પ્રેક્ટીશ કરતા હોય તો તે અમેરિકનો છે એવું મારું માનવું છે. એમને તે વાત જરાય નડતી નથી કે યોગની વ્યવસ્થિતપણે શોધ ભારતીયોએ કરેલી છે, અને તે ભારતીયો હિંદુ વિચારધારાને વરેલા હતાં. યોગ હિંદુ ફીલોસફીની છ મુખ્ય સ્કૂલ્સ માની એક સ્કૂલ છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા આમ છ હિંદુ તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ છે. સમજી લો કે ઉત્તર મિમાંસાથી ઈશ્વરભાઈ નામનો કોન્સેપ્ટ ઘૂસેલો છે. સાંખ્ય તદ્દન નિરીશ્વરવાદી હતું અને યોગ એની સાથે બહુ નજદીક હતો. એમાં જે પણ ઈશ્વર ઘુસ્યો હશે તે બહુ પાછળથી. મુર્ખ મુસલમાનો સાથે અજ્ઞાન હિન્દુઓને પણ ખબર નથી કે ભારતીય ફીલોસફીની છ સ્કૂલ્સમાં ઈશ્વર છેલ્લે ઘૂસેલો છે. યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે. યોગ મતલબ જોડવું. શરીર અને મન સાથે અદભુત જોડાણ કરવું અથવા તે જોડાણને સમજવું અને અમુક ક્રિયાઓ કરીને તે જોડાણ ને અદ્ભુત બનાવવું જેથી સર્વાઈવલ ઓફ ફીટેસ્ટનાં જમાનામાં સર્વાઈવ વધુ સારી રીતે થઈ જવાય તે પ્રક્રિયાને યોગ કહેવાય છે.

આધુનિક મેડીકલ સાયન્સની જેમ યોગ એક શુદ્ધ જ્ઞાન છે તેને ધર્મોના લેબલની જરાય જરૂર નથી તે પાપી પશ્ચિમના ક્રિશ્ચિયન લોકો ફનેટીક મુસલમાનો કરતા વધુ સારી રીતે જાણે છે, માટે આજે યોગ વિષય ૧૫૦ પેટન્ટ અમેરિકનો ધરાવે છે.

કેટલા હિન્દુઓને ખબર હશે કે યોગના આઠ અંગ છે? કે આઠ પ્રકરણ છે? કે યોગ નામની સીડીને આઠ પગથિયાં છે? હરિયાણાની ભાજપા સરકારના યોગના બ્રાંડ એમ્બેસેડર, યોગના વેપારી ગુરુ બાબા રામદેવ યોગની આઠ પગથીયાની સીડીના ફક્ત બે પગથિયાં આસન અને પ્રાણાયામ વિષે તમને માહિતી આપે છે. ફક્ત બે પગથિયાં જો આટલા લાભદાયી હોય તો આઠ પગથિયાં ચડીને ક્યાં પહોંચી જવાય?

યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

બાબા રામદેવ પ્રાણાયામ અને આસનો જ શીખવાડે છે બાકી બીજા તેઓ અંગો વિષે તેઓ જાણતા જ હોય પણ સામાન્યજનને શીખવવાનું મુનાસીબ નહિ સમજતા હોય. કે એમાંથી અર્થોપાજન થાય તેવું લાગતું નહિ હોય.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા મદદ મળતા ધારણા, ધ્યાન અને સમાધિના પગથિયાં આસાનીથી ચડી શકાય.

પ્રાણાયામ શ્વાસોચ્છવાસની અદ્ભુત ટેકનીક છે. ઓક્સિજન વગર તો મુસલમાન પણ નહિ જીવી શકે અને પ્રાણાયામ ટેક્નિક ઓક્સિજન વધુમાં વધુ લેવાની ટેક્નિક છે. માછલી, કાચબો, ગાય, ભેંસ, ડુક્કર, હાથી કે માનવી, મુસલમાન કે હિંદુ, ખ્રિસ્તી કે પારસી, બૌદ્ધ કે જૈન, કે કોઈપણ હોય પાણીમાં તરતી વખતે ઓટ્મેટિક પ્લાવની પ્રાણાયામ કરે જ છે. તેમ જ લાંબુ દોડવાથી ઓટ્મેટિક ભસ્ત્રિકા પ્રાણાયામ થઈ જાય છે, ત્યારે કોઈ મુસલમાન એમ કહી નહિ શકે કે હું ભસ્ત્રિકા નહિ કરું કે સ્વિમિંગ પુલમાં પ્લાવની નહિ કરું, કારણ કોઈ હિન્દુએ પ્રાણાયામનાં વિવિધ નામ આપ્યા છે. ન્યુટને ગુરુત્વાકર્ષણ વિષે સમજ આપી તે પહેલા શું ગુરુત્વાકર્ષણ નહોતું? પતંજલિએ યોગ સુત્રો રચ્યા તે પહેલા શું યોગા નહોતો? અરે યોગા તો પ્રાણીઓ પણ કરે જ છે. સાપ કરે છે સ્ટાઈલને તો ભુજંગાસન નામ આપ્યું છે. એટલું કે એમને એના વિષે કોઈ વ્યવસ્થિત સમજ નથી.

આસનો સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે. હવે એને પશ્ચિમની સ્ટાઈલથી કરો કે ભારતીય સ્ટાઈલ કે ચાઇનીઝ સ્ટાઈલથી કરો શું ફરક પડે છે?

ચાઇનીઝ શાઓલીન, કુંગ ફૂ, કે જાપાનીઝ કરાટે હોય કે બીજા કોઈ પણ દેશની માર્શલ આર્ટ હોય યોગના આઠે આઠ અંગનું આક્રમક રૂપ છે. એમાં યમ છે નિયમ છે આસન છે પ્રાણાયામ છે અને ધ્યાન પણ છે સાથે સાથે સ્વબચાવ માટે આક્રમક રવૈયો એ લોકોએ ઉમેરેલો છે. અહિ આપણે ભારતીયોની ચૂક થઇ ગઈ આપણે સ્વબચાવ માટેનો આક્રમક રવૈયો યોગમાં ઉમેર્યો નહિ અને હશે તો  કાઢી નાખ્યો અને હજારો વર્ષ ગુલામ રહ્યા. આપણે યોગ સાથે ભક્તિ(સબમીશન) અપનાવી, ભક્તિ પાછળથી આવી, અને જે પણ આક્રમણકારીઓ આવ્યા શરણે થઇ ગયા. હજુ પણ શરણે થઇ જવાની ભાવના અકબંધ જ છે. ભક્તિ નબળા લોકોની માનસિકતા છે.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે.

યોગા પ્રાચીન ભારતે દુનિયાને આપેલી મહામૂલી ભેંટ છે. જેમ આધુનિક મેડીકલ સાયન્સનો વિકાસ ભલે યુરોપ અને ક્રિશ્ચિયાનિટીને હસ્તે થયો પણ આજે આખી દુનિયા એને કોઈ ધર્મના લેબલ લગાવ્યા વગર વાપરે છે અને ક્રીશ્ચિયાનિટી વાપરવા દે છે તેમ યોગા પણ વાપરવો જોઈએ. બાકીની દુનિયાના લોકો તો યેનકેન પ્રકારે વાપરે જ છે.

હવે જેમ તાવ આવે ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈએ, વૈદ્ય જોડે જઈએ કે હકીમ જોડે જઈએ તે આપણી ઈચ્છાનુસાર હોય છે તેવું યોગા વિષે પણ હોવું જોઈએ કોઈને ફરજ પાડી શકાય નહિ કે વૈદ્ય જોડે જ જાઓ કે હકીમ જોડે જાઓ કે ડોક્ટર જોડે જ જાઓ. Janusirsasana_Yoga-Asana_Nina-Mel

ચરૈવેતિ ચરૈવેતિfaithful-feet-keep-walking-blog-pic

ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં બહુ સરસ મંત્ર-ગીત છે.

ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम।

पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥

पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः।

शेरेऽस्य सवेर् पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥

आस्ते भग आसीनस्य, ऊध्वर्स्तिष्ठति तिष्ठतः।

शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥

कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः।

उत्तिष्ठँस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥

चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्।

सूयर्स्य पश्य श्रेमाणं, यो न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥

(ऐतरेय ब्राह्मण ७.१५)

આનો ભાવાર્થ એવો છે.

હે ! રોહિત સાંભળ, મેં એવું જાણ્યું છે કે થાક્યા વગર જે શ્રમ કરે છે તે શ્રીમુખી, બાકી કર્મરત નાં હોય તેવો શ્રેષ્ઠજન પણ દુઃખી. આ શ્રી શબ્દ સ્ત્રી વાચક છે. શ્રી નો અર્થ થાય લક્ષ્મી. અથવા લક્ષ્મીજીનું બીજું નામ શ્રી છે, માટે શ્રી મંજુલાબેન કે શ્રી સવિતાબેન લખીએ તે બરોબર છે પણ શ્રી મગનભાઈ કે શ્રી છગનભાઈ લખીએ તે ખરેખર ખોટું છે. શ્રી. મગનભાઈ લખીએ તો બરોબર છે. શ્રી પછી પૂર્ણવિરામ મૂકવું જરૂરી છે. એટલે જે થાક્યા વગર શ્રમ કરે તેની પાસે શ્રી હોય તે સ્વાભાવિક છે. નિત્ય ગતિશીલતા જ ઇન્દ્ર્કર્મ કહેવાય માટે ચાલતા રહો ચાલતા રહો. આ ઇન્દ્ર કદી પગ વાળીને બેઠાં નથી. કાયમ યુદ્ધોમાં જ રત રહેતા. ક્યારેક અસુરોને તે ભગાડતા તો ક્યારેક અસુરો એમને ભગાડતા.

જે હમેશાં ચાલતા રહે તેને ફળફળાદિ પ્રાપ્ત થતા રહે. એના ખરાબ કામ પણ શ્રમનાં પથ ઉપર નષ્ટ થઈ જાય. અહીં ખરાબ કામ એટલે નિષ્ફળતા સમજવું બહેતર છે. કારણ દરવખતે સફળતા મળે નહિ પણ જે હમેશાં ચાલતો રહે કામ કરતો રહે તેને મળતી નિષ્ફળતા છતાં પણ કર્મ કરતો રહે, શ્રમ કરતો રહે તો એક દિવસ સફળતા મળવાની જ છે. આ ચાલતા રહેવું મતલબ કાયમ બે પગે ચાલતા રહેવું તેવો સ્થૂળ અર્થ કરવા જેવો નથી. ચાલતા રહેવું મતલબ કર્મ કરતા રહેવું. કામ કરતા રહેવું.

આપણા બાવા સમાજે ઐતરેય બ્રાહ્મણ ગ્રંથના આ મહામૂલાં ગીતની બહુ મોટી અવહેલના કરી છે. ગીતાના કર્મણ્યે વાધિકારસ્તે નહિ પણ અકર્મણ્યે વાધિકારસ્તે એ લોકોએ અપનાવ્યું છે. આ બાવાઓ કોઈ કામ કરતા નથી. કોઈ શ્રમ કરતા નથી. કોઈ પ્રોડક્ટિવ કર્મ કરતા નથી. આલસ્યશિરોમણી છે આ બાવાઓ. એમને મોક્ષ મેળવવો છે અને એના બિલ પ્રજાને માથે મારે છે. વેદિક કાળમાં બાવા સમાજ હતો જ નહિ. ગુરુઓ પત્ની અને બાળબચ્ચાં વાળા જ હતા. અરે અમુક ગુરુઓ તો એક કરતા વધારે પત્નીઓ રાખતા હતા. જ્યારે તમામ રીતે રિટાયર થઈ જવાય ત્યારે જ સંન્યાસ લેવામાં આવતો. અને તે યોગ્ય જ હતું. અત્યારે તો નાની ઉંમરમાં સંન્યાસ લઈને અકુદરતી કાર્યો કરવામાં આવી રહ્યા છે.

મૂળ તો આ પાંચ શ્લોકના ગીતનો આ ત્રીજો શ્લોક જ વધુ પ્રખ્યાત છે. બેસી રહેનારનું ભાગ્ય બેસી રહે છે. ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂઈ રહે છે અને ચાલનારનું ભાગ્ય ચાલે છે. ભાગ્યવાદે આ દેશને બહુ મોટું નુકસાન કરેલું છે. ભાગ્યમાં જે હશે તે થશે તે માનસિકતા આ દેશના વિકાસ આડે બહુ મોટી દીવાલ બનીને ઊભી રહેલી છે. ભાગ્યમાં જે હશે તે થશે અને મળશે તે માનસિકતા એ દેશને આલસ્ય શિરોમણિ બનાવ્યો છે. કામ કરવાની ક્યાં જરૂર છે? ભાગ્યમાં જે હશે તે જ મળશે.

આ શ્લોક શું કહે છે તે જુઓ? ચાલનારનું ભાગ્ય ચાલે છે. જો તમે શ્રમ નહિ કરો, કર્મ નહિ કરો તો તારું ભાગ્ય પણ આરામ કરશે. સૂતેલાનું ભાગ્ય તો સૂઈ જ રહેવાનું છે તે સ્વાભાવિક છે. પણ અમુક લોકો એવા પણ હોય છે. ઊભા તો થઈ જાય છે પણ પછી આગળ ચાલતાં ગભરાતા હોય છે. કોઈ પણ નવી જગ્યાએ જાઓ એટલે મનમાં થોડો ડર તો લાગે જ. પરિચિત વસ્તુથી આપણને કોઈ જોખમ લાગે નહિ. એવું જ કર્મનું પણ છે. કોઈ નવું કર્મ કરવું હોય તો સફળતા મળશે કે અસફળતા શું ખબર? એટલે અસફલતાનો ડર લાગતો હોય છે અને અસફળતા નાં મળે માટે આપણે કોઈ નવું કર્મ શરુ કરતા ડરીએ છીએ અને ઊભા જ રહીએ છીએ એટલે ત્યાં આપણું ભાગ્ય પણ સ્થિર ઊભું જ રહેવાનું. ઘણીવાર તો આપણે ચાલીએ ખરા પણ ત્રણ રસ્તા જો આવી ગયા તો ખલાસ. હવે કઈ બાજુ જઈશું તો સફળતા મળશે, મંજિલ મળશે ખબર નથી. એટલે ત્રણ રસ્તે ઊભા થઈ જનારા માટે ગીતમાં સંશયાત્મા વિનશ્યતિ કહેલું છે. અરે ચાલો તો ખરા લાગે કે ખોટો રસ્તો છે, તો એક તો સમજ પડી જ ગઈ કે આ લીધેલો રસ્તો ખોટો જ છે. પણ ઊભા જ રહીશું ક્યારેય પહોચી નહિ શકીએ. માટે ચરૈવેતિ ચરૈવેતિ…

આ બાવાઓએ ભારતને એમના સ્વાર્થ માટે હમેશાં ખોટું શીખવ્યું છે માટે બાવામુક્ત ભારત મારું સપનું છે. આપણા અસલી સાહિત્યને પણ સાચી રીતે શીખવ્યું નથી.

સૂતેલી અવસ્થામાં કળિયુગ છે. બેસવાની અવસ્થામાં દ્વાપર છે, ઊભા થતાં ત્રેતાયુગ બને, અને ચાલતા સતયુગ સિદ્ધ થાય છે. એક બહુ મોટી ગલત ધારણા છે કે સારો યુગ સતયુગ પૂરો થઈ ગયો. પછી દ્વાપર અને ત્રેતા પુરા થઈને હવે ખરાબમાં ખરાબ કલિયુગ આવી ગયો છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જુઓ તો પહેલા માનવી આદિમાનવ હતો ત્યારે ક્યાં આટલી સગવડ હતી? સર્વાઈવ થવા હમેશાં લડ્યા કરવું પડતું. ગુફાઓમાં રહેવું પડતું. જંગલી પ્રાણીઓનો સતત ભય. તમને ખબર છે? તાજું જન્મેલું બાળક દર બે કલાકે જાગે છે અને રડે છે? બીજું તમને પોતાને અંદાજ નહિ હોય પણ આપણે પોતે દર બે કલાકે જાગતા હોઈએ છીએ. પડખું ફેરવીને ફરી સૂઈ જતા હોઈએ છીએ. જે આપણને સવારે લગભગ યાદ પણ હોતું નથી એવું લાગે કે મસ્ત આઠ કલાકની સળંગ ઊંઘ ખેંચી નાખી છે. દર બે કલાકે જાગવાનું આપણા DNA માં છે. જ્યારે આપણે ગુફાઓમાં રહેતા ત્યારની આદત છે. ચેક કરવા કે સલામત છીએ કે નહિ? કોઈ જંગલી પશુ આસપાસ આપણો શિકાર કરવા બેઠું તો નથી ને? દર બે કલાકે જાગીને ચેક કરવાથી સર્વાઈવલ રેટ ઊંચો જાય. આ ઇન્ફર્મેશન આપણા બાળકોને DNA દ્વારા ઓટ્મેટિક મળેલી હોય છે માટે તેઓ દર બે કલાકે જાગીને રડતા હોય છે. તે સમયે ૩૦-૩૫ વર્ષથી વધારે આયુષ્ય હતું નહિ. એવરિજ આયુષ્ય તો હમણાં વધ્યું છે. મેડિકલ સાયન્સના સતયુગ દ્વારા.

આપણે ત્યાં દેવપોઢી અને દેવઊઠી અગિયારસ વચ્ચે કોઈ સારા લગ્ન જેવા કામ થતા નહિ. હજુ મોટાભાગના લોકો તે પાળે છે. આ બે અગિયારસ વચ્ચે ભયંકર ચોમાસું હોય. નદીનાળાં ઊભરાતાં હોય. રસ્તાઓ કાદવ કીચડથી ભરેલા હોય. એવામાં લગ્ન જેવા પ્રસંગ ઊજવવા કેટલી તકલીફ? સગવડો ક્યાં હતી તે સમયે? તો ખરેખર સતયુગ તો અત્યારે છે. કે માનવીએ ચાલતા રહીને નવા કર્મ કરીને, રિસર્ચ કરીને, નવી નવી શોધો કરીને સતયુગ બનાવ્યો છે. માટે ચાલો તો સતયુગ બાકી ઊંઘો તો કલિયુગ જ છે. આપણે સતયુગ પૂરો થઈ ગયો છે સમજી ચાલવાનું બંધ કરી આળસુ બની ગયા અને પશ્ચિમના લોકો ચાલી ચાલીને સતયુગમાં સરી પડ્યા. સારું છે આપણને એમની નકલ કરવા દે છે, એમની શોધેલી વસ્તુઓ વાપરવા દે છે.

ચાલતાં ચાલતાં મધ મળે છે, ચાલતાં ચાલતાં સ્વાદિષ્ટ ઉમરાનું ફળ મળે છે. સૂર્યની શોભા જુઓ કે જે ચાલવામાં ક્યારેય આળસ કરતો નથી.

આ ચાલતાં ચાલતાં મધ મળે છે તે લખવાનું ખાસ કારણ છે. ઉમરાનું ફળ તો માનો બધા ફળોનું પ્રતીકાત્મક હોઈ શકે. ખેતી કરવાનું આશરે દસેક હજાર વર્ષથી શરુ થયું છે. તે પહેલા લાખો વર્ષ સુધી માનવીનો ખોરાક માંસ અને ફળફળાદિ રહેલો હતો. માંસમાં પ્રોટીન વધુ હોય શર્કરા એમાંથી બહુ મળે નહિ. આમ તો જરૂરી શર્કરા ફળોમાંથી મળી રહે. માનવી લાખો વર્ષ લગી પ્રોટીન વધુ લેતો અને મહેનત ખૂબ કરતો માટે પાતળો અને સપ્રમાણ રહેલો છે. ખેતી શરુ થઈ ઘઉં ચોખા જેવા અનાજ ખાવાનું વધુ શરુ થયું એમાં પ્રોટીન ઓછું અને શર્કરા વધુ હોય છે. એટલે ખેતી શરુ થઈ તે પહેલા શર્કરા માટે ફળો પર વધુ આધાર રાખતો. હવે ફળો પણ બારેમાસ મળે તેવું બને નહિ. દરેકની ખાસ સિઝન હોય, પછી મળે નહિ. એટલે માનવી માટે વધારાની શર્કરા મેળવવાનું સાધન હતું મધ. આજે પણ આદિમ અવસ્થામાં જીવતા હન્ટર-ગેધરર સમાજોનો અભ્યાસ કરતાં એવું જણાયું છે કે જે પુરુષ મધ મેળવવામાં ઍક્સ્પર્ટ હોય તેને સ્ત્રી પહેલો પસંદ કરે છે. મતલબ સ્ત્રી પામવા માટે મધ પાડવામાં કાબેલ હોવું એક વધારાની ક્વૉલિટી ગણાતી. મધ પાડવા સહેલા હોતા નથી. એક તો ઝાડ પર ઊંચે ચડવું પડે અને કાતિલ ડંખ મારતી મધમાખીઓને સહન કરવી પડે. સ્ત્રી એટલાં માટે આવા મધપાડું નિષ્ણાંતોને પહેલાં પસંદ કરતી કે તેમના બાળકોને મધ ખવડાવી વધારાની શર્કરા પૂરી પાડી શકે. માટે ચાલતાં ચાલતાં મધ મળે. મધ ઘરમાં બેસી રહેવાથી મળે નહિ. અને મધ ના મળે તો સ્ત્રી મળવાના ચાન્સ થોડા ઓછા થઈ જાય. સૂરજ મહારાજ વિષે તો સહુ જાણે છે સતત ચાલતાં જ રહે છે તે નાં ચાલે તો આપણું અસ્તિત્વ જ ક્યાંથી હોય?

untitledવૈજ્ઞાનિકો માને છે, અને એમને અમુક પુરાવા મળ્યા છે તે પ્રમાણે માનવી, કોઈ કૉમન પૂર્વજોમાં કોઈ જિનેટિક ફેરફાર થવાથી લાખો વર્ષ પહેલા ચિમ્પેન્ઝી જેવા કપિમાનવ કરતા થોડો જુદો ઉત્ક્રાંતિ પામ્યો. શરૂમાં લાખો વર્ષ વૃક્ષો ઉપર જ રહ્યો. આમ તો વૃક્ષ ઉપરથી નીચે ઊતરી પાછો ઉપર ચડી જતો હશે. આવું અર્ધ વાનર અર્ધ માનવ જેવું લગભગ ૩૦ લાખ વર્ષ જૂનું ફોસિલ આફ્રિકામાંથી મળેલું જ છે. પણ આવા આપણા પૂર્વજોનાં એકાદ જુથે પાછું વૃક્ષ પર રહેવા જવાના બદલે જમીન પર રહેવાનું નક્કી કર્યું હશે. પછી ખોરાક અને સલામત રહેઠાણની શોધમાં આગળ વધવાનું ચાલુ કર્યું હશે. ત્યારથી આ ચરૈવેતિ ચાલુ થયું છે. જો આપણા એ પૂર્વજો વૃક્ષ ઉપરથી હેઠાં ઊતર્યા જ નાં હોત તો આજે આપણે આફ્રિકામાં કોઈ ઝાડ ઉપર હુપાહુપ કરતા હોત.

વૈજ્ઞાનિકો માને છે કે શરૂઆતના હજારો વર્ષ દરમ્યાન માનવી દર વર્ષે આશરે એક માઈલ આગળ ધપ્યો છે. આમ તો ખોરાક અને શિકારની શોધમાં માનવી માઈલો સુધી રોજ દોડતો જ હતો. બીજા પ્રાણીઓ ભલે માનવી કરતા વધુ તેજ ગતિએ દોડતા હશે પણ સતત એકધારું લાંબું દોડવાની ક્ષમતામાં માનવી બહુ આગળ છે. શિકારી પ્રાણીઓ વાઘ, વરુ કે ચિત્તા ઝડપી ખરા પણ થોડા મીટર પછી એમની શક્તિ ખલાસ થઈ જાય. આમ માનવી રોજ માઈલો સુધી દોડતો હશે પણ પાછો ઘેર આવી જતો હશે. પણ વસવાટ માટે માનવી વર્ષે એક માઈલ આગળ વધ્યો છે તેવું વૈજ્ઞાનિકો માને છે. આમ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામેલો માનવી મિડલ ઇસ્ટ થઈ પહેલો ભારતમાં આવી ગયેલો અને સીધો દરિયા કિનારે કિનારે આફ્રિકા જેવું લગભગ હવામાન ધરાવતા દક્ષિણ ભારત પહોચી ગયેલો. ત્યાંથી પૂર્વોત્તર ભારત થઈ ઇન્ડોનેશિયા પહોંચી ગયેલો., અને ત્યાંથી પછી ઓસ્ટ્રેલીયા. બીજી કોઈ ટુકડી મધ્ય એશિયા થઈને યુરોપ પહોચી પણ ઓસ્ટ્રેલીયા કરતા માનવી યુરોપમાં બહુ મોડો પહોંચેલ.

માનવી વૃક્ષ પરથી હેઠે ઊતર્યા પછી સતત ચાલતો જ રહેલો છે. ચાલતા રહેવું આપણા DNA માં જ છે. આજે પણ જ્યારે કોઈ મૂરખ એવું કહે કે તમે પરદેશ કેમ ગયા છો? ત્યારે મને તેના અજ્ઞાન ઉપર દયા આવે છે. અરે મૂરખ તારા બાપદાદાએ ચાલતા રહેવાનું રાખ્યું જ નાં હોત તો તું હજુ આફ્રિકામાં કોઈ ઝાડ પર હુપાહુપ કરતો હોત.

નોંધ :- પ્યારા મિત્ર ડૉ હિતેશ મોઢાનો ખાસ આભાર માનવાનો કે જેઓએ ઉપરના ઐતરેય બ્રાહ્મણનાં શ્લોકનું સરળ ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ કરાવી આપ્યું.

 

 

 

 

images65W0PFCT પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે જેવા અનેક દિવસો પશ્ચિમના જગતમાં ઊજવાય છે, જે હવે ભારતમાં પણ ઉજવવાનું શરુ થઈ ગયું છે. પશ્ચિમના ક્રિસમસ જેવા તહેવારો પણ આપણે ઊજવવા લાગ્યા છીએ. દુનિયા હવે નાની થતી જાય છે. પહેલાં તો મુંબઈ કોઈ કમાવા જાય તો પણ વિદેશ ગયા હોય તેવું લાગે. મારું બચપણ વિજાપુરમાં બારોટવાસમાં ગુજરેલું. અમારા વિજાપુરના ઘણા બારોટો મુંબઈમાં ધંધોપાણી કરતા. વર્ષમાં એક વાર એકાદ મહિનો ઘેર આવતા. જાણે વિદેશથી કોઈ મહેમાન આવ્યા હોય તેવો એમનો ઠાઠમાઠ રહેતો. ટૂંકમાં મુંબઈ તે સમયે વિદેશ ગણાતું. પણ હવે સવારે મુંબઈ જઈ રાત્રે ઘેર આવવું હોય તો આવી જવાય. ટૂંકમાં દુનિયા હવે બહુ નાની થતી જાય છે. હું વિજાપુર રહેતો ત્યારે ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવતી ત્યારે મારા મધર લાડુ બનાવતા. બાકી એનો કોઈ ઉત્સવ જોવા મળતો નહિ. પહેલીવાર દસમાં ધોરણ પછી ૧૯૭૧માં અગિયારમાં ધોરણમાં વડોદરા ભણવા આવ્યો ત્યારે ગણેશોત્સવ જોયો. ત્યારે અચરજ પામેલો. હવે ગણેશોત્સવ આખા ગુજરાતમાં ફેલાઈ ગયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ઉતરાણ પર પતંગ ચગાવવાનું જોર હતું તેટલું સૌરાષ્ટ્રમાં નહોતું. સ્કૂલમાં ૨૫ ડિસેમ્બર નાતાલની રજા પડતી એટલી મજા, બાકી ક્રિસમસ એટલે શું કોણ જાણે?

ટૂંકમાં તહેવારો ઊજવવા એમાં ખોટું શું છે? આપણે ઉત્સવ ઘેલા છીએ જ એમાં જેના મૂળ ઉત્સવ હોય તે લોકો શું કરે? હવે મહારાષ્ટ્રીયન ભાઈઓ તમને થોડી ના પાડવાના હતા કે ગણેશોત્સવ અમારો તહેવાર છે તમે ગુજરાતીઓ મનાવશો નહિ? એમ હવે તમે ક્રિસમસ મનાવો કે પશ્ચિમના બધા ‘ડે’ મનાવો તો પશ્ચિમના લોકો થોડા મનાઈહુકમ મેળવશે? ગણેશોત્સવ મનાવવાથી જેમ ગુજરાતી અસ્મિતાનો નાશ નથી થઈ જતો તેમ ક્રિસમસ મનાવવાથી ભારતીય સંસ્કૃતિનો નાશ કઈ રીતે થઈ જાય? દરેક સંસ્કૃતિમાં જે તે વરસના અંતે એક તહેવાર મનાવવો જોઈએ એ બહાને ઘરમાં સાફસફાઈ થઈ જાય, જુના વરસની વિદાય અને નવા વરસને આવકારો અપાઈ જાય તેવા રિવાજ હોય જ છે. હવે વરસના અંતે બે વાર એવી ઉજવણી જરૂરી નથી હોતી અને કરો તો પણ તમારા ખર્ચે અને જોખમે કરો એમાં બીજાને શું? પશ્ચિમના લોકો વરસના અંતે ક્રિસમસ મનાવે પછી દિવાળી નો મનાવે. કદાચ ડિપ્લોમસી તરીકે કોઈ મનાવતું હોય તો હાજર રહે પણ ખરા. પણ તમને વરસના અંતે બે તહેવાર ઊજવવા જ હોય તો ઊજવો.

પશ્ચિમના લોકો આપણને જરાય ફરજ પાડતા નથી કે તેમના ‘ડે’ અને તહેવારો ઊજવો. આપણે જે ઊજવીએ છીએ તે આપણી મરજીથી ઊજવીએ છીએ. પણ જ્યારે જ્યારે આવા તહેવારો કે દિવસો ભારતમાં ઊજવાય ત્યારે એક બહુ મોટો વર્ગ એનો વિરોધ કરવા નીકળી પડે છે. આપણા ઘરનો છોકરો પાડોશીના છોકરા જોડે ઝગડી પડે ત્યારે આપણા છોકરાનો વાંક હોય છતાં આપણને પાડોશીના છોકરાનો જ વાંક દેખાય તેવું આમાં પણ છે. પશ્ચિમના તહેવારો ઊજવીએ છીએ આપણે પણ ગાળો ખાય છે પશ્ચિમના લોકો. એક મિત્રે લખ્યું કે મૂળ અમેરિકન આદિવાસીઓ હતા ત્યાં કોઈ સંસ્કૃતિ જ નહોતી. માયા, એઝટેક અને ઇન્કા નામની ગ્રેટ સંસ્કૃતિઓ ત્યાં હતી. ઈજીપ્ત જેવા પિરામિડ પણ આ લોકોએ બનાવેલા છે. ત્યાર પછી યુરોપિયન આવ્યા તો તેઓ પોતપોતાની સંસ્કૃતિઓ સાથે લઈ ને જ આવ્યા હોય તે સ્વાભાવિક છે.

માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ કહેનારા દેશમાં નદીઓ અને ગાયોને પણ માતા માનીએ છીએ, છતાં આપણી નદીઓ અને ગાયોનો શું હાલત છે તે સહુ સારી રીતે જાણે છે. પ્લાસ્ટિક ખાઈને પેટ ભરતી ગાયો અને માતા ગંગાનું પાણી પીવા તો ઠીક સ્નાન કરવા લાયક પણ નથી એવો સરકારી રિપોર્ટ છે. માતૃદિવસનાં દિવસે અહીં જાણે કોઈ ખરાબ કામ થતા હોય તેમ લોકો વખોડવા બેસી જાય છે. આ દિવસે માતાને કાર્ડ આપશે, ફૂલ આપશે, અને બહાર જમવા લઈ જશે. એમાંનું થોડું આપણા યુવાનો કરે તો એમાં ખોટું શું છે? રોજ રોજ તો તમે માળા લઈને માતૃદેવો ભવઃ રટવા બેસવાના નથી. આખો દિવસ તો માતાના પગ આગળ બેસી રહેવાના નથી ભક્તિભાવથી તરબતર થઈને… એનું ઋણ ચૂકવવા કે એનો આભાર વ્યક્ત કરવા એકાદ દિવસ એને કામકાજમાં રજા આપી જમવા બહાર લઈ જાઓ તો એમાં ખોટું શું છે? આપણે માતૃદેવો ભવઃ કહીને માતાને ૨૪/૭/૩૬૫ કામકાજ કરવા દઈએ છીએ કોઈ દિવસ રજા આપતા નથી. આમ તો તમે માનો છો કો પશ્ચિમના લોકો પાપી છે કોઈ રિલેશનમાં માનતા નથી તો મધર ડે મનાવી માતાનું બહુમાન આ પાપીયા કરે છે તો આપણે ખુશ થવું જોઈએ કે ના આ લોકોમાં પણ થોડું હૃદય જેવું છે.

એવું નથી હોતું કે આપણી સંસ્કૃતિ તદ્દન ખરાબ હોય કે મહાન જ હોય તેમ પશ્ચિમની સંસ્કૃતિ પણ તદ્દન ખરાબ કે મહાન હોય. દરેકમાં પોતપોતાની ખામીઓ અને ખૂબીઓ હોય જ છે. પણ આપણા લેખકો, પત્રકારો સામાન્ય લોકોને ખોટેખોટું લખીને ગેરમાર્ગે દોરતા હોય છે. અને લખેલું વંચાય તેમ સામાન્ય જન લખેલું સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એમને એવું જ હોય કે કોઈ લેખક લખે એટલે તે સાચું જ હોય. બુદ્ધિશાળી લોકો પણ બહુ વિચારતા હોતા નથી અને સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એક સીધો સાદો સાચો દાખલો આપું. એક ફેમસ ગુજરાતી ન્યૂઝ પેપરના એક કોલમ લેખકે લખ્યું કે ઈન્દીરા ગાંધી અને એમના પતિ ફિરોઝ ગાંધી એટલાં માટે છૂટા પડ્યા કે ફિરોઝ ગાંધી અને એમની સાસુ કમલા નહેરુ મતલબ ઇન્દિરાના માતા વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો અને તે ઈન્દીરા કોઈ સમયે જોઈ ગયેલા. સાસુ જમાઈ વચ્ચે પ્રેમ સંબંધની વાત વાંચી મારા એક બહુ સારા મિત્ર જેઓ પોતે લેખક છે તે સાચું માની ગયા અને એમણે પ્રતિભાવ આપ્યો કે મોટા લોકોનાં મોટા પોલ હોય. મેં એના વિષે આખો આર્ટિકલ લખીને મારા બ્લોગમાં મૂક્યો. સત્ય એ છે કે કમલા નહેરુના મરી ગયા પછી દસ વર્ષ પછી ઈન્દીરા અને ફિરોઝ ગાંધીના લગ્ન થયેલા.

‘કર્મનો નિયમ’ લખીને ફેમસ થઈ ગયેલા હીરાભાઈ ઠક્કર નામના લેખકે એમના ‘મૃત્યુનું મહાત્મ્ય’ નામના બીજા પુસ્તકમાં બહુ મોટું ગપ્પું મારેલું કે અમેરિકામાં લોકો ઘરડા થાય એટલે માથામાં ગોળી મારીને મારી નાખે અથવા ઝેર આપીને મારી નાખે આને મર્સી કિલિંગ કહેવાય. હવે જે લોકો ભક્તિભાવથી હીરાભાઈને વાંચતા હોય તેમના મનમાં એવી જ છાપ પડે કે અમેરિકન એટલે ક્રૂર ઘરડા લોકોને મારી નાખે. એના વિષે પણ મેં એક આખો લેખ લખીને મારા બ્લોગમાં મૂકેલો કે મર્સી કિલિંગ કોને કહેવાય. અમેરિકા વિષે કે પશ્ચિમની સંસ્કૃતિ વિષે તદ્દન ખોટું ચિત્રણ આપણી સામે થતું હોય છે. અમેરિકનો એટલે ક્રૂર, સેક્સ મેનીયાક, અમેરિકામાં તો રસ્તે જનારને પણ સેક્સ કરવા વિષે બેધડક પૂછી શકાય. અમેરિકામાં તો ગમે તેની સાથે ગમે ત્યારે હાલતા ચાલતા રસ્તે ગમે ત્યાં સેક્સ કરી શકાય. લોકો સાવ નાગા કપડા પહેર્યા વગર જ ફરતા હશે. અમેરિકન સ્ત્રીઓ જાણે તમારા પૂછવાની રાહ જોતી હોય કે પૂછો એટલે તરત નાગલી થઈ ને તમારી સાથે સૂઈ જાય. અમેરિકામાં તો છોકરા ૧૫ વર્ષે ઘર છોડી બહાર જ જતા રહે. નાં જાય તો માબાપ જ કાઢી મૂકે.

સત્તાવાર રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં ચાર મિલયન એટલે ૪૦ લાખ લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે જેમાં આશરે ત્રણ જનરેશન જોડે રહેતી હોય છે. ભણવામાં રસ નાં ધરાવતા હોય તેવા છોકરા ૧૭-૧૮ વર્ષે જૉબ પર લગી જતા હશે. એમાંના પણ બધા પોતાના ઘર છોડી દેતાં નથી. અમેરિકાની હજારો યુનિવર્સિટીઓમાં ભણતા લાખો છોકરાંઓનાં ભણવાના તોડી નાખે તેવા ખર્ચા માબાપ વેઠતા જ હોય છે. ૧૭ વર્ષે ઘર છોડી નોકરી કરી તમે જાતે ભણી ના શકો. આઠ કલાક નોકરી કરો તો ભણો ક્યારે? અને પાર્ટ ટાઈમ નોકરી કરો તો તેટલી આવકમાં શું ભણો? ફૂલ ટાઈમ ભણો તો જ સરકારી આર્થિક સહાય મળે છે. હવે ફૂલ ટાઈમ ભણો તો ચાલો ભણવા માટે આર્થિક સહાય મળે તો ખાવા પીવાનું શું? આર્થિક સહાય માટે પણ અમુક ધારાધોરણ જોઈએ. નહિ તો વર્ષે ૨૦-૪૦ હજાર ડોલર્સ ફી ભરીને ભણવું પડે. ટૂંકમાં માબાપની સહાય હોય જ છે નહિ તો અમેરિકાની તમામ કૉલેજો આપણે માનીએ છીએ તેમ હોય તો બંધ કરી દેવી પડે. ભણવામાં બિલકુલ રસ નાં હોય તેવા છોકરા અહીં બેસી રહી માબાપ ઉપર બોજ બનતા નથી જૉબ પર લાગી જતા હોય છે, તો એમાં ખોટું શું છે?

૧૭ વર્ષે જે દેશના તમામ છોકરાં ઘરબાર છોડી સ્વછંદ બની જતા હોય તો એ દેશ આજે વિજ્ઞાનમાં સર્વોચ્ચ બની મહાસત્તા બની જ કેવી રીતે શકે? સ્વચ્છંદતાની આપણી વ્યાખ્યા જ અલગ છે. બીચ ઉપર બીકીની પહેરીને ફરતી છોકરીમાં આપણને સ્વછંદતા લાગે કારણ આપણે બંધ બાથરૂમમાં પણ કપડા પહેરીને સ્નાન કરવાવાળી પ્રજા છીએ. અહીં બીચ ઉપર ૨૦ વર્ષની યુવાન બીકીની પહેરેલી દીકરી અને ૪૦ વર્ષની લગભગ યુવાન જ દેખાતી બીકીની પહેરેલી પત્ની જોડે ૪૨ વર્ષનો અમેરિકન પુરુષ આરામથી ફરતો જોઈ આપણા ભવાં ચડી જાય. સાલા, નફ્ફટ, નાગા, બેશરમ નરકમાં જવાના એવા વિચારો આવી જાય. આ આપણા ચશ્માં છે. આપણે અંધારી રાત્રે પણ ચશ્માં પહેરીને ફરીએ તો પછી શું દેખાય?

આપણો જીવનને જોવાનો અને મૂલવવાનો નજરિયો જ અલગ છે. આપણા ૮૦ વર્ષના માબાપ એમના ૬૦ વર્ષના દીકરા જોડે એવી જ અપેક્ષા રાખતા હોય કે તે હંમેશા એમને પૂછી ને જ પાણી પીવે. આપણે મરીએ ત્યાં સુધી આપણા સંતાનોને સ્વતંત્રતા આપવા ઇચ્છતાં હોતા નથી. છોકરાઓ એમની વૈચારિક સ્વતંત્રતા આપણી પાસેથી છીનવી લે ત્યારે નાં છૂટકે જ આપીએ તે પણ કેટલુંય ખોટું લગાડીને. એનો વસવસો તો મરીએ ત્યાં સુધી રહે કે છોકરાએ મારું કહ્યું માન્યું નહિ. પશ્ચિમનો નજરિયો અલગ છે. ૧૮ વર્ષના સંતાનને માબાપ સ્વતંત્રતા આપે છે. તો સંતાનો પણ માબાપની જીંદગીમાં દખલ કરતા નથી. માબાપ પણ કોઈ ભગવાન નથી આખરે મનુષ્ય જ છે. એમના પણ ગમા અણગમા હોય, અરમાન હોય, આશાઓ હોય, પોતીકી લાગણીઓ હોય, લાગણીઓના ચડાવ ઉતાર હોય. આપણે સ્વતંત્રતા ભોગવી હોતી નથી એટલે જરાપણ સ્વતંત્રતા જ્યાં દેખાય તરત એમાં સ્વચ્છંદતા જોવા ટેવાઈ ગયા છીએ.

અહિ બસ કે ટ્રેનમાં ગમે તેટલી ભીડ હોય કોઈ એક બીજાને ટચ કરે નહિ, કે છાપા નીચેથી હાથ સરકાવી બાજુમાં બેઠેલી છોકરીને કોઈ અડપલાં કરતું નથી. અહિ સેક્સુઅલ હેરેસમેન્ટ માટે સખત કાયદા છે. ઑફિસમાં મહિલાઓને કે પુરુષોને પણ એની મરજી વગર હાથ લગાવાય નહિ. એના ખભે હાથ ફેરવી લેવાય નહિ. નાના છોકરાનું કે છોકરીનું જાતીય શોષણ કર્યું હોય જે તે સમયે તેને ભલે સમજ પડી નાં હોય પણ મોટું થઈને તે કેસ કરી શકે છે અને તમને જેલમાં ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ કરાવી શકે છે. એમાં ન્યુયોર્કની કોઈ સ્કૂલમાં ભણાવતી પંજાબી મહિલા ટીચર હાલ જેલમાં છે. હમણાં અહિ એપ્રિલ સુધી બરફ પડ્યો છે. લગભગ આઠેક મહિના પુરા કપડા પહેરવા પડે નહીં તો ચામડી ફાડી નાખે તેવું હવામાન હોય છે માટે અહિ આઠ મહિના તો કોઈ નાગું ફરતું નથી, ચિંતા કરશો નહિ. મેં અને સપ્ટેમ્બરમાં પણ નાગા ફરાય તેવું વાતાવરણ હોતું નથી. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં લોકો સૂર્યનો તાપ જેટલો લેવાય તેટલો ચામડી દ્વારા લઈ લેવો તે ન્યાયે ઓછા કપડા પહેરે છે પણ સાવ નાગા નથી ફરતા.. ઓફિસોમાં અને કંપનીઓમાં તેમના પ્રોટોકૉલ મુજબ કપડા પહેરવા પડતા હોય છે.

પશ્ચિમના કલ્ચરમાં ખામીઓ છે નહિ તેવું પણ નાં હોય. ખામીઓ બધે જ હોય છે. કોઈ પૂર્ણ તો હોતું નથી. એમાં તો એની ખૂબી છે. પણ આપણે ધારીએ છીએ તેટલું ખરાબ પણ નથી. અહીં પણ માનવો જ રહે છે. અહીં પણ માબાપ પોતાના સંતાનો માટે સેક્રીફાઈસ કરે જ છે. અહિ પણ સંતાનો વૃદ્ધ માબાપની કાળજી રાખે છે. અહિ પણ ૩૦-૪૦ વર્ષથી એકની એક પત્ની સાથે કે પતિ સાથે જીવતા લોકો મેં જોયા છે. મારો સુપરવાઈઝર જુલિયસ ૨૦ વર્ષે પરણી ગયેલો આજે ૬૫નો હશે પણ હજુ બંને સાથે જ છે. આવા તો અનેક દાખલા છે. છતાં ભારત કરતા ડિવોર્સનું પ્રમાણ ચોક્કસ વધારે છે.

જે NRI દેશમાં આવીને અમેરિકા વિષે ખોટું ચિત્રણ કરે છે તેમની માનસિકતા વર્ષો પહેલા ભારત છોડી આવ્યા હોય ત્યાં જ અટકી ગયેલી હોય છે. એમનો હેતુ ફક્ત કમાવા પૂરતો જ હોય છે. ૩૦-૪૦ વર્ષ પહેલા દેશ છોડીને ભલે આવ્યા હોય ૩૦-૪૦ વર્ષ પહેલાની માન્યતાઓ એમની સાથે એની એજ જરાય બદલાયા વગરની હોય છે. એમની જોડે ડોલરની લીલી નોટો જોવાની જ દ્ગષ્ટિ બચી હોય છે. અહીંના સમાજ જીવન વિષે કે કલ્ચર વિષે અભ્યાસ કરવાની કે નિષ્પક્ષ જોવાની એમની પાસે કોઈ દ્ગષ્ટિ હોતી નથી, કે એવી એમને કોઈ જરૂર હોતી નથી કે એવી કોઈ પળોજણમાં પડતા જ નથી. એનાં એજ ટીલા ટપકા, એના એજ ગુરુઓ પાછળ દોટો મૂકવાની, એના એજ મંદિરો, એના એજ હજારો વર્ષ જૂની માન્યતાઓ અને પરમ્પરાઓ, એની એજ અંધશ્રદ્ધાઓ, એની એજ અવૈજ્ઞાનિક માન્યતાઓ, એના એજ સંસ્કૃતિ અને સંસ્કારની ગાથા ગાયે રાખવાની ટેવ, કોઈ જ બદલાવ નહિ. આવા અબુધ પૈસાદાર લોકો દેશમાં આવીને અહીંના અસલ ચિત્ર કઈ રીતે દોરવાના હતા?

આપણા બુઢા ખૂસટ લેખકોને પણ ખબર છે કે ભારતીયોને સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દો એટલે ભયો ભયો. તેઓને આ વિક પોઇન્ટ ખબર છે માટે તરત લેખ ઘસડી નાખશે. પશ્ચિમને થોડું ભાંડી નાખો એજ યુજુઅલ ભારતીયો ખુશ થઈ જવાના, આપણો ટી આર પી જળવાઈ જવો જોઈએ. લેસ્લીએ ડોક્યુમેન્ટરી બનાવી ભાંડી નાખો પશ્ચિમને, દીપિકાએ મારી મરજી કહ્યું ભાંડી નાખો પશ્ચિમને, બિહારમાં પરીક્ષાઓમાં થતી ચોરીઓના ફોટા વિદેશમાં પહોચ્યા ભાંડી નાખો પશ્ચિમને. કેટલાક યુવાનોએ મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે ઊજવ્યા ભાંડી નાખો પશ્ચિમને.

યુવાનોને વખોડ્યા વગર, પશ્ચિમને વખોડ્યા વગર આપણી પાસે જે જે તહેવારો છે તેને અપડેટ કરવા જોઈએ. આપણી પાસે ગુરુ પૂર્ણિમા છે જ. એ દિવસે ગુરુ ઘંટાલો પાછળ દોટો મૂકવાને બદલે યુવાનોને ટીચર્સ ડે ઊજવવા પ્રેરિત કરવા જોઈએ તો ફરી બીજો ટીચર્સ ડે ઊજવવા નહિ દોડે. આજના યુવાનને એના ટીચર્સમાં શ્રદ્ધા હશે તેટલી તમારા ટીલા ટપકા કરેલા પૈસા પડાવતા અવૈજ્ઞાનિક વાતો કરતા ગુરુ ઘંટાલ પ્રત્યે નહિ જાગે. પણ તમારે આવા લુચ્ચા ગુરુઓ પાછળ દોટો મૂકવી છે અને છોકરાને ટીચર્સ ડે ઊજવવા દેવો નથી. વસંત પંચમીને અપડેટ કરો વૅલન્ટાઇન ડે નહિ મનાવે. નવરાત્રિમાં કાલ્પનિક પ્રતીકાત્મક માતાઓ સાથે ઘરની અસલી માતાઓનું પૂજન કરવાનું શીખવો મધર્સ ડે નહિ મનાવે. પિતાજી તો મૂંગામંતર બલિદાન આપવા માટે જ હોય છે એમનો કોઈ દિવસ છે નહિ. દિવાળીને અપડેટ કરો. યુવાનોને સમજાવો કે વર્ષના અંતે દિવાળી અને ક્રિસમસ જેવા બે તહેવાર એક જ ટાઈપનાં જરૂરી નથી. દિવાળીમાં ક્રિસમસનો ચાર્મ ઉમેરો, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું થ્રિલ ઉમેરો તો ફરી ક્રિસમસ ઊજવવા કોઈ તૈયાર નહિ થાય. આપણી પાસે પશ્ચિમ કરતા વધુ તહેવારો છે. છતાં આપણા તહેવારોમાં કશું ખૂટે છે, કશું નવું માંગે છે આજના યુવાનો. એટલે પશ્ચિમના તહેવારો તરફ દોટ મૂકે છે.

આપણે તહેવારોને તહેવારો રહેવા દીધા નથી ધાર્મિક મેળાવડા બનાવી દીધા છે. યુવાનોને ઇનોસન્ટ આનંદ માણવો હોય છે.    Mothers-Day-DP-For-Facebook

ક્ષમાપંથે

ક્ષમાપંથેimagesI3MWPAJ1

હું નાનો હતો ત્યારે વિજાપુરમાં અમારા ભાટવાડામાં એક કથાકાર આવતા. ઊંચા, ગોરા, મોટું કપાળ, વાંકડિયા ઝુલ્ફા, પ્રભાવશાળી હતા. મારા ફાધર થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયેલા હતા. અને આ કથાકાર થિયોસોફિકલ સોસાયટીના વિચારોને વરેલા અને એના આમંત્રણથી જ આવતા, કોઈ ચીલાચાલુ ધાર્મિક ખાલી પૈસા કમાવાના હેતુ વડે કથા કરતા હોય એવું નહોતું. પ્રેરણાત્મક કથાઓ કહેવાનો એમનો હેતુ ઉમદા હતો. ‘વેર વેરથી શમતું નથી’ એવા શીર્ષક હેઠળ એક જોરદાર લોકકથા તેમના ભવ્ય કંઠે તેઓ કહેતા ત્યારે શ્રોતાઓ એક ટ્રાન્સમાં ચાલ્યા જતા. કથા હતી પીઠાસની..

પીઠાસ એક નાનો બાળક હતો એની પાસે એનો એક પાળેલો સસલો હતો. એકવાર પીઠાસ એના પિતા સાથે એના ફોઈના ઘેર જાય છે ત્યાં એનો સસલો જોડે જ હોય છે. પીઠાસનાં ફૂવા સસલાને મારી ભોજન રૂપે આરોગી જાય છે. આ વાતે પીઠાસનાં પિતા અને એમના બનેવી જે પીઠાસના ફૂવા થાય બંને વચ્ચે ઝગડો થાય છે. એમાં પીઠાસનાં પિતા બનેવીના હાથે મરાય છે. પીઠાસના મનમાં વેર ભાવના ઘર કરી જાય છે. પીઠાસ મોટો થતા એની ફોઈ પોતે જ પીઠાસને પોતાના ભાઈના મારતલ પોતાના પતિની હત્યા કરી આપવા સગવડ આપે છે. પીઠાસ ફુવાની હત્યા કરી વેરનો બદલો લે છે. હવે ફૂવાના દીકરા પીઠાસ પાછળ પડે છે. આમ વેરનો અંત આવે નહિ. પીઠાસની નવોઢાની રાત્રે મસ્તીભર્યા માહોલમાં બંગડીઓ તૂટી જાય છે. નવોઢા હઠ પકડે છે કે સૌભાગ્ય સૂચક બંગડીઓ વગરના હાથ નહિ રાખું હાલ જ બંગડીઓ લઈ આવો. પીઠાસ સમજાવે છે કે ફોઈના દીકરા ગમે ત્યારે મારી હત્યા કરી નાખશે આમ અરધી રાત્રે મણિયારની દુકાન ખોલાવી લેવા જવું હિતાવહ નથી પણ પત્ની માનતી નથી. પીઠાસ જાય છે ફૂઈના દીકરાઓ એને પકડી પાડે છે. પીઠાસ વચન આપે છે કે આ બંગડીઓ પત્નીને આપી ને પાછો આવું. પીઠાસ વચન પાળે છે અને ફૂવાના દીકરાઓનું હ્રદય પરિવર્તન થાય છે. પીઠાસને મારતા નથી. વેર વેરથી શમે નહિ અવેરથી શમે એવો ઉપદેશ આ કથામાં હોય છે.

આ કથા ગદ્ય અને પદ્યમાં મઢીને એવી સરસ રીતે કહેવાતી કે લોકોની આંખમાં આંસુ આવી જતા. હું બહુ નાનો હતો તે સમયે પણ એનો ટૂંકસાર હજુ મને યાદ છે તે કથાકારની કાબેલિયતનું પ્રમાણ છે.

કોઈના પ્રત્યે વેર, દ્વેષભાવ, રોષ મનમાં ભરી રાખવો જરાય હિતાવહ નથી. આપણને કોઈ દગો દે કે આપણી લાગણીઓ ઘવાય ત્યારે આપણું લોહી ઊકળી ઊઠે છે. ગુસ્સો અને બદલો લેવાની ભાવના જાગે છે. અને આવી ભાવના આપણી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમનો ફાઈટ ઓર ફ્લાઇટ સ્ટ્રેસ રિસ્પૉન્સ ઍક્ટિવ કરે છે, જે આપણા સ્ટ્રેસ હાર્મોન્સ કોર્ટીસોલનું લેવલ વધારી નાખે છે. કડવાશ અને ક્રોધાવેશ દ્વારા ઊભો થતો સ્ટ્રેસ રિસ્પૉન્સ બ્લડપ્રેશર વધારે છે. કોઈ આપણા પ્રત્યે રોષ કે વેરભાવ મનમાં ભરી રાખે કે આપણે કોઈના પ્રત્યે ભરી રાખીએ તો તે લાંબા ગાળે ટૉક્સિક (વિષમય) બની બદલો લેવાની ભાવના ભેગી થતા ટ્રૅન્સ્ગ્રેશન તરફ દોરી જાય છે. આ વિષાક્ત રોષને શાંત પડવાની કોઈ પ્રક્રિયા હાથ ધરીએ નહિ અને મનમાં વેર ભરી રાખીએ તો શરીર માટે વિનાશકારી સાબિત થાય છે. એક રીતે કહીએ તો મનમાં રોષ ભરી રાખવો આત્મહત્યા જેવું કહેવાય.

માયામી યુનિના મનોવિજ્ઞાનનાં પ્રોફેસર Michael McCullough અને કેલિફોર્નિયા યુનિનાં મનોવિજ્ઞાની બેન્જામીન દ્વારા થયેલા એક અભ્યાસ મુજબ તમને જેના પ્રત્યે રોષ હોય તેના તરફ ખાલી પ્રસન્ન મુખમુદ્રા(conciliatory gestures) રાખી આગળ વધો તો પણ તમારા સ્ટ્રેસ હાર્મોન કોર્ટીસોલમાં ઘટાડો થાય છે. મૂળભૂત કોઈના પ્રત્યે વેરભાવ કે ગુસ્સો સિમ્પથેટિક નર્વસ સિસ્ટમનો ફાઈટ ઓર ફ્લાઇટ સ્ટ્રેસ રિસ્પૉન્સ ઍક્ટિવ થતા “stress hormone” cortisol વધારે જે સર્વાઈવલ માટે જરૂરી હોય છે, તેવી જ રીતે કોઈના પ્રત્યેનો રોષ કે ગુસ્સાનું શમન થાય તેવા મૈત્રી ભર્યા પ્રયત્નો  parasympathetic nervous system દ્વારા “love hormone” oxytocin નું લેવલ વધારે જે પણ સર્વાઈવલ માટે જરૂરી જ છે. હવે લાંબા ગાળે આપણા શરીર માટે કયું સારું? તમે જ નક્કી કરો. આ બંને નર્વસ સિસ્ટમ દ્વારા રિલીજ થતા બંને હાર્મોન્સ જરૂરી છે. હવે તો લગભગ બધા મિત્રો કાર ચલાવતા જ હશે તો સમજો એક ગેસ પેડલ છે અને બીજું બ્રેક પેડલ. ક્યારે ગેસ પેડલ દબાવવું અને ક્યારે બ્રેક તે આપણે કાર ચલાવતા જાણતા જ હોઈએ છીએ તો જીવનરથ ચલાવતા કેમ જાણી નાં લેવું કે ક્યારે cortisol ઘોડાને દોડાવવો અને ક્યારે oxytocin લગામ ખેંચવી? એક મહત્વની વાત એ છે કે cortisol and oxytocin બંનેનું સરસ બેલેન્સ સારા સ્ટ્રેસમાં પરિણામે છે જેને આપણે  પૅશન કહી શકીએ કોઈ કામ કે હેતુ પ્રત્યે જુસ્સો કે લગન વધારે છે અને તે ખરાબ સ્ટ્રેસ જે રોગોનું કારણ છે તેને ઘટાડે છે.

સતત વેરભાવ મનમાં ભરી રાખવો આપણને માનસિક રીતે એકલાં પાડી દે તેમાં નવાઈ નહિ. સમૂહમાં રહેવાથી સર્વાઈવલનાં ચાન્સ ખુબજ વધી જાય તે આપણે વિકાસના ક્રમમાં શીખી ચૂક્યાં છીએ. અને સમૂહમાં રહેવા સામાજિક જોડાણ અગત્યનું છે અને તે જોડાણ વધારવા એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ જરૂરી છે, તો પ્રેમ અને વિશ્વાસનું જનક ન્યુરોકેમિકલ ઓક્સિટોસીન લેવલ સચવાય તે ખાસ જરૂરી છે. એમેઝોનનાં જંગલોમાં રહેતા હન્ટર ગેધરર ઉપર કરેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે પુરુષો બહાર શિકાર કરવા જાય અને પાછાં ઘેર આવે ત્યારે એમના ઓક્સિટોસીન લેવલ વધી જતા અને તેનો આધાર તે કેટલો સમય બાકીના સમૂહથી દૂર રહ્યા છે તેના પર રાખતું. મતલબ વધુ સમય ફેમિલી કે સમૂહથી દૂર રહ્યા હોય અને ઘેર પાછાં આવે તો ઓક્સિટોસીન લેવલ ખૂબ વધી જાય. ઘણા દિવસે કોઈ પ્રિયજન મળે તો સ્વાભાવિક ખૂબ આનંદ પમાડતું હોય છે તેનું રહસ્ય ઓક્સિટોસીન લેવલ ખૂબ વધી જાય તેમાં છુપાયેલું હોય છે. ટૂંકમાં જેટલો વિરહ લાંબો મિલનની મજા એટલી વધારે.

કાયમ માફ કરવું અને ભૂલી જવું પણ યોગ્ય નથી, ખાસ તો જ્યારે તમે પરણેલા હો. હહાહાહાહાહહાહાહ.

કોઈ સંપૂર્ણ હોતું નથી માટે કાયમ બધા ભૂલો તો કરતા જ હોય છે ત્યારે ટૂંકા સમયનો ગુસ્સો જરૂરી છે. જેથી લાંબો સમય રોષ મનમાં ભરેલો રહે નહિ. હું પોતે શૉર્ટ ટૅમ્પર છું. શૉર્ટ ટૅમ્પર લોકોની એક જબરદસ્ત ખૂબી એ હોય છે કે તેઓ લાંબો સમય કોઈના પ્રત્યે વેરભાવ રોષ રાખી શકે નહિ. એમના ગુસ્સાનું સમાપન જલદી થઈ જતું હોય છે. થોડીવાર પછી તેઓ ભૂલી જતા હોય છે. કદી ગુસ્સે નહિ થનારા લોકોથી હમેશાં ચેતવા જેવું છે. તેઓ કોઈ મહાત્માઓ તો હોતા નથી ગુસ્સે તો થતા જ હોય છે પણ તેઓ એમનો ગુસ્સો મનમાં જમા કરી રાખતા હોય છે. અને કાયર હોવાથી આડકતરી રીતે એવું વેર વાળે કે જેનો કોઈ હિસાબ નો થાય. શૉર્ટ ટેમ્પરનો એક ગેરફાયદો એ છે કે સામેવાળો તરત હર્ટ થઈ જાય. અને સામાવાળાએ એના પ્રત્યે મનમાં રોષ ભરી રાખ્યો હોય છે તે શૉર્ટ ટેમ્પરને ખબર હોતી નથી. તે તરત ભૂલી ગયો હોય છે. સામેવાળો બદલો લેશે તે વાત પણ તેના મનમાં આવતી નથી. શૉર્ટ ટૅમ્પર લોકો દુનિયાના સૌથી વધુ દગાબાજીનો ભોગ બનનારા કમનસીબ લોકો છે.

બીજાને માફ કરવું તેના કરતા વધુ અઘરું પોતાની જાતને માફ કરવું છે.

બીજા પ્રત્યે રોષ ભરી રાખવો માફ નહિ કરવું જે રીતે કોર્ટીસોલ લેવલ વધારે અને ઓક્સિટોસીન લેવલ ઘટાડે તે જ રીતે પોતાના પ્રત્યે રોષ ભરી રાખવો કે પોતાની જાતને માફ નહિ કરવી કે પોતાની જાત પ્રત્યે શરમ અનુભવવી આપણું કોર્ટીસોલ વધારે છે અને ઓક્સિટોસીન ઘટાડે છે. Self-forgiveness is just as important as forgiving others.

આપણે કોઈ બીજાને ફોર્સ ના કરી શકીએ કે તે આપણને માફ કરી દે. ક્ષમા આપવાની પ્રક્રિયામાંથી પસાર થવાની દરેકની પોતપોતાની અલગ સ્પિડ હોય છે. પોતાની ભૂલની માફી માંગી લેવી ઉત્તમ છે. એના માટે LKM (loving-kindness meditation ) સરસ ઉપાય છે. આંખો બંધ કરી મનમાં પ્રેમ, કરુણા અને ક્ષમાનાં વિચારો સાથે પ્રસન્ન મુદ્રામાં ચાર ડગલાં આગળ વધવું જાણે સામે ૧) કોઈ પ્રિયજન ઊભું છે, ૨) જેના પ્રત્યે મનમાં રોષ છે તે ઊભું છે, ૩) કોઈ અજાણ્યું ઊભું છે, ૪) અથવા તો સામે પોતે જ ઉભા છીએ. બસ આટલું કરવામાં ફક્ત થોડી મીનીટોનો જ સવાલ છે.summer_love_wallpaper_rjtz3

 

 

 

 

 

 

 

‘ઍલ્કેમિસ્ટ’ Book Review By Gora Trivedi

10408700_937688652958492_45519947910665399_n૨૩ એપ્રિલ ‘વર્લ્ડ બુક ડે’. આ દિવસે એક એવા પુસ્તક વિષે જાણીએ જેનું દુનિયાની ૬૬ ભાષામાં રૂપાંતર થયું છે. ૧૦ કરોડથી વધુ નકલ વેચાઈ છે અને ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’મા સળગ ૩૦૩ અઠવાડિયા સુધી બેસ્ટ સેલર બુક રહી છે. કોઈ જીવંત લેખકની બુક નું જો સૌથી વધુ ભાષાઓમાં રૂપાંતર થયું હોય તો તે શ્રેય આ પુસ્તકને અને તેના લેખકને જાય છે, જેના માટે ગીનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમા આ પુસ્તક સ્થાન ધરાવે છે. પુસ્તકનું નામ છે ‘ઍલ્કેમિસ્ટ’ અને લેખક છે પોંલો કોએલો. ઍલ્કેમિસ્ટ એટલે કીમિયાગર – સામાન્ય ધાતુને સોનામાં પરિવર્તન કરવાની કળા જાણનાર વ્યક્તિ.

આ વાર્તા એક સામાન્ય છોકરાની અસામાન્ય સફરની છે. દૂરના પર્વતીય પ્રદેશના નાના ગામમાં રહેતા એક યુવાનની વાત. યુવાન  જે એક ઘરેડ નું જીવન જીવે છે તેના થી કૈંક વિશેષ ઇચ્છે છે અને તેમ કરવાની હિંમત કરે છે. આ વાત એવા લોકોની છે જે પોતાના અંત:કરણના અવાજને અનુસરવાની તૈયારી બતાવે છે. યુવાનને એક સ્વપ્ન આવે છે કે તેના માટે ખજાનો પીરામીડોમા તેની રાહ જોઈ રહ્યો છે. આ વાત કુદરત તેને વારંવાર સમજાવે છે. યુવાન કુદરતના સંકેતોને સમજે છે અને પોતાના વતન થી ખૂબ જ દૂર આવેલા પીરામીડો સુધી જવા તૈયાર થાય છે. એક સ્વપ્ન કે સંકેતના આધારે આમ અજાણી લાંબી મુસાફરી  કરવાનો નિર્ણય લેવો જેટલો અઘરો હતો તેના થી ઘણી વધુ અઘરી મુસાફરી રહી.

યુવાન પોતાના લીલોતરી વાળા પર્વતો છોડી રણમાં પ્રવેશે છે. તેની તમામ મૂડી લુટાઈ જાય છે. તેને આગળ વધવા માટે રૂપિયાની જરૂર છે અને તે માટે તે એક કાચની દુકાને કામ કરે છે. ત્યાં કાચના વાસણ સાફ કરવા એ એક સાંકેતિક વાત છે. આ દરમ્યાન તેના મનની નકારાત્મકતા પણ સાફ થઈ જાય છે. થોડા જ સમયમાં તે ફરી પોતાના સ્વપ્ન તરફ એટલે કે પીરામીડ તરફ આગળ વધવા લાગે છે. રણમાં હુમલાઓ થાય છે, તોફાન આવે છે, પડાવ આવે છે. આ દરેક ઘટના યુવાનને કૈંક શીખવે છે. યુવાન રણમાં એક યુવતીના પ્રેમમાં પડે છે અને ત્યાં જ રોકાઈ જવાનું વિચારે છે. તેને પોતાના સ્વપ્ન અને ખજાનાના અસ્તિત્વ વિષે શંકા થાય છે. અહીં રહી જઈ ને એણે કશું ગુમાવવાનું નથી અને પ્રેમ તો મળે જ છે. આ સમયે તેને તેના ગુરુ એટલે કે ઍલ્કેમિસ્ટ –કીમિયાગર મળે છે. તે તેને સમજાવે છે કે કુદરત તને સંકેત આપે છે અને તુ સંકેતને અનુસરે છે એટલે ખુશ છે. જો તુ સંકેતોને અનુસરવાનું બંધ કરી દઈશ તો કુદરત તને સંકેત આપવાનું બંધ કરી દેશે અને વર્ષો પછી તને અફસોસ થશે કે ‘કાશ ! હું પીરામીડ સુધી ગયો હોત તો મને મારો ખજાનો મળ્યો હોત’ સાચ્ચો પ્રેમ ક્યારેય તમારા અને તમારા સપનાંની વચ્ચે નથી આવતો. પ્રેમ તો પ્રેરણાનું કામ કરે છે.

10953006_10205384117899046_6364061648634537401_o
ડૉ ગોરા ત્રિવેદી

યુવાન આગળ વધવાનો નિર્ણય કરે છે. રણની મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓ આવે છે પણ એ પોતાના અંત: કરણના અવાજ ને અનુસરે છે અને આગળ વધે છે. ઍલ્કેમિસ્ટ યુવાનને શીખવે છે કે ‘જો તુ તારા સ્વપ્ન ને પૂરું કરવા માટે દ્રઢ નિશ્ચયી બનીશ તો સમગ્ર સૃષ્ટિ તને તારા સ્વપ્ન સુધી પહોંચાડવાના કામે લાગી જશે.’ અને એમજ બને છે, કુદરતના સંકેતો આ યુવાનને દરેક મુશ્કેલીમાંથી રસ્તો કરી આપે છે અને યુવાન પોતાના ખજાના સુધી પહોંચે છે. પણ આ ખજાના સુધી પહોંચવાનો રસ્તો એણે ધાર્યો હતો તે કરતા અલગ હોય છે. આ વાત જ એને શીખવાની હોય છે.

આપણે બધા જીવનમાં કોઈક સ્વપ્ન જોઈએ છીએ. આપણું અંત:કરણ આપણને આપણા જીવનના ઉચ્ચતમ ધ્યેય માટે લડવા પ્રેરે છે પણ મોટા ભાગના લોકો પોતાના અંત:કરણને અનુસરવાની, અશક્ય લગતા ધ્યેય માટે પ્રયત્ન કરવાની હિંમત નથી કરતા. વર્ષો પછી આપણે જીવન જેવું જિવાતું હોય તેમ જીવવા ટેવાઈ જઈએ છીએ અને આપણા ઉચ્ચતમ ધ્યેય સુધી ક્યારેય પહોંચતા નથી. આપણે ફક્ત હિંમત કરવાની હોય છે, જે સ્વપ્ન – ધ્યેય કુદરત આપણને બતાવે છે તે પૂરું કરવાની જવાબદારી કુદરતની છે. આપણે કુદરત પર, આપણી જાત પર, આપણા સ્વપ્ન પર વિશ્વાસ રાખવાનો હોય છે.

જીવનમાં આપણા સ્વપ્ન સુધી પહોંચવામા જો કોઈ એક પરિબળ સૌથી વધુ નડતું હોય તો તે આપણો પોતાનો ડર છે. નિષ્ફળતાનો ડર. જો આપણે આ ડરને દૂર ફેંકી શકીએ તો કુદરત સતત આપણી સાથે જ હોય છે. ઍલ્કેમિસ્ટના ઉદાહરણ થી આ વાર્તામાં એક સરસ વાત કેહવાઇ છે. ઍલ્કેમિસ્ટ એટલે ધાતુને સોનામાં રૂપાંતરિત કરનાર નહી, ઍલ્કેમિસ્ટ એટલે પોતાની જ અંદરની શક્તિઓને જાણી, તેને અનુસરી પોતાના ખજાના સુધી પહોંચનાર વ્યક્તિ. દુનિયામાં દરેક વ્યક્તિ માટે એક ખજાનો-ધ્યેય નિશ્ચિત હોય છે. આપણે તે ધ્યેય જાણવાનું, સમજવાનું અને ત્યાં સુધી પહોંચવાની હિંમત કરવાની છે. કુદરત દરેક સાચ્ચી-ખોટી, સારી – ખરાબ વાતના સંકેત આપે જ છે. બસ જરૂર છે આપણે એ સંકેતો સમજવાની. કુદરતમાં રહેલી દરેક વસ્તુ આપણા સાથે સંકળાયેલી છે અને તે આપણને કૈંક કહે છે. કુદરતની પોતાની એક ભાષા છે. તમે જો સાચ્ચા રસ્તા પર હો અને કુદરત સાથે ચાલતા હો તો તમે એ ભાષા સમજી શકો. એક વખત તમે આ ભાષા સમજી શકશો પછી જગતના તમામ રહસ્યો તમારા માટે સરળ બની જશે. તમે તમારા માટે નિર્માણ થયેલા ધ્યેયને પ્રાપ્ત કરી શકશો. તમારા ખજાના સુધી પહોંચી શકશો.

આ પુસ્તકમાં હિમ્મત, સાહસ, ધીરજ, લાલચ અને પ્રેમની કસોટી સમજાવાય છે. જીવનનો સરળ રસ્તો આગળ જતા તમને ખાલીપો આપશે પણ કુદરતે તમારા માટે નક્કી કરેલો રસ્તો ભલે મુશ્કેલી ભર્યો હશે પણ અંતે તમને તમામ ખુશી અને સંતોષ આપશે. આ એક યુવાનની સાહસ કથાથી વધુ જીવન જીવવાની રીતની વાત છે. આ પુસ્તક માથી યુવાન ક્યારે પીરામીડ સુધી પહોંચે છે તે નહી પણ ત્યાં પહોંચતા સુધીમાં તે શું અને કઈ રીતે શીખે છે તે સમજવાનું છે. આ આખી વાતને વાર્તાને બદલે જીવનની મુસાફરીની વાત સમજવી. તમને સર્વને તમારો ખજાનો મળે તેવી શુભેચ્છા!

[‘ઍલ્કેમિસ્ટ’ ગુજરાતીમાં આર.આર.શેઠનું ભાષાંતર ખૂબ સારું છે, કીમત ફક્ત ૧૦૦ રૂપિયા જ છે]

ડો. ગોરા એન ત્રિવેદી

10537490_10203989918164924_8130755315421246210_o
ડૉ ગોરા ત્રિવેદી

નોંધ: મિત્રો ડૉ ગોરા ત્રિવેદી કાયદાકાનુનમાં પીએચડી થયેલા છે. લોયર તરીકે પ્રેક્ટીશ કરીને અઢળક કમાઈ શક્યા હોત પણ એડ્યુકેશન લાઈનમાં જવું એમનો નિર્ધાર છે. કૉલેજમાં પ્રાધ્યાપક છે અને એક એન.જી.ઓ પણ ચલાવે છે. બહુ સારા લેખક સાથે બહુ સારા વક્તા પણ છે. સ્ત્રી-સશક્તિકરણ એમનું ધ્યેય છે. વર્લ્ડ બુક ડે નિમિત્તે આ અભિપ્રેરણાત્મક પુસ્તક બહુજનહિતાય બહુજન દ્વારા વંચાય તેમાં એમનો કોઈ નીજી સ્વાર્થ છે નહિ. અરે એમણે ગાંઠનું ગોપીચંદ કરીને આ પુસ્તક મિત્રોની મદદ વડે બહુ લોકો સુધી મફતમાં પહોચાડ્યું છે. ફક્ત ૧૦૦ રૂપિયા કિંમતની આ બુક આજે ક્યાંય ઉપલબ્ધ નથી ત્યારે ફક્ત ૨ વ્યક્તિએ આ પુસ્તકની હજારો નકલો વહેંચી રહ્યા છે… એક છે રીવ્યુ લખનાર ગોરાબેન ત્રિવેદી અને બીજા છે http://www.dhoomkharidi.com . આ પુસ્તક ઘેર બેઠા ઓર્ડર કરવા 7405479678 પર કોલ/વોટ્સએપ કરી શકો છો. અથવા ઓનલાઈન ખરીદવા ક્લિક કરો:
http://dhoomkharidi.com/alchemist-gujarati-detail

મારી મરજી (My Choice)

મારી મરજી (My Choice)untitled

મારી મરજી નહોતી છતાં લંકાધિપતિ મને જબરદસ્તી ઉઠાવી ગયો. મેં પણ કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ; રોજ સમજાવવા આવતો હતો છતાં કમિટમેન્ટ નિભાવવા એનું કહ્યું માન્યું નહિ. મારી વફાદારીના બદલામાં તમે શું આપ્યું? ઇનામમાં અગ્નિપરીક્ષા આપી. ચાલો હું એકલી રહી હતી અમુક વર્ષો માટે; તમને શંકા હતી કે હું વફાદાર રહી નહિ હોઉં તો તમે પણ એકલાં તેટલો સમય રહ્યા જ હતા તો અગ્નિપરીક્ષા ફક્ત મારી જ કેમ? તમારી કેમ નહિ? મને ખૂબ અપમાન લાગેલું પણ મારી મરજી કોઈએ પૂછી નહોતી. ચાલો જવા દો. ત્યાર પછી તમે શું બોલ્યા હતા યાદ છે? તારા માટે નહિ મેં તો મારા કુળની મર્યાદા સાચવવા યુદ્ધ કરેલું. હું ગર્ભવતી હતી છતાં જૂઠું બોલી વનમાં તગડી મૂકી મારી મરજી પૂછી હતી?

મારી ભૂલ નહોતી છતાં મને શિલા બનાવી દીધી ત્યારે મારી મરજી પૂછી હતી? પોતે હારી ગયા પછી મને એક દાગીનો હોય તેમ જુગારમાં મૂકીને હારી ગયા ત્યારે મારી મરજી પૂછી હતી? મારી મરજી નહોતી છતાં પાંચે ભાઈઓ મને પથારીમાં રમવાનું રમકડું સમજી રમે રાખતા હતા. હું એક સહિયારું રમકડું જ હતી. બાકી દરેક ભાઈની વધારાની એક પત્ની તો હતી જ. હું ખૂબ રૂપાળી હતી માટે મને મેળવવા તમે બધા લડી નાં મરો માટે મને આખા નગરની વધૂ-વહુ(નગરવધૂ) બનાવી દીધી મારી મરજી પૂછવાની કોઈ દરકાર કરેલી?

મારી મરજી ક્યારેય હતી ખરી?

આમેય મરજી તો તમારી જ ચાલવાની છે છતાં આજે પહેલી વાર મારી મરજી નામે એક સ્ટેટમેન્ટ આપ્યું તો કેવાં બધા ગભરાઈ ગયા? ભારતમાં તો ખાસ. અને મેં સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે જે તમે પુરુષો હમેશાં કરતા જ આવ્યા છો. તમારા માટે એવું બધું કરવાની કોઈ નવાઈ છે જ નહિ તે પણ સદીઓથી. સેક્સિસ્ટ લોકો ગભરાઈ ગયા. બિનૅવલન્ટ સેક્સિસ્ટ લોકો તો વળી બહુ જ ગભરાઈ ગયા.

લગ્ન બહાર શારીરિક સંબંધો તમે બાંધ્યાં જ છે. કદાચ હિંમતના અભાવે કે પેલી સ્ત્રીના ભાઈ કે પતિની બીકમાં નહિ બાંધ્યાં હોય તે વાત જુદી છે. તમારી એ મરજી તમે પૂરી કરી જ છે. છતાં અમે જો ભૂલમાં ય એવા સંબંધ બાંધીએ તો ચરિત્રહીનનું લેબલ તમે લગાડ્યું જ છે. અમને ચરિત્ર હીન બનાવવામાં તમારો ફાળો ક્યારેક પૂરો કે પછી અડધો તો હોય જ, પણ ભોગવવાનું તો અમારે જ. અમારું માથુ દુખતું હોય તાવ આવ્યો હોય છતાં તમે અમારા પર પતિ હક બતાવી રેપ કર્યા જ છે, બીજીઓની વાત જવા દો. તે બાબતે અમારી મરજી ક્યારેય પૂછતાં નથી. અમારા માબાપ પાસેથી ઢગલો રૂપિયા પડાવી ને અમારી મરજી પૂછ્યા વગર અમને શો પીસની જેમ ઘરમાં રાખી જ છે. તમે નપુંસક હો તો અમારે તમારા ભાઈઓ કે ભાઈબંધો જોડે સૂઈ જવાનું અને તમને બાળકો આપી બહાર મર્દ છો તેવું કહેવડાવવાનું તેવું પણ અમે કરેલું જ છે અમારી મરજી વિરુદ્ધ. અરે તમારા પ્રમોશન માટે તમારા ઉપરી અધિકારીઓ જોડે પણ અમારી મરજી વિરુદ્ધ સૂઈ જવાનું. અરે તમારે મર્યા પછી વૈકુંઠ કે અક્ષરધામ મેળવવું હોય તે માટે અમારે અત્યારે તમારા ગંધાતા ગુરુઓ સાથે સૂઈ જવું પડે છે. કપડા પણ અમારે તમારી મરજી મુજબ પહેરવાના સદીઓથી. કામ પણ અમારે સદીઓથી તમારી મરજી મુજબ જ કરવાનું. ૨૪/૭ અમારી પીદુડી તમે કાઢી જ છે સદીઓથી.

આજે પહેલી વાર મારા લગ્ન, મારી વાસના, મારી સાઇઝ, મારા પ્રેમ, મારા કપડા, મારી સંતાન પ્રાપ્તિ અને મારા આત્માની સ્વતંત્રતા બાબતે, કહ્યું તો ભડકી ઊઠ્યા? તરત મને ચારિત્રહીન ગણવાનું શરુ પણ કરી દીધું? આજ સુધી તમે આમાનું બધું તમારી મરજી મુજબ કરતા આવ્યા છો ત્યારે તો સમાજ અને સંસ્કૃતિનો લોપ નહોતો થઈ જતો હવે થઈ જશે? કે પછી એ જ તમારી સંસ્કૃતિ છે?

“મને ખબર છે ભરી સભામાં મને નગ્ન કરવી એ જ તો તમારી મહાન સંસ્કૃતિ છે.”

પ્યારાં મિત્રો મારી વાત એકદમ કડવી ઝેર જેવી લાગશે. પણ આપણે બિનૅવલન્ટ સેક્સિસ્ટ છીએ. સ્ત્રી સ્ત્રી છે માટે અને પુરુષ પુરુષ છે માટે તે બંને માટે અલગ અલગ વર્તન કરવું તેને સેક્સિસ્ટ કહેવાય. સ્ત્રીને નરકની ખાણ માનવી કે સ્ત્રીને કમજોર માની તેના માટે દયાભાવ રાખવો બંને વર્તન સેક્સિસ્ટ જ કહેવાય. બસમાં કોઈ યુવાન સ્ત્રી ચડે અને તેને બેસવાની જગ્યા નાં હોય તો હું એને કમજોર સમજી એના પ્રત્યે દયા ભાવ રાખી કદી ઊભો થઈ ને એના માટે સીટ ખાલી કરતો નહિ. કોઈ બીમાર, વૃદ્ધ, અશક્ત કે બાળકને તેડી ઊભેલી સ્ત્રી માટે હું તરત જગ્યા આપું તે જુદી વાત છે. એક યુવાન બસમાં જગ્યા નાં હોય તો ઊભો રહી શકે તો યુવાન સ્ત્રી પણ ઊભી રહી શકે. પણ સ્ત્રીને જોતા વેંત ઊભા થઈ જનારા સ્ત્રી ઉપર વગર કામનો ઉપકાર કરતા હોય છે સ્ત્રીને કમજોર સમજી પોતાને બળવાન સમજી.

બિનૅવલન્ટ સેક્સિસ્ટ ભલે એક રીતે સારા લાગે પણ ખરેખર આવા પુરુષો સ્ત્રી સ્વાતંત્ર્ય માટે વધુ જોખમી હોય છે. તેઓ સ્ત્રીને નાજુક, અસહાય, કમજોર સમજતા હોય છે. તેઓ સમજતાં હોય છે કે સ્ત્રીને હમેશાં પુરુષોના રક્ષણ નીચે જીવવું જોઈએ. સ્ત્રીને કાયમ પુરુષ પ્રટેક્શનની જરૂર હોય જ છે. સ્ત્રી પુરુષના રક્ષણ અને મદદ વગર જીવી જ ના શકે. સ્ત્રીએ હમેશાં પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ જેથી એમનું રક્ષણ થાય. એકંદર આવા બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આમ કોઈપણ પ્રકારનું સેક્સિઝમ સ્ત્રીની મેન્ટલ હેલ્થ, એની કામ કરવાની ક્ષમતા, સુખની લાગણીઓ વગેરે માટે હાનિકારક હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહેનારો આપણો તો ઍવરિજ આખો સમાજ સ્ત્રીઓના હિત માટે એની સાથે અણછાજતું વર્તન કરનારો (બિનૅવલન્ટ સેક્સિસ્ટ) છે. પહેલા સ્ત્રી નાની હોય ત્યારે માતાપિતા ભાઈઓના રક્ષણ હેઠળ જીવવાનું, પછી પતિના રક્ષણ હેઠળ જીવવાનું પછી ઘરડી થાય એટલે પુત્રોના રક્ષણ હેઠળ જીવવાનું.

સ્ત્રી સ્ત્રી છે માટે કમજોર છે માની એના ફાયદા માટે, એના લાભ માટે સ્ત્રીઓ ઉપર જુલમ કરનારો આપણે સમાજ છીએ.

Vouge નો Women Empowerment અંતર્ગત બનેલ વીડીઓ ‘My Choice’ બહુ ચર્ચાસ્પદ બન્યો. એમાં આખી દુનિયાની સ્ત્રીઓના પ્રતિનિધિ તરીકે ૯૮ સેલિબ્રિટી સ્ત્રીઓ દર્શાવવામાં આવી અને મુખ્ય પાત્ર ભજવ્યું દીપિકા પદુકોણે. એના ભાગમાં જે સ્ક્રિપ્ટ બોલવાની આવી તે અભિનય સાથે બોલી ગઈ. ભલે એમાંનું બોલેલું બધું તે માનતી હોય કે નાં માનતી હોય. એક જોબ, એક મળેલ એન્ડોર્સમેન્ટનાં ભાગ રૂપે એણે એની જોબ કરી. પણ વિરાટ કોહલી રન કર્યા વગર આઉટ થઈ જાય તો દરેક વાતે સ્ત્રીને જ દોષી માનવાની માનસિકતા ધરાવતી આપણ પ્રજાએ અનુષ્કાને ભયંકર ગાળો દીધેલી તેમ દીપિકાને પણ ખૂબ ગાળો દીધી. હૉસ્ટાઇલ સેક્સિસ્ટ અને બિનૅવલન્ટ સેક્સિસ્ટ બધા પ્રકારના લોકોએ ગાળો દીધી. એવરિજ તમામ ભારતીયોએ ગાળો દીધી. આપણા મોટાભાગના મહાન લેખકોએ પણ એમની સેક્સિસ્ટ મનોદશા દર્શાવી દીધી એમના લેખોમાં. બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આવી સ્ત્રીઓએ પણ ગાળો દીધી, એમાં દીપિકા ભારદ્વાજ નામની દંભી સ્ત્રીએ કડક ટીકા પુરુષોનો પક્ષ લેતી કરી તો ગ્રેટ લેખકો અને પુરુષો હરખાઈ ઊઠ્યા.

My Choice નું મહત્વ સ્ત્રી માટે ઇવલૂશનરી અને બાયોલોજીકલ છે. સ્ત્રી જન્મે છે ત્યારે જ બાળકો પેદા કરવા જરૂરી લિમિટેડ એગ્સ સાથે લઈને જન્મે છે. ચાલો માની લઈએ એક સ્ત્રી ૧૨ વર્ષે ઋતુચક્રમાં આવી ગઈ. અને ૪૨ વર્ષે એનું તે ચક્ર સમાપ્ત થઈ જવાનું તો ૩૦ વર્ષના દર મહીને છૂટું પડતા એક અંડ પ્રમાણે ૩૬૦ અંડ સાથે લઈને જ જન્મ લેવાની. જ્યારે સામે પુરુષના એક ટીપા વીર્યમાં અબજો સ્પર્મ હોય છે. પુરુષ માટે ક્વૉલિટીનું કોઈ મહત્વ નથી ચાન્સ મળશે તો રખડતી ગાંડી ઘેલી ભિખારણમાં પણ એનું સ્પર્મ રોપી દેવાનો છે. મેં જાતે એવી ગાંડી ભિખારણ ગર્ભવતી જોએલી છે. જ્યારે સ્ત્રી માટે ક્વોન્ટીટી નહિ પણ ક્વૉલિટીનું મહત્વ છે; એની પાસે અત્યંત લિમિટેડ અંડ છે. માટે પાર્ટનર પસંદ કરવાની તેની મરજી મહત્વની છે. સ્ત્રી પાવરફુલ Genes ધરાવતા પુરુષની બીજી ત્રીજી કે ચોથી પત્ની બનવા રાજી થશે પણ કમજોર, બીમાર, માયકાંગલા અને દરિદ્રની પહેલી પત્ની બનવા કદી રાજી નહિ થાય. આખી ઇવલૂશનરી હિસ્ટ્રીમાં એવું જ જોવા મળેલું છે. એટલે તો આપણે પવિત્ર લગ્ન વ્યવસ્થા શોધી કાઢી છે, જેથી દરેકને ભાગે સ્ત્રી આવે જે કદી પવિત્ર હતી જ નહિ. પવિત્ર લગ્ન વ્યવસ્થામાં પણ સક્ષમ પુરુષ તો અનેક પત્નીઓ લગ્ન કરીને રાખતો જ હતો. ભારતમાં તો આઝાદી પછી એક પત્ની એક પતિનો કાયદો આવ્યો. પશ્ચિમમાં હવે તેનું અસ્તિત્વ ભુસાઈ જવા આવ્યું છે ભારતમાં થોડી વાર લાગશે. એટલે તો પુરુષો આવા વીડીઓ જોઈ ગભરાઈ જઈને વધુ હોબાળો મચાવી દેતા હોય છે.

Rosana Mendes Campos બ્રાઝીલની એક પ્રોફેસર બે પુખ્ત સંતાનોની માતા અને એક બાળકીની દાદી લાંબું સુખી લગ્નજીવન, કહે છે “It’s just what it is: the woman’s choice. Her right to choose, whether she chooses to act right or wrong is really up to her. Men have been choosing what they want to do for centuries. Now, women may do the same. Everyone knows what is best for them… or they might even choose wrong, but they are responsible for what they choose to do, and they will have to accept the consequences.’

દીપિકા પડુકોણ, ગ્રેટ બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પડુકોણની દીકરી. સવારે પાંચ વાગે જાગવાનું, દોડવા જવાનું, કસરત કરવાની, સ્કૂલમાં જવાનું, સાંજે પાછી કસરત, રમતની પ્રેક્ટીશ કરવાની. સ્કૂલમાં હતી ને વસ્તુઓની જાહેરાતના કામ મળવાના શરુ થઈ ગયેલા. નેશનલ લેવલની અચ્છી બેડમિન્ટન પ્લેયર. ફેમિલી બધું રમતગમતનાં બૅકગ્રાઉન્ડ વાળું. પણ એક દિવસ અચાનક એના પિતાને કહ્યું મારે રમત જગતમાં નથી જવું મોડેલીંગ કરવું છે. એના પિતાએ જરાય આનાકાની વગર હા પાડી દીધી. આપણે એક ગ્રેટ બેડમિન્ટન પ્લેયર ગુમાવી અને ઉત્તમ અભિનેત્રી મેળવી. વફાદારી શું તેને ખબર છે. કપૂરિયાનો વુમનાઈઝર વારસો ધરાવતા રણબીરકપૂર સાથે સ્નેહ બંધન વડે જોડાઈ. સનમ બેવફા એવા રણબીરને એક બે વાર માફ પણ કર્યો પણ રેડ હેન્ડેડ પકડાઈ જતા તેનાં પર પૂર્ણવિરામ મૂકી દીધું. My Choice વીડીઓમાં એણે જે કહ્યું તે બધું તે પોતે માનતી હોય તેવું કોણે કહ્યું? આ તો જોબ હતી તે કરી લીધી. અને માનતી હોય તો પણ શું વાંધો છે? એની મરજી.

સ્ત્રી સશક્તિકરણ એટલે શું? સ્ત્રીને નબળી સમજ્યા વગર સ્ત્રીને એની મરજી મુજબ જીવવા દો સાથે તમે તમારી મરજી મુજબ જીવો અને બંને એકબીજામાં સમાઈ એકબીજાની મરજી સમજીને જીવો એનું નામ જ સ્ત્રી સશક્તિકરણ.

જંબુદ્વિપનાં વિહારમાં ગજેન્દ્ર મોક્ષ

untitledજંબુદ્વિપનાં વડાપ્રધાન ગજેન્દ્ર મોદી આજે જરા અપસેટ દેખાતા હતા. ગમાર ખોખામાં (ઈડીયટ બૉક્સ-ટીવી) જાતજાતના સમાચાર જોઈ એમનું મન જરા બગડેલા દહીં જેવું ખાટું થઈ ગયું હતું. સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને સાહેબના ઉપનામથી જાણીતા વડાપ્રધાન કલાક યોગા કરતા. આખો દિવસ ખૂબ બોલવાનું ભાગે આવતું એટલે એના માટે એનર્જી ભેગી કરવા બે કલાક મૌન પાળતા એવું અફવા ફેલાવનારાઓનું કહેવું છે. એમણે યોગામાથી પરવારી, આસનસ્થ ફોટા વગેરે પડાવી તરત એમના અંગત સમિત શાહને બોલાવ્યા.

અલ્યા સમિતભાઈ, ‘ આ શું સાંભળું છું? આ ત્રાસવાદીઓના બાતમીદારો આપણા તેલના ટાંકા જ્યાં આવેલા છે તેની રેકી કરી ગયા?’

સાહેબ આ રેકી કરવાનું રોકી શકાય તેવી કોઈ વ્યવસ્થા આપણી પાસે છે નહિ. થોડા થોડા દિવસે અને ક્યારેક બે દિવસમાં બે વાર ત્રાસવાદીઓના હુમલા થાય છે. હવે આપણે એમની સામે લડવા કમાન્ડોબળ વધારવું પડશે.’ સમિત શાહે જવાબ આપ્યો.

સાહેબ ઉવાચ, ‘એના માટે જન્મજાત કમાન્ડો જેવા કરતબ કરતા લોકો હમણાં ટીવીમાં જોયા. વિહારના મુખ્ય મંત્રીનો સંપર્ક સાધો. અને ત્યાં ચાલતી પરિક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને એમની વિદ્યાની અર્થી ઉઠાવવામાં મદદ કરવા જીવન જોખમે કમાન્ડો જેવા સાહસ કરતા વિરલાઓનું સન્માન કરો. એમને સીધા કમાન્ડો તરીકે ભરતી કરી દો. સંભવિત ત્રાસવાદી હુમલા સામે લડવા આવા જન્મજાત ખેલાડીઓની બહુ જરૂર પડશે. બીજું એમને ટ્રેનીગ આપવાનો સમય અને ખર્ચ પણ બચી જશે અને તે ખર્ચમાંથી હું બે દેશ વધારે ફરી શકીશ.’

હા સાહેબ, ‘એ કામ તો ચપટીમાં થઈ જશે. પણ વિહારના એ વીરલાઓના સાહસના ફોટા સમાચારસહ અમેરિકાના છાપામાં આવી ગયા એમાં કેટલાક પત્રકાર કમ લેખક લોકોની અદ્ભુત લાગણીઓ દુભાઈ ગઈ છે તેનો વિરોધ પ્રદર્શિત કરવા આપને મળવા આવ્યા છે.’

‘આ પત્રકારો લેખક પણ હોય છે?’ સાહેબને નવાઈ લાગી.

‘અમુક હોય છે. એમાંય મુંબઈમાં રહેતા લેખકો બહુ મોટા લેખક કહેવાય, આઈ મીન પૉપ્યુલર કહેવાય એવો એમને વહેમ હોય છે. સેળભેળભાઈ આવા ગ્રેટ લેખક છે એમની અંગત લાગણી દુભાઈ ગઈ છે, કે અમારા એક રાજ્યમાં વિદ્યાની અર્થી ઉઠાવવામાં કેટલું મોટું સાહસ કરવું પડતું હોય છે, એના ફોટા અમેરિકાવાળા કેમ છાપે?’ સમિતભાઈએ જરા લાબું ખેંચ્યું.

‘પણ એમાં મને મળવા શું કામ?’ સાહેબે શંકા કરી.

‘હવે ઓબામાજી આપના અંગત મિત્ર બની ગયા છે તેવી એમને શંકા છે, માટે આપ ઓબામાજીને ભલામણ કરો કે ફરી આવું થવું નાં જોઈએ,’ સમિતભાઈ બોલ્યા.

‘આ ઓબામા કોઈનો થયો નથી ને થવાનો નથી એ એના દેશનો જ રહેવાનો,’ સાહેબે ઉચ્ચાર્યું.

‘આપણે ય ક્યાં કોઈના થઈએ છીએ?’ સમિતભાઈ કોઈ સરખું સાંભળે નહિ તેમ બોલ્યા.

સાહેબ ઉવાચ, ‘આપણા સાહસોને વિદેશમાં જેટલી પ્રસિદ્ધિ મળે તેટલું સારું ત્યાં આ લેખકોના પેટમાં શું દુખતું હશે? હમણાં પેલી લેસ્લીબુન ફિલમ ઉતારી ગઈ હતી એમાં પણ આ લેખકો વિરોધ કરતા હતા.’

‘આપણા સાહસનાં સિક્રેટ બીજો કોઈ જાણી જવો નાં જોઈએ તેવી આપણા લોકોની અંગત લાગણી હોય છે, અને એ લાગણી ભડકાવવામાં રોટલા-પાણી હોય પછી?’ સમિતભાઈ કોઈવાર કટાક્ષ મારી લેતા.

‘એ લા સમિતભાઈ, આ વિહારમાં બીજું તિકડમ વિદ્યાની અર્થી ઉઠાવવાનું જોયું હમણાં, કે સામાન્ય જ્ઞાન વિષયનો શિક્ષક વિજ્ઞાનની ઉત્તરવહી તપાસતો હતો? મતલબ જે તે વિષયના નહિ અને બીજા વિષયના શિક્ષકો ઉત્તરવહીઓ તપાસતા હતા?’ સાહેબ બોલ્યા.

‘આ કાઈ નવું નથી, આપણા ગુર્જર દેશના વટપદ્ર(વડોદરા) નામના શહેરની એક જાણીતી અંગ્રેજી માધ્યમની સ્કૂલના શિક્ષકે આશરે ૧૫ વર્ષ પહેલા જાતે જોએલું કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ગુજરાતી માધ્યમના શિક્ષકો તપાસતા હતા. તે પણ પોતાનો વિષય નાં હોય તેવા વિષયની. તેમણે તે સમયે શિક્ષણ ખાતા અને મંત્રીશ્રીઓ ઉપર પત્રો લખેલા. આ બધું લોકો આપણા જોડેથી શીખે છે, આપણે પ્રધાનમંડળ રચીએ છીએ એમાં એવું જ હોય છે ને? સાધુના કુળ, સ્ત્રીની ઉંમર અને પ્રધાનની ડિગ્રી કદી પૂછવી નહિ’ સમિતભાઈ બરોબર ખીલ્યા.

‘આ શિક્ષકો ખરેખર રાજકારણમાં હોવા જોઈતા હતા બહુ કામ લાગે એવા છે, જે વિષયનું જ્ઞાન નાં હોય તે વિષયના પેપર તપાસવા બહુ સાહસનું કામ કહેવાય બેન વિસ્મૃતિને કહીને એમને આપણા પક્ષમાં ભરતી કરી દો, સાહેબે આદેશ આપ્યો.

‘સાહેબ, પેલાં લેખક મહાશયનું શું કરવું છે? બોલાવું એમને કે કોઈ બહાનું કાઢી રવાના કરી દઉં?’

‘તમારી નાતના જ છે ને? એમને ખીચડી કઢી જમાડી રવાના કરી દો મને ટાઈમ નથી, મારે જીતુભાઈ અને મુકેશભાઈ સાથે મહત્વની મિટીંગમાં જવું છે. મીતા ભાભીસાહેબ પણ આવવાનાં છે.’ સાહેબ આટલું કહી ગરુડ વેગે ભાગ્યા. જતા જતા સાહેબ સમિતભાઈ સામે જોરથી હસતા હસતા બોલ્યા.

સાધુના કુળ, સ્ત્રીની ઉંમર અને પ્રધાનની ડિગ્રી પૂછવી નહિ. સમિતભાઈએ પણ સૂરમાં સુર પુરાવ્યો.