ચાર આદ્ય સત્યો.

ચાર આદ્ય સત્યો.

બુદ્ધે ચાર આર્ય સત્યો કહેલાં. ૧) દુઃખ, ૨) સમુદય ૩) નિરોધ ૪) માર્ગ. દુઃખ છે તો દુઃખનું કારણ છે, કારણ છે તો નિવારણ છે અને નિવારણ માટે માર્ગ છે.

હવે મારા બહુ બધા અગણિત શિક્ષકોના કારણે અને મારા સતત ચાલતા દોડતા રહેતા બ્રેન ન્યુરોન્સના પ્રતાપે મને પણ અલગ અલગ ચાર આદ્ય સત્યો ધ્યાનમાં આવ્યા છે.

૧) સમૂહ : Group માનવી સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલો છે, અને સમૂહનો એક વડો હોય.

૨) માન મોભો : States માનવી સ્ટેટસ સિકીંગ એનિમલ એટલે માન મોભો ઇચ્છતું પ્રાણી છે.

૩) જીવન : Survival માનવીને કોઈ પણ ભોગે જીવવું હોય છે એટલે કે બચવું હોય છે.

૪) વારસો : Sexual reproduction માનવીમાં પોતાની એક પ્રતિકૃતિ પાછળ મૂકતા જવાની પ્રબળ ભાવના હોય છે. વારસદાર મૂકતાં જવાની પ્રબળ કુદરતી ભાવના હોય છે.

બુદ્ધે આર્ય સત્યો કહ્યા હું તમને આદ્ય સત્યો કહું છું, જોકે મેં શોધ્યા નથી પણ ધ્યાનમાં આવ્યા છે. આ ચાર આદ્ય સત્યો પાછળ એની આખી જીંદગી દોડ્યા કરતી હોય છે. એમાં પાછી હરીફાઈ ખૂબ છે એટલે દુઃખ પામે છે, એના કારણો શોધે છે, એના નિવારણ માટે માર્ગ શોધે છે.

સમૂહમાં રહેવાથી સર્વાઇવ થવાની તકો વધી જાય એટલે મોટાભાગે બધા સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહે છે. સમૂહ હોય એટલે સમૂહનો એક વડો હોય જે આખા ટોળા પર નજર રાખે એની કાળજી લે એનું રક્ષણ કરે. એકલા બધુ થાય નહિ એટલે એમ કરવામાં બીજા નંબરની હરોળ તૈયાર હોય કે કરવી પડે. માન મોભો ઈચ્છતું પ્રાણી છે એટલે નંબર વન બનવાના પ્રયત્ન સતત ચાલતા હોય એટલે ચાન્સ મળે બે નંબર પરથી પહેલા નંબરે કૂદકો મારવાના ચાન્સ શોધતા જ રહેવાના. એટલે સમૂહનાં વડાને સૌથી મોટું જોખમ એના ખાસમખાસ મદદગાર બે નંબરના લોકો તરફથી જ હોય છે.

બીજા સસ્તન પ્રાણીઓ પાસે લાર્જ કોર્ટેક્સ જે ચિન્તન મનન અને ભાષા માટે જવાબદાર છે તે ખૂદ નાનું છે એટલે એમની સામાજિક વ્યવસ્થા બહુ જટિલ નથી. ટોળામાં રહેવાનું અને ટોળા બહાર એકલા પડી જવાય તો રડવાનું. માનવી પાસે સૌથી વધુ મોટું લાર્જ કોર્ટેક્સ છે એટલે એની સોશિઅલ હાઈઆરાર્કી જટિલ છે કોમ્પ્લેક્સ છે, એને ઊંચા નીચાની સામાજિક સમજણ કહી શકાય. બે માનવ મળે એટલે કમ્પેરીજન શરુ થઈ જ જાય કોણ મોટો કે ઉંચો છે કોણ નીચો. મેરી શર્ટ સફેદ હૈ કી તુમ્હારી? આ બધું આપણા ડીએનએમાં છે. પ્રશ્ન એ હતો કે માન મોભો ના હોય, પ્રથમ સ્થાન ના હોય તો સ્ત્રી મળતી નહિ, ખોરાક મળતો નહિ માટે માન મોભો ઈચ્છતું પ્રાણી બન્યું.

કોઈ પણ ભોગે બચવું એ કુદરતી ભાવના છે. બચો નહિ તો જીવનચક્ર ચાલે નહિ. વારસો મૂકતાં જવાનું પણ કુદરતી ભાવના છે એના વગર સંસારનું ચક્ર ચાલે નહિ. એટલે પહેલા બે આદ્ય સત્યો લાખો કરોડો વર્ષોના અનુભવ વડે અપનાવેલા છે બાકીના બે આદ્ય સત્યો કુદરતી રીતે મળેલા છે.

બસ આ ચાર આદ્ય સત્યોની આસપાસ માનવી આખી જીંદગી રમ્યા કરતો હોય છે. એના વેપાર ધંધા, ઉદ્યોગ, રાજકારણ, સામાજિક જીવન હોય કે ધર્મ હોય કે અધ્યાત્મ તમામ આ ચાર આદ્ય સત્યોની પૂર્તિ કરવા વિકસેલા હોય છે. આ ચારે આદ્ય સત્યો એકબીજામાં અદ્ભુત રીતે ગૂંથાયેલા હોય છે. આમાંથી એકેયને ઉપરનીચે ગોઠવાય તેમ નથી. ચારેચાર સમાંતર ગોઠવવા પડે. તમામને પ્રથમ નંબરે રાખવાં પડે તેવાં છે.

આપણે સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ અને સમૂહનો એક વડો હોય એ હકીકત છે. પણ માનવી બીજા પ્રાણીઓ જેવો નથી. એ બુદ્ધિશાળી પ્રાણી છે માટે એક સાથે અનેક સમૂહોમાં જીવતો હોય છે. પહેલો સમૂહ એનું કુટુંબ, પછી એની કોમ, ગામ, વ્યવસાય, પ્રદેશ, એની ભાષા, એની રહેણીકરણી, એનો ધર્મ, દેશ, એના શોખ, એની વિચારધારા વગેરે વગેરે એવા તો અનેક સમૂહોમાં એક સાથે જીવતો હોય છે. પાછા આવા અનેક સમૂહોના વડા હોય, એવા અનેક સમૂહોમાં એની પણ પ્રથમ આવવાની ભાવના હોય, એવા તો અનેક સમૂહોમાં એને પોતાની ઓળખ પ્રાપ્ત કરવાની હોય. એવા તો અનેક સમૂહો દ્વારા એને લાભ પણ જોઈતા હોય, રક્ષણ જોઈતું હોય. એવા તો અનેક સમૂહોમાં એને વડા બનવું હોય. ભલે માધ્યમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોય પણ ઘરમાં એનું કશું ચાલતું ના પણ હોય. કંપનીનો માલિક હોય પણ એનો નાનો ભાઈ એનું કહ્યું માનતો ના હોય.

એક ભરવાડ ઘેંટાઓનું ટોળું લઈને જતો હોય તો આપણે માનીએ કે ભરવાડ ઘેંટાઓને દોરતો હશે. મોટાભાગે તો એવું જ હોય છે કે ભરવાડ ઘેટાઓને દોરતા હોય છે. મનફાવે તેમ વાળી શકતાં હોય છે. મનફાવે તે રસ્તે લઇ જતાં હોય છે. પણ પણ અને પણ ઘણીવાર એવું બને કે ઘેટાં ભરવાડને દોરતાં હોય. ઘેટાંઓને જ્યાં જવું હોય ત્યાં ભરવાડ એમને દોરતો હોય. કારણ ભરવાડને પ્રથમ નંબરે રહેવું છે. એને સમૂહનાં વડા બનવું છે તો ઘેટાં દોરે તેમ ચાલો નહી તો ઘેટાં એને ઉથલાવી બીજાને ભરવાડ તરીકે નિયુક્ત કરી દેશે. આપણે સમજીએ છીએ ભરવાડ હોશિયાર છે, ચાલક છે ધૂર્ત છે નિર્દોષ ઘેટાંઓને એની મરજી મુજબ દોરે છે પણ હકીકતમાં આ ઘેટાં પણ બહુ ધૂર્ત ખેલાડી હોય છે. એ એમની મરજી મુજબ ભરવાડ પસંદ કરતાં હોય છે. એમની મરજી મુજબ ભરવાડ એમને દોરે નહિ, ચાલે નહિ, તો એને શિંગડે ચડાવી ઉલાળી મૂકતાં જરાય વાર ના કરે. ભરવાડને લાગે કે હું ઘેટાંને દોરી રહ્યો છું પણ એ વહેમમાં હોય છે. ઘેટાં એને દોરતાં હોય એવું પણ બને. ઘેટાંના આગવા લાભ હોય છે. એમને એક મોટા સમૂહની ઓળખ જેને આપણે આઇડેન્ટિટી કહીએ છીએ તે જોઈતી હોય છે.

પરસ્સ્પર છે ઘેટાં અને ભરવાડના લાભાલાભ. પરસ્પર છે સ્વાર્થ ઘેટાં અને ભરવાડના. ભરવાડ અને ઘેટાઓ એકબીજાને રમાડતા હોય છે. મારા રેશનલ મિત્રો અકળાઈ જતાં હોય છે ભરવાડોની ધૂર્તતા જોઈ પણ એમને ઘેટાઓની ચાલાકી દેખાતી નથી. એમનો જીવ બળતો હોય છે કે ઘેટાઓ નાહકના રહેસાઈ જતાં હોય છે એટલે અને એવું બનતું પણ હોય છે, પણ બધા ઘેંટા મૂર્ખ નથી હોતાં. અમુક તો ભરવાડને મૂર્ખ બનાવી જતાં હોય છે.

દાખલા તરીકે કોઈ સંપ્રદાય હોય કે કોઈ રાજકીય પક્ષ જ કેમ ના હોય, એના સ્થાપનાર કે વડાને એનો સમૂહ મોટો ને મોટો કરવો હોય છે. કારણ જેટલું મોટું એટલી સર્વાઈવ થવા માટે સેફ્ટી વધારે. મોટા સમૂહને નાનો સમૂહ પહોંચી ના શકે તે સ્વાભાવિક છે. ૨૦૦ કિલોના છ ફૂટીયાને ૬૦ કિલોનો પાતળિયો પહોંચી ના શકે. ૧૦૦૦ કરોડના અબજ સભ્યો ધરાવતાંને કોઈ હાલી મવાલી પક્ષ કઈ રીતે પહોંચી શકે? મારા કુટુંબના મારા સંપ્રદાયના કે પક્ષના કે માનનારાઓની સંખ્યા વધુ ને વધુ જોઈએ તો સર્વાઈવ થવા માટે બહુ વાંધો આવે નહિ. અચ્છા એમાં જોડાનારાઓ કેમ જોડાતાં હોય છે? એમને પણ મોટા વધુને વધુ મોટા સમૂહના સભ્ય હોવાથી વધુને વધુ સલામતી લાગતી હોય છે. સમૂહની ઓળખ પોતાની ઓળખ તરીકે વાપરી શકતા હોય છે. હું ફલાણા પક્ષનો કાર્યકર છું કે ફલાણા સંપ્રદાય કે ધર્મનો છું, એ બહાને આઇડેન્ટિટી મળે સાથે સાથે સલામતી પણ મળે. આ બધો એનિમલ બ્રેનનો ખેલ છે.

દાખલા તરીકે કોઈ સંપ્રદાય કે રાજકીય પક્ષ ધનાધન પ્રગતિ કરતો હોય કે કોઈ સ્પેશલ વિચારધારા હોય પૂર જોશમાં ફેલાતી હોય કે ઉત્થાન પામતી હોય ત્યારે લોકોનો ધસારો એના તરફ વધી જતો હોય છે. ઉગતા સૂર્યને સહુ પૂજતાં હોય છે. કારણ એમને ખબર હોય છે કે આ સમૂહ વધુને વધુ મોટો થઈ રહ્યો છે ત્યાં સલામતી વધુ છે, માટે છોડો નાની ટોળી ને જોડાઈ જાઓ મોટી ટોળીમાં. ત્યાં વધુ સલામતી છે ત્યાં મોટી આઇડેન્ટિટી છે. મેં આ બધું જોયું છે, અનુભવ્યું છે, વિશ્લેષણ કર્યું છે. હજારો મરઘાં ઝાપટી જનારા આજે ડુંગળી લસણ ખાનારાઓને ધિક્કારતા થઈ ગયા છે. એમને અધ્યાત્મ સાથે કોઈ નિસ્બત નથી. અરે અધ્યાત્મ એટલે શું એજ એમને ખબર નથી. એમનું અધ્યાત્મ ખાલી ડુંગળી ના ખવાય એટલામાં જ સમાઈ ગયેલું છે. અધ્યાત્મ સાથે એમને કોઈ લેવા દેવા જ નથી. કાલે કોઈ ડુંગળી લસણ, મરઘાં ખાનારાં સંપ્રદાયનું જોર વધી જાય કે એવા સંપ્રદાયનો સમૂહ અતિ વિશાળ થઈ જાય કે એમને લાગે કે અહિ આપણી વધુ સલામતી છે કે અહિ આપણને વધારે ઓળખ મળે તેમ છે તો આ લોકો એમાં જોડાઈ જશે એ નક્કી. એમને ના પક્ષની પડી છે, ના ધર્મની પડી છે, સિદ્ધાંત નામની કોઈ ચીજ હોય છે એ તેમને ખબર નથી, આદર્શનો અર્થ તે લોકો કદાપી જાણતા નથી, નૈતિકતા શું કહેવાય તે અમને ખબર નથી, ધ્યાન શું, ધારણા શું એમને ખબર નથી, ધર્મ અને સંપ્રદાય એમના માટે તમામ અનૈતિકતા આચરવાના લાયસન્સ માત્ર છે. They are simply mammal animals. આપણને એમના પ્રત્યે કોઈ રોષ નથી, એમને આપણી પ્રત્યે રોષ રાખવાની છૂટ છે. હહાહાહા.

અરે ! આજે તમે કોઈ પક્ષ, ધર્મ, સંપ્રદાય કે વિચારધારા નવી ઉભી કરશો તો તમારી હયાતી સુધી ઠીક ચાલશે પણ પછી આ ઘેટાં જે તમે ભેગાં કરેલાં એ એને એમની રીતે ઢાળી દેશે. મહાવીર સાથે એજ થયું, બુદ્ધ સાથે એજ થયું છે, મહંમદ સાથે પણ એજ થયેલું છે, જિસસ સાથે પણ એમજ સમજવું. મહાવીરે એમની જીંદગીમાં કદી કોઈની પૂજા નથી કરી, પ્રાર્થના નથી કરી, ના દેરાસર બનાવ્યાં, ના મંદિર બનાવ્યાં અને આજે એમનાં જૈન ઘેટાં જુઓ? આજે ના બુદ્ધનો બૌદ્ધ ધર્મ રહ્યો છે ના મહાવીરનો જૈન, ના મહમંદનો ઇસ્લામ, ના જિસસનો ક્રિશ્ચિયન, ના વેદોનો હિંદુ, ના નાનકનો શીખ, ઘેટાં એમની રીતે બધું બદલી નાખતાં હોય છે.

હા તો મિત્રો બુદ્ધે ચાર આર્ય સત્યો કહેલાં, દુઃખ, સમુદય, નિરોધ અને માર્ગ. હું તમને ચાર આદ્ય સત્યો કહું છું, સમૂહ, માન-મોભો, જીવન અને વારસો. આ ચાર આદ્ય સત્યોની પાછળ દોડતો માનવી છેવટે ચાર આદ્ય સત્યોને ઓળખી, ચાર બુદ્ધના આર્ય સત્યોની સમજ કેળવી છેલ્લા આર્ય સત્ય માર્ગને મેળવવા પોતાનો દીવો પોતે બને, “અપ્પ દીપ્પ ભવઃ” એજ એના શાંતિ અને કલ્યાણનો માર્ગ બનશે. :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિંગન્ટન, પેન્સિલવેનિયા, યુએસએ. ૨૪ ઓગષ્ટ, ૨૦૧૯…

 

4 thoughts on “ચાર આદ્ય સત્યો.”

  1. ખૂબ સરસ..લેખ લખ્યો છે…માનવી પોતાને બુદ્ધિશાળી દેખાવા માં સમૂહ જ શોધતો હોય છે અને એની અંતિમ ઘેલછા તો સમૂહના વડા બની ને વાહવાહી લૂંટવાની જ હોય છે…

    Like

  2. Namaste raol sir બહું સરસ ઉત્તમ ઉદાહરણ આપી ઘેટા અને ભરવાડ કોણ કોને ઠગે છે એ વાસ્તવિકતા સમજાવી. 👌👍🙏❤️🙏ધન્યવાદ સાહેબ

    Like

Leave a comment