Tag Archives: Biology

સંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

untitledસંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

સમાજનો બહુ મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ થી દૂર રહેતો હોય છે. સંઘર્ષ ટાળતો હોય છે. અથડામણમાં પડવું નાં પડે તેના ઉપાય કર્યા કરતો હોય છે. થોડા દિવસ પર ગુજરાતમાં તેમાં પણ અમદાવાદ જ હશે, કોઈ મૅનેજમેન્ટ સંસ્થાના ઉપક્રમે કૉન્ફ્લિક્ટ વિષે ચિંતન શિબિર ચાલતી હતી, તેમાં જુદાજુદા ક્ષેત્રના વક્તાઓ બોલવા આવતા હતા. તેમાં કોઈ સાધુ કે ગુરુ પણ આવેલા. બધે સાધુઓ શું કામ બોલાવતા હશે મને સમજાતું નથી. પણ તે મહારાજ ઉપજાવી કાઢેલો દાખલો આપતા હતા, કે એક કપલ ટ્રેનમાં બેઠેલું, કોઈ સ્ટેશન આવતા ચા પીવા ઊતર્યું હશે, ટ્રેન ઊપડી પેલાં ભાઈ ચડી ગયા અને એની વાઈફ નીચે રહી ગઈ. મહારાજે કટાક્ષ માર્યો મૅનેજમેન્ટ ભણેલા શ્રોતાઓ આગળ કે આ ભાઈએ રામાયણ વાંચી હોત તો આવું નાં થાત. મને ખૂબ હસવું આવ્યું આ વાત ‘સંદેશ’માં વાંચીને. હું ત્યાં હાજર હોત તો બાવાજીને કહેત કે આણે રામાયણ વાંચી હશે કે સાંભળી હશે માટે આવું થયું હશે. રામે સીતાજીને વગર વાંકે છોડી જ દીધેલા ને? બીજા કોઈ બહેનજીએ ભાષણ એમાં આપેલું કે ગીતામાં એનો ઉપાય છે. આખું મહાભારત કૉન્ફ્લિક્ટ ઉપર તો રચાયું છે. બે ભાઈઓના વંશજો વચ્ચે બહુ મોટો સંઘર્ષ હતો.. કૃષ્ણે શક્ય પ્રયાસ કૉન્ફ્લિક્ટ ટાળવા કર્યા. પણ તે સર્વાઈવલનાં ભોગે નહિ.. સર્વાઈવલ બે રીતે થાય છે. એક તો કૉન્ફ્લિક્ટ સ્વીકારી એનો પડકાર ઝીલીને, અને બીજો શરણે થઈ કૉન્ફ્લિક્ટ ટાળવો. અર્જુન તો હથિયાર હેઠાં મૂકી કૉન્ફ્લિક્ટ ટાળવા તૈયાર હતો. ત્યારે કૃષ્ણે ઊલટો અથડામણ માટે એને તૈયાર કર્યો. શરણે થઈ જીવવું તે પણ અર્જુન જેવા જન્મજાત લડવૈયા માટે મૃત્યુથી બદતર બની જાત. એ જિના ભી કોઈ જિના હૈ લલ્લુ?  ટેમ્પરરી ભાંગી પડેલા અર્જુન પાસે કૉન્ફ્લિક્ટ સ્વીકારવા અને એનો સામનો કરવા તૈયાર કર્યો તેનું નામ ગીતા.

રામે પણ રાવણ જેવા બાહુબલિ નેતા આગળ સંઘર્ષ ટાળ્યો નથી..એનો સામનો કર્યો છે, સંઘર્ષમાં ઊતર્યા છે અને જીત્યા છે. પણ સમાજનો મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ ટાળવાની કોશિશ કરતો હોય છે. કારણ આપણા પૂર્વજો બને ત્યાં સુધી અથડામણ ટાળતા. આપણા પૂર્વજોના જીવન સહેલા નહોતા. એલ્ફા ચિમ્પૅન્ઝી એના વિરુદ્ધ કોઈ જાય તો બરોબર ઝૂડી નાખતો હોય છે. ચિમ્પૅન્ઝીનાં ગ્રૂપમાં લગભગ દરેક સભ્યે કોઈને કોઈ અંગ ગુમાવેલું હોય છે. સંઘર્ષ વગર ખોરાક મળતો નહિ, કે અથડામણ કર્યા વગર ફીમેલ મળતી નહિ. ચાલો એક સમયે ખોરાક તો મળી જાય imagesCADFYXMMપણ બીજા સાથે સંઘર્ષ વગર ફીમેલ તો મળતી જ નહિ. પણ સંઘર્ષ કરવામાં જીવ ગુમાવવો પડે તો સૌથી વધુ નુકશાન. એટલે મૅમલ બ્રેન જાણતું જ હોય છે કે ક્યારે સંઘર્ષ કરવો અને ક્યારે અથડામણ ટાળવી. મૅમલ બ્રેન સતત પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા જ કરતું હોય છે કે ક્યારે લડવું અને ક્યારે શરણે થવું. બે મૅમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ. પછી તે માનવી હોય કે બીજા એનિમલ. ધાર્મિક ચમ્પુઓને બોલાવી આશરે ૨૦૦ મિલ્યન વર્ષથી વિકસેલી અદ્ભુત લિમ્બિક સિસ્ટમ(મૅમલ બ્રેન)ને તમે આજે કૉન્ફ્લિક્ટ વિષે શિખામણ આપો હસવા જેવું છે ને? અને આ જ્યાં ને ત્યાં પગે લાગી ઉભા રહી જતા લોકો તમને એવું જ શીખવશે, કે કોઈપણ હિસાબે કૉન્ફ્લિક્ટ ટાળો, સહન કરો, આપણી તે સંસ્કૃતિ છે.

કૃષ્ણને ખબર હતી કે છેવટે પાંચ ગામ આપે તો ખાવાની સગવડ તો થઈ જશે અને પાંચ ગામના ધણી તરીકે માન પણ જળવાઈ જશે, આત્માનું હનન નહિ થાય. એટલે કૉન્ફ્લિક્ટ ટાળવા છેવટે પાંચ ગામ માંગ્યા પણ દુર્યોધન તસુભાર જમીન આપવા તૈયાર થયો નહિ તો પછી હે ! પાર્થ ઊભો થા ચડાવ બાણ અને સંઘર્ષનો સ્વીકાર કર. અને અર્જુન સામે સગાવહાલા જોઈ કેમ કંપી ગયો? કેમ ગાત્રો ગળી ગયા? સિદંતી મમ ગાત્રાણી..કેમ ગાંડીવ સરી પડ્યું? સામે સગાઓ નાં હોત તો ઝાલ્યો નાં રહેત જેમ હું ધાર્મિક કે સામાજિક પાખંડો સામે ઝાલ્યો નથી રહી શકતો. સામે બીજા હોત કે બીજા કોઈ દેશના દુશ્મનો હોત કે સગાઓ નાં હોત તો અર્જુન ક્યારનો ધડબડાટી બોલાવતો હોત. તો ગીતા રચાઈ પણ નાં હોત. મૂળ વાત એ છે કે Gene Pool જીનપુલમાં પોતાના Genes ની બહુમતી હોય, પોતાના વંશ કે genes સૌથી વધુ હોય તે દરેક પ્રાણી ઇચ્છતું હોય છે. આ પણ સર્વાઈવલનો એક ઉપાય છે. ભલે મારા ખુદના અંગત gene આગળ વધ્યા નાં હોય પણ મારા ભાઈના gene મારા જ gene કહેવાય. એટલે સામે સગા ભાઈઓ કે પિતરાઈ ભાઈઓ હોય તેમાં આપણા જ genes હોય છે તેમનો નાશ કરવો અઘરો લાગે. એટલે સામે સગાઓ જોઈ અર્જુન ઢીલો પડી ગયો. છતાં જીવન હમેશાં વિરોધાભાસ વડે ઘેરાયેલું હોય છે. ક્યારેક વ્યકિગત genes માટે વ્યક્તિગત સ્વાર્થ માટે બીજાનાં બલિદાન લેવાતા હોય છે તેમ સમૂહના સ્વાર્થ માટે કે ભલા માટે, સમૂહના genes માટે વ્યક્તિઓ ખુદના બલિદાન આપતા પણ હોય છે. પણ કૃષ્ણ જાણતા હતા કે ક્યારે સંઘર્ષ ટાળવો અને ક્યારે સ્વીકારી લડી લેવું. એટલે હું કાયમ કહેતો હોઉં છું કે કૃષ્ણ મારે મન કોઈ ભગવાન નહિ પણ સર્વાઈવલનાં યુદ્ધના મહાયોદ્ધા છે.

ક્યારેક હકારાત્મકતા ને બહાને કૉન્ફ્લિક્ટ ટાળવામાં આવતો હોય છે. સંઘર્ષ કરવામાં નકારાત્મકતા દેખાતી હોય છે. સામાજિક કે ધાર્મિક બદીઓ સામે તમે આંગળી ચીંધો તો અમુક વર્ગ તરત કહેવાનો કે સારું સારું જુઓ. ખરાબ સામે નાં જુઓ. હકારાત્મક બનો, પોજીટીવ બનો. સારી બાજુઓ ઘણી છે તેને ઉજાગર કરો. અરે ભાઈ બદીઓ સામે જોઈશું જ નહિ તો એને દૂર ક્યારે કરીશું? ગંદકી ગંદકી છે તેવી જાણ પણ હોવી જોઈ ને? આપણે એવી કેટલીય સામાજિક ગન્દકીઓને સંસ્કૃતિ કહીને પાળી રાખી છે. જે તે સમયે સામાજિક રિવાજો ભલે યોગ્ય લાગતા હોય આજે નાં પણ હોય. તેને બદલવા પડે કે નહિ? સામાજિક અને ધાર્મિક ઍલ્ફાઓએ એમના સ્વાર્થ માટે સમૂહના સ્વાર્થ જોખમમાં મૂકીને એવી કેટલીય સામાજિક અને ધાર્મિક ગંદકીઓને ધર્મ, પરમ્પરા અને સંસ્કૃતિમાં ખપાવી દીધી છે. હવે એના સામે કોઈ આંગળી ચીંધે તો નકારાત્મક વિચારો ધરાવે છે કહી રોકવામાં આવે છે. હવે જે સારું છે તે સારું જ રહેવાનું છે. એ કાઈ ખોટું થઈ જવાનું નથી. જરૂર છે ગંદું છે તેને ઉજાગર કરી સાફ કરવાની. હવે એમાં પછી કામ કરવામાં માનું છું તેવી દલીલ આવે છે. આંગળી નાં ચીંધો કામ કરો. હવે હું કે તમે દરેકના ઘર સાફ કરવા તો જવાના નથી. પણ ઘર સાફ કરી શકાય છે તેવો એક વિચાર તો મૂકી શકું છું. આતો જસ્ટ દાખલો આપું છું. એક તો પહેલું ઘર ગંદું છે તે જ ખબર હોતી નથી. અને ખબર પડે તો તેને સાફ કરી શકાય તે પણ ખબર હોતી નથી. ગંદું રાખવાની પરમ્પરા તોડી શકાય તેવી હિંમત પણ હોતી નથી.

કાર્લ માર્ક્સ શું ઘેર ઘેર ફરેલો સામ્યવાદ સમજાવવા કે અમલ કરાવવા? એક પુસ્તક રૂપે વિચાર મૂક્યો જેને સામ્યવાદ ગમતો હોય તે અમલ કરે. ગંદકી ગંદકી છે આ કોઈ પવિત્ર પ્રસાદ નથી તેવું કહેવાની હિંમત કરનાર, આંગળી ચીંધનાર આજે ભલે તમને નકારાત્મક લાગતો હોય સૌથી મોટું હકારાત્મક કામ તે જ કરી રહ્યો છે. ગંદકી આપણને સદીઓથી સદી ગઈ છે માટે ચોખ્ખાઈ રાખવામાં સ્વતંત્રતા હણાઈ જતી હોય તેવું લાગે છે, ગંદકી કરવાની સ્વતંત્રતા.. થૂંકવા માટે બે ડગલા ચાલી વોશબેસીન સુધી જવામાં જોર તો પડે જ ને? જાહેરમાં નાક ખંખેરવાની સ્વતંત્રતા કોઈ હણી લે તે ચાલે ખરું? અને જાહેરમાં નાક ખોતરવાની પરમ્પરા તો આપણી સંસ્કૃતિ છે તેના પર કોઈ તરાપ મારે તો નકારાત્મક અભિગમ કહેવાય કે નહિ? ડૉક્ટર ક્યાં નસ્તર મૂકશે? જ્યાં ગૂમડું હોય ત્યાં. ત્યારે એવું કહેવાના કે મારા પગે ગૂમડું છે તે નાં જુઓ, હકારાત્મક બનો મારા શરીરની સારી બાજુ જુઓ મારા બાવડા જુઓ કેટલા સરસ ફૂલેલા છે?

imagesCA1E1ID9મૂળ વાત વિવાદમાં પડવું નથી. વિવાદમાં પડવામાં જોખમ છે. ધર્મ અને સંસ્કૃતિના બની બેઠેલા રખેવાળો કાગારોળ કરવા માંડે છે. ગાળો ખાવી પડે છે. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવાય છે. સામાજિક અસ્વીકારનું જોખમ ઊભું થઈ જાય છે. સામાજિક અસ્વીકાર એટલે ટોળાની બહાર નીકળી ભૂલું પડેલું ઘેટું બ્રેનમાંથી કૉર્ટીસોલ સ્ત્રાવ થતા બેં બેં કરવા માંડે તેવું સમજવું. ઍલ્ફાની નજરમાંથી ઊતરી જવામાં બહુ મોટું થ્રેટ અનુભવાય છે. બસ આ સામાજિક થ્રેટની બીકમાં વર્ષો સુધી લોકો સહન કરે જતા હોય છે. ખબર હોય છે ખોટું થઈ રહ્યું છે પણ સામાજિક રીતે એકલાં પડી જવાનો ડર એમને વર્ષો સીધું ચૂપ રાખવામાં કામયાબ બની જતો હોય છે. પછી જ્યારે લાગે કે હવે ઍલ્ફા નબળો પડ્યો છે હવે એના વિરુદ્ધ બોલીશું તો વાંધો નહિ આવે ત્યારે બોલવાની હિંમત આવે છે. એમાં દસ વર્ષ બળાત્કાર સહન કરતા નીકળી ગયા હોય. ત્યારે આપણને એના પર શંકા જાય કે અત્યાર સુધી કેમ નાં બોલી? ક્યાંથી બોલે? તમે ખુદ એ જગ્યાએ હોવ તો બોલો ખરા? એક બોલે પછી જેણે જેણે સહન કર્યું હશે તેઓનામાં થોડી હિંમત આવશે તે એક પછી એક બહાર આવશે.

સર્વાઈવલ માટે સંઘર્ષ કરતું મૅમલ સર્વાઈવલનાં જોખમે કદી સંઘર્ષમાં ઊતરે નહિ.

રાસાયણિક તત્વજ્ઞાન-૩, માનવ જન્મ અતિ કઠિન.(Hard Truths About Human nature).

 રાસાયણિક તત્વજ્ઞાન-૩,
માનવ જન્મ અતિ કઠિન.(Hard Truths About Human nature).75216-65718

દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું  તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.

પ્રાણીઓ પાસે બ્રેન નાનું હોય છે, ન્યુરૉન્સ ઓછા હોય છે, માટે વિચારવાનું ખાસ હોતું નથી. ન્યુરોકેમિસ્ટ્રી જેમ દોરે તેમ દોરાવાનું. સર્વાઇવલ માટે લડ્યા કરવાનું, એક સ્ટ્રેસ પૂરો થાય એટલે બીજો જ્યાં સુધી ઊભો નાં થાય ત્યાં સુધી શાંતિ. માનવ પાસે મોટું વિચારશીલ બ્રેન છે, પુષ્કળ ન્યુરૉન્સ છે. માટે એકલાં ન્યુરોકેમિકલ ઉપર આધાર રાખવાનો હોય નહિ. મોટા બ્રેનમાં ઘણી બધી મૅમરી પણ ભરેલી હોય. એટલે માનવે જાત જાતની નવી નવી વ્યવસ્થાઓ શોધી કાઢી. હૅપી કેમિકલનો સ્ત્રાવ આનંદ આપતો હોય છે. પ્રાણીઓમાં તો નબળા પ્રાણીને મારીને દબાવીને ડૉમિનન્ટ બની જવાય, અને સિરોટોનીન(serotonin) સ્ત્રવે એટલે ખુશ. પણ માનવોમાં આવું કરી શકાય નહિ. એટલે માનવજાતે ચડતા ઊતરતા દરજ્જાની સર્વોપરી બનવાની એક સામાજિક વ્યવસ્થા શોધી કાઢી.

બે માનવ ભેગાં થાય, બાર થાય કે બે લાખ કોણ ઊંચું અને કોણ નીચું અચેતન રૂપે સરખામણી શરુ, અને ઉંચો સાબિત કરવાનું શરુ થઈ જાય. બહુ જટિલ રીતો માનવ બ્રેન શોધી કાઢતું હોય છે. દા.ત. મેં લખવાનું શરુ કર્યું ત્યારે મને કોઈ ઓળખતું નહોતું. મને થતું કે વિચારોનું બહુ મોટું યુદ્ધ મનમાં ચાલી રહ્યું છે, એને શબ્દોમાં પરોવીએ, કોઈ વાંચે કે ના વાંચે નિજાનંદ માટે લખીએ. પણ પ્રતિભાવ શરુ થયા, બહુ સારું લખો છો, આવા એક બ્લૉગની જરૂર હતી, વગેરે વગેરે.

હવે સાચો નિજાનંદ શરુ થયો. હવે લાઇકના ઝબુકીયાં, કૉમેન્ટ્સ, પ્રતિભાવો, થતા વખાણ, વાદવિવાદ બધું મજા અર્પવા લાગ્યું. મિત્રોની કૉમેન્ટ્સ ના આવે તો ડોપમીન(dopamine) સ્ત્રાવ ઓછો થઈ જતો લાગ્યો. પોસ્ટ બેત્રણ દિવસ ટૉપ ઉપર રહે તો વળી ઓર મજા આવે. હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં ?  દરેક માનવ પોતપોતાની રીતે Social dominance hierarchy ઊભી કરી નાખતો હોય છે.

રમતવીરની એની પોતાની દુનિયા હોય છે, ઘણાને ટપાલ ટીકીટો ભેગી કરવાનો હોબી હોય છે. એક ઉદ્યોગપતિને જૂની પુરાણી ઍન્ટિક ગાડીઓ ભેગી કરવાનો શોખ હતો. હવે ટપાલ ટીકીટો ભેગી કરનારા, કે સિક્કા ભેગા કરનારાઓ, કે જૂની પુરાની ગાડીઓ ભેગા કરનારાઓમાં પ્રથમ આવવાનું મહત્વનું બની જવાનું.  ધન ભેગું કરીને સમાજમાં સર્વોપરી બનવાનું ઘણું બધું ધ્યાન અને મહેનત માંગી લે તેવું હોય છે, પણ માણસ નવા સામાજિક નુસખા શોધી કાઢતો હોય છે. આકર્ષકતા, નૉલેજ, શારીરિક સામર્થ્ય, આધ્યાત્મિકતા, પદ, પ્રતિષ્ઠા વગેરે ઉપર આધારિત ઊંચા નીચાની એક પૅટર્ન શોધી કાઢવામાં આવે છે.

દરેક માનવીનું બ્રેન સ્વતંત્ર છે પોતાની રીતે એના અનુભવો અને માહિતી પ્રમાણે પોતાની હાઇઆરાર્કી બનાવવા માટે. આનાથી પોતાનું સ્ટૅટ્સ વધે તો સુખ અર્પતું હોય છે. જો બીજા તમારું સ્ટૅટ્સ કબૂલ કરે તો હૅપી કેમિકલનો ફ્લો બ્રેનમાં વધી જતો હોય છે. જો કે આપણે કહેતા હોઈએ છીએ કે સુખ દુખ મને કોઈ અસર કરતું નથી. કે તમે ભલે કબૂલ નાં કરો, પણ હૅપી કેમિકલ એક હકીકત છે, સનાતન સત્ય છે.

પ્રથમ આવવું સુખ આપતું હોય છે. પછી ભલે એના રસ્તા અલગ અલગ હોય. ભલે ગીતાના અનાસક્ત  યોગની વાતો કથાકારો કરતા હોય કે કથામાં જાત જાતની ફિલૉસફી ફાડતા હોય, પણ એમની પ્રથમ બની રહેવાની સ્ટાઇલ અલગ હોય છે. બાબા રામદેવની અસ્કયામતો ૧૧૦૦૦ કરોડનાં જંગી અંકે પહોચી ગઈ છે તેવું કહેવાય છે. હાઈ-સ્ટૅટ્સની બાબાની હાઇઆરર્કી યોગને સીડી બનાવી ક્યાંથી ક્યાં પહોચી ગઈ ? આપણી રીપ્રૉડક્ટિવ સફળતા એકદમ તરત હાઈ-સ્ટૅટ્સને અનુલક્ષીને  હોતી નથી. કારણ આપણે માનવોએ રીપ્રૉડક્ટિવ સકસેસ માટે  અસંદિગ્ધ કૉન્સેપ્ટ ઊભા કરેલા છે. જે પ્રથમ આવે તેને સ્ત્રી ઉપલબ્ધ થાય અને DNA  ટ્રાન્સ્ફર કરી શકીએ. બાબા ભલે એમના DNA ટ્રાન્સ્ફર ના કરે પણ પ્રથમ આવવું  અને હૅપી કેમિકલનો સ્ત્રાવ એ સનાતન સત્ય છે.

પણ કેમિકલ લોચો એ થાય છે કે આ ન્યુરોકેમિકલ્સ આખો દિવસ રિલીસ થાય નહિ. માટે હૅપી રહેવા હાઈ-સ્ટૅટ્સને, સામાજિક સર્વોપરિતાને, રોજ રોજ અપડેટ કરતા રહેવું પડતું હોય છે. પણ ઘણીવાર આપણે ખૂબ પ્રયત્નો છતાં પદ, પ્રતિષ્ઠા, માન સન્માન, સામાજિક સ્વીકાર, હાઈસ્ટૅટ્સ સોશિડૉમિનેશન મેળવવામાં ફેલ જતા હોઈએ છીએ. ઘણીવાર જે સ્ટૅટ્સ ઑલરેડી મેળવેલું હોય તે પણ ખતરામાં પડી  જતું જણાય છે, ત્યારે આપણે ભલે કહીએ કે મને કોઈ ફરક પડતો નથી, સુખ દુઃખમાં હું  સમાન છું, પણ અનહૅપી કેમિકલ્સ સ્ત્રવે તે હકીકત છે સનાતન સત્ય છે.

ગુરુઓ કે મહાન આત્માઓ ભલે કહે કે મહત્વાકાંક્ષા રાખવી નહિ, કે સ્ટૅટ્સની ચિંતા કરવી નહિ. પણ તે લોકો પણ જાતે મિલ્યન્સ ઑફ યર્સ થી ઘડાયેલી આ વ્યવસ્થા બહાર જઈ શકતા નથી. મૅમલ બ્રેન હંમેશા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ ઇચ્છતું હોય છે અને અનહૅપી કેમિકલનો સ્ત્રાવ અવૉઇડ કરતું હોય છે. મહાત્માઓ  શું કરી શકવાના હતા?

ઘણીવાર લોકો આ અથડામણ ટાળવા માટે કહેતા હોય કે મને તો પદ પ્રતિષ્ઠાની કઈ પડી નથી. અને બીજાની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરતા હોય છે, અને આમ તે લોકોની પ્રતિષ્ઠાની ભૂખ બીજાની પ્રતિષ્ઠામાં, પદમાં અને સ્ટૅટ્સમાં પૂરી થતી હોય છે. જેમ કે ભારતની ટીમ જીતે તો આખા દેશના લોકોના બ્રેનમાં સિરોટોનીન સ્ત્રાવ વધી  જાણે કોઈ મહાજંગ જીતી ગયા હોય તેમ ખુશ થઈ ઉઠતા હોય છે. એમાય સામે પાકિસ્તાનની ટીમ હોય અને જીતી જવાય તો ?? ભલે હું કદી ક્રિકેટ રમ્યો હોઉં નહિ, પણ  અહી ટીવી ઉપર જોઇને આનંદ અનુભવતો હોઉં છું. પ્રથમ આવવાની મહેનત તો ખેલાડીઓ કરે છે, એમાં મારું યોગદાન કેટલું ? પણ એમના પ્રથમમાં મારો પ્રથમ સમાઈ જવાનો.

માનવમનની સોશિઅલ ડૉમિનન્સ  હાઇઆરાર્કી એટલી બધી કૉમ્પ્લિકેટેડ છે કે ના પૂછો વાત, આ દરેક સાહિત્યકારો, પત્રકારો, કે બીજા કોઈપણ દરેકને પોતાના ક્ષેત્રમાં તો પ્રથમ આવવું જ હોય છે, એમાં હું પણ મારી રીતે આવી જાઉં.  હમણાં એક ભાઈએ મને જણાવ્યું કે ન્યુ જર્સીમાં ૩૦૦ મિલ્યન્સ ડૉલર્સનું મંદિર બને છે, તે વખતે તેમના મુખ ઉપર ભાવ જાણે તેઓ પોતે ગ્રીનીઝ બુકમાં રિકૉર્ડ નોંધાવવાના હોય તેવો હતો.

મૅમલ બ્રેન એની સર્વાઇવલ સ્ટ્રેટેજીનાં રિપૉર્ટ કૉર્ટેક્સને શબ્દોમાં આપતું નથી. એ ખાલી ન્યુરોકેમિકલનાં સ્ત્રાવ કરતું હોય છે. આપણી જુદી જુદી જરૂરીયાતોને લક્ષ્યમાં લઈને તે ખૂબ સ્ટ્રગલ કરતું હોય છે. આપણે જેમ કાર ચલાવતી વખતે  બ્રેક અને એક્સલરેટર વારંવાર વારાફરતી મારતા હોઈએ છીએ. તેમ મૅમલ બ્રેન વારાફરતી વારંવાર કેમિકલ્સ રિલીસ કર્યા કરતું હોય છે, આનો કોઈ અલ્ટિમેટ ઉપાય છે નહિ. એટલે આપણને બીજાની જોહુકમી કે પદ પ્રતિષ્ઠાની હોડ જલદી જણાય છે પણ પોતાની હોડ જણાતી નથી. બીજાની  social dominance માટેની ઇચ્છા આપણને ચેતવતી હોય છે કે આપણું social dominance ખતરામાં છે.

મૅમલ બ્રેન સાથે માનવ તરીકે જન્મ લેવો અતિ કઠિન કામ છે. હતાશાઓનો કોઈ પાર હોતો નથી. મૅમલ બ્રેન સીધા કેમિકલ્સ રિલીસ કરતું હોય છે અને વિચારશીલ કૉર્ટેક્સ એના માટે દવા તરીકે, ઉપાય તરીકે જાત જાતના નુસખા શોધતું હોય છે. પ્રૉબ્લેમ એ છે કે કૉર્ટેક્સ શબ્દોની ભાષા જાણે છે અને મૅમલ બ્રેન શબ્દોની ભાષા જાણતું નથી, ફક્ત કેમિકલની ભાષા જાણે છે, એટલે માનવોને સમજ પડતી નથી કે તેઓ શું કરી રહ્યા હોય છે.

દરેકને પ્રથમ આવવું હોય છે. પ્રથમ બનવાની હોડ સારી નહિ તેવા ઉપદેશો આપનાર પણ પ્રથમ આવવાની હોડમાં સામેલ હોય છે. એટલે સારા ગણાતા માનવોને લાગે કે દુનિયા ખરાબ છે. દુઃખ સિવાય અહી કશું નથી. માટે બુદ્ધે કહ્યું કે સંસાર દુખ છે. આપણે જે Frustrations ભોગવીએ છીએ તે આ પૃથ્વી પહેલા પગરણ મૂકનાર માનવે પણ ભોગવ્યા જ હશે, તેવું રિસર્ચ કહે છે. દરેક જણ આ વિચિત્ર ન્યુરોકેમિકલ્સની વ્યવસ્થાને મૅનેજ કરવા ખૂબ સ્ટ્રગલ ચેતન કે અચેતન રૂપે કરતા હોય છે. ખાસ તો પોતાના મૅમલ બ્રેનને સમજવું અને સ્વીકારવું તે જ ઉત્તમ છે.

આપણું બ્રેન કુદરતી રીતે હેપીનેસ માટે સિલેક્ટ થયેલું નથી, તે સિલેક્ટ થયું છે reproductive success માટે. સંતાનો કે વારસદારો ખૂબ પેદા કરો તેવો કોઈ હેતુ આજના લોકો માટે ખાસ નાં હોય તે સ્વાભાવિક છે. પણ આપણું બ્રેન વિકાસ પામ્યું ત્યારે મોટાભાગના લોકો વારસદાર પેદા થાય તે પહેલા જ નાશ પામી જતા. વારસો પેદા કરવા તે મુખ્ય માપ તોલ ગણાતું કે માણસ કેટલો સફળ છે. ભલે તે હેતુ અચેતન રૂપે હોય.

હવે આજે શક્ય બન્યું છે કે સેક્સ ભોગવીને પણ બર્થ કંટ્રોલ સાધનો વડે વારસો પેદા ના કરવા હોય તો તે વાત બની શકે છે. એટલે આધુનિક માનવી એની શક્તિઓ બીજા ભવ્ય વારસા મૂકતો જવામાં વાપરી શકે છે. જેવું કે કળા, નૃત્ય, ટેક્નોલૉજી, અને બીજું ઘણું બધું પાછળની પેઢીના જીવનને ભવ્ય બનાવી શકે છે. સ્ટીવ જૉબ ભાવી પેઢીની હથેળીમાં ફોન વત્તા કમ્પ્યૂટર આપીને ગયા. ૧૯૫૫માં આ જગત આઈનસ્ટાઇનને ગુમાવે છે અને સ્ટીવ જૉબને મેળવતું હોય છે. ઘણા બધા સંતાનો  પેદા કરવા તેના બદલે ઓછા પણ સક્ષમ પેદા કરવા તે આધુનિક માનવીનું પ્રયોજન હોય છે.

આપણે કરોડો વર્ષના વારસા રૂપે મળેલા બ્રેન સાથે જ જીવવાનું હોય છે. આપણે બેસિક મેમલિઅન બ્રેન  મળેલું  છે તેમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. એનો કોઈ ઉપાય નથી. આપણે ફક્ત એક જ કામ કરી શકીએ કે ન્યુઅરલ નવા રસ્તા બનાવીને લિમ્બિક સિસ્ટમ સાથે જોડી શકીએ,  તે ખૂબ કપરું કામ  છે. આપણે આપણાં પોતાના મૅમલ બ્રેનને મૅનેજ કરી શકીએ, બીજો કોઈ કરી શકે નહિ. આપણે કાયમ ઇચ્છતા હોઈએ કે કાયમ હૅપી કેમિકલ્સ રિલીસ થયા કરે અને આનંદિત રહ્યા કરીએ, પણ આપણું યંત્ર તે રીતે વિકાસ પામેલું નથી. સર્વાઇવલ માટે કામ લાગે ત્યાં ત્યાં હૅપી કેમિકલ્સ રિવૉર્ડ રૂપે રિલિસ થતા હોય છે. એટલે જો હૅપી કેમિકલ્સનાં હૉજમાં આખો દિવસ સ્નાન કર્યા કરીએ તો સર્વાઇવલ માટે જે કરવાનું હોય તે કરે કોણ ?

આ કેમિકલ લોચા નાહિંમત કરનારા છે. માટે મૅમલ બ્રેનને સમજવાને બદલે લોકો સંસાર છોડીને ભાગી જતા હોય છે. ન્યુરોકેમિકલ રિવૉર્ડ માટે જોખમ લેવું પડતું હોય છે. કારણ જોખમ reproductive success માટે અનિવાર્ય છે, જે ખાલી સર્વાઇવલ પૂરતું નથી  હોતું.  હૅપી કેમિકલ્સનાં ડૉસ માટે, પણ કાયમ નવી નવી તક શોધવી પડતી હોય છે. કારણ આજ બ્રેન આપણાં પૂર્વજોના સર્વાઇવલ માટે કારણભૂત બનેલું હોય છે. માટે સતત ઉદ્યમ કરતા રહેવું, ’ઉદ્યમો ભૈરવ’….પણ સાધુઓ આ વાત સમજ્યા નહિ અને સંસાર છોડીને ભાગી ગયા, સાથે મૅમલ બ્રેન તો લેતા જ ગયા અને ત્યાં જંગલમાં કે આશ્રમમાં એક નવો સંસાર વસાવીને ફરી પાછા એના એજ.

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

Photograph of Charles Darwin
Photograph of Charles Darwin (Photo credit: Wikipedia)

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન  (Evolutionary psychology)

 

ભારતમાં મનોવિજ્ઞાનની બહુ કદર થતી નથી. મનોવિજ્ઞાન વિષય લઈને ભણનારા બહુ ઓછા લોકો હોય છે. મનોવિજ્ઞાનમાં ભારતીયોને ખાસ રસ હોતો નથી કે એનું મહત્વ પણ જણાતું નથી. અને એટલે જ ખૂબ પ્રાચીન સંસ્કૃતિ હોવા છતાં આપણે કોઈ ફ્રૉઈડ જેવો મનોવિજ્ઞાની પકવી શક્યા નથી. ફ્રૉઈડને આધુનિક મનોવિજ્ઞાનનો જનક કહેવામાં આવે છે. એના પછી ઍડલર, પછી કાર્લ જુંગ, આપણે આમાંનો કોઈ હજુ સુધી પકવી શક્યા નથી, ઇચ્છા પણ લાગતી નથી.

આટલાં મોટા ગુજરાત રાજ્યમાં સાઇકાયટ્રિસ્ટ કેટલા? કૉલિજમાં આર્ટસનાં વિદ્યાર્થી નાછૂટકે મનોવિજ્ઞાન લેતા હોય છે. આપણાં લેખકો, પત્રકારો પણ મનોવિજ્ઞાન વિષે ખાસ લક્ષ ધરાવતા નથી હોતા. આપણી કૉલિજમાં કોઈ જાતનું મનોવૈજ્ઞાનિક રિસર્ચ થતું નથી. પશ્ચિમના દેશો આ વિષે ખૂબ સંશોધન કરતા હોય છે. બહુ બહુ તો ભણવા ખાતર મનોવિજ્ઞાન ભણી લઈએ છીએ, પણ નવું એમાં કશું ઉમેરી શકતા નથી. અરે લેટેસ્ટ અપડેટ થયેલું મનોવિજ્ઞાન પણ કૉલિજોમાં ભણાવતા હશે કે કેમ?

સમાન્યતઃ શરૂઆત તો આપણે કરીએ છીએ, પણ પછી શું થાય છે કે બધું ઠપ્પ. ૨૫૦૦ વર્ષ પહેલા બુદ્ધે થોડા મનોવૈજ્ઞાનિક સત્યો કહેલા. ન્યુઅરૉ-સાયંસનાં ખાં લોકોના બુદ્ધ આજે પણ પ્રિય છે. આપણાં દરેક બુદ્ધીજીવીને જરા આગળ પ્રગતિ જણાય કે આધ્યાત્મિકતાનો આફરો ચડી જતો હોય છે, અને પ્રખર ચિંતક બનવાનો રોગ લાગી જતો હોય છે, આત્મસાક્ષાત્કારની પળોજણમાં એમની અંદર રહેલા પ્રતિભાના આત્માને ભૂલી જતા હોય છે.

એવી જ રીતે આપણે ઉત્ક્રાંતિના વિષયને પણ બહુ અગત્યતા આપતા નથી. આપણે ઉત્ક્રાંતિમાં ખાસ માની શકતા નથી. એટલે જ આપણે ડાર્વિન પકવી શક્યા નથી. આપણી પુનર્જન્મની ધારણા, લોક પરલોક, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે ધારણાઓ ઉત્ક્રાંતિના ક્રમ, વિકાસના ક્રમને માનવા ઇનકાર દેતી હોય છે. એક કોષી જીવથી માંડીને આજના મનુષ્ય સુધી બહુ લાંબી મજલ આપણે કાપી છે. પણ આપણે માની શકતા નથી. એક કોષી જીવનથી માંડીને આજે આધુનિક મનુષ્ય તરીકે જન્મ્યા તે પહેલાના તમામ જીવન વિશેના અનુભવ આપણે જીનમાં(Gene) સાથે લઈને જન્મ્યા છીએ તેને ઉજાગર કરવાનું વિજ્ઞાન એટલે ઇવલૂશનરી  સાઇકૉલોજી, ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

 ઇવલૂશનરી સાઇકૉલોજી મનોવિજ્ઞાન કરતા કંઈક વધુ છે. એમાં ખાલી મનોવિજ્ઞાન નથી. Human Nature, Social sciences, Psychology, physiology, evolutionary physiology, computational theory of mind, cognitive psychology, evolutionary biology, behavioral ecology, artificial intelligence, genetics, ethology, anthropology, archaeology, biology, zoology, sociobiology, આ બધું આમાં લક્ષ્યમાં લેવામાં આવે છે. એમાં ઇવલૂશનરી સાયન્સ, સાઇકૉલોજી અને ન્યુરોસાયન્સ પણ સમાયેલું છે. ઇવલૂશનરી સાઇકૉલોજીનાં મૂળિયા ડાર્વિનના થીઅરી ઑફ નૅચરલ સિલેક્શનમાં સમાયેલા છે. ડાર્વિને એના પુસ્તકમાં શું ભાખેલું તે જોઈએ,

“In the distant future I see open fields for far more important researches. Psychology will be based on a new foundation, that of the necessary acquirement of each mental power and capacity by gradation.”

—Charles Darwin, The Origin of Species, 1859, p. 449.

૨૦મી સદીના અડધમાં W.D.Hamilton નામના વૈજ્ઞાનિકે ૧૯૬૪મા Inclusive Fitness ઉપર એક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું હતું અને Robert Trivers નામના વૈજ્ઞાનિકે ૧૯૭૨માં Reciprocity અને Parental investment એવી બે થીઅરી આપી જેણે મનોવિજ્ઞાનમાં ઉત્ક્રાંતિ વિષે વિચારવા વૈજ્ઞાનિકોને મજબૂર કરવાનું શરુ કર્યું. માનવ પોતાના જેનિસ(genes) દ્વારા એના અનુભવો સંતાનોમાં ટ્રાન્સ્ફર કરતો હોય છે. હેમિલ્ટનની થીઅરીએ માનવમાં પરોપકારની વૃત્તિ, આત્મબલિદાન, સ્વબલિદાનની ભાવના કઈ રીતે વિકસી તેનું કારણ  શોધી કાઢેલું. પરોપકાર, પરમાર્થ બલિદાન સાથે સ્વાર્થની ભાવના પૂર્વજો પાસેથી વારસામાં મળતી હોય છે. ઘણી જાતો પ્રજાતિઓ પુષ્કળ વારસો પેદા કરતી હોય છે અને કેટલીક જાતિઓ પ્રજાતિઓ ઓછા વારસદાર પેદા કરતી હોય છે. સર્વાઇવલની બધી ટેક્નિક છે. ઓછા પણ ખૂબ મજબૂત વારસો પેદા કરવા અથવા વધુ સંખ્યામાં પેદા કરવા જેથી સર્વાઇવ થઈ જવાય.

નૅચરલ સિલેક્શન, સેક્સ્યૂઅલ સિલેક્શન, અડૉપ્શન બધું આમાં આવરી લેવાય છે. આપણાં પૂર્વજો કેવી રીતે કઈ કઈ નવી ટેક્નિક વિકસાવીને સર્વાઇવ થયા હશે તે તમામ અનુભવો જેનિસ(Genes-જનિન તત્વ) દ્વારા આપણને મળતા જ હોય છે. અને હાલના આપણાં અનુભવો આપણે આપણાં સંતાનોમાં આપણે ટ્રાન્સ્ફર કરતા હોઈએ છીએ. આમ ઇવલૂશનરી સાઇકૉલોજીનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે.

પ્રાણીઓની વર્તણુકનો ખૂબ અભ્યાસ થઈ રહ્યો છે. કારણ આપણે પણ એક રીતે પ્રાણી જ છીએ. પ્રાણીઓ પાસેથી આપણને લિમ્બિક સિસ્ટમ(Limbic system) મળેલી છે. લિમ્બિક સિસ્ટમ ન્યુરોકેમિકલ્સ છોડે છે. લિમ્બિક સિસ્ટમ શબ્દોની ભાષા જાણતી નથી, એની ભાષા ન્યુરોકેમિકલ્સ છે. પ્રાણીઓ પણ હર્ષ શોક, પીડાની લાગણી અનુભવી શકે છે. ઉત્ક્રાંતિના ક્રમમાં લાખો કરોડો વર્ષો થયા છે માનવ અવસ્થાએ પહોચતા. જેથી લાખો કરોડો વર્ષોના અનુભવો આપણાં જીનમાં છે. માનવીય વર્તણૂક ઉપર આ બધાની શું અસર પડતી હોય છે તેનો સમાવેશ અને અભ્યાસ આમાં થતો જ હોય છે.

હું પુનર્જન્મમાં માનતો નથી, કે હું ફરી જન્મ લઈશ, પણ મારા જીન(Gene) મારા ત્રણ દીકરાઓમાં છે. એ રીતે મારો પુનર્જન્મ થઈ ચૂક્યો છે. પણ એક સમયે આ જેનિસ(Genes) જીવ જંતુ, સરીસર્પ, પશુ, એપ્સ અને આદિમાનવ હશે. આજે મારામાં આધુનિક માનવ તરીકે લાંબી મજલ કાપીને ઉપસ્થિત થયા છે, અને આમ આગળ વધતા જશે, નવી નવી પરિસ્થિતિઓને અનુકૂળ થતા જશે, યેનકેન પ્રકારે સર્વાઇવ થતા જશે, અને તમામ અનુભવો સાથે આગળ વધતા જશે, ઇમ્પ્રૂવ થતા જશે. એટલે જ મારી રીતે ઇવલૂશનરી સાઇકૉલોજીને જન્મોજન્મના સંસ્કારનું વિજ્ઞાન સમજુ છું.

 

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન