સંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

untitledસંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

સમાજનો બહુ મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ થી દૂર રહેતો હોય છે. સંઘર્ષ ટાળતો હોય છે. અથડામણમાં પડવું નાં પડે તેના ઉપાય કર્યા કરતો હોય છે. થોડા દિવસ પર ગુજરાતમાં તેમાં પણ અમદાવાદ જ હશે, કોઈ મૅનેજમેન્ટ સંસ્થાના ઉપક્રમે કૉન્ફ્લિક્ટ વિષે ચિંતન શિબિર ચાલતી હતી, તેમાં જુદાજુદા ક્ષેત્રના વક્તાઓ બોલવા આવતા હતા. તેમાં કોઈ સાધુ કે ગુરુ પણ આવેલા. બધે સાધુઓ શું કામ બોલાવતા હશે મને સમજાતું નથી. પણ તે મહારાજ ઉપજાવી કાઢેલો દાખલો આપતા હતા, કે એક કપલ ટ્રેનમાં બેઠેલું, કોઈ સ્ટેશન આવતા ચા પીવા ઊતર્યું હશે, ટ્રેન ઊપડી પેલાં ભાઈ ચડી ગયા અને એની વાઈફ નીચે રહી ગઈ. મહારાજે કટાક્ષ માર્યો મૅનેજમેન્ટ ભણેલા શ્રોતાઓ આગળ કે આ ભાઈએ રામાયણ વાંચી હોત તો આવું નાં થાત. મને ખૂબ હસવું આવ્યું આ વાત ‘સંદેશ’માં વાંચીને. હું ત્યાં હાજર હોત તો બાવાજીને કહેત કે આણે રામાયણ વાંચી હશે કે સાંભળી હશે માટે આવું થયું હશે. રામે સીતાજીને વગર વાંકે છોડી જ દીધેલા ને? બીજા કોઈ બહેનજીએ ભાષણ એમાં આપેલું કે ગીતામાં એનો ઉપાય છે. આખું મહાભારત કૉન્ફ્લિક્ટ ઉપર તો રચાયું છે. બે ભાઈઓના વંશજો વચ્ચે બહુ મોટો સંઘર્ષ હતો.. કૃષ્ણે શક્ય પ્રયાસ કૉન્ફ્લિક્ટ ટાળવા કર્યા. પણ તે સર્વાઈવલનાં ભોગે નહિ.. સર્વાઈવલ બે રીતે થાય છે. એક તો કૉન્ફ્લિક્ટ સ્વીકારી એનો પડકાર ઝીલીને, અને બીજો શરણે થઈ કૉન્ફ્લિક્ટ ટાળવો. અર્જુન તો હથિયાર હેઠાં મૂકી કૉન્ફ્લિક્ટ ટાળવા તૈયાર હતો. ત્યારે કૃષ્ણે ઊલટો અથડામણ માટે એને તૈયાર કર્યો. શરણે થઈ જીવવું તે પણ અર્જુન જેવા જન્મજાત લડવૈયા માટે મૃત્યુથી બદતર બની જાત. એ જિના ભી કોઈ જિના હૈ લલ્લુ?  ટેમ્પરરી ભાંગી પડેલા અર્જુન પાસે કૉન્ફ્લિક્ટ સ્વીકારવા અને એનો સામનો કરવા તૈયાર કર્યો તેનું નામ ગીતા.

રામે પણ રાવણ જેવા બાહુબલિ નેતા આગળ સંઘર્ષ ટાળ્યો નથી..એનો સામનો કર્યો છે, સંઘર્ષમાં ઊતર્યા છે અને જીત્યા છે. પણ સમાજનો મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ ટાળવાની કોશિશ કરતો હોય છે. કારણ આપણા પૂર્વજો બને ત્યાં સુધી અથડામણ ટાળતા. આપણા પૂર્વજોના જીવન સહેલા નહોતા. એલ્ફા ચિમ્પૅન્ઝી એના વિરુદ્ધ કોઈ જાય તો બરોબર ઝૂડી નાખતો હોય છે. ચિમ્પૅન્ઝીનાં ગ્રૂપમાં લગભગ દરેક સભ્યે કોઈને કોઈ અંગ ગુમાવેલું હોય છે. સંઘર્ષ વગર ખોરાક મળતો નહિ, કે અથડામણ કર્યા વગર ફીમેલ મળતી નહિ. ચાલો એક સમયે ખોરાક તો મળી જાય imagesCADFYXMMપણ બીજા સાથે સંઘર્ષ વગર ફીમેલ તો મળતી જ નહિ. પણ સંઘર્ષ કરવામાં જીવ ગુમાવવો પડે તો સૌથી વધુ નુકશાન. એટલે મૅમલ બ્રેન જાણતું જ હોય છે કે ક્યારે સંઘર્ષ કરવો અને ક્યારે અથડામણ ટાળવી. મૅમલ બ્રેન સતત પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા જ કરતું હોય છે કે ક્યારે લડવું અને ક્યારે શરણે થવું. બે મૅમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ. પછી તે માનવી હોય કે બીજા એનિમલ. ધાર્મિક ચમ્પુઓને બોલાવી આશરે ૨૦૦ મિલ્યન વર્ષથી વિકસેલી અદ્ભુત લિમ્બિક સિસ્ટમ(મૅમલ બ્રેન)ને તમે આજે કૉન્ફ્લિક્ટ વિષે શિખામણ આપો હસવા જેવું છે ને? અને આ જ્યાં ને ત્યાં પગે લાગી ઉભા રહી જતા લોકો તમને એવું જ શીખવશે, કે કોઈપણ હિસાબે કૉન્ફ્લિક્ટ ટાળો, સહન કરો, આપણી તે સંસ્કૃતિ છે.

કૃષ્ણને ખબર હતી કે છેવટે પાંચ ગામ આપે તો ખાવાની સગવડ તો થઈ જશે અને પાંચ ગામના ધણી તરીકે માન પણ જળવાઈ જશે, આત્માનું હનન નહિ થાય. એટલે કૉન્ફ્લિક્ટ ટાળવા છેવટે પાંચ ગામ માંગ્યા પણ દુર્યોધન તસુભાર જમીન આપવા તૈયાર થયો નહિ તો પછી હે ! પાર્થ ઊભો થા ચડાવ બાણ અને સંઘર્ષનો સ્વીકાર કર. અને અર્જુન સામે સગાવહાલા જોઈ કેમ કંપી ગયો? કેમ ગાત્રો ગળી ગયા? સિદંતી મમ ગાત્રાણી..કેમ ગાંડીવ સરી પડ્યું? સામે સગાઓ નાં હોત તો ઝાલ્યો નાં રહેત જેમ હું ધાર્મિક કે સામાજિક પાખંડો સામે ઝાલ્યો નથી રહી શકતો. સામે બીજા હોત કે બીજા કોઈ દેશના દુશ્મનો હોત કે સગાઓ નાં હોત તો અર્જુન ક્યારનો ધડબડાટી બોલાવતો હોત. તો ગીતા રચાઈ પણ નાં હોત. મૂળ વાત એ છે કે Gene Pool જીનપુલમાં પોતાના Genes ની બહુમતી હોય, પોતાના વંશ કે genes સૌથી વધુ હોય તે દરેક પ્રાણી ઇચ્છતું હોય છે. આ પણ સર્વાઈવલનો એક ઉપાય છે. ભલે મારા ખુદના અંગત gene આગળ વધ્યા નાં હોય પણ મારા ભાઈના gene મારા જ gene કહેવાય. એટલે સામે સગા ભાઈઓ કે પિતરાઈ ભાઈઓ હોય તેમાં આપણા જ genes હોય છે તેમનો નાશ કરવો અઘરો લાગે. એટલે સામે સગાઓ જોઈ અર્જુન ઢીલો પડી ગયો. છતાં જીવન હમેશાં વિરોધાભાસ વડે ઘેરાયેલું હોય છે. ક્યારેક વ્યકિગત genes માટે વ્યક્તિગત સ્વાર્થ માટે બીજાનાં બલિદાન લેવાતા હોય છે તેમ સમૂહના સ્વાર્થ માટે કે ભલા માટે, સમૂહના genes માટે વ્યક્તિઓ ખુદના બલિદાન આપતા પણ હોય છે. પણ કૃષ્ણ જાણતા હતા કે ક્યારે સંઘર્ષ ટાળવો અને ક્યારે સ્વીકારી લડી લેવું. એટલે હું કાયમ કહેતો હોઉં છું કે કૃષ્ણ મારે મન કોઈ ભગવાન નહિ પણ સર્વાઈવલનાં યુદ્ધના મહાયોદ્ધા છે.

ક્યારેક હકારાત્મકતા ને બહાને કૉન્ફ્લિક્ટ ટાળવામાં આવતો હોય છે. સંઘર્ષ કરવામાં નકારાત્મકતા દેખાતી હોય છે. સામાજિક કે ધાર્મિક બદીઓ સામે તમે આંગળી ચીંધો તો અમુક વર્ગ તરત કહેવાનો કે સારું સારું જુઓ. ખરાબ સામે નાં જુઓ. હકારાત્મક બનો, પોજીટીવ બનો. સારી બાજુઓ ઘણી છે તેને ઉજાગર કરો. અરે ભાઈ બદીઓ સામે જોઈશું જ નહિ તો એને દૂર ક્યારે કરીશું? ગંદકી ગંદકી છે તેવી જાણ પણ હોવી જોઈ ને? આપણે એવી કેટલીય સામાજિક ગન્દકીઓને સંસ્કૃતિ કહીને પાળી રાખી છે. જે તે સમયે સામાજિક રિવાજો ભલે યોગ્ય લાગતા હોય આજે નાં પણ હોય. તેને બદલવા પડે કે નહિ? સામાજિક અને ધાર્મિક ઍલ્ફાઓએ એમના સ્વાર્થ માટે સમૂહના સ્વાર્થ જોખમમાં મૂકીને એવી કેટલીય સામાજિક અને ધાર્મિક ગંદકીઓને ધર્મ, પરમ્પરા અને સંસ્કૃતિમાં ખપાવી દીધી છે. હવે એના સામે કોઈ આંગળી ચીંધે તો નકારાત્મક વિચારો ધરાવે છે કહી રોકવામાં આવે છે. હવે જે સારું છે તે સારું જ રહેવાનું છે. એ કાઈ ખોટું થઈ જવાનું નથી. જરૂર છે ગંદું છે તેને ઉજાગર કરી સાફ કરવાની. હવે એમાં પછી કામ કરવામાં માનું છું તેવી દલીલ આવે છે. આંગળી નાં ચીંધો કામ કરો. હવે હું કે તમે દરેકના ઘર સાફ કરવા તો જવાના નથી. પણ ઘર સાફ કરી શકાય છે તેવો એક વિચાર તો મૂકી શકું છું. આતો જસ્ટ દાખલો આપું છું. એક તો પહેલું ઘર ગંદું છે તે જ ખબર હોતી નથી. અને ખબર પડે તો તેને સાફ કરી શકાય તે પણ ખબર હોતી નથી. ગંદું રાખવાની પરમ્પરા તોડી શકાય તેવી હિંમત પણ હોતી નથી.

કાર્લ માર્ક્સ શું ઘેર ઘેર ફરેલો સામ્યવાદ સમજાવવા કે અમલ કરાવવા? એક પુસ્તક રૂપે વિચાર મૂક્યો જેને સામ્યવાદ ગમતો હોય તે અમલ કરે. ગંદકી ગંદકી છે આ કોઈ પવિત્ર પ્રસાદ નથી તેવું કહેવાની હિંમત કરનાર, આંગળી ચીંધનાર આજે ભલે તમને નકારાત્મક લાગતો હોય સૌથી મોટું હકારાત્મક કામ તે જ કરી રહ્યો છે. ગંદકી આપણને સદીઓથી સદી ગઈ છે માટે ચોખ્ખાઈ રાખવામાં સ્વતંત્રતા હણાઈ જતી હોય તેવું લાગે છે, ગંદકી કરવાની સ્વતંત્રતા.. થૂંકવા માટે બે ડગલા ચાલી વોશબેસીન સુધી જવામાં જોર તો પડે જ ને? જાહેરમાં નાક ખંખેરવાની સ્વતંત્રતા કોઈ હણી લે તે ચાલે ખરું? અને જાહેરમાં નાક ખોતરવાની પરમ્પરા તો આપણી સંસ્કૃતિ છે તેના પર કોઈ તરાપ મારે તો નકારાત્મક અભિગમ કહેવાય કે નહિ? ડૉક્ટર ક્યાં નસ્તર મૂકશે? જ્યાં ગૂમડું હોય ત્યાં. ત્યારે એવું કહેવાના કે મારા પગે ગૂમડું છે તે નાં જુઓ, હકારાત્મક બનો મારા શરીરની સારી બાજુ જુઓ મારા બાવડા જુઓ કેટલા સરસ ફૂલેલા છે?

imagesCA1E1ID9મૂળ વાત વિવાદમાં પડવું નથી. વિવાદમાં પડવામાં જોખમ છે. ધર્મ અને સંસ્કૃતિના બની બેઠેલા રખેવાળો કાગારોળ કરવા માંડે છે. ગાળો ખાવી પડે છે. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવાય છે. સામાજિક અસ્વીકારનું જોખમ ઊભું થઈ જાય છે. સામાજિક અસ્વીકાર એટલે ટોળાની બહાર નીકળી ભૂલું પડેલું ઘેટું બ્રેનમાંથી કૉર્ટીસોલ સ્ત્રાવ થતા બેં બેં કરવા માંડે તેવું સમજવું. ઍલ્ફાની નજરમાંથી ઊતરી જવામાં બહુ મોટું થ્રેટ અનુભવાય છે. બસ આ સામાજિક થ્રેટની બીકમાં વર્ષો સુધી લોકો સહન કરે જતા હોય છે. ખબર હોય છે ખોટું થઈ રહ્યું છે પણ સામાજિક રીતે એકલાં પડી જવાનો ડર એમને વર્ષો સીધું ચૂપ રાખવામાં કામયાબ બની જતો હોય છે. પછી જ્યારે લાગે કે હવે ઍલ્ફા નબળો પડ્યો છે હવે એના વિરુદ્ધ બોલીશું તો વાંધો નહિ આવે ત્યારે બોલવાની હિંમત આવે છે. એમાં દસ વર્ષ બળાત્કાર સહન કરતા નીકળી ગયા હોય. ત્યારે આપણને એના પર શંકા જાય કે અત્યાર સુધી કેમ નાં બોલી? ક્યાંથી બોલે? તમે ખુદ એ જગ્યાએ હોવ તો બોલો ખરા? એક બોલે પછી જેણે જેણે સહન કર્યું હશે તેઓનામાં થોડી હિંમત આવશે તે એક પછી એક બહાર આવશે.

સર્વાઈવલ માટે સંઘર્ષ કરતું મૅમલ સર્વાઈવલનાં જોખમે કદી સંઘર્ષમાં ઊતરે નહિ.

8 thoughts on “સંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ”

  1. સંઘર્ષ નું જ બીજું નામ જીવન છે.શક્તિની ઉત્પત્તિ અવરોધથી થાય છે. જયાં ચટૃાનો, ૫હાડો દ્વારા ગતિ ઉત્પન્ન કરવામાં આવે છે, ત્યાં જ નદીનો પ્રવાહ તીવ્ર હોય છે. મેદાની નદીઓનો પ્રવાહ તીવ્ર નથી હોતો, અવરોધ અને ઘર્ષણ ના સિદ્ધાંત ૫ર વીજળીની શક્તિનો ઉદભવ થાય છે.

    Liked by 1 person

  2. ખરેખર અદભુત લેખ !!

    “સામાજિક અસ્વીકાર એટલે ટોળાની બહાર નીકળી ભૂલું પડેલું ઘેટું બ્રેનમાંથી કૉર્ટીસોલ સ્ત્રાવ થતા બેં બેં કરવા માંડે તેવું સમજવું.” — આ વાક્ય પર થી મને એવું લાગ્યું કે જો તમે “બહારવટિયા” ના બ્રેન વિષે એકાદ લેખ લખશો તો અમને ખુબ જ આનંદ થશે.

    તમે લેખક ઓછા અને વૈજ્ઞાનિક વધારે લાગો છો. 🙂

    Liked by 1 person

  3. ખુબ જ સરસ માહિતી આપતો લેખ છે ખુબ ખુબ આભાર રાઓલ જી …અને બીજું એ કે સ્વિસ બેંક વિષે થોડું વધુ જાણવાની ઇચ્છા છે બધા દેશ ના લોકો ત્યાં પૈસા મુકવા શા માટે આકર્ષાય છે ? શું તેઓ વ્યાજ વધારે આપે છે ? આના વિશે એક વધારે લેખ લખશો તો આભારી થઈશ …..

    Liked by 1 person

  4. બાપુ, તમે સાહિત્ય સંમેલનમાં જઇને ભાગ પણ લઇ આવ્યા તેનો આનંદ છે. તમારા વિચારોનું વાચન સ્વરુપ કેટલાંકના માથા ઉપરથી, જેમ કાળુ વાદળ વરસ્યા વિના ચાલી જાય તેમ પસાર થઇ ગયું તે તેમનો વાંક છે કારણ કે તેઓઅે સઘન વાંચન ન્હોતું કર્યુ કે પછી વિષયના વિવેચનના સંઘષૅમાં તેઓ ઉતરવા માંગતાં ન્હોતા…તેમનાં નાના ગામાં કે પછી તેમના કુવામાં આવું પાણી કદાપી આવ્યું ન્હોતું.
    વિજ્ઞાન અને હ્યુમન સાયકોલોજીની સાથે સાહિત્યને પણ આજન્મનો નાતો હોઇ શકે તે પેલાઓને કેવી રીતે સમજાય? આમ પણ તમે વિરોઘ સામે સંઘષૅ કરનાર તરીકે સર્ટીફીકેટ તો મેળવી ચૂક્યા છો જ…..તારી હાંક સૂની કોઇના આવે તો અેકલો જાને રે……વેસ્ટનૅ વલ્ડૅમાં વિજ્ઞાન અને સાહિત્યના સંયોજનથી લખાયેલાં કેટલાં બઘા પુસ્તકો , ફિલ્મનું સ્વરુપ પામીને બાળકોને વઘુ વિચારતાં કરીને સર્જક બનાવે છે.
    દરેક સાહિત્યસર્જકે અેટલું તો જાણવાની જરુરત છે કે તે જે સાહિત્યનું સર્જન કરી રહ્યો છે તે સર્જનની પાછળ તેનાં મગજમાં કેવાં કેમીકલોના શ્રાવ ભાગ ભજવે છે ? તે જો ના હોત તો આ સર્જન પણ દિવસનો પ્રકાશ જોવા પામ્યો ના હોત.
    ગીતાને, વિજ્ઞાન અને હ્યુમન સાયકોલોજીના સહારે કયા ‘વિદ્વાને‘ સમજી, વિચારીને સમાજના તેમના ભક્તોને સમજાવ્યું હશે ?
    ભાઇ, આ ૨૧મી સદી છે…..
    કાલીદાસને પણ પોતાનો પ્રેમપત્ર પોતાની પ્રેયશીને મોકલવા વિજ્ઞાન….પવન…મેઘદૂતની સહાય લેવી પડેલી…..
    હવે ગુજરાતી સાહિત્ય અને સાહિત્યસભાઓમાં વિજ્ઞાનનો પણ સમન્વય કરવા વિચારવું રહ્યું.
    તમારાં આર્ટીકલ માટે અભિનંદન.

    Like

Leave a comment