જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે, કોઈ મહા હોનારત થાય, કોઈ વિનાશ સર્જાય, ભલે તે માનવ સર્જિત હોય વર્લ્ડ ટ્રેડ સેન્ટર હોનારત, કે કુદરત સર્જિત હોય જાપાન સુનામી કે હૈતી ભૂકંપ હોય, તેના સમાચાર જોવા લોકો આખો દિવસ ટીવી પર ન્યૂઝ ચેનલ્સ પર ગુંદરની ચીટકી જતા હોય છે. શું આને sadistic voyeurism કહી શકાય ? આપણે આખો દિવસ હોનારતની ચર્ચા કર્યા કરતા હોઈએ છીએ. બ્રેન રિસર્ચ કહે છે કે જ્યારે આપણે બીજા લોકોને આવી હોનારત, મુશ્કેલીઓમાં ફસાયેલા જોઈએ છીએ ત્યારે આવા બનાવો આપણાં બ્રેનમાં જે કરુણા ઉપજાવે તેવા ભાગ છે તેને ઉત્તેજિત કરે છે.
જો આપણે પોતે આવા ભૂકંપ કે બીજી કોઈ પણ જાતની હોનારત કે ઇમર્જન્સીમાં ફસાઈ જઈએ તો આપણાં બ્રેનનો જે પ્રાથમિક ભાગ છે લિમ્બિક સિસ્ટમ તેની અંદર રહેલા નાનો વિભાગ amygdala સક્રિય થઈ જાય છે. જ્યારે ધરતી કંપ થાય અને ધારા ધ્રુજવા લાગે તો amygdala તરત વિચારવાનું અને ત્વરિત નિર્ણય લેવાનું શરુ કરી છે. કે ઇમર્જન્સીમાં બચવા માટે શું કરવું? ભાગવું કે સામનો કરવો કે બીજું જે કઈ આપણાં અનુભવ આધારિત અને જીનમાં વસેલી માહિતી મુજબ આપણે કરતા હોઈએ છીએ.
હવે આવી હોનારત આપણે જ્યારે પડદા ઉપર જોઈએ છીએ, જે સમાચાર રૂપે પણ હોઈ શકે કે કોઈ ફિલ્મ બનાવેલી હોય જેવી કે ટાઈટેનિક, ત્યારે આપણે આપણને ઇમર્જન્સી વખતે કરવાના ઉપાયોની જે ક્ષમતા વારસાગત મળેલી છે તે મેકનિઝમની કૉપિ મનોમન કરીને રસ મેળવતાં હોઈએ છીએ. ભલે સોફા પર બેઠાં બેઠાં ટીવી પર જોતા હોઈએ, પણ આપણે એકજાતની માનસિક કસરત કરતા હોઈએ છે તે પણ અચેતનરૂપે. અને આવી ટાઈટેનિક જેવી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવતી હોય છે. ટાઈટેનિક ફિલ્મ કરુણ હતી. મોટાભાગના મુસાફરો મૃત્યુ પામ્યા હતા. છતાં વારંવાર લોકોએ જોઈ હતી. અમે પણ થીઅટરમાં ચાર વાર જોઈ હતી, અને જ્યારે પણ ટીવી પર આવતી ત્યારે જોતા હતા. આવી તો ઘણી બધી ફિલ્મો આવતી હોય છે. પણ ટાઈટેનિકની સફળતાનું રાજ હતું તેના મુખ્ય અભિનેતાએ કરેલું સાહસ, ધૈર્યપૂર્વક કરેલી બચવા માટેની લડત, અને દિલોજાનથી કરેલો પ્રેમ.
આવા ડિઝાસ્ટર મૂવિ જોઇને શીખવાનો હેતુ એ હોય છે કે આપણે પોતે આવા ડિઝાસ્ટરમાં સપડાઈ જઈશું તો શું કરી શકીશું ? શું મૂવિનો હીરો સાચા પગલા લે છે બચવાના ? કે સાચા નિર્ણય લે છે, કે બચવામાં સફળ થાય છે કે અસફળ ? તે આપણું પોતાનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. અને બચવાનું અશક્ય લાગતું હોય છતાં બચવામાં સફળ થાય તો આપણો પોતાનો આત્મવિશ્વાસ વધી જતો હોય છે અંદરખાનેથી, કે આવી મુશ્કેલી આવશે તો આપણી ક્ષમતા કામ લાગશે.
ફિલ્મ તો ઠીક પણ આવી સત્ય હોનારત જ્યારે આપણે ટીવી ઉપર લાઇવ જોઈએ છે તે પણ આપણને શીખવે છે કે આવી હોનારત વખતે શું કરવું? જો આપણે હરિકેન આવે ત્યારના સમાચાર જોયા હોય, લોકોને ભાગતા અને અગાઉથી આવી જ રીતે બીજા બનાવો જોઇને માનસિક રીતે શીખેલા લોકો એમાંથી બચી નીકળતા જોઇને, ફરી જ્યારે આપણાં ભાગે આવું આવે તો આપણે એમાંથી જલદી ત્વરાથી છટકવા માટે સફળ થતા હોઈએ છીએ. કારણ આપણે અગાઉ જોયું હોય છે કે લોકો વિચાર કરવા રહેતા નથી અને ભાગતા હોય તે સફળ થતા હોય છે, તો આપણે પણ એવું જ કરતા હોઈએ છીએ.
આપણને આવા બનાવોમાં ફસાયેલા, પીડિત વ્યક્તિઓ જોઇને સહાનૂભુતિ પેદા થાય છે, ઉદાસ થઈ જતા હોઈએ છીએ, દુઃખી થતા હોઈએ છીએ. રિસર્ચ એવું કહે છે કે બીજા પીડિત લોકોને જોઇને બ્રેન એવું જ રિએક્ટ કરતું હોય છે જાણે આપણે પોતે પીડિત છીએ. બ્રેનના amygdala સાથે કૉર્ટેક્સમાં બીજા લોકોની વર્તણૂકનું અનૅલિસિસ થતું હોય છે( theory of mind ). આવા દુઃખદ બનાવો આપણાં પોતાના દુઃખદ અનુભવોને ઉજાગર કરતા હોય છે, ”autobiographical memory .” આપણે આવી કોઈ ભયજનક સ્થિતિમાં ભૂતકાળમાં સપડાયા હોય તેની યાદ આવી જાય છે, જેનાથી જે પીડિત લોકોને આપણે જોઈ રહ્યા હોઈએ છીએ તેઓ ઉપર શું વીતતી હશે તેવું વિચારતા હોઈએ છીએ. આ બધું કૉન્શ્યસ્લી ના થતું હોય. પણ આપણે દુઃખી લોકોના દુઃખમાં સહભાગી બની જતા હોઈએ છીએ. અને વારંવાર ગુંદરની જેમ ચોટેલા રહીને આવા ન્યૂઝ જોતા રહેતા હોઈએ છીએ.
આવા ડિઝાસ્ટર પછી થોડા દિવસ સુધી ન્યૂઝ ચેનલ્સ, મીડિયા પીડિતો વિષે બતાવ્યા કરતા હોય છે, પણ પછી એમનું ધ્યાન રોજીંદી ઘટનાઓ અને રાજકારણ તરફ વળી જતું હોય છે, જે સ્વાભાવિક છે. અને આપણે જોનારા પણ સહાનુભૂતિની ન્યુઅરલ circuitry કાયમ જાળવી શકતા નથી. એટલે જે પણ મદદ કરવી હોય તે તરત કરી દેવી સારી પછી મદદ કરવાનો ઉત્સાહ મોળો પડી જતો હોય છે. ટ્વીટર અને ફેસબુક જેવા સોશિઅલ મીડિયા સપૉર્ટ માટે સારું કામ આપતા હોય છે.
ઘણીવાર કોઈ વ્યક્તિ ક્રાઇમનો ભોગ બને કે એવા કોઈ અકસ્માતનો ભોગ બને ત્યારે જો બહુ મોટું ટોળું ભેગું થઈ જાય તો લગભગ બધા તમાશો જોનારા પણ બની જતા હોય છે. જલદી કોઈ મદદ કરવા આગળ આવે નહિ. જેમ ટોળું મોટું તેમ મદદની શક્યતા ઓછી. એવું વિચારવામાં આવતું હોય છે કે હું શા માટે મદદ કરવા આગળ આવું કોઈ બીજો કરશે. મદદ કરવાની જવાબદારી ફેલાઈ જતી હોય છે. બીજો કરશે ત્રીજો કરશે. કોઈ એકલ દોકલ જોનારાઓ હશે તો ભોગ બનનારને મદદ કરવા તરત દોટ મૂકશે. જવાબદારી તેલના પડ જેવી હોય છે. ઑઇલ જેટલું વધારે જગ્યામાં ફેલાય તેમ તેનું પડ પાતળું થતું જાય તેમ જવાબદારી પણ જેમ મોટા સમૂહના માથે આવે તેમ તેને પૂર્ણ કરવાની ભાવના ઓછી થતી જતી હોય છે, પ્રયત્ન ઓછો થતો જતો હોય છે. આને ‘bystander’ ઇફેક્ટ કહેવામાં આવે છે. ગુજરાતીમાં તમાશો જોનારા કહી શકાય. છતાં પારકાના દુઃખે દુઃખી થવાનું પ્રોગ્રામિંગ આપણાં બ્રેનમાં થયેલું હોય છે તે પણ હકીકત છે.
બર્મામાં સાઇક્લોન આવ્યું ત્યારે ૧૦૦,૦૦૦ લોકો એનો ભોગ બનેલા, ૨૦૦૪માં ઈન્ડોનેશિયાના ભૂકંપ અને સુનામીમાં ૨૦૦,૦૦૦ લોકોને અસર થયેલી, આવી હોનારતમાંથી મૃત્યુને છેતરીને બચી ગયેલા લોકો પાછળથી acute stress disorder અને posttraumatic stress disorder થી પીડાતા હોય છે. ૨૬ જાન્યુઆરીએ આવેલા કચ્છના ભૂકંપે મહિનાઓ સુધી આપણને કળ વળી નહોતી. એ તબાહીના સમાચાર જોઈ જોઇને મારા શ્રીમતીજીને દિવસો સુધી હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ રહેલી, અને આખો દિવસ તણાવ અને ઉદાસીમાં જીવવા લાગેલા. મને લાગ્યું કે હવે આ ભૂકંપની તબાહીના સમાચાર અને વિડિઓ ક્લિપ આને જોવા દેવાય નહિ.
આવી તબાહી માનવ સર્જિત પણ હોય અને કુદરત સર્જિત પણ હોઈ શકે. હિરોશીમા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તબાહી માનવ સર્જિત હતી. સુનામી, ભૂકંપ, સાઇક્લોન, હરિકેન, ટૉર્નેડો વગેરે દ્વારા થતી તબાહી કુદરતી હોય છે. આમ કુદરત પણ શેતાન બનીને ત્રાટકતી હોય છે તેમ માનવમાં પણ શેતાન પ્રવેશી જતો હોય છે. આવ શેતાની તત્વો શું કામ અસ્તિત્વ ધરાવે છે ? જો ભગવાન હોય તો તે આવા દુઃખના પહાડ શું કામ મોકલતો હશે ? મને શું કામ ભોગ બનાવ્યો કે મને શું કામ ભોગ નાં બનાવ્યો ? એવા પ્રશ્નો મનોવૈજ્ઞાનિકો, મેન્ટલ હેલ્થ વર્કર અને રેડ ક્રોસ કાઉન્સેલરને પીડિત દ્વારા પુછાતા હોય છે.
મોટાભાગે લોકો શેતાનનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર હોતા નથી. આવી શેતાનિક તબાહીઓની વાસ્તવિકતા સ્વીકારવી અઘરી હોય છે. માટે હિંદુ અને બૌદ્ધ ધર્મમાં માયાનું સ્વરૂપ કહીને આંખો મીંચી લેવામાં આવે છે. માયા ગણો તો પણ આ માયા દુખદાઈ હોય છે તે હકીકત છે. પીડિત વ્યક્તિઓ પોતાને અસહાય, શક્તિ વિહોણા અનુભવ કરતા હોય છે. પોતાના અસ્તિત્વ વિષે શંકા પેદા થઈ જતી હોય છે. જીવનનો અર્થ શું છે ? ફક્ત એક શ્વાસ દુર મોત રાહ જોઈ રહ્યું છે તે હકીકત માનવા મન પ્રેરાય છે. આવા બનાવો depression, rage, nihilism, panic, chaos, psychosis જેવી ખતરનાક માનસિક બીમારીઓ મૂકતા જતા હોય છે.
ઘણીવાર એવા આક્ષેપો પણ કરાતા હોય છે કે પાપ વધી ગયું છે એટલે ભગવાન સજા કરે છે. કચ્છમાં એક સાંકડી શેરીમાં નાના ભુલકાઓની પરેડ નીકળી હતી તે તમામ પ્રભુને પ્યારાં થઈ ગયા હતા. શું પાપ આ બાળકોએ કર્યા હશે તે તો ભગવાન જ જાણે. પીડિતોને બ્લેમ કરવા તે બીમાર માનસિકતા છે.
આ પૃથ્વી ઉપર અવારનવાર ભૂકંપ, સુનામી, પ્લેગ જેવી મહામારી, જ્વાળામુખી, ટૉર્નેડો, હરિકેન, કોઈ meteor મીટિઅરનું ત્રાટકવું સામાન્ય છે. આપણાં પૂર્વજો સિંહ, વાઘ, વરુ જેવા શિકારી પ્રાણીઓના જડબા વચ્ચે ચવાઈ જતા હશે, અથવા હરીફ આદિવાસી ગેંગ સાથે લડાઈમાં માર્યા જતા હશે. આજે પણ ધાર્મિક અને રાજકીય ઝનૂની લોકો એરપ્લેન હાઇજૅક કરતા હોય છે. ક્યાંક અણુ રિઍક્ટર એનું જીવલેણ રેડિએશન ફેલાવતું હોય છે. કોઈ કાર, બસ કે ટ્રેન ઍક્સિડન્ટમાં માર્યા જતા હોય છે. કોઈ ફૅસિસ્ટ સરકાર એના નાગરિકોને મોતના હવાલે કરતી હોય છે. આ બધી માનવજીવનની કડવી વાસ્તવિકતા છે. છતાં લોકો હિંમતથી જીવતા હોય છે.
હિંમત શબ્દ બહાદુરી સાથે જોડાયેલો છે. Courage શબ્દનું મૂળ ફ્રેંચ ભાષામાં cour અથવા coeur છે. એનો અર્થ હૃદય થાય છે. એટલે હિંમત હ્રદયથી થવી જોઈએ, હૃદય કે જે આખા શરીરને લોહી પહોચાડે છે, અને એના લીધે જીવન ટકી રહ્યું છે. હિંમત એક લાગણી છે, એક ભાવના છે. લાગણીઓ એટલે પ્રેમ, ગુસ્સો, રૉમૅન્સ, અને ક્યારેક પ્રચંડ ગુસ્સો. પ્રેમ અને જાતીય આવેગ જાત જાતના હિંમતભર્યા પગલા લેવડાવે છે. માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ એનો ખુદનો જીવ જોખમમાં મૂકે છે એના બાળકને બચાવવા માટે.
પ્રેમની દિવ્યતા અને કરુણા મધર થેરેસાને નિઃસ્વાર્થ સેવાનાં કાર્યમાં જોડાઈ જવાની હિંમત અર્પે છે. પ્રેમની જેમ ગુસ્સો અને પ્રચંડ ગુસ્સો પણ હિંમત માટે બળતણ બની જાય છે. ઘોડા ઉપર સવાર મહારાણા પ્રતાપનો પ્રચંડ ક્રોધ રાજા માનસિંહની હાથી ઉપર રહેલી અંબાડીને ભાલાથી વીંધી નાખે છે. માનસિંહ નીચા નમીને બચી ગયા બાકી ઇતિહાસ બની ગયા હોત.
માનવ જીવનની બેસિક પ્રવૃત્તિમાં કાયમ શૌર્યની જરૂર પડતી જ હોય છે. લગ્ન કરીને પારકે ઘેર જવું સ્ત્રીઓ માટે ધૈર્ય અને હિંમતનું કામ છે. માતાપિતાથી દુર થઈને સ્વતંત્ર જીવન શરુ કરવું તે પણ કરિજ (courage) માંગી લે છે. Abusive, traumatic or neglected બચપણ વિતાવી પ્રગતિ કરનાર બાળકો પાસે tremendous courage હોય છે. એટલે હિંમત, શૌર્ય, ધૈર્ય માનવને કુદરતી અને માનવ સર્જિત હોનારતમાંથી બહાર આવવાનું બળ આપે છે. ભગવાન દયાળુ છે, મુશ્કેલીઓમાંથી બચાવે છે તેવી ધારણા આવી હોનારત થાય ત્યારે મુશ્કેલીમાં આવી પડે છે. Religious beliefs are deeply irrational.
Piedmont, Alabama સ્થિત એક ચર્ચમાં લોકો દયાળુ પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા અને ટૉર્નેડો ત્રાટક્યો અને લગભગ તમામ માર્યા ગયા હતા. ભારતમાં તો તરત કર્મનો નિયમ આગળ ધરી દેવાય તેવી સરસ સવલત છે. હૈતિયન લોકો હજુ નરકમાં છે. હજુ કળ વળી નથી. એક ધાર્મિક વક્તા Pat Robertson કહે છે કે હૈતીના લોકોને ભૂકંપગ્રસ્ત બનાવી ભગવાને સજા કરી છે. કારણ કે હૈતીના લોકો મૂળ આફ્રિકન છે, આમ તો બધા ક્રિસ્ચન છે પણ હજુ મૂળ વેસ્ટ આફ્રિકન Voodoo ધર્મનાં રીતી રિવાજોનું પરમ્પરાગત પાલન કરતા હોય છે. એટલે હવે એની સજા ભોગવો.
એક માન્યતા એવી પણ છે કે હૈતી ફ્રેંચ કૉલનિ હતું. ફ્રેંચ લોકો હૈતી છોડીને જતા રહે માટે હૈતીના લોકોએ શેતાન સાથે સાઠગાંઠ કરેલી. એટલે શેતાને કહેલું કે ફ્રેંચ લોકો જતા રહે તેવું કરીશ ખરો પણ પછી ભૂકંપ પણ આપીશ. હવે voodoo પ્રેકટીશ વેસ્ટ ઇન્ડીઝ, બ્રાઝીલ, હૈતી, અને યુનાઈટેડ સ્ટેટ્સનાં ઘણા બધા ભાગોમાં થાય છે. ક્રિસ્ચન હોલી સ્પિરિટમાં માનતા હોય તેવા જ કોઈ સ્પિરિટમાં આ લોકો પણ માનતા હોય છે.
છેવટે માણસની અંદર રહેલું સારાપણું બહાર આવી જતું હોય છે. દયા, ધીરજ, હિંમત, કરુણા, નમ્રતા, મોભો બધું એક સાથે કામ કરતું હોય છે અને આવી હોનારતમાં દુનિયાભરના લોકો મદદ માટે આગળ આવતા હોય છે.





















