ભારતમાં પહેલા માણસ જોવાય છે, પછી કાયદો. હું એકવાર વડોદરામાં ન્યાયમંદિર બાજુ ફરતો હતો. પદ્માવતી શોપિંગ સેન્ટર બાજુથી એક કાયનેટીક હોન્ડા જેવા સ્કૂટર માથે ત્રણ છોકરા બેઠેલા ધમધમાટ કરતા લહેરીપુરા ગેટ બાજુથી સાધના ટૉકીઝ બાજુ જતા હતા. હું ત્યાં ફુવારા પાસે ઊભો હતો. ત્રણ સવારી અને તે પણ લાઇસન્સ ના હોઈ શકે તેવડા ત્રણ છોકરા જોઈ ત્યાં ઊભેલા એક સામાન્ય પોલીસવાળાએ પેલાં છોકરાઓને ઉભા રાખી ત્યાંની ભાષા પ્રમાણે મેમો આપી દીધો. થોડી રકઝક ચાલી, છોકરાઓ દાદાગીરી કરવા લાગેલા. પછી મને જાણવા મળ્યું કે સ્થાનિક ધારાસભ્યનો છોકરો સ્કૂટર ચલાવતો હતો અને એના મિત્રો પાછાં બેઠેલા હતા. વાત આગળ વધી ગઈ, બીજે દિવસે જાણવા મળ્યું કે પેલાં પોલીસવાળાને સસ્પેન્ડ કરવા સુધી વાત પહોચી ગયેલી, ધારાસભ્ય સમાધાન કરવા રાજી નહોતા, એક ધારાસભ્યના છોકરાને અટકાવવા બદલ તેને પૂરી સજા કરવાની હતી પણ મોટા સાહેબોએ દરમ્યાનગીરી કરી હોય કે પોલીસવાળો કરગરી પડ્યો હોય તેની ત્યાંથી બદલી કરી નાખવામાં આવેલી. મારા એક રીલેટીવ દાંડિયા બઝાર બાજુ એક પોલીસ ચોકીમાં ફોજદાર હતા તો હું કોઈ વખત ત્યાં બેસવા જતો. તેમણે પણ ઉપરોક્ત બનાવની ચર્ચા કરતા કહ્યું પેલાં પોલીસવાળાએ પ્રેક્ટીકલ બનવું જોઈતું હતું. ધારાસભ્યનાં છોકરા જોડે પંગો નહોતો લેવા જેવો..
આ જે કાયદાપાલનમાં પ્રેક્ટીકલ બનવાની માનસિકતા સમગ્ર ભારતમાં છે તે ઓળખી લેવી જોઈએ. હું પોતે પણ આ સિસ્ટમમાં ૫૦ વર્ષ જીવ્યો જ છું. ભારતમાં માણસ પહેલો જોવાય છે કાયદો પછી જ્યારે અમેરિકામાં કાયદો પહેલા જોવાય છે માણસ પછી, કાયદા આગળ લગભગ માણસ જોવાતો જ નથી કે તે કોણ છે? એટલે આ બે દેશો વચ્ચે કાયદાપાલનની બાબતમાં જે મૂળભૂત ડિફરન્સ છે તે ઓળખી લેવો જોઈએ. એટલે દેવયાની જેવા કહેવાતા મોટા માથાને અમેરિકન સરકાર એક સામાન્ય માનવીની જેમ કાયદાપાલન વિષે ટ્રીટમેન્ટ આપે ત્યારે સમગ્ર ભારતની એવરીજ માનસિકતાને ધક્કો લાગે છે. માનવી સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે અને સમૂહને વ્યવસ્થિત ચલાવવા કાયદા-કાનૂન, નિયમો બનાવવા પડતા હોય છે. એકલદોકલ વ્યક્તિ એના ફાયદા માટે આખા સમાજનો નિયમ તોડે તો સમાજ ખોરવાઈ જવાનો.
કાયદા આગળ સર્વ સમાન તેવું આપણી માનસિકતામાં જલદી ઊતરે જ નહિ માટે નક્કી કોઈ કાવતરું હશે તેવું માનવા મન પ્રેરાય છે. અને કાવતરું જ છે તેવું સાબિત કરવાના પ્રયત્નો પણ ચાલુ થઈ જતા હોય છે. એમાં આખો દેશ તણાઈ જાય કારણ આખા દેશની માનસિકતા સરખી જ રહેવાની. મીડિયા હોય કે સોશિઅલ મીડિયા હોય કે નેતાઓ હોય એવરીજ માનસિકતા તો સરખી જ હોય ને? અરે આવી ભેદભાવભરી સિસ્ટમમાં જેને અન્યાય થયા હોય તેમની માનસિકતા પણ એવી જ હોય છે. બહુ ઓછા લોકો આ દેશમાં એવું માનતા હોય છે કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. અહીં તો ધર્મે ધર્મે, સંપ્રદાયે સંપ્રદાયે, કોમે કોમે, નાતે-જાતે કાયદા અલગ અલગ હોવા જોઈએ તેવું માનવાવાળો દેશ છે. અને અમીરો માટે તો કાયદાની આમેય ક્યાં જરૂર છે? મુકેશ અંબાણીની એસ્ટોન માર્ટીન ચાર જણને ચગદી નાખશે તો શું થવાનું? જસ્ટ દાખલો આપું છું. મુકેશનો છોકરો દારુ પી ને કાર ચલાવતો હશે તો કોઈ ભાડૂતી ડ્રાઇવર એની જગ્યાએ આવી જશે. આ અમેરિકા થોડું છે કે બુશ પ્રેસિડન્ટ હોય છતાં એની છોકરીને કોર્ટમાં જવું પડે? અને એને કોર્ટમાં લઈ જનારા પોલીસને કોઈ ચિંતા જ ના હોય?
એટલે ભારતમાં વાહન લઈ જતા હોઈએ અને કોઈ પોલીસ રોકે તો પહેલા તો એના તેવર જુદા હોય. પછી જ્યારે નામ દઈએ, પિતાશ્રીનું નામ દઈએ, કઈ કોમ કે નાત ધરાવીએ છીએ તે કહીએ એટલે તેના તેવર બદલાઈ જાય. હું તો રાઓલ અટક અને ગામ માણસા કહું એનામાં તરત નમ્રતા આવી જાય. આપણે પણ ફુલાઈને ચાલતી પકડીએ. એટલે પહેલીવાર અમેરિકામાં આઠ વર્ષે પોલીસવાળાએ રોકી મને કહ્યું “ સર ! તમારે કારમાંથી ઊતરવાની જરૂર નથી, હું ફલાણો પોલીસ ઓફિસર છું અને તમે આ જગ્યાની બાંધેલી સ્પીડ કરતા વધુ સ્પીડે કાર ચલાવી છે માટે તમારું લાઇસન્સ અને કારનું રજિસ્ટ્રેશન વગેરે આપો.” મને તો એણે ‘સર’ કહ્યુંને મજા પડી ગઈ. છતાં મને ખબર હતી કે ગુનાની ગંભીરતા કે પરિસ્થિતિ જોઈ આ જ પોલીસવાળો મને રોડ પર ઊંધા પાડી એના સ્વખર્ચે વસાવેલી હાથકડી પહેરાવતા જરાય વાર નહિ કરે.
આપણે ત્યાં લાલુઓ, દત્તો, સલમાનો માટે કાયદાપાલન બાબતે જુદા કાટલાં છે અને બબલો, છગનીયો, ભીખલો કે મગનીયા માટે કાટલાં જુદા છે. એટલે બધા માટે કાટલાં સરખાં હોય તેવું આપણી માનસિકતામાં અચેતનરૂપે ઊતરે જ નહિ. એટલે પછી લાલુઓ, દત્તો, સલમાનો માટે બબલો, છગનીયો, ભીખલો અને મગનીયો કાવતરા કરી રહ્યા હોય તેવું લાગતું હોય છે. એટલે અમેરિકાની કાયદાપાલન સિસ્ટિમ આપણા દિમાગમાં ઊતરતી નથી અને અમેરિકા ભારતને નીચું પાડવા કાવતરા કરી રહ્યું હોય તેમ સામાન્ય પ્રજાજનોને પણ લાગતું હોય છે.
આ પ્રીત ભરારા ઇન્ફન્ટ એટલે તાજું જન્મેલું બચ્ચું હતા અને અમેરિકા આવી ગયેલા. એમની સમજમાં કે બ્રેનમાં હોય જ નહિ કે દેવયાની જેવા મોટા ઓફિસર અને મોટા માથા પર કાયદાકીય પગલા લેવા પાપ કહેવાય. દેવયાની અને એની નોકરાણી સંગીતા રીચાર્ડનાં કેસ વિષે આપણે ન્યાય તોલવા બેસવાની જરૂર નથી. તે બધું જે તે સત્તાવાળા અને જે તે ન્યાયાધીશો કરશે. મારે તો જસ્ટ માનસિકતાની વાત કરવી છે. દેવયાની અને સંગીતા બંને વધતાઓછા દોષી હશે જ. પણ અમેરિકામાં સંગીતા એક નોકરાણી છે ગરીબ છે અને દેવયાની એક કૉન્સ્યુલેટ છે, ડિપ્લોમેટ છે અમીર છે તેવા ધારાધોરણ ધ્યાનમાં લેવામાં આવશે નહિ અને ભારતમાં આ બધું ધ્યાનમાં લેવામાં આવશે. ભલે અમેરિકાએ સદીઓ સુધી ગુલામો રાખ્યા હશે પણ આજે અમેરિકા સ્લેવરિ બાબતે ખૂબ સેન્સીટીવ છે. ફેડરલ ગવર્નમેન્ટ નક્કી કરે તેના કરતા ઓછા પગાર આપવો સ્લેવરિ જેવું ગણાય.
તમે મોદી સરકારના એક સામાન્ય પોલીસવાળા હોવ અને ખુદ મોદી કારમાં સીટ બેલ્ટ બાંધ્યા વગર જતા હોય તો મેમો આપી શકો ખરા? સપનામાં પણ એવો વિચાર આવે નહિ. અમેરિકામાં ડ્રાઈવરે અને કારમાં આગળ બેઠેલાએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. અહીં પ્રમુખ પદ્ધતિ છે માટે રાજ્યના ગવર્નર સીધા પ્રજા દ્વારા ચૂંટાયેલા અને ભારતના કોઈ મુખ્યમંત્રી જેવા સર્વેસર્વા જ સમજી લો. ન્યુ જર્સીના ગવર્નર કોરઝાઈનને એના જ પોલીસવાળાએ બેલ્ટ ના બાંધવા બદલ ટીકીટ(મેમો) આપી દીધેલો.
અહીં અમેરિકામાં ભારતીયોનું શોષણ બીજા ભારતીયો દ્વારા જ થતું હોય છે. મોટેલોમાં અને સ્ટોરોમાં એના ભારતીય માલિકો દ્વારા એમના ભારતીય નોકરોનું બેફામ અને માનવતા નેવે મૂકીને શોષણ કરાતું હોય છે. પણ એમાં તેરી બી ચુપ મેરી બી ચુપ જેવો ઘાટ હોય છે. ફેમિલીફાઈલો ઉપર અમેરિકા આવી ગયેલા નિરક્ષર ભારતીયો જે મળે તે અને જ્યાં મળે ત્યાં કામ કરવા રાજી હોય છે. અહીં કોઈ કામ નાનું કે મોટું ગણાતું નથી માટે કરવામાં તો શું શરમ રાખવાની? પણ જે મળે તે કામ કરી લેવાની મજબૂરીનો જબરદસ્ત લાભ ભારતીયો જ લેતા હોય છે. કોઈ શ્વેત-અશ્વેતનું શોષણ તમે કરી શકો નહિ. કોર્ટના ધક્કા ખાતા કરી મૂકે. એટલે અભણ, વૃદ્ધ અને અશક્ત ભારતીયોનું શોષણ આપણા ભારતીયો જ કરતા હોય છે. ડીસ્ક્રીમીનેશન અહીં મોટો ગુનો છે. સ્ત્રીઓના મોઢા ના જોવાય પણ પુરુષનું નિતંબશોષણ કરવામાં જરાય વાંધો નહિ તેવી પવિત્ર માનસિકતા ધરાવતા સંપ્રદાયનાં સંતો એક ભારતીયની મોટેલમાં એમના પવિત્ર વાઈબ્રેશન ફેલાવી તેને કૃતાર્થ કરવા પધાર્યા ત્યારે પેલાં ભારતીય મોટેલ માલિકે એમની અશ્વેત કર્મચારી એવી મહિલાને સ્થળ છોડી જવા ફરમાન કરેલું. પેલી મોટેલસ્થળ છોડી કોર્ટસ્થળે પહોચી ગયેલી એમાં પેલાં ભારતીય મોટેલ માલિકને બહુ મોટો દંડ ભોગવવો પડેલો.
શોષણ થવા દેવા માટેની તમારી મજબૂરીઓને લીધે તમે કેસ કરો નહિ તો સરકારને ક્યાંથી ખબર પડવાની હતી? જો તમને જ તમારું શોષણ મંજૂર હોય તો સરકાર શું કરવાની હતી? ભારતમાં આપણને કોઈ બેપાંચ હજાર પગારમાં રાખવા તૈયાર ના હોય અને અહીં અમેરિકા ૨૫-૩૦ હજાર રૂપિયા આપી લાવવા તૈયાર થઈ જાય તો એકંદરે લાભ બંનેને છે. પણ આ ૨૫-૩૦ હજાર એટલે આશરે ૫૦૦ ડોલર તે પણ મહીને અહીંના ધારાધોરણ મુજબના કહેવાય નહિ. આટલાં તો અઠવાડિયે મળવા જોઈએ.
વધુ પડતા આત્મવિશ્વાસમાં એકવાર ૯/૧૧ ઘટના બની ગયા પછી અમેરિકા વધુ પડતું સાવચેત થઈ ગયેલું છે. અને તે જરૂરી છે. આપણા ફિલ્મી ટાયડા કે લઘરવઘર ફરતા નેતાઓના માન સાચવવાની લ્હાયમાં અમેરિકન પ્રજાની સુરક્ષા હોડમાં મૂકે તેવું અમેરિકા નથી. આ લેડી ગાગા મુંબઈથી અમદાવાદ રોડરસ્તે એના કાફલા સાથે આવતી હોય તો મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર એની કોઈ ચકાસણી થાય ખરી? ચાલો એના બદલે સુનિધિ ચૌહાણ કે શ્રેયા ઘોષાલ હોય તો પણ કોઈ તપાસે નહિ. પણ અહીં લેડી ગાગા એક સ્ટેટ બદલી બીજા સ્ટેટમાં જતી હોય તો કુતરાઓની આખી ફોજ સાથે પોલીસ એના કાફલાની પૂરી ચકાસણી કરી લે, એમાં લેડી ગાગા પણ હસતી હસતી સહકાર આપે. ઘણીવાર જરૂરિયાત નિયમો બનાવી લેવા પ્રેરતી હોય છે. આંતરવસ્ત્રો તપાસવાના પહેલા કોઈ નિયમો હતા નહિ. પણ કોઈએ આંતરવસ્ત્રો અને ગુપ્તાંગોનાં ખાડાખૈયામાં કશું છુપાવ્યું હશે જે મળ્યું હશે માટે બધું તપાસવાના નિયમો બની ગયા હશે. સમાજની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું આકરું પાલન આપણી સમજમાં જલદી ઊતરતું નથી કારણ આપણે ત્યાં માણસ એનું સ્ટેટ્સ એના પૈસા બધું પહેલા ગણતરીમાં લેવાય છે કાનૂન પછી.
હું એવું નથી કહેતો કે અમેરિકા ભૂલો નથી કરતું કે બહુ મહાન છે પણ આપણે ત્યાં માણસ પહેલા જોવાય છે પછી કાયદો જ્યારે અહીં કાયદો પહેલા ગણતરીમાં લેવાય છે માણસ પછી માટે આ બેસિક તફાવત ધ્યાનમાં રાખવો જોઈએ.. જો કે માણસ જાતના ઇતિહાસમાં ડીસ્ક્રીમીનેશન કરવામાં સદીઓથી અવ્વલ નંબરે રહેલી પ્રજાના મનમાં આ વાત જલદી નહિ ઊતરે તે પણ હકીકત છે.
નોંધ: મિત્રો જમણા હાથે કોણીમાં ફ્રેકચર છે નિયમિત લખવું મુશ્કેલ છે, એક હાથે તે પણ ડાબા હાથે લખવું અઘરું છે છતાં ટ્રાય કર્યો છે.