All posts by Bhupendrasinh Raol

વિચારવાની બારીઓ ખોલીને બેઠેલો સીધોસાદો માનવી.

મીરાંની જેમ મને મળજો…. હસાવતો કવિ કલેક્ટર..

images

મીરાંની જેમ મને મળજો…. હસાવતો કવિ કલેક્ટર

ગુજરાતી લિટરરી અકૅડમી તરફથી હંમેશની જેમ ઇ-મેલ આમંત્રણ આવી ગયેલું કે હાસ્ય, નિબંધ અને કવિતા એમ ત્રિવેણી સંગમ માણવા જવાનું છે. અને આ ત્રિવેણી સંગમમાં ગંગાસ્નાન કરાવવાના છે શ્રી ભાગ્યેશ જહા. નામ જાણીતું લાગ્યું પણ શેના માટે જાણીતું હતું બરોબર યાદ નહોતું આવતું. લાગે કે બહુ વાર ક્યાંક વાંચેલું છે. બ્રેન ગોટાળે એટલા માટે ચડેલું કે અહી કવિ ભાગ્યેશ જહાને સાંભળવાના હતા. અને ઊંડે ધરબાયેલી સ્મૃતિ કાંઈક  જુદું કહેતી હતી.

સમય પહેલા પહોચી પણ ગયો. મિત્ર શ્રી અમૃત હઝારી પણ મળી ગયા. શ્રી ભાગ્યેશ જહાની ઓળખ વિધી શરુ થઈ ને ઊંડે ધરબાયેલી સ્મૃતિ જે જુદું બોલતી હતી તેનો ભેદ પકડાઈ ગયો. અરે ! આજના કવિ તો પેલાં જાણીતા વડોદરામાં ૨૦૦૨ માં કલેક્ટર હતા તે છે ! આ નામ તો વડોદરા હતો ત્યારે છાપાઓમાં રોજ વાંચતો હતો. તે સમયે કોમી ધમાલો થઈ હતી. ૬૦ કેમેરામેન વચ્ચે એમનું ભયાનક જાહેરમાં અપમાન કરવામાં આવેલુ. બહુ મોટો વાદવિવાદ જાગેલો. મને બધું યાદ છે. એમના મિત્રોએ પણ કહેલું કે રાજીનામું આપી દો પણ ઘેર જઈને એક કવિતા લખી નાખી કે “ તું હળાહળ ઝેર છે તો હું અહી નીલકંઠ છું, તું હશે તલસાટ તરસનો હું પ્રેમથી આકંઠ છું.” અને પછી ઊંઘી ગયા.

માતૃભાષા માટે અમારી પેઢીને અનહદ લગાવ છે જે અહી ભાગ્યેશ જહાના વક્તવ્યોમાં દેખાઈ આવે છે. મૂળ તો માણસા બાજુના સરઢવ ગામના નાગર. કહે છે માતૃભાષા મારી માં છે, હિંદી મારી માસી અને અંગ્રેજી પડોશમાં રહેતી વિદેશી વિદુષી રૂપાળી નારી છે. ઊંઘ ના આવે ત્યારે હાલરડું તો માતા જ ગાય અને પેટમાં દુખે તો માસી દવા આપે આને બેસતા વર્ષના દિવસે પડોશમાં જઈને અંગ્રેજી માતાને પગે લાગી ૧૦૦ ડોલર લઈ આવવાના.

કવિ કલેક્ટર તો દિયોર મૅહૉણાના નૅકળ્યા.. અને તેય પાસા મારા ગૉમ બાજુના. હાહાહાહાહા !!

ભાગ્યેશભાઈ મહેસાણી તળપદી ભાષા બોલીને ખૂબ હસાવે. અમારા મહેસાણા બાજુ વાતે વાતે લોકો દિયોર શબ્દ વાપરે. પૂર્ણ વિરામ માટે, અલ્પ વિરામ અને પ્રશ્નાર્થ માટે પણ દિયોર વપરાય. આવો દિયોર, હુ કૉમ અતુ દિયોર અહી દિયોર એટલે પ્રશ્નાર્થ ચિન્હ સમજવું. એમના ગામ સરઢવ જતી બસમા કોઈ ભાઈ બેઠા હશે. કોઈને પૂછ્યું હશે કે બસ ક્યાં જાય છે પેલાં એ  કહ્યું હૈઢવ,. તો પેલાં ભાઈ ઊતરવા લાગ્યા તો કંડક્ટરે પૂછ્યું કેમ ઊતરો છો તો કહે મારે સરઢવ જવું છે તો પેલો કહે બેસો બસ સરઢવ જ જાય છે. હૈઢવ અને સરઢવ એક જ કહેવાય.. હાહાહા..

નર્મદા યોજના વખતે હવનમાં હાડકાં નાંખવા આવેલા એક્ટિવિસ્ટ વિષે કહે એ બાઈ જોડે ચાર-પાંચ  કલાક સમધાન માટે ચર્ચા ચાલી પણ બાઈ માને જ નહી. એમણે નામ દીધું નહિ પણ અમે સમજી ગયા કે મેઘા પાટકરની વાત કરતા લાગે છે. તે સમયે એમણે એક કવિતા રચેલી આખી કવિતા નથી લખતો પણ જે યાદ રહી તે પંક્તિઓ લખું.

અમે એક્ટિવિસ્ટો, ઇષ્ટ-અભીષ્ટ અને ટ્વિસ્ટ કરીને ગાવું એજ અમારો મૅનિફેસ્ટો.

થોડી ઉધાર લો અંગ્રેજી, થોડી મેલી રાખો સાડી, થોડી મેલી રાખો ગાડી,

ક્યાંક શોધી રાખો મુળજી તડવી,

સાથે નહિ પણ સામે રહીએ કરવા કરતા કહેતા રહીએ.. કવિતા તો બહુ લાંબી છે, પણ એમાં એમનો આક્રોશ દેખાઈ આવે છે.

ભાગ્યેશ જહા સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે વર્ષોથી છે. I.A.S. ઓફિસર છે. એટલે વહીવટી કામમાં સતત ખૂંપેલા રહેતા હોય તે સ્વાભાવિક છે. પણ એમાંથી ય એમને કવિતા જડી જતી હોય છે. સ્યૂડો સેક્યૂલર એવા દંભી એક્ટિવિસ્ટો પર લખેલી કવિતા એનો ઉત્તમ નમૂનો છે. ત્રાસવાદ અને કામવગરનાં વાનરની જેમ ઊછળકૂદ કરતા જર્નાલિઝમ ઉપર કટાક્ષ કરતી કવિતા પણ એનો ઉત્તમ નમૂનો છે. આવો એક ત્રાસવાદમાં ઘાયલ થયેલો એક વ્યક્તિ હોસ્પિટલમાં પડ્યો છે. કહે છે ડૉક્ટર સાહેબ આ પેલાં કાકાને લઈ જાવ એમની આખોમાંથી લાલ રંગનું લોહી ટપકશે તો આખું રેલવે સ્ટેશન ઊગી નીકળશે, અને વૉર્ડ બૉયને કહેજો સવારની ચા લાવે પણ એની સાથે આજનું છાપું ના લાવે.

એક ડોસીની કવિતા તો અજબ હતી. ડોશી કોઈ જુવાનિયાની કારની હડફેટે આવી જાય છે. પછી લાંબું વર્ણન છે. ‘ડોસીની કરચલી વાળી ચામડી જાણે સમુદ્રની લહેરોની ગડી વાળીને મૂકેલી હોય’ પંક્તિ આવતા શ્રોતાઓ આહ અને વાહ પોકારી ઊઠતા. છેલ્લે ડોશી ડૉક્ટરને કહે છે મને ના ઓળખી? હુ તારી માતૃભાષા.

વચમાં વચમાં સાહેબ હાસ્યની છોળો ઉછાળતા ટૂચકાઓ કહેતા જતા હોય છે. એ વડોદરા હતા ત્યારે તોફાનો થયેલા એનો ટુચકો કહેતા કહે છે એક ભાઈ ઘાયલ રસ્તામાં પડેલા જોયા, ઝભ્ભો ફાટી ગયેલો. એમને કહ્યું ચિંતા ના કરો તમને ઘેર લઈ જઈએ છીએ તો પેલાં ભાઈ કહે લઈ જવું હોય તો હોસ્પિટલ લઈ જાવ ઘેરથી જ આવ્યો છું. આવા એક ઘાયલ ભાઈને દવાખાનાનો ક્લાર્ક પૂછે કે,

Amrut Hazari and Bhagyesh Jaha
Amrut Hazari and Bhagyesh Jaha

શું નામ?

કરશનજી

ઉંમર કેટલી?

૪૯ વર્ષ

પરણેલા છો કે કુંવારા?

પણ સાહેબ આ તો બહાર વાગ્યું છે ઘરમાં નહિ..

એક પત્ની સાયકાયટ્રિસ્ટ પાસે કમ્પ્લેન કરે છે કે મારા પતિ ઊંઘમાં બહુ બબડે છે. ડૉક્ટર કહે એમને રાતે ઑબ્ઝર્વેશનમાં રાખવા પડે. પછી પેલાં ભાઈ રાતે વારેઘડીયે બોલતા હોય છે કે શર્મિષ્ઠા આઈ લવ યુ, શર્મિષ્ઠા આઈ લવ યુ. ડૉક્ટર પેલાં બહેનને કહે આ જુઓ તમને કેટલો બધો લવ કરે છે અને તમે ફરિયાદ કરો છો તો પેલાં બહેન કહે પણ મારું નામ શર્મિષ્ઠા નહિ રીટા છે.

એમના ૩૨ વર્ષના સુખી લગ્નજીવન વિષે બહુ મજાની કવિતા એમણે લખી છે. પતિ બહુ મોટો ઓફિસર હોય, પૈસા હોય, ગાડી હોય, બંગલો હોય, હાઈ સ્ટેટસ હોય અને ખાસ તો પતિ એના કામમાં બહુ વ્યસ્ત રહેતો હોય તો ઘરેલુ ઝઘડા થવાના ચાન્સ બહુ ઓછા. ઘેર ખાસ રહેતો હોય તો ઝઘડા થાય ને? આવું મારુ પોતાનું માનવું છે.

આપણા જુના કલ્ચરમાં પતિ પત્ની એકબીજાને નામ દઈને બોલાવતા નથી. કહુ છું? અને સાંભળો છો? એમ જ વાતો ચાલતી હોય છે. એને કવિતામાં બહુ સરસ રીતે વણી લીધું છે. થોડી પંક્તિઓ,

‘કહું છું કહીને મેં ક્યાં કઈ કીધું? સાંભળો છો કહી તે શું સુણાવ્યું?

આપણે તો આપણા જીવનનું ગીત કેવું ધોધમાર જોરદાર ગાયું,

જાણે આભ આખું આંગણે સમાયું.

ચપ્પલને ઊંધું પાડી ઝઘડાના ઝાંપાને હુ સહેજ સાજ ખોલું,

ત્યાં જ મારા ચશ્માના લૂછે તું કાચ કેમ કરી હુ કાંઈ બોલુ.

બાથરૂમ કે અરીસામાં ચોટેલા ચાંદલામાં વાંચુ હું તબિયતની ભાષા,

ઓટલા પર સૂકવેલા સૂરજમાં તું સાચવે મોજ અને મસ્તીની આશા.

આપણે તો આપણા જીવનનું ગીત કેવું ધોધમાર જોરદાર ગાયું,

જાણે આભ આખું આંગણે સમાયું.

જહા સાહેબ ચિતોડ ઇલેક્શન ઑબ્ઝર્વર તરીકે ગયેલા ત્યાં મીરાંનું એક મંદિર છે. મીરાંની મૂર્તિ બહુ મોટી છે અને બાજુમાં કૃષ્ણનો ફોટો નાનકડો મૂકેલો છે. જહા સાહેબ ત્યાં રોજ જતા. ત્યાં મીરાંના મંદિરમાં એમને જાણે કૃષ્ણ કહેતા હોય તેમ કવિતા સૂજેલી કે

‘આસપાસ આરપાર અઢળક ઊભો છું,

તમે પાછા વળીને મને કળજો, તમે મીરાંની જેમ મને મળજો.’

બહુ સુંદર કવિતા છે. નાગરી નાતને કૃષ્ણ સાથે બહુ મોટું ભાવનાત્મક જોડાણ. એમની આવી જ કવિશ્રી કૃષ્ણ દવે યાદ આવી જાય તેવી કવિતા,

SMS કરવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં આવવાનું રાખો,

મથુરા અને વૃંદાવન જાગ્યા છે રોમરોમ મોરલી મોબાઈલ જેવી રાખો.’  આખી કવિતા ખૂબ મજાની છે.

વળી પાછા થોડા જોક્સ. સૌરાષ્ટ્રનો કોઈ પ્રસંગ કહેતા બાપુઓ યાદ આવી જાય તે સ્વાભાવિક. અને હાસ્ય પ્રસંગો કહેનારને બાપુઓના જોક્સ તો યાદ આવે જ. પણ હૉલમાં કોઈ બાપુ હોય તો પૂછી લેવું સારુ સમજી જહા સાહેબ કહે માફ કરજો અહી કોઈ બાપુ તો નથી ને? મેં આંગળી ઊંચી કરી અને કહ્યું હું છું, પણ હુ તમારા ગામ બાજુના ગામ માણસાનો છું સૌરાષ્ટ્રનો નહિ. તો હસતા હસતા કહે બાપુઓ બધે સરખા જ હોય. એક બાપુના ત્રણ દીકરા હતા. કોઈએ બાપુને પૂછ્યું દિકરાઓ શું કરે છે? બાપુ ગર્વથી કહે મોટો ફોજદાર બની ગયો છે. પછી ગર્વથી કહે વચલો કંડક્ટર બન્યો છે. પછી ત્રીજાની વાત આવતા મોઢું પડી જાય છે. પેલાં ભાઈ કહે કેમ શું થયુ? ત્રીજો શું કરે છે? બાપુ મોઢું બગાડી કહે ઈ કવિ થૈ ગ્યો સ..

એમની દીકરીના ઘેર એમના શ્રીમતી(ઝરણાબહેન) સાથે આવ્યા છે તે યાદ કરીને છેલ્લે કહે છે.

     ભાગ્યેશ જહા પાછળ મધૂ રાય પીળા જેકેટ્માં
ભાગ્યેશ જહા પાછળ મધૂ રાય પીળા જેકેટ્માં

ઝરણા સાથે આવ્યો છું, ઝરણા સાથે આવ્યો છું,

નરસૈયાની વાત લઈને ધડકન સાથે આવ્યો છું,

મંત્રો સાથે બરફ સમજવા આવ્યો છું,

નર્મદ નાનાલાલની ભાષા હડસન કાંઠે લાવ્યો છું,

કમ્પ્યૂટરમાં સંતાયેલી રાધા શોધી લાવ્યો છું,

હું ગૌરવશાળી ગુજરાતી, ગણતર છું, ભણતર છું,

કૃષ્ણ સુદામાની વાતો ને ગીતો સાથે લાવ્યો છું.

સાડા પાંચ વાગી ગયા ખબર જ ના પડી. બે-અઢી કલાક ક્યાં જતા રહ્યા સમજ ના પડી. પ્રોગ્રામ પૂરો થયે હું અને મિત્ર શ્રી અમૃત હઝારી સ્ટેજ પર એમને મળવા પણ ગયા. મને કહે માણસાના એક ડૉ. રામસિંહ રાઓલ હતા. મેં કહ્યું હા ભરૂચમાં નર્મદા ફર્ટિલાઇઝરની ટાઉનશિપની હોસ્પિટલમાં સર્જન છે મારા કઝન થાય.

થોડા બીજા મિત્રોને મળી અમે છુટા પડ્યા.  મોદી સરકારમાં મીડિયા મૅનેજમેન્ટ કમિશ્નર શ્રી ભાગ્યેશ જહા એટલે હસતો હસાવતો ઓફિસર કવિ. એની કવિતમાં પ્રેમ છે, રોમૅન્સ છે, હાસ્ય છે, કૃષ્ણ છે, રાધા છે, મોરલી છે, આધુનિકતા છે, ક્મ્પ્યૂટર છે, ભક્તિ છે, મીરાં છે, દંભ સામે આક્રોશ છે, કટાક્ષ છે, અને મુખ્ય તો ધરતીનો વાસ્તવિક ધબકાર છે. એમના હાસ્યમાં મે-શાણા(મહેસાણા) અને યુ-ગાન્ડા(યુગાન્ડા) છે, લૅબુ, મૅઠુ ને પૉણી સ…ગૉધીનગર સ…

ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૨

imagesCA8VIC92ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૨

જ્યારે આપણે કોઈ અજાણ્યા ને જોઈએ ત્યારે કે કોઈ અજાણ્યા સાથે મુલાકાત થાય ત્યારે આપણું એમિગ્ડલા (amygdala) સ્ટ્રેસ હૉર્મોન રિલિસ કરતું હોય છે. આ એક ચેતવણી સૂચક છે. અજાણ્યો જોખમકારક પણ હોઈ શકે. આપણી સોસાયટીમાં કોઈ અજાણ્યા ચહેરાને ચક્કર મારતા જોઈએ કે કોઈ નવો રહેવાસી આવે ત્યારે પણ આવું જ થાય. મતલબ અજાણ્યાથી દૂર રહેવું સારુ કે એનાથી દૂર ભાગી જવું, ખોટું જોખમ લેવું ? પણ સાથે સાથે અચેતનરૂપે  Social Engagement System શરૂ થતી હોય છે. કારણ અજાણ્યો માનવી પણ અચેતનરૂપે સિગ્નલ મોકલતો હોય છે, જેવું કે સામે જોઈને હસવું. હવે આ સિગ્નલ વડે લાગે કે કોઈ જોખમ જેવું લાગતું નથી કે અજાણ્યાનો વિશ્વાસ કરાય તેવો છે ત્યારે સોશિઅલ ઇંગેજમન્ટ સિસ્ટમ “Vagal Brake” શરુ કરે છે, (neurological stimulation of the vagus nerve, that slows the heart and causes the parasympathetic nervous system to reduce arousal).

ધારો કે આપણને કોઈ પાર્ટી કે કોઈ લગ્ન પ્રસંગે જવાનું આમંત્રણ મળી ગયું છે અને તે દિવસ આવતાં આપણે ત્યાં સ્થળ ઉપર જઈએ છીએ. હવે જેણે આમંત્રણ આપ્યું હોય તે આવકારવા દેખાય નહીં અને સાવ અજાણ્યા ચહેરા નજરે આવે તો એમિગ્ડલા તરત સ્ટ્રેસ હૉર્મોન સ્ત્રાવ કરશે. તો પહેલો રિસ્પૉન્સ એવો આવશે કે ચાલો ઘેર જતા રહીએ. સ્થળ છોડી જવાથી તરત રાહત થઈ જાય પણ ભલે અજાણ્યો હોય કોઈ માનવી સામે જોઈ મલકાશે અથવા કેમ છો કહી વાતચીત કરવાનો પ્રયત્ન કરશે તો તરત પેલી તાત્કાલીક ઘેર જવાની ઇચ્છા અદ્રશ્ય થઈ જશે. છતાં હજુ એમિગ્ડલા સ્ટ્રેસ હૉર્મોન સ્ત્રાવ કરવાનું ચાલું જ રાખશે કારણ હજુ પેલો માનવી અજાણ્યો છે. આ સ્ટ્રેસ હૉર્મોનના લીધે હાર્ટ બીટ મિનિટના ૧૦૦ કરતાં વધી જવાના. થોડી વધુ વાતચીત થાય, કોઈ નવી ઓળખાણ નીકળે અને આપણી સોશિઅલ ઇંગજમન્ટ સિસ્ટમ વાંચી લે કે અજાણ્યો લાગતો માણસ કોઈ જોખમી નથી Vagal Brake શરૂ જે હાર્ટ બીટ ૧૦૦ ઉપરથી ૭૦ ઉપર લાવી મૂકશે.

સોશિઅલ ઇંગજમન્ટ સિસ્ટમ પાસે એક બીજી વધારાની સગવડ છે તમને શાંત પાડવાની. તે anti-anxiety hormone oxytocin સ્ત્રાવ કરશે. જે ફિઅર સિસ્ટમનું શટર બંધ કરશે. ઑક્સિટોસિન એમિગ્ડલાને સતત સ્ટ્રેસ હૉર્મોન છોડતું હંગામી ધોરણે અટકાવશે. ફિઅર સિસ્ટમના દ્વાર બ્રેન કેમ બંધ કરતું હોય છે ? Nothing is more important in biology than reproduction. હવે આ અજાણ્યા ભાઈ જે આપણી સાથે વાતચીત કરીને સંબંધ વધારી રહ્યા છે તેમની બાજુમાં કોઈ યુવતી આવી જાય એમને શોધતી શોધતી તો ? એમિગ્ડલા જે સ્ટ્રેસ હૉર્મોન્સ સ્ત્રાવ કરતું હોય છે તેના ઉપર નિયંત્રણ આવી જશે. Inhibition of the amygdala facilitates mating with a person who is genetically dissimilar. હવે ઘેર જવાનું મન નહીં થાય. હાહાહાહાહાહા ! ! !

ઑક્સિટોસિન મન ઉપર “do not disturb” લખેલું પાટિયું સમજો. બે પ્રેમીઓ એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં હોય ત્યારે બંનેના બ્રેનમાં ઑક્સિટોસિન સ્ત્રાવ થતો હોય છે. એક માતા એના બાળકને ધવરાવતી હોય ત્યારે બંનેના બ્રેનમાં ઑક્સિટોસિન સ્ત્રાવ થતો હોય છે.

ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૧

 imagesCANE1PHGભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૧

ખાવાની ઇચ્છા ઘણીવાર કાબૂ બહાર જતી રહેતી હોય છે. વજન વધી ગયું હોય, કોલેસ્ટેરોલ વધી ગયું હોય, શુગર વધી જતી હોય છતાં ખાવાની ઇચ્છા કાબૂમાં રહેતી નથી. એનાં ઘણાં કારણો હોઈ શકે. સ્ત્રીઓને ગળ્યું ખાવાની ઇચ્છા પુરુષો કરતાં ઍવરિજ વધુ થતી હોય છે. સ્ત્રીઓમાં મેન્સ્ટ્રુઅલ સાઇકલ વખતે હોર્મોનલ બૅલન્સ ખોરવાઈ જતું હોય છે. એની અસર ઍપિટાઇટ અને ઇટિંગ બિહેવ્યર ઉપર પડતી હોય છે. ઑવ્યુલેશન અને પિરિઅડ પ્રથમ દિવસ વચ્ચે સ્ત્રીઓને વધારે એનર્જી ની જરૂર પડતી હોય છે. તેવા સમયે ગળ્યું ખાવાની તીવ્ર ઇચ્છા થતી હોય છે એનું કારણ એ કે શર્કરા સીધી લોહીમાં ભળીને એનર્જી આપતી હોય છે. આવા સમયે ઘણી સ્ત્રીઓને કઠોળ ખાવાની ઇચ્છા પણ જાગતી હોય છે. કારણ છે તે સમયે લીન પ્રોટીન પણ વધુ જોઈએ. ટૂંકમાં આ બધું સભાનપણે થાય નહીં અને શરીરને ચોક્કસ શું જોઇએ છે તે સમજ પડે નહીં પણ વધુ ખાવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે.

એક બીજુ કારણ એ પણ છે કે ઑવ્યુલેશન પછી “feel good” hormone (serotonin) લેવલ ઓછું થઈ જતું હોય છે જે સ્ત્રીઓમાં ડિપ્રેશન લાવતું હોય છે. તેવા સમયે કાર્બોહાઇડ્રેટ ખાવા મતલબ ગળ્યું ખાવું સિરોટોનિન લેવલ વધારતું હોય છે. પહેલા સ્ત્રીઓ લાપસી, શીરો, સુખડી ખાવામાં રસ વધુ ધરાવતી તો આજની આધુનિક  યુવતીઓ ચોકલેટ આઇસક્રીમ ખાવામાં વધુ રસ ધરાવતી હોય છે. આમ વધુ ખાવાની ઇચ્છા તે ડિપ્રેશન દૂર કરવાની દવા છે જે શરીર જાતે જ કરતું હોય છે. મતલબ સિરોટોનિન લેવલ વધારવા અને એક્સ્ટ્રા એનર્જી મેળવવા ખાવાની ઇચ્છા વધી જતી હોય છે અને ખાસ તો ગળ્યું ખાવાની. છે ને ઇન્ટરેસ્ટિંગ?

હૉર્મોનની વાત કરીએ છે તો સ્ટ્રેસ હૉર્મોન cortisol ને ભૂલાય નહીં. જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ ત્યારે cortisol પેદા થતું હોય છે. કોઈ જોખમ ઊભું થવાની સંભાવના ઊભી થાય ત્યારે બ્રેન Cortisol and adrenaline સ્ત્રાવ કરતું હોય છે જે લોહીમાં ભળીને આવનારા જોખમ સામે લડવા તૈયાર કરી દે. આપણા હાથ અને પગ તરફ લોહી ધસી જતું હોય છે જેથી આપણે લડી શકીએ અથવા ભાગી શકીએ. દા.ત. રાતનો સમય હોય ને કોઈ ભયાનક ચહેરાવાળો માનવી આગળ આવી જાય તો આપણે જોખમ અનુભવીએ ત્યારે  Cortisol and adrenaline તમને લડવાની કે ભાગવાની ઍકસ્ટ્રા શક્તિ આપે.

પણ અહીં એક પ્રૉબ્લેમ છે, ભયાનક ચહેરો ધરાવતો માનવી આગળ આવી જાય અને તમે મહત્વની મિટિંગ છે અને ઑફિસ જવામાં લેટ પડ્યા હોવ તે બે વચ્ચેનો તફાવત શરીર સમજતું નથી. A stressor is a stressor. ઑફિસ જવામાં લેટ પડો ત્યારે પણ સ્ટ્રેસ પેદા થવાનો અને Cortisol and adrenaline સ્ત્રાવ બ્રેન કરવાનું જ છે. અહિ તો તમે લડી પણ ના શકો અને ભાગી પણ ના શકો. આ હૉર્મોન્સ અનહૅપી કેમિકલ તરીકે ભલે ઓળખીએ પણ છે તો કામના. પ્રૉબ્લેમ એ થાય કે આના કારણે ભાગવા અથવા લડવા વધારાની તાકાત જોઈએ તે માટે શરીરને લાગે એક્સ્ટ્રા કેલરીની જરૂર છે તો પછી શું કરવાનું, ખાઓ વધારે. આજે અકુદરતી લાઈફસ્ટાઈલ જીવતો માનવી સતત સ્ટ્રેસમાં જ રહેતો હોય છે. ખોરાકની તીવ્ર ભૂખ અને ઇમોશનલ ઇટિંગ્ એ મોટી સમસ્યા છે.

તો શું કરીશું? એક તો નક્કી કરીએ કે સ્ટ્રેસ ભોગવવો નથી. નથી ભોગવવો તો શોચો ઑફિસે લેટ પડાશે તો કોઈ મારી નાખવાનું છે? ના તો પછી એના માટે શક્ય વધુમાં વધુ શુ કરી શકાય? ઑફિસમાં એક ફોન કરી લેવાય કે આજે જરા મોડું થયું છે. આ તો દાખલો આપું છું રોજ ઑફિસે મોડા જતા નહીં. બૉસ કાઢી મૂકશે. બૉસને ફોન કરી બે ઊંડા શ્વાસ લો. બીજો દાખલો આપું કોઈ પાર્ટી કે લગ્નમાં જવાનું હોય કે ફિલમ જોવા જવાનું હોય ત્યારે આપણે તૈયાર થઈને બહાર ઊભા રાહ જોતા હોઈએ પણ શ્રીમતી અંદર શું કરતાં હોય સમજ પડે નહી. ત્યારે સ્ટ્રેસ ઊભો થઈ જતો હોય છે. પાર્ટી પતી જાય પછી પહોચવાનું છે? કન્યાવિદાય થઈ જશે પછી પહોંચવાના, ફિલમ અડધી પતી જવાની એમ બુમો પાડતા હોઈએ છીએ. મને પોતાને આવો સ્ટ્રેસ થતો હોય છે. હાહાહાહાહાહા . આનો કોઈ ઉપાય નથી. જે વસ્તુ આપણાં હાથમાં ના હોય તેની ફિકર છોડી દેવી સારી..

Tattoo સ્ત્રીઓ માટે અવિશ્વસનિયતાનું પ્રતીક

 imagesCA3Q1221Tattoo સ્ત્રીઓ માટે અવિશ્વસનિયતાનું પ્રતીક

ટૂંકી મુદત માટે હોય કે જીવનભરનો સાથ નિભાવવાનો હોય પુરુષને સુંદર સ્ત્રીનો સહવાસ ગમતો હોય છે. પુરુષ  સ્ત્રીઓની સરખામણીએ સુંદરતા પ્રત્યે વધુ સભાન હોય છે. પતલી કમર(low waist-to-hip ratio), પુષ્ટ સ્તનભાર(larger breasts), સૌન્દર્યપ્રસાધનનો વ્યાપક ઉપયોગ, આકર્ષક પરિધાન(ખાસ લાલ રંગના) જેવા સ્ત્રીઓનાં શારીરિક સંકેત બાબતે પુરુષો વધુ સંવેદનશીલ હોય છે. મતલબ પોતાના સૌન્દર્યને નિખારતી સ્ત્રીઓ પ્રત્યે પુરુષ વધુ સભાન બની જતો હોય છે. પણ સાઇકૉલાજિસ્ટ Nicolas Guéguen કહે છે આ પ્રકારની પુરુષોની સંવેદના સ્ત્રીઓ વિષે વધુ પડતી ધારણા બાંધી લેતા હોય છે. મતલબ પોતાના સૌંદર્ય વિષે વધુ પડતી સભાન સ્ત્રીઓ વધુ કામુક હોય છે તેવી ખોટી ધારણા પુરુષો બાંધી લેતા જોવા મળતા હોય છે.

જુના સમયમાં કહેવાતા સારા ઘરની સ્ત્રીઓ, વહુવારુઓ, દીકરીઓ સાદગીપૂર્ણ રહેણીકરણી અપનાવતી.સાદગીમાં સૌંદર્ય જોવાની આદત પાડવામાં આવતી. કપાળની બાજુમાં કાન બાજુ વાળની લટ કાઢી હોય તો ઘરના વડીલની આંખોનાં ભવાં ચડી જતાં. લિપસ્ટિક તો વાપરવાની જ શેની હોય ? મેકઅપ તો વાત જ જવા દો. નેલપોલિશ વાપરવી, લિપસ્ટિક વડે હોઠ રંગવા, મેક-અપ કરવો, વાળની લટ કાઢવી બધું કહેવાતી સંસ્કારી ઘરની સ્ત્રીઓ કરતી નહીં. અને આવું બધું કરીને નિત્ય ફરતી સ્ત્રીઓ પ્રત્યે લોકો શંકાની નજરે જોતા. મનોમન ધારી લેતા કે આડા સંબંધ ધરાવવામાં હોશિયાર હશે, અને એવી સ્ત્રીઓને વૈશ્યા કહેતા પણ અચકાય નહીં તેવો જમાનો હતો. ધીમે ધીમે નખ રંગવાની છૂટ મળવા લાગી તે પણ મેં જોયેલું છે. છતાં હોઠ રંગવાની છૂટ બહુ મોડેથી મળેલી.

કહેવાતા સારા ઘરની સ્ત્રીઓ ત્રાજૂડાં ત્રોફાવતી નહી. પશુપાલન કરતા સમાજોમાં સ્ત્રીઓ માટે છૂંદણાં ધરાવવા સામાન્ય હતું. છૂંદણાં પ્રત્યે જુના ભારતીય સમાજોમાં કોઈ છોછ જોવા નહોતો મળતો. જો કે તે છૂંદણાં એક જ કલરના રહેતા. છૂંદણાં માટેના વિષય, લખાતા નામ, ડિઝાઇન  વગેરેમાં ભગવાન મુખ્ય રહેતા. એટલે આવા ત્રાજૂડાં ધરાવતી સ્ત્રીઓ પ્રત્યે અવિશ્વાસ રાખવાનું કે વધુ પડતી કામુક હશે તેવું ધારવાનું કોઈ કારણ નહોતું.

આધુનિક જમાનામાં પશ્ચિમના જગતમાં જાતજાતનાં છૂંદણાં છૂંદાવવાનો રિવાજ શરૂ થયો છે અને તે ઘણીવાર પાગલપનની હદ વટાવી જાય તેવો પણ જોવા મળતો હોય છે. આ વર્ષે બાસ્કેટબૉલ ફાઇનલ મેચ જીતેલી મિયામી ટીમનો ખેલાડી એન્ડર્સન જુઓ તો મોઢા સિવાય એના શરીર પર કોઈ જગ્યા બાકી નથી, અત્ર તત્ર સર્વત્ર ટટૂ, tattoos, છૂંદણાં, ત્રાજૂડાં…મને એને જોઈને હસવું આવતું હતું.

ફ્રાન્સમાં ૧૨ % સ્ત્રીઓ ટેટૂડાં ચિતરાવેલી ફરતી હોય છે. તો અમેરિકામાં વળી ૨૩ % સ્ત્રીઓ ટેટૂડાં ચિતરાવીને ફરતી હોય છે. આવી જાતજાતની મનમોહક ચિત્રાવલી શરીર ઉપર લઈને ફરતી સ્ત્રીઓ વિષે એક અભ્યાસ મુજબ પુરુષો બહુ ઊંચો ખ્યાલ ધરાવતા હોતા નથી. એક સાદો અભ્યાસ કરવામાં આવેલો એક સ્ત્રી એના ડાબા હાથે બ્લેક ડ્રેગનનું ટેટૂ ચિતરાવીને એને લોકો જુએ તેમ ફરતી હતી ત્યારે પુરુષોએ એને ઓછી ઉત્સાહી, ઓછી પ્રમાણિક, ઓછી બુદ્ધિ ધરાવતી ગણાવેલી. જ્યારે એ સ્ત્રી ટેટૂ બતાવ્યા વગર ફરતી હતી ત્યારે એના વિષે અભિપ્રાય જુદો હતો. મતલબ સ્ત્રીઓના શરીર પર શોભતા ટેટૂ પુરુષોના મનમાં નકારાત્મક પ્રતિભાવ પેદા કરતાં હોય છે.

ટેટૂ સાથે piercing ની બોલબાલા પણ વધી છે. આપણે કાન કોચાવીને બૂટીઓ પહેરીએ કે નાકમાં ચૂની પહેરીએ તે પણ piercing જ કહેવાય. પણ આપણી સંસ્કૃતિમાં એ સામાન્ય છે. ભારતમાં લગભગ તમામ સ્ત્રીઓના નાક અને કાન કોચાવેલા હોય છે. પુરુષો પણ કાન કોચાવીને કુંડલ પહેરતા હોય છે. પણ પશ્ચિમના જગતનું piercing થોડું અલગ હોય છે. આ લોકો જીભ કોચાવીને મણકા મુકાવતા હોય છે. અહીં કોઈ બંધન હોતા નથી શરીર પર મનફાવે ત્યાં ધાતુના મણકા મૂકાવો, કડીઓ લટકાવો. ડૂંટી કોચાવીને કડી લટકાવતા હોય છે. અરે ! યોનિ પ્રદેશ ઉપર પણ  piercing કરીને કડીઓ અને મણકા બેસાડેલા હોય છે. ઘણીવાર જોતા ત્રાસ ઊપજે તેવું piercing જોવા મળતું હોય છે. મનોવૈજ્ઞાનિક Guéguen એક અભ્યાસમાં જણાવે છે કે ફ્રાન્સમાં ટેટૂ ચિતરાવેલી અને  piercing કરાવેલી સ્ત્રીઓ બહુ નાની ઉંમરમાં સમાગમનો આનંદ માણી ચૂકેલી જોવા મળેલી છે પણ આવી સ્ત્રીઓ સેક્સમાં કાયમ વધુ પડતી રસ લેતી હોય તેવું માનવું વધુ પડતું છે. પણ પુરુષો એવું માનતા હોય છે તે વાત જુદી છે.

ફ્રાન્સના સાઉથ વેસ્ટ એટલાન્ટિક કોસ્ટ ઉપર આવેલા એક પ્રખ્યાત બીચ ઉપર  Guéguen ભાઈ દ્વારા એક રસપ્રદ અભ્યાસ કરવામાં આવેલો. અભ્યાસમાં ભાગ લઈ રહેલી સ્ત્રીઓએ લાલ રંગના સ્વિમ-સૂટ પહેરીને બીચ ઉપર ઊંધા સૂઈ એક પુસ્તક વાંચ્યા કરવાનું હતું. અમુક સમય પૂરતું એમના નિતંબ થી થોડે ઉપર ૧૦.૫ બાય ૪.૯૫ સેન્ટિમીટર માપનું હંગામી ધોરણે ચીતરેલું બટરફ્લાય ટેટૂ દેખાય તે રીતે પડી રહેવાનું હતું. અને અમુક સમય પૂરતું પેલું હંગામી ટેટૂ દૂર કરી ઊંધા સૂતા સૂતા પુસ્તક વાંચ્યા કરવાનું હતું. ૨૦ મિટર દૂરથી આ બધા ઉપર નજર રાખવામાં આવી રહી હતી. બીચની જગ્યા એવી પસંદ કરવામાં આવેલી જ્યાં યુવાન પુરુષોની અવરજવર વધુ હોય.

આ સ્ત્રીઓને જોઈ,  ‘હેલ્લો’, ‘પહેલા અહીં કદી જોયા નથી’, હેલ્લો શું વાંચી રહ્યા છો?’ એવી પુરુષો તરફથી પૂછપરછ શરૂ થઈ ગઈ હતી. સ્ત્રીઓને સૂચના અપાયેલી જ હતી કે ‘હેલ્લો, હું મારા બોયફ્રેન્ડની રાહ જોઈ રહી છું’ તેવો જવાબ આપવાનો હતો જેથી વાતચીત આગળ વધે નહી. આ બધા અભ્યાસ માટે ચોક્કસ સમય મર્યાદા બાંધી દેવામાં આવેલી. પરિણામ એ આવ્યું કે બાંધેલી સમય મર્યાદાના ૨૩.૬૭ ટકા સમયમાં ટેટૂ સાથેની સ્ત્રીઓમાં પુરુષોએ ઉત્સુકતા બતાવેલી, જ્યારે બાંધેલી સમય મર્યાદાના ફક્ત ૧૦ ટકા સમયમાં ટેટૂ વગરની સ્ત્રીઓમાં પુરુષોએ ઉત્સુકતા બતાવેલી.

imagesCATUU31Zબીજા અભ્યાસમાં આ જ સ્ત્રીઓએ આજ રીતે લાલ બિકિની પહેરીને એમનું કમર નીચે નિતંબથી થોડું ઉપર પેલું ટેટૂ દેખાય તે રીતે અમુક ચોક્કસ સમય પડી રહેવાનું હતું અને અમુક સમય તે ટેટૂ દૂર કરીને પડી રહેવાનું હતું. અહીં થોડો ફેરફાર હતો, અભ્યાસમાં ભાગ લઈ રહેલા પુરુષોએ આ સ્ત્રીઓને જોઈ રહેલા બીજા પુરુષો પાસે જઈને નાનકડો ઈન્ટર્વ્યુ લેવાનો હતો. ‘ પેલી સ્ત્રી જોઈ ? એની સાથે ડેટ પર જવાનો ચાન્સ કેટલો ? અને ડેટ પર જવા હા પાડે તો પહેલી જ ડેટ વખતે સેક્સ કરવા દે તેવો ચાન્સ કેટલો ?’ આવા બેચાર સવાલો પૂછવાના હતા. જવાબ આપનારા પુરુષો પેલી સ્ત્રી તરફ જોતા દસેક સેકન્ડ જોઈ જવાબ આપતા.  Guéguen ભાઈને રિઝલ્ટ એ મળ્યું કે ટેટૂ ચિતરાવેલ સ્ત્રીઓ સાથે પુરુષોને ડેટ અને સેક્સની શક્યતા વધુ લાગી અને ટેટૂ વગરની સ્ત્રીઓ સાથે પુરુષોને ડેટ અને સેક્સની શક્યતા ઓછી લાગી. સ્ત્રીઓ તો એની એ જ હતી પહેલા ટેટૂ સાથે હતી, પછી ટેટૂ વગર હતી, પણ જવાબ આપનારા પુરુષો જુદા જુદા હતા.

મતલબ એ થયો કે ટેટૂ ચિતરાવેલ સ્ત્રીઓ સેક્સમાં વધુ રસ લેતી હોય તેવું માની લેવાતું હોય છે. મતલબ Guéguen stated that tattooed women are seen as more promiscuous. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો સ્ત્રીઓ કપડાં, સૌન્દર્યપ્રસાધનો, હેર કલર અને વિવિધ હેર સ્ટાઇલ  વાપરી શક્ય વધુ પુરુષોને આકર્ષી એમાંથી હાયર ક્વૉલિટી સાથી શોધવા પ્રયત્ન કરતી હોય તેમાં ટેટૂ પણ એક સાધન તરીકે આવી જાય. તે પ્રમાણે પુરુષો શક્ય તેટલા એમના જીન ફેલાવવા પ્રયત્ન કરતા હોય છે, એમાં ટેટૂ સાથેની સ્ત્રીમાં એમને જીન ફેલાવવાનો વધુ ચાન્સ જણાતો હોઈ શકે. પણ long-term mating માટે આ સ્ત્રી પાછી અવિશ્વસનીય લાગે. મારા તો ઠીક બીજાના જીન પણ ઉછેરવા લાગે તો ?

અમેરિકામાં પણ  tattooed women પુરુષોને Promiscuous લાગતી હોય છે. long-term રિલેશનશિપ માટે Tattoos ચિતરાવેલ સ્ત્રીઓ પુરુષોની પહેલી પસંદ હોતી નથી. ઉપરનો અભ્યાસ ફ્રાન્સ જેવા મુક્ત મુક્ત મુક્ત વિચારસરણી ધરાવતા દેશમાં થયેલો છે. તો પછી ભારતમાં રહેતી યુવતીઓએ ટેટૂ ચિતરાવતા imagesCA1IWFHAપહેલાં એકવાર વિચારવું જ રહ્યું.

પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

 પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

th એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક મત્સ્ય અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. આ ઈંડા ફળીભૂત થશે કે નહી તેની દરકાર તેઓ કરતાં નથી.  કોઈ કોઈ જાતિમાં નરપક્ષી એના બચ્ચાને ખવડાવે છે, પણ ઊડવાનું શીખ્યા પછી બચ્ચાને ભૂલી જાય છે. સસ્તન પ્રાણીઓ  એના નાના બચ્ચાને પ્રિડેટરથી બચાવે છે, પણ પોતાની જાતને પહેલો પ્રેફરન્સ આપે છે. સિંહ સિંહણે કરેલા શિકારને છીનવી લે છે, બચ્ચાનાં મુખમાંથી ખાવાનું છીનવી લે છે. વાનરો અને એપ્સ એમના બચ્ચા સાથે રમે છે, પણ કોઈ વાર એમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. ખાલી  માનવ નર એના બાળકોના રસમાં રસ લે છે, એની સાથે રમે છે, પોતાના રસ એનામાં રેડે છે. આ એક બહુ મોટું વિશાળ ઇવલૂશનરી સ્ટેપ છે. પિતા આપણને લાગણીઓ ઉપર કાબૂ રાખવાનું શીખવે છે.

        પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો છે. The act of fathering is the foundation of human civilization.

ઘરમાં પિતાની ગેરહાજરીથી પડતી નકારાત્મક અસરો વિષે ઘણું લખાય છે પણ પિતાની હાજરીના મહત્વ વિષે ખાસ લખાતું નથી. ઘરમાં પિતાની સક્રિય હાજરી છોકરાઓમાં થતા બિહેવ્યર પ્રૉબ્લેમ્સ ઓછા કરે છે અને છોકરીઓમાં સાઇકૉલોજિકલ પ્રૉબ્લેમ્સ ઓછા કરે છે. બાળકોમાં પેદા થતું આક્રમક વલણ પિતાની હાજરીમાં ઓછું થતું હોય છે. પિતાની નિયમિત સક્રિયતા બાળકોમાં પેદા થતા માનસિક અને બિહેવ્યર પ્રશ્નો ઓછાં કરી ચિંતનકારક વિકાસ કરતો હોય છે. મતલબ બાળક વિચારશીલ બનતું હોય છે.

કિશોરવયની છોકરીઓમાં મોટો પ્રશ્ન ડિપ્રેશન હોય છે. કિશોરવયના છોકરાઓમાં મોટો પ્રશ્ન બેદરકારી અને પ્રમાદ હોય છે, કોઈ કામ સરખું કરે નહી. પિતાની હાજરી આમાં ચોક્કસપણે ઘટાડો કરે છે. એક “good father” બાળકના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો આપે છે, પણ “good father” કોને કહેવો ? બાળકોના જીવનમાં સક્રિય ફાળો આપતા હોય તેને સારા પિતા કહેવાય.

Active involvement is often defined in terms of (a) engagement (directly interacting); (b) accessibility (being available); and (c) responsibility (providing resources). સંતાનો સાથે સંવાદિતા, સંતાનો માટે સમય અને સંતાનો માટે સંપદા ફાળવનાર પિતા ઉત્તમ પિતા કહેવાય. સંવાદિતા, સમય અને સંપદા ત્રણ ખૂબ મહત્વના છે. Abusive પિતા ક્યારેય સંતાનો માટે ફાયદાકારક હોતો નથી. actively-involved પિતા એના બાળકો માટે સારા માનવી બનવા, સારા પતિ અને સારા માતા-પિતા બનવા ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે. અને આવા પિતા ધરાવનાર બાળકો શારીરિક, માનસિક અને સમાજિક રીતે વધુ બેટર હોય છે.

ઘણા પિતા એમના બાળકોના જીવનમાં બ્રેડવિનર તરીકે સક્રિય હોય છે. એમની પાસે બહુ સમય હોતો નથી. ૧૦-૧૨ કલાક કામ કરવું પડતું હોય છે. એમની પાસે એમના બાળકના બાળોતિયાં બદલવાનો કે સ્કૂલની પેઅરન્ટ મિટિંગ અટેંડ કરવાનો સમય હોતો નથી. પણ એ તમામ ટ્યૂશન ફી, પુસ્તકો વગેરે ખર્ચા ભોગવતા જ હોય છે. બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે, ઉચ્ચ ભવિષ્ય માટે ઓવરટાઈમ જૉબ કરીને ખર્ચો પૂરો પાડતા હોય છે.

મારા એક જુના સુપરવાઇઝર ભરુચમા કૉમર્સ ભણેલા. અહીં અમેરિકા આવ્યા પછી લાકડા વહેરવાની જૉબ ફક્ત કલાકના પાંચ ડોલર પગારે કરેલી. ત્યાર પછી એક કંપનીમાં મિકેનિકના હેલ્પર તરીકે જૉબ કરી, એમાંથી પોતે મિકૅનિક બની ગયા, છેવટે સુપરવાઇઝર પણ બન્યા. એમના દીકરાને બ્રાઉન યુનિમાં ભણાવ્યો. દીકરાએ પણ બાપની મહેનત ઉજાળી હાલ ન્યુઅરૉલજિસ્ટ બન્યો છે તે પણ યુનિ પ્રથમ આવી ને.. અમેરિકામાં તમે જે તે સ્ટેટના રહેવાસી હોવ તે મૂકીને બીજા સ્ટેટમાં સંતાનને ભણવા મૂકો તો ફી ડબલ ભરવી પડે. એમણે ડબલ ફી ભરીને દીકરા-દીકરીને ભણાવ્યા છે. પિતાના આવા બલિદાન જલદી નજરમાં આવતાં નથી

મારા પિતાશ્રી માટે એમનાં સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાનો ધ્યેય મુખ્ય હતો. એનાં કારણે આજે એમનાં વારસદારોમાં ત્રણ પી.એચ.ડી થયેલા છે. એમણે ક્યારેય થાક લાગ્યો એવી ફરિયાદ કરેલી નહી. તેઓ વકીલ હતા અને તાલુકો વિજાપુર હોવાથી કોર્ટ વિજાપુરમાં હતી. તેઓ માણસાથી વિજાપુર બસમાં અપડાઉન કરતા. પહેલીવાર વિજાપુરથી આવીને એક સાંજે એ મારી આગળ બોલ્યા કે બેટા કોઈ દિવસ નહી અને આજે થાક લાગ્યો છે. મેં કહ્યું કાલે સવારે ડૉક્ટરને બતાવી આવીએ. પણ સવાર શું પડે, થાક લાગ્યાની પહેલીવારની વાત કર્યાના બેત્રણ કલાકમાં જ હાર્ટ અટૅક આવ્યો. માણસામાં તે સમયે કોઈ હાર્ટ સ્પેશલિસ્ટ હતો નહી. મારા ખાસ મિત્ર વિક્રમસિંહ રાણા અને મારા એક કઝન બિપિનસિંહ રાઓલ એમની જીપમાં સ્થાનિક ડૉક્ટરને ત્યાં લઈ ગયા. એમણે કહી દીધું કે વકીલસાહેબનું જમણું હ્રદય કામ કરતું નથી મોટો હાર્ટ અટૅક છે એક ડગલું પણ ચલાવતા નહી હાલ તાત્કાલીક ગાંધીનગર હૉસ્પિટલમાં દાખલ કરી દો. બિપિનસિંહ મારા પિતાશ્રીને કોઈ બાળકને ઊચકી ફરે તેમ ઊચકીને ફરેલા. ચાર દિવસ પછી ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં ફરી ક્યારેય થાકની ફરિયાદ કરવા રોકાયા નહી, દેહ મૂકી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા.

માતાએ પાએલા દૂધનો વાસ્તો પિતાના મૂક પ્રેમ અને આપેલાં બલિદાન ભુલાવી દેવા પૂરતો હોય છે.

મારકણા આખલા જેવા યુવાનીમાં ખૂબ અગ્રેસિવ સ્વભાવના હોય એવા પિતાશ્રીઓ એમના દીકરા દીકરીઓ મોટા થતા નરમ પડી જતા મે જાતે જોયા છે. લગભગ પિતા બનતા જ અગ્રેસિવ જણાતા યુવાન મિત્રો થોડા નરમ પડી જતા હોય છે. નવો અભ્યાસ જણાવે છે કે બાળકો સાથે રાત્રે સૂઈ જતા પિતાના testosterone લેવલમાં થોડો ઘટાડો થતો હોય છે. પિતૃત્વ પોતે જ testosterone લેવલ ઘટાડતું જોવા મળે છે. આનું કારણ એ પણ હોઈ શકે કે હવે વંશ વારસો મળી ગયા છે, જીન ટ્રાન્સ્ફર થઈ ચૂક્યા છે હવે બીજા કોઈ પુરુષ સાથે સ્પર્ધા રહી નથી. testosterone પુરુષમાં આક્રમકતા વધારે છે તે હકીકત છે. આમ બાળકો સાથે સુવામાં અકારણ આવતી આક્રમકતા ઓછી થાય છે. જુના વખતમાં ઘણા સમાજોમાં બાળકને તેડી તેડીને આખો દીવસ ફરતા પિતા પ્રત્યે લોકો હસતા, એમાં આ testosterone વિષે તો જાણતા ના હોય પણ એની પુરુષ સહજ આક્રમકતા ઓછી થઈ જવાનો ભય જણાતો હોવો જોઈએ.

પિતાની હાજરીની અસર સંતાનોના સર્વાઇવલ રેટ ઉપર પણ પડતી હોય છે. જો કે અમેરિકા જેવા દેશોમાં એવી અસર જણાતી નથી. માતાના મરણ સાથે એનાં બાળકોનો મૃત્યુ દર વધી જતો દરેક સમાજમાં જોવા મળે છે. હંટર-ગેધરર, ખેતી અને પશુપાલન ઉપર નભતા હોય એવા બધા નહી પણ અમુક સમાજોમા પિતાના મૃત્યુ સાથે એમના બાળકોના મૃત્યુ દરમાં પણ વધારો નોંધાયો છે. Mary Shenk અને Brooke Scelza એ પિતાની હાજરીની અસરો વિશે બેંગ્લોરમાં એક અભ્યાસ કરેલો. બાળકો સાવ નાના હોય કે સગીર હોય અને પિતા મૃત્યુ પામે તો એની અસર ખૂબ પડતી જોવા મળી. એમની અભ્યાસની તક ઉપર ખાસ અસર પડતી હોય છે. પિતા બાળકોના અભ્યાસ, નોકરી કે ધંધોપાણી મેળવવામાં અને લગ્ન વગેરેના ખર્ચ કરી મદદ્કર્તા બનતા હોય છે. પિતા ના હોય કે મૃત્યુ પામ્યા હોય તો આ બધી બાબતોમાં અસર પડતી હોય છે.

આધુનિક બ્રેન સ્કેનિંગ અભ્યાસ જતાવે છે કે પોતાનું બાળક રડતું હોય ત્યારે પિતાના બ્રેનના વિવિધ  hypothalamus, hippocampus, midbrain, અને anterior cingulate વિભાગોમાં ઍક્ટિવિટિ વધી જતી હોય છે. કોઈ બીજાનું બાળક રડતું હોય ત્યારે બ્રેનના આ વિભાગોમાં હલચલ એટલી બધી વધતી નથી.

૧૪ % અનમેરિડ અમેરિકન  male-male couple પાસે બાળકો છે. દત્તક લેવાતા બાળકોમાં ૪ % બાળકો સજાતીય કપલ્સ પાસે છે. સજાતીય સંબંધ ધરાવતા પુરુષ હોય એટલે નપુંસક હોય તેવું માની લેવું નહી. મોટાભાગના ‘ગે’ પુરુષો જે બાળકો ધરાવતાં હોય છે તેઓ ‘ગે’ જાહેર થાય અને એમની પત્ની સાથે ડિવોર્સ લે તે પહેલાં નૉર્મલ સેક્સ દ્વારા બાળકો પેદા કરી ચૂક્યાં હોય છે. ‘ગે’ કપલ સરોગેટ મધર શોધી કોઈ સ્ત્રીનાં એગ(અંડ) એગડૉનર દ્વારા મેળવી પોતાના સ્પર્મ દ્વારા બાળકો મેળવતા હોય છે અને પોતાની પિતા બનવાની મહેચ્છા પૂરી કરી પિતૃત્વ છલકાવતા હોય છે. અથવા કોઈનું બાળક દત્તક લઈને પણ પિતૃત્વ દાખવતા હોય છે.

અમેરિકામાં મધર્સ ડે સફળ વ્યાપારીક ઑકેઝન બની ચૂક્યો છે. આ દિવસે અમેરિકનો ૨.૬ બિલ્યન ડૉલર્સ ફુલો પાછળ, ૧.૫ બિલ્યન ગિફ્ટ પાછળ મોટાભાગે ઝવેરાત, ૬૮ મિલ્યન ગ્રીટિંગ કાર્ડ પાછળ વાપરતાં હોય છે. સૌથી વધારે ફોન પણ આ જ દિવસે થતા હોય છે, પણ સૌથી વધારે collect calls ફાધર્સ ડે ઉપર થતા હોય છે.

માછલી થી માંડી ને મનુષ્ય સુધી કુદરતે આપેલી ફરજિયાત માતૃત્વની જવાબદારી જગતની તમામ માતાઓ નિભાવતી જ હોય છે, પણ પિતૃત્વનો આનંદ ખાલી મનુષ્યો જ માણતાં હોય છે. માનવ સમાજમાં માતાનું મહત્વ તો છે  જ પણ પિતાનું મહત્વ જરાય ઓછું નથી હોતું.

પાપા અમે તમને ફાધર્સ ડે વખતે શુભેચ્છાઓ વ્યક્ત કરીશું, પણ તમારા ખર્ચે..

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

th=-ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

ઘણાં મિત્રોની માનસિકતા ઉત્ક્રાંતિમાં માનવા જ તૈયાર હોતી નથી. ઉત્ક્રાંતિ તો હરપળે ચાલું જ હોય છે પણ આપણને દેખાતી નથી. આપણે મહામાનવો અને ક્ષુદ્ર વાનર આપણો પૂર્વજ કઈ રીતે હોઈ શકે ? જે મનુષ્યોએ ભવ્ય ગ્રંથો તૈયાર કર્યા હોય, વેદોની રચના કરી હોય, ખગોળનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, શૂન્યનું સર્જન કર્યું હોય, ગણિત અને ભાષાની રચના કરી હોય સૂર્ય અને ચન્દ્રગ્રહણની સચોટ આગાહી કરી હોય એ મનુષ્ય શું વાનરનો વંશજ હોઈ શકે ? આપણાં મનમાં આવા અનેક સવાલો ઊઠતા હોય છે. એવું લાગતું હોય છે કે માનવી કોઈ સ્વર્ગ જેવા ઉપગ્રહમાંથી અહીં ભૂલો પડી ગયો હશે. એનું વિમાન બગડ્યું હશે અને કમનસીબે અહીં પૃથ્વી ઉપર રોકાઈ જવું પડ્યું હશે.

ઉત્ક્રાંતિનો પ્રોસિજર ખૂબ ધીમો હોય છે. ઘણાં મિત્રોના મનમાં અનેક સવાલો ઊઠતાં હોય છે. સવાલો ઊઠવા જ જોઈએ એનાં વગર જ્ઞાન આગળ કઈ રીતે વધે ? વાનરમાંથી ઉક્રાંતિ થઈ માનવ બન્યો એટલે દર વખતે જરૂરી ના હોય કે દરેક માનવ વાનરમાંથી પેદા થાય. આપણે એવું વિચારીએ કે હવે વાનર રહેવા જ ના જોઈએ બધા માનવ બની જાય તેવું પણ ના બને. કરોડો અબજો વર્ષે ધીમે ધીમે જીવો વિકસતા હોય છે. પુંછડીવાળા વાનરોમાંથી કશું બન્યું હશે કોઈ જિનેટિક ફેરફાર મ્યુટેશન થયું હશે કે એક વાનર પ્રજાતિમાંથી જરા જુદી જાતનો પૂંછડી વગરનો વાનર પેદા થયો હશે, એટલે જરૂરી નથી કે દરેક વખતે અને દરેક વાનર પેટાજાતિમાંથી પૂંછડી વગરના વાનરો પેદા થવા જ જોઈએ.

એક સાદો દાખલો આપુ તો સમજવામાં સરળ રહેશે. જૂનાગઢના નવાબના અંગત બગીચામાં ‘જમાદાર’ નામની કેરીનો એક આંબો હતો. એકવાર એની એક ડાળી ઉપર જરા જુદી જાતની કેરી બેઠી હતી. નવાબે એ ડાળ ઉપરની તમામ કેરીઓ જુદી તારવવાનો હુકમ આપ્યો. કેરી બહુ સરસ મીઠી હતી, એની સોડમ પણ અલગ જ હતી. કોઈ કુદરતી મ્યુટેશન થયું હોવું જોઈએ. એ કેરીના ગોટલા ભેગાં કરી ફરી વાવીને એની જાત ફેલાવવામાં આવી તે આજની જગમશહૂર ‘કેસર’ કેરી. હવે દર વખતે ‘જમાદાર’ કેરીમાંથી જ કેસર પેદા કરવી થોડી પડે ? અને જમાદાર કેરી તો રહી જ અને કેસર નવી બની. વાનર તો રહ્યો જ અને એમાંથી માનવ મળ્યો. હવે જરૂરી નથી કે જમાદાર કેરીના તમામ ગુણ કેસરમાં જોઈએ જ. વાનર ચાર માળ પલકમાં ચડી જાય, ઝાડ ઉપર કુદકા મારે તો માનવે જરૂરી નથી વાનરવેડા કરવા જ પડે, કરતા હોય છે તે વાત જુદી છે.

thCAEH5X03માનવ એવરેસ્ટ ચડે છે વાનરો નથી ચડતા. કૂતરાં કરતાં ચિમ્પૅન્ઝી પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે અને ચિમ્પૅન્ઝી કરતાં માનવ પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે. માનવ પ્લેન શોધે છે વાનરો નહી ભલે એક અગાસી ઉપરથી બીજી અગાસી પર હવાઈપ્રવાસ કરતાં કૂદી જતાં હોય. હવે આપણે અગાસીઓ કૂદવા જઈએ તો પ્લેન ક્યારે શોધીશું ?

એક બુદ્ધિશાળી મિત્રના મનમાં સવાલ ઊઠ્યો કે સર્પમાંથી કે હાથીમાંથી કેમ મનુષ્યો પેદા ના થયા ? એમને અહીં દેખાયું નહી કે ઉત્ક્રાંતિને કારણે સર્પ જેવાં જીવોમાંથી સસ્તન પ્રાણીઓ પેદા થયાં અને એમાંથી જ ઉત્ક્રાંતિ થઈને વાનર જેવાં બુદ્ધિશાળી પ્રાણી પેદા થયાં. સર્પ અને માનવ વચ્ચે અગણિત કડીઓ પેદા થઈ એને જ તો ઉક્રાંતિ કહેવાય. સર્પમાંથી જ માનવ પેદા થયો છે પણ સર્પ અને માનવ વચ્ચેની અસંખ્ય કડીઓ જોવાની દરકાર આપણે કરતાં નથી. સર્પમાંથી સીધો માનવી પેદા થાય તો ઉત્ક્રાંતિ ના કહેવાય. બ્રેન પણ જુઓ હજુ આપણી પાસે સર્પનું બ્રેન પણ છે અને આદિમ પ્રાણીઓનું આદિમ મૅમલ બ્રેન પણ છે. આપણે રેપ્ટાઇલ બ્રેન ઉપર મૅમલ બ્રેન એની ઉપર કૉર્ટેક્સ ધરાવીએ છીએ.

મધર નેચરની કરામત જુઓ નવી જાત પેદા કરે છે પણ જુની જાત સાથે સાથે જાળવી રાખે છે. ઉત્ક્રાંતિ વાનરમાંથી માનવ પેદા કરે પણ વાનરનો નાશ નથી કરતી. એક બાપના બે દીકરા હોય એક જરા જુદી જાતનો ખોડીલો પેદા થાય અને એક એના બાપ જેવો અદ્દલ હોય. હવે બાપ જેવા અદ્દલ દીકરાની જાત પણ કુદરત જાળવી રાખે અને પેલાં ખોડીલાંની જાત પણ આગળ વધે. હવે આ ખોડીલો આગળ જતાં વિશિષ્ટ પ્રકારનો ગણાય એવું માનવમાં સમજવું. બાપ જેવો અદ્દલ એટલે ચિમ્પૅન્ઝી ગણો.. અને ખોડીલો દીકરો માનવ સમજો. ૬-૮ મિલ્યન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર પૂંછડી વગરના એપ્સ નો દબદબો હતો. મોટાભાગની નાશ પામી ગઈ. ફક્ત ચાર-પાંચ જ બચી છે. ગરિલા(Gorilla), ગિબન(Gibbon), ઉરાંગઉટાંગ અને ચિમ્પૅન્ઝી-બોનોબો, ચિમ્પૅન્ઝી અને બોનોબો કાકા-બાપાના ભાઈઓ જેવાં છે. પાંચમી કે છઠ્ઠી ગણો તો આપણે મહામાનવો. આપણે નસીબદાર છિયે કે આમાંની એક ગિબન આપણાં આસામના જંગલોમાં છે.

૬૦ લાખ વર્ષ જુનું એક ફોસિલ મળ્યું છે, એનો અભ્યાસ કરતાં જણાયું કે કોઈ જિનેટિક ખોડ આવતાં એ પ્રાણી બીજાં પ્રાણીઓની જેમ ચાર પગે ચાલવા અસમર્થ બન્યું તે આજના માનવીનો પૂર્વજ હતું. ઉત્ક્રાંતિએ કોઈ પ્રાણી બે પગે ચાલે તેની ભવિષ્યની યોજના રૂપે સંપૂર્ણ ચાર પગે ચાલતા વાનરો કરતાં ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓને નકલ વૉકિન્ગ કરતાં કરી દીધાં જ હતાં. ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓ આગળના બે પગ બીજાં પ્રાણીઓ જેવા નથી મૂકતા અને થોડો સમય બે પગે ઊભા થઈને પણ ચાલે છે.

૩૦ લાખ વર્ષ જુનું લુસી નામનું ફોસિલ મળ્યું છે જે અર્ધ માનવી અર્ધ વાનર છે. આ ઉત્ક્રાંતિ જ છે. પણ જે જાતો ફિટ અને ફ્લેક્સિબલ રહેતી નથી તેનો નાશ પણ થઈ જાય. એવી તો કેટલીય જાતો સંપૂર્ણ નાશ પામી જ છે. લુસી જેવી જાત આજે જોવા ના પણ મળે. મળેલા ફોસિલ આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જુદી જુદી જાતની ચાર જાત માનવોની આ પૃથ્વી ઉપર હતી. જે કદાચ જુદી જુદી જાતના વાનરોમાંથી ઉત્ક્રાંતિ પામી હશે. એમાંથી નિએન્ડરથલ તો ઉત્તર ગોળાર્ધના કાતિલ ઠંડા હવામાનમાં જીવવા ટેવાએલા હતાં. જર્મનીની એક ખીણમાંથી ૩૦૦ હાડપિંજર મળ્યાં છે એને નિએન્ડરથલ વેલી કહે છે. પણ હવે નિએન્ડરથલ માનવી રહ્યા નથી.

મહકાય મેમથ હાથીઓ આજે રહ્યા નથી પણ એના પૂરાવા છે જ, તેમ બકરી જેવડા હાથીઓના ફોસિલ પણ મળ્યા છે. વેંતિયા માનવીની વાર્તાઓ ખોટી નથી. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું મનાતું ફોસિલ મળ્યું જે પુખ્ત ઉંમરની સ્ત્રીનું નીકળ્યું હતું. મોટામસ ડાયનોસોર તો નાશ પામી ગયા પણ નાના ડાયનોસોર અને હાલના પક્ષીઓની વચ્ચેની કડીરૂપ પાંખો વિકસી હોય તેવાં ડાયનોસોરના ફોસિલ પણ મળ્યાં જ છે. અમુક મૂરખો ઉત્ક્રાંતિના આ જ પુરાવાઓનો ઉત્ક્રાંતિ ખોટી છે તેવું સાબિત કરવા કરતા હોય છે ત્યારે ખૂબ હસવું આવે છે.

આ વિજ્ઞાન જગતમાં તમે કોઈ થીઅરી મૂકો તો લાખ સાબિતીઓ આપવી પડતી હોય છે. આઈનસ્ટાઈન એક સમીકરણ વિજ્ઞાન જગત આગળ મૂકે તો હજારો વૈજ્ઞાનિકો એને ખોટું પાડવા ખાઈખપુચીને એની પાછળ પડી જતાં હોય છે. એકલાં હિટલરે હજાર-પંદરસો વૈજ્ઞાનિકો આઈનસ્ટાઈનને ખોટો પાડવા રોકેલા જ હતા. પણ વિજ્ઞાન જગત એ બાબતે પ્રમાણિક હોય છે. એ લોકોનું કશું વળ્યું નહી, ત્યારે આઈનસ્ટાઈન બોલ્યા હતા કે મારો સિદ્ધાંત ખોટો હોત તો એને ખોટો પાડવા એક જ વૈજ્ઞાનિક કાફી હોત.

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ? કોઈ બોલ્યું નહી હોય તેવું માનો છો ? આ કોઈ બાવાઓનું જગત છે કે બાવાજી એ કહ્યું એટલે માની લીધું ? જા બચ્ચા સૂરજદાદા કો એક લોટા જળ ચડા દેના મેરા વચન હૈ તેરા કલ્યાણ હો જાવેગા, તાળીઓ પાડી બાવાજીના ગંદા ચરણે પડી મનમાં ખુશ થતાં ભાઈ ચાલી નીકળ્યા કે હવે તો એક લોટા ટાંકીના પાણીને બદલે આખું રાજપાટ મળી જવાનું. અરે ! મૂરખ તારા લાખો પેસિફિક અને કરોડો હિંદ મહાસાગર એક પલમાં સૂરજદાદા આગળ બાષ્પ બની જાય તેની નજીક જાય તો. ગરમ વસ્તુ ઠંડી પાડવા આપણે એના ઉપર પાણી રેડીએ છીએ, દાઝી જવાય તો એના પર પાણી રેડીએ એમ બાવાજીના મનમાં સૂર્યને એક લોટા જળમાં ઠંડા પાડી દેવાય તેવું હશે.

પ્રૉબ્લેમ એ છે કે આપણે કહેવાતા ધર્મના જગતમાં એના ઠેકેદારોના મૂર્ખામી ભર્યા ફતવાઓ સામે બોલી શકતા નથી એટલે લાગે કે વિજ્ઞાન જગતમાં ડાર્વિન કે આઈનસ્ટાઈન જેવા લોકો સામે કોઈ બોલતું નહી હોય કે બોલ્યું નહી હોય. ડાર્વિન એની થીઅરી બહાર મૂકતાં ગભરાતો હતો. ચર્ચ તો સામે ઊભું જ હતું પણ બીજા વૈજ્ઞાનિકો પણ એને ખોટી પાડવા તૈયાર ઉભા હતાં. વૈજ્ઞાનિકોના ગળા રહેંસી નાખવા ચર્ચ જાણીતું હતું એ તમને ક્યાં ખબર છે ? બાવાજી બૂટી સુંઘાડે અને લોકો માની જાય તેવું વિજ્ઞાનવિશ્વમાં હોતું નથી. આપણા જેવા બાલિશ નહી પણ નક્કર સવાલો લઈને બીજા વૈજ્ઞાનિકો ઊભા હોય છે. ડાર્વિને તૂત ચલાવ્યું હોત તો વૈજ્ઞાનિકોએ ક્યારનું ફેંકી દીધું હોત.

અરબો દ્વારા આપણું ગણિત પશ્ચિમ પહોચ્યું ત્યારે ૧૩મી સદીમાં ચર્ચે શેતાનનું કામ છે કહી બૅન કરી દીધેલું. અરબસ્તાનમાં પહેલીવાર ટેલિફોનના તારનું જોડાણ કરવામાં આવ્યું ત્યારે મુલ્લાઓએ ધર્મ વિરુદ્ધ છે કહી જોરદાર વિરોધ કરેલો. હવે પયગંબરના સમયમાં ટેલિફોન હતા પણ નહી કે એની વિરુદ્ધ કશું લખ્યું હોય. સુલતાન ઇબ્ન સઉદને સરસ મજાની યુક્તિ સૂઝી. તેમણે ટેલિફોન પર કુરાનના પાઠનું વાંચન ચાલુ કરાવ્યું અને એક જાહેરસભા બોલાવીને પ્રચાર કર્યો કે જે વ્યવસ્થા કુરાનનો પાક સંદેશો લોકો સુધી પહોંચાડતી હોય તે ધર્મ વિરુદ્ધ ગણી શકાય નહી.

પ્રાચીન હિંદુ મનીષીઓ પાસે ઉત્ક્રાંતિની સમજ હતી. એમણે પ્રતીક રૂપે જે અવતારોની કલ્પના કરી છે તેમાં ઇવલૂશનની સમજ ભારોભાર દેખાય છે. સમુદ્રમાં જીવન શરૂ થયું છે માટે પાલનહાર પ્રતીક વિષ્ણું સમુદ્રમાં વિરાજમાન છે. પ્રથમ ભગવાન માછલી હતા તેવું ઉત્ક્રાંતિની સમજ વગર ના કહી શકો. પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે માટે મત્સ્યાવતાર છે. બીજો વ્યવસ્થિત સજીવ કાચબો લાગ્યો તો કૂર્માવતાર ગણ્યો. ડાયનોસોર જોયા નહી કારણ કરોડો વર્ષો પહેલાં નાશ પામી ગયાં હતાં બાકી એનો પણ કોઈ અવતાર જરૂર હોત. પછી સસ્તન પ્રાણી વરાહ આવ્યું, અર્ધપશું અર્ધ માનવી નૃસિંહ અવતાર થયો. એ ભારતીય બુદ્ધિશાળી મહાપુરુષોના બ્રેનમાં સિમૅન્ટિક(Semantic memory) અને પ્રોસિજરલ(Procedural memory) મેમરી કાયમ હતી માટે આવી અવતારોની કલ્પના કરનાર ભારતીય ડાર્વિનદાદા ને નમસ્કાર.

આપણને જે ઉંમરે ચડ્ડી પહેરતાં નહોતી આવડતી તે ઉંમરે આપણા પૌત્ર-પૌત્રી આઇફોન રમે છે અને કમ્પ્યૂટર ફેરવે છે તેમાં ઉત્ક્રાંતિ કેમ દેખાતી નથી ? સેન્ટિમીટર કે મિલીમિટરના હજારમાં ભાગ જેટલા ગણો, આ કમ્પ્યૂટર સાથે રમતાં બાળકોનાં બ્રેન આપણાં કરતાં જરૂર મોટા હશે.

ઉત્ક્રાંતિનો લાખો વર્ષનો અત્યંત ધીમો પ્રોસિજર આપણી ૬૦-૭૦ વર્ષની જીંદગીમાં જોવાની આશા રાખવી મૂર્ખામી છે અને તે જોવા ના મળે તો એને ખોટી કહેશો તો ઉત્ક્રાંતિ ક્યાં બંધ થઈ જવાની છે ?

સંસદ ભવનમાં આપણા આદરણીય પ્રતિનિધિઓ જે વ્યવહાર કરે છે તે જોઈને નથી લાગતું કે ખરેખર આપણે વાનરના વંશજ છિયે ? હાહાહાહાહાહા ! !

લડવૈયો જીન MAO-A

 th=લડવૈયો જીન MAO-A

ઘણા માણસો જન્મજાત આક્રમક સ્વભાવના હોય છે. હવે આક્રમક સ્વભાવના એટલે રોજ લડવા બેસતા હોય તેવું સમજવું પણ વધુ પડતું છે. આસપાસના વાતાવરણ, અને સર્વાઇવલની જરુરીયાત પ્રમાણે માનવીનો સ્વભાવ ઘડાતો હોય છે. આમ વાતાવરણ અને પરિસ્થિતિ પ્રમાણે સ્વભાવ ઘડાતો હોય છે, તે પ્રમાણે કલ્ચર ઘડાતું હોય છે, તેની અસર જિનેટિકલી માનવીના શરીર ઉપર પડતી હોય છે. પરસ્પર દેવો ભવઃ પ્રમાણે બધું અરસપરસ એકબીજા ઉપર અસર કરતું હોવાથી જેનિસની અસર સ્વભાવ ઉપર પડતી હોય અને તે પરમાણે કલ્ચર ઘડાય તેવું પણ બનતું હોય છે અને તે પ્રમાણે પાછો સ્વભાવ અને શરીર ઘડાય તેવું પણ બનતું હોય છે.

બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશરાજના ખંડિયા દેશોના લશ્કરો બ્રિટન તરફથી જર્મનો સામે લડેલા. બ્રિટનનો સૂરજ કદી આથમતો નહિ. એ ન્યાયે ઘણાબધા દેશોના લશ્કરો આમાં જોડાયેલા. યુદ્ધ પત્યા પછી જે તે સૈનિકોએ યુદ્ધમાં બહાદૂરી બતાવી હોય તેમને બ્રેવરી માટે મેડલ વહેંચાયેલા. એના પછી સર્વે થયેલો કે કોણ સૌથી વધુ મેડલ લઈ ગયું છે ? આખી દુનિયામાં સૌથી વધુ બ્રેવરી માટેના મેડલ ભારતના રાજપૂત સૈનિકો લઈ ગયેલા. વર્ણવ્યવસ્થા અને લગ્નવ્યવસ્થાના આકરાં ધારાધોરણોને લીધે લડાયક સ્વભાવ ફક્ત એક જ વર્ગ પૂરતો સીમિત રહી ગયો. અને એમાં તે વર્ગ પણ સંખ્યામાં સીમિત બની ગયો.

રૉકસ્ટાર હેનરી રોલિન્સ એના પોતાના આક્રમક સ્વભાવ માટે આખી જીંદગી ચિંતિત રહ્યો. નેશનલ જિયોગ્રાફી ટીમ સાથે મળીને એણે એક ડૉક્યુમેંટરી બનાવેલી. એમાં રસસ્પ્રદ અભ્યાસ કરવામાં આવેલો. એમાં હાર્ડ્કોર બાઇકર્સ સામેલ કરવામાં આવેલા. આ લોકો કાયમ મોટી મોટી મોટર સાઇકલ જ ફેરવતા હોય, હટ્ટાકટ્ટા દેખાવે જ આક્રમક લાગતા હોય. મિક્સ્ડ માર્શલ આર્ટ ફાઇટર્સ પણ સામેલ કરવામાં આવેલા. લોસ એન્જલસની હિંસક ગણાતી ગેંગના બે સભ્યો પણ આવરી લેવાયા હતા. ત્રણ બૌદ્ધિષ્ઠ સાધુઓ સાથે એક અમેરિકાની વિખ્યાત સીલ ટીમનો સભ્ય પણ સામેલ કરાયેલો. આ બધાના ઇન્ટરવ્યૂ સાથે એમના ગાલ અંદરથી ખોતરીને એમના જીન ચેક કરવા નમૂના લેવામાં આવેલા કે આ લોકો વૉરિઅર જીન ધરાવે છે કે નહિ ?

 Monoamine oxidase A, also known as MAO-A, is an enzyme that in humans is  encoded by the MAOA gene. Monoamine oxidase A is an isozyme of monoamine oxidase. આનું મુખ્ય કામ norepinephrine (noradrenaline), epinephrine (adrenaline), serotonin, અને dopamine જેવાં ન્યુરૉકેમિકલ્સનું રિસાઇક્લિંગ કરવાનું રહેતું હોય છે. એને હળવા કરવાનું હોય છે. આમાં ગરબડ થાય અને આ જીનનું કામકાજ ધીમું હોય તો સ્વાભાવિક પેલાં રસાયણોનું જોર વધતું રહે તો આક્રમકતા વધુ રહે. Mutation in this gene results in monoamine oxidase deficiency, or Brunner syndrome. આ જીનનું કામકાજ વધી જાય તો પેલાં ન્યુરૉકેમિકલ્સનું વધારે પડતું રિસાઇક્લિંગ થઈ જાય તો માણસ બહુ મોટું ડિપ્રેશન અનુભવતો થઈ જાય. આપઘાત કરવાનું મન થાય, અનિંદ્રા જેવું પણ થઈ જાય. Serotonin તો આપણે જાણીએ છિયે કે જ્યારે કોઈના ઉપર પ્રભુત્વ અનુભવીએ ત્યારે હેપિનેસ અર્પતું હોય છે. Adrenaline એટલે “ એક મરણિયો ૧૦૦ ને ભારે “ સમજવું. જ્યારે જીવ ઉપર આવી જઈએ, ‘જાન કા ખતરા’ ઊભો થઈ જાય ત્યારે માણસમાં ભયંકર તાકાત આવી જતી હોય છે.

એક ઘાંચી અને દરબારનું ફેમિલી જોડે જોડે રહેતાં હતાં. ઘાંચી તો સ્વાભાવિક તેલની ઘાંણીએ કામ કરતો એટલે તગડ્મસ્ત હતો, દરબાર બિચારાં સુકલકડી. ઘાંચણ કાયમ દરબારની વહુ ને ચીડવે કે જુઓ મારો ઘાંચી કેવો અલમસ્ત છે અને તમારો દરબાર જુઓ સાવ સુકલકડી. દરબારનાં વહુ દરબારને ફરિયાદ કરે પેલી ઘાંચણ આમ કહે છે. દરબાર એક જ વાક્ય કહેતા કે ઢોલ વાગવા દે, બૂંગિયો વાગવા દે ત્યારે વાત.

એકવાર ગામમાં લૂંટારા આવ્યા અને જુના જમાનાના રિવાજ પ્રમાણે ગામના લોકોને ભેગાં કરવા ઢોલ વાગ્યો, દરબારને શૂરાતન ચડ્યું adrenaline  ન્યુરૉકેમિકલનો ફ્લો વધી ગયો. પ્રચંડ તાકાત અનુભવવા લાગ્યાં, બાજુમાં પડેલી લોખંડની કૉશ ઉઠાવી પેલાં ઘાંચીના ગળામાં ભેરવીને વાળી દીધી અને તલવાર ઉઠાવી લૂંટારા સામે લડવા નીકળી પડ્યા. બધું પતી ગયા પછી ઘેર આવ્યા ઘાંચી કહે આ મારી ગળે ભેરવેલી કૉશ કાઢો બાપા મારી નાખ્યો તમે તો. દરબાર કહે હવે ના બને ફરી ઢોલ વાગે ત્યારે સામો આવી ને ઊભો રહેજે. ‘જાડા દેખકર ડરના નહી પતલા દેખકર લડના નહી’, એવું મારા ફાધર કાયમ કહેતા. Adrenaline નું કામ આવું હોય છે.

monoamine oxidase-A gene ને warrior gene કહેતાં હોય છે. હિંસક વર્તણૂક ફક્ત જીન આધારિત હોય તેવું પણ નથી. સર્વાઇવલ માટે બચપણમાં આક્રમક બનવાનું હાર્ડ વાયરિંગ બ્રેનમાં થયેલું હોય તો પણ હિંસક વર્તણૂક ઊભી થતી હોય છે. દેશની બૉર્ડર ઉપર રહેતાં લોકોને વારંવાર યુદ્ધોનો સામનો કરવો પડતો હોય ત્યારે ત્યાં વસતી પ્રજા સામાન્યતઃ લડાયક હોય છે. રૉકસ્ટાર હેનરી રોલિન્સને હવે બધાં રિઝલ્ટ મળી ગયાં હતાં. તે પોતે આક્રમક સ્વભાવ ધરાવતો હતો પણ વૉરિઅર જીન એનામાં નહોતો. બચપણમાં સ્કૂલમાં એને બીજા છોકરાઓ ખૂબ હેરાન કરતા. એને ખૂબ મારતા, એમાંથી બચવા તે ખૂબ આક્રમક બની જતો. આમ બચપણમાં તોફાની છોકરાઓથી બચવા આક્રમક બનવું જરૂરી હતું અને તે સ્ટ્રેટેજીનું હાર્ડ વાયરિંગ એના બ્રેનમાં કાયમી થઈ ગયેલું. એટલે પુખ્ત બન્યા પછી પણ એ આક્રમક વલણ દાખવતો.

હાર્ડકોર બાઇકર્સમાથી ત્રણ જણા વૉરિઅર જીન ધરાવતા નીકળ્યા અને જેણે ખૂબ હિંસાનો સામનો કરેલો તે જ વૉરિઅર જીન વગરનો નીકળ્યો. પેલાં ગૅંગ્સ્ટર તો વૉરિઅર જીન ધરાવતા જ નીકળ્યા. ત્રણે બૌદ્ધિષ્ઠ સાધુઓ વૉરિઅર જીન ધરાવતા નીકળ્યા જેઓ તદ્દન શાંત હતા. મતલબ મેડિટેશન આ લોકોને શાંત બનાવતું હતું. નેવી સીલ ટીમનો સભ્ય વૉરિઅર જીન ધરાવતો પણ એની આક્રમકતા પોઝિટિવ હતી કે તે જિમ ચલાવતો હતો. લોકોને સ્વરક્ષણ શીખવતો હતો.

વૉરિઅર જીન ધરાવતો માણસ આર્મીમાં જઈને દેશની સેવા કરી હીરો બની શકે છે અથવા ગૅંગ્સ્ટર બની દેશની કુસેવા કરી વિલન પણ બની શકે છે. th

રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

100445824_288ebe0950[1] રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

 એકવાર પાર્વતીએ શંકરને જગતના રહસ્ય વિશે સામટાં ચારપાંચ સવાલો પૂછી નાખ્યાં. શિવજીએ કોઈ પણ જાતની ફિલૉસફી ઝાડ્યા વગર શરૂ કર્યું કે અંદર જતા શ્વાસ પછી અને બહાર આવતાં શ્વાસ પહેલાં જે પૉઇન્ટ આવે ત્યાં સ્થિત થઈ જાવ, અથવા બે શ્વાસ વચ્ચે સ્થિત થઈ જાવ, આ તો મારી ભાષામાં કહું છું, બાકી શંકરે તો સંસ્કૃત કે પ્રાચીન સંસ્કૃતમાં કહ્યું હશે. આમ એક પછી એક રસ્તા બતાવતા જ ગયા, નો ફિલૉસફી. આવી કહેવાય છે ૧૦૮ વિધિઓ બતાવી.

અમદાવાદથી વડોદરા જવું છે તો પહેલાં અમદાવાદની બહાર તો નીકળો ? પછી નારોલ ચોકડીથી સાઉથમાં જવા માંડો. પાલડી ચારરસ્તા થી વી.એસ. હૉસ્પિટલ જવું છે ? તો તમારી સુંદર મુખમુદ્રા કંઈ દિશામાં રાખી ઊભા છો તે કહો પહેલાં. સરદાર બ્રિજ બાજુ મુખ રાખી ઊભા હોય તો ડાબી બાજુ ચાલવા માંડો અને જોધપુર ટેકરા બાજુ તમારું પવિત્ર મુખ રાખી ઊભા હોય તો જમણી બાજુ ચાલવા માંડો. આમાં ક્યાં કોઈ ગ્રીક કે ઉપનિષદની ફિલૉસફીની જરૂર છે ? ભાઈ મેં તો રસ્તો બતાવ્યો ચાલવાનું તમારે છે. ચાલવા માંડશો તો આજે નહી તો કાલે જરૂર વી.એસ. પહોંચી જવાશે પણ ઊભા ઊભા તત્ત્વજ્ઞાન ડહોળવા બેસી જઈશું તો કદી નહી પહોચાય.

પહેલી નવ વિધિઓ શ્વાસ ઉપર હતી. ભગવાન બુદ્ધે આ શ્વાસ ઉપરની વિધિઓનો ખૂબ ઉપયોગ કરેલો. અનાપાનસતિ અને વિપશ્યનાનો મુખ્ય આધાર આ વિધિઓ છે. શિવે કહેલી ધ્યાન કરવાની, મેડિટેશન કરવાની આ પદ્ધતિને કોઈ ધર્મના લેબલ મારવાની જરૂર છે નહી. આ તો શુદ્ધ બ્રેન કસરત છે. બૃફેન, કોમ્બિફ્લેમ કે વિક્સ વૅપરબ ઉપર લખેલું નથી હોતું કે આ કોઈ ક્રિસ્ચને શોધેલી દવા છે માટે કોઈ હિંદુ કે મુસલમાને ઉપયોગ કરવી નહી. હા ! એને શોધવાની મથામણ કે બનાવવાની કિંમત જરૂર વસૂલ કરવામાં આવે છે. કે સુદર્શન ચૂર્ણ ઉપર સિક્કો નથી મારેલો હોતો કે આ ચરકે શોધેલી ફૉર્મ્યુલા છે જેને કોઈ બીજા ધર્મ પાળનારે ફાકવું નહી. જ્ઞાનને ધર્મના લેબલની શું જરૂર ?

સૂફી ફકીરોનું દરવેશ નૃત્ય પણ ધ્યાન કરવાની એક પદ્ધતિ છે. તારવાળા વાદ્ય વગાડવામાં પણ મેડિટેશન છુપાયેલું છે. બૌદ્ધ સાધુઓએ માઈન્ડ્ફૂલનેસ મેડિટેશન આખી દુનિયામાં ફેલાવી દીધું છે. મૂળ આ પદ્ધતિ બતાવનારા શંકર તો ખોવાઈ ગયા બુદ્ધ ફેમસ થઈ ગયા, અરે બુદ્ધ મૂળ ભારતના હતા તેવી પણ દુનિયાના ઘણાં લોકોને ખબર નથી. જો કે શંકરને એની કશી પડી નથી કારણ શંકર માટે બુદ્ધ અને શંકરમાં કોઈ ફરક નથી. લે ! હું યે ફિલૉસફી ઠોકવા માંડ્યો ?

મૂળ વાત મારે એ કહેવી છે કે હાલ મેડિટેશન ઉપર ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. ન્યુઅરૉલજિસ્ટ આની ઉપર ખૂબ સંશોધન કરી રહ્યાં છે. રોજનું ફક્ત ૧૫-૩૦ મિનિટનું ધ્યાન બહુ મોટો ફરક પાડવા સક્ષમ બની શકે છે કે તમારો જિંદગી વિશેનો આખો અપ્રોચ બદલાઈ જાય, તમારું કરુણાનું ખાબોચિયું મહાસમુદ્ર્માં પલટાઈ શકે. વસ્તુઓ કે બનાવોને અંગત રીતે મૂલવવાનો તમારો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય. પણ આ બધું કઈ રીતે બને?

ચાલો આપણાં સાઇકાયટ્રિસ્ટ અને ન્યુઅરૉલોજિસ્ટ મહાનુભવોને સાઈબાબાના ફોટા ઉપર હાર ચડાવવાનાં મહત્વનાં કામમાં મગન રહેવા દઈએ. હું મારી અલ્પમતિ સમજાવવા ટ્રાય કરૂ.

ધ્યાન કઈ રીતે બ્રેન ચેઇન્જ કરે છે તે જોવા થોડી ટેકનિકલ વાતો સમજવી પડશે. બ્રેનના થોડા વિભાગોની ઉપરછલ્લી માહિતી ચાલી જશે. આપણે ક્યાં બ્રેન સર્જરી કરવી છે?

* Lateral prefrontal cortex: બ્રેનનો આ વિભાગ વસ્તુઓ કે બનાવોને તર્કયુક્ત, રેશનલ અને બેલેન્સેડ (સંતુલિત) લેવા માટે પ્રેરતો હોય છે. આને Assessment Center પણ કહે છે. બ્રેનના ફિઅર સેન્ટર તરફથી આવતી લાગણીઓ નિયંત્રિત કરી સૌમ્ય બનાવે છે. ઑટ્મૅટિક બિહેવ્યર અને ટેવો ઉપર કાબૂ રાખવાનું કામ કરે છે. બ્રેનના Me Center નું નિયમન કરી વસ્તુ કે બનાવોને પર્સનલ લેવાનું વલણ ઓછું કરે છે.

* Medial prefrontal cortex:- આ વિભાગ તમારા અનુભવો અને યથાર્થદર્શનના સંદર્ભ સતત તમને પાછાં સૂચવવાનું કામ કરતો હોય છે. ઘણા લોકો આને બ્રેનનું “Me Center” કહેતા હોય છે કારણ તે આપણી પોતાને સંબંધિત માહિતીનું પ્રોસેસિંગ કર્યા કરતું હોય છે. ખાસ તો જ્યારે આપણે ખૂલી આંખે સપનાં જોતા હોઈએ, ભવિષ્ય માટે કોઈ યોજના બનાવીએ, સામાજિક સંબંધો વિષે વિચારીએ, કોઈ બીજાના મનમાં કોઈ બીજા વિષે શું ચાલી રહ્યું હશે તેની ધારણા બાંધીએ, ત્યારે આપણાં જુના અનુભવોની માહિતીનું મૂલ્યાંકન કરીને આપણને સંદર્ભસૂચી પુરી પાડતું હોય છે. એટલાં માટે આને Self-Referencing Center પણ કહેતાં હોય છે.

રસપ્રદ બાબત એ છે કે Medial PreFrontal Cortex (mPFC) વિભાગના પણ બે ભાગ હોય છે.

* Ventromedial medial prefrontal cortex (vmPFC) – આપણાં અને આપણી માન્યતા અનુસાર આપણાં જેવી સમકક્ષ વ્યક્તિઓ વિષેની માહિતીનું પ્રોસેસિંગ આ ભાગ કરતો હોય છે. કોઈપણ બાબતને વધુ પડતું અંગત લઈ લેવાનું વલણ અહીં રચાતું હોય છે. એટલે વૈજ્ઞાનિકો આને  unhelpful aspect of the Self-Referencing Center કહેતા હોય છે. આમ તો આ વિભાગના કામ મહત્વનાં હોય છે. પણ વધુ પડતી ઊંડી વિચારણા કરાવી આ વિભાગ અસ્વસ્થ બનાવી ખિન્નતા અને માનસિક ઉદાસીનતા વધારતો હોવાથી એને અનહેલ્પફુલ કહેવામાં આવે છે.

* Dorsomedial Prefrontal Cortex (dmPFC) – આ વિભાગ આપણી માન્યતા મુજબ આપણાં સરીખાં ના હોય તેવી વ્યક્તિઓ વિષે માહિતીનું પ્રોસેસિંગ કરતો હોય છે. આ વિભાગ ખૂબ મહત્વનો છે. આપણે માનતા હોઈએ કે આ વ્યક્તિઓ આપણાં જેવી સિમિલર નથી તેમના પ્રત્યે સહભાવ, સહાનુભૂતિ અને તાદાત્મ્યની લાગણી સાથે આ વિભાગ સામેલ થતો હોય છે, અને એવા લોકો સાથે સમાજિક જોડાણ વધારવામાં ચાવીરૂપ બનતો હોય છે.

* Insula: બ્રેનનો આ ભાગ bodily sensations મૉનિટર કરવાનું કામ કરતો હોય છે. શારીરિક સંવેદનાઓ પ્રત્યે તમે કેવો પ્રતિભાવ આપો છો તે વિશે દિશા સૂચન કરે છે. કે સંવેદના સંકટ સૂચક છે કે હિતકારક ? હિંમત ટકી રહેવાની શક્તિ અને સહજ પ્રેરણા માટે પણ આ વિભાગ સંલગ્ન હોય છે.

* Amygdala: ‘ખતરે કી ઘંટી’, સંકટ સમયે અલાર્મ વગાડવાનું કામ આ વિભાગ કરતો હોય છે. માટે આને “Fear Center” પણ કહેતા હોય છે. જોખમ સમયે “fight-or-flight” response આપવાનું મહત્વનું કામ આ વિભાગનું છે.

ધ્યાન કરતાં ના હોય ત્યારે બની શકે કે Me Center સાથે Insula અને ફિઅર સેન્ટરનું ન્યુઅરલ જોડાણ વધુ મજબૂત હોય. મતલબ તમે ચિંતાતુર બનો કે ભયની લાગણી અનુભવો કે શારીરિક સંવેદના જેવી કે ઝણઝણાટ, ખંજવાળ કે પેએન અનુભવો ત્યારે તમે ધારી લેવાના કે પ્રૉબ્લેમ તમારા સાથે કે તમારી સલામતી સાથે છે. આવું સચોટપણે લાગે કારણ મી-સેન્ટર ઢગલાબંધ માહિતીનું પ્રોસેસિંગ કરતું હોય છે. આપણે એકના એક વિચારોમાં સ્ટક થઈ જતાં હોઈએ છીએ. આપણે કોઈ ભૂલ કરી. લોકો શું વિચારશે? માથું દુખ્યું, કેમ દુખ્યું, પહેલાં પણ દુખેલું, કશું સીરિઅસ તો નહી હોય ને? એકમાંથી બીજા અને ત્રીજા એમ વિચારોનું ચક્કર ચાલતું જવાનું. બ્રેનનાં Assessment Center’s અને Me Center વચ્ચેનું નબળું કનેક્શન વ્યર્થ અતિશય ચિંતાતુર બનાવી રાખવા કારણભૂત બનતું હોય છે. જો અસેસ્મન્ટ સેન્ટર એની ઊંચી ક્ષમતા મુજબ કામ કરતું હોય તો બ્રેનના vmPFC (the part that takes things personally) વિભાગની વધારે પડતી કામગીરી સારી રીતે નિયંત્રિત કરે છે અને બ્રેનના dmPFC (the part involved in understanding other’s thoughts and feelings) વિભાગની કામગીરીમાં વધારો કરે છે. પરિણામ સ્વરૂપ મી-સેન્ટર જે ભૂલભરેલી માહિતી તરફ વધુ ધ્યાન આપતું હોય છે તે કોરે મૂકી સમતોલ રીતે વિચારવાનું વધુ બનવા લાગે છે. મતલબ ઓવર-થિંકિંગ અને એકની એક વાત વાગોળવાની ક્રિયા ઓછી થવા લાગે છે જે કરવા માટે મી-સેન્ટર વધુ પ્રખ્યાત હોય છે.

ધ્યાન કરવાનું નિયમિત શરૂ થાય એટલે ઘણી બધી હકારાત્મક બાબતો બનવા લાગતી હોય છે. પહેલું તો મી-સેન્ટરના unhelpful vmPFC વિભાગ અને bodily sensation/fear centers વચ્ચેના મજબૂત જોડાણ તૂટવા લાગે છે. એટલે શારીરિક સંવેદનાઓ અને ક્ષણિક ભય વખતે આપણી સાથે બહુ મોટો પ્રૉબ્લેમ ઊભો થઈ ગયો છે તેવું માનવાનું ઓછું થતું જતું હોય છે. જેમ જેમ મેડિટેશન કરતાં જાવ તેમ તેમ અસ્વસ્થતા(ઍંગ્ઝાયટિ) ઓછી થવા લાગે તેનું કારણ તમને અસ્વસ્થ કરી મૂકતી મી-સેન્ટરની સંવેદનાઓ સાથે જોડાયેલા ન્યુઅરલ રસ્તા ઓછા થતા જતા હોય છે. આપણે કારણ વગરની સંવેદનાઓની ઉપેક્ષા કરવાનું શીખી જતા હોઈએ છીએ. અથવા એવું પણ કહી શકાય કે ખરેખર જેના માટે સંવેદના જાગે છે તે ઓળખી શકાય છે અને એનો વધુ પડતો પ્રતિસાદ આપવાનું ઓછું થતું જાય છે. મતલબ સંવેદનાની સાચી ઓળખ છતી થાય છે.

બીજું  Assessment Center અને bodily sensation/fear centers વચ્ચે તંદુરસ્ત જોડાણ વધતું જાય છે. એટલે જ્યારે તમને કોઈ શારીરિક પીડા કે સંવેદના થાય કે કોઈ સંકટ  ઉભુ થાય ત્યારે તમે ઑટ્મૅટિકલી રિએક્ટ કરવાને બદલે તમે એને વધુ રેશનલ લેવા ટેવાતા જાવ છો. ટૂંકમાં તમે બધી રીતે સમતોલ વિચારતા થતા બનતા જાવ છો. મેડિટેશન કરતા બોનસમાં મી-સેન્ટરના હેલ્પફુલ વિભાગ (dorsomedial prefrontal cortex – the part involved in processing information related to people we perceive as being not like us ) અને bodily sensation center – involved in empathy વચ્ચે મજબૂત જોડાણ વધતું જાય છે. તમે બીજા લોકોની ઇચ્છાઓ, સપનાં અને વિચારો વધુ સમજતા થઈ જતા હોય છો. આમ ધ્યાન તમને વધુ ને વધુ કરુણાવાન બનાવતું જાય છે. ટૂંકમાં તમે તમામ લોકો પ્રત્યે દયાળુ અને કરુણાવાન બની શકતા હોય છો. હવે બુદ્ધ અને મહાવીરની માનસિકતા સમજવી વધુ સરળ લાગશે કે કેમ આ લોકો દુનિયાના તમામ લોકો પ્રત્યે કરુણા ધરવતા હતાં.

આમ ધ્યાન બ્રેનના અસેસ્મન્ટ સેન્ટરને મજબૂત બનાવે છે. મી-સેન્ટરના અનહેલ્પફુલ ભાગ જે વસ્તુઓને અંગત લેવા ટેવાએલ છે તેને નબળું બનાવે છે, મી-સેન્ટરના હેલ્પફુલ ભાગ જે સહાનુભૂતિ સાથે સંકળાએલ છે તેને મજબૂત બનાવે છે, શારીરિક સંવેદનાઓ અને ભય-ડર-દહેશત વગેરેને સાચી રીતે મૂલવવાનું શીખવે છે. “સંકટ સત્ય છે પણ એમાં ભયભીત થઈ જવું તમારી પસંદગી છે.”

ધ્યાન આપણને આપણી બાજુબાજુના તમામ લોકોને સ્વચ્છ અભિગમ વડે જોતાં શીખવે છે. ધીમે ધીમે આપણે શાંત અને શાંત થતા જતા હોઈએ છીએ..

પણ બ્રેનને જુના રસ્તે પાછાં જવાનું સરળ લાગતું હોય છે. સર્વાઇવલના જુના બનાવેલા ન્યુઅરલ રસ્તા વધુ અનુકૂળ લાગતા હોય છે. માટે ધ્યાન રોજ કરવું જોઈએ. ૧૫ મિનિટ તો ૧૫ મિનિટ પણ રોજ કરવું જોઈએ જેથી નવા ન્યુઅરલ રસ્તા એકદમ મજબૂત બની જાય, નવાં ન્યુઅરલ જોડાણ મજબૂત બની જાય. માટે બુદ્ધ રાતની સભા પૂરી કરીને આદેશ આપતા રાત્રિનું અંતિમ કાર્ય પૂરુ કરી સૂઈ જાવ. એ અંતિમ કાર્ય ધ્યાન કરવાનું રહેતું. સાધુઓ અને સમજદારો ધ્યાન કરવા જતા પણ સમાન્યજન સંભોગમાં રત થઈ જાય અને ચોર ચોરી કરવા જાય એમાં બુદ્ધનો શું વાંક ?

ક્ષુધાતુરદરિદ્રાણામ્ પ્રિયા: પીનપયોધરા:

ક્ષુધાતુર, દરિદ્રાણામ્ પ્રિયહ્ પીનપયોધરા124650-123409

એમાં કોઈ નવાઈ નથી કે ઘણાં પુરુષોને પુષ્ટ ભરાવદાર(buxom) સ્ત્રી ગમતી હોય છે જ્યારે અમુક પુરુષોની પહેલી પસંદ પાતળી પરમાર હોય છે. પાતળી પરમાર માટે હાલ ઝીરો ફિગર શબ્દ વપરાય છે. એક બહુ જુનું લોકગીત છે. ”માડી હું તો બાર બાર વરસે આવીયો, ક્યાં ગઈ મારી પાતળી પરમાર ?” બહુ ઇમોશનલ ગીત છે. પિયરના ગામની દિશા બાજુ ખાટલામાં ઓશિકુ ના મૂકવા દે તેવી સાસુના જમાનાનું ગીત છે. ખેર બહુ જૂનો સવાલ છે કે અમુક પુરુષોને હુષ્ટ્પુષ્ટ મોટાં ભરાવદાર ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે જ્યારે અમુકને પાતળી માપસરનાં ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે. જોકે આવી પસંદ નાપસંદીમાં અનેક કારણો અને પરિબળો ભાગ ભજવતાં હોય છે છતાં તાજેતરમાં થયેલાં બે અભ્યાસ  આના ઉપર સારો એવો પ્રકાશ પાડે છે.

એવા કયાં પરિબળ પુરુષને આવી મનોવૃત્તિ ધરાવવા માટે ખેંચતાં હશે? માનવ સ્ત્રી માટે સ્તનનું માપ ચરબી સંગ્રહ સૂચક(signal of fat reserves) ગણાતું હોય છે. પુરુષો માટે “resource security” અને “resource insecurity” ની ભાવના નાનાં-મોટાં સ્તન ગમવા માટે ભાગ ભજવતી હશે ખરી ? મતલબ જે લોકો સંપત્તિવાન છે અથવા ઓછી સંપદા ધરાવે છે તેનો આ પસંદગી બાબતે પ્રભાવ પડે ખરો ? Viren Swami અને Martin Tovée નામના બે મનોવૈજ્ઞાનિકોએ આના ઉપર રસપ્રદ અભ્યાસ કર્યો છે.

પહેલાં અભ્યાસમાં ફાઈનૅન્શલ સિક્યુરિટી સ્તન સાઇઝ પસંદગી બાબતે સંબંધ ધરાવે કે નહી તે ચકાસવામાં આવેલું. આર્થિક રીતે ગરીબ, મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકોને આમાં સામેલ કરવામાં આવેલાં. ભાગ લેનારાઓને પાંચ જુદી જુદી સાઇઝ્નાં સ્તન ધરાવતી સ્ત્રીઓના ફોટા બતાવી કંઈ સ્ત્રી આકર્ષક લાગે છે તે જણાવી ક્રમાંક આપવાનો હતો. બહુ સાદો પ્રયોગ હતો. આર્થિક રીતે નિમ્ન સ્તર ધરાવનારાઓએ મોટાં સ્તનને પહેલો ક્રમાંક આપ્યો હતો. સાદું તારણ એવું નીકળ્યું કે ગરીબ લોકોને મોટાં સ્તન ગમતાં હોય છે.

બીજા પ્રયોગમાં “food security” ધ્યાનમાં લેવામાં આવી હતી. આમાં ફક્ત શ્વેત બ્રિટીશ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવેલા, કારણ ethnicity પણ બહુ મોટો ભાગ સ્તન સાઇઝ પસંદ બાબતે ભાગ ભજવતી હોય છે. આફ્રિકન પ્રજાને નાના સ્તન ક્યારેય ગમે નહી. ભાગ લેનારા અમુક ભૂખ્યા હતાં અને અમુક ભૂખ વગરના તૃપ્ત હતા. પ્રયોગાત્મક અભ્યાસનો સમય પણ સાંજનો ૬ થી ૭ રાખેલો કે ત્યારે ભૂખ પણ બરોબર લાગી હોય. સ્ત્રીઓના ફોટા પણ પહેલા અભ્યાસમાં રાખેલા તે જ રાખેલાં. સાદું તારણ એ નીકળ્યું કે ભૂખ્યાજનો એ ભૂખ વગરના તૃપ્ત લોકોની સરખામણીએ મોટાં સ્તન પસંદ કરેલાં.

ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો મોટાં સ્તન તાજાં જન્મેલાં બાળક માટે વિપુલ ખોરાકની સંભાવના ધરાવતાં હોય છે. મોટાં સ્તન ફલદ્રુપતા સાથે સંબંધ ધરાવતાં estradiol હૉર્મોન લેવલ સૂચક પણ છે. Christopher Burris અને  Armand Munteanu નામના સંશોધકો માને છે કે જે પુરુષોને પિતા બનવાની ખાસ ઇચ્છા ના હોય તેને મોટાં સ્તન ખાસ અપીલિંગ લાગતાં નથી. આ હાઇપૉથિસિસ ચકાસવા કેટલાક કૉલિજ યુવાનો સાથે ઑન-લાઇન અભ્યાસ કરવામાં આવેલો. પહેલાં એમની પિતા બનવાની ઇચ્છા ક્રમાંક આપીને ચકાસી લેવાઈ હતી. પછી એમને સ્ત્રીઓના ચિત્રો આપવામાં આવેલાં જેની સ્તન સાઇઝ ઇચ્છા મુજબ ફેરવી શકતા હતાં. સાદું તારણ એવું નીકળ્યું કે જેઓ બાળકોથી મુક્ત રહેવા ઇચ્છતાં હતા તેઓએ નાનાં સ્તન પસંદ કરેલાં.

સ્તન સાઇઝ પસંદગી બાબતે કોઈ ચોક્કસ ધારણા બાંધી લેવી જરૂરી નથી. અનેક પરિબળ આમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ ભજવતાં હોઈ શકે. કોઈને વિધ્યા બાલન ગમે કોઈને દીપિકા પડુકોણ. દક્ષિણ ભારતની ફિલ્મોમાં દૂબળી અભિનેત્રી ચાલતી નહી. Ethnicity પણ બહુ મોટો ભાગ ભજવતી હોય છે. ઍવરિજ દક્ષિણ ભારતીયને ભૂખ્યો હોય, તૃપ્ત હોય, દરિદ્ર હોય કે ધનવાન મોટાં સ્તન જ ગમવાનાં તે હકીકત છે. છતાં ઉપરના પ્રયોગો અને તેનાં તારણ કેવો ઉરજવૈભવ પસંદ છે તે બાબતે આપણાં મનના ઊંડા અતલમાં જરૂર થોડો પ્રકાશ તો ફેંકે જ છે તે પણ હકીકત છે.

સ્તન આકર્ષણ મહા કર્ષણ

કુચાકર્ષણ મહા કર્ષણ

એક તાજું જન્મેલું બાળક રડે છે કે તે દૂધ શું છે જાણતું નથી. તે રડે છે કારણ લો બ્લડ શુગરનાં કારણે બ્રેન ઇમર્જન્સી અલર્ટ સિગ્નલ cortisol રિલીસ કરે છે. સારા નસીબે રુદન કામ કરી20130513-123131.jpg જતું હોય છે. મદદ આવી મળે છે. માતા આવી જાય છે બાળકને દૂધ પીવા મળી જાય છે, ખોરાક મળી જાય છે. બાળક રાહત અનુભવે છે. સારું અનુભવે છે. સુખનો આવિર્ભાવ થાય છે. બ્રેન અહીં શીખવાનું શરુ કરે છે. આમ એક બાળકનો પૃથ્વી પર અવતરણ થવાની સાથે સર્વાઇવલનો પહેલો અનુભવ એની માતાના સ્તન સાથેની ઓળખ સાથે થતો હોય છે. આમ ઉરજની ઓળખ પહેલી ઓળખ કાયમ ઉરમાં જડાઈ જાય છે. આખી જિંદગી એનું આકર્ષણ મહા કર્ષણ તરીકે દિલોદિમાગ પર છવાઈ જતું હોય છે. પીનપયોધર હાઈ estrogen લેવલ દર્શાવે છે જે ઉચ્ચ ફળદ્રુપતા સાથે જોડાયેલ છે. પીનપયોધરા કોને ના ગમે?

સ્વ. રાજકપૂર ‘રામ તેરી ગંગા મૈલી’ ચિત્રપટમાં અભિનેત્રી મંદાકિનીનાં ઉરમંડન સાથે એના કુચાગ્ર બહુ કલાત્મક રીતે દર્શાવવામાં સફળ થયેલા. એમની ફિલ્મોની તમામ અભિનેત્રીઓ જબરજસ્ત સ્તનવૈભવ ધરાવતી અને તે કલાત્મક રીતે જતાવવામાં રાજકપૂર જબરા નિષ્ણાત હતા. ઉંમર નિદર્શન, ફલદ્રુપતાની નિશાની, માતાની યાદ સાથે એના દ્વારા પોષણ મળતું બધી ભેગું થઈને સ્તન કાયમ માટે દિમાગમાં જડાયેલા રહેતા હોય છે.

આદિવાસી સમાજો જ્યાં સ્ત્રીઓ ટૉપલેસ ફરતી હોય છે ત્યાં ઉરોજ વિષે ખાસ દેખીતું આકર્ષણ હોતું નથી તેવું કહેવાય છે, ત્યાં સ્તન ફક્ત દુધના કૅન તરીકે ઓળખાતા હોય છે. આવા સમાજોમાં પણ સંસર્ગ પહેલાની રમત તરીકે કુચાગ્ર મર્દન તો થતું જ હોય છે. સ્તન મર્દન સ્ત્રીઓને ઉત્તેજિત કરવામાં ચાવીરૂપ ભાગ ભજવતું હોય છે. કામોત્તેજના સમયે સ્તનવૈભવમાં(volume) વધારો થાય છે તેવું Masters and Johnson નું કહેવું છે.

બાળક જ્યારે માતાને ધાવતું હોય છે ત્યારે માતા પણ બાળકના માથે હાથ ફેરવતી હોય છે, એને લાડ કરતી હોય છે, એને પંપાળતી હોય છે. આ સમયે માતા અને બાળક બંનેના બ્રેનમાં વિશ્વાસનું જનક, પ્રેમનું જનક બ્રેન કેમિકલ ઑક્સિટોસિન સ્ત્રાવ વધી જતો હોય છે જે માતા અને બાળક સાથે સામાજિક જોડાણ વધારવામાં ખૂબ મહત્વનો ફાળો આપતું હોય છે. Oxytocin is often referred to as the “cuddling hormone” . માતાને વહાલ ઊભરાઈ જાય તો તરત એના બાળકને ખોળામાં લઈને સ્તનપાન કરાવતી હોય છે. બાળક સ્તનપાન કરતું બંધ થઈ જાય ત્યારે પણ વહાલ ઊભરાય ત્યારે છાતી સાથે જડી દેવાનો એક શિરસ્તો ઊભો થઈ જાય છે.

Oxytocin નું એક બીજું મહત્વનું કામ છે milk let-down response દૂધ નીચે ઉતારવાનું. ખેડૂત મિત્રોને અનુભવ હશે કે ગાય કે ભેંસના થાનમાં દૂધ ભરેલું હોય પણ આંચળોમાં નીચે એકદમ આવતું નથી. દેશી ગાયો અને ભેંસોમાં ખાસ આ પ્રૉબ્લેમ હોય છે. એનું બચ્ચું એને વળગાડો એટલે ગાય કે ભેંસના બ્રેનમાં Oxytocin સ્ત્રવે પછી દૂધ આંચળોમાં નીચે આવે, પછી એનું બચ્ચું ખસેડી ગાયને દોહવાનું શરુ થતું હોય છે. બચ્ચું કોઈ કારણસર મરી ગયું હોય કે બીજા કોઈ કારણસર દૂધ થાનમાં ભરેલું હોય છતાં આંચળોમાં નીચે ઊતરતું નથી ત્યારે પશુપાલકો પશુને Oxytocin ઇન્જેક્શન આપતા હોય છે ત્યારે તરત દૂધ નીચે ઊતરી આવે છે.

ઘણી સ્ત્રીઓ સ્તનપાન કરાવતી વખતે ચરમસીમાએ પહોચી જતી હોય છે તેવું પણ કહેવાય છે. સ્ત્રી સમાગમ વખતે ઉત્તેજિત થાય ત્યારે એના clitoris, vagina, cervix ત્રણેનું પ્રતિનિધિત્વ કરતા નકશા (sensory maps )એના parietal cortex માં ઝબૂકવા લાગે છે. ઘણી સ્ત્રીઓમાં કુચાગ્ર મર્દન સમયે આ ત્રણે નકશા સામટાં ઝબૂકવા લાગે છે તેવું FMRI વડે જાણવા મળેલું છે. આમ પુરુષો માટે તો ખરા જ સ્ત્રીઓ માટે પણ સ્તન જાતીય જીવનમાં ખૂબ મહત્વના હોય છે. પુરુષોને એવરેસ્ટ જેવો ઉન્નત ઉરજવૈભવ જોવો ગમતો હોય છે તો સ્ત્રીને પણ તે એવો ધરાવે છે તે બતાવવાનું ગમતું હોય છે સીના તાન કે…

20130513-152313.jpg

મળી માતૃભાષા મને ગૂજરાતી

મળી માતૃભાષા મને ગૂજરાતીuntitled=-=-=

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પના ભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી.
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી.
-શ્રી ઉમાશંકર જોશીuntitled-=-=--

ગુજરાતી સૌમ્ય ભાષા છે. વેદકાલિન “ળ” એણે જાળવી રાખ્યો છે જે પછીના સંસ્કૃતમાં પણ નથી, આવી વૈભવ ભરેલી માતૃભાષા તરીકે ગુજરાતી મને મળી છે તેનો મને ગર્વ કેમ ના હોય? ગુજરાતની આસપાસના પ્રદેશોમાં બોલાતી બીજી ભાષાઓ એની સાથે તાળી દઈ રમતી સખીઓ છે. મતલબ આ બીજી ભાષાઓમાં પણ ગુજરાતીને મળતા અઢળક શબ્દો હોય છે. ગુણવાળી, રસભરેલી કાનમાં અમૃત સીંચતી જેને બોલતા છાતીમાં ભાવ ભરાઈ જાય તેવી માતૃભાષા દરેક ગુજરાતીના મુખે રમતી હોવી જોઈએ. શું સન ૧૯૫૫ માં કવિને અંદેશો આવી ગયો હશે કે આ માતૃભાષા બચાવવા ગુજરાતી પ્રેમીઓને પ્રયત્નો કરવા પડશે ? કે કહેવું પડ્યું ‘રમો માતૃભાષા મુખે ગૂજરાતી’. આ કોઈ સૈનિકોની પરેડ નથી. આ તો રમત છે. માતૃભાષા તો આપણાં હૈયામાં રમતી હોય છે, હોઠ પર વિલસતી હોય છે, હાસ્ય બની રેલાતી હોય છે, આંખોમાં બોલતી હોય છે, અશ્રુ બની ટપકતી હોય છે. બીજી ભાષાઓ પરેડની જેમ કૂચ કરતી હોય છે.

મુનિ હેમચંદ્રાચાર્યના આશિષ પામેલી, નરસિંહ-મીરાંના આશીર્વાદ વડે સમૃદ્ધ બનેલી આ ગુજરાતીને પ્રેમભટ, અખો અને ભક્ત ધીરા જેવા કવિઓ મળ્યા છે. નર્મદ, કાન્ત અને ગોવર્ધનરામે એની પૂજા કરી છે. નાન્હાલાલે એમની ભવ્ય કલ્પનાઓ વડે સજાવી છે. સત્ય-અહિંસાના પૂજારી એવા ગાંધીની ગિરા છે, ‘નમો ધન્ય ગાંધી-ગિરા ગૂજરાતી’. ગાંધી માટે અહોભાગ્ય કે ગુજરાતી એમની માતૃભાષા હતી અને ગુજરાતી માટે પણ અહોભાગ્ય કે ગાંધીને હૈયે તે રમતી હતી..
જ્યારે ઉપરની સાવ સરળ પણ બેનમુન કવિતા અમર ભટ્ટના કંઠે સાંભળીયે તો છાતી બે ઇંચ ફૂલી જાય. હા ! તો મિત્રો,

નૉર્થ અમેરિકાની લિટરરી અકૅડમિ તરફથી ગયા રવિવારે સરસ મજાનો પ્રોગ્રામ હતો. રાબેતા મુજબ દિલીપ ભટ્ટ તો સાથે હોય જ, પણ આ વખતે જનકભાઈ પણ સાથે હતા. ગુજરાતી ભાષાની સેવા માટે એને સમ્રુદ્ધ કરવા ગણો કે એની સમ્રુદ્ધિ સાચવવા કહો કેટ કેટલાં લોકો પ્રયત્નો કરતાં રહે છે આપણને ખબર હોતી નથી. આપણી પાસે ગુજરાતી કવિઓ અને એમની રચનાઓનો સમૃદ્ધ વારસો છે. એનો મહિમા કરીએ તો પણ ગુજરાતી ભાષાની સેવા ગણાય કે નહીં ?

ગઝલો અત્યારે ગલીએ ગલીએ લખાય છે. જાણે એક ઊભરો આવી ગયો છે. કવિતાઓ તો બહુ લખાય છે, પણ સારી કવિતા લખે છે કોણ ? આપણી પાસે શબ્દવૈભવથી શોભતી અઢળક કવિતાઓ છે પણ ગાય છે કોણ ? એ કામ આજકાલ અમર ભટ્ટ કરી રહ્યાં છે. કવિતાને વાંચવી અને સાંભળવામાં બહુ ફરક પડતો હોય છે. એમાંય અમર ભટ્ટ જેવો શાસ્ત્રીય સંગીતનો જાણતલ જ્યારે કવિતા ગાય ત્યારે કવિતા હ્રદય સોંસરવી ઊતરી જાય. એમાંય વળી શ્રી ઉમાશંકર જોશી કે શ્રી રમેશ પારેખ જેવા ભાવસમૃદ્ધ કવિઓની અદ્ભુત રચનાઓ સાંભળવા મળે તો બાગ બાગ થઈ જવાય અને આંખના ખૂણે અશ્રુબિંદુઓ આવી ને થંભી જાય તો નવાઈ નહીં.

અમર ભટ્ટે શ્રી ઉમાશંકર જોશીની સમગ્ર કવિતાઓમાંથી પસાર થઈ ને પસંદ કરેલી કવિતાઓનું સ્વરાંકન કરીને એક ઑડિઓ સી.ડી બહાર પાડેલી છે. આ કવિતાઓમાંથી પસાર થવું શબ્દો એમના પ્રયોજેલા છે. એવી રીતે મરીઝ અને મનોજ ખંડેરીયાની કવિતાઓમાંથી પસાર થઈને એમણે બીજા આલબમ બહાર પાડેલાં છે તેનું વિમોચન પણ હતું. આ વિમોચન પાછું આપણા કસુંબલ કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના શુભહસ્તે હતું.

અમર ભટ્ટ, દર્શના ઝાલા, ફોરમ અને ફાલ્ગુનીએ એમના કેળવાયેલા કંઠે જુદા જુદા કવિઓને ગાઈને એવા તો રસતરબોળ કરી દીધાં કે સમય ક્યાં પસાર થઈ ગયો સમજ જ ના પડી. અમુક કવિતાઓ એમની આગવી સ્ટાઇલમાં ખાલી સંભળાવી અને અમુક ગાઈને સંભળાવી. શ્રી વિનોદ જોશીની એક હૃદયસ્પર્શી રચના  ‘ કૂંચી આપો બાઈજી તમે કિયા પટારામાં મેલી મારી મહિયરની શરણાઈજી’, એક વહુ સાસુને કગરતી હોય કે મને ચાવી આપો તમે કયા પટારામાં મારા પિયરની શરણાઈ મેલી છે ? એક વહુની વ્યથા તો જુઓ? ભિખુદાન ગઢવીના શબ્દોમાં કહું તો પિયરના ગામની દિશામાં ખાટલા પર ઓશિકુ ના મૂકવા દે તેવો સાસુઓનો જમાનો હવે તો રહ્યો નહીં હોય તેવી આશા રાખીએ. શરણાઈ તો બિસ્મિલ્લાખાન વગાડતા હતાં અહીં તો શરણાઈ એક પ્રતીક છે. પિયરની સુખદ સ્મૃતિઓ પટારામાં ધરબીને જીવવાનું ? આજુબાજુ કોઈ જોઈ તો નથી રહ્યું ને ચકાસી મે છાનામાના મારી આંખના ખૂણા લૂછી લીધેલાં. કૂંચી શબ્દ અમે તો વાપરેલો છે, ચાવી માટે વપરાતો આ શબ્દ આજની પેઢી વાપરતી નથી. હવે તો ચાવી ને બદલે ‘કિ’ વપરાતું થઈ ગયું છે. સંગીત મઢી કવિતા ખરેખર તમારાં હ્રદય સોંસરવી ઊતરી જતી હોય છે.

કૃષ્ણ દવેને યાદ કર્યા, વાંસલડી.કૉમ, મોરપિચ્છ.કૉમ, .કૉમ વૃંદાવન આખું. કાનજીની વેબ સાઇટ એટલી બધી મોટી છે કે કયા કયા નામ રાખવા? મીરાં.કૉમ રાખીયે તો પાછી રાધા રિસાઈ જાય..હાહાહાહા..

‘જનની જોડ સખી નહીં જડે રે લોલ’ ઢાળમાં લખાએલી અને ગવાએલી શ્રી મકરંદ દવેની એક દીકરીઓ ઉપરની કવિતાની પંક્તિ ‘બાપુની ઢાલ બને દીકરો રે લોલ, દીકરી તો તેજની કટાર રે’ સાંભળી મારે ફરી આંખના ખૂણા લૂછવા પડ્યા. હવે આ દેશમાં કટાર જેવી તેજ દીકરીઓ ઉછેરવાનો સમય પાકી ગયો છે. આપણી ગુજરાતી કવિતાએ આદિકવિ નરસિંહથી માંડીને આજના અનિલ ચાવડા સુધીની કેટલી બધી લાંબી સમૃદ્ધ દડમજલ કાપી છે.

ઉમાશંકર કહે છે, ‘ કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.’ અઢળક ઢળિયો શામળિયો જેવા આ પ્રોગ્રામમાં લગભગ મોટાભાગના કવિઓને યાદ કરી ગુજરાતી ભાષાનો મહિમા ગવાયો એનો કેફ હજુ ઊતર્યો નથી, ઉતારવો પણ નથી..

‘આટલું બધું હેત કદી હોતું હશે ? એક પારેવું વાદળ ભરી રોતું હશે ?’—સુરેશ દલાલ

‘કવિતાને અમર કરી દેવી હોય તો એને સંગીત વડે મઢી દો’—– રાઓલ ભૂપેન્દ્રસિંહ…

બાર ગાઉ એ બોલી બદલાય

images

બાર ગાઉ એ બોલી બદલાય
બાર ગાઉ એ બોલી બદલાય તે કહેવત ખાલી ભારત માટે થોડી સાચી હોય? આખી દુનિયામાં આ ટ્રેન્ડ ચાલતો હોય છે. એટલે તમે લખવામાં ભાષા શુદ્ધિ નો આગ્રહ રાખી શકો બાકી બોલવામાં કદી રાખી શકો નહીં. હું વિજાપુર(મહેસાણા), નડિયાદ(ચરોતર) અને વડોદરા ઊછરેલો છું માટે મારી બોલવાની ભાષામાં આ ત્રણે વિસ્તારની બોલીનો લહેકો આવી જવાનો તે હકીકત છે. મતલબ હું શુદ્ધ મહેસાણી, શુદ્ધ ચરોતર કે શુદ્ધ બરોડીયન ભાષા બોલતો નથી ત્રણે વિસ્તારની મસાલા ખીચડી જેવી ભાષા બોલુ છું. મારા નાનાભાઈ વળી બરોડા નથી રહેલા તેઓ જામનગર વસેલા છે તો એમની ભાષામાં મહેસાણા, ચરોતર ભેળો સૌરાષ્ટ્રનો રોટલો પણ ભળેલો છે. મારા જીજાબા એટલે બહેનશ્રી વળી સાબરકાઠાં પરણાવેલાં છે એટલે એમની ભાષામાં મહેસાણા, ચરોતર સાથે ઈડર વિસ્તારનો ફેમસ મકાઈનો રોટલો અને અડદની દાળ પણ ભળેલા છે, એમાં બહેનનું પાછું રૉયલ ફેમિલી એટલે ‘આપ પધારો’, ‘આપ બિરાજો’, ‘જી હુકમ’, ‘કાકોસા’, ‘કાકીસા’, ‘ભાભીસા’, ‘ફુવાસા’, જીજાસા’, સાથે નાના બે વરસના જ કેમ ના હોય દીકરાને બાપુ અને દીકરીને બૈજીલાલ કહેવાનો મીઠડો માનવાચક ધારો છે.

‘લૅબુ, મૅઠુ અને પૉણી આવ્યું એટલે સમજો મહેસાણા આવ્યું. ઉચ્ચારણની ભાષામાં આમ અલગ અલગ વિસ્તારમાં થોડો થોડો ફેરફાર તો રહેવાનો જ. આનો કોઈ ઉપાય નથી. એકલાં ભારતમાં જ આવું હોય તેવું પણ નથી. અમેરિકામાં પણ થોડા થોડા ફેરફાર સાથે જ અન્ગ્રેજી બોલાય છે. દરેકનો પોતાની માત્રુભાષાનો ટોન બીજી ભાષામાં આવી જવાનો તે હકીકત છે. આપણે ભલે ભારતમાં બ્રિટીશ અંગ્રેજી ભણ્યા હોઈએ પણ દક્ષિણ ભારતીય અંગ્રેજી બોલશે અને ઉત્તર ભારતીય અંગ્રેજી બોલશે એ બેઉમાં ફરક પડવાનો. ઉત્તર ભારતીય હિંદી બોલે અને આપણે ગુજરાતી હિંદી બોલીયે તેમાં પણ આભ જમીનનો ફરક પડી જતો હોય છે. હું બરોડા રહેતો ત્યારે અમારી ઉપરના માળે થોડા કેરાલીયન મિત્રો રહેતા. એકવાર આવા એક કેરાલીયન મિત્રે પુચ્છ્યું ‘કાના કાયા?’ મને સમજ પડી નહી. હું શું? શું? એમ પૂછવા લાગ્યો. બાજુમાં ઊભેલા મિત્ર અરવિંદભાઈ કહે શું બાઘાં મારે છે? ખાના ખાયા? એવું પૂછે છે.

જોડણીની દ્રષ્ટીએ જોઈએ તો આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છીએ, અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીએ છીએ. એમાં બધાં જ આવી જાય, પત્રકારો, માસ્તરો, વ્યાખ્યાનકારો, સૌરાષ્ટ્રનો હોય કે ગુજરાતનો કે ભારતનો હોય, વળી પોતાની માત્રુભાષાનો લહેકો પણ એમાં લાવવાનાં જ. એમાં ગુગલનો ગુજરાતી લખવાનો સૉફ્ટ્વેર જે વાપરે તે જે થોડું ઘણું સાચું ગુજરાતી લખતો હોય તે પણ ભૂલી જવાનો. કારણ એમાં તમે શબ્દ આખો લખો અને સ્પેસ દબાવો આખા શબ્દનું ગુજરાતી થઈ જાય. એમાં મનફાવે તેમ જોડણી લખાઈ જવાની. એમાં ‘ઍ’ અને ‘ઑ’ આવતો નથી. એટલે તમે એના બદલે ‘એ’ અને ‘ઓ’ થી ચલવી લેવાના. મને ખબર હતી કે ‘મૅમલ’ સાચો શબ્દ છે, પણ હું ‘મેમલ’ વડે ચલાવી લેતો હતો. આવા તો અનેક શબ્દો છે જેની સાચી જોડણી વગર ચલાવી લેવું પડતું. એના માટે વિશાલ મોણપરાનું પ્રમુખ ટાઈપેડ સારુ, એમાં એક એક અક્ષરનું ગુજરાતી થવા માંડે એટલે તમે સાચું લખી શકો. પણ ગુગલનુ સહેલુ પડતું હોવાથી અને ઝડપથી લખાતું હોવાથી મોટાભાગે તે જ વપરાય છે. એટલે જેને થોડી ઘણી પણ જોડણી સાચી આવડતી હોય તેણે વિશાલભાઈનો સૉફ્ટ્વેર વાપરવો અથવા ‘બરહા’ વાપરવું સારુ રહેશે. ગુજરાતી જોડણી માટે સાર્થ જોડણીકોશ મળે છે. આ જોડણીકોશ વાંચીને એને પબ્લિશ કરનારાઓ ઉપર એક વિદ્વાન મિત્રે એમાં રહેલી ભૂલો બેત્રણ પાનાં ભરીને મોકલી, તો સામે આભાર માનતો પત્ર આવ્યો, તો એમાંથી પણ ભૂલો શોધીને મોકલવામાં આવી તો પછી પેલાં લોકોએ પત્ર લખવાનું જ બંધ કરી દીધું. હાહાહાહા!!!

ગુજરાતીના આટલાં બધાં શબ્દોની જોડણી કોને યાદ રહે? સામાન્યજનનુ તો કામ જ નહીં. એટલે એના માટે એક ઝુંબેશ શરુ થઈ કે જોડણીની પળોજણ છોડીએ એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરીએ. આને ઊંઝા જોડણી નામ અપાયું છે. ઘણાં બધા બ્લૉગર મિત્રો ઊંઝા જોડણી વાપરે છે. એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરો તો મોટાભાગે જોડણીની સમસ્યા મટી જાય. જો કે ઊંઝા જોડણીમાં લખેલું કોઈ સપાટ ચહેરા વાળો મતલબ મોઢાં પર કોઈ ભાવ દેખાય નહીં તેવા જૉહ્ન અબ્રાહમ જેવા ઍક્ટરની સિનેમા જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. જ્યારે સાચી-ખોટી જોડણીમાં લખેલુ દિલીપકુમાર-અમિતઆભ-પરેશ રાવલ જેવા ઉત્તમ અભિનેતાની ફિલમ જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. મને એવું લાગે છે, તમને શું લાગે છે મને ખબર નથી. ઊંઝા જોડણીનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે, પણ ઘણા સાહિત્યકારો એનાથી નારાજ છે. એમને લાગે છે આ ઊંઝા જોડણીવાળા ગુજરાતી ભાષાનો નાશ કરી નાખશે. ઊંઝા જોડણીવાળા કહે છે અમારી જોડણી વૈજ્ઞાનીક છે. તો સ્વરપેટી ઉપર આધારિત જોડણી કઈ રીતે અવૈજ્ઞાનિક કહેવાય?

અમેરિકાની વાત કરું તો, અહીં ઉત્તર અમેરિકાના યુ.એસ.એ નામના દેશના ઉત્તરમાં રહેલાં રાજ્યો અને ટેકસાસ જેવાં દક્ષિણમાં રહેલાં રાજ્યોની અંગ્રેજીની બોલચાલની લઢણ ખાસી જુદી પડી જાય છે. એમાં વળી અશ્વેત પ્રજાએ એની પોતાની આગવી લઢણ વિકસાવી છે. અમદાવાદમાં વાહન ચલાવો તો આખી દુનિયામાં ચલાવો પાસ થઈ જાવ તેવું અહીં કહેવાય કે અશ્વેત લોકોનું બોલેલુ અંગ્રેજી સમજી શકો તો પછી ગમે ત્યાં જાવ અંગ્રેજી સમજવામાં વાંધો આવે નહીં. યુ.એસ.એ નીચે આવેલા મેક્સિકો અને એની પણ નીચે આવેલા દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા દેશોમાં સ્પેનિશ ભાષા બોલાય છે. આ દેશોને લૅટિન અમેરિકન દેશો અથવા સ્પેનિશ દેશો પણ કહેવાય છે.

યુરોપના સ્પેનમાંથી આ દેશો ઉપર આક્રમણ થયેલું. આ બધા દેશો ઉપર યુરોપના સ્પેનની હકૂમત ચાલવા લાગી. મેક્સિકોની માયા અને પેરુની ઈન્કા સંસ્કૃતિનો નાશ કરી નાખવામાં આવ્યો. આશરે ૧૭ હજાર વર્ષ પહેલા વાયા સાયબીરીયા થી માનવો ધીમે ધીમે આ અમેરિકા ખંડમાં અલાસ્કા થી પ્રવેશ કરવા લાગેલા.એમાં જુદી જુદી સંસ્કૃતિઓ અહીં વિકસેલી જેવી કે Mesoamerica(the Olmec, the Toltec, the Teotihuacano, the Zapotec, the Mixtec, the Aztec, and the Maya) and the Andes (Inca, Moche, Chibcha, Cañaris). આમાં માયા સંસ્કૃતિના એમના પોતાના લેખિત રિકૉર્ડ મળે છે. આ બધી સંસ્કૃતિઓ ઘણી વિકસેલી હતી. ખેતીવાડી બાંધકામ બધામાં નિષ્ણાત હતી. ઍઝટેક લોકોએ એક ભવ્ય શહેર બનાવેલું Tenochtitlan, જે પુરાણું મેક્સિકો હતું. ત્યાં લગભગ ૨૦૦,૦૦૦ લોકો રહેતા હશે. તે લોકો ખગોળીય અને ગણિતશાસ્ત્ર જ્ઞાનમાં માહેર હતા.

૧૪૯૨માં કોલંબસની સફર પછી યુરોપિયન લોકોનાં ધાડા આવવાનું અહીં ચાલુ થયું. એ લોકો ગુલામ તરીકે ખેતી કરવા માટે આફ્રિકન લોકો ને લઈને આવ્યા, અને સાથે સાથે જાત જાતનાં મૂળ અહીંના લોકો માટે નવા એવા રોગો લઈ ને આવ્યા. એમાં અહીંની સ્થાનિક પ્રજા મરવા માંડી, બંને વચ્ચે યુદ્ધો થવા લાગ્યા. રીતસરનું જેનસાઇડ શરુ થયું અને સ્થાનિક જાતિઓનો નાશ કરવાનું ચાલુ થયુ. આપણે માનીયે છિયે તેમ સ્થાનિક કહેવાતી રેડ ઈન્ડિયન્સ જાતિઓ સાવ ખતમ નથી થઈ ગઈ પણ એમનું સંકરણ થઈ ગયું છે. જો કે શુદ્ધ રુપે ખતમ થઈ ગઈ છે તેમ કહી શકાય. યુરોપીયન્સ અને સ્થાનિક જાતિઓનું ભેગું થઈ ને જે ક્રોસ બ્રીડિંગ થઈ ગયુ છે તે આજની અમેરિકન સ્પેનિશ પ્રજા કહેવાય છે.

મૂળ અમેરિકન પ્રજા ઉત્તર ધૃવમાં રહેતી પ્રજાના જીન ધરાવતી હાથ પગ ટૂંકા, ઊંચાઈ સાવ ઓછી આપણા ગુરખા જેવી. અત્યારે હું ન્યુ જર્સીના ફ્રિહોલ્ડ વિસ્તારમાં જાઉં તો કહેવાતા સ્પેનિયા જોઈ એવું લાગે કે આ તો આપણાં ગુરખાને ઊંચા કહેવડાવે તેવાં છે. ગોળમટોળ બેઠીદડીના સાવ બટકા આપણાં ગુરખા જ જોઈ લો. કલર પણ ઘંઉવર્ણ બહુ ઊજળા નહી. આ પ્રજામાં એટલી બધી વિવિધતા છે કે ના પૂછો વાત. એકદમ ગોરા ઊંચા થી માંડીને સાવ બટકા અને અશ્વેત પણ મળી આવે. ભલે ગીતામાં ક્રુષ્ણે કહ્યું હોય કે વર્ણસંકર પ્રજાનો નાશ થાય પણ ભારતમાં પણ એટલું બધું સંકરણ થયેલું છે કે ના પૂછો વાત. દક્ષિણ અમેરિકા ખંડ અને ઉત્તર અમેરિકા ખંડ વચ્ચે એક નાની પટ્ટી રૂપ જોડાણ છે જેમાં નાના દેશો આવેલા છે. આ નાની પટ્ટીમાં હોન્ડુરાસ, નિકારાગુઆ, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, કોસ્ટારિકા, પનામા જેવા દેશો આવેલા છે. જ્યારે નીચે દક્ષિણ અમેરિકા ખંડમાં વેનેઝુએલા, ગુયાના, સુરીનામ, કોલમ્બિયા, ઇક્વાડોર, બ્રાઝીલ, બોલિવિયા, પેરુગ્વે, ઉરુગ્વે, ચીલી, આર્જેન્ટીના વગેરે સ્વતંત્ર દેશો છે. આ બધા દેશોની પ્રજા હિસ્પાનીક કહેવાય છે. વચ્ચે નાના નાના ટાપુઓ રૂપે ઘણા બધા દેશો છે જેવા ક્યુબા, ડોમોનીકન રિપબ્લિક, પોર્ટૄરીકો. આ દેશોની પ્રજા લાતીનો કહેવાય છે. બોલે છે બધાં સ્પેનિશ પણ બધાનું સ્પેનિશ અલગ અલગ છે. પણ જેમ આપણે ગુજરાતના કોઈ પણ ભાગમાં બોલાતું થોડું અલગ ગુજરાતી સમજી જઈએ છિયે તેમ આ પ્રજા પણ અલગ અલગ પ્રકારનું બોલાતું સ્પેનિશ સમજી જતી હોય છે.

ચાલો ફરી અંગ્રેજી ઉપર આવીયે તો શેક્સપિયર પહેલાં જે અંગ્રેજી વપરાતું હતું તે ઓલ્ડ અંગ્રેજી સાવ જુદું હતું, આજે કોઈને સમજાય નહી તેવું. શેક્સપિયરે નવા અંગ્રેજીના વિકાસમાં ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ક્રાન્તિ અને વિકાસની વાતો કરનારા માટે નવું અંગ્રેજી જરૂરી હતું. નવું અંગ્રેજી રિબેલિયન ભાષા હતી. એકલાં શેક્સ્પિયરે ખુદ ૨૦-૨૫૦૦૦ શબ્દો નવા પ્રયોજ્યા હશે. એટલે તો અંગ્રેજી સાહિત્યમાં એનું આટલું બધું માન છે. અંગ્રેજીમાં આજે રોજ નવા શબ્દો ઉમેરાય છે અને તે પણ દુનિયાની તમામ ભાષાઓમાંથી. સંસ્કૃતની વાત કરીયે તો વેદોનું સંસ્કૃત અલગ છે. પાણિનીનું પરફેક્ટ વ્યાકરણ સહીતનુ સંસ્કૃત અલગ પડી જાય છે. વેદ કાળના સંસ્કૃતમાં ‘ળ’ છે, પાણિનીના સંસ્કૃતમાં ‘ળ’ નથી. વળી ગુજરાતીમાં ‘ળ’ છે. પ્રાકૃત અને પાલી અશુદ્ધ સંસ્કૃત જ કહેવાય. તો આજની ભારતની ગુજરાતી સહિત અનેક ભાષાઓ અશુદ્ધ સંસ્કૃત કહી શકીયે.

આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છિયે અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીયે છિયે. ચાલો થોડા નમૂના બતાવું.. આપણે અંગ્રેજીના of ને ઑફ કહીએ છિયે ખરેખર ઑવ છે. Dose ડોઝ ખોટું છે એને ડૉસ કહેવાય. Planning પ્લાનિંગ ખોટું છે પ્લૅનિંગ કહેવાય. Efficient એફિશિયન્ટ ખોટું છે એફિશન્ટ કહેવાય. adoption એડોપ્શન ખોટું છે અડૉપ્શન કહેવાય. Protection પ્રોટેક્શન ખોટું છે પ્રટેક્શન કહેવાય. avoid એવૉઈડ ખોટું છે અવૉઈડ કહેવાય. Violence વાયોલેન્સ ખોટું વાયલન્સ સાચું. accelerator ઍક્સિલેટર ખોટું છે એક્સલરેટર કહેવાય. ફિલૉસૉફી ખોટું ફિલૉસફી કહેવાય. Alpha આલ્ફા ખોટું છે ઍલ્ફા કહેવાય. Monogamy મૉનોગેમી ખોટું મનૉગમી કહેવાય તેવી રીતે polygamy પૉલીગેમી પણ ખોટું છે પૉલીગમી કહેવાય. release રિલીઝ પણ ખોટું રિલીસ કહેવાય. બિહેવિયર પણ ખોટું બિહેવ્યર કહેવાય. થાકી ગયો યાર…છોડો આવા તો અનેક શબ્દો છે જે આપણે ખોટા બોલીયે છિયે અને લખીએ પણ છિયે..

ગીર-ગુજરાતની શાન શતમ જીવમ પુંડરીકમ

images0-

ગીર-ગુજરાત કી શાન સિંહ મેરી જાન

સમગ્ર ગુજરાતનું ગૌરવ અરે ભારતનું કહો તો પણ ચાલે એવા એશિયાટિક સિંહને મધ્યપ્રદેશમાં વસાવવા બાબતે ગુજરાત સરકારે તો શક્ય વિરોધ સુપ્રીમ કોર્ટમાં કરી જોયો છે. એટલે ગુજરાત સરકારને ભાન્ડવી નકામું છે. ઍઝ યૂઝુઅલ આપણી માનસિકતા પ્રમાણે આ બાબતે પણ લાગણીઓમાં તણાઈ જવાના. આપણા ભારતમાં તજજ્ઞોનું કોણ સાંભળે છે? અને એમની સલાહસૂચન પણ કોણ ગણકારે છે? એવું હોત તો મચ્છુ ડેમ તૂટ્યો જ નાં હોત. અને જે ભયાનક તારાજી થઈ હતી તે થઈ નાં હોત. ડેમ બનાવવાની અને બનાવીને નામ કમાઈ લેવાની લ્હાયમાં તજજ્ઞોની સલાહની અવગણના તજજ્ઞ એવા ગુજરાત સરકારના એન્જીનીયરો જ કરી બેઠેલા.

૧૯૫૬મા ઉત્તરપ્રદેશની સરકારે ઇન્ડિયન બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ આગળ એક પ્રપોઝલ મૂકી હતી. ૯૬ ચોરસ કિલોમીટરનો એરિયા ધરાવતી ચંદ્રપ્રભા વાઈલ્ડલાઈફ સૅંક્ચ્યૂઅરી નું વાતાવરણ લગભગ ગીર જેવું હોવાથી ત્યાં થોડા સિંહ ગીરમાંથી લાવીને વસાવવાની યોજના હતી. ૧૯૫૭મા ત્યાં એક નર અને બે માદા એમ એક જોડ સિંહની ત્યાં લવાયેલી પણ ખરી. થોડા વધ્યા અને ૧૯૬૫મા એકદમ નાશ થઈ ગયો. આફ્રિકન સિંહ કરતા ગીરનો સિંહ થોડો સંસ્કારી લાગે છે. હહાહાહાહા આફ્રિકન સિંહને પાંચથી સાત પત્નીઓ જોઈએ. ગીરના સિંહ થોડા શરમાળ લાગે છે આ બાબતમાં. આફ્રિકન સિંહ રાજપૂત રાજાઓ અને જમીનદારો જેવો. ઓછામાં ધરાય નહિ. ગીરનો સિંહ શ્રીમંત વાણિયા શેઠ શાહુકાર જેવો કહેવાય બે અથવા વધુમાં વધુ ત્રણ શ્રીમતી વડે ચલાવી લે. ભૂમિનો પ્રતાપ આનું નામ..

જ્યારે તમે કોઈ બ્રીડનું અચાનક નવી જગ્યાએ સ્થાનાન્તરણ કરો ત્યારે અતિશય ધ્યાન રાખવું પડે. એની સ્પેશીયલ કાળજી રાખવી પડે. કેપ્ટીવીટીમાં ઉછેરો અને જંગલમાં છુટા સર્વાઈવ થવા છોડી દો આ બે બાબતમાં ઘણો ફરક હોય છે. અમેરિકા અને યુરોપના પ્રાણી સંગ્રહાલયોમાં આવી રીતે સિંહ ઉછેરવાનો પ્રોગ્રામ ચાલી જ રહ્યો છે. આ લોકો આફ્રિકન અને એશીયાટીક બંને બ્રીડનું ક્રૉસિંગ પણ કરતા હોય છે. પણ આ બધું સલામત અને તજજ્ઞોની દેખભાળ હેઠળ થતું હોય છે. આમ અત્યારે ગીરના સિંહ ગણો કે એશિયાટિક સિંહ ગણો European Endangered Species Programme for Asiatic lions ( EEP ) પાસે ૧૦૦ સિંહ છે.

એશિયાટિક સિંહ ખાલી ગીરમાં જ રહ્યાં છે તે સિંહનું કમનસીબ છે અને આપણી માનવજાતની શરમ છે. પર્શિયન ભાષામાં ઈરાન નો અર્થ લેન્ડ ઑફ આર્યન્સ થાય છે. આમ આર્યભૂમિ કહો કે આર્યાવર્ત કહો ઈરાનમાં એશિયાટિક સિંહ હતા. પેલેસ્ટાઇન, મેસોપોટેમીયા, બલુચિસ્તાન, સીરિયા, ભારતમાં-પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં એશિયાટિક સિંહ વસતા જ હતા. યુફ્રેટ્રીસ નદીના ઉપરવાસમાં ૧૮૭૦ સુધી આ સિંહ નોંધાયા છે. ઈરાનમાં પણ મોટા પ્રમાણમાં ફેલાયેલા આ સિંહ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયા. ઝર્ગોશની પહાડીઓ અને શિરાઝનાં જંગલોમાં ૧૮૭૦ સુધી આ સિંહ વ્યાપક પ્રમાણમાં વસતા હતા. ૧૯૪૪મા ઈરાનમાં karun નદીના કિનારેથી એક સિંહણનું મડદું મળેલું. ૧૯૬૩મા પાંચની સંખ્યા ધરાવતા છેલ્લા સિંહ પરિવારનો નાશ કરીને ઈરાનીઓએ ખુબ જલસો કર્યો ત્યારે એમના રાષ્ટ્રીય ધ્વજ ઉપર સિંહ બિરાજમાન હતો, છે ને કરુણતા? નર સિંહ તો આગાઉથી જ મારી નંખાયો હતો અને માદા સિંહ સાથે ચાર બચ્ચા પણ હતા. ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાંતિ થઈ ત્યાં સુધી ઈરાનના રાષ્ટ્રીય ધ્વજ ઉપર હાથમાં તલવાર લઈને સિંહનું ચિત્ર બિરાજમાન હતું. ભલા સિંહને વળી તલવારની જરૂર પડે ખરી?

ભારતમાં જોઈએ તો ઝારખંડ જિલ્લાના પલામાઉ એરિયામાં ૧૮૧૪ માં આ સિંહ છેલ્લે દેખાયા હતા. બરોડા, હરિયાણા અને અમદાવાદ વિસ્તારમાં ૧૮૩૦ સુધી હતા. પાકિસ્તાન સિંધનાં કોટ દાજી અને મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં ૧૮૪૦ સુધી એશિયાટિક સિંહ દેખાયા હતા. ૧૮૫૭ના બળવા વખતે બ્રિટીશરોએ ૩૦૦ સિંહ મારી નાખેલા. ગ્વાલિયર અને રેવા મધ્યપ્રદેશમાં છેલ્લો સિંહ ૧૮૭૦મા મરાયો હતો. ગુના-મધ્યપ્રદેશ, ડીસા અને પાલનપુર વિસ્તારમાં ૧૮૮૦ સુધી આ સિંહ હતા ત્યાર પછી એમનો સફાયો થઈ ગયો. સલામ કરો જૂનાગઢના નવાબને કે એમણે સખત કાયદો કર્યો અને સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો બાકી આજે સમ ખાવા એક પણ એશિયાટિક સિંહ બચ્યો નાં હોત.

સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી. ગીરમાં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો. ગપ્પા મારવામાં શું કામ પાછળ રહેવું? લોકકવિઓ સિંહોને પણ છોડતા નથી.

સિંહ સિંહણની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી. તદ્દન ખોટી વાત છે. સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે. ખાસ તો સિંહના ટોળામાં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે. પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મૂકે છે. પછી લહેરથી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે. સિંહ ભાગ્યેજ શિકારમાં જોડાય છે. ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે. ટોળાં સિવાય એકલાં રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે. ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મૂકવામાં આવે છે. ટોળાનો માલિક સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાનો માલિક બની જાય છે. અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે. એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવના જોખમે સિંહનો સામનો કરે છે, પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે, અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે. છે ને હૃદય દ્રાવક? કુદરતના રાજ્યમાં NO અહિંસા. પછી એજ સિંહણ ગરમીમાં આવીને પેલાં સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે. પોતાના છોકરાઓને મારનાર જોડે પ્રેમ? Any morality? There is no morality in ‘The world of Nature.

કેટ એટલે બિલાડીના કુલમાંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે. પેન્થેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે. ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજનમાં હોય છે. ૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી દુનિયામાં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી. સિંહ સામાજિક પ્રાણી છે. જંગલમાં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે, જ્યારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ જીવી શકે છે. હવે ખાલી આફ્રિકાના ઘાસિયા મેદાનો અને ગીરમાં જ બચ્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઈ ગઈ છે. સંસ્કૃતમાં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહનું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે. ટાયગર, જેગુઆર ને લેપર્ડ એ સિંહના પિત્રાઈ કહેવાય. કૉમન પૂર્વજોમાંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆરને સિંહ છુટા પડેલા જ્યારે લેપર્ડ દસ લાખ ને આશરે વાઘ ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા. મતલબ વાઘ, જેગુઆર, લેપર્ડ અને સિંહ બધાના પૂર્વજ એક જ હતા.
૧) P.l.persica, એશિયાટિક લાયન એક સમયે ઈરાન, પાકિસ્તાન, ટર્કી, બાંગ્લાદેશ બધે ફેલાયેલા હતા. હવે ગીરમાં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે બચ્યા છે.
૨) P.l.leo, બાર્બેરી લાયન ઈજીપ્ત ને મોરોક્કોમાં હતા. બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા. ૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કોમાં મરાયો હતો.
૩) P.l,senegalensis, વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયામાં મળે છે.
૪) P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન કોન્ગોમાં મળે છે.
૫) P.l.nubica, મસાઈ લાયન ઈથિયોપિયા, કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિકમાં મળે છે.
૬) P.l. bleyenberghi, કતંગા લાયન નામિબિયા, બોત્સવાના, અંગોલા, કતંગા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વેમાં મળે છે.
૭) P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
૮) P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.

એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકામાં પણ સિંહ હતા. નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે. જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે. એવી રીતે સિંહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે. કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે. ભૂખ લાગે તો જ ઉભા થવાનું. સિંહ ને લગભગ ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.

આફ્રિકન સિંહ બહુ મોટો પરિવાર ધરાવતો હોય છે. એના પરિવારમાં બે થી માંડીને સાત સાત સિંહણ હોય છે અને ઘણીવાર આવા એક કરતા વધુ સિંહણ ગ્રૂપ ઉપર કાબુ ધરાવતો હોય છે, જ્યારે ગીરનો સિંહ પ્રમાણમાં નાનો પરિવાર ધરાવતો હોય છે. મોટાભાગે બે જ સિંહણ અને એના બચ્ચાં એના પરિવારમાં હોય છે. સિંહ મોટાભાગે બહુ મોટા શિકાર શોધતો હોય છે. ૨૦૦ થી ૫૦૦ કિલો વજનના મોટા પ્રાણીઓ ઉપર હાથ અજમાવવો એના માટે રમતવાત છે. ગીરના સિંહ મોટાભાગે ૫૦ કિલોના ચિતલ ઉપર વધારે હાથ સાફ કરતા હોય છે. આફ્રિકન સિંહ કરતા કદ કાઠીમાં ગીર સિંહ થોડો નાનો હોય છે.

ગીરના માલધારી જીવન સાથે સિંહ વણાઈ ગયેલો છે. શુદ્ધ શાકાહારી આ પ્રજાને સિંહ માટે માન છે. આ પ્રજા સિંહનો નાશ કરે તેવી જરાય નથી. જે નાશ થયો છે તે બ્રીટીશરોએ એમના શોખ માટે કર્યો છે અને તેમના વાદે ચડેલા રાજામહારાજાઓએ કર્યો છે. મધ્યપ્રદેશની બદમાશ ટોળીઓ છેક ગીર આવીને સિંહ મારી જતી હોય એમને તો મધ્યપ્રદેશમાં વસાવેલા સિંહ ઘરઆંગણે મારવા મળી જવાના. ગીરમાં સિંહની વસ્તી વધી છે માટે એમને બીજે વસાવવા પડે છે? તમારી માનવ વસ્તી વધે છે તેનું શું? સિંહ પહેલા ૧૦૦ જ હતા હવે વધી ગયા છે તેવી દલીલ થાય છે. અલ્યા ભાઈ તમે બધા મારી નાખ્યા તો ૧૦૦ વધેલા બાકી તો બહુ હતા. બહુ બધા હતા તે લોકો ભૂલી જાય છે. બરોડા, અમદાવાદ, પાલનપુર અને ડીસા વિસ્તારમાં પણ સિંહ હતા. હું માનું છું બનાસકાંઠામાં સિંહ ફરી વસાવવા જોઈએ. ત્યાં ગીર જેવા શાકાહારી માલધારીઓ જ વસે છે. ત્યાં વાતાવરણ પણ ગીર જેવું લગભગ છે. સિંહ એની મેળે જગ્યા શોધી નવા નવા વિસ્તારમાં ધીમે ધીમે અનુકૂલન સાધતા વધતા જાય અને ફેલાતા જાય તે વધુ બહેતર છે, પણ આપણે વધારેલી બેહદ વસ્તી અને સિમેન્ટના જંગલ એમાં અવરોધક બનવાના. માટે પ્રેક્ટીકલી તે શક્ય નથી તો સિંહનું સ્થાનાંતરણ કરવું પડે છે તે મજબૂરી સમજી તે માટે અતિશય કાળજી રાખવી પડે અને તે નૈતિક રીતે રખાય તો જ પ્રયોગ સફળ થાય. બનાસકાંઠા અને કચ્છ જેવાં વિસ્તારમાં સિંહને વસાવવામાં ગુજરાત સરકારને શું વાંધો આવે? આશરે પાંચેક હજાર વર્ષથી સિંહ ભારતમાં વસવા આવેલા છે તેવું કહેવાય છે તો અત્યાર સુધી કોઈ ચેપી રોગ નહોતાં નડતા અને હવે નડે છે? HIV જેવો FIV રોગ ડોમેસ્ટિક કેટને થતો હોય છે. તેવો રોગ વાઈલ્ડ કેટ વાઘ સિંહ જેવાને થાય તો આ જાતિઓ તો નષ્ટ જ થઈ જાય. એવો ભય એક બાયોલોજીસ્ટ ને ઉપજ્યો. એણે આખી દુનિયામાંથી વાઈલ્ડ કેટ પ્રાણીઓના જિન્સ એકઠાં કર્યા અને રિસર્ચમાં એવું આવ્યું કે વાઈલ્ડ કેટ શ્રેણીના પ્રાણીઓ આ ભયાનક FIV રોગ સામે પ્રતિકાર શક્તિ તો હજારો વર્ષોથી કેળવી ચુક્યા છે. આ રોગ ખાલી ઘરેલું પાળેલી બિલાડીઓ ને જ થાય છે.

નિષ્ણાતો સલાહ આપે કે હવે સિંહ બીજે વસાવવા જોઈએ તે સાચી વાત છે. પણ આપણે નિષ્ણાંતોની એક સલાહ માનીએ છીએ પણ આ લોકોએ આપેલી બીજી કાળજી રાખવાની સલાહો ભૂલી જઈએ છીએ. તજજ્ઞોએ મચ્છુ ડેમ બંધાવાની સલાહ આપી તે માની લીધી પણ ડેમ બાંધવામાં જે જે તકેદારીઓ રાખવાની હતી તેના વિષે તજજ્ઞોએ કરેલા સૂચનો ફગાવી દીધા હતા. પછી કહીએ કે તજજ્ઞોએ તો કહેલું બંધ બાંધવાનું એમાં તૂટી જાય તો અમે શું કરીએ? અહીં પણ આવું જ થવાનું છે. તજજ્ઞો સલાહ બધી બાજુની આપીને છૂટી જવાના, સુપ્રીમ કોર્ટ ચુકાદો આપીને છૂટી જવાની, ગુજરાત સરકાર કચવાતા મને ચુકાદો માથે ચડાવીને છૂટી જવાની પણ નૈતિકતામાં નહિ માનનારા લોકો આ પ્રયોગ પહેલાની જેમ ફરીવાર નિષ્ફળ બનાવીને જ જંપશે. ત્યારે નૈતિકતાનાં અતિશય બણગાં ફૂંકનાર લોકો અસહાય બનીને જોયા કરશે પણ એમાં મરો તો બિચારાં એશિયાટિક સિંહનો જ થવાનો છે. સારું છે કે ગીરમાં છે એટલાં બધા સિંહ કુનો-મધ્યપ્રદેશ નથી મોકલવાના. imagesCAFIG65R

વિજ્ઞાન પરીકથા(science fiction novel) ‘અંતહીન યાત્રા’ નું વિમોચન

10005વિજ્ઞાન પરીકથા(science fiction novel) ‘અંતહીન યાત્રા’ નું વિમોચન

ગુજરાતીમાં સાયન્સ ફિક્શન નવલકથાઓ બહુ ઓછી લખાતી હોય છે. એનું મૂળ કારણ આપણે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા પ્રત્યે ઉદાસીન છીએ. કદાચ હિન્દી અને બીજી ભારતીય ભાષાઓમાં પણ વિજ્ઞાન પરીકથાઓ બહુ ઓછી લખાઈ હશે. આપણે એવા સાયન્સ ફિક્શન મુવી પણ બહુ બનાવતાં નથી. એક બાળકની જિજ્ઞાસા કે ‘પૃથ્વી ધરી ઉપર ફરતી અટકી જાય તો?’ આટલી સુંદર સાયન્સ ફિક્શન નવલકથા અને તે પણ ગુજરાતી સાહિત્યમાં આપશે તે કોઈ માની પણ નહિ શકે. આ નવલકથાના બે લેખકો છે. શ્રી પ્રકાશ વૈદ્ય સાહિત્યકાર અને નાટ્યકાર છે. શ્રી પ્રદીપસિંહ રાઓલ જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી એન્જીનીયર હતા. તેઓએ બિરલા ઇન્સ્ટીટયુટ ઑફ ટેક્નોલૉજી એન્ડ સાયન્સ, પીલાનીમાંથી એમ.એસ.સી ફીજીક્સ અને બી.ઈ. સિવિલ એમ બે ડિગ્રી હાંસિલ કરેલી છે. પીલાની બિરલાનું વતન થાય તે જાણ સારું લખું છું, અને દેશની અગ્રગણ્ય ગણાતી આ કૉલેજનાં સ્થાપક બિરલા ફેમિલી જ છે. આમ એક નાટ્યકાર અને એક ભૌતિકશાસ્ત્રી સાથે સાથે સિવિલ એન્જીનીયર એવા બે મિત્રોએ આ નવલકથા લખવાનું વર્ષો પહેલા શરુ કરેલું. 10007

પૃથ્વી ધરી ઉપર ફરતી અટકી જાય તો કેવી ગંભીર સમસ્યાઓ પેદા થાય તેના વર્ણન અને કલ્પના માટે એમનું ભૌતિકશાસ્ત્રનું જ્ઞાન પણ કામે લાગ્યું છે. આ પુસ્તકમાં પર્યાવરણ બચાવો તેવો સંદેશો પણ વણી લેવાયો છે. અહીં પણ પરગ્રહવાસી એલિયન આવે છે પણ તે પશ્ચિમની કલ્પના આધારિત ચિત્રવિચિત્ર મોઢાવાળા નથી. લેખકો તમને સાહિત્ય અને વિજ્ઞાનનો સંગમ કરીને નાના ગામડાથી માંડીને અમેરિકા, નાસા, અને દૂર ગેલેક્ષીઓની સફર કરાવશે. વેદકાળથી વિજ્ઞાનકાળ સુધીની અદ્ભુત રોમાંચિત સફર કરાવશે.

ડૉ. જે.જે.રાવલ
ડૉ. જે.જે.રાવલ
આ કથા વિષે ડૉ જીતેન્દ્ર જટાશંકર રાવલ નામના વૈજ્ઞાનીકે બહુ સુંદર અભિપ્રાય આપ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ગામમાં ૧૯૪૩મા જન્મેલા આ ગુજરાતી વૈજ્ઞાનિક Astrophysicist છે. Nehru Planetarium, Bombay નાં ડાયરેક્ટર તરીકે વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે. તેઓ The Indian Planetary Society નાં પ્રમુખ છે. આ કથાના લેખકો માટે સૌભાગ્યની વાત એ છે કે આ પુસ્તકના વિમોચન પ્રસંગે ડૉ. જે. જે. રાવલ ખુદ હાજરી આપવાના છે.

આ નવલકથાના વાચકો માટે એક સુંદર યોજના વાચકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે મૂકવામાં આવી છે. આ નવલકથા વાંચીને એનો ટુંકસાર લખીને મોકલવાનો રહેશે. જે વાચકનો ટુંકસાર સર્વશ્રેષ્ઠ હશે તેને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. એ વિષે વધુ વિગતો વિમોચન પ્રસંગે જાહેર કરશે.

વિમોચન સ્થળ : કુંવરબાઈ જૈન ધરમશાળા, જેલ રોડ. જામનગર
એપ્રિલ ૨૮, ૨૦૧૩ સમય : સવારે ૯ થી ૧૨

તમામ મિત્રોને અનુકૂળતા પ્રમાણે આ પ્રસંગે હાજર રહેવા જાહેર નિમંત્રણ છે. જામનગર અને એની આસપાસ રહેતા મિત્રો માટે તો ડૉ.જે.જે.રાવલ ને સાંભળવાનો અણમોલ અવસર છે.
અલ્યા ભાઈ હું તો સંજોગોવસાત હાજરી આપી શકવાનો નથી તો મારા તરફથી મારા પ્રતિનિધિ તરીકે તમે તો જશો તેવી અપેક્ષા રાખી શકું?

પ્રાપ્તિસ્થાન
*અશોક પ્રકાશન મંદિર : રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ ફોન- ૦૭૯-૨૨૧૪-૦૭૭૦
* નવભારત સાહિત્ય મંદિર : ૧૩૪ પ્રિન્સેસ સ્ટ્રીટ. શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨ ફોન- ૨૨૦૧ ૭૨૧૩
* નવભારત સાહિત્ય મંદિર : જૈન દેરાસર પાસે, ગાંધી રોડ અમદાવાદ તથા ૨૦૨, પેલીકન હાઉસ, આશ્રમ રોડ અમદાવાદ
* બુક સેલ્ફ : ૧૬, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે , અમદાવાદ.

સમજમાં નાં આવે આ સ્નેહબંધન Hard Truths About Human Nature.

સમજમાં ના આવે આ સ્નેહબંધન

યત્રનાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:|
યત્ર એતાસ્તુ ન પૂજ્યન્તે તત્ર સર્વા અફલા ક્રિયા:||

કહેનારનાં દેશમાં બુધે ઢોર પાંસરું, બુધે નાર પાંસરી કે ઢોલ ગંવાર શૂદ્ર પશુ નારી સબ તાડન કે અધિકારી એવું પણ કહેવાય છે. કેમ કે આવું કહેનારા મહાપુરુષો જુદા જુદા હોય છે. જ્યારે imagesનારીની પૂજા નથી થતી ત્યાં બધી ક્રિયાઓ અફળ જાય છે તેવું કહેનારનાં દેશમાં સ્ત્રીને ચૂંથીને એની યોનિમાં જીવલેણ સળિયા પણ ભોંકાયા છે. સ્ત્રીઓ પ્રત્યે જોવાનો દરેકનો નજરિયો અલગ અલગ હોય છે. અંગત ગાઢ સંબંધોમાં સામેની જાતિના વ્યક્તિ પ્રત્યે માનસન્માન અને એને ગમાડવાની લાગણી અનેક બાબતો વડે ઘડાતી હોય છે.

હેટરોસેકસ્યુઅલ-વિજાતીય સંબંધોમાં તમારા પ્રેમીજન બાબતે તમારું વલણ કેવું છે તેનો આધાર વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે તમારું વલણ કેવું છે તેના ઉપર પણ આધાર રાખે છે. દાખલા તરીકે તમે પુરુષ હોવ તો તમારી પત્ની કે પ્રેમિકા પ્રત્યે વલણ કેવું છે તેનો આધાર સમસ્ત સ્ત્રી જાતિ પ્રત્યે કેવું વલણ છે તેના ઉપર પણ આધાર રાખે તેમાં નવાઈ નહિ.

સામાન્યતઃ પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યે બે પ્રકારનો દ્રષ્ટિકોણ હોય છે, “hostile” and “benevolent” sexism. હૉસ્ટાઇલ એટલે દુશ્મનાવટભર્યું અને બિનૅવલન્ટ એટલે હિતકારી મદદકર્તા. સ્ત્રીને સ્ત્રી સમજવામાં કોઈ વાંધો નથી પણ સ્ત્રીને જાતિ કે લિંગના આધારે એના પ્રત્યે કંઈક અલગ વર્તાવ કરવો કે અણછાજતું વર્તન કરવું તેને અંગ્રેજીમાં સેક્સિઝમ કહેતા હોય છે. આવું અણછાજતું વર્તન કરનારને સેક્સિસ્ટ કહેતા હોય છે. Benevolent sexism જરા વિરોધાભાસી લાગશે. હિતકારી અણછાજતું વર્તન? સ્ત્રી પુરુષના સંબંધોમાં હિતકારી વલણ હકારાત્મક બાબત બની શકે. હિતકારી હોય કે શત્રુતાવાળું અણછાજતું તો અણછાજતું જ રહેવાનું. Sexism in any form is still sexism.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ એવું માનતા હોય છે કે સ્ત્રીઓ પ્રપંચયુક્ત હોય છે, એમને સ્પેશલ કાયદા કે આરક્ષણને લીધે અમારી જૉબ છીનવાય છે, સ્ત્રીઓ વિનાશક છે. નારી નરકની ખાણ કે બુધે નાર પાંસરી કહેનારા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ હોય છે. સ્ત્રીઓના મુખ નાં જોવાય કહેનારા પણ સ્ત્રીઓ પ્રત્યે ચીડ, ગુસ્સો અને રોષના બંદરે નાવ લાંગરીને બેઠેલા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ મહાપુરુષો જ છે. સ્વાભાવિકપણે સ્ત્રીઓ માટે સારા પાર્ટનર પુરવાર થવું આવા લોકો માટે મુશ્કેલ છે અને ખાસ તો આવું શત્રુતાવાળું વલણ રાખનારને સ્ત્રી પહેલા તો પસંદ જ ના કરે.

બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષો તો તમને ઠેર ઠેર મળી જવાના. બસમાં સ્ત્રી પ્રવેશ કરે ઊભા થઈને બેસવાની જગ્યા આપનારા પુરુષો તમને જોવા મળતા જ હશે. કોઈ અશક્ત કે જેને ખરેખર જરૂર હોય, જેવી કોઈ બાળકને તેડીને ઊભેલી સ્ત્રીને જગ્યા આપે તો બરોબર છે. બિનૅવલન્ટ સેક્સિસ્ટ ભલે એક રીતે સારા લાગે પણ ખરેખર આવા પુરુષો સ્ત્રી સ્વાતંત્ર્ય માટે વધુ જોખમી હોય છે. તેઓ સ્ત્રીને નાજુક, અસહાય, કમજોર સમજતા હોય છે. તેઓ સમજતાં હોય છે કે સ્ત્રીને હમેશાં પુરુષોના રક્ષણ નીચે જીવવું જોઈએ. સ્ત્રીને કાયમ પુરુષ પ્રટેક્શનની જરૂર હોય જ છે. સ્ત્રી પુરુષના રક્ષણ અને મદદ વગર જીવી જ ના શકે. સ્ત્રીએ હમેશાં પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ જેથી એમનું રક્ષણ થાય. એકંદરે આવા. બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આમ કોઈપણ પ્રકારનું સેક્સિઝમ સ્ત્રીની મેન્ટલ હેલ્થ, એની કામ કરવાની ક્ષમતા, સુખની લાગણીઓ વગેરે માટે હાનિકારક હોય છે.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ તો તરત પરખાઈ જતો હોય છે. Non-sexist અને બિનૅવલન્ટ સેક્સિસ્ટ વચ્ચે ભેદ પારખવો બહુ મુશ્કેલ હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહેનારો આપણો તો ઍવરિજ આખો સમાજ સ્ત્રીઓના હિત માટે એની સાથે અણછાજતું વર્તન કરનારો ( બિનૅવલન્ટ સેક્સિસ્ટ) છે. પહેલા સ્ત્રી નાની હોય ત્યારે માતાપિતા ભાઈઓના રક્ષણ હેઠળ જીવવાનું, પછી પતિના રક્ષણ હેઠળ જીવવાનું પછી ઘરડી થાય એટલે પુત્રોના રક્ષણ હેઠળ જીવવાનું.images=-==

Non-sexist બિનજરૂરી ભાવ બતાવનારો કે સ્ત્રીના કામમાં મદદના બહાને પણ બિનજરૂરી દખલ દેનારો હોય નહિ. સ્ત્રીને સ્ત્રીનું કામ કરવા દો જરૂર પડશે તો મદદ કરીશું. સ્ત્રી એના પગ ઉપર ઊભી રહેવા પૂરતી સક્ષમ અને સ્વતંત્ર છે. ઓશો કહેતા કે બાળકોના હિત માટે ફાયદા માટે ભલા માટે આપણે આપણા બાળકો ઉપર ઘણી ક્રૂરતા આચરતા હોઈએ છીએ. એવી રીતે સ્ત્રીઓના ભલા માટે મદદ માટે આપણે એમની સાથે ક્રૂરતા કરતા હોઈએ છીએ પણ એ માનવું મુશ્કેલ છે.

આ સિવાય સ્ત્રી પુરુષ વચ્ચે સ્નેહબંધનનો પ્રકાર હોય છે જેને attachmentstyle કહેતા હોય છે. સ્ત્રીપુરુષના સંબંધો બહુ કૉમ્પ્લેક્સ હોય છે. Attachment style રોમૅન્ટિક રિલેશનશીપ તરફ આગળ વધતા તમારા માતાપિતાએ તમારો ઉછેર કઈ રીતે કર્યો છે તેના પર આધાર રાખતી હોય છે. જો તમે બચપણમાં અવગણના, અનાદર સહન કર્યા હોય, પૂરતી સલામતી અનુભવી ના હોય તો મોટા થઈને તમારો પાર્ટનર તમને છોડી દેશે તેવું સતત લાગ્યા કરતું હોય છે. જો તમે તમારા માતાપિતા કે કેરગીવર પાસેથી પૂરતી સલામતી અને આદર અનુભવી ચૂક્યા હશો તો પુખ્તવયે તમારા પાર્ટનર માટે તમને ખૂબ વિશ્વાસ રહેવાનો જ છે. Attachment style-સ્નેહબંધન, અનુરાગમાં પણ secure-સલામત અને insecure-અસલામત એમ બે પ્રકાર માનવામાં આવતા હોય છે. Insecure અટૅચમંટ સ્ટાઇલમાં વળી મનોવૈજ્ઞાનિકો વધુ વિભાગ પાડતા હોય છે. Anxiously-આતુરતાપૂર્વક જોડાયેલા વળી અસ્વસ્થ કાયમ ગભરાતાં હોય છે. એમને કાયમ કોઈની જરૂર પડતી જ હોય છે. Avoidant અટૅચમંટ સ્ટાઇલ ધરાવતા લોકો વળી એમની અસલામતી અંતર રાખીને જતાવતાં હોય છે. કદી નજીક આવશે નહિ આમ એમના પાર્ટનર સાથે ઈમોશનલી નજદીકિયા રાખી શકતાં નથી.

High in hostile sexism લોકોને પ્રથમ તો સ્ત્રીને જો પસંદ કરવા દેવામાં આવે તો પસંદ કરતી જ નથી અને કદાચ રૉમૅન્સ ડિપાર્ટમેન્ટમાં યેનકેન પ્રકારે સફળ થઈ ગયા તો એમને hostile માંથી ધીમે રહીને benevolent sexist બનવા તરફ ઢળવું પડતું હોય છે. આવા લોકોને આ વિષયમાં સંશોધન કરનાર Union College social psychologist Joshua Hart પરસ્પર વિરોધી લાગણીવાળા ambivalent sexist કહે છે.

આતુરતાપૂર્વક સ્નેહબંધનમાં જોડાયેલાં ચિંતાતુર લોકો બિનૅવલન્ટ સેક્સિસ્ટ બની જતા હોય છે. જ્યારે ઉપેક્ષિત થયેલા સ્નેહબંધનમાં હૉસ્ટાઇલ સેક્સિસ્ટ બની જાય તો નવાઈ નહિ. Anxiously attached મહાપુરુષોની સ્થિતિ વળી બહુ કૉમ્પ્લિકેટેડ હોય છે. દિલોજાન દોસ્ત વગર જીવી જ નહિ શકાય તેવું માનતા હોય છે. તેમની સ્ત્રીઓને છેવટે benevolent sexism ની પગદંડી ઉપર મૂકી દેતા હોય છે. આમ સ્ત્રીઓને પરતંત્ર બનાવી દેતા હોય છે. પત્ની સાથે Anxiously attached મહાપુરુષ કહી ગયા છે કે ઢોલ, ગંવાર, શૂદ્ર, પશુ, નારી સબ તાડન કે અધિકારી…

બેસ્ટ રોમૅન્ટિક પાર્ટનર એ છે કે જે સલામતી અનુભવતો સ્નેહબંધનમાં જોડાયેલો સ્ત્રીઓ પ્રત્યે સાનુકૂળ વલણ ધરાવતો હોય હિતકારી બનવાની આડમાં સ્ત્રીની સ્વતંત્રતા ઉપર તરાપ મારે નહિ. જો કે આ બધી વાતો ભારતીય સમાજ માટે ગળે ઊતારવી અઘરી પડશે. કારણકે કહેવાતા ઉચ્ચ આદર્શો, સમાજમાં દાખલા બેસાડવાના બહાના, રાજધર્મ, પ્રજાધર્મ વગેરે વગેરે અનેક બહાને અને છેવટે સ્ત્રીઓના લાભ માટે સ્ત્રીઓ ઉપર જુલમ ગુજારવામાં કશું બાકી રાખ્યું નથી. અગ્નિપરીક્ષા લીધી તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા કયો દાખલો? શેનો દાખલો? એનો કોઈ વાંક તો બતાવો? ગર્ભવતીનો ત્યાગ તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા ભાઈ પાછો શેનો દાખલો? ધોબીએ મહેણું માર્યું હતું. તો જાવ ધોબીને એક લાફો મારો અને સમાજમાં દાખલો બેસાડો. દાખલા જ્યાં બેસાડવાના છે ત્યાં નથી બેસાડવા અને જ્યાં નથી બેસાડવાના ત્યાં બેસાડીએ છીએ

 

સોમવારની સવાર ઉદાસી કે નામ..

imagesસોમવારની સવાર ઉદાસી કે નામ..
જો કે ઘણા બધા માટે તો રવિવારની સાંજ જ ઉદાસી વડે છવાઈ જતી હોય છે કે સાલું કાલે સોમવાર સવારે વહેલું ઊઠીને કામે જવું પડશે. સોમવારની કામ પર જવાની ચિંતા રવિવાર સાંજથી જ ચાલુ થઈ જાય. એ ચિંતામાં તો અમેરિકામાં રવિવાર સાંજે લીકર સ્ટોરો ઉપર દારૂનું વેચાણ પણ ઓછું થઈ જતું હોય છે. આમ સોમવાર મોટાભાગના લોકોને ઉદાસ લાગતો હોય છે. અમેરિકામાં તો વિકએન્ડનું ખૂબ મહત્વ. શુક્રવારથી આપણને મળતા લોકો હૅપી વિકેન્ડની દુવાઓ દેતા થઈ જતા હોય છે. શુક્રવારે બૅન્કમાં જઈને છુટા પડતા રૂપાળી ક્લાર્ક મીઠું મલપતી હૅપી વિકએન્ડ અવશ્ય બોલવાની. સોમવાર જેમ ઉદાસ લાગતો હોય છે તેમ શુક્રવાર ઉત્સાહી લાગતો હોય છે કે ચાલો આજે છેલ્લો દિવસ કાલથી બે દિવસની રજા.

મને એક ભાઈ શુક્રવારે બોલ્યા કે આજે છેલ્લો દિવસ, હું તો ચમકી ગયો. કે શું થયું? મેં પૂછ્યું કાલથી જૉબ નથી આવવાનાં? બીજે જૉબ મળી? તબિયત તો સારી છે ને? હું તો મનમાં ગભરાઈ ગયેલો કે સ્વર્ગમાં જતા એ.સી. બોગીમાં બુકિંગ કરાવી નાખ્યું છે કે શું? કે પછી સદેહે સ્વર્ગમાં લઈ જવાની ગેરંટી આપતા સ્વામી સજીવન થયા કે શું? તો કહે નાં યાર ! આજે શુક્રવાર કામનો છેલ્લો દિવસ ને? અહાહાહા

શુક્રવાર સાંજે અહીં ડોક્ટર્સ ઓફિસો વહેલી બંધ થઈ જતી હોય છે. આપણા ગુજરાતી-ભારતીય ડોક્ટર્સની વાત નથી કરતો. એ લોકો તો શનિ-રવી પણ એમના સેવાકેન્દ્રો ખુલ્લા રાખીને બેસતા હોય છે જેથી પ્રજાને કોઈ તકલીફ ના પડે. શુક્રવાર સાજ અહીં દારૂની દુકાનો ઉપર જબરદસ્ત વકરો થવાની સંભાવના લઈને આવતી હોય છે. અમેરિકન્સ એમાય સ્પેનીશ લોકો ખાસ, શુક્રવાર સાંજથી બીયર પીવાનું શરુ કરી દેતા હોય છે. એમાં ફાયદો ન્યુ જર્સીમાં તો આપણા ભારતીયોને જ છે કારણ? અરે! ન્યુ જર્સીમાં મોટાભાગના લીકર સ્ટોર આપણા ભારતીયોના એમાય ગુજરાતીઓના એમાય પટેલોના છે. હહાહાહાહા

સોમવાર સવારે સ્કૂલમાં જવાનું બાળકોને આકરું પડતું હોય છે કેમકે રવિવારે જલસા કર્યા હોય ને? ગૃહિણીઓને શનિ-રવિ સાસ-વહુની એકતા કપૂરની સીરીયલો જોઇને જે મજા લીધી હોય, મુવી જોયા હોય, ટૅલેન્ટ હન્ટ પ્રોગ્રામની ભરમાર જોઈ હોય તેમને આ સોમવાર ક્યાંથી આવ્યો એવું લાગતું હોય છે.

Sy-Miin Chow of University of Virginia નું રિસર્ચ એવું કહે છે કે સોમવારની ઉદાસી માટે કામ પર જવાની બાબતમાં નકારાત્મક વલણ કારણભૂત નથી, પણ વિકેન્ડમાં જે ઉલ્લાસ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તે કારણભૂત છે. મતલબ કામ પર ચડવું પડશે તેની ઉદાસી હોતી નથી પણ જે આનંદ ઉલ્લાસનો પ્રચંડ ભાવાવેશ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તેની ઉદાસી સોમવારે આવતી હોય છે. કામચોરોની વાત જુદી છે. કામચોર માટે પ્રત્યેક દિવસની સવાર ઉદાસી લઈને જ ઊગતી હોય છે. શનિ-રવિ મોજ મજા સાથે જોડાયેલા હોય છે. એક જાતનું માઈન્ડ કંડીશનિંગ થઈ જતું હોય છે. સંશોધકોના કહેવા પ્રમાણે આપણા બ્રેઈનમાં ડ્રમ પર પડતી તાલબદ્ધ થાપટોની જેમ ઉલ્લાસ અને ઉદાસીની થાપટો નિયમિત પડતી હોય છે. એ બે થાપટો વચ્ચેનો સમય ગાળો દરેક માનવીનો અલગ અલગ હોય છે. આમ ઉલ્લાસ અને ઉદાસીના તબલાં આપણી અંદર તાલબદ્ધ વાગ્યાં કરતાં હોય છે.

એક અભ્યાસ એવું પણ કહે છે કે સોમવારે આપઘાતનું પ્રમાણ વધુ હોય છે. પણ અમેરિકાનો એક અભ્યાસ એવું પણ જતાવે છે કે અમેરિકામાં બુધવાર આપઘાત કરનારાઓ માટે ફેવરીટ છે. Augustine Kposowa, a sociology professor at the University of California નું કહેવું એવું છે કે જૉબ સ્ટ્રેસ ધીમે ધીમે વધતો બુધવાર જેવા વચ્ચેના દિવસે ટોચ ઉપર એવો પહોચી જાય કે હેન્ડલ કરવો મુશ્કેલ લાગી શકે. ગુરુવારથી તો રાહત થવા લાગતી હોય કે ચાલો હવે કામ કરવા માટે એક શુક્રવાર જ આડો રહ્યો છે પછી તો આરામ જ છે. સંખ્યાબંધ સંશોધન બતાવે છે કે સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. મતલબ સોમવારે હાર્ટઍટેક અને સ્ટ્રોક આવવાની શક્યતા વધુ હોય છે. કામ પર પાછાં ફરવાનું ભારણ ભલભલાંને ઍટેક લાવી દે તેવું હોય છે. પણ જેને કામ કરવામાં રાહત મળતી હોય એવા કામગરા લોકોને વળી સોમવારે હાર્ટએટેકનું જોખમ ઘટી પણ જતું હોય તેવું પણ એક અભ્યાસમાં જણાયું છે. આવી સરખી શક્યતાઓ રિટાયર લોકો માટે પણ હોય રહેતી હોય છે. નિવૃત્તિ ઍટેક લાવી શકે છે અને નિવારી પણ શકે છે. એક અભ્યાસ એવું પણ બતાવે છે કે વીકેન્ડમાં ખૂબ પીધું હોય વધુ પડતા જલસા કર્યા હોય તો બી.પી. વધીને સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. આમ એકંદરે સોમવાર જોખમી તો ખરો.

જો તમે તમારા કામને ચાહતાં હશો તો સોમવાર ઉદાસ જરાય નહિ લાગે. જે ગૃહિણીઓ એમના બાળકોની સારસંભાળમાં કાયમ રહેતી હોય તેને સોમવારે રાહત લાગવાની.. થોડીક સેલ્ફ-અવેરનેસની જરૂર છે. આપણી અંદર વાગતા ઉલ્લાસ અને ઉદાસીના તબલાની રીધમ જાણી લેવી જરૂરી છે. આપણી વિશિષ્ટ પ્રકૃતિને લગતી રીધમ ઓળખી લેવી હિતાવહ છે.

એક બીજા સાથેની સરખામણી-comparing mind ઉદાસીમાં, દુખમાં વધારો કરતી હોય છે. પાડોશી બહુ ઉલ્લાસથી ભરેલો દેખાતો હોય પણ એના દુખ અલગ હોય છે તે આપણને દેખાતા નથી. સુખી અને સંપૂર્ણ દેખાતા જોડા પણ અંદરથી દુખી હોય કોણ જોવા જાય છે? અબજપતિના એના પોતાના દુખ અને ઉદાસી હોય છે. મુકેશ અંબાણી આપણા કરતા વધુ સુખી હશે? જરાય નહિ..બુદ્ધ કહેતા દુખ્ખ- suffering એનાથી કોઈ મુક્ત હોતું નથી. બીમારી, ઈજા, ઘડપણ, પ્રિયજનોની જુદાઈ દરેકને પીડતી હોય છે, અબજપતિ પણ એનાથી મુક્ત હોતો નથી. આપણે આપણા અનુભવો અને ભૂતકાળના માઈન્ડ કંડીશનિંગની પ્રોડક્ટ છીએ. આપણે બાળકોને કાયમ કહ્યા કરીએ કે આ બરોબર નથી તે બરોબર નથી તો એનું માઈન્ડ કંડીશનિંગ થઈ જવાનું કે તે જે પણ કરે છે તે બરોબર નથી અને તેની પ્રત્યેક સવાર એક ઉદાસી લઈને ઊગશે. આપણા વડીલોએ પણ આપણા માટે આજ કરેલું હશે..હહાહાહાહા …. ક્યારેક તો બાળકો સારું કામ કરતા જ હશે ને? કોઈવાર ભૂલ થાય તો ટોકવું અને કાયમ ટોકવું બેમાં ફરક હોય છે. વડીલોને એક વહેમ હોય છે કે પોતે કરે અને માને તે મહાન હોય છે. યુવાનો કરે તે હંમેશા ખોટું હોય તેવો વહેમ લઈને પણ કેટલાક વડીલો ફરતા હોય છે. આપણી ઉદાસીના, દુખના ઊંડા મૂળિયા આ કંડીશનિંગમાં છુપાયેલા હોય તો જાણી લેવા સારા..

દુખ અને ઉદાસીને દૂર કરવા ફોર્સ કરવો એને બળ આપવાનું કામ કરતો હોય છે. દુઃખ અને ઉદાસીને પ્રેમ કરવામાં પણ જોખમ છે, પછી જશે જ નહિ. એની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો. આવો પધારો હું ઓળખી ગયો છું તમને, બેસો અને ચા પીને રવાના થઈ જાવ. એટલાં માટે બુદ્ધે પ્રેમ શબ્દ ઉપર ભાર મૂક્યો નથી. બુદ્ધ જન્મ્યા હશે ત્યાં સુધીમાં પ્રેમ શબ્દનો અર્થ બદલાઈ ગયો હશે માટે એમણે પ્રેમના બદલે ‘કરુણા’ અને ‘મૈત્રી’ શબ્દ આપ્યો. આખી દુનિયામાં આજ સુધીમાં બે સૌથી મહાન ડાહ્યાં માણસો ભારતમાં જન્મ્યા ભલે આપણે એમની કદર ના કરી કે એમના ડહાપણનો જોઈએ તેવો લાભ લીધો નહિ. એક હતા બુદ્ધ અને બીજા હતા મહાવીર. મહાવીરે પણ રાગ નહિ વિરાગ નહિ અને ‘વિતરાગ’ શબ્દ આપ્યો. દુઃખ અને ઉદાસી વેધરની જેમ જીવનના એક ભાગ છે. ચોમાસું આવે છે થોડા મહિના રહીને જતું રહે છે. ઉદાસી મનમાં ઉદ્ભવે છે થોડી ક્ષણો ટકે છે અને પછી જતી રહે છે.

ઘણીવાર વાતાવરણ કે સ્થળ બદલાઈ જાય તો મૂડ બદલવામાં મદદરૂપ થઈ જાય તેવું પણ બનતું હોય છે. કોઈ પસંદગીની જગ્યાએ ફરી આવીએ કે કોઈ બગીચામાં લટાર મારી આવવામાં ઉદાસી ગાયબ થઈ જાય. તિબેટન બૌદ્ધિષ્ટ ટીચર Pema Chödrön કહે છે દુઃખ અને ઉદાસીનો આસ્વાદ બધા માટે સરખો જ હોય છે. એવા કોઈ સ્ટ્રગલ કરતા બીજા માનવીને મદદ કરીએ તો સમજાય કે આપણે એકલાં નથી આ જગતમાં જેને દુઃખ અને ઉદાસી પીડા આપી રહી છે. એનું દુઃખ દૂર કરવાના પ્રયત્નોમાં આપણું ક્યારે ગાયબ થઈ જાય ખબર પણ ના પડે.

ઉદાસીના સમયને આનંદ કે હળવી મજાનો સમય પણ બનાવી શકાય. ગમતા મુવી જોઈ શકાય, ચિત્ર દોરી શકાય, ચેસ રમી શકાય, ગમતું સંગીત સાંભળી શકાય, આ સોમવારની ઉદાસી ક્યાંથી ક્યાં ખેંચી ગઈ? હહાહાહાહા

Semantic મૅમરી તમે વારસામાં આપી શકો? એક તાજો પૂરાવો

શ્રી જુગલકીશોર વ્યાસ
શ્રી જુગલકીશોર વ્યાસ

‘સ્મૃતિ જનમ પહેલાની’ આવો એક લેખ હમણાં તાજો જ લખીને મૂકેલો છે. મિત્રો હજુ તેને વાગોળતા હશે. અનેક પ્રકારની મૅમરી હોય છે એમાં ત્રણ મુખ્ય પ્રકાર ૧) Episodic memory- ઍપિસૉડિક- પ્રાસંગિક કથાત્મક, કથા ઘટકોવાળું કોઈ ખાસ પ્રસંગની યાદગીરી બ્રેઈનમાં સ્ટોર થઈ જાય તેને પ્રાસંગિક સ્મૃતિ પણ કહી શકાય. દાખલા તરીકે ગઈ સાલ કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોઈએ તે ઇવેન્ટની મધુર યાદોને એપીસોડીક મૅમરી કહી શકાય. ૨) Semantic memory- કોઈ ખાસ પ્રકારની માહિતી જે સત્ય હોય તેને semantic મૅમરી કહેવાય છે. જેમકે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે અને ઓબામાં અમેરિકાના પ્રૅસિડેન્ટ છે. કે ૩૧ પ્રાઈમ નંબર છે. અંતમાં ૩) Procedural memory-કાર્યપ્રણાલિ-કામ કરવાની પદ્ધતિ,કંઈક કરવું, બલ્બ બદલવો કે તરવું કઈ રીતે કે સાઈકલ કઈ રીતે ચલાવવી… procedural memory વારસામાં મળી શકતી હોય છે. હવે semantic મૅમરી તમે વારસામાં આપી શકો કે નહિ? સિમૅન્ટિક એટલે શબ્દોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. કેટલાં જાણીતાં તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓનું માનવું છે કે સિમૅન્ટિક મૅમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી. અમુક આવી સ્મૃતિઓ વારસાગત મળતી હોય છે. આનો એક અદ્ભુત પૂરાવો મને બ્લોગ જગતમાં વડીલ મિત્ર જુગલભાઈના લખેલા એક લેખ જે અંગત અનુભવ આધારે છે તેમાં જણાયો.

જુગલકિશોર વ્યાસ પોતે ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે એમનો બ્લોગ નેટ ગુર્જરી પોતે એક શાળા જ છે. એમણે મારો સ્મૃતિ જનમ પહેલાની કદાચિત્ વાંચ્યો હશે. બહુ વ્યસ્ત માણસ છે માટે ના પણ વાંચ્યો હોય. એમણે તે લેખમાં બચપણનાં અનુભવો લખ્યા છે. જુગલકિશોર હજુ સ્કૂલે ગયા નથી. શાળાનું પગથિયું ચડવાને હજુ વાર છે. કોઈ વડીલ સાથે શહેરના રેલવે સ્ટેશને બેઠાં હશે. ત્યાં કોઈ દુકાનનું ચીતરેલું પાટિયું એમને આકર્ષી ગયું. ઘેર આવીને કક્કો બારાખડી શીખ્યા વગરના બાળ જુગલે ‘કમલબિટરખસ’ એવું લખી બતાવેલું. કક્કો શીખ્યા વગરનું એ પહેલું લખાણ કઈ રીતે લખી શક્યા? બ્રેઈનમાં cerebral cortex ની અંદર ન્યુરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેઈન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરોન્સને ભવિષ્યમાં કૉમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મૅમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. આવો જિનેટિક કોડ જુગલભાઈને પિતા દ્વારા જિન્સમાં મળ્યો જ હોય એનું ડીકોડીંગ જુગલભાઈના બ્રેઈને કરી નાખ્યું હશે. અને કક્કો શીખ્યા વગરના બાળ જુગલે પેલાં બોર્ડમાં લખેલો શબ્દ લખી નાખ્યો. લાઇફનું પહેલું કોપી પેસ્ટ…

બીજો દાખલો.. એમના પિતાજી સાહિત્યના શોખીન હતા. શાસ્ત્રો બહુ વાંચેલા અને ‘હવેલી સંગીત’નાં જાણકાર હતા. એક તો સંગીતજ્ઞનાં બ્રેઈન બીજા કરતા થોડા મોટા હોય. મેટ્રિક થતા પહેલા જુગલભાઈને લાઇબ્રેરીમાંથી કોઈ સર્જકનું શીખરીણી છંદમાં લખેલું કાવ્ય ખુબ ભાવી ગયું હશે. તેવા જ ભાવવાળું એક કાવ્ય લખીને પિતાશ્રીને બતાવ્યું. તો પિતાશ્રીએ એને વખાણ્યું. જુગલભાઈએ વટભેર કહી દીધું શીખરીણી છંદમાં છે. પિતાશ્રીએ જવાબમાં કહ્યું ખોટી વાત છે. શીખરીણી છંદમાં નથી. ત્યાં બેઠેલા ને એમણે શીખરીણી છંદ વિશેનું જ્ઞાન તત્કાલીન આપ્યું. ફક્ત અડધો કલાકમાં જુગલભાઈ શુદ્ધ શીખરીણીમાં રચના લઈને પિતાશ્રી સમક્ષ હાજર થઇ ગયા. એમનાં પિતાશ્રીએ જો આ જગ્યાએ બેચાર કલાક બગાડીને જો મને શીખરીણી છંદ શીખવ્યો હોત તો પણ હું એ છંદમાં કવિતા રચી શક્યો ના હોત તે હકીકત છે. અહીં સિમૅન્ટિક મૅમરીનું ડીકોડીંગ થયેલું સ્પષ્ટ દેખાય છે. બધા હોશિયાર કવિતા કેમ લખી શકતા નથી? અને બધા કવિઓ છંદમાં કવિતા કેમ લખી શકતા નથી? હા તમે પૂરતો રસ લઈને મહેનત કરો તો અવશ્ય કવિતા તે પણ છંદમાં લખી શકો. પણ અડધો કલાકમાં શીખરીણી શીખી અને એમાં જ કવિતા રચી નાખવી તે પેલી સિમૅન્ટિક મૅમરીનું ડીકોડીંગ વધુ લાગે છે જે પિતાશ્રી દ્વારા જિન્સમાં મળેલી જ છે. હવે તમે જો રસ લઈ મહેનત કરી છંદમાં કવિતા કરવાનું શીખી જાવ તો શીખતી વખતે જે ન્યુરલ નેટવર્ક બનતું હશે તે સ્મૃતિઓ જિનેટિક કોડ વડે તમારા બાળકમાં જરૂર જવાની.. સિમૅન્ટિક મૅમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી તેવું વૈજ્ઞાનિકો કહેતા જ હોય છે.

મારા પિતાશ્રી વકીલ હતા ને વાંચવાના ખૂબ શોખીન હતા પણ સાહિત્ય કરતા ફિલોસોફી બહુ વાંચતા. એ જમાનામાં છોકરાઓના હાથમાં ગુલશનનંદાની વેવલી પ્રેમકથાઓની પોકેટબુક્સ રહેતી ત્યારે મારા હાથમાં સસ્તી પડે માટે ઓશોની કહેલી શબ્દોમાં ઊતારેલી પૉકેટબુક રહેતી. અમારી તો સાત પેઢીમાં કોઈએ કવિતા શું જોડકણા પણ નહિ લખ્યાં હોય. લગભગ મારા દાદાશ્રીની પેઢીથી તલવાર ચલાવવાનું બંધ થયું હશે. બાકી આગળની બધી પેઢીઓ તલવાર ચલાવવાનો મુખ્ય બિઝનેસ કરતી હતી. હહાહાહાહાહાહા!!!

ટૂંકમાં સિમૅન્ટિક મૅમરી વારસામાં મળી શકતી હોય છે તેનો પૂરાવો અહીં જુગલભાઈના દાખલા ઉપરથી મળે છે. આપણા પૂર્વજો બ્રેઈન વિષે ખાસ જાણતા નહોતા તો આવા દાખલાઓ પરથી પુનર્જન્મ વિષે ધારણા બંધી લેતા હોવા જોઈએ. હકીકતમાં આપણી હયાતીમાં જ આપણો પુનર્જન્મ આપણા બાળકો રૂપે થઈ જતો હોય છે.imagesCAQSTKHA

તુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમરથ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

untitledતુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમર્થ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

જો કે આમાં તો કાગડાનું અપમાન છે પણ આજનો દિવસ ચલાવી લોં યારો. કૌવા એટલે ક્રિમિનલ સમજી લેવું. કાયમ લાકડા લડાવતા નારદ મુનીએ ‘ભક્તિસૂત્ર’ લખ્યા પછી કુદરતે આ દેશની પ્રજામાં રહેલાં બુદ્ધિ અને તર્કના જિન્સ જાણે પાછાં ખેંચી લેવાનું ધાર્યું હોય તેમ લાગે છે. એક જમાનો હતો કપિલનું સાંખ્ય, ગૌતમનું ન્યાય, પતંજલિનું યોગ, જૈમીનીનું પૂર્વ મીમાંસા, કણાદનું વૈશેષિક ભારતની ભૂમિ ઉપર તર્ક અને બુદ્ધિનો ઝંડો લહેરાવતું હતું. કદાચ ભારત પહેલો એવો દેશ હશે જ્યાં લીમ્બીક સિસ્ટિમ ઉપર તર્ક અને બુદ્ધિનો કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ થયો હશે. ત્યારે બાકીની દુનિયાના દેશો પુરા એનિમલ બ્રેઈન ઉપર આધાર રાખતા હતા. એક સમયે અહં બ્રહ્માસ્મિનાં અતિઅહંકારી નારાઓ વડે ગુંજતો આ દેશ આજે આખો દિવસ કાલાવાલા કરતો, તાળીઓ પાડતો, મંજીરા વગાડતો ગરીબડો લાચાર ભાવનાઓના પૂરમાં વહીને રોતલ બની ચૂક્યો છે ત્યાં ક્રિમિનલ હીરો બની જવાના તેમાં નવાઈ જ નહિ. પ્રજા ગુંડાઓને મારી શકતી નથી કે સજા કરી શકતી નથી ત્યારે ગુંડાઓ આદર્શ બની જતા હોય છે. ગુંડામાં પ્રજાને અન્યાય સામે માથું ઊચકનાર હીરો દેખાય તેમાં પણ નવાઈ નહિ.

ભાવનાઓના પૂરમાં તણાઈ જતી આ એજ પ્રજા છે જે એક દિવસ સંજય દત્તના ઘર ઉપર પથ્થર ફેંકતી હતી. આ એ જ પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ છે જે આજે સંજય દત્તને માફી અપાવવા બહાર પડી સુપ્રીમ કોર્ટનું અપમાન કરવા નીકળી પડ્યા છે. માટે તુલસી કહી ગયા કે સમર્થ કો નહિ દોષ ગુંસાઈ. અહીં સમર્થ માણસ ગમે તેટલાં દુષ્કર્મ કરે એને કોઈ દોષ લાગતો નથી. પણ આ સંજય દત્ત કઈ રીતે ફસાઈ ગયો? એના બાપ તો કૉન્ગ્રેસના મહાન નેતા હતા. એક નગરપાલિકા બરોના સભ્યના છોકરાને આ દેશમાં બોલી શકાતું નથી ત્યાં સુનીલદત્ત જેવા બીગ શોટ નો છોકરો કેમ ફસાઈ ગયો? નક્કી પુરાવા સંગીન હશે. શક્ય એટલાં ખોખલા કરવાનો ટ્રાય તો કરાયો જ છે. કારણ પેલી ૭૦ વર્ષની મુસ્લિમ ડોસીને હથિયાર રાખવાના કેસમાં સજા થઈ તે ટાડા કાયદા અનુસાર થઈ અને આ મહારથીને ખાલી બિનપરવાનેદાર હથિયાર રાખવાનો સાદો ગુનો દાખલ કરાયો છે. ૩૩ વર્ષની ઉંમર કાચી કહેવાય ખરી? બેત્રણ લાયસન્સવાલા હથિયાર ઘરમાં હોવા છતાં આવા ખતરનાક હથિયાર ઘરમાં રાખવાનું કામ કરવું મતલબ તમે કાવતરામાં પુરા સંડોવાયેલા હોવા જ જોઈએ. તે સમયે પોલીસને જાણ કરી બહુ મોટો હત્યાકાંડ નિવારી શકાયો હોત તો ‘મેરે દેશકો મૈ ચાહતા હું’ જેવા વાક્યો આજે રડતા રડતા બોલાય છે તે સાર્થક થયા હોત. દાઉદની પાર્ટીમાં અનિલકપુર પણ નાચવા જતો હતો એણે હથિયાર કેમ ના રાખ્યા? સલમાનનો બાપ મુસ્લિમ છે માં હિંદુ એણે ભાઈબંધી રાખી હશે હથિયાર કેમ નાં રાખ્યા? શાહરૂખ દાઉદભાઈની ચમચાગીરી કરી ચૂક્યો હશે એણે હથિયાર કેમ નાં રાખ્યા? ભાઈના પૈસા આખી ફિલ્મી દુનિયામાં ફરતા હતા એમના ટપોરી નિર્માતાઓ દ્વારા. એટલે આખી ફિલ્મી દુનિયા એમની કદમબોસી કરતી હતી પણ હથિયાર ખાલી સંજયદત્તે જ રાખ્યા છે.

૨૫૫ મૃત્યુ, ૭૦૦ ઘાયલ અને એના લીધે હજારો પીડાયા તેની કોઈ કિંમત જ નહિ. અરે આના કરતા તો પેલી અમદાવાદની ગરીબ મુસ્લિમ બાઈ સારી જેણે પોતાના પતિના કાવતરાની વાત પોલીસને કહી દીધી અને એક ઓર હત્યાકાંડ થતો રહી ગયો. બાઈટીંગ માટે ટેબલ પર પ્લેઇટમાં પડેલા મસાલેદાર કાજુ જેવા કાત્જુ સાહેબ એકવાર બોલી ગયા કે ભારતની ૯૦ ટકા પ્રજા મૂર્ખ છે. હવે એને સાબિત કરવા પોતે મહામુર્ખ બની સંજયદત્તને માફ કરવાના આંદોલનમાં કૂદી પડ્યા છે. ફિલ્મ ઉદ્યોગ તો તૂટી પડે કેમકે એના ૩૫૦ કરોડ દાવ પર લાગ્યા છે. ફિલ્મી દુનિયા જેટલી કોઈ દોગલી દુનિયા બીજી હશે ખરી?

મુંબઈમાં પહેલા કરીમલાલા અને એના ભત્રીજાઓ સમદખાન અને આલમઝેબની ગેંગનો ડંકો વાગતો હતો. એમાં પાછો એક વરદરાજન મુદલિયાર કરીને મદ્રાસી ગૅંગ્સ્ટર પણ હતો. દાઉદ ભાઈ નવા હતા, અને પગ જમાવવા મહેનત કરતા હતા. ધીરે ધીરે દાઉદ ભાઈએ બધાને ખલાસ કર્યા, લોકો દાઉદને હીરો જ માનવા લાગેલા. જ્યારે બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા પછી લોકો જાગ્યા કે આ હીરો નથી ત્રાસવાદી છે. ફૂલનદેવી બચપણથી જ ડાકુઓની ગેંગમાં હતી ને જે સરદાર બદલાય એની રખાત બની રહેતી હતી. ચાલો એને અન્યાય થયો હશે માની લઈએ. હવે જે ડાકુ ટોળકીએ એના પર બળાત્કાર કરેલા એમાંના કોઈ ડાકુને એ મારી શકી ના હતી. પણ જે ગામમાં આ બનાવ બનેલો એ ગામમાં જઈ એણે ૨૦ નિર્દોષ લોકોને લાઈનમાં ઉભા રાખી ને ઉડાવી દીધા. આ લોકોનો વાંક એટલો કે ભરી બંદુકે ઊભેલા ડાકુઓ વારાફરતી એના પર બળાત્કાર કરતા હતા ત્યારે વિરોધ કેમ ના કર્યો? આ ૨૦ મૃતાત્મામાંથી કોઈ એકના વારસદારે એને ઉડાવી દીધી. શેખર કપૂરે એની ફિલ્મ બનાવી ને હીરો બનાવી દીધી ને મુલાયમે તો એને રાજકારણમાં લઈને હદ જ વટાવી દીધી હતી. મને અન્યાય થાય તો મારાથી કાઈ બંદૂક લઈને નાં નીકળી પડાય. સમૂહના રક્ષણ માટે સમાજની વ્યવસ્થા માટે અરાજકતા નાં ફેલાય માટે કાયદા કાનૂન બનાવ્યા હોય છે. હવે એ પાળવામાં ભૂલ કરો સમાજ તમને દંડ કરે છે.

મને પોતાને પણ નાનપણમાં સોરઠી બહારવટિયાઓની વાતો વાંચી ને એમના પ્રત્યે અહોભાવ થતો ને એ ભાવનગરના પ્રજા વત્સલ રાજાઓ માટે ઘૃણા થતી. કેમ? લેખકોની આ જ તો કળા છે. સોરઠી બહારવટિયાને કરવેરા કે જમીન બાબતે રજવાડા જોડે મન દુખ થાય એટલે નીકળી પડતા બંદુકો ખેંચીને. મરો કોનો? ગરીબ ખેડૂતોનો અને પૈસાદાર વાણિયાઓનો. એમની પ્રશસ્તિમાં લોકો કવિતા કરે. આ બહારવટિયા પાછાં ઢોંગી એક હાથમાં માળા ફેરવે ને બીજા હાથે બંદુક ચલાવે. લોકો તો ગાંડા ગાંડા થઈ જાય. આ તો ભગત કહેવાય, પુણ્ય શાળી જીવ. ભૂપત બહારવટિયાએ પુરા નવ પટેલોને એકજ લાઈનમાં ઉભા રાખીને એક જ ૩૦૩ ગોળીથી મારી નાખેલા એવી વાતો વાંચેલી. તમને રાજ સામે વાંધો હોય તો રાજ સામે લડો, પણ એમાં તમે કાચાં પડો એટલે નિર્દોષ લોકોને મારો એમાં કઈ બહાદુરી? ભૂપત ખોટો પાકિસ્તાન ભાગી ગયો. અહીં હોત તો ફૂલનની જેમ સૌરાષ્ટ્રમાં ક્યાંક ચૂંટણી લડવા ટીકીટ મળી જાત. ચિત્રલેખામાં જગ્ગાડાકુના વેરનાં વળામણા સ્ટોરી આવતી હતી પછી એનું પુસ્તક બહાર પડેલું. ભાગલા પહેલા એ હાલના પાકિસ્તાનમાં અને પછી ભારતમાં ડાકુગીરી કરતો હતો. ઘણા લોકોને મારી નાખ્યાં હશે. હવે આ નૉવેલ વાંચો તો ક્યારેય એના પ્રત્યે તમને ઘૃણા ના થાય. હીરો જ લાગે. માસ્ટર માંધોસિંહ, મોહરસિંહ અને માનસિંહ આ બધા ચંબલના ગુનેગારો ને આપણાં વાર્તાકારોએ હીરો જ બનાવી દીધેલા છે. સોરઠી બહારવટિયાઓએ ખુબ કાળા કામો કરેલા છે. સોરઠના રાજાઓ એટલાં બધા ખરાબ ના હતા. આજ રાજાઓએ સમાધાન કરી ને આજ બહારવટિયાઓને પ્રજાના જાનમાલની રક્ષા માટે ગળે લગાવ્યા હતા. હમણાં એક એન્જીનીયર આવેલા, કહે આ બહારવટિયા ખુબ જ પવિત્ર ,કોઈ બાઈ ને સુવાવડ થતી ન હોય ને બાળક અટકી ગયું હોય તો એમના ચોયણાનું નાડુ પાણીમાં બોળીને એ પાણી પેલી બાઈને પાઈ દેવાનું. તરત જ છુટકારો થઈ જાય. એ જમાનામાં ચોયણો પહેરતા. આ ચોયણો ક્યારે ધોયો હોય ખબર નહિ. ચોયણાના નાડા અને ડીલીવરીને કોઈ સંબંધ ખરો? નાડુ જ શું કામ, બીજું કશું બોળીને કેમ નહિ? ડોકટરોએ આ લોકોના જુના નાડા ભેગાં કરી રાખવા જોઈએ, ખોટી મહેનત કર્યા વગર નાડુ બોળી પાણી પાઈ દેવાનું. મોટા ગજાંના લેખકો પણ આવી અંધ શ્રદ્ધા ફેલાવતા, ત્યારે આજે પણ એક એન્જીનીયર આવી ગાંડી વાતોમાં વિશ્વાસ રાખે છે. આ બહારવટિયા કોઈ જુના નથી. આઝાદી પહેલાના ગાંધીજીના સમકાલીન છે. દરેક રજવાડાને બહારવટિયાઓની સમસ્યા નડતી હતી. એટલે છેલભાઈ દવે કરીને એક બાહોશ બ્રાહ્મણ ડી.એસ.પીને બધા રજવાડાઓ તેમના રાજ્યના પોલીસ વડા તરીકે રાખતા હતા. વારાફરતી ઘણા બધા રજવાડાઓમાં એમણે સેવા આપીને મોટા ભાગના બહારવટિયા ઓનો નાશ કરેલો.

કદી શેખર કપૂરે પેલાં ૨૦ ફૂલન દેવીએ મારેલા નિર્દોષોના ઘરની મુલાકાત લીધી છે? એમના ઘરના હાંલ્લાં કઈ રીતે રંધાતા હશે એની ફિકર કરી છે? કોઈ સૈનિકના ઘરના ઇન્ટરવ્યું લઈને આપણાં કોઈ લેખકને નૉવેલ લખવાનું કદી સૂજ્યું છે? આ સંજય દત્ત, ટાયગર મેમણ કે દાઉદ ઇઝરાયલમાં હોત અને આવા કામ કર્યા હોત તો શું થાત? મોસાદના જાસૂસોની ગોળીઓ ક્યારની એમની છાતીઓમાં ધરબાઈ ચૂકી હોત. કોઈ કેસ નહિ, કોઈ ફરિયાદ નહિ. મ્યુનિક ઓલોમ્પીકમાં ઇઝરાયલનાં ખેલાડીઓની હત્યા કરનારા અને તે કાવતરામાં ભાગ લેનારા પરોક્ષ અપરોક્ષ તમામ લોકોની એક પછી એક મોસાદ દ્વારા છુટ્ટી કરી નાખવામાં આવેલી. કોઈ આંતરરાષ્ટ્રીય ફરિયાદ નહિ. કારણ બધા બીજા દેશોમાં રહેતા હતા. શરૂમાં કોઈને ખબર પડી નહિ. પણ એક પછી એક કાવતરાબાજો અદ્રશ્ય થવા લાગ્યા ત્યારે બીજા ચેત્યા. પોતાના ખુદના દેશમાંથી ભાગવા લાગ્યા. આફ્રિકાના અને લેટીન અમેરિકાના દેશોમાં જઈને છુપાઈ ગયેલા પણ ઇઝરાયલ છોડે? એમનું પગેરું દબાવી એક એક જણને સાફ કરેલા. સંજુબાબા અમેરિકામાં હોત તો ૧૫૦ વર્ષની સજા મળી ગઈ હોત, ગમે તેટલી સારી વર્તણૂક કરે સજા માફ પણ થાય છતાં જેલમાં મરે જ છૂટકો…

આ સંજુબાબાને બદલે તમે કે મેં એ.કે.૫૬ રાખી હોત તો?