બદઈરાદાથી સુમસામ વગડામાં મેના ગુર્જરીની પાછળ પડેલા સુલતાનને મેના કહે છે ”જીવ વહાલો હોય તો ભાગવા માંડ ..મારા સવા લાખ ગુર્જર બાંધવોને ખબર પડશે તો તને જીવતો સળગાવી દેશે ”..અને આજે કોઈ દીકરીની કૉલેજમાં, ઑફિસમાં કે કોઈ પણ જગ્યાએ સતામણીનો ભોગ બને છે ત્યારે માત્ર મારા પાંચ ભાઈઓને ખબર પડશે તો તારું આવી બનશે એવું કોઈ દીકરી વિશ્વાસ પૂર્વક કહી શકશે ખરી ..?
———હે મારા દેશની દામિનીઓ ..માફી માંગવાનો અધિકાર રહ્યો છે કે કેમ ..ખબર નહી ..પણ બની શકે તો લાચાર અને નપાણીયા પુરુષત્વને માફ કરીને હવે તમારી સુરક્ષાના રસ્તાઓ તમે જ શોધીને અપનાવી લો.—શ્રી. લવજીભાઈ નાકરાણી
ઉપરના વાક્યો કેટલા સત્ય લાગે છે. મિત્ર લવજીભાઈ નાકરાણી એમના દિલની મહાવ્યથા આ વાક્યો દ્વારા ફેસબુકમાં દર્શાવી ચૂક્યા છે. એમની આ લાચાર વ્યથા વાંચતા મારું દિલ ભરાઈ ગયેલું. શું આપણો નઘરોળ સમાજ હવે નપુંસકતા તરફ પ્રયાણ કરી રહ્યો છે કે કરી ચૂક્યો જ છે? કે પછી આપણી સંવેદનશીલતા નાશ પામી ચૂકી છે? એક મૃતપાય છોકરીનો દેહ નગ્ન હાલતમાં કલાક સુધી રોડ ઉપર પડી રહે પણ ના કોઈ એને કપડું ઓઢાડે કે ના કોઈ પોલીસ બોલાવે કે ના કોઈ ઇમર્જન્સી નંબર લગાવી એમ્બ્યુલન્સ બોલાવે. મોટાભાગે ‘આપણે શું?’ એવી માનસિકતા હોય છે અને બીજો ખયાલ પોલીસ ખોટી રીતે સંડોવી દે અથવા હજાર સવાલ કરીને સમય બરબાદ કરે અથવા ભવિષ્યમાં પોલીસ ચોકી અને કોર્ટના ચક્કરમાં પડવું પડે તેવા સવાલો ઊભા થતા લોકો કોઈ નક્કર પગલા ભરવાના બદલે તમાશો જોતા હોય છે. આ કોઈ એકની વાત નથી, મારા, તમારા સહુની વાત છે. શાસનવ્યવસ્થા હવે રક્ષણ કરી શકે તેમ રહી નથી. તો શું કાયદો આપણે હાથમાં લઈ લેવો? સ્વરક્ષણ કરવાની તો સહુને છૂટ હોય છે. તો સ્ત્રીઓએ એમનું રક્ષણ જાતે જ કરી લેવાનું? આપણે હવે રક્ષાબંધન ઊજવવાનું બંધ કરી દેવું જોઈએ, આ તહેવાર હવે કામનો રહ્યો નથી. નપુંસક સમાજમાંથી ચૂંટાતા રાજનેતાઓ તમારું રક્ષણ કરી શકે તેવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગયા છે. છતાં આપણે અસભ્ય બનવું નથી, કોઈ ખૂનામરકી કરવી નથી પણ અસભ્ય બનતા જતા લોકોને સભ્યતાના પાઠ એમના જડબા તોડીને શીખવવાના જરૂર છે.
દરેક માબાપે એમની દીકરીઓને સારા ચમ્પુઓ મળે તેની આશામાં ગૌરી વ્રત કરાવવાને બદલે કરાટે ક્લાસમાં મૂકી સ્વરક્ષણનાં દાવપેચ શીખવાનું ફરજિયાત કરી દેવું જોઈએ. દીકરીઓને કેવાં કપડાં પહેરીને નીકળવાની આચારસંહિતા બતાવવાને બદલે સ્વરક્ષણ કરવાની તાલીમ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. લાલુ યાદવ અડધિયા બંડી પહેરી ૧૫૦ દેશો દેખતા હોય તેમ ટીવી પર આવી શકે અને આપણે સ્ત્રીઓને કેવાં કપડાં પહેરવા તેની શિખામણો આપીએ છીએ. બધી શિખામણો ફક્ત સ્ત્રીઓ માટે જ કેમ? એકલાં ભારતની વાત નથી આખી દુનિયામાં બચપણથી સ્ત્રીઓને કોઈ પણ રીતે દબાવી રાખવાની પ્રવૃત્તિ સદીઓથી ચાલતી આવી છે. પુરુષોને ડર હોય છે કે સ્ત્રીઓને દબાવી નહિ દઈએ તો તે આપણને દબાવી દેશે. ચીનમાં સ્ત્રીઓને બાળકી હોય ત્યારથી જ લોખંડના જૂતા પહેરાવતા, જેથી એના પગ સાવ અવિકસિત અને નાના નાજુક રહી જાય જેથી તે દોડી ના શકે, કોઈના સહારા વગર ચાલી પણ ના શકે. વળી જેટલા નાના નાજુક પગના પંજા તેટલા રૂપાળા તેવી વ્યાખ્યા પણ રચાઈ ગઈ જેથી સ્ત્રી વિરોધ ના કરે. પ્રકૃતિએ સ્ત્રીને બાળકને જન્મ આપવાની જવાબદારી સોંપી છે અને આ જવાબદારી જે શક્તિશાળી હોય તેને જ સોંપાય..માટે જ દુનિયાના પ્રાચીનતમ ધર્મોએ પુરુષના રૂપમાં નહિ પણ સ્ત્રીના રૂપમાં પરમાત્માની કલ્પના કરી છે. સર્જનહાર સ્ત્રી હોવી જોઈએ તે સમજમાં એક ઊંડાણ હતું. ગોડ ધ ફાધર નવો કૉન્સેપ્ટ છે. ગોડ ધ મધર બહુ પ્રાચીન કૉન્સેપ્ટ છે. પ્રાણી હોય કે પક્ષી માતા નિશ્ચિત હોય છે, પિતા કોઈ પણ હોઈ શકે. બાળકના જન્મ માટે પ્રકૃતિ પિતાનું કામ બહુ ગહેરાઈથી નથી લેતી. એક સ્પર્મ ઈન્જેકટ થઈ ગયું પિતાનું કામ પૂરું. ઊંડું અને સૃજનાત્મક કામ તો માતાનું છે. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. પ્રૉબ્લેમ એ છે કે સ્ત્રીને બાળક મોટું કરવાનું હોય છે માટે તે રિસ્ક ટેકર ઓછી હોય છે અને તેથી તેને કમજોર સમજવાની ભૂલ કરીએ છીએ. એક સ્ત્રી ૨૦ બાળકોને જન્મ આપે છતાં પુરુષ કરતા પાચ વરસ વધારે જીવવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રી બીમાર ઓછી પડે છે. આજે જે બીમારીઓ સ્ત્રીઓને લાગી છે એ સ્ત્રીઓની નથી. પુરુષોએ જે સમાજ બનાવ્યો છે એની શોધ છે. મેલ ડોમીનેટેડ સમાજમાં એને એડજસ્ટ થવું પડે છે. સ્ત્રીઓને આવતા હિસ્ટીરિયા પુરુષપ્રધાન સમાજમાં એડજસ્ટ થવા ને લીધે આવે છે.
બીજા દેશોની સરખામણીએ ભારતમાં બળાત્કાર ઓછા થાય છે તેવું કહેવાય છે. નોંધાય તો દેખાયને એક જમાનાનો બહાદુર સમાજ ભય વખતે જોખમ વખતે સર્વાઈવલ માટે ફાઈટને બદલે ફ્લાઇટ અપનાવતો થઈ ગયો ત્યારથી જ નપુંસકતા તરફ આગળ વધવા માંડેલો છે. અમે તો બધાને અપનાવી લીધાંની ડંફાશ મારતો સમાજ જે આવ્યા તેની સામે ઝૂકી પડ્યો. શક, હૂણ, કુષાણ, મુસ્લિમ, અંગ્રેજ જે આવ્યા બધા સામે ઝૂકી ગયો. જે લડ્યા તે ગયા. સમર્પણ આ દેશના લોહીમાં સમાઈ ગયું. કાલ્પનિક ભગવાન આગળ સમર્પણ તો પછી બધા સામે સમર્પણ. તમે સમર્પણની માનસિકતા કેળવો તો કોઈની સામે લડી ના શકો. હૂણ સામે સમર્પણ અને અંગ્રેજ સામે નહિ તેવું બને ખરું? ગુરુ સામે સમર્પણ અને નેતા સામે નહિ તેવું બને ખરું? કાચ પાછળ મઢેલા ભગવાનને પગે લાગી, કરગરીને ઘર બહાર નીકળતો કોઈ ઑફિસમાં ક્લાર્ક આગળ કામ કઢાવવા કરગરી જ પડવાનો કે થોડો પ્રસાદ ધરાવીશ ટેબલ નીચેથી પણ મારું આટલું કામ થઈ જાય. નપુંસક સમાજ એની માનસિક નપુંસકતા છુપાવવા છોકરાં ખુબ પેદા કરવાનો, વસ્તી ખુબ વધારવાનો. જુઓ અમે કેટલાં બહાદુર છીએ, અમે કેટલા મર્દ છીએ? મૃતપાય બળાત્કારીઓએ પીંખી નાખેલી નગ્ન બાળાને ફક્ત જોઈ રહેલા સેંકડો નમાલાં પેદા કરવા એના કરતા એક ફોન કરીને પોલીસ કે એમ્બ્યુલન્સ બોલાવતો અને તેને કપડું ઢાંકતો મર્દ પેદા કરવો શું ખોટો? જેવો સમાજ એવા સમાજમાંથી આવતા તેમના નેતાઓ. દંભી સમાજમાંથી દંભ વગરના નેતાઓ ક્યાંથી લાવશો? કમજોર સમાજમાંથી ગુન્હેગારોને સખત દંડ આપે તેવા બહાદુર નેતાઓ ક્યાંથી લાવશો? એટલે થોડા ગણ્યાગાંઠ્યા ગુંડાઓ આખા સમાજ પર એમની ધાક જમાવતા હોય છે. થોડા ભ્રષ્ટ નેતાઓ આખા દેશને બાનમાં લઈ લેતા હોય છે.
હે! આ દેશની સ્ત્રીઓ અમે ભારતની જનતા યુધિષ્ઠિરનો કૉલર પકડી જવાબ માંગી શક્યા નથી કે સ્ત્રી શું જુગારમાં મૂકવા સમાન વસ્તુ હતી? અમે ભારતની પ્રજા રાજાઓને ભગવાન સમજતી માટે રામની સામે મીણબત્તી સરઘસ કાઢી પૂછી શક્યા નથી કે સીતાજીની શું ભૂલ હતી? એમને કેમ ભૂગર્ભમાં જતા રહેવું પડ્યું? આ દેશની દીકરીઓ આજ સુધી અમે નઘરોળ હતા હવે નપુંસક બની ચૂક્યા છીએ હવે અમે તમારું રક્ષણ કરી શકીએ તેવા સક્ષમ રહ્યા નથી તમે તમારી વ્યવસ્થા જાતે જ કરી લો, તમારું રક્ષણ જાતે જ કરી લો. અમે ભલે થોડા દિવસ બુમો પાડીશું પણ પછી હતા તેના તે જ રહેવાના છીએ…તેના તે જ રહેવાના છીએ..

અહલ્યા, મમતા, સીતા, દ્રૌપદી થી માંડીને આજની દિલ્હીની કૉલેજ કન્યા સુધી ભારતનો નઘરોળ સમાજ સ્ત્રીઓના માનસન્માન અને હકની બાબતમાં કાયમ ઊંઘતો જ રહ્યો છે. એ બાબતમાં એનો આદર્શ કુંભકર્ણ રહ્યો છે. રાવણના પૂતળા દર વર્ષે બાળીયે છીએ તે હવે બંધ કરવું જોઈએ. એના બદલે દિલ્હીના આ બળાત્કારીઓના પૂતળા દર વર્ષે બળવા જોઈએ. રાવણ જેવો મહાબલી જે કરવા નહોતો માંગતો તે આ લોકોએ કરી બતાવ્યું છે. રાવણ સીતાજીને ભલે ઉપાડી ગયો પણ એમના પર બળાત્કાર નહોતો કર્યો, એમને રોજ સમજાવવા જતો હતો. કે ભાઈ મારી પાસે અમાપ સંપત્તિ છે. મારા બનીને રહો. તે સિમ્પલ મેમલ બ્રેઈનને અનુસરતો હતો, કે સ્ત્રીઓને સંપત્તિ વડે હાઈ સ્ટેટ્સ વડે આકર્ષી શકાય છે. સ્ત્રી બળવાન પુરુષ પ્રત્યે આકર્ષાય છે કેમકે એને બળવાન જિન્સ ઉછેરવા છે. સ્ત્રી સંપત્તિવાન પ્રત્યે આકર્ષાય છે કેમકે આ જિન્સ તેને મોટા કરવાના છે.


બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.![images[2] (7)](https://raolji.com/wp-content/uploads/2010/12/images2-7.jpg?w=474)
![300px-Socrates-Alcibiades[1]](https://raolji.com/wp-content/uploads/2012/09/300px-socrates-alcibiades1.jpg?w=474)

જોડે રેજો રાજ-૨. Hard Truths About Human Nature.

જોડે રેજો રાજ. Hard Truths About Human Nature.







