શું લાગણીઓ ચેપી હોય છે ? કોઈ કન્યા વિદાયની ઘડી હોય. કન્યા માતાપિતા, ભાઈ, બહેન, સગાવહાલાઓને ભેટીને રડતી હોય, કે વિદાય વસમી લાગતી હોય છે. તો ત્યાં ઊભેલા સહુ રડતા હોય છે. અરે કોઈ અજાણ્યો ત્યાંથી પસાર થતો હોય અને બે ઘડી ખાલી જોવા ઊભો રહી ગયો હોય તો તે પણ ભાવુક બની જતો હોય છે. આપણે આપણી લાગણીઓ, ભાવનાઓ વહેંચતા હોઈએ છીએ અને એનાથી અસર પણ પામતા હોઈએ છીએ. આપણી લાગણીઓ સીધેસીધી વાતો દ્વારા, ફોન પર વાતો કરીને, ઇ-મેલ કરીને, ફેસબુક અને ટ્વિટર પર લખીને કે પછી કોઈ પણ શબ્દ વાપર્યા વગર ફેલાવતા હોઈએ છીએ. અને તેનો પ્રભાવ પણ પડતો હોય છે. કોઈ આપણી સામે હસે તો આપણે તરત અનુકરણ કરીને સામું હાસ્ય ફેંકીએ છીએ. કોઈ રડતું હોય તો ભલે રડીએ નહિ પણ થોડી ઉદાસી તો આવી જ જાય છે અને એને મદદરૂપ થવાની ઇચ્છા જાગે છે.
નાના બાળકોમાં આ ચેપ અટકાવી શકાય તેવો હોતો નથી. અમે બે વર્ષથી વધુ ઉંમરના બાળકોનું પ્લે સેન્ટર ચલાવતા હતા ત્યારે મને અનુભવ છે કે એક બાળક રડવા માંડે તો એક પછી એક બધા રડવા લાગે. શું આવો લાગણીઓનો ચેપ લાગવો ફાયદાકારક હોય છે ?
આ લાગણીઓના ચેપનું વલણ મુખ્યત્વે બીજી વ્યક્તિના ભાવ પ્રદર્શન અને ભાવભંગિમાંની અજાણતાં કે અચેતન રૂપે નકલ કરી ભાવનાત્મક રીતે તેની નજીક જવાનું હોય છે. વિકાસના ક્રમ તરીકે મૂલવીએ તો આ ચેપ સર્વાઇવલ માટે જરૂરી હોય છે. દાખલા તરીકે મૅમલ સમૂહમાં રહેવા ટેવાયેલા હોય છે. ત્યાં કોઈ હુમલાખોર આવે તો ભયની લાગણી ફક્ત એક નહિ પણ આખા સમૂહમાં ફેલાઈ જતી હોય છે, અને પછી આખું ટોળું ભાગી જઈને બચી જતું હોય છે. સિંહ એક હરણની પાછળ પડ્યો હોય તો ફક્ત એકને જ ભય લાગે તો તે ભાગી જાય અને બીજામાં આ ભયની લાગણીનો ચેપ ફેલાય નહિ તો બીજા ઉભા રહે તો મર્યા સમજો.
આમ સમૂહમાં એકને ભય લાગે તો એનો ચેપ બધામાં ફેલાઈ જતો હોય છે જે સમૂહના સર્વાઇવલ માટે અત્યંત જરૂરી છે. શિકાગો યુનિવર્સિટીમાં કરેલા રિસર્ચ પ્રમાણે સંશોધકોએ જોયું કે એક ઉંદર તણાવમાં હોય તો એને જોઇને બીજા ઉંદર પણ તણાવમાં આવી જતા હતા. એક ઉંદરને પીડા થતી હોય તે જોઇને બીજા પણ એવી જ પીડા અનુભવતા હતા. જ્યારે કોઈના દુખ કે પીડા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થાય ત્યારે આપણે તેની પીડાનો અનુભવ કરતા હોઈએ છીએ. એના પ્રત્યે તાદાત્મ્ય અનુભવતા હોઈએ છીએ.
આમ લાગણીઓનો ચેપ ખરેખર માનવજાતની સેવા કરતો આવ્યો છે. આપણાં પૂર્વજો ભાષા શીખ્યા હશે તે પહેલા સર્વાઇવલ માટે આ ચેપ એમની ખૂબ મદદ કરતો હશે. મૂળભૂત મૅમલ બ્રેન લિમ્બિક સિસ્ટમનું આ મેકનિઝમ અદ્ભુત છે જેને મનોવૈજ્ઞાનિકો માસ સાઇકૉલોજી કે મોબ સાઇકૉલોજી કે ટોળાની માનસિકતા તરીકે પણ વર્ણવતા હોય છે. આમ હકારાત્મક લાગણીઓનો ચેપ લાગે ત્યાં સુધી તો બરોબર છે. પણ સર્વાઇવલ માટે હાલની પરિસ્થિતિ મુજબ જરૂરી નાં હોય છતાં નકારાત્મક લાગણીઓનો ચેપ જ્યારે આખા સમૂહ કે દેશ કે રાજ્ય કે ગામ કે શહેરોને લાગી જાય છે ત્યારે સામૂહિક હત્યાકાંડો સર્જાય છે અને તેમાં લાખો હજારો નિર્દોષ માર્યા જાય છે.
કુદરતે માનવજાતને બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું મનન ચિંતન કરી શકે તેવું કૉર્ટેક્સ આપ્યું છે. લિમ્બિક સિસ્ટમતો બધા સસ્તન પ્રાણીઓ પાસે છે. પણ કૉર્ટેક્સની સાઇઝમાં ફેર હોય છે. આમ સૌથી મોટું બ્રેન વિકાસના ક્રમમાં આપણને મળ્યું હોય ત્યારે એનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. પણ આપણે કાયમ ભાવનાઓના પૂરમાં તણાઈ જતા હોઈએ છીએ, તાવ ચડી જતો હોય છે. ક્રિકેટ ફીવર, નિર્મળ બાબા ફીવર આવા તો અનેક જાતના તાવ ચડી જતા હોય છે. અમુક લોકો આ તાવ ચડાવી દેવાના નિષ્ણાત હોય છે અને લોકો પાસે એમનું ધાર્યું કરાવી લેતા હોય છે. આમ આ સામૂહિક સર્વાઇવલ માટે વિકસેલું મેકનિઝમ સમૂહના નુકશાનનું કારણ બને છે.
પ્રેમ, કરુણા, મૈત્રી, ખુશી, સહકાર અને સદ્ભાવ જેવી પૉઝિટિવ લાગણીઓનો ચેપ લાગે અને ફેલાય તો સમૂહ કે સમાજ માટે ફાયદાકારક બને છે. દુખ, વેર, ક્રોધ, હતાશા જેવી નેગેટિવ લાગણીઓનો ચેપ સ્વાભાવિક સમાજ માટે નુકશાન કારક જ હોય. આપણે આનંદિત હોઈએ તો આજુબાજુ બધાને આનંદિત કરી મૂકીએ છીએ. દુખીકે ઉદાસ હોઈએ તો આજુબાજુ બધાને દુખી કે ઉદાસ કરી મૂકીએ છીએ.
આમ સુખ વહેંચવાથી, આનંદ વહેંચવાથી સુખ આનંદ વધે છે, અને દુખ વહેંચવાથી દુખ વધે છે. જોકે દુખ વહેંચવાથી આપણાં દુખે દુખી થનારની સહાનુભૂતિ મળી જાય તેટલો દીલાસાજનક ફાયદો જણાતો હોય છે. ચાલો હું એકલો દુખી નથી બીજા પણ મારા જેવા છે. સર્વાઇવલ માટે આપણું દુખ કે આપણી તકલીફ બીજાને જણાવવામાં કોઈ વાંધો નથી, ફક્ત ખોટી સહાનુભૂતિ મેળવવાની ટેવ ના પડી જાય તેટલી તકેદારી રાખવી જરૂરી છે.
૨૦૧૨ નું વર્ષ ૧૦૦ મી વર્ષ ગાંઠ બનવાનું છે, એક કરુણાંતિકા માટેનું. એટલાન્ટીક મહાસમુદ્ર ૧૫૦૦ માનવોનું કબ્રસ્તાન બન્યો હતો.
હા! મિત્રો દુનિયાનું સૌથી વધુ વૈભવશાળી અને કદી ડૂબે નહિ તેવા ગણાતું જહાજ ટાઈટેનિક એપ્રિલ ૧૪, ૧૯૧૨માં એક જબરદસ્ત હિમશિલા ટકરાવાથી ડૂબી ગયેલું. સુકાન ફેરવનારા William McMaster Murdoch ખૂબ અનુભવી ફર્સ્ટ ઓફિસર હતા. ટાઈટેનિકની સફર અને ફરજ દરમ્યાન વિશાળ કદ ધરાવતો કાળો ન્યુફાઉન્ડલેન્ડ ડોગ એમનો સાથીદાર હતો. આ ઉમદા જાતિના કૂતરાનું નામ હતું રીગેલ. RMS Olympic ઉપર તેઓ ફરજ બજાવતા ત્યારે પણ આ કૂતરાને સાથે જ રાખતા. તે વિનાશક રાત્રે ટાઈટેનિક પર સ્થિત મૉર્ડન કૅનલ ફેસીલીટીમાં બીજા કુતરાઓ સાથે રીગેલને પણ સલામત રાખવામાં આવ્યો હતો. ટાઈટેનિકને રેકૉર્ડ બ્રેક સમયે ન્યુયોર્ક પહોચાડી દેવા માટે મુર્ડોક વ્યસ્ત હતા.
ટાઈટેનિક મુવી આવ્યા પછી આપણે ટાઈટેનિક વિષે ઘણું બધું જાણીએ છીએ. એના ઉપર ઘણી ડોક્યુમેન્ટ્રી પણ બની ચૂકી છે. પણ ક્યાંય ટાઈટેનિક ઉપર રહેલા કૂતરાઓ વિષે ઉલ્લેખ કરાયો નથી. આજે પણ હું ટાઈટેનિકનો જન્મ કઈ રીતે થયો તે અને ડૂબી કઈ રીતે ગયું તે વિષયે ટીવી ઉપર શો જોતો હતો પણ ક્યાંય એના ઉપર રહેલા કૂતરા વિષે કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નહિ. કદાચ જરૂર લાગી નહિ હોય. આવી કરુણ ઘટના સમયે કૂતરાને કોણ યાદ રાખે?
રીગેલ એકલો ટાઈટેનિક ઉપર નહોતો. બીજા ૧૨ કૂતરા ટાઈટેનિક ઉપર હતા. જોહ્ણ જેકોબ એસ્ટોરનાં બે Airedales , હેરી એન્ડરસનનો Chow Chow , રોબર્ટ ડેનિયલનો ચેમ્પિયન ફ્રેંચ બુલ ડોગ નામ હતું Gamin de Pycombe, વિલિયમ ડુલેનો ફોકસ ટેરીયર, વિલિયમ કાર્ટર ફૅમિલીના બે King Charles Spaniels , એન ઈશામનો વિશાલ ગ્રેટ ડેન, આ બધા કૂતરા સિવાય જે તે મુસાફરો પાસે એમની સાથે રહેતા બીજા કૂતરા પણ હતા. નાના પોમેરિયન અને Pekingese કૂતરા એમના માલિકો સાથે જહાજ ઉપર હતા.
જહાજનાં ક્રુમેમ્બર રોજ ડેક ઉપર આ કૂતરાઓને ફેરવતા. ચોક્કસ સમયે રોજ ફેરવતા કૂતરા એક પરેડ જેવું લાગતું. મુસાફરો એનો આનંદ માણતા. ૧૫ એપ્રિલના રોજ એક ડોગ શો પણ રાખેલો જે પળ ફરી કદી આવી નહિ.
ગાઢ ધુમ્મસ અને અંધારી રાત્રે એક મોટી હિમશિલા ટાઈટેનિક સાથે અથડાઈ ગઈ અને unsinkable જહાજ ડૂબવાનું શરુ થઈ ગયું. આ ઘાતક રાત્રે ૧૫૨૨ મુસાફરો મૃત્યુ પામ્યા હતા, ૭૧૪ બચી ગયા હતા. વિશ્વના ઇતિહાસમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ. આમાં પેલાં કૂતરાઓની ચિંતા કોણ કરે? છતાં થોડી ઘણી આધારભૂત માહિતી મળે છે તે જોઈએ.
જહાજ પર લાઇફ બોટો ઓછી સંખ્યામાં હતી. થોડી અવ્યવસ્થા આવી પળે સર્જાય એમાં પણ નવાઈ નહિ. ઉતાવળમાં પહેલી લાઇફબોટ પેસેન્જર ભરી રવાના કરી તેમાં સીટો ખાલી હતી. હેનરી અને માયરા હાર્પર એના Pekingese કૂતરા લઈને બેસી ગયા હતા. એલીઝાબેથ અને માર્ગરેટ એના ટચુકડા પોમેરિયન લઈને બેસી ગયેલા. આ કૂતરાની હાજરીનો કોઈએ વિરોધ કરેલો નહિ. લાઇફબોટ બહુ હતી નહિ. રડતી આંખે હેલન બિશપે એના કૂતરા Frou Frou ને કેબીનમાં પડતો મૂક્યો હતો. આ કૂતરો એના કપડા પકડીને કહી રહ્યો હતો કે મને એકલો છોડીને જઈશ નહિ. Ann Isham નો Great Dane ખૂબ વિશાળ હતો, લાઇફબોટમાં એટલી જગ્યા નહોતી. અને જ્યાં માણસ બચાવવાના હોય ત્યાં આવડા મોટા કૂતરાને કોણ બેસવા દે? પણ વહાલા કૂતરાને કેમ મુકાય? એણે કૂતરા વગર બેસવાની નાં પાડી. પાછળથી એનું મૃત શરીર મળ્યું, એના હાથ એના વહાલા કૂતરાને વળગેલા હતા. મરતાં સુધી એણે કૂતરાને અળગો કર્યો નહોતો.
રીગેલ કૅનલ ફેસીલીટીમાં બીજા કૂતરા સાથે હતો. મુર્ડોક માટે માનવ બચાવ કામગીરી મહત્વની હતી. કૂતરા બચાવ માટે કોઈ તક હતી જ નહિ. મુર્ડોક બચાવ કામગીરી બાબતે સખત મહેનત કરતો હતો. એક મોટું મોજું આવ્યું અને મુર્ડોક પર ફરી વળ્યું, ત્યાર પછી મુર્ડોક ફરી કદી દેખાયો નહિ.
બંધ પાંજરામાં પુરાયેલા કૂતરા માટે મોત ભયાનક બને તે પહેલા કોઈ અજાણ્યા મુસાફરે બધા કૂતરા છોડી મૂક્યા હતા. લગભગ બધા કૂતરા અતિશય ઠંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. પણ રીગેલ માટે નિયતિ જુદી હતી. બરફ જેવા પાણીમાં તરવું જ જ્યાં મુશ્કેલ હોય ત્યાં જીવવું પણ મુશ્કેલ હોય તે સ્વાભાવિક છે. અતિશય ઠંડા સમુદ્રમાં કૂતરો લાંબુ તરીને કઈ રીતે બચી જાય તે એક સવાલ હતો. નૉર્થ એટલાન્ટીક સમુદ્રની કઠોર પરિસ્થિતિમાં બચવા માટે Newfoundland dog સક્ષમ રીતે ઊછરેલા હોય છે. એ જાત એ રીતે ઇવોલ્વ થયેલી હોય છે. Webbed feet, rudder-like tail અને water -resistant coat આ કૂતરાની ખાસિયત હોય છે જે એને જબરદસ્ત તરવાની ક્ષમતા આપે છે. હાઈપોથર્મિયા સામે લડવા માટે જે બોડી મીકેનીઝમ ધ્રુવીય સફેદ રીંછ પાસે હોય છે તે મીકેનીઝમ આ કૂતરા પાસે પણ હોય છે. ટાઈટેનિક ડૂબેલું તેનાથી ઉત્તરમાં ૪૦૦ માઈલ દૂર કેનેડામાં આ જાતના કૂતરા માછીમારોને મદદ કરતા હોય છે. આ કૂતરાઓએ આમ કેટલાય લોકોને ઠંડા સમુદ્રમાંથી બચાવેલા લોકોની દંતકથાઓ છે.
પ્રથમ તો રીગેલ એના માલિકને શોધવા મથ્યો હશે. પછી લાઇફબોટ નંબર ૪ નજીક રહીને તરવાનું ચાલુ રાખેલું. વળી અ કૂતરાનાં કદ કાઠી ખૂબ મોટા એને બોટમાં કઈ રીતે લેવો? જ્યાં બોટના માનવો કાતિલ ઠંડી વડે ધ્રુજતા હતા ત્યાં આ કૂતરો આરામથી ઠંડા સમુદ્રમાં તરતો હતો. ટાઈટેનિકને આ મહાસામુદ્રમાં ગરક થઈ ગયે બે કલાક વીતી ગયા હતા. Carpathia નામનું એક પેસેન્જર શીપ બચાવ માટે આવી પહોચ્યું હતું. હું ખૂબ અંધારું હતું. કાર્પેથીયાનાં ક્રુમેમ્બર બુમો પાડતા હતા. લાઇફબોટમાં બચેલા લોકોને બચાવી લેવાનું મુખ્ય ધ્યેય હતું. લાઇફબોટ-૪ થોડી દૂર બીજી બોટો કરતા વખુટી પડી ગયેલી હતી. શક્ય તેટલા મુસાફરોને લાઇફ બોટોમાંથી બચાવી કાર્પેથીયાનાં ક્રુમેમ્બર હજુ બુમો પાડતાં હતા કે કોઈ રહી ગયું હોય તો બચાવી લેવાય. છેવટે કોઈ રિસ્પૉન્સ નાં મળતા શિપને ત્યાંથી રવાના કરવાનું મુનાસિબ માની લેવામાં આવ્યું. નાનકડી ચાર નંબરની લાઇફબોટનાં મુસાફરોની હાલત ખરાબ હતી. કાતિલ ઠંડીમાં ધ્રુજતા આ મુસાફરોના ગળામાંથી અવાજ નીકળે તેવી કોઈ શક્યતા રહી નહોતી. અને બચાવ માટે આવેલું શીપ આ કરુણ ઘટના સ્થળથી દૂર થવાની તૈયારી કરી રહ્યું હતું. હવે રીગેલ વહારે ધાયો. એણે હાડ થીજાવી દે તેવા ઠંડા પાણીમાં તરતા તરતા ભસવાનું ચાલુ કર્યું. કાર્પેથીયાનાં કૅપ્ટન Arthur Henry Rostron હવે ચમક્યા કે હજુ કોઈ બોટ બાકી રહી ગઈ લાગે છે. તત્ક્ષણ એમણે શિપને થોભાવી દીધું. લાઇફબોટ આગળ તરતા તરતા એણે બોટ બતાવી દીધી હતી. રીગેલ સાથે બધા પેસેન્જર બચાવી લેવાયા અને શીપ ઉપર લઈ લેવાયા.
બીજા દિવસે કાર્પેથીયા ન્યુયોર્ક પહોચ્યું ત્યારે ન્યુયોર્ક હેરાલ્ડ દૈનિકમાં પૅસેન્જરને બચાવી લેવામાં રીગેલનો મહત્વનો ફાળો દર્શાવતી સ્ટોરી પ્રસિદ્ધ થઈ હતી. રીપોર્ટરે એ પણ જણાવ્યું કે આ કૂતરાના માલિક મૃત્યુ પામ્યા હતા પણ એક Brigg નામના કૃમેમ્બરે એને દત્તક લઈ લીધો હતો. પણ પછી ભૂલ જણાઈ કે Brigg લાઇફ બોટમાંનો કોઈ પેસેન્જર હતો અને આ કૂતરાને રાખી લેનારો ૬૨ વર્ષનો કાર્પેથીયાનાં કૅપ્ટનનો જમણા હાથ સમાન કૃમેન બ્રાઉન હતો. Brown ત્યાર પછી ટૂંક સમયમાં રિટાયર થઈ ગયો હતો અને રીગેલને લઈને પોતાના વતન સ્કોટલેંડ જતો રહ્યો હતો. ટાઈટેનિક ટ્રેજેડીના આ હીરોએ બાકીની જીંદગી કાતિલ ઠંડા પાણીનો સામનો કર્યા વગર પૂરી કરી.
જ્યારે જ્યારે ભારતમાં રહેતા મિત્રો સાથે વાતો થાય કે સંવાદ થાય કે પછી ફોન પર વાતો થાય કે ઑન લાઇન વાતો થાય ત્યારે એવું ચર્ચાતું હોય છે કે ભારતમાં સોશિઅલ લાઇફ જેવું વધુ હોય છે જ્યારે અમેરિકામાં સોશિઅલ લાઇફ જેવું ઓછું હોય છે. અથવા તો સોશિઅલ લાઇફ જેવું કઈ હોતું નથી. અમેરિકામાં રહેતા ભારતીયો પણ આવું જ માનતા હોય છે. ઍવરિજ ભારતીયના મુખે એવું સંભાળવા મળવાનું કે અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ. કલ્ચર તો આપણું ભારતનું જ. અમેરિકન સમાજ એટલે પશ્ચિમનો સમાજ સમજવો.
હમણાં એક મિત્ર સાથે ઑન લાઇન વિડિઓ ચૅટિંગ દ્વારા વાતો થયેલી. તેઓ પોતે ડૉક્ટર છે અને એમની દીકરી અમેરિકામાં છે, દીકરો પણ વિદેશ ભણે છે. એમનું અમેરિકામાં કાયમ આવનજાવન હોય છે. તેઓને બંને જગ્યાએ રહેવાનો અનુભવ છે, એમના મુખે સાંભળ્યું કે અમેરિકામાં જીવન મેકૅનિકલ લાગે, જ્યારે ભારતમાં સામાજિક વધુ લાગે. મહદંશે એમનું કહેવું સાચું છે.
અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ તેવું કહેવું વધારે પડતું છે. અહીં પણ કલ્ચર છે, પણ થોડું અલગ છે. આપણાં કલ્ચર સાથે મૅચ થાય તેવું નથી માટે એવું લાગે કે કલ્ચર જેવું કઈ છે નહિ. બાકી એમની રીતે આ લોકો એમના કલ્ચરમાં જીવે જ છે અને ખૂબ મજાથી જીવે છે. કદાચ આ લોકોને આપણાં કલ્ચરમાં કોઈ દમ લાગતો નહિ હોય. આપણાં કલ્ચરના રીતરિવાજો જોઈ જાણી આ લોકોને પણ ઘણું હસવા જેવું અને નવાઈ જેવું લાગતું હોય છે. દરેક કલ્ચરમાં ખામીઓ સાથે ખૂબીઓ પણ હોય જ છે. દરેક કલ્ચરમાં સારું ખોટું હોય જ છે. એવું પણ હોય કે આપણને ખોટું લાગતું હોય તે બીજા કલ્ચર માટે સારું ગણાતું હોય.
પશ્ચિમનું કલ્ચર પ્રાઇવસિમાં માનતું વધારે છે. સામાજિક ગઠબંધન ઓછું હોય તેવું લાગતું હોય છે. એના ઘણા બધા કારણો હોઈ શકે. લગભગ અહીં વસતા કે ભારતમાં વસતા મોટાભાગના ભારતીયોના મુખે સાંભળ્યા પછી કે ભારતમાં લોકો સામાજિક વધુ હોય છે અને અહીં ઓછા ત્યારે વિચાર કરવા મજબૂર થઈ જવાયું.
આમ મોટાભાગે આપણે ભારતના લોકો માનતા હોઈએ છીએ કે આપણે દુનિયાના લોકો કરતા વધુ સામાજિક છીએ. એટલે ઘણીવાર પ્રશ્ન થાય કે સાચે જ ભારતના લોકો વધુ સામાજિક છે ? જો જવાબ ‘હા’ હોય તો, શા માટે આપણે વધુ સામાજિક છીએ ? સામાજિક હોવા પાછળનું મુખ્ય કારણ જે તે પ્રદેશનું ભૌગોલિક કારણ જવાબદાર હોય છે. હવામાન પ્રમાણે રહેણીકરણી કે જીવન પદ્ધતિ બનતી હોય છે. એટલે કે જેવી કાર્યપદ્ધતિ હોય તે પ્રમાણમાં સામાજિક માળખું તૈયાર થાય.
ભારતની ભૌગોલિક પરિસ્થિતિને આધારે જોઈએ તો ભારત કૃષિપ્રધાન દેશ છે. સૌથી પહેલા સમાજની રચના નાના નાના સમૂહો દ્વારા થઈ અને સમૂહના લોકો સાથે મળી ખેતી કરતા. પછીથી તે ખેતી દરેક કુટુંબ પ્રમાણે થવા લાગી. ખેતીની સાથે પશુ પાલન પણ જરૂરી બન્યું. ખેતી તથા પશુપાલન માટે કુટુંબના દરેક સભ્ય હળીમળીને કામ કરતા. તેથી કુટુંબ વ્યવસ્થા વધુ મજબૂત બની. ભારતમાં કુટુંબવ્યવસ્થા પણ વિશાળ છે. એટલે કે સંબંધોની વિશાળતા છે. જેમ કે કાકા, મામા, માસી, ફોઈ, માતાના અને પિતાના સગા તે સાથે નજીકના અને દૂરનાં અને આ બધા સાથે સામાજિક જોડાણ પણ રહે તેવી સામાજિક મેળાવડા અને ઉત્સવોની પરંપરા વધુ વિકસી છે.
ખેતીપ્રધાન સમાજ હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ હોય તે સ્વાભાવિક છે. ખેતીમાં એકબીજાનો સહકાર વધુ જોઈએ. ખેતીપ્રધાન સમાજમાં સંયુક્ત કુટુંબ હોય તો વધુ મદદ મળે. ખેતીકામ જ એવું હોય છે કે એકલાં માણસનું કામ નહિ. જેમ જેમ ભારતમાં ઉદ્યોગ ધંધાઓ વધવા લાગ્યા તેમ તેમ કુટુંબો વિભક્ત થવા લાગ્યા છે. એમાં કશું ખોટું પણ નથી. સંયુક્ત કુટુંબના ઘણા બધા ફાયદા હોય છે, પણ વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી હોય, પ્રાઇવસિ ઓછી મળે. ઘણીવાર નોકરી ધંધા માટે મજબૂરી હોય છે બહાર નીકળવું પડતું હોય છે. આમ સંયુક્ત કુટુંબ ઓછા થતા જવાના.
અમેરિકન સમાજ પ્રાઇવસિમાં ખૂબ માનતો હોવાથી સંયુક્ત કુટુંબ ઓછા હોય છે. પણ હવે આ લોકોને સંયુક્ત કુટુંબ એટલે મલ્ટીજનરેસ્નલ એટલે કે દાદા દાદી સાથેના કુટુંબોની મહત્તા સમજાવા લાગી છે. હાલનાં એક સર્વે પ્રમાણે અમેરિકામાં ૪ મિલ્યન એટલે ૪૦ લાખ ફેમિલી એવા છે જેમાં દાદાદાદી, પુત્ર, પૌત્રાદી સાથે રહે છે.
ભારતમાં મુખ્ય ત્રણ ઋતુઓ અને તેની પેટા ઋતુઓ પણ ત્રણ એમ છ ઋતુઓનો લાભ મળે છે. આ કારણ પણ થોડે ઘણે અંશે જવાબદાર ગણી શકાય. આવી અલગ અલગ ઋતુઓના કારણે જ ખેતી મુખ્ય વ્યવસાય તરીકે છે. દરેક ઋતુમાં સમાજ કાર્યરત પણ રહે. અને વચ્ચે મળતા સમયમાં ઉત્સવપ્રિય પણ રહી શકે. ભારતની જૂની જીવનપદ્ધતિ જોતા લાગશે કે અમુક સમયગાળો જ ઉત્સવોનો રહેતો જ્યારે ખેતીના કાર્યો ઓછા હોય ત્યારે જ. એટલે આમ જોતા ખૂબ જ મહેનત કર્યાં પછી નવરાશના સમયમાં મેળા, ઉત્સવો, સામાજિક પ્રસંગોના આયોજન થતા. આમ સામાજિક ગઠબંધન મજબૂત થતું.
પશ્ચિમમાં શિયાળો ખૂબ લાંબો છે. મુખ્ય બે જ ઋતુઓ છે, ઉનાળો અને શિયાળો. અહીં વરસાદ ગમે ત્યારે આવી જાય. સ્પેશલ ચોમાસું ફક્ત ભારતીય ઉપમહાખંડમાં જ છે. ઔદ્યોગિક ક્રાંતિ પશ્ચિમમાં પહેલી થઈ. નોકરીઓનું મહત્વ વધવા લાગ્યું તો સંયુક્ત કુટુંબની જરૂર ખાસ રહી નહિ. એકબીજાના સહકારની ખાસ જરૂર રહી નહિ. જેમ જેમ પ્રજા સ્વાવલંબી થતી જાય તેમ તેમ સ્વાર્થી પણ બનતી જવાની. જેમ પ્રજા પરાવલંબી તેમ સામાજિક વધુ રહેવાની. પરસ્પર સહકારની વધુ જરૂર હોય ત્યાં સામાજિક સંબંધો સારા રાખવા જ પડે છૂટકો નથી હોતો. જેમ પ્રજા પરસ્પર અવલંબી તેમ સામાજિક વધુ રહેવાની.
ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જોઈએ તો મૅમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે તે મુજબ માનવ સામાજિક પ્રાણી છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય માનવ વધતે ઓછે અંશે સામાજિક તો રહેવાનો જ છે, ભલે પછી ભારતનો હોય કે પશ્ચિમનો. જો ખેતી કરતો હશે તો તેવા સમાજમાં રહેવાનો, જો નોકરી કરતો હશે તો એવું સર્કલ ઊભું કરશે. ઉદ્યોગપતિ હશે તો એના જેવા બીજા લોકો સાથે હરીફાઈ સાથે સામાજિક સંબંધો તો રાખશે જ. જ્યાં માણસ હશે ત્યાં હરીફાઈ અને સહકાર બંને સાથે રહેવાના.
એક બીજું કારણ એવું પણ છે કે જ્યાં સર્વાઇવલ માટે પરિસ્થિતિ નાજુક હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ રહેવાનું. એટલે જ્યારે લોકો પાસે પૈસો વધતો જાય છે ત્યારે લોકો વધુ સ્વાર્થી બનતા જતા હોય છે. કે હવે બીજા લોકોનો સહકાર ઓછો હશે તો ચાલશે, પૈસો છે બધું ખરીદી શકાય છે. પહેલા ગામડાઓમાં લગ્ન હોય એટલે બધી વ્યવસ્થા જાતે કરવી પડતી. બધી જરૂરી વસ્તુઓ આજુબાજુથી કે ગામમાંથી ઉઘરાવવી પડતી. મહિનાઓથી તૈયારી કરવી પડતી. એમ સામાજિક સંબંધો જળવાઈ રહેતા. આજે બધી સગવડ વેચાતી મળે છે. ખાલી ખીસા ભરેલા જોઈએ. એમ બીજા કોઈ પર બહુ આધાર રાખવો પડે નહિ.
હવે તમે શહેરમાં રહેતા હો તો ફક્ત બે દિવસમાં લગ્નપ્રસંગ ઊભો કરી શકો છો. મને યાદ છે અને મેં જોએલું છે લગ્ન પ્રસંગ હોય તો મહીના પહેલા દરજી ઘેર બેસાડતા. દરજીભાઈ એમનું મશીન લઈને જ આવી જતા. આખો દિવસ સીવ્યા કરતા. આજની પેઢીના યુવાનો માની પણ નહિ શકે આ વાત. હવે આજે દરજીની જ જરૂર રહી નથી. બધા કપડા રેડીમેડ મળી જાય છે.
આમ જેમ સુખ સગવડ વધતી જવાની, બધું પૈસાથી ખરીદી શકાય તેવું બનવા લાગે તેમ એકબીજાના સહકારની જરૂર બહુ રહે નહિ તેમ લોકો સ્વલક્ષી બનતા જવાના. લોકો એકલપટા થતા જવાના. ગામડાં કરતા શહેરના લોકો વધુ સ્વલક્ષી નથી લાગતા ? અમેરિકન લોકો સ્વકેન્દ્રી વધુ લાગે છે તેનું કારણ આ જ છે. અહીં કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી. અહીંની વ્યવસ્થા જ એવી છે કે કોઈના ઉપર બહુ આધાર રાખવો પડે નહિ. તો પછી સામાજિક સહકારની જ્યાં બહુ જરૂર ના હોય તો આ સમાજ સામાજિક ઓછો લાગે તેમાં નવાઈ શું?
જ્યારે લોકો પાસે સંપદા ઓછી હોય, રિસોઅર્સ ઓછા હોય ત્યારે સર્વાઇવલ માટે પરિસ્થિતિ નાજુક હોય છે. આમ જ્યારે રિસોઅર્સ ઓછા હોય અથવા બીજા કોઈ કારણસર પોતાનું રક્ષણ કરવા પ્રજા અસમર્થ હોય ત્યારે લોકો એમના સામાજિક જોડાણ પ્રત્યે વધુ આધાર રાખતા થઈ જતા હોય છે. ભલે લોહીનો નાતો ના હોય પણ વિશ્વાસ, કરુણા, સહભાવ, સદભાવ, સહાનુભૂતિ દ્વારા વિશિષ્ટ સંબંધો બનાવી એક સામૂહિક સર્વાઇવલની પદ્ધતિ અખત્યાર કરતા હોય છે. આમ જે લોકો પાસે લિમિટેડ રિસોઅર્સિસ હોય છે તે લોકો જુદી સ્ટ્રેટેજી પસંદ કરતા હોય છે, આ લોકો તેમના લિમિટેડ રિસોઅર્સિસ બીજા લોકોને વહેંચતા માલૂમ પડ્યા છે.
આમ ઓછી સંપદા સ્વાર્થ અને લોભને ઓછી કરે છે.જ્યારે પૈસો અને સંપદા ખૂબ વધી જાય ત્યારે તેવા લોકોની નજર બીજા પ્રત્યેથી હટી જાય છે. હવે બીજાની જરૂર ખાસ રહી નથી. આમ એમની બીજા પ્રત્યેથી લાગણી પણ ઓછી થઈ જતી હોય છે. હવે એની પાસે ખૂબ સંપત્તિ છે હવે બીજાનું શું કામ ? આમ આ લોકો સંપત્તિ ઉપર વધુ આધાર રાખતા હોય છે સિવાય લોકો પર.
અમેરિકામાં જુઓ તો દરેક પાસે લગભગ કાર હોય છે. હાલ અહીં મંદી ચાલી રહી છે. ટીવીમાં જાતજાતના સર્વે આવતા હોય છે. ટીવીમાં એવું પણ સાંભળ્યું કે અહીં ગરીબીરેખા નીચે જીવતા લોકો પાસે પણ ફ્રિઝ, ટીવી, કાર જેવા સાધનો હોય છે. લગભગ બધું કામ ઑન લાઇન પતી જતું હોય છે. કોઈ તકલીફ હોય તો ટેલિફોન હાથમાં લો ૯૧૧ દબાવો પાંચ દસ મીનીટમાં પોલીસ હાજર. જરૂર લાગે તો સાથે ઍમ્બ્યુલન્સ પણ આવી જાય. બાજુની દીવાલે રહેતા પાડોશીની પણ જરૂર રહે નહિ, તો પાડોશીને પણ કોણ ઓળખે ? આમ વધુ પડતી સુખ સગવડ માણસને એકલપટો બનાવી દે તેમાં નવાઈ નહિ. આવા એકલવાયા સમાજના ગેરલાભ પણ હોય છે. લોકો મશીન જેવા થઈ જતા હોય છે. પરિસ્થિતિ વિષમ હોય ત્યાં લોકો સામાજિક વધુ હોય.
એટલે પેલાં સંબંધી કહેતા હતા તે સાચું છે કે અહીં જીવન યાંત્રિક વધુ લાગે. યાંત્રિક જીવન હોય ત્યાં તણાવ વધુ હોય. ભારતમાં આ બાબતે તણાવ ઓછો લાગે. ભારતના સમાજિક હોવાના ફાયદા વિષે એક વાત લખું. અમેરિકા રહેતા એક મિત્ર સાથે મેડિસિન બાબતે વાર્તાલાપ થયેલ. એ મિત્ર વર્ષો સુધી ભારતમાં રહેલા. આરામદાયક જિંદગી હતી. પેઢી પર બેસી નોકરો સાથે કામ લેતા. અમેરિકામાં હંમેશાં લોકો પોતાની પાસે પેએન કિલર રાખતા હોય છે નાની મોટી બીમારીમાં પેએન કિલર લઈ લે. તે મિત્ર કહે કે ભારતમાં હતા ત્યારે પોતાના વ્યવસાયમાં ૧૪-૧૫ કલાક કામ કરતા માણસો સાથે કામ લેવાનું હોય તેમાં અને માણસ ના આવે તો જાતે કામ કરવાનું છતાં ક્યારેય સ્ટ્રેસ કે થાક ના લાગતો. કારણ દિવસ દરમ્યાન આસપાસમાં લોકોને મળતા રહેવાનું. એકબીજાની સાથે વાતો કરવાથી મન હળવાશ અનુભવતું. ઘરે જઈને કુટુંબ સાથે બેસીને વાતો કરતા રાત્રે મિત્રોને મળીએ. આ બધામાં સ્ટ્રેસ રહે નહીં. જ્યારે અમેરિકામાં ૯ થી ૫.૩૦ ની જોબ માં ૪.૩૦ થી ઘડિયાળ જોવાનું ચાલુ થઈ જાય. જો શિફ્ટ જોબ હોય તો પછીની શિફ્ટનો કર્મચારી ના આવે ત્યાં સુધીમાં તો સ્ટ્રેસ શરુ થઈ જાય.
દસ પંદર હજાર વર્ષ પહેલા આખી દુનિયાના તમામ સમાજો હન્ટર-ગેધરર હતા. આવા સમાજો હાલ પણ છે. અહીં પુરુષો શિકાર કરવા જાય અને સ્ત્રીઓ ખોરાક જેવાકે ફળફળાદિ, કંદમૂળ, ખાવાલાયક અને ઔષધ માટે વપરાય તેવા લીલા શાકભાજી એકઠા કરે. આવા સમાજોમાં સ્ત્રી પુરુષનું સ્થાન સરખું હતું અને છે. સ્ત્રી પુરુષ કરતા અહીં કમજોર ગણવામાં નહોતી આવતી. સંશોધકોનું માનવું છે કે ખેતી શરુ થઈ અને શારીરિક બળની જરૂર વધુ પડવા લાગી. આમ પુરુષનું મહત્વ વધવા લાગ્યું. ધીમે ધીમે સ્ત્રી પુરુષ આધારિત વધુ બનવા લાગી. જ્યાં જીવન બીજા પર આધારિત હોય ત્યાં સહકાર સ્વયંભુ સ્થપાઈ જતો હોય છે. પશ્ચિમની સ્ત્રીઓ કમાતીધમાતી થઈ ગઈ છે તો સ્ત્રીઓ પુરુષો પર આધારિત નથી. જરા વાંકું પડ્યું કે છુટા.
આપણે ત્યાં હવે ડિવોર્સનાં પ્રમાણ વધવા માંડ્યા છે તેનું મુખ્ય કારણ સ્ત્રીઓ કમાતી થઈ ગઈ છે તે પણ હોઈ શકે. પશ્ચિમની નકલ કે આંધળું અનુકરણ કરતા હોઈએ એવું સાવ નથી. આપણે ખોટી બુમો પાડતા હોઈએ એવું લાગે છે. મૂળ કારણ છે ભારતમાં સ્ત્રી હવે સ્વતંત્ર બનવા લાગી છે કે કમાણી કરવા લાગી છે. હવે તેને પુરુષ પર સંપૂર્ણ આધાર રાખવો પડતો નથી. હવે એને એનું સ્વમાન યાદ આવવાનું જ છે.
આપણા ગ્રામ્યજીવન અને શહેરીજીવન વિષે ધ્યાનથી જોશો તો પણ ભેદ સમજી જવાશે. જે લોકો ભારતમાં એકબીજા પ્રત્યે ખૂબ સામાજિક લાગતા હોય તે લોકો પણ અહીં આવીને એકબીજા પ્રત્યે જરૂર પૂરતો સંબંધ રાખતા થઈ જતા હોય છે એમાં કોઈનો દોષ કાઢવો નકામો છે. આમ ભારતમાં પ્રેમભાવ, સદભાવ, સહકાર વધુ છે. લોકો સામાજિક વધુ છે. જ્યારે પશ્ચિમનો સમાજ ઓછો સામાજિક લાગે છે તે પણ સ્વાભાવિક છે. અમેરિકામાં કલ્ચર જેવું કશું નથી તેવું કહેવું પણ વધુ પડતું છે.