Category Archives: અહેવાલ

બ્રેનનું વસાણું પુસ્તકો

બ્રેનનું વસાણું પુસ્તકોuntitled=-=-

આજે પુસ્તક દિન છે. તો થયું ચાલો પુસ્તકો વિશે કઈક લખું. પુસ્તકો મારા બ્રેન માટે વસાણું છે. બ્રેનનો બદામ પાક કહો કે મનનો મેથીપાક કહો. આપણે શિયાળામાં શરીરને એક્સ્ટ્રા પોષણ મળે માટે વસાણું ખાતા હોઈએ છીએ. મને પુસ્તકો વાંચવાનો શોખ જીનેટીકલી મળ્યો હોય તેમ લાગે છે. ફાધર વકીલ હતા. આખો દિવસ કોર્ટમાં હોય સમય મળે નહિ તો રાતે જાગીને પણ પુસ્તકો વાંચતા. અમે ચારે ભાઈઓ અને એક બહેન બધા વાંચવાના ખુબ શોખીન. ફાધરની ઓફિસમાં કબાટ બધા પુસ્તકોથી ભરેલા રહેતા. “સત્યના પ્રયોગો” મેં એમાંથી જ વાંચેલા..

ફાધર વિજાપુરમાં પ્રેકટીશ કરતા એટલે અમે વિજાપુરમાં રહેતા. વિજાપુર જુના વખતમાં ગાયકવાડ સરકારના તાબામાં હતું. ગાયકવાડ સરકારનો નિયમ કે એમના તાબાના દરેક ગામમાં એક પ્રાથમિક શાળા, એક અખાડો અને એક પુસ્તકાલય ફરજીયાત હોય. વિજાપુરમાં પણ એક સરસ મજાની લાઈબ્રેરી હતી. વળી ફાધર તે પુસ્તકાલયનાં પ્રમુખ પણ હતા. એટલે મારે તો બખ્ખા જ હતા. ગ્રંથપાલ જનુભાઈ જબરા મજાકિયા હતા. હું જાઉં એટલે કહેશે આ માથાની દવા આવી. ચાવીઓનો ઝૂડો મને આપી દે અને કહે મારું માથુ નાં ખાઈશ જે કબાટ ફેંદવું તે ફેંદી લે. બાકી કોઈને ચાવી આપે નહિ. નવા પુસ્તકો આવ્યા હોય તો મને પહેલા આપે. ઘણીવાર સવારે લઈ આવેલું પુસ્તક વાંચીને સાંજે પાછું બદલી આવતો. રજાઓમાં વાંચવાનું ખુબ ચાલતું.

સ્કૂલમાં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં નામાંકિત લેખકોની લખેલી વાર્તાઓ કે નવલકથાના ભાગ પાઠ તરીકે ભણવામાં આવતા. પાઠની શરૂઆતમાં લેખકનો પરિચય હોય એમના લખેલા પુસ્તકોની યાદી પણ હોય જ. બસ આપણને ભાથું મળી જતું. બસ એ લેખકે લખેલા તમામ પુસ્તકો લાઈબ્રેરીમાંથી લાવીને વાંચી નાખવાના. ફાધર પોતે થિયોસોફીકલ સોસાયટીનાં મેમ્બર હતા. આમ થિયોસોફીસ્ટ તરીકે જે.કૃષ્ણમૂર્તિ ને સાંભળવા છેક અડ્યાર(મદ્રાસ) સુધી જતા. થિયોસોફીકલ સોસાયટીની શિબિરો ભરાય ત્યારે અમને પણ ઘણીવાર લઈ જતા. તે વખતે સમજ નાં પડે પણ ઉંચી ઉંચી ફિલોસોફીના ભાષણો બગાસા ખાતા ખાતા બહુ સાંભળેલા. આમ ધાર્મિક, અધ્યાત્મિક, ફિલોસોફીકલ પુસ્તકો પણ ખુબ વાંચ્યા છે. માણસા અને વિજાપુરની વચમાં આવેલા અજોલ ગામમાં ફક્ત છોકરીઓ માટે સંસ્કારધામ કરીને બૉર્ડિંગ સ્કૂલ ચાલતી હતી તેમાં એકવાર આચાર્ય રજનીશનો પ્રોગ્રામ હતો. ત્યારે પહેલીવાર આચાર્ય રજનીશને સાંભળેલા. ત્યારે તો બહુ સમજ હતી નહિ.imagesLF4K7W06

અગિયારમાં ધોરણમાં ભણવા બરોડા આવ્યો ત્યારે એક દિવસ મિત્ર કલ્યાણસિંહ યાદવ સમાચાર લાવ્યા કે કારેલીબાગમાં બહુચરાજી રોડ પર ‘સ્વરૂપમ રજનીશ ધ્યાનકેન્દ્ર’ ચાલે છે ત્યાં દર બુધવાર અને શનિ-રવી એમના પ્રવચનોની કેસેટ સાંભળવા મુકવામાં આવે છે. બસ પછી તો દર બુધ-શનિ-રવિ આચાર્ય રજનીશના કેસેટમાં કંડારેલા પ્રવચનો સાંભળવા જવાનો નિયમ થઈ ગયેલો. પછી તો એ આચાર્યમાંથી ભગવાન અને પછી ઓશોમાં તબદીલ થઈ ગયા પણ એમને નિયમિત વાંચવાનો સિલસિલો શરુ થઈ જ ગયેલો. એક ઓશો ભક્ત ફક્ત ઓશોના પુસ્તકો અને કેસેટ્સ ની લાઈબ્રેરી ચલાવતા એમાંથી લાવી લાવી ને ખુબ વાંચ્યું અને સાંભળ્યું પણ ખરું. ઓશોના પુસ્તકની એક ખૂબી એ હોય છે કે ઓશો કદી પેન પકડીને લખતા નહોતા. એટલે ઓશો જે પ્રવચન આપે તે રેકોર્ડ થાય અને તે અદ્દલ પુસ્તક રૂપે મુકાય. એટલે ઓશોનું પુસ્તક વાંચતા હોઈએ તે સમયે એકાગ્ર થઈ જઈએ તો એવું લાગે કે ઓશોનું પ્રવચન સાંભળીએ છીએ.

ધમ્મપદ ઉપર ઓશો પ્રવચન આપતા હતા. બુદ્ધનું એક વાક્ય હતું કે “જેને સાંભળવાની કળા આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે પણ પ્રજ્ઞા વધતી નથી”, આ વાક્ય ઉપર ઓશોએ ખુબ સરસ પ્રવચન આપેલું એમાં સાંભળવાની કળા જેને આપણે અંગ્રેજીમાં ગુડ લીસનીંગ કહીએ છીએ તે સવિસ્તર સમજાવેલું. સાંભળે તો બધા છે જ. પણ એની કલા કોને આવડે છે? અહી એમણે માનસિક અને શારીરિક ઉંમર વચ્ચેનો તફાવત પણ સમજાવેલો. બુદ્ધના જમાનામાં વાંચવાનું ઓછું હશે સાંભળવાનું વધુ હશે. હવે આજના આધુનિક પ્રિન્ટ મીડીયાના જમાનામાં સાંભળવાનું ઓછું પણ વાંચવાનું વધુ હોય ત્યારે ગુડ લીસનીંગ ની જેમ ગુડ રીડીંગની કલા ના હોય તો આપણું શરીર આખલાની જેમ વધે પણ પ્રજ્ઞા મતલબ બુદ્ધિ વધે નહિ. આમ ગુડ લીસનીંગ જેટલું જ ગુડ રીડીંગ પણ મહત્વનું છે. હવે આ ગુડ રીડીન્ગની વ્યાખ્યા પાછી સાપેક્ષ છે. .. હહાહાહાહાહા

હવે તો e-books આવી ગઈ છે. ઓનલાઈન અઢળક વાંચવા મળે. હું ભારતમાં હતો ત્યારે સવારે સંદેશ ન્યુઝ પેપર વાંચતો તે હું અત્યારે સવારે મારા iphone માં વાંચી લઉં છું. આમ 1618657_10152247937690739_682865673_nવાંચવું મારા બ્રેનનો ખોરાક છે વસાણું છે.

આ પુસ્તક “માનવ મન એક ચક્રવ્યૂહ” કેમ વાંચવું જોઈએ?

scan0001bookઆ પુસ્તક “માનવ મન એક ચક્રવ્યૂહ” કેમ વાંચવું જોઈએ?

પ્યારા મિત્રો,

તમે ગીતા વાંચી છે? સુખદુઃખ માં સમભાવ રાખવો તેવું એમાં લખ્યું છે પણ આપણે રાખી શકતા નથી. નરસૈયો કહે છે સુખદુઃખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા. આના વિષે જાત જાતની ફીલોસફી આપણા તત્વજ્ઞાનીઓ સમજાવે છે પણ કોઈ ફરક પડતો નથી. સુખદુઃખ પાછળ કોઈ ફીલોસફીને બદલે એની પાછળ બાયોલોજી હોય તેવું તમે માની શકો છો? એની પાછળ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે તેવું તમે માની શકો છો? અરે એની પાછળ ન્યુઅરોસાયંસ છે તેવું તમે માની શકો છો? નથી માની શકતા ને? તો આ પુસ્તક તમારે જરૂર વાંચવું જોઈએ. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવીએ એટલે દુઃખની લાગણી પેદા થાય અને સર્વાઈવલને સપોર્ટ કરતુ કશું પણ બને તરત હર્ષની લાગણી ઉદભવે અને તેના માટે મગજમાંથી સ્ત્રવતા રસાયણો જવાબદાર હોય છે તેની સરળ વિગત અને સમજુતી વાંચવી હોય તો આ પુસ્તકના પાનાં ઉકેલવા પડે.

બિલ ક્લિન્ટન આટલો બધો પ્રતિષ્ઠિત માણસ એક મહાન દેશનો સર્વોચ્ચ વડો એની એક કારકુન સાથે મળીને એની તમામ પ્રતિષ્ઠા ધૂળમાં મેળવવા શા માટે મજબૂર બન્યો? અર્નોલ્ડ કેલીફોર્નીયા જેવા માતબર સ્ટેટના ગવર્નર હોલીવુડના આકાશમાં સદૈવ ઝગમગતા તેજ સિતારા લાંબુ લગ્નજીવન ભાગી પડે તેટલી હદે ઘરમાં કામ કરતી મહિલામાં કેમ ફસાયા? કોઈ પ્રતિષ્ઠિત કરોડપતિની દીકરી કહેવાતા મવાલી જોડે ભાગી જાય છે ત્યારે આખા સમાજને આંચકો લાગે છે. કોઈ મહારાજાની દીકરી એના ડ્રાઈવર જોડે લગ્ન કરી લે છે ત્યારે લોકોને બહુ મોટો આઘાત લાગતો હોય છે. આવું તો ઘણું બધું આપણને સમજાતું નથી. તે સમજવા અને ઉત્ક્રાન્તિના ફોર્સ તમને કેવી રીતે ખેંચી જાય છે તે સમજવું હોય તો આ પુસ્તક ખોલવું પડે.

 માનવસમાજ પૉલીગમસ હતો, બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનૉગમસ બની ચૂક્યો છે,  ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય. લગ્નવ્યવસ્થાને લીધે સ્ત્રી પાસે કોઈ ચૉઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઇવલૂશનરી ફૉર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ દબાણ કરી રહ્યો છે. ચેતો ભાઈ, બચો !! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કૉપિ પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જેનિસમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે, હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા  આકર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઇવલૂશનની હિસ્ટરીમાં સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ અવિશ્વાસ રાખવાનું હવે મનૉગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રામિસ્ક્યૂઅસ છે, સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ બધા ઇવલૂશનરી ફૉર્સ સમજી લેવાય તો કજિયાકંકાસ,  મારઝૂડ અને ઝગડાથી બચી શકાય. જે પુરુષોમાં ટૅસ્ટાસ્ટરોન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય.

કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા, સુખ, દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફૉર્સ સમજીએ તો એના દુષ્પરિણામો નિવારી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે. એના ચડાવ ઉતાર સમજી શકીએ તો ડિપ્રેશન દુર ભાગે. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું છે ભલે તેઓ આધુનિક ન્યુઅરો સાયન્સ અને બાયોલોજિથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને એક રીતે રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો.. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાંન્તિના ક્રમમાં જીનમાં મળ્યા છે તે હાલની સમાજ વ્યવસ્થા માટે કોઈ વાર જોખમી બની જતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય.

હ્યુમન બિહેવ્યર પાછળની સાયકોલોજી વિષે તો આધુનિક મનોવૈજ્ઞાનિકો અને સાયકાયટ્રીસ્ટ લખતા જ હોય છે પણ આ બધાની પાછળની બાયોલોજી વિષે આ પુસ્તકમાં ઘણું લખાયું છે તે ઘેર બેઠા મેળવીને વાંચવું હોય તો અહી ક્લિક કરો.. ધૂમખરીદી.કોમ

મૂળ ઉખડ્યાની પીડા

મૂળ ઉખડ્યાની પીડા

IRHandler“અહીં આવ્યા પછી આપણા દેશના લોકોને મળીને અનુભવ્યું કે પેટ્રીઓટીઝમ-દેશભક્તિ અહીંના લોકોમાં આપણા દેશમાં રહેનારા લોકો કરતા વધુ જણાય છે,” આવા મતલબનું ૪૦ વર્ષથી ગુજરાત સમાચાર માં ‘બુધવારની બપોર’ લખતા અશોકભાઈ દવે અહીંના સ્થાનિક રેડીઓ જીંદગી ઉપર એક બહુ સારા આર જે સંજીવ સાથે વાતચીતમાં આ ગુરૂવારે ત્રીજી એપ્રિલ નાં રોજ સાંજે કહેતા હતા. જાણીતા ગુજરાતી હાસ્ય લેખક અશોક દવે આજકાલ અમેરિકામાં છે, ખાસ તો અમેરીકામાનું ગુજરાત ગણાતા ન્યુ જર્સીમાં.

સર્વાઈવલ માટે જે દેશની ધરતીમાં થી જીવન રસના ધાવણ ધાવ્યા હોઇએ  તે દેશના મુળિયા એકદમ કઈ રીતે ભૂલવા ? મેમલ પ્રાણીનો એક ગુણ હોય છે એનો વિસ્તાર બદલાય તો ભાગ્યે જ એડજસ્ટ થાય, ખલાસ થઈ જાય. પણ માનવી એવું મેમલ છે જે વિસ્તાર બદલાય તો પણ ગમે તે રીતે એડજસ્ટ થઈ જતું હોય છે. ઊલટાનું સર્વાઈવલ માટે વિસ્તાર પ્રદેશ બધું બદલી નાખે છે. એવું ના હોત તો હજુ આપણે આફ્રિકા માં વૃક્ષો ઉપર હૂપાહૂપ કરતા હોત.. હહાહાહાહાહા !

પણ આ મુળિયાની જમીન બદલવી બહુ પીડા દાયક હોય છે. છોડને એક કુંડા માંથી ઉખેડી બીજા કુંડામાં નાખો ત્યારે અમુક મૂળ તૂટીને જુના કુંડામાં રહી જતા હોય છે તેની યાદ બહુ વસમી હોય છે. એટલે આજે પણ માંડવી ની પોલ અમદાવાદના એક બહેન ન્યુ જર્સીમાં ગ્રોસરી ભેગું ગુજરાત સમાચાર ખરીદી લઈ જતા હોય છે અને પોતે વાતોડિયણ હોવાના લીધે ઘેર જતા મોડું થયું હોય છે માટે પતિદેવ પૂછે કે કેમ મોડું થયું તે પહેલા બુધવારની બપોર ખોલી કોફી ટેબલ પર મુકીને ચુપચાપ ફ્રીજમાં શાકભાજી ગોઠવવા લાગે છે જેથી પતિદેવ સીધા પેલી બપોર વાંચવા બેસી જાય ને કોઈ સવાલ કરે જ નહિ. અશોક દવેના રેડીઓ પરના ચાલુ ઈન્ટર્વ્યુ એ ફોન કરી એમની સાથે વાત કરવાની છૂટ હતી તેનો લાભ એ બહેને એવો લીધો એવો લીધો કે મારો ફોન લાગ્યો જ નહિ. એમનું વાતોડિયણ હોવાની આમ સાબિત પણ થઈ ગયું. અશોકભાઈ પણ ખાડિયાના નીકળ્યા પછી પૂછવું જ શું? વાતે વાતે તેલના ડબલાં ને વેલણ ખખડાવતા સરઘસો કાઢતા અશોક ભટ્ટ એમના મહાપરાક્રમી ભૂષણ વગેરેનો નામોલ્લેખ પણ થઈ ગયો. સ્ત્રી એની સાચી ઉંમર કદી કહે નહિ તેવી લોકવાયકા છે પણ અહીં તો આ બહેન બે વાર પોતે ચોપ્પનના છે તેવું લાગણીવશ ભૂલમાં બોલી ગયા. એવું લાગ્યું એમનું જીવન બુધવારની બપોરને લીધે જ ટકી રહ્યું છે. આ છે પેલી મૂળ ઉખડ્યાની પીડા. એમની પીડા મારી પીડા છે, બલકે દરેક વિદેશમાં રહેતા ભારતીય ની પણ એજ પીડા છે.

આ હાસ્યરસ ઉપજાવતા મહાનુભાવો વિષે એક રહસ્યમય વાત કહું છું. ઉત્ક્રાન્તિના મનોવિજ્ઞાન જેને ઇવલૂશનરી સાયકોલોજી કહે છે તે પ્રમાણે સારી હ્યુમર સેન્સ હોવી તેને મેટિંગ ઈન્ટેલીજન્સ કહે છે. કવિઓ, લેખકો, ચિત્રકાર, સંગીતકાર આ બધા વિશિષ્ટ ગુણ ધરાવતા માણસો હોય છે. બધા લેખક કે કવિ કે ચિત્રકાર બની શકે નહિ. આવા લોકો સારા જિન્સ ધરાવે છે તેવું ઈન્ડીકેટ એમની કલા દ્વારા થતું હોય છે. આ બધી ક્ષમતાઓ જેમાં સારી હ્યુમર સેન્સ પણ આવી જાય તેને મેટિંગ ઈન્ટેલીજન્સ કહેવાય છે. આમ આવી ક્ષમતા ધરાવનારા સ્ત્રીઓના ખાસ પ્રીતિપાત્ર હોય છે. ગોખેલા જોક્સ ફેકમફેક કરીને સારી હ્યુમર સેન્સ છે તેવું જતાવી શકાય નહિ. સામાન્ય સહજ વાતોમાંથી સરસ હ્યુમર પેદા કરી શકે તે જ ખરો. એટલે જે મહિલાઓના ધર્મપતિ હાસ્યલેખક હોય તેવી મહિલાઓએ ખાસ ચેતવા જેવું. કારણ હકી બેન બાજુમાં બેઠા હોય છતાં કોઈ બકીબેન દુરથી તારામૈત્રક રચવાનો ટ્રાય આવા હાસ્યલેખક સાથે કરતા હોઈ શકે. એમાં હ્યુમરીસ્ટ નો કોઈ વાંક નાં હોય.. અમારા ન્યુ જર્સીના હરનીશભાઈ જાની પણ બહુ સારા હાસ્યલેખક છે. અશોક દવે, રજનીશ, હરનીશ બધા અહર્નિશ હસાવે રાખવાની કલામાં પાવરધા છે. મેં થોડા હાસ્ય લેખ લખ્યા છે. આ બ્લોગમાં મુકેલા પણ છે. છતાં અશોકભાઈ  જે સતત ૪૦ વરસથી હાસ્ય પીરસવાની ક્ષમતા ધરાવે છે તે અદ્ભુત કહેવાય આપણું તે કામ નહિ. એટલે થોડા હાસ્યાસ્પદ હાસ્ય લેખો લખીને હું મૂળ મારા ખંડનાત્મક લેખો લખવા તરફ વળી ગયેલો. કારણ મૂળ અમારા બાપદાદા નો અસલી બિજનેસ તલવારો ચલાવવાનો રહેલો એટલે હવે તલવારો નહિ પણ કલમ વડે જનોઈવઢ ઘા કરવાનું વધુ ફાવે. હહાહાહા

એક યુવાનનો ફોન આવ્યો કે હું તો બુધવારની બપોર વાંચતો નથી પણ મારા પપ્પા નિયમિત વાંચે છે. બાપ ની મૂળ ઉખડ્યાની પીડા નો અહેસાસ યુવાન પુત્રને પણ છે તેથી તો એણે ફોન કર્યો. ખેર ! આના થોડા દિવસ પહેલા અંકિત ત્રિવેદી નો ઈન્ટર્વ્યુ હતો. અંકિત ત્રિવેદી પણ આજકાલ અમેરિકામાં બહુ મોટો કાફલો લઈને આવેલા હોવાથી અહીં છે. ગીત સંગીત અને કવિતાઓ વિશે નો બહુ મોટો જલસો આખા અમેરિકામાં ઠેર ઠેર કરવાના છે. શુક્રવારે વળી ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો અને ટીવી સીરીયલોના મહારથી એવા અરવિંદ વૈદ્ય સાહેબ નો ઈન્ટર્વ્યુ હતો. એમના અભિનય વિષે કહેવું એટલે સૂરજ સામે બૅટરી મારવી એવું લાગે. અરવિંદ ભાઈ વૈદ્ય કોઈ નાટક લઈને આવેલા છે. એ તો એટલા લાગણીવશ હતા કે અહીં પારકા દેશમાં કોઈ ગુજરાતી મળે ને વાતો કરે તો મજા પડી જાય બહુ મજા પડી જાય શબ્દો અવારનવાર બોલતા હતા. અભિનયના મહારથી શબ્દોનાં પણ મહારથી હોય તે સ્વાભાવિક છે પણ ઘણીવાર લાગણીઓ માં તરવા લાગીએ ત્યારે શબ્દો સુજતા નથી.untitled

સમર આવે એટલે અહીં બોલીવુડના ગાયકો પણ ઉમટી પડતા હોય છે. ધર્મગુરુઓ અને સંપ્રદાયોના વડાઓ પણ તૂટી પડતા હોય છે. ફરક એટલો છે કે પેલા ઊખડેલ મૂળિયાની પીડા જે ભારતીયો અનુભવતાં હોય છે એની ધર્મગુરુઓ અને ફિલ્મી ગાયકો રોકડી કરી લેતા હોય છે જ્યારે સાહિત્યકારો અને કલાકારો એના પર મલમ લગાવી  જતા હોય છે. જવા આવવાનો ખર્ચ કાઢે એમાં કશું ખોટું પણ નથી..

લગ્નસંસ્થા વગરની સંસ્કૃતિ

 mosuoલગ્નસંસ્થા વગરની સંસ્કૃતિ.

હમણાં એક મિત્રે સરસ જોક જેવી પોસ્ટ મૂકેલી, એનો ભાવાર્થ એવો હતો કે અમુક સંતાન ભવિષ્યમાં એના માબાપને કહેશે કે મારે સ્કૂલમાં એડમીશન જોઈએ છે તો લગ્ન કરી લો સ્કૂલમાં તમારા લગ્ન સર્ટીફીકેટ માંગે છે. એમના જોક પાછળ લીવ ઇન રિલેશનશીપ કોન્સેપ્ટની મજાક અને એની પાછળ સંતાનો માટેની થોડી વ્યથા પણ દેખાઈ. લગ્નસંસ્થા તૂટી જશે તો બાળકોનું કોણ એવો પ્રશ્ન સતાવતો હશે. લગ્નસંસ્થા ધીમે ધીમે ઉદય પામી છે તે હકીકત છે. માનવ પેદા થયો સાથે લગ્નસંસ્થા લઈને પેદા નથી થયો. પ્રાણીઓ આજે પણ આવી કોઈ વ્યવસ્થા વગર જીવે છે, બાળકો પેદા કરે જ છે. પણ પશુઓ કરતા આપણે મોટું બ્રેન ધરાવીએ છીએ એટલા પૂરતા પશુઓ કરતા થોડા જુદા તો છીએ જ. લાખો વર્ષ માનવોએ પણ લગ્નસંસ્થા વગર ચલાવ્યું જ છે. એના પુરાવા આજે પણ જીવતા છે જ. તો થોડા હજારો વર્ષ જૂની લગ્નસંસ્થા તૂટી પડશે તો સંસ્કૃતિ માથે કે લાખો વર્ષથી સર્વાઇવ થતા માનવો માથે કોઈ આભ તૂટી પડવાનું નથી. કોઈપણ વિચારધારા, કોન્સેપ્ટ કે વ્યવસ્થાને બ્લેક એન્ડ વ્હાઈટમાં જોઈએ તે મારા મતે મુર્ખામી છે. લગ્નસંસ્થા અસ્તિત્વમાં આવેલી જ છે તો એનાય ફાયદા તો હોય જ. એમ જ ઉપરથી ટપકેલ તો છે નહિ. અને વિલુપ્ત થઈ જશે તો એનાય કોઈ ગેરફાયદા હશે કારણ ઉપરથી ટપકેલ તો છે નહિ. શ્વાસ લઈએ છીએ તે ઉપરથી ટપકેલ છે, એ ના લઈએ તો ઉપર પહોચી જવાય.

કોઈપણ સજીવ હોય સર્વાઈવલ એનો મુખ્ય ધર્મ હોય. અને આગળના સર્વાઈવલ માટે એના જિન્સ જીવતા રાખવા તે જિન્સ નવી પેઢી માં ટ્રાન્સફર કરવા પડે. મતલબ સંતાન પેદા કરો તો જ તમારી જિનેટિક સાઇકલ આગળ વધે. એટલે હવા, પાણી અને ખોરાક જેવી બેસિક નીડ વગર ચાલે નહિ તેમ સ્ત્રી-પુરુષ ને ભેગા મળીને સંતાન પેદા કરવાની તીવ્ર ઝંખના જન્મજાત હોય છે. વળી સંતાન પેદા કર્યા પછી જીવે નહિ તો ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ. અને માનવ બાળ બીજા પ્રાણીઓના બચ્ચા ની જેમ બે ચાર કલાકમાં ઊભું થઈ દોડવા માંડતું નથી, તે સાવ કમજોર હોય છે. એને ઘણા વર્ષો સાચવવું પડતું હોય છે. હવે એમાં સ્ત્રી અને પુરુષ બંનેના જિન્સ ભેગા હોય છે માટે તે સાચવવા ની જવાબદારી બંનેની થઈ જતી હોય છે. માટે બંનેને સાથે વર્ષો લગી તે જવાબદારી નિભાવવા જોડે રહેવું જરૂરી થઈ પડતું હોય છે. આ જરૂરિયાતે ધીમે ધીમે લગ્ન સંસ્થા વિકસિત થઈ છે. લગ્ન સંસ્થા કોઈ લાખો વર્ષ જૂની છે નહિ. થોડાક હજારો વર્ષ જૂની છે. માનવ લગભગ ૨૫-૩૦ લાખ વર્ષથી ઉત્ક્રાંતિ પામ્યો છે. ૧૦-૧૫ હજાર વર્ષ પહેલા આખી દુનિયાના સમાજ હન્ટર-ગેધરર હતા. ગૃપમાં કે બેન્ડમાં રહેતા લોકોને બાળકો પેદા થાય તે આખા સમૂહની જવાબદારી ગણાતી. આમ માબાપ અકસ્માતે મૃત્યુ પામે તો પણ કોઈ વાંધો આવે નહિ બાળકને સમૂહ મોટું કરી જ લે. એક જાતનો 450px-Mosuo_woman_near_Lugu_Lakeસમાજવાદ જ થયો ને?

પતિ કે પત્ની બે માંથી એક પાત્ર બાળકને મોટું કરવાની જવાબદારી માંથી છટકી ને કોઈ બીજા પાત્ર સાથે ગોઠવાઈ નાં જાય ખાસ તો સ્ત્રીઓ માટે લગ્નવિધિ આવી. કે ભાઈ વિધિવત કરાર થયો છે હવે કોઈ છટકે નહિ આખી જીંદગી ભેગા રહેવાનું અને બાળકો મોટા કરવાના. એટલે પહેલા જ્યારે બર્થ કંટ્રોલ હતા નહિ અને દર બે ચાર વર્ષે બાળકો જોડે રહેવા થી સ્વાભાવિક પેદા થયે જતા ત્યાં વધુ ને વધુ વર્ષો જોડે રહેવાનું જરૂરી બની જતું ત્યારે ડિવોર્સના પ્રમાણ બહુ ઓછા હતા કે લગભગ હતા જ નહિ. બીજા ધર્મો માં લગ્ન એક કરાર છે તેવું કહીએ છીએ પણ આપણા ત્યાં આવા કરારને સપ્તપદીના વચનો જેવું રૂપાળું નામ આપી દીધું છે. વચનો મૌખિક કરાર તરીકે આપી એ અને કરારમાં લેખિત વચન આપી એ લઇએ બધું સરખું છે.

લીવ ઇન રિલેશનશિપ નવી તરાહના લગ્ન જ કહેવાય. થોડો મુક્ત શ્વાસ લઇ શકાય તેવા પ્રકારના પણ લગ્ન જ કહેવાય. એમાંય જોડે તો રહેવાનું જ છે, પણ નાં ફાવે તો બહુ કોઈ મોટી કાયદાકિય લડાઈ ની માથાકૂટ માં પડ્યા વગર છુટા થઈ શકાય. આપણે ત્યાં પણ સમર્થ લોકો એક કરતા વધારે સ્ત્રીઓ રાખતા ત્યારે પહેલી સ્ત્રી જોડે વિધિ વગેરે કરતા બાકી તો એમ જ વિધિ કર્યા વગર ઘરમાં ઘાલી દેતાં.. આ એક જાતનું લીવ ઇન રિલેશનશિપ જ હતું. ઘણી જગ્યાએ સ્ત્રી પાણી ભરેલું બેડું લઈને પેલા પુરુષના ઘેર આવતી તે પુરુષ બેડું ઉતારી તે સ્ત્રીને ઘરમાં લઈ લેતો, જોડે રહેવાનું શરુ. એક પુરુષ લગ્નવિધિ કરીને કે કર્યા વગર એક કરતા વધુ સ્ત્રીઓ ઘરમાં રાખતો તે પોલીગમી જ કહેવાય. આપણા દેશમાં હાલની આદર્શ ગણાતી મનોગમસ એક જ પતિ કે પત્ની હોય એવી લગ્ન સંસ્થા કાયદા વડે હમણાં આઝાદી વખતે જ અસ્તિત્વમાં આવી છે. બાકી આપણે ત્યાં પુરુષો ને લાભદાયી એક તરફી પોલીગમસ લગ્ન સંસ્થા જ ચાલતી હતી હવે તેને પવિત્ર કે મહાન ગણવી તે આપણા હાથની વાત છે. જો કે હાલના ઝાર ખંડ જેવા વિસ્તારોમાં બહુ પતિ રાખી શકાય તેવી કોમો હતી અને હજુ આજે પણ છે. એક જ પતિ કે પત્ની હોય તેવી મનોગમસ લગ્ન સંસ્થા ગ્રીક લોકોની દેન છે. બાકી મજબૂરીમાં પોસવાની તાકાત નાં હોય અને એક જ સ્ત્રી રાખો તે અલગ વાત છે.

પશ્ચિમમાં લીવ ઇન રિલેશનશિપ છે તો બાળકો પોસવાની પણ જવાબદારી કાયદાકિય રીતે બંનેની હોય છે, એમાં કોઈ બાંધછોડ ચાલે નહિ. ભલે છુટા થઈ ગયા હોય પણ પુરૂષે કમાઈ કમાઈને કોર્ટમાં બાળકનું ભરણપોષણ ભરવું પડતું હોય છે. એક દિવસ મોડું થાય તો સીધો જેલમાં. એટલે જેમ લગ્ન સંસ્થા ધીમે ધીમે ઉત્ક્રાંતિ પામી છે તેમ એમાં ધીમે ધીમે બદલાવ પણ આવવાનો છે. પરિવર્તન સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. બંધિયાર પાણી ગંધાય તેમ પરિવર્તનની શક્યતા ઓ વગરની કોઈ પણ સંસ્થા લાંબે ગાળે ગંધાય તેમાં કોઈ શક નહિ. લગ્નવ્યવસ્થાને બહાને આપણે સદીઓથી સ્ત્રીનું શોષણ જ કરે રાખ્યું છે. લગ્ન વ્યવસ્થા નાં હોય તો સ્ત્રી પામવા રોજ રોજ તાકતવર છીએ તેવી પરીક્ષા આપવાનું પોસાય નહિ. લગ્નવ્યવસ્થાને બહાને એકવાર સ્ત્રી મળી ગઈ પછી રોજ રોજ પરીક્ષા આપવાની ઝંઝટ મટી ગઈ મન ફાવે ત્યારે સેક્સ સેક્સ રમી શકાય. હવે જ્યારે સ્ત્રી કમાતી થઈ છે પુરુષ ની જોહુકમી સહન કરે તેવી રહી નથી અને છૂટી થવા માંડી છે એટલે હજારો વર્ષથી સ્ત્રીનું શોષણ કરતા પુરુષો ને ધ્રાસકો પડ્યો છે.

images-=-=0લગ્નવ્યવસ્થાને લીધે સૌથી મોટો ફાયદો બાળકોને છે. રોજ રોજ તુટતા અને બંધાતા આધુનિક લગ્નોને લીધે સૌથી મોટો ગેરફાયદો બાળકોને એમાં પણ ખાસ પુત્રીઓને થતો હોય છે. લોહીનો સંબંધ નાં હોય તેવા પર પુરુષ જેવા કે ઓરમાન પિતા કે માતાના બોય ફ્રેન્ડની ઘરમાં સતત હાજરીને નાની છોકરીનું બ્રેન નોટીસ કરતું હોય છે અને એના લીધે તે બિન જરૂરી વહેલી પુખ્ત બની જતી હોય છે. સ્ટેપ ફાધરના જાતીય શોષણ નો ભોગ પણ બની જતી હોય છે. પશ્ચિમમાં સ્ત્રીને સ્વતંત્રતાની કિંમત સિંગલ મધર બનીને ચૂકવવી પડતી હોય છે. લગ્ન કરીને, લગ્ન વિચ્છેદ કરીને, બહુપત્નીઓમાની એક પત્ની બનીને કે બહુપતિઓની એક પત્ની બનીને છેવટે સ્ત્રીને જ શોષાવું પડતું હોય છે.

ચાલો એક એવી સંસ્કૃતિના દર્શન કરાવું જ્યાં લગ્ન વ્યવસ્થા છે નહિ છતાં પરિવાર છે અને બાળકો આરામથી મોટા થાય છે. વળી આ સંસ્કૃતિ કોઈ જંગલમાં રહેતી નથી. સાઉથ વેસ્ટ ચીનના યુનાન અને સિચુઆન પ્રાંત માં વસતા મોસુઓ(Mosuo)અથવા મોસો લોકો એક વિશિષ્ટ માનવ વંશ છે. વસ્તીમાં સાવ ઓછા લગભગ આશરે ૪૦,૦૦૦ જેટલા મોસુઓ હિમાલયમાં સારી એવી ઊંચાઈએ આવેલા Yongning વિસ્તારમાં Lugu Lake ની આસપાસ રહે છે. આ સમાજ માતૃ પ્રધાન સમાજ છે. અહીં કોઈ લગ્ન કરતું નથી. અહીં બાળક પેદા કરનાર પિતા ભેગો રહેતો નથી કે નથી બાળકને મોટું કરવામાં સહકાર આપતો. અહીં સ્ત્રી પુરુષ ભલે ભેગા સૂઈ જાય પણ બંને જોડે રહેતા નથી. પશ્ચિમના લોકો આને ‘walking marriage’ કહે છે. અહીં છોકરી જાતીય રીતે પુખ્ત થાય એટલે એને અલગ બેડ રૂમ મળે છે. તે છોકરી એને ગમતા પુરુષ ને આમંત્રણ આપે છે જે રાત્રે આવીને એના બેડરુમમાં રાત ગાળે છે. સવાર પડતા પોતાના ઘેર જતો રહે છે. એના લીધે બાળક પેદા થાય તો એની કોઈ જવાબદારી નથી હોતી. બાળકને માતા અને તેના ભાઈઓ-બહેનો દ્વારા મોટું કરવામાં આવે છે. બસ એવી જ રીતે કહેવાતો પિતા પણ એના પોતાના ઘરમાં એની ઘરની સ્ત્રીઓના બાળકો મોટા કરવામાં સહકાર આપતો જ હોય છે. બાળકનો પિતા કોણ છે તેની ઘરમાં મોટા હોય તે બધાને ખબર હોય છે. બાળકોને ખબર નાં પણ હોય. વારે તહેવારે બાળકના પિતાને ઉત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. પિતા બાળકો માટે ગીફ્ટ પણ લાવતો હોય છે.

આમ મોસુઓ પુરુષ પોતાના બાળકના ઉછેરમાં સહકાર ભલે નાં આપે પણ સામે પોતાની બહેનના બાળકો ઉછેરતો જ હોય છે. અહીં જુદા જુદા પુરુષો ને રાત્રે આમંત્રણ આપવાની છૂટ હોય છે પણ મોટા ભાગે મોસુઓ સ્ત્રીઓ આખી જીંદગી એક જ પાર્ટનર ને પકડી રાખતી હોય છે. ચાલો કોઈ સ્ત્રી નવો પુરુષ પસંદ કરે, પાર્ટનર ભલે બદલે પણ એની હાજરી સતત ઘરમાં દિવસે તો હોય જ નહિ. એટલે લોહીનો સંબંધ નાં હોય તેવા પુરુષ ની હાજરી ઘરમાં હોય જ નહિ. એટલે લોહીનો સંબંધ નાં હોય તેવા પુરુષ જેવા કે સ્ટેપ ફાધર કે માતાના બોય ફ્રેન્ડની સતત હાજરીને લીધે જે નાની દીકરીઓ પશ્ચિમના સમાજમાં જલદી પુખ્ત બની જતી હોય છે તેવું અહીં બનતું નથી. અહીં ઘરમાં જે પુરુષ હાજર હોય છે તે માતાનો ભાઈ જ હોય છે. એટલે એની હાજરીની કોઈ અવળી મનોવૈજ્ઞાનિક અસર પડતી નથી. મોસુઓ બહુ મોટા બહોળા ફેમિલીમાં રહેતા હોય છે. કોઈના પ્રાઇવેટ બેડ રૂમ હોતા નથી. છોકરી પુખ્ત થાય એટલે એને અલગ બેડ રૂમ આપવામાં આવે છે. મોટા ભાગની મોસુઓ સ્ત્રીઓ એક પુરુષ ને આખી જીંદગી પકડી રાખતી હોય છે છતાં તેને સ્ત્રીના ઘરમાં રહેવાની છૂટ હોતી નથી કે સ્ત્રીના ફેમિલીનો હિસ્સો પણ ગણાતો નથી. દીકરીઓ ને વળાવતી વખતે આપણા સમાજમાં જે વેદના માતાઓ વેઠતી હોય છે તે અહીં મોસુઓ માતાને વેઠવી પડતી નથી.images089

પતિ-પત્ની જેવો સંબંધ જ અહીં નથી એટલે એવા જોડલાએ સાથે રહેવાનું પણ નથી હોતું એટલે અહીં સિંગલ ફેમિલી કે વિભક્ત કુટુંબ જેવો કોન્સેપ્ટ જ નથી અહીં તો સંયુક્ત સંયુક્ત કુટુંબો જ છે તે પણ બહુ મોટી સંખ્યા ધરાવતા. લગ્ન વ્યવસ્થા વગર પણ બહુ મોટા બહોળા પરિવાર જોવા હોય તો ચાલો ચીન Yongning region Lugu Lake high in the Himalayas…

ગપોડી લેખકો (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૫)

ગપોડી લેખકો (રેડબડ Jawaharlal_Nehru_and_his_family_in_1918ગામગપાટા,  ન્યુ જર્સી-૫)

થોડા દિવસથી અમારી ગામગપાટા મંડળીમાં સુરેશભાઈ ઉમેરાયા છે, છ મહિના માટે ઇન્ડીયાથી અહીં દીકરાના ઘેર રહેવા આવ્યા છે. દેશમાં તો નવરા હોય એટલે મિત્રો મળી જાય, પોળના નાકે બે ચાર મિત્રો ભેગા થઈ જાય થોડું આમતેમ ચાલી આવે એટલે સમય પસાર થઈ જાય, અથવા ઘરના ઓટલે બેઠા હોય ત્યાં બીજા અડોશપડોશનાં લોકો આવીને બેસે એટલે વાતોના દોર માં સમય ક્યાં જતો રહે ખબર જ ના પડે. પણ અહીં સમય પસાર ક્યાં કરવો? અહીં કોઈ નવરું હોય નહિ. પુત્ર અને પુત્રવધૂ બંને નોકરી કરતા હોય, બાળકો સ્કૂલમાં હોય કે કૉલેજમાં હોય તે પણ એમની કંપનીમાં મસ્ત હોય, વળી અહીં ગુજરાતી છાપાં પણ મળે નહિ અને મળે તો એક ડોલર આપવો પડે એટલે ગણતરી મનોમન થઈ જાય કે ૬૦ રૂપિયાનું એક છાપું? એટલે ખરીદવાનું મન થાય નહિ. થોડા દિવસ તો ઘરમાં ભરાઈ રહ્યા પણ સ્ટ્રીટમાં લોકોને ચક્કર મારતા જોઈ તે પણ બહાર આવ્યા અને ધીમે ધીમે અમારી મંડળીમાં જોડાઈ ગયા.

સુરેશભાઈ બહુ વિદ્વાન માણસ છે. એમની વાતોમાં ઓલ્ડ સ્કૂલની વાતો આવી જાય પણ નવું વિચારવા અને સ્વીકારવા પણ એટલા જ પ્રયત્નશીલ છે. આજે આવીને થોડી આમતેમ વાતો પછી કહે,

સાલું મોટા લોકોના મોટા પોલ હોય નહિ?

કેમ શું થયું? મેં સવાલ કર્યો.

‘અરે ! આ દીકરાએ કમ્પ્યુટર ઉપર સર્ચ કરીને ગુજરાતી છાપા વાંચવાનું શીખવ્યું છે તેમાં એક લેખ વાંચ્યો તો એમાંની વાતો વાંચી દુખદ આશ્ચર્ય ઉપજ્યું.’

‘હા ! પણ માંડીને વાત કરો તો ખબર પડે.’

‘અરે ! ભાઈ આ સુનંદા થરૂરે આપઘાત કર્યો તે વિષે લેખ વાંચતો હતો એમાં મોટા કહેવાતા લોકોના લફરાં વિષે વાંચ્યું તો જરા દુઃખ થયું. એમાં આપણા માજી મરદ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને એમના પતિ ફિરોજ ગાંધી કેમ છુટા પડી ગયા તેનું કારણ જાણી દુઃખ થયું.’

‘હું ખડખડાટ હસી પડ્યો, તમે જવાહરલાલ નહેરુના પત્ની કમલા નહેરુ અને ફિરોજ ગાંધીના અફેરની વાત વાંચી લાગે છે ખરું ને?’

‘હા ! તમને કઈ રીતે ખબર પડી ગઈ? કમલા નહેરુ અને ફિરોજ ગાંધીનો અફેર ઈન્દિરાજી જોઈ ગયા એમાં બંને પતિપત્ની છુટા પડી ગયા સાલું માનવામાં નથી આવતું.’

મેં કહ્યું, મને ખબર પડી ગઈ કારણ મેં પણ તે લેખ વાંચેલો જ છે અને માનવામાં નથી આવતું ને તો માનશો જ નહિ કારણ આખી વાત જ મહાગપ્પું છે.’

‘અરે ! ગપ્પું હોતું હશે અમથું છાપામાં છાપ્યું હશે? અને છાપું પણ બહુ પ્રસિદ્ધ છાપું છે, માતબર છાપું છે.’

‘મેં કહ્યું છાપામાં આવે એટલે બધું સાચું જ હોય તેવું કેમ માની લેવું? છાપાનો તંત્રી નવરો હોય નહિ કે બધા આર્ટીકલ પૂરતી ચકાસણી કરીને છાપે. બહુ ઓછા લેખકો પુરતું રીસર્ચ કરીને લખતા હોય છે બાકી મોટાભાગના તો ગપોડી હોય છે.’

‘તો આખી વાત ખોટી છે?’

‘મેં કહ્યું તદ્દન ખોટી છે. થોડા દિવસ ઉપર વૈભવ અમીન નામના એક યુવાન અને જાગૃત એવા ફેસબુક મિત્રે આના વિષે એક નોટ મૂકી હતી. અને પુરતું રીસર્ચ કરીને કારણો પણ આપેલા કે આખી વાત લેખકે ઉપજાવી કાઢેલી છે. તે વાંચીને અમુક બાબતોની મને ખબર હતી છતાં મેં જાતે એની ચકાસણી કરેલી.imagesKRCGXJWC

‘સુરેશભાઈ બોલ્યા સાબિતી શું કે આ વાત ગપ્પ છે?’

‘મેં કહ્યું તમે આ વાત સાચી છે તેની સાબિતી આપો, મારી પાસે સાબિતી માંગો છો પણ પેલા લેખક જોડે માંગવાના ખરા?’

નિખાલસ સુરેશભાઈ હસી પડ્યા કહે વાત તો વાજબી છે સાબિતી માંગવી હોય તો બંને જોડે માંગવી પડે અથવા જાતે ખાતરી કરી લેવી પડે.’

‘મેં કહ્યું ચાલો જવાદો હું તમને વિચારવા માટે મજબુર કરું, મને ખબર તો હતી જ કે કમલા નહેરુ ઈન્દીરા અને ફિરોજનાં લગ્ન પહેલા મૃત્યુ પામેલા પણ વૈભવ અમીનની પોસ્ટમાં એની સાલ સુદ્ધાં વાંચવા મળી અને મેં પણ પછી ખાતરી કરેલી. કમલા નહેરુ ૨૬ ફેબ્રુઆરીનાં રોજ ૩૬ વર્ષની યુવાન ઉંમરે ૧૯૩૬મા મૃત્યુ પામેલા, ઈન્દીરા ગાંધી અને ફિરોજ ગાંધીના લગ્ન ૧૯૪૨મા થયેલા, ૧૯૪૪માં રાજીવ ગાંધીનો જનમ, ૧૯૪૬માં સંજય ગાંધીનો જન્મ થયેલો, હવે તમે જ વિચારો કે કમલા નહેરુનું ભૂત અફેર કરવા ફિરોજ ગાંધી પાસે આવતું હશે કદાચ. કમલા નહેરુના અવસાનના ત્રણ વર્ષ પહેલા ૧૯૩૩માં ફિરોઝ ગાંધીએ ઈન્દીરા સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરેલી પણ ઈન્દીરા હજુ નાના છે તેમ કહી કમલા નહેરુએ ના પાડેલી. કમલા નહેરુ ટી.બી.નાં દર્દી હતા અને તેમાં યુવાન વયે મૃત્યુ પામેલા. ૧૯૫૨માં ફિરોઝ ગાંધી ઉત્તરપ્રદેશના રાયબરેલી વિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે એના ચૂંટણી પ્રચારની દોર ઈન્દિરાજીએ સંભાળેલી. નહેરુના સમયમાં થયેલા આર્થિક સ્કેન્ડલ જાહેર કરવામાં ફિરોઝ ગાંધી બહુ આગળ પડતા હતા, તે સમયે તેમના સસરા જવાહરલાલ વડાપ્રધાન છે તેની શરમ તેઓ રાખતા નહિ. લેખમાં બીજું પણ એક મહાગપ્પ મારેલું છે કે રાજીવ ગાંધીના જન્મ પછી ઈન્દીરા અને ફિરોઝ ગાંધી છુટા પડી ગયેલા પછી સંજય ગાંધીનો જન્મ થયો તો સંજય ગાંધીનો પિતા કોણ? ૧૯૫૨માં ફિરોઝ ગાંધી લોકસભાની ચૂંટણી જીત્યા હતા તે ચૂંટણી પ્રચારની લગામ ઈન્દિરાજીનાં હાથમાં હતી. મતલબ ત્યાં સુધી તો બંને સાથે જ હતા.’

સુરેશભાઈ કહે સાલું આ તો ખરાબ કહેવાય આપણે કોંગ્રેસના કે નહેરુ-ગાંધી ફેમિલીના વિરોધી હોઈએ છતાં નૈતિક રીતે આવા કીચડ ઉછાળવા સારું તો નાં જ કહેવાય.

એજ તો પ્રોબ્લેમ છે ભારતમાં, વ્યક્તિ પૂજા અને વ્યક્તિ વિરોધ બે વચ્ચે પ્રજા રમ્યા કરતી હોય છે, ગ્રે શેડ તો કોઈને દેખાતા જ નથી. પશ્ચિમની સંસ્કૃતિ વિષે પણ આપણા લેખકો વગર જોયે જાણે આડેધડ ભરડે રાખતા હોય છે જે અહી આવીને અહીંની લાઈફસ્ટાઈલ જોયા અને અનુભવ્યા પછી ખબર પડી કે કેવા ગપ્પ હાંકે રખાતા હોય છે. એવું જ ભારત વિષે પણ લખાતું હોય છે કે ભારત એટલે જાદુગરો, મદારીઓ અને સાપોનો જ દેશ છે.

હવે અંબુકાકાનો બોલવાનો વારો હતો. અંબુકાકા કહે મારી એક રસપ્રદ સ્ટોરી સાંભળો, ‘ હું ૧૯૭૧માં બરોડા અગિયારમાં ધોરણમાં ભણવા આવ્યો ત્યાં સુધી ચા બિલકુલ પીતો નહોતો. અમે નાના હતા ત્યારે ઘરમાં ફક્ત મારા માતુશ્રી એકલા જ ચા પીતા હતા મારા પિતાશ્રી પણ ચા પીતા નહોતા. અમે ક્યારેક ચા પીવાની ઈચ્છા જતાવતાં પણ મારા ફાધરને ચા અમે નાના બાળકો પીએ તે ગમતું નહિ માટે અમને ચા મળતી નહિ. એકવાર પિતાજીએ એમની પાસે રહેલું એક આઝાદી પહેલાનું પ્રકાશિત થયેલું પુસ્તક વાંચવા આપ્યું એમાં રહેલા ખાસ પાનાઓ ઉથલાવવાના હતા. એમાં લેખકે લખ્યું હતું કે અંગ્રેજો એમના મડદા સાચવવા કોફીન પેટીમાં લાશની આજુબાજુ સુકી ચા ભરતા હતા પછી તે મડદા દફનાવી દેવામાં આવે ત્યારે પેલી ચા કાઢી લેવામાં આવે અને બઝારમાં વેચવા મુકાઈ જાય માટે આવી મડદા સાચવવા વપરાયેલી ચા પીવાય નહિ. આવું વાંચી હું તે સમયે છક થઈ ગયેલો અને સાચું માની લઈને કદી ચા પીવાની ઈચ્છા જતાવતો નહિ. પુસ્તકમાં લખ્યું હોય એટલે સાચું જ હોય તેવી એક માનસિકતા બંધાઈ જતી હોય છે. મારા પિતાજીએ એમની આખી જીંદગીમાં ચા પીધી નહોતી. પણ હું બરોડા ભણવા આવીને મિત્રોને વાદે ચા પીતો થઈ ગયેલો. હવે આજે મને થાય છે કે તે સમયે પણ લેખકો આવા જુઠ લખતા જ હતા.’

અમ્બુકાકાની વાત સાંભળી મને નવાઈ લાગી ચા પીવી સારી નહિ તેવું સાબિત કરવા લેખકે એ જમાનામાં પણ કેવું જુઠ લખ્યું હશે? ટૂંકમાં લખેલું બધું સાચું જ હોય તેવું માની લેવું વધુ પડતું છે.

આમ ગપોડી લેખકોની વાતો કરતા કરતા આજે અમે છુટા પડ્યા.

‘માનવ મન એક ચક્રવ્યૂહ’, મારું વધુ એક પુસ્તક.

વધુ એક પુસ્તક વાચકના માથે પ્રેમથી ફટકારું છું. મારા વાચકો પ્રેમપૂર્વક સહન કરી લેશે તેવી આશા છે જ.    scan0001book

પ્રસ્તાવના (માંથી થોડા અંશ)

ટોળાના ઘેંટા ઉભો રે’ જે, સાવજ ગરજે…..!

ફેસબુક ફ્રૅન્ડ દર્શિત ગોસ્વામીની વૉલ પર એક લેખ અનાયાસે જડી ગયો. ભાષા તેજાબી વિષય જવાબી. વર્ષો જૂના સવાલોના ધૂમધડાકેદાર ઉત્તર આપતો, અંધશ્રદ્ધાને ચીરતો સાયન્ટિફિક કન્ટેન્ટ. બચપણથી ફૉરિનના સાયન્સ મૅગઝીન્સ વાંચવાનો શોખ. બહુ ઓછા પ્રોફેશનલ ગુજરાતી પત્રકારો પણ આવા લેખો વાંચતા હોય છે. એવું જ ડિસ્કવરી, હિસ્ટ્રી, નેશનલ જિઅગ્રૅફિક જેવી ચેનલો પરની ડૉક્યુમેન્ટરીઝનું. એટલે નવાઈ લાગી કે આવું બધું વાંચી-જોઈને પછી એ ગુજરાતીમાં મૂકનારો સમરસિયો વળી કોણ હશે? નામ વાંચ્યું, ભૂપેન્દ્રસિંહ રાઓલ. જાણીતું ના લાગ્યું. લેખમાં લેખકો માટે તડાફડીની ભાષા એટલે કોઈ સાહિત્ય વિરોધી ‘કૅમ્પ’ના સદસ્ય હોવાની પણ શંકા ગઈ. આવું ઘણું વંચાઈને ભૂલાઈ જતું હોય છે, પણ આ ‘કુરુક્ષેત્ર’ (રાઓલ સાહેબના બ્લોગનું નામ)ના મહારથીના લખાણમાં જે જનોઈવઢ ઘાની રોકડી નિખાલસતા હતી, એ ભૂલાઈ જાય તેમ નહોતી.

ભારતને અને ગુજરાતને ભૂપેન્દ્રસિંહ રાઓલ જેવા ખુલ્લા મનના અભ્યાસુ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આધુનિક લેખકની જરૂર છે. કમ્પ્યુટર સ્ક્રીનથી બુકના પેજીઝ સુધીની આ સફર વાચકને પુસ્તક પુરુ કરે ત્યાં સુધીમાં વધુ બુદ્ધિમાન બનાવવા સક્ષમ છે. રાઓલસાહેબ ગોળ ગોળ જલેબી તળવામાં માનતા નથી. પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી વાસ્તવિક વિચારોનો ધાણીફૂટ ગોળીબાર કરે છે. એમની આ આગવી સ્ટાઇલ અપીલિંગ બની ગઈ છે. ભૂપેન્દ્રસિંહ રાઓલને આવા કેસરિયા કરવા માટે ઝાઝેરા જુહાર. રંગ છે આ બુદ્ધિજીવી બાપુને. આવા પ્રકારના પુસ્તકના આતુર વાચક અને વિસ્મયવાદી લેખક તરીકે મને ઓવારણા લેવાનું મન થાય છે, ઘણી ખમ્મા વિજ્ઞાનવિચારક્રાંતિને !  :-જય વસાવડા, બ્લોક નં.-૯ અક્ષરધામ સોસાયટી , ગોંડલ: ૩૬૦ ૩૧૧,  ફોન નં.(૨૮૨૫)૨૨૩૭૭૬ મોબાઈલ- ૯૮૨૫૪૩૭૩૭૩  jayvaz@gmail.com    http://planetjv.wordpress.com/

નિવેદન (માંથી થોડા અંશ)

પ્યારા મિત્રો, મનોવિજ્ઞાન મારો પ્રિય વિષય રહ્યો છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ, બાયોલોજિ અને મનોવિજ્ઞાનનો સહિયારો અભ્યાસ કરીને વિકસાવેલા ઇવલૂશનરી સાઇકૉલોજી(Evolutionary psychology) વિષયને લક્ષમાં લઈને માનવ સ્વભાવના જટિલ રહસ્યો શોધવાનો પ્રયત્ન ઇવલૂશનરી સાઇકૉલાજિસ્ટ કરતા હોય છે. મેં પણ મારી અલ્પમતિ મુજબ આ બધાં વૈજ્ઞાનિકોને વાંચી, મનન ચિંતન કરી ભારતીય સંસ્કૃતિનાં સંદર્ભમાં લખવાનો પ્રયત્ન કરેલો છે. હ્યુમન સાઇકૉલોજી અને હ્યુમન બિહેવ્યર પાછળની સાઇકૉલોજી વિષે આપણાં સાઇકૉલાજિસ્ટ લખતા જ હોય છે, પણ મેં અહીં હ્યુમન સાઇકૉલોજી અને હ્યુમન બિહેવ્યર પાછળની બાયોલોજિ વિષે લખ્યું છે, જે ગુજરાતી લેખન જગતમાં આ રીતે લખવાનો કદાચ પહેલો પ્રયાસ હશે.

scan0002bookઅતિવ્યસ્ત હોવા છતાં જાણીતા અખબાર ગુજરાત સમાચારમાં ‘અનાવૃત’ અને ‘સ્પૅક્ટ્રોમિટર’ કૉલમ લખતા સૌથી વધુ વંચાતા, હાલના સૌથી વધુ લોકપ્રિય લેખક, લોકપ્રિય મોટિવેશનલ પબ્લિક સ્પીકર અને પરમમિત્ર એવા શ્રી જય વસાવડાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું સ્વીકાર્યું તે મારા માટે સૌભાગ્યની વાત છે. અમારી દોસ્તી વૈચારીક અખાડામાં કુસ્તી કરતા શરૂ થઈ હતી. એમનો જેટલો આભાર માનું તેટલો ઓછો પડે.

ડૉ શ્રી. અમૃત હઝારી અને શ્રી. દીપક ધોળકિયા સાહેબ જેવા મિત્રોએ આ પુસ્તક વિષે એમનો બહુમૂલ્ય અભિપ્રાય આપ્યો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું. ડૉક્ટર દિનેશભાઈ પટેલ અને ડૉક્ટર કેતન પટેલ જેવા મિત્રો નિયમિત પ્રોત્સાહન આપતા રહેતા. મારા લેખો પુસ્તકરૂપે પ્રકાશિત થાય તેવો એમનો ખૂબ આગ્રહ રહેતો. બંને મિત્રોએ આ પુસ્તક પ્રકાશન બાબતે આપેલો નૈતિક અને આર્થિક ફાળો પણ મારા માટે અમૂલ્ય છે. બંને મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

મારા નાના ભાઈશ્રી પ્રદીપસિંહ રાઓલ(લેખક-અંતહીન યાત્રા) જેમણે આ પુસ્તક પ્રકાશન બાબતે તમામ જવાબદારી સંભાળી તે માટે એમનો જેટલો આભાર માનું તેટલો ઓછો પડે. ગુજરાતી બ્લૉગ જગતના મિત્રોએ અવાનવાર પ્રતિભાવ આપી મને કાયમ પ્રોત્સાહિત કર્યો છે તે માટે તમામ બ્લૉગર મિત્રોનો પણ આભાર માનું છુ. ફેસબુક વિશ્વના મિત્રોએ કાયમ કૉમેન્ટ્સ-લાઈક આપી મારો લખવાનો ઉત્સાહ વધાર્યો છે. ફેસબુક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વૈજ્ઞાનિક રિસર્ચ અને માહિતીનાં મોતી મારા આગવા ચિંતમનન રૂપી દોરામાં પરોવીને મૂકેલી આ માળા એટલે આ પુસ્તક ‘માનવ મન એક ચક્રવ્યૂહ’. એકવાર જપશો તો વારંવાર આ માળા જપવાનું મન અવશ્ય થશે તેવી મને આશા છે.  :- Bhupendrasinh Raol , Edison, NJ 08817 U.S.A. Mobile No. +1 7324066937

e-mail : brsinh@live.com

પ્રાપ્તિસ્થાન :

૧) અશોક પ્રકાશન મંદિર, પહેલો માળ, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે ગાંધી રોડ, અમદાવાદ. ફોન- ૦૭૯-૨૨૧૪-૦૭૭૦ Email: scan0003bookhareshshah@yahoo.co.in

૨) નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪ પ્રિન્સેસ સ્ટ્રીટ, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૨, ફોન- ૨૨૦૧ ૭૨૧૩ , ૨૨૦૮ ૫૫૯૩ Email: nsmmum@yahoo.co.in

૩) નવભારત સાહિત્ય મંદિર, ૨૦૨ પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ અને જૈન દેરાસર પાસે ગાંધી રોડ અમદાવાદ.

૪) બુક શેલ્ફ, ૧૬ સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, અમદાવાદ.

૫) રાઓલ પ્રદીપસિંહ રતનસિંહ , ૨૦૧ રાજમંદિર એપાર્ટમેન્ટ, ૫/૨ પટેલ કૉલોની જામનગર. ફોન- ૯૯૯૮૯૯૩૫૧૫ Email: praol1810@gmail.com

૬) http://www.gujaratibooks.com/ ટૂંક સમયમાં આ વેબસાઈટ પર ઓનલાઈન મળી શકશે.

2013 in review જાનદાર ૨૦૧૩ માંથી શાનદાર ૨૦૧૪માં ધમાકેદાર એન્ટ્રી…

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 93,000 times in 2013. If it were an exhibit at the Louvre Museum, it would take about 4 days for that many people to see it.

Click here to see the complete report.

સંસ્મરણોની દાબડીમાંથી……ક્રિકેટ

untitled-=-સંસ્મરણોની દાબડીમાંથી……ક્રિકેટ

રમવાની શરૂઆત ઘર ઘરથી થઈ હતી. ઘરના ચોકમાં એક ખુણામાં જૂની ચાદરો, ટોવેલ અને જૂની સાડીઓ બાંધી ઘર બનાવતા અને અડોશપડોશનાં છોકરાં ભેગાં થઈને બહુ પ્રાચીન એવી ઘર ઘર રમત રમતા. થોડા મોટા થયા પછી ફળીયામાં જરા ખુલ્લી જગ્યા હોય ત્યાં ગીલ્લી ડંડા, સતોડીયું, ભમરડા ફેરવવાના જેવી રમતો શરુ થઈ. લંગડી અને થપ્પો જેવી રમતો પણ રમાતી. પણ હજુ થોડા મોટા થયા પછી ખરેખર રસ પડ્યો હોય તો તે ક્રિકેટની રમત હતી. કોઈ દીવાલ પર કાળા કોલસા વડે ત્રણ લીટા સ્ટમ્પ સ્વરૂપે દોરી ટેનીસ બોલ વડે ક્રિકેટ રમતા. ટીવી તો તે સમયે હતા નહિ કે ક્રિકેટ પડદા પર જોવા મળે. પણ વાલ્વ ધરાવતા મોટા રેડીયાને સ્થાને ઉત્ક્રાંતિ પામી નાના ટ્રાન્ઝીસ્ટર આવવાની શરૂઆત થઈ ચુકી હતી. રેડીઓ પર ક્રિકેટ સાંભળવાનો રસ લગાડનાર હતા મારા મોટાભાઈશ્રી હરિશ્ચંદ્રસિંહ. તેઓ ક્રિકેટની મેચ ચાલતી હોય અને તેની કોમેન્ટ્રી રેડીઓમાં આવતી હોય ત્યારે લગભગ રેડીયામાં ઘુસી જતા. કોઈ કામ હોય અને કશું કહીએ તો સાંભળે પણ નહિ. મધર એમની તળપદી ભાષામાં કહેતા કે ‘રેડીયામાં કૉન ઘાલી ન બેઠો સઅઅઅ..નઈ હોભળ…ઘણીવાર એનાથી ઉલટું પણ બોલતા કે કૉનમાં રેડીઓ ઘાલી ન બેઠો સઅઅ.. હહાહાહાહા…  તેઓ કદી ક્રિકેટ રમ્યા હોય તેવું મને યાદ નથી પણ ક્રિકેટના ભારે રસિયા. ક્રિકેટનો રસ ધરાવવા માટે ક્રિકેટ રમવું જરૂરી તો નથી..imagesTG3XHAZ0

ફીલીપ્સ અને મરફીના નાના ટ્રાન્ઝીસ્ટર હોય ઉપર લેધરનું કવર હોય પટ્ટાવાળું, ટ્રાન્ઝીસ્ટર ખભે લટકાવેલો હોય, સફેદ ખમીસ અને સફેદ ધોતિયું પહેરેલું હોય, કાળા બુટ અંદર લાલ મોજા પહેરેલા હોય, ગાળામાં લાલ રૂમાલ ભરાવેલો હોય, ભરપુર તેલ નાખી વાળ ઓળવેલા હોય, કાનમાં અત્તરના પૂમડા ભરાવેલા હોય એવા રંગીલા રસીલા માનવીઓ જોવા મળે તે હવે ભૂતકાળ બની ચૂક્યું છે. મને આવું જોઈએ તે સમયે પણ ખૂબ હસવું આવતું. જો કે આવું પહેરેલા રેડીઓ સિલોન કે બિનાકા ગીતમાલા વધુ સાંભળતા. વિવિધભારતી પણ બહુ પાછળથી આવ્યું. ક્રિકેટ ગમે ત્યાં રમાતી હોય એની મજા માણવાનું એકમાત્ર સાધન ફક્ત રેડીઓ હતું.

અત્યારે કોમેન્ટેટરને ખબર હોય છે કે તમે ક્રિકેટ ટીવી પર જોઈ રહ્યા છો માટે એમના વર્ણનમાં તેની અસર પડતી મને લાગી છે. પણ ટીવી નહોતા ત્યારના કોમેન્ટેટરને ખબર હોય કે એમની કોમેન્ટ્રી રેડિયા પર પ્રસારિત થાય છે, મેદાનમાં હાજર સિવાય લાખો લોકો તેને સાંભળીને મજા લઇ રહ્યા છે તેની અસર પણ એમના વર્ણન પર પડતી. તે સમયના કોમેન્ટેટર્સ બોલ ટુ બોલ જે વર્ણન કરતા તે સાંભળી તમે ક્રિકેટ જોઈ રહ્યા છો તેવું લાગે.

સ્કૂલમાં બીજા મિત્રો ક્રિકેટની દંતકથાઓ માંડીને કહેતા ત્યારે સાંભળવાની અને અહોભાવમાં તણાઈ જવાની મજા પડતી. જામ રણજીતસિંહ આઠ આઠ સ્ટમ્પ લગાવીને રમતા પણ આઉટ થતા નહિ તેવું સાંભળી ગર્વ અનુભવતા. આવી બધી કથાઓમાં કેટલુક સાચું પણ હોય અને કેટલુક ખોટું પણ હોય. ક્રિકેટ સમજતો થયો ત્યારે નવાબ ઓફ પટૌડી કેપ્ટન તરીકે ધાક જમાવતા હતા. વેસ્ટ ઇન્ડીઝનાં ૯૦ માઈલની ઝડપે બોલ નાખતા વેસ્લી હોલની કથાઓ પ્રચલિત હતી તો ગ્રીફીથ ૮૬ માઈલની ઝડપે બોલ નાખી ભારતનાં કેપ્ટન નરીમાન કોન્ટ્રાક્ટરની ખોપડી તોડી ચુક્યો હતો. તે સમયના બેટ્સમેનનાં મનમાં ફાસ્ટ બોલર ખાસ તો વેસ્ટઇન્ડીઝના બોલરો સામે રમવાનો જબરદસ્ત સ્ટ્રેસ રહેતો કે નરીમાન કોન્ટ્રાક્ટર જેવું થઈ જાય તો પતી ગયું. તે સમયે હેલ્મેટ પહેરવાનો કોઈ નિયમ હતો નહિ. હેલ્મેટ પહેર્યા વગર ખોપરી ફાડી નાખે તેવા ઝડપી બોલ સામે રમવું બેટ્સમેનની કાબેલિયત દર્શાવી દેતું. હેલ્મેટ પહેર્યા વગરની ખોપરીમાં ૮૬ માઈલની ઝડપે બોલ ઝીંકાય તો શું થાય? નરીમાન વાવાઝોડામાં ઝાડ ફસડાઈ પડે તેમ મેદાન પર ઢગલો થઈ ગયેલા, એમના નાક, કાન, મોઢા અને આંખોમાંથી લોહીની ધારાઓ વહેતી હતી એવું સાંભળ્યું હતું. સમયસરની સારવારે untitled0-1બચી તો ગયા પણ કારકિર્દી ખતમ.

બેસ્ટમેનને ડરાવવા બોલર બાઉન્સર નાખતા, પણ ગેરી સોબર્સ જેવા મહાન ખેલાડી સામે એનો અંજામ બહુ બુરો આવતો. એક એક બાઉન્સર હુક શોટ દ્વારા ચોક્કા અને છક્કામાં પલટાઈ જતો ત્યારે એમની સામે પછી બોલર બાઉન્સર નાખવાની હિંમત કરતો નહિ. એવામાં સુનીલ ગાવસ્કર મક્કમ પગલે એક પછી કે વિક્રમો તોડવા આવી ચૂક્યા હતા. વેસ્ટ ઇન્ડીઝમાં એમના ઘરમાં ક્રિકેટના એ સિંહો સામે બાથ ભીડવી કોઈ નાનુસુનું કામ નહોતું. પાંચ ટેસ્ટની એ સીરીઝમાં ગાવસ્કરે  દુનિયાના શ્રેષ્ઠતમ ફાસ્ટ બોલરો સામે ૭૭૪ રન ઠોકેલા તે મને હજુ યાદ છે. વેસ્ટ ઈન્ડિયનો હજુ પણ તે ભૂલ્યા નથી અને ગાવસ્કરને લીટલ માસ્ટર તરીકે હજુ પણ માન આપે છે. ૧૯૭૦ સુધી હેલ્મેટ પહેરવાનો ખાસ રિવાજ નહોતો. ઈંગ્લેન્ડના ડેનીસ એમીસે પહેલીવાર સતત હેલ્મેટ પહેરીને આ રિવાજ પ્રચલિત કરવામાં સારો એવો ભાગ ભજવ્યો. હેલ્મેટ પહેરીને રમતા આજના ખેલાડીઓ આજે જે રનના ખડકલા સર્જે છે તે હેલ્મેટ વગર સર્જી શક્યા હોત ખરા?

હું વ્યવસ્થિત સાંભળતો અને સમજતો થયો ત્યારે ફારુખ એન્જીનીયર અને સુનીલ ગાવસ્કર પારી શરૂ કરતા. ફારુખ ફિલ્મી હીરો જેવા લાગતા, બિલ્ક્રીમ હેરક્રીમની એડમાં આવતા. ગાવસ્કર કરતા વધુ ઝડપી ફટકા મારી આઉટ પણ જલ્દી થઈ જતા. આબિદઅલી અને એકનાથ સોલકર જેવા બોલિંગની પારી શરુ કરતા. સોલકર તે સમયના શ્રેષ્ઠતમ ફિલ્ડર ગણાતા. બેટ્સમેનની બાજુમાં ત્રણેક ફૂટ જ દુર ઉભા રહીને સોલકર ફિલ્ડીંગ કરતા. સ્પિનરની બોલીંગમાં જરા જેટલી ચૂક અને સોલકર ચિત્તાની જેમ કેચ ઝડપી એને ઘરભેગો કરી દેતા. લગભગ એક ટેસ્ટમાં સૌથી વધુ કેચ કરવાનો વિક્રમ એક સમયે એમના નામે પણ બોલતો હતો. ફાસ્ટ કે મીડીયમ ફાસ્ટ બોલરોનું ભારતીય ટીમમાં બહુ પ્રભુત્વ નહોતું. બેપાંચ ઓવર બોલ થોડો ઢીલો કરવા નખાતી પછી સ્પિનરો એનો હવાલો લઇ લેતા. બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર અને વેંકટ રાઘવન જેવા સ્પિનરો આખો દિવસ બોલિંગ કર્યા કરતા. બેટિંગમાં તો સાત વિકેટો પડી જાય પછી આ સ્પિનરો બેટિંગ કરવા આવવાના હોય એટલે ધબાય નમઃ જ સમજી લેવાતું. જેટલો સમય આ લોકો પેડ બાંધવામાં લગાડતા એના કરતા ઓછા સમયમાં આઉટ થઈ પાછા આવી જતા.untitled

પાંચ દિવસની મેચ સાથે ૫૦-૫૦ ઓવરની વનડે શરુ થઈ અને ભારતમાં કપિલદેવ આણમંડળી આવીને સ્પિનરોનું પ્રભુત્વ સાથે ફાસ્ટ બોલરોનું પ્રભુત્વ પણ વધ્યું. ૧૯૮૩નો વર્લ્ડકપ જીત્યા તે મેચ બોલ ટુ બોલ રેડીઓમાં સાંભળેલી. મારા પ્રિય કેપ્ટનમાં ક્લાઈવ લોઈડ પ્રથમ આવે. એમના ઇલેક્ટ્રિક ગ્રાઉન્ડ શોટ રોકવા જાઓ તો આંગળી ઉતરી જાય તો નવાઈ નહિ. ઇમરાનખાન અને કપિલદેવ પણ મારા પસંદીદા કેપ્ટન. કપિલદેવે વર્લ્ડકપ જીતી ભારતીય ક્રિકેટની સિકલ જ બદલી નાખી હતી. કપિલદેવ અને ઇમરાનખાને બાકીના દેશોને બતાવી દીધું કે અમને જરાય કમજોર સમજતા નહિ. બેટ્સમેન તરીકે વિવિયન રિચર્ડ્સ, ગાવસ્કર, સચિન મને હંમેશા બેસ્ટ લાગ્યા છે. સૌથી વધુ ૩૦૯ વિકેટ લેનારા પહેલા સ્પીન બોલર લાંસ ગીબ્સ હતા પણ પછી સૌથી વધુ વિકેટો લેવાના વિક્રમ ફાસ્ટ બોલરો બનાવવા લાગ્યા. પાંચ દિવસની ટાઈમપાસ શ્રીમંત અંગ્રેજોની રમત ધીમે ધીમે ઉત્ક્રાંતિ પામી ઝડપી અને સર્વસામાન્ય બનવા લાગી.

ટીવી નો જમાનો આવ્યો અને ખેલાડીઓ જાહેરાતોમાં આવી કમાતા થયા. તે પહેલા સિનેમાનો શો શરૂ થાય તે પહેલા બતાવાતી જાહેરાતોમાં ખેલાડીઓનો સમાવેશ ભાગ્યેજ થતો. ફારુખ એન્જીનીયર બિલ્ક્રીમની એડમાં આવતા તો પટૌડી ગ્વાલિયર શુટિંગની એડમાં આવતા અને ગવાસ્કર દિનેશમિલની એડમાં આવતા. બાકી ક્રિકેટના ખેલાડીઓ પણ રમીને બહુ કાઈ કમાઈ લેતા નહિ. ચંદ્રશેખર જેવા શ્રેષ્ઠ ગુગલી બોલર પાસે તો સારવારના પૈસા પણ નહોતા. ખેલાડીઓ રમીને કમાય તેમાં ખોટું શું છે? પણ જે રમતપ્રેમી પ્રેક્ષકોને લીધે નામ-દામ મળતા હોય તેમની ભાવનાઓ સાથે ચીટીંગ કરી મેચ ફિક્સ કરી કમાઈ લેવું સરાસર ગલત છે.

વનડે ક્રિકેટ એ ક્રિકેટ જગતમાં જબરદસ્ત ઉત્ક્રાંતિ હતી. વનડે ક્રિકેટ આવ્યું અને ક્રિકેટમાં ઉત્તેજના વધી. રમવાનું વધ્યું તો જાતજાતના કપ રમાવા લાગ્યા. બેન્સનહેઝીસ કપમાં ભારતે ડંકો વગાડ્યો તો રવિ શાસ્ત્રી મેન ઓફ સીરીઝ બની ઓડી નામની વિખ્યાત કાર જીત્યા. તે સમયે ઓડી કેવી હશે તેની ફક્ત કલ્પનાઓ જ કરતા. એની પર બેસી બધા ખેલાડીઓ ચડી બેસેલા. આજે અહી સેકડો ઓડી કાર ફરતી જોઈ કોઈ ઉત્તેજના થતી નથી. વનડેની ઉત્ક્રાંતિ સાથે શ્રીલંકા જેવા અનેક દેશો એ શ્રીગણેશ કર્યા. રંગભેદની નીતિને લીધે સાઉથ આફ્રિકા સાથે કોઈ ક્રિકેટ રમતું નહોતું. આપણે જેમ હોકીમાં આઠ આઠ ઓલોમ્પિક ગોલ્ડ મેળવી ૩૨ વર્ષ ધાક જમાવી રાખેલી તેમ ઓસ્ટ્રેલીયાએ લાંબો સમય ક્રિકેટમાં ધાક જમાવી રાખી હતી.

આખરે કહેવાતા ધાર્મિક પણ નૈતિકતાની બાબતમાં નીચલું સ્તર ધરાવતી માનસિકતામાં જે થવાનું હતું તે થયું. ખેલાડીઓ બુટલેગરોના હાથમાં રમવા લાગ્યા અને વેચાઈ જવા લાગ્યા. આપણે એક એક બોલ ઉપર આપણું બ્લડ પ્રેશર વધારતા ઘટાડતા હોઈએ અને આ તો વેચાઈ ગયેલા હોય. આપણા મનમાં હોય કે હવે થોડીવારમાં તો ભારત જીતી જશે અને અચાનક ટપોટપ વિનાકારણે વિકેટો પડી જાય અને જીતની બાજી હારમાં પલટાઈ જાય. શરૂમાં લાગતું કે ભાઈ રમત છે પણ અઝહરુદ્દીન સમયે મેચ ફિક્સિંગ પકડાયું ને ખબર પડી કે કેમ જીતની બાજી અચાનક હારમાં પલટાઈ જાય છે? ક્રિકેટ પ્રેમીઓ માટે આ બહુ મોટો આઘાત હતો.

ગાવાસ્કરની વિદાયની ઘડીઓ ગણાઈ રહી હતી પણ આપણને એના જેવો બીજો મહાન ખેલાડી મળવાની તૈયારીઓ થઈ રહી હતી. ગાવસ્કરે ૧૯૮૭મા વિદાય લીધી અને બરાબર બે વર્ષ પછી ૧૮૮૯માં આપણને સચિન મળ્યો. સચિન મહાન ક્લાસિક બેટ્સમેન, સરસ બોલર, ઉત્તમ ફિલ્ડર સાથે ઉમદા હ્યુમન બીઈંગ. ભ્રષ્ટાચારી અધિકારીઓના ઝુંડ વચ્ચે એક પ્રમાણિક અફસર એનું કામ ચુપચાપ કરે જાય ત્યારે એની પ્રમાણિકતા ઉપર પણ શંકા જાય તે સ્વાભાવિક છે, પણ એવો અફસર ચુપ રહેવા સિવાય બીજું કરી પણ શું શકે? કદાચ બોલે તો એની કારકિર્દી ખતમ જઈ જાય. સચિન ના ભૂતો ના ભવિષ્યતિ..untitled=-==

બીજી રમતોની જેમ ક્રિકેટ બહુ સારી રમત છે પણ ઘેલાપણું કદી સારું નાં હોય. ફક્ત એક જ રમત પ્રત્યેનો અંધપ્રેમ એની પાછળનું ગાંડપણ બીજી રમતોનું સત્યાનાશ વાળી નાખે છે તેનું ભારત ઉત્તમ ઉદાહરણ છે. કારણ આસપાસનો માહોલ જ એવો હોય કે બાળકોને બીજી રમત પ્રત્યે પ્રેમભાવ જાગે જ નહિ. એટલે લાંબે ગાળે બીજી રમતોને નુકશાન થવાનું જ. ઘરમાં મ્યુઝીકનું મહત્વ વધારે હોય માબાપ સંગીતકાર હોય તો બાળકો સ્વાભાવિક સંગીત તરફ ઝોક વધુ રાખવાના. એમ મને ક્રિકેટ સિવાય બીજી રમતોમાં રસ ના હોય, આસપાસ પણ ક્રિકેટ સિવાય બીજા કશાનું પાગલપન દેખાતું જ ના હોય તો બાળકો પણ એમાજ સામેલ થવાના. લાંબા ગાળે બીજી રમતો પ્રત્યે પ્રેમ ઓછો થવાનો. આ તો નેચરલ છે.

ખેલાડીઓને ભારતરત્ન અપાતો જ નહોતો. એની યાદીમાં ખેલાડીઓ સામેલ નહોતા. કેમ? ખરા ભારતરત્ન તો ખેલાડીઓ અને કલાકારો હોય છે. ભારતરત્ન પર નેતાઓ કબજો જમાવીને બેઠેલા હતા. સચિનને લીધે પહેલીવાર ખેલાડીઓને ભારતરત્ન માટે હકદાર માનવામાં આવ્યા તે બહુ ઉત્તમ કામ થયું છે. સચિન સાથે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને પણ ભારતરત્ન અપાયો હોત તો બહુ સારી વાત હતી. ઈન્દિરાજી ભારતરત્ન માટે હકદાર અવશ્ય હતા પણ તેમને ભારતરત્ન અપાય તે સમયે સરદાર વલ્લભભાઈને ભારતરત્ન અપાયો ના હોય તે અજુગતું અને અન્યાયપૂર્ણ લાગે. જો કે ભારતમાં આવા અન્યાય થવા હવે સામાન્ય થઈ ગયું છે.

સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

પીંઢારા શબ્દ વિષે કેટલા જાણતા હશે? આ શબ્દ શેના માટે વપરાય છે તે પણ મોટાભાગના લોકોને ખબર નહિ હોય. ભણેલા ગણેલા અને રાજકીય બાબતોમાં રસ ધરાવનાર લોકોમાં આ શબ્દ થોડોઘણો પ્રચલિત છે એનું કારણ બ્રિટનના બીજા વિશ્વયુદ્ધ સમયના વડાપ્રધાન ચર્ચિલ છે. કારણ ભારતને આઝાદી આપવાના નિર્ણય સામે તે સમયના બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ઍટલીને આ ચર્ચિલે કહેલું કે તમે ઠગ અને પીંઢારાઓને રાજ પાછું આપી રહ્યા છો. ચર્ચિલનું આ વાક્ય ઇતિહાસમાં અમર થઈ ગયું છે. અને આપણા નેતાઓએ આ વાક્ય સાચું પણ પાડ્યું કે ખરેખર ચર્ચિલ સાચો હતો. સ્વિસ બેન્કોમાં પડેલા ભારતના લોકોની પરસેવાની કમાણીના ૧૫૦૦ બિલ્યન ડૉલર્સ એની સાબિતી છે. હવે તો સમજાઈ ગયું હશે કે પીંઢારા શબ્દ શેના માટે વપરાતો હશે.

મૂળ પીંઢારા મુઘલ બાદશાહોનાં મોટાભાગે નામ પાછળ ખાન લગાવતા પઠાણી સૈનિકો હતા. કાળક્રમે પગાર આપવાના ફાંફાં પડી જતા છૂટાં મૂકી દેવાયેલા ભૂખ્યા વરુઓ. મુસલમાન ઇતિહાસકાર ફીરીસ્થાએ ઈ.સ.૧૬૮૯માં નોંધ્યા મુજબ  ઔરંગઝેબના લશ્કરમાં મુસલમાન પઠાણોની અમુક ટુકડીઓ સામાન્ય નાના નાના કામો માટે રાખવામાં આવતી હતી. મુસલમાનો નબળા પડ્યા ને મરાઠાઓ મજબૂત થયા ત્યારે આ ટુકડીઓ મરાઠાઓના લશ્કરમાં કામ કરવા લાગી. છત્રપતિ શિવાજી સુધી તો એમની સેવાઓ લીધી નહોતી,  પણ બાલાજીરાવે ગર્દીખાનની રાહબરી નીચે આ લોકોને સેવામાં રાખ્યા. આ લોકોનું કામ યુદ્ધ પત્યા પછી સામી છાવણીઓમાં આતંક ફેલાવવાનું અને લૂંટફાટ મચાવી બધું સળગાવી દેવાનું રહેતું. એટલે પીંઢારાનો જન્મદાતા ઔરંગઝેબ અને એમનો વિકાસ કરનારા  પાલનહાર એટલે મરાઠા.

લુટારાઓની  કોઈ જાત હોતી નથી. નર્મદાનો ખીણ પ્રદેશ આ લોકોનો ગઢ હતો. સંતાડેલા ગુપ્ત ધનની માહિતી ઓકાવવા પીંઢારા માણસના નાક અને મુખમાં ગરમ કોલસા અને રાખ ભરતા, એની સ્ત્રી પર બળાત્કાર કરતા, એના બાળકના તલવાર વડે બે ભાગ કરી નાખતા. ગામના મુખીને પકડીને આખી રાત ટૉર્ચર કરતા જેથી ગામના લોકો વધુને વધુ ધન આપે, મુખીનું એક એક અંગ ધીમે ધીમે કાપતા અને છેવટે એનું હૃદય કાઢી લેવામાં આવશે તેવી ચેતવણી આપતા. આ પીંઢારાઓનો નાશ મરાઠી રાજાઓનો સહકાર લઈને અંગ્રેજોએ કરેલો એના માટે અંગ્રેજોને થેન્ક્સ કહેવા જોઈએ.

હવે સલમાનખાનનું ‘વીર’ મુવી જેણે જોયું હશે તેને ખયાલ આવી જશે કે આ ખાન બંધુઓએ કેવી રીતે સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી કરી છે. કદાચ એમના મૂળિયા આ પીંઢારાઓમાં હોવા જોઈએ. એટલે ‘વીર’ મુવીમાં પીંઢારાઓને દેશભક્ત અંગ્રેજોમાં સામે સ્વતંત્રતાની લડાઈ લડતા વીર સૈનિકો બતાવી દીધા. ઇતિહાસની માબેન સર્જકતાને બહાને કરી નાખી. ફિલ્મ શરુ થતા લખી નાખવાનું કે આ કાલ્પનિક વાર્તા છે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ. પણ લોકોના મનમાં દ્રશ્યશ્રાવ્ય મીડિયાની ભયાનક અસર પડતી હોય છે. આપણે જોએલું  જલ્દી સાચું માની લેતા હોઈએ છીએ ભલે પડદા ઉપરનું હોય. ફિલ્મોમાં કે ટીવીમાં દ્રૌપદીનાં ચીર પૂરતા કૃષ્ણને જોઈ કોઈને વિચાર નહિ આવે કે તે ૫૦૦૦ વર્ષ પહેલાના જમાનામાં સુરતની સાડીઓ હતી નહિ.

મિત્ર રાજીવ જોશીનું કહેવું છે કે “સામ્યવાદની અસર હેઠળ બંગાળી ફિલ્મ નિર્માતાઓએ જમીનદાર કાયમ ખરાબ, વ્યાપારી અને પૂજારી હંમેશા લુચ્ચો સાથે ભારતની ગરીબી અને ઝૂપડપટ્ટીઓનું ચિત્રાંકન કરી વિદેશોમાંથી ખૂબ એવૉર્ડ ભેગાં કરેલા. મુસ્લિમ ચાચા હમેશાં ઈમાનદાર, હીરો મંદિરમાં ના જાય પણ ૭૮૬ના  બિલ્લાને આખો દિવસ માથે લગાવ્યા કરે અને અડ્ડા બધા માઈકલનાં જ હોય.”

મૅમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે સોશિઅલ સાયન્સની રીતે જોઈએ તો જૈવિક સત્ય છે. પોતાના સમૂહથી છુટું પડેલા કોઈ પણ મૅમલ પ્રાણીનાં બ્રેનમાંથી તરત સ્ટ્રેસ કેમિકલ કૉર્ટીસોલ છૂટવા લાગે છે તે સંભવિત જોખમનો ઉપાય કરો તેની સૂચના આપતું હોય છે. જલ્દી સમૂહમાં પાછાં ભળી જાઓ નહીતો માર્યા જશો તેવી ચેતવણી આપતું હોય છે. ટોળાથી વિખૂટું પડેલું ઘેટું તરત મેં મેં કરવા લાગતું હોય છે. બીજા મૅમલ પ્રાણીઓ કરતા માનવો મોટું વિચારશીલ બ્રેન ધરાવે છે એટલે બહુ મોટી કૉમ્પલેક્ષ સમાજ વ્યવસ્થા ધરાવે છે. પહેલો સમૂહ વ્યક્તિનું અંગત કુટુંબ હોય છે, માબાપ અને એમના સંતાનો. એના કરતા થોડો મોટો સમૂહ કાકાબાપા પિતરાઈ ભાઈઓ વગેરેનો સમૂહ હોય છે. પછી સમૂહ વિસ્તરતા એકજ બ્લડ લાઈન ધરાવતી જ્ઞાતિ અને વંશ આવે. વળી આવા અલગ વંશ કે જ્ઞાતિ ભેગી થઈને વસતું ગામ પણ એક જાતનો વિશાલ ફલક પરનો સમૂહ જ ગણાય. આમ પ્રાંત અને દેશ પણ બહુ મોટા મોટા ફલક પરના સમૂહ કહેવાય.

પ્રાણીઓને બહુ વિચારવાનું હોતું નથી માટે એમની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય નહિ. માનવી ખૂબ વિચારે છે માટે એની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય છે. માનવીનો પ્રૉબ્લેમ હોય છે કે અમુક સમય સમૂહમાં રહીને પણ એકલો જીવવા માંગતો હોય છે. મોટા સમૂહના રક્ષણ સાથે બહુ નાના ગૃપમાં રહેવાની ઇચ્છા ધરાવતો હોય છે. કોઈ લગ્ન કે પાર્ટીમાં સૌ પોતાના નાના ગૃપ બનાવી બેસી જતા હોય છે. સામાજિક બહિષ્કાર વખતે જીવના જોખમ જેટલું જ જોખમ એનું બ્રેન અનુભવતું હોય છે. ગામ, પ્રાંત કે દેશમાં જુદા જુદા સમૂહો ભેગાં જ રહેતા હોય છે છતાં આ સમૂહો એકબીજા વડે જોખમ અનુભવતા હોય છે. એકબીજાની સાથે રહેવું છતાં એકબીજા વડે જોખમ-થ્રેટ અનુભવવાનું સામાન્ય હોય છે.

ઘરમાં લડતા ભાઈઓ કુટુંબ સામું પડે ત્યારે એક થઈ જતા હોય છે. કુટુંબમાં લડતા વ્યક્તિઓ પણ ગામનાં લોકો લડવા આવે ત્યારે એક થઈ જતા હોય છે. મોટા સમૂહ તરફથી થ્રેટ અનુભવાય તો નાના નાના સમૂહ એક થઈને મોટો સમૂહ બનાવી મુકાબલો કરતા જ હોય છે. આ થીઅરી જુઓ તો બીજા રાજ્ય તરફથી જોખમ અનુભવાય તો સમગ્ર ગુજરાત અમે ગુજરાતી તરીકે એક થઈ જવાનું ભલે રોજ અંદર અંદર લડતા હોય. આમ જ પાકિસ્તાન સામે આખું ભારત એક થઈ જવાનું તે વખતે આમચી મુંબઈ, જય જય ગરવી ગુજરાત કે જય મહારાષ્ટ્ર જેવા મંત્ર ભુલાઈ જતા હોય છે. ત્યારે ભારત માતાકી જય સહુ પોકારવા લાગશે. કોઈ પરગ્રહવાસી ચડી આવે તો સમગ્ર પૃથ્વી પરના માનવ સમૂહો કે જેને આપણે દેશો તરીકે ઓળખીએ છીએ તે એક થઈ જવાના. નાના સમૂહના સ્વાર્થ કરતા મોટા સમૂહનો સ્વાર્થ કે ફાયદો ઉત્તમ ગણવામાં આવતો હોય છે, એને આપણે પરમાર્થ કહેતા હોઈએ છીએ. કુટુંબ માટે વ્યક્તિઓ બલિદાન આપતા હોય છે. રાષ્ટ્ર માટે જાતિવાદ અને પ્રાંતવાદ ભૂલી જવો પડતો હોય છે. સમાજ મતલબ પોતાના મોટા સમૂહ માટે વ્યક્તિગત ફાયદા ભૂલીને સમાજના હિતમાં કામ કરે તેને પરમાર્થ કહેવાય. વ્યક્તિગત હિત જવા દઈને આખા ગામ કે જેમાં બીજા સમાજો પણ રહેતા હોય છે તેવા સમગ્ર ગામ, રાજ્ય કે દેશ માટે કામ કરે તેને સ્વાભાવિક ઊંચું ગણવામાં આવે.

   ચાલો આટલાં પિષ્ટપેષણ પછી મૂળ વાત પર પાછાં ફરીએ. ૧૯૯૯માં કચ્છનાં નખત્રાણા તાલુકામાં બિબર ગામમાં થયો હશે કોઈ વિખવાદ બાવજીભા જાડેજાનું ભણસાલી કોમની ટોળીએ ખૂન કર્યું. ત્યાર પછી સામે બદલો લેવાની કાર્યવાહી તો થવાની એમાં ગામ સળગ્યું અને સામે કેટલાક ભણશાળીની પણ હત્યાઓ થઈ. આપણે જાણીએ છીએ કે આ બધું ખોટું જ થયું છે. ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી આ નખત્રાણા તાલુકાના બિબર ગામનો. એમનું મોસાળ રાજસ્થાનમાં છે. જાડેજા દરબારો અને કચ્છી ભણસાલી વચ્ચેની આ જૂની પણ બહુ જૂની પણ ના કહેવાય તેવી દુશ્મની સંજય લીલા ભણશાલીનાં દિમાગમાં રમતી તો હોય જ.

ભાનુશાળી કહો કે ભણસાલી કહો હિંદુઓમાં વૈશ્યની કેટેગરીમાં આવતા મૂળ હાલ પાકિસ્તાનમાં ગણાતા સિંધના બલુચિસ્તાન બાજુથી કચ્છમાં આવેલા. કોઈ ચોક્કસ ઇતિહાસ મળતો નથી પણ સિકંદર ભારત પર ચડી આવ્યો તે સમયે સલામતી ખાતર અંતરિયાળ ગણાતા કચ્છમાં આવીને વસ્યા હશે. ઘણા મુઘલ કાળમાં કચ્છમાં વસ્યા હશે તેવું પણ કહે છે. સિંધ તે સમયે બૉર્ડર પર ગણાય એટલે બૉર્ડર પર વસવાટ આમેય અઘરો એટલે સલામતી ખાતર કચ્છમાં આવી ગયા હશે. વસવાટના આધારે કચ્છમાં વસેલા કચ્છી ભાનુશાળી અને હાલાર(જામનગર) વસેલા હાલારી ભાનુશાળી કહેવાતા હોય છે. કચ્છમાં સેંકડો વર્ષોથી જાડેજાઓનું રાજ હતું. એમ જામનગરમાં પણ જાડેજા વંશ રાજ કરતો. કચ્છમાંથી જામનગર બોલાવી ભાનુશાળીઓને વસાવનારા પણ જામનગરના જાડેજા રાજવીઓ જ હતા. જામનગર અને કચ્છના જાડેજા રાજાઓએ આ કોમને પાળી પોષી વસવાટ કરવાની સગવડો આપી તે જાડેજા દરબારો માટે આ રીતે ખરાબ ચિત્રાંકન કરી દુશ્મની કાઢવી અને તે પણ ફક્ત એક ગામના બે કોમ વચ્ચેના વિખવાદને લઈને? કેટલું યોગ્ય છે?

પણ આ સર્જક બહુ ચાલાક છે. રામલીલા મુવી બનાવ્યું એમાં મુખ્ય અભિનેત્રી જાડેજા ફૅમિલીની બતાવી પણ મુખ્ય અભિનેતા ભણસાળી કોમનો બતાવે એટલો મૂરખ તે છે નહિ. આ લવ સ્ટોરીનું સ્ત્રી પાત્ર જાડેજા પણ પુરુષ પાત્ર રબારી કોમનું બતાવી દીધું. વળી બે કોમ વચ્ચે ૫૦૦ વર્ષ જૂની દુશ્મની બતાવી દીધી. દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મનીનો કોઈ ઇતિહાસ છે જ નહિ. ઉલટાના રબારીઓ તો રાજપૂતોની બેન દીકરીઓના વળાવિયા તરીકે એમનું રક્ષણ કરવાનું કામ કરતા અને જરૂર પડે રાજપૂતોની દીકરીઓ માટે જીવ પણ આપી દેતા. તો સામે પક્ષે ગોપાલક રબારીઓની ગાયોનું રક્ષણ કરવા આ રજપૂતોએ પોતાના માથા આપ્યા છે. જે બે કોમ હજારો વર્ષોથી સંપીને રહી હોય તેના વચ્ચે દુશ્મની હોય તેવો ઇતિહાસ બતાવી દેવો તે પણ ફિક્શનના બહાને કેટલો વાજબી છે? હજુ તો ફિલ્મ રજૂ થઈ નથી ત્યાં રાજપૂત અને રબારી સમાજ એકબીજા વડે થ્રેટ અનુભવવા લાગ્યો છે. જે સમાજો એકબીજાના કદી દુશ્મન હતા નહિ તે હવે દુશ્મન બનશે. એની શરૂઆત થઈ ચૂકી છે.

એક મિત્ર સાવજરાજ સોઢા જણાવે છે, “રબારી અને જાડેજા રાજપૂત સમાજ વચ્ચે જે આજસુધી સંબંધો રહ્યાં છે એવાં કોઈ પણ સમાજો વચ્ચે સૌહાર્દ અને આત્મીય સંબંધો નહી હોય. પણ રામલીલાની ચર્ચા પછી એ બંને સમાજ કટ્ટર દુશ્મન જેવાં બની ગયાં છે.. આપ તે સમયની ફેસબુક પરની રબારીઓ અને રાજપૂતોની ચર્ચા જોજો ગાળો સિવાય ભાગ્યે કાંઈ હશે.. આ સમાજોમાં ફેલાયેલી કડવાશ માટે જવાબદાર કોણ? માત્ર રામલીલા. ભુજ રામલીલાનાં વિરોધ વખતે બંને સમાજ વચ્ચે ઝગડો થયો આઠેક જણાં ઘાયલ થયાં જવાબદાર કોણ…??? રામલીલા.” જે ફિલમ હજુ આ લખાય છે ત્યાં સુધી રજૂ થઈ નથી, રજૂ થશે પછી શું થશે?

લખેલું વંચાય એવું કહેવાય છે તેમ જોએલું મનાય તે પણ એટલું જ સાચું છે. ભલે આપણે લાખવાર કહીએ કે કાલ્પનિક સ્ટોરી છે પણ દ્રશ્યશ્રાવ્ય માધ્યમ બહુ પાવરફુલ હોય છે. એ સીધું તમારા બ્રેનમાં ઊતરી જશે. તમારા ન્યુરૉન્સને જકડી લેશે. આપણે જાણીએ છીએ કે આ પડદા પર દોડતા ચિત્રો છે છતાં ફિલ્મના કરુણ દ્ગશ્યો જોતા જોતા આપણે રડતા હોઈએ છીએ. હોરર મુવી જોઇને હાર્ટઍટેક આવ્યાનાં અને મરી ગયાના દાખલા પણ નોંધાયેલા જ છે.

આ વાર્તા કાલ્પનિક છે અને એમાં આવેલા પાત્રો સાથે કોઈ સામ્યતા દેખાય તો અકસ્માત સમજવો તેવું કેટલા સમજતા હશે? આવી સૂચનાઓ ભૂલી જવાતી હોય છે. આવી સૂચનાઓ ભવિષ્યમાં આવનારા વિવાદો ટાળવા પૂરતી જ લખાતી હોય છે. ફિલ્મોના બનાવટી પાત્રો સાથે આત્મીયતા બંધાઈ જતી હોય છે. એક સમભાવ કેળવાતો હોય છે. હું કોઈ ગુંડાને મારી શકતો ના હોઉં પણ બચ્ચનને મારતો જોઈ મને અચેતનરૂપે હું મારતો હોઉં તેવું લાગે. હું બચ્ચન સાથે ઇન્વોલ્વ થઈ જતો હોઉં. આમ મારી ગુંડાને મારવાની ઇચ્છાની પાદપૂર્તિ થઈ જાય. ફિલમ જોઈને એક તૃપ્તિ સાથે બહાર નીકળીએ ત્યારે હેપી હેપી થઈને નીકળીએ કે મજા આવી ગઈ. પણ શેની મજા આવી તે ભલે કૉન્શિયસલી ના સમજાય પણ મજા આવી ગઈ તેટલું તો સમજાઈ જાય છે.

ફિલ્મો જોઈ કોઈ હિંસા કરતું નથી. ક્યાંક કોઈ બનાવ બન્યો હશે બાકી મોટાભાગે આપણી અંદર રહેલી હિંસાનું હિંસક ફિલ્મો જોઈ કૅથાર્સિસ થઈ જતું હોય છે. ફિલ્મોના દુઃખી પાત્રો સાથેનાં દુઃખો સાથે આપણા દુઃખોની સામ્યતા કેળવાઈ જતી હોય છે. હીરોના કરુણ મૃત્યુ સાથેનો અંત જોઈ રડતા રડતા ભલે બહાર આવીએ પણ એક અજાણ્યો ના સમજાતો તૃપ્તિનો ઓડકાર ખવાઈ જતો હોય છે. કારણ દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક કહેવાતા દુઃખો અને કરુણ અંત સમાયેલા જ હોય છે. ચાલો આપણે એકલાં દુઃખી નથી બીજા પણ આપણા જેવા છે જ. મૃત્યુ પામતા હીરો પ્રત્યે આપણી અંદર રહેલી કરુણા વહેવા લાગતી હોય છે. આપણે ભૂલી જઈએ છીએ કે આ હીરો તો હજુ જીવે છે ખાલી પડદા પર મર્યો છે. ‘આનંદ’ આજે પણ હીટ છે. રાજેશખન્નાનું ‘બાબુ મોશાય’ આજે પણ કાનમાં એટલું જ ગુંજે છે.

કાલ્પનિક ફિલ્મોની પડતી મનોવૈજ્ઞાનિક અસરોની અવગણના તમે કરી શકો નહિ. આ ભારતીય સમાજ છે, અહીં એક કાલ્પનિક ફિલ્મ બનાવી સંતોષી માતા ઉભા કરી શકાય છે. આ ભારતીય સમાજ છે જ્યાં કાલ્પનિક કવિતા લખી ‘રાધા’ ઊભી કરી શકાય છે અને તેની પાછળ આખા દેશને ગાંડો કરી શકાય છે. મેં તો ત્રણ વર્ષ પહેલા લખેલું કે રાધા મહાભારત, હરિવંશ પુરાણ કે ભાગવતમાં ક્યાંય નથી. ઑથેન્ટિક ગણવામાં નહિ આવતા એવા બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધા કૃષ્ણની મામી છે. છતાં એક જયદેવ કાલ્પનિક રાધાનું સર્જન કરી આખા દેશને પાગલ બનાવી શકે છે. હવે જો સદીઓ પહેલા લખેલી એક કવિતા પાછળ જો દેશ ગાંડો બની શકતો હોય તો આવી દ્રશ્યશ્રાવ્ય ફિલ્મ બનાવી શું ના કરી શકાય?

ભણસાળી અને દરબારો વચ્ચેની દુશ્મની તે પણ એક ગામ પૂરતી છે તેને મિટાવવાનાં પ્રયત્નો  કરવાને બદલે આ સર્જકે આખા કચ્છ અને સૌરાષ્ટ્રના દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મની ઊભી કરી દેવાનો હીન પ્રયત્ન કર્યો છે. એની આ હીનતા રબારીઓ અને દરબારોએ ઓળખી લેવી જોઈએ અને અંદર અંદર લડી એની આ હલકટ ચાલમાં આવી જવું ના જોઈએ. આ દેશમાં એક ગાય વાછરડાનું ચૂંટણી પ્રતીક મૂકીને લોકોને ઈમોશનલી છેતરી ચૂંટણી જીતી શકાય છે. રામના રથ કાઢી લોકોની ધાર્મિક ભાવનાઓનો વેપલો રાજકીય હેતુ માટે કરી શકાય છે. લોકોએ એમના ન્યુરૉન્સ વાપરવા જોઈએ.

આ દેશમાં જ્ઞાતિવાદ સજ્જડ છે. જ્ઞાતિ એક સમૂહ છે અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે હકીકત ભૂલવી ના જોઈએ. જ્ઞાતિવાદના પ્રકાર બદલાશે પણ સમુહવાદ તો જીવતો રહેવાનો જ છે. પણ તમે એટલું કરી શકો કે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ કરતા ઊંચી કે નીચી ના માનો. વ્યક્તિગત કે નાના સામૂહિક સ્વાર્થને જતા કરી મોટા સામૂહિક સ્વાર્થમાં બદલી પરમાર્થ જેવું નામ આપી શકો. વ્યક્તિગત કે નાની નાની સામૂહિક ભક્તિ સાથે ક્રમશઃ મોટી ને મોટી સામૂહિક ભક્તિ વધારી એને રાષ્ટ્રપ્રેમ તરફ વાળી શકો છો. છેવટે માનવતાવાદ તરફ પણ આજ રીતે જઈ શકાય. કવિશ્રી ઉમાશંકર જોશી પાછલી જીંદગીમાં એમને વિશ્વમાનવ તરીકે ઓળખાવતા હતા. કેટલી ઊંચી સંવેદનશીલતા કહેવાય?

આપણે ત્યાં કોમવાદ સજ્જડ છે માટે રાષ્ટ્રવાદ કમજોર છે. માણસ નાના નાના સમૂહ બનાવીને તો રહેવાનો જ છે પણ વર્ણવ્યવસ્થાના સજ્જડ ધારાધોરણોની જરૂર નહોતી. અહીં દરેક કોમની ચોક્કસ ડેફીનેશન છે, કે વાણિયા એટલે આવા, દરબાર એટલે આમ, બ્રાહ્મણ એટલે આવા, પટેલ એટલે આવા એમાય કડવા એટલે આવા અને લેઉંઆ એટલે આવા. હવે પટેલને તમે મખ્ખીચૂસ કહી શકો ખરા? આ ડેફીનેશન બહાર તમે બતાવો એટલે જે તે સમાજ તરત થ્રેટ અનુભવી વિરોધ કરવાનો જ છે. જાડેજાની દીકરીને અશ્લીલ હરકતો કરતી કે ભાષા બોલતી બતાવો એટલે તરત તે સમાજ થ્રેટ અનુભવી વિરોધ કરવાનો.

સિંધના સુમરા(મુસ્લિમ રાજવી)એ તેના તાબાના કોઈ ગામની મુસ્લિમ દીકરીઓની લાજ લૂટવા માટે બંદી બનાવેલી ત્યારે તે બધી ગમે તેમ નાસી જઈને કચ્છમાં આવી અને ત્યારે અબડાસાના જામ અબડાજી જાડેજા એ તેમને આશરો આપીને યુદ્ધ કરેલ અને વિજય મળેલ અને તે દિવસ અષાઢી બીજ હતી અને તે દીકરીઓ ને મુક્ત કરાવીને નવું જીવન આપવા બદલ તે દિવસને કચ્છી નવું વર્ષ તરીકે ઊજવાય છે. ભણશાળીઓને કચ્છમાં અને જામનગરમાં સુખરૂપ વસાવનારા આ જાડેજા રાજાઓ જ હતા.

દરબારોએ એમની રીતે આ ફિલ્મનો વિરોધ કર્યો. શક્તિ પ્રદર્શન થયું, તોડફોડ થઈ, જાહેર હિતની અરજી થઈ. પણ સામે સંજય લીલા કપિલ સિબ્બલ અને એના જેવા બીજા 001[1]મહારથીઓને લઈને આવી ગયો. કોર્ટે ચુકાદો આપ્યો કે જાડેજા અને રબારી શબ્દો ફિલ્મમાંથી કાઢી નાખવા. એડીટીંગ કરીને ફિલ્મ રજૂ કરવી. પણ એનો કોઈ અર્થ નથી. રબારી શબ્દ કાઢી નાખશે પણ રબારી ડ્રેસકોડ કઈ રીતે બદલશે? દરબારનો જે ડ્રેસકોડ વપરાયો હશે તે ક્યાંથી કાઢી નાખશે? સદીઓથી રબારીને ઓળખવા અહીં નામની ક્યાં જરૂર હતી? કોર્ટે ખરેખર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા જેવો હતો. ગુજરાત પૂરતો તો મૂકી જ શકાય. સામસામે થોડા માણસો મરે તેની કોર્ટ કદાચ રાહ જોતી હશે.

 બસ અહીં જ દરબારો અને રબારીઓએ સંયમ રાખી અહિંસક વિરોધ કરી સંજય લીલા ભણશાલીની બે કોમ જે કદી એકબીજા સાથે લડી જ નથી તેને લડાવી મારવાની ચાલમાં આવી ગયા વગર સંપીને રહેવું જોઈએ.

રાઓલ ભૂપેન્દ્રસિંહ રતનસિંહ,

એડિસન, ન્યુ જર્સી.

 ૪ નવેમ્બર ૨૦૧૩.

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી

યાવતચંદ્રદિવાકરો(સૂરજચંદ્ર તપે ત્યાં સુધી) રાજ કોઈના ટકતા નથી, ટક્યા નથી અને ટકવાનાં પણ નથી. જગત સતત પરિવર્તનશીલ છે. ધીમી ગતિનું મક્કમ પરિવર્તન આપણે સ્વીકારી શકતા નથી પછી ઇતિહાસને વખોડતા હોઈએ છીએ કે પહેલા આણે આમ કર્યું હોત તો આજે આમ નાં હોત. એક સમયે યુરોપમાં રોમન સામ્રાજ્યનો સૂરજ તપતો હતો છેક ઈજીપ્ત સુધી રોમન સામ્રાજ્યનો ડંકો વાગતો હતો. મોટા નગર વસાવવાનું એમણે શરૂ કરેલું એમ કહેવાય છે. એક સમયે આર્યાવર્ત પર આર્યોનો પચ્છમ લહેરાતો હતો. આર્યાવર્ત કોઈ નાનું નહોતું. ભારત અફઘાનિસ્તાન અને ઈરાન સુધી આર્યોનો ધ્વજ ફરકતો હતો. યુધિષ્ઠિરનાં બે બાહોશ ભાઈઓ ભીમ અને અર્જુન ભારતના સીમાડા બહાર એમનો ધ્વજ ફરકાવી ચૂક્યા હતા, ત્યાં પશ્ચિમ ભારતમાં કૃષ્ણ ડંકો વગાડી રહ્યા હતા. કૃષ્ણની દ્વારકાનો વેપાર રોમ સાથે પણ ચાલતો. પુરાતત્વ ખાતાના ડૉ રાવ ડૂબેલી દ્વારકાની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે એમને રોમન સ્ટાઇલનાં દારુ ભરવાના પીપ મળ્યા હતા.

ભગવાન કહેવાતા કૃષ્ણ લાચારીસહિત યાદવોને લડતા અને એમનો નાશ થતા જોઈ જ રહ્યા હતા. કૃષ્ણે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો યાદવોનો નાશ ના થયો હોત એવું આજે આપણે કહેવું હોય કહી શકીએ છીએ. આજનું મીડિયા કહી શકે છે યાદવકુલનાં નાશ પાછળ વિદેશી તત્વોનો હાથ છે, કે ભાઈ રોમન બનાવટનાં દારૂ ભરવાના પીપ જો મળ્યા છે અને દારૂ પી છાકટા બની યાદવો અંદરોઅંદર લડીને મર્યા. પણ આ બધું કૃષ્ણ જાતે જોઈ રહ્યા હતા. કૃષ્ણે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો મહાભારતના યુદ્ધમાં થયેલો સર્વનાશ પણ રોકાઈ શક્યો હોત કે નહિ? કૃષ્ણ ચોક્કસ રોકી શક્યા હોત એવું વિચારી જૈનો કૃષ્ણને દોષ દેતા જ હોય છે અને એટલે એમને સાતમાં નરકમાં નાખેલા છે. હું અમસ્તો નરકમાં ફરવા થોડો ગયો હોઈશ? કૃષ્ણનો ઈન્ટરવ્યું લેવા ગયેલો.

untitled-=-=કૃષ્ણ મહાભારત રોકી શક્યા હોત તેવું આજે જૈનો વિચારે છે અદ્દલ તે જ રીતે આજે આપણે પૃથ્વીરાજ ચૌહાણ વિષે વિચારીએ છીએ કે પૃથ્વીરાજ હાર્યો નાં હોત કે એણે ઘોરીને ૧૬ વાર માફ ના કર્યો હોત તો આજે ઇતિહાસ જુદો હોત. મુસલમાનો ભારતમાં ના હોત વગેરે વગેરે. ચાલો પૃથ્વીરાજ જીતી ગયો હોત તો પણ ઇતિહાસ આજે છે તે જ હોત. પહેલું તો ઘોરી ૧૬ વાર ચડાઈ કરવા આવ્યો જ નહોતો. પૃથ્વીરાજ અને ઘોરી વચ્ચે બે જ વાર લડાઈ થયેલી. પહેલીવાર તે ઓછા સૈન્યબળ સાથે આવ્યો હશે કે જે હોય તે, પૃથ્વીરાજ સામે ટક્યો નહિ અને ભાગી ગયેલો. બીજીવાર પૂરતી તૈયારી કરીને આવ્યો હશે તે પૃથ્વીરાજ હાર્યો એને પકડીને તે લઈ ગયો હતો. હારેલા પૃથ્વીરાજને ગ્લોરીફાઈ કરવા કવિઓએ બનાવટી વાર્તાઓ રચી કાઢી કે ૧૬ વાર માફ કર્યો અને અંધ બનાવેલા પૃથ્વીરાજે શબ્દવેધી બાણવિદ્યા દ્વારા ઘોરીને હણી નાખ્યો તેનું ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. પૃથ્વીરાજનાં મર્યા પછી ઘણા વર્ષો બાદ ઘોરી મરાયો છે તેવું ઇતિહાસ કહે છે.

ચાલો પૃથ્વીરાજ જીતો ગયો ને ઘોરી ભાગી ગયો તે સમય પૂરતા મુસલમાનો બહાર રોકાઈ ગયા પણ પછી? ઘોરી એ મરી ગયો પણ પછી? ઘોરીની જગ્યાએ બેઠેલો બીજો કોઈ ચડી નાં આવ્યો હોત તેની ગેરંટી હતી ખરી? અને એની સામે પૃથ્વીરાજની જગ્યાએ બેઠેલો એનો પુત્ર જીત્યો હોત તેની કોઈ ગેરંટી હતી ખરી? પૃથ્વીરાજ જીત્યો હોત પણ એની જગ્યાએ બેઠેલો એનો કોઈ વંશજ પાછળથી હાર્યો હોત તો આજે આપણે પૃથ્વીરાજને બદલે એના વંશજ ને ગાળો દેત.

આપણે તો ગાળ દેવા આજે કોઈ પાત્ર જ જોઈએ ને?

સિકંદર એકવાર નહિ અવારનવાર ચડી આવ્યો છે. પણ સમ્રાટ ચંદ્રગુપ્તના હાથીઓનું લશ્કર જોઈ ભાગવું પડતું હતું. ચંદ્રગુપ્તના યુદ્ધ કૌશલ આગળ એને પાછું ફરવું પડતું હતું.

જો ચંદ્રગુપ્ત હાર્યો હોત તો આજે આપણે ચંદ્રગુપ્તને ચોપડાવતા હોત. imagesCAI4GAG2

સિકંદર અને ચંદ્રગુપ્ત તો મહમ્મદ અને ઈસુના જન્મ પહેલાના. એક સમયે દુનિયાના તમામ રસ્તા રોમ તરફ જતા હતા. ઈજીપ્ત અને ઇઝરાયલ ઉપર પણ રોમનો રાજ કરતા હતા. ઈસુને ક્રોસ પર લટકાવનાર યહૂદી નહિ રોમન હતા. જોકે યહૂદીના કહેવાથી લટકાવેલા તે વાત જુદી છે. પાછળથી આજ રોમન રાજાઓએ જીસસને અપનાવ્યા અને આખા યુરોપમાં જીસસ જીસસ થઈ ગયું. રોમમાં રાજાઓ હતા તો સેનેટ પણ હતું, પ્રજાના પ્રતિનિધિઓ પણ રાજકાજમાં ભાગ લેતા. પણ જર્મેનિક ટ્રાઈબ ગણાતા બાર્બેરિયન ટોળા રોમ પર અવારનવાર હુમલા કરતા. Frankish Tribe બહુ જોરાવર હતી તેણે રોમના અન્ડરમાં રહેલા વેસ્ટર્ન યુરોપ પર કબજો જમાવ્યો અને કાલક્રમે એકવારના જંગલી બાર્બેરિયન આજે સુસંસ્કૃત કલાપ્રેમી ફ્રાન્સના ફ્રેંચ તરીકે ઓળખાય છે. Saxon આવી જ એક Germanic Tribe હતી તે પણ રોમનોની પત્તર ઝીંકતા હતા. તે ઇંગ્લૅન્ડ અને હોલૅન્ડ બાજુ વસી ગયા. લોમ્બાર્ડ ઇટાલીમાં રહી ગયા. Hun-Nomadic વોલ્ગા નદી બાજુથી તે યુરોપ સુધી અને છેક ભારત સુધી ઘોડા પર ધરતી ધમરોળતા. Yuezhi Tribe કહેવાતા કુશાન તો ભારતમાં આવી ભારતીય જ બની ગયેલા. એક સમયનું મહાન રોમન સામ્રાજ્ય આજે યુરોપના નાના દેશોરૂપી ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે.

સાઉથઇસ્ટ યુરોપ, વેસ્ટર્ન એશિયા અને નૉર્થ આફ્રિકા સહિત પુરા બાવન લાખ ચોરસ કિલોમીટર ઉપર પૂરી છ સદીઓ રાજ કરતા ગ્રેટ Ottoman સામ્રાજ્યનાં સુલતાનો આગળ ભારતના મહાન મુઘલોના ચણામમરા એ નાં આવે. ભારતમાં મુસલમાનો પહેલા પણ જંગલી કહેવાતા ટોળા ચડી આવતા જ હતા. પણ તે સમયના સમ્રાટો રોકી રાખવા સફળ બની જતા. ગુપ્ત સમ્રાટોએ ૭૦૦ વર્ષ સીમાડા સાચવ્યા હતા. શક, હૂણ અને કુષાણ જેવા ટોળા પાસે પોતાની કોઈ ચોક્કસ ઘડેલી સંસ્કૃતિ કે વિચારધારા કે જીવન પદ્ધતિ કે ધર્મ નહિ હોય તે ભારતમાં આવવા સફળ થયા પછી અહીંની સંસ્કૃતિમાં એવા સમાઈ ગયા કે આજે ખબર જ નાં પડે. સિકંદર પાસે પણ કોઈ ધર્મ નહતો, જીસસ ત્યારે જન્મ્યા નહોતા.

પણ ત્યાર પછી ભારત પર હુમલા કરતા ટોળા પાસે મહંમદે આપેલી એક ચોક્કસ વિચારધારા હતી, સંસ્કૃતિ હતી, ધર્મ હતો. તેઓ આપણામાં ભળવા નહિ આપણને તેઓમાં ભળી જવા માટેના આદેશ લઈને આવતા હતા. ગઝની નાં આવ્યો હોત તો ઘોરી પાછળ આવવાનો જ હતો. ઘોરી નાં આવ્યો હોત તો પાછળ ખીલજી રેડી જ હતો. ખીલજી હાર્યો હોત તો પછી લોદી સાથે લડવાનું જ હતું. લોદી પછી મુઘલ તો તૈયાર જ હતો. ગ્રેટ ઓટોમન સામ્રાજ્યનું પ્રેરક બળ કોઈને ને કોઈને ભારત તરફ ધકેલ્યા જ કરવાનું હતું. મુઘલો પણ ત્રણસો વર્ષથી વધુ ક્યાં ટક્યા? તેની પાછળ જેનો સૂરજ કદી આથમે નહિ તે બ્રિટીશ સામ્રાજ્ય આવ્યું જ ને? શું મુઘલો પાસે યુદ્ધ કૌશલ્ય નહોતું? રમખાણો થાય ત્યારે ખાલી પોલીસની સાયરન વગાડતી જીપ આવે તો દોટ મૂકી ઘરમાં પેસી જતા બાહોશ જાણકાર પંડિત મિત્રો રાજપૂતોએ યુદ્ધ કૌશલ્ય ગુમાવ્યું એવું કહેતા હોય છે. તો શું બ્રીટીશરો પાસે ઓછું યુદ્ધ કૌશલ્ય હતું? કેમ ધીમે ધીમે એનો સૂરજ ફક્ત ઈંગ્લેન્ડ પૂરતો રહી ગયો?

મૂળ તો ઑથેન્ટિક બનાવવા ભગવાનના મુખે મુકાયેલ, ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણોનું સર્જન કર્યું છે; તેનો કર્તા હું છું છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ ||૪.૧૩|| શ્લોકના સ્વાર્થ માટે સમાજના ઉપલા વર્ગ દ્વારા કરાયેલા ગલત અર્થ અને અમલ સાથે ભારતીય સમાજની બ્લ્યુ પ્રિન્ટ બગડવાની શરૂઆત થઈ ચૂકી હતી. સમાજનો ફક્ત ચોથો ભાગ એક જ વર્ગ લડવા જાય એટલે તે વર્ગ ધીમે ધીમે સંખ્યામાં ઓછો થવાનો. પહેલા ૧૦૦માંથી ચોથો ભાગ ૨૫ લડવા જતા હોય પણ કાલક્રમે ૧૦૦ માંથી લડે તેવા બેત્રણ જ બચ્યા હોય. ૫૦૦૦ વર્ષથી એક જ વર્ગ લડતો હતો બાકીના ઉભા ઉભા જોયા કરતા. શૂદ્રને તો સેવા જ કરવાની હતી. જે રાજ કરે તે અમારે તો બાકીના ત્રણ વર્ગના કચરા જ ઉઠાવવાનાં છે ને?

કોઈ પણ નવા પ્રયોગના સારા અને ખોટા પરિણામો હોય છે. પ્રૉબ્લેમ એ થયો કે દરેકને પોતપોતાનું કામ વહેંચી દીધું. એટલે એક બીજાનું કામ કોઈ કરવા તૈયાર જ ના થાય. ભાઈ તું ક્ષત્રિય લડવાનું કામ, રક્ષા કરવાનું કામ ફક્ત તારું અમારું નહિ. બ્રાહ્મણ કહેશે હું તો વિદ્યા આપું લડવાનું કામ મારું નહિ. વૈશ્ય કહેશે અમે તો વાણિયા સપનામાં પણ તલવાર જોઈ ના હોય. અમે તો કીડી મરી ના જાય એનું પણ ધ્યાન રાખીએ અમે શું લડવાના હતા. તમતમારે લડો, અહિંસા પરમ ધર્મ. હવે કાયમ લડી લડી ને કાયમ યુદ્ધોમાં જઈ જઈ ને ક્ષત્રિયો ઓછા થવાના. લડવામાં જીવ પણ ખોવા પડે. એ કઈ ખો ખો રમવાનું તો છે નહિ. વસ્તી ઘટતી ગઈ, એટલે છૂટ આપી વધારે સ્ત્રીઓ રાખો, એક સાથે વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરો અને વસ્તી વધારો, પણ અમે તો યુદ્ધમાં ના જઈએ. દરેકની લીમીટ હોય. એક બાળક પેદા કરતા વર્ષ નીકળી જાય અને મોટું કરી યુદ્ધમાં જવા તૈયાર કરતા ૨૦ વરસ નીકળી જાય એટલામાં તો હજારો કપાઈ માર્યા હોય. પછી દસ બૈરાં રાખો તો પણ કઈ રીતે પહોચી શકાય.

બીજું વર્ણ વ્યવસ્થા ને લીધે કોઈ પણ બે વર્ણો વચ્ચે લોહીના સંબંધ જ ના રહ્યા, એના લીધે લાગણીજ ના રહી. અને એને લીધે કોઈ સંપ પણ ના રહ્યો. હવે આ રજપૂતો બહાદુર ખુબજ હતા પણ સંખ્યા ઓછી પડતી. એટલે જ્યારે લાગે કે હવે હારવાના જ છીએ તો ભાગતા નહિ. છુપાતા નહિ. પણ કેસરિયા કરતા. મતલબ કે દુશ્મનના સૈન્યમાં મરવા માટે કૂદી પડતા. એક તો હોય સંખ્યામાં બિલકુલ ઓછા, બધા કપાઈ મરતા, કેસરિયા એટલે સુસાઈડ, સામૂહિક આપઘાત જ કહેવાય. આ કોઈ જેવી તેવી બહાદુરી ના હતી. અને આ બાજુ એમની સ્ત્રીઓ એક મોટા કૂવામાં આગ પેટાવી એક પછી એક કૂદી પડતી, આને સામૂહિક સુસાઈડ કહેવાય. હવે સ્ત્રીઓ પણ ઓછી થતી જાય અને પુરુષો પણ, અને બીજા કોઈ લડવા નીકળે નહિ. એટલે હિંદુ ધર્મે રાજપૂતો ને મોટા ભા તો બનાવ્યા સાથે સાથે કપાઈ મરવાનો પરવાનો, દસ્તાવેજ પણ લખી આપ્યો. અને બીજા વર્ણના લોકોને લાગણી પણ ન થાય મરો  એ જ તો તમારું કામ છે. કેમ કે લોહીનો કોઈ સંબંધ જ ના હોય એટલે કોણ રડે? અતિશય સંખ્યા આગળ બહાદુરી કોઈ કામ ના લાગે.

આજે સવાલ થાય છે કે ગઝની આવ્યો ત્યારે ભીમદેવ કેમ લડ્યો નહિ ને કચ્છમાં ભાગી ગયો? પણ સંખ્યામાં ગઝની કરતા એટલો ઓછો હતો કે બધા મરવાનાં જ હતા. હમીરજી ગઝની સામે લડવા ગયા ત્યારે ૩૦૦-૪૦૦ રાજપૂતોને લઈને ગયેલા. બધા સાફ થઈ ગયા. આપણે એમની બહાદુરીના ગુણગાન ગાઈએ છીએ પણ એમનો વંશ તો ખલાસ થઈ ગયો. સામે ભીમદેવે ભાગી જઈ વંશ બચાવી ફરી રાજ કર્યું ને કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા રાજાઓ પણ આપ્યા. શાક સમારતા ચપ્પુ વાગી જાય તો રાડારાડ કરી નાખતી અને ડૉક્ટર ઇન્જેક્શન આપે તો આડું જોતી અને કોઈને લોહી નીકળે તો જોઇને ચક્કર ખાઈ પડી જતી પ્રજા આજે દુશ્મનોના માથા વધેરતા ઊડતી લોહીની પિચકારીઓ વડે રંગાઈ જતા રજપૂતો વિષે ખણખોદ કરતી જોઇને હસવું આવે છે. અંગ્રેજો આવ્યા પછી રજપૂતો ને લડવાનું રહ્યું નહિ, એટલે એશોઆરામમાં પડી ગયા એ વાત જુદી છે.

હું નાનો હતો ઈડર બાજુ અમારા સગાઓને ત્યાં જતો ત્યાં આખા ગામમાં રાજપૂતોના બેચાર ઘર જ હોય બાકી આખુ ગામ ઇતર કોમથી ભરેલું હોય. આઝાદી પછી ગણો કે અંગ્રેજો આવ્યા પછી ગણો રાજપૂતોની વસ્તી ધીમે ધીમે વધી હશે છતાં આજે પણ તમારે માર્ક કરવું હોય તો કરજો કોઈ પણ ગામમાં બીજી બધી કોમ કરતા સંખ્યામાં રાજપૂતોની વસ્તી ઓછી જ હશે.

ચતુર્વર્ણ મયા સૃષ્ટમનાં ગલત અર્થ અને અમલ જેવા બીજા અનેક એવા મૂલ્યો હતા જેણે ભારતીય સમાજની આખેઆખી બ્લ્યુ પ્રિન્ટ બગાડવાનું કામ કરેલું છે તેના પરિણામે આક્રમણકારો આવ્યા ને મહાન ભારત એક દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધ્વસ્ત થઈ ગઈ, ઘૂંટણે પડી ગઈ. એક થાળીમાં ખાનારા સામે જુદી જુદી થાળીઓમાં ખાનારા હારી ગયા.

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપ્યા નથી તપવાના પણ નથી. આર્યન હોય, પર્સિયન હોય કે રોમન, ઓટોમન હોય કે બ્રિટન, એક દિવસ સૂરજ આથમવાનો જ છે અને ક્યાંક બીજે ઊગવાનો પણ એટલો જ છે.

પૃથ્વીરાજ હાર્યો નાં હોત તો એની પછી આવેલો બીજો કોઈ હાર્યો હોત.

પવિત્ર લગ્નવ્યવસ્થા ડામાડોળ

134392-134202પવિત્ર લગ્નવ્યવસ્થા ડામાડોળ

જગતમાંથી પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા હવે ડામાડોળ થઈ ચૂકી છે. યુરોપમાં હવે લુપ્તપ્રાય સંસ્થામાં એનો સમાવેશ થઈ ગયો છે. અમેરિકામાં હજુ એની સ્થિતિસ્થાપકતા જાળવી રાખી છે. છતાં ભારત જેટલી મજબૂત અમેરિકામાં રહી નથી. પણ યુરોપ કરતા એની સ્થિતિ અહીં થોડી સારી છે અને તે પણ મિડલ ક્લાસ પૂરતી. ૧૯૨૦મા અમેરિકામાં કોઈ એપાર્ટમેન્ટ કે ઘર આસપાસ કોઈ એકલાં યુવાન કે યુવતી રહેતા જોવા મળે તો લોકો ભયભીત થઈ જતા. પણ ૧૯૬૦મા તો બાળક ધરાવતી એકલી યુવતીઓ મોટા પ્રમાણમાં જોવા મળવાનું શરુ થઈ ચૂક્યું હતું. Senator Daniel Patrick Moynihan જેવા કહેવા લાગ્યા કે આ સિંગલ પેઅરન્ટહૂડને લીધે ડ્રગ અડિક્શન અને ક્રાઇમ વધી ગયા છે. કાર્યકારણ અને પારસ્પરિક સંબંધમાં ફેર હોય છે. સિંગલ મધરના બાળકો બીજા કરતા વધારે ક્રાઈમમાં સંડોવાયેલા હોય છે તેનું કારણ સિંગલ પેઅરન્ટહૂડ નહિ પણ સિંગલ પેઅરન્ટહૂડનાં લીધે મળતી ગરીબી હોય છે. સ્વીડન જેવા દેશમાં ચાઈલ્ડ પૉવર્ટી ખતમ થઈ છે ત્યાં સિંગલ પેઅરન્ટહૂડ અને ક્રાઇમ વચ્ચેનું અસોસિએશન પણ ખતમ થઈ ગયું છે.

લગ્ન કર્યા વગર કે ડિવોર્સ લઈને એકલાં બાળકો ઉછેરવાનું વધતું જાય છે તેનું મહત્વનું કારણ સ્ત્રી હવે કમાતી થઈ છે. ડિવોર્સ લઈ લેવાનું પણ મહત્વનું કારણ સ્ત્રી કમાતી થઈ છે તો સહન શું કામ કરે તે પણ છે. કમાતી હોય અને બાળકો એકલાં ઉછેરી શકવા સક્ષમ હોય તો લગ્ન કરવા જરૂરી રહે નહિ. યુરોપમાં બાળક ધરાવતી સિંગલ મધરનો રેશિયો ૧૯૯૦ અને ૨૦૧૦ વચ્ચે ડબલ કરતા વધુ(૧૭.૪ થી ૩૮.૩) થઈ ચૂક્યો હતો. યુએસમાં આ રેશિયો ૧૯૬૦ અને ૨૦૦૯ વચ્ચે ૫.૩ ટકાથી ૪૧ ટકા સુધી વધી ચૂક્યો હતો.

ધાર્મિક રૂઢીચુસ્તોને બાજુએ રાખીએ તો એક શ્રીમંત ચુનંદો વર્ગ એવો હોય છે જેના માટે લગ્ન એકલાં બાળકો પેદા કરવા માટે મહત્વનાં નથી પણ સાથે સાથે બાળકો માટે ભવ્ય શ્રીમંત વારસો ઊભો કરવાનો હેતુ પણ હોય છે. બે શ્રીમંત કુટુંબનાં સ્ત્રીપુરુષ લગ્ન વડે જોડાઈ જશે. લગ્નમાં ખૂબ ખર્ચો કરી એમની શ્રીમંતાઈનું પ્રદર્શન કરશે. આમ કરી સમાજમાં એમનું સ્ટેટ્સ ઊંચું છે તે જતાવશે. એમના બાળકો મોઢામાં સોનાના ચમચા લઈને જન્મશે..

સ્વીડન જેવા જ્યાં સમાનતા વધુ છે તેવી લોકશાહીમાં લગ્નની ચિંતા કર્યા વગર યુવાન યુવતીઓ ભેગાં રહેવા માંડતા હોય છે. જેટલી સાદાઈ અને સહજતાથી ભેગાં રહેતા થયા હોય તેટલી સાદાઈ અને સહજતાથી છૂટાં પણ પડી જતા હોય છે. અને એમનાં બાળકો સરકારની ઉદાર ચાઈલ્ડ સપોર્ટ આપવાની નીતિને કારણે મોટા થઈ પણ જતા હોય છે. એના લીધે ત્યાં બાળગરીબી કે બાળમજૂરી દૂરની વાત છે.

યુરોપની સરખામણીએ યુ.એસ.માં child poverty રેટ ઉંચો છે. એટલે મિડલ ક્લાસ લોકો માટે લગ્ન કરી જોડાયેલા રહી બાળકો ઉછેરવાનું મહત્વનું છે. મિડલ ક્લાસ નેબરહૂડમાં રહીને બાળકોને સારી સ્કૂલમાં ભણાવી શકાય. આમ યુરોપ કરતાં લગ્ન અહીં થોડું વધારે માન મેળવી જાય છે. આમ યુરોપમાં તો લગ્નસંસ્થા લગભગ તૂટી ચૂકી છે. અમેરિકામાં પણ મોટાભાગના લોકો લગ્ન કર્યા વગર જ સાથે રહેતા હોય છે. છતાં યુરોપ કરતા અહીં વધુ લોકો લગ્ન કરીને સાથે રહેતા હોય છે.

એક તો લગ્ન કરવાની આદર્શ ઉંમરમાં પાંચ થી દસ વર્ષનો વધારો થઈ ગયો છે. ધારોકે પહેલા ૨૫ વર્ષે લગ્ન કરતા તો હવે ત્રીસ વર્ષે કરતા થઈ ગયા છે. હવે તો ત્રીસ વર્ષે પણ લગ્ન કરવા વહેલું ગણતા હોય છે. ભારતમાં પણ લગભગ આવું જ થતું હોય છે. હું નાનો હતો ત્યારે છોકરાને ૨૦-૨૨ વર્ષે તો પરણાવી દેવામાં આવતો. પછી એડ્યુકેશનનું મહત્વ વધ્યું તો ૨૫ વર્ષ લગ્ન કરવાની આદર્શ ઉંમર મનાતી. છોકરીઓ માટે તો ૨૦ વર્ષ બહુ થઈ ગયા તેવું કહેવાતું. હવે એમાં પણ વધારો થયો જ છે. વર્લ્ડવાઈડ સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર ૧૯૭૦ અને ૨૦૦૫ સુધીમાં ૨૩ થી ૨૯ થઈ ગઈ છે. આમ સ્ત્રીઓ ભણવા, કમાવા અને કેરિયર પ્રત્યે વધુ ધ્યાન આપતી થઈ છે. આમ સ્ત્રીઓ પણ લગ્ન મોડા કરતી હોય છે ડિવોર્સ ઝડપથી લેતી જોવા મળી છે.

લાંબા લગ્નજીવન ભવિષ્યમાં ઇતિહાસ બની જવાના. યુએસમાં પણ લાંબા સહજીવન ગાળતા હોય તેવા વૃદ્ધ જોડલા હજુ જોવા મળે છે. મૂળ અમેરિકા પચરંગી દેશ છે એટલે જે તે દેશનું કલ્ચર, પરમ્પરા રીતરિવાજ અને માન્યતાઓ ભાગ ભજવતી હોય એમાં કોઈ શક નહિ. સ્વાભાવિક છે કે મૂળ અમેરિકનો કરતા મૂળ ભારતીયોમાં ડિવોર્સનું પ્રમાણ ઓછું જ હોય. એમાં વર્ષો પહેલા આવેલા ભારતીયોના લગ્નજીવન લાંબા હોય તે પણ સ્વાભાવિક છે.

આખી જીંદગી એક જ પાત્ર સાથે જોડાયેલા રહીને લાંબું લગ્નજીવન માણવું બહુ જૂની વાત નથી. સારસ કે હંસ ભલે એક પાત્ર સાથે જોડી બનાવે માનવ એ ખાસિયત માટે બનેલો નથી તે હકીકત છે. ઍન્થ્રપલૉજિકલ રિસર્ચ પ્રમાણે હન્ટર-ગેધરર સમાજોમાં એક જ પાત્ર સાથે સહજીવન કાયમી નહોતા. આપણે ગમેતેટલાં હવામાં ઊડીએ અને મહાનતાની વાતો કરીએ ૧૦ થી ૧૫ હજાર વર્ષ પહેલા દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર જ હતા. હું એક લગભગ અનાવૃત ફરતા આદિવાસી સમાજની ડોક્યુમેન્ટરી જોતો હતો. તેમાં દર બે વર્ષે પાત્ર વિધિવત્ બદલાઈ જતું. તે સમાજમાં રિવાજ જ એવો હતો.  સ્ત્રીએ બે વર્ષ થાય એટલે તત્કાલીન પુરુષ સાથી છોડી એકાદબે મહિના એકાંતમાં એક ઝૂંપડીમાં રહેવાનું પછી બીજા પુરુષ સાથે સામાન્ય વિધિવિધાન કરીને નવેસરથી રહેવાનું. સમાજ બહુ નાનો અને લુપ્તપ્રાય થતો જતો હતો. એટલે દર બે વર્ષે પતિપત્ની બદલાઈ જાય અને સમાજ સંખ્યામાં બહુ નાનો એટલે ગૃપના દરેક પુખ્ત પુરુષને ગૃપની દરેક પુખ્ત સ્ત્રી સાથે રહેવા મળી જતું. એમાં ગૃપના વૃદ્ધ પુરુષને બે વર્ષ યુવાન સ્ત્રી સાથે રહેવાનો ચાન્સ પણ મળી જાય. રોટેશન ચાલ્યા કરે. કોઈને મનદુઃખ થાય નહિ કે ભાઈ ભવિષ્યમાં જે તે સ્ત્રી સાથે કે પુરુષ સાથે બે વર્ષ ગાળવા મળવાના જ છે. અને બાળકો? બાળકો આખા સમાજના ગણાતા. બાળકોને ઉછેરવાની જવાબદારી આખા સમાજની. ખરો સામ્યવાદ કે સમાજવાદ મને અહીં દેખાણો.

લાંબા લગ્નજીવનની શરૂઆત ખેતીની શરૂઆત સાથે થઈ. લોકો જમીન માલિક બનવા લાગ્યા અને જમીનની માલિકી ભવિષ્યના ખોરાકની ગેરંટી બનવા લાગી. બધા ખેતર સરખાં હોય નહિ. કેટલાક ખેતરો વધુ ફળદ્રુપ હોય અને મોટા પણ હોઈ શકે તો અમુક ખેતરો નાના અને ઓછા ફળદ્રુપ પણ હોઈ શકે. માબાપ એમની દીકરીઓને સારા ખેતરો  સારી મિલકત હોય ત્યાં મોકલવા હરીફાઈ કરે તે સ્વાભાવિક છે. એના માટે ચૂકવવી પડતી કિંમત દીકરી લગ્ન કરીને સાથે લઈ જાય વિવિધ સ્વરૂપે, એમાં રોકડ હોય, દરદાગીના હોય અને વસ્તુઓ પણ હોય એનું રૂપાળું નામ એટલે દહેજ અને કરિયાવર. સમૃદ્ધ માબાપ સમૃદ્ધ કરિયાવર આપી સામે સમૃદ્ધ કુટુંબ સાથે ભાગ્યેજ તોડી શકાય તેવો સંબંધ બાંધી લેતા. સ્યૂટકેસ ભરીને સોનું લાવી હોય તે ગમેતેવી હોય તેની સાથે મરણપર્યાંત રહેવું જ પડે ને? અથવા ઢગલો પૈસા ખરચી વહુ લાવ્યા હોય તેને પણ કઈ રીતે છોડી શકો? બીજા ઢગલો રૂપિયા લાવવા ક્યાંથી? લગ્નવિચ્છેદ સ્ત્રી અને એના બાળકોને ઘર વગરના અને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. માટે ખેતી પ્રધાન દેશોમાં ડિવોર્સનું પ્રમાણ ઝીરો હોય તેમાં કોઈ નવી વાત નથી. ખાસ તો સ્ત્રી જ્યારે અંગત રીતે કમાતી જ નાં હોય ત્યાં ડિવોર્સ લેવાનું વિચારી જ ના શકે. માબાપ પણ શિખામણ આપતા કે મરી જાય તો પણ ઘરનો ઉંબરો ઓળંગતી નહિ. કારણ ઘરનો ઉંબરો ઓળંગ્યા પછીની હાલત મૃત્યુથી પણ બદતર બનવાની છે. લાંબું લગ્નજીવન એટલે સુખી લગ્નજીવન સમજી લેવું નહિ. આવા લાંબા લગ્નજીવન સમાજે બાંધી આપેલી પ્રતિબદ્ધ જેલ સિવાય બીજું કશું હોતું નથી.

હન્ટર-ગેધરર સમાજોમાં વારસામાં આપવા માટે કોઈ માલમિલકત હોતી નથી ત્યાં લગ્ન બહુ સહેલાઈથી વિલીન થઈ જતા હોય છે. લગ્ન સાથે જોડાણ એક બાળક મોટું કરવા પૂરતું હોય છે. આધુનિક લગ્નો પણ લગભગ આશરે સાતેક વર્ષમાં ડિવોર્સમાં પરીણમતા જોવા મળે છે કે બાળક લગભગ મોટું થઈ ગયું છે. પક્ષીઓમાં બ્રિડીંગ સિઝન પૂરતું બોન્ડીંગ જોવા મળતું હોય છે. તેમ ઘણા બધા બાળકો ધરાવતા ફૅમિલીમાં અવતરતું દરેક નવું બાળક બ્રિડીંગ સિઝન બની કપલને હજુ વધુ સાથે રહેવા પ્રેરતું હોય તેમ બને. અને દરેક બાળકને મોટું કરવાની જવાબદારી પણ વધુ વર્ષો સાથે રહેવાની જરૂરિયાત ઊભી કરી જતી હોય છે. એટલે નાના બાળકો ધરાવતા માબાપ કરતા પુખ્ત બાળકો ધરાવતા માબાપ એકબીજા પ્રત્યે વધુ ફરિયાદ કરતા અને દુખી જોવા મળતા હોય તેવું પણ બનતું હોય છે. બાળક વગરના કપલ છૂટાં પડી જવાની શક્યતા વધુ હોય છે. જ્યારે ચારપાંચ બાળક ધરાવતા કપલ ભાગ્યેજ છૂટાં પડે. બાળકો પ્રત્યેની જવાબદારી કપલ વચ્ચે સ્ટીલ જેવું બોન્ડીંગ કરી શકે છે. પુરુષપ્રધાન સમાજમાં છોકરી કરતા છોકરો જન્મે તો વધુ સારું ગણાતું હોય છે. વધુ પડતી છોકરીઓ જન્મે તો લગ્નજીવન ભંગાણને આરે આવી જાય તેમ પણ બને.

જ્યાં બાળકો પેદા કરવા પ્રત્યે છોછ કે મનાઈ નથી કે નવા બાળકો પેદા કરે રાખવા સહજ છે ત્યાં લગ્નો સલામત છે. આધુનિક જમાનામાં આધુનિક કપલ ઓશિયાળા મલ્ટીપલ યંગ ચિલ્ડ્રન નામના ગુંદર વગર જીવતા હોય છે. આમ  low-fertility અને કમાતી સ્ત્રી લાંબા સહજીવન માટે ખતરો ઊભો થઈ જાય તેમાં નવાઈ નહિ.

ટૂંકમાં, lifelong marriage is assured for women who marry a subsistence farmer, fill the house with male children, and stay out of the paid work force.

ગપોડી લેખકો-૨

ગપોડી લેખકો-૨

એચ. ચતુર્ભુજ નામના એક લેખકનો લેખ હમણાં વાંચવામાં આવ્યો લેખ હતો ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રી. રામશર્મા આચાર્ય વિષે. શ્રી. રામ શર્મા બહુ મોટા વિદ્વાન હતા. વેદોના સરળ ભાષ્ય એમણે હિન્દીમાં કર્યા છે. ખાસ તો સ્ત્રીઓ પણ ગાયત્રીમંત્ર રટણ કરી શકે તે એમણે શરુ કરેલું. અહીં વાત લેખકે મારેલા ગપ વિષે કરવી છે. એટલે શ્રી. રામ શર્માના ચાહકો એમને વચમાં લાવતા નહિ તેવી વિનંતી છે. લેખકે લખેલું શબ્દશઃ નીચે ઉતારુ છું.

“લગભગ સવાસો વર્ષ પહેલા, મૃત્યુલોકની મુલાકાત અને ભારત ભ્રમણ વેળા, નારદજીને જ્ઞાન થયું કે બ્રાહ્મણોએ વેદમાતા ગાયત્રીને કેદ કે બાનમાં રાખેલ છે. ફક્ત બ્રાહ્મણો જ અને તેમાં પણ ફક્ત પુરુષ વર્ગ જ અમોઘ ગાયત્રી મંત્રોચ્ચાર કરી શકે, બ્રાહ્મણ સ્ત્રીઓ કે ઈતર જ્ઞાતિના લોકો તે કરી શકે નહિ. આ પહેલાં એક સમય એવો હતો કે જ્યારે બધીજ જ્ઞાતિ કે વર્ણનાં, નર કે નાર, સર્વે ગાયત્રી મંત્રના અધિકારી હતા. પછી બ્રાહ્મણોએ, નિજ સ્વાર્થ માટે કઈ બંધનો મૂક્યા અને ગાયત્રીગાન પર ધાર્મિક પ્રતિબંધ મૂક્યો. શ્રી નારદજીએ શ્રી વિષ્ણુ ભગવાનને માહિતી આપી. તુરત દેવોની સભા બોલાવાઈ, તાત્કાલિક એક દેવને વેદમાતા ગાયત્રીના બંધનો તોડવા મૃત્યુલોકમાં મોકલ્યા, ઉપરોક્ત દેવદૂતને, વેદમાતા ગાયત્રીના બંધનોમાંથી મુક્ત કરી, સર્વજન માટે ઉપલબ્ધ કરે તેવી સૂચના અપાઈ. ફલસ્વરૂપ દેવદૂતનો જન્મ તા. ૨૦ સપ્ટેમ્બર ૧૯૧૧માં પિતા વિદ્વાન સદગૃહસ્થ પંડિત રૂપકુમાર શર્મા અને માતા તપસ્થિતિ દાનકુંવરનાં કુટુંબમાં પુત્રરૂપે, ગ્રામ-સ્થળ-આવંલ ખેડા(ઉત્તરપ્રદેશ)ભારતમાં થયો. તેમનું શુભનામ શ્રીરામ શર્માજી.”

એક અન્ય ફકરામાં લેખક ઉમેરે છે, “ વળી ભારતભરમાં ફેલાયેલ આ ધાર્મિક, સમૃદ્ધિ, સાત્વિક સંસ્થાનો કાર્યભાર કે સોંપણી તેઓના સુપુત્રને આપવાને બદલે એક ગાયત્રી ઉપાસક એવા ગોલ્ડમેડાલીસ્ટ મેડીકલ ડૉક્ટર શ્રી પ્રણવ પંડ્યાને સોંપ્યો.”

ઉપરની વાર્તા વાંચી? સવાસો વર્ષ પહેલાં નારદજી ભારતમાં ફરવા આવેલા..હહાહાહાહાહાહાહા વિષ્ણુ ભગવાનને માહિતી આપી, દેવોની સભા બોલાવાઈ વગેરે વગેરે કેવી મજાની કલ્પના છે? આ આખો લેખ શ્રી. રામ શર્માજીનો પરિચય આપવા લખાયેલો છે. એક મોટું ગપ એ માર્યું છે કે રામશર્માએ એમના પુત્રને એમની સંસ્થાનો કારોબાર નાં સોંપ્યો પણ ડૉક્ટર પ્રણવ પંડ્યાને સોંપ્યો. હવે સત્ય એ છે કે રામશર્માજીને પુત્ર છે જ નહિ..હહાહાહાહાહા એક દીકરી જ છે અને ડૉ. પ્રણવ પંડ્યા એમના જમાઈ જ છે.

ધાર્મિક મહિલાઓ જે ગાયત્રીગાનથી વંચિત હતી તેઓ માટે રામ શર્માજીએ બહુ મોટું કામ કર્યું છે. સ્ત્રીઓ પણ યજ્ઞાદી કર્મકાંડ કરાવી શકે તેવું સુધારાવાદી પગલું તેમણે ભરેલું. એમની હયાતીમાં તેઓ મોટાભાગે એકાંતવાસ ગાળતા ત્યારથી એમની સંસ્થાનો વહીવટ એમના ધર્મપત્ની ભગવતીદેવી શર્મા સંભાળતા. હવે એમના નિધન પછી એમના પુત્રી અને જમાઈ સંભાળે છે.

મૂળ વાત લેખકની અદ્ભુત કલ્પના શક્તિની છે. છેલ્લે લેખક ઉમેરે છે કે ‘ લેખક ૧૦૦ ટકા બ્રાહ્મણ છે. વિનંતી કે કોઈ બંધ બેસતી પાઘડી પહેરે નહિ.’ શું બીજા બ્રાહ્મણો ૧૦૦ ટકા બ્રાહ્મણ નહિ હોય?…

ગપોડી લેખકો-૧

 euthanasiaમૃત્યુનું માહાત્મ્ય નામના એક પુસ્તકમાંથી કેટલાક અંશ હમણાં અચાનક વાંચવામાં આવ્યા. ડોસા સાવ ઘરડા થઈ ગયા હોય દવાઓ ચાલતી હોય, ઘરના સભ્યો કંટાળી ગયા હોય, ડોસો મરે તો સારું તેવા મતલબના વાક્યો અંદર લખેલા હતા. પણ એમાં મહાન લેખકનો લખેલો એક ફકરો વાંચી ચમકી જવાયું કે કેવું મનઘડંત લખે છે? શબ્દો એવા વાપરે છે કે વાંચનાર જો વિચારે જ નહિ તો કેવી ખોટી માન્યતા ઘર કરી જાય? ચાલો લેખકે લખેલા ફકરાભાઈને શબ્દશઃ નીચે ઉતારુ.

“ઘરનાં બધાંયની પ્રબળ ઇચ્છા હોય કે, ડોસાનું શરીર છૂટે તો સારું. ડોસાને પણ બંધનરૂપ બનેલા શરીરથી છૂટવાની ખૂબખૂબ ઇચ્છા હોય, પરંતુ તેને છોડાવે કોણ ? પશ્ચિમના દેશોમાં તો શારીરિક પીડાથી ભયંકર કષ્ટ પામતા માણસને ગોળીથી ઠાર કરી દેવાય છે. અગર તો ઝેર દઈને મારી નાખવામાં આવે છે. આને Mercy Death કહે છે. આપણા દેશમાં ડોસાને ઝેર આપીને કોઈ મારી નાખતું નથી. આવા Mercy Deathનો પ્રયોગ કરવાની પણ કોઈની જિગર ચાલે નહિ.”

ઉપરનો ફકરો વાંચી પહેલી ઇમ્પ્રેશન એવી પડે કે પશ્ચિમના લોકો કેટલા ક્રૂર હોય છે કે ઘરડા લોકોને ગોળીથી ઠાર કરી દે. અને જાણે આ બધું લીગલ હોય તેમ લાગે છે. આ ગ્રેટ લેખકનું નામ હીરાભાઈ ઠક્કર છે. અગાઉ ‘કર્મનો સિદ્ધાંત’ નામના પુસ્તકમાં મનઘડંત બનાવટી ઉદાહરણ આપી ચૂક્યા છે. Mercy Death ને Euthanasia કહેવામાં આવે છે. અને તે ઘણા દેશોમાં લીગલ છે પણ એના અનેક નિયમો છે. એમ કાંઈ કોઈને ગોળી મારી દેવાય નહિ, અને ગોળી મારવું તો ક્યાંય લીગલ છે જ નહીં. અહીં એક સ્ટેટમાં કોઈ ડોસાએ એની વર્ષોથી બીમાર ડોસીને મારી નાખી હશે તો પોલીસે એને જેલમાં પૂરી દીધેલો. મર્સી ડેથ માટે કોર્ટમાં બહુ લાંબો જંગ લડવો પડતો હોય છે અને પરમિશન મળ્યા પછી સહેલો ઉપાય દર્દીને જે લાઇફ સપોર્ટ પર રાખ્યો હોય તે સિમ્પ્લી હટાવી લેવાના હોય છે. અમુક કેસમાં દર્દીને પહેલા Barbiturate આપી બેભાન કરી નાખવામાં આવે પછી Potassium Chloride આપી એનું હાર્ટ સ્ટૉપ કરવામાં આવતું હોય છે. એકદમ પેએનલેસ ડેથ હોય છે. છતાં અમેરિકાના બધા સ્ટેટમાં Euthanasia લીગલ નથી.

ભારતમાં Euthanasia વિષે હજુ કોઈ પ્રોપર કાયદો છે નહિ. Passive euthanasia ભારતમાં લીગલ છે. ૩૭ વર્ષ કોમામાં રહેલી મુંબઈની અરુણા શાનબાગના કેસ પછી સુપ્રીમ કોર્ટે  Passive euthanasia ને છૂટ આપી છે, એમાં ખાલી લાઇફ સપોર્ટ હટાવી લેવાના હોય છે. તે પણ હાઇકોર્ટની પરમિશન લેવી પડે. તામિલનાડુના અમુક જિલ્લાઓમાં ગેરકાયદે હોવા છતાં ઘરડા બીમાર લોકોને મારી નાખવામાં આવે છે તેને Thalaikoothal કહે છે. ગાયનું દૂધ પિવડાવતી વખતે નાક બંધ કરી શ્વાસ રૂંધી, તેલમાં નવડાવી, ઝેર આપી, માથે પુષ્કળ ઠંડુ પાણી રેડી બૉડી ટેમ્પરેચર એકદમ ઘટાડી હાર્ટ ફેઇલ કરી, પુષ્કળ નળિયેર પાણી પિવડાવી કીડની ફેઇલ કરી ક્રુરતાપુર્વક મારી નાખવામાં આવે છે. કદાચ આ બધું હીરાભાઈ ઠક્કરને ખબર નહિ હોય.

અમેરિકા જોયા વગર, જાણ્યા વગર ભારતના લેખકો પુષ્કળ ગપ્પા મારતા હોય છે. સામાન્ય જન સાચું માની લે કારણ લેખક બહુ મોટી પ્રતિષ્ઠા મેળવી ચૂક્યા હોય છે. અહીં પણ એક જ સ્ત્રી કે પુરુષ સાથે ૫૦-૬૦ વર્ષ લાંબું સુંદર લગ્નજીવન વિતાવતા વૃદ્ધ કપલ જોવા મળે છે. અહીં પણ બીમાર પત્નીની સેવા કરતા પતિદેવો મેં જાતે જોયા છે. અહીં પણ માબાપની સેવા કરતા સંતાનો જોવા મળે જ છે. આશરે ૪૦ લાખ અમેરિકન કુટુંબ ત્રણચાર પેઢીનાં(દાદા, દાદી, પુત્ર પૌત્રાદી) મેમ્બર એક જ ઘરમાં સંયુક્ત રહે છે. દરેકનું પોતાનું કલ્ચર છે. આપણું જ કલ્ચર મહાન બીજાનું ખરાબ તેવું પણ નાં હોય.

હવે અહીં અમેરિકનોમાં બાળકો પેદા કરવાને બદલે ઇથિયોપિયા જેવા ગરીબ આફ્રિકન દેશોમાંથી બાળકો દત્તક લઈને પારકાને પોતાના બનાવવાનો જબરદસ્ત રિવાજ શરુ થયો છે. આ માનવતા નથી તો શું છે? એમાં આપણા ગુજરાતીઓ પણ જરાય પાછળ નથી. મારા એક ગુજરાતી ડૉક્ટર મિત્રનો પુત્ર અમેરિકન-જાપાનીઝ છોકરી સાથે પરણ્યો છે અને ઇથિયોપિયાથી બાળકો દત્તક લઈ આવ્યો છે. ગુજરાતી ડોક્ટરદાદા પ્રેમથી એમને રમાડે પણ છે. ભગવાનમાં નહિ પણ માનવતામાં માનતા ખરા અર્થમાં વસુધૈવ કુટુમ્બકમ જીવતા આ ગુજરાતી ફૅમિલીને પ્રણામ કરવા પડે.

કોઈપણ જાતના પુરાવા વગર લખતા ગપોડી લેખકોને હવે ઓળખી લેવા જોઈએ.

આવો બીજો દાખલો નવા લેખમાં ફરી આપીશ..

સીમા અને શેનોન પરણી ગયા, Seema Weds Shannon

સીમા અને શેનોનનાં લોસ એન્જેલસમાં ૧૩ જુલાઈ ૨૦૧૩ નાં રોજ હિંદુ વિધિ પ્રમાણે થયેલા સજાતીય લગ્ન ૫૦૦ જણાએ હોંશભેર માણ્યા.

indianlesbiancoverpage_b5c_650x310-145-757631374087875_indianlesbianwedding6-21374090691_ShannonSeemaWedding-1329-670x446-3ShannonSeemaWedding-748-4ShannonSeemaWedding-779-5ShannonSeemaWedding-866-8ShannonSeemaWedding-978-9ShannonSeemaWedding-1099-10ShannonSeemaWedding-1281ShannonSeemaWedding-1498ShannonSeemaWedding-1598ShannonSeemaWedding-1635ShannonSeemaWedding-15341ShannonSeemaWedding-1658ચાલો હવે બધા આશીર્વાદ આપો..

મીરાંની જેમ મને મળજો…. હસાવતો કવિ કલેક્ટર..

images

મીરાંની જેમ મને મળજો…. હસાવતો કવિ કલેક્ટર

ગુજરાતી લિટરરી અકૅડમી તરફથી હંમેશની જેમ ઇ-મેલ આમંત્રણ આવી ગયેલું કે હાસ્ય, નિબંધ અને કવિતા એમ ત્રિવેણી સંગમ માણવા જવાનું છે. અને આ ત્રિવેણી સંગમમાં ગંગાસ્નાન કરાવવાના છે શ્રી ભાગ્યેશ જહા. નામ જાણીતું લાગ્યું પણ શેના માટે જાણીતું હતું બરોબર યાદ નહોતું આવતું. લાગે કે બહુ વાર ક્યાંક વાંચેલું છે. બ્રેન ગોટાળે એટલા માટે ચડેલું કે અહી કવિ ભાગ્યેશ જહાને સાંભળવાના હતા. અને ઊંડે ધરબાયેલી સ્મૃતિ કાંઈક  જુદું કહેતી હતી.

સમય પહેલા પહોચી પણ ગયો. મિત્ર શ્રી અમૃત હઝારી પણ મળી ગયા. શ્રી ભાગ્યેશ જહાની ઓળખ વિધી શરુ થઈ ને ઊંડે ધરબાયેલી સ્મૃતિ જે જુદું બોલતી હતી તેનો ભેદ પકડાઈ ગયો. અરે ! આજના કવિ તો પેલાં જાણીતા વડોદરામાં ૨૦૦૨ માં કલેક્ટર હતા તે છે ! આ નામ તો વડોદરા હતો ત્યારે છાપાઓમાં રોજ વાંચતો હતો. તે સમયે કોમી ધમાલો થઈ હતી. ૬૦ કેમેરામેન વચ્ચે એમનું ભયાનક જાહેરમાં અપમાન કરવામાં આવેલુ. બહુ મોટો વાદવિવાદ જાગેલો. મને બધું યાદ છે. એમના મિત્રોએ પણ કહેલું કે રાજીનામું આપી દો પણ ઘેર જઈને એક કવિતા લખી નાખી કે “ તું હળાહળ ઝેર છે તો હું અહી નીલકંઠ છું, તું હશે તલસાટ તરસનો હું પ્રેમથી આકંઠ છું.” અને પછી ઊંઘી ગયા.

માતૃભાષા માટે અમારી પેઢીને અનહદ લગાવ છે જે અહી ભાગ્યેશ જહાના વક્તવ્યોમાં દેખાઈ આવે છે. મૂળ તો માણસા બાજુના સરઢવ ગામના નાગર. કહે છે માતૃભાષા મારી માં છે, હિંદી મારી માસી અને અંગ્રેજી પડોશમાં રહેતી વિદેશી વિદુષી રૂપાળી નારી છે. ઊંઘ ના આવે ત્યારે હાલરડું તો માતા જ ગાય અને પેટમાં દુખે તો માસી દવા આપે આને બેસતા વર્ષના દિવસે પડોશમાં જઈને અંગ્રેજી માતાને પગે લાગી ૧૦૦ ડોલર લઈ આવવાના.

કવિ કલેક્ટર તો દિયોર મૅહૉણાના નૅકળ્યા.. અને તેય પાસા મારા ગૉમ બાજુના. હાહાહાહાહા !!

ભાગ્યેશભાઈ મહેસાણી તળપદી ભાષા બોલીને ખૂબ હસાવે. અમારા મહેસાણા બાજુ વાતે વાતે લોકો દિયોર શબ્દ વાપરે. પૂર્ણ વિરામ માટે, અલ્પ વિરામ અને પ્રશ્નાર્થ માટે પણ દિયોર વપરાય. આવો દિયોર, હુ કૉમ અતુ દિયોર અહી દિયોર એટલે પ્રશ્નાર્થ ચિન્હ સમજવું. એમના ગામ સરઢવ જતી બસમા કોઈ ભાઈ બેઠા હશે. કોઈને પૂછ્યું હશે કે બસ ક્યાં જાય છે પેલાં એ  કહ્યું હૈઢવ,. તો પેલાં ભાઈ ઊતરવા લાગ્યા તો કંડક્ટરે પૂછ્યું કેમ ઊતરો છો તો કહે મારે સરઢવ જવું છે તો પેલો કહે બેસો બસ સરઢવ જ જાય છે. હૈઢવ અને સરઢવ એક જ કહેવાય.. હાહાહા..

નર્મદા યોજના વખતે હવનમાં હાડકાં નાંખવા આવેલા એક્ટિવિસ્ટ વિષે કહે એ બાઈ જોડે ચાર-પાંચ  કલાક સમધાન માટે ચર્ચા ચાલી પણ બાઈ માને જ નહી. એમણે નામ દીધું નહિ પણ અમે સમજી ગયા કે મેઘા પાટકરની વાત કરતા લાગે છે. તે સમયે એમણે એક કવિતા રચેલી આખી કવિતા નથી લખતો પણ જે યાદ રહી તે પંક્તિઓ લખું.

અમે એક્ટિવિસ્ટો, ઇષ્ટ-અભીષ્ટ અને ટ્વિસ્ટ કરીને ગાવું એજ અમારો મૅનિફેસ્ટો.

થોડી ઉધાર લો અંગ્રેજી, થોડી મેલી રાખો સાડી, થોડી મેલી રાખો ગાડી,

ક્યાંક શોધી રાખો મુળજી તડવી,

સાથે નહિ પણ સામે રહીએ કરવા કરતા કહેતા રહીએ.. કવિતા તો બહુ લાંબી છે, પણ એમાં એમનો આક્રોશ દેખાઈ આવે છે.

ભાગ્યેશ જહા સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે વર્ષોથી છે. I.A.S. ઓફિસર છે. એટલે વહીવટી કામમાં સતત ખૂંપેલા રહેતા હોય તે સ્વાભાવિક છે. પણ એમાંથી ય એમને કવિતા જડી જતી હોય છે. સ્યૂડો સેક્યૂલર એવા દંભી એક્ટિવિસ્ટો પર લખેલી કવિતા એનો ઉત્તમ નમૂનો છે. ત્રાસવાદ અને કામવગરનાં વાનરની જેમ ઊછળકૂદ કરતા જર્નાલિઝમ ઉપર કટાક્ષ કરતી કવિતા પણ એનો ઉત્તમ નમૂનો છે. આવો એક ત્રાસવાદમાં ઘાયલ થયેલો એક વ્યક્તિ હોસ્પિટલમાં પડ્યો છે. કહે છે ડૉક્ટર સાહેબ આ પેલાં કાકાને લઈ જાવ એમની આખોમાંથી લાલ રંગનું લોહી ટપકશે તો આખું રેલવે સ્ટેશન ઊગી નીકળશે, અને વૉર્ડ બૉયને કહેજો સવારની ચા લાવે પણ એની સાથે આજનું છાપું ના લાવે.

એક ડોસીની કવિતા તો અજબ હતી. ડોશી કોઈ જુવાનિયાની કારની હડફેટે આવી જાય છે. પછી લાંબું વર્ણન છે. ‘ડોસીની કરચલી વાળી ચામડી જાણે સમુદ્રની લહેરોની ગડી વાળીને મૂકેલી હોય’ પંક્તિ આવતા શ્રોતાઓ આહ અને વાહ પોકારી ઊઠતા. છેલ્લે ડોશી ડૉક્ટરને કહે છે મને ના ઓળખી? હુ તારી માતૃભાષા.

વચમાં વચમાં સાહેબ હાસ્યની છોળો ઉછાળતા ટૂચકાઓ કહેતા જતા હોય છે. એ વડોદરા હતા ત્યારે તોફાનો થયેલા એનો ટુચકો કહેતા કહે છે એક ભાઈ ઘાયલ રસ્તામાં પડેલા જોયા, ઝભ્ભો ફાટી ગયેલો. એમને કહ્યું ચિંતા ના કરો તમને ઘેર લઈ જઈએ છીએ તો પેલાં ભાઈ કહે લઈ જવું હોય તો હોસ્પિટલ લઈ જાવ ઘેરથી જ આવ્યો છું. આવા એક ઘાયલ ભાઈને દવાખાનાનો ક્લાર્ક પૂછે કે,

Amrut Hazari and Bhagyesh Jaha
Amrut Hazari and Bhagyesh Jaha

શું નામ?

કરશનજી

ઉંમર કેટલી?

૪૯ વર્ષ

પરણેલા છો કે કુંવારા?

પણ સાહેબ આ તો બહાર વાગ્યું છે ઘરમાં નહિ..

એક પત્ની સાયકાયટ્રિસ્ટ પાસે કમ્પ્લેન કરે છે કે મારા પતિ ઊંઘમાં બહુ બબડે છે. ડૉક્ટર કહે એમને રાતે ઑબ્ઝર્વેશનમાં રાખવા પડે. પછી પેલાં ભાઈ રાતે વારેઘડીયે બોલતા હોય છે કે શર્મિષ્ઠા આઈ લવ યુ, શર્મિષ્ઠા આઈ લવ યુ. ડૉક્ટર પેલાં બહેનને કહે આ જુઓ તમને કેટલો બધો લવ કરે છે અને તમે ફરિયાદ કરો છો તો પેલાં બહેન કહે પણ મારું નામ શર્મિષ્ઠા નહિ રીટા છે.

એમના ૩૨ વર્ષના સુખી લગ્નજીવન વિષે બહુ મજાની કવિતા એમણે લખી છે. પતિ બહુ મોટો ઓફિસર હોય, પૈસા હોય, ગાડી હોય, બંગલો હોય, હાઈ સ્ટેટસ હોય અને ખાસ તો પતિ એના કામમાં બહુ વ્યસ્ત રહેતો હોય તો ઘરેલુ ઝઘડા થવાના ચાન્સ બહુ ઓછા. ઘેર ખાસ રહેતો હોય તો ઝઘડા થાય ને? આવું મારુ પોતાનું માનવું છે.

આપણા જુના કલ્ચરમાં પતિ પત્ની એકબીજાને નામ દઈને બોલાવતા નથી. કહુ છું? અને સાંભળો છો? એમ જ વાતો ચાલતી હોય છે. એને કવિતામાં બહુ સરસ રીતે વણી લીધું છે. થોડી પંક્તિઓ,

‘કહું છું કહીને મેં ક્યાં કઈ કીધું? સાંભળો છો કહી તે શું સુણાવ્યું?

આપણે તો આપણા જીવનનું ગીત કેવું ધોધમાર જોરદાર ગાયું,

જાણે આભ આખું આંગણે સમાયું.

ચપ્પલને ઊંધું પાડી ઝઘડાના ઝાંપાને હુ સહેજ સાજ ખોલું,

ત્યાં જ મારા ચશ્માના લૂછે તું કાચ કેમ કરી હુ કાંઈ બોલુ.

બાથરૂમ કે અરીસામાં ચોટેલા ચાંદલામાં વાંચુ હું તબિયતની ભાષા,

ઓટલા પર સૂકવેલા સૂરજમાં તું સાચવે મોજ અને મસ્તીની આશા.

આપણે તો આપણા જીવનનું ગીત કેવું ધોધમાર જોરદાર ગાયું,

જાણે આભ આખું આંગણે સમાયું.

જહા સાહેબ ચિતોડ ઇલેક્શન ઑબ્ઝર્વર તરીકે ગયેલા ત્યાં મીરાંનું એક મંદિર છે. મીરાંની મૂર્તિ બહુ મોટી છે અને બાજુમાં કૃષ્ણનો ફોટો નાનકડો મૂકેલો છે. જહા સાહેબ ત્યાં રોજ જતા. ત્યાં મીરાંના મંદિરમાં એમને જાણે કૃષ્ણ કહેતા હોય તેમ કવિતા સૂજેલી કે

‘આસપાસ આરપાર અઢળક ઊભો છું,

તમે પાછા વળીને મને કળજો, તમે મીરાંની જેમ મને મળજો.’

બહુ સુંદર કવિતા છે. નાગરી નાતને કૃષ્ણ સાથે બહુ મોટું ભાવનાત્મક જોડાણ. એમની આવી જ કવિશ્રી કૃષ્ણ દવે યાદ આવી જાય તેવી કવિતા,

SMS કરવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં આવવાનું રાખો,

મથુરા અને વૃંદાવન જાગ્યા છે રોમરોમ મોરલી મોબાઈલ જેવી રાખો.’  આખી કવિતા ખૂબ મજાની છે.

વળી પાછા થોડા જોક્સ. સૌરાષ્ટ્રનો કોઈ પ્રસંગ કહેતા બાપુઓ યાદ આવી જાય તે સ્વાભાવિક. અને હાસ્ય પ્રસંગો કહેનારને બાપુઓના જોક્સ તો યાદ આવે જ. પણ હૉલમાં કોઈ બાપુ હોય તો પૂછી લેવું સારુ સમજી જહા સાહેબ કહે માફ કરજો અહી કોઈ બાપુ તો નથી ને? મેં આંગળી ઊંચી કરી અને કહ્યું હું છું, પણ હુ તમારા ગામ બાજુના ગામ માણસાનો છું સૌરાષ્ટ્રનો નહિ. તો હસતા હસતા કહે બાપુઓ બધે સરખા જ હોય. એક બાપુના ત્રણ દીકરા હતા. કોઈએ બાપુને પૂછ્યું દિકરાઓ શું કરે છે? બાપુ ગર્વથી કહે મોટો ફોજદાર બની ગયો છે. પછી ગર્વથી કહે વચલો કંડક્ટર બન્યો છે. પછી ત્રીજાની વાત આવતા મોઢું પડી જાય છે. પેલાં ભાઈ કહે કેમ શું થયુ? ત્રીજો શું કરે છે? બાપુ મોઢું બગાડી કહે ઈ કવિ થૈ ગ્યો સ..

એમની દીકરીના ઘેર એમના શ્રીમતી(ઝરણાબહેન) સાથે આવ્યા છે તે યાદ કરીને છેલ્લે કહે છે.

     ભાગ્યેશ જહા પાછળ મધૂ રાય પીળા જેકેટ્માં
ભાગ્યેશ જહા પાછળ મધૂ રાય પીળા જેકેટ્માં

ઝરણા સાથે આવ્યો છું, ઝરણા સાથે આવ્યો છું,

નરસૈયાની વાત લઈને ધડકન સાથે આવ્યો છું,

મંત્રો સાથે બરફ સમજવા આવ્યો છું,

નર્મદ નાનાલાલની ભાષા હડસન કાંઠે લાવ્યો છું,

કમ્પ્યૂટરમાં સંતાયેલી રાધા શોધી લાવ્યો છું,

હું ગૌરવશાળી ગુજરાતી, ગણતર છું, ભણતર છું,

કૃષ્ણ સુદામાની વાતો ને ગીતો સાથે લાવ્યો છું.

સાડા પાંચ વાગી ગયા ખબર જ ના પડી. બે-અઢી કલાક ક્યાં જતા રહ્યા સમજ ના પડી. પ્રોગ્રામ પૂરો થયે હું અને મિત્ર શ્રી અમૃત હઝારી સ્ટેજ પર એમને મળવા પણ ગયા. મને કહે માણસાના એક ડૉ. રામસિંહ રાઓલ હતા. મેં કહ્યું હા ભરૂચમાં નર્મદા ફર્ટિલાઇઝરની ટાઉનશિપની હોસ્પિટલમાં સર્જન છે મારા કઝન થાય.

થોડા બીજા મિત્રોને મળી અમે છુટા પડ્યા.  મોદી સરકારમાં મીડિયા મૅનેજમેન્ટ કમિશ્નર શ્રી ભાગ્યેશ જહા એટલે હસતો હસાવતો ઓફિસર કવિ. એની કવિતમાં પ્રેમ છે, રોમૅન્સ છે, હાસ્ય છે, કૃષ્ણ છે, રાધા છે, મોરલી છે, આધુનિકતા છે, ક્મ્પ્યૂટર છે, ભક્તિ છે, મીરાં છે, દંભ સામે આક્રોશ છે, કટાક્ષ છે, અને મુખ્ય તો ધરતીનો વાસ્તવિક ધબકાર છે. એમના હાસ્યમાં મે-શાણા(મહેસાણા) અને યુ-ગાન્ડા(યુગાન્ડા) છે, લૅબુ, મૅઠુ ને પૉણી સ…ગૉધીનગર સ…

મળી માતૃભાષા મને ગૂજરાતી

મળી માતૃભાષા મને ગૂજરાતીuntitled=-=-=

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પના ભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી.
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી.
-શ્રી ઉમાશંકર જોશીuntitled-=-=--

ગુજરાતી સૌમ્ય ભાષા છે. વેદકાલિન “ળ” એણે જાળવી રાખ્યો છે જે પછીના સંસ્કૃતમાં પણ નથી, આવી વૈભવ ભરેલી માતૃભાષા તરીકે ગુજરાતી મને મળી છે તેનો મને ગર્વ કેમ ના હોય? ગુજરાતની આસપાસના પ્રદેશોમાં બોલાતી બીજી ભાષાઓ એની સાથે તાળી દઈ રમતી સખીઓ છે. મતલબ આ બીજી ભાષાઓમાં પણ ગુજરાતીને મળતા અઢળક શબ્દો હોય છે. ગુણવાળી, રસભરેલી કાનમાં અમૃત સીંચતી જેને બોલતા છાતીમાં ભાવ ભરાઈ જાય તેવી માતૃભાષા દરેક ગુજરાતીના મુખે રમતી હોવી જોઈએ. શું સન ૧૯૫૫ માં કવિને અંદેશો આવી ગયો હશે કે આ માતૃભાષા બચાવવા ગુજરાતી પ્રેમીઓને પ્રયત્નો કરવા પડશે ? કે કહેવું પડ્યું ‘રમો માતૃભાષા મુખે ગૂજરાતી’. આ કોઈ સૈનિકોની પરેડ નથી. આ તો રમત છે. માતૃભાષા તો આપણાં હૈયામાં રમતી હોય છે, હોઠ પર વિલસતી હોય છે, હાસ્ય બની રેલાતી હોય છે, આંખોમાં બોલતી હોય છે, અશ્રુ બની ટપકતી હોય છે. બીજી ભાષાઓ પરેડની જેમ કૂચ કરતી હોય છે.

મુનિ હેમચંદ્રાચાર્યના આશિષ પામેલી, નરસિંહ-મીરાંના આશીર્વાદ વડે સમૃદ્ધ બનેલી આ ગુજરાતીને પ્રેમભટ, અખો અને ભક્ત ધીરા જેવા કવિઓ મળ્યા છે. નર્મદ, કાન્ત અને ગોવર્ધનરામે એની પૂજા કરી છે. નાન્હાલાલે એમની ભવ્ય કલ્પનાઓ વડે સજાવી છે. સત્ય-અહિંસાના પૂજારી એવા ગાંધીની ગિરા છે, ‘નમો ધન્ય ગાંધી-ગિરા ગૂજરાતી’. ગાંધી માટે અહોભાગ્ય કે ગુજરાતી એમની માતૃભાષા હતી અને ગુજરાતી માટે પણ અહોભાગ્ય કે ગાંધીને હૈયે તે રમતી હતી..
જ્યારે ઉપરની સાવ સરળ પણ બેનમુન કવિતા અમર ભટ્ટના કંઠે સાંભળીયે તો છાતી બે ઇંચ ફૂલી જાય. હા ! તો મિત્રો,

નૉર્થ અમેરિકાની લિટરરી અકૅડમિ તરફથી ગયા રવિવારે સરસ મજાનો પ્રોગ્રામ હતો. રાબેતા મુજબ દિલીપ ભટ્ટ તો સાથે હોય જ, પણ આ વખતે જનકભાઈ પણ સાથે હતા. ગુજરાતી ભાષાની સેવા માટે એને સમ્રુદ્ધ કરવા ગણો કે એની સમ્રુદ્ધિ સાચવવા કહો કેટ કેટલાં લોકો પ્રયત્નો કરતાં રહે છે આપણને ખબર હોતી નથી. આપણી પાસે ગુજરાતી કવિઓ અને એમની રચનાઓનો સમૃદ્ધ વારસો છે. એનો મહિમા કરીએ તો પણ ગુજરાતી ભાષાની સેવા ગણાય કે નહીં ?

ગઝલો અત્યારે ગલીએ ગલીએ લખાય છે. જાણે એક ઊભરો આવી ગયો છે. કવિતાઓ તો બહુ લખાય છે, પણ સારી કવિતા લખે છે કોણ ? આપણી પાસે શબ્દવૈભવથી શોભતી અઢળક કવિતાઓ છે પણ ગાય છે કોણ ? એ કામ આજકાલ અમર ભટ્ટ કરી રહ્યાં છે. કવિતાને વાંચવી અને સાંભળવામાં બહુ ફરક પડતો હોય છે. એમાંય અમર ભટ્ટ જેવો શાસ્ત્રીય સંગીતનો જાણતલ જ્યારે કવિતા ગાય ત્યારે કવિતા હ્રદય સોંસરવી ઊતરી જાય. એમાંય વળી શ્રી ઉમાશંકર જોશી કે શ્રી રમેશ પારેખ જેવા ભાવસમૃદ્ધ કવિઓની અદ્ભુત રચનાઓ સાંભળવા મળે તો બાગ બાગ થઈ જવાય અને આંખના ખૂણે અશ્રુબિંદુઓ આવી ને થંભી જાય તો નવાઈ નહીં.

અમર ભટ્ટે શ્રી ઉમાશંકર જોશીની સમગ્ર કવિતાઓમાંથી પસાર થઈ ને પસંદ કરેલી કવિતાઓનું સ્વરાંકન કરીને એક ઑડિઓ સી.ડી બહાર પાડેલી છે. આ કવિતાઓમાંથી પસાર થવું શબ્દો એમના પ્રયોજેલા છે. એવી રીતે મરીઝ અને મનોજ ખંડેરીયાની કવિતાઓમાંથી પસાર થઈને એમણે બીજા આલબમ બહાર પાડેલાં છે તેનું વિમોચન પણ હતું. આ વિમોચન પાછું આપણા કસુંબલ કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના શુભહસ્તે હતું.

અમર ભટ્ટ, દર્શના ઝાલા, ફોરમ અને ફાલ્ગુનીએ એમના કેળવાયેલા કંઠે જુદા જુદા કવિઓને ગાઈને એવા તો રસતરબોળ કરી દીધાં કે સમય ક્યાં પસાર થઈ ગયો સમજ જ ના પડી. અમુક કવિતાઓ એમની આગવી સ્ટાઇલમાં ખાલી સંભળાવી અને અમુક ગાઈને સંભળાવી. શ્રી વિનોદ જોશીની એક હૃદયસ્પર્શી રચના  ‘ કૂંચી આપો બાઈજી તમે કિયા પટારામાં મેલી મારી મહિયરની શરણાઈજી’, એક વહુ સાસુને કગરતી હોય કે મને ચાવી આપો તમે કયા પટારામાં મારા પિયરની શરણાઈ મેલી છે ? એક વહુની વ્યથા તો જુઓ? ભિખુદાન ગઢવીના શબ્દોમાં કહું તો પિયરના ગામની દિશામાં ખાટલા પર ઓશિકુ ના મૂકવા દે તેવો સાસુઓનો જમાનો હવે તો રહ્યો નહીં હોય તેવી આશા રાખીએ. શરણાઈ તો બિસ્મિલ્લાખાન વગાડતા હતાં અહીં તો શરણાઈ એક પ્રતીક છે. પિયરની સુખદ સ્મૃતિઓ પટારામાં ધરબીને જીવવાનું ? આજુબાજુ કોઈ જોઈ તો નથી રહ્યું ને ચકાસી મે છાનામાના મારી આંખના ખૂણા લૂછી લીધેલાં. કૂંચી શબ્દ અમે તો વાપરેલો છે, ચાવી માટે વપરાતો આ શબ્દ આજની પેઢી વાપરતી નથી. હવે તો ચાવી ને બદલે ‘કિ’ વપરાતું થઈ ગયું છે. સંગીત મઢી કવિતા ખરેખર તમારાં હ્રદય સોંસરવી ઊતરી જતી હોય છે.

કૃષ્ણ દવેને યાદ કર્યા, વાંસલડી.કૉમ, મોરપિચ્છ.કૉમ, .કૉમ વૃંદાવન આખું. કાનજીની વેબ સાઇટ એટલી બધી મોટી છે કે કયા કયા નામ રાખવા? મીરાં.કૉમ રાખીયે તો પાછી રાધા રિસાઈ જાય..હાહાહાહા..

‘જનની જોડ સખી નહીં જડે રે લોલ’ ઢાળમાં લખાએલી અને ગવાએલી શ્રી મકરંદ દવેની એક દીકરીઓ ઉપરની કવિતાની પંક્તિ ‘બાપુની ઢાલ બને દીકરો રે લોલ, દીકરી તો તેજની કટાર રે’ સાંભળી મારે ફરી આંખના ખૂણા લૂછવા પડ્યા. હવે આ દેશમાં કટાર જેવી તેજ દીકરીઓ ઉછેરવાનો સમય પાકી ગયો છે. આપણી ગુજરાતી કવિતાએ આદિકવિ નરસિંહથી માંડીને આજના અનિલ ચાવડા સુધીની કેટલી બધી લાંબી સમૃદ્ધ દડમજલ કાપી છે.

ઉમાશંકર કહે છે, ‘ કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.’ અઢળક ઢળિયો શામળિયો જેવા આ પ્રોગ્રામમાં લગભગ મોટાભાગના કવિઓને યાદ કરી ગુજરાતી ભાષાનો મહિમા ગવાયો એનો કેફ હજુ ઊતર્યો નથી, ઉતારવો પણ નથી..

‘આટલું બધું હેત કદી હોતું હશે ? એક પારેવું વાદળ ભરી રોતું હશે ?’—સુરેશ દલાલ

‘કવિતાને અમર કરી દેવી હોય તો એને સંગીત વડે મઢી દો’—– રાઓલ ભૂપેન્દ્રસિંહ…

ગીર-ગુજરાતની શાન શતમ જીવમ પુંડરીકમ

images0-

ગીર-ગુજરાત કી શાન સિંહ મેરી જાન

સમગ્ર ગુજરાતનું ગૌરવ અરે ભારતનું કહો તો પણ ચાલે એવા એશિયાટિક સિંહને મધ્યપ્રદેશમાં વસાવવા બાબતે ગુજરાત સરકારે તો શક્ય વિરોધ સુપ્રીમ કોર્ટમાં કરી જોયો છે. એટલે ગુજરાત સરકારને ભાન્ડવી નકામું છે. ઍઝ યૂઝુઅલ આપણી માનસિકતા પ્રમાણે આ બાબતે પણ લાગણીઓમાં તણાઈ જવાના. આપણા ભારતમાં તજજ્ઞોનું કોણ સાંભળે છે? અને એમની સલાહસૂચન પણ કોણ ગણકારે છે? એવું હોત તો મચ્છુ ડેમ તૂટ્યો જ નાં હોત. અને જે ભયાનક તારાજી થઈ હતી તે થઈ નાં હોત. ડેમ બનાવવાની અને બનાવીને નામ કમાઈ લેવાની લ્હાયમાં તજજ્ઞોની સલાહની અવગણના તજજ્ઞ એવા ગુજરાત સરકારના એન્જીનીયરો જ કરી બેઠેલા.

૧૯૫૬મા ઉત્તરપ્રદેશની સરકારે ઇન્ડિયન બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ આગળ એક પ્રપોઝલ મૂકી હતી. ૯૬ ચોરસ કિલોમીટરનો એરિયા ધરાવતી ચંદ્રપ્રભા વાઈલ્ડલાઈફ સૅંક્ચ્યૂઅરી નું વાતાવરણ લગભગ ગીર જેવું હોવાથી ત્યાં થોડા સિંહ ગીરમાંથી લાવીને વસાવવાની યોજના હતી. ૧૯૫૭મા ત્યાં એક નર અને બે માદા એમ એક જોડ સિંહની ત્યાં લવાયેલી પણ ખરી. થોડા વધ્યા અને ૧૯૬૫મા એકદમ નાશ થઈ ગયો. આફ્રિકન સિંહ કરતા ગીરનો સિંહ થોડો સંસ્કારી લાગે છે. હહાહાહાહા આફ્રિકન સિંહને પાંચથી સાત પત્નીઓ જોઈએ. ગીરના સિંહ થોડા શરમાળ લાગે છે આ બાબતમાં. આફ્રિકન સિંહ રાજપૂત રાજાઓ અને જમીનદારો જેવો. ઓછામાં ધરાય નહિ. ગીરનો સિંહ શ્રીમંત વાણિયા શેઠ શાહુકાર જેવો કહેવાય બે અથવા વધુમાં વધુ ત્રણ શ્રીમતી વડે ચલાવી લે. ભૂમિનો પ્રતાપ આનું નામ..

જ્યારે તમે કોઈ બ્રીડનું અચાનક નવી જગ્યાએ સ્થાનાન્તરણ કરો ત્યારે અતિશય ધ્યાન રાખવું પડે. એની સ્પેશીયલ કાળજી રાખવી પડે. કેપ્ટીવીટીમાં ઉછેરો અને જંગલમાં છુટા સર્વાઈવ થવા છોડી દો આ બે બાબતમાં ઘણો ફરક હોય છે. અમેરિકા અને યુરોપના પ્રાણી સંગ્રહાલયોમાં આવી રીતે સિંહ ઉછેરવાનો પ્રોગ્રામ ચાલી જ રહ્યો છે. આ લોકો આફ્રિકન અને એશીયાટીક બંને બ્રીડનું ક્રૉસિંગ પણ કરતા હોય છે. પણ આ બધું સલામત અને તજજ્ઞોની દેખભાળ હેઠળ થતું હોય છે. આમ અત્યારે ગીરના સિંહ ગણો કે એશિયાટિક સિંહ ગણો European Endangered Species Programme for Asiatic lions ( EEP ) પાસે ૧૦૦ સિંહ છે.

એશિયાટિક સિંહ ખાલી ગીરમાં જ રહ્યાં છે તે સિંહનું કમનસીબ છે અને આપણી માનવજાતની શરમ છે. પર્શિયન ભાષામાં ઈરાન નો અર્થ લેન્ડ ઑફ આર્યન્સ થાય છે. આમ આર્યભૂમિ કહો કે આર્યાવર્ત કહો ઈરાનમાં એશિયાટિક સિંહ હતા. પેલેસ્ટાઇન, મેસોપોટેમીયા, બલુચિસ્તાન, સીરિયા, ભારતમાં-પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં એશિયાટિક સિંહ વસતા જ હતા. યુફ્રેટ્રીસ નદીના ઉપરવાસમાં ૧૮૭૦ સુધી આ સિંહ નોંધાયા છે. ઈરાનમાં પણ મોટા પ્રમાણમાં ફેલાયેલા આ સિંહ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયા. ઝર્ગોશની પહાડીઓ અને શિરાઝનાં જંગલોમાં ૧૮૭૦ સુધી આ સિંહ વ્યાપક પ્રમાણમાં વસતા હતા. ૧૯૪૪મા ઈરાનમાં karun નદીના કિનારેથી એક સિંહણનું મડદું મળેલું. ૧૯૬૩મા પાંચની સંખ્યા ધરાવતા છેલ્લા સિંહ પરિવારનો નાશ કરીને ઈરાનીઓએ ખુબ જલસો કર્યો ત્યારે એમના રાષ્ટ્રીય ધ્વજ ઉપર સિંહ બિરાજમાન હતો, છે ને કરુણતા? નર સિંહ તો આગાઉથી જ મારી નંખાયો હતો અને માદા સિંહ સાથે ચાર બચ્ચા પણ હતા. ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાંતિ થઈ ત્યાં સુધી ઈરાનના રાષ્ટ્રીય ધ્વજ ઉપર હાથમાં તલવાર લઈને સિંહનું ચિત્ર બિરાજમાન હતું. ભલા સિંહને વળી તલવારની જરૂર પડે ખરી?

ભારતમાં જોઈએ તો ઝારખંડ જિલ્લાના પલામાઉ એરિયામાં ૧૮૧૪ માં આ સિંહ છેલ્લે દેખાયા હતા. બરોડા, હરિયાણા અને અમદાવાદ વિસ્તારમાં ૧૮૩૦ સુધી હતા. પાકિસ્તાન સિંધનાં કોટ દાજી અને મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં ૧૮૪૦ સુધી એશિયાટિક સિંહ દેખાયા હતા. ૧૮૫૭ના બળવા વખતે બ્રિટીશરોએ ૩૦૦ સિંહ મારી નાખેલા. ગ્વાલિયર અને રેવા મધ્યપ્રદેશમાં છેલ્લો સિંહ ૧૮૭૦મા મરાયો હતો. ગુના-મધ્યપ્રદેશ, ડીસા અને પાલનપુર વિસ્તારમાં ૧૮૮૦ સુધી આ સિંહ હતા ત્યાર પછી એમનો સફાયો થઈ ગયો. સલામ કરો જૂનાગઢના નવાબને કે એમણે સખત કાયદો કર્યો અને સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો બાકી આજે સમ ખાવા એક પણ એશિયાટિક સિંહ બચ્યો નાં હોત.

સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી. ગીરમાં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો. ગપ્પા મારવામાં શું કામ પાછળ રહેવું? લોકકવિઓ સિંહોને પણ છોડતા નથી.

સિંહ સિંહણની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી. તદ્દન ખોટી વાત છે. સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે. ખાસ તો સિંહના ટોળામાં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે. પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મૂકે છે. પછી લહેરથી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે. સિંહ ભાગ્યેજ શિકારમાં જોડાય છે. ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે. ટોળાં સિવાય એકલાં રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે. ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મૂકવામાં આવે છે. ટોળાનો માલિક સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાનો માલિક બની જાય છે. અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે. એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવના જોખમે સિંહનો સામનો કરે છે, પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે, અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે. છે ને હૃદય દ્રાવક? કુદરતના રાજ્યમાં NO અહિંસા. પછી એજ સિંહણ ગરમીમાં આવીને પેલાં સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે. પોતાના છોકરાઓને મારનાર જોડે પ્રેમ? Any morality? There is no morality in ‘The world of Nature.

કેટ એટલે બિલાડીના કુલમાંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે. પેન્થેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે. ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજનમાં હોય છે. ૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી દુનિયામાં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી. સિંહ સામાજિક પ્રાણી છે. જંગલમાં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે, જ્યારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ જીવી શકે છે. હવે ખાલી આફ્રિકાના ઘાસિયા મેદાનો અને ગીરમાં જ બચ્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઈ ગઈ છે. સંસ્કૃતમાં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહનું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે. ટાયગર, જેગુઆર ને લેપર્ડ એ સિંહના પિત્રાઈ કહેવાય. કૉમન પૂર્વજોમાંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆરને સિંહ છુટા પડેલા જ્યારે લેપર્ડ દસ લાખ ને આશરે વાઘ ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા. મતલબ વાઘ, જેગુઆર, લેપર્ડ અને સિંહ બધાના પૂર્વજ એક જ હતા.
૧) P.l.persica, એશિયાટિક લાયન એક સમયે ઈરાન, પાકિસ્તાન, ટર્કી, બાંગ્લાદેશ બધે ફેલાયેલા હતા. હવે ગીરમાં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે બચ્યા છે.
૨) P.l.leo, બાર્બેરી લાયન ઈજીપ્ત ને મોરોક્કોમાં હતા. બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા. ૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કોમાં મરાયો હતો.
૩) P.l,senegalensis, વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયામાં મળે છે.
૪) P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન કોન્ગોમાં મળે છે.
૫) P.l.nubica, મસાઈ લાયન ઈથિયોપિયા, કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિકમાં મળે છે.
૬) P.l. bleyenberghi, કતંગા લાયન નામિબિયા, બોત્સવાના, અંગોલા, કતંગા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વેમાં મળે છે.
૭) P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
૮) P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.

એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકામાં પણ સિંહ હતા. નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે. જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે. એવી રીતે સિંહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે. કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે. ભૂખ લાગે તો જ ઉભા થવાનું. સિંહ ને લગભગ ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.

આફ્રિકન સિંહ બહુ મોટો પરિવાર ધરાવતો હોય છે. એના પરિવારમાં બે થી માંડીને સાત સાત સિંહણ હોય છે અને ઘણીવાર આવા એક કરતા વધુ સિંહણ ગ્રૂપ ઉપર કાબુ ધરાવતો હોય છે, જ્યારે ગીરનો સિંહ પ્રમાણમાં નાનો પરિવાર ધરાવતો હોય છે. મોટાભાગે બે જ સિંહણ અને એના બચ્ચાં એના પરિવારમાં હોય છે. સિંહ મોટાભાગે બહુ મોટા શિકાર શોધતો હોય છે. ૨૦૦ થી ૫૦૦ કિલો વજનના મોટા પ્રાણીઓ ઉપર હાથ અજમાવવો એના માટે રમતવાત છે. ગીરના સિંહ મોટાભાગે ૫૦ કિલોના ચિતલ ઉપર વધારે હાથ સાફ કરતા હોય છે. આફ્રિકન સિંહ કરતા કદ કાઠીમાં ગીર સિંહ થોડો નાનો હોય છે.

ગીરના માલધારી જીવન સાથે સિંહ વણાઈ ગયેલો છે. શુદ્ધ શાકાહારી આ પ્રજાને સિંહ માટે માન છે. આ પ્રજા સિંહનો નાશ કરે તેવી જરાય નથી. જે નાશ થયો છે તે બ્રીટીશરોએ એમના શોખ માટે કર્યો છે અને તેમના વાદે ચડેલા રાજામહારાજાઓએ કર્યો છે. મધ્યપ્રદેશની બદમાશ ટોળીઓ છેક ગીર આવીને સિંહ મારી જતી હોય એમને તો મધ્યપ્રદેશમાં વસાવેલા સિંહ ઘરઆંગણે મારવા મળી જવાના. ગીરમાં સિંહની વસ્તી વધી છે માટે એમને બીજે વસાવવા પડે છે? તમારી માનવ વસ્તી વધે છે તેનું શું? સિંહ પહેલા ૧૦૦ જ હતા હવે વધી ગયા છે તેવી દલીલ થાય છે. અલ્યા ભાઈ તમે બધા મારી નાખ્યા તો ૧૦૦ વધેલા બાકી તો બહુ હતા. બહુ બધા હતા તે લોકો ભૂલી જાય છે. બરોડા, અમદાવાદ, પાલનપુર અને ડીસા વિસ્તારમાં પણ સિંહ હતા. હું માનું છું બનાસકાંઠામાં સિંહ ફરી વસાવવા જોઈએ. ત્યાં ગીર જેવા શાકાહારી માલધારીઓ જ વસે છે. ત્યાં વાતાવરણ પણ ગીર જેવું લગભગ છે. સિંહ એની મેળે જગ્યા શોધી નવા નવા વિસ્તારમાં ધીમે ધીમે અનુકૂલન સાધતા વધતા જાય અને ફેલાતા જાય તે વધુ બહેતર છે, પણ આપણે વધારેલી બેહદ વસ્તી અને સિમેન્ટના જંગલ એમાં અવરોધક બનવાના. માટે પ્રેક્ટીકલી તે શક્ય નથી તો સિંહનું સ્થાનાંતરણ કરવું પડે છે તે મજબૂરી સમજી તે માટે અતિશય કાળજી રાખવી પડે અને તે નૈતિક રીતે રખાય તો જ પ્રયોગ સફળ થાય. બનાસકાંઠા અને કચ્છ જેવાં વિસ્તારમાં સિંહને વસાવવામાં ગુજરાત સરકારને શું વાંધો આવે? આશરે પાંચેક હજાર વર્ષથી સિંહ ભારતમાં વસવા આવેલા છે તેવું કહેવાય છે તો અત્યાર સુધી કોઈ ચેપી રોગ નહોતાં નડતા અને હવે નડે છે? HIV જેવો FIV રોગ ડોમેસ્ટિક કેટને થતો હોય છે. તેવો રોગ વાઈલ્ડ કેટ વાઘ સિંહ જેવાને થાય તો આ જાતિઓ તો નષ્ટ જ થઈ જાય. એવો ભય એક બાયોલોજીસ્ટ ને ઉપજ્યો. એણે આખી દુનિયામાંથી વાઈલ્ડ કેટ પ્રાણીઓના જિન્સ એકઠાં કર્યા અને રિસર્ચમાં એવું આવ્યું કે વાઈલ્ડ કેટ શ્રેણીના પ્રાણીઓ આ ભયાનક FIV રોગ સામે પ્રતિકાર શક્તિ તો હજારો વર્ષોથી કેળવી ચુક્યા છે. આ રોગ ખાલી ઘરેલું પાળેલી બિલાડીઓ ને જ થાય છે.

નિષ્ણાતો સલાહ આપે કે હવે સિંહ બીજે વસાવવા જોઈએ તે સાચી વાત છે. પણ આપણે નિષ્ણાંતોની એક સલાહ માનીએ છીએ પણ આ લોકોએ આપેલી બીજી કાળજી રાખવાની સલાહો ભૂલી જઈએ છીએ. તજજ્ઞોએ મચ્છુ ડેમ બંધાવાની સલાહ આપી તે માની લીધી પણ ડેમ બાંધવામાં જે જે તકેદારીઓ રાખવાની હતી તેના વિષે તજજ્ઞોએ કરેલા સૂચનો ફગાવી દીધા હતા. પછી કહીએ કે તજજ્ઞોએ તો કહેલું બંધ બાંધવાનું એમાં તૂટી જાય તો અમે શું કરીએ? અહીં પણ આવું જ થવાનું છે. તજજ્ઞો સલાહ બધી બાજુની આપીને છૂટી જવાના, સુપ્રીમ કોર્ટ ચુકાદો આપીને છૂટી જવાની, ગુજરાત સરકાર કચવાતા મને ચુકાદો માથે ચડાવીને છૂટી જવાની પણ નૈતિકતામાં નહિ માનનારા લોકો આ પ્રયોગ પહેલાની જેમ ફરીવાર નિષ્ફળ બનાવીને જ જંપશે. ત્યારે નૈતિકતાનાં અતિશય બણગાં ફૂંકનાર લોકો અસહાય બનીને જોયા કરશે પણ એમાં મરો તો બિચારાં એશિયાટિક સિંહનો જ થવાનો છે. સારું છે કે ગીરમાં છે એટલાં બધા સિંહ કુનો-મધ્યપ્રદેશ નથી મોકલવાના. imagesCAFIG65R

વિજ્ઞાન પરીકથા(science fiction novel) ‘અંતહીન યાત્રા’ નું વિમોચન

10005વિજ્ઞાન પરીકથા(science fiction novel) ‘અંતહીન યાત્રા’ નું વિમોચન

ગુજરાતીમાં સાયન્સ ફિક્શન નવલકથાઓ બહુ ઓછી લખાતી હોય છે. એનું મૂળ કારણ આપણે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા પ્રત્યે ઉદાસીન છીએ. કદાચ હિન્દી અને બીજી ભારતીય ભાષાઓમાં પણ વિજ્ઞાન પરીકથાઓ બહુ ઓછી લખાઈ હશે. આપણે એવા સાયન્સ ફિક્શન મુવી પણ બહુ બનાવતાં નથી. એક બાળકની જિજ્ઞાસા કે ‘પૃથ્વી ધરી ઉપર ફરતી અટકી જાય તો?’ આટલી સુંદર સાયન્સ ફિક્શન નવલકથા અને તે પણ ગુજરાતી સાહિત્યમાં આપશે તે કોઈ માની પણ નહિ શકે. આ નવલકથાના બે લેખકો છે. શ્રી પ્રકાશ વૈદ્ય સાહિત્યકાર અને નાટ્યકાર છે. શ્રી પ્રદીપસિંહ રાઓલ જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી એન્જીનીયર હતા. તેઓએ બિરલા ઇન્સ્ટીટયુટ ઑફ ટેક્નોલૉજી એન્ડ સાયન્સ, પીલાનીમાંથી એમ.એસ.સી ફીજીક્સ અને બી.ઈ. સિવિલ એમ બે ડિગ્રી હાંસિલ કરેલી છે. પીલાની બિરલાનું વતન થાય તે જાણ સારું લખું છું, અને દેશની અગ્રગણ્ય ગણાતી આ કૉલેજનાં સ્થાપક બિરલા ફેમિલી જ છે. આમ એક નાટ્યકાર અને એક ભૌતિકશાસ્ત્રી સાથે સાથે સિવિલ એન્જીનીયર એવા બે મિત્રોએ આ નવલકથા લખવાનું વર્ષો પહેલા શરુ કરેલું. 10007

પૃથ્વી ધરી ઉપર ફરતી અટકી જાય તો કેવી ગંભીર સમસ્યાઓ પેદા થાય તેના વર્ણન અને કલ્પના માટે એમનું ભૌતિકશાસ્ત્રનું જ્ઞાન પણ કામે લાગ્યું છે. આ પુસ્તકમાં પર્યાવરણ બચાવો તેવો સંદેશો પણ વણી લેવાયો છે. અહીં પણ પરગ્રહવાસી એલિયન આવે છે પણ તે પશ્ચિમની કલ્પના આધારિત ચિત્રવિચિત્ર મોઢાવાળા નથી. લેખકો તમને સાહિત્ય અને વિજ્ઞાનનો સંગમ કરીને નાના ગામડાથી માંડીને અમેરિકા, નાસા, અને દૂર ગેલેક્ષીઓની સફર કરાવશે. વેદકાળથી વિજ્ઞાનકાળ સુધીની અદ્ભુત રોમાંચિત સફર કરાવશે.

ડૉ. જે.જે.રાવલ
ડૉ. જે.જે.રાવલ
આ કથા વિષે ડૉ જીતેન્દ્ર જટાશંકર રાવલ નામના વૈજ્ઞાનીકે બહુ સુંદર અભિપ્રાય આપ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ગામમાં ૧૯૪૩મા જન્મેલા આ ગુજરાતી વૈજ્ઞાનિક Astrophysicist છે. Nehru Planetarium, Bombay નાં ડાયરેક્ટર તરીકે વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે. તેઓ The Indian Planetary Society નાં પ્રમુખ છે. આ કથાના લેખકો માટે સૌભાગ્યની વાત એ છે કે આ પુસ્તકના વિમોચન પ્રસંગે ડૉ. જે. જે. રાવલ ખુદ હાજરી આપવાના છે.

આ નવલકથાના વાચકો માટે એક સુંદર યોજના વાચકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે મૂકવામાં આવી છે. આ નવલકથા વાંચીને એનો ટુંકસાર લખીને મોકલવાનો રહેશે. જે વાચકનો ટુંકસાર સર્વશ્રેષ્ઠ હશે તેને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. એ વિષે વધુ વિગતો વિમોચન પ્રસંગે જાહેર કરશે.

વિમોચન સ્થળ : કુંવરબાઈ જૈન ધરમશાળા, જેલ રોડ. જામનગર
એપ્રિલ ૨૮, ૨૦૧૩ સમય : સવારે ૯ થી ૧૨

તમામ મિત્રોને અનુકૂળતા પ્રમાણે આ પ્રસંગે હાજર રહેવા જાહેર નિમંત્રણ છે. જામનગર અને એની આસપાસ રહેતા મિત્રો માટે તો ડૉ.જે.જે.રાવલ ને સાંભળવાનો અણમોલ અવસર છે.
અલ્યા ભાઈ હું તો સંજોગોવસાત હાજરી આપી શકવાનો નથી તો મારા તરફથી મારા પ્રતિનિધિ તરીકે તમે તો જશો તેવી અપેક્ષા રાખી શકું?

પ્રાપ્તિસ્થાન
*અશોક પ્રકાશન મંદિર : રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ ફોન- ૦૭૯-૨૨૧૪-૦૭૭૦
* નવભારત સાહિત્ય મંદિર : ૧૩૪ પ્રિન્સેસ સ્ટ્રીટ. શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨ ફોન- ૨૨૦૧ ૭૨૧૩
* નવભારત સાહિત્ય મંદિર : જૈન દેરાસર પાસે, ગાંધી રોડ અમદાવાદ તથા ૨૦૨, પેલીકન હાઉસ, આશ્રમ રોડ અમદાવાદ
* બુક સેલ્ફ : ૧૬, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે , અમદાવાદ.