ટેવ મુક્તિ

English: An ashtray with a rose, Logo of the W...
English: An ashtray with a rose, Logo of the World No Tobacco Day of the WHO Deutsch: Ein Aschenbecher mit Rose, Logo des Nichtrauchertages der WHO (Photo credit: Wikipedia)
ટેવ મુક્તિ
    દરેક માણસને સારી ખોટી ટેવો વળગેલી હોય છે. અમુક ટેવો ખૂબ ખતરનાક હોય છે. સીધી આરોગ્યને નુકસાનકારક હોય છે. આજે વિશ્વ  તંબાકુ દિન નહિ, પણ “World No Tobacco Day ”  છે. વર્ષે દહાડે આશરે ૫૪ લાખ લોકો તમ્બાકુના વિવિધ પ્રકારે અતિસેવન કરવાથી દેવ થઈ જતા હોય છે. દર વર્ષની ૩૧ મેં નાં દિવસે ગણાતો આ વિશ્વ તંબાકુ નિષેધ દિન ૧૯૮૭મા WHO દ્વારા નક્કી કરવામાં આવેલો. Ash tray, રાખદાનીમાં ગુલાબનું તાજું ફૂલ વિશ્વ તંબાકુ નિષેધ દિવસનું પ્રતીક છે.
ચાલો તંબાકુ અને એવી અનેક ટેવો સીધી નુકશાન કારક હોય છે પણ ઘણાંને દેખીતી નજરે આમ ખોટી ના કહેવાય છતાં નુકશાન કરે તેવી ટેવો હોય છે. કોઈને કાયમ વધુ પડતું ઘી ખાવાની ટેવ હોય છે. ઘણા સંબંધીઓ મેં જોયા છે હાર્ટની, હાઈ બીપીની તકલીફ હોય ડોકટરે નાં પાડી હોય કે કોલેસ્ટેરોલ વધુ છે ઘી વગેરે ખાવું નહિ, પણ ઘી ખાધા વગર ચાલે નહિ. ભલે યુવાનીમાં ઘી ખાવું જરૂરી લાગતું  હોય પણ અમુક ઉંમર પછી ઘી ખાવું જરૂરી હોતું નથી. ઘણાંને ગળપણ ખાવાની ખૂબ આદત હોય છે. મીઠાઈ ખાધા વગર ચાલે નહિ, ભલે વધુ પડતી શુગર નુકસાનકારક જ કેમ ના હોય? ચાલો આ બધી તો ખાવાની આદતો થઈ.
ઘણા છોકરાઓને સ્કૂલમાં બંક મારવાની આદત હોય છે. તો કોઈને ભણવાનું ગમતું નથી, મિત્રો સાથે પાર્ટી માણવાનું કે પછી ફિલ્મો જોવાની આદત હોય છે. ભણવાને બદલે મિત્રો સાથે રખડવાની ટેવે કેટલાય હોશિયાર છોકરાઓને અભ્યાસ બગાડતા મે જોયા છે. અને પછી સારી ડિગ્રી મળી ના હોય ત્યારે જોઈએ તેવી જોબ મળે નહિ ત્યારે પસ્તાવો કરતા પણ જોયા છે. માબાપ ઘણું કહે, ટોકે પણ માનતા હોતા નથી. મિત્રો સાથે રખડી ખાતા હોય છે. મિત્રો હોવા ખૂબ સારી બાબત છે. પણ એ મિત્રોના રવાડે ચડી ભણતર નો બગાડાય.
આવી તો અનેક ખરાબ આદતો આપણને હોય છે, કારણ? કારણકે આપણું બ્રેઈન સમજતું હોય છે કે  આ બધી આદતો સર્વાઈવલ માટે સારી છે. મૂડના હોય કે સારી લાગણી અનુભવાતી ના હોય ત્યારે ચા પીએ, કોફી પી લઈએ, મીઠાઈનો એક ટુકડો ખાઈએ   કે બુધાલાલ તંબાકુ ચુના સાથે મસળીને મુખમાં ભરીએ કે મિત્રો સાથે ભમવા નીકળી પડીએ  ત્યારે સારું લાગતું હોય છે. આમ બ્રેઈનને અનુભવ મળતો હોય છે કે મીઠાઈના ટુકડામાં, એક ચોકલેટમાં, એક કપ ચામાં, ચપટી તમ્બાકુમાં કે મિત્રોના સંગમાં બેડ ફીલિંગ્સ ને ગુડ ફીલિંગ્સમાં બદલી નાખવાની ક્ષમતા છે. મેમલ બ્રેઈન પ્રમાણે બેડ ફીલિંગ્સ બરાબર સર્વાઈવલ થ્રેટ્સ અનિષ્ટનું સૂચન. મેમલ બ્રેઈન માટે જે કઈ પણ બેડ ફીલિંગ્સની પાછળ પડી ભગાડે તે સર્વાઈવલ માટે સારું ગણાય.
એકાદ દિવસ કોઈ કારણવશ આપણે પોતાને ઉપેક્ષિત સમજીએ ત્યારે એકાદ મીઠાઈનો ટુકડો સારું અનુભવ કરાવે કે કોઈ છોકરો પોતાને ઉપેક્ષિત અનુભવ કરે અને મિત્રો સાથે ફરવા નીકળી પડે ત્યારે સારું લાગતું હોય છે, ત્યારે આ અનુભવ બ્રેઈનમાં એક કનેક્શન ઊભું કરે છે. ઉપેક્ષાની લાગણીનો અનુભવ કુદરતના રાજમાં સર્વાઈવલ માટે ભયજનક ગણાય. એકલાં પડેલા મેમલ પ્રિડેટર દ્વારા હંમેશા ચવાઈ જતા હોય છે. મીઠાઈનો એક ટુકડો, ચપટી તમાકુ, એક કપ ચા સિંહના જડબામાંથી બચાવે છે. આમ મીઠાઈના ટુકડાનો કે ચપટી તંબાકુનો વિરોધ બ્રેઈનને એવું લાગે કે તમે અર્જન્ટ ભયજનક પરિસ્થિતિમાં આવી ગયા છે, બ્રેઈન ચીસ પાડશે કે કશું કરો. અને આ સિગ્નલ એટલાં સખત હોય છે કે બુધાલાલ મુખમાં અંદર.
ખોટી ટેવોને બદલવી પડતી હોય છે. પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. પાણી પણ સરળતાથી વહી શકાય તે તરફ જતું હોય છે. બ્રેઈનમાં કોઈ મોટી ચેનલ આપણે બનાવીએ તો ઈલેક્ટ્રીસીટી તે તરફ વહી જતી હોય છે. સુખાનુબોધ માટેના રસ્તા આપણે બ્રેઈનમાં બનાવી ચૂક્યા હોઈએ છીએ. આમ કંઈક નવું કરવા માટે પહેલા નવો neural pathway બનાવવો પડે છે. એટલે ખોટી ટેવનો ન્યુરલ પાથ બદલવા નવો  ન્યુરલ પાથવે બનાવવો પડે છે.  બહુ કઠિન છે આ કામ કારણ જ્યારે બેડ ફિલ કરતા હોઈએ ત્યારે પેલો જૂની જાણીતો હાઈવે સેવા કરવા તૈયાર જ ઊભો હોય છે.  આખી જીંદગી લોકો નવો રાજમાર્ગ બનાવી શકતા નથી. મરી જવાય તો કઈ નહિ પણ નવો માર્ગ બનાવી શકતા નથી. નામ યાદ રહ્યું નથી પણ જે અમેરિકન  વિખ્યાત કેન્સર સર્જને આખી જીંદગી કેન્સર યુક્ત  ફેંફસાના ઓપરેશન કરેલા તે પોતે સિગારેટ છોડી નહિ શકવાના કારણે ફેંફસાના કેન્સરના કારણે દેવ થઈ ગયેલા.
ધારો કે તમે ઉપેક્ષા અનુભવો તો ગાજર ખાવાના ખરા? હાસ્યાસ્પદ લાગશે. ગાજર કોઈ સંતોષ નહિ અર્પે. મીઠાઈનો ટુકડો જરૂર સંતોષ આપશે. કારણ ફેટ અને શુગર કુદરતના રાજમાં સર્વાઈવલ માટે મુખ્ય ગણાતા હોય છે. તંબાકુ નકલી ડોપામીન છે, ચામાં પણ શુગર અને ડોપામીન ઇફેક્ટ મળતી હોય છે, કોફીનું કેફીન તો ઓર ઉત્તેજિત કરી મૂકે. અને મિત્રો સાથે મુવી જોવા જવું તો ઓર મજાનું, એમાં તો સામાજિક સ્વીકાર છે. આ બધા હેપી કેમિકલ રીલીઝ કરતા ન્યુરલ હાઈવે બનાવતા હોય છે. આમાં ગાજર બિચારું સાવ નકામું લાગે. હેપી કેમિકલ રીલીઝ કરે નહિ તેવી ગાજરની પીપુડી અહીં વાગે નહિ. પણ રિપીટેશન પુનરાવર્તન ન્યુરલ પાથવે બનાવી શકે છે. જ્યારે ખરાબ અનુભવીએ ત્યારે ગાજર ખાઈએ તો નવો રસ્તો બનતો જતો હોય છે. અને તમે જો ૪૫ દિવસ આનું રિપીટેશન કરો તો એક પૂરતી મોટી ચેનલ બ્રેઈનમાં  બની શકે છે. બુધાલાલની જગ્યા ગાજર લઈ શકે છે. જસ્ટ આતો દાખલો આપ્યો કે ખરાબ ટેવો  બદલવા ગાજર ખાવા જેવી નિર્દોષ ટેવ પાડી શકાય છે. જો કે ઉંદર કાઢતા સાપ ના ઘૂસી જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. મેમલ બ્રેઈન એટલું બધું જોરદાર હોય છે કે તમે જોખમ અનુભવો તે પહેલા મીઠાઈનો ટુકડો મોઢામાં મુકાવી દેતું હોય છે. ૨૦૦ મિલયન વર્ષનો ઉત્ક્રાંતિનો અનુભવ છે એની પાસે.
માનો કે એક છોકરાના સાયન્સમાં કે ગણિતમાં માર્ક્સ ઓછા આવ્યા, દુખી થઈ ગયો અને મિત્રો સાથે ફરવા કે મુવી જોવા ગયો. અચાનક એની બેડ ફીલિંગ્સ ગુડ ફીલિંગ્સમાં બદલાઈ ગઈ. મેમલ બ્રેઈન માટે શું થયું સમજો. શૈક્ષણિક અસફલતાની વિપદા(થ્રેટ) મિત્ર સાથે પાર્ટીમાં કે ફિલમ જોવા જવાથી દૂર થઈ ગઈ. મિત્રો સાથે જવાથી સામાજિક સ્વીકાર મળે જે હેપી કેમિકલ રીલીઝ કરે. એનાથી આનંદ મળે સુખ મળે. એક નવો ન્યુરલ રાજમાર્ગ બનવાનું શરુ  થઈ ગયું. જ્યારે જ્યારે સ્કૂલ કે કૉલેજ બાબતે કશું પણ ખરાબ  ફિલ થાય કે મિત્રો સાથે ઊપડી જવાનું નક્કી થઈ ગયું. બસ આમ ને આમ નવો ન્યુરલ રાજમાર્ગ રેતી, સિમેન્ટ,  કપચી નંખાઈ જઈને મજબૂત બની જવાનો. હવે આ છોકરો વિચારતો પણ હશે કે એણે ભવિષ્ય માટે એકેડેમિક સ્કીલ મેળવવી પણ જરૂરી છે. પણ જ્યારે તે મિત્રો સાથે પાર્ટીમાં જવાને બદલે લાઇબ્રેરીમાં જતો હશે ત્યારે કોઈ સિંહ વડે ખવાઈ જતો હોય તેવું લાગતું હશે. એને સમજ નહિ પડતી હોય કે શું થઈ રહ્યું છે. લાઇબ્રેરી છોડીને મિત્રો સાથે જતા રહેવામાં શાંતિ મળતી હશે. આમ ને આમ અભ્યાસ બગડતો જવાનો.
હવે આ રખડી ખાવાની ટેવ છોડવા શું કરવું પડે? નવો રાજમાર્ગ બનાવવો પડે. એવા મિત્રોની દોસ્તી કરાવી પડે જે રખડવામાં નહિ પણ ઠરીને બેસીને અભ્યાસ કરવામાં માનતા હોય. અને એવા મિત્રોના સહવાસમાં સામાજિક સ્વીકારનું સુખ અને આનંદ મળે. શરૂમાં તો અઘરું લાગે. પણ ૪૫ દિવસ ઠરીને બેસી રહે અને અભ્યાસ કરે તો નવો ન્યુરલ રાજમાર્ગ તૈયાર થઈ જાય. કોઈ પણ હિસાબે મન મક્કમ કરીને જૂની ટેવને તાબે નાં થાવ તો પણ બ્રેઈન તે ટેવ વગર જીવવાનું શીખી લેતું હોય છે. અથવા આપણે નવી નિર્દોષ ટેવ પાડવી પડે.
એક મનોવૈજ્ઞાનિકનો નોંધેલો દાખલો લખું. જેન નામની એક છોકરી કોઈ છોકરા સાથે ડેટ પર જવાની હતી. તે નર્વસ હતી, પણ ડેટ પર જવાનું હોવાથી નવો ડ્રેસ ખરીદવા ગઈ તો એની બેચેની દૂર થઈ ગઈ. હવે પેલી ગ્રેટ ડેટ પતી ગઈ ને નર્વસનેસ પાછી આવી. જેનનું બ્રેઈન સામાજિક સ્વીકાર ઝંખતું હતું. સામાજિક જોડાણ વગર મેમલ બ્રેઈન આપત્તિ સમજતું હોય છે. જેન નવી ડેટ પર જવાની કલ્પના કરી ડ્રેસ ખરીદવા ચાલી જતી. ધીમે ધીમે શોપિંગ કરવા જવાનો ન્યુરલ પાથવે એણે ઊભો કરી લીધો. આ વ્યર્થ ખરીદી કરવાના રોગે પરિસ્થિતિ બગડવા લાગી. એની પાસે પૈસા રહ્યા નહિ. એની કાર રિપેર કરવાના પણ પૈસા રહ્યા નહિ. એક મિત્રને મોલમાં લઈ જવા વિનંતી કરી પણ એણે ના પાડી દીધી. બધા એનો રોગ જાણતા હતા. બીજા દિવસે તે બીમાર પડી ગઈ. એક અઠવાડિયું શોપિંગ કર્યા વગરનું ગયું. એને લાગતું હતું કે શોપિંગ કર્યા વગર મરી જવાની છે. પણ તે મરી નહિ. એના બ્રેઈનને પણ લાગવા લાગ્યું કે શોપિંગ કર્યા વગર આમ કઈ મરી નથી જવાતું. ઘણા દિવસ વીતી ગયા. સાજી થયા પછી એની શોપિંગ કરવાની ઇચ્છા ઉછાળો મારતી પણ વધુ એક દિવસ રાહ જોઉં તેમ કહી મન મનાવી લેતી. ૪૫ દિવસ પછી એને લાગ્યું કે શોપિંગ કર્યા વગર ચાલે.
તમે નવો ન્યુરલ પાથવે ૪૫ દિવસમાં બનાવી શકો છો, શરત એટલી છે કે ૪૪ દિવસ સિંહ તમને ખાઈ રહ્યો છે તે દુઃખદ  લાગણી સહન કરવી પડશે. હહાહાહાહા!!!!આવું મારી મોટી બહેન  Loretta Graziano Breuning, Ph.D. કહે છે.

18 thoughts on “ટેવ મુક્તિ”

  1. રાઓલજી, ખૂબ સરસ લેખ, અને સમજવા લાયક હોવાથી આની પેપર કોપી કરી ને મિત્રો ને વચાવી છે તેમાં જે મિત્રો બાબતે દાખલા આપ્યા છે તે એકદમ સાચા છે, ને ભારત માં વધુ પડતાં લાગુ પડે છે, ભારત માં અત્યારે સ્ંક્રતિ કાળ છે, લોકો પોતાનું આયોજન ઇ.સ મુજબ કરે છે પણ મોટા ભાગ ના નિર્ણય વી .સ મુજબ કરે છે, પેઢી દર પેઢી એક જ કાર્ય કરતાં હોવાથી અમુક બાબત તેમના જીન્સ માં વણાય ગઈ છે, મારા અમુક મિત્રો દસ પાસ પણ નથી,પણ પોતાના વર્ગ ના કામ માં એમની કુશળતા ગજબ છે, ટંકારા માં ઘંટા ઘડિયાળ બગડતા સારા સારા એંજિનિયર કઈ નો કરી શક્યા ત્યાં એક સામાન્ય મિસ્ત્રી (સુથાર ) એને 5 મિનિટ માં ફોલ્ટ શોધી ને રીપેર પણ કરી આપી, દાખલા કમ પડે એટલા બનાવ છે,પણ વાત વ્યશન ની છે, ને જે દુખદ બનાવ છે એ છે અતિ સેવન નો …… અતિ સવર્તે વ્રજ્યેતે ……. ઘી દૂધ માખણ પણ વધારે લેવાય જાય તો એ પણ નુકશાન કારક છે, પણ મને આશ્ચર્ય એ વાત નું છે કે મને એવા લોકો નો પરિચય છે જે ઘણા સમય થી ચલમ ગાંજો ચોવીશ કલાક ફૂકે રાખે છે તો પણ નીરોગી અને આનંદી રહે છે, તેમની આ તંબાકુ જાણે અસર જ નહીં કરતી હોય ? અથવા આ તંબાકુ જ એમનો જીવન રસ બની ગઈ હોવી જોય ? એક પ્રયોગ તરીકે એમને વગર ગાંજે એક વરસ રાખવા માં આવે તો એમના તબિયત પર શું અસર કરે એ જાણવું જોઇ ? ….

    Like

    1. રાણા સાબ,
      ખૂબખૂબ આભાર. ગાંજો પીવાવાળા થોડા દિવસ ભલે આનંદમાં રહે એક દિવસ કયામત આવવાની જ છે. અને ના આવે તો અપવાદ સમજવો. બધાને સ્યુટેબલ ના થાય. અપવાદ પ્રુવ કરતો હોય છે કે નિયમ સાચો છે.

      Like

    2. ૩૧ Dec ૨૦૦૬ ની રાત્રે મારા વાઈફે મને પૂછ્યું હતું, ” નવા વર્ષ માટે શું રિઝોલ્યુશન લેવા નો છો??” મેં એને પૂછ્યું શું લેવાય? તો મને કહે “Quit Smoking ” I said ” OK “. It was around 11.30 PM. અમે રાત્રે ચર્ચમાં જવા નીકળતા હતા અને આ સંવાદ થયો.. ૧૧.૩૨ વાગે છેલ્લી વાર I smoked. એ પછી સતત એક વીક સુધી ખીસામાં એક આખું અકબંધ પાકીટ અને એક પાકીટમાં ૭ નંગ અને મારું લાઈટર લઇ ને ફર્યો.. આખરે એ બધી વસ્તુ એક મિત્રને આપી દીધી… ત્યારની ઘડી અને આજ નો દિવસ.. I have never smoked….

      Like

  2. દ્રધ મનોબળ અને મક્ક્મ નિર્ણય આદત છોડાવી શકે કોઈ ઉપદેશ કદાચ કામ ના પણ કરે ! તમાકુની આદત તો ટીન એજમાં મિત્રોને દેખાડી દેવાના વટમાંથી પડે છે અને જીવનભર સાથ નિભાવે છે તેમ છતાં ડોકટર કદાચ મશ્કરીમાં પણ કહે કે જો બાયોપસી કરાવી લઈએ તો રોગનું સાચુ નિદાન થઈ શકે ! અને આ ક્ષણે જ જીજીવિષા એવી પ્રબળ બને છે કે વ્યશન છૂટી જાય છે.

    Like

    1. દેખાડી દેવાની વૃત્તિ સાથે મિત્રોમાં સામાજિક સ્વીકાર અને સામાજિક જોડાણ વધારવાની ભાવના કામ કરી જતી હોય છે. જે મેમલ બ્રેઈન માટે મૂળભૂત પાયાની જરૂરીયાત છે. આભાર.

      Like

    2. અરવિન્દભાઈ,
      કુતરાની પૂછડી વાંકી અને વાંકી જ રહે છે. એક સજ્જન રોજ બે પેકેટ સિગરેટ પીતા હતા. એટેક તો ન આવ્યો પણ સંકેત મળતા ડૉ.ને મળ્યા. તપાસ માં હ્રદય ની બધી નળી બંધ, પગની ધમની બંધ .ડૉ. કિધુ તમારા શરીરમા ધુમાડો જ ધુમાડો છે. બાયપાસ કરાવી લો અને સિગરેટ છોડો. ઈસી મિનિટે સિગરેટ બંધ થઈ ગઈ. બાયપાસ પછી મહિનામાં જ સિગરેટ ને બદલે બિડી શરુ કરી દિધી.ઘરવાળાએ કિધુ કે બિડી પિઓ તો દવાનો શો મતલબ. તો દવા બંધ કરી દિધી અને બિડી ચાલુ રાખી. એની દલીલ હતી કે બિડી છુટે પછી જ હું દવા ચાલુ કરીશ અને ડો. ને મળવા પછી જ જઈશ. અત્યારે શું મોઢુ લઈ ને જાઉં.પણ એ દિવસ હજી આવ્યો નથી.

      Like

    1. ખૂબ ખૂબ આભાર ભાઈ. આવા તો અનેક લેખ આ બ્લોગમાં છે જે આપ સાયબર હેલ્થ માં રીબ્લોગ કરી શકો છો.

      Like

  3. આ લેખ બહુ જ ગમ્યો.
    ધ્યાન , વિપશ્યના, સુદર્શન ક્રિયા વિ. પણ આ જ રીતે કામ કરતાં હશે.
    એનાથી ઘણા ફાયદા થઈ શકે છે- ખાસ તો આપણા પાયાના સ્વભાવને બદલી શકાય છે – જે આપણે એમ જ માનતા આવ્યા હોઈએ છીએ કે, ન બદલી શકાય.
    ————
    રેશનાલિસ્ટો આ બાબત વિચારશે?

    Like

    1. યસ જાની સાહેબ ધ્યાન વિપશ્યના આવી રીતે કામ કરે જ છે. નિયમિત ધ્યાન કરવાવાળાનાં બ્રેઈનમાં તર્ક અને વિચારવાના ભાગોમાં ગ્રે મેટરમાં વધારો નોંધાયો છે. લાગણીઓ પર બુદ્ધિનો કાબૂ. એક મજાનું બેલેન્સ બની જાય. ઉગ્રતા અને આવેશ ઓછો થઈ જાય. વિપશ્યના પણ ધ્યાન જ છે. બૌદ્ધિષ્ટ સાધુઓ પર ન્યુરોસાયન્ટીસ્ટ લોકોએ ખૂબ સંશોધન કરેલું છે. બુદ્ધના દિવસો પાછા આવશે લખી રાખજો. રેશનાલીસ્ટનો મતલબ જ એ કે લાગણીઓને તર્ક અને બુદ્ધિની એરણ પર ચકાસે. વિપશ્યના કે ધ્યાન એક સાધન છે, એક બ્રેઈન કસરત છે, એક દવા છે, એને ધર્મના લેબલથી દૂર રાખવું જોઈએ. જેમ કે એસ્પીરીન પર હિંદુ કે મુસ્લિમ કે જૈન લખેલું હોતું નથી.

      Like

  4. कामक्रोधसमुत्थानि त्यजेथा व्यसनानि च ।
    परोक्षया वर्त्तमानो वृत्त्या प्रत्यक्षया तथा આમ આદિ કાળથી કહેવાતું આવ્યું છે સાંપ્રત સમયમા વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવાય છે પણ સ્થાપિત હિતોનું ચક્ર ભેદવું અઘરુ પડે છે!ઘણા વ્યસનોની બાળપણથી ટેવ પાડવામા આવે છે !યુનિ.મા પ્રવેશ પછી સ્વતંત્રતા-સ્વછંદતામા ફેરવાય …અને સતાવાળા પણ તેને ગંભિરતાથી લેતા હોય તેવું લાગતું નથી.બાકી દેવ મનાતા વ્યસનગ્રસ્ત એકટરો,રાજકારણીયો……………તોબા

    આવા સુંદર વિચારોના પ્રચારથી સ્થિતિ સુધરે તેવી આશા સાથે..
    તમે કોપીરાઇટ નથી રાખ્યો તે બદલ અભિનંદન અને તમારી ઉદાત ભાવનાને સલામ

    Like

  5. જબ્બર લેખ !
    ’ભાર વિનાનું ભણતર’ની જેમ ’બોજ વિનાનો બોધ’ !
    કશા જ ભારે ભરખમ બોધનાં આગ્રહ વગર સાવ સરળતાથી (અને વૈજ્ઞાનિક તથ્યોનાં વઘારથી !) ઘણાંખરા વ્યસનો (કે કૂટેવો)માંથી મૂક્ત થવાની રેસિપિ બતાવી આપી. સુંદર અને સમજણસભર લેખ. જો આપને વાંધો ન હોય તો આની થોડી નકલ છાપી અને નેટ સિવાયનાં વ્યસનમાં ગળાડૂબ એવા કેટલાક ઓળખીતાઓને વહેચું. અને જ્યાં આ સમજની વધુ જરૂર છે તેવા ગ્રામ્ય વિસ્તારમાં (જો કે આ તો શહેરીજનોને સારૂં લગાડવા કહું છું, બાકી કાગડા બધે સરખા જ કાળા !!) ફેલાવો ધરાવતા અમારા પાક્ષિકમાં પણ પ્રસિદ્ધ કરું. (જો આપની આજ્ઞા હશે તો જ.)
    ધન્યવાદ.

    Like

  6. વ્યાસન મોતનું પણ વ્યાસન બની જતા વાર નથી લાગતી.મારા એક મિત્રને તમાકુવાળ! પણ ખાવાની બહુજ આદત હતી મેં ઘણી ના પડી પણ ના માન્ય! અને કહેકે આદત છે એકવાર મરવાનું છે ને પણ જયારે ડોક્ટરે કહ્યું કે કેન્સર છે તો તરત આદત છૂટી ગઈ…
    નસીબ અપના અપના …………….

    Like

  7. વ્યસન તો આધ્યાત્મિકતાનું પણ પડે છે. કેટલાક મિત્રો વાતવાતમાં આત્મા-પરમાત્માની ચર્ચા ચાલુ કરે છે, બીજા કેટલાક જયારે અને ત્યારે સંસ્કૃત શ્લોકો ટાંકતા હોય છે અને તે પણ અર્થ સમજાવ્યા વગર.

    Like

    1. આ વ્યસન ધરાવતા એક સંબંધી છે. જ્યારે જુઓ ત્યારે આત્મા પરમાત્મા, સંસ્કૃતના શ્લોકોની રમઝટ બોલાવે. હું એમની સાથે ચર્ચા કરવાનું ટાળતો હોઉં છું. પછી સહનશક્તિની હદ આવી જાય બે ચાર વાક્યો બોલું એટલે બીજી વાતે વળે. હહાહાહા!!!આ વ્યસન તો મને સૌથી ખરાબ લાગેલું છે.

      Like

Leave a reply to Sunil Thakore Cancel reply