લોભ જરૂરી, પણ અતિ નહિ. Hard Truths About Human Nature.

Statue representing Siddhartha Gautama.
Image via Wikipedia
લોભ જરૂરી, પણ અતિ નહિ. Hard Truths About Human Nature.
લોભ આજકાલ ગરમાગરમ ટૉપિક છે. ભારતના લોભીયાઓએ ૧૫૦૦ બિલિયન ડોલર્સ સ્વીસ બેન્કોમાં ખડકી દઈને ભારતને ભિખારી બનાવી દીધું છે. રાજાનું ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ, કલમાડીનાં  કૌભાંડની રમતગમત, આવા તો અનેક કૌભાંડો રોજ બહાર આવે જ જાય છે. ભૌતિકવાદને સતત વખોડનારો મહાન ધાર્મિક દેશ આજે લાલચ અને લોભના મહાસમુદ્રમાં ડૂબી રહ્યો છે.
લોભ સર્વવ્યાપક છે. આવા અતિલોભના કારણે અમેરિકા પણ ડૂબી રહ્યું છે. Bernie Madoff નું પચાસ બિલિયન ડોલર્સનું કૌભાંડ, વોલસ્ટ્રીટનું ભાંગી પડવું, AIG સ્કેન્ડલ, પોતાનું ઘર હોવું તેવા અમેરિકન ડ્રીમ નો ફુગ્ગો ફૂટી જવો, રોજ એક નવી બેંક ડૂબી જવાના સમાચાર, આખી દુનિયાના જમાદાર બની રહેવાની અમેરિકન પ્રમુખોની લાલચ આ બધું ભેગું થઈને અમેરિકા પણ મહામંદીનાં ચક્કરમાં ફસાઈ ગયું છે.  St. Thomas Aquinas કહે છે લોભ ભગવાન સામે કરેલો અપરાધ છે, પાપ છે.
 ગૌતમ બુદ્ધ જેને તૃષ્ણા કહેતા હોય છે તેની સાથે આ લોભ અને અકરાંતિયાપણું સંકળાયેલા લાગે છે. દ્રવ્ય લોભ, અતિતૃષ્ણા, લાલસા, ખાઉધરાપણું આ બધાનો કોઈ અંત હોતો નથી. કદી સંતોષાય નહિ તેવી આ બધી લાગણીઓ છે. અને માનવજાતના બધા દુઃખોનું મૂળ આ અતિતૃષ્ણા છે તેવું બુદ્ધ કહેતા. આ લોભ લાલસા સ્વાર્થીપણા સાથે જોડાયેલા હોય છે. એડીક્શન પણ એક જાતનું લોભનું, લાલસાનું સ્વાર્થી રૂપ જ છે. એડીક્ટ માણસ એના દુખ, બેચેની અને ચિંતા મુક્ત થવા જાત જાતના વ્યસન સ્વીકારી લેતો હોય છે, પછી ભલે તે ડ્રગ્ઝ હોય, સેક્સ હોય, જુગાર હોય, ખોરાક હોય, પોર્નોગ્રાફી, ઇન્ટરનેટ, ટેલિવિઝન, તમાકુ, સિગારેટ, પાવર અને પૈસો પણ હોઈ શકે છે. દરેકને પોતાના એડીક્શન  હોય છે,  workaholism, shopaholism , perfectionism વગેરે વગેરે. ધર્મ પણ એડીક્શન બની જતો હોય છે. આ બધામાંથી માનવ વધારે ને વધારે આનંદ ઇચ્છતો હોય છે. આ બધા વડે આપણે આપણી મનમાં ઊંડે ધરબાયેલી ઇચ્છાઓ  સંતૃપ્ત કરવાના વ્યર્થ પ્રયત્નો કરતા હોઈએ છીએ. આપણને બચપણ અને યુવાનીમાં મળેલા માનસિક આઘાતને ભરી દેવાના અથવા એના પ્રત્યે બહેરાં બની જવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. ભાવનાત્મક ખાલીપણું જે અનુભવતા હોઈએ તેને સંતુષ્ટ કરવાના આ બધા વ્યર્થ પ્રયત્નો હોય છે. આ માનસિક જખમ અને self – defeating બિહેવિયરનાં મૂળિયા છેક બચપણમાં સમાયેલા હોય છે.
   Greed is a type of selfishness. આપણને બચપણથી શીખવવામાં આવે છે કે લોભ પાપનું મૂળ છે. શું લોભ કાયમ માટે ખરાબ, નકારાત્મક, અસામાજિક હોય છે? કોઈ વાર તંદુરસ્ત, જરૂરી, હકારાત્મક હોઈ ના શકે? જે લોકો આત્મકલ્યાણ, મોક્ષ, આત્મ સાક્ષાત્કાર, કૈવલ્ય કે નિર્વાણની શોધમાં સંસાર છોડી જતા રહેતા હોય છે તે લોકો પરમ સ્વાર્થી છે. એમાંથી થોડા લોકો, સાવ ગણ્યા ગાંઠ્યા લોકો પાછાં આવીને બાકીના સમૂહ કે સમાજ માટે નિઃસ્વાર્થ બની કામ કરતા હોય છે. અમુક લોભિયા વળી આવા અધ્યાત્મને ધંધો બનાવી લોકોને લોભિયા ના બનવાની સલાહ આપી આપીને પોતે ધનના ઢગલા પર બેસી જતા હોય છે. એક બિનસત્તાવાર સમાચાર મુજબ મધ્ય ગુજરાતમાં એક બહુ મોટી કથા થઈ હતી. પૈસા ના લેતા કથાકાર ટ્રસ્ટના નામે આશરે ૮૦ લાખ રૂપિયા લઈ ગયા. મંડપનો કૉન્ટ્રેક્ટ એમનો જ હોય છે તેના ૧૮ લાખ ચાર્જ થયો. એક મિત્ર પાસેથી વાત સાંભળી છે, હું કદાચ ખોટો પણ હોઈ શકું. જોકે આ અત્યંત સાદા અને નમ્ર કથાકાર કુંભના મેળામાં વર્ષો પહેલાં કથા કરવા ગયેલા ત્યારે ૧૫ લાખના સિંહાસન પર બેસતા અને ૧ લાખના તંબુમાં રહેતા તે હકીકત છે. જોકે આયોજકો આવી વ્યવસ્થા કરતા હોય તેમાં એમનો શું વાંક?
   તર્ક એવો છે કે લોભ સારો છે જ્યારે સાધનસામગ્રી, પૂંજી, સંપત્તિ અને સહારો ઓછો થઈ ગયો હોય. આ બધાની અછત હોય ત્યારે સર્વાઈવલ માટે લોભ સારો છે. મતલબ જ્યારે સંપત્તિ કે રીસોર્સીસ ઓછા થઈ જાય ત્યાર સ્વાર્થની વૃત્તિ વધતી જાય તેવું હોવું જોઈએ. પણ થાય છે ઊલટું. સરેરાશ જોઈએ તો જેની પાસે ખૂબ સંપદા હોય છે તે વધુ લોભિયો હોય છે અને જે લોકો પાસે ખાસ કશું હોતું નથી તે લોકો ઓછા લોભિયા હોય છે. નવા સંશોધન (Piff, Kraus, Cote, Cheng, and Keltner, 2010 ) મુજબ જાણવામાં આવ્યું કે જે લોકો  પાસે લીમીટેડ રીસોર્સીસ હોય છે તે લોકો જુદી સ્ટ્રેટેજી પસંદ કરતા હોય છે, આ લોકો તેમના લીમીટેડ રીસોર્સીસ બીજા લોકોને વહેંચતા માલૂમ પડ્યા છે. આમ ઓછી સંપદા સ્વાર્થ અને લોભને ઓછી કરે છે તેનું કારણ શું? ખરેખર તો ગરીબ માણસ લોભી અને સ્વાર્થી હોવો જોઈએ, એના બદલે અમીર લોકો વધુ લોભિયા અને સ્વાર્થી હોય છે.
    ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ શું કહે છે જોઈશું? જ્યારે લોકો પાસે બહુ ઓછા રીસોર્સીસ હોય ત્યારે એમની સ્થિતિ સર્વાઈવલ માટે બહુ નાજુક, નિર્બળ હોય છે. આસપાસના વાતાવરણમાં ટકી જવા માટે અસહાય હોય છે. આમ જ્યારે રીસોર્સીસ ઓછા હોવાથી રક્ષણ કરવા માટે અસમર્થ હોય ત્યારે લોકો એમના સામાજિક જોડાણ મજબૂત બનાવવા તરફ વધુ ધ્યાન આપતા હોય છે. ભલે લોહીનો નાતો નાં હોય પણ વિશ્વાસ, કરુણા, સહભાવ, સદભાવ અને સહાનૂભુતિ દ્વારા વિશિષ્ટ સંબંધો બનાવીને એક સામૂહિક સર્વાઈવલની પદ્ધતિ અખત્યાર કરતા હોય છે. જ્યારે પૈસો અને સંપદા ખૂબ વધી જાય ત્યારે તેવા લોકોની નજર બીજા પ્રત્યેથી હટી જાય છે. હવે બીજાની જરૂર ખાસ રહી નથી. આમ એમની બીજા પ્રત્યેથી લાગણી પણ ઓછી થઈ જતી હોય છે. હવે એની પાસે ખૂબ સંપત્તિ છે હવે બીજાનું શું કામ? આમ આ લોકો સંપત્તિ ઉપર વધુ આધાર રાખતા હોય છે સિવાય લોકો પર. આમ વધુ ને વધુ લોભી, સ્વાર્થી અને સંગ્રહખોર બનતા જતા હોય છે. જનરલી આવું જ બનતું હોય છે, આમાં પણ અપવાદ હોય છે ઘણા લોકો ખૂબ પૈસા કમાઈને ખૂબ ચેરિટી પણ કરતા હોય છે.
    લોભ ખાલી પૈસા, ધન કે સંપત્તિ પર આધાર નથી રાખતો. આપણે વધુ ધન ઇચ્છીએ છીએ કે ધન વડે સલામતી અને સ્વતંત્રતા પણ મેળવી શકીએ છીએ. આપણી જરૂરિયાતો માટે કોઈના ઉપર આધાર તો નાં રાખવો પડે? સામાન્ય જરૂરિયાતો સાથે વૈભવી મોજમજા પણ માણી શકાય છે. લોભ એટલે વધારે પડતી ધન કે કોઈ પણ વસ્તુ  માટેની ઇચ્છા કે પ્રેમ કે લાલસા ગણો. લોભી એની વસ્તુ કે પૈસા સાથે વધુ પડતો એટેચ થઈ ગયો હોય છે. એક ધનકુબેર વિષે હું વાંચતો હતો નામ યાદ રહ્યું નથી, એણે એની પત્નીને ડિવોર્સ આપી દીધેલા કે તેના કોસ્મેટીક્સનાં ખર્ચા એને પોસાતા નહોતા, એણે ચાલીસ વર્ષથી એનો કોટ બદલ્યો નહોતો. ઘણા બધા દેશોમાં એની હજારો એકર જમીનો હતી. વોરેન બફેટ બહુ સાદું જીવન વિતાવે છે તેવું વાંચીને આપણે અહોભાવમાં ગદગદિત થઈ જઈએ છીએ એવું તો નથી ને કે ભાઈ લોભિયા છે? સવાલ પૂછ્યો છે ખાલી. વળી કોઈ બફેટના આશકને ખોટું ના લાગી જાય. ચાલો મિત્રો લોભ વિષે થોડા મહાનુભાવો શું કહે છે તે વાંચો પણ પહેલું વાક્ય બફેટના વક્તવ્યથી જ શરુ કરો.
** I will tell you the secret to getting rich on Wall Street. You try to be greedy when others are fearful. And you try to be fearful when others are greedy. – Warren Buffett
**Greed is an imperfection that defiles the mind; hate is an imperfection that defiles the mind; delusion is an imperfection that defiles the mind. – Siddhartha Gautama
**In his love for the world, the greedy is like the silkworm: the more it wraps in its cocoon, the less it has of escaping from it, until it dies of grief. – Imam Muhammad al-Baqir
**Even the most beautiful scenery is no longer assured of our love after we have lived in it for three months, and some distant coast attracts our avarice: possessions are generally diminished by possession. – Friedrich Nietzsche
** Fraud is the daughter of greed.
** We’re all born brave, trusting and greedy, and most of us remain greedy. – Mignon McLaughlin
** Nothing makes us more vulnerable than loneliness, except greed, which does make us more vulnerable than loneliness. – Thomas Harris
** Stealing to eat ain’t criminal-stealing to be rich is. – Andrew Vachss, A Bomb Built in Hell
** There is no fire like passion, there is no shark like hatred, there is no snare like folly, there is no torrent like greed. – Siddhartha Gautama
**Earth provides enough to satisfy every man’s needs, but not every man’s greed. – Mahatma Gandhi
**The greed of gain has no time or limit to its capaciousness. Its one object is to produce and consume. It has pity neither for beautiful nature nor for living human beings. It is ruthlessly ready without a moment’s hesitation to crush beauty and life. – Rabindranath Tagore
**Greed is a bottomless pit which exhausts the person in an endless effort to satisfy the need without ever reaching satisfaction. – Erich Fromm, Escape From Freedom
**There are three gates to self-destructive hell: lust, anger, and greed. -Bhagavad Gita 16:21

14 thoughts on “લોભ જરૂરી, પણ અતિ નહિ. Hard Truths About Human Nature.”

  1. સર્વાઇવલ માટે ઉદારતા. કરુણા, પ્રેમ વગેરે જરૂરી છે. મણ સંપત્તિ એકઠી કરી લે તે પછી સર્વાઈવ થવા માટે બીજા પર આધાર રાખવો નથી પડતો.એટલે એ બીજાથી દૂર થતો જાય છે. આ બહુ સારૂં અવલોકન છે.
    પરંતુ એ માણસ બીજું બધું છોડીને માત્ર સંપત્તિને સર્વાઇવલ માટે જરૂરી માનતો હોવાથી સંપત્તિ બચે તો જ એ બચે એવી માનસિકતા પેદા થાય છે, જે લોભનું કારણ બને છે.
    સારો લેખ છે.

    Like

  2. try to achieve your goal with in time and be happy if goal is not reached because ultimately man proposes and final desire destiny is finalised by GOD so try to be happy with or without your requirements that is called as art of living….JAYESH JHADAKIA 9824091508 COMIBNED COURIER SERVICE 9 NANALAL CHAMBERS,ASHRAM ROAD AHMEDABAD

    Like

  3. ભાઈ ભુપેન્દ્રસિંહ,
    આપના લખેલા લેખો સમજ અને આનંદ આપતા છે.
    ઉપર ના લેખ ના અનુસંધાન માં વધારે વાંચન માટે બીજા મિત્રો માટે
    લીંક મૂકી છે.

    http://www.everydaymoney.ca/2010/09/income-threshold-for-happiness-75000-a-year.html

    Like

  4. sanatan saty. ” lobhe laxan jaay.” e kahevat anusar maanavi vadhare padataa lobhathi potaani saachi olakh gumaavi de chhe. jaruriyat poorato lobha anivaary.
    “atishayo sarvatra varjayet” .

    Like

  5. “જે લોકો આત્મકલ્યાણ, મોક્ષ, આત્મ સાક્ષાત્કાર, કૈવલ્ય કે નિર્વાણની શોધમાં સંસાર છોડી જતા રહેતા હોય છે તે લોકો પરમ સ્વાર્થી છે.” સાવ સાચી વાત.
    થોડો લોભ સારો એટલા માટે કે વધુ પડતું સંતોષીપણું નિષ્ક્રિયતામાં પરિણામે છે. લોભ હોવો જોઈએ આપણા પોતાના પ્રયત્નો પરત્વે, નહીં કે તેના ફળ પરત્વે.

    Like

  6. ભૂપેન્દ્રસિંહજી,

    ગ્રીડ અંગ્રેજી શબ્દનો અર્થ લોભ, લિપ્સા, લાલચ કે લોલુપતા થાય. અને લૅટિન ભાષામાં ઑરી સોકરા ફેમ્સ શબ્દ છે અને તેનો અર્થ સુવર્ણનો શાપિત લોભ. એટલે કે દરેક લોભ શાપિત છે.

    આપણે આપણી દિનચર્યાને તપાસીએ તો ખ્યાલ આવે કે કેટલા બિનજરૂરી ચીજોના ઉપભોગની લાલસામાં ફસાયેલા છીએ?

    ધન, સત્તા અને પ્રતિષ્ઠાની લોલુપતાની જેમ જ નાની નાની બાબતોની ગ્રીડ પણ ધીરે ધીરે મારે છે.

    One of the weakness of our age is our apparent inability to distinguish our needs from our greeds- Herbert V. Prochnow

    One primary difference between an animal and a man is that an animal does not keep on grabbing for more when it has had enough.- Herbert V. Prochnow

    જીવન સતત વિકસતું રહે રાષ્ટ્ર પણ સતત વિકસતું રહે અને માનવાતાનો સતત વિકાસ થતો રહે તે માટે અસંતોષ પણ જરૂરી છે.જે રીતે સંતોષ ગુણ છે પરંતુ તે પોતાની જગ્યાએ એક સીમામાં જ્યારે પ્રજા-રાષ્ટ્ર અસિમીત સંતોષી બને ત્યારે તેનો વિકાસ અટકી જાય અને પતનોન્મુખી બની જાય સંતોષ એક સીમામાં વ્યક્તિને શાંતિનો અનુભવ કરાવે પણ વિવેકપૂર્ણ ન હોય તો દરિદ્રતા પરાધીનતા અને અંતે અશાંતિ જ આપે. પરિણામ આશાંતિ જ આવતું હોય છે. એટલે કુદરતે વ્યક્તિમાં અસંતોષવૃત્તિ સહજ રીતે જ મૂકી હશે.

    અમુક ક્ષેત્રોમાં પરિસ્થિતિમાં સંતોષ રાખવો પણ પોતાના રાષ્ટ્ર, સમાજ અને માનવતાના કલ્યાણના ક્ષેત્રમાં જે છે તે બહુ છે તેમ માની સંતોષ ન રખાય. પોતાની ક્ષમતાના ક્ષેત્રને આગળ ને આગળ વધારવું ઉત્તમ છે.

    Like

    1. સમાજ અને માનવ કલ્યાણ માટે સંતોષ રાખીને ના બેસાય તે વાત ખૂબ ઉમદા કહી. તૃષ્ણાઓનો અંત હોતો નથી પણ જરૂરી તૃષ્ણા રાખવી હિતાવહ છે.આભાર.

      Like

      1. સમાજમાં સૌને સંતોષ મળે એ માટે તૃષ્ણા હોવી જ જોઈએ.
        न त्वहं कामये राज्यं, न स्वर्गं, न पुनर्भवम्
        कामये दुःखतप्तानाम् प्राणिनाम् आर्तिनाशनम्
        (મને રાજ્યની કામના નથી, નથી સ્વર્ગ કે પુનર્જન્મની કામના, કામના એક જ છેઃ દુઃખથી પિડાતા પ્રાણીમાત્રનું દુઃખ ફેડવાની).

        Like

    1. રશ્મિભાઈ,
      “better than yesterday, better than today morning” સલાહ તો સાચી છે. પણ ખરો ગોટાળો જ “better than others”ને કારણે છે.

      તમે કદાચ નૈતિકતાના અર્થમાં કહેતા હશો, પણ આ સંદેશ દુન્યવી અર્થમાં સ્પર્ધા તરફ લઈ જાય છે અને સ્પર્ધામાં બીજાને ધનદોલતમાં, શારીરિક શક્તિમાં, શિક્ષણમાં (એટલે કે ડિગ્રી મેળવવામાં) પાછળ રાખી દેવા એ સૌનું ધ્યેય બની જાય છે. આ પોતે જ લોભ છે.

      બીજી બાજુ તમારી પહેલી સલાહમાં Excellence સિદ્ધ કરવાની વાત છે. એટલે તમારી સલાહના પૂર્વાર્ધને હું સંપૂર્ણ ટેકો આપું છું, પણ ઉત્તરાર્ધ વિશે જરા ફરી વિચારજો.

      Like

  7. બાપુ, લ્યો આ તો રહી ગયું ! (નેટચાર્જ બચાવવાનો લોભ !)
    ભલે મારે આંખે ચઢવું પડતું રહે ! કિંતુ આપને “લખતા” આવડી ગયું !! (વાહ ! અશોક’જી’, સ્વસ્તુતિ તો કોઈ આપની પાસેથી જ શીખે !) ઉદા: ’એક બિનસત્તાવાર સમાચાર મુજબ……’ હું માનું છું ત્યાં સુધી આ ’છાપાળવી’ રીત આજના સમયમાં પણ અસરદાર છે ! કોઈનો ઉલ્લેખ નહિ છતાં દરેકને ખબર હોય કે કોની વાત થાય છે ! (લેખક બધું જ જાતે જણાવી દે એ યોગ્ય નથી, થોડું વાચકોના મગજના વિકાસાર્થે પણ છોડવું જોઈએ !! જો કે આ વિષયે ભિન્નમત હોઈ શકે કિંતુ અમારો મત આવો છે.)

    હવે મુદ્દાની વાત, બહુ જ ’લોભક’ લેખ થયો છે. સોનાનું એક નામ ’લોભન’ છે, અને શ્રી મિતાબહેને કહ્યું કે; ’પોતાના રાષ્ટ્ર, સમાજ અને માનવતાના કલ્યાણના ક્ષેત્રમાં જે છે તે બહુ છે તેમ માની સંતોષ ન રખાય’ તો આવા ક્ષેત્રોને એક શબ્દમાં “લોભ્ય” અર્થાત લોભ કરવા લાયક કહેવાય. લોભ સાથે જોડાયેલા અનેક શબ્દો ભગોમં પર મળશે કિંતુ એક મળ્યો “લોભવિજયી”, જેનો અર્થ લોભ પર વિજય કરનાર નહિ પરંતુ (ધનના) લોભ માટે વિજય કરનાર એવો થશે. બાકી અમો જેવા “લોભાર્ણવ” (લોભનો સમુદ્ર !) પાસે આથી સારા પ્રતિભાવની આશા રાખવી એ અફળ “લોભાશા” (લોભ ફળવાની આશા) ગણાય !!! મજા આવી બાપુ, આવું સુંદર જાણવા, વિચારવા, મળે તેવું દીધે રાખજો ! આભાર.
    (લોભક = લલચાવનારું, લોભાવનારું, વખાણનાં અર્થમાં)

    Like

Leave a reply to Dipak Dholakia Cancel reply