મિત્રતાનો ફેસબુક ફંડા (વિદ્વાન મિત્રોના અભિપ્રાય અને અનુભવો સાથે)

 images (7)

મિત્રતા-ફેસબુક ફંડા

જંગલમાં એકલો રહેતો હોય કે જેલમાં કાળકોટડીમાં એકલો પૂરેલો હોય, માનવી પશુ-પ્રાણી કે કોઈ પણ જીવજંતુ ને મિત્ર બનાવી લેતો હોય છે. મિત્રતાનો આધાર ત્રણ બાબતો ઉપર હોય છે. કે ત્રણ પ્રકારની મિત્રતા હોય છે. એક મિત્રતા ઉપયોગિતા પર આધાર રાખતી હોય છે. બીજી મિત્રતા આનંદપ્રમોદ ઉપર આધાર રાખતી હોય છે અને ત્રીજી મિત્રતા નૈતિકતા કે ચારિત્ર્ય અને ગુણો કે આચારવિચાર ઉપર આધાર રાખતી હોય છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓ એકબીજાને નોટ્સ, પુસ્તકો અને સાધનો વગેરેની આપલે કરતા હોય છે. પડોશીઓ એકબીજાની વસ્તુઓ શેઅર કરતા હોય છે. અમારા પાડોશી શાંતાબેન બે મરચાં, એકાદ લીંબુ કે એકાદ ડુંગળી લેવા કાયમ આવી જતા. આવી મિત્રતાનો આધાર ઉપયોગિતા ઉપર ટકતો હોય છે. ઉપયોગિતા ખતમ મૈત્રી ખતમ.

ઘણા મિત્રો ખૂબ હસમુખા હોય છે. એમની કંપનીમાં આનંદ આવી જાય. જોડે ફિલમ જોવા જઈએ. કોઈ પ્રોગ્રામ માણવા જઈએ. ઘણા ખર્ચાળ પણ હોય મિત્રો માટે પૈસા ખર્ચતા વાર નાં કરે. આમ એક મૈત્રીનો આધાર આનંદ-પ્રમોદ, મોજશોખ હોય છે. આનંદ ખતમ મૈત્રી ખતમ.

સદાચાર, સદભાવ, સમાન વિચારસરણી, ગુણ આધારિત નૈતિક મિત્રતા કાયમ ટકી જતી હોય છે. આવી મિત્રતામાં આનંદપ્રમોદ અને ઉપયોગિતા સમાયેલી હોય તે વાત જુદી છે. આવા મિત્રતામાં એકબીજાની સારપ વધુ જોવાતી હોય છે. એમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે.

એક ઇન્ટરનેશનલ અભ્યાસ (McAndrew & Jeong, 2012) મુજબ ફેસબુકમાં સૌથી વધુ એક્ટીવ યુવાનો, સ્ત્રીઓ અને સિંગલ હોય છે. તેઓ ઇમ્પ્રેશન વધારવા માટે ફોટા, સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરવા બીજા લોકો કરતા વધુ સમય ફેસબુક પર ગાળતા હોય છે. ઓલ્ડર યુઝર્સ ફેમિલી રીલેટેડ ફેસબુક એક્ટીવીટીમાં વધુ વ્યસ્ત હોય છે. ટૂંકમાં યુવાન સ્ત્રીઓ ઇચ્છતી હોય કે લોકો તેમને વધુ જુવે અને ઓલ્ડર યુઝર્સ ફેમિલી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય છે.

રોજીંદી જીવન ઘટમાળમાં આપણે નાના મોટા અસ્વીકાર અવહેલના ભોગવતા જ હોઈએ છીએ. સાથે કામ કરતા સાથીઓ આપણને મૂકીને લંચ લેવા જતા રહેતા હોય, સગાસંબંધી આપણો જન્મદિવસ ભૂલી જતા હોય, પડોશીઓ એમના ત્યાં રાખેલી પાર્ટીમાં આમંત્રણ આપતા નથી, મિત્રો આપણને મૂકીને ફિલ્મ જોવા જતા રહેતા હોય, પતિ કે પત્ની એકબીજાની કામેચ્છા પૂરી કરવાની વિનંતીનો કઠોર અસ્વીકાર કરતા હોય, કોઈને કોઈ દ્વારા આપણી લાગણીઓ ઘવાયા વગર ભાગ્યેજ કોઈ દિવસ કે અઠવાડિયું પસાર થાય. પણ હવે Facebook, Twitter, Linkedin, Instagram જેવી અનેક સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ આપણને લાગણીઓમાં તરબતર કરવા આવી પહોચ્યાં છે, પણ જેટલી સ્વીકારની સંભાવનાઓ વધે તેમ અસ્વીકારની સંભાવનાઓ પણ ખૂબ વધી જતી હોય છે. એટલે કોઈ મિત્ર લાઈક આપવાનું ભૂલી જાય કે રિટ્વીટ કરવાનું ભૂલી જાય ત્યારે પેલાં રિઅલ લાઇફ રિજેક્શન જેવું અહીં પણ અનુભવાય છે. આપણા ટહુકા નો કોઈ પ્રતિસાદ આપવામાંથી છટકી જાય ત્યારે ખૂબ લાગી આવતું હોય છે. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર ના સચવાય તે એક જાતનો સામાજિક બહિષ્કાર જેવું લાગતું હોય છે.

સમજો જ્યારે આપણે કાયમ પાડોશીને નાની મોટી પાર્ટીમાં યાદ રાખીને બોલાવતા હોઈએ પણ તેના ઘેર પ્રસંગ આવે ત્યારે આપણને ભૂલી જાય ત્યારે જે દુઃખ થાય કે લાગણી ઘવાય છે તેવી જ સરખી અનુભૂતિ અહીં ફેસબુકમાં તમને કોઈ મિત્ર દ્વારા લાઈક કે પ્રતિભાવ નાં મળે ત્યારે થતી હોય છે. શારીરિક પેએન વખતે બ્રેનમાં જે વિભાગો વધુ હલચલ બતાવે છે તે જ વિભાગો સામાજિક અસ્વીકાર વખતે પણ વધુ હલચલ બતાવતા હોય છે. એટલે તમને પગમાં ઠેસ વાગે અને અંગૂઠામાં દુખાવો થાય ત્યારે, અને કોઈ સગા એમના ઘેર સારા પ્રસંગે આપણને યાદ નાં કરે અને આપણી લાગણી ઘવાય ત્યારે, અને આપણો મિત્ર આપણી પોસ્ટને લાઈક નાં આપે કે પ્રતિભાવ નાં આપે ત્યારે બ્રેનમાં સેઇમ વિભાગ એક્ટીવ થતા હોય છે. જો આટલું સમજાઈ જાય તો હવે કોઈ લાઈક નાં આપે તો દુઃખ ઓછું થશે.

ઘણીવાર આપણે વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ. માનો કે આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય. હું પોતે ટ્વીટર પર જતો નથી. મારા લેખોની લિંક ઓટ્મેટિક ટ્વીટર પર આવી જતી હોય છે. હું ગુગલ પ્લસ પણ ખાસ વાપરતો નથી. એટલે મને તે સાઈટ્સ પર કોઈ શું કરે મને ખાસ ખબર હોતી નથી. ફેસબુક ઉપર પણ હું આખો દિવસ હોઉં નહિ. બીજું અમારો ટાઈમ ડિફરન્સ પણ ધ્યાનમાં રાખવો પડે. અમારો સુવાનો ટાઈમ થાય ત્યારે તમે કોઈ પોસ્ટ મૂકી હોય જેની અમને જાણ થાય નહિ. હજારો પોસ્ટ અને સ્ટેટ્સ મૂકાતાં હોય ત્યાં કોઈ મિત્રનું ક્યાંય પહોચી ગયું હોય દેખાય પણ નહિ. એટલે જો આપણને સોશિઅલ મીડિયા પર ૧૦૦૦ વખત અસ્વીકાર(રિજેક્શન) અનુભવાય ત્યારે ૯૯૯ વખત કોઈનો અંગત ઇરાદો એવું કરવાનો હોતો નથી. ઘણી બધી જાતજાતની પોસ્ટ મૂકાતી હોય, ફોટા હજારો જાતના મુકાતા હોય છે. મને પોતાને ફોટા મૂકવામાં રસ નથી પડતો. અને એવા મૂકેલા ફોટા પ્રત્યે મારું ખાસ ધ્યાન પણ નાં હોય. દરેકના રસ જુદાજુદા હોય. એટલે જેટલું સોશિઅલ મીડિયા પર સમૃદ્ધ થવાની તકો હોય તેટલી જ તકો રિજેકશનની પણ હોય છે.

ફેસબુક પર લાખો પેજ છે. હેલ્થને લગતા હજારો પેજ હશે. હજારો લાખો ગ્રુપ્સ ચાલતા હશે. જેને જે ભાવે તેમાં જોડાઈ જાય. પોતાના ધંધાની જાહેરાતના પેજ હોય છે તેમ નિઃસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓના પણ પેજ છે. આતો જાહેર અન્નકૂટ છે જેને જે ભાવે તે ખાઈ લે.

ફેસબુક વાપરતા બાળકોનાં માતાપિતા ચિંતા કરતા હશે કે એનાથી બાળકોની બુદ્ધિમત્તા પર અસર પડશે. પણ એક અભ્યાસ એનાથી ઊલટું કહે છે. જો કે વધુ પડતો ઉપયોગ સમય બગાડે તે હકીકત છે. પણ અભ્યાસ જતાવે છે કે જે ૧૫-૧૮ વર્ષના બાળકો એક વર્ષ કરતા વધુ સમયથી ફેસબુક વાપરતા હોય તેઓની વર્કિંગ મૅમરી, વર્બલ આઈ કયું, અને સ્પેલિંગ જ્ઞાન એક વર્ષ કરતા ઓછા સમયથી ફેસબુક પર એક્ટીવ હોય તે બાળકો કરતા વધુ હોય છે. કારણ આખી દુનિયામાંથી માહિતીનો ધોધ અહીં વહેતો હોય છે. એની સાથે અનાયાસે રમતા રમતા અનાયાસે ચિંતનમનન થઈ જતું હોય છે.

એક અભ્યાસ જણાવે છે કે ૫૦ વર્ષ વટાવ્યા પછી એકલતા માનવીમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતી હોય છે. એટલે એકલતાના નિવારણ માટે મિત્રો હોય તે જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે એકલતા દૂર કરવા અસંખ્ય મિત્રો જોઈએ. કે જેમ મિત્રો વધુ તેમ એકલતા વધુ દૂર રહે. એકલતા તમે કેટલા એકલા છો તેના પર આધાર નથી રાખતી પણ તમે કેટલું એકલવાયું અનુભવો છો તેના પર આધાર રાખે છે. ઘણીવાર સગાંસંબંધીઓનાં ટોળા વચ્ચે પણ માણસ એકલતા અનુભવતો હોય છે. ક્યારેક બહુ મોટી પાર્ટીમાં પણ ઘણીવાર એકલતા અનુભવાતી હોય છે. અને ક્યારેક મારા જેવાને સારા પુસ્તકો વાંચવા મળી જાય તો એકલો હોઉં તો પણ એકલતા લાગે નહિ..આમ મિત્રતામાં ગુણવત્તા વધુ મહત્વની છે સંખ્યા નહિ. બહુ ઓછા મિત્રો સાથે પણ એકલતા નિવારી શકાતી હોય છે. અરે! જેની હાજરીમાં એકલતા ગાયબ થઈ જાય તે સારો મિત્ર, બોર નાં કરે તે સારો મિત્ર, જેની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય, જેને મળીને જ ખુશ થઈ જવાય, તે સારો મિત્ર..

ફેસબુક પર ગમે તેટલા ફ્રેન્ડસ હોય ખરેખર આપણે બહુ ઓછા મિત્રો સાથે interact ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા હોઈએ છીએ. ૫૦૦ મિત્રો ફેસબુક પર હોય તો ભાગ્યેજ ૧૫-૧૭ મિત્રો સાથે અરસપરસ interact કરી શકતા હોઈએ છીએ એવું એક અભ્યાસ બતાવે છે. આ વર્ચ્યૂઅલ ફેન્ડશીપ ક્યારેક રિઅલ મિત્રતામાં પણ બદલાઈ જતી હોય છે. પરદેશમાં રહેતા ફેસબુક મિત્રો દેશમાં આવીને વર્ચ્યૂઅલ મિત્રોની મુલાકાત લઈને એમને રિઅલ મિત્રો પણ બનાવી લેતા હોય છે.

ફેસબુક કે બીજી કોઈપણ સોશિઅલ વેબસાઈટ ઘણા માટે જાત સાથેની ઓળખ પણ બની શકતું હોય છે. હું શરૂમાં ફેસબુક પર ખાસ આવતો નહિ. મને ખુદને ખબર નહોતી કે આ ઇન્ટરનેટ મને લખતા કરી દેશે. મેં સપને પણ વિચાર્યું નહોતું કે હું લખતો થઈ જઈશ. શરૂમાં મેં ઓનલાઇન વાંચવા મળતા દિવ્યભાસ્કરમાં કોઈ લેખ નીચે ટિપ્પણી લખવાનું શરુ કરેલું. એમાંથી પોતાનો બ્લોગ બનાવી લખવાનું શરુ કરેલું. તે સમયે મારા વિચારો અસ્તવ્યસ્ત રીતે લખીને બ્લોગમાં મૂકતો થયેલો. પણ બીજા બ્લોગર મિત્રોએ એને સરાહવાનું શરુ કર્યું એમાં મને વધુને વધુ લખવાની ચાનક ચઢવા લાગી. ધીમે ધીમે ઘડાતો ગયો અને લખાણ પણ સુધરતું ગયું. ફેસબુક પર ભાગ્યેજ આવતો. ફેસબુક પર સૌ પ્રથમ મારી જાહેર ઓળખ આપનાર મિત્ર દર્શિત ગોસ્વામી બન્યા. એમણે મારો એક લેખ મારા નામ સાથે ફેસબુક પર પ્રસિદ્ધ કર્યો એને મિશ્ર પ્રતિભાવો મળેલા. થેન્ક્સ દર્શિત.

ફેસબુક દ્વારા મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢવાનું ફેસબુક સારું માધ્યમ બની શકે છે. ઈમેલ અને બ્લોગ દ્વારા બહુ ઓછા મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય છે પણ ફેસબુક દ્વારા એકસાથે અનેક મિત્રો અને સગાસંબંધી સાથે સંપર્કમાં રહી શકાય છે. જૂની ઓળખાણો તાજી થતી હોય છે. કોઈપણ વસ્તુની સારીનરસી બાજુઓ હોય છે તેમ ફેસબુકને પણ હોય છે. કૉલેજ સ્ટુડન્ટ વચ્ચે કરાયેલો એક અભ્યાસ જતાવે છે કે જે લોકો ફેસબુક ઉપર પોસ્ટ અને સ્ટેટ્સ વધુમાં વધુ અપડેટ કરતા રહેતા હોય છે તેઓ સામાન્ય સંખ્યામાં સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરતા લોકોની સરખામણીએ ઓછી એકલતા અનુભવતા હોય છે.

સારી તંદુરસ્તી માટે આપણને ખબર છે કે પૌષ્ટિક ખોરાક લો, નિયમિત કસરત કરો, અને પૂરતો આરામ કરો, પણ કેટલા જાણે છે કે એની સાથે સામાજિક જોડાણ પણ મહત્વ ધરાવે છે? સામાજિક જોડાણ શારીરિક અને માનસિક હેલ્થ ઈમ્પ્રુવ કરે છે તે પણ જાણવા જેવું છે. વધુ પડતું વજન હેલ્થ માટે નુકસાનકારક છે જ પણ તેના કરતા વધુ નુકશાન જો તમે સામાજિક સંબંધો નાં ધરાવતા હોવ ત્યારે થતું હોય છે તેવું પણ એક અભ્યાસ જણાવે છે. ખૂબ મજબૂત સોશિઅલ કનેક્શન ધરાવતા લોકોનું આયુષ્ય વધવાના ચાન્સ ૫૦ ટકા વધી જતા હોય છે. સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ મજબૂત કરે છે. Steve Cole નામના વૈજ્ઞાનિકે રિસર્ચ કરેલું છે કે સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ ઈમ્પ્રુવ કરે છે જેના લીધે બીમારીમાંથી જલદી બહાર આવી જવાય છે અને તેના લીધે આયુષ્ય પણ વધે છે. જે સામાજિક રીતે બીજા લોકો સાથે વધુ કનેક્ટેડ હોય છે તેઓને anxiety અને depression ઓછું થતું હોય છે. સામાજિક મજબૂત જોડાણ સેલ્ફ એસ્ટીમ વધારે છે, બીજા પ્રત્યે સહાનુભૂતિમાં વધારો કરે છે સાથે સાથે સહકારની ભાવના વિકસે છે, તેનો લાભ બીજાને મળે તો સામેથી આપણને પણ મળતો જ હોય છે. “પરસ્પર દેવો ભવઃ”

ઓછું સામાજિક જોડાણ ધરાવતા લોકોની શારીરિક અને માનસિક હેલ્થ ઓછી થતી જાય છે જેના લીધે એન્ટીસોશિઅલ પ્રવૃત્તિ વધવાનું જોખમ પણ વધી જતું હોય છે તેમ તેમ એકલા પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. એન્ગઝાયટિ, ડિપ્રેશન અને અસામાજિક વૃત્તિઓ સામે અસહાયતા ક્યારેક આત્મહત્યા તરફ દોરી જાય છે.  We are biologically, cognitively, physically, and spiritually wired to love, to be loved, and to belong. આવું ના બને તો ભાંગી પડાતું હોય છે, સંવેદનહીન બની જવાતું હોય છે જે એકંદરે નુકશાન કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ધનિક થવા માંગીએ છીએ, સત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માંગીએ છીએ, સૌન્દર્ય અને અમર યુવાની ઇચ્છીએ છીએ, નવી કાર જોઈએ છે, પણ આ બધી ઇચ્છાઓના મૂળમાં સામાજિક સ્વીકાર ઇચ્છતા હોઈએ છીએ, કોઈને પોતાના બનાવવા અને કોઈના બનવા માંગતા હોઈએ છીએ. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે.

મૂવી જોતા વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પડદા પર નૃત્ય કરતા દ્ગશ્યોના ટુકડા એકધારા લયમાં ઝડપથી પસાર થતા પારદર્શક ચિત્રો જ છે. આપણે એમાં માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. બસ તેવું જ ફેસબુક જેવા વર્ચ્યૂઅલ જગતનું પણ છે. અને ખરેખર આ વર્ચ્યૂઅલ જગત વર્ચ્યૂઅલ પૂરેપૂરું હોતું પણ નથી. ભલે આપણે ફેસબુક મિત્રોને મળ્યા નાં હોઈએ પણ હકીકતમાં તેઓ બીજા દેશમાં કે શહેરમાં બેઠેલા હોય છે તો ખરા જ. ફેક આઈડી પાછળ પણ કોઈ જીવંત વ્યક્તિ છુપાયેલો તો હોય જ છે. એવા મિત્રોને ખરેખર મળવાના ચાન્સ ૧૦૦ ટકા હોય જ છે. એટલે ભલે ના મળ્યા હોઈએ એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી પણ થવાતું જ હોય છે, એના માટે કોઈ રિસર્ચની જરૂર નથી. જેને હું કાયમ ઝાઝું લક કહીને સંબોધન કરતો હતો તે ઝલક પાઠકની કાયમી વિદાયનાં સમાચાર સાંભળી વહેલા આંસુ વર્ચ્યૂઅલ નહોતા તે એની સાબિતી છે.

આ ફેસબુક મિત્રતા કહો કે વર્ચ્યૂઅલ મિત્રતા કહો તેના વિષે જુદા જુદા મિત્રોના વિચારો પણ જાણવા જેવા છે.

પોતાનું આગવું વિચાર વલોણું રજૂ કરતા શ્રી અશોકસિંહ વાળા કહે છે, “સોશિયલ સાઇટના ફાયદા અચૂક છે પરંતુ સાઇડ ઇફેક્ટનો સૌ કોઈ ને અનુભવ હશે જ… તમારા એકના એક દિલ પર હાથ રાખીને કહો? પણ પણ પણ આ આભાસી સંબંધો વાસ્તવિક સંબંધોનું આધુનિકરણ છે જે સાચે જ વ્હાલુ લાગે એવું છે… ખરેખર આ ૧૧ પાસ અશ્કાએ આકાંક્ષાથી ઉપરના મિત્રો અને માન-સંમાન ફેસબુક પર મેળવ્યું છે.”

હું એમને કાયમ કહેતો હોઉં છું કે પન્નાલાલ પટેલ પણ બહુ ભણેલા કે સ્નાતક નહોતા પણ એમણે જે સર્જન આપ્યું છે તે કદી ભૂલાય તેવું નથી. ભણતરનો ફેર ચોક્કસ પડતો હોય તમારા સર્જન ઉપર પણ ફરજિયાત ફેર પડે તે જરૂરી નથી. વધુમાં આગળ ઉમેરતા તેઓ કહે છે,

“મિત્રતામાં વિચારોની સમાનતા હોય ત્યાં મૈત્રી ટકવાનાં ચાન્સ ખૂબ વધી જતાં હોય છે મારી જ વાત કરું તો નાનપણમાં ગામડે મોટાભાગના મિત્રો સાથે મારે બનતું નહિ કારણ કે મને/મારા વિચારોને કોઈ સમજે નહિ એટલે કાયમ મિત્રો સાથે મતભેદ રહે અને દરરોજના મતભેદ આખરે મનભેદમાં પરિવર્તિત થાય જતાં હોય છે અને કોઈ એક લેખ, કવિતા કે રચનાને આપની કૉમેન્ટ દ્વારા સંપૂર્ણ ન્યાય આપવો પણ ખૂબ અઘરો અને કદાચ દિલના ખરા શબ્દોથી ઈમાનદારી પૂર્વક ન્યાય ન પણ આપી શકાય ખાસ કરીને ત્યારે જ્યારે મનમાં લાઇકનું ભૂત ધૂણતું હોય… હાહાહા… ક્યાંક હાસ્યના હુલ્લડમાં મન પ્રફુલીત કરવા હાસ્ય પ્રચુર કૉમેન્ટ કરવાની… ત્યાંથી મૂડ ચેઇન્જ કરી કોઈ એક ધાર્મિક પોસ્ટ પર કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એનો ખયાલ રાખી કૉમેન્ટ કરી નીકળ્યાં હોય ત્યાં તર્ક સંગત પોસ્ટમાં કૉમેન્ટ કરવાનું આમંત્રણ નોટિફિકેશનમાં આવીને ઉંભુ હોય આ કોમેન્ટોની ભાગદૌડમાં આપણાં ખૂદના વિચારોનો વિરોધાભાસ છતો થયા વગર નથી રહેતો કોઈ પણ વસ્તુ વિષયનો વિરોધાભાસ તો હોવાનો જ એમાં પણ ખાસ કરીને સોશિઅલ સાઇટના તો નબળા અને સબળા પાસા ઊડીને આંખે વળગે એવા… ગામ હોય ત્યાં ઉકરડા પણ હોય એટલે ગામ છોડીને ભાગી થોડું જવાનું? ઉકરડાની સફાઈને પ્રાથમિકતા આપવી ઘટે… વિવેક બુદ્ધિથી ઉપયોગ કરીએ તો ફેસબૂક એક અદ્દભૂત સોશિઅલ સાઇટ છે અને એના સેંકડો ફાયદાઓને પણ નજર અંદાજ ન જ કરી શકાય.”

શ્રી અશોકસિંહ સંવેદનશીલ અછાંદસ કવિ પણ છે તેઓએ ફેસબુકને અનુલક્ષીને એક સુંદર કવિતા પણ લખી છે, ચાલો તે પણ માણી લઈએ.

“માયા ફેસબૂકની”

લાઇકની લ્હાયમાં હલવાણા આ ધુરંધરો

કોયડો કોમેન્ટનો થતો જાય એવો અઘરો,

નર હોય કે, હોય નારી તણી કોઈ દિવાલ

ચડી દિવાલ પર કરે કૉમેન્ટ રૂપી મુજરો,

ફેસબૂક સમંદરની સૌ નાની મોટી માછલી

શબ્દો સૌ કોઈના છે અહીં અજીબ તવંગરો,

અહં આડોડાઈ અકળાવે અંદરથી સૌને

નિખાલસ મનમાં કીડો છે આ કેવો જબરો,

મળે નાનાને ટૅગમાં પણ મોટો ધૂત્કાર અહીં

ને મોટા માંથા કણે જાય વણ નોતર્યો નવરો,

સમયની થપાટે સુધરશે સૌ કોઈ “અશોક”

અપ ટુ ડેટ લિબાસ, છે અંદરથી ઇ લઘરો

– અશોકસિંહ વાળા

વિચક્ષણ પોલીસ અધિકારી શ્રી રાજ બ્રહ્મભટ્ટનું કહેવું છે, “Virtual friendship ! It feels good to be here. Most of us are known according to our profile. We find imaginary characters close to us through their posts, comments, blogs, photos etc. Most of us are bonded with third type of friendship. Yet there are chances  for first & second type friendships too. One thing is for sure, its eternal.”

અમારા મસ્ત મૌલા બલવંતસિંહ જેઠવા સાહેબે ફક્ત ચાર પંક્તિમાં ફેસબુકનો આભાર ઉમદા રીતે સાવ સરળતાથી માની લીધો,

               “ફેસબુકના ના સેતુંથી હૈયા આપણાં ફૂલ્યાં,

             બંધ કંઈક જુના દરવાજા ખૂલ્યાં.

             સ્નેહ સમંદરના મોજે રોજ ઝૂલ્યાં,

             મળ્યાં જુના દોસ્તો હતાં જેને ભૂલ્યાં.”

સંવેદનશીલ હૃદય ધરાવતા સ્વાતિબેન સુથારનું કહેવું છે, “કઈ નક્કી નથી કરી શકાતું કે કેવી મિત્રતા હોય છે એફ.બી. પર? માણસોનું એકબીજા સાથે કોમ્યુનીકેશન જ જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.. જેથી માણસ પોતાની સુખ કે દુખની લાગણી બીજા સાથે શેર કરી શકે અને સ્વસ્થ રહી શકે તન અને મન થી…પરંતુ અહીં આવું પણ બને જેને તમે ખૂબ સહૃદયી  મિત્રો માન્યા હોય.. એ જ તમારા માટે કૈંક ભળતો જ ઓપિનિયન રાખતા હોય ! અને ત્યારે !..તમારી એમના તરફની લાગણી ઓ ને ગળે ટૂપો આપી દેવો પડે…હોતા હૈ ચલતા હૈ…..!  જ્યારે ના વિચારેલા અજાણ્યા મિત્રો તમને ખૂબ મદદરૂપ બનતા હોય છે ! આપણી જાત ને ઠમઠોરી ને કેળવવા માટે પણ આવા સંબંધો જરૂરી છે, એમ માનવું.

પોતાના આગવા રાજકીય દ્રષ્ટિકોણ માટે જાણીતા શ્રી અમરીશ પટેલનું કહેવું છે કે, “ફેસબુક આપણ ને અલગ અલગ વયના સ્ત્રી અને પુરુષો કૉલેજમાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અને વરિષ્ઠ નાગરિકોના મનમાં શું ચાલી રહ્યું છે જાણવાનું અદ્ભુત પ્લેટફોર્મ પૂરું પાડે છે. સામાન્ય સંજોગોમાં ૧૭ કે ૨૦ વર્ષના તરુણ કે તરુણી કે ગૃહિણીઓ કે અન્ય સ્ત્રીઓ જે તમારા થી ૫૦૦ કે ૧૦૦૦ કે ૨૦૦૦ કિલોમીટર દૂર રહેતા અલગ અલગ જાતિ અલગ અલગ ધર્મના વ્યક્તિ સાથે મિત્રતા કરવી અસંભવિત છે, ફેસબુક એ પ્લેટફોર્મ પૂરું પડે છે ફક્ત Add Friend ની ક્લિક દ્વારા ……….અલગ વ્યક્તિ…..અલગ સમાજ …અલગ પ્રશ્નો ….અલગ અલગ આશાઓ, કલ્પનાઓ વિચારો અને અલગ દ્રષ્ટી કોણ ……અલગ વ્યથા અને અલગ અલગ સંવેદનાનો અનુભવ કરાવે છે……………..ફેસબુક એ મહાસાગર છે જ્યાં મહેનત કરો તો મિત્રો રૂપી મોતી મળવાના જ છે ………મળ્યા વગર એકબીજા સાથે સંવેદના અનુભવવી એ ૨૧મી સદીની મિત્રતાની નવી પરિભાષા છે ……….જ્યારે મળીએ છીએ ત્યારે વધુ આનંદ અનુભવાય છે જેમ બાળપણનો મિત્ર ૧૦ કે ૧૫ વર્ષે મળતો હોય એવી લાગણી અનુભવાય છે. આફ્ટર ઓલ માણસ સામાજિક પ્રાણી છે, જૂથ વગર ટોળા વગર બેચેની અનુભવે છે, એકલતા હતાશા પ્રેરે છે, ત્યાં એફ બી આ એકલતાનો પ્રભાવ કે અસર કૈંક અંશે ઓછી કરે છે …..પરદેશમાં અજાણ્યા લોકોની વચ્ચે રહેતા લોકો પણ આ માધ્યમ થકી પોતાને પોતાના દેશમાં રહેતો હોય એ રીતે જોડી રાખે છે. અને એમાં નોંધવા પાત્ર વાત એ છે કે એમાં વિષયો ની વિવિધતા ખુબજ છે સંગીત ……રાજનીતિ …સામાજિક ……..ફિલ્મ્સ …..સ્પોર્ટ્સ ..સાયકોલોજી ……હ્યુમર ……..સંવેદનશીલ કથાઓ જે વાચકો ના જીવન સાથે સંકળાયેલી હોય છે ……..આમ રસ ના વિષયો વધતા જ જાય છે જે સારો સંકેત છે.”

દક્ષિણ ભારતીય કાનુડાને પોતાના હ્રદયનો રાજકુમાર બનાવીને બેઠેલા એક સંવેદનશીલ ગૃહિણી નિવારોઝીન રાજકુમાર ફેસબુક મિત્રતા વિષે ખૂબ જ હકારાત્મક વિચારો ધરાવતા કહે છે,

આજે ….FACEBOOK..વિશે એક હકારાત્મક અભિગમ…!

(સામાન્ય રીતે જરાક જુદી રીતે …જોવાતું , ચર્ચાતું હોય છે)

Fb..એક સમાજ છે …અલગ અલગ ઓળખ અને વિચારો ધરાવતા લોકો અહિં પણ જોવા મળે છે…બસ થોડું ધ્યાન થી જોવાની , સમજવાની જરૂર પડે…

FB.. એક પરિવાર છે….જરૂર પડ્યે હૂંફ કે સહારો કે થોડા સમય માટે સાથ તો અહિં મળી જ શકે છે…અહિં તમારી વર્તુળની પસંદગી પર બહુ આધાર રહે….નાના નાના ઝઘડાઓ થતા અને મિટતા મેં ખુદ જોયા છે….

FB.. એક મિત્રતા છે , જે અહિં પણ તમારા મારા પર આધાર રાખે છે ..કે આપણે કઈ રીતે નિભાવી શકીએ છીએ…અપેક્ષાના ધોરણો તમારે નક્કી કરવાનાં….

FB.. એક શાળા છે…જ્યાં નવું નવું શીખવાની ઘણી તકો છે..જો ઇચ્છો તો…ઘણું મેળવી શકાય….સારુ મેળવી શકાય…..

FB ..એક સંગઠન છે….જ્યાંથી અનેક સામાજિક પ્રથા-કુપ્રથામાં ફેરફારો શક્ય છે…. awareness..પણ પેદા કરી શકાય….opinion…લઈ શકાય…

FB ..એક સબળ માધ્યમ છે …જેના દ્વારા છૂટા પડેલા અનેક મિત્રો તમે પાછા મેળવ્યા છે….

FB ..એક પ્રવૃતિ છે…પોતાની ધણી બધી આવડતો લોકોને બતાવવાનું ઉત્તમ …છે…સંગીત ,કાવ્યો , લેખો કે એવી કોઈ સ્વતંત્ર ..creativity…..ને અહિં બહોળો અવકાશ છે…

FB.. એક રામબાણ ઇલાજ છે …એકલતા દૂર કરવા માટેનો…જે અહિં જોડાયેલા કેટલાય senior citizens …ને કુટુંબ જેવો …અપનાપનનો અહેસાસ કરાવે છે…ઉપરાંત નકારાત્મક વિચારો થી દૂર રાખે છે…અને સૌથી જરૂરી વાત…એમને …i m wanted ….અનુભવ કરાવે છે..

તમને શું લાગે છે…….?”

    નિવારોઝીન બહેન તમને જે લાગે છે તે જ મને તો લાગે છે. બીજા મિત્રોને પણ એવું જ લાગતું હશે તેમાં કોઈ શક હાલ તો લાગતો નથી. વધુમાં એમનું કહેવું છે કે, ”ગુજરાતી ભાષા જાણે થોડા સમય પછી પાછી આળસ મરડીને ઊભી થઈ હોય એવું જ લાગે છે…..જોરદાર અભિવ્યક્તિઓ જોવા મળી રહી છે….ક્યારેક ન વ્યક્ત થયેલા આત્માઓ વ્યક્ત થઈ રહ્યા છે….જમાપાસા ઘણા છે…થોડા ખરાબ પાસા અવગણીએ તો…..

છોટે ગુગલ મહારાજ શ્રી પૃથ્વિરાજસિંહ રાણા પોતાનો અનુભવ દર્શાવતા કહે છે,

“હું પણ યાહૂ વખતે તેમાં ગાંડા બની ગયેલા લોકો ને જોતો હતો આખી રાત રાત ચેટિંગ કરતાં હોય છે ને એ વખતે પણ એવા જ લોકો હતા જેઓ ને રિયલ લાઇફમાં કોઈ દોસ્તો નહોતા અથવા તો મતી અનુસાર દોસ્તો નોહતા ,,,, બરોબર એવ જ સમયમાં મારે રાજકોટથી વાંકાનેર આવાનું બન્યું ને ત્યારે આહિયા અકિલા ન્યૂઝ વાંચવું સમયના પ્રમાણમાં થોડું અઘરું બન્યું ને તે લીધે વળી નાછૂટકે નેટ પર આવ્યો ને તેમાંથી મામાના એકાઉન્ટમાં થી રાઓલજીના લેખની નોટ વાંચવાનું શરૂ જ કરતો હતો ને ત્યાર થી પછી હું પણ ફેસબૂકનો વ્યસની ક્યારે બની ગયો એ પણ ખબર નો પડી. આમ તમે રાઓલજી મારા આ દુર્વ્યસન માટે સીધી રીતે જ જવાબદાર છો (ને સજા રૂપે તમારે અમેરિકન સ્કોચ પિવડાવી પડશે ખી ખી ખી) એ બાદ કોમેન્ટમાં અને શાયરો ને કવિઓ ને 10\10 ની અંદર માર્ક આપીને કૉમેન્ટ કરતો હતો ને એમાંથી ક્યારે પક્ષ કે પ્રતિપક્ષ કોમેન્ટને બાદમાં પોસ્ટ કરતાં થાય ગયો એ તો હવે ખ્યાલ પણ નથી..  હા આજે પણ ગમતી પોસ્ટ કે કોમેત્ન ને લાઈક તો આપું જ છું ,,,બને ત્યાં સુધી ફ્રેંડલિસ્ટ નાનું રાખવા ની કોશિશ કરું છું ને સિલેકટેડ લોકો સાથે જ વોટ્સએપ કે ડાઇરેક્ટ મળવા નું પસંદ કરું છું ,,,ફેસબૂક ફંડા માટે એટલું જ કહીશ કે અહિંયાં થી મને વધારે મળ્યું છે…… ગુમાવવાની નોબત હાલ સુધી તો આવી નથી…… આગળ અલ્લાહ માલિક……

એકદમ બેલેન્સ્ડ વિચારો ધરાવતા યુવાન મિત્ર કૃણાલ રાજપૂતે તો આ બાબતે આખો નિબંધ જ લખી નાખ્યો છે. છતાં ટૂંકમાં એમના શબ્દોમાં જ જોઈએ. “ ફેસબુક આભાસી દુનિયા છે પણ વાસ્તવિક દુનિયા છે તે પણ ક્યારેક આભાસી નીકળતી હોય તેવું લાગે છે. જે પ્રેમિકાને દિલથી પ્રેમ કર્યો હોય તે ટાટા બાય બાય કરીને જતી રહે ત્યારે એમ થાય કે તો વાસ્તવિક શું હતું ? ક્યારેક પોતાનો કોઈ જીગરી મિત્ર જ બે પૈસા કમાઈ લે અને આપણે તેને અમસ્તાં મિત્રભાવે જ મળવા પહોચી જઈએ અને તેની વાતોમાં ફોર્માલીટી અને પોતાની સકસેસના શો ઑફની વાતો વધારે આવી ગઈ હોય ત્યારે એમ થાય અલ્યા જીવ, આ તો કોસ્મેટીક સર્જરી કરેલું કોઈ બીજું પ્રાણી લાગે છે. ફેસબુક જોઈન કર્યું હતું ત્યારના મિત્રવર્તુળમાંથી ઘણા વાસ્તવિક જીવનમાં થાય છે તેમ વિખેરાઈ ગયા, કેટલાક વૈચારિક મતભેદોથી જૂથોમાં વહેંચાઈ ગયા, કેટલાક નવા ઉમેરાયા. આપે કહ્યું કે કોઈ મિત્ર લાઈક કે કૉમેન્ટ ના આપે તો ખોટું લાગે. કાલે જ એક મિત્ર સાથે વાત થતી હતી કે અમુક વખતે જે પોસ્ટ લખવામાં ૩-૪ કલાક બગડ્યો હોય અને જેને વાંચવામાં પણ ૫ થી ૧૦ મિનિટ લાગે તેવી પોસ્ટ પર પણ અમુક મિત્રો અરધી કે એક મિનિટ માં લાઈક આપી દે ત્યારે એમ લાગે કે મિલ્ખાસિંઘ માત્ર દોડવામાં નહિ વાંચવામાં પણ પેદા થાય છે. આવા લોકો વાંચવામાં મિલ્ખાસિંઘની સાથે સમજવામાં ખુસવંતસિંઘ પણ હોતા હશે. હું પોતે લાઈકની વાડકી વહેવારમાં માનતો નથી. વગર વિચારે કે વગર વાંચે યંત્રવત લાઈક આપવી એ મને વહેવારુ લાગતું નથી. ક્યારેક વાંચી ના શક્યો હોઉં કે કોઈ મુદ્દા પર સમજાયું ના હોય અથવા તો કોઈ મુદ્દા પર મારું પોતાનું મંતવ્ય સ્પષ્ટ ના હોય તો હું લાઈક નથી આપતો. જોકે મોટાભાગે આવી પરિસ્થિતિ નહિ વાંચી શકવાના કારણે આવી ગયી હોય છે. હાલ હવે નવા મિત્રો એડ કરવાના લીમીટેડ કર્યા છે તેનું કારણ એજ છે કે દરેકની પોસ્ટ વાંચી નથી શકાતી. જોકે ફેસબુક નવા મિત્રો પણ બનાવી આપે જેમાં કેટલાક સાથે વાસ્તવિક જીવનમાં પણ મિત્ર બને છે. કેટલાક સાથે માત્ર ફેસબુક પૂરતી જ રામાશ્યામા હોય છે. પોતાના વિચારો સમજી ના શકે તેવું સામાજિક વર્તુળ ના હોય તેઓ અહીં પોતાના વિચારો રજૂ કરે અને તેમના વિચારોને / ક્રિએટીવીટીને પ્રોત્સાહન આપનારા મળી રહે. કોઈને કવિતા લખવાનો શોખ હોય અને તેના સામાજિક વર્તુળમાં કવિતા સંભળાવવી એ અક્ષમ્ય અપરાધ હોય તો તે અહીં પોતાની ક્રિએટીવીટી દર્શાવી શકે છે. આવા લોકો અહીં ફેસબુક પર ભેગાં થઈને પોલીસની દખલ વગર એકબીજા પર કવિતામારો કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને તેના વિચારો સમજી શકે તેવા લોકો મળે ત્યારે તેને એકલવાયું ના લાગે પણ જો ટોળામાં પણ તેના વિચારો સાથે કોઈ અનુકૂળ ના હોય તો તે એકલતા અનુભવે. ફેસબુક ભલે વર્ચુઅલ પ્લેટફોર્મ હોય પણ તેની પાછળના વ્યક્તિત્વો તો વાસ્તવિક જ હોય છે એટલે માનવ સ્વભાવગત રેફ્લેક્સન પણ અહીં જોવા મળે છે.”

વિદ્વાન મિત્ર શ્રી જયેન્દ્ર આશરા એમના કોઈ મિત્રનો દાખલો કહે છે, “અમારા એક-નવા મિત્ર 2-વર્ષ પહેલાં ફેસબુક ઉપર પાગલ-ની-જેમ ચીપકી ને લાંબી-લાંબી કૉમેન્ટ કરતા … અને અમે તેમને પાગલ સમજતા … પણ જ્યારે રૂબરૂ મળવાનું થયું ત્યારે ખબર પડી કે – “તેઓ પત્નીથી અત્યંત દુખી હતા અને ડીપ્રેશનમાં આવી ગયેલા એટલે પછી કોઈ મિત્રની સલાહથી ફેસબુક એકાઉન્ટ ખોલ્યું અને જાણે વર્ષો-જુના મિત્રો મળ્યા હોય તેમ તેમને અનુભવ્યું … અમારા આ મિત્ર ખુબજ સારી કવિતાઓ કરી અને તેમનું માનસિક સંતુલન જાળવે છે અને હવે તેમનો ડંકો ફાઇનાન્સીયલ-માર્કેટમાં પણ વાગવા માંડ્યો છે” …. ટૂંકમાં – તેમને જબર-જસત માનસિક આર્થિક રાહત મળી છે .” આ થયો ફેસબુકનો હકારાત્મક ઉપયોગ. વધુમાં શ્રી જયેન્દ્રભાઈ એમના પોતાના વિચારો ઉમેરે છે, “મારા તમામ વિચારસાથી-વિચારવીરોધી મિત્રો મને અત્યંત પ્રિય છે … અહીં ગજબનું બેલેન્સ છે … કોઈનું કે તમારું અભિમાન પણ નાં વધે … અને તમે જમીન ઉપર ચીપકીને રોજ નવું શીખો તેવું અદ્ભુત-પરોક્ષ ફલક તે તમારું ઓક્સીટોસીન-ડોપામાઈન કંટ્રોલમાં રાખે છે … જ્યારે અહીં ઈસ્ટ્રોજન-ટેસ્ટેસ્ટીરોન પણ ઊભરાય છે..”

જોયું મિત્રો? ફેસબૂકનાં ફાયદા અનેક છે તો ગેરફાયદા પણ છે. એમાં ફેસબૂકનો કોઈ વાંક નથી.

રેફરન્સ

        :   http://www.sciencemag.org/content/241/4865/540.short

        :   http://www.pnas.org/content/early/2011/03/22/1102693108.abstract

        :   http://www.psy.cmu.edu/~scohen/Pressman,%20S.,%20Cohen,%20S.,%20Miller,%20G.%20E.,%20Rabin,%20B.%20S.,%20Barker.pdf

14 thoughts on “મિત્રતાનો ફેસબુક ફંડા (વિદ્વાન મિત્રોના અભિપ્રાય અને અનુભવો સાથે)”

  1. શું વાત છે !! વાહ ભુપેન્દ્રસિંહજી .. અદભૂત સંકલન .. તમો અમને બધાને પોતાના અને આત્મીય લાગ્યા .. લાગણીસભર આભાર.

    Like

    1. વાતો જૂની અને જાણીતી છે…પણ સરસ…રાજીપો.. જયહો (.મારે પણ બ્લોગ માં લખવાની ઈચ્છા થાય… પણ આવડતું નથી.😊)

      Like

  2. કોમેન્ટ બ્લોગ ઉપર લખીએ અને ખાખાંખોડા કરીએ તો જોવા મળે પણ ફેસબુક ઉપર તો અભી બોલા અભી ફોક જેવું. બે દીવસમાં ક્યાં જાય એ ખબર ન પડે.

    ફેસબુકની નોટસમાં હોય તો ક્યારેક જોવા મળે ખરી.

    ફેસબુકની કોમેન્ટ એડીટ થઈ શકે બ્લોગની કોમેન્ટ તો લખી અને એપ્રુવ થઈ તો હમેંશ માટે…મીત્રો કોમેન્ટ બ્લોગ ઉપર જરુર કરજો…

    Like

  3. રાઓલજી ખૂબ સરસ વણાટકામ ,,,,, પોસ્ટ માં જ કોમેન્ટ ને એવિ રીતે વણી લીધી કે કે કોમેત્ન કરનાર ના નામ પણ ના લખો તો પણ એવું લાગે નહીં કે આમાં અલગ અલગ વૃતિ ના લોકો ની કોમેન્ટ હશે ? ,,,,

    Like

  4. bapu, avada mota article ma facebook nu sauthi motu pink word to avyu j nahi? Ene to tame ek linti ma patavi nakhyu.. Na chale 😀 😛

    Like

  5. ભલભલાની કલમની સુકાઈ ગયેલી શાહીને દોડતી જીવતી જાગતી કરી છે આ ફેસબુકે ..સરસ આલેખન …

    Like

  6. બાપુ ખુબ સરસ છે અને હમણાં જ fb પર આવી મે વાંચી પણ હજી બે ચાર વખત વાંચવી પડશે ખુબ સરસ નિરૂપણ કરેલ છે.હદય થી કહું છુ ..

    Like

  7. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે….હાસ્તો ખરેખર એવું જ છે. સરસ આર્ટીકલ..

    Like

  8. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    શું ફેસબુક એક એડિક્શન છે” વ્યસન છે? ફેસબૂકનાં ફાયદા અનેક છે તો ગેરફાયદા પણ છે. એમાં ફેસબૂકનો કોઈ વાંક નથી.

    Like

Leave a comment