હમણા એક રશિયન ટેનિસ પ્લેયર શારાપોવાએ કહ્યું કે હું સચિનને ઓળખતી નથી એમાં બહુ મોટી ધાંધલ થઈ ગઈ, સચિનભક્તો ઉકળી પડ્યા ગાળાગાળી પર ઉતરી પડ્યા. સ્વાભાવિક છે કે એક રશિયન ક્રિકેટ કે ક્રિકેટ પ્લેયર વિષે બહુ જાણતી નાં હોય કે બિલકુલ જાણતી નાં હોય.
હમણા કહેવાતા શંકરાચાર્યે સાઈબાબા કોઈ ભગવાન નથી એમની પૂજા કરવી નકામું છે આવા મતલબનું કશું કહ્યું હશે તો સાઈબાબાના ભક્તો તૂટી પડ્યા એમની ઉપર. શંકરાચાર્ય વળી મોદી વિરોધી છે એ મુદ્દો પાછો આમાં બહુ મોટો ભાગ ભજવી જાય છે. મતલબ મોદી ભક્તો ઓર જોરથી એમની ઉપર એટેક કરવાના. હમણા એક નેતાએ નિવેદન કર્યું કે સેક્સ એજ્યુકેશનને બદલે યોગા શીખવવો જોઈએ તો સેક્સ એજ્યુકેશનની તરફેણ કરનારા એમની ઉપર તૂટી પડ્યા મારા સહીત. તો સેક્સ એજ્યુકેશનનો વિરોધ કરનારા વળી કાઉન્ટર ગોળીબાર કરતા તરફેણ કરનારા ઉપર તૂટી પડ્યા.
હમણા ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા ચાલી રહી છે. જે તે દેશની તરફેણમાં હોય તેવા લોકો તે દેશની ટીમ હારતી હોય તો એમના મોતિયા મરી જાય છે. એક જબરદસ્ત ફૂટબોલ મેનીયા હાલ ચાલી રહ્યો છે. આવો ક્રિકેટ મેનીયા ભારતમાં IPL વખતે ચાલતો હોય છે. કેળાની અમુક ખાસ જાતમાં બીટા કેરોટીન(વિટામીન A) હોય છે. હવે કેળાની આ જાત બધે પ્રચલિત હોય નહિ માટે આખી દુનિયામાં કેળાની જે જાત પ્રચલિત હોય અને સૌથી વધુ ખવાતી હોય તેવી જાતમાં જિનેટિક એન્જિયરિંગ વડે પેલી બીટા કેરોટીન ધરાવતી જાતના જિન ઉમેરી દઈએ તો લાખો લોકોને અંધત્વ થી નિવારી શકાય અને જે લોકો વિટામીન A ની ખામીને લીધે મરતા હોય તેમને બચાવી શકાય યુગાન્ડા જેવા દેશોમાં જિનેટિક એન્જિનિયરિંગ વડે વિકસાવેલા ફૂડ પર પ્રતિબંધ છે. પણ આવા સુપર બનાના જેવા મુદ્દા સોકર મેનીયામાં કોઈને જણાય નહિ.
આપણે ત્યાં ક્રિકેટ મેનીયા કે ઈલેક્શન મેનીયા ચાલતો હોય ત્યારે ઘણા બધા જરૂરી મુદ્દા ભુલાઈ જતા હોય છે. આ દર્શાવે છે કે માનવજાતની કોગ્નીટીવ સિસ્ટમ સબકોન્શિયસ ઈમોશન્સ વડે વધુ દોરાતી હોય છે. જાગૃત વાસ્તવિક હકીકતોનું એનાલીસીસ બાજુ પર રહી જતું હોય છે. એનું કારણ એ હોય છે કે સબકોન્શિયસ ઇન્સ્ટીન્કટ સર્વાઈવલ સાથે જોડાયેલ હોય છે, અને સર્વાઈવલ તો બહુ મહતવની વાત છે. કારણ એ છે કે આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણે મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છીએ. એટલે આપણી સબકોન્શિયસ ઇન્સ્ટીન્કટ સમૂહના સર્વાઈવલ સાથે જોડાયેલ હોય છે કારણ જે સમૂહ સાથે આપણે જોડાયેલ હોઈએ તે સર્વાઈવ થાય તો આપણે સર્વાઈવ થઈએ.
આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણા સમૂહ, ટ્રાઈબ ઉપર આપણી સલામતી માટે આધારિત રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ કારણ દર વખતે આપણે એકલા એક વ્યક્તિ તરીકે આપણી જાતનું રક્ષણ કરી શકીએ નહિ. આપણો સમૂહ જે કરતો હોય તેમાં આપણે વધારે સલામતી અનુભવી શકીએ. હવે આ જેની સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ તે સમૂહ જુદા જુદા સમયે જુદા જુદા પણ હોઈ શકે. એકસાથે આપણે માનસિક રીતે અનેક સમૂહો સાથે જોડાયેલા પણ હોઈ શકીએ. ફીજીકલી આપણે એક સમૂહ સાથે જોડાયેલા હોઈએ પણ માનસિક રીતે બીજા સમૂહ ઉપર આધારિત હોઈ શકીએ. દાખલા તરીકે મારા કુટુંબ સાથે હું લોહીના સંબંધ વડે જોડાયેલો અને આધારિત હોઉં અને એક ઘરમાં ભેગો રહેતો હોઉં પણ અમુક મારા સંબંધીઓ કોઈ ધાર્મિક પંથમાં ખાસ વધુ માનતા હોય તો મારા નાસ્તિક હોવાના લીધે તેઓ તે બાબતે મારી સાથે અને હું એમની સાથે જોડાયેલ નાં હોઉં. હવે મારો જન્મ કહેવાતી રાજપૂત કોમમાં થયેલો હોય પણ અમુક સંબંધીઓ વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હોય તો તેઓ જુદી જુદી કોમોમાં જન્મેલા હોય છતાં વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા લોકોનાં સમૂહ સાથે ધાર્મિક રીતે વધુ જોડાયેલ અને આધારિત હોય.
આપણે એક સાથે અનેક ટ્રાઈબ સાથે જોડાયેલા અને આધારિત હોઈએ છીએ. હું તો મારો જ દાખલો આપું બીજાનો શું કામ? હું જન્મ્યો રાઓલ ચાવડામાં એટલે મારી એક ટ્રાઈબ તે થઈ, અને માણસાનાં અભેસિંહના માઢમાં આવેલા રાઓલ્સ મારા કુટુંબીઓ એટલે તે મારી પોતાની ક્લોઝ ટ્રાઈબ થઈ, મારા ગામના નાગરીકો ભલે ગમે તે કોમના હોય પણ મારું ગામ મારી એક ઓર ટ્રાઈબ થઈ, મારા વિચારો રેશનલ એટલે રેશનાલીઝમમાં વિશ્વાસ ધરાવતા લોકોનો સમૂહ મારી અલગ ટ્રાઈબ થઈ. આવું આવું ગણો તો એક સાથે અનેક ટ્રાઈબ જેવી કે ગુજરાતી, ગુજરાતી રાજપૂત, ભારતીય, હિંદુ-નાસ્તિક, ક્રિકેટનો ફેન હોઉં તો ક્રિકેટ, સચિન ફેન હોઉં તો તે, બચ્ચન ફેન હોઉં તો તે, આમ વિધવિધ ટ્રાઈબ સાથે હું જોડાયેલ હોઈ શકું. એટલે ક્રિકેટ વિરુદ્ધ કોઈ બોલે તો તરત મને લાગે કે મારી ટ્રાઈબ પર ખતરો છે. રાજપૂત કોમ વિરુદ્ધ કોઈ બોલે તો તરત મને લાગે મારી ટ્રાઈબ પર ખતરો છે. અને મારી ટ્રાઈબનાં સર્વાઈવલ ઉપર મારું સર્વાઈવલ આધારિત છે.
ભલે મેં જીંદગીમાં હોકી સ્ટીક પકડી નાં હોય કે ક્રિકેટનું બેટ પકડ્યું નાં હોય પણ મારા ભારતની હોકી ટીમ કે ક્રિકેટ ટીમની જીતમાં મારી જીત અને હારમાં મારી હાર હોય છે. મારી પસંદની ટીમ જીતે તો એમાં મારું સર્વાઈવલ હોય છે અને હારે તો થ્રેટ.. મારી ટીમ જીતે તો ભલે મેં એમાં રતીભાર પ્રયત્ન કર્યો નાં હોય પણ હેપી ન્યુરોકેમિકલ્સનો સ્રાવ અતિશય આનંદ આપતો હોય છે અને હારે તો કોર્ટીસોલ સ્ત્રવીને ભારોભાર દુઃખ આપતું હોય છે.
આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે. Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good પૂરતી હોય છે. અને ફિલ ગુડ ક્યારે આવે? સર્વાઈવલને સપોર્ટ કરતી કોઈ પણ વસ્તુ બને ત્યારે ફિલ ગુડ આવે. એટલે મારી ટીમ જીતે, ગુજરાતી તરીકે મોદી વડાપ્રધાન બને, મારા ભાઈને રાષ્ટ્રપતિ ચંદ્રક મળે, સાઈના નેહવાલ બેડમિન્ટન કપ જીતી જાય, શ્રેયા ઘોષાલ કે ઐશ્વર્યા મજુમદારને ફિલ્મફેર એવોર્ડ મળે, આવું તો ઘણું બધું થાય ત્યારે મને ફિલ ગુડ અનુભવાય. 
આપણે જાતિવાદને વખોડીએ છીએ. જાતિ કે કોમ શું છે? તમારો પોતાનો નજદીકનો સમૂહ છે. વેરી ક્લોઝ સમૂહ છે. વેરી કોલોઝ ટ્રાઈબ. એના કરતા પણ વેરી ક્લોઝ સમૂહ આપણું કુટુંબ હોય છે. તમારા વ્યક્તિગત અંગત કામ માટે કશું કરો તો સ્વાર્થ કહેવાય છે. કુટુંબ માટે કશું કરો તો કુટુંબ માટે બલિદાન આપ્યું કહેવાય. કુટુંબ કરતા કોમ અને કોમ કરતા ગામ મોટી જાતિ જ થઇ એક રીતે. રાજપૂત, પટેલ, ઠક્કર જેવી અનેક જાતિઓ કરતા મહેસાણી, કાઠીયાવાડી, સુરતી, બનાસકાંઠીયા, પંચમહાલિયા, બરોડીયન, અમદાવાદી વગેરે જાતીઓનું ફલક જરા મોટું થઈ ગયું. જાતિવાદ તો આમાં છે જ પણ ફલક મોટું થતું જાય છે. આ બધું ભેગું કરો એટલે મહાજાતી ગુજરાતી થઈ જાય. આમ ગુજરાતી, રાજસ્થાની, કર્ણાટકી, કેરાલીયન આવા બીજા પણ ગણીએ તો આમાં જાતિવાદ વળી બહુ મોટા ફલક પર વિસ્તરી જાય. છવટે ભારતીય તરીકે રાષ્ટ્રવાદી કહેવાઈએ પણ આમાં જાતિવાદનું ફલક અતિવિશાળ થઇ જતું હોય છે. જેમ જેમ નાના ફલક ઉપર કામ કરતા જાવ તેમ તેમ સ્વાર્થી કહેવાઓ અને જેમ જેમ મોટા જાતીવાદી ફલક ઉપર કામ કરતા જાવ તેમ તેમ પરોપકારી વધુ કહેવાતા જવાના. છેવટે રાષ્ટ્રવાદી કે પછી માનવતાવાદી કહેવાઈ શકો. ઉમાશંકર જોશી પાછલી ઉંમરમાં પોતાને વિશ્વમાનવ તરીકે માનતા થઈ ગયેલા.
જાતિવાદ એટલે સમૂહવાદ પછી તે નાના ફલક ઉપર હોય કે વિશાલ. અને સમૂહવાદ એટલે મેમલ બ્રેન જે કરોડો કરોડો વર્ષથી સર્વાઈવલ માટે વિકસેલું છે. જાતિવાદ કદી નાશ પામવાનો નથી, તમે નવી નવી જાતિઓ ઉભી કરો અથવા મોટા ફલક પર કામ કરી પરમાર્થી બનો. તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જેવી જ્ઞાતિઓ ભૂંસી નાખો બદલામાં શિક્ષક, એન્જીનીયર, વૈષ્ણવ, ક્લોથ મરચંટ, લેખક, કવિ, બચ્ચન ફેન કે સચિન ફેન જેવી બીજી હજારો જાતિઓ ઉભી કરો. તમારો જાતિવાદ નાના ફલક ઉપર ચુસ્ત હશે તો મોટા ફલક ઉપર એની પકડ ઓછી હશે. એટલે મેં લખેલું કે આપણે ત્યાં કોમવાદ ચુસ્ત છે માટે રાષ્ટ્રવાદ કમજોર છે. રાષ્ટ્રવાદ ચુસ્ત હશે તો કોમવાદ કમજોર હશે. એટલું કરી શકાય કે કોઈ જાતિને નાની મોટી હલકી કે ભારે નાં સમજીએ.
હવે આ જાતિવાદ, સમુહવાદનું ફલક વિસ્તરતું વિસ્તરતું બીજા મેમલ પ્રાણીઓ અને જીવ જંતુ સુધી વિસ્તરી જાય તો દુનિયા તેને ભગવાન મહાવીર તરીકે ઓળખે છે, ભગવાન બુદ્ધ તરીકે ઓળખે છે.



































