કડું, કરિયાતું, કાળી જીરી, લીમડાની અંતરછાલ બધું ભેગું કરીને બનાવેલી આ આયુર્વેદીક દવા જીર્ણજ્વર ઉતારવા ઉકાળીને પવાય છે. બહુ કડવું હોય છે ઝેર જેવું. ઝંડુ ફાર્મસીના મહાસુદર્શન ચૂર્ણમાં પણ આ બધી દવાઓ હોય છે. મહાસુદર્શન મારું પ્રિય ચૂર્ણ, સિઝન બદલાય અને તાવ જેવું લાગે અઠવાડિયું રોજ રાત્રે ફાકડો મારી જ લેવાનો. સ્વાસ્થ્ય માટે અમુક અમુક દિવસે આવી કડવી ફાકી મારવી જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે જીર્ણજ્વર એક્ ક્રોનિક ફીવર જેવું કહેવાય. આવા તાવ જલદી ઉતરતા નથી. મેરા ભારત મહાન આવો જ એક જીર્ણજ્વર છે. લગભગ આપણ દરેક ભારતીયને હોય છે. મને પણ ખુબ ઉગ્ર રીતે વળગેલો હતો. જોકે આ તાવ હજારો વર્ષથી વળગેલો છે અને એટલે જ આપણે પલાંઠી મારીને બેસી ગયા છીએ કે આપણે તો મહાન હતા અને સર્વજ્ઞ હોવાનો દાવો તો પાછો ઉભો જ છે માટે હવે કશું કરવાનું છે નહિ. હું પણ આવો તાવ લઈને જ અમેરિકા પધારેલો હતો આપણા લેખકો અને પત્રકાર લેખકોએ અમેરિકાને જોયા વગર જ મારેલાં ગપ્પ સાચાં માની અમેરિકા એટલે સાવ રાક્ષસ હોય, સંસ્કાર અને સંસ્કૃતિવિહીન હોય તેવી છાપ લઈને ફક્ત ડોલરના ઝાડ ખંખેરવા મળશે તે આશામાં જ આવેલો. પણ અહી આવીને જુદું જ જોયું અનુભવ્યું વિચાર્યું કે મેરા ભારત મહાન ૧૦૦ ટકા હતું પણ હવે રહ્યું નથી. નથી રહ્યું તો કેમ પાછળ ગગડ્યું ? ફરી મહાનતા તરફ ગતિ કરવા એની દવા કરતા પહેલા બીમારી તો જાણવી પડશે કે નહિ ? બીમારી જાણ્યા વગર દવા શેની કરીશું ? એટલે મને મારી અલ્પમતિ જે દેખાય છે તે લખું છું. એમાં મારો કોઈ ઈરાદો નથી કે હું મારા દેશને વખોડું કે મારા દેશના બાંધવોની લાગણીઓ દુભવું. એક સમયે સૌથી જુની સંસ્કૃતિને નાતે અવ્વલ નંબરે આ દેશ હતો પણ હવે રહ્યો નથી. ફરી મારે અવ્વલ નંબરે એને જોવો છે. હવે નંબર વન હતો નંબર વન હતો એવા ગાણા ગાવાથી ફરી નંબર વન થઈ જવાતું નથી. ફરી નંબર વન બનવાની પહેલી શરત એ છે કે હાલ નંબર વન નથી તે પહેલા સ્વીકારવું પડશે. પછી હકારાત્મક બનો સારી બાજુઓ જુઓ એવા દંભી ગાણા ગાવાનું બંધ કરી બીમારીઓ જોવાનું શીખવું પડશે.
કે ભારત શા માટે ગરીબ પછાત, વિકસિત નહિ પણ ધીમી ગતિએ વિકાસ તરફ આગળ વધતો દેશ છે ? નેતાઓને ફક્ત વિકાસની વાતો કરે એટલામાં ઢગલાબંધ વોટ મળે છે. હજુ તો વિકાસની વાતો કરવી પડે છે. છે ને કરુણતા ? શા માટે ૧૯૪૭ પહેલા સળંગ આઠસો વર્ષ ગુલામી કે ગુલામી જેવી દશા ભોગવવી પડેલી ? કેમ પરદેશી આક્રમણકારીઓ મનફાવે ત્યારે આવીને જીતી જતા હતા અને ભારતીયોને ગુલામી તરફ ઢસડી જતા હતા ? આ બધા અઘરા પ્રશ્નોના ઉત્તર મેળવવાનું બહુ કઠિન છે. ઉપર છલ્લા જવાબો સહુ આપશે પણ એના ઊંડા મૂળ સુધી જવાનું અઘરું કામ કોઈ નહિ કરે અને કોઈ ઉત્તર શોધવાનું કામ કરતા કદાચ આકરું કહી બેસે તો હજારો લાખો દેશભક્ત આત્માઓ તૂટી પડશે. તમને ખબર નથી કેટલો મહાન આપણો દેશ હતો ? સૌથી જૂની સંસ્કૃતિ અને આજે તો નુક્લિઅર પાવર અને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે આપણો તે શું ખબર નથી ? એમાંય રિક્ષા ભાડા કરતા ઓછા ખર્ચે મંગળ ઉપર પણ ચડાઈ કરી આવ્યા. બહુ સારી વાત છે.
અહીં કોઈને ક્રિટિસિઝમ ગમતું નથી, ગુણદોષવિવેચન કરીએ તો અહંકાર ઘવાય છે, લાગણીઓ વાતવાતમાં દુભાઈ જાય છે. જે પણ કહો તેનો તમારી સામે જ ઉપયોગ કરવામાં કાબેલ. આપણી ભૂલો કોઈ બતાવે તો એના જેવો કોઈ વેરી નહિ. ભારત સમજવા માટે સંપૂર્ણપણે મુશ્કેલ દેશ છે. હેમિંગ્વે કહે છે શું તમારે લેખક બનવું છે ? ક્યાં છે તમારા જખમ ? મેં કદી લેખક બનવાનું આયોજન કર્યું નહોતું પણ મારી પાસે મારા જખમ છે. મારી માતા, મારી ભારત માતા પાસે ઊંડા ઘાવ છે, ઘણા ગંભીર અને દૂઝતા ઘાવ. લોહી નીંગળતી ભારત માતા જોઈ એનો કયો પુત્ર કશું બોલ્યા વગર અમસ્તો જોઈ રહે ? જિંદગીની લાંબી મેરેથોન હરીફાઈમાં દુનિયાના અમુક સમાજ ઍડ્વાન્સ બની ગયા છે અને અમુક સાવ પછાત રહી ગયા. શું આની પાછળ કોઈ સ્પષ્ટ શકાય તેવી પૅટર્ન હશે ? આ મુદ્દો ઇતિહાસ, મનોવિજ્ઞાન, આસપાસનું વાતાવરણ, સમાજશાસ્ત્ર અને સંસ્કૃતિ વગેરેનું એક નાં સમજાય તેવું તદ્દન જટિલ જાળું છે. આવા લાક્ષણિક પ્રકરણનું પૃથક્કરણ કરવા તીવ્ર દ્ગષ્ટિ જોઈએ, ભારત એનો ઉત્તમ નમૂનો છે.
એક અબજ માણસોની મજબૂત સંખ્યા સાથેની આ પ્રાચીન મહાન સંસ્કૃતિ વિપુલ કુદરતી સાધન સંપત્તિ ધરાવતી હોવા છતાં બીજા માનવવંશ કરતા પ્રગતિની દોડમાં શા માટે પાછળ પડી ? આના ઉત્તર સહેલાઈથી નહિ મળે, છતાં પૂછવા પડશે, એની ચર્ચા કરવી પડશે, એને શોધવા ઊંડાણમાં જવું પડશે, મૂળિયા તપાસવા પડશે. છેલ્લો હિંદુ રાજા પૃથ્વીરાજ ચૌહાણ ઈ.સ. ૧૧૯૮મા હાર્યો ત્યારથી માંડીને ઈ.સ. ૧૯૪૭ સુધી પહેલા મધ્ય એશિયા અને પછી યુરોપથી આવેલા પરદેશી આક્રમણકારીઓ રાજ કરી ગયા. દુનિયાના કોઈ દેશનો આટલો લાંબો ૮૦૦ વર્ષનો પરદેશી શાસકોના તાબામાં રહેવાનો ઇતિહાસ નહિ હોય. આક્રમણકારીઓની એક લાંબી શ્રુંખલા જુઓ, ગઝની, તૈમુર, ખિલજી, બાબર, નાદિર દિલ્હીને કાયમ આગ લગાડી દેતા, મંદિરો તોડતા અને લૂટતા. હિંદુ પંડિતો ગઝનીનાં બજારમાં લીલામ થતા. શા માટે આપણે એટલાં બધા કમજોર હતા અને હજુ પણ છીએ ? કુદરતી સંપદાનો અભાવ ધરાવતા યુરોપના ટચૂકડા દેશો અને ટચૂકડું જાપાન પણ આર્થિક રીતે આપણાથી ઘણું આગળ નીકળી ગયું અને વિપુલ કુદરતી સંપત્તિ હોવા છતાં આપણે ગરીબ દેશોની હરોળમાં અવ્વલ નંબરે ખડા છીએ. શા માટે આપણે આટલાં ગરીબ અને પછાત રહ્યા અને હજુ પણ છીએ ? મારો જીવ કકળે છે.
સવારે ઊઠીને છાપું ખોલો વાંચીને જો જરા વિચારશીલ અને માનવીય સંવેદનાઓથી ભરેલા હો તો જીવ બળી ને ખાક થઈ જાય એટલાં બધા કૌભાંડો વાંચવા મળે. કરપ્શન તો જાણે જીવનરસ બની આપણી નસોમાં વહે છે. કરપ્શન કોઈને કરપ્શન લાગતું નથી એક વહેવાર લાગતું હોય છે. ભ્રષ્ટાચાર, પૉલ્યુશન, સરકારીતંત્રની નિષ્ફળતા, અધમ પ્રકારે સ્ત્રીઓ પર થતા બળાત્કાર અને અંધશ્રદ્ધામાં ડૂબેલી પ્રજાના સમાચારો વાંચી હૃદય હલબલી જાય. આવા બનાવોની પ્રખર ટીકા થાય તો સામે એના બચાવમાં સ્વાભિમાન ઘવાયેલાના ટોળા ઊમટી પડે. આપણે કમજોર કેમ હતા ને રહ્યા છીએ, આપણે પછાત અને ગરીબ કેમ હતા ને રહ્યા છીએ તેની ફક્ત ફરિયાદ કરવી કે એનો દોષ બીજાને માથે નાખવાને બદલે હવે આપણે એના કારણો વિષે તપાસ કરવી પડશે. આપણે આપણા દોષ જોવાનું શીખવું પડશે અને પછી એની દવા શોધવાનો ઉપાય કરવો પડશે. મહાન સંસ્કૃતિઓ નાશ પામી જતી હોય છે તેનું કારણ ભૌગોલિક પરિસ્થિતિ કે કુદરતી સંપદાનો અભાવ બહુ મહત્વનો નથી હોતો પણ નિયતિ જે પડકાર તમારી સામે મૂકે છે તેને કઈ રીતે ઝીલો છો તેના ઉપર આધાર રાખે છે. યુરોપના ટચૂકડા દેશો વખત જતા આખી દુનિયા ઉપર પ્રભાવી બન્યા તો સૌથી જૂની કહેવાતી સંસ્કૃતિઓ ભારત અને ચીન કેમ નહિ? મૂડીવાદ, ઉદ્યોગીકરણ, નિર્ણાયક પ્રયોગાત્મક સંશોધન જેવા પ્રગતિકારક પરિબળો યુરોપમાં જ કેમ વિકસ્યા એશિયામાં કેમ નહિ ? વાસ્કો-ડી-ગામાનાં વહાણે ભારતના બંદરે લંગર નાખ્યા, જગડુ શાહના વહાણો માટે યુરોપના બંદરો કેમ અજાણ્યા જ રહ્યાં ?
—-વધુ આવતા અંકે—-