Category Archives: વિચારવા વિનંતી

સ્મૃતિયર્વણા-૧

A hindu devotee in Nepal
Image via Wikipedia

સ્મૃતિયર્વણા-૧
આધુનિક સમાજને જ્યારે ઘણા બધા ધર્મોનાં નગારા જોરશોરથી સાંભળવાના હોય અને એમના ધર્મ ઝનૂનને વેઠવાનાં હોય ત્યારે એના વિષે વિચારવું અને મનન કરવું જરૂરી છે. હિન્દુઓની આત્મા, પુનર્જન્મ અને મુક્તિની માન્યતાઓ બીજા ધર્મો સ્વીકારતા નથી. અરે ધર્મની પોતાની જ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ધાર્મિક સંપ્રદાય, કોઈ વ્યક્તિ કે વસ્તુ વિષે પૂજ્યભાવ -ની પૂજા, ધર્મપ્રણાલી વગેરેના અગણિત સરોવરમાંથી કયા સરોવરમાં ડૂબકી મારવી તે નક્કી કરવું મુશ્કેલ છે. મુખ્ય ધર્મો વચ્ચે મૂળભૂત સિદ્ધાંતોમાં ઘણો બધો ફરક હોય છે જેનો અભ્યાસ કરવો જોઈએ. કયો ધર્મ સાચો છે તે નક્કી કરવાનો કોઈ સચોટ રસ્તો જ નથી. પછી તો માની લેવું કે આપણને જે વારસામાં મળ્યો તે જ સાચો? ધર્મ વ્યક્તિગત માનસિક જરૂરિયાતો પૂરી કરતો હોય છે, પણ આધુનિક માનવને ખૂબ મુશ્કેલી પડતી હોય છે ધર્મોની જૂની માન્યતાઓમાં વિશ્વાસ ધરાવતા.  ધર્મોએ પણ ઉત્ક્રાન્તિના, વિકાસના ક્રમમાં વિકાસ કરવો પડે, પણ ધર્મો વિકસતા નથી. એમને એમને જૂની માન્યતાઓ બહુ સારી લાગતી હોય છે. માનવી ઉત્તરોત્તર પ્રગતિ કરતો જતો હોય છે. વિજ્ઞાન પ્રગતિ કરતું જતું હોય છે. વિજ્ઞાન એની જૂની માન્યતાઓ ફેંકી દેતા વાર લગાડતું નથી. જ્યારે ધર્મો ચુસ્તપણે વળગી રહેવામાં માનતા હોય છે. આજે આધુનિક મેડિકલ સાયન્સ, ન્યુરો સયન્સ મનોવિજ્ઞાન બ્રેઈન વિષે, ચેતન અચેતન મન વિષે, સેલ્ફ અવેયરનેસ વિષે ખૂબ સંશોધન કરી રહ્યું છે.
ક્રિશ્ચિયન અને મુસ્લિમ માને છે કે ખાલી માનવને આત્મા(SOUL) છે. બીજા પ્રાણીઓને આત્મા જેવું કશું હોતું નથી, માટે એ લોકોને ખાઈ શકાય. તેઓ આત્માનો ફરી ફરી જન્મ થાય તેવું માનતા નથી. આપણે હિંદુઓ માનીએ છીએ દરેકમાં આત્મા છે અને ફરી ફરી જન્મ થાય છે. હવે આનો અર્થ એ નથી કે આ માન્યતાઓ સાચી છે કે ખોટી. કોઈ પુરાવા છે નહિ. છતાં પ્રત્યેક હિંદુ દ્રઢપણે આશરે ૨૫૦૦ વર્ષથી તો ફરી ફરી જન્મ થાય તે માને જ છે. કોઈ તર્ક વગર એક માન્યતા એટલાં લાંબા સમયથી લોકો માનતા હોય તે એક ઐતિહાસિક ઘટના છે. હવે ધર્મોએ જે રીતે ભગવાનની કલ્પના કરી છે તેવી રીતનો હોય તેવું પણ શક્ય નથી.

ધર્મ શું છે અને શું નથી તે નક્કી કરવું પણ ખૂબ નવાઈ પમાડે તેવું છે. દુનિયામાં પાંચ મુખ્ય ધર્મો છે. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, ક્રિશ્ચિયન અને યહૂદી. તે સિવાય, જૈન, શીખ, તાઓ, શિન્ટો, બહાઈ અને બીજા ઘણા બધા. આ સાથે ઘણા બધા અગણિત કહી શકાય તેટલા પંથો સંપ્રદાયો છે. અમુકને ભગવાન સાથે સીધું હોટ લાઈન જોડાણ હોય છે. જેમકે ચાર્લ્સ મેન્સન યુ.એસમાં અને ઓમ જાપાનમાં. પોતાને સનાતન હિંદુ ધર્મનો ઝંડો લહેરાવતા કહેતા ૨૫૦૦૦ કરતા વધુ કલ્ટ તો ભારતમાં જ છે. દરેકની માન્યતાઓ અલગ, આચારવિચાર અલગ. અરે એક જ કલ્ટ સ્વામીનારાયણમાં પણ ચાર ચાર ફાંટાં અને બીજા પડતા જ જાય છે તે વધારામાં. મૂળ સહજાનંદ સ્વામી બ્રહ્મચારી હતા. એમના વારસો હાલ ગાદીપતિ છે તે શાદીશુદા હોય છે. એમાંથી અલગ પડેલા સંતો વળી પાછા સ્ત્રીઓના મુખ પણ જોતા નથી. ખાનગીમાં સ્ત્રીઓના પગની પાનીઓ ચાટતા હોય તે અલગ વાત છે.

વલ્લભાચાર્યના તો દરેક વારસો પોતે શ્રી કૃષ્ણ. વિચારો હાલ કેટલા બધા શ્રી કૃષ્ણ ભારતમાં વિચરતા હશે? રાસલીલાઓ રમતા હશે? હું, અશોકભાઈ, ધવલભાઈ બધા ખોટી માથાકૂટ રાધા અને કૃષ્ણ વિષે કરતા હતા કોઈ બાવાશ્રીને પૂછી લેવાનું હતું કે સત્ય શું છે? આટલાં બધા શ્રી કૃષ્ણો અહી વિરાજમાન હોય ને વિવાદ કરવા? પ્રમુખસ્વામીના ભક્તો વળી એમને પ્રગટ બ્રહ્મ કહે છે. વૈજ્ઞાનિકો ખોટી માથાફોડ કરે છે બિંગ બેંગ વિષે અને યુનિવર્સની રચના વિષે એમને જ પૂછી લેવાય. પણ બીમાર પડે તો તેઓશ્રીએ પણ ડૉક્ટરની સેવા લેવી પડે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે નરસૈયો એમ જ તો નહિ કહી ગયો હોય ને? શું આ બધા ધર્મો છે??? કયા પાયા ઉપર? તો ધર્મ શું છે?

ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ લાંબો સમય સુષુપ્ત રહ્યા પછી પ્રકાશમાં આવ્યા. જૈન ધર્મના ફોલોઅર્સ બહુ ઓછા છે. બૌદ્ધ ધર્મ ખૂબ ઝડપથી વિકસ્યો અને ઠંડો પડી ગયો. ઘણા ધર્મો પેદા થયા પણ થોડાક બચ્યા. એક સંપ્રદાયને પુષ્કળ ફોલોઅર્સ મળે છે પછી તે ખુદ એક ધર્મ બની જતા હોય છે. ધર્મ જન્મે છે, એનો એક લાંબો જીવનકાળ હોય છે અંતે મૃતપાય થઈ જતા હોય છે. એક મસીહા વસંત ઋતુના ફૂલની જેમ ખીલે છે, પછી એને ખૂબ ભક્તો મળે છે, મસીહાની માન્યતાઓ પૂરી કરવા ઝનૂની બની લોહી રેડવા તૈયાર હોય છે. કાલાંતરે ધર્મઝનૂની બની જતા હોય છે. ત્યાં પછી બીજા ધર્મ માનનાર માટે કોઈ દયા ભાવ હોતો નથી. ઝનૂની ધર્મોની માન્યતાઓ અને ધર્મોની ઝનૂની માન્યતાઓને સમજવી જોઈએ. એક પાગલ અસંગત માન્યતા જુઓ, નૉર્થ અમેરિકાનો ક્રિશ્ચિયાનિટીનો એક Mormons  પંથ જોસેફ સ્મિથે સ્થાપેલો, એને દેવદૂત Moroni જાતે મળેલા. બહુસ્ત્રીગામી, શ્વેત લોકો શ્રેષ્ઠ છે, અને ક્રાઇસ્ટનાં નામે હત્યાઓ કરવાનો હક, શું તમે માની શકો?

હિંદુ ધર્મમાં છ અલગ વિચારધારાઓ છે—-સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, અને બે મીમાંસા. આ તમામ વિચારધારાઓ પાસે ભગવાન વિષે એમનું અલગ તત્વજ્ઞાન છે. સાંખ્ય તો વળી ભગવાનનો ઇનકાર કરે છે. વળી એટલું બધો વાળનાં ભાગ કરવા જેટલો વિતંડાવાદ કે એક સુપર માઈક્રોસ્કૉપ જોઈએ એમના મતને સમજવા. ખાલી વેદાંત હાલ પ્રચલિત છે. બાકીના ખોટા છે તેવું પણ કઈ રીતે કહી શકાય? કર્તા અને ભોક્તા તરીકે આત્માની વિચારધારા પોતે વિવાદાસ્પદ છે. ખૂબ આદરણીય હિંદુ સ્કોલર એલ.એસ.જોશી કહે છે બુદ્ધિશાળી માણસ કર્મની થિયરીમાં માનતો હોય કે જેવું કર્મ કરો તેવું ફળ મળે તો પછી ૧) એક્સીડેન્ટ વિષે શું માનવું? ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ, હજારો લોકો એક સાથે મરી ગયા, શું આ તમામ લોકે સાથે પાપ કર્યા હશે? હિટલરે ૬૦ લાખ યહૂદીઓને એક સાથે મારી નાખ્યા, નાના બાળકોને પણ છોડ્યા નહોતા. એમના શું કર્મ હતા? ૨) મરણ પછી શ્રાદ્ધની શું જરૂર? ૩) પશ્ચાતાપ શું કામનો? ચાલો ફરી ભૂલ ના કરીએ પણ કર્મ માફ થઈ જાય તેવું કહેવાય છે . ૪) જો ભગવાનમાં માનતા હોય તો કર્મનો નિયમ શું કામનો? કેમકે ભગવાનની પ્રાર્થના કરો, દયા મેળવો અને નિયમમાંથી છુટકારો. આમ કર્મનો નિયમ ખુદ એક તુક્કા કે તરંગ જેવો સાબિત થાય છે. સંચિત કર્મો કઈ સંદૂકમાં કે બૅન્કમાં જમા થતા હશે?

હીરાભાઈ ઠક્કરે કર્મનો નિયમ નામની બેસ્ટ સેલર બુક લખી છે. એમાંથી એક દાખલો કહું. એક ખૂનીને સબળ પુરાવારૂપે ફાંસીની સજા ન્યાયાધીશે આપી. ન્યાયાધીશ જાણતાં હતા કે આ માણસ ખૂની નથી. કારણ જ્યારે ખૂન થયેલું તે એકાંત જગ્યાએ સવારમાં ન્યાયાધીશ પોતે લોટે જવા મતલબ સંડાસ કરવા ખુલ્લામાં ગયેલા. એમણે ખૂનીને જોયેલો. હવે પોલીસે બીજાને પકડીને સબળ પુરાવા રજૂ કરેલા એ ન્યાયે આ ન્યાયાધીશ જાણતા હોય છતાં કે આ માણસ ખૂની નથી, એને ફાંસીની સજા આપે છે. પછી ચેમ્બરમાં બોલાવી એને પૂછે છે કે હું જાણું છું તું નિર્દોષ છે છતાં પુરાવા સબળ છે માટે મારે તને ફાંસીની સજા આપવી પડે છે તે કોઈ ભૂતકાળમાં એવું કર્મ કરેલું? પેલો કહે છે એણે ભૂતકાળમાં એક ખૂન કરેલું. બસ ન્યાયાધીશને સંતોષ થઈ જાય છે. પહેલા બચી ગયેલો પણ આ વખતે જુના સંચિત કર્મનો હિસાબ મળી ગયો. મેં ટૂંકમાં મારા શબ્દોમાં હિરાભાઈની વાર્તા લખી છે. બીજા મિત્રોએ જેણે આ બુક વાંચી હોય એણે ખબર હશે. આખી વાર્તા હમ્બગ, જૂઠી લાગે છે. હીરાભાઈનાં ફળદ્રુપ ભેજાની પેદાશ લાગે છે. અમદાવાદમાં ન્યાયાધીશ સવારમાં કોતરોમાં સંડાસ જવા જાય લોટો લઈને?? પછી ત્યાં એમની રૂબરૂમાં ખૂન થાય તો લોટો લઈને પેલાંના માથામાં પછાડી શકાય. ચાલો ડરપોક હોય તો જવાદો વાત. પણ ખૂન થયા પછી પોલીસ કેમ ના બોલાવી? ગુપચુપ ચાલ્યા ગયા? પછી પોલીસ સ્ટેશને જઈને ખબર આપી કે નહિ? એક ન્યાયાધીશ થઈને ફરજ કેમ ચૂકે? પોલીસને જાણ કેમ ના કરે? એમને ખબર છે કે અસલી ખૂની બીજો છે તો કેસ બીજા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સ્ફર કરી પોતે સાક્ષી કેમ ના બન્યા? નજરે જોનાર સાક્ષી હતા. એક નિયમ જે પોતાનામાં ખરો ઊતરતો નથી તેને સાચો સાબિત કરવા આપણાં ફિલસૂફ મનગડન્ત વાર્તાઓ બનાવી કાઢે છે. આ પુસ્તક વળી બેસ્ટ સેલર છે. મારા ઘરે પણ હતું. આવા તો કેટલાય પુસ્તકો હશે.

બધા ધર્મો વચ્ચે મૂળભૂત અને જેન્યુઈન ભેદભાવ હોય છે. આચરણમાં પણ ખૂબ ભેદ હોય છે. ખાલી સમાનતા હોય તો નીતિમત્તા, સદાચરણ વિષે. મોરલ કમાંડ સિવાય પ્રાણીઓ સાથે વર્તન, સેક્સ, પશ્ચાતાપનું મહત્વ અને બીજા ઘણા બધા વિષયો વચ્ચે ખૂબ ફેરફાર જોવા જોવા મળતો હોય છે. સદાચારની વાતો તો એથીક્સ કહેવાય કે નહિ? ઇસ્લામ મૂર્તિભંજક છે, હિંદુ મૂર્તિપૂજક, પરમાત્મા વિષે, આત્મા, પુનર્જન્મ, અહિંસા, એવા ઘણા બધા તદ્દન ભિન્ન માન્યતાઓ ધર્મો વચ્ચે છે. જીસસના પ્રભુ પ્રેમના દેવતા છે, અલ્લાહ શિક્ષા કરનારા તો વળી બ્રહ્મા કશું કરતા નથી ખાલી દેખરેખ રાખે. ક્રિશ્ચિયન કહેશે જીસસ પ્રભુના પુત્ર છે, જરા યહૂદીને પૂછી જુઓ.  હિંદુ કહેશે બીફ ખાવું પાપ છે બીજાને પૂછી જુઓ. અરે પ્રાચીન હિંદુ બીફ ખાતા અને આજે?

સ્વપ્નીલ વાનર.

સ્વપ્નીલ વાનર.

બાબા રામદેવે સ્વીસ બેંકોમાં પડેલા
કાળા નાણાં પાછાં લાવવા આંદોલન શરુ કર્યું પણ ખંધી ચાલક સરકારે એનો ફિયાસ્કો કરી
નાખ્યો.આપણે જાણીએ છીએ આ બાબાઓએ જ દેશની માનસિક બ્લ્યુ પ્રિન્ટ બગાડી મૂકી છે.કામ
વગરની ચવાઈ ગયેલી કથાઓ કરી કરીને પ્રજાની માનસિકતા કમજોર કરી નાખી છે.પણ એક ઓર
ભ્રષ્ટાચારી બાબાને સહારે છોને લોકો જાગૃત થતા.બાબા રામદેવ પોતે ૧૧,૦૦૦ કરોડ ભેગાં
કરી ચૂક્યા છે.આયુર્વેદિક દવાઓ સારી છે,આડ અસર વગરની,પણ બધે કામ લાગતી નથી.આવી
દવાઓ અને યોગનો વેપાર કરી એમણે કરોડો બનાવ્યા છે.હવે એમને નેતા બનવાની ભૂખ જાગી
છે.પોલીટીક્સ એમના બસની વાત નથી.ધાર્મિક ગુરુઓને રાજ કદાપિ ના સોંપાય.આવા ધર્માંધ
લોકોનો વિચારવાનો ટ્રેક એકજ હોય છે.બહુ આયામી વિચાર કરવો, પોલિસી ઘડવી આ લોકોનું
કામ નહિ.છતાં બ્લેક મની પાછાં લાવવા માટે એક વિચારનું બીજ એમણે રોપ્યું છે.એમના
આંદોલનને ભલે સરકારે યેનકેન પ્રકારે નિષ્ફળ બનાવ્યું પણ હવે તે આગળ વધશે.બાબા ભલે
જે હોય તે આંદોલનમાં જોડાયેલી પ્રજા તો નિર્દોષ હતી,એના ઉપર અત્યાચાર કરી સરકારે
પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે.પણ આ બાબા સ્ત્રીઓનો  પંજાબી ડ્રેસ પહેરી ભાગ્યા
હશે તો એમની દાઢી મૂછ ક્યાં છુપાવી હશે?

ઓશો રજનીશ તે સમયે
ધાર્મિક ભ્રષ્ટાચારની ખૂબ ટીકા કરતા અને એમાં અળખામણા બની ગયેલા.કોઈને છોડતા
નહિ.સેક્સ સપ્રેસ્ડ ભારતમાં સેક્સ વિષે વૈજ્ઞાનિક વાતો કરનારા રજનીશને લોકોએ ખૂબ
ભાંડી નાખેલા.બદનામ કરી મૂકેલા.રજનીશને તે સમયનું ભારત ઓળખી શક્યું નહોતું,પણ આજે
યુવાન મિત્રોને એમની વાતો કરતા સાંભળી આનંદ થાય છે કે હવેના વર્ષો રજનીશના છે.રજનીશ
તેમના સમય કરતા હજાર વર્ષ આગળ જીવતા હતા,કારણ ભારત તે સમયે બાકીની દુનિયા કરતા
સેંકડો વર્ષ પાછળ જીવતું હતું.ઓશો વિચારોના એટલાં બધા બીજ રોપીને ગયા છે કે ના પૂછો
વાત.એ બધા ધીરે  ધીરે વૃક્ષ બની ફાલવાના છે.

ઘણા મિત્રો ફેસબુક ઉપર કહે છે કે હવે હિંસક આંદોલન થવું જોઈએ.હું પણ
માનું છુકે ફ્રાન્સમાં જે હિંસક ક્રાંતિ થઈ હતી તેવી હાલ જરૂર છે,ચાર
ભ્રષ્ટાચારીઓના માથા જુદા પાડી દો બાકીના ફફડી જશે,પણ હિંસક આંદોલનો ભારત માટે
યોગ્ય નથી.એના માટે પૂરતું આયોજન,હથિયાર,શિસ્ત અને લોહી આપવાની તૈયારી જોઈએ.લોહી
જોઈ ચક્કર ના આવે તેવી માનસિકતા જોઈએ.આપણે હિંસક છીએ પણ ટોળામાં એકલાં નહિ.આપણે કોઈ
નાનકડા તાલીમબદ્ધ જૂથ સામે પણ લડવા સક્ષમ નથી.આપણે અંદરોઅંદર હિંસક છીએ,આપણે ધર્મ
માટે હિંસક છીએ.આપણે પોતાના ભાઈઓ માટે હિંસક છીએ.જુઓ મુઠ્ઠીભર અંગ્રેજો સામે હિંસક
બની લડી શક્યા નથી,અને ભાગલા પડ્યા કે બોર્ડર ઉપર અંદરોઅંદર લડીને આશરે ૧૦ લાખ લોકો
કપાઈ મર્યા.આ દસ લાખ લોકો અંગ્રેજો સામે લડીને મર્યા હોત તો દેશની તાસીર આજે જુદી
હોત કે નહિ??જુદી હોત કે નહિ???એક કૂકડું કાપી શકવાની ક્ષમતા હોય નહિ અને હિંસક
આંદોલન કરવાની વાતો કરવી નકામી છે.

લોકશાહીમાં યથા
પ્રજા તથા રાજા કે નેતા વાંચો.કૂવામાં હોય તો હવાડામાં આવે.પ્રજા ભ્રષ્ટ હોય તો
નેતાઓ ક્યાંથી સ્વસ્થ હોવાના?પ્રજા કમજોર હોય તો નેતાઓ ક્યાંથી બહાદુર હોવાના?પહેલા
પ્રજાએ જ સુધરવું પડશે.ખોપરીના કોર્ટેક્સની અંદર થયેલું ભ્રષ્ટાચાર નૉર્મલ છે તેવું
વાયરિંગ સભાનપણે બદલવું પડશે.લગભગ બધી નકામી પરિસ્થિતિ કદાપિ ના બદલી શકાય તેવી જ
લાગતી હોય છે.એટલે બધું સ્વીકારીલો તેવી કમજોર મનોદશા બધા રાખશે તો પરિવર્તનની આશા
કઈ રીતે રાખવી?જુઓ મુસ્લિમ અને બ્રિટીશ ભેગાં થઈને આપણે આશરે હાજર વર્ષ ગુલામ રહ્યા
તો હજાર વર્ષનો ગાળો તો બહુ લાંબો કહેવાય ને?ગુલામી નિવારી શકાય તેવી હતી?હજાર
વર્ષમાં  જિન્સમાં સમાઈ ગયેલી,હજુયે નીકળતી નથી.ભારતે સ્વીકારી લીધેલું કે ગુલામી
જન્મથી મળેલી જ છે.કેટલીયે પેઢીઓએ તો વિચાર્યું જ નહિ હોય કે ગુલામી સિવાય પણ કશું
સ્વતંત્રતા જેવું હોય છે અને એમને એમ જીવન વિતાવી ચાલી ગઈ હશે.૧૮૫૭મા એક પ્રયત્ન
કર્યો કે લડીને અંગ્રેજોને ભગાડી મૂકીએ.પછી ભૂલી ગયા. છતાં પાડ માનો પેલી બ્રિટીશ
મહિલાનો જેણે હોમરૂલ લીગની સ્થાપના કરી અને આપણું પોતાનું રાજ હોવું જોઈએ તેવું
વિચારનું એક બીજ ફરી રોપ્યું અને ગાંધીજીએ એને વૃક્ષ બનાવ્યું.આપણને તો વિચાર પણ ના
આવે તેવી માનસિકતા ઘડીને બેસી ગયા છીએ,આજે પણ તે જ હાલત છે.બધી પરિસ્થિતિ સ્વીકારી
લેવાની આપણી ક્ષમતા અસીમ છે.

લાખો વર્ષ પહેલા પૃથ્વી ઉપર વાનરો હતા.તેઓ કહેતા આપણે ઉભા થઈ ચાલી શકીએ
નહિ,આપણે કદી સાધનો વાપરી શકીએ નહિ,આપણે કદી વાતો કરી શકીએ નહિ,ત્યારે એક વાનરે
કહ્યું વેલ!હું હાલ વાત કરી શકું છું,એ વાનર સ્વપ્નીલ હતું,એક ડ્રીમર હતું.૫૦૦ વર્ષ
પાછળ જાઓ,રાઇટ બ્રધર્સ ફલાઈગ મશીનમાં બેસી ઉંડવા માંગતા હતા.અરે મૂરખ!અરે ડફોળ તારો
શું પ્રૉબ્લેમ છે?બધા બુમો પાડતા હતા કે પ્લાયવૂડ હવા કરતા ભારે હોય છે.શું રાઇટ
બ્રધર્સે એમને રિસ્પૉન્સ આપ્યો?ના!કેમ કે રાઇટ બ્રધર્સ Dreamers  હતા.વિન્સેન્ટ વેન
ગોગ તેઓ ફક્ત એક કાન ધરાવતા હતા,લોકો કહેતા તું ક્યારે સારો ચિત્રકાર બની નહિ
શકે,વેન ગોગે જવાબ આપ્યો.શું બોલ્યા?હું તમને સાંભળી શકતો નથી.વેન ગોગ સ્વપ્ન
સેવવાના આદતી હતા.લુઇસ પેશ્ચર ચીઝને દવામાં બદલી નાખી.બેન્જામીન ફ્રેન્કલીન,લોકો
કહેતા તમે વરસાદી વાવાઝોડામાં પતંગ ચગાવી શકો નહિ.બેન્જામીન કહેતા કેમ નહિ?હા જો
તમારી પાસે ઇલેક્ટ્રિક પતંગ હોય તો ચગાવી શકો.ચીન એક ધાર્મિક અફીણી હતું.લોકો આલસ્ય
શિરોમણિ હતા.અંગ્રેજોએ વેચેલું અફીણ ખાઈ સુસ્ત પડી રહેતા હતા.દસ હજાર વર્ષ જૂની
પવિત્ર ભગવાન મનાતી પરમ્પરાગત રાજાશાહીને પૂજનારા હતા.માઓ આવ્યા એક
સ્વપ્નસેવી.ધર્મોએ ભલે માનવોને પશુમાંથી મનુષ્ય બનાવ્યા,પણ વખત જતા ઍક્સ્પાયરી ડેટ
પૂરી થતા દવા પોતે ઝેર બની જતી હોય છે.આજે ધર્મો એક ઝેર બની ચૂક્યા છે ત્યારે માઓ
રીલીજન ઈઝ પોઈઝન કહી ચીનને ઝકઝોળે છે,જગાડે છે.એક સ્વપ્નસેવીની જ્યાદતીએ આજે ચીન
અમેરિકા પછી બીજા નંબરે ઉભું છે.

શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.

શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.

શાહેજહાંનો કરુણ ઇતિહાસ આપણે જાણીએ છીએ. એના દીકરા ઔરંગઝેબે એને નજરકેદ કરી  રાખેલો આગ્રાના લાલ કિલ્લામાં. ત્યાંથી સામે યમુના કિનારે દેખાતા તાજમહાલને આખો દિવસ  જોયા કરતો, જ્યાં એની પ્રિય પત્ની સદાને માટે પોઢી ગઈ હતી. એના બીજા દીકરાઓને એનાં એક  દીકરા ઔરંગઝેબે કતલ કરી નાખેલા અને પિતાને નજરકેદ કરી દિલ્હીની ગાદી કબજે કરી લીધી  હતી. ઔરંગઝેબ આવું કેમ કરી શક્યો? અકબર સામે જહાંગીરે બળવો કરેલો, શાહજહાએ જહાંગીર  સામે બળવો કરેલો. અને શાહજહાં સામે ઔરંગઝેબે બળવો કર્યો. mammals  એટલેકે સ્તનધારી સર્વાઈવ સ્કીલ શીખે છે એમના બચપણ દરમ્યાન. mammals બચપણથી મળેલા અનુભવો દ્વારા જીવનમાં સર્વાઈવ થવાની  કરામતો શીખતા હોય છે. એટલે જે અનુભવો નાનપણમાં થયા હોય તેનું  બેજીક વાયરિંગ (cortex) કોર્ટેક્સની અંદર ગૂંથાઈ  જતુ હોય છે, જે આખી જીંદગી કામ આપતું હોય છે. આ  વાયરિંગ ગૂંથાતા બહુ લાંબો સમય લેતું હોય છે. માટે માનવજાતનું બાળપણ બીજા પ્રાણીઓની  સરખામણીએ ખૂબ લાંબું હોય છે.
જે ન્યુરલ સર્કિટ આપણે ખૂબ લાંબો સમય લઈને બનાવી હોય તે  એકદમ ફેંકી શકાતી નથી. આ સર્કિટ આખી જીંદગી સેવા કરતી હોય છે. આની જાળ બહુ જટિલ હોય  છે, અને મોટાભાગના સ્તનધારી એની નિશ્રામાં મરણ પામતા હોય છે. ગમેતેટલી સલાહ આપો પણ  કેટલાક માણસો ધૂમ્રપાન છોડી શકતા નથી, કે જ્યારે ભ્રષ્ટાચાર કરવાની તક પ્રાપ્ત થાય  છે ત્યારે કાયદાની અવગણના કરે છે. આ બધી સર્વાઈવલ ટેકનીક્સ આપણે સખતપણે પકડી રાખીએ  છીએ છો ને ઘણીવાર તે ફાયદાને બદલે નુકશાન કરતી હોય.  કારણ આપણે તે બચપણમાં શીખ્યા  છીએ. આપણી માનસિકતામાં જડાઈ ગઈ હોય છે.
મોટાભાગે મુઘલ બાદશાહો  નાનપણથી આજ સર્વાઈવલ ટેકનીક્સ અજાણ રીતે અચેતન રૂપે શીખ્યા હતા. પિતા સામે બળવો  કરો, ભાઈઓને મારી નાખો અને રાજગાદી કબજે કરો. હાલનું સરસ ઉદાહરણ બેનજીર ભુટ્ટો છે. એના  પિતાએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, એમને લટકાવી દીધા, બદલો લેવા તેણે પણ ગાદી કબજે કરી  અનેકગણો ભ્રષ્ટાચાર કર્યો અને તેનું પણ મોત થયું, હવે તેમના પતિ પણ એજ માર્ગે  છે, કહેવાય છે વારંવાર સ્વીત્ઝર્લેન્ડની મુલાકાત લેતા હોય છે.
આપણે ગમેતેટલી સદાચારની વાતો કરીએ, ધર્મધ્યાન કરીએ, ટીલા ટપકાં કરીએ, મંદિરો  બાંધીએ, કરોડો સંતો પેદા કરીએ પણ ભ્રષ્ટાચારમાં આપણે નંબર વન કેમ છીએ? બચપણથી  કોર્ટેક્સમાં જો વાયરિંગ કરીને બેઠાં હોઈએ છીએ. આપણે દુકાન ઉપર ગ્રાહકોને છેતરીએ  છીએ, બાળકો જોતા હોય છે. આપણે નોકરી ઉપર ઉપરના પૈસા લીધા વગર કામ કરતા નથી, બાળકો  સમજતા હોય છે. આપણે સવારની શરૂઆત ભગવાનને પ્રસાદ ધરાવી સાથે ભ્રષ્ટાચારની શરૂઆત કરતા  હોઈએ છીએ, બાળકો રોજ જોતા હોય છે, એમાં જોડાતા હોય છે. આપણે સર્વાઈવ થવા જૂઠું બોલતા  હોઈએ છીએ, બાળકો નિરીક્ષણ કરતા હોય છે. આપણે કોઈનો ફોન આવે તો ઘરમાં નથી એવું કહી દે  તેવી આજ્ઞા બાળકોને કે પત્નીને કરીએ છીએ, તે બાળકો અચેતન મનમાં ગ્રહણ કરતા હોય  છે. આપણે ધર્મની પૂંછડી બની આખો દિવસ ફરતા હોઈએ છીએ અને લોકોના લોહી ચૂસતા શરમ  અનુભવતા નથી તે, બાળકો ગાંઠે બાંધી લેતા હોય છે. આપણે ડુંગળી લસણ ખાતા નથી અને બેંકો  ખાઈ જઈએ છીએ તે સર્વાઈવલ સ્કીલનું વાયરિંગ બાળકો એમના કોર્ટેક્સમાં કરતા જતા હોય  છે. બાળક લગભગ ૨૦ વર્ષનું થાય ત્યાં સુધી આ બધી ટેકનીક્સ શીખી ચૂક્યું હોય છે, પછી  આખી જીંદગી અવશપણે એને અનુસરતું હોય છે.
આપણે સંતો સાધુઓ પેદા કરીએ છીએ તે પણ એક  સર્વાઈવલ સ્કીલ છે. વગર મહેનતે રોટલા રળવાની સ્કીલ છે. આપણે વારસાગત ગાદી મેળવી વગર  કષ્ટ પામ્યે સર્વાઈવ થતા ભ્રષ્ટ સંતો, સાધુઓ અને મહારાજોની એક શ્રુંખલા પેદા કરી  ચૂક્યા છીએ. સંતો પોતેજ ભ્રષ્ટ છે, પ્રજાને શું શીખવશે? આજ ભ્રષ્ટ સંતોના પગ પકડી આપણે  સર્વાઈવ થવું છે તેમાં બાળકોને પણ જોડીએ છીએ, સારા સંસ્કારના બહાને.કોઈક ભાગ્યેજ વીરલો એવો હોય કે યુવાનીમાં નવું વાયરિંગ કરી  શકે.એના માટે મક્કમ મનોબળ જોઈએ,નવી સર્વાઈવલ સ્કીલ પેદા કરી શકે.એના માટે એને ખૂબ  મહેનત કરવી પડે છે.નવો ન્યુરલ હાઈવે બનાવવો ખૂબ હાર્ડ વર્ક માંગી લેતો હોય છે.આવા  લોકો તક મળે છતાં લાંચ લેતા નથી.તક મળે છતાં ભ્રષ્ટાચાર કરતા નથી.
ભારતમાં કેટલા બધાં સમાજ સુધારકો પેદા થયા?ગાંધીજી,વિવેકાનંદ,રામ મોહનરાય આવા અનેક લોકે કોર્ટેક્સમાં નવું વાયરીંગ કર્યું અને પ્રજાને નવું વાયરીંગ કરવા ખૂબ શિખામણ આપી.પણ આ લોકો દરેકના ઘરમાં જઈને તો ના રહી શકે કે નાના બાળકોનું વાયરીંગ બદલાઈ જાય?આપણી સર્વાઈવલ સ્કીલ જ એવી છે.જુઓ આશરે ૧૨ મી કે ૧૩ મી સદીથી મુસ્લિમ આક્રમણકારો ભારત ઉપર જુલમ કરવા લાગ્યા હતા તે છેક ૧૭ મી સદીમાં ઢીલા પડ્યા.આ ગાળા દરમ્યાન ભક્તિ મુવમેન્ટ ખૂબ ચાલી.સેંકડો ભક્તો ભગવાનને પોકારો કરતા પેદા થયા.ભયંકર આક્રમણો અને તકલીફોના સમયે આપણે યોદ્ધાઓ પેદા કરવાને બદલે ભક્તો પેદા કર્યા.જેના દાદા કોઈ ઘોડેસવારની  રૂપિયાની પડી ગયેલી થેલી પાછી આપવા માઇલો સુધી એની પાછળ દોડ્યા  હોય તેમના સંતાનો પાસેથી ભ્રષ્ટાચારની અપેક્ષા કઈ રીતે રાખી શકાય??આ સૌરાષ્ટ્રમાં બનેલી સત્ય ઘટના છે. એમના સંતાનો આજે પણ ભ્રષ્ટાચાર કરી શકતા નથી..
Ref -Dr. Loretta Graziano Breuning –આ મહિલાની સેવા ભારત સરકારે લેવા જેવી છે, ભ્રષ્ટાચાર દુર કરવા બાબતે.

Dr. Loretta Graziano Breuning is Professor Emerita  of International Business at California State University, East Bay, where she  taught for 20 years. She specializes in bribery practices around the globe, and  has consulted with the U.S. State Department and the Department of Commerce.

અજ્ઞાન છે બંધન,અને જ્ઞાન છે મુક્તિનો માર્ગ.

imagesCAAA2GKCઅજ્ઞાન છે બંધન, અને જ્ઞાન છે મુક્તિનો માર્ગ.

ઉપરનું શીર્ષક ફિલોસોફીકલ છે, પણ મારે ફિલોસોફીકલ નહિ બીજી વાત કરવી છે. ઘણી વાર રોગનું નિદાન થઈ જાય તો રોગ લગભગ અદ્રશ્ય થઈ જતો હોય છે. કોઈ વાર દવાની જરૂર પડે અને કોઈ વાર તો દવાની જરૂર જ ના પડે. કે ભાઈ રોગ શાનાથી થયો છે તે કારણ જડી જાય તો દવા વગર મુક્તિ મળી જાય છે. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે લખવામાં આવે છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાન્તિના ક્રમમાં જિન્સમાં મળ્યા છે તે હાલની સમાજવ્યવસ્થા માટે કોઈ વાર ઝોખમી બનીજતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઈવોલ્યુશનરી ફોર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય. માનવસમાજ પોલીગમસ હતો,  બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનોગમસ બની ચૂક્યોછે,  ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય .લગ્નવ્યવસ્થાને લીધેસ્ત્રી પાસે કોઈ ચોઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈટેસ્ટાટોરીન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઈવોલ્યુશનરી ફોર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઈવોલ્યુશનરી ફોર્સ દબાણ કરી રહ્યો છે ચેતો ભાઈ, બચો!! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કોપી પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જિન્સમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા  કર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઈવોલ્યુશનની હિસ્ટ્રીમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસ્ક્યુઅસ રહી છે. આ અવિશ્વાસરાખવાનું હવે મનોગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રોમિસ્ક્યુઅસ છે,  સ્ત્રી માઈલ્ડ છે. આ બધા ઈવોલ્યુશનરી ફોર્સ સમજી લેવાય તો બચી શકાય,  કજિયા કંકાસ,  મારઝૂડ અને ઝગડાથી બચી શકાય.

જે પુરુષોમાં ટેસ્ટાટોરીન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈટેસ્ટાટોરીન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈટેસ્ટાટોરીન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય. એના માટે રમતગમત શ્રેષ્ઠ ઉપાયછે. ક્રિકેટ,  હોકી,  બેઝબોલ, ફૂટબોલ, વોલી બોલ વગેરે રમતો હિંસા બહાર કાઢવાનું કામ આરામથી કરી શકતી હોય છે. રોજ કલાક બે કલાક ફૂટબોલને લાતો મારી મારી ઘેર આવી બૈરીને લાત મારવાનું મન નહિ થાય. હિંસા તો માનવીની અંદર જિન્સમાં સમાયેલી છે. સંપૂર્ણ અહિંસક સમાજ અશક્ય વાત છે. સંપૂર્ણ વ્યક્તિગત અહિંસા મહાવીરની જેમ શક્ય છે. એના માટે પછી કોઈ કાનમાં ખીલા ઠોકી જાય તો ચુપ બેસવાનું. જે હાલ સંપૂર્ણ અહિંસક સમાજ દેખાય છે તે બીજા લોકોના રક્ષણ હેઠળ.. આર્મી અને પોલીસના રક્ષણ હેઠળ. બાકી એકલાં તેમનું અસ્તિત્વ જ ના રહે. એટલે એક તો સ્પર્મ કોમ્પીટીશન પુરુષોને હિંસક બનાવતી હોય છે અને બીજું હાર્ડશિપ પણ હિંસક બનાવતી હોય છે. ત્રીજું પુરુષપ્રધાન સમાજ હિંસક રહેવાના. શક્ય ઓછો હિંસક સમાજ બનાવવો હોય તો સમાજ સ્ત્રી પ્રધાન બનાવી દો. આખી પૃથ્વી પર સ્ત્રીપ્રધાન વ્યવસ્થા આવી જાય તો હિંસા નદારદ થઈ જાય.

ઓરમાન માતાપિતા દ્વારા સંતાનો ઉપર અત્યાચાર થયાની દંતકથાઓ ઘણી બધી સાંભળી હશે. બાળકોની હત્યા પણ સ્ટેપ પેરેન્ટ્સ દ્વારા થઈ જતી હોય છે. એવા સર્વે પણ છે. માટે મેં લખ્યું હતું કે સ્ટેપ પેરેન્ટ્સ બાળકો માટે ખૂબ જોખમી છે. કેમકે બીજાના જિન્સ મોટા કરવા અને પાળવા પોષવામાં ઉત્ક્રાન્તિના ક્રમનો હેતુ સરતો નથી. માટે બીમાર, કમજોર સિંહને તગેડી મૂકી કોઈ નવો સિંહ ટોળાનો કબજો લે ત્યારે પ્રથમ કામ નાના બચ્ચાને મારી નાખવાનું કરે છે. એને એના જિન્સ પોષવા છે, બીજા ના નહિ. હવે જો આ ફોર્સ સમજાઈ જાય સ્ટેપપેરેન્ટ્સ ને તો નાહક ગુસ્સાથી બચી શકાય અને બાળકો બચી જાય.  કેલીફોર્નીયાના માજી ગવર્નર ,હોલીવુડના સ્ટાર, પ્રોફેશનલ બોડીબિલ્ડર એવા અર્નોલ્ડ હવે એમની સુંદર કેનેડી ફૅમિલીની મેમ્બર એવી પત્નીથી છુટા પડશે. ચાર સંતાનો હતા, એક તો ૨૧વર્ષનું છે અને ઈવોલ્યુશનરી ફોર્સમાં  ખેંચાઈ ગયા. હાઉસમેડને સંતાનની ગિફ્ટ આપી બેઠાં. જેવું સંતાન થયું ને પેલીએ એના પતિથી ડિવોર્સ લઈ લીધેલાં. હવે બહુ લાંબુ લગ્નજીવન વિતાવેલ અને આદર્શ ગણાતું કપલ છૂટું પડી જશે, આ બાબતે હિલેરી ક્લીન્ટને બહુ ઊંચી સમજદારી બતાવી હતી અને એમનું લગ્નજીવન અખંડરહ્યું.

કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા,સુખ,દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફોર્સ સમજીએ તો એના દુષ્પરિણામથી બચી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે.એના ચડાવ ઉતાર સમજી શકીએ તો નાહકના ડીપ્રેશનથી બંચી શકાય. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું પણ આધુનિક ન્યુરોસાયંસ અને બાયોલોજીથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો..

 

 

 

સૈયા ભયો જુલમી, (ડોમેસ્ટિક વાયલન્સ) Hard Truths About Human Nature.

 સૈયા ભયો જુલમી.Hard Truths About Human Nature.
મેં નાનપણમાં ઘણી સ્ત્રીઓને એમના પતિ દ્વારા માર ખાતી જોઈ છે.મોટા ભાગે પછાત અને અભણ પ્રજામાં આવું ખાસ જોવા મળતું.બલિયો રાવળ એની પત્નીના વાળ

છે હિંમત મારવાની?

પકડીને માથા ભીંતે પછાડતો,પછી નીચે પડેલી પત્નીને લાતો મારતો.નાતરિયા કોમ હતી,પણ એની પત્ની કદી એને છોડીને ગઈ નહિ.ત્યારે મને ખૂબ નવાઈ લાગતી.ડોમેસ્ટિક વાયલન્સનાં આવા બનાવો કોયડા જેવા છે.આ માર ખાતી સ્ત્રીઓમાંથી ત્રણ ભાગની તો પતિને છોડીને જતી રહેતી હોય છે.છતાં એક નાનકડો હિસ્સો આવી એબ્યુસિવ રીલેશનશીપ છોડતી નથી.અત્યાચાર સહન કરતી હોય છે.અપમાન સહન કરતી હોય છે.આ એક રહસ્ય છે,પણ આવી સ્ત્રીઓને કોઈ પૂછે તો કહેશે તેમના પતિને ખૂબ પ્રેમ કરે છે તેવો જવાબ મળતો હોય છે.ઇમોશનલ અટેચમંટ,આસક્તિ એને જોડાઈ  રહેવા મજબૂર કરતી હોય છે.ઘણી વાર હિંસક પાર્ટનર દ્વારા ગંભીર શારીરિક ઈજા થવાનો ડર પણ રહેતો હોય અને ઘણી વાર મોત પણ મળી જતું હોય છે.છતાં આવા હિંસક પાર્ટનર જોડે રહેવામાં શું ફાયદો થતો હશે?

ઉત્ક્રાન્તિના ક્રમમાં જીવન કરતા પણ એક વસ્તુ મહત્વની વધારે બની જતી હોય છે તે છે રીપ્રોડક્ટીવ સકસેસ.જીવન મહત્વનું છે,સર્વાઈવ થવું તે પણ મહત્વનું છે.તેટલું જ મહત્વનું છે વંશ આગળ  વધવામાં સફળતા.યુનાઈટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગડમ બંને જગ્યાનો એક સર્વે બતાવે છે કે જે સ્ત્રીઓ આવા હિંસક પાર્ટનર દ્વારા ગર્ભવતી થતી હોય છે તેમને દીકરાઓ વધુ જન્મતા હોય છે દીકરીઓ ઓછી.અથવા ઘણાને દીકરીઓ નહિવત્ હોય છે.આક્રમકતા આધાર રાખતી હોય છે testosterone લેવલ ઉપર.જેમ testosterone લેવલ હાઈ તેમ માણસ વધારે આક્રમક અને હિંસક હોય.જે ખેલાડીઓ ઓલોમ્પિક ગોલ્ડ મેડલ મેળવી જતા હોય છે તેમનું   testosterone લેવલ ખૂબ જ હાઈ હોય છે.અને આ મળે છે વારસામાં પિતા તરફથી.એટલે હિંસક અને આક્રમક પિતાના દીકરાઓ પણ એવાજ આક્રમક હોય છે.અગાઉ આપણે જોઈ ગયા છીએ ટી શર્ટ સર્વે મુજબ કે હાઈ testosterone લેવલ ધરાવતા પુરુષોને સ્ત્રીઓ સેક્સ્યુઅલ પાર્ટનર તરીકે પ્રથમ પસંદ કરતી હોય છે.

           હાલની સુસંસ્કૃત સમાજ વ્યવસ્થામાં ભલે હિંસક લોકો જેલોમાં વધારે રહેતા હોય,કે સમાજ એમને બહિષ્કૃત કરતો હોય પણ આપણું બ્રેઈન આ જાણતું નથી.આપણું બ્રેઈન આપણાં પૂર્વજો કઈ રીતે સર્વાઈવ થયા હતા,કઈ કંડીશનમાં જીવતા હતા તે મુજબ ઇવોલ્વ થયું હોય છે.એનો વિકાસ એ રીતે થયો હોય છે.એ સમયે હિંસક માણસો,આક્રમક માણસોને મેટિંગ તક વધારે મળતી હતી.અને એમના વંશ વારસો વધતા જતા હતા.ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં છે કે આક્રમક,હિંસક અને નિર્દયી માનવો મહાન યોદ્ધા અને સફળ રાજકર્તા બનેલા છે જે આજે પણ ચાલુ જ છે.આવા સત્તાધારી કે વર્ચસ્વ ધરાવતા પિતાઓમાં એમના સંતાનોનું રક્ષણ કરવાની કાબેલિયત પણ વધુ હોય તે સ્વાભાવિક છે.આક્રમક બાપના છોકરાને હાથ તો લગાવી જુઓ?એટલે સહન કરતી સ્ત્રીઓને પણ આવો પાર્ટનર ક્યાંથી મળવાનો જે એના સંતાનોનું રક્ષણ કોઈ પણ ભોગે કરી શકે.વળી ઓરમાન બાપ તો ઓર ખતરનાક ગણાય.સ્ટેપ ફાધરને પોતાના જિન્સ ના હોય તો કોઈ રસ ના હોય તેને મોટા કરવામાં.એમા ઉત્ક્રાંતિનો  હેતુ સરે નહિ.એટલે આવા પિતા દ્વારા નાના બાળકોને વધુ ખતરો અચેતન રૂપે હોય છે.
              આ બધી વાતો આદિ પૂર્વજોની છે.અને તે રીતે આપણું બ્રેઈન ઘડાયું હોય છે.અને આજે પણ હકીકત હોય છે.આમાં અપવાદ હોય.કેનેડા અને બીજા દેશોના સર્વે બતાવે છે કે સ્ટેપ પેરન્ટસ નાના બાળકો માટે ખતરનાક બની જતા હોય છે,ક્રૂર રીતે મારતા હોય છે અને કોઈ વાર જીવ લઇ લેતા હોય છે.કોઈ નવો સિંહ ટોળાંનો કબજો લે ત્યારે પહેલું કામ તે ટોળાના નાના બચ્ચાઓને મારી નાખવાનું કામ કરશે.બીમાર,કમજોર તગેડી મુકાયેલા સિંહના જિન્સ ઉછેરવામાં તેને રસ ના હોય.પેલા નાના બચ્ચોને મારી નાખ્યા વગર એમની માતા સિંહણ પણ મેટિંગ માટે તૈયાર ના થાય.

જોકે આજે સ્ત્રીઓએ હિંસક પુરુષો પસંદ કરવા જરૂરી નથી.જોબલેસ પુરુષો કરતા વળી સારી જોબ ધરાવતા પુરુષો એમની પત્નીઓને વધુ ઝૂડતા હોય તેવું પણ જોવા મળ્યું છે એક સર્વેમાં,અને તે પણ અમેરિકામાં.બીજું ખાસ કારણ તો પત્ની ઉપર અવિશ્વાસ હોય કે બીજા જોડે જતી તો નથી ને?એના વિષે અગાઉના લેખમાં ચર્ચા થઇ ચુકી છે.ઈવોલ્યુશનની હિસ્ટ્રીમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસ્ક્યુઅસ રહી છે.જ્યારે મનોગમીમાં સાથે રહેવાનું આવે છે ત્યારે જિન્સમાં મળેલો અવિશ્વાસ દુર થાય નહિ ત્યારે અપમાન અને પજવણી સ્ત્રીઓની શરુ થતી હોય છે.પછી બહાના ભલે જુદા હોય.એમાં પણ યુવાન સ્ત્રીઓ વધુ ભોગ બનતી હોય છે.વૃદ્ધ સ્ત્રી રીપ્રોડક્ટીવ વેલ્યૂ ખાસ ધરાવતી નથી.તેમના પતિઓ એના ઉપર ત્રાસ ગુજારતા ઓછા થઈ જવાના.પણ યુવાન સ્ત્રીઓ રીપ્રોડક્ટીવ વેલ્યૂ હાઈ ધરાવતી હોય છે,તેમના પતિઓ દ્વારા ત્રાસ વધુ ફેલાવાતો હોય છે.ખાસ તો યુવાન માનવ વધુ આક્રમક હોય છે વૃદ્ધ કરતા.તો યુવાન પતિ દ્વારા વધુ સતામણી થતી હોય તે સ્વાભાવિક છે.પણ પ્રૌઢ માણસની પત્ની વધારે યુવાન હોય તો એને ત્રાસ વધુ મળવાનો.અવિશ્વાસનું પ્રમાણ વધી જવાનું. આ બધું વૈજ્ઞાનિકો દ્વારા સર્વે કરીને સાબિત કરવામાં આવ્યું છે.

  ચીમ્પાઝીનું જીવન આ બાબતમાં ખૂબ ક્રૂર હોય છે,માદા ચીમ્પને નર ચીમ્પ  દ્વારા રૂટીન લાઈફમાં ખૂબ માર મારવામાં આવતો હોય છે.જોકે બોનોબોમાં આવી ક્રૂરતા ઓછી જોવા મળે છે.

કહેવાતી પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા ભારત જેવા દેશોમાં હોય ત્યાં એકવાર લગ્ન થઈ ગયા પછી ડિવોર્સ લેવાનું પાપ ગણાતું હોય,ત્યાં પડ્યું પાનું નિભાવી લેવાનું.એમાં હિંસક,નિર્દય સ્વભાવ ધરાવતો પતિ મળી ગયો તો પછી સમાજ શું કહેશે તેવું માની સ્ત્રીઓ જુલમ સહન કર્યા કરતી હોય છે.જોકે હવે તેનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે.હવે ડીવોર્સનું પ્રમાણ વધતું પણ જાય છે.

 સ્ત્રીઓને સહન કરવા પડતા અપમાન અને માર વિષે હવે સામાજિક કારણો બીજા વિદ્વાન મિત્રો ઉપર છોડું છું.

ગાંધીજી, અહિંસા અને આઝાદી.

Mohandas K. Gandhi
Image via Wikipedia

ગાંધીજી,અહિંસા અને આઝાદી.
ગાંધીજી અને મહાવીરની અહિંસામાં આભજમીનનો ફેર છે. ગાંધીજીની અહિંસાએ ભારતને આઝાદી અપાવી તેવું ઘણા બધા માનતા હોય છે. આઝાદી કોઈ એક વ્યક્તિના કાર્યોનું ફળ નથી. હજારો લાખો વ્યક્તિઓના સામૂહિક કાર્યનું ફળ આઝાદી છે. ગાંધીજી બહુ પાછળથી આઝાદીની લડતમાં દાખલ થયા. તે પહેલા પણ આઝાદીની ચળવળ શરુ થઈ ચૂકી હતી. અરે ઝીણા સુધ્ધા ગાંધી પહેલા આ ચળવળમાં જોડાઈ ચૂકેલા હતા. એ હિસાબે ઝીણા સીનીયર હતા. આજ અહંકાર ઝીણાને છેક સુધી નડ્યો. મોટાભાગે તૈયાર પ્લેટફોર્મ પર ગાંધીજીને બેસવા મળી ગયું હતું. પણ એકવાર ચળવળમાં દાખલ થયા પછી તમામ દોર ગાંધીજીના હાથમાં ચાલ્યો ગયો. બીજી બાજુ ભગતસિંહજી જેવા ક્રાંતિકારો એમની રીતે લડતા હતા.
ચાલો માર ખાઈને જીતવાનું મનોવિજ્ઞાન જોઈએ. ધારો કે તમારે કોઈ સાથે ઝઘડો થયો. હાથાપાઈ શરુ થઈ. સામેવાળો પ્રતિકાર કરશે તો લડવાનું ઓર શૂરાતન ચડશે. સામસામી મારવાનું થશે તો લડવાનું ઓર થવાનું, એક જોર ચડવાનું. પણ સામેવાળો નબળો હોય અને ફક્ત માર જ ખાય અને કોઈ પ્રતિકાર ના કરે તો તમારું મારવાનું જોર ઘટી જવાનું, શૂરાતન ઓછું થઈ જવાનું, કોઈ મજા નહિ આવે મારવાની. થોડીવાર આવેશમાં તમે માર્યા કરશો પછી અચાનક બધું જોર ઓસરી જશે. કોઈ શરણે થઈ જાય પછી એને મારવાનું કોઈ પ્રયોજન હોતું નથી. કોઈ ખાલી માર જ ખાધે રાખે તો તમે થાકી જવાના. સામો મારે તોજ લડવાનું મન થશે. પ્રાણી જગતમાં પણ તમે જોયું હશે. શેરીમાં બે કૂતરા લડતા જોયા જ હશે. એક કૂતરું પૂછડી દબાવી આળોટી પડે તો બીજું એને બહુ મારી નહિ શકે. તમે નિઃશસ્ત્ર માણસને મારી મારીને કેટલો મારો તમને પોતાને અપરાધભાવ પેદા થવાનો.

ઓશોએ એક રમુજભરી વાર્તા કહેલી. એક ગામમાં એક છોકરો ગામના મુખિયા જેવા માણસની છોકરીના પ્રેમમાં પડ્યો. પેલીનો બાપ કડક હતો. હવે કરવું શું? કોઈએ ઉપાય બતાવ્યો સત્યાગ્રહ ઉપર ઊતરી જા, ઉપવાસ ઉપર ઊતરી જા. પેલો તો ટેન્ટ લગાવી થોડા બૅનર ચીતરાવી ઉપવાસ પર ઊતરી ગયો કે પેલાની છોકરી સાથે લગ્ન કરવા છે નહીતો આમરણ અનશન. પેલી છોકરીનો બાપ હતો તો બહુ કડક, મારી નાખે તેવો પણ સત્યાગ્રહ આગળ શું કરે? કોઈ ડાહ્યાં માણસની સલાહ લીધી કે ભાઈ આ લડવા આવ્યો હોત કે મારી છોકરીને લઈ જવા આવ્યો હોત તો એની સામે બંદુક ખેંચત, પણ આતો ગાંધી માર્ગે અહિંસક ચળવળ ચલાવે છે શું કરું? પેલાએ કહ્યું ચિંતા ના કરો, એનો ઉપાય હું કરું છું. પેલા ડાહ્યાં માણસે એક ઘરડી વૈશ્યાને પૈસા આપી તૈયાર કરી, એને બધું સમજાવી દીધું. બીજા દિવસે પેલા છોકરાના ટેન્ટ સામે એક નવો ટેન્ટ ઊભો કરી પેલી ડોસી બેસી ગઈ, કે તું મારી સાથે લગન કર બાકી આમરણ અનશન. રાતમાં કોઈને કહ્યા વગર પેલો છોકરો ભાગી ગયો.

ગાંધીજી અજાણતાં જાણતાં હતા કે લડવું આપણી ભારતની પ્રકૃતિ રહી નથી. એના માટેનું કૌશલ્ય રહ્યું નથી, એના માટેનું જોમ રહ્યું નથી, એના માટેની   શિસ્ત રહી નથી. અહી ટોળાં ભેગાથાય, કોઈ આયોજન હોય નહિ. લડવા માટે આયોજન જોઈએ. એક ખુમારી જોઈએ. એક આક્રમકતા જોઈએ. માર ખાવા માટે એક સહન શક્તિ જોઈએ જે આપણે હજારો વરસથી મેળવી ચૂક્યા છીએ. શિસ્તબદ્ધ માર ખાવાની, આયોજન બદ્ધ માર ખાવાની યોજનાઓ ગાંધીજીએ ઘડી કાઢી. અંગ્રેજો થાકી ગયા. સામસામી લડવામાં ઓછો થાક લાગે. એક તરફી લડવામાં જલદી થાકી જવાય. ઘણા બધા સામૂહિક પરિબળોએ ભારતને આઝાદ કરવામાં ફાળો આપ્યો છે. ભલે બળવાન બ્રિટન હિટલર સામે જીત્યું પણ આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યું હતું. એ રીતે નિર્બળ બની ચૂક્યું હતું. એનો પોતાનો પથારો અડધી દુનિયા પર ફેલાવીને બેઠેલું, હવે એનો ભાર ખમાતો નહોતો. સબળતા અને નિર્બળતા સાપેક્ષ છે. કોઈ ક્યારે સબળ બની જાય ક્યારે નિર્બળ, કહેવાય નહિ. બળવાન હિટલર મિત્ર દેશોના સ્વાર્થી સંગઠન આગળ નિર્બળ બન્યો. યહૂદીઓ આખી દુનિયામાં ફેલાયેલા હતા તે કોઈ એક જગ્યાએ સંગઠિત નહોતા તે એમની નિર્બળતા. વાવાઝોડા સમયે અકડું એકલું વૃક્ષ ગબડી જાય તે એની નિર્બળતા અને ઘાસ નમીને બચી જાય તે એની સબળતા. ભલ ભલી સંસ્કૃતિઓ નાશ પામી, પણ અતિશય વસ્તી વધારી સાવ નમીને આક્રમણકારો આગળ પૂછડી પટપટાવી સર્વાઈવ થઈ ગયા તે આપણી સબળતા જ ગણાય. એકલાં ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તેવું કહેવું અને માનવું વધારે પડતું છે. અહિંસાએ આઝાદી અપાવી તેવું કહેવું પણ વધુ છે. આપણે હિંસક તો છીએ, પણ ટોળામાં. કોઈ શિસ્તબદ્ધ સૈન્ય સામે નહિ. આપણે અહીન્સકો ભાગલા પડ્યા ત્યારે એકબીજાને પોતાના ભાઈઓને સામસામી મારીને બહાદુર બની ગયા. આશરે ૧૦ લાખ લોકો માર્યા ગયા. ક્યાં ગઈ અહિંસા?

ગાંધીજીની અહિંસા અને મહાવીરની અહિંસામાં બહુ મોટો ફરક છે. સત્યનો આગ્રહ કદી હોય નહિ. દરેકના સત્યો અલગ અલગ છે. સત્ય સાપેક્ષ છે. સત્યનો આગ્રહ સૂક્ષ્મ હિંસા છે. કોઈના ઉપર દબાણ કરી પોતાની વાત મનાવવી તે પણ હિંસા જ કહેવાય. કોઈના આત્મા ઉપર હુમલો કહેવાય. મહાવીર ક્યારેય કોઈ ઉપર દબાણ ના કરી શકે કોઈના આત્માને જરા જેટલી પણ ઈજા પહોચાડી ના શકે. એમને સંન્યાસ લઈ સંસાર છોડવો હતો પણ ઘરના કોઈ ના પાડે તો એમના આત્માને દુખ ના પહોચે માટે રોકાઈ જતા. એમની હાજરી પણ જણાવા ના લાગી ઘરમાં ત્યારે બધાને થયું કે આને રોકી રાખવો નકામો છે.  છતાં ગાંધીજીની અહિંસક ચળવળે ભારતને આઝાદી અપાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો તો એમનો આભાર માનવો.  આપણે માર ખાઈને જીત્યા, દેશ આઝાદ થયો, બહુ મોટું પરાક્રમ કર્યું, માર ખાવાની શક્તિમાં, માર સહન કરવાની શક્તિમાં વધારો થયો. આનંદો!!!!!!

સબલ કે બલ રામ.

સબલ કે બલ રામ.

નિર્બલ કે બલ રામ હોય કદી?નિર્બલ માટે તો ગુલામી હોય કોઈ રામ આવે નહિ મદદ કરવા.આખો ભારતનો ઇતિહાસ તપાસો.ક્યારેય વિદેશી આક્રમણો સામે કોઈ રામે મદદ કરી છે?કોઈ હનુમાન એમની ગદા લઈને મદદ કરવા આવ્યા છે?સૌથી પહેલા આર્યો બહારથી આવ્યા કે તમને ના ગમે તો કોઈ પણ નામ આપો, સ્થાનિક પ્રજા હારી તો એને માથે ગુલામી જ આવી.વર્ણ વ્યવસ્થા શરુ થઈ કે થઈ ચૂકી હતી,હારેલી સ્થાનિક પ્રજા શૂદ્ર બની ગઈ.એને માથે આશરે ૫૦૦૦ વર્ષની ગુલામી લખાઈ ગઈ.૫૦૦૦ વર્ષ બિચારાં,નિર્બળ માટે કોઈ રામ મદદ કરવા આવ્યો નહોતો.૫૦૦૦ વર્ષ તો બહુ કહેવાય કોકે તો આવવું જોઈએ.પણ ના આવે કારણ રામ સબલનો છે.સ્વામી વિવેકાનંદે પણ લખ્યું છે કે પછાત જાતિઓ ઉપર જે અત્યાચાર ભારતમાં લાંબા સમય સુધી થયા તેવા બીજા કોઈ દેશમાં થયા નથી.આના કરતા ઓછા સમય અત્યાચાર કે ગુલામ રાખનારા મુસ્લિમો અને અંગ્રેજોને આપણે આજે ગાળો દઈએ છીએ.બે જણાએ ભેગાં થઈને આશરે ૧૦૦૦ વર્ષ ગુલામ રાખ્યા,જ્યારે આપણે કહેવાતી ઉચ્ચ જાતિઓએ ૫૦૦૦ વર્ષ એક કોમનું,એક હારેલી પ્રજાનું,શૂદ્રોનું શોષણ કરે રાખ્યું.

શોષણકર્તા કરતા વધારે દોષ શોષિત થનારી પ્રજાનો હોય છે,એવું મારું માનવું છે.કારણ કુદરતના કાનૂનમાં બળવાનનું મહત્વ વધુ હોય છે. નિર્બલનો તો જીવ જતો જ રહે.

આશરે ૯૬૦ની સાલથી ગઝનીની સેનાઓ વારંવાર ભારત ઉપર ચડી આવતી.સોમનાથ લૂંટ્યું,શિવલિંગ તોડીને એના મહેલના પગથીયે ચણી નાખ્યું જેથી રોજ એના ઉપર થઈને ચાલી શકાય,શક્ય અપમાન કરી શકાય.કોઈ શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું નહિ.કારણ શિવજી બલવાનના હતા અલ્લાહ રૂપે શિવાજી એની તરફેણ કરતા હતા.૧૧૩૭થી મહમદ ઘોરીની સેનાઓ ભારત ઉપર ચડાઈ કરતી હતી,પછી શાહબુદ્દીન ઘોરી આવ્યો.મહાન પરાક્રમી, કહેવાતા ઐયાશ પૃથ્વીરાજને હરાવી એના દેશમાં લઈ જઈને કબર ભેગો કરી દીધો.આજે પણ ત્યાં એની કબર ઉપર ત્રણ લાતો મારીને આગળ મસ્જિદમાં જવાની સુવિધા બનાવી છે.ચંદ બારોટે કલ્પનામાં ઘોરીને મારી નાખ્યાની કવિતા ઉપર આપણે ખુશ છીએ.૧૧૯૨ થી ૧૫૨૬ સુધી જુઓ,અલાઉદ્દીન,૧૧૯૨થી ૧પ૧૭ના સવા ત્રણસો વર્ષો દરમિયાન કુતુબુદ્દિન ઐબકથી માંડી ચંગીઝખાન, સુલતાન નસીરૂદ્દીન, ગ્યાસુદ્દિન બલ્બન, જલાલુદ્દિન ખિલજી ગ્યાસુદ્દિન તુઘલક, ફિરોઝશાહ અને મુહમ્મદ બિન તુઘલક આ બધાએ ભારતને લૂંટ્યું. આ જ કાળમાં (૧૩૯૮માં) તૈમૂર લંગએ ચઢાઇ કરી. સન ૧૪૧૪થી ૧૪પ૦ સુધી દિલ્હી પર સૈયદોનું રાજ્ય સ્થપાયું સન ૧૪પ૧થી૧પ૧૭ના પ૬ વર્ષ સુધી લોદીઓએ રાજ કર્યું.ત્યાર પછી મુઘલો આવ્યા.રાણા સંગાએ પ્રયત્ન કર્યો,પણ દારૂગોળા આગળ હાર્યા,એમાં મીરાબાઈના પતિદેવ પણ મરાયા હતા.

મીરાંના કોઈ કૃષ્ણ,મોરારીબાપુના કોઈ રામ ભારતને બચાવવા આગળ આવ્યા નહિ.અરે એમનું જન્મ સ્થાન તોડી બાબરી મસ્જિદ બનાવી તો પણ હનુમાન જાગ્યા નહિ.ભાઈ અલ્લાહના રૂપે કૃષ્ણ અને રામ તો એમની પડખે બેસી ગયા હતા.હુમાયુ,અકબર એક ચૌદ વર્ષે બનેલો બાદશાહ,જહાંગીર,શાહે જહાં,ઔરંગઝેબ અને બહાદુરશાહ લગી મુઘલો ચાલ્યા.વચમાં નાદિરશાહ અન અહમદશાહ લૂંટી ગયા.હવે મુઘલો નબળા પડ્યા તો રામ બેસી ગયા બ્રિટીશનાં પલ્લે.જુઓ નબળા પડ્યા કે રામ ગયો,અને રામ ગયો તો પછી કોણ બચાવે?હાર્યે જ છૂટકો.મહાન મુઘલોના વંશજ ભીખ માંગતા શેરીએ શેરીએ થઈ ગયા.હાજી હાલ પણ મહાન મુઘલોના વંશજો દિલ્હીના સ્ટેશને મજૂરી કરતા હોય છે.અને પેલાં ટીપું સુલતાનના વંશજો કલકત્તામાં પગ રીક્ષા ફેરવતા હોય છે.

મહાન ચંદ્ર ગુપ્ત પછી એકપણ ચક્રવર્તી રાજા આપણે પેદા કરી શક્યા નથી.અકબર અને ઔરંગઝેબ આશરે અડધા કરતા વધુ હિન્દુસ્તાન ઉપર કબજો જમાવી શક્યા હતા,જ્યારે મહાન શિવાજી કે રાણા પ્રતાપ વ્યક્તિગત બહાદુર હોવા છતાં આટલું કરી શક્યા નહોતા.રાણા તો રાજસ્થાનમાં પૂરો કબજો જમાવી શક્યા નહોતા,અરે ચિતોડ સુધ્ધા જીતી નહોતા શક્યા.પણ આ બે રાજાઓના લીધે મુઘલો થોડા અલ્પ કહી શકાય તેવા કાબુમાં રહ્યા.બસ આપણી પાસે ગીતડાં ગાવા આ બે રાજાઓ બચ્યા છે.મૂળ આપણે ગીતડાં ગાનારી પ્રજા છીએ.યુદ્ધ આપણું શાસ્ત્ર નથી.યોદ્ધાઓની ફસલ અહી પાકતી નથી,આતો સંતોની ભૂમિ છે.નિર્બળ કમજોર એવા ભક્તોની પુરજોશમાં ફસલ પાકે છે.સદાય રામ પાસે ભીખ માંગતા કવીતડા રચતા,રાધા બની નૃત્ય કરતા,ગરબા ગાતા,અસહાય બની પોકારો કરતા ભક્તોએ દેશની માનસિકતા સાવ સ્ત્રૈણ કરી નાખી છે.અહી યુદ્ધનું શું કામ?જાસુસી તંત્રની અનિવાર્યતા આપણને સમજાતી નથી,જરૂરી લગતી નથી.૧૯૭૧નુ યુદ્ધ અડધુ ‘રો’નામની આપની જાસુસી સંસ્થાને કારણે જીતેલા ગાંધીજીના અનુયાયી એવા મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા અને ‘રો’ને વેતરી નાખી.ચાણક્ય પાસે મજબુત જાસુસી તંત્ર હતું.એના લીધે સમ્રાટ ચંદ્ર ગુપ્ત બળવાન હતો.જાસુસો અડધી રાત્રે ચાણક્યને ઉઠાડી માહિતી આપી શકતા.

બુદ્ધને મહાવીર આવ્યા પછી રાજકીય રીતે પડતી થાય તેવી પ્રજાની માનસિકતા ઘડાવવાની શરૂઆત થઈ ચૂકી હતી.ગુલામ બનવાની તૈયારીઓ શરુ થઈ ચૂકી હતી,સવાલ હતો સમયનો.કે ક્યારે કોઈ ચડી આવે અને શરણે થઈ જઈએ.”અહિંસા પરમોધર્મ”.છેક રશિયા સુધી આંટો મારી ભારત આવેલા મહાન આર્યો,બર્બર આર્યો.જન્મજાત યોદ્ધા આર્યો હવે કાયર,કમજોર બનવાના હતા “અહિંસા પરમોધર્મ”અને “બુદ્ધમ શરણમ ગચ્છામી”નારાઓ થકી. યોદ્ધાઓની ખેતી હવે બંધ થતી ગઈ.અહિંસાના નારાઓ ચારે ઓર ગુંજી ઊઠ્યા હતા.મહાન અહિંસા વાદી ધાર્મિક સંતો અને ભક્તોની ભીડ શરુ થવાની હતી.દેશની સામાજિક બ્લ્યુ પ્રિન્ટ બગડવાની શરૂઆત થઈ ચૂકી હતી.આટલો મોટો દરિયા કિનારો અને કોઈ મહાન નાવિક યોદ્ધો પકવી ના શક્યા.કેમ કે કોઈ દૂરની દ્ગષ્ટિનો અભાવી કહી ગયો કે દરિયો ના ઓળંગાય.

નિઝામના હૈદરાબાદ કરતા ઇંગ્લૅન્ડ નાનું હતું.પણ એ શિસ્તબદ્ધ પ્રજાની પડખે રામ હતો.આજ બ્રીટીશરનાં પડખેથી રામ ખસી ગયેલો જ્યારે અમેરિકાનો સામા થયેલા.રામ રાહ જોતો હોય છે કોણ નબળો પડે અને હું એની પાસેથી ખસી જાઉં.

આપણે અહિંસક છીએ તેવા ગાણાં ગાવા હોય તો ચોઈસ આપણી છે ગુલામ રહો.વિદેશી આક્રમણકારી લૂંટારા છે આપણે તેવા નથી,આપણી સંસ્કૃતિ તેવી નથી તેવા ગીતડા ગાવા હોય તો ચોઈસ આપણી છે હારો અને ગુલામ બની રહો.જીતેલી પ્રજા હારેલાની કીમતી વસ્તુઓ સાથે લઈ જાય તે સ્વાભાવિક છે.તે લોકો પ્રેમથી ભેટવા તો આવતા નથી,લૂંટવા જ આવે છે તે સત્ય છે.આપણે લૂંટારા નથી,હિંસક નથી તેવા કવીતડા ગાવા હોય તો લૂંટાવાની,ગુલામ બની રહેવાની મજા માણો,અને તે મજા ૧૦૦૦ વરસથી માણીએ જ છીએ.જુઓ આપણો એક રાજકર્તા જગતના એક નંબરના ત્રાસવાદીને ઓસામાજી કહીને માન અર્પી રહ્યો છે.આ ત્રાસવાદીઓ માનવતાનો મલાજો તો રાખતા નથી અને આપણા ડરપોક રાજકર્તા એના મોતનો મલાજો રાખવાની શિખામણ અમેરિકાને આપે છે.આપણે એક ત્રાસવાદીને ફાંસીએ ચડાવી શકતા નથી,અસંખ્ય પુરાવા હોવા છતાં.આપણે ડંફાસ મારવામાં નિષ્ણાત છીએ.અમેરિકા જેવી સીલ ટીમ જરૂર આપણી પાસે છે,પણ આપણા રાજકર્તાઓ એને  એવું કામ સોંપવા તૈયાર છે ખરા?આપણે ભારતના મોસ્ટ વોન્ટેડને  ઉપાડી લાવવાનું કામ એને સોંપી શકીશું ખરા?તો પછી ડંફાસ મારવાની શું જરૂર હતી?

હવે સમય પાકી ગયો છે નિર્બલ કે બલ રામ જેવા સૂત્રો ફગાવી દેવાનો.

જુઓ!! વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.

The Great Wall of China at Mutianyu
Image via Wikipedia
 જુઓ!! વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.
पुराणं मानवो धर्मः साङ्गो वेद्ष्चिकित्सितम् |
आज्ञासिद्धानि चत्वारि न हन्तव्यानि हेतुभिः –પુરાણો,મનુસ્મૃતિ,અંગો સહિત વેદો અને વૈદકશાસ્ત્ર –આ ચાર (ઈશ્વરી) આજ્ઞાથી સિદ્ધ થયેલા શાસ્ત્રો છે; માટે તેઓનું કોઈ કારણો દર્શાવી ખંડન કરવું નહિ.
ઉપરનો શ્લોક મહાભારતનો છે. જુઓ વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.પછી ભલા જ્ઞાન વિજ્ઞાન ક્યાંથી અપડેટ થાય?
માનવ ઉત્પન્ન થયો હશે ત્યારે કુદરતના બધા નિયમો સારી રીતે જાણતો નહિ હોય તે હકીકત છે. આજે પણ કુદરતના નિયમો પુરા સમજાતા નથી. કે સમજી શકતા નથી. હજુ આટલું બધું આગળ વધેલું વિજ્ઞાન પણ ઘણી વાર ગોથા ખાઈ જાય છે. વીજળી ચમકે તો ગભરાઈ જતો હશે. વરસાદ વાવાઝોડા વગેરે આવતું હશે ત્યારે એને સમજાતું નહિ હોય તે સ્વાભાવિક છે. બીકનો માર્યો ઇન્દ્રને યજ્ઞોમાં ભાગ આપતો હશે. દરેક કુદરતી પરિબળોને ભગવાન માની ડરતો હશે અને પ્રાર્થના કરતો હશે.
આજે પણ બ્રહ્માંડનાં નિયમો વિષે વિજ્ઞાન અવઢવમાં છે. ગ્રેવિટી વિશેના ખ્યાલો બદલાઈ જતા હોય છે. ન્યુટનનાં નિયમો આઈનસ્ટૈન ખોટા પાડે છે. સ્ટ્રીંગ થિયરી પૂરી સમજાતી નથી. તો પ્રાચીન માનવી કઈ રીતે બધું સમજી શકતો હશે? વિજ્ઞાનના નિયમો સમજતા વર્ષો નીકળી જાય છે. તો પ્રાચીન માનવી વિજ્ઞાન સમજતો હશે તેવું માનવું વધુ પડતું છે. કે કુદરતના નિયમો સમજી શકતો હશે તે માનવું પણ વધુ પડતું છે. શરૂઆત સમજવાની ચોક્કસ કરી હશે તેમાં કોઈ શંકા નથી. સૌથી જૂની સંસ્કૃતિ ભારતની છે. માનવી અહીં આવીને સુસંસ્કૃત થયો. થોડો સ્થિર થયો હશે, સર્વાઈવ થવાની પુષ્કળ જહેમત થોડી ઓછી થઈ હશે. તો બીજું વિચારવાનો સમય મળ્યો હશે. કુદરતના પરિબળો સમજવાની શરૂઆત કરી હશે, ત્યારે દુનિયાના બીજા ભાગો ખૂબ પછાત હશે. જ્યાં જીવવા માટે સ્ટ્રગલ હોય ત્યાં બીજું વિચારવાનો સમય જ ના મળે.
હરપ્પન લોકોએ નગરો વસાવ્યા હતા ત્યાર પછી બે હજાર વર્ષો નીકળી ગયા રોમનોને નગરો વસાવતા. મતલબ યુરોપ બે હજાર વર્ષ પાછળ હતું. ધોળાવીરામાં વેસ્ટર્ન સ્ટાઇલના સંડાસ, સુએઝ, અનાજ ભરવાના કોઠાર અને સ્ટેડીયમ મળ્યા છે. એ વેસ્ટર્ન સંડાસ આજે યુરોપ જઈને પાછાં ભારત આવી ચૂક્યા છે. એટલે અહીં સંસ્કૃતિ સ્થિર થઈ એટલે વિચારવાનો સમય મળ્યો તો વિજ્ઞાનની શરૂઆત થઈ. ખગોળનો અભ્યાસ કરતા કરતા ગણિતની શરૂઆત થઈ. નંબર શોધાયા. વનસ્પતિ આધારિત ઔષધ વિજ્ઞાન શરુ થયું. પણ આ બધી શરૂઆત કહેવાય, સંપૂર્ણ ગણવું વધારે પડતું છે. જ્ઞાન રોજ અપડેટ કરવું પડે. તેને સંપૂર્ણ સમજી બેસી રહો તો આગળ વધાય નહિ. કોમ્પ્યુટર પહેલા શોધાયું તેને જ સંપૂર્ણ સમજી લીધું હોત તો? આજે પણ સંપૂર્ણ લાગતું કોમ્પ્યુટર રોજ અપડેટ થતું હોય છે અને નવું નવું એમાં આવતું જતું હોય છે. બંધિયાર પાણીની જેમ જ્ઞાન પણ અપડેટ ના થાય તો સડી જાય છે.
વેદિક સંસ્કૃતિ સમયે જ્ઞાનની શરૂઆત થઈ હશે, વિજ્ઞાનની શરૂઆત થઈ હશે. કુદરતના નિયમો સમજવાની શરૂઆત થઈ હશે તેમાં નવાઈ નથી. ખગોળ ગણિતના ઉપક્રમે અંક ગણિત શરુ થયું. શૂન્યની શોધ થઈ. એકથી નવ અંક શોધાયા. પાઈનું માપ શોધાયું. દશાંશ પદ્ધતિ શોધાઈ. પણ પછી બધું ઠપ્પ કેમ થઈ ગયું? શું આ બધું સંપૂર્ણ ગણિત હતું? જો એવું જ હતું તો પશ્ચિમ પાસેથી ઉછીનું કેમ લેવું પડે છે? ખાલી ખર્વ અને નિખર્વમાં ગણિત પૂરું થઈ જાય છે?  વાયા અરબો આપણું ગણિત પશ્ચિમમાં પહોચ્યું ત્યારે ચર્ચે મનાઈ ફરમાવી દીધેલી. કે આતો શેતાનનું કામ છે. એટલે તો અરેબીક નંબર કહેવાતા હતા. હવે જ્યારે ખબર પડી છે ત્યારે ઇન્ડો અરેબીક નંબર કહેવાય છે. પણ ત્યાર પછી એકવાર અપનાવી લીધું બસ ગણિતમાં આ લોકો જ આગળ વધ્યા. આપણે પાછળ પડી ગયા.સીવીરામન પછી કોઈ જગવિખ્યાત વૈજ્ઞાનિક પેદા કરી શક્યા નથી. શકુન્તલાદેવી જ્યોતિષમાં ખોવાઈ ગયા. જીવંત કોમ્પ્યુટર જેવી ક્ષમતા અને અમેરિકામાં જોષ જોવા બેસી ગયા. ધાર્યું હોત તો લેડી આઈનસ્ટાઇન બની શક્યા હોત. એક બ્રિજ, એક વિમાન, એક મોટું સ્કાય સ્ક્રેપર, એક મોટો નર્મદા જેવો બંધ, એક ઉપગ્રહ, એક ઉપગ્રહને ઓર્બીટમાં ગોઠવવા માટેનું રોકેટ, એક સ્કાયલેબ, એક મિસાઇલ, એક ન્યુક્લીયર બૉમ્બ, એક અણુ મથક આ બધું બનાવવા માટે જે ગહન ગણિત વપરાય છે તે શું વેદિક ગણિત વડે શક્ય છે? અને શક્ય હોય તો ભારતેતો અવશ્ય વાપરવું જોઈએ.
માટે વેદિક સંસ્કૃતિને સંપૂર્ણ વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતી સમજી લેવું વધારે પડતું છે. ઘણા મિત્રો માને છે જે યજ્ઞોથી વરસાદ આવે છે. અથવા વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ વસ્તુ બળે એટલે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય. અને બીજા અમુક  વાયુઓ પેદા થતા હશે. લાકડા બાળીએ તો શું પેદા થાય? એ વાયુ હવામાં ઊંચે જઈને વાદળો સાથે મિક્સ થઈને શું વરસાદ લાવતો હશે? તો પછી એના કરતા અનેક ગણો કાર્બન ડાયોક્સાઇડ વાહનોના ધુમાડા દ્વારા ઉપર જતો હોય છે તો વરસાદ કેમ નથી આવતો? ધુમાડાથી પોલ્યુશન વધે કે ઘટે? તો પછી ગ્લોબલ વોર્મિંગની વ્યર્થ બુમો શું કામ પાડવી? જંગલો ઓછા થાય તો વરસાદ વધે કે ઘટે?  કાર્બન ડાયોક્સાઈડની ખરાબ અસરો વિષે ચિંતિત કેમ છીએ?  અહીં અમારે છાશવારે વરસાદ પડે છે વગર યજ્ઞો કરે. વરસાદનું એક વિજ્ઞાન છે. પાણીની વરાળ સૂર્યની ગરમી વડે બની ઉપર જઈને વાદળો બંધાય છે. વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે અને તેનાથી શરીર પોષણ પામે છે તે વાત તદ્દન સાચી છે. ચોમાસું ખાલી ભારતીય ઉપ મહાખંડમાં જ છે. અને તે પણ હિમાલયને લીધે. બાકી બધે ગમેત્યારે વરસાદ આવતો હોય છે. આ તો મારા મનમાં પ્રશ્નો ઊઠ્યા છે. તે મેં રજૂ કર્યા છે. બાકી જેવી જેની માન્યતા.
સર્જરી સુશ્રુત કરતા હતા તેવી વાતો સાંભળી છે અને આજે આપણે સર્જરી બહારથી શીખ્યા છીએ. પુષ્પક વિમાનની વાતો રામાયણમાં વાંચીને આપણે વિમાન ખરીદવા બહાર જવું પડે છે. પરલોકની વાતો કરતા કરતા આપણે હજુ ચાંદ પર પહોચવાનું બાકી છે. આપણે હજુ વરસાદની સાચી આગાહી કરી શકતા નથી. આપણે ફક્ત મહાનતાની વાતો કરવામાં શુરા છીએ. પશ્ચિમને ગાળો દેવામાં શુરા છીએ. મહાન વેદિક સંસ્કૃતિના વારસો આપણે દુનિયાની સૌથી ભ્રષ્ટ પ્રજા છીએ. પ્રમાણિકતા એ વળી કઈ બલા છે? પ્રશ્ન એ છે કે આપણે પીઝાને ગાળો દઈને ઇટાલિયન વેસ્પા ઉપર બેસવામાં અને ફિયાટમાં ફરવામાં ગર્વ અનુભવીએ છીએ. જોકે મેંદામાંથી બનાવેલા અને અતિશય ચીઝ નાખેલા પિઝા કરતા બાજરાના રોટલા ખાવા વધુ ફાયદાકારક છે.  ટીવી, ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર, ટ્રેઇન, બસ,પ્લેન સવારથી સાંજ સુધી અને રાત્રે સુતા પણ લગભગ બધું જ આપણે પશ્ચિમે શોધેલું વાપરીએ છીએ અને ગાળો પણ એ લોકોને જ દઈએ છીએ. આ બધું વેદોમાં નહોતું? હતું તો ગયું ક્યાં? વેદોમાંથી તમને તે સમયનો ઇતિહાસ મળે, સામાજિક જીવનનો ચિતાર મળે, થોડી શરુ થયેલ ટેક્નોલૉજી કદાચ મળે, કવિતાઓ મળે, પ્રાર્થનાઓ મળે, થોડી સદાચરણની શીખ મળે. જે જે સારું મળે તેને શોધો અને એમાં કોઈ પ્રગતિ થાય તેવું હોય તો કરો, એમાં રહેલા જ્ઞાનને અપડેટ કરો. બાકી સંપૂર્ણ માની લીધું કે ગયા કામથી. કોઈ નવો વિચાર આવે નહિ કે આગળ વધાય નહિ. જ્ઞાનનો કોઈ અંત ના હોય. સ્કાય ઈઝ લીમીટ. પણ આપણે ત્યાં ભાષાંતર કરવાની છૂટ છે, શબ્દોની રમત રમી અર્થ કાઢવાની છૂટ છે પણ ડાઉટ કરવાની શંકા કરવાની છૂટ નથી.
જાપાનમાં ત્સુનામી આવ્યું તેના સંદર્ભમાં એક વડીલ વળી એવું કહેતા હતા કે આ બધો વિનાશ વિજ્ઞાનને લીધે થાય છે. મુલે આપણી વિચારધારા વિજ્ઞાન વિરોધની રહી છે ભલે આપણાં પ્રાચીન મનીષીઓએ વિજ્ઞાનની શરૂઆત કરી હોય . આપણી જેમ ચીન પણ પ્રાચીન સંસ્કૃતિ રહી છે. આપણાં કરતા ઘણી બધી શોધો એ લોકોએ વધારે કરી છે. ચીને પણ ઝીરો(o) વગર ગણિત ગણ્યા છે અને ચીનની જગવિખ્યાત દીવાલ બનાવી હતી. શૂન્ય, અંક અને દશાંશ પદ્ધતિ વગર પણ ઈજીપ્તના પીરામીડો બંધાયા જ છે. એમની પાસે દશાંશ પદ્ધતિ હતી જરા જુદી રીતની હતી. ભારતીય અંક અને શૂન્ય વડે બધું સહેલું અને સરળ થઈ ગયું તે વાત માટે ખુદ આઈનસ્ટાઇન પણ ભારતનો આભાર માનતા હતા. ચીન પણ ધાર્મિકતાનો ધાબળો ઓઢી અફીણ ખાઈને પડી રહેતું હતું, અને વસ્તી વધાર્યે જતું હતું. આપણે પણ ધાર્મિકતાનો ધાબળો ઓઢી વસ્તી વધાર્યે જઈએ છીએ.
  આપણી સંસ્કૃતિ જ્યારે ઉચ્ચ કક્ષાએ હતી ત્યારે યુરોપ ડાર્ક એજમાં જીવતું હતું. આવું તે લોકો પણ કબુલ કરે છે. પણ એ લોકો સમજી ગયા કે ભાઈ હવે આગળ વધો. અને ચાલવાનું પ્રગતિના માર્ગે શરુ કર્યું. જયારે આપણે ઉભા રહી ગયા કે હવે આપણે તો શ્રેષ્ઠ બની ચુક્યા છે હવે આગળ કશું કરવાનું છે જ નહિ. બસ આપણે હજુ ઉભા જ છીએ અને આ લોકો આગળ નીકળી ગયા.

“હે રામ”…ગાંધી ફરી હણાયો

 
 
 

“હે રામ”…ગાંધી ફરી હણાયો
 
મારા આશ્રમમાં દંગો કરી શકે છે
                         ગુજરાતી આટલા નિર્વસ્ત્ર થઇ શકે છે.
બ્રિટીશ શાસનમાં મારી લંગોટી તો સલામત હતી
    અહી તો નપુંસક પણ બાળાત્કાર કરી શકે છે.
 
મને તો ડબ્બામાંથી ફેંક્યો માત્ર હતો…ને..
                       બ્રિટીશ રૂખસદીનો પાયો  નંખાયો હતો
અહી તો ડબ્બામાં રાખ માત્ર બચી હતી
             માનવતા કકળતી રહી,અમન હણાઈ ગયું,ને…
                       ભાઈચારાની લાશો ખડકાઈ ગઈ. 
 
બીજું જલિયાનવાલા થયું મારું જલી જલીને ગુજરાત
          ના  અહીના જનરલ(ડાયર)પર  ચાલ્યો ખટલો,
                      ના લાગ્યો બટ્ટો,ના મળી સજા. 
 
વેંત છાતી ફુલાવી જલસા કરે અહીના ડાયર
આગમાં શેકાયેલ ઘરોની માતાઓના રૂદનથી
                      ચીમળાઈ ગયા છે જેમના સ્તનો,
એમના લોહીના ખાબોચિયામાં છબછબિયાં કરવાના
               અભરખાંથી રતુંબડા લઇ ગાલ ફરે છે.
 
અહિંસક(?)…હિંદુ…ભારતમાતા…ના નામે માતાઓની
   મમતા કચડી,ઝૂમી , મખમલી આનંદ અનુભવતા 
                     મર્દ મૂછાળા મૂછે તાવ દઈ રહ્યા છે.
 
“અનુકંપા”? એ વળી કઈ નારીનું નામ છે?પૂછી રહ્યા છે–
           “લાવો, આજે તો એનુંય વસ્ત્રહરણ કરીએ…”
                         ગેલમાં અટ્ટહાસ્ય  કરી રહ્યા છે.
 
નગ્નતાનું તાંડવ ક્યા જઈ અટકશે?
                    ક્યાંય છે બીજો ગાંધી? 
 
મારું બાવલું બાળી દો,મારો દેશ…નિકાલ કરી દો, 
         હું નથી લાયક ગુજરાતને…
મારે તો ફરી ઉપડવું છે સાઉથ આફ્રિકાની  સફરે…પણ..
 
હવે,મારો સમાન ફેંકાશે તો…
હું નત મસ્તકે ઉભો રહી,
                                        આભાર માનીશ,
                                                   કરગરીશ,
 
મને બાળશો નહિ….મને બાળશો નહિ….
© ગૌરાંગી પટેલ —વિશેષ નોંધ:-‘ગૃહશોભા અસ્મિતા’ દ્વારા એવોર્ડ વિજેતા પ્રાપ્ત તથા મારી પ્રિય…પ્યારા મિત્રો ઉપરની કવિતા છે ગૌરાંગી પટેલની.એક આદર્શ ગૃહિણી,આદર્શ માતા,એક સારા ગાયક,મનમાં જાગતી ઉર્મીઓને કવિતામાં ઢાળનાર,એક બીઝનેસ વુમન,બેબી પર્લ સેન્ટરનાં સ્થાપક હાલમાં ગાંધીજી વિષે એક નોન કોમર્શીયલ ફિલ્મ બનાવી રહ્યા છે.ગોધરાકાંડ થયા પછી દિવસો સુધી એમને ખાવાનું ભાવ્યું નથી.કોમી હુતાશનમાં મરે છે તો નિર્દોષ જ ને?એમના વિહવળ હૃદયમાંથી ગાંધીજીને યાદ કરી રડી પડી એક કવિતા “હે રામ”–ગાંધી ફરી હણાયો.. 

 

Director : BABY-PEARL Playcenter & K.G. School

 

 

ક્રીકેટોન્માદ

“ક્રીકેટોન્માદ”
  ૨૮ વર્ષે ફરી ભારત ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યું.અત્યાર સુધીમાં બે વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડીઝ,બે ભારત,એક પાકિસ્તાન,એક શ્રી લંકા અને ચાર ઓસ્ટ્રેલીયા જીત્યું છે.ઓસ્ટ્રેલીયા અકસ્માતે હારી જાય છે,અને ભારત અકસ્માતે જીતે છે.વર્લ્ડ કપનો મેનીયા ખુબ ચાલ્યો.આમેય એવરેજ ભારતીય ફીમેલ બ્રેઈન વડે વિચારે છે.તર્ક અને ગણિત એના બસની વાત જ નથી.હંમેશા ઉન્માદ,ભાવનાઓ,લાગણીઓ,કલ્પનાઓમાં રાચતો ભારતીય સારાસારનો વિવેક ખોઈ બેસે છે.એક સ્કીજોફ્રેનીક મનોદશામાં સાવ વેવલું ગાંડપણ ક્રિકેટની પાછળ ચાલ્યું.ક્રિકેટર્સ એમના લાભ,શોખ અને પૈસા માટે રમે છે.વર્લ્ડ કપ જીતવાથી દેશનો વિકાસ થઇ જતો નથી,ગરીબી ઓછી થઇ જતી નથી,આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું માન વધી જવાનું નથી.
ભારતીય સંસ્કૃતિના રક્ષકોએ જાણી લેવું જોઈએ કે ક્રિકેટ ભારતની રમત નથી.વેલેન્ટાઇન ડે જેવા પરદેશી તહેવારોની ઉજવણી વિરુદ્ધમાં સ્ત્રીઓને મારનારા સંસ્કૃતિના રક્ષકોને શું ખબર નથીકે આ શ્રીમંત અંગ્રેજોની ટાઈમ પાસ રમત છે?રમતને રમતની રીતે જોવી જોઈએ.ઘણા લોકોએ તો ક્રિકેટ નામના ધર્મની કલ્પના પણ માંણી લીધી.હું કોઈ ક્રિકેટને એક રમત તરીકે વખોડતો જરાપણ નથી.પણ એની પાછળના ગાંડપણને જરૂર વખોડું છું.હું કોઈ ક્રિકેટર્સને જરાપણ વખોડતો નથી.એમની પાછળ પ્રજા પાગલ બને છે તે પાગલપનને ધિક્કારું છું.
હવે ક્રિકેટર્સ ઉપર ઇનામોની ધોધમાર વર્ષા થશે.કોના બાપની દિવાળી?BCCI એક એક કરોડ આપશે.દિલ્હીના શીલા દીક્ષિતે કેપ્ટન માટે બે કરોડ જાહેર કર્યા.પ્રજાના પૈસા છે.ટેક્સ ભરે છે પ્રજા.શીલાદીક્ષીતે એના ખીસામાંથી બે કરોડ આપવા જોઈએ.પ્રજાના પૈસા પ્રજાના હિતમાં વાપરવા જોઈએ કે નહિ?પણ જ્યાં પ્રજા જ ગાંડી બનતી હોય ત્યાં સોચે કોણ?કોઈ પણ ગવર્નમેન્ટને પ્રજાના પૈસા આવી રીતે કોઈ એક પાછળ વેડફવાનો હક કોણે આપ્યો?ગુજરાત સરકારે એકલવ્ય એવોર્ડ જાહેર કર્યો ગુજરાતના ક્રિકેટર્સ માટે,બહુ સારું કર્યું.ગુજરાતનું નામ રોશન કર્યું છે,આપવો જોઈએ.પણ એક લાખ આપ્યા તો મૂરખ પ્રજાને એમાં ખેલાડીઓનું અપમાન દેખાયું.કારણ બીજાની સરખામણીએ નીચાજોણું દેખાય છે.
               ડાહ્યા કટાર લેખકોને પણ એમાં અપમાન દેખાણું.ફટાફટ લેખ લખાઈ ગયા.એકતાની વાતો થવા લાગી.ક્રિકેટમાં ધર્મ દેખાવા માંડ્યો.’રાજકારણ તોડે,ક્રિકેટ જોડે’ એવા સ્લોગન રચાઈ ગયા.અલ્યા કેટલા દિવસ ક્રિકેટ જોડવાનું છે?જ્યાં સુધી માનસિકતા નહિ બદલાય ત્યાં સુધી એક ઉન્માદની જેમ ચાર દિવસ જોડવાની ડાહી ડાહી વાતો થવાની પછી હતા તેના તે.પત્રકારોને યુસુફ પઠાણ સચિનને તેડીને ફર્યો એમાં સેક્યુલારિઝમ દેખાવા માંડ્યું.ફુલાઈને ફાળકો થઇ ગયા.અલ્યા પેલા અફજલ અને કસાબને ફાંસી તો આપી જુઓ?રમતવીરો તો સેક્યુલર જ છે.બધા એક થઈને જ રમે છે.નહીતો જીત્યા ના  હોત.જે ભેદ છે તે આપણી માનસિકતામાં છે.માટે કોઈ મુનાફ સચિનને તેડીને ફરે ત્યારે જ સેક્યુલારિઝમ દેખાય છે,તે પહેલા દેખાતું નથી.જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે જે ઉન્માદ છવાય છે તે શું છે?શેનો  ઉન્માદ છે?કે ભારત પાક વચ્ચે જે યુદ્ધ થઇ શકતું નથી તેની પ્રતિક્રિયા છે?જે વોર કરી નથી શકતા,તે ખેલના મેદાનમાં ખેલાય છે.એક મહાયુદ્ધ,એક મહાસંગ્રામ એવા શબ્દો કેમ વપરાય છે?વર્લ્ડ કપ ના જીતાય તો કઈ નહિ પણ પાકિસ્તાન સામેની મેચ જરૂર જીતવી પડે.કેમ આવું બોલાય છે?
એકલવ્ય એવોર્ડનું ધારાધોરણ લાખ રૂપિયાનું હોય તો લાખ જ આપાય ને?કરોડ થોડા અપાય?નહીતો પછી બીજી રમતના કે કબ્બડીના ખેલાડીને પણ કરોડ આપવા પડે.એકલવ્ય એવોર્ડ વિજેતા ક્રિકેટરને કરોડ અને એકલવ્ય વિજેતા કબ્બડીના ખેલાડીને એક લાખ એવો ભેદભાવ કરાય ખરો? આ ક્રિકેટર્સ એમના હિત અને રૂપિયા માટે રમે છે.આ લોકો ખૂબ પૈસા ઉતારે છે.એમની પાછળ પ્રજાના પૈસા કોઈ ગવર્નમેન્ટને ભેટ આપી દેવાનો હક કોણે આપ્યો?પ્રજા ટેક્સ ભરે છે અને આ કરોડપતિઓને ઉપરથી  પ્રજાને પૂછ્યા વગર કરોડ ગીફ્ટ કરવાના?લાખો ગરીબ બાળકોને ભણવાનું નસીબ નથી.બાળ મજૂરોથી ભારત ઉભરાય છે.ટેક્સના નાણા એવા કામોમાં વાપરો.સચીન દસ ફરારીના ટેક્સ ભરી શકે તેવો છે એને માફી??ક્રિકેટ સિવાય ભારતમાં કરવા જેવા અનેક કામ છે.ક્રિકેટર્સના ફોટા મુકાય,દીવા થાય,યજ્ઞો પૂજા થાય,ક્રિકેટનો કોઈ ઉન્માદ,કોઈ પાગલપન ઉભું થાય.સાલું આ પ્રજામાં કોઈ બુદ્ધિ છે કે નહિ?ક્રિકેટને રમત તરીકે જ સમજવી જોઈએ.સારી રમત છે.મેં પણ ભારતની જીતનો આનંદ માન્યો છે.મેં પણ ધોનીના વખાણ કર્યા છે.૨૮ વર્ષે માંડ માંડ કપ જીત્યા તેનો આનંદ મેં પણ લીધો છે.
                       અક્ષરધામ ગાંધીનગરમાં ત્રાસવાદીઓ ત્રાટક્યા હતા.ત્યારે કમાન્ડો સુઝાન સિંહ ઘવાયો હતો,લગભગ દસ વર્ષ કોમમાં રહ્યો.હમણા થોડા વખત પહેલા ભાનમાં આવ્યા વગર મૃત્યુ પામ્યો.કોઈએ એની કે એના કુટુંબીઓની નોંધ લીધી?એ લોકો શું ખાય છે ક્યાંથી પૈસા લાવે છે કોઈએ …જાણ્યું?કમાનારો દસ વર્ષ બેભાન રહ્યો.હવે આ વાત કરીશું તો લોકો કહેશે એતો એની જોબ હતી.તો આ ક્રિકેટર્સ અને ફિલ્મી ટટુઓ કઈ જોબ કરે છે?એમના હિત માટેતો રમે છે.આ દેશના હીરો સોલ્જર્સ નથી.આ ઉન્માદ ભરેલી પ્રજાને ક્રિકેટર્સમાં ભગવાન દેખાય છે.કોઈ પોલીસવાળો ત્રાસવાદીની ગોળી ખાઈ મરે તો એની જોબ છે.સચિન કે બચ્ચનને તાવ આવે તો અડધું ભારત બીમાર પડી જાય.યજ્ઞો,હવન,મંદિરોમાં પ્રાર્થના થાય.કમાન્ડો સુઝાનસિંહને કયો એવોર્ડ આપ્યો?કેટલા રૂપિયા આપ્યા?કોઈએ અવાજ ઉઠાવ્યો કે આને ઇનામ કેમ ના આપ્યું?
               ૧૯૭૧ ના યુદ્ધના ભારતીય અફસરો હજુ પાક જેલમાં છે.કેટલા હજુ જીવતા હશે ભગવાન જાણે.એમના કુટુંબીઓએ ૪૦ વર્ષ લાંબી લડાઈ લડી પણ કોઈ ફાયદો નહિ.આપણે ૯૩૦૦૦ પાક સૈનિકો પાછા આપી દીધા.જીનીવા ટ્રીટીનો છેડચોક અનાદર પાકિસ્તાને કર્યો.આ બહાદુર અફસરો પાક જેલમાં હતા તેના પુરાવા પણ હતા.એમના કુટુંબીઓ ઉપર શું વીતતી હશે?ફિલ્મી લોકો અને ક્રિકેટર્સ પાછળ પાગલ પ્રજાએ કોઈ અવાજ ઉઠાવ્યો??
હવે ૧૫ ખેલાડીઓ આજીવન બાલબચ્ચા સાથે ટ્રેનમાં અને પ્લેનમાં મફત મુસાફરી કરશે.અને પેલા ત્રાસવાદીઓની ગોળીઓ ખાઈ મરેલા પોલીસવાળા અને સૈનિકોની વિધવાઓ પેન્શન માટે ધક્કા ખાશે,હરખ તું હિન્દુસ્તાન.

વસુધૈવ કુટુમ્બકમ.

 વસુધૈવ કુટુમ્બકમ.
“આખી પૃથ્વી મારું કુટુંબ છે”કહેનારા કોઈ પ્રાચીન મનીષી શાયદ જાણતાં હોવા જોઈએ કે આખી પૃથ્વી ઉપર માનવજાત ફેલાઈ છે તેના જિન્સ એક જ છે.એક જ Y  અને X ક્રોમોજોમનો વ્યાપ સમસ્ત પૃથ્વી ઉપર છે.કહેવાતા ધર્મોએ ઉચ્ચ આદર્શની વાતો કરી અને પોતાના ભાઈઓના ખૂન વહાવ્યા.આખી પૃથ્વી મારું કુટુંબ છે તે સાબિત કરી રહ્યા છે આજે જેનેસેસિસ્ટ વૈજ્ઞાનિકો,કહેવાતા ધર્મો નહિ.સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના ડૉ લુકાએ આના વિષે રિસર્ચ શરુ કરેલું.આખી દુનિયાના તમામ માનવ સમૂહો અને ખાસ આદિવાસી જાતિઓના જિન્સ એકઠા કરીને વર્ષો સુધી સંશોધન કર્યું.
       Y X પુરુષમાં હોય છે,જ્યારે સ્ત્રીમાં ફક્ત X X ની જોડી હોય છે.એનો મતલબ Y ફક્ત પુરુષમાં જ હોય છે.આ Y,પિતા પોતાના પુત્રમાં ટ્રાન્સ્ફર કરે છે.સાથે પોતાની માતા પાસેથી મળેલો X પણ ટ્રાન્સ્ફર થાય છે.Y  દ્વારા પિતાની જિનેટિક ટ્રેઈલ જાની શકાય છે.તેવી રીતે X દ્વારા માતાની.નેશનલ જિયોગ્રાફી એક જિનોગ્રાફ નામનો પ્રોજેક્ટ ચલાવે છે.એના વડાછે ડૉ અલ સ્પેન્સર.વર્ષોના રિસર્ચ પછી માલૂમ પડ્યું છે કે આખી પૃથ્વીની માનવજાતનું ઉદગમ સ્થાન આફ્રિકા છે.આશરે ૬૦,૦૦૦ વર્ષ પહેલા એક નાનકડો હોમોસેપિયન માનવ સમૂહ આફ્રિકા છોડી મધ્યપૂર્વ(મિડલ ઇષ્ટ) થઈને આખી દુનિયામાં ફેલાયો.ધીમે ધીમે સુસંસ્કૃત થતો થતો આગળ અને આગળ વધતો ગયો.Y ક્રોમોઝોમ કોઈ પણ ફેરફાર થયા વગર પુત્રને વારસામાં પિતા તરફથી મળતો હોય છે.એમાં કોઈ મોટો ફેરફાર થતો નથી પણ નજીવો જે ફેરફાર મ્યુટેશન થાય છે તેને  માર્કર કહે છે.આ માર્કર પણ પાછળની પેઢીઓમાં ચેઇન્જ થયા વગર આગળ વધતો જાય છે.આવી રીતે માર્કર વધતા જાય છે,તેનો અભ્યાસ કરવાથી માનવ વંશની જુદી જુદી શાખાઓ જાણી શકાય છે.
       માનવ જાતને પેદા થયા પછી જે સૌથી પહેલો માર્કર થયો હોય તે દુનિયાની તમામ જાતમાં મળી આવે છે તેનાથી સાબિત થાય કે આપણે એક વૃક્ષના થડ ઉપર રચાયેલી  વિવિધ શાખાઓ છીએ.જોકે દેવોની ભાષા બોલવાવાળા આપણને આ બધી વાતો જલદી ગળે નહિ ઊતરે.ઊતરતી હોવા છતાં દંભી મન સ્વીકારવા તૈયાર ના થાય કે માનવજાત આફ્રિકાથી પેદા થઈને બધે ફેલાઈ છે.પણ જીન્સ કોયડા ઉકેલે છે.ભારતમાં એક વખત માનવજાતનું આગમન થયું નથી,અનેક વખત થયું છે.સૌથી પહેલો માનવ આફ્રિકાથી મિડલ ઇષ્ટ થઈને ભારત પહેલો આવેલો.ત્યાંથી પછી છેક ઓસ્ટ્રેલીયા સુધી પહોચી ગયો હતો.પણ ત્યાર પછી પણ માનવ અનેકવાર ભારતમાં આવ્યો છે.પ્રાચીન દ્રવિડિયન દક્ષિણ ભારત અને શ્રી લંકા સૌથી પહેલા પહોચેલા.ત્યાર પછી હરપ્પન આવ્યા.છેલ્લું મોટું આગમન આર્યોનું  થયું જે ઘોડા ઉપર આવ્યા તેવું વેદો અને પુરાણો દ્વારા જાણવા મળે છે.એના પુરાવા  જિન્સ આપી શકે છે.ચાલો નીચેની વિગત તપાસીએ.
૧) સૌથી પહેલો માનવ જે આફ્રિકાથી બહાર નીકળ્યો તેના જિન્સનો માર્કર હતો M168.આ માર્કર આફ્રિકા સિવાયના બાકીની દુનિયાના માનવોમાંથી મળે છે.એમાં શ્વેત,અશ્વેત અને બ્રાઉન તમામ આવી જાય.તમામ  નોનઆફ્રિકન માનવોનો આદમ આને કહેવાય છે.M168 પછી M130 અને M89 માર્કર થયેલો છે.M89 ઉત્તર તરફ આગળ વધ્યો એમાં M9 માર્કર થયેલો છે.
૨) ભારતમાં પહેલું આગમન થયું તેનો માર્કર છે M130 .આ માર્કર M168 પછીનો તરતનો બીજો જ થયેલો માર્કર છે.આ માર્કર શ્રી લંકા,દક્ષિણ ભારત અને છેક ઓસ્ટ્રેલીયન આદિવાસીઓમાં મળે છે.આ બહુ જુનો આશરે ૫૦,૦૦૦ વર્ષ જુનો માર્કર છે.તામિલનાડુના ભાઈ વિરુમાંડીનાં જિન્સમાં આ માર્કર મળ્યો છે.આ લોકો પહેલા ભારત આવેલા  દ્રવિડિયન લોકો હોવા જોઈએ કે આના પછી આવેલા,,
૨)  ગ્રૂપ L માર્કર(M20) –આ ગ્રૂપ બીજા નંબરનું સૌથી મોટું પ્રવેશેલું અને આ માર્કર આશરે ૩૦,૦૦૦ વર્ષ જુનો છે આને ઇન્ડિયન Clan પણ કહે છે.દક્ષિણ ભારતમાં વ્યાપક પ્રમાણમાં આ માર્કર છે.આ ગ્રૂપ મને લાગે છે દ્રવિડિયન હોવું જોઈએ.M9 માર્કર  ૪૦,૦૦૦ જુનો છે,આનો પછીનો માર્કર M20 છે.એટલે M9 આગળ ઉત્તર તરફ વધ્યો પણ એક બ્રાંચ  M20 થઈને ભારતમાં આવ્યો.હવે આને હરપ્પન કહેવું કે આના પછી પ્રવેશેલું ગ્રૂપને?
૩) ગ્રૂપ H માર્કર છે M69 ૩૦,૦૦૦ વર્ષ જુનો માર્કર.આ ગ્રૂપ ભારતમાં આવ્યું અને પછી માર્કર બન્યો M52
૪)ગ્રૂપ H1 અને માર્કર છે M52 ૨૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર  ભારતમાં વ્યાપક છે.૨૫% લોકો આ માર્કર ધરાવે છે. ગ્રૂપ L (M20) અથવા ગ્રૂપ H(M69) અથવા ગ્રૂપ H1(M52)આ ત્રણમાંથી કોઈ એક હરપ્પન હોવા જોઈએ.
૫)એક જુનો માર્કર M174 ગ્રૂપ D પણ ભારતમાં થઈને શ્રી લંકા અને આગળ સાઉથ ઈસ્ટ એશિયા તરફ ગયેલો છે.
૬) ગ્રૂપ Q -M242  તમામ નેટીવ અમેરિકન્સ અને સાયબેરીયન અને ભારતમાં પણ આ માર્કર મળે છે.કદાચ હિમાલયની તળેટીના લોકોમાં આવા ફીચર્સ મળે છે.સાવ નાના બુચિયા નાક ટૂંકા હાથપગ આ લોકોની ખાસિયત છે.આ ગ્રૂપ મૂળ સાયાબેરીયન લોકોનું છે.ભારત અને નેપાળના ગુરખા આ જાતના રંગરૂપ ધરાવે છે.
૭) ગ્રૂપ  R2 -M124 ૨૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર ધરાવતું ગ્રૂપ ચીપિયા આકારે માર્ગ બનાવી ભારતમાં પ્રવેશેલું.આ પણ એક બહુ મોટું  ગ્રૂપ ગણાય છે.ભારત,પાક અને સાઉથ એશિયામાં આ માર્કર વ્યાપક છે.યુરોપના જિપ્સી લોકોમાં આ માર્કર મળી આવે છે.યુરોપિયન જિપ્સીના પૂર્વજ ભારતીય વણજારા છે તેની સાબિતી છે.
૮) સૌથી નવું ગ્રૂપ M17 ૧૦,૦૦૦ થી ૧૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર ભારત અને આઈસ લેન્ડમાં મળે છે.આ લોકો આર્યો હોવા જોઈએ.કારણ આ ગ્રૂપ સૌથી પહેલું ઘોડાઓને પાલતું બનાવનારાઓનું ગણાય છે.
પ્યારા મિત્રો જિનેટિક માર્કરનો  અભ્યાસ કરવાથી જાણી શકાય છે કે આખું  વિશ્વ એક કુટુંબ છે.જેણે કહ્યું હશે કે આખું વિશ્વ મારું કુટુંબ છે તેને હાલના કહેવાતા ધર્મો સાથે કોઈ લેવાદેવા નહિ હોય.કારણ આજે ધર્મો કહો કે સંપ્રદાયો,માનવને માનવથી વખુટા પડવાનું કામ કરી રહ્યા છે.

વ્યાયામ,ધ્યાન અને લાંબુ નીરોગી જીવન,Telomeres વધારો.

વ્યાયામ,ધ્યાન અને લાંબુ નીરોગી જીવન,Telomeres વધારો.
યુનીવર્સીટી ઑફ કેલીફોર્નીયા(સાન ફ્રાંસીસ્કો)નાં  મહિલા પ્રોફેસર એલીઝાબેથ બ્લેકબર્ન,નોબલ પ્રાઇઝ વિનર ૨૦૦૯(મેડીસીન),એમણે ક્રોમોઝોમના અંતિમ છેડાઓ(telomeres) વિષે જબરદસ્ત સંશોધન કર્યું છે.આ છેડા જેટલા વધારે લાંબા હોય તેટલું આરોગ્ય વધારે સારું,ઉચ્ચ ગુણવત્તા ધરાવતું અને જીવન પણ નીરોગી અને લાંબું હોય.પણ આ telomeres વધારવા શું કરવું પડે?એમના કહ્યા પ્રમાણે એકસરસાઈઝ કરો.કસરત નિયમિત કરો.વ્યાયામના ખૂબ ફાયદા છે તેમાં આ એક નવું સંશોધન ઉમેરાયું.બીજું મેડીટેશન પણ telomeres ને વધારે છે.ફિશ ઓઇલ પણ એમાં ખૂબ ફાયદાકારક છે.હવે આ telomeres ટૂંકા હોય તો જીવન ટૂંકું અને આરોગ્ય સારું ના હોય તે સ્વાભાવિક છે.એને માટે સ્ટ્રેસથી દૂર રહેવું. બચપણમાં કોઈ માનસિક આઘાત કે ઈજા થઈ હોય તો આ telomeres ટૂંકા રહી જાય છે.
આપણે જાણીએ છીએ કે લાંબું અને નીરોગી જીવન જીવવા માટે બીજા ઘણા બધા પરિબળ આધાર રાખતા હોય છે.પણ આ નવા રિસર્ચને અવગણી શકાય તેમ નથી.કારણ મેડીટેશન,યોગ અને પ્રાણાયામ દ્વારા ભારતમાં લોકો લાંબું નીરોગી જીવ્યા છે.મૂળ વાત એ છે કે ભારતમાં જ યોગની કદર નથી.યોગના સૌથી વધારે ૧૫૦ કરતા વધારે પેટન્ટ અમેરીકનો પાસે છે.યોગના આસનો સ્ટ્રેસ ઓછો કરે છે.યોગ સ્ટ્રેસ મૅનેજમેન્ટ માટે ખૂબ વપરાય છે.આપણે એટલાં બધા અકર્મણ્ય બની ચૂક્યા છીએ કે યોગામાં કશું તો કરવું પડે છે તેટલું પણ કરવા તૈયાર નથી.કોઈ ફાન્દાળો સાધુ જોઈ મને કાયમ થાય કે બાપુ ખાલી ખાઈપીને તગડા થવામાં સમજ્યા છે.નૌલી કરનારનું પેટ કદી વધે નહિ.યોગના નામે બેસી રહેવા પેધેલા સાધુઓ ભારતનું કલંક છે.ધ્યાન કરો પણ એનો સમય હોય છે.ચોવીસે કલાક ધ્યાનના નામે આળસુઓ બેસી રહેવા પેધેલા છે.જાપાન જેવા દેશો જુઓ યોગા કરી બેસી રહેતા નથી,ખૂબ કામ કરે છે.જાપાનમાં કોઈ અનપ્રોડક્ટીવ નથી.ભારતમાં સાધુઓ અનપ્રોડક્ટીવ છે,બીજાની મહેનતનું ખાઈ જાય છે.જ્યારે આપણે બીજા દેશોમાં આપણો યોગા બહુ ચાલે છે તેના બણગાં ફૂન્કીયે ત્યારે ભૂલી જઈએ છીએ કે ભારતમાં યોગા બહુ પ્રચલિત નથી.ખાલી બુક્સમાં પ્રચલિત છે,પ્રેકટીસમાં નહિ.અમેરિકા અને બીજા દેશો એનો હકારાત્મક ઉપયોગ કરી કામની ક્ષમતા વધારે છે,જ્યારે આપણે એનો નકારાત્મક ઉપયોગ કરી બેસી રહેવા કામચોરી કરવા પેધેલા છીએ.
યોગના આસનો હળવી કસરત છે.આ બધી સ્ટ્રેચિંગ કસરત છે.એનાથી સ્નાયુઓ ખેંચાય છે લચીલા બને છે.જે લોકો ભારે કસરતમાં રસ ના ધરાવતા હોય તેમણે આસનો કરવા જોઈએ.સવારે યોગના આસનો અને કલાક ધ્યાન કરી નોકરી કરવા જવાય.એના માટે ભગવા પહેરી બેસી રહેવાની જરૂર નથી.
કસરત કરો,ધ્યાન કરો,આસનો કરો,સ્ટ્રેસ ઓછો થાય તેવા પ્રયત્ન કરો,બાળકોને કોઈ માનસિક આઘાત લાગે તેવું ના થવા દો,બાળકોને કોઈ ભારે ઈજામાંથી બચાવો.ક્રોમોઝોમના છેડા(Telomeres)ને લાંબા કરો,સુખી,નીરોગી અને લાંબું આયુષ્ય ભોગવો.
રેફરન્સ–Thomas Plante, PhD., ABPP is Professor of Psychology and Director of the Spirituality and Health Institute at Santa Clara University

Thomas Plante

“વેલેંટાઈન” પ્રેમીઓનું પર્વ Hard Truths About Human Nature.

 
સર્વ મિત્રોને સંત વેલેંટાઈનની યાદમાં ઊજવાતા પ્રેમીજનોના પર્વ નિમિત્તે શુભકામના.
આપણે પ્રેમની મૂર્તિની પૂજા કરીએ છીએ, શરૂમાં પ્રેમ કરીએ છીએ, અંતમાં રડીએ છીએ અને વચમાં મોટા બગાસાં ખાઈએ છીએ. સંબંધની શરૂઆતમાં પ્રેમની તીવ્રતા ખૂબ હોય છે, જુસ્સો આવેગ પુષ્કળ હોય છે, પણ પછી બધું ધીમે ધીમે હોલવાતું જાય છે. આધેડ અને વૃદ્ધ દંપતી સરવૈયું કાઢવામાંથી ઊંચા આવતા નથી. અને નવા પરણેલાનો જુસ્સો ઓછો થતો જતો હોય છે.તો શું કરીશું કે પ્રેમનો આવેગ અને રસ તીવ્રતા જુસ્સો જળવાઈ રહે? નવું રિસર્ચ કહે છે કે,

૧)સ્પર્શ:—ઘણા બધા પુરાવાઓએ ઓક્સીટોસીન(“cuddle hormone”)નું રોમૅન્ટિક મહત્વ સાબિત કર્યું છે. જ્યારે આપણે આપણાં ચાહિતા લોકોને સ્પર્શ કરીએ છીએ ત્યારે ઓક્સીટોસીન ખૂબ વિપુલ પ્રમાણમાં સ્ત્રવે છે.  જેટલું સ્પર્શનું પુનરાવર્તન એટલું ઓક્સીટોસીન પણ વધુ છૂટે છે. એનાથી સંબંધોમાં નજદીક જવાય છે અને વિશ્વાસ વધે છે. જે ફરીથી સ્પર્શ કરવા માટે પ્રેરે છે. આમ એક શુભચક્ર ચાલુ થાય છે. આ એક હકારાત્મક લાગણીઓનું આત્મિક જોડાણ છે. આવુજ સત્ય સેક્સ વિષયક પણ છે. જેટલા સેક્સમાં વધારે ઊતરો, વધારે સારું બ્રેઈન કેમિકલ ડોપામીન છૂટે છે. જેનાથી સેક્સમાં ઊતરવાનું વધુ મન થાય. હવે જો સમય ના મળે તો તમે પ્રેમીજનોને શક્ય વધુ આલિંગન આપો, કિસ કરો અને ત્વચા સાથે સ્પર્શ કરો. સ્કીન ટુ સ્કીન કૉન્ટેક્ટ વધારો.

૨)અખિયા મિલાકે:– નજરનું અનુસંધાન પણ ખૂબ મહત્વનું છે. આંખોમાં આંખો મિલાવીને જુઓ, અહી પણ ઓક્સીટોસીન કામ કરી જાય છે. એકબીજા પ્રત્યે આકર્ષણ વધે છે. પાર્ટનરનો હાથ હાથમાં લઈને બેસો નજરથી નજર મિલાવો એનાથી ઓક્સીટોસીન લેવલ વધશે. અને ઓક્સીટોસીન લેવલ વધતા ફરી હાથમાં હાથ લઈને બેસી નજર મિલાવી વાતો કરવાનું વધુ મન થશે. આખા દિવસની ચઢાવ ઉતારની વાતો શેર કરો. પણ નજરસે નજર મીલાકે

૩)સાંભળો:–એકબીજાની વાતો સાંભળો. એકબીજાના અનુભવો. લાગણીઓ, ભય, ઉદાસી, ખુશી અને પ્રસન્નતા બધી વાતો કરો. પણ સાંભળવું જરૂરી છે. એનાથી પાર્ટનરને લાગશે કે તમે એનું ધ્યાન રાખો છો. ખાલી સાંભળવાથી પણ ઘણા પ્રશ્નો હાલ થઈ જતા હોય છે. તણાવ દુર થઈ જતો હોય છે.

૪)હસો ભાઈ હસો:—હસવું પણ ખૂબ અગત્યનું છે. એકબીજા સાથે મજાક કરો, સારી હ્યુમર સેન્સ વિકસાવો, હાસ્ય ટુચકા કહો. હાસ્યરસ શ્રેષ્ઠ રસ છે. એનાથી ડોપામીન વધુ છૂટશે, ટેસ્ટોટેરોન લેવલ ઊંચું આવશે જે સ્ત્રી અને પુરુષમાં સેક્સ સેટીસફેક્શન માટે ઈંધણ સમાન છે.

૫)અન્વેષક બનો:–નિત્ય નવીનતા આકર્ષણ વધારે છે. એકની એક વાતથી બોર થઈ જવાય અને કંટાળી જવાય છે. નિત્ય નવા ઉપાયો અજમાવો. પર્સ અને કોટમાં પ્રેમભર્યા ચબરાકિયાં લખી મૂકો, નવા રેસ્ટોરેન્ટમાં જાવ,  હીલ પર ફરવા જાઓ, પર્વતારોહણ કરવા જાઓ. ઉત્સાહપ્રેરક નવું અજમાવો. ચોકલેટ અને ફૂલ આપો. ડોપામીન લેવલ આવી રીતે વધવાનું છે.

વેલેંટાઈન દિવસના પ્રેમીજનોના પર્વ નિમિત્તે આનાથી સારી ટીપ્સ બીજી કઈ આપું???

Sexual satisfaction tends to play a role in a happier marriage, and happier marriages play a role in greater sexual satisfaction. And we know that people in stable, fulfilling marriages tend to be healthier. At the moment, we can simply say that a sexually satisfying and happy marriage is a very good predictor of future health and long life. By:-Dr. Howard Friedman’s ::-For more information on The Longevity Project see http://www.howardsfriedman.com/longevityproject/

દ્રષ્ટિકોણ.

Cropped image of Gandhiji and Kasturbaa from P...
Image via Wikipedia

  
દ્રષ્ટિકોણ.
જેનો પોતાનો આગવો કોઈ દ્રષ્ટિકોણ ના હોય તે બીજાના દ્રષ્ટિકોણથી વિચારે અને લખે.મારો પોતાનો એક દ્રષ્ટિકોણ છે.દરેકનો હોય છે અને ઘણાને હોતોજ નથી.હું બીજાના દ્રષ્ટિકોણથી વિચારું મતલબ એની વાત સાથે સંમત છું.કે હું કોઈ બીજાની આંખે જોઉં તો એની દ્ગષ્ટિ સાથે સહમત છું.પણ મારી પાસે પોતાની આંખ છે.કોઈ વાર બીજાનો દ્રષ્ટિકોણ ભાવી જાય કે અનુરૂપ આવી પણ જાય.કોઈ વાર એનો નજરિયો અને આપણો એક પણ હોઈ શકે.મને ગાંધીજી  પ્રિય છે માટે હું એમની વિવેચના કરું છું.ગાંધીજીની પ્રમાણિકતા મને ભાવે છે.સામાન્ય માનવોમાં વિશ્વાસ,એમની સેવા કરવી બધું ભારતીય નહોતું. અહી તો કર્મનો નિયમ લાગે છે.જેવા જેના કરમ.દુખી હોય તો એના કરમ.સેવા માય ફૂટ.પણ ગાંધીજીની દરેક વાત હું માની ના શકું.હવે એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલ ટીપીકલ હિંદુ કે ભારતીય એવા અવૈજ્ઞાનિક હતા.હવે એમના નજરિયાથી જોઉં તો મારે એમના આ અવૈજ્ઞાનિક ખ્યાલોને માન્યતા આપવી પડે કે ગાંધીજી સાચું કહેતા હતા.ગાંધીજી ૪૦ વર્ષ પછી બ્રહ્મચર્યનું વ્રત લેતા હતા,અને બીજા યુવાનોને વ્રત લેવાનું દબાણ કરતા.આ એક અકુદરતી હતું.અહી મારે દ્રષ્ટિકોણ બદલાય છે.એમની વાત સાથે સંમત થઈ નથી શકતો.ગાંધીજી સેક્સ ને જીતી લેવા આખી જીંદગી મથ્યા.ટીપીકલ હિંદુ કે જૈન વિચારો કે ઇન્દ્રિયોને અને સેક્સ ને જીતી લો.ગાંધીજી ગ્રેટ હતા.વિથ રીસ્પેક્ટ એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલો સાથે સંમત ના થવાય.અહી એમની આંખે જોઈ ના શકાય.પણ ડિયર ડોસા પ્રમાણિક હતા,કહેતા કે સેક્સ ને દિવસે તો જીતી લીધો છે પણ ૭૦ વર્ષે રાત્રે સ્વપ્નમાં સ્ખલન થઈ જાય છે.આવું કહેવાની હિંમત કોની ચાલે?જૈન મુનીઓ સેક્સ ને જીતી લેતા હશે,બીજા પણ જીતી લેતા હશે,એનર્જીના અભાવે.સેક્સ માટે પણ શરીરમાં એનર્જી તો જોઈએ કે નહિ?સાવ હાડ પિંજર સેક્સ ને જીતી લેવા સમર્થ બની શકે.અથવા તો જીતી લીધાના બણગાં ફૂંકતા હશે.ગાંધીજી જેવા બધા પ્રમાણિક ના હોય.મૂળ હિંદુ ધર્મમાં ૭૫ વર્ષ પછી સંન્યાસ હતો.
હું શું કામ બીજાના દ્રષ્ટિકોણથી વિચારું?હા મારો અને બીજાનો દ્રષ્ટિકોણ એક થઈ જાય અકસ્માતે તો બહુ સારી વાત છે.વિચારોમાં સામ્યતા હોય તો એક આંખ થઈ જાય.તે પણ બધી બાબતે ના પણ થાય.પણ ઘણી વાર મારો દ્રષ્ટિકોણ સારો લાગતો હોય પણ મન માનવા તૈયાર થતું હોતું નથી.કોઈ સાધુ મહારાજનો સિક્કો વાગવો જોઈએ.કંડીશનિંગ!!સાધુ કહે તે સાચું,સંસારી મારા જેવો કહે તો ખોટું.ઘણાને શરૂઆતમાં મારો દ્રષ્ટિકોણ બહુ ભાવે પછી નથી ભાવતો.હું તો એનો એજ છું.એનું એજ લખું છું.જુના પૂર્વગ્રહો આડે આવી જતા હોય છે.પોથી પંડિતો ભાગી જવાના.પોથીમાંથી જોઈ જોઇને લખવું સહેલું છે અને લોકોને બહુ સારું લાગતું હોય છે.આદર્શ વાતો હોય છે.એટલે શરૂમાં મારું લખાણ નવું લાગે,પણ જુના સંસ્કાર આડે આવે અને મેરા ભારત મહાનનો ખયાલ પણ આડે આવી જાય.આપણે કડવું સત્ય પચાવી શકતા નથી.અને ગળપણ મને ભાવતું નથી.મને ડાયાબિટીસ છે નહિ.જેને ડાયાબિટીસ હોય તેને નકલી ફોલ્સ સ્વીટનરની જરૂર પડે.નેચરલ શુગર પચાવી શકતા ના હોય,ઇન્સ્યુલિન ઓછું પડતું હોય કે બોડી એની સામે રેજિસ્ટ કરતું હોય ,અને શુગર વધી જાય તો પણ નુકશાન અને ઘટી જાય તો પણ નુકશાન.નકલી સ્વીટનર ખાવા પડે.ડાયેટ કોક પીવી પડે.મારે નકલી સ્વીટનર જરૂર પડતા નથી.અમારા વંશવેલામાં હાર્ટના પ્રૉબ્લેમ છે.ડાયાબિટીઝના નહિ.
શ્રી ગુણવંત શાહના એક દ્રષ્ટિકોણ સાથે મારો દ્રષ્ટિકોણ મેચ થઈ ગયો કે સાધુ તો પરણેલો સારો,પણ તરત બીજા દ્રષ્ટિકોણ સાથે મેચ ના થવાયું કે સ્ત્રીઓ સાધુઓને ચળાવે છે.છેવટે એમણે વાંક સ્ત્રીઓનો કાઢ્યો.આપણે ગ્રેટ માનતા હોઈએ એમનો વાંક દેખી શકતા નથી.રીડ ગુજરાતીમાં દક્ષાબહેન પટણીનું વક્તવ્ય વાંચ્યું કે શ્રી રામ,શૂદ્રનો વધ કરવા ધનુષ પર બાણ ચડાવ્યું ત્યારે મનમાં દુખી હતા.ભાઈ દુખી હતા અને માનતા હતા કે ખોટું થાય છે તો જાતને રોકોને?બાણ ચલાવ્યું શું કામ?રાજા હતા,બ્રાહ્મણોને કહી શક્યા હોત કે તમારો પુત્ર મૃત્યુ પામે તેમાં કોઈ શૂદ્ર તપ કરતો હોય તેના કારણે આવું થયું તેવું ના માનો.કાર્ય અને કારણનો કોઈ સંબંધ અહી નથી બેસતો.ઘેર જાવ હું કોઈને વિના વાંકે મારી નાખવાનું કૃત્ય નહિ કરું.પણ મન માનવા તૈયાર થતું નથી કે રામને પૂજ્ય માનીએ છીએ.તે ખોટું કરતા હશે?અને કર્યું તો મજબૂરી હતી,અને દિલમાં દયા હતી અને દુખી હતા.રામના અપકૃત્યના ગુણ અહી ગવાઈ ગયા કે દુખી હતા.આવા દંભ સાથે મારા દ્રષ્ટિકોણનો મેળ ના પડે.ના તો રામના નજરિયાથી જોઈ શકું ના દક્ષાબહેન પટનીના.મોરારીબાપુ બેઠાં હોય અને રામ વિરુદ્ધ બોલાય ખરું?એક મહાન રાજા મજબૂર હોય તો એની સત્તાનો શું અર્થ?
અમારે કંપનીમાં એક ગોવીન્દ્કાકા કોઈ ચર્ચા ચાલતી હોય આવી તો ખૂબ ઉગ્ર બની જતા.અમે બીજા મિત્રો સાથે અગાઉથી બ્રેક સમય પહેલા નક્કી કરી લેતા કે ગોવિંદ કાકાને આજે ખૂબ ઉકસાવવા છે.અમે પોઇન્ટ પણ અગાઉથી નક્કી કરી લેતા.એટલે એક મિત્ર પોઇન્ટ મૂકી દેતા અને ચર્ચા ખૂબ ઉગ્ર બની જતી.એક દિવસ અગાઉથી નક્કી થયા મુજબ એક મિત્રે પોઇન્ટ મૂક્યો કે આ રામે સીતાજીને ત્યાગી દીધા તે ખોટું કહેવાય.બસ એક જ વાક્ય અને ગોવિંદ કાકા ચાલુ.પેલાં મિત્ર મને કહેતા કે હું પોઇન્ટ મુકું બાકી મને એમની સાથે ચર્ચા નહિ ફાવે,આપણું કામ નહિ,એ તમે સાંભળી લેજો.ગોવિંદ કાકા કહે આતો દુનિયાનો બેસ્ટ દાખલો છે,હું કહેતો દુનિયાનો વર્સ્ટ દાખલો છે.બહુ મજા આવતી.કાકા ઉગ્ર બની લાલચોળ બની રહેતા.અમે મનમાં હસ્યા કરતા.છેવટે કાકા થાકી જતા,હું કોઈ દલીલ બચવા ના દેતો.થાકીને કહેતા કે તને સમજણ નહિ પડે.હું કહેતો કે તમને નહિ સમજાય.બધા હસતા હસતા બ્રેક પતાવી અંદર જતા.અમારા સુપર્વાઈજર કહેતા આવું ના કરો,કાકાને ઍટેક આવી જશે.
હવે શ્રી ગુણવંત શાહ કહે છે રામાયણ પ્રેમનું મહાકાવ્ય,શરૂમાં ખરું પછી નહિ.પછી શોક,દુખ,દર્દ અને એક મજબૂર સ્ત્રીની અવહેલનાનું મહાકાવ્ય.પત્ની પ્રિય હતી તો અગ્નિપરીક્ષા શું કામ.યુરોપના કોઈ મ્યુજીયમમાં ચેસ્ટીટી બેલ્ટ જોવા મળી જતા હોય છે.અગ્નિ પરીક્ષા અને ત્યાગ બધું ચેસ્ટીટી બેલ્ટ જ કહેવાય,અવિશ્વાસ.અહી રામની આંખે શું કામ જોવું.જોઉં તો અરુંધતીની આંખે જોઉં કે “રામ વડે ત્યજાયેલી સીતા વગરની અયોધ્યામાં પગ નહિ મુકું”.આખા ભારતવર્ષમાં ફક્ત એક જ હ્યુમન સીતાજીની પડખે.તે પણ અસહાય.અહી મારો દ્રષ્ટિકોણ રામ સાથે નહિ અરુંધતી સાથે મેચ થાય છે.
ગાંધીજી વ્યાયામના વિરોધી હતા,કોઈ માનશે?વ્યાયામ ગુંડા મવાલીનું કામ છે,તેવું કહેતા.અહી મારો સખત વિરોધ થાય.અહી એમના નજરિયાથી કઈ રીતે જોઈ શકું?શું શરીર સૌષ્ઠવ જાળવવું તે ગુંડાઓનું કામ છે?જે ધર્મોમાં ઉપવાસ કરી ભૂખે મરવાનું શીખવતું હોય ત્યાં વ્યાયામનું અને શરીરનું મહત્વ ના હોય.શરીરના દુશ્મન,શરીરને તપાવો,પીડા આપો.આતો હિંસા કહેવાય.એક છે બીજાને પીડા આપે છે,પરપીડન.અને બીજો પોતાને પીડા આપે સ્વપીડન બંને હિંસક.બીજાને પીડા આપવામાં સામે વિરોધ પણ થાય પોતાને આપવામાં કોણ બોલે?મારા એક જૈન મિત્રને સાવ નાની ૩૦ વર્ષની ઉંમરે પેટ ખૂબ વધી ગયેલું અને હાઈ બીપી ની તકલીફ.મેં કહ્યું ચાલો મારી સાથે જીમમાં કસરત કરી પેટ ઉતારો.ખૂબ સમજાવ્યા પણ કદી આવ્યા નહિ.મને ખબર નહિ એમના ધર્મમાં જ નથી.આપણો અભિગમ શરીર વિરોધનો રહ્યો છે.શરીર પ્રત્યે સાવ બેદરકાર.એમાયે ગુજરાતમાં તો ખાસ.કસરતનું મહત્વ જરા પણ નહિ.અમુક હિંદુ સાધુઓ અખાડીયન ખરા,પણ સ્વચ્છતાના ઠેકાણા નહિ.વિડમ્બના જુઓ જૈનોના ચોવીસે તીર્થંકર ક્ષત્રિયો હતા,રાજાઓ હતા,યોદ્ધાઓ હતા.મતલબ હિંસા શું છે તે જાણતાં હતા.ધર્મ કોણે અપનાવ્યો?  
દ્રષ્ટિકોણ આગવો જોઈએ,પોતાનો જોઈએ.કોઈની સાથે મેચ થાય તો ભલે ના થાય તો ભલે.

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

કોણ નહિ ઇચ્છતું હોય કે એમનું બાળક બુદ્ધિશાળી બને? બધાને એમનું બાળક બુદ્ધિશાળી અને સ્માર્ટ હોય તેવી ખેવના હોય છે. નવા બનેલા માતાપિતા એમના બાળકની નાનીનાની સ્માર્ટ વર્તણૂકને મિત્રોમાં ગાઈ વગાડીને કહેતા હોય છે, ગર્વ અનુભવતા હોય છે. આધુનિક મનોવિજ્ઞાન, બાયોલોજી અને ઇવોલ્યુશનરી સાયન્સ થોડી નાની નાની બાબતો કહે છે જે તમારા બાળકને વધુ સ્માર્ટ બનાવી શકે છે, વધુ બુદ્ધિશાળી બનાવી શકે છે.

રિસર્ચ કહે છે કે બાળકની માથાની સાઇઝ જન્મના પહેલા વર્ષમાં વિકાસ પામે, વધે તે પાછળથી એની બુદ્ધિમત્તા ઉપર અસર કરે છે. જન્મ સમયે બાળકના બ્રેઈનની સાઇઝ ગમે તેટલી હોય તેની કોઈ ચિંતા કરવાની નથી. પ્રથમ વર્ષમાં કેટલી વધે તે મહત્વનું છે. એટલે બાળક જન્મે અને પહેલા વર્ષમાં એના માથાની, બ્રેઈનની સાઇઝ જેટલી વિકસે તેટલું સારું. જે પાછળથી બાળક મોટું થાય તો એની બુદ્ધિમત્તા ઉપર અસર થવાની છે. એટલે જન્મ પછીનું એક વર્ષ ખૂબ મહત્વનું છે, સાંભળો છો? નવા બનેલા કે બનવાના છો તેવા માતાપિતા?

ડીએનએ સિન્થેસિસ અને જ્ઞાનતંતુઓના  વિકાસમાં ચાવી રૂપ હાર્મોન જન્મના પ્રથમ વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ પામે છે. અને આ વિકાસની ઝડપને ખૂબ બળ આપે છે સ્પર્શ. જયારે એક માતા બાળકને સ્પર્શ કરવાનું બંધ કરે છે ત્યારે ડીએનએ સિન્થેસિસ રોકાઈ જાય છે. અને ગ્રોથ હાર્મોનનો સ્ત્રાવ ઘટી જાય છે. મનોવૈજ્ઞાનિક રીતે બાળક સર્વાઈવ મોડ તરફ જતું રહે છે. આપણાં પૂર્વજ આદિમાનવ બાળકને આખો દિવસ સતત ઊચકીને ફરતા રહેતા. અને બાળકને સાથે જ સુવાડતા. આજે પણ આપણે સાથે જ સુવાડીયે છીએ. એક વર્ષનું થાય ત્યાં સુધી બાળકને સતત સ્પર્શ આપતા રહો. માતૃત્વની કેડીએ બ્લોગમાં જઈને કાંગારું પદ્ધતિ વિષે વધુ માહિતી મેળવી લેવા વિનંતી છે.

માતાનું ધાવણ ખૂબ મહત્વનું છે. માતાના ધાવણ જેવી કોઈ ફૉર્મ્યુલા શ્રેષ્ઠ નથી. બાળકો માટે મળતા તૈયાર ખોરાકના ડબલાં ખૂબ રિસ્કી છે. બાળકની ઈમ્યુન સીસ્ટમ અને ન્યુરો ટ્રાન્સમીટર્સનાં વિકાસ માટે માતાનું ધાવણ મહત્વનું છે, તૈયાર ડબલાં જોઈએ તેવો વિકાસ કરી શકતા નથી. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. બ્રેસ્ટ ફીડીંગ બ્રેઈનના વિકાસને ખૂબ ગતિ આપે છે, સાથે સાથે માતા સાથે લાગણીભર્યા સામાજિક સંબંધો અને વાસ્તવિક બુદ્ધિમત્તાનાં વિકાસને વેગ આપે છે. માતાના ધાવણનો કોઈ અપવાદ શોધાયો નથી. એની તુલનામાં બીજું કોઈ આવી શકે નહિ. આપણાં પૂર્વજો બાળકને ૨ થી ૫ વર્ષ સુધી માતાનું ધાવણ આપતા હતા. બે, ત્રણ કે પાંચ  વર્ષ માતાને ધાવેલું બાળક ભવિષ્યમાં ક્યારેય માતાની અવહેલના કરી શકે નહિ. માંડ છ મહિના ધાવેલું બાળક ભવિષ્યમાં માતાની અવહેલના કરે તો ફરિયાદ કરવી નહિ.

બાળકને બને તેટલું તનાવમુક્ત રાખો. જેટલું ઓછું રડે તેટલું સારું. એનાથી ન્યુરોન્સ નાશ પામતા હોય છે. માટે બાળકના હલનચલન ઉપરથી એની જરૂરિયાતો સમજી લો. એક વર્ષ સુધી આટલું ધ્યાનમાં લેવું જરૂરી છે. બાળક બોલી શકાતું નથી માટે એની જરૂરિયાતો સમજવી મહત્વની છે.

દરેક સ્તનધારી પ્રાણીઓ આ બાળ ઉછેરની પ્રાથમિક પદ્ધતિ ૩૦ મિલિયન વર્ષથી અપનાવે છે. આપના પૂર્વજો પણ અપનાવતા હતા. પણ આધુનિક જમાનામાં આપણે ભૂલતા જઈએ છીએ. આપણે બાળકને પૂરતું માતાનું ધાવણ આપતાં નથી. તો હવે યાદ રાખો,
૧)સતત સ્પર્શ આપો. નીચે મૂકશો નહિ.

૨)શાંત રાખો. તનાવમુક્ત રાખો.

૩)ઓછામાં ઓછું એક વર્ષ તો ધવડાવો. માતાના ધાવણ ઉપર જ રાખો.

REFERENCES
Darcia Narvaez, Ph.D.,Catharine R. Gale, PhD, Finbar J. O’Callaghan, PhD, Maria Bredow, MBChB, Christopher N. Martyn, DPhil and the Avon Longitudinal Study of Parents and Children Study Team (October 4, 2006). “The Influence of Head Growth in Fetal Life, Infancy, and Childhood on Intelligence at the Ages of 4 and 8 Years”. PEDIATRICS Vol. 118 No. 4 October 2006, pp. 1486-1492. http://pediatrics.aappublications.org/cgi/content/short/118/4/1486.
Hewlett, B., & Lamb, M. (2005). Hunter-gatherer childhoods.New York: Aldine.
Schanberg, S. (1995). The genetic basis for touch effects. In T. Field (Ed.), Touch and Early Experience (pp. 67-80). Mahwah, NJ: Erlbaum

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

ProcesionMercedes
Image via Wikipedia

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ સમાજને ફંફોસો, કોઈને કોઈ પ્રકારનો ધર્મ લોકો પાળતા હશે. ભલે એમાં વિવિધતા હોય, માન્યતાઓ અને નીતિનિયમો જુદા જુદા હોય પણ ધર્મ અને ધાર્મિકતા બધે જોવા મળશે. માટે એવું વિચારાય છે કે માનવ ધાર્મિક બનવા ઇવોલ્વ થયો છે. શું તે સાચું છે? ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ.

વિકાસના ક્રમમાં માનવને જિન્સમાં મળેલું છે એક માનવ વંશનું ઝરણું વહેતું રાખવું, બીજું જીવતા રહેવા કોઈ પણ ઉપાય શક્ય કરતા રહેવું, કોઈ પણ હિસાબે સર્વાઈવ થવું. સર્વાઈવ થવાનો એક લાંબો પ્રોસિજર છે માનવ વંશનું ઝરણું વહેતું રાખવું. માનવ પોતાના જિન્સ બીજી પેઢી એટલે પોતાના સંતાનોમાં ટ્રાન્સ્ફર કરી, એક રીતે પોતે જીવતો રહે છે. હાલનું શરીર ભલે કુદરતના નિયમ આધારિત નાશ પામે તે જીવતો છે એના ટ્રાન્સ્ફર કરેલા જિન્સને લઈને. ઉલટાની એમાં પેઢી દર પેઢી પ્રગતિ થાય છે, વિકાસ થાય છે માટે વિકાસ પામતો જતો જીવંત છે. હજારો વર્ષ પછી પણ હું જીવતો જ હોઈશ અને તે પણ વધુ વિકાસ પામેલો.
આના માટે માનવ નર હંમેશા આતુર હોય છે એનું બીજ સ્ત્રીમાં રોપી દેવા. કોઈ પણ સારી સ્ત્રી જોઈ, એની સુગન્ધ ભાવી ગઈ કે તે ઉતાવળો થવાનો એનું બીજ પ્રત્યારોપણ કરી દેવા. એના માટે સ્ત્રીની હા છે તેવી ધારણા બાંધી સાંનિધ્ય કેળવવા દોડી જવાનો. હવે દર વખતે સ્ત્રીની હા ના હોય. સ્ત્રી ખાલી સામાન્ય મિત્રાચારી પણ ઇચ્છતી હોય. આગળ વધવા તૈયાર ના હોય. એમાં ભાઈની ઑફરના જવાબમાં લાફો પણ મળે, ચપ્પલ પણ મળી જાય. હવે ભૂલ તો થઈ ગઈ. કોઈ વાંધો નહિ, ફરી બીજે ટ્રાય ચાલુ. ફરી લાફો મળે પણ વારંવાર ટ્રાય ચાલુ જ રહેવાના. વારંવાર ભૂલ થાય પણ ટ્રાય ચાલુ કેમ રહેતા હોય છે? હવે ચાલો ભાઈ સમજી ગયા કે કોઈ સ્વીકારતું નથી, અને કોઈ સ્ત્રી સંપર્કમાં આવી છતાં ભાઈ તરફથી અગાઉની કરેલી ભૂલોના લીધે, મળેલા ઇન્કારને લીધે પ્રયત્ન થયો નહિ. તે જ સમયે આ સ્ત્રી ખરેખર તૈયાર હતી રીપ્રોડક્શન માટે. હવે ચાન્સ ગુમાવ્યો. કિંમત ચૂકવવી પડી બહુ મોટી કે ચાન્સ ગુમાવ્યો. આ થઇ ફોલ્સ નેગેટીવ એરર. કુદરત કોઈ ચાન્સ લેવા માંગતી નથી. ભૂલોના લીધે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તે માન્ય નથી. એટલે એક પણ ચાન્સ ગુમાવવો ના હોય તો વારંવાર ભૂલ થાય છતાં પ્રયત્ન કરતા રહેવો તે માટે માનવ ઇવોલ્વ થયેલો છે. એટલે વારંવાર ઇનકાર મળશે પણ કોઈ વાર તો હકાર મળશે આવું વિચારવું, આ થઇ ફોલ્સ પોજીટીવ એરર. ચાન્સ ગુમાવવો પાલવે નહિ માટે માનવ ભૂલો વારંવાર કરશે પણ એની મોટી કિંમત ચૂકવવી ના પડે તે પહેલું જોવાનું માનવ શીખ્યો છે ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં. આને એરર મૅનેજમેન્ટ કહેવાય. એરર ભલે થાય કોસ્ટ ચૂકવવી ના પાલવે. માટે માનવ વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો છે, Overinfer.

હવે બીજો દાખલો વિચારીએ. આપણો કોઈ પૂર્વજ આફ્રિકાના ગાઢ જંગલમાં ફરી રહ્યો છે. એવામાં કોઈ વિચિત્ર અવાજો આવે છે અને એક મોટું ફળ વૃક્ષ ઉપરથી એના માથે પડે છે. બે ધારણાઓ છે. એક તો પવનના સુસવાટાનો અવાજ છે અને ગુરુત્વાકર્ષણને લીધે ફળ વૃક્ષ પરથી નીચે એના માથા ઉપર પડ્યું છે. બીજી ધારણા છે કોઈ હુમલાખોર એનો શિકાર કરવા ચેતવણી રૂપ અવાજો કરી રહ્યો છે અને કોઈ બીજો કોઈ હુમલાખોર વૃક્ષ પર છુપાયો છે અને તે કશું મારી નાખવા ફેંકી રહ્યો છે. હવે ખરેખર પવનનો સુસવાટાનો અવાજ નથી અને સાચે જ કોઈ હુમલાખોરો મારી નાખવા તૈયાર છે અને એણે ધાર્યું કે આતો પવનનો અવાજ છે તો એ માર્યો જવાનો. જીવ જવાનો. આ થઈ ફોલ્સ નેગેટિવ એરર. આવું તો પાલવે નહિ. માટે જ્યારે જ્યારે આવી અણધારી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તે પહેલો વિચાર હુમલાખોર જીવ લેવા આવ્યો છે તેવું જ વિચારશે. હવે હુમલાખોર નહિ હોય તો કોઈ નુકશાન નથી. ભલે ધારણા બાંધી લીધી ભૂલ કરી. પણ ખરેખર હુમલાખોર હોય તો બાંધેલી ધારણા કામ લાગી જાય અને સામો હુમલો કરી કે ભાગી જઈને બચી  જવાય. માટે ધારણા બાંધી લેવામાં ભૂલ વારંવાર થાય તો ચાલે પણ જીવ ગુમાવવો ના પાલવે. આ થઈ ફોલ્સ પોજીટીવ એરર. એટલે પાછળ કોઈ કાવતરું છે, કોઈ નુકશાન પહોચાડવા પ્રયત્નશીલ છે તેવું માની લેવા માનવ અવિશ્વાસુ બનવા પેરનાઈડ(Paranoid)બનવા વિકસ્યો છે.

પ્રથમ માનવ Overinfer બનવા વિકસ્યો, વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો. શેના વિષે? જે વસ્તુ ના હોય, જે સંજોગ કદી ઉભા થવાના ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય તેના વિષે વધુ પડતી ધારણાઓ બાંધી એમાં પ્રાણ ફૂંકવા માટે ઉત્સાહિત બનવાનું શીખ્યો છે, એવી રીતે એનું બ્રેઈન વિકસ્યું છે. એટલે પવનના સુસવાટા પણ એણે કોઈ જીવંત વ્યક્તિ લાગવાના. વીજળીના ચમકારા પણ જીવંત. બધામાં જીવ પૂરવાનું શીખ્યો. જે વસ્તુ સમજમાં આવે નહિ તેમાં પણ જીવંત દેખાવા લાગ્યું. સતત મનન અને પૂર્વગ્રહ યુક્ત ચિંતન એને સુપર નેચરલ વસ્તુઓમાં માનતો કરી દીધો. એમાંથી ભગવાન પેદા થયો. પહેલા ભગવાન વાવાઝોડા, ભૂકંપ અને ડીઝાસ્ટર મોકલનાર લાગતો હશે. પછી એને ખુશ કરવા પ્રયત્નો કરવા લાગ્યો. યજ્ઞો કરવા, ભાગ આપવો. એમાંથી ધર્મ પેદા થવા લાગ્યો. વીજળીના ચમકારે આકાશવાણી કરી ભગવાન સંવાદ કરવા લાગ્યો. એટલે ધર્મ એ બાય પ્રોડક્ટ છે. એટલે માનવ ધાર્મિક બનવા સર્જાયો નથી, પણ આતંકિત બનવા સર્જાયો છે, પેરનાઈડ બનવા સર્જાયો છે. માનવ ધાર્મિક છે કારણ આતંકિત છે, પેરનાઈડ છે.ધોળકિયા સાહેબ સાચું કહે છે કે“માણસ ધાર્મિક બનવા સર્જાયો છે એવું નથી. એ માત્ર મગજની પ્રવૃત્તિ છે. ધર્મ અને ભગવાન માણસની શોધ છે.”

માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે. આ ભયનો ઉપયોગ કરી સાધુબાવા, ગુરુઓ માનવને વધારે ભયભીત કરે છે, પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે.

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા!!

The Wall

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા.
જુઓ, મિત્રો આપણે ખૂબ વાચાળ છીએ. શબ્દોની પ્રચુરતા આપણી પાસે ખૂબ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બકબકિયા છીએ. કામ વગર શબ્દો વેડફીએ છીએ. આપણે શબ્દોથી મોહિત થઈ જઈએ છીએ. એમાં મૂળ વિષય ચૂકી જવાય છે. ભાષણ આપવાની વાતવાતમાં ટેવ એ ભારતીયોની ખૂબી છે. આપણને આપણો અવાજ સાંભળવાની ખૂબ મજા પડે છે. માટે જ્યાં ચાન્સ મળ્યો તરત શરુ. કોઈ પૂછે કે ના પૂછે સલાહ આપવાની એટલે આપવાની. આ સલાહ આપવાની ટેવ એક રોગની કક્ષાએ પહોચી જાય છે.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-

Rear View of the Babri Mosque.
Image via Wikipedia

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-
જુઓ!!
આપણી મોરાલીટી, સદાચરણ ફક્ત આપણાં કુટુંબ અને મિત્રો  પૂરતું જ હોય છે, બીજા માટે નહિ. આપણે આપણો કચરો પાડોશીના વરંડામાં ફેંકી દેવા ટેવાયેલા છીએ. એક કેતન પારેખ કે હર્ષદ મહેતાને એવી પડી હોતી નથી કે મારા દેશના બાંધવને લૂંટી રહ્યો છું. આપણે નાનાં નાનાં પ્રશ્નોમાં અટવાયેલા, ગૂંચવાયેલા અને ધૂંધવાયેલા રહીએ છીએ. એક મંદિર અને એક મસ્જિદનો પ્રશ્ન જે ક્ષણમાં હલ થાય તેવો હતો તેના માટે આપણે દાયકા લગાવી દીધા.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG