Category Archives: રાજકારણ

ગીર-ગુજરાતની શાન શતમ જીવમ પુંડરીકમ

images0-

ગીર-ગુજરાત કી શાન સિંહ મેરી જાન

સમગ્ર ગુજરાતનું ગૌરવ અરે ભારતનું કહો તો પણ ચાલે એવા એશિયાટિક સિંહને મધ્યપ્રદેશમાં વસાવવા બાબતે ગુજરાત સરકારે તો શક્ય વિરોધ સુપ્રીમ કોર્ટમાં કરી જોયો છે. એટલે ગુજરાત સરકારને ભાન્ડવી નકામું છે. ઍઝ યૂઝુઅલ આપણી માનસિકતા પ્રમાણે આ બાબતે પણ લાગણીઓમાં તણાઈ જવાના. આપણા ભારતમાં તજજ્ઞોનું કોણ સાંભળે છે? અને એમની સલાહસૂચન પણ કોણ ગણકારે છે? એવું હોત તો મચ્છુ ડેમ તૂટ્યો જ નાં હોત. અને જે ભયાનક તારાજી થઈ હતી તે થઈ નાં હોત. ડેમ બનાવવાની અને બનાવીને નામ કમાઈ લેવાની લ્હાયમાં તજજ્ઞોની સલાહની અવગણના તજજ્ઞ એવા ગુજરાત સરકારના એન્જીનીયરો જ કરી બેઠેલા.

૧૯૫૬મા ઉત્તરપ્રદેશની સરકારે ઇન્ડિયન બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ આગળ એક પ્રપોઝલ મૂકી હતી. ૯૬ ચોરસ કિલોમીટરનો એરિયા ધરાવતી ચંદ્રપ્રભા વાઈલ્ડલાઈફ સૅંક્ચ્યૂઅરી નું વાતાવરણ લગભગ ગીર જેવું હોવાથી ત્યાં થોડા સિંહ ગીરમાંથી લાવીને વસાવવાની યોજના હતી. ૧૯૫૭મા ત્યાં એક નર અને બે માદા એમ એક જોડ સિંહની ત્યાં લવાયેલી પણ ખરી. થોડા વધ્યા અને ૧૯૬૫મા એકદમ નાશ થઈ ગયો. આફ્રિકન સિંહ કરતા ગીરનો સિંહ થોડો સંસ્કારી લાગે છે. હહાહાહાહા આફ્રિકન સિંહને પાંચથી સાત પત્નીઓ જોઈએ. ગીરના સિંહ થોડા શરમાળ લાગે છે આ બાબતમાં. આફ્રિકન સિંહ રાજપૂત રાજાઓ અને જમીનદારો જેવો. ઓછામાં ધરાય નહિ. ગીરનો સિંહ શ્રીમંત વાણિયા શેઠ શાહુકાર જેવો કહેવાય બે અથવા વધુમાં વધુ ત્રણ શ્રીમતી વડે ચલાવી લે. ભૂમિનો પ્રતાપ આનું નામ..

જ્યારે તમે કોઈ બ્રીડનું અચાનક નવી જગ્યાએ સ્થાનાન્તરણ કરો ત્યારે અતિશય ધ્યાન રાખવું પડે. એની સ્પેશીયલ કાળજી રાખવી પડે. કેપ્ટીવીટીમાં ઉછેરો અને જંગલમાં છુટા સર્વાઈવ થવા છોડી દો આ બે બાબતમાં ઘણો ફરક હોય છે. અમેરિકા અને યુરોપના પ્રાણી સંગ્રહાલયોમાં આવી રીતે સિંહ ઉછેરવાનો પ્રોગ્રામ ચાલી જ રહ્યો છે. આ લોકો આફ્રિકન અને એશીયાટીક બંને બ્રીડનું ક્રૉસિંગ પણ કરતા હોય છે. પણ આ બધું સલામત અને તજજ્ઞોની દેખભાળ હેઠળ થતું હોય છે. આમ અત્યારે ગીરના સિંહ ગણો કે એશિયાટિક સિંહ ગણો European Endangered Species Programme for Asiatic lions ( EEP ) પાસે ૧૦૦ સિંહ છે.

એશિયાટિક સિંહ ખાલી ગીરમાં જ રહ્યાં છે તે સિંહનું કમનસીબ છે અને આપણી માનવજાતની શરમ છે. પર્શિયન ભાષામાં ઈરાન નો અર્થ લેન્ડ ઑફ આર્યન્સ થાય છે. આમ આર્યભૂમિ કહો કે આર્યાવર્ત કહો ઈરાનમાં એશિયાટિક સિંહ હતા. પેલેસ્ટાઇન, મેસોપોટેમીયા, બલુચિસ્તાન, સીરિયા, ભારતમાં-પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં એશિયાટિક સિંહ વસતા જ હતા. યુફ્રેટ્રીસ નદીના ઉપરવાસમાં ૧૮૭૦ સુધી આ સિંહ નોંધાયા છે. ઈરાનમાં પણ મોટા પ્રમાણમાં ફેલાયેલા આ સિંહ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયા. ઝર્ગોશની પહાડીઓ અને શિરાઝનાં જંગલોમાં ૧૮૭૦ સુધી આ સિંહ વ્યાપક પ્રમાણમાં વસતા હતા. ૧૯૪૪મા ઈરાનમાં karun નદીના કિનારેથી એક સિંહણનું મડદું મળેલું. ૧૯૬૩મા પાંચની સંખ્યા ધરાવતા છેલ્લા સિંહ પરિવારનો નાશ કરીને ઈરાનીઓએ ખુબ જલસો કર્યો ત્યારે એમના રાષ્ટ્રીય ધ્વજ ઉપર સિંહ બિરાજમાન હતો, છે ને કરુણતા? નર સિંહ તો આગાઉથી જ મારી નંખાયો હતો અને માદા સિંહ સાથે ચાર બચ્ચા પણ હતા. ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાંતિ થઈ ત્યાં સુધી ઈરાનના રાષ્ટ્રીય ધ્વજ ઉપર હાથમાં તલવાર લઈને સિંહનું ચિત્ર બિરાજમાન હતું. ભલા સિંહને વળી તલવારની જરૂર પડે ખરી?

ભારતમાં જોઈએ તો ઝારખંડ જિલ્લાના પલામાઉ એરિયામાં ૧૮૧૪ માં આ સિંહ છેલ્લે દેખાયા હતા. બરોડા, હરિયાણા અને અમદાવાદ વિસ્તારમાં ૧૮૩૦ સુધી હતા. પાકિસ્તાન સિંધનાં કોટ દાજી અને મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં ૧૮૪૦ સુધી એશિયાટિક સિંહ દેખાયા હતા. ૧૮૫૭ના બળવા વખતે બ્રિટીશરોએ ૩૦૦ સિંહ મારી નાખેલા. ગ્વાલિયર અને રેવા મધ્યપ્રદેશમાં છેલ્લો સિંહ ૧૮૭૦મા મરાયો હતો. ગુના-મધ્યપ્રદેશ, ડીસા અને પાલનપુર વિસ્તારમાં ૧૮૮૦ સુધી આ સિંહ હતા ત્યાર પછી એમનો સફાયો થઈ ગયો. સલામ કરો જૂનાગઢના નવાબને કે એમણે સખત કાયદો કર્યો અને સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો બાકી આજે સમ ખાવા એક પણ એશિયાટિક સિંહ બચ્યો નાં હોત.

સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી. ગીરમાં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો. ગપ્પા મારવામાં શું કામ પાછળ રહેવું? લોકકવિઓ સિંહોને પણ છોડતા નથી.

સિંહ સિંહણની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી. તદ્દન ખોટી વાત છે. સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે. ખાસ તો સિંહના ટોળામાં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે. પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મૂકે છે. પછી લહેરથી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે. સિંહ ભાગ્યેજ શિકારમાં જોડાય છે. ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે. ટોળાં સિવાય એકલાં રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે. ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મૂકવામાં આવે છે. ટોળાનો માલિક સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાનો માલિક બની જાય છે. અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે. એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવના જોખમે સિંહનો સામનો કરે છે, પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે, અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે. છે ને હૃદય દ્રાવક? કુદરતના રાજ્યમાં NO અહિંસા. પછી એજ સિંહણ ગરમીમાં આવીને પેલાં સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે. પોતાના છોકરાઓને મારનાર જોડે પ્રેમ? Any morality? There is no morality in ‘The world of Nature.

કેટ એટલે બિલાડીના કુલમાંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે. પેન્થેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે. ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજનમાં હોય છે. ૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી દુનિયામાં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી. સિંહ સામાજિક પ્રાણી છે. જંગલમાં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે, જ્યારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ જીવી શકે છે. હવે ખાલી આફ્રિકાના ઘાસિયા મેદાનો અને ગીરમાં જ બચ્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઈ ગઈ છે. સંસ્કૃતમાં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહનું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે. ટાયગર, જેગુઆર ને લેપર્ડ એ સિંહના પિત્રાઈ કહેવાય. કૉમન પૂર્વજોમાંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆરને સિંહ છુટા પડેલા જ્યારે લેપર્ડ દસ લાખ ને આશરે વાઘ ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા. મતલબ વાઘ, જેગુઆર, લેપર્ડ અને સિંહ બધાના પૂર્વજ એક જ હતા.
૧) P.l.persica, એશિયાટિક લાયન એક સમયે ઈરાન, પાકિસ્તાન, ટર્કી, બાંગ્લાદેશ બધે ફેલાયેલા હતા. હવે ગીરમાં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે બચ્યા છે.
૨) P.l.leo, બાર્બેરી લાયન ઈજીપ્ત ને મોરોક્કોમાં હતા. બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા. ૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કોમાં મરાયો હતો.
૩) P.l,senegalensis, વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયામાં મળે છે.
૪) P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન કોન્ગોમાં મળે છે.
૫) P.l.nubica, મસાઈ લાયન ઈથિયોપિયા, કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિકમાં મળે છે.
૬) P.l. bleyenberghi, કતંગા લાયન નામિબિયા, બોત્સવાના, અંગોલા, કતંગા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વેમાં મળે છે.
૭) P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
૮) P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.

એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકામાં પણ સિંહ હતા. નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે. જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે. એવી રીતે સિંહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે. કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે. ભૂખ લાગે તો જ ઉભા થવાનું. સિંહ ને લગભગ ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.

આફ્રિકન સિંહ બહુ મોટો પરિવાર ધરાવતો હોય છે. એના પરિવારમાં બે થી માંડીને સાત સાત સિંહણ હોય છે અને ઘણીવાર આવા એક કરતા વધુ સિંહણ ગ્રૂપ ઉપર કાબુ ધરાવતો હોય છે, જ્યારે ગીરનો સિંહ પ્રમાણમાં નાનો પરિવાર ધરાવતો હોય છે. મોટાભાગે બે જ સિંહણ અને એના બચ્ચાં એના પરિવારમાં હોય છે. સિંહ મોટાભાગે બહુ મોટા શિકાર શોધતો હોય છે. ૨૦૦ થી ૫૦૦ કિલો વજનના મોટા પ્રાણીઓ ઉપર હાથ અજમાવવો એના માટે રમતવાત છે. ગીરના સિંહ મોટાભાગે ૫૦ કિલોના ચિતલ ઉપર વધારે હાથ સાફ કરતા હોય છે. આફ્રિકન સિંહ કરતા કદ કાઠીમાં ગીર સિંહ થોડો નાનો હોય છે.

ગીરના માલધારી જીવન સાથે સિંહ વણાઈ ગયેલો છે. શુદ્ધ શાકાહારી આ પ્રજાને સિંહ માટે માન છે. આ પ્રજા સિંહનો નાશ કરે તેવી જરાય નથી. જે નાશ થયો છે તે બ્રીટીશરોએ એમના શોખ માટે કર્યો છે અને તેમના વાદે ચડેલા રાજામહારાજાઓએ કર્યો છે. મધ્યપ્રદેશની બદમાશ ટોળીઓ છેક ગીર આવીને સિંહ મારી જતી હોય એમને તો મધ્યપ્રદેશમાં વસાવેલા સિંહ ઘરઆંગણે મારવા મળી જવાના. ગીરમાં સિંહની વસ્તી વધી છે માટે એમને બીજે વસાવવા પડે છે? તમારી માનવ વસ્તી વધે છે તેનું શું? સિંહ પહેલા ૧૦૦ જ હતા હવે વધી ગયા છે તેવી દલીલ થાય છે. અલ્યા ભાઈ તમે બધા મારી નાખ્યા તો ૧૦૦ વધેલા બાકી તો બહુ હતા. બહુ બધા હતા તે લોકો ભૂલી જાય છે. બરોડા, અમદાવાદ, પાલનપુર અને ડીસા વિસ્તારમાં પણ સિંહ હતા. હું માનું છું બનાસકાંઠામાં સિંહ ફરી વસાવવા જોઈએ. ત્યાં ગીર જેવા શાકાહારી માલધારીઓ જ વસે છે. ત્યાં વાતાવરણ પણ ગીર જેવું લગભગ છે. સિંહ એની મેળે જગ્યા શોધી નવા નવા વિસ્તારમાં ધીમે ધીમે અનુકૂલન સાધતા વધતા જાય અને ફેલાતા જાય તે વધુ બહેતર છે, પણ આપણે વધારેલી બેહદ વસ્તી અને સિમેન્ટના જંગલ એમાં અવરોધક બનવાના. માટે પ્રેક્ટીકલી તે શક્ય નથી તો સિંહનું સ્થાનાંતરણ કરવું પડે છે તે મજબૂરી સમજી તે માટે અતિશય કાળજી રાખવી પડે અને તે નૈતિક રીતે રખાય તો જ પ્રયોગ સફળ થાય. બનાસકાંઠા અને કચ્છ જેવાં વિસ્તારમાં સિંહને વસાવવામાં ગુજરાત સરકારને શું વાંધો આવે? આશરે પાંચેક હજાર વર્ષથી સિંહ ભારતમાં વસવા આવેલા છે તેવું કહેવાય છે તો અત્યાર સુધી કોઈ ચેપી રોગ નહોતાં નડતા અને હવે નડે છે? HIV જેવો FIV રોગ ડોમેસ્ટિક કેટને થતો હોય છે. તેવો રોગ વાઈલ્ડ કેટ વાઘ સિંહ જેવાને થાય તો આ જાતિઓ તો નષ્ટ જ થઈ જાય. એવો ભય એક બાયોલોજીસ્ટ ને ઉપજ્યો. એણે આખી દુનિયામાંથી વાઈલ્ડ કેટ પ્રાણીઓના જિન્સ એકઠાં કર્યા અને રિસર્ચમાં એવું આવ્યું કે વાઈલ્ડ કેટ શ્રેણીના પ્રાણીઓ આ ભયાનક FIV રોગ સામે પ્રતિકાર શક્તિ તો હજારો વર્ષોથી કેળવી ચુક્યા છે. આ રોગ ખાલી ઘરેલું પાળેલી બિલાડીઓ ને જ થાય છે.

નિષ્ણાતો સલાહ આપે કે હવે સિંહ બીજે વસાવવા જોઈએ તે સાચી વાત છે. પણ આપણે નિષ્ણાંતોની એક સલાહ માનીએ છીએ પણ આ લોકોએ આપેલી બીજી કાળજી રાખવાની સલાહો ભૂલી જઈએ છીએ. તજજ્ઞોએ મચ્છુ ડેમ બંધાવાની સલાહ આપી તે માની લીધી પણ ડેમ બાંધવામાં જે જે તકેદારીઓ રાખવાની હતી તેના વિષે તજજ્ઞોએ કરેલા સૂચનો ફગાવી દીધા હતા. પછી કહીએ કે તજજ્ઞોએ તો કહેલું બંધ બાંધવાનું એમાં તૂટી જાય તો અમે શું કરીએ? અહીં પણ આવું જ થવાનું છે. તજજ્ઞો સલાહ બધી બાજુની આપીને છૂટી જવાના, સુપ્રીમ કોર્ટ ચુકાદો આપીને છૂટી જવાની, ગુજરાત સરકાર કચવાતા મને ચુકાદો માથે ચડાવીને છૂટી જવાની પણ નૈતિકતામાં નહિ માનનારા લોકો આ પ્રયોગ પહેલાની જેમ ફરીવાર નિષ્ફળ બનાવીને જ જંપશે. ત્યારે નૈતિકતાનાં અતિશય બણગાં ફૂંકનાર લોકો અસહાય બનીને જોયા કરશે પણ એમાં મરો તો બિચારાં એશિયાટિક સિંહનો જ થવાનો છે. સારું છે કે ગીરમાં છે એટલાં બધા સિંહ કુનો-મધ્યપ્રદેશ નથી મોકલવાના. imagesCAFIG65R

તુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમરથ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

untitledતુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમર્થ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

જો કે આમાં તો કાગડાનું અપમાન છે પણ આજનો દિવસ ચલાવી લોં યારો. કૌવા એટલે ક્રિમિનલ સમજી લેવું. કાયમ લાકડા લડાવતા નારદ મુનીએ ‘ભક્તિસૂત્ર’ લખ્યા પછી કુદરતે આ દેશની પ્રજામાં રહેલાં બુદ્ધિ અને તર્કના જિન્સ જાણે પાછાં ખેંચી લેવાનું ધાર્યું હોય તેમ લાગે છે. એક જમાનો હતો કપિલનું સાંખ્ય, ગૌતમનું ન્યાય, પતંજલિનું યોગ, જૈમીનીનું પૂર્વ મીમાંસા, કણાદનું વૈશેષિક ભારતની ભૂમિ ઉપર તર્ક અને બુદ્ધિનો ઝંડો લહેરાવતું હતું. કદાચ ભારત પહેલો એવો દેશ હશે જ્યાં લીમ્બીક સિસ્ટિમ ઉપર તર્ક અને બુદ્ધિનો કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ થયો હશે. ત્યારે બાકીની દુનિયાના દેશો પુરા એનિમલ બ્રેઈન ઉપર આધાર રાખતા હતા. એક સમયે અહં બ્રહ્માસ્મિનાં અતિઅહંકારી નારાઓ વડે ગુંજતો આ દેશ આજે આખો દિવસ કાલાવાલા કરતો, તાળીઓ પાડતો, મંજીરા વગાડતો ગરીબડો લાચાર ભાવનાઓના પૂરમાં વહીને રોતલ બની ચૂક્યો છે ત્યાં ક્રિમિનલ હીરો બની જવાના તેમાં નવાઈ જ નહિ. પ્રજા ગુંડાઓને મારી શકતી નથી કે સજા કરી શકતી નથી ત્યારે ગુંડાઓ આદર્શ બની જતા હોય છે. ગુંડામાં પ્રજાને અન્યાય સામે માથું ઊચકનાર હીરો દેખાય તેમાં પણ નવાઈ નહિ.

ભાવનાઓના પૂરમાં તણાઈ જતી આ એજ પ્રજા છે જે એક દિવસ સંજય દત્તના ઘર ઉપર પથ્થર ફેંકતી હતી. આ એ જ પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ છે જે આજે સંજય દત્તને માફી અપાવવા બહાર પડી સુપ્રીમ કોર્ટનું અપમાન કરવા નીકળી પડ્યા છે. માટે તુલસી કહી ગયા કે સમર્થ કો નહિ દોષ ગુંસાઈ. અહીં સમર્થ માણસ ગમે તેટલાં દુષ્કર્મ કરે એને કોઈ દોષ લાગતો નથી. પણ આ સંજય દત્ત કઈ રીતે ફસાઈ ગયો? એના બાપ તો કૉન્ગ્રેસના મહાન નેતા હતા. એક નગરપાલિકા બરોના સભ્યના છોકરાને આ દેશમાં બોલી શકાતું નથી ત્યાં સુનીલદત્ત જેવા બીગ શોટ નો છોકરો કેમ ફસાઈ ગયો? નક્કી પુરાવા સંગીન હશે. શક્ય એટલાં ખોખલા કરવાનો ટ્રાય તો કરાયો જ છે. કારણ પેલી ૭૦ વર્ષની મુસ્લિમ ડોસીને હથિયાર રાખવાના કેસમાં સજા થઈ તે ટાડા કાયદા અનુસાર થઈ અને આ મહારથીને ખાલી બિનપરવાનેદાર હથિયાર રાખવાનો સાદો ગુનો દાખલ કરાયો છે. ૩૩ વર્ષની ઉંમર કાચી કહેવાય ખરી? બેત્રણ લાયસન્સવાલા હથિયાર ઘરમાં હોવા છતાં આવા ખતરનાક હથિયાર ઘરમાં રાખવાનું કામ કરવું મતલબ તમે કાવતરામાં પુરા સંડોવાયેલા હોવા જ જોઈએ. તે સમયે પોલીસને જાણ કરી બહુ મોટો હત્યાકાંડ નિવારી શકાયો હોત તો ‘મેરે દેશકો મૈ ચાહતા હું’ જેવા વાક્યો આજે રડતા રડતા બોલાય છે તે સાર્થક થયા હોત. દાઉદની પાર્ટીમાં અનિલકપુર પણ નાચવા જતો હતો એણે હથિયાર કેમ ના રાખ્યા? સલમાનનો બાપ મુસ્લિમ છે માં હિંદુ એણે ભાઈબંધી રાખી હશે હથિયાર કેમ નાં રાખ્યા? શાહરૂખ દાઉદભાઈની ચમચાગીરી કરી ચૂક્યો હશે એણે હથિયાર કેમ નાં રાખ્યા? ભાઈના પૈસા આખી ફિલ્મી દુનિયામાં ફરતા હતા એમના ટપોરી નિર્માતાઓ દ્વારા. એટલે આખી ફિલ્મી દુનિયા એમની કદમબોસી કરતી હતી પણ હથિયાર ખાલી સંજયદત્તે જ રાખ્યા છે.

૨૫૫ મૃત્યુ, ૭૦૦ ઘાયલ અને એના લીધે હજારો પીડાયા તેની કોઈ કિંમત જ નહિ. અરે આના કરતા તો પેલી અમદાવાદની ગરીબ મુસ્લિમ બાઈ સારી જેણે પોતાના પતિના કાવતરાની વાત પોલીસને કહી દીધી અને એક ઓર હત્યાકાંડ થતો રહી ગયો. બાઈટીંગ માટે ટેબલ પર પ્લેઇટમાં પડેલા મસાલેદાર કાજુ જેવા કાત્જુ સાહેબ એકવાર બોલી ગયા કે ભારતની ૯૦ ટકા પ્રજા મૂર્ખ છે. હવે એને સાબિત કરવા પોતે મહામુર્ખ બની સંજયદત્તને માફ કરવાના આંદોલનમાં કૂદી પડ્યા છે. ફિલ્મ ઉદ્યોગ તો તૂટી પડે કેમકે એના ૩૫૦ કરોડ દાવ પર લાગ્યા છે. ફિલ્મી દુનિયા જેટલી કોઈ દોગલી દુનિયા બીજી હશે ખરી?

મુંબઈમાં પહેલા કરીમલાલા અને એના ભત્રીજાઓ સમદખાન અને આલમઝેબની ગેંગનો ડંકો વાગતો હતો. એમાં પાછો એક વરદરાજન મુદલિયાર કરીને મદ્રાસી ગૅંગ્સ્ટર પણ હતો. દાઉદ ભાઈ નવા હતા, અને પગ જમાવવા મહેનત કરતા હતા. ધીરે ધીરે દાઉદ ભાઈએ બધાને ખલાસ કર્યા, લોકો દાઉદને હીરો જ માનવા લાગેલા. જ્યારે બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા પછી લોકો જાગ્યા કે આ હીરો નથી ત્રાસવાદી છે. ફૂલનદેવી બચપણથી જ ડાકુઓની ગેંગમાં હતી ને જે સરદાર બદલાય એની રખાત બની રહેતી હતી. ચાલો એને અન્યાય થયો હશે માની લઈએ. હવે જે ડાકુ ટોળકીએ એના પર બળાત્કાર કરેલા એમાંના કોઈ ડાકુને એ મારી શકી ના હતી. પણ જે ગામમાં આ બનાવ બનેલો એ ગામમાં જઈ એણે ૨૦ નિર્દોષ લોકોને લાઈનમાં ઉભા રાખી ને ઉડાવી દીધા. આ લોકોનો વાંક એટલો કે ભરી બંદુકે ઊભેલા ડાકુઓ વારાફરતી એના પર બળાત્કાર કરતા હતા ત્યારે વિરોધ કેમ ના કર્યો? આ ૨૦ મૃતાત્મામાંથી કોઈ એકના વારસદારે એને ઉડાવી દીધી. શેખર કપૂરે એની ફિલ્મ બનાવી ને હીરો બનાવી દીધી ને મુલાયમે તો એને રાજકારણમાં લઈને હદ જ વટાવી દીધી હતી. મને અન્યાય થાય તો મારાથી કાઈ બંદૂક લઈને નાં નીકળી પડાય. સમૂહના રક્ષણ માટે સમાજની વ્યવસ્થા માટે અરાજકતા નાં ફેલાય માટે કાયદા કાનૂન બનાવ્યા હોય છે. હવે એ પાળવામાં ભૂલ કરો સમાજ તમને દંડ કરે છે.

મને પોતાને પણ નાનપણમાં સોરઠી બહારવટિયાઓની વાતો વાંચી ને એમના પ્રત્યે અહોભાવ થતો ને એ ભાવનગરના પ્રજા વત્સલ રાજાઓ માટે ઘૃણા થતી. કેમ? લેખકોની આ જ તો કળા છે. સોરઠી બહારવટિયાને કરવેરા કે જમીન બાબતે રજવાડા જોડે મન દુખ થાય એટલે નીકળી પડતા બંદુકો ખેંચીને. મરો કોનો? ગરીબ ખેડૂતોનો અને પૈસાદાર વાણિયાઓનો. એમની પ્રશસ્તિમાં લોકો કવિતા કરે. આ બહારવટિયા પાછાં ઢોંગી એક હાથમાં માળા ફેરવે ને બીજા હાથે બંદુક ચલાવે. લોકો તો ગાંડા ગાંડા થઈ જાય. આ તો ભગત કહેવાય, પુણ્ય શાળી જીવ. ભૂપત બહારવટિયાએ પુરા નવ પટેલોને એકજ લાઈનમાં ઉભા રાખીને એક જ ૩૦૩ ગોળીથી મારી નાખેલા એવી વાતો વાંચેલી. તમને રાજ સામે વાંધો હોય તો રાજ સામે લડો, પણ એમાં તમે કાચાં પડો એટલે નિર્દોષ લોકોને મારો એમાં કઈ બહાદુરી? ભૂપત ખોટો પાકિસ્તાન ભાગી ગયો. અહીં હોત તો ફૂલનની જેમ સૌરાષ્ટ્રમાં ક્યાંક ચૂંટણી લડવા ટીકીટ મળી જાત. ચિત્રલેખામાં જગ્ગાડાકુના વેરનાં વળામણા સ્ટોરી આવતી હતી પછી એનું પુસ્તક બહાર પડેલું. ભાગલા પહેલા એ હાલના પાકિસ્તાનમાં અને પછી ભારતમાં ડાકુગીરી કરતો હતો. ઘણા લોકોને મારી નાખ્યાં હશે. હવે આ નૉવેલ વાંચો તો ક્યારેય એના પ્રત્યે તમને ઘૃણા ના થાય. હીરો જ લાગે. માસ્ટર માંધોસિંહ, મોહરસિંહ અને માનસિંહ આ બધા ચંબલના ગુનેગારો ને આપણાં વાર્તાકારોએ હીરો જ બનાવી દીધેલા છે. સોરઠી બહારવટિયાઓએ ખુબ કાળા કામો કરેલા છે. સોરઠના રાજાઓ એટલાં બધા ખરાબ ના હતા. આજ રાજાઓએ સમાધાન કરી ને આજ બહારવટિયાઓને પ્રજાના જાનમાલની રક્ષા માટે ગળે લગાવ્યા હતા. હમણાં એક એન્જીનીયર આવેલા, કહે આ બહારવટિયા ખુબ જ પવિત્ર ,કોઈ બાઈ ને સુવાવડ થતી ન હોય ને બાળક અટકી ગયું હોય તો એમના ચોયણાનું નાડુ પાણીમાં બોળીને એ પાણી પેલી બાઈને પાઈ દેવાનું. તરત જ છુટકારો થઈ જાય. એ જમાનામાં ચોયણો પહેરતા. આ ચોયણો ક્યારે ધોયો હોય ખબર નહિ. ચોયણાના નાડા અને ડીલીવરીને કોઈ સંબંધ ખરો? નાડુ જ શું કામ, બીજું કશું બોળીને કેમ નહિ? ડોકટરોએ આ લોકોના જુના નાડા ભેગાં કરી રાખવા જોઈએ, ખોટી મહેનત કર્યા વગર નાડુ બોળી પાણી પાઈ દેવાનું. મોટા ગજાંના લેખકો પણ આવી અંધ શ્રદ્ધા ફેલાવતા, ત્યારે આજે પણ એક એન્જીનીયર આવી ગાંડી વાતોમાં વિશ્વાસ રાખે છે. આ બહારવટિયા કોઈ જુના નથી. આઝાદી પહેલાના ગાંધીજીના સમકાલીન છે. દરેક રજવાડાને બહારવટિયાઓની સમસ્યા નડતી હતી. એટલે છેલભાઈ દવે કરીને એક બાહોશ બ્રાહ્મણ ડી.એસ.પીને બધા રજવાડાઓ તેમના રાજ્યના પોલીસ વડા તરીકે રાખતા હતા. વારાફરતી ઘણા બધા રજવાડાઓમાં એમણે સેવા આપીને મોટા ભાગના બહારવટિયા ઓનો નાશ કરેલો.

કદી શેખર કપૂરે પેલાં ૨૦ ફૂલન દેવીએ મારેલા નિર્દોષોના ઘરની મુલાકાત લીધી છે? એમના ઘરના હાંલ્લાં કઈ રીતે રંધાતા હશે એની ફિકર કરી છે? કોઈ સૈનિકના ઘરના ઇન્ટરવ્યું લઈને આપણાં કોઈ લેખકને નૉવેલ લખવાનું કદી સૂજ્યું છે? આ સંજય દત્ત, ટાયગર મેમણ કે દાઉદ ઇઝરાયલમાં હોત અને આવા કામ કર્યા હોત તો શું થાત? મોસાદના જાસૂસોની ગોળીઓ ક્યારની એમની છાતીઓમાં ધરબાઈ ચૂકી હોત. કોઈ કેસ નહિ, કોઈ ફરિયાદ નહિ. મ્યુનિક ઓલોમ્પીકમાં ઇઝરાયલનાં ખેલાડીઓની હત્યા કરનારા અને તે કાવતરામાં ભાગ લેનારા પરોક્ષ અપરોક્ષ તમામ લોકોની એક પછી એક મોસાદ દ્વારા છુટ્ટી કરી નાખવામાં આવેલી. કોઈ આંતરરાષ્ટ્રીય ફરિયાદ નહિ. કારણ બધા બીજા દેશોમાં રહેતા હતા. શરૂમાં કોઈને ખબર પડી નહિ. પણ એક પછી એક કાવતરાબાજો અદ્રશ્ય થવા લાગ્યા ત્યારે બીજા ચેત્યા. પોતાના ખુદના દેશમાંથી ભાગવા લાગ્યા. આફ્રિકાના અને લેટીન અમેરિકાના દેશોમાં જઈને છુપાઈ ગયેલા પણ ઇઝરાયલ છોડે? એમનું પગેરું દબાવી એક એક જણને સાફ કરેલા. સંજુબાબા અમેરિકામાં હોત તો ૧૫૦ વર્ષની સજા મળી ગઈ હોત, ગમે તેટલી સારી વર્તણૂક કરે સજા માફ પણ થાય છતાં જેલમાં મરે જ છૂટકો…

આ સંજુબાબાને બદલે તમે કે મેં એ.કે.૫૬ રાખી હોત તો?

અમેરિકન મૂડીવાદનાં વિકાસનો ફૂટેલો ફુગ્ગો

imagesCAZZGSEU

સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. પણ સમૂહમાં એકબીજા સાથે હરીફાઈ પણ ખૂબ હોય છે. ખોરાક મેળવવો હોય કે માદા મેળવવી હોય તો ખૂબ હરીફાઈનો સામનો કરવો પડતો હોય છે. અને આ બધું મજબૂત હોય તેને અને જે તે સમૂહમાં ઊંચું સ્થાન ભોગવતો હોય તેને જલદી ઉપલબ્ધ થાય. આમ મેમલ સ્ટેટ્સ સીકિંગ બનવા ઇવોલ્વ થયેલા જ છે. મંદિરના ઓટલે ભીખ માંગતા ભિખારીને પૂછો તો એની મહેચ્છા પણ એક દિવસ અંબાણી બનવાની હોય છે. સમાજમાં ઊંચાંમાં ઊંચું સ્થાન પામવાની મહેચ્છા કોની ના હોય? અને એના માટે જે કરવું પડે તે કરવા મેમલ સદાય તૈયાર હોય છે. જોડકણા લખતાં દરેક કવિને ઉમાશંકર જોશી કે કલાપી જેવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું મન હોય છે. બાબા રામદેવ વૈરાગી બાવાજીને એકવાર ઝી ટીવીના લીટલ ચેમ્પ પ્રોગ્રામમાં સાંભળેલા કહેતા હતા ‘જિંદગીમે એકબાર પ્રથમ આના હૈ’ એવી ખ્વાહિશ બચપણથી જ હતી. એક સ્થાન પ્રાપ્ત થાય તો એનાથી ઊંચેની અપેક્ષા તરત થવાની. હાઈ સ્ટેટ્સ ઇચ્છવું આપણા જિન્સમાં હોય છે. એમાં રામદેવનો કોઈ વાંક જ નથી..વૈરાગીઓમાં પણ પ્રથમ આવવાની સ્પર્ધા તો ઊભી જ હોય છે. મંડલેશ્વર, મહામંડલેશ્વર, પીઠાધીશ, એમના ય આગવા રજવાડા હોય છે, વડતાલ સંસ્થાન. હું પહેલો શાહી સ્નાન કરું એમાં તો ૧૭૬૦મા કુંભ મેળામાં ૧૮૦૦૦ બાવાઓ એકબીજાને મારીને સ્વર્ગે પહોચી ગયેલા. આટલાં બાવાઓ અંગ્રેજો સામે લડ્યા અને મર્યા હોત તો આઝાદી મળી ગઈ હોત..મૂળ વાત એ છે કે આપણે સસ્તન-મેમલ પ્રાણી હાઈ સ્ટેટ્સ સીકિંગ છીએ.

બે મેમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ, કોણ ઊંચું કોણ નીચું? તારી સાડી કરતા મારી વધુ સફેદ કે મોંઘી છે. એટલે સામ્યવાદ અને સમાજવાદ જેવા બધાને સરખાં એક સમાન ગણવા જેવા ઉચ્ચ આદર્શો અને અમૂર્ત વિચારણાઓનું મેમલ બ્રેઈન પ્રોસેસિંગ કરી શકતું નથી. આ બધા સુંદર સુંદર વિચારો કોર્ટેક્ષ કરતું હોય છે. તે પણ એને અન્યાય થાય એટલે કરતું હોય છે. એક મજૂરને લાગે કે હું મજૂરી કરીને કદી ઊંચો આવવાનો નથી કે મિલમાલિક જેટલાં પૈસા કમાવાનો નથી તો એને તરત સામ્યવાદ યાદ આવી જશે. રાજાશાહી ખરાબ છે એને નાબૂદ કરી નાખવી જોઈએ તેવી હાકલ કરી આંદોલનો કરનારા નેતાઓ આજે સવાયા રાજાઓ બની બેઠાં છે કે નહિ? સલીમે તો અકબર સામે ખાલી બળવો જ કરેલો, ઔરંગઝેબે ખાલી એના પિતાને કેદ કરી ને ફક્ત ભાઈઓને જ મારી નાખેલા. આપણા નેતાઓએ એમના અહંકાર પોષવા, પ્રથમ સ્થાન પામવા, ભારત અને પાકિસ્તાનની રાજગાદી પર બેસવા, શક્ય સમાધાન ના કરીને એક મહાન દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના બે દેશમાં ભાગલા પાડી સરહદ ઉપર ૧૦ થી ૨૫ લાખ માણસોને અંદર અંદર કપાવી માર્યા હતા. આટલાં માણસો અંગ્રેજો સામે લડતા મરાયા હોત તો આ દેશ સામે આજે કોઈ આંગળી ઊંચી કરી શકવાની તાકાત ધરાવતું નાં હોત.

એટલે કેપિટાલિઝમ મેમલ બ્રેઈનને ભાવતી વસ્તુ છે. મનફાવે તેમ મુક્ત વ્યાપાર કરો, પૈસા કમાવો અને હાઈ સ્ટેટસ પ્રાપ્ત કરો..એટલે એવું તત્વજ્ઞાન ચાલે છે કે ઓછામાં ઓછી સરકારી દખલ ઉદ્યોગ વ્યાપારમાં હોવી જોઈએ. એનો મતલબ એવો પણ નથી કે સરકારના હસ્તક્ષેપ વગર જ બધું ચાલે જાય. તદ્દન અસહાય અને આર્થિક રીતે નાજુક લોકોના રક્ષણ માટે અસરકારક અને નવી પોલિસી હોવી જોઈએ. મૂડીવાદનો આત્યંતિક પ્રકાર છેલ્લા ૩૦-૪૦ વર્ષમાં આખી દુનિયામાં પ્રસરી ગયો છે, ચીન અને રશિયા પણ બાકાત નથી, અને તે ખૂબ ઊંડી મુશ્કેલી સર્જી રહ્યો છે તે વાત આપણે નકારીએ છીએ. સામ્યવાદ ફેઇલ કેમ ગયો? કારણ ૨૦૦૦ કરોડ વર્ષથી વિકસેલા મેમલ બ્રેઈન માટે અનુકૂળ નહોતો. બધાની પોજીશન સરખી હોય તો શું કામનું? ડૉક્ટર- એન્જીનીયર કરતા મજૂર વધુ કમાતો હોય તો ડૉક્ટર બનીને કામ શું છે? અને સૌ સરખાં જ હોય તો પછી મહેનત કરીને પ્રોગ્રેસ કરવો કોણે કીધું? હવે આપણા માનવીય પૂર્વજો અને પ્રાણિજ પૂર્વજોએ તો કરોડો વર્ષ લગી એકબીજા સાથે કમ્પેરીજન કરેલી જ છે. એટલે સામ્યવાદ સફળ થયો નહિ, ઊલટાનું નવાઈની વાત એ છે કે આજે સામ્યવાદી કહેવાતા ચીનમાં ૨૧૩ અબજોપતિઓ છે. રશિયામાં ૮૮ અબજોપતિઓ છે.  દબાવી રાખેલી સ્પ્રિંગ છટકી છે. ચીન કેવું સડસડાટ આર્થિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે? મૂડીવાદના પ્રણેતાઓ એક સિદ્ધાંતમાં માનતા હોય છે કે માનવજાત રેશનલ છે બજારની ગતિવિધિઓ (વિવેકપૂર્ણ) રેશનલ હોય છે. પણ આ સિદ્ધાંત આજે ધોવાઈ ચૂક્યો છે. ખરેખર માનવજાત અને તેનું બજાર રેશનલ હોય સમજદારીપૂર્વકનું હોય તો જ મૂડીવાદ અત્યંત સફળ થાય. પણ એવું થતું નથી. કારણ માનવ રેશનલ હોતો નથી. એક માણસ આખી જિંદગીમાં કેટલા રૂપિયા વાપરી શકે? એક સાથે કેટલાં વિમાનમાં મુસાફરી કરવાનો છે? છતાં જ્યારે અમેરિકામાં મહામંદી આવી, બળતું ઘર સંભાળવાનું ઓબામાને માથે આવ્યું તે સમયે દેશને બચાવી લેવા અહીંની જાયન્ટ કંપનીઓના સર્વેસર્વાઓ ઓબામા પાસે સરકારી સહાય લેવા ગયેલા ત્યારે આ અબજોપતિ ભિખારીઓ પોતાના વિમાનમાં ગયેલા. તમારા ઘર આગળ એક કારના ફાંફાં હોય છે અને આ ઓબામા પાસે ભીખ માંગવા ગયેલા અમુક કહેવાતાં લુચ્ચા ભિખારીઓના ઘર આગળ પ્રાઇવેટ પાંચ પાંચ પ્લેન પડેલા હતા. એવરેજ માનવ રેશનલ હોતો નથી.

મૂડીવાદની આત્યંતિક સ્વતંત્રતા રેશનલ બ્રેઈન વગર પચે નહિ. માટે મૂડીવાદનો પાયાનો સિદ્ધાંત છે Human beings are rational and markets behave rationally. મૂડીવાદ તમને કમાવાની છૂટ આપે છે તર્ક અને બુદ્ધિ સાથે. હું લખતો હોઉં છું કે માનવ પોલીગમસ છે. એમાં એક માણસ ચાર સ્ત્રીઓ રાખે મતલબ સમાજમાં રહેલા ત્રણ પુરુષો સ્ત્રી વગરના રહેવાના સ્વાભાવિક છે. એમ એક ધીરુભાઈ ૯૦,૦૦૦ કરોડ ભેગાં કરીને મરી જાય તો એનો મતલબ બાકીના ૮૯૦૦૦ લોકો પાસે એક એક કરોડ હોવાની સંભાવના હતી તે શૂન્ય થઈ ગઈ.. ત્રણે સીઝન પિયતની મતલબ પાણીની કે સિંચાઈની પૂરતી સગવડ હોય તો એક સીમિત કુટુંબને આરામથી જીવવા માટે ૨૫-૩૦ વીઘા જમીન પૂરતી છે. પણ હું ૧૦૦ વીઘા ભેગી કરીને બેસી જાઉં તો બીજા ત્રણ ખેતી પર નભતા ફેમિલી માટે જીવવાનું સમાપ્ત થઈ જાય કે નહિ? આ તો સાદા દાખલા આપું છું.

માંગ અને પુરવઠા પ્રમાણે કિંમત અંકાય તો બરોબર છે. પણ પુરવઠા અને સેવાઓની હોય તેના કરતા ઓછી કિંમત આંકીને તે પૂરી પાડી કંપનીઓ અને ઈકોનોમી સમૃદ્ધ થવા લાગે તો એક દિવસ વિકાસનો ફુગ્ગો ફૂટી જવાનો. કારણ આ પૃથ્વી ઉપર રીસોર્સીસ લિમિટેડ છે, અસીમ નથી.. દરેકને પોતાનું ઘર હોય તેવું અમેરિકન ડ્રીમ અમુક દાયકા પહેલા શરુ થયેલું. બેંકો કશું પૂછે નહિ. બેપાંચ હજાર ડોલર્સ ડાઉનપેમેન્ટ ભરો તો પણ બેંકો બેત્રણ લાખ ડોલર્સની લોન આપી દે. આવકના ઠેકાણા હોય નહિ. હપ્તા ક્યાંથી ભરાશે તેની કોઈ તપાસ કરે નહિ. ધીમે ધીમે ગોટાળા બહાર આવવા લાગ્યા. અમેરિકન ડ્રીમ બેંકો માટે કાળ બની ગયું. મારું એકાઉન્ટ છે તે વકોવિયા બેંક નાદાર થઈ ગઈ કેમકે તેણે એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને ટેકઓવર કરેલી. ટેકઓવર મોંઘું પડી ગયું પોતેજ વેલ્સ ફારગો બેંક પાસે વેચાઈ ગઈ. ન્યુ જર્સીમાં લાખ ડોલર્સના ઘરના ત્રણચાર લાખ ભાવ બોલતા હતા. આજે for sale લખેલા પાટિયા લાખો અમેરિકન ઘર આગળ લાગી ગયા છે. પ્રૉબ્લેમ એ છે કે મૂળ લાખનું ઘર ચાર લાખમાં લીધું હોય તેને પાછું લાખમાં કઈ રીતે વેચવું? અને બેંક પણ ચાર લાખ લોન આપી ચૂકી હોય તે પણ ક્યાં જાય? અમેરિકન વિકાસના સાપે છછુંદર ગળી લીધો છે. ઓબામા આવ્યા તેમણે લિમિટેડ સમય માટે યોજના શરુ કરેલી કે જે પહેલીવાર ઘર ખરીદે તેનો પાકો દસ્તાવેજ થઈ જાય એટલે ઓબામા સરકાર ૮૦૦૦ ડોલર્સ ટૅક્સમાં રાહત રૂપે પાછાં આપે. છતાં કોઈ ખાસ ફરક પડ્યો નહિ. આઠ હજાર ડોલર્સ લેવા પહેલા બેચાર લાખનું ઘર ખરીદવું પડે અને તેને માટે લોન લેવા ૨૦ ટકા ડાઉનપેમેન્ટ ભરવું પડે તે ક્યાંથી લાવવું? સબસિડી ભલે લોકોને સારી લાગે પણ લાંબાગાળે દેશની ઈકોનોમી માટે ઘાતક છે. દરેક યુગ તેમના સમયમાં એક દંતકથા લઈને જીવતા હોય છે, આજનો યુગ આર્થિક વિકાસનું મિથ ગળે વળગાડીને જીવતો છે. સાચો વિકાસ તો દૂર પણ વિકાસની ફક્ત વાત કરો તો પ્રજા તમને ખભે ઉપાડીને ફરવા લાગે.

છેલ્લા ૫૦ વર્ષોમાં ગ્લોબલ ઈકોનોમી પાંચ ગણી વધી ચૂકી છે, અને હાલનો વિકાસનો રેટ જાળવી રાખશે તો ૨૧૦૦ ની સાલ સુધીમાં ૮૦ ગણી વધશે. વૈશ્વિક અર્થકારણ જે એક્સ્ટ્રા ઓર્ડીનરી હરણફાળ ભરી રહ્યું છે તેવું ઇતિહાસમાં કદી બન્યું નથી, જે ગંભીર બાબત ગણાય કેમકે આપણી પૃથ્વી પરની ઇકોલોજી સાવ નાજુક છે કે જેના ઉપર આપણું સર્વાઈવલ આધાર રાખે છે. કદાચ ભવિષ્યની પેઢી માટે આપણે પૃથ્વી પર કશું જીવવા માટે બચવા નહિ દઈએ.

પશ્ચિમનો મૂડીવાદ એના વિકાસની સ્થિરતા પર વિશ્વાસ ધરાવતો હતો. ધીમી મક્કમ ગતિનો વિકાસ. પણ વિકાસ જ્યારે અસ્થિરતા જતાવે ત્યારે રાજકર્તાઓ હેબતાઈ જતા હોય છે, ગભરાઈ જતા હોય છે. ધંધોવેપાર બચવા માટે ફાંફે ચડી જતો હોય છે, લોકો નોકરીઓ ગુમાવે છે, અનેક લોકો એમના ઘર સુધ્ધા ગુમાવે છે. લોકો પાગલ બની જતા હોય છે, બહુધા અવ્યવહારુ એવા આદર્શવાદી બની જતા હોય છે અને ક્રાંતિ લાવવાની વાતો કરવા લગતા હોય છે. પણ આ આર્થિક ઉત્પાત તમને નવી દિશામાં શોચવા મજબૂર કરે છે.

અત્યારે દુનિયા પર global corporate capitalism ચાલી રહ્યું છે. નેતાઓ રાજકર્તાઓ ખાલી કાયદો વ્યવસ્થા સંભાળે છે, ખરું રાજ તો ઉદ્યોગપતિઓ કરતા હોય છે. Bob Burnett કહે છે The modern world is ruled by multinational corporations and governed by a capitalistic ideology that believes: Corporations are a special breed of people, motivated solely by self-interest. Corporations seek to maximize return on capital by leveraging productivity and paying the least possible amount for taxes and labor. આ લોકો અત્યંત લોભિયા છે. એમનો મુખ્ય સિદ્ધાંત કોઈ પણ ભોગે નફો કરવાનો જ હોય છે. પહેલા એક ઉદ્યોગગૃહને વિકસતા દાયકાઓ અને પેઢીઓ વીતી જતી. હમણાં સ્વૈચ્છિક રિટાયર થનારા રતન તાતા જમશેદજીની પાંચમી પેઢીના છે. એક માસ્તરનો દીકરો અને સાંજે નાતમાં જમણવાર હોય તો સવારે ભૂખ્યા રહેવાના આદેશ અપાઈ જાય તેવા ફૅમિલીનાં ધીરુભાઈ અંબાણી ફક્ત એમની એક જ પેઢીમાં જ્યારે મૃત્યુ પામે ત્યારે ૯૦,૦૦૦ કરોડનું સામ્રાજ્ય મૂકતા જાય મતલબ સમથીંગ રોંગ, દાલમે કુછ કાલા હૈ, કે પછી આખી દાળ જ કાળી છે.

૧) ગ્લોબલ કૉર્પોરેશન અતિશય મોટા હોય છે જેનો સરખો વહીવટ કરવો મુશ્કેલ પડી જાય. જેમ કે આખી દુનિયા પર રાજ કરનારું બ્રિટન બધે સરખો વહીવટ કરી શક્યું નહિ એના ભારથી જ તૂટી પડ્યું. ૨) ગ્લોબલ કૉર્પોરેશન સામાન્ય સમાજને ઘૃણાથી જોતા હોય છે. એમનો મુખ્ય હેતુ ભયંક સ્વાર્થનો હોય છે જે તેમને સામાન્યજનજીવન થી દૂર રાખે છે. ૩) ગ્લોબલ કૉર્પોરેશન સુપર વેલ્ધી લોકો ચલાવતા હોય છે તેઓ કાયદા કાનૂનને ગણકારતા નથી. તેઓ ઇકોનૉમીને મનફાવે તેમ મરોડી નાખતા હોય છે. ૪) ગ્લોબલ કૉર્પોરેશન કુદરતી રીસોર્સીસને લગભગ ખાલી કરી નાખતા હોય છે એનો વિનાશ કરી નાખતા હોય છે. ૫) ગ્લોબલ કૉર્પોરેશન મીડિયા પર સખત કાબુ ધરાવતા હોય છે. લોકો રૂપિયાવાળા થઈ જવાના છે તેવું ખોટું ચિત્ર ઉપસાવતા હોય છે. ખરેખર મધ્યમવર્ગની હાડમારીઓ વધતી જતી હોય છે અને ગરીબી વધુને વધુ ફેલાતી જતી હોય છે. તો પછી કરવું શું? નાનું કુટુંબ સુખી કુટુંબ સૂત્ર અહીં પણ અપનાવવું પડે. small is beautiful.. સ્થાનિક લોકો સ્થાનિક કુદરતી સંપદા ઉપયોગ કરી ધનસંપત્તિ પેદા કરે. વર્કરોને વહીવટમાં નફાનુકશાનમાં સામેલ કરવા જોઈએ. પર્યાવરણને પણ ધ્યાનમાં લેવું પડે. ગ્લોબલ કૉર્પોરેશન પર સરકારની આંખ સતત ફરતી રહેવી જોઈએ. ગવર્નમેન્ટ કંટ્રોલ જોઈએ. પણ મૂળ લોચો અહીં વાગે છે કે સરકાર ચલાવનારા ખુદ ભ્રષ્ટ હોય છે તેઓ આવા ઉદ્યોગપતિઓ પાસે વેચાઈ જતા હોય છે. જેમ કે જે તે સમયના નાણાપ્રધાન વી.પી. સિંહ અંબાણીનાં ઉદ્યોગગૃહ પાછળ પડી ગયેલા. પણ કહેવાય છે ઉચ્ચ રાજકર્તાને ધીરુભાઈએ ખરીદી લીધા અને વી.પી.સિંહને જ ભગાડી મુકાયા.

પહેલા આવા મોટા ઉદ્યોગગૃહો નહોતા ત્યારે રાજાઓ હતા. તમામ જમીન વગેરે રાજાઓનું હતું. રાજાઓ અને વેપારીઓ ત્યારે કેપિટાલિઝમ ચલાવતા હતા. રાજાઓ સર્વેસર્વા હતા. પણ એમને બકાલું કરવાનો સમય હોય નહિ. વેપાર ધંધો વાણિયા કે વેપારીવર્ગ કરતો. તે સમયે રાજાઓ અને વેપારીઓ વચ્ચે સામાન્ય પ્રજા સેન્ડવીચ બનતી, એનો મરો થતો. રાજાને વહીવટ ચલાવવા પૈસા ખૂટે તો નગરના તમામ શ્રેષ્ઠીઓને બોલાવી પૈસા લઈ લેતા. જો કોઈ આનાકાની કરે તો લાલ આંખ બતાવતા..મોરબીના સર વાઘજી તે માટે ફેમસ હતા. નગરશેઠ કોઈવાર ખોટો ખોટો ઉપકાર જતાવી રાજાને પૈસા ધરી દેતા. ખબર કે છેવટે રાજા ધમકાવીને પણ પૈસા તો પડાવી જ લેશે. કોઈ જગડુશાહ કે ભામાશા જેવા નીતિવાન વણિકો સ્વેચ્છાએ પોતાના પૈસા પ્રજા પાછળ વાપરતા..મહમદ બેગડાના રાજમાં દુકાળ પડ્યો. એણે વેપારીઓને તાકીદ કરીકે અનાજનાં સંગ્રહ કરેલા ભંડાર છુટા મૂકો પ્રજા ભૂખે મરે છે. પણ વેપારીઓ માન્યા નહિ. બેગડાને ખબર પડી કે આ વેપારીઓ માનતા નથી. એણે લશ્કર મોકલી બેચાર વેપારીઓને પકડી મંગાવ્યા અને જાહેરમાં શુળીએ ચડાવી દીધા. બીજા દિવસથી અનાજ છૂટું થઈ ગયું. ટૂંકમાં ત્યારે રાજાઓ અને વેપારીઓ મૂડીવાદ ચલાવતા હતા. તે પણ એક જાતનો ઍક્સ્ટ્રીમ મૂડીવાદ જ હતો. દુનિયાભરના લોકો એનાથી ત્રાસી ગયા અને રાજાશાહી ખતમ થઈ ગઈ. હવે નવા બની બેઠેલા રાજાઓ જે નેતાના નામે ઓળખાય છે તે અને ઉદ્યોગપતિઓ કેપિટાલિઝમ ચલાવે છે. એમાં સામાન્યજન સેન્ડવિચની જેમ પીસાય છે. નેતાઓ ઉદ્યોગગૃહો પાસેથી યેનકેન પ્રકારે ફંડ ઉઘરાવે છે. નેતાઓ અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી પ્રજા પરેશાન થવાની જ છે. એટલે વચમાં સામ્યવાદ આવ્યો પણ સફળ થયો નહિ.

મુક્ત વેપારથી શું ફરક પડ્યો? પહેલા તાતા, બિરલા અને બજાજ જેવા થોડા ઉદ્યોગપતિઓ રાજ કરતા હતા, એના બદલે એમાં થોડા નવા ઉમેરાયા બીજું શું? ઊલટાંની હવે એમાં વિદેશી કંપનીઓ ઉમેરાશે સરવાળે મરો તો સામાન્ય પ્રજાનો જ છે. પહેલા ઘરના લોકો લૂંટતા હતા હવે વિદેશીઓ પણ લૂંટમાં ઉમેરાશે. મુક્ત વેપાર પણ થવો જોઈએ અને હરીફાઈ પણ વધવી જોઈએ જેથી પ્રજાને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થાય પણ આ બધું સરકારી નિયંત્રણ હેઠળ થવું જોઈએ અને સરકારમાં પ્રમાણિક પ્રજાનું હિત ઇચ્છતા હોય તેવા નેતાઓની હાજરી હોવી જોઈએ. કુદરતી સંપદાને ક્ષતિ પહોચાડ્યા વગર એનો પ્રમાણિક અને જરૂર પૂરતો ઉપયોગ કરીને વિકાસ થવો જોઈએ. ખેતી લાયક જમીનમાં મોટા મોટા ઉદ્યોગો સ્થાપી દેવાથી કોઈ વિકાસ થઈ જતો નથી. ખેતી માટે જમીન જ નહિ બચે તો પ્રજા શું સી.એન.જી ગેસ ખાઈને જીવવાની છે? કે નિરમાનો ડીટરજન્ટ ખાઈને જીવવાની છે?

આઝાદી પછી રાજાઓ અને જમીનદારોને પૂરતું વળતર કે કિંમત ચૂકવીને એમની મિલકતો કબજે લેવાનો કાયદો હતો. સરદાર પટેલ અને મુનશી તે બાબતે સજાગ હતા. એમને રાજાઓ અને જમીનદારોની કદર હતી. પણ પછીના નેતાઓને આ ગમતું નહોતું. એમને બધું સાવ મફતમાં પડાવી લેવું હતું માટે કાયદામાં સુધારા કરી નાખ્યા. સરકાર ઇચ્છે તો પાણીના મુલે બધું પડાવી લે. એ સુધારા આજે ખેડૂતોને નડી રહ્યા છે. સરકાર ખેડૂતો પાસેથી મફતના ભાવે જમીનો એક્વાયર કરીને ઉદ્યોગપતિઓને આપતી હોય છે. સ્વાર્થી ઉદ્યોગપતિઓ અને લાંચિયા ભ્રષ્ટ નેતાઓ આગળ ખેડૂતો શું કરી લેવાના હતા? શહેરી મધ્યમવર્ગને વિકાસની વાતો કરી આંજી નાખ્યા પછી નેતાઓનું કામ સરળ થઈ જતું હોય છે. ખરું ભારત ગામડાઓમાં વસેલું છે. ખાલી ઉદ્યોગપતિઓ કે ઉધોગોનાં વિકાસને વિકાસ ના કહેવાય. વિકાસ સમગ્રતયા હોવો જોઈએ. વિકાસની ગાડી જાપાનની બુલેટ ટ્રેનની ગતિએ દોડતી ના હોવી જોઈએ. વિકાસ સ્થિર, ધીમો અને મક્કમ ગતિએ આગળ વધતો હોવો જોઈએ. મોટા મોટા ઉદ્યોગગૃહોને બદલે નાના નાના એકમોને વિકાસની તક મળવી જોઈએ. ભારતની ૭૫ ટકા ધનસંપત્તિ ગણ્યાગાંઠ્યા આશરે સોએક ફેમિલી પાસે હશે અને ૭૫ ટકા વસ્તી રોજના ૨૦ રૂપિયા કમાવા માટે ફાંફાં મારતી હશે.

અમેરિકન વિકાસનો ફુગ્ગો ભમ્મ્મ દઈને ફૂટી ચૂક્યો છે. કાલે ગુજરાતનો અને ભારતનો ફૂટી નાં જાય તો નવાઈ નહિ. મૂડીવાદ ભલે મેમલ બ્રેઈનને અનુકૂળ હોય પણ એની સફળતા માટે બજારની ગતિવિધિઓ રેશનલ હોવી જરૂરી છે. કેવો જબરદસ્ત વિરોધાભાસ? બે વિરોધાભાસ વચ્ચે જીવવું એનું નામ તો જીવન છે.

Ref- Tim Jackson, author of Prosperity without Growth – economics for a finite planet
Lock_Key_Present Economy

નાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…

imagesCASVS5MKનાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…
કોઈ વાર્તા, નાટક, કવિતા કે ફિલ્મના મુખ્ય પાત્રને આપણે નાયક કે હીરો તરીકે વર્ણવતા હોઈએ છીએ. આ એક સીધીસાદી વ્યાખ્યા છે. પણ હવે ભારતમાં તો હીરો શબ્દ ફિલ્મના મુખ્ય પાત્ર પૂરતો સીમિત બની ચૂક્યો છે. એમાય અમિતાભ બચ્ચન જેવા ખુબ સારા અભિનેયતાઓને લોકો સદીના મહાનાયક તરીકે ઓળખાતા થઈ ગયા છે. ખરેખર હીરો કોને કહેવાય? જેણે સમાજ માટે કોઈ બલિદાન આપ્યું હોય, જેણે સમાજ માટે કોઈ ઊચ્ચ આદર્શ સ્થાપ્યો હોય, જેનું સમગ્ર જીવન સમાજ માટે પ્રેરણારૂપ હોય, જે સમાજ માટે જીવ્યો હોય અને મર્યો હોય તેને હીરો કહેવાય. અહીં અમેરિકામાં હોલીવુડની ફિલ્મોના નાયકોને હીરો કહેવાનો ચાલ નથી. અમેરિકન મીડિયા પણ આ લોકોને હીરો કહેતું નથી. બહુ બહુ તો મૂવી સ્ટાર કહેતા હોય છે. અમેરિકન મીડિયા માટે એમના હીરો અહીંના સૈનિકો છે. હમણાં સુપર બોલ રમાય ગઈ. બાલ્ટીમોર અને સાનફ્રાન્સિસ્કો વચ્ચેની આ રમત જોવા આખું અમેરિકા ટીવી પર બેસી ગયું હતું. શરૂઆત સેન્ડીહુક સ્કૂલનાં બાળકોએ કોરસ ગાઈને કરી હતી. આ એ સ્કૂલનાં બાળકો હતા જે સ્કૂલમાં હમણાં ૨૦ ભૂલકાઓ સાથે ૨૬ જણની હત્યાનો દુઃખદ બનાવ બનેલો હતો. અમેરિકન ઓનર માટે ગીત ગવાતું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં લડી રહેલી અમેરિકન સૈનિકોની ટ્રૂપ બતાવવામાં આવી હતી. અહીંનું મીડિયા કે પ્રજા એમના સૈનિકોને કદી ભૂલતું નથી.
જેનું સમગ્ર જીવન એક આદર્શ હોય તેને હીરો કહીએ તે જ વધુ યોગ્ય છે કે નહિ? હીરો માટે મને ત્રણ પ્રકાર સૂજે છે. ૧) પરિસ્થિતિજન્ય (Situational Heroes), ૨) જીવનપર્યંત (Life-Long Heroes), ૩) ૨૬/૧૧ Heroes. આ પરિસ્થિતિજન્ય હીરો એવા હોય છે જે કોઈ ચોક્કસ સંજોગોમાં એમનું heroic બિહેવિયર બતાવી જતા રહેતા હોય છે અને ફરી કદી એમના વિષે સંભળાતું પણ નથી હોતું. દાખલા તરીકે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે. આવો હીરો આવશે પાણીમાં કૂદી પડશે, ડૂબતાને બચાવી પાછો ભીડમાં ખોવાઈ જશે. લાઇફ લોંગ હીરો એવા હોય છે જેમનું સમગ્ર જીવન heroism માટે એક વસિયતનામા સમાન હોય છે. આમાં ગાંધીજી, સુભાષ, ભગતસિંહ, માર્ટીન લ્યુથર કિંગ, જ્યોર્જ વોશિંગ્ટન, લિંકન, નેલ્શન માંડેલા અને મધર થેરેસા જેવા અનેક આવી જાય.. ૨૬/૧૧ હીરો એવા હોય છે કે જેમણે કારકિર્દી જ એવી પસંદ કરી છે જેમાં એમણે કાયમ એમનું હેરોઈઝમ બતાવવું પડતું હોય છે. આમાં ફાયરફાઈટર, પોલીસ, મીલીટરીનાં જવાનો આવી જાય.

જીવનપર્યંત જે લોકો સામાન્ય જન માટે હીરો રહ્યા છે તેવી મહાન પ્રતિભાઓમાં નિર્ણાયક નિશ્ચયાત્મક બાબત એ રહી હોય છે કે આવા લોકો દ્રઢ મનોબળ ધરાવતા હોય છે સાથે સાથે ખુબ હિંમતવાળા હોય છે. દયાળુ, પ્રેમાળ અને ઉમદા સ્વભાવ ધરાવતા હોય છે. બુદ્ધિશાળી અને પડકારોને પહોચી વળવાની ગજબની તાકાત ધરાવતા હોય છે. મહત્વાકાંક્ષી અને જોખમ લેનારા હોય છે. અને સૌથી મહત્વની બાબત એ કે આવા લોકો પ્રમાણિક હોય છે. બધા હીરોમાં આ બધા ગુણો નાં પણ હોય પણ મોટાભાગના હીરોમાં મહત્તમ આ બધા ગુણો હોય છે. લોંગ લાઇફ હીરોને એક ખાસ રાજકીય વાતાવરણ બહુ પહેલેથી મળેલું હોય છે. મતલબ જાહેરજીવનમાં બહુ વહેલા પ્રવેશી ચૂક્યા હોય છે. માર્ટીન લ્યુથર કિંગ આવી મોટાભાગની ક્ષમતા ધરાવતા હતા. બીજા હીરો સાથે આવા હીરોની સરખામણી પણ થતી હોય છે અને એ રીતે એમના heroism ની ડેપ્થ પણ મપાય જતી હોય છે. માર્ટીન લ્યુથર કિંગને ગાંધીજી સાથે સરખાવવામાં આવતાં. ગાંધીજીને એમના માનસિક ગુરુ કહીએ તો પણ ચાલે.

હીરો પણ કાલક્રમે જુના થઈ જતા હોય છે. પછી પ્રજા નવા હીરોને પૂજવા લાગતી હોય છે. ગાંધીજી બહુ જુના નથી. એમને જોનારા ઘણા જીવતા પણ હશે. ઝાંસીની રાણી, તાત્યા ટોપે અને નાનાસાહેબ જુના થઈ ગયા. લિંકન અને જ્યોર્જ વોશિંગ્ટનની સરખાણીએ લ્યુથરકિંગ હજુ નવા કહેવાય. પ્રજામાં એના આવા હીરોની માહિતી કયા પ્રકારે અને કેટલી મળે છે તેના વિષે કેટલું જાણવા અને શીખવા મળે છે તે પણ મહત્વનું હોય છે. ગાંધી વિષે પાઠ્યપુસ્તકો કે ઐતિહાસિક પુસ્તકો દ્વારા કશું ભણાવવામાં જ નાં આવે તો નવી પેઢી ભૂલી જાય. ઇન્ટરનેટ, ટીવી, રેડીઓ, શાળાના પાઠ્યપુસ્તકો, મેન્ગેઝીન્સ વગરે દ્વારા એમની માહિતી વારંવાર લોકોમાં ફેલાતી રહે તો એમની પ્રસિદ્ધિ ટકી રહે.

ભારતમાં તો બહુ સરળ છે કે હીરોને ભગવાન બનાવી એનું મંદિર બનાવી દો હજારો વર્ષ લગી પૂજાતા રહેવાના.

અમેરિકાના સિવિલ રાઈટ્સ ઇતિહાસનું અમર પાનું એવા માર્ટીન લ્યુથર કિંગની ૩૯ વર્ષના હતા અને હત્યા થઈ ગયેલી. ગાંધીજીની પણ હત્યા થઈ ગઈ હતી. ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તેવો રૂઢિપ્રયોગ કાયમ વાપરવામાં આવતો હોય છે. સામે દલીલ થતી હોય છે કે એકલાં ગાંધીજીએ આઝાદી નથી અપાવી, બહુ બધાનો એમાં ફાળો છે. આજે ગાંધીજી આવે અને એમને પૂછો તો તેઓ પણ એવું જ કહેશે કે ભાઈ મેં એકલાએ આઝાદી નથી અપાવી, બહુ બધા લોકોએ બલિદાન આપ્યા છે. મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે અને સમૂહનો એક નેતા હોય છે. એકલો નેતા પણ કશું કરી શકતો નથી. એના હાથ નીચે બીજી હરોળના અનેક નેતાઓ કામ કરતા હોય છે. ગાંધીજીએ આઝાદી અપાવી કહેનાર પણ જાણતો જ હોય છે કે એકલાં ગાંધીજી કશું કરી શકવાના નહોતા..આઝાદીના જંગમાં લડનારા લાખો લોકોને ગાંધીજીએ સબળ નેતૃત્વ પૂરું પાડેલું તે હકીકત છે. હવે જો એકલાં ગાંધીજીએ આઝાદી ના આપવી હોય તો આઝાદી વખતે જે કાઈ ખરાબ બને તેમાં એકલાં ગાંધીજી જવાબદાર ના હોય. ભાગલા પડ્યા, કોમી તોફાનોમાં લાખો લોકો મર્યા બધા માટે સહુ જવાબદાર હોય. કારણ સૌના સહિયારા પ્રયત્ને જ આઝાદી મળેલી. પણ આ બધા માટે એકલાં ગાંધીજીને જવાબદાર માની એમની હત્યા કરાઈ. લાગણીઓ ઉપર બુદ્ધિ અને તર્કનો કાબૂ નાં હોય ત્યારે આવી ગેરસમજ થતી હોય છે. જે ભારતની હંમેશાની નબળાઈ રહી છે.

સામાન્ય માણસમાં પણ ઘણીવાર અમુક સંજોગોમાં એમની અંદર રહેલો હીરો જાગી જતો હોય છે. મુંબઈના રેલવે સ્ટેશન પર ત્રાસવાદી મશીનગન વડે અંધાધૂંધ ગોળીઓ છોડતો હતો ત્યારે એક સામાન્ય પોલીસની અંદરનો ૨૬/૧૧ હીરો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જાગી ઊઠેલો. હાથમાં કશું હતું તો નહિ. ખાલી ખુરશીઓ ફેંકીને એણે પેલાંને ભગાડેલો અને પોતે ચારણી થઈને પડેલો. ત્યારે શનિવારે તેલ નાળિયેર ચડાવનારા હજારો હનુમાન ભક્તો પૂંછ દબાવીને ભાગતા હતા. અંધારાંમાંથી પસાર થવું હોય તો હનુમાન ચાલીસા ગાનારી પ્રજાને ફિલ્મોમાં બહાદુરી બતાવનારા હકીકતમાં બહાદુર હોય નહિ તેવા પાત્રોમાં એમનો હીરો જણાય તેમાં શું નવાઈ? imagesCA4DHHN5

સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું

Somnathtempledawnસોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું…
સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ ક્ષેત્રમાં વસેલું સોમનાથ મંદિર કદાચ દુનિયાનું પહેલું એવું મંદિર હશે જે સૌથી વધુ વખત તોડાયું છે અને ફરીફરી બંધાયેલું છે. આશરે સોળેક વખત તોડાયું હશે. છેલ્લે ૧૯૪૭મા સરદાર વલ્લભભાઈ પટેલે એને ફરી બાંધવાનો નિર્ણય લીધો, એમના મૃત્યુ પછી ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ ચાલુ રહ્યું.
મિત્રો વધુ વાંચવા માટે નીચેની લીંક પર જઈ તમારા સ્માર્ટ  ફોન કે ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો. ફ્રીમાં ઘણુબધું ગુજરાતી સાહિત્ય સાથે આ લેખ પણ વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

200px-Somnath_temple_ruins_(1869)

વીજળીના ચમકારે મોતીડા પરોવીએ

imagesCAPCJ2IPવીજળીના ચમકારે મોતીડા પરોવીએ

એક ઘરમાં બે ભાઈઓ હતા. મોટોભાઈ તો બરોબર હતો પણ નાનો જન્મથી થોડી ખામીઓ લઈને જન્મ્યો હતો. નાનો બહેરો હતો માટે બોબડો પણ હતો. સાથે સાથે થોડો જંગલી જેવો પણ હતો. આમ તો બે ભાઈઓ ખુબ સંપીને રહેતા હતા પણ કોઈવાર મોટાભાઈની ભાષા પેલો મૂંગો સમજી શકતો નહિ. એટલે ઘણીવાર સંઘર્ષ સર્જાતો. અને ક્યારેક વળી બોબડાની ઇશારાની સાંકેતિક ભાષા મોટાભાઈ સમજી શકતા નહિ એટલે મૂંગો ગુસ્સે ભરાઈ જતો. પણ હતા ખુબ સંપેલા. મૂંગા નાનાભાઈનાં તોફાનો કે કહેવાતી ગલત હરકતો વિષે કોઈ ફરિયાદ કરે તો મોટો તરત એનો પક્ષ લઈ એના કારણ દર્શાવી દેતો, લોકો ચુપ થઈ જતા. એ બાબતમાં મોટો બહુ હોશિયાર હતો..એકવાર નાનાભાઈએ એક અસહાય છોકરી પર બળાત્કાર કરી નાખ્યો. લોકો ફિટકાર વર્ષાવવા લાગ્યા મોટાએ તરત બચાવમાં કહી દીધું કે પેલી છોકરી એકલી શું કામ નીકળી? એણે ટૂંકા કપડાં શું કામ પહેર્યા હતા? પુરુષો પ્રત્યે નફરત ફેલાવવાનું બંધ કરો કોઈ ભવિષ્યમાં છોકરી નહિ આપે, કુંવારા મરી જશો. અસહાય હતી તો બળાત્કાર એન્જોય કરી લેવા જેવો હતો, ભાઈ કહીને કરગરી પડવા જેવું હતું. વગેરે વગેરે….લોકો છક્કડ ખાઈ ગયા કે આ મોટો શું બોલે છે? કાયમ ઉચ્ચ આદર્શોની વાતો કરનારો કેમ આવો બકવાસ કરે છે? નાનાભાઈની કહેવાતી દરેક ગલત હરકતની સુંદર વ્યાખ્યા થઈ જતી..બંને કાયમ લડતા અને સંપીને રહેતાં આ બે ભાઈઓની કહાણી દરેકના ઘરમાં હોય છે, મારા તમારા સહુના. હા ! તો આ મોટાભાઈ છે તે બોલી શકતા વિચારી શકતા મોટું મગજ છે જેને કોર્ટેક્સ કહીએ છે અને નાનાભાઈ છે તે મેમલ બ્રેઈન કે નાનું મગજ કે લીમ્બીક સીસ્ટમ કહેવાય છે. લીમ્બીક સિસ્ટમમાં વળી રેપટાઈલ બ્રેઈન પણ સમાયેલું છે. જે આપણને સરીસર્પ પાસેથી મળેલું છે.

ઉત્ક્રાંતિની શરૂઆતમાં જે આદિમ પ્રાણીઓ વિકસ્યા તેમની પાસે શબ્દોની કોઈ ભાષા નહોતી. એમની પાસે ફક્ત રસાયણો હતા. સાપ જેવા ઘણાં પ્રાણીઓએ સર્વાઈવલનાં યુદ્ધ ઝેર વિકસાવીને જીત્યા છે. આ ઝેર પાચક રસો પણ હતા. માનવ સિવાય શબ્દોની ભાષા કોઈ પ્રાણી પાસે છે નહિ. માનવ જેટલું મોટું કોર્ટેક્સ પણ કોઈ પ્રાણી પાસે છે નહિ. ચિમ્પાન્ઝી જેવા પ્રાણીઓ પાસે થોડું ઘણું કોર્ટેક્સ છે માટે બુદ્ધિશાળી ગણાતું હોય છે. તો આ બોલી નહિ શકતા ઝાઝું વિચારી નહિ શકતા પ્રાણીઓ પાસે કેમિકલ્સની ભાષા છે. સર્વાઈવલ માટે જોખમ પેદા થાય તો કોર્ટીસોલ જેવા રસાયણ બ્રેઈનમાં સ્ત્રવે તરત દુઃખ, તકલીફ, બેચેની મહેસુસ થાય તરત એનો ઉપાય થાય હવે સુખ અર્પતાં રસાયણ છૂટે અને પાછાં હતા તેવા. એક મહત્વની વાત કે મેમલ પ્રાણીઓ એટલે કે સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે. કારણ સમૂહમાં રહેવાથી સર્વાઈવલનાં ચાન્સ ખુબ વધી જાય..એકલાં પડો તો કોઈ પ્રીડેટર આવીને ચાવી જાય. દાખલા તરીકે એક ઘેટાનું બચ્ચું ટોળા બહાર નીકળી જાય ભૂલમાં અને એને ખ્યાલ આવે કે એકલું પડ્યું છે તરત એના મેમલ બ્રેઈનમાં cortisol સ્ત્રાવ થવા માંડે તરત બેચેની અનુભવાય મેં..મેં…મેં..કરવા લાગે દુખી દુઃખી થઈ જાય. એની માં આવી જાય એને ટોળામાં પાછું લઈ જાય, એને ચાટવા લાગે એટલે તરત ઓક્સીટોસીન સ્ત્રાવ થવા લાગે બંનેના બ્રેઈનમાં, જે સુખ અર્પે એક બીજા પ્રત્યે વિશ્વાસ અને સહકારની ભાવના જાગે. બચ્ચું ખુશ થઈને માં સાથે ગેલ કરવા લાગે..મારી પોસ્ટને કોઈ લાઈક આપતું નથી કે કોમેન્ટ્સ આપતું નથી એવી ફરિયાદ પેલાં બચ્ચાના મેં..મેં..મેં.. જેવું નથી લાગતું? કરોડો વર્ષોના અનુભવ લઈને આ રાસાયણિક સીધી સાદી ભાષા વિકસેલી છે. આ ઓક્સીટોસીન મેમલને સમૂહમાં રહેવાની સહકારથી રહેવાની પ્રેરણા આપે છે. સરીસર્પમાં ઓક્સીટોસીન ફક્ત સેક્સ સમયે જ સ્ત્રવે છે બાકી નહિ. માટે સેક્સ પૂરતાં જ સરીસર્પ ભેગાં થાય છે. બાકી હમેશાં એકલાં રહેતાં હોય છે.

સેરેટોનીન, ડોપામીન, ઓક્સીટોસીન, એન્ડોરફીન, કોર્ટીસોલ જેવા બીજા અનેક ન્યુરોકેમિકલ્સ મેમલ બ્રેઈનની ભાષા છે. જે આશરે ૨૦૦૦ કરોડ વર્ષ કરતા જૂની છે. ચિંતનમનન કરતું કોર્ટેક્સ તો આની આગળ બાળક કહેવાય. એટલે ૨૦૦ મીલીયંસ વર્ષથી ઇવોલ્વ થયેલું મેમલ બ્રેઈન જીતી જતું હોય છે. જે ફક્ત સર્વાઈવલ અને સેકસુઅલ રીપ્રોડક્શનની ભાષા બહુધા જાણતું હોય છે. કોર્ટેક્સની પ્રોડક્ટ એવી તમામ મોરાલીટી હમણાં આવી છે, બહુ જૂની નથી. ભારત પાસે સૌથી પહેલું બહુ સારું વિકસેલું કોર્ટેક્સ હતું માટે ભારતે દુનિયાને બહુ ઉચ્ચ આદર્શો આપ્યા છે. કેટલાક બુદ્ધિશાળી તર્ક અને હકારાત્મક લાગણીઓનો સુમેળ ધરાવતા મહાપુરુષોએ સત્ય, અહિંસા, વસુધૈવ કુટુમ્બકમ, સાંખ્ય, ઉપનિષદો, અદ્વૈતવાદ આવા અનેક કૉન્સેપ્ટ ભારતને આપ્યા જે આખી દુનિયામાં ફેલાયા. અહિંસા અને વસુધૈવ કુટુમ્બકમ પાછળ માનવતાવાદ આવ્યો. પણ મેમલ બ્રેઈન આ બધી અમૂર્ત વિચારધારાઓનું પ્રોસેસિંગ કરી શકતું નથી. તર્ક અને બુદ્ધિ કોર્ટેક્સની પેદાશ છે. મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવતા આક્રમણકારીઓ ભારત પર ચડી આવ્યા અને જીત્યા પણ ખરા. સર્વાઈવલ માટેનો પહેલો રિસ્પૉન્સ હોય છે લડો અથવા ભાગો કે શરણે થઈ જાવ. ભારતે સર્વાઈવલ માટે શરણે થઈ જવાની નીતિ અપનાવી લીધી. એક મહાન સંસ્કૃતિ આજે સાવ કમજોર અને કાયર બની ચૂકી છે.

એક ગલત ધારણા છે કે બુદ્ધિજીવી જે તર્કને મહત્વ આપતો હોય તેવા લોકો હમેશાં ક્રૂર અને લાગણીવિહીન હોય છે. ઊલટાનું લાગણીશીલ માણસ જ વધુ ક્રૂર બની શકતો હોય છે. એની કાચના ટુકડા જેવી લાગણીને ક્યારે ઠેસ પહોચે કોઈને ખબર પડે નહિ. અને પછી તેને ક્રૂર બનતા જરાય વાર લાગે નહિ. વધારે પડતા ઈમોશન્સ તમને પશુ બનાવી દે તેમાં નવાઈ નહિ. કહેવાતા નાસ્તિક અને રેશનલમાં પણ ફરક હોય છે. રેશનલ વિચારશે કે આની પાછળ કોઈ તર્ક છે ખરો? સાચો રેશનલ કદી ક્રૂર બની નહિ શકે. જે સ્ટાલિન, માઓ જેવા નાસ્તિકોએ ઇતિહાસના પાનાઓ પર ક્રૂરતા આચરી છે. તે લોકો માટે નાસ્તિકતા એક ધર્મ જ હતો અને આ લોકો એ ધર્મ બાબતે ધર્માંધ હતા. ધર્મોના પાખંડ અને સમાજના ઉપલા વર્ગના નીચલાં વર્ગ પરના શોષણની પ્રતિક્રિયા સ્વરૂપે એમણે એક નવો ધર્મ વિકસાવ્યો નાસ્તિક એવો સામ્યવાદ અને એના અમલીકરણ માટે ક્રૂરતા આચરી. કાર્લ માર્ક્સ જેવા બુદ્ધિજીવીએ સામ્યવાદની અમૂર્ત વિચારધારા આપી પણ એનો અમલ કરાવવાવાળા મેમલ બ્રેઇનનુ પ્રભુત્વ ધરાવનારા હતા. અને એટલાં માટે તમામ નાસ્તિકો અને રેશનાલીસ્ટ માટે ગલત ધારણા બંધાઈ જાય છે કે આ લોકો ક્રૂર અને લાગણીવિહીન હોય તેમાં કોઈ નવાઈ નહિ. સામૂહિક હત્યા કરનારને તમે બુદ્ધીજીવી કે રેશનલ સમજો તો તમારી બહુ મોટી ભૂલ છે, અને એની સાથે કોઈ રેશનલને સરખાવી પોતાની જાતને બહુ માનવતાવાદી લાગણીશીલ સમજો તો તે મહાભુલ છે. ચાલો થોડા દાખલા આપી સમજાવું ગમશે તો નહિ પણ એટલી હિંમત તો કોઈએ કેળવવી પડશે ને?

પહેલો દાખલો ભારતના ભાગલા પડ્યા તેનો જુઓ. ભારત પાક સરહદે અને બંગાળમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા એમાં તર્ક હતો ખરો? શાસનકર્તાઓએ ભાગલા પાડ્યા હતા. કોઈ પ્રજાએ તો પાડ્યા નહોતા. જે હિંદુ મુસ્લિમ આઝાદીની લડાઈ ખભે ખભા મિલાવીને લડ્યા હતા તે જ લોકો એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા. આશરે ૧૦ લાખ માનવી કપાઈ માર્યા. અતિશય લાગણીઓમાં તણાઈ ગયેલા લોકોએ એકબીજાની હત્યા કરી. સ્ત્રીઓના સ્તન કાપી નાખેલા એમાં કોઈ તર્ક હતો? એક જ તણખો અને અહિંસાના ઉચ્ચ આદર્શની હત્યા થઈ ગઈ, એક જ તણખો અને ભાઈચારાની હોળી થઈ ગઈ. કેમ કે પ્રજાનું મેમલ બ્રેઈન જાગૃત થઈ ગયું. સર્વાઈવલ માટે ખતરો પેદા થઈ ગયો. માનવતા હણાઈ ગઈ. જો બુદ્ધિ અને તર્કનો ઉપયોગ થયો હોય તો આટલી હત્યાઓ થાય જ નહિ. ગાંધીની હત્યા તો ત્યારે જ થઈ ચૂકી હતી. ગોડસેએ તો એક લાશની હત્યા કરી હતી. ગોડસે આણી મંડળી પ્રખર રાષ્ટ્રવાદી અને અતિ સંવેદનશીલ હતી.

એક મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવનારા નેતાને પ્રથમ નંબરે રહેવાનો ચસકો કાયમ હોય છે. હવે તેણે અયોધ્યામાં થોડા એવા માણસોના ટોળા ભેગાં કર્યા એમાં ઇસ્લામ ખતરેમે કઈ રીતે આવી જાય? ઇસ્લામ તો આખી દુનિયામાં ફેલાયેલો છે. પણ પોતાના સમૂહ પર ખતરો મંડાઈ ગયો હોય તેવી લાગણીઓ ઊભરાઈ ગઈ. આખા ભારતમાં અને દુનિયામાં મુસ્લિમો છે પણ થોડા મુસ્લિમો ભાવનાઓના પૂરમાં બહેકી ગયા અને નિર્દોષ લોકોથી ભરેલો ડબો સળગાવી દીધો. છતાં માનીએ તો સજા એ લોકોને થવી જોઈએ જેમણે આવું જઘન્ય કૃત્ય કર્યું હોય. તર્ક એમાં હતો કે ગોધરાના સિગ્નલ ફળિયાના મુસ્લિમોને સજા થવી જોઈએ. પણ વડોદરાના રેલવે સ્ટેશને બેઠેલા વૃદ્ધ ચાચાને તો ખબર પણ નહોતી આ બનાવની એની હત્યા કોઈએ છરી મારી કરી નાખી એમાં કોઈ તર્ક કે બુદ્ધિ દેખાય છે ખરી? બે શીખ અંગરક્ષકોએ ઇન્દિરાજીની હત્યા કરી નાખી એમાં તો કોઈ તર્ક હતો જ નહિ પણ એના લીધે બીજા બેત્રણ હજાર શીખોની કત્લેઆમ મચાવવામાં પણ કોઈ તર્ક કે બુદ્ધિ દેખાય છે ખરી? ગોધરા કે શીખ હત્યાકાંડ કરનારાઓ અતિશય ભાવનાશીલ મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવનારા હતા જેમને પોતાના સમૂહ પર ખતરો દેખાયો. રેશનાલીસ્ટને વખોડવા હમેશાં હિટલરનું ઉદાહરણ આપનારા ભૂલી જાય છે કે હિટલર આદિમ મેમલ બ્રેઈન ધરાવતો હતો કોઈ રેશનલ બુદ્ધિજીવી નહોતો. એને એના જર્મનીને મિત્ર દેશની ચંગૂલમાંથી છોડાવવું હતું. જર્મન પ્રજાના સર્વાઈવલનો સવાલ હતો.

હવે જરા inclusive fitness ( આનુષાન્ગિક સુયોગ્યતા) સમજી લઈએ. Gene pool માં મારા જિન્સ સૌથી વધુ ફરતા હોવા જોઈએ. નાં સમજાયું? માનવજાતના માનસરોવરમાં મારા હંસલા સૌથી વધુ તરતાં રહેવા જોઈએ. હવે સમજાઈ જવું જોઈએ. એના માટે એક તો સૌથી વધુ મારા વારસદારો પેદા કરવા પડે. મારો સમૂહ એટલે મારા જ હંસલા ગણાય. મારા ભાઈઓ, કુટુંબીઓ, સગાવહાલાં અને મારી જાત કે કોમનું પ્રભુત્વ કે બહુમતી Gene pool માં રહેવી જોઈએ. અને મારા આ વારસદારો અને મારા જ સમૂહનું પ્રભુત્વ રહે તે માટે સહકાર, સદભાવ, પરોપકાર, અને પરમાર્થ કરવો પડે. હવે એની ડાર્ક સાઇડ જોઈએ. માનવજાતના માનસરોવરમાં મારા હંસલા સૌથી વધુ તરતાં રહેવા જોઈએ તો બીજા તરતા હંસલાઓને ખતમ કરો મારા હંસલાઓની સંખ્યા અને પ્રભુત્વ ઓટોમેટીક વધારે રહેવાનું. ગ્રૂપનો કબજો લેનારો નવો સિંહ પહેલું કામ ગ્રૂપમાં રહેલા તમામ નાના બચ્ચાને મારી નાખે છે. ચાલો હવે હિટલર તરફ વળીએ. હિટલર સમજતો હતો કે જર્મન પ્રજા શુદ્ધ આર્યન છે. એટલાં માટે એણે વેદોમાંથી સ્વસ્તિક શોધી એના મુખ્ય ચિન્હ તરીકે મૂક્યો હશે તેવું મારું માનવું છે. યહૂદી અશુદ્ધ લોહી છે એનો નાશ થવો જોઈએ. ૬૦ લાખ યહૂદી હંસલાઓને ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાખ્યા. કોઈ રેશનલ આવું કૃત્ય કરી શકે જ નહિ. મોરાલીટી રેશનલ બ્રેઈનની શોધ છે, બુદ્ધિજીવી અને તર્કમાં માનવાવાળા લોકોની શોધ છે. પોજીટીવ લાગણીઓનું પ્રભુત્વ ધરાવનારા લોકોની શોધ છે. મેમલ બ્રેઈન કોઈ મોરાલીટીમાં માનતું નથી. એની ફક્ત એક જ મોરાલીટી છે સર્વાઈવલ..સર્વાઈવલ…અને સર્વાઈવલ…

ચીનમાં રાજાઓ બસો ત્રણસો રાણીઓ રાખતા. અઢળક છોકરાં પેદા કરતા. સૌથી ક્રૂર હત્યારો ગણાતા ચંગીઝખાનના જિન્સ ૧૬ મીલીયંસ લોકોમાં છે તેવી વૈજ્ઞાનિકોની ધારણા છે. આ આદિમ મેમલ બ્રેઈન ધરાવતા મુઘલો બહુ ક્રૂર હતા. નિર્દોષ પ્રજાના માથા ભાલા પર ચડાવી એમની ક્રૂરતાનું પ્રદર્શન કરતા. તો માનવતાવાદ ફેલાવવો હશે તો મેમલ બ્રેઇન અને તેના ઈવોલ્યુશનરી ફોર્સ સમજવા પડશે. મેમલ બ્રેઈનનો માનવતાવાદ, સહકાર અને પરોપકાર ફક્ત એના સમૂહ પૂરતો હોય છે. માનવતાવાદને વૈશ્વિક બનાવવો હશે તો મેમલ બ્રેઈનને સમજ્યા વગર નહિ બને. પહેલા રોગ સમજો ઘણીવાર રોગ સમજાઈ જાય તો દવાની જરૂર પડતી નથી. રોગની સમજ ખુદ દવા બની જતી હોય છે. પહેલા તાવ આવ્યો છે તેવી ખબર તો પડવી જોઈએ ને? કે પછી તાવને જ ઉત્સવ માનવો હોય તો કોઈ ઉપાય નથી.. ૫૦૦૦ વર્ષથી ગીતા વાંચીએ છીએ કોઈ ફરક પડ્યો લાગે છે? ૨૦૦૦ વર્ષથી કુરાન અને બાઈબલ વાંચીએ છીએ કોઈ ફરક લાગે છે? સૌથી વધુ હત્યાઓ આ પોતાના ધર્મ પ્રત્યે અત્યંત લાગણીશીલ લોકોએ કરી છે.

તાર્કિક અને બુદ્ધિજીવી મેમલ બ્રેઈન સાથે જ જન્મ્યો હોય છે. એકલું કોર્ટેક્સ લઈને તો કોઈ જન્મતો નથી. એકલી લાગણીઓ જંગલી ઘોડા જેવી હોય છે. એના પર તર્ક અને બુદ્ધિની લગામ લઈને બેસો તમને ક્યાંથી ક્યા પહોચાડી દેશે. તમને બુદ્ધ, મહાવીર જિસસ બનાવી દેશે. પણ તર્ક અને બુદ્ધિની લગામ વગર એના પર બેસો તો તમને હિટલર, સ્ટાલિન, માઓ કે ઓસામા બિન લાદેન બનાવી દેશે.

હાલના પ્રખર માનવતાવાદી અને ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ Richard Dawkins કહે છે Let us try to teach generosity and altruism, because we are born selfish.

imagesCA05HRYU

નઘરોળ હવે નપુંસકતા તરફ

imagesCAHCANPHનઘરોળ હવે નપુંસકતા તરફ

બદઈરાદાથી સુમસામ વગડામાં મેના ગુર્જરીની પાછળ પડેલા સુલતાનને મેના કહે છે ”જીવ વહાલો હોય તો ભાગવા માંડ ..મારા સવા લાખ ગુર્જર બાંધવોને ખબર પડશે તો તને જીવતો સળગાવી દેશે ”..અને આજે કોઈ દીકરીની કૉલેજમાં, ઑફિસમાં કે કોઈ પણ જગ્યાએ સતામણીનો ભોગ બને છે ત્યારે માત્ર મારા પાંચ ભાઈઓને ખબર પડશે તો તારું આવી બનશે એવું કોઈ દીકરી વિશ્વાસ પૂર્વક કહી શકશે ખરી ..?
———હે મારા દેશની દામિનીઓ ..માફી માંગવાનો અધિકાર રહ્યો છે કે કેમ ..ખબર નહી ..પણ બની શકે તો લાચાર અને નપાણીયા પુરુષત્વને માફ કરીને હવે તમારી સુરક્ષાના રસ્તાઓ તમે જ શોધીને અપનાવી લો.—શ્રી. લવજીભાઈ નાકરાણી

ઉપરના વાક્યો કેટલા સત્ય લાગે છે. મિત્ર લવજીભાઈ નાકરાણી એમના દિલની મહાવ્યથા આ વાક્યો દ્વારા ફેસબુકમાં દર્શાવી ચૂક્યા છે. એમની આ લાચાર વ્યથા વાંચતા મારું દિલ ભરાઈ ગયેલું. શું આપણો નઘરોળ સમાજ હવે નપુંસકતા તરફ પ્રયાણ કરી રહ્યો છે કે કરી ચૂક્યો જ છે? કે પછી આપણી સંવેદનશીલતા નાશ પામી ચૂકી છે? એક મૃતપાય છોકરીનો દેહ નગ્ન હાલતમાં કલાક સુધી રોડ ઉપર પડી રહે પણ ના કોઈ એને કપડું ઓઢાડે કે ના કોઈ પોલીસ બોલાવે કે ના કોઈ ઇમર્જન્સી નંબર લગાવી એમ્બ્યુલન્સ બોલાવે. મોટાભાગે ‘આપણે શું?’ એવી માનસિકતા હોય છે અને બીજો ખયાલ પોલીસ ખોટી રીતે સંડોવી દે અથવા હજાર સવાલ કરીને સમય બરબાદ કરે અથવા ભવિષ્યમાં પોલીસ ચોકી અને કોર્ટના ચક્કરમાં પડવું પડે તેવા સવાલો ઊભા થતા લોકો કોઈ નક્કર પગલા ભરવાના બદલે તમાશો જોતા હોય છે. આ કોઈ એકની વાત નથી, મારા, તમારા સહુની વાત છે. શાસનવ્યવસ્થા હવે રક્ષણ કરી શકે તેમ રહી નથી. તો શું કાયદો આપણે હાથમાં લઈ લેવો? સ્વરક્ષણ કરવાની તો સહુને છૂટ હોય છે. તો સ્ત્રીઓએ એમનું રક્ષણ જાતે જ કરી લેવાનું? આપણે હવે રક્ષાબંધન ઊજવવાનું બંધ કરી દેવું જોઈએ, આ તહેવાર હવે કામનો રહ્યો નથી. નપુંસક સમાજમાંથી ચૂંટાતા રાજનેતાઓ તમારું રક્ષણ કરી શકે તેવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગયા છે. છતાં આપણે અસભ્ય બનવું નથી, કોઈ ખૂનામરકી કરવી નથી પણ અસભ્ય બનતા જતા લોકોને સભ્યતાના પાઠ એમના જડબા તોડીને શીખવવાના જરૂર છે.

દરેક માબાપે એમની દીકરીઓને સારા ચમ્પુઓ મળે તેની આશામાં ગૌરી વ્રત કરાવવાને બદલે કરાટે ક્લાસમાં મૂકી સ્વરક્ષણનાં દાવપેચ શીખવાનું ફરજિયાત કરી દેવું જોઈએ. દીકરીઓને કેવાં કપડાં પહેરીને નીકળવાની આચારસંહિતા બતાવવાને બદલે સ્વરક્ષણ કરવાની તાલીમ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. લાલુ યાદવ અડધિયા બંડી પહેરી ૧૫૦ દેશો દેખતા હોય તેમ ટીવી પર આવી શકે અને આપણે સ્ત્રીઓને કેવાં કપડાં પહેરવા તેની શિખામણો આપીએ છીએ. બધી શિખામણો ફક્ત સ્ત્રીઓ માટે જ કેમ? એકલાં ભારતની વાત નથી આખી દુનિયામાં બચપણથી સ્ત્રીઓને કોઈ પણ રીતે દબાવી રાખવાની પ્રવૃત્તિ સદીઓથી ચાલતી આવી છે. પુરુષોને ડર હોય છે કે સ્ત્રીઓને દબાવી નહિ દઈએ તો તે આપણને દબાવી દેશે. ચીનમાં સ્ત્રીઓને બાળકી હોય ત્યારથી જ લોખંડના જૂતા પહેરાવતા, જેથી એના પગ સાવ અવિકસિત અને નાના નાજુક રહી જાય જેથી તે દોડી ના શકે, કોઈના સહારા વગર ચાલી પણ ના શકે. વળી જેટલા નાના નાજુક પગના પંજા તેટલા રૂપાળા તેવી વ્યાખ્યા પણ રચાઈ ગઈ જેથી સ્ત્રી વિરોધ ના કરે. પ્રકૃતિએ સ્ત્રીને બાળકને જન્મ આપવાની જવાબદારી સોંપી છે અને આ જવાબદારી જે શક્તિશાળી હોય તેને જ સોંપાય..માટે જ દુનિયાના પ્રાચીનતમ ધર્મોએ પુરુષના રૂપમાં નહિ પણ સ્ત્રીના રૂપમાં પરમાત્માની કલ્પના કરી છે. સર્જનહાર સ્ત્રી હોવી જોઈએ તે સમજમાં એક ઊંડાણ હતું. ગોડ ધ ફાધર નવો કૉન્સેપ્ટ છે. ગોડ ધ મધર બહુ પ્રાચીન કૉન્સેપ્ટ છે. પ્રાણી હોય કે પક્ષી માતા નિશ્ચિત હોય છે, પિતા કોઈ પણ હોઈ શકે. બાળકના જન્મ માટે પ્રકૃતિ પિતાનું કામ બહુ ગહેરાઈથી નથી લેતી. એક સ્પર્મ ઈન્જેકટ થઈ ગયું પિતાનું કામ પૂરું. ઊંડું અને સૃજનાત્મક કામ તો માતાનું છે. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. પ્રૉબ્લેમ એ છે કે સ્ત્રીને બાળક મોટું કરવાનું હોય છે માટે તે રિસ્ક ટેકર ઓછી હોય છે અને તેથી તેને કમજોર સમજવાની ભૂલ કરીએ છીએ. એક સ્ત્રી ૨૦ બાળકોને જન્મ આપે છતાં પુરુષ કરતા પાચ વરસ વધારે જીવવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રી બીમાર ઓછી પડે છે. આજે જે બીમારીઓ સ્ત્રીઓને લાગી છે એ સ્ત્રીઓની નથી. પુરુષોએ જે સમાજ બનાવ્યો છે એની શોધ છે. મેલ ડોમીનેટેડ સમાજમાં એને એડજસ્ટ થવું પડે છે. સ્ત્રીઓને આવતા હિસ્ટીરિયા પુરુષપ્રધાન સમાજમાં એડજસ્ટ થવા ને લીધે આવે છે.

બીજા દેશોની સરખામણીએ ભારતમાં બળાત્કાર ઓછા થાય છે તેવું કહેવાય છે. નોંધાય તો દેખાયને એક જમાનાનો બહાદુર સમાજ ભય વખતે જોખમ વખતે સર્વાઈવલ માટે ફાઈટને બદલે ફ્લાઇટ અપનાવતો થઈ ગયો ત્યારથી જ નપુંસકતા તરફ આગળ વધવા માંડેલો છે. અમે તો બધાને અપનાવી લીધાંની ડંફાશ મારતો સમાજ જે આવ્યા તેની સામે ઝૂકી પડ્યો. શક, હૂણ, કુષાણ, મુસ્લિમ, અંગ્રેજ જે આવ્યા બધા સામે ઝૂકી ગયો. જે લડ્યા તે ગયા. સમર્પણ આ દેશના લોહીમાં સમાઈ ગયું. કાલ્પનિક ભગવાન આગળ સમર્પણ તો પછી બધા સામે સમર્પણ. તમે સમર્પણની માનસિકતા કેળવો તો કોઈની સામે લડી ના શકો. હૂણ સામે સમર્પણ અને અંગ્રેજ સામે નહિ તેવું બને ખરું? ગુરુ સામે સમર્પણ અને નેતા સામે નહિ તેવું બને ખરું? કાચ પાછળ મઢેલા ભગવાનને પગે લાગી, કરગરીને ઘર બહાર નીકળતો કોઈ ઑફિસમાં ક્લાર્ક આગળ કામ કઢાવવા કરગરી જ પડવાનો કે થોડો પ્રસાદ ધરાવીશ ટેબલ નીચેથી પણ મારું આટલું કામ થઈ જાય. નપુંસક સમાજ એની માનસિક નપુંસકતા છુપાવવા છોકરાં ખુબ પેદા કરવાનો, વસ્તી ખુબ વધારવાનો. જુઓ અમે કેટલાં બહાદુર છીએ, અમે કેટલા મર્દ છીએ? મૃતપાય બળાત્કારીઓએ પીંખી નાખેલી નગ્ન બાળાને ફક્ત જોઈ રહેલા સેંકડો નમાલાં પેદા કરવા એના કરતા એક ફોન કરીને પોલીસ કે એમ્બ્યુલન્સ બોલાવતો અને તેને કપડું ઢાંકતો મર્દ પેદા કરવો શું ખોટો? જેવો સમાજ એવા સમાજમાંથી આવતા તેમના નેતાઓ. દંભી સમાજમાંથી દંભ વગરના નેતાઓ ક્યાંથી લાવશો? કમજોર સમાજમાંથી ગુન્હેગારોને સખત દંડ આપે તેવા બહાદુર નેતાઓ ક્યાંથી લાવશો? એટલે થોડા ગણ્યાગાંઠ્યા ગુંડાઓ આખા સમાજ પર એમની ધાક જમાવતા હોય છે. થોડા ભ્રષ્ટ નેતાઓ આખા દેશને બાનમાં લઈ લેતા હોય છે.

હે! આ દેશની સ્ત્રીઓ અમે ભારતની જનતા યુધિષ્ઠિરનો કૉલર પકડી જવાબ માંગી શક્યા નથી કે સ્ત્રી શું જુગારમાં મૂકવા સમાન વસ્તુ હતી? અમે ભારતની પ્રજા રાજાઓને ભગવાન સમજતી માટે રામની સામે મીણબત્તી સરઘસ કાઢી પૂછી શક્યા નથી કે સીતાજીની શું ભૂલ હતી? એમને કેમ ભૂગર્ભમાં જતા રહેવું પડ્યું? આ દેશની દીકરીઓ આજ સુધી અમે નઘરોળ હતા હવે નપુંસક બની ચૂક્યા છીએ હવે અમે તમારું રક્ષણ કરી શકીએ તેવા સક્ષમ રહ્યા નથી તમે તમારી વ્યવસ્થા જાતે જ કરી લો, તમારું રક્ષણ જાતે જ કરી લો. અમે ભલે થોડા દિવસ બુમો પાડીશું પણ પછી હતા તેના તે જ રહેવાના છીએ…તેના તે જ રહેવાના છીએ..

સામૂહિક હત્યા માનવ સ્વભાવનું જટિલ અનુકૂલન

 

imagesCA9Q43HE સામૂહિક હત્યા માનવ સ્વભાવનું જટિલ અનુકૂલન

 

ડિસેમ્બર ૧૪, ૨૦૧૨ નો દિવસ અમેરિકન ઇતિહાસમાં કાળા કલંક તરીકે આલેખાઈ ગયો. કનેક્ટીકટ રાજ્યની ફેરફિલ્ડ કાઉન્ટીના ન્યુટાઉન ગામની સેન્ડી હુક એલીમેન્ટરી સ્કૂલમાં ૨૦ વર્ષના Adam Peter Lanza નામના ડાહ્યાં ડમરા દેખાતા ભાઈએ ઘૂસી જઈને રૂમે રૂમે ફરીને ૬-૭ વર્ષની વયના ૨૦ ફૂલોને ગોળીઓ મારી મસળી નાખ્યા. અને તેમને બચાવવા પ્રયત્ન કરતી ૬ શિક્ષિકાઓને પણ હણી નાખી, પછી પોતે પણ ગોળી ખાઈને દેવલોક પામ્યા. ૨૦૦૭મા વર્જીનીયા એન્જીનીયર કૉલેજમાં પણ આવું બનેલું. લાન્ઝાભાઈ ઘરથી નીકળ્યા આવું પરાક્રમ કરવા તે પહેલા એમના માતુશ્રીને દેવલોક પહોચાડીને નીકળ્યા હતા જેથી માતાને પાછળથી પસ્તાવું નાં પડે કે આ પાગલને શું કામ જણ્યો? Bushmaster XM-15 પ્રકારની રાઈફલ લઈને ભાઈએ મોટું પરાક્રમ કરી નાખ્યું હતું. માતુશ્રીને વળી અલગ ગન વડે ઢાળી નાખ્યા હતા. મૂળ માતુશ્રી પોતે અનેક જાતની રાઈફલો રાખવાના શોખીન હતા. લગભગ એક ડઝન આવા ઘાતક હથિયાર એમની પાસે હતા. લાન્ઝાને ઓળખનારા એને ઈન્ટેલીજન્ટ, બેચેન અને નર્વસ વ્યક્તિ તરીકે જાણતાં હતા. કદાચ ઓટીઝમ વડે પણ પીડાતો હોય. એનો કોઈ ખાસ મિત્ર હતો નહિ. માનસિક સ્વસ્થતા માટે મિત્રો જરૂરી છે. લગભગ એકલવાયો હતો. એની માતા સિંગલ મધર હતી. એનો એક્સ હસબન્ડ ખાધાખોરાકીના પૈસા આપતો હતો.

 

ફુલ જેવા, લગભગ ગુલાબના ગોટા જેવા આ નાનકડાં બાળકોને શું કામ રહેંસી નાખ્યા હશે? આખું અમેરિકા શોકગ્રસ્ત બની ગયું હતું. ૨૮,૦૦૦ વસ્તી ધરાવતું આ ટાઉન ખુબ શાંત કૌટુંબિક વાતાવરણ ધરાવતું ગણાતું હતું. છેલ્લા દસ વર્ષમાં ફક્ત એક જ ખૂનનો બનાવ બનેલો હતો. બે દિવસમાં સંવેદનશીલ પ્રમુખ ઓબામાં અહીં આવી પહોચ્યા હતા. ત્રાસવાદીઓ સામે સખત પગલા લેનાર આવા પ્રસંગે એમના આંસુ રોકી શકતા નથી. વાણીસ્વાતંત્ર્ય, કોઈ પણ ધર્મ પાળવાની છૂટ અને નાં પાળવાની છૂટ અને એવા બીજા બંધારણીય મૂળભૂત હકોમાં હથિયાર રાખવાની છૂટ પણ અમેરિકાના બંધારણમાં છે. ગન મેળવવા લાઇસન્સ તો બધે લેવું પડતું હોય છે, પણ અમુક રાજ્યોમાં બહુ સહેલાઈથી આવા લાઇસન્સ મળી જતા હોય છે અને છૂટથી ગન ખરીદી શકાતી હોય છે. ન્યુયોર્ક, ન્યુ જર્સી અને કેલીફોર્નીયા જેવા અમુક જ સ્ટેટમાં સખત કાયદા છે જેથી ગન સહેલાઈથી રાખી શકો નહિ. અમુક રાજ્યોમાં ચણામમરાની જેમ હથિયારો વેચતા હોય છે. ઓબામાં ગન કંટ્રોલ એક્ટ મજબૂત બનાવવાની ફિરાકમાં જ હતા. આ બનાવ પછી એમને સારો એવો સપોર્ટ મળશે. ૧૦૦,૦૦૦ માણસોએ તો સહી કરીને આવેદનપત્ર આપી દીધું છે. છતાં અહીંના રૂઢિચુસ્ત લોકો આપણી ખાપ પંચાયતને શરમાવે તેવા છે.images

 

Spree killing કરતાં લોકો મોટાભાગે પુરુષો જ હોય છે અને તે પણ સાવ યુવાન ૨૦ વર્ષની આસપાસના કે ટીનેજર. અને છેલ્લે પોતે જાતે જ આત્મહત્યા કરતા હોય છે કે પછી પોલીસની ગોળી ખાઈ મરતા હોય છે. ૧૪ વર્ષ પછી કશુંક એવું છોકરાઓમાં બને છે જે છોકરીઓમાં નથી બનતું, આ સમયમાં છોકરાઓ વધુ હિંસક બની જતા હોય છે. ૧૪ થી ૨૦ વર્ષના છોકરાઓ આમાં વધુ સંડોવાયેલા હોય છે. અભ્યાસ બતાવે છે ૧૪ થી ૨૦ વર્ષનો ગાળો છોકરાઓ માટે ખુબ ક્રીટીકલ હોય છે. છોકરાઓ શારીરિક હિંસા પર વધુ દોરવાતા હોય છે. એકલાં અમેરિકા નહિ આખી દુનિયામાં આવું જોવા મળે છે.

 

પોતાના વંશ માટે સ્વાર્થ અને પરોપકાર, બીજા વંશ પ્રત્યે આદાનપ્રદાન અને સહકાર વડે તમારા જિન્સ બીજી પેઢીમાં વધુ સારી રીતે ટ્રાન્સ્ફર કરી શકો છો તે સમજી શકાય તેવું હોય છે અને આમ કરીને તમારી inclusive fitness ( આનુષાન્ગિક સુયોગ્યતા) વધારી શકાય છે. બીજા સાથેના વ્યવહારમાં નુકશાન જાય ત્યારે વેરભાવના ઊભી થતી હોય છે. વેર વાળવામાં તો બીજા સાથે પોતાને પણ નુકશાન થાય છે. Spree killing વેરનો ભયાનક દાખલો બની જતો હોય છે. દરેકના જીવનમાં ક્યાંક વેર વાળવાનું બનતું હોય છે. પોતાને થયેલા અન્યાયનો બદલો લેવાની ઇચ્છા દરેકને થતી હોય છે. એમાં પોતાને પણ નુકશાન થઈ જતું હોય જ છે. માટે સુજ્ઞજનો વેર વેરથી શમે નહિ એમ કહેતા હોય છે.

 

The Dark Side of Human Nature: The Relativity of Inclusive Fitness

 

ઈવોલ્યુશન ઇચ્છતું હોય છે કે તમારા જિન્સની બને એટલી કોપી પાછળ બીજી પેઢીમાં મૂકતા જાવ. એનો સરળ ઉપાય ઘણા બધા સંતાનો હોય એમાં છે. વ્યાપક આનુષાન્ગિક સુયોગ્યતા(Inclusive Fitness) સાપેક્ષ છે કોઈ ઍબ્સલૂટ સત્ય તો છે નહિ. નેચર absolute inclusive fitness એવું કહેતું નથી. ભાઈ બે છોકરાં થઈ ગયા કે ચાર ભાઈ બહેનોને ખુબ મદદ કરી ગુડ જોબ, બહુ સરસ જિનેટિક ડ્યુટી બજાવી, હવે ઝાડ પડ્યું ને જગ્યા થઈ કે ફુલ ગયુંને ફોરમ રહી એવું કહી શકાય તેવું કરો. કુદરતના કાનૂનમાં relative inclusive fitness શબ્દ છે. તો આપણું સાયકોલોજીકલ એડપ્ટેશન જે છે એમાં સ્થિત રહેવાનું છે નહિ, Do better. એક કદમ આગળ વધો. ઇન્કલૂસીવ ફિટનેશ સ્કોર ચાર હોય તો પાંચ તરફ આગળ વધો. અહીં માનવ સ્વભાવ સાથે નેચરનો અધમ nasty પાર્ટ શરુ થાય છે. કમનસીબે અનુષંગી સિદ્ધાંત પ્રમાણે સાપેક્ષ આનુષાન્ગિક સુયોગ્યતા relativity of inclusive fitness એટલે સજીવો પોતાની ઇન્કલૂસીવ ફિટનેશ બીજાની ઇન્કલૂસીવ ફિટનેશ રીડ્યુસ કરીને વધારી શકે છે. Gene Pool માં બીજા વંશના જિન્સ ઘટાડી તમારા જિન્સનો ભાગ વધારી શકો છો. Reducing the proportion of others’ (non-kin) genes in the gene pool will increase the proportion of yours. બસ અહીં અધમતા શરુ થાય છે. સમૂળું વંશ નિકંદન, હત્યા, સામૂહિક હત્યાઓ, યુદ્ધ, મહાયુદ્ધ અને spree killing એક અધમ મનોવૈજ્ઞાનિક અનુકૂલન છે. એકલાં અમેરિકામાં આવી હત્યાઓ થાય છે તેવું પણ નથી. યુદ્ધોનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. મૂળ અમેરિકન ઇન્ડિયન્સનું જેનોસાઇડ કોણ નથી જાણતું? માયન, ઇન્કા, એઝટેક જેવી સંસ્કૃતિઓનું સમૂળું નિકંદન યુરોપિયન લોકોએ કાઢી નાખ્યું. પુષ્યમિત્ર શૃંગે બૌદ્ધ સાધુના માથા સાટે સોનામહોરો જાહેર કરીને બૌદ્ધ ધર્મને ભારત બહાર તગેડી મૂક્યો. હિટલરે ૬૦ લાખ યહૂદીઓને નાના બાળકો સાથે જીવતા ભૂંજી નાખ્યા. ભારતના ભાગલા પડ્યા ત્યારે ૧૦-૨૫ લાખ માણસો માર્યા ગયા. બે વિશ્વયુદ્ધમાં થઈને લાખો માણસો માર્યા ગયા હશે. ભારતમાં ઠગ લોકો છદ્યવેષે સામટાં પાંચ, પચીસ કે સો ને ગળે રેશમી રૂમાલ ભેરવી બેરહમીથી મારી નાખતા. મુસ્લિમો ધર્મના બહાને  આખી દુનિયામાં જેનોસાઈડ કરવા નીકળી પડ્યા હતા. ઇસ્લામ એટલે શાંતિ પણ આખી દુનિયા મુસ્લિમ બની જાય પછી. નવા ગ્રુપનો કબજો લઇ સિંહ તરત એમાં રહેલા નાના બચ્ચાં મારી નાખે છે. કૂતરા પણ નાના બચ્ચાને મારી નાખતા મેં જોયા છે, અમે દોટ મુકીને છોડાવવા બચપણમાં જતા.

 

તો આ inclusive fitness પુષ્કળ બાળકો પેદા કરીને વધારો અથવા બીજા લોકોની સામૂહિક હત્યાઓ કરીને વધારો. ચંગીઝખાન સૌથી ક્રૂર રાજા કહેવાતો એના નામે  અનેક સામૂહિક હત્યાઓ ચડેલી છે પણ વૈજ્ઞાનિકો માને છે કે આજે સૌથી વધુ જિન્સ દુનિયામાં ફેલાયેલા હોય તો તે ચંગીઝખાનનાં છે. હ્યુમન નેચરની આ અંધારી બાજુ, આ અધમ ઈવોલ્યુશનરી અનુકૂલન જો નેતાઓ, રાજાઓ  સમજી શકે તો ભયાનક હત્યાકાંડો નિવારી શકાય તેમ છે. સમાજશાસ્ત્રીઓએ આના પર વિચાર કરવા જેવો છે. બાકી નીતિમત્તાની અઢળક વાતો કરે કશું વળશે નહિ, ઉચ્ચ આદર્શોની બુમો પાડે કશું વળશે નહિ. આજ સુધી તો નથી વળ્યું.

 

સ્ત્રીઓ કરતા પુરુષો આવો ખૂનામરકી કરવાવાળો સ્વભાવ વધુ ધરાવતા હોય છે કેમકે પુરુષો વધુ હતોત્સાહ હોય છે. પ્રકૃતિએ સ્ત્રીને બાળકનો જન્મ આપવાનું કામ સોંપેલું છે જે જન્મ આપે તે જલદી જીવ કઈ રીતે લઈ શકે?

 

વધુ પછી…….imagesCAJQA47L

ગુજરાતમાં મોદીનો વાવટો ફરી લહેરાશે?

imagesCAGCZLG6ગુજરાતમાં મોદીનો વાવટો ફરી લહેરાશે?

 

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગીને બંધ થઇ ગયા છે.  વર્ષોથી હિન્દુત્વનો ઝંડો પકડીને સત્તા પર આવી ગયેલ ભાજપા ગુજરાતના સિંહાસન પરથી ઊતરવા તૈયાર નથી કે ગુજરાતની ભીરુ પ્રજા એને ઊતરવા દેવા માંગતી નથી. દાયકો વીતી ગયો કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખે. હવે આ વખતની ચૂંટણીમાં સત્તાનો ભૂલાયેલો સ્વાદ ચાખવા કોંગ્રસ ભુરાઈ થવાની છે. એના માટે ગમે તે હદે નીચે ઊતરવા તૈયાર થઈ જાય તો નવાઈ નહિ. સત્તા ચલાવવાનું કોને ના ગમે? સર્વોપરી બનવાનું કોને ના ગમે? સ્તનધારી પ્રાણીઓ એકબીજા ઉપર સત્તા જમાવ્યા કરતા હોય છે. નેતા પ્રજા ઉપર સત્તા જમાવતા હોય છે. એમાં જે પ્રથમ આવે તે મુખ્ય મંત્રી કે વડાપ્રધાન કે પ્રમુખ કે રાજા બની જતા હોય છે. જેટલો નેતા જોહુકમી, ડૉમિનન્ટ કે વર્ચસ્વ ધરાવે તેટલો સફળ વધુ થાય. આવું વર્તન જરૂરી પણ છે. ઘણાને લાગશે બીજા લોકોને પણ આત્મા હોય કે હક હોય. બહુ સત્તા જમાવનાર કે જોહુકમી કરનાર નેતા કે ઘરના વડીલ ગમતા નથી હોતા. કેમકે જેને ના ગમતું હોય તેને પણ સત્તા જમાવવી હોય છે. મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે અને દરેક સમૂહને એક નેતાની જરૂર હોય છે. નેતા જેટલો ડોમીનન્ટ તેટલો તેનો સમૂહ સીધો ચાલવાનો. બળવાન નેતાની જરૂર દરેક સમૂહને હોય છે. કારણ બળવાન નેતા જ સમૂહને પ્રિડેટરથી બચાવતો હોય છે. દરેક mammals ની સર્વાઈવલની તકનીક કે પધ્ધતિ બેજીકલી સરખીજ હોય છે. Dominant ની હાજરીમાં બાકીના કૂતરાં શાંત ફરતા હોય છે અને એની ગેરહાજરીમાં એકબીજા સાથે લડવાનું ચાલુ. સર્વોપરી કે જોહુકમીની હાજરી માત્ર બાકીનાને શાંત પાડી દેતી હોય છે. mammals ગ્રૂપમાં રહેવા ટેવાયેલા હોય છે, પ્રિડેટરથી બચવા માટે, અને નબળા હોય તે મજબૂતને શરણે થઈને ચાલવા ટેવાયેલા હોય છે. ઉત્ક્રાંતિવાદના મનોવિજ્ઞાનનું  આ કડવું સત્ય છે.

કેશુભાઈ પટેલ ચૂંટાયેલા બધા ધારાસભ્યોને ખુશ રાખવા મથી રહ્યાં હતા એમાં જમ્બો પ્રધાન મંડળ બનાવી નાખ્યું હતું. નબળો આલ્ફા નેતા પોતાના સાથીદારોને કાબુમાં રાખી શકતો નથી, છેવટે ગબડી પડ્યા. આવા ઉત્તમ આલ્ફા નેતાનું ઉદાહરણ છે નરેન્દ્ર મોદી. કોઈ લોબીને તે ગાંઠ્યા નથી. એમના હાથ નીચે કામ કરતા પ્રધાનોને પણ એમની કેબીનમાં જતા ડર લાગતો હશે .ઢીલાં કેશુભાઈએ મોટાભાગના ધારાસભ્યોને પ્રધાન અને બીજા મહત્વના પદ સોંપીને રાજી રાખવાનો પ્રયત્ન કરેલો. પણ દરેકને મુખ્ય પ્રધાન બનવું હોય છે. છેવટે સરકાર તૂટી પડી હતી. મોદીએ ૧૫ પ્રધાનોથી શરુ કરેલું. આજે પણ ધારે તો ફક્ત પાંચ પ્રધાનો વડે ચલાવે તેવા છે. આપખુદ  ગૃપનેતાની ગેરહાજરીમાં ગ્રૂપના બાકીના બધા સભ્યો અંદરો અંદર લડવા માંડતા હોય છે. એમાં સરકારો અને ફેમિલી ભાગી પડતા હોય છે. પોતે સર્વોપરી છે તેવું બતાવવા ચિમ્પાન્ઝી અને વાનરો એકબીજા સામે ખૂબ બુમો પાડતાં હોય છે, કિકિયારી કરી મૂકતા હોય છે, વન ગજવી નાખતા હોય છે. કશું કામ ના હોય છતાં સિંહ ગર્જના કર્યા કરતો હોય છે, વાઘ અમથી અમથી ત્રાડો પાડ્યા કરતો હોય છે. Shouting પણ સર્વોપરી છીએ તેવું બતાવવાનો એક સહજ સરળ ઉપાય છે. મોદી પણ એમના ભાષણો માટે પ્રખ્યાત અને કાબેલ છે. બુમો પાડવામાં શુરા છે. નેતા માટે ભાષણ આપવાની કળા સફળતાનું મુખ્ય કારણ હોય છે. નબળો નેતા કોઈને ના  ગમે. જે પોતે બચવા માટે ફાંફે ચડ્યો હોય તેવો નેતા તમને પ્રીડેટરથી કઈ રીતે બચાવશે?

ગુજરાતની પ્રજા પહેલેથી ભીરુ રહી છે. હિન્દુત્વનો ઝંડો પકડીને સત્તા પર આવી ગયેલા ભાજપાના નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસની ચાદર ઓઢી લીધી છે. ધર્મની ધાબળી પર વિકાસની ચાદરનું મુલાયમ કવર મોદી ચડાવી ચૂક્યા છે. મોદી પ્રચારશુરા છે. નવી ટેક્નોલૉજી વાપરવામાં પણ શુરા છે. બોલવામાં એમને કોઈ પહોચે તેવું હાલ ગુજરાત કોંગ્રેસમાં છે નહિ. સત્તા મેળવવાની લાલસામાં પટેલ લોબી મોદી સામે પડી ચૂકી હતી પણ મોદી કોઈ લોબીને ગાંઠ્યા નહિ તેનું કારણ ધર્મભીરુ પ્રજા એમની સાથે છે તેવું મોદી જાણતા હતા. પટેલ નેતાઓ ભલે મોદી સામે હશે પણ પટેલ કોમ મોદી સાથે હશે તેવું માનવું અઘરું નથી. કેશુભાઈ પટેલ મરણિયો પ્રયાસ કરીને જુદા પડી ગયા. એમની મોદી સામેની ફરિયાદોનો દોર કેન્દ્રના ભાજપના વડીલ નેતાઓ સાથે ચાલતો હતો ત્યારે ઘણા મિત્રોનું સાદું ગણિત હતું કે કેશુભાઈ ગુજરાત ભાજપના પાયાના પથ્થર છે માટે એમનું ભાજપમાં ચાલશે અને મોદી પ્રાદેશિક પક્ષ બનાવી સત્તા ટકાવી રાખશે. ત્યારે મારું સાદું ગણિત કહેતું હતું કે ભાજપા મોદી નામના પ્રકાશમાન સૂર્યને નહિ છોડે, નિસ્તેજ બની ચૂકેલા ગ્રહને વિદાય આપી દેશે અથવા જતા રોકશે નહિ, અને એવું જ થયું કેશુભાઈએ પક્ષ છોડ્યો. પાયાના પથ્થર શંકરસિંહ વાઘેલાને પણ ભારે ઉપેક્ષા પછી બળવો કરીને વાગોવાઈને ગદ્દાર જેવા વિશેષણો મેળવીને વિદાય થઈ જવું પડેલું. ભાજપાની આ રીતિનીતિ કાયમી થઈ ગઈ છે. યુ.પી.ના કલ્યાણસિંહ, મદનલાલ ખુરાના, ગોવિન્દાચાર્ય, જસવંતસિંહ, ઉમાભારતી બધા આવી ઉપેક્ષા અને અવહેલના વેઠી ચૂક્યા છે.

ગુજરાતમાં તો કૉંગ્રેસ લાંબો સમય સત્તા વિહોણી રહી છે એટલે આર્થિક કૌભાંડો કરવાનો ચાન્સ ગુજરાતમાં મળ્યો નથી તે પૂરતી તેની આબરૂ સારી ગણી શકાય. પણ કેન્દ્રમાં નિતનવા લાખો કરોડોના આર્થિક કૌભાંડો રોજ કોંગ્રેસના રાજમાં બહાર હજુ પણ પડે જાય છે તેની અસર ગુજરાત કોંગ્રેસને પડવાની જ છે. કૌભાંડ શબ્દ કોંગ્રેસનો પર્યાય બની ચૂક્યો છે. વિકાસની લાહ્યમાં મોદી ઉદ્યોગપતિઓના આંધળા તરફદાર બની ચૂક્યા છે, અને એનો લાભ શઠ ઉદ્યોગપતિઓ લીધા વગર રહે તે વાતમાં માલ નથી. મહુવામાં ખેડૂતોનું આંદોલન આવા શઠ ઉદ્યોગપતિઓની અંધ તરફદારીનું કારણ છે. ઉદ્યોગપતિઓ સીધા ખેડૂતો પાસે જમીન લેવા જાય તો પોસાય નહિ. સરકાર જમીન સંપાદન કરીને આપે તો જ સસ્તી પડે. બાળકોના અપહરણ, ખેડૂતોની આત્મહત્યાઓ, સરકારી ખર્ચે મહાઉત્સવોમાં થતા બેફામ ખર્ચાઓ અને એવા બીજા અનેક મુદ્દાઓ મોદી વિરુદ્ધ જતા હોય છે. પણ કોંગ્રેસે કેન્દ્રમાં કૌભાંડો બાબતે જે મહા વિકાસ કર્યો છે તેનો લાભ ગુજરાતમાં ભાજપા લઈ જશે તેની કોઈ નવાઈ નથી. ગુજરાતમાં જે વિકાસ દેખાય છે તેની અવગણના પણ કરી શકાય તેમ નથી. સાત વર્ષે મેં અમદાવાદ જોયું તો એની કાયાપલટ તરત જ ઊડીને આંખે વળગી હતી.

૭ ઑક્ટોબર ૨૦૦૧ના દિવસે ગાદીનશીન થયેલા નરેન્દ્ર મોદી જુલાઈ ૨૦૦૭માં ૨૦૬૩ દિવસ સળંગ સત્તા પર રહીને લાંબો સમય ગુજરાત ખાતે સત્તા પર રહેવાનો રેકૉર્ડ બનાવી ચૂક્યા હતા. ડિસેમ્બર ૨૦૦૭મા પ્રજાએ ફરી ગાદી પર બેસાડી દીધા હતા. ગુજરાતની શાંતિ ઇચ્છતી મોજીલી ભીરુ પ્રજા નરેન્દ્ર મોદીને આગામી ડિસેમ્બરમાં ફરી ગાદી સોંપી દે તો નવાઈ નહિ..

શું આપણે આઝાદ થયા છીએ?

શું આપણે આઝાદ થયા છીએ?

આઝાદીને ૬૫ વર્ષ વીતી ગયા. શું આપણે આઝાદ થયા છીએ? સ્વતંત્ર થયા છીએ? એક દિવસ એવો જતો નથી કે કોઈ રાજકર્તા કે ધર્મકર્તાનું સ્કેન્ડલ બહારા ના પડે. રોજ કોઈને કોઈ રાજકારણી,  કે ધર્મકારણીનું નાનું કે મોટું ગમે તે પ્રકારનું  કૌભાંડ બહાર પડતું જ હોય છે. અને જો કોઈ કૌભાંડ બહાર પડ્યા વગરનો દિવસ જાય તો એવું લાગે કે આજે સૂર્ય ઊગવાનો નથી કે શું? પ્રજા પણ જાણે ટેવાઈ ગઈ છે. થોડો ઊહાપોહ અને જાણે બીજા કૌભાંડ બહાર પડવાની રાહ જોતી હોય તેવું લાગતી હોય છે જેથી બે ચાર દિવસ જે મસાલો વાતો કરવાનો પૂરો પડ્યો, પછી હતા ત્યાંને ત્યાં. ધર્મગુરુઓ વેપારી બની ચૂક્યા છે અને હવે તો હિંસક પણ બનવા લાગ્યા છે. પ્રજામાં વિરોધ કરવાની હવે શક્તિ જ જાણે બચી નથી. આ લોકો કોઈ પણ હદે જઈ  શકે છે. નિર્મળબાબા કરોડો લોકોને રોજ મૂરખ બનાવતા હતા, જાણે દેશનું બુદ્ધિધન ઘાસ ચરવા ગયું છે. અને ખરેખર એવું લાગે છે કે હવે બુદ્ધિ અને તર્ક કઈ બલા છે તેવું પુછાય તો નવાઈ નહિ લાગે. કોઈ મારા જેવો વિરોધ કરે તો રેશનાલીસ્ટ કે સો કોલ્ડ બુદ્ધિવાદી કહીને ગાળ દેવામાં આવે છે. બુદ્ધિયુક્ત કે તર્કયુક્ત સવાલ પૂછો તો લાગણીવિહીન સમજી લેવાય છે. છે ને હસવા જેવી વાત? ગુરુ હવે ગેન્ગસ્ટરનો પર્યાય બનવા લાગ્યો છે. સેવાભાવી ટ્રસ્ટના નામે આશ્રમો ખોલીને બેસી જવાય છે. જેથી ઇન્કમ ટૅક્સમાં રાહત મળે, અને ધાર્મિક ટ્રસ્ટ હોય એટલે પછી કઈ પૂછવાનું રહે નહિ. ધાર્મિક વડાઓને વાદે દેશના કહેવાતા સેવકો પણ આશ્રમો ખોલીને બેસી જાય છે. સાબરમતી, વર્ધા અને પવનારના આશ્રમો ટુરિસ્ટ લોકો માટે હવે ફક્ત જોવાના સ્થળ રહી ગયા છે. ધર્મ, મોક્ષ, પરલોક, આત્મકલ્યાણનાં નામે આપણે પલાયનવાદ સિવાય કશું શીખ્યા નથી.

 

ભૂતકાળના મીનીસ્ટરો પર આજે કેસ ચાલતા હોય છે. સાબિત ના થાય ત્યાં સુધી પાછો ગુનેગાર ગણાય  નહિ, આમ હજારો ગુનેગારો રાજકાજ કર્યા કરતા હોય છે. એક પણ પક્ષ ઉપર ભરોસો કરાય તેવું રહ્યું નથી. સત્તા વગરના પક્ષો ડાહી ડાહી વાતો કરતા હોય છે. શાસક પક્ષની શક્ય વગોવણી કરતા હોય છે. એમાં માત્ર તમે ફાવી ગયા અને અમે રહી ગયા તે જ ભાવના હોય છે. આ દેશને લૂંટવાનો અમારો વારો ક્યારે આવશે તેની જ રાહ જોવાતી હોય છે. પ્રજાને કોઈ ફરક પડવાનો નથી. પ્રજા પાસે કોઈ ચોઈસ હોતી નથી. પ્રજા બચારી અખતરા કર્યા કરતી હોય છે. એકને ઉતારી બીજાને ગાદી બેસાડે, બીજાને ઉતારી પહેલાને ગાદી બેસાડે.

 

દિલ્હીનાં તખ્ત પર પૃથ્વીરાજ બેસે, અકબર બેસે, અંગ્રેજ બેસે કૉંગ્રેસ બેસે કે ભાજપા પ્રજાને કોઈ ફરક પડતો નથી. એમનું ગાડું ગબડે જાય તો પત્યું. જે લડાઈઓ છે તે તખ્ત કબજે કરવાની ઇચ્છા ધરાવનારાઓની છે. તખ્ત કબજે કરવા નાં છુટકે ક્યાંક બિન સત્તાધારીઓ પ્રજાને હલાવે છે. તે પણ જરૂર પૂરતી. તખ્ત મળી ગયું વાર્તા પૂરી.  ક્યાંક કોઈ રાણો પ્રતાપ, કોઈ ગોવિંદસિંહ કે શિવાજી એકલાં એકલાં ઝઝૂમે છે.  રાણા પ્રતાપનું ક્ષેત્ર મર્યાદિત હતું. એક વણિક  પ્રજાને હાથમાં તેગ અને દેગ આપી , કચ્છ-કડુ-કિરપાણ  આપી બહાદુર બનાવવી  કોઈ નાનીસુની વાત નહોતી. પણ  ગુરુ ગોવિંદસિંહને એમના સમૂહ પૂરતો રસ વધુ હતો. એમને એમના શીખોમાં જ રસ હતો. આખા દેશની પ્રજાને જાગૃત કરવાનો વિચાર આવ્યો નહોતો. કારણ તે ધાર્મિક ગુરુ હતા. અને આવ્યો હોત તો પણ અલગ અલગ ચોકામાં વહેંચાયેલી પ્રજા માનત કે કેમ? ખાલસા પંથની સ્થાપના સમયે એમણે જાહેર કરી દીધેલું કે હવે આપણે શીખ છીએ અને હવેથી કોઈએ હિંદુ અને મુસ્લિમ રિવાજો પાળવાની જરૂર નથી. આમ તેઓ હિંદુ નથી તે આડકતરી રીતે કહી દીધું હતું.

 

શિવાજી માટે દક્ખણમાં બધું સમાઈ જતું હતું. દખ્ખણ પણ મર્યાદિત હતું, મહારાષ્ટ્ર પૂરતું. આ બળવાન મહાપુરુષોએ આખા દેશને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવું જણાતું નથી. એમના ક્ષેત્રો એમના પૂરતા મર્યાદિત હતા. પૈસા ખૂટ્યા તો શિવાજી બે વાર ગુજરાતને(સુરત) લૂંટી ગયા હતા. છતાં આપણે એમના માટે ગર્વ અનુભવીએ છીએ કે આ માણસે ધર્માન્ધતાને ખાળી હતી. એના રાજ્યમાં ક્યારેય કોઈ મુસલમાનને તકલીફ પહોચી નહોતી.  અંગ્રેજો આખા હિન્દુસ્તાનને કબજે કરીને બેસી ગયેલા હતા. ૧૮૫૭ના બળવાને આપણે ક્રાંતિ કહીશું? કે જે રાજાઓના રાજ્યો અંગ્રેજોએ ખાલસા કર્યા હતા તેમની સત્તા પાછી મેળવવાની લડાઈ માત્ર હતી? ૧૮૫૭નાં વિપ્લવવાદીઓને બહાદુર ગણાતાં શીખોનો સાથ જરાય નહોતો મળ્યો. ઉલટાની એ લોકોએ અંગ્રેજ ફોજોને મદદ કરેલી. ખાબોચીયાઓમાં વહેંચાયેલા રાજાઓ ઉદાસીન રહ્યા. રોટી અને કમળ વહેંચીને પ્રજાને જાગૃત કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.  સદીઓથી સુસ્ત રહેલી પ્રજાને જગાડવી બહુ મુશ્કેલ કામ છે. કાલ્પનિક પરલોકની ચિંતામાં આ પ્રજા એટલી બધી ગરકાવ થઈ ગઈ છે કે આ લોકમાં જે થવું હોય તે થાય આપણે શું એવો રવૈયો લોહીમાં વણાઈ ગયો છે. ગુજરાતમાં આ વિપ્લવની અસર નહિવત્ હતી. જે અસર હતી તે મધ્ય ભારતમાં હતી. વડોદરાના ખંડેરાવ  જેવા અનેક રાજાઓએ નાનાસાહેબ પેશ્વા આણી મંડળીને સાથ નાં આપ્યો. કૌવત વગરના રાજા-પ્રજાના સૈન્ય શિસ્તબદ્ધ હોશિયાર અંગ્રેજોમાં સામે હારી ગયા.

 

આઝાદીની લડત સમયે આખા દેશને જગાડવાનો પ્રયત્ન  જરૂર થયો હતો, પણ એ કોઈ ફ્રેંચ રેવોલ્યુશન જેવી મહાન ક્રાંતિ હતી કે જેણે આખા યુરોપને ઝકઝોળી નાખ્યો હતો? કે ખાલી સત્તાપરિવર્તન હતું? વિદેશી લુટારાઓના હાથમાંથી દેશી લુટારાઓના હાથમાં થયેલું સત્તાપરિવર્તન માત્ર હતું?  પ્રૉબ્લેમ એ હતો કે તે સમયે શસ્ત્ર અહિંસાનું અપનાવેલું હતું. સર્વાઈવલ માટે લડવું એને હિંસા ના કહેવાય. ૨૦૦ મિલિયન(૨૦૦૦ લાખ) વર્ષથી મેમલ સર્વાઈવલ માટે લડતા આવ્યા છે. નૉર્મલ હિંસા કરતા આવ્યા છે. સર્વાઈવલ માટે નૉર્મલ હિંસા આપણા જિન્સમાં સમાયેલી છે. એક નાના નોળિયો(મંગૂસ) સિંહ સામે થઈ જતો હોય છે જીવ પર આવી જાય ત્યારે. સશસ્ત્ર અને હિંસક ક્રાંતિ કરવી હોય તો પુષ્કળ ધન, સશ્ત્રો, પુરવઠો જોઈએ. સાથે સાથે જબરદસ્ત યુદ્ધ કૌશલ ધરાવનારા સેનાપતિઓ અને પૂરતું આયોજન જોઈએ. જે આપણી શક્તિ બહારનું હતું. ધાર્મિક અતિરેકે યોદ્ધાઓની ખેતી ભારતમાં લગભગ બંધ જેવી હતી. જ્યાં સુધી આઝાદીની લડત ચાલતી રહી પ્રજાના અવચેતનમાં હિંસા જમા થતી રહી. અંગ્રેજો સામે હિંસા કરી હોત તો તે નૉર્મલ હતું. તમને કોઈ લાઠી મારે તો ભલે અહિંસાનું વ્રત લીધું હોય મારનાર ઉપર ક્રોધ તો ચડે જ છે. અને આ સમાચાર જાણી એમાં પ્રત્યક્ષ ભાગ ના લેનારાને પણ મારનારા પર ક્રોધ ચડે જ છે.  ૧૦ લાખ ભારતીય હિંદુ મુસ્લિમ અંગ્રેજો સામે લડ્યા હોત…મર્યા હોત તો દેશ આજે જુદો હોત. બસ આઝાદી મળી ગઈ અને હિંસા ભડકી ઊઠી. એને શરુ થતા ગાંધીજી પણ રોકી શક્યા નહિ. છેવટે ધર્મ આડે આવી જ ગયો. ધર્મના નામે દુનિયાના સૌથી મોટા પડેલા ભાગલા અને હત્યાઓ એટલે ભારતની આઝાદીનું પરિણામ..  ૧૦ લાખનું બલિદાન લીધા પછી હિંસાનો અગ્નિ બુઝાયો.

ઘેટાના ટોળાં હિંસા કરી શકે ક્રાંતિ નહિ. આપણી સહિષ્ણુતા મજબૂરી છે. આપણે કમજોર છીએ માટે સહનશીલ છીએ, સમજદાર છીએ, સાલસ અને સરળ છીએ. આપણે કમજોર છીએ માટે અહિંસક છીએ. રાજકર્તાનો ટેકો મળે તો આપણે હિંસક બનતા વાર કરીએ તેવા નથી. આપણે બિનસાંપ્રદાયિકતાનાં ગીતો ગાઈએ છીએ કેમકે આપણે ડરપોક છીએ. આપણે સાંપ્રદાયિક છીએ કેમકે આપણે કમજોરી મહેસુસ કરીએ છીએ. બાંગ્લાદેશીઓ ગેરકાયદે ભારતમાં ધમાલ મચાવે છે પણ આપણે વખોડી શકતા નથી. એ સમયે આપણી ડરપોક બિનસાંપ્રદાયિકતા ચુપ રહેવાનું મુનાસિબ સમજે છે. મોદીના ઝનૂની ભક્તો અને ઝનૂની વિરોધીઓ જરા તમારી અંદર ટટોળી જુઓ તો પેલો ડર તો અંદર નથી બેઠો ને?

 

અવતારવાદની થીયરીએ એક જબરદસ્ત ભ્રમ ઊભો કરી નાખ્યો છે.  એક ભ્રમ દૂર કરવા એનાથી મોટો ભ્રમ પાળવો મને તો યોગ્ય લાગતું નથી. પ્લસીબો અસલી દવાની જગ્યા ક્યારેય ના લઈ શકે. હંગામી રાહત કે દિલાસો જરૂર આપે.   વિધાતા પર વિશ્વાસ રાખો, ઈશ્વર પર શ્રદ્ધા રાખો, ભજન કરો, આરતી ઉતારો, દુખ સારું, સુખમાં છકી જવાય, દુઃખમાં પ્રભુ સાંભરે માટે દુખ સારું, ગયા જનમના કર્મ ભોગવીએ છીએ માટે ચુપચાપ સહન કરો આવતા જન્મે સુખ જ સુખ છે. ગેસનો બાટલો ૬૦ રૂપિયાથી ક્રમશઃ ૪૦૦ રૂપિયા પહોચી જાય, નો પ્રૉબ્લેમ. આપણે તો  સહનશીલ  કહેવાઈએ. સહન કરવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે તેનો કોઈ ઉપાય નથી. ભૂખ્યાજનો ક્રાંતિ કરી શકે નહિ. એમને ખાવાની પડી હોય છે સુધારાની નહિ. પેટમાં અન્ન  ના પડ્યું હોય તો બ્રેઈન બંધ થઈ જતું હોય છે. મહાવીર અને બુદ્ધે વૈચારિક ક્રાંતિ કરી હતી. ધરાયેલા લોકો હતા.  ખુદ ગાંધીજી જેવા અપરિગ્રહી માણસને પણ બિરલા જેવા સાથ આપતા હતા. અનેક નામી અનામી લોકો ફંડ આપતા હતા. અમુક રાજામહારાજાઓ પણ ખાનગીમાં ફંડ આપતા હતા. ગોંડલનાં મહારાજા ભગવતસિંહ ગુપ્ત રીતે ગાંધીજીને મદદ કરતા હતા તેવું વાંચેલું છે.  ૧૮૫૭નો બળવો કોણે કરેલો? ..સાધન સંપન્ન પેશ્વા અને ઝાંસીની રાણી જેવા લોકોએ કરેલો. દુર્ભાગ્યે સફળ ના થયા. આઝાદીની ચળવળ શરુ કરનારા કોણ હતા? લગભગ મોટાભાગના બૅરિસ્ટર અને વકીલો હતા, બુદ્ધિજીવી હતા, ચિંતકો હતા. એમાય આજના જમાનામાં તો ગરીબનું કામ જ નથી કે કશું નવું સુધારાનું કામ કરી શકે.

 

બુદ્ધિજીવી, ભણેલા ગણેલા લોકોએ રાજકારણમાં રસ લેવો જ પડશે. પ્રજાએ પણ આવા લોકોને ચૂંટણી લડવા મજબૂર કરવા પડશે. એક તો પહેલા ઘરડા ગાડાં વાળે તે કહેવત કોરાણે મૂકી દેવી પડશે. યુવાન લોકોને સત્તા સોંપવી પડશે. ઉંમર વધતા પુરુષના શરીરમાંથી testosterone લેવલ નીચું જવા માંડતું હોય છે. લગભગ ૪૨ વર્ષ પછી આ મર્દાનગી હોર્મોન્સ ઓછું થવા લાગતું હોય છે. માણસ સ્વભાવે ઢીલો પડતો જાય છે. આક્રમકતા માટે જવાબદાર આ હોર્મોન ઓછું થવાથી સખત નિર્ણય લેવામાં માણસ નબળો પડે છે. સત્તાધીશોએ મોટાભાગે આકરાં નિર્ણય લેવા જ પડતા હોય છે. આપણી કબરમાં પગ લટકાવી બેઠેલી નેતાગીરી પછી કઈ રીતે કસાબને ફાંસી આપી શકે? ઘરડા માણસને બધાને ખુશ રાખવાની પડી હોય છે. રાજીવ ગાંધી સિવાય ભારતે ક્યારેય યુવાન વડોપ્રધાન જોયો નથી. અને યુવાન રાષ્ટ્રપતિ તો જોયો જ નથી. ઘડપણ માણસને નાહિંમત બનાવી દેતું હોય છે.  એક વર્લ્ડ  ટ્રેડ  સેન્ટર અને એમાં માર્યા ગયેલા લોકોનું તર્પણ કરવા અમેરિકા આખા અફઘાનિસ્તાનને ધમરોળી નાખે છે. ઓબામા લાદેનને પારકા પ્રદેશમાંથી ઊચકી લેવડાવે છે. આપણી બીમાર વૃદ્ધ નેતાગીરી ખંધાર જઈને માનવતાના શત્રુઓને સામે ચાલીને મૂકી આવવામાં ગર્વ અનુભવે છે. એ પ્લેઇનમાં  માર્યા ગયેલા જસ્ટ મેરીડ યુવાનની વિધવાને મળવાનું સૌજન્ય આપણો  સરખું ચાલી ના શકતો વડોપ્રધાન દાખવી શકતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં એક  કહેવત છે મોઢું વાઘનું અને પૂંઠ શિયાળની. એ યુવાન વિધવાને મળવાનું સૌજન્ય દાખવે છે બીલ ક્લીન્ટન. વડાપ્રધાન માટે ૩૫ થી ૫૮ વર્ષની ઉંમરનો નિયમ રાખવો જોઈએ. જે માણસ ઝડપથી ચાલી શકતો ના હોય તે ઝડપથી શું નિર્ણય લેવાનો હતો? પુરુષની જેમ ઉંમર વધતી જાય તેમ testosterone ઓછું થતું જાય સાથે સાથે સ્ત્રૈણ હાર્મોન્સનું જોર વધતું જતું  હોય છે.  રાજાના માથે એક સફેદ વાળ દેખાય અને યુવરાજને ગાદી સોંપી દેતા. એ રિવાજ ખોટો નહોતો.

 

સંભવામિ યુગે યુગે નિત્ય ગાયા કરતી પ્રજા પાસેથી તમે ક્રાંતિની આશા કઈ રીતે રાખી શકો?

ઓરલ સેક્સ વિષે કડવું સત્ય.

Oral  sex  વિષે કોઈ અજાણ્યું હોય તેવું આજે સંભવ નથી. ગુજરાતીમાં મુખમૈથુન કહેવાય. છાપાંમાં સેક્સ વિશેની કોલમોમાં એની ચર્ચા ખૂબ થતી હોય છે. ડો પ્રકાશ કોઠારી જેવા સેક્સોલોજીસ્ટ કહેશે જાતીય અંગોની સ્વચ્છતાનું ધોરણ સાચવી ઓરલ સેક્સ કરો તો કશું વાંધાજનક નથી. એક ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટને કોઈએ સવાલ કર્યો કે ઓરલ સેક્સ ચાલુ કોણે કર્યું હશે? એમણે ચિમ્પાન્ઝીના પિતરાઈ બોનોબોનો એક ઓરલ સેક્સ કરતો ફોટો જ મૂકી દીધો. માળાં હારા વાંદરા એ ઓછા નથી!!

ખાજુરાહોનાં ભવ્ય મંદિરોના શિલ્પોમાં મુખમૈથુન દર્શાવતી પ્રતિમાઓ જાણીતી છે. ઓરલ સેક્સ વાજબી છે કે નહિ તેની ચર્ચા આપણે ડોક્ટર્સ અને સંતો ઉપર છોડી દઈએ.  સ્વામી સચ્ચિદાનંદનું એક વ્યક્તવ્ય વાંચ્યાનું યાદ આવે છે. મળમૂત્ર વિસર્જન કરતા અંગો હોય ત્યાં બેક્ટેરિયા વધુ પ્રમાણમાં હોવાના, ત્યાં મોઢાં ઘાલવા એમની(સ્વામીજી) બુદ્ધિમાં ઊતરતું નહોતું, અસ્વાભાવિક લાગે. મને એ વાંચીને તે સમયે ખૂબ હસવું આવેલું. ખાજુરાહોની ઓરલ સેક્સ દર્શાવતી પ્રતિમાઓનું સમર્થન કરનારાઓના કમનસીબે સ્વામીજીની વાત નવા અભ્યાસ મુજબ સાચી પડી રહી છે.

Reverend Bryan Fischer, અમેરિકાના એક જબરાં રેડિયો કૉમેન્ટેટર છે. જોકે એમની નામના ધર્મ અને સંસ્કૃતિના રખેવાળોના વહાલા તરીકેની છે. સજાતીય લગ્નો વિરુદ્ધ સખત ફટકાબાજી કરવા માટે જાણીતા છે. એબોર્શન, નેશનલ હેલ્થકેર, સજાતીય લગ્નો, ગે એડોપ્શન બધાનો સખત વિરોધ કરતા હોય છે. હમણાં તેમણે ડેમોક્રેટ્સ અને ઓરલ સેક્સ ઉપર જબરદસ્ત હુમલો કર્યો. એમના રેડીઓ શોમાં એમણે બે દાવા કર્યા કે ઓરલ સેકસના લીધે અમેરિકામાં head -neck કેન્સરમાં નાટકીય વધારો નોંધાયો છે અને બીજું એમાં બીલ ક્લીન્ટન મુખ્ય ગુનેગાર છે. હહાહાહાં બિચારાં ક્લીન્ટન? મોનીકાનું ભૂત હજુ ધૂણે છે.

Reverend Fischer કહે છે ઓરલ સેક્સ તમારી તંદુરસ્તી માટે હાનિકારક છે. કમનસીબે તેઓ સાચા છે. Throat -mouth કેન્સર વધી રહ્યા છે, દર વર્ષે ૩૫,૦૦૦ નવા કેસ નોંધાય છે. multiple oral sex પાર્ટનર ધરાવનારાઓમાં ગળા અને મુખના કેન્સર વધી રહ્યા છે તેવું ૨૦૦૭ નો એક અભ્યાસ કહે છે. એક બીજો અભ્યાસ જણાવે છે કે oral સેક્સ અને open-mouth kissing, human papillomavirus ને એકબીજામાં ફેલાઈ જવા માટે સગવડ વધારે છે. અભ્યાસ મુજબ ૧૪-૬૯ ઉંમર ધરાવતા ૭ % લોકો oral HPV વડે સંક્રમિત જોવા મળ્યા છે. ઓરલ સેક્સની પોપ્યુલારીટી વધતા અને ખાસ કરીને યુવાન લોકોમાં, ડોક્ટર્સને ત્યાં જાતીય અંગો સ્થિત cold sore herpes જતાવતાં દર્દીઓની સંખ્યા વધવા લાગી. ૧૯૯૩મા (ક્લીન્ટન પ્રમુખ બન્યા) University of Wisconsin માં ૩૧% વિદ્યાર્થીઓ genital sores herpes વડે પીડાતા હતા, ૨૦૦૧મા (ક્લીન્ટને ગાદી છોડી) ૭૮% વિદ્યાર્થીઓ આ ભયાનક રોગ વડે પીડાતા નોંધાયા. જોકે અને દુઃખદ અકસ્માત ગણી શકાય.

google Ngram Viewer મુજબ  જાણવા મળ્યું છે કે અમેરિકામાં ઓરલ સેક્સનું પ્રમાણ બીલ ક્લીન્ટન મોનિકાને મળ્યા તે પહેલા ત્રણ દાયકાથી વધ્યું છે. એટલે એવું કહી શકાય કે ત્રણ દાયકાથી અમેરિકામાં જે મુખમૈથુન વધતા ગયા હતા એના ચક્કરમાં ક્લીન્ટન પણ આવી ગયા, નહિ કે ક્લીન્ટનને કારણે ઓરલ સેક્સમાં વધારો થયો.

હા તો મિત્રો હવે ઓરલ સેક્સ કરવું કે નહિ તમારે જાતે વિચારવાનું છે.

નેતૃત્વ, સડેલી સત્તા, સેક્સ અને ત્રાસવાદ.

Deutsch: Sigmund Freud, Begründer der Psychoan...
Image via Wikipedia

નેતૃત્વ, સડેલી સત્તા, સેક્સ અને ત્રાસવાદ.

 કિંગ જ્યોર્જ ત્રીજાએ એના અમેરિકન ચિત્રકાર બેન્જામીન વેસ્ટને પૂછ્યું કે આ જ્યોર્જ વોશિંગટન  અમેરિકાની સ્વતંત્રતાની લડાઈ માનો કે જીતી જાય પછી શું કરશે? વેસ્ટે જવાબ આપ્યો કે “He will return to his farm.” બ્રિટનનો શહેનશાહ આશ્ચર્ય સાથે પોકારી ઊઠ્યો કે જો તે આવું કરશે તો દુનિયાનો સૌથી મહાન પુરુષ હશે. ડિસેમ્બર ૨૩, ૧૭૮૩ જ્યોર્જ વોશીન્ગ્ટન માઉન્ટ વેરનોન તરફ રવાના થઈ ગયા. એમની લડાઈમાં સાથ આપનારા ઘણા બધાએ એમને સત્તા ઉપર રહેવા જણાવ્યું, અને અમેરિકાના રાજા બનાવવા પણ તૈયાર થઈ ગયા હતા. સ્વતંત્રતા મળી ચૂકી હતી, હેતુ પૂર્ણ થઈ ચૂકયો હતો. ૧૩ વર્ષ પછી ફરી એમણે આ વાત દોહરાવી હતી. ૧૭૮૭મા એમને ફીલાડેલ્ફીયામાં ભરાનારા કોનસ્ટીટ્યુશનલ કન્વેન્શનમાં હાજરી આપવા મનાવી લેવાયા. નવું બંધારણ ઘડવાનું હતું. ૧૭૮૯મા તેઓ અમેરિકાના પહેલા પ્રમુખ તરીકે ચૂંટાયા. ૧૭૯૨મા ફરી પ્રમુખ બન્યા. ત્રીજી વાર એમણે પ્રમુખ બનવાનું નકાર્યું અને એમના ખેતરો તરફ પાછાં વળી ગયા. અબ્રાહમ લિંકન કહેતા કે તમારે કોઈ માણસના ચારિત્ર્યની પરીક્ષા કરવી હોય તો એને સત્તા આપી જુઓ, પાવર આપી જુવો. બે વાર જ્યોર્જ વોશિંગટન સત્તા અને વર્ચસ્વ છોડીને મહાન પુરુષોની હરોળમાં આજે પણ અડીખમ ઉભા છે.
    મહાત્મા ગાંધીજીએ પણ આજ કર્યું હતું. ફરક એટલો છે કે વોશિંગટને જરૂર પડે સત્તા સંભાળી, દેશને સ્થિર કર્યો અને પાછાં વળી ગયા. સફળ નેતૃત્વના આ બે અજોડ દાખલા છે. નેતૃત્વ અને સત્તાનો ફરક અહીં દેખાય છે?
         ૧૭૯૯મા વોશિંગટન મૃત્યુ પામ્યા, જે વર્ષે નેપોલિયન બોર્નાપાર્ટ ફ્રાન્સના શહેનશાહ બન્યા. સત્તા મેળવવાનું પાગલપન એમને આખા યુરોપ ઉપર ચડાઈ કરવા પ્રેરી ગયું. તે કહેતા કે “Power is my mistress .” કોઈ એને મારી પાસેથી છીનવી નહિ શકે. પછીનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. સત્તાનો દુરુપયોગ ખાલી રાજકારણીઓ કે વિજેતાઓ કરતા હોય છે તેવું પણ નથી, સત્તાનો દુરુપયોગ મેનેજર્સ, પતિપત્ની, માતાપિતા સાથે લિસ્ટ ઘણું લાંબું બનશે. નેતૃત્વ ટકાવી રાખવાની લાલચ આ દુરુપયોગ કરાવતી હોય છે. સત્તા મેળવવાની લાલચ ભ્રષ્ટ બનાવતી હોય છે. ક્યારેક લઘુતાગ્રંથિનું પરિણામ પણ હોય છે. આને નેપોલિયન કૉમ્પ્લેક્સ પણ કહેતા હોય છે, જે કોઈને કોઈના ઉપર કંટ્રોલ કરવા માટે દોરતો હોય છે, આજે એને Control Freak કહેતા હોય છે. થોમસ જેફરસન કહેતા કે સાચા નેતાને એના સાથી નાગરિકો ઉપર સત્તાની કસરત કરવામાં આનંદ આવતો નથી. સાચા નેતાનું એક લક્ષ્ય હોય છે. પોતાના વિષે ઉંચો ખ્યાલ અને આત્મવિશ્વાસ ધરાવતો સાચો નેતા પોતાના સ્વાર્થ માટે બીજાને હાની પહોચાડતો નથી. સાચા નેતાનું લક્ષ્ય એના સમૂહનું લક્ષ્ય હોય છે, ભલે પછી સમૂહ કંપની હોય, જ્ઞાતિનું મંડળ કે પછી  દેશ હોય. જો તમને નેતા બનવાની ઇચ્છા જાગી હોય તો પહેલા ચકાસી લો કે તમારે કોઈ ધ્યેય હાંસિલ કરવું છે જે તમારા સમૂહનું હોય કે ખાલી પાવર અને પોજીશન જોઈએ છે?
    સત્તા, પાવર અને પોજીશન સાથે સેક્સનું કનેક્શન આપણે જાણીએ છીએ કે સહજ છે. ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન આનો જવાબ આપી ચૂક્યું છે. સમાજના આધાર સ્તંભ ગણાતા લોકો સેક્સ સ્કેન્ડલમાં કેમ સપડાતા હશે? સત્તા, સેક્સ અને પૈસા આ ત્રણનું ગઠબંધન અજબ છે. અમેરિકાના રાજકારણમાં જુઓ. Congressmen Weiner, Gingrich, અને  Foley, Senators Edwards, Vitter, Ensign, અને  Craig, Governors Sanford, Spitzer, Blagojevich, અને  Schwarzenegger આતો થોડા નમૂના છે.  Wall Street તપાસો Bernie Madoff અને  Ken Lay, Arthur Anderson, Dominque Strauss-Kahn , Hollywood તપાસો  Mel Gibson, Charlie Sheen, OJ Simpson, Jesse James. ખેલ જગતમાં ટાઈગર વુડ અને ભારતના દાખલા આપણે જાણીએ છીએ.
    જે લોકો પબ્લિક ફિગર હોય છે તેને અહં પ્રેમી બનવું  કે આત્મશ્લાઘામાં રાચવું પોસાય નહિ. છતાં આવી પ્રસિદ્ધ વ્યક્તિઓ Narcissistic mindset ડેવલપ કરી લેતા હોય છે. એક તો પબ્લિક ફિગર બનવું એટલે કોઈનું ધ્યાન એમની તરફ સતત ખેંચાય તેવી ઇચ્છા હોય. એકવાર પબ્લિક ફિગર બની ગયા પછી લોકોથી બચવા નોકરચાકર અને રક્ષકો વડે ઘેરાયેલા રહેવું. આમ narcissistic bubble માં ઘૂસી ગયા. બીજું રોજંદા લાઇફના તણાવમાંથી મુક્ત, તે કામ બીજા નોકર વર્ગ કરી લે. ત્રીજું મીડીયાનું સતત એમની તરફ ધ્યાન. મીડિયા આખો દિવસ એમની પાછળ લાગેલું હોય. એટલે એવું લાગે કે હું ખૂબ મહત્વનો છું. ચોથું ખુશામત કરનારાઓનો પાર રહે નહિ. પાંચમું સફળ સેલીબ્રીટી, ખેલાડીઓ, અને રાજકારણીઓ ખૂબ ધન રળતા હોય છે. અને પૈસા વડે કશું પણ અને ક્યારે પણ ખરીદી શકાય છે. આમ સત્તા બને ભ્રષ્ટ અને પછી સેક્સ સ્કેન્ડલ શરુ.
  ઓસ્કાર વિનર ફિલ્મ ડાયરેક્ટર Roman Polanski  આજે ૭૬ વર્ષનો છે, ત્રીસ વર્ષ પહેલા ૧૩ વર્ષની મોડેલ પર રેપ કરેલો તે  બદલ પકડાયો હતો. ૬૮ વર્ષનો લેજન્ડરી રોક મ્યુઝિક પ્રોડ્યૂસર Phil Spector, Lana Clarkson નામની અભિનેત્રીનું ખૂન કરવાનાં ગુનામાં સપડાયો હતો.
    સત્તા જ્યારે ભ્રષ્ટ બને ભલે પછી ઘરમાં હોય, બહાર હોય કે ગામ કે દેશમાં હોય સરમુખત્યારશાહી આવે ત્રાસવાદ ઊભો થવાનો અને ઘરેલું હિંસા પણ ઊભી થવાની. ગ્લોબલ ટેરરીઝમ એટલે ડોમેસ્ટિક વાયોલન્સનો મોટો પ્રકાર. ત્રાસવાદીઓ લોકોને એવી રીતે જ ત્રાસ આપતા હોય છે જેમ કે ઘરમાં કોઈ હિંસક પતિ એની પત્ની કે બાળકો પર જુલમ કરતો હોય. રાજકીય જેહાદીઓની ત્રાસ આપવાની મેન્ટાલીટી નિર્દોષ લોકોના ખૂન કરાવતી જોવા મળે છે. ડિક્ટેટર વળી એના દેશના નાગરિકો ઉપર ત્રાસ વર્તાવતો હોય છે. મૂળ એમનો હેતુ બીજા લોકો પર કંટ્રોલ કરવાનો હોય છે. એમના રસ્તા સાચા અને એમનું નિશાના પર હોય તેનો રસ્તો ખોટો છે તેવું માનતા હોય છે. ધીમે ધીમે ફીજીકલી હિંસા ઉપર ઊતરી આવવું. અને પછી હત્યા ઉપર આવી જવું.  આવી માનસિકતા બચપણથી શરુ થઈ જતી હોય છે. એક તો ઘરમાં હિંસાનું વાતાવરણ હોય. માતાપિતા દ્વારા બાળકો ઉપર ત્રાસ થતો હોય. બાળકો જે પીડા ભોગવી હોય તે પીડા બીજાને આપવાનું શીખતા હોય છે. ત્રાસ વેઠનાર ભવિષ્યમાં ત્રાસ આપનાર બની જતો હોય છે. ઘરમાં રોજ જે દેખાતું હોય તે નૉર્મલ છે તેવું જણાતું હોય છે. પતિ રોજ પત્નીને ઝૂડતો હોય તો રોજ જોનારા બાળકોને આ ઘટના સહજ લગાવી સંભવ છે.
   પાકિસ્તાન, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં ઘરેલું હિંસા સામે કોઈ સખત કાયદા છે નહિ. ધાર્મિક સ્કૂલમાં જિહાદના નામે હિંસા શીખવતી હોય છે. ઘરમાં પ્રેમ, સહકાર, વિશ્વાસ અને અહિંસાનું વાતાવરણ હોય તો બાળકો પણ એજ શીખશે. સેક્સ અને પાવર હિસ્ટેરીયા અને ટેરરીઝમનાં મૂળ છે.
   વિક્ટોરિયન યુગમાં બ્રિટનમાં ખૂબ મર્યાદા પાલવમાં આવતી. સ્ત્રીઓને ખાલી વસ્તુ કે રમકડું સમજવામાં આવતી. સ્ત્રીઓ પાસે ખાસ લીગલ પ્રૉપર્ટી રાઈટ્સ હતા નહિ. સ્ત્રીઓને માનવ નહિ પણ સુંદર ડ્રેસમાં સજ્જ ઢીંગલી વધુ ગણવામાં આવતી. સ્ત્રીઓને થોડું આપો, ક્યારેક જ આપો અને પરાણે આપો. બસ અહીં હિસ્ટેરીયા શરુ થયો. Sigmund Freud આના ઇલાજ માટે એક નવી ટેક્નિક શોધી કાઢેલી “talking cure” .બચપણમાં વેઠેલી પીડાઓ વાતો કરીને બહાર કાઢવી. જે સ્ત્રીઓએ બચપણમાં જાતીય સતામણી ભોગવી હોય તેને એક તો પાવરલેસનેસ વર્તાય અને બીજું પોતે સાવ નિર્બળ છે નાજુક છે તેવું અનુભવતી હોય છે. એનાથી સેક્સ પ્રત્યે પ્રતિકૂળ વલણ પેદા થાય અથવા સેક્સ પ્રત્યે વધારે પડતું ધ્યાન પેદા થાય. હવે છોકરાઓમાં જો બચપણમાં જાતીય સતામણી ભોગવી હોય તો આખી જીંદગી ક્રોધ મનમાં રહે, અને સત્તાધારી સામે એક બદલો લેવાની ભાવના પેદા થાય. અને એવું નક્કી કરવા માંગતા હોય જાણે કે તેઓ પણ ડોમિનન્ટ બની શકે છે. ઇસ્લામિક દેશોમાં સ્ત્રીઓનું સ્ટેટ્સ નીચું છે. બચપણમાં જાતીય સતામણીનો ભોગ છોકરા છોકરી બંને બનતા હોય છે અને જાતીય આનંદને દબાવી રાખવાનું વલણ આ બધું ભેગું થઈને ત્રાસવાદનાં વૃક્ષ માટે ફળદ્રુપ જમીન છે. સ્ત્રીઓને મારવાનું સહજ છે, કોઈ સવાલ ના જોઈએ. વેસ્ટર્ન વર્લ્ડમાં ક્રાઇમ અને પીડોફીલીયા કહેવાય છે ત્યાં પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાં કોઈ ગણકારતું પણ નથી.
 Dr. Tawfik Hamid નામના એક ડોકટરે બે પુસ્તકો લખ્યા છે  The Roots of Jihad and Inside Jihad  તેઓ ઈજીપ્તમાં મેડિકલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે ટેરરીસ્ટ ઑર્ગનિઝેશન સાથે જોડાયેલા હતા. આજે તેઓ ઇસ્લામિક સ્કોલર તરીકે વોશિંગટનમાં ટેરરીઝમ પોલિસી કન્સલટન્ટ  છે. ટેરરીસ્ટ મુવમેન્ટ માટે કઈ રીતે યુવાનોને કન્વીન્સ કરવામાં આવે છે તે તેઓએ જાતે અનુભવેલું છે. ઍક્સ્ટ્રીમ સેકસુઅલ ફ્રસ્ટ્રેશન ભોગવતા યુવાનો જલદી શિકાર બની જતા હોય છે. એક તો લગ્ન વગર સેક્સ ભોગવવા નાં મળે અને આર્થિક અસમર્થ ૪૦ વર્ષ સુધી લગ્ન થયા ના હોય. મૃત્યુ પછી ૭૨ સુંદર કુંવારી છોકરીઓ એમની રાહ જોતી હોય.
    Dr. Tawfik Hamid શું લખે છે,  “The over-stimulated sexual desires of young Muslims … the hopelessness in soon having a marital relationship, and dreams of beautiful women waiting in paradise engender frustration, anxiety and anger. These factors encourage young Muslims to join radical Islamic groups where they then become steeped in terrorist Islamic beliefs such as committing suicidal attacks on infidels to go immediately to paradise as martyrs so they can enjoy the beautiful ladies there, especially the 72 virgins.” (pages 54-56, The Roots of Jihad)
    આમ કરપ્ટ સત્તા, પાવર અને પૈસો સેક્સ તરફ ઢસડી જાય છે અને વિકૃત સેક્સ ત્રાસવાદ તરફ ઢસડી જાય છે.  બ્રેઈન પાછલાં અનુભવોનું ભવિષ્યની યોજનામાં નિરૂપણ કરતું હોય છે. એક ઉંદરને ખોટા રસ્તે પનીરનો ટુકડો લેવા જતા કરન્ટ આપીએ તો તે શીખી જાય છે કે હવે તે રસ્તે જવું નહિ. નેતાઓ પણ આવી રીતે શીખી શકે છે કે જો કાયદો તોડીશું તો મુશ્કેલીમાં મુકાઈ જાશું.
“Absolute power corrupts absolutely.”

Beta mammal વ્યથા, મનોવ્યથા.(Hard Truths About Human Nature).

Beta mammal વ્યથા, મનોવ્યથા.(Hard Truths About Human Nature).
       એક માર્ગદર્શક આપણને સીડી ચડવા માટે મદદ કરે ત્યાં સુધી તો સારું છે, પણ તે ફક્ત સમર્થક કે અનુયાયી જ ઇચ્છતો હોય અને તમારું કોઈ વજૂદ રહેવા દેવું ના હોય તો?
    દરેક વાનર અને એપ્સ સમૂહનો એક ઍલ્ફા નેતા હોય છે અને તેના સમર્થક તરીકે એક અથવા બે beta નર હોય છે. આમ beta ટ્રૂપનો બીજા નંબરનો ઍલ્ફા પણ કહી શકાય. મૅમલ સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલા છે, અને સમૂહનો એક નેતા હોય. ઍલ્ફાને પણ આખા સમૂહને કંટ્રોલ કરવા એક બે બીજા નરની જરૂર પડતી હોય છે. પ્રાણીઓમાં ઍલ્ફા બનવું શક્તિ પ્રદર્શન અને આક્રમક વલણ દાખવ્યા વગર શક્ય નથી હોતું. પણ માનવ પાસે સરસ વિચારવંત બ્રેન હોય છે જેથી તે ઍલ્ફા બનવા ખાલી શક્તિ પ્રદર્શનને બદલે જુદી જુદી રીતે પણ અપનાવે છે. વાનર અને ચિમ્પૅન્ઝી સમૂહના beta નર હાઈએસ્ટ સ્ટ્રેસ લેવલ વેઠતાં હોય છે તેવું વૈજ્ઞાનિકોનું  સંશોધન કહે છે. આ બીજા નંબરનો નેતા સૌથી વધુ તણાવ અનુભવતો ટોચનો એકલવાયો હોય છે અને સમૂહના બીજા સભ્યો ઉપર કઠોર વર્તન દાખવતો હોય છે. કેમ?
   Beta વાનર કે ચિમ્પૅન્ઝી માટે સૌથી વધુ મેળવવાનું હોય છે અને સૌથી વધુ ગુમાવવાનું પણ હોય છે. ઍલ્ફાનું પદ હાથવેંતમાં હોય છે. અને તે ના મળતા સૌથી વધુ તણાવયુક્ત પણ હોય છે. આપણે બહુ ઊંચા પદ માટે ઠેકડા ના મારીએ તો બહુ ગુમાવવાનું પણ બહુ હોતું નથી.  beta વાનર ઍલ્ફાની નજદીક રહેવા ખૂબ મહેનત કરતા હોય છે, અને ઘણીવાર કોઈ મોટો રિવૉર્ડ મેળવ્યા વગર બધું જ ગુમાવી પણ બેસતા હોય છે. ઍલ્ફા તમારો ઉપયોગ કરવા માંગતો હોય છે, એના સમર્થક ના રહો તો તે તમારું સર્વસ્વ છીનવી લેતો હોય છે. જેના માટે અને જેના વિકાસ માટે તથા તેના ટોચ પર બની રહે તે માટે સખત મહેનત કરી હોય તે તમારું સામાજિક જીવન બરબાદ કરી શકે છે. ઍલ્ફાને હંમેશા ડર લાગતો હોય છે કે નંબર ટુ એનું સ્થાન પડાવી લેશે.
    માનવ પહેલા નાનો સમૂહ બનાવીને રહેતો હશે. એનો એક નેતા રહેતો હશે. પછી કોઈ બળવાન સમૂહ નેતા બીજા સમૂહ પર આક્રમણ કરીને બીજા સમૂહ કાબૂ કરી લેતો હશે. આમ મોનાર્કી અસ્તિત્વમાં આવી. આમ રાજાશાહીમાં રાજા ઍલ્ફા નેતા બન્યો, અને એને મદદકર્તા મંત્રી કે સેનાપતિ કે નાનોભાઈ કે બીજા સમર્થક બીજા નંબરના નેતા બન્યા. રાજાને સતત ચિંતા રહેતી હશે કે બે નંબર એનું સ્થાન પડાવી ના લે. દરેક ઍલ્ફા માટે એના જિન્સ સર્વાઇવ થાય તે મહત્વનું હોય છે. એના સંતાનને કોઈ તકલીફ વગર ઍલ્ફાનું સ્થાન મળી જાય તો કેવું સારું?
    આમ રાજાશાહી પવિત્ર, રાજવંશ પવિત્ર, રાજા ભગવાન એવું ઠસાવી દેવાયું. આમ પેઢી દર પેઢી વારસો રાજા બને જાય. પ્રૉબ્લેમ એ થાય કે રાજાને એક સંતાન તો હોય નહિ અને રાજા તો એક જ બને. પહેલા અને સૌથી મોટા સંતાનને રાજા બનાવવાનું રિવાજથી નક્કી કરાયું. આમ ઘણીવાર બીજા સંતાનો ક્યારેક મંત્રી, ક્યારેક સેનાપતિ બનતા. અથવા નાની નાની જાગીરી  વારસામાં મળી હોય તેને બાહુબળે વધારી વળી અલગથી રાજા બની શકાય. અથવા તો બીજા વારસદારોને મારી ને રાજા બની જવાય, અને કોઈ વાર ખુદ રાજા જે પિતા પણ હોય છે તેની પણ હત્યા કરવામાં આવતી. આપણે મુઘલ બાદશાહોનો ઇતિહાસ જાણીએ છીએ. રાજાને વળી  અનેક રાણીઓ હોય. આમ રાણીઓ પણ પોતપોતાના સંતાન રાજા બને તેવી યોજનાઓ આગોતરી કરવા લાગતી. સૌથી મોટા બાળ કુંવર માટે જીવનું હંમેશા જાનનું ખૂબ મોટું જોખમ રહેતું.
    ઇતિહાસ ગવાહ છે કે કેટલાય સેનાપતિ ખુદ રાજા બની ગયા હતા. મંત્રી પણ રાજા બની જતા. શાહજીનું સ્થાન બીજા નંબરનું રહેતું જે શિવાજીની પસંદગીનું નહોતું. શિવાજીની ઍલ્ફા બનવાની તીવ્ર ઈચ્છાએ પિતાની અસહમતીની પરવા કર્યા વગર સ્વબળે રાજા બનીને જ રહ્યા. અને એમના રાજવંશના બ્રાહ્મણ મંત્રીઓ પેશ્વા, છેવટે રાજા બની ગયા. beta હંમેશા નંબર વન ઉપર દ્ગષ્ટિ રાખતો હોય છે, ઍલ્ફા નબળો પડે તેની રાહ જોવાતી હોય છે. સતત ઍલ્ફાની નજીક રહેવામાં ભવિષ્યમાં લાભ હોય છે. જેથી ઍલ્ફા કોઈ કારણવસ  ખસી જાય તો ઍલ્ફા બનવાનો મોકો beta પ્રાપ્ત કરી શકે. આમ ઍલ્ફાની સતત નજીક રહેવા માટે ત્રીજા ચોથા નંબર ઉપર ક્રૂરતા રાખવી પડતી હોય છે, એમને સતત દબાવવા પડતા હોય છે. આમ નંબર બે એની નીચેની વ્યક્તિઓ તરફ રુક્ષ હોય છે, એમની સતત અવહેલના કરતો હોય છે. નંબર બે એના પછીની હરોળમાંથી કોઈ પ્રતિભાશાળી હોય તો એને વહેલો નાશ કરી દેવા જાતજાતના નુસખા અપનાવે છે. આ સ્ટ્રેટેજી કાયમ રહેતી હોય છે.
  ભારતીય રાજકારણ જુઓ. ભારતની આઝાદીની લડતનાં સર્વોચ્ચ ઍલ્ફાનું પદ ગાંધીજી નિભાવતા હતા. એમના ખાસ બે સહાયક જવાહર અને સરદાર હતા. ગાંધીજી વૃદ્ધ બની ચૂક્યા હતા અને એમને રાજ કરવામાં કોઈ ખાસ રસ નહોતો, એમનું ધ્યેય ફક્ત ભારતની આઝાદી હતું. જિન્નાહ ગાંધીજી પહેલા કોંગ્રેસમાં સ્થાન જમાવી ચૂક્યા હતા. જિન્નાહ પાક મુસલમાન નહોતા, સિગરેટ પીતા, શરાબ પીતા મુલ્લાઓના વિરોધી હતા. અમુક સમયે ગાંધીજી કરતા વધુ સેક્યુલર લાગતા, ખાસ તો ખિલાફતની ચળવળ વખતે. પણ ગાંધીજીના પ્રભાવ અને સંત જેવા આચારવિચારને કારણે પ્રજામાં માન વધતા  એમનું મહત્વ ઘટ્યું. મૅમલ બ્રેન બળવો પોકારી ઊઠ્યું. સામે પક્ષે જવાહર પણ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન, સર્વોચ્ચ ઍલ્ફા બનવાનું ટાળી શકે તેમ નહોતા. આમ એમના આદિમ મૅમલ બ્રેને અલગ પાકિસ્તાનની માગણી કરી. ગાંધીજીને જિન્નાહ વડાપ્રધાન બને તેમાં કોઈ વાંધો નહોતો. પણ જવાહરનું આદિમ મૅમલ બ્રેન માનવા તૈયાર નહોતું.
  બે મૅમલ બ્રેનની માનસિક લડાઈ અને એક મહાન ભારતના બે ભાગલા અને લટકામાં દસ લાખ માણસોની હત્યા. હવે જવાહરની આડે આવે એવો એક માણસ બચ્યો સરદાર વલ્લભભાઈ પટેલ. જવાહર નાના બાળકની જેમ રિસાઈ ગયા. સરદાર ખસીને નંબર બે નું સ્થાન મેળવીને સંતોષ પામ્યા. સરદારની સતત અવહેલના થતી રહી. રજવાડા ભેગાં કરવાનું એમના સિવાય કોઈ કરી શકે તેમ નહોતું. બંને વચ્ચે ખાસ સંબંધ રહ્યો નહોતો. સરદારને પણ નંબર વન બનવાની કોઈ મહેચ્છા હતી નહિ, વૃદ્ધ અને બીમાર હતા. એમની સલાહ અવગણીને કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં ખેંચી ગયા એના પરિણામ આજે પણ ભારત ભોગવી રહ્યું છે.
   શાસ્ત્રીજી અવસાન પામ્યા ત્યારે કામરાજ એન્ડ કંપની કિંગ મેકર હતી. મોરારજી કોઈને ગાંઠે તેમ નહોતા. કામરાજ એન્ડ કંપનીએ નરમ દેખાતી છોકરી ઈન્દિરાજીને વડાપ્રધાન બનાવી મૂક્યા. પણ બાઈ ભારે સ્ટ્રોંગ ડોમિનન્ટ મૅમલ બ્રેન ધરાવતી હતી તે આ ખંધા વૃદ્ધોને ખબર નહોતી. સત્તા મળ્યા પછી ઈન્દિરાજીએ બધાને હડસેલી મૂક્યા. જેમ તેમ કરીને જનતા પાર્ટીએ સત્તા હાંસલ કરી અને મોરારજી વડપ્રધાન બન્યા, પણ બીજી  હરોળના તમામ નેતાઓને    નંબર વન બનવું હતું. સત્તા મળી ગઈ હતી હવે કોંગ્રેસનો ડર નહોતો એટલે મોરારજીના પગ ખેંચાયા. પહેલા સત્તા ઉપર હોય તેની સામે એક સંપ થઈને લડો અને સત્તા મળી જતા અંદર અંદર લડો. જિન્નાહ ખૂબ સારા વકીલ હતા, બૅરિસ્ટર હતા. જવાહર પોતે પણ કેટલા બુદ્ધિશાળી હતા, ડીસ્કવરી ઑફ ઇન્ડિયા નામનું એક ઐતિહાસિક પુસ્તક પણ લખેલું. પણ મૅમલ બ્રેઈન આગળ કોઈ ફિલૉસફી ચાલતી નથી.
   ભાજપા જુઓ, બાજપાઈની પ્રચંડ પ્રતિભા આગળ અડવાણી ફક્ત બે નંબર બનીને રહી ગયા હતા. આટલાં વર્ષે સાવ વૃદ્ધ બની ચૂક્યા છે પણ વડાપ્રધાનના દાવેદાર છે. નંબર બે ઉપર ટકી રહેવા માટે નીચલી હરોળના નેતાઓને કદ પ્રમાણે કાયમ વેતરતા રહ્યા છે. ક્યારેક તો ચાન્સ મળશે. ઘણીવાર કોઈ તકલીફકર્તા ના પણ હોય છતાં મૅમલ બ્રેન સ્થાન ટકાવી રાખવા સતત પ્રયત્નો કર્યા કરતું હોય છે. ભાજપના જેટલા પ્રભાવશાળી નેતાઓ હતા તે એક પછી એક અડવાણી દ્વારા વેતરાતા રહ્યા. એમાં સ્થાનિક નેતાઓનું  મૅમલ બ્રેન પણ સહયોગ કરતું હોય છે. આખા ભારતમાંથી ભાજપની  સંસદમાં ફક્ત અને ફક્ત બે સીટો જ આવેલી, એમાંની એક મહેસાણાની ડૉ. એ.કે.પટેલ જીતી લાવેલા.
આવા ભાજપના કપરાં સંજોગોમાં કેશુભાઈ અને શંકરસિંહ ભાજપના ઉત્થાન માટે તન તોડીને મહેનત કરતાં હતા. રોજ સવારની ચા સાથે બેસીને પીતા. ગુજરાતનું એક ગામ આ લોકોએ ફરવામાં જોવામાં બાકી નહિ રાખ્યું હોય. બંને જણાની મહેનતે ગુજરાતમાં ભાજપા જીતી ગયું, ૪૦ વર્ષ ભાજપ માટે કામ કરનારા શંકરસિંહે સ્વેચ્છાએ નંબર બે બનવાનું સ્વીકાર્યું. સત્તા મળ્યા પછી એમની અવહેલના શરુ થઈ. છેવટે એટલાં બધા ઇગ્નોર કરવામાં આવ્યા કે એમણે બળવો પોકાર્યો. આપણે દગો કહીએ છીએ પણ દગો બંને અરસપરસ કરતા હોય છે. છેવટની વાત બધા જાણે છે.
શંકરસિંહને દગાખોર કહેનારા કેશુભાઈ અને નલીન ભટ્ટ આજે ખૂદ દગો અનુભવી રહ્યા છે.  ઇતિહાસ સર્જનારા ડૉ. એ. કે. પટેલ આજે ક્યા છે?  યુપીમાં કલ્યાણસિંહને હટાવવામાં આવ્યા. દિલ્હીમાં મદનલાલ ખુરાના ગયા. ઉમાભારતી પણ ગયા અને પાછા આવ્યા. જશવંતસિંહ જેવા કાબેલ નેતાને પણ જવું પડેલું. કેશુભાઈ પણ ગયા. મોદી એકલાં હાથે ચૂંટણી લડ્યા, બાકી અડવાણીના પ્રીતિપાત્ર હવે રહ્યા નથી. વર્ષો સુધી ભાજપ માટે રાજસ્થાનને સાચવનારા ભૈરોસિંહ શેખાવતને પણ સહન કરવું પડ્યું. ભાજપની થીંક ટેંક ગણાતા ગોવિન્દાચાર્ય પણ ગયા. આવા તો કેટલા ગયા હશે? શું બધા ખરાબ હતા? બધા શિસ્ત વગરના હતા? બધા પક્ષની વિરુદ્ધ હતા? કડવાણીનું Beta મૅમલ બ્રેન ભાજપમાં કોઈ સારો નેતા રહેવા દેતું નથી. પ્રજા પાસે કોઈ સારો વિકલ્પ તો હોવો જોઈએ ને? સાવ સડેલા સફરજનના ટોપલામાંથી ઓછામાં ઓછું સડેલું સફરજન એણે શોધવાનું છે.
   કોંગ્રેસમાં આજે ભલે વડાપ્રધાન મનમોહન સિંહ હોય પણ ઍલ્ફાનું સ્થાન સોનિયા ગાંધી સંભાળે છે. અહી તો વળી જૂની રાજાશાહી જેવું છે, વારસદાર નાનો હોય ત્યાં સુધી મજબૂરી છે. રાહુલ ગાંધી વારસદાર તરીકે બેસી જવાના. હું કોઈની તરફેણ કરતો નથી ફક્ત મૅમલ બ્રેન વિષે ચર્ચા કરું છું. ધર્મો અને સંપ્રદાયોમાં પણ આજ પૅટર્ન કામ કરતી હોય છે. ઍલ્ફા ગુરુ બનવાની લ્હાયમાં રોજ નવા સંપ્રદાયો, પેટા સંપ્રદાયો રોજ ફૂટી નીકળે છે. એક જ વૈષ્ણવ સંપ્રદાયના કેટલા બધા ફાંટાં છે? એક જ સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલા બધા ફાંટાં પડી ચૂક્યા છે. હરિપ્રસાદ અને પ્રમુખસ્વામી એક જ ગુરુના ચેલા, પણ બે નંબરે રહીને જીવવાનું ફાવ્યું નહિ અને હરિપ્રસાદે પોતાનો અલગ પંથ બનાવી નાખ્યો.
રાજાશાહી હોય કે લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે મીલીટરી શાસન ઍલ્ફા નેતાના સહાયક, સમર્થક એવા beta નેતાને કાયમ સખત તણાવમાં જીવવું પડતું હોય છે, ક્યારે ઍલ્ફા રિટાયર થાય તેની રાહ જોવી પડતી હોય છે, નીચેના નેતાઓ એની સમકક્ષ બની ના જાય તેમ વ્યવસ્થા કરવી પડતી હોય છે. અને આટલી બધી મહેનત પછી પણ ઘણીવાર કોઈ રિવૉર્ડ મેળવ્યા વગર ઍલ્ફા બન્યા વગર, સર્વોચ્ચ સ્થાને પહોચ્યા વગર દુનિયા છોડી દેવી પડતી હોય છે.
અડવાણીનું પણ એમજ થવાનુ છે. વડાપ્રધાન બન્યા વગર “હમ તો ચલે પરદેશ પરદેશી હો ગયે….”
 thCAE1MK8P

Corruption, મજૂરથી મંત્રી સુધી.root causes.(Hard Truths About Human Nature)

      Corruption, મજૂરથી મંત્રી સુધી.

         માનવજાત કોઈને કોઈ નેતાને લીડરને અનુસરવા ઈવૉલ્વ થયેલી છે. એ નેતા પછી ધાર્મિક હોય કે રાજકારણી હોય, ગામનો સરપંચ હોય કે પછી સમાજનો આગેવાન. ટોળાનો મુખિયા હોય કે પછી ઘરના વડીલ હોય,  પિતાશ્રી હોય કે પછી માતુશ્રી હોય. લતીફ પણ હોઈ શકે અને અન્ના હજારે પણ હોઈ શકે. સજીવ જગતમાં સસ્તન પ્રાણીઓ સમૂહમાં કોઈ ઍલ્ફા નેતાના કાબૂ નીચે જીવવા ટેવાયેલા હોય છે. આ નેતા સમૂહના બીજા લોકોનું અમુક સમયે રક્ષણ કરતા હોય છે, પણ એમના અંગત રસને પ્રથમ પ્રાધાન્ય અર્પતા હોય છે. રિસોઅર્સિસ અને રીપ્રૉડક્ટિવ(સંતાન પેદા કરવા)  તક ઉપર પણ એમનો પહેલો કાબૂ ધરાવતા હોય છે.

                 સિંહ એના ટોળાનો નેતા હોય તો શિકાર ઉપર પહેલો હક તેનો હોય છે, સમૂહના બીજા સભ્યોને તગેડી મૂકશે, ધરાઈ ગયા પછી બીજાને ભાગ મળશે. મોટાભાગે શિકાર સિંહણ સમૂહ કરતો હોય છે. છતાં સિંહ દોટ મૂકીને ખાવા આવી જશે. ઍલ્ફા ચિમ્પ પણ ખોરાક અને માદા ચિમ્પ પર પહેલો હક ધરાવશે. જેવી રીતે પ્રજા કમાય છે, મહેનત કરે છે અને ટૅક્સ ભરે છે તેમાંથી નેતાઓ સ્વિસ બૅન્કમાં મૂકી આવે છે.

                  સસ્તન પ્રાણીનો મહત્વનો ગુણધર્મ છે કે બની શકે તેટલા વિખવાદ નિવારવા, ઝગડા નિવારવા. કારણ વિખવાદમાં જીવ જાય તેવી ઈજાઓ ઍલ્ફા દ્વારા મળતી હોય છે. એટલે જીતવાની શક્યતા ન હોયતો વિખવાદમાં પડવું નહિ અને સમર્પણ કરી લેવું તેવી રીતનું બ્રેન ઇવલૂશનનાં ક્રમમાં વિકસ્યું છે. એમના DNA જીવતા રાખવા માટે આવું જરૂરી છે. કુદરતનો આ નજરિયો લોકોને અપસેટ કરી નાખવા પૂરતો છે. શાંતિપૂર્ણ સહકાર વડે જીવવામાં ખૂબ સલામતી છે.

સહકાર પણ સર્વાઇવલની એક તરકીબ છે. આમ શાંતિપૂર્ણ સહકાર વડે જીવવાની ભાવના આવી એટલે નેતાને અનુસરવાની ભાવના ચાલુ થઈ, અને એમ mammal ઈવૉલ્વ થયા, એમ એમનું બ્રેન ઈવૉલ્વ થયું. પરંતુ તક મળે નેતા બનવાની કોશિશ જારી રાખવી તે પણ એટલું જ સાચું. એટલે મૅમલ જાણતા હોય છે કે નેતાને ગૃપનાં વડાને એના પોતાના અંગત ફાયદામાં વધારે રસ છે છતાં એની રાહબરી હેઠળ જીવતા હોય છે.

         પ્રાણીઓ સમય પૂરતાં સહકાર કરતા હોય છે. પણ મોટા બ્રેન ધરાવતા સસ્તન સમાજ ઊભો કરતા હોય છે. સામાજિક સહકાર ધરાવતું જોડાણ ઊભું કરતા હોય છે. એક મજબૂત માણસ એનાથી થોડા નબળા માનવ સાથે સામાજિક જોડાણ ઊભું કરે છે કે જેથી કોઈ ત્રીજાને પછાડી શકાય, કોઈ ત્રીજા ઉપર કાબૂ કરી શકાય. એમાં નબળાનો સાથ અને સહકાર અને સંમતિ હોય છે.તમે સામાજિક જોડાણ કરો છો જેથી તમને એક્સ્ટ્રા રિસોઅર્સિસ મળે, રીપ્રૉડક્ટિવ તક મળે અને તમારા બાળકોને સલામતી મળે.

પરંતુ ઍલ્ફા લગભગ તમામ બેનિફિટ એકલો હડપ કરી જતો હોય છે. અને તમને જ્યારે કોઈ વિખવાદ થાય તો એકલાં ભોગવવા છોડી દેતો હોય છે. એટલે ઘણીવાર તમામ પસંદગી ખરાબ હોય છે, કોઈ ચૉઇસ રહેતી નથી છતાં એમાંથી શક્ય સારી ચૉઇસ કરવી પડતી હોય છે. કારણ સામાજિક સહકારના માળખા વગર તમે જીવી શકો નહિ. સમૂહ વગર પ્રિડેટરનાં જડબામાં ચવાઈ જવાનું સરળ બની જતું હોય છે. સસ્તનનું બ્રેન સામાજિક જોડાણ દ્વારા સર્વાઇવ થવા માટે ઈવૉલ્વ થયેલું છે. બધા જ ચોર હોય ત્યાં શક્ય ઓછો ચોર નેતા પસંદ કરવો પડતો હોય છે.

 મૅમલ ઘણી વાર એકબીજાને સહકાર આપતા હોય છે લીડરને પછાડવા. એમાં જીવલેણ ઈજાનો ભય હોય જ છે, અને નવો નેતા એમ કઈ ઝડપથી સર્વોચ્ચ બની જતો નથી. આમાં ઘણીવાર બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે, આ બહુ સરળ નથી. અને શક્ય ત્યાં મૅમલ સમાધાન કરવા ઈવૉલ્વ થયેલા છે. ધીમે ધીમે સામાજિક જોડાણ દ્વારા ગ્રૂપ નેતા દ્વારા આપણે બેનિફિટ વધુને વધુ મેળવતા થતા જતા હોઈએ છીએ. પરંતુ આ પ્રોસિજર ખૂબ ધીમો હોય છે જલદી નજરમાં આવતો નથી.

પહેલાના ગૃપનેતાઓ(રાજાઓ) લગભગ તમામ ફાયદા લઈ જતા હતા. રાજાશાહી જુઓ લોકોને બહુ બેનિફિટ મળતા નહોતા. તમારા રોસોઅર્સિસ એ લોકો હડપ કરી જતા અને ગમે ત્યા ગમે તે રીતે વાપરી શકતા. આજે લીડર પાસે એક ફૉર્મ્યૂલા હોય છે તમારા ટૅક્સ લઈને એમાંથી તમારા ફાયદા માટે એને વાપરવા પડે છે. પહેલાના ગૃપનેતાને કશું કહી શકાતું નહિ, કહો એની સજા મળતી. જ્યારે આજે તમે લીડરને જાહેરમાં ખુલ્લા પાડી શકો છો.

       નવા નેતા બનવાની ઇચ્છા ધરાવનારે જુના નેતા કરતા વધારે બેનિફિટ આપવાની બાંહેધરી આપવી પડતી હોય છે. નેતાઓ એમની તરફથી ખૂબ લાભ મળશે તેવું વધારી વધારીને કહેતા હોય છે. લોકો ઉપરછલ્લું મૂલ્યાંકન કરતા હોય છે. બ્રેન ન્યુઅરલ સર્કિટ વડે માહિતી ફિલ્ટર કરતું હોય છે, કે શું નૉર્મલ છે. આપણે ઊંડું મૂલ્યાંકન કરવા ટેવાયેલા નથી હોતા. સામાજિક જોડાણના સભ્ય બનાવવાનો મતલબ સલામતી. મૅમલ સામાજિક જોડાણ દ્વારા ઘણી બધી જાતની સલામતી ઇચ્છતા હોય છે. સામાજિક જોડાણ છૂટી જાય તો મૅમલ  બ્રેન સર્વાઇવ થવામાં તકલીફ અનુભવતું હોય છે. એટલે લીડર કે ઍલ્ફાના સત્યો વિષે બખાળા કરો તો સમાજ બહાર ધકેલાઈ જવાનો ડર સતાવતો હોય છે.

પહેલા પણ આવા લોકો નાત બહાર મુકાઈ જતા. એટલે મોટાભાગના લોકો આવી લીડર વિરુદ્ધની માહિતી ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. અને લીડરે જે માહિતી આપી હોય તેના ઉપર વિશ્વાસ કરી લેતા હોય છે. અથવા જે લોકો જાણતા હોય છે કે અમુક નેતાઓ ખૂબ ભ્રષ્ટ છે પણ એમનું મૅમલ બ્રેન ઇગ્નોર કરતું હોય છે. જ્યાં સુધી કોઈ નવો નેતા પોતાના સમર્થકો વધારવા જુના નેતાના કૌભાંડ બહાર ના લાવે. છેવટે નવા નેતાને પણ એના અંગત ફાયદામાં જ રસ હોય છે.

          નેતાઓ કરપ્ટ હોય છે કારણ એમને એમના અંગત ફાયદામાં જ રસ હોય છે. ઘણીવાર સાવ સામાન્ય ગરીબ ફેમિલીમાંથી આવેલા હોય છે. હાઈ-સ્ટૅટસ વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે. ધન વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે, માટે અમર્યાદ ધન ભેગું કરી લેવા મથતાં હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કારણ નેતાઓ કરપ્ટ પ્રજામાંથી ચૂંટાઈ આવતા હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કે જે તે સમાજને કરપ્શન ખરાબ છે તેવું માનસિક રીતે લાગતું નથી. નેતાઓ કરપ્ટ છે કેમકે આખો સમાજ કરપ્ટ છે.

                અમારા પરમ મિત્ર સુનીલ અમીન ઉવાચ “મજૂરથી માંડીને મંત્રી સુધી બધા કરપ્ટ છે.” આપણે માહિતીનું સાચું મૂલ્યાંકન કરવાનું શીખવું જોઈએ. આપણાં ન્યુરૉન્સને કામે લગાડવા જોઈએ. કરપ્શન ખરાબ છે તેવું નવું વાયરિંગ (cortex) બ્રેનમાં કરવું પડશે. એના માટે નાળિયેર વધેરવાનું સૌ પહેલા બંધ કરવું પડશે.

સૌજન્ય અને Ref :-Loretta Graziano Breuning, Ph.D., (speaks internationally on
corrupt practices and their mammalian roots as Professor Emerita of
International Management at California State University, East Bay, and a Docent
at the Oakland Zoo.).

 

 

 

 

 

 

 

 

 

 

સભ્ય સર્વોપરિતા..

untitledસર્વોપરી બનવાનું સૌને ગમતું હોય છે, ભલે બની શકતા ના હોય.એના માટે ચાન્સ મળે પ્રયાસ કરતા રહેવું તે મૅમલનો ગુણધર્મ છે. તક ના મળે તો સર્વોપરીની આણ નીચે રહીને સર્વાઇવ થઈ રહેવું તે પણ ગુણધર્મ છે. તક મળે તો ઝડપી લેવી. એટલે બધા પ્રાણીઓ આવું કરતા રહેતા હોય છે. સર્વોપરી હોય તેને ખોરાક વધારે મળે જે વળી પાછો વધારાની શક્તિ મેળવવામાં મદદરૂપ થાય અને સર્વોપરી બની રહેવાની લડાઈમાં તે શક્તિ કામ લાગે. એટલે કહેવાય છે સર્વોપરીના સુખની અનુભૂતિ કરાવતું સિરોટોનિન ન્યુરો કેમિકલ્સ બ્રેન કરતા પેટમાં વધુ હોય છે.

સર્વોપરીને સેકસુઅલ રીપ્રૉડક્શન માટે તક વધારે મળે. જેથી એના DNA જીવતા રહે. પ્રાણીઓ સર્વોપરી બની રહેવા માટે હાથો હાથની લડાઈ લડી લેતા હોય છે. બીજું એમને આવડે પણ નહિ. એના માટે તમામ સજીવ જગતના નર ભયાનક જોખમ ખેડતાં હોય છે. એક તો શારીરિક ઈજા બહુ મોટા પ્રમાણમાં થતી હોય છે. એમાં મોત પણ મળી જતું હોય છે અને મરણતોલ માર ખાઈને જીત્યા હોય પણ પછી શક્તિ ગુમાવીને બેહાલ થઈ ગયા હોય ત્યારે પ્રિડેટરનાં જડબા એમને ચાવી જવા તૈયાર હોય છે.

આપણે માનવો ચોપગાં પશુઓ નથી. કુદરતે ઉત્ક્રાંન્તિના ક્રમમાં મોટું વિકસેલું બ્રેન આપ્યું છે. માટે આપણે સર્વોપરી બની રહેવાની જાતજાતની ટેકનિક્સ શોધી કાઢી છે. પહેલા માનવો જ્યારે વિકસિત નહિ હોય, જંગલમાં આદિ માનવ તરીકે રહેતા હશે ત્યારે લગભગ ચોપગાં પ્રાણીઓ અને એપ્સ જેવી સીધી લડાઈ લડી લેતા હશે સર્વોપરી બની રહેવા માટે તે હકીકત છે. પણ માનવ વિકસતા જતા બ્રેન સાથે સભ્ય બનતો ગયો. એમ એમ એની સર્વોપરી બની રહેવાની અને સેકસુઅલ રીપ્રૉડક્શન માટેની નવી નવી ટેકનિક્સ શોધતો ગયો.

          ૨૦૦૫ અને ફરીવાર ૨૦૦૮માં ઍન્થ્રપૉલજિસ્ટનું એક ગ્રૂપ બોલોવિયાના જંગલોમાં રહેતા Tsimane જાતિના લોકોનો અભ્યાસ કરવા ગયેલું. Christopher von Rueden અને તેના સાથીદારોએ ગામના ૮૮ પુરુષોના ઇન્ટરવ્યૂ લીધેલાં. પછી આ લોકોની પત્નીઓના ઇન્ટરવ્યૂ લીધેલાં. બિનઔદ્યોગિક સંસ્કૃતિઓની જેમ Tsimane are mildly polygynous, ૫% પુરુષોને એક કરતા વધુ પત્ની હતી અને ૧૫% પાસે પત્ની જ નહોતી. સભ્ય સમાજ શું કરશે ? સભ્ય સમાજનો માનવ લગ્ન કરશે, પછી થોડા વર્ષો પછી ડિવોર્સ લેશે, ફરી લગ્ન કરશે આમ કહેવાશે મનૉગમી પણ વારંવાર લગ્નો કરી મનૉગમી આચરીને પૉલીગમીની નવી ટેકનિક અપનાવશે.

સર્વોપરીતાની હોડ અને સેકસુઅલ રીપ્રૉડક્શન બંને સાથે જ ચાલે છે. બંને માટે સભ્ય ટેક્નિક શોધાતી હોય છે. એવું નથી સર્વોપરી બનવું એટલે એકદમ સર્વોચ્ચ સ્થાને પહોચી જવું કે વડાપ્રધાન કે પ્રમુખ જ બની જવું. નાના નાના પાયે mammal બ્રેન સર્વોપરી સાબિત કરવાની કોશિશ કર્યાજ કરતું હોય છે. ઘરમાં ફર્નિચર નવું આવે, ભારતમાં તો અતીથીદેવો ભવઃ છે, આમજ લોકોને ખબર પડી જાય. પણ અમેરિકામાં કોઈ કામ વગર આવે નહિ હવે શું કરવું ? સત્યનારાયણની કથા રાખો કે કોઈ બહાનું કાઢી પાર્ટી રાખવાની.

થોડા દિવસ પહેલા જૉબ પર એક ભાઈ હાથમાં લિસ્ટ લઈને મારી પાસે આવ્યા. આટલા ડૉલર્સની બૅન્કમાં સીસી, આટલાં લૉકરમાં, બહુ લાંબું લિસ્ટ હતું મને તો યાદ પણ નથી રહ્યું. હવે મારે એમની મિલકતનું શું કામ, મેં કદી હિસાબ માંગ્યો પણ નથી. એ કમાય એમાં મારે શું ? તમારો સહ કર્મચારી કોઈ રીતે પ્રમોશન મેળવી ઉપલા લેવલે પહોચી જશે તો પછી ખલાસ એનો મિજાજ વળી ઓર વધી જવાનો.

ઘરના આગેવાન પ્રયત્ન કરશે સમાજમાં આગેવાન બનવાનો. પછી ગામના પછી તાલુકા અને પછી એમ આગળ આગળ નેતા બનવાની હોડ જારી. ભાઈ નેતા બનવા હવે ચૂંટણી લડવી પડે છે. આ કઈ હાથોહાથની લડાઈ તો છે નહિ. તો એમની નમ્રતા, એમનું પગે પડવું, વોટ માટે આજીજી કરવી બધું સભ્ય સમાજની ટેક્નિક છે. એમની આસપાસ જેટલા બૉડીગાર્ડ વધુ એટલાં તે હાઈ સ્ટૅટસ વધુ દેખાવાના કે નહિ ?

સરકારી નેતાઓ એસ.પી.જી સુરક્ષા કર્મચારી રાખે તો ભાઈ લોગ પોતાના અંગત બૉડી ગાર્ડ રાખવાના. ભાઈ લોગ પણ પોતાના અંગત વર્તુળમાં ઍલ્ફા નરનું સ્ટૅટ્સ ભોગવતા જ હોય છે, ભલે લોકો એમને રાજ્યના નેતા તરીકે માન્ય ના રાખે. ભાઈ લોગ અને આજના નેતાઓમાં કોઈ ફરક દેખાય છે ખરો ?  પહેલા પણ ઘણા નેતા કોઈને કોઈ ભાઈ લોગના શરણે જઈને એમની મદદ વડે ચૂંટણી લડતા.

આજે ભાઈ લોગ જાતે ચૂંટણીમાં ઉભા થઈ જાય છે. હાલના નેતાઓ જરા ઊંચા પ્રકારના ભાઈ લોગ જ છે. ભાઈ લોગ કરતા તો આ લોકો જનતાને વધારે અને વિવિધ પ્રકારે લૂંટતા હોય છે. પ્રાણીઓના ઍલ્ફા નર અને માનવ ઍલ્ફા વચ્ચે ફરક હોય છે. પ્રાણી ઍલ્ફા નર જીવ સટોસટની લડાઈ જીતીને આગેવાન નેતા બને છે. માનવ ઍલ્ફા જાત જાતની તરકીબો વડે નેતા બને છે. પછી એકવાર નેતા બની જાય પછી મળવા જાઓ તો સમજ પડે. જે એકવાર હાથ જોડતો હતો હવે સામું જોવા તૈયાર નહિ થાય. કમજોરમાં કમજોર પ્રાણી કે માનવની અંદર ઍલ્ફા બની રહેવાની તીવ્ર ઇચ્છા હોય જ છે. ભલે બની ના શકે તે વાત અલગ છે. કારણ એને એના DNA જીવતા રાખવા છે. એને માટે એને ફીમેલ જોઈએ.

સાચી વાત છે કે સિંહ ત્રાડ પાડીને પોતે ઍલ્ફા હોવાનું સૂચવે છે, શિયાળ લારી કરીને પોતે સુપિરિઅર છે તેવું બતાવવાનો પ્રયત્ન કરતું હોય છે અને કૂતરાં ભસીને બતાવતા હોય છે કે અમને પણ હક છે, અમને પણ મોકો મળવો જોઈએ, ના મળે તો એમનું નસીબ. માનવોમાં ભાઈ લોગ બૂમો પાડતાં હોય, કોઈ હોકાટા કરે, કોઈ વોટની ભીખ માંગે, કોઈ કથા કરે, કોઈ રાગડા તાણે. દરેકની પોતાની અલગ જગ્યા હોય છે. રિઝર્વ બૅન્કનો સર્વોચ્ચ નેતા વડાપ્રધાન બની સર્વોચ્ચ બનવા જતા સફળ ના પણ થાય.

આજના નેતાઓ શારીરિક રીતે ઍલ્ફા બનવા લાયક ક્યાં હોય છે ? સાચા શારીરિક ઍલ્ફાઓ તો બચારા મજૂરી કરતા હોય છે. એ રીતે આજનો કોઈ નેતા ઍલ્ફાની શ્રેણીમાં આવી ના શકે. હાલ તો એક જ ઍલ્ફા નેતા જે શારીરિક અને રાજકીય રીતે મને દેખાય છે તે છે કૅલિફોર્નિઆના માજી ગવર્નર અર્નૉલ્ડ Arnold Schwarzenegger, પણ હવે તે રિટાયર થઈ ગયા છે.

          ઘણી વાર પોતે સર્વોપરી છે કે સમથિંગ અલગ છે તેવું બતાવવા ઘણા લોકો હાસ્યાસ્પદ ચેષ્ટા કરતા જોવા મળતા હોય છે. ભપ્પી લહેરી એનો ઉત્તમ નમૂનો છે. એમનો ગેટપ જુઓ, અઢળક સોનું શરીર ઉપર ધારણ કરશે. એક આમંત્રણ છે એના ગેટપમાં કે આવો મારી પાસે ખૂબ સંપતિ છે. એક ભાઈ લોગ વળી શરીર પર પાંચ કિલો સોનું પહેરતો હતો તેવો વિડીઓ પણ જોએલો. પોતે વિશિષ્ટ છે તેવું બતાવવા લોકો જાતજાતના નુસખા કરતા જ હોય છે, કોઈ જટા વધારશે તો કોઈ સફાચટ. કોઈ સારી ડિગ્રી મેળવી ડૉક્ટર એન્જીનીઅર બનશે, જ્ઞાન મેળવશે. કોઈ કરશે ગુંડાગર્દી. કોઈ લેખક બનશે તો કોઈ કવિ. અને કશું નહીં આવડે તે નેતા બની જશે. સુપિરિઅર બનવાની હોડમાં મારા, તમારા સાથે બધાજ સામેલ હોઈએ છીએ. અહી દાખલાઓ આપી કોઈની લાગણી દુભાવવાનો યત્ન નથી ફક્ત વિષયની સમજ માટે આપ્યા છે.

          ઍલ્ફા નર બન્યા વગર સ્ત્રી મળે નહીં. પણ જુઓ સભ્ય સમાજે કેવી સરસ ટેક્નિક શોધી કાઢી ? લગ્ન વ્યવસ્થા અને મનૉગમી ઍલ્ફા નર બન્યા વગર, કોઈ લડાઈ લડ્યા વગર, કોઈ હરીફાઈ વગર સ્ત્રી મેળવવાની જીન ટ્રાન્સ્ફર કરવાની સહેલી પદ્ધતિ છે. એમાં ફાયદો પુરુષોને જ છે. સ્ત્રીઓને ખાસ નથી. સ્ત્રીઓને એના કારણે માયકાંગલા, નબળા, કમજોર, દરિદ્ર, બીમાર, માનસિક બીમાર લોકના જીન પણ ઉછેરવા પડતા હોય છે. વળી પૂરતી હેલ્થ વેલ્થ ના હોય તેવા લોકો પોતાના વારસોની સારી સારવાર કે ઉછેર કરી શકવા સક્ષમ ના હોય છતાં એમના જીન ઉછેરવા પડતા હોય છે. ભારતની અતિશય ગરીબીનું મૂળ કારણ આ પણ છે. વળી દરિદ્ર લોકો પાસે મનોરંજનનું કોઈ બીજું સારું સાધન ઉપલબ્ધ હોતું નથી, માટે સેક્સ એમનું સસ્તું હાથવગું મનોરંજનનું સાધન બની જાય છે આમ વસ્તી પણ દરિદ્રોની વધતી જવાની. ગરીબના ઘેર છોકરાં વધારે.

          ૨૦૦૩નો એક અભ્યાસ બતાવે છે કે મધ્ય એશિયાના ૮% માણસોમાં એક જ પ્રકારના વિશિષ્ટ Y ક્રોમસોમ ધરાવે છે અને તે ચંગિઝખાનના છે. મૉંગોલ અને ચાઇનીઝ રાજાઓ ઢગલા બંધ રાણીઓ રાખતા. ચીનમાં તો રિવાજ જ હતો કે રાજા પહેલી વાર બે સ્ત્રીઓ સાથે એક સાથે જ પરણે. આ બતાવે છે જેટલું સ્ટૅટસ હાઈ તેટલા જેનિસ વધારે ફેલાવાના. ઇવલૂશનના ઇતિહાસમાં ત્રણ ભાગના પુરુષોએ એમના જેનિસ ટ્રાન્સ્ફર કર્યા નથી. ચંગિઝખાન જેવા સમ્રાટો ખૂબ બળવાન હતા.

ભારતના ઐતિહાસિક રાજાઓ કે પાત્રો જુઓ ખરેખર શારીરિક રીતે બળવાન અને સક્ષમ ઍલ્ફા નર હતા. આખું મહાભારત ભીમ અને દુર્યોધન વચ્ચેની સર્વોપરીતાની હરીફાઈ છે. બીજા પાત્રો તો આ બંનેની આજુબાજુ ફરતા છે. બંને ખૂબ બળવાન હતા. ભારે લડવૈયા હતા. દુર્યોધનની નજર પણ એ જમાનાની સર્વશ્રેષ્ઠ સ્ત્રી રત્ન દ્રૌપદી પર હતી. ભીમ એમાં આડે આવતો હતો. બાકી બીજા ભાઈઓને તો એ ઘોળીને પી ગયો હોત. દ્રૌપદીના બે પ્રિય પતિ અર્જુન અને ભીમ જ હતા. ઇમર્જન્સી વખતે તે ભીમની મદદ લેવા જતી, કીચકવધ યાદ હશે. ઑવુલ્યેશન સમયે નક્કી તેને ભીમ જ પ્રિય લાગતો હશે, પણ આ સમય શૉર્ટ હોય છે. બાકીના સમયે સહૃદયી અર્જુનનો સાથ ગમતો હશે, જે લાંબો હોય છે માટે લોકોને લાગ્યું કે તેને અર્જુન પ્રત્યે વિશેષ ભાવ રહ્યો છે.untitled78

          કૃષ્ણ જુઓ બાળપણથી જ શારીરિક બળવાન રહ્યા છે. કૃષ્ણને યાદ કરતા મને ચંગિઝખાનની વાત યાદ આવે છે કે આશરે ૧૬ મિલ્યન લોકોમાં ચંગિઝખાનના જીન છે, એ હિસાબે રામ કરતા શ્રીકૃષ્ણના જેનિસ ભારતમાં સૌથી વધારે ફેલાયેલા હશે. ૮ પટરાણીઓ અને ૧૬૦૦૦ રાણીઓ. જરાસંધને યાદ કરો લગભગ તમામ રાજાઓ બાહુબળીયા હતા. રામાયણ શું છે ? શ્રેષ્ઠતમ સુંદરતમ સ્ત્રી પામવાની બે ઍલ્ફા વચ્ચેની લડાઈ માત્ર. એકે મેળવેલી હતી, બીજાને છીનવવી હતી.

            અરે આપણાં મધ્યયુગીન રાજપૂત રાજાઓ પણ બાહુબળીયા હતા. રાણા સાંગા જુઓ, શરીર ઉપર ૮૦ ઘા હતા. એક આંખ લડાઈમાં જતી રહેલી. કોઈને કોઈ અંગ ક્ષતિ ગ્રસ્ત હતું. મહારાણા પ્રતાપને યાદ કરો. એમનું અતિશય વજન, ચેતક સિવાય બીજો કોઈ ઘોડો એમની છલાંગ વેઠી શકતો નહોતો. મુસલમાન સરદારને ઘોડા સમેત વાઢી નાખેલો. પૃથ્વીરાજ ચૌહાણ બે હાથે તલવાર ફેરવી શકતો હતો. એના આ કૌશલ માટે તે વિખ્યાત હતો. એમાજ એ ઓળખાઈ ગયો કે આજ પૃથ્વીરાજ છે અને મુસલમાન સૈનિકો વચ્ચે ઘેરાઈ ગયેલો. ડુંગરના ઉંદર શિવાજીને યાદ કરો. આજના નેતાઓ આ લોકોની વ્યાખ્યામાં ક્યારેય ન આવી શકે.

ચાલો થોડો ધર્મને આમાં સંડોવીએ. ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધર્મ પણ એમાં ભાગ ભજવે છે. ગુરુ બનવું કે ધાર્મિક પરિવાર સ્થાપવો, સંપ્રદાય ઊભો કરી ઍલ્ફા નર બનવું ધાર્મિક દેશમાં સરળ બની જાય. ધર્મ પણ એક સભ્ય સમાજની સભ્ય ટેક્નિક છે ઍલ્ફા બનવાની, સર્વોપરી બનવાની. રાજા બનો કે ગુરુ બનો, સર્વોપરી તો બનવાના જ. ઊંડા ઊતરી અભ્યાસ કરો, વિચારો.

એક આચાર્યે ૫૦૦ વર્ષ પહેલા સંપ્રદાય સ્થાપ્યો. સર્વોપરી બની ગયા. એક આગવું ગ્રૂપ બનાવી લીધું. જુઓ એમના વારસો આરામથી ગુરુગાદીના અધિપતિ બની,  ગૃપનેતા બની જતા હોય છે. કેટલી સરસ બુદ્ધિશાળી ટેક્નિક, ભક્તોએ બધું કૃષ્ણાર્પણ કરીને વાપરવાનું એ ન્યાયે એમની સ્ત્રીઓ પણ અર્પણ કરી દેવાની, આમ ફીમેલ પણ સરળતાથી ઉપલબ્ધ, એમ સેકસુઅલ રીપ્રૉડક્શન પણ સાવ સરળ બની ગયું. કોઈ મારામારી નહિ, લડાઈ નહિ. ફક્ત થોડું બ્રેન વૉશિંગ જરૂરી જે ધર્મના નામે સરળ બની જાય. એમના મૂળ આચાર્ય પુરુષની બુદ્ધિ જુઓ ૫૦૦ વર્ષથી એમના વારસદારો સરળતાથી ધાર્મિક ઍલ્ફા બની સરળતાથી એમના જીન અનેક સ્ત્રીઓમાં ટ્રાન્સફર કરે રાખે છે.

લગભગ બધા ધાર્મિક નેતાઓ સર્વોચ્ચ સ્થાને પહોચ્યા પછી સ્ત્રીઓમાં કેમ ફસાતા હોય છે? Mammal બ્રેન, ઇવલૂશનરી ફોર્સ આવું કરવા પ્રેરતા હોય છે. રામાયણની કથાએ કેટલાં બાપુઓને ભીખારીમાથી સર્વોચ્ચ સ્થાને પહોચાડી દીધા છે ? સભ્ય સમાજની આ એક સભ્ય વત્તા ધાર્મિક આવડત છે. મહાવીર, બુદ્ધ, વિવેકાનંદની વાત જુદી છે. આવા લોકોને mammal બ્રેનથી છુટકારો મેળવવો છે. ૨૦૦૦ લાખ વર્ષોથી વારસામાં મળેલા Mammalian બ્રેન, જેને ભારતીય પ્રાચીન મનીષીઓ જન્મોજન્મના સંસ્કાર કહેતા હતા તેમાંથી છુટકારો મેળવવો તેનું જ નામ મોક્ષ હશે કે આત્મસાક્ષાત્કાર હશે.

 

 

 

 

ઍલ્ફા નેતા(Hard Truths about Human Nature)

લ્ફા નેતા
સત્તા ચલાવવાનું કોને ના ગમે? સર્વોપરી બનવાનું કોને ના ગમે? સ્તનધારી પ્રાણીઓ એકબીજા ઉપર સત્તા જમાવ્યા કરતા હોય છે. નેતા પ્રજા ઉપર સત્તા જમાવતા હોય છે.એમાં જે પ્રથમ આવે તે મુખ્ય મંત્રી કે વડાપ્રધાન કે પ્રમુખ કે રાજા બની જતા હોય છે.જેટલો નેતા જોહુકમી, ડૉમિનન્ટ કે વર્ચસ્વ ધરાવે તેટલો સફળ વધુ થાય.આવું વર્તન જરૂરી પણ છે. ઘણાને લાગશે બીજા લોકોને પણ આત્મા હોય કે હક હોય બહુ સત્તા જમાવનાર કે જોહુકમી કરનાર નેતા કે ઘરના વડીલ ગમતા નથી હોતા. કેમકે જેને ના ગમતું હોય તેને પણ સત્તા જમાવવી હોય છે.ચાલો ઇવલૂશનરી સાઇકૉલોજી અને બાયોલોજિ શું કહે છે તે માણીએ.untitled0-=

માદા ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે ગરમીમાં આવે છે. કેમ ? અરે ભાઈ આ હાલની માનવ માદા નથી. બચ્ચાને પાંચ વર્ષ પોતાનું દૂધ આપતી ચિમ્પ માદાની ફળદ્રુપતા સ્થગિત થઈ ગઈ હોય છે. નર ચિમ્પ હવામાં માદાની ફલદ્રુપતાના,  હિટનાં હૉર્મોન્સ ફેલાય ત્યારે જ સેક્સમાં રસ ધરાવતા હોય છે. પણ સામાજિક સર્વોપરીતામાં હંમેશા રસ ધરાવતા હોય છે.પાંચ વર્ષે આવતી માદાની પ્રજોત્પત્તિની તૈયારીની બહુમૂલ્ય ક્ષણની રાહ જોતા લાઈનમાં પ્રથમ ઉભા રહેવા નર ચિમ્પ સદા લડ્યા કરતા હોય છે. કારણ જે પ્રથમ છે તેને ચાન્સ મળવાનો, એના  DNA  સર્વાઈવ થવાના. જે સર્વોપરી છે તેના જીન જીવતા રહેવાના. જે ટોળાનો બૉસ છે તે બીજારોપણ કરી શકવાનો.

સેક્સ, આક્રમકતા અને સર્વોપરિતા, જુદા જુદા ન્યુરો કેમિકલ્સ વડે પ્રેરાતા હોય છે. Testosterone and oxytocin સેક્સ માટે કારણભૂત બનતા હોય છે. serotonin  સર્વોપરિતાનું મહાસુખ અર્પતા હોય છે. જ્યારે આક્રમકતાનું કારણ બધાનો સુભગ સમન્વય છે. Mammals વર્ચસ્વ ઇચ્છતા હોય છે કે Serotonin નો સ્ત્રાવ બહુ આનંદ પમાડતો હોય છે. Dominant  પ્રાણીઓ વધુ ખોરાક મેળવી શકતા હોય છે જે એમની શારીરિક ક્ષમતા અને મજબૂતાઈ વધારે છે. એનાથી દુશ્મનોને અને હરીફોને ભગાડી મૂકી સેક્સમાં સફળતા મેળવી એમને એમના DNA જીવતા રાખવા માટે મદદકર્તા બનતી હોય છે. Dominant માદા પણ એક્સ્ટ્રા ખોરાક મેળવી શકતી હોય છે. જે એના બચ્ચા માટે પોષણક્ષમ ખોરાકની વ્યવસ્થા હોય છે. એ હુમલાખોરને ભગાડી શકે છે. એની પાછળ ફરતા અનેક નરથી દૂર ભાગીને મજબૂત નરો વચ્ચે લડાઈ પછી જે જીતે તેના મજબૂત જેનિસ મેળવી શકે છે.

સર્વોપરિતા ખાલી સેક્સ પૂરતી હોતી નથી, તે સર્વાવલનો એક ઉપાય છે, અને સેક્સ પણ સર્વાવલનું એક અગત્યનું પાસું છે. દરેક mammals ની સર્વાઇવલની તકનીક કે પધ્ધતિ બેસિકલી સરખીજ હોય છે. Dominant ની હાજરીમાં બાકીના કૂતરાં શાંત ફરતા હોય છે અને એની ગેરહાજરીમાં એકબીજા સાથે લડવાનું ચાલુ. સર્વોપરી કે જોહુકમીની હાજરી માત્ર બાકીનાને શાંત પાડી દેતી હોય છે.

મૅમલ્સ ગૃપમાં રહેવા ટેવાયેલા હોય છે, પ્રિડેટરથી બચવા માટે. નબળા હોય તે મજબૂતને શરણે થઈને ચાલવા ટેવાયેલા હોય છે. એનાથી એક તો પેલાં મજબૂતનાં મારમાંથી બચાય અને શરીરના અંગો લડાઈમાં વ્યર્થ ગુમાવવા ના પડે. મોટાભાગના ચિમ્પની  એકાદ આંગળી અને કાનની બૂટ ગેરહાજર હોય છે. પરંતુ  mammal  બ્રેન સર્વોપરી બનવાની તક ઝડપી લેવા હંમેશા આતુર હોય છે. એટલે ઍલ્ફા નરની ગેરહાજરીમાં જાણે કે હવે ઈજા પમાય તેવું નથી તો આક્રમક બની લડવાનું શરુ.

બે મૅમલ્સ ભેગાં થાય તરત એમનું બ્રેન નક્કી કરવા માંડશે કે એકબીજા ઉપર Dominant બની શકાશે કે કેમ ? સર્વાઇવલ એના ઉપર આધાર રાખે છે. Mammal બ્રેન પહેલું એજ વિચારશે કે માર ખાધા સિવાય ઘવાયા વગર રોટલીનો ટુકડો મળશે કે કેમ ? અને કોઈ બળવાન એના ઉપર નજર રાખતો હશે તે તરત ઈજા કરશે. આ દુઃખદ અનુભવ શરણે થવા પ્રેરશે. સાચી વાત છે કે આપણે ચોપગાં પશુઓ નથી, માનવી છીએ, પણ જે મૅમલ  ગૃપમાં સમૂહમાં રહેવા ટેવાયેલા છે, સમૂહમાં રહીને સર્વાઇવ થવા ઈવૉલ્વ થયેલા છે તે તમામના પૂર્વજો તરફથી આપણને  Limbic  system  વારસામાં મળેલી છે. જે ન્યુરોકેમીકલ્સ આપણી સારી અને ખરાબ લાગણીઓ માટે કારણભૂત છે તેને કંટ્રોલ કરવાનું  કામ આ લિમ્બિક સિસ્ટમ કરતી હોય છે. જ્યારે તમે પોતાની જાતને સુપિરિઅર અનુભવો ત્યારે mammal  બ્રેઈન  serotonin  સ્ત્રવે છે. આ સ્ત્રાવ સુખનો અનુભવ કરાવે છે. જે તમને સર્વોચ્ચ  પદે રહેવા માટે સદા પ્રેરે છે.

આધુનિક સંવેદનશીલ સમાજ માટે આ ભલે અમાનવીય કૃત્ય ગણાતા હોય પણ આ લાખો કરોડો વર્ષોથી વારસામાં મળેલું ઇવલૂશન છે. માટે આપણી સભ્ય સમજે સર્વોચ્ચ બની રહેવાની સામાજિક પદ્ધતિઓ શોધી કાઢી છે, જેવી કે સમાજસેવા કરવી, નેતૃત્વ કરવું, સારા રમૂજી ટુચકા કહેવા, ચાદર કરતા પગ વધારે બહાર લંબાવવા. સભ્ય Coretx નીચે આપણું mammal બ્રેન સર્વોપરી સુખની અનુભૂતિ ઇચ્છતું હોય છે. પ્યારાં મિત્રો mammal  બ્રેન આ બધું આશરે ૨૦૦ મિલ્યન વર્ષોથી કરી રહ્યું છે. એક મિલ્યન એટલે ૧૦ લાખ, એ હિસાબે ૨૦૦૦ લાખ વર્ષ થયા. આપણે આપણાં પૂર્વજોના જીવંત fossil છીએ.

ડૉમિનન્ટ  ગૃપનેતાની ગેરહાજરીમાં ગૃપના બાકીના બધા સભ્યો અંદરો અંદર લડવા માંડતા હોય છે. એમાં સરકારો અને ફેમિલી ભાગી પડતા હોય છે. પોતે સર્વોપરી છે તેવું બતાવવા ચિમ્પૅન્ઝી અને વાનરો એકબીજા સામે ખૂબ બુમો પાડતાં હોય છે, કિકિયારી કરી મૂકતા હોય છે, વન ગજવી નાખતા હોય છે. કશું કામ ના હોય છતાં સિંહ ગર્જના કર્યા કરતો હોય છે, વાઘ અમથી અમથી ત્રાડો પાડ્યા કરતો હોય છે. Shouting પણ સર્વોપરી છીએ તેવું બતાવવાનો એક સહજ સરળ ઉપાય છે. નેતા માટે ભાષણ આપવાની કળા સફળતાનું મુખ્ય કારણ હોય છે. નબળો નેતા કોઈને ના  ગમે. જે પોતે બચવા માટે ફાંફે ચડ્યો હોય તેવો નેતા તમને પ્રિડેટરથી કઈ રીતે બચાવશે ?

હવેના નેતાઓ ગૃપનું, સમાજનું, દેશનું રક્ષણ કરનારા નેતા બની રહેવાને બદલે પ્રિડેટર બની ચૂક્યા છે. પોતેજ પોતાના દેશવાસીઓને, દેશને  લૂંટી રહ્યા છે. ભારતને હવે આવા એક સર્વોપરી સખત વલણ ધરાવતા dominant વડાપ્રધાનની જરૂર છે. ભારતે હવે બ્રિટિશ પાર્લમેન્ટરિ પધ્ધતિ ફગાવી દઈને દેશની જનતા સીધા વડાપ્રધાન કે પ્રમુખ ચૂંટે તેવી પધ્ધતિ અખત્યાર કરવાનો સમય હવે પાકી ગયો છે. ભારતને હવે એક સાચા લ્ફા નેતાની જરૂર છે.

શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.

શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.

શાહેજહાંનો કરુણ ઇતિહાસ આપણે જાણીએ છીએ. એના દીકરા ઔરંગઝેબે એને નજરકેદ કરી  રાખેલો આગ્રાના લાલ કિલ્લામાં. ત્યાંથી સામે યમુના કિનારે દેખાતા તાજમહાલને આખો દિવસ  જોયા કરતો, જ્યાં એની પ્રિય પત્ની સદાને માટે પોઢી ગઈ હતી. એના બીજા દીકરાઓને એનાં એક  દીકરા ઔરંગઝેબે કતલ કરી નાખેલા અને પિતાને નજરકેદ કરી દિલ્હીની ગાદી કબજે કરી લીધી  હતી. ઔરંગઝેબ આવું કેમ કરી શક્યો? અકબર સામે જહાંગીરે બળવો કરેલો, શાહજહાએ જહાંગીર  સામે બળવો કરેલો. અને શાહજહાં સામે ઔરંગઝેબે બળવો કર્યો. mammals  એટલેકે સ્તનધારી સર્વાઈવ સ્કીલ શીખે છે એમના બચપણ દરમ્યાન. mammals બચપણથી મળેલા અનુભવો દ્વારા જીવનમાં સર્વાઈવ થવાની  કરામતો શીખતા હોય છે. એટલે જે અનુભવો નાનપણમાં થયા હોય તેનું  બેજીક વાયરિંગ (cortex) કોર્ટેક્સની અંદર ગૂંથાઈ  જતુ હોય છે, જે આખી જીંદગી કામ આપતું હોય છે. આ  વાયરિંગ ગૂંથાતા બહુ લાંબો સમય લેતું હોય છે. માટે માનવજાતનું બાળપણ બીજા પ્રાણીઓની  સરખામણીએ ખૂબ લાંબું હોય છે.
જે ન્યુરલ સર્કિટ આપણે ખૂબ લાંબો સમય લઈને બનાવી હોય તે  એકદમ ફેંકી શકાતી નથી. આ સર્કિટ આખી જીંદગી સેવા કરતી હોય છે. આની જાળ બહુ જટિલ હોય  છે, અને મોટાભાગના સ્તનધારી એની નિશ્રામાં મરણ પામતા હોય છે. ગમેતેટલી સલાહ આપો પણ  કેટલાક માણસો ધૂમ્રપાન છોડી શકતા નથી, કે જ્યારે ભ્રષ્ટાચાર કરવાની તક પ્રાપ્ત થાય  છે ત્યારે કાયદાની અવગણના કરે છે. આ બધી સર્વાઈવલ ટેકનીક્સ આપણે સખતપણે પકડી રાખીએ  છીએ છો ને ઘણીવાર તે ફાયદાને બદલે નુકશાન કરતી હોય.  કારણ આપણે તે બચપણમાં શીખ્યા  છીએ. આપણી માનસિકતામાં જડાઈ ગઈ હોય છે.
મોટાભાગે મુઘલ બાદશાહો  નાનપણથી આજ સર્વાઈવલ ટેકનીક્સ અજાણ રીતે અચેતન રૂપે શીખ્યા હતા. પિતા સામે બળવો  કરો, ભાઈઓને મારી નાખો અને રાજગાદી કબજે કરો. હાલનું સરસ ઉદાહરણ બેનજીર ભુટ્ટો છે. એના  પિતાએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, એમને લટકાવી દીધા, બદલો લેવા તેણે પણ ગાદી કબજે કરી  અનેકગણો ભ્રષ્ટાચાર કર્યો અને તેનું પણ મોત થયું, હવે તેમના પતિ પણ એજ માર્ગે  છે, કહેવાય છે વારંવાર સ્વીત્ઝર્લેન્ડની મુલાકાત લેતા હોય છે.
આપણે ગમેતેટલી સદાચારની વાતો કરીએ, ધર્મધ્યાન કરીએ, ટીલા ટપકાં કરીએ, મંદિરો  બાંધીએ, કરોડો સંતો પેદા કરીએ પણ ભ્રષ્ટાચારમાં આપણે નંબર વન કેમ છીએ? બચપણથી  કોર્ટેક્સમાં જો વાયરિંગ કરીને બેઠાં હોઈએ છીએ. આપણે દુકાન ઉપર ગ્રાહકોને છેતરીએ  છીએ, બાળકો જોતા હોય છે. આપણે નોકરી ઉપર ઉપરના પૈસા લીધા વગર કામ કરતા નથી, બાળકો  સમજતા હોય છે. આપણે સવારની શરૂઆત ભગવાનને પ્રસાદ ધરાવી સાથે ભ્રષ્ટાચારની શરૂઆત કરતા  હોઈએ છીએ, બાળકો રોજ જોતા હોય છે, એમાં જોડાતા હોય છે. આપણે સર્વાઈવ થવા જૂઠું બોલતા  હોઈએ છીએ, બાળકો નિરીક્ષણ કરતા હોય છે. આપણે કોઈનો ફોન આવે તો ઘરમાં નથી એવું કહી દે  તેવી આજ્ઞા બાળકોને કે પત્નીને કરીએ છીએ, તે બાળકો અચેતન મનમાં ગ્રહણ કરતા હોય  છે. આપણે ધર્મની પૂંછડી બની આખો દિવસ ફરતા હોઈએ છીએ અને લોકોના લોહી ચૂસતા શરમ  અનુભવતા નથી તે, બાળકો ગાંઠે બાંધી લેતા હોય છે. આપણે ડુંગળી લસણ ખાતા નથી અને બેંકો  ખાઈ જઈએ છીએ તે સર્વાઈવલ સ્કીલનું વાયરિંગ બાળકો એમના કોર્ટેક્સમાં કરતા જતા હોય  છે. બાળક લગભગ ૨૦ વર્ષનું થાય ત્યાં સુધી આ બધી ટેકનીક્સ શીખી ચૂક્યું હોય છે, પછી  આખી જીંદગી અવશપણે એને અનુસરતું હોય છે.
આપણે સંતો સાધુઓ પેદા કરીએ છીએ તે પણ એક  સર્વાઈવલ સ્કીલ છે. વગર મહેનતે રોટલા રળવાની સ્કીલ છે. આપણે વારસાગત ગાદી મેળવી વગર  કષ્ટ પામ્યે સર્વાઈવ થતા ભ્રષ્ટ સંતો, સાધુઓ અને મહારાજોની એક શ્રુંખલા પેદા કરી  ચૂક્યા છીએ. સંતો પોતેજ ભ્રષ્ટ છે, પ્રજાને શું શીખવશે? આજ ભ્રષ્ટ સંતોના પગ પકડી આપણે  સર્વાઈવ થવું છે તેમાં બાળકોને પણ જોડીએ છીએ, સારા સંસ્કારના બહાને.કોઈક ભાગ્યેજ વીરલો એવો હોય કે યુવાનીમાં નવું વાયરિંગ કરી  શકે.એના માટે મક્કમ મનોબળ જોઈએ,નવી સર્વાઈવલ સ્કીલ પેદા કરી શકે.એના માટે એને ખૂબ  મહેનત કરવી પડે છે.નવો ન્યુરલ હાઈવે બનાવવો ખૂબ હાર્ડ વર્ક માંગી લેતો હોય છે.આવા  લોકો તક મળે છતાં લાંચ લેતા નથી.તક મળે છતાં ભ્રષ્ટાચાર કરતા નથી.
ભારતમાં કેટલા બધાં સમાજ સુધારકો પેદા થયા?ગાંધીજી,વિવેકાનંદ,રામ મોહનરાય આવા અનેક લોકે કોર્ટેક્સમાં નવું વાયરીંગ કર્યું અને પ્રજાને નવું વાયરીંગ કરવા ખૂબ શિખામણ આપી.પણ આ લોકો દરેકના ઘરમાં જઈને તો ના રહી શકે કે નાના બાળકોનું વાયરીંગ બદલાઈ જાય?આપણી સર્વાઈવલ સ્કીલ જ એવી છે.જુઓ આશરે ૧૨ મી કે ૧૩ મી સદીથી મુસ્લિમ આક્રમણકારો ભારત ઉપર જુલમ કરવા લાગ્યા હતા તે છેક ૧૭ મી સદીમાં ઢીલા પડ્યા.આ ગાળા દરમ્યાન ભક્તિ મુવમેન્ટ ખૂબ ચાલી.સેંકડો ભક્તો ભગવાનને પોકારો કરતા પેદા થયા.ભયંકર આક્રમણો અને તકલીફોના સમયે આપણે યોદ્ધાઓ પેદા કરવાને બદલે ભક્તો પેદા કર્યા.જેના દાદા કોઈ ઘોડેસવારની  રૂપિયાની પડી ગયેલી થેલી પાછી આપવા માઇલો સુધી એની પાછળ દોડ્યા  હોય તેમના સંતાનો પાસેથી ભ્રષ્ટાચારની અપેક્ષા કઈ રીતે રાખી શકાય??આ સૌરાષ્ટ્રમાં બનેલી સત્ય ઘટના છે. એમના સંતાનો આજે પણ ભ્રષ્ટાચાર કરી શકતા નથી..
Ref -Dr. Loretta Graziano Breuning –આ મહિલાની સેવા ભારત સરકારે લેવા જેવી છે, ભ્રષ્ટાચાર દુર કરવા બાબતે.

Dr. Loretta Graziano Breuning is Professor Emerita  of International Business at California State University, East Bay, where she  taught for 20 years. She specializes in bribery practices around the globe, and  has consulted with the U.S. State Department and the Department of Commerce.

સબલ કે બલ રામ.

સબલ કે બલ રામ.

નિર્બલ કે બલ રામ હોય કદી?નિર્બલ માટે તો ગુલામી હોય કોઈ રામ આવે નહિ મદદ કરવા.આખો ભારતનો ઇતિહાસ તપાસો.ક્યારેય વિદેશી આક્રમણો સામે કોઈ રામે મદદ કરી છે?કોઈ હનુમાન એમની ગદા લઈને મદદ કરવા આવ્યા છે?સૌથી પહેલા આર્યો બહારથી આવ્યા કે તમને ના ગમે તો કોઈ પણ નામ આપો, સ્થાનિક પ્રજા હારી તો એને માથે ગુલામી જ આવી.વર્ણ વ્યવસ્થા શરુ થઈ કે થઈ ચૂકી હતી,હારેલી સ્થાનિક પ્રજા શૂદ્ર બની ગઈ.એને માથે આશરે ૫૦૦૦ વર્ષની ગુલામી લખાઈ ગઈ.૫૦૦૦ વર્ષ બિચારાં,નિર્બળ માટે કોઈ રામ મદદ કરવા આવ્યો નહોતો.૫૦૦૦ વર્ષ તો બહુ કહેવાય કોકે તો આવવું જોઈએ.પણ ના આવે કારણ રામ સબલનો છે.સ્વામી વિવેકાનંદે પણ લખ્યું છે કે પછાત જાતિઓ ઉપર જે અત્યાચાર ભારતમાં લાંબા સમય સુધી થયા તેવા બીજા કોઈ દેશમાં થયા નથી.આના કરતા ઓછા સમય અત્યાચાર કે ગુલામ રાખનારા મુસ્લિમો અને અંગ્રેજોને આપણે આજે ગાળો દઈએ છીએ.બે જણાએ ભેગાં થઈને આશરે ૧૦૦૦ વર્ષ ગુલામ રાખ્યા,જ્યારે આપણે કહેવાતી ઉચ્ચ જાતિઓએ ૫૦૦૦ વર્ષ એક કોમનું,એક હારેલી પ્રજાનું,શૂદ્રોનું શોષણ કરે રાખ્યું.

શોષણકર્તા કરતા વધારે દોષ શોષિત થનારી પ્રજાનો હોય છે,એવું મારું માનવું છે.કારણ કુદરતના કાનૂનમાં બળવાનનું મહત્વ વધુ હોય છે. નિર્બલનો તો જીવ જતો જ રહે.

આશરે ૯૬૦ની સાલથી ગઝનીની સેનાઓ વારંવાર ભારત ઉપર ચડી આવતી.સોમનાથ લૂંટ્યું,શિવલિંગ તોડીને એના મહેલના પગથીયે ચણી નાખ્યું જેથી રોજ એના ઉપર થઈને ચાલી શકાય,શક્ય અપમાન કરી શકાય.કોઈ શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું નહિ.કારણ શિવજી બલવાનના હતા અલ્લાહ રૂપે શિવાજી એની તરફેણ કરતા હતા.૧૧૩૭થી મહમદ ઘોરીની સેનાઓ ભારત ઉપર ચડાઈ કરતી હતી,પછી શાહબુદ્દીન ઘોરી આવ્યો.મહાન પરાક્રમી, કહેવાતા ઐયાશ પૃથ્વીરાજને હરાવી એના દેશમાં લઈ જઈને કબર ભેગો કરી દીધો.આજે પણ ત્યાં એની કબર ઉપર ત્રણ લાતો મારીને આગળ મસ્જિદમાં જવાની સુવિધા બનાવી છે.ચંદ બારોટે કલ્પનામાં ઘોરીને મારી નાખ્યાની કવિતા ઉપર આપણે ખુશ છીએ.૧૧૯૨ થી ૧૫૨૬ સુધી જુઓ,અલાઉદ્દીન,૧૧૯૨થી ૧પ૧૭ના સવા ત્રણસો વર્ષો દરમિયાન કુતુબુદ્દિન ઐબકથી માંડી ચંગીઝખાન, સુલતાન નસીરૂદ્દીન, ગ્યાસુદ્દિન બલ્બન, જલાલુદ્દિન ખિલજી ગ્યાસુદ્દિન તુઘલક, ફિરોઝશાહ અને મુહમ્મદ બિન તુઘલક આ બધાએ ભારતને લૂંટ્યું. આ જ કાળમાં (૧૩૯૮માં) તૈમૂર લંગએ ચઢાઇ કરી. સન ૧૪૧૪થી ૧૪પ૦ સુધી દિલ્હી પર સૈયદોનું રાજ્ય સ્થપાયું સન ૧૪પ૧થી૧પ૧૭ના પ૬ વર્ષ સુધી લોદીઓએ રાજ કર્યું.ત્યાર પછી મુઘલો આવ્યા.રાણા સંગાએ પ્રયત્ન કર્યો,પણ દારૂગોળા આગળ હાર્યા,એમાં મીરાબાઈના પતિદેવ પણ મરાયા હતા.

મીરાંના કોઈ કૃષ્ણ,મોરારીબાપુના કોઈ રામ ભારતને બચાવવા આગળ આવ્યા નહિ.અરે એમનું જન્મ સ્થાન તોડી બાબરી મસ્જિદ બનાવી તો પણ હનુમાન જાગ્યા નહિ.ભાઈ અલ્લાહના રૂપે કૃષ્ણ અને રામ તો એમની પડખે બેસી ગયા હતા.હુમાયુ,અકબર એક ચૌદ વર્ષે બનેલો બાદશાહ,જહાંગીર,શાહે જહાં,ઔરંગઝેબ અને બહાદુરશાહ લગી મુઘલો ચાલ્યા.વચમાં નાદિરશાહ અન અહમદશાહ લૂંટી ગયા.હવે મુઘલો નબળા પડ્યા તો રામ બેસી ગયા બ્રિટીશનાં પલ્લે.જુઓ નબળા પડ્યા કે રામ ગયો,અને રામ ગયો તો પછી કોણ બચાવે?હાર્યે જ છૂટકો.મહાન મુઘલોના વંશજ ભીખ માંગતા શેરીએ શેરીએ થઈ ગયા.હાજી હાલ પણ મહાન મુઘલોના વંશજો દિલ્હીના સ્ટેશને મજૂરી કરતા હોય છે.અને પેલાં ટીપું સુલતાનના વંશજો કલકત્તામાં પગ રીક્ષા ફેરવતા હોય છે.

મહાન ચંદ્ર ગુપ્ત પછી એકપણ ચક્રવર્તી રાજા આપણે પેદા કરી શક્યા નથી.અકબર અને ઔરંગઝેબ આશરે અડધા કરતા વધુ હિન્દુસ્તાન ઉપર કબજો જમાવી શક્યા હતા,જ્યારે મહાન શિવાજી કે રાણા પ્રતાપ વ્યક્તિગત બહાદુર હોવા છતાં આટલું કરી શક્યા નહોતા.રાણા તો રાજસ્થાનમાં પૂરો કબજો જમાવી શક્યા નહોતા,અરે ચિતોડ સુધ્ધા જીતી નહોતા શક્યા.પણ આ બે રાજાઓના લીધે મુઘલો થોડા અલ્પ કહી શકાય તેવા કાબુમાં રહ્યા.બસ આપણી પાસે ગીતડાં ગાવા આ બે રાજાઓ બચ્યા છે.મૂળ આપણે ગીતડાં ગાનારી પ્રજા છીએ.યુદ્ધ આપણું શાસ્ત્ર નથી.યોદ્ધાઓની ફસલ અહી પાકતી નથી,આતો સંતોની ભૂમિ છે.નિર્બળ કમજોર એવા ભક્તોની પુરજોશમાં ફસલ પાકે છે.સદાય રામ પાસે ભીખ માંગતા કવીતડા રચતા,રાધા બની નૃત્ય કરતા,ગરબા ગાતા,અસહાય બની પોકારો કરતા ભક્તોએ દેશની માનસિકતા સાવ સ્ત્રૈણ કરી નાખી છે.અહી યુદ્ધનું શું કામ?જાસુસી તંત્રની અનિવાર્યતા આપણને સમજાતી નથી,જરૂરી લગતી નથી.૧૯૭૧નુ યુદ્ધ અડધુ ‘રો’નામની આપની જાસુસી સંસ્થાને કારણે જીતેલા ગાંધીજીના અનુયાયી એવા મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા અને ‘રો’ને વેતરી નાખી.ચાણક્ય પાસે મજબુત જાસુસી તંત્ર હતું.એના લીધે સમ્રાટ ચંદ્ર ગુપ્ત બળવાન હતો.જાસુસો અડધી રાત્રે ચાણક્યને ઉઠાડી માહિતી આપી શકતા.

બુદ્ધને મહાવીર આવ્યા પછી રાજકીય રીતે પડતી થાય તેવી પ્રજાની માનસિકતા ઘડાવવાની શરૂઆત થઈ ચૂકી હતી.ગુલામ બનવાની તૈયારીઓ શરુ થઈ ચૂકી હતી,સવાલ હતો સમયનો.કે ક્યારે કોઈ ચડી આવે અને શરણે થઈ જઈએ.”અહિંસા પરમોધર્મ”.છેક રશિયા સુધી આંટો મારી ભારત આવેલા મહાન આર્યો,બર્બર આર્યો.જન્મજાત યોદ્ધા આર્યો હવે કાયર,કમજોર બનવાના હતા “અહિંસા પરમોધર્મ”અને “બુદ્ધમ શરણમ ગચ્છામી”નારાઓ થકી. યોદ્ધાઓની ખેતી હવે બંધ થતી ગઈ.અહિંસાના નારાઓ ચારે ઓર ગુંજી ઊઠ્યા હતા.મહાન અહિંસા વાદી ધાર્મિક સંતો અને ભક્તોની ભીડ શરુ થવાની હતી.દેશની સામાજિક બ્લ્યુ પ્રિન્ટ બગડવાની શરૂઆત થઈ ચૂકી હતી.આટલો મોટો દરિયા કિનારો અને કોઈ મહાન નાવિક યોદ્ધો પકવી ના શક્યા.કેમ કે કોઈ દૂરની દ્ગષ્ટિનો અભાવી કહી ગયો કે દરિયો ના ઓળંગાય.

નિઝામના હૈદરાબાદ કરતા ઇંગ્લૅન્ડ નાનું હતું.પણ એ શિસ્તબદ્ધ પ્રજાની પડખે રામ હતો.આજ બ્રીટીશરનાં પડખેથી રામ ખસી ગયેલો જ્યારે અમેરિકાનો સામા થયેલા.રામ રાહ જોતો હોય છે કોણ નબળો પડે અને હું એની પાસેથી ખસી જાઉં.

આપણે અહિંસક છીએ તેવા ગાણાં ગાવા હોય તો ચોઈસ આપણી છે ગુલામ રહો.વિદેશી આક્રમણકારી લૂંટારા છે આપણે તેવા નથી,આપણી સંસ્કૃતિ તેવી નથી તેવા ગીતડા ગાવા હોય તો ચોઈસ આપણી છે હારો અને ગુલામ બની રહો.જીતેલી પ્રજા હારેલાની કીમતી વસ્તુઓ સાથે લઈ જાય તે સ્વાભાવિક છે.તે લોકો પ્રેમથી ભેટવા તો આવતા નથી,લૂંટવા જ આવે છે તે સત્ય છે.આપણે લૂંટારા નથી,હિંસક નથી તેવા કવીતડા ગાવા હોય તો લૂંટાવાની,ગુલામ બની રહેવાની મજા માણો,અને તે મજા ૧૦૦૦ વરસથી માણીએ જ છીએ.જુઓ આપણો એક રાજકર્તા જગતના એક નંબરના ત્રાસવાદીને ઓસામાજી કહીને માન અર્પી રહ્યો છે.આ ત્રાસવાદીઓ માનવતાનો મલાજો તો રાખતા નથી અને આપણા ડરપોક રાજકર્તા એના મોતનો મલાજો રાખવાની શિખામણ અમેરિકાને આપે છે.આપણે એક ત્રાસવાદીને ફાંસીએ ચડાવી શકતા નથી,અસંખ્ય પુરાવા હોવા છતાં.આપણે ડંફાસ મારવામાં નિષ્ણાત છીએ.અમેરિકા જેવી સીલ ટીમ જરૂર આપણી પાસે છે,પણ આપણા રાજકર્તાઓ એને  એવું કામ સોંપવા તૈયાર છે ખરા?આપણે ભારતના મોસ્ટ વોન્ટેડને  ઉપાડી લાવવાનું કામ એને સોંપી શકીશું ખરા?તો પછી ડંફાસ મારવાની શું જરૂર હતી?

હવે સમય પાકી ગયો છે નિર્બલ કે બલ રામ જેવા સૂત્રો ફગાવી દેવાનો.