

મા, માતા, જગત જનની, The spirit of the valley.
મા એટલે? આઈ; જનેતા; બા; જનની; જી; માતા; જનયિત્રી; પ્રસૂ; માતુશ્રી; માઈ. વિનોબા લખે છે કેઃ બિલકુલ પહેલી પરમેશ્વરની મૂર્તિ, જે આપણી પાસે છે, તે છે ખુદ આપણી મા. શ્રુતિ કહે છે કે, માતૃદેવો ભવ. વત્સલતાના રૂપમાં તે પરમેશ્વરની મૂર્તિ જ ત્યાં ઉપસ્થિત દેખાય છે. તે માતાની વ્યાપ્તિને આપણે વધારી લઈએ અને વંદે માતરમ કહીને રાષ્ટ્ર માતાની તરફ અને પછી અખિલ ભૂમાતા પૃથ્વીની પૂજા કરીએ.
મા અંબા, મા દુર્ગા હોય, મા કાલી હોય કે મા ખોડલ માતા જગત જનની છે તે હકીકત છે.
ચીનના મહાન રહસ્યવાદી સંત લાઓત્સેએ તાઓ તેહ કિંગ નામનું અજોડ પુસ્તક લખ્યું છે. એમાં એમણે લખ્યું છે કે, “ખીણનો આત્મા ક્યારેય મરતો નથી. નિત્ય છે. એને સ્ત્રૈણ રહસ્ય કહે છે. આ સ્ત્રૈણ રહસ્યમયીનું દ્વાર પૃથ્વી અને સ્વર્ગનું મૂળ સ્ત્રોત્ર છે. એ સર્વથા અવિચ્છિન્ન છે. એની શક્તિ અખંડ છે. એનો ઉપયોગ કરો અને તેની સેવા સહજ ઉપલબ્ધ થાય છે”. જેનો જન્મ છે, એનું મૃત્યુ નક્કી જ છે. મ્રત્યુની પાર એજ જઈ શકે જેનો જન્મ ના હોય. પ્રકાશ જન્મે છે અને મટી જાય છે. પરંતુ અંધકાર શાશ્વત છે. દીવો પ્રગટે છે અંધકાર ત્યાં જ હોય છે, ફક્ત દેખાતો નથી. દીવો ઓલવાઈ જાય છે અંધકાર પોતાની જગ્યાએ. એટલે લાઓત્સે કહે છે ખીણનો આત્મા મરતો નથી. ખીણ બે પર્વતની વચ્ચે દેખાય છે. પર્વત ના હોય તો પણ ખીણ ત્યાં જ હોય છે. ફક્ત દેખાતી નથી. અંધારું પણ ત્યાં જ હોય છે, ખાલી દીવા પ્રગટે એટલે છુપાઈ જાય છે. આને જ લાઓત્સે કહે છે The female mystery thus do we name. આ સ્ત્રૈણ રહસ્ય ખીણનું રહસ્ય છે, જે અસ્તિત્વમાં ઊંડે સુધી વ્યાપ્ત છે. આ ખીણનું સ્ત્રૈણ રહસ્ય જ માતા છે, એને મા અંબા, દુર્ગા કે કોઈપણ નામે બોલાવો.
દુનિયાના પ્રાચીન ધર્મોએ પરમાત્માને સ્ત્રીના રૂપમાં માન્યો છે, પુરુષના રૂપમાં નહિ. જગત જનની મા અંબા, દુર્ગા, કાળી, આ બધા પરમાત્માના રૂપ હતા. એમની સમજમાં ગહેરાઈ હતી, પરમાત્માને પરમ પિતા માનવાવાળા કરતા. જેમ જેમ પુરુષોનો પ્રભાવ વધવા લાગ્યો ઈશ્વરની જગ્યાએ પુરુષોને બેસાડ્યા. ગોડ ધ ફાધર એ નવી વાત છે. ગોડ ધ મધર એ પ્રાચીન વાત છે.. પ્રાણી કે પક્ષી જગતમાં પણ માતા નિશ્ચિત હોય છે, જ્યારે પિતા કોઈ પણ હોઈ શકે. પ્રકૃતિ પિતાનું કામ બાળકના જન્મ માટે ગહેરાઈથી નથી લેતી. એક બીજ(સ્પર્મ) રોપણ(ઇન્જેક્ટ) થઇ ગયું કામ પિતાનું પૂરું. ગહેરું કામ તો માતાનું છે. સૃજનાત્મક કામ તો માતાનું છે. જન્મ આપવાનું કામ એટલું બધું ક્રિએટીવ છે કે પછી સ્ત્રીને માતાને કોઈ નાના ક્રિએટીવ કામમાં રસ હોતો નથી. એટલે પુરુષ ચિત્રો બનાવે, મૂર્તિ બનાવે, ગીત લખે, સંગીત બનાવે, નવી નવી શોધો કરે. સ્ત્રીઓ રસોઈ કરે પણ સારા નવા વ્યંજન તો પુરુષ જ શોધે. મોટાભાગે પુરુષ જ ગણિત શોધે, વિજ્ઞાન શોધે. એક મા બન્યા પછી, એક બાળક પેદા કર્યા પછી સ્ત્રીને કશું બનવામાં ખાસ રસ હોતો નથી. એક પરમ તૃપ્તિ. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. લાઓત્સેનું સ્ત્રીના શરીરમાં રહેલું રહસ્ય સમજાશે તો અસ્તિત્વમાં રહેલું સ્ત્રૈણ રહસ્ય સમજાશે. લગભગ બધા શાસ્ત્રો પુરુષોએ રચેલા છે, અને પુરુષને કદી સ્ત્રી સમજમાં નથી આવતી. કઈક રહસ્યમય, પુરુષ સ્ત્રીના પેટે જન્મે છે, જીવે છે સ્ત્રી સાથે છતાં કૈક છૂટી જાય છે સ્ત્રીને સમજવામાં. એ જ તો ખીણનું, અંધકારનું સ્ત્રૈણ રહસ્ય.
સ્ત્રી ખરેખર સંપૂર્ણ સ્ત્રી હોય તો પ્રેમમાં પડે તો પણ પ્રતીક્ષા કરે છે. પહેલ ક્યારેય ના કરે. હાજરી માત્રથી આકર્ષિત કરવાનું કામ સ્ત્રીનું છે. જરાપણ ઈશારો ના મળે કે પ્રેમમાં પડી છે. આજકાલની પુરુષ સમોવડી બનતી જતી સ્ત્રીઓની વાત નથી. સ્ત્રીનું આકર્ષણ પ્રયત્ન વગરનું હોય છે, બોલાવે છે પણ અવાજ નથી, હાથ ફેલાવે છે પણ હાથ દેખાતા નથી. પ્રાર્થના પણ પુરુષે જ કરવી પડે. ઘૂંટણીયે પડી ને કહેવું પડે કે Will you marry me? પુરુષ ના કહે એટલે ના જ સમજવું જ્યારે સ્ત્રી ના કહે તો હા સમજવું. સ્ત્રી હા કહે તો એ પુરુષની ભાષા છે. એટલું પણ આક્રમણ લાગે છે. છીછરી લાગશે. નાં પાડે છે અને બોલાવે છે એ જ તો રહસ્ય છે.
એ ભ્રાંતિમાં પુરુષ ના રહે કે સ્ત્રી કશું કરતી નથી. એનો ઢંગ નિષેધાત્મક છે. નિષેધ એની તરકીબ છે. સ્ત્રી રતિક્રીડામાં પણ નિષ્ક્રિય, નિશ્ચેષ્ટ છે. એટલે સ્ત્રી પર ભાગ્યેજ બળાત્કારનો ગુનો દાખલ થાય છે. અમેરિકામાં સ્ત્રીઓ સક્રિય બનતા આવા ગુના સ્ત્રીઓ પર દાખલ થયા છે. મૂળ ભારતીય એવી મહિલા શિક્ષિકા પર અમેરિકામાં આવા ગુના દાખલ થયા છે, છે ને નવાઇ ની વાત? સ્ત્રીના વ્યક્તિત્વમાં બળાત્કાર અસંભવ છે. બળાત્કાર તો પુરુષ કરે છે. સો માંથી નેવું વખત પુરુષ બળાત્કાર જ કરતો હોય છે, ઘરમાં પણ. પત્ની ચુપ છે, કર્તવ્ય છે ભલે એની જરાપણ ઈચ્છા ના હોય. પુરુષ આક્રમક છે, સ્ત્રી ગ્રાહક છે, ગ્રહણશીલ છે. પરંતુ સૃજન થાય છે સ્ત્રી થકી. પુરુષ સંયોગિક છે. એના વગર ચાલી જાય, શુક્રાણુ બેંક હવે હાજર છે.
જન્મ ગહન અંધકારમાં થાય છે. બીજ ફૂટે છે જમીનમાં ગહન અંધકારમાં. વ્યક્તિ જન્મે છે પહેલા માના ગર્ભ રહેલા ગહન અંધકારમાં. બાળકો પણ મોટા ભાગે રાત્રે જ જન્મે છે. દિવસે જન્મે છે પણ ઓછા. જીવન પેદા થાય છે ગહન અંધકારમાં. પુરુષ આક્રમક છે માટે જલ્દી થાકી જાય છે. આક્રમણ થકવી નાખે. સ્ત્રી જલ્દી થાકે નહિ. એક સંભોગ અને વાર્તા પૂરી. પુરુષ વૈશ્યા ના બની શકે. હવે બનવા લાગ્યા છે પણ એની મર્યાદા છે. સ્ત્રી બની શકે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે. પચાસ સંભોગ સુધી પછી આગળ છોડી દીધેલ. એ કશું કરતી નથી માટે થાકતી નથી. બાળકો પેદા થાય છે ત્યારે ૧૦૦ છોકરીઓ સાથે ૧૧૬ છોકરા પેદા થાય છે. કારણ પુરુષ ભલે બળવાન દેખાતો, છે કમજોર. ૧૬ તો જવાના જ ચૌદ વરસ થતા થતા. એક સ્ત્રી ૨૦ બાળકોને જન્મ આપે છતાં પુરુષ કરતા પાચ વરસ વધારે જીવવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રી બીમાર ઓછી પડે છે. આજે જે બીમારીઓ સ્ત્રીઓને લાગી છે એ સ્ત્રીઓની નથી. પુરુષોએ જે સમાજ બનાવ્યો છે એની શોધ છે. પુરુષ પ્રધાન સમાજમાં એને અનુકૂળ થવું પડે છે. હિસ્ટીરિયા પુરુષોના સમાજમાં એડજસ્ટ થવા ને લીધે આવે છે.
લોકો અને સ્ત્રીઓ પણ એવું સમજતી હશે કે સ્ત્રી કમજોર છે માટે પુરુષોએ દબાવી દીધી છે. અસલ વાત એ છે કે સ્ત્રી એટલી શક્તિશાળી છે કે પુરુષોએ એને દબાવી ના દીધી હોત તો એણે પુરુષોને દબાવી દીધા હોત. એ એટલી શક્તિશાળી સિદ્ધ થઇ શકે છે કે આખી દુનિયામાં બધે જ એને બચપણથી જ દબાવી દેવાના પ્રયત્ન શરુ થઇ જાય છે. ચીનમાં નાનપણ થી એને લોખંડના જૂતા પહેરાવતા એના પગ સાવ નાના નાજુક રહી જાય. એ દોડી ના શકે, કોઈના સહારા વગર ચાલી પણ ના શકે. હવે જોકે ચીનમાં આ પ્રથા બંધ થઇ ગયી છે. પણ મેં જાતે ટીવીમાં ઉંમરલાયક ચીની સ્ત્રીઓના આવા વિકૃત થઇ ગયેલા પગ જોયા છે. ચાલી પણ ના શકે. પ્રકૃતિએ એને જન્મ આપવાની જવાબદારી સોપી છે, અને આ જવાબદારી એને સોંપાય જે શક્તિશાળી હોય.
લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્ય સમજી લો. આ ખીણના આત્માને સમજી લો. આ ખીણનો આત્મા કદી મરતો નથી, કદી થાકતો નથી. આ નકાર છે ન કરીને કરવાની કળા છે. વગર આક્રમણે આક્રમણ કરવાની કલા છે. આ સત્ય સમજીને જ કોઈ જીવનનું પરમ રહસ્ય સમજી શકે. પરમ સત્ય ઉપર આક્રમણ નથી કરી શકાતું. પુરુષની જેમ પરમ સત્યનું રહસ્ય ના પામી શકાય. જેમ કે સ્ત્રી પ્રેમમાં કશું કરતી નથી પોતાને છોડી દે છે જેથી પુરુષ એનામાં ઉતરી શકે તેમ જે પોતાના હૃદયના દ્વાર ખોલી ને ફક્ત ઉભો રહી જાય તેનામાં પરમ સત્ય તરત પ્રવેશી જાય છે. ગમે તેટલા ભટકો, દુર દુર શોધો સાધનાઓ કરો, જન્મો જનમ ભટકો પરમ સત્ય ના મળે. બુદ્ધ છ વર્ષ ભટક્યા, મહાવીર બાર વર્ષ ભટક્યા. થાકવા માટે ભટક્યા. જેવા થાક્યા ફક્ત ઉભા રહી ગયા, ને પામી ગયા. પુરુષની મનની વ્યવસ્થામાં રાહ જોવાનું છે જ નહિ. સ્ત્રી જન્મો જનમ રાહ જોઈ શકે છે. પુરુષને બધું ઇનસ્ટંટ જોઈએ, કોફી ઇનસ્ટંટ સેક્સ પણ ઇનસ્ટંટ, એટલે લગ્ન વ્યવસ્થા શોધી નાખી. જ્યારે જોઈએ ત્યારે હાજર. માટે હિંદુઓમાં પુરુષોને વિધુર રાખવાની વ્યવસ્થા ના હતી, સ્ત્રીઓ માટે વિધવા રાખવાની વ્યવસ્થા હતી. આમાં સ્ત્રી પર બળજબરી તો હતી, સાથે સાથે સ્ત્રીઓની પ્રતીક્ષા કરવાની ક્ષમતાની સમજ પણ હતી. સ્ત્રી પર ભરોસો કરી શકાય, પુરુષ પર નહિ. કુંવારી છોકરીમાં જે સૌન્દર્ય હોય છે તે પ્રતીક્ષાનું હોય છે. એટલે સમાજોએ સ્ત્રીના કુંવારાપણની ચિંતા કરી છે, પુરુષના નહિ. એ સૌન્દર્ય લગ્ન પછી ખોવાઈ જાય છે અને ફરી પેદા થાય છે જ્યારે સ્ત્રી મા બનવાની હોય છે. ગર્ભવતી સ્ત્રીના મુખની સુંદરતા કઈ ઓર જ હોય છે. એક ગહન પ્રતીક્ષાનું સૌન્દર્ય છે. બાળકના જન્મની પ્રતીક્ષા. મા અને એના બાળક સાથે જે તાદાત્મ્ય હોય છે એટલું એના પતિ સાથે પણ હોતું નથી. આ મૌન પ્રતીક્ષામાં બે વાત બને છે, એક તો બેટાનો જન્મ થાય છે, સાથે એક માતાનો પણ જન્મ થાય છે. એટલે પૂર્વના દેશોએ પત્નીને નહિ પણ માતાને પરમ આદર આપ્યો છે. પત્ની કે પ્રેયસી બનવું એ ચરમ ગરિમા નથી, માતા બનવું એ ચરમ ગરિમા છે. માતાને પરમાત્મા પછી તરતનું સ્થાન આપ્યું છે.
માતા બન્યા પછી સ્ત્રી તૃપ્ત થઇ જાય છે. ગહન તૃપ્તિ. એમાં તે રાજી છે માટે એને વર્ષો સુધી ગુલામ તરીકે રાખી શક્યા છીએ. અતૃપ્તિ ખુબ મુશ્કેલી થી એમનામાં પેદા થાય છે. બાયોલોજીકલ ગરબડ થાય તો જ એનામાં અતૃપ્તિ પેદા થાય. જે દિવસે એ બેચેન થાય તો એને ચેનમાં લાવવી મુશ્કેલ છે. સીધી પાગલ બની શકે છે. કાંતો શાંત, કાંતો પાગલ. પુરુષ મોટામાં મોટી શાંતિમાં પણ શાંત રહી શકતો નથી. નિત્સે બુદ્ધને સ્ત્રૈણ કહેતો હતો. જે મહાપુરુષો સ્ત્રૈણ રહસ્ય પામીને શાંત થઇ ગયા, બુદ્ધ, મહાવીર બધાને દાઢી મુછ વગરના બતાવ્યા છે. ચોવીસે તીર્થંકરોને દાઢી મૂંછ વગરના બતાવ્યા છે. સ્ત્રૈણ એટલે સ્ત્રી ના સમજવું. આ રહસ્ય પરમ શાંત છે માટે પુરુષ નામ ના આપી શકાય. તેની ઉપસ્થિતિની કશી ખબર જ ના પડે. એટલે સાચી સ્ત્રી એ નથી જે એના પતિ કે પ્રમી ને ચોવીસે કલાક તેના હોવાની ખબર આપ્યા કરે. પતિ ઘરે આવે પત્ની હજાર ઉપાય કરશે તેની હાજરી દેખાડવા. વાસણ પછાડશે, છોકરાઓને મારશે. પતિ પણ પૂરો ઉપાય કરશે છાપામાં મોં ઘાલી ને કે તું ગમે તેટલી ધમાલ કર હું ક્યાં ધ્યાન આપું છું?
આગળ લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્યમયીનું દ્વાર સ્વર્ગ અને પૃથ્વીનો મૂળ સ્ત્રોત છે. ચાહે પદાર્થ નો હોય કે ચેતનાનો જન્મ થાય છે અસ્તિત્વની ગહેરાઈમાં. એટલે જે લોકોએ દુર્ગા, અંબા ને જગત જનની પરમાત્મા માન્યા છે એમની સમજમાં ઊંડાઈ છે. માતા કાળી ને જોઈ છે? વિકરાળ, હાથમાં ખપ્પર, પગ નીચે કોણ સુતું છે? બહુજ કલ્પનાશીલ હતા એ લોકો જેમણે આ પ્રતીક રચ્યું છે. જે સૃજનાત્મક છે એજ વિનાશક છે. સૃષ્ટિ જ્યાંથી પેદા થાય છે ત્યાંથી જ પ્રલય પામે છે. માતા જન્મ આપે છે એજ માતા વિકરાળ બની મૃત્યુ આપે છે.
લાઓત્સે આગળ લખે છે આ રહસ્ય અવિચ્છિન્ન છે, શૂન્ય છે, અખંડ છે. દીવો હોલવાય અંધકાર હાજર જ છે. પુરુષ તોફાનની જેમ આવે છે વિદાય થઇ જાય છે. પુરુષ પણ અંતિમ ક્ષણ સુધી સુંદર રહી શકે જો આ સ્ત્રૈણ રહસ્ય ને પામી જાય તો, માટે આપણે બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણના ઘડપણના ચિત્રો બનાવ્યા નથી. લાઓત્સે કહે છે ભદ્ર રૂપે એનો ઉપયોગ કરો. એટલે તમે જેટલા ભદ્ર બનશો એટલા સ્ત્રૈણ બનવાના. જેટલા અભદ્ર એટલા પુરુષ.. કારણ અભદ્ર પુરુષ તરીકે વધારે સક્ષમ કામુકાતામાં પણ દેખાશે. એટલે ફિલ્મોમાં પણ રફટફ મસ્ક્યુલર નાયકો સારા ચાલી જાય છે. પુરુષ સ્ત્રીને અડકશે તોપણ એને દર્દ થાય તેમ અડકશે. હાથ જોરથી દબાવશે. ચુંબન પણ વધારે પ્રેમથી આપશે તો કરડી ખાશે. નખ દંશ કરી લોહી કાઢશે. ક્યારેક વધારે પડતા પ્રેમમાં હત્યા પણ થઇ જાય. એવા દાખલા કોર્ટે ચડેલા પણ છે. એટલે લાઓત્સે કહે છે ભદ્રતાથી વહેવાર કરો અસ્તિત્વને જરાપણ પીડા ના પહોંચે. આજ તો અહિંસા છે.
અસ્તિત્વની સ્ત્રૈણ ગહેરાઈમાં, અખંડ શક્તિમાંથી બધું જન્મે છે અને બધું લીન થાય છે. આજ છે જગત જનની મા અંબા, મા ભવાની, મા દુર્ગા, મા કાળી, મા ખોડલ……..