All posts by Bhupendrasinh Raol

વિચારવાની બારીઓ ખોલીને બેઠેલો સીધોસાદો માનવી.

“નર્કારોહણ”-૧

 

“નર્કારોહણ”-૧
નરક તરફ પ્રયાણ,,,
  ફ્રોઈડ કહેતો કે દિવસે અતૃપ્ત રહેલી ઇચ્છાઓ માનવી સપનામાં પૂરી કરતો હોય છે. જો કોઈ એવું કહે કે એમને સપના આવતા નથી તો ખોટી વાત છે. હા એવું બને કે એમને સપના યાદ ના રહેતા હોય. ફક્ત  વહેલી સવારે જાગતા પહેલા આવેલું છેલ્લું  સ્વપ્ન જ યાદ રહેતું હોય છે. એ પહેલા જોએલા સ્વપ્નો લગભગ યાદ રહેતા નથી. રાત્રે તમે સ્વપ્નો જોતા હોવ ત્યારે તમારી આંખો  અંદર ઝડપથી ફરતી હોય છે ભલે બહાર આંખોના પોપચાં બંધ હોય. આને રેપીડ આઈ મુવમેન્ટ કહેવાય છે. ટૂંકમાં એને રેમ કહે છે.
    શ્રી મોરારીબાપુ એક ટીવી ઈન્ટરવ્યુંમાં બોલેલા કે એમને સ્વપ્ના આવતા જ નથી. પણ એ ખોટું છે, એમને યાદ રહેતા નહિ હોય. સ્વપ્ના આવે તે ખોટું જરાય નથી, આવતા જ હોય છે. રશ્મીકાંત દેસાઈ સાહેબે અમને એકવાર પ્રેમાળ શબ્દોમાં લખેલું કે નરકમાં જવાના છો, આવું ને આવું લખ્યા કરશો તો. એકવાર હું મારા કંધશુલ એટલે ખભાના દુખાવા માટે થેરાપીસ્ટ પાસે ગયેલો. ત્યાં બેઠેલી રીસેપ્નીષ્ટ નૈયા મને પૂછે કે ક્યારની એપોઇન્ટમેંટ આપું? સંડે કે મન્ડેની? ત્યારે મેં મજાકમાં કહ્યું કે સંડે હો યા મન્ડે રોજ ખાઓ અંડે. તો બાજુમાં એક યુવાન ટીલા ટપકા કરેલા ભાઈ બોલ્યા કે તમારા જેવાને લીધે અમને શાકભાજી સસ્તા મળે છે. મને પુચ્છ્યું પણ નહિ કે હું ઈંડા ખાઉ છુ કે નહિ. મેં કહ્યું એનું પુણ્ય અમને મળશે. તો કહે માંસાહારીઓ બધા નરકમાં જવાના. મેં એમની સાથે દલીલો કરવાનું મુનાસિબ માન્યું નહિ. મૂરખો સાથે શું દલીલો કરવાની? ઘણા બધા મિત્રોનું માનવું છે કે હું નરકમાં જવાનો છું. મને પણ એવું લાગે છે. જોકે મારું સ્વાગત કરવા દેસાઈ સાહેબે મારા પહેલા ત્યાં પહોચી જવાનું વચન આપેલું છે. મેં પણ એમને જણાવેલ કે ત્યાં ઘણા બધા મહાનુભવો હાજર હશે, એમાંથી કોના કોના ઈન્ટરવ્યું લેવા છે તે લિસ્ટ બનાવી રાખશો. બસ આવી વાતોમાં એક રાતે હું પણ ઊંઘમાં નરકમાં પહોચી ગયો. દેસાઈ સાહેબે એમની તતૂડી વગાડી અમારું તડાકાભેર સ્વાગત કર્યું. હું શોધતો હતો પેલાં મોટા તાવડા જેમાં પાપીઓને શેકતા હોય લાખો વર્ષ લગી.
‘મારો કયા તાવડા માં નંબર છે?’
‘અહી તો કોઈ તવા મને દેખાતા નથી.’ દેસાઈ સાહેબ બોલ્યા.
   પણ બધા મહાનુભવો અહી ફરે છે ચાલો તમને બતાવું. અમે તો ફરતા ફરતા પહોચી ગયા શ્રી રામજી પાસે. સીતા મૈયા બાજુમાં જ બેઠાં હતા. મને નવાઈ લાગી. આ લોકો અહી કેમ બેઠાં હશે? આ લોકો તો સ્વર્ગમાં હોવા જોઇને? દેસાઈ સાહેબ વગર મૂછે મુછોમાં હસતા હતા. મને કહે પગે લાગો અને પૂછવા માંડો. પછી ચાન્સ નહિ મળે. હું તતૂડીમાં ઉતારવા માડું છું. સીતાજી ખૂબ રૂપાળાં, અદ્દલ દીપિકા ચીખલીયા જેવા. અને રામજી પણ ખૂબ હૅન્ડસમ લાગે અદ્દલ અરુણ ગોવિલ જેવા. પહેલા તો ચકરાઈ ગયેલો આ અરુણ ગોવિલ અને દીપીકાજી જ હશે. આમ તો ડભોઇમાં એકવાર દીપીકાજીની સભા હતી ત્યારે ખૂબ નજીકથી મંચ ઉપર એકબાજુ ઉભા ઉભા એમનો ભાષણ કરતો વીડીઓ ઉતારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. ત્યારે હું એમની સુંદરતા જોઇને મોહિત થઈને એકટસ એમને જોયા કરતો હતો. સ્ત્રીઓની સીકસ્થ સેન્સ સારી હોય છે, એ ભાપી ગયેલા કે આ મોહન સતત સામે જોયા કરે છે ઘાયલ થઈ ગયો લાગે છે. મને પણ એમની આંખોના ભાવ સમજાઈ ગયેલા. પછી પ્રયત્નપૂર્વક બીજે જોયા કરતો હતો.
   અમે તો જઈને નમી પડ્યા, બંનેને વંદન કરી બાજુમાં ઉભા રહ્યા. રામજી તો અંતર્યામી સામેથી જ કહે,
‘આવી ગયા! સ્વાગત છે, તમે તો સીતાજીનો પક્ષ લઈ ને અમારી સામે પણ ખૂબ બાણ(શબ્દોના) છોડ્યા છે ને કઈ?’
‘હા ભગવન! અમને જરા એમાં અન્યાય જેવું લાગેલું માટે બધું લખતા હતા.’
‘સાચી વાત છે તમારી એમાં અમને કોઈ દ્વેષ નથી તમારા તરફ, અમે ભૂલો કરેલી જ અમે પણ માનવ જ હતા, માણસ માત્ર ભૂલને પાત્ર.’
‘પણ ભગવાન આવું કેમ કરેલું? ત્યાગ અને અગ્નિ પરીક્ષા મને નહિ ગમેલું માટે મેં વિરોધમાં બહુ લખેલું.’
‘સાચી વાત છે વત્સ, પણ એ જમાના પ્રમાણે અમે બધું કર્યું હશે, પણ અમે સમાજ ઉપર નવો દાખલો બેસાડી શક્યા હોત એવું બધું ના કરીને પણ અમે ચાન્સ ગુમાવ્યો.’
‘ભગવન, એમાં ભારતના પુરુષ વર્ગે આપનો દાખલો લીધો અને  હજુ સુધી ભારતની નારીઓને અગ્નિપરીક્ષાઓ આપવી પડે છે. અને ત્યાગ પણ થાય છે. અમારા એક લેખિકા વર્ષા અડાલજા કાયમ બુમો પાડતા હોય છે કે  આ સ્ત્રીઓની અગ્નિ પરીક્ષા ક્યારે બંધ થશે?’
‘હા વત્સ મને જાણીને ખૂબ દુખ થાય છે, હજુ પણ નારીઓને ધરતીમાં સમાઈ જવું પડે છે.’
‘ભગવન, આપે સરયુમાં કેમ જળસમાધિ  લીધી હતી?’
‘વત્સ શેની જળ સમાધિ? અરે ભાઈ સીતાજી ધરતીમાં સમાઈ ગયા, અમે એમને ખૂબ અન્યાય કરેલો એમનું દુખ અને વિરહ અમે સહન કરી ના શક્યા માટે અમે પાણીમાં સમાઈ ગયા. અને જલદી અહી ભેંગા થઈ ગયા.’
     ભગવન રામ ઇમોશનલ થઈ ગયેલા. આંખોમાં પાણી દેખાવા લાગ્યું. એટલે અમે સીતાજી તરફ વળી ગયા.
‘જય હો મૈયા! આપ અયોધ્યા પાછાં કેમ ના ગયા? ભગવાને માફી તો માંગેલી પછી?’
‘વત્સ હું પણ માનવી હતી, મારે પણ ફીલિંગ્સ હોય, મારે પણ સ્વમાન હોય કે નહિ?’
‘સાચી વાત મૈયા, એટલે આપે ભગવનને માફ ના કર્યા.’
‘હાસ્તો વળી, ના જ કરુંને? મન ફાવે તેમ સ્ત્રીઓ સાથે વર્તન કરે તે મારા જેવી કેમ સાંખી લે? અને હું સમાજ પર દાખલો બેસાડવા માગતી હતી કે આવી રીતે વારંવાર ભૂલો કરતા પુરુષોને માફ ના કરશો.’
‘પણ મૈયા સમાજ તો કશું શીખ્યો જ નથી.’
‘વત્સ ક્યાંથી શીખે? ખોટા અર્થ ઘટન થતા હોય ત્યાં? જુઓ ધરતીમાં ખૂબ એનર્જી ભેગી થાય ત્યારેજ ધરતી ફાટે, એમ મારા કહેવાથી ધરતી ના ફાટે.
‘મૈયા આપે ખુદને જ સજા કરી દીધી? સુસાઈડ કરી લીધું એમજ ને?’
‘વત્સ એક તરફ આખો સમાજ હોય અને એક તરફ એક સ્ત્રી હોય તો શું કરે? ખુદને જ સજા કરે, જે મેં કર્યું હતું.’
‘તો મૈયા આપની પડખે કોઈ જ ના હતું?’
‘વત્સ હતું એક માનવી, ઋષિ વશિષ્ટના વિદુષી પત્ની  અરુંધતી દેવીએ પ્રતિજ્ઞા લીધેલી કે રામ વડે ત્યજાએલી સીતા વિનાની અયોધ્યામાં પગ નહિ મુકું.’
‘મૈયા એ પણ સ્ત્રી હતા એકલાં એમની તતૂડી કોણ સાંભળે.’
    સીતા મૈયાના મુખ પર વિષાદ છલકાઈ આવ્યો. એટલે અમે ભગવન સામે મુખ ફેરવ્યું.
‘ભગવન આપ લોગન નર્કમાં કેમ?’
‘વત્સ ૧૪ વર્ષ વનમાં શું ખાઈએ? અને આમેય અમે હતા ક્ષત્રિય શિકાર હરણના કરતા એટલે પહેલા તો અમે સ્વર્ગમાં હતા, પણ હમણાં ટ્રેન્ડ બદલાઈ ગયો છે માટે અહી ટ્રાન્સ્ફર થઈ છે થોડા વખતથી.’
‘ભગવન પણ સીતા મૈયા કેમ અહી?’
‘વત્સ આમતો સ્ત્રીઓ પ્લાન્ટ ગેધરિંગ કરતી અને પુરુષો શિકાર એટલે મૈયા લગભગ શાકાહારી હતા, પણ કોઈ વાર એક્સટ્રા પ્રોટીન માટે  ખાઈ લેતા, પણ વસ્ત્રો એમને સોનેરી ટપકા વાળા હરણના ચર્મના ખૂબ ગમતા એ પાપ.’
       અમે બંને ને સંયુક્ત સવાલ કર્યો,
‘હવે ભારતમાં સ્ત્રીઓનું મૂલ્ય વધી રહ્યું છે, છતાં જોઈએ તેવું નહિ, તો ઉપાય શું?’…બંને સાથે બોલ્યા કે
‘વત્સ પુરુષોને  ખાસ રસ એમાં ના હોય પણ સ્ત્રીઓ એ જ એમનું મૂલ્ય સમજવું પડશે, અને પુરુષોનાં કાન પકડી એ મૂલ્ય સમજાવવું પડશે.’
‘ભગવન બીજો કોઈ સંદેશ?’
‘વત્સ આ બાપુઓએ ખાસ તો મોરારીદાસે મારી કથા હવે બંધ કરી દેવી જોઈએ, હવે સમાજ, પરિસ્થિતિ બધું ચેઇન્જ થઈ ગયું છે, હવે એની જરૂર નથી. છતાં રોટલા રળવા હોય અને બીજું કશું ના આવડતું હોય તો  નવા પરીક્ષેપમાં  કથાઓ કરવી જોઈએ. કે ભાઈ  સ્ત્રીઓ વસ્તુઓ નથી. એમનું  મૂલ્ય સમજો. મેં ભૂલ કરી હતી તેવી હવે ના કરશો.’
‘પણ ભગવાન, આ લોકો તો કહે છે ’રામ કથા જગ મંગલ કરની’(શ્રી ગુણવંત શાહ ઉવાચ)એટલે હજારો વર્ષ થયા પણ બંધ કરતા નથી.’
‘વત્સ, હજારો વર્ષથી મારી કથાઓ ચાલે છે, છતાં જગની વાત છોડો ભારતનું કોઈ મંગલ થયું હોય તેવું દેખાય છે ખરું? સેંકડો વર્ષ લાગી દેશ ગુલામ રહ્યો છે. ઇન્ડોનેશિયામાં પણ રામાયણ ભજવાતી હતી, હવે મોટાભાગનું ઇન્ડોનેશિયા આજે શું છે? સાવ ગરીબડું, પછાત, કંગાળ છે. હું તો મારા અણઘડ સૈનિકો લઈને સેતુ બાંધીને લંકા જીતી લાવેલો. તમે આજે એક મગતરા જેવા દેશોનું પણ કશું કરી શકો છો? ખરેખર રાવણ સામે તો હું મગતરું હતો, પણ મારામાં હામ હતી. મારા સૈનિકોમાં એક હિંમત હતી. અને અમે જીતી ગયા. મારી પાસેથી આ શીખવાનું મૂકીને ના શીખવાનું શીખ્યા.’
‘ભગવાન આપની વાત સાચી છે, આપનો આક્રોશ સાચો છે.’
   કહી અમે તો શરમના માર્યા કશું બોલી ના શક્યા. મિત્રો સવાલો તો ખૂબ હતા અને બીજા મહાનુભવો ને પણ મળવાનું હતું. અને હવે તો અહી જ રહેવાનું હતું. જ્યારે મન થાય ત્યારે સવાલો પૂછી શકીએ તેમ હતું. એટલે અમે બંનેને પાયે લાગી ત્યાંથી આગળ વધ્યા.
નોધ:–નર્કારોહણના બીજા ઈન્ટરવ્યું કહો કે અનુભવો પછીના ભાગમાં.

સદભાવના પર્વ યોજાઈ ગયું આનંદો,,

         હમણા સદભાવના પર્વ યોજાઈ ગયું આનંદો.અને એનો અહેવાલ રીડ ગુજરાતી ઉપર વાચ્યો.મોરારીબાપુએ સારું કામ કર્યું છે.પણ આવા પર્વો કેમ યોજવા પડે છે?ફારુખ શેખ બહુ સરસ બોલ્યા,હૃદય થી બોલ્યા.એમને દુખ હતું એ વાતનું કે ૬૦ વર્ષ થયા છતાં આવા સદભાવના પર્વો યોજવા પડે છે,એનો ઉલ્લેખ વારંવાર કરતા હતા. બાપુ ને ખબર છે કે સદભાવના રહી નથી કે રહેવા દીધી નથી માટે આવા પર્વો યોજવા પડે છે.
     
                બાપુ ને વિચારવા વિનતી કે આપણાં સમાજ પર ધર્મો ની ખુબ અસર હોય છે.ધર્મો એટલે ખાસ તો સંપ્રદાયો ની.એક જયસ્વામીનારાયણ બોલે તો સામે બીજા કોઈને માનવાવાળો હોય તો તેમ બોલવા રાજી નથી.એક જય શ્રી કૃષ્ણ બોલે તો બીજો બીજા ને માનતો હોય તો એવું બોલતા એની જીભ ઝલાઈ જાય છે.ભારત માં ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે.આપણે આ વાડાઓના ઘેટા માત્ર છીએ.આ વાડાઓના ભરવાડોએ એમના ઘેટા બીજો કોઈ ભરવાડ તાણી નાં જાય તેની પૂરી વ્યવસ્થા કરેલી હોય છે.ભારત ક્યારે એક થવાનું?ક્યાંથી સદભાવના પ્રગટ થવાની?વિદ્વાન વક્તાઓ એ સારા ભાષણો આપ્યા.વાતો કરવામાં આપણે ખુબ કુશળ છીએ.કોઈએ શિક્ષણ ને દોષ આપ્યો કોઈએ મૂડીવાદ ને.મૂળ વાત તો બધાજ ભૂલી ગયા કે ૨૫૦૦૦ કરતા પણ વધારે સંપ્રદાયોમાં વહેચાએલો  હિંદુ એકબીજા માટે સદભાવના ક્યાંથી કેળવી શકે?હમણા એક યુવાન  મિત્રે મને કહ્યું કે એમની ગર્લફ્રેન્ડ ના સગા  કોઈ એક સંપ્રદાય માં માનતા હશે.એમનું કહેવું છે એમના સંપ્રદાય ના મંદિર માજ જવાનું બીજાના નહિ.સત્સંગીઓ જોડે જ ફરવાનું.એજ સંપ્રદાય ની કંઠી તમે બંધો એટલે એક એમનો સંત ઘેર આવી ને ઘરના મંદિર માંથી બધા દેવલા અને ફોટા જે પણ હોય તે તમામ લઇ જશે.અને એમના સંપ્રદાય ના ફોટા ને દેવ મૂકી જશે.હવે રામ,કૃષ્ણ,દુર્ગા,શંકર,અંબા બધા ભૂત પ્રેત ફક્ત એમના પ્રગટ બ્રહ્મ ને જ માનો.ક્યાંથી સદભાવના આવશે?દેખાશે સદભાવના તે પણ દંભી.એક નહિ દરેક સંપ્રદાય આવુજ કરે છે.માટે ભારતીય કે ભારત એક નથી.એક મરે તો બીજા ની આંખ  માં આંશુ એટલે આવતા નથી.જ્યાં સુધી આટલા બધા વાડાઓ,એમના પાખંડી ભરવાડો છે ત્યાં સુધી આપણે ભારતીયો ઘેટા જ રહેવાના,એક કદી નાં થવાના,ના સદભાવના પ્રગટ થવાની.અને આ લોકો થવા પણ નહિ દે આવું કેમ કે એમનો બિજનેસ ભાંગી પડે.
       બાપુએ કહ્યું કે આત્મશ્લાઘા લાગશે પણ ઓરિસા ના નેત્ર યજ્ઞ વખતે એક કપડા વગર ની સ્ત્રીને કામળી આપી દીધી,સાચે જ બાપુએ કબુલ્યું તેમ આત્મશ્લાઘા જ છે.ફક્ત આ કામ તો ડીયર ગાંધી જ કરી શકે આપ નહિ.ગાંધી ની આપે તો નકલ જ કરી.કારણ સમજાવું.ગાંધીજીએ પણ એક આવી સ્ત્રીને એમના કપડા આપ્યા પછી વિચારેલું કે ભારત ની સ્ત્રીઓ ને પુરતા કપડા નથી પહેરવા ને હું આટલા બધા કપડા પહેરું?બસ ત્યાર પછી ગાંધીએ એક ટૂંકી પોતડી જ પહેરી છે.ગોળમેજી પરિષદ માં ગયા ત્યારે અને બ્રિટન નો શહેનશાહ મળ્યો હોય ત્યારે પણ.અને માર્યા ત્યાં સુધી પણ.ગાંધી હૃદય થી જીવતા હતા.આપ કુંભ ના મેલા માં ૧૫ લાખ ના સિંહાસન  માને વ્યાસપીઠ બિરાજો છો અને એક લાખ ના તંબુ માં વાસ કરો છો ત્યારે આ ગરીબ નગ્ન રહેતી સ્ત્રીઓ યાદ આવતી નથી.ગાંધી આવું ક્યારેય ના કરી શકે.ગાંધી હોય તો એમ કહે કે ભાઈ આ ટોટલ ૧૬ લાખ મને આપી દો હું ઉભો ઉભો તડકા માં કથા કરીશ.ઓટલા ઉપર સુઈ રહીશ મને આવા તંબુ નાં જોઈએ.અને તરત ૧૬ લાખ લઈને ઓરિસા પહોચી ગયા હોય.પેલી ગરીબ નગ્ન સ્ત્રીઓના તન ઢાંકવા.ગાંધીજી કરાચી જવાના હતા.માટે પાક સરકરે જાસૂસો મારફતે રીપોર્ટ તૈયાર કરાવ્યો કે ગાંધી ને કોઈ માથા ફરેલ મારે નહિ.પણ રીપોર્ટ એ આવ્યો કે ગાંધી ને કોઈ મારે તેની ચિંતા કરવા જેવું  નથી,પણ લોકો એમની જ વાતો સંભાળવા બેસી જશે. એટલે પાકિસ્તાન માં ચિંતા થતી હતી કે ગાંધી પર કોઈ હુમલાઓ કરશે તેની નહિ પણ લોકો એમની જ વાતો સંભાળવા બેસી જશે તેની…ગાંધી નું આચરણ પણ હૃદય થી હતું.જ્યાં ને ત્યાં ફક્ત ગાંધી ને વટાવી ખવાય છે.આપે વિમાન ,જહાજ અને કૈલાશ પર અને એ.સી. હોલોમાં  કથાઓ કરી ને જે પૈસા ની બગાડ કર્યો છે એટલા પૈસા માંથી તો ભારત ની હજારો લાખો  સ્ત્રીઓ  અને બાળકોને  ઢાંકી શકયા હોત.
       ગાંધીજી ની તોલે નાં તો કોઈ નેતા આવી શકે નાં તો કોઈ હાલનો ધર્મ ગુરુ કે જાણીતો કથાકાર.ગાંધી હંમેશા ટ્રેન માં  થર્ડ ક્લાસ માં મુસાફરી કરતા હતા.જાતે કાંતી ને વણેલી ટૂંકી પોતડી જ પહેરતા હતા.સાદો  આહાર કરતા,આહાર માં કડવા લીમડાની ચટણી અવશ્ય હોય.પ્રજા ના પૈસા નું એમને ખુબ મહત્વ હતું.એક નાનો ટુકડો પેન્સિલ નો ખોવાયો હોય તો પણ શોધીને જંપતા.ત્યારે આઈનસટૈન જેવો વૈજ્ઞાનિક એવું કહે કે આવો હાડ ચામ નો માણસ આ પ્લાનેટ પર હતો એવું લોકો માની નહિ શકે.ભલે એમની દરેક વાતો માં આપને સંમત ના થઈએ પણ ગાંધી પ્રત્યે જો મનમાં આદર ભાવ ના હોય કે પેદા ના થાય તો સમજવું કે વિચારવાની બારીઓ બંધ છે.પ્રામાણીકતા થી જીવેલો  એક માણસ ગાંધી હવે બચ્યો છે કે કહી શકીએ કે મેરા ભારત મહાન. 
       આજે 4th જુલાઈ છે અમેરિકા માં,અહી નો સ્વતંત્રતા નો દિવસ છે.થોમસ જેફર્શન,જોહન એડમ્સ,બેન્જામીન ફ્રેન્કલીન,જ્યોર્જ વોશીન્ગ્ટન આ બધા રાષ્ટ્રપિતાઓ ને યાદ કરવામાં આવી રહ્યા છે.આ લોકો એ નક્કી કરેલું કે અમેરિકાની ભલું ચાહતા હોઈએ તો અમેરીકાના રાજકારણ માં ધર્મો ની દખલ ના જોઈએ.અહી સોલ્જરો ને હીરો માનવામાં આવી રહ્યા છે.અહી ટીવી માં ચાલતી ચર્ચાઓમાં એક ગાંધીજી ને યાદ કરવામાં આવે છે અને એમના બોલેલા વાક્યોને પ્રમાણભૂત ગણવામાં આવે છે ત્યારે ગર્વ સાથે આંખોના ખૂણા ભીના થાય છે કે એક આ માણસ ના લીધે કહી શકીએ કે “મેરા ભારત મહાન.”બાકી તો નર્યો દંભ,સદભાવના પર્વો યોજો કે ના યોજો કોઈ ફર્ક નથી પડવાનો.મૂળ વાતો ભુલાઈ જાય છે.કારણ એના આયોજકો ધર્મ ના ઠેકેદારો છે. 

‘રાધાકૃષ્ણ’ મેનીયા..

આપણી તો સારી હોટ લાઈન ચાલુ થઇ ગઈ છે. રાઓલ મેસેન્જર ચાલુ કર્યું નથી ને ભગવાન શ્રી કૃષ્ણ હાજર. મિત્રો તમે પણ વિચારવાની બારીઓ ખોલી નાખો, તમારું એ કનેક્શન ચાલુ થઇ જશે પ્રભુ પાસે. પણ પછી મંદિરોનો અને ગુરુઓ તથા કહેવાતા સંપ્રદાયોનો બિજનેસ બંધ થઇ જશે. મેં પૂછ્યું,
‘ભગવાન! આ રાધાજીની સ્ટોરી શું છે ?’
‘અરે! તમારા કવિઓ ને શું કહેવું?’
‘કેમ ભગવાન આમાં કવિઓ ક્યાં વચ્ચે આવ્યા?’
‘વત્સ! ૧૨મી સદીમાં જયદેવ નામના કવીએ ગીત ગોવિંદ રચ્યું ને રાધા મેનીયા શરુ
થયો, એ પહેલા કોઈ ખાસ ગાંડપણ હતું નહિ.’
‘ભગવાન! થોડું ટૂંકમાં રાધાજી વિષે કહો ને.’
‘વત્સ! રાધા તો એક ગોપની વાઈફ હતી. હું તો સાવ બાળક હતો. આશરે ૧૧ વર્ષે તો મેં ગોકુલ જ છોડી દીધેલું. પછી કદી ત્યાં ગયેલો જ નહિ. તમેજ વિચારો કે આમાં રાધા અને મારી વચ્ચે શું હોય? કેવો પ્રેમ હોય? એક વાત્સલ્ય ભાવ માત્ર હતો. હું જરા તોફાની એટલે બધાને બહુ વહાલો લાગુ એટલુજ માત્ર હતું.’
‘પણ પ્રભુ, આપ ગોપીઓના વસ્ત્રો લઇ ને ઝાડ ઉપર ચડી ગયેલા, આપની દાનત સારી ના કહેવાય.’
‘વત્સ! આ પણ તમારા કવિઓનો સપ્રેસ્ડ કામરસ જ છે.’
‘એવું કેમ સમજ ના પડી.’
‘વત્સ! કામને દબાવો એટલે બધી જગ્યાએથી વહેવા માંડે. જીભમાંથી, આખોમાંથી, શબ્દોમાંથી, કાનમાંથી. હું તો સાવ બાળક હતો, મેડીકલ સાયન્સ ની રીતે વિચારો એક નાના બાળકનું ટેસ્ટાટોરીન(પુરુષ હાર્મોન) લેવલ કેટલું નીચું હોય અને  સ્ત્રીઓને નગ્ન જોવાની ઈચ્છા એનામાં કેટલી હોય? આતો કવિઓને સ્ત્રીઓ પ્રત્યે વધારે ખેચાણ હોય માટે એમની અતૃપ્ત ઈચ્છાઓ મારા નામે ચડાવી દીધી છે.’
‘પણ ભગવાન આપ એટલાથી અટકેલા નહિ, ગોપીઓ ગુપ્ત ભાગે હાથ ઢાંકી ને બહાર આવતી હતી ત્યારે આપે કહેલું કે હાથ માથે મુકીને બહાર આવો તો જ વસ્ત્રો આપું.’
‘વત્સ! કવિઓએ અને લેભાગુ ગુરુઓએ કેવું કેવું મારા નામે ચડાવી દીધું છે, એમના રોટલા, ઓટલા ને ગાદલાં શેકવા? તમેજ કહો આજની નવી પેઢીની વાત છોડો. તમને જ નાના હતા ત્યારે આવી બધી સમજ હતી ખરી?
‘નાં ભગવાન, અમારી પેઢીમાં નાના હતા ત્યારે સાંધા ની એ સમજ નહોતી. પણ આ ગાદલાં કેમ કહ્યું?’
‘અરે વત્સ! એમની ગુપ્ત ભાગો જોવાની વિકૃતિ એટલે માથે હાથ મુકાવી દીધો ગોપીઓના, અને એમને સ્ત્રીઓ ને ભોગવવાની બેલગામ વાસનાએ બધી રાસલીલાઓ મારા નામે ચડાવી દીધી, હવે હું કરતો હતો એમ જણાવી બધા જલસા કરે છે.’
‘તો પછી રાધા મેનીયા?’
‘હશે થોડા ઘણા સાચા ભક્તો, પણ પરણેલી સ્ત્રીઓ સાથે સબંધો રાખવાની એમની ઈચ્છાઓ પૂરી કરતા હશે. અરે! ઘણા સ્ત્રી સ્વભાવના પુરુષો ૧૯/૨૦ જેવા તો સ્ત્રીઓના કપડામાં સજ્જ થઇ મારી મૂર્તિઓ સાથે સુઈ પણ જાય છે. આવો પણ એક મેનીયા ભારતમાં છે. બસ પછી તો ભારતમાં તો વાઈરલ ઇન્ફેકશન જેવું છે રોગ ફેલાઈ જતા વાર જ ના લાગે તેમ રાધા મેનીયા ફેલાઈ ગયો છે.’
‘ભગવાન, આ મીરાં મેનીયા ઓછો થયો આપને?’
‘અરે વત્સ! આ મીરાં મેવાડથી વ્રજ થઇ ને ગુજરાત(દ્વારિકા) આવી ગઈ છે, હવે એની દાનત બગડી છે, એને હવે ડિસ્ટન્સ લવ નથી કરવો, પાસે રહેવું છે.’
‘ભગવાન બુરા ફસાયા, હા ! હ ! હ ! ! ‘
‘હસો ના હવે, મેં સુભદ્રાજીની સલાહ લીધી, તો ઉલટાનો ઠપકો મળ્યો.’
‘કેમ ભગવન? બહેન છે તમારા.’
‘વત્સ! એ તો બગડ્યા મારા ઉપર, આ કાનજીના મન કેમ છે અધીર? રાધા મળે તો મીરાં શોધે અને મીરાં મળે તો રાધા શોધે, જે છે એમાં શાંતિ થી જીવ.’
‘ઓહ! આવું બોલ્યા? મતલબ પુરુષ જાતની સાયકોલોજી એક વાક્યમાં કહી દીધી.’
‘વત્સ આ સાયકોલોજી ઈવોલ્યુશન ક્રમમાં લાખો વર્ષથી જીન્સમાં  મળેલી છે, એમાં આપણે શું કરીએ? એ તો રુકમણીના પડખે ભરાયા.’
‘ભગવાન, એ તો ચાલ્યા કરે.’
‘પણ વત્સ અમે તો સુભદ્રાજીને જણાવી દીધુકે અમે કદી રાધા કે મીરાં ને શોધવા ગયા નથી, એ ચપલાઓ  અમારી  પાછળ પડે તો અમારો શું વાંક? અમને ના વાગોવશો.’
       આટલું બોલતા તો ભગવાન સાથેનું નેટ કનેક્શન કટ થઇ ગયું. નેટ પ્રોબ્લેમ બધે જ સરખો છે.
નોંધ:-મિત્રો બ્લોગચાર્યના વાદે અને “અસર” હેઠળ અમે નવા પ્રયોગો કરવાનો ટ્રાય કરીએ છીએ, ના ગમે તો કેહેજો, અને ગમે તો પણ કહેજો.

કૃષ્ણને માથે મોરપંખ?

કૃષ્ણ ને માથે મોરપંખ?
મારે હવે ભગવાન શ્રીકૃષ્ણ સાથે હોટ લાઈન થઇ ગઈ છે. જયારે કોઈ સવાલો ઉઠે ત્યારે ખબર નહિ રાત્રે ભગવાન સાથે મુલાકાત થઇ જાય છે. કોઈ વિનાતાર(વાયર લેસ) જોડાણ લાગી ગયું છે. ભગવાનને પણ કુરુક્ષેત્રમાં ફરવાનો મોહ લાગેલો છે, કેમ કે મહાભારતનું યુદ્ધ ત્યાં થયેલું. પણ એનો દોષ ઘણા શ્રીકૃષ્ણ માથે પણ નાખે છે. એ રોકી શક્યા હોત એમ માને છે.  હવે જે લોકો ખરા કારણભૂત હતા તેમને કોઈ દોષ  ના દે અને જે રોકી ના શક્યા તેને દોષ દેવો કેટલો ઉચિત? એટલે ભગવાન પણ હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રની મુલાકાતે આવીને જૂની યાદો વાગોળતા હોય છે. અમારી તો દુનિયા જ થઇ ગયું છે કુરુક્ષેત્ર. મેં પૂછ્યું,
‘ભગવાન! આ આપને માથે મોરપિચ્છ જ શામાટે રાખતા હતા?’
‘બસ એમજ , મોરપંખ બહુ મનમોહક હોય છે માટે, દેખાવમાં સુંદર હોય છે.’
‘પણ મેં તો એક જગ્યાએ સાંભળ્યું કે મોર ખાલી પીંછા ફેલાવી નાચે અને એની આન્ખમાંથી આશું પડે તે ઢેલ પી ને ગર્ભવતી થાય, માટે મોર કામી નથી તેમ આપ પણ બ્રહ્મચારી ગણાવ માટે આપ  પણ કામી નથી માટે મોરપંખ રાખો છો.’
‘ના ભાઈ નાં! આતો કોઈ મુર્ખ કવિની કલ્પના લાગે છે.’
‘એવું કેમ?’
‘જુઓ પ્રાણી માત્રમાં બ્રહ્મ હોય તેવું સમજે તે બ્રહ્મચારી, એમાં કામ(sex) ને શું લેવા કે દેવા, અને કામરસ પણ ભગવાને જ બનાવેલ છે માટે તે પણ બ્રહ્મ જ છે.’
‘તો આપ એવા બ્રહ્મચારી હતા ખરું?’
‘હા! અને કોઈ પણ સજીવમાં નર અને માદાના મિલન વગર ગર્ભ ધારણ નાં થાય, આન્શુઓમાં સ્પર્મ ક્યાથી આવતા હશે?’
‘એ વાત સાચી! પણ ટેસ્ટ ટ્યુબ બેબીમાં ક્યા મિલનની જરૂર હોય છે?’
‘સાચી વાત પ્રત્યક્ષ મિલન ના હોય, પણ એકના સ્પર્મ અને બીજાનું અંડ તો હોય જ ને, અપરોક્ષ મિલન તો કહેવાય જ ને.’
‘તો ભગવાન મોર અને ઢેલ શારીરિક મિલન કરતા જ હશે ખરું  ને?’
‘ચોક્કસ કરેજ, પણ એક વાત છે જે મોરના પીંછામાં પેલા મનમોહક ચાંદલા વધારે હોય તેને જ ઢેલ મિલન કરવા દે ઓછા હોય તેને નહિ.’
‘એવું કેમ ભગવાન?’
‘ઈવોલ્યુશનનો નિયમ છે, નારીને બેસ્ટ પાર્ટનર પસંદ કરવાનો હક છે મોર એનું બેસ્ટ ઉદાહરણ છે.’
‘આ તો કોઈ બી.એડના વિદ્યાર્થી પાસે મોર નાચે ને ઢેલ આશું પીવે તેવું વાચેલું, એટલે મેં પૂછ્યું ભગવાન.’
‘હશે કોઈ મૂરખ, પણ આ ભારતના વિદ્યાર્થીઓને થયું છે શું?’
‘કેમ! ભગવાન?’
‘કોઈ સ્ત્રીઓના મોઢા ના જોનારા ગુરુની આગળ પાછળ ફર્યા જ કરતા હોય છે?’
‘ભગવાન, નારી નરકની ખાણ છે, એનો ફેસ જોઈ જાય તો લપસી જવાય ને નરકમાં જવાય માટે જોતા નહિ હોય ગુરુજી.’
‘અરે વત્સ! નારી તો કુદરતે ઘડેલી બેનમુન, સુંદરતમ પ્રતિમા છે, પ્રેમની ગંગા છે, એની ભળેલી મીઠાશ વગર તો દરિયો પણ અધુરો છે.’
‘તો પછી આ ગુરુજીનું શું માનવું?’
‘અરે વત્સ! નારીનો પ્રેમ પામ્યા વગરનો એ ગુરુ જીવતું નર્ક જ ભોગવી રહ્યો હશે, એ ભલેને નારીને નરકની ખાણ સમજતો.’
‘પણ ભગવાન આ દરિયો તો ખારો હોય છે એના અર્ક ને “મીઠું”કેમ કહેતા હશે?’
‘પ્રેમની ગંગાની મીઠાસ એમાં ભળેલી છે, એની ખારાશને ગુણકારી બનાવી દીધી છે, એનાથી બ્રેનનો વિકાસ થાય છે.’
‘એટલે મીઠું ખાવું જરૂરી છે એમ?’
‘હા! સપ્રમાણ આયોડીનવાળું ખાવું જોઈએ બ્રેનના વિકાસ માટે જરૂરી છે, પણ અતિ નહિ કરવાની.’
‘પણ પેલા યુવાનો વિષે શું કહેતા હતા?’
‘ભારતનું યુવાધન અવૈજ્ઞાનિક અભિગમવાળું ને મુર્ખ બની રહ્યું છે, માટે ભારતના ભવિષ્યની ચિંતા થાય છે.’
‘પણ ભગવન હવે આપણાં હાથની વાત નથી રહી શું કરીએ?’
‘સમજાવો લોકોને.’
‘ભગવાન ના સમજે  કોઈ ભારે ડીટરજન્ટથી બ્રેન ધોવાઈ રહ્યા છે, હું તો રોજ લખું છું એના વિષે.’
‘વત્સ! ભણેલા જ નાં સમજે તો અભણનો શું વાંક કાઢવાનો.’
      ઓચિંતા મારી આંખ ખુલી ગઈ એલાર્મ જો વાગેલું. મારે જોબ જવાનો સમય થઇ ગયેલો. ફરી પાછા ભગવાન આવશે તો આપ લોગન ને જણાવીશું શું વાતો થઇ તે….

पितृ देवो भव:

સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ
 पितृ देवो भव:
ફાધર ડે આવીને ગયો.પિતાશ્રીના ગુણગાન ગવાયા.થયું બધા ગાઈ લે પછી કશું લખીએ.એક ભક્તિ ભાવમાંથી બહાર આવી જાય તો સરખું વાચી શકે નહીતો ભક્તિભાવની અસર પડે વાંચવામાં પણ.માતાને તો ભગવાનની જગ્યા આપી દીધી છે,મેલ ડોમિનેન્ટ સમાજ આવ્યા પછી ભગવાનની જગ્યાએ  પિતાને બેસાડવાનું ચાલુ થયું છે.
      એક દીકરી જન્મે છે તો પિતા તરફ થી ‘X’ ક્રોમોજોમ મળે છે.એક દીકરો જન્મે છે તો પિતા તરફ થી ‘Y’ ક્રોમોજોમ મળે છે.એટલે પિતા વગર પણ જન્મ તો શક્ય જ નથી.માતા અને પિતા બંનેનું સહિયારું સાહસ છે સંતાન.બંનેનું સરખું જ યોગદાન છે.
     સીંગમંડ ફ્રોઈડ અને કાર્લ જુંગ કહે છે કે પિતા એક દીકરા માટે ખુબ મહત્વનું પરિબળ છે,એની ઓળખના વિકાસ નું(Development of identity).એક નાના પુત્ર માટે પિતા એક idol છે.ડેડી બધું જ કરી શકે છે.પરમપિતા પરમાત્મા છે.પિતાની ચાલ ઢાલ,ઉઠવું બેસવું બધાની નકલ કરશે.પિતાની સ્વીકૃતિ જોઈએ છે.કિશોરાવસ્થામાં થોડો પ્રોબ્લેમ પિતાની દલીલો ગમતી નથી.એમનું ગાઇડન્સ વધારે પડતું લાગે છે.પણ યુવાન થતા આ સબંધો એક વિકાસના તબક્કામાં આવે છે.એકબીજાને  ઇગ્નોર કરે છે.પણ માનસિક રીતે જોડાતાં જાય છે.ત્રીસી ને ચાલીસી ના વચ્ચે સમજ આવે છે કે પિતાએ ઘણું કર્યું છે.ઘણા બલિદાનો આપ્યા છે.અને પિતા અને પુત્ર વચ્ચે મિત્રતાના સબંધો બની જાય છે.બસ પછીના વર્ષોમાં વૃદ્ધ પિતાની સેવા કરવાનું મન ના થાય તો સમજવું કે આ વિકાસના બધા તબક્કાઓમાં ક્યાંક ચૂક થઇ ગઈ છે.
              હવે જરા ઇડિપસ ગ્રંથી(Oedipus complex) ની વાત કરી લઈએ.પુત્ર અઢી થી છ વર્ષનો થાય તે તબક્કામાં પિતા પ્રત્યે એક જેલસ એક ઈર્ષ્યાની ગ્રંથી બંધાય છે.કારણ અચાનક માતા તેને છોડીને પિતા જોડે જતી રહે છે,પિતાને પ્રેમ કરવા જાય છે.એ એના અચેતન મનમાં ઘુસી જાય છે કે કોઈ એનો હરીફ છે જે માતાના પ્રેમાં ભાગ પડાવે છે.માતા, પિતાની જરૂરિયાતો પૂરી કરવા જાય છે અને પછી પાછી આવતી રહે છે.જરૂરિયાતો એટલે એમના ખાવા પીવા કે કપડા શોધી આપવા કે બીજી કોઈ પણ ઘરેલું જરૂરિયાતો વખતે માતાને પિતા પાસે દોડી જવું પડે તે એના નાનકડા મનને મંજુર હોતું નથી.પણ મોટા ભાગે આ ગ્રંથી ધીમે ધીમે દુર થતી જાય છે,જો પિતા તરફ થી એને પૂર્ણ પ્રેમ મળતો હોય અને સલામતી મળતી હોય ત્યારે.એક પિતા એના નાનલા પુત્રને ખભે તેડીને ફરે છે તો આ કોમ્પ્લેક્સ દુર થતા શું વાર લાગે?પણ પિતા કઠોર હોય અને વાતે વાતે સજા કરતો હોય તો આ ગ્રંથીનું નિષ્કાસન થતું નથી,ને એવા બાળકો મોટા થઇને પિતાના દુશ્મન બની જાય છે.
               ગ્રીક દેવતા Oedipus એ એના પિતા Laiusને મારી નાખીને એની પોતાની માતા Jocasta સાથે લગ્ન કરેલા.એના ઉપરથી મનોવિજ્ઞાનના ભીષ્મ પિતા સીંગમંડ ફ્રોઈડે નામ આપેલું છે ઇડિપસ ગ્રંથી.આના નિવારણ માટે પુત્ર અને પિતા વચ્ચે સોલીડ મજબુત માનસિક સબંધો નું જોડાણ જોઈએ. અને ના હોય તો એવા પુત્રો માનસિક રોગોના શિકાર થાય છે.જેવાકે Neurosis ,pyromania ,Paedophillia ….Hysteria પણ થઇ શકે છે.નાના બાળકોની જાતીય સતામણી કરતા લોકોની આ ઇડિપસ ગ્રંથીનું બરોબર નિવારણ થયું હોતું નથી.
            જે નાના પુત્રો ને પારિવારિક સબંધોની ગરબડને લીધે અને ખાસ તો પિતા પુત્ર વચ્ચે મજબુત માનસિક જોડાણ  હોતા નથી તેથી  તેમની પુરુષ તરીકેની ઓળખ સંપૂર્ણ થઇ હોતી નથી,એવા છોકરાઓ મોટા થઇ ને હોમો સેકસુઆલીટી તરફ વધી જાય છે.પુત્રો ને માનસિક વિકૃતિઓ તરફ ધકેલવા ના હોય તો પિતાશ્રીઓ પુત્રોને પ્રેમ કરો.
                એક દીકરી માટે  પિતા સાથેના સબંધો એ એના જન્મ પછીના સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષ વચ્ચેના સબંધો છે.એક નાની બાળકી પોતાના પિતા તરફ થી મળતા  પ્રેમ ભાવના પ્રતિબિંબો વડે પોતાના સ્ત્રૈણ તત્વની ઓળખ પ્રાપ્ત કરે છે. એ એકલી નથી,કોઈ એને સમજી રહ્યું છે,ગણી રહ્યું છે,એક સેન્સ ઓફ સિક્યુરીટીની સમજ આવે છે.પિતા વગરની દીકરી કે પિતાના પ્રેમ વગરની દીકરી half done છે.એ હમેશા ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરે છે.પિતાનું હાસ્ય એના વિકાસનું સાધન છે.પિતાની શિસ્ત એનું માર્ગદર્શન છે.પિતા વગરની દીકરી એકલી અટૂલી છે.દીકરીઓને ટીનેજરમાં ખોટા પ્રેમના લફરાઓથી બચાવવી હોય તો પિતાશ્રીઓ તમારી દીકરીઓને મનભરીને વહાલ કરો.દીકરીઓને પ્રેમ કરવો નથી ને ખોટા પ્રેમના લફરે ચડે તો વાંક તમારો છે.
                   સંતાનો માતા પિતાનો આદર ના કરતા હોય,માનતા ના હોય,ઘૃણા કરતા હોય,સેવા ના કરતા હોય,ધ્યાન રાખતા ના હોય તો ક્યાંક ચૂક એમના ઉછેરમાં છે.આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે.એટલે માતા પિતાનો આદર કરો એવું કહેવા કરતા થોડો મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો તેવું કહેવું બહેતર છે.ચાઈલ્ડ સાયકોલોજી દરેકે ભણવી જોઈએ.આપણે સંતાનોના અચેતન માઈન્ડ માં પ્રેમ ઠાંસીને ભર્યો હશે તો અનાદર કઈ રીતે કરશે?અને આપણે એમના અચેતન માઈન્ડમાં દ્વેષ અને ઘૃણા કે તિરસ્કાર જ ભરેલો હશે તો આદર કઈ રીતે મળશે?
                 સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ વકીલ હતા.થીયોસોફીસ્ટ હતા.એમની નાનકડી લાયબ્રેરીમાં અનેક સારા પુસ્તકો હતા.રાતે જાગીને પણ વાચતા રહેતા.સત્યના પ્રયોગો અમે એમાંથી જ વાંચેલા.સુધારાવાદી હતા.દહેજ અને ચાંલ્લા પ્રથાના વિરોધી હતા.એમના પરમ મિત્રો સ્વ.શ્રી છત્રસિંહજી રાઓલ,સ્વ.દેવીસિંહજી રાઓલ અને બીજા મિત્રો સાથે મળીને માણસા ભાયાત સમાજ નામના કેળવણી મંડળની સ્થાપના કરેલી.જે હજુ આજે પણ કેળવણી વિષયક પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે.વારસામાં સારા બ્રેન આપ્યા છે તે બદલ અમે બધા એમના વારસો એમના ખુબ ઋણી છીએ.એમનો પ્રેમાળ સ્વભાવ અને દીકરાઓને મિત્ર સમાન ગણવાની નીતિ એમની ખૂબી હતી.

પ્રેમ કહાની મેં,,,

આ પથ્થર ઉપર પાણી કોણ  છાંટી ગયું?
 હેત ભરેલું હૈયું અહીં કોણ ઠાલવી ગયું?
દિવસે તો અશ્રુ  વહી શકતા નથી અહીં,
પણ રાતે નીંદરમાં મને કોણ રડાવી ગયું?
રણમાં વસેલા આ સુકા તરુવર પર,
હેતની હેલી જાણે  કોણ વરસાવી ગયું?
પાનખરના બદલાતા રંગોની ભીડ મહી,
વળી અહીં કેસુડાંના રંગ કોણ છાંટી ગયું?
જીવનસાગરમાં પડ્યા એકલા અટુલા,
હૈયાનાં તાર આ કોણ ઝંકૃત કરી ગયું?
ન મળ્યા છીએ, કદી ના મળવાની આશછે,
મને કૃષ્ણ સમજી આ મીરાં કોણ બની ગયું?

I love you….કુછ ખટ્ટા કુછ મીઠ્ઠા…

ધ્રુવરાજસિંહ,
યુવરાજસિંહ
Harpalsinh
દક્ષાકુંવરબા

 

 

 

 

 

 

મને એક દિવસ ચાલુ જોબ પર મજાક કરવાનું મન થયું. એક મિત્રે ઘેર ફોન જોડ્યો હતો, કશું પૂછવું હશે. હું મજાકનાં  મૂડમાં હતો. મિત્ર હતા પ્રદીપ પટેલ, ઉંમર ૪૬ વર્ષ, બરોડાની બાજુના કોઈ ગામના હતા, અને ઘડીયાળી પોલ વડોદરામાં રહેતા હતા.
‘ઘેર ફોન કરો છો, વાઈફ ને?’
‘હા!’
‘તો I  love you કહેજો વાત પૂરી થાય એટલે.’
‘તો તો આખી રાત એને ઊંઘ જ નહિ આવે.’
‘કેમ એવું?’
‘૨૦ વર્ષ થયા, પહેલી વાર I love  you સાભળશે તો એને આખી રાત ઊંઘ નહિ આવે.’
બધા ખુબ હસ્યા. એ મિત્ર પણ ખુબ હસ્યાં. કહે મેં ૨૦ વર્ષમાં કદી આવું કહ્યું જ નથી. મેં પૂછ્યું કે તમારા વાઈફે તમને એવું કહ્યું છે? તો કહે નાં એણે પણ મને કદી કહ્યું નથી. પાછું મેં પૂછ્યું કે કોઈ ગર્લ ફ્રેન્ડને કહેલું ખરું? તો કહે હા. ગર્લ ફ્રેન્ડને તો ઘણી વાર કહેલું. પણ એ પત્ની નહિ બનેલી. કોઈ બીજાની પત્નીનું પદ શોભાવતી હશે.
બીજા એક ૫૫ વર્ષના મિત્ર હતા જ્યોતીન્દ્ર પટેલ. મૂળ ધર્મજના પણ અમદાવાદ મણીનગરમાં જ રહેલા હતા. એમને મેં  સવાલ કર્યો.
‘એ દાદા દોડકે! તમે કદી I love you તમારા વાઈફ ને કહ્યું છે ખરું?’ …ખુબ એનર્જેટિક છે માટે અમે દાદા દોડકે કહી માન આપીએ છીએ.
‘એમાં વળી શું કહેવાનું?’
‘કોક દિવસ તો કહ્યું હસે ને?’
‘નાં કોઈ દિવસ નહિ, બધા જોણે સે કે એ મારી બૈરી સ અને હું ઈનો ધણી સુ.’
‘તમેય ખરા છો ને?’
‘અલ્યા વળી એમાં હું, ઇ ન ખબર સ કે આ કદી ચો ય  જવાનો નથી, જશે તો પાસો જ આવવાનો સ, એ મને પ્રેમ કર સ ને હું ઈ ન  પ્રેમ કરું સુ, ઈ માં કેવાનું હું?’
વળી પાછા બધા ખુબ હસ્યાં. એક ભાઈ કહે આ ખોટો પૈસો બીજે ચાલવાનો નથી. પાછો જ આવશે એવી એમના વાઈફને ખબર હશે. એક નવો આવેલો ૨૩ વર્ષનો સચિન પટેલ છે. મેં એને પૂછ્યું કે,
‘સચિન કેટલા વર્ષ થયા લગ્ન કરે?’
‘બે વર્ષ’
‘અહી અમેરિકા આવ્યે કેટલો વખત થયો?’
‘પાચ મહિના જ થયા છે’.
‘તમે કદી વાઈફ ને I love you કહ્યું છે?’
‘કહ્યું છે ઘણી વાર, પણ અહીની વાઈફ અને લાઈફનો કોઈ ભરોસો  નહિ.’
‘અલ્યા એવું કેમ કહે છે?’
‘ભાઈ મારી વાઈફ તો અહી ૨૦ વર્ષ થી રહે છે, અહીની છોકરીઓનો શું ભરોસો?’ ક્યારે કાઢી મુકે શું ખબર પડે.
એટલું બધું હસ્યા કે બધાને પેટમાં દુખે તેવું થયું. આ સચિનને પોતાની પેથોલોજીકલ લેબ હતી. બીજા લોકો કહે શું તોડવા અહી આવ્યો હશે? ઝાડ(દેવાદાર અમેરિકા) પરથી લીલી નોટો તોડવા બીજું શું. બીજા પીયુષ પટેલ છે. ઉમર  ૪૦ થવા આવી છે. કહે મેં તો હજુ લગ્ન જ કર્યા નથી માટે મને એવું પૂછતાં જ નહિ. ગેરકાયદે અમેરિકામાં ઘુસ્યા છે. નથી ભારત જવાતું લગ્ન કરવા, જાય તો પાછું અવાય નહિ. ઉમર વધતી જાય છે. છોકરીઓ પસંદ આવતી નથી કે પછી છોકરીઓને એ પસંદ નથી આવતા.
બીજા સતીશ માસ્તર હતા ભરૂચ બાજુના. એ પણ લગભગ ૫૫ વર્ષના કહે આપણાં જમાનામાં કોણ એવું કહે? મેં કદી કહ્યું નથી. મેં કહ્યું માસ્તર કોક દિવસ તો કહેવું હતું. ચાલે યાર એમાં શું કહેવાનું? મિત્રો આ મજાકિયો ઈન્ટરવ્યું   થોડામાં ઘણું બધું કહી જાય છે. શું કહી જાય છે તે મિત્રો પ્રતિભાવ રૂપે કહેશે તેવી આશા છે.
શું પત્નીને I love you ના કહેવું જોઈએ? ગમે તેટલા વર્ષ થઇ ગયા હોય લગ્ન કર્યે હવે ના કહી શકાય એવું ખરું? છો ને આખી રાતનાં ઊંઘે એવું કહેવામાં શું વાંધો?
સારું થયું મને સામો કોઈએ સવાલ નાં કર્યો. છતાં  મિત્રો મારા ઘેર ના કહી દો તો કહું. છાનું રાખવાનું હો કે!!  મેં વાઈફ સાથે ઘણી બધી સ્ત્રીઓને એવું કહેલું છે અને સામેથી મને પણ ઘણી બધી સ્ત્રીઓએ એવું કહેલું છે. મારા લગ્ન થયેલા નહિ એ વખતની વાત છે.  ત્યારે મારી માનેલી ને ઘેર હું જતો ત્યારે મારા હાથમાં I love you લખીને એને બતાવતો. તો એ સ્કુલમાં ભણતી, એની ફૂટ પટ્ટી વડે મારા હાથમાં મારતી. હું હાથ પાછો લઉં જ નહિ. એ મીઠા ગુસ્સામાં માર્યા જ કરતી. પણ મારી ધીરજ અમાપ હતી. પછી એને પસ્તાવો થતો હશે. એના પ્રાયશ્ચિત રૂપે કે પછી આમની સહન શક્તિ(માર ખાવાની) સારી છે ભવિષ્યમાં વાંધો નહિ એવું  વિચારી  આજે એ મારા  ધર્મપત્ની છે. મારા ત્રણ ડેશિંગ દીકરાઓની માતા છે. ધ્રુવરાજસિંહ, યુવરાજસિંહ અને હરપાલસિંહના માતુશ્રી દક્ષાકુંવરબા એ આ ભુપેન્દ્રસિંહના અર્ધાંગીની છે. હહાહાહાહા!!!

પથ્થરમાંથી પાણી ટપકાવતી આ દીકરીઓ

પથ્થરમાંથી પાણી ટપકાવતી આ દીકરીઓ
 દીકરીઓ વિષે સહુ કોઈ લખે છે. ભલે મારે દીકરી નાં હોય, પણ હું કેમ નાં લખું દીકરીઓ વિષે?મારી કેટલી બધી ભત્રીજીઓ મને કહે છે કે કાકા અમે તમારી દીકરીઓ જ છીએ ને ? મોટાભાઈના દીકરી ભાગ્યે જ બોલે. નાનપણથી જ ખાસ ના બોલે. મને ઘણી વાર એવું થાય કે આ દીકરી ને જિહ્વા નથી કે શું?આજોલ પાસે સંસ્કાર તીર્થમાં ભણવા મુકેલા. મને થાય કે  આ દીકરી કદી કોઈ ની સામે બોલતી નથી ને સહ વિદ્યાર્થીનીઓ હેરાન કરશે. કોઈ વિચિત્ર શિક્ષક કે શિક્ષિકા તકલીફ આપશે, તો પણ કદી નહિ બોલે. કદી કોઈ ની આગળ ફરિયાદ નહિ કરે. ઘણી વાર ભાઈ ઉપર ગુસ્સો આવે આવો નિર્ણય શું કામ લીધો હશે? સત્ર શરુ થાય એટલે માણસા મૂકી ને જતા રહે. આગળ સંસ્કારતીર્થમાં મૂકી આવવાની જવાબદારી મારી. આજોલ ઉતરી ચાલતા ચાલતા જવાનું. યાદ નથી પણ બેચાર કિલોમીટર હશે. રસ્તામાં વારંવાર કહ્યા કરું કે કોઈ પણ તકલીફ હોય તો મને કહેવાનું. પણ ચુપ જ રહે. ખાલી હા કાકા ! હા કાકા !એમ કહ્યા કરે. પાછો સત્ર પૂરું થાય કે લેવા જાઉં. પાછો પૂછ્યા કરું કે કોઈ હેરાન તો નથી કરતુ ને? પણ નાં કાકા ! એવો જવાબ મળ્યા કરે. મને થાય કે આ પરણી ને સાસરે જશે તો ગમેતેટલા દુખડા પડશે કદી ફરિયાદ નહિ કરે.

એમના લગ્ન સમય ની વાત છે. જાન આવવાની બેત્રણ કલાકની જ વાર હતી ને એમના પિતાશ્રી એટલે અમારા મોટાભાઈશ્રી ને કોઈ કારણવશ હાર્ટ એટેકનો હુમલો આવ્યો. આ દુખદ સમાચાર ભાભીશ્રી ને જણાવવાની કપરી જવાબદારી મારે ભાગે આવી હતી. એક વાર તો ઢગલો થઇ ને બેસી પડ્યા. પણ મૂળ હિંમતવાળો સ્વભાવ, અમે બીજા ત્રણ ભાઈઓ તો પડખે હતા જ, અમારા ભાભીશ્રી એ વિધિ વિધાનની જવાબદારી સફળતા પૂર્વક પાર પાડી અને જાન તથા મહેમાનો વિગેરેની બીજી જવાબદારીઓ અમે બધાએ પૂરી કરી. આ દીકરીના દિલ ઉપર શું વીત્યું હશે? ખરા ટાણે પિતા હોસ્પિટલમાં, થોડું લાગણીયો ઉપર કાબુ રાખ્યો હોત પિતાશ્રીએ તો? જીવનના એક અતિ મહત્વના દિવસે વિદાય વેળાએ હોસ્પિટલની મુલાકાત લઈને વિદાય થવું કેટલું અઘરું લાગ્યું હશે? વિદાય વેળાંએ જાણે એમની રડતી આંખો અને મુક હોઠ બોલતા હતા કે  ‘કાકા ! ! ઓ કાકા મારા પપ્પાને સંભાળજો !!’ આ લખતા પણ મારી આંખોમાં આંશુ ધસી આવે છે.

પણ અત્યારે તો એક દીકરી ને એક દીકરાની માતા બની ચુકી છે. એમના પતિદેવે એક નાનું સરખું સામ્રાજય જ વસાવી લીધું છે, એના સમ્રાજ્ઞી છે. હવે તો જુઓ તો  ઠસ્સાદાર લાગે. કોઈ એમની સામે બોલી  ન શકે. કેટલું  બધું પરિવર્તન?  માતાને અને પિતાને બંને ને દીકરો બની સાચવે છે.

બીજા મોટાભાઈના દીકરી. બેંગલોરમાં રહેલા ભણેલા ગણેલા પણ ત્યાં. અંગ્રેજી બોલે ફડફડાટ. કન્નડ બોલે કડકડાટ ને  ગુજરાતી બોલે ભડ ભડાટ. નાના ઢીંગલી જેવડા  હતા. મને ઊંધા સુઈ જવાની આદત. ઉપર ઘોડો કરી ને બેસી જાય. એમના મમ્મી  લડે કાકા ને સુવા દે. પણ હું ના પાડું કે બેસવા દો. રમવા દો. એક વાર બરડામાં ભીનું ભીનું લાગ્યું. મને થયું આ શું થયું? કેમ ભીનું લાગ્યું, ઠંડુ લાગ્યું? જોયું તો ઢીંગલી લાળરસ ટપકાવતા ને થપ થપાવી ને આનંદ  લેતા. ઓત્તારીની ! આવું કરવાનું કે જાય ભાગ્યા. આખો દિવસ કાકા ! કાકા ! કરી ને પાછળ પાછળ ફર્યા કરે. હું તો તેડી તેડી ને રમાડતા થાકું નહિ. એકાદ વર્ષ સંજોગોવશાત માણસા રહ્યા  હતા. મારી સાથે ખેતરમાં આવે. સાવ નાની ઢીંગલી, બહુ વહાલી લાગે. કદી ખેતરમાં ફરેલા નહિ. સેન્ડલમાં કશું ભરાય છે, એવું કહ્યા કરે. મને સમજ નાં પડે, કારણ કન્નડ શબ્દ વાપરે. મન્નુ કે એવો કોઈ શબ્દ હતો. હું શું ? શું ? એમ પૂછ્યા કરું. એટલે એમની નાનકડી આંખોમાં મીઠો છણકો દેખાય. આ કાકો સમજતો કેમ નહિ હોય? પછી ખબર પડી કે સેન્ડલમાં રેતી ભરાઈ જતી હતી. બપોરે તો કાકા જોડે જ ગળે વળગી ને સુઈ જવાનું. રાતે પણ મમ્મી જોડે થી ભાગીને ક્યારે કાકા જોડે આવી સુઈ જાય ખબર નાં પડે. બેંગ્લોર થી આવે એટલે કાકા ને ગળે વળગી પડે. કાયમનો નિયમ. લગ્ન થયા કે બાપ દીકરીએ તો વિદાય ટાણે મળતી વખતે  નહિ રડવાનું નક્કી કરેલું. બાપ તો મક્કમ હતા. અંદર થી રડતા હશે, પણ બહાર થી હોઠ ભીડી ને ના રડવાનો અભિનય કરતા હતા. મંડપમાં ગીત પણ કન્યા વિદાય નું કરુણ રસ ફેલાવતું વાગતું હતું. મુજ પથ્થરની આંખોમાં થી પાણી  ટપકવા માંડ્યું, ભાઈ આપણે તો રડી પડ્યા. રડતા જાય ને કહેતા જાય.
‘કાકા નહિ રડવાનું.’
‘ઓ  દીકરી ! ! આજે તો રડવા દે ! પછી કદી નહિ રડું.’
મારા અતિ વહાલા પિતાશ્રીના મૃત્યુ સમયે પણ હું નહિ રડેલો . બરોડા આવે એટલે નિયમ પ્રમાણે ગળે વળગવાનું. દિલ બાગ બાગ થઇ જાય. ને જતી વખતે પણ ગળે વળગવાનું દિલના ચૂરે ચુરા થઇ જાય. પણ એક વાર નિયમ તુટ્યો. દીકરી પોતે એમની નાનલી દીકરી તેડીને આવ્યા. મેં  તો દોડીને નાનલી મારી દીકરીની કોપી ને લઇ લીધા ને રમાડવા લાગ્યો.
કાકા ! ! આ કેવું? દીકરીની દીકરી આવી એટલે મૂળ દીકરીને ભૂલી ગયાં ને?
ઓ ! દીકરા બહુ મોટી ભૂલ થઇ ગયી.
ગળે વળગાડ્યા ત્યારે શાંતિ થઇ. આજે તો એમનો સંસાર વસાવી ને બેસી ગયા છે. પણ અતીતના ઊંડાણમાંથી કોઈ વાર સાદ સંભળાય છે.
 કાકા !  ઓ કાકા ! જુઓને આ સેન્ડલમાં રેતી ભરાઈ ગઈ છે.
ઝબકીને જાગી જાઉં છું. પથ્થરમાંથી ટપકેલા પાણી થી ઓશીકું ભીંજાયા નો અહેસાસ થાય છે.
       * મારા પિતરાઈના દીકરી બરોડા  એમના ફોઈના ત્યાં નાના હતા ને આવેલા. તે હું પણ બરોડા હોવાથી મારા ઘેર લઇ આવેલો. મારા છોકરાઓને છૂંદો ને રોટલી બહુ ભાવે. મારો નાનો દીકરો એમને નાસ્તો કરવા બોલાવે , જીજા ચાલો છૂંદો ને રોટલી ખાવા. આજે પણ ફોન કરું તો પૂછું કે છૂંદો ને રોટલી ખાધા? તરત સમજી જાય કે કાકાનો ફોન છે. હસી પડે હા કાકા ખાધા ! મને કાયમ સ્વીટેસ્ટ અંકલ કહે. માણસા મારા ઘરનું કોઈ રહે નહિ. હું વર્ષ માં બેત્રણ વાર જાઉં. સાફસફાઈ કરાવું. કોઈ લગ્ન પ્રસંગ હોય તો હાજરી અપાઈ જાય. બપોરે મારા કઝન એમના ઘેર આવે એટલે મારું જમવાનું એમની સાથે જ હોય. આ દીકરી નાના હતા ત્યારથી બોલાવા આવે.
‘કાકા જમવા ચાલો, પપ્પા રાહ જુવે છે.’
થોડી વાર લાગે જતા તો પાછા આવે. કાકા જમવા ચાલો. ડાઈનીગ  ટેબલ પાસે જ ઉભા હોય. કાકા લો ખવાશે, ખવાશે કહી પેટ ફાટી જાય તેટલું પીરસ્યાં કરે. એમના પપ્પા  સામે કંઈક ભૂલાય જતું હોય તેમ જોયા કરે. પપ્પા  એમને એક કોળીયો ખવડાવે ત્યારે ખુશ થાય. કાયમનો નિયમ. પપ્પાના હાથનો એક કોળીયો ભરવાનો. મારા જોયેલા સૌથી સુંદર દ્રશ્યોમાનું એક આ દ્રશ્ય. પપ્પા ના હાથ નો કાયમ એક કોળીયો ભરતી આ દીકરી. આખું ગામ ને નગરપાલિકા એકલા હાથે ધ્રુજાવતા એમના પપ્પા  આ દીકરી આગળ મીણ જેવા થઇ જાય.  એમના લગ્ન સમયે હું તો અહીંથી જઈ નહોતો શક્યો. લગ્ન પછી ફોન પર પૂછેલું કે
‘વિદાય વેળાએ પપ્પા બહુ રડ્યા હશે નહિ?’ તો કહે
‘કાકા તમને કેવી રીતે ખબર પડી?’
અરે ભાઈ ! ભલે મારે દીકરી ના હોય પણ હૃદય તો દીકરીના બાપ નું ધરાવું છું. પછી કહે કાકા પપ્પા  બહુ રડેલા એક કોળીયો  પણ ખાધેલો  નહિ. મને ખબર હતી. ગામમાં કોઈ ચુ કે ચા કરી ના શકે એવો આ મારો ભાઈ અંદરથી સાવ મીણ જેવો છે. વિચારતા હશે કે હવે ડાઈનીંગ ટેબલ પાસે કોળીયો ખાવા કોણ ઉભું રહેશે? અને એક કોળીયો ભરાવ્યા વગર  ગળે કોળીયો કઈ રીતે ઉતરશે? પપ્પા હવે છોડો ને કહી ઉગ્રતા ઠંડી કોણ પાડશે? પહાડ જેવો બાપ દીકરીની વિદાય વેળાએ ભાગી પડ્યો. નાના બાળક ની જેમ ધ્રુસકે ધ્રુસકે રડ્યો. છાના રાખવા જવા ની પણ કોઈ ની હિંમત નાં ચાલે. હજુય ઘરમાં પેસતા જ નિયમ પ્રમાણે પ્રથમ  દીકરીના નામનો સાદ પડાઈ જતો હશે. સાસરે રહેલી દીકરી ને વ્યથિત બાપનો સાદ અવશ્ય સંભળાતો હશે. એનો અહેસાસ થતો હશે કે પપ્પાને મને કોળીયો ભરાવ્યા વગર ખાવાનું ગળે નહિ ઉતરતું હોય. મને પણ અતીતના અતલ અંધકારમાંથી ઘેરો સાદ સંભળાય છે
‘કાકા જમવા ચાલો પપ્પા તમારી રાહ જુવે છે.’ આંખ ના ખૂણા ભીના થઇ જાય છે.
        * ભાઈ હવે લખવાની ત્રેવડ રહી નથી અત્યાર સુધી લખેલા લેખ  બધા એક ઝાટકે લખેલા છે. કોઈ બ્રેક વગર. પણ આ  આર્ટીકલ લખતા ભારે પડી ગયું છે. બીજી મારી દીકરીઓ વિષે લખવાનું હવે ગજું રહ્યું નથી. મારું  સૌથી અપ્રિય ગીત હોય તો ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ તે છે. આ બધી દીકરીઓ પારકી થાપણ નથી, વસ્તુઓ કે ફિક્સ્ડ ડીપોઝીટ નથી. આતો હૃદયના ટુકડા છે. મને હજુય એમના સાદ સંભળાય છે. આ તો મારા અસ્તિત્વના અંશ છે. દીકરી ને ગાય દોરે ત્યાં જાય? દીકરીઓ શું પશુ છે? એનિમલ છે? મુરખો! એક સ્ત્રી માતા બને છે ત્યારે પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. અને એક પુરુષ જયારે દીકરીનો પિતા  બને છે ત્યારે એનું પિતૃત્વ પૂર્ણ થાય છે.
આ બધી દીકરીઓ એમના નાનકડા સામ્રાજ્યની મહારાણીઓ છે. એમનું માન સન્માન છે. એમનું પોતાનું એક અસ્તિત્વ છે. કોઈ એમની સામે આંખ  ઉંચી કરી ને જોઈ શકે તેમ નથી. ગમે તેવાને ભૂ પાઈ દે તેવી છે. દીકરાઓ કરતા સવાઈ છે. પારકા ને પોતાના કરવાનું મને આ દીકરીઓએ જ શીખવાડ્યું છે.  નિર્મળ પ્રેમના ઝરણા જેવી આ મારી દીકરીઓ માટે અમને ખુબ ગર્વ છે.

બ્રહ્મચારી કોને કહેવાય?

 ब्रह्माध्ययन संयुक्तो ब्रह्मचर्यरत: सदा॥
सर्व ब्रह्मेति यो वेद ब्रह्मचारी स उच्यते॥५१
 
શ્લોકાર્થ: બ્રહ્મઅધ્યયન  થી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ને સર્વ બ્રહ્મ છે એમ જે જાણે છે તે બ્રહ્મચારી કહેવાય છે.
 
         આદ્ય જગદગુરુ શંકરાચાર્ય,એક મહા બ્રાહ્મણ.હિંદુ ધર્મ માંથી સડો નાબુદ કરવા ખુબ મહેનત કરી.ખુબ નાની ઉમરે દેવ થયા.ભારત એટલે એ સમયે જગત.જગત ના,ભારત ના તમામ પંડિતોને હરાવ્યા.છેલ્લે વધ્યા મહા પંડિત મંડન મિશ્ર.એમને પણ હરાવ્યા.પણ એમના ધર્મપત્ની મહા વિદુષી એમણે  સવાલ ઉઠાવ્યો,હું એમનું અર્ધું અંગ છું.મને હરાવો તોજ એમની હાર ગણાય.બાલબ્રહ્મચારી ને કામ શાસ્ત્ર વિષે સવાલો પૂછ્યા.થોડી મુદત માંગી ને એમાં પણ જ્ઞાતા થયા.કઈ રીતે એમાં પ્રવીણતા મેળવી એ વાર્તા બહુ રહસ્યમય છે,માનવામાં નાં આવે તેવી છે.ફરી કોઈવાર જણાવીશું.પણ પછી પંડિત પત્નીને પણ હરાવ્યા.અને બન્યા જગદગુરુ.
  
        ઘણા ટીકાકારો બ્રહ્મ અધ્યયન ની જગ્યાએ વેદ અધ્યયન પણ લખે છે.વેદો બ્રહ્મ છે એવું માનતા હોઈ શકે.પણ શંકરાચાર્ય વેદોના જ્ઞાતા હતાજ.એમણે વેદ અધ્યયન શબ્દ કેમ નહિ વાપર્યો હોય?બીજું આમાં શંકરાચાર્યે ક્યાય સ્ત્રી શબ્દ નો પણ ઉલ્લેખ નથી કર્યો.કે ભાઈ સ્ત્રી સંગ  થી દુર રહે તેને બ્રહ્મચારી કહેવાય.પણ ટીકાકારો એમની બ્રહ્મચર્ય વિશેની માન્યતાઓ થોપતા હોઈ શકે.
 
        સદાચાર કોને કહેવાય?સારું આચરણ એવો સીધો સાદો અર્થ થાય.કોઈ ને તકલીફ ના થાય તેવું આચરણ.એક તો મહાપુરુષોના આચરણ જોઈ ને તમે એમ કરવા પ્રેરાઓ અને તેવું આચરણ કરવા જ માંડો.આ એક રસ્તો છે.બીજો રસ્તો એ છે કે તમે અંદર થી જાગૃત થઇ જાવ.સર્વ બ્રહ્મ છે તેમ અનુભૂતિ કરવા લાગો કે પછી તમને જ્ઞાન થાય,કૈવલ્ય જ્ઞાન થાય કે એન્લાઈટનમેંટ થઇ જાય.પછી ઓટોમેટીક તમારું આચરણ બદલાઈ જાય.
    
         મહા પુરુષોના આચરણ ની નકલ એક ઉપાય છે,બીજો અંદર ની જાગૃતિ થી સદ આચરણ આવે તે છે.ગમે તેટલા શ્લોકો વાચો નકલ કરો,પઠન કરો કોઈ ફેર ના પડે.એવું થાય કે તમે ખંડિત વ્યક્તિત્વ ધરાવતા થઇ જાવ.ચાલો એક ઉદાહરણ જોઈએ.ભગવાન મહાવીર એક કીડી જોઇને કુદી ગયા ને એને બચાવી લીધી.કારણ સર્વ બ્રહ્મ છે તે એમણે જાણ્યું છે અને અનુભવ્યું પણ છે.કીડી તો શું કોઈને પણ મહાવીર પીડા ના આપી શકે.હવે જૈનો શું કરશે?કીડી જોઇને કુદી જશે,કીડીયારા પુરશે,પણ કોઈનું ખીસું કાપવું હોય વેપાર માં તો અવશ્ય કાપી લેશે.એમાં બ્રહ્મ નહિ દેખાય,જીવ નહિ દેખાય.પાંજરાપોળ ખોલશે.એમાં દાન આપશે.સારી વાત છે.ઘરડા થયેલા પશુઓને રક્ષણ મળે.પણ બેંકો માંથી કૌભાંડ કરી કરોડો ગરીબોના પૈસા રોળી લેતા એમનો જીવ નહિ કોચવાય.એકલા જૈનો ની વાત નથી દરેક ની છે.બાહ્ય સદાચાર ની વાતો કરનાર દરેક ની છે.
 
         બીજી એક નકલ ની વાત કરીએ.ભગવાન મહાવીર ૧૨ વર્ષ તાપ માં સાધના માં રહ્યા ત્યારે બધામાં એક નાની કીડીમાં પણ બ્રહ્મ ની અનુભૂતિ થઇ છે.એમજ નથી થયું બધું.હવે મહાવીરે ૧૨ વર્ષ માં ટોટલ એમના જમવાના કે ભોજન ના દિવસો ગણીએ તો એક વર્ષ જ ભોજન લીધું છે.એ નક્કી કરતા કે આવી આવી પરિસ્થિતિ બનશે તો જ ભિક્ષા લઈશ.દા.ત આજે ભિક્ષા લેવા જાઉં તો લાલ કપડું પહેરેલી સ્ત્રી હોય,એના હાથ માં નાનું બાળક હોય,બાજુમાં એક ગાય હોય તે પણ સફેદ રંગ ની અને ભિક્ષા આપે તોજ લઈશ નહીતો પાછા.હવે આવી બધી શક્યતાઓ ક્યારે ભેગી થાય?સ્ત્રી હોય તો લાલ કપડું ના હોય.લાલ કપડું હોય તો હાથ માં બાળક ના હોય.બધું હોય તો ગાય કળા કલર ની હોય.મહાવીર પાછા આવતા.આવી રીતે મહાવીરે પાછા આવી આવીને ઉપવાસ કરેલા છે.અને આવી શક્યતાઓ ૧૨ વર્ષ માં ફક્ત એક જ વર્ષ ના દિવસો જેટલી મતલબ એમણે ૧૨વર્ષમાં ફક્ત ૩૬૫ દિવસ જ ભોજન મળ્યું છે.હવે આજના મહારાજ સાહેબ શું કરશે?આવો નિયમ તો લઇ લેશે,પછી ભક્તોને કાનમાં કહેશે.ભક્તો અગાઉથી જઈને બધી શક્યતાઓ ની ગોઠવણ કરી નાખશે.લાલ કપડું,બાળક,સફેદ ગાય બધું રેડી.મહારાજસાહેબ આવીને જોશે ચાલો પ્રતિજ્ઞા પૂરી લાવો ભિક્ષા.હવે આતો નર્યો દંભ કહેવાય ને?તમે આચરણ ની નકલ કરો પણ એનો શું અર્થ?
     
               મહાવીર ની અહિંસા અંતર ની જાગૃતિના કારણે હતી,જૈનોની ના હોય.ભગવાન બુદ્ધ ની કરુણા અંદર ની જાગૃતિના કારણે હતી.આપણી ના હોય.મહાપુરુષો કહેશે ક્રોધ ના કરો.ચાલો તમે ક્રોધ કરવાનું બંધ કર્યું.હવે શું થશે?ક્રોધ અંદર ભેગો થશે.નાની વાતો ની નિરાશા ક્રોધ રૂપે ભેગી થશે.નાની નાની અવગણના ક્રોધ રૂપે ભેગી થશે.બહાર થી શાંત અંદર જ્વાળામુખી એની એનર્જી તમામ તાકાત થી ભેગો કરતો જશે.અને એક દિવસ બહાનું મળી ગયું વાલ્કેનો ફાટી નીકળશે.એક મિત્ર છે અમારા એકદમ શાંત,કાયમ હસતા,બધાને હેલ્પ કરતા.બહાર થી બહુ સારા લાગે.પણ રોજ જોબ ઉપર પણ રાતે બે વાગે છાનામાના એક પેગ સંતાડી રાખેલો મારી લે પછી,અંદર કચરો ભરેલો હોય તે બે ના બ્રેક માં નીકળવા લાગે.બધા જોડે ઝગડે.ખુબ ઉગ્ર બની જાય.ત્રણ વાગે અંદર ઓફીસ માં જઈને ઊંઘી જાય.ચાર વાગે જાગીને આવે તો એકદમ સરળ હોય શાંત હોય.ક્વોલીટી કંટ્રોલ નું કામ છે એમનું.રાતે બીજો કોઈ ઓફીસ સ્ટાફ ના હોય,ને રાતની શિફ્ટ ના બધા કર્મચારીઓ ગુજરાતી હોવાથી કોઈ ફરિયાદ ના કરે બાકી નોકરી જતી રહે.એમની નોકરી જાય તે માટે કોઈ ગુજરાતી નિમિત્ત બનવા નથી માંગતા  માટે ટકી રહ્યા છે.
    
             ચાલો તમે દુર્ગુણો થી બચવા જંગલ માં ભાગી ગયા.ત્યાં કોઈ છે જ નહિ કે કોઈ ચાન્સ આપે તેવું નથી કે ક્રોધ આવે.અહી ભીડ માં આવોને કોઈનો પગ તમારા પગ પર પડી જાય ત્યારે અચાનક ગુસ્સે થઇ જવાય ત્યારે બધી વર્ષો ની સાધના એળે જાય.એક ગુરુ ને ચેલો જતા હતા.રસ્તામાં નદી આવી.ત્યાં એક સ્ત્રી પણ ઉભેલી સામે પાર જવા.પણ તરતા ના આવડે.એટલે કોઈ પાર કરવી દે તેની રાહ જોતી હતી.આ ગુરુ તો આજના બાવાઓ જેવા બ્રહ્મચારી હતા.સ્ત્રીને જોવાય નહિ તો અડાય કેમ?એનો હાથ કેમ પકડાય? ગુરુએ તો ના પાડી દીધી,પણ ચેલા ને દયા આવી.નદી પાર થવા લાગી પણ પાણી જરા વધારે ઊંડું હશે તો ચેલાએ તો પેલી સ્ત્રીને ખભે ઉઠાવી લીધી ને નદી  તો પાર થઇ ગઈ.ગુરુ ચેલો આગળ વધ્યાં,પણ ગુરુને ચેન ના પડે.ચેલાએ ખોટું કર્યું,સ્ત્રીને અડકી તો ઠીક ખભે જ ઉઠાવી ને ચાલ્યો,મહાપાપ થઇ ગયું.બ્રહ્મચર્ય નો ભંગ થઇ ગયો.છેક આશ્રમે પહોચી ચેલાને ઠપકો આપ્યો કે તારે ખભે નહોતી ઉઠાવવાની.ચેલાએ જવાબ આપ્યો કે હે!ગુરુજી મેં નદી પાર થઇ કે એ સ્ત્રીને તરત જ નીચે ઉતારી દીધી,પણ આપ તો હજુ ઉઠાવીને ફરો છો.આ છે બાહ્ય આચરણ.
   
            આપણે ભારતીયો સદાચાર ના સ્ત્રોત્રો ને શ્લોકોમાં જ ખોવાઈ ગયા છીએ.હમેશા બ્રહ્મચર્ય ની વાતો કરીએ છીએ,સ્ત્રીઓના દુશ્મન હોય તેમ વર્તીએ  છીએ.શું સ્ત્રીઓમાં બ્રહ્મ નથી?અને અંદર સેક્સ સપ્રેસ્ડ થતો જાય છે.સહેજ ચાન્સ મળ્યો ને સેક્સ બહાર.બસ માં સ્ત્રી બાજુમાં બેઠી ને અડપલા ચાલુ.ખાલી સ્પર્શ અરે સ્પર્શ ઠીક જરા કપડું સ્ત્રીનું અડે તો પણ વિહવળ થઇ જતા ભારતીયો ની સદાચાર ની વાતો સાંભળી હસવું આવે છે.ખુબ બ્રહ્મચર્ય પાળશે ને કોઈ સ્ત્રી ભક્ત ના પ્રેમ માં ફસાઈ જશે.જેમ નિત્યાનંદ ફસાઈ ગયા.કોઈએ બિપાશા બસુ ના સ્તન પર હાથ ભીડ નો લાભ લઇ ફેરવી લીધેલો.આ છે બ્રહ્મચર્ય ના ફાયદા.
   
            ઉપર ના શ્લોક માં શંકરાચાર્યે ક્યાય સ્ત્રીનું નામ જ નથી લીધું.બ્રહ્મ માં ચર્યા એટલે બ્રહ્મચર્ય.સદાય બ્રહ્મ માં રત રહેવાવાળો,રમમાણ રહેવાવાળો.અને સર્વ બ્રહ્મ છે એમ જાણવાવાળો બ્રહ્મચારી કહેવાય.શું સ્ત્રીમાં બ્રહ્મ નથી?શું એક નાની બાળકી માં બ્રહ્મ નથી?શું એક વર્ષ ની નાની બાળકીને બ્રહ્મ ની હાજરી છે એમ માની ના શકાય?પણ વિહવળ થઇ જવાય છે.કેમ કે અંદર થી સર્વ જીવો માં કે નિર્જીવ માં શંકરાચાર્ય ની જેમ બ્રહ્મ નથી દેખાતા.જે લોકો સેક્સ ને દબાવે છે એ લોકો જ તો નાની બાળકીઓ પર પણ રેપ કરે છે.એ લોકોને નાની બાળકીમાં બાળકી નથી દેખાતી,એ લોકોને નાની બાળકીમાં પણ મોટી સ્ત્રી દેખાય છે ત્યારે તો બળાત્કાર કરી શકે છે.અરે મારી પણ નાખે છે.જે સાધુઓ નાની બાળકી ની હાજરી માત્ર સહન નથી કરી શકતા એમની સામે બાળકીઓ લઈને પણ ના જશો.દુર રાખો તમારી નાની ફૂલ જેવી દીકરીઓ.નાની બાળકીઓ ઉપર બળાત્કાર કરનારા ક્રિમિનલ્સ અને આ સાધુઓમાં તાત્વિક રીતે,માનસિક રીતે કોઈ ફર્ક નથી.બંને સેક્સ ને દબાવીને બેઠા છે.ભલે આ લોકો પંથ ના હિત માં કે આબરૂ નાજાય  માટે બળાત્કાર નહિ કરતા હોય પણ એમની ભૂંડી નજરો થી બચાવો તમારી બાળકીઓને.

 
      પટરાણીઓ,રાણીઓ,૧૬૦૦૦ રાણીઓ ને ઘણી બધી પ્રેમિકાઓ ધરાવનારા શ્રી કૃષ્ણ ને મુક્ત મહાપુરુષોએ બ્રહ્મચારી કહ્યા છે.શું આ બધા અજ્ઞાની હતા?આજના સાધુઓ ને બાવાઓ કહે તે સાચું કે મુક્ત મહાપુરુષો કહે તે સાચું? કે શંકરાચાર્ય કહે તે સાચું?

     

              પહેલા અંદર થી જાગૃત બનો.સર્વ વસ્તુ માત્ર,જીવ માત્ર માં બ્રહ્મ ને જાણો.તો કોઈ સદાચાર ની નકલ કરવી નહિ પડે.સદાચાર અંદર થી જ આવશે.તમે કોઈનું ખીસું કાપીજ નહિ શકો.તમે કીડીને પણ મારી નહિ શકો.કૂદવું નહિ પડે કીડી જોઇને કુદાઈ જશે.કોઈ કાન માં ખીલા ઠોકી જશે તો પણ અવાજ નહિ કરો.જરા કોઈ જૈન ને ખીલી અડકાડી જુઓ તો?કોઈ ટેક્સ ની ચોરી નહિ કરી શકો.કોઈ ભાવ વધારે  લઇ નહિ શકો.કોઈને ઓછી વસ્તુ તોલ માં આપી નહિ શકો.કોઈ ની હત્યા નહિ કરી શકો,ના કોઈની ઉપર બળાત્કાર કરી શકો.કોઈ ની હાજરી તમને હલાવી નહિ શકે.બધામાં જ્યાં બ્રહ્મ જ દેખાય તો કોને છેતરી શકશો?કોને દુખ જરા જેટલું પણ આપી શકશો?શંકરાચાર્યે બધા શ્લોકો બ્રહ્મ ને જાણ્યા પછી લખ્યા છે.
    
             તો શું કરવું?સદાચાર નું આચરણ ના કરવું?કરવું જરૂર કરવું.એકદમ કોઈને તકલીફ શું કામ આપવી?પણ સાથે સાથે ધ્યાન પણ કરવું પડે.મેડીટેશન એક માત્ર ઉપાય છે.કોઈ સદાચાર ના આચરણ માત્ર થી નકલ કરવા માત્ર થી બ્રહ્મ ને ના પામી શકે.અંદર ની જાગૃતિ માટે મેડીટેશન કરો.કોઈ વ્રત ઉપવાસ જપ તપ ની જરૂર નથી.જરૂર છે ફક્ત ધ્યાન ની.ધીરે ધીરે અંદર થી શાંત બનતા જશો ને બહાર સદાચાર આવતો જશે.ખબર સુદ્ધાં નહિ પડે.ધીરે ધીરે અવેયરનેસ આવતી જશે ને બહાર સદાચાર નું આચરણ વધતું જશે.જે.કૃષ્ણમૂર્તિ જેને ચોઈસ લેસ અવેયરનેસ કહેતા હતા.એક સાક્ષીભાવ જાગશે,એક અનાસક્ત યોગ પેદા થશે.અંદર થી શાંત બનતા જશો ને કામ(સેક્સ)માં રસ ઓછો થતો જશે.એટલે બુદ્ધિહીન બાવાઓએ પકડી લીધું કે કામ(સેક્સ) થી દુર રહેવું.આ બાવાઓ તો કામ(સેક્સ)અને કામ(વર્ક)બંને થી દુર રહેવા લાગ્યા છે.અંદર થી શાંત બનતા જશો ને ક્રોધ કરતા ઓછા થઇ જશો.જયારે બધા બ્રહ્મ જ છે એવી પ્રતીતિ થવા લાગશે એટલે પ્રેમ વધતો જશે,કરુણા વધતી જશે.ગાંધીજીએ કામ ને જીતવા ખુબ પ્રયત્નો કરેલા પણ ધ્યાન ના કર્યું,મેડીટેશન ના કર્યું.ડોસા કામ ને જિત્યા વગર જ ચાલ્યા ગયા.બાહ્ય સદઆચરણ થી તમે પાખંડી બની જશો,જો સાથે સાથે ધ્યાન નહિ કરોતો.
    

संभवामि युगे युगे॥ ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…

 संभवामि युगे युगे॥           ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…
           ભગવાન શ્રી કૃષ્ણ અદ્વૈત વાદી હતા,એવું લાગે છે.હુજ ભગવાન છું!મારી શરણ માં આવ!અને પછી મો ખોલી ને આખું વિશ્વ બતાવી દીધું.અહં બ્રહ્માસ્મિ!એટલે જ એવું બોલ્યા હશે કે ‘સંભવામિ યુગે યુગે’.મતલબ જે પણ જન્મે ને સડેલી રાજ્યવ્યવસ્થા કે સડેલા કાનુન કે સમાજ વ્યવસ્થા ને સુધારવાનું કામ કરશે તેનો આત્માં  ને મારા આત્મા માં શું ફરક હોય?સર્વ ખલુ ઇદમ બ્રહ્મ.માટે હું યુગે યુગે જન્મ લઈશ એવું બોલ્યા હશે.અને આપણે એમના અવતરવાની રાહ જોઈ રહ્યા છીએ.એ દિવસ કદી આવવાનો નથી.
           અવતાર ઉપરથી કોઈ મોકલતું નથી કે ટપકાવતું નથી.આપણાં માંથી જ કોઈ સાહસિક વિરલો અન્યાય ને અંધકાર વિરુદ્ધ ઝંડો ઉઠાવે છે.એને પછી આપણે અવતાર માનીએ છીએ.આપણે મુરખો એવું માનીજ શકતા નથી કે આ બધી શક્તિઓ કુદરતે આપણાં માજ મુકેલી છે.એટલે કાળક્રમે દૈવી શક્તિ નું કામ છે એવું માની લઈએ છીએ.કોઈ માની શકશે?એક ડરપોક વાણીયો  હાથ માં લાકડી લઈને અને તે પણ કોઈને માર્યા વગર અંગ્રેજ મહાસત્તા ને ભારત માંથી તગેડી મૂકી શકે?
  
           હરેક યુગે યુગે સડેલી સમાજ વ્યવસ્થા ને ઉખેડી ને ફેંકી દેવા માટે એક મહાક્ષત્રીય(શ્રી કૃષ્ણ) ની જરૂર પડે છે.એક લડાયક રાજનેતા ની જરૂર પડે છે.અગાઉના લેખ માં મેં આ વાત લખેલી જ છે.પણ બુદ્ધિજીવી(બ્રાહ્મણ) ને રાજ્ય કરવા માં રસ ના હોય.એ તમને સુજ આપે સમજ આપે ક્રાંતિકારી વિચારો ને યોજના આપે.પણ અમલ માં મુકવાનું કામ લીડરશીપ (ક્ષત્રીય) જ કરી શકે.કારણ મૂળભૂત રીતે બ્રાહ્મણ અંતરમુખી છે,ઇનટ્રોવર્ટ છે.કાર્લ માર્ક્સ નામનો એક જર્મન બ્રાહ્મણ સામ્યવાદ ના વિચારો લઇ આવ્યો પણ અમલ માં મુકવા ના જઈ શકે.એને માટે લેનિન કે માઓ જેવા ક્ષત્રિયો જ જોઈએ.ભલે ફેઈલ ગયો,પણ હતો ક્રાંતિકારી.એક વખત ની બગડેલી સીસ્ટમ ને ફેંકી દેવા માટે કામ લાગેલો જ ને.
            દરેક સારી સીસ્ટમ સમય જતા સડતી જતી હોય છે.સફરજન ગમે તેટલું ગુણકારી હોય,કાયમ ફ્રીજ માં મૂકી રાખીએ તો પણ સમય જતા બગડી જાય છે,માટે ફેંકી દઈ ને નવું લેવું પડે,ને ખાવું  પડે.રાજાશાહી સારી જ હતી.આખી દુનિયા માં હતી.ચીન માં પણ ભારત ની જેમ પવિત્ર હતી.એક રાજા સારો પાકે ને એનો વારસદાર સારો ના પણ પાકે તો ગરબડ થઇ જાય.સમય જતા રાજાશાહી બગડતી ગઈ.સીસ્ટમ સડતી ગઈ.આખી દુનિયા માંથી ઉખડી ગઈ.
           લોકશાહી આજની નથી ભાઈ.ભારત માં સૌથી પહેલી આવેલી છે ભાઈ.વર્ષો પહેલા,૨૫૦૦ વર્ષ પહેલા હતી.બુદ્ધ ના સમયે શરુ થયેલી.ગણ રાજ્યો કહેવાતા.વૈશાલી નગરી ને રાજ્ય એનું ઉત્તમ ઉદાહરણ હતા.પણ એ જમાના પ્રમાણે યોગ્ય નહિ હોય કે પ્રજા એને લાયક નહિ હોય કે સીસ્ટમ ના ચાલી.પ્રજાનું માનસિક સ્તર બહુ ઊંચું હોય ત્યાજ લોકશાહી ચાલે.હજુ ભારત એના લાયક નથી થયું.પ્રજા એની ફરજો પૂરી રીતે સમજવા ને પાળવા સક્ષમ હોય ત્યાજ લોકશાહી ચાલે.પ્રજામાં એક સ્વયંભુ શિસ્ત હોય ત્યાજ લોકશાહી ચાલે.ભારત એના માટે લાયક જ નથી ને મળી ગઈ છે.ડીટેકટરશીપ પણ એક જાતની રાજાશાહી જ છે.જાતે બની બેઠેલા રાજા,વારસા માં મેળવેલ નહિ.
         સામ્યવાદ ના વિચારો ખોટા નહતા.પણ પ્રજા માં એના માટે પણ બહુ ઉંચી સમજદારી જોઈએ.પણ એનાથી પ્રજામાં કોઈ મહત્વાકાંક્ષા જ ના રહે.બધું સરકારી  હોય તો મહેનત કોણ કરે?વધારે મહેનત કરે એને વધારે જોઈએને?મૂડીવાદ પણ ખોટો નથી.પણ એનાય ગેરફાયદા છે.માઈકલ મુર ની “કેપીટાલીઝમ એ લવસ્ટોરી” નામની ડોક્યુમેન્ટ્રી જોઈ લેજો.એના ગેરફાયદા લઈને આજે અમેરિકા મંદીમાં સપડાયું છે.રોજ બેંકો ઉઠી નથી જતી,ઉઠાડી દેવા માં આવે છે.
  
                યુગે યુગે સડેલી,બગડેલી નકામી થઇ ગયેલી સીસ્ટમ ને ફેંકી દેવા કોઈ ને કોઈએ રાજ્યકર્તા ની જરૂર પડે છે ને એવા વિચારો દેવા ને નવી સીસ્ટમ ની દિશા આપવા માટે,નવી સીસ્ટમ ની સુઝબુઝ દેવા માટે એક મહા બુદ્ધિજીવી ની જરૂર પડે છે.પછી આપણે એમને અવતાર તરીકે ઓળખીએ છીએ.નાના નાના નાયકો ને લોકો ભૂલી જાય છે.પણ કૃષ્ણ જેવા મહા નાયક અમીટ છાપ છોડી જાય છે,ભગવાન બની જાય છે,અવતાર કે મહાવતાર બની  જાય છે.સડેલા રાજ્યકર્તાઓને અને એમની માનસિકતા ને કોઈ મહાક્ષત્રીય વધારે સારી રીતે સમજી શકે એ વાત પણ એટલીજ સાચી છે.એમના કાવાદાવા એમની અંદર નો માણસ વધારે સમજી શકે.માટે  શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા રાજાઓ એ સમયાન્તરે એ કામ કરેલું છે.નિરંકુશ અભિમાની રાવણ ની સીસ્ટમ ને રામે ખતમ કરી. એમણે એક પત્નીનો એક મહાન કોન્સેપ્ટ એ જમાના માં આપેલો.એ સમયે કોઈએ માન્યો નહિ હોય.કદાચ એ જમાના કરતા વધારે સૈકાઓ આગળ નો કોન્સેપ્ટ લોકો ને સમજ માં નહિ આવ્યો હોય.પણ અત્યારે જુઓ આખી દુનિયા માં કાયદો એનો અમલ કરાવે છે.એના ફાયદા રામે હજ્જારો વર્ષ પહેલા જોયા હશે.રામ પૃથ્વી પરના પહેલા મોનોગેમસ હતા. એમના પછી આવેલા મહાનાયક શ્રી કૃષ્ણ પણ પોલીગેમસ હતા.૧૬,ooo  રાણીઓ,ઓછી કહેવાય?
             શ્રી કૃષ્ણ વખતે પણ રાજકર્તાઓની એક આખી ચેનલ બગડેલી હતી.કંસ જરાસંધ અને ઘણા બીજા બધા.એને નાબુદ કરવાનું કૃષ્ણે બીડું ઝડપ્યું.કોઈ લેભાગુ જ્યોતિષીએ કંસ ને ભરમાવી દીધો હશે કે તારી બહેન નો છોકરો જ તને મારી નાખશે.કદાચ દેવકી જોડે કોઈ ખાનગી વેર હશે.એટલે એ સમયે અંધ શ્રદ્ધા ના વાદળો બહુ ઘેરાયેલા હશે.બાકી બહેન ના ભાણીયા  ને કોઈ મારી નાખે ખરા?જરાસંધે એ વખતના ભારત ના લગભગ મોટા ભાગ ના નાના નાના રાજાઓને  કેદ કરી રાખેલા કે મારી નાખેલા.સોળ હજાર સ્ત્રીઓ એ હારેલા રાજાઓ ની પત્નીઓ હતી.એમને યથેચ્છ ભોગવતો હતો.કૃષ્ણે ભીમ ની મદદ વડે એને મરાવ્યો ને પેલી સ્ત્રીઓને મુક્ત કરી.હવે આ  જરાસંધ વડે ભોગવેલ સ્ત્રીઓ ને એમના પતિદેવો ખુદ સ્વીકારવા તૈયાર  નહતા.બધીને કૃષ્ણે સ્વીકારીને સન્માન આપ્યું.તો મુરખો કહેશે કૃષ્ણ ને તો સોળ હજાર રાણીઓ હતી.તો અમે પણ બેચાર રાખીએ તો શું ગુનો?
            મહાભારત વખતે રાજાઓ ખુબજ સ્વછંદી હતા.સ્ત્રીનું  કોઈ માન સન્માન  હતું નહિ,એમનો કોઈ આત્મા જ હતો નહિ..એક વસ્તુ થી વધારે કોઈ મહત્વ જ નાં હતું.ખાલી માતા તરીકે થોડું ઘણું હશે.બાકી કોઈ મુલ્ય નાં હતું.દ્રૌપદી શ્રી કૃષ્ણ ની માનેલી બહેન હતી.છતાં દુ;શાશન એને ભરી સભામાં નગ્ન કરવા  તૈયાર થઈને બેઠો હતો.વડીલો ની હાજરી માં દુર્યોધન એને પોતાની જંઘા પર નગ્ન કરીને બેસાડવા માટે તૈયારી કરી ચુક્યો હતો.કોઈ રોકી શકે તેમ ના હતું.ભીષ્મ જેવા મહારથીઓ પણ નિર્માલ્ય બની ચુક્યા હતા કે પછી દ્રૌપદીને  નગ્ન જોવા ઘરડા વડીલો ઉત્સુક હતા? અન્ન ખાધું છે?તો  દુર્યોધન ને   વધારે ઠપકો આપી શકાય.જેનું અન્ન ખાધું હોય તેનું જો સારું ઈચ્છતા હોય તો વધારે ઠપકો આપી શકાય.એક દુર્યોધન નો ભાઈ વિકર્ણ એણે એકલા એ વિરોધ કર્યો.એણે પણ અન્ન ખાધું  હતું  આ વડીલો ના મોઢામાં મગ ભરેલા હતા?સભાત્યાગ પણ કરી શક્યા હોત.તો બેસી કેમ રહ્યા હતા?ત્યાર પછી થયેલા મહાભારત માં તો ઉછળી ઉછળી ને લડતા હતા.એટલી શક્તિ નહોતી કે ઉભા થઈને વિરોધ માં સભા નો ત્યાગ કરી શકાય? પતિઓ પણ સાવ નિર્માલ્ય હતા.પોતાની પ્રિય પત્ની ને જુગાર માં મૂકી જ કેમ શકાય?ધર્મરાજા અધર્મ ના અવતાર બની ચુક્યા હતા.સ્ત્રી ખાલી ભોગ ભોગવવાનું સાધન માત્ર જ હતી.માટે યુગે યુગે સંભવામિ  ની જરૂર હતી.એક બળવાન  રાજનેતા ની જરૂર હતી.આ સ્વચ્છંદી ઓ ને પાઠ ભણાવવાની  જરૂર હતી.આ લોકો ને નેસ્તો નાબુદ કરવાની જરૂર હતી.ઉખાડી ને ફેંકી દેવાની જરૂર હતી.સારા પણ નીર્માલ્યો  ના કાળજા માં હિંમત ભરવાની જરૂર હતી.એમને પણ પાઠ ભણાવાની જરૂર હતી.આ બુઢ્ઢા થઇ ગયેલા અને નીરંકુશો ને અંકુશ માં રાખી નહિ શકતા વડીલો ને હવે મૃત્યુ ની જરૂર હતી.એમનું હવે કોઈ કામ નાં હતું.ખોટા ભાર વધારી રહ્યા હતા.શ્રી કૃષ્ણ એકલા હાથે બધું ના કરી શકે માટે પાંડવો ના સાથ ની જરૂર હતી.એક મહાભારત ને આખી સડેલી ચેનલ નાબુદ.
            શ્રી કૃષ્ણ મહાક્ષત્રીય હતા.પણ મહા બ્રાહ્મણ જેટલા સક્ષમ પણ હતા.બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્વ નો મહા સંગમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ.એટલે આપણે એવું સમજીએ છીએ કે કોઈ દૈવી શક્તિ ઉપરથી ઉતરી હશે.માટે એમને ભગવાન સમજીએ છીએ.ના પણ એ મહામાનવ હતા,મહાનાયક હતા.ભગવાન બરોબર હતા.અદ્વૈત વાદી હતા.માટે એમના વ્યક્તવ્યો માં પોતે ભગવાન હોય તેવી વાતો ની સુગંધ આવતી હતી.પોતે સર્વશક્તિમાન ઈશ્વર છે,”માંમેક્મ શરણમ વ્રજ” એવા અહંકારી વ્યક્તવ્યો એ એમના અદ્વૈત વાદી હોવાનું પ્રમાણ માત્ર હશે.
            સડેલા ને નિર્માલ્ય થઇ ચુકેલા રાજાઓ ને બ્રિટીશરોએ કાબુમાં લઇ લીધા હતા.પરદેશીઓ રાજ  કરવા લાગ્યા હતા.ભારત ની પ્રજા નું કોઈ વજૂદ જ રહ્યું નાં હતું.માટે એક ડરપોક વાણીયો ભણવા ગયો ઇંગ્લેન્ડ અને પછી બન્યો બહાદુર,પછી ક્ષત્રીય.બન્યો રાજનેતા અને નવા આઈડિયા ને નવા વિચારો લઈને આવ્યો.વગર લડાઈ એ વગર મહાભારતે હાંકી કાઢ્યા અંગ્રેજોને.એ કોઈ ઓછી સિદ્ધી ના કહેવાય.૨૫૦૦ વર્ષ પહેલા વપરાયેલી લોકશાહી ને પુનર્જીવિત કરી.પણ પ્રજા માં શિસ્ત નથી.પ્રજામાં દેશ માટે બલિદાન ની ભાવના નથી.પ્રજા ધર્મ માટે બલિદાનો આપશે,પણ દેશ ની કોઈ પડી નથી.લોકશાહી માં પ્રોબ્લેમ છે.કોઈ ને કશું કહેવાય નહિ.૨૫૦૦૦ કરતા પણ વધારે સાંપ્રદાયિક ઉધઈ ભારત ને કોરી ખાઈ રહી છે.એક મહાન સૌથી પુરાણી સંસ્કૃતિ ને કોરી રહી છે.૫૦ લાખ સાધુઓ!!!અધધ!!!૫૦ લાખ ભીખારીઓ દેશ ને વધારે ભિખારી બનાવી રહ્યા છે.અનપ્રોડક્ટીવ ૫૦ લાખ દેશ ની ઈકોનોમી બગાડી રહ્યા છે.એમના ભોજન,ચરસ,ગાંજા  ને બીડી નો ખર્ચ પ્રજા ને માથે છે.પ્રજા કાયર બની ચુકી છે.સર્વાંઇવલ ના નિયમ મુજબ કમજોર સજીવ એની વસ્તી ખુબ વધારે માટે સર્વાઈવ થઇ જવાય.ભારતીય લોકો ના પ્રજનન તંત્રો આ કુદરત ના નિયમ મુજબ અતિ સક્રિય થઇ ગયા છે.વસ્તી કુદકે ને ભૂસકે  વધી રહી છે.કોઈ કાબુ નથી.રોજ લોકો મરી રહ્યા છે. માઓવાદીઓ આવી રહ્યા છે.રાજકર્તાઓ કમજોર ને કાયર પ્રજા માંથી જ ચૂંટાતા હોવાથી એમનામાં કોઈ પાણી નથી.ગમેતે લોકો ચૂંટાઈ આવે છે.અસલ  ક્ષત્રિયો જેવી સખ્તાઈ નથી.દંડ દઈ શકવાની હિંમત નથી.
            હવે ખાસ જરૂર છે એક શ્રી કૃષ્ણ ની,એક મહા ક્ષત્રીય ની,એક દંડ દઈ શકે એવા દંડ નાયક ની.ભગવાં કપડા માં છુપાએલા નિત્યાનંદો ને સજા આપે અને નિષ્ક્રિય થઇ થઇ ને દેશ ને માથે,પ્રજા ને માથે બોજ બની બેઠેલા સાધુઓની જમાત ને ઉખેડી નાખે તેવા ક્રાંતિકારી ની.એક નવી સીસ્ટમ ને શોધી ને સ્થાપિત કરે તેવા અવતાર ની. ગયા તે કદી પાછા આવતા નથી.એ કોઈ આપણાં માનો જ હશે.એને જ કહેવાય સજ્જન પ્રજાની રક્ષા માટે,સાચા ધર્મ ની સ્થાપના માટે સંભવામિ યુગે યુગે.
      નોંધ-મારા લેખોમાં પ્રેરક કે પ્રેરણા આપનાર નું નામ લખું છું કે એ વ્યક્તિઓ એ મને કોઈ વિષય સૂચવ્યો હોય છે.એમના પ્રત્યે આભાર ની લાગણી દર્શાવું છું.લેખ મારો લખેલો હોય જે હમેશ ની જેમ વિવાદાસ્પદ વિધાનો થી ભરેલો હોય છે.એમાં પ્રેરક નું કોઈ યોગદાન હોતું નથી,માટે મારા વિવાદાસ્પદ લખાણો માટે પ્રેરણા આપનાર ને દોષી માનવા નહિ કે દોષ દેવો નહિ.એટલી અમારી વિનંતી છે. 

ભારતીય સંસ્કૃતિનો અડીખમ થાંભલો ને ઉધઈના રાફડા,

Ashmolean Museum, Oxford
Image by Martin Beek via Flickr

ભારતીય સંસ્કૃતિ નો અડીખમ  થાંભલો ને ઉધઈના રાફડા,

ભારતીય સંસ્કૃતિ સૌથી જુનો સંસ્કૃતિ સ્થંભ. ચીનનો પણ લગભગ એટલો જ જુનો. ઘણી બધી લાંબી મજલ કાપીને ઘડાયેલો આ થાંભલો કોરી ખાવા ઉધઈના રાફડાઓ  વળગ્યા છે. જાત જાતનાં  રાફડાને ભાત ભાતના રાફડા. જેટલું લાકડું જુનું એટલી ઉધઈ પણ વધારે વળગેલી હોય. પણ પાછું બહુ જુનું લાકડું ઉધઈ ને ગાંઠે નહિ. એમાય વળી શીશમનું હોય તો જરાય ના ગાંઠે.

અહી અમેરિકાના કેલીફોર્નીયામાં એક ઝાડ છે, ૫૦૦૦ વર્ષ જુનું. કદાચ કૃષ્ણની મોરલીના સુર એણે સાંભળ્યા હશે. કદાચ એણે મહાભારતના યુદ્ધમાં થયેલો વિનાશ જોયો હશે. કદાચ એણે દ્રૌપદીના હીબકા સાંભળ્યા હશે.

“મને આટલા બધા જણાંની વચ્ચે નગ્ન ના કરશો ! મને શરમ આવે છે ! !”

કદાચ એણે ભાર્ગવની માતાના પોકાર સાંભળ્યા હશે.
‘બેટા પરશુ પિતા ગુસ્સામાં ખોટી આજ્ઞા આપે તેને પાળવાના મોહમાં મારું માથું તારા નિર્દય પરશુ(ફરશી)થી ના વધેરીસ’.
‘નાં માં ના ભવિષ્યમાં ભારતવર્ષ માં કોઈ બેટો એના પિતાની આજ્ઞાની અવગણના ના કરવો જોઈએ, એનો જડબેસલાક દાખલો આજે મારે બેસાડવો છે, અને પિતાજી પાસે સંજીવની વિદ્યા છે હું કોઈ ઉપાયે એમને તને જીવતી કરવા રાજી કરી લઈશ’
‘બેટા ફીફા ખાંડવા રહેવા દે એવી કોઈ વિદ્યા નથી, ભવિષ્યમાં પણ મરેલાને સજીવન કરે એવી વિદ્યા તો મળવાની નથી, હા દવાઓ ખાઈ કદાચ જીવન લંબાવી શકાશે.’
પણ ભાર્ગવ માને? માતાની આજીજીઓ આ ઝાડે સાંભળી હશે. પરશુનો માથું વધેરતો ખટકો એણે સાંભળ્યો હશે. વિરુદ્ધ ગુણ આકર્ષે, એ ન્યાયે કદી યુદ્ધમાં ના જવા ટેવાયેલા બ્રાહ્મણોના આ સદાય ફરશી લઇ ક્ષત્રિયોના માથા વધેરતા મહા ભાર્ગવ પરશુરામ તમામ બ્રાહ્મણોના આદર્શ મહાપુરુષ બન્યા. ક્ષત્રિયોના અન્યાય સામે લડવું જોઈએ,  કેમ ના લડવું જોઈએ? જરૂર લડવું જોઈએ. પણ એક ક્ષત્રીયના પાપે તમામ ક્ષત્રિયો ઉપર વેર રાખવું એમાં મને તો કોઈ ગણિત સમજાતું નથી. અરે! ગર્ભવતી ક્ષત્રાણીઓના પેટ ચીરીને જન્મ પામવાની રાહ જોતા ક્ષત્રિયોને માર્યા. ચાલો ઠીક છે, પણ માતાની હત્યા? ને પિતા કદી ગેરવાજબી માંગણી કરી ના શકે એવું કેમ મનાય? ગેરવાજબી હતી માટે તો બીજા ભાઈઓએ ના માની.  પિતાની આજ્ઞાનું પાલન ના કરનાર ભાઈઓને પણ માર્યા. બ્રાહ્મણ મિત્રો કોઈ ખોટું ના લગાડતા. મહાત્માઓએ વિચારવાની બારીઓ, વિન્ડોઝ બંધ કરી દીધી છે. બારી બંધ કરવા  સંજીવની વિદ્યાનું તુત ઘુસાડી દીધું છે.
કોઈ ઉપાય જો સુજે વૈજ્ઞાનિકો ને એ ઝાડને સાંભળવાનો તો ગીતાના ઓરીજીનલ શ્લોક કહી બતાવે.
ભારતીય સંસ્કૃતિનો સ્થંભ એનાથી પણ જુનો. પણ ૨૫૦૦૦ કરતાય વધારે સંપ્રદાયોની ઉધઈ વળગી છે. અને રોજ નવી વળગતી જાય છે. મૂળ થાંભલો દેખાય નહિ તેમ વળગી છે. અરે આ ઉધઈને જ લોકો સંસ્કૃતિ માનવા લાગ્યા છે. બુદ્ધ  ને મહાવીર કંટાળ્યા. ચાલો નવો થાંભલો રોપીએ. જાત જાતની કથાઓ ને ભાત ભાતના પુરાણોની ઉધઈ. બધા પુરાણો સાચા નથી, અથવા એમના નામે ચરી ખાવાનું ચાલે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી કથા શરુ. દરેક કથા પાછા વ્યાસજી ઉવાચ. એમાય પાછા સુતજી કહે મને વિષ્ણુજી એ કહેલી એ હવે તમને કહું છું. દરેક વ્રતનું પણ એમજ સમજવું.
કાલે જરા ધ્યાનથી સત્યનારાયણ કથા સાંભળી. રાજાનું અડધું શરીર રાજાએ કરવતથી કાપીને સત્યનારાયણ ભગવાનને આપ્યું. પછી અડધાનું શું કર્યું તે ના કહ્યું. અને આ અડધું શરીર ભગવાને શું કામ માગ્યું હશે? અડધું વળી શું કામમાં આવે? દરિદ્ર બ્રાહ્મણ દરેકમાં હોય. સાધુ વાણીયો ને લીલાવતીને કલાવતી. પ્રસાદ પડતો મુક્યો તો ખલાસ, ગયા જેલમાં. કથા કરી તો રાજાને ભગવાને ધમકી આપી કે તારો સત્યાનાશ કરી દઈશ સાધુ વાણિયાને છોડી દે. પુરાવે પોતે ને છોડાવવા પાછા ધમકી પણ પોતે જ આપે. કર્મનો નિયમ ગયો ભાડમાં.  ખાલી કથા કરાવો ને સર્વ પાપો કર્યા કરો. કોઈ બોધર ના કરે. પ્રસાદ ના ખાધો  તો દસ પુત્રો મરી ગયા. છેલ્લે પ્રસાદ વહેચાયો તો મેં કહ્યું ખાઈ લેવા દે ભાઈ મારે તો ત્રણ જ પુત્રો છે. બધા મરી જાય તો ઉપાધી થાય. વાઈફે પાછું બાળકો ના થાય તેનું ઓપરેશન કરાવી લીધું છે. અને હવે આ ઉંમરે બીજું બૈરું પણ ના મળે પુત્રો પેદા કરવા. પાછા કાયદા પહેલાના જેવા નથી. એક બૈરા ઉપર બીજું  બૈરું કરીએ તો પાછા સળિયા ગણવા પડે. એના કરતા સારો શીરો  બનાવ્યો છે, બેસ્ટ શીરા મેકર વાઈફે તો ખાઈ લેવાદે કોઈ ખોટું જોખમ નથી ખેડવું. મજાક કરું છું.
કેવી કેવી ઉધઈઓ? કોઈ વાર દશામાંનું પુર આવે, કોઈ વાર સંતોષી માતાનું. તો કોઈ વાર વૈભવ લક્ષ્મી. કોઈ વાર સાઈબાબાનું પુર આવે. હમણા સાઈબાબાનું ચાલી રહ્યું છે. પાછા મિત્રો કહેશે લોકોને આસ્થા હોય છે. કોઈ જીભ કાપીને મૂકી દે આવી આસ્થા? આવી આસ્થા વિરુદ્ધ પણ ના બોલાય? ધાર્મિક લાગણી દુભાઈ જાય. વાત વાતમાં ખોટું લાગી જાય.
લગભગ ૭૦૦ વર્ષ મહાન ગુપ્ત રાજાઓએ સજ્જડ રીતે સીમાડા સાચવ્યા. સિકંદર જેવો પણ ઘૂંસ મારી ના શક્યો. બસ પ્રજાને જલસા થઇ ગયા. ના કોઈ યુદ્ધ ના કોઈ હાડમારી. સુવર્ણ યુગ હતો. એજ સતયુગ લાગે છે. તમામ સાહિત્ય ને શાસ્ત્રો એ નવરાશે રચાયા. કવિતાઓ, મહાકાવ્યો રચાયા. પુરાણો રચાયા. પ્રજા ને છેતરવાનું શરુ થયું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી ધંધા શરુ થયા. શંકરાચાર્ય આવ્યા. થોડા ફટકા ઉધઈ ખંખેરવા લગાવ્યા. પણ વહેલા જતા રહ્યા. એમના ચેલાઓએ નવી ઉધઈ બનાવી લીધી. નાના મોટા કોઈ કોઈ વચ્ચે ઉધઈ ને ખંખેરવા પ્રયત્નો કરે પણ જેટલો જુનો થાંભલો એટલી જૂની ઉધઈ. પાકી સિમેન્ટ જેવી. ખંખેરવા વાળો જ ઉકલી જાય. દયાનંદ સરસ્વતી આવ્યા, મોરબીના ટંકારા થી. સાલું આ કેવો ભગવાન એના પર ઉંદરડા ફરે ને હટાવી પણ શકતો નથી. ખુબ ડંડા માર્યા, સત્યાર્થ પ્રકાશ નામનો ઘણ માર્યો. પણ ઉધઈ મજબુત. એમને જ લાડવામાં ઝેર આપી દીધું. ખબર પડી તો માંડ્યા દંડ બેઠક કરવા, જે પસીનામાં ઝેર નીકળી જાય તેટલું ઓછું. પહેલાવાનો મોકલાતાં તો સ્વામીજી પણ પહેલવાન હતા. ઉચકીને ફેંકી દેતા. પણ કપટ આગળ લાચાર બન્યા. રસોયાને પૈસા  આપ્યા ને કહે ભાગી જા, મારો ભક્ત રાજા તને ફાંસીએ લટકાવી દેશે.
વિવેકાનંદ આવ્યા. ૧૦૦ યુવાનો આપો આખો સ્થંભ ઉધઈ વિહોણો કરી દઉં. ભારતનું કમનસીબ યુવાનીમા જ શંકરાચાર્યની જેમ સિધાવી ગયા. રામ મોહનરાય આવ્યા. એમણે પણ ડંડા ઝાપટ્યા, પણ સાલું જૂની ઉધઈ નવા સ્વરૂપ લઇ લે. એકલ દોકલની તતુડી કોણ સંભાળે. ગાંધીજીને થયું નવો પશ્ચિમનો થાંભલો સારો. પણ જુના સંસ્કાર આડે આવ્યા..જૈન રાજચંદ્રને ગુરુ માન્યાં. થોડી સાફસફાઈ શરુ કરી, હરીજન વાસમાં ફરવા લાગ્યા. ભગવી ધજાઓ બગડી. આ વાણીયો તો મંદિરો અભડાવસે. પણ પહેલા આઝાદીનું કામ કરીએ. ઉધઈ વિફરી ધરબી દીધી ગોળીઓ  છાતીમાં.  છેલ્લે ના મહાવીર યાદ આવ્યા ના જીસસ, યાદ આવ્યો હે!!રામ!!!અચેતન મનમાં રહેલા સંસ્કાર ના જાય તે આનું નામ.
ગુજરાતી વળી ઉધઈને સંસ્કૃતિ માને ને ગાંડા બહુ થાય. દરેક ને ગુજરાત બહુ ભાવે. અહી ધંધો સારો ચાલી જાય. કોઈ યુ.પી.થી આવે કોઈ હરિયાણા થી. કોઈ વળી વ્રજમાંથી આવે તો કોઈ વળી છપૈયા થી. ઘણા બધા સાક્ષરો પણ ગોદા મારી લે. પણ નવી પેદા થયેલી બહુ મોટા ગજાની ઉધઈના લપેટામાં આવી જાય. ઉધઈ ખોતરવા જાય ને ઉધઈમાં ઘુસતા જાય. પણ પાછો ઉધઈને ખોતરવાનો  સ્વભાવ, એટલે કલમનો ગોદો મારીલે કે “સાધુઓ તો પરણેલા જ સારા”.  એ.સી હોલોમાં ઉધઈઓ વિકસતી જાય. કરોડો રૂપિયા વપરાય. ગંગા મેલી થાય પણ કોઈનું ના ચાલે. સ્વામી સચ્ચિદાનંદ દંતાલી વાલા આવ્યા. ખુબ ડંડા મારે ચાલો અભિગમ બદલીએ, વૈજ્ઞાનિક અભિગમ રાખીએ, પણ કોણ જાગે?

અરવિંદ કાકા(અરવિંદ અડલજા) બુમાબુમ કરે કે અલ્યા ગંદકી નાબુદીની કથાઓ કરો, મંદિરો માં પૈસા ના વેડફો, ઘોંઘાટ વિરુધની કથાઓ કરો. પણ કોણ સાંભળે. મને થયું અરવિંદ કાકાના અભિયાનમાં હું પણ તૂટી પડું. મિત્રો નારાજ થાય. સંસ્કૃતિ ઉપર ઘા કરો છો? રિસાઈ જાય. અલ્યા ભાઈ મૂળ થાંભલી ખોવાઈ ગયી છે એને શોધું છું. હવે આ રાફડા હટાવ્યા વગર પહોચું કઈ રીતે? સંસ્કૃતિ સ્થંભ તો અડીખમ ઉભો છે પણ નજીક જવું કઈ રીતે?

માતા પણ એક સીધી સાદી સ્ત્રી છે.(On Mother’s Day)

માતા પણ એક સીધી સાદી સ્ત્રી છે.
માતૃ દિવસ, મધર ડે એ પશ્ચિમના જગતમાં માતાના અગણિત ઉપકાર  માટે  આભાર માનવાનો દિવસ છે. આજે ગુજરાતી બહેનોનું એક ગ્રુપ પેન્સીલ્વેનીયામાં આવેલા વ્રજ મંદિર જવા નીકળેલું છે. એમાં મારા શ્રીમતીને પણ જવાનું હતું. એમને મૂકીને દૂધ લેવા સ્ટોરમાં ગયો તો એક વીસેક વર્ષ ની ગોરી માતા એના નાના ટેણીયા ને કાર્ટ માં બેસાડી એની માતા માટે ફૂલ ખરીદવા આવેલી જોઈ. મને થયું આ માતાને એકદમ ભગવાન બનાવી દેવાથી શું એ કોઈ સામાન્ય ભાવનાઓ ધરાવતી સ્ત્રી મટી જવાની? માતાને ભગવાનનો દરજ્જો આપ્યો છે એ બહુ સારી વાત છે. પણ શું એ સ્ત્રી થોડી મટી જવાની? એને દુન્યવી લાગણીઓ ના હોય? ને એ લાગણીઓ તૃપ્ત કરવાની ઈચ્છા ના થતી હોય? શું એ સંસારિક કાવાદાવા ઓ  થી પર થઇ જવાની?
વર્ષો પહેલા મેં છાપામાં વાચેલું ફોટા પણ જોએલા કે એક સામાન્ય મજદૂર શ્રમિક ગણાતી સ્ત્રી એના પતિ સિવાય બીજા કોઈ જોડે કહેવાતા અનૈતિક સબંધો ધરાવતી હતી ને એક રાતે એનો નાનો છોકરો આ બધું જોઈ ગયો તો બંને જણા એ માતા અને એના પ્રેમીએ ભેગા થઇ ને પેલા છોકરાનું કાસળ કાઢી નાખ્યું.  હું તો વાંચી ને હાલી ગયો. જે માતા સંતાનો માટે જીવ આપી દે એજ જીવ લઇ લે? દરેક માતા ભગવાન નથી હોતી!!!!
“સંદેશ” માં લીલાબેન પટેલ ના ‘જીવન ના અતરંગ’ નામની એક સવાલ  જવાબ ની કોલમ  આવતી. એમાં લોકો સવાલ ખાસ તો સ્ત્રીઓ  જ  પૂછતી ને લીલાબેન એનો જવાબ આપતા. બહુ સરસ  સામાજિક ને મનોવૈજ્ઞાનિક  છણાવટ કરી ને જવાબ આપતા. પોતાની દીકરીઓનાં  ઘર  ભગવતી, એમની કમાણી ખાતી, કમાણી ખાવા  લગ્ન ના થવા દેતી, કમાણી ખાવા ડિવોર્સ  કરાવી દેતી માતા વિષે એક નહિ હજારો દાખલા વાંચ્યા છે. આ દીકરીઓ પણ માતાને ભગવાન સમજતી ને પોતાનું ભવિષ્ય ના જોઈ શકતી, એમને એ ભગવાન ની છબીનું સાચું પોત  લીલાબેન સમજાવતા. એજ લીલાબેનની કટાર નો એક આર્ટીકલ  મેં કટિંગ  કરીને સાચવી રાખેલો. એમાં એક  અમેરિકા આવેલી માતા એની જેઠાની અને એમના પોતાના દીકરા દીકરીઓ સાથે ગ્રુપમાં મુક્ત સેકસાચાર  માણતાં, એમાંથી છૂટવા માટે શું કરવું તે લીલાબેન ને પૂછતી હતી. અહીની એક ગુજરાતી માતા ને હું જાણું છું. જે કપડાની જેમ  બોય  ફ્રેન્ડ  બદલે છે. એનો દીકરો રાતદિવસ મહેનત  કરે છે. ડબલ  જોબ  કરે છે. ઘર નો, એની એક નાની બહેન નો ખર્ચ  પૂરો કરે છે.
બીજી એક જૈન  માતા એના બે સંતાનો સાથે ગેરકાયદે આવી છે. એ પણ ગલઢા ૭૦ વર્ષ થી વધારે ઉમરના મિત્રો સાથે ફરી ને એની કમાણી ના પૈસા એના છોકરાને હુકો પીવા ને રખડવા માટે આપે છે. જયારે એની દીકરી આખો દિવસ ઘરમાં ભરાઈ  રહે છે. દીકરી માટે એક ડોલર એની પાસે નથી જયારે દીકરાને હુકો પીવા પૈસા આપે. દીકરાએ  સ્કુલ, હા!!ભાઈ હા!!!હજુ સ્કુલ માં જ  છે પણ છોડી દીધી છે. પુરા અઢારનો હજુ થયો નથી. માતા પણ સંતાનો વચ્ચે ભેદ ભાવ  રાખે છે, દેશમાં પણ ને અહી પણ.
એક એવી માતાને પણ ઓળખું  છું સત્ય ઘટના છે. પોતે ઓપરેશન કરાવી નાખેલું. એક નો એક દીકરો ૧૯ વર્ષ નો થઇ ને એક્સીડેન્ટમાં ગુજરી ગયો. માથે આભ તૂટી પડ્યું. એક વારસદાર તો જોઈએ એવી માન્યતાઓ. આ માતાએ એના પતિદેવ ને ફરી પરણાવ્યો જોડે રહીને. નવીના છોકરા થયા એ પોતે જ મોટા કર્યા છે. માતૃત્વની બધી ભાવના શોક્ય ના છોકરાઓને મોટી કરવામાં ઠાલવી દીધી. પેલા નાના  છોકરાઓ એની સગીમાં પાસે જાય જ નહિ એવું મેં જાતે જોએલું છે. મારા સગામાં બનેલી ઘટના છે. કોઈ વાર  ફોન  પર વાત કરી લઉં છું.
માતા પણ દુન્યવી લાગણીઓ થી પર  કઈ  રીતે હોઈ  શકે? માતાને પણ રાગ  છે દ્વેષ  છે. ગમા છે અણગમા છે. માતા ને પણ કોઈ પણ ઉંમરે પ્રેમ ની ભૂખ  હોય છે. તે  શારીરિક  પણ હોઈ શકે માનસિક  પણ હોઈ શકે. માતાને ભગવાનનું  કોચલું પહેરાવી દો પછી ક્યાં જાય?  બિચારી મનોમન  પીડાયા કરે, દુણાયા  કરે, દુખી થયા કરે, માનસિક રીતે રોગી થયા કરે, બીમાર  રહ્યા કરે, સહાનુભુતિ મેળવવા પણ બીમાર રહ્યા કરે. ભગવાનને કશાની જરૂર પડે ભાઈ?  એની એક વાર પૂજા કરી લેવાની, પછી એની સામે કોણ  જુએ  છે? મધર્સ  ડે ઉજવી લેવાનો, એના ગુણગાન  ગઈ  લેવાના, કવિતાઓ  બનાવી લેવાની. ફૂલ આપી દેવાના. એને પુચ્છ્યું ખરું માં તારે શું જોઈએ  છે? માથે હાથ  ફેરવ્યો? હા!!ભાઈ હા!!માથે હાથ ફેરવાનારી ને પણ કોઈ એના માથે હાથ ફેરવે એવી ઈચ્છા થતી હોય છે. “ગરમ  લોહીના પ્રાણી માટે  સ્પર્શ  એક  શારીરિક જરૂરિયાત  હોય છે.” માતા ભલે એંસી વરસ  ની થઇ હોય પણ એના માથે દિવસમાં એકવાર હાથ ફેરવો. એણે આખી જીંદગી તમારા માથે હાથ ફેરવ્યો છે. માટે તમે જીવતા રહ્યા છો.
    
       
સ્પર્શ નું વિજ્ઞાન જાણવું હોય તો મારા બ્લોગ માની  ‘માતૃત્વ  ની કેડીએ ‘  લીંક પર જાઓ ને કાંગારું પદ્ધતિ વિષે જાણો. અધૂરા કે અવિકસિત જન્મેલા બાળકો ને માટે કાંગારું જેમ એના પેટ નીચે રહેલી કોથળીમાં બચ્ચા ને રાખી ને મોટા કરે છે, એમ આવા અવિકસિત ને ઓછું વજન ધરાવતા બાળકોને માતાની છાતીએ પૂરો સ્પર્શ થાય તેમ રાખવાના હોય છે. બાળકોનું વજન આશ્ચર્ય જનક રીતે વધી જાય છે. એમાં વિડીયો કલીપ પણ મુકેલી છે. મધર્સ ડે ઉજવ્યો પણ માતાને માથે વહાલથી કેટલા જણાએ હાથ ફેરવ્યો?

“ભલીયા પુરાણ”!!!!!!

   ભલીયા પુરાણ 
           
             *અમારા  બચપણ ના મિત્ર જયેશભાઈ ઉર્ફે ભલાભાઈ ઉર્ફે રન્ધાભાઈ ને ભગવી ધજા પ્રત્યે ખુબ પ્રેમ.નાનપણ માં સાચું કહેતો હોય તો એ જાણે,પણ એવું કહેતો કે આર.એસ.એસ ના કોઈ ઓ.ટી.સી જેવા કેમ્પ કરેલા છે.એટલે લાઠીદાવ વિગેરેમાં ખુબ માહેર છે.આમ ભગવી ધજા પ્રત્યે નો પ્રેમ એમના ગાંધીજી પ્રત્યેના અણગમાનું કારણ બનેલો.મને ભલે ગાંધીજી ના ઘણા બધા વિચારો પ્રત્યે અસંમતી હોય પણ એમના પ્રત્યે માન ખુબ.કોઈવાર ગાંધીજી વિષે ચર્ચા થાય.આમેય ભલાભાઈ નો વાણીપ્રવાહ અવિરત વહેતો હોય.સામેવાળાએ લગભગ ચુપ રહેવાનુજ આવે.
 
                              *મેં એકવાર કહ્યું જો ગાંધીજી ભલે હાથ માં લાકડી લઇ ફરતા પણ કોઈને મારી હોય તેવો દાખલો નથી,ને લોહી રેડ્યા વગર આઝાદી અપાવી.ખલાસ એમનો રોષ ઉછળી આવ્યો.મને કહે બેસ તારા ગાંધીજીએ લોકોના માથા ફોડાવી નાખ્યા.અંગ્રેજો ની લાઠીઓ પડતી હશે ત્યારે શું લોકોના માથામાંથી દૂધ નીકળતું હશે?મેં કહ્યું દૂધ તો ના નીકળે પણ અહિંસા તો ખરી ને?આપણે કોઈ અંગ્રેજ ને મારવા ના લીધો.મને કહે શેની અહિંસા?અંગ્રેજોએ તો લોકોને માર્યા ને હિંસા તો થઈજ ને?હવે આને શું સમજાવું?માનવા જ તૈયાર ના થાય.મેં કહ્યું જો આપણે તો ના મારીએ એ ભલે મારે.હિંસા નું પાપ એના માથે.પણ કહે અંગ્રેજોને એ પાપ કરવા મજબુર કોણે કર્યા?જો તમે ઘર માં બેસી રહ્યા હોય તો અંગ્રેજ મારવા થોડો આવે?ગાંધીજીએ આંદોલનો જ એવા કર્યા કે મારો અમને,અને આઝાદી આપો.હિંસા ના કરો પણ હિંસા સામેવાળો કરે તેવો પ્રસંગ ઉભો કરો, તો તે પછી થતી હિંસા માં તમારો ફાળો જરાય ઓછો ના કહેવાય.મેં કહ્યું ભાઈ આઝાદી માટે કંઈક તો કરવું પડે ને?તો કહે હું એજ કહું છું કે માર ખાઈ ખાઈ ને હિંસા તો કરાવી ને એમાં ભાગીદાર તો થયાજ તો પછી મારીને હિંસા કરીને અંગ્રેજોને ભગાડ્યા હોત તો સારું થાત ને?પ્રજા તો બહાદુર બની હોત ને?આતો અંગ્રેજો મારી મારી ને થાકી ગયા એટલે નાસી ગયા ભારત છોડી. મેં કહ્યું આ તારી પેલી શિબિરો ભરેલી ને એના પ્રતાપે તું બોલે છે.
           
                     *મને  પાછો કહે આપણી શિસ્ત વગર ની પ્રજા અંગ્રેજો સામે શું લડી શકે?માટે તારા ગાંધીબાપુએ ત્રાગા કર્યા.મેં કહ્યું શિસ્ત વગરની પ્રજાનો જીવતોજાગતો નમુનો મારી સામેજ બેઠો છે.કારણ એનામાં શિસ્ત જેવું કશું ક્યારેય મેં જોયું  નથી.મેં કહ્યું સત્યાગ્રહ ને ત્રાગા શેના કહેવાય?
 
            મને કહે, ‘એક ગામ માં એક છોકરો હતો’.
           મેં કહ્યું શું વાર્તા માંડી કે?
          ‘ચુપ રહે શાંતિ થી સભાળ’.
    એક છોકરો હતો તે ગામ ના મુખી ની છોકરીના પ્રેમ  માં પડ્યો.મુખી હતો જબરો,બડકમદાર બંદુક રાખે.આ ભાઈ ની હિંમત ચાલે નહિ.મુખી મારે એવો હતો.કોઈ ગાંધી વાદીએ સલાહ આપી કે સત્યાગ્રહ કર ઉપવાસ ઉપર બેસી જા.પેલો તો મુખીના ઘર સામે ઉપવાસ પર ઉતરી પડ્યો.એક બોર્ડ મારી દીધું કે જ્યાં સુધી તમારી છોકરી સાથે નહિ લગન કરાવો ત્યાં સુધી ઉપવાસ.મુખી ગભરાયા.આ સાલું નવું તુત.સામો થયો હોત તો બંદુક ના ધડાકે ભગાડી મુકત.પણ આતો સત્યાગ્રહ પર ઊતર્યો.હવે શું કરવું?ગામ માં એક ડાહ્યો માણસ એની સલાહ લેવા ગયા.પેલા ભાઈ કહે આમાં ગભરાવા જેવું નથી.એને એક રાત માં ભગાડી મુકીએ.પેલા અનુભવીએ બીજા ગામ માંથી એક ઘરડી ડોસી થઇ ગયેલી વૈશ્યા ને સમજાવી ને પૈસા આપી તૈયાર કરી દીધી.રાતે પેલી બરાબર એની સામે તંબુ લગાવી બેસી ગઈ કે મારી સાથે લગન કર નહીતો આજથી ઉપવાસ મરણપર્યાંત ના.ડોસી ને જરા નીંદર  લાગી કે પેલો ભાઈ તંબુ બામ્બુ બધું મુકીને ભાગી ગયો.
 ‘આ તો અંગ્રેજો ને સામા ત્રાગા કરતા આવડે નહિ  એટલે સત્યાગ્રહ  ચાલી જાય.’ મેં પછી ભલાભાઈ સામે દલીલો બંધ કરી.અવિરત બોલે જતા આને બંધ કરવાનો ઉપાય ના મળે.
       
                     * કોઈ પણ પ્રસંગ હોય ને બધા ભેગા થયા હોય એટલે બસ છાકો પાડવા પોતે કંઈક છે તેવું બતાવવા ભલાભાઈ બોલેજ રાખે.ને એમના વાણી ચાતુર્ય થી બધાને હસાવે રાખે.શ્લીલ અશ્લીલ બધીજાતના જોક ટુચકા કહે રાખે.જાતે બનાવી નાખે.એક વાર મને પૂછે પ.પુ ધ ધુ શું કરે છે.મેં પૂછ્યું એવળી કોણ?કહે તારા સસરા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર.મારા શ્વશુર સાથે એને વાતો થઇ હશે કોઈ પ્રસંગે.એમને આખો દિવસ વેદ ને ઉપનિષદ સિવાય કશું ના દેખાય.એટલે આણે કોઈ ધર્મગુરુને કહીએ તેવું નામ પડેલું.કાયમ પપુધધુ જ કહે.
 
             *અમે નાના હતા ને પિતાશ્રી વકીલ હતા,તે એમની ઓફીસ માં ગયા હોઈએ ટાઈમ પાસ કરવા તો પિતાજી કોઈ કેસ ના કાગળો ની નકલ કરવા બેસાડી દે.એક નકલ ના ૨૫  પૈસા આપે.હું ને ભલીયો લખવા માંડીએ.ત્રણ કાર્બન પેપર મૂકી ને ચાર નકલ કરીએ તો અસીલ જોડે થી લઇ ને પિતાજી એક રૂપિયો અપાવી દે.એક વાર મોટે થી બોલી ને લખે કે મેર રોયાં રાંડી રાંડ ના સિવિલ જજ સાહેબ ની કોર્ટમાં..હું તો ચમક્યો.મેં પૂછ્યું અલ્યા આ શું લખે છે?કહે મેં.રા.રા. સિવિલ જજ જ લખ્યું છે.બોલ્યો એવું નથી લખ્યું. મેહેરબાન રાજમાન નું મેર!રોયા!રાંડી!રાંડ! ના કરી નાખેલું.જાતેજ બધું ઓડ લાગે તેવું બનાવી નાખે.એક વાર ગાતો હતો જરા વિચિત્ર કે ‘બેટો બેટો તે રેડિયો વગાડે દિયોર ગોન્ધીજી’.મેં કહ્યું કે આતુ શું ગાય છે?કહે બેઠા બેઠા તે રેટિયો કાંતે રે ડીયર એટલે વહાલા ગાંધીજી.મહેસાણા જીલ્લા માં ગામડા માં તળપદી ભાષા માં પુરુષો એકબીજા ને ‘એ દિયોર ઓમ આય’ કે ‘મારા દિયોર’ કે ‘નોના દિયોર’ જેવા શબ્દો વાપરતા હોય છે. અષ્ટમ પષ્ટમ જાતે બનાવી ગતકડા ગાયા કરે.મેં એને લડ્યો કે આતો તું ગાંધીજી નું અપમાન કરે છે.તો કહે લોકો ગાળો દે છે અને ગાંધીના નામે ચરી ખાય છે તેવું તો નથી કરતો ને?મેં કદી ગાળ દીધી છે?મેં કહ્યું ભલીયા તારો હાસ્ય રસ હ્યુમર છીછરો ને ચીપ લાગે છે.મને કહે તારો ઉંચી જાતનો હાસ્યરસ કોને સમજ પડે છે?બે દિવસ પછી સમજાય ત્યારે હસવુય નાં આવે. ભલાભાઈ તે ભલાભાઈ કોઈ એમને પહોચે નહિ.
      

“સિંહ”

                                                                સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી. મેં નેશનલ જીયોગ્રાફી અને ડીસ્કવરી ચેનલ્સ પર સિંહોના ફેમીલી લાઈફ અને જીવન વિષે ઘણું જોયું છે. ગીરમાં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો. ગપ્પા મારવામાં શું કામ પાછળ રહેવું? લોકકવિઓ  સિંહોને પણ છોડતા નથી.
               * સિંહ સિંહણની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી. તદ્દન ખોટી વાત છે. સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે. ખાસ તો સિંહના ટોળાંમાં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે. પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મુકે છે. પછી લહેરથી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે. સિંહ ભાગ્યેજ શિકારમાં જોડાય છે. ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે. ટોળાં સિવાય એકલા રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે. ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મુકવામાં આવે છે. ટોળાંનો માલિક  સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન  સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાંનો માલિક બની જાય છે. અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે. એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવના જોખમે સિંહનો સામનો કરે છે, પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે, અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે. છે ને હૃદય દ્રાવક? કુદરતના રાજ્યમાં  NO અહિંસા. પછી એજ સિંહણ ગરમીમાં આવીને પેલા સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે. પોતાના છોકરાવને મારનાર  જોડે પ્રેમ? Any morality? There is no morality in ‘The world of Nature.
 કેટ એટલે બિલાડીના કુલમાંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે. પંથેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે. ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજનમાં હોય છે. ૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી  દુનિયામાં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી. સિંહ સામાજિક પ્રાણી છે. જંગલમાં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે, જયારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ  જીવી શકે છે. હવે ખાલી આફ્રિકાના ઘાસિયા મેદાનો અને ગીરમાં જ બચ્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઇ ગઈ છે. સંસ્કૃતમાં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહનું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે. ટાયગર, જેગુઆર ને લેપર્ડ એ સિંહના પિત્રાઈ કહેવાય. કોમન પૂર્વજમાંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆરને સિંહ છુટા પડેલા જયારે લેપર્ડ દસ લાખ ને આશરે ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા.
 ૧) P.l.persica,  એશિયાટિક લાયન  એક સમયે ઈરાન, પાકિસ્તાન, ટર્કી, બાંગ્લાદેશ બધે  ફેલાયેલા હતા. હવે ગીરમાં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે  બચ્યા  છે.
૨) P.l.leo, બાર્બેરી લાયન  ઈજીપ્ત ને મોરોક્કોમાં હતા. બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા. ૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કોમાં મરાયો હતો.
 ૩) P.l,senegalensis, વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયામાં મળે છે.
૪) P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન  કોન્ગોમાં મળે છે.
૫) P.l.nubica, મસાઈ લાયન  ઈથિયોપિયા, કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિકમાં મળે છે.
૬) P.l. bleyenberghi, કતંગા લાયન  નામિબિયા, બોત્સવાના, અંગોલા, કતંગા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વેમાં મળે છે.
૭) P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન  ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
૮) P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.
             એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકામાં પણ સિંહ હતા. નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે. જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે. એવી રીતે સિહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે. કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે. ભૂખ લાગે તો જ ઉભા થવાનું. સિંહ ને લગભગ  ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.

હિન્દુઈઝમ(ઐતિહાસિક નજરે)

                       *મૂળ હિન્દુવીચારધારા ભલે ખુબ પ્રાચીન રહી, પણ આજનો હિંદુ ધર્મ એ પહેલાના જેવો પ્રાચીન  હિંદુ ધર્મ નથી.  હિન્દુઈઝમ કોઈ એક ધર્મ નથી. જુદી જુદી હજારો વિચારધારાઓનો મેળો છે. દરેક સંપ્રદાયની અલગ વિચારધારા છે. જો બધા એકજ હિંદુ ધર્મને માનતા હોય તો અલગ અલગ અચાર વિચાર કેમ? દરેક ને પોતાના અલગ અલગ આચાર વિચાર, નીતિ નિયમો ઉમેરીને પાછું હિંદુ જ કહેવડાવું છે. આ એક હિંદુ ધર્મની મજબૂરી છે.
                   *પ્રથમ   સિંધુ નદીના તીરે સિંધુ નદીની સંસ્કૃતિ(Before 2000 BCE) વિકસી . આ એક નગર સંસ્કૃતિ હતી. શહેરની સંસ્કૃતિ હતી. બે મુખ્ય શહેર હરપ્પાને મોહેંજો ડેરો મળી ચુક્યા છે. ૪૦,૦૦૦ લોકો બહુ ઊંચું શહેરી જીવન જીવતા હતા, પાણી પુરવઠા ને ગટર યોજના સાથે. અનાજ એ અર્થવ્યવસ્થાનું મુખ્ય અંગ હતું. બહુ મોટા અનાજના ભંડાર ટેક્સ રૂપે ઉઘરાવેલા હોય તેના મળેલા છે. છેક ગુજરાતના લોથલ, કચ્છના ધોળાવીરાથી હિમાલયના પશ્ચિમ વિભાગથી માંડીને ઈરાનની બોર્ડર સુધી આ સંસ્કૃતિના શહેરો હતા. આ એક સ્વતંત્ર રૂપે વિકસેલી સંસ્કૃતિ હતી. અહી કઈ ભાષા હતી તે ખાસ ખ્યાલમાં આવ્યું નથી. ધર્મ વિષે પણ કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પણ પ્રાણીઓના બલિદાન અપાતા  હતા. ટેરાકોટાના શિલ્પો થી લાગે છે કે ભગવાનની  જગ્યાએ પુરુષ ને બદલે સ્ત્રીને બેસાડેલી હશે. પવીત્રસ્નાન, બલિદાન અને સ્ત્રી ની ભગવાન તરીકે ની પૂજા બીજા  પ્રાચીન ધર્મો ની વિચારધારા પણ  રહી છે. પછી થી આવનાર  હિંદુ ધર્મનો પાયો અહી પણ હોઈ શકે.
               * પછી આવ્યો વેદિક યુગ(1500-500BCE). એક મત એવો છે કે આર્યો મધ્ય એશિયાથી અહી આવ્યા. પહેલા અત્યારની સ્વાત ખીણમાં વસ્યા ને પછી ધીરે ધીરે ઉત્તરથી મધ્ય ભારત તરફ વસવાનું ચાલુ કર્યું. બીજો મત એવો છે કે આર્યન સંસ્કૃતિ એ સિંધુ નદીની સંસ્કૃતિનો જ વિકાસ હતો. એટલે આર્યો બહાર થી આવ્યા નથી. પણ આખું વૈદિક સાહિત્ય વેદિક  સંસ્કૃતમાં રચાએલું  છે. યુરોપની ઘણી બધી ભાષાના શબ્દો ને સંસ્કૃતના શબ્દો સાથે સામ્યતા છે. કોઈ પ્રાચીન ઇન્ડો યુરોપિયન ભાષા ગ્રુપ સાથે આ બધી ભાષાઓ સંકળાએલી  હોઈ શકે. અને બીજું સિંધુ સંસ્કૃતિમાં ઘોડા નું કોઈ સ્થાન હતું નહિ. જયારે આર્યન સંસ્કૃતિમાં ઘોડા મહત્વનું સ્થાન ધરાવતા હતા. ઘોડાના બલિદાન અપાતા હતા, અશ્વમેઘ. મતમતાંતર તો ચાલ્યા જ કરવાના.
                  *ભલે હાલના હિંદુ ધર્મના દમ્ભીઓ ના માને પણ વેદિક પીરીયડ આખો બલિદાનો ને એના દ્વારા મળેલા ખોરાક ને વહેચીને ખાવામાં રમમાણ હતો. અને અનેક જુદા જુદા ભગવાનને પૂજવા વાળો હતો. કુદરતની મળેલી દરેક સંપદાનો એક અલગ ભગવાન હતો. વાયુ, ઇન્દ્ર, મરુત, અગ્નિ, આકાશ, બ્રહ્સ્પતી, વિષ્ણુ વિગેરે વિગેરે. આમાં પર્યાવરણ અને ઇકોલોજીની પૂજા આવી જાય એનું બહુમાન પણ કહેવાય. જુદા જુદા અવતારોની થીયરી શરુ થઇ. પહેલો થયો મત્સ્યાવતાર પછી કુર્મ, વરાહ એમ આગળ ચાલ્યું આ હતું ઈવોલ્યુશનનું વિજ્ઞાન. સમુદ્રમાં પહેલા વ્યવસ્થિત સજીવો માછલા હતા. જીવન શરુ થયું પાણી એટલે કે સમુદ્રમાં અને એનું પોષણ પણ સમુદ્રમાં થયું. માટે પાલનહાર વિષ્ણુને સમુદ્રમાં બેસાડ્યા. દરેક ભગવાન કે અવતારને વાહન તરીકે કોઈને કોઈ પ્રાણી કે પક્ષી કે કોઈ બીજો સજીવ આપેલો છે. દરેક સજીવોનું મહત્વ ગણેલું છે. ઉંદર જેવું નકામું લાગતું પ્રાણી પણ ગણેશનું વાહન બનાવેલ છે. ઉંદર લગભગ બધું કાતરી ખાય છે. રીસાયકલીંગ માટે કદાચ કામ લાગતો હશે અથવા પછી બીજા પ્રાણીઓનો ખોરાક બની કામ લાગતો હશે. આજે આધુનિક દવાઓના સંશોધનોમાં સૌથી વધારે ઉંદર જ વપરાય છે.
                * પછી આવ્યો પુરાણ કાળ(500BCE-500CE) અહી મહાભારત, રામાયણ જેવા મહાકાવ્યો, ધર્મસુત્રો અને શાસ્ત્રો રચાયા. મહાભારતની અંદર અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદ રૂપે ગીતાની રચના થઇ. જે ભારતની ઓળખ બની ચુકી છે. ભવિષ્યમાં કોર્ટ માં ખોટા સોગંધ લેવા એની જરૂર પડવાની હતી. કોર્ટ માંથી ગીતાને હટાવી લેવી જોઈએ, આતો એનું બહુ મોટું આપમાન રોજે રોજ થઇ રહ્યું છે.  આ પુરાણો ની વાર્તાઓ હજુ પણ ખુબજ પ્રચલિત છે. નિયમ, કર્તવ્ય, અને સત્ય આ ત્રણ ધર્મ સુત્રો અને શાસ્ત્રોમાં મુખ્ય વિષયો હતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાતો થવા લાગી. અહી યજ્ઞો ઓછા થયા. પશુઓના બલિદાનો પણ ઓછા થયા. અને શરુ થઇ પૂજા. આ સમય લગભગ બુદ્ધનો સમય પણ હતો. ગુપ્ત સામ્રાજ્યનો ઉદભવ થયો. પૂજા પાઠની સાથે મંદિરો બંધાવા શરુ થયા. મૂળ વેદિક પીરીયડ યજ્ઞો એટલે અગ્નીપુજા ને બલિદાનો નો હતો. એમાં મંદિરોને સ્થાન ના હતું. અહી થી શરુ થાય છે વૈષ્ણવ(વિષ્ણુ), શૈવ(શિવ) અને શાક્ત(દેવી) સંપ્રદાયો નું અસ્તિત્વ. અહી  થી વિચારધારાઓ જુદી પડવાનું શરુ થાય છે. ભક્તિ અને મંદિરો સાથે કાવ્યાત્મક સાહિત્ય પણ રચાયું.
                       * હવે જોઈએ મધ્યયુગ(500CE-1500CE)ગુપ્ત સામ્રાજ્યની પડતી શરુ થઇ. નાનામોટા  રાજ્યો બનતા ગયા. પ્રાદેશિક રાજાઓએ વૈષ્ણવ, શૈવ, અને શાક્ત સંપ્રદાયોને મહત્વ આપવા માંડ્યું હતું. દક્ષીણમાં ચૌલ રાજાઓએ શૈવ સંપ્રદાય ને અપનાવ્યો. તાન્જાવુંરમાં શિવનું મોટું મંદિર એની સાબિતી છે. ભવ્ય મંદિરો બનવા લાગ્યા. પુરીમાં જગન્નાથજીનું ભવ્ય મંદિર બન્યું.  ધર્મ અને સત્તાનું કેન્દ્ર મંદિરો બનવા લાગ્યા. આ યુગમાં ભક્ત કવિઓ, સંતો ને ગુરુઓ સાથે આચાર્યો  વધવા લાગ્યા . સંસ્કૃતની સાથે પ્રાદેશિક ભાષામા ભક્તિ સાહિત્ય રચવા લાગ્યું. શંકરાચાર્ય (૭૮૦-૮૨૦)આખા હિન્દુસ્તાનમાં ફરી શાસ્ત્રાર્થ ફરી અદ્વૈત અને વેદાંતનો ઝંડો ફરકાવી દીધો. વૈષ્ણવ ફિલોસોફર રામાનુજ અને માધવ હવે મેદાનમાં આવ્યા. સાથે સાથે અભિનવ ગુપ્તે તંત્ર ઉપર સાહિત્ય રચ્યું. વામમાર્ગ પણ સાથે સાથે જ મેદાનમાં હતો. મદ્ય, માંસ, મત્સ્ય, મૈથુનનો છૂટ થી ઉપયોગ તંત્ર માર્ગીઓ કરવા લાગ્યા. એકલા ભોજ રાજાએ હજારો તાંત્રિકોને લટકાવી દીધા હતા. તાંત્રિકો ત્યાર પછી ભૂગર્ભમાં પ્રવૃત્તિ ચલાવતા અને  હજુ પણ મળે.  સ્વામી વિવેકાનંદને પણ એનો કડવો અનુભવ થયેલો.
          * ૧૫૦૦ થી ૧૭૫૭ સુધી મુસ્લિમ યુગ શરુ થઇ ચુક્યો હતો. આ ગાળામાં ભક્તો ને સંતોની બોલબાલા રહી. ઘણા બધા મંદિરો તોડી પડાયા. તુકારામ, સુરદાસ, મીરાબાઈનો આયુગ હતો.  ૧૭૫૭ થી ૧૯૪૭ સુધીના બ્રિટીશ યુગમાં હિંદુ ધર્મમાં પેસી ગયેલા કુરિવાજો દુર કરવા ને એને નવું સ્વરૂપ આપવા રામ મોહન રાય ને દયાનંદ સરસ્વતી પ્રયત્નો કરી રહ્યા હતા. મુર્તીપુજાની વિરુદ્ધ અને એકજ ભગવાનની માન્યતા પાછી લાવવાના એમના પ્રયત્નો આજે આપણે જાણીએ છીએ કે વિફળ થયા છે. સર્વધર્મ સમભાવને ભક્તિ નો સંદેશ લઇ આવ્યા રામકૃષ્ણ પરમહંસ(૧૮૩૬-૮૬)એમના શિષ્ય સ્વામી વિવેકાનંદે(૧૮૬૩-૧૯૦૨) એમના વિચારો આગળ ધપાવ્યા અને રાજકીય રીતે અખંડ ભારત નું સ્વપ્ન સેવ્યું. અહિંસાનો સંદેશો લઇ આ સ્વપ્ન આગળ ધપાવ્યું રાજકારણી સંત ગાંધીજીએ(૧૮૬૯-૧૯૪૭). એમના પછી કોઈ રાજકારણી સંત જેવો ના પાક્યો. ભાગલાની કડવી યાદો સાથે લઇ ગાંધીજી વિદાય થયા એમની હત્યા થવાથી. સાવરકર જેવા રાજકારણી ને આઝાદીના અગ્રેસીવ લડવૈયાઓએ હિન્દુત્વના ખયાલ અમલમાં મુક્યા. રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ને વિશ્વહિન્દુ પરિષદની સ્થાપના થઇ. હાલ પણ ભાજપા જેવી પાર્ટીના સમર્થને એમની તતુડી વગાડ્યા કરે છે.
           * દરિયા પાર ભારતીયો વસવા લાગ્યા. તો એમની પાછળ સંતો ને ગુરુઓ પણ પ્રચાર માટે જવા લાગ્યા છે. મંદિરોની સંસ્કૃતિ ફરી પાછી જોર માં આવવા લાગી છે. દરેક ને પોતાનો અહંકાર આડે આવે છે, ને રોજ એક નવો સંપ્રદાય ઉભો થાય છે. હિંદુ કોઈ એક વિચારધારા રહ્યો નથી. એક શંભુમેળો બની ચૂક્યો છે.

‘હળવું હાસ્ય(ભલાભાઈ)’

                     *                                 *ભગવાન વિશ્વકર્મા એ પૃથ્વી  ઉપર સજીવો ની રચના કરી.આ વિશ્વકર્મા એટલે બ્રહ્માજીને?અમારા વાડી વિસ્તાર માં એમનું એક મંદિર છે.ખાસ તો સુથાર ને કુંભાર ને એવી બધી કોમો એમને ઇષ્ટ દેવ માને છે.મતલબ કૈક રચના કરતા હોય,પછી ફર્નીચર બનાવતા હોય કે માટલા એ બધાના ભગવાન એટલે વિશ્વકર્મા.એમણે જયારે આ સજીવો રૂપી ફર્નીચર બનાવેલું ત્યારે એક રંધો કામ માં લીધેલો હશે.છેલ્લે માણસ બનાવી હાથ ધોઈ નાખ્યા.પેલા રંધા એ સારું એવું કામ કરેલું ને હવે કશું બાકી ના રહેતા,ભગવાન ને થયું ચાલો હવે આને કૈક રીવોર્ડ આપીએ.ભગવાને રંધાને મનુષ્ય યોનીમાં જન્મ લેવાનું વરદાન આપ્યું.ને એ રંધો અહી જન્મ્યો તે આમારા બચપણ ના મિત્ર જયેશભાઈ જોશી.ઉપર મનુષ્ય ની રચના વખતે બારીક છોલણ કામ કરેલું,તે અહી હવે લોકોના દિમાગ નું છોલણ કરવા અવતર્યા.
    
             * એમના બાપ દાદા ઓને પુનાના પેશ્વાઓએ કશુક આપ્યું હશે તે તેનું માન રાખવા તેમની અટક પેશ્વા જ રાખી લીધેલી.બહુ મોટું સંયુક્ત કુટુંબ.લગભગ ૫૦ નાનામોટા માણસો ભેગા રહે.આ પ્લાનેટ પર મારું જોયેલું છેલ્લું મોટું સંયુક્ત કુટુંબ હશે.જયેશ ના પિતાશ્રી જયેશ બે મહિનાનો હશે ને દિવંગત થયેલા.માતા પણ જલ્દી સિધાવી ગયેલા.મારા પિતાની ઓફીસ નીચે એના કાકાની કપરકાબી ની એક માત્ર વિજાપુરમાં રહેલી દુકાન.રોજ સવારે કાકા દુકાન ખોલવા જાય એટલે બાળ જયેશ ને સાથે જવાનું.શાકભાજી ની જથ્થાબંધ દુકાને થી એક મણ બટેટા લેવાના.૫૦ માણસો માટે રોજ મણ બટાકા નું શાક થાય.બાલ જયેશ એની ચડ્ડી કરતા મોટી થેલી ઊંચકીને ચાલવાના મહાપ્રયત્નો કરતો ઘેર જતો હોય.એના પિતા મારા પિતાના મિત્ર હતા,ને એના મોટા બેન મારા બેન ના મિત્ર હતા.એ ન્યાયે જયેશ આમારા ઘેર રોજ આવે.અમે એને ભલીયો કહેતા.આવે એટલે બોલવાનું શરુ,જાય ત્યારે બંધ થાય.મારા માતુશ્રી ને કામ કરવા લાગી જાય.રીંગણ સમારવા બેસી જાય.શાક વઘારી પણ નાખે. ભાખરી શેકવા લાગે.જમતી વખતે શાક ખૂટે તો ખબર પડે કે સમારતી વખતે જ અડધા રીંગણ તો કાચા જ ચાવી ગયો હોય.જોકે હવેના બીટી રીંગણ તો વઘારેલા પણ ભાવતા નથી.
              
              * રણછોડરાય ના મંદિર ના મહારાજ ને રેડીઓ રીપેર કરતા આવડે છે એવું કહી રેડીઓ બગાડીને આપ્યો તો બાવો પાછળ પડેલો મારવા માટે.હું બરોડા ભણતો હતો ને એક દિવસ આવી પહોચ્યો મારી રૂમ પર.મારા મનમાં એકબે દિવસ માં જતો રહેશે.પણ જવાનું નામ ના લે.પછી કહે હું તો બધું છોડીને આવી ગયો છું.અગિયારમું ધોરણ માંડ પાસ કર્યું હશે.અને કોઈ મરાઠી ની દુકાન માં રેડીય રીપેરીંગ માટે જવા લાગ્યો.વાતો એવી સફાઈ થી કરે કે એને બધુજ આવડે છે.રેડીય રીપેરીંગ ના બદલે બગાડવાનું કામ વધારે કરે.મારે ખાલી મારા પુરતું સીધું સમાન આવે એટલું મનીઓર્ડર ઘરે થી આવે.એમાં બે જણ નું કેમ નું પૂરું થાય?સામટી ભાખરીઓ વણી નાખે,એક પછી એક ચડ્વતો જાય ને ખાતો જાય.છેલ્લી ભાખરી ચડી જાય ને ખાવાનું પણ પૂરું.વાટકો ભરી અથાણું શાક ની જેમ ખાઈ જાય.બહુ રેડિયા બગાડ્યા તો પેલાએ કાઢી મુક્યો.
    
              *એમાં કોઈ બીજા રેડિયોવાળા ને ત્યાં લાગી ગયો.મને કહે હવે મારા જમવાની ચિંતા ના કરતો,જાણે મારા ઉપર ઉપકાર ના કરતો હોય!જેના ત્યાં કામ કરતો એની દીકરી એના પ્રેમ માં પડી ગયેલી.દેખાવે પાછો રૂપાળો,ને વાતો નો મહા ફેંકુ.પેલી છોકરી એને રોજ જમાડે.મને કહે જમવાની વ્યવસ્થા થઇ ગઈ છે.પેલીનો પ્રેમ એના માટે ફક્ત જમવાની વ્યવ્સ્થાજ હતો.મેં કહ્યું આતો ચીટીંગ કહેવાય.તો કહે ખાવા મફત માં મળતું હોય તો બે શબ્દો મીઠા બોલવામાં શું જાય છે?અને એક દિવસ મુંબઈ ભાગી ગયો.સ્ત્રીઓના હૃદય ની કદર પુરુષોને ખાસ હોતી નથી.
   
             * શું ગરબડ  કરી કે એને ઇસરોમાં નોકરી મળી ગઈ.હું સાક્ષી છુકે એણે રેડોયા રીપેર ના બદલે બગાડ્યા વધારે હશે,પણ ઇસરોમાં કયા સર્ટીફીકેટ થી નોકરી મળી હશે?મને ઈસરોના મેનેજમેન્ટ કે એચ.આર ઉપર શંકા જાય છે.હું પણ એની સાથે ઘણીવાર ઇસરોમાં જઈ આવેલો અમદાવાદ માં.હતો તો ટેકનીશીયન પણ જાણે બહુ મોટો વૈજ્ઞાનિક હોય તેવી જ વાતો કરે.પાછો બેંગ્લોર પણ જાય.જાણે બધી ઉપગ્રહો છોડવાની જવાબદારી એનીજ હોય.અબ્દુલ કલામ સાથે તો રોજ એની મીટીંગ હોય. જયારે કોઈ ઉપગ્રહ એપલ જેવા માં કંઈક ગરબડ થઇ છે ના સમાચાર વાંચું તો મને તરત શંકા જાય કે ભલીયાએ સોલ્ડરીંગ બરોબર નહિ કર્યું હોય.અમે એનું બીજું નામ રન્ધોજ પાડી દીધેલું.મારા વાઈફ તો કાયમ કહે ભલાભાઈ કેટલા છોડિયા પાડ્યા?ફોન કરીએ ત્યારે એવુજ કહે એરપોર્ટ થી ઘેર જાઉં છું.જતો હોય લાલબસ માં ઘેર,પણ એરપોર્ટ થી હાલ જ ઉતર્યો એવુજ કહે.ન્યુયોર્ક,પેરીસ,ફ્રેન્કફર્ટ એવા બેચાર નામ બોલી જાય.અજાણ્યો તો છેતરાઈ જ જાય.વાક્ય શરુ થાય એનું ‘You know’ થી ને પૂરું થાય “છે” થી.
    
           * બેંગ્લોર ઇસરોમાં જાય એટલે બાજુમાં એન.એ એલ માં મારા મોટાભાઈ ના ત્યાં પણ અચૂક જાય.મોટાભાઈ ખુદ વૈજ્ઞાનિક અને ડેપ્યુટી ડાયરેક્ટર પણ એમની સામે પણ છોલવા બેસી જાય.છોલાય કોની સામે?અજ્ઞાની હોય તેની સામે.આપણ ઘેર આવે તો સામેથીજ કહીદે એને શું ખાવું છે.પણ એના ઘેર જો ગયા હોઈએ એના અતિઆગ્રહ થી તો પણ ધણી વહુ  એટલું બધું ઝગડે કે તમે તરત જ ત્યાંથી ભાગી છૂટો.પછી ભૈલાએ ટીવી રીપેરીંગ ચાલુ કર્યું હતું.એક દિવસ મને ડો પટવા જે અમદાવાદ માં જાણીતા ઓર્થોપેડિક હતા તેમના ઘેર ટીવી રીપેર માટે લઇ ગયો.ડોળ બહુ મોટો કરે.સ્ક્રીન સામે મોટો અરીસો મુક્યો ને પાછળ બેસી ચાલુ કર્યું રીપેરીંગ.નાનું સ્ક્રુ ડ્રાઈવર લઇ કલાક સુધી મથ્યો હશે.પછી સ્પેર પાર્ટ લાવવો પડશે એવું બહાનું કાઢી ત્યાંથી ભાગ્યાં.મેં કહ્યું તું યાર માર ખવડાવે તેવો છે.હું અમેરિકા આવ્યા પછી થોડા દિવસ લીકર સ્ટોર માં જોબ કરતો હતો,એવું જાણ્યાં પછી  પોતે રોજ અમરિકા ફરે છે તેવું બતાવવા ફોન કરે ને પહેલું પૂછે ‘કરોના’શું ભાવ રાખ્યો છે?’કુર્સ લાઈટ’ શું ભાવે વેચો છો?હેનીકેન સિક્સ પેક કેટલામાં પડે? આ બધી અહીની બીયર ના નામ છે.હવે એને લાગ્યું છે કે હું અહીંથી એને બહુ કામ લાગુ તેવો નથી એટલે કોન્ટેક્ટ રાખતો નથી.     

પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!

પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!
       
           *કોઈ પણ લેખ વાંચીને અભિપ્રાય આપવો કે ના આપવો તે વાચકે નિર્ણય લેવાનો છે.પ્રતિભાવ માંગવો તે કોઈ મોટો ગુનો તો નથી જ.આપણે સ્વતંત્ર છીએ પ્રતિભાવ આપવા માટે.નાં આપો તો કોઈ ઘેર આવીને કડક ઉઘરાણી તો કરતુ નથી.ઘણા મિત્રો ને ફરિયાદ છે કે કોમેન્ટ્સ માટે ખુબ ઉઘરાણી થાય છે.ચાલો કોઈ મિત્રે કવિતા ,ગઝલ કે આર્ટીકલ લખીને મુક્યો,તો એ મિત્ર એક વાર રૂટીન મુજબ લખશે કે મેં આ કૃતિ મૂકી છે પ્રતિભાવ આપસો.એ કાઈ એક જ કૃતિ માટે દસ વાર તો લખતા નથી કે પ્રતિભાવ આપસો,,પ્રતિભાવ આપસો,,હું અહી દસ વાર નથી લખતો તમે સમજી લેજો.એક જ વાર એક રચના માટે કોઈ પ્રતિભાવ માંગે તેમાં આપણું શું ગયું?આપણે આપવો હોય તો આપીએ નાં આપવો હોય તો ના આપીએ.
   
                       *ચાલો હું કદી પ્રતિભાવ નથી માંગતો તો મારા લેખ ની ગુણવત્તા થોડી ઉંચી થઇ જવાની છે?અને પ્રતિભાવ માંગનાર ના લેખ કે રચનાની ગુણવત્તા નીચી થઇ જવાની છે?ગુજ્બ્લોગ માં સભ્ય હોવ તો ઈ મેલ્સ તો આવવાની છે.એને કંટ્રોલ માં રાખવાની સગવડ પણ હોય જ છે.અને ના વાચવી હોય તે ડીલીટ કરતા વાર પણ લાગતી નથી.પસંદગી ની મેલ જ વાચવી.બાકીની ડીલીટ કરી નાખવાની.પણ એમાંથી કોઈ સારો બ્લોગ કે રચના વાચવા મળી જાય છે.આપણી રચનાઓ કોઈ વાંચે તે માટે આપણે એમ સભ્ય થયા હોઈ છીએ,એમ બીજા પણ થયા હોય.આપણી રચના મુકાયા ની મેલ બધાને મળે તો ચાલે,બીજા ની આવે તો ના ગમે તે ક્યાંનો ન્યાય?હું પોતે આ ગુજરાતી બ્લોગ  જગત માં નવો હતો.ગુજ્બ્લોગ માં સભ્ય પણ પાછળ થી થયો.મને આની ખાસ ગતાગમ ના હતી.પછી મારી રચના મુક્યા ની મેલ પણ હું કરતો નહતો.ઘણા સમય પછી મેં તે ચાલુ કર્યું.એમાં કોઈ વાર લખું છું કે પ્રતિભાવ આપસો,ને ઘણી વાર નથી પણ લખતો.પણ મારા વાચકો ની સંખ્યા આ પછી ખુબ વધી ગઈ છે.
     
                     *તમે ગમેતેટલું સારું લખો કોઈ જાણે જ નહિ તો ક્યાંથી વાંચે?જંગલ માં મોર નાચે તો કોણે જોયો?તમે કેવું લખો છો તે ક્યારે ખબર પડે?જાતે તો બધા પોતાને મહાન જ સમજતા હોય.હું જાતે લખું કે મારા લખાણો તેજાબી છે એનો શું અર્થ? મને તો કશું તેજાબી લાગતું નહોતું.હું તો મારા વિચારો જે મનમાં ઉદભવતાં હોય તે લખતો હતો.આતો ભજમનભાઈ ના કાન ની બુટ ગરમ થઇ ગઈ ને એમણે મને જણાવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ આપણી વાત માં થોડો ઘણો તો દમ છે.છતાં દરેક વખતે એવું લખાય તે પણ જરૂરી નથી.કોઈ વાંચે,અભિપ્રાય આપે ત્યારે જ ખબર પડે કે કેવું લખીએ છીએ.અને કેવું લખીએ છીએ તે વાંચનાર જ નક્કી કરી શકે,જાતે નહિ.અને માટે અભિપ્રાય માંગે કોઈ તો નારાજ થયા વગર આપવો હોય તો આપવાનો,તમે સ્વતંત્ર છો ના આપવા માટે પણ.
      
                   *ઘણા મિત્રો રૂટીન મુજબ લખી નાખતા  હોઈ શકે કે કોમેન્ટ્સ આપસો.ઘણા મિત્રો ને ઇન્તેજારી હોય જાણવાની કે એમણે કેવું લખ્યું છે,માટે જરા આગ્રહ પૂર્વક લખતા હોય કે અભિપ્રાય આપવાનું ભૂલતા નહિ.ઘણા તો આવા શબ્દો પણ રૂટીન મુજબ લખી નાખતા હોઈ શકે.કોઈ કોપી પેસ્ટ કરે તો ફરિયાદ કર્યાનું જાણ્યું છે,પણ કોઈએ અભિપ્રાય ના આપ્યો ને ફરિયાદ કરી હોય તે જાણ્યું નથી.તમે અભિપ્રાય નથી માંગતા ને ટૂંકું ટચ લખો છો માટે એની ગુણવત્તા ઉંચી હોઈ શકે એવું બની શકે, ને ના પણ બની શકે.અને લાંબા લેખ લખનાર ની ગુણવત્તા નીચી હોય તેવું પણ ના હોઈ શકે.હા તમને પ્રેક્ટીસ ના હોય ખાસ વાંચવાની તો કંટાળો આવે કે ધીરજ ના હોય તેમાં લખનાર નો કોઈ વાંક નથી.મારા આર્ટીકલ નીચે દવે સાહેબ ના પ્રતિભાવ ની લંબાઈ વધારે હોય છે.પણ હું તેને ધ્યાન થી વાંચું છું.કારણ ઘણી વાર એમાંથી ઘણું સારું જાણવા મળે છે.ઘણી વાર તો તેઓશ્રી મૂળ આર્ટીકલ કરતા વધારે લાંબુ લખી નાખતા હોય છે.પણ હું તો ખરેખર વાંચનાર છું માટે મને કંટાળો ના આવે.ખુબ વાંચી વાંચી ને તો લખતા શીખ્યો છું.મને તો ઉલટું છે સાવ ટૂંકું ને ટચ લખાણ હોય તો પૈસા પડી ગયા હોય તેવું લાગે.હું વડોદરા થી બસ સ્ટેશને થી ચિત્રલેખા લઇ ને બસ માં બેસું માણસા મારા ગામ જવા.નડિયાદ આવતા સુધી માં વારંવાર બ્રેક વાંચવામાં પાડ્યા છતાં ચિત્રલેખા પૂરેપૂરું વંચાઈ જાય.એટલે મને લાગણી થાય કે મારા પૈસા પડી ગયા.અમદાવાદ વચ્ચે ઉતરીને બસ બદલાતા પાછુ બીજું કોઈ અભિયાન જેવું લઇ લઉં.માણસા આવતા તે પણ પૂરું થઇ જાય.બસ માં કોઈ વાંચવા માંગે તો આપી દઉં,પાછું પણ ના માંગું.વંચાઈ ગયું હોય ફરી શું વાંચવાનું?જોકે મારા લેખ ના એવા પણ વાચકો છે જે વારંવાર એકનો એક લેખ વાંચે છે.બોલો કહેવું છે કાઈ?
            
                      *હા મુદ્દાસર ને વધારાનું પિષ્ટપેષણ કર્યાં વગર નું લખાણ હોય તે જરૂરી છે,જેથી વાંચનાર ને કંટાળો ના આવે.થોડી લખનાર ની પણ ફરજ છે કે વાચક ને કંટાળો ના આવે તેવું લખવાની.એક ની એક કૃતિ માટે કોઈ વારે ઘડીએ મેલ મોકલતું હોય તો એ પણ ખોટું છે.અને એકની એક રચના માટે કોઈ વારે ઘડીએ પ્રતિભાવ કે કોમેન્ટ્સ માગતું હોય તો તે પણ ખોટું છે.અને તમે કોમેન્ટ્સ નહિ માંગો તો પણ તમારા લખાણ માં દમ હશે કઈ નવું હશે તો વાચક ચોક્કસ અભિપ્રાય આપવાનો જ છે.અને બીજું જો વાચક ને પોતાને જ લખવાનો કંટાળો આવતો હશે તો તમે ગમેતેટલી વિનંતી કરશો ,એ પ્રતિભાવ નથી જ લખવાનો.અને જે વાચક હમેશા અભિપ્રાય આપવા ટેવાએલો  હશે તો નહિ માંગો તોપણ અભિપ્રાય આપશે જ.મારા કેટલાય  મિત્રો ફોન ઉપર મારા આર્ટીકલ ના વખાણ કરતા હોય છે,પણ કદી કોમેન્ટ્સ લખતા નથી.એટલે એવું પણ નથી કે કોમેન્ટ્સ નથી મળતી એટલે કોઈ વાંચતુ નથી.જે મિત્રો ને કોમેન્ટ્સ ની ઉઘરાણી વિષે ફરિયાદ છે એ મિત્રો ને કદાચ વાંચવાનો કંટાળો આવતો હશે,કદાચ લખવાનો કંટાળો આવતો હશે,કદાચ એમના લેખ નીચે કોઈ ઝાઝી વખાણ કરતી કોમેન્ટ્સ નહિ લખતું હોય.
         
                 *બંધ બેસતી પાઘડી પહેરી લેવાની તમામ ને છૂટ છે,પણ કોઈ ને ખોટું લગાડવાની છૂટ નથી.અને નીચે પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ.હો,કે!!!!!

નાની નાની વાતોમાં હસવું!!!કાના કાયા?

         નાની નાની વાતોમાં હસવું!!!કાના કાયા?
* અમારા  સાંધાશુલનિવારણ કેન્દ્રમાં એક શોભા નામના તામિલ બહેન કામ કરે છે. એમને આપણી ગુજરાતી વસ્તીએ ગુજરાતી બોલતા કરી દીધા છે. આ મદ્રાસી બહેનનાં  મનમાં એવું ભરાઈ ગયું છે કે ગુજરાતીમાં દરેક વાક્ય ના અંતે ‘છે’ આવવું જોઈએ. મારે એપોઇન્ટમેંટ પ્રમાણે જતા થોડું પણ મોડું થાય તો એમનો ફોન આવે ‘ભુપેન્દ્રજી તમે હમણા આવવાના નથી છે?’ હું પણ એવાજ ટોનમાં જવાબ આપું ‘અમે હમણા કાર ચલાવી  રહ્યા છે, થોડી વારમાં ત્યાં પહોચી જવાના છે.’ ત્યાં ગયા પછી હું અને થેરાપીસ્ટ પૂર્વી બહેન એમની મજાક ઉડાવીએ કે દરેક વાક્યના અંતે ‘છે’ વાપરવાની જરૂર નથી છે. મને કહે હવે અમે તમને શુદ્ધ અંગ્રેજીમાં ફોન પર વાત કરીશું. મેં કહ્યું તો અમે પણ શુદ્ધ ગુજરાતીમાં ફોન કટ કરી નાખીશું.
                 *આ પૂર્વીબેનની વાત કરું તો મેં ગ્રેટ માઈગ્રેશન વાળો લેખ લખ્યા પછી મેં એમને  કહ્યું કે આખી દુનિયાની માનવજાતના પૂર્વજો આફ્રિકન છે. મેં પૂછ્યું કે જીન્સમાં માર્કર થાય છે તે ખબર છે? તો મારા પહેરેલા જીન્સ સામે જોવા લાગ્યા. મને જોકે ખ્યાલ ના આવ્યો, મેં પછી શબ્દ વાપર્યો મ્યુટેશન. તો કહે સાચું કહું તમે જીન્સ બોલ્યા ત્યારે હું તમારા પહેરેલા જીન્સના પેન્ટ સામું જોતી હતી, મને એમ કે તમારા જીન્સ પર કોઈ દાગ પડ્યો હસે. પણ તમે મ્યુટેશન બોલ્યા ત્યારે ખબર પડીકે ગોટાળો થઇ ગયો. અમે બંને એ દિવસે ખુબ હસ્યા.
                     * બરોડામાં ભણતો ત્યારે જુબિલી બાગની પાછળ આવેલી ખત્રીપોળની ખત્રી બિલ્ડીંગમાં રહેતો હતો. ખત્રીકાકા એ બિલ્ડીંગ તો ચાર માળની બહુ ઉંચી બનાવેલી, પણ ફક્ત ભાડા ખાવા માટે. એટલે દરેક માળે ૧૦ બાય ૧૦ ની રૂમો જ બનાવેલી. એક રૂમ એટલે એક ઘર સમજી લેવાનું. ઉપર થોડા કેરાલીયન ભાઈઓ રહેતા હતા. એક વાર એક કેરાલી ભાઈ એ મને પૂછ્યું , કાના કાયા? મને સમજ ના પડી કે શું પૂછે છે. એને બેત્રણ વાર પૂછ્યું કાના કાયા? મેં પણ સામે શું? શું? પૂછે રાખ્યું તો કંટાળીને જતો રહ્યો. બાજુની રૂમમાં એમના મોટાભાઈ સાથે રહેતા અરવિંદભાઈ મારા મિત્ર  બની ગયેલા, તે હસ્યા કરે. મને કહે પેલો ખાના ખાયા?એમ પૂછતો હતો. પછી તો જયારે પેલો ભાઈ મને પૂછે કે કાના કાયા? તો તત્ક્ષણ ના ખાધું હોય તોયે હું જવાબ આપી દેતો કે કાયા!!કાયા!!. ગરબડ એક દિવસ એવી થઇ  કે મને પૂછી ને એ તો  જતો રહ્યો. પછી હું અને અરવિંદ ભાઈ લોજમાં ખાવા ગયા. ત્યાં પેલો પણ ખાવા બેઠેલો. મને કહે અબી તો તુમ બોલતા તા કે કાના કાયા ફિર સે કાને આ ગયા ક્યા? હું તો ભોંઠો પડ્યો. પણ અરવિંદ ભાઈ કહે મેરેકુ કંપની દેને આયા હે.
                      *ચાર માળની ખત્રી બિલ્ડીંગની અગાશીમાં જવા માટેની કોઈ સિમેન્ટની બનાવેલી સીડી હતી નહિ. લાકડાની સીડી કાકાએ કાઢી નાખેલી, જેથી અગાશીમાં જવાની તકલીફ થતી. લોબીની  પાળી ઉપર પગ ટેકવી છલાંગ  મારી કુદીને ઉપર જવું પડતું. એટલે પરણેલા ને બાલબચ્ચાવાળા તો આવું સાહસ કરતા નહિ. પડે તો છેક નીચે ભુક્કા બોલી જાય. ખાલી અમારા જેવા વાંઢા વિલાસ જ કુદી ને ઉપર જતા. વિનોદ, મનસુખ અને અરવિંદભાઈ બધા એમના ભાઈ ભાભી સાથે રહેતા. અને એકજ રૂમના ઘર હતા. માટે બારેમાસ આ લોકો અગાશીમાં સુઈ જતા. કડકડતા શિયાળામાં પણ અગાશીમાં જ સુવાની મજા માણતા. ખાલી વરસાદ પડે ત્યારે રૂમો આગળની લોબીમાં સુતા.  ખાલી હું અને મારો મિત્ર મહેશ સ્વતંત્ર રૂમમાં રહેતા. જોકે અમે પણ મોટા ભાગે અગાશીમાં જ સુતા. સાંજ પડે અમે બધા અગાશીમાં  ભેગા થતા ને ટોળટપ્પા ચાલતા. મજાક મસ્તીને ધમાલ કરતા. આ બધા ખુબ સ્ટ્રગલ કરતા. ભાઈ ભાભી જોડે રહેવામાં મનદુઃખ પણ થતા. બધા એમના દુખડા ગાતા. ત્યારે હું આ લોકોને “ભાભીઓથી દાઝેલા દિયરો” નું મંડળ છે એવું કહેતો.
                      *શિયાળાની ઠંડીમાં મારે સ્વતંત્ર રૂમ હોવા છતાં આ લોકો મને રૂમમાં સુવા ના દેતા. એક દિવસ ટેવ મુજબ સવારે ઉઠીને અગાશીમાં આંટા મારતો હતો. તેવામાં કૌતુક દીઠું, વિનોદની પથારીમાં..આ વિનોદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના વણાં ગામનો. એના મોટા  ભાઈ મહેન્દ્રભાઈ  સુથારી કામ કરતા. વિનોદ જી.એસ.એફ.સીમાં એપ્રેન્ટીશીપ કરતો. એને મોઢે માથે સંપૂર્ણ ઓઢીને સુવાની આદત. મને ગમેતેટલી ઠંડી હોય મોઢું ખુલ્લું જોઈએ. માથે ઓઢીને મારાથી એક મિનીટ પણ સુવાય નહિ. વિનોદ પાતળી ગોદડી માથે ઓઢીને સુતો હતો. મેં જોયું તો એની પાતળી ગોદડીમાં લાલ રંગના ઝબકારા થતા હતા. પહેલા થોડો પીળો ઝબકારો થયેલો. પછી થોડી થોડી વારે નિયમિત લાલ ઝબકારા થયા કરે. મને થયું શું થતું  હશે માળું?  વિનોદ તો ઊંઘે છે ને એની પથારીમાં આ ઝબક  ઝબક શું થાય છે? હું તો ઉઠ્યો ને એકદમ ઓઢેલી ગોદડી ખેચી તો ભાઈલો વિનોદ અંદર બીડી પીતો હતો. ત્યારે મને સમજ પડી કે પહેલા પીળો ઝાબકરો બીડી સળગાવવાને લીધે થયેલો. મેં  કહ્યું અલ્યા માથે ઓઢીને બીડી પીવાની? તો કહે ટાઢ વાય તો શું કરું? હું તો કાયમ આ રીતેજ પીવું છું, આતો તમે આજે જોઈ ગયા. એના ફેફસા ઓછા ઓક્સીજન અને વધારે કાર્બન ડાયોક્સાઈડ થી ટેવાઈ ગયેલા લાગ્યા. મેં ય જોકે ટેસડા તો બધા કરેલા પણ વ્યસન કશાનું પડવા દીધેલું નહિ. કારણ કોઈની ગુલામી વેઠાય નહિ. એમાં વ્યસન પણ આવી જાય.
                        *અગાશીમાં અમે સાંજે થોડા યોગના આસનો કરતા. એમાં હું ને મહેશ તો નિપુણ હતા. એટલે આમારા વાદે બીજા પણ ટ્રાય કરતા. એક દિવસ અમે કુક્કુટાસન કે પછી બદ્ધ પદ્માસન  કરતા હતા. એમાં પદ્માસન કરી પગ વચ્ચે હાથ નાખી હાથના પંજા ઉપર ઊંચા થવાનું હોય છે. વિનોદે જેમતેમ કરી પદ્માસન વાળી લીધું. પછી મહાપ્રયત્ને અદર હાથ નાખીને ઉંચો થયો. પછી હાથ બહાર કાઢવા જાય તો નીકળે નહિ. મને અને મનસુખને કહે અલ્યા છોડાવો. અમને ટીખળ  સુજી. એના થી તો હાથ બહાર નીકળતા હતા નહિ, અમે બંને જણા બે બાજુથી વિનોદના  ખભા પકડીને ઉચકી ઉચકી ને નીચે પછાડવા માંડ્યો. એ તો રાડો પાડવા માંડ્યો, ને સરસ્વતી ઉપર સરસ્વતી સંભળાવવા લાગ્યો. બીજા બધા ઉભા ઉભા જોર જોર થી હશે. અરવિંદભાઈના હાસ્યની  માત્રા અને તીવ્રતા  જરા ઉંચી. મેં કહ્યું જેટલી સરસ્વતી વધારે બોલીશ એટલો વધારે પછાડીશું. પછી કહે નહિ બોલું બાપા છોડો. પછી અમને પણ દયા આવી કે વધારે પછાડીશું તો હમણા રડવા લાગશે. એટલે છોડી દીધો. પછી બધા ખુબ હસ્યા. એ પણ ભેળો હસવા માંડ્યો. અમારા  મિત્રો વચ્ચે એક વાત હતી નાની મજાક મસ્તીનું કોઈ ખોટું ના લગાડતું, કે મનદુઃખ ના થતું. આજે તો વિનોદભાઈનો દીકરો અમેરિકામાં ભણે છે. હજુ પણ એમના શિક્ષિકા શ્રીમતી મારી આગળ ફરિયાદ કરે કે તમારા ભાઈ સિગારેટ છોડી નથી શકતા.
                      *અરવિંદભાઈ અમારા  બધામાં મોટા. એક મોટાભાઈની જેમ બધાનું ધ્યાન રાખે. સારાભાઇ ગ્લાસમાં એમની નોકરી હતી. પછી તો એ પણ બંધ થઇ ગયું. સૌથી પહેલા એમના લગ્ન થયેલા. ત્યારે અમે બધાએ ભેગા થઈને ગીફ્ટની સાથે મજાક કરવા બર્થ કંટ્રોલના સાધન ભેગા મૂકી દીધેલા. ફરી મળ્યા ત્યારે કહે સાલા નાલાયકો આવા ધંધા કરવાના? મને કહે આ આઈડિયા પણ તારો જ હોવો જોઈએ, બીજાને આવા વિચારો ના આવે. પછી ખુબ હસે. એમને કદી ખોટું લાગેજ નહિ.
                   *આ બધા મિત્રો કોઈ ખાસ પૈસાવાળા ના હતા. પણ એમના દિલ ખુબ મોટા હતા. હું એકલો રહેતો ક્યારેક પિતાશ્રીએ મોકલેલું મની ઓર્ડર આવતા મોડું થાય. પણ અરવિંદભાઈ કદી ખોટ ના પડવા દે. અરવિંદભાઈ બરોડામાં બાજવાડામાં નાનામોટા થયેલા. લક્ષ્મીનાથ વ્યાયામ શાળામાં કસરત કર્યાનો એમને ખુબ ગર્વ. નલીન ભટ્ટ પણ એમની સાથે રમેલો. પછી તો નલીન ભટ્ટ રાજકારણમાં બહુ મોટું માથું બની ગયા. જોકે મોટા બની ગયા પછી આ લોકો જૂની ઓળખાણો રાખતા નથી. દેખાતા નાના લોકોના દિલ બહુ વિશાળ હોય છે, ને મોટા લોકોના દિલ બહુ છોટા હોય છે. મારો પોતાનો પણ એવો અનુભવ છે. આ અરવિંદભાઈ ખુબ સરસ ગાય. રફીસાહેબ, તલત મહેમુદ, મુકેશજી, કિશોરદા, મન્નાડે સાહેબ  બધાના ગીતો સરસ ગાય. વગર સંગીતે એટલો સુદ્ધ આરોહ અવરોહ આલાપે કે નાં પૂછો વાત. કોઈ પણ ટ્રેનીગ વગર શાસ્ત્રીય ગીતો પણ ગાય. પણ કહીએ કે આ ગીત ગાવ તો નાં ગાય. પછી અમે એમની આદત જાણી ગયાં. અમે જાતે જ ભેંસાસુર અવાજમાં  ગાવા માંડીએ એટલે પછી તેઓ શરુ થઇ જાય. એમને મોડે મોડે બત્તી થાય એટલે હસે. નાલાયકો મારી જોડે ગવડાવવા માટે નાટકો કરો છો?  મને ઘણીવાર એવું થાય કે આટલા સરસ ગાયક છે, ટ્રેનીગ અને બેકપ મળે તો ક્યાંથી ક્યાં પહોચી જાય!