કેસરિયા, પરમાર્થ. (Hard Truths About Human Nature)

Hamiraji Gohil ,who sacrificed his life during battle near Somnath Temple.

કેસરિયા, પરમાર્થ.

               આશરે ૧૦૨૪ની સાલ હશે. મહમદ ગઝની સોમનાથ મંદિર ઉપર ચડી આવેલો. પાટણના સોલંકી રાજા ભીમદેવ ક્યાંક કચ્છમાં ભાગી ગયેલા. લાઠીના કુંવર હમીરજી ગોહિલ આશરે ત્રણસો કે ચારસો રાજપૂતો લઈને ગઝની સામે લડવા ગયેલા. સ્વાભાવિક છે કે એમને ખબર જ હોય કે આટલાં મોટા લશ્કર સામે લડવું એટલે મોત જ મળવાનું છે. બધા કપાઈ મર્યા, અલ્લાઉદ્દીન ખીલજી ચિતોડ ઉપર ચડી આવેલો ત્યારે પણ રજપૂતોએ કેસરિયા કરેલા.

કેસરિયા એટલે જ્યારે જીતવાનો કોઈ આરો લાગે નહિ ત્યારે રાજપૂતો કેસરી રંગના કપડાં પહેરી, દુશ્મનના સૈન્ય સામે દોડી જતા, જેટલાને મરાય તેટલાને મારીને પછી બધા કપાઈ મરતા. રાજપૂતોની સ્ત્રીઓ જોહર કરતી. એક મોટા કૂવામાં ચિતા સળગાવી અંદર કૂદી પડતી.

સ્પાર્ટન રાજા પોતાના ત્રણસો બોડીગાર્ડ કે અંગત સૈન્ય સાથે વિશાલ પર્શિયન લશ્કર સામે લડવા નીકળી પડે છે. રસ્તામાં એના રાજના બીજા લોકો યુદ્ધમાં જોડાવા આવી ચડે છે. રાજા પૂછે છે એક જણને કે તારો વ્યવસાય શું છે ? જવાબ મળે છે, લુહાર છું. બીજાને પૂછે છે, ઉત્તર મળે છે સુથાર છું. આમ બેચાર જણાને પૂછીને રાજા પોતાના સૈનિકોને પૂછે છે તમારો વ્યવસાય શું છે ? ઉત્તરમાં ગગનભેદી અવાજે એક સાથે બધા સિંહની જેમ દહાડે છે યુદ્ધ ! યુદ્ધ ! રૂંવાડા ઉભા થઈ જાય તેવા દ્ગશ્યો છે આ ફિલ્મમાં, જીવનમાં એકવાર આ ફિલ્મ જોવા જેવી છે. આવી ફિલ્મ કુંવર હમીરજી ગોહિલ વિષે આપણે કેમ નહિ બનાવતા હોઈએ ? આપણી પોકળ અહિંસાએ સૈનિક બળનું સન્માન કરવાનું શીખવ્યું જ નથી. આપણી વૉર  ફિલ્મોમાં પણ યુદ્ધ જેવું ખાસ હોતું નથી, રૉમૅન્સ વધુ હોય છે.

આ મારવાની તો સમજ્યા પણ મરવાની ખપી જવાની ભાવના વિષે શું માનીશું ? ઇતિહાસ ગવાહ છે કે દુશ્મનના તીક્ષ્ણ ભાલા, તીર, ગનફાયર અને બૉમ્બ વચ્ચે મરણીયા સૈનિકો એમના મિત્રો, સાથીઓ, કૉમરેડ ને બાજુમાં જ મરતા જોતા હોવા છતાં આગળ વધે જ જતા હોય છે. માનવ જાત મૂળભૂત સ્વાર્થી હોય છે. કોઈ પણ હિસાબે બચવું અને પોતાના જીન ફ્યૂચર જેનરેશનમાં ટ્રાન્સ્ફર કરવા તે એનો મુખ્ય હેતુ હોય છે. છતાં કેટલાય લોકો એવા હોય છે જેઓ પોતાના દેશ માટે, પ્રદેશ માટે વંશ વેલા માટે યુદ્ધમાં જીવ આપી દેતા હોય છે. મોટાભાગના સમાજમાં યુદ્ધમાં કોઈ મરાયો હોય તો એને જેતે સમાજ એને હીરો અને આદર્શ માનતો હોય છે. ભારતમાં એવું નથી તે વાત જુદી છે.

ભારતમાં હીરો નકલી લડાઈઓ પડદા ઉપર લડતા ફિલ્મી નાટકિયા અને લુચ્ચા લફંગાં સાધુઓ છે, ગુંડાઓ છે. અમેરિકામાં પોતાના દીકરાઓને સૈન્યમાં મોકલ્યા હોય અને યુદ્ધમાં તે દીકરો માર્યો ગયો હોય તેવી માતાઓને ‘ગોલ્ડ સ્ટાર મધર’ તરીકે નવાજવામાં આવે છે.

કેટલાય લોકો પોતાના કુટુંબને બચાવવા જતા જીવ આપી દેતા હોય છે. લોકો એમના પ્રિયજનને બચાવવા જતા જીવ અર્પી દેતા હોય છે. કોઈ પણ હિસાબે બચવું તે મૂળભૂત માનસિકતા હોય છે તો આને શું સમજીશું ? તો બીજી બાજુ જુઓ ચીનમાં એક જ સંતાન હોવું જોઈએ તેવી સરકારની પૉલીસી છે તો ત્યાં માતાઓ પોતાના સંતાનોને જાતે જ મારી નાખતી હોય છે.

ઘણા દેશોમાં ઑનર કિલિંગ થાય છે. પ્રેમાળ પિતા અને ભાઈઓ દ્વારા જ દીકરી અને બહેનને સામાજિક નિયમોના ભંગને કારણે મારી નાખવામાં આવતી હોય છે. આજ કહેવાતા સામાજિક નિયમ ભંગનું અમેરિકામાં બહુ મહત્વ હોતું નથી. દાખલા તરીકે પ્રેમમાં પડવું. કે પ્રેમી સાથે ભાગી જવું. ઘણા દેશોમાં સ્ટોન કિલિંગ પથ્થર મારીને મારી નાખવાનું પણ થતું હોય છે.

આજ રીતે જોઈએ તો યુગોસ્લાવિયામાં serbs , croats , Albanians  ૪૦ વર્ષ એકસંપ થઈને રહ્યા. એકબીજા સાથે આ વંશીય સમાજો લગ્ન સંબંધો વડે પણ બંધાઈ ગયેલ હતા. ૧૯૯૦ દેશના ભાગલા પડવા માંડ્યા, પ્રમુખ ટીટો મૃત્યુ પામ્યા આ વંશીય સમાજો એકબીજાના દુશ્મન બન્યા એકબીજાના લોહીના પ્યાસા બન્યા, વંશીય સાફ સફાઈ ચાલુ થઈ ગઈ.

આવી અસાધારણ, વિષમ માનવીય વર્તણૂકનું કારણ શું ?  એકબીજાને મારી નાખવાનું અને ઘણીવાર પોતાના ફેમિલીના લોકોને પણ મારી નાખવાનું  શા કાજે ?  શું આ બધું જીનમાં સમાયેલું છે ? જીન કોઈ ખાસ વર્તણૂક માટે જવાબદાર હોય છે ખરા ? ખાસ વર્તણૂક નહિ પણ એવી વર્તણૂક પેદા થાય તેવા વલણ પૂરતાં જીન જવાબદાર હોય છે. આપણે આવા વલણને સમય પહેલા ઓળખી શકીએ અને તેના નકારાત્મક પરિણામોથી બચી શકીએ અને તેવી રીતે વર્તણૂક બદલી શકીએ તેવી રીતે ઈવૉલ્વ જરૂર થયા છીએ.

ડાર્વિન શું કહે છે ? સર્વાઇવલ ઑવ ધ ફિટેસ્ટ, ફિટ અને ફ્લેક્સિબલનાં જેનિસ બીજી પેઢીમાં ટ્રાન્સ્ફર થવાના. પણ વ્યક્તિગત રીતે જુઓ તો જે લોકો આત્મબલિદાન આપતા હોય તેમના ચાન્સ તો ખૂબ ઓછા રહેવાના કે એમના જીન બીજી પેઢીમાં ટ્રાન્સ્ફર થાય, કે એમનો વંશવેલો આગળ વધે. પછી ડાર્વિન વિચારમાં પડ્યો, પણ પછી એણે આ સમસ્યાને વ્યક્તિગત લેવાના બદલે સામૂહિક સામાજિક રીતે લીધી તો સમજાયું કે વ્યક્તિગત બલિદાન એક સમૂહ કે સમાજ કે ગ્રૂપ કે વંશવેલાને બચાવવા માટે હોય છે. એમના એકના બલિદાનને લઈને આખો સમાજ આખો સમૂહ બચી જતો હોય છે.

ભારતમાં એવું થયું જ છે. અહી ખાલી ક્ષત્રિયો જ લડવા જતા. અને આત્મ બલિદાનો આપતા આખા સમાજ માટે. આખો સમાજ બચી જાય, પણ એમની વસ્તી ઘટતી ગઈ. કાયમ લડી લડી યુદ્ધોમાં જઈ જઈ ને ક્ષત્રિયો  ઓછા થવાના જ હતા. લડવામાં જીવ પણ ખોવા પડે ને, એ કઈ રમવાનું તો છે નહિ. વસ્તી ઘટતી ગઈ, એટલે છૂટ આપી વધારે સ્ત્રીઓ રાખો, એક સાથે વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરો. પણ અમે તો યુદ્ધમાં ના જઈએ. દરેકની લિમિટ હોય છે, એક બાળક પેદા કરતા વર્ષ નીકળી જાય અને એને મોટું કરી યુદ્ધમાં જવા તૈયાર કરતા ૨૦ વરસ નીકળી જાય એટલામાં તો હજારો કપાઈ માર્યા હોય. પછી દસ બૈરા રાખો તો પણ કઈ રીતે પહોચી શકાય ? બાળકો પેદાં કરવાની પણ એક શારીરિક લિમિટ હોય.

દાખલા તરીકે એક હરણ ઘાયલ થયું છે અને દોડી કે બરોબર ચાલી શકતું નથી, હવે આખો હરણ સમૂહ એની રાહ જોશે ? પાછળ પ્રિડેટર પડ્યા હોય  જેવા કે સિંહના ટોળા પાછળ પડ્યા હોય તો શું થાય ? નુકશાનના ચાન્સ ખૂબ વધી જવાના. ભલે  શિકારી પાછળ પડ્યા  ન હોય છતાં ઘાયલ હરણ શું કરશે ? જંગલમાં એકલું ઊંડું ચાલ્યું જશે. અને આખો સમૂહ એના સાજા થવા માટે ગુડ લક કહીને આગળ વધી જશે.

હવે એક વ્યક્તિગત હરણ એનું બલિદાન આપી દેશે પણ આખો હરણ સમૂહ બચી જશે. પરમાર્થની ભાવના આવી રીતે વિકસે છે. આખા સમૂહ, સમાજ, જાતિનાં સર્વાઇવલ માટે કશું પણ કરીએ તેનું નામ પરમાર્થ. એના માટે પોતાની જાતનું બલિદાન આપી દઈએ તેનું નામ કેસરિયા. કે ભાઈ હું ભલે મરી જઈશ મારો સમાજ જીવશે, મારો વંશવેલો જીવશે, મારો સમૂહ જીવશે તો એક રીતે હું પણ જીવતો રહીશ, મારા જિન્સ જીવતા રહેશે. અને આ અનુભવ આપણે આપણાં વારસદારોને જિન્સમાં આપતા જઈએ છીએ.

કુંવર હમીરજી એમ જ બલિદાન આપવા દોડી ગયા હશે? ના! એમના પૂર્વજોએ એવા બલિદાન આપેલા હશે, અને તે અનુભવો એમના પિતૃઓના જેનિસ દ્વારા એમનામાં પણ ઊતરેલા હશે. આવા આત્મબલિદાન આપતા પરમાર્થ કરતા નિઃસ્વાર્થી જીન વંશવેલા માટે, વંશવેલાના સર્વાઈવલ માટે બીજી પેઢીમાં વધારે પ્રમાણમાં ઊતરે તે જરૂરી છે, અને તે લગભગ દરેક પ્રાણીઓમાં ઊતરતા જ હોય છે. એટલે ઘણીવાર પોતાના સંતાનોને મોત આપવાની માનસિકતા આખા સમૂહ માટે સર્વાઇવલ માટેની હોઈ શકે. હા આ સર્વાઇવલની માન્યતા ગલત હોઈ શકે. જેવી કે ઘણા દેશોમાં પ્રેમમાં પડવું કે પ્રેમી સાથે ભાગી જવું ગલત ગણાય છે. એના માટે સગા બાપ પણ દીકરીની હત્યા કરતા અચકાતા નથી.

આમ પરમાર્થ અને પરોપકાર પોતાના સમૂહ કે સમાજ કે વંશને બચાવવા માટે કરવામાં આવતા હોય છે. એક મોટા સર્વાઇવલ માટે એક નાનું વ્યક્તિગત સર્વાઇવલ જતું કરવામાં આવતું હોય છે. ગરબડ એ થતી હોય છે કે ઘણા ચાલાક લોકો પરોપકાર અને પરમાર્થના બહાને પોતાના સર્વાઇવલની વ્યવસ્થા કરી લેતા હોય છે. એમાં નેતાઓ અને ધર્મ ગુરુઓ આવી જાય.

આ પરમાર્થની ભાવનાનો આમ દુરુપયોગ પણ થઈ જતો હોય છે. દાખલા તરીકે સો, બસો કે હજાર કરોડ અને તે પણ લોકો પાસેથી જ મેળવેલા હોય તે હોસ્પિટલો બનાવવામાં વાપરી લોકોની સેવા કરવા માટે વાપરી અને ૪૫ કે ૫૦ હજાર કરોડ ભેગાં કરી લેવાતા હોય છે જાદુગર ગુરુ દ્વારા. વળી ઘણીવાર ધાર્મિક શિક્ષણ અને માન્યતાઓનાં કારણે લોકો આખી જીંદગી સેવા કરવામાં વાપરી નાખતા હોય કે મૃત્યુ બાદ સ્વર્ગ મળે. જોકે એમાં નુકશાન કશું નથી, સ્વર્ગ હોય કે ન હોય  લોકોની સેવા તો થઈ જાય. મિશનરી પ્રવૃત્તિઓ આમ ચાલતી હોય છે.

આમ રામરોટીનો, ભૂખ્યાને ભોજન આપવાનો કૉન્સેપ્ટ ચાલુ થયો હોય છે. પણ એનો દુરુપયોગ સ્વાભાવિક ચાલુ થઈ જતો હોય છે. એમાં જે ખરેખર ભૂખ્યા હોય તે તો ઠીક કમાતા  લોકો પણ મફતમાં ખાવાની વૃત્તિને લીધે એનો લાભ લેતા હોય છે. એક મિત્રના કહેવા મુજબ આવા એક રામરોટી ચલાવતા મંદિરમાં એકના એક લોકો લ્યુના અને સ્કૂટર પર આવતા એમણે જોએલા છે અને આવું જોઇને એમને નવાઈ સાથે ગુસ્સો પણ આવતો હશે.

વળી આવી રામરોટી ચલાવતા લોકો પણ એમનો ધંધો કરી લેતા હોય છે. એના માટે ડોનેશન ઉઘરાવે એમાં એમના રોટલા પણ કાઢી નાખતા હોય. એટલે આવી પરમાર્થી વૃત્તિ ઘણાબધા લોકોમાં સહજ હોય છે, અને જરૂરી પણ છે સમાજ કે સમૂહના સર્વાઇવલ માટે. જો કે ઘણા સમાજમાં કર્મના નિયમને કારણે માનવસેવા કે એવા કોઈ પરોપકાર કરવાનું મૂનાસીબ માનતા નથી હોતા પણ પરોપકારની વૃત્તિ હોવી સ્વાભાવિક હોવાથી તેવા સમાજની આ વૃત્તિ પશુ પ્રાણી, જીવ જંતુ અને કીડી મકોડી તરફ વળી જતી હોય છે.

સમાજનો કાયદો તોડનારને સમાજ બહાર કરી દેવામાં આવતા હોય છે જેથી સમાજને ખતરો ના રહે. અને સમાજ કે સમૂહથી ઉપેક્ષિત થનારા કે થઈ જઈશું તેવો ભય પામનારા લોકો આત્મહત્યા કરીને બલિદાન આપી દેતા હોય છે. જેમ કે પ્રેમી પંખીડાઓ આપઘાત કરતા હોય છે. આજકાલ ટેરરિઝમ ચાલી રહ્યું છે ત્યાં જન્નતમા સુંદર હુર ભોગવવા મળશે તેવું ઠસાવી બાળકો અને યુવાનોને સુસાઈડર બૉમ્બર તરીકે તૈયાર કરવામાં આવતા હોય છે. પરમાર્થ એટલે પરમ સ્વાર્થ. સમૂહના સ્વાર્થ માટે વ્યક્તિગત સ્વાર્થ જતો કરવો તેનું નામ પરમાર્થ. સમૂહના પ્રાણ બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવી તેનું નામ કેસરિયા.

 

 

 

14 thoughts on “કેસરિયા, પરમાર્થ. (Hard Truths About Human Nature)”

  1. ખુબજ સરસ ભૂપેન્દ્રસિંહજી…..બહુજ ગમ્યું અને તેમાંય હમીરજી ગોહિલ ની મૂર્તિ સાથેનો આપનો આ લેખ અદભુત છે,છેલા પેરેગ્રાફ મા જે પરમાર્થ નો અર્થ કાઢ્યો તે મારી બુદ્ધિ મા બેસ્યો નહી ….બાલીશ પ્રયત્ન છે …કદાચ હું ખોટો પણ હોઉં….પરમાર્થ …પરમ+અર્થ=પરમાર્થ…એથી આગળ ..પરમ….પર+અહમ …જે અહમ થી પર થયી ને કાર્ય થાય તે પરમાર્થ,….અહમ ની હિંસા થયી જાય પછી હજારોને મારે તો પણ તે હિંસા નથી….એટલેજ ક્ષત્રિય ને ક્યારેય પાપ લાગતુજ નહી,,,,,તે પરમાર્થ થતો,..તેમાં નિર્દોષ મરતા નહી…આવી મારી સમજ છે.વિચારો શેર કરવા માટે લખ્યું છે……..

    Like

    1. ભાઈ મેં આ લેખ ધાર્મિક અર્થ કરવા નથી લખ્યો,ભાષાકીય રીતે પરમાર્થ નો અર્થ પરમ અર્થ થતો હોય તે મને જાણ હોય જ.મેં આખો લેખ ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાન વિષે લખ્યો છે.આને મેં અર્થ તે રીતે કર્યો છે.હું હ્યુમન નેચર વિષે લખવાનો અલ્પ પ્રયત્ન કરું છું કોઈ ફિલોસોફી નહિ.એટલે આપ જેવા જ્ઞાની પુરુષને મારો પ્રયત્ન બાલીશ લાગે તે સ્વાભાવિક છે.ધન્યવાદ.

      Like

      1. .
        .
        “ આપણે અહિંસાને પરમ ધર્મ માનતા થઇ ગયા છીએ.”

        શું આને જિન્સમાં નપુસંકતાના પ્રવેશની શરૂઆત ગણી શકાય ??????
        .
        .

        Like

        1. may be.મહાવીર પછી અહિંસાનો કોન્સેપ્ટ જોર પકડવા માંડ્યો.જુઓ આજે પણ આપણે ક્યાં કોઈને સજા કરી શકીએ છીએ.કે કોઈ સખત પગલા લઇ શકીએ છીએ.જુઓ આજે પણ દિલ્હીમાં ધડાકા થયાને?ગુનેગારોને સજા કરવામાં પણ હિંસા તો થાય જ ને?

          Like

  2. Indian war heros………


    http://hinduholocaust.com/HinduHolocaustMuseum.htm
    http://www.kashmir-information.com/Heroes/
    http://defenceforumindia.com/military-history/6875-do-we-forgot-heroes-1962-india-china.html

    http://kenpatel.wordpress.com/

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.

    Like

    1. ભાઈ ખૂબ ખુબ આભાર વીડીઓ મુકવા બદલ.ભારતની પ્રજા સૈનીક્બળ નું સન્માન કરવાનું શીખી નથી તે કડવી હકીકત છે કે આપણે અહિંસાને પરમ ધર્મ માનતા થઇ ગયા છીએ.

      Like

  3. Dear brother,
    Hats off to you for this very well written article. It is analytic also and tries to find out the underlying principles of human nature with the help of science. Without culture and ethics man is an animal, minus tail and horns. Sacrifice, ‘seva’, and to give own’s life for the sake of others could be attributed to better parts of culture and human nature. Also as you have very well pointed out there could be selfish motives and vested interests behind good deeds. Well in nature one can find out all sorts of examples, often contradictory. It depends on individual understanding of the knowledge and present circumstances which forces him to behave in an unacceptable ways. In history you will always find heroes like Hamirji Gohil, Rana pratap and so on, On the other hand you will also find traitors who for wealth and to save their skin gave out important secrets to the enemies. Many Indian forts were conquered this way. In today’s world you will find Anna Hazare on one side of the fence, and on the other side you will find A. Raja, Kanimozily, Kalmadi and so on.
    So, genes do play an important part as far as certain survival principles are considered but at the same time man has become master of the universe for his abilities to work in groups with reasonable tolerance for each other. This is, I call rising above Genes and basic instincts. A cultured human being. Contrary to the example of deer, moving away i have seen in national geography one herd of buffaloes came forward and fought with lions to save a small calf. In our thoughts also sometimes we are animals.
    Thank you.

    Like

  4. શ્રી ભુપેન્દ્રસિંહજી, લેખને અદ્‌ભુત એટલે કહીશ કે વાંચ્યા પછી બે દહાડા ઈતરવાંચનમાં અને ખાસ તો ફરી એક વખત “૩૦૦” જોવામાં વિતાવ્યા ! (આપે આ ચલચિત્ર એક વખત જોવા ભલામણ કરી પણ મેં એ પહેલાં દશેક વખત તો જોઈ કાઢ્યું હતું ! ઝક્કાસ ચિત્ર છે) રાજા લિઓનિડ્સ અને તેના ૩૦૦ સ્પાર્ટનોએ લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં, થર્મોપલીનાં ઘાટમાં પર્શિયન રાજા ઝર્કઝીસનાં લગભગ એક લાખના લશ્કરને ત્રણ દિવસ સુધી આપેલી દીલધડક લડાઈ ખરે જ જોવા જેવી છે. આપણે ત્યાં કેમ આવા મુવી નથી બનતાં એવી આપની ફરિયાદમાં દમ છે. (આપણને કદાચ પેમલા-પેમલી વધુ ફાવે છે !) જો કે અંતે એક સ્પાર્ટન ભરવાડ એફિઅલ્તીસ દગાખોર બન્યો અને ૩૦૦ જવાંમર્દો કપાઈ મર્યા. (કાગડા બધે જ કાળા !)

    આપે સોમનાથ, હમિરજી ગોહિલ અને ભીમદેવનો ઉલ્લેખ કર્યો તો થોડી પૂરક માહિતી, ટુંકમાં, તે વિષયે પણ જણાવું. જે ખાસ તો ’આપણા અનુભવ આપણે આપણાં વારસદારોને જિન્સમાં આપતા જઈએ છીએ’ એ વાત પર વિચારવા પ્રેરે તેવી છે. ટુંકમાં આપણે ત્યાં કહેવત છે કે ’બાપ એવા બેટા’ એ આ ભીમદેવનાં ઈતિહાસથી વધુ સ્પષ્ટ થશે. (આ માહિતી ઈતિહાસવિદ્દ શંભુપ્રસાદ દેસાઈનાં ’સૌરાષ્ટ્રનો ઈતિહાસ”ના આધારે છે જે પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે) ઈ.સ. ૯૪૨ માં પાટણનાં અંતિમ ચાવડા રાજા સામંતસિંહનું બળ ક્ષીણ થતાં તેનાં ભાણેજ મૂળરાજ સોલંકીએ તેને દગાથી મારી ગાદી પચાવી પાડી. આ મૂળરાજ જુનાગઢનાં રાજા ગ્રહરિપુ (રા ઘારીયો) પર આક્રમણની તૈયારીમાં હતો ત્યાં નાગોરપતિ અને તેની સાથે તૈલંગનો સેનાપતિ બારપ (કોઈ તેને લાટનો રાજા પણ કહે છે તો કોઈ કાન્યકુબ્જ, કનોજનો સેનાપતિ કહે છે) ચઢી આવ્યા. તે સામે ટકવું મુશ્કેલ લાગતા મૂળરાજ કચ્છમાં નાસ્યો અને ત્યાંના રાજા લાખા ફુલાણીના આશ્રયે રહ્યો. આ મૂળરાજનો વારસદાર ભીમદેવ જે ઈ.સ.૧૦૨૫નાં ડિસેમ્બરમાં મહમૂદ પાટણ પહોંચ્યો ત્યારે નાસી છૂટ્યો અને અંતે કચ્છ પહોંચ્યો ! (કહ્યું ને બાપ તેવા બેટા !) હજુ જરા ધીરજ ધરો !! પ્રથમ થોડો ઈતિહાસ સોમનાથનો લઈએ.

    ભીમદેવ નાસી છૂટ્યો પણ તેના ૨૦,૦૦૦ રાજપૂતોએ મોઢેરા પાસે મહમૂદનાં ૧૦,૫૦૦૦નાં સૈન્યને ઘમાસાણ લડાઈ આપી. જો કે કોઈ નાયક કે સરદારની આગેવાની વિહીન આ લડાઈ તેઓ હાર્યા. આગળ લાઠીના હમીરજીએ ટાંચા લશ્કર છતાં તેઓને લડાઈ આપી, પણ સ્વાભાવિક જ એક લાખના લશ્કર સામે મેદાની પ્રદેશમાં જીતવું અસંભવ હોય છે. ત્યાંથી મહમૂદ ૧૦૨૬નાં જાન્યુઆરીની ૬ઠી તારીખે સોમનાથ પહોંચ્યો. તે દિવસે ગુરુવાર હતો અને બીજા દિવસે શુક્રવારે બપોરની નમાજ પહેલાં હલ્લો ના થાય તેવી કટ્ટર અંધશ્રદ્ધા ધરાવતા મહમૂદે ગુરુવારે રાત્રે જ હલ્લો કરી દીધો. ન કોઈ કિલ્લો, ન કોઈ સૈન્ય કે ન સાધન સરંજામ છતાં સોમનાથ વાસીઓએ એક લાખના સૈન્યને રાત આખી હંફાવ્યું અને ભીષણ લડાઈ આપી. બીજે દિવસે બંન્ને પક્ષનાં લગભગ ૫૦,૦૦૦ મૃતદેહો પરથી ચાલીને મહમૂદે સોમનાથમાં પ્રવેશ કર્યો. (આ બધી શૌર્યસભર ઘટનાઓ ફિલ્મમાં વણવા લાયક છે પણ …)

    આ દરમિયાન જુનાણાનાં રા નવઘણ (જે હજુ તો હમણાં જ, માત્ર ૧૫ વર્ષની વયે ગાદી પર આવેલો)નું સૈન્ય તેનાં મંત્રી શ્રીધર અને સેનાપતિ મહીધરની આગેવાની હેઠળ સોમનાથની સખાતે ચઢ્યું. (આ શ્રીધર અને મહિધર નાગર હતા, આ યુદ્ધમાં મહિધરે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું) તારીખે સોરઠમાં લખ્યું છે કે રા‘ નાં સૈન્યે મહમૂદના સૈન્યને ભાજીમૂળાની જેમ કાપી નાંખ્યું. ( આ પ્રસંગની મોટા ભાગની કથાઓ મુસ્લિમ ઈતિહાસકારોએ માંડેલી છે જેમાં માત્ર એકતરફી વર્ણન હોવું સ્વાભાવિક છે, છતાં આ ભાટાઈ વચ્ચે ક્યાંક સત્યનો અંશ પણ સાંપડી જાય છે) મહમૂદે માત્ર અઢાર દિવસમાં જ આ આક્રમણ સામે ટકી ન શકતા સોમનાથ છોડી અને ભાગવું પડ્યું. રસ્તામાં આબુ પાસે વિશળદેવ ચૌહાણે અને માળવામાં ભોજદેવ પરમારે નાકાબંધી કરી હોય તેનાથી બચવા નવો જ માર્ગ શોધી જે કચ્છ સોંસરવો નીકળી વાયા મુલ્તાન થઈ જતો હતો તે માર્ગે ભાગ્યો. હવે ભીમદેવને પણ જાત પર શરમ ઉપજતાં રહી રહીને કચ્છનાં મારગે ગાંધવીમાં નાકાબંધી કરી પરંતુ મહમૂદ ત્યાં પહોંચે તે પહેલાં જ વળી પેલા જિન્સે ઉછાળો માર્યો કે શું પણ લડવાને બદલે ભાગવાનું પસંદ કર્યું અને મહમૂદ ઈ.સ.૧૦૨૬ના એપ્રિલ માસની બીજી તારીખે ગઝની પરત પહોંચ્યો. તેનાં જ ઈતિહાસકારો લખે છે કે ૧૦,૫૦૦૦નું સૈન્ય લઈ નીકળેલો મહમૂદ ગઝની પરત આવ્યો ત્યારે માત્ર ૨૦૦૦ સૈનિકો, એ પણ મરવા વાંકે જીવતા એવા, બચ્યા હતા. ગઝની સાવ વેરાન ભાસતું હતું, ગુલામો સિવાય કોઈ નર જોવા મળતો ન હતો. ખુદ મહમૂદ પણ આ આકરી લડાઈના ફળસ્વરૂપ ક્ષયથી ઘેરાયો અને સને ૧૦૩૦નાં એપ્રિલમાસની ૩૦મી તારીખે ગુજરી ગયો.

    કુવામાં હોય તો હવાડામાં આવેની વાતને આ (ખાસ તો ભીમદેવની ભાગવાની) ઘટના ટેકો આપતી લાગે છે. તો સામે હમીરજી જેવાનાં શૌર્યનાં કિસ્સાઓ પણ છે. સોમનાથનાં એ પ્રજાજનો (જેઓ યોદ્ધાઓ ન હતા)ની હિંમતનાં કિસ્સાઓ પણ છે. (પછી મહાદેવ જાતે રક્ષણ કરશે કહી સોમનાથનાં પ્રજાજનો હાથ પર હાથ ધરી બેસી રહ્યા જેવી ધડમાથા વગરની વાતો જોડી કાઢી કદાચ લાગતા વળગતાઓએ આ ઈતિહાસને દૂષિત બનાવ્યો છે અને આપણે સત્યાન્વેષણ કર્યા વિના માની પણ લઈએ છીએ !) હવે સ્વયં મહમૂદના ઈતિહાસકારોની વાતમાંથી તથ્ય તારવવા બેસો તો પણ સમજાઇ જાય કે એકાદ લાખના લશ્કરને શું હાથમાં હાથ ધરી બેસી રહેલાં ખોબા જેટલા લોકો પર વિજય મેળવતા એક આખો દિવસ લાગે ? મહમૂદનાં એક લાખ ત્રણ હજાર સિપાહીઓ કપાઈ મર્યા તે શું અંદરો અંદર એકબીજાનાં ગળા કાપી મર્યા હશે ? બાપુ આપનો રોષ વ્યાજબી જ છે, આપણે જ આપણાં ઈતિહાસનું અવમુલ્યન કરીએ છીએ. ભીમદેવની કાયરતાને ડંકા વગાડી યાદ રાખીએ છીએ પણ હમીરજી, રા નવઘણ, તેના નાગર સેનાપતિ, સોમનાથનાં અઢારે વરણનાં યોદ્ધા નહીં છતાં યુદ્ધે ચઢેલા નગરજનો, આબુનો વિશળદેવ કે માળવાનો ભોજદેવ આ બધાને ભુલી જઈએ છીએ. આપણે “૩૦૦” જેવી ફિલ્મ કદી નહીં બનાવી શકીએ !!!

    Like

    1. ખૂબ ખૂબ આભાર.ખાસી મહેનત કરી છે આપે.ધૂમકેતુ અને બીજા ઐતિહાસિક નવલકથાકારોની બુક્સમાં આ બધો ઇતિહાસ ઘણા સમય પહેલા વાંચેલો.જોકે બધું યાદ રહેલું નહિ,આપે બધું યાદ કરાવી દીધું.

      Like

  5. Veer Hamirji Gohil


    http://www.panoramio.com/photo/42635224
    http://en.wikipedia.org/wiki/Khusro_Khan

    http://kenpatel.wordpress.com/

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.

    Like

Leave a comment