“ચલમનો ભડકો”

“ચલમનો ભડકો”
**રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી.ઊભી ચલમ મુખના એક ખૂણે લગાવીને સતત ગાંજાના કસ ખેંચતા રહેતા,બાજુના ખૂણે થી ધુમાડાના
ગોટે ગોટ નીકળતા રહેતા.એક શ્વાસે કસ ખેંચતા  ખેંચતા ચલમ ઉપર ભડકો થઈ જાય ત્યારે કસ ખેંચવાનું બંધ કરી,મીનીટો સુધી મુખમાંથી ધુમાડા કાઢે જતા.જોઇને આજુબાજુ બેઠેલા ભાવિક ભક્તો અહોભાવથી મંત્ર મુગ્ધ થઈ જતા.ઈડર પાસેના એક અંતરિયાળ ગામની સીમમાં જશુભાઈનું બાપીકું ખેતર હતું.ખેતરમાં એક કૂવો હતો.એમાંથી પાણી ખેંચવા એક ઇલેક્ટ્રિક મોટર મૂકેલી તેને સાચવવા ઓરડી બનાવેલી હતી.બાજુમાં એક નાનું  લીમડાનું વૃક્ષ હતું.રામખિલાવન મહારાજ આ લીમડા નીચે ક્યારે અવતર્યા કોઈને ખાસ ખબર નહોતી .આ વિસ્તારમાં ચોમાસામાં ખેતી થતી.શિયાળામાં ક્યારેક કૂવામાં પાણી સારું હોય તો થોડા ખાવા જેટલા ઘઉં પકવી લેવાતા.ઉનાળો સાવ સુક્કો ભંઠ પસાર થતો.કાળી પણ કાંકરાવાળી જમીનમાં કપાસ સારો થતો.ચોમાસામાં કઠોળ પણ સારું થતું.ઉનાળામાં કશું કામ નહિ હોય તો જશુભાઈ એકાદ અઠવાડિયું ખેતરમાં આવેલા નહિ.જ્યારે આવ્યા ત્યારે રામખિલાવન અહી લીમડા નીચે  બેઠાં બેઠાં ચલમના કસ ખેંચતા હતા.આધેડ ઉંમર,પાતળી ઊંચી દેહયષ્ટિ,કાબરચીતરી દાઢી,માથે એવીજ અંબોડી વાળેલી જટા,કાળો વાન.પહેલી નજરે બાવો આંખોને ગમે તેવો હતો નહિ.જશુભાઈ પણ વિચારતા હતા કે આ લપ અહી ક્યાં પેઠું?પણ મૂળ ધાર્મિક માણસ અને પહેરવેશનું માન જાળવવા રામ રામ બાપજી કર્યા.સામેથી પણ જવાબ મળ્યો જય રામજીકી.

‘બાપજી ક્યાંથી પધારવાનું થયું?’

‘સબ ભૂમિ ગોપાલકી,હમારે લિયે સબ જગા ભગવાનકી હૈ.’

‘બાપજી,હું તો ચાર દિવસથી આવ્યો નહોતો,આજે જ આવ્યો છું,ભોજન વગેરેનું શું  કર્યું?’

‘રામ ખિલાવે તો ખાના વરનાં ઉપવાસ સમજી લેવાના.મેરા તો નામ હી રામખિલાવન હૈ.’

**બાપજી હિન્દી મિશ્રિત ગુજરાતી બોલતા હતા.જશુભાઈને દયા આવી કે બાપજી મારા ખેતરમાં ભૂખ્યા બેઠાં છે,સારું ના કહેવાય.જોકે ગામ થી ખેતર ઘણું દૂર હતું પણ થાય શું?જશુભાઈ મારતે ઘોડે ઘેર ગયા.ભોજન લઈને પાછાં આવ્યા.ભોજન પતાવી આશીર્વાદ આપી મહારાજે ચલમ ભરી થોડા કસ ખેંચીને જશુભાઈને ધરી દીધી.જશુભાઈ આમેય બીડીના કસ તો ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય ગણાતા વ્યસનથી ટેવાયેલા હોઈ ખેંચતાં રહેતા.મહારાજની ચલમમાં કઈ જુદોજ આનંદ હતો.બસ લાગ જોઇને મહારાજે કહી દીધું કે બચ્ચા થોડે દિન યહી રહેના હૈ,બાદમે ચલા જાઉંગા.જશુભાઈએ સંમતિ આપી દીધી કે અપાઈ ગઈ કશું એમને જ સમજાયું નહિ.રાત્રે ઓરડીમાં સુવાની વ્યવસ્થા થઈ ગઈ.આખો દિવસ મહારાજ રામચરિતમાનસની ચોપાઈ ગાયા  કરતા.અને ચલમ ખેંચે રાખતા.જશુભાઈ પણ હવે નિયમિત આવતા થઈ ગયેલા.ભોજન પણ લેતા આવતા.આમેય હવે ઉનાળો પૂરો થવા આવેલો.કપાસ
વાવવાની તૈયારી કરવાની હતી.દર ઉનાળે બોરડીના જાળાં આખા ખેતરમાં વધી જતાં.તેમને
ખોદીને દુર કરવા પડતા.ખેતરમાં કામ હતું એટલે નિયમિત સવાર સાંજ આવવું પડતું.ઘણી વાર ગામથી ખેતર દૂર હોવાના કારણે સવારે આવતા તો સાંજે જ જતાં.કોઈ વાર અંધારું  પણ થઈ જતું.એવે ટાણે બપોરે જશુભાઈની દીકરી મંજુલા બપોરનું ભાતું લઈ આવતી.

**સોળ વરસની મંજુલા ભણવામાં કઈ ઉકાળી શકેલી નહિ.એસ.એસ.સી.માં નાપાસ થવાથી સ્કૂલમાંથી ઉઠાડી  મૂકેલી.ખેતરમાં અને ઘરકામમાં મદદ કરતી.કોઈ સારો વર મળી જાય તો પરણાવી ઠેકાણે પાડી દેવી એવું વિચારતા હતા.મંજુલા બહુ દેખાવડી તો નહોતી પણ શરીરે પણ દૂબળી પાતળી હતી.
**રામખિલાવન મહારાજ ધીમે ધીમે અહીં જામી પડ્યા હતા.જશુભાઈ એમના ભક્ત
બની ગયેલા.હવે બાપજીની ચલમ વગર ચાલતું નહોતું.એક અલગ ઓરડી પણ એમની બની ગઈ હતી.એના ઉપર ધજા પણ લાગી ગયેલી.ભક્તો પણ વધવા લાગેલા.મહારાજ સુંદર રીતે ચોપાઈ ગાતા,ધર્મ ધ્યાનની વાતો કરતા.કોઈના દુખ નિવારણ માટે પ્રયત્નો પણ કરતા.નાના મોટા આશીર્વાદ આપવાનું સામાન્ય હતું.એમાં અકસ્માતે કોઈનું કામ થઈ જતું તો એને બહેલાવી બહેલાવીને કહેવામાં આવતું.ભક્તોને ખાસ તો બાપુની ચલમ ફરતી ફરતી એમની પાસે ક્યારે આવે તેનું ખાસ ધ્યાન રહેતું.ઓરડી નાની પડતા બીજી મોટી ઓરડી પણ ચણાઈ ગઈ અને એની ઉપર “રામખિલાવન આશ્રમ” પણ લખાઈ ગયું.નવી ઓરડી વળી ભોંયરાની  સગવડવાળી બની ગઈ હતી.બાપજી સવારે ભોંયરામાં સાધના કરતા.ભોંયરામાં કોઈને પ્રવેશ નહોતો,ખાલી જશુભાઈ જઈ શકતા અને દીકરી મંજુલા સાફસફાઈ કરવા જતી.કોઈવાર આ લોકોના દેખાતા ઉટપટાંગ આસનો કરતા.જશુભાઈ પૂછે કુતૂહલ વશ થઈને તો કહેતા કે યોગ કરતા હું,ધ્યાન કરતા હું,સાધના કરતા હું.ભગવાન કે સાથ તાર જોડા રહા હું.
**જશુભાઈને ઓણસાલ વરસાદ સારો થવાથી કપાસ તો
સારો થયેલો,પણ શિયાળામાં કૂવામાં પાણી પણ સારું ચાલ્યું.એના કારણે ઘઉં અને થોડી
વરિયાળી પણ સારી થઈ.બધું બાપજીની સેવાને કારણે થયું એવું મન માનવા લાગેલું.બાપજીની ચલમ પીવાની અદ્ભુત આવડતથી  જશુભાઈ સંમોહિત હતા.એમના જેવો ચલમ ઉપર  ભડકો કોઈ કરી શકતું નહિ.જોકે તમાકુમાં ચરસ અને ગાંજો ઉમેરાતો તેનાથી બધાને એમની ચલમનું   વ્યસન થઈ ગયેલું.હવે બાપજીની ચલમ મફત ના પિવાય તેથી પૈસા પણ લોકો દાન તરીકે આપતા.રાત્રે શંકાસ્પદ માણસો આવતા.અને બાપજી જોડે ભોંયરામાં મંત્રણાઓ કરી ચાલ્યા જતાં.કોઈવાર રાતવાસો કરવા આવતા જશુભાઈને બાપજી ખુલાસો કરી લેતા કે મેરે ભક્તજન હૈ,દૂરસે આતે હૈ.ધીમે ધીમે જશુભાઈએ પણ રાતવાસો  કાયમનો કરી નાખેલો,એનું મૂળ પેલી ચલમ હતી.જશુભાઈને પણ ખબર તો પડી ગયેલી કે ચલમમાં ગાંજો હોય છે પણ હવે એનાથી છૂટવું નહોતું.આખો દિવસ ચમત્કારની વાતોમાં જશુભાઈ રમમાણ રહેતા.અનાયાસે બાપજીના એજન્ટ બની ચૂક્યા હતા.
**બાપજી કહેતા કે દેખ જશું થોડે દિનમેં યહાં તેરે ખેતમે પ્લેન
ઉતરેંગે.બહોત બડે નેતા લોગ આયેંગે.જશુભાઈ અહોભાવથી જોઈ રહેતા.બાપજી ફેંકવામાં નંબર એક હતા.જશુભાઈ અહોભાવથી મોહિત બની રહેવામાં નંબર એક હતા.એકવાર બાપજીએ જશુભાઈને કહ્યું અબ મંજુલા બેટીકો હમ યોગ શીખાના માંગતા હૈ.દેખના લોગ તેરી બેટીકે પાવ
પડેંગે.મુજે ઉસકા ભવિષ્ય બહોત ઉજ્જવળ દેખાઈ દેતા હૈ.લોગ ઉસે ગુરુમાઈ કહેકર
પુકારેંગે.જશુભાઈ તો ખુશ થઈ ગયા.મારા અહોભાગ્ય કે મારા ઘેર આવી દીકરી અવતરી.પહેલા
તો અભાગણી  કહેતા હતા.મંજુલાએ શરૂમાં તો કઈ શીખવું નથી કહી ના પાડી. પિતાનો
આદેશ અને મંજુલા ભોયરામાં યોગના આસનો શીખવા લાગી.દીકરી વહેલી સવારે આઠ વાગે ખેતરમાં હાજર થઈ જતી.શરૂમાં પિતાના દેખાતા બાપજી આસનો શીખવતા.પછી ધીમે ધીમે જશુભાઈને બંધ કર્યા કે હવે આગળની સાધનામાં કોઈની હાજરીથી વિક્ષેપ પડે.કલાક પછી બાપજી ઉપર આવી જતાં અને જશુભાઈને કહેતા જાવ બેટીકા દર્શન કરકે આવ કૈસા ધ્યાન લગ ગયા હૈ?ભગવાનકે સાથ તાર જૂડ ગયા હૈ.અવાજ મત કરના.જશુભાઈ નીચે જઈ આંખો બંધ કરી પદ્માસનમાં બેઠેલી બેટીને પગે લાગી આવી જતાં.અહોભાવમાં વધારો થઈ જતો.
**જેમ જેમ મંજુલાની સાધના આગળ વધતી જતી
હતી તેમ એનું રૂપ ખીલવા માંડ્યું હતું.શરીર પણ ભરાવા માંડ્યું હતું.મંજુલા હવે
શરીરનું ધ્યાન વધારે રાખતી થઈ ગઈ હતી.હોઠ પર લાલી પણ લગાવતી થઈ ગઈ હતી.જશુભાઈ વિરોધ કરતા તો બાપજી રોકતાં બચ્ચીકો મત ડાન્ટો સાક્ષાત્ જોગમાયા દીખતી હૈ.બાપજી આગળ જશુભાઈનું  કશું ના ચાલતું.પાછું સવારે સાધના પછી જશુભાઈ ધ્યાન મગ્ન દીકરીને પગે લાગી આવતા એટલે તે જે કરે બધું યોગ્ય લાગતું.સવારે હવે સાધનાનો દોર ભોંયરામાં લંબાએ જતો હતો..ઉપર આવીને બાપજી ચા પાણી કરતા.જશુભાઈ બધું તૈયાર રાખતા હતા.બાપજીની કાબરચીતરી મૂછો ને લાગેલો લાલ રંગ ચામાં ઓગળી જતો. જશુભાઈને એ રંગ દેખાતો નહિ.સીધા દોટ મૂકીને ધ્યાનસ્થ દીકરીને પગે લાગવા દોડી જતાં.
**આજે આશ્રમ ઉજ્જડ છે.રાજયોગ કે કામયોગ?વિચારતું સાક્ષી એવું ભોંયરું ખાલી પડી રહ્યું છે.”રામખિલાવન આશ્રમ” લખેલા પર કાળો કૂચડો ફેરવાય ગયો છે.જશુભાઈ વિલા મોઢે,આંખના ખૂણે એક અશ્રુ બિંદુ જાળવી એકલાં લીમડા નીચે બેઠાં હોય છે,જ્યાં પહેલીવાર બાપજી અવતરેલા.વહાલસોઈ દીકરી માટે હવે વર શોધવાની પળોજણ રહી નહોતી. રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી.એક શ્વાસે ચલમ ખેંચતાં ઉપર ભડકો થઈ જતો.
નોંધ:-મિત્રો સત્યઘટના ઉપર આધારિત વાર્તા છે.

34 thoughts on ““ચલમનો ભડકો””

  1. રાઓલજી.. બાપજીએ ભલે ભડકો કર્યો પણ તમે તો આજ ભડાકો કરી નાખ્યો! અમને લાગે છે કે- તમારા બ્લોગ પરથી એક એકથી ચડિયાતી વાર્તાઓ મળશે.
    આ વાર્તા ભલે સત્યઘટના પર આધારિત હોય પરંતુ વાર્તા પર ક્યાંય એનો ભાર નથી જણાતો. સત્ય ઘટના પર આધારિત છે એવું ન લખ્યું હોત તો પણ ચાલત! એ વાર્તા તરીકે ઊભા રહેવા માટે એને સત્ય ઘટનાના ટેકાની જરૂર નથી.
    શરૂઆત જ બળુકી છે! ને વાર્તા તુરત ગતિ પકડી લે છે. ખેતર વાતાવરણ વગેરેનાં વર્ણનો ક્યાંય બાધારૂપ નથી બનતાં. એ વાર્તાના દેહ માટે જરૂરી પણ હતાં. પાત્રને અનુરૂપ સંવાદો મુકાયા છે.
    બાપજીની કાબરચીતરી મૂછો ને લાગેલો લાલ રંગ ચામાં ઓગળી જતો.. વાહ! અવલોકન બોલે છે!!!
    મિત્ર તમે ઘણું ઓગાળી શક્યા છો! એ પણ યાદ રાખજો કે- ક્યારેક ન ઓગાળી દેવા જેવું પણ ઓઅગાળી દેવાની ભૂલ થઈ જાય! વાર્તામાં એ પણ કઠે! આ વાર્તામાં એવું થયું નથી.
    અંત ગમ્યો. છતાંય એમ લાગે છે કે- જશભાઈની મનો સ્થિતિ માટે થોડુંક વધારે લખાયું હોત તો તક હતી.
    વાર્તાની ઊંચાઈના પ્રમાણમાં ક્યાંક ક્યાંક નબળા શબ્દો ની પસંદગી થઈ ગઈ છે જે નો ભવિષ્યમાં ખ્યાલ આવતો જશે.
    શીર્ષક એકદમ યોગ્ય!!!! ચલમનો ભડકો… આ ભડકાએ અજવાળું અજવાળું કરી દીધું છે!
    અમને તો વાર્તા ગમી ગમી અને ગમી.

    Like

    1. યશવંત ભાઈ,
      આપ અમને જ્યાં જ્યાં નબળાઈ દેખાય ત્યાં જણાવતા રહેશો.જેથી એમાં ધ્યાન રહે અને સુધારી શકું.મને શ્રી સુબોધ શાહ સાહેબે આવી વાર્તાઓ લખવાનું સૂચવેલું હતું.પણ શારુ ક્યાંથી કરવું સમાજ પડતી નહોતી.સીધા લેખ કરતા વાર્તાઓ અચેતન મનને વધારે વલોવી નાખતી હોય છે.બસ આપ ભૂલો ખામીઓ જણાવતા રહેશો.ભડકો અને ભડાકા અમે કરતા રહેશું.ખૂબ આભાર.

      Like

  2. ‘વાડ જ ચીભડાં ગળૅ’ આ કહેવત બહુ જ જાણીતી છે. સંતો દ્વારા જ પ્રજાની અજ્ઞાનતા અને અણસમજનો ગેરલાભ ઉઠાવવાની ઘટનાઓ નવી નથી. ગુજરાતના કેટલાક સંપ્રદાયોમાં જો મહંત કે સાધુ(???) આંગણે આવીને ઉભા રહે તો તેમના સંતોષ માટે ઘરની સ્ત્રીઓ ભોગવવા આપવાનો રિવાજ ખુબ જ પ્રચલીત હતો (કે આજે પણ હોઇ શકે. કોને ખબર???)

    સ્ત્રીઓના જ શીલના રક્ષણ અર્થે સમાજસુધારક સહજાનંદ સ્વામીએ જાહેરમાં સ્ત્રી-પુરૂષ આચરણની કડક મર્યાદા બાંધી હતી. પણ આવા બાવાઓ તેને એક યા બીજા કરણથી લોપીને ભગવાને કલંકીત કરે છે. આવા ત્યાગીઓ (??????)થી સમાજ ચેતીને ચાલે તે જરૂરી છે.

    Like

    1. કૃતેશ્ભાઈ મૂળ વાત શરીરના ધર્મ ની છે.અબજો વર્ષથી કામ ભગવાને શરીરમાં મુકેલો છે.એને તમે ક્યારે ઇગ્નોર કરી ના શકો.જે લોકો સ્ત્રી સંગ નહિ કરતા હોય તે લોકો કૃત્રિમ ઉપાયો કરતા હશે.અને ચાન્સ મળે સ્ત્રીઓને ભોગવી લેતા હોય છે.મર્યાદા જરૂરી છે.સ્વતંત્રતા જરૂરી સ્વચ્છન્દતા નહિ.આભાર.

      Like

  3. સરસ પ્લોટ. શબ્દોનો ઉપયોગ, દોરની માવજતથી વાર્તા આસ્વાદ્ય બની છે. યશવંતભાઈ જવા વાર્તા લેખકના સહયોગથી એક-બે વાર ફરી લખાય અને ટેકનીકલી મઠારાય તો એક સરસ વાર્તા મળે એમ છે.

    Like

    1. ભાઈ બહુ સાચી વાત કરી.એકજ વારમાં લખીને મૂકી દીધી.બે ત્રણ વાર લખીને મઠારીને મૂકી હોત તો બહુ સરસ વાર્તા બની શકી હોત.સુચનો કરતા રહેશો.આભાર.

      Like

    1. સાચી વાત છે,પ્રવિણાબેન.લોકોએ હવે અંધ બનીને વિશ્વાસ રાખવાનું છોડી દેવું જોઈએ.આભાર.

      Like

  4. પ્રથમ પ્રયાસ પણ લાજવાબ… કદાચ ક્લાઈમેક્સ થોડો હજૂ માવજત થી લખી શકાયો હોત…. !!

    Like

    1. ડૉ સાબ,
      સાચી વાત છે,હવે આગળ ધ્યાન રાખીશું.હજુ તો વાર્તા લખવાનું શીખું છું.સુચન કરતા રહેશો.આભાર.

      Like

  5. દેખોતો…

    દેખો તો માનવી કેવાં કેવાં થયા

    કોઈ ગાંધી થયા કોઈ ગઝની થયા.

    સીધાસાદા હતા મામૂલી માણસો

    ખાઈને ઠોકરો મોટી હસ્તી થયા.

    ઇશ્વરની શોધમાં ચાલી તો નીકળ્યા

    આવ્યો ના હાથ તો બાવા ચલમી થયા.

    ઝાઝું જાણે છતાં એ પામ્યા ખાટલો

    મોંઘેરા વૈદ્યજી અંતે દર્દી થયા.

    બોલ્યાં જો સત્ય તો એની પામ્યાં સજા

    બીચારાં દર્પણો તૂટ્યાં જખ્મી થયાં

    Like

  6. Dear brother,
    when i stared reading the story i feared that i, and vikramsinh might appear in it. what a lovely story depicting age old truths . esspecially i admire the style. The end was stupendous , fantastic so abrubpt but saying what it wanted to say in few lines. Deep within the minds such things are always there if you agree, however we are living in a society and we have set certain norms and restrictions, we have to abide by them. I donot wonder reading this story but accept it as a matter of fact. A human error , lesser than molestation and rape. The sadhu happened to be more clever and cunning than ” Nityanand”. My blessings and love are always with you, Jai and happy christmas to you and to my bhatijas also.

    Like

  7. પ્રથમ અને આ દ્વિતિય વાર્તા,
    કોણ કહે છે પ્રતિભાવો ’નક્કામા’ હોય છે !
    ધુમાડો ધુમાડો થઇ ગયો !

    “બોલ્યાં જો સત્ય તો એની પામ્યાં સજા
    બીચારાં દર્પણો તૂટ્યાં જખ્મી થયાં” — ય.ઠ.
    જો કે ’કુરુક્ષેત્ર’માં દર્પણો ચાંદીએ મઢાવાય છે !

    Like

    1. અશોકભાઈ,
      પ્રતિભાવો નક્કામાં કદી ના હોય.એમાંથી રાહ મળતો હોય છે.યશવંતભાઈ સબળ વાર્તાકાર છે.એમની સલાહ સુચન યોગ્ય જ હતા.એમ ઘડાવાનું બનતું જાય.પહેલા લેખ પણ મારા જોઈએ તેવા નહોતા લખતા.મીતાબેનનું ઘણું માર્ગદર્શન મળ્યું છે.આપ સર્વેના પ્રતિભાવ ખૂબ સારા અને પુરક માહિતી જેવા હોય છે.બસ એમજ ઘડાતો જાઉં છું.આભાર.

      Like

  8. ખુબજ સરસ વાર્તા!!! વાર્તામાં દીકરીનો ઉલ્લેખ થયો કે મે અંત તરત જ કલ્પી લીધો અને અંત એવો જ નિકળ્યો!!! સ્ત્રી વગર કોઇને ચાલતું નથી. લોકોને ખબર જ હોય છે તેમ છતાં આવાં નાલાયક બાવાઓ અને બાપુઓની ચંગાલમાં ફસાયા જ કરે છે.. વાર્તા વિશે હું બીજુ તો કશુ ના લખી શકુ પણ એટલું ખરુ અંત સુધી રસ જળવાઇ રહ્યો. પ્લોટ સરસ અને વિવરણ પણ સારું એક જગ્યાએ વાંચેલું કે ટુંકી વાર્તામાં શરુઆતમાં જો દિવાલ પર બંદુક બતાવેલી હોય તો તે અંતમાં ફુટવી જોઇએ.. અહીં તમે જે ચલમનો ભડકો શરુઆતમાં બતાવ્યો.. એ છેલ્લે પણ મોટો ભડકો થયો.. અંતે જેમ ચલમને ઠેઠ સુધી તળિયાઝાટક ચુસી લેવાય એમ જશુભાઇને ઠેઠ સુધી બાપુએ ચુસી લીધ!!
    મને તો આ વાર્તામાં કોઇ પણ ભુલ દેખાતી નથી!! એકદમ પુર્ણ વાર્તા!!!
    અભિનંદન બાપુ તમને!!!

    Like

    1. ખુબ આભાર ભાઈ.દીકરીઓને સાધુઓથી દુર રાખવી સારી.ગુરુઓથી દુર રાખવી સારી.ખાસ તો જે ગુરુઓ અને સંતો સ્ત્રીઓના મુખ ના જોતા હોય તેમનાથી ખાસ દુર રાખવી.એવું મારું મનોવિજ્ઞાન કહે છે.

      Like

  9. બહુ સરસ.
    વાર્તા આરંભ થી અંત સુંધી જકડી રાખે છે. ભારત ની અતિ ધાર્મિક પ્રજા આ રીતે જ ઢોંગી બાબાઓ થી છેતરાય છે. અને જયારે તેમની અસલિયત છતી થાય છે. ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે. લક્ષ્મી સાથે લાજ પણ લુટાઈ ગઈ હોય છે
    ભગવા વસ્ત્રો પ્રત્યે ની આંધળી શ્રદ્ધા. અને હકીકત જાણ્યા પછી સમાજ માં બદનામી નો ભય માણસ ને વિચાર શૂન્ય કરી મુકે છે .

    Like

  10. આવા ગંજેરીઓ કેટલીએ મંજુલાઓના જીવનમાં ભડકા કરી ગયા છે ..કેટલાય જસુભાઈના જીવતરમાં ધૂળ પાડી ગયા છે ..છતાં ચલમના ભડકા હજુ પણ ચાલુ છે …આવી માનસિકતા સામે સમજાવટને પણ લાચાર થઈને ચુપ થઇ જવું પડે છે …ખૂબ જ સારી રીતે ,અને સત્ય આધારિત વાર્તા રજૂ કરાઈ છે ..

    Like

  11. બાપુ સાહેબ, સરસ વાર્તા.

    આરંભથી અંત સુધી જક્ડી રાખ્યા. પણ આ ગામ-ગામ ની વાત છે. સુરતનો એક આવો જ કીસ્સો થોડા વખત પહેલાં બહાર આવેલ. કોઇ વ્યક્તી કઇ હદ સુધી અંધ્ થઈ શકે તે તમે તાદશ ચીત્ર નિરૂપણ કરેલ છે. વીના કારણે ભગવાં પાછ્ળ જે અંધ રીતે લોકો સમર્પણ કરે છે તે બેહ્દ જોખમી છે.

    આભાર.

    Like

  12. વાહ..સત્યઘટના નો વિષય પણ સરસ અને રજુ કરવાની શૈલી પણ સરસ ..હવે આપ શબ્દો ના ઝવેરી થતા જાઓ છો..આવા કિસ્સા ના શિકાર થનારા ઓ કયારેક જ સમાજ માં પોતાની ભૂલ છતી કરે છે. આવા લંપટો ને તો તેને બનાવડાવેલી ગુફા માં જીવતે જીવતા દાટી દેવા જોઈએ..જેમ તેણે કરેલા “યોગ” ગુપ્તા રાખેલા તે પ્રમાણે તેને દાટી દેવા નું કાર્ય પણ ગુપ્ત જ રાખવા માં સમાજ નું તેમજ આવા ભોળા ઘેટા ઓ નું કલ્યાણ છે.

    Like

    1. આભાર ભાઈ. મૂળ તો મને વાર્તા લખવાની ફાવે નહિ, એમાં કલ્પનાના ઘોડાને ચાબુક મારવી પડે. આપણે બીજાને ચાબુક મારતા હોઈએ ત્યાં આપણી કલ્પનાને ક્યાં ચાબુક મારવી? બિચારીને વાગે નહિ??

      Like

  13. ખુબજ સુંદર શૈલી !

    આપનું શૈલી પરિવર્તન ખુબ આનંદ પ્રદ રહ્યું,
    સામાન્ય રીતે આપ સીધું ને સટ્ટ લાખો છો કે જે સમજે એને વાગે, બાકી એનાથી ભાગે.. જયારે આમાં તો વાગવા કરતા પણ હૃદય સોંસરવું ઉતરી ને પીડા કરાવે એવું સરસ આપે લખ્યું.

    આપણે પશ્ચિમ ની ભૌતીકતા ને કોસવામાં ક્યારેય ચુકતા નથી , પરંતુ આ દંભી અને અધકચરી આધ્યાત્મિકતા તો એનાથી પણ વધારે ખતરનાક છે, જસુ ભાઈ તો કદાચ અભણ હશે એમ માની લઇ આપણે, પણ જયારે ભણેલ ગણેલ લોકો , આવા સડયંત્રો નો શિકાર બને ત્યારે આપણે એમના પર દયા આવવા ને બદલે ગુસ્સો વધુ આવે છે.

    આના મૂળ માં રહેલા લાલચ, ભય , અજ્ઞાન , વહેમ, રાગ દ્વેષ બધા, એક બીજા માં એટલા ભળી ગયા છે કે કોઈ પણ એક ને કળી ને એનો ઉપાય કરવો અઘરો થઇ ગયો છે.

    ધન્ય છે આપના પ્રયત્નો ને , કોઈ એક આંખ ઉઘડશે તોય આપની મહેનત લેખે લાગી ગણાશે.

    Like

  14. બહુ સરસ.જો આપ ની અનુમતી હોય તો મારા પાક્ષિક ગુજરાત ગીતા માં પ્રકાશિત કરવા માંગું છું.મારા ઈ મેલ પર જવાબ આપવા વિનંતી..

    Like

  15. શ્રી ભુપેન્દ્રભાઈ,

    શું વાત છે ? આપનો ખુબ ખુબ આભાર. આજે ઘણા લોકો ની આંખ ઉઘડી જવા ની છે આ વાર્તારૂપી લેખ વાંચ્યા પછી.

    ખરેખર સત્ય શું છે ? એ સત્ય ની શોધ ખુબ જ જરૂરી છે. આ પ્રકાર ની વધારે વાત લખવા માટે વિનંતી.

    આપનો ખુબ ખુબ આભાર…….!!!!

    Like

  16. આ માત્ર એક જ જગ્યાની વાત નથી, દરેક જગ્યાએ આવું જ થાય છે, મળે છે માત્ર પસ્તાવો……

    यहां तो हाल हर शाख पे उल्लू बैठा है अंजाम -ए- गुलिस्ता क्या होगा

    આવા અસંખ્ય અનુભવો વાંચેલા હોવા છતાં સમયાંતરે આવા કિસ્સા જાણવા મળતા જ હોય છે,

    સાક્ષરતાને પણ દોષ આપાય તેમ નથી કા. કે. આવુ તો સાક્ષર અને ઊચ્ચ સમાજ માં પણ થતું હોય છે.

    Like

  17. બાપુ, વારતા કરી જાણી હો ! જશ રેખા તમારા હાથમાં છે ઈમ કલમમાંય છે. …..‘કુરુક્ષેત્ર’માં તો ધડબડધટી જ હોય એટલે લેખો દ્વારા તો બોલાવો જ છો તેમ કુરુક્ષેત્રે વારતાયું પણ હોય જ. મજા પડી, કે હવે આ નવો સ્વાદ પણ મળતો રહેવાનો.

    Like

  18. રાઓલજી.. બાપુ ભડાકો કરી નાખ્યો બાકી,, એકજ શ્વાસ માં વાર્તા પૂરી કરી નાખી પણ એમ થયું ક હજી થોડી વધારે લાંબી હોત તો મજા પડત,,,ખુબ જ રસદાર અસરદાર…
    પણ ખરેખર સમાજ માટે દીવાદાંડી સમાન,, ધર્મ અને ભાગવા ના નામે ચાલતા આવા ગોરખધંધા સામે હવે જાગવું જ રહ્યું

    Like

  19. બહુ સરસ.
    વાર્તા,,,,,, ભગવાં પાછ્ળ જે અંધ રીતે લોકો સમર્પણ કરે છે તે ભોળા (ke Lalchu?) ઘેટા ઓને,,, aa varta arapan…..sir bauj saras,,, ame to vachak chhiye etale lekhako ni jem su lakhvu jaruri htu ne su raigayu chhe evi to khbarj na pdi pan saruthi ant sudhiખૂબ ખૂબ સરસ, amne to tamara a chabuk jeva lekh vanchavani intejari kaayam raeh chhe.. અભિનંદન બાપુ તમને!!

    Like

Leave a comment