Category Archives: ટૂંકી વાર્તા

“ચલમનો ભડકો”

“ચલમનો ભડકો”
**રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી.ઊભી ચલમ મુખના એક ખૂણે લગાવીને સતત ગાંજાના કસ ખેંચતા રહેતા,બાજુના ખૂણે થી ધુમાડાના
ગોટે ગોટ નીકળતા રહેતા.એક શ્વાસે કસ ખેંચતા  ખેંચતા ચલમ ઉપર ભડકો થઈ જાય ત્યારે કસ ખેંચવાનું બંધ કરી,મીનીટો સુધી મુખમાંથી ધુમાડા કાઢે જતા.જોઇને આજુબાજુ બેઠેલા ભાવિક ભક્તો અહોભાવથી મંત્ર મુગ્ધ થઈ જતા.ઈડર પાસેના એક અંતરિયાળ ગામની સીમમાં જશુભાઈનું બાપીકું ખેતર હતું.ખેતરમાં એક કૂવો હતો.એમાંથી પાણી ખેંચવા એક ઇલેક્ટ્રિક મોટર મૂકેલી તેને સાચવવા ઓરડી બનાવેલી હતી.બાજુમાં એક નાનું  લીમડાનું વૃક્ષ હતું.રામખિલાવન મહારાજ આ લીમડા નીચે ક્યારે અવતર્યા કોઈને ખાસ ખબર નહોતી .આ વિસ્તારમાં ચોમાસામાં ખેતી થતી.શિયાળામાં ક્યારેક કૂવામાં પાણી સારું હોય તો થોડા ખાવા જેટલા ઘઉં પકવી લેવાતા.ઉનાળો સાવ સુક્કો ભંઠ પસાર થતો.કાળી પણ કાંકરાવાળી જમીનમાં કપાસ સારો થતો.ચોમાસામાં કઠોળ પણ સારું થતું.ઉનાળામાં કશું કામ નહિ હોય તો જશુભાઈ એકાદ અઠવાડિયું ખેતરમાં આવેલા નહિ.જ્યારે આવ્યા ત્યારે રામખિલાવન અહી લીમડા નીચે  બેઠાં બેઠાં ચલમના કસ ખેંચતા હતા.આધેડ ઉંમર,પાતળી ઊંચી દેહયષ્ટિ,કાબરચીતરી દાઢી,માથે એવીજ અંબોડી વાળેલી જટા,કાળો વાન.પહેલી નજરે બાવો આંખોને ગમે તેવો હતો નહિ.જશુભાઈ પણ વિચારતા હતા કે આ લપ અહી ક્યાં પેઠું?પણ મૂળ ધાર્મિક માણસ અને પહેરવેશનું માન જાળવવા રામ રામ બાપજી કર્યા.સામેથી પણ જવાબ મળ્યો જય રામજીકી.

‘બાપજી ક્યાંથી પધારવાનું થયું?’

‘સબ ભૂમિ ગોપાલકી,હમારે લિયે સબ જગા ભગવાનકી હૈ.’

‘બાપજી,હું તો ચાર દિવસથી આવ્યો નહોતો,આજે જ આવ્યો છું,ભોજન વગેરેનું શું  કર્યું?’

‘રામ ખિલાવે તો ખાના વરનાં ઉપવાસ સમજી લેવાના.મેરા તો નામ હી રામખિલાવન હૈ.’

**બાપજી હિન્દી મિશ્રિત ગુજરાતી બોલતા હતા.જશુભાઈને દયા આવી કે બાપજી મારા ખેતરમાં ભૂખ્યા બેઠાં છે,સારું ના કહેવાય.જોકે ગામ થી ખેતર ઘણું દૂર હતું પણ થાય શું?જશુભાઈ મારતે ઘોડે ઘેર ગયા.ભોજન લઈને પાછાં આવ્યા.ભોજન પતાવી આશીર્વાદ આપી મહારાજે ચલમ ભરી થોડા કસ ખેંચીને જશુભાઈને ધરી દીધી.જશુભાઈ આમેય બીડીના કસ તો ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય ગણાતા વ્યસનથી ટેવાયેલા હોઈ ખેંચતાં રહેતા.મહારાજની ચલમમાં કઈ જુદોજ આનંદ હતો.બસ લાગ જોઇને મહારાજે કહી દીધું કે બચ્ચા થોડે દિન યહી રહેના હૈ,બાદમે ચલા જાઉંગા.જશુભાઈએ સંમતિ આપી દીધી કે અપાઈ ગઈ કશું એમને જ સમજાયું નહિ.રાત્રે ઓરડીમાં સુવાની વ્યવસ્થા થઈ ગઈ.આખો દિવસ મહારાજ રામચરિતમાનસની ચોપાઈ ગાયા  કરતા.અને ચલમ ખેંચે રાખતા.જશુભાઈ પણ હવે નિયમિત આવતા થઈ ગયેલા.ભોજન પણ લેતા આવતા.આમેય હવે ઉનાળો પૂરો થવા આવેલો.કપાસ
વાવવાની તૈયારી કરવાની હતી.દર ઉનાળે બોરડીના જાળાં આખા ખેતરમાં વધી જતાં.તેમને
ખોદીને દુર કરવા પડતા.ખેતરમાં કામ હતું એટલે નિયમિત સવાર સાંજ આવવું પડતું.ઘણી વાર ગામથી ખેતર દૂર હોવાના કારણે સવારે આવતા તો સાંજે જ જતાં.કોઈ વાર અંધારું  પણ થઈ જતું.એવે ટાણે બપોરે જશુભાઈની દીકરી મંજુલા બપોરનું ભાતું લઈ આવતી.

**સોળ વરસની મંજુલા ભણવામાં કઈ ઉકાળી શકેલી નહિ.એસ.એસ.સી.માં નાપાસ થવાથી સ્કૂલમાંથી ઉઠાડી  મૂકેલી.ખેતરમાં અને ઘરકામમાં મદદ કરતી.કોઈ સારો વર મળી જાય તો પરણાવી ઠેકાણે પાડી દેવી એવું વિચારતા હતા.મંજુલા બહુ દેખાવડી તો નહોતી પણ શરીરે પણ દૂબળી પાતળી હતી.
**રામખિલાવન મહારાજ ધીમે ધીમે અહીં જામી પડ્યા હતા.જશુભાઈ એમના ભક્ત
બની ગયેલા.હવે બાપજીની ચલમ વગર ચાલતું નહોતું.એક અલગ ઓરડી પણ એમની બની ગઈ હતી.એના ઉપર ધજા પણ લાગી ગયેલી.ભક્તો પણ વધવા લાગેલા.મહારાજ સુંદર રીતે ચોપાઈ ગાતા,ધર્મ ધ્યાનની વાતો કરતા.કોઈના દુખ નિવારણ માટે પ્રયત્નો પણ કરતા.નાના મોટા આશીર્વાદ આપવાનું સામાન્ય હતું.એમાં અકસ્માતે કોઈનું કામ થઈ જતું તો એને બહેલાવી બહેલાવીને કહેવામાં આવતું.ભક્તોને ખાસ તો બાપુની ચલમ ફરતી ફરતી એમની પાસે ક્યારે આવે તેનું ખાસ ધ્યાન રહેતું.ઓરડી નાની પડતા બીજી મોટી ઓરડી પણ ચણાઈ ગઈ અને એની ઉપર “રામખિલાવન આશ્રમ” પણ લખાઈ ગયું.નવી ઓરડી વળી ભોંયરાની  સગવડવાળી બની ગઈ હતી.બાપજી સવારે ભોંયરામાં સાધના કરતા.ભોંયરામાં કોઈને પ્રવેશ નહોતો,ખાલી જશુભાઈ જઈ શકતા અને દીકરી મંજુલા સાફસફાઈ કરવા જતી.કોઈવાર આ લોકોના દેખાતા ઉટપટાંગ આસનો કરતા.જશુભાઈ પૂછે કુતૂહલ વશ થઈને તો કહેતા કે યોગ કરતા હું,ધ્યાન કરતા હું,સાધના કરતા હું.ભગવાન કે સાથ તાર જોડા રહા હું.
**જશુભાઈને ઓણસાલ વરસાદ સારો થવાથી કપાસ તો
સારો થયેલો,પણ શિયાળામાં કૂવામાં પાણી પણ સારું ચાલ્યું.એના કારણે ઘઉં અને થોડી
વરિયાળી પણ સારી થઈ.બધું બાપજીની સેવાને કારણે થયું એવું મન માનવા લાગેલું.બાપજીની ચલમ પીવાની અદ્ભુત આવડતથી  જશુભાઈ સંમોહિત હતા.એમના જેવો ચલમ ઉપર  ભડકો કોઈ કરી શકતું નહિ.જોકે તમાકુમાં ચરસ અને ગાંજો ઉમેરાતો તેનાથી બધાને એમની ચલમનું   વ્યસન થઈ ગયેલું.હવે બાપજીની ચલમ મફત ના પિવાય તેથી પૈસા પણ લોકો દાન તરીકે આપતા.રાત્રે શંકાસ્પદ માણસો આવતા.અને બાપજી જોડે ભોંયરામાં મંત્રણાઓ કરી ચાલ્યા જતાં.કોઈવાર રાતવાસો કરવા આવતા જશુભાઈને બાપજી ખુલાસો કરી લેતા કે મેરે ભક્તજન હૈ,દૂરસે આતે હૈ.ધીમે ધીમે જશુભાઈએ પણ રાતવાસો  કાયમનો કરી નાખેલો,એનું મૂળ પેલી ચલમ હતી.જશુભાઈને પણ ખબર તો પડી ગયેલી કે ચલમમાં ગાંજો હોય છે પણ હવે એનાથી છૂટવું નહોતું.આખો દિવસ ચમત્કારની વાતોમાં જશુભાઈ રમમાણ રહેતા.અનાયાસે બાપજીના એજન્ટ બની ચૂક્યા હતા.
**બાપજી કહેતા કે દેખ જશું થોડે દિનમેં યહાં તેરે ખેતમે પ્લેન
ઉતરેંગે.બહોત બડે નેતા લોગ આયેંગે.જશુભાઈ અહોભાવથી જોઈ રહેતા.બાપજી ફેંકવામાં નંબર એક હતા.જશુભાઈ અહોભાવથી મોહિત બની રહેવામાં નંબર એક હતા.એકવાર બાપજીએ જશુભાઈને કહ્યું અબ મંજુલા બેટીકો હમ યોગ શીખાના માંગતા હૈ.દેખના લોગ તેરી બેટીકે પાવ
પડેંગે.મુજે ઉસકા ભવિષ્ય બહોત ઉજ્જવળ દેખાઈ દેતા હૈ.લોગ ઉસે ગુરુમાઈ કહેકર
પુકારેંગે.જશુભાઈ તો ખુશ થઈ ગયા.મારા અહોભાગ્ય કે મારા ઘેર આવી દીકરી અવતરી.પહેલા
તો અભાગણી  કહેતા હતા.મંજુલાએ શરૂમાં તો કઈ શીખવું નથી કહી ના પાડી. પિતાનો
આદેશ અને મંજુલા ભોયરામાં યોગના આસનો શીખવા લાગી.દીકરી વહેલી સવારે આઠ વાગે ખેતરમાં હાજર થઈ જતી.શરૂમાં પિતાના દેખાતા બાપજી આસનો શીખવતા.પછી ધીમે ધીમે જશુભાઈને બંધ કર્યા કે હવે આગળની સાધનામાં કોઈની હાજરીથી વિક્ષેપ પડે.કલાક પછી બાપજી ઉપર આવી જતાં અને જશુભાઈને કહેતા જાવ બેટીકા દર્શન કરકે આવ કૈસા ધ્યાન લગ ગયા હૈ?ભગવાનકે સાથ તાર જૂડ ગયા હૈ.અવાજ મત કરના.જશુભાઈ નીચે જઈ આંખો બંધ કરી પદ્માસનમાં બેઠેલી બેટીને પગે લાગી આવી જતાં.અહોભાવમાં વધારો થઈ જતો.
**જેમ જેમ મંજુલાની સાધના આગળ વધતી જતી
હતી તેમ એનું રૂપ ખીલવા માંડ્યું હતું.શરીર પણ ભરાવા માંડ્યું હતું.મંજુલા હવે
શરીરનું ધ્યાન વધારે રાખતી થઈ ગઈ હતી.હોઠ પર લાલી પણ લગાવતી થઈ ગઈ હતી.જશુભાઈ વિરોધ કરતા તો બાપજી રોકતાં બચ્ચીકો મત ડાન્ટો સાક્ષાત્ જોગમાયા દીખતી હૈ.બાપજી આગળ જશુભાઈનું  કશું ના ચાલતું.પાછું સવારે સાધના પછી જશુભાઈ ધ્યાન મગ્ન દીકરીને પગે લાગી આવતા એટલે તે જે કરે બધું યોગ્ય લાગતું.સવારે હવે સાધનાનો દોર ભોંયરામાં લંબાએ જતો હતો..ઉપર આવીને બાપજી ચા પાણી કરતા.જશુભાઈ બધું તૈયાર રાખતા હતા.બાપજીની કાબરચીતરી મૂછો ને લાગેલો લાલ રંગ ચામાં ઓગળી જતો. જશુભાઈને એ રંગ દેખાતો નહિ.સીધા દોટ મૂકીને ધ્યાનસ્થ દીકરીને પગે લાગવા દોડી જતાં.
**આજે આશ્રમ ઉજ્જડ છે.રાજયોગ કે કામયોગ?વિચારતું સાક્ષી એવું ભોંયરું ખાલી પડી રહ્યું છે.”રામખિલાવન આશ્રમ” લખેલા પર કાળો કૂચડો ફેરવાય ગયો છે.જશુભાઈ વિલા મોઢે,આંખના ખૂણે એક અશ્રુ બિંદુ જાળવી એકલાં લીમડા નીચે બેઠાં હોય છે,જ્યાં પહેલીવાર બાપજી અવતરેલા.વહાલસોઈ દીકરી માટે હવે વર શોધવાની પળોજણ રહી નહોતી. રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી.એક શ્વાસે ચલમ ખેંચતાં ઉપર ભડકો થઈ જતો.
નોંધ:-મિત્રો સત્યઘટના ઉપર આધારિત વાર્તા છે.