માનવ જાતનું મહાભિનીષક્રમણ કોયડા ઉકેલે છે “Genes”!!!!!

Dr spencer wells

                                                                                                                                                                                                   The great migration
       આ પૃથ્વી પર જાત જાતના માનવ સમૂહો વસે છે. રંગ રૂપ જુદા જુદા છે. ભાષાઓ પણ જુદી જુદી છે. કોઈ એકદમ કાળા તો કોઈ એકદમ ધોળા. દરેક માને છે કે તેઓ વિશિષ્ટ પ્રજા છે. હિટલર જર્મન પ્રજાને શુદ્ધ આર્યન સમજતો હતો. આપણે ભારતીયો પણ મહાન પૂર્વજોના સંતાનો છીએ તેવું માનીએ છીએ. લગભગ દેવોના દીકરાઓ. યુરોપનાં ગોરા લોકો પોતે પોતાને મહાન સમજે છે. કાળા લોકો નીચા છે એમના માટે. સફેદ ચામડી જોઈ આપણે પણ પ્રભાવિત થઇ જઈએ છીએ. અને એમાંજ ટચુકડા ઇંગ્લેન્ડના મુઠ્ઠીભર અંગ્રેજોના ગુલામ બની રહ્યા. લોહીનું એક ટીપું તમામ કોયડા ઉકેલે છે. કોણ હતા આપણાં પૂર્વજો?કાળા, ગોરા, યુરોપિયન, રશિયન, જર્મન, બ્રીટીશર, ચાઇનીઝ હોય કે મહાન ભારતીયો દરેકના પૂર્વજો એક જ છે. “સાન બુશ મેન” હાજી દક્ષીણ આફ્રિકાના કલહારી રણપ્રદેશના રહેવાસી આખી દુનિયાના વંશ વૃક્ષનું મોટું થડ છે.
      
માંનવ લોહીના એક ટીપામાં છુપાયો છે દુનિયાનો સૌથી મોટો ઈતિહાસ. સ્ટેનફોર્ડ યુની કેલીફોર્નીયાના પ્રોફેસર લુકા વર્ષોથી દુનિયાના લોકોની ફેમીલી હિસ્ટ્રી જાણવા રીસર્ચ કરી રહ્યા હતા. છ મહાખંડના લગભગ છ અબજ લોકોમાંથી મોટાભાગે દરેક માનવ સમૂહના જીન્સનો અભ્યાસ કરવામાં આવ્યો. પ્રોફેસર લુકાના વડપણ હેઠળ જેનેસિસ્ટ ડો સ્પેન્સર વેલ્સની ટીમે વારંવાર ચકાસી ને આફ્રિકા થી શરુ થયેલી માનવ જાતની મહામુસાફરીના રહસ્યો શોધી કાઢ્યા. સાન બુશમેન લોકોએ એમના લોહીમાં છુપાવી રાખેલા ઈતિહાસના છુપા રહસ્યોનો તાગ મેળવી લીધો.
         *
આપણે હોમો ઈરેક્ટસના સીધા વારસદાર હોમોસેપિયન માનવ જાત છીએ. આશરે એક લાખ વર્ષથી હોમોસેપિયનના સીધા વારસદાર છે આ સાન બુશમેન. આખી દુનિયા થી અલિપ્ત રહેતા આ સાન બુશમેન બેસ્ટ શિકારી છે. અને શિકારી જીવન હજુ આજે પણ જીવે છે. કોઈ પણ પ્રાણીના પગલા ઓળખવામાં એમના જેવી કાબેલિયત બીજી કોઈ જાતમાં નથી. ભાષા બહુ અટપટી ચીજ છે. દુનિયાની લગભગ દરેક ભાષાઓ એક બીજા સાથે સંલગ્ન હોય છે. સંસ્કૃતના શબ્દો લેટીનમાં પણ જોવા મળે. પીટર એટલે પિતર, માતર એટલે મધર, ભ્રાતા એટલે બ્રધર. પણ આ સાન બુશમેન સૌથી અલગ ભાષા બોલો છે, એને ક્લિક લેન્ગવેજ કહેવામાં આવે છે. આપણે જીભને તાળવા સાથે ચોટાડીને જે અવાજ કાઢીએ તેવી.
      
*ડી.એન.એ.વિષે આપણે સહુ હવે જાણી ચુક્યા છીએ. Y અને X ક્રોમોસોમ વિષે પણ જાણીએ છીએ. X સાથે Y મળે તો છોકરો પેદા થાય ને X સાથે X મળે તો છોકરી પેદા થાય. હવે આ સત્ય થી કોઈ અજાણ્યું નથી. આ Y અને X  દરેક સંતાનને એના માતા  પિતા તરફ થી ફેરફાર વગર વારસામાં મળે છે. કોઈ કારણસર  આ જીન્સમાં નજીવો ફેર થાય છે એને મ્યુટેશન કહેવામાં આવે છે. મોટો ફેરફાર થાય તો ગર્ભ રહે નહિ, પણ નજીવો ફેર ચાલી જાય. આ જે નજીવો ફેર થયો છે એને માર્કર કહે છે વિજ્ઞાનની ભાષામાં. હવે મૂળ જીન્સ સાથે આ ફેરફાર, માર્કર પણ દરેક પાછળ પેદા થતી પેઢીમાં વિના ફેરફાર સાથે ટ્રાન્સફર થાય છે. હવે આગળની પેઢીમાંના જીન્સમાં પાછો કોઈ માર્કર થયો તો એ જીન્સમાં બે માર્કર થયા. તો પાછળની દરેક પેઢીમાં આ બે માર્કર તો હોવાના જ. એમ સમયે સમયે જીન્સ માં માર્કર વધતા જાય છે. અને દરેકે દરેક માર્કર સાથે નવી પેઢીઓ પેદા થતી જાય છે. અને એમજ માનવ જાત રંગે રૂપે જુદી પડતી જાય છે. હવે સમજ્યા લોકો જુદા જુદા કેમ દેખાય છે? વૈજ્ઞાનિક પરિભાષામાં કહીએ તો જીન્સ માં રહેલી  A.C.G.T.સિક્વન્સનો અભ્યાસ કરવામાં આવે છે. માર્કર થતા આ સિક્વન્સમાં ફેરફાર થાય છે. બસ આ જીન્સમાં રહેલા માર્કરના રિસર્ચે બધા રહસ્યો ખોલી નાખ્યા છે. ડો સ્પેનસર વેલ્સે માર્કરની રીવર્સ મુસાફરી કરી અને પહોચી ગયા છેક કલ્હારીના રણ વિસ્તારમાં રહેતા સાન બુશ મેનના જીન્સ પાસે. આ હતું માનવજાતના વંશવૃક્ષનું મેઈન થડિયું.
        
*આશરે ૫૦ થી ૬૦ હજાર વર્ષ પહેલા આફ્રિકાના આ બુશ મેનના પરદાદાઓએ મુસાફરી શરુ કરી અને આખી દુનિયામાં ફેલાઈ ગયા. અને એમના રંગરૂપ પણ બદલાઈ ગયા. કોઈ થયા ગોરા કોઈ થયા બુચિયા(ચીનાઓ), કોઈ થયા કાળા તો કોઈ થયા ઘઉંવર્ણનાં. પણ આ લોકો અહીંથી નીકળ્યા કેમ?૭૦ થી ૫૦ હજાર વર્ષ પહેલા હિમયુગ ચાલતો હતો. એના લીધે ખોરાકની તકલીફ પડવા લાગી ને સર્વાઈવ થવા એક નાનકડી ટોળકી નીકળી પડી. દરિયાના લેવલ નીચા જતા રહેલા. એટલે યમનના દરિયા કીનારે થી માનવસમૂહ પહોચ્યો મિડલ ઇસ્ટમાં. એક બ્રાંચ સીધી દક્ષીણ ભારત થઇ વાયા ઇન્ડોનેશિયા સીધી ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ. યુરોપ કરતા પહેલા માનવો ઓસ્ટ્રેલીયા પહોચી ગયેલા. કોઈ અર્કીયોલોજીકલ પુરાવા મળતા નહોતા કે માનવ આફ્રિકાથી ૬૦૦૦ માઈલ દુર સીધો સમુદ્ર વાટે ઓસ્ટ્રેલીયા કઈ રીતે પહોચી ગયો? અને તે પણ ૪૫ કે ૫૦ હજાર વર્ષ પહેલા? વચ્હે કોઈ કડી મળતી ના હતી. બુશમેનના જીન્સમાં થયેલો માર્કર સીધો ઓસ્ટ્રેલીયાના  આદીવાસીમાં? વચ્ચે ની કોઈ પ્રજાના જીન્સ માં આવો કોઈ માર્કર મળવો તો જોઈએ ને?
       
*ડો સ્પેન્સર આવ્યા મદ્રાસ. તામીલનાડુમાં મદુરાઈ યુનીના પ્રોફેસરના સહયોગમાં રીસર્ચ શરુ થયું. મદુરાઈ જીલ્લાના એક અંતરિયાળ ગામના ૭૦૦ લોકોના લોહીના નમુના ચેક કરવામાં આવ્યા. ૫૦ હજાર વર્ષ પહેલા જીન્સમાં થયેલા માર્કરની શોધ ચાલી રહી હતી. બીજા ૩૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. અને ડો સ્પેન્સરને મિસિંગ લીંક મળી ગઈ. ૫૦ હજાર વર્ષ પહેલા આફ્રિકન બુશમેનના જીન્સમાં થયેલો અકસ્માત ફેરફાર જે ઓસ્ટ્રેલીયન આદિવાસીમાં હતો તે માર્કર(C to T) ભાઈ વિરુમાંડીના જીન્સમાં મળ્યો. હા તો આફ્રિકાથી મુસાફરી શરુ થઇ પહોચ્યા ઓસ્ટ્રેલીયા વાયા દક્ષીણ ભારત. દક્ષીણ ભારતીયો મૂળ ભારતીયો કહેવાય. અને રંગે રૂપે કેમ ઉત્તર ભારતીયો થી જુદા પડે છે? પછી સમજાશે. થોડી ધીરજ રાખો.
          
*માનવ સમૂહની એક શાખા મિડલ ઇસ્ટથી ભારત થઇ ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ, આ થઇ દરિયા કિનારાની મુસાફરી. તો બીજી શાખા મિડલ ઇસ્ટ થઇ વાયા મધ્ય એશિયાથી ચીન બાજુ ગઈ. એક ચીનની ઉત્તરે ગઈ તો બીજી ચીનની દક્ષીણે થઇ ને જાપાન સુધી ગઈ. દુનિયાની બાકીની તમામ માનવ શાખાઓ મધ્ય એશિયાથી ફેલાઈ છે. એ હિસાબે મધ્ય એશિયા એ માનવજાતના ઉછેરની નર્સરી કહેવાય. અફઘાનિસ્તાન થી ઉત્તરમાં રહેલા કાઝાખીસ્તાન થઇ ને માનવ પહોચ્યો યુરોપ. ફ્રાંસમાં પહેલવહેલી એક ગુફા મળી તેમાં ચિત્રો દોરેલા હતા જે લગભગ ૪૦ હજાર વર્ષ જુના છે. જેમાં મેમથ જાતના હાથી, બાયસન અને જંગલી ઘોડા દોરેલા છે. આમાંનું કોઈ પ્રાણી આફ્રિકન નથી કે નથી મિડલ ઇસ્ટનું રહેવાસી. આ બધા ઠંડા પ્રદેશોના પ્રાણી છે. બરફ વર્ષામાં ટેવાએલા. આફ્રિકાના વિશાલ સહારાના રણે માનવો ને સીધા યુરોપમાં જતા રોક્યા. તો યુરોપ પહોચતા માનવોને ઓસ્ટ્રેલીયા કરતા ૧૦ હજાર વર્ષ મોડું થયું.
          
*ટ્રોપિકલ પ્રદેશના લોકો વધારે ડાર્ક છે. કુદરતી સનક્રીમ ભગવાને એમની ચામડી પર લગાવ્યું છે, એ છે મેલેનીન. મેલેનીન ચામડી પર વધારે તેમ ચામડી વધારે કાળી. એનાથી સૂર્યના હાનીકારક કિરણો થી બચી જવાય. ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો ઠડીમાં રહેતા હોવાથી ચામડી સીધી સૂર્ય કિરણોની અસરમાં આવતી નથી. કારણ ઠડીથી બચવા કપડા વધારે ને પુરા પહેરવા પડે છે. અને ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના સીધા કિરણો ઓછા પડે. એટલે ધીરે ધીરે ચામડીનો કલર પણ બદલાઈ જાય. જોકે કલર બદલાતા ૫૦૦૦ વર્ષ તો લાગે. જોકે નવા ગ્લોબલ જમાનામાં તો શ્વેત અશ્વેત લગ્ન કરે તો કલર બદલાતા વાર ના લાગે.
         *
કાઝાખીસ્તાનના ૨૦૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. શોધવો હતો માર્કર જે યુરોપની પ્રજામાં હતો, જે ૪૦ હાજર વર્ષ પહેલા થયો હતો. નીયાજો કે નિયાજી નામના માણસમાં આ માર્કર મળ્યો જે યુરોપિયન તો ઠીક રશિયન, અમેરિકન, ચાઇનીઝ અને એશિયન સાથે ભારતીય લોકોના જીન્સમાં રહેલા માર્કર પણ આ ભાઈના જીન્સમાં મળ્યા. માટે આ ભાઈલો જેનેટિક જાયન્ટ છે. હવે વૈજ્ઞાનિકોને સમજાઈ ગયું કે મધ્ય એશિયા માનવખેતીની નર્સરી છે.
         
*આર્યો પણ મધ્ય એશિયાથી ભારતમાં આવેલા. ભારતીય લોકોના જીન્સમાં રહેલો માર્કર પેલા નીયાજોમાં મળે છે. તે પહેલા માનવો દક્ષીણ ભારતમાં પહોચી ચુકેલા હતા. એટલે ઉત્તર ભારતીયો થી દક્ષીણ ભારતીયો જુદા પડે છે. પાતળાં લાંબા નાક ને મોટા કપાળ ને વાન જરા ગોરો એવા ઉત્તર ભારતના લોકો ને અથડામણો થઇ દક્ષીણ ભારતના ડાર્ક કલરની ચામડી ધરાવતા લોકો સાથે. આ થયો દેવાસુર, સુર અસુર  સંગ્રામ. કાલ ક્રમે સંગ્રામ બંધ થયા ને બંને પ્રજા એક થઇ ગઈ. મંદિરો ની અને આશ્રમો ની સંસ્કૃતિ એક થઇ ગઈ. દક્ષિણમાં ધકેલી દેવાયેલા અને રાજ કરતા બલિરાજા પાતાળમાં રાજ કરતા કહેવાયા. એક બીજાના ધર્મ પણ એક થઇ ગયા. એક બીજાના દેવો ને ભગવાન પણ એક થઇ ગયા. યજ્ઞો ઓછા થયા ને મંદિરો વધતા ગયા. દક્ષીણ ભારતમાં ગરમી વધારે પડે ત્યાં લાકડા સળગાવી યજ્ઞો કોણ કરતુ હોય ભલા? ત્યાં તો ભગવાન મંદિરમાં એ.સી માં રહેતો હોય. મધ્ય એશિયાની ઠંડીમાં આર્યો ને લાકડા સળગાવી રાખવા પડે. એટલે દરેકના ઘરમાં યજ્ઞ કુંડી રાખવી પડે. એમાં શેકીને ખોરાક ખાવાનો તે થયો હવન. એમાં પશુ પણ હોય ને અનાજ પણ હોઈ શકે. હવે મધ્ય ભારતની સખત ગરમીમાં પણ મુરખો લાકડા સળગાવી ભરઉનાળે ને ભર બપોરે પરસેવે રેબઝેબ થઇ, યજ્ઞો કરી, પ્રદુષણ વધારી, મોંઘા ભાવનું ઘી વેડફી, પુરાણી સંસ્કૃતિ સાચવવા દુખ વેઠી રહેલા જોઈ હસવું કે રડવું?
           
*હવે ડો સ્પેન્સર પહોચ્યા મોસ્કોથી ૫૦૦૦ માઈલ દુર ઉત્તરે આર્કટીક સર્કલની નજીકના ગામમાં. હવામાન સારું થયું પછી હજુ તો બીજા ૪૦૦ માઈલ ઉત્તર ધ્રુવ પ્રદેશ માં પહોચવાનું હતું. આર્કટીક સર્કલની અંદર ૧૨૦ માઈલ ચુ ચી લોકોનો એક નવ માણસોનો કેમ્પ હતો. એમાં રહેતો માણસ નેટીવ અમેરીક્ન્સના જીન્સમાં રહેલો માર્કર ધરાવતો હતો. ચુ ચી લોકોના હાથપગ ટૂંકા, ધડ પણ ટૂંકું. કેમ કે જેટલું બોડી સરફેસ ઓછું તેમ શરીરની ગરમી બહાર જવાના ચાન્સ ઓછા. આ હતા નેટીવ અમેરિકન, બ્રાઝીલીયન, માયન અને ઇન્કા લોકોના પૂર્વજો. રેન્ડીયર નામનું પ્રાણી આ લોકોનું જીવન. એનું માંસ ખાવાનું ને એના ચામડાના કપડા પહેરવાના. ઠંડી થી બચવા આખો દિવસ એક્ટીવ રહેવાનું. આખો દિવસ કઈને કઈ ખાયા કરવાનું ને પાણી કે કોફી કે પ્રવાહી પણ પીતાં રહેવાનું. હિમયુગ વખતે દરિયાના લેવલ નીચા જતા રહેતા જમીન ખુલ્લી થતા. સાયબેરીયાં ને ઉત્તર ધ્રુવ પ્રદેશ ને અલાસ્કા વચ્ચે રસ્તો ખુલ્લો થતા આ ચુ ચી લોકોના પૂર્વજો અલાસ્કા થઇ અમેરિકામાં આવી ગયા ફક્ત ૧૫૦૦૦ વર્ષ પહેલા. અને નોર્થ અમેરિકા થી સાઉથ અમેરિકા જતા થયા ૮૦૦ વર્ષ.
        
*તો આ હતું માનવ જાતનું મહાભિનીષક્રમણ, ગ્રેટ માઈગ્રેશન. છતાં આ હોમોસેપિયન માનવ સમૂહ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પહોચે તે પહેલા યુરોપના ઠંડા પ્રદેશોમાં નીનેન્ડરથલ નામના આપણાં પિતરાઈઓ રહેતા હતા. પણ હોમોસેપિયન વધારે હોશિયાર ને બ્રેન વાપરવાવાળા જીતી ગયા ને પેલા લોકોનો નાશ થઇ ગયો.
     
*તો ભાઈઓ હવે કોની સામે લડવાનું?
       છેતો બધા આપણાં ભાઈઓ જ.
       તો પછી લડીશું કોની સામે?
       હવે બીજા કોઈ છે જ નહિ, તો ભાઈઓ સામે જ લડવાનું ને?      

San Bushmen

15 thoughts on “માનવ જાતનું મહાભિનીષક્રમણ કોયડા ઉકેલે છે “Genes”!!!!!”

  1. બહુ સરસ લેખ. રસપ્રદ અને જાણવા જેવો.

    ચાલો ભાઈઓ સાથે લડવાનું બંધ કર્યું. પણ ભાઈઓ લડવા આવે તો માર ખાધા કરવો કે કેમ ? આ મુળ બુશમેનને જરા અમારા વતી પુછી આપજોને.

    Like

    1. શ્રી અતુલભાઈ,
      બધાજ ભાઈઓ હોય,છતાં લડવાની વૃત્તિ જાય નહિ માટે પછી ભાઈઓ સાથે લડવાનું.માર તો ખવાય નહિ.છતાં ભારતીયોએ માર ખાધા સિવાય બીજું શું કર્યું છે?ગુપ્ત સમ્રાટોએ લગભગ ૭૦૦ વર્ષ સીમાડા સાચવ્યા.સિકંદર પણ ફાવેલો નહિ.બસ પછી પડતી શરુ થઇ.સિકંદર ના દૂત સેલ્યુકસ ની દીકરી હેલન સાથે ચંદ્ર ગુપ્ત ના લગ્ન થયેલા.અને આ પરદેશી ગ્રીક બાઈએ સાડી ની શોધ કરેલી એવું કહેવાય છે.એ પહેલા કંચુકી અને ઉપવસ્ત્ર પહેરાતા હતા.ગુપ્ત સમ્રાટો નું પતન થયું પછી ધીરે ધીરે ભારત નું પણ પતન થતું ચાલ્યું.

      Like

      1. શ્રી ભુપેન્દ્રસિંહજી,
        જેમ જેમ શોધો આગળ વધતી જશે તેમ તેમ સાચા આધ્યાત્મિક દ્રષ્ટાઓ અને વૈજ્ઞાનિકો એક થતા જશે તેમ લાગે છે જેમ કે સ્વામી વિવેકાનંદનું આ વાક્ય:- “બળ એ જ જીવન છે અને નિર્બળતા એટલે મૃત્યુ”

        Like

  2. હજી ઘણું સંશોધન માગી લે છે. અને ઘણા નવા સવાલો ઉત્પન્ન થાય તેના જવાબો પણ સંતોષકારક મળવા જોઇએ.

    ગોરીલા, ચીંપાન્ઝી અને ઉરાંગઉટા ના જડબા એકબીજાથી જુદા પડે છે અને નીગ્રો, ઈન્ડો આર્યન અને મોંગોલીયન જાતી સાથે વધુ મળતા આવે છે. હોમોસેપીયનના પણ ઘણા (કમસેકમ ચાર સ્ટેજ હતા. અને તેનું પ્રથમ સ્ટેજ ઓલ્ડુવાઇ મેન કહેવાય છે તેના અશ્મિ ઑસ્ટ્રેલીયામાંથી મળી આવ્યા છે. જે દશલાખ વર્ષ જુના છે.) આ જુનામાં જુનો સાચો માણસ હતો. તે પછીનું પણ એક સ્ટેજ હોવું જોઇએ પણ તે ગુમ છે.સૌથી જુનું હોમોસેપીયન આશરે પાંચ લાખ વર્ષ સ્વાનસ્કોમ્બ મેન જે કેન્ટ ઇંગ્લેન્ડમાં થી મળી આવેલ જેનું ડેટીંગ ૭લાખ વર્ષ છે.આ પછીનું પણ એક સ્ટેજ હોઇ શકે છે અને તે ગુમ છે.

    હિમ યુગ જો પચાસ પંચોતેર હજાર વર્ષ ઉપર આવ્યો હોય અને તે વખતે ખોરાકની શોધમાં મનુષ્યના પૂર્વજોએ સ્થાનાંતર કર્યું હોય તો તેનો ઉપરોક્ત અશ્મિઓસાથે મેળ ખાતો નથી. કારણકે મનુષ્યનો પૂર્વજ ઘણો વહેલો ઑસ્ટ્રેલીયા અને યુરોપ પહોંચી ગયેલો. વળી હિમયુગ જો આવ્યો હોય તો તે પૃથ્વી ઉપર આવ્યો હોય. કોઇપણ યુગમાં વિષુવવૃત્ત તરફથી દૂર જતાં જઇએ તેમ તેમ સૂર્યના કિરણો ત્રાંસા થતાં જાય તેમેતેમ ત્યાં વિષમ વાતાવરણ થતું જાય. અને શિત કટિબંધ વધુ જ ઠંડો બને એટલે બરફનો થર વધુ જ હોય. તેથી કોઈ જમીન ખુલ્લી થવાનો સવાલ ઉત્પન્ન થતો નથી.

    કાળી ચામડી અને ધોળી ચામડીને સૂર્યના કિરણોથી કેટલી બચાવવામાં આવે છે તેના ઉપર આધાર છે. અને પછી રંગદ્રવ્યોની સક્રીયતામાં ફેરફાર થાય છે જે પછી આનુવંશિકતામાં પરિણમે છે. ઠંડા પ્રદેશના લોકો પણ લાંબા અને વિશાળ હોઇ શકે અને ગરમ પ્રદેશના લોકો પણ લાંબા અને વિશાળ હોઇ શકે. હબ્સી લોકો લાંબા અને કદાવર હોય છે. પીગ્મી લોકો ઠીંગણા હોય છે. બંને નીગ્રો જ છે.

    સુર અસુર ના સંગ્રામ ને માનવજાતના સંશોધનાત્મક મહાભિનિસ્ક્રમણ સાથે કંઇ લેવા દેવા નથી.
    જેઓ દેવોને સુરા (સોમરસ) હોમતા હતા તે લોકો સુર કહેવાયા. જેઓ સુરા હોમતા ન હતા તેઓ અસુર કહેવાયા. પણ આ અસુરો પછી સુરા હોમતા થયા એટલે તેઓ સુર કહેવાયા. બીજી એક વાત એમ પણ છે કે જેઓ સ્પષ્ટ સુર કાઢી સકતા ન હતા તેઓ અસુરા કહેવાયા. અને તેમને હરાવીને ખદેડી મુકાયા. આ બંને વાત સાચી હોઇ શકે. કારણકે સ્પષ્ટ ઉચ્ચારવાળી ભારતીય ભાષાઓ છે. અને અસ્પષ્ટ ઉચારો વાળી યુરોપીય ભાષાઓ છે. અને પશ્ચિમથી આવતા અસુરોનો ઉલ્લેખ જુના પુરાણોમાં અવારનવાર આવે છે. અસુર, દૈત્ય, રાક્ષસ અને દાનવ એ બધા તદન જુદા છે. પણ નવા પુરાણોએ (અથવા કહોકે ઈશુપછીની સદીઓમાં થયેલા પુરાણોના પ્રક્ષેપકોએ) અને મધ્યયુગના બાવાઓએ અને તે પછી પાશ્ચાત્ય ઈતિહાસકારોએ તેને સમાન અર્થી શબ્દોમાનીને ભાંગરો વાટ્યો છે. તે બધા અક્ષમ્ય છે.

    મનુષ્ય ત્રણ રીતે સ્થાન ફેર કરે છે. ઍગ્રેસન, માઈગ્રેસન અને ડીફ્યુઝન. એગ્રેસન માં અમુક લોકોનું જ સ્થાનાંતર થાય છે. હજારો વર્ષ પહેલાં ગ્રીક લોકોએ ભારત ઉપર આક્રમણ કરેલું. પણ ગ્રીક લોકો હજુ ગ્રીસમાં જ છે. અને ભારતીય ભારતમાં જ છે. ભારતીય રાજાઓ ઈશુની સદીની શરુઆતસુધી ઈરાન સુધી રાજ કરતા હતા. છતાં પણ ઈરાની પ્રજાનું સંમિશ્રણ નગણ્ય છે.

    માઈગ્રેસન કુદરતી કે માનવસર્જિત આફતોથી થાય છે જે એક જ તબક્કે થાય છે. આ માટે ધરતિકંપ કે બીજી કોઈ હોનારત સમજી શકાય છે. જેમકે ધરતી સરસ્વતી નદીની સંસ્કૃતિ જે પશ્ચિમ અને દક્ષિણ તરફ આગળ વધી. અને હાલ તુર્તનો દાખલો આપવો હોય તો ઉત્તર ભારતીયોનું પશ્ચિમ અને દક્ષિણ તરફનું પ્રયાણ છે. જોકે આ ડીફ્યુઝન હજારો વર્ષ જુનું છે. અને આ બે તરફી છે. યાદવો પાંચ હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં આવેલા. અને સરસ્વતી સંસ્કૃતિના માનવ ગણ, ભૃગુ, અગસ્ત્ય, વિશ્વામિત્ર અને વશિષ્ઠના વંશજો તેની પણ પહેલાં ઉત્તર તરફ ગયેલા.

    ડીફ્યુઝન એ સૌથી ધીમી પ્રક્રિયા છે. જે બહુ ધીમે ધીમે થાય છે. જેમકે રાજસ્થાનીઓનું પૂર્વ અને દક્ષિણમાં પ્રસરણ. ગુજરાતીઓનું મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં પ્રસરણ. ડીફ્યુઝન મોટેભાગે વેપાર અને હુન્નરના વિસ્તારને અનુલક્ષીને થાય છે.

    Like

    1. ઘણું જાણવા મળે છે આવી વાતોથી. અસુર માટે એક આવી વ્યાખ્યા પણ છે. જેમાં “અસુ” એટલે પ્રાણ અને “ર” એટલે રમણ કરનાર. એટલે કે જે માત્ર પ્રાણના સુખમાં જ રમણ કર્યા કરે છે તેને અસુર કહેવાય.

      Like

    2. શ્રી દવે સાહેબ,
      વિજ્ઞાન માં પણ મત મતાંતર તો રહેવાના.આ ગ્રેટ માઈગ્રેશન ક્યારે શરુ થયું તેના સમય વિષે જુદા જુદા મત છે.કોઈ ૮૦૦૦૦ વર્ષ પહેલા થયું હતું તેમ માને છે.પણ જીન્સ ના માર્કર ના રીસર્ચ વિષે કોઈ ને શંકા નથી.જીન્સ માં થતા મ્યુટેશન થી જાતિઓ અલગ અલગ ગુણ ધર્મો ધરાવતી બનતી હોય છે,છતાં વાતાવરણ આબોહવા ના લીધે પણ કાળક્રમે બદલાવ આવતા હોય છે.રશિયાના કોકેશિયન ઊંચા હોય છે,મેં એક રશિયન છોકરીઓ ની બાસ્કેટ બોલ ની ટીમ જોઈ હતી.એક પણ છોકરી ૬ ફૂટ થી નીચી નાં હતી.પણ ધ્રુવ પ્રદેશ ની અંદર રહેતા ચુ ચી લોકો ક્યારેય ઊંચા ના હોય.પિગ્મી લોકોને કોઈ મ્યુટેશન નીચા કરી ગયું હશે.પાકિસ્તાન માં એક આખું ગામ એવું છે જેના તમામ રહેવાસીઓ ના માથે વાળ જ નથી.ત્યાં જન્મ પામતા કોઈ પણ બાળક ને વાળ ઉગતા નથી.સુર અસુર ની વાત મેં અસ્થાને કરીજ નથી.કારણ એક મત એવો છે કે આર્યો બહાર થી આવ્યા નથી.અહીના જ છે.અને માનવ આફ્રિકા થી નીકળી ભારત પહેલા પહોચી ગયેલો તે પણ હકીકત છે.એટલે જયારે આર્યો એટલે કે માનવો બીજી વાર આવ્યા ત્યારે ભારત,ત્યારે ઓલરેડી માનવો અહી રહેતા હતા.એમના રંગ રૂપ બિહામણા જોઈ એમને રાક્ષસો માન્યા હશે.આપે વધારે માહિતી માટે યુ ટુબ પર મુકેલી “જર્ની ઓફ મેન” અને “સ્ટોરી ઓફ ઇન્ડિયા” આ બે ડોક્યુમેન્ટ્રી જોવી રહી.દેવ દાનવો,સુર અસુર,રાક્ષસ,દૈત્ય ની વ્યાખ્યાઓ બધી શબ્દો ની રમતો છે.

      Like

    1. મીતાબેનાશ્રી.
      ફક્ત ચાર જ શબ્દોમાં અભિપ્રાય?એકાદ વરસ પહેલા મેં એક ડોક્યુમેન્ટ્રી જોએલી,”જર્ની ઓફ ધ મેન”.એના પરથી આ લેખ રચાયો છે.આપને એ જોવી હોય તો યુ ટુબ પર મુકેલી છે ૧૩ ભાગ માં.પણ મારી આટલી મહેનત ને ફક્ત ચાર શબ્દો?બેન મારા આતો અન્યાય કહેવાય.

      Like

      1. મીતાબેનાશ્રી.
        બીજું કહુતો બધા વાચકો સુજ્ઞ હોતા નથી.એ મારો જાત અનુભવ છે.મને એમ કે દિવ્યભાસ્કર ના વાચકો સુજ્ઞ હશે તેમ માની અભિપ્રાય લખતો હતો.પણ મારો કહેવાનો અર્થ કોઈ સમજ્યું નહિ.કદાચા પુરો લેખ પણ વાંચ્યો નહિ હોય.અને મને ખુબ ગાળો પડી હતી માંસાહાર ના લેખ વિષે.મને ખાતરી છે કે એમાંનો કોઈ બચ્ચો મારી સામે ઉભો પણ રહી ના શકે,જો પ્રત્યક્ષ આવવાનું હોય તો..પણ દિવ્યભાસ્કર માં નામ વગર અને ઈમેલ વગર ઓળખ છુપાવીને ગમેતેમ લખી ગયા.એટલે હું મારા વાચકો ખરેખર સુજ્ઞ હોય તેમને સુજ્ઞ કહેવાનો મને હક છે.બીજું ઘણા વાચકો એમની સુજ્ઞતા ફક્ત વિરોધ કરવામાં જ વાપરતા હોય છે.જોકે એમાંથી પણ ઘણું જાણવા મળે છે.જોકે મારા તો તમામ વાચકો સુજ્ઞ,વિદ્વાન અને જ્ઞાની છેજ એમાં કોઈ શક નથી.

        Like

        1. અમુક લોકોને માત્ર કોઇપણ રીતે વિરોધ કરવામાં જ રસ હોય છે. સાચું જાણ્યા કે સમજ્યા વિના જ વિવાદમાં ઉતરી પડતાં હોય છે.વિવાદનો સાચો અર્થ જાણ્યા વગર તેમને તો તેમની જ વાત સાચી ઠરાવવામાં જ રસ હોય છે.એથી જ તેમની એટલી હિંમત પણ નથી હોતી કે સામે આવી સમજણપૂર્વકનો વિવાદ કરે.

          તમારા બીજા વાચકો તો સાચે જ સુજ્ઞ અને વિદ્વાન છે જ. મેં તો ફક્ત મારા પૂરતું જ કહ્યું હતું. બાકી તમારો હક્ક તો ખરો જ.

          Like

      2. તમારો લેખ વાંચ્યો ખૂબ જ સરસ લાગ્યો. મેં પણ આ માઇગ્રેશન વિશે એક પ્રોગ્રામ જોયેલો ખાસ યાદ નથી. પણ તમારો લેખ વાંચ્યા પછી લાંબો પ્રતિભાવ આપવો શક્ય નહોતો. મારું PC રીસાઇ ગયું છે. બીજા કમ્પ્યુટર પરથી તમારો લેખ વાંચ્યો. એટલે ટૂંકો પ્રતિભાવ અને તે પણ અંગ્રેજીમાં આપ્યો છે. બાકી આવો અન્યાય કરાવાનો કોઇ ઇરાદો નહોતો. હવે તમે જણાવ્યા પ્રમાણે યુ ટ્યૂબ પરથી ડોક્યુમેન્ટરી ચોક્કસ જોઇશ. સાચી વાત છે તમે ખૂબ મહેનત કરીને આટલો રસપ્રદ લેખ લખ્યો છે અને સાવા ચાર શબ્દો ન ચાલે. બીજી સાચી વાત એ પણ કે સાયન્સ વિશે જાણવું ગમે છે, પણ પ્રતિભાવ આપવા માટે તમારા જેટલું જ્ઞાન પણ હોવું જરૂરી છે.

        Like

  3. એક જ મુળના લોકો જુદી જુદી જગ્યાએ ગયા અને ત્યાના વાતાવરણ મુજબ પોતાની પ્રકૃતિમાં ફેરફાર કરતા ગયા. વનસ્પતિઓમાં એવો નિયમ હોય છે કે તે જેવી આબોહવામાં ઉછરવા ટેવાયેલી હોય તેનાથી વિપરીત આબોહવામાં ઉછરી શકતી નથી. પણ પ્રાણીઓ વધારે વિકસિત હોવાથી નવી નવી આબોહવાને અનુરુપ પોતાની જીવનશૈલિ વિકસાવી લે છે. આ ઉપરાંત સમયે સમયે જે તે સમાજમા મહાપુરુષો ઉત્પન્ન થયા તેમણે સમાજને વધુ સુગ્રથિત કરવાનો પ્રયાસ કર્યો અને તે મહાપુરુષોનું પુજન કરવાનું શરુ થઈ ગયું. વળી પોતાના જ મહાપુરુષો શ્રેષ્ઠ છે તેવું બતાવવા માટે આ સમુદાયોએ બીજા લોકો ઉપર જે તે મહાપુરુષોની વાતો ઠોકી બેસાડવાનું શરુ કર્યું અને આમ શારિરિક યુદ્ધ ઉપરાંત સહુ કોઈને પોતાની માન્યતા મુજબ જ વિચાર કરતા કરવા માટેનું વૈચારિક અથવા તો ધાર્મિક યુદ્ધ શરુ થયું જે આ શારીરીક યુદ્ધ કરતા અનેક ગણું ખતરનાક છે. આ ઉપરાંત જુદી જુદી પ્રજાઓએ પોતાના સમુહો બનાવી અને જે તે પ્રદેશ ઉપર કબજો જમાવ્યો અને તે પ્રદેશમાંથી સામુહિક રીતે કુદરતી સંપત્તિનો ઉપભોગ કરવાનું શરુ કર્યું અને પોતાના રહેઠાણો બનાવ્યાં. હવે આ પ્રજાઓના સમુહોએ એક્બીજા પ્રદેશની પ્રજાઓ ઉપર હકુમત જમાવવા માટે પોતાની શક્તિનું પ્રદર્શન શરુ કર્યું. અને આમ દેશાભીમાનીઓ પ્રગટ થયા. ટુંકમાં આ બધી જ પ્રજાઓ એક જ મુળમાંથી ઉત્પન્ન થઈ હોવા છતા તેની ભૌગોલિક આબોહવા, માન્યતાઓ, મહત્વાકાંક્ષાઓ અને રુઢીઓ મુજબ જુદી જુદી લાગે છે અને તેમ છતાં તેના મુળમા તો એક જ Gene રહેલું છે. આમાં જે શક્તિશાળી હોય તે વિજયી થાય છે અને જે નબળા હોય તે પરાજીત થાય છે. માટે નબળાઓએ માર ખાધા ન કરવો પડે માટે નીતીઓની વાતો શરુ કરી અને નબળા લોકોના સમુહો ભેગા થઈને બળવાનોને કાં તો વિનંતી કરવા લાગ્યા અથવા તો સામુહિક રીતે તેમનો સામનો કરવા લાગ્યા. તેમાં જ્યારે જ્યારે બળવાન અને વિચારશીલ પ્રજાઓ જીતી ત્યારે તેને લાગ્યું કે બીજાઓ જીવે તો કશો વાંધો નથી પણ તેને પોતાને માટે કામે લગાડ્વા જોઈએ એટલે આ બળવાન પ્રજાઓએ બીજાને ગુલામ બનાવવાનું શરુ કર્યું. વળી આ ગુલામો ગુલામી માંથી ત્રાસ્યા એટલે તેમણે બળવો કરીને ગુલામીની ઝંઝીરો ફેકી દીધી. આમ શરીરના, વિચારોના, આચારના, સમુહોના, પ્રદેશોના એવા કેટકેટલા ખ્યાલો ઉમેરાતા ગયા અને રમત ચાલતી રહી. હવે આ રમતનો કોઈ છેડો છે કે આમ જ રમતા રહેવાનું છે તે સમજાતુ નથી. હજુ અવકાશમાં ઘણી જગ્યાઓ છે અને ત્યાં પહોંચીને નવા રહેઠાણો અને નવી સંસ્કૃતિઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને જો તેમાં સફળતા મળે તો વળી રમત માટે નવા મોટા મેદાનો પ્રાપ્ત થાય અને રમતમાં કાઈક નવીનતા આવે. “બુશમેનની જય હો”

    Like

    1. શ્રી અતુલભાઈ,
      એકદમ પરફેક્ટ વિશ્લેષણ.ખરેખર આ સાયન્સ ની વાત છે.પંદર વર્ષ રીસર્ચ કરેલું છે.ચેક અને ડબલ ચેક આખી દુનિયા ના માનવ સમૂહો નું કરેલું છે.મહા મુસાફરી શરુ ક્યારે થઇ એના વિષે મત મતાંતર છે.પણ જીન્સ ના સંશોધન વિષે કોઈ અલગ મત નથી.ભારત માં બે વાર માનવ સમૂહો આવ્યા છે.પહેલા આવ્યા તે દક્ષીણ ભારત માં રહી ગયા છે.આપણી વાત સાથે ૧૦૦% સંમત છું.

      Like

  4. મીત્ર, આપે આટલી જલ્દી પાંચ દસ હજાર વર્ષની પોલ ખોલી નાખી.

    આમાં પૃથ્વીરાજ ચૌહાણ અને મુહમદ ગોર તો ભાઈ ભાઈ થઈ ગયા એટલું જ નહીં શીવાજી અને સાહીસ્તખાન કે ઔરંગઝેબ પણ ભાઈ ભાઈ થઈ ગયા. અલ્લાઉદીન ખીલજી, ચીતોડનો રાવલ રતન સીંહ અને રાણી પદમણી તો ખરેખર ભાઈ બહેન હતા.

    ચાર વેદ, બધા ઉપનીષદો અને મહાભારતની ભગવદ ગીતાનું ટેસ્ટ થશે એટલે રામ મંદીરનું ડીડવાણું ખબર પડી જશ કે રામ અને બાબર તો ભાઈ ભાઈ હતા.

    જય હો અમારા પુડષા દાદા સાન બુશ મેન એટલે કે સામજી બસીર મેર અથવા દેવા હરખા વોરા એટલે સાન બાપા. જય હો. જય હો. જય હો. મીત્ર આપે અમારા પુડષા દાદાની ઓળખાણ કરાવી આપી એ બદલ આભાર, આભાર.

    Like

  5. લોહીનું એક ટીપું તમામ કોયડા ઉકેલે છે.
    ખુબ જરુરી માહિતિ માનવના મૂલ વિષે અને ઐક્ય સાધ્વામાં સહાયક બની રહેશે..
    છતા માન આપસમા લડે ભેદભાવ રાખે તે દુખદાયક છે,…
    માનવો માનવ ઉપર જ્યા ધર્મશત્રુ થૈ ધસ્યા
    મુજ વતનના આસમાને ગીધના ટોળા ઉડ્યા

    Like

Leave a reply to atuljaniagantuk Cancel reply