सत्यमेव जयते नानृतं

सत्यमेव जयते नानृतं
सत्यमेव जयते नानृतं, આ ત્રણ શબ્દો મંડૂક ઉપનિષદનાં એક શ્લોકનાં છે. આનો અર્થ એ થાય કે સત્યનો વિજય થાય છે, જે સત્ય ના હોય તેનો નહિ. નાનૃતં શબ્દમાં ઋત શબ્દ સમાયેલો છે. ઋત નો અર્થ સત્ય થાય છે. ઋતનો બીજો અર્થ ઋતુ એટલે કે સીઝન પણ થાય છે. ઋતુઓ બદલાઈ જાય છે કાલચક્ર પ્રમાણે તેમ સત્ય પણ બદલાઈ જતું હોય છે. મંડૂક એટલે મસ્તક. આખો શ્લોક વાંચવો છે?
सत्यमेव जयते नानृतं सत्येन पंथा विततो देवयानः।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र सत्सत्यस्य परमं निधानम्॥
અર્થાત સત્યનો વિજય થાય છે, જે સત્ય ના હોય તેનો નહિ. સત્ય વડે દેવયાન માર્ગ પરિપૂર્ણ છે. તેના દ્વારા કામના રહિત ઋષિગણ તે પરમપદને મેળવતા હોય છે, જ્યાં સત્યના શ્રેષ્ઠ ભંડાર રૂપ પરમાત્માનો  નિવાસ છે.
પહેલો સવાલ તો એ છે કે સત્ય કોને માનવું? આ સત્ય જડે તો સમજ પડે કે કોનો વિજય થાય છે. આપણને જે સત્ય લાગતું હોય તે બીજાને ના પણ લાગે. તો પછી સત્ય કોને સમજવું? સત્ય જડ્યા વગર ભારત સરકારે રાષ્ટ્રીય એમ્બ્લમ નીચે આ શ્લોકના પ્રથમ બે શબ્દો મૂકીને લોકોને એક આભાસી દિલાસો આપી દીધો છે કે ચિંતા ના કરો સત્યનો હંમેશા વિજય થાય છે, તે પણ આશરે ૮૦૦ વર્ષની ગુલામી બાદ. સરકાર ચલાવતા નેતાઓ કહ્યે જાય છે કે સત્યનો વિજય થાય છે ચિંતા નાં કરો અમને પૈસા સ્વીસ બેન્કોમાં મૂકવા દો તમતમારે મજૂરી કરે રાખો. આત્મા પરમાત્માની વાતો બાવાઓ, બાપુઓ  અને સંતો મહંતો  માટે બાજુ પર રાખીએ આપણે સત્યમેવ જયતે શો વિષે જોઈએ.
સત્યમેવ જયતે ટીવી શોમાં આમીરખાન કોઈ નવા મુદ્દા લાવ્યો નથી. વર્ષોથી આ બધી બદીઓ ચાલુ જ છે. એમાં કોઈને કશું ખોટું લાગતું નથી. જેને અસર થાય કે પીડા થાય કે સહન કરવાનું આવે તેને અસત્ય લાગે, બાકી બીજાને સત્ય લાગતું હોય છે. શાસ્ત્રોએ શીખવ્યું છે કે દીકરાથી વંશ રહે. શાસ્ત્રો પુરુષોએ લખ્યા છે. એટલે કન્યા ભૃણ હત્યા કરનારાને એમાં કશું ખોટું દેખાતું નથી. દહેજ લેનારને દહેજ લેવામાં સત્ય દેખાતું હોય છે. દહેજ માટે વહુને પરેશાન કરવામાં સાસુમાને એમાં ગૌરવ જણાતું હોય છે, પરેશાન થનારી વહુને ભલે અસત્ય લાગે. ગર્ભ પરીક્ષણ ચાલુ થયા ત્યારે તો હું કદાચ ટીનેજર હતો, આજે ૫૫ થયા છે. ત્યારની કન્યા ભૃણ હત્યાઓ ચાલુ જ છે. જોયાનું ઝેર છે આમીરે આ ઝેર ટીવીના પડદે બતાવ્યું છે. આપણી બીમારીઓ આપણે જોઈ શકતા નથી અને જોવી ગમતી નથી. બીમારીઓ બતાવનારાઓને નેગેટિવ થીંક કરે છે, પોજીટીવ નથી, પોજીટીવ બનવું જોઈએ, સારું ઘણું છે સારી બાબતો બતાવવી જોઈએ, બીજા દેશોમાં પણ આવું ચાલતું હોય છે ત્યારે કેમ કહેતા નથી, બીજા ધર્મોમાં પણ ચાલે છે, બીજા સમાજોમાં પણ ચાલે છે, બીજા સામાજો વિષે લખી જુઓ ટાંટિયા ભાગી નાખશે,  આવા જાતજાતના એક્સક્યુઝ કાઢવામાં આવતા હોય છે. મૂળે રોગીષ્ટ છીએ અને રોગ દુનિયા જાણી જાય છે તેની શરમ આવે છે. સારું છે તેને ગાવાની શું જરૂર છે? સારુ તો આગળ વધતું જ રહેવાનું છે, પહેલું કામ બીમારી જોવાનું કરવું જોઈએ જેથી રોગનો નાશ કરી શકાય. હમણાં એક અંગત સંબંધીને JFK  હોસ્પિટલમાં દાખલ કરેલા. એમને એક જ કીડની છે અને તે બરોબર કામ કરતી નહોતી. આખું બોડી ચેકપ થઈ ગયું. જે અંગો સારા હતા ને બરોબર કામ કરતા હતા તેની ડોકટર્સ કોઈ ચર્ચા કરતા નહોતા. જે અંગ બીમાર જણાયા તેની પાછળ પડી ગયેલા. ચાર પાંચ જુદા જુદા સ્પેશીયાલીસ્ટ રોજ આવતા હતા. છ દિવસે ઘેર જવાની રજા મળી. મેં મારા તે સંબંધીને કહ્યું પણ ખરું કે આ ડોક્ટર્સ નેગેટિવ થીન્કર છે, પોજીટીવ નથી. તમારું હાર્ટ સારું ચાલે છે તેની કોઈ ચર્ચા કરતા નથી. લીવર અને કિડનીની જ ચિંતા કરે છે, બગડેલી વસ્તુની ચિંતા કરે છે. સારી વસ્તુઓ પણ જોવી જોઈએ ને? એ સંબંધીએ હસતા હસતા કહ્યું આ બધા તમારા જેવા છે.
મોટો પ્રશ્ન એ પણ છે કે શો બનાવનારો આમીર ધર્મે મુસલમાન છે. કોઈ અમિતાભ  બચ્ચન , ઋત્વિક રોશને કે અક્ષયકુમારે આ શો બનાવ્યો હોત તો??એટલે હવે નવો નારો શરુ થયો કે બુરખા પર આમીરે શો બનાવવો  જોઈએ. બુરખો પહેરવામાં કોની હત્યા થઈ? કોઈ બુરખો પહેરવાની નાં પાડે અને તેની હત્યા ભારતમાં કરવામાં આવે તો આમીરે ચોક્કસ બતાવવું જોઈએ. બુરખો પહેરવાથી શું એબોર્શન થઈ જાય છે? કે સળગી જવાય છે? બુરખો પહેરાવવા માટે બળજબરી થતી હોય અત્યાચાર થતા હોય તો ચોક્કસ ખોટી વાત છે. સ્ત્રીઓનું બચપણમાં ધાર્મિક બ્રેઈન વોશિંગ કરવામાં આવે તો બુરખો એમના શોખથી પહેરતી હોય છે. હું અહીં મારા યુરોલોજીસ્ટ ડૉક્ટર પાસે જાઉં છું ત્યાં એમની દીકરી આધુનિક જીન્સ અને ટોપ સાથે માથે એક પણ બાલ નાં દેખાય તે રીતે માથું ઢાંકીને ફડફડાટ સ્પેનીશ અને ઇંગ્લીશમાં રિસેપ્શન કાઉન્ટર સંભાળતી હોય છે. હું પહેલીવાર અમેરિકા આવ્યો  ત્યારે પ્લેઇનમાં અમારી સાથે સ્વ. શમ્મીકપૂર, એમના ધર્મપત્ની અને આફતાબ શિવદાસાની હતા. શમ્મીકપુરના શ્રીમતીજી એ સાડી બરોબર માથે કવર કરીને રાખેલી હતી.
ઘણી સ્ત્રીઓની ખૂદની ઇચ્છા હોય છે કે તેમને પેટે દીકરો અવતરે. લગભગ સ્ત્રીને દીકરો જોઇતો હોય છે અને પુરુષને દીકરી વહાલી લાગતી હોય છે. આમ ઘણી બધી ગર્ભવતી માતાઓની પણ કન્યા ભૃણ હત્યામાં સંમતિ હોય છે. એમને પણ દીકરો જોઇતો હોય છે. માતા પણ સીધી સાદી ઓરત  છે એના પણ ગમા અણગમા હોય છે. એવરેજ માતાઓને દીકરો વધારે વહાલો હોય છે અને એવરેજ બાપને દીકરી વધુ વહાલી હોય છે. આવા અનેક  મુદ્દાઓ  આમીર ચાતરી ગયો છે. સમય ઓછો પડતો હશે કે ઘણા બધા મુદ્દા નાહક  વિવાદ જગાવી કોર્ટોના ચક્કર મારતો કરી દે તેવા હોવાથી જાણી જોઇને છોડી દીધા હશે. ભારતમાં ભણવાથી કોઈ એજ્યુકેટેડ બની જતું નથી. ભણવાથી કોઈ નૈતિક બની જતું નથી. માટે ડોક્ટર્સ અને તે પણ મહિલા ડોક્ટર્સમાં મુખેથી જે સંભાળવા મળ્યું તેમાં કોઈ નવું નથી, બીજી આશા પણ શું રાખી શકો? પૈસા માટે આ દેશનો કહેવાતો ઉચ્ચ ગણાતો નાગરિક ગમેતેટલી નીચી કક્ષાએ ઊતરવા તૈયાર છે તે સ્ટીંગ ઓપરેશનમાં જોઈ લીધું ને? અને તે પણ ભણેલા ડોક્ટર્સ અને જેને લોકો ભગવાન માનતા હોય તેવા, એમાં પાછી મહિલા ડોક્ટર્સ.  કહેવાતા ભગવાનોએ આ દેશનું સત્યાનાશ વાળી નાખ્યું છે.
પણ અહીં રિવાજ છે કે બીમારીઓ ગરીબોને માથે નાખી દો. અભણનાં માથે નાખી દો. કોઈ પણ પ્રશ્ન આવે કે પહેલો ઉત્તર એ હોય કે એજ્યુકેશનનો અભાવ છે માટે આવું થાય છે. ગરીબો પાસે કે અભણો પાસે દહેજ આપવા કે માંગવા જેટલી હેસિયત હોય ખરી?? ઑર્થોપેડિક સર્જન જ એના ભણતરનો ખર્ચ  કાઢવા દહેજ માંગે ને? અંધશ્રદ્ધાની વાત આવે કે ગરીબો અને અભણોને સુધારો. સચિનની ધરમ પત્ની પોતે ડૉક્ટર છે. એક હાથ ચાલાકી  કરતા જાદુગરમાં ગાંડો થતા રોકતી  નહિ હોય? નાં રોકે, પોતે પણ માનતી હશે. ભણતર અહીં ટેકનીકલ નૉલેજ છે જે ફક્ત કમાણીનું સાધન માત્ર છે, કોઈ માનસિક ચેતના ઊર્ધ્વ કરવાનો માર્ગ નથી. ઉચ્ચ ડિગ્રી કોઈ નૈતિકતાની ગેરંટી નથી. નાની નાની અંધશ્રદ્ધાઓ દૂર કરવાની કથા કરનારા મોટી અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે. એમને કહેવાતા ભણેલાઓની અંધશ્રદ્ધા દેખાતી હોતી નથી કે આંખ આડા કાન કરતા હોય છે. ગરીબો વળી ક્યાં ગુરુ પૂનમે લાઈન લગાવી ઉભા રહેવાના હતા?
બાળકોનું જાતીય શોષણ ધાર્મિક સંસ્થાઓમાં ખૂબ થતું હોય છે. પણ એ બધું બહાર આવવું મુશ્કેલ. કોણ કહેવાનું? ક્યાંક  કોઈ કિસ્સા બહાર આવે તો ધાર્મિક સંસ્થાઓના આર્થિક રખેવાળો બધી વાત દબાવી દેવા પુષ્કળ પૈસા વાપરી નાખતા હોય છે. નાની ઉંમરના સંન્યાસીઓ જ્યાં રહેતા હોય ત્યાં ૧૦૦ ટકા બાલ સંતો અને સાધ્વીઓનું જાતીય શોષણ મોટા સંતો અને મુનિઓ કરવાના જ તે હકીકત છે. બ્રહ્મચર્યની બકવાસ અવૈજ્ઞાનિક માન્યતાઓએ અને નાની ઉંમરમાં સંન્યાસ આપવાની પ્રથાએ આ દેશના બાળકોને જીવતા દોજખમાં ઝીંકી દીધા છે. નાના બાળકોનું જાતીય શોષણ સગાવહાલાઓ દ્વારા વિશેષ થતું હોય છે. આત્મજ્ઞાનના ભારતને ચડેલા આફરાએ નાના બાળકોને પણ સંડોવી દીધા છે.  જે નાના બાળકોને સામાન્યજ્ઞાનની સમજ ના હોય તેને આત્મજ્ઞાનને રવાડે ચડાવી દેવા મૂર્ખામી નહિ તો બીજું શું? ભલભલાં પંડિતોને આત્મજ્ઞાન શું છે, સમજ નથી પડતી. જે નાના બાળકનું બચપણમાં જાતીય શોષણ થયું હોય તે મોટો થઈને બીજા બાળકનું જાતીય શોષણ કરવા પ્રેરાય પણ ખરો. એવા બાળકો મોટા થઈને ગે બની જવાની પણ શક્યતા છે. બચપણની પીડા જુવાનીમાં આનંદ અર્પતી પણ થઈ જાય. માનસ વિકૃત બની જવાની પૂરી શક્યતાઓ છે. ચાલો આમીરે બતાવેલા યુવાન હરીશે બીજી ચેનલ પર ગે હોવાનું કબૂલ્યું છે, પણ એનાથી બાળકોનું જાતીય શોષણ થાય છે તે મુદ્દો ઉડી થોડો જવાનો છે? બીજી ટીવી ચેનલ પર હરીશે એના પર સાત વર્ષનો હતો ત્યારથી જાતીય શોષણ થતું હતું તે જણાવ્યું જ છે. હરીશ સાત વર્ષનો હતો ત્યારે તો ગે નહિ હોય. એના માસાએ એનું શોષણ કરી એને ગે બનાવી દીધો. એની માતા બોલી ગઈ હતી કે એમની બહેનની જિંદગીનો સવાલ હતો માટે માસાજી સંડોવાયા હતા તેવું અનુમાન કરી શકાય તેમ છે.
બાળકોના જાતીય શોષણ બાબતે સજા કરવાના કોઈ મજબૂત કાયદા ઘણા બધા દેશોમાં નથી હોતા. એમાં ભારત પણ સામેલ છે તે જાણી નવાઈ લાગે તેવું છે. બાળકના મુખમાં જાતીય અંગ નાખવું તેને હાઇકોર્ટનો જજ ગુનો માનતો નથી, પેનીટ્રેશન સાબિત નથી થતું  તે મહાશયના મનમાં. કે પછી બેંક બેલેન્સ ખાનગીમાં વધી ગયું હોઈ શકે. ફરી કહું કે આ દેશમાં પૈસા માટે ગમે તેટલી નીચ કક્ષાએ પહોચી જવા કહેવાતો ઉચ્ચ કક્ષાનો માણસ પહોચી જવા તૈયાર હોય છે. હમણાં એક ડૉક્ટર ગર્ભપાત કરેલા ભૃણની સાબિતી ના રહે માટે એના કૂતરાને ખવડાવી દેતો હતો. પૈસાને પાપ માનતી પ્રજા જ પૈસાની પાછળ પડેલી છે. છતાં કાળા વાદળને એક રૂપેરી કોર જરૂર હોય છે. શોષિતોની સેવા કરનારી ઘણી સંસ્થાઓ હોય છે. એમના માટે લડનારી સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ હોય છે. આવી સંસ્થાઓને કામ કરવા પૈસાનું ભંડોળ જોઈએ તેને આમિરના શો દ્વારા મદદ મળવાની છે. એસ.એમ.એસ દ્વારા મળનારી રકમ  જેટલી બીજી રકમ રિલાયન્સ ફાઉન્ડેશન ઉમેરીને આપશે.
ધરમ, કરમ, પુનર્જન્મ, લોકપરલોક, કરમના ફળ આવી અનેક બાબતોના અફીણ ઘોળીને સુતેલી પ્રજાને જગાડવાનું કામ આજ સુધી અનેક સુધારકો કરતા આવ્યા છે તેમાં એક નામ આમિરનું ઉમેરાઈ જશે બીજું શું??

4 thoughts on “सत्यमेव जयते नानृतं”

  1. રઓલજી ની ફટકાબાજી!! ઘણી વસ્તુઓ જે હું વિચારતો હતો એ કડવા સત્યો આપે અહી લખ્યા છે. સંપૂર્ણ જાગૃતિ વીના બાકી બધું મિથ્યા છે.

    Like

  2. શાસ્ત્રોનિ રચના કરી ધર્મ ગુરુઓ અને પુરુશ પ્રધાન સમાજ્વ્યવસ્થાનિ રચનાકરીનેતો માંસિક્રીતે પછાત રાખિનેતોસ્ત્રીઓ પર બહુ મોતો અન્યાય કરીને જે શાસ્ત્રોમા લખયેલુ છે તેજ સત્ય અને એ સત્યનો અંચ્લો ઓધીને મનમાનિ કરવી એ શાસ્ત્રકારો, ધર્મ ગુરુઓ.અને કહેવાતા મહાપુરુશ્પ અને કુતુમ્બ્ના વદીલો પોતાનિ સત્તા કાયમ કર્તા આવ્યા છે. કોઇ એમનો વિરોધ ના કરે એતલે શાશ્ત્રનુ શશ્ત્ર ઉગામિને બધાને ચૂપ કરી દેવાના. હુતો માનુ છુકે શાશ્ત્રને સત્ય મનાયજ નહિ ,હા એમાની કેતલિક સારી બાબતો જે મનુશ્યના જિવન ઘદ્તર માતે અગત્ય્ની હોય એ સ્વિકારી બાકીના શાશ્ત્રોની રચના નવેસરથી કર્વી જોઇએ અને અનુચિત બાબતોનો તેમાથી નાશ થવો જોઇએ.
    1963મા હુ એફ.વાય. બી.એ.મા હતિ ત્યારે મારા પિતાનુ અવસાંન થયુ ત્યરેતો ધાર્મિક બાબતો પરાકાશ્થાએ હતી. માર માતાના કેશ કાથવા માતે સૌથી મોતો વિરોધ મે કરેલો એતલા સરસ લાબા કાલા અને ઘતાદાર વાલ્નો નાશ થાય એ મંજુર નહતુમે કહેલુકે જો કેશ નો નાશકર્વાથી મારાપિતા સજિવન થતા હોય તો હુ જાતે મારી માતાના કેશનો નાશકરવા તૈયાર છુ.કેશતો ફરી આવવાનાજ હતા પન આધલા રિવાજ અને માન્યતાનો મારે વિરોધ કરવો હતો અને મે 35 ની વયની મારી માતાના કેશ કર્તન નહિ કર્વા દિધેલા.
    જે કાકાનો મે વિરોધકરેલો તેજ કાકાએ એમની પોતાની સહુથી મોતી બે છોકરીઓના વિવાહે છોરીનાથી દબલ વર્શના જામાઇ અને એકને ત્રન અને એકને ચાર દિકરીઓ વાલા શોધી લાવેલા અને બન્નેની મોતિ છોકરીઓ એમનાથી (મારી બહેનો)મોતી ઉમ્મર્ની હતી. તે વખતે હુ ઘની નાની નહિતો હુ ના થવાદેત. મારાપિતાએ ઘનો વિરોધ કરેલો પન કાકાએ કહ્યુ તારે શુ ? છોકરીઓ મારી છેને. આમ રુથી અને રિવાજ્મા ઘેરાયેલા પોતાના અને પારકાનુ હિત-અહિત નથી જોતા.ત્યા સત્યમેવ જયતેની તો વાત તો બહુ દૂરની વાત રહી.
    આપના કદવા પન સત્ય વિચારો મનની ઉપર અસર્કારક રહે એવાજ છે

    Like

Leave a comment