Category Archives: વિવાદ

I love you….કુછ ખટ્ટા કુછ મીઠ્ઠા…

ધ્રુવરાજસિંહ,
યુવરાજસિંહ
Harpalsinh
દક્ષાકુંવરબા

 

 

 

 

 

 

મને એક દિવસ ચાલુ જોબ પર મજાક કરવાનું મન થયું. એક મિત્રે ઘેર ફોન જોડ્યો હતો, કશું પૂછવું હશે. હું મજાકનાં  મૂડમાં હતો. મિત્ર હતા પ્રદીપ પટેલ, ઉંમર ૪૬ વર્ષ, બરોડાની બાજુના કોઈ ગામના હતા, અને ઘડીયાળી પોલ વડોદરામાં રહેતા હતા.
‘ઘેર ફોન કરો છો, વાઈફ ને?’
‘હા!’
‘તો I  love you કહેજો વાત પૂરી થાય એટલે.’
‘તો તો આખી રાત એને ઊંઘ જ નહિ આવે.’
‘કેમ એવું?’
‘૨૦ વર્ષ થયા, પહેલી વાર I love  you સાભળશે તો એને આખી રાત ઊંઘ નહિ આવે.’
બધા ખુબ હસ્યા. એ મિત્ર પણ ખુબ હસ્યાં. કહે મેં ૨૦ વર્ષમાં કદી આવું કહ્યું જ નથી. મેં પૂછ્યું કે તમારા વાઈફે તમને એવું કહ્યું છે? તો કહે નાં એણે પણ મને કદી કહ્યું નથી. પાછું મેં પૂછ્યું કે કોઈ ગર્લ ફ્રેન્ડને કહેલું ખરું? તો કહે હા. ગર્લ ફ્રેન્ડને તો ઘણી વાર કહેલું. પણ એ પત્ની નહિ બનેલી. કોઈ બીજાની પત્નીનું પદ શોભાવતી હશે.
બીજા એક ૫૫ વર્ષના મિત્ર હતા જ્યોતીન્દ્ર પટેલ. મૂળ ધર્મજના પણ અમદાવાદ મણીનગરમાં જ રહેલા હતા. એમને મેં  સવાલ કર્યો.
‘એ દાદા દોડકે! તમે કદી I love you તમારા વાઈફ ને કહ્યું છે ખરું?’ …ખુબ એનર્જેટિક છે માટે અમે દાદા દોડકે કહી માન આપીએ છીએ.
‘એમાં વળી શું કહેવાનું?’
‘કોક દિવસ તો કહ્યું હસે ને?’
‘નાં કોઈ દિવસ નહિ, બધા જોણે સે કે એ મારી બૈરી સ અને હું ઈનો ધણી સુ.’
‘તમેય ખરા છો ને?’
‘અલ્યા વળી એમાં હું, ઇ ન ખબર સ કે આ કદી ચો ય  જવાનો નથી, જશે તો પાસો જ આવવાનો સ, એ મને પ્રેમ કર સ ને હું ઈ ન  પ્રેમ કરું સુ, ઈ માં કેવાનું હું?’
વળી પાછા બધા ખુબ હસ્યાં. એક ભાઈ કહે આ ખોટો પૈસો બીજે ચાલવાનો નથી. પાછો જ આવશે એવી એમના વાઈફને ખબર હશે. એક નવો આવેલો ૨૩ વર્ષનો સચિન પટેલ છે. મેં એને પૂછ્યું કે,
‘સચિન કેટલા વર્ષ થયા લગ્ન કરે?’
‘બે વર્ષ’
‘અહી અમેરિકા આવ્યે કેટલો વખત થયો?’
‘પાચ મહિના જ થયા છે’.
‘તમે કદી વાઈફ ને I love you કહ્યું છે?’
‘કહ્યું છે ઘણી વાર, પણ અહીની વાઈફ અને લાઈફનો કોઈ ભરોસો  નહિ.’
‘અલ્યા એવું કેમ કહે છે?’
‘ભાઈ મારી વાઈફ તો અહી ૨૦ વર્ષ થી રહે છે, અહીની છોકરીઓનો શું ભરોસો?’ ક્યારે કાઢી મુકે શું ખબર પડે.
એટલું બધું હસ્યા કે બધાને પેટમાં દુખે તેવું થયું. આ સચિનને પોતાની પેથોલોજીકલ લેબ હતી. બીજા લોકો કહે શું તોડવા અહી આવ્યો હશે? ઝાડ(દેવાદાર અમેરિકા) પરથી લીલી નોટો તોડવા બીજું શું. બીજા પીયુષ પટેલ છે. ઉમર  ૪૦ થવા આવી છે. કહે મેં તો હજુ લગ્ન જ કર્યા નથી માટે મને એવું પૂછતાં જ નહિ. ગેરકાયદે અમેરિકામાં ઘુસ્યા છે. નથી ભારત જવાતું લગ્ન કરવા, જાય તો પાછું અવાય નહિ. ઉમર વધતી જાય છે. છોકરીઓ પસંદ આવતી નથી કે પછી છોકરીઓને એ પસંદ નથી આવતા.
બીજા સતીશ માસ્તર હતા ભરૂચ બાજુના. એ પણ લગભગ ૫૫ વર્ષના કહે આપણાં જમાનામાં કોણ એવું કહે? મેં કદી કહ્યું નથી. મેં કહ્યું માસ્તર કોક દિવસ તો કહેવું હતું. ચાલે યાર એમાં શું કહેવાનું? મિત્રો આ મજાકિયો ઈન્ટરવ્યું   થોડામાં ઘણું બધું કહી જાય છે. શું કહી જાય છે તે મિત્રો પ્રતિભાવ રૂપે કહેશે તેવી આશા છે.
શું પત્નીને I love you ના કહેવું જોઈએ? ગમે તેટલા વર્ષ થઇ ગયા હોય લગ્ન કર્યે હવે ના કહી શકાય એવું ખરું? છો ને આખી રાતનાં ઊંઘે એવું કહેવામાં શું વાંધો?
સારું થયું મને સામો કોઈએ સવાલ નાં કર્યો. છતાં  મિત્રો મારા ઘેર ના કહી દો તો કહું. છાનું રાખવાનું હો કે!!  મેં વાઈફ સાથે ઘણી બધી સ્ત્રીઓને એવું કહેલું છે અને સામેથી મને પણ ઘણી બધી સ્ત્રીઓએ એવું કહેલું છે. મારા લગ્ન થયેલા નહિ એ વખતની વાત છે.  ત્યારે મારી માનેલી ને ઘેર હું જતો ત્યારે મારા હાથમાં I love you લખીને એને બતાવતો. તો એ સ્કુલમાં ભણતી, એની ફૂટ પટ્ટી વડે મારા હાથમાં મારતી. હું હાથ પાછો લઉં જ નહિ. એ મીઠા ગુસ્સામાં માર્યા જ કરતી. પણ મારી ધીરજ અમાપ હતી. પછી એને પસ્તાવો થતો હશે. એના પ્રાયશ્ચિત રૂપે કે પછી આમની સહન શક્તિ(માર ખાવાની) સારી છે ભવિષ્યમાં વાંધો નહિ એવું  વિચારી  આજે એ મારા  ધર્મપત્ની છે. મારા ત્રણ ડેશિંગ દીકરાઓની માતા છે. ધ્રુવરાજસિંહ, યુવરાજસિંહ અને હરપાલસિંહના માતુશ્રી દક્ષાકુંવરબા એ આ ભુપેન્દ્રસિંહના અર્ધાંગીની છે. હહાહાહાહા!!!

બ્રહ્મચારી કોને કહેવાય?

 ब्रह्माध्ययन संयुक्तो ब्रह्मचर्यरत: सदा॥
सर्व ब्रह्मेति यो वेद ब्रह्मचारी स उच्यते॥५१
 
શ્લોકાર્થ: બ્રહ્મઅધ્યયન  થી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ને સર્વ બ્રહ્મ છે એમ જે જાણે છે તે બ્રહ્મચારી કહેવાય છે.
 
         આદ્ય જગદગુરુ શંકરાચાર્ય,એક મહા બ્રાહ્મણ.હિંદુ ધર્મ માંથી સડો નાબુદ કરવા ખુબ મહેનત કરી.ખુબ નાની ઉમરે દેવ થયા.ભારત એટલે એ સમયે જગત.જગત ના,ભારત ના તમામ પંડિતોને હરાવ્યા.છેલ્લે વધ્યા મહા પંડિત મંડન મિશ્ર.એમને પણ હરાવ્યા.પણ એમના ધર્મપત્ની મહા વિદુષી એમણે  સવાલ ઉઠાવ્યો,હું એમનું અર્ધું અંગ છું.મને હરાવો તોજ એમની હાર ગણાય.બાલબ્રહ્મચારી ને કામ શાસ્ત્ર વિષે સવાલો પૂછ્યા.થોડી મુદત માંગી ને એમાં પણ જ્ઞાતા થયા.કઈ રીતે એમાં પ્રવીણતા મેળવી એ વાર્તા બહુ રહસ્યમય છે,માનવામાં નાં આવે તેવી છે.ફરી કોઈવાર જણાવીશું.પણ પછી પંડિત પત્નીને પણ હરાવ્યા.અને બન્યા જગદગુરુ.
  
        ઘણા ટીકાકારો બ્રહ્મ અધ્યયન ની જગ્યાએ વેદ અધ્યયન પણ લખે છે.વેદો બ્રહ્મ છે એવું માનતા હોઈ શકે.પણ શંકરાચાર્ય વેદોના જ્ઞાતા હતાજ.એમણે વેદ અધ્યયન શબ્દ કેમ નહિ વાપર્યો હોય?બીજું આમાં શંકરાચાર્યે ક્યાય સ્ત્રી શબ્દ નો પણ ઉલ્લેખ નથી કર્યો.કે ભાઈ સ્ત્રી સંગ  થી દુર રહે તેને બ્રહ્મચારી કહેવાય.પણ ટીકાકારો એમની બ્રહ્મચર્ય વિશેની માન્યતાઓ થોપતા હોઈ શકે.
 
        સદાચાર કોને કહેવાય?સારું આચરણ એવો સીધો સાદો અર્થ થાય.કોઈ ને તકલીફ ના થાય તેવું આચરણ.એક તો મહાપુરુષોના આચરણ જોઈ ને તમે એમ કરવા પ્રેરાઓ અને તેવું આચરણ કરવા જ માંડો.આ એક રસ્તો છે.બીજો રસ્તો એ છે કે તમે અંદર થી જાગૃત થઇ જાવ.સર્વ બ્રહ્મ છે તેમ અનુભૂતિ કરવા લાગો કે પછી તમને જ્ઞાન થાય,કૈવલ્ય જ્ઞાન થાય કે એન્લાઈટનમેંટ થઇ જાય.પછી ઓટોમેટીક તમારું આચરણ બદલાઈ જાય.
    
         મહા પુરુષોના આચરણ ની નકલ એક ઉપાય છે,બીજો અંદર ની જાગૃતિ થી સદ આચરણ આવે તે છે.ગમે તેટલા શ્લોકો વાચો નકલ કરો,પઠન કરો કોઈ ફેર ના પડે.એવું થાય કે તમે ખંડિત વ્યક્તિત્વ ધરાવતા થઇ જાવ.ચાલો એક ઉદાહરણ જોઈએ.ભગવાન મહાવીર એક કીડી જોઇને કુદી ગયા ને એને બચાવી લીધી.કારણ સર્વ બ્રહ્મ છે તે એમણે જાણ્યું છે અને અનુભવ્યું પણ છે.કીડી તો શું કોઈને પણ મહાવીર પીડા ના આપી શકે.હવે જૈનો શું કરશે?કીડી જોઇને કુદી જશે,કીડીયારા પુરશે,પણ કોઈનું ખીસું કાપવું હોય વેપાર માં તો અવશ્ય કાપી લેશે.એમાં બ્રહ્મ નહિ દેખાય,જીવ નહિ દેખાય.પાંજરાપોળ ખોલશે.એમાં દાન આપશે.સારી વાત છે.ઘરડા થયેલા પશુઓને રક્ષણ મળે.પણ બેંકો માંથી કૌભાંડ કરી કરોડો ગરીબોના પૈસા રોળી લેતા એમનો જીવ નહિ કોચવાય.એકલા જૈનો ની વાત નથી દરેક ની છે.બાહ્ય સદાચાર ની વાતો કરનાર દરેક ની છે.
 
         બીજી એક નકલ ની વાત કરીએ.ભગવાન મહાવીર ૧૨ વર્ષ તાપ માં સાધના માં રહ્યા ત્યારે બધામાં એક નાની કીડીમાં પણ બ્રહ્મ ની અનુભૂતિ થઇ છે.એમજ નથી થયું બધું.હવે મહાવીરે ૧૨ વર્ષ માં ટોટલ એમના જમવાના કે ભોજન ના દિવસો ગણીએ તો એક વર્ષ જ ભોજન લીધું છે.એ નક્કી કરતા કે આવી આવી પરિસ્થિતિ બનશે તો જ ભિક્ષા લઈશ.દા.ત આજે ભિક્ષા લેવા જાઉં તો લાલ કપડું પહેરેલી સ્ત્રી હોય,એના હાથ માં નાનું બાળક હોય,બાજુમાં એક ગાય હોય તે પણ સફેદ રંગ ની અને ભિક્ષા આપે તોજ લઈશ નહીતો પાછા.હવે આવી બધી શક્યતાઓ ક્યારે ભેગી થાય?સ્ત્રી હોય તો લાલ કપડું ના હોય.લાલ કપડું હોય તો હાથ માં બાળક ના હોય.બધું હોય તો ગાય કળા કલર ની હોય.મહાવીર પાછા આવતા.આવી રીતે મહાવીરે પાછા આવી આવીને ઉપવાસ કરેલા છે.અને આવી શક્યતાઓ ૧૨ વર્ષ માં ફક્ત એક જ વર્ષ ના દિવસો જેટલી મતલબ એમણે ૧૨વર્ષમાં ફક્ત ૩૬૫ દિવસ જ ભોજન મળ્યું છે.હવે આજના મહારાજ સાહેબ શું કરશે?આવો નિયમ તો લઇ લેશે,પછી ભક્તોને કાનમાં કહેશે.ભક્તો અગાઉથી જઈને બધી શક્યતાઓ ની ગોઠવણ કરી નાખશે.લાલ કપડું,બાળક,સફેદ ગાય બધું રેડી.મહારાજસાહેબ આવીને જોશે ચાલો પ્રતિજ્ઞા પૂરી લાવો ભિક્ષા.હવે આતો નર્યો દંભ કહેવાય ને?તમે આચરણ ની નકલ કરો પણ એનો શું અર્થ?
     
               મહાવીર ની અહિંસા અંતર ની જાગૃતિના કારણે હતી,જૈનોની ના હોય.ભગવાન બુદ્ધ ની કરુણા અંદર ની જાગૃતિના કારણે હતી.આપણી ના હોય.મહાપુરુષો કહેશે ક્રોધ ના કરો.ચાલો તમે ક્રોધ કરવાનું બંધ કર્યું.હવે શું થશે?ક્રોધ અંદર ભેગો થશે.નાની વાતો ની નિરાશા ક્રોધ રૂપે ભેગી થશે.નાની નાની અવગણના ક્રોધ રૂપે ભેગી થશે.બહાર થી શાંત અંદર જ્વાળામુખી એની એનર્જી તમામ તાકાત થી ભેગો કરતો જશે.અને એક દિવસ બહાનું મળી ગયું વાલ્કેનો ફાટી નીકળશે.એક મિત્ર છે અમારા એકદમ શાંત,કાયમ હસતા,બધાને હેલ્પ કરતા.બહાર થી બહુ સારા લાગે.પણ રોજ જોબ ઉપર પણ રાતે બે વાગે છાનામાના એક પેગ સંતાડી રાખેલો મારી લે પછી,અંદર કચરો ભરેલો હોય તે બે ના બ્રેક માં નીકળવા લાગે.બધા જોડે ઝગડે.ખુબ ઉગ્ર બની જાય.ત્રણ વાગે અંદર ઓફીસ માં જઈને ઊંઘી જાય.ચાર વાગે જાગીને આવે તો એકદમ સરળ હોય શાંત હોય.ક્વોલીટી કંટ્રોલ નું કામ છે એમનું.રાતે બીજો કોઈ ઓફીસ સ્ટાફ ના હોય,ને રાતની શિફ્ટ ના બધા કર્મચારીઓ ગુજરાતી હોવાથી કોઈ ફરિયાદ ના કરે બાકી નોકરી જતી રહે.એમની નોકરી જાય તે માટે કોઈ ગુજરાતી નિમિત્ત બનવા નથી માંગતા  માટે ટકી રહ્યા છે.
    
             ચાલો તમે દુર્ગુણો થી બચવા જંગલ માં ભાગી ગયા.ત્યાં કોઈ છે જ નહિ કે કોઈ ચાન્સ આપે તેવું નથી કે ક્રોધ આવે.અહી ભીડ માં આવોને કોઈનો પગ તમારા પગ પર પડી જાય ત્યારે અચાનક ગુસ્સે થઇ જવાય ત્યારે બધી વર્ષો ની સાધના એળે જાય.એક ગુરુ ને ચેલો જતા હતા.રસ્તામાં નદી આવી.ત્યાં એક સ્ત્રી પણ ઉભેલી સામે પાર જવા.પણ તરતા ના આવડે.એટલે કોઈ પાર કરવી દે તેની રાહ જોતી હતી.આ ગુરુ તો આજના બાવાઓ જેવા બ્રહ્મચારી હતા.સ્ત્રીને જોવાય નહિ તો અડાય કેમ?એનો હાથ કેમ પકડાય? ગુરુએ તો ના પાડી દીધી,પણ ચેલા ને દયા આવી.નદી પાર થવા લાગી પણ પાણી જરા વધારે ઊંડું હશે તો ચેલાએ તો પેલી સ્ત્રીને ખભે ઉઠાવી લીધી ને નદી  તો પાર થઇ ગઈ.ગુરુ ચેલો આગળ વધ્યાં,પણ ગુરુને ચેન ના પડે.ચેલાએ ખોટું કર્યું,સ્ત્રીને અડકી તો ઠીક ખભે જ ઉઠાવી ને ચાલ્યો,મહાપાપ થઇ ગયું.બ્રહ્મચર્ય નો ભંગ થઇ ગયો.છેક આશ્રમે પહોચી ચેલાને ઠપકો આપ્યો કે તારે ખભે નહોતી ઉઠાવવાની.ચેલાએ જવાબ આપ્યો કે હે!ગુરુજી મેં નદી પાર થઇ કે એ સ્ત્રીને તરત જ નીચે ઉતારી દીધી,પણ આપ તો હજુ ઉઠાવીને ફરો છો.આ છે બાહ્ય આચરણ.
   
            આપણે ભારતીયો સદાચાર ના સ્ત્રોત્રો ને શ્લોકોમાં જ ખોવાઈ ગયા છીએ.હમેશા બ્રહ્મચર્ય ની વાતો કરીએ છીએ,સ્ત્રીઓના દુશ્મન હોય તેમ વર્તીએ  છીએ.શું સ્ત્રીઓમાં બ્રહ્મ નથી?અને અંદર સેક્સ સપ્રેસ્ડ થતો જાય છે.સહેજ ચાન્સ મળ્યો ને સેક્સ બહાર.બસ માં સ્ત્રી બાજુમાં બેઠી ને અડપલા ચાલુ.ખાલી સ્પર્શ અરે સ્પર્શ ઠીક જરા કપડું સ્ત્રીનું અડે તો પણ વિહવળ થઇ જતા ભારતીયો ની સદાચાર ની વાતો સાંભળી હસવું આવે છે.ખુબ બ્રહ્મચર્ય પાળશે ને કોઈ સ્ત્રી ભક્ત ના પ્રેમ માં ફસાઈ જશે.જેમ નિત્યાનંદ ફસાઈ ગયા.કોઈએ બિપાશા બસુ ના સ્તન પર હાથ ભીડ નો લાભ લઇ ફેરવી લીધેલો.આ છે બ્રહ્મચર્ય ના ફાયદા.
   
            ઉપર ના શ્લોક માં શંકરાચાર્યે ક્યાય સ્ત્રીનું નામ જ નથી લીધું.બ્રહ્મ માં ચર્યા એટલે બ્રહ્મચર્ય.સદાય બ્રહ્મ માં રત રહેવાવાળો,રમમાણ રહેવાવાળો.અને સર્વ બ્રહ્મ છે એમ જાણવાવાળો બ્રહ્મચારી કહેવાય.શું સ્ત્રીમાં બ્રહ્મ નથી?શું એક નાની બાળકી માં બ્રહ્મ નથી?શું એક વર્ષ ની નાની બાળકીને બ્રહ્મ ની હાજરી છે એમ માની ના શકાય?પણ વિહવળ થઇ જવાય છે.કેમ કે અંદર થી સર્વ જીવો માં કે નિર્જીવ માં શંકરાચાર્ય ની જેમ બ્રહ્મ નથી દેખાતા.જે લોકો સેક્સ ને દબાવે છે એ લોકો જ તો નાની બાળકીઓ પર પણ રેપ કરે છે.એ લોકોને નાની બાળકીમાં બાળકી નથી દેખાતી,એ લોકોને નાની બાળકીમાં પણ મોટી સ્ત્રી દેખાય છે ત્યારે તો બળાત્કાર કરી શકે છે.અરે મારી પણ નાખે છે.જે સાધુઓ નાની બાળકી ની હાજરી માત્ર સહન નથી કરી શકતા એમની સામે બાળકીઓ લઈને પણ ના જશો.દુર રાખો તમારી નાની ફૂલ જેવી દીકરીઓ.નાની બાળકીઓ ઉપર બળાત્કાર કરનારા ક્રિમિનલ્સ અને આ સાધુઓમાં તાત્વિક રીતે,માનસિક રીતે કોઈ ફર્ક નથી.બંને સેક્સ ને દબાવીને બેઠા છે.ભલે આ લોકો પંથ ના હિત માં કે આબરૂ નાજાય  માટે બળાત્કાર નહિ કરતા હોય પણ એમની ભૂંડી નજરો થી બચાવો તમારી બાળકીઓને.

 
      પટરાણીઓ,રાણીઓ,૧૬૦૦૦ રાણીઓ ને ઘણી બધી પ્રેમિકાઓ ધરાવનારા શ્રી કૃષ્ણ ને મુક્ત મહાપુરુષોએ બ્રહ્મચારી કહ્યા છે.શું આ બધા અજ્ઞાની હતા?આજના સાધુઓ ને બાવાઓ કહે તે સાચું કે મુક્ત મહાપુરુષો કહે તે સાચું? કે શંકરાચાર્ય કહે તે સાચું?

     

              પહેલા અંદર થી જાગૃત બનો.સર્વ વસ્તુ માત્ર,જીવ માત્ર માં બ્રહ્મ ને જાણો.તો કોઈ સદાચાર ની નકલ કરવી નહિ પડે.સદાચાર અંદર થી જ આવશે.તમે કોઈનું ખીસું કાપીજ નહિ શકો.તમે કીડીને પણ મારી નહિ શકો.કૂદવું નહિ પડે કીડી જોઇને કુદાઈ જશે.કોઈ કાન માં ખીલા ઠોકી જશે તો પણ અવાજ નહિ કરો.જરા કોઈ જૈન ને ખીલી અડકાડી જુઓ તો?કોઈ ટેક્સ ની ચોરી નહિ કરી શકો.કોઈ ભાવ વધારે  લઇ નહિ શકો.કોઈને ઓછી વસ્તુ તોલ માં આપી નહિ શકો.કોઈ ની હત્યા નહિ કરી શકો,ના કોઈની ઉપર બળાત્કાર કરી શકો.કોઈ ની હાજરી તમને હલાવી નહિ શકે.બધામાં જ્યાં બ્રહ્મ જ દેખાય તો કોને છેતરી શકશો?કોને દુખ જરા જેટલું પણ આપી શકશો?શંકરાચાર્યે બધા શ્લોકો બ્રહ્મ ને જાણ્યા પછી લખ્યા છે.
    
             તો શું કરવું?સદાચાર નું આચરણ ના કરવું?કરવું જરૂર કરવું.એકદમ કોઈને તકલીફ શું કામ આપવી?પણ સાથે સાથે ધ્યાન પણ કરવું પડે.મેડીટેશન એક માત્ર ઉપાય છે.કોઈ સદાચાર ના આચરણ માત્ર થી નકલ કરવા માત્ર થી બ્રહ્મ ને ના પામી શકે.અંદર ની જાગૃતિ માટે મેડીટેશન કરો.કોઈ વ્રત ઉપવાસ જપ તપ ની જરૂર નથી.જરૂર છે ફક્ત ધ્યાન ની.ધીરે ધીરે અંદર થી શાંત બનતા જશો ને બહાર સદાચાર આવતો જશે.ખબર સુદ્ધાં નહિ પડે.ધીરે ધીરે અવેયરનેસ આવતી જશે ને બહાર સદાચાર નું આચરણ વધતું જશે.જે.કૃષ્ણમૂર્તિ જેને ચોઈસ લેસ અવેયરનેસ કહેતા હતા.એક સાક્ષીભાવ જાગશે,એક અનાસક્ત યોગ પેદા થશે.અંદર થી શાંત બનતા જશો ને કામ(સેક્સ)માં રસ ઓછો થતો જશે.એટલે બુદ્ધિહીન બાવાઓએ પકડી લીધું કે કામ(સેક્સ) થી દુર રહેવું.આ બાવાઓ તો કામ(સેક્સ)અને કામ(વર્ક)બંને થી દુર રહેવા લાગ્યા છે.અંદર થી શાંત બનતા જશો ને ક્રોધ કરતા ઓછા થઇ જશો.જયારે બધા બ્રહ્મ જ છે એવી પ્રતીતિ થવા લાગશે એટલે પ્રેમ વધતો જશે,કરુણા વધતી જશે.ગાંધીજીએ કામ ને જીતવા ખુબ પ્રયત્નો કરેલા પણ ધ્યાન ના કર્યું,મેડીટેશન ના કર્યું.ડોસા કામ ને જિત્યા વગર જ ચાલ્યા ગયા.બાહ્ય સદઆચરણ થી તમે પાખંડી બની જશો,જો સાથે સાથે ધ્યાન નહિ કરોતો.
    

संभवामि युगे युगे॥ ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…

 संभवामि युगे युगे॥           ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…
           ભગવાન શ્રી કૃષ્ણ અદ્વૈત વાદી હતા,એવું લાગે છે.હુજ ભગવાન છું!મારી શરણ માં આવ!અને પછી મો ખોલી ને આખું વિશ્વ બતાવી દીધું.અહં બ્રહ્માસ્મિ!એટલે જ એવું બોલ્યા હશે કે ‘સંભવામિ યુગે યુગે’.મતલબ જે પણ જન્મે ને સડેલી રાજ્યવ્યવસ્થા કે સડેલા કાનુન કે સમાજ વ્યવસ્થા ને સુધારવાનું કામ કરશે તેનો આત્માં  ને મારા આત્મા માં શું ફરક હોય?સર્વ ખલુ ઇદમ બ્રહ્મ.માટે હું યુગે યુગે જન્મ લઈશ એવું બોલ્યા હશે.અને આપણે એમના અવતરવાની રાહ જોઈ રહ્યા છીએ.એ દિવસ કદી આવવાનો નથી.
           અવતાર ઉપરથી કોઈ મોકલતું નથી કે ટપકાવતું નથી.આપણાં માંથી જ કોઈ સાહસિક વિરલો અન્યાય ને અંધકાર વિરુદ્ધ ઝંડો ઉઠાવે છે.એને પછી આપણે અવતાર માનીએ છીએ.આપણે મુરખો એવું માનીજ શકતા નથી કે આ બધી શક્તિઓ કુદરતે આપણાં માજ મુકેલી છે.એટલે કાળક્રમે દૈવી શક્તિ નું કામ છે એવું માની લઈએ છીએ.કોઈ માની શકશે?એક ડરપોક વાણીયો  હાથ માં લાકડી લઈને અને તે પણ કોઈને માર્યા વગર અંગ્રેજ મહાસત્તા ને ભારત માંથી તગેડી મૂકી શકે?
  
           હરેક યુગે યુગે સડેલી સમાજ વ્યવસ્થા ને ઉખેડી ને ફેંકી દેવા માટે એક મહાક્ષત્રીય(શ્રી કૃષ્ણ) ની જરૂર પડે છે.એક લડાયક રાજનેતા ની જરૂર પડે છે.અગાઉના લેખ માં મેં આ વાત લખેલી જ છે.પણ બુદ્ધિજીવી(બ્રાહ્મણ) ને રાજ્ય કરવા માં રસ ના હોય.એ તમને સુજ આપે સમજ આપે ક્રાંતિકારી વિચારો ને યોજના આપે.પણ અમલ માં મુકવાનું કામ લીડરશીપ (ક્ષત્રીય) જ કરી શકે.કારણ મૂળભૂત રીતે બ્રાહ્મણ અંતરમુખી છે,ઇનટ્રોવર્ટ છે.કાર્લ માર્ક્સ નામનો એક જર્મન બ્રાહ્મણ સામ્યવાદ ના વિચારો લઇ આવ્યો પણ અમલ માં મુકવા ના જઈ શકે.એને માટે લેનિન કે માઓ જેવા ક્ષત્રિયો જ જોઈએ.ભલે ફેઈલ ગયો,પણ હતો ક્રાંતિકારી.એક વખત ની બગડેલી સીસ્ટમ ને ફેંકી દેવા માટે કામ લાગેલો જ ને.
            દરેક સારી સીસ્ટમ સમય જતા સડતી જતી હોય છે.સફરજન ગમે તેટલું ગુણકારી હોય,કાયમ ફ્રીજ માં મૂકી રાખીએ તો પણ સમય જતા બગડી જાય છે,માટે ફેંકી દઈ ને નવું લેવું પડે,ને ખાવું  પડે.રાજાશાહી સારી જ હતી.આખી દુનિયા માં હતી.ચીન માં પણ ભારત ની જેમ પવિત્ર હતી.એક રાજા સારો પાકે ને એનો વારસદાર સારો ના પણ પાકે તો ગરબડ થઇ જાય.સમય જતા રાજાશાહી બગડતી ગઈ.સીસ્ટમ સડતી ગઈ.આખી દુનિયા માંથી ઉખડી ગઈ.
           લોકશાહી આજની નથી ભાઈ.ભારત માં સૌથી પહેલી આવેલી છે ભાઈ.વર્ષો પહેલા,૨૫૦૦ વર્ષ પહેલા હતી.બુદ્ધ ના સમયે શરુ થયેલી.ગણ રાજ્યો કહેવાતા.વૈશાલી નગરી ને રાજ્ય એનું ઉત્તમ ઉદાહરણ હતા.પણ એ જમાના પ્રમાણે યોગ્ય નહિ હોય કે પ્રજા એને લાયક નહિ હોય કે સીસ્ટમ ના ચાલી.પ્રજાનું માનસિક સ્તર બહુ ઊંચું હોય ત્યાજ લોકશાહી ચાલે.હજુ ભારત એના લાયક નથી થયું.પ્રજા એની ફરજો પૂરી રીતે સમજવા ને પાળવા સક્ષમ હોય ત્યાજ લોકશાહી ચાલે.પ્રજામાં એક સ્વયંભુ શિસ્ત હોય ત્યાજ લોકશાહી ચાલે.ભારત એના માટે લાયક જ નથી ને મળી ગઈ છે.ડીટેકટરશીપ પણ એક જાતની રાજાશાહી જ છે.જાતે બની બેઠેલા રાજા,વારસા માં મેળવેલ નહિ.
         સામ્યવાદ ના વિચારો ખોટા નહતા.પણ પ્રજા માં એના માટે પણ બહુ ઉંચી સમજદારી જોઈએ.પણ એનાથી પ્રજામાં કોઈ મહત્વાકાંક્ષા જ ના રહે.બધું સરકારી  હોય તો મહેનત કોણ કરે?વધારે મહેનત કરે એને વધારે જોઈએને?મૂડીવાદ પણ ખોટો નથી.પણ એનાય ગેરફાયદા છે.માઈકલ મુર ની “કેપીટાલીઝમ એ લવસ્ટોરી” નામની ડોક્યુમેન્ટ્રી જોઈ લેજો.એના ગેરફાયદા લઈને આજે અમેરિકા મંદીમાં સપડાયું છે.રોજ બેંકો ઉઠી નથી જતી,ઉઠાડી દેવા માં આવે છે.
  
                યુગે યુગે સડેલી,બગડેલી નકામી થઇ ગયેલી સીસ્ટમ ને ફેંકી દેવા કોઈ ને કોઈએ રાજ્યકર્તા ની જરૂર પડે છે ને એવા વિચારો દેવા ને નવી સીસ્ટમ ની દિશા આપવા માટે,નવી સીસ્ટમ ની સુઝબુઝ દેવા માટે એક મહા બુદ્ધિજીવી ની જરૂર પડે છે.પછી આપણે એમને અવતાર તરીકે ઓળખીએ છીએ.નાના નાના નાયકો ને લોકો ભૂલી જાય છે.પણ કૃષ્ણ જેવા મહા નાયક અમીટ છાપ છોડી જાય છે,ભગવાન બની જાય છે,અવતાર કે મહાવતાર બની  જાય છે.સડેલા રાજ્યકર્તાઓને અને એમની માનસિકતા ને કોઈ મહાક્ષત્રીય વધારે સારી રીતે સમજી શકે એ વાત પણ એટલીજ સાચી છે.એમના કાવાદાવા એમની અંદર નો માણસ વધારે સમજી શકે.માટે  શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા રાજાઓ એ સમયાન્તરે એ કામ કરેલું છે.નિરંકુશ અભિમાની રાવણ ની સીસ્ટમ ને રામે ખતમ કરી. એમણે એક પત્નીનો એક મહાન કોન્સેપ્ટ એ જમાના માં આપેલો.એ સમયે કોઈએ માન્યો નહિ હોય.કદાચ એ જમાના કરતા વધારે સૈકાઓ આગળ નો કોન્સેપ્ટ લોકો ને સમજ માં નહિ આવ્યો હોય.પણ અત્યારે જુઓ આખી દુનિયા માં કાયદો એનો અમલ કરાવે છે.એના ફાયદા રામે હજ્જારો વર્ષ પહેલા જોયા હશે.રામ પૃથ્વી પરના પહેલા મોનોગેમસ હતા. એમના પછી આવેલા મહાનાયક શ્રી કૃષ્ણ પણ પોલીગેમસ હતા.૧૬,ooo  રાણીઓ,ઓછી કહેવાય?
             શ્રી કૃષ્ણ વખતે પણ રાજકર્તાઓની એક આખી ચેનલ બગડેલી હતી.કંસ જરાસંધ અને ઘણા બીજા બધા.એને નાબુદ કરવાનું કૃષ્ણે બીડું ઝડપ્યું.કોઈ લેભાગુ જ્યોતિષીએ કંસ ને ભરમાવી દીધો હશે કે તારી બહેન નો છોકરો જ તને મારી નાખશે.કદાચ દેવકી જોડે કોઈ ખાનગી વેર હશે.એટલે એ સમયે અંધ શ્રદ્ધા ના વાદળો બહુ ઘેરાયેલા હશે.બાકી બહેન ના ભાણીયા  ને કોઈ મારી નાખે ખરા?જરાસંધે એ વખતના ભારત ના લગભગ મોટા ભાગ ના નાના નાના રાજાઓને  કેદ કરી રાખેલા કે મારી નાખેલા.સોળ હજાર સ્ત્રીઓ એ હારેલા રાજાઓ ની પત્નીઓ હતી.એમને યથેચ્છ ભોગવતો હતો.કૃષ્ણે ભીમ ની મદદ વડે એને મરાવ્યો ને પેલી સ્ત્રીઓને મુક્ત કરી.હવે આ  જરાસંધ વડે ભોગવેલ સ્ત્રીઓ ને એમના પતિદેવો ખુદ સ્વીકારવા તૈયાર  નહતા.બધીને કૃષ્ણે સ્વીકારીને સન્માન આપ્યું.તો મુરખો કહેશે કૃષ્ણ ને તો સોળ હજાર રાણીઓ હતી.તો અમે પણ બેચાર રાખીએ તો શું ગુનો?
            મહાભારત વખતે રાજાઓ ખુબજ સ્વછંદી હતા.સ્ત્રીનું  કોઈ માન સન્માન  હતું નહિ,એમનો કોઈ આત્મા જ હતો નહિ..એક વસ્તુ થી વધારે કોઈ મહત્વ જ નાં હતું.ખાલી માતા તરીકે થોડું ઘણું હશે.બાકી કોઈ મુલ્ય નાં હતું.દ્રૌપદી શ્રી કૃષ્ણ ની માનેલી બહેન હતી.છતાં દુ;શાશન એને ભરી સભામાં નગ્ન કરવા  તૈયાર થઈને બેઠો હતો.વડીલો ની હાજરી માં દુર્યોધન એને પોતાની જંઘા પર નગ્ન કરીને બેસાડવા માટે તૈયારી કરી ચુક્યો હતો.કોઈ રોકી શકે તેમ ના હતું.ભીષ્મ જેવા મહારથીઓ પણ નિર્માલ્ય બની ચુક્યા હતા કે પછી દ્રૌપદીને  નગ્ન જોવા ઘરડા વડીલો ઉત્સુક હતા? અન્ન ખાધું છે?તો  દુર્યોધન ને   વધારે ઠપકો આપી શકાય.જેનું અન્ન ખાધું હોય તેનું જો સારું ઈચ્છતા હોય તો વધારે ઠપકો આપી શકાય.એક દુર્યોધન નો ભાઈ વિકર્ણ એણે એકલા એ વિરોધ કર્યો.એણે પણ અન્ન ખાધું  હતું  આ વડીલો ના મોઢામાં મગ ભરેલા હતા?સભાત્યાગ પણ કરી શક્યા હોત.તો બેસી કેમ રહ્યા હતા?ત્યાર પછી થયેલા મહાભારત માં તો ઉછળી ઉછળી ને લડતા હતા.એટલી શક્તિ નહોતી કે ઉભા થઈને વિરોધ માં સભા નો ત્યાગ કરી શકાય? પતિઓ પણ સાવ નિર્માલ્ય હતા.પોતાની પ્રિય પત્ની ને જુગાર માં મૂકી જ કેમ શકાય?ધર્મરાજા અધર્મ ના અવતાર બની ચુક્યા હતા.સ્ત્રી ખાલી ભોગ ભોગવવાનું સાધન માત્ર જ હતી.માટે યુગે યુગે સંભવામિ  ની જરૂર હતી.એક બળવાન  રાજનેતા ની જરૂર હતી.આ સ્વચ્છંદી ઓ ને પાઠ ભણાવવાની  જરૂર હતી.આ લોકો ને નેસ્તો નાબુદ કરવાની જરૂર હતી.ઉખાડી ને ફેંકી દેવાની જરૂર હતી.સારા પણ નીર્માલ્યો  ના કાળજા માં હિંમત ભરવાની જરૂર હતી.એમને પણ પાઠ ભણાવાની જરૂર હતી.આ બુઢ્ઢા થઇ ગયેલા અને નીરંકુશો ને અંકુશ માં રાખી નહિ શકતા વડીલો ને હવે મૃત્યુ ની જરૂર હતી.એમનું હવે કોઈ કામ નાં હતું.ખોટા ભાર વધારી રહ્યા હતા.શ્રી કૃષ્ણ એકલા હાથે બધું ના કરી શકે માટે પાંડવો ના સાથ ની જરૂર હતી.એક મહાભારત ને આખી સડેલી ચેનલ નાબુદ.
            શ્રી કૃષ્ણ મહાક્ષત્રીય હતા.પણ મહા બ્રાહ્મણ જેટલા સક્ષમ પણ હતા.બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્વ નો મહા સંગમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ.એટલે આપણે એવું સમજીએ છીએ કે કોઈ દૈવી શક્તિ ઉપરથી ઉતરી હશે.માટે એમને ભગવાન સમજીએ છીએ.ના પણ એ મહામાનવ હતા,મહાનાયક હતા.ભગવાન બરોબર હતા.અદ્વૈત વાદી હતા.માટે એમના વ્યક્તવ્યો માં પોતે ભગવાન હોય તેવી વાતો ની સુગંધ આવતી હતી.પોતે સર્વશક્તિમાન ઈશ્વર છે,”માંમેક્મ શરણમ વ્રજ” એવા અહંકારી વ્યક્તવ્યો એ એમના અદ્વૈત વાદી હોવાનું પ્રમાણ માત્ર હશે.
            સડેલા ને નિર્માલ્ય થઇ ચુકેલા રાજાઓ ને બ્રિટીશરોએ કાબુમાં લઇ લીધા હતા.પરદેશીઓ રાજ  કરવા લાગ્યા હતા.ભારત ની પ્રજા નું કોઈ વજૂદ જ રહ્યું નાં હતું.માટે એક ડરપોક વાણીયો ભણવા ગયો ઇંગ્લેન્ડ અને પછી બન્યો બહાદુર,પછી ક્ષત્રીય.બન્યો રાજનેતા અને નવા આઈડિયા ને નવા વિચારો લઈને આવ્યો.વગર લડાઈ એ વગર મહાભારતે હાંકી કાઢ્યા અંગ્રેજોને.એ કોઈ ઓછી સિદ્ધી ના કહેવાય.૨૫૦૦ વર્ષ પહેલા વપરાયેલી લોકશાહી ને પુનર્જીવિત કરી.પણ પ્રજા માં શિસ્ત નથી.પ્રજામાં દેશ માટે બલિદાન ની ભાવના નથી.પ્રજા ધર્મ માટે બલિદાનો આપશે,પણ દેશ ની કોઈ પડી નથી.લોકશાહી માં પ્રોબ્લેમ છે.કોઈ ને કશું કહેવાય નહિ.૨૫૦૦૦ કરતા પણ વધારે સાંપ્રદાયિક ઉધઈ ભારત ને કોરી ખાઈ રહી છે.એક મહાન સૌથી પુરાણી સંસ્કૃતિ ને કોરી રહી છે.૫૦ લાખ સાધુઓ!!!અધધ!!!૫૦ લાખ ભીખારીઓ દેશ ને વધારે ભિખારી બનાવી રહ્યા છે.અનપ્રોડક્ટીવ ૫૦ લાખ દેશ ની ઈકોનોમી બગાડી રહ્યા છે.એમના ભોજન,ચરસ,ગાંજા  ને બીડી નો ખર્ચ પ્રજા ને માથે છે.પ્રજા કાયર બની ચુકી છે.સર્વાંઇવલ ના નિયમ મુજબ કમજોર સજીવ એની વસ્તી ખુબ વધારે માટે સર્વાઈવ થઇ જવાય.ભારતીય લોકો ના પ્રજનન તંત્રો આ કુદરત ના નિયમ મુજબ અતિ સક્રિય થઇ ગયા છે.વસ્તી કુદકે ને ભૂસકે  વધી રહી છે.કોઈ કાબુ નથી.રોજ લોકો મરી રહ્યા છે. માઓવાદીઓ આવી રહ્યા છે.રાજકર્તાઓ કમજોર ને કાયર પ્રજા માંથી જ ચૂંટાતા હોવાથી એમનામાં કોઈ પાણી નથી.ગમેતે લોકો ચૂંટાઈ આવે છે.અસલ  ક્ષત્રિયો જેવી સખ્તાઈ નથી.દંડ દઈ શકવાની હિંમત નથી.
            હવે ખાસ જરૂર છે એક શ્રી કૃષ્ણ ની,એક મહા ક્ષત્રીય ની,એક દંડ દઈ શકે એવા દંડ નાયક ની.ભગવાં કપડા માં છુપાએલા નિત્યાનંદો ને સજા આપે અને નિષ્ક્રિય થઇ થઇ ને દેશ ને માથે,પ્રજા ને માથે બોજ બની બેઠેલા સાધુઓની જમાત ને ઉખેડી નાખે તેવા ક્રાંતિકારી ની.એક નવી સીસ્ટમ ને શોધી ને સ્થાપિત કરે તેવા અવતાર ની. ગયા તે કદી પાછા આવતા નથી.એ કોઈ આપણાં માનો જ હશે.એને જ કહેવાય સજ્જન પ્રજાની રક્ષા માટે,સાચા ધર્મ ની સ્થાપના માટે સંભવામિ યુગે યુગે.
      નોંધ-મારા લેખોમાં પ્રેરક કે પ્રેરણા આપનાર નું નામ લખું છું કે એ વ્યક્તિઓ એ મને કોઈ વિષય સૂચવ્યો હોય છે.એમના પ્રત્યે આભાર ની લાગણી દર્શાવું છું.લેખ મારો લખેલો હોય જે હમેશ ની જેમ વિવાદાસ્પદ વિધાનો થી ભરેલો હોય છે.એમાં પ્રેરક નું કોઈ યોગદાન હોતું નથી,માટે મારા વિવાદાસ્પદ લખાણો માટે પ્રેરણા આપનાર ને દોષી માનવા નહિ કે દોષ દેવો નહિ.એટલી અમારી વિનંતી છે. 

ભારતીય સંસ્કૃતિનો અડીખમ થાંભલો ને ઉધઈના રાફડા,

Ashmolean Museum, Oxford
Image by Martin Beek via Flickr

ભારતીય સંસ્કૃતિ નો અડીખમ  થાંભલો ને ઉધઈના રાફડા,

ભારતીય સંસ્કૃતિ સૌથી જુનો સંસ્કૃતિ સ્થંભ. ચીનનો પણ લગભગ એટલો જ જુનો. ઘણી બધી લાંબી મજલ કાપીને ઘડાયેલો આ થાંભલો કોરી ખાવા ઉધઈના રાફડાઓ  વળગ્યા છે. જાત જાતનાં  રાફડાને ભાત ભાતના રાફડા. જેટલું લાકડું જુનું એટલી ઉધઈ પણ વધારે વળગેલી હોય. પણ પાછું બહુ જુનું લાકડું ઉધઈ ને ગાંઠે નહિ. એમાય વળી શીશમનું હોય તો જરાય ના ગાંઠે.

અહી અમેરિકાના કેલીફોર્નીયામાં એક ઝાડ છે, ૫૦૦૦ વર્ષ જુનું. કદાચ કૃષ્ણની મોરલીના સુર એણે સાંભળ્યા હશે. કદાચ એણે મહાભારતના યુદ્ધમાં થયેલો વિનાશ જોયો હશે. કદાચ એણે દ્રૌપદીના હીબકા સાંભળ્યા હશે.

“મને આટલા બધા જણાંની વચ્ચે નગ્ન ના કરશો ! મને શરમ આવે છે ! !”

કદાચ એણે ભાર્ગવની માતાના પોકાર સાંભળ્યા હશે.
‘બેટા પરશુ પિતા ગુસ્સામાં ખોટી આજ્ઞા આપે તેને પાળવાના મોહમાં મારું માથું તારા નિર્દય પરશુ(ફરશી)થી ના વધેરીસ’.
‘નાં માં ના ભવિષ્યમાં ભારતવર્ષ માં કોઈ બેટો એના પિતાની આજ્ઞાની અવગણના ના કરવો જોઈએ, એનો જડબેસલાક દાખલો આજે મારે બેસાડવો છે, અને પિતાજી પાસે સંજીવની વિદ્યા છે હું કોઈ ઉપાયે એમને તને જીવતી કરવા રાજી કરી લઈશ’
‘બેટા ફીફા ખાંડવા રહેવા દે એવી કોઈ વિદ્યા નથી, ભવિષ્યમાં પણ મરેલાને સજીવન કરે એવી વિદ્યા તો મળવાની નથી, હા દવાઓ ખાઈ કદાચ જીવન લંબાવી શકાશે.’
પણ ભાર્ગવ માને? માતાની આજીજીઓ આ ઝાડે સાંભળી હશે. પરશુનો માથું વધેરતો ખટકો એણે સાંભળ્યો હશે. વિરુદ્ધ ગુણ આકર્ષે, એ ન્યાયે કદી યુદ્ધમાં ના જવા ટેવાયેલા બ્રાહ્મણોના આ સદાય ફરશી લઇ ક્ષત્રિયોના માથા વધેરતા મહા ભાર્ગવ પરશુરામ તમામ બ્રાહ્મણોના આદર્શ મહાપુરુષ બન્યા. ક્ષત્રિયોના અન્યાય સામે લડવું જોઈએ,  કેમ ના લડવું જોઈએ? જરૂર લડવું જોઈએ. પણ એક ક્ષત્રીયના પાપે તમામ ક્ષત્રિયો ઉપર વેર રાખવું એમાં મને તો કોઈ ગણિત સમજાતું નથી. અરે! ગર્ભવતી ક્ષત્રાણીઓના પેટ ચીરીને જન્મ પામવાની રાહ જોતા ક્ષત્રિયોને માર્યા. ચાલો ઠીક છે, પણ માતાની હત્યા? ને પિતા કદી ગેરવાજબી માંગણી કરી ના શકે એવું કેમ મનાય? ગેરવાજબી હતી માટે તો બીજા ભાઈઓએ ના માની.  પિતાની આજ્ઞાનું પાલન ના કરનાર ભાઈઓને પણ માર્યા. બ્રાહ્મણ મિત્રો કોઈ ખોટું ના લગાડતા. મહાત્માઓએ વિચારવાની બારીઓ, વિન્ડોઝ બંધ કરી દીધી છે. બારી બંધ કરવા  સંજીવની વિદ્યાનું તુત ઘુસાડી દીધું છે.
કોઈ ઉપાય જો સુજે વૈજ્ઞાનિકો ને એ ઝાડને સાંભળવાનો તો ગીતાના ઓરીજીનલ શ્લોક કહી બતાવે.
ભારતીય સંસ્કૃતિનો સ્થંભ એનાથી પણ જુનો. પણ ૨૫૦૦૦ કરતાય વધારે સંપ્રદાયોની ઉધઈ વળગી છે. અને રોજ નવી વળગતી જાય છે. મૂળ થાંભલો દેખાય નહિ તેમ વળગી છે. અરે આ ઉધઈને જ લોકો સંસ્કૃતિ માનવા લાગ્યા છે. બુદ્ધ  ને મહાવીર કંટાળ્યા. ચાલો નવો થાંભલો રોપીએ. જાત જાતની કથાઓ ને ભાત ભાતના પુરાણોની ઉધઈ. બધા પુરાણો સાચા નથી, અથવા એમના નામે ચરી ખાવાનું ચાલે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી કથા શરુ. દરેક કથા પાછા વ્યાસજી ઉવાચ. એમાય પાછા સુતજી કહે મને વિષ્ણુજી એ કહેલી એ હવે તમને કહું છું. દરેક વ્રતનું પણ એમજ સમજવું.
કાલે જરા ધ્યાનથી સત્યનારાયણ કથા સાંભળી. રાજાનું અડધું શરીર રાજાએ કરવતથી કાપીને સત્યનારાયણ ભગવાનને આપ્યું. પછી અડધાનું શું કર્યું તે ના કહ્યું. અને આ અડધું શરીર ભગવાને શું કામ માગ્યું હશે? અડધું વળી શું કામમાં આવે? દરિદ્ર બ્રાહ્મણ દરેકમાં હોય. સાધુ વાણીયો ને લીલાવતીને કલાવતી. પ્રસાદ પડતો મુક્યો તો ખલાસ, ગયા જેલમાં. કથા કરી તો રાજાને ભગવાને ધમકી આપી કે તારો સત્યાનાશ કરી દઈશ સાધુ વાણિયાને છોડી દે. પુરાવે પોતે ને છોડાવવા પાછા ધમકી પણ પોતે જ આપે. કર્મનો નિયમ ગયો ભાડમાં.  ખાલી કથા કરાવો ને સર્વ પાપો કર્યા કરો. કોઈ બોધર ના કરે. પ્રસાદ ના ખાધો  તો દસ પુત્રો મરી ગયા. છેલ્લે પ્રસાદ વહેચાયો તો મેં કહ્યું ખાઈ લેવા દે ભાઈ મારે તો ત્રણ જ પુત્રો છે. બધા મરી જાય તો ઉપાધી થાય. વાઈફે પાછું બાળકો ના થાય તેનું ઓપરેશન કરાવી લીધું છે. અને હવે આ ઉંમરે બીજું બૈરું પણ ના મળે પુત્રો પેદા કરવા. પાછા કાયદા પહેલાના જેવા નથી. એક બૈરા ઉપર બીજું  બૈરું કરીએ તો પાછા સળિયા ગણવા પડે. એના કરતા સારો શીરો  બનાવ્યો છે, બેસ્ટ શીરા મેકર વાઈફે તો ખાઈ લેવાદે કોઈ ખોટું જોખમ નથી ખેડવું. મજાક કરું છું.
કેવી કેવી ઉધઈઓ? કોઈ વાર દશામાંનું પુર આવે, કોઈ વાર સંતોષી માતાનું. તો કોઈ વાર વૈભવ લક્ષ્મી. કોઈ વાર સાઈબાબાનું પુર આવે. હમણા સાઈબાબાનું ચાલી રહ્યું છે. પાછા મિત્રો કહેશે લોકોને આસ્થા હોય છે. કોઈ જીભ કાપીને મૂકી દે આવી આસ્થા? આવી આસ્થા વિરુદ્ધ પણ ના બોલાય? ધાર્મિક લાગણી દુભાઈ જાય. વાત વાતમાં ખોટું લાગી જાય.
લગભગ ૭૦૦ વર્ષ મહાન ગુપ્ત રાજાઓએ સજ્જડ રીતે સીમાડા સાચવ્યા. સિકંદર જેવો પણ ઘૂંસ મારી ના શક્યો. બસ પ્રજાને જલસા થઇ ગયા. ના કોઈ યુદ્ધ ના કોઈ હાડમારી. સુવર્ણ યુગ હતો. એજ સતયુગ લાગે છે. તમામ સાહિત્ય ને શાસ્ત્રો એ નવરાશે રચાયા. કવિતાઓ, મહાકાવ્યો રચાયા. પુરાણો રચાયા. પ્રજા ને છેતરવાનું શરુ થયું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી ધંધા શરુ થયા. શંકરાચાર્ય આવ્યા. થોડા ફટકા ઉધઈ ખંખેરવા લગાવ્યા. પણ વહેલા જતા રહ્યા. એમના ચેલાઓએ નવી ઉધઈ બનાવી લીધી. નાના મોટા કોઈ કોઈ વચ્ચે ઉધઈ ને ખંખેરવા પ્રયત્નો કરે પણ જેટલો જુનો થાંભલો એટલી જૂની ઉધઈ. પાકી સિમેન્ટ જેવી. ખંખેરવા વાળો જ ઉકલી જાય. દયાનંદ સરસ્વતી આવ્યા, મોરબીના ટંકારા થી. સાલું આ કેવો ભગવાન એના પર ઉંદરડા ફરે ને હટાવી પણ શકતો નથી. ખુબ ડંડા માર્યા, સત્યાર્થ પ્રકાશ નામનો ઘણ માર્યો. પણ ઉધઈ મજબુત. એમને જ લાડવામાં ઝેર આપી દીધું. ખબર પડી તો માંડ્યા દંડ બેઠક કરવા, જે પસીનામાં ઝેર નીકળી જાય તેટલું ઓછું. પહેલાવાનો મોકલાતાં તો સ્વામીજી પણ પહેલવાન હતા. ઉચકીને ફેંકી દેતા. પણ કપટ આગળ લાચાર બન્યા. રસોયાને પૈસા  આપ્યા ને કહે ભાગી જા, મારો ભક્ત રાજા તને ફાંસીએ લટકાવી દેશે.
વિવેકાનંદ આવ્યા. ૧૦૦ યુવાનો આપો આખો સ્થંભ ઉધઈ વિહોણો કરી દઉં. ભારતનું કમનસીબ યુવાનીમા જ શંકરાચાર્યની જેમ સિધાવી ગયા. રામ મોહનરાય આવ્યા. એમણે પણ ડંડા ઝાપટ્યા, પણ સાલું જૂની ઉધઈ નવા સ્વરૂપ લઇ લે. એકલ દોકલની તતુડી કોણ સંભાળે. ગાંધીજીને થયું નવો પશ્ચિમનો થાંભલો સારો. પણ જુના સંસ્કાર આડે આવ્યા..જૈન રાજચંદ્રને ગુરુ માન્યાં. થોડી સાફસફાઈ શરુ કરી, હરીજન વાસમાં ફરવા લાગ્યા. ભગવી ધજાઓ બગડી. આ વાણીયો તો મંદિરો અભડાવસે. પણ પહેલા આઝાદીનું કામ કરીએ. ઉધઈ વિફરી ધરબી દીધી ગોળીઓ  છાતીમાં.  છેલ્લે ના મહાવીર યાદ આવ્યા ના જીસસ, યાદ આવ્યો હે!!રામ!!!અચેતન મનમાં રહેલા સંસ્કાર ના જાય તે આનું નામ.
ગુજરાતી વળી ઉધઈને સંસ્કૃતિ માને ને ગાંડા બહુ થાય. દરેક ને ગુજરાત બહુ ભાવે. અહી ધંધો સારો ચાલી જાય. કોઈ યુ.પી.થી આવે કોઈ હરિયાણા થી. કોઈ વળી વ્રજમાંથી આવે તો કોઈ વળી છપૈયા થી. ઘણા બધા સાક્ષરો પણ ગોદા મારી લે. પણ નવી પેદા થયેલી બહુ મોટા ગજાની ઉધઈના લપેટામાં આવી જાય. ઉધઈ ખોતરવા જાય ને ઉધઈમાં ઘુસતા જાય. પણ પાછો ઉધઈને ખોતરવાનો  સ્વભાવ, એટલે કલમનો ગોદો મારીલે કે “સાધુઓ તો પરણેલા જ સારા”.  એ.સી હોલોમાં ઉધઈઓ વિકસતી જાય. કરોડો રૂપિયા વપરાય. ગંગા મેલી થાય પણ કોઈનું ના ચાલે. સ્વામી સચ્ચિદાનંદ દંતાલી વાલા આવ્યા. ખુબ ડંડા મારે ચાલો અભિગમ બદલીએ, વૈજ્ઞાનિક અભિગમ રાખીએ, પણ કોણ જાગે?

અરવિંદ કાકા(અરવિંદ અડલજા) બુમાબુમ કરે કે અલ્યા ગંદકી નાબુદીની કથાઓ કરો, મંદિરો માં પૈસા ના વેડફો, ઘોંઘાટ વિરુધની કથાઓ કરો. પણ કોણ સાંભળે. મને થયું અરવિંદ કાકાના અભિયાનમાં હું પણ તૂટી પડું. મિત્રો નારાજ થાય. સંસ્કૃતિ ઉપર ઘા કરો છો? રિસાઈ જાય. અલ્યા ભાઈ મૂળ થાંભલી ખોવાઈ ગયી છે એને શોધું છું. હવે આ રાફડા હટાવ્યા વગર પહોચું કઈ રીતે? સંસ્કૃતિ સ્થંભ તો અડીખમ ઉભો છે પણ નજીક જવું કઈ રીતે?

માતા પણ એક સીધી સાદી સ્ત્રી છે.(On Mother’s Day)

માતા પણ એક સીધી સાદી સ્ત્રી છે.
માતૃ દિવસ, મધર ડે એ પશ્ચિમના જગતમાં માતાના અગણિત ઉપકાર  માટે  આભાર માનવાનો દિવસ છે. આજે ગુજરાતી બહેનોનું એક ગ્રુપ પેન્સીલ્વેનીયામાં આવેલા વ્રજ મંદિર જવા નીકળેલું છે. એમાં મારા શ્રીમતીને પણ જવાનું હતું. એમને મૂકીને દૂધ લેવા સ્ટોરમાં ગયો તો એક વીસેક વર્ષ ની ગોરી માતા એના નાના ટેણીયા ને કાર્ટ માં બેસાડી એની માતા માટે ફૂલ ખરીદવા આવેલી જોઈ. મને થયું આ માતાને એકદમ ભગવાન બનાવી દેવાથી શું એ કોઈ સામાન્ય ભાવનાઓ ધરાવતી સ્ત્રી મટી જવાની? માતાને ભગવાનનો દરજ્જો આપ્યો છે એ બહુ સારી વાત છે. પણ શું એ સ્ત્રી થોડી મટી જવાની? એને દુન્યવી લાગણીઓ ના હોય? ને એ લાગણીઓ તૃપ્ત કરવાની ઈચ્છા ના થતી હોય? શું એ સંસારિક કાવાદાવા ઓ  થી પર થઇ જવાની?
વર્ષો પહેલા મેં છાપામાં વાચેલું ફોટા પણ જોએલા કે એક સામાન્ય મજદૂર શ્રમિક ગણાતી સ્ત્રી એના પતિ સિવાય બીજા કોઈ જોડે કહેવાતા અનૈતિક સબંધો ધરાવતી હતી ને એક રાતે એનો નાનો છોકરો આ બધું જોઈ ગયો તો બંને જણા એ માતા અને એના પ્રેમીએ ભેગા થઇ ને પેલા છોકરાનું કાસળ કાઢી નાખ્યું.  હું તો વાંચી ને હાલી ગયો. જે માતા સંતાનો માટે જીવ આપી દે એજ જીવ લઇ લે? દરેક માતા ભગવાન નથી હોતી!!!!
“સંદેશ” માં લીલાબેન પટેલ ના ‘જીવન ના અતરંગ’ નામની એક સવાલ  જવાબ ની કોલમ  આવતી. એમાં લોકો સવાલ ખાસ તો સ્ત્રીઓ  જ  પૂછતી ને લીલાબેન એનો જવાબ આપતા. બહુ સરસ  સામાજિક ને મનોવૈજ્ઞાનિક  છણાવટ કરી ને જવાબ આપતા. પોતાની દીકરીઓનાં  ઘર  ભગવતી, એમની કમાણી ખાતી, કમાણી ખાવા  લગ્ન ના થવા દેતી, કમાણી ખાવા ડિવોર્સ  કરાવી દેતી માતા વિષે એક નહિ હજારો દાખલા વાંચ્યા છે. આ દીકરીઓ પણ માતાને ભગવાન સમજતી ને પોતાનું ભવિષ્ય ના જોઈ શકતી, એમને એ ભગવાન ની છબીનું સાચું પોત  લીલાબેન સમજાવતા. એજ લીલાબેનની કટાર નો એક આર્ટીકલ  મેં કટિંગ  કરીને સાચવી રાખેલો. એમાં એક  અમેરિકા આવેલી માતા એની જેઠાની અને એમના પોતાના દીકરા દીકરીઓ સાથે ગ્રુપમાં મુક્ત સેકસાચાર  માણતાં, એમાંથી છૂટવા માટે શું કરવું તે લીલાબેન ને પૂછતી હતી. અહીની એક ગુજરાતી માતા ને હું જાણું છું. જે કપડાની જેમ  બોય  ફ્રેન્ડ  બદલે છે. એનો દીકરો રાતદિવસ મહેનત  કરે છે. ડબલ  જોબ  કરે છે. ઘર નો, એની એક નાની બહેન નો ખર્ચ  પૂરો કરે છે.
બીજી એક જૈન  માતા એના બે સંતાનો સાથે ગેરકાયદે આવી છે. એ પણ ગલઢા ૭૦ વર્ષ થી વધારે ઉમરના મિત્રો સાથે ફરી ને એની કમાણી ના પૈસા એના છોકરાને હુકો પીવા ને રખડવા માટે આપે છે. જયારે એની દીકરી આખો દિવસ ઘરમાં ભરાઈ  રહે છે. દીકરી માટે એક ડોલર એની પાસે નથી જયારે દીકરાને હુકો પીવા પૈસા આપે. દીકરાએ  સ્કુલ, હા!!ભાઈ હા!!!હજુ સ્કુલ માં જ  છે પણ છોડી દીધી છે. પુરા અઢારનો હજુ થયો નથી. માતા પણ સંતાનો વચ્ચે ભેદ ભાવ  રાખે છે, દેશમાં પણ ને અહી પણ.
એક એવી માતાને પણ ઓળખું  છું સત્ય ઘટના છે. પોતે ઓપરેશન કરાવી નાખેલું. એક નો એક દીકરો ૧૯ વર્ષ નો થઇ ને એક્સીડેન્ટમાં ગુજરી ગયો. માથે આભ તૂટી પડ્યું. એક વારસદાર તો જોઈએ એવી માન્યતાઓ. આ માતાએ એના પતિદેવ ને ફરી પરણાવ્યો જોડે રહીને. નવીના છોકરા થયા એ પોતે જ મોટા કર્યા છે. માતૃત્વની બધી ભાવના શોક્ય ના છોકરાઓને મોટી કરવામાં ઠાલવી દીધી. પેલા નાના  છોકરાઓ એની સગીમાં પાસે જાય જ નહિ એવું મેં જાતે જોએલું છે. મારા સગામાં બનેલી ઘટના છે. કોઈ વાર  ફોન  પર વાત કરી લઉં છું.
માતા પણ દુન્યવી લાગણીઓ થી પર  કઈ  રીતે હોઈ  શકે? માતાને પણ રાગ  છે દ્વેષ  છે. ગમા છે અણગમા છે. માતા ને પણ કોઈ પણ ઉંમરે પ્રેમ ની ભૂખ  હોય છે. તે  શારીરિક  પણ હોઈ શકે માનસિક  પણ હોઈ શકે. માતાને ભગવાનનું  કોચલું પહેરાવી દો પછી ક્યાં જાય?  બિચારી મનોમન  પીડાયા કરે, દુણાયા  કરે, દુખી થયા કરે, માનસિક રીતે રોગી થયા કરે, બીમાર  રહ્યા કરે, સહાનુભુતિ મેળવવા પણ બીમાર રહ્યા કરે. ભગવાનને કશાની જરૂર પડે ભાઈ?  એની એક વાર પૂજા કરી લેવાની, પછી એની સામે કોણ  જુએ  છે? મધર્સ  ડે ઉજવી લેવાનો, એના ગુણગાન  ગઈ  લેવાના, કવિતાઓ  બનાવી લેવાની. ફૂલ આપી દેવાના. એને પુચ્છ્યું ખરું માં તારે શું જોઈએ  છે? માથે હાથ  ફેરવ્યો? હા!!ભાઈ હા!!માથે હાથ ફેરવાનારી ને પણ કોઈ એના માથે હાથ ફેરવે એવી ઈચ્છા થતી હોય છે. “ગરમ  લોહીના પ્રાણી માટે  સ્પર્શ  એક  શારીરિક જરૂરિયાત  હોય છે.” માતા ભલે એંસી વરસ  ની થઇ હોય પણ એના માથે દિવસમાં એકવાર હાથ ફેરવો. એણે આખી જીંદગી તમારા માથે હાથ ફેરવ્યો છે. માટે તમે જીવતા રહ્યા છો.
    
       
સ્પર્શ નું વિજ્ઞાન જાણવું હોય તો મારા બ્લોગ માની  ‘માતૃત્વ  ની કેડીએ ‘  લીંક પર જાઓ ને કાંગારું પદ્ધતિ વિષે જાણો. અધૂરા કે અવિકસિત જન્મેલા બાળકો ને માટે કાંગારું જેમ એના પેટ નીચે રહેલી કોથળીમાં બચ્ચા ને રાખી ને મોટા કરે છે, એમ આવા અવિકસિત ને ઓછું વજન ધરાવતા બાળકોને માતાની છાતીએ પૂરો સ્પર્શ થાય તેમ રાખવાના હોય છે. બાળકોનું વજન આશ્ચર્ય જનક રીતે વધી જાય છે. એમાં વિડીયો કલીપ પણ મુકેલી છે. મધર્સ ડે ઉજવ્યો પણ માતાને માથે વહાલથી કેટલા જણાએ હાથ ફેરવ્યો?

પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!

પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!
       
           *કોઈ પણ લેખ વાંચીને અભિપ્રાય આપવો કે ના આપવો તે વાચકે નિર્ણય લેવાનો છે.પ્રતિભાવ માંગવો તે કોઈ મોટો ગુનો તો નથી જ.આપણે સ્વતંત્ર છીએ પ્રતિભાવ આપવા માટે.નાં આપો તો કોઈ ઘેર આવીને કડક ઉઘરાણી તો કરતુ નથી.ઘણા મિત્રો ને ફરિયાદ છે કે કોમેન્ટ્સ માટે ખુબ ઉઘરાણી થાય છે.ચાલો કોઈ મિત્રે કવિતા ,ગઝલ કે આર્ટીકલ લખીને મુક્યો,તો એ મિત્ર એક વાર રૂટીન મુજબ લખશે કે મેં આ કૃતિ મૂકી છે પ્રતિભાવ આપસો.એ કાઈ એક જ કૃતિ માટે દસ વાર તો લખતા નથી કે પ્રતિભાવ આપસો,,પ્રતિભાવ આપસો,,હું અહી દસ વાર નથી લખતો તમે સમજી લેજો.એક જ વાર એક રચના માટે કોઈ પ્રતિભાવ માંગે તેમાં આપણું શું ગયું?આપણે આપવો હોય તો આપીએ નાં આપવો હોય તો ના આપીએ.
   
                       *ચાલો હું કદી પ્રતિભાવ નથી માંગતો તો મારા લેખ ની ગુણવત્તા થોડી ઉંચી થઇ જવાની છે?અને પ્રતિભાવ માંગનાર ના લેખ કે રચનાની ગુણવત્તા નીચી થઇ જવાની છે?ગુજ્બ્લોગ માં સભ્ય હોવ તો ઈ મેલ્સ તો આવવાની છે.એને કંટ્રોલ માં રાખવાની સગવડ પણ હોય જ છે.અને ના વાચવી હોય તે ડીલીટ કરતા વાર પણ લાગતી નથી.પસંદગી ની મેલ જ વાચવી.બાકીની ડીલીટ કરી નાખવાની.પણ એમાંથી કોઈ સારો બ્લોગ કે રચના વાચવા મળી જાય છે.આપણી રચનાઓ કોઈ વાંચે તે માટે આપણે એમ સભ્ય થયા હોઈ છીએ,એમ બીજા પણ થયા હોય.આપણી રચના મુકાયા ની મેલ બધાને મળે તો ચાલે,બીજા ની આવે તો ના ગમે તે ક્યાંનો ન્યાય?હું પોતે આ ગુજરાતી બ્લોગ  જગત માં નવો હતો.ગુજ્બ્લોગ માં સભ્ય પણ પાછળ થી થયો.મને આની ખાસ ગતાગમ ના હતી.પછી મારી રચના મુક્યા ની મેલ પણ હું કરતો નહતો.ઘણા સમય પછી મેં તે ચાલુ કર્યું.એમાં કોઈ વાર લખું છું કે પ્રતિભાવ આપસો,ને ઘણી વાર નથી પણ લખતો.પણ મારા વાચકો ની સંખ્યા આ પછી ખુબ વધી ગઈ છે.
     
                     *તમે ગમેતેટલું સારું લખો કોઈ જાણે જ નહિ તો ક્યાંથી વાંચે?જંગલ માં મોર નાચે તો કોણે જોયો?તમે કેવું લખો છો તે ક્યારે ખબર પડે?જાતે તો બધા પોતાને મહાન જ સમજતા હોય.હું જાતે લખું કે મારા લખાણો તેજાબી છે એનો શું અર્થ? મને તો કશું તેજાબી લાગતું નહોતું.હું તો મારા વિચારો જે મનમાં ઉદભવતાં હોય તે લખતો હતો.આતો ભજમનભાઈ ના કાન ની બુટ ગરમ થઇ ગઈ ને એમણે મને જણાવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ આપણી વાત માં થોડો ઘણો તો દમ છે.છતાં દરેક વખતે એવું લખાય તે પણ જરૂરી નથી.કોઈ વાંચે,અભિપ્રાય આપે ત્યારે જ ખબર પડે કે કેવું લખીએ છીએ.અને કેવું લખીએ છીએ તે વાંચનાર જ નક્કી કરી શકે,જાતે નહિ.અને માટે અભિપ્રાય માંગે કોઈ તો નારાજ થયા વગર આપવો હોય તો આપવાનો,તમે સ્વતંત્ર છો ના આપવા માટે પણ.
      
                   *ઘણા મિત્રો રૂટીન મુજબ લખી નાખતા  હોઈ શકે કે કોમેન્ટ્સ આપસો.ઘણા મિત્રો ને ઇન્તેજારી હોય જાણવાની કે એમણે કેવું લખ્યું છે,માટે જરા આગ્રહ પૂર્વક લખતા હોય કે અભિપ્રાય આપવાનું ભૂલતા નહિ.ઘણા તો આવા શબ્દો પણ રૂટીન મુજબ લખી નાખતા હોઈ શકે.કોઈ કોપી પેસ્ટ કરે તો ફરિયાદ કર્યાનું જાણ્યું છે,પણ કોઈએ અભિપ્રાય ના આપ્યો ને ફરિયાદ કરી હોય તે જાણ્યું નથી.તમે અભિપ્રાય નથી માંગતા ને ટૂંકું ટચ લખો છો માટે એની ગુણવત્તા ઉંચી હોઈ શકે એવું બની શકે, ને ના પણ બની શકે.અને લાંબા લેખ લખનાર ની ગુણવત્તા નીચી હોય તેવું પણ ના હોઈ શકે.હા તમને પ્રેક્ટીસ ના હોય ખાસ વાંચવાની તો કંટાળો આવે કે ધીરજ ના હોય તેમાં લખનાર નો કોઈ વાંક નથી.મારા આર્ટીકલ નીચે દવે સાહેબ ના પ્રતિભાવ ની લંબાઈ વધારે હોય છે.પણ હું તેને ધ્યાન થી વાંચું છું.કારણ ઘણી વાર એમાંથી ઘણું સારું જાણવા મળે છે.ઘણી વાર તો તેઓશ્રી મૂળ આર્ટીકલ કરતા વધારે લાંબુ લખી નાખતા હોય છે.પણ હું તો ખરેખર વાંચનાર છું માટે મને કંટાળો ના આવે.ખુબ વાંચી વાંચી ને તો લખતા શીખ્યો છું.મને તો ઉલટું છે સાવ ટૂંકું ને ટચ લખાણ હોય તો પૈસા પડી ગયા હોય તેવું લાગે.હું વડોદરા થી બસ સ્ટેશને થી ચિત્રલેખા લઇ ને બસ માં બેસું માણસા મારા ગામ જવા.નડિયાદ આવતા સુધી માં વારંવાર બ્રેક વાંચવામાં પાડ્યા છતાં ચિત્રલેખા પૂરેપૂરું વંચાઈ જાય.એટલે મને લાગણી થાય કે મારા પૈસા પડી ગયા.અમદાવાદ વચ્ચે ઉતરીને બસ બદલાતા પાછુ બીજું કોઈ અભિયાન જેવું લઇ લઉં.માણસા આવતા તે પણ પૂરું થઇ જાય.બસ માં કોઈ વાંચવા માંગે તો આપી દઉં,પાછું પણ ના માંગું.વંચાઈ ગયું હોય ફરી શું વાંચવાનું?જોકે મારા લેખ ના એવા પણ વાચકો છે જે વારંવાર એકનો એક લેખ વાંચે છે.બોલો કહેવું છે કાઈ?
            
                      *હા મુદ્દાસર ને વધારાનું પિષ્ટપેષણ કર્યાં વગર નું લખાણ હોય તે જરૂરી છે,જેથી વાંચનાર ને કંટાળો ના આવે.થોડી લખનાર ની પણ ફરજ છે કે વાચક ને કંટાળો ના આવે તેવું લખવાની.એક ની એક કૃતિ માટે કોઈ વારે ઘડીએ મેલ મોકલતું હોય તો એ પણ ખોટું છે.અને એકની એક રચના માટે કોઈ વારે ઘડીએ પ્રતિભાવ કે કોમેન્ટ્સ માગતું હોય તો તે પણ ખોટું છે.અને તમે કોમેન્ટ્સ નહિ માંગો તો પણ તમારા લખાણ માં દમ હશે કઈ નવું હશે તો વાચક ચોક્કસ અભિપ્રાય આપવાનો જ છે.અને બીજું જો વાચક ને પોતાને જ લખવાનો કંટાળો આવતો હશે તો તમે ગમેતેટલી વિનંતી કરશો ,એ પ્રતિભાવ નથી જ લખવાનો.અને જે વાચક હમેશા અભિપ્રાય આપવા ટેવાએલો  હશે તો નહિ માંગો તોપણ અભિપ્રાય આપશે જ.મારા કેટલાય  મિત્રો ફોન ઉપર મારા આર્ટીકલ ના વખાણ કરતા હોય છે,પણ કદી કોમેન્ટ્સ લખતા નથી.એટલે એવું પણ નથી કે કોમેન્ટ્સ નથી મળતી એટલે કોઈ વાંચતુ નથી.જે મિત્રો ને કોમેન્ટ્સ ની ઉઘરાણી વિષે ફરિયાદ છે એ મિત્રો ને કદાચ વાંચવાનો કંટાળો આવતો હશે,કદાચ લખવાનો કંટાળો આવતો હશે,કદાચ એમના લેખ નીચે કોઈ ઝાઝી વખાણ કરતી કોમેન્ટ્સ નહિ લખતું હોય.
         
                 *બંધ બેસતી પાઘડી પહેરી લેવાની તમામ ને છૂટ છે,પણ કોઈ ને ખોટું લગાડવાની છૂટ નથી.અને નીચે પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ.હો,કે!!!!!

“ભલે મહાત્માઓ ના કહે!મોહ,મમતા,માયા જરૂરી છે.”

                   *લગભગ બધાજ ગુરુઓ કહે છે મોહ,માયા,મમતા છોડો બધું નકામું છે.નકામું હોત તો મુકત શું કામ?હા!એની લીમીટ હોવી જોઈએ,પણ નકામું તો નથીજ.સાધુઓ બાલ બચ્ચાંનો મોહ છોડી ને ભાગી જાય છે.પછી નવો મોહ વળગે છે.સંપ્રદાય નો,ભક્તો વધારવાનો,મંદિરો ઉપર મંદિરો બનાવવાનો.મોટા ભાગ ના ગુરુઓને એકાદ સ્ત્રી શિષ્યા નો મોહ વળગેલો હોય છે.ઘણા બધા ગુરુઓની શિષ્યાઓ ખુબ નાની ઉમરની હોય છે,તે ગુરુઓ ને આ શિષ્યાઓમાં એમની દીકરીઓ પણ દેખાતી હોય છે.દીકરી પ્રત્યેનો મોહ આ નાનકડી શિષ્યાઓમાં વહેતો હોય છે.આ શિષ્યાઓ મોટી થતા  શિષ્યાઓ તથા એમના મળતિયાઓ દ્વારા ગુરુઓનું  શોષણ થતું હોય છે.બાપ જેવી લાગણી ધરાવતા ગુરુઓ મોહવશ થઇ કશું જ કરી શકતા નથી,અસહાય બની જતા હોય છે.
મોહ,મમતા,માયા વિરુદ્ધ ભાષણો આપતા ગુરુજી પોતે મોહ ના ચક્કર માં ફસાઈ જતા હોય છે.મેં પોતે આવા દાખલા જોયા છે.
        
                      *મોહ,મમતા જરૂરી છે.મમતા ના હોય તો તમે તમારા બાળકોને મોટા કઈ રીતે કરો?બાળકો પ્રત્યે મમતા કુદરતે મૂકી છે.જેથી તમે એમનું રક્ષણ કરો,પાળો,પોષો અને મોટા કરો.તો જ તમારા સંતાનોમાં તમે ટ્રાન્સફર કરેલા જીન્સ વ્યર્થ ના જાય.પ્ર્રાણીઓ પણ આ મોહ મમતા થી પર નથી.દરેક પ્રાણી જગત અને જંતુ જગત એના સંતાનોને બચાવવા જીવ સટોસટ ની લડાઈ લડતું હોય જ છે.એક ચિત્તા ફેમિલીનું જીવન હું ટીવી પર જોતો હતો.(ભારતમાં ચિત્તા નથી,જે છે તે દીપડા છે.) માદા ચિત્તા એના બે બચ્ચાઓ ને પાળતી હતી.હમેશા જીવ ના જોખમે એમનું રક્ષણ કરતી હતી.બંને બચ્ચા હરદમ એની સાથેજ રહેતા હતા.અને બચ્ચા મોટા થયા.એક દિવસ અચાનક બંને ને છોડી ને જતી રહી.હું તો જોતોજ રહી ગયો!આ બચ્ચાઓ માટે પ્રાણ ના જોખમે લડી છે.અને આમ અચાનક છોડી દેવાના?હા!પણ આ બચ્ચાઓ હવે મોટા થઇ ગયા હતા,જાતે શિકાર કરવા માટે સક્ષમ હતા.મને આ ચિત્તા ફેમીલી ના જીવન કવન પરથી શીખવા મળ્યું કે ક્યાં સુધી મોહ જરૂરી છે?ક્યાં સુધી મમતા જરૂરી છે?સંતાનો મોટા થાય એટલે એમની લડાઈ એમને લડવા દો.નહીતો એ કમજોર થઇ જશે.સર્વાઈવલ ના યુદ્ધ માં ટકી નહિ શકે.વધારે પડતી સલામતી એમને અસલામત બનાવી દેશે.મોહ મમતા જરૂરી છે,સંતાનોને મોટા કરીએ ત્યાં સુધી.માનવી નું બચ્ચું સૌથી કમજોર હોય છે.એને લાંબા સમય સુધી માતાપિતા ની સહાયતા ની જરૂર હોય છે.બીજા પ્રાણીઓ ના બચ્ચાઓ બે ત્રણ કલાક માં ઉભા થઇ ને દોડવા લાગે છે.માનવીના બચ્ચાને મોટું કરતા આશરે ૧૫ વર્ષ વીતી જાય છે.બચ્ચાને મોટા કરવા નર માદા ના સહિયારા પ્રયાસો  ની જરૂરત હોય છે.એટલે પક્ષીઓ પણ  જોડી  બનાવે છે.
          
               * દક્ષીણ ધ્રુવ પ્રદેશ માં પેન્ગ્વીન નામના જે પક્ષીઓ રહે છે,તે ઉડતા નથી પણ ચાલે છે અને પાણીમાં તરે છે.ભયાનક શિયાળામાં ૧૦૦ માઈલ(૧૬૦ કિલોમીટર) ની ઝડપે કાતિલ પવન સુસવાટા મારતો હોય ને ભયંકર બરફ વર્ષા થતી હોય ત્યારે હજારો પેન્ગ્વીન ટોળું વળી ને છ મહિના ઉભા રહેતા હોય છે.એમના બે પગ વચ્ચે એક ઈંડુ રાખી  છ મહિના સાચવતા હોય છે તે નર હોય છે,માદાઓ નહિ.માદાઓ તો ઈંડા મૂકી દરિયા ભેગી થઇ ગઈ હોય છે.શિયાળો પૂરો થતા પાછી આવે છે,પેટમાં એમના બચ્ચાઓ માટે અઢળક ખોરાક નો પુરવઠો ભરીને.પ્રાણીઓ ને બીજા સજીવો નો મોહ સમય પુરતો હોય છે.જયારે માનવી નો મોહ સમય વીતી ગયા પછી પણ  ચાલુ રહેતો હોય છે.સંતાનો ખુદ સંતાનો ધરાવતા થઇ ગયા હોવા છતાં આ મોહ ચાલુ રહે તો સંતાનોએ અપ્રિય લાગતો હોય છે.
       
                       *  સ્ત્રીને અને પુરુષ ને એકબીજા પ્રત્યે મોહ મમતા હોય છે.પ્રેમ હોય છે.પરિણામ સ્વરૂપ એમના જીન્સ બીજી પેઢીમાં ટ્રાન્સફર થઇ જીવનચક્ર આગળ ધપે છે. અને બંને ભેગા થઇ ને એમના સંતાનો પ્રત્યે મમતા રાખે છે.જેથી એમણે ટ્રાન્સફર કરેલા જીન્સ નું રક્ષણ થઇ,પાલન થઇ નવા જીવન ને આગળ ધપવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.તમે જીન્સ ટ્રાન્સફર તો કરી દો બીજી પેઢીમાં,પણ એમને મોટા થવા માટે જરૂરી સહાયતા ના કરો તો એનો શું અર્થ?એટલે કુદરતે મમતા મૂકી.આ છે મોહ મમતા. “મોહ મમતા ના હોય તો જીવનચક્ર ચાલે નહિ.”
    
                 *નોધ:-નીચેના ફોટા મેં જાતે ન્યુયોર્ક માં હરતાં ફરતાં ખેચેલા છે.
Single Mother
         

!!ભલે સંતો ના પાડતાં,,કામ અને ક્રોધ આવશ્યક છે!!

 !!ભલે સંતો ના પાડતાં,,કામ અને ક્રોધ આવશ્યક છે!!        
         
        *ભગવાન કે કુદરત જે કઈ વસ્તુ સમસ્ત સજીવ  જગત ની અંદર મુકે છે,તે જરૂરી હોય ત્યારે જ મુકે છે.વણ જોઈતું કશું મુકે તેવો એ મૂરખ નથી.તમે શ્વાસ લીધા વગર કેટલું જીવી શકો?તમે ખોરાક લીધા વગર કેટલું જીવી શકો?કે પાણી પીધા વગર પણ કેટલું જીવી શકો?આ થઇ તરત ની જરૂરિયાતો.પણ ઘણી એવી જરૂરિયાતો છે,જે લાંબા ગાળાની યોજનાઓ છે.એના વગર કોઈ સજીવ ને ચાલતું નથી.જો ચાલી શકતું હોય તો ભગવાન મુકે જ નહિ.
       
                                *કામ એટલે સેક્સ કુદરતે દરેક સજીવોમાં મુકેલો છે.જો એ નાં હોય તો જીવન ચક્ર આગળ ચાલે નહિ.જો ખરાબ હોત તો કુદરત તમારી અંદર મુકત જ નહિ.એટલે એના વગર ચાલતું નથી.જો બળજબરી થી ચલાવવા  જાવ તો સ્ખલન થવાનું જ છે.હમણા ૩૩ વર્ષ ના યુવાન દક્ષીણ ભારતીય સન્યાસી નિત્યાનંદ ની વાતો વાંચી.તમિલ અભિનેત્રી સાથેના એમના અંગત સબંધો ચર્ચા માં છે.આમાં આ સન્યાસી ખોટા રવાડે ચડી ગયા છે.૩૩ વર્ષ નું જુવાનજોધ શરીર એમના કાબુમાં ના રહે.કુદરતે અબજો વર્ષ થી  તમારા જીન્સ માં મુકેલું છે કે એક કોપી પાછળ મુકતા જવું.એ ઈવોલ્યુશનરી ફોર્સ સ્ત્રી નજીક આવી નથી કે તમને છોડવાનો નથી.આ સાયંસ પ્રાચીન લોકો જાણતાં હતા.નાની ઉમરમાં સન્યાસ લેવો એ કુદરત ના વિરુદ્ધ માં જવાનું થાય છે.આના વિષે ઘણું બધું કહેવાઈ ગયું છે.જીવનચક્ર આગળ ને આગળ ચાલતું રહે તેવી કુદરતની યોજના એટલે દરેક સજીવ માં મુકેલી “કામ” ની પવિત્ર ભાવના.કુદરતે મુકેલી દરેક વસ્તુ પવિત્ર જ હોય.”કામ” ને કામવાસના કહી હું કુદરત નું ભગવાન નું અપમાન કરવા નથી ઈચ્છતો.જેમ ભૂખ લાગે છે,ને ખાધા વગર ચાલતું નથી.તેમ લાંબા ગાળા ની કુદરત ની યોજના મુજબ કામ(સેક્સ) વગર ચાલે નહિ.
       
                     *ક્રોધ માં એક બળ હોય છે,તાકાત હોય છે.ક્રોધ વગર નો માણસ નપુંસક જેવો લાગે છે.જે કામ માં ખુબ તાકાત લગાવવી પડે છે,તે કામ ક્રોધ માં સહેલાઇ થી કરી શકો છો.અમેરિકાના એક પ્રતિષ્ઠિત ઓલોમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ એથ્લેટ્સ ભારત આવેલા.અહીના રમત જગત ના ખેલાડીઓ ની મુલાકાત લીધી.અહી ચાલતા વિવિધ કેમ્પ ની મુલાકાત પણ લીધી.પછી કોઈએ પૂછ્યું કે આપનું અહીના ખેલાડીઓ વિષે શું માનવું છે?એમનો જવાબ હતો કે ભારતમાં પ્રતિભા ખુબ છે.પણ ‘ભારત ના ખેલાડીઓ અગ્રેસીવ નથી’.ખેલાડીઓ માં આક્રમકતા નથી.એક મરું કે મારું ની ભાવના જોઈએ,જે અહીના ખેલાડીઓ માં નથી.માટે છેલ્લી ઘડીએ માર ખાઈ જાય છે.પ્રજામાં જ એક તો આક્રમકતા નથી તો પ્રજામાંથી આવતા ખેલાડીઓ માં ક્યાંથી હોય?કે નેતાઓમાં પણ ક્યાંથી હોય?મહાત્માઓ ના ઉપદેશો કે કામ,ક્રોધ ને છોડો.ક્રોધ ખરાબ છે.પ્રજા કાયર ના બને તો શું થાય?નપુંસક ના બને તો શું થાય?મુઠ્ઠીભર અંગ્રેજો અહી રાજ ના કરી જાય તો શું થાય?છોને આપણે એક અબજ થી વધારે રહ્યા.હજારો ઘેંટાઓનું ટોળું ભલેને હોય,પણ એક સિંહ આવીને ત્રાડ પડે તો શું થાય?ધાર્મિક મહાપુરુષોએ ક્રોધ ને વખોડી વખોડી ભારતને પાયમાલ કરી નાખ્યું છે,બલહીન,કાયર બનાવી દીધું છે.
          
               * સર્વાઈવલ માટે જીવવું હોય તો બળ જરૂરી છે,ને એ બળ પેદા થાય છે ક્રોધ માં.એક ઘાંચી ને રાજપૂત ના ઘર જોડે હતા.રાજપૂત ભાઈ દુબળા પાતળાં ને ઘાંચી ભાઈ તગડા રૂષ્ટપુષ્ટ.ઘાંચી ની પત્ની પેલા દરબાર ની પત્નીને રોજ મહેણાં મારે કે મારો ઘાંચી કેવો તગડો છે,ને તારો દરબાર જો કેવો દુબળો પાતળો છે.દરબાર ની પત્નીએ એના પતિ ને આ વાત કરી.દરબાર કહે ઢોલ વાગવા દે પછી વાત.એવામાં ગામમાં ધાડ પડી ને બચાવ કરવા લોકોને ભેગા કરવા ઢોલ વાગ્યો.દરબાર ને ક્રોધ ચડ્યો,ઝનુન વ્યાપી ગયું શરીરમાં.દરબાર ને પેલી ઘાંચી ની વાત યાદ આવી,બાજુમાં પડેલી લોખંડ ની કોશ ઉઠાવી ને ઘાંચી ના ગાળામાં ભેરવી ને વાળી દીધી.પછી દરબાર તો ગયા ધાડપાડુઓ  સામે લડવા ને બધા ભાગી ગયા એટલે પાછા આવ્યા.હવે ક્રોધ જતો રહ્યો.પેલો ઘાંચી કહે દરબાર હવે આ કોશ ને સીધી કરો ને કાઢો હવે.દરબાર કહે હવે ના થાય,ફરી ઢોલ વાગે ત્યારે સામે આવીને ઉભો રહેજે.આ વાત તો ઘણા બધાએ વાંચી હશે.કોઈ આખો દિવસ તો ક્રોધ માં જીવી ના શકે.શરીર માં ખાસ પ્રકાર ના કેમિકલ્સ ક્રોધ માં વધારાનું બળ પ્રાપ્ત કરવા માટે છૂટે છે.ઈમરજન્સી શક્તિ નો પુરવઠો વહેવા લાગે છે.કામ પૂરું થયા પછી એની જરૂર હોતી નથી.ઉલટાનું હાની કરે.માટે આખો દિવસ સતત ક્રોધ માં જીવી ના શકાય,અને કોઈ નવરું પણ ના હોય ક્રોધ માં જીવવા.પણ સર્વાઈવલ માટે જો તમને કોઈ મારવા આવે તો ક્રોધ જરૂરી છે.
 

ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!!

                    ગુરુ ગુલામી !!!! ૫૦ લાખ સાધુઓ ?બાપરે !! અધધધધ !!!
*ગુલામ માનસિકતા ને ઘણા કોલોનિયલ માઈન્ડ પણ કહે છે. અંગ્રેજો ૨૦૦ વર્ષ ભારત ને ગુલામ રાખી ને ગયા. એટલે પ્રજાની માનસિકતામાં અંગ્રેજો ને અંગ્રેજી પ્રત્યેની ગુલામી લોહીમાં વણાઈ ગઈ. પણ ગુરુઓની ગુલામી, ગુરુગુલામી પ્રજાના અચેતન મનમાં સમાઈ ગઈ છે અને એ પાછી વારસામાં સંતાનોને પણ જીન્સમાં આપતા જવાની. કોઈ ને ગુરુ વગર ચાલે જ નહિ. ઇન્દિરા ગાંધી હોય કે જવાહર કે ગાંધીજી હોય કે કોઈ પણ નેતા. બધા ગુરુઓ પાસે દોડી જતા. આશીર્વાદ લેવા, સલાહ લેવા. બીજા કોઈ દેશના નેતાઓ સાધુઓની સલાહ લેવા જતા નથી, માટે એ દેશો ભારત કરતા બળવાન છે. અને આગળ પણ છે. સાધુઓની સલાહ લઇને કયું દેશનું ભલું થયું છે? દેશ તો હજાર વર્ષ ગુલામ રહ્યો છે, ગરીબ બન્યો છે, કાયર બન્યો છે.  ભીખારીઓની સલાહ થી દેશ કદી બળવાન બનતો હશે ભલા? મુરખો છે જે દેશ ચલાવવા માટે સાધુઓની સલાહ લેવા દોડી જાય છે. કે આશીર્વાદ લેવા દોડી જાય છે. હા કોઈ અપવાદ હોઈ શકે. જેવા કે ચાણક્ય. પણ એવા અપવાદ કેટલા? ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય બળવાન હતું કારણ એને જાસુસી સંસ્થાનું મહત્વ ચાણક્યે સમજાવેલું. રાજ્યના જાસૂસો સીધા ચાણક્ય પાસે માહિતી આપવા જતા. બંગલા દેશનું સર્જન થયું એ ૧૯૭૧નું યુદ્ધ અર્ધું તો ભારતની જાસુસી સંસ્થા “રો” કારણે જીતાએલું. આ “રો” ને કદ પ્રમાણે વેંતરી એને લગભગ નિષ્ક્રિય બનાવવાનું મહાપાપ શ્રેષ્ઠ ગણાતા વડાપ્રધાન મોરારજી દેસાઈએ કરેલું. કચ્છ જેવડું ઈઝરાઈલ કોઈ ને ગાંઠતું ના હોય તો એનું કારણ એની મહાન જાસુસી સંસ્થા મોસાદ છે.
*બધાને આશીર્વાદ થી કામ ચલાવી લેવું છે. કોઈ ઠોસ કામગીરી કરવી નથી. કર્મનો નિયમ અફર હોય ને કર્મનું ફળ મળવાનું જ છે, અને કર્મો ભગવાનને પણ છોડતા નથી તો આશીર્વાદની શી જરૂર? પ્રાર્થનાની શું જરૂર? જો પ્રાર્થના તમે કરેલા ખરાબ કર્મો કે કરેલી ભૂલમાંથી બચવા કરતા હોવ તો. બાકી પ્રાર્થના કર્યાં કરો કોઈ વાંધો નથી. ભગવાન મહાવીર આ કર્મના નિયમ ને જાણતા હતા, માટે આખી જીંદગી ક્યારેય પ્રાર્થના કરી નથી. ભારતમાં આશરે ૫૦ લાખ સાધુઓ છે, એવું કોઈ આર્ટીકલમાં દિવ્યભાસ્કરમાં વાંચ્યું. જો એ સાચું હોય તો?
આ ૫૦લાખ સાધુઓ કશુજ કરતા નથી. નથી કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા. નથી કોઈ સેવા વેચતા. મફતમાં પ્રજાના પૈસે લહેર કરે છે. એક સાધુ પાછળ ઓછામાં ઓછા રોજ ૫૦ રૂપિયા પ્રજાના વપરાતાં હોઈ શકે. કારણ ભૂખ્યા તો રહેતા નથી. ૫૦ રૂપિયા કરતા પણ વધારે વપરાતા હોઈ શકે બીડી ગાંજાના પૈસા કોણ આપતું હશે? એમનું ખાવાનું, એમની ચા, દૂધ, ભગવાં કપડા, ફલાહાર, એ તો કમાવા જતા નથી. તો સાદો હિસાબ ગણો. રોજ એક સાધુ પાછળ ૫૦ રૂપિયા એટલે ૫૦ લાખ સાધુઓ પાછળ રોજના કુલ્લે થઇ ૨૫૦૦ લાખ રૂપિયા થયા. અને વર્ષના ૩૬૫ દિવસના થઇ ૯૧૨૫ કરોડ રૂપિયા વપરાતાં હશે. આ તમામ પૈસા પ્રજાના ખીસામાંથી જાય છે. આ તો સીધા સાદા ફેમસ ના હોય તેવા સાધુઓનો પ્રજાના માથે પડતો ખર્ચો છે. ફેમસ ગુરુઓ તો બીજા કરોડો રૂપિયા પ્રજાના ખીસામાંથી ખંખેરી લે છે, કશું કર્યાં વગર. ભારતની ઈકોનોમી માટે ખતરા રૂપ છે, આ સાધુ સંસ્થા. દેશના વિકાસ માટે કોઈ જરૂર નથી આ સાધુઓની. આ સાધુઓ નહિ હોય તો દેશ નો વિકાસ સારો થશે. ઈકોનોમી સુધરશે. પ્રજાના મહેનતના રૂપિયા બચશે. ઉપર નું ગણિત ખોટું હોય તો જણાવશો, સુધારી લેવામાં આવશે.
        *જેને કામ કરવું નથી એ સાધુ બની જાય છે. ભગવાં પહેરી લીધા એટલે પત્યું. બાકીની એમને જીવતા રાખવાની જવાબદારી પ્રજાની. ઘણા બધા નું કહેવું છે કે બેચાર ખરાબ સાધુઓને લઈને આખી સાધુ સંસ્થાને ના વખોડાય. મારું કહેવું છે બે ચાર ગણ્યા ગાંઠ્યા સારા સાધુઓ ને લઈને આ આખી નિષ્ક્રિય સાધુ સંસ્થા ને શા માટે વેઢારવી? સ્વામી વિવેકાનંદ જેવા સાચા સાધુઓ, ગુરુઓ કેટલા?  અને જે સાચા છે એતો સંસારમાં રહી ને પણ ભક્તિ કરી શકશે. તમામ ઋષિ જગત પરણેલું હતું. ઘણા ઋષીઓ ને બે પત્નીઓ હતી. ઘણાનું માનવું છે કે આ સ્ત્રીઓ સાધુઓ ને ચળાવે છે. ચલિત થઇ જવાય એવી સાધુતા શું કામની? કે પછી સ્ત્રીઓની ભાવનાઓ ને બહેલાવી સાધુઓ એમની ગુપ્ત સળવળી રહેલી વાસના સંતોષી તો નથી લેતાને?
*એક ની એક રામકથા કહી કહી ને કરોડો રૂપિયા ઘર ભેગા કરી લેનારા બાપુઓનો તોટો નથી આ દેશમાં. એક ના એક મંદિરો બનાવી પ્રજાના કરોડો રૂપિયા પથ્થરોમાં નાખવામાં આવી રહ્યા છે. એક સોમપુરા ફેમીલીનું ભલું થાય છે, અને બાકીના લાખો લોકોના ખીસા હળવા થાય છે. આ સોમપુરા ફેમીલી તો બીજું કામ શોધી લેશે. એ કાઈ ભૂખે મરવાનું નથી. એમની વિદ્યા ઘર બાંધવામાં વાપરશે. મંદિરો જેવી સોસાયટી બનાવશે, એપાર્ટમેન્ટ બનાવશે. જે મજુરો મંદિર બનાવવામાં કમાય છે તે મકાનો કે ફેક્ટરી બનાવવામાં કામ લાગશે.
*કુંભના મેળા વખતે ગંગા ને ગંદી કરતા, સ્નાન કરતા લાખો સાધુઓના ફોટા હોંશે હોંશે છાપવામાં આવે છે.  અને શિવરાત્રી વખતે ગાંજો પીતા સાધુઓના ફોટા પણ છાપી ને છાપાંઓ પુણ્ય કમાય છે. લોકો ખુશ થાય છે,  કેવો મહાન દેશ છે અમારો. બેચાર ડફોળ શંખ જેવા ધોળિયાઓને  પણ એમના સંગે ચડેલા જોઈ પાછા વધારે લોકો ખુશ થાય છે, કેવી મહાન સંસ્કૃતિ !!! સાક્ષરો ફટાફટ લેખો લખવા માડી પડે કે આવી મહાન સાધુ સંસ્થા, ધોળિયા પણ માને છે. ઉતાવળમાં એક લેખકશ્રીએ એવું પણ લખી નાખ્યું કે પશ્ચિમના લોકો સંજીવની વિદ્યામાં વિશ્વાસ રાખે છે, માનતા થયા છે. મરેલાને જીવતો કરવાની વિદ્યા. કૉમામાં ઉતરી ગયેલા પાછા ભાનમાં આવે છે, પણ મરેલા કઈ રીતે જીવતા થાય? કાંતો પછી કૉમામાં ઉતારેલા ને મરેલા માનતા હશે. અને ભાનમાં પાછા આવે તો માનતા હશે કે સંજીવની વિદ્યા વાપરીને ઠીક કર્યાં હશે.
*સમજો જ્યાં ચોરી વધારે થતી હોય ત્યાં પોલીસ ની જરૂર વધારે. જ્યાં અધર્મ વધારે થતો હોય ત્યાં વધારે ધર્મની, સાધુઓ કે ગુરુઓની વધારે જરૂર પડે. પછી ચોર લોકો એમનો ધંધો ચાલુ રાખવા પોલીસ ને પણ ભ્રષ્ટાચારી બનાવી કાઢે. એમજ અધર્મ ચાલુ રાખવા સાધુઓ ને ગુરુઓ ને પણ ભ્રષ્ટાચારી બનાવવા પડે, કે બનવું પડે. પછી ચોર લોકો જ પોલીસની નોકરીમાં ઘુસી જાય. એટલે પકડાવાની કોઈ ચિંતા નહિ. એટલે પછી અધર્મીઓને કામચોરો સાધુ બની જાય, ગુરુ બની જાય. એમાં સાચા ગુરુઓ ખોવાઈ જવાના. અભિનયની કળાના નિષ્ણાત ગુરુઓ સાચા ગુરુ હોવાની જબરદસ્ત એક્ટિંગ કરે, ભાષણો આપે, હૃદય દ્રાવક કથાઓ કરે, કરોડો રૂપિયા ભોળી પ્રજાના ખંખેરી લે. મિલકતો, આશ્રમો ઉભા થાય. પછી એના કબજા ને વારસા માટે ઝગડા થાય. ખૂન પણ થઇ જાય.  સાધુ સંસ્થા દેશ માટે નુકશાનકારક છે.  ગુરુગુલામી માનસ વધારે નુકશાન કારક છે, પ્રજા માટે, પ્રજાના ખીસા માટે.

માનવ જાતનું મહાભિનીષક્રમણ કોયડા ઉકેલે છે “Genes”!!!!!

Dr spencer wells

                                                                                                                                                                                                   The great migration
       આ પૃથ્વી પર જાત જાતના માનવ સમૂહો વસે છે. રંગ રૂપ જુદા જુદા છે. ભાષાઓ પણ જુદી જુદી છે. કોઈ એકદમ કાળા તો કોઈ એકદમ ધોળા. દરેક માને છે કે તેઓ વિશિષ્ટ પ્રજા છે. હિટલર જર્મન પ્રજાને શુદ્ધ આર્યન સમજતો હતો. આપણે ભારતીયો પણ મહાન પૂર્વજોના સંતાનો છીએ તેવું માનીએ છીએ. લગભગ દેવોના દીકરાઓ. યુરોપનાં ગોરા લોકો પોતે પોતાને મહાન સમજે છે. કાળા લોકો નીચા છે એમના માટે. સફેદ ચામડી જોઈ આપણે પણ પ્રભાવિત થઇ જઈએ છીએ. અને એમાંજ ટચુકડા ઇંગ્લેન્ડના મુઠ્ઠીભર અંગ્રેજોના ગુલામ બની રહ્યા. લોહીનું એક ટીપું તમામ કોયડા ઉકેલે છે. કોણ હતા આપણાં પૂર્વજો?કાળા, ગોરા, યુરોપિયન, રશિયન, જર્મન, બ્રીટીશર, ચાઇનીઝ હોય કે મહાન ભારતીયો દરેકના પૂર્વજો એક જ છે. “સાન બુશ મેન” હાજી દક્ષીણ આફ્રિકાના કલહારી રણપ્રદેશના રહેવાસી આખી દુનિયાના વંશ વૃક્ષનું મોટું થડ છે.
      
માંનવ લોહીના એક ટીપામાં છુપાયો છે દુનિયાનો સૌથી મોટો ઈતિહાસ. સ્ટેનફોર્ડ યુની કેલીફોર્નીયાના પ્રોફેસર લુકા વર્ષોથી દુનિયાના લોકોની ફેમીલી હિસ્ટ્રી જાણવા રીસર્ચ કરી રહ્યા હતા. છ મહાખંડના લગભગ છ અબજ લોકોમાંથી મોટાભાગે દરેક માનવ સમૂહના જીન્સનો અભ્યાસ કરવામાં આવ્યો. પ્રોફેસર લુકાના વડપણ હેઠળ જેનેસિસ્ટ ડો સ્પેન્સર વેલ્સની ટીમે વારંવાર ચકાસી ને આફ્રિકા થી શરુ થયેલી માનવ જાતની મહામુસાફરીના રહસ્યો શોધી કાઢ્યા. સાન બુશમેન લોકોએ એમના લોહીમાં છુપાવી રાખેલા ઈતિહાસના છુપા રહસ્યોનો તાગ મેળવી લીધો.
         *
આપણે હોમો ઈરેક્ટસના સીધા વારસદાર હોમોસેપિયન માનવ જાત છીએ. આશરે એક લાખ વર્ષથી હોમોસેપિયનના સીધા વારસદાર છે આ સાન બુશમેન. આખી દુનિયા થી અલિપ્ત રહેતા આ સાન બુશમેન બેસ્ટ શિકારી છે. અને શિકારી જીવન હજુ આજે પણ જીવે છે. કોઈ પણ પ્રાણીના પગલા ઓળખવામાં એમના જેવી કાબેલિયત બીજી કોઈ જાતમાં નથી. ભાષા બહુ અટપટી ચીજ છે. દુનિયાની લગભગ દરેક ભાષાઓ એક બીજા સાથે સંલગ્ન હોય છે. સંસ્કૃતના શબ્દો લેટીનમાં પણ જોવા મળે. પીટર એટલે પિતર, માતર એટલે મધર, ભ્રાતા એટલે બ્રધર. પણ આ સાન બુશમેન સૌથી અલગ ભાષા બોલો છે, એને ક્લિક લેન્ગવેજ કહેવામાં આવે છે. આપણે જીભને તાળવા સાથે ચોટાડીને જે અવાજ કાઢીએ તેવી.
      
*ડી.એન.એ.વિષે આપણે સહુ હવે જાણી ચુક્યા છીએ. Y અને X ક્રોમોસોમ વિષે પણ જાણીએ છીએ. X સાથે Y મળે તો છોકરો પેદા થાય ને X સાથે X મળે તો છોકરી પેદા થાય. હવે આ સત્ય થી કોઈ અજાણ્યું નથી. આ Y અને X  દરેક સંતાનને એના માતા  પિતા તરફ થી ફેરફાર વગર વારસામાં મળે છે. કોઈ કારણસર  આ જીન્સમાં નજીવો ફેર થાય છે એને મ્યુટેશન કહેવામાં આવે છે. મોટો ફેરફાર થાય તો ગર્ભ રહે નહિ, પણ નજીવો ફેર ચાલી જાય. આ જે નજીવો ફેર થયો છે એને માર્કર કહે છે વિજ્ઞાનની ભાષામાં. હવે મૂળ જીન્સ સાથે આ ફેરફાર, માર્કર પણ દરેક પાછળ પેદા થતી પેઢીમાં વિના ફેરફાર સાથે ટ્રાન્સફર થાય છે. હવે આગળની પેઢીમાંના જીન્સમાં પાછો કોઈ માર્કર થયો તો એ જીન્સમાં બે માર્કર થયા. તો પાછળની દરેક પેઢીમાં આ બે માર્કર તો હોવાના જ. એમ સમયે સમયે જીન્સ માં માર્કર વધતા જાય છે. અને દરેકે દરેક માર્કર સાથે નવી પેઢીઓ પેદા થતી જાય છે. અને એમજ માનવ જાત રંગે રૂપે જુદી પડતી જાય છે. હવે સમજ્યા લોકો જુદા જુદા કેમ દેખાય છે? વૈજ્ઞાનિક પરિભાષામાં કહીએ તો જીન્સ માં રહેલી  A.C.G.T.સિક્વન્સનો અભ્યાસ કરવામાં આવે છે. માર્કર થતા આ સિક્વન્સમાં ફેરફાર થાય છે. બસ આ જીન્સમાં રહેલા માર્કરના રિસર્ચે બધા રહસ્યો ખોલી નાખ્યા છે. ડો સ્પેનસર વેલ્સે માર્કરની રીવર્સ મુસાફરી કરી અને પહોચી ગયા છેક કલ્હારીના રણ વિસ્તારમાં રહેતા સાન બુશ મેનના જીન્સ પાસે. આ હતું માનવજાતના વંશવૃક્ષનું મેઈન થડિયું.
        
*આશરે ૫૦ થી ૬૦ હજાર વર્ષ પહેલા આફ્રિકાના આ બુશ મેનના પરદાદાઓએ મુસાફરી શરુ કરી અને આખી દુનિયામાં ફેલાઈ ગયા. અને એમના રંગરૂપ પણ બદલાઈ ગયા. કોઈ થયા ગોરા કોઈ થયા બુચિયા(ચીનાઓ), કોઈ થયા કાળા તો કોઈ થયા ઘઉંવર્ણનાં. પણ આ લોકો અહીંથી નીકળ્યા કેમ?૭૦ થી ૫૦ હજાર વર્ષ પહેલા હિમયુગ ચાલતો હતો. એના લીધે ખોરાકની તકલીફ પડવા લાગી ને સર્વાઈવ થવા એક નાનકડી ટોળકી નીકળી પડી. દરિયાના લેવલ નીચા જતા રહેલા. એટલે યમનના દરિયા કીનારે થી માનવસમૂહ પહોચ્યો મિડલ ઇસ્ટમાં. એક બ્રાંચ સીધી દક્ષીણ ભારત થઇ વાયા ઇન્ડોનેશિયા સીધી ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ. યુરોપ કરતા પહેલા માનવો ઓસ્ટ્રેલીયા પહોચી ગયેલા. કોઈ અર્કીયોલોજીકલ પુરાવા મળતા નહોતા કે માનવ આફ્રિકાથી ૬૦૦૦ માઈલ દુર સીધો સમુદ્ર વાટે ઓસ્ટ્રેલીયા કઈ રીતે પહોચી ગયો? અને તે પણ ૪૫ કે ૫૦ હજાર વર્ષ પહેલા? વચ્હે કોઈ કડી મળતી ના હતી. બુશમેનના જીન્સમાં થયેલો માર્કર સીધો ઓસ્ટ્રેલીયાના  આદીવાસીમાં? વચ્ચે ની કોઈ પ્રજાના જીન્સ માં આવો કોઈ માર્કર મળવો તો જોઈએ ને?
       
*ડો સ્પેન્સર આવ્યા મદ્રાસ. તામીલનાડુમાં મદુરાઈ યુનીના પ્રોફેસરના સહયોગમાં રીસર્ચ શરુ થયું. મદુરાઈ જીલ્લાના એક અંતરિયાળ ગામના ૭૦૦ લોકોના લોહીના નમુના ચેક કરવામાં આવ્યા. ૫૦ હજાર વર્ષ પહેલા જીન્સમાં થયેલા માર્કરની શોધ ચાલી રહી હતી. બીજા ૩૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. અને ડો સ્પેન્સરને મિસિંગ લીંક મળી ગઈ. ૫૦ હજાર વર્ષ પહેલા આફ્રિકન બુશમેનના જીન્સમાં થયેલો અકસ્માત ફેરફાર જે ઓસ્ટ્રેલીયન આદિવાસીમાં હતો તે માર્કર(C to T) ભાઈ વિરુમાંડીના જીન્સમાં મળ્યો. હા તો આફ્રિકાથી મુસાફરી શરુ થઇ પહોચ્યા ઓસ્ટ્રેલીયા વાયા દક્ષીણ ભારત. દક્ષીણ ભારતીયો મૂળ ભારતીયો કહેવાય. અને રંગે રૂપે કેમ ઉત્તર ભારતીયો થી જુદા પડે છે? પછી સમજાશે. થોડી ધીરજ રાખો.
          
*માનવ સમૂહની એક શાખા મિડલ ઇસ્ટથી ભારત થઇ ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ, આ થઇ દરિયા કિનારાની મુસાફરી. તો બીજી શાખા મિડલ ઇસ્ટ થઇ વાયા મધ્ય એશિયાથી ચીન બાજુ ગઈ. એક ચીનની ઉત્તરે ગઈ તો બીજી ચીનની દક્ષીણે થઇ ને જાપાન સુધી ગઈ. દુનિયાની બાકીની તમામ માનવ શાખાઓ મધ્ય એશિયાથી ફેલાઈ છે. એ હિસાબે મધ્ય એશિયા એ માનવજાતના ઉછેરની નર્સરી કહેવાય. અફઘાનિસ્તાન થી ઉત્તરમાં રહેલા કાઝાખીસ્તાન થઇ ને માનવ પહોચ્યો યુરોપ. ફ્રાંસમાં પહેલવહેલી એક ગુફા મળી તેમાં ચિત્રો દોરેલા હતા જે લગભગ ૪૦ હજાર વર્ષ જુના છે. જેમાં મેમથ જાતના હાથી, બાયસન અને જંગલી ઘોડા દોરેલા છે. આમાંનું કોઈ પ્રાણી આફ્રિકન નથી કે નથી મિડલ ઇસ્ટનું રહેવાસી. આ બધા ઠંડા પ્રદેશોના પ્રાણી છે. બરફ વર્ષામાં ટેવાએલા. આફ્રિકાના વિશાલ સહારાના રણે માનવો ને સીધા યુરોપમાં જતા રોક્યા. તો યુરોપ પહોચતા માનવોને ઓસ્ટ્રેલીયા કરતા ૧૦ હજાર વર્ષ મોડું થયું.
          
*ટ્રોપિકલ પ્રદેશના લોકો વધારે ડાર્ક છે. કુદરતી સનક્રીમ ભગવાને એમની ચામડી પર લગાવ્યું છે, એ છે મેલેનીન. મેલેનીન ચામડી પર વધારે તેમ ચામડી વધારે કાળી. એનાથી સૂર્યના હાનીકારક કિરણો થી બચી જવાય. ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો ઠડીમાં રહેતા હોવાથી ચામડી સીધી સૂર્ય કિરણોની અસરમાં આવતી નથી. કારણ ઠડીથી બચવા કપડા વધારે ને પુરા પહેરવા પડે છે. અને ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના સીધા કિરણો ઓછા પડે. એટલે ધીરે ધીરે ચામડીનો કલર પણ બદલાઈ જાય. જોકે કલર બદલાતા ૫૦૦૦ વર્ષ તો લાગે. જોકે નવા ગ્લોબલ જમાનામાં તો શ્વેત અશ્વેત લગ્ન કરે તો કલર બદલાતા વાર ના લાગે.
         *
કાઝાખીસ્તાનના ૨૦૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. શોધવો હતો માર્કર જે યુરોપની પ્રજામાં હતો, જે ૪૦ હાજર વર્ષ પહેલા થયો હતો. નીયાજો કે નિયાજી નામના માણસમાં આ માર્કર મળ્યો જે યુરોપિયન તો ઠીક રશિયન, અમેરિકન, ચાઇનીઝ અને એશિયન સાથે ભારતીય લોકોના જીન્સમાં રહેલા માર્કર પણ આ ભાઈના જીન્સમાં મળ્યા. માટે આ ભાઈલો જેનેટિક જાયન્ટ છે. હવે વૈજ્ઞાનિકોને સમજાઈ ગયું કે મધ્ય એશિયા માનવખેતીની નર્સરી છે.
         
*આર્યો પણ મધ્ય એશિયાથી ભારતમાં આવેલા. ભારતીય લોકોના જીન્સમાં રહેલો માર્કર પેલા નીયાજોમાં મળે છે. તે પહેલા માનવો દક્ષીણ ભારતમાં પહોચી ચુકેલા હતા. એટલે ઉત્તર ભારતીયો થી દક્ષીણ ભારતીયો જુદા પડે છે. પાતળાં લાંબા નાક ને મોટા કપાળ ને વાન જરા ગોરો એવા ઉત્તર ભારતના લોકો ને અથડામણો થઇ દક્ષીણ ભારતના ડાર્ક કલરની ચામડી ધરાવતા લોકો સાથે. આ થયો દેવાસુર, સુર અસુર  સંગ્રામ. કાલ ક્રમે સંગ્રામ બંધ થયા ને બંને પ્રજા એક થઇ ગઈ. મંદિરો ની અને આશ્રમો ની સંસ્કૃતિ એક થઇ ગઈ. દક્ષિણમાં ધકેલી દેવાયેલા અને રાજ કરતા બલિરાજા પાતાળમાં રાજ કરતા કહેવાયા. એક બીજાના ધર્મ પણ એક થઇ ગયા. એક બીજાના દેવો ને ભગવાન પણ એક થઇ ગયા. યજ્ઞો ઓછા થયા ને મંદિરો વધતા ગયા. દક્ષીણ ભારતમાં ગરમી વધારે પડે ત્યાં લાકડા સળગાવી યજ્ઞો કોણ કરતુ હોય ભલા? ત્યાં તો ભગવાન મંદિરમાં એ.સી માં રહેતો હોય. મધ્ય એશિયાની ઠંડીમાં આર્યો ને લાકડા સળગાવી રાખવા પડે. એટલે દરેકના ઘરમાં યજ્ઞ કુંડી રાખવી પડે. એમાં શેકીને ખોરાક ખાવાનો તે થયો હવન. એમાં પશુ પણ હોય ને અનાજ પણ હોઈ શકે. હવે મધ્ય ભારતની સખત ગરમીમાં પણ મુરખો લાકડા સળગાવી ભરઉનાળે ને ભર બપોરે પરસેવે રેબઝેબ થઇ, યજ્ઞો કરી, પ્રદુષણ વધારી, મોંઘા ભાવનું ઘી વેડફી, પુરાણી સંસ્કૃતિ સાચવવા દુખ વેઠી રહેલા જોઈ હસવું કે રડવું?
           
*હવે ડો સ્પેન્સર પહોચ્યા મોસ્કોથી ૫૦૦૦ માઈલ દુર ઉત્તરે આર્કટીક સર્કલની નજીકના ગામમાં. હવામાન સારું થયું પછી હજુ તો બીજા ૪૦૦ માઈલ ઉત્તર ધ્રુવ પ્રદેશ માં પહોચવાનું હતું. આર્કટીક સર્કલની અંદર ૧૨૦ માઈલ ચુ ચી લોકોનો એક નવ માણસોનો કેમ્પ હતો. એમાં રહેતો માણસ નેટીવ અમેરીક્ન્સના જીન્સમાં રહેલો માર્કર ધરાવતો હતો. ચુ ચી લોકોના હાથપગ ટૂંકા, ધડ પણ ટૂંકું. કેમ કે જેટલું બોડી સરફેસ ઓછું તેમ શરીરની ગરમી બહાર જવાના ચાન્સ ઓછા. આ હતા નેટીવ અમેરિકન, બ્રાઝીલીયન, માયન અને ઇન્કા લોકોના પૂર્વજો. રેન્ડીયર નામનું પ્રાણી આ લોકોનું જીવન. એનું માંસ ખાવાનું ને એના ચામડાના કપડા પહેરવાના. ઠંડી થી બચવા આખો દિવસ એક્ટીવ રહેવાનું. આખો દિવસ કઈને કઈ ખાયા કરવાનું ને પાણી કે કોફી કે પ્રવાહી પણ પીતાં રહેવાનું. હિમયુગ વખતે દરિયાના લેવલ નીચા જતા રહેતા જમીન ખુલ્લી થતા. સાયબેરીયાં ને ઉત્તર ધ્રુવ પ્રદેશ ને અલાસ્કા વચ્ચે રસ્તો ખુલ્લો થતા આ ચુ ચી લોકોના પૂર્વજો અલાસ્કા થઇ અમેરિકામાં આવી ગયા ફક્ત ૧૫૦૦૦ વર્ષ પહેલા. અને નોર્થ અમેરિકા થી સાઉથ અમેરિકા જતા થયા ૮૦૦ વર્ષ.
        
*તો આ હતું માનવ જાતનું મહાભિનીષક્રમણ, ગ્રેટ માઈગ્રેશન. છતાં આ હોમોસેપિયન માનવ સમૂહ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પહોચે તે પહેલા યુરોપના ઠંડા પ્રદેશોમાં નીનેન્ડરથલ નામના આપણાં પિતરાઈઓ રહેતા હતા. પણ હોમોસેપિયન વધારે હોશિયાર ને બ્રેન વાપરવાવાળા જીતી ગયા ને પેલા લોકોનો નાશ થઇ ગયો.
     
*તો ભાઈઓ હવે કોની સામે લડવાનું?
       છેતો બધા આપણાં ભાઈઓ જ.
       તો પછી લડીશું કોની સામે?
       હવે બીજા કોઈ છે જ નહિ, તો ભાઈઓ સામે જ લડવાનું ને?      

San Bushmen

ના પરશુરામ, ના હનુમાનજી, અમર છે “Turritopsis Nutricula”જેલીફિશ…

Turritopsis Nutricula
                                                                               અમર છે “Turritopsis Nutricula”જેલીફિશ…

* અમર પરશુરામ ભગવાન રામજી વખતે અને એમના પહેલાથી હતા. મહાભારત કાલમાં પણ હતા. ભીષ્મ જોડે યુદ્ધ પણ કરેલું. તો પછી મહમદ ગજની એ સોમનાથ ભાગ્યું ત્યારે બહાર કેમ ના આવ્યા? અને હનુમાનજી પણ શ્રી રામના સમયથી મહાભારત કાલ સુધીની વાતોમાં અમર હતા. અને હાલ પણ બોગસ કથાકારો માને છે કે જ્યાં રામ કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજર રહે છે ગુપ્ત વેશે. હવે ભારત જેવા અતીધાર્મિક દેશમાં એક સમયે ઘણા બધા સ્થળોએ રામકથા ચાલતી હોય છે. માટે અમરત્વની સાથે સાથે બહુશરીરી વિદ્યા પણ હોવી જોઈએ.જેથી એકી સાથે અનેક સ્થળોએ રામકથામાં હાજરી આપી શકાય. તો પછી રામ જન્મ ભૂમિ પર બાબરે મંદિર તોડી મસ્જીદ બનાવી તો હનુમાનજી ક્યાં હતા? આ બંને પાછા મહાન યોદ્ધાઓ હતા. ખેર આ બંને યોદ્ધાઓ આ બંને પ્રસંગોએ હાજર નહોતા. હાજર હોત તો એમની હાજરી છતી થઇ ગઈ હોત. મૂળ એમના અમરત્વની વાતો ખોટી છે.

*હાઈડ્રોઝોઅન પ્રકારની જેલીફિશ એવી વિદ્યા જાણે છે, જે એને અમરત્વ બક્ષે છે. મૂળ કેરેબિયન સમુદ્રની રહેવાસી પણ દરેક સમુદ્રમાં મળતી આ જેલીફિશ યુનિક એબિલીટી ધરાવે છે. એવું સ્મિથ સોનીયન ટ્રોપિકલ મરીન ઇન્સ્ટીટ્યુટના Dr Mariya Miglietta કહે છે. આ તરકીબ છે પાછા જુવાન બની જવાની. એક પતંગીયાની જીવનયાત્રા જોઈએ તો ઈંડામાંથી ઈયળ નીકળે, પછી એ ઈયળનો કોશેટો બને, અને એમાંથી પછી પતંગીયું બહાર નીકળે. પણ પતંગીયું પાછું કોશેટો ના બની શકે.

*ટ્રાન્સડીફરંશીએશન(Trasdifferentiation)પધ્ધતિ વડે એક જાતના સેલ(કોશ)ને બીજી જાતના સેલમાં બદલી શકવાની આ જેલીફિશમાં ક્ષમતા છે. બીજા પ્રાણીઓમાં આ ક્ષમતા ઓછી અથવા લીમીટેડ હોય છે. આવી રીતે શરીરના દરેક અંગો ને રીજનરેટ કરી શકે છે. અને આમ આખું શરીર રીજનરેટ કરી ને પાછું યંગ બનાવી શકે છે. ઘણા જીવોમાં એમનું ખોવાએલું કે કપાઈ ગયેલું અંગ ફરી થી ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. આપણ ને કોઈ જગ્યા એ વાગે કે છોલાય તો એ નાશ પામેલા કોશો ની જગ્યાએ બીજા નવા કોશો શરીર બનાવી ને ઘા રુજાવી દે છેપણ મસલ્સના કોશોને નર્વના કોશોમાં બદલી શકીએ નહિ.

*આ જેલીફિશ કોઈ પણ જાતના કોશ ને બીજા કોઈ પણ જાતના કોશમાં બદલી શકે છે. મસલ્સના કોશો ને નર્વ કે સ્પર્મ કે એગના કોષોમાં પણ બદલી શકે છે. બધી જેલીફિશ આવી નથી. લગભગ મોટા ભાગની જેલીફિશ એમની જાત પ્રમાણે થોડા કલાકો થી થોડા મહિના જ જીવે છે. બાયોલોજીકલ ઈમ્મોર્ટલ એવી આ જેલીફિશ મોટા ભાગે બીજા જીવોનો ખોરાક બની જાય છે.

*તો મિત્રો કીડીબાઈ પાંચ કરોડ વર્ષથી ફૂગની ખેતી કરીને સાથે સાથે બીજા બેક્ટેરિયાથી રક્ષણ મેળવવા એન્ટી બાયોટીક્સ પણ વાપરે છે. આ જેલીફિશ અમરત્વની વિદ્યા જાણે છે, ભલે બીજા જીવો એને ખાઈ જતાં. તો ફરીથી આપની મૂછો નીચી કરો. આપણે શ્રી પરશુરામ, અશ્વસ્થામા અને હનુમાનજીની અમરત્વ વિષે ની ખોટી ડંફાસો મારવાની બંધ કરીએ.

મા, માતા, જગત જનની, The spirit of the valley

મા, માતા, જગત જનની, The spirit of the valley.

મા એટલે? આઈ; જનેતા; બા; જનની; જી; માતા; જનયિત્રી; પ્રસૂ; માતુશ્રી; માઈ. વિનોબા લખે છે કેઃ બિલકુલ પહેલી પરમેશ્વરની મૂર્તિ, જે આપણી પાસે છે, તે છે ખુદ આપણી મા. શ્રુતિ કહે છે કે, માતૃદેવો ભવ. વત્સલતાના રૂપમાં તે પરમેશ્વરની મૂર્તિ જ ત્યાં ઉપસ્થિત દેખાય છે. તે માતાની વ્યાપ્તિને આપણે વધારી લઈએ અને વંદે માતરમ કહીને રાષ્ટ્ર માતાની તરફ અને પછી અખિલ ભૂમાતા પૃથ્વીની પૂજા કરીએ.

મા અંબા, મા દુર્ગા હોય, મા કાલી હોય કે મા ખોડલ માતા જગત જનની છે તે હકીકત છે.

ચીનના મહાન રહસ્યવાદી સંત લાઓત્સેએ તાઓ તેહ કિંગ નામનું અજોડ પુસ્તક લખ્યું છે.  એમાં એમણે લખ્યું છે કે, “ખીણનો આત્મા ક્યારેય મરતો નથી. નિત્ય છે. એને સ્ત્રૈણ રહસ્ય કહે છે. આ સ્ત્રૈણ રહસ્યમયીનું દ્વાર પૃથ્વી અને સ્વર્ગનું મૂળ સ્ત્રોત્ર છે. એ સર્વથા અવિચ્છિન્ન છે. એની શક્તિ અખંડ છે. એનો ઉપયોગ કરો અને તેની સેવા સહજ ઉપલબ્ધ થાય છે”. જેનો જન્મ છે, એનું મૃત્યુ નક્કી જ છે. મ્રત્યુની પાર એજ જઈ શકે જેનો જન્મ ના હોય. પ્રકાશ જન્મે છે અને મટી જાય છે. પરંતુ અંધકાર શાશ્વત છે. દીવો પ્રગટે છે અંધકાર ત્યાં જ હોય છે, ફક્ત દેખાતો નથી. દીવો ઓલવાઈ જાય છે અંધકાર પોતાની જગ્યાએ. એટલે લાઓત્સે કહે છે ખીણનો આત્મા મરતો નથી. ખીણ બે પર્વતની વચ્ચે દેખાય છે. પર્વત ના હોય તો પણ ખીણ ત્યાં જ હોય છે. ફક્ત દેખાતી નથી. અંધારું પણ ત્યાં જ હોય છે, ખાલી દીવા પ્રગટે એટલે છુપાઈ જાય છે. આને જ લાઓત્સે કહે છે The female  mystery thus do we name. આ સ્ત્રૈણ રહસ્ય ખીણનું રહસ્ય છે, જે અસ્તિત્વમાં ઊંડે સુધી વ્યાપ્ત છે. આ ખીણનું સ્ત્રૈણ રહસ્ય જ માતા છે, એને મા અંબા, દુર્ગા કે કોઈપણ નામે બોલાવો.

દુનિયાના પ્રાચીન ધર્મોએ પરમાત્માને સ્ત્રીના રૂપમાં માન્યો છે, પુરુષના રૂપમાં નહિ. જગત જનની મા અંબા, દુર્ગા, કાળી, આ બધા પરમાત્માના રૂપ હતા. એમની સમજમાં ગહેરાઈ હતી, પરમાત્માને પરમ પિતા માનવાવાળા કરતા. જેમ જેમ પુરુષોનો પ્રભાવ વધવા લાગ્યો ઈશ્વરની જગ્યાએ પુરુષોને બેસાડ્યા. ગોડ ધ ફાધર એ નવી વાત છે. ગોડ ધ મધર એ પ્રાચીન વાત છે.. પ્રાણી કે પક્ષી જગતમાં પણ માતા નિશ્ચિત હોય છે, જ્યારે પિતા કોઈ પણ હોઈ શકે. પ્રકૃતિ પિતાનું કામ બાળકના જન્મ માટે ગહેરાઈથી નથી લેતી. એક બીજ(સ્પર્મ) રોપણ(ઇન્જેક્ટ) થઇ ગયું કામ પિતાનું પૂરું. ગહેરું કામ તો માતાનું છે. સૃજનાત્મક કામ તો માતાનું છે. જન્મ આપવાનું કામ એટલું બધું ક્રિએટીવ છે કે પછી સ્ત્રીને માતાને  કોઈ નાના ક્રિએટીવ કામમાં રસ હોતો નથી. એટલે પુરુષ ચિત્રો બનાવે, મૂર્તિ બનાવે, ગીત લખે, સંગીત બનાવે, નવી નવી શોધો કરે. સ્ત્રીઓ રસોઈ કરે પણ સારા નવા વ્યંજન તો પુરુષ જ શોધે. મોટાભાગે પુરુષ જ ગણિત શોધે, વિજ્ઞાન શોધે. એક મા બન્યા પછી, એક બાળક પેદા કર્યા પછી સ્ત્રીને કશું બનવામાં ખાસ રસ હોતો નથી. એક પરમ તૃપ્તિ. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. લાઓત્સેનું સ્ત્રીના શરીરમાં રહેલું રહસ્ય સમજાશે તો અસ્તિત્વમાં રહેલું સ્ત્રૈણ રહસ્ય સમજાશે. લગભગ બધા શાસ્ત્રો પુરુષોએ રચેલા છે, અને પુરુષને કદી સ્ત્રી સમજમાં નથી આવતી. કઈક રહસ્યમય, પુરુષ સ્ત્રીના પેટે જન્મે છે, જીવે છે સ્ત્રી સાથે છતાં કૈક છૂટી જાય છે સ્ત્રીને સમજવામાં. એ જ તો ખીણનું, અંધકારનું સ્ત્રૈણ રહસ્ય.

સ્ત્રી ખરેખર સંપૂર્ણ સ્ત્રી હોય તો પ્રેમમાં પડે તો પણ પ્રતીક્ષા કરે છે. પહેલ ક્યારેય ના કરે.  હાજરી માત્રથી આકર્ષિત કરવાનું કામ સ્ત્રીનું છે. જરાપણ ઈશારો ના મળે કે પ્રેમમાં પડી છે. આજકાલની પુરુષ સમોવડી બનતી જતી સ્ત્રીઓની વાત નથી. સ્ત્રીનું આકર્ષણ પ્રયત્ન વગરનું હોય છે, બોલાવે છે પણ અવાજ નથી, હાથ ફેલાવે છે પણ હાથ દેખાતા નથી. પ્રાર્થના પણ પુરુષે જ કરવી પડે. ઘૂંટણીયે પડી ને કહેવું પડે કે Will you marry me? પુરુષ ના કહે એટલે ના જ સમજવું જ્યારે સ્ત્રી ના કહે તો હા સમજવું. સ્ત્રી હા કહે તો એ પુરુષની ભાષા છે. એટલું પણ આક્રમણ લાગે છે. છીછરી લાગશે. નાં પાડે છે અને બોલાવે છે એ જ તો રહસ્ય છે.

એ ભ્રાંતિમાં પુરુષ ના રહે કે સ્ત્રી કશું કરતી નથી. એનો ઢંગ નિષેધાત્મક છે. નિષેધ એની તરકીબ છે. સ્ત્રી રતિક્રીડામાં પણ નિષ્ક્રિય, નિશ્ચેષ્ટ છે. એટલે સ્ત્રી પર ભાગ્યેજ બળાત્કારનો ગુનો દાખલ થાય છે. અમેરિકામાં સ્ત્રીઓ સક્રિય બનતા આવા ગુના સ્ત્રીઓ પર દાખલ થયા છે. મૂળ ભારતીય એવી મહિલા  શિક્ષિકા પર અમેરિકામાં આવા ગુના દાખલ થયા છે, છે ને નવાઇ ની વાત? સ્ત્રીના વ્યક્તિત્વમાં બળાત્કાર અસંભવ છે. બળાત્કાર તો પુરુષ કરે છે. સો માંથી નેવું વખત પુરુષ બળાત્કાર જ કરતો હોય છે, ઘરમાં પણ. પત્ની ચુપ છે, કર્તવ્ય છે ભલે એની જરાપણ ઈચ્છા ના હોય. પુરુષ આક્રમક છે, સ્ત્રી ગ્રાહક છે, ગ્રહણશીલ છે. પરંતુ સૃજન થાય છે સ્ત્રી થકી. પુરુષ સંયોગિક છે. એના વગર ચાલી જાય, શુક્રાણુ બેંક હવે હાજર છે.

જન્મ ગહન અંધકારમાં થાય છે. બીજ ફૂટે છે જમીનમાં ગહન અંધકારમાં. વ્યક્તિ જન્મે છે પહેલા માના ગર્ભ રહેલા ગહન અંધકારમાં.  બાળકો પણ મોટા ભાગે રાત્રે જ જન્મે છે. દિવસે જન્મે છે પણ ઓછા. જીવન પેદા થાય છે ગહન અંધકારમાં. પુરુષ આક્રમક છે માટે જલ્દી થાકી જાય છે. આક્રમણ થકવી નાખે. સ્ત્રી જલ્દી થાકે નહિ. એક સંભોગ અને વાર્તા પૂરી. પુરુષ વૈશ્યા ના બની શકે. હવે બનવા લાગ્યા છે પણ એની મર્યાદા છે. સ્ત્રી બની શકે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે. પચાસ સંભોગ સુધી પછી આગળ છોડી દીધેલ. એ કશું કરતી નથી માટે થાકતી નથી. બાળકો પેદા થાય છે ત્યારે ૧૦૦ છોકરીઓ સાથે ૧૧૬ છોકરા પેદા થાય છે. કારણ પુરુષ ભલે બળવાન દેખાતો, છે કમજોર. ૧૬ તો જવાના જ ચૌદ વરસ થતા થતા. એક સ્ત્રી ૨૦ બાળકોને જન્મ આપે છતાં પુરુષ કરતા પાચ વરસ વધારે જીવવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રી બીમાર ઓછી પડે છે. આજે જે બીમારીઓ સ્ત્રીઓને લાગી છે એ સ્ત્રીઓની નથી. પુરુષોએ જે સમાજ બનાવ્યો છે એની શોધ છે. પુરુષ પ્રધાન સમાજમાં એને અનુકૂળ થવું પડે છે. હિસ્ટીરિયા પુરુષોના સમાજમાં એડજસ્ટ થવા ને લીધે આવે છે.

લોકો અને સ્ત્રીઓ પણ એવું સમજતી હશે કે સ્ત્રી કમજોર છે માટે પુરુષોએ દબાવી દીધી છે. અસલ વાત એ છે કે સ્ત્રી એટલી શક્તિશાળી છે કે પુરુષોએ એને દબાવી ના દીધી હોત તો એણે પુરુષોને દબાવી દીધા હોત. એ એટલી શક્તિશાળી સિદ્ધ થઇ શકે છે કે આખી દુનિયામાં બધે જ એને બચપણથી જ દબાવી દેવાના પ્રયત્ન શરુ થઇ જાય છે. ચીનમાં નાનપણ થી એને લોખંડના જૂતા પહેરાવતા એના પગ સાવ નાના નાજુક રહી જાય. એ દોડી ના શકે, કોઈના સહારા વગર ચાલી પણ ના શકે. હવે જોકે ચીનમાં આ પ્રથા બંધ થઇ ગયી છે. પણ મેં જાતે ટીવીમાં ઉંમરલાયક ચીની સ્ત્રીઓના આવા વિકૃત થઇ ગયેલા પગ જોયા છે. ચાલી પણ ના શકે. પ્રકૃતિએ એને જન્મ આપવાની જવાબદારી સોપી છે, અને આ જવાબદારી એને સોંપાય જે શક્તિશાળી હોય.

લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્ય સમજી લો. આ ખીણના આત્માને સમજી લો. આ ખીણનો આત્મા કદી મરતો નથી, કદી થાકતો નથી. આ નકાર છે ન કરીને કરવાની કળા છે. વગર આક્રમણે આક્રમણ કરવાની કલા છે. આ સત્ય સમજીને જ કોઈ જીવનનું પરમ રહસ્ય સમજી શકે. પરમ સત્ય ઉપર આક્રમણ નથી કરી શકાતું. પુરુષની જેમ પરમ સત્યનું રહસ્ય ના પામી શકાય. જેમ કે સ્ત્રી પ્રેમમાં કશું કરતી નથી પોતાને છોડી દે છે જેથી પુરુષ એનામાં ઉતરી શકે તેમ જે પોતાના હૃદયના દ્વાર ખોલી ને ફક્ત ઉભો રહી જાય તેનામાં પરમ સત્ય તરત પ્રવેશી જાય છે. ગમે તેટલા ભટકો, દુર દુર શોધો સાધનાઓ કરો, જન્મો જનમ ભટકો પરમ સત્ય ના મળે. બુદ્ધ છ વર્ષ ભટક્યા, મહાવીર બાર વર્ષ ભટક્યા. થાકવા માટે ભટક્યા. જેવા થાક્યા ફક્ત ઉભા રહી ગયા, ને પામી ગયા. પુરુષની મનની વ્યવસ્થામાં રાહ જોવાનું છે જ નહિ. સ્ત્રી જન્મો જનમ રાહ જોઈ શકે છે. પુરુષને બધું ઇનસ્ટંટ જોઈએ, કોફી ઇનસ્ટંટ સેક્સ પણ ઇનસ્ટંટ, એટલે લગ્ન વ્યવસ્થા શોધી નાખી. જ્યારે જોઈએ ત્યારે હાજર. માટે હિંદુઓમાં પુરુષોને વિધુર રાખવાની વ્યવસ્થા ના હતી, સ્ત્રીઓ માટે વિધવા રાખવાની વ્યવસ્થા હતી. આમાં સ્ત્રી પર બળજબરી તો હતી, સાથે સાથે સ્ત્રીઓની પ્રતીક્ષા કરવાની ક્ષમતાની સમજ પણ હતી. સ્ત્રી પર ભરોસો કરી શકાય, પુરુષ પર નહિ. કુંવારી છોકરીમાં જે સૌન્દર્ય હોય છે તે પ્રતીક્ષાનું હોય છે. એટલે સમાજોએ સ્ત્રીના કુંવારાપણની ચિંતા કરી છે, પુરુષના નહિ. એ સૌન્દર્ય લગ્ન પછી ખોવાઈ જાય છે અને ફરી પેદા થાય છે જ્યારે સ્ત્રી મા બનવાની હોય છે. ગર્ભવતી સ્ત્રીના મુખની સુંદરતા કઈ ઓર જ હોય છે. એક ગહન પ્રતીક્ષાનું સૌન્દર્ય છે. બાળકના જન્મની પ્રતીક્ષા. મા અને એના બાળક સાથે જે તાદાત્મ્ય હોય છે એટલું એના પતિ સાથે પણ હોતું નથી. આ મૌન પ્રતીક્ષામાં બે વાત બને છે, એક તો બેટાનો જન્મ થાય છે, સાથે એક માતાનો પણ જન્મ થાય છે. એટલે પૂર્વના દેશોએ પત્નીને નહિ પણ માતાને પરમ આદર આપ્યો છે. પત્ની કે પ્રેયસી બનવું એ ચરમ ગરિમા નથી, માતા બનવું એ ચરમ ગરિમા છે. માતાને પરમાત્મા પછી તરતનું સ્થાન આપ્યું છે.

માતા બન્યા પછી સ્ત્રી તૃપ્ત થઇ જાય છે. ગહન તૃપ્તિ. એમાં તે રાજી છે માટે એને વર્ષો સુધી ગુલામ તરીકે રાખી શક્યા છીએ. અતૃપ્તિ ખુબ મુશ્કેલી થી એમનામાં પેદા થાય છે. બાયોલોજીકલ ગરબડ થાય તો જ એનામાં અતૃપ્તિ પેદા થાય. જે દિવસે એ બેચેન થાય તો એને ચેનમાં લાવવી મુશ્કેલ છે. સીધી પાગલ બની શકે છે. કાંતો શાંત, કાંતો પાગલ. પુરુષ મોટામાં મોટી શાંતિમાં પણ શાંત રહી શકતો નથી. નિત્સે બુદ્ધને સ્ત્રૈણ કહેતો હતો. જે મહાપુરુષો સ્ત્રૈણ રહસ્ય પામીને શાંત થઇ ગયા, બુદ્ધ, મહાવીર બધાને દાઢી મુછ વગરના બતાવ્યા છે. ચોવીસે તીર્થંકરોને દાઢી મૂંછ વગરના બતાવ્યા છે.  સ્ત્રૈણ એટલે સ્ત્રી ના સમજવું. આ રહસ્ય પરમ શાંત છે માટે પુરુષ નામ ના આપી શકાય. તેની ઉપસ્થિતિની કશી ખબર જ ના પડે. એટલે સાચી સ્ત્રી એ નથી જે એના પતિ કે પ્રમી ને ચોવીસે કલાક તેના હોવાની ખબર આપ્યા કરે. પતિ ઘરે આવે પત્ની હજાર ઉપાય કરશે તેની હાજરી દેખાડવા. વાસણ પછાડશે, છોકરાઓને મારશે. પતિ પણ પૂરો ઉપાય કરશે છાપામાં મોં ઘાલી ને કે તું ગમે તેટલી ધમાલ કર હું ક્યાં ધ્યાન આપું છું?

આગળ લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્યમયીનું દ્વાર સ્વર્ગ અને પૃથ્વીનો મૂળ સ્ત્રોત છે. ચાહે પદાર્થ નો હોય કે ચેતનાનો જન્મ થાય છે અસ્તિત્વની ગહેરાઈમાં. એટલે જે લોકોએ દુર્ગા, અંબા ને જગત જનની પરમાત્મા માન્યા છે એમની સમજમાં ઊંડાઈ છે. માતા કાળી ને જોઈ છે? વિકરાળ, હાથમાં ખપ્પર, પગ નીચે કોણ સુતું છે? બહુજ કલ્પનાશીલ હતા એ લોકો જેમણે આ પ્રતીક રચ્યું છે. જે સૃજનાત્મક છે એજ વિનાશક છે. સૃષ્ટિ જ્યાંથી પેદા થાય છે ત્યાંથી જ પ્રલય પામે છે. માતા જન્મ આપે છે એજ માતા વિકરાળ બની મૃત્યુ આપે છે.

લાઓત્સે આગળ લખે છે આ રહસ્ય અવિચ્છિન્ન છે, શૂન્ય છે, અખંડ છે. દીવો હોલવાય અંધકાર હાજર જ છે. પુરુષ તોફાનની જેમ આવે છે વિદાય થઇ જાય છે. પુરુષ પણ અંતિમ ક્ષણ સુધી સુંદર રહી શકે જો આ સ્ત્રૈણ રહસ્ય ને પામી જાય તો, માટે આપણે બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણના ઘડપણના ચિત્રો બનાવ્યા નથી. લાઓત્સે કહે છે ભદ્ર રૂપે એનો ઉપયોગ કરો. એટલે તમે જેટલા ભદ્ર બનશો એટલા સ્ત્રૈણ બનવાના. જેટલા અભદ્ર એટલા પુરુષ.. કારણ અભદ્ર પુરુષ તરીકે વધારે સક્ષમ કામુકાતામાં પણ દેખાશે. એટલે ફિલ્મોમાં પણ રફટફ મસ્ક્યુલર નાયકો સારા ચાલી જાય છે. પુરુષ સ્ત્રીને અડકશે તોપણ એને દર્દ થાય તેમ અડકશે. હાથ જોરથી દબાવશે. ચુંબન પણ વધારે પ્રેમથી આપશે તો કરડી ખાશે. નખ દંશ કરી લોહી કાઢશે. ક્યારેક વધારે પડતા પ્રેમમાં હત્યા પણ થઇ જાય. એવા દાખલા કોર્ટે ચડેલા પણ છે. એટલે લાઓત્સે કહે છે ભદ્રતાથી વહેવાર કરો અસ્તિત્વને જરાપણ પીડા ના પહોંચે. આજ તો અહિંસા છે.

અસ્તિત્વની સ્ત્રૈણ ગહેરાઈમાં, અખંડ શક્તિમાંથી બધું જન્મે છે અને બધું લીન થાય છે. આજ  છે જગત જનની મા અંબા, મા ભવાની, મા દુર્ગા, મા કાળી, મા ખોડલ……..

“બ્રેન તો બાપુઓના”

Rajput Regiment

 

“બ્રેન તો બાપુઓના”  

 આ ઘણા ના મનમાં સવાલ ઉઠતો હશે કે આ બાપુ આવું ક્યાં થી લખતા હશે?કોઈ બુક્સ વાંચતા હશે.એમાંથી ગુજરાતી કરી ઉતારા કરતા હશે.ભાઈલા આપણું અંગ્રેજી એટલું સારું નથી.બીજું આપણી પાસે એટલા બધા પૈસા પણ નથી કે અંગ્રેજી લેખકોની બુક્સ વસાવવાની હિંમત કરીએ.હા બુક્સ ઘણી બધી વાંચી છે.પણ બધા ગુજરાતી લેખકોની,એ પણ મફતમાં.હાજી મારા પિતાશ્રી વિજાપુર ની સાર્વજનિક લાયબ્રેરીના પ્રમુખ હતા.ગાયકવાડ સ્ટેટ ના નિયમ પ્રમાણે એમના રાજ્ય ના દરેક ગામ માં એક પ્રાથમિક શાળા,એક અખાડો ને એક લાયબ્રેરી જરૂર હોય.વિજાપુર ગાયકવાડી ગામ હતું.આમારા પુરાણી સર અખાડીયન હતા.પુરાણી બંધુઓએ ગુજરાત માં અખાડા પ્રવૃત્તિ શરુ કરેલી,એનો વટ કાયમ મારતા.જોકે એ અખાડા પ્રવૃત્તિ શરુ કરનારા પુરાણી બંધુઓમાંના નહોતા.ગુજરાતી અખાડા થી કાયમ દુર ભાગે.વડોદરામાં પોળે પોળે અખાડા છે.એમાં પણ મરાઠીઓ જ વધારે હોય.એટલે હું પણ પુરાણી સાહેબ જોડે કુસ્તીના દાવ શીખતો.દંડ પીલતો બેઠકો કરતો.પુરાણી સાહેબ ઉસ્તાદ થોડું જીતતા હોઈએ તેમ લડવા દે પછી એવી ધોબીપછાડ મારે કે ઉભાજ ના થવાય.પાછા ઉભા કરે ને શાબાશી આપે કે થોડા દિવસ માં મને હરાવી નાખવાનો.પણ એ કદી હાર્યા નહિ ને મારી સ્કુલ પૂરી થઈ ગઈ.
      
               *આમારી સ્કુલ હતી આશ સેકન્ડરી હાઈસ્કુલ.પ્રિન્સીપાલ હતા ગોપાલભાઈ પટેલ.પિતાજી ના મિત્ર હતા.એ જમાના માં પૈસા કરતા પ્રેસ્ટીજ નું વધારે મહત્વ હતું.વિજાપુર માં પિતાજી ની પ્રેસ્ટીજ ખુબ હતી.લગભગ બધાજ શિક્ષકો પિતાજી ને ઓળખતાં હોય.એનો લાભ એ હતો કે માર વધારે પડતો.વકીલસાહેબ નો દીકરો છે,બગડવો ના જોઈએ ઠોકો એને.એના લીધે ક્લાસ માં આગળ રહેતો.લાયબ્રેરીમાં જતો તો જનુભાઈ ચાવીઓ નો ઝૂમખો આપી દેતા,કઈ બુક કયા કબાટ માં છે એવું પૂછ પૂછ ના કરું માટે.નવી પેઢીના ગુજરાતી લેખકોને પણ મેં ખાસ વાંચ્યા નથી.નવનીત સેવક અને છેલ્લે હરિકિશન ગાંધી ચિત્રલેખા વાળા ને વાંચ્યા છે.પછી ખાસ કોઈ નહિ.ગુણવંત શાહ ને પણ કટારો માં જ વાંચ્યા છે.કોઈ અંગ્રેજી ફિલોસોફરો ને વાંચ્યા જ નથી.ખાલી નામ સાંભળ્યા છે.આપણી પાસે આટલું બધું ઉંચી જાતનું ફિલોસોફી થી ભરેલું સાહિત્ય હોય ત્યાં બીજા ને ક્યાં વાંચીએ?એટલે હું કોઈ એવા લેખકોના અવતરણો મુકતો નથી.ખબર હોય તો મુકુને.
         
             *એક ચવાઈ ગયેલી જોક્સ છે કે વાણિયા, બ્રાહ્મણ ને બાપુનું બ્રેન વેચવા મુકેલું.તો બાપુના બ્રેન ના વધારે પૈસા મળેલા.કેમકે કદી વપરાયું જ ના હોય.ભગવાને જેવું આપ્યું હતું એમજ હતું.આમેય લડવા માં બ્રેન શું વાપરવાનું?દેવાજ માંડવાની ને.પહેલો ઘા રાણા નો.જો વિચારવા બેસીએ,બ્રેન વાપરવા બેસીએ તો લડવાનો સમય વીતી જાય,સામે વાળો આપણાં ને મારી જાય.એટલે વિચારવાની ટેવ જ ના પડેલી.કેસરિયા રજપૂતો કરતા એ કદાચ નવી પેઢીમાં તો ખબર નહિ હોય.કેસરિયા એટલે જયારે ખબર પડે કે હવે હારવાના જ છીએ.કોઈ કારી ફાવવાની નથી,ત્યારે રજપૂતો અફીણ ના કેસરિયા કસુંબા પી ને દુશ્મન ના સૈન્ય ઉપર ગઢ ના દરવાજા ખોલી ને તૂટી પડતા.દે ઠોક જેટલા માર્યા એટલા ખરા.બાકી મરવાનું તો છેજ.આ એક જાતનું આપઘાતી વલણ હતું.બધાજ માર્યા જતા.બોલો આવી રીતે આપઘાત કરવા કોઈ બ્રેન વાપરતો માણસ જાય ખરો? આ બાજુ રજપૂતાણીઓ દુશ્મન ના હાથ માં ના પડાય માટે મોટા કુવામાં અગ્નિ પ્રગટાવી કુદી પડતી.મુસલમાનો સામે રાજસ્થાન માં તો છાસવારે આવું બનતું.લાખો ના સૈન્ય સામે થોડા હજાર રજપૂતો આવી રીતે આત્મહત્યા કરવા નીકળી પડતા.આ દેશ માટે,આ દેશ ની પ્રજાના રક્ષણ માટે રજપૂતોએ જેટલા બલિદાન આપ્યા છે એટલા બીજા કોઈએ નથી આપ્યા છતાં આ દેશ ની પ્રજાએ રાજપૂતોને વગોવવામાં કશું બાકી નથી રાખ્યું.જ્યાં ને ત્યાં ફિલ્મો ને ટીવી સીરીયલો માં ઠાકુર એટલે ખરાબજ.આમારા ન્યુ જર્સી ના રેડીઓ પર એક જાહેરાત આવે છે.છોકરી બોલે છે,”પાપા લગ્ન તો રજપૂતો ની શાન થી કરીશ,એકદમ રાજપુતાના સ્ટાઈલ થી જ કરીશ”.રાજપૂતોની સ્ટાઈલ ગમે રજપૂતો ના ગમે. થોડા ખરાબ તત્વો ને લીધે આખી કોમ વગોવાય તેવું છે.
         
                      * એટલે મૂળ વાત એવી છે કે બ્રેન હોય પણ વાપરવા બેસીએ તો લડાય નહિ ને આપઘાત કરવા તો બિલકુલ ના જવાય.એટલે રાજપૂત સાહિત્યકારો ખુબજ ઓછા છે.નહીવત છે.ગુજરાતીમાં તો મેં ખાલી કિશનસિંહ ચાવડા ને વાંચેલા.ને દિલાવરસિંહ જાડેજા અખંડ આનંદ ના સંપાદક હતા,એમને થોડા વાંચેલા.બાકી ગુજરાતી સાહિત્ય કારોમાં કોઈ બીજું ખાસ જણાતું નથી.એટલે ઘણા બધાને થતું હશે કે આ બાપુ નક્કી કોઈ તફડંચી કરતા હશે.પણ ભાઈ હવે લડવા જવાનું નથી એટલે બાપદાદા ઓએ ના વાપરેલું બ્રેન વાપરવા માંડ્યું છે.અને હવે આત્મહત્યા કરવા પણ જવાનું નથી.જુઓ એટલે મારા ઘર માં ત્રણ પીએચડી થયા છે,ને બે વૈજ્ઞાનિકો છે.એટલે જયારે મારા ભેજા માં જ ટનાટન વિચારો ને નવા તુક્કા સુજતા હોય ત્યાં બટ્રાંડ રસેલ,પોલ સાન્ત્ર કે ટોલ્સટોય ને કોણ પૂછે ?ખાનગી વાત એ છે કે આ લોકોને વાંચ્યા હોય તો એમના વિશેનું લખુને? સાયંસ ચેનલો ટીવી પર જોવાની,સાયન્સ વિશેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મો જોવાની.એમાનું જેટલું અંગ્રેજી સમજાય તેટલું લખવાનું.એમાં આપણાં પોતાના એવા ખણખણતા મંતવ્યો ઉમેરવાના કે વાંચનાર ની ખોપરી હાલી જાય.એટલે અશોક ભાઈ લખે છે કે ઝટકો લાગે તેવું લખો છો.ઝટકા મારવાની બાપદાદા ઓ ની આદત જો વારસા માં મળી છે,તલવાર હોય કે કલમ શું ફેર પડે છે?અને સામે ગમેતેવો મહારથી હોય શું ફેર પડે છે?
         
                        *અને ખોટું તો સહન ના થાય.પછી ગુણવંત શાહ હોય કે મોરારીબાપુ હોય કે પછી ભગવાન શ્રી રામ જ કેમ ના હોય.મોરારી બાપુ આપકી અદાલત માં બોલ્યા કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” તો આપણી ખોપરી તો હટી ગઈ.આલ્યા તો પછી ભણશે કોણ? બધા કઈ ભજન કરી તમારી જેમ કરોડોમાં થોડા નહાશે?ગુણવંત ભાઈ બાપુ ના વાદે ચડ્યા છે “રામ કથા જગ મંગલ કરની”,જગ નું તો ઠીક ભારત નું ભલું સુદ્ધાં નથી થયું.રોજ લોકો ગોદાવી જાય છે.નાનું સરીખું બાંગલાદેશ પણ ગોદો મારી જાય છતાં બોલાતું નથી.આપણાં બી.એસ.એફ ના જવાનોને મારી નાખી કુતરા ઢસેડતા હોય તેમ ઢસેડતા હતા,તેવા ફોટા પણ આવેલા છતાં કાયરો કશું બોલ્યા નહતા.એટલે જેવું લાગે તેવું લખવાનું મોણ નાખવાનું ના ફાવે.
       *ના વાપરેલા બ્રેન વાપરવા કાઢીએ તો આવું થાય.
          

ઉત્ક્રાંતિનું હૃદય છે સેક્સ, “Sex is the heart of Evolution”!!!!!

“ઉત્ક્રાંતિનું હૃદય છે સેક્સ”
      “Sex is the heart of Evolution”!!!!!
                       *ઉત્ક્રાંતિ નું મહત્વનું પરિબળ છે સેક્સ. એટલા માટે પ્રાચીન ધર્મોએ કદી સેક્સ ને વખોડ્યો નથી. ઉલટાની એની પૂજા કરી છે. તમારા જીન્સ બીજી પેઢીમાં દાખલ કરો, એ પેઢી પછી એની બીજી પેઢીમાં જીન્સ ટ્રાન્સફર કરે આજ તો અમરત્વ છે એવું વૈજ્ઞાનિક રોબર્ટ કહે છે. આ વૈજ્ઞાનીકે વર્ષો સુધી રીસર્ચ કર્યું છે કે શા માટે સેક્સની જરૂરિયાત છે. જેરી જોનશન નામના વૈજ્ઞાનીકે ગરોળી વર્ગના એક જીવનો અભ્યાસ કર્યો. આ જાતમાં બધી જ ફીમેલ હોય છે. કોઈ મેલ હોતો નથી. છતાં આ જાત ઈંડા મુકે છે. અને એની માતા જેવો જ બીજો જીવ પેદા થાય છે. હા! આ જાતને વૈજ્ઞાનિકો ક્લોનીંગ માસ્ટર કહે છે. ક્લોનીંગમાં પ્રોબ્લેમ એ છે કે જેનું ક્લોનીંગ થાય એ બંને જીવો જરાય ફેરફાર વગરના હોય છે. ૧૦૦% સરખા. વૈજ્ઞાનિક રોબર્ટે વર્ષો સુધી માછલીઓ ઉપર રીસર્ચ કર્યું. અને તારણ કાઢ્યું કે ઈવોલ્યુશન એ રેસ છે, હરીફાઈ છે. એકજ જીવનું ક્લોનીંગ થયા કરે તો વિવિધતા આવે નહિ. વાયરસ, બેક્ટેરિયા ને બીજા પેરેસાઈટ સામે લડવાની શક્તિ આવે નહિ. જે સર્વાઈવલ માટે જરૂરી છે.
                        *
મોટા ભાગના સજીવો સેકસુઅલ રીપ્રોડક્શન પધ્ધતિ અજમાવે છે, ક્લોનીંગ નહિ. એક નરની પાસે  અબજો સ્પર્મ હોય છે. અને એક માદા પાસે એગ્સ(અંડ)લીમીટેડ હોય છે. એક સ્ત્રી જન્મે છે ત્યારે એના ઋતુચક્ર શરુ થવાથી માંડીને મોનોપોઝ સુધી  છોડવામાં આવતા અંડનો તમામ જથ્થો લઈને જન્મે છે. અને દરેક અંડ ફલિત થઇને ગર્ભ રહે તેવી શક્યતાઓ પણ હોતી નથી. માટે માદા પાસે એકદમ લીમીટેડ અંડનો જથ્થો છે. જયારે નર પાસે અમર્યાદિત સ્પર્મનો જથ્થો છે. એટલા માટે સંખ્યા વિરુદ્ધ ગુણવત્તાનો મામલો બની જાય છે. એટલા માટે માદા એ ખાસ પસંદગી કરવી પડે કે પોતાના જીન્સ સાથે  કોના જીન્સ દાખલ થવા દઈને ઉછેરવા. સજીવ જગતમાં માદા જેના તેના જીન્સ ઉછેરી સાથે પોતાના જીન્સ ને વેડફી શકે નહિ. માટે નર માટે કોમ્પીટીશન છે અને માદા માટે ચોઈસ. માટે માદામાં  પોતાના જીન્સ દાખલ કરવા માટે બે નર વચ્ચે લડાઈ થાય છે. એનાથી એમની મજબૂતાઈ ની પરીક્ષા પણ થઇ જાય. નબળા બીટા(સેવાભાવી) નરો તો પહેલેથીજ બાજુ પર ખસી ગયા હોય છે. આલ્ફા નરો લડે છે.જે જીતે તે ભોગવે.
                         *
મોર પાસે ખુબ લાંબા પીંછા હોય છે. જે ખરેખર નડતર રૂપ છે. એક તો શિકારી પ્રાણીઓની નજરમાં ને  ઝપટમાં જલ્દી આવી જવાય છે. અને ઉડવામાં પણ તકલીફ. ડાર્વિનને પણ થતું હતું કે આ મોર નામના પક્ષીએ ભૂલ કરી છે.  પણ સવાલ છે ઢેલબાઈનો. આ ઢેલબાઈ ખુબ પસંદગી વાળા છે. જેવા તેવાને હાથ મુકવા દે તેવા નથી. મેરીઓન પેસ્ટ્રી નામના વૈજ્ઞાનિક બહેને ઢગલા બંધ મોર અને ઢેલ વચ્ચે રહીને અભ્યાસ કર્યો. જે મોરના પીંછા ની લંબાઈ ટૂંકી  હોય ને એની વચ્ચેના મનમોહક ચાંદલા ઓછા હોય એને ઢેલબાઈ નસીબમાં હોતા નથી. સેકસુઅલ સિલેકશન નું બેસ્ટ ઉદાહરણ મોર છે.
                        *
ચિમ્પાન્ઝી અને માનવીના પૂર્વજો આશરે ૭૦ લાખ વર્ષ પહેલા એક જ હતા. ગોરિલા, ચિમ્પાન્ઝી, ઉરાંગ ઉતાંગ અને માણસ બધા Hominidae Family કહેવાય. માણસ અને ચીમ્પના જીન્સ ૯૯% આઈડેનટીકલ છે. ચિમ્પાન્ઝીની બે જાત છે. એક તો કોમન ચિમ્પાન્ઝી અને બીજી છે બોનોબો. દસ લાખ વર્ષ પહેલા આ બંને જાતો એક જ પૂર્વજમાંથી છૂટી પડેલી. આફ્રિકાની કોન્ગો નદીના ઉત્તર બાજુના વિસ્તારમાં ચીમ્પ રહે ને દક્ષીણ કિનારે બોનોબો રહે. પણ બંનેની વર્તણુકમાં ખુબજ ભેદ જોવા મળે છે. બોનોબોમાં માદાનું વર્ચસ્વ છે. એકદમ શાંત, સેકસુઅલ વહેવાર પણ બિલકુલ માણસો જેવો. ખજુરાહોના શિલ્પો જોઈ નીતીવાદીઓ ને ચક્કર આવે છે, બસ એવીજ કહેવાતી તમામ વિશિષ્ટતાઓ કે વિકૃતિઓ આ બોનોબો સેક્સમાં અપનાવે છે. જયારે ચીમ્પ એકદમ આક્રમક છે. બીટા નરો સાથે બોસ શિકાર કરવા, મારજુડ  કરવા નીકળી પડે. ગ્રુપની માદાઓને નિયમિત રોજ ફટકારવાની ત્રાસ આપવાનો.  તુલસીદાસનું નારી તાડન કી અધિકારીનું અક્ષરસઃ પાલન કરવાનું. રીચાર્ડ નામના હાવર્ડ યુનીના બાયોલોજીસ્ટ ૨૦ વર્ષ આફ્રિકાના આ જંગલો માં ભટકી ને ચીમ્પનો અભ્યાસ કરતા હતા. આહાર મેળવવાની તકલીફો એ ચીમ્પને ખુબજ આક્રમક બનાવ્યા છે, જયારે આહાર મેળવવાની સહેલાઈએ બોનોબો ને શાંત ને પ્રેમાળ  બનાવ્યા  છે. હાર્ડશીપ માણસ ને પણ મજબુત, આક્રમક બનાવે છે.
                           *
એકવાર માદામાં  તમારા જીન્સ દાખલ કરીને બચ્ચા પેદા તો કરી દીધા પણ એ બચ્ચા ના જીવે તો ઉત્ક્રાંતિનો હેતુ તો સરે નહિ. અને જો માદા એકલી બચ્ચા મોટા કરવા સક્ષમ ના હોય તો નરે સાથ અપાવો જ પડે. નહીતો એના ટ્રાન્સફર કરેલા જીન્સ પણ ફેઈલ જાય. આમાંથી પેદા થઇ મોનોગેમી. પક્ષીઓ મોનોગેમી અપનાવતા હોય છે, પશુઓમાં મોનોગેમી જોવા ના મળે. એક જોડી ભેગા મળી ને સાથે જ બચ્ચા ઉછેરે છે. સિંહ ફેમીલી પોલીગેમી છે. એક નર વધારે માદાઓ. મોનોગેમી એટલે શારીરિક જરૂરિયાતો નું સામાજિક સમાધાન. નર અને માદા બંને સાથે હળીમળી ને બચ્ચાઓ નું લાલનપાલન કરે, વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય. સેક્સ માંથી બંને આનંદ મેળવે અને લાલનપાલન કરી સંતોષ મેળવે. માનવ જગતમાં આમાંથી જ આગળ વધી હશે કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા.
                    *
ઉત્ક્રાંતિ માટે નું મહત્વ નું પરિબળ છે માદા ઓ નું મજબુત નર વિષે નું સિલેકશન. કારણ એમની પાસે લીમીટેડ જથ્થો છે અંડનો.  પ્રાણી, જંતુ અને પક્ષી જગતની જેમ માનવ જગતની માદાઓ પણ સિલેકશન કરતી જ હશે. હશે એટલા માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા ને લીધે નારીઓ પાસે સિલેકશન કરવાની ચોઈસ રહી નથી. સિલેકશન માતા પિતા કરે છે. મજબુત નરની સાથે સાથે લાંબો સમય સાથે હળીમળી ટેકો આપી મદદ કરી ટ્રાન્સફર કરેલા જીન્સ ને ઉછેરેવામાં મદદ કરે તેવા નરનું પણ સિલેકશન કરવું પડે. ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ એક નવી શાખા છે. આમાંના એક જોનશન નામના વૈજ્ઞાનીકે પ્રયોગ કર્યો. જુવાન પુરુષોના એક ગ્રુપને રોજ એકની એક ટીશર્ટ પહેરીને અમુક દિવસ સુવાનું, પછી એ ટીશર્ટ પ્લાસ્ટિક બેગમાં મૂકી ને આપવાની. આવી ભેગી કરેલી ટીશર્ટ સ્ત્રીએ  સુંઘી ને બતાવવાનું હતું કે કઈ  ટીશર્ટ પહેરેલો પુરુષ એને પસંદ આવે. જુદી જુદી સ્ત્રીઓને આ બધી ટીશર્ટ આપીને પસંદગી કરવાનું કહેવામાં આવેલ. સ્ત્રીઓમાં સુંઘવાની સારી શક્તિ હોય છે. ખાલી પસીનો સુંઘીને સ્ત્રીઓએ એવા પુરુષોને પસંદ કરેલા જેમના શરીર માં ટેસ્ટાટોરીન વધારે હોય. આ એક પુરુષ હાર્મોન છે. આનો જથ્થો જેટલો વધારે તેટલો પુરુષ વધારે મજબુત, મોટા ઝડબા ને મજબુત શરીર. નાજુક ચોકલેટી પુરુષોમાં આ હાર્મોન્સ ઓછા હોય છે. સ્ત્રીઓ સુંઘીને તથા  જોઇને પામી જાય છે. એમાંથી પ્રાચીન હિંદુઓમાં સ્વયંવરની પ્રથા આવી હશે. સ્ત્રી પોતે સિલેકશન કરે કયો નર એના લાયક છે, જે એના અંડને ફેઈલ નહિ કરે.
                      *
માનવ જગતમાં  આ કુદરતી નારી માટેની સિલેકશનની પ્રક્રિયામાં મેલ ડોમીનેન્ટ સમાજે ગરબડ કરી નાખી. કમજોરનું તો સિલેકશન થાય નહિ. માટે લગ્ન વ્યવસ્થા શોધી કાઢી. હવે દરેક માટે નારી ઉપલબ્ધ થવા લાગી. હાલીમવાલી , માયકાંગલા, કમજોર, કાયર બધાને નારી ઉપલબ્ધ થવા લાગી. જ્યાં લગ્ન વ્યવસ્થા પવિત્ર ને અતુટ છે ત્યાં પ્રજા કમજોર પેદા થવાની જ.  પક્ષી જગતના ઘણા બધા પક્ષીઓ મોનોગેમી, એકજ જોડીની પ્રથા અપનાવે  છે, પણ એમાં સિલેકશન તો માદા કરેજ છે. ઘણા બધા નાચ નખરા કર્યા પછી માદા જોડી બનાવે છે. ભગવાન શ્રી રામ કદાચિત પહેલા મોનોગેમસ હશે. પણ એમનું સિલેકશન પણ સીતાજીએ શિવજીનું  ધનુષ તોડાવીને કરેલું. ધનુષ ઉચકવું જ અશક્ય હતું. સ્ત્રીઓના અપહરણ કરવા આજે નીતીવાદીઓને ખરાબ લાગે પણ એ નરની મજબૂતાઈના પ્રમાણ હતા, જે પ્રાચીન ભારતમાં સામાન્ય હતું. અપહરણ કર્તા પુરુષ સાથે હોંશે હોંશે નારીઓ પરણી જતી. ભારતની પ્રજાને બહાદુર, મજબુત ને બળવાન બનાવવી હોય તો નારીઓને  સિલેકશન કરવા દો, સ્વયંવરની પ્રથા પાછી લાવો. પુરુષોને સુંદર નાજુક નારીઓ ગમે છે. જેટલા સ્ત્રૈણ એસ્ટ્રોજન હાર્મોન્સ વધારે એટલી નારી સુંદર લાગે. અને એટલીજ એની ફળદ્રુપતા વધારે. જેથી એમણે રોપેલા સ્પર્મ ફેઈલ ના જાય. જેટલા નારીના સ્તન મોટા એટલી શક્યતા બાળક માટે વિપુલ  ખોરાકની. પુરુષ ને મોટા સ્તન ગમે છેએની પાછળ ઈવોલ્યુશનરી ફોર્સ જવાબદાર છે.
                         *
મને પહેલા ખુબ નવાઈ લાગતી કે પરણેલી સ્ત્રીઓ પણ લગ્નેતર સંબંધો કેમ રાખતી હશે? પુરુષના તો જીન્સમાં જ છે જ્યાં ચાન્સ મળે પોતાનું બીજ આરોપિત કરી દેવું. મને કાયમ પ્રશ્ન ઉઠતો કે કયું પરિબળ સ્ત્રીઓને કહેવાતી બેવફાઈ કરાવતું હશે? પણ આજે સમજાય છે કે ઈવોલ્યુશનરી ફોર્સ આમ કરવા પ્રેરતો હશે. એક તો લગ્ન કરી નર(પતિ)નું  નેચરલ સેકસુઅલ સિલેકશન તો થયું ના હોય, એમાં હાઈ ટેસ્ટાસ્ટોરીન રેટ ધરાવતો પુરુષ પરિચયમાં આવ્યો હોય, જે એની સિક્સ્થ સેન્સે(છઠ્ઠી ઇન્દ્રિય)અચેતન રૂપે ઓળખી કાઢ્યો હોય. અને એ એના પ્રેમમાં પડી જઈને એના લીમીટેડ એગ્સ માટે સબળ ઉમેદવાર શોધી કાઢતી હોઈ શકે. ભલે નીતિશાસ્ત્રીઓ  ને ખરાબ લાગતું હોય. ચરિત્રહીન કહેતા હોય. લગ્ન પહેલા કે પછી લગભગ દરેક સ્ત્રીઓમાં આ શક્તિ હોય છે સ્વયંવર(હાઈ ટેસ્ટાસ્ટોરીન રેટ ધરાવતો પુરુષ)  શોધી કાઢવાની.  કિન્તુ પરન્તું સમાજના ડરના કારણે કોઈ પગલું ભરતી નથી.
                                             *
સંસ્કૃતિ સારી ને સેક્સ ખરાબ એવું નથી. રમત ગમત, કળા, સંગીત,  નૃત્ય આ બધું પાર્ટનરને શોધવા માટે મદદરૂપ થાય છે.  હાઈ ટેસ્ટાસ્ટોરીન ધરાવતા પુરુષો રમગમતની  ફાયનલમાં ગમેતેમ કરીને મરણીયા પ્રયાસ કરીને જીતી જાય છે. કળા , સંગીત, નૃત્યમાં પ્રવીણ સ્ત્રીઓ વધારે સ્ત્રીત્વ ધરાવતી સ્ત્રીઓ હોય છે. સેક્સ ખરાબ નથી. સેક્સ એ ઈવોલ્યુશનનું હાર્ટ છે.
Bonobo
Gorrila
Orang Utan
Chimpanzi

“વિના સહકાર નહિ ઉદ્ધાર”કીડીબાઈ કરે ખેતી.!!

 “વિના સહકાર નહિ ઉદ્ધાર”કીડીબાઈ કરે ખેતી.!!
       *આપણે પહેલા જોઈ ગયા કે જીવો જીવસ્ય ભોજનમ એ થઇ હિંસા.અને આ હિંસા પણ ઈવોલ્યુશન એટલે કે વિકાસ ના ક્રમ નું એક મહત્વ નું પરિબળ છે.એમ વિના સહકાર નહિ ઉદ્ધાર એ થઇ અહિંસા .આ પણ વિકાસ ના ક્રમ નું મહત્વ નું પરિબળ છે.બધા જીવો એક બીજા ના સહકાર,કો ઓપરેશન વડે આ જીવન ચક્ર માં જોડાએલા  છે.વનસ્પતિ પણ પક્ષીઓ અને મધ માંખી  જેવા જંતુઓ ની મદદ લે છે,એમની વસ્તી વધારવા.પરાગનયન વિષે આપણે સહુ ભણી ચુક્યા છીએ.
          
               *એમેઝોન  ના વરસાદી જંગલો માં લગભગ દરેક વનસ્પતિ ના પાન માં ટોક્સિક હોય છે.પ્રાણીઓ અને જીવ જંતુઓ આ વનસ્પતિ ખાય તો ઝેર ચડે.વનસ્પતિ પોતે એના રક્ષણ માટે આવી સગવડ વિકસાવે છે.આપણે ખેતી કરતા આશરે ચાર પાંચ હજાર વર્ષ પહેલા શીખ્યા હોઈશું.પણ એમેઝોન ના જંગલ માં રહેતા કીડીબાઈ ૫૦ મીલીઓન એટલે કે પાંચ કરોડ વર્ષ થી ખેતી કરે છે.હવે આપણી મૂછો નીચી કરો.આ કીડીઓ  લીફ કટર કીડીઓ છે.વનસ્પતિ ના પાન ને કાપીને એના ટુકડા એમના દર માં લઇ જવામાં આવે છે.આ પત્તા ઝેરી હોય છે.એકદમ સીધા ખવાય નહિ.આ કીડીઓ ના દર જમીન માં ખુબ ઊંડે સુધી હોય છે.આ કીડીઓ પાના દર લઇ જઈ ને લેબર કીડીઓ ને આપે છે.પછી આ કીડીઓ એ પાના પર એમની લાળ લગાવે છે.આ પાના પર ફૂગ ની  ખેતી કરવામાં આવે છે.ફૂગ (ફંગસ) નો ખોરાક છે વનસ્પતિ.આ ફૂગ એ કીડીઓ નો ખોરાક છે.કીડીઓ ને ફૂગ  ની જરૂર છે,અને ફૂગ ને કીડીઓ વગર ના ચાલે.વૈજ્ઞાનિકોએ આ કીડીઓ નો ખૂબ અભ્યાસ કર્યો ને એ પણ જાણવા મળ્યું કે જમીન માં ઊંડે કામ કરતી આ કીડીઓ ઉપર એક સફેદ મીણ જેવો ચીકણો પદાર્થ  ચોટેલો હોય છે.તપાસ કરતા જાણવા મળ્યું કે આ તો એન્ટી બાયોટીક્સ છે.જે એની બાયોટીક્સ આપણે આજે વાપરીએ છીએ એજ વર્ગ ના એન્ટી બાયોટીક્સ કીડીઓ ૫૦ મીલીઓન વર્ષ થી વાપરે છે,બેક્ટેરિયા સામે રક્ષણ મેળવવા.આપણે એન્ટી બાયોટીક્સ શોધ્યા ફક્ત ૬૦ વર્ષ પહેલા.ફરી મૂછો નીચી કરો.આ છે લીફ કટર કીડીઓ અને ફંગસ વચ્ચેનું  સ્થિતિ સ્થાપક  જોડાણ.
      
                           *આપણ ને એલર્જીક શરદી થાય છે.નાક અને આંખ  માંથી પાણી અચાનક વહેવાનું શરુ થઇ જાય છે.ઘણા બાળકો ને દમ એટલે કે અસ્થમા થઇ જાય છે.આનું કારણ છે ઘરમાં ,કાર્પેટ માં રહેલા ડસ્ટ માઈસ્ટ અને બીજા એલરજંસ .જર્મની ના  એક બાળકોના  મહિલા ડોકટરે  આશરે ૮૦૦ બાળકોનો એલર્જીક વિષયક અભ્યાસ કર્યો.કાર્પેટ,પથારી અને ઘર માં રહેલા નાના માઈક્રોબ્સ ના નમુના એકઠા કર્યા. તારણ એ આવ્યું કે શહેર માં રહેતા બાળકોને સ્વચ્છતા ના અભાવે આ બધા રોગો થાય છે,પણ જે બાળકો ના ઘરે લાઈવ સ્ટોક મતલબ ઢોર ઢાંખર પાળવામાં આવેલા હોય છે,એ બાળકો ને આવા રોગ માંથી મુક્તિ મળે છે.એલર્જી એ શરીર ની ઓવર રીએક્ટ ક્રિયા છે.શરીર જરા વધારે પડતી રોગો સામે લડવાની ક્રિયા કરે એને એલર્જી કહીએ છીએ.તો જે બાળકોના ઘરે પશુપાલન થતું ત્યાં એ પશુઓ ઉપર ઉછરતા માઈક્રોબ્સ શરીર ને શીખવે છે કેટલી પ્રતિક્રિયા કરવી.મતલબ અતિશય શુદ્ધ વાતાવરણ શરીર ને  નબળું બનાવી દે છે રોગો સામે લડવાથી. એક બાળક જન્મે છે ત્યારે એના શરીર માં રોગો સામે લડી શકે તેવા એન્ટી બોડીસ હોતા નથી.માનું પહેલું ધાવણ એન્ટી બોડીસ થી ભરપુર હોય છે. નાના બાળક ના શરીર માં એન્ટીબોડીસ એની  માના ધાવણ દ્વારા મળે છે.પણ મોટા ભાગ ના એન્ટી બોડીસ એને થતા રોગ માંથી શરીર લડે છે પછી તૈયાર થાય છે.
          
                   * મારા એક આર્ટીકલ ના પ્રતિભાવ માં એક ભાઈ એ લખેલ કે માનવીની સ્ત્રી એકાદ વર્ષ થી વધારે દૂધ ના આપી શકે માટે પશુ ઓ નું દૂધ પીવું પડે છે.આજના યુવાનો ને ખબર પણ નથી કે માનવી ની સ્ત્રી પણ ચાર પાંચ વર્ષ સુધી દૂધ આપી શકે છે.વળી એ જમાના માં આજની જેમ ફોટા પાડી સાબિતી રાખવાનો રીવાજ પણ ના હતો.આમારી પેઢી ખતમ થઇ જશે પછી લોકો માનશે પણ નહિ કે સ્ત્રીઓ ચાર પાંચ વર્ષ સુધી એમના બાળકો ને ધવડાવતી હતી.કોઈ માણસ ને આશરે ત્રણ વર્ષ નો થયો હોય તે પહેલાની સ્મૃતિ હોતી  નથી.આજની સ્ત્રીઓ પણ ભૂલી જવાની કે ક્યાં સુધી એ લોકો એમના બાળકો ને ધવડાવી શકે છે.માં એના બાળકને ફક્ત દૂધ નથી પીવડાવતી,દૂધ ની સાથે પ્રેમ પણ પીવડાવતી હોય છે.આજની સ્ત્રી છ મહિના થી વધારે ધવડાવતી નથી.પછી ફરિયાદ કરે છે કે સંતાનો એમની ઉપેક્ષા કરે છે.જે આત્મીય અને માનસિક જોડાણ બાળક સાથે એને  ધવડાવતા થતું  હોય છે.એ જ થયું ના હોય પછી બાળકો શું કરે?
          
                          *વિકાસ ના ક્રમ માં જીવો એક બીજા ના સહકાર વડે જીવે છે.પોષણ મેળવે છે,અને આમજ વિકાસ  થતો જાય છે,ઈવોલ્યુશન થતું જાય છે.ના તો હિંસા ખરાબ છે ,નાતો અહિંસા.ના હિંસા સારી છે,ના અહિંસા.અતિ હિંસા થી જેમ વિકાસ નો ક્રમ ખોરવાઈ જવાનો ભય છે,તેમ અતિ અહિંસા થી પણ તેવુંજ સમજવું.અમેરીકા માં યુરોપિયન લોકો આવ્યા તે  પહેલા પેસેન્જર પિજિયન નામના કબૂતરો પુષ્કળ હતા.એક વાદળ આકાશ માંથી માંથી આવતું હોય તેમ લાખો આવા કબૂતરો એક સાથે ઉડતા , ને જ્યાં પડે ત્યાં સફાચટ કરી નાખતા.કારણ અહી ખાસ માનવ વસ્તી ના હતી.એમને મારનાર કોઈ ના હતું.યુરોપીયનો અહી વસ્યા ખેતી કરવા લાગ્યા.પાક બચાવવા રીતસર નું અભિયાન ચાલુ થયું આ કબૂતરો ને મારવાનું.પણ પછી અટક્યાજ નહિ.આજે એક પણ પેસેન્જર પિજિયન બચ્યું નથી.હાલ જે કબૂતરો છે એ જુદી જાત ના છે,પેલા તો ઈતિહાસ બની ગયા.
     
               *તો મિત્રો કીડીબાઈ માટે હવે એવું ના ગાતા કે “કીડી બિચારી કીડલી”આ કીડી શું કરવાની?કીડી એના કદ કરતા ૫૦૦ ઘણું વધારે વજન ઉચકી શકે છે. 
               

“જીવો જીવસ્ય ભોજનમ” અને “વિના સહકાર નહિ ઉદ્ધાર”

            *”જીવો જીવસ્ય ભોજનમ” અને “વિના સહકાર નહિ ઉદ્ધાર”બંને ઈવોલ્યુશન વિકાસ ના ક્રમ માટે જરૂરી પરિબળો છે.એટલે જીવો જીવસ્ય ભોજનમ એ થઇ “હિંસા” અને વિના સહકાર નહિ ઉદ્ધાર(કો ઓપરેશન) એ થઇ “અહિંસા”.આમ ઈવોલ્યુશન માટે હિંસા અને અહિંસા બંને જરૂરી છે.એક જીવ બીજા જીવ ને ખાવા માટે મારે છે.અને એ જીવ બચવા માટે જાત જાત ના કીમિયા અખત્યાર કરે છે,નવી નવી તરકીબો શોધે,નવી સીસ્ટમ વિકસાવે છે.અને આમ વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય છે.નાના માઈક્રોબ્સ થી શરૂઆત કરીએ.રશિયન કેદીઓ ને થયેલા ટી.બી.નો અભ્યાસ કરતા જણાયું કે એમના ટી.બી. ના બેક્ટેરિયા પાંચ જાતના એન્ટી બાયોટીક્સ થી પ્રૂફ હતા.ટી.બી. નો કોર્સ પૂરો ના કરો તો,એના બેક્ટેરિયા તમે લીધેલી દવા વિરુદ્ધ ઈમ્યુન સીસ્ટમ વિકસાવે છે.અને નવી પેઢીના બેક્ટેરિયા ને વારસા માં એ ઈમ્યુન સીસ્ટમ આપતા જાય છે.પછી એ દવા ની અસર થતી નથી.જેમ જેમ રોગોના જીવાણું એન્ટી બાયોટીક્સ થી પ્રૂફ થતા જાય છે,તેમ નવા એન્ટી બાયોટીક્સ રોજ શોધવા પડે છે.
       
                *એક આફ્રિકન ભેંસ ને મારવા માટે ઓછામાં ઓછા સાત થી આઠ સિંહ નો સહિયારો પ્રયાસ જોઈએ.એકલ દોકલ સિંહ નું કામ નહિ,હાડકા ભંગાઈ જાય.માણસ જાત ને થાય છે એચ.આઈ.વી(એઇડ્સ),એમ ઘરેલું(ડોમેસ્ટિક) બિલાડી ને થાય છે એફ.આઈ.વી.એમાં બિલાડા નો મર્યે જ છૂટકો.કેન્સર ઇન્સ્ટીટ્યુટ ના એક વૈજ્ઞાનિક નામે સ્ટીવન ઓ બ્રાયન ને ૧૯૮૦મા  ચિંતા પેઠી કે ડોમેસ્ટિક કેટ નો રોગ નોન ડોમેસ્ટિક કેટ ફેમીલી જેવા વાઘ સિંહ માં ફેલાઈ જશે તો આ પ્રાણીઓ નું સત્યાનાશ થઇ જશે.એમણે કેટ ફેમિલીના ૩૭ જેટલા સભ્યો,જેવાકે વાઘ,સિંહ,ચિત્તા,દીપડા અને બીજા તમામ ના જીન્સ ભેગા કર્યાં ને અભ્યાસ કર્યો.પછી એમને હાશ થઇ. કેમ?અભ્યાસ માં જાણવા મળ્યું નવાઈ ભરેલું કે તમામ નોન ડોમેસ્ટિક કેટ ફેમિલીના સભ્યો ના જીન્સ એફ.આઈ.વી વિરુદ્ધ ઈમ્યુન થયેલા હતા.એમને આ રોગ થવાની સંભાવના નહતી.વધારે અભ્યાસ કરતા જાણવા મળ્યું કે દસ લાખ વર્ષ પહેલા કેટ ફેમિલીના પ્રાણીઓ ને આ રોગ થયેલો પણ એના વિરુદ્ધ ઈમ્યુન સીસ્ટમ વિકસી અને બચી ગયા.આજે દસ લાખ વર્ષ પહેલા એફ.આઈ.વી વિરુદ્ધ ઈમ્યુન થયેલા જીન્સ કેટ ફેમિલીના પ્રાણીઓ માં મળે છે.એટલે એચ.આઈ.વી થી ચિંતા કરવાની જરૂર નથી.આપણે પણ થોડા(લાખ?)વર્ષો પછી એચ.આઈ.વી સામે લડવા ઈમ્યુન સીસ્ટમ વિકસાવી એની સામે લડી શકીશું.
        
                        *વૈજ્ઞાનિક સ્ટીવન ઓ બ્રાયને એચ.આઈ.વી ના હાઈ રિસ્ક ધરાવતા ૧૦,૦૦૦ લોકોના જીન્સ નો પણ અભ્યાસ કર્યો.૧૦% કોકેશિયન જાતના માનવો ના જીન્સ  આ એચ.આઈ.વી વિરુદ્ધ ઈમ્યુન સીસ્ટમ વિકસાવી ચુક્યા છે,જેનો એશિયન અને આફ્રિકન લોકોમાં અભાવ છે.માતાપિતા એમના જીન્સ ફેરફાર વગર વારસા માં બાળકોને આપે છે.છતાં નીગ્લીજીબલ ચેન્જ જીન્સ માં થતો હોય છે.આવા મ્યુટ થયેલા જીન્સ વારસામાં પેઢી દર પેઢી ટ્રાન્સફર થતા હોય છે.આને માર્કીન્ગ્સ કહેવામાં આવે  છે.સમયે સમયે જીન્સમાં  મ્યુટેશન થતું હોય છે,અને આ ફેરફાર માર્કીન્ગ્સ પણ વારસા માં અનચેંજ ટ્રાન્સફર થતા હોય છે.આ છે ચમત્કાર ઈવોલ્યુશન નો.૭૦૦ વરસ પહેલા સમગ્ર યુરોપ માં બ્યુબેનીક પ્લેગ ફેલાયેલો.એમાં પોણા ભાગ ની યુરોપની વસ્તી ખતમ થઇ ગયેલી.એમાંથી બચેલા ની પેઢી માં મ્યુટ થયેલા જીન્સ આજની પેઢીમાં હાજર છે.કોઈ પણ રોગ વિરુદ્ધ ઈમ્યુન થયેલા જીન્સ વડે રક્ષણ પામેલા સેલ(કોશ)નું રીસેપટર પેલા રોગ ના જીવાણું ને પ્રવેશ કરવાની અનુમતિ આપતું નથી.અને એમ એ રોગ થી બચી જવાય છે.
            
                            *એક જીવ બીજા થી બચવા માટે નવી તરકીબો ખોળે છે.એવી રીતે એક જીવ  બીજા જીવ ને ખાવા માટે પણ નવી તરકીબો શોધે છે.આફ્રિકન ભેસોએ સિંહ થી બચવા ભયંકર તાકાત કેળવી છે.હરણ અને ઝીબ્રા એ દોડવાની જબરદસ્ત ગતિ મેળવી છે,અને લાંબો સમય દોડી શકવાનો ગજબનાક સ્ટેમિના મેળવ્યો છે,જે હિંસક પ્રાણીઓ માં નથી.તો સામે ચિત્તા એ પૃથ્વી પરના સૌથી ઝડપી દોડ શક્તિ ધરાવનારા પ્રાણી નું બિરુદ મેળવ્યું છે.પણ એ ભયાનક સ્પીડે ફક્ત થોડીવાર જ દોડી શકે છે.વાઈલ્ડ બિસ્ટે પુષ્કળ વસ્તી વધારતી પ્રજનન શક્તિ મેળવી છે.કમજોર હોય તે “ભારત” ની જેમ અતિશય વસ્તી વધારે.મારી મારી ને કેટલાને મારશે?ખાઈ ખાઈ ને કેટલાને ખાશે?પાણી માં રહેતો ગરોળી જેવો જીવ એની ચામડી માં ૧૦૦ પુખ્ત માણસો ને મારી શકે એવું ભયાનક ઝેર લઈને ફરે છે.કારણ?કારણ સાપ નું એ ભક્ષણ છે.આમ મારવા ને બચવાની પ્રક્રિયા થી ઈવોલ્યુશન થાય છે.હિંસા ખરાબ હોત તો ભગવાને કુદરતે મૂકી જ ના હોત જીવોમાં.પણ પણ અને પણ આ હિંસા પણ કુદરતી ધોરણે ફક્ત પેટ ભરવા પુરતી જ થવી જોઈએ,શોખ માટે અને ધંધાપાણી માટે નહિ નહિ અને નહિજ. 

“અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની ”

“અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની ”

         અહિંસક તો ભગવાન મહાવીર હતા. ના તો ગાંધીજી અહિંસક હતા ના તો અત્યારના કોઈ જૈન અહિંસક છે. મહાવીર અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હતા. એ પ્રાણી તો ઠીક જીવ જંતુ માત્રમાં પરમાત્માને અનુભવી શકતા હતા. તો પછી હિંસા કોના પ્રત્યે કરી શકાય? જે લોકો દરેક વસ્તુમાં પરમાત્મા ને અનુભવી શકતા નથી એ લોકો જો અહિંસાના વ્રત લે છે, તો એમની અહિંસા દંભી બની જાય છે. ગાંધીજી આવા દંભી અહિંસક હતા. નાની નાની સુક્ષ્મ હિંસા આ લોકો ભૂલી જાય છે. આ લોકો ભૂલી જાય છે કે એક મરઘીમાં જીવ છે તો કોબીજમાં પણ જીવ છે. કોઈ નો જીવ દુભાય તો પણ હિંસા થાય. ગાંધીજી એક રાજકારણી હતા ને સંત બનાવાનો પ્રયત્ન કરતા હતા. ગાંધીજી પણ સંવેદનશીલ વ્યક્તિ હતા. પણ મહાવીર તો સંવેદનશીલતાના એવરેસ્ટ શિખર હતા. એક નાની કીડીમાં પણ પરમાત્માને જોઈ શકતા હતા. એટલે એને ટાળી ને બચાવીને ચાલતા હતા. અત્યારના જૈન સાધુને કીડીમાં પરમાત્મા દેખાતો નથી, પણ મહાવીરના આચારે નકલ કરી કીડીઓને ટાળવાના વ્યર્થ પ્રયત્નો કરતા હોય છે.

  મહાવીર ક્ષત્રીય હતા. જૈનોના ચોવીસે તીર્થંકરો ક્ષત્રિયો હતા. એક પણ વૈશ્ય કે બ્રાહ્મણ ના હતો. હિંસા કરવા માટે જેમ વીરતા જોઈએ તેમ અહિંસા પાળવા કે અહિંસક બનવા માટે મહાવીરતા જોઈએ. કાયરો કે ડરપોક લોકો ના તો હિંસા કરી શકે છે ના તો અહિંસક બની શકે છે. માટે વર્ધમાનને મહાવીર કહેવામાં આવે છે. મહાવીરનો ગર્ભ બ્રાહ્મણીના પેટમાં હતો. દેવોએ વિચાર્યું કે બ્રાહ્મણની સ્ત્રીના પેટે અવતરેલો બાળક તીર્થંકર નહિ બની શકે. એટલે ગર્ભને ઉઠાવીને ક્ષત્રીયાણીના પેટામાં મૂકી દીધો. વાર્તા છે. સમજવા માટે છે. સહન શક્તિનો સવાલ છે. અહિંસક બનવા માટે ભયંકર સહનશક્તિ જોઈએ. એ સહન શક્તિ બ્રાહ્મણ કે વૈશ્ય કે વાણીયામાં ના હોય. ચોવીસે તીર્થંકરો જેના ક્ષત્રિયો છે એ ધર્મના લગભગ તમામ અનુયાયીઓ વૈશ્ય છે. કોઈનો માર ખાવામાં પણ શક્તિ ને સહન શક્તિ જોઈએ. એટલે અમારે કોઈનો માર ખાવો નથી માટે અમે કોઈને મારતા નથી, અમે તો અહિંસક છીએ. આ દંભી અહિંસા છે. પેલા ગોવાળની વાર્તા બધાને ખબર છે. મહાવીરના કાનમાં ખીલા ઠોકી દીધા. ક્યાંથી લાવશે આજના જૈનો એવી સહન શક્તિ?

     દરેકના સત્યો જુદા જુદા છે. મારું સત્ય તમારા પર થોપવાનો પ્રયત્ન હિંસા છે. સત્યનો આગ્રહ ના હોય. આગ્રહ કરવો પડે એવું સત્ય શું કામનું? એક માણસ એનું સત્ય થોપવા તમને લાફો મારી તમારા પર દબાણ કરે છે. બીજો માણસ એનું સત્ય થોપવા પોતાની જાતને લાફા મારે છે. બંને હિંસાનો આશરો લે છે. એક માણસ એનું સત્ય મનાવવા માટે તમને બાંધીને ખાવા ના આપે ને ટોર્ચર કરે. બીજો એનું સત્ય મનાવવા પોતાની જાતને ખોરાક ના આપી, ઉપવાસ પર ઉતરી તમને દબાણ કરે છે. બંને હિંસક છે. એક પરપીડન વૃત્તિ ધરાવે છે, બીજો સ્વપીડન વૃત્તિ ધરાવે છે. પીડા આપવાની હિંસા બંને કરે છે. ડો આંબેડકર ને કોઈ વાત મનાવવા માટે ગાંધીજી ઉપવાસ પર ઉતરેલા, ત્યારે આંબેડકરે કહેલું ગાંધીજી સારા માણસ છે એમનો જીવ બચાવવા મારી વાત છોડી દઉં છું, બાકી હું મારી વાતે મક્કમ ને સાચો છું.

 રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજીના પરમ મિત્ર હતા. ગાંધીજી એકવાર શાંતિ કેતન ગયેલા. નિયત સમયે બંને બહાર ફરવા જતા. ગાંધીજી સાદા માણસ એ તો બહાર જઈને ઉભા રહ્યા. રવીન્દ્રનાથ ને બહુ વાર લાગી. ગાંધીજી પાછા ગયા તો ડોસા રવીન્દ્રનાથ એમના વાળ ઓળવ્યા કરે. ગાંધીજીએ પૂછ્યું કે હવે ઉંમર થઇ ક્યાં સુધી વાળ સંવાર્યા કરશો? રવીન્દ્રનાથે કહ્યું, મને અસ્તવ્યસ્ત વાળમાં જોઇને કોઈને ઘૃણા થાય એ પણ હિંસા કહેવાય. ગાંધીજીની સમજમાં કદાચ નહિ ઉતર્યું હોય પણ આ થયો અહિંસાનો સુક્ષ્મ પ્રકાર. કોઈને મારવાથી જ હિંસા થોડી થાય છે?કોઈનો જીવ દુભાય એવું નાનું કૃત્ય પણ હિંસા કહેવાય. કોઈની મજાક કરીએ અને એનો આત્મા દુભાય તો પણ હિંસા કહેવાય માટે જે પોતાની જાત ઉપર હસી શકતો હોય તેની જ મજાક કરવી.

   અહિંસાનો કોન્સેપ્ટ સમજવો અઘરો છે. દેખીતા અહીન્સકો જાણે અજાણે ઘણી બધી હિંસામાં ભાગ લેતા હોય છે. શેમ્પુ લગભગ બધાજ વાપરે છે. શેમ્પુ તમારી આંખો માટે જલદ તો નથી ને?એના જવાબ માટે લેબોમાં સસલાની આંખોમાં શેમ્પુ નાખીને પ્રયોગો કરી ચકાસણી કરવામાં આવે છે. શેમ્પુ વાપરનારા બધાજ આ હિંસામાં ભાગીદાર છે. કતલખાનામાં હિંસા થાય છે, એમાંથી નીકળતી બાય પ્રોડક્ટ બધાજ વાપરે છે. કેલ્શિયમ મેળવવાનો સહેલો ને સસ્તો ઉપાય પ્રાણીઓના હાડકા છે. ખાંડ સફેદ કરવા કેલ્શિયમ વપરાય છે. ચામડું પટ્ટા, પર્સ, જેકેટ્સ ને ઘણી બધી વસ્તુઓમાં વપરાય છે. કુદરતી રીતે મરેલા પ્રાણીઓનું ચામડું આટલી બધી ચામડાની પ્રોડક્ટ્સમાં પુરતું ના થાય. કતલખાના ચાલુ રાખવામાં બધાજ ભાગીદાર છે. અને બધાજ કતલ ખાના બધ કરાવવામાં પડ્યા છે. એક દવાની નાની ટેબ્લેટ ખાસો તો પણ હિંસા થશે. દવાના ટેસ્ટીંગ માટે પહેલા ઉંદરો વપરાય છે, પછી બીજા પ્રાણીઓ.

    વર્ધમાનને સન્યાસ લેવા માટે એક ય બીજા બહાને ના પાડવામાં આવતી હતી. તો એ ક્યારેય વિરોધ કરતા નહોતા. ને ઘરના લોકોની વાત માની રોકાઈ જતા. ઘરમાંથી કોઈનો પણ જરા જેટલો જીવ દુભાય એ એમને મંજુર નહોતું. વર્ષો વીતી ગયા. અચાનક ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે વર્ધમાન ભલે ઘરમાં રહે એમની હાજરી જરાય અનુભવમાં આવતી નથી. જયારે વર્ધમાન ઘરમાં છે એવું લાગતુ જ નથી તો હવે એમને રોકવાનો કોઈ અર્થ નથી. વર્ધમાન વીરોના વીર મહાવીર હતા. હિંસા કરવા માટે તાકાત ને શક્તિ જોઈએ, એમ અહિંસા કરવા માટે અતિ તાકાત ને મહાશક્તિ જોઈએ.

“ના વાઘ હિંસક છે ના સિંહ,હિંસક છે ફક્ત માનવી”

        * મિત્રો ના તો વાઘ હિંસક છે ના સિંહ.હાથી પણ અહિંસક નથી.એને ડર લાગે કે તમે નુકશાન પહોચાડશો તો,તત્ક્ષણ સૂંઢ માં લપેટી પછાડી નાખશે.એક જાપાનીઝ ફોટોગ્રાફર ને આફ્રિકાના હાથી ના એક્સક્લુસિવ ફોટા લેવા હતા,વધારે ને વધારે નજીક જતો ગયો.હાથી ફુંફાડા મારી ચેતવે છે.છતાં ના માન્યો કે સમજ ના પડી હાથીએ તરતજ પૂરો કરી નાખેલો.સિંહ ધરએલો હોય તો ભાગ્યેજ હુમલો કરે.કહેવાતા હિંસક પ્રાણીઓ ફક્ત પેટ ભરવા પુરતા જ કોઈને મારી ને ખાય છે.બાકી એમના કોઈ શોખ પોષવા હિંસા કરતા નથી.

*આપણી સુંદર સવાર અબોલ પ્રાણીઓ ની હિંસા સાથે સારું થાય છે.દરેક ની મારી,તમારી,જૈનો ની ને સાધુબાવાઓની પણ.જે લોકો સવારે ઉઠીને દાતણ કરતા હોય તેમની એક પગથીયા પછી શરુ થાય છે.સૌથી પહેલા આપણે ટૂથબ્રશ કરીએ છીએ.ટુથપેસ્ટ માં કેલ્સિયમ ના ભૂકા ભરેલા હોય છે જે નો મેળવવાનો સસ્તો ને સહેલો ઉપાય હાડકા છે.પછી આપણે સફેદ ખાંડ નાખી ચા પીએ છીએ.ખાંડ ને સફેદ બનાવવા માટે હાડકાનો ભૂકો પાવડર વપરાય છે.બ્રાઉન ખાંડ પણ વાપરી શકાય.પણ આપણાં શોખ માટે પ્રાણીઓની હત્યા માં નિમિત બનીએ છીએ.જૈનોએ ને ગૌહત્યા ના વિરોધ માં આંદોલનો કરનારે પહેલા સફેદ ખાંડ ખાવાની બંધ કરવી જોઈએ.આ દમ્ભીઓ ખાંડ ખાવાનું બંધ કરતા નથી.પછી આપણે સ્નાન કરવા જઈએ છીએ.કુદરતી તેલ એટલું મોંઘુ છે કે સાબુ ની બનાવટોમાં ભાગ્યેજ વપરાય.એમાં કતલખાના માંથી મેળવાયેલી ચરબીજ વપરાય છે.બોડી લોશનો માં પણ ચરબીજ વપરાય છે.

     *ડર્ટી જોબ નામનો એક પ્રોગ્રામ જોએલો.કેલીફોર્નીયા માં એક ફેક્ટરી છે.ત્યાં મરેલી ને સડેલી,કીડા પડી ગયેલી ગાયો લાવવામાં આવે છે.પછી એનું ચામડું ઉતારી આખી ને આખી મશીન માં ભરડી નાખવામાં આવે છે.એમાંથી નીકળેલી ચરબી કોસ્મેટીક કંપનીઓ ને વેચવામાં આવે છે,જે કોસ્મેટીક્સ માં વપરાય છે,એવું તે ભાઈલો બોલતો હતો.વધેલો ભૂકો મરઘા ફાર્મ માં ખોરાક તરીકે વપરાય છે.વાઘ સિંહ ને બોડી લોશન ની જરૂર નથી.વાપરે છે ફક્ત માનવ.તલ નું તેલ પણ વાપરી શકાય.આવી અનેક બિન જરૂરી હિંસા માનવજાત કરે છે.વાઘ ચા પીતો નથી ને આખો દિવસ સફેદ ખાંડ ખાતો નથી.ગાય ની ચરબી માંથી બનાવેલા નકલી ઘી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે.એમાં હિંસા નડતી નથી.આવી નકલી ઘી ની ફેકટરીઓ ખાનગી માં ધમધમતી હોય છે.                   

          *માંસાહારીઓ ને દેવનાર ના કતલખાના જોવા જવાનું કહેનારા સફેદ ખાંડ ખાવાનું કેમ બધ કરતા નથી?મોટા ભાગના કતલખાના અહીન્સકો ની જરૂરિયાતો પણ પૂરી કરવામાં ભાગ ભજવે છે.ફક્ત પેટ ભરવા પુરતી માનવ હિંસા કરે ને માંસ ખાય તે માફ કરી શકાય.પણ પોતાના શોખ પોષવા નિર્દોષ પ્રાણીઓ ની હત્યા કરે તે કેમ કરીને માફ કરાય?ફર વાળા કોટ ને પર્સ માટે આપણે એટલા બધા વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ નો નાશ કરીએ છીએ કે લગભગ એ પ્રાણીઓ અદ્રશ્ય થવા લાગ્યા છે.આ વાઘ ના શરીર ના તમામ ભાગો ખાવામાં ઔષધ રૂપે વપરાય છે.બોલો કોણ હિંસક વાઘ કે માનવી?વિયેતનામ માં એક બાઈ ફૂટપાથ પર બેઠી છે.તમે જાવ ને ભાવ તાલ કરો પછી એની થેલી માંથી ખાસ પ્રકાર ના પાતળા સાપ કાઢશે.નીચે દેશી બનાવટ નો દારૂ નો ગ્લાસ મુકશે.પછી એની મજબુત ચપટી માં સાપ ને પૂંછડી થી દબાવતી દબાવતી નીચે આવશે.સાપ ના મોઢામાંથી લોહીની ધાર થશે દારૂના ગ્લાસ માં.એ દારૂ પીને બળવાન બની ગયેલો મનુષ્ય ચાલતી પકડશે.કિંગ કોબ્રા ને બરોબર છંછેડી ગુસ્સે કરવામાં આવે જેથી ગુસ્સા માં પેદા થયેલા રસાયણો એના લોહીમાં ભળે.પછી એની જીવતે જ ચામડી ઉતેરાય.એના લોહીને રેસ્ટોરાં માં બેઠેલો બુચીઓ પીવે.ને એના માંસ ની વાનગી ખાઈ શક્તિ મેળવી એની ગર્લફ્રેન્ડ પર શુરાતન બતાવી એને ખુશ કરશે.આ બુચિયા એટલે કે નાના નાક વળી પીળી પ્રજા ભયાનક માંસાહારી છે.કોઈ જીવડું ખાવા માંથી બાકાત રાખતા નથી.એટલા ક્રૂર તો અમેરીકનો પણ નથી.જે ભાઈઓ હમેશા માંસાહાર બાબતે હમેશા અમેરિકાને જ ગાળો દે છે એ લોકોને ચીનાઓ,જાપાનીઓ,કોરીયનો કેમ યાદ આવતા નથી?

         *કોરિયા સીઓલ માં ઓલોમ્પિક રમાંએલું એ તો યાદ હશે.હવે ત્યાં રમતો જોવા દુનિયાભર માંથી લોકો જવાના.અમેરિકાનો ને યુરોપીયનો પણ જવાના.અમેરિકાના પ્રમુખે ને બ્રિટીશ વડાપ્રધાને કોરિયન સરકાર ને ખાસ વિનંતી કરી કે જ્યાં સુધી ઓલોમ્પિક રમાય ત્યાં સુધી ઓલોમ્પિક વિલેજ ની આસપાસ ના બજારોમાં કુતરા ના લટકાવે. કારણ અમારી પ્રજા કુતરાને બહુ પ્રેમ કરે છે ને ખાવા માટે વેચવાને લટકાવેલા કુતરા જોઈ નહિ શકે. હા અમેરિકાને ભાંડવાવાળા ને કહું કે કોરીયનો કુતરા ખાય છે રોજ ના આહારમાં.અને હા ભૈલા પંચમહાલ ના આદિવાસીઓ જયારે બીજું કશું ના મળે ખાવા માટે તો વાંદરા ને કુતરા પણ ખાય છે.જો તમે ખરા અહિંસક હોવ તો ચામડાના પટ્ટા કેમ પહેરો છો?વાલેટ કેમ રાખો છો ખિસ્સામાં?કોસ્મેટીક્સ કેમ વાપરો છો?ખાંડ કેમ ખાવ છો?દાતણ કરો ને ભાઈ.

             *શ્રી કુમારપાળ દેસાઈ ને બીજા મિત્રો દાખલા આપે છે કે એક કિલો માંસ માટે સેંકડો કિલો વનસ્પતિ ને પાણી વપરાય જાય છે.માટે માંસ ના ખાવું. તો એ વનસ્પતિ ને પાણી બચાવવા માટે એ પશુ ને ખાઈ જવું શું ખોટું?તમે એ પશુ ને ખાઈ નહિ જાવ તો એ પુષ્કળ વનસ્પતિ ખાઈ ને લીલા જંગલો નો નાશ કરશેજ.આવી વાહિયાત દલીલો શ્રી કુમારપાળ દેસાઈ જેવા પ્રતિષ્ઠિત લેખકો કરે છે.પ્રાણીઓ જે વનસ્પતિ ખાય છે એમાંથી ફક્ત ૨૦% જ એમના શરીર ના પોષણ માટે વપરાય છે.બાકીની વનસ્પતિ વેસ્ટ જાય છે.હાથી ૧૦૦ કિલો વનસ્પતિ ખાય છે એમાંથી ૨૦ કીલોજ એના શરીર માં વપરાય છે,બાકીનું ૮૦ કિલો નું છાણ બને છે.આ વનસ્પતિ જગત નો નાશ ઘસાહારી પ્રાણીઓ ના કરી નાખે માટે કુદરતે,ભગવાને માંસાહારી પ્રાણીઓ પેદા કર્યાં છે.જંગલો બચાવવા હોય તો શાકાહારી પ્રાણીઓ ઓછા હોય તેમ સારું.જંગલો બચશે તો બીજી જીવસૃષ્ટિ બચશે.કારણ વાઘ સિંહ બધી જીવસૃષ્ટિ નો નાશ કરતા નથી.શ્રી કુમારપાળ દેસાઈ જેવા જૈન જગત ના પ્રતિષ્ઠિત લેખકો ગુજરાત ની ભોળી પ્રજાને એમના વાહિયાત દાખલા દલીલો થી ભરમાવે છે,છેતરે છે.પ્રોબ્લેમ એ છે કે પ્રજાની વિચારવાની વિન્ડોજ-૭ આ લોકોએ બંધ કરી દીધી છે.અને આ લોકો એટલા બધા પૂજ્ય હોય કે લોકો અંધ બની એમની વાતો માની લે જરાપણ વિચારે નહિ.

              *માનવીએ માનવીની હિંસા ને હત્યા કરવાના જાતજાતના બહાના શોધી કાઢ્યા છે.ધર્મ,દેશ,ભાષા આ બધા બહાના છે.ફક્ત અમે આર્યન જ શુદ્ધ છીએ ને તમે યહુદીઓ અશુદ્ધ છો એવું બહાનું કાઢી હિટલરે ૬ મીલીઓન એટલે સાઈઠ લાખ યહુદીઓ ને જીવતા ભૂંજી નાખ્યા હતા. 

               *તો મિત્રો પ્રાણીજગત માં કોઈ હિંસક નથી.બધા એમના જઠર પ્રમાણે ખાય છે.હિંસક છે ફક્ત માનવી.જે વિના કારણ હિંસા કરે છે.એના શોખ પોષવા નિર્દોષ પશુઓને મારે છે.અરે બાળકોના બલી પણ ચડાવી દે છે.ફક્ત પેટ ભરવા માંસાહાર કરતો માનવી માફીને લાયક છે પણ ચામડાના પટ્ટા પહેરતો,પર્સ રાખતો,ફર ના કોટ પહેરતો,ટુથપેસ્ટ વપરાતો,સફેદ ખાંડ ખાતો માનવી માફીને લાયક જરાપણ નથી.પછી ભલે તે કતલખાના બંધ કરવા નારા લગાવતો હોય.