તમારી સ્વતંત્રતા કેટલી?

#વ્યક્તિ_સ્વાતંત્ર્ય#

વ્યક્તિની સ્વતંત્રતા એક પગ ઊંચો કરવા જેટલી હોય છે. તમે બે પગ સાથે ઊંચા કરી ઊભા ના રહી શકો ગબડી પડો. એક પગ જમીન સાથે જોડેલો રાખી એક પગ ઊંચો કરવાની સ્વતંત્રતા ભોગવી શકો અન્યથા નહિ.. માણસ મેમલ એનિમલ છે અને મેમલ સમૂહમાં રહેવા ઈવોલ્વ થયેલા છે એટલે તમારા એક પગ ઊંચો કરવાની સ્વતંત્રતા સાથે તમારો બીજો પગ તમારા સમૂહની સર્વાઈવલ સ્ટ્રેટેજી સાથે જોડાયેલો રહે છે. એટલે તમે મનફાવે તેમ કોઈનું મર્ડર ના કરી શકો, ચોરી ના કરી શકો.

પ્રાણીઓની સોશિઅલ હાઈઆરાર્કી સીધી સાદી હોય છે પણ માનવ પાસે મોટુ ફ્રન્ટલ લોબ હોવાથી વિચારશીલ છે એટલે એની સોશિઅલ હાઈઆરાર્કી બહુ જટીલ હોય છે, કોમ્પ્લેક્ષ હોય છે. પ્રાણીઓનો એક જ સમૂહ હોય છે જ્યારે માનવી એક સાથે અનેક સમૂહમાં જીવતો હોય છે. એટલે વ્યક્તિ સ્વતંત્રતાનો એક પગ ઊંચો કરે ત્યારે એનો બીજો પગ એક સાથે અનેક સમૂહોની સર્વાઈવલ સ્ટ્રેટેજીની જમીન સાથે જોડાયેલો હોય છે અને એટલે જોતે તર્ક ના વાપરે વિચારે નહિ તો ડીસીસન લેવામાં માર ખાઈ જાય છે.

મારો પહેલો સમૂહ મારુ કુટુંબ હોય, પછી જે કહેવાતી કોમમાં જનમ લીધો હોય એ હોય, પછી જે કહેવાતા ધરમમાં માનતો હોઉ તો એ ધરમમાં માનનારા બધી કોમોના સમૂહ સાથે એ ધર્મ મારો સમૂહ બને. હું રેશનલ હોઉ તો એ સમૂહ પાછો અલગ, શિક્ષક હોઉ તો શિક્ષક સંઘ પાછો અલગ સમૂહ. એમાંય પાછા પેટા વિભાગ પડે માધ્યમિક પ્રાથમિક જેવા. ગુજરાત રાજ્ય ને ગુજરાતી તરીકે પાછો અલગ વિશાળ સમૂહ તો ભારતીય તરીકે બહુ મોટા વિશાળ સમૂહમાં આવી જવાય. દરેક સમૂહની સર્વાઈવલ સ્ટ્રેટેજીને માન આપતા જવાનું ને એક પગ ઊંચો કરવાની સ્વતંત્રતા ભોગવતા જવાની. આ દરેક સમૂહની સર્વાઈવલ સ્ટ્રેટેજી સારી કે ખોટી તે બાજુ પર રહેવા દો. એ વખતો વખત બદલાતી જતી હતી હોય છે. સમયની માંગ અનુસરી પોતે પોતાના સમૂહની કે બીજા સમૂહે આપેલી સજા ભોગવીને સમૂહના ભવિષ્યના લાભ સુખાકારી માટે કેટલાક લોકો આવી સ્ટ્રેટેજી બદલતા હોય છે એના માટે બલિદાન આપતા હોય છે એને આપણે બુદ્ધ કે ગાંધી કે રાજા રામમોહનરાય કે આંબેડકર કે બીજા એવા અનેક તરીકે ઓળખતા હોઈએ છીએ.

માણસ પોતાની કોમના સમૂહની સર્વાઈલ સ્ટ્રેટેજી સાથે જોડાયેલો હોય એ જુદી હોય અને ભારત દેશ નામના હ્યૂજ સમૂહ સાથે જોડાયેલો હોય એટલે એના કાનૂન(સર્વાઈવલ સ્ટ્રેટેજી) અલગ હોય અહીં ડિસીસન લેવામાં માર ખાઈ જાય કે કઈ સ્ટ્રેટેજીને પ્રાધાન્ય આપવું. અહીં પોતાની એક પગ ઊંચો કરવાની સ્વતંત્રતા ભોગવવા જતાં એનો બીજો પગ ભારત નામના મોટા સમૂહના કાયદાકાનૂન સાથે જોડાયેલો છે એ ભૂલી જાય ત્યારે પછી જેલમાં જવાનો વારો આવે છે.

ક્યારેક ઘર્મ નામના મોટા સમૂહની સ્ટ્રેટેજી પ્રત્યે દેશ નામનો સમૂહ આંખ આડા કાન કરતો હોય છે. મોટા માથાં પણ આવી સ્વતંત્રતા ભોગવી કાનૂનથી બચી જતાં હોય છે, નાનો માણસ સજા ભોગવતો હોય છે.

ટૂંકામાં માણસની વ્યક્તિગત સ્વતંત્રતા એક પગ ઊંચો કરવા જેટલી છે બે પગ ઊંચા કરવા જેટલી નહિ. :- Bhupendrasinh Raol, S Abington PA, July 15, 2019..

2 thoughts on “તમારી સ્વતંત્રતા કેટલી?”

  1. “વ્યક્તિની સ્વતંત્રતા એક પગ ઊંચો કરવા જેટલી હોય છે. તમે બે પગ સાથે ઊંચા કરી ઊભા ના રહી શકો ગબડી પડો. એક પગ જમીન સાથે જોડેલો રાખી એક પગ ઊંચો કરવાની સ્વતંત્રતા ભોગવી શકો અન્યથા નહિ.. ”
    “માણસની વ્યક્તિગત સ્વતંત્રતા એક પગ ઊંચો કરવા જેટલી છે બે પગ ઊંચા કરવા જેટલી નહિ. “

    Like

Leave a comment