નર્કારોહણ-દ્રૌપદી

નર્કારોહણ-દ્રૌપદી Raja_Ravi_Varma,_Pleasing નરકમાં અમે મસ્તીથી ફરતાં હતાં. અહીં તો વાતાવરણ લગભગ સ્વર્ગ જેવું જ હતું. ગરુડ પુરાણમાં વાંચેલું એવું અહિ કશું હતું નહિ. ગરુડ પુરાણમાં કેવાં ભયાનક વર્ણન હતાં પાપોની સજા ભોગવવાનાં. એવામાં અચાનક મને હવામાં વાદળી રંગના કમળ ફૂલની સુગંધ પ્રસરી રહી હોય એવો ભાસ થવા લાગ્યો.

મેં રશ્મિભાઈને પૂછ્યું, ‘આટલી સરસ મહેક ક્યાંથી આવતી હશે? આસપાસમાં કોઈ સુંદર સરોવરમાં બ્લ્યુ કમળ હોવા જોઈએ.’

રશ્મિભાઈ કહે, ‘ સરોવર તો નજીકમાં દેખાતું નથી, નક્કી આસપાસમાં યજ્ઞસેની હોવાં જોઈએ. એમનાં સિવાય કોઈના શરીરમાંથી આવી સુગંધ આવે નહિ.’

હું તો ખુશ થઈ ગયો કે નક્કી આજે પાંચાલીના દર્શન થઈ જવાના. તે સમયના મોસ્ટ બ્યુટીફૂલ વુમન એવાં કૃષ્ણા નજીકમાં જ ક્યાંક હશે. થોડા આગળ વધ્યા ત્યાં એક સુંદર પર્ણકુટિ આગળ ફૂલછોડને પાણી પિવડાવતાં એક જાજરમાન મહિલા જોયાં. જાણે અગ્નિકુંડમાંથી હાલ પ્રગટ થયાં હોય તેવાં તામ્રવર્ણ ધરાવતાં, સામાન્ય માણસને તો નજીક જતાં ડર લાગે તેવાં પ્રતિભાશાળી. દેહમાંથી પ્રસરતી કમળની અદ્ભુત સુગંધ, કમળ જેવા લોચન અને ઘેરા વાદળી રંગના વાદળોના સમૂહ જેવા અદ્ભુત કેશ.

રશ્મિકાંતભાઈ કહે આ તો નિત્યયૌવની, યજ્ઞસેની, કૃષ્ણ સખી, પંચાલ રાજાની યુદ્ધકુંવરી દ્રૌપદી જ છે, ચાલો આજે એમનો પણ ઇન્ટર્વ્યૂ લઈ જ લઈએ. અમે તો પહોંચ્યા એમની પાસે પ્રણામ કરી

રશ્મીભાઈએ અમારી ઓળખાણ આપી. જો કે તેઓને અમારી ખબર પડી ગયેલી હતી. કારણ અમે પાંડવ બ્રધર્સ અને માતા કુંતીને મળી ચૂક્યા હતાં.

‘મને થતું હતું કે આ લોકો મારો ઈન્ટરવ્યું લેવા કેમ હજુ આવ્યા નથી,’ દ્રૌપદી બોલ્યાં.

મેં કહ્યું, ‘આપનો ઈન્ટરવ્યું લીધાં વગર અમારું નર્કારોહણ અધૂરું જ રહે.’

દ્રૌપદી હસી પડ્યાં. એમનાં હાસ્યમાં પણ એક કાતિલ ઠંડક હતી. મને પોતાને બહુ ઔપચારિકતા દાખવવાનું ફાવતું નથી. એટલે સીધા સવાલો કરવા માડું છું.

‘પ્રથમ તો આપના અદ્ભુત સૌન્દર્યને પ્રણામ,’ મેં કહ્યું.

દ્રૌપદી હસીને બોલ્યાં, ‘પ્રણામ !, તમારા વેધક સવાલોના જવાબ સરખાં આપી શકીશ કે નહિ તે કહેવું મુશ્કેલ છે.’

મારું પ્રથમ પૂછવું એ છે કે, ‘આપે આપના સ્વયંવરમાં કર્ણને માછલીની આંખ વીંધવાની હરીફાઈમાં ભાગ લેવાની ના કેમ પાડી દીધેલી એ ભેદભાવ ના કહેવાય?’

દ્રૌપદી બોલ્યાં, ‘સ્વયંવરનો મતલબ જ એ કે મારે મારી ઇચ્છા મુજબ વર પસંદ કરવાનો હતો. એમાં કોણે ભાગ લેવો કોણે નાં લેવો તે મારી મરજી મુજબ જ હોય ને? હું હા પાડું તેને જ પિતાશ્રી એમાં ભાગ લેવાની મંજૂરી આપે. અને મને અર્જુન પ્રત્યે થોડો પહેલથી જ લગાવ હતો. એટલે મને ખબર હતી હરીફાઈમાં કર્ણ ભાગ લેશે તો અવશ્ય જીતી જશે. મારા સખા કૃષ્ણે પણ ઇશારો કરીને ચેતવી દીધેલી. અને મૂળ તો પાંડવો મૃત્યુ પામ્યા છે તેવી અફવા હતી એટલે આવી પાણીમાં પ્રતિબિંબ જોઈ માછલીની આંખ વીંધવાની સ્પર્ધા અર્જુનની શોધ માટે જ હતી કે અમને વિશ્વાસ હતો કે અર્જુન જીવતો હશે તો તે બહાર આવશે જ અને કર્ણ સિવાય બીજો કોઈ આ મત્સ્યવેધ કરવાની હિંમત કરશે તો તે ફક્ત ને ફક્ત અર્જુન જ હશે.’

મેં કહ્યું, ‘ઉત્તમ આઇડિયા, પણ માતા કુંતીએ અજાણતાં કહી દીધું વહેંચીને લઈ લો એમાં આ પાંચ ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લેવા સમજાયું નહિ.’

‘શરૂમાં તો મેં વિરોધ કરેલો,’ દ્રૌપદી બોલ્યાં. વધુ ઉમેરતાં દ્રૌપદી બોલ્યાં, ‘આ માતાઓ અને પિતાઓ પણ સામાન્ય માનવી જ હોય છે. બધાં કાંઈ ભગવાન હોતા નથી. આપણે એમનું રીસ્પેક્ટ રાખીએ જન્મદાતા તરીકે તે અલગ વાત છે. પણ આ બધા એબ્સોલ્યુટ રાઈટ જ હોય તેવું માનવું વધું પડતું છે. શાન્તનું અને દશરથે ભીષ્મ અને રામનાં કેવાં બલિદાન લીધાં છે તે આપણે જાણીએ છીએ તેમ કુંતીએ અજાણતાં મારું બલિદાન લઈ લીધું હતું. માતાપિતા અને વડીલોની અયોગ્ય માગણીઓને નકારવાનું શીખવું પડશે. વડીલો અને પેઅરન્ટ ને એમના ગુણ દુર્ગુણ સાથે સ્વીકારી પ્રેમ કરીએ તે મહત્વનું છે. પણ તે સમયે માતાનાં વચનને બહાને સખા કૃષ્ણે અને ખુદ અર્જુને મને સમજાવી એટલે માની ગઈ અને પાંચે ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લીધા.

મેં કહ્યું, ‘આખા બનાવ વિષે વધુ પ્રકાશ પાડશો?’

‘મૂળે મને આમાં કોનો દોષ છે તે હજુ સમજાયું નથી. માનવજાત બહુગમન કરનારી છે તેમાં કાંઈ નવું નથી. અને માતાએ તેમના અજાણતાં બોલાયેલ બોલ પાળવા જ તેવો આગ્રહ રાખ્યો નહોતો, ઉલટાનો આવા લગ્ન ભૂતકાળમાં થયેલા છે કે નહિ તેના પુરાવા માંગેલા. ત્યારે યુધિષ્ઠિરે ગૌતમ વંશના જટિલા દેવીનો દાખલો આપેલો કે જેઓ સાત સપ્તર્ષિ સાથે પરણેલાં હતાં અને બીજો દાખલો હિરણ્યાક્ષની બહેના પ્રચેતીનો આપેલો જે દસ ભાઈઓ સાથે પરણેલી હતી.’ દ્રૌપદીએ લાંબું ચલાવ્યું.

હું બોલ્યો, ‘ હું તો મોટાભાઈ યુધિષ્ઠિર ઉપર આમાં કપટ રમવાનો આક્ષેપ કરીને આવ્યો છું, પણ આપે વાત સ્વીકારી લીધી એમાં ઊંડે ઊંડે પાંચ શ્રેષ્ઠ પુરુષોને પામી લેવાની મનોદશા પણ વંચાય છે.’

‘દરેક સ્ત્રીમાં ખૂબ ઊંડે ઊંડે એક દ્રૌપદી વસતી હોય છે. મને મૉરલ વેલ્યુઝ ધરાવતો પતિ જોઈતો હતો, મને શારીરિક બલિષ્ઠ પતિ જોઈતો હતો, મને હિંમતવાન ધનુર્ધારી બાહુબલિ પતિ જોઈતો હતો, મને ખૂબ રૂપાળો અને બુદ્ધિશાળી પુરુષ પણ પતિ તરીકે જોઈતો હતો, હવે આ બધું એકમાં તો હોય નહિ. એટલે કદાચ મેં આ જુદા જુદા ગુણ ધરાવતા પાંચે ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લીધાં હોય એવું પણ બને.’ દ્રૌપદી આજે ખુલ્લા મને બોલી ઊઠ્યાં.

‘પણ આ બધું આપ મેનેજ કઈ રીતે કરતાં?’ મેં જરા શરમ છોડી પૂછી લીધું.

‘અરે ! એમાં કોઈ મોટી વાત નહોતી. પહેલું તો આમાં કોઈ વિલાસિતા નહોતી. એક આખું વર્ષ એક જ પતિ સાથે વિતાવતી તે સમયે બીજાનો વિચાર પણ નહિ કરવાનો. એટલે હું વર્ષ પૂરું થાય અને બીજા પતિ પાસે રહેવા જાઉં ત્યારે માનસિક રીતે વર્જિન બનીને જ જતી. આપણે હમેશાં કોઈની સાથે મનોમન કમ્પેરીજન કર્યા જ કરતા હોઈએ છીએ. અને એ કમ્પેરીજન અપેક્ષાઓ વધારી દેતી હોય છે અને આપણે દુઃખી થતા હોઈએ છીએ. એટલે જે સામે અને સાથે હોય તેની ખૂબીઓ દેખાતી નથી અને એના સહવાસનું સૌન્દર્ય ગુમાવી બેસતા હોઈએ છીએ.’ દ્રૌપદીએ કહ્યું.

મેં કહ્યું, ‘ આજ અઘરી વાત છે. જરા વધુ પ્રકાશ પાડશો અમારા વાચકો માટે?’

દ્રૌપદી બોલ્યાં, ‘દાખલા તરીકે જુઓ હું ભીમ સાથે એક વર્ષ વિતાવું અને પછી બીજા વર્ષે સહદેવ પાસે જાઉં અને બંને વચ્ચે સરખામણી કર્યા કરું તો સાવ નકામું. ભીમ બલિષ્ઠ અને આક્રમક મને શયનખંડમાં સૌથી વધુ સુખ આપે પણ સહદેવ બુદ્ધિશાળી અને પ્રેમાળ માનસિક રીતે સૌથી વધુ સુખ આપે. હવે બંનેની ક્વૉલિટી જ અલગ બંને સાથે સહચર્યમાં મને અલગ અલગ સુખ મળે. હવે હું જ્યારે સહદેવ સાથે હોઉં ત્યારે ભીમને યાદ કર્યા કરું તો ભીમ તો પાસે હોવાનો નથી અને સહદેવને પણ ગુમાવું કે નહિ?’

‘હવે બરોબર સમજાયું. એટલે શાસ્ત્રોએ આપને નિત્ય કુંવારાની ઉપાધિ આપી છે તે બરોબર છે. વર્જિન એટલે શારીરિક નહિ પણ માનસિક વર્જિન.

આજના પુરુષો શારીરિક વર્જિન સ્ત્રીની અપેક્ષા રાખતા હોય છે ખરેખર સ્ત્રી શારીરિક વર્જિન હોય કે નાં હોય શું ફરક પડે છે? સ્ત્રી માનસિક વર્જિન હોવી જોઈએ જ્યારે આપણી પાસે આવે ત્યારે. માની ગયા બોસ સલામ આપને. અને એટલે જ આપને નિત્યયૌવના પણ કહ્યા છે.’ મેં કહ્યું.

હવે દ્રૌપદીનો વારો હતો તે બોલ્યાં, ‘બહુપતિત્વ ભારતમાં માન્ય હતું પણ ધીમે ધીમે લુપ્ત થતો રિવાજ હતો. તિબેટ આખું બહુપતિત્વ ધરાવતું હતું તો નેપાળમાં પણ એવા રિવાજ હતા. હજુ ઝારખંડમાં અમુક કોમોમાં એવા રિવાજ ચાલુ જ છે. બહુપતિત્વમાં પણ અલગ અલગ કુટુંબ કે વંશના પતિઓ હોય તેવું હોતું નથી પણ એક જ ઘરના ભાઈઓ જ બહુ પતિ તરીકે હોય છે. આ એક સામાજિક વ્યવસ્થા છે. પુરુષને પોતાના જિનેટિક વંશ માટે ખૂબ પ્રેમભાવ હોય છે. ભત્રીજા કે ભત્રીજી પોતાના સંતાનો હોય તેવું જ લાગતું હોય છે.’

મેં કહ્યું, ‘સાચી વાત છે. મારે દીકરી નહોતી પણ મારી ભત્રીજીઓ મને મારી જ દીકરીઓ હોય તેમ જ લાગતું હતું, અને મારા ભત્રીજાઓ સામે કોઈ આંખ ઉઠાવે તો મારી નાખું એવું આજે પણ થાય છે.’

સીતાજીની જેમ દ્રૌપદી મારું પ્રિય પાત્ર હતાં. પાંચ પાંચ શ્રેષ્ઠ પતિઓ પડખે ઊભા હોવા છતાં સ્ત્રીઓને વસ્તુ સમજવાની માનસિકતાએ એમણે ખૂબ અપમાન વેઠ્યાં હતાં. યુધિષ્ઠિરનું કૌરવો સાથે જૂગટું રમવું અને એમાં દ્રૌપદીને મૂકીને હારી જવું વગરે મને યાદ આવી રહ્યું હતું. મને તે પ્રસંગ દ્રૌપદી સાથે ચર્ચવો ગમતો નહોતો. મને તે વિષે સવાલો પૂછવાનું પણ ગમતું નહોતું. એ પ્રસંગ જાણે મારી આંખોમાં અશ્રુ બનીને તગતગી રહ્યો હતો. હું પોતે જાણે તે ભારતના ઇતિહાસની સૌથી મોટી કલંકિત ઘટના દુઃશાસન દ્વારા દ્રૌપદીનું વસ્ત્રહરણ કરતી સમગ્ર સભામાં અસહાય વિકર્ણ કે અસહાય વિદુર હોઉં તેવું અનુભવતો હતો. દ્રૌપદીની હાજરી જ અમને લાગણીશીલ બનાવી રહી હતી. અમે બધાં મૌન હતાં. શું બોલવું કશી ખબર પડતી નહોતી. સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય બહુ તેજ હોય છે.

Draupadi_s_presented_to_a_pachisi_gameમારી આંખોમાં અશ્રુ જોઈ દ્રૌપદી બોલી ઊઠ્યાં, ‘ હું સમજી શકું છું તમારી મનોવ્યથા. સ્ત્રીઓ પ્રત્યે વિશેષ સન્માન ધરાવતા વ્યક્તિઓ છો. પણ હું કહું તો તે સમય જ્યારે યુધિષ્ઠિર મને જુગારમાં મૂકીને હારી ગયા મારી જીંદગીનો સૌથી મોટો અપમાનિત દિવસ હતો એવું નહિ સમગ્ર માનવજાતની સ્ત્રીઓ માટે સૌથી મોટો અપમાનિત દિવસ હતો. મારો મુખ્ય સવાલ સમગ્ર સભા માટે હતો કે યુધિષ્ઠિર પહેલા પોતાને હારી ગયા પછી મને જુગારમાં મૂકવાનો એમનો હક કઈ રીતે બને? વાસ્તવમાં ઉત્તર બધા જાણતા જ હતાં પણ કોઈને આપવો નહોતો. વિકર્ણ અને વિદુર અસહાય હતા. ભવિષ્યમાં ભીમ અને અર્જુન મહાવિનાશ વેરવાના હતા તે પણ મને ખબર હતી છતાં હાલ અસહાય હતા. સારું થયું મારા સખા કૃષ્ણ તે સમયે આસપાસમાં ક્યાંક વિરામ કરતા હશે અને એમનું જાસૂસી તંત્ર હમેશની જેમ સતર્ક કે કૃષ્ણને સમયસર જાણ થઈ ગઈ તે સત્વરે આવી પહોચ્યા. એમનો પ્રભાવ જ એવો હતો કે એમની હાજરી જ આવા કામ રોકવા સક્ષમ હતી. એમનું ઓઢાડેલું વસ્ત્ર ઉતારવાની હિંમત તે સમયે સમગ્ર ભારતવર્ષમાં કોઈની નહોતી. ગોવિંદ કોઈને વસ્ત્ર ઓઢાડે પછી એને કોઈ નિર્વસ્ત્ર કરી શકે ખરું? આખી સભાને પળમાં બાળી નાખવાનો પ્રચંડ ક્રોધ એમની આંખોમાં સળગતો જોઈ અંધ મહારાજ અને દેખતાં અંધ બનેલાં મહારાણી ગાંધારી ચેતી ગયા કે હવે કૌરવોનો વિનાશ નક્કી છે. એમણે ત્રણ વરદાન માંગવાનું કહ્યું. એમાં મારા પતિઓને દાસત્વમાંથી મુક્ત કરાવ્યા કે એમના સંતાનો દાસના સંતાનો તરીકે ઓળખાય નહિ. અને બીજા વરદાનમાં બધું ગુમાવેલું પાછું મેળવ્યું. ત્રીજા વરદાનનો લોભ મેં રાખ્યો નહિ. છતાં જુઓ કે જુગારની લત કેટલી ખરાબ હોય છે ? છેલ્લી ગેમમાં ૧૨ વર્ષનો વનવાસ અને એક વરસ ગુપ્તવાસ મળ્યો ત્યારે જ યુધિષ્ઠિર જંપ્યા..’

દ્રૌપદીએ ખાસું લાંબું વક્તવ્ય આપ્યું હતું. એમની આંખોમાં પણ ભીનાશ તગતગી રહી હતી. અમે તો કશું પૂછવાની હામ ગુમાવી બેઠાં હતાં. હવે તો તેઓ જાતે જે બોલે તે જ સાંભળવું હતું. અથવા રશ્મિભાઈ પૂછે તો બરોબર, અને તેઓ પણ સમજી ગયા હતા મારી મનોદશા.

એમણે પૂછ્યું કે આપે પણ દુર્યોધનને મહેણું મારેલું કે અંધના અંધ હોય એવું?

દ્રૌપદી બોલ્યાં, ‘એમાં ખોટું શું હતું? એક તો પિતા ખાલી આંખોથી અંધ હતા એવું તો હતું નહિ? પુત્રોને મોહવશ સાચું કહેવા બાબતે પણ અંધ હતા. ચાલો આંખો કામ કરતી નાં હોય અને અંધ હોય તેને તો માફ કરી શકાય પણ દેખતાં હોય અને અંધ હોય તે સૌથી મોટા ખતરનાક. સંતાનો માટે સૌથી પહેલો શિક્ષક માતા હોય છે, જ્યારે માતા જ અંધ હોય અને તે પણ દેખતી માતા જાણી જોઈને અંધ બને તેનાં સંતાનો દરેક બાબતે અંધ જ પાકે. પિતા અંધ હોય તો માતાએ તો આંખો વધું ખુલ્લી રાખવી પડે, નહિ તો પછી મહાભારત જ સર્જાય.’

હું તરત બોલી ઊઠ્યો, ‘તદ્દન સાચી વાત છે. આંધળાની લાકડી બનવાને બદલે જાતે જ દેખતાં અંધ બની ગાંધારી કૌરવોના વિનાશનું એકાદું કારણ અવશ્ય બન્યાં છે.’

‘ભણેલાં અભણ અને દેખતાં અંધ બંને ચક્ષુઅંધ અને રિઅલ અભણ કરતાં સમાજ માટે વધુ ખતરનાક અને નુકશાન કારક હોય છે,’ દ્રૌપદી બોલ્યાં.

અદ્વિતીય સૌન્દર્ય ધરાવતાં કૃષ્ણાને મારે હવે કશું પૂછવું નહોતું. હું તો વ્યથિત હૃદયે ત્યાંથી ભાગી છૂટવા માંગતો હતો. અમે કમલગંધાને પ્રણામ કરી વિદાય માંગી. એમણે પણ જ્યારે આવવાની ઇચ્છા થાય આવી ને વાર્તાલાપ કરવાની છૂટ આપી અમને વિદાય આપી. હું મૌન હતો. હજુ મારી આંખો સમક્ષ ભીષ્મ અને દ્રોણ જેવા સભાજનોની સમક્ષ આક્રંદ અને આક્રોશ સાથે પ્રશ્નો પૂછતાં દ્રૌપદી તરી આવતાં હતાં. એમની હાજરીમાં મારી આંખોમાં અટકી રહેલી અશ્રુધારા જરા દૂર જતાં હું રોકી શક્યો નહિ.

રશ્મિભાઈ મારા ખભે હાથ ફેરવતા મને માહિતી આપી રહ્યા હતાં. દ્રૌપદી આગલાં જન્મમાં ભગવાન આગળ ભૂલમાં પાંચ વાર પતિ માંગી ચૂક્યાં હતાં એવી વાર્તા છે. એમને યુધિષ્ઠિર દ્વારા પ્રતિવિન્ધ્ય, ભીમ દ્વારા સુતસોમા, અર્જુન દ્વારા સુતકર્મા, નકુલ દ્વારા સતાનિક અને સહદેવ દ્વારા શ્રુતસેન એમ પાંચ પુત્રો હતા. નાના બાળકોને મારી નાખનારા તાલીબાનો ત્યારે પણ હતાં. કશું ચાલ્યું નહિ ત્યારે અશ્વસ્થામાંએ દ્રૌપદીના પાંચે પુત્રોને મારી નાખેલા. છતાં એક માતાનું ઉમદા હૃદય ધરાવતાં દ્રૌપદીએ દ્રોણ પત્ની અને અશ્વસ્થામાંની માતા  કૃપીનાં માતૃ હૃદયનો ખ્યાલ કરીને અર્જુન અને ભીમના હાથમાંથી અશ્વત્થામાને બચાવેલો. આ એમના હ્રદયની દયા અને પવિત્રતાની પરાકાષ્ઠા હતી.

અમે હવે કોનો ઈન્ટરવ્યું લઈશું તે વિચારતા ત્યાંથી આગળ વધ્યાં.

નોંધ: — મિત્રો ‘નર્કારોહણ સિરીઝ બહુ પહેલા લખેલી છે. એમાં અમે ઊંઘમાં કહેવાતા નરકમાં પહોંચી ગયેલા અને જુદાજુદા મહાનુભાવોના ઈન્ટરવ્યું લીધેલા. એમાં ત્યારે દ્રૌપદી મળેલા નહિ. આ એક કટાક્ષ કથા છે. આ કહેવાતું નર્ક જ્યાં અમે ગયેલા તે ખરેખર નર્ક નહોતું તે આખી સિરીઝ વાંચો ત્યારે જ ખયાલ આવશે માટે કોઈએ ધાર્મિક લાગણી દુભવ્યા વગર લખાણ વાંચવું અને પ્રતિભાવ આપવા વિનંતી છે.’

19 thoughts on “નર્કારોહણ-દ્રૌપદી”

 1. દરેક સ્ત્રીમાં ખૂબ ઊંડે ઊંડે એક દ્રૌપદી વસતી હોય છે. મને મૉરલ વેલ્યુઝ ધરાવતો પતિ જોઈતો હતો, મને શારીરિક બલિષ્ઠ પતિ જોઈતો હતો, મને હિંમતવાન ધનુર્ધારી બાહુબલિ પતિ જોઈતો હતો, મને ખૂબ રૂપાળો અને બુદ્ધિશાળી પુરુષ પણ પતિ તરીકે જોઈતો હતો, હવે આ બધું એકમાં તો હોય નહિ. એટલે કદાચ મેં આ જુદા જુદા ગુણ ધરાવતા પાંચે ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લીધાં હોય એવું પણ બને.’ દ્રૌપદી આજે ખુલ્લા મને બોલી ઊઠ્યાં….એક તો પિતા ખાલી આંખોથી અંધ હતા એવું તો હતું નહિ? પુત્રોને મોહવશ સાચું કહેવા બાબતે પણ અંધ હતા. ચાલો આંખો કામ કરતી નાં હોય અને અંધ હોય તેને તો માફ કરી શકાય પણ દેખતાં હોય અને અંધ હોય તે સૌથી મોટા ખતરનાક. સંતાનો માટે સૌથી પહેલો શિક્ષક માતા હોય છે, જ્યારે માતા જ અંધ હોય અને તે પણ દેખતી માતા જાણી જોઈને અંધ બને તેનાં સંતાનો દરેક બાબતે અંધ જ પાકે. પિતા અંધ હોય તો માતાએ તો આંખો વધું ખુલ્લી રાખવી પડે, નહિ તો પછી મહાભારત જ સર્જાય…એમનું ઓઢાડેલું વસ્ત્ર ઉતારવાની હિંમત તે સમયે સમગ્ર ભારતવર્ષમાં કોઈની નહોતી. ગોવિંદ કોઈને વસ્ત્ર ઓઢાડે પછી એને કોઈ નિર્વસ્ત્ર કરી શકે ખરું? wahh wahh ek ek varnan tarkbaddh sachot karan sathe… reality ni bilkul najik

  Like

 2. મહાભારત માં મહત્તમ પીડા ના પોટલાં મોટે ભાગે સ્ત્રીઓ એજ ઉઠાવ્યાં છે .. સત્યવતી થી ઉત્તરા સુધી ..

  Like

 3. “યુધિષ્ઠિર મને જુગારમાં મૂકીને હારી ગયા મારી જીંદગીનો સૌથી મોટો અપમાનિત દિવસ હતો એવું નહિ સમગ્ર માનવજાતની સ્ત્રીઓ માટે સૌથી મોટો અપમાનિત દિવસ હતો.”
  એક બીજો પણ દિવસ હતો જયારે રામે સીતાજીની અગ્નિપરિક્ષા લીધી. રાવણ જો તેમના પર બળાત્કાર કરી શક્યો હોત તો તેના વાંકે નિર્દોષ સીતાજી બળી મર્યા હોત. તેથી મારી દૃષ્ટિથી તે આપણા પુરાણનું સૌથી અમાનુષી, અન્યાયી અને ઘૃણાસ્પદ કૃત્ય હતું અને રામની પૂજા આપણા ધર્મનું ખરાબમાં ખરાબ કલંક છે.
  Rashmikant C Desai

  Liked by 1 person

 4. Khub saras katakah katha ( khare khar mane to aaj satya katha lage chhe ) aankh ughadnaro lekh parantu dhrurashtra aandhlo ane gandhari e chhati aankhe pata bandhya tena pariname 100 putra no bhog lidho kahevano arth ej ke dhrurashtra aandhlo na hato pan swarth aandhlo ane swarth ne sahkar koi divas na aapvo joiye pan ahi gandhari e aandhala ne sath aapva pata bandhya ( potana putro ni bhul najar andaj kari) tena fal swarupe putra vihin thaya. Khare khar maru jagrut magaj satya katha swarepe aa lekh ne swikare chhe.

  Like

 5. સ્નેહીશ્રી બાપુ,
  તમારા કહેવા અને લખવા મુજબ આ નર્કારોહન ,અેક કટાક્ષ કથા છે. કટાક્ષભરી કલમની તિક્ષ્ણ ઘારથી આપે મહાભારતમાના અપાચ્ય પ્રસંગોને તમારી દ્રષ્ટિથી વાચક સમક્ષ મૂકીને આજના જમાનાના ( ૨૦૦૦ ની સાલમાં.)વાતાવરણમાં કેવી રીતે મુલવવા તેની વાત કહીને વાચકની દ્રષ્ટિને મૂલવવાનો પ્રયત્ન કર્યો છે.
  મોટી મલ્ટીપેજ નવલકથા લખીને , વાચકોને કલાકો વાંચવાને મજબુર કરીને અેક નવલકથાકાર જે કાંઇ સમજાવી નહીં શકે તે તમે આ શોર્ટ કટાક્ષ કથા લખીને સમજાવી દીઘું છે અને તે ઉપરાંત તેમને વિચારતાં કરી મૂક્યા છે. વગર વિચારે અને પોતાના આજના જમાનાની પરિસ્થતિના સંદર્ભમાં મૂલવીને પોતાના જીવનને અને આજના સામાજીક જીવનને કેવી રીતે લાગુ પડે તેનો ચિંતનાત્મક વિચાર કરવાં પ્રેરીઅા છે. કૃષ્ણા…ઉર્ફે દ્રોપદી તો સંદર્ભના પાત્ર છે. તેને મળવા નર્કારોહણ ? સ્વર્ગારોહણ કેમ નહિં ? આજના વાચકે આ કટાક્ષ કથાને મહાભારતના સમય સાથે મૂલવવાની નથી., પરંતુ આજના જમાનાના સામાજીક જીવન સાથે સરખાવવાની છે. તમારો આર્ય સમાજના પુસ્તકોનો ઉંડો અભ્યાસ કથાના પ્રેઝન્ટેશન સામે કોઇ સવાલ ઉઠાવી શકે તેમ નથી. તમારી આ શક્તિ આજના ગુજરાતી સાહિત્યમાં અેક નવી જ ભાત પાડે છે તેને જો સાહિત્ય સભા સમયસર નહિ ઓળખે તો તેઓ ગુજરાતી સાહિત્ય ને ગુજરાતી પ્રજાને અન્યાય કરતાં હશે. આજના જમાનામાં પણ દ્રોપદી, ભીમ, કૃષ્ણ, યુઘિસ્થિર, અર્જુન. કર્ણ,….વિ..વિ .ના કેરેક્ટરવાળા પાત્રો આપણી આજુ બાજુ જોવા મળે છે.કદાચ બહાર આવતા નહિ હોય. પરંતુ કહેવત તો છે કે..‘.જોયુને…મહાભારત શરુ થઇ ગયુ…‘ ઘર ઘરમાં જીવતું જાગતું પોલીટીક્સ…..
  હાર્દિક અભિનંદન.બાપુ…
  અમૃત હઝારી..

  Like

  1. હઝારી સાહેબ આપે આખી સિરીઝ વાંચી નથી માટે નર્કારોહણ કેમ અને સ્વર્ગારોહણ કેમ નહિ તે સવાલ ઊઠ્યો છે. આપને વિનંતી કે આખી સિરીઝ એકવાર વાંચી જાઓ. પછી કોઈ સવાલ નહિ રહે. અહી પહેલા ભાગની લીંક આપું છું. બીજા ભાગ અનુક્રમણિકામાં મળી જશે.. http://wp.me/pJpgO-j0

   Like

 6. બાપુ એ એમની ઈચ્છા મુજબ ના ડાયલોગ મુકવાના હતા માટે દ્રૌપદી ના મુખે આવા ડાયલોગમુક્યા બાકી દ્રૌપદી એ સ્વયંવર માં ફક્ત ધનુષ્યચલાવવામાં હોશિયાર હોય એવી એકમાત્ર શરત જમૂકી હતી , જો એને પાંચ અલગઅલગ શરતો મૂકી હોત તો એવું લાગત કેદ્રૌપદી ને આવા પતિ જોઈતાહતા
  સવારે સ્વયંવર માં એક શરત અને સાંજે કુંતી ને મળ્યા પછી અલગ અલગ ?

  Like

  1. દીયાજી … કર્ણ મત્સ્યવેધ કરવા આવેલો જ પણ દ્રૌપદીએ સુત પુત્ર કહીને હરીફાઈમાં ભાગ લેવાની નાં પાડી દીધેલી. કર્ણ ૧૦૦ ટકા મત્સ્યવેધ કરી નાખત તે અર્જુન જેટલો કાબેલ હતો. તે વખતે દલીલો ચાલેલી પણ સ્વયંવરમાં કોણે ભાગ લેવો અને કોણે નાં લેવો તે દ્રૌપદીની મરજી મુજબનું જ હોય તેવી દલીલ માન્ય રાખી કર્ણ ને ભાગ લેવા દેવામાં આવ્યો નહોતો.. હું લગભગ માહિતી પૂરી ચકાસીને જ આગળ વધતો હોઉં છું. હવે અર્જુન પાસ થઈ ગયો અને સ્વયંવર પૂરો થઈ ગયો તે અલગ વાત છે. તે પ્રસંગ પૂરો થઈ ગયો. ભાઈઓ બધા દ્રૌપદી સાથે ઘેર આવે છે ત્યારે કુન્તામાતા જે બંધ બારણે કુટિરમાં હોય છે તેમને ખબર નથી કે આ લોકો શું લઈને આવ્યા છે અને અર્જુન કહે છે માતા જુઓ અમે શું લઈને આવ્યા છીએ? ત્યારે માતા અંદરથી જોયા વગર જ કહે છે બધા ભાઈઓ વહેંચીને લઈ લેશો. એમને ખબર નથી એક જીવતી જાગતી સ્ત્રી લઈને આવ્યા છે. માતાનું વચન ઉથાપાય નહિ તેવી દલીલ કરીને દ્રૌપદી બધા ભાઈઓની પત્ની બને તેવી દલીલ થાય છે. દ્રૌપદી શરૂમાં નાં પાડે છે. કુંતી પણ નાં પાડે છે અને પૂછે છે એવા પોલીએન્ડ્રીનાં બહુપતિત્વનાં દાખલા આપો. સપ્તર્ષિ સાત ઋષિઓને એક જ પત્ની હોય છે અને હિરણ્યાક્ષ ની બહેન ને દસ પતિ હોય છે તેવા દાખલા અપાય છે. કૃષ્ણ અને અર્જુન પણ દ્રૌપદીને સમજાવે છે. દ્રૌપદી આગલા જન્મમાં ભગવાન પાસે પાંચ વાર પતિ આપો બોલી ગયા હોય છે. તેનું આ જન્મમાં પાંચ પતિ મળવાનું ફળ છે તેવું વ્યાસજી સમજાવે છે. દીયાજી આમાં સવારે જુદી શરત અને સાંજે જુદી શરત જેવું આમાં છે જ ક્યા?

   Like

 7. વાહ બાપુ વાહ !! ‘પણ આ બધું આપ મેનેજ કઈ રીતે કરતાં?’ મેં જરા શરમ છોડી પૂછી લીધું.

  બોલો હવે આ બાપુને શરમ ન હોય તો આપણે કઈ વાડીના મુળા?

  Like

 8. બચપણથી ખાઉધરા ભીમને ટોકવાની ટેવ કુંતામાતાને પડેલી કે જેથી બધા ભાઈઓને સરખું ભોજન મળે. સ્વયંવરના દિવસે પણ પાંડવો તો ભિક્ષાભોજન લેવા જ ઘરેથી નીકળેલા, સ્વયંવરમાં જવા નહિ. તેથી માતાને મન તો અર્જુન વિશેષ પ્રકારનું ભોજન જ લાવ્યો હશે એમ હતું.

  “માતાનું વચન ઉથાપાય નહિ તેવી દલીલ કરીને દ્રૌપદી બધા ભાઈઓની પત્ની બને તેવી દલીલ થાય છે.” આ દલીલ યુધિષ્ઠિરે કરેલી, લુચ્ચાઈથી અર્જુનની પત્નીમાં ભાગ પડાવવા માટે. આને આપણે ‘ધર્મરાજ’ કહીએ છીએ?

  વ્યાસજીએ જે ખુલાસો આપ્યો તે પણ બોગસ હતો. શિવજી તો અંતર્યામી ગણાય છે, તેમને શું જાણ નહિ હોય કે ભક્ત કન્યાને એક જ પતિ જોઈતો હતો? અને પૂર્વજન્મની વાત અર્જુનની હાજરીમાં જ કરી હશે ને? તો પછી અર્જુને શ્રીકૃષ્ણને કેમ પૂછ્યું કે ‘અપરં ભવતો જન્મ પરં જન્મ વીવસ્વત: કથામેતદ્વીજાનીયાં ત્વમાદૌ પ્રોકતવાનિતિ’?
  આપણા પ્રાચીન પૂર્વજોને મન સ્ત્રી, ખાસ કરીને પત્ની, એક વસ્તુ હતી જેના પર પતિની માલિકી હતી. તેમની મનોવૃત્તિ જ એવી હતી કે શૂદ્રો અને સ્ત્રીઓ તો અપમાન, તિરસ્કાર અને અન્યાયને પાત્ર જ હતા. સ્ત્રીઓ તો વસ્તુ જ ગણાતી. વાર્તા તો ઠીક, મનુસ્મૃતિ જેવા પુસ્તકમાં પણ ઋષિઓની આવી અધમ માનસિકતા સ્પષ્ટ દેખાય છે. દા. ત. એક પ્રશ્ન એવો ઉઠ્યો કે કોઈ પરિણીત સ્ત્રી તેના પતિ સિવાય બીજા કોઈ પુરુષથી ગર્ભવતી થાય તો તે બાળકનો પિતા કોણ? મનુસ્મૃતિ તેના ઉત્તરમાં ઉદાહરણ આપે છે જમીનનું. કે જેવી રીતે કોઈ ખેતરમાં થયેલો પાક બિયારણ નાખી જનાર વ્યક્તિનો નહિ પણ ખેતરના માલિકનો ગણાય તેવી રીતે સ્ત્રીના બાળકનો પિતા તેનો પતિ જ ગણાય. એટલે કે બાળકની માતા તો ખેતર જેવી નિર્જીવ વસ્તુ જ ગણાય.

  દ્રૌપદી સામ્રાજ્ઞી હતી ત્યાં સુધી તે સલામત હતી; તેનું વસ્ત્રાહરણ કરવાનો પ્રયત્ન કરતા પહેલા તેને દાસી બનાવવામાં આવી હતી. તેથી તેના પર યુધીષ્ઠીર અને દુર્યોધનના માલિકી હક હતા. દાસ-દાસીઓ સાથેના અમાનુષી વર્તાવના તો ઘણા બનાવો આપણા પુરાણોમાં છે.

  Rashmikant C Desai

  Like

  1. ઓહો… ખેતીમાં બીયારણ કે પાકમાં કોણ સહભાગી હતું એ મહત્વનું નથી એનો ખરો માલીક તો કબ્જેદાર….

   કુંતી કે દ્રૌપદીના ઉદાહરણ બરોબર છે.

   Like

 9. પૌરાણિક માહિતી સભર કટાક્ષ કથા વાંચવાની મજ઼ા આવી. આખી સિરીઝ વાંચવાનો લાભ જરૂર લેવો જોઈશે.
  આંખો કામ કરતી નાં હોય અને અંધ હોય તેને તો માફ કરી શકાય પણ દેખતાં હોય અને અંધ હોય તે સૌથી મોટા ખતરનાક. સંતાનો માટે સૌથી પહેલો શિક્ષક માતા હોય છે, જ્યારે માતા જ અંધ હોય અને તે પણ દેખતી માતા જાણી જોઈને અંધ બને તેનાં સંતાનો દરેક બાબતે અંધ જ પાકે. પિતા અંધ હોય તો માતાએ તો આંખો વધું ખુલ્લી રાખવી પડે, નહિ તો પછી મહાભારત જ સર્જાય.
  સરસ……

  Like

 10. તમે જો http://wp.me/pJpgO-j0 માં આવું લખો, પછી મુસલમાન આમીરખાન જેવા તાબડતોબ “પીકે”જ ઉતારે…… પછી એ આરએસએસ , તોગડીય હોય કે હિન્દુ સંઘ કે બજરંગ દલ હોય, કોઈની શરમ રાખેજ નહીંને…….”પીકે”ના ૩૦૦ કરોડ માટે તમને પણ થોડી ક્રેડિટ મળવી જોઈએ…..

  Like

 11. ઘણી કટાક્ષ કથાઓ વાંચી છે ..લગભગ બધામાંથી હાસ્ય રસ ટપકતો હોય છે ક્યાં તો પ્રહારો જોવા મળે છે ..આ કથામાં વિચિત્ર ભાવ લગભગ વેદનાનો અંશ ..ખૂબ બારીક મનોભાવો ..વારંવાર વાંચ્યા પછી કેટલાક અક્થય ભાવો ખૂબ પકડાયા છે ..તમારા ઘણા બધા લેખોમાંથી સૌથી સ્પર્શતો રહ્યો આ લેખ ……એક મોટી સલામ ભરવાનું મન થાય ને મનોમન ભરાઈ જાય તેવો લેખ.

  Like

 12. પુરાણ કાળ ની કથાઓ માં કૈક અંશે અતિશયોક્તિ અને કલ્પના ના અંશો ભળેલા હોય છે. ધારી લો કે મહાભારત ની બધી કથાઓ એકદમ ઐતિહાસિક અને યથાર્થ હોય તો પણ જે તે સમયના વ્યવહારિક માપદંડો અલગ હોય છે. જે ઘટના આજ ના સમય માં ઠીક ના લાગતી હોય એ ઘટના ભૂતકાળ ના માપદંડો ને અનુસરતી હોય. એટલે એ સમય ની વિચાર સરણી તદ્દન ખોટી જ હોય એવું માનવું ભૂલભરેલું છે. જે પુરાતન કથાઓ માં સ્ત્રીઓની અવદશા કેહવાય છે એ જ પુરાતન કાલ માં સ્ત્રીઓ એ વૈદિક ઋચાઓ ની પણ રચના કરી હતી. મારા કહેવાનો અર્થ એ છે કે દરેક સમય નો પોતાનો આગવો માપ દંડ હોય છે. મહાભારત માં યુધીષ્ઠીર ખોટા હતા, રામાયણ માં રામ ખોટા હતા એ આજ ના સંદર્ભ માં જોઈ શકાય નહિ. એ સમય માં એ લોકો ને એ બધું નોર્મલ લાગતું હશે.

  Like

  1. આ એક ખુબ જ ભ્રામક દલીલ છે. જો જુદા જુદા સમયે જુદા જુદા માપદંડ વાપરવાના હોય તો આપણા ધર્મને ‘સનાતન’ ધર્મ શાના કહીએ છીએ? આપણા ધર્મગુરુઓ તે જુના માપદંડો પ્રમાણે વર્તવાની સલાહ શા માટે આપે છે? તે સલાહ ના માનનારી નવી પેઢીની નિંદા શા માટે કરે છે? એટલું તો કહી શકાય ને કે આપણા મુલ્યો ઘણા સુધરી ગયા છે?

   અલ્પાત્માને માપવા માટે સત્યનો ગજ ટૂંકાવવો ના જોઈએ પણ મહાત્માને માપવા માટે તેને લંબાવવો તો જોઈએ. નહી તો તે મહાત્મા શાના?

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s