સ્વતંત્રતા શીખવાની-૪ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની-૪ Hard Truths About Human Nature.

મને લાગે છે ધર્મોના ઉદભવ પછી, ધર્મોનો વ્યાપ વધે તે માટે તેમના નીતિનિયમો, માન્યતાઓ વગેરેનું  શિક્ષણ આપવાનાં પ્રયત્નમાં શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. બાકી લાખો વર્ષ લગી ગુરુકુળ, સ્કૂલ, વિદ્યાપીઠ, કૉલેજ કે યુનિવર્સિટી વગર સમાજ ચાલતો હતો અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરતો જ હતો. નાલંદા આવી જ એક બૌદ્ધ યુનિવર્સિટી હતી, જેમાં બૌદ્ધ ધર્મનું શિક્ષણ મેળવવા લોકો દૂર દૂરથી આવતા હતા. મદરેસાઓ પણ આમ જ શરુ થઈ હોવી જોઈએ. તેમ પશ્ચિમમાં ચર્ચ લોકોને સુધારવા સ્કૂલો શરુ કરવા લાગ્યું હશે. બાકી કળા, કારીગરી, કૌશલ તો લોકો પેઢી દર પેઢી વડીલો પાસેથી સ્કૂલ કૉલેજમાં ગયા વગર શીખી જતા હતા.

મોટામસ ભવ્ય રાજમહેલો, કિલ્લાઓ, મીનાક્ષી મંદિર, ચીનની દીવાલ,  ખાજુરાહો અને અંગકોરવાટ જેવા બેજોડ મંદિરો, પીરામીડો  કયા IIT કે MIT માં ભણેલા એન્જિનિઅરોએ બનાવેલા ? અંગ્રેજો આખી દુનિયામાં ફેલાયા અને આખી દુનિયામાં સ્કૂલો ફેલાઈ ગઈ. હવે તો સ્કૂલ કૉલેજ વગરની દુનિયા કલ્પવી મુશ્કેલ છે.

પરિવર્તન અને પ્રગતિના માર્ગમાં પાછાં ફરવાનો કોઈ રસ્તો હોતો નથી. અને જઈએ તો યોગ્ય પણ ના કહેવાય. ફરી પાછાં આપણે હન્ટર-ગેધરર બની જવાના નથી. સ્કૂલ કૉલેજોનો નાશ પણ કરી શકાય નહિ. હવે દરજીનો દીકરો દરજી જ બને કે લુહારનો દીકરો લુહાર બને તેવું રહ્યું નથી. એક સુથારનો દીકરો દુનિયાની મોટી ગણાતી ટેલીકૉમ કંપનીનો સર્વોચ્ચ વડો પણ બની શકે છે. અને તે ગર્વ લેવા જેવી બાબત છે. આમ સ્કૂલ કૉલેજને ઉવેખી શકીએ તેમ પણ નથી. છતાં આપણે હન્ટર ગેધરર સમાજના ડહાપણ અપનાવી બહેતર સમાજ કે બહેતર  શિક્ષણ વ્યવસ્થા બનાવી શકીએ તેમ છીએ. બાળકો આપણે શીખવીએ તો જ શીખે તે વાત ભૂલી જવી જોઈએ. બાળકો એમના કામનું શીખી જ લેતા હોય છે તેવી કુદરતની લાખો વર્ષ જૂની ડિઝાઇન છે.  છ મહિનાના બાળકથી નિરીક્ષણ ચાલુ કરો, જુઓ તમને શું શું જોવા મળે છે.

થોડા દિવસનું બાળક પણ નવી વસ્તુ તરફ પહેલું જુએ છે. છ મહિનાનું બાળક દરેક આસપાસની વસ્તુને સમજવાનો વૈજ્ઞાનિક અભિગમ રાખતું હોય છે. વસ્તુને દબાવશે, પકડશે, ઉલટસુલટ કરશે, નીચે નાખશે, ઊચકશે, ફરી નીચે નાખશે, ચાખશે, એક વૈજ્ઞાનિકને કામ પર જુઓ અને એક બાળકનું નિરીક્ષણ કરો બંનેમાં સામ્ય દેખાશે. અરે આસપાસના લોકોની બેસિક સાઇકૉલોજી પણ બાળક સમજતું થઈ જતું હોય છે કે આ ડાહ્યાંને કઈ રીતે ખુશ રાખવા. એના પછી ભાષાકીય જ્ઞાન તરફ આગળ વધો તો કોઈ નવી ભાષા શીખવાનો પ્રયત્ન કરતા એક પુખ્ત માણસને આંખે પાણી આવે છે. હજારો શબ્દો, અસંખ્ય વ્યાકરણના નિયમો બાળક રમતમાં શીખી જતું હોય છે. અરે દ્વિભાષી પરિવાર કે વાતાવરણ હોય તો બાળક બે ભાષાઓ પણ શીખી લેતું હોય છે. ચાર વર્ષનું બાળક એની માતૃભાષામાં માહેર હોય છે. બે થી સત્તર વર્ષ સુધીમાં એક બાળક ૬૦,૦૦૦ શબ્દો શીખી લેતું હોય છે.

ફિઝિકલ ગણીએ તો સૌથી પહેલું મહત્વનું કામ બાળક શીખતું હોય તો તે છે બે પગે ઉભા થઈને ચાલવાનું. આપણે ચોપગાં પશુઓમાંથી ઉત્ક્રાંતિ પામ્યા છીએ. માટે બાળક જન્મે તેવું તરત બે પગે ચાલી શકતું નથી. બે પગે ચાલવાનું શીખવા માટે તેને અપાર મહેનત કરવી પડે છે. આશરે ૭૦ લાખ વર્ષો પહેલા આપણાં અને ચિમ્પૅન્ઝીના પૂર્વજો કૉમન હતા. લગભગ ૪૦ લાખ વર્ષ પહેલા આપણાં કોઈ પૂર્વજ ‘કપિનર’ Australopithecus afarensisની ઍન્કલની ડિઝાઇન થોડી બદલાઈ અને બે પગે ચાલવામાં સરળતા આવવા લાગી.આ પવિત્ર ઘટના આફ્રિકાના સવાના પ્રદેશમાં બનેલી. આખી માનવજાત માટે આ પવિત્ર સ્થળ ગણાવું જોઈએ.

ઇવલૂશનનાં ઇતિહાસમાં આ અદ્ભુત પરિવર્તન હતું. આમ બે પગે ચાલવું આપણે હજુ પણ શીખવું પડે છે. બાળક ચાલવાનું પુરજોશમાં શીખતું હોય ત્યારે એવરેજ રોજના છ કલાક ચાલતું હોય છે અને ૯૦૦૦ ડગલા ભરતું હોય છે, જેની લંબાઈ ૨૯ ફૂટબોલના મેદાન જેટલી થાય (Adolph et al., 2003, Child Development, 74, 475 -497).  બાળક ઊભું થાય છે, ચાલે છે, પડે છે, દોડે છે, કુદકા મારે છે, ચડે છે આમ કસરત ચાલુ જ હોય છે.

આજે પણ ઘણા માબાપ બાળકોને સ્કૂલમાં મૂકતાં નથી ઘેર શિક્ષણ આપે છે. હમણાં કોઈ મિત્રે આવા દાખલા ફેસબુક પર મૂક્યા પણ હતા. આવા “non-school schools” વડે શિક્ષણ પામેલા બાળકો સફળતા પામી ચૂકેલાં છે. શિક્ષણ હવે એક કૉર્પરટ બિઝિનસ બની ગયો છે. એક બે વર્ષના બાળકને પણ નર્સરી અને કે.જી. માં અડ્મિશન માટે તૈયાર થવું પડતું હોય છે, એના ઇન્ટરવ્યૂ લેવાય છે, આના જેવી મોટી બીજી કઈ કરુણતા હોય ?  મારા શ્રીમતી વડોદરામાં ઘરમાં આવું પ્લે સેન્ટર ચલાવતા હતા જેમાં બાળકોને તૈયાર કરવામાં આવતા કે જેથી કે.જી.માં લેવાતા ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાય અને અડ્મિશન મળી જાય.  આવા ત્રીસેક બે વર્ષના ભૂલકાઓ જોડે હું ખૂબ મસ્તી કરતો. ત્રણચાર કલાક ઘરમાં ધમાલ મચી જતી.

“Adults do not control children’s education; children educate themselves.”

આ વિચારધારા સાથે શરુ થયેલી છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકાના શૈક્ષણિક જગતનું best-kept secret રહેલી, ૧૦ એકર જમીનમાં Victorian mansion ધરાવતી The Sudbury Valley School, Framingham, Massachusetts , એક સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી બેનમુન સ્કૂલ છે. ચાર વર્ષના બાળકોથી પ્રવેશ શરુ થાય છે. હાઈસ્કૂલ એડ્યુકેશન સાથે અભ્યાસ પૂર્ણ થાય છે. અહી ના કોઈ ટેસ્ટ છે, ના કોઈ પરીક્ષા, ના કોઈ ગોલ્ડ સ્ટાર, પાસનાપાસ થવાની કોઈ ચિંતા નહિ, કોઈ ફરજિયાત કોર્સના બંધન નહિ, કોઈ અપેક્ષા નહિ, કોઈ જબરદસ્તી નહિ, કોઈ અવૉર્ડ નહિ, કોઈ રિવૉર્ડ નહિ, કોઈ ખુશામત પણ નહિ.

અહી ૨૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે ૧૦ જણાનો ફૂલ ટાઈમ સ્ટાફ છે, પણ આ કોઈ શિક્ષક જેવા નથી. આ બધા બાળકો માટે કાકા, કાકી, માસા, માસી જેવા લાગે, એમના ખોળામાં બેસી જવાય, ખભે ચડી મસ્તી કરી શકાય, એમની આગળ રડી પણ શકાય. અહી નાનામોટા દરેક બાળકનો સરખો વોટ છે. બધા બાળકોની સ્વતંત્રતા સચવાય માટે અહી રૂલ્સ છે. અહીંથી બહાર પડેલા બાળકો ડૉક્ટર, એન્જિનિઅર, વૈજ્ઞાનિક, કલાકાર, લૉયર, સંગીતકાર અને ઉદ્યોગપતિ બનેલા છે.

આ સ્કૂલનો કૉન્સેપ્ટ અમેરિકન શિક્ષણવિદો માટે પચાવવો અઘરો છે. એટલે આ લોકો એને ઇગ્નોર કરે છે, પણ હવે એમાંથી બહાર પડેલા વિદ્યાર્થીઓ દ્વારા એનું રહસ્ય બહાર પડવા લાગ્યું છે અને હાલ આખી દુનિયામાં થઈને આવી બે ડઝન સ્કૂલો સ્થપાઈ ચૂકી છે. આગામી ૫૦ વર્ષોમાં આખી દુનિયાના શિક્ષણવિદોને આની નોંધ લેવી પડશે ને આ કૉન્સેપ્ટ અપનાવવો પડશે.

“Children educate themselves; we don’t have to do it for them.”  આ સૂત્ર પર ચાલતી The Sudbury Valley School અજોડ સ્કૂલ છે. 

9 thoughts on “સ્વતંત્રતા શીખવાની-૪ Hard Truths About Human Nature.”

  1. Vaah !!! Vah !!!!!

    ….. આ પવિત્ર ઘટના આફ્રિકાના સવાના પ્રદેશમાં બનેલી. આખી માનવજાત માટે આ પવિત્ર સ્થળ ગણાવું જોઈએ. ઈવોલ્યુશનનાં ઇતિહાસમાં આ અદ્ભુત પરિવર્તન હતું. આમ બે પગે ચાલવું આપણે હજુ પણ શીખવું પડે છે. …

    Like

  2. શાળા કોલેજોમાં સમય જતા મહાનુભાવોના વિચારો લાદવા લાગ્યા. કડક શિસ્ત અને હુકમોથી બાળકો ‘હોશિયાર’ થાય પણ બ્રીલીયન્ટ ભાગ્યે જ થાય. ઈરવીન એડમેન નામના કેળવણીકારે કહેલું કે કોલેજ એવી જગ્યા છે કે જયાં કાંકરાને પોલીશ થાય છે પરંતુ …ત્યાં ઘણીવાર હીરાના તેજને વધુ પોલીશ કરીને તેનું તેજ ઝાંખું કરવામાં આવે છે ! કેળવણીના મનઘડત અને ૨૦ કે ૨૧ મી સદીમાં મેળ ના ખાય તેવા વિચારોંના લીધે ઘણા હીરાલા ઠોઠ થઇ જાય છે ઈરીન એડમેને ૨૧ મી સદી માટે આજનું શિક્ષણ સાચા હંસોને ખોટા મોતી ચરવા આપવા જેવું છે. એટલે કે બાળકોને ખોટી કેળવણી અપાય છે.

    તેજસ્વી વિદ્યાર્થી હોય તે માતાપિતાની કે કેળવણીકારની વધુ કાળજીથી નહીં પણ થોડીક કાળજી પછી તેને તેની વિવેકબુદ્ધિ પર છોડે તો તે વધુ ને વધુ તેજસ્વી બને છે.

    Like

    1. ઘણીવાર આવા હીરાઓ પોતે સમજીને ભાગી છૂટે છે, જેવા કે બિલ ગેટ્સ, અને આવા એક હીરાને હાવર્ડ યુનીએ કાઢી મુકેલો જેનું નામ છે માર્ક ઝુકેન્બર્ગ ફેસબુકનો સ્થાપક.

      Like

Leave a reply to vkvora Atheist Rationalist Cancel reply