સ્વતંત્રતા શીખવાની.-૩ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની.-૩ Hard Truths About Human Nature.

સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ.

આ જુનું પુરાણું સૂત્ર ભારતનું લાગે છે ને ? મૂળ આ સૂત્ર ભારતનું નથી. આ સૂત્ર પશ્ચિમથી આયાત થયેલું હતું.  હવે તો જોકે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મારવાનું બંધ થઈ ગયું છે. અંગ્રેજોના જમાનામાં કારકુન પેદા કરવા ભારતમાં મૅકોલે દ્વારા શિક્ષણ પદ્ધતિ દાખલ કરાઈ ત્યાર પછી આ સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ ચાલુ થયેલું. બાકી પ્રાચીન ગુરુકુળ પદ્ધતિમાં શીખવવાની પદ્ધતિ લગભગ હન્ટર-ગેધરર સમાજો જેવી હશે તેવું મને લાગે છે. ગુરુકુળ પદ્ધતિમાં રાજા અને રંક સાથે ભણી શકતા પણ તે બ્રાહ્મણ અને ક્ષત્રિય હોય તો જ..

ગુરુકુળ પદ્ધતિનો ભારતમાં એક મોટો ડ્રૉબેક એ હતો કે તેમાં ઊચ્ચવર્ણનાં બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય બીજા કોઈને ભણવાનો અધિકાર નહોતો. ક્ષત્રિયોમાં પણ ઉચ્ચ રાજઘરાનાનાં સંતાનો સિવાય કોણ ભણવા જતું હશે ? મૅકોલેની શિક્ષણ પદ્ધતિમાં લાખ દોષો હતા, પણ એનો એક ફાયદો એ થયો કે સમાજના તમામ વર્ગને ભણવા જવાનો ચાન્સ મળ્યો. હજુ આપણે જૂનીપુરાણી મૅકોલે પદ્ધતિમાં કોઈ ખાસ ફેરફાર કર્યો હોય તેમ લાગતું નથી. આપણે જૂનીપુરાણી વસ્તુઓના શોખીન છીએ. એને સંગ્રહી રાખવામાં માહેર છીએ. હવે આ સડેલી મૅકોલે પદ્ધતિમાં સુધારો કરવો જોઈએ.

પશ્ચિમનાં શિક્ષણનાં ઇતિહાસમાં એક સમય એવો હતો કે શીખવવું અને મારવું સમાનાર્થી શબ્દો હતા. બાળકો માટે શીખવવું અને મારવું કે સજા કરવી બધું સરખું જ હતું. મતલબ ટીચિંગ સાથે બીટિંગ જોડાયેલું હતું, અને આ પશ્ચિમનું દૂષણ ભારતમાં અંગ્રેજો સાથે પ્રવેશી ચૂક્યું હતું. ધોતિયાધારી હાથમાં સોટી ધરાવતા શિક્ષકો બાળકો માટે યમદૂત જેવા લાગતાં હશે. ચાલો બાઈબલનાં પ્રૉવર્બ્સ શું કહે છે તે જોઈએ :

• “Do not withhold correction from a child, for if you beat him with a rod, he will not die. You shall beat him with a rod and deliver his soul from hell.” (Proverbs 22:13-14)

• “Foolishness is bound up in the heart of a child, but the rod of correction shall drive it far from him.” (Proverbs 22:15)

• “Blows that hurt cleanse away evil, as do stripes the inner depths of the heart.” (Proverbs 20:30)

• “He that spares his rod hates his son, but he that loves him chastens him.” (Proverbs 13:24)

આમ આજ્ઞાપાલન શીખવવું પડે અને સજા એ શીખવવાનો રાજમાર્ગ હતો. ૧૭, ૧૮  અને ૧૯મી સદી સુધી પશ્ચિમમાં ચર્ચ સ્કૂલો ચલાવતું હતું. આ સ્કૂલો શીખવવાને બદલે સુધાર સ્કૂલો વધુ હતી. બાળકો natural sinner છે તેવી માની લીધેલી ધારણાઓ પર આ સુધાર સ્કૂલો ચાલતી. બાળકોને આજ્ઞાંકિત બનાવી એમના આત્માને બચાવી શુદ્ધ સેવકો બનાવવા માટે ભગવાનનો ડર લાગવો જોઈએ. એમ શિક્ષકોનો પણ ડર લાગવો જોઈએ, પિતાનો પણ ડર લગાવો જોઈએ. એમ જે ઉપરી હોય તે બધાનો ડર લાગવો જોઈએ.

આજે પણ સ્કૂલોમાં પહેલું આજ્ઞાપાલન શીખવવામાં આવે છે અને સજા એ શીખવવાનો મુખ્ય રસ્તો હોય છે. સ્કૂલનાં નિયમો પાળવા પડે. હવે મારવાનું લગભગ બંધ થઈ ગયું છે. એક સજા તો ઓછી થઈ પણ માર્ક્સ આપવાની પદ્ધતિ પ્રાથમિક સખ્તાઈ બની ગઈ છે. ખૂબ ઊંચા માર્ક્સ મેળવવા એજ જીવનની સફળતા છે તેવું દરેકના બાળકોના, વાલીઓના અને શિક્ષકોના મનમાં સમાઈ ગયું છે. અમુક હદથી ઓછા ટકા હોય તો સ્કૂલથી અટકી જવું પડતું હોય છે. કૉલેજમાં જવા માટે તો ખૂબ ઊંચી ટકાવારી જોઈએ. અને જે બાળકો આ ઊંચી ટકાવારી ના મેળવી શકે તેમનું તો જીવનજ અસફળ થઈ ગયું. આમ શિક્ષક દ્વારા માર ખાવા કરતા ઓછા માર્ક્સ આવવા બહુ મોટી સજા બની જતું હોય છે.

ચાર્મી કાયમ ઊંચા માર્ક્સ લાવતી વિદ્યાર્થીની હતી. પરીક્ષકને લાગ્યું કે ચોરી કરે છે લાલ શાહી વડે માઈનસ ૩૦ માર્ક્સ પુરવણીમાં લખી નાખ્યા. હવે બચારી સો માર્કસનું સાચે સાચું લખે તો પણ ૭૦ સમજવાના. અને ૭૦ માર્કસનું સાચું લખે તો ૪૦ સમજવાના. બસ જીવન અસફળ થઈ ગયું, આના બદલે શિક્ષકે બે લાફા મારી લીધા હોત કે અંગૂઠા પકડાવી લીધા હોત તો સારું થાત. આત્મહત્યા કરવા કૂદી પડી અને બચી ગઈ પણ પગ ભાંગી બેઠી.

હમણાં મારા દીકરા હરપાલસિંહ સાથે ચર્ચા કરતા જાણ્યું કે અહીં ન્યુ જર્સીમાં સ્કૂલોમાં નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ટીચરે વિધાર્થીની નોટબુક કે પેપરમાં લાલશાહી વડે કોઈ રિમાર્ક કરવું નહિ. બ્લ્યુ કે બ્લેક ઇન્ક વડે જ લખવું. કારણ લાલ રંગ આક્રમક હોવાથી બાળકો લાલ શાહી જોઈ વ્યગ્ર થઈ શકે છે. આપણે બાળકોને મારવા કરતા ઓછા વધતા માર્ક્સ આપીને સંતોષ અનુભવીએ પણ માર્ક્સ પદ્ધતિ depression, anger, cynicism વધારે છે.  Any coercive teaching is an act of aggression.

આપણે બાળકો ઉપર આપણાં અધૂરાં સપના થોપી દેતા હોઈએ છીએ. બાળકોની રુચી, યોગ્યતા, પસંદ અને માનસિકતા મુજબ એમને જે ભણવું હોય તેમાં દાખલ કરવા જોઈએ. પણ બધા માબાપને એમના બાળકોને પહેલા ડૉક્ટર પછી એન્જિનિઅર બનાવવા હોય છે. બાળકોને એમની અણગમતી લાઈનમાં ભણાવવા તેમના આત્મા ઉપર હુમલા સમાન છે.  હવે  આ માર્ક્સ કઈ રીતે આપાય છે તે આપણે સહુ જાણીએ છીએ. શિક્ષકે પીધેલ એક સારી કે ખરાબ ચા કે કૉફિ પણ માર્ક્સ ઉપર અસર કરી શકે છે.

ગ્રેડ સિસ્ટમ, માર્ક્સ સિસ્ટમ કરતા થોડી સારી હશે. માર્ક્સ સિસ્ટમનો હળવો પ્રકાર ગ્રેડ સિસ્ટમ લાગે છે. ૮૦ માર્ક્સ લાવનાર અને ૯૦ માર્ક્સ લાવનાર બંનેની ગ્રેડ ‘B’ હોય એટલો ફેર પડે. ઘણી જગ્યાએ A, A+, A++ વપરાતું હોય છે. આવું જ B ગ્રેડનું સમજવું. છતાં સાવ જૂની ઘરેડ મૅકોલેના જમાનાની પકડી રાખવી તેના કરતા થોડું ઇવલૂશન કરવું તો પડે જ. બળદગાડી પરથી સીધા એરપ્લેન પર તો આવી જવાતું નથી. માર્કસની મૅરથન પડતી મૂકી કશું નવું અપનાવવાનો સમય હવે પાકી ચૂક્યો છે.

સત્તાવાર આંકડા મુજબ અમેરિકામાં ૪ થી ૧૭ વર્ષની આયુ ધરાવતા બાળકોમાં ૮% બાળકો ADHD વડે પીડાતા માલૂમ પડ્યા છે. Attention Deficit Hyperactivity Disorder વડે પીડાતા બાળકોમાં છોકરીઓના પ્રમાણમાં છોકરાઓ ત્રણ ઘણા વધુ હોય છે. ચાલો આંકડા ગમે તે કહેતા હોય આ ADHD છે શું? સીધી સાદી વ્યાખ્યા મુજબ બાળકો સ્કૂલનાં વાતાવરણમાં ગોઠવાઈ જતા નથી કે અનુકૂલન સાધી શકતા નથી. શિક્ષકોના અબ્ઝર્વેશન મુજબ સ્કૂલમાં બાળકની ડોકમાં દુખાવો થતો હોય, ભણવામાં ધ્યાન આપતું નાં હોય, અસાઇન્મન્ટ પુરા કરતું ના હોય, વધારે પડતું હલનચલન કરી આખા વર્ગને ખલેલ પહોચાડતું હોય, વધારે પડતું બોલ્યા કરતું હોય ત્યારે બાળક ADHD વડે પીડાતા હોવાની શક્યતા છે તેમ કહેવાય. મૂળ તો ઇવલૂશનરી મિસમૅચિંગનો દાખલો છે.

લાખો વર્ષ થયા માનવને ઉત્ક્રાંતિ પામે. એમાં લાખો વર્ષ લાગી કોઈ સ્કૂલો હતી નહિ. બાળકો જે જરૂરી હોય તે રમતગમતમાં શીખી લેતા હતા. બધું પ્રેક્ટિકલ શીખવવામાં આવતું, કે શીખી જતા. આવી બંધ ચાર દીવાલો વચ્ચે બેસીને બાળકો લાખો વર્ષ લાગી કશું શીખ્યા નહોતા. શું બાળકો આપણે શીખવીએ તો જ શીખતા હોય છે ? જાતે કશું શીખતા નહિ હોય ??-

  —વધુ આવતા અંકે—–

11 thoughts on “સ્વતંત્રતા શીખવાની.-૩ Hard Truths About Human Nature.”

  1. mama i m a teacher and i believe in your thoughts and like your thoughts but in reality its different. there are negatives and positive aspects in every field

    Like

  2. વિષય સ રસ ચર્ચાયો
    એક મઝાની વાત યાદ આવે
    બાળક મંદ બુધ્ધિનો છે તો કેટલા પ્રમાણમા અને તોફાન કરે તો કેવા પ્રકારનુ વગેરે વગેરે. અમેરિકા દેશની એક બીજી ખાસિયત. ઘણા મા બાપ હોય પણ પરણેલા ના હોય. બાળકની જોઈન્ટ કસ્ટડી હોય એટલે બન્ને જણ બાળકનુ ધ્યાન રાખે !

    Like

  3. પશ્ચિમનાં શિક્ષણનાં ઇતિહાસમાં એક સમય એવો હતો કે શીખવવું અને મારવું સમાનાર્થી શબ્દો હતા. બાળકો માટે શીખવવું અને મારવું કે સજા કરવી બધું સરખું જ હતું. મતલબ ટીચિંગ સાથે બીટિંગ જોડાયેલું હતું, અને આ પશ્ચિમનું દૂષણ ભારતમાં અંગ્રેજો સાથે પ્રવેશી ચૂક્યું હતું.
    માતા પિતા જે નથી બની શક્યાં હોતા તે તેમના બાળકોને બનાવવા માંગે છે. શિક્ષણની જેમ ઈતર પ્રવૃત્તિમાં પણ માતા પિતા પોતાની મહત્વાકાંક્ષા બાળકો પર થોપે છે. બાળકોને મહાન નૃત્યકાર, મહાન ગાયક, મહાન કલાકાર મહાન બીઝનેસમેન, મહાન ખેલાડી બનાવવા છે. લાખો રૂપિયા ખર્ચી પ્રેક્ટીસ અને રીયાઝ કરાવે છે અને સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં ધકેલે છે.

    ટેનીસ ખેલાડી માર્ટીના હિજીસ માત્ર બે વર્ષની હતી ત્યારે તેની માતાએ તેને ત્નીસ ની રમત માટે તૈયાર કરવા માંડેલી. તેની બાળસહજ રમતગમત, દોસ્તો કે બીજા મનોરંજન માટે કાપ મુકવામાં આવેલો. અને જયારે ૧૮ વર્ષની માર્ટીના ને ૧૬ વર્ષની જેલીના ડોકેકે હરાવી ત્યારે તેની માતાને હાર્ટ એટેક આવેલો.

    “પેરેન્ટસ આર પીશિંગ હાર્ડ ધેર ચિલ્ડ્રન”. આજે માં-બાપના પોતાના જીવનમાં કોઈ ઉપલબ્ધી નથી.જેમના જીવન સુક્કા થઇ ગયા હોય, જેમના વચ્ચે

    પ્રેમ ના હોય તેવા માતાપિતા પોતાની મહત્વાકાંક્ષાનો બોજ તેમના બાળકો પર નાખે છે. આ વિષય પર તાજેતરમાં એક હિન્દી ફિલ્મ બની છે ઉડાન.

    આજે ભારતના મોટા શહેરોમા બેબી જીનીયસ કલાસ, બાળ વર્કશોપ, બ્રેઈન એક્ટીવીટી, મેથ્સ કલાસ શરુ થાય છે. ગમે તે ભોગે પ્રથમ નબર લાવો. આને ‘હાઇપર પેરેન્ટિંગ’ ની હરકત કહેવાય.

    Like

  4. લાખો વર્ષ લાગી કોઈ સ્કૂલો હતી નહિ. બાળકો જે જરૂરી હોય તે રમતગમતમાં શીખી લેતા હતા.

    બધું પ્રેક્ટીકલ શીખવવામાં આવતું, કે શીખી જતા.

    આવી બંધ ચાર દીવાલો વચ્ચે બેસીને બાળકો લાખો વર્ષ લાગી કશું શીખ્યા નહોતા.

    શું બાળકો આપણે શીખવીએ તો જ શીખતા હોય છે? જાતે કશું શીખતા નહિ હોય??—-વધુ આવતા અંકે—–-

    મીત્ર, આ આવતા અંકને નમ્બર આપવાનું ચાલુ રાખો…..

    Like

  5. રાઓલજી, ખૂબ ઉમદા જાણકારી સાથે નો લેખ અને વાચી ને પછી સમજી ને અમુક લોકો ને તો ખાસ વચાવ્યો ….. ચાઇલ્ડ સાઇકોલોજી હાલ ભારત અને ખાસ તો ગુજરાત માં બહુ કમ છે અને સૌથી મોટી તકલીફ એ છે કે લોકો અભ્યાસ ના ફાયદા સમજે ત્યાં અભ્યાસ ની રીત બદલી જાય છે જેમ કે 25 વરસ પહેલા ડિગ્રી મેળવી હોય તો એ તે સમય માં ખૂબ જરૂરી હતું .. અને લોકો પણ દે ધના ધન ડિગ્રી ની પાછળ પડી ગયા અભ્યાસ પદ્ધતિ સરકાર આધારિત થઈ ગય અને પછી જે ઠોકમ ઠોક આવી કે વાત ના કરો … દરેક ને ભણી ને પહેલા સરકારી નહીં તો મોટી કંપની અને ખાસ તો વિદેશ ની ઘેલછા લાગી ગઈ અને પિનધારા એ પણ એનો ખૂબ લાભ લીધો … તેમાં પણ ખ્રિશ્તી સંસ્થા એ પણ સારો એવો દાટ વાળી નાખ્યો અને હવે તેમાં ફક્ત કહેવાતા ગુરુકુળ નું ઉપજાવ્યું …. ગુરુકુળ ? બસ ખાલી નામ નું ગુરુ કુળ અને ત્યાં પણ મેકોલે પદ્ધતિ થી જ ભણાવા માં આવે છે … કોઈ સાચો આઇડિયો નહીં …. વિશ્વામિત્ર રચિત રાજધર્મ માં સંપૂર્ણ ગુરકુલ પદ્ધતિ નું વર્ણન છે, તેમાં બ્રાહ્મણો ને દરેક વિધા ફરજિયાત છે, ક્ષત્રિય ને ફક્ત રાજ કાજ ને શસ્ત્ર વિધા વેશય ને વાણિજ્ય અને શુદ્ર ને સેવક વિધા શીખવાડવા માં આવતી હતી …… લગભગ 15 મી સદી બાદ વૈશ્ય અને શુદ્રો માટે ગુરુ કુળ ના દરવાજા બંધ થઈ ગયા….

    Like

    1. રાણા સાબ ,
      સાચી વાત છે, ગુરુકુળ નામ ફક્ત પાટીયા પર હોય છે. બાકી અંદર મેકોલે બેઠો હોય છે, બીજું જે તે સંપ્રદાયના ગુરુકુલો એમના ઘેટાં પેદા કરવાની ફેક્ટરીઓ હોય છે.

      Like

      1. …….ગુરુકુલો ઘેટાં પેદા કરવાની ફેક્ટરીઓ…. vaah !! vah !!!!

        Like

Leave a comment