હોલિકા દહન એક મૂરખ પરમ્પરા.

Holi bonfire.
Image via Wikipedia
હોલિકા દહન એક મૂરખ પરમ્પરા.
ભક્ત પ્રહલાદ એક નાનો નાજુક બાળક,એની ફોઈના ખોળામાં બેસાડી મારી નાખવાનું એના ખુદના પિતા કાવતરું કરે.એમાં નાનું નાજુક બાળક ભયંકર  અગ્નિ જ્વાલાઓમાંથી બચી જાય અને હોલિકા મરી જાય.અગ્નિનો ધર્મ છે બાળી નાખવાનો.બાળે તો બંનેને બાળી નાખે અને જો કોઈ એવો ના સમજાતો નિયમ હોય કે અગ્નિ બાળે નહિ તો બંને બચી જાય.એક બળી જાય અને એક બચી જાય તેવું તો બને જ નહિ.
ચાલો શિયાળો પૂરો થવા આવ્યો અને લાકડા બાળીને ઠંડીને વિદાય આપવી છે.તો હવે આજકાલ ૪૧ ડીગ્રી ગરમીમાં ઠંડી તો ક્યારની વિદાય થઇ ગઈ છે.તો વ્યર્થ લાકડા સળગાવી પ્રદુષણ વધારી અંગારવાયુ વધારી પ્રાણવાયુ અર્પતા વૃક્ષોનો નાશ કરવામાં કોઈ લોજીક દેખાય છે ખરું?મૂળ આર્યો આવ્યા રશિયા નીચેના ઠંડા પ્રદેશોમાંથી માટે આવા રીવાજો હોવા જોઈએ,કે શિયાળો વિદાય કરો લાકડા બાળી.પણ હવે ભારતની અસહ્ય ગરમીમાં આ મૂર્ખી પરમ્પરા જાળવી રાખવી મુરખતા કે મહામુરખતા?
ચાલો ધુળેટી રંગોનો તહેવાર છે.એકબીજા ઉપર રંગો છાંટી આનંદ મનાવો અને વસંત ઋતુના આગમનને વધાવો.પણ આ લાકડા બાળીને પ્રદુષણ વધારવામાં મને કોઈ ડહાપણ દેખાતું નથી.આવી મૂરખી પરમ્પરા જાળવવામાં પણ અતિરેક થાય છે.મારા ઘર આગળ એક હોળી પ્રગટાવી છે,આશરે ૨૦૦ ફૂટ દુર પોળનાં નાકે બીજી હોળી પ્રગટાવી છે.એક જ પોળની અંદર આશરે ચાર હોળી હશે.પોળે પોળે હોળી પ્રગટાવવાનો કોઈ અર્થ ખરો?નાના ગામોમાં ભાગોળે એક જ હોળી પ્રગટાવી તહેવાર મનાવાતો.એક તો રોડ ખોદી નાખવાના,એ ખાડા જલ્દી કોઈ પૂરવાનું નહિ,પણ વિચારે કોણ?
ચાલો અસુરી વૃત્તિઓનું દહન કરવાનું,તો એને માટે લાકડા બાળવાની શું જરૂર?આસુરી વૃત્તિઓ આપણાં મનમાં હોય છે તે લાકડા બાળવાથી દુર થઇ જવાની નથી.વૃક્ષો બાળવાથી આસુરી વૃત્તિઓ બળી જવાની નથી.ઉલટાના ઓક્સીજનના  રહ્યા સહ્યા સ્ત્રોત આપણે નાશ કરીએ છીએ.આવી મૂરખી પરંપરાઓ હવે બંધ થવી જોઈએ.ભલે હજારો વર્ષ જૂની હોય,આજે એની કોઈ જરૂર નથી.આ કોઈ ધર્મ નથી કે કોઈ આધ્યાત્મ નથી,ફક્ત એક રીવાજ કે પરમ્પરા પડી ગઈ છે કે અંધ બની અનુસર્યા કરો. 

32 thoughts on “હોલિકા દહન એક મૂરખ પરમ્પરા.”

  1. દરેક પ્રથા સમયાંતરે ફેરફાર માગે છે. હોળીનું મહત્વ ભલે હોય પણ હાલના સમયે લાકડાનો ઉપયોગ યોગ્ય નથી. ગણેશચતુર્થીનાં સમયે થોડા લોકો કુદરતી રંગો અને નાની મૂર્તિ, વિસર્જન વખતે ભજન ગાવા અને નશો ન કરવો અને ફટાકડા ન ફોડવા વગેરે પ્રયાસ કરે છે, પણ બહુ ઓછા લોકો આને અનુસરે છે.

    અને થોડા લોકો આનો રાજનિતિક ફાયદો એમ કહીને લે કે – આ વસ્તુ ધર્મમા દખલ છે.

    નવા જમાનાનો નવો રીવાજ: લોકો નાના બાળકો માટે બર્થ-ડે પાર્ટી મનાવે ત્યાં ગીફ્ટ લીધા વગર કેમ જવાય? નવો રીવાજ: ગીફ્ટનો. (અને જુના સમય પ્રમાણે ચાંદલાનો રીવાજ)
    લેવડદેવડ વગર આ વાત ન થઇ શકે?

    Like

    1. હોળીનું મહત્વ ભલે રાખો પણ લાકડાં ક્યા સુધી બાળવાનાં?કોઈ દીપમાલા પ્રગટાવી દિવાળીની જેમ કે કોઈ બીજો ઉપાય સોચી શકાય.ખૂબ ખૂબ આભાર.

      Like

  2. True, there is no need to follow customs blindly.


    Per this DNA graph, it seems that humans in India came from Arabia/Persia and not from Russia some 30,000 years ago. Aryan invasion theory state that Aryas came from central Russia to India around 5,000 years ago. That seems wrong per DNA migration path. Also, when Krushna died, there were seven planets in Ketaki(Zeta Piscium) Nakshatra which dates back to 18th February 3228 BCE which implies he passed away some 5200 years ago! Aryan invasion theory do not have any basic proof.

    Like

    1. સાચી વાત છે.૫૦૦૦ વર્ષ પહેલા આર્યો ભારત આવ્યા તે ખોટું પડે છે.બહુ વહેલા આવ્યા હોવા જોઈએ.હવે ભારતમાં આ ગ્રાફ પ્રમાણે એકવાર નહિ અનેક વાર માનવ જાતનું આગમન થયું છે.આશરે ૫૦,૦૦૦ વર્ષ પહેલા શરૂઆત થઇ હતી.એમ ૧૩૦ માર્કર ધરાવતા લોકો ૫૦,૦૦૦ વર્ષ પહેલા આવેલા.એમ ૧૭ માર્કર ધરાવતા લોકો આશરે ૧૦ થી ૧૫ હજાર વર્ષ પહેલા યુક્રેઇન બાજુથી વાયા ઈરાન થઇ આવેલા હોવા જોઈએ,જે આર્યો હોવા જોઈએ.આ માર્કર ધરાવતા લોકો પહેલા છે જેઓએ ઘોડાઓને પાલતું બનાવ્યા.ભારતમાં હાલ ૩૫% ટકા હિન્દી ભાષી લોકો આ માર્કર ધરાવે છે.એટલે સેન્ટ્રલ રશિયાથી આર્યો ૫૦૦૦ વર્ષ પહેલા આવ્યા તે તો ખોટું જ છે.પણ યુરોપિયન બોર્ન વાયા યુક્રેઇન વાયા ઈરાન આર્યો ભારત આવ્યા તે પણ ખૂબ વહેલા.આર્યો બહારથી ભારત આવ્યા તે સ્વીકારવામાં કોઈ નાનમ મને તો લાગતી નથી.કારણ બધાજ બહારથી આવ્યા છે.અને બધાજ મૂળ આફ્રિકન છે.ગોરા હો યા કાલા હો યા હો બદામી સબ હૈ આફ્રિકન.

      Like

  3. નમસ્કાર

    ૮૦ કરોડ વ્યક્તિઓની આસ્થા જે પરંપરા સાથે જોડાયેલી છે, તે પરંપરાને ‘મૂર્ખતા’ અને ‘મહામૂર્ખતા’ જેવા શબ્દોથી ઉતારી પાડવાનું કેટલા અંશે યોગ્ય છે. આપ આ પરંપરાથી સંમતિ ન હોય તો આપ આપનો વિરોધ બીજા સારા શબ્દો જેવાં કે ‘અસંગત’, ‘અતાર્કીક’, ‘અવૈજ્ઞાનિક’ વડે નોંધાવી શકો છો. કોઇની માન્યતાનો વિરોધ કરતી વખતે તેના મતનો વિરોધ કરવો જરૂરી છે, પણ સાથે તેના હ્રદયની લાગણી ન દુભાય તે પણ જરૂરી છે. આવાં આકરાં શબ્દો બીનજરૂરી રીતે સામાવાળાની લાગણી દુભવે છે, અને તે આપના વિરોધ વિશે મગજથી નહીં, પણ હ્રદયથી વિચારતો થાય છે. અને આ કારણે આપની વાત સાચી હોવા છતાં કદાચ તે સ્વીકારી શકતો નથી.

    સ્નેહિશ્રી, આપે આ પરંપરામાં ફક્ત લાકડાં બળે છે તેની વાત કરી, પણ પ્રહલાદની વાત ફક્ત એક લાઇનમાં પતાવી દીધી. આપ એમ કેમ નથી વિચારતાં કે પોતાના પિતાથી આખું વિશ્વ ધ્રુજતું હતું ત્યારે ફક્ત ૮ કે ૯ વર્ષની વયે તેનો વિરોધ નોંધાવ્યો. કેટલું આંતરિક મનોબળ હશે તેનું. આજે બધાં ‘M’ Power ધરાવતાં વ્યક્તિને પગે પડે છે, ત્યારે આટલું નાનું બાળક વર્ષો પહેલાં તેનો વિરોધ નોંધાવે તે જરૂરી નથી. મારા મતે તો પ્રહલાદ આપણો ‘હીરો’ છે. તેની આ સિદ્ધને સહુએ યાદ કરવી ઘટે. અને આ ઘટનાને કદાચ હજારો વર્ષ થઇ ગયાં છે. પણ આજે પણ સહુને યાદ છે, તે બતાવે છે કે આપણે આ પ્રસંગે પ્રહલાદને ભલે express નહીં પણ implied રીતે યાદ કરીયે જ છે.

    અગ્નિ આર્યપરંપરાથી પવિત્ર ગણાયો છે. અને પ્રાચીનકાળમાં લાકડાંની છત હતી એટલે લાકડાથી હોળી સળગાવાની પરંપરા છે. હવે વાત રહી નુકસાનની તો, અમેરિકાનાં અણુબોંબથી ફક્ત હીરોશીમા અને નાગાસાકી શહેરમાં જે નુકસાન થયું છે તેનું પા ભાગનું નુકસાન પણ હજારો વર્ષથી હોળી પ્રગટે છે તેનાથી નહી થયું હોય. દરેક પોળ અને સોસાયટીની અલગ હોળી પ્રગટે તેમાં પણ શું વાંધો છે. નાતાલ પર દરેકના ઘરમાં અલાયદું ક્રીસમસ ટ્રી હોય જ છે, જ્યારે અહીં તો ૫૦-૧૦૦ ઘર વચ્ચે એક ઉત્સવ હોય છે. દરેકને ઉત્સવમાં પોતાની રીતે ઉજવવાના હોંશ હોય જ છે. એમા ખોટું શું છે?, ઉલ્ટાનું મને તો આ બહાને આખી સોસાયટીના સભ્યોને મળવાનો લ્હાવો મળે છે, તે આ હોળી નિમિત્તે જ ને. હા રસ્તામાં ખાડાં કરવા એ અયોગ્ય છે કારણ કે રસ્તા હવે ડામરના થઇ ગયાં છે, પણ આટલી નાની વાતને કારણે સમગ્ર પરંપરાને મુર્ખામીનું લેબલ મારી દેવું મારા મતે તદ્દન અયોગ્ય છે. અને હું માનું છું કે આ પરંપરા મૂર્ખામી કહી ઉતારી પાડવી એના કરતાં તેમાં સમય અનુસાર પરિવર્તન કરવાની પહેલ કરવી એ વધું યોગ્ય ન કહેવાય?

    અને આપને રંગોત્સવ અને ફૂલડોલ ઉત્સવની ખુબ ખુબ શુભેચ્છા.

    Like

    1. અહી ભારતમાં વાત વાતમાં ધાર્મિક લાગણી દુભાઈ જાય એટલે સત્ય લખવાનું નહિ.બીજું સત્ય પણ ગળપણ નાખી નાખી લખવાનું એટલે એની કોઈ અસર વર્તાય નહિ.મને તો ગળપણ ભાવતું નથી.ક્યા સુધી મૂરખ પરંપરાઓને કરોડોની આસ્થા બતાવી બતાવી પંપાળે રાખીશું?કશું પણ લખો તરત કરોડોની આસ્થા છે તેવા ગાણા શરુ.એક તો આખી વાર્તા જ ખોટી રીતે લખાઈ છે.અગ્નિની ઝપટમાંથી હોલિકા કે પ્રહલાદ કોઈ બચે નહિ.પ્રહલાદને હીરો માનો કોઈ વાંધો નથી.પણ એને યાદ કરવાના બીજા રસ્તા પણ શોધી શકાય.પોળે પોળે લાકડા સળગાવ્યા વગર પણ સારા ઉત્સવો યોજી એક બીજા સાથે મળી શકાય આનંદ માણી શકાય.જુઓ તિલક હોલીનો નવો કોન્સેપ્ટ ખુબ સારો છે.એનાથી લાખો લીટર પાણી બચાવી શકાય.એમ કોઈ નવો કોન્સેપ્ટ શોધી લાકડા પણ બચાવી શકાય.હવે હિરોશીમા પર બોબ્મ અમેરિકા ફેંકે એટલે આપણે પણ હોળી સળગાવે રાખવાની એવું જરૂરી ખરું?કોઈ ખોટા કામ કરે એટલે આપણે પણ કરે રાખવાના?
      ભાઈ હું તમારી ભાવના સમજુ છું પણ લોકો આસ્થાના નામે કશું પણ કરે,ભલે ને કરોડો લોકો કરે,તે વાજબી હોય તે માની લેવું વધુ પડતું છે.આવી આસ્થાઓ ઘણ મારી મારી તોડવી પડે.કારણ એના મુળિયા ખુબ ઊંડા હોય છે.પ્રતિભાવ આપવા બદલ ધન્યવાદ.

      Like

      1. હોળી સંપુર્ણ વાહિયાત તહેવાર છે… જે તે સમયે તક્ષશિલા યુનિવર્સીટીમાં વસંત સમયે રંગો અને અન્ય શણગાર કલાપ થતો હતો …અને વસંતનુ વાતાવરણ રાત્રે ઠંડુ અને ભેજ યુક્ત હોવાથી રાત્રે છાણાનો હુતાસન પ્રગટાવતા હતા.કાળ ક્રમે આજ ની કહેવાતી હોળીમાં ભળી ગઈ. ત્યારે તે હુતાસન વાતાવરણ ની દ્રષ્ટી એ જરુરી હતો… તે સમયે કફની તાસીર માં ઉછાળ આવે છે..તેમજ પરાગ રજ ની એલર્જી ના કિસ્સા આપણી નજર સમક્ષ જ છે આથી ગોળ સુંઠ અને દારિયા નો મહિમા તે સમય ના વૈદો એ આપ્યો હતો તેમાંથી ગોળ ને બદલે સાકર અને પતાસા થઈ ગયા. લેખક સાથે સહમત છુ

        Like

  4. આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું કે સમય અને સંજોગ પ્રમાણે પરિવર્તન સ્વીકારવું જ જોઈએ. પરંપરા કે રૂઢિને પણ આ શા માટે ? જેવા પ્રશ્નો ઉદ્ફવવા જોઈએ અને તોજ પરંપરા કે રૂઢિનું મુખ્ય સ્ત્રોત જાણી શકાય. આંધળું અનુકરણ આપણી કંગાળ માનસિકતા જણાય છે. અલબત્ત વસંતના વધામણાને રંગો સાથે અન્ય રીતો પ્રયોજી વધારે રોમેંટિક બનાવી શકાય પણ આ માટે મૌલિક્તા દર્શાવવી પડશે અને તે ત્યારે જ સંભવીત બને જે જ્યારે આપણે પરિવર્તન કરવા માનસિક તૈયાર હોઈએ. આ વિષે કદાચ શરૂઆતમાં જૂનવાણી લોકોનો વિરોધ પણ સહન કરવો પડે પણ સમયના વહેવા સાથે આ વિરોધ કરનારાઓ જ સહકાર અને સહયોગ આપતા થશે !

    Like

    1. વડીલશ્રી

      આપની વાત તદ્દન સાચી છે.આપણે ત્યાં પ્રશ્નો પૂછવાની મનાઈ છે અને આસ્થાના નામે વિરોધ કરવાની મનાઈ છે.વિચારવા પર પ્રતિબંધ તો બહુ પહેલેથી મુકાઈ ગયો છે.એટલે મારા જેવાનો વિરોધ તો થવાનો.પણ આપ જેવા સહયોગી મિત્રો પણ છે.ખૂબ ખૂબ આભાર.

      Like

    1. હવે જંગલો બચ્યા નથી ત્યારે હજારો ઘનમીટર લાકડું બાળવું અને તે પણ કરોડોની આસ્થા છે માટે?મુરખતા જ છે.ધન્યવાદ આપે પણ સત્યમાં ટેકો પુરાવ્યો.

      Like

  5. શ્રી ભુપેન્દ્રસિંહજી, આજે આપના આ લેખ સંદર્ભે વાત નથી કરવી ! વિષયથી ધરાર જરા ભટકવું છે ! (બુરા ન માનો હોલી હૈ !)

    નકશામાં શોધશો તો એક ’ઈસ્ટર ટાપુ’ દેખાશે. જેના કિનારાની કરાડો પર પથ્થરના વિશાળકાય એવા હજારો બાવલાઓ (પુતળાઓ કે મૂર્તિઓ) સમુદ્ર તરફ મોં રાખી ગોઠવાયા છે. વર્ષો સુધી આ બાવલાઓ રહસ્યમય રહ્યા. કોણે, કેમ, કેવી રીતે આ બાવલાઓ ઘડ્યા અને ગોઠવ્યાનો પ્રશ્ન ચર્ચાતો રહ્યો. અંતે હાલમાં રહસ્યોદ્ઘાટન થયું. વર્ષો સુધી, ત્યાંના મુળ નિવાસી આદિવાસીઓના વિવિધ કબિલાઓ વચ્ચે પરંપરાના નામે સ્પર્ધા, વધુને વધુ મોટા, વધુ મોટી સંખ્યામાં, બાવલાઓ ગોઠવવા બાબતે ચાલી. હવે ટાપુના સિમિત પર્યાવરણમાં રહેલા મોટા મોટા વૃક્ષોનો ભોગ આ બાવલાને દુર જ્યાં ઘડાતા તે ખાણમાંથી સમુદ્રકિનારે પહોંચાડવા જરૂરી નળાકાર લાકડાઓ માટે લેવાતો રહ્યો. હજારો વર્ષ ચાલેલી આ દૌડ સરવાળે ટાપુના પર્યાવરણ, વૃક્ષો, પક્ષીઓ, માછલીઓ અને છેલ્લે મનુષ્યોને પણ ભરખી ગઇ ! આજે ઈસ્ટર ટાપુ પર મોટા મોટા, બિહામણા બાવલાઓ જ બાકી રહ્યા છે !!

    જો કે મહાપુરુષો જણાવે છે કે; ’ઈતિહાસ આપણને એટલું જ શિખવે છે કે ઈતિહાસમાંથી આપણે કશું શિખ્યા નથી’. પેલો નાનો ટાપુ હતો તો હજારેક વર્ષંમાં અવિચારી પરંપરાએ તેને બરબાદ કરી નાખ્યો, મોટા ઉપખંડોને કદાચ સુધરવા માટે થોડો વધુ સમય મળે ખરો. બાકી ડુબી મરવું જ હોય તો બાપનો કુવો શું ખોટો !!!

    Like

    1. આ ઉપર જણાવેલ વિષયે “સફારી”માં વિગતવાર લેખ આવેલ હતો, કયા અંકમાં છે તે મળી આવ્યે જાણ કરીશ. જરૂર વાંચશો, આંખ ખોલી દે તેવો લેખ છે. આભાર.

      Like

    2. શ્રી અશોકભાઈ
      ઇસ્ટર ટાપુ પર મનુષ્યને નાશ પામતા હજારો વર્ષ થયા,આપણોં દેશ જરા મોટો છે એના પર મનુષ્યને નાશ પામતા થોડા વર્ષ વધુ લાગશે.આમેય જંગલો હવે ભારતમાં જરૂરી ક્યા બચ્યા જ છે?અહી વડોદરામાં સીએનજી રીક્ષામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ ખૂબ નવાઈ લાગી.પ્રદુષણ ઘટવાના બદલે વધતું જાય છે.કરોડોની આસ્થા છે ભાઈ,ભલે ભારતનો નાશ થતો.માહિતી બદલ ખૂબ ધન્યવાદ.

      Like

  6. ભારતમાં રહેતા લોકો આધ્યાત્મવાદી વધારે અને નાગરીકવાદી નહીવત છે.અહીં સુરતમાં હોળી પછી ઠેર ઠેર કચરાના ઢગલાઓ,ખાડાઓ,જાહેર સ્થળોનું નુકશાન વગેરે ઘણુ નજરે પડે છે.હવે જ્યાં ભડકો કરેલો હોય ત્યાં મહિનાઓ સુધી તેના હોળીના અવષેશો જોવા મળે છે.ખબર નહીં નાગરિકતા ક્યાંરે આવશે !

    Like

  7. એક બીજો અગત્યનો મુદ્દો રહી ગયો. દલીલ ખાતર માની લઈએ કે
    પ્રહલાદ બચી ગયો અને ફોઈ હોલિકા બળી ગઈ. તો પણ “પ્રહલાદની જય” ને બદલે “હોળી માતાની જય” બોલાવવામાં આવે છે તે તો સાવ જ અજુગતું છે.

    Like

    1. પ્રહલાદને તો કોઈ યાદ પણ કરતુ નથી.બધા નાલાયક નાના બાળકને મારવા બેઠેલી હોળીકાને માતા કહી જય બોલાવે છે.કરોડોની શ્રદ્ધા છે ભાઈ.શું કરવાનું?

      Like

  8. પરંપરાઓ સમય અને સંજોગો પ્રમાણે જ શરૂ થઇ હોય અને માનવસમાજ દ્વારા બનાવવામાં આવી હોય છે. અરવિંદભાઇએ સાચું કહ્યું તેને સમય અને સંજોગો પ્રમાણે તોડી પણ શકાય. પરિવર્તન જીવનનો નિયમ છે. જેની અત્યારના સંજોગો પ્રમાણે જરૂર ના તેવી પરંપરા ચાલુ રાખવી તે સમજદારી ના ગણાય. ઉત્સવને બીજી રીતે પણ મનાવી શકાય. ઠેરઠેર હોલી પ્રગટાવી માત્ર ૧૦૦ ઘરોના આનંદ અને મિલન માટે પર્યાવરણનું નુકશાન શિક્ષિત સમાજ દ્વારા થાય તે સમજદારી ના કહેવાય. અને અત્યારે પર્યાવરણ બચાવો એવાં જાગૃતિ અભિયાન ચાલતાં હોવાં છતાં શિક્ષિત સમાજમાં જાગૃતિ ના આવે તો ઘણી દુઃખની વાત કહેવાય. થોડા વર્ષો પહેલાં આ બધું જોઇને લાગતું કે ભારતમાં નવી પેઢી શિક્ષિત અને જાગૃત હશે એટલે ઘણું બધું બદલાઇ જશે. પરંતુ આપણા દરેક ઉત્સવોમાં પર્યાવરણને નુકશાન થાય તેવો અતિરેક વધતો જાય છે.

    Like

    1. ઘણી વાર એવું થાય છે કે સુધરવાને બદલે બધું બગડતું વધુ જાય છે.લોકો વધુ ને વધુ અંધ બનતા જાય છે.

      Like

  9. હવે લાકડા ને બદલે ઘણી જગાઓ એ છાણાં નો ઉપયોગ થતો જોવા મળે છે …પણ “હોલિકા” માંની પૂજા અર્થે તેમાં હોમાતું ઢગલો ખજુર, ધાણી, દાળિયા અને પતાસા અને હા શ્રીફળ તો હોયેજ! તે બધા નું શું? ગરીબોમાં વહેચી દ્યો તો કેટલા છોકરાનું પેટ ભરાય .

    Like

    1. સાચી વાત છે.ખજુર વગેરે પેટમાં જાય તે સારું.પણ હોલિકા તો પ્રહલાદને મારવા બેઠી હતી.તો એને હોલિકા માં શા માટે કહેવી?

      Like

  10. વાહ વાહ કરોડો મૂરખા અને તમે સાચા ? હોય શકે કેમ નહીં? ગણિત થી સમજવું. પચાસ લાખ સાધુ મલ્ટીપલાય વિથ ૧૦૦૦ =૫૦૦ કરોડ ( દરેક સાધુ ૧૦૦૦ ને તો ઉલ્લુ બનાવતા હસે. એમ પાંચસો ઉપર મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને હજારો ધારાસભ્યોએ અબજોની વસ્તિ ને કાયમથી ઉલ્લુ બનાવયે રાખે છે. આખો દેશ જ્યારે મોંઘવારીથી સળગે છે ત્યારે તમે થોડા ઘનમીટર લાકડાની શું ચિંતા લઈને બેઠા છો.

    Like

  11. આપણે પર્યાવરણ બચાવવા અને જંગલો નથી બચ્યાં તે માટે હોળી ના સળગાવવી તેમ કહીએ છીએ, તેના બદલે એમ કેમ નથી કહેતા કે આવા તહેવારો જ આપણા ભારતીય સમાજની એકતા અને સંસ્કૃતિનું (જે થોડી ઘણી બચી છે તેનું) મૂળ છે અને તેને માટે થઈને હોળી સળગાવીને પણ પર્યાવરણને નુક્શાન ના થાય તેવા માર્ગો કેમ નથી વિચારતાં. અમેરિકા, યુ.કે, તથા યુરોપના અનેક વિકસિત અને બુદ્ધિજીવી દેશોમાં પણ વગર લેવાદેવાએ અને અકારણ જ નાતાલ વેળા ઘરમાં ક્રિસમસ ટ્રી લાવવાની પ્રથા છે. આ ક્રિસમસ ટ્રી, યુલ નામના એક શંકુદ્રુમ વૃક્ષની ટોચ હોય છે. જંગલો બધે જ નાશ પામી રહ્યાં છે, તો પણ જો આપણે જેઓનું આંધળું અનુકરણ કરીએ છીએ અને જેમની દરેક હરકતને આપણા માટે અનુકરણીય ગણીએ છીએ તે લોકો પોતાના તહેવારની ઉજવણી માટે ઝાડના આ ઠુંઠા વાપરતાં બંધ નથી થયા. જેને સાચું ઝાડ નથી પોસાતું તે પ્લાસ્ટિકનું કે કાગળનું બનાવટી લાવે છે (અને તે ફક્ત આર્થિક કારણોસર જ, તેને પર્યાવરણ સાથે કોઈ લેવાદેવા નથી). પરંતુ, હા, આવા ઘણા ક્રિસમસ ટ્રી સસ્ટેનેબલ ફોરેસ્ટ્સ (ટકાઉ વનો)માંથી અવે છે, જ્યાં તેને પદ્ધતિસર ઉગાડવામાં આવે છે. તો આપણે પણ વગર કારણે ભારતના તહેવારોનો વિરોધ કરવાને બદલે સરકાર અને સમાજને આવા ટકાઉ સ્ત્રોતો ઉભા કરવા પ્રોત્સાહિત કરવામાં આપણી શક્તિ વાપરવી જોઈએ અને સાચા અર્થમાં રચનાત્મક કાર્યો કરવા જોઈએ એમ મારૂં માનવું છે. માફ કરજો ભુપેન્દ્રભાઈ, આપ ઉંમરમાં મારા કરતાં ઘણા મોટા છો માટે હું કોઈ રીતે આપને શિખામણ આપવા માટે લાયક નથી, આ તો ઉપરની ચર્ચામાં જોડાયેલા સહુને ઉલ્લેખીને લખ્યું છે.

    Like

    1. આ તહેવારો પાછળનો સમય અને એનું હાર્દ સમજો.હવે અહી એની જરૂર નથી.યુરોપ અમેરિકાવાળા ખોટા કામ કરે એટલે આપણે પણ કરવાના?આવી તર્કહીન દલીલ અશોકભાઈના મિત્ર થઈને કરો છો?ક્રિસમસ પહેલા એની વ્યવસ્થિત ખેતી થઇ જતી હોય છે.જેથી પર્યાવરણને નુકશાન ના થાય.છતાં હું કોઈ દલીલ કરવા માંગતો નથી,એટલું જ કહીશ કે અમેરિકાએ હિરોશીમા ઉપર બોમ્બ ફેંક્યો તો શું આપણે પણ ફેંકવાનો?તહેવારોને ક્રિયેટિવ બનાવી શકાય કે નહિ?પણ પહેલા આ તહેવારો આજના હાલના સ્વરૂપે ખોટા છે તેવું કહેવાવાળો કોઈ હોવો તો જોઈએને?

      Like

      1. સુધારા કરવા જ જોઈએ, પણ દરેક તહેવાર ખોટા એવું માનવાથી કોઈ ફાયદો નથી. આંધળું અનુકરણ તો આપણે કરી જ રહ્યાં છીએ# સુધારા જે જગ્યાએ જરૂરી છે તે જગ્યાએ કરવા જોઈએ. જો આપ એમ કબુલ કરો છો કે ક્રિસમસ પહેલાં વ્યવસ્થિત ખેતી થઈ જાય છે, તો તે વસ્તુ અનુસરીને આપણે એવી રચનાત્મક રીતે કેમ આપણા પરંપરાગત તહેવારો ના ઉજવી શકીએ? એમ જોવા જતાંતો ઘરમાં રસોઈ માટે વપરાતો ગેસ પણ કુદરતી સંપત્તિ છે, તે પણ ખર્ચાઈ રહી છે, શું આપણે ખાવાનું બંધ કરી દઈશું? કે કાચા ફળો ખાવાનું શરૂ કરીશું? અશોકભાઈનો મિત્ર છું, એ એમની રીતે વિચારે છે અને હું મારી રીતે? કેમ દરેક વ્યક્તિએ એક જ દિશામાં વિચારવું જરૂરી છે? અમેરિકાએ બોંબ ફેંક્યો એ વાતનું નહી તો અનેક અન્ય વાતોનું અનુકરણ હું તમે અને આપણે સહુ કરતાં જ આવ્યાં છીએ. આપણા દેશના વાતાવરણ પ્રમાણે આપણો પરંપરાગત પોષાક ધોતી અને સાડી ખુબજ અનુરૂપ હતો, જીન્સ પહેરવાથી ગરમ પ્રદેશોમાં અનેક શારિરીક સમસ્યાઓ ઉદ્ભવે છે, પણ શું તમે ધોતી પહેરો છો? કેમ? અનુકરણ નહીતો બીજું શું?

        Like

        1. મૂળે આ તહેવાર એક ખોટી વાર્તા ઉપરથી રચાયો છે.અવૈજ્ઞાનિક વાર્તા છે.બીજું મૂળ પ્રહલાદ બચી ગયો તેની વાત છે ત્યાં પ્રહલાદને કોઈ યાદ કરતુ નથી એને મારવા બેઠેલી હોળીકાને લોકો માતા કહે છે.બીજું આપ જાણો છોકે લાકડા બાળવા કામ વગરના યોગ્ય નથી છતાં ફક્ત દલીલો કરવા ખાતર દલીલો કરે રાખો છો.બસ અહીં અશોકભાઈ જુદા પડે છે.હવે સારી કે નુકશાન કરે નહિ તેવી બાબતોનું અનુકરણ થાય એમાં શું વાંધો?બધા એક્બીજાનું અનુકરણ તો કરતા જ હોય છે.મુલમુદ્દો એ છે કે ઠંડા પ્રદેશોમાં હોળી વાજબી ગણાય પણ અહીં ગરમ ભારતમાં કેટલી વાજબી ગણાય?તહેવાર ખોટા એવું હું કહેતો જ નથી.તહેવારો રૂટીન કંટાળાજનક જિંદગીમાં નવી ચેતના અર્પતા હોય છે.બસ એમનો મનાવવાનો તરીકો નુકશાન કારક ના હોવો જોઈએ.

          Like

          1. ના બાપુ, એવું નથી. કરવા ખાતર દલીલો કરવાનો સમય આ જમાનામાં ક્યાં કોઈને છે? મેં જે જે દલીલો કરી છે, તે કોઈકને કોઈક અનુસંધાને જ કરી છે. આ બાબતે (દલીલો તો ખુટે એવી નથી, પરંતુ તેની મજા સામસામે બેઠા હોઈએ ત્યારે વધુ આવે, અને દરેક વાતને ક્યાંકતો અટકાવવી પડે માટે, આપની સાથે સહમત ના થતાં) એક છેલ્લી દલીલ કરી લઉં. હા, લોકો હોળીકા માતની જય બોલાવે છે, તે અજ્ઞાનતા છે, કદાચ તે લોકોને હોળી પાછળની કથા પણ ખબર નહી હોય. પણ આપણે આ કથાને અવૈજ્ઞાનિક કેવી રીતે કહી શકીએ? આપણે જે વિજ્ઞાન જાણીએ છીએ તે સંપૂર્ણ નથી અને સાશ્વત સત્ય પણ નથી. આધુનિક વિજ્ઞાને ગઈ કાલે જે કીધું હતું એમાંથી આજે ઘણું ખોટું સાબિત થયું છે. અને આજે જે કહે છે, તેમાં પણ અનેક વાદ અને અપવાદ જોવા મળે છે. જેમ આપ કહો છો કે આગ કોઈને છોડતી નથી, તે રીતે જ વિજળી પણ કોઈને મુકતી નથી. પણ આપણા મોડાસા તાલુકાના કોઈક ગામનો (કદાચ બાકરોલનો) એક યુવાન છે જેને વિજળીનો કરંટ ક્યારેય લાગતો નથી. BBC પર Paul Merton in India નામની શ્રેણી સમયાંતરે આવે છે, તેમાં ગયા વર્ષે જોયું હતું કે દક્ષિણ ભારતના એક પ્રૌઢ ઉંમરના ભાઈ વિજળીના વાહક તરિકે વર્તીને પંખો, લાઈટનો ગોળો, વગેરે ચલાવી બતાવે છે. જેમ આ લોકોને વિજળી કશું નથી કરી શકતી, તેમ કદાચ પ્રહલાદને અગ્નિ કશું ના કરી શકી હોય. આપણા અપંગ વિજ્ઞાનને આધારે આપણે આ કથાને ખોટી ના માનવી જોઈએ.

            જો હોળીનું લાકડું ટકાઉ સ્ત્રોત (sustainable source-વિધિવત કરેલી ખેતી)માંથી આવે તો કેટલાય લોકોને રોજી મળી શકે, પર્યાવરણને પણ નુક્શાન થવાને બદલે ફાયદો જ થાય, હરિજન જેવી જ્ઞાતીનું અગત્ય જળવાય (આપને જાણ હશે જ કે હોળી પ્રગટાવવાનું કામ હરિજન જ કરી શકે છે), માટે રચનાત્મક વિકલ્પોની શોધ આવશ્યક છે નહીકે ઉત્સવપ્રથા બંધ કરવાની કે તેનો પર્યાય શોધવાની એવું મારૂં માનવું છે.અસ્તુ…

            Like

  12. શ્રીમાન ભુપેન્દ્રજી આવુ મે વરસો પહેલા એક અખબાર માં લખ્યુ હતુ …અલબત લોક વાણી કટાર માં … એક કપોળ કાલ્પ્નિક કહાની ની ખલનાયિકા રાક્ષસણી ના માનાર્થે ઉજવાતો તહેવાર એટલે હોળી…. ઉપરથી લોકો ધાર્મિક વિધી કરાવતા હોય છે દિકરાના પ્રથમ વર્ષે હોળી પ્રાગટય વેળાએ …. જેનો ક્યાંય સંદર્ભ વેદોકત સંહિતા કે શાસ્ત્રમાં નથી… શુ કહેવુ આવા લોકો ને ???????આવો જ એક બીજો તહેવાર શિતળા સાતમ જેમા એક વાયરલ ડીસીઝને માતાજીનો દરરજો આપી દીધો

    Like

    1. ઓરી,અછબડા અને સામાન્ય તાવ ને પણ માતાજી પધાર્યા કહી હજુ પણ લોકો માનતાઓ રાખે છે.

      Like

  13. holi tahevar sathe to hu sammat nathi dhuleti game che e pan gulal thi pan mane evu lage che ke pahela na samay ma lighto nahot mate aapne atyare jem campfire kari ne party kariye chiye e rite aakhu ye bharat ek sathe camp fire kari ne pachi vasantutsav manavtu hashe ,, have rahi vat lakda balva ni to evu badhu jo bhartiyo e vicharyu hot to aapne superpower hot ,,, ane tame badha amerika ma na hot pan amerikavala india ni citizen ship melavva mate lanch aapta hot mate dhuleti ramo ne jalsa karo ahi kai sudharva nu nathi ulata nu pahela moto holi pan ek j thati hati have gali gali me holi hai

    Like

Leave a comment