“બ્રેન તો બાપુઓના”

Rajput Regiment

 

“બ્રેન તો બાપુઓના”  

 આ ઘણા ના મનમાં સવાલ ઉઠતો હશે કે આ બાપુ આવું ક્યાં થી લખતા હશે?કોઈ બુક્સ વાંચતા હશે.એમાંથી ગુજરાતી કરી ઉતારા કરતા હશે.ભાઈલા આપણું અંગ્રેજી એટલું સારું નથી.બીજું આપણી પાસે એટલા બધા પૈસા પણ નથી કે અંગ્રેજી લેખકોની બુક્સ વસાવવાની હિંમત કરીએ.હા બુક્સ ઘણી બધી વાંચી છે.પણ બધા ગુજરાતી લેખકોની,એ પણ મફતમાં.હાજી મારા પિતાશ્રી વિજાપુર ની સાર્વજનિક લાયબ્રેરીના પ્રમુખ હતા.ગાયકવાડ સ્ટેટ ના નિયમ પ્રમાણે એમના રાજ્ય ના દરેક ગામ માં એક પ્રાથમિક શાળા,એક અખાડો ને એક લાયબ્રેરી જરૂર હોય.વિજાપુર ગાયકવાડી ગામ હતું.આમારા પુરાણી સર અખાડીયન હતા.પુરાણી બંધુઓએ ગુજરાત માં અખાડા પ્રવૃત્તિ શરુ કરેલી,એનો વટ કાયમ મારતા.જોકે એ અખાડા પ્રવૃત્તિ શરુ કરનારા પુરાણી બંધુઓમાંના નહોતા.ગુજરાતી અખાડા થી કાયમ દુર ભાગે.વડોદરામાં પોળે પોળે અખાડા છે.એમાં પણ મરાઠીઓ જ વધારે હોય.એટલે હું પણ પુરાણી સાહેબ જોડે કુસ્તીના દાવ શીખતો.દંડ પીલતો બેઠકો કરતો.પુરાણી સાહેબ ઉસ્તાદ થોડું જીતતા હોઈએ તેમ લડવા દે પછી એવી ધોબીપછાડ મારે કે ઉભાજ ના થવાય.પાછા ઉભા કરે ને શાબાશી આપે કે થોડા દિવસ માં મને હરાવી નાખવાનો.પણ એ કદી હાર્યા નહિ ને મારી સ્કુલ પૂરી થઈ ગઈ.
      
               *આમારી સ્કુલ હતી આશ સેકન્ડરી હાઈસ્કુલ.પ્રિન્સીપાલ હતા ગોપાલભાઈ પટેલ.પિતાજી ના મિત્ર હતા.એ જમાના માં પૈસા કરતા પ્રેસ્ટીજ નું વધારે મહત્વ હતું.વિજાપુર માં પિતાજી ની પ્રેસ્ટીજ ખુબ હતી.લગભગ બધાજ શિક્ષકો પિતાજી ને ઓળખતાં હોય.એનો લાભ એ હતો કે માર વધારે પડતો.વકીલસાહેબ નો દીકરો છે,બગડવો ના જોઈએ ઠોકો એને.એના લીધે ક્લાસ માં આગળ રહેતો.લાયબ્રેરીમાં જતો તો જનુભાઈ ચાવીઓ નો ઝૂમખો આપી દેતા,કઈ બુક કયા કબાટ માં છે એવું પૂછ પૂછ ના કરું માટે.નવી પેઢીના ગુજરાતી લેખકોને પણ મેં ખાસ વાંચ્યા નથી.નવનીત સેવક અને છેલ્લે હરિકિશન ગાંધી ચિત્રલેખા વાળા ને વાંચ્યા છે.પછી ખાસ કોઈ નહિ.ગુણવંત શાહ ને પણ કટારો માં જ વાંચ્યા છે.કોઈ અંગ્રેજી ફિલોસોફરો ને વાંચ્યા જ નથી.ખાલી નામ સાંભળ્યા છે.આપણી પાસે આટલું બધું ઉંચી જાતનું ફિલોસોફી થી ભરેલું સાહિત્ય હોય ત્યાં બીજા ને ક્યાં વાંચીએ?એટલે હું કોઈ એવા લેખકોના અવતરણો મુકતો નથી.ખબર હોય તો મુકુને.
         
             *એક ચવાઈ ગયેલી જોક્સ છે કે વાણિયા, બ્રાહ્મણ ને બાપુનું બ્રેન વેચવા મુકેલું.તો બાપુના બ્રેન ના વધારે પૈસા મળેલા.કેમકે કદી વપરાયું જ ના હોય.ભગવાને જેવું આપ્યું હતું એમજ હતું.આમેય લડવા માં બ્રેન શું વાપરવાનું?દેવાજ માંડવાની ને.પહેલો ઘા રાણા નો.જો વિચારવા બેસીએ,બ્રેન વાપરવા બેસીએ તો લડવાનો સમય વીતી જાય,સામે વાળો આપણાં ને મારી જાય.એટલે વિચારવાની ટેવ જ ના પડેલી.કેસરિયા રજપૂતો કરતા એ કદાચ નવી પેઢીમાં તો ખબર નહિ હોય.કેસરિયા એટલે જયારે ખબર પડે કે હવે હારવાના જ છીએ.કોઈ કારી ફાવવાની નથી,ત્યારે રજપૂતો અફીણ ના કેસરિયા કસુંબા પી ને દુશ્મન ના સૈન્ય ઉપર ગઢ ના દરવાજા ખોલી ને તૂટી પડતા.દે ઠોક જેટલા માર્યા એટલા ખરા.બાકી મરવાનું તો છેજ.આ એક જાતનું આપઘાતી વલણ હતું.બધાજ માર્યા જતા.બોલો આવી રીતે આપઘાત કરવા કોઈ બ્રેન વાપરતો માણસ જાય ખરો? આ બાજુ રજપૂતાણીઓ દુશ્મન ના હાથ માં ના પડાય માટે મોટા કુવામાં અગ્નિ પ્રગટાવી કુદી પડતી.મુસલમાનો સામે રાજસ્થાન માં તો છાસવારે આવું બનતું.લાખો ના સૈન્ય સામે થોડા હજાર રજપૂતો આવી રીતે આત્મહત્યા કરવા નીકળી પડતા.આ દેશ માટે,આ દેશ ની પ્રજાના રક્ષણ માટે રજપૂતોએ જેટલા બલિદાન આપ્યા છે એટલા બીજા કોઈએ નથી આપ્યા છતાં આ દેશ ની પ્રજાએ રાજપૂતોને વગોવવામાં કશું બાકી નથી રાખ્યું.જ્યાં ને ત્યાં ફિલ્મો ને ટીવી સીરીયલો માં ઠાકુર એટલે ખરાબજ.આમારા ન્યુ જર્સી ના રેડીઓ પર એક જાહેરાત આવે છે.છોકરી બોલે છે,”પાપા લગ્ન તો રજપૂતો ની શાન થી કરીશ,એકદમ રાજપુતાના સ્ટાઈલ થી જ કરીશ”.રાજપૂતોની સ્ટાઈલ ગમે રજપૂતો ના ગમે. થોડા ખરાબ તત્વો ને લીધે આખી કોમ વગોવાય તેવું છે.
         
                      * એટલે મૂળ વાત એવી છે કે બ્રેન હોય પણ વાપરવા બેસીએ તો લડાય નહિ ને આપઘાત કરવા તો બિલકુલ ના જવાય.એટલે રાજપૂત સાહિત્યકારો ખુબજ ઓછા છે.નહીવત છે.ગુજરાતીમાં તો મેં ખાલી કિશનસિંહ ચાવડા ને વાંચેલા.ને દિલાવરસિંહ જાડેજા અખંડ આનંદ ના સંપાદક હતા,એમને થોડા વાંચેલા.બાકી ગુજરાતી સાહિત્ય કારોમાં કોઈ બીજું ખાસ જણાતું નથી.એટલે ઘણા બધાને થતું હશે કે આ બાપુ નક્કી કોઈ તફડંચી કરતા હશે.પણ ભાઈ હવે લડવા જવાનું નથી એટલે બાપદાદા ઓએ ના વાપરેલું બ્રેન વાપરવા માંડ્યું છે.અને હવે આત્મહત્યા કરવા પણ જવાનું નથી.જુઓ એટલે મારા ઘર માં ત્રણ પીએચડી થયા છે,ને બે વૈજ્ઞાનિકો છે.એટલે જયારે મારા ભેજા માં જ ટનાટન વિચારો ને નવા તુક્કા સુજતા હોય ત્યાં બટ્રાંડ રસેલ,પોલ સાન્ત્ર કે ટોલ્સટોય ને કોણ પૂછે ?ખાનગી વાત એ છે કે આ લોકોને વાંચ્યા હોય તો એમના વિશેનું લખુને? સાયંસ ચેનલો ટીવી પર જોવાની,સાયન્સ વિશેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મો જોવાની.એમાનું જેટલું અંગ્રેજી સમજાય તેટલું લખવાનું.એમાં આપણાં પોતાના એવા ખણખણતા મંતવ્યો ઉમેરવાના કે વાંચનાર ની ખોપરી હાલી જાય.એટલે અશોક ભાઈ લખે છે કે ઝટકો લાગે તેવું લખો છો.ઝટકા મારવાની બાપદાદા ઓ ની આદત જો વારસા માં મળી છે,તલવાર હોય કે કલમ શું ફેર પડે છે?અને સામે ગમેતેવો મહારથી હોય શું ફેર પડે છે?
         
                        *અને ખોટું તો સહન ના થાય.પછી ગુણવંત શાહ હોય કે મોરારીબાપુ હોય કે પછી ભગવાન શ્રી રામ જ કેમ ના હોય.મોરારી બાપુ આપકી અદાલત માં બોલ્યા કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” તો આપણી ખોપરી તો હટી ગઈ.આલ્યા તો પછી ભણશે કોણ? બધા કઈ ભજન કરી તમારી જેમ કરોડોમાં થોડા નહાશે?ગુણવંત ભાઈ બાપુ ના વાદે ચડ્યા છે “રામ કથા જગ મંગલ કરની”,જગ નું તો ઠીક ભારત નું ભલું સુદ્ધાં નથી થયું.રોજ લોકો ગોદાવી જાય છે.નાનું સરીખું બાંગલાદેશ પણ ગોદો મારી જાય છતાં બોલાતું નથી.આપણાં બી.એસ.એફ ના જવાનોને મારી નાખી કુતરા ઢસેડતા હોય તેમ ઢસેડતા હતા,તેવા ફોટા પણ આવેલા છતાં કાયરો કશું બોલ્યા નહતા.એટલે જેવું લાગે તેવું લખવાનું મોણ નાખવાનું ના ફાવે.
       *ના વાપરેલા બ્રેન વાપરવા કાઢીએ તો આવું થાય.
          

17 thoughts on ““બ્રેન તો બાપુઓના””

  1. બહુ સાચી વાતો લખી છે. બધા એકબીજાને સાચવી લેવાના વ્યવહાર જાળવી લે છે.
    …આપણાં બી.એસ.એફ ના જવાનોને મારી નાખી કુતરા ઢસેડતા હોય તેમ ઢસેડતા હતા,તેવા ફોટા પણ આવેલા છતાં કાયરો કશું બોલ્યા નહતા.
    … એટલું જ નહીં પણ જાણે એ જવાનોની ભૂલ હોય એવાંતારણો પણ કાઢનારાઓએ કાઢ્યાં હતાં.

    Like

  2. નાનું સરીખું બાંગલાદેશ પણ ગોદો મારી જાય છતાં બોલાતું નથી…….એનુ કારણ હવે ક્યા એવા “નર” પેદા થાય છે.

    Like

  3. Bravo !! બાપુ.
    આ ’બ્રેન’ પરથી એક ’બ્રેનગન’, જે સૈન્યોમાં વપરાય છે, તે પણ યાદ આવ્યું !!
    આપની આ રસાળ, મારફાડ અને બેધડક મૌલિકશૈલીની મારા જેવાને તો ખરેખર ઇર્ષા જ આવે છે ! હું પણ આવું બેધડક લખી શકતો હોત તો ? (એ માટે બ્રેન શાથે ગટ્‌સ પણ જોઇએને !!!)
    “ના વાપરેલા બ્રેન વાપરવા કાઢીએ તો આવું થાય.” એ મજાકમાં તો સારૂં લાગ્યું પરંતુ એ આપની નમ્રતા છે.
    આપે ઉલ્લેખેલ જુના જમાનાની જ વાત કરીએ તો પણ એટલું તો ચોક્કસ કહી શકાય કે રાજપૂતોએ પોતે કદાચ ઓછું લખ્યું હશે પરંતુ અન્ય કવિ, લેખકો અને સાહિત્યકારોને સંપૂર્ણપણે પ્રોત્સાહન આપ્યું છે, આ કંઇ જેવીતેવી સેવા હતી? બાપુઓમાં બ્રેન ન હોત તો ’રે પંખીડા સુખથી…’ (કલાપી) જેવા કાવ્યથી લઇ અને ગુજરાતીભાષાનો, કદાચ પ્રથમ અને એકમાત્ર, જ્ઞાનકોશ ’ભગવદ્‌ગોમંડલ’ (શ્રી ભગવતસિંહજી) આ સમાજને ક્યાંથી મળ્યો હોત ? શૌર્ય ફક્ત લડાઇના મેદાનોમાં જ પ્રદર્શિત નથી થતું હોતું. કદાચ સમાજનો એ ઢારો રહ્યો છે કે (નિર્દોસ) મજાક પણ સબળાની જ કરવી !! (એ જ ખમી શકે !) જેમ કે સરદારજીઓ, તેમ જ બાપુઓ !!!
    માટે ગુસ્સો થુંકી નાખો !!! સમાજમાં આજે પણ રજપૂતોના શોર્ય, સમર્પણ અને પ્રજાપ્રેમ માટે એટલું જ સન્માન છે જેટલું તો કદાચ તેઓનાં શાસનકાળમાં પણ નહીં રહ્યું હોય. (પૂછો ક્યારેક પોરબંદર કે ગોંડલ જેવા ગામોની બજારમાં)
    બાકી લેખમાં આપે રસપ્રદ ’ફ્લેશબેક’ રજુ કર્યો, વાંચીને મજા આવી, શાથે બાળપણ પણ યાદ આવ્યું.
    આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      હું જરા કવિતાઓ ઓછી વાંચું એટલે એકદમ કલાપી નું નામ યાદ ના આવ્યું.ખેર શ્રી ભગવતસિંહજી તો રાજાઓ ની શાન હતા.તેઓશ્રી પહેલા સર્જન ડોક્ટર હતા,કે જે રાજા હોય. એમની પાસેની ડીગ્રીઓ એટલી બધી હતી કે યાદ પણ ના રહે.આપના પ્રતિભાવો તો મારું લખવાનું બળ બની રહે છે.મને ખુદ ને ખબર નથી કે મારી શૈલી કેવી છે?અને કેવી હોવી જોઈએ?હું તો મનમાં સ્ફુરે એવું જ લખું છું.કોઈ ફેરફાર કરતો નથી.આપનો ખુબ આભાર.

      Like

      1. તમારી લેખનશૈલી ખૂબ જ સરસ છે. મનમાં જે સ્ફૂરે તે સરળ શબ્દોમાં રજૂઆતની આગવી શૈલી છે. તમારી જેમ સાયન્સ ડોક્યુમેન્ટરી કે ડિસ્કવરી ચેનલનાં પ્રોગ્રામ જોઇને તે વિશે જાણતાં હોઇએ છતાં તમે જે રીતે લખો છો તે વાંચવું ગમે છે. ફરી ફરીવાર વાંચવું ગમે છે. કોઇપણ વિષય પર રસ જળવાઈ રહે છે.સાચે જ લાગે કે બ્રેન તો બાપુનાં. અમારાં કટાઇ ગયેલાં બ્રેનને કલમથી ધારદાર બનાવે!

        Like

        1. મીતાબેન,
          આપના જેવા સુજ્ઞ વાચકો દ્વારા મને લખવાનું પ્રોત્સાહન મળે છે.અને મારી શૈલી વિષે જાણવા પણ મળે છે.અને વિષયો પણ એમાંથી મળતા જાય છે.એક સુજ્ઞ વાચક દ્વારા પ્રશ્ન પૂછાયો કે કઈ બુક્સ માંથી આ બધું લખો છો એમાં આ લેખ રચાયો છે.મજાક પણ ઉમેરી છે.એ વાચક પાછા બાપુ જ છે.એટલે થયું હશે,બાપુ અને આવું બધું લખે?જોકે મેં મજાક માં પણ મારા બાળપણ ની સત્ય વાતો લખી છે.મને નાનપણ થીજ મજાક કરવાની બહુ આદત હતી.આમાંરીસ્કુલના એક જયંતીભાઈ સાહેબ વર્હો થી એકની એક મોજડી પહેરી લાવતા.બદલાતા હશે પણ એના જેવી સરખી જ બીજી લાવતા હશે.તો મેં સ્કુલ ની પ્રશ્ન પેટી માં સવાલ લખીને નાખેલો કે જયંતીભાઈ સાહેબ ની મોજડી ની જન્મ તારીખ કઈ?નીચે બીક માં મારું નામ લખેલ નહિ.સાહેબ ખુબ ઉકળેલા.આપનો ખુબજ આભાર.

          Like

      2. બહુ મોડેથી વાંચ્યું છે. અહીં તમે કહો છો કે તમારી શૈલી શું તે તમને પોતાને પણ ખબર નથી. તો મને એનું નામ આપવા દો.
        એનું નામ ‘સિંહી’ શૈલી છે.
        દિલથી લખો છો એટલે વિકલ્પે
        ‘દિલેર’ શૈલી
        નામ પણ સૂચવવાનું મન થાય છે.
        તમે કાચ જેવા પારદર્શક છો – ભડાકા અને ફડાકા.
        “રંગ છે, બાપુ!”
        એમ કહ્યા વગર રહી શકતો નથી!

        Like

        1. શ્રી દીપકભાઈ,
          ખુબ ખુબ આભાર,નવી નવી શૈલીઓ સૂચવવા બદલ.ઘણા મિત્રો કહે છે કે મારી શૈલી સરળ છે,ભાષા સરળ છે.એટલે મેં એક લેખ લખી નાખેલો.આ રહી લીંક https://brsinh.wordpress.com/2010/07/22/ વાંચી ને કહેશો.મેં ઘણા બધા હાસ્ય લેખો પણ લખ્યા છે.ખાસ તો નર્કારોહણ એક થી દસ ભાગ લખ્યા છે,તે વાચવા ભલામણ કરું છું.

          Like

  4. ગ્રીસના સ્પાર્ટાના એક રાજાએ કહ્યું હતું કે ‘The nation that makes a great distinction between its scholars and its warriors has its thinking done by cowards and its fighting done by fools જે રાષ્ટ્ર પોતાના વિદ્વાનો અને યોધ્ધાઓ વચ્ચે મોટો તફાવત રાખે છે તેનું વિચારવાનું કામ કાયરો અને લડવાનું કામ મૂર્ખાઓ કરે છે.’ જ્ઞાતિ પ્રથાનો સૌથી મોટો ગેરલાભ આ છે. આનો અનુભવ ભારતને થઈ ચૂક્યો છે. આપણા બહાદુર રાજાઓ લડતા તો હતા પણ બુધ્ધિપૂર્વક નહીં, તેમના સલાહકારો કાયરતાની સલાહ આપતા હતા. સોમનાથનો ભંગ તથા પૃથ્વીરાજની હાર આવા કારણોને લીધે જ થયા હતા.

    Like

  5. બાપુઓ હારે રહીને જ જીંદગી કાઢી છે, એટલે આ બાપુના બ્રેનને હું તો સારી રીતે ઓળખું છું. બહારથી કડક અને અંદરથી નરમ એવા એક બાપુ (કૃષ્ણસિહ જાડેજા) આજે પણ મારા અંગત મિત્રોમાંના એક છે. ઘણી વાર પ્રતિભાવ લખવાની ઉતાવળમાં શું કહેવા માગીએ છીએ તે સરખી રીતે સમજાવી શકાતું નથી તેથી ઓડનું ચોડ થઈ જાય છે. ભુલ થાય તો હું તો નાના બાળકની પાસે પણ માફી માંગતા અચકાતો નથી તો બાપુની માફી માંગવામાં વળી નાનમ શેની?

    બાકી આ મફતીયો કાઈ આ મહેફીલની મફતની મજા છોડે એમ નથી.

    Like

    1. શ્રી અતુલભાઈ,
      મેં આખો લેખ મજાક માં જ લખેલો.મારા એક સુજ્ઞ વાચક મિત્રે પૂછેલું કે કઈ બુક માંથી લખો છો.એમનું કહેવું યોગ્ય હતું કે જે બુક હું વાચતો હોઉં તેનું નામ લખું તો બીજા ને પણ વાંચીને જાણવા મળે.પણ સાચી વાત એ છેકે મેં પાંચ વર્ષ થી કોઈ બુક્સ વાંચી જ નથી.હું ખાલી સાયંસ ચેનલો જોઉં છું.હિન્દી ચેનલ્સ ના કનેક્શન પણ મેં અહી લીધા નથી.મારા વાઈફ પણ હિન્દી પ્રોગ્રામ ઓનલાઈન જોઈ લે છે.બીજા કોઈને ઘર માં રોતલ સીરીઅલો જોવાનો રસ નથી.મેં પણ એ વાત મજાક માં લઈને લેખ લખી નાખ્યો.એટલે આમાં કોઈ ની ભુલ થઇ જ નથી.મને પોતાને મજાક કરવાની આદત છે.

      Like

  6. હાલના રાજકર્તાઓને જોઈ એમ થાય છે કે ભલે બાપુઓ બ્રેન નહિ વાપરતા હોય પણ પોતાની જાતને તો ખત્મ કરી દેશને બચાવવા કેસરિયા કરી મૃત્યુને વહાલુ કરી શક્તા અને પોતાનું ખમીર અને કૌવત દેખાડી ખપી જતા એ ઓછા ગૌરવની વાત નથી. જ્યારે આજના સત્તાધીશો માત્ર કાયર નહિ પણ નપુંસકો છે અને જેને લોકો કે સૈનિકોની જાનની કોઈ કિમત નથી. આવા નાલાયક, હરામખોર, નફ્ફ્ટ લોકો અંદરથી ફફડી રહ્યા હોય છે અને તેથી જ લોકોની નહિ પણ પોતાની સીક્યુરીટી માટે કમાંડો રાખી ફરવું પડે છે !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  7. આદરણીય ભુપેન્દ્રસીહજી ,

    બાપુ ખુબ જ સુન્દર છણાવટથી લેખ લખ્યો છે.

    કહે છે ને કે,

    રણ ચડ્યો રજપૂત છુપે નહી,

    કુરુક્ષેત્ર છુપે નહી સાચી નીડર વાત કહ્યે,

    Like

  8. સાચી વાત કહૂ તો મે તમારા 80 % લેખ વાચયા પણ કોમેંટ ના આપિ મને એમ કે બધા વાંચુ પછી………..
    જે કાઇ પણ લખ્યુ છે …..તે વાચ્યા પછી ઘણો સંતોશ મળ્યો.ખુબ ખુબ આભાર.

    Like

Leave a comment