Category Archives: Psychology

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા!!

The Wall

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા.
જુઓ, મિત્રો આપણે ખૂબ વાચાળ છીએ. શબ્દોની પ્રચુરતા આપણી પાસે ખૂબ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બકબકિયા છીએ. કામ વગર શબ્દો વેડફીએ છીએ. આપણે શબ્દોથી મોહિત થઈ જઈએ છીએ. એમાં મૂળ વિષય ચૂકી જવાય છે. ભાષણ આપવાની વાતવાતમાં ટેવ એ ભારતીયોની ખૂબી છે. આપણને આપણો અવાજ સાંભળવાની ખૂબ મજા પડે છે. માટે જ્યાં ચાન્સ મળ્યો તરત શરુ. કોઈ પૂછે કે ના પૂછે સલાહ આપવાની એટલે આપવાની. આ સલાહ આપવાની ટેવ એક રોગની કક્ષાએ પહોચી જાય છે.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

નર્કારોહણ-૪

દેવાધિદેવ ઇન્દ્ર

નર્કારોહણ-૪
આજે ચોથો દિવસ હતો. હું અને રશ્મીભાઈ નર્કમાં ફરતા હતા. ત્યાં સુંદર વાટિકામાં એક દેખીતો મહાબળવાન પ્રભાવશાળી પુરુષ દેખાયો. રશ્મીભાઈ કહે જુઓ આ તો ઇન્દ્ર દેવાધિદેવ છે. મહાપ્રતાપી અને શરીર સૌષ્ઠવ પણ સમૃદ્ધ. અમે તો પહોચી ગયા. વંદન કરવા એ ભારતીય પ્રણાલી છે. હા અમે કોઈ ને ઝુકી ને ચરણ સ્પર્શ કદી કરતા નથી, પછી તે ગમે તે હોય. એ નિયમ અહી પણ જાળવી રાખ્યો છે. અમે કહ્યું,
‘જય હો દેવાધિદેવ, ભગવાન આપને સીધો જ સવાલ કરી લઈએ, આપનું પ્રિય ભોજન શું હશે?’
‘વત્સ, ઋગ્વેદમાં અમારા ભોજન વિષે જણાવેલું જ છે. અમને પ્રોટીન થી ભરપુર સમૃદ્ધ આહાર જોઈએ, અમારે કાયમ યુદ્ધોમાં જવાનું રહેતું.’
‘પ્રભુ, તો પણ થોડી માહિતી આપો તો સારું. અમને ખબર છે, આપ સદાય યુદ્ધોમાં રત રહેતા હતા.’
‘વત્સ, અશ્વ, ભેંસો, આખલા વિગેરે અમારું પ્રિય ભોજન હતા. જો અમે દાળભાત ખાઈએ તો દુબળા રહી ને બળવાન રાક્ષસો ને હણી નાં શકીએ. અમારી એક થપાટે તો આખલાને પણ ભોમ  ભેગો કરી દઈએ.’
‘સાચી વાત છે પ્રભો, પણ આપનું ઇન્દ્રાસન કાયમ ડોલી ઉઠતું અહી પૃથ્વુંલોકમાં કોઈ માળાઓ કરવા બેસી જતું ત્યારે, એ વાત સમજાતી નથી, અને આપ એને અપ્સરાઓ  મોકલી રોકી દેતા.’
‘અરે વત્સ, કોઈ હાડપિંજર ત્યાં માળા કરવા બેસી જાય એમાં અમને શું ફરક પડે? એના ઘરની ખુરશી ઉચકવાની ત્રેવડ ના હોય તે મારા ઇન્દ્રાસન ને કઈ રીતે ડોલાવી શકવાનો હતો?’
‘તો પછી પ્રભુ લોકો આવા ડીંગ કેમ મારતા હશે?’
‘વત્સ, એમાં એવું છે ને કે અજ્ઞાની પ્રજાને સમજાવે કે મારા તપ થી ઇન્દ્ર ગભરાઈ ગયો છે, એનું આસન ડોલવા લાગ્યું છે, આવું કહે એટલે લોકો એનાથી ડરે કે આતો મહાન તપસ્વી છે.’
‘અને પ્રભો, આપને ત્યાં થી અપ્સરાઓ મોકલો એમનું તપોભંગ કરવા, એ સાચું?’
‘વત્સ, મારે શું ગરજ હોય? અરે આતો એનો પોતાનો વણ સંતોષયેલો કામરસ એના ગુપ્ત ચિત્ત(સબ કોન્સીયાશ) માં રમતો હોય તે ધોળે દિવસે અપ્સરાઓ દેખાય, ઇલ્યુઝન જેવું, માનસિક બીમારી.’
‘પ્રભુ, આ આપના ત્યાં અપ્સરાઓની ઉમર ૧૬ વર્ષ થી વધેજ નહિ એવું સાભળ્યું છે.’
‘વત્સ, એ પણ ગુપ્ત ચિત્તની કમાલ છે. આ મૂરખ આળસુઓને પૃથ્વી  લોકમાં કોઈ સ્ત્રી મળે નહિ, સ્ત્રી મેળવવા માટે એક જાતની કેપેસીટી જોઈએ જે હોય નહિ. એટલે આ લોકો એવું કહે કે અમે તો તપ કરવાના અને સ્વર્ગ માં સુંદર અતિ સુંદર સ્ત્રીઓ ભોગવવાના.’
‘ભગવાન, પણ ઉંમર ના વધે તેવું કેમ કહેતા હશે?’
‘વત્સ, આ બુઢ્ઢા ખુસટોની માનસિક વિકૃતિનો એક પ્રકાર છે. એમને ટીનેજર દીકરીની ઉંમરની સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છાઓ હોય માટે એટલે આવી કલ્પનાઓમાં રાચતા હોય છે. બાકી કોઈની ઉંમર ના વધે તેવું હોય ખરું? વત્સ સેક્સને દબાવો એટલે આવુજ થાય.’
‘ભગવાન,  સાભળ્યું છે કે આપના સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, જે ની ઈચ્છા કરો તે હાજર થઇ જાય.’
‘વત્સ, આ પણ જેને મહેનત કરવી નથી, આલસ્ય શિરોમણી  છે જે લોકો તેમને જ આવી બધી કલ્પનાઓ સુજે છે, એક વૃક્ષમાંથી એનાં ફળ સિવાય કશું નાં મળે ખાવા  માટે, અને ખાસ ઓક્સીજન મળે. પણ કપડા લત્તા કે બીજી કોઈ વસ્તુઓ ક્યા થઇ ટપકે?’
‘ભગવાન, સાચી વાત છે. ભારતનાં લોકો આલસ્ય શિરોમણી થઇ ચુક્યા છે. આ ભોપાલ કાંડનો ચુકાદો ૨૫ વર્ષે આપ્યો, જે ન્યાયાધીશો બુદ્ધિજીવીઓની પરાકાષ્ઠા સમાન ગણાય તે જ આટલા બધા આલસ્ય શિરોમણી છે.’
‘વત્સ, હવે અફસોસ ના કરો એમજ ચાલવાનું છે તમારે ત્યાં કારણ હજારો વર્ષો થી શિક્ષણ જ એવું મળ્યું છે.’
‘ભગવાન, આ આપ વારે ઘડીએ અસુરોથી હારી જતા એટલે કોઈ ઋષીએ હાડકા આપ્યા ને શસ્ત્ર બનાવ્યું. એના વડે આપ યુદ્ધ જીતી ગયા.’
‘વત્સ, વિચારો જરા કોઈ હાડકામાં શું હોય? કેલ્શિયમ હોય.કોઈ હાડકું ધાતુ જેટલું મજબુત હોઈ શકે ખરું? અને પોતાની જાતને ભૂખે મારતાં લોકોના હાડકા તો કેલ્શિયમ વગરના સાવ જ નબળા હોય. એનાથી કોઈ યુદ્ધ જીતાય ખરું? આતો આ લોકોએ એમનું મહત્વ બતાવવા આવી મનઘડંત વાર્તાઓ બનાવી કાઢી. જેથી સામાન્યજન એમનું માનપાન સાચવે અને ડર્યા કરે. અને વૃદ્ધ લોકોના હાડકા તો સાવ નબળા હોય. આતો તપની બકવાસ વાતોનું મહત્વ બતાવી બતાવીને પ્રજાને ઉદ્યમ વગરની કરી નાખી, આળસુ કરી નાખી. શારીરિક બળની દ્રષ્ટીએ દુનિયાની તમામ જાતિઓમાં એવરેજ  ભારતીયો નબળા પડે છે. કોઈ અપવાદ હોઈ શકે. એમાય તમારા ગુજરાતીઓ તો ખાસ.’
‘ભગવાન, એમાં અમારા ધર્મગુરુઓનો ખાસ વાંક છે. ઉચ્ચ આદર્શોની વાતો કરી કરી ને પ્રજાને સાવ નિર્માલ્ય કરી નાખી છે, ઘરમાં આવીને કોઈ મારી જાય છે છતાં ગર્વ અનુભવે કે અમે કોઈ ને મારતાં નથી, અમે તો મહાન છીએ. કોઈ કૃષ્ણ આવશે અને પાપીઓનો નાશ કરશે, ત્યાં સુધી માર ખાયા કરીશું.’
‘વત્સ, અમે તો આખી જીંદગી લડ્યા છીએ, હારી ને ભાગ્યા પણ છીએ, વળી પાછા ઓર મજબુત થઇ ને ફરી લડ્યા છીએ. અરે તમે કાયર બનીને માર ખાયા કરો એમાંથી બચાવવાની જવાબદારી પણ કૃષ્ણ ની? ‘અમે તો યુદ્ધ જીતવા બધુજ કરી છૂટતા. કૂડ, કપટ બધુજ વળી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે. બસ જીતો એજ મહામંત્ર. જીતો તો જીવો અને હારો તો મરો.’
      હવે ખાસ કશું પુછવા જેવું લાગ્યું નહિ. અમને મહામંત્ર મળી ચુક્યો હતો. “જીતો તો જીવો અને હારો તો મરો” ..હાડકાની કે લાકડાની તલવાર થી યુદ્ધો નાં જીતાય. પ્રેમ અને યુદ્ધમાં બધું જાયજ છે, એ શીખવા જેવું ભગવાન ઇન્દ્ર પાસે થી હતું. પણ ના શીખ્યા. “ઉદ્યમો ભૈરવ” નું સૂત્ર અમને સુજ્યું છે, નહિ તો કાલ ભૈરવ તમને ભરખી જશે. બીજા કોઈ ને આ સૂત્ર સુજ્યું હોય તો અમને વાંધો નથી. તપના બહાને નિષ્ક્રિય બની ને બેસી રહેશો નહિ, બીજા ને બેસવા દેશો નહિ. જે બેસી રહેતા હોય તેને ટેકો આપશો નહિ, મદદ કરશો નહિ. એમને ટેવ પડી ગઈ છે, કશું કર્યા વગર ખાવાની. તપના બહાને બેસી રહેવાની વૃત્તિના લીધે ભારતે મહાન વૈજ્ઞાનિકો ખોયા છે. વિજ્ઞાન શરુ થયું ભારતમાં, અને ભારત એમાજ પાછળ પડ્યું.  એકંદરે વિકાસ તો થતો જ હોય છે, પાછા ફરવા ની કોઈ જોગવાઈ નેચરમાં કુદરતના નિયમમાં છે જ નહિ. પણ જે પથ્થર યુગમાં જીવતા તે આજે ચાંદ ઉપર પહોચી ગયા, અને તેજ સમયે જેમણે વિજ્ઞાનની શરૂઆત કરી હતી તે કેટલા આગળ વધ્યા છે તે આપણે સહુ કોઈ જાણીએ છીએ. શાશ્વતની ખોજમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. ભૂતકાળની ગાથાઓમાં વર્તમાનને બગાડી રહ્યા છીએ.
   હવે જોઈએ કોણ ઝપટમાં આવે છે? એકાદ વાર ચાન્સ મળે તો થોડું કરપ્શન આપીને સ્વર્ગની મુલાકાત લેવાનું અમે અને રશ્મીભાઈએ વિચાર્યું છે. આમ તો બાજુ માં જ છે. પણ અંદર જવું કાઠું કામ છે. ચોકી પહેરો ખુબ છે. બધે ઓરેન્જ ધારીઓ માળાઓ લઈને ઉભા છે. જોઈએ હવે શું થાય છે?

ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!!

                    ગુરુ ગુલામી !!!! ૫૦ લાખ સાધુઓ ?બાપરે !! અધધધધ !!!
*ગુલામ માનસિકતા ને ઘણા કોલોનિયલ માઈન્ડ પણ કહે છે. અંગ્રેજો ૨૦૦ વર્ષ ભારત ને ગુલામ રાખી ને ગયા. એટલે પ્રજાની માનસિકતામાં અંગ્રેજો ને અંગ્રેજી પ્રત્યેની ગુલામી લોહીમાં વણાઈ ગઈ. પણ ગુરુઓની ગુલામી, ગુરુગુલામી પ્રજાના અચેતન મનમાં સમાઈ ગઈ છે અને એ પાછી વારસામાં સંતાનોને પણ જીન્સમાં આપતા જવાની. કોઈ ને ગુરુ વગર ચાલે જ નહિ. ઇન્દિરા ગાંધી હોય કે જવાહર કે ગાંધીજી હોય કે કોઈ પણ નેતા. બધા ગુરુઓ પાસે દોડી જતા. આશીર્વાદ લેવા, સલાહ લેવા. બીજા કોઈ દેશના નેતાઓ સાધુઓની સલાહ લેવા જતા નથી, માટે એ દેશો ભારત કરતા બળવાન છે. અને આગળ પણ છે. સાધુઓની સલાહ લઇને કયું દેશનું ભલું થયું છે? દેશ તો હજાર વર્ષ ગુલામ રહ્યો છે, ગરીબ બન્યો છે, કાયર બન્યો છે.  ભીખારીઓની સલાહ થી દેશ કદી બળવાન બનતો હશે ભલા? મુરખો છે જે દેશ ચલાવવા માટે સાધુઓની સલાહ લેવા દોડી જાય છે. કે આશીર્વાદ લેવા દોડી જાય છે. હા કોઈ અપવાદ હોઈ શકે. જેવા કે ચાણક્ય. પણ એવા અપવાદ કેટલા? ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય બળવાન હતું કારણ એને જાસુસી સંસ્થાનું મહત્વ ચાણક્યે સમજાવેલું. રાજ્યના જાસૂસો સીધા ચાણક્ય પાસે માહિતી આપવા જતા. બંગલા દેશનું સર્જન થયું એ ૧૯૭૧નું યુદ્ધ અર્ધું તો ભારતની જાસુસી સંસ્થા “રો” કારણે જીતાએલું. આ “રો” ને કદ પ્રમાણે વેંતરી એને લગભગ નિષ્ક્રિય બનાવવાનું મહાપાપ શ્રેષ્ઠ ગણાતા વડાપ્રધાન મોરારજી દેસાઈએ કરેલું. કચ્છ જેવડું ઈઝરાઈલ કોઈ ને ગાંઠતું ના હોય તો એનું કારણ એની મહાન જાસુસી સંસ્થા મોસાદ છે.
*બધાને આશીર્વાદ થી કામ ચલાવી લેવું છે. કોઈ ઠોસ કામગીરી કરવી નથી. કર્મનો નિયમ અફર હોય ને કર્મનું ફળ મળવાનું જ છે, અને કર્મો ભગવાનને પણ છોડતા નથી તો આશીર્વાદની શી જરૂર? પ્રાર્થનાની શું જરૂર? જો પ્રાર્થના તમે કરેલા ખરાબ કર્મો કે કરેલી ભૂલમાંથી બચવા કરતા હોવ તો. બાકી પ્રાર્થના કર્યાં કરો કોઈ વાંધો નથી. ભગવાન મહાવીર આ કર્મના નિયમ ને જાણતા હતા, માટે આખી જીંદગી ક્યારેય પ્રાર્થના કરી નથી. ભારતમાં આશરે ૫૦ લાખ સાધુઓ છે, એવું કોઈ આર્ટીકલમાં દિવ્યભાસ્કરમાં વાંચ્યું. જો એ સાચું હોય તો?
આ ૫૦લાખ સાધુઓ કશુજ કરતા નથી. નથી કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા. નથી કોઈ સેવા વેચતા. મફતમાં પ્રજાના પૈસે લહેર કરે છે. એક સાધુ પાછળ ઓછામાં ઓછા રોજ ૫૦ રૂપિયા પ્રજાના વપરાતાં હોઈ શકે. કારણ ભૂખ્યા તો રહેતા નથી. ૫૦ રૂપિયા કરતા પણ વધારે વપરાતા હોઈ શકે બીડી ગાંજાના પૈસા કોણ આપતું હશે? એમનું ખાવાનું, એમની ચા, દૂધ, ભગવાં કપડા, ફલાહાર, એ તો કમાવા જતા નથી. તો સાદો હિસાબ ગણો. રોજ એક સાધુ પાછળ ૫૦ રૂપિયા એટલે ૫૦ લાખ સાધુઓ પાછળ રોજના કુલ્લે થઇ ૨૫૦૦ લાખ રૂપિયા થયા. અને વર્ષના ૩૬૫ દિવસના થઇ ૯૧૨૫ કરોડ રૂપિયા વપરાતાં હશે. આ તમામ પૈસા પ્રજાના ખીસામાંથી જાય છે. આ તો સીધા સાદા ફેમસ ના હોય તેવા સાધુઓનો પ્રજાના માથે પડતો ખર્ચો છે. ફેમસ ગુરુઓ તો બીજા કરોડો રૂપિયા પ્રજાના ખીસામાંથી ખંખેરી લે છે, કશું કર્યાં વગર. ભારતની ઈકોનોમી માટે ખતરા રૂપ છે, આ સાધુ સંસ્થા. દેશના વિકાસ માટે કોઈ જરૂર નથી આ સાધુઓની. આ સાધુઓ નહિ હોય તો દેશ નો વિકાસ સારો થશે. ઈકોનોમી સુધરશે. પ્રજાના મહેનતના રૂપિયા બચશે. ઉપર નું ગણિત ખોટું હોય તો જણાવશો, સુધારી લેવામાં આવશે.
        *જેને કામ કરવું નથી એ સાધુ બની જાય છે. ભગવાં પહેરી લીધા એટલે પત્યું. બાકીની એમને જીવતા રાખવાની જવાબદારી પ્રજાની. ઘણા બધા નું કહેવું છે કે બેચાર ખરાબ સાધુઓને લઈને આખી સાધુ સંસ્થાને ના વખોડાય. મારું કહેવું છે બે ચાર ગણ્યા ગાંઠ્યા સારા સાધુઓ ને લઈને આ આખી નિષ્ક્રિય સાધુ સંસ્થા ને શા માટે વેઢારવી? સ્વામી વિવેકાનંદ જેવા સાચા સાધુઓ, ગુરુઓ કેટલા?  અને જે સાચા છે એતો સંસારમાં રહી ને પણ ભક્તિ કરી શકશે. તમામ ઋષિ જગત પરણેલું હતું. ઘણા ઋષીઓ ને બે પત્નીઓ હતી. ઘણાનું માનવું છે કે આ સ્ત્રીઓ સાધુઓ ને ચળાવે છે. ચલિત થઇ જવાય એવી સાધુતા શું કામની? કે પછી સ્ત્રીઓની ભાવનાઓ ને બહેલાવી સાધુઓ એમની ગુપ્ત સળવળી રહેલી વાસના સંતોષી તો નથી લેતાને?
*એક ની એક રામકથા કહી કહી ને કરોડો રૂપિયા ઘર ભેગા કરી લેનારા બાપુઓનો તોટો નથી આ દેશમાં. એક ના એક મંદિરો બનાવી પ્રજાના કરોડો રૂપિયા પથ્થરોમાં નાખવામાં આવી રહ્યા છે. એક સોમપુરા ફેમીલીનું ભલું થાય છે, અને બાકીના લાખો લોકોના ખીસા હળવા થાય છે. આ સોમપુરા ફેમીલી તો બીજું કામ શોધી લેશે. એ કાઈ ભૂખે મરવાનું નથી. એમની વિદ્યા ઘર બાંધવામાં વાપરશે. મંદિરો જેવી સોસાયટી બનાવશે, એપાર્ટમેન્ટ બનાવશે. જે મજુરો મંદિર બનાવવામાં કમાય છે તે મકાનો કે ફેક્ટરી બનાવવામાં કામ લાગશે.
*કુંભના મેળા વખતે ગંગા ને ગંદી કરતા, સ્નાન કરતા લાખો સાધુઓના ફોટા હોંશે હોંશે છાપવામાં આવે છે.  અને શિવરાત્રી વખતે ગાંજો પીતા સાધુઓના ફોટા પણ છાપી ને છાપાંઓ પુણ્ય કમાય છે. લોકો ખુશ થાય છે,  કેવો મહાન દેશ છે અમારો. બેચાર ડફોળ શંખ જેવા ધોળિયાઓને  પણ એમના સંગે ચડેલા જોઈ પાછા વધારે લોકો ખુશ થાય છે, કેવી મહાન સંસ્કૃતિ !!! સાક્ષરો ફટાફટ લેખો લખવા માડી પડે કે આવી મહાન સાધુ સંસ્થા, ધોળિયા પણ માને છે. ઉતાવળમાં એક લેખકશ્રીએ એવું પણ લખી નાખ્યું કે પશ્ચિમના લોકો સંજીવની વિદ્યામાં વિશ્વાસ રાખે છે, માનતા થયા છે. મરેલાને જીવતો કરવાની વિદ્યા. કૉમામાં ઉતરી ગયેલા પાછા ભાનમાં આવે છે, પણ મરેલા કઈ રીતે જીવતા થાય? કાંતો પછી કૉમામાં ઉતારેલા ને મરેલા માનતા હશે. અને ભાનમાં પાછા આવે તો માનતા હશે કે સંજીવની વિદ્યા વાપરીને ઠીક કર્યાં હશે.
*સમજો જ્યાં ચોરી વધારે થતી હોય ત્યાં પોલીસ ની જરૂર વધારે. જ્યાં અધર્મ વધારે થતો હોય ત્યાં વધારે ધર્મની, સાધુઓ કે ગુરુઓની વધારે જરૂર પડે. પછી ચોર લોકો એમનો ધંધો ચાલુ રાખવા પોલીસ ને પણ ભ્રષ્ટાચારી બનાવી કાઢે. એમજ અધર્મ ચાલુ રાખવા સાધુઓ ને ગુરુઓ ને પણ ભ્રષ્ટાચારી બનાવવા પડે, કે બનવું પડે. પછી ચોર લોકો જ પોલીસની નોકરીમાં ઘુસી જાય. એટલે પકડાવાની કોઈ ચિંતા નહિ. એટલે પછી અધર્મીઓને કામચોરો સાધુ બની જાય, ગુરુ બની જાય. એમાં સાચા ગુરુઓ ખોવાઈ જવાના. અભિનયની કળાના નિષ્ણાત ગુરુઓ સાચા ગુરુ હોવાની જબરદસ્ત એક્ટિંગ કરે, ભાષણો આપે, હૃદય દ્રાવક કથાઓ કરે, કરોડો રૂપિયા ભોળી પ્રજાના ખંખેરી લે. મિલકતો, આશ્રમો ઉભા થાય. પછી એના કબજા ને વારસા માટે ઝગડા થાય. ખૂન પણ થઇ જાય.  સાધુ સંસ્થા દેશ માટે નુકશાનકારક છે.  ગુરુગુલામી માનસ વધારે નુકશાન કારક છે, પ્રજા માટે, પ્રજાના ખીસા માટે.

ઉત્ક્રાંતિનું હૃદય છે સેક્સ, “Sex is the heart of Evolution”!!!!!

“ઉત્ક્રાંતિનું હૃદય છે સેક્સ”
      “Sex is the heart of Evolution”!!!!!
                       *ઉત્ક્રાંતિ નું મહત્વનું પરિબળ છે સેક્સ. એટલા માટે પ્રાચીન ધર્મોએ કદી સેક્સ ને વખોડ્યો નથી. ઉલટાની એની પૂજા કરી છે. તમારા જીન્સ બીજી પેઢીમાં દાખલ કરો, એ પેઢી પછી એની બીજી પેઢીમાં જીન્સ ટ્રાન્સફર કરે આજ તો અમરત્વ છે એવું વૈજ્ઞાનિક રોબર્ટ કહે છે. આ વૈજ્ઞાનીકે વર્ષો સુધી રીસર્ચ કર્યું છે કે શા માટે સેક્સની જરૂરિયાત છે. જેરી જોનશન નામના વૈજ્ઞાનીકે ગરોળી વર્ગના એક જીવનો અભ્યાસ કર્યો. આ જાતમાં બધી જ ફીમેલ હોય છે. કોઈ મેલ હોતો નથી. છતાં આ જાત ઈંડા મુકે છે. અને એની માતા જેવો જ બીજો જીવ પેદા થાય છે. હા! આ જાતને વૈજ્ઞાનિકો ક્લોનીંગ માસ્ટર કહે છે. ક્લોનીંગમાં પ્રોબ્લેમ એ છે કે જેનું ક્લોનીંગ થાય એ બંને જીવો જરાય ફેરફાર વગરના હોય છે. ૧૦૦% સરખા. વૈજ્ઞાનિક રોબર્ટે વર્ષો સુધી માછલીઓ ઉપર રીસર્ચ કર્યું. અને તારણ કાઢ્યું કે ઈવોલ્યુશન એ રેસ છે, હરીફાઈ છે. એકજ જીવનું ક્લોનીંગ થયા કરે તો વિવિધતા આવે નહિ. વાયરસ, બેક્ટેરિયા ને બીજા પેરેસાઈટ સામે લડવાની શક્તિ આવે નહિ. જે સર્વાઈવલ માટે જરૂરી છે.
                        *
મોટા ભાગના સજીવો સેકસુઅલ રીપ્રોડક્શન પધ્ધતિ અજમાવે છે, ક્લોનીંગ નહિ. એક નરની પાસે  અબજો સ્પર્મ હોય છે. અને એક માદા પાસે એગ્સ(અંડ)લીમીટેડ હોય છે. એક સ્ત્રી જન્મે છે ત્યારે એના ઋતુચક્ર શરુ થવાથી માંડીને મોનોપોઝ સુધી  છોડવામાં આવતા અંડનો તમામ જથ્થો લઈને જન્મે છે. અને દરેક અંડ ફલિત થઇને ગર્ભ રહે તેવી શક્યતાઓ પણ હોતી નથી. માટે માદા પાસે એકદમ લીમીટેડ અંડનો જથ્થો છે. જયારે નર પાસે અમર્યાદિત સ્પર્મનો જથ્થો છે. એટલા માટે સંખ્યા વિરુદ્ધ ગુણવત્તાનો મામલો બની જાય છે. એટલા માટે માદા એ ખાસ પસંદગી કરવી પડે કે પોતાના જીન્સ સાથે  કોના જીન્સ દાખલ થવા દઈને ઉછેરવા. સજીવ જગતમાં માદા જેના તેના જીન્સ ઉછેરી સાથે પોતાના જીન્સ ને વેડફી શકે નહિ. માટે નર માટે કોમ્પીટીશન છે અને માદા માટે ચોઈસ. માટે માદામાં  પોતાના જીન્સ દાખલ કરવા માટે બે નર વચ્ચે લડાઈ થાય છે. એનાથી એમની મજબૂતાઈ ની પરીક્ષા પણ થઇ જાય. નબળા બીટા(સેવાભાવી) નરો તો પહેલેથીજ બાજુ પર ખસી ગયા હોય છે. આલ્ફા નરો લડે છે.જે જીતે તે ભોગવે.
                         *
મોર પાસે ખુબ લાંબા પીંછા હોય છે. જે ખરેખર નડતર રૂપ છે. એક તો શિકારી પ્રાણીઓની નજરમાં ને  ઝપટમાં જલ્દી આવી જવાય છે. અને ઉડવામાં પણ તકલીફ. ડાર્વિનને પણ થતું હતું કે આ મોર નામના પક્ષીએ ભૂલ કરી છે.  પણ સવાલ છે ઢેલબાઈનો. આ ઢેલબાઈ ખુબ પસંદગી વાળા છે. જેવા તેવાને હાથ મુકવા દે તેવા નથી. મેરીઓન પેસ્ટ્રી નામના વૈજ્ઞાનિક બહેને ઢગલા બંધ મોર અને ઢેલ વચ્ચે રહીને અભ્યાસ કર્યો. જે મોરના પીંછા ની લંબાઈ ટૂંકી  હોય ને એની વચ્ચેના મનમોહક ચાંદલા ઓછા હોય એને ઢેલબાઈ નસીબમાં હોતા નથી. સેકસુઅલ સિલેકશન નું બેસ્ટ ઉદાહરણ મોર છે.
                        *
ચિમ્પાન્ઝી અને માનવીના પૂર્વજો આશરે ૭૦ લાખ વર્ષ પહેલા એક જ હતા. ગોરિલા, ચિમ્પાન્ઝી, ઉરાંગ ઉતાંગ અને માણસ બધા Hominidae Family કહેવાય. માણસ અને ચીમ્પના જીન્સ ૯૯% આઈડેનટીકલ છે. ચિમ્પાન્ઝીની બે જાત છે. એક તો કોમન ચિમ્પાન્ઝી અને બીજી છે બોનોબો. દસ લાખ વર્ષ પહેલા આ બંને જાતો એક જ પૂર્વજમાંથી છૂટી પડેલી. આફ્રિકાની કોન્ગો નદીના ઉત્તર બાજુના વિસ્તારમાં ચીમ્પ રહે ને દક્ષીણ કિનારે બોનોબો રહે. પણ બંનેની વર્તણુકમાં ખુબજ ભેદ જોવા મળે છે. બોનોબોમાં માદાનું વર્ચસ્વ છે. એકદમ શાંત, સેકસુઅલ વહેવાર પણ બિલકુલ માણસો જેવો. ખજુરાહોના શિલ્પો જોઈ નીતીવાદીઓ ને ચક્કર આવે છે, બસ એવીજ કહેવાતી તમામ વિશિષ્ટતાઓ કે વિકૃતિઓ આ બોનોબો સેક્સમાં અપનાવે છે. જયારે ચીમ્પ એકદમ આક્રમક છે. બીટા નરો સાથે બોસ શિકાર કરવા, મારજુડ  કરવા નીકળી પડે. ગ્રુપની માદાઓને નિયમિત રોજ ફટકારવાની ત્રાસ આપવાનો.  તુલસીદાસનું નારી તાડન કી અધિકારીનું અક્ષરસઃ પાલન કરવાનું. રીચાર્ડ નામના હાવર્ડ યુનીના બાયોલોજીસ્ટ ૨૦ વર્ષ આફ્રિકાના આ જંગલો માં ભટકી ને ચીમ્પનો અભ્યાસ કરતા હતા. આહાર મેળવવાની તકલીફો એ ચીમ્પને ખુબજ આક્રમક બનાવ્યા છે, જયારે આહાર મેળવવાની સહેલાઈએ બોનોબો ને શાંત ને પ્રેમાળ  બનાવ્યા  છે. હાર્ડશીપ માણસ ને પણ મજબુત, આક્રમક બનાવે છે.
                           *
એકવાર માદામાં  તમારા જીન્સ દાખલ કરીને બચ્ચા પેદા તો કરી દીધા પણ એ બચ્ચા ના જીવે તો ઉત્ક્રાંતિનો હેતુ તો સરે નહિ. અને જો માદા એકલી બચ્ચા મોટા કરવા સક્ષમ ના હોય તો નરે સાથ અપાવો જ પડે. નહીતો એના ટ્રાન્સફર કરેલા જીન્સ પણ ફેઈલ જાય. આમાંથી પેદા થઇ મોનોગેમી. પક્ષીઓ મોનોગેમી અપનાવતા હોય છે, પશુઓમાં મોનોગેમી જોવા ના મળે. એક જોડી ભેગા મળી ને સાથે જ બચ્ચા ઉછેરે છે. સિંહ ફેમીલી પોલીગેમી છે. એક નર વધારે માદાઓ. મોનોગેમી એટલે શારીરિક જરૂરિયાતો નું સામાજિક સમાધાન. નર અને માદા બંને સાથે હળીમળી ને બચ્ચાઓ નું લાલનપાલન કરે, વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય. સેક્સ માંથી બંને આનંદ મેળવે અને લાલનપાલન કરી સંતોષ મેળવે. માનવ જગતમાં આમાંથી જ આગળ વધી હશે કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા.
                    *
ઉત્ક્રાંતિ માટે નું મહત્વ નું પરિબળ છે માદા ઓ નું મજબુત નર વિષે નું સિલેકશન. કારણ એમની પાસે લીમીટેડ જથ્થો છે અંડનો.  પ્રાણી, જંતુ અને પક્ષી જગતની જેમ માનવ જગતની માદાઓ પણ સિલેકશન કરતી જ હશે. હશે એટલા માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા ને લીધે નારીઓ પાસે સિલેકશન કરવાની ચોઈસ રહી નથી. સિલેકશન માતા પિતા કરે છે. મજબુત નરની સાથે સાથે લાંબો સમય સાથે હળીમળી ટેકો આપી મદદ કરી ટ્રાન્સફર કરેલા જીન્સ ને ઉછેરેવામાં મદદ કરે તેવા નરનું પણ સિલેકશન કરવું પડે. ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ એક નવી શાખા છે. આમાંના એક જોનશન નામના વૈજ્ઞાનીકે પ્રયોગ કર્યો. જુવાન પુરુષોના એક ગ્રુપને રોજ એકની એક ટીશર્ટ પહેરીને અમુક દિવસ સુવાનું, પછી એ ટીશર્ટ પ્લાસ્ટિક બેગમાં મૂકી ને આપવાની. આવી ભેગી કરેલી ટીશર્ટ સ્ત્રીએ  સુંઘી ને બતાવવાનું હતું કે કઈ  ટીશર્ટ પહેરેલો પુરુષ એને પસંદ આવે. જુદી જુદી સ્ત્રીઓને આ બધી ટીશર્ટ આપીને પસંદગી કરવાનું કહેવામાં આવેલ. સ્ત્રીઓમાં સુંઘવાની સારી શક્તિ હોય છે. ખાલી પસીનો સુંઘીને સ્ત્રીઓએ એવા પુરુષોને પસંદ કરેલા જેમના શરીર માં ટેસ્ટાટોરીન વધારે હોય. આ એક પુરુષ હાર્મોન છે. આનો જથ્થો જેટલો વધારે તેટલો પુરુષ વધારે મજબુત, મોટા ઝડબા ને મજબુત શરીર. નાજુક ચોકલેટી પુરુષોમાં આ હાર્મોન્સ ઓછા હોય છે. સ્ત્રીઓ સુંઘીને તથા  જોઇને પામી જાય છે. એમાંથી પ્રાચીન હિંદુઓમાં સ્વયંવરની પ્રથા આવી હશે. સ્ત્રી પોતે સિલેકશન કરે કયો નર એના લાયક છે, જે એના અંડને ફેઈલ નહિ કરે.
                      *
માનવ જગતમાં  આ કુદરતી નારી માટેની સિલેકશનની પ્રક્રિયામાં મેલ ડોમીનેન્ટ સમાજે ગરબડ કરી નાખી. કમજોરનું તો સિલેકશન થાય નહિ. માટે લગ્ન વ્યવસ્થા શોધી કાઢી. હવે દરેક માટે નારી ઉપલબ્ધ થવા લાગી. હાલીમવાલી , માયકાંગલા, કમજોર, કાયર બધાને નારી ઉપલબ્ધ થવા લાગી. જ્યાં લગ્ન વ્યવસ્થા પવિત્ર ને અતુટ છે ત્યાં પ્રજા કમજોર પેદા થવાની જ.  પક્ષી જગતના ઘણા બધા પક્ષીઓ મોનોગેમી, એકજ જોડીની પ્રથા અપનાવે  છે, પણ એમાં સિલેકશન તો માદા કરેજ છે. ઘણા બધા નાચ નખરા કર્યા પછી માદા જોડી બનાવે છે. ભગવાન શ્રી રામ કદાચિત પહેલા મોનોગેમસ હશે. પણ એમનું સિલેકશન પણ સીતાજીએ શિવજીનું  ધનુષ તોડાવીને કરેલું. ધનુષ ઉચકવું જ અશક્ય હતું. સ્ત્રીઓના અપહરણ કરવા આજે નીતીવાદીઓને ખરાબ લાગે પણ એ નરની મજબૂતાઈના પ્રમાણ હતા, જે પ્રાચીન ભારતમાં સામાન્ય હતું. અપહરણ કર્તા પુરુષ સાથે હોંશે હોંશે નારીઓ પરણી જતી. ભારતની પ્રજાને બહાદુર, મજબુત ને બળવાન બનાવવી હોય તો નારીઓને  સિલેકશન કરવા દો, સ્વયંવરની પ્રથા પાછી લાવો. પુરુષોને સુંદર નાજુક નારીઓ ગમે છે. જેટલા સ્ત્રૈણ એસ્ટ્રોજન હાર્મોન્સ વધારે એટલી નારી સુંદર લાગે. અને એટલીજ એની ફળદ્રુપતા વધારે. જેથી એમણે રોપેલા સ્પર્મ ફેઈલ ના જાય. જેટલા નારીના સ્તન મોટા એટલી શક્યતા બાળક માટે વિપુલ  ખોરાકની. પુરુષ ને મોટા સ્તન ગમે છેએની પાછળ ઈવોલ્યુશનરી ફોર્સ જવાબદાર છે.
                         *
મને પહેલા ખુબ નવાઈ લાગતી કે પરણેલી સ્ત્રીઓ પણ લગ્નેતર સંબંધો કેમ રાખતી હશે? પુરુષના તો જીન્સમાં જ છે જ્યાં ચાન્સ મળે પોતાનું બીજ આરોપિત કરી દેવું. મને કાયમ પ્રશ્ન ઉઠતો કે કયું પરિબળ સ્ત્રીઓને કહેવાતી બેવફાઈ કરાવતું હશે? પણ આજે સમજાય છે કે ઈવોલ્યુશનરી ફોર્સ આમ કરવા પ્રેરતો હશે. એક તો લગ્ન કરી નર(પતિ)નું  નેચરલ સેકસુઅલ સિલેકશન તો થયું ના હોય, એમાં હાઈ ટેસ્ટાસ્ટોરીન રેટ ધરાવતો પુરુષ પરિચયમાં આવ્યો હોય, જે એની સિક્સ્થ સેન્સે(છઠ્ઠી ઇન્દ્રિય)અચેતન રૂપે ઓળખી કાઢ્યો હોય. અને એ એના પ્રેમમાં પડી જઈને એના લીમીટેડ એગ્સ માટે સબળ ઉમેદવાર શોધી કાઢતી હોઈ શકે. ભલે નીતિશાસ્ત્રીઓ  ને ખરાબ લાગતું હોય. ચરિત્રહીન કહેતા હોય. લગ્ન પહેલા કે પછી લગભગ દરેક સ્ત્રીઓમાં આ શક્તિ હોય છે સ્વયંવર(હાઈ ટેસ્ટાસ્ટોરીન રેટ ધરાવતો પુરુષ)  શોધી કાઢવાની.  કિન્તુ પરન્તું સમાજના ડરના કારણે કોઈ પગલું ભરતી નથી.
                                             *
સંસ્કૃતિ સારી ને સેક્સ ખરાબ એવું નથી. રમત ગમત, કળા, સંગીત,  નૃત્ય આ બધું પાર્ટનરને શોધવા માટે મદદરૂપ થાય છે.  હાઈ ટેસ્ટાસ્ટોરીન ધરાવતા પુરુષો રમગમતની  ફાયનલમાં ગમેતેમ કરીને મરણીયા પ્રયાસ કરીને જીતી જાય છે. કળા , સંગીત, નૃત્યમાં પ્રવીણ સ્ત્રીઓ વધારે સ્ત્રીત્વ ધરાવતી સ્ત્રીઓ હોય છે. સેક્સ ખરાબ નથી. સેક્સ એ ઈવોલ્યુશનનું હાર્ટ છે.
Bonobo
Gorrila
Orang Utan
Chimpanzi

રૂપાળા શબ્દો ની માયાજાળ, “સીતા માનવતાની વિમલ વેદના”……

*આ સાક્ષરો ને કોઈ સબ્જેક્ટ ના મળે લખવા માટે તો રામાયણ તૈયાર જ હોય છે. શ્રી ગુણવંત શાહ સાહેબ હજાર વાર રામાયણ અને શ્રી રામ વિષે લખી ચુક્યા હશે. એક ગ્રંથ પણ લખી ચુક્યા છે. છતાં આજે ઓનલાઈન દિવ્યભાસ્કરમાં એમનો લેખ વાંચ્યો. હું પણ ઘણી વાર મારા વિચારો ધાર્મિક લોકોને ગળે ના ઉતરે એવા લખી ચુક્યો છું. છતાં જયારે આવા પ્રતિષ્ઠિત સાક્ષરો વારંવાર એકના એક વિષય પર લખી ને જનતાને બોર કરી જ રહ્યા છે, તો મારા વહાલા સુજ્ઞ વાચકો રીપીટેશન બદલ મને પણ માફ કરી દેશે. મારો આશય ફક્ત એટલો જ છે કે રૂપાળા શબ્દો પ્રયોજીને ભોળી જનતા ને કેટલી આસાનીથી ભોળવી શકાય છે, એ બતાવવાનો જ છે. બીજું આપણી હિન્દુસ્તાન ની પ્રજા મોટા લોકો જે કહે તે બ્રહ્મ વાક્ય માની જ લેવાનું એવી માનસિકતા ધરાવે છે. જરાય વાસ્તવિકતા ની ધરતી ઉપર  વિચાર કરતી જ નથી. આ લોકોના નામ એટલા મોટા અને પૂજ્ય હોય છે કે એમની ભૂલો કોઈને દેખાય જ નહિ, અને દેખાય તો માનવા મન ના કબુલ કરે. આજ્ઞાપાલન.
*થોડી મનોવૈજ્ઞાનિક ચર્ચા કરી લઈએ. એક બાળક જન્મે છે, ત્યારે એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે. એ જુએ છે,  સાભળે છે,ચાટે છે, સ્પર્શ કરે છે, નકલ કરે છે અને ધીરે ધીરે એની હાર્ડ ડિસ્ક ભરાયા છે, માહિતી બ્રેનમાં ભેગી થાય છે અને એ રીતે એનું ઘડતર થાય છે. એવી રીતે એક સમાજ નું ઘડતર થાય છે, મોટા મહામાનવોના અચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદેશો, ઉપદેશો થકી. અચેતન રૂપે બાળક જેમ વડીલો પાસેથી બધું શીખે છે તેમ સમાજના લોકોના અચેતન મનમાં મહાપુરુષોની અસર હોય છે. દેશના રાજા, મહાન નેતાઓ, મોટા સ્થાપિત ધર્મગુરુ ઓના અચાર વિચાર, વાણી, વર્તન, ઉપદેશો થી દેશનું, પ્રજાનું, સમાજનું ઘડતર થાય છે. યથા રાજા તથા પ્રજા, પ્રજા એમના પગલે ચાલવા આતુર હોય છે. એક નાનો માણસ ભૂલ કરે છે, ત્યારે એના ખરાબ પરિણામો એના ફેમીલી, અને ઘરના સભ્યોએ ભોગવવા પડે છે. જયારે મોટા માણસો ભૂલ કરે છે ત્યારે એના પરિણામો આખા સમાજ, આખા દેશ ને ભોગવવા પડે છે.
*બીજું શ્રી રામ ને ભગવાન માની ને આ બધું વાંચશો તો ગળે નહિ ઉતરે, એમને માનવ, એક રાજા, એક મહામાનવ, એક સેલીબ્રીટી માનસો તો જ મજા આવશે. જુના જમાનામાં રાજા ને ભગવાન માનવાનો પ્રાચીન સંસ્કૃતિઓ  ભારત અને ચીનમાં રીવાજ હતો.
*હવે શ્રી ગુણવંત શાહના રૂપાળા શબ્દો ની માયાજાળ જુઓ.
               
 (૧)..રામાયણ માનવતાનું મહાકાવ્ય……….. (૨) રામ માનવતાના વિવેક ચુડામણી..
 
શ્રી રામ ખુબજ આજ્ઞાપાલક હતા.ઘણી વાર આંધળું આજ્ઞાપાલન દુખદાઈ હોય છે. આજ્ઞા પાલકો કોઈ ક્રાંતિકારી વિચારો ધરાવતા હોતા નથી. ધરાવતા હોય તો આજ્ઞાપાલનની આદતમાં મૂકી શકતા નથી. જેણે સાંપ્રત સમાજની આજ્ઞા ઓ પાળી નથી, માની નથી એવા લોકોએ જ ક્રાંતિ કરી છે. શ્રી કૃષ્ણ આજ્ઞા પાલક હતા નહિ. મોટાભાઈ બલરામ ને ચતુરાઈ પૃવક સમજાવી એમની આજ્ઞાઓ પાળતા નહિ. પણ આજ્ઞા પાલન કોને ના ગમે? બધાને ગમે. સાચી ને સારી આજ્ઞાઓ પાળવામાં કોઈ જ વાંધો નથી. પણ ગેરવ્યાજબી આજ્ઞાઓ વડીલોની હોય તો પણ દુખ જ આપતી હોય છે. દરેક બાપ ઈચ્છતો હોય કે મારો દીકરો રામ જેવો આજ્ઞા પાલક હોય તો સારું. પછી અમે એને બનવું હોય ફોટોગ્રાફર ને મોકલી દઈએ એન્જીનીયરીંગ માં. મને ખુદ ને સાયંસ અને સાહિત્યમાં રસ પણ કોમર્સમાં ફક્ત ફી ભરી દીધી હતી માટે કોમર્સમાં જવું પડ્યું. ના તો હું સારું કોમર્સ ભણી શક્યો ના સાયંસ અને સાહિત્યની ખંજવાળ હવે (52) વર્ષે પૂરી કરી રહ્યો છું. નેતાઓ પણ રામના જ રથ કાઢશે. એમને પણ પ્રજા રામની જેમ આજ્ઞાપાલક જોઈએ છીએ. જેથી મરે તો પારકા છોકરા મરે ને એમના છોકરા પરદેશમાં ભણતા હોય કે લહેર કરતા હોય. ગુરુઓ પણ રામની કથા વધારે પસંદ કરશે. જેથી ભોળી પ્રજા આજ્ઞાપાલનના ચક્કરમાં એમના રોટલા શેકી આપે. શ્રી કૃષ્ણ ની ખાલી બાલ અવસ્થાની(ભાગવત) કથાઓ જ કહેવાતી હોય છે. મહાભારત ની કોઈ કથાઓ થતી નથી. પૂરું ના વંચાય નહી તો  નાશ થાય એવું પણ ગુરુઓએ ભરાવેલું  છે. આ તો બી.આર.ચોપરાએ સાહસ કર્યું,તે પણ રામાનંદ સાગર કમાઈ જાય ને હું કેમ રહી જાઉં?
 
ચુડામણી એટલે ચૂડલામાનો  મણી. વિવેક એટલે સાચા ખોટાની પરખ. રામ ને શુદ્રો પ્રત્યે માંન કે પ્રેમ  હતો  માટે એમણે શબરીના એંઠા બોર ખાધા. પણ એક શુદ્ર જયારે ભણવા(તપ) બેઠો તો ઋષીઓ એ ફરિયાદ કરી તો શુદ્ર ને સમજાવી ને તપ કરતો બધ કરી શક્યા હોત. રાજા હતા થોડી ધમકી આપી હોત તો પણ માંની જાત પણ બાણ મારી હણી નાખ્યો. ક્યા ગયો વિવેક ને માનવતા? ફક્ત આજ્ઞાપાલન. આગે સોચનેકા નહિ.ટૂંકમાં વાલી નો ઝાડ પાછળ છુપાઈને વધ, વાલી ની પત્ની સુગ્રીવના ભોગવિલાસ નું સાધન બને, રામ સહીત લક્ષ્મણ ને સુગ્રીવ ઉપર કોપાયમાન થવું પડે, અસહાય અંગદની નારાજગી, સીતાજીની અગ્નિપરિક્ષા(ચેસ્ટીટી બેલ્ટ), ધોબી ભાઈના મેણાંથી સીતાજીનો ત્યાગ, ધોબીભાઈ ને ફટકારી સમાજ ઉપર સ્ત્રીઓ પર વિનાકારણ શંકા નહિ કરવાનો દાખલો બેસાડવાનો ચાન્સ ગુમાવી ભવિષ્યમાં ભારતમાં જન્મ લેનારી સ્ત્રીઓને કાયમ અગ્નિપરિક્ષાઓ(ચેસ્ટીટી બેલ્ટ) માં ધકેલી દેવી. ક્યાં ગઈ માનવતા ને ક્યાં ગયો વિવેક?
હવે શ્રી ગુણવંત શાહ સાહેબ કહે છે (૩) સીતા માનવતાની વિમલ વેદના
સીતાજી ને થયેલા બધા અન્યાય ભુલાઈ જાય ને આવા મનમોહક શબ્દો થી. ભૂલી જાવ સીતાજીની પીડા એ તો માનવતાની વિમલ વેદના છે. એટલે શ્રી કાંતિ ભટ્ટ પણ કહેતા હતા કે રામ કથામાં સ્ત્રીઓ વધારે આવે છે. અને સીતાજીની વાર્તાની રાહ જોતી હોય છે. ને એવું પણ કહેતા હતા કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર થવું, પીડાવું, દુખી થવું ગમે છે. એના પર હું એક આર્ટીકલ લખી ચુક્યો છું. ધરતીમાં કોઈ બાળક પેદા થતા નથી. કોઈએ બાળ સીતાજી ને ત્યજી દીધા હશે જન્મ થતા જ. જનક રાજા જેવો કોઈ જ્ઞાની રાજા થયો નથી, એમણે પોતાની પુત્રી તરીકે મોટા કર્યાં. ફરી પાછા રૂપાળા શબ્દોની માયાજાળ પણ એ વાલ્મીકી ની. સીતાજી ધરતીમાં સમાઈ ગયા કે સુસાઈડ?
 સીતાજી ને પણ સ્વમાન હતું, એમણે રામ ને માફ નથી કર્યા, ફરી પાછા અયોધ્યા નથી ગયા. શ્રી શાહ સાહેબ પહેલા પ્રેમનું મહાકાવ્ય કહેતા હતા. સાચી વાત છે પણ અંતમાં શોકનું મહાકાવ્ય બની ગયેલું.,
*(૪)લક્ષમણ માનવતા નો પુણ્ય પ્રકોપ
(૫)ભરત માનવતાનો તપોનીધી
(૬)હનુમાનજી માનવતાના પ્રાણમય કોશ
આ ત્રણે આજ્ઞાપાલનના મહારથીઓ, રામના સબમીસીવ  ભક્તો હતા. આ ત્રણેના ચરિત્રો મહાન હતા. આ લોકોના આપેલા બલિદાન મહાન હતા. શ્રી રામ અને સીતાજી નું ચરિત્ર પણ મહાન હતું. પણ રામે આજ્ઞાપાલનના ચક્કરમાં કરેલી  ભૂલો પણ મહાન હતી.
*રામ કથા જગ મંગલ કરની
જગનું ઠીક,ભારતનું પણ મંગલ થયું હોત તો આજે ભારત સુપર પાવર હોત. ભારત આજે બિચારું , ગરીબડું બની ચુક્યું છે. ભારતનું મંગલ થયું હોત તો ૧૦૦૦ વરસ ગુલામી ના વેઠી હોત. રામનું આજ્ઞા પાલન ભારતની રગેરગમાં ફેલાઈ ચુક્યું છે. આજ્ઞા પાલક પ્રજામાંથી ચૂંટાતા નેતાઓ પણ ભયંકર આજ્ઞા પાલક છે. અંગ્રેજોએ કીધું ભાગલા પાડો , નો પ્રોબ્લેમ , જી હુકુમ. જે અંગ્રેજ કદી ભારત આવેલો નહિ, ભારતની ભૂગોળ ખબર નહિ એણે નકશા પર ભાગલા પડ્યા, જી હુકુમ. અલ્યા  એટલું તો કહેવાય ને કે કોઈ જાણકાર ને મુકો આ કામ માટે. પેલા છગને એક જ ગામ વચ્ચે  પણ લીટી દોરેલી છે. હાલ નો ભારત નો જે નકશો જોઈએ છીએ તે ખોટો છે. ડાબી બાજુનું ઉપરનું ટોપચું પાકિસ્તાન પાસે છે. આપણી જ હદમાં વાડ કરવા ગયા ને ચીન નારાજ થયું ને આજ્ઞાપાલન તરત જ બંધ થઇ ગયા. વૃદ્ધ, શક્તિહીન, કામી રાજા ને જુવાન ખણખણતી પત્ની રામ જેવા સીધા પુત્ર ને કેવી ભયંકર આજ્ઞા કરી બેઠા ને આખી જીંદગી બગાડી નાખી. હજુ આજેય દશરથો એના એજ છે. પહેલી વાર અમીરખાન જાહેરમાં સંદેશો લઇ આવ્યો છે કે દશરથો સુધરો. આ મુવીમાં મને કોઈ ખરાબ મેસેજ દેખાયો નથી. પણ ના તો પછી આજ્ઞા પાલન નું શું થાય? પ્રજા બગડી જાય, નેતાઓ ની આજ્ઞા પાળે નહિ, એટલે એનો વિરોધ થયો ને પોસ્ટરો ફાડ્યા. “તારે જમીનપર” ને “થ્રી ઇડીએટ” બનાવીને આમીરે બહુ મોટી છલાંગ લગાવી દીધી છે.
* હા મંગલ થયું છે .બાપુઓનું. રામ કથાઓ  ગાવાની આવડત ના હોત તો કોઈ, મોદીની ભાષામાં  ક્લાર્કમાં પણ ના રાખે. રામનું નામ પવિત્ર તો ખરું જ. રામના નામે પથરા(ભીખારીઓ,અભણો,ક્રીમીનલ્સ) તરી ગયા. રામના રથ કાઢી નેતાઓ નું ભલું ચોક્કસ થયું છે.
*વધારામાં શ્રી ગુણવંત શાહ કહે છે બાપુની રામ કથા થી ભરતીય સંસ્કાર જળવાયા. સાચી વાત છે. સંસ્કારો ચોક્કસ જળવાયા છે, સાથે સાથે શંકા કરવાના
(ચેસ્ટીટી બેલ્ટ), બાળી મુકવાના, કાઢી મુકવાનાં પણ. બીજું એમનું કહેવું છે વ્યસનો અને માંસાહાર  ત્યજવાની પ્રેરણા મળી છે. સાચી વાત છે. પણ એ બાપુની પોતાની સલાહો હશે. રામની નહિ કારણ રામ તો હરણના શિકાર કરતા હતા ને એના ચર્મના વસ્ત્રો સીતાજી ને પ્રિય હતા. એના માંસનું ભોજન કરવું એ જમાનામાં સામાન્ય હતું. વાલ્મીકી રામાયણમાં આનો ઉલ્લેખ છે જ. શ્રી સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષી એ પણ એમની કોલમ “વાતાયન” માં આનો ઉલ્લેખ પણ કરેલો. પ્રાચીનકાલના આર્યો તદ્દન માંસાહારી હતા. લોકો માને કે ના માને. અને એના લીધે અત્યારે માંસાહાર ની તરફેણ ના કરી શકાય. શું ખાવું એ પોતાની ચોઈસ છે.
*હવે શ્રી ગુણવંત શાહ  બાપુ ને રામાયણ યુનિવર્સીટીના કુલપતિ કહે છે. હવે બાપુ પોતે આપકી અદાલત નામના પ્રોગ્રામમાં રજત શર્મા ને એક ભણતર વિષેના સવાલના જવાબમાં ગર્વતા થી જવાબ આપે છે કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા”. લાખો  સાભળનારના અચેતન માઈન્ડમાં આ સંદેશો ઘુસી જવાનો કે ભણતર ની ખાસ જરૂર નથી, ભજન કરો. એક સત્ય ઘટના, ગોંડલ કોલેજની એક વિદ્યાર્થીની ચાલુ કલાસે સંતાડી રાખેલી માળા ફેરવીને રામ રામ ભજતી હોય છે, આ શ્રી કાંતિ ભટ્ટ જણાવે છે. સુજ્ઞ વાચકો વિચારે કે મહાન આત્માઓના વચનો લોકો કેટલા  સહેલાઇ થી અમલમાં મૂકી દેતા હોય છે. નક્કી આ છોકરી બાપુઓના રવાડે ચડી ને ભણતર ને મહત્વ આપતી નથી. જેને મન ભણતર નું મહત્વ ના હોય તેને કુલપતિ ની પદવી?
*બાપુના કોઈ ભક્ત કહેતા હતા કે ધનપતિઓ પાણી ગાળી ને પીવે છે પણ લોકો નું લોહી ગાળ્યાં વગર પી જાય છે. એ હવે વિચારવાનું વાચકો ઉપર. પણ મારું માનવું છે કે આ બાપુઓ તો લોકોનું બ્રેન જ ગાળ્યાં વગર પી જાય છે, એનું શું?
*વચમાં વાચેલું કે મોરારીબાપુ એ એક મંચ પર જુદા જુદા ધર્મોના વડા(નેતાઓ) ઓને ભેગા કરેલા. સારું કહેવાય. પણ એક જ મંચ પર ભેગા થઇ કોઈ નિર્ણય લીધો કે જુદા જુદા વાડાઓમાં વહેચાએલો હિંદુ ધર્મ એક ભગવાન  કે એક સનાતન હિંદુ ધર્મ ને માની પોતે એક થાય ને પ્રજા ને એક કરે?  ના..તો પછી? ખાધું પીધું ને છુટા પડ્યા.
* શ્રી શાહ સાહેબ પાઘડીનો વળ છેડે…એવું લખી કોઈ કવિતા જેવું કરતા હોય છે. આ તુલસીદાસ ને થયે ૫૦૦ વરસ થયા હશે. એ સમયે શ્રી રામની હાજરી હોય તેવી શક્યતા નથી. છતાં ભક્તિ ને અહોભાવના માર્યા લોકો ગાતા હોય કે તુલસીદાસના ભક્તો ગવડાવતા હોય છે કે “ચિત્રકૂટ(કે અયોધ્યા) કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર.
વર્ષો પછી લોકો અહી પણ ગાવાના છે ચિત્રકૂટ(મહુવા)કે ઘાટ પર ભઈ સાક્ષરાન(અસ્મિતા પર્વ) કી ભીડ, મોરારિદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર”
*આશરે ૫૦૦ વર્ષ પછી ઈ.સ. ૨૫૦૦ માં વળી કોઈ મારા જેવો બુદ્ધીસાગર(મૂરખ) વિચારશે કે આ રામ ને થયે ૫૦૦૦ કરતા વધારે વર્ષ  થયા ને આ બાપુ તો ઈ.સ.૨૦૦૦ ની આસપાસ થયા હતા, ને લોકો આવું કેમ ગાતા હશે? કે મોરારિદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. શું રામ અને બાપુ સમકાલીન હશે? આવું બનવાની શક્યતા ૧૦૦% છે. જેવું તુલસીનું થયું એવું બાપુનું કેમ ના થાય? ભારત તો આખરે ભારત જ છે ને?
 *કોઈએ ખોટું લગાડવું નહિ, મેં પોતે શ્રી ગુણવંત શાહ અને શ્રી કાન્તીભટ્ટ ને વર્ષો સુધી વાંચ્યા છે. અને હજુ વાંચું છું. મહાત્માઓએ વિચારવાની બંધ કરેલી બારીઓ ખોલવાનો નમ્ર પ્રયાસ માત્ર છે.

નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી ગુણવંત શાહ ના ઓન લાઈન દિવ્યભાસ્કરમાં આવેલ “રામ કથા જગ મંગલ કરની”આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.