ગંગા તારું પાણી અમૃત?
આજે ગંગાને જુએ તો મહારાજા ભગીરથનો જીવ કકળી ઉઠે અને ગંગાને અવશ્ય પૂછે કે ગંગા તું બહેતી હે ક્યું? તો ગંગા પણ અવશ્ય જવાબ આપે કે અબ મૈ વો પવિત્ર ગંગા નહિ રહી જો આપ સ્વર્ગસે ઉતાર લાયે થે. અબ મૈ ગટરગંગા બનકે રહ ગઈ હું. મારે ગંગા ઉપર કોઈ ડોક્યુમેન્ટરી બનાવવી હોય તો અમિતાભ બચ્ચનને રાજા ભગીરથ બનાવી ઐશ્વર્યાને ગંગાના રૂપમાં દર્શાવી ઉપરનો સંવાદ એમના મુખે બોલાવી શરૂઆત કરું.
કેવા મહાન ઋષિઓ આ દેશના હતા કે જેમણે નદીઓને માતા કહી, ગાયને માતા કહી. અને આપણે મૂરખ ભારતીયોએ નદીઓને ગટરમાં તબદીલ કરી નાખી અને ગાયને પ્લાસ્ટિકનો ચારો ચરતી કરી દીધી. સવારમાં ઉઠીને સ્નાન કરતી વખતે ગંગે ચ યમુને ચ કહી શરીર ઉપર લોટા રેડતા, મારા મહાન દેશભક્ત મિત્રો આપણે રોજ ગંગામાં ૧.૭ અબજ લીટર ઔદ્યોગિક કચરા સાથે બીજો અનેક જાતનો કચરો વહાવીએ છીએ અને બીજા ૮ કરોડ ૯૦ લાખ લીટર સ્યૂઇજ(મળમૂત્ર) ઠાલવીએ છીએ. ખેર આંકડાકીય માહિતીમાં ફેરફાર હશે ક્યાંક, પણ ગંગે ચ યમુને ચ નું પાણી પીવાલાયક તો શું નહાવા લાયક પણ આપણે રહેવા દીધું નથી. કારણ WHO એ સેઈફ ગણી હોય તેવી પ્રદૂષણની માત્રા કરતા ગંગાનું પાણી ૩૦૦૦ ગણું પ્રદુષિત છે. Uttarakhand Environment Conservation and Pollution Control Board દ્વારા અભ્યાસ કરવામાં આવેલો તેમાં હરિદ્વાર નજીક ગંગામાં કોલીફોર્મ નામના બેક્ટેરિયાનું લેવલ ૫૫૦૦ આવ્યું જે લિમીટ કરતા ૧૦૦ ગણું વધુ હતું.
4 લાખ ચોરસ માઈલ આવરતી ગંગા ઉપર ૨૯ શહેર એવા છે જેમની વસ્તી એક લાખ કરતા વધુ છે અને 23 શહેર એવા છે જેમની વસ્તી ૫૦ હજાર થી લાખ વચ્ચે હશે અને ૪૮ ટાઉન છે જેમની વસ્તી ૫૦ હજાર કરતા ઓછી હશે. ૧૯૮૬માં રાજીવ ગાંધીએ ૪૬૨ કરોડ રૂપિયાનો ધ ગંગા એક્શન પ્લાન નામનો વારાણસી આગળ ગંગા સફાઈ માટેનો પ્રોજેક્ટ મંજુર કરેલો. પણ તે સફળ થયો નહિ. બીજા ફેજમાં મંજૂરી મળતાં ૨૦૧૪ સુધીમાં ૯૩૯ કરોડ વપરાઈ ચૂક્યાં છે. મનમોહનસિંઘ શું કામ બાકી રહે? National Ganga River Basin Authority (NRBA)નાં હેડ બની એમણે ૩૦૩૧ કરોડ ફંડ મંજુર કર્યું ગંગાનું પ્રદૂષણ નાબૂદ કરવા નહિ ફક્ત ઓછું કરવા. ૨૦૧૩ સુધીમાં ૭૮૫ કરોડ તેમાં પણ વપરાઈ ચુક્યા છે.
ગંગે ચ ની જેમ યમુને ચ ની પણ એજ દશા છે. પાલ્લા ગામથી મૈયા યમુના દિલ્હીમાં પ્રવેશ કરે છે અહિ 22 ગટર દ્વારા એમનો જલાભિષેક થાય છે. ૧૮ ગટરો તો સીધી જ એમાં ઠલવાય છે અને બાકીની 4 વાયા આગ્રા ગુરુગાંવની કેનાલો દ્વારા. દિલ્હી રોજનું ૧૯૦૦ મિલિયન લીટર સ્યૂઇજ પેદા કરે છે. છેલ્લા બે દસકામાં ૬૫૦૦ કરોડ યમુનાને ચોખ્ખી કરવામાં વપરાયા છે. જાપાનની મદદ લઈને પહેલા બે ફેજ માં ૧૫૦૦ કરોડ વપરાયા છે.
ન્યુ જર્સીથી બહાર પડતા ‘ગુજરાત દર્પણ’ માં અમારા પરમ મિત્ર કૌશિક અમીન લખે છે, ‘ યમુના કૃષ્ણ અને રાધાની પણ પ્રિય છે. વૈષ્ણવો માટે યમુનાનું જળ કદાચ ગંગાજળથી પણ વિશેષ છે. આજે તો વૃંદાવન-મથુરાના વિસ્તારોમાં વૈષ્ણવ યાત્રિકો જે આચમની લે છે, સ્નાન કરે છે તે માત્ર ગટરગંગા જ છે. આંકડાઓ અનુસાર ગંગા કરતા પ્રદૂષણની માત્રા યમુનામાં વધુ છે. મોદી સાહેબે શરુ કરેલો ‘નમામિ ગંગે’ કાર્યક્રમ ગંગા સફાઈ માટે ૨૦૧૯મા પૂરો થશે. તેમ જણાવ્યું છે. ૧૯૮૫મા આવો જ ખેલ ત્યારના વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ કર્યો હતો. અને કરોડો રૂપિયાનું આંધણ થયું, પરિણામ શૂન્ય! આજે પણ યમુનાના કિનારે જાવ તો પાણીની દુર્ગંધ માથું ફાળે તેવી હોય છે. આગ્રામાં અનેકવાર આખી નદી ગટરના ફીણથી ઉભરાયેલી જોવા મળે છે.’
મેં એકવાર લખેલું કે ગંગા તો વહેતી નદી છે. ગંગા હોય કે યમુના કે કોઈ પણ નદી એને ચોખ્ખી કરવા કરોડો ખર્ચીએ છીએ એના બદલે એમાં ગંદકી ઠાલવવાનું બંધ કરીએ તો આ વહેતી નદીઓ તો એકાદ બે ચોમાસામાં એમની જાતે જ ચોખ્ખી થઈ જાય. જરૂર છે દરેક શહેર પાસે સારા ઉત્તમ સ્યૂઇજ પ્લાનની. જો કે સરકારો તે દિશામાં કામ કરતી જ હશે પણ ક્યાંક ગરબડ જરૂર છે. આટલા બધા કરોડો રુપિઆ વપરાયા પછી નદીઓ એવી ને એવી ગંદી જ છે. કદાચ કાગળ ઉપર સ્યૂઇજ પ્લાન્ટ નખાઇ જતા હોય અને રૂપિયા ચવાઈ જતા હોય તેમ બને. આપણા દેશમાં કશું અશક્ય નથી કારણ,
“આપણે ધાર્મિક છીએ નૈતિક જરાય નહિ.”

















































