Category Archives: વિવાદ

ઉત્સવ પ્રિય પ્રજા સોમવાર ની રજા!!!!!!

  ઉત્સવ પ્રિય પ્રજા સોમવાર ની રજા!!!!!!  
    ગઈકાલે ફોન પર વાત દ્વારા જાણવા મળ્યું કે ગુજરાત માં જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે દરેક સોમવારે સ્કૂલો બે પીરીયડ જવા દઈ ને વહેલી છોડવામાં આવે છે.આવો કોઈ ગુજરાત નાં શિક્ષણ ખાતાએ સર્ક્યુલર બહાર પાડ્યો છે કે નહિ તે તો મને ખબર નથી.પણ સ્વેચ્છાએ દરેક સ્કૂલો આવો નિયમ પાળે છે.લગભગ સવાર ની પાળી ની સ્કૂલો તો ખાસ.થોડી નવી અંગ્રેજી મીડીયમ ની સ્કૂલો આવું કરતી નથી.એનો મતલબ સરકાર તરફ થી આવો કોઈ રૂલ્સ હોય નહિ.સોમવારે સ્કુલ નાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો શંકર ના મંદિરે જઈ ભક્તિ કરી શકે માટે શું આવો સ્વયંભુ નિયમ પળાતો હશે?બે પીરીયડ વહેલા છૂટી ને કેટલા વિદ્યાર્થીઓ મંદિરે જતા હશે? અને શિક્ષકો પણ મંદિરે જતા હશે ખરા?બે પીરીયડ અભ્યાસ બગાડી ને મંદિરે જવું યોગ્ય છે ખરું?કે પછી મોરારીબાપુ નો ચીપ સસ્તો સંદેશો,વન લાઈનર ચબરાકિયું જે આપકી આદાલત માં એમના પવિત્ર મુખે કહેવાયેલું કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” એની અસર હશે?મહાપુરુષો ની વાતો માનવી પડે?
   કેટલાક  વર્ષો થી આ ધારો સોમવારે સ્કુલો વહેલી છોડી દેવાનો ચાલે છે.દાંતા(અંબાજી) હાઈસ્કુલ નાં પ્રિન્સીપાલ સાહેબ ને આ યોગ્ય નાં લાગ્યું.એમને થયું કે કોઈ ભક્તિ કરવા જવાના નથી,નાં વિદ્યાર્થીઓ કે નાં શિક્ષકો.બધા બે પીરીયડ વહેલી રજા ધર્મ નાં બહાને ખોટી રીતે પાડે છે.એમણે ત્યાં આ ધારો બંધ કરાવ્યો.નાનું ગામ એટલે કોઈ ખાસ ઉહાપોહ થયો નહિ.એમને થયું કે ચાલો એક સ્તુત્ય પ્રયાસ સફળ થયો.હવે આ પ્રિન્સીપાલ અમદાવાદ ની મણીનગર ની જીવકોરબા હાઈસ્કુલનાં ગુજરાતી મીડીયમ ના પ્રિન્સીપાલ બન્યા.એમને થયું કે આ ખોટું છે કે સોમવારે બે પીરીયડ વહેલા છોડી દેવાનું.સ્કુલ માં આ ધારો બંધ કરવાનું નક્કી કર્યું.શિક્ષકોએ અનિચ્છાએ સંમતિ આપી હશે.અંગ્રેજી મીડીયમ નાં પ્રિન્સીપાલ તો છટકી ગયા.એમણે તો ધારો ચાલુ રાખ્યો.ગુજરાતી મીડીયમ ની સવાર ની પાળી એક સોમવાર વહેલી બે પીરીયડ છૂટી નહિ.વાલીઓ,વિધાર્થીઓ માં ઉહાપોહ થઇ ગયો.આતો ખોટું થયું ધર્મ નો નાશ થઇ રહ્યો છે.હિંદુ વિરોધી પગલા લેવાઈ રહ્યા છે.પ્રિન્સીપાલ હિંદુ ધર્મ વિરોધી લાગે છે.આ પ્રિન્સીપાલ  હિંદુ જ છે.એમના ઘર માં રોજ ધ્યાન,મેડીટેશન પૂજા બધું નિયમિત થાય જ છે.
    શિક્ષકોએ પ્રિન્સીપાલ ને સમજાવ્યા કે આપનો વિચાર ઉત્તમ છે,પણ લોકો માં વિવાદ ઉભો થઇ ગયો છે.આમેય શિક્ષકો પણ આ પગલા થી નારાજ હતા જ.એમને પણ બે પીરીયડ વહેલું  છૂટવા  મળતું હતું તે બંધ થાય તો કોને ગમે?અને એમાય આજ સ્કુલ નાં અંગ્રેજી માધ્યમ નાં પ્રિન્સીપાલ તો સાથ આપવા તૈયાર નથી.પ્રિન્સીપાલે દુખ સાથે કે મારા શિક્ષકો જ મને સાથ આપવા તૈયાર નથી,આ નિર્ણય પાછો ખેચી લીધો.
      મેં ફોન ઉપર કહ્યું કે તમે આ નિર્ણય પાછો નાં ખેંચ્યો હોત તો થોડા દિવસ માં છાપાઓ અને ટીવી માં આવી જાત કે તમે હિંદુ વિરોધી છો.વિશ્વ હિંદુ પરિષદ નાં ડો.પ્રવીણ તોગડીયા કે અશોક સિંઘલ નો સંદેશો આવી જાત કે ચર્ચ નાં ઈશારે તમે કામ કરી રહ્યા છો.કોઈ વિધર્મી તત્વો નાં હાથે તમે ખેલી રહ્યા છો.કોઈ મુલ્લાજી સરકાર માં રજૂઆત કરત કે હવે દર શુક્રવારે સ્કૂલો વહેલી છોડી દો.તમારા ઘર આગળ કોઈ ઉપવાસ પર ઉતરી જાત.તમારા વિરદ્ધ સરઘસ નીકળત કે હટાવો આ પ્રિન્સીપાલ.અને કોઈ તમારા ઉપર હુમલો પણ કરી શકે.જેવો NRI પંકજ ત્રિવેદી ઉપર થયેલો અને મોત ને ઘાટ ઉતારી દેવાયા હતા. અમદાવાદ બંધ નું એલાન પણ અપાઈ  જાત.સારું થયું કે નિર્ણય પાછો ખેંચ્યો.બચી ગયા.
   આ માનસિકતા છે લોકોની ત્યાં સુધી પ્રગતિ ક્યાંથી થવાની?આશારામ નાં પ્રકરણ વખતે અશોક સિંઘલ એવું કહેતા હતા કે ગુજરાત  સરકાર ચર્ચ નાં ઈશારે કામ કરી રહી છે.હવે ફરી મહાન બાપુ સ્ટીંગ ઓપરેશન દ્વારા ચર્ચા માં ચગ્યા છે.મુખ્ય મંત્રી એમના પગે માથું ટેકવે છે.આશ્રમ ગુનેગારો નાં રક્ષણ માટે તો નથી બનાવ્યો ને?ઘણા બધા મૂરખ અને પ્રજાને મૂરખ બનાવતા બાવાઓ છાપાઓ માં ચગ્યા છે.પણ ભક્તો કહેશે આતો એમને નીચા પડવાનું કાવતરું છે.વિદેશી અને વિધર્મીઓ નો આમાં હાથ છે.ચાલો આશારામ ખરાબ છે પણ મગન મહારાજ તો સારા છે,એમના શરણે જઈએ.પાછું વળી મગન મહારાજ નું પોલ પકડાયું તો કહેશે ચાલો મગન મહારાજ ખરાબ છે પણ છગન મહારાજ મહાન છે એમના શરણે જઈએ.કોઈ ને  કોઈનું શરણું તો જોઈએ જ જીવવા માટે.
    શ્રાવણ આવે એટલે ભક્તિ ભાવ નાં પુર આવે.અરે અહી તો બારે માસ કોઈ ને કોઈ પુર ચાલુ જ હોય.સંતોષીમા નું પુર હમણાં ઓસર્યું છે.તો દશામાં નું ચાલુ છે.વડોદરામાં અપ્સરા સિનેમા માં જય સંતોષી માં મુવી આવેલું.એણે થીયેટર નાં પ્રાંગણ માં જ મંદિર બનાવી દીધેલું.વળી કોઈએ મજાક માં વૈભવ લક્ષ્મી ની બનાવટી વાર્તા લખી નાખેલી તે એના પુરા ચાલ્યા.એની નાની પુસ્તિકાનું જબરદસ્ત વેચાણ ચાલતું.દરેક નાં ઘર માં એ નાની પુસ્તિકા હોય જ.ભાદરવો શરુ થાય એટલે ગણપતિ નું પુર આવે.લોકો પાછા ભક્તિ ના માહોલ માં ડૂબી જાય.મૂર્તિ નો ઝેરી કલર ખાઈ ને છો માછલાં મરી જતા અને નદીઓ ને તળાવો ગંધાઈ ઉઠતા. જૈનો પર્યુષણ નાં પુર માં ડુબકીયાં ખાય.’મિચ્છામી દુક્કડમ’.ડુંગળી કે લસણ ખાતા કે આદું ખાતા પાપ લાગે પણ વેપાર માં કોઈ નું ગળું કાપતા પાપ નાં લાગે.આર્થિક કૌભાંડો કરી ગરીબ લોકો ને રાતે પાણીએ રોતા કરતા પાપ નાં લાગે.દેશની ઈકોનોમી બગાડતા પાપ નાં લાગે.કોઈ એક ની વાત નથી.બધાની વાત છે.અંબાજી ચાલતા જવાના પુર હવે ચાલુ થવાના.અલ્યા આટલી બધી બસો છે,વાહન વ્યવહાર નાં સાધનો છે? પણ મુરખો ચાલતા જઈને સ્વર્ગ ની ટીકીટો બુક કરાવી લેવાના.જો સાહસ કરવા કોઈ હિલ પર ટ્રેકિંગ કરવા જવાનું કહીએ તો થોડાજ શોખીનો તૈયાર થવાના.હા ડુંગર પર કોઈ ધજા ફરફરતી હોય તો જુદી વાત છે. ભાદરવી પૂનમે લાખો મુરખો અંબાજી માં પ્રવેશ પણ પામી શકતા નથી.દુર થી મંદિર ની ધજા ના દર્શન કરી પાછા વળી જાય છે.હમણાં સાઈબાબા નું પુર બહુ જોર માં છે.અહી ઇઝલીન માં એક ફોટો મૂકી ને મંદિર ચાલુ થયેલું.હવે ખુબ લાઈનો લાગે છે.બરોડા માં ગુરુવારે જલારામ મંદિર અને જ્યાં સાઈબાબા નાં મંદિરો હોય ત્યાં ટ્રાફિક જામ.જલાબાપા કે સાઈબાબા કોઈએ આવું વિચાર્યું નહિ હોય.
     પછી નવરાત્રી ની વાત જ નાં થાય.નવ દિવસ જલસા.નવરાત્રી પછી ડોક્ટર્સ ને જલસા એવી કહેવત પડી ગઈ છે.દિવાળી ની વાત થાય?પછી આવે ભૂતિયો કારતક મહિનો.પૂર્વજો  જમાડો,શ્રાદ્ધ કરો.પૂર્વજો ને જીવતે તો નર્ક દેખાડી દીધું હોય પણ મર્યા પછી? પછી આવે ઉતરાણ,શિવરાત્રી,બમ બમ ભોલે,હોળી ધૂળેટી,રામનવમી,હનુમાન જયંતી,લગ્નગાળો,રથયાત્રા બસ એક પછી એક ચાલુ જ હોય.અમદાવાદ કે બરોડા ની પોળ માં રહેતા હોય તેને ખબર પડે કે સતત બારે માસ આવા પુર નાં લીધે વાગતા માઈક નાં અવાજો બીમાર અને વિદ્યાર્થીઓ માટે કેટલા નુકશાન કારક છે.આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ.રીસર્ચ પ્રિય,અભ્યાસ પ્રિય,ક્રિકેટ સિવાય બીજી રમત પ્રિય,સાહસ પ્રિય ક્યારે બનીશું?????   

પાપ તારું પરકાશ જાડેજા!!!

પાપ તારું પરકાશ જાડેજા!!!
એક ભજન સાંભળી ને મને કાયમ નવાઈ લાગે છે અને હસવું પણ ખુબ આવે છે.’પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે,તારી બેડલી ને ડૂબવા નહિ દઉં’…લગભગ બધાએ આ ભજન સાંભળ્યું હશે.ખુબ લોકપ્રિય છે.આ જેસલ જાડેજો એક લુંટારો હતો.ભજન માં એણે કહ્યા પ્રમાણે,ચાર લાખ હરણ એણે માર્યા છે,વન ના મોરલા માર્યા છે,સરોવર ની પાળો તોડી ને ગાયો નાં ધણ તરસે માર્યા છે,સાત વિસુ એટલે ૭૨૦ અથવા સાત ગુણ્યા ૨૦ ગણો તો ૧૪૦ મોડ્બંધા એટલે વરરાજા એણે જાનો લુંટી ને મારી નાખ્યા છે.માથાના વાળ જેટલા વકરમ ખરાબ કર્મો કર્યા છે.કોઈ ત્રાસવાદી લાગે છે કેમ?જો કે એનું ક્યાંક કચ્છ માં મંદિર હશે.હશે શું!! છે જ.
     સીધો સાદો કર્મ નો નિયમ સમજીએ તો જે તમે કર્મ કરો તેનું ફળ મળે.સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે.હવે આ જાડેજા નાં કર્મો પ્રમાણે એને ફાંસી થી ઓછી સજા થવી નાં જોઈએ.પણ આ બધા અતિશય  ખરાબ કુકર્મો માંથી છૂટવું હોય તો શું કરવાનું?કોઈ તોરી કે તોળી કે તોરલ રાણી ને મળો.બસ એ ભગવાન સમકક્ષ ભક્તાણી આગળ રડી પડો,બધા ખરાબ કર્મો એને કહી દો એ તમારી બેડલી કે નાવડી ડૂબવા નહિ દે.કેટલું સહેલું?બસ પછી ભક્ત બની જાવ અને પીર ની જેમ પૂજાઓ.તો પેલા હરણો,મોરલા અને વરરાજા મારેલાં એ બધા ની કોઈ સજા નાં મળી?શું કર્મ નો નિયમ આટલો બધો સસ્તો અને લાગવગવાળો છે?જ્યાં કોઈ એજન્ટ ની લાગવગ ચાલી જાય અને એ ભોગવવા માંથી મુક્ત થઇ જવાય?તો પછી આ હત્યાઓ અને ખરાબ કર્મો કદાચ ખરાબ ગણાતા નહિ હોય.હું તો મારી શંકાઓ રજુ કરું છું,મિત્રો કોઈ મને સમજાવશો?એક જ હત્યા કરો અને કોર્ટ તમને ફાંસી આપી દે.એવો કાયદો છે પણ ભારત માં ચાલી જાય છે પુરાવા ના મળે તો.બધે ચાલી જાય એકલા ભારત ની વાત નથી.પણ અહી તો દેખીતા વિડીયો રેકોર્ડીંગ પુરાવા હોય છતાં અને કોર્ટે ફાંસી આપી દીધી હોય છતાં ચાલી જાય છે,ગુનેગારો લહેર કરતા હોય છે,કારણ આ ભારત છે.સંતો,સ્વામીઓ ની પુણ્ય પાવનકારી ભૂમિ છે.અન્ગુલીમાલ,વાલ્મીકી,જોબન પગી અને જેસલ જાડેજો બધાને સુધારો,છો એ લોકોએ હજારો લોકો ને મારી નાખ્યા.માણસો છે એ લોકો,જે માર્યા ગયા એ લોકો તો તુચ્છ આત્માઓ હતા.સોહરાબુ્દ્દિન,અફજલ અને કસાબ જેવા માણસો છે.સોહરાબુ્દ્દિન ને મારનારા પોલીસ અધિકારીઓ ને સજા થવી જોઈએ કે નહિ?ડી.સી.પી વણઝારા એ તોળી રાણી બનવાનું હતું.”પાપ તારું પરકાશ,સોહરાબુ્દ્દિન તારી બેડલી ને ડૂબવા નહિ દઉં.”તો ચોક્કસ વણઝારા સાહેબ ની વાહ વાહ બોલી ગઈ હોત.બંને જણાં ભવિષ્ય માં પીર બની ને પૂજાત.પણ તુચ્છ આત્મા હવે સજા થવાની.કારણ ઉપર તોળી રાણી નું શાસન ચાલે છે.ગમે તેટલા પાપ કરો ભારત માં કોઈ ચિંતા નહિ.કોઈ સારો એજન્ટ પકડી લો.ગમે તેટલા મર્ડર કરો કોઈ ચિંતા નહિ.કોઈ પંથ,કોઈ ગુરુ પકડી લો અને બચી ગયા.આશ્રમ બનાવવા,મંદિર એટલે દુકાન બનાવવા રૂપિયા આપી દો નો પ્રોબ્લેમો.
        આ કર્મ નો નિયમ મને સમજાતો નથી.જ્યાં સમજવા જાઉં છું ત્યાં કોઈ આવી તોરી રાણી કે નરસિંહ મહેતા જેવો ભંકસ મારે છે.કર્મ ની જરૂર જ ક્યા છે?બસ પરમાત્મા નું ભજન કર્યા કરો,બધી જવાબદારી એની. નરસિંહ મહેતા,ગુજરાત ના પ્રથમ કવિ(૧૪૧૪-૧૪૮૧),ભક્ત,સંત,આદી કવિ,ગુજરાતી સાહિત્ય ના પ્રથમ કવિ.કોઈ આધારભૂત માહિતી એમના જીવન વિષે ની મળતી નથી.એમની કવિતાઓ,પદો અને પ્રભાતિયા વિગેરે માંથી માહિતી  મેળવવામાં આવી છે.નરસિંહ મહેતા એ જે તે સમય ની મૂળ ગુજરાતી ભાષા માં રચેલું સાહિત્ય આજે મળતું જ નથી.બધું મૌખિક રીતે સચવાયેલું બદલાઈ ચૂકેલું છે.કે.કા.શાસ્ત્રીજી ને જે કાઈ પુરાવો મળેલો તે પણ નરસિંહ મહેતાના સિધાવ્યા પછી સન ૧૬૦૦નો  એટલે ૨૦૦ વર્ષ પછી નો મળેલો છે.બધું નરસિંહ મહેતાનું હશે કે કેમ?એના પહેલાનું કોઈ ગુજરાતી કવિતા વિશેનું સાહિત્ય મળતું નથી,માટે એમને આદી કવિ કહેવામાં આવે છે. આ ભક્તો આળસુઓ ના પીર કેમ હોતા હશે?બસ આખો દિવસ ભજનીયા ગાવાના,નાં કોઈ કામધંધો,ના કોઈ ઉદ્યમ.કુદરત તમને જન્મ આપે પછી તમારી પોતાની જવાબદારી છે એ જીવન ને આગળ ધપાવવાની.હાથપગ તો જાતે હલાવવા જ પડે.પણ ભારત માં  બધું કુદરત ના માથે નાખી દેવાનું?બાળકો પેદા કરતા તો ભગવાન ને પુછવા જતા નથી કે  હે ભગવાન હવે મેં તો પેદા કરી દીધા હવે બધી જવાબદારી તમારા માથે.સંસારી હોવા છતાં સંસાર થી અલિપ્ત હતા એટલે આપણે તો અહોભાવ માં તણાઈ જવાના.બહુ મહાન કહેવાય.બે બાળકો પેદા કર્યા તો અલિપ્ત કઈ રીતે થઇ ગયા?પત્ની અને કામરસ થી અલિપ્ત નહિ રહેવાનું.કે પછી કમાવા કોણ જાય?મહેનત કોણ કરે?વર્ક થી અલિપ્ત.એમના ભજનો સાંભળી ભગવાન સાક્ષાત દર્શન દેતા.શું ભગવાન કોઈ વ્યક્તિ છે?કુદરત નવરી છે કે માનવ રૂપે દર્શન આપે?કે પછી ભ્રમણા?કે ઈલ્યુંજન?તો તો ભક્ત ગધેડા ને ભગવાન મોટા ગદર્ભરાજ  સ્વરૂપે ચોક્કસ દર્શન આપતા હશે.એમના દીકરાનો  વિવાહ હોય તો કુદરત ને ભગવાન ને દોડવું પડે,એમની દીકરી નું મામેરું હોય તો ભગવાન ને દોડવું પડે.ભારત ની પ્રજા કાયમ આવા સંદેશા મહાકવિઓ,મહાપુરુષો,ભક્તો,સંતો,ગુરુઓ  પાસે થી મેળવતી રહે પછી આશરે ૯૦૦ વર્ષ ગુલામ  ના રહે તો શું થાય?મહાન ફીલોસીફી,ઉચ્ચ આદર્શો ની વાતો,કવિતાઓ,આખ્યાનો,કથાઓ ના કલ્ચરે ભારત ને મહાન આળસુ બનાવી દીધું.બસ ભજન કરો બેસી રહો સમય નો વ્યય કરો અને ભગવાન બધું સાંભળી લેશે.ભગવાન સ્વયં વિઘ્નો દુર કરવા આવશે.થયું એવું હશે કોઈ વાણીયા શેઠ ને દયા આવી હશે ને  બધા કામ પુરા પાડ્યા હશે.હવે એ શેઠ તો ભગવાન જ કહેવાય ને?એનામાં પણ ભગવાન તો છે જ ને?એમણે રચેલી કવિતાઓ વિષે ગુજરાત અને દરેક ગુજરાતી આજે પણ ગર્વ અનુભવે છે.ગુજરાતી સાહિત્ય જગત માં એમનું સ્થાન બહુ ઊંચું છે.ભારત સરકારે નરસિંહ મહેતા નાં માનમાં  એક ટપાલ ટીકીટ બહાર પડેલી હતી.જે આપણાં માટે ગર્વ ની બાબત છે.પણ આ કર્મ નો નિયમ કાંતો ખોટો છે,કાંતો મને સમજાતો નહિ હોય.કે પછી કુદરત નાં સામ્રાજ્ય માં કર્મ નો કોઈ નિયમ જ નથી કે શું???????
    “હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતર્યું છે,પાપી તેમાં ડૂબકી દઈ ને પુણ્ય શાળી બને છે.” પહેલા પાપ કરો પછી કરો પસ્તાવો અને બનો પુણ્યશાળી.વેરી સિમ્પલ!!!!હા!હા!હા!હા!હાઆઆઆ!
            
    

પરમેશ્વર ન્યુટ્રલ ગીયર

                                                     પરમેશ્વર માટે ના કોઈ શત્રુ છે ના કોઈ મિત્ર. પરમેશ્વર તો ન્યુટ્રલ ગીયર છે. પરમેશ્વર ના તો નિર્બળ છે, ના સબળ. પરમેશ્વર ના તો ક્રૂર છે , ના દયાળુ. પરમેશ્વર તો એક નિયમ છે. નિયમ તોડો તો એના પરિણામો ભોગવો. એમાં કોઈ વહાલા દવલાની નીતિ ચાલે નહિ. આપણે મનુષ્યો છીએ માટે એને વહાલા છીએ અને બીજા પ્રાણીઓ કે જીવો દવલા છે તેવું નથી. એક નાનામાં નાનો જીવ એને માટે સરખો જ છે. મનુષ્યો મહત્વના અને બીજા નહિ, તેવું કુદરત આગળ ના હોય. મનુષ્યોમાં પણ હિંદુ વહાલા કે ખ્રિસ્તી વહાલા અને બીજા ના હોય તેવું પણ નથી. બ્રીટીશર ખરાબ અને ભારતીયો જ સારા એવું પણ કુદરત આગળ ના હોય. એવું હોત તો બસો વર્ષ રાજ કરી ગયા ના હોત. ઘોરી ખરાબ અને પૃથ્વીરાજ સારો તેવું પણ નહોય. એવું હોત તો પૃથ્વીરાજ હાર્યો જ ના હોત. કુદરત આગળ સૌ સરખાજ છે. જે ભેદ ભાવ બનાવ્યા કે ઘડ્યા તે આપણે ઘડ્યા છે.
            નિયમ આગળ કોઈનું ચાલે નહિ. બની શકે કે નિયમો સમજાતાં નથી, કે સમજવા દેવામાં આવતા નથી. દસમાં માળેથી નીચે પડો અને માથું જમીન પર અથડાય તો ભગવાનનો વહાલો દીકરો પણ ના બચે. હા માથું જમીન પર નાં ભટકાય તો બચી જવાય ભલે હાથ કે પગ તૂટે. હવે અહી બચી ગયેલો સમજે કે ભગવાને બચાવ્યો કે ગુરુજીએ બચાવ્યો તે ખોટું છે. એક્સીડેન્ટ કે માથું ના ફૂટ્યું ને બચી ગયો. અમારા એક સબંધીનો દીકરો નાનો હતો ત્યાર થી ખુબ ભક્તિભાવ વાળો. રોજ મહાદેવને દૂધ ચડાવવા  જાય. પણ એકવાર કારમાં એક્સીડેન્ટ થયો. વીજળીનો થાંભલો કારના અથડાવાથી તુટ્યો અને એ જે બાજુ બેઠેલો તે બાજુ પડ્યો ને ગુજરી ગયો. થાંભલો જરા દુર પડ્યો હોત તો બચી જાત. બચી જવાના કારણો હોય છે, નિયમ હોય છે. પણ આપણે માની શકતા નથી. ભારત ખુબ ધાર્મિક હતું અને છે. કાયમ લોકો કથા, વાર્તાઓ, જપ, તપ, યજ્ઞો, ભજન, ભક્તિમાં રમમાણ રહેતા હોય છે. માટે ઈશ્વરભાઈના સૌથી વહાલા હોવા જોઈએ ને? તો મુસ્લિમ ચડી આવ્યા તો હારી કેમ ગયા? ભગવાને મદદ કેમ ના કરી? પછી અંગ્રેજો આવ્યા. નિઝામના હૈદરાબાદ કરતા બ્રિટન નાનું હતું. સ્પેન કેવડું છે? ભારતના એક કે બે રાજ્યો જેટલું? એક સમયે આખું સ્પેન મુસલીમના અંડરમાં આવી ગયેલું. પણ જાતે જ બેઠું થયું. અરે દક્ષીણ અમેરિકા ખંડનાં લગભગ તમામ દેશો કબજે કરી લીધા. જેવા કે પેરુ, ઉરુગ્વે, આર્જેન્ટીના, નિકારાગુઆ, ગ્વાટેમાલા, મેક્સિકો અને બીજા અનેક. બ્રાઝીલ નાનકડા પોર્ટુગલે કબજે કર્યું. નાતો ભારતીયો નિયમ આગળ મોટા છે ના યુરોપિયન નાના. અરે અમેરિકાનોએ આજ બ્રીટીશરો ને ૧૭ મી સદીમાં ભગાડેલા. આજ બ્રીટીશરો પાછા એજ ૧૭ મી સદીમાં ભારત આવ્યા. હારીને બેસી રહ્યા હોત તો? નિયમો સમજો,  ના સમજાય તો ચમત્કાર માનશો નહિ. કે ચમત્કારની આશા રાખશો નહિ. માટે શિવજીનું ત્રીજું નેત્ર ખુલ્યું નહિ અને ગઝની સોમનાથ તોડી ગયો. તમે નબળા પડ્યા. કુદરત આગળ ગઝની અને હિંદુ બધા સરખા જ છે.
     શ્રી સુબોધ શાહ કહે છે Culture  Can  Kill  હું કહું છું Culture Already Killed Us !!!!!!હજુ તો મોહન ભાગવત આજે પણ  કહે છે કે હિંદુ ધર્મ અહિંસક છે. હવે અહિંસક બનવું હોય અને તે પાળવું હોય તો ગુલામ બની રહો. આશરે ૯૦૦ વર્ષ ગુલામી ભોગવી દેવોની ભાષા બોલવાવાળા આપણે. જો આપણે જ પવિત્ર અને ધાર્મિક પુણ્યશાળી જ હોત તો ઈશ્વરે કેમ ગુલામીમાંથી મુક્ત ના કરાવ્યા? તમારામાં લડવાની તાકાત કે આયોજન ના હોય તો ભોગવો મારે શું? આ છે ઈશ્વરભાઈનું કહેવું. અને ગુલામીમાં જ સુખ અને આનદ મેળવવો હોય તો પણ એને શું વાંધો? આ તો અંગ્રેજોની ભૂલ કે તમને ભણાવ્યા. બાકી હજુ ગુલામ જ હોત. પરમાત્મા નિર્બળ નથી. એ એનું કામ કર્યે જ જાય છે. તમે  ભક્તિ કરશો તો તમારે પડખે ઈશ્વર બેસી જશે એવું માનવું ભૂલ છે. અને ભક્તિ નહિ કરે તેની વિરુદ્ધ જશે તેવું પણ નથી. જગત આખું નિયમથી ચાલી રહ્યું છે. તો આપણી સ્વતંત્રતા શું? બહુ સરસ જવાબ આપ્યો છે મહમદ પયગમ્બરે પૂછનારને. તમે ઉભા છો તો તમે એક પગ ઉંચો કરવા માટે સ્વતંત્ર છો. બીજો નહિ. બંને સાથે ઉંચા કરવા માટે નિયમ એવો છે કે ગબડો અને પડો. પડવું હોય તો ચોઈસ તમારી છે. એમાંથી પણ આનંદ મેળવવો હોય તો ચોઈસ તમારી છે. અંગ્રેજો લુંટી નથી ગયા. આપણને લુંટાઈ જવામાં મજા આવી હશે. ચોઈસ આપણી જ હતી.
       શરીરનાં ખાસ નિયમો છે. ૪૨ વર્ષ પછી વળતા પાણી સમજી લેવાના. નવા કોશો ઓછા બને. સારા ખોરાક અને નિયમો થી આયુષ્ય થોડું વધારી શકો. એક સેલ એક કોપી મૂકતો જાય. એક જ પેપરની ઝેરોક્ષ કોપી કાઢો. પછી તે ઝેરોક્ષની ઝેરોક્ષ કોપી કાઢો. આમ ઝેરોક્ષની ઝેરોક્ષ કાઢતા જાવ. શું થશે? ધીમે ધીમે કોપી બગડતી જવાની. બસ ભાઈ શરીરનું પણ એવું જ છે. પણ ૧૪૦૦ વર્ષ જીવવાની લાલચ અપાઈ જાય તો ધંધો આપનારનો સારો ચાલે. મૂર્ખાઈની કોઈ હદ હોય ખરી? શરીરમાં જે દહન ક્રિયા થાય છે તેમાં ઓક્સીજન વપરાય છે, આજ ઓક્સીજનનો એક ફ્રી રેડીકલ બહાર પડે. જે પોષતું તે મારતું. આ ભઈલો જ કોશોનો નાશ કરતો જતો હોય છે. હવે શ્વસન ક્રિયા જેટલી લાંબી અને ધીમી એટલી દહન ક્રિયા પણ ધીમી એટલું ઓક્સીજનનો  ફ્રી રેડીકલ જમા થવાનું ઓછું. માટે કાચબો લાંબુ જીવતો  હોઈ શકે. તમે કોઈ નવા નુસખા શોધી ને કેટલું લંબાવી શકો? વધારે જીવવા માટે બેસી પણ કેટલા રહો?પ્રાણાયમ એમાજ શોધાયા. અને નિષ્ક્રિય બેસી રહેવાનું પણ એમા જ તપ અને સમાધિ કે ધ્યાનનાં નામે શોધાયું હોવું જોઈએ. કોઈ પણ કર્મ એની સમગ્રતા થી કરવું  જોઈએ એ જ ધ્યાન. શારીરિક તંદુરસ્તી માટે યોગા અને પ્રાણાયામ સારા જ છે, પણ એનાથી હજારો વર્ષનું આયુષ્ય મળે તે ઈમ્પોસીબલ છે. કલ્પનાઓના તરંગોમાં જીવતી આપણે મહાન ભારતીય પ્રજા છીએ, વાસ્તવિકતાથી લાખો માઈલ દુર. શ્રી અરવિંદ અતિમનસ ચેતનાનો કોન્સેપ્ટ લઇ આવેલા. એમના મૃત્યુ પછી માતાજી(ફ્રેંચ મહિલા)ની આજ્ઞાથી  એમની ડેડ બોડીમાં અતિમનસ ચેતનાનું અવતરણ થશે તેમ માની રાખી મુકેલી. પણ પછી દુર્ગંધ આવવા લાગી અને સમાધિમાં પરિવર્તિત કરી દેવામાં આવી. રીસાયકલીંગ કુદરતનો નિયમ છે.

નર્કાવરોહણ (Back to Home)

નર્કાવરોહણ (Back To Home)

હવે નર્કારોહણ તો લખી નાં શકાય કે નાં સ્વર્ગારોહણ લખી શકાય. ચિત્રગુપ્તે બધી પોલ બહાર પાડી દીધી હતી. લોકોનાં અચેતન મન જ સ્વર્ગ અને નર્કનાં જનક છે. દરેકનાં નર્ક અને સ્વર્ગ જુદા જુદા છે. તિબેટમાં કાયમ પુષ્કળ ઠંડી પડે છે. તો એમના સ્વર્ગમાં ગરમ પાણીનાં ફુવારા અને જળાશયો છે. ભારતમાં ગરમી પડે તો અહીં શીતલ જળનાં જળાશયો છે. ભારતનાં સાધુઓ સેક્સને દબાવીને સાધના કરતા હોય છે માટે એમને સ્વર્ગમાં ફક્ત ૧૬ વર્ષ થી આગળ ઉંમર વધે જ નહિ તેવી સુંદર અપ્સરાઓનો સહવાસ જોઈએ છે.
એક તો પહેલા મજબૂત નરને જ નારી મળે તેવી કુદરતી વ્યવસ્થા હતી. કોઈ લગ્ન વ્યવસ્થા હતી નહિ. ઉદાલક મુનિનો પુત્ર શ્વેતકેતુ ખૂબ નાનો હતો. પણ બુદ્ધિશાળી હતો. એ સમયે લગ્નના પવિત્ર બંધન હતા જ નહિ. એક ઉદાલક કરતા વધારે વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઉદાલકની સ્ત્રીને કહે ચાલ મારી સાથે. સ્ત્રી એટલાં માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા આવી પછી પત્ની શબ્દ આવ્યો. બ્રાહ્મણોમાં મજબૂત કોણ કહેવાય? જે વધારે વિદ્વાન હોય તે. પેલી નાના શ્વેતકેતુને અને ઉદાલકને મૂકી ને ધરાર ચાલી ગઈ. બસ નાના શ્વેતકેતુનાં મનમાં થયું કે આ કેવું? એણે મોટા થઈને લગ્નવ્યવસ્થાની રચના કરી. અને પવિત્રતાનાં વાઘા પહેરાવી દીધા.
આ પહેલા  જે ભિખારી જેવા કમજોર અને આળસુ લોકો હતા તેઓને સ્ત્રી મળતી નાં હતી. એ લોકો એ અમે તો તપસ્વી છીએ, અમે તો સ્વર્ગમાં સુંદર કન્યાઓ ભોગવવાના છીએ. બસ અને  કમજોર લોકોએ જેમ લગ્નવ્યવસ્થા શોધી કાઢી તેના પૂર્વે આ આળસુ ભારતીય  લોકોએ સ્વર્ગમાં અપ્સરાઓની કલ્પના કરી લીધી. સાથે સાથે આ આલસ્ય શિરોમણિ લોકોએ કલ્પવૃક્ષની રચના પણ કરી લીધી. જેથી ખાલી મનમાં વિચાર જ કરો ને વસ્તુ હાજર. કોઈ હાથ પગ હલાવવાના નહિ, નાં કોઈ મહેનત, નાં કોઈ મજૂરી, નાં કોઈ ઉદ્યમ. ખાલી ફક્ત વિચાર જ કરવાનો. બોલો આને શું કહેશો? કલ્પવૃક્ષ એટલે ભયંકર આળસુ લોકોનો કૉન્સેપ્ટ. આજે એજ થઈ રહ્યું છે. ભારતની મૂર્ખ પ્રજા કલ્પવૃક્ષ છે આ બાવાઓ માટે. જરા જેટલો ઇશારો અને વસ્તુ હાજર.
બાપજી કહેશે મારે વિમાનમાં રામાયણ ગાવી છે. કલ્પવૃક્ષ(મૂરખ ઘેટાં) હાજર. બાપજી કહેશે મારે હવે પાણીમાં કથા કરવી છે તો જહાજ હાજર કરી દેવાનું આ કલ્પવૃક્ષ.  હવે જ્યારે કોઈ ને કામ કરવું જ નથી ત્યારે નવરો બેઠો નખ્ખોદ વાળે તેમ છોકરાં પેદા કરે જાય છે. કશું તો કામ જોઈએ ને? જે પ્રજા ખૂબ જ પ્રવૃત્તિશીલ છે ત્યાં બાળકો ઓછા પેદા થવાના. સમય જ ક્યાં છે?  બે જૂનામાં જૂની સંસ્કૃતિઓ આલસ્ય શિરોમણિ હતી. ચીન અને ભારત, અને બંને જગ્યાએ ખૂબ વસ્તી વધી ગઈ. હવે ડ્રેગન તો કામે વળી ગયો છે, પણ ભારત?
અમુક લોકોના સ્વર્ગમાં તો સુંદર છોકરાઓ મળે છે અપ્સરાઓની જગ્યાએ. આ બધી આપણાં મનની અતૃપ્ત ઇચ્છાઓ જ છે. અચેતન મનની અતૃપ્ત વાસનાઓ. પહેલા મનોવૈજ્ઞાનિકો એને અનકોન્સયશ માઈન્ડ કહેતા હતા હવેના મનોવૈજ્ઞાનિકો એને સબકોન્સયશ માઈન્ડ કહે છે. એને ગુપ્ત ચિત્ત કે ચિત્રગુપ્ત કહી શકો. હિસાબમાં કોઈ ભૂલ જ નહિ. આ ધર્મગુરુઓનો નાર્કો એનાલિસીસ ટેસ્ટ કરવો જોઈએ, જો કેવો કાદવ નીકળે છે પછી. બૌદ્ધ લોકોના સ્વર્ગ અને નર્ક જુદા છે તેમ જૈન લોકોના પણ જુદા જુદા છે. મહાભારતનાં યુદ્ધના કારણે વળી જૈનો એ શ્રી કૃષ્ણને સાતમાં નર્કમાં નાખી રાખ્યા છે. હવે હિંદુઓ જેને ભગવાન ગણે છે તે જૈનો માટે પાપીઓ છે. પાછો જેવો તેવો પાપ કર્તા નહિ છેક નીચે સાતમાં નર્કમાં.
ત્યાં અમે બે ઋષિઓ અમને જોઈ ને છટકવા માંગતા હોય તેવું જોયું, પણ અમે એ લોકોને ઝડપી લીધા. આ તો ઋષિ પરાશર અને એમના દીકરા વ્યાસજી હતા. પરાશરને નદી પાર કરાવતી સુંદર માછીની કન્યા જોઈ ને કામાવેગ પીડવા લાગ્યો.  એટલે બહાનું કાઢ્યું કે ઉપર તારાઓ અને નક્ષત્રો સુંદર રીતે ગોઠવાયા  છે. આજે પુત્ર દાન કરીશ તો બહુ બુદ્ધિશાળી, જ્ઞાની પુત્ર પેદા થશે. એમ ફોસલાવી ને સ્પર્મદાન કરી દીધું. વાર્તાઓ ઊભી કરવાનાં નિષ્ણાત આ ઋષિને પાછી જવાબદારી તો ગમે નહિ. કામ પૂરું કે ભાગી જવાનું ભારતનાં લોહીમાં મૂકતા ગયા. એ મત્સ્ય કન્યાની કુખે પુત્ર થયો તે વેદવ્યાસ. એમને તો શું પૂછીએ? પણ વ્યાસજી ને પૂછ્યું કે,
‘મહર્ષિ, આપે ખૂબ શાસ્ત્રો રચ્યા, લગભગ બધાં પુરાણો અને ઘણું બધું. શું બધું ગણપતિએ લખેલું?’ મેં પુચ્છ્યું.
‘ભાઈ, એમાં એવું છે કે એ વખતે લખવું શેમાં? એવું કોઈ જ્ઞાન હતું નહિ, કાગળ પણ હતા નહિ. એટલે ગણપતિ એટલે મોટા માથાવાળો મતલબ મોટા બ્રેન અને યાદ શક્તિવાળાને બધું કહ્યું, તેણે સ્મરણમાં રાખ્યું અને પેઢી દર પેઢી એકનું એક રટણ કરાવીને યાદ રાખ્યું. બાકી કોઈ માનવનાં માથે હાથીનું મસ્તક ચોટે  નહિ.’ વ્યાસજીએ ઉત્તર આપ્યો.
‘પણ આપે કૃષ્ણનાં નામે ખૂબ ચડાવી દીધું કેમ?’
‘ભાઈ, બધું જ મારું લખેલું હતું, મહાભારત અને ગીતા પણ, પણ કૃષ્ણે કહ્યું એટલે ભગવાને કહ્યું કે એના ઉપર એક સ્ટેમ્પ વાગી ગયો.  લોકો ઊંધું ઘાલી ને માની લેવાનાં. ખલાસ ભગવાને કહ્યું છે, કોઈ શંકા જ નાં કરે.’
‘એમ કરીને આપે આપની ફિલસૂફી ને એક સ્ટાન્ડર્ડ રૂપ  આપી દીધું. આપે નહિ પણ ભગવાને કહ્યું છે તેમ જ લોકો માને છે અને અંધ બનીને દોરવાય છે. આ તો બિઝનેસ પોલિસી કહેવાય.’
‘સાચી વાત છે. એમાં બધું જ મારું પણ નથી. કારણ કંઠસ્થ રાખેલું એમાં દરેક પોતાનું ઉમેરતા પણ જતા. બધા પુરાણો પણ મેં નથી રચ્યા, લોકોએ મારી જ પોલિસી વાપરી ને પછી મારા નામે ચડાવી દીધું છે.’
‘પણ,  આપ લોકો છટકતા કેમ હતા?’ મેં હસતાં હસતાં પૂછ્યું.
‘ભાઈ,  હવેના રિપોર્ટરોથી ખૂબ બીક લાગે છે. અવ નવા સવાલો કરીને ગૂંચવી નાખે છે. અને એમાં આપ લોકો બહુ માહેર છો. માટે અમે ભાગતા ફરતા હતા, પણ આજે ઝડપાઈ ગયા.’
‘તો આપ આકાશમાં ગોઠવાયેલા ગ્રહો ને લીધે જ્ઞાની બન્યા હતા?’
‘ના ભાઈ નાં, એના માટે મેં ખૂબ અભ્યાસ કરેલો. એમ તારાઓની ગોઠવણી અહીં કામ નાં લાગે. અભ્યાસ નાં કરો તો કશું કામનું નહિ. બાકી મેં અભ્યાસ ના કર્યો હોત તો હું પણ રામાયણ ગાતો ફરતો હોત.’ વ્યાસજી હસી પડ્યા.
‘આપે રચેલા અને બીજા શાસ્ત્રો માટે આપ શું કહો છો?’
‘જુઓ, સાચી વાત એ છે કે એ સમયે સ્થિતિ જુદી હતી. હવે જમાનો બદલાયો છે. એમાંથી સારું રાખીને બીજા બધા ને દરિયામાં ફેંકી ને નવા શાસ્ત્રો રચવા જોઈએ, નવો એક જ ધર્મ રચાય તો સારું. અથવા તો ધર્મની જ જરૂર નથી. શાસ્ત્રોને ધર્મનું સ્વરૂપ આપવાની શું જરૂર છે? જ્ઞાનને ફક્ત શુદ્ધ જ્ઞાન રાખો, જ્ઞાનને વળી ધર્મોનાં લેબલની જરૂર હોય ખરી? જેમ આજે નવું કોઈ વિજ્ઞાન પેદા થાય છે તે આખી દુનિયા વાપરે છે કોઈ એકની માલિકીનું રહેતું નથી તેમ શાસ્ત્રો પણ કોઈ એકની માલિકીના નાં રાખવા જોઈએ. સારું હોય તે બધાનું અને  ખોટું હોય તે ફેંકી દેવાનું.’ વ્યાસજીએ લાંબો ઉત્તર આપ્યો.
વ્યાસજીને ખાસ કશું પૂછવાનું યાદ આવતું નહોતું.   હું અને રશ્મીભાઈ હવે છટકવાની વેતરણમાં હતા. હવે સમજાઈ ગયું હતું કે શરુમાં જ્યારે હું સવાલ કરતો કે પ્રભુ આપણ અહીં? ભગવાન આપ પણ અહીં? અને બધા મોઘમમાં હસતા કેમ હતા. હું અહીં નર્ક સમજીને આવેલો પણ અહીં તો?
પ્રેસિડન્ટ સ્વામી ભલે એમના સ્વર્ગમાં રાચે. આવું તો પેલાં  વિશ્વામિત્રે પણ કરેલું. ત્રિશંકુને સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે લટકાવી રાખ્યો હતો. બસ આજે પણ ભારતની પ્રજાને સાવ ત્રિશંકુ જ બનાવી દીધી છે, અધવચાળે લટકી રહેલી.
અમે ભગવાન રામજી, કૃષ્ણજી અને બીજા બધાને મળી ને કંઈક આડું અવળું પુછાઈ ગયું હોય તો ક્ષમા માંગી લીધી. બધા એ જ્યારે જરૂર પડે કોઈ સવાલ ઊઠે તો બેધડક આવી ને પૂછી  લેવાનું જણાવ્યું. ફક્ત એક વ્યક્તિને લઈને આ જગ્યા છોડવાનું મને મન થતું નહોતું. એમના સુંદરતમ પવિત્ર મુખારવિંદ અને એમના નયનમાંથી સદાયે વહેતું પ્રેમાળ હૃદય માણ્યાં કરવાનું મન થયા કરતું હતું. એમની રગે રગ અને રોમરોમમાંથી પ્રેમ જ નીતરતો હતો, એવા સીતા મૈયાને છેલ્લો સવાલ કરી ને ઉત્તરની રાહ જોયા વગર અમે પ્રસ્થાન કર્યું  કે,
‘હે, સીતામૈયા આપને પૃથ્વીલોકમાં બીજા કોઈ નહિ ને ફક્ત રામ જ મળ્યા?’

નર્કારોહણ-૯

નર્કારોહણ-૯

હવે અમારી ઇચ્છા બાજુમાં આવેલા સ્વર્ગમાં ઘૂશ મારવાની હતી. અને ત્યાંથી કશું જાણવા મળે તો રિપોર્ટ લખવો હતો. પણ ત્યાં જવું કઈ રીતે? ત્યાં તો ઠેર ઠેર ઓરેન્જધારીઓ ચોકી કરતાં ઉભા હતા. ત્યાં અમને ચિત્રગુપ્ત(ગુપ્ત ચિત્ત, અચેતન મન) મળી ગયા. બહુ હોશિયાર, બધો હિસાબ રાખે. જે કર્યું હોય છાનું છપનું બધું એમના એકાઉન્ટમાં જમા, કોઈ ભૂલ નાં થાય. એમણે અમને વચન આપેલું કે પેલાં સ્વર્ગમાં લઈ જવાની ગોઠવણ કરીશું, કશું બોફોર્સ જેવું આપવું પડશે. પણ આ કશી કામના વગરનાં અને કામ વગરનાં સાધુઓને શું આપીશું બોફોર્સમાં?

ચિત્રગુપ્ત કહે, ‘વેરી સિમ્પલ હમણાં પેલાં કર્ણાટકવાળા નિત્યાનંદ અને રન્જીથાની સીડી ૧૦૦૦ રૂપિયામાં મળે છે તે કોઈ ચોકી કરતા ઓરેન્જ્ધારીને આપી દેશું. આપણને છાનામાના ઘુસાડી દેશે.’

‘પણ અહીં તો બધાં ઓરેન્જધારીઓ વચ્ચે પકડાઈ જઈશું, મેં કહ્યું.

ચિત્રગુપ્ત કહે, ‘તેની ચિંતા નાં કરો. હું એવી કરામત કરીશ કે આપણે એ લોકોને ઓરેન્જ્ધારીઓ જ દેખાઈશું.’

આમેય ચિત્રગુપ્ત અમારી સાથે માર્ગદર્શન માટે સાથે જ આવવાનાં હતા. પૃથ્વી લોકમાં અમે સીડી માટે એજન્ટને કહ્યું, ‘તો કહે આવી એક શું હજાર સીડીઓ આપી દઉં. બોલો કયા સંપ્રદાય અને કયા ધર્મની જોઈએ છે? દુનિયાનાં તમામ સંપ્રદાયોનો માલ અમે રાખીએ છીએ. ઈમ્પોર્ટેડ માલ પણ રાખીએ છીએ.’

નિત્યાનંદ વાળી લેટેસ્ટ હતી, માટે તેજ મંગાવી લીધી. બસ અમે ચિત્રગુપ્તની કૃપાથી એમની સાથે સ્વર્ગનાં દરવાજે જઈ ને ઊભા. સીડી હાથમાં જોતા વેત દરવાજા ખુલી ગયા અને પેલાં ચોકીદાર જોવામાં  મશગૂલ પણ થઈ ગયા. ભાઈ કહેવું પડે સ્વર્ગ તો એકદમ અફલાતૂન છે. સુંદર વન ઉપવન, થિયેટર સ્લાઈડ શો માટેના. મ્યુઝિયમ અને ઘણું બધું. સંપૂર્ણ વાતાનુકૂલિત. ચિત્રગુપ્ત કહે આ બધી વૈજ્ઞાનિકોની મહેનત છે. કેટલી બધી સગવડ અહીં છે ખરું ને?

મેં ચિત્રગુપ્તને પૂછ્યું કે, ‘આપણે ત્યાં નરકમાં તો સુંદર નારીઓ વિહરતી હતી, રામ સીતા, પત્નીઓ સાથે કૃષ્ણ, ઋષિઓ સાથે ઋષિ પત્નીઓ. અહીં તો કોઈ સ્ત્રી દેખાતી નથી.’

‘ભાઈ હિન્દુઓના સ્વર્ગમાં સ્ત્રીઓને જગ્યા નથી. પણ હવે તમને ફોરડી(થ્રીડી કરતા વધારે પાવર ફુલ) ગ્લાસ પહેરાવીશ. એટલે અહીં વસેલાં લોકોના મનમાં રહેલું બધું પ્રત્યક્ષ  દેખાશે.’ ચિત્રગુપ્ત બોલ્યા.

એક સુંદર ફુવારા આગળ અમે ગયા. ત્યાં લગભગ ૧૫ સોળ વર્ષ સુધીના  નાના બાળકોની પ્રતિમાઓ હતી. થોડા ભગવાધારીઓ ત્યાં ઉભા હતા. એમના મુખ ઉપર ભયંકર અગ્નિમાં સળગતા હોય તેવી પીડાનાં ભાવ હતા. શીતલ જળનાં ફુવારા અને એમાંથી મંદ મંદ વહેતો શીતલ પવન અને આ લોકો જાણે લાખો સેલ્સિયશ ગરમીની પીડા કેમ પામતા હશે? જાણે નર્કનાં પેલાં તાવડામાં શેકાતાં નાં હોય?

અમે જટ દઈ ને ફોર ડી ગ્લાસ ચડાવી દીધા. ઓહ! માય ગોડ !!! તરત જ ગ્લાસ કાઢી નાખવા પડ્યા. દ્રશ્યો જોવાય તેવા નહોતા. ચિત્રગુપ્ત પૂછે  શું થયું?

‘હવે સમજ પડી, આ અગ્નિ તો કામાગ્નિ છે. ભલે આ લોકો પીડાય પણ પેલાં નાના બાળકોની મહા વ્યથા દેખવી અઘરી છે. આ તો બધા ચાઈલ્ડ અબ્યુઝર લોકો છે.’ મેં કહ્યું.

બાળકોના મુખ પર વસેલી પારાવાર પીડા જોઈ મારી આંખમાંથી અશ્રુ ટપકી પડ્યા. શું આટલાં માટે બાળકોને દીક્ષા આપતા હતા? અબુધ બાળકો અને મૂરખ એમના માબાપ.

ત્યાં થોડે દુર થોડા ભગવાધારીઓ વળી પીઠ ઉપર લેબલ લગાવી ને ફરતા હતા. એમાં લખેલું કે અમે મહાન બ્રહ્મચારી છીએ સ્ત્રીના મુખ કદી દીઠાં નથી. પણ ગ્લાસ ચડાવીએ એટલે એમની અંદર વસેલી કામાગ્નિ ની પીડા દેખાઈ આવે. સતત સ્ત્રીઓ સાથે સહવાસ માણતાં જ દેખાય છે. જાણે ખીલા ભોંકાતા હોય તેવી પીડાઓ પામતા આ બધાને જોઈ ને થયું કે ખરું નર્ક તો અહીં છે. અસલી સુખ કરતાં નકલી સુખ વધુ પીડા દાયક હોય છે. કોઈ કોઈ તો વળી સોનાચાંદીનાં ઢગલા ઉપર બેસીને જાણે ઊકળતા પાણીમાં નાંખ્યાં હોય તેમ તરફડતા હતા. થોડા ત્રાસવાદીઓ પણ જોયા. ચિત્રગુપ્ત કહે મંદિરમાં આ તો પોલીસના હાથે મરેલા. પણ અહીં કેમ? વસુધૈવ કુટુમ્બકમ, મંદિરમાં મર્યા ને અહીં બધા ભક્તો સાથે લાવી દેવાયા, કોઈ પક્ષપાત નહિ. સહુ સરખાં.

હવે અહીં વધુ ફરવામાં સાર હતો નહિ. નર્કની પીડાઓ તો અહીં હતી. આ જ તો નર્ક હતું. તો પેલું શું હતું? જ્યાં અમે ફરતા હતા?

ચિત્રગુપ્ત બોલ્યા, ‘સાઇન બોર્ડ બદલવાનું કામ મારું છે. સ્વર્ગની જગ્યાએ નર્ક અને નર્કની જગ્યાએ સ્વર્ગનાં પાટિયા બદલી નાખું છું સમય સમય પ્રમાણે.’

‘તો પછી સાચું સ્વર્ગ અને સાચું નર્ક કયું?’ મેં પુચ્છ્યું.

‘એકેય નહિ, નાં કોઈ સ્વર્ગ છે, નાં કોઈ નર્ક, બધું તમારા ગુપ્ત ચિત્તમાં જ છે. તમે સ્વર્ગમાં છો તેમ માનીને પણ નર્કની પીડા ભોગવી શકો છો. તેમ ભલે લોકો માને કે તમે નર્કમાં છો પણ સ્વર્ગનો આનંદ પામી શકો છો.’ ચિત્રગુપ્ત બોલ્યા.

‘તો પછી આ મહાપુરુષો જેવા કે મહાવીર અને બુદ્ધ તો નાસ્તિક હતા એ લોકોનું શું માનવું?’ મેં શંકા દર્શાવી.

‘એ લોકો સ્વર્ગનાં મોહતાજ નથી હોતા, સ્વર્ગ એ લોકોનું મોહતાજ હોય છે. એવા લોકો જ્યાં હોય ત્યાં સ્વર્ગ હોય.’ ચિત્રગુપ્તે જોરદાર વાત કરી.

અમે તો પાછાં અમારા જાણીતા નર્કમાં આવવા ભાગ્યા. બહાર આવતા ચિત્રગુપ્તે પેલાં બોર્ડ સામે નજર કરવા કહ્યું.

અરે, આ તો  ‘આલ્ફાબેટધામ’ ! ! ! ! !

નર્કારોહણ-૮

નર્કારોહણ-૮

હતો નર્કારોહણનો આજે આઠમો દિવસ. થોડા જટાઝૂંટ ધારી ઋષિઓને મળવાની ઇચ્છા હતી. કહેવાતા મહાન ઋષિઓએ પણ ખૂબ અન્યાય કરેલા હતા. એમનો ઊધડો લેવો હતો. પ્રથમ તો આપણે આ લોકોને એટલાં બધા મહાન સમજી બેઠાં છીએ કે એમની ભૂલો નજરઅંદાજ થઈ જાય છે. અથવા બહાના કાઢીએ છીએ કે સમાજ સુધારા કે દાખલા બેસાડવા આવું કર્યું હશે. એવામાં નાની નાની કુટીરો જેવું એક સોસાયટી જેવું દેખાણું. અમને થયું કે નક્કી ઋષિઓ અહીં જ રહેતા હોવા જોઈએ. એક વટવૃક્ષ નીચે ગેટ ટુ ગેધરીંગની જેમ કેટલાક જટાધારી ફરતા હતા. અમે પણ ત્યાં પહોંચી ગયા. ત્યાં વિશ્વામિત્ર, વસિષ્ઠ,પરશુરામ, દ્રોણ, યાજ્ઞવલ્ક્ય, કણ્વ જેવા અનેક ઋષિઓ ફરતા હતા. ખાસ તો આ ઋષિઓને કશું પૂછવું ના હતું, ફક્ત અમારો બળાપો કાઢવો હતો. પૂછવાનું  ક્યાં હોય જ્યાં ખુલાસો મળે તેવો હોય ત્યાં ને?

અમે પહેલાં તો વચ્ચે જઈને ઊભા રહ્યા અને નમસ્કાર કર્યા. લગભગ બધા ઓળખી ગયેલા કે આ લોકો એક નવા મીડિયા બ્લોગ મિડિયાવાળા છે. બધાને એમ કે એમના સમાચારો બ્લોગમાં લખીશું તો સારી પ્રસિદ્ધિ મળશે. અમે એક ફરફરિયું કાઢ્યું ખીસામાંથી. એમાં કોઈ દેવેશ મહેતાએ અમારા દિવ્યભાસ્કર ઓનલાઈનમાં છપાયેલા એક લેખના અનુસંધાનમાં મૂકેલા પ્રતિભાવનું અવતરણ હતું.

એમાં થોડા ઋગ્વેદ અને બીજા શાસ્ત્રોમાં ઋષિઓ માંસાહાર કરતા હતા તેના પુરાવા હતા. જેના લીધે પ્રેસિડન્ટ સ્વામીએ આ લોકોની અહીં બદલી કરી નાંખેલ. થોડા બીફ ઇટીંગ વિષે પણ હતા. કોઈ ઋષિને એમાં નવું ના લાગ્યું. બધાના મોઢા પર ‘ઇટ્સ ઓકે’ એવા ભાવ રમતાં હતા. અમને પણ થયું કે નકામું અહીં વાંચ્યું.

જો કે વસિષ્ઠ મુનિએ કહ્યું, ‘શાકાહારનું મહત્વ સમજતાં  હોય તેવા કોઈ રેર થિયરી જેવા કોઈ મુનિએ શાકાહાર વિષેના શ્લોક રચેલા હતા. એ વખતે ખેતી એક નવી શરૂઆત હતી. એ પહેલા તો બધાજ માંસાહારી જ હતા. ખેતી શરૂ થયા પછી શાકાહારની અગત્યતા વધી હતી.’

મેં કહ્યું, ‘અમારા એક પૃથ્વી ઉપર લટાર મારવા આવેલા આધુનિક મુનિ ઓશો રજનીશ  કહેતા હતા કે માણસ  માણસને ખાય તે ચાલે પણ ગાયને તો ના જ ખવાય, કારણ પ્રેમના પહેલા પાઠ માણસ ગાય પાસેથી શીખ્યો છે.

ખેર અમે વિશ્વામિત્ર સામે જોઈને કહેવા માંડ્યું, “જ્યારે જ્યારે આપનું નામ સાંભળીયે ત્યારે કોઈ ત્રાસવાદીની યાદ આવી જાય છે. વિના વાંકે હરિશ્ચન્દ્ર અને તારામતીની એટલી બધી સતામણી કરી છે કે ના પૂછો વાત. મૃત્યુલોકમાં કોઈ સારી રીતે રાજ્ય ચલાવે તેમાં ઇન્દ્રને શેની બીક? અને એના માટે આપને લાઇસન્સ આપ્યું કે કડક પરીક્ષા લો? એક રાજાને ભિખારીની જેમ ભટકતો કરી નાખ્યો? આવી પરીક્ષાઓ લેવાનો આપને અધિકાર કોણે આપ્યો? એક તો મેનકાની કૂખે શકુન્તલાની ભેટ તો આપી પણ બંને જણા જવાબદારીમાં થી છટક્યા. અરે એને આજુબાજુ કણ્વનો આશ્રમ તો હતો, એમને નાની ફૂલ જેવી બાળકી સોંપી તો દેવી હતી? બંને જણા જંગલમાં હિંસક પ્રાણીઓનાં  સહારે છોડીને ભાગી ગયા. પેલીને એની કારકિર્દીની પડી હતી, અને તમને તપ, મોક્ષની પડી હતી. એક નાની બાળકીને મોટી કરવી તે શું તપ નથી? એને સારું એજ્યુકેશન આપવું, સારા સંસ્કાર આપવા, સારો વર શોધી આપવો એ તો કોઈ મોક્ષની સાધના કરતા પણ અઘરું છે. એ તો સારું થયું કે આ કણ્વ મુનિ ખરા સમયે આવી ગયા, બાકી ભારતનું નામ આજે કશું જુદું જ હોત, ભારત તો ના જ હોત. તમારું શીખી ને આજે પણ મેનકાઓ અને વિશ્વામિત્રો નાના જન્મેલા બાળકોને રસ્તામાં ઉકરડામાં કે કચરાપેટીમાં છોડીને ભાગી જાય છે.”

રશ્મીભાઈ પણ ઉત્તેજિત હતા. એમને પણ પારાવાર ગુસ્સો આ કહેવાતા પૂજ્ય ઋષિઓ ઉપર હતો.

એમણે પણ પહેલીવાર પોતાની વાણીનો સદુપયોગ કર્યો કે, “નવજાત બાળકીને રઝળતી છોડનાર માનવતાવિહીન, હરિશ્ચન્દ્રને પારાવાર પજવનાર ત્રાસવાદી, વસિષ્ઠના સો પુત્રોને મારનાર હત્યારા અને તેમને ડુબાડી દેવાનો પ્રયાસ કરનાર કાવતરાખોર વિશ્વામિત્રને જો ‘બ્રહ્મર્ષિ’ કહી શકાતાં હોય તો તે ‘બ્રહ્મ’ નો ભ્રમ મને મંજૂર નથી.  ભૂલ સુધારવા જતી માતાને યુક્તિ પૂર્વક રોકીને નાના ભાઈની પત્નીમાં ભાગ પડાવનાર અને ભાઈઓ તથા તેમની સહિયારી પત્નીને જુગારના દાવ પર મૂકનારને જો સ્વર્ગમાં સદેહે પ્રવેશ મળતો હોય તો તેવા સ્વર્ગમાં મારે નથી જવું અને જો તે વ્યક્તિ ‘ધર્મરાજ’ ગણાતી હોય તો તેવો ધર્મ પણ મને નથી ખપતો.”

અમે વસિષ્ઠ મુનિને પૂછ્યું કે ‘આમને બ્રહ્મર્ષિ કેમ કહ્યા?’

‘અરે, સાચું કહું મૂળ ક્ષત્રિય અને માથાભારે માણસ એક બ્રહ્મર્ષિ કહી દીધું કે ત્રાસમાંથી છૂટ્યા.’ વસિષ્ઠ બોલ્યા.

વિશ્વામિત્ર પાસે કોઈ જવાબ ના હતો, અને અમારે જોઈતો પણ ના હતો.

અમે પરશુરામ તરફ ફર્યા,  “એક તો એક ક્ષત્રિય ને કારણે એકવીસ વાર બધા ક્ષત્રિયોનો સંહાર? અરે ક્ષત્રિયાણી ગર્ભવતી હોય તો એના ગર્ભમાં રહેલા નાના બાળ ક્ષત્રિયનો પણ સંહાર? પિતા જમદગ્નિ ખાલી ક્રોધિત નજરથી એમના મોટા દીકરાને બાળી શકતા હોય તો પેલાં સહસ્ત્રાર્જુનને કેમ નજરથી ભસ્મ કરી ના શક્યા? અરે માતાને મારવાની આજ્ઞા દીકરાઓને આપવી જ શું કામ પડે? એક ખાલી નજર ફેરવી હોત તો પણ સળગી જાત. ટેરરની કોઈ લીમીટ જ નહિ?”

અમે ઉદ્દીગ્ન થઈને બોલે જતા હતા. હવે દ્રોણનો વારો આવ્યો. “એક તો આશ્રમને બદલે મહેલના વૈભવી વાતાવરણને મહત્વ આપ્યું. ભલે એકલવ્યનો અંગૂઠો કાપ્યો પણ આજે જુઓ કહેવાતા શૂદ્રોને અમારા ગાંધીએ હરિનાં જન એમ નામ આપ્યું છે ને? એક શિષ્યને મહાન અને વિધ્યાવિશારદ જાહેર કરવા માટે એકનો અંગૂઠો માંગી લીધો. અને ભીષ્મની જેમ ચુપ રહ્યા દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે. પણ એ બાબતે અમે પણ માનીએ છીએ કે અન્ન ખાધું હોય તે બોલી નથી શકતા. આજે પણ અન્ન ખાઈને સાક્ષરો પણ બાપુની ચમચાગીરી કરવામાં પડી જ ગયા છે.”

ઋષિ પરંપરા મહાન છે. હવેની ગુરુ પરંપરા ખરાબ થઈ ગઈ છે તેવું ઘણા મિત્રો માને છે.

હતા! ઘણા ઋષિઓ સારા હતા. ઘણાએ વિજ્ઞાનની શરૂઆત કરેલી. ચરક અને વાત્સ્યાયન જેવા વિજ્ઞાનીઓ પણ હતા. પણ ઊંડા જઈ ને અભ્યાસ કરો તો બધા આદરને પાત્ર નહોતા.

બધા મુનિઓ નીચા  મોઢે સાંભળી રહ્યા હતા. એક ખાલી કણ્વ પોરસાતા હતા કે એમણે બચાવેલી અને એક અનાથ મરવા માટે છોડી દેવાયેલી શકુન્તલાને એમણે દીકરી માની પાળી પોષી હતી. બધી જવાબદારીઓ નિભાવી હતી, અને એની કૂખે મહાન ભરતનો જન્મ થયેલો. જે સાવ નાનો બાળ હતો ને સિંહને કહેતો કે તારું મોઢું ખોલ મારે તારા દાંત ગણવા છે. એના નામ પરથી આજે પણ હિન્દુસ્તાન ભારત તરીકે ઓળખાય છે. આજે પણ આપણે “મેરા ભારત મહાન” ના નારા લગાવી શકીએ છીએ, એ આ કણ્વ ઋષિની પાસે દીકરીના બાપનું હૃદય હતું તેના કારણે!!!!!!

નર્કારોહણ-૭

નર્કારોહણ-૭

આજે નરકમાં સાતમો દિવસ હતો. એક પછી એક મહાનુભવોના ઇન્ટરવ્યૂ લેવાય રહ્યા હતા. એના અહેવાલ ધરતી ઉપર મોકલાઈ રહ્યા હતા. મિત્રોની ફરમાયશ વધતી જતી. આને મળો પેલાં ને મળો. હરતા ફરતા જે કોઈ ઝપટે ચડી જાય તેને પકડી લેતા. ત્યાં એક વૃદ્ધ સફેદ દાઢી વાળા લગભગ છ ફૂટયા પડછંદ વ્યક્તિને જોઈ. મેં રશ્મીભાઈને પૂછ્યું કે  આ પેલાં મુકેશ ખન્ના જેવા વડીલ દેખાય તે કોણ છે? રશ્મીભાઈ કહે આ તો પેલાં ભીષ્મ પિતામહ છે. ચાલો ચાલો મળીયે એમને. અમે તો ગયા વૃદ્ધ વડીલને નમન કરવામાં શું વાંધો? ભીષ્મ પિતામહ અમને ઓળખી ગયા. લગભગ દરેકને ખબર પડી ગઈ છે કે અમે નવા સવા પત્રકાર, કોર્સ કર્યા વગરના અહીં ઘૂસણ મારી છે.

‘નમસ્કાર પિતામહ, આપ અહીં?’ મેં કહ્યું.

‘અરે વત્સ, અમે અનુશાસન પર્વ મહાભારતમાં છે તેમાં જણાવેલું યુધિષ્ઠિરને થોડું માંસાહાર વિષે એની યુ ટ્યૂબ ઉપર જાહેરાત થઈ ગઈ છે માટે અમારી પણ પ્રેસિડન્ટ સ્વામીએ અહીં બદલી કરી નાખી છે.’ પિતામહ બોલ્યા.

‘પિતામહ, સમજ ના પડી એમાં જરા વિગતથી કહેવાની કૃપા કરશો?’ મેં કહ્યું.

‘વત્સ, હવે ભારતમાં શાકાહારનો વાયરો ચાલ્યો છે. એટલે માંસાહારીઓ અમે પુરાણ પાત્રો માંસાહારી હતા એવું સાબિત કરવા અમારા બોલેલા વાક્યો શ્લોકોને યુ ટ્યૂબ ઉપર જણાવી ને માંસાહાર શ્રેષ્ઠ છે તેવું સાબિત કર્યા કરે છે.’

‘પિતામહ, હવે સમજ પડી. પણ આપે એવું શું કહેલું યુધિષ્ઠિર ને?’ મેં જિજ્ઞાસા દર્શાવી.

‘વત્સ, અમે બાણશય્યા ઉપર હતા. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને અમારી પાસેથી જ્ઞાન લેવા સમજાવેલો, કે ડોસો ચાર પાંચ પેઢીથી ખસ્યો નથી. દિવાળીઓ બધા કરતા વધારે જોયેલી છે, એટલે એની અનુભવ વાણી જાણી લો જરા. એટલે તે નાદાન મને પૂછતો હતો કે મૃત પિતૃઓ ને શું તર્પણ કરીએ તો તૃપ્ત રહે અને કેટલો સમય તૃપ્ત રહે જેથી અહીં લોકોને મર્યા પછી હેરાન ના કરે.’

‘પિતામહ, એમ વાત છે. અહીં અમારા બ્લોગ જગતમાં પણ એક જ્ઞાતા બહેનશ્રી અનુભવ વાણી લખતા હોય છે. તો આપે કાપુરુષને શું ઉત્તર આપેલો?’

‘વત્સ, અમે કહેલું કે પિતૃઓને શ્રાદ્ધ વખતે જવ તલ અને ફલાહાર તર્પણ કરો તો એક મહિનો તૃપ્ત રહે, પછી હેરાનગતિ ચાલુ. માછલી આપો તો બે મહિના, હરણ પાંચ મહિના, કોઈ પક્ષી ધરાવો તો ૭ મહિના, ભેંસ ચાલે ૧૧ મહિના, મોટો આખલો  ૧૨ વર્ષ અને લાલ બકરો અને ગેંડો ધરાવો તો કાયમની શાંતિ. આમાં કદાચ થોડો ફેરફાર હશે. કારણ બહુ વર્ષ થઈ ગયા આ વાત કરે, હવે અમારી યાદ શક્તિ પણ કમજોર થઈ ગઈ છે.’ પિતામહે લાંબું ચલાવ્યું.

‘પિતામહ, આ શાકાહાર અને માંસાહાર વિષે કોણ શ્રેષ્ઠ એનો બહુ મોટો વિવાદ ચાલી રહ્યો છે, આપની અનુભવ વાણી શું કહે છે?’ મેં સવાલ કર્યો.

‘વત્સ, કુદરતે સજીવોની આખી એક ફૂડ ચેનલ ઊભી કરી છે. હર્બીવોરસ પ્રાણીઓ છે જેવાં કે ગાય, ભેંસ, બકરા ઘેંટા અને પાન્ડા જેવા રીંછ વનસ્પતિ ખાય. એમને સીધા ખાવા માટે કાર્નીવોરસ પ્રાણીઓ બનાવ્યા જેવા કે વાઘ સિંહ, પોલર રીંછ, ગરુડ જેવા પક્ષીઓ જે ફક્ત માંસ જ ખાય. અને ઓમનીવોરસ એટલે બધું ઝાપટી જનારા સજીવો ફળફળાદિ, વનસ્પતિ અને બીજા પ્રાણીઓ કે પક્ષીઓ બધું એમનો ખોરાક. એમાં માણસો, રીંછ, વાંદરા બીજા અનેક આવી જાય. આમાં કોઈ હિંસા નથી કે કોઈ પાપ નથી. ઊલટાનું વાઘ ઘાસ ખાય તો કુદરત નો ગુનેગાર બને. અને ગાય જો માંસ ખાય તો તે કુદરત ઉપર ક્રાઇમ કહેવાય. એમ માણસ પણ એકલી શાકભાજી કે એકલું માંસ ખાય તો ક્રાઇમ ઓન નેચર.’ પિતામહે નાનકડું ભાષણ આપ્યું.

‘પિતામહ, આ થિયરી હવે ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટો સમજાવે છે, પણ અહીં ભારતમાં કોઈ માને તેમ નથી. પણ આપે લગ્ન નહિ કરવાનું વચન કેમ આપ્યું અને પાળ્યું?’

‘વત્સ, શું કરવાનું? કામાંધ પિતાશ્રીઓ પુત્રોના બલિદાનો લેતા હોય છે, દશરથે રામનું લીધેલું તેમ અમે પણ બલિદાન આપેલું. હવે કોઈ દશરથ કે શાન્તનું પેદા ના થાજો ધરતી ઉપર એટલું પ્રભુ પાસે માંગીએ છીએ.’

‘પિતામહ, સાચી વાત છે. હજારો વર્ષથી ભારત આના લીધે દુખી થયા કર્યું છે, હવે No more દશરથ!! No more શાન્તનું! પણ પિતામહ, સ્ત્રીઓના કીડનેપીંગ કરેલા?’

‘વત્સ, અમારા ભાઈ માટે એવું કરવું પડેલું. એ જમાનામાં એ બધું સામાન્ય હતું.’

‘પિતામહ, હવે અહીં ધરતી પર વિવાદ ચાલે છે કે આપ નપુંસક હતા’

‘વત્સ, નો કૉમેન્ટ પ્લીઝ !’

‘પણ પિતામહ બીજા વારસદારોનું પણ એવું હતું શું?’

‘વત્સ, એમાં જૂઠ બોલી શકાય તેમ નથી, વ્યાસજીએ પુત્રદાન કરેલું અને કુંતીએ પણ એમ જ વારસદારો મેળવેલા. એમાં કોઈ પાપ ના ગણાય.’

‘પિતામહ, આપ દ્રૌપદીને સભામાં નગ્ન કરતી વખતે કેમ ના બોલ્યાં?’

‘વત્સ, અમે વૃદ્ધ થઈ ચૂક્યા હતા, સ્વભાવથી નરમ થઈ ચૂક્યા હતા. અને નાગાની પાંચ શેરી ભારે, અમારે બોલવું જોઈતું હતું. બીજું અમારું કોઈ સાંભળે તેમ હતું પણ નહિ. અમે દુર્યોધનનું અન્ન પણ ખાધેલું.’

‘તો પછી આપ યુદ્ધમાં તો કૂદી કૂદીને લડતા હતા. ત્યારે કમજોરી ક્યાં ગઈ હતી? એક વિકર્ણ વિરોધ કરી  સભા છોડી ગયો હતો. પણ આપ?’ મેં જરા ગુસ્સામાં કહ્યું.

‘વત્સ, વિકર્ણ બહાદુર હતો. મૂળ એક વાત એ છે કે જ્યારે તમે કોઈના રોટલા ખાધા હોય તેના આધારિત રહ્યા હોય ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એની વિરુદ્ધ બોલી શકતા નથી. એક અહેસાન, પેટમાં પડેલું અન્ન બોલવા દેતું નથી. અહેસાનનો ભાર સાચું દેખાતું હોવા છતાં બોલવા દેતો નથી. માટે બને ત્યાં સુધી સ્વનિર્ભર રહેવું જ સારું. ઇમર્જન્સી વગર કોઈનું અન્ન ખાવું  નહિ.’

‘પિતામહ, આખી જીંદગી કામને દબાવ્યો તો એવું પણ બને કે અચેતન રૂપે સ્ત્રીને નગ્ન જોવાની ઈચ્છાએ બોલવા દીધા ના હોય.’

‘વત્સ, ગૂંચવી નાખ્યો તમે. મારે ફ્રોઈડ ની સલાહ લેવી પડશે. હાલ નો કૉમેન્ટ પ્લીઝ!

‘પિતામહ, ફ્રોઇડ તો બીજા ધર્મનો, એ કોઇ બીજા નર્ક કે સ્વર્ગમાં હશે. એવું કરો પેલાં ઓશો રજનીશ ક્યાંક ફરતા ફરતા આવી ચડે તો એમની પાસેથી ખુલાસો મળી જશે. એ બહુ મોટા મનોવૈજ્ઞાનીક હતા. અચેતન મનની દરેક કરામતના જાણકાર ખેલાડી હતા.’

‘વત્સ, પણ એ તો હાલ કયા ગ્રહની મુલાકાત કરતો હશે? લટારમારુ અહીં આવશે તો ચોક્કસ પૂછી લઇશ.’

હવે વધારે પૂછી ને વડીલને શરમ માં નાખવાનો કોઈ હેતુ હતો નહિ. રશ્મિ ભાઈ અને મેં ત્યાંથી ચાલતી પકડી. રશ્મિભાઈ ને મે કહ્યું કે આ એક મહાભારતનું પાત્ર આખી જીંદગી એકલતાની અસીમ વેદના વેઠીને રહ્યું. એક કામી પિતાની અયોગ્ય માંગ ને સંતોષવા જતા એક તો મોત આવે નહિ ને ખુબ લાંબી જીંદગી  જીવવી કેટલું અસહ્ય?????

અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)

અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)
આજે સદનસીબે “કલ્ચર કેન કિલ” ના લેખકશ્રી સુબોધ શાહને મળવાનો મોકો મળ્યો. બ્લોગર મિત્ર શ્રી રશ્મીકાંત દેસાઈને  ઘેર મુલાકાત ગોઠવાઈ હતી. હું અને શ્રી સુબોધ શાહ બંને સાથે જ ત્યાં પહોચ્યા હતા.કેન્ડલ પાર્કમાં આવેલા રશ્મીભાઈનાં ઘર આગળ અમારા બંનેની કાર સાથે જ પહોચી હતી. પહેલા કદી મળેલા નહિ. પણ ખ્યાલ આવી ગયો કે આજ સુબોધ શાહ છે, એમ તેઓશ્રી ને પણ ખ્યાલ આવી ગયેલો કે આ ભુપેન્દ્રસિંહ છે. રશ્મીભાઈએ ઉમળકાભેર સ્વાગત કર્યું. બંને વડીલો આગળ હું તો ઘણો નાનો કહેવાઉં. ખૂબ વાતો કરી. ભારતીય સંસ્કૃતિમાં રહેલી ગરબડો વિષે વધારે હોય તે સ્વાભાવિક છે. બની બેઠેલા ભગવાન ગણાતા ગુરુઓની બાલીશ વાતો પર ખૂબ હસ્યા. કોઈ ગુરુના પગ ચરણ સ્પર્શ કરાવવાના આદતી થઇ ચૂક્યા હોય તે મૂરખ ચેલાનો પડછાયો જોતાવેંત પેલા પગના તળિયા ઓટોમેટીક અચેતન રૂપે ખૂલી જતાં તે જોઈ મને ખૂબ હસવું આવતું. તે વાત કરતા અમે બધા હસ્યા. તો કોઈ ગુરુ એમના ચરણનો અંગુઠો ચેલાના કપાળે અડાડી પ્લગઇન  કરી એમની અંદર રહેલો જ્ઞાનનો કરંટ પેલા અજ્ઞાનીના શરીરમાં વહેતો કરે તેની વાત કરીને પણ ખૂબ હસ્યા. આ ભગવાનો એક્સીડેન્ટમાં કેમ ગુજરી જતાં હશે? અને આ ભાગવાનો ને હાર્ટ એટેક આવે કે બીમાર થતા હોય ત્યારે ડોક્ટર્સ ની સેવા કેમ લેતા હશે?અને આ ભગવાન ભારતમાં જાય એવા થઇ ગયા હોય ત્યારે અમેરિકામાં મંદિરમાં મુકેલા ભગવાન આગળ પ્રાર્થનાઓ કેમ થતી હશે? કે  હે પથ્થર કે ભગવાન અમારા પ્રગટ બ્રહ્મ ને બચાવો!!!પણ એ વખતે ખુલાશો શું કરવાનો ખબર છે?અભરાઈએ ચડાવી દીધેલો કર્મનો નિયમ પાછો ધૂળ ચડેલો ખંખેરીને કોફી ટેબલ ઉપર મૂકી દેવાનો.
રશ્મીકાંત દેસાઈ સિવિલ એન્જીનીયર. ગુજરાતમાં ઈરીગેશન વિભાગમાં હતા નાયબ ઈજનેર તરીકે, અને પાછા ક્વોલીટી કંટ્રોલમાં હતા. ત્યાં સરકારનો  સરક્યુલર આવ્યો હશે કે દરેકના નામના અને હોદ્દાના સિક્કા ગુજરાતીમાં પણ બનાવો. રશ્મીભાઈ એ સજેસ્ટ કર્યું કે એમના હોદ્દામાં ના ઈ એટલે કેશ કર્તન કળા માહિર?(નાયબ ઈજનેર) લખો. અને વિભાગમાં ખણખોદીયો(ક્વોલીટી કંટ્રોલ) કામમાં ખોટું શું થયું છે તે પહેલું શોધવાનું.  હજુ પણ એ જ ચાલે છે, ખાલી ક્ષેત્ર બદલાયું છે. ન્યુ યોર્કના સબવે(ભૂગર્ભ રેલ્વે)માં કન્સ્ટ્રક્સન વિભાગમાં  ઈજનેરની લાંબી નોકરીમાંથી હવે રીટાયર થયા છે.
સુબોધ શાહ સાહેબ બી.ટેક થયેલા ટેક્ષટાઇલમાં રીસર્ચની જોબ, અમદાવાદ અને મુંબઈમાં ઉછરેલા. ન્યુ જર્સી અને ટેક્સાસ થઇને હવે રીટાયર થઇને મીજોરીમાં વસવાટ. સંસ્કૃતનાં ખાં, એમાં કવિતાઓ પણ લખે. બંને વડીલોનું સંસ્કૃતનું જ્ઞાન સારું. આપણને સંસ્કૃત ફાવે નહિ. ચબરાકિયા ફેંકવામાં બંને વડીલો માહિર. ખૂબ હસાવે. અમારા ત્રણેની સોચ લગભગ સરખી.સંસ્કૃત વિષે રશ્મીભાઈ નું કહેવું એવું કે લોકભોગ્ય ના રહી માટે ના ચાલી. સુબોધભાઈનું કહેવું કે અતિપ્રાચીન ભાષા છે.પણ બહુ મજાની છે.દેવોની ભાષા છે એ વિષે મજાનો ટુચકો કહ્યો.એક વાર કાકા કાલેલકર અને આચાર્ય કૃપલાની બંને સાથે જતા હતા.કાકા કાલેલકર ને સંસ્કૃત બહુ પ્રિય,અને પેલા સિંધમાંથી આવેલા.કાકા કાલેલકર કોઈ સંસ્કૃતનો શ્લોક બોલવા લાગ્યા.તો કૃપલાની કહે,

“આ શું વાનરો ભાષા બોલવા લાગ્યા.” કાકા કાલેલકરે જવાબ આપ્યો કે
“આ દેવોની ભાષા છે તમારી નહિ.”
 રશ્મીભાઈ કહે કે દેવો સંસ્કૃત કેમ બોલતા હતા ખબર છે?કારણ કે એમને ગુજરાતી નહોતું આવડતું.સાંભળીને સુબોધભાઈ ઝૂમી ઉઠ્યા કે શાબાશ!પાકા ગુજરાતી અને ગુજરાતી પ્રેમી.
       હું કાયમ કહેતો હોઉં છું કે શાશ્વતની શોધમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા, તેમ સુબોધ ભાઈ કહે છે કે આધ્યાત્મિકતાની શોધમાં પોતાનું યુનિક વ્યકતિત્વ ખોયું હોય તેવા એક હતા શ્રી અરવિંદ, પોંડીચેરી જઈને બેઠાં અને ભારતે એક પરિશુદ્ધ પી.એમ ખોયો, અને બીજા હતા સુન્દરમ જે પોંડીચેરી જઈને બેઠાં અને કવિતાની ધાર ખોઈ. ઓશોનું  એક વાક્ય મને પણ આ લખતા યાદ આવે છે કે જવાહર રાજકારણમાં પડ્યા અને ભારતે એક ઉચ્ચ કોટીનો સાહિત્યકાર ખોયો. ખયાલ અપના અપના..અને મને પણ મજાક કરવાનું મન થાય છે કે હું કોમર્સ માં ગયો અને ગુજરાતી સાહિત્ય જગતે એક મહાન લેખક ગુમાવ્યો.હા!હા!હા!હાઆઆ!!!!
મને પણ બંને વડીલો તરફથી ખૂબ સરાહના મળી. અને સારી એવી ઉપયોગી હિંટ્સ પણ મળી. જે મારા માટે ખુશનસીબની વાત હતી. આ રશ્મીભાઈને એક રોગ છે અંજાઈનાં, એટલે પેલો હૃદયનો નહિ. અંજાઈ  ના, કોઈથી અંજાઈ ના જાય તેવો રોગ. સમજ્યા પછી ખૂબ હસ્યા. જોકે અમને ત્રણે જણ ને આ રોગ કોમન છે. એ બાબતે ત્રણેમાં સામ્ય છે.
જો કોઈના પ્રભાવમાં અંજાઈ ગયા તો ગયાં,
કોઈનાં ઘેંટા બનતા વાર ના લાગે ભાયા.
સુબોધભાઈએ મોરારીબાપુનો એક દાખલો કહ્યો કે બાપુ કહે શ્રી રામના સમયમાં ભારતમાં લોકશાહી હતી. એની સાબિતી માટે એવો દાખલો આપ્યો કે રામને કશું કામ હોય તે મંત્રી સુમંતને પૂછીને કરતા. કેટલા નાદાન છે આ કહેવાતા મહાત્માઓ?અને એમની વાતો???
છેલ્લે એક રશ્મીભાઈનો સ્વાનુભવ લખું. રશ્મીભાઈ પાલીતાણામાં જોબ કરતા હતા. રોજ સાંજે કોઈ મેડીકલ સ્ટોર આગળ અલ્પ પરિચયે ઉભા રહેતા હશે. ત્યાં એક જૈન યુવાન  સાધ્વીજી આવ્યા. થોડી કંઈક દવા લીધી. સ્ટોરવાળા ભાઈએ પૈસા માંગ્યા. તો કહે મારી પાસે તો નથી. રશ્મીભાઈ તરફ ઈશારો કરીને કહ્યું કે આ ભાઈ આપી દેશે. રશ્મીભાઈ ભાવનાશીલ માણસ એમણે બીલ ચૂકવી દીધું. બે ત્રણવાર આવું બન્યું. પેલા મેડીકલ સ્ટોરવાલાને એમ કે આ ભાઈ યાત્રાળુ હશે. પણ બે ત્રણવાર આવું થયું અને રશ્મીભાઈએ સાધ્વીજીઓના પૈસા ચૂકવ્યા તો પેલો કહે તમે અહીં જ રહો છો? ક્યાં સુધી પૈસા આપશો? રશ્મીભાઈ કહે હું કોઈ યાત્રાળુ નથી, જોબ છે. બદલી ના થાય ત્યાં સુધી અહીં જ રહેવાનો છું. પેલા સ્ટોરવાલા ભાઈએ કહ્યું કે હવે તમે આવી રીતે આ સાધ્વીજીઓ માટે પૈસા ના ચૂકવશો, આ તો રોજનું રહ્યું. અને આ યુવાન સાધ્વીજી સાંજે દુકાન બંધ કરતા સમયે આવી ને રોજ તમારા પૈસે ખરીદેલી દવા પછી આપી જાય છે. કાયમ આવું જ થતું હોય છે. રશ્મીભાઈને એમકે દવા રીટર્ન કરીને પૈસા લઇ જતી હશે. પણ પેલો કહે ના, આ દવા રીટર્ન કરીને આ સાધ્વીઓ લઇ જાય છે કોન્ડોમ!!!!!!!
Book Information
Book title:Culture Can Kill(How Beliefs Blocked India’s Advancement)
Publisher; Author House,USA
To give comments:ssubodh@yahoo.com
To Order:
1-phone-1-888-519-5121 or 1-800-839-8640
2-Go to autorhouse.com–Bookstore–Type book title
price–$11.90+shipping

નર્કારોહણ-૬

નર્કારોહણ-૬

નર્કમાંથી અમને એમ હતું કે  જલદી ભાગી જઈશું, પણ ધરતી પરના મિત્રો હવે અમને અહીં જ રાખવા માંગતા હોય તેમ લાગે છે. પાછાં અહીં આવીને માથું ખાશે. અમે પણ રોજ મિત્રોને અહીંનો અહેવાલ મોકલીએ છીએ તો મિત્રોને પણ મજા પડી ગઈ છે. એટલે મારા બેટા કહે છે ત્યાં જ રહો ને નવા ઈન્ટર્વ્યુ લઈ અને અમને મોકલતાં રહો. અમને પણ કોઈ વાંધો નથી. અહીં નરક જેવું લાગતું પણ નથી. અહીં તો મોટા મોટા ફેમસ મહાનુભવો ભેગાં થયા છે. શીતલ જળનાં ફુવારાથી શોભતી વાટીકાઓ, કલ કલ કરતા ખળ ખળ વહેતા ઝરણાં, મજા છે અહીં તો. ત્યાં દૂર એક શ્વેત વસ્ત્રધારી વૃદ્ધ માતુશ્રી જોયા.

રશ્મીભાઈ કહે, ‘આ તો માતા કુંતી! ચાલો એમની પણ મુલાકાત લઈને પૂછી લઈએ.’

અમે પાસે ગયા ને, પાયે લાગુ માતુશ્રી કહીને એમની પાસે બેસી ગયા.

‘આવો વત્સ, અમારા મોટા દીકરાની સારી ઝાટકણી કરી લીધી. હવે અમારો વારો લાગે છે કેમ?’

‘માતુશ્રી, મહત્વનો એક સવાલ એ છે કે આપે મંત્રોથી પુત્રો પ્રાપ્ત કર્યા તે ગળે ઊતરતું નથી.’

‘વત્સ, સાચી વાત છે નર નારીનાં સંસર્ગ વગર કોઈ સંતાન ના થાય.’

‘આપે, ટીનેજર હતા ને કુંવારા હતા અને ભૂલ કરેલી કોઈ સૂર્ય નામના પ્રતાપી નર પાસેથી પુત્ર પ્રાપ્ત કરેલો કેમ?’

‘વત્સ અમે તો મુગ્ધાવસ્થામાં હતા, પણ એ ભાઈની પણ ભૂલ તો ખરી ને કે અમને સાચો રાહ બતાવે.’

‘સાચી વાત છે, આજે અમેરિકામાં ટીનએજરની સંમતિને પણ કોર્ટ સંમતિ નથી માનતી, અને પુખ્ત માણસની ભૂલ સમજીને સજા કરે છે.’

‘આપે દરેક પુત્રો એવી રીતે જ પ્રાપ્ત કરેલા, કેમ?’

‘વત્સ! શું કરીએ, આ ફેમિલીમાં નપુંસકતાનો શ્રાપ હતો. પહેલા પણ આગલી પેઢીમાં વ્યાસજી આવીને પુત્રો આપી ગયેલા.’

‘માતુશ્રી આ મંત્રની વાતનું શું રહસ્ય હશે?’

‘વત્સ, જુઓ મંત્ર તો એક કોડવર્ડ જેવું જે તે માણસ હાજર થઈ જાય. બાકી એમ મંત્રોથી સંતાનો થઈ જતા હોય તો જોઈતું તું શું? પણ એક વસ્તુ હતી કે એમાં અમારી કોઈ સ્વચ્છંદતા જરાય ના હતી, એક મજબૂરી હતી સંતાનો પ્રાપ્ત કરવાની.’

‘પણ એમાં ભૂલ થઈ ગઈ હતી કે કર્ણનો જન્મ થઈ ગયો.’

‘વત્સ, એ વખતે અમને નાની ઉંમરના કારણે ભાન હતું નહિ, કુતુહલ વશ પણ હતા. સમાજનાં ડર અને નીતિનિયમના કારણે અમારે કર્ણને છોડી દેવો પડેલો.’

‘માતુશ્રી આજે પણ એવું જ છે હજુ ભારતની હાલત બહુ સુધરી નથી. પણ મેડિકલના જ્ઞાનને લીધે મુગ્ધાઓની ભૂલો ઢંકાઈ જાય છે. કર્ણને જન્મ આપતા પહેલા મ્રત્યુને હવાલે કરી દેવામાં આવે છે. જેથી આખી જીંદગીની અવહેલાનાઓથી કર્ણો બચી જાય છે.’

‘વત્સ, હજુ આજે પણ સૂર્યો છે ભારતમાં?’ માતાએ સવાલ પૂછ્યો.

‘હા! માતુશ્રી આપના જમાનામાં એક સૂર્ય હશે. અહીં તો લાખો છે. સ્કૂલના શિક્ષકો, કૉલેજના ગુરુઓ, ઓફીસના ઉપરી અધિકારીઓ, સંતો, સાધુઓ, ધાર્મિક ગુરુજનો, નાના મોટા બિઝનેસનાં માલિકો કોઈ જગ્યા બાકી નથી. દરેક જગ્યાએ મુગ્ધાઓને એમની અવસ્થાનો ગેરલાભ લઈને કર્ણની ભેટ આપી દેવા માટે યુવાનોથી માંડીને કબરમાં પગ લટકાવીને બેઠેલા વૃદ્ધો સુધ્ધા ટાંપીને બેઠેલા છે. પછી આ કર્ણો જન્મતા પહેલા ઉકરડા ભેગાં થઈ જાય છે.’ મેં કહ્યું.

‘અમે પણ ખૂબ પસ્તાતા હતા, પણ કશું કરી શકતા નહોતા.’ માતા બોલ્યા.

‘પણ આપે એને ખાબ અન્યાય કરેલો, છેક સુધી જાણતાં હોવા છતાં, અને બીજા પુત્રોને બચાવવા માટે પાછાં એને મળવા ગયેલ.’ મેં કહ્યું.

‘અમે પણ સામાન્ય સ્ત્રી હતા. ભલે લોકો જે કહે તે પણ અમારી દુન્યવી ભાવનાઓ યથાવત હતી. એ દુશ્મન દળમાં ભળેલો હતો. અમને અમારા બીજા પુત્રો જે અમારી સાથે વધારે  રહેલા હોય તેમની પ્રત્યે માયા વધારે હોય તે સ્વાભાવિક છે.’ કુન્તા માતા બોલ્યા.

‘આ દ્રૌપદીને વસ્તુ હોય તેમ બધાને વહેંચી ખાવા માટે આપે સોંપી દીધી તે પણ આપણી ભૂલ નહોતી શું?’

‘હા એમાં અમે અણ જાણ હતા અને બોલાઈ ગયેલું તે આ લોકોએ પકડી લીધું. મૂળ બધા જેલસ થતા હશે તે અમારી વાત પકડી લીધી. અને અમને પણ થયું કે બધા ભાઈ લડી મરે એક સ્ત્રી માટે અને સંપ ના રહે એના કરતા છોને વહેંચીને ખાય. અર્જુનને તો બીજી મળી જશે પ્રેમ કરવાવાળી.’

‘માતુશ્રી ભારતમાં કોઈ દુઃખી વ્યક્તિને પૂછીએ કે કેમ દુઃખી છો? તો કહેશે માતા કુંતીએ પણ ભગવાન પાસે દુઃખ માંગેલું કે જેથી પ્રભુનું સ્મરણ રહે.’

‘વત્સ, અમે તો જન્મથી દુઃખી જ હતા. અમે શું દુઃખ માંગવાનાં હતા? કુંવારા માતા બન્યા, પુત્રને છોડવો પડ્યો, પતિ નપુંસક, બીજા પુરુષોના સહારો લેવો પડે,  કુટુંબીઓ પરેશાન કરે. એમાં વળી સ્ત્રી તરીકે ભારતમાં જન્મ,  દુઃખ શોધવા થોડું જવું પડે?’ માતાની આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં.

‘માતુશ્રી અમને પણ આપના પ્રત્યે સહાનુભૂતિ થઈ આવી છે, પણ અમારું મંતવ્ય જરા જુદું છે. દુઃખમાં તો સહુ ભગવાનનું સ્મરણ કરે, એમાંથી છૂટવા માટે એક સ્વાર્થ છે, પણ સુખમાં પ્રભુને સ્મરે તેને વીરલો કહેવાય. બીજું એ કે સુખ વહેંચવાથી વધે છે. એમ દુઃખ પણ વહેંચવાથી વધે. લોકો ખોટું સમજે છે કે દુઃખ વહેંચવાથી ઘટે. એક દુઃખી માણસ એનું દુઃખ બીજાને કહે કે વહેંચે તો પેલો પણ દુઃખી થવાનો. પોતે તો દુઃખી છે જ, બીજાને પણ એનું દુઃખ વહેંચીને દુઃખી કરવાનો. તમે સુખી થયા કે આનંદિત થયા તો એ આનંદ કે સુખ વહેંચો તો બીજા પણ તમારા આનંદમાં ભાગીદાર થઈને સુખી થવાના. માટે સુખ વહેંચો અને દુઃખ પોતે એકલાં જ વેઠી લેવું સારું. સુખમાં ભાગીદાર શોધો, દુઃખમાં નહિ. આપણા દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા?’ મેં જરા લાંબું ભાષણ ઠોક્યું.

‘વત્સ, સાચી વાત છે તમારી, આપણાં દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા?’

માતા કુંતીને છોડી અમે આગળ વધી ગયા. અમે એમને વધારે મહેણાં મારી દુઃખી કરવા નહોતા ઇચ્છતા. એ પોતે દુઃખનો પર્યાય હતા. પહેલી વાર અમે થોડા ઢીલા પડ્યા. કે પછી જગતની તમામ માતાઓ પ્રત્યેની કૂણી લાગણી હશે. ભગવાનને ક્યાં જોયો છે? અને માનીએ પણ ક્યાં છીએ? પણ માતા તો જોઈ છે. એક નહિ બે; બબ્બે માતાના પ્રેમ થકી પોરસાયેલા છીએ ત્યારે  તો આજે ભગવાન સામે પણ બાથ ભીડી શકીએ છીએ.

ગુરુ દેવો ભવઃ?????

 ગુરુ દેવો ભવઃ
गुरु ब्रह्मा गुरूर विष्णु गुरु देवो महेश्वर॥
गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः॥
ગુરુ પૂર્ણિમા આવી રહી છે. ભારતની જનતામાં એક જબરદસ્ત ભક્તિભાવનું પૂર આવશે. એમાં કેટલાય લોકોના બેંક બેલેન્સ તણાઈ જવાના અને ગુરુઓના ખેતર હરિયાળા થઇ જવાના.
‘ગુ’ એટલે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર. ‘રુ’ એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. અજ્ઞાનતાના અંધકાર તરફથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર તે ગુરુ. અવાસ્તવિકતા તરફથી વાસ્તવિક જગત તરફ લઇ જનારો ગુરુ. ગુરુ એટલે ભારે, વજનદાર, ભાર. જ્ઞાનનો ભાર છે તેનામાં. લેટીનમાં ‘gravis’, grave,weighty, serious , ગ્રીકમાં barus ‘heavy ‘, All three derive from the  પ્રોટો-ઇન્ડો-યુરોપિયન રુટ * gʷerə-, specifically from the Zero-grade  form *gʷr̥ə-.[12]
ગુરુ એટલે શિક્ષક. અમારા મિત્ર રશ્મીકાંત દેસાઈ સાહેબ ઉપરના શ્લોકનો અર્થ સમજાવતા કહે છે કે બ્રહ્માને ગુરુ માનો, જેણે આ યુનિવર્સની રચના કરી છે. વિષ્ણુને ગુરુ માનો, શંકરને ગુરુ માનો. જે સર્જન અને વિસર્જનની શક્તિ કે નિયમ છે. મને પણ સાચી લાગે છે વાત. મારા એક સંસ્કૃતમાં અતિ રસ ધરાવતા સબંધીને પૂછ્યું કે આ હાલ કોઈ ગુરુઓના ઠેકાણાં નથી. બધા એમના વાડાઓ ઘેંટાઓથી ભરવામાં પડ્યા છે તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને જ ગુરુ માનીએ તો શું ખોટું? વ્યાકરણની દ્રષ્ટિએ કોઈ ભૂલ કહેવાય? તો જવાબ મળ્યો કે ના. એમના કહેવા પ્રમાણે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ  કોઈ એ જોયા નથી માટે આ ત્રણે પેલા ગુરુમાં છે તેમ માનીને બધા ચાલતા હોય છે. અહી જ ગરબડ શરૂ થઇ. ગુરુ પોતે ભગવાન બની ગયા.
જો કે હું બ્રહ્માને કોઈ ભગવાન માનતો નથી. જે કઈ બિંગ બેંગ કે જે હોય તે, જેના વડે યુનિવર્સની રચના થઇ તે નિયમને  હું બ્રહ્મા માનું તો કોઈને વાંધો છે?  બ્રહ્માંડ એટલે વિસ્તરવું,  સાયન્સ પણ કહે છે કે યુનિવર્સ વિસ્તરતું જ જાય છે. હવે દરેક સજીવને ખાવા પીવા, અને ઓક્સીજન મળે છે તે થયા વિષ્ણુ. હું કોઈ વિષ્ણુ ભગવાન છે તેવું માની શકતો નથી. અને કેટાંસ્ટ્રોફી, સર્જન વિસર્જન થયા કરે તે જ શંકર. કોઈ શંકર હિમાલય ઉપર બેઠા નથી. બસ આ ત્રણ પાસેથી એટલું બધું શીખવાનું છે કે આખી જીંદગી પૂરી થઇ જાય. વૈજ્ઞાનિકો આ ત્રણ પાસેથી જ શીખે જાય છે. ચરક આ જ વિષ્ણુ પાસેથી વનસ્પતિનું જ્ઞાન મેળવીને હર્બલ મેડીસીન શીખ્યા હતા. વાત્સ્યાયન આ જ શંકર પાસેથી સર્જનનું જ્ઞાન મેળવીને કામસૂત્ર લખી ગયા. આઈનસ્ટાઇન અને સ્ટીવન હોકિન્સ આ જ બ્રહ્મા પાસેથી યુનિવર્સના કોયડા ઉકેલતાં હતા.
ભારતની ગાડરિયા પ્રવાહમાં હમેશાં તણાઈ જનારી પ્રજાને ભરમાવી દેવા માટે ગુરુ ગાથાઓની હજારો વાતો રચાઈ ગઈ. એક આખો વર્ગ મફતમાં ફક્ત બેસી રહીને રોટલા તોડતો થઇ ગયો. એક ચાલાક લુચ્ચાઈ ચાલુ થઇ ગઈ. કશું કામ કરવું ના પડે અને પેઢીઓ સુધી વર્ષો સુધી રોટલા નીકળે જાય એનું નામ ભારતની ગુરુપ્રથા. ના જ્ઞાનની કોઈને પડી છે, ના જ્ઞાન દેવાની કે લેવાની પડી છે. સ્વર્ગની લાલચો  અપાઈ ગઈ છે. પરલોકની બાહેધરીઓ આપી દેવામાં આવી છે. આ લોકના ઠેકાણા નથી, અને પરલોકની ગેરંટી? આજ ગેરંટીના લીધે લોકો ધબ્બા મરાવીને ખભા તોડાવે જાય છે, ને રોટલા દીધે જાય છે.
ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુ ઉડે વિમાનમાં ને ગોવિંદ ગયા ભાડમાં. ગોવિંદનો મહીમાં  ઘટાડી ગુરુનો વધારી દીધો. રોટલાની એક સારી તરકીબ. દવે સાહેબ કહેતા હતા કે હાલ ભારતમાં જીવતા ભગવાનની સંખ્યા ચાર આંકડામાં છે, આ બધા ગુરુઓ જ છે. દરેકને ભગવાન બનવું છે. માટે એકજ પંથમાંથી બીજા ફાંટા પડે જાય છે. આ પ્રથા એટલી હદ સુધી સડી ચુકેલી છે કે  આ ગુરુપ્રથાને સમુળગી વિદાય દેવાની ઘડી આવી ગઈ છે. ગુરુ થુંકે પાન ખાઈને તો અમીર મુરખો ચાટી જાય છે. ગ્રુરુ  એના મોઢામાંથી એંઠું પાન ખવડાવે તો ભક્તોને વૈકુંઠ મળી જાય છે. ગુરુઓ ખાઈને ઉભા થાય તો કરોડોપતિઓ ભિખારીઓની જેમ પેલી એંઠી પતરાળીઓ માટે ઝૂટાંઝુંટ કરી મુકે છે. શું આને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનારું કહેવાય.
એકજ વીરલો પાકેલો ગુરુ ગોવિંદ સિંહજી ,જેમણે ગુરુ પ્રથા નાં અનિષ્ટો વહેલા પારખી લીધેલા અને એમના પછી ગુરુ ગ્રંથ ને ગુરુ માનવાનું સમજાવી ને આખી પ્રથા જ બંધ કરી દીધી.ગ્રંથ કોઈ નું શોષણ તો ના કરી શકે?
એક શું વલ્લભાચાર્યે એમનો પંથ સ્થાપ્યો, ને ૫૦૦ વર્ષથી એમના હજારો વારસદારો કશું પણ કર્યા વગર હાથ પગ હલાવ્યા વગર ભારતની પ્રજા માથે બોજ બનીને ખાધે રાખે છે. એક શું પાંડેજી એ એમની ગાદી સ્થાપી અને એમના ભાઈઓના સંતાનોને બોલાવીને સોપી દીધી આજે ૨૨૦ વર્ષથી કશા પણ ઉદ્યમ વગર રોટલાપાની ઠીક વૈભવી જીવન જીવી રહ્યા છે. એક વૈકુંઠની ગેરંટી આપે બીજો પરલોકની જવાબદારી લે છે. એમના ચેલાઓ મંદિર નામની દુકાન વધાર્યે જ જાય છે. આ શું કોઈ આત્મજ્ઞાનની મહેનત છે? અરે એમના આત્મજ્ઞાન અને મોક્ષની કીંમત આપણે ચુકવવાની? એમના મોક્ષની ફિકરમાં આપણે મહેનત કરીને કમાયે રાખવાનું? જાતે મહેનત કરે, કમાય,ખાય અને મોક્ષ મેળવે. એમને મળેલો મોક્ષ આપણને આપી દેવાના છે? એ વખતે તો કહેવાના કે એ તો જાતે અનુભૂતિ મેળવવી પડે. આત્મ સાક્ષાત્કાર તો જાતે કરવો પડે. તો જાતે કરીશું. તમે અમારા ઉપર બોજ શું કામ બનો? સમજો એમના કલ્યાણનો ખર્ચો  આપણી પાસે કરાવે છે, બીલ બધા આપણે ભરવાના.
અરે પ્રકૃતિ પાસેથી ઘણું શીખવાનું છે. એક કારેલાં, ગલકાં, તુરિયા કે બીજી કોઈ પણ વેલ પાસેથી શીખવાનું છે કે કઈ રીતે કોઈનો સહારો લઇને સર્વાઈવ થઇ જવાય. એક નાના બાળક પાસેથી શીખવાનું છે કે વર્તમાનમાં કઈ રીતે જીવીને આનંદ લઇ શકાય. પ્રકૃતિની એક નાનામાં નાની વસ્તુ પાસેથી જીવનના મહત્વનાં પાઠ ભણી શકાય છે. સંસારની જવાબદારીઓમાંથી છટકેલા આ ગુરુઓ પાસેથી શું શીખવાનું? સંસાર પોતે જ એક મોટો ગુરુ છે.અકર્મણ્યતા ભારતનું મહા કલંક છે એનું પરિણામ છે ગુરુપ્રથા. ૫૦ લાખ સાધુઓથી શોભિત ભારત!! ૫૦ લાખ અન્પ્રોડક્ટીવ વેસ્ટથી દુર્ગંધ મારતું  ભારત!! ખાતરમાં પણ કામ ના લાગે તેવો વેસ્ટ, કામે લગાડી દો. બધી જ્ઞાન, પરલોક, સ્વર્ગ, સુખ, દુખ, કર્મ, ધર્મ, પાપ, પુણ્યની વાતો હવામાં ઉડી જશે.

નર્કારોહણ-૫

 નર્કારોહણ-5
આજે નર્કારોહણનો પાંચમો દિવસ હતો. રશ્મિભાઈ કહે, ‘આજે તો કોઈ દેખાતું નથી અહીં ઉપવનમાં ક્યારના આંટા મારીએ છીએ.’
અમે થોડા વધારે દૂર ગયા. તો એક ઝાડ નીચે બેત્રણ ભાઈઓ જેવા બેઠેલા. જરા નજીક ગયા તો એક જાડિયો ખુબ બળવાન લાગતો હતો. અહીં પેલી સ્ટ્રોન્ગેસ્ટ મેન ઇન વર્લ્ડની હરીફાઈના કોઈ સ્પર્ધક જેવો. બીજો એક સોહામણો મજબૂત ઉંચો ને એક સાવ ઢીલાં પોદળા જેવા ચહેરા વાળો હતો.
રશ્મિભાઈ કહે, ‘આ તો ભીમ, અર્જુન અને યુધિષ્ઠિર લાગે છે.’
મેં કહ્યું, ‘નક્કી પેલો ઢીલાં પોદળા જેવો દેખાય છે તે જ આપણો અધર્મરાજા હોવો  જોઈએ.’
રશ્મીભાઈ કહે, ‘એવું ના બોલો એ તો આખા હિન્દુસ્તાન માટે ધર્મરાજા છે.’
મેં કહ્યું, ‘જુઓ આજે આખો દેશ યુધિષ્ઠિર મેનીયાથી પીડાઈ રહ્યો છે. ઢીલાં પોદળા જેવું બની રહેવામાં ગર્વ અનુભવી રહ્યો છે.  ધર્મરાજા કહેવડાવવાની લ્હાયમાં માર ખાધે જ જાય છે. આ માણસનું અનુકરણ કરવામાં દેશ પાયમાલ અને કાયર બની રહ્યો છે. નેતાઓને ધર્મરાજા બનવું છે. માટે ના તો  કોઈ ગુનેગારને સજા કરી શકે છે. બસ અમે તો ક્ષમા આપવાવાળાં. શાંતિ રાખોના ગાણાં ગાયે જવાના. મને ઇતિહાસનાં આ પાત્ર ઉપર સખત નફરત.’
પણ આવ્યા છીએ તો બે બોલા મળી લઈએ.
અમને જોઈને ખુદ કાપુરુષ ઉભા થઈ ગયા ને બોલ્યા, ‘આવો!  ભગવાન શ્રી કૃષ્ણે અમને જણાવી દીધેલું કે તમે લોકો અમારી ખેંચવા આવ્યા છો.’
‘હું તો આપને ધર્મરાજા નહિ કહી શકું, જ્યાં જ્યાં ધર્મરાજા આપને માટે લખ્યું હોય છે ત્યાં ત્યાં આગળ “અ” લગાવીને જ વાચું છું.’
‘તમારી મરજી, અમને કોઈ વાંધો નથી. પણ એકલાં તમારા કહેવાથી ભારતના લોકો માનવાના નથી. કારણ દેશમાં મારા જેવાની બહુમતી છે.’
‘એક તો પહેલું એ કે મોટાભાઈનાં નાતે આપે નાના  ભાઈઓને ખોટી રીતે વશમાં રાખ્યા અને કાયમ કદ પ્રમાણે વેતરતા રહ્યા.’
‘એ તો હજુ આજે પણ એવું જ ચાલે છે. મોટાભાઈઓ એમનું મહત્વ બતાવવા એવું જ કરે, તમારા અડવાણી કાયમ એવું જ કરે છે ને? નાના ભાઈઓ બલિદાનો આપવા માટે જ હોય છે.’
‘દ્રૌપદીના કેસમાં પણ આપ લુચ્ચાઈ રમી ગયા, અને વગર મહેનતે એ જમાનાની સુંદરતમ સ્ત્રી ઉપર હક જમાવી લીધો.’
‘જુઓ ભાઈ, એ જમાનામાં શ્રેષ્ઠતા સાબિત કર્યા વગર આવી સ્ત્રી મળે નહિ. જે અમારો એક અર્જુન જ કરી શકે તેમ હતો.’
‘પણ એમાં આપ રમત રમી ગયા, અર્જુનની મહેનત કૌશલ્ય અને ફાયદો બધાએ લીધો.’
‘જુઓ એ જમાનામાં બહુ પતિત્વનો રિવાજ હતો, અને અમે જાણતા હતા કે અમારા માતુશ્રી દરેક વસ્તુ સ્વાભાવિક બધા ભાઈઓ વહેંચીને ખાઓ એવું જ હંમેશા કહે છે. એનો અમે લાભ લઈ લીધો. માતાશ્રીને એવું કહ્યું જ નહિ કે સ્ત્રી લાવ્યા છીએ.’
‘એટલે સ્ત્રીને વસ્તુ સમજવી આસાન હતું કેમ?’
‘લગભગ એવું જ, અને માતાશ્રીની આજ્ઞાનું પાલન કરવું પડે તેવું સમજાવી અર્જુનને આગળ બોલવા જ ના દીધો, અને અમારું કામ થઈ ગયું.’
‘આપને લોકો ધર્મરાજા કેમ કહેતા હશે તેની જ નવાઈ લાગે છે, એક પત્નીને જુગારમાં કઈ રીતે મૂકી શકો?’
‘જુઓ ભાઈ, એ જમાનામાં પત્નીને વસ્તુ સમજતા ને પથારીમાં રમવા રમકડું જોઈએ, બસ પૈસા ને મિલકત ખૂટ્યા તો એને મૂકી દીધી.’
મેં કહ્યું, ‘અધર્મરાજ હું તો આગળ કશા સવાલ કરવા માંગતો નથી. મને તો આપના ઉપર બહુ ગુસ્સો આવે છે. આપે એક તો ભાઈઓને ધર્મના નીતિનિયમોના નામે કશું કરવા દીધું નહિ. જ્યાં લડવાનું આવ્યું ત્યાં ભાઈઓને આગળ કર્યા. અને બાકીની જગ્યાએ આગળ રહીને માન ખાટ્યે જ રાખ્યું. પાંચમાંથી ફક્ત બે જ ભાઈ ભીમ અને અર્જુન જ શક્તિશાળી હતા. એમનો ખુબ ઉપયોગ કર્યો ને જરૂર પ્રમાણે ધર્મના નામે; નીતિના નામે  કદ પ્રમાણે વેતરે રાખ્યા. જે કીલર આક્રમકતા જોઈએ સર્વાઈવલ થવા માટે તે તમારામાં હતી નહિ અને બે ભાઈઓમાં હતી તેને ઠંડી પાડતાં રહ્યા. બિનજરૂરી આજ્ઞાપાલન કરાવતા રહ્યા. એટલે જ આજે આખો દેશ આજ્ઞાપાલક બની ગયો છે.’
રશ્મિકાંત બોલ્યા, ‘નેતાઓ ઇચ્છે કે પ્રજા અમારી આજ્ઞાનું પાલન કરે. અને નીચેની કેડરના નેતાઓનો ભોગ લીધા કરે. આજ નેતાઓ પાછાં બીજાની આજ્ઞા પાળે, ખાસ  તો અમેરિકાના નેતાઓ કે પ્રમુખની આજ્ઞા પાળવામાં ગર્વ અનુભવે. આપણી જ સરહદમાં વાડ કરવા ગયા ને ચીની ભાઈ નારાજ થયા તો બંધ કરી દીધું. હિન્દી ચીની ભાઈ ભાઈ, ભાઈ નારાજ ના થવો જોઈએ. પછી ભલે ઘરમાં આવીને મારી જાય. ઘણી વાર તો એવું લાગે કે દુર્યોધન તમારાથી સારો. નપુંસક તો ના લાગે. અને મહાભારતકારે પણ લખ્યું છે કે એક રાજા તરીકે દુર્યોધન શ્રેષ્ઠ રાજા હતો.’
મેં કહ્યું, ‘એક તો દ્રૌપદીને પણ જીભ ઉપર કાબુ રાખવા સમજાવી ના શક્યા. એક પોતાની પત્નીને ભરી સભામાં જ્યારે નાલાયકો નગ્ન કરી રહ્યા હોય ત્યારે નીચું ઘાલીને જોઈ રહ્યા હતા. ભીમ કે અર્જુન જેવાને પણ બકવાસ નીતિનિયમોની આડમાં ઉભા થવા ના દીધા. એટલે જ આજે જ્યારે કોઈ અફજલ કે કસાબ નામનું મચ્છર ભારત માતાના ચીર આખી દુનિયાની સભા વચ્ચે ખેંચીને નગ્ન કરી નાખે છે ત્યારે ધર્મરાજાઓ(નેતાઓ) નીચું મો ઘાલી બેસી રહે છે. કૃષ્ણ ક્યારે આવે તેની રાહ જોવામાં ભારત માતાને નગ્ન થતી અટકાવવાનું એક પગલું જાતે ભરતા નથી. કાયમ અમેરિકા સામે લાચાર નજરે જોઈ રહે છે. અમને મદદ કરો.’
અધર્મરાજ નીચું ઘાલી ને ટેવ પ્રમાણે સાંભળી રહ્યા હતા. ભીમ અને અર્જુન પણ મોટાભાઈ સામે નારાજગી ભરી નજરથી જોઈ રહ્યા હતા. પણ વર્ષો જૂની આદત શું બોલે? ઊંઘમાં પણ આજ્ઞા પળાઈ જાય એટલી હદે ભારતીયોના મન કુંઠિત થઈ ગયેલા છે. ઢીલાં પોચા અને નબળા લોકોને આપણે ધર્મરાજ કહીને બિરદાવીએ તો લોકો તો એવા બનાવામાં ગૌરવ જ અનુભવે.
અમારે માતા કુંતીને મળવું હતું; પણ ક્યાંય દેખાયા નહિ. મારું મન જરા ધર્મરાજ સાથે વાતો કર્યા પછી ઉદ્દીગ્ન થઈ ગયું હતું. માતુશ્રી ક્યાંય દેખાય તો એમને પણ થોડા સવાલો કરી લઈએ. ખેર કાલે જોઈશું વિચારી અમે ભીમ અને અર્જુનને વિચારમાં મૂકીને ચાલતી પકડી.
રશ્મીભાઈ કહે, ‘તમે તો જબરું ભાષણ ઠોકી દીધું. મને તો બીક લાગતી હતી.
મેં પૂછયું કેમ? ‘તમે પણ ગુસ્સો ઉતાર્યો જ હતો ને?’
તો રશ્મીભાઈ કહે, ‘આ ધર્મરાજને ખોટું લાગી જાય ને પેલાં ભીમને આજ્ઞા આપે કે માર આ લોકોને, પછાડી ને પટકી નાખ, તો ભીમ કાયમની  ટેવ પ્રમાણે અચેતન રૂપે આજ્ઞા પાળી લે તો આપણે તો મરી જઈએ. આપણું મિશન અધૂરું રહે.’
મને પણ થયું કે વાત તો સાચી. એ વખતે ખ્યાલ ના રહ્યો. પણ હવે ઝડપ કરો ચાલો ભાગો. અમે તો ભાગ્યા. સાચી જ વાત છે ને આજે પણ ધર્મરાજાઓની આજ્ઞા પાળીને લોકો નથી તૂટી પડતાં? વિચારે  જ ક્યાં છે?
મંદિર તોડો, મસ્જિદ તોડો, તોડો ગુરુદ્વાર,
બંધના એલાનો આપો દેશ કરો ખુવાર.

નર્કારોહણ-૪

દેવાધિદેવ ઇન્દ્ર

નર્કારોહણ-૪
આજે ચોથો દિવસ હતો. હું અને રશ્મીભાઈ નર્કમાં ફરતા હતા. ત્યાં સુંદર વાટિકામાં એક દેખીતો મહાબળવાન પ્રભાવશાળી પુરુષ દેખાયો. રશ્મીભાઈ કહે જુઓ આ તો ઇન્દ્ર દેવાધિદેવ છે. મહાપ્રતાપી અને શરીર સૌષ્ઠવ પણ સમૃદ્ધ. અમે તો પહોચી ગયા. વંદન કરવા એ ભારતીય પ્રણાલી છે. હા અમે કોઈ ને ઝુકી ને ચરણ સ્પર્શ કદી કરતા નથી, પછી તે ગમે તે હોય. એ નિયમ અહી પણ જાળવી રાખ્યો છે. અમે કહ્યું,
‘જય હો દેવાધિદેવ, ભગવાન આપને સીધો જ સવાલ કરી લઈએ, આપનું પ્રિય ભોજન શું હશે?’
‘વત્સ, ઋગ્વેદમાં અમારા ભોજન વિષે જણાવેલું જ છે. અમને પ્રોટીન થી ભરપુર સમૃદ્ધ આહાર જોઈએ, અમારે કાયમ યુદ્ધોમાં જવાનું રહેતું.’
‘પ્રભુ, તો પણ થોડી માહિતી આપો તો સારું. અમને ખબર છે, આપ સદાય યુદ્ધોમાં રત રહેતા હતા.’
‘વત્સ, અશ્વ, ભેંસો, આખલા વિગેરે અમારું પ્રિય ભોજન હતા. જો અમે દાળભાત ખાઈએ તો દુબળા રહી ને બળવાન રાક્ષસો ને હણી નાં શકીએ. અમારી એક થપાટે તો આખલાને પણ ભોમ  ભેગો કરી દઈએ.’
‘સાચી વાત છે પ્રભો, પણ આપનું ઇન્દ્રાસન કાયમ ડોલી ઉઠતું અહી પૃથ્વુંલોકમાં કોઈ માળાઓ કરવા બેસી જતું ત્યારે, એ વાત સમજાતી નથી, અને આપ એને અપ્સરાઓ  મોકલી રોકી દેતા.’
‘અરે વત્સ, કોઈ હાડપિંજર ત્યાં માળા કરવા બેસી જાય એમાં અમને શું ફરક પડે? એના ઘરની ખુરશી ઉચકવાની ત્રેવડ ના હોય તે મારા ઇન્દ્રાસન ને કઈ રીતે ડોલાવી શકવાનો હતો?’
‘તો પછી પ્રભુ લોકો આવા ડીંગ કેમ મારતા હશે?’
‘વત્સ, એમાં એવું છે ને કે અજ્ઞાની પ્રજાને સમજાવે કે મારા તપ થી ઇન્દ્ર ગભરાઈ ગયો છે, એનું આસન ડોલવા લાગ્યું છે, આવું કહે એટલે લોકો એનાથી ડરે કે આતો મહાન તપસ્વી છે.’
‘અને પ્રભો, આપને ત્યાં થી અપ્સરાઓ મોકલો એમનું તપોભંગ કરવા, એ સાચું?’
‘વત્સ, મારે શું ગરજ હોય? અરે આતો એનો પોતાનો વણ સંતોષયેલો કામરસ એના ગુપ્ત ચિત્ત(સબ કોન્સીયાશ) માં રમતો હોય તે ધોળે દિવસે અપ્સરાઓ દેખાય, ઇલ્યુઝન જેવું, માનસિક બીમારી.’
‘પ્રભુ, આ આપના ત્યાં અપ્સરાઓની ઉમર ૧૬ વર્ષ થી વધેજ નહિ એવું સાભળ્યું છે.’
‘વત્સ, એ પણ ગુપ્ત ચિત્તની કમાલ છે. આ મૂરખ આળસુઓને પૃથ્વી  લોકમાં કોઈ સ્ત્રી મળે નહિ, સ્ત્રી મેળવવા માટે એક જાતની કેપેસીટી જોઈએ જે હોય નહિ. એટલે આ લોકો એવું કહે કે અમે તો તપ કરવાના અને સ્વર્ગ માં સુંદર અતિ સુંદર સ્ત્રીઓ ભોગવવાના.’
‘ભગવાન, પણ ઉંમર ના વધે તેવું કેમ કહેતા હશે?’
‘વત્સ, આ બુઢ્ઢા ખુસટોની માનસિક વિકૃતિનો એક પ્રકાર છે. એમને ટીનેજર દીકરીની ઉંમરની સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છાઓ હોય માટે એટલે આવી કલ્પનાઓમાં રાચતા હોય છે. બાકી કોઈની ઉંમર ના વધે તેવું હોય ખરું? વત્સ સેક્સને દબાવો એટલે આવુજ થાય.’
‘ભગવાન,  સાભળ્યું છે કે આપના સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, જે ની ઈચ્છા કરો તે હાજર થઇ જાય.’
‘વત્સ, આ પણ જેને મહેનત કરવી નથી, આલસ્ય શિરોમણી  છે જે લોકો તેમને જ આવી બધી કલ્પનાઓ સુજે છે, એક વૃક્ષમાંથી એનાં ફળ સિવાય કશું નાં મળે ખાવા  માટે, અને ખાસ ઓક્સીજન મળે. પણ કપડા લત્તા કે બીજી કોઈ વસ્તુઓ ક્યા થઇ ટપકે?’
‘ભગવાન, સાચી વાત છે. ભારતનાં લોકો આલસ્ય શિરોમણી થઇ ચુક્યા છે. આ ભોપાલ કાંડનો ચુકાદો ૨૫ વર્ષે આપ્યો, જે ન્યાયાધીશો બુદ્ધિજીવીઓની પરાકાષ્ઠા સમાન ગણાય તે જ આટલા બધા આલસ્ય શિરોમણી છે.’
‘વત્સ, હવે અફસોસ ના કરો એમજ ચાલવાનું છે તમારે ત્યાં કારણ હજારો વર્ષો થી શિક્ષણ જ એવું મળ્યું છે.’
‘ભગવાન, આ આપ વારે ઘડીએ અસુરોથી હારી જતા એટલે કોઈ ઋષીએ હાડકા આપ્યા ને શસ્ત્ર બનાવ્યું. એના વડે આપ યુદ્ધ જીતી ગયા.’
‘વત્સ, વિચારો જરા કોઈ હાડકામાં શું હોય? કેલ્શિયમ હોય.કોઈ હાડકું ધાતુ જેટલું મજબુત હોઈ શકે ખરું? અને પોતાની જાતને ભૂખે મારતાં લોકોના હાડકા તો કેલ્શિયમ વગરના સાવ જ નબળા હોય. એનાથી કોઈ યુદ્ધ જીતાય ખરું? આતો આ લોકોએ એમનું મહત્વ બતાવવા આવી મનઘડંત વાર્તાઓ બનાવી કાઢી. જેથી સામાન્યજન એમનું માનપાન સાચવે અને ડર્યા કરે. અને વૃદ્ધ લોકોના હાડકા તો સાવ નબળા હોય. આતો તપની બકવાસ વાતોનું મહત્વ બતાવી બતાવીને પ્રજાને ઉદ્યમ વગરની કરી નાખી, આળસુ કરી નાખી. શારીરિક બળની દ્રષ્ટીએ દુનિયાની તમામ જાતિઓમાં એવરેજ  ભારતીયો નબળા પડે છે. કોઈ અપવાદ હોઈ શકે. એમાય તમારા ગુજરાતીઓ તો ખાસ.’
‘ભગવાન, એમાં અમારા ધર્મગુરુઓનો ખાસ વાંક છે. ઉચ્ચ આદર્શોની વાતો કરી કરી ને પ્રજાને સાવ નિર્માલ્ય કરી નાખી છે, ઘરમાં આવીને કોઈ મારી જાય છે છતાં ગર્વ અનુભવે કે અમે કોઈ ને મારતાં નથી, અમે તો મહાન છીએ. કોઈ કૃષ્ણ આવશે અને પાપીઓનો નાશ કરશે, ત્યાં સુધી માર ખાયા કરીશું.’
‘વત્સ, અમે તો આખી જીંદગી લડ્યા છીએ, હારી ને ભાગ્યા પણ છીએ, વળી પાછા ઓર મજબુત થઇ ને ફરી લડ્યા છીએ. અરે તમે કાયર બનીને માર ખાયા કરો એમાંથી બચાવવાની જવાબદારી પણ કૃષ્ણ ની? ‘અમે તો યુદ્ધ જીતવા બધુજ કરી છૂટતા. કૂડ, કપટ બધુજ વળી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે. બસ જીતો એજ મહામંત્ર. જીતો તો જીવો અને હારો તો મરો.’
      હવે ખાસ કશું પુછવા જેવું લાગ્યું નહિ. અમને મહામંત્ર મળી ચુક્યો હતો. “જીતો તો જીવો અને હારો તો મરો” ..હાડકાની કે લાકડાની તલવાર થી યુદ્ધો નાં જીતાય. પ્રેમ અને યુદ્ધમાં બધું જાયજ છે, એ શીખવા જેવું ભગવાન ઇન્દ્ર પાસે થી હતું. પણ ના શીખ્યા. “ઉદ્યમો ભૈરવ” નું સૂત્ર અમને સુજ્યું છે, નહિ તો કાલ ભૈરવ તમને ભરખી જશે. બીજા કોઈ ને આ સૂત્ર સુજ્યું હોય તો અમને વાંધો નથી. તપના બહાને નિષ્ક્રિય બની ને બેસી રહેશો નહિ, બીજા ને બેસવા દેશો નહિ. જે બેસી રહેતા હોય તેને ટેકો આપશો નહિ, મદદ કરશો નહિ. એમને ટેવ પડી ગઈ છે, કશું કર્યા વગર ખાવાની. તપના બહાને બેસી રહેવાની વૃત્તિના લીધે ભારતે મહાન વૈજ્ઞાનિકો ખોયા છે. વિજ્ઞાન શરુ થયું ભારતમાં, અને ભારત એમાજ પાછળ પડ્યું.  એકંદરે વિકાસ તો થતો જ હોય છે, પાછા ફરવા ની કોઈ જોગવાઈ નેચરમાં કુદરતના નિયમમાં છે જ નહિ. પણ જે પથ્થર યુગમાં જીવતા તે આજે ચાંદ ઉપર પહોચી ગયા, અને તેજ સમયે જેમણે વિજ્ઞાનની શરૂઆત કરી હતી તે કેટલા આગળ વધ્યા છે તે આપણે સહુ કોઈ જાણીએ છીએ. શાશ્વતની ખોજમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. ભૂતકાળની ગાથાઓમાં વર્તમાનને બગાડી રહ્યા છીએ.
   હવે જોઈએ કોણ ઝપટમાં આવે છે? એકાદ વાર ચાન્સ મળે તો થોડું કરપ્શન આપીને સ્વર્ગની મુલાકાત લેવાનું અમે અને રશ્મીભાઈએ વિચાર્યું છે. આમ તો બાજુ માં જ છે. પણ અંદર જવું કાઠું કામ છે. ચોકી પહેરો ખુબ છે. બધે ઓરેન્જ ધારીઓ માળાઓ લઈને ઉભા છે. જોઈએ હવે શું થાય છે?

નર્કારોહણ-૩

નર્કારોહણ-૩
ત્રીજો દિવસ થયો આજે નર્કમાં આવ્યે. દેસાઈ સાહેબ લિસ્ટ લઈને બેઠાં હતાં. મારા પહેલાં આવીને બધું ચેક કરીને બેઠેલા. કોના ઇન્ટર્વ્યૂ લેવાના, કોઈ રહી ના જાય એ માટે લિસ્ટ બનાવેલું.
‘ચાલો આજે દુનિયાના સૌ પ્રથમ રેશનલ માણસને મેળવી દઉં, દેસાઈ સાહેબ બોલ્યા.
‘એ કોણ? રેશનલીઝમ તો હમણાં ચાલુ થયું છે.’
‘ચાલો તો ખરા! એ માણસ સૌ પ્રથમ હતો જેણે ઇશ્વરભાઇમાં માનવાનું બંધ કરેલું.’
અમે તો ચાલ્યા. ત્યાં તો દૂર દૂરથી “બુદ્ધમ શરણમ ગચ્છામિ”નો નારો મધુર અવાજમાં સંભળાવા લાગ્યો. એક ઝાડ નીચે ભગવાન બુદ્ધ બેઠેલા જોયા એમની જગપ્રસિદ્ધ મુદ્રામાં. બાજુમાં દલાઇ લામા પણ જોયા.
મેં કહ્યું, ‘દેસાઈ સાહેબ, આ લામા હજુ જીવતાં છે ને અહીં શું કરે છે?’
‘અરે! એતો ત્યાં સૂતાં હોય ત્યારે અહીં આંટો  મારી જાય છે, એ બહાને ચેક થઈ  જાય ભવિષ્યમાં અહીં જ આવવાનું છે.’
‘એવું કેમ? એ તો બહુ મોટા ધાર્મિક ગુરુ છે, એમને અહીં શું કામ આવવું પડે?”
‘જુઓ, પૃથ્વી પર હમણાં કોઈ પ્રેસિડન્ટ નવા આવ્યા છે, એમનો હુકમ છે કે જે કોઈ માંસાહારી હોય તે બધા ને નર્કમાં મોકલી આપવા.’
‘કોણ? પ્રેસિડન્ટ સ્વામીની વાત કરો છો? હવે સમજ્યો, આ દલાઇ લામા અહીં કેમ આંટા મારે છે, અમેરિકા જાય ત્યારે  સદાય હસતા નિર્દોષ દેખાતા આ ડોસા આરામથી દરિયાઈ વાનગી ખાતાં હોય છે.’
અમે તો ભગવાન બુદ્ધની પાસે જઈ વંદન કરી ને બેઠાં. આ બધા ભગવાન મૂળ અંતર્યામી એટલે  અગાઉથી જાણી જાય કે  આપણે શું કામ આવ્યા છીએ. મારો પહેલો સવાલ હંમેશની જેમ,
‘ભગવાન આપ પણ અહીં?’
‘વત્સ,મૂળ અમે નાસ્તિક એટલે આના સિવાય બીજે ક્યાં  જગ્યા હોય?’ વળી અમારાંથી પણ એક ભૂલ થઈ ગયેલી.’
‘ભૂલ? અને તે પણ ભગવાન આપનાથી?’
‘વત્સ, એકવાર એક અમારો  ભિક્ષુ ભિક્ષા પાત્રમાં માંસનો એક ટુકડો લઈને આવ્યો,  અને પૂછે કે કોઈ ભિક્ષામાં માંસ આપે તો શું કરવું? ફેંકી દેવું કે ખાઈ લેવું? અમે વિચાર્યું કે ભિક્ષાનું અપમાન ના થાય. અને ના પાડીશ તો આ લોકોના મનમાં ચોઈસ ઘૂસી જશે. માટે અમે હા પાડી કે ભિક્ષામાં આપે તો ખાઈ લેવું. એમાં અમારી ભૂલ આમતો નથી, પણ ભિક્ષુઓએ અવળો અર્થ લઈ લીધો.
‘ભગવાન જરા વધુ ફોડ પાડો.’
‘વત્સ, લોકો એમના મનમાં જે ચાલતું હોય તેવી રીતે જ સમજતા હોય છે. એમની જ દીધે રાખતા હોય છે અને મન ફાવતા અર્થ કરી લેતા હોય છે. એટલે મારા આદેશનો અવળો અર્થ લઈને મારા ભિક્ષુઓએ માંસ ખાવાનું ચાલુ રાખ્યું. એ માટે ભક્તોને અગાઉથી જ કહી દે કે આજે આનું માંસ ભિક્ષામાં આપજો. અરે ઘણા તો પોતે જે પક્ષી ખાવું હોય તે વેચાતું લઈ ને ભક્તોના ઘરે મોકલી આપે, એટલે પેલો એને ભોજનમાં પરિવર્તિત કરી ભિક્ષામાં આપે.’
‘ભગવાન,સાચી વાત છે. લોકો મનગમતાં અર્થ કરી લેતા હોય છે. બાકી આપ તો કરુણાના અવતાર છો આપ આવી હિંસામાં ના માનો.’
‘વત્સ, બીજો દાખલો આપું હું પોતે ઈશ્વરનો ઇનકાર કરી ચૂકેલો, છતાં મને માનનારા મને જ ઈશ્વર બનાવી બેઠાં છે.’
‘સાચી વાત ભગવાન, માટે તો આપ જગતના પ્રથમ રેશનલ ગણાવ, પણ આપના ભક્તો નહિ.’
‘વત્સ, વિરોધાભાસ જુઓ મેં દુનિયાને અહિંસાનાં ખયાલ આપ્યા, પણ મને માનવાવાળા દેશો જેવા કે ચીન અને જાપાન અને બીજા ઘણા બધા કોઈ જીવ જંતુ, પશુ પક્ષી કે સરીસર્પ ખાવા માટે બાકી રાખતાં નથી. સજીવો ઉપર સૌથી વધુ જુલમ, હિંસા, ક્રૂરતા આ લોકો જ કરે છે.’
‘સાચી વાત છે ભગવાન, સાપ, દેડકા, ઉંદરથી માંડીને કૂતરાં સુદ્ધાં ખાઈ જાય છે, હવે આમાં આપની કરુણા તો હવાઈ જ ગયી છે.’
‘વત્સ, એક વાર સભા પૂરી થઈ એટલે અમે કહ્યું કે હવે સૌ પોતાનું  નિત્ય કર્મ કરો, મારો આશય હતો કે ધ્યાન કરો, પણ સભામાં આવેલો ચોર ચોરી કરવા ગયો, વૈશ્યા એના ગ્રાહકો જોડે ગઈ, લૂંટારો લૂંટ કરવા ગયો. બધા કહે  ભગવાને કહ્યું છે. બોલો જગતનું આવું છે ભાઈ.’
‘ભગવાન એક સવાલ કે આપે જ્ઞાન મેળવવા ઘર, સુંદર પત્ની અને કુટુંબ છોડી દીધું એ જ્ઞાન ઘરમાં રહી ને ના મેળવી શકાય તેવું હતું? આ હિંદુઓના તો દરેક ઋષિ મુનિઓ પરણેલાં અને બાળ બચ્ચાંવાળા હતાં.’
‘વત્સ, તમારી વાત સાચી છે. ઘરમાં રહીને પણ મેળવી શક્યા હોત. તમારા જેવો સવાલ અમે જ્ઞાન મેળવીને પ્રથમ વાર પાછાં આવ્યા ત્યારે યશોધરાએ પણ કરેલો. ત્યારે અમે ડિપ્લોમેટીક જવાબ આપેલો કે મેળવી શક્યા હોત પણ એ વખતે લાગતું હતું કે સંસારમાં રહીને જ્ઞાન નહિ મળે માટે ભાગી ગયેલા. મૂળ અમે રાજકુંવર હતા, અમે કદી જીવનની વિષમતાઓ જોયેલી નહિ.પહેલીવાર જોઇને ગભરાઈ ગયેલા, ડીપ્રેશનમાં આવી ગયેલા માટે સંસાર અસાર છે સમજી ભાગી ગયેલા, પણ એ ખોટું હતું તે સમજ્યા ત્યારે મોડું થઈ ચૂક્યું હતું.’
મૂળ કરુણાના અવતાર ગણાતા ભગવાન બુદ્ધની આંખોમાં આટલું બોલતા બોલતા આંસુ તગતગવા લાગ્યા એટલે હું દલાઈ લામાજી તરફ વળી ગયો. એ એમનું સદાયનું લાક્ષણિક ખી ખી કરતું હાસ્ય કરતા મારી સામે જોઈ રહેલાં.
મેં એમને નમસ્કાર કરીને પૂછવાનું ચાલુ કર્યું, ‘લામાજી આપ ખાલી આંટો મારવા આવ્યા લાગો છો?’
‘હા ભાઈ, આમેય હવે ત્યાં પ્રેસિડન્ટ સ્વામી જ ભગવાન છે, પ્રગટ બ્રહ્મ છે માટે એમના આદેશ મુજબ અમારે અહીં જ વાસ કરવાનો છે. માટે જરા જોવા આવી જાઉં છું. એ બહાને અમારા ભગવાન જોડે મુલાકાત પણ થઈ જાય છે.’
‘આપ પણ મોટાભાગે અમેરિકામાં ફરતા હોવ છો, ત્યારે સીફૂડ ઝાપટતાં હો છો, એ ખોટું ના કહેવાય?’
‘ભાઈલા, એ વાંક આમનો છે,’  લામાજીએ ભગવાન બુદ્ધ તરફ ઇશારો કર્યો. ‘તેઓશ્રીએ મહાવીર સ્વામિની જેમ કડક થઈને સ્પષ્ટ ના પાડવી જોઇતી હતી.’
‘લામાજી આપની વાત સાચી છે, પણ હવે તો અમેરિકા અને ભારત સુધ્ધા માને છે કે તિબેટ આપનું નથી. ધર્મગુરુઓનાં હાથમાં રાજકારણ અને દેશની ધુરા સોંપી ના દેવાય.’
‘ભાઈ, હવે એવું છે કે આખી દુનિયા જાણે છે કે તિબેટ અમારું જ છે, પણ ચીન હવે સુપર પાવર બનવા જઈ રહ્યું છે એને કોણ કહે?’
‘લામાજી ખોટું ના લગાડતા પણ કુદરતનો નિયમ છે કે સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ, કુદરત માટે બધા સરખાં જ છે કોઈ વિશેષ નથી.’
લામાજી પાસે કોઈ જવાબ નહિ હોય તે નિરુત્તર થઈ ગયા.
હું અને દેસાઈ સાહેબ આગળ વધ્યા. મેં દેસાઈ સાહેબને પૂછ્યું કે હવે કોને મળીશું?
દેસાઈ સાહેબે પ્રેમભરી સ્પષ્ટ સૂચના આપી કે મને દેસાઈ સાહેબ ના કહેશો. ખાલી રશ્મિકાંત કહેજો. મારે પણ રશ્મિ નામ સાથે સારું લેણું છે. મારા વડોદરા નિવાસ દરમ્યાન ખાસ મિત્ર વડોદરાના વન ઑફ ધ બેસ્ટ ફોટોગ્રાફર રશ્મિન શાહ મારા ખાસ મિત્ર હતા. આજે પણ છે જ. એમનો સ્ટુડીઓ પાણીગેટ બહાર વામા સ્ક્વેરમાં છે. મેં રશ્મિકાંતને કહ્યું કે આ મારા મિત્ર રશ્મિન  શાહની નાની દીકરી આકાશમાં જ્યારે પણ કોઈ પ્લેન જુએ કે તરત એના પપ્પાને કહેશે પાપા ચાલોને એક વાર તો રાઓલજી અંકલ પાસે અમેરિકા  લઈ જાઓ. જ્યારે જ્યારે રશ્મિનભાઈ મને ફોન ઉપર આ વાત કરે ત્યારે મને કથાકાર બાપુ યાદ આવી જાય. પેલી દીકરી તો ચાઈલ્ડ જ છે, બાપુ પણ?
ચાલો વિમાનમાં કથા કરવા જઈએ. જો કે દરેક પુખ્ત માણસમાં પણ એક બાળક ક્યાંક તો એના અવચેતનમાં છુપાઈ ને બેઠેલું તો હોય જ છે. મારા, તમારા અને બધામાં. એટલામાં ભગવાન શ્રી રામ ફરતાં ફરતાં અમારી નજીક આવી ગયા. અમે પણ સાઈડવોકમાં એમની સાથે થઈ ગયા. હવે તો ભગવાન અમને સારી રીતે ઓળખી ગયા છે.
મને કહે, ‘અમારું નામ સૌથી વધારે વટાવી ખાનાર હમણાં તમારા ન્યુ જર્સીમાં છે કેમ?’
‘હા ભગવાન એડીશનમાં કોઈ મહોત્સવના નામે કથા આપની ચાલી રહી છે. બહુ મોટા મોટા સાક્ષરો પણ પધાર્યા છે.’
‘વત્સ,આ સાક્ષરોને કોઈ કામ ધંધો છે નહિ? વાક્ચાતુર્ય પણ બહુ અસર કરતું હોય છે.’
‘કેમ ભગવાન એવું બોલવું પડ્યું? હમણાં તો એ બહુ ફેમસ મોટી હસ્તિ બની ગયા છે, લોકો એમને વૈશ્વિક ઘટના કહે છે.’
‘વત્સ, સાંભળ્યું છે કે એ કોઈ પર્વો યોજે છે?’
‘હા! ભગવાન, અસ્મિતાપર્વ, સંસ્કૃતપર્વ, હમણાં સદભાવનાપર્વ યોજાઈ ગયું.’
‘વત્સ, મને બધી ખબર છે. આ સદભાવના પર્વ ક્યાં યોજેલું?’
‘ભગવાન, મહુવામાં એમના બધા પર્વો ત્યાં કોઈ સ્કૂલમાં યોજાય છે.’
‘વત્સ, મહુવામાં સદભાવના પર્વની શી જરૂર? ત્યાં કેટલા લોકો સાંભળવા આવે? ૧૦૦૦ કે ૨૦૦૦? એટલાં પણ કદાચ નહિ આવતા હોય, અને સાક્ષરો પણ એના એજ કાયમ આવતા હોય.’
‘તો ભગવાન સદભાવના પર્વની ક્યાં જરૂર છે વધારે?’
‘અરે વત્સ! એની જરૂર છે જ્યાં સદભાવના ના રહી હોય તેવા વિસ્તારોમાં, જ્યાં કોમી કે બીજા કોઈ તોફાનો થતા હોય ત્યાં?’ મહુવાની સ્કૂલના પટાંગણમાં નહિ.’
‘ભગવાન, આપ એવા કેટલા વિસ્તારો જાણો છો કે જ્યાં આની જરૂર હોય?’
‘વત્સ, એક તો ખાસ ગોધરા અને અમદાવાદમાં, એમાંય કાલુપુર, દરિયાપુર, ડબગરવાડ ,શાહપુર અને જુહાપુરા, નરોડા પાટીયા અને ગુલબર્ગ સોસાયટી. વડોદરામાં ખાસ તો મચ્છીપીઠ ,વાડી, મોગલ રેસ્ટોરેન્ટ, બેસ્ટ બેકરી. ગોંડલ  એરિયામાં જ્યાં દરબારો અને પટેલો કાયમ રાજકારણના લીધે લડી મરે છે. પોરબંદરમાં જ્યાં મેર અને ખારવા વચ્ચે સિવિલ વોર જેવું ચાલ્યા કરે છે. આ બધી જગ્યાએ જ્યાં લોકો વચ્ચે સદભાવના રહી જ નથી ત્યાં આવા પર્વો યોજતાં હોય તો સારું. પણ આ હોશિયાર એવે ઠેકાણે કદી દેખાતો પણ નથી. અને  મૂરખો એમને વૈશ્વિક ઘટના તરીકે ઓળખાવે છે ત્યારે જ્યાં વૈશ્વિક ઘટના થાય છે ત્યાં સદભાવના પર્વ યોજવા વર્લ્ડ ટ્રેડ સેન્ટર, બૈરુત, ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં કેમ નથી જતો?’
‘ભગવાન, મારાથી ના બોલાય લોકો નારાજ થઈ જાય છે, માર્દવભાઈ તો લડવા આવે છે. એમને સપના ના  આવે એમાં તમારે શું? એ ધંધો કરે કથાનો અને કરોડો કમાય તો તમારે શું? તમને કોઈ એક રૂપિયો એ બોલવાનો આપવાનું છે? આવું કહી ને રોજ ઠપકો આપે  છે. એટલે તો અહીં સાવ નજીક એડીશનમાં જ કથા ચાલે છતાં હું જતો નથી ભગવાન લોકો મને માર મારે તો? આ ઉંમરે હાડકા પાછાં સંધાય નહિ.’
‘વત્સ, સાચી વાત છે તમારી, તમારો ભય સાચો છે, પેલાં અમેરિકન પંકજ ત્રિવેદીનું  આવાજ ધર્માંધ લોકોએ ખૂન કરી નાખેલું. એમણે પોતે આ કહેવાતા ધાર્મિક પરિવારને એક કરોડનું દાન આપેલું તેવું કહેવાય છે, છતાં મારી નાખતા જરાપણ શરમ આવી નહિ.’
‘ભગવાન, એમાં પણ એમના એક ભક્ત કહે કે દાદા કે દીદી કોઈનું ખૂન ના કરાવે પણ એમના કોઈ ભક્ત ને ખુન્નસ ચડી જાય ને મારી નાખે એમાં દાદા અને દીદી નો શું વાંક?’
‘વત્સ, સાચવજો હવે સાચી વાતો કહેવા જતાં જાનનું  જોખમ હોય છે, અને આ ધાર્મિક લોકોનો કદી વિશ્વાસ ના રાખતા. એમના જેટલા ભયાવહ તો વાઘ અને સિંહ પણ નથી.’
‘ભગવાન, અમે પણ તમારા રઘુકુલના છીએ એમ ડરી જઈએ તેવા નથી.’
‘વત્સ, અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે તમને કશું ના થાય.’
ચાલો અમને તો ભગવાન રામજીના શુભ વચનોનો સાથ મળી ગયો છે. રશ્મિકાંત દેસાઈ અને હું કાલે પાછાં કોનું દિમાગ ચાટીશું એની ચિંતામાં પડ્યા હતા. જો કે રશ્મીભાઈ પાસે લાંબું લિસ્ટ છે એટલે જે વહેલો તે પહેલો. ફરતા ફરતા જે હાથ ચડી જાય તેનું દિમાગ ચાટી લેવાનું. ભાઈ અહીં નર્કમાં ખૂબ ઠંડક છે. કોઈ શેકવાના તવા કે શૂળી કે કરવત કે  કશું સજા કરે યાતનાઓ કરે તેવું દેખાતું નથી. પણ આ બધા સારા માણસો અહીં ફક્ત માંસાહારને લીધે અહીં તગેડી મૂકવામાં આવે તે મને પ્રૅસિડેન્ટ સ્વામી અને વૈદ્ય સ્વામીની જ્યાદતી લાગી. પણ હમણાં કશું બોલાય તેમ નથી. પ્રગટ બ્રહ્મ છે ભાઈ!!!!!

નર્કારોહણ-૨

નર્કારોહણ-૨
અમે અને દેસાઇ સાહેબ ચાલતાં ચાલતાં આગળ વધ્યાં. ત્યાં સુંદર બગીચામાં માથે મોરપંખ બાંધેલા ભગવાન શ્રી ક્રુષ્ણ બેઠેલા જોયા સુંદર રમણીય નારીઓ વચ્ચે. હું તો ઝટ દઇને દોડ્યો આ તો મારા ખાસ.મેં કહ્યું,
‘ભગવાન આપ પણ અહીં?’
‘અમારી વૈકુંઠમાંથી અહી બદલી થઇ ગયી છે, ખબર નહીં હમણાં શું ટ્રેન્ડ આવ્યો છે કે ઘણા બધાંની અહી ટ્રાન્સ્ફર થઇ ગઇ છે.’
‘તો ભગવાન આપ અહીંથી ભારત(કુરુક્ષેત્ર)માં પધારો છો? મને તો એમ હતુ કે આપ સ્વર્ગમાંથી આવતા હશો.’
‘ના વત્સ, હું અહીં નર્કમાં ફરું કે ત્યાં ફરુ શું ફેર પડે છે? હવે લગભગ બધે સરખું જ વાતાવરણ થઇ ગયું છે.’
‘ભગવાન સાવ એવુ ના બોલો મેરા ભારત તો મહાન છે, સોને કી ચીડિયા છે.’
‘વત્સ હતું ત્યારે હતું અત્યારે નથી, જુઓ અમે તો ક્ષણમાં આતતાયીને હણી નાખતા હતા, તમને એક કસાબ હરાવી જાય છે, અમારા વારસદારો શું આવા હોય?’
‘પણ ભગવાન શુ કરીએ! નેતાઓ એવાં છે કે દેશને નર્ક બનાવી દીધો છે, પ્રજા શું કરે બીચારી?’
‘સાવ ખોટી વાત છે વત્સ! પ્રજા જ દેશને મહાન અને સ્વર્ગ બનાવી શકે અને પ્રજા જ દેશને પામર અને નર્ક બનાવી શકે. આ નેતાઓ ઉપર થી ટપકે છે?
‘ના ભગવાન એ તો પ્રજા જ ચુંટે છે, પ્રજામાંથી જ આવે છે.’
‘વત્સ, હવે સમજાયું? કુવામાં હોય તો હવાડામાં આવે.’
‘સમજાયુ ભગવાન વાંક બધો જનતાનો જ છે.’
‘વત્સ, ભારત મા બીજાને દોષ દેવાની બહુ બુરી આદત પડી ગઇ છે.’
‘ભગવાન દવે સાહેબ એવુ ક્યાંક થી શોધી લાવેલા હતાં કે રાધાજી તો આપના મામી હતા, એમને કામવાસના એ સતાવ્યા તો આપ બાળકમાંથી રાતોરાત પુખ્ત થઇ ગયા અને રાસલીલાઓ તથા કામલીલા કરી.’
‘અરે વત્સ, તમારા કોઇ મહરાજશ્રીને એમની કોઇ યુવાન મામી ગમી ગઇ હશે, એટલે મારા નામે ચડાવી દીધું લાગે છે.’
‘એટલે, સમજ્યો નહીં ભગવાન.’
‘અરે નાદાન, એમની યુવાન મામીને ભોગવવી હશે, પેલી માનતી નહી હોય, નીતિમત્તાની વાતો કરતી હશે, એટલે મારી આવી વાતો કરી હશે કે ભગવાન પણ આવુ કરતા હતાં.પછી પેલીને પટાવી લીધી હશે.’
‘પણ ભગવાન, આપ અહીં નર્ક મા કેમ? આપ તો માખણ ખાતાં હતાં.’
‘કેમ ભુલી ગયાં? રાજસુય યજ્ઞ વખતે એંઠી પતરાળીઓ અમે ઉઠાવેલી એમાં સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગે હરણના માંસનો આહાર કરેલો એ પતરાળીઓ અમે ઉચકેલી એના માટે અહીં આવી ગયા.’
‘અને ભગવાન મહાભારતના યુદ્ધના લીધે પણ લોકો માને છે કે આપે ખોટું કરાવેલું.’
‘વત્સ, ભલે લોકો માને ખોટું પણ સ્ત્રી ને ભરી સભામાં નગ્ન કરે તેવી સડેલી વ્યવસ્થાનો નાશ જરૂરી હતો, એના માટે થઇને જૈનોએ પણ મને એમના નર્કમાં નાખેલો જ છે.’
‘પણ ભગવાન એમના એક તીર્થંકર નેમિનાથ તો આપના કાકાના દીકરા ભાઇ હતા, તો એમણે પણ લાગવગ ના કરી?’
‘ના એમાં લાગવગ ના ચાલે, કદાચ એમણે પણ સજેસ્ટ કર્યું હોય કે બહુ ફાટ્યો છે નાખો નર્કમાં, જુઓ ભાઇ જેવો મિત્ર નહીં ને ભાઇ જેવો કોઇ દુશ્મન પણ નહીં.’
‘હા ભગવાન એ વાત સાચી,પાંડવો પણ કૌરવોના ભાઇઓ જ હતાં ને?’
‘વત્સ, હવે તમે અહીં જ રહેવાના છો જ્યારે ઇચ્છા થાય ત્યારે મળી શકો છો, હવે હું જરા મારી સુર સાધના કરી લઉં.
ભગવાન હવે વાંસળી વગાડવા લાગ્યા. એમની ક્લાસીકલ ધુનો શરુ થઇ તો લોકો ડોલવા લાગ્યા. અમે ત્યાંથી આગળ વધ્યા. જ્યારે જ્યારે હું પૂછું કે આપ લોક નર્કમાં કેમ? ત્યારે દેસાઇ સાહેબ મૂંછ મા હસે. મને તેનું રહસ્ય સમજાય નહીં. મને તો આ નર્કમાં કોઇ પાપી માણસો ને શેકવાનાં  તવા વિગેરે દેખાયું નહીં. બચપણમાં મેં નર્કમાં શી યાતનાઓ વેઠવી પડે તેના ફોટા જોયેલા. એ વખતે હું ડરીજ ગયેલો. કે કદી પાપના કરવું. પણ પછી સમજ પડી ગયેલી કે આ તો તમારી અંદર રહેલા ડરનો ઉપયોગ કરીને રોટલા શેકવાનો ધંધો ચાલે છે. આમેય ભયની વ્રુત્તિ દરેકમાં મુકેલી જ હોય છે કુદરતે. હિંસક પશુ પ્રાણીઓથી ના ડરો અને ભાગો નહીં તો એ લોકો તમને મારી નાખે. અને ડરી ને ભાગી જાવ તો બચી જવાય. એ બહાને સર્વાઇવ થઇ જવાય.

સમયથી પહેલાં કુદરત તમને મારી નાખવા નથી ઇચ્છતી માટે આવી ડર અને ભય જેવી ભાવનાઓ મુકેલી છે. છતા કાયમ ભાગ્યા કરો તો પણ ના ચાલે. કાયમ ડર્યા કરો તો પણ ના ચાલે. ઉલટાનું લોકો ડરાવી ડરાવીને મારી નાખે. માટે અભયની ભાવના પણ મુકી. સર્વાઇવ થવા મજબૂત પણ બનવું પડે. માટે સાહસ મૂક્યું.કપરી પરિસ્થિતીમાં લડવાનુ બળ આપ્યું. માટે ઉપનીષદો એ અભયના વચનો વદ્યા અને ભગવાન મહાવીરે પ્રથમ સુત્ર અભયનું આપ્યું. માણસ એકબીજાને મદદ કરે છે. કેમ? એકબીજાને મદદ કરી ને કોઇ ઉપકાર કરતો નથી. એક બીજા ને બચાવીને કોઇ ઉપકાર કરતો નથી. આ તો બંનેનો સહીયારો પ્રયાસ છે સર્વાઇવ થવાનો. આ બધું સમજવા જેવુ છે. વાઘ અને સિંહ સામે આવે અને તમે ભાગી જાવ તો ડરપોક ના કહેવાઓ. એ કુદરતી છે. પણ મુઠ્ઠીભર અંગ્રેજોના ગુલામ રહેવું તે કાયરતા છે. કાયમ બહાદુરીના બણગાં ફૂંકીને હજાર વર્ષ ગુલામ રહેવું તે નરી કાયરતા જ છે. ગાંધીજી પાકા વણીયા હતા, બુધ્ધિશાળી હતા. એમને ખબર હતી કે આ કાયર પ્રજા લડીને આ લોકોને ભગાડી નહીં શકે. માટે મારવાનો નહીં માર ખાવાનો કોન્સેપ્ટ લઇ આવ્યા. મારી મારી ને કેટલા ને મારશો? કરોડો છીએ. થાકીને ભાગી ગયા.
બસ હવે તો અહી નર્કમાં જ રહેવાનું છે. અહીં તો બહુ બધા મહાનુભવો છે. બધાને મળીશું અને વાતો કરતાં રહીશું.

“નર્કારોહણ”-૧

 

“નર્કારોહણ”-૧
નરક તરફ પ્રયાણ,,,
  ફ્રોઈડ કહેતો કે દિવસે અતૃપ્ત રહેલી ઇચ્છાઓ માનવી સપનામાં પૂરી કરતો હોય છે. જો કોઈ એવું કહે કે એમને સપના આવતા નથી તો ખોટી વાત છે. હા એવું બને કે એમને સપના યાદ ના રહેતા હોય. ફક્ત  વહેલી સવારે જાગતા પહેલા આવેલું છેલ્લું  સ્વપ્ન જ યાદ રહેતું હોય છે. એ પહેલા જોએલા સ્વપ્નો લગભગ યાદ રહેતા નથી. રાત્રે તમે સ્વપ્નો જોતા હોવ ત્યારે તમારી આંખો  અંદર ઝડપથી ફરતી હોય છે ભલે બહાર આંખોના પોપચાં બંધ હોય. આને રેપીડ આઈ મુવમેન્ટ કહેવાય છે. ટૂંકમાં એને રેમ કહે છે.
    શ્રી મોરારીબાપુ એક ટીવી ઈન્ટરવ્યુંમાં બોલેલા કે એમને સ્વપ્ના આવતા જ નથી. પણ એ ખોટું છે, એમને યાદ રહેતા નહિ હોય. સ્વપ્ના આવે તે ખોટું જરાય નથી, આવતા જ હોય છે. રશ્મીકાંત દેસાઈ સાહેબે અમને એકવાર પ્રેમાળ શબ્દોમાં લખેલું કે નરકમાં જવાના છો, આવું ને આવું લખ્યા કરશો તો. એકવાર હું મારા કંધશુલ એટલે ખભાના દુખાવા માટે થેરાપીસ્ટ પાસે ગયેલો. ત્યાં બેઠેલી રીસેપ્નીષ્ટ નૈયા મને પૂછે કે ક્યારની એપોઇન્ટમેંટ આપું? સંડે કે મન્ડેની? ત્યારે મેં મજાકમાં કહ્યું કે સંડે હો યા મન્ડે રોજ ખાઓ અંડે. તો બાજુમાં એક યુવાન ટીલા ટપકા કરેલા ભાઈ બોલ્યા કે તમારા જેવાને લીધે અમને શાકભાજી સસ્તા મળે છે. મને પુચ્છ્યું પણ નહિ કે હું ઈંડા ખાઉ છુ કે નહિ. મેં કહ્યું એનું પુણ્ય અમને મળશે. તો કહે માંસાહારીઓ બધા નરકમાં જવાના. મેં એમની સાથે દલીલો કરવાનું મુનાસિબ માન્યું નહિ. મૂરખો સાથે શું દલીલો કરવાની? ઘણા બધા મિત્રોનું માનવું છે કે હું નરકમાં જવાનો છું. મને પણ એવું લાગે છે. જોકે મારું સ્વાગત કરવા દેસાઈ સાહેબે મારા પહેલા ત્યાં પહોચી જવાનું વચન આપેલું છે. મેં પણ એમને જણાવેલ કે ત્યાં ઘણા બધા મહાનુભવો હાજર હશે, એમાંથી કોના કોના ઈન્ટરવ્યું લેવા છે તે લિસ્ટ બનાવી રાખશો. બસ આવી વાતોમાં એક રાતે હું પણ ઊંઘમાં નરકમાં પહોચી ગયો. દેસાઈ સાહેબે એમની તતૂડી વગાડી અમારું તડાકાભેર સ્વાગત કર્યું. હું શોધતો હતો પેલાં મોટા તાવડા જેમાં પાપીઓને શેકતા હોય લાખો વર્ષ લગી.
‘મારો કયા તાવડા માં નંબર છે?’
‘અહી તો કોઈ તવા મને દેખાતા નથી.’ દેસાઈ સાહેબ બોલ્યા.
   પણ બધા મહાનુભવો અહી ફરે છે ચાલો તમને બતાવું. અમે તો ફરતા ફરતા પહોચી ગયા શ્રી રામજી પાસે. સીતા મૈયા બાજુમાં જ બેઠાં હતા. મને નવાઈ લાગી. આ લોકો અહી કેમ બેઠાં હશે? આ લોકો તો સ્વર્ગમાં હોવા જોઇને? દેસાઈ સાહેબ વગર મૂછે મુછોમાં હસતા હતા. મને કહે પગે લાગો અને પૂછવા માંડો. પછી ચાન્સ નહિ મળે. હું તતૂડીમાં ઉતારવા માડું છું. સીતાજી ખૂબ રૂપાળાં, અદ્દલ દીપિકા ચીખલીયા જેવા. અને રામજી પણ ખૂબ હૅન્ડસમ લાગે અદ્દલ અરુણ ગોવિલ જેવા. પહેલા તો ચકરાઈ ગયેલો આ અરુણ ગોવિલ અને દીપીકાજી જ હશે. આમ તો ડભોઇમાં એકવાર દીપીકાજીની સભા હતી ત્યારે ખૂબ નજીકથી મંચ ઉપર એકબાજુ ઉભા ઉભા એમનો ભાષણ કરતો વીડીઓ ઉતારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. ત્યારે હું એમની સુંદરતા જોઇને મોહિત થઈને એકટસ એમને જોયા કરતો હતો. સ્ત્રીઓની સીકસ્થ સેન્સ સારી હોય છે, એ ભાપી ગયેલા કે આ મોહન સતત સામે જોયા કરે છે ઘાયલ થઈ ગયો લાગે છે. મને પણ એમની આંખોના ભાવ સમજાઈ ગયેલા. પછી પ્રયત્નપૂર્વક બીજે જોયા કરતો હતો.
   અમે તો જઈને નમી પડ્યા, બંનેને વંદન કરી બાજુમાં ઉભા રહ્યા. રામજી તો અંતર્યામી સામેથી જ કહે,
‘આવી ગયા! સ્વાગત છે, તમે તો સીતાજીનો પક્ષ લઈ ને અમારી સામે પણ ખૂબ બાણ(શબ્દોના) છોડ્યા છે ને કઈ?’
‘હા ભગવન! અમને જરા એમાં અન્યાય જેવું લાગેલું માટે બધું લખતા હતા.’
‘સાચી વાત છે તમારી એમાં અમને કોઈ દ્વેષ નથી તમારા તરફ, અમે ભૂલો કરેલી જ અમે પણ માનવ જ હતા, માણસ માત્ર ભૂલને પાત્ર.’
‘પણ ભગવાન આવું કેમ કરેલું? ત્યાગ અને અગ્નિ પરીક્ષા મને નહિ ગમેલું માટે મેં વિરોધમાં બહુ લખેલું.’
‘સાચી વાત છે વત્સ, પણ એ જમાના પ્રમાણે અમે બધું કર્યું હશે, પણ અમે સમાજ ઉપર નવો દાખલો બેસાડી શક્યા હોત એવું બધું ના કરીને પણ અમે ચાન્સ ગુમાવ્યો.’
‘ભગવન, એમાં ભારતના પુરુષ વર્ગે આપનો દાખલો લીધો અને  હજુ સુધી ભારતની નારીઓને અગ્નિપરીક્ષાઓ આપવી પડે છે. અને ત્યાગ પણ થાય છે. અમારા એક લેખિકા વર્ષા અડાલજા કાયમ બુમો પાડતા હોય છે કે  આ સ્ત્રીઓની અગ્નિ પરીક્ષા ક્યારે બંધ થશે?’
‘હા વત્સ મને જાણીને ખૂબ દુખ થાય છે, હજુ પણ નારીઓને ધરતીમાં સમાઈ જવું પડે છે.’
‘ભગવન, આપે સરયુમાં કેમ જળસમાધિ  લીધી હતી?’
‘વત્સ શેની જળ સમાધિ? અરે ભાઈ સીતાજી ધરતીમાં સમાઈ ગયા, અમે એમને ખૂબ અન્યાય કરેલો એમનું દુખ અને વિરહ અમે સહન કરી ના શક્યા માટે અમે પાણીમાં સમાઈ ગયા. અને જલદી અહી ભેંગા થઈ ગયા.’
     ભગવન રામ ઇમોશનલ થઈ ગયેલા. આંખોમાં પાણી દેખાવા લાગ્યું. એટલે અમે સીતાજી તરફ વળી ગયા.
‘જય હો મૈયા! આપ અયોધ્યા પાછાં કેમ ના ગયા? ભગવાને માફી તો માંગેલી પછી?’
‘વત્સ હું પણ માનવી હતી, મારે પણ ફીલિંગ્સ હોય, મારે પણ સ્વમાન હોય કે નહિ?’
‘સાચી વાત મૈયા, એટલે આપે ભગવનને માફ ના કર્યા.’
‘હાસ્તો વળી, ના જ કરુંને? મન ફાવે તેમ સ્ત્રીઓ સાથે વર્તન કરે તે મારા જેવી કેમ સાંખી લે? અને હું સમાજ પર દાખલો બેસાડવા માગતી હતી કે આવી રીતે વારંવાર ભૂલો કરતા પુરુષોને માફ ના કરશો.’
‘પણ મૈયા સમાજ તો કશું શીખ્યો જ નથી.’
‘વત્સ ક્યાંથી શીખે? ખોટા અર્થ ઘટન થતા હોય ત્યાં? જુઓ ધરતીમાં ખૂબ એનર્જી ભેગી થાય ત્યારેજ ધરતી ફાટે, એમ મારા કહેવાથી ધરતી ના ફાટે.
‘મૈયા આપે ખુદને જ સજા કરી દીધી? સુસાઈડ કરી લીધું એમજ ને?’
‘વત્સ એક તરફ આખો સમાજ હોય અને એક તરફ એક સ્ત્રી હોય તો શું કરે? ખુદને જ સજા કરે, જે મેં કર્યું હતું.’
‘તો મૈયા આપની પડખે કોઈ જ ના હતું?’
‘વત્સ હતું એક માનવી, ઋષિ વશિષ્ટના વિદુષી પત્ની  અરુંધતી દેવીએ પ્રતિજ્ઞા લીધેલી કે રામ વડે ત્યજાએલી સીતા વિનાની અયોધ્યામાં પગ નહિ મુકું.’
‘મૈયા એ પણ સ્ત્રી હતા એકલાં એમની તતૂડી કોણ સાંભળે.’
    સીતા મૈયાના મુખ પર વિષાદ છલકાઈ આવ્યો. એટલે અમે ભગવન સામે મુખ ફેરવ્યું.
‘ભગવન આપ લોગન નર્કમાં કેમ?’
‘વત્સ ૧૪ વર્ષ વનમાં શું ખાઈએ? અને આમેય અમે હતા ક્ષત્રિય શિકાર હરણના કરતા એટલે પહેલા તો અમે સ્વર્ગમાં હતા, પણ હમણાં ટ્રેન્ડ બદલાઈ ગયો છે માટે અહી ટ્રાન્સ્ફર થઈ છે થોડા વખતથી.’
‘ભગવન પણ સીતા મૈયા કેમ અહી?’
‘વત્સ આમતો સ્ત્રીઓ પ્લાન્ટ ગેધરિંગ કરતી અને પુરુષો શિકાર એટલે મૈયા લગભગ શાકાહારી હતા, પણ કોઈ વાર એક્સટ્રા પ્રોટીન માટે  ખાઈ લેતા, પણ વસ્ત્રો એમને સોનેરી ટપકા વાળા હરણના ચર્મના ખૂબ ગમતા એ પાપ.’
       અમે બંને ને સંયુક્ત સવાલ કર્યો,
‘હવે ભારતમાં સ્ત્રીઓનું મૂલ્ય વધી રહ્યું છે, છતાં જોઈએ તેવું નહિ, તો ઉપાય શું?’…બંને સાથે બોલ્યા કે
‘વત્સ પુરુષોને  ખાસ રસ એમાં ના હોય પણ સ્ત્રીઓ એ જ એમનું મૂલ્ય સમજવું પડશે, અને પુરુષોનાં કાન પકડી એ મૂલ્ય સમજાવવું પડશે.’
‘ભગવન બીજો કોઈ સંદેશ?’
‘વત્સ આ બાપુઓએ ખાસ તો મોરારીદાસે મારી કથા હવે બંધ કરી દેવી જોઈએ, હવે સમાજ, પરિસ્થિતિ બધું ચેઇન્જ થઈ ગયું છે, હવે એની જરૂર નથી. છતાં રોટલા રળવા હોય અને બીજું કશું ના આવડતું હોય તો  નવા પરીક્ષેપમાં  કથાઓ કરવી જોઈએ. કે ભાઈ  સ્ત્રીઓ વસ્તુઓ નથી. એમનું  મૂલ્ય સમજો. મેં ભૂલ કરી હતી તેવી હવે ના કરશો.’
‘પણ ભગવાન, આ લોકો તો કહે છે ’રામ કથા જગ મંગલ કરની’(શ્રી ગુણવંત શાહ ઉવાચ)એટલે હજારો વર્ષ થયા પણ બંધ કરતા નથી.’
‘વત્સ, હજારો વર્ષથી મારી કથાઓ ચાલે છે, છતાં જગની વાત છોડો ભારતનું કોઈ મંગલ થયું હોય તેવું દેખાય છે ખરું? સેંકડો વર્ષ લાગી દેશ ગુલામ રહ્યો છે. ઇન્ડોનેશિયામાં પણ રામાયણ ભજવાતી હતી, હવે મોટાભાગનું ઇન્ડોનેશિયા આજે શું છે? સાવ ગરીબડું, પછાત, કંગાળ છે. હું તો મારા અણઘડ સૈનિકો લઈને સેતુ બાંધીને લંકા જીતી લાવેલો. તમે આજે એક મગતરા જેવા દેશોનું પણ કશું કરી શકો છો? ખરેખર રાવણ સામે તો હું મગતરું હતો, પણ મારામાં હામ હતી. મારા સૈનિકોમાં એક હિંમત હતી. અને અમે જીતી ગયા. મારી પાસેથી આ શીખવાનું મૂકીને ના શીખવાનું શીખ્યા.’
‘ભગવાન આપની વાત સાચી છે, આપનો આક્રોશ સાચો છે.’
   કહી અમે તો શરમના માર્યા કશું બોલી ના શક્યા. મિત્રો સવાલો તો ખૂબ હતા અને બીજા મહાનુભવો ને પણ મળવાનું હતું. અને હવે તો અહી જ રહેવાનું હતું. જ્યારે મન થાય ત્યારે સવાલો પૂછી શકીએ તેમ હતું. એટલે અમે બંનેને પાયે લાગી ત્યાંથી આગળ વધ્યા.
નોધ:–નર્કારોહણના બીજા ઈન્ટરવ્યું કહો કે અનુભવો પછીના ભાગમાં.

સદભાવના પર્વ યોજાઈ ગયું આનંદો,,

         હમણા સદભાવના પર્વ યોજાઈ ગયું આનંદો.અને એનો અહેવાલ રીડ ગુજરાતી ઉપર વાચ્યો.મોરારીબાપુએ સારું કામ કર્યું છે.પણ આવા પર્વો કેમ યોજવા પડે છે?ફારુખ શેખ બહુ સરસ બોલ્યા,હૃદય થી બોલ્યા.એમને દુખ હતું એ વાતનું કે ૬૦ વર્ષ થયા છતાં આવા સદભાવના પર્વો યોજવા પડે છે,એનો ઉલ્લેખ વારંવાર કરતા હતા. બાપુ ને ખબર છે કે સદભાવના રહી નથી કે રહેવા દીધી નથી માટે આવા પર્વો યોજવા પડે છે.
     
                બાપુ ને વિચારવા વિનતી કે આપણાં સમાજ પર ધર્મો ની ખુબ અસર હોય છે.ધર્મો એટલે ખાસ તો સંપ્રદાયો ની.એક જયસ્વામીનારાયણ બોલે તો સામે બીજા કોઈને માનવાવાળો હોય તો તેમ બોલવા રાજી નથી.એક જય શ્રી કૃષ્ણ બોલે તો બીજો બીજા ને માનતો હોય તો એવું બોલતા એની જીભ ઝલાઈ જાય છે.ભારત માં ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે.આપણે આ વાડાઓના ઘેટા માત્ર છીએ.આ વાડાઓના ભરવાડોએ એમના ઘેટા બીજો કોઈ ભરવાડ તાણી નાં જાય તેની પૂરી વ્યવસ્થા કરેલી હોય છે.ભારત ક્યારે એક થવાનું?ક્યાંથી સદભાવના પ્રગટ થવાની?વિદ્વાન વક્તાઓ એ સારા ભાષણો આપ્યા.વાતો કરવામાં આપણે ખુબ કુશળ છીએ.કોઈએ શિક્ષણ ને દોષ આપ્યો કોઈએ મૂડીવાદ ને.મૂળ વાત તો બધાજ ભૂલી ગયા કે ૨૫૦૦૦ કરતા પણ વધારે સંપ્રદાયોમાં વહેચાએલો  હિંદુ એકબીજા માટે સદભાવના ક્યાંથી કેળવી શકે?હમણા એક યુવાન  મિત્રે મને કહ્યું કે એમની ગર્લફ્રેન્ડ ના સગા  કોઈ એક સંપ્રદાય માં માનતા હશે.એમનું કહેવું છે એમના સંપ્રદાય ના મંદિર માજ જવાનું બીજાના નહિ.સત્સંગીઓ જોડે જ ફરવાનું.એજ સંપ્રદાય ની કંઠી તમે બંધો એટલે એક એમનો સંત ઘેર આવી ને ઘરના મંદિર માંથી બધા દેવલા અને ફોટા જે પણ હોય તે તમામ લઇ જશે.અને એમના સંપ્રદાય ના ફોટા ને દેવ મૂકી જશે.હવે રામ,કૃષ્ણ,દુર્ગા,શંકર,અંબા બધા ભૂત પ્રેત ફક્ત એમના પ્રગટ બ્રહ્મ ને જ માનો.ક્યાંથી સદભાવના આવશે?દેખાશે સદભાવના તે પણ દંભી.એક નહિ દરેક સંપ્રદાય આવુજ કરે છે.માટે ભારતીય કે ભારત એક નથી.એક મરે તો બીજા ની આંખ  માં આંશુ એટલે આવતા નથી.જ્યાં સુધી આટલા બધા વાડાઓ,એમના પાખંડી ભરવાડો છે ત્યાં સુધી આપણે ભારતીયો ઘેટા જ રહેવાના,એક કદી નાં થવાના,ના સદભાવના પ્રગટ થવાની.અને આ લોકો થવા પણ નહિ દે આવું કેમ કે એમનો બિજનેસ ભાંગી પડે.
       બાપુએ કહ્યું કે આત્મશ્લાઘા લાગશે પણ ઓરિસા ના નેત્ર યજ્ઞ વખતે એક કપડા વગર ની સ્ત્રીને કામળી આપી દીધી,સાચે જ બાપુએ કબુલ્યું તેમ આત્મશ્લાઘા જ છે.ફક્ત આ કામ તો ડીયર ગાંધી જ કરી શકે આપ નહિ.ગાંધી ની આપે તો નકલ જ કરી.કારણ સમજાવું.ગાંધીજીએ પણ એક આવી સ્ત્રીને એમના કપડા આપ્યા પછી વિચારેલું કે ભારત ની સ્ત્રીઓ ને પુરતા કપડા નથી પહેરવા ને હું આટલા બધા કપડા પહેરું?બસ ત્યાર પછી ગાંધીએ એક ટૂંકી પોતડી જ પહેરી છે.ગોળમેજી પરિષદ માં ગયા ત્યારે અને બ્રિટન નો શહેનશાહ મળ્યો હોય ત્યારે પણ.અને માર્યા ત્યાં સુધી પણ.ગાંધી હૃદય થી જીવતા હતા.આપ કુંભ ના મેલા માં ૧૫ લાખ ના સિંહાસન  માને વ્યાસપીઠ બિરાજો છો અને એક લાખ ના તંબુ માં વાસ કરો છો ત્યારે આ ગરીબ નગ્ન રહેતી સ્ત્રીઓ યાદ આવતી નથી.ગાંધી આવું ક્યારેય ના કરી શકે.ગાંધી હોય તો એમ કહે કે ભાઈ આ ટોટલ ૧૬ લાખ મને આપી દો હું ઉભો ઉભો તડકા માં કથા કરીશ.ઓટલા ઉપર સુઈ રહીશ મને આવા તંબુ નાં જોઈએ.અને તરત ૧૬ લાખ લઈને ઓરિસા પહોચી ગયા હોય.પેલી ગરીબ નગ્ન સ્ત્રીઓના તન ઢાંકવા.ગાંધીજી કરાચી જવાના હતા.માટે પાક સરકરે જાસૂસો મારફતે રીપોર્ટ તૈયાર કરાવ્યો કે ગાંધી ને કોઈ માથા ફરેલ મારે નહિ.પણ રીપોર્ટ એ આવ્યો કે ગાંધી ને કોઈ મારે તેની ચિંતા કરવા જેવું  નથી,પણ લોકો એમની જ વાતો સંભાળવા બેસી જશે. એટલે પાકિસ્તાન માં ચિંતા થતી હતી કે ગાંધી પર કોઈ હુમલાઓ કરશે તેની નહિ પણ લોકો એમની જ વાતો સંભાળવા બેસી જશે તેની…ગાંધી નું આચરણ પણ હૃદય થી હતું.જ્યાં ને ત્યાં ફક્ત ગાંધી ને વટાવી ખવાય છે.આપે વિમાન ,જહાજ અને કૈલાશ પર અને એ.સી. હોલોમાં  કથાઓ કરી ને જે પૈસા ની બગાડ કર્યો છે એટલા પૈસા માંથી તો ભારત ની હજારો લાખો  સ્ત્રીઓ  અને બાળકોને  ઢાંકી શકયા હોત.
       ગાંધીજી ની તોલે નાં તો કોઈ નેતા આવી શકે નાં તો કોઈ હાલનો ધર્મ ગુરુ કે જાણીતો કથાકાર.ગાંધી હંમેશા ટ્રેન માં  થર્ડ ક્લાસ માં મુસાફરી કરતા હતા.જાતે કાંતી ને વણેલી ટૂંકી પોતડી જ પહેરતા હતા.સાદો  આહાર કરતા,આહાર માં કડવા લીમડાની ચટણી અવશ્ય હોય.પ્રજા ના પૈસા નું એમને ખુબ મહત્વ હતું.એક નાનો ટુકડો પેન્સિલ નો ખોવાયો હોય તો પણ શોધીને જંપતા.ત્યારે આઈનસટૈન જેવો વૈજ્ઞાનિક એવું કહે કે આવો હાડ ચામ નો માણસ આ પ્લાનેટ પર હતો એવું લોકો માની નહિ શકે.ભલે એમની દરેક વાતો માં આપને સંમત ના થઈએ પણ ગાંધી પ્રત્યે જો મનમાં આદર ભાવ ના હોય કે પેદા ના થાય તો સમજવું કે વિચારવાની બારીઓ બંધ છે.પ્રામાણીકતા થી જીવેલો  એક માણસ ગાંધી હવે બચ્યો છે કે કહી શકીએ કે મેરા ભારત મહાન. 
       આજે 4th જુલાઈ છે અમેરિકા માં,અહી નો સ્વતંત્રતા નો દિવસ છે.થોમસ જેફર્શન,જોહન એડમ્સ,બેન્જામીન ફ્રેન્કલીન,જ્યોર્જ વોશીન્ગ્ટન આ બધા રાષ્ટ્રપિતાઓ ને યાદ કરવામાં આવી રહ્યા છે.આ લોકો એ નક્કી કરેલું કે અમેરિકાની ભલું ચાહતા હોઈએ તો અમેરીકાના રાજકારણ માં ધર્મો ની દખલ ના જોઈએ.અહી સોલ્જરો ને હીરો માનવામાં આવી રહ્યા છે.અહી ટીવી માં ચાલતી ચર્ચાઓમાં એક ગાંધીજી ને યાદ કરવામાં આવે છે અને એમના બોલેલા વાક્યોને પ્રમાણભૂત ગણવામાં આવે છે ત્યારે ગર્વ સાથે આંખોના ખૂણા ભીના થાય છે કે એક આ માણસ ના લીધે કહી શકીએ કે “મેરા ભારત મહાન.”બાકી તો નર્યો દંભ,સદભાવના પર્વો યોજો કે ના યોજો કોઈ ફર્ક નથી પડવાનો.મૂળ વાતો ભુલાઈ જાય છે.કારણ એના આયોજકો ધર્મ ના ઠેકેદારો છે. 

‘રાધાકૃષ્ણ’ મેનીયા..

આપણી તો સારી હોટ લાઈન ચાલુ થઇ ગઈ છે. રાઓલ મેસેન્જર ચાલુ કર્યું નથી ને ભગવાન શ્રી કૃષ્ણ હાજર. મિત્રો તમે પણ વિચારવાની બારીઓ ખોલી નાખો, તમારું એ કનેક્શન ચાલુ થઇ જશે પ્રભુ પાસે. પણ પછી મંદિરોનો અને ગુરુઓ તથા કહેવાતા સંપ્રદાયોનો બિજનેસ બંધ થઇ જશે. મેં પૂછ્યું,
‘ભગવાન! આ રાધાજીની સ્ટોરી શું છે ?’
‘અરે! તમારા કવિઓ ને શું કહેવું?’
‘કેમ ભગવાન આમાં કવિઓ ક્યાં વચ્ચે આવ્યા?’
‘વત્સ! ૧૨મી સદીમાં જયદેવ નામના કવીએ ગીત ગોવિંદ રચ્યું ને રાધા મેનીયા શરુ
થયો, એ પહેલા કોઈ ખાસ ગાંડપણ હતું નહિ.’
‘ભગવાન! થોડું ટૂંકમાં રાધાજી વિષે કહો ને.’
‘વત્સ! રાધા તો એક ગોપની વાઈફ હતી. હું તો સાવ બાળક હતો. આશરે ૧૧ વર્ષે તો મેં ગોકુલ જ છોડી દીધેલું. પછી કદી ત્યાં ગયેલો જ નહિ. તમેજ વિચારો કે આમાં રાધા અને મારી વચ્ચે શું હોય? કેવો પ્રેમ હોય? એક વાત્સલ્ય ભાવ માત્ર હતો. હું જરા તોફાની એટલે બધાને બહુ વહાલો લાગુ એટલુજ માત્ર હતું.’
‘પણ પ્રભુ, આપ ગોપીઓના વસ્ત્રો લઇ ને ઝાડ ઉપર ચડી ગયેલા, આપની દાનત સારી ના કહેવાય.’
‘વત્સ! આ પણ તમારા કવિઓનો સપ્રેસ્ડ કામરસ જ છે.’
‘એવું કેમ સમજ ના પડી.’
‘વત્સ! કામને દબાવો એટલે બધી જગ્યાએથી વહેવા માંડે. જીભમાંથી, આખોમાંથી, શબ્દોમાંથી, કાનમાંથી. હું તો સાવ બાળક હતો, મેડીકલ સાયન્સ ની રીતે વિચારો એક નાના બાળકનું ટેસ્ટાટોરીન(પુરુષ હાર્મોન) લેવલ કેટલું નીચું હોય અને  સ્ત્રીઓને નગ્ન જોવાની ઈચ્છા એનામાં કેટલી હોય? આતો કવિઓને સ્ત્રીઓ પ્રત્યે વધારે ખેચાણ હોય માટે એમની અતૃપ્ત ઈચ્છાઓ મારા નામે ચડાવી દીધી છે.’
‘પણ ભગવાન આપ એટલાથી અટકેલા નહિ, ગોપીઓ ગુપ્ત ભાગે હાથ ઢાંકી ને બહાર આવતી હતી ત્યારે આપે કહેલું કે હાથ માથે મુકીને બહાર આવો તો જ વસ્ત્રો આપું.’
‘વત્સ! કવિઓએ અને લેભાગુ ગુરુઓએ કેવું કેવું મારા નામે ચડાવી દીધું છે, એમના રોટલા, ઓટલા ને ગાદલાં શેકવા? તમેજ કહો આજની નવી પેઢીની વાત છોડો. તમને જ નાના હતા ત્યારે આવી બધી સમજ હતી ખરી?
‘નાં ભગવાન, અમારી પેઢીમાં નાના હતા ત્યારે સાંધા ની એ સમજ નહોતી. પણ આ ગાદલાં કેમ કહ્યું?’
‘અરે વત્સ! એમની ગુપ્ત ભાગો જોવાની વિકૃતિ એટલે માથે હાથ મુકાવી દીધો ગોપીઓના, અને એમને સ્ત્રીઓ ને ભોગવવાની બેલગામ વાસનાએ બધી રાસલીલાઓ મારા નામે ચડાવી દીધી, હવે હું કરતો હતો એમ જણાવી બધા જલસા કરે છે.’
‘તો પછી રાધા મેનીયા?’
‘હશે થોડા ઘણા સાચા ભક્તો, પણ પરણેલી સ્ત્રીઓ સાથે સબંધો રાખવાની એમની ઈચ્છાઓ પૂરી કરતા હશે. અરે! ઘણા સ્ત્રી સ્વભાવના પુરુષો ૧૯/૨૦ જેવા તો સ્ત્રીઓના કપડામાં સજ્જ થઇ મારી મૂર્તિઓ સાથે સુઈ પણ જાય છે. આવો પણ એક મેનીયા ભારતમાં છે. બસ પછી તો ભારતમાં તો વાઈરલ ઇન્ફેકશન જેવું છે રોગ ફેલાઈ જતા વાર જ ના લાગે તેમ રાધા મેનીયા ફેલાઈ ગયો છે.’
‘ભગવાન, આ મીરાં મેનીયા ઓછો થયો આપને?’
‘અરે વત્સ! આ મીરાં મેવાડથી વ્રજ થઇ ને ગુજરાત(દ્વારિકા) આવી ગઈ છે, હવે એની દાનત બગડી છે, એને હવે ડિસ્ટન્સ લવ નથી કરવો, પાસે રહેવું છે.’
‘ભગવાન બુરા ફસાયા, હા ! હ ! હ ! ! ‘
‘હસો ના હવે, મેં સુભદ્રાજીની સલાહ લીધી, તો ઉલટાનો ઠપકો મળ્યો.’
‘કેમ ભગવન? બહેન છે તમારા.’
‘વત્સ! એ તો બગડ્યા મારા ઉપર, આ કાનજીના મન કેમ છે અધીર? રાધા મળે તો મીરાં શોધે અને મીરાં મળે તો રાધા શોધે, જે છે એમાં શાંતિ થી જીવ.’
‘ઓહ! આવું બોલ્યા? મતલબ પુરુષ જાતની સાયકોલોજી એક વાક્યમાં કહી દીધી.’
‘વત્સ આ સાયકોલોજી ઈવોલ્યુશન ક્રમમાં લાખો વર્ષથી જીન્સમાં  મળેલી છે, એમાં આપણે શું કરીએ? એ તો રુકમણીના પડખે ભરાયા.’
‘ભગવાન, એ તો ચાલ્યા કરે.’
‘પણ વત્સ અમે તો સુભદ્રાજીને જણાવી દીધુકે અમે કદી રાધા કે મીરાં ને શોધવા ગયા નથી, એ ચપલાઓ  અમારી  પાછળ પડે તો અમારો શું વાંક? અમને ના વાગોવશો.’
       આટલું બોલતા તો ભગવાન સાથેનું નેટ કનેક્શન કટ થઇ ગયું. નેટ પ્રોબ્લેમ બધે જ સરખો છે.
નોંધ:-મિત્રો બ્લોગચાર્યના વાદે અને “અસર” હેઠળ અમે નવા પ્રયોગો કરવાનો ટ્રાય કરીએ છીએ, ના ગમે તો કેહેજો, અને ગમે તો પણ કહેજો.

पितृ देवो भव:

સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ
 पितृ देवो भव:
ફાધર ડે આવીને ગયો.પિતાશ્રીના ગુણગાન ગવાયા.થયું બધા ગાઈ લે પછી કશું લખીએ.એક ભક્તિ ભાવમાંથી બહાર આવી જાય તો સરખું વાચી શકે નહીતો ભક્તિભાવની અસર પડે વાંચવામાં પણ.માતાને તો ભગવાનની જગ્યા આપી દીધી છે,મેલ ડોમિનેન્ટ સમાજ આવ્યા પછી ભગવાનની જગ્યાએ  પિતાને બેસાડવાનું ચાલુ થયું છે.
      એક દીકરી જન્મે છે તો પિતા તરફ થી ‘X’ ક્રોમોજોમ મળે છે.એક દીકરો જન્મે છે તો પિતા તરફ થી ‘Y’ ક્રોમોજોમ મળે છે.એટલે પિતા વગર પણ જન્મ તો શક્ય જ નથી.માતા અને પિતા બંનેનું સહિયારું સાહસ છે સંતાન.બંનેનું સરખું જ યોગદાન છે.
     સીંગમંડ ફ્રોઈડ અને કાર્લ જુંગ કહે છે કે પિતા એક દીકરા માટે ખુબ મહત્વનું પરિબળ છે,એની ઓળખના વિકાસ નું(Development of identity).એક નાના પુત્ર માટે પિતા એક idol છે.ડેડી બધું જ કરી શકે છે.પરમપિતા પરમાત્મા છે.પિતાની ચાલ ઢાલ,ઉઠવું બેસવું બધાની નકલ કરશે.પિતાની સ્વીકૃતિ જોઈએ છે.કિશોરાવસ્થામાં થોડો પ્રોબ્લેમ પિતાની દલીલો ગમતી નથી.એમનું ગાઇડન્સ વધારે પડતું લાગે છે.પણ યુવાન થતા આ સબંધો એક વિકાસના તબક્કામાં આવે છે.એકબીજાને  ઇગ્નોર કરે છે.પણ માનસિક રીતે જોડાતાં જાય છે.ત્રીસી ને ચાલીસી ના વચ્ચે સમજ આવે છે કે પિતાએ ઘણું કર્યું છે.ઘણા બલિદાનો આપ્યા છે.અને પિતા અને પુત્ર વચ્ચે મિત્રતાના સબંધો બની જાય છે.બસ પછીના વર્ષોમાં વૃદ્ધ પિતાની સેવા કરવાનું મન ના થાય તો સમજવું કે આ વિકાસના બધા તબક્કાઓમાં ક્યાંક ચૂક થઇ ગઈ છે.
              હવે જરા ઇડિપસ ગ્રંથી(Oedipus complex) ની વાત કરી લઈએ.પુત્ર અઢી થી છ વર્ષનો થાય તે તબક્કામાં પિતા પ્રત્યે એક જેલસ એક ઈર્ષ્યાની ગ્રંથી બંધાય છે.કારણ અચાનક માતા તેને છોડીને પિતા જોડે જતી રહે છે,પિતાને પ્રેમ કરવા જાય છે.એ એના અચેતન મનમાં ઘુસી જાય છે કે કોઈ એનો હરીફ છે જે માતાના પ્રેમાં ભાગ પડાવે છે.માતા, પિતાની જરૂરિયાતો પૂરી કરવા જાય છે અને પછી પાછી આવતી રહે છે.જરૂરિયાતો એટલે એમના ખાવા પીવા કે કપડા શોધી આપવા કે બીજી કોઈ પણ ઘરેલું જરૂરિયાતો વખતે માતાને પિતા પાસે દોડી જવું પડે તે એના નાનકડા મનને મંજુર હોતું નથી.પણ મોટા ભાગે આ ગ્રંથી ધીમે ધીમે દુર થતી જાય છે,જો પિતા તરફ થી એને પૂર્ણ પ્રેમ મળતો હોય અને સલામતી મળતી હોય ત્યારે.એક પિતા એના નાનલા પુત્રને ખભે તેડીને ફરે છે તો આ કોમ્પ્લેક્સ દુર થતા શું વાર લાગે?પણ પિતા કઠોર હોય અને વાતે વાતે સજા કરતો હોય તો આ ગ્રંથીનું નિષ્કાસન થતું નથી,ને એવા બાળકો મોટા થઇને પિતાના દુશ્મન બની જાય છે.
               ગ્રીક દેવતા Oedipus એ એના પિતા Laiusને મારી નાખીને એની પોતાની માતા Jocasta સાથે લગ્ન કરેલા.એના ઉપરથી મનોવિજ્ઞાનના ભીષ્મ પિતા સીંગમંડ ફ્રોઈડે નામ આપેલું છે ઇડિપસ ગ્રંથી.આના નિવારણ માટે પુત્ર અને પિતા વચ્ચે સોલીડ મજબુત માનસિક સબંધો નું જોડાણ જોઈએ. અને ના હોય તો એવા પુત્રો માનસિક રોગોના શિકાર થાય છે.જેવાકે Neurosis ,pyromania ,Paedophillia ….Hysteria પણ થઇ શકે છે.નાના બાળકોની જાતીય સતામણી કરતા લોકોની આ ઇડિપસ ગ્રંથીનું બરોબર નિવારણ થયું હોતું નથી.
            જે નાના પુત્રો ને પારિવારિક સબંધોની ગરબડને લીધે અને ખાસ તો પિતા પુત્ર વચ્ચે મજબુત માનસિક જોડાણ  હોતા નથી તેથી  તેમની પુરુષ તરીકેની ઓળખ સંપૂર્ણ થઇ હોતી નથી,એવા છોકરાઓ મોટા થઇ ને હોમો સેકસુઆલીટી તરફ વધી જાય છે.પુત્રો ને માનસિક વિકૃતિઓ તરફ ધકેલવા ના હોય તો પિતાશ્રીઓ પુત્રોને પ્રેમ કરો.
                એક દીકરી માટે  પિતા સાથેના સબંધો એ એના જન્મ પછીના સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષ વચ્ચેના સબંધો છે.એક નાની બાળકી પોતાના પિતા તરફ થી મળતા  પ્રેમ ભાવના પ્રતિબિંબો વડે પોતાના સ્ત્રૈણ તત્વની ઓળખ પ્રાપ્ત કરે છે. એ એકલી નથી,કોઈ એને સમજી રહ્યું છે,ગણી રહ્યું છે,એક સેન્સ ઓફ સિક્યુરીટીની સમજ આવે છે.પિતા વગરની દીકરી કે પિતાના પ્રેમ વગરની દીકરી half done છે.એ હમેશા ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરે છે.પિતાનું હાસ્ય એના વિકાસનું સાધન છે.પિતાની શિસ્ત એનું માર્ગદર્શન છે.પિતા વગરની દીકરી એકલી અટૂલી છે.દીકરીઓને ટીનેજરમાં ખોટા પ્રેમના લફરાઓથી બચાવવી હોય તો પિતાશ્રીઓ તમારી દીકરીઓને મનભરીને વહાલ કરો.દીકરીઓને પ્રેમ કરવો નથી ને ખોટા પ્રેમના લફરે ચડે તો વાંક તમારો છે.
                   સંતાનો માતા પિતાનો આદર ના કરતા હોય,માનતા ના હોય,ઘૃણા કરતા હોય,સેવા ના કરતા હોય,ધ્યાન રાખતા ના હોય તો ક્યાંક ચૂક એમના ઉછેરમાં છે.આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે.એટલે માતા પિતાનો આદર કરો એવું કહેવા કરતા થોડો મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો તેવું કહેવું બહેતર છે.ચાઈલ્ડ સાયકોલોજી દરેકે ભણવી જોઈએ.આપણે સંતાનોના અચેતન માઈન્ડ માં પ્રેમ ઠાંસીને ભર્યો હશે તો અનાદર કઈ રીતે કરશે?અને આપણે એમના અચેતન માઈન્ડમાં દ્વેષ અને ઘૃણા કે તિરસ્કાર જ ભરેલો હશે તો આદર કઈ રીતે મળશે?
                 સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ વકીલ હતા.થીયોસોફીસ્ટ હતા.એમની નાનકડી લાયબ્રેરીમાં અનેક સારા પુસ્તકો હતા.રાતે જાગીને પણ વાચતા રહેતા.સત્યના પ્રયોગો અમે એમાંથી જ વાંચેલા.સુધારાવાદી હતા.દહેજ અને ચાંલ્લા પ્રથાના વિરોધી હતા.એમના પરમ મિત્રો સ્વ.શ્રી છત્રસિંહજી રાઓલ,સ્વ.દેવીસિંહજી રાઓલ અને બીજા મિત્રો સાથે મળીને માણસા ભાયાત સમાજ નામના કેળવણી મંડળની સ્થાપના કરેલી.જે હજુ આજે પણ કેળવણી વિષયક પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે.વારસામાં સારા બ્રેન આપ્યા છે તે બદલ અમે બધા એમના વારસો એમના ખુબ ઋણી છીએ.એમનો પ્રેમાળ સ્વભાવ અને દીકરાઓને મિત્ર સમાન ગણવાની નીતિ એમની ખૂબી હતી.