*આ સાક્ષરો ને કોઈ સબ્જેક્ટ ના મળે લખવા માટે તો રામાયણ તૈયાર જ હોય છે. શ્રી ગુણવંત શાહ સાહેબ હજાર વાર રામાયણ અને શ્રી રામ વિષે લખી ચુક્યા હશે. એક ગ્રંથ પણ લખી ચુક્યા છે. છતાં આજે ઓનલાઈન દિવ્યભાસ્કરમાં એમનો લેખ વાંચ્યો. હું પણ ઘણી વાર મારા વિચારો ધાર્મિક લોકોને ગળે ના ઉતરે એવા લખી ચુક્યો છું. છતાં જયારે આવા પ્રતિષ્ઠિત સાક્ષરો વારંવાર એકના એક વિષય પર લખી ને જનતાને બોર કરી જ રહ્યા છે, તો મારા વહાલા સુજ્ઞ વાચકો રીપીટેશન બદલ મને પણ માફ કરી દેશે. મારો આશય ફક્ત એટલો જ છે કે રૂપાળા શબ્દો પ્રયોજીને ભોળી જનતા ને કેટલી આસાનીથી ભોળવી શકાય છે, એ બતાવવાનો જ છે. બીજું આપણી હિન્દુસ્તાન ની પ્રજા મોટા લોકો જે કહે તે બ્રહ્મ વાક્ય માની જ લેવાનું એવી માનસિકતા ધરાવે છે. જરાય વાસ્તવિકતા ની ધરતી ઉપર વિચાર કરતી જ નથી. આ લોકોના નામ એટલા મોટા અને પૂજ્ય હોય છે કે એમની ભૂલો કોઈને દેખાય જ નહિ, અને દેખાય તો માનવા મન ના કબુલ કરે. આજ્ઞાપાલન.
*થોડી મનોવૈજ્ઞાનિક ચર્ચા કરી લઈએ. એક બાળક જન્મે છે, ત્યારે એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે. એ જુએ છે, સાભળે છે,ચાટે છે, સ્પર્શ કરે છે, નકલ કરે છે અને ધીરે ધીરે એની હાર્ડ ડિસ્ક ભરાયા છે, માહિતી બ્રેનમાં ભેગી થાય છે અને એ રીતે એનું ઘડતર થાય છે. એવી રીતે એક સમાજ નું ઘડતર થાય છે, મોટા મહામાનવોના અચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદેશો, ઉપદેશો થકી. અચેતન રૂપે બાળક જેમ વડીલો પાસેથી બધું શીખે છે તેમ સમાજના લોકોના અચેતન મનમાં મહાપુરુષોની અસર હોય છે. દેશના રાજા, મહાન નેતાઓ, મોટા સ્થાપિત ધર્મગુરુ ઓના અચાર વિચાર, વાણી, વર્તન, ઉપદેશો થી દેશનું, પ્રજાનું, સમાજનું ઘડતર થાય છે. યથા રાજા તથા પ્રજા, પ્રજા એમના પગલે ચાલવા આતુર હોય છે. એક નાનો માણસ ભૂલ કરે છે, ત્યારે એના ખરાબ પરિણામો એના ફેમીલી, અને ઘરના સભ્યોએ ભોગવવા પડે છે. જયારે મોટા માણસો ભૂલ કરે છે ત્યારે એના પરિણામો આખા સમાજ, આખા દેશ ને ભોગવવા પડે છે.
*બીજું શ્રી રામ ને ભગવાન માની ને આ બધું વાંચશો તો ગળે નહિ ઉતરે, એમને માનવ, એક રાજા, એક મહામાનવ, એક સેલીબ્રીટી માનસો તો જ મજા આવશે. જુના જમાનામાં રાજા ને ભગવાન માનવાનો પ્રાચીન સંસ્કૃતિઓ ભારત અને ચીનમાં રીવાજ હતો.
*હવે શ્રી ગુણવંત શાહના રૂપાળા શબ્દો ની માયાજાળ જુઓ.
(૧)..રામાયણ માનવતાનું મહાકાવ્ય……….. (૨) રામ માનવતાના વિવેક ચુડામણી..
શ્રી રામ ખુબજ આજ્ઞાપાલક હતા.ઘણી વાર આંધળું આજ્ઞાપાલન દુખદાઈ હોય છે. આજ્ઞા પાલકો કોઈ ક્રાંતિકારી વિચારો ધરાવતા હોતા નથી. ધરાવતા હોય તો આજ્ઞાપાલનની આદતમાં મૂકી શકતા નથી. જેણે સાંપ્રત સમાજની આજ્ઞા ઓ પાળી નથી, માની નથી એવા લોકોએ જ ક્રાંતિ કરી છે. શ્રી કૃષ્ણ આજ્ઞા પાલક હતા નહિ. મોટાભાઈ બલરામ ને ચતુરાઈ પૃવક સમજાવી એમની આજ્ઞાઓ પાળતા નહિ. પણ આજ્ઞા પાલન કોને ના ગમે? બધાને ગમે. સાચી ને સારી આજ્ઞાઓ પાળવામાં કોઈ જ વાંધો નથી. પણ ગેરવ્યાજબી આજ્ઞાઓ વડીલોની હોય તો પણ દુખ જ આપતી હોય છે. દરેક બાપ ઈચ્છતો હોય કે મારો દીકરો રામ જેવો આજ્ઞા પાલક હોય તો સારું. પછી અમે એને બનવું હોય ફોટોગ્રાફર ને મોકલી દઈએ એન્જીનીયરીંગ માં. મને ખુદ ને સાયંસ અને સાહિત્યમાં રસ પણ કોમર્સમાં ફક્ત ફી ભરી દીધી હતી માટે કોમર્સમાં જવું પડ્યું. ના તો હું સારું કોમર્સ ભણી શક્યો ના સાયંસ અને સાહિત્યની ખંજવાળ હવે (52) વર્ષે પૂરી કરી રહ્યો છું. નેતાઓ પણ રામના જ રથ કાઢશે. એમને પણ પ્રજા રામની જેમ આજ્ઞાપાલક જોઈએ છીએ. જેથી મરે તો પારકા છોકરા મરે ને એમના છોકરા પરદેશમાં ભણતા હોય કે લહેર કરતા હોય. ગુરુઓ પણ રામની કથા વધારે પસંદ કરશે. જેથી ભોળી પ્રજા આજ્ઞાપાલનના ચક્કરમાં એમના રોટલા શેકી આપે. શ્રી કૃષ્ણ ની ખાલી બાલ અવસ્થાની(ભાગવત) કથાઓ જ કહેવાતી હોય છે. મહાભારત ની કોઈ કથાઓ થતી નથી. પૂરું ના વંચાય નહી તો નાશ થાય એવું પણ ગુરુઓએ ભરાવેલું છે. આ તો બી.આર.ચોપરાએ સાહસ કર્યું,તે પણ રામાનંદ સાગર કમાઈ જાય ને હું કેમ રહી જાઉં?
ચુડામણી એટલે ચૂડલામાનો મણી. વિવેક એટલે સાચા ખોટાની પરખ. રામ ને શુદ્રો પ્રત્યે માંન કે પ્રેમ હતો માટે એમણે શબરીના એંઠા બોર ખાધા. પણ એક શુદ્ર જયારે ભણવા(તપ) બેઠો તો ઋષીઓ એ ફરિયાદ કરી તો શુદ્ર ને સમજાવી ને તપ કરતો બધ કરી શક્યા હોત. રાજા હતા થોડી ધમકી આપી હોત તો પણ માંની જાત પણ બાણ મારી હણી નાખ્યો. ક્યા ગયો વિવેક ને માનવતા? ફક્ત આજ્ઞાપાલન. આગે સોચનેકા નહિ.ટૂંકમાં વાલી નો ઝાડ પાછળ છુપાઈને વધ, વાલી ની પત્ની સુગ્રીવના ભોગવિલાસ નું સાધન બને, રામ સહીત લક્ષ્મણ ને સુગ્રીવ ઉપર કોપાયમાન થવું પડે, અસહાય અંગદની નારાજગી, સીતાજીની અગ્નિપરિક્ષા(ચેસ્ટીટી બેલ્ટ), ધોબી ભાઈના મેણાંથી સીતાજીનો ત્યાગ, ધોબીભાઈ ને ફટકારી સમાજ ઉપર સ્ત્રીઓ પર વિનાકારણ શંકા નહિ કરવાનો દાખલો બેસાડવાનો ચાન્સ ગુમાવી ભવિષ્યમાં ભારતમાં જન્મ લેનારી સ્ત્રીઓને કાયમ અગ્નિપરિક્ષાઓ(ચેસ્ટીટી બેલ્ટ) માં ધકેલી દેવી. ક્યાં ગઈ માનવતા ને ક્યાં ગયો વિવેક?
હવે શ્રી ગુણવંત શાહ સાહેબ કહે છે (૩) સીતા માનવતાની વિમલ વેદના
સીતાજી ને થયેલા બધા અન્યાય ભુલાઈ જાય ને આવા મનમોહક શબ્દો થી. ભૂલી જાવ સીતાજીની પીડા એ તો માનવતાની વિમલ વેદના છે. એટલે શ્રી કાંતિ ભટ્ટ પણ કહેતા હતા કે રામ કથામાં સ્ત્રીઓ વધારે આવે છે. અને સીતાજીની વાર્તાની રાહ જોતી હોય છે. ને એવું પણ કહેતા હતા કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર થવું, પીડાવું, દુખી થવું ગમે છે. એના પર હું એક આર્ટીકલ લખી ચુક્યો છું. ધરતીમાં કોઈ બાળક પેદા થતા નથી. કોઈએ બાળ સીતાજી ને ત્યજી દીધા હશે જન્મ થતા જ. જનક રાજા જેવો કોઈ જ્ઞાની રાજા થયો નથી, એમણે પોતાની પુત્રી તરીકે મોટા કર્યાં. ફરી પાછા રૂપાળા શબ્દોની માયાજાળ પણ એ વાલ્મીકી ની. સીતાજી ધરતીમાં સમાઈ ગયા કે સુસાઈડ?
સીતાજી ને પણ સ્વમાન હતું, એમણે રામ ને માફ નથી કર્યા, ફરી પાછા અયોધ્યા નથી ગયા. શ્રી શાહ સાહેબ પહેલા પ્રેમનું મહાકાવ્ય કહેતા હતા. સાચી વાત છે પણ અંતમાં શોકનું મહાકાવ્ય બની ગયેલું.,
*(૪)લક્ષમણ માનવતા નો પુણ્ય પ્રકોપ
(૫)ભરત માનવતાનો તપોનીધી
(૬)હનુમાનજી માનવતાના પ્રાણમય કોશ
આ ત્રણે આજ્ઞાપાલનના મહારથીઓ, રામના સબમીસીવ ભક્તો હતા. આ ત્રણેના ચરિત્રો મહાન હતા. આ લોકોના આપેલા બલિદાન મહાન હતા. શ્રી રામ અને સીતાજી નું ચરિત્ર પણ મહાન હતું. પણ રામે આજ્ઞાપાલનના ચક્કરમાં કરેલી ભૂલો પણ મહાન હતી.
*રામ કથા જગ મંગલ કરની
જગનું ઠીક,ભારતનું પણ મંગલ થયું હોત તો આજે ભારત સુપર પાવર હોત. ભારત આજે બિચારું , ગરીબડું બની ચુક્યું છે. ભારતનું મંગલ થયું હોત તો ૧૦૦૦ વરસ ગુલામી ના વેઠી હોત. રામનું આજ્ઞા પાલન ભારતની રગેરગમાં ફેલાઈ ચુક્યું છે. આજ્ઞા પાલક પ્રજામાંથી ચૂંટાતા નેતાઓ પણ ભયંકર આજ્ઞા પાલક છે. અંગ્રેજોએ કીધું ભાગલા પાડો , નો પ્રોબ્લેમ , જી હુકુમ. જે અંગ્રેજ કદી ભારત આવેલો નહિ, ભારતની ભૂગોળ ખબર નહિ એણે નકશા પર ભાગલા પડ્યા, જી હુકુમ. અલ્યા એટલું તો કહેવાય ને કે કોઈ જાણકાર ને મુકો આ કામ માટે. પેલા છગને એક જ ગામ વચ્ચે પણ લીટી દોરેલી છે. હાલ નો ભારત નો જે નકશો જોઈએ છીએ તે ખોટો છે. ડાબી બાજુનું ઉપરનું ટોપચું પાકિસ્તાન પાસે છે. આપણી જ હદમાં વાડ કરવા ગયા ને ચીન નારાજ થયું ને આજ્ઞાપાલન તરત જ બંધ થઇ ગયા. વૃદ્ધ, શક્તિહીન, કામી રાજા ને જુવાન ખણખણતી પત્ની રામ જેવા સીધા પુત્ર ને કેવી ભયંકર આજ્ઞા કરી બેઠા ને આખી જીંદગી બગાડી નાખી. હજુ આજેય દશરથો એના એજ છે. પહેલી વાર અમીરખાન જાહેરમાં સંદેશો લઇ આવ્યો છે કે દશરથો સુધરો. આ મુવીમાં મને કોઈ ખરાબ મેસેજ દેખાયો નથી. પણ ના તો પછી આજ્ઞા પાલન નું શું થાય? પ્રજા બગડી જાય, નેતાઓ ની આજ્ઞા પાળે નહિ, એટલે એનો વિરોધ થયો ને પોસ્ટરો ફાડ્યા. “તારે જમીનપર” ને “થ્રી ઇડીએટ” બનાવીને આમીરે બહુ મોટી છલાંગ લગાવી દીધી છે.
* હા મંગલ થયું છે .બાપુઓનું. રામ કથાઓ ગાવાની આવડત ના હોત તો કોઈ, મોદીની ભાષામાં ક્લાર્કમાં પણ ના રાખે. રામનું નામ પવિત્ર તો ખરું જ. રામના નામે પથરા(ભીખારીઓ,અભણો,ક્રીમીનલ્સ) તરી ગયા. રામના રથ કાઢી નેતાઓ નું ભલું ચોક્કસ થયું છે.
*વધારામાં શ્રી ગુણવંત શાહ કહે છે બાપુની રામ કથા થી ભરતીય સંસ્કાર જળવાયા. સાચી વાત છે. સંસ્કારો ચોક્કસ જળવાયા છે, સાથે સાથે શંકા કરવાના
(ચેસ્ટીટી બેલ્ટ), બાળી મુકવાના, કાઢી મુકવાનાં પણ. બીજું એમનું કહેવું છે વ્યસનો અને માંસાહાર ત્યજવાની પ્રેરણા મળી છે. સાચી વાત છે. પણ એ બાપુની પોતાની સલાહો હશે. રામની નહિ કારણ રામ તો હરણના શિકાર કરતા હતા ને એના ચર્મના વસ્ત્રો સીતાજી ને પ્રિય હતા. એના માંસનું ભોજન કરવું એ જમાનામાં સામાન્ય હતું. વાલ્મીકી રામાયણમાં આનો ઉલ્લેખ છે જ. શ્રી સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષી એ પણ એમની કોલમ “વાતાયન” માં આનો ઉલ્લેખ પણ કરેલો. પ્રાચીનકાલના આર્યો તદ્દન માંસાહારી હતા. લોકો માને કે ના માને. અને એના લીધે અત્યારે માંસાહાર ની તરફેણ ના કરી શકાય. શું ખાવું એ પોતાની ચોઈસ છે.
*હવે શ્રી ગુણવંત શાહ બાપુ ને રામાયણ યુનિવર્સીટીના કુલપતિ કહે છે. હવે બાપુ પોતે આપકી અદાલત નામના પ્રોગ્રામમાં રજત શર્મા ને એક ભણતર વિષેના સવાલના જવાબમાં ગર્વતા થી જવાબ આપે છે કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા”. લાખો સાભળનારના અચેતન માઈન્ડમાં આ સંદેશો ઘુસી જવાનો કે ભણતર ની ખાસ જરૂર નથી, ભજન કરો. એક સત્ય ઘટના, ગોંડલ કોલેજની એક વિદ્યાર્થીની ચાલુ કલાસે સંતાડી રાખેલી માળા ફેરવીને રામ રામ ભજતી હોય છે, આ શ્રી કાંતિ ભટ્ટ જણાવે છે. સુજ્ઞ વાચકો વિચારે કે મહાન આત્માઓના વચનો લોકો કેટલા સહેલાઇ થી અમલમાં મૂકી દેતા હોય છે. નક્કી આ છોકરી બાપુઓના રવાડે ચડી ને ભણતર ને મહત્વ આપતી નથી. જેને મન ભણતર નું મહત્વ ના હોય તેને કુલપતિ ની પદવી?
*બાપુના કોઈ ભક્ત કહેતા હતા કે ધનપતિઓ પાણી ગાળી ને પીવે છે પણ લોકો નું લોહી ગાળ્યાં વગર પી જાય છે. એ હવે વિચારવાનું વાચકો ઉપર. પણ મારું માનવું છે કે આ બાપુઓ તો લોકોનું બ્રેન જ ગાળ્યાં વગર પી જાય છે, એનું શું?
*વચમાં વાચેલું કે મોરારીબાપુ એ એક મંચ પર જુદા જુદા ધર્મોના વડા(નેતાઓ) ઓને ભેગા કરેલા. સારું કહેવાય. પણ એક જ મંચ પર ભેગા થઇ કોઈ નિર્ણય લીધો કે જુદા જુદા વાડાઓમાં વહેચાએલો હિંદુ ધર્મ એક ભગવાન કે એક સનાતન હિંદુ ધર્મ ને માની પોતે એક થાય ને પ્રજા ને એક કરે? ના..તો પછી? ખાધું પીધું ને છુટા પડ્યા.
* શ્રી શાહ સાહેબ પાઘડીનો વળ છેડે…એવું લખી કોઈ કવિતા જેવું કરતા હોય છે. આ તુલસીદાસ ને થયે ૫૦૦ વરસ થયા હશે. એ સમયે શ્રી રામની હાજરી હોય તેવી શક્યતા નથી. છતાં ભક્તિ ને અહોભાવના માર્યા લોકો ગાતા હોય કે તુલસીદાસના ભક્તો ગવડાવતા હોય છે કે “ચિત્રકૂટ(કે અયોધ્યા) કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર.
વર્ષો પછી લોકો અહી પણ ગાવાના છે ચિત્રકૂટ(મહુવા)કે ઘાટ પર ભઈ સાક્ષરાન(અસ્મિતા પર્વ) કી ભીડ, મોરારિદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર”
*આશરે ૫૦૦ વર્ષ પછી ઈ.સ. ૨૫૦૦ માં વળી કોઈ મારા જેવો બુદ્ધીસાગર(મૂરખ) વિચારશે કે આ રામ ને થયે ૫૦૦૦ કરતા વધારે વર્ષ થયા ને આ બાપુ તો ઈ.સ.૨૦૦૦ ની આસપાસ થયા હતા, ને લોકો આવું કેમ ગાતા હશે? કે મોરારિદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. શું રામ અને બાપુ સમકાલીન હશે? આવું બનવાની શક્યતા ૧૦૦% છે. જેવું તુલસીનું થયું એવું બાપુનું કેમ ના થાય? ભારત તો આખરે ભારત જ છે ને?
*કોઈએ ખોટું લગાડવું નહિ, મેં પોતે શ્રી ગુણવંત શાહ અને શ્રી કાન્તીભટ્ટ ને વર્ષો સુધી વાંચ્યા છે. અને હજુ વાંચું છું. મહાત્માઓએ વિચારવાની બંધ કરેલી બારીઓ ખોલવાનો નમ્ર પ્રયાસ માત્ર છે.
નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી ગુણવંત શાહ ના ઓન લાઈન દિવ્યભાસ્કરમાં આવેલ “રામ કથા જગ મંગલ કરની”આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.