તું ચૂપ કેમ રહી? કે કેમ રહેતી નથી?
૧૪ વરસની ઋચિકા હરિયાણાના પોલીસવડા રાઠોડની સામે પડેલી, એને ક્યાં આગળ આવવું હતું કે કેરિયર બનાવવું હતું ? બિચારીને આપઘાત કરવો પડેલો.
એરહોસ્ટેસ ગીતીકા હરિયાણાના મિનીસ્ટર સામે પડેલી એને ય આપઘાત કરવો પડેલો ૬ મહિના પછી એની માને પણ મરવું પડેલું. જેસીકા લાલને તો તરત જ કપાળ વચ્ચે બુલેટ મળેલી.
મોટા માથાની સામે પડો એટલે પોલીસ અને વકીલોની ફોજ તમારી પાછળ પડી જાય કે તમારે મરે છૂટકો. આ લોકોનું હેરસમંટ એટલું બધું હોય કે ના પુછો વાત. સામાજીક, આર્થિક રીતે તમે પાયમાલ થઈ જાઓ.
ઘણા કહેશે સ્ત્રીઓ આગળ વધવા કેરિયર બનાવવા, પૈસા માટે પોતાના શરીર સોપતી હોય છે પછી બબાલ ઊભી કરતી હોય છે. ઓકે નો પ્રોબ્લેમ આ સવાલ જરા જુદી રીતે જોઈએ.
સ્ત્રી શરીર સોપે તો તમે એના કામ કરો, પ્રમોશન આપો, આગળ લઈ જાઓ, પૈસા આપો, સહારો આપો, કેરિયર બનાવી આપો, આ બધું કોણે શરુ કર્યું? એ ભોગવવા મળે તોજ એનું કામ થાય એ કોણે શરું કર્યું? ભોગવીને ય કામ ના કરો પછી અવાજ ઉઠાવે તો એને નાલાયક સમાધાનકારી દેહ વેચનારી કહી પછી ગૂનેગાર એને જ ઠરાવવાની? તમે મૂલ્યો એવા ઊભા જ કેમ કર્યા છે કે સ્ત્રી દેહ સોંપે તોજ એનું કામ થાય છે? એક તો સ્ત્રીને દેહ સોંપ્યા વગર છૂટકો નથી થતો અને સોપીને પકડાય તો પાછી નાલાયક કહેવાની. છેવટે પુરુષ તો ચોખ્ખો ને ચોખ્ખો જ રહેવાનો. એવું કેમ?
એક સ્ત્રીથી એના બોસ લોકોને દેહ સોંપ્યા વગર કેમ આગળ ના અવાય? એવી સિસ્ટમ એવા મૂલ્યો કેમ ઊભા નથી કરતાં કે શારિરીક જાતીય શોષણ કરાવ્યા વગર પણ આગળ આવી શકાય? સ્ત્રી એનું શોષણ ઘણીવાર જાતે થવા દે છે કારણ સમાજ એવું ઈચ્છતો હોય છે. સ્ત્રી શોષણ થયા પછી લાંબો સમય કે આખી જીંદગી ચૂપ રહેતી હોય છે કારણ સમાજ એવું ઈચ્છતો હોય છે, સમાજે મૂલ્યો જ એવાં ઘડ્યાં છે.
ચાલો મી ટુ તો આજે આવ્યું. ૫૦૦૦ વરસ પહેલાં દ્રૌપદીએ ભરી સભામાં મી ટુ કરેલું તો આપણે એને અનાવૃત કરી નાખેલી. દર વખતે કૃષ્ણ નવરો નથી હોતો કે એ અનાવૃતને એનો ઓવરકોટ એઢાડી સાંત્વન આપે.
૫૦૦૦ વરસ થયા ગીતા વાંચી આપણામાં કોઈ ફરક પડ્યો નથી આજે પણ આપણે દુશાસનને સારો કહેવડાવીયે છીએ. દુશાસન વોઝ લીટલ ગુડ બોય એણે ખાલી કપડાં જ ઉતારેલા આપણે તો યોનિમાં લોખંડના સળીયા ભોંકીયે છીયે. દ્રૌપદીતો પુખ્ત પરણેલી હતી આપણે તો ? ફક્ત સુરત પોલિસ વિસ્તારમાં નવ મહિનામાં ૧૨ બાળકીઓની યોનિઓ ચૂંથી કેટલીકને મારી નાખી છે બાકીની મોત માંગે છે. પોલીસ અને સરકાર ઊંઘે જ છે.
આવી અને ગાંમડાની લાખો સ્ત્રીઓને મી ટુ કે ગુગલની ખબર નથી, ફેસબુક કયા ખેતરનું નિંદામણ છે, ખબર નથી. અરે બલાત્કાર થાય એ ગેરકાનૂની કહેવાય તેની પણ સમજ નથી. એમને તો આ નિયતી કહેવાય, ભોગવવું પડે..
૯૭ વકીલોની સેના લઈને ભોગલેઆઝમ અકબર એમના ઉતારેલા નપુસંક જાંઘીયાની પત રાખવા રણે ચડ્યા હોય સેલેબ્રીટી કહેવાય એવી માનૂનીઓ સામે ત્યાં સામાન્ય સ્ત્રીનું શું ગજુ કે ગામના સરપંચ સામે પડે?
તમે મૂલ્યો જ એવા ઊભા કર્યા છે કે શરીર ના સોપે તો ટીવી સિરીયલ બંધ કરી દો. શરીર ના સોપે તો એની કેરિયરની પત્તર ઝીંકી નાખો. નોકરીમાંથી કાઢી મૂકો હેરાનપરેશાન કરી મૂકો તો એ ક્યાં જાય? એ જ્યાં જશે શરીર તો બધા માંગવાના જ છે. ખેતરમાં મજૂરી કરવા જાય? ત્યાં પણ ખેતરના માલિક કપાસમાં ઢસડી જશે.
દર બેમાંથી એક બાળક છોકરો હોય કે છોકરી એનું જાતીય શોષણ થાય છે અને આખી જીંદગી મી ટુ કર્યા વગર ચૂપ રહે છે તો શું એ લોકો મજા લેતા હતા એમની સંમતી હતી એવું માનશો ? સોચો જો બ્રેનમાં ન્યુરોન્સ બચ્યા હોય તો.
ગુગલ મહાશયે જ્યાં જ્યાં મી ટુ બહુ સર્ચ થતું હોય તે જગ્યા, વિસ્તાર, શહેરોને વિજળીના ચમકારે મોતીડા પરોવી નકશો પ્રકાશીત કર્યો છે. અમેરિકા યુરોપ છોડો, એમના ચણાય નો આવે એ મીટુ નામની વિજળીને ચમકારે ભારત ઝળહળી રહ્યું છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા એવો દંભ કરી ક્રાઈમ અગેઈનસ્ટ વીમેનમાં સર નંબર લાવી મીટુ વીજળીના ચમકારે ભારત આખી દુનિયામાં ઝળહળી રહ્યું હોય તે ગર્વ લેવા જેવી બાબત તો નથી જ. :- ભૂપેન્દ્રસિંહ રાઓલ..
A anger of ROYAL BLOOD See in your acidic writting
LikeLike